ફ્યુનરલ હળવે હૈયે

સહિયારા સર્જનમાં ઑક્ટોબર મહીના નો વિષયફયુનરલહળવે હૈયે

Posted on October 2, 2015 by vijayshah

શ્રી નવીન બેંકર નાં હાસ્ય લેખે એ વિચાર જનમ્યો કે સ્મશાન વૈરાગ્ય ની હળવી બાજુએ લખવુ એ નવતર પ્રયોગ બની રહેશે

Funeral home

.

ફયુનરલ-હળવે હૈયે

જન્મ અને જીવન જેટલું જ અગત્યનું છે મૃત્યુ ને સહજ બનાવવુ કે ઉજવવુ.

ચાલો આ મહીનાનાં લેખમાં ઉજવીએ ફ્યુનરલ હળવે હૈયે

લેkhanI શબ્દ સંખ્યા ૧૦૦૦ શબ્દ કે તેથી વધુ

અંતિમ તારીખ ઑક્ટોબર ૩૧. ૨૦૧૫

Email address

-vijaykumar.shah@gmail.com

Pravina_Avinash@yahoo.com

pragnad@gmail.com

hemap920@gmail.com

 

ફ્યુનરલએક હાસ્યલેખનવીન બેન્કર

Posted on October 2, 2015 by vijayshah

‘આપણા  સિનિયર્સ એસોસિયેશનના મેમ્બર- પેલા જીવીકાકી -ગુજરી ગયા. તેમનું ફ્યુનરલ ગુરૂવારે બપોરે ૧૧ થી ૧ વચ્ચે, ગાર્ડન ઓક ફ્યુનરલ હોમમાં રાખ્યું છે.’

સામાન્ય રીતે કોમ્યુનિટીમાં કોઇ  ગુજરી જાય ત્યારે ઇ-મેઇલ મારફતે મેસેજ મળતા હોય છે.  જીવીકાકી નામ તો જાણીતું હતું પણ ચહેરો યાદ આવતો ન હતો. કદાચ વર્ષોથી કાકી બિમાર હોવાના કારણે મીટીંગમાં કે પિકનિકમાં દેખાતા ન હતા. આવો શોકસંદેશ મળતાં જ, હું મારા કોમ્પ્યુટર પર ગુજરાતી ફોન્ટ્સમા શોકસંદેશ કે શ્રધ્ધાંજલિ લખી નાંખું અને બધાંને મોકલાવું. ફ્યુનરલમાં પણ જઉં અને સિનિયર્સના વડીલ તરીકે કોઇ મને માઈક પર બોલાવે તો બે શબ્દો કહું પણ ખરો. મને આ બધાંની સારી ફાવટ છે. છાપામાં ફોટા સહિત ‘ફુલ ગયું ને ફોરમ રહી ગઈ’ જેવી શ્રધ્ધાંજલિઓ પણ લખી આપું.

એ દિવસે મારે , બે વખત નહાવું પડે. મારી પત્ની ચુસ્ત પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ છે. એટલે ફ્યુનરલમાંથી આવ્યા બાદ, મારે તરત જ, ક્યાંય અડ્યા વગર, બાથરૂમમાં જઈને બધા જ કપડાં કાઢી નાંખીને,પલાળી દઈને સ્નાન કરવું પડે. ઘરમાં પગ મૂકતાં જ ચીસાચીસ કરવા લાગે કે-‘ જોજે ક્યાંય અડતો નહીં. ખિસ્સામાંથી રૂમાલ કાઢવાનું ભૂલતો નહીં. બધો બોળાવાળો કરી મૂકીશ. મારા ઠાકોરજીને- ‘  વગેરે વગેરે..અને હું એના ઠાકોરજીને મણમણની ચોપડાવતો, નિર્વસ્ત્ર થઈને નહાવા બેસી જઉં. ગાળાગાળી કરૂ પણ પત્નીના ડરથી એનું કહ્યું તો માનું જ.

હાં ! તો આ કયા જીવીકાકી ગયા એ જાણવા હું ફ્યુનરલમાં ગયો. ૧૬” બાય ૨૦” ની તસ્વીર જોઇને હું જીવીકાકીને ઓળખી ગયો. પહેલી હરોળમાં સફેદ વસ્ત્રો પહેરેલા એમના આપ્તજનોને જોઇને મને થયું કે અરે! આ બધાંને તો હું ઓળખું છું. ચાર દીકરીઓ, બે દીકરા, પ્રપૌત્રો, ભાઈઓ બધાંને હું ઓળખું.પણ કોઇને, જીવીકાકીને કારમાં લઈને મીટીંગસ્થળે મૂકવા આવતા જોયેલાં નહીં. જીવીકાકી હંમેશાં પાડોશણની રાઈડ લઈને જ આવતા હતા. અથવા મારા જેવા પરગજુ વોલન્ટીયરને વિનંતિ કરીને બોલાવી લેતા. જીવીકાકીના નવ પરિવારજનોએ ગળગળા થઈને, ગળે ડૂમો ભરાઇ જવાના અભિનય સાથે, શ્રધ્ધાંજલિઓ આપી. બેક ગ્રાઉન્ડમાં, કોફીનની પાછળથી, જીવીકાકીના બાળપણથી જુવાની અને ઘડપણ સુધીના ખુબસુરત ફોટાઓની સ્લાઈડો સ્ક્રીન પર દર્શાવાતી હતી. હું, પણ, કારમાં રાઈડ આપતી વખતે,જીવીકાકીએ કહેલી તેમના જીવનની ખાટીમીઠી વાતોને યાદ કરી રહ્યો હતો.

એક બીજા ફ્યુનરલમાં એક ડોક્ટરના પિતાશ્રી ગુજરી ગયેલા. એમના ભાઇઓ પણ બધા જ ડોક્ટર્સ. સદગત પિતાશ્રી પણ ડોક્ટર હતા, ડાઘુઓની સામે કોફીનમાં મૃતદેહ પડ્યો હતો અને એક પછી એક દીકરાઓ, સદગત પિતાશ્રીને શ્રધ્ધાંજલિ આપતા હતા.  એમના એક દીકરા ડોક્ટર આદિત્ય ઐયરે પિતાજીની અંત્યેષ્ઠિ ક્રિયામાં મદદરૂપ થવા આવેલા એક રૂપાળા, પ્રૌઢ સન્નારીને જોઇને, કાંઇક આવી મતલબની શ્રધ્ધાંજલી આપવા માંડી.

‘આજથી ત્રીસ વર્ષ પહેલાં, હું આ શહેરમાં આવેલો ત્યારે અમે એક નાટક કરેલું. એમાં આ બહેન ( પેલા પ્રૌઢ ખુબસુરત સન્નારી ) પણ એમાં કામ કરતા હતા.  એ મારા હિરોઇન હતા. નાટક કરતાં, એના રિહર્સલ /પ્રેક્ટીસ  કરવામાં વધારે મજા આવતી. ખરૂ ને પ્રિયંકાબેન ? ( નામ બદલ્યું છે ) …. અને પછી આદિત્ય ઐયર સાહેબ ભુતકાળની સ્મૃતિઓમાં ખોવાઈ ગયેલા. અને ડાઘુઓ સ્તબ્ધ થઈને જોઇ રહ્યા હતા. ફ્યુનરલ માં આવા યે નંગ ભટકાઇ જાય છે.

અમારા શહેરના એક ભાઈને જો શ્રધ્ધાંજલિ આપવા માટે માઈક હાથમાં આપીએ એટલે, પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન કરવા માટે, સંસ્કૃતમાં ફાડવા માંડે અને પછી ‘ઇતિ, મતિ, બુધ્ધી’…થી શરુ કરીને આખી ભીષ્મ-સ્તૂતિ શરૂ કરી દે. ત્યાંથી નહીં અટકતાં, મતિ અને બુધ્ધીનો તફાવત સમજાવવા માંડે અને મહાભારતના  યુધ્ધમાં ભીષ્મપિતામહ, બાણશય્યા પર પડેલા અને શ્રીકૃષ્ણ ભગવાનને બોલાવી પોતાની બે માનસપુત્રીઓનું દાન કરેલું એની કથા કહેવા માંડે. અમે તો આ બધું અગાઉ પણ એટલી બધી વાર સાંભળેલું કે જેવો એ વક્તા ઉભો થાય કે અમે તો બીડી પીવા ફ્યુનરલ હોમની બહાર જતા રહીએ અને પુષ્પાંજલિ સમયે હાજરી આપવા જ આવીએ.

એક બીજા વક્તા શ્રધ્ધાંજલિ આપવા ઉભા થાય કે તરત મૃતદેહ ના કોફીન સામે બે હાથ જોડીને, ગળગળા થઈ જવાના અભિનય સહિત શરૂ કરે-‘ દાદા…’ શ્રોતાઓમાંથી કોઇ સુધારે-‘ દાદા નથી, દાદી છે.’ એ સાંભળીને સુધારી લે કે- ‘દાદી…છેલ્લા દિવસોમાં તમે મને ફોન કરી કરીને કહેતા કે’ સુધાકર, પેલું ભજન સંભળાવ ને ! અને મને તમારી પાસે આવવાવો સમય જ ન મળ્યો.’ આવો, આપણે બધા ‘બા’નું પ્રિય ભજન ગાઈને તેમને અંજલી આપીએ’. અને પછી એક લાં..બ્બુ ભજન એમના ખોખરા સ્વરે આપણા માથે ઠપકારે. પાછું આ જ નાટક બીજી કોઇ ડોશીના ફ્યુનરલમાં યે સાંભળવાની આપણે તૈયારી રાખવાની.

હવે તો , ફ્યુનરલ ૧૧ વાગ્યે હોય તો હું ૧૨ કે સવા બાર વાગ્યે જ જઉં અને વીઝીટર્સ બુકમાં નામ લખીને, કોરીડોરમાં સોફા પર જ બેસું છું અને પુષ્પાંજલિ સમયે, લાઈનમાં ઉભો રહીને, મૃતદેહ સમક્ષ નતમસ્તકે ઉભો રહી, મૃતકના  અન્ય પરિવારજનો, મારી હાજરીની નોંધ લે એ રીતે, પુષ્પાંજલિ કરીને, દરવાજા પાસે લાઇનસર ઉભેલા પરિવારજનોને ભેટીને કે જયશ્રીકૃષ્ણ કરીને વિદાય લઉં છું.

ફ્યુનરલની આગલી સાંજે મૃતકના નિવાસસ્થાને ભજન રાખ્યા હોય ત્યાં જવાનું હું ટાળી દઉં છું. એના બે કારણો-  એક તો, સુતકીને ઘેર જવાથી યે સુતક લાગે અને કપડાં બોળીને મારી પુષ્ટિમાર્ગિય ભક્તાણી પત્ની મને નવડાવે. અને બીજું, એમના નિવાસસ્થાન પાસે પાર્કીંગ ન મળે અને દૂરદૂર ગાડી પાર્ક કરીને ચાલવું પડે. સોફામાં બેસવાની જગ્યા ન મળે અને નીચે શેતરંજી પર બેસવું પડે તો ટાંટીયા વળતા નથી. વળી ભજન આઠ વાગ્યા પછી જ હોય એટલે રાત્રે ડ્રાઇવ કરવું પડે.

અમુક સમજુ સજ્જનો ફ્યુનરલમાં ચોક્સાઇપુર્વક અમુક સમયમર્યાદામાં પ્રસંગને સમેટી લેતા હોય છે. બીનજરૂરી વક્તાઓને કે ચીટકુ વિદ્વાનોને માઈક આપવાનું ટાળે છે.

મેં તો મારા રજીસ્ટર્ડ વીલમાં લખી દીધું છે કે મારા અવસાન પછી, ‘દેહદાન’ જ કરી દેવું.   નો ફ્યુનરલ…     નો  શ્રધ્ધાંજલિઓ….    નો ભીષ્મસ્તુતિઓ…

 

ફ્યુનરલ -” હળવે હૈયે” () રેખા પટેલ

Posted on October 3, 2015 by vijayshah

 “ચાલો આવજો સમય થઇ ગયો

શહેરની સીટી હોસ્પીટલના સ્પેશ્યલ વોર્ડમાં સફેદ ચાદર અને સફેદ ઓશિકા ઉપર મારો કરચલી મઢ્યો શાંત ચહેરો આરામ થી બંધ આંખે પોઢ્યો હતો , કમરામાં એરકન્ડીશન ચાલુ હતું છતાં બધાના ચહેરા ઉપર વ્યગ્રતા હતી સિવાય હું. હું આરામ થી મારી આસપાસ થતી હલચલને માણતો હતો

આજે મારા આ શરીર સાથેની જીવન યાત્રાનો છેલ્લો દિવસ હતો. હું મારો સમય સાચવીને પ્રભુના ચરણે જવા ઉતાવળો થયેલો જીવ માત્ર હતો , કારણ સમય સાથે મારું આ શરીર હવે મને સંઘરવા તૈયાર નહોતું , અને લાંબી ચાલેલી બીમારીને કારણે હવે સગાવ્હાલાં પણ મને રાખ બનાવવા ઉતાવળા થયેલા હતા. આ આંખો મારી બંધ હતી પણ હું જીવ અંદર બેઠો બેઠો આ બધું બરાબર નિહાળતો મનમાં હસતો હતો.

મારા વ્હાલાં કાલ સુધી તો મારી આગળ પાછળ ફરતા હતા અને જ્યાં મેં મારું આજ સુધીનું સંઘરેલું સાચવેલું વહેચી આપ્યું પછી તો બધા આ ડોસો ક્યારે ઉકલે અને આપણે છુટા થઈયે વિચારતાં માથે હાથ દઈને હોસ્પીટલના કોરીડોર પાસે આટાં મારતા હતા.

મારી બંને વહુઓ મારી પાસે બેસી ગીતાના પાઠ કરતી હતી કે ડોસાનો જીવ જલ્દી છૂટે ,એક મારી દીકરીને જીવ બળતો હોય તેવું લાગતું હતું છતાં તેને પણ ભાણીયાને પરીક્ષા માથા ઉપર છે કોણ જાણે તે ત્યાં શું કરશે વિચારીને બબળતી હતી .

અને દીકરાઓ ની ચર્ચા સાંભળતાં હું જતા જતા પણ હસી પડ્યો.

” ભાઈ આ બાપુએ બેંકમાં એટલા જ રાખ્યા હશે? કે પછી બીજા કોઈને આપતા ગયા છે ?

” બીજા કોને આપવાના હતા ? આ છેલ્લા છ મહિના થી તો ખાટલે પડયા છે “.

” હા વાત તો સાચી છે પણ પેલો કાકાનો મનીયો આજકાલ રોજ આવતો હતો ,મને તો લાગે છે બાપુએ એકાદ લાખનો ચેક તેને ફાડી આપ્યો હોય”.

આ બાપા તો મરતા મરતા પણ મારતા જાય એવા છે , ખેર આ દસ લાખ તો પાંચ પાંચ આપણે વહેંચી લઈશું અને બાકીનું વકીલ સાહેબ કરી આપશે ” મોટો બોલ્યો.

એટલામાં તો મારો લંગોટીયો મિત્ર શાંતિલાલ આવ્યો, તેને જોતા નાનો અને મોટો પોક મૂકી રડવા બેઠા.

” કાકા લાગે છે બાપુનો છેલ્લો ટાઈમ આવી ગયો ,પહેલા માં ગઈ અને હવે બાપુ. અમે તો અનાથ થઇ જવાના ” હું બંધ આખે મનોમન બહુ હસ્યો. “માળાઓ નાટકમાં ભરતી થાય તેવા જ છે “.

શાંતિ મારા માથા પાસે આવ્યો મારા માથા ઉપર હાથ ફેરવીને માત્ર એટલું બોલ્યો ” જવાનો મને એકલો મુકીને ? મારી રાહ જોવી હતીને ! ” બસ આ સમયે જરા લાગી આવ્યું…….

બધા નાટક કરતા બહાર ગયા ત્યાંતો નાની વહુ પર્સ માંથી મોબાઈલ કાઢી વાતોએ વળગી,

” ડોલી,  લાગે છે મારા સસરા ફાઈનલી હવે સ્વર્ગે સિધાવી જશે , તું એક કામ કર મારે પહેરવાં માટે બે સારી સફેદ સાડી ઈસ્ત્રી કરાવી તૈયાર રાખજે અને હા જો હું ટાઈમ મળે તો આઇબ્રો વગેરે કરાવવા તારા ઘરે આવી જઈશ અત્યારે પાર્લરમાં કોઈ જોઈ લે તો સારું ના લાગે અને હું નથી ઈચ્છતી બધા ઘેર શોક કરવા આવે ત્યારે હું રડતાં ચહેરે પણ ખરાબ લાગુ “.

એટલામાં મોટી વહુ આવી ” નિશા મારા કપડાંની પણ વ્યવસ્થા કરાવજે આમેય તને બધેજ સારા દેખાવા ના કોડ છે , હું મોટી છુ બધા મને પહેલા મળવા આવશે અને મારે આગળ બેસવાનું છે ,  તારું એકલીનું સારું દેખાડવાના કોડમાં આ બાપુના નવા કપડા તૈયાર કરાવવાનું ભૂલી નાં જતી” મોટી વહુ બોલી

“ભાભી તમે એની ચિંતા નાં કરશો છ મહિના પહેલાથી હું બધું તૈયાર કરાવી બેઠી છું કે ક્યારે આ ઘડી આવે , હાશ હવે લાગે છે બસ આજનો દિવસ ” નાની વહુને ખુશ થતા જોઈ હું પણ રાજી થયો, હશે મારા જવાથી બધા ખુશ છે બીજુ મારે શું જોઈએ. જો મન જતા જતા પણ સુખ વ્હેચીને જવું જોઈએ આટલું વિચારતા તો ઘડીક શરીરમાં ચેતના વર્તાઈ .

જોઈ બંને વહુઓના મ્હો પડી ગયા ” ઓ મારે બાપુ પાછાં આવતા જાય છે “, સાંભળતાં હું વળી જડ થઈ ગયો અને તેમના ચહેરે આનંદ છવાયો.

” ભાભી આતો બુઝાતો દીવડો જતા જતા જરાક ટમટમી જાય ” બટકબોલી નાની વહુ બોલી.

એટલામાં વોર્ડબોય ગુનગુનાવતો ત્યાં આવ્યો ”  હમ ખાલી આયે હૈ હમ ખાલી હાથ જાયેગે , બસ પ્યારકે દો મીઠે બોલ ગુનગુનાયેગેં “

સાવ સાચું બોલ્યો આ બોય “આવ્યો ત્યારે હાથ ખાલી હતા બસ મુઠ્ઠીમાં નશીબની રેખાઓ ભરીને આવ્યો હતો, એ રેખાઓ અને પરિશ્રમને કારણે હું લાખો રૂપિયા  કમાયો અને આજે એ બધા છોકરાઓની માટે મૂકી સાવ ખાલી હાથે જવાનો છુ” , પણ આ દો મીઠે બોલ એટલે શું ?

