અંત વેદનાઓનો… સુખદ સંવેદનાઓ

 

અંત વેદનાઓનોસુખદ સંવેદનાઓ () વિજય શાહ

Posted on October 25, 2014 by vijayshah

 

વહેલી સવારે સામાન્ય રીતે હ્યુસ્ટન નો એ વિસ્તાર સુમસામ હોય છે . દીર્ઘ તે રાત્રે તેના મિત્રને મળીને પાછો આવતો હતો.પાછળથી  ટ્રકે તેને ટક્કર મારી ત્યારે હજી કંઇ સમજે તે પહેલા તે એરબેગ ખુલી જવાને કારણે ગુંગળાયો. ડ્રાઇવર સાઇડનું બારણું ખોલવા મથ્યો. ના ખુલ્યું તેથી ઝાટકો મારીને તે પેસેંજર સાઇડ ઉપર નીકળ્યો ! હજી બે પગ બહાર કાઢ્યા, ત્યાંતો પાછળ આવતી એઈટીન વ્હિલર દીર્ઘનાં સમગ્ર શરીર ને હવામાં ઉડાડી ધસમસતી નીકળી ગઈ. દીર્ઘનાં શરીરનાં છિન્નભિન્ન થયેલા અંગો હાઇવે ૨૯૦ ઉપર વિખરાયેલા પડ્યા હતા. સમગ્ર ઘટના જોનારા ડ્રાઇવરે ૯૧૧ ઉપર ફોન કરી જણાવ્યું, “હીટ એન્ડ રન “ ના કેસમાં એક માણસનું શરીર હાઈવે પર તરફડી રહ્યું છે !

ફોન ડીસ્કનેક્ટ થયો. સાયરન વગાડતી બે પોલીસ કાર સડસડાટ ઘટના સ્થળે પહોંચી ગઈ . ટ્રાફીક જામ થવાની શક્યતા જોતા પોલીસે જ્યાં ગાડી  પડી હતી તે લેન બંધ કરી. મૃતદેહને એમબ્યુલન્સમાં મુકાવ્યો. હીટ અને રનના કેસમાં સામાન્ય રીતે ટ્રાફીક તરત  ખુલી જાય. એમબ્યુલન્સ નોર્થ મેમોરિયલ  હોસ્પીટલ તરફ જઈ રહી હતી. સાર્જંટ ડેવીસ ડીમેલોએ ટોટલ થયેલી કારનો હવાલો ટો ટ્રક વાળાને આપતા કાર મોકલવાનું સરનામું આપ્યું. મરનાર નું નામ હતું, દીર્ઘ પરીખ. પોલીસ રેકોર્ડમાં તે કાર ને ફ્રાય રોડ ઉપર આવેલી બ્લુમુન સ્ટ્રીટ ઉપર પહોંચાડાવાનો આદેશ આપી તેને ઘરે ફોન લગાડ્યો. ઘડીયાળ સવારનાં સાડાત્રણ દર્શાવતી હતી

ઝબકીને જાગી જઈ ઉંઘ ભરેલા અવાજમાં સમીરે (પપ્પાએ) ફોન ઉઠાવ્યો, ત્યારે સાર્જંંટ ડેવીસે પુછ્યુ .

”.Is Dirgha Parikh your son?”

“ Yes, ls every thing alright?”

“ I am afraid, he is involved in an accident and has been transferred to North Memorial Hospital on fry road.” Please come and see me. My name is Devis De’melo.”

પાછળ મમ્મી નો રડવાનો અવાજ આવતો હતો.” દીર્ઘને શું થઈ ગયું?”

દ્રષ્ટી ને ઉઠાડ્યા વિના બંને પતિ પત્ની નોર્થ મેમોરીયલ હોસ્પીટલ પહોંચ્યા ત્યારે સવારના ચાર વાગી ગયા હતા. દીર્ઘ ઇમર્જન્સી વૉર્ડમાંથી બહાર ખસેડાતો હતો. તેના શરીર ઉપર ઠેર ઠેર પાટા હતા. તેનો શ્વાસ ચાલુ હતો. જે લેવામાં તકલીફ પડતી હતી તેથી ઓક્સીજનનો બાટલો સાથે હતો.

સાર્જંંટ ડેવીસે ઈનશ્યોરન્સ કંપની ને  જાણ કરી દીધી. કેટલાક કાગળીઆ પર સહી કરતા ઇનફર્મેશન   લેનારે  પૂછ્યું,  થયું છે શું? ત્યારે શક્ય તેટલી સ્વસ્થતા લાવતા ડેવીસ બોલ્યો, હાઈવે પર ‘હિટ એન્ડ રન’ નો કેસ છે. ડ્રાઇવર તેને પાછળથી ટક્કર મારીને ભાગી ગયો છે. વધારે માહિતી પર્સન  ભાનમાં આવે ત્યારે મળે !

શ્વાસોશ્વાસ ચાલુ હતા.  મશીન ધીમી ગતિએ તે નોંધતું હતુ.

ઘરે ફોન કરી દ્રષ્ટી ને ઉઠાડી. તેને અકસ્માતની જાણ કરી. દીર્ઘ ગંભીર છે એવું જાણતાં  એણે પોક મુકી. અ ર ર ર, આ શું થયું? હિંમત ભેગી કરીને પપ્પાને ફોન ઉપર  પુછ્યુ. “પપ્પા શું કરું? ત્યાં આવું? નાના અભિ અને બીજલને કોની પાસે મુકું ?

પપ્પા કહે,’  ના આવવાની જરુર હશે તો તને ફોન કરીને બોલાવીશું, પણ મમ્મી ખુબ રડે છે. અમદાવાદ ફોન કરીને તારા પપ્પા અને મમ્મીને જણાવી દે.’

“  પપ્પા દીર્ઘને બહું વાગ્યુ છે? તે ભાનમાં તો છે ને? ”

“ હા બેટા! આખુ શરીર જે રીતે ભીંસાયુ છે, તે જોતા હવે ઉપરવાળા ઉપર  આશ છે.’

“ હેં ?”

‘હા, બેટા !”

પપ્પાને રડતી દ્રષ્ટીનાં હીબકા સંભળાતા હતા.  ત્યાં અચાનક મશીન બંધ થઈ ગયું અને પપ્પાનો નિઃસાસો પડ્યો. ”અરરર મારો દીર્ઘ, હ્રસ્વ થઇ ગયો”

“ પપ્પા, પપ્પા,  શું થયું? દ્રષ્ટી પુછતી રહી અને ફોન કપાઇ ગયો.

પપ્પાથી એક ડુસકું ભરાઇ ગયું, તેમનો મોટૉ પુત્ર દીર્ઘ ૩૫ વર્ષનો આજે તેમને રઝળાવીને ચાલ્ય ગયો હતો. બીજી બાજુ જાગૃત મન એમ કહેતું હતું, કે આ સમય જ કસોટી નો છે. રીટાયર થવાના સમયે ફરીથી કામે વળગવું પડશે! ‘સમીર,  તું હજી ૬૨નો છે. અહીં  અમેરિકામાં લોકો આરામથી ૭૦ વર્ષ સુધી કામ કરે છે. ‘ લીનાએ   ( મમ્મીએ) સમીરને ડુસકું ભરતા જોયો અને મશીન  બંધ જોયુ એટલે તેને અંદાઝ આવી ગયો. મોટેથી બુમ પાડી, “Nurse , please look at this machine. seems like it stopped ‘.   સમીર! કંઇ કરો, દીર્ઘનું મશીન બંધ પડી ગયું કે શું ?

સમીરે, પોતાની આંખોમાં ઉમડતા આંસુને રોકતા કહ્યું. ” લીના! તે હવે નથી.”

“હેં” કહેતા લીના ફસડાઇ પડી.

અમેરીકા આવે દસ વર્ષ થઇ ગયા હતા. નાનું મિત્ર વૃંદ હતું. કિશોર નાયક, બદ્રીપ્રસાદ અને પ્રદીપ પટેલ. બધા  લીકર સ્ટોરના માલિક એટલે તેમની વાતોનો વિષય એક, લીકરમાં આવેલી ડીલ, ક્રિકેટનો  સ્કોર અને ભારતનું પૉલીટીક્સ. અમેરીકામાં જે ખુરશી ઉપર હોય  તેની નીતિઓને ખુલ્લે આમ વખોડવાની. આ તેમનો સમય પસાર કરવા માટે ચર્ચાનો વિષય રહેતો.

સમીરે કિશોરને ફોન કર્યો. ત્યારે કિશોર પણ ભર ઉંઘમાં  હતો. તેને જગાડીને માઠા સમાચાર આપ્યા અને કહ્યું,’ દ્રષ્ટી એકલી છે. પૂર્ણ રાતની પાળીમા હશે, બીજલ અને નાનો અભિ સુતા હશે. તું મારે ત્યાંથી બધાને તારે ત્યાં લઈ જા.  પૂર્ણ પણ સીધો અંહી આવશે.  દીર્ઘનાં મૃત દેહને હવે ઘરે નહી લવાય તેથી અમે અંહી રોકાયા છીએ’ !

મૃત દેહ શબ્દ સાંભળી કિશોર ઝબકી ગયો.” અલ્યા સમીર શું કહે છે, ફરી બોલ. મારું તો હજી તું કહે છે એ સઘળું ઉંઘમાં જાય છે.” સમીર સહેજ રડમસ અવાજે ફરી બોલ્યો “ મારો દીર્ઘ હવે નથી રહ્યો. તે હમણાં અકસ્માતમાં ‘ અને તેના થી ડુસ્કું ભરાઇ ગયું.

કિશોર હવે સંપૂર્ણ જાગી ગયો હતો. તે ઝડપથી તૈયાર થઈને ગાડી લઈને બાજુનાં સબ ડીવીઝનમાં સમીરને ત્યાં પહોંચ્યો. તેની પાછળ જ પૂર્ણ પણ આવી ગયો હતો. ઘરમાં દાખલ થતાં, દ્રષ્ટીને પૂર્ણે કહ્યું “ભાભી! દીર્ઘભાઇ નથી રહ્યા.”

જાણે આ વાત તેને સંભળાતી ના હોય તેમ ,  દ્રષ્ટી અવાચક બની બેસી રહી.

મોટો આઘાત હતો, જેને માટે તે તૈયાર ન હતી.  કિશોર અને તેની પત્ની રેખાએ બન્ને ઉંઘતા બાળકોને હાથમાં લીધા. બીજલ ૩ વર્ષની અને અભિ ૯ મહીનાનો. પૂર્ણ જરા મોટે થી બોલ્યો, ભાભી તમે કિશોર કાકા  અને બાળકો સાથે તેમના ઘરે જાવ! ઉંઘમાંથી જાગતી હોય તેમ તે બોલી, “પણ કેમ? પપ્પા આવે પછી હું જઈશ.”

કિશોરકાકાએ ઇશારો કરી પૂર્ણ ને કહ્યું,’ દ્રષ્ટી ભલે રહી અમે આ ભુલકાઓ ને લઈ જઈએ છીએ’.

ફોનની ઘંટડી વાગી અમદાવાદથી ફોન હતો. દ્રષ્ટીએ  વાત કરી “ દીર્ઘ આઈ.સી .યુ.માં છે. પપ્પ્પા આવે ત્યારે ખબર પડે. તેના મમ્મી ફોન ઉપર સાંત્વના આપવા મથતા હતા. દ્રષ્ટીની આંખોમાં ઝળઝળીયા આવતા હતા. પૂર્ણે ફોન હાથમાં લઇને કહ્યું “ દીર્ઘભાઇ રહ્યા નથી. દ્રષ્ટી ભાભી આઘાતમાં છે. પપ્પા આવીને તમને ફોન કરશે”

દ્રષ્ટી  ફોન ઉપરની વાત સાંભળી ફરી બડબડી. “તેમને કંઇ  થવાનું નથી. તમે ખાલી ખાલી મારા પપ્પાને ડરાવો નહીં !”

“ ભલે ભાભી, તમને ઉંઘ આવે છે? તમે તમારા રૂમમાં જઈને સુઈ જાવ”. પૂર્ણને પણ રડવું હતું. આખરે તેણે પણ તેનો મોટો ભાઇ ખોયો હતો ! પૂર્ણ, પપ્પાના અને મમ્મીનાં સર્વ મિત્રોને ફોન કરવામાં બીઝી થઈ ગયો. ચાલુ દિવસ હતો બધા મિત્રો દિલાસોજી બંધાવતા હતા. દ્રષ્ટી  હવે જાગૃત થઇને સભાન પણે પૂર્ણ ની વાતો સાંભળતી હતી. પૂર્ણ ની આંખોમાં આંસુ જોઇને તેણે પુછ્યુ પણ ખરું,” દીર્ઘનાં કંઇ સમાચાર આવ્યા?”

કરૂણા સભર આંખે તે ફરી એક વાર બોલ્યો “ ભાભી, ભાઇ હવે નથી રહ્યા.” દ્રષ્ટીને તાણ આવી અને બેભાન થઈ ગઈ . તેનું મન હજી સ્વિકારતું નહતું કે દીર્ઘ નથી. તે સતત માથુ હલાવતી હતી. નકારત્મક આ વલણો ને શાંતિ તેને ત્યારે મળ્યા જ્યારે  તેણે દીર્ઘનો પોતાની નજર સમક્ષ મૃતદેહ નિહાળ્યો !

ધીમે રહી તેના મૃત દેહને નિહાળી, દ્રષ્ટી તેને આલિંગનમાં જકડી  ખુબ રડી.  મમ્મીને કહેતી,” મમ્મી ના રડો, દીર્ઘને સારુ થઈ જશે. એ તો થાકેલો છે ને, એટલે સૂતો છે !”

સવાર થઇ ચુકી હતી. દ્રષ્ટીને રડતી જોઈ રહ્યા ! પૂર્ણ અને સમીરને તેઓના મિત્રો છાના રાખતા હ્તા. લીના ને પણ કોઇ આમ જ સમજાવતું હતું. ” જનાર તો ગયો હવે તેની પાછળ કંઇ આપણે જવાનું નથી”

ભાઇબંધો અંતિમ ક્રિયા કરી રહ્યા હતા. દેહને પવિત્ર કર્યો. નવા વસ્ત્રો સુટ, બુટ, ટાઈમાં સજ્જ કર્યો.  દીર્ઘના  મૃતદેહને ગંગાજળ છંટાઇ રહ્યુ હતું. તેના છેલ્લા દર્શન કાજે  સમીરે સૌને ભેગા કર્યા. વ્યુઈંગ બે દિવસ પછી રાખ્યું હતું. ત્યારે પણ દ્રષ્ટીનું  વર્તન અલગ હતું. તેને બહુ જ નવાઇ લાગતી હતી. તે વિચારતી હતી “આ લોકો આવું બધું કરીને દીર્ઘની ઉંઘ  શામાટે બગાડે છે ?”

બંને ભુલકાંઓને લીના બહેને પગે લગાવડાવ્યા. બે દિવસ પછી બરાબર નવને ટકોરે ફ્યુનરલ માટે લઈ ગયા. જુવાન જોધ દીર્ઘ આમ એકાએક વિદાય પામ્યો. ફ્યુનરલ માટે ઘણું માણસ આવ્યું હતું. વ્યુઈંગ્થી ક્રિમેશન સુધી તેને ખભે ઉંચકીને લઈ ગયા. દ્રષ્ટી હજુ જાણે બેભાનપણામાં ચાવી દીધેલ પુતળીની માફક ક્રિયા કરી રહી હતી.  અંતે દીર્ઘનો પાર્થિવ દેહ ઈલેક્ટ્રિક ભઠ્ઠીમાં નામશેષ થઈ ગયો !

સમીર બોલ્યો, “ આ દસ હજાર માઇલની દુરી. આ વતન થી દૂર રહેવાની સજા આવા વખતે બહું જ ભારે પડે.”

પૂર્ણ કહે, “ પપ્પા ડોલરનાં એકનાં સાહીઠ થાય ત્યારે સારું લાગે પણ આવા સમયે જ્યારે એકલા પડીએ ત્યારે સમજાય કે દેશ એ દેશ છે અને વિદેશ એ વિદેશ છે.એ જન્મ ભૂમી છે અને આ કર્મ ભૂમિ.”

ત્રીજે દિવસે  સમીરે, ૩ લાખનો દ્રષ્ટીના નામે ચેક મેલમાં જોયો. ત્યારે તેનાથી બોલાઇ ગયું “ આ તે ગજબનો દેશ છે. ન કોઇ કાગળીયા કે ન કોઇ આગોતરી રસીદ અને ૩ લાખ ડોલરનો ક્લેમ હાથમાં. સાથે કેટલીક ટીકા ટીપ્પણીઓ અને બંને બાળકો માટે શોસ્યલ સીક્યુરીટીના ફોર્મ હતા. સાંજે ઇન્સ્યોરંસ કંપનીના  એજંટ નો ફોન આવ્યો, દિલાસોજી આપી અને કંઇ કામ હોય તો જણાવવા માટે ફૉન નંબર આપ્યો.

દ્ર્ષ્ટી હજી સુનમુન બેસી રહેતી.  તેને કરવાનું બીજલ અને અભિનું કામ કરતી. બાકી મોટા ભાગે રૂમમાં જ રહેતી. તેને શૉક લાગ્યો છે ,તેમ સમજીને લીના બહુ વાત ન કરતી. તેથી સમીરે દ્રષ્ટીના પપ્પ્પાને અમદાવાદ ફોન કરીને કહ્યું. દ્રષ્ટીને પૂર્ણ સાથે અમદાવાદ મોકલું છું. તેને સ્વિકારવું રહ્યું  કે દીર્ઘ હવે નથી.

ફોનનો સામે નો છેડો સ્તબ્ધ હતો.  બે ચાર ડુસકા પછી અવાજ આવ્યો. ” અમે ત્યાં આવવાના વિઝા માટે એપ્લાય કર્યું  હતું તે મળી ગયા છે. તેથી મમ્મી અને પપ્પા આવે છે.”

“ ભલે તે તો બહું સારું,  હું ટીકીટ મોકલાવું?”

“ ના લેવાઇ જશે  કે તરત જાણ કરીશું”- દ્રષ્ટીનો વહાલો નાનો ભાઇ બહુ લાગણી્શીલ હતો.

 

 

અંત વેદનાઓનોસુખદ સંવેદનાઓ() વિજય શાહ

Posted on December 10, 2014 by vijayshah

અઠવાડિયામાં દ્રષ્ટીના, પપ્પા રોહિતભાઈ અને મમ્મી સ્વાતી બહેન હ્યુસ્ટન આવી પહોંચ્યા. ત્યારે ઘરે જતાં ગાડીમાં  લીનાબહેને વ્યથિત સ્વાતિ બહેન ને કહ્યું, “ દ્રષ્ટીને ડોક્ટર મિસ્ત્રિને બતાવી .  તેમના મત પ્રમાણે ‘ ‘આવા કેસમાં દ્રષ્ટીનો દીર્ઘનાં મૃત્યુનો સ્વિકાર ખુબ  જરુરી છે’. તે  માનવા જ તૈયાર નથી કે દીર્ઘ નથી. આ આભાસી નકારાત્મક્તા તેને ગાંડપણ તરફ કે ઊંડા માનસિક તણાવો તરફ લઇ જશે !’

“ લીના બહેન તમે જ કહો અમે શું કરીએ.”

“ કરવાનું તો એ  છે કે તે જે ઊંડી નકારાત્મકતા તરફ વળી ગઈ છે, તેમાંથી તેને પાછી લાવવાની છે.”

સમીરે વાતને આગળ વધારતા કહ્યું કે, “ જુઓ અમે તો એવું માનીએ છે કે માનવ મન પોતાના માણસો પાસે ખુલી જતું હોય છે. તેણે પતિ ખોયો છે તો અમે પણ દીકરો ખોયો છે. અને જીઆ અને અભી તે અમારી પણ જવાબદારી છે જ.”

“ સ્વાતિબહેન તમે બહુ સમજ્થી કામ લેજો. મેં દ્રષ્ટીને જે  રીતે છેલ્લા પાંચ વરસમાં જોઇ છે તેનાથી તે સાવ ભિન્ના જણાય છે.  આ તેનું બાઘા ચકવા જેવું બની જવું તે ખુબ જ સંવેદનશીલ હોવાની નિશાની છે.  વળી બાળકો નાના છે અને ઘણા કામો કરવાના છે.”

રોહિતભાઇએ વાતની ગંભિરતા સમજતા કહ્યું “ અમે અમેરિકા દોડી આવ્યા તેનું  આ જ  મુખ્ય કારણ છે. “

ગાડીને સબડીવીઝનમાં દાખલ કરતી વખતે સમીરભાઇ બોલ્યા “ અત્યારે તમને લોકોને જોઇને તે કેવું વર્તન કરશે તે ખબર નથી પણ હવે તેણે વાસ્તવિકતા સ્વિકારવી જ રહી.”

રોહિતભાઇએ સધિયારો બંધાવતા એટલું જ કહ્યું આપણે સાથે રહીને પ્રયત્ન કરીશું તો તે જરૂર સહજ બનશે.”

ઘરનું બારણું ખુલતાં જ નાની બીજલ બહાર આવી અને નાનીમા ને વળગી પડી.

બેગો બધી ઉતરી અને ઘરમાં દાખલ થયા ત્યારે દ્રષ્ટીની  આંખો એજ શુન્યમનસ્ક રીતે દીર્ઘનાં ફોટાને જોઇ રહી હતી. સમીરે બુમ પાડીને કહ્યું દ્રષ્ટી ! “જો તો કોણ આવ્યું છે?”

તંદ્રામાં થી જેમ કોઇ જાગે તેમ તેણે આવનારા મહેમાનો સામે જોયું બે પાંચ ક્ષણો એમને એમ પસાર થઈ ગઈ અને દ્રષ્ટી  બોલી, ” અરે પપ્પા મમ્મી તમે અહીં ? દીર્ઘની ખબર કાઢવા આવ્યા છો ને?

રોહીતભાઇ બોલ્યા, “ હા બેટા  તારી પણ ચિંતા થતી હતી તેથી આવી ગયા.”

“ મને તો કંઇ જ નથી થયું પણ દીર્ઘને બહુ વાગ્યું છે. પપ્પા, આ અમેરિકામાં તો તેને આઇ.સી.યુ. માં મળવા પણ ન જવાય.”

સ્વાતીબહેનથી ડુસકું મુકાઇ ગયુ.

“ મમ્મી, હું પણ તારી જેમ જ બહુ ઢીલી છું. પણ દીર્ઘ મને રોજ રાત્રે હોસ્પીટલમાંથી મળવા આવે છે તેથી આપણે તેની ખબર સાંજે કાઢીશું.”

સમીર કહે, “ ભલે હમણા તમે લોકો નહાઇને સ્વસ્થ થાવ. સાત વાગે પ્રાર્થના રાખી છે”. પૂર્ણ, રોહીતભાઇ અને સ્વાતિ બહેનને તેમના રૂમમાં લઇ ગયો.

“ પપ્પા હું તેમને લઇ જઉં છું” દ્રષ્ટી બોલી.

ઉપરનાં ગેસ્ટરૂમમાં જતા દ્રષ્ટી એક જ વાત કરતી હતી.  “દીર્ઘને બહુ વાગ્યુ છે.” જાણે ઘડીયાળ તે રાતની અટકી ગઇ છે.  ત્યાર પછી ઘણી ઘટાનાઓ ઘટી છે. દ્રષ્ટી દીર્ઘ સિવાયની દરેક ઘટનાઓનો જાણે ભાગ જ નથી. અને તે જે વિચારે છે તે જ સાચુ છે.

બીજી બધી ઘટનાઓ અને વાતો ઉપર નાના મગજે કબજો લીધો છે. દીર્ઘ, મોટા મગજમાં સ્થિર છે. સમીરે આ બધી વાતોની વિગત ડો મિસ્ત્રી્ને જણાવી. ત્યારે ડૉ મિસ્ત્રી ભાર પુર્વક કહેતા હતાં, તેણે વાસ્તવિકતામાં આવવું જ પડશે.  દ્રષ્ટીએ સ્વિકારવું જ પડશે કે દીર્ઘ હવે નથી !

બંને માબાપો ડોક્ટરને ફરીથી  મળ્યા ત્યારે બહુ લાંબી ચર્ચાને અંતે દ્રષ્ટીને દવાઓ અને સારવાર હેઠળ રાખવાનું નક્કી થયું. દ્રષ્ટીને દીર્ઘની જ કંપનીમાં નોકરી મળી ત્યારે તે કંપનીમાં તબીબી સારવાર ની ચર્ચામાં કોઇ વાંધો આવ્યો નહીં.

આખા ઘરે દીર્ઘની ગેરહાજરી સ્વિકારી લીધી હતી. ખાલી તે જીવતો હતો દ્રષ્ટીના બેડ રૂમમાં. આખો મહિનો બંને માબાપોએ દ્રષ્ટી ને કદીક હસતી અને કદીક રડતી, તો કદીક લઢતી  સાંભળી. આ રોગ છે અને તેનું નિદાન સમય જ છે .સારવાર છે પણ આડકતરી જે રોગની નહીં પણ તેની સંભવીત આડ અસરોને દુર કરે છે.

દિવસ દરમ્યાન સાવ સહજ અને સાધારણ લાગતી દ્રષ્ટી રાત્રે એકાદ કલાક આવું સહ્ય તોફાન કરે છે . તે સમય જતા મટી જશે તેવી આશા સાથે . દીર્ઘને ભુલાવવાનું શક્ય તો નહોંતુ. પણ પ્રભુનો ન્યાય  ના ઉવેખાય ! દ્રષ્ટીની હાજરીમાં દીર્ઘની વાત ના થાય તેનું ધ્યાન રાખતાં.

દ્રષ્ટીના માતા પિતા કેટલો સમય રોકાઈ શકે? માતાએ  સુંદર શિખામણો આપી દીકરીને પાંખમાં લઇ સમજાવી. ત્રણ મહિના હ્યુસ્ટન રહ્યા. પિતાજીએ દીકરીને આશ્વાસન આપ્યું. જ્યારે મન થાય ત્યારે દીકરી બાપને ઘરે આવજે. તારા કાજે બાપનું ઘર અને દિલ બન્ને વિશાળ છે. દિવસ દરમ્યાન દ્રષ્ટીની વર્તણૂક  જાણે સાધારણ લાગે. સાડા છએ દીર્ઘનો આવવાનો રોજનો સમય. દ્રષ્ટીનું રૂપ બદલાઈ જાય. સરસ રસોઈ બનાવે. દીર્ઘને શું ભાવે તેનો વિચાર કરે. ફ્રીઝમાંથી બધું કાઢીને તૈયાર કરે. બાળકોને પ્રેમથી જમાડે. બન્ને માતા અને પિતાને પ્રેમે ખવડાવે,

મમ્મી હું મારું અને દીર્ઘનું ડીનર લઈ જાંઉં છું, બેડરૂમમાં જમીશું.  કહી પ્લેટ ભરીને ચાલવા માંડે. રૂમમાં જઈ બારણાં બંધ કરી ,હસવાનું ચાલુ થાય. મીઠી મીઠી વાતોના બહાર પડઘા પડે. બાળકો તો વહેલા સૂઈ જાય પણ બહાર પેરન્ટસના દિલમાં ધ્રાસકો પડે. કોઈ ઈલાજ જણાતો ન હતો.

આઘાત એટલો તેજ હતો કે જેની તીવ્રતાનો અંદાઝ લગાવવો મુશ્કેલ. છતાં દિવસ દરમ્યાન દ્રષ્ટીને જોઇએ તો સાવ સામાન્ય લાગે. મમ્મી આજે હું અને દીર્ઘ સિનેમામાં જવાના  છીએ.બાળકો ત્મારા રૂમમાં સૂઈ જશે.

બિજલ અને અભીના કેવા સુંદર બેડરૂમ  કર્યા હતા. દીકરીનો રૂમ આખો પિંક અને દીકરાનો બ્લ્યુ. રૂમ માત્ર કહેવાના હતા. રાતના બન્ને જણ મમ્મી અને પપ્પાના બેડરૂમમાંજ હોય! તેમના રૂમમાં સ્ક્રિન વાળા નાના મોનિટર  હતાં. દીર્ઘ અને દ્રષ્ટી બેડરૂમમાંથી કે કિચનમાંથી તેમની હિલચાલ પર નજર રાખી શકે. દીર્ઘ અને દ્રષ્ટી બન્ને જોબ ઉપર હોય ત્યારે નેની બાળકોની કેવી સંભાળ લે છે તેના પર નજર રહે .

તે દિવસે નાની બિજલ રાત્રે જાગી ગઇ ” મમ્મી મમ્મી કરતી રડવાનું શરુ કર્યુ અને દ્રષ્ટી નીચે આવીને બીજલ ને ચુપ… ચુપ રહે એવો ઘાંટો પાડ્યો ત્યારે તેની ચકળ વકળ આંખો જોઇને લીના બહેન ડરી જ ગયા. આ માન્સિક તણાવ દ્રષ્ટીને ગાંડી તો નહીં કરી નાખે તેવી ભીતી તેની રગે રગમાં દોડી ગઈ પણ પરિસ્થિતિને કાબુમાં રાખવા તે હળવેક થી બોલ્યા..”દ્રષ્ટી બિજલ બહુ ડરી ગઈ છે..તું આજે તેની સાથે રહે.”

” પણ મમ્મી દીર્ઘ?”

” હું દીર્ઘને સમજાવી દઉ છુ અત્યારે બિજલને સાચવવાની જરુર છે.”

” ભલે મમ્મી કહેતા કહેતા તો તેની આંખો ભરાઇ આવી.” તેને તે ગમ્યુ નહોંતુ.. પણ મમ્મી ને ના કેવી રીતે કહેવાય?

બિજલ તો કલાકેક માં સુઇ ગઇ અને દ્રષ્ટી સંમોહિત અવસ્થામાં દીર્ઘની પાસે જઈ ને કેટલું ય રડી…

સમીર અને લીના પ્રભુનાં ન્યાયને જોઇ રહ્યા હતા.. જુવાન જોધ દીકરો વધતી ઉંમરે ટેકો બનવાને બદલે અત્યારે નિઃસહાય થઇને દીકરાની વહુનાં નિઃસાસા સાંભળી રહ્યા છે.

 

વેદનાનો અંત સુખદ સંવેદના () વિજય શાહ

Posted on March 12, 2015 by vijayshah

આમ તો નવી નોકરી ઘરકામ અને છોકરાઓમાં દિવસ નીકળી જતો, પણ રાત્રે જ્યારે બધા હિંદી શો પુરા થઇ જાય અને દ્રષ્ટીનું આભાસી સ્વર્ગ  જીવન શરુ થાય..

“દીર્ઘ તને ખબર છે આજે પેલા જયંતે જોસેફી સાથે ફ્લર્ટ કરવાનો પ્રયત્ન કર્યો. પણ જોસેફી સહેજ પણ ના ડરી કે ઝુકી. ચોખ્ખી ના કહી દીધી.. મને તારામાં કોઇ જ  રસ નથી. જયંતનું મુખ તો જોવા જેવું હતું. તું કહે છે ને કે ઉતરેલી કઢી જેવું. બે ત્રણ મીનીટ નાં મૌન પછી પાછી બોલતી કે જોસેફી એ આવું નહોતું કરવા જેવુ? દીર્ઘ તને ખબર છે જોસેફીને સુપિરિયારિટી કોમપ્લેક્ષ છે. ખરેખર જયંતભાઇ તેને સાચા મનથી ચાહે છે.

થોડી સમયનાં મૌન પછી ફરી એજ બડબડાટ..” પણ દીર્ઘ કંપની આ વર્ષે બોનસ આપશે જ.. નફો બમણો થયો છે. ખબર છે?”

શરૂ શરુમાં સમીર અને લીના બહુ અકળાતા પછી ધીમે ધીમે સ્વિકારી લીધું કે આ બડ બડાટ તેના રૂમ સુધી અને રાતનાં એકાદ કલાક સુધી છે તો તેમણે આંખ આડ કાન કર્યા.

એ એનું જીવન જીવતી હતી. પણ આ આભાસ જ્યારે તુટશે ત્યારે શું? ડૉક્ટર કહે નાના સંતાનો નાના છે ત્યાં સુધી તો ઠીક છે.. પણ જ્યારે સમજણા થશે ત્યારે શું?

અકસ્માત વિમાનાં ત્રણ લાખ આવી ગયા અને તે પણ દ્રષ્ટીનાં બા બાપુજી ની સંમતિ થી સમીરે મ્યુચ્યુઅલ ફંડમાં રોકી દીધા પણ ત્રણ લાખમાં બે છોકરા સાથેનું જીવન કેમ જશે? જિંદગી તો ઘણી લાંબી છે..ક્યારેક સમીર લીના ને કહેતો પણ ખરો કે બે છોકરા સાથે આટલી મોટી ઉંમરે તેને લે પણ કોણ? તે દુઃખની સામે આ તંદ્રા પ્રમાણમાં હળવું દુઃખ છે.

હ્યુસ્ટન રહે તો મકાન છે નોકરી છે પણ નાદુરસ્ત તબિયત સાથે અમેરિકામાં રહેવું શાપ છે. અને સંવેદનશીલતા વહેવારીક જગતમાં કંઇ કેટલીય ઉપાધી લાવી શકે. ડોક્ટરનું માનવુ એવું સ્પષ્ટ પણે હતું કે જેમ સમય વધતો જશે તેમ તેનો રોગ કાબુમાં આવી જશે. દવા તેને ઉંઘ આપી શકે પણ જ્યારે તે લે ત્યારે

લીના વાતો વાતો માં બોલી ગઈ પણ ખરી કે ઘરમાં સાપ રહેતો હોય તો નિરાંતે નિંદર કેવી રીતે આવે? કઈ મીનીટે ખસકી જાય તે કેવી રીતે જણાય.

નાની બીજલ આ સાંભળતી હતી. તેણે દાદીને પુછ્યુ..”કોનું કઇ મીનીટે ખસકી જાય દાદી?”

” બીજલ તું હજી નાની છે મોટાની વાતો માં ના પડે તો સારુ.”

” મને એવું લાગેછે કે તમે મમ્મીની વાત કરો છો એટલે પુછ્યુ હતું.”

‘ હા વાત પરિસ્થિતિની છે.તારી મમ્મી જે વિચારે છે અને કરેછે તે બીલકુલ અવાસ્તવીક છે.”

“એટલે?”

” સત્ય એ છે કે દ્રષ્ટીએ પતિ ખોયો છે તો મેં પણ મારો પેટનો દીકરો ખોયો જ છેને? મારું તો લોહી હતું.પણ આવા આઘાત વેઠવા જ રહ્યા..તેનો ન્યાય ના ઠુકરાવાય કે ના ફરિયાદ થાય.”

“પણ બા તમે કે દાદા મમ્મીને કેમ કહેતા નથી?”

” બેટા કહેવાય તેવી રીતે તો કહ્યું જ છે પણ મૃત્યુનો આઘાત ધીમે ધીમે જાય ને?”

લીના જોઇ શકતી હતી કે બીજલ ની આંખોમાં હજી જવાબથી સંતોષ નથી.. તેની સમજાતું નહોંતુ કે મમ્મી અને સાપ બંને વચ્ચે શું સંબંધ?”

તેથી લીના બોલી “તું જરા મોટી થઇ જા એટલે તને સમજાવીશ કે એ વાત શું છે?’

દીર્ઘની જેમ તે લીના ને ટગર ટગર જોઇ રહી અને એ નજરને સમજાવવાનાં પ્રયત્નમાં લીના ફરી દ્રવી ગઈ .

નાનકડી બીજલ બોલી .. જ્યારે જ્યારે પપ્પાની વાત આવે ત્યારે તમે અને મમ્મી બંને રડો છો મને તે ગમતુ નથી.એ રુઆબ જાણે નાનકડો દીર્ઘ કરતો હોય તેવું તેને લાગ્યું..

સમય તેની ગતિએ વહેતો હતો .. સાંજનું તે દ્રશ્ય હવે સામાન્ય બનતું જતું હતું.

તેના રૂમમાં તે શું કરેછે હવે સહજ થતું જતું હતુ..બીજલ મોટાભાગે ત્યારે તો સુઇ જ ગયેલી હોય અને રાત્રીનાં દીર્ઘ સાથે તેણે કરેલી વાતો પછી ડાયરીનાં લખાણો સ્વરૂપે સંગ્રાહાતા જતા હતા.

તે દિવસે લખ્યું

દીર્ઘ

તું આમ કેમ કરેછે? મને સમય કેમ નથી આપતો?

દિવસ તો આખો મારા સૌની સેવામાં જાય. પણ મારો ટાઇમ મને ક્યારે આપીશ? જ્યારે આપણે બંને આપણી જિંદગી જીવતા હોઇએ? મને તો એજ દીર્ઘ પાછો જોઇએ છે  લગન પહેલા હતો તે.. સાવ મીઠડો અને લુચ્ચો..બીજલ નાં જન્મ પછી તું તો સાવ બદલાઇ ગયો છે. હા. મને ખબર છે તું જવાબદાર થઇ ગયો છે. પણ હું પણ તારે ભરોંસે જ અહીં આવી છું ને?

ક્યારેક તો મારી સામે જોઇને લુચ્ચું લુચ્ચું હસને? શું હું હવે તને ગમતી નથી? ચાલ મારા રાજ્જા હું આજે તેજ પોલકા બાંય વાળુ તને ગમતું ગુલાબી રંગનું સલવાર પહેરીશ અને તું પણ પેલા કીરમજી રંગનું ટી શર્ટ પહેરજે..આપણે કાંકરીયાની પાળે નગીનાવાડી પાંસે પેલા ચના જોર ગરમ વાળા પાસે ચણા લઇશું અને પાળી ઉપરથી માછલાઓને ચણા ખવડાવીશું..આવીશને?

દીર્ઘ.. આવી જાને હવે ગમતું નથી..

તને ખબર છે તે દિવસે તો બીજલ હક્ક કરીને મારી સાથે રહેવા માંગતી હતી. મેં તેને સમજાવ્યું કે પપ્પા મોડા આવે અને થાકેલા હોય તેથી તેને ડીસ્ટ્ર્બ ના કરાય.. પણ તે તો ના માની અને ભેંકડો તાણ્યો..બીજલ તારી હેવાઇ છે અને તેથી જ કહું છું મારે માટે નહીંતો બીજલ માટે આવને?

અને હા. પપ્પા મારે માટે ખુબજ ચિંતા કરે છે.. તારો હમણાં ત્રણ લાખનો ચેક આવ્યો હતો. મને સમજાવવા કોઇક અંકલ પણ આવ્યા હતા.. મેંતો કહી દીધું  ” પપ્પજી તમે જે કરશો તે બરોબર જ હશેને? મારે શું સમજવાનું? મમ્મી ક્યારેક મને જોઇ ને ખુબ જ રડે છે હવે તેમને હું કેવી રીતે સમજાવું કે દીર્ઘ છે પછી આવું આક્રંદ શા માટે?

હવે એકાદ અઠવાડીયાની રજા લઈ લે ને? આ જુવાની જાય છે..તું બીજલ્નું બચપણ ગુમાવે છે…

તુ લુચ્ચું હસે છે અને મને કહે છે હું ક્યાં દુર છું? રોજ તો તને મળવા આવુ છુ ને?

ચાલ હવે મને ઉંઘા આવેછે હું સુઇ જઈશ.

ડાયરીને વહાલ થી ચુમીને સુઇ જતા જાણે દીર્ઘને ચુમતી હોય તેવા ભાવો સાથે દ્રષ્ટિ સુઇ ગઇ

*-*

બરાબર પાંચ વર્ષે તેના રૂમ માં થી ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડતી દ્રષ્ટિનાં અવાજોથી સમીર અને લીના જાગી ગયા. દ્રષ્ટિનાં બેડ રૂમ બહાર ઉભા રહી સાંબહ્ળવાનો પ્રયત્ન કરતા ઉભા રહ્યા

અસ્પષ્ટ બડબડાટોમાં એક વાત સ્પષ્ટ આવતી હતી ” આજે તો તારે આખા દિવસની રજા મુકવી જોઇએ ને? આજે તો આપણા લગન જીવન નું દસમું વર્ષ બેસે છે.” પછી ધ્રુસકું અને એજ અસ્પષ્ટ બડબડાટ.

સમીરે લીના સામે જોયું અને લીના કહે ” દ્રષ્ટી કેમ શું છે બેટા? કેમ દીર્ઘ સાથે ઝઘડે છે?”

“આ જુઓને દીર્ઘ રજા લેવાની ના પાડે છે.”

” શાની રજા બેટા?” હળવા પણ સ્પષ્ટ શબ્દોમાં સમીરે પુછ્યુ.

“આવતી કાલે અમારી લગ્ન જયંતિ છે અને એ ભાઇ તો ના ની ના જ ક્રે છે”

“બારણું ખોલ ! હું તેને કહું છું તારુ કહેવું એણે માનવું જ જોઇએને?”

બારણું ખુલ્યું અને દ્રષ્ટિની રડમસ આંખોમાંએક આકળ વ્યાકુળતા હતી. પેલું નાનુ બાળક જીદે ચઢ્યુ હોય તેમ તે તેના રમકડા માટે જીવ ઉપર આવી ગયેલ હતી… રૂમ માં બીજુ કોઇ નહોંતુ ડાયરી ભીની હતી..પેન ડાયરીનાં પાના પકડીને બેઠી હતી.

સમીરે તેની જેમ જ અભિનય કરતા કહ્યું ” દીર્ઘ દ્રષ્ટિની વાત માની જા. બેટા તેને રડાવ ના. સમજ્યો?”

” પણ પપ્પા તમે દીર્ઘની સામે જોઇને કહોને? દીર્ઘ તો આ ઉભો અહીં મારી સાથે.. અને તમે તો ડાયરી ની સામે જુઓ છો.”

લીના એ દ્રષ્ટિને બાથમાં લીધી અને તેને પપાળતા કહ્યું.. “બસ બેટા શાંત થઇ જાવ..અને દીર્ઘ તું પણ શું?

તારી દ્રષ્ત ને રડાવાય? ચાલ પાણી પી લો બંને અને સુઈ જાવ.. સવારે વહેલા કામે જવાનું નથી શું?

દ્રષ્ટિ ફરી બોલી “મમ્મી તમે પણ દીર્ઘની સામે જોઇને કહોને?”

“બેટા તમે બંન્ને આવી રીતે ઝઘડો છે ને તે મારાથી જોવાતું નથી. ચાલ આ દવા લઇ લે અને પાણી પી ને સુઇ જાવ..”

દ્રષ્ટિની ચકળ વકળ આંખો હજી સ્થિર થ્તી નહોંતી તે જોઇને લીના બહુ વહાલથી બોલી “દીર્ઘ મારો ડાહ્યો છે. અમે કહ્યું છે ને તેથી તે રહેશે.