ત્યાંતો મારા ઘરની પાછળ આવેલા વૃદ્ધાશ્રમ માંથી પાંચ  છ વૃધ્ધો લાકડીનાં ટેકે ત્યાં આવી ચડયા ” મારી આજુબાજુ આંખમાં આંસુ સાથે ઉભા હતા કઈ પણ વધારે બોલ્યા વિના ગીતાના આઠમા અઘ્યાયનું વાચન કર્યું અને શાંતિ પાઠ કરી બોલ્યા ” મિત્ર, તમે ઉદારતાથી અમારા વૃદ્ધાશ્રમમાં લાવી આપેલા મોટા બાવન ઇંચના ટીવીમાં અમે રોજ કથા કીર્તન જોઈયે છીએ અને સાંભળીયે છીએ ,તમારી સદા મીઠી યાદ રહેશે “.

બસ હવે જવાનો સમય થઇ ગયો. ચાલો હું જાઉં તો આ બધાં પણ ઝટ છૂટે …..અને પેલો સ્મશાન વાળો અને લાકડાં વાળો બે રોટલાને પામે . જુવો જતા જતા પણ ભલું કરતા જવું જોઈયે ને !  “ચાલો આવજો સમય થઇ ગયો”.. જય શ્રી કૃષ્ણ

રેખા વિનોદ પટેલ (વિનોદિની)

 

ફયુનરલહળવે હૈયે” () નીતા કોટેચા ” નિત્યા

Posted on October 3, 2015 by vijayshah

ફ્યુનરલ માં જવું એટલે અભડાવા જવું , અભડાવા માં એટલા અનુભવ થતા હોય છે કે બસ, અભડાવા જવા  નાં નામ થી ડર લાગે 

અભડાવા જવું

 1 ) ગમતા વ્યક્તિ નાં

ફ્યુનરલ  માં સૌથી પહેલા જઇયે   અને એમને ન લઇ જાય ત્યાં સુધી રડવું આવે  , એમને લઇ જાય પછી પણ  રડવું આવે   પછી એમ થાય કે એમના ઘર વાળાઓ ને એ પ્રિય નહોય એટલે એમનાથી પણ વધારે મારું રડવું હવે બધાની સામે યોગ્ય નહિ લાગે  . એટલે બધાને જય શ્રી કૃષ્ણ કરીને ઘર તરફ ચાલવા માંડવું સારું રહેશે , પણ નીકળતા હોઈએ ત્યારે એમના ઘર વાળાઓ માં થી કોઈ  બોલે બેસો ને તમે તો  ઘર નાં છો।  હવે સમજાય નહિ કે જવું કે ન જવું  ,  જઈશ કે આ લોકો શું બોલશે અને નહિ જાવ તો શું આ લોકોને ગમશે ? ત્યાં પાછા  કોઈક સમજુ હોય એ કહે  ના ના હવે એમને હેરાન ન કરો , ભલે થોડું આરામ કરે ઘરે જઈને  , તોય મનમાં વિચાર આવે કે જે બોલે છે એ શેની માટે બોલ્યો , મને જલ્દી મોકલાવવા કે સાચ્ચે જ મારું સારું વિચારતો હશે।  પણ મોકો મળ્યો એટલે હું એટલું બોલીને બહાર  નીકળી  ગઈ કે સાંજે આવું છુ  . પણ મારે બે મિનીટ માં પાછુ ફરવું પડ્યું કારણ ગાડીની ચાવી ત્યાં જ ભૂલી ગઈ હતી  , ઘર પાસે પહોચી તો બધાના હસવાનો અવાજ સંભળાતો  હતો અને મારા શુભેચ્છક  બોલ્યા કે તું એ શું સારી થતી  હતી રોકાઈ ગયા  હોત ને તો ખબર પડી હોત  . હવે તો મારે જવું જ પડે એમ હતું એટલે હું ઘર માં ગઈ , બધા સ્તબ્ધ કે મેં સાંભળ્યું  હશે  . એટલે હું નીકળતા વખતે બોલી હવે હું આવી નહિ શકું હું  બહારગામ જાવ છુ  . હવે મારે એ ઘર સાથે આમે મતલબ ન હતો  , પણ મેં ઘરે બેસીને આરામ થી વિચાર્યું તો એમ લાગ્યું કે આટલી મોટી બીમારી થી કોઈ છુટ્યું હોય તો માણસ  કેટલું રડે એની પાછળ  . એ બધા એમની જગ્યાએ સાચ્ચા હતા   . સેવા કરી કરી ને કંટાળ્યા હોય તો હવે તો આરામ જોઈએ ને

2) અમારા બાજુમાં એક દાદી  રહેતા બધા એમને માતાજી કહી બોલાવતા , હું રોજ એમની પાસે બેસવા જતી એમને બહુ ગમતું  , એમનો દીકરો મારી સામે એમની મજાક કરતો કે રાત કો મત મરના મુજે ડર   લગતા હૈ  મૈ  ફિર કુછ  નહિ કરુંગા , તો તેઓ મારી સામે જોઇને  હૈ મેરી બહુ મુજે સંભાલેગી રાત ભર , અને પાછુ મારી પાસે થી વચન લીધું સંભાલેગી  ના વાદા  કર મેં કહ્યું હા માતાજી , મૈ  હું નાં   , અને તેઓ નું અવસાન સાંજે જ થયું  જેવું એમનું અવસાન થયું બધા રડવાનું ભૂલીને મારી સામે જોવા લાગ્યા , બહુ મોટી ઉમરના હતા મેં કહ્યું ” મુજે ક્યા દેખ રહે હો માતાજી ગયે , મૈ  સંભાલુંગી   ફિકર મત કરો।  પર થોડા અફસોસ તો જતાઓ।  બોલતા   બોલતા મને હસવું પણ આવતું હતું અને રડવું પણ કે કેવી લેણા  દેણી હતી માતાજી સાથે  ,  જેમ જેમ રાત વિતીતી  ગઈ એક એક લોકો દુર થતા ગયા બીજી રૂમ માં સુવા જતા રહ્યા  , મને વિચાર આવ્યો કે જે મા એ આખી રાત ઉજાગરા કરીને આપણને  મોટા કર્યા હોય એની માટે આપને એક રાત પણ ન જાગી  શકીએ  અને એમની ડેડ  બોડી થી શેનું ડરવાનું  , ડરવાનું તો જીવતા લોકો થી હોય , મેં આખી રાત એમની સાથે મન માં વાતો કરી  , ભલે એમને સંભળાય કે ન સંભળાય  . પણ જોઇને અફસોસ થાય જ્યારે આવું જોવું  પડતું હોય છે  .

3 ) એક વાર એક કુટુંબ માં કુટુંબી નું અવસાન થયું ત્યાં જવાનું થયું  . ત્યાં બીજા લોકોની રાહ જોવા માટે બે કલાક  નીકળી ગયા પણ એ બે કલાક માં એમની ત્રણ વહુ ઓ ની વાતો સાંભળી કે જે ધીરે ધીરે વાત કરતી હતી  . મને  હમેશ ધીરે ધીરે થયેલી વાતો સંભળાઈ જતી  . એક વહુ એ બીજી ને કહ્યું કે યાર કેટલી રાહ જોવાની  . કેટલો વખત હજી આમ જ બેસવું પડશે।  ત્યારે બીજી વહુ એ કહ્યું થોડી વાર છે ચલાવી લે  . ત્યાં ત્રીજી વહુ એ કહ્યું તમે બને શાંત રહો આ સારું નથી લાગતું આપણા  બાળકો આપણને આટલા વ્હાલા છે એમ આપણા  પતિદેવ ની એ પણ મા છે બસ થોડી વાર શાંતિ રાખો બધા , જરા મૃત્યુ નો તો મલાજો રાખો  . આ બધું સાંભળીને મન ને એટલું દુખ થયું કે સંબંધો કેવા થઇ ગયા છે અને હજી આગળ ક્યા પહોચશે।

પણ આવું જ બધું પ્રાર્થના સભા માં પણ જોયું છે જ્યારે પ્રાર્થનાસભા માં સંગીત રાખવામાં આવે છે , એક ગીત પૂર્ણ થાય એટલે એક માનવી ઓ નું ટોળું ( એને ટોળું જ કહેવાય કારણકે એ બધા માં થી કોઈને મન થી શોક નથી હોતો ) ઉભું થાય અને સગા ઓ ને જય શ્રી કૃષ્ણ કહીને બહાર જાય છે।  ત્યારે એમના જય શ્રી કૃષ્ણ જોવા જેવા હોય છે એમના એ વર્તન માં એક હાજરી પુરાવાની નીતિ હોય છે સગા ઓ ની નજર માં એ સમાવા જોઈએ તો જ હાજરી પુરાય।  મને બહુ વાર વિચાર આવે કે તે લોકો જાય શ્રી કૃષ્ણ ની બદલી માં હાજરજી એમ કહીને કેમ નહિ જતા હોય  . આના કરતા વિદેશ ની જેમ એક રજીસ્ટર રાખી દેવાનું જે આવે એ પોતાનું નામ લખીને જાય , રાતના બધા ઘરવાળા ઓ વાચી લે એટલે તે લોકો નું અવસાન થાય ત્યારે આ લોકો પણ જાય

આ બધું ક્યારે બંધ થશે અને ક્યારે લોકો સમજશે કે આ બધી પ્રથા ઓ ખોટી છે. શું કામ આપણા  ઘરનું વ્યક્તિ નું અવસાન થાય ત્યારે શું કામ આખા કુટુંબ ને આપણે  બોલાવીએ છે , હા ઘર નાં ભાઈ બહેનો હોય ત્યાં સુધી ઠીક છે  પણ જે આખી જિંદગી માં મળ્યા પણ ન હોય એ લોકો ને પણ આપણને બોલાવીએ છે અને જે લોકો ને અવસાન પામેલા હારે કોઈ સારો વ્યવહાર ન હોય એને પણ આપને બોલાવીએ છે।   આ બધું ક્યારે બંધ નથી થવાનું એ પણ  હકીકત છે , આ બંધ કરવા માટે શું આપણા  જ  ઘરેથી અને આપણા થી જ  પહેલ ન થાય ? છે ને વિચારવા જેવી વાત ? કૈક નવું વિચારી તો જોઈએ  .

કોઈના પણ અવસાન પછી જ્યારે બધાને જાણ કરતા વખતે બોલવામાં આવેલો શબ્દ કે ક્યારે કાઢી જવાના છે એની હું વિરોધી છુ પાછા ઘર વાળાઓ જવાબ પણ એમ જ આપે કે અમે ફલાણા સમયે કાઢી જવાના છીએ . કાઢી જવાના છીએ એટલે શું ? મને તો આ બધા શબ્દો શું કામ વપરાય છે એ જ ખબર નથી પડતી કેમ આપણે એમ ન કહી શકીએ કે લઇ જવાના છીએ

નીતા કોટેચા “નિત્યા”

મુંબઈ

 

ફ્યુનરલહળવે હૈયે ” () પ્રવીણા કડકિયા

Posted on October 3, 2015 by pravina

અરે, યાર પ્રસંગ મારો હતો ને મારી ગેરહાજરી હતી

આરામથી લાંબી થઈને  સૂતી હતી. સફેદ ચાદરમાં માથાથી પગ સુધી ઢંકાયેલી અંદર

ગુંગળામણ થતી હતી ‘

જરા પણ યાદ નથી, ક્યારે  છેલ્લે આવી ગાઢ નિદ્રામાં હું  પચીસ વર્ષથી એક રાત પણ સૂતી હોંઉ. હાજર થયેલા બધાને એમ હતું કે,’મારા રામ બોલો ભાઈ રામ થઈ ગયા છે”! ખરી રીતે, તો થઈ ગયા હતા.જો માનવામાં ન આવતું  હોય તો મારું કાંડુ પકડી જુઓ ધબકારા નહી સંભળાય. પેલો મારો ડૉક્ટર દીકરો છે ને એ પણ કહેશે, ‘મારી વહાલી મમ્મી હવે આ દુનિયામાંથી વિદાય થઈ ગઈ છે” એના આંખના આંસુ બંધ થવાનું નામ લેતા ન હતા.’.

છેલ્લા બે વર્ષથી હું તેને હાથ બતાવીને કહેતી, ‘જો ને બેટા મારા હાથમાં મરવાની રેખા નથી, એ હસીને કહેતો મા, કોઈ કાયમ નથી રહેતું. તારો સમય આવ્યે તું પણ જઈશ અમને તારો પ્રેમ મળે છે.’ બાળકો તો માને પ્રેમ કરે. પેલા ખૂણામાં બેઠેલી મારી પડોશણ ખોટાં ખોટાં આંસુ પાડે છે. હમેશા મારી ઈર્ષ્યા કરતી. આજે બધાના દેખતાં, ‘અમે વર્ષોથી બાજુમાં રહીએ છીએ. ખૂબ સુંદર સ્વભાવ હતો’! સાવ ખોટું બોલે છે. તેને ખબર હતી હું ક્યાં જવાબ આપવાની છું. ખેર,જવા દો હવે તો બધા સંબંધ પર પૂર્ણ વિરામ આવી ગયો.

આજે મને સત્ય સમજાયું, હતી ત્યારે પરવા ન કરનાર હવે નથી એટલે મગરના આંસું સારે છે. મારા બેટાઓ રાહ જોતા હતા, ‘ક્યારે આ ડોશી જાય’! તેની માલ મિલકત, જુવાની છે તો છોકરાઓ ભોગવે. તેઓ ભૂલી ગયા કે મારા મર્યા પછી તેમનું જ છે.પેલો ઉપરવાળો કેશ કે ચેક કશું સ્વિકારતો નથી. પેલી દાગિનાની પોટલી તો ખાસ અંહી જ મૂકીને જવાની છે.

જીવતી હતી ત્યારે ઘણા ફ્યુનરલમાં ગઈ છું. આગલી બે હરોળમાં બેઠેલા નજદિકના સગા તેમજ વહાલામાં અડધા ઉપર શોભામાં અભિવૃધ્ધિ કરવાવાળા હોય છે.’જે ગયું એમના અમે ખૂબ નજીકના રિશ્તેદાર છીએ!’ સાચું માનજો તેમાં માત્ર બે કે ત્રણ જણાને વિષાદ હોય છે. બાકી બીજા અમે ખાસ બહારગામથી આવ્યા તેનો ફાંકો રાખતા હોય છે.ખોટ તો કુટુંબને જ પડવાની હોય. તે દર્દ પણ સમય જતાં હળવુ થાય છે. શું થાય બીજો કોઈ ઈલાજ છે ખરો?

ફ્યુનરલનો ખર્ચો રોજને રોજ વધતો જાય છે. જો આપણા ધાર્યા સમયે ફ્યુનરલની ‘ફેસિલિટી’ ન મળે તો મારું શબ બીજા ત્રણથી ચાર દિવસ ‘મોર્ગ’માં સડે. સૉરી, સડે ના કહેવાય બરફની પાટ પર સુવાડી રાખે. મને ક્યાં ઠંડી લાગવાની.’હું તો મડદું છું’.આ સમયે ભારત બહુ યાદ આવે હજુ તો માણસને ડૉક્ટરે મૃત્યુ પામ્યો છે એવું નિદાન બહાર પાડ્યું કે તરત જ ઠાઠડીની વ્યવસ્થા થઈ જાય. બેથી ત્રણ કલાકમાંતો ડાઘુઓ તેને સમશાને બાળી ઘર ભેગા.ચટ મંગની પટ બ્યાહ જેવું. અંહી તો ભાઈ ખૂબ લાંબી પળોજણ.્ભાઈ આ તો અમેરિકા છે ?

પેલા મોટા અને મોભી ગણાતા પટેલના ફ્યુનરલમાં ગઈ જગ્યા ઓછી હોય એવા દૂરના મોંઘામાં મોંઘા ફ્યુનરલ હોમમાં નક્કી કર્યું. મઝા જુઓ માણસોને બેસવાની જગ્યા થોડી. માણસ મોટો (પૈસાવાળો, સમાજમાં કાર્ય કરતો) લોકો રસ્તા પર ઠલવાયા.’ગેસ્ટ બુકમા” સહી કરવા રેશનિંગ લેવા જાય તેવી લાંબી કતાર. જરા ધક્કા મુક્કી જેવું વાતાવરણ ઉભું થયું.સારું હતું પૉલિસ હાજર હતી.શાંતિથી બધું પતાવ્યું.મર્યા પછી પણ તેની મહત્તા ઓછી થવી ન જોઈએ!

સિનિયર સિટિઝનમાં મળતા પેલા કુમુદબહેન વર્ષોથી એકલા હતાં. પતિ પાંચ વર્ષ પહેલાં કેન્સર હોવાને કારણે ટુંકી માંદગીમાં ગયા. બાલ બચ્ચા હતા નહી. મારે ઘણા વર્ષોથી સંબંધ એટલે હાજર રહી માંડ ૭૦થી ૮૦ માણસ પણ ન હતુ.વાત સીધી છે. એકલા હતાં.મિલિયોનેર ન હતા, બાલ બચ્ચા ન હતા. મર્યા પછી બધી મિલકત ‘એકલ’ને અને સિનિયર સિટિઝનના મંડળને આપી. જ્યારે ખબર પડી ત્યારથી તેમને બે મોઢે વખાણ સંભળાય છે. ફ્યુનરલમાં ન ગયાનો દેખાવ પૂરતો લોકો અફસોસ પણ કરે છે. કોને બતાવવા ?

જુઓ તમે કોઈના ફ્યુનરલમાં ન ગયા,તો યાદ રાખજો એ તમારા ફ્યુનરલમામ નહી આવે. જુઓ હવે એ ગયા, એ તો આવવાના નથી. જે આવશે તેની તમને ખબર પડવાની નથી. શાને કડાકૂટ કરવી. ‘આપ મુઆ ફિર ડૂબ ગઈ દુનિયા’! આપણા બાળકો, તેમને તો આપણા ઓળખીતા અને સંબંધી કોણ છે તેની જાણ સુધ્ધાં નથી.

બસ નિશ્ચિંત પણે જીવો. મરવાનું તો બધાને છે.હું મરી ગઈ તમે પણ મરશો ! કાઢ્યા એટલા કાઢવાના નથી. ભલે ને તમે તમારું શરીર દાનમા આપી ખાંડ ખાવાના હો! એ તો હવે જગ જુનું થઈ ગયું છે.વિચાર કરજો તમે કેટલું શરીર સાચવ્યું હતું. હવે ખખડી ગયેલા હો,કેન્સર અને બ્લડપ્રેશરનું સામ્રાજ્ય છવાયું હોય. ડાયાબિટિસ તો ૨૫ વર્ષથી ડેરા તંબુ તાણીને પડ્યો હોય તો તમારા શરીરનું કયું અંગ ખપમાં આવશે. ખાલી મરતા પહેલાં યશ ખાટવાનો ઠાલો પ્રયાસ નિષ્ફળ જશે.

જો મરવાના વિચારથી ગભરાતા હો તો ડર કાઢી નાખજો.વહેલા વેળાસર વિદાય થયા તો જીવન તરી ગયા બાકી હેરાન થયા અને સહુને હેરાન કર્યા તેમાં કોઈનું ભલું નથી! એક વાત ચોક્કસ છે ડર ને બદલે પ્રાર્થના કરીશું તો આપણું મડદું આપણને દુઆ દેશે. ઘરના હસીને આનંદથી ઉત્સવ મનાવશે ! આપણું જીવન તેમને ગમ્યું હશે તો યાદ કરશે. બાકી કાંઈ પણ ન લખવામાં માલ  છે

 

ફ્યુનરલહળવે હૈયે ‘ () હેમાબહેન પટેલ

Posted on October 4, 2015 by vijayshah

પંખી નવું પીંજરુ માગે

ભારતમાં ફ્યુનરલમાં સ્ત્રીઓ હાજર ના રહી શકે એટલે સ્મશાનની વિધિ જોઈ ના હોય પરંતું સાંભળેલી વાતોથી બધું જાણતા હોય કે સ્મશાનમાં અંતિમ ક્રિયા કેવી હોય.સ્ત્રીઓમાં સહનશક્તિ હોય પરંતુ ઈમોશનલ વધારે હોય એટલે ચિતાની આગમાં બળતુ શબ જોઈ ના શકે કદાચ એટલેજ એવો રિવાજ પાડી દીધો એમ લાગે છે.આમેય નાનપણમાં નનામી જોઈને બહુજ બીક લાગતી હતી. ભુલથી પણ નનામી જોઈ હોય તો આખી રાત ઉંઘ ન આવે.આજે પણ આવા પ્રસંગમાં સામેલ થવાનો હમેશાં અણગમો હોય પરંતું લોકલાજે હાજરી આપવી પડે.કોઈના સુખમાં ભાગીદાર ના થઈ તો ચાલે દુખમાં તો અવશ્ય થવું જોઈએ.સમાજમાં સુધારા થયા એટલે સારું છે, જુના સમયમાં તો જનારની પાછળ સગાં-સબંધી-મિત્ર મંડળ-પાડોશી હદ કરી મુકતાં ! શોક મનાવવાની રીત માઝા મુકી દેતી હતી ! પાંચ છ વર્ષની નાની ઉંમરે જોયેલુ આછી સ્મૃતિ હજુ પણ તાજી છે.જાત જાતના કઢંગા રિતી રિવાજ જે હદ કરી મુકે અને જીવવાનુ પણ મુશ્કીલ કરી દે.અત્યારે તો મરણનો શોક પણ સાચેજ બધે સમજદારી પૂર્વક શાંતિથી પાળે છે.

અમેરિકામાં ફ્યુનરલ પધ્ધતિ સૌ કોઈ જાણે છે.અંત્યેષ્ઠિ માટે કોફીનમાં રાખેલ મૃત વ્યક્તિને એવી રીતે સાચેવેલ હોય છે જોઈને એમ લાગે શાંતિની નીંદરમાં પોઢી રહ્યું છે ઉઠીને જાણે હમણાં બોલી ઉઠશે,સુંદર વસ્ત્ર, મેકઅપ કરેલ હોય જોઈને લાગે નહી આ મૃત દેહ છે. કોફીનમાં જે ચિર નીંદ્રામાં પોઢી રહ્યું છે તેનુ હૈયુ હળવું થઈ ગયું છે.આત્મા અનંતની સફરે નીકળ્યો છે, મૃત્યુ તેનો માર્ગ મોકળો કરી દેછે, તેનો જીવાત્મા તો આનંદ આનંદમાં રાચી રહ્યો હોવાથી શરીર છોડીને સુખ શાંતિ અનુભવે છે.ફરીથી નવું શરીર, નવું જીવન અને આત્માની યાત્રા આગળ ચાલે છે.મરનારને કોઈ દુખ નથી પરંતું મરનાર માણસના પરિવારજન દુખી દુખી હોવાથી તેમનુ હૈયુ આક્રંદમાં ડુબી જાય છે.ભગવાને માયાનુ વળગણ એવુ આપ્યુ છે,એ માયાના બંધન છોડવા બહુજ કઠીન કામ છે. સ્વજન પરલોક જવા માટે કાયમ માટે વિદાઈ લે, ફરીથી ક્યારેય તેનુ મૉ જોવાનુ નથી મળવાનુ આવી ક્ષણે હૈયુ હળવુ કેવી રીતે રહે ? છતા પણ કલેજા પર પત્થર મુકીને જનારને વિદાઈ આપવી પડે છે.જીવનમાં બે પ્રસંગ સૌથી વધારે પીડા આપે છે એક દિકરીની સાસરે વિદાઈ અને બીજો સ્વજનનુ મૃત્યુ, બંને હ્રદયને પીડા આપે છે.

ઘણી બધી વખત ફ્યુનરલમાં જવાનુ થાય છે પરંતુ જ્યારે પોતાના પરિવારના સદસ્યનુ મૃત્યુ હોય ત્યારે મન વધારે દુખી થઈ જાય. વ્યવહાર નિભાવવા માટે બીજા કોઈના ફ્યુનરલમાં જઈએ ત્યારે એટલુ દુખ ના થાય, દિલમાં દયાભાવ હોય માટે અરર-બિચારા-બહુજ ખરાબ થયુ વગેરે શબ્દો મૉઢામાંથી સરી પડે.કોઈના પણ ફ્યુનરલમાં જઈએ ત્યારે મૃત દેહ જોઈને આ ગીત ચોક્ક્સ યાદ આવ્યા વીના ન રહે

“ એકલા જ આવ્યા મનવા એકલા જવાના સાથી વીના સંગી વીના એકલા જવાના.

ત્યારે એક ક્ષણ માટે તો વિચાર આવે શું આખરે જીવનની આ સચ્ચાઈ છે ? સૌની એક દિવસ આ દશા ચોક્ક્સ થવાની છે, બધું જ અહિંયાં મુકીને અરે આ શરીર પણ સાથે નથી આવવાનુ, ત્યારે જીવન પ્રત્યે અણગમો થાય, જીવનમાં કોઈ રસ ન રહે, વિચારે એક દિવસ જો મરવાનુ છે તો જીવીને શું કરવાનુ ? આ તો ક્ષણીક ભાવ આવે તે સ્મસાન વૈરાગ કાયમ ન રહે ઘરે જાય એટલે પાછા સંસારની માયાજાળમાં ફસાય.ગૌતમ બુધ્ધ જેવા કોઈક જ અપવાદ હોય કે જેની જીવન રાહ બદલાઈ જાય.અમેરિકામાં ફ્યુનરલ વખતે ખરેખર તો શાંતિ હોય, પૂજા થાય, ધુન બોલાય, ભજન ગાય, ગીતા પાઠ કરવામાં આવે,વિદાઈ લઈ રહ્યા હોય તેને માટે બે શબ્દ બોલીને શ્રધ્ધાંજલિ આપવી, આમ જોવા જઈએ તો બધું હળવે હૈયે જ થાય છે, દિલના ભાવ દબાવીને કોઈ રોળ-કકળ નહી, ફક્ત આંખના અશ્રુ દેખાય. સત્ય તો એ છે,જે જીવાત્મા શરીર છોડીને બીજી દુનિયામાં જઈ રહો છે તે જીવાત્માને આગળ સદમાર્ગે જવાનો વેગ મળે તેને માટે સતસંગ અને ઈશ્વર ભજન બહુ જ જરૂરી છે, તેની પાછળ ખોટા રિતી રિવાજોનો કોઈ મતલબ નથી.જુના સમયમાં લોક્લાજને કારણ મજબુરી હતી મનથી કમનથી રુઢિચુસ્ત રિવાજો પ્રમાણે ચાલવું પડતુ હતું અત્યારે લોકોમાં સાચા-ખોટાની સમજ આવી છે, સમાજની બહુ પરવા નથી કરતા પોતાની સગવડ અને અનુકુળતા પ્રમાણે ચાલે માટે રિતી રિવાજોમાં ઘણા ફેરફાર થયા છે. છતાં પણ ફ્યુનરલની ક્રિયા તો તેની રીતે ચાલતી રહેવાની છે.

કોઈનુ ફ્યુનરલમાં બેઠા હોઈએ ત્યારે કોફીનમાં મૃત શરીર જોઈને અવિનાશભાઈ વ્યાસની આ સુંદર પંક્તિઓ યાદ આવે છે જે જીવનની સચ્ચાઈ દર્શાવે છે.

“ પંખી નવું પીંજરુ માગે “

પંખીડાને આ પીંજરુ, જુનું જુનું લાગે,

બહુએ સમજાવ્યું તો યે પંખી, નવું પીંજરુ માગે

ઊમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો

અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો

અણદીઠેલ દેશ જાવા લગન એને લાગે

માન માન ઓ પંખીડા આ નથી રાજવીની રીત

આવું જો કરવું હતું તો નહોતી કરવી પ્રીત

શાને કાજે મારો તું સથવારો ત્યાગે રે

સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝૂલો

હીરે જડેલ વીંઝણો મોતીનો મોંઘો અણમૂલો

પાગલ ના બનીએ ભેરુ કોઈના રંગરાગે રે

ઓછું શું આવ્યું સાથી કે સથવારો ત્યાગે

જન્મ ધરીને પીંજરે જીવ્યા હારોહાર

પણ જ્યાં સૂરજ મંડ્યો ડૂબવા ત્યાં તૂટ્યો તંબૂરાનો તાર

અધૂરું ભજન સંગાથી ઉમળકો ભાગે

પણ પંખી વાણી ઊચરે કે આખર જવું એક દહાડે

આ નથી નિજનુ ખોળિયું આ તો મકાન રાખ્યું ભાડે

પોઢવાને કાજે પાગલ સારી રાત જાગે.

અવિનાશભાઈની આ રચનામાં એક એક શબ્દમાં કેટલી બધી ઘેહરાઈ અને સચ્ચાઈ સમાયેલી છે.

જ્યારે જીવાત્મા આ શરીર છોડીને જાય છે ત્યારે શરીરની યાતના બતાવી છે, શરીરમાંથી જીવ નીકળે છે ત્યારે દેહ અસહ્ય દુખ અનુભવે છે.તેની પીડા બીજું કોઈ જોઈ નથી શકતું.જેને થકી શરીર ચાલતુ હોય તે જીવ દેહમાંથી નીકળે ત્યારે દુખ તો થાય જ.જીવાત્મારુપી પંખીને આ શરીર રુપી પીંજરુ હવે જુનુ લાગે છે અને હવે તેને આ પીંજરુ છોડીને બીજે જાવુ છે.જીવને આ જરજરિત શરીરમાં તેનો શ્વાસ રુંધાતો હોવાથી તેમાંથી આઝાદ થવું છે,નક્કી કર્યુ આ જુનુ પીંજરુ છોડીને જે દેશ જોયો નથી તે પરલોકમાં જવાની તાલાવેલી લાગી,કાયા સમજાવે છે તૂં મારા મનનો રાજા છે, હે પંખી તૂં માની જા ના જઈશ રાજવીને આ રીત શોભે નહી. આ દેહ જીવાત્માને સમજાવે છે જો તારે જવું જ હતું તો મારી સાથે પ્રીત કેમ કરી ? પંચમહાભુતમાંથી બનેલ શરીર કહે છે શાને કાજે તૂં મારો સાથ છોડીને જાય છે ? હે જીવાત્મા મેં તને સોને મઢેલ બાજઠિયા સમાન બેસવા માટે દિલ આપ્યુ,સોને મઢેલ ઝુલા સમાન ઝુલવા માટે મન આપ્યુ,હીરે જડેલ વીંઝણા સમાન મોતિના મોંઘેરા વિચારો આપ્યા ,તૂં પાગલ ના બનીશ, તને શું ઓછું આવ્યું ? શું ખરાબ લાગ્યું ? કે મારાથી નારાજ થઈને મારો સથવારો છોડવાનો વિચાર કર્યો. મારો ત્યાગ કરે છે. તારા વીના આ કાયાનો કોઈ અર્થ નથી . આપણે સાથેજ જન્મ લઈને સાથે જ જીવ્યા. પરંતું જીવનની સંધ્યા કાળે જ્યાં સૂરજ ડૂબવા લાગ્યો છે ત્યારે શ્વાસરુપી તાર તૂટ્યો ને સાથે હળીમળીને ગાતાં હતાં જીવનના જે રાગ, જીવનના ગીત, હવે આપણા ગીત અધુરાં રહેશે, તારા વીના જીવવાનો ઉમળકો હવે રહ્યો નથી.તારા વીના જીવન શક્ય નથી.દેહની આનાકાની પછીથી હવે આ જીવાત્મા રુપી પંખી બોલ્યુ, “મારે એક દિવસ તો તને છોડીને જવાનુ જ હતું, આ ખોળિયું મારું નથી મારે તો આ ભાડાના મકાન સમાન છે, રહીને જ્યાં આગળ પોઢવા માટે આવ્યો પરંતું તને જીવનનો માર્ગ બતાવવા માટે દીવાદાંડી સમાન બનીને આખી રાત જાગતો જ રહું છું. તારો અને મારો આટલો જ સાથ હતો.આજે તો અહિંયાં તારી સાથે હતો કાલે બીજુ ખોળિયું શોધીશ. હું એક મુસાફર છું હું એક જગ્યાએ રહી ન શકું, મારી યાત્રા અટકી જાય.

 

ફ્યુનરલહળવે હૈયે () ડૉ.લલિત પરીખ

Posted on October 4, 2015 by vijayshah

જો “રામનામ સત્ય હૈ” એમ વારંવાર કહેવાથી મને ઊંઘ આવી શકે છે તો  ‘ ફયુનરલ ફ્યુનરલ’નું રટણ  કરવાથી પણ ઊંઘ આવી જ શકે એમ ધારી, મેં તેના વિચારો રટણ કરતા કરતા શરૂ કરી જ દીધા.ભારતના ભડકે બળતા  બીહામણા     સ્મશાનનો તો વિચાર આવતા પણ ડર  લાગી શકે; પરંતુ ” રામનામ સત્ય હૈ”નું અનેક હાથોની પાલખીમાં લઇ જવાતું શબ તો અંતિમ અને એક માત્ર આ સત્યનો સંદેશો સાંભળી પોતાની છેલ્લી અને કાયમી નિદ્રામાં પહેલી વાર સ્વપ્ન વગરની ગાઢ નિદ્રાના સુખદ- સુખદ,શાંતિમય અને પ્રસન્ન -પ્રસન્ન  અનુભવમાં અવસાનની અવસાદરહિત સ્થિતિમાં પોતમેળે સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં પહોંચી જાય તેવી પરિસ્થિતિમાં સ્થિત થઇ જાય છે. આ દૃશ્ય તો  એટલું બિહામણું નથી જ હોતું. ક્યારેક કોઈ કોઈ તો ઢોલ-નગારા  સાથે સાથે આ અંતિમ યાત્રામાં સદગત આત્માને પરમ શાંતિનો સાક્ષાત્કાર કરાવવાનો સફળ- અસફળ કે નિષ્ફળ પ્રયાસ કરે છે.પાલખીમાં પોઢનારને જે સહજ સ્વાભાવિક ચિર- નિદ્રામાં રાહત મળે છે તેની આંશિક અનુપાતમાં “રામ નામ સત્ય હૈ ”  બોલો બોલી,બોલાવેલી નિદ્રામાં પણ અનામત સ્વરૂપે પણ રાહત તો મળે જ મળે છે.

મને ફ્યુનરલ -પ્લેસ થોડું રળિયામણું પણ લાગે છે.મરનારને સરસ શર્ટ -ટાઈ અને સૂટ- બૂટમાં કોફિનમાં પોઢાડવામાં આવે છે એ તો જોનારાઓને પણ ક્ષણભર માટે આવી ક્ષણ ક્યારે જોવા મળશે એવો  વિચાર તો આવી જ જાય. હા, આપને કોઈને દિલની આવી ન કહેવા જેવી વાત કોઈને કહીએ નહિ એ જુદી વાત છે.મરવાની મઝા તો જીવનાર ક્યાંથી જાણે?

‘જીવતા તો જુઓ તમાશો, મરી જુઓ તો માણો રે !’ ‘તીરે ઊભા જુએ તમાશા’ જેવુંસ્તો.મરવાની મસ્તી,બેફિકરી,મોજ અને મર્દાનગી તો મરદ જ જાણે.મરનાર સ્ત્રીને પણ રેશમી વસ્ત્રોમાં સજી ધજી મૃત્યુને ભેટવામાં પણ રણચંડી જેવી મર્દાનગીનો  જ અનુભવ થતો હશે એ સત્ય પણ માનવું જ રહ્યું.

જો આંકડા ઊંધા સીધા,પલાખા અને પહાડા બોલતા રહીએ અને આડા અવળા બોલતા રહીએ તો ઊંઘ આવી જ જાય છે તેમ જ ફયુનરલ ફયુનરલ ફરી ફરી સતત બોલવાથી ઊંઘ  આવે જ આવે  અને ફ્યુનરલ પ્લેસની શાંતિનો પણ એહસાસ થાય.

ઉર્દુ અને ફારસીમાં કહેવાય છે કે નીંદ મૌતકી બહન હૈ તો પછી પહેલા નીંદનો અનુભવ લીધા પછી જ મોતના  મોહતાજ  થઇ શકાય. માટે ફ્યુનરલ ફ્યુનરલ  બોલવાની અને નિંદરને  બોલાવવાની પ્રેક્ટિસ કરવાનું શરૂ કરવા જેવો પ્રયોગ છે. તો હવે રાહ કોની જુઓ છો ?  બોલાવો નિદ્રાદેવીને  ફયુનરલ ફ્યુનરલ  કહી  કહીને !