દ્રષ્ટિને ભરોંસો બેસતો તો નહોંતો..પણ એને લાગ્યું કે પપ્પા મમ્મીની વાત માની ને તે રહેશે. તેથી તે મલકી. અને નાના બાળકની જેમ્ફેર ફુદરડી ફરવા લાગી. તેને તેનું રમકડું મળી ગયું હતું

લીના એ તેને પલંગમાં સુવાડીને  માથે હાથ ફેરવવા માંડ્યો.

તેની ચકળ વકળ આંખો સ્થિર થતી જોઇ સમીર કહ્યું ચાલ લીના હવે આપણે નીચે જઇએ. અને તેમને તેમનો ઝઘડો મટ્યાની ખુશી ઉજવવા દઇએ.

પાંચેક મીનીટ પછી દ્રષ્ટિ ડાયરીમાં ટપકાવતી હતી

દીર્ઘ!

તું પણ શું? દશાબ્દિ ઉજવવા મારે તને આટલું કકલવું પડે?

આ તો આપણા બે નો દિવસ..આપણા પ્રેમની ઉજવણી નો દિવસ.. સાત સાત ભવ સાથે રહેવાનાં આપણા કૉલને મજબુત કરવાનો દિવસ.

ચાલ આજે આપણું ગમતું ગીત ગાઇએ

સજન મારી પ્રીતડી સદૉયો પુરાણી

ભુલી ના ભુલાશે પ્રણય કહાણી

મનઃપટલ્ની પાછળ કાનન કૌ શલ અને સંજીવ કુમાર તેને દેખાતા હતા. તેની આંખમાં થીજેલું આંસુ પણ તે વખતે મલકાતુ હતુ

ડાયરી જાણે દીર્ઘ હોય તેમ બાથ ભરીને દ્રષ્ટિ સુઇ ગઈ લીનાએ આપેલી દવા અસર કરતી હ

નીચે લીના અને સમીર ચિંતા કરતા હતા સવારે શું થશે  નાટકની અસર દ્રષ્ટિ ઉપર. ડાહી થશે કે વધુ છટકશે? કહે છે ને કે નિરાશા કરતા ખોટી આશા વધુ ખતરનાક હોય છે.

બીજા દિવસની સવાર પ્રસંગ હીન હતી..સવારે તૈયાર થઇ તે નોકરીએ જતી રહી અને રાત પણ દવાની અસર નીચે શાંત ગઈ.

 

અંત વેદનાઓનો….સુખદ સંવેદનાઓ પ્રકરણશૈલા મુન્શા

Posted on April 10, 2015 by vijayshah

.

આજે દીર્ઘ ને દ્રષ્ટિના લગ્નની દસમી વર્ષગાંઠ હતી. આગલી રાતના દ્રષ્ટિના વલણના પડઘા હજુ યે સમીરના મનમાથી ખસતા નહોતા. દીર્ઘ ને ગયે પાંચ વર્ષના વહાણા વીતી ગયા, પણ દ્રષ્ટિનુ મન એ સ્વીકારવા તૈયાર જ નહોતુ કે દીર્ઘ આ દુનિયામા રહ્યો નથી! આગલી રાતે દસમી વર્ષગાંઠ ઉજવવા દીર્ઘને કાકલુદી કરતી દ્રષ્ટિ સમીર ની નજર સામેથી ખસતી નહોતી.

અતિ આઘાત, કે અતિ આનંદ કોઈપણ આવા સમાચાર માનવીના મગજના કયા તારને ઝંઝોડી દે અને ફિલમની રીલ ત્યાં જ અટકી જાય એનો જવાબ ભલભલા મનો વૈજ્ઞાનિક પાસે પણ મળવો દુર્લભ  હોય.  ફક્ત ધીરજ  એનો રામબાણ ઉપાય થઈ શકે. દ્રષ્ટિ જાણે બેવડા વ્યક્તિત્વમા વહેંચાઈ ગઈ હતી. દિવસ અને રાતની દ્રષ્ટિમા આસમાન જમીનનો ફરક હતો. સમીર તથા લીનાને એજ ડર હતો કે સવારે ઊઠીને રોજીંદા કામ પરવારી દ્રષ્ટિ ઓફિસે તો ગઈ છે પણ રાતે પાછું શું થશે?

ભર ઊંઘમા સાંભળેલા ફોનના સમાચાર કે દીર્ઘ ને અકસ્માત થયો છે. સવારે મૃતદેહને લઈ આવેલી એમ્બ્યુલન્સ મા દીર્ઘને જોતા અસહ્ય આઘાતે દ્રષ્ટિ ઢળી પડી અને જાણે એ દ્રશ્ય ત્યાં જ સ્થિર થઈ ગયું. દ્રષ્ટિના મનમાં દીર્ઘને અકસ્માત થયો છે અને એને હોસ્પિટલેથી ઘરે લાવ્યા એટલું જ યાદ રહ્યું. ત્યાર પછી એ પોતાની શમણા ભરેલી જીંદગીમા જીવવા માંડી હતી.

સવારે જાણે ચાવી દીધેલા પુતળાની જેમ ઊઠી ને દ્રષ્ટિ ઘરના સહુ કામ સંભાળે. સહુ માટે સવારનો નાસ્તો કરે. લીનાબેનને રસોઈમા પુરી મદદ કરે. ઘણીવાર લીનાબેન ના પાડે, “દ્રષ્ટિ તુ છોકરાનું સંભાળ, એમને તૈયાર કર રસોઈ તો હું નિંરાતે કરીશ. બાળકોને ભાવતો નાસ્તો બનાવી એમના અને તારા લંચ બોક્ષ ભરી લે અને બીજલને સ્કુલમા મુકી શાંતિથી ઓફિસે જા.” દ્રષ્ટિ કહ્યાગરી વહુ બની લીનાબેનની વાત માની બાળકોના અને પોતાનો લંચ બોક્ષ ભરે અને બીજલને લઈ ઓફિસે જવા નીકળે. રસ્તામા બીજલને સ્કુલે મુકતી જાય. જાણે ચાવી દીધેલું રમકડુ ના હોય! લીના બેનને દ્રષ્ટિનુ આ જ રૂપ ના સમજાય. કાયમ એ પ્રશ્ન એમને પજવતો રહે કે થોડા જ કલાકોમા કોઈ વ્યક્તિ આટલો વિરિધાભાસ કેવી રીતે પોતાની વર્તણુક મા સર્જી શકે? ઘરના કામમા કોઈ ભુલ નહી, ઓફિસના કામમા કોઈ ભુલ નહી, રસોઈ કરે તો મસાલામા કંઈ આઘુ પાછુ નહી. અરે! પોતે પણ રસોઈ કરતાં કરતાં જો દીર્ઘના વિચારે ચડી જાય તો કોઈવાર દાળમા મીઠુ નાખવાનુ સાવ જ રહી જાય, તો કોઈ વાર શાકમા બમણુ મીઠુ પડી જાય પણ દ્રષ્ટિની રસોઈ નો સ્વાદ તો એક સરખો. આવી ડાહી અને સમજુ દ્રષ્ટિને રાતના સમયે  શું થઈ જાય છે? એના કાલાવાલા એના હીબકા અને ડુસકાં આખા ઘરને ઘેરી વળે છે. દ્રષ્ટિ ની સાથે સાથે લીનાબેન અને સમીરભાઈની રાતોની નીંદર ઊડી જાય છે. ક્યારેક ખડખડાટ હસવાનો અવાજ, ક્યારેક દીર્ઘ પર ગુસ્સે થતી હોય તેમ ફુંફાડા મારતો અવાજ તો ક્યારેક ગુસ્સે થયેલા દીર્ઘને નવી નવેલી દુલ્હન બની મનાવતી હોય એવો વહાલપ નો રણકો!

મમ્મી, પપ્પાને એક વાતનો હાશકારો હતો કે દ્રષ્ટિ લગ્ન તિથી ભુલી ગઈ છે. તે શાંતિથી ઓફિસે ગઈ છે. દ્રષ્ટિને આજે વધુ પ્રવૃતિમય રાખવા લીનાબેને એક ઉપાય શોધી કાઢ્યો. દ્રષ્ટિ ઓફિસથી નીકળે તે પહેલા લીનાબેને ફોન કરી દ્રષ્ટિને મોલમા આવી જવા કહ્યું. ” દ્રષ્ટિ બેટા, મારૂ એક કામ કરીશ? તને તો ખબર છે ઉમા માસી ની દિકરીના લગ્ન નક્કી થયા છે અને વહેવારમા આપવા કોઈ સરસ ક્રોકરી, કોઈ કોર્નીંગની નવી ડિઝાઈનની પ્લેટ કે એવું કાંઇ લેવાનુ છે. એના પર નામ પ્રીન્ટ કરાવવા આપવાના છે, હવે બળ્યું મને તો આજની ફેશન ને આજકાલ કઈ વસ્તુ બધાને ગમશે એની કાંઈ ગતાગમ નથી. તું સાથે હોય તો ફરક પડે. તુ બીજલની ચિંતા ના કરતી, એને તો પપ્પાજી સ્કુલે થી લઈ આવશે, એટલે આપણે બન્ને જણ શાંતિથી કામ પતાવી દઈએ. હું ઘરેથી રસોઈ તૈયાર કરીને જ નીકળીશ એટલે આવીને પછી જમવાનુ મોડુ ના થાય.”

લીનાબેનની ગણતરી એવી હતી કે ઓફિસનુ કામ અને પછી મોલમા આટલું ચાલવાનુ થશે એટલે સ્વભાવિક જ દ્રષ્ટિ થાકી જશે અને ભગવાન કરે ને એને વહેલી ઉંઘ આવી જાય અને લગનતિથી ની યાદ મનમાથી નીકળી જાય, પણ એ લીનાબેનની ખોટી ભ્રમણા જ હતી.

બધા જમી પરવાર્યા એટલે દ્રષ્ટિને પોતાની સાથે આગ્રહ કરી ટી.વી જોવા બેસાડી પણ અંતે તો બધાનો સુવાનો સમય થયો જ! જેવી દ્રષ્ટિ પોતાના રૂમમા ગઈ તેવું જ એનુ રૂપ ફરી ગયું. “સોરી સોરી દીર્ઘ તને ખુબ રાહ જોવડાવી, પણ હું શુ કરૂં? આ મમ્મી જો ને કાંઈ સમજતા જ નથી! બસ પાંચ મીનિટમાં હું તૈયાર થઈ જાઉં. આજે તો હું ખાસ તને ખુબ ગમતી સાડી પહેરવાની છું. તને યાદ છે આપણી પહેલી લગ્નતીથી એ તું મારા માટે મજન્ટા કલરની સાડી જેના પર રૂપેરી તારનુ ભરતકામ હતુ અને સોનેરી ભરતકામ વાળું બ્લાઉસ લાવ્યો હતો જે મને ખુબ ગમ્યા હતા. એ  આજે પણ હું પહેરવાની છું. બસ ત્યાં સુધીમાં તુ પણ તૈયાર થઈ જા. પેલો મરૂન કલરનો રેશમી ઝભ્ભો અને ક્રીમ કલરની શેરવાની તારા પર ખુબ શોભે છે, એ જ તારે પહેરવાની છે.

અત્યારે તો રાત થઈ ગઈ છે પણ હું આપણને બન્નેને ભાવતો ફાલુદા આઈસક્રીમ સાથે લઈ આવી છું. એને સાથે બેસી આઈસક્રીમ ખાઈશું. પછી આપણને બન્નેને ગમતી ફિલ્મ “અભિમાન” ના ગીતો આપણા સી.ડી. પ્લેયર પર સાંભળશું. ખરેખર દ્રષ્ટિ દીર્ઘ માટે સજીને તૈયાર થઈ ગઈ અને નીચેના બેડરૂમમા સુતા લીનાબેન અને સમીરભાઇ અભિમાન ના ગીતો સાંભળી રહ્યા.વચ્ચે દ્રષ્ટિનો વાર્તાલાપ પણ જાણે અજાણે પડઘાતો રહ્યો.

લીનાબેન ને એ દિવસો યાદ આવી ગયા જ્યારે દ્રષ્ટિ પહેલીવાર મા બનવાની હતી અને રોજ અભિમાનનું આ ગીત તો એકવાર દિવસમા સાંભળતી જ. “તેરે મેરે મિલનકી યે રૈના નયા કોઈ ગુલ ખિલાયેગી”. આ ગીત દ્રષ્ટિને ખુબ એટલે ખુબ જ ગમતુ. કહેતી પણ ખરી, “મમ્મી આ ગીતના શબ્દો તો સાંભળો, શું ભાવ છે એમા. પણ મુવીમા આ દ્રશ્ય નહિ જોવાનુ.અમિતાભ અને જયાને રડતા હું જોઈ નથી શકતી પણ રેડિયો પર આ ગીત સાંભળવુ મને ખુબ ગમે છે.” જ્યારે બીજલનો જન્મ થયો ત્યારે તો ઘરના સહુની ખુશીનો પાર નહી. દ્રષ્ટિ અને દીર્ઘનુ પહેલુ સંતાન. લીનાબેન અને સમીરભાઈતો દાદા, દાદી બની હરખઘેલા થઈ ગયા હતા. બીજલ ત્રણ વર્ષની થઈ ને કુણાલનો જન્મ થયો. દીર્ઘ ને દ્રષ્ટિનો પરિવાર પુર્ણ થયો અને ક્રુર વિધાતા એ કારમી થાપટ મારી એ સંસાર છિન્ન ભિન્ન કરી નાખ્યો.

વર્ષો વિતતા જતા હતા પણ દ્રષ્ટિની ઘેલછામા કાંઇ પરિવર્તન નહોતુ દેખાતુ. ક્યારેક તો એમ લાગતું કે આ ઘેલછા ગાંડપણમા ના બદલાઈ જાય!

ડાયરીના પાના ભરાતા જતા હતા. રાત પડે દ્રષ્ટિ દીર્ઘ સાથે વાત કરતી જાય અને રોજ જે ઘરમા, ઓફિસમા કે બાળકોની સ્કુલમા બન્યુ હોય તે ટપકાવતી જાય. ” દીર્ઘ તને ખબર છે બીજલ આજે દોડવાની હરિફાઈ મા પહેલી આવી અને એને સરસ મજાનો મેડલ મળ્યો. તુ કાલે એના માટે ઈનામ લાવવાનુ ભુલતો નહી.” ” અરે! આજે તો ઓફિસમા પેલા મુકેશને બરાબરનો ખખડાવી નાખ્યો, કારણ વગર મારા ટેબલની આસપાસ આંટા મારતો હતો. છેવટે મારે કહેવુ પડ્યું કે મુકેશ કોઈ ફાઈલ જોઈએ છે ? કાંઈ કામ છે મારૂ? અમથા આંટા કેમ મારે છે? એવો તો દુમ દબાવીને ભાગ્યો કે સાંજ સુધી દેખાયો જ નહી”! આવા તો કંઈ કેટલાય અવનવા પ્રસંગો લખાતા જતા. લીના બેન, દ્રષ્ટિના મમ્મી બધા પ્રયત્નો કરી થાક્યા પણ દ્રષ્ટિની મનોદશામા કોઈ ફેરફાર દેખાતો નહિ. બાળકો મોટા થતા જતા હતા. કુણાલને હજી ઝાઝી સમજ ન પડતી. એ પહેલેથી દાદાનો ખુબ હેવાયો હતો એટલે સ્કુલેથી આવી દાદાને જ વળગતો. દાદા એને લેસન કરાવે, દાદા સાથે પાર્કમા રમવા જાય અને સાંજે જમે પણ દાદા સાથે જ. ત્યાં સુધી કે રાતના દાદા વાર્તા કહી સુવાડી પણ દે. બીજલ પહેલેથી  ઠાવકી હતી. પાંચ વર્ષની થઈ ત્યારથી પોતાના બેડરૂમમા સુવા માંડી હતી. દીર્ઘના અવસાન બાદ અને દ્રષ્ટિના વલણને જોતા સમીરભાઈએ નીચેનો ગેસ્ટરૂમ ફેરવી બીજલનો બેડરૂમ એમના બેડરૂમની બાજુમા કરાવી દીધો. જેથી રાત વરત જરૂર પડે લીનાબેન બીજલનુ ધ્યાન રાખી શકે. રાતની સૃષ્ટિ તો દ્રષ્ટિની સાવ અલગ જ હતી. રાતના જાણે દ્રષ્ટિ, દ્રષ્ટિ ના રહેતા બસ દીર્ઘની પ્રેમિકા બની જતી.

સોમથી શુક્ર તો દ્રષ્ટિને સવારે ખુબ ઉતાવળ રહેતી. મશીનની જેમ ફટાફટ ઊઠી નાહીને જ નીચે ઉતરતી અને સવારનો નાસ્તો બધા માટે તૈયાર કરી, બાળકોના લંચબોક્ષ ભરી નીકળી જતી પણ શનિ રવિની રજામા એ લીનાબેનને રસોઈમા મદદ કરતી.

હમણા થોડા વખતથી દ્રષ્ટિને નવો નાદ લાગ્યો હતો. રજાના દિવસોમા દીર્ઘને મન ભાવતી વાનગી બનાવવાની એ જીદ કરતી. “મમ્મી આજે  આપણે પુરણપોળીને પાંતરા બનાવીએ. તમને ખબર છે  કે દીર્ઘને એ બહુ ભાવે છે. કાલે રાતે સુતા પહેલાજ મને કહી રાખ્યુ હતુ. આ જુઓ મે ડાયરીમા નોંધી પણ રાખ્યું છે.” તો વળી બીજા રવિવારે જીદ પકડી “મમ્મી આજે તો બસ ઢીલી ખીચડી જ બનાવવાની છે, રાતે દીર્ઘે ભજિયા બહુ ખાઈ લીધા એટલે એને આફરો ચઢ્યો છે”! લીનાબેને દ્રષ્ટિને સમજાવવાનો પ્રયત્ન કર્યો, “બેટા તું ભુલી ગઈ! આજે તો બીજલ ની ખાસ ફ્રેન્ડ લંચમા આવવાની છે અને આપણે ખાસ પાંવ ભાજી ને રગડા પેટિસ નો પ્રોગ્રામ કર્યો છે. બીજલ અને એની ફ્રેન્ડ બન્નેને ભાવતી વાનગી છે. કાલે રાતે તો ભજિયા બન્યા જ નહોતા! દીર્ઘે ખાધા ક્યાંથી? તો ય દ્રષ્ટિએ તો ખીચડી જ બનાવી.

બીજલને ત્યારે  સમજાવી લીનાબેને બહારથી પીઝાનો ઓર્ડર આપી વાત વાળી લીધી, પણ આવું અવાર નવાર થવા માંડ્યુ. એક રવિવારે જ્યારે દ્રષ્ટિને હાંડવો બનાવવો હતો દીર્ઘ માટે ત્યારે લીનાબેને મક્કમ થઈ દ્રષ્ટિને ના પાડી. “દિકરા હવે દીર્ઘ આ દુનિયામા, આપણી વચ્ચે નથી રહ્યો. મેં મારો એકનો એક દિકરો ગુમાવ્યો છે અને તે પતિ. આ છોકરાઓ સામુ તો જો! બિજલ મોટી થવા માંડી છે અને કુણાલ પણ ગભરાઈ જાય છે. એમને ખાતર વાસ્તવિકતાનો સામનો કરી જીવતા શીખ”

આટલું સાંભળતા તો દ્રષ્ટિની આંખમાથી ડબ ડબ આંસુ સરી પડ્યા. કશુ બોલ્યા વગર પોતાના રૂમમા જતી રહી અને આખો દિવસ બહાર ના આવી.

એનુ એ દુઃખ એ વલોપાત સમીરભાઈથી જોયા ન જાતા. એમને હમેશ મનમા એક અજ્ઞાત ભય રહેતો કે દિકરો તો ગુમાવ્યો જ છે પણ આ વલોપાતમા ક્યાંક વહુ ગુમાવવાનો વારો ના આવે, અને એમા જ્યારે દ્રષ્ટિએ બીજે દિવસે લીનાબેનને આજીજી કરતા કહ્યું “મમ્મી મે દીર્ઘને સાચ હ્રદયથી પ્રેમ કર્યો છે. મારી કલ્પનામા નહિ પણ વાસ્તવિકતામા એ જીવે જ છે. મને તો એ ઘરમા હરતા ફરતાં અને જીવંત જ લાગે છે. એમની હાજરીનો અહેસાસ મને સતત થાય છે”.

દ્રષ્ટિની વાત સાંભળતા સમીરભાઈએ નક્કી કરી લીધું અને પોતાનો અંતિમ નિર્ણય ઘરમા સહુને અને ખાસ કરીને લીનાબેન જણાવી દીધો.’ જ્યાં સુધી દ્રષ્ટિ પોતાની જાતે સમજે નહિ અને આ પરિકલ્પનામાંથી બહાર આવે નહિ, ત્યાં સુધી કોઈએ એને ટોકવી નહિ અને કશું દીર્ઘ માટે બનાવતી હોય તો રોકવી પણ નહી’.

શૈલા મુન્શા

અંત વેદનાઓનો….સુખદ સંવેદનાઓ પ્રકરણ-()-વિજય શાહ

Posted on મે 2, 2015 by vijayshah

“મોટી સોળ વર્ષની બીજલ મમ્મીનાં આવા બેવડા વલણો થી ડરતી અને એક વખત પુછી બેઠી “મમ્મા તું રાતના તું નથી હોતી..તને શું થઇ જાય છે?”