( સમાપ્ત)

 

| Leave a comment | સંપાદન કરો

ફ્યુનરલહળવે હૈયે () વિજય શાહ

Posted on October 4, 2015 by vijayshah

જનાર નાં ગયા પછી

“ફ્યુનરલ” ની વાત આવે એટલે મને દસમાં ધોરણમાં પહેલી વખતે મારા મિત્રનાં પપ્પાના મૃત્યુ નિમિત્તે કાંધ આપીને આખી અંતિમ ક્રિયા જોવા મળી તે વાત ચોક્કસ યાદ આવે.. મને તે વખતે પહેલી વખત એવું લાગ્યું કે આ પ્રસંગ દર્દનાક ફક્ત તે મિત્રનાં મમ્મી સિવાય કોઇને માટે દુઃખદ નહોંતો..કારણ ગમે તે હોય પણ તેમને ઉંચકીને લઇ જનારા સગા વહાલા પણ તેમની ટીકા જ કરતા હતા.. ડાયાબીટીસ જેવા ઘણા રાજ રોગ હતા પણ સૌથી વધારે સ્થુળકાય હોવાને લીધે ઉપાડનારા જલ્દી જલ્દી કાંધ બદલતા હતા અને નવા કાંધે લેતા ગભરાતા હતા.મારો મિત્ર પણ મારી જ ઉંમરનો તેને એક સાવકી મોટી બેન હતી પણ મમ્મી ને ભવિષ્ય કાળ અને સમજ્નું દુઃખ હતુ.. હવે મારું અને આ ચાર ભાઇ બહેનને કેવી રીતે મોટા કરશેનાં ભયો હતા.

મારો મિત્ર આવનારા કપરા સમયથી વાકેફ નહોંતો પણ તેમની અંતિમ યાત્રામાં જોડાનારા મોટા ભાગનાં બહું ખુશ હતા.. કારણ કે તેમાના ઘણાને પેલા મિત્રનાં પપ્પાએ ઉંચા વ્યાજે પૈસા ધીરેલા હતા અને લખાણ નહોંતા. તે બધાને તો કુદરતી રીતે જ લોટરી લાગેલી હતી.

હું પણ થાક્યો હતો કારણ કે એક્વડા શરીરે આટલા મોટા શરીરને મણીનગર થી જમાલપુર સ્મશાન સુધી લાવવાનું કામ એક સજા હતી.

બહુ નાની ઉમરે કાન ખુલ્લા અને આંખ ખુલ્લી સાથે સ્મશાનનાં  અનુભવો લખતા આજે મન બે ભાવ અનુભવે છે

૧. મનસુખ તન્ના અને રાજેશ કારીયા વાતો કરતા હતા જનાર તો ગયો પણ હવે આપણા દીકરા દીકરીનાં લગ્ન પાક્કા કરો હવે જે પૈસા એને જતા હતા તે બંધ થયા અને આપણે તો બારણે સાત દીવા થયા મનસુખ તન્ના કહે “યાર! વાત તો તારી સાચી છે પણ જણસો કેવી રીતે છુટશે?”

સાવ સીધી વાત છે હજાર રુપિયા કાકીને આપી જણસો છુટી કરાવશું કહીશું કાકા કેટલા સારા હતા

૨. મૃત્યુ એ મારા માટે જન્મ જેટલી જ સાહજીક વાત હતી જે જન્મે તેનું મૃત્યુ તો નક્કી જ છેને? આ બીજી વાત મારા મિત્રનાં મામાએ તે ફ્યુનરલમાં સહજ રીતે કહી. હું વિજ્ઞાન નો વિદ્યાર્થી એટલે વાત તો સહજતા થી સમજી ગયો પણ તે મામાનાં બીજા ભાઇ બોલ્યા. “જરા બેન નો વિચાર કરો ભાઇ! એ કેવી રીતે મોટા કરશે આ ચાર સંતાનોને?”

“ હવે આ મોટો તો મેટ્રીક થઇ જશે અને કામે વળગશે,, વળી બનેવી તો ધીર ધારનું કામ કરતા હતા એટલે પૈસાતો હશેજ ને?”

“ એ તર્કને રહેવા દો બધા સ્મશાન વૈરાગ્ય જેવા ઠાલા રુદનો છે.” બારમા પછી આ ભાણાભાઇને જોજોને? ક્યાંક ફીલ્મ ઇંડસ્ટ્રીમાં ગોઠવાઇ ગયો હશે..

“જો સાચી વાત કહું જ્યારે મા એ એમની સાથે લગ્ન ન્ક્કી કર્યા ત્યારે મને તો ગમ્યું જ નહોંતુ.. એક તો બીજવર અને પાછી એક જુવાનજોધ દીકરી બેન કરતા ૫ વર્ષે નાની એટલે સમજી શકાય કે જતાની સાથે જવાબ્દારી”

હું મારા નજરો ચારે તરફ ફેરવતો હતો ત્યાં મારા મિત્રનાં બનેવી એ જોરથી ઠુઠવો મુક્યો. “ પપ્પા હવે અમારું શું થશે?” આજુ બાજુનાં ડાઘુઓ ઉભા થઇને તેમને સાંત્વના આપવા ગયા ત્યારે જણાયુ કે તે સસરાને નહોંતા રડતા પણ તેમને સસરાએ કશું આપ્યુ હતું કે નહીં તે જાણવા મથતા હતા.પેલા ડાઘુઓએ કહ્યું “ તેમણે વીલ બનાવ્યુ હશે તો તે મુજબ થશે અને નહીં બનાવ્યુ હોય તો તમારા સાસુ હયાત છે .તેમની કાળજી લેજો તેઓ ઘટીત કરશે ને? ત્યાં તેમનું રડવુ હીબકે ચઢ્યું..”ભાઇ તે તો સાવકી મા અને તે તેના છોકરાઓને જુએ અમને થોડી જુએ?”

હવે ડાઘુ ચુપ રહ્યા તેમને કંઇ ખબર હોય નહી અને કંઇ કાચુ બફાય તેથી તે તો ચુપ રહ્યા..તેઓ તો મોટા ઉપાડે મારા મિત્રની સામે છાજીયા લેતા જાય અને રડતા જાય.. “ પપ્પાજી અમારું શું થશે?”

મારો મિત્ર ચીતાને આગ લગાડ્યા પછી તેમની પાસે આવ્યો અને મોટે થી એમની જેમજ છાજીયા લેતા રડવાનાં નાટકને તીવ્ર કરતા બોલ્યો “ હાય હાય રે દેવા મુકીને ગયા છે મારા બાપા કહો કેટલું દેવુ આપુ?”

હવે ચોંકવાનો વારો બનેવી સહીત સૌ ડાઘુઓનો હતો.

“ શું વાત ક્રે છે ? તારા બાપાતો લાખોના આસામી હતા..”

“ હા જેમને પૈસા ધીર્યા હતા તે હવે છુપતા ફરે છે અને જ્યાંથી પૈસા ઓછા વ્યાજે લીધા હતા તે બધા તવાઇ કરે છે ઓ મારા બાપારે આવું શું કામ કર્યુ તમે?!”

ક્ષણભરનાં સન્નાટા પછી પેલા સાવકા બનેવી કહે “ સાવ ખોટું.. મકાનોનાં ભાડા આવે છે બેંકમાં ફીક્ષેડ ડીપોઝીટો પડી છે.. આતો અમે સાવકા અને અમારુ કોઇ નહીં તેથી ફેરવી તોળે છે “

“ ચાલો સકળ નાતની હાજરીમાં કહું દેવુ નીકળશે તો આપશોને પાંચમે ભાગે?”

હાવ હાવ કરતો ડાઘીયો કુતરો અચાનક ભીગી ડરેલી બીલ્લી બની બોલ્યો ‘ અરે દેવુ તો દીકરા જ ભોગવે.. જમાઇ તો ખાલી લેવામાં જ સમજે.”

બીજા વડીલ જે આ તમાશો જોતા હતા તે બોલ્યા “ જરા લજવાઓ આ શૂં નાતની સામે શેઠની ચિતા ને ઠરતા પહેલા શું માંડ્યું છે આ તમે લોકોએ?”

થોડા ગણગણાટ સામે એક પછી એક લોક સરકવા માંડ્યુ અને સ્મશાન બહાર ચાની લારી પાસે ઠલવાવા લાગ્યુ શેઠની લાશમાંથી ગરમીને લીધે પાણી બહું પડતું હતું ત્યા એક મશાણીયાએ મારા મિત્રને બોલાવ્યો અને કહે આ બાંબુ લો અને સળગતી ખોપરી ઉપર જોરથી ઘા કરો ખોપરી ફોડવી પડશે નહીતર તે ધડાકાભેર ફાટી ને બહાર આવે ને કોઇને નુકસાન કરી શકે. મારા મિત્રને તેમ કરતા કેટલુંય વીત્યુ હશે પણ મારા મનમાં થતું હતું દીકરાને આ કામ પણ કરવું પડે?.

ત્યાં બીજા વડીલ બોલ્યા દીકરો ચીતાને દાહ દે અને ખોપડી ફોડે તો જ બાપાનો આત્મા સદગતે જાય….

જો કે મારું વૈજ્ઞાનીક વાત આ માનવા તૈયાર નહોંતું. દેહ મુકતાની સાથે આત્માએ તો બીજુ ખોળીયુ શોધી લીધુ હોય છે..કેટલાક બ્રાહ્મણો કે વીધીકારો શોકગ્રસ્ત કુટુંબીઓને ચોથુ અગિયારમુ અને બારમું કરીને પોતાનું પેટીયું ભરતા હોય છે. મારો મિત્ર જ્યારે તેના બાપાનાં બારમા પર મને લાડવા ખવડાવવા આવ્યો ત્યારે આ વીધીકારોની વાક્ચાતુર્ય સમજાઇ..

મારા મિત્રનું કહેવું હતુ “ જો હું બારમાના લાડવા નહીં કરું તો બાપાનો જીવ અવગતે જશે..

મેં એની સામે ગંભીરતાથી જોયું ત્યારે તે કહે હું તો ના ગાંઠ્યો ત્યારે મારી મમ્મીને કહે તમને શાપ લાગશે. કદી બે પાંદડે નહીં થાવ..ગમે તેમ તો તે તમારા પતિ હતા.આ તેમનું દેવુ છે ગામને જમાડવા ના હોય તો ૨૧ બ્રાહ્મણને જમાડો અને તેમને ૫૦૦ રુપિયાનુ દાન કરો તે બ્રાહ્મણો વીધી કરી તેમની મુક્તિ કરશે..

જો કે આ વાત તો ૫૦ વર્ષ પહેલાની હતી આજે તો ફ્યુનરલ એટલે એક આચાર. શુટમાં સજ્જ આવેલા દરેક અમેરિકનો ગુલાબ મુકીને ચાલ્યા જાય અને સફેદ લેંઘા ઝભ્ભામાં આવેલા દેશીઓ પણ બ્રાહ્મણોનાં વીધી વિધાનો સાંભળીને ઉદાસ ચહેરે ઘરે જતા હોય છે. ઇલેક્ટ્રીક સમશાનોમાં દેહ પોલીસની હાજરીમાં ૪૫ મીનીટ્માં બળી જતો હોય છે. તેથી સ્મશાન વૈરાગ્યનાં અને અગાઉ કહેલા દ્રશ્યો જોવા મળતા નથી અને હવે સમજ પણ આવી ગઈ છે જનમ્યુ તે જાય અને મૃત્યુ એક સાવ સહજ સાદી ઘટના છે કોઇ તેના ઉપર લાંબુ વિચારતા નથી કે નથી હૈયાફટ કોઇ રડતુ. જો કે અહી તો તેને વેવલાવેડા કહી ત્રીજા દિવસે ટાયનોલની ગોળી લઇ જોબ ઉપર ચઢી જતા હોય છે. જેને રડવું હોય તે ત્રણ દિવસ બાદ કે મૃત્યુ પછીનાં રવીવારે ગોઠવાયેલા બેસણામાં કે ભજનોમા આવી આંખ ભીની કરી જતા હોય છે.. દરેક એ વાતને સમજતા હોય છે કે જનાર નાં ગયા પછી રડીને ગમે તેટલું પુકારો તે ક્યાં પાછા આવે છે?

આ લેખનું સમાપન અંબુકાકાનાં શાંતાબાનાં નિધન પછી ફ્યુનરલમાં કહેલી વાતને કહીને કરીશ.

તેઓએ તેમના લાંબા દાંપત્ય જીવન અને તેની કોઇ સારી નરસી વાત કર્યા વિના સૌ ફ્યુનરલમાં હાજર મિત્રોને કહ્યું “ શાંતાને વિદાય કરતા સૌ સ્નેહીજનો એક વાત સમજો શાંતાનો બીજો જન્મ થઇ ગયો છે તેને નવા જન્મની વધાઇ આપી ને તેના દેહને વિદાય કરીયે અને તેમણે કરેલ આવજો નાં ભાવ સાથે વાતાવરણ પવિત્ર ઉર્જાથી ભરાઇ ગયુ હતુ અને સૌ અંબુકાકાની વહેવારીક વાતને વંદનો કરી વધાવતા હતા.મૃત્યુ ઉત્સવ છે તેને સહજ સ્વરુપ આપો તે આજનાં યુગની વાત છે.દુઃખ અને તેના દેખાડા મૃત્યુની પાવકતાને ઘટાડે છે. તેનો મલાજો મૌનમાં છે અને તેમના બાકી રહેલા કામો પુરા કરવામાં છે.

 

ફ્યુનરલહળવે હૈયે () પ્રદીપ બ્રહ્મભટ્ટ

Posted on October 7, 2015 by vijayshah

રી પૃથ્વીપર આવવુ હોય તો મોહમાયાને ચોટી રહેવુ.

     યુ ગ એ પરમાત્માની લીલા છે. જેમાં જીવે દેહ મળતા જીવવુ પડે.

           જર કોની કેવી છે તે અનુભવથીજ પરખાય  છે.

               મત ગમત એ સમય પસાર કરવાની કેડી છે.

                     ખ્યા લલાટે લેખ વિધીના કોણ શક્યુ છે જાણી રાજા હોય કે રાણી.

જુ તમારી પાસે સમય છે સાચી ભક્તિએ પ્રભુ કૃપા મળશે.

     ની જેમ જો વાંકા ચુકા થઈ ગયા તો આફતની વર્ષા થશે.

            વે લણ એ રોટલી બનાવે પણ જો બૈડે પડે તો હાડકુ તોડી નાખે.

હૈ યેથી નીકળેલ પ્રેમ હંમેશા શાંન્તિ આપશે.

     યે કહેના મુશ્કિલ હૈ કી હમ પહલે જનમમેં કૌન થે.

 

ફ્યુનરલ હળવે હૈયે () વિમલા હિરાપરા

Posted on October 10, 2015 by pravina

જીદગીની જેલમાંથી છુટી ગઇ હું

‘ફોટો બની દિવાલે લટકીગઇ હું

તમારા હાથમાથી આબાદ છટકી ગઇ હુ

તમારી વાતો સાંબળી મનમાં મરકી રહી  છુ

 

‘ આવજો ‘એમ નહી  કહુ, આવશો કયા?

‘ મારુ જ કોઇ ઠેકાણુ નથી જ્યા.’

‘ આ તો વાટમાં મળી ગયા મેળામાં ભળીગયા

સુખની માણી થોડી પળો.છુટા પડી ગયા

શમી ગયા અવાજો વિખરાઇ ગયા ચહેરા’

‘ઉઠી ગયા બંધઆંખૌ  પરથી નજરના પહેરા’

‘છૂટી ગયા સબંધો ઓગળી ગઇ ઓળખાણો’

‘પરવા કોને છે હવે કરો નિંદા કે વખાણો’

 

ફ્યુનરલહળવે હૈયે (૧૦) તરુબેન મહેતા

મારાં એકપછી એક અંગો કાયમી હડતાલ ઊપર ઉતરી ગયાં પણ મગજ હજી ચાલે છે.હવે ડોકટરોએ હાથ ઘોઇ નાખ્યા,ઓક્સીજનની,પ્રવાહી ફૂડની, યુરીનની ટ્યુબોમાં કપાયેલા પતંગ જેવો હું લટકી રહ્યો છુ.હું મનથી ઘણી બૂમાબૂમ કરું છુ

મને છોડો’ છેવટે મણમણની મારી પાંપણને સહેજ ઉચી કરી,’ ‘મનન દેસાઈ  જાગ્યો’ દૂરથી કોઈ અવાજ આવ્યો ,’ડેડી ,ડેડી તમારે આમ ટ્યુબો સાથે જીવવું છે?’મનનના મોટા દીકરાએ હતાશાથી પૂછ્યું,છેલ્લા બે મહિનાથી કથળતી જતી એના પિતાની તબિયત માટે    એણે દિવસ રાત એક કરી પ્રયત્નો કર્યા હતા.’ મેં નકારમાં ડોકું હલાવી પ્યાલાબરણીવાળી પણ ના લે તેવા જીર્ણ, કાણા પડી ગયેલા  વસ્ત્ર (શરીર) સાથે નાતો છોડી દીધો.મારો મૃત્યુનો ધંટ વાગી ગયો, ‘હાશ ‘ કેદમાંથી છુટ્યો ,માંદો પડ્યો ત્યારથી આ લબડતી સાંકળોથી બાંધી રાખ્યો હતો, પણ હજી શ્વાસ જવાનું નામ લેતા નથી.’

‘તારા ડેડીની ઈચ્છા ઘરેથી જવાની હતી.’ એમ કહી મનનની પત્ની નયનાએ એક કાગળ  એના મોટા દીકરાને આપ્યો , મોટો દીકરો દેવેશ પોતે ડોક્ટર હતો,પણ ડેડીની ઈચ્છા આગળ લાચાર હતો.કાગળમાં  મનને ‘મારા ફયુનરલમાં મને રાજી રાખજો’.એમ કહી ઘણી બધી વાતો એવી લખેલી હતી જે વાંચતા ગમ્ભીર વાતાવરણમાં પણ એનાથી હસી પડાયું,તે બોલ્યો ‘ડેડી ઈઝ ઓલ્વેઝ ફ્ની,આઈ કાન્ટ બીલીવ ધીસ ‘.તેને થયું તેના ડેડીની જીવવાની તેમની  પોતાની  સ્ટાઈલ હતી.જેની મમ્મી મઝાક કરતી.તેઓ ઘરનું એલારામ સેટ કર્યા પછી બે વાર ચેક કરતા.પેસા આપવામાં ઉદાર પણ હિસાબ કોડીનો બક્ષીસ લાખની એમ માનતા.દર વર્ષે એક વાર કુટુંબ સાથે

વેકેશન લેવાનું જ.વેકેશનમાં કોલેજમાં ભણતા બન્ને દીકરાઓ સાથે ડ્રીક્સ પીતા અને સિગરેટ પણ ફૂકતા, તેઓ ગંભીર વાતને હસી કાઢતા અને હસવાની વાતનો બે દિવસ વિચાર કરતા.