“ બેટા રાત્રે હું દીર્ઘ પપ્પાની સેવા કરું છું.. આખો દિવસ તમારા લોકોની ચાકરી કર્યા પછી તેઓ પણ માંગે ને તેમની દ્રષ્ટીનું વહાલ.”

“પણ મમ્મી…” ત્યાંદાદાજીએ બીજલને પોતાની પાસે બોલાવીને કહ્યું “બેટા.. તારી મમ્મી તેનાં વૈધવ્યને શ્રાપ બનવા દેવા નથી માંગતી..તેથી તેના ખ્વાબોનાં મહેલોમાં પપ્પા હજી જીવતા છે.”

“ પણ દાદાજી તે ખોટું છે..અમને શાળામાં શીખવાડે છે ભ્રાંતિમાં જીવવું તે રોગ છે. સત્ય સ્વિકારવું જ રહ્યું જેમ હું અને કૃણાલ જાણીયે છે કે પપ્પા નથી તો અમે ટેવાઇ ગયાને?”

“ બેટા તારી મમ્મી ભ્રાંતિમાં જીવે છે તેનાં સુવાનાં સમયે.. તે ખુશ હોય છે તો પછી તેને વાસ્તવિકતામાં લાવીને દુઃખી કરવાનો શું અર્થ.?”

“મને લાગે છે કે આ ગાંડ્પણ નો એક પ્રકાર છે તેમને સારા ડોક્ટરને બતાવવા જોઇએ…”

મમ્મી કહે “ શું કામ ફુંક મારીને રાખ ઉડાડી તેને દુઃખી કરવી?”

બીજલ મક્કમ હતી “ મારી મમ્માને સાચી અને સારી સારવાર મળવી જોઇએ.”

અમેરિકામાં રહેતા છોકરા સાવ સહજતાથી કોઇની પણ વાત માની લેતા નથી હોતા અને તેમને બધીજ માહિતી ગુગલ પર મળી જતી હોય છે, તે સ્પષ્ટ પણે માનતી હતી કે મમ્મીનો આ રોગ માનસિક છે અને તે યોગ્ય સારવાર મળે તો સુધરી શકે છે.

તેને ખબર હતી કે મેડીકલ વિમો છે તો પછી તેમને તેમની તંદ્રામાં થી બહાર કેમ ન કાઢવા? પણ બા અને દાદા તેને કશું જ કરવા નથી દેતા. કારણ કે ખાલી મોડી રાતનાં બે ત્રણ કલાકનો તેના રુમમાં થતો એક તરફી સંવાદ કોઇને નડતો નથી.તેમની ડાયરી ઓ ચીસો પાડી પાડીને કહે છે દીર્ઘ હયાત છે તેની સાથે છે અને તેનું લગ્ન જીવન સહજ અને સરળ છે.

તેની ડાયરીઓ બીજલ વાંચવા માંડી..

દ્રષ્ટી તેમાં પ્રેમાલાપ ઉપરાંત કંટાળતી જતી દેખાતી હતી. દીર્ઘ બસ તું રાત્રેજ મને મળી શકે તે કેવો શ્રાપ છે. મને તો દિવસે પણ તું જોઇએ છે. બીજલ મને માનથી નથી જોતી તેને તું ખખડાવને? મને મારી બીજલ મારા જેવી સમજણી અને તારા જેવી મજબુત જોઇએ છે. હવે સોળ વર્ષની થઇ તેનો બોય ફ્રેંડ શોધવામાં ભુલ કરશે તો? કૃણાલ બરોબર તારા જેવો છે અને હસમુ. તે પણ મોટી બેન સાથે જઇ ને બેઠો છે..તેબંનેને લાગે છે કે તારું કોઇ અસ્તિત્વ જ નથી. હવે તેઓને કેવી રીતે સમજાવું કે એ તારી મર્યાદા છે તને શ્રાપ છે તું સહુને જોઇ શકે છે પણ કોઇ તને જોઇ શકતું નથી… હા મને તું પણ જોવા મળે છે ખાલી રાતનાં દસ થી બાર…

ડાયરી સાથે સાથે વરસો ખરતા જતા હતા..અને તેમાં તારા વીના હું અધુરી છું.. મારા ભવિષ્યને હું શું કહું? પાણી જેવું મારું જીવન છે શીયાળામાં બરફ ઉનાળામા વરાળ  અને ચોમાસામાં વરસાદ.. અંતે તો પાણી પાણી અને પાણી.

વળી ક્યાંક લખ્યું હતું

તું નથી તો હું શુન્ય.. તું હોય તો હું દસ.

દીર્ઘ આવ  આવ.જલદી આવ  આવ બસ

ડાયરીઓ એક વાત સ્પષ્ટ રીતે કહેતી હતી કે દ્રશ્ટી બેવડી જિંદગી જીવતી હતી. દ્રષ્ટી દીર્ઘની પત્ની અને દ્રષ્ટી બીજલ અને કૃણાલની મમ્મીની  અને તે બંન્ને જિંદગીમાં તેની ખરેખર આજ રહેંસાતી હતી. અને તે સમજણ પાછી લાવવા બીજલ કટીબધ્ધ બની હતી. તેને રસ્તો તો સુઝતો હતો પણ પરિણામ ધાર્યા કરતા દરેક પ્રયત્ને જુદુ અને ઘાતક આવતુ હતું જાણે કે તે ઉંઘમાં વધુ ને વધુ અંદર ધકેલાતી ના જતી હોય!

દ્રષ્ટી, લીના બેન અને સમીરભાઇ એ એના આ રોગને સ્વિકારી લીધો છે પણ આ હંગાંમી નિરાકરણ છે બીજલ આ દીર્ઘ ઉંઘમાં થી તેમને જગાડીને વાસ્તવીક જીવનમાં લાવવા કટી બધ્ધ બની હતી.

બીજલને તે દિવસે બહું જ રડવુ આવ્યું તેની બહેનપણી કિંજલે દ્રષ્ટીની નબળાઇ જોઇ અને તે બોલી બીજલ તારી મમ્મીનું તો સાંજે હલી જાય છે. તેમનું સાચુ સ્થાન તો પાગલખાનું છે. ત્વરીત તો પ્રત્યુત્તર આપી દીધો કે ક્યારેક તેઓ ડીપ્રેશનમાં હોય છે પણ તેઓ પાગલ નથી.

કિંજલે દ્રઢતાથી કહ્યું ” બીજલ છુપાવ ના. આ રોગ માવજત માં ગે છે ઢાંક પીંછોડો નહીં. આ બે પ્રકારે જીવાતી જિંદગી એટલે”બાઇ પોલર પરિસ્થિતિ .આવા લોકો ક્યારેક આપઘાત કરે કાંતો તકલીફ કરે. તેદિવસે તો જાણે વાત પતી ગઇ. પણ ગુગલ ફંફોસતા સમજાયું કે ખાંસી શરદી ની જેમ આ રોગ મગજનો છે અને  જે દવા લેતા મટી શકે છે.

તે દિવસે સાંજે કામ ઉપરથી દ્રષ્તિ આવી અને બીજલે રડવાનું ચાલું કર્યુ..

હાંફળી ફાંફળી દ્રષ્ટિ પુછબા માંડી શું થયું બેટા કેમ રડે છે?

” મમ્મી મને લાગે છે કે તમે તમારો રોગ અમારાથી છુપાવો છો.”

” કયો રોગ?”

” બસ ક્યારેક તમે ખુબ રાજી હો અને કદીક ખુબજ ઉદાસ.. તમને થયુંછે શું?

” શું થાય હવે હું થાકી છું.”

” શેનાથી થાક્યા છો?”

” થોડીક મોટી થાય એટલે તને સમજાવીશ.’

“મમ્મી હું સોળ વર્ષની તો થઈ.”

“હા પણ હજી બે એક વર્ષ પછી આપણે મા દીકરી તરીકે નહીં બે મિત્રો તરીકે વાતો કરીશું”

મૉમ.. તમને ખબર છે ને કે प्राप्तेषु सोळ्से वर्षे पुत्रमित्र वदाचरेत..સોળમે વર્ષે આ હક્ક મને મળી ગયો છે. તમે પપ્પાથી થાકી ગયા છો.. પણ અમને સમજાવો તો ખરા પપ્પા છે? ક્યાં છે? હું તો તમને પુછી પુઃઈ ને થાકી પણ તમે પપ્પાનોફોટો બતાવો છો અને તે દીર્ઘ છે તેમ કહો તે કેવી રીતે મનાય?”

” જેવી રીતે હું માનું છું તેમ્જ તુ પણ માની લેને બટા.”

“સારું મમ્મી તુ જીતી.. મેં માની લીધું હવે મને સમજાવને કે પપ્પાથી તું કેમ થાકી?”

” જોને હું કહી કહીને થાકી રાતે મોડા આવે અને હું સુતી હૌ ત્યારે ભડભાંખરાનાં ટાઇમે કામે જતા રહે છે.”

“ઓ મારી વહાલી મમ્મી આજે રાત્રે તો હું તમારી સાથે જ સુઇશ અને પપ્પા આવે ત્યારે તમને કેમ આટલા દુઃખી કરોછે એવો પ્રશ્ન પુછીને હું લઢીશ.”

” ના રાત્રે તેઓ બહું થાકેલા હોય છે તેથી લઢવાનું કે ઝઘડવાનું નહીં.

” મમ્મી તું કેટલું એમનું ધ્યાન રાખે છે એમ એમણે પણ તારું ધ્યાન રાખવું જોઇએને?”

” તે તો તેમને જેટલો સમય મળે ત્યાં સુધી તો રાખે જ છે ને.. પણ હું મુઇ અભાગણી તેમને  સતાવ સતાવ કરું છું.”

” મમી તમારી વાતો બદલાય છે. મને સાચ્ચેજ કહો કોણ કોને સતાવે છે?”

” જો તેઓ જ મને સતાવે છે.. તેમની પાસે મારા માટે સમય જ નથી”

” મોમ.. તેમને નોકરી ની ના પાડીદેને?”

“મારું ચાલે તો હમણા જ ના પાડી દઉં પણ મારુ ચાલે છે જ કયાં?”

આપણે ભેગા થઇ ને  આપણું ચલાવીયે.. આવું તે કંઇ ચાલતું હોય?

દ્રષ્ટિની દુખતી રગ દબાઇ કે કોઇ પણ કારણ સર તેની આંખો છલકાઇ ગઇ.

મોમ જો આજે સાંજે એ આવે એટલે હું પણ આવીને વાત કરીશ

ગુગલ ઉપર શોધખોળ ચાલુ થઇ મમ્મી કોઇ રોગથી પીડાય છે અને તે રોગ બે કલાક તેમને ભ્રમમાં નાખે છે. કિંજલ સાચી છે મારે કંઇક તો કરવું જ રહ્યું..બા અને દાદા જે કરે છે તે અત્યાર સુધી ભલે ચાલ્યુ.. પણ ના હવે નહીં. મારી મમ્મી નોર્મલ થવી જ રહી…

 

વેદના નો અંતસુખદ સંવેદના ( ) અર્ચિતા દીપક પંડ્યા

Posted on મે 2, 2015 by vijayshah

       

સોળ વર્ષની બીજલને લાગ્યું કે  તે એની ઉંમર કરતા ઘણી મોટી થઇ ગઈ છે! સોળે આવતી સાન તેને આવા જવાબદારી ભર્યા નિર્ણય લેવા તૈયાર કરી દેશે એવો તો  ખ્યાલ પણ ક્યાંથી આવે ? આખી રાત એ વિચાર કરતી રહી ,વારંવાર થઇ આવતો પરસેવો તેની સમજની સીમાની સમજૂતી આપતા હતા. એ સમજતી હતી કે આ કૈક જૂદું છે. ચોક્કસ પણે વ્યવહારુ નથી . તેને એ દિવસ યાદ આવી ગયો,એકવાર અડધી રાતે એ ઝબકીને જાગી ગયેલી ત્યારે દાદીમાએ મમ્મીને બોલાવી પરાણે તેની સંભાળ લેવા કહ્યું હતું ત્યારે હયાત જ નથી એ પપ્પાનો સાથ છોડવાનો એની સગી મમ્મીને કેટલું દુઃખ થયેલું આંખમાં પાણી આવી ગયેલા અને સાથે વિરોધના સૂરની કોઈ જૂદી જ ચમક હતી ! …ત્યારે મમ્મીના એ રૂપથી બીજલ પોતે વધુ ડરી ગયેલી પણ એ જાણતી હતી કે પિતા નથી એવું માની ના શકતી અને આઘાતમાં રિબાતી મા પર ગુસ્સો પણ શું કરવો કે આશા પણ શું રાખવી ? ….પણ આ સ્થિતિનો ઉકેલ લાવવો પડશે એ વિચારનું બીજ અહી ચોક્કસ રોપાઈ ગયું હશે ! …પપ્પા ઈશ્વરને ઘરે જતા રહ્યા છે એ વાતનું ચોક્કસ દુઃખ છે ,પણ એ થી મમ્મીએ મમ્મીના જીવન વિષે વિચારવાનું છોડી થોડું દેવાય ? સત્ય સ્વીકારવું જ પડે અને જીવનમાં બનતા પ્રસંગો સાથે વણાઈ ને વ્યક્તિગત ઉત્થાન કરવાનું હોય છે નહિ કે પરિસ્થિતિથી ભાગી જઈને ! ફરી વિચારો તો એના એ જ આવતા ,મા એની ફરજમાં ક્યાં કોઈ ચૂક રાખે છે ? અમને બધાને સાચવે છે ,ઘરનું બધું કામ વ્યવસ્થિત કરે છે ,બા અને દાદાને સાચવે છે,સગા વહાલાને સાચવે છે તકલીફ માત્ર એટલી છે કે પપ્પાના પ્રેમમાં એ પોતાની જાત ભૂલી ગઈ છે .જીવનનો આધાર પ્રેમ હોય એ સારી વાત છે પણ અહી તો ભ્રમ જીવનનો આધાર થઇ ગયો છે ! ના ના ….મારી મા ને આમ નિર્બળ નથી બનાવવી પણ શક્તિ બનાવવી છે .સ્ત્રી એ તાકાત છે,કુટુંબ નું કેન્દ્ર છે,એને લાગણીમાં વિલપતી ,આંસુ સારતી ,ટળવળતી નથી જોવી ,પપ્પા તરફનો તેનો પ્રેમ તેની તાકાત બનવો જોઈએ ,તેની મજબૂરી નહિ ! તેણે પપ્પાની ગેરહાજરીનું દુઃખ પણ પચાવવું જોઈએ કારણ કે એ જ સત્ય છે ! મા ની મૂર્તિને નવેસરથી ઘડવા જાણે એ કટિબદ્ધ બની ગઈ ….મા તું જે નિદ્રામાં સૂતી રહી છું તેમાંથી હું તને જગાડીશ જ …..મારા પપ્પા અને તારું ,આ યુગલ મારા માટે ભગવાન સમાન છે .અને અમારા દિલ તમારું મંદિર છે…..મા ,હું તને સત્ય સ્વીકારીને હિંમતભેર જીવતી ,તારી જાત ને અનુભવતી ,પોતાની શક્તિનો મહત્તમ ઉપયોગ કરતી ,ભ્રાંતિ  છોડી, જીન્દાદીલીથી જીવતી સ્ત્રી તરીકે જોવા ઈચ્છું છું,અને હું પરણીને સાસરે પણ જાઉં તો તારી ચિંતા છોડીને જઈ શકું એવું ઈચ્છું છું ……અણગમતી પરિસ્થિતિનો પણ હિંમતથી સામનો કરતી જોવા ઈચ્છું છું. વહેલી સવાર થવા આવી હતી ,હજુ કોઈ ઉઠ્યું નહોતું ,મા પણ નહિ ….બીજલ ઉઠી ,મક્કમતા અને પ્રેમથી ખેંચાઈ આગળ વધી . મંદિરમાંથી કંકુની ડબ્બી કાઢી લાલ કંકુનો ચાંલ્લો કર્યો એના વહાલા પપ્પાના સ્માર્ટ ચહેરા પર ! પપ્પાને પગે લાગતા બોલી ….મારા વહાલા પપ્પા ,હું તમારી ખૂબ વહાલી દીકરી છું,તમારી સાથે જીવવાનું અમારું ભાગ્ય નથી પણ તમારી પ્રેમની ધારા થી અમારા મન સદાય ભીંજાય છે ….અમને તાકાત આપો અને ઈશ્વર તમને જે નવું કામ ચીંધે તે તરફ ખુશી ખુશી આગળ વધો …..કહી એણે સુખડનો હાર પહેરાવી દીધો અને કઈ બન્યું નથી એમ ત્યાંથી જતી રહી .ઓફકોર્સ મન ઘણી બધી  મિશ્રિત  લાગણીઓથી  ભરેલું  હતું  . સવાર  પૂરેપૂરી ખીલતા જ  દ્રષ્ટિ ઉઠી અને જાણે દીર્ઘને જગાડવાનો હોય અથવા તો દિવસનું કામકાજ ચાલુ કરતા પહેલા જાણે કે તેને પ્રેમ ભરી વિદાય આપવાની તેટલી નાજુકાઈથી હસું હસું થતા મોએ એને ફોટા તરફ નજર કરી ….અને “આ શું છે ? કોણે કર્યું ? ” એવા પ્રશ્નાર્થ સાથે દ્રષ્ટીએ લગભગ ચીસ જ પાડી ,આંખોના ડોળા ચકળ વકળ ફરવા લાગ્યા ….આખા શરીરમાં ધ્રુજારી થવા લાગી …ક્રોધ પર એને કાબુ ન રહ્યો અને ઝડપથી પગ પછાડતી આગળ વધવા લાગી ….ક્રોધાવેશમાં સુખડનો હાર ખેંચીને જોરથી ઘા કર્યો ,જે મમ્મીની રાડ સાંભળીને દોડી આવેલી બીજલના પગમાં પડ્યો .બીજલ જાણતી હતી કે મમ્મી આ રીતે …તેણે શાંતિથી ઉભા રહેવું જ મુનાસીબ સમજ્યું “કોણે આ હાર ચડાવ્યો દીર્ઘને ? અને ચાંલ્લો ? ચાંલ્લો કેમ કર્યો છે ? ખબર નથી એમને નાનપણથી કંકુની એલર્જી છે ? એમણે કોઈને પોતાના કપાળમાં ચાંલ્લો કરવા જ નથી દીધો ! એમને ન ગમે એવું આપણાથી કરાય જ કેમ ? કોણે ? કોણે ચડાવ્યો હાર ? ” દ્રષ્ટિ એકધારું બોલ્યે જતી હતી ….અને  જાણે કે  તસ્વીરને  દુઃખ થઇ જવાનું હોય તેમ તેને લુછતી હતી,પંપાળતી હતી ફેંકાયેલા હાર તરફ તિરસ્કારથી જોતી હતી ! ‘આંખો જોઈએ તો કેવી બીક લાગે છે અત્યારે !નહિ  તો મમ્મી તો કેવી નરમ લાગતી હોય છે ! શાંતિથી  વિચાર કર્યો બીજલે ! તેણે મનમાં વિચાર્યું …પણ હવે મારે ઢીલા નથી પડવાનું ,મમ્મીના સંઘર્ષમાં સાથ આપી તેને સાચી દિશા તરફ લઇ જવાની છે.હું તેનું હિત ઇચ્છીને કડવી દવા જેવી સચ્ચાઈ ન બતાવું તો એનું શું થશે ? શું આખી જીંદગી પપ્પા અહી જ છે માની આવી ભ્રાંતિની દુનિયામાં જીવશે ? મમ્મીનું આકરું રૂપ જોઈ આંખમાં આવેલ પાણીને તેણે મક્કમતાથી લૂછી કાઢ્યું .અને મમ્મી તરફ આગળ વધી ,સુખડનો હાર હાથમાં લઈને ….દરેક પગલે વધુ દ્રઢતા સાથે … દ્રષ્ટિ આ જોઈ વધુ વિફરી અને દીર્ઘના ફોટાને છાવરીને ઉભી રહી …બીજલ આગળ આવી અને માને વળગી પડી ….આર્દ્ર અવાજે બોલી ….”મા ,તું કૈક સમજ …પપ્પા નથી રહ્યા હવે ….તેમને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ ….આપણું સર્વસ્વ એટલે પપ્પા ! અને એ હંમેશા એ જ સ્થાને રહેશે …પણ એક હકીકત સ્વીકારો મા ….કે આપણી વચ્ચે એ રહ્યા નથી હવે ! દ્રષ્ટિનો અવાજ તરડાઇ ગયો એટલે મોટેથી એ બોલી ઉઠી ..”ખબરદાર ! આવું બોલવાની હિંમત કેમ થઇ ? તને ખબર તો છે જ અમે રોજ તો મળીએ છીએ ! તમારે જે માનવું હોય એ માનો એ મને મૂકીને ક્યાય જાય જ નહિ ! તારામાં બુદ્ધિ શું છે કે તું મને શીખવાડે છે ? ” દ્રષ્ટીએ બીજલને જોરદાર ધક્કો માર્યો ,પણ બીજલ ગભરાઈ નહિ ,દુઃખથી એનું હૈયું વલોવાઈ જતું હતું ,આક્રંદ તો એના હૃદયમાં પણ એવું ચાલી રહ્યું કે એનું હૃદય વેધાતું જતું હતું પણ અત્યારે એણે પોતે શાંતિથી કામ લેવાનું હતું.પિતાને ગૂમાવી દીધાના દુઃખ સાથે માની હાજરીની કિંમત આપોઆપ અનેકગણી બેવડાઈ જાય છે સંતાન માટે ! અને એ મા ની પીડા જોઇને બેસી રહેવાનું ? ઈશ્વરે ભલે તેને દ્રષ્ટિની દીકરી બનાવી પણ સમય એવો આવી ગયો એના જીવનમાં કે માતૃ રૂપ બનીને દ્રષ્ટિની દ્રષ્ટિ સુધારવાની જવાબદારી તેણે લઇ લેવી પડી હતી ! હિંમતપૂર્વક તે દ્રષ્ટિની નજીક ગઈ ,મમ્મી વધુ  અકળાય  નહિ એ બીકે તેને  સુખડનો હાર હાથમાં રાખી પાછળ સંતાડી દીધો.બીજા હાથે મા નું માથું પ્રેમથી પસારવા લાગી ….પણ દ્રષ્ટિને કોઈ ફરક નહોતો પડતો ,એને તો બસ એનો દીર્ઘ નથી એમ કોઈ કહે કે તરત એની તરફ અણગમો થઇ આવતો ,એ એમજ સમજતી કે આ જ વ્યક્તિ મારો દીર્ઘ મારાથી છીનવી લેશે અને એ દહેશત માં એનું શરીર લાકડા જેવું થઇ ગયું ,આંખો ચકળ વકળ ફરવા લાગી ,શરીર ધ્રુજવા લાગ્યું અને જાણે મક્કમતાથી મન ને મનાવા લાગી કે” દીર્ઘ અહી જ છે ,અહી મારી પાસે,કશું નથી થયું એને ! ” બીજલને દુઃખ થયું …ઘરડા બા અને દાદા ….સ્વયં વૃધાવસ્થાથી પીડિત અને અને દીકરાના અકાલ મૃત્યુ થી જીર્ણ શીર્ણ થઇ ગયેલું તેનું કાળજું ! માં ને આવી સ્થિતિમાં તેઓ જોઈ નથી શકતા અને કશું કરી પણ નથી શકતા ! ભાઈ તો કેટલો નાનો છે ! જે કઈ કરવાનું છે એ મારે જ કરવાનું છે ! ફરી આગળ વધીને પ્રેમથી દ્રષ્ટિને તેણે બાહુપાશમાં  જકડી લીધી ! ….”માં….તું હવે સમજ ! પપ્પા હવે આપણી સાથે રહ્યા નથી ! “……ફરી એ જ ગુસ્સો ઉછળી આવ્યો બીજલ પર દ્રષ્ટિનો …..”બીજલ,તને કહી દઉં છું,મો સંભાળીને બોલ ! ” “મા ,મારી વહાલી મમ્મી ,મારી વાત મન ,તું જીદ છોડી દે ,શાંતિથી વિચાર કર ! “….