દેવેશે વિચાર્યું ઘેર ગયા પછી સારવાર વિના  ડેડી ત્રણ દિવસથી વધુ નહિ કાઢે.એણે એક વીકની રજા મૂકી દીધી.પાસે ઊભેલી   એની પત્ની રીનાને  ગમ્યું નહિ.કારણ કે દેવેશ એના ડેડી પાસે રહેશે,તો એણે પણ રહેવું પડશે.એની સાસુ નયના બધી વાતે એટલાં સ્માર્ટ હતાં કે એને બે કોડીની કરી મૂકતાં,હોસપિક-કેરની વ્યવસ્થા ડોકટરે કર્યા પછી ફયુનરલ હોમ વિષે વિચારવાનું રહ્યું. અમેરિકામાં બોર્ન અને રેઈઝ દેવેશ માટે ડેડીએ લખેલો તેમના ફયુનરલ વિષેનો   કાગળ ડીરેક્શન મેપ જેવો બની ગયો.કારમાં જી .પી.એસના સહારે અજાણી જગ્યાએ નિરાંતે પહોંચી જવાય તેમ ડેડીના કાગળને સહારે તેણે અંતિમક્રિયાના કામો કરવાની મનથી તેયારી કરી.

ડેડીનું  નામ મનન  એમની  ફોઇએ મન દઇને  પાડેલું, ફોઇ સ્કૂલમાં ટીચર હતાં,બે વાર વિચારીને બધાં કામ કરવાની એમને ટેવ હતી,એના ડેડી પણ ચાર વાર  વિચારી બરોબર પ્લાનીગ કરી બધું કરતા,આમ તો કેમેસ્ટ્રીમાં રીસર્ચ કરી પી.એચ.ડી. કર્યું હતું પણ નાની મોટી બઘી વાતમાં એમને ખાંખાખોળા કરવાની ટેવ હતી.એની મમ્મીના કહેવા પ્રમાણે ડેડીએ બેએક ફયુનરલ હોમ પણ જોઈ રાખેલાં,પણ હજી બધું અધ્ધરતાલ હતું,છતાં ઘરના બધાં માણસો પોતાની  રીતે ફયુનરલ માટેની દોડાદોડીમાં પડી ગયાં,

મમ્મી ,તથા એની પત્ની રીના વચ્ચે ચડભડ થઈ ગઈ,રીના બ્લેક સૂટ પહેરવાની હતી.જેનો મમ્મીએ સખત વિરોધ કર્યો .તેમણે એક સફેદ પંજાબી ડ્રેસ રીનાના હાથમાં પકડાવી દીધો.સગાઓને તથા મિત્રીને ફોન તો શી રીતે થાય? હજી મનનના શ્વાસ લટકી રહ્યા હતા.

ડેડીની હાલત જોઈ દેવેશને ડૂમો ભરાતો હતો,પણ રડાય કેમ કરીને?હજી તો ડેડીના શ્વાસ છાતીના ઊડા ભોયરામાં  આંટા માર્યા કરે છે,એક ,બે .. એ સ્ટેથોસ્કોપથી હાર્ટ બીટ ગણતો હતો,ડેડી ત્રણ દિવસથી વધુ સમય જીવશે તો ..?રજા બગડશે, ત્યાં લન્ડનથી આવેલી એની માસી બોલી ,’જીજાજીને ગુલાબનાં ફૂલનો બહુ શોખ હતો.હાર માટે ઓર્ડર કરી દેજો,છેલ્લે દિવસે નહિ મળે.’ નયના બોલી ,’અલી હજી તો તારા જીજાજી જીવે છે.’એટલામાં બેડની પાસે જ ખુરશીમાં બેસી રામનામની ધૂન કરતાં ધરડાં મા બોલ્યાં,’મેં યમડાને બચુના માથે ફરતો ભાળ્યો,બચુ એના દાદાને ,બાપને ,માને જુએ છે,હવે આજની રાત ભારે છે.’ મનનનો પગ જરા હાલ્યો,એટલે મા કહે ,   ‘ મનનને ‘બચુ ‘ના નામે બોલાવતા એ ગમતું નહિ,પણ હું તો તું જઈશ પછી ય બચુ કહી યાદ કરીશ।’

અમેરિકામાં આવ્યો એ પહેલાં ઘરનાને અને પારકાને કહી કહીને થાકેલો ‘મનન કહેતા શું જોર પડે ? ‘હાલના તબક્કે એ દૂરના મા   ‘બચુ ‘કહે છે.એણે કાયમની વિદાય લેતાં પહેલાં આ પારકા લોકોનો સિતમ સહી લેવો પડશે.ડો.દેવેશને માની વાત ગમી નહિ,

તે બોલ્યો ,’સૌ સાંભળી લો,મારા ડેડી  માનથી જાય તે માટે તેમની પસંદ પ્રમાણે જ કરવાનું.’ મા મોઢું બગાડી ‘રામ રામ’ કરતાં રસોડામાં જતાં રહ્યાં.’આમને કોણે બોલાવ્યાં?’દેવેશની પત્ની રીનાને મા દીઠાં ગમતાં નહોતાં,બધી વાતમાં મા કહેતા ‘ધરડાં ગાડા વાળે’

નયના કહે ‘,એ તો આખા શિકાગોના મા છે.બોલાવ્યા વગર આવી જાય. ને પૂછ્યા વગર ડહાપણ ડોળયા  કરે , તારા ડેડીએ  બધું લખી રાખ્યું છે એટલે સારું,’

વહેલી સવારે ધરડાં માની ‘બચુ ગયો’ની ચીસથી ધડ ધડ કરતાં બધાં  નાઈટીમાં મનનના બેડ પાસે ધસી આવ્યાં,તેમાં દેવેશની પત્ની રીનાની નાઈટીના બટન ખૂલી ગયાં. મા તાડૂકી ઉઠ્યા ,’અરે ,તારા સસરાની તો લાજ રાખ ‘ દેવેશ રીનાનો હાથ ઝાલી બેડરૂમમાં જતો રહ્યો.નયના અને એની બહેન સફેદ પંજાબી ડ્રેસ પહેરી થોડીવાર પછી આવ્યાં,ત્યાં સુધીમાં માએ રોકકળ કરી.

‘ઘરનાં આઘા રહ્યાં બચુ ,લે હું પારકી એકલી તારે માથે બેઠી છું ‘,નયનાની બહેન માને ઉઠાડીને ડાઈનીગ ટેબલ પાસેની ખુરશીમાં બેસાડી આવી.નયના રડતાં રડતાં એના બે દીકરાઓની રાહ જોતી હતી.એટલામાં તેયાર થઈને દેવેશ આવ્યો,નયના એના ખભે માથું મૂકી રડવા લાગી. દેવેશ બોલ્યો ,’મારે ય રડવું છે,પણ ડેડીનું  ડેડ બોડી લઈ જાય પછી રડવાનું કાગળમાં લખ્યું છે.નયનાની

બહેન બોલી,દેવેશ તું  જીજાજીનો દીકરો  પાકો ,પોથીનો પંડિત,’ દેવેશને જરા ય ગમ્યું નહીં ,તેણે ઈશારાથી ચૂપ રહેવા કહ્યું,

ફ્યુનરલહોમમાં મનનના ડેડ બોડીને સૂટ પહેરાવાશે,એમ વિચારી નયનાએ ઈસ્ત્રી કરી સૂટ   તેયાર કર્યો,એટલામાં દેવેશે કાગળ ખોલી વાંચ્યો ,’રેશમી કુરતો અને સરવાર,ખભે દુપટ્ટો ,પગમાં મોજડી પહેરાવજો’ બીજા બધાં હસી પડ્યાં,નયના છોભીલી પડી ગઈ.એ અકળાઈને બોલી,

‘આખી જીદગી તો સૂટ પહેર્યો  ને છેલ્લે ,’ એની બટકબોલી બહેન કહે,’ જીજાજી હવે તમારું કહ્યું સાંભળવાના નથી,’

ધરડાં માએ અતિમસંસ્કાર માટે મહેશ મહારાજને ફોન કરવા કહ્યું,દેવેશે માની વાત અડધેથી કાપી નાખી,બોલ્યો, ‘કોઈની જરૂર નથી,ડેડીની ઈચ્છા ગાયત્રીમંડલના  શોભાબેનને હાથે અંતિમસંસ્કાર કરાવવાની છે.’

મા બોલી ઊઠ્યા ,’બચુની બુદ્ધિ સાઠે નાઠી,અમારા વખતે બેરાં સ્મશાને જતા નહોતા ‘ દેવેશ બહાર જતો રહ્યો. નયના કહે ,’આ મનનને શું સૂઝયું?,શોભા સાથે ધર્મની વાત કરતો હતો પણ લોકો શુ કહેશે?’ એનો નાનો દીકરો અને બહેન હસવાનું દબાવી શક્યા નહિ બેકયાર્ડમાં છુ થઈ ગયા. નયનાએ  ખાલી ઓશીકે જઈ માથું પછાડ્યું,’મારી ચાકરી પર પાણી ફેરવ્યું,’

દેવેશે કાર્ડ તેયાર કરાવ્યાં તેમાં પણ ગાયત્રીમંત્ર છપાવ્યો હતો,તેણે ડેડી રીટાયર થએલા ત્યારનો ફોટો ફૂનરલહોમમાં મૂક્યો,નયના છેક સુ ધી નારાજ રહી. આમ તો ફયુનરલમાં આવેલા બધા ય ને ‘ગમ’.કમ ‘ગમ્મત ‘ વધારે રહી.’નો સ્લાઈડ શો ‘નો રોતલ પ્રશન્શા પ્રશસ્તિ’ ‘નો ઘસાઈ ગયેલી,ચવાઈ ગયેલી જનમ મરણની ફિલોસોફી,’શોર્ટ અને  સ્વીટ’ ફયુનરલથી સૌ વહેલા પરવારી વીકેન્ડ ની મઝા માણવા ઉપડી ગયા. નયનાને રોતી મૂ કી  મનન દેસાઈ રાજીના રેડ થઈ ઉપર સીધાવ્યા.                             તરુલતા મહેતા 14ઓક્ટોબર 2015

ફ્યુંનરલ હળવે હૈયે (૧૧) રશ્મી જાગીરદાર

પપ્પા , પપ્પા ! મમ્મી જો પપ્પા આવી ગયા !!!બોલતી શાલુ કારણ ને વળગી પડી અને હરખ ભેર ફરી બુમો પાડવા લાગી પપ્પા, પપ્પા મારા માટે શું લાવ્યા ?

કરણ :-” તું જ કહે શું લાવ્યો હોઈશ ?

શાલુ :-” ચીઝ અને એપલ બીજું શું ?

કરણ:-” યેસ માય ડીયર યુ આર રાઈટ .”

કુમા પણ રસોડા માંથી બહાર આવી ને ખુશી ના માહોલ માં ગોઠવાઈ ગઈ તેનું મન જાણે ખુશી થી થનગની ઉઠ્યું હતું અને ગઈ રહ્યું હતું , ” મેરા છોટા સ દેખો એ સંસાર હે …”

આજ સમયે બહાર ડોરબેલ વાગ્યો ,હું ખોલું છું કહી કુમાએ ડોર ખોલ્યું.બહાર પડોસી નો નોકર ઉભો હતો .

કુમા :- રામુ શું થયું ? કામ હતું ?

રામુ :- બેન , પરીખ સાહેબ બોલતા જ નથી કહી રામુ રડી પડ્યો .

તરત જ કારણ અને કુમા પડોશ માં ગયાં , જોયું તો ખરેખર પરીખ ભાઈ બેભાન જ હતા , તરત ફોન કરી ને ડોક્ટર ને બોલાવ્યા , ડોક્ટર  આવી ને કંઈ કરી ના શક્યા ફક્ત એટલું જ બોલ્યા ” હી ઈઝ નો મોર ”

કરણ કહે :-” રામુ , પારુ ક્યાં ?

રામુ :-” બેન તો કોલેજ ગયા છે, તે ગયાં ત્યારે તો સાહેબ ને કઈ નહોતું ”

તરત જ કરણ સ્કુટર લઇ પારુ ને લેવા ગયો . કરણ ને જોતાં જ પારુ સ્તબ્ધ થઇ ઉભી રહી . કરણે કહ્યું, “બેન પારુ, ઘરે ચાલ તારા પપ્પા ની તબીયત બગડી છે .” પારુ બોલ્યા વિના સ્કુટર પર બેઠી , ઘરે પહોચતાં જ તેને ખ્યાલ આવી ગયો

હતાશ પારુ વિચારી રહી બે વર્ષ પહેલાં તેની મમ્મી  તેને છોડી ગય્યેલી  ને હવે પપ્પા ! તેણે પરાણે સ્વસ્થતા કેળવી અને તેની દીદી – ધર્મી ને ફોન કર્યો , તે સાસરે હતી પણ ગામ માં જ સાસરું હતું એટલે થોડીવાર માં તે આવી પહોચી બંને બેનો ભેટી ને ખુબ રડી

પછી પારુ કહે , ” દીદી પપ્પા નું ફયુનરલ ને બધી જ ક્રિયા હું કરીશ , પપ્પા ને દીકરો નથી પણ આપણ ને તેઓ એ દીકરાથી વિશેષ ગણી ને ઉછેર્યા છે , દીદી તું સંમત છે ને ?”

ધર્મી તરત જ સંમત થઇ કહે “તું મારી બોલ્ડ અને હિંમત વાળી નાનકી બેન છે”

કરણ અને કુમા  બધી વાતો સાંભળતા હતા તેઓ મોડે સુધી રોકાયા અને પારુ-ધર્મી ને જરૂરી બધી જ મદદ કરી બે કલાક માં બધા સગાવ્હાલા અને સંબંધીઓ ભેગા થઇ ગયા .  બધી જ વિધિ બે બહેનો એ કરી ,એટલુજ નહિ ,પરીખભાઈ ને ખાંધ પણ બે બહેનો એ અને જમાઈ એ તેમજ કઝીન ભાઈ એ આપી .   બધા દિવસ બ્રાહ્મણ ની સલાહ પ્રમાણે પારુ એ જ વિધિ કરી .

સિદ્ધપુર સરાવવા જવા માટે બંને બહેનો , કાકા , કાકાના દીકરાઓ ,જમાઈ અને અમુક બીજા સગા નીકળ્યા .

સિદ્ધપુર પહોચી ત્યાં બ્રાહ્મણ ને મળ્યા બધી તૈયારી થઇ એટલે બ્રાહ્મણ કહે , “ચાલો જજમાન સરવા કોણ બેસે છે ? આવી જાવ .

સાંભળી ને પારુ પાટલા પાસે ગઈ બેસવા માટે ,બ્રાહ્મણ કહે અરે બેન સરાવવા બેસનાર ને બોલાવો જલ્દી .

પારુ કહે ,: -” મહારાજ હું જ સરવીશ ”

બ્રાહ્મણ કહે , :-” બેન , કોઈ ભાઈ ને મોકલ તું આ ક્રિયા ના કરી શકે ”

પારુ :- ” કેમ  હું ના કરી શકું ? મારા પપ્પા ને દીકરો નથી અમે બે બહેનો જ છીએ તો ?”

બ્રાહ્મણ : -” તો એટલે શું? શાસ્ત્રો માં સ્ત્રી ને આવી કોઈ ક્રિયા માટે પરવાનગી નથી . માટે ગાંડી થા માં ને કોઈ ભાઈ ને બોલાવ.”

પારુ :- ” મહારાજ વિધિ તો હું જ કરીશ તમે બેસો ”

બ્રાહ્મણ :- ” આવું ઘોર પાપ મારાથી નહિ થાય તું બીજા કોઈ મહારાજ ને શોધી લે .” કહી તેઓ ઉઠી ને જતા રહ્યા . ત્યાં ઘણા  બ્રાહ્મણો હતા એટલે ચિંતા નથી તેવું લાગ્યું , પણ પછીતો જેને પૂછે તે એકજ વાત પર અડી ને  ઉભા રહે કે, સ્ત્રી આ વીધી કરી જ ના શકે છેવટે પારુ એ મામલો હાથમાં લીધો તેણે બધા બ્રાહ્મણો સંભાળે તે રીતે મોટે થી કહ્યું , ” માર પપ્પા ની ઈચ્છા હતી , એટલે હું વચન થી બંધાયેલી છું તો

તમારામાંથી જે બ્રાહ્મણ ઈચ્છે તે વિધિ કરાવે પણ કરીશ તો હું જ ”

બધા મહારાજ એક સાથે બોલી ઉઠ્યા ,”આ કામ શાસ્ત્રો વિરુદ્ધ છે, એટલે બેન, તું અમને ધર્મ સંકટ માં ના  નાખ, અને ભલી  થઇને  કોઈ સગા ને -ભત્રીજા કે ભાણીયાને બોલવ હોય તો ”

હવે પારુ જાણે રણચંડી બની ! તે કહે :- ” હવે થોડી વાર માં કોઈ વિધિ નહિ કરાવે તો હું જાતે જ વાંચી ને બધી વિધિ કરીશ. પણ તે પહેલાં હું તમને પૂછું તેના જવાબ આપો જો મને સચોટ રીતે સમજાવી શકશો તો હું તમારી વાત માની લઈશ બસ ? હવે આપ કહો છો કે સ્ત્રી આ વીધી ના કરી શકે બરાબર ?”

મહારાજ કહે “હા બેન, એજ તો વાત છે ”

પારુ કહે , : -” હવે એ કહો મારો જે આત્મા છે તે સ્ત્રી નો છે ને તમારો પુરુષ નો તે તમને દેખાય છે ? હા કે ના ?

મહારાજ કહે ,: – ” ના દેખાય ગાંડી શરીર દેખાય આત્મા દેખાતો હશે ?”

પારુ : – “હવે  એ કહો આત્મા એ પરમાત્મા નો અંશ છે ?”

મહારાજ કહે  “છે સ્તો પણ એનું શું છે ?”

પારુ કહે , :- ” પરમાત્મા નો જે અંશ — એટલે કે આત્મા , તમારા માં છે , તેજ મારા માં પણ છે બરાબર? તમે વિદ્વાન થઇ ને આ નાશવંત શરીર  પર થી મને સ્ત્રી અને તમને પુરુષ કહો છો? મને તો એવી ખબર છે કે જીવ માત્ર માં આત્મા સરખો જ છે જે ઈશ્વર નો જ અંશ છે

બધા બ્રાહ્મણો તો વિચારતા રહ્યા  કે આ ગાંડી છોકરી એના બાપ ને નર્ક માં નાખવા બેઠી  છે ,પણ અત્યાર સુધી દુર ખૂણા માં બેઠેલા એક વૃદ્ધ મા’રાજ હવે બોલ્યા ,” દીકરી તું અહીં મારી પાસે  આવ , તારે તારા પપ્પા ને માટે સરાવવાની વિધિ કરવી છે ને ? મારી ૯૦ વર્ષ ની જિંદગી માં, ક્યારેય આવું બન્યું નથી કે સાંભળ્યું નથી, પણ તારી બધી જ વાત સાચી છે, આત્મા તો બધાનો સરખો જ હોય પછી તે સ્ત્રી હોય કે પુરુષ , પશુ હોય કે પક્ષી  . વળી તારા પિતાનું ભલું તારાથી વધારે કોણ ઈચ્છી શકે? તેઓ માટે સ્વર્ગ ના દ્વાર ખોલવા તારાથી વધારે સક્ષમ કોણ હોઈ શકે ?

અમે જિંદગીના છેલ્લા તબક્કા માં પણ જે ના સમજી શક્યા તે તું અત્યાર થી સમજે છે તું ખુબ નાની છે પણ અમારા સૌ ની ગુરુ માનવી પડે એવી છે, ચાલ આવી જા બેટા , હું તને બિલકુલ શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક સરાવવાની વિધિ કરાવું ”

અત્યાર સુધી  હિંમતભેર રણચંડી બની રહેલી પારુ રડી પડી અને મહારાજ ને પગે લાગી ને કહે , ” દાદા, આપનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે આપ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરાવશો જ તેમાં મને કોઈ શંકા નથી , પણ દાદા, મારા પપ્પા એવું જીવન જીવી ને ગયા છે કે , સ્વર્ગ પામવા માટે તેમને  આપણી કોઈ ની જરૂર નથી .

આ બધી વાતો ના મુક સાક્ષી રહેલા કરણ , કુમા અને શાલુ, મન થી પારુ ને બિરદાવી રહ્યા હતા ત્યાં વાત વાત માં કરણ કહે,” બેટા શાલુ , મારા મૃત્યુ  પછી ફ્યુંનરલ વિધિ તું જ કરજે પણ હળવે હૈયે કરજે મોત નો મલાજો રાખવો પણ એનો ભાર ના વેઢાંરવો ,  તું જો ગીતા વાંચતી રહીશ તો સમજવું અઘરું નથી ”

ફ્યુનરલ – હળવે હૈયે (૧૨) કલ્પના રઘુ

ધીમા ડગલે, ગંભીર વદને, ભારે હૈયે હું મારા પતિ સાથે ફ્યુનરલ હોમના કમ્પાઉન્ડમાં ગાડી પાર્ક કરીને વિધિમાં જઇ રહી હતી. ફ્યુનરલ અને હળવે હૈયે! કેટલો વિરોધાભાસ? આતો રણમાં ખીલ્યા ગુલાબ જેવી વાત થઇ! રસ્તામાં મૃત્યુ વિષેના અનેક વિચારોએ મારા મન ઉપર કાબૂ જમાવ્યો હતો. जातस्य हि ध्रुवों मृत्युः। જે જન્મ્યો છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે. આત્માનું નામ સરનામુ બદલાય એટલે કહેવાતી વ્યક્તિનું મૃત્યુ થયુ તેમ કહેવાય. જેમ સાપ એક કાંચળી ઉતારી બીજી ધારણ કરે છે, તેમ મૃત્યુથી આત્મા એક કહેવાતું વ્યક્તિત્વ, ખોળીયું, શરીર રૂપી ઝભલું જે જૂનુ પુરાણું થયું હોય તે છોડીને નવું ધારણ કરે છે … એક નવા પંથે પ્રયાણ કરે છે. અને લાગતી વળગતી દરેક વ્યક્તિ તેની રૂટીન જીન્દગીમાં ગોઠવાઇ જાય છે. તેમાં ય લીલી વાડી જોયા પછીનુ સૌરીનભાઇના પિતા કાંતિકાકાનું, ૮૦ વર્ષની ઉમેરે મૃત્યુ એક સુખદ ઘટનાજ કહી શકાય!

સૌરીનભાઇ હિન્દુ મંદિરનાં ટ્રસ્ટી છે. એમને કોણ ના ઓળખે? મારે અમેરીકામાં આવે ૪ વર્ષ થયાં. તેમની સાથે મંદિરમાં, એક લેખીકા હોવાને નાતે સારા એવા પરિચયમાં આવી છું. જે વ્યક્તિના ત્યાગ, બલિદાન અને તન-મન-ધનની સેવાથી મંદિરની પ્રવૃત્તિઓ ધમધમતી હોય એવી વ્યક્તિનાં જન્મદાતા માટે માન હોય અને તેમના મૃત્યુનું દુઃખ પણ હોય, સ્વાભાવિક છે. આ લાગણી સાથે અને મારા થોડા લાગણીશીલ સ્વભાવને કારણે ભારે હૈયે! કદાચ મારે બોલવું પડે તો શાંત્વન માટેનાં વાક્યો મગજમાં ગોઠવતી હું જઇ રહી હતી.

આમેય અમે સમય કરતાં અડધો કલાક વહેલા હતાં. બહાર કંમ્પાઉન્ડમાં સફેદ કાળા કપડામાં, પુરુષો અને સ્ત્રીઓ, નાના નાના ગ્રુપમાં વાતો કરી રહ્યાં હતાં. અહીંનું સ્મશાનગૃહ ભારતનાં સ્મશાનગૃહોની સરખામણીમાં રળીયામણુ જરૂર લાગે. અહીં દરેક રીત-રસમમાં એટીકેટ જોવા મળે એટલે થોડુ આર્ટીફીશીયલ અને ફોર્મલ પણ! આજે શનિવાર હતો. વિકેન્ડ પર વિધિ અનુકૂળ પડે.

ત્યાંજ મને મંદિરનાં સક્રિય કાર્યકર મધુમાસીએ બૂમ પાડીને બોલાવી. તેઓ સૌરીનભાઇના ફેમીલી મેમ્બર જેવા હતાં. તેમણે વાત કરી, સૌરીનભાઇનાં મમ્મી જયાબેનની જે ૧૦ વર્ષ પહેલા મુંબઇમાં ગુજરી ગયા હતાં. કાંતિભાઇને ૧૨ વર્ષ પહેલાં લક્વાની અસર થઇ હતી. આ વાતથી પરેશાન જયાબેનને એમજ કે હું કાંતિભાઇ પછી જઇશ તો મારું શું થશે? તેથી તેમણે તેમના વીલમાં પોતાનાં દેહદાનની વાત કાંતિભાઇ પાસે લખાવી લીધી હતી. ભર્યું ભાદર્યું કુટુંબ, પરંતુ બન્ને એકલાં મુંબઇમાં રહેતાં. ખૂબજ વ્યસ્ત જીવનચર્યામાં બન્ને ગોઠવાઇ ગયેલાં. આખો પરીવાર અમેરીકામાં અલગ અલગ જગ્યાએ સ્થાયી થયેલો હતો. તેઓને અહીં આવવુ ન હતું અને બાળકો અહીંનુ છોડીને ત્યાં જઇ શકે તેમ ન હતાં. કાંતિભાઇએ તેમની કારકીર્દીના સમયગાળા દરમ્યાન અનેક ધંધા કર્યા હતા. બીઝનેસ માઇન્ડને કારણે દરેક ધંધામાં તેમને ફાવટ હતી. ‘હાથ નાંખે ત્યાં સોનુ’ તેમના નસીબમાં હતું. બાળકોને પણ જરૂર પડે કામ ધંધામાં અવારનવાર અમેરીકા આવીને મદદ કરતાં રહેતાં. બાળકોને તેમનાથી ખૂબજ સંતોષ હતો. સૌરીનભાઇ સૌથી નાના, અને તેમને એક ભાઇ અને બે બહેનો છે, જે સપરિવાર છેલ્લા અઠવાડીયાથી અહીં બધા સાથેજ છે.

કાંતિભાઇને લક્વો થયો ત્યારે થોડો થોડો સમય વારાફરતી, બાળકો મુંબઈ જઇને કાકાની ચાકરી કરતા. જયાબેને કાંતિભાઇની ચાકરી કરવામાં જાત ઘસી નાંખી. પરીણામે કાંતિભાઇ લકવાની અસરમાંથી બહાર આવી ગયા. અને જ્યાબેન ધીરે ધીરે ગળતા ગયાં. અને એક દિવસ પરિવારને સૂનો મૂકી દેહ છોડી ગયાં … સુહાગણના શણગારમાં સજાવીને તેમના દેહને સ્મશાનગૃહના બદલે હોસ્પીટલમાં વિદાય આપવામાં આવી. તેમનુ દેહદાન કર્યુ હતુંને! પતિ અને બાળકોના હાથે તેમની ઇચ્છા પૂરી થઇ અને તેમના આત્માને શાંતિ મળે તેવી રીતે તમામ ક્રિયાઓ, સૌરીનભાઇ અને સમગ્ર પરિવારે કરી. બાળકો જીદ કરીને કાંતિભાઇને અમેરીકા લઇ આવ્યાં.

ધીમે ધીમે બધા સ્મશાનગૃહમાં જવા લાગ્યા. અમે અને મધુમાસીએ પણ અંદર જઇને અમારૂ સ્થાન લીધુ. ઘણા બધા જાણીતા ચહેરા હતા. સૌના મુખ પર ઉદાસીનતા જોવા મળતી. કેમ ના મળે? સૌરીનભાઇનું દુઃખ, સૌનું દુઃખ બની ગયુ હતુ. કાંતિકાકાને છેલ્લાં ૪ મહીનાથી મંદિરમાં જોયાં ન હતાં. જોકે ૧ વર્ષથી તેઓ વ્હીલચેરમાં સૌરીનભાઇની પત્ની શેફાલીબેન સાથે આવતાં. શેફાલીબેન વ્યવસાયે, CPA હતાં. છતાં વ્યસ્ત જીવનમાં સસરાની સેવામાં સારો સમય ફાળવતા. જેની ચર્ચા મંદિરની બેનોમાં અવાર નવાર સાંભળવા મળતી.

મંદિરના સક્રીય કાર્યકર ડૉ. દેવેશભાઇએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાથમાં લીધુ ..

‘नैनं छिन्दन्ती शस्त्राणि नैनं दहति पावकः

न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारूतः॥’

ગીતાના શ્લોક અને સર્વ ધર્મની પ્રાર્થના સાથે કાર્યક્ર્મની શરૂઆત થઇ. પ્રથમ બે હરોળમાં કાંતિકાકાનો સમગ્ર પરિવાર, ત્રણ પેઢી એક સાથે હાજર હતી. સામેજ કોફીનમાં કાંતિકાકા સૂટ-બુટમાં સૂતા હતાં. પાછળ એમના જીવનનાં યાદગાર પ્રસંગોનુ પાવર પ્રેઝન્ટેશન ચાલુ હતુ. અન્ય શ્રધ્ધાંજલી પત્યા બાદ છેલ્લે સૌરીનભાઇએ માઇક હાથમાં લીધુ. અને સૌ સાંભળતાજ રહ્યાં …

તેમણે પિતા, પરિવાર અને પુત્રના પવિત્ર સંબંધોનુ પુનરાવર્તન શબ્દો દ્વારા જીવંત કર્યુ. તેમણે જે અંતમાં કહ્યુ તે હું આજેય ભૂલી શકતી નથી. તેમણે કહ્યુ, છેલ્લાં ૪ મહિનાથી પપ્પા પથારીવશ થઇ ગયા હતાં. તે પહેલા તે છેલ્લાં થોડા વર્ષોજ મારી સાથે રહ્યાં હતાં. બાકી અમેરીકા આવ્યા બાદ ભાઇના ઘરે વધુ સમય રહેતા. હુ ઘરમાં સૌથી નાનો. મારાં નસીબ કે પપ્પા માંદા થયા પછી મારી સાથે રહ્યા. હું મારી કેરીયરમાં જોડાયા પછી પપ્પા સાથે રહી નહોતો શકયો, પરંતુ છેલ્લાં ૪ મહીનામાં મેં એમને સમય આપવા પ્રયત્ન કર્યો તેનો મને આજે સંતોષ છે. હુ સવારે પપ્પાને બ્રશ કરાવતો, તેમને શેવીંગ કરી આપતો, ચા-નાસ્તો કરાવતો, સ્પંજ કરતો અને ઓફીસે જતો ત્યારે જય શ્રીકૃષ્ણ કહીને જતો. તે પણ મારી રાહ જોતાં જ હોય. સાંજે આવીને પહેલાં એમના રૂમમાં જતો. શેફાલી પણ જાણતી કે હુ પપ્પા પાસે કલાક બેસીને એમને સૂવડાવીને પછીજ જમવા બેસીશ. અને તમે નહી માનો કે એ મારા બાળક હોય અને હુ તેમનો પિતા … આ રીતે અદલા બદલીનો ખેલ અમે બન્ને રમ્યા. એનો મને આજે ખૂબ જ સંતોષ છે. મારાં પપ્પાની ખુશી ભરેલી અને આશિર્વાદ આપતી આંખો હજુ મારી સામે તરવરે છે. હું ભૂલી નથી શકતો, એમની સાથે વીતાવેલા એ ૪ મહીના જે મારા જીવનનાં કિમતી અને યાદગાર હતા. મારા માટે એ સિવાય કશુંજ મહત્વનું ન હતું. બસ મને પપ્પા જ દેખાતા. આજે મારા જીવનમાં ખાલીપો આવી ગયો છે. મારા બન્ને બાળકો સ્ટડી માટે દૂર રહે છે. હવે હું અને શેફાલી. મારા જીવનનો એક ખૂણો ખાલી થઇ ગયો!

બધા પોતાના રૂટીનમાં ગોઠવાઇ જશે. આજે અત્યારે પણ મારાં પપ્પાના મોઢા પર શાંતિની અને સંતોષની રેખા જોઇ શકુ છું. બસ, અમારા બાપ દિકરાનો અદલા બદલીનો આ ખેલ મારા માટે મારા જીવનની એક મોટી કમાઇ, મહા મૂડી છે. આ યાદગાર ક્ષણોને હું જકડીને રાખીશ. મારા પપ્પા માટેની મારી આજ શ્રધ્ધાંજલી છે. તેમણે શાંતિથી દેહ છોડયો છે અને શ્રીજી ચરણોમાં અહીં પણ રહેતા હતા ત્યાં પણ પહોંચી ગયા છે. અને જતાં જતાં કુટુંબના નાના-મોટા સૌએ સાથે મળીને તેમને જય શ્રીકૃષ્ણ કહ્યા છે. મારા દુઃખમાં સહભાગી થનાર આપ સૌનો હુ આભાર માનુ છું. જય શ્રીકૃષ્ણ!

આ પ્રકારની શ્રધ્ધાંજલીના પુષ્પોથી કાંતિકાકાનું જીવન અને મૃત્યુ સુગંધીત બની ગયું. જેની ફોરમ ત્યાં બેઠેલા સૌને સ્પર્શી ગઇ. દરેકનું હૈયુ આ ફ્યુનરલમાં હળવુ બની ગયું. આપણે જયારે કોઇના ફ્યુનરલમાં જઇએ ત્યારે સામેની વ્યક્તિને મરનાર વ્યક્તિની મોટી ખોટ પડી હોય છે માટે ભારે હૈયે જતાં હોઇએ છીએ. જે તે વ્યક્તિને ખોટ પડી હોય એ એનુ હૈયુ હળવુ કરે તો જ આવનાર વ્યક્તિ હળવા હૈયે પાછી જઇ શકે બાકી તો ભારે હૈયે સ્મશાન વૈરાગ્ય સાથે જ પાછી જાય.

સૌરીનભાઇએ પિતા-પુત્રના અદલા-બદલીના ખેલથી ફ્યુનરલમાં આવેલી દરેક વ્યક્તિઓને હળવા હૈયે વિદાય આપી. અને ખરેખર! અંતમાં લાઇનમાં પુષ્પાંજલી આપવા મારો વારો આવ્યો ત્યારે આ કહાની સાંભળીને મારી આંખોમાંથી શોક અને સન્માનના અશ્રુને હું રોકી ના શકી અને ત્યારે જય શ્રીકૃષ્ણ કહેતા મારા પતિએ સૌરીનભાઇને ખભે હાથ મુકતાં તેમની આંખમાંથી થીજેલા અશ્રુને ટપકતા હું જોઇ રહી.

મારૂ મન વિચાર કરતું થઇ ગયું. સૌરીનભાઇનું વ્યક્તિત્વ અને વક્તવ્ય … અદલા બદલીનો ખેલ … દરેક ઘરમાં સૌરીનભાઇ જેવો પુત્ર હોય તો ઘરડાઘર બનતાં ચોક્કસ અટકી જાય. શું આ શકય નથી??? આવાં પુત્રે પિતાનાં મૃત્યુ પછીની કોઇ વિધિ કરવાની કયાં જરૂર પડે!? આવા ફ્યુનરલ પછી જીવન પણ પસાર થાય હળવે હૈયે … !

ક્થાબીજઃ સત્ય ઘટના પર આધારિત …..