“અરે ! આવો દિવસ જોવા માટે તને નાનેથી મોટી કરી છે ? સાવ અંગુઠા જેવડી હતી ત્યારથી શીખવાડી શીખવાડીને મેં તો તને મોટી કરી છે ! અને હવે મને શિખામણો આપે છે ? “…..

બીજલ ઝંખવાઈ પણ હિંમત રાખી બોલી.”માં,હું શું શિખામણ આપું તને ? તું તો કેટલી સારી છે,સમજુ છે ! ઘર માટે તે શું નથી કર્યું ?  પણ …એ વાત તો સ્વીકારવી જ પડશે ને કે પપ્પા હવે તારી સાથે નથી હોતા ! …તું અમારા માટે જે કઈ કરી રહી છે એ એકલે હાથે કરી રહી છે ! ” ..

..”ચુપ ,એકદમ ચુપ થઇ જા ! ….તમારા લોકોને લીધે ….તમારા કામ આખો દિવસ પતતાં નથી એટલે દીર્ઘને હું મળી નથી શકતી ! આખો દિવસ એ બિચારો એકલો ફર્યા કરે છે ! એ આટલું બલિદાન આપે છે તમારા માટે અને તમે એ છે જ નહિ એમ કહો છો ? એમાં તને આનંદ શું આવે છે ? “…. એક ડૂસકું લગભગ ગળી જ લીધું બીજલે ! …..

“માં ! ….આ તો હકીકત કરતા સાવ જુદું જ છે ! તું ક્યારે સમજીશ ?” ……

.”સમજવાનું તારે છે કે મારે ? મારી દુનિયા ઉજાડનાર મારી દીકરી જ બનશે એવું નહોતું ધાર્યું ! …તને ,હું તારા પપ્પાને મળું એમાં શો વાંધો હોઈ શકે ? “.

…”મમ્મી ,મને શું વાંધો હોય ? તું એમને ઝંખે છે ,એમ હું પણ તરસું છું ,એમના માટે …પણ એ હોવા જોઈએ ને ? મળવા તો જોઈએ ને ? “…..

.”આટલા વખત થી બધું બરાબર ચાલે જ છે ને ? તો પછી અત્યારે શું ધતિંગ માંડ્યા છે ? “…

..”મમ્મા,સાચું કહું છું …આ તમારી જીદ છે કે જે હકીકત છે એ ન માનવું ,હું તમને અને પપ્પાને બંને ને પ્રેમ કરું છું ,મને પણ એવું જ જોઈએ છે કે તમે બંને મારી સાથે રહો પણ ઈશ્વરને મંજુર નહોતું“……

“વળી પાછી એની એ વાત ! તને ખબર જ નથી તારા પપ્પા હજુ મારી કેટલી સંભાળ રાખે છે ! એ મને મળે જ છે ,મને જીવવાની તાકાત આપે છે ….એટલે તો આ બધી જવાબદારી હું નિભાવી શકું છું .”…..:

“જવાબદારી નીભાવામાં તું એકલી બસ છે ,મમ્મી તે અમારા માટે ઘણું કર્યું છે ! તે અમને ખુબ આપ્યું છે ,પપ્પાની ખોટ સાલવા નથી દીધી ,તને કેટલી તકલીફ પડે છે તે હું સમજુ છું ,પણ મનને મનાવા કરતા થોડું સમજાવ કે પપ્પા હવે રહ્યા નથી ! ” “ફરી એની એ જ વાત ! આજે તને થયું છે શું ? તારે મારો જીવ કાઢી લેવો હોય તો કાઢી લે પણ એવું ન કહીશ કે દીર્ઘ અહી નથી ”

બીજલ પણ રુદન ના મહાસાગરને ખાળી ના શકી …”માં,તું સમજ . જીદ ના કર .ભ્રાંતિ છે આ,એમાંથી બહાર આવ …તું જ તો અમારા જીવન નો આધાર છું ….અને બોદા પાયા પર આખી જિંદગીની ઈમારત કેવી રીતે ચણાય ? મારે તને તો કોઈ કાળે ગુમાવવી નથી ,તારી માનસિકતા મજબુત બનાવ …..અમને ઉપયોગી થાય છે ,એટલી તારી જાતને પણ ઉપયોગી બન ! ” “હું મારી જાત કરતા વધારે તારા પપ્પા ને પ્રેમ કરું છું,એ વાત તું ક્યારે સમજીશ ? તારા પપ્પા જ મારું સર્વસ્વ છે ….એમના માટે ગમે તેમ ન બોલીશ “….

“મમ્મી તમને ફરીથી કહું છું,તમે સત્યથી ડરી ગયા છો અને એક ભ્રમને તમે જીંદગી બનાવી રહ્યા છો ….ખરેખર તો ભ્રમ તમને સુંવાળો લાગે છે એ રોજે રોજ પીડે છે તમને ,ધીમું દર્દ છે આ પ્રેમ !રોજ કાપે છે આ પ્રેમ ! મૃગજળે તરસ કેવી રીતે છીપાવશો ,માં ? “,…..

.”તને આવી વાત માં સમજણ શું પડે ? હું તારા પપ્પાને ખુબ પ્રેમ કરું છું અને એ જ પ્રેમ મને જીવાડી રહ્યો છે “…

“માં,આ તો છેતરામણી છે ,જાત સાથે પણ ! “,…

“તું નહિ જ માને ,કેમ ? “…..

“કેવી રીતે માનું ,માં ? તમે રડો પણ છો ,વિલાપ પણ કરો છો ત્યારે એ સાંભળીને અમારા પર શું વીતે છે તે તમને શું ખબર ? શા માટે આવો વિલાપ ? …જો પપ્પા તમારી સાથે જ હોય તો ? “……

.”અરે બેટા,સંસાર છે આ ! ખુબ પ્રેમ કરનાર તારા પપ્પા ની લાગણીઓ નાજુક છે એટલે કોઈવાર રિસાઈ જાય છે મારાથી ! મારી નજીક જ ન આવેને ! એને પણ ગુસ્સો આવતો હશેને કે આખો દિવસ હું તો મારામાં અને મારામાં ઉલઝેલી રહું છું પછી જયારે હું બોલાવું ત્યારે રિસાઈને એ આવતા જ નથી ,પછી તેમને મનાવું છું ખુબ મનાવું છું  ….” “માં ,તમે મનાવો કે તરત પપ્પા આવે ? ” “કોઈ વાર બહુ આકરા થઇ જાય છે અને ખુબ પીડે ..મને ખુબ રડાવે ” “ઓ મારી માં રે ! “….બીજલ રીતસર રડી પડી અને દ્રષ્ટિને વળગી પડી …”બેટા,પપ્પા પછી તો મારી પાસે આવી જાય છે ” “તમને કેવી રીતે ખબર પડે એ ? ” “અરે ,તારા પપ્પાને ના ઓળખું ? જાણે હવાનું ઝોંકુ કોઈ સુગંધ લઈને આવતું હોય એટલી હળવાશથી આવીને એ મને સાચવી લે છે ,એની ગેરહાજરીની બધી પીડા એ દુર કરી દે છે ! ” “મમ્મા,મને પણ પપ્પા વગર નથી ગમતું ” “હા બેટા,તારા પપ્પા વગર ગમે જ કઈ રીતે ? ” “મને પણ બતાવશો પપ્પા ! મને પણ મેળવશો એમની સાથે ? ” બીજલે અચાનક પૂછી લીધું .દ્રષ્ટિ સ્થિર થઇ ગઈ ,તે વિચારમાં પડી ગઈ …તેની મૂંઝવણ જોઈ દ્રષ્ટિને થયું કે એ સાચી રીતે આગળ વધી રહી છે ,મમ્મી સામે એનું પોતાનું જ શસ્ત્ર વાપરવું ઠીક રહેશે ! તેને થયું  તર્કથી જ મમ્મીને સમજાવવું પડશે …. “બોલો મમ્મા ,બોલો ! તમે મને મેળવશો ? ગમે તેમ કરો બસ,મારી સાથે મેળાપ કરાવી આપો ! ” હવે દ્રષ્ટિની કસોટી હતી ….એ સ્થિર નજરે શૂન્યમનસ્ક બની તાકી રહી …એકદમ જાણે કે તેનો શ્વાસ અટકી ગયો ,બીજલને શું કહેવું તે કઈ જ સમજણ ન પડી ,ઘડીમાં દીર્ઘના ફોટા સામે કે ઘડીમાં દીર્ઘના બેડ સામે એ જોવા લાગી ! ધીરે ધીરે હોઠ ફફડાવા લાગી જાણે દીર્ઘને કહેતી હોય કે બીજલને મળવું છે તેમને ! બીજલના માથે હાથ મૂકી એણે પોતાની નજીક લીધી …જાણે દીર્ઘની સામે ઉભી રાખી હોય એમ જોવા લાગી અને પછી બીજલની સામે જોઈ રહી અને કહ્યું “વાત કરને તારા પપ્પા જોડે ! ”                               બીજલ આંખો ફાડીને જોઈ રહી ,નિરાશ વદને તે બોલી …. “પણ બતાવો તો ખરા ,ક્યાં છે પપ્પા ? ” હવે દ્રષ્ટિ શું બોલે ? યંત્રવત ખાલી જગ્યા તરફ તેણે આંગળી ચીંધી . “માં ,ત્યાં કશું જ નથી ,જુઓ ! ” બીજલે આડો હાથ પસારીને ,ફેરવીને બતાવ્યું .. “આ તમારો ભ્રમ છે ,મમ્મા ! અહી કશું જ નથી ! ” “ના ના,બેટા ,એવું ના કહે,જો તારા પપ્પા ! ” “જીદ છોડો ,માં,ખરેખર હોત તો મને પણ દેખાત જ ને ? ” “મને કૈક થાય છે,સહન નથી થતું ,એવું ના કહે કે પપ્પા નથી ! ” દ્રષ્ટિ પડી ભાંગી,ફસડાઈ પડી ,ખુબ રડી પડી…. “માં,…ઈશ્વરે પપ્પાને આપણી પાસેથી બોલાવી લીધા કહેછે ને ઈશ્વરને પણ સારા માણસની જરૂર હોય છે ! ” “ઈશ્વરે આપણો વિચાર કેમ ન કર્યો બેટા ! ” “આપણા કરતા પણ બીજે ક્યાંક પપ્પાની જરૂર વધુ હશે ક્યાંક …” “એમના વગર કઈ રીતે જીવાય ? ” “માં,તું બહુ હિંમતવાળી છે ,નિર્બળ ન થા ,જો તને રોજે રોજ તકલીફ તો કેટલી પડી અમને મોટા કરવામાં ? પણ તું ખરેખર તો માતૃ રૂપેણ સંસ્થિતા ,શક્તિ રૂપેણ સંસ્થિતા જેવી દેવી  જ છું ! ” “પણ પપ્પા વિના તો સાવ અધૂરી છું ” “તને લાગે છે કે પપ્પા પણ તને ભ્રમમાં જીવતી જોઇને રડ્યા વિના રહી શકતા હશે ? અને પપ્પાને આપણને છોડીને જવાનું મન થતું હશે ? “એ તો મારા વગર ક્યાય જતા જ નહોતા ,તો આટલા દુર કેવી રીતે જતા રહ્યા ? ” “કારણ કે માં,એમનું અહીંથી જવું એ એમનો નિર્ણય નહોતો,એતો ઈશ્વરના ન્યાયનું ફરમાન હતું,એમની ઈચ્છા હતી ” “ઈશ્વર એટલો નિર્દયી કેમ થતો હશે ? ” “ઈશ્વરને તો ઘણા બાળકો છે,એ બધાનું ધ્યાન રાખે છે ! ” “કેવી રીતે માનું  ? ” “ઈશ્વરને પપ્પાને બીજે ક્યાંક મોકલીને કૈક સારું કામ એમના હાથે કરાવવું હશે ! …જુઓને તમને અહી અમારા બધા માટે જ મોકલ્યા છે ને ? તમારે પપ્પા સાથે નહિ એમના પ્રેમના સહારે જીવવાનું છે ” “બેટા ,…..” અશ્રુની નદી વહી ગઈ … ” એમની યાદોના સહારે અને એમને દુઃખી કર્યા વગર જીવવાનું છે …” “હું એમને કોઈ રીતે દુઃખી કેવી રીતે કરી શકું ? ” “તમે એવી રીતે જીવો કે એ જ્યાં હોય ત્યાંથી તમને જુએ તો તેમને  શાંતિ થાય ! ” “હું અકળાઈ જાઉં છું ,એમના વગર ….” “માં,તમે અકળાઓ તો એ વધુ મૂંઝાય ….તમારે સ્વસ્થ રહેવાનું ,એમને ઈશ્વરના આદેશ અનુસાર બીજા કામ કરવાના હોય ,એના માટે એમને છુટા કરી દો ,તમે રડશો તો એ દુઃખી થયા કરશે અને એ કામ બરાબર કરી નહિ શકે અને ઈશ્વરના ગુનામાં આવશે ” “બીજલ,તારા પપ્પા બધા કામમાં મને સાથે રાખે જ ” “હા ,એટલે એમનો પ્રેમ અનુભવીને યાદને સાથે રાખી ,થોડું હસી લો .દુઃખને ભૂલી જાવ …અને દુરથી તમને જોતા પપ્પાને ,એમના આત્માને માનસિક શાંતિ આપો ” ” કેવું વડીલો જેવું બોલે છે ? ” ” માં ,તમને વડીલ થઈને નહિ ,લાગણી થી ,સમ સંવેદનાથી કહું છું, વધુ ના પીડાઓ ” દ્રષ્ટિ અવાચક બની સાંભળી રહી …તેની નવી દ્રષ્ટિ ખુલવાની ચાવી મળી ……. બીજલ એકધારું બોલ્યે જતી હતી …. “વેદનાને ઓળખી લો ,માં ! અને એનો સારામાં સારો ઉપયોગ કરીએ આપણે ! સંવેદના ના ઓઠા હેઠળ આપણે ભ્રાંતિની દુનિયા ઉભી નથી કરવી ,સંવેદનાથી સહુને સહાયક વર્તન કરવું છે,ભ્રાંતિ થી આપણી જ જાતને છેતરવી નથી ,પણ જાતને ઉજાળે એવી શક્તિ સ્થાપીને આપણું  વ્યક્તિત્વ ઉજ્જવળ બનાવવું  છે ! ” કૈક વિચારોના વાવાઝોડા સાથે દ્રષ્ટિ સ્થિર થઇ ગઈ ! …

← ક્યા સંબંધે….?(૧૮) પૂર્વી મોદી મલકાણ

કયા સંબંધે! (૧૯)તરુલતા મહેતા →

અંત વેદનાઓનો ..સુખદ સંવેદનાઓ() ડૉ ઈંદુબહેન શાહ

Posted on મે 15, 2015 by vijayshah

દ્રષ્ટીને બીજલની વાતો નાના મોઢે મોટી જણાઇ, વિચારવા લાગી ૧૬ વર્ષની બિજલને આ બધુ કોણે શીખવ્યું હશે!!આમ તો કહેવાય છે ને દીકરીને બારમે વર્ષે બુધ્ધી આવે સોળમે વર્ષે સાન આવે અને વિસમે વર્ષૅ વાન આવે,ખરેખર મારી બીજલને બુધ્ધિ અને સાન સમજણ આવી ગયા છે.આમ વિચારતા મનમાં પોસરાવા લાગી, બરાબર તેના પપ્પા પર ગઇ છે.પણ આ ડો પાસે જવા માટેનો આગ્રહ કરવાનું જરૂર પેલી ચિબાવલી તેની બેનપણી કિંજલે જ શીખવ્યું હશે, તે દિવસે આવી મને કહેવા લાગી આન્ટી તમે એક વખત ડૉ ને બતાવો, એ તો સારું થયું મમ્મીએ કહી દીધું તારી આન્ટીને કોઇ રોગ નથી, અમે ડૉ ની સલાહ લીધેલ છે.તમે બન્ને ઉપર જાવ તમારી પરીક્ષાનું વાંચો.

“હા દાદી અમે જઇએ છીએ”, બન્ને ઉપર ગયા ગુગલ વેબ એમ ડી પર સર્ચ શરું કર્યું, બેસ્ટ ડીપરેસન સાઇકોસીસના નિષ્ણાત ડૉ શોધ્યા ડૉ આલોક જગત્યાનું નામ જાણીતું લાગ્યું હ્યુસ્ટનમાં બેયલર કોલેજમાં સાઇક્યાટ્રિ રેસિડન્સીના પ્રોગ્રામ ડીરેક્ટર, હારવર્ડ યુનિવર્સિટિમાં ભણેલા ટ્રૅન થયેલ. બન્ને બેનપણીઓએ તુર્ત નક્કી કર્યું, ઓફિસમાં ફોન કર્યો એપોયન્ટમેન્ટ લીધી દાદા દાદીના રૂમમાં ગયા.પહેલા દાદીને જણાવવું ત્યાર બાદ મમ્મીને જણાવવું તે બીજલને યોગ્ય લાગ્યું, મમ્મી તો પોતાને કોઇ રોગ છે તે માનવા તૈયાર જ નથી.તેના માનસ પટ પર ડૉ એટલે કોઇ લેબમાં દર્દી પર જાત જાતની દવાઓ ખવડાવી પ્રયોગ કરનાર વ્યક્તિ, એક દિવસ જ્યારે કિંજલે ડૉ પાસે જવાનો બહુ આગ્રહ કર્યો તો ચોખ્ખુ સંભળાવી દીધું મારે તેમની પ્રયોગશાળામાં ગીની પીગ થવા નથી જવું.ત્યારથી કિંજલ પણ આન્ટીને સીધું નહી કહેતા દાદી પાસે કહેવડાવતી, લીનાબેન ખૂબ ધીરજથી નાના બાળકને સમજાવે તેમ દ્ર્ષ્ટીને સમજાવતા, કોક વખત વઢે, અને પાછા મનાવે.

બીજલ દાદા દાદી રૂમમાં ગઈ, દાદી,આજે મે ડૉ ની ઍપોન્ટમેન્ટ લીધી છે આ સોમવારે, તમારે બન્નેએ મમ્મીને ડૉ ને ત્યાં આવવા તૈયાર કરવાની છે,મને ખબર છે ઘણું અઘરું કામ છે, પણ મને ખાતરી છે તમે બન્ને થઇ તે જરૂર કરી શકશૉ. લીનાબેન અને સમીરભાઇ બન્ને મનમાં પોરસાય છે, સોળ વર્ષની તેમની પૌત્રી આજે ઘરની વડીલ બની જવાબદારી ઊઠાવી રહી છે, લીનાબેન બોલે છે, “મારી સમજુ ડાહી દીકરી અમે જરૂર પ્રયત્ન કરીશું,બેટા તું તારી મમ્મી માટે કેટલી બધી ચિંતા કરે છે, અમને તારી ચિંતા થાય છે, બેટા તું તારા ભણવામાં અને ખાવા પીવામાં બરાબર ધ્યાન આપજે,”

” દાદી તમે મારી ચિંતા નહી કરો, દાદી આ એકવીસમી સદીમાં બધા ટીનેજર મલ્ટી ટાસ્ક કરતા હોય છે,”

સમીરભાઇઃ કહે “તોય બેટા ક્લાસમાં બરાબર ધ્યાન આપવાનું”

“ અરે દાદા તમે નકામી ચિંતા કરો છો, ક્લાસ મિસ થાય તો પણ ટીચર અમારું હોમ વર્ક અમને ઇ મેલમાં મોકલી આપે,અને ક્લાસમાં શું શીખવ્યું તે પણ અમે અમારો પાસ વર્ડ મુકી ઇન્ટરનેટ પરથી જાણી શકીએ,”

“અરે વાહ તો તો હવે સ્કુલમાં જવાની જરૂર જ નહી બધા ઘેર બેઠા ભણી શકે,”

“ હા દાદા અત્યારે ઘણા પેરન્ટસ હોમ સ્કુલમાં પોતાના બાળકોને શીક્ષણ આપે છે”

“.સરસ,કિંજલ હવે તું ઘેર કેવી રીતે જઇશ? હું તને મુકી જાઉં”

“ ના દાદા મારા પપ્પા મને લેવા આવશે ત્યાં સુધી અમે બન્ને અમારા પ્રોજેક્ટ પર કામ કરીશું”.

બીજે દિવસે સવારે લીનાબેન વહેલા ઉઠ્યા. ચા બનાવી બન્ને જણા ચા નાસ્તો કરતા હતા અને દ્રષ્ટી આવી “મમ્મી તમે ચા બનાવી?”

“ હા બેટા તું ગઇ કાલે રાત્રે મોડે સુધી દીર્ઘ સાથે જાગી. પરોઢિયે પાછી દીર્ઘ માટૅ ઉઠી, એટલે અમને થયું તું આજે આરામ કરે તે સારું, હમણાથી તારું વજન પણ ઉતરી ગયું છે”

, દ્ર્ષ્ટીની આંખોમા પ્રેમ ઉભરાઇ આવ્યો, લીનાબેનને ભેટી “મમ્મી તમે કેટલા સારા છો મારા મમ્મી તો ઇન્ડીયામાં, અહી તમે છો એટલે મને જરાય મારા મમ્મીની ખોટ નથી જણાતી,”

“તું મને તારી મમ્મી માનતી હોય તો મારું માનતી કેમ નથી?”

“ શું નથી માનતી?”

“ હું કહું તે માનીશ,”

“ હા હા મમ્મી જરૂર માનીશ કહો”, “બેટા અત્યારે અભિને ઉઠાડ તેની બસ ચૂકી જશે તો તારે કે પપ્પાએ મુકવા જવો પડશે,”

“ હા હા એ તો હું ભૂલી જ ગઇ,”

તુરત ઉપર ગઇ અભિ તો ઉઠી ગયેલો તૈયાર થઇને નીચે ઉતરતો હતો, બન્ને બાળકો મમ્મીના મૂડ સ્વીંગથી પોતાની જાતે જ બને તેટલું કામ કરી લેતા.

ઇશ્વર ખૂબ દયાળુ છે. નાના બાળકોને ઘરના વાતાવરણને અનુકળ એડજસ્ટ થવાની સમજણ ઇશ્વર આપી જ દે છે. દ્રષ્ટીએ અભિને ઉંચકી લીધો ચુમી કરી

“મારો રાજા બેટો વહેલો તૈયાર થઇ ગયો, મમ્મી સાથે નાસ્તો કરશે?”

“ હા મમ્મી આજે મને ફ્રેન્ચ ટૉસ્ટ બનાવી આપને,” ચોક્કસ દ્રષ્ટી ખૂશ થઇ ગઇ, બન્ને મા દીકરાએ સાથે બ્રેકફાસ્ટ કર્યો, દ્રષ્ટી આજે પોતે અભિને બસ સ્ટૅન્ડ સુધી મુકવા ગઇ.

આ દ્રષ્ય જોઇ સમીર અને લીના એકબીજાની સામે જોઇ મલકાયા.

સમીરઃ”અરે લીના તે સવારના પહોરમાં શું મંત્ર પઢાવ્યો કે દ્રષ્ટી પહેલા જેમ વર્તવા લાગી.”

લીનાઃ “જોજોને થોડા સમયમાં બધુ બરાબર થઇ જશે.”

“હા હા એની તો મને ખાત્રી છે, તે અને બીજલે બરાબર બીડુ જડપ્યું છે, દ્રષ્ટીની વેદનાનો અંત આવી જ જવાનો.”

લીનાઃ” આવવાનો જ દુઃખનું ઑષડ દહાડા”.

સમીરઃ “અરે આ તો દહાડા ને બદલે મહિનાઓ વર્ષો થઇ ગયા તેનું શું?”

લીનાઃ “નાની ઉંમરમાં દુઃખ પડે તેના ઘા ઉંડા હોય રૂજાતા વાર લાગે.”

દ્રષ્ટી આવી તુરત પુછ્યું મમ્મી બોલો “તમારી શું વાત છે?”

“ અરે તે તો બરાબર યાદ રાખ્યું,”

“ રાખું જ ને મે તમને વચન આપ્યું છે તમારી વાત માનીશ બોલો શું વાત છે?”

બેસ, દ્ર્ષ્ટી મમ્મીની પાસે બેઠી લીનાબેન માથે વહાલભર્યો હાથ ફેરવતા બોલ્યા “જો બેટા તારું વજન ઘટતું જાય છે તેની અમને બન્નેને ચિંતા થાય છે, બીજલનેય તારી ચિંતા થાય છે, તો તારે

અમારા ત્રણે ખાતર આ સોમવારે ડૉ. પાસે આવવું પડશે,”

“હા ભલે આવીશ પણ હું ખોટા ખોટા ટેસ્ટ માટે તૈયાર નહી થાઉ,

“બેટા આ ડો ને પૈસાની કંઇ પડી નથી એ તો દર્દીની સેવા જ કરે છે બહુ જ સારા છે.”

“ સારું મમ્મી આવીશ.”

“બેટા આજે મને બીજલ અને તારા પપ્પાને સેર લોહી ચડશે.”

સોમવારે સવારે નવ વાગે ત્રણે જણ ડૉ આલોકની ઑફિસના વેટીંગ રૂમમાં બેઠા હતા, નર્સ આવી ત્રણેને ડૉ ની ઓફિસમાં લઇ ગઇ. સાયક્યાટ્રિસ્ટ ડૉ. આખા ફેમિલીને દર્દી વિષે પૂછે,બીજલને તો ફોન પર જ તેની મમ્મી વિષે પુછી લીધેલ. સૌથી પહેલા સમીરને પુછ્યું “બોલો વડીલ દ્રષ્ટી માટે તમારે શું કહેવાનું છે? દ્રષ્ટી તમારું ધ્યાન રાખે છે? તમને સમયસર રસોઇ બનાવી જમાડે છે?”

સમીરઃ”ડૉ સાહેબ દિવસ દરમ્યાન અમારા બધાના કામ કરે છે, અમને દુઃખ એ છે પોતે પોતાના શરીરનું ધ્યાન નથી રાખતી, આજે દસ વર્ષ થયા મારા દીકરાના સ્વર્ગવાસ થયાને, તે હકીકતને દ્રષ્ટી માનવા તૈયાર નથી, રોજ રાત્રે તેના બેડરૂમમાં દીર્ઘ સાથે વાત કરે, ડાયરી લખે કોઇ વાર હસે કોઇ વાર મોટે મોટેથી અકારણ રડે, આને બીજલ રોગ માને છે. આ ભ્રમમાં એ ક્યાં સુધી જીવશે!! આ ભ્રમ હટે, વર્તમાનનો સ્વીકાર કરે તેવો કોઇ ઇલાજ ખરો?”

લીનાઃ “ડૉ સાહેબ સાજના જમવાની ડીસ રૂમમાં લઇને જાય દીર્ઘ સાથે જમવા,ડાયરી લખ્યા કરે મોટેથી રડે, અને થાકીને જમ્યા વગર સુઇ જાય,આમ ક્યાં સુધી ચાલે?આ રોગ કહેવાય તો તેનું નિરાકરણ કરો”.

ડૉ આલોકઃ “હા દીકરી બીજલ- લીનાબેન તમારી વાત સાચી છે અકારણ મોટૅ મોટૅથી રડવું, હસવું,અવાસ્તવિક ભ્રમમાં જીવવું એ રોગ કહેવાય, અને તેનું નિરાકરણ પણ શક્ય છે. આપણે નિર્ણય લઇએ તે પહેલા મારે દ્રષ્ટી સાથે વાત કરવી જરૂરી છે.”

દ્રષ્ટી તરફ ખૂરશી ફેરવી, માથે હાથ મુકી પુછ્યું “દ્રષ્ટી તું કેમ છે? તારી કોઇ ફરિયાદ?

ડૉ,સાહેબ હું તો મઝામાં છું, પરંતુ આ બીજલ મને જરાય સમજતી નથી.તેનું તો ગુગલ જ્ઞાન,તમે જ કહો એ કંઇ સાચું જ્ઞાન કહેવાય?માત્ર સોળ વર્ષની દીકરીને હું કેમ કરી સમજાવું?”

ડૉ. આલોકે તુરત જ પુછ્યું “શું સમજતી નથી?”

ડો.આલોક જગત્યાનીએ દ્રષ્ટીની સંવેદનાઓ ખોલવાની તક ઝડપી લીધી

દ્રષ્ટી કહે છે “ બીજલ કહે છે મમ્મી તું ભ્રમ માં જીવું છું પણ હું માનુ છું કે મને દીર્ઘ દેખાય છે અને દીર્ઘ પણ ખરો છે તે બીજલને કે કોઇને દેખાતો નથી.

“હા તે દીર્ઘની ચતુરાઇ છે. તે તને એકલીને જ દેખાય અને બાકીનાં કોઇને ના દેખાય તેને શું માનવું?”

“મારું કહ્યું માને તો એક વાત કહું?”

“ એક વાત મને કહે કે તું દીર્ઘને ભાવતું ખાવાનું રોજ બનાવે છે. પણ બીજે દિવસે એમનું એમ જ પાછુ આવે છે તેનું શુ? જો દીર્ઘ ખાય તો તેની થાળી ચોખ્ખી તો હોવી જોઇને?”

“ હા બીજલ આવી જ વાતો કરીને મને ગુંચવ ગુંચવ કરે છે..

← Britiasianbazz.com પર એક મુલાકાત-મે ૧૮, ૨૦૧૫

અજંપો (restlessness) – Gujarati Poem →

અંત વેદનાઓનો સુખદ સંવેદનાઓ () ડૉ ઇંદુબહેન શાહ

Posted on મે 24, 2015 by vijayshah

ડો જગત્યાનીએ સહાનુભૂતિ દર્શાવી, પુછ્યું, તેની ભીતરની વેદનાઓ ડૉ જગત્યાની સમક્ષ ઊભરાવા લાગી, જ્યારે વ્યક્તિ દુઃખમાં હોય ત્યારે તેને એમ જ લાગે છે તેનું દુઃખ કોઇ સમજતું જ નથી નાના મોટા બધા શીખામણ જ આપે છે. જો દીર્ઘ હવે પાછો નથી આવવાનો, તારે તેના અધૂરા સ્વપ્નો પૂરા કરવાના, તેના અધૂરા કામ પૂરા કરવાના બન્ને બાળકોને દીર્ઘની ઇચ્છા મુજબ ઉચ્ચ શિક્ષણ આપવાનું વગેરે વગેરે..ડૉ જગત્યાનીએ સલાહ સુચનની જગ્યાએ તેને જે ખટકતું હતું તે જાણવાની આતુરતા બતાવી. દૃષ્ટીને તો તેને સાંભળનાર વ્યક્તિ મળી ગઇ અત્યાર સુધી કોઇએ તેના બોલવા પર ધ્યાન જ ક્યાં આપ્યું છે અરે તેના પોતાનો દીર્ઘ પણ ક્યાં તેનું સાંભળે છે, દૃષ્ટી તો ડૉ ના પહેલા જ સવાલથી ખૂશખૂસાલ થઇ ગઇ,બોલવા લાગી જુઓ ડો, સાહેબ હું આખો દિવસ ઘરના બધાના કામ કરું સમયસર મારા જોબ પર જાઉ, સાંજે તો મારે મારા દીર્ઘને સમય આપવો જોઇએને, હું રૂમમાં તેને માટે તેને ભાવતી વાનગી લઇને જઉ, તેની સાથે આખો દિવસ કેવો ગયો તેની વાતો કરું તો  ઘરના બધાને એ મારો બ્રમ લાગે છે, એ લોકો મને રોજ એમ જ કીધા કરે છે દીર્ઘ તો શ્રી જી પાસે પહોચી ગયો છે,  મારો દીર્ઘ મને મુકીને જાય જ નહીં એ મને રોજ રાત્રે મળે છે  તમે જ કહો એ મારો બ્રમ કહેવાય?

ડો.જગત્યાનીઃ તો પછી તું રાત્રે રડે છે શા માટે?

એ તો ક્યારેક જ્યારે દીર્ઘ મારું માને નહી, મને બહું પજવે, હું એને કેટલું સમજાવું ને માને નહીં, અમારા અભિની સોકર ગેમ શનિવારે હોય દર શનિવારે પપ્પા અને હું તેને ગેમમાં લઇ જઇએ, મેં કહ્યું આ શનિવારે તું જોબ પર નહી જતો, એક શનિવારની અભિ માટે રજા લે, મારું ન માન્યો, દીર્ઘ તું છોકરાઓનું બાળપણ માણતો નથી, આપણે બન્ને જોબ કરીએ છીએ પપ્પા પણ હવે પાર્ટ ટાઇમ જોબ કરે છે, આટલી બધી શું પૈસાની ચિંતા કરે છે,અને પટેલ કાકાની સલાહથી બન્ને બાળકોના કોલેજ ફંડના ખાતા પણ ખોલાવ્યા છે,પછી શું ચિંતા,પણ બસ એની જીદ,મારા રડવાથી મમ્મી પપ્પા રૂમમાં આવ્યા મમ્મીએ મને શાંત કરી સરબત પીવડાવ્યું, પપ્પા દીર્ઘને વઢ્યા,દીર્ઘ એક શનિવાર તું સ્ટૉર નહીં ખોલે તો સ્ટૉર બંધ નહીં થઇ જાય,મમ્મીના સરબતથી મને બહુ સરસ ઉંઘ આવતી હતી, દીર્ઘ હવે મને ઉંખના ગાડા આવ્યા છે, પપ્પાની વાત માની શનિવારની રજા આજે મુકી દે જે ભૂલતો નહીં.

 

ડૉ.જગત્યાનીઃ મે તો સાંભળ્યું છે તું રોજ રડે છે! દીર્ઘ ને ભાવતી વાનગી બનાવે તો દીર્ઘ જમતો કેમ નથી?સવારે થાળી એમને એમ હોય છે!

હા એ જ, મમ્મી અને બીજલ મને આવું પૂછી પૂછીને મુંજવે છે,

દીર્ઘ આજે તારી સાથે કેમ ન આવ્યો?

ડૉ.સાહેબ દિવસે તો એને જરા પણ સમય ન હોય, આ દેશમાં આવ્યા ત્યારથી બબ્બે જોબ કરે છે, બીજલ આવતા વર્ષે કોલેજમાં આવશે, તેના ખર્ચા, જમાના પ્રમાણે બાળકોનો ઉછેર કરવો પડે, દિવસે દિવસે બાળકોના ખર્ચ વધતા જાય છે, અભિના બધા ફ્રેન્ડસ સમર કેમ્પમાં જવાના છે, અભિએ જીદ કરી છે,બાળકોને જમાના પ્રમાણે બધી ઇતર પ્રવૃતિ કરાવવી પડે ન કરાવીએ તો બાળકોને ઇન્ફિર્યોરીટી કોમ્પલેક્ષ આવી જાય, મારો દીર્ઘ બહુ જ સેન્સીટીવ છે, અમે બન્ને આ દેશમાં સ્વપ્નો સાથે આવ્યા છીએ,

ડૉ જગત્યાનીએ વધુ ઇન્તેજારી દર્શાવી પૂછ્યું શા ના સ્વપ્ના?

ડૉ.સાહેબ, દીર્ઘને ડૉ થવું હતું, માર્ક્સ હોવા છતા, મેડીકલ કોલેજમાં ન જઇ શક્યા, પપ્પાજીએ ના પાડી શહેરના ખર્ચા ન પોષાય, દીર્ઘ સૌથી મોટા, નાનોભાઇ અને નાની બેનને પણ ભણાવવાના, ત્રણ જણના ભણાવવાના ખર્ચા, પપ્પાની સાધારણ નોકરી્માં ના થઇ શકે,આ બધો વિચાર મારા લાગણીપ્રધાન દીર્ઘે કર્યો, પોતાનું ડૉ થવાનું સ્વપ્ન છોડી  અમારા ગામની કોલેજમાં બી કોમ થયા, બેન્કમાં નોકરી લઇ લીધી, આ જમાનામાં કોણ આવો વિચાર કરે? ડૉ સાહેબ દીર્ઘનું અધુરું સ્વપ્ન હવે બન્ને બાળકોમાં પુરું કરવા દીર્ઘ તેઓની બધી માગણીઓ પુરી પાડૅ છે. બીજલને ડૉ. થવું છે. અભિ નાનો છે, દીર્ઘ અભિને એમ આઇ ટીમાં એન્જિન્યર બનાવવાના સ્વપ્ના જુએ છે, અને સાકાર કરવા ખૂબ મહેનત કરે છે.

જેમ જેમ દૃષ્ટી તેની વેદના સંવેદનાઓ વર્ણવતી ગઇ, તેમ ડૉ જગત્યાનીને લાગ્યું દૃષ્ટી પ્રેમાળ લાગણી પ્રધાન વ્યક્તિ છે તેમને નિદાન મળી ગયું.

Reactive Depression

ચાર્ટમાં લખ્યું.

દૃષ્ટી સંવેદનશીલ વ્યક્તિ છે, લાગણી સાહનુભૂતી સભર સાયકોથેરપિ તેને ડિપરેસનમાથી જરૂર બહાર લાવી શકશે તે વિષે ફેમિલી સાથે વાત કરી, .ડીપરેસનની પ્રાથમિક માહિતી આપી.

ડિપરેસન બે પ્રકારના હોય છે, ઇન્ટરનલ ડિપરેસન જે મગજમાં થતા ન્યુરો ટ્રાન્સમિટર( જેવાકે એપિનેફરિન, નોર એપિનેફરિન અને સિરોટૉનિન)ના વધુ પડતા શ્રાવ અથવા અભાવને કારણે થતું હોય છે આના માટે અમુક જાતની દવાની જરૂર પડે છે,જે લાંબા સમય સુધી લેવી જરૂરી હોય છે.

બીજો પ્રકાર રિયેક્ટીવ ડિપરેસન, જેને એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે.

બીજલનું ગુગલ ગુરુ જ્ઞાન તુરત જ ઉછળ્યું તો પછી ડૉ.સાહેબ મારી મોમને મારા ડૅડના અવસાનનો આખાત લાગ્યો છે, મારા ડૅડની ગેરહાજરીનો સ્વીકાર કરી નથી શકતી, તેના કારણે ઘરમાં બધા સાથે એડજસ્ટ થઇ નથી શકતી. તો અમે તેની સાથે એડજસ્ટ થઇને રહેવા તૈયાર છીએ.

હા બેટા તારી વાત સાચી છે, આના ઘણા કારણ હોય શકે,જેવાકે વગર કારણે નોકરીમાંથી જાકારો, છુટાછેડા,વગેરે..  મુખ્ય કારણ પ્રિય વ્યક્તિનું નિધન.જેને કારણે તારી મમ્મી દૃષ્ટી આવા ડિપરેસનનો ભોગ બની છે, સાધારણ રીતે આ ડિપરેસન છ, બાર મહિના જ ચાલે, જ્યારે વધારે લાંબુ ચાલે ત્યારે સાયક્ર્યાટ્રિસ્ટ કે સાયકોલોજિસ્ટની સલાહ લેવી જરૂરી છે.દૃષ્ટીના લાંબા સમયનું ડિપરેસન જે ઘરના ફેમિલી સભ્યોને માટે અસહ્ય થઇ રહ્યું છે, તમે બન્ને બાળકો પણ હવે સમજણા થયા છે,માટે જરૂર આપણે બધા સાથે મળી તારી મમ્મીની થેરપિ શરું કરીશું અને જરૂર સફળતા મેળવીશું,આવતી કાલે રાત્રે હું તમારે ત્યાં આવીશ આપણે સહુ સાથે ડીનર લઇશું.

ડૉ.જગત્યાની દૃષ્ટીના ખભે હાથ મુકી જાણે તેને દિવ્ય સ્વપ્નની નિદ્રામાંથી જગાડતા હોય તેમ દૃષ્ટી તું આમંત્રણ આપે છે ને!!હું તો આવવાનો જ તારા દીર્ઘ સાથે તે બનાવેલ સ્વાદીષ્ટ ડીનર ખાવા.

દૃષ્ટીઃ”હા,હા જરૂર આવો મારા દીર્ઘને મહેમાન સાથે ડીનર લેવું બહુ જ પસંદ છે”.

ડૉઃ”ચાલો કાલે સાંજે મળીએ”.

દૃષ્ટીઃ”ના ના ડૉ.સાહેબ કાલે નહીં આજે સાંજે જ આવો આજે હું સરસ રસોઇ બનાવવાની છું, મને આજે રજા છે.”