કલ્પના રઘુ

ફ્યુનરલ હળવે હૈયે-(14)-રેખા શુક્લ

ભારે હૈયે…કૂમળી યાદો
રૂડા અવસરિયા આવ્યા ને લગભગ ઘણું બધું યાદ છે…મારે હાથે બધાને પૈસા દેવા છે..દિવાળી ની ખુશી છેલ્લે છેલ્લે માણી લંઉ !! અને હા, તમે બધા પાસે છો ખુશ છો આથી વિશેષ હવે મારે જોઈએ પણ શું ? વહુને કહ્યું હતું તે બધી ગુજરાતી ચોપડીઓ..ના વાર્તા સંગ્રહો પણ પૂરા કર્યા, જતા પેહલાં વાંચી નાંખ્યા…તને પણ યાદ છે ને બાપુજી ને કેટલો બધો વાંચન નો શોખ હતો !! ભલે ને આંખમાંથી પાણી હાલ્યાં જાય..ટકોર પણ સાંભળી લીધી બા, તમે તો પરીક્ષા આવી હોય તેમ વાંચો છો ને આંખો લૂંછતા જાવ છો…હા બેટા ટાઇમ ઘણો ઓછો છે ને તેડું ક્યારે આવે તેની ક્યાં ખબર છે …!! ઓક્ટોબર માં ખબર પડી કે સંધ ઉપડ્યો છે વ્રજ જાવા તો એમની ખૂબ ઇરછા હતી..જાણે ભગવાને સાંભળ્યું ને બસ ની ટુર માં અમને જગા મળી ગઈ.શું કહું શું આવી મજા…હા, પણ હું તો દવાખાને…એડમીટ થયેલી ને દરેક જણા વારા ફરતી મળી જાતા..દિકરી પણ લંડનથી આવી ગઈ છે !! હવે મને જાવ દ્યો…શું બા તમારે તો હજુ બધાના લગ્ન માણવાના છે…બસ હવે બહુ થયું ..આ ડોકટર જોને હાડપીંજરમાં પણ સોયું મારે જ રાખે છે…મારાથી સહન થાતુ નથી….આ નાનક્ડાં ભલે હોય ડોકટર પણ મને અંદર તપાસે તે નથી ગમતું…ઓ બા..પણ સોરી તપાસે નહીં તો શું ખબર પડે !! બળ્યું આ ભૂંડાળા શો જોઈ જોઈ ને પણ થાકી…મોંમા અમીરસ નથી તો કંઈ ભાવતું પણ નથી. પણ તું આ ફોટા કેમ લઈ આવી ? કહો તો બા આ કોણ છે? ઇ કૄષ્ણ ..પણ એની સાથે કોણ છે ?? ભૂલી ગયા..?? બા એ તો યશોદા મા છે..હા, હા સાચું ..હવે શું કામ આ ફોટો લાવી…કેહતા જલેબી જેવડુ મલક્યા…બાપુજી..નો પિક જોઈને. ટી.આઈ.ઍ ના લીધે જીભ બંધ..આંખો બંધ ને પરાણે ઘેનમાં સૂપ ગળે. અમારી ચિંતા ના કરશો..હું ઓકે છું ..રાધાજી ના ગળે પેહરાવેલી પૂષ્પમાળાને પ્રસાદ માં પેંડો ચાખ્યો..બસ બધાને માંડ માંડ પૈસા આપ્યા ને નજર સામે હોસ્પિટલમાં દેવલોક પામ્યા તેમ કેહવાયું ..ચારેકોર ઉજવાસ..ને સુખડની સુગંધ…અરે પણ શું હું સાચે જ મરી ગઈ..!! રૂડા પર્વે…કંકુપગલાં લઈ ચાલી હું તો ….વહુ-દીકરા-દીકરી ને પોતાપોતી બધા હિબકા લે છે …પણ તમે લોકો રડો નહીં…હું અહીંજ તમારામાં પણ ખરીશ. નવેમ્બર ની ૧૩ ના રોજ બા ચાલ્યા ગયા…૨૦૦૩ માં પણ આજે બધુ જ યાદ છે જાણે કાલે જ ના બન્યું હોય..!!
—રેખા શુક્લ ૨૦૧૫

 

ફ્યુનરલ હળવે હૈયે (૧૫) કુંતા શાહ

ફ્યુનરલ હળવે હૈયે- 15-કુંતા શાહ

સહુના સંજોગોને ધ્યાનમાં રાખી ઘરડા ઘરમાં રહેવા જવાનું વિચાર્યુ.  બીજું બધુ તો ઠીક, પણ કોઇ ઓળખિતા તો ત્યાં છે ને એવા પ્રશ્નો સગાઓએ પૂછવા માંડ્યા.  સમઝણી થઇ ત્યારથી જાણું છું કે એકલા આવ્યા અને એકલા જવાના.  આ જીવનની આ યાત્રામાં કેટલાય યાત્રિઓને મળી, કોઇ મા, કોઇ પિતા, કોઇ દાદાજી, કોઇ ભાઇ, કોઇ બહેન, અન્ય સગા, શિક્ષકો, મિત્ર, સાથીઓ, પતિ, પુત્ર, પુત્રી, પૌત્ર, પૌત્રી અને સાત પગલા સાથે ચાલનાર સહુની માયામાં વણાઇ પણ સત્ય તો એ જ છે કે એકલા રહેવાની આદત સહુ માટે સારી છે.  મૌન અને એકાગ્રતા વિકસાવે એવું ધ્યાન સહજતાથી સામે આવે એનાથી વધુ શાનો લોભ કરવો?  અને જેમ અત્યાર સુધી મિત્રો, સહચરો, સહાયકો મળી જ ગયા છે તેમ ત્યાં પણ મળશે જ ને?

 

ત્યાં રહેવા જતાં પહેલા, વસિયત નામું કરવાનું, ઘર અને શોખની મોટાભાગની વધારાની વસ્તુનો સદુપયોગ થાય તેની વ્યવસ્થા કરવાની.  મુખ્ય મારા મૃત દેહનુ શું કરવું તેનો નિર્ણય લેવાનો.  દર વર્ષે મારા મુખ્ય ડોક્ટર ફોર્મ તો ભરાવે જ છે અને હંમેશ લખુ છું કે મારા જીવનને કૃત્રિમ રીતે જીવાડશો નહીં અને નવું ડ્રાઇવર લાઇસન્સ લઉં ત્યારે જણાવું છું કે મારા શરીરના જે કોઇ અવયવો કામ લાગે તે ધર્માદા કરી દેજો.  તો કઇ વિધિથી મારા દેહના ટૂકડાનું શું કરવું એનું મહત્વ કેટલુ?  બાળકોને પણ સુચના આપી દેવાની કે મારા મૃત દેહના ટૂકડાને જોવા આવવાની કોઇ જરુર નથી. જેમ પત્નિના અવસાનની ખબર મળવા છતાં વકિલ સરદાર વલ્લ્ભભાઇ પટેલે એક સાક્ષિની ઉલટ તપાસ ચાલુ રાખી હતી અને કેસ જીતી ગયા હતા, તેમ તમારા પર આશ્રિત વ્યક્તિઓના કલ્યાણ હેતુ તમારી ફરજને પહેલા પ્રાધાન્ય આપજો.

ફ્યુનરલ એટલે પરિચિત વ્યક્તિના દેહને અંતિમ વિદાયગીરી. અગ્નિસ્નાન, દફન કે કુદરતને અર્પણ કરવાની વિધિ.  આ ઘડીઓ સુહ્રદયી માટે લાગણીઓની સુનામી જેવી હોય છે.  શું કહેવાનું રહી ગયું?  શું પુછવાનું રહી ગયું? શાની માફી માંગવાની રહી ગઇ? સંગાથે કરવાનાં કોડ અપુરા રહ્યા!  એકલતાનું જીવન કેમ વિતશે એની ચિંતા.  રુદન અને આક્રંદની વચ્ચે ઝોલા ખાતું મન કેમ કરીને સમતોલ રાખીને ખરી વિદાય આપે?  એ વિદાયને અનુચિત તૈયારી કરવા સગા, સ્નેહી અને પડોશી આવી જ રહે છે.  એ મૃત દેહ જ્યારે જીવિત હતો ત્યારે વખ્તને અભાવે એની ખબર પૂછવાનો સમય જેઓ કાઢી શકતા નહોતા તેઓ પણ એને શ્રધ્ધાંજલી આપવા આવી રહે છે.

હા, હા.  એતો મારે ભુલવું જ નથી.  ચાલો સહુને એમને લગતી વાતો, પ્રસંગો અને લાગણીનાં બંધનોને પહેલેથી જ નવાજવા માટે યાદી બનાવી ઇમૈલ મોકલી દઉં.  અરે, આવતી ક્ષણ કોણે જાણી છે? બસ, યાદી તૈયાર થયે એક પછી એક ઇમૈલ લખતી ગઇ અને લખતા, લખતા ફરીથી એ સાથીની સાથે વિતાવેલ ભાવભર્યા ક્ષણોની હૂંફ માણી રહી.  સાથે, સહુને ભલામણ કરી કે જ્યારે મારા અવસાનના સમાચાર મળે ત્યારે ફરી આ ઇમૈલ વાંચજો.   હું તમારી પાસે જ છું એવો અનુભવ તમને જરૂર થશે એથી વિરહના અશ્રુ વહાવશો નહીં.  (મહાદેવ જેવા મહાદેવ સતીના મ્રુત્યુ ખબર મળતા સમતુલના ખોઇ બેઠા હતા તો આપણા જેવા સંસારીને આવી વિનંતી કરવાનો કોઇ અર્થ?)

સાંભળ્યુ છે ને ગુલઝારનું લખેલું, કિનારાનું ગીત —

“નામ ગુમ જાયેગા, ચેહરા યે બદલ જાયેગા, મેરી આવાઝ હી પહેચાન હૈ, ગર યાદ રહે.

વખ્તકે સીતમ, કમ હસીં નહીં, આજ હૈ યહાં, કલ કહીં નહીઃ,

વખ્તસે પરે અગર, મીલ ગયે કહીં

 

જો ગુઝર ગઇ, કલકી બાત થી, ઉમ્ર તો નહીં, એક રાત થી,

રાતકા સીલા અગર ફીર મીલે કહીં


દિન ઢલે જહાં, રાત પાસ હો, ઝિંદગીકી લૌ, ઊંચી કર ચલો

યાદ આયે ગર કભી, જી ઉદાસ હો”

 

— જે હું હંમેશા ગુનગુનાતી રહું છું? બસ, મારો અવાજ કે મારા અવાજમાંથી પ્રગટ થતી તમારા પ્રત્યેની લાગણી તમે જો યાદ રાખશો તો જ્યારે આપણે પાછા મળશુ ત્યારે આપણી ઓળખાણ આપોઆપ થઇ જશે. તમારી સુંવાળી યાદ મેં મારા આત્માને ચોંટાડી જ દીધી છે.

 

હિંદુ, બુદ્ધ ધર્મને પાળનારા અને અમેરિકન નેટીવ ઇંડિઅન લોકો પુનર્જન્મમાં માને છે તેથી તેમની ભવનામાં ફેર હોય છે પણ પ્રત્યેક કોમ આ સમયે પોતાના ભગવાનને પ્રાર્થના કરે છે મૃતાત્માની સદ્ગતિ માટે અને પાછળ રહી ગયેલાઓને ખોટ સહેવાની શક્તિ માટે. મને ખાત્રી છે કે તમારી પ્રાર્થના પ્રભુ સાંભળશે.

અમેરિકાના એક લેખક, એલન કોહનના, થોડા વાક્યો યાદ આવે છે. જેનો અનુવાદ અહીં કરું છું “જેઓ તમને પ્રેમ કરે છે તેઓ તમારી ભૂલો કે તમારા ખરાબ વિચારોથી છેતરાતા નથી.  તે તમારા વ્યક્તિત્વની સુંદરતાને યાદ કરે છે જ્યારે તમને પોતે કદ્રુપા હોવાની ભ્રાંતિ થાય છે અને તમે સંપુર્ણ છો એવું માને છે જ્યારે તમે ભાંગી પડ્યા હો છો;તમે નિર્દષ છો એવું જ માને છે જ્યારે તમે કોઇ ગુન્હો કર્યો હોય એવું માનતા હો છો; અને તમારા ધ્યેયને સાંભરે છે જ્યારે તમે મુંઝવણમાં અટવાતા હો છો.”

તેમ જ, હું માનું છું કે આપણા સંબંધો એવા જ છે.  આપણે એકબીજાના સ્તંભ બનીને વિકસ્યા છીએ, છતાં, પ્રથમ, તમારું મન કદી દુઃખવ્યું હોય તો ક્ષમા કરજો. મારા ગત જીવના સદ્ગુણોને યાદ કરજો, હું તમારે માટે શું હતી તેની યાદ કરજો.  મારા જીવનને શાની લગન હતી, મારા શું શોખ હતા,  મને શાનો ગમો, અણગમો હતો તે યાદ કરી મારા નિરાળા અસ્તિત્વને યાદ કરજો.  સૌથી વિશેષ, મારા જીવનના એવા પ્રંસંગોને યાદ કરજો જ્યારે મારા કાર્ય કે વર્તનને લીધે આજુબાજુનાં સર્વે ખડખડાટ હસી પડ્યા હતા અને એવા પ્રસંગો જેમાં મેં તમને આંનદ અને પ્રેમ આપ્યા હતા.

બીજી એક મને ગમતી, જીવન અને મરણને લગતી બુધ્ધિસ્ટ અંગ્રેજી કવિતા યાદ આવે છે જેનો અનુવાદ કરવાનો મારો વિનમ્ર પ્રયત્ન છેઃ

જીંદગી એક મુસાફરી છે અને મૃત્યુ પ્રુથ્વી પર પાછા લાવે છે,

ભ્રંમાંડ જાણે એક વિસામાની જગ્યા છે અને વિતતા વર્ષો ધૂળની રજકણો સમાન છે.

સમઝી લો કે આ સંસાર માનસિક આભાસ છે જેમ મળસ્કે દેખાતો તારો,

ઝરણામાં એક પરપોટૉ, ગ્રિષ્મ્ના વાદળમાં વીજળીના ઝબકારા,

દીવાના કાંપતા ઝબકારા, આભાસ , સ્વપ્ન!

છેલ્લા પચાસ વર્ષમાં ટેક્નોલોજીને લીધે આપણે આપણું જ્ઞાન વધારવાની  ઘણી તક મળી. ખાસ તો વિમાનોના ઉડ્ડ્યન સાથે આપણી સંસ્કૃતિ પણ ઉડી.  ઘણા રીતરિવાજોને આપણે સ્વજનની જેમ સંભાળીને જકડી રાખ્યા.  આજના આંતરજાતિય લગ્ન થવાથી એકબીજાનાં રીતરિવાજોને સન્માન આપી સમઝુતિ સ્વિકારતા થયા.  એમના બાળકોને પોતાનો ધર્મ અને રીતરિવાજોને ચૂંટ્વાનો લાભ મળ્યો.  આવા પરિવર્તન લાવનારા માટે જીવવું સરળ નહોતુ.  હવે ધીમે ધીમે જાણે આપણે વધુ સહનશીલ અને વિસ્તરિત મનનાં થયાં છીએ.  આજના મોટા ભાગના યુવાનો ખરેખર સમઝીએ તો એક રીતે પરમ જ્ઞાની છે.  તેઓને કોઇની માયા નથી  બીજા શું વિચારશે તેનો વિચાર કરવાનો તેમને વખત કાઢવો ગમતો નથી.  પોતાના અને પોતાના બાળકોના વિકાસ માટે તન મન અને બુધ્ધીને કેંદ્રિત કરી જીવે છે. અપવાદો પણ અગણ્ય છે.

જો આપણા સ્વજનો આપણા મૃત દેહને શાસ્ત્રોક્ત અંજલી ના આપી શકે તો સમાજ એમની અપમાનજનક અવગણના કરશે તે સહી લેશું? કદાપી નહીં.  બીજા જનમનું ભાથુ બાંધી જ રાખ્યુ છે!

કુંતા શાહ

ફયુનરલ હળવા હૈયે-16 જયવંતી પટેલ

આજે આખું ગગન વાદળથી છવાય ગયું છે.  ક્યાંયે સૂર્યદેવના દર્શન નથી થતા.  છત ઉપર મેઘના ઝીણા ઝીણા છાંટા કંઈક જુદોજ તાલ આપતા હતા.  જાણે અષાઢી સંગીત – કે માંના ગરબાનો તાલ – ટપ ટપ , ટપ ટપ.  આવા દિવસે તૈયાર થઇ કામપર જવું એ એક સાહસનું કામ હતું.

આજે મને શરીરમાં થોડી બેચેની સવારથી સતાવતી હતી.  છતાં તૈયાર થઇ દુકાને ગયો.  હજુ તો બે કલાક પણ નહીં થયાં હોય – હું નાની સીડી ચઢી સાઇકલનો કંઈક સામાન પાડતો હતો અને ઢબ દઈ મારું શરીર નીચે પછડાયું – શું થયું ? શું થયું ?  હસુભાઈ પડી ગયા.  જુવો બોલતાં નથી.  પાણી છાંટો, હજુ પણ નથી બોલતા, ચાલો ડોક્ટરને બોલાવો.

ડોક્ટર આવ્યા  તપાસીને કહયું – જબરજસ્ત હ્દયનો હુમલો થયો છે.  બચે એમ નથી લાગતું – તો પણ આ દવા આપું છું ઇન્જેક્શન આપ્યું ને બાટલો ચાલુ કરવા કહયું.  વરસાદ ચાલુ જ હતો પણ સારું થયું મને ઘરે જ લઇ આવ્યા.

મને ઊચકીને ઘરમાં લાવ્યા ત્યારે તું તો સાવ ડઘાઈ ગઈ હતી.  શું કરવું એ પણ સુઝતું ન હતું.  બધાએ થઇ મને પલંગ પર સુવાડ્યો.  છાતીમાં અને મગજમાં કંઈક જુદી રીતનું દુઃખ થતું હતું.  ખમાતું ન હતું.  સાથે આવેલા દુકાનનાં ભાગીદારે કહયું, ”  બહેન, જે સેવા થાય તે કરો અને બાકીનું ઉપરવાળા પર છોડી દયો”  તું મારી નજીક આવી, મને જોઈ કંઈક બબડી.  તારી મને દયા આવી  તું કાયમ મને સાચી સલાહ આપતી પણ હું જ સાંભળતો ન્હોતો.  છેલ્લે છેલ્લે તો હું જમવા બેસું ત્યારે તું અચૂક કહેતી કે થોડું ઓછું જમો – થોડું વજન ઓછું કરવાની જરૂર છે.  અને આ ઉપરથી મીઠુ ન લ્યો તો સારું – પણ હું જ તારું કહેવું ન્હોતો સાંભળતો, જીદ્દી હતોને !  અને તારી રસોઈ પણ મને ખૂબ ગમતી – થોડાં પગથિયા ચડતો ત્યાં તો હાંફ ચઢી જતો.  પગમાં થોડા થોડા સોજા પણ રહેતા આ બધુ જોઈ તને વ્યાધી થતી – પણ તું રડ નહીં મને તારો ઉદાસ ચહેરો નથી ગમતો:  પણ આ શું ! ત્રણેય દીકરીઓને કેમ નિશાળેથી બોલાવી લીધી ?  એમનું ભણવાનું બગડશે, પણ વાંધો નહી મને પણ એમની હાજરી ગમી ; જો મને કેવી વિટળાય ને બેઠી છે.

તારા આંસુ તો અટકતા જ નથી.  મને પણ ડર લાગે છે કે હું નહિ હોવ તો તારું શું થશે ?  તારી ઉપર કેટલી જવાબદારી આવી પડશે.  આમે તું ક્યાં મને મદદ નથી કરતી!  ભાગીદારીમાં દુકાન એટલે ભાગીદારો સાથે કેમ કામ લેવું એ તો તું જ મને શીખવતી અને તે પણ ઈમાનદારીથી – ક્યાંય કાવાદાવા નહી.  તારી જુગલબંધી તો કેમ વિસરાય.  પણ હવે તારે માથે બધો બોજો આવી પડશે , કમાવાનો , દીકરીઓની દેખભાળ રાખવાનો , તેમને જીવનમાં સફળ બનાવવાનો.  એકલે હાથે કેમ કરીશ?  આ જોને – મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે હૃદય નબળું પડતું જાય છે.  આંખે અંધારા આવે છે.