સમીરભાઇઃ હા હા” शुभस्य शीघ्रम” સારા કામમાં ઢીલ નહીં આજે સાંજે ૭ વાગે આવી જાવ અમે બધા રાહ જોઇશું

ડૉ.જગત્યાનીને ઘેર ક્યાં કોઇ રાહ જોવા વાળું હતું, કે કોઇને પૂછવાનું હતું, બાળકો બન્ને કેલિફોર્નિયા કોલેજમાં ગયા બાદ વિધુર ડૉ. ઘેર એકલા જ ડીનર લેવા ટેવાય ગયા હતા, આજે તેમનું એકલવાયું મન લલચાયું આલોક છોકરાઓ ગયા તેઓ તેમની લાઇફમાં એવા તો ગોઠાવાય જશે કે ફાધર્સ ડે અને તારી બર્થ ડૅ સિવાય તને યાદ પણ નહીં કરે, આ તક જડપી લે, તારા દર્દીની વેદનાઓ તારી સંવેદનાઓની સારવાર માગી રહી છે પૂરી પાડ, દર્દી દાકતર બન્નેને ફાયદો.

ડૉ.”ભલે વડીલ આપની વાત સાચી છે”.આજે સાંજે મળીએ.

“બાય,”

“બાય,”

સાંજના સાતના ટકોરે ડૉ.આલોક આવી ગયા, સમીરભાઇએ દરવાજો ખોલ્યો, “આવો ડૉ સાહેબ”,

ડૉ બુટની દોરી છોડવા નીચા નમ્યા,

સમીરભાઇએ તેમનો હાથ પકડ્યો” ડૉ સાહેબ સુઝ ચાલશે, તમને સાહેબ લોકોને તો સુઝ સાથે ઘરમાં ફરવાની આદત હોય .”

ડૉ.”ના મારા ઘરમાં સુઝ  મારી પત્નિનો કડક નિયમ પગરખા મડરૂમમાં ઉતારીને જ ઘરમાં પ્રવેશ કરવાનો.”

“સારું કહેવાય તમારા પત્નિ ઘણા ધર્મિષ્ઠ હશે”,

ડૉ. “હતા”,

“એટલે!! હવે નથી”

“હું વિધુર છું મારા પત્નિનો કેન્સરની બિમારીમાં સ્વર્ગવાસ થયો,ત્યારથી હું મારો સમય મારા દર્દીઓ અને મારા બાળકોના ઉછેરમાં જ પસાર કરું છું”.

“સારું કહેવાય”, પછી મનમાં દૃષ્ટી માટે વિચારવા જેવું છે, થેરપિ દરમ્યાન બન્ને વધારે નજીક આવે, ઉમર પણ વધારે નથી લાગતી, કદાચ પાચ- સાત વર્ષ મોટા હશે.. હરિ ઇ્ચ્છા હશે તે થશે.

રસોડામાંથી લીના પણ બહાર આવી. “આવો આવો સાહેબ બેસો.”પછી પછી વળીને બુમ પાડી

“દૃષ્ટી બહાર આવ જો કોણ આવ્યું છે?”

“આવી મમ્મી! હું રૂમ વ્યવસ્થિત કરવા ગયેલી દીર્ઘને પથારીમાં એક કરચલી પણ ન ગમે, ડ્રેસર પર બધું ગોઠવેલું હોવું જોઇએ,ડૉ સાહેબ રોજ સાંજે હું મારો બેડ બરાબર કરું.મમ્મી પપ્પા તમે જમી લ્યો દીર્ઘ આવે ત્યારે અમે સાથે ડીનર લઇશું.”

ડૉ. “દૃષ્ટી ભૂલી ગઇ આજે બધાએ સાથે ડીનર લેવાનું છે,”

“હા બરાબર, મે દીર્ઘ ને ટેક્ષ મેસેજ મોકલી આપ્યો છે, એ આવતો જ હશે. ગરાજ ખૂલ્યું દીર્ઘ આવ્યો,જોયું સીધો બેડરૂમમાં ગયો,”

ડૉ.”દૃષ્ટી મને તો નહીં દેખ્યો,સમીરભાઇ, લીનાબેન તમે દીર્ઘને બેડરૂમમાં જતા જોયો,”

“ડૉ.સાહેબ અમને નહીં દેખાયો, બીજલ,અને અભિ પણ નીચે આવ્યા મમ્મી ડેડી આવ્યા અમને બહુ ભૂખ લાગી છે, જલ્દી થાળી પીરસ”,

લીનાબેનઃ “ચાલો બધાની થાળી પીરસાઇ ગઇ છે, બધાએ પોતપોતાની થાળી ઉપાડી સહુ દીર્ઘના બેડરૂમમાં ગયા, દૃષ્ટી પણ બે થાળીઓ એક દીર્ઘ માટે અને પોતાની લઇને આવી ગઇ.સૌ સાથે સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વિર્યમ કરવા વહૈ,

તેજસ્વીના વદી તમસ્તુ,મા વિદ્વિસા વહૈઃ

ૐ શાંતિ શાંતિ શાંતિઃ

પ્રાર્થના બોલ્યા, સમીરભાઇઃ સહુ જમવાનું શરું કરો,.

અભિઃ “પપ્પા મને આજે તમે ખવડાવોને, દાદા અને દાદી જ મને ખવડાવે છે, તમે મને કોઇ દિવસ ખવડાવતા નથી, આજે તમે મને નહી ખવડાવો તો હું નહીં ખાવ, બીજલને તમે ખવડાવો છો એ ફોટૉ મે આલ્બમમાં જોયો છે, મારો તો એવો એક પણ ફોટૉ નથી, મમ્મી કહે છે તમે રોજ રાત્રે આવો છો, તો આજે મને ખવડાવો તમે તો મને દેખાતા પણ નથી, ક્યાં સંતાયા છૉ બહાર આવો,”

સમીરભાઇ લીનાબેન ડૉ બધા એકસાથે દીર્ઘ બહાર આવ અમારે બધાએ તારી સાથે જમવું છે,

દૃષ્ટીઃ “ડૉ.સાહેબ તેને મારી સાથે જમવાની ટેવ પડી ગઇ છે એટલે સંતાઇ ગયો છે”.

અભિઃ “મમ્મી મારા ટીચરે કહ્યું છે, જે હેવનમાં જાય તે કદી પાછા ન આવે, એટલે એના આત્માને શાંતિ થાય એવા કામ કરવાના એટલે હું અને બેન બન્ને ડૅડીની ઇચ્છા પ્રમાણે ખૂબ ભણીશું, ચાલ દાદી, દાદા આપણે જમી લઇએ,”

ડૉ.એ ઇસારો કર્યો ચારે જણા થાળી લઇને બહાર ગયા.

ડૉ. ક્લોસેટમાં ગયા પાછા આવ્યા,

જરા ગુસ્સામાં “દૃષ્ટી ક્યાં છે ખાવાનું? જલ્દી આપ મને ઉંઘ આવે છે,”

દૃષ્ટીને ભ્રમમાં ડૉ.આલોકમાં દીર્ઘ દેખાયો બન્ને સાથે પોતપોતાની થાળીમાં જમ્યા. દૃષ્ટીને આજે દીર્ઘ સાથે જમ્યાનો સંતોષ થયો, થાકેલી તુરત જ સૂઇ ગઇ, બન્ને થાળી ઉપાડી ડૉ બહાર નીકળ્યા સૌને ખૂશ ખબર આપ્યા દૃષ્ટી જમીને સૂઇ ગઈ છે.મેં આજે તેની સાથે દીર્ઘ બની ખાધું છે, આ આપણી થેરપિનું પહેલું સેસન, હવે પછીના સેસનમાં આ ભ્રમ દૂર કરવાનો અને તેમાં તમારો સહુનો સાથ અને સહકાર અનિવાર્ય રહેશે,

ડૉ.સાહેબ આજે અમને દૃષ્ટીની રડારોળ નહીં સંભળાય અને અમે સહુ નિરાંતે સૂઇ શકીશું.

ગુડનાઇટ “ હું હવે જઇશ હેવ અ સાઉંડ સ્લીપ”

“ગુડનાઇટ ડૉ.સાહેબ થેંક્સ”

“ડૉઃકાલે ફોન પર વાત કરીશું.બાય”

“બાય.”

 

અંત વેદનાઓનો સુખદ સંવેદનાઓ () વિજય શાહ

Posted on મે 26, 2015 by vijayshah

 

જે દર્દ ઓળખાઇ જાય તે દર્દની દવા સરળ હોય છે.

જ્ઞાન રાહ ની પ્રાપ્તિ પછીજેમ મોક્ષ તરત હોય છે

ડૉ જગત્યાનીએ બીજે દિવસે ફોન કર્યો ત્યારે દ્રષ્ટીએ ફોન લીધો.” હેલો

હેલો

ડોક્ટર સાહેબ મને કાલે તમારામાં મને દીર્ઘ કેમ દેખાયો?’

જો દ્રષ્ટી સાચું કહું, કાલે મને તારામાં મારી પત્ની આશા દેખાતી હતી.

બીજો છેડો થોડો સ્તબ્ધ હતો. ડોક્ટર જગત્યાનીએ આગળ ચલાવ્યુંતેને કેન્સર થયું હતું અને તે માનવા તૈયાર નહોંતી કે તેનો અને મારો સાથ છુટી જશે. મને ખુબ ચાહતી હતી.”

હું જેમ દીર્ઘને ચાહું છું તેમ?”

હા તું તો પાગલની જેમ દીર્ઘને હજી ચાહે છે’. પણ હું તો ડોક્ટર એટલે ચિન્હો જોઇને ખબર પડી ગઈ હતી. આશાનું શરીર આખુ લિમ્ફો સર્કોમાના ભરડામાં હતું. તેને જીવવું હતું અને તેથી મને તે કહેતી,’તું આટલો મોટૉ ડૉક્ટર અને મને તું નહીં બચાવી શકે’?

મેં તેને કહ્યું, “આશા તને તો હું બચાવી નહીં શકું પણ તારા માટેનાં મારા પ્રેમને હું જરૂર જીવંત રાખીશ.”

પછી “?

જો સાંભળ મારા પ્રેમને જીવંત રાખવો હોય તો ફરી લગ્ન કરી લેજે. પણ મને યાદ કરી  દુઃખી ના રહેતો”.

શું કહો છો? દીર્ઘને હું દુઃખી કરું છું?”

હા, એને રોજ રડીને તમે જ્યાં છે ત્યાંથી બોલાવો છો.  મને થાય છે મારી આશા અને તમારો દીર્ઘ બંને એક પ્રકારે મૃત્યુનો ભોગ બન્યા છે. તેમને મરવું નહતું પણ તેમના મૃત્યુને તેઓ રોકી શકે તેમ નહોતા.”

ડૉક્ટર સાહેબ તમે શું બોલ્યા? મારો દીર્ઘ તો હયાત છે.”

એક સાચી વાત કહું?”

હા કહોને, પણ દીર્ઘ નથી તે વાત નહી.”

મારે હવે ડૉક્ટર તરીકે નહી પણ આલોક તરીકે તમને કહેવું છે તે શાંતિથી  સાંભળજો. તમારા અને આશાના રોગ વચ્ચે એક ભેદ છે. તેણે મને મૃત્યુના આઘાતમાં  રહેવાની ના પાડી હતી. જ્યારે તમારા કેસમાં તમારા બધા સગા વહાલાઓએ તમારા ભ્રમને જીવતો રાખ્યો છે .કારણ કે તે બધાને તમારી ચિંતા છે. પણ સાચું કહું તો તે તેમની ભુલ છે!”

એટલે?”

તમે જાતે દીર્ઘનાં મૃત્યુ ને સ્વિકારી તમારામાં એક રોગ ઉભો કરી દીધો . તે રોગનાં દર્દીઓનાં અંતની પણ તમને વાત કરી દઉં, તો તે છે પાગલ ખાનુ અને શોક ટ્રીટમેંટ.”

તમે મને ડરાવો છો, હું દીર્ઘને કહી દઇશ.”

હવે આલોકનો મુખવટો ઉતારી દીર્ઘનો મુખવટો પહેરી લેતા આલોક બોલ્યો.  ”દ્રષ્ટી, હું હવે થાકી ગયોછું . તું મને છોડતી નથી અને જમરાજા મને તેથી ઘસડ્યા કરે છે.”

પણ દીર્ઘ હું તારી પત્ની છું! હું કેવી રીતે માનું કે તું નથી?”

કેમ બધા કહે છે, છતાં કોઇને તું મારું અસ્તિત્વ બતાવી નથી શકતી તે પુરતું કારણ નથી?”

પણ મને તો તું દેખાય છે ને?”

ખોટી વાત છે. તું ભ્રમિત છે. ચાલ કહે અત્યારે મેં કયું શર્ટ પહેર્યું છે?”

પણ તું તો ફોનથી મારી સાથે વાત કરે છે. મને કેવી રીતે દેખાય તેં કયું શર્ટ પહેર્યુ છે?

બસ તેમ , બધા ઘરનાઓને સમજ છે અને તેથી તને સાચવવા તારા ભ્રમને પોષે છે. તું રડે છે ત્યારે બધા દુઃખી થાય છે અને તારું ગાણું  ગાય છે. જેમ ફોન ઉપર તું મને જોઇ શકતી નથી તેમ તે લોકો પણ દીર્ઘને જોઇ શકતા નથી.”

હેં?”

હા. હવે તું જાગ અને મને છોડ!”

કોને છોડું? તમે તો આલોક છો ને?”

ના. હું દીર્ઘ છું. “

હેં? દીર્ધ તમે શું બોલો છો?”

હા. દ્રષ્ટી મારે તને પાગલખાનામાં નથી મોકલવી. દસ  વર્ષ થયા હવે તો ભ્રમને સત્ય માનવાનું બંધ કર. તારા નાના સંતાનો હવે પુખ્ત થયા. કાલે ઉઠીને બીજલનાં લગન લેવાશે ત્યારે વિચાર તો કર ગાંડી મા હોય તેની દીકરીને કોણ લેશે? અરે હવે તો અભિ પણ કહે છે કે મમ્મી માંદી છે તેની સારવાર કરાવો”.

ફોન ઉપર દ્રષ્ટીનાં હીબકા સંહળાતા હતા અને આલોકે ફોન મુક્યો અને તરત બીજલ નો ફોન આવ્યો. ડોક્ટર સાહેબ મારી માને તમે શું કહ્યું તે ફોન મુક્યા પછી રડ્યા કરે છે.”

જો બીજલ આજે વાસ્તવિકતાનો પહેલો ડોઝ આપ્યો છે.તેનું આંતર મન અને બાહ્ય જગત આજે બે જુદા કર્યા છે. આજથી ઘરમાં પણ હવે કોઇએ તેનું ગાયેલું ગાવાનું નથી.”

સમીરે પુછ્યુંપણ આની આડઅસરો?”

આડઅસરો તો અત્યારે છે. તેનું સુપ્ત મગજ બળવો કરી રહ્યું છે. દીર્ઘ તેને છોડવાનું કહે છે તે તેનાથી પચવાનું નથી.”

પણ તેથી વધારે વાત બગડશે નહીં?” લીનાએ ચિંતા જાહેર કરી.

ના અને ના. હા, તમે પાછો પેલો ભ્રમ ચાલવા ના દેશો. ભ્રમિત વાતો કરે ત્યારે કડપ સાથે કહી દેવાનું અમે દીર્ઘની વાતો સાંભળીએ કે તારી?  જેમ તેં પતિ ખોયો છે ,તેમ અમે દીકરો ખોયો છે.   વાત ને સર્વે સર્વા કરી સાથે હવે દસ વર્ષ થયા અમે તો ભુલી પણ ગયા. હવે તું પણ ભુલી જા! એવી વાતો સાથે પાગલખાનામાં મુકી આવશે,તે  ભય પણ કડવી દવાની જેમ પાતા રહેજો.”

બીજલની અને લીના બહેન ની આંખોમાં મોટા મોટા બોર જેવા આંસુ ટગ ટગતા હતા. સમીરભાઇ બોલ્યા, દીર્ઘનું અવસાન દ્રષ્ટીની દવા છે. હવે બહું થયું !

દ્રષ્ટી નાના બાળકનું રમકડૂં છીનવાઇ જાય અને ધમ પછાડા કરે તેમ પોકે મૂકી રડતી હતી. તેનો દીર્ઘ રીસાયો હતો.  હવે કદી તેની પાસે આવવાનો નથી એવું કહેતો હતો. તેથી તે રડતા રડતા તેને વિનવતી હતી તો કદીક પોતાનો ગુનો માફ કરો પણ મને છોડીને ના જાવ તેવો લવારો કરતી હતી.

લીના બેને થોડી રડારોળ પછી તેને દવા આપી અને સુવાડવાની કોશિષ કરી.

બીજલ મક્કમ અવાજે બોલીમોમ જે સત્ય છે તે માનો. પપ્પા દસ વર્ષ પહેલા અકસ્માતે મૃત્યુ પામ્યા છે. આખુ જગત જાણે છે કે તમે તેમની સ્મૃતિઓને સત્ય સમજી જીવંત રાખ્યા છે. પણ વાસ્તવિકતા છે કે આપણે બધા રીતે ના જીવી શકીયે. બા અને દાદા સામે જુઓ તેમણે પણ દીકરો ખોયો છે. મેં અને અભિ પપ્પાને ખોયા છે . મમ્મી ડૉક્ટર અંકલના કહેવા પ્રમાણે ભ્રમનો આગલો તબક્કો છે. તમને પાગલખાનામાં માવજત માટે મુકવાના? અમને કોઇને તે મંજુર નથી તેથી તો હવે તમને ભ્રમમાં થી બહાર કાઢવા મથીએ છીએ.

ભ્રમ?  કેવી વાત કરે છે બીજલ? મને તો તે દેખાય છે?”

તો અમને બતાડને? શની રવીવારે નોકરી ઉપર તો રજા હોય છે ત્યારે કેમ અમારી સાથે રમતા નથી?”

હું પણ એજ એમને કહું છું, પણ માનતા નથી.”

મમ્મી, તું ખોટાં ભ્રમમાં છે. તું જેમ કલપના કરે તેમ તારી મરજી પ્રમાણે આવે અને જતા રહે તે વાત હું અને અભિ માનતા નથી.”

બા દાદા તો માને છે ?”

ના. તેઓ તને પણ ખોવા નથી માંગતા તેથી તારી હા માં હા પુરાવે છે. પછી તારી સામે દયાથી જોઇને તેમના રૂમમાં જઇને રડે છે.”

હેં?”

કડવું સત્ય હતું. તેણે બાના રૂમમાં જઇને જોયું તો બંને  દીકરાનાં ફોટા સામે જોઇ રડતા હતા. તેમના દીકરાનું ખરેખર જાણે આજે મોત ના થયું હોય તેમ છુટ્ટા મોઢે રડતા હતા.

દ્રષ્ટીને પહેલી વખત લાગ્યું કે કોઇ અંધારી ટનલમાંથી તે બહાર નીકળી રહી હતી. ટનલને બીજે પાર દીર્ઘનાં ફોટા ઉપર ચંદન નો હાર ચઢેલો હતો. ભાલે લાલ કુમકુઅમનો ચાંદલો હતો. દીર્ઘ પણ ખીન્ન દેખાતો હતો. તેને યમદૂતો ખેંચીને લઇ જતા હતા. તેને જવું નહોંતુ પણ યમદૂતો તેને ખેંચીને લઇ જતા હતા

દીર્ઘના નામની મોટી ચીસ પાડી દ્રષ્ટી બેહોંશ થઇ ગઈ.

સ્તબ્ધતાનું સામ્રાજ્ય ઘેરું બને તે પહેલા બીજલે ફરી ડૉ જગત્યાની ને ફોન કરી બનેલી બધી ઘટનાની વાત કરી.

ડૉ જગત્યાનીએ ઘરને ફરી ગોઠવવાની સલાહ આપી. જેમાં દીર્ઘનાં ફોટા ઉપર ચંદન હાર અને ચાંદલા સાથે દિવાનખંડમાં મુકવાની સલાહ આપી. દ્રષ્ટીનાં રૂમમાં પણ દીર્ઘનું અસ્તિત્વ હતું તે બધુ હટાવી દેવા કહ્યું. ખાસકરી દીર્ઘની ડાયરી હટાવી દેવા જણાવ્યુ. સૂચના આપી કે હવે જ્યારે આઘાતમાંથી દ્રષ્ટી બહાર નીકળે ત્યારે કોઇએ તેની દયા ખાવાની નથી. એના ભ્રમને જે રીતે તેના પ્રત્યાઘાતો હોય, તે્ને કડકાઇથી ઘર બહાર કાઢી દેશવટો આપવાનો છે.

સમીરભાઇ જોતા હતા દ્રષ્ટી, બેભાન અવસ્થામાં ઝઝુમતી હતી અને બબડતી હતી. “દીર્ઘ તમે શું કર્યુ? મને છોડીને કેમ ચાલી નીકળ્યા?  મને કેવી સજા દીધી?”

લીના અને બીજલ સમજી રહ્યા હતા કે વલોપાત છે.  દીર્ઘ જતો રહ્યો તેનું દુઃખ છે. ડો. આલોક ની સારવાર રંગ લાવી રહી હતી.

ડો. જગત્યાનીએ આવીને તેને ઉઠાડી હિપ્નોટાઇઝ કરી. જ્યારે દ્રષ્ટી તેમની અસરમાં હતી ત્યારે પુછ્યું ,“ અરે દ્રષ્ટી તેં આજે રંગીન કપડા કેમ પહેર્યા છે? તારે દીર્ઘનો શોક નથી?”

એની ચકળ વકળ આંખો સ્થિર થઇ. તેના રૂમમાં જઇ કપાળેથી ચાંદલો કાઢી નાખ્યો. મંગળ સૂત્ર કાઢી નાખ્યું, બંગડીઓ ઉતારી નાખી, તુલસી માળા પહેરી અને સફેદ સાડી પહેરીને બહાર આવી ત્યારે સૌની આંખોમાં આંસુ હતા. દીર્ઘા આજે ખરેખર હ્રસ્વ થયો.

ડૉ. આલોકે ફરી એક વખત પ્રશ્ન પુછ્યો, “ દ્રષ્ટી તેં શું પહેર્યુ? આમ કહી તેને હિપ્નોસીસની અસરમાંથી  બહાર કાઢી. તે જોવા માંગતા હતા અસર કાયમી છે કે હંગામી.

દ્રષ્ટી ડૉ સામે ક્ષણ માટે જોઇ રહી અને બોલી, “ મારે દીર્ઘ સાથે બહુ છેટું થઇ ગયું અને તમે બધા તો મને કહો છો ને તેમ ભ્રમમાં રહેવું નથી.તો જુઓ હું વાસ્તવીક જીવનમાં આવી ગઈ

રડતી આંખે અને હસતા ચહેરે બીજલ અને લીના દ્રષ્ટીને ભેટી પડ્યા

કયા સંબંધે? (૨૪)હંસા પારેખ

નહતી ખબર ! →

અંત વેદનાઓનો સુખદ સંવેદનાઃ ( ૧૦) પ્રવીણા કડકિયા

Posted on મે 30, 2015 by pravina

સવારના નાહીને દ્રષ્ટી બહાર આવી, તેના મુખ પર શાંતિની ઝલક પ્રસરી રહી હતી. સૂર્યના ઉગતાં કિરણો તેના મુખ પરની લટ સાથે અડપલા કરતા હતા. આજે જાણે કેટલા વર્ષો પછી તેને આખી રાત ઉંઘ આવી હોય તેવો અનુભવ થયો. અભાન પણે કોઈ ગીતનું ગુંજન કરતી રહી. કપડાં બદલી તૈયાર થઈ. અરીસામાં જોઈ માથું ઓળતી હતી ત્યાં સામે ડૉ. જગત્યાનીનો  હસતો ચહેરો દેખાયો. દ્રષ્ટી ચમકી અને પાછળ જોવા લાગી ! ત્યાં કોઈ ન હતું. તેના રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. અરે, અચાનક મને આજે શું થાય છે. દરરોજ ટ્રીટમેન્ટ માટે ડૉ. જગત્યાની પાસે જતી હતી હવે દ્રષ્ટીને ત્યાં જવાની જરૂરત ન હતી. દિમાગથી તેણે હકિકત કબૂલ કરી કે દીર્ઘ હવે રહ્યો નથી !  આ દિલ શું કહે છે?

દ્રષ્ટી, શાંતિથી દિલની વાત સુણવાનૉ પ્રયાસ કરી રહી. દિલની ધડક્ન જાણે જગત્યાનીને ઝંખતી હોય તેવો રોમાંચિત અનુભવ પામી રહી. મુખ પર શરમના શેરડા પડ્યા. સારું હતું દ્રષ્ટી પોતાના રૂમમાં હતી. થોડી પળ પહેલાંજ ચોક્કસ કર્યું હતું કે  કડી વાસેલી છે. એકલી હતી અને જગત્યાનીનું સાંનિધ્ય માણવામાં સંકોચ ન થયો. છેલ્લા  કેટલા વખતથી દર બીજે દિવસે જગત્યાનીની ક્લિનિકમાં જ્વું. હિપ્નોસિસની અસર નીચે દિલની વાતો કરવી. જગત્યાનીએ ખૂબ પ્રેમ પૂર્વક પેશ આવી દ્રષ્ટીને બિમારીના ભરડામાંથી મુક્ત કરી હતી.  ત્યાં અચાનક દીર્ઘનો અને તેનો ફોટો ભીંત ઉપરથી હસતો જણાયો. વર્તમાનમાં આવી ફરીથી દ્રષ્ટી પોતાની જાત સાથે વાત કરી રહી !

‘દીર્ઘ તને ભૂલવામાં નાકામયાબ રહી. ઘરના બધાંએ મારી દિવાનગી ઝેલી ! મને દુખ ન થાય એટલે મારી હા, માં હા ભરતા. અરે આપણા બળકો જુવાન થઈ ગયા. તેમની જીંદગીના દસ વર્ષ આપણા વગર તેમણે પસાર કર્યા ! દીર્ઘ, તારા માતા અને પિતા ભગવાનથી પણ વધુ  સહનશીલતા વાળા નિકળ્યા. તેમના  ચરણોમાં  દંડવત પ્રણામ.’ લીનાબહેન અને સમીરભાઈ, પુત્ર ગુમાવ્યાની વ્યથા ઘોળીને પી ગયા હતાં. દીકરાની વહુને તથા તેના બાળકોને જીવનમાં આગવું સ્થાન આપી સઘળું દુઃખ સહ્યું. આખરે ધીરજના ફળ મીઠાં છે. વહુ પાછી માળી. વહુનો દીકરી કરતા સવાયો પ્યાર મેળવવાનું અહોભાગ્ય સાંપડ્યું.

આલોકના  માનવામાં  આવતું ન હતું કે આટલા વર્ષો સુધી દ્રષ્ટીનો ભ્રમ બધાએ કેવી રીતે સંતોષ્યો ? તેને લાગ્યું કે ઘણી વખત વહાલાં વેરીની ગરજ સારે છે. દીર્ઘના માતા, પિતા અને બાળકો બધા તેની હા, માં હા મિલાવતા! વહાલાના વહાલમાં દ્રષ્ટી વહેતી રહી,વમળમાં ફંગોળાતી રહી અને સમગ્ર કુટુંબને વિષાદ જીવનમાં  પિરસતી રહી ! ભ્રમની કાલ્પનિક દુનિયામાં, દ્રષ્ટી સપનાને સત્યમાની  વાસ્તવિકતાના વાઘા પહેરાવી દિલ બહેલાવતી રહી. જીવનના દસ વર્ષ એ કાંઈ નાનો ગાળો ન હતો. કેટલી ચોટ તેના દિમાગને લાગી હશે? વિરહની વેદનાનો તે અનુભવી હતો. વ્યવસાય ને કારણે તેને સહન કરવાની ફાવટ સાંપડી હતી.  દ્રષ્ટી પ્રત્યે હમદર્દી અને કૂણી લાગણી ઉદભવી હતી.

ભલું થજો ડૉ. જગત્યાનીનું જેને કારણે દ્રષ્ટી વર્તમાનમાં આવી.અને સત્યનું દર્શન પામી. પરિણામ અતિ સુંદર આવ્યું. આલોક પત્નીને ગુમાવી બેઠો હતો. વિજોગનું વિષ તેણે અનુભવ્યું હતું. જેને કારણે દ્રષ્ટી માટે ખૂબ સ્નેહ હતો. તે સાજી થઈ વર્તમાનમાં જીવે તેમાં તેને દિલચશ્પી હતી. પ્રેમ થઈ ગયો, એ કોઈના હાથની વાત નથી. તેની પત્ની આશાના છેલ્લા મધુરા શબ્દો હમેશા કાનમાં ગુંજતા,  “મારો પ્રેમ જીવંત રાખવા ફરીથી લગ્ન કરજે !” દ્રષ્ટી, જુવાન હતી, સુંદર હતી લાગણીશીલ હતી. છેલ્લા તબક્કામાં હમેશા ડૉ. જગત્યાનીને કહેતી, ‘મને તમારામાં દીર્ઘ દેખાય છે’!

એ શબ્દો પછી તો આલોકે આબેહૂબ દીર્ઘને અભિનય દ્વારા જીવંત બનાવી દીધો. ડૉ. તરિકે દીર્ઘના મુખેથી કડક બની દ્રષ્ટીની આંખો ખોલી. તેણે જરા પણ નરમાશ ન બતાવી. ઘરનાને કડક સૂચના આપી નરમ થઈ દ્રષ્ટીની વાત પર મંજૂરીની મહોર મારવાની ના પાડી. ‘દ્રષ્ટીનું મનોવિશ્લેશણ  એક બાહોશ મનોવૈજ્ઞાનિક તરીકે કરી તેને સાજી કરી. આ વર્તન ખૂબ દાદ માગી લે તેવું હતું. તેમનો સંબંધ ડૉક્ટર અને દર્દી કરતાં કંઈક વધારે હતો.

હવે શું ? આલોકની સમક્ષ આ પ્રશ્ન ઘુરકિયાં કરી રહ્યો હતો. દ્રષ્ટીની સંગે ચારેક કલાક પસાર કરવાની ટેવ ભારે પડી. તેનો સંગ ગમતો હતો. ઘણીવાર દીર્ઘનો અભિનય કરતાં તેના સ્પર્શનો લ્હાવો પામતો. ડૉક્ટર અને દર્દીનો એક ખાસ પ્રકારનો રિશ્તો હોય છે. ઘણી વાર દર્દીની સાથે ડોક્ટર નજદિકતાનો અહેસાસ માણતા હોય છે. આલોક જુવાન હતો. દેખાવડો અને કાબેલ હતો. દ્રષ્ટી સુંદર સોહામણી અને નાજુક હતી. પ્રેમ ન થાય તો જ નવાઈ લાગે! આલોક, દ્રષ્ટીના વિચારમાં ખોવાયે્લો હતો ત્યાં ફોનની ઘંટડી રણકી ઉઠી.  રવિવાર હોવાને કારણે ઘર ખાવા ધાતું હતું. અચાનક વિચારમાં ડૂબેલાને  હકિકતે સજાગ કર્યો. ફોન તરફ વળ્યો.

‘હલો, હા, હું આલોક બોલું છું’?

‘આજે સાંજના ઘરે જમવા આવશો’?

‘કોણ , બીજલ’?

‘હં, તમને શું લાગ્યું’?

‘ના, ના બીજા કામમાં વ્યસ્ત હતો એટલે અવાજ ન ઓળખાયો’? આલાપને ખોટું બોલવું પડ્યું તે ન ગમ્યું.

‘તો શું કહો છો, ડોક્ટર સાહેબ’? બીજલ પ્રત્યુત્તર હા, આવે તેથી બીજા હાથની આંગળી ક્રોસ રાખીને વાત કરતી હતી.

‘ ઓ.કે. આજે  બીજું  ખાસ કોઈ કામ નથી, હું આવીશ’.

આલોકને કેવી રીતે દેખાય પણ બીજલ જોરથી મમ્મીને ભેટી પડી. દ્રષ્ટી શરમાઈ ગઈ. આજે દીર્ઘના મમ્મી તેમજ પપ્પાએ પણ પોતાના મનની વાત કબૂલી હતી. બીજલ અને અ્ભિ મમ્મીમાં થયેલો ફેરફાર કોને આભારી છે તે બરાબર જાણતા હતા. છેલ્લા દસ વર્ષથી દ્રષ્ટીના હાલ જોઈને પાષાણ પણ પિગળી જાય તો બીના અને સમીરભાઈને  દ્રષ્ટીના સુખમાં આનંદ કેમ ન થાય! ઘરમાં આનંદ અને ઉલ્લસ ફરી વળ્યા. બિજલ અને અભિ માટે તેઓ દાદા અને દાદી કરતાં વિશેષ હતા. દીર્ઘનું લોહી હતું. પાણી કરતાં લોહી ઘટ્ટ હોય એમાં શંકાને સ્થાન નથી.

બિજલે જ્યારે મમ્મીને કહેતાં પહેલા દાદા અને દાદીને વાત જણાવી ત્યારે બન્ને સાથે ચોંકી ઉઠ્યા. અભિ તો દીદીની વાત સાંભળી નાચી ઉઠ્યો હતો. તેને ખોવાયેલી મમ્મી મળી હતી. ડૉ.જગત્યાની જે રીતે દ્રષ્ટીની સારવાર કરતા હતા તે જોઈ તેણે ડોક્ટર માટે ખાસ જગ્યા હ્રદયમાં બનાવી હતી. તે જગ્યાનું નામ જ્યારે બીજલે આપ્યું તો સ્વાભાવિક છે, ખુશ થાય ? હવે વાત આવી  કે, દાદા અને દાદી પાસે કેવી રીતે પ્રસ્તાવ  રજૂ કરવો ?   બિજલે ખૂબ પ્યારથી દાદી  આગળ વાત રજૂ કરી. બિજલ હતી માત્ર ૧૭ વર્ષની પણ દાદીની ખૂબ લાડકી હતી.

‘હેં દાદી, હવે તો મમ્મીને આપણે ડૉક્ટર પાસે લઈ જવાની મહેનતમાંથી બચી ગયા’.

‘હા, બેટા તારી વાત ખરી છે’.

‘દાદી ત્યાં જતા ત્યારે ડૉક્ટરની રિસેપ્સનિસ્ટ આપણને કેટલા પ્યારથી આવકારતી, ગરમાગરમ ચા અને બિસ્કિટ લાવતી. જો મમ્મીને વધારે સમય લાગવાનો હોય તો પ્રેમથી કહેતી, તમે બહાર શૉપિંગ કરીને આવો. હું તેમને કંપની આપીશ !’

‘હા, બેટા એ બહાને આપણે તે એરિયાના ભોમિયા બની ગયા હતા. ડૉ જગત્યાનીનો હસમુખો ચહેરો હવે જોવા નહી મળે. ‘

‘દાદી આજે એમને ઘરે બોલાવીએ સાથે ડીનર ખાઈશું અને  ‘.કહી વાત અધૂરી છોડી.

‘શું કહેવા માગે છે બિજલ તું?

‘દાદી, તમે મને વઢશો નહી ને?

‘ના બેટા એવું કેમ કહે છે?  તું નાની છે પણ ખૂબ સમજુ અને ઠરેલ છે’.

‘દાદી , વચન આપો’!

‘હવે જે કહેવું હોય તો કહે , મારી સ્વીટી’!

બીજલ જાણતી દાદી, સ્વીટી શબ્દ જ્યારે ખૂબ ખુશ હોય . ત્યારે તેના માટે વાપરે. ‘જોને દાદી આજે સવારે મેં મમ્મીને ખૂબ ખુશ જોઈ. કંઈક ગાયન પણ ગુનગુનાતી હતી. મને સાંભળવું ગમ્યું. હવે મમ્મી પહેલાં હતી તેવી થઈ ગઈ છે. પપ્પા હતા ત્યારની યાદો ખૂબ સાધારણ છે. પણ એ મીઠી યાદો મેં અકબંધ સાચવી રાખી છે. ‘

દાદી, મમ્મીને પાછી લાવનાર ડૉ. જગત્યાનીને જોઈ તેની આંખોમાં મેં ચમક જોઈ છે’.

‘વાહ, મારી વહાલી દીકરી, તને દાદી પાસે મગનું નામ મરી પાડતાં શરમ આવે છે. તું નહી માને છેલ્લા ત્રણ દિવસથી હું અને તારા દાદા રોજ આ વાત કરીએ છીએ. અમને બન્નેને હતું, તું અને તારો ભાઈ આ વાત આવકારશો કે નહી ?

ઓ મારી  દાદી કહી બીજલ દાદીને વહાલથી ગળે વળગી. તેની આંખોમાં હર્ષના આંસુ ઉભરાયા.’

ઘરના બધાને વાત પસંદ હતી. આલોક અને દ્રષ્ટીના મનની વાત હજુ જાણવાની બાકી હતી. જ્યારે આલોકે સાંજે ડીનર પર આવવાનું આમંત્રણ સ્વીકાર્યું ત્યારે ઉંડે ઉંડે અભિલાષા હતી કે મનની વાત દ્રષ્ટીને કહીશ. ઘણા વખતથી સ્ત્રી સાથે નો સ્નેહ અને સંગ પ્રાપ્ત થયા ન હતા. સંકોચ તેના દિલો દિમાગને ઘેરી વળ્યો હતો. ‘આશા, હવે તારે મને  આંગળી ઝાલીને રાહ બતાવવાનો છે. તારા વિયોગ પછી આટલા વર્ષે દ્રષ્ટી  મારા અંતરને જચી ગઈ છે. એની સારવાર કરતાં ક્યારે પ્રેમ થઈ ગયો એની ખબર ન રહી’.

સાજે જવાનું હતું. અવઢવમાં હતો શું પહેરીશ. આમ તો ખમીસ અને પેન્ટ જ પહેરવાના હતાં. કયા રંગનું ખમીસ ના, ટીશર્ટ આશાનો મનગમતો કલર બ્લ્યુ.  નક્કી થઈ ગયું. આલોક સવારે સ્નાન કર્યું હતું છતાં પાછો નહાવા ગયો.

શું કુદરતની કરામત  છે. દરેક વ્યક્તિના મનમાં એક સરખા ભાવની સ્ફુરણા થવી એ નાની સૂની વાત ન . કહેવાય! દ્રષ્ટીના દિલમાં આલોક વિષે પ્યારનો સંચાર થયો હતો. દીર્ઘના મમ્મી અને પપ્પા દ્રષ્ટીને પામી તેના સુખની વાંછના કરતા હતા. બીજલ અને અભિ પોતાની મમ્મીને પાછી મેળવીઆપનારના પ્રેમમાં પડી ગયા હતા. આલોક, આશાની અંતિમ એષણા પૂરી થાય તેની પેરવીમાં હતો. બધાની એક લગની હતી. અનુકૂળ સંજોગો ઉપસ્થિત થયા હતા.

આલોકે મનોમન નક્કી કર્યું દરેક  વ્યક્તિને  મનપસંદ કંઈક લઈ જવું. દ્રષ્ટીને ઘરે પહેલા ગયો હતો પણ આજની વાત અનોખી હતી. દ્રષ્ટી હવે દર્દી ન હતી. દ્રષ્ટી માટેના ભાવ મુખ ઉપર સ્પષ્ટ જણાતા હતા. અંતે  બપોરે થોડું ખાઈને શોપિંગ માટે નિકળ્યો. બીજલ માટે પર્સ લીધી, અભિ માટે વિડિયો ગેમ, બીના બહેન માટે સુંદર રાધા અને કૃષ્ણની મૂર્તી લીધી. દ્રષ્ટી માટે સુંદર મજાનો ફુલનો બુકે લીધો.ક્યારે સાંજ પડે અને દ્રષ્ટીને મળવા પહોંચી જાંઉ ! ઉમર ભલે ૪૦ની આસ્પાસ હતી પણ દિલતો પ્રથમ પ્યાર થયો હોય એવા પ્રેમીની જેમ ધડકી રહ્યું હતું. ગાડી ચલાવતો ડ્રાઈવર કાચમાંથી સાહેબના મુખનું અવલોકન કરી રહ્યો હતો. તેને હજુ ખબર ન હતી શું ચાલી રહ્યું છે. ઘરે આવ્યા ત્યારે આલોકે સૂચના આપી, ‘ આજ શામકો ડીનર પર જાના હૈ, તુમ રૂકના’. બાકી રવિવારે ચાર વાગ્યા પછી ઘરે જતો. જો આલોકને ક્લબમાં જવું હોય તો જાતે ચલાવતો.

સાંજના તૈયાર થઈને નિકળ્યો. ડ્રાઈવરને કહ્યું , દ્રષ્ટીના ઘરે ડીનર પર જવાનું છે. હવે તે સમજ્યો. જરા મૂછમાં હસ્યો. ‘મુજે છોડને કે બાદ યહ સબ સામાન લેકર ઉપર આના’!

દ્રષ્ટીને ત્યાં તો તડામાર તૈયારી ચાલતી હતી. મહારાજ હતા એટલે વાંધો ન આવે. વાનગીની પસંદગી બીજલની રહી. દ્રષ્ટીએ એકાદ વસ્તુ દીર્ઘની ભાવતી  બનાવવાની પોતાની ઈચ્છા જણાવી. બીના બહેન અને બીજલ ખુશ થયા. ડાઈનિંગ ટેબલ સુંદર રીતે સજાવ્યું હતું. કાગડોળે ડૉ. જગત્યાનીના આવવાની રાહ જોવાઈ રહી હતી.

જાણે દીર્ઘ પાછો આવવાનો હોય તેવા ભાવ સહુના મોઢા પર કળાઈ રહ્યા હતા. દ્રષ્ટી, દીર્ઘને ગમતા રંગની સાડીમાં સોહી રહી હતી. બન્ને બાળકો મમ્મીને નિરખી આનંદ અનુભવી રહ્યા. દીર્ઘના માતાપિતા પળભર.  તેને વિસરી આલોકના ખ્યાલોમાં ડૂબ્યા. જેણે આ ઘરને ડૂબતા બચાવ્યું હતું.

બારણાની બેલ વાગી. આલોક બારણામાંથી સહુને નિરખી રહ્યો. તેનો વિશ્વાસ દૃઢ થયો. મનની મુરાદ આજે બર આવશે તેનો અહેસાસ અનુભવ્યો. ખરેખર બન્યું પણ એવું. આલોકની લાવેલી ભેટ સહુએ હસતા મુખે આવકારી. વાતનો માહોલ એવો બન્યો કે દિલની વાત હોંઠ ઉપર અનાયાસ આવી ગઈ. તેનો ઉમળકાભેર અંગીકાર થયો. દ્રષ્ટી અને આલોક એકબીજાને પ્યારભરી આંખોથી નિરખી રહ્યા.

 

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.