તેં હમણાં મારી પાસે બેસી ગીતાનો પાઠ કર્યો અને શાંતિ પ્રાર્થના કરી.  મને ગમ્યું પણ હવે મને ખૂબ થાક લાગ્યો છે  મને સુઈ જવા દે.  આ કોણ આવ્યું ?  બાજુવાળા ખુશાલભાઈ આવ્યા લાગે છે.  મને પલંગ પરથી નીચે સુવાડવાની વાત કરે છે અને હવે નીચે ઉતાર્યો  – ગંગાજળ મારાં મોમાં મુક્યું પણ તે પણ ક્યાં ગળે ઉતર્યું, મોઢામાંથી બહાર વહી ગયું.  મારી આંખો બિડાઈ ગઈ છે  તારી ક્ષમા માંગુ છું તારો અધવચ્ચે સાથ છોડી દીધો.  મને માફ કરીશને ?  પણ મને ખાતરી છે કે તું પહોંચી વળીશ.  તું હિંમતવાળી છે અને કુનેહશીલ છે.  ચાલ હવે રજા આપ.  મારો હાથ ઠંડો લાગ્યો ?  તે તો હોય જ ને !  હવે હું એ શરીરમાં નથી રહયો, તારો સાથ છુટી ગયો.

મને સ્મશાને લઇ જતાં, દીકરીઓ અને તું ખૂબ રડ્યા પણ મને સારી રીતે વળાવ્યો મારી પાછળ પ્રાથના પણ ખૂબ કરી.  હું તારો સાથ શોધતો રહીશ પણ હમણાં તો જવું જ પડશે.  ફૂનરલ હોમનો રસ્તો લાંબો છે અને પાછો ટ્રાફિકનો પણ વિચાર કરવાનોને ?  અને જોજે, ફૂનરલ હોમમાં પણ બહુ લાંબી પ્રાર્થના ન કરતી.  કારણકે તને યાદ છે આપણે એક વખત આપણા સગાના ફૂનરલમાં ગયા હતા અને પ્રાર્થના એટલી લાંબી ચાલી હતી કે બધા થાકી ગયા હતા.  અડધા તો ઊંઘી ગયા હતા.  તેમાં તારી એક સખીએ  ધીમે રહી તમોને સંભળાય એમ કહયું હતું, ” અલી બહેનો, હું મરી જાંવ ત્યારે મારી પાછળ આટલી લાંબી પ્રાર્થના નહીં કરતા મારો તો જીવ પેટીમાં ગુંગળાય જશે.  ખાલી બે કે ત્રણ ભજન અને નાની પ્રાર્થના.  આ તમોને આગળથી કહી દઉં છું” – બધાને એટલું હસું આવ્યું હતું પણ બધા દબાવીને શાંત રહયા હતા પણ બધાની ઊંઘ જરૂર ઊડી ગઈ હતી !!!

જયવંતી પટેલ

“ફયુનરલ_હળવે હૈયે”-(૧૭)પદ્મા કાન્હ

૩૦ નોવેમ્બેર ૨૦૧૫

“ફયુનરલ_હળવે હૈયે”

“ફયુનરલ” અને તે પણ હળવે હૈયે? એ કેવી રીતે બને? એના માટે સારા વિચારોનું મંથન અને નવા વિચારોનું  જીવનમાં અપનાવવું એની તેયારી ને એના માટે મનને મનાવવું પડે છે, જો એ તેયારી તમે રાખી હશે તો કોઈ પણ ‘ફ્યુનરલ ’ હળવે હૈયે હકીકતમાં અનુભવશો.

હવે યુગ પરિવર્તન આવી રહ્યું છે.ને તે નવા વિચારોનું પરિવર્તન સમાજમાં જ્યાં ત્યાં દૃષ્ટિગોચર થઈ રહ્યું છે. ગીતામાં તો કૃષ્ણ ભગવાને કહ્યું છે કે આત્મા મરતો નથી,જુના વસ્ત્રનો ત્યાગ અને નવા વસ્ત્રનું પરિધાન, તો શોક શાને? જનાર વ્યક્તિને યાદ જરૂર કરો રડતા રડતા નહિ પણ સાથે સાથે વિતાવેલી આનંદની પળોને સ્મૃતીમાં રાખી. તમે રડશો, દુખી થશો તો એ આત્માને દુઃખ થશે.તમે દુખી થઈ એ આત્માને દુખી કરો છો

‘ફ્યુનરલ’ – હળવે હૈયે –  એ કેવી રીતે થાય તે મારા નિકટની વ્યક્તિ અને  મારા મિત્રોના જીવન દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ.

જીવન સાથી નો મારો પોતાનો અનુભવ

જીવન કેમ વિતાવ્યું કે કેમ વીત્યું તેની લાંબી કથા કરતા અંતિમ વિદાયની વિતાવેલી અંતિમ ક્ષણો મારા જીવનસાથી સાથેની. એક દિવસ સવારે તો પેટ ખખડીને સાફ થઈ ગયું છે ને કફ પણ એક જાર ભરીને નીકળ્યો એટલે શ્વાસમાં જે ખરખર અવાજ આવતો હતો તે પણ બંધ થઇ ગયો એટલે લાગ્યું કે એમને થોડી શાંતિ લાગે છે એનો પણ મને ઉચાટ થવા લાગ્યો કદાચ છેલ્લા શ્વાસ તો નહિ હોય?

છેલ્લા શ્વાસ સદા ત્રણ ઘડીનો ,સાડાત્રણ દિવસનો હોઈ શકે એવું આટલા વર્ષોમાં થયેલા પરિવારના ને અન્ય મરણથી એટલું મને જ્ઞાન હતું.મારા દીકરાને વાત કરી. ડોક્ટરને ઘરે બોલાવ્યા. ડોકટરે રાત સુધીનો સમય છે એમ  કહ્યું.બીજા દીકરાને ઓહાયો જાણ કરી. તેને થયું કે તમે હોસ્પીટલમાં કેમ દાખલ  નથી કરતા?  અમારા મનમાં હતું કે ઘરમાં હોય તો પરિવાર જનો બધાય સાથે હોય. હોસ્પીટલમાં એક જણ દર્દી પાસે રહી શકે ને બીજા બધાનો સમય દોડાદોડીમાં જાય. ઘરમાં બધા પરિવાર જનોના સાથમાં, શ્રી કૃષ્ણમ્‍ શરણમ્‍ મમ” નો મંત્ર ગુંજી રહ્યો હોય ને એજ પવિત્ર વાતાવરણમાં સ્વજનની વિદાય થવી એનાથી વધુ કલ્યાણકારી બીજું શું હોઈ શકે? ઘડી પલ સહુના જીવનમાં આવવાની છે તો મૃત્યુને પણ સહર્ષ સ્વીકારી જીવનું પણ કલ્યાણ થાય શું એટલું આપણે ના કરી શકીએ? મેં નક્કી કર્યું હતું તેમની પાછળ  હું એક પણ આંસુ નહિ વહાવું.કારણ કે આપણું  જીવન અનેક જન્મોના કર્મોનો સાર છે. એમાં આપણે કઈ ફેરફાર નથી કરી શકતા,વળી એમ સાંભળ્યું પણ છે જેની અંતિમ ઘડી સુધરી તેનું જીવન સુધરી ગયુંને સાથેસાથે મૃત્યુ પણ.ગળાસુધી ડૂમો ભરાઈ આવતો ડૂમાને ગળે ઉતારવા હું  બધી શક્તિને ભેગી કરી સાથે સાથે પ્રાર્થના કરતી હતી તેમને મનમાં વિનવણી કરતી હતી બસ થોડી ક્ષણ થોભી જાવ ઓહાયોથી નીતિન નાનો દીકરો અને સ્મિતા આવી રહ્યા છે. મોટા દીકરા અતુલને  ખબર હતી કે રાતે દસ વાગ્યા સુધીનો સથવારો છે  પણ મને નોતું કીધું.પણ પણ સમય સુચકતા વાપરીને અતુલે  વેબકેમ સેટ કરી દીધું જેથી ભારતમાં  મારી દીકરી મેધા અને અન્ય પરિવાર જનોને સંતોષ થયો તેમની અંતિમ ઘડી બધા જોઈ શક્યા તેનો સંતોષ હતો.

એજ સંતોષનો પડઘો મૃતાત્માના ચહેરા પર વર્તાતો હતો. જીવતા હતા ત્યારે મંદવાડની છાયામુખ પર વર્તાતી હતી પણ અંતિમ વિદાય પછી દર્શન કરવા આવનાર બધાના મુખમાં એક શબ્દ સાંભળવા મળતો કે મુખ પર કેટલું તેજ છે?  ને ફ્યુનરલ? હળવે હૈયે.

મારી સખી ભાનુ

મારી સખી ભાનુની વાત કરુ તો અમેરિકામાં હતી ત્યારે અવાર નવાર અમારે વાત થતી હતી. ઇન્ડિયા ગયે માંડ મહિનો થયો હશે ને સમાચાર મળ્યા કે તેમને મગજનું કેન્સર 5×5 ઈંચનું હતું .ને ઓપરેશન કરવું પડશે. અમેરિકાથી તેમની ડોક્ટર પોત્રી અને દીકરો નૈમિષ અને પુત્રવધુ સાધના દાદીને જોવા ઇન્ડિયા પહોચી ગયા. ભાનુનો વર સુધાકર અને પરિવાર વિચારી રહ્યા હતા કે ઓપેરશન કરાવવું કે કેમ?

આટલું મગજ કાપી નાખો તો બાકી શું રહે? તેમના બધા રીપોર્ટ જોતા ભાનુ ત્રણ મહિનાની મહેમાન છે એતો સૌને ખબર હતી. ભાનુ કહે “શાની ચિંતા કરો છો?” તેણે ઓપેરેશન કરાવવાની મના કરી અને કહ્યું જેટલું આયુષ્ય છે તેટલું બધા સાથે રહીને આનંદ કરીએ. સૌ ડો.મનુભાઈ કોઠારીને મળ્યા. એમની સ્લાહ – “બેનને શાંતીથી જવા દ્યો.”  ને બસ તે દિવસે નક્કી કર્યું ને ઘર બંધ કરી તેમને હોસ્પીટલમાં એક બધી સગવડ વાળો રહેવાને જૂદો ફ્લેટ મળી ગયો.સાથે વિતાવેલા છેલ્લા દિવસોએ બધાના મન પહેલે થી હળવા કરી દીધા હતા. ઓપરેશન પણ ન કર્યું અને રોજની પંદર દવાને બદલે રોજને માત્ર બે-ત્રણ ગોળી લીધેલી.

૩૦ સપ્ટેમ્બર ૨૦૦૭ ની તારીખે સૌને ખબર છે કે જવાની તારીખ ૮ ડિસેમ્બર૨૦૦૭ ની છે – આ જાણવા છતાં સૌ સાથે રહ્યા, કેસેટનાં ગીતો સાંભળ્યાં અને આખરે ભાનુએ પાંચ દિવસ વહેલી ૩ ડિસેમ્બરે ૨૦૦૭ ની તારીખે વિદાય લીધી.

સામાન્ય રીતે તો આપણામાં સ્ત્રીઓ સ્મશાને નથી જતી હોતી.પણ ભાનુની દસ બાર સખીઓ તો તેની વિદાયના સમાચાર સાંભળતા સ્મશાને પહોચી ગઈ. ભજન પછી હળવે હૈયે ફ્યુનરલ થઈ.

મારા ફોઈબાનો દીકરો જીતેન્દ્ર

હજી એક તાજો દાખલો. જીતુ એટલે મારો ફઈબાનો દીકરો.અમે સાથે ભણતા.જીવન સંગ્રામમાં લડતા લડતા ખુબ સારી પ્રગતી કરી.તેના પ્રમાણમાં મંજુ થોડું  ઓછુ ભણેલી ને વધુ ગણેલી. બીઝનેસ બહુમોટો તેથી જીતુને વારવાર દેશ વિદેશ જાવુંપડતું. જ્યાં જાય ત્યાં હંમેશા મંજૂને સાથે લઈને જ જાય. એમનો સહચાર અવનવો અને બેનમૂન.

ઓચિંતો એક દિવસ આવી ગયો. ન્યુમોનિયાની સાથે જીતુ વેન્ટીલેટર પર આવી ગયો ને અંતિમ દિવસ આવી ગયો. ખડે પગે મંજુ અને પરિવાર સાથે જ  હતાં. હકીકત સમજવા મંજૂનું મન માનતું નોતું. થોડા દિવસ પછી આ મિત્ર સુધાકર ત્યાં પહોચી ગયા.તેમની સાથે બધી જીતુની વાતોને યાદ કરીને મંજુ સાથે સહુ પરિવારને હળવા કરી દીધા

ડો. મનુભાઈની પોતાની પ્રાર્થન સભા

હજી એક છેલ્લી વાત  ડો. મનુભાઈ કોઠારીની પોતાની છે. ઘરમાં પત્ની સાથે ચાર ડોક્ટર. એક દિવસ સવારે ત્રણ વાગે ઊઠીને કહે “મને બરાબર લાગતું નથી.”  ઘરના કોઈ માને ? મનુભાઈ કહે “અંત આવી ગયો છે.”  પણ પરિવારે ડોક્ટરોને ફોન કરી દીધા. એ કોઈ આઅવે તે પહેલાં મનુભાઈએ વિદાય લીધી.

એમની પ્રાર્થના સભામાં ગીત, સંગીત અને નૃત્ય, હાસ્ય અને રમૂજનો  જલસો હતો.સરવાળે, મેં અનુભવ્યું છે,  જોયું છે અને જાણ્યું છે – મૃત્યુ પણ જોઈ , જાણી, અનુભવી શાંતીથી સ્વીકારી શકાય છે. અને વ્હાલાં સ્વજનને વિદાય આપી શકાય છે. હળવે હૈયે.

પદ્મા કાન્ત

 ફ્યુંનરલ  હળવે  હૈયે (૧૮)-હેમંત ઉપાધ્યાય

( સુરત  જીલ્લા માં બોલાતી   ભાષા   માં  આ  લેખ  લખું  છું,  ત્યાના  લોકો ની  રજૂઆત કરવાની  આદત  અને  ભાષા   તથા  માનાર્થે એક  વચન  વાપરવાની  રીત  સાથે  આ લેખ  હૈયા  ને  હળવું  લાગે  તેવી  રીતે  ગંભીર  વાત   રજુ કરે  છે જે  ખુબ  માણવા  લાયક  છે. મને આશા  છે કે  આ લેખ ગમશે. કોઈ ની ટીકા  કરવાનો   આશય  નથી  )

 માર  તાલી 

 રમેશ  નવસારી માં રહે છે  અને  મારો  દોસ્ત  છે, કોઈ  પણ  વાક્ય  પતે   એટલે  તે  કહેશે   ‘ માર   તાલી  ‘   અમે  એનું નામ   જ  માર  તાલી  રાખ્યું   છે,અમે  એક વાર નવસારી  માં  ગોલવાડ  પાસે  મળી  ગયા,  ઘણા  વખત  પછી  મળ્યા   એટલે પહેલા જ   પૂછ્યું  કેમ  દેખાતો નથી   ? માર   તાલી  ‘  મેં   કીધું   બહારગામ  ગેલો  તે  કાલે જઆયવો,  હું  નવાજુની ? કેય   તને  ખબર   પયડી   કે  ની  ?મેં  કયું  હું ?

પરમ દાડે મારો ડોહો  ઉકલી  ગયો ? માર   તાલી  ‘

મેં  કયું  હે ?  હું   થયેલું?  અને  ડોહો   ઉકલી   ગયો   ને  તું  તાલી   માંગે ? હરમ  બરમ  છે  કે ની?

 તો  કેય   કે  કેમ  રડું ?    રડવાથી   ડોહો   પાછો   આવહે ?

દીકરા    એ   તો  ઉપર   પરી  ઓ   જોડે   રાસ   રમતો   ઓહે  ..

મેં પુયછું  હું   થેલું ?  એકદમ  ઉકલી  ગયો ?

 તો  ફેય  કે  રવિવાર  નો  દહઅડો    હૂતો,  હવારે   છ   વાગે  મને  બૂમ   પડી ને  કેય   કે  લોચો  લી આવ.  મારે  લોચો  ખાવો  છે

મેં  કેયુ કે  હવારે  છ  વાગતા   માં  કયો   બાપો  દુકાન  ખોલી  ને  બેઠેલો છે ? થોડું  ખમી જાવ ,    પછી  લી  આવા.

આઠ   વાગે  મારી  બૈરી  કેય  કે  ડોહા   નો  લોચો  લી  આવને?  હું  લોચો  લી  આયવો   ને ડોહા  ની  આરામખુરશી   પાહે  મૂકી  ને  કેયુ   કે  લેવ   બાપા   લોચો  લાયવો,  માર    તાલી 

 પછી  દસ  વાગે  ગયો   તો લોચો   તા  જ   પડેલો, મેં   કેયુ  કે  બાપા  લોચો  ખાધો  ની ? તો કંઈ   બોલે  જ  ની , હલાયવા   તો હો ની  બોયલા,  માર    તાલી 

પછી   દાકતર   ને  બોલાયવા,  તો  દાકતર  કેય  કે  ડોહો    તો ઉકલી  ગયેલો  છે..  માર    તાલી 

 મેં  કેયુ   કે  બો  દુખ  થયું,   મને  કેય  કે  દુખ  ની  કરવાનું.,પેલા  કોણે  કહેલું છે  કે  આયવા  તે જવાના , પેલી   ચોપડી  માં  હો  લખેલું   છે,પછી  દુખ  ની  કરવાનું    માર    તાલી ,

 મેં  કીધું  કે  કૃષ્ણ  એ  કહેલું  ને  ગીતા   માં  લખેલું.   એ  બધું   કોણ  યાદ  રાખે , જો નાના મગજ   ને  બો  તકલીફ  ની  આપવાની     માર    તાલી  ,

પછી   કેય    કે  કાલે   હવારે  દસ   વાગે  ઉઠમણું   રાખેલું  છે ,  આવી  જજે ,  ઉઠામણાં  માં લોચો  રાખેલો   છે   , માર    તાલી 

જે   આવે  તે  લોચો  ખાઈ  ને  જાય ,ને  ડોહા  ના  ફોટા  ની  પાછળ   ના  રૂમ  માં  પાલી  વાળું  રાખેલું  છે , પી  પી  ને   ચાયલા   કરે , માર    તાલી    મેં   પુયછું   કે  ફોટા  ની  પાછળ  ના રૂમ  માં  કેમ  ?

રમેશ  કેય  કે  કોઈ  ને  એમ ની  થાય  ને  કે  ડોહા  ની  પાછળ   કઈ   ક્યરુ  ની ,   માર    તાલી , મસ્ત   આયડિયા   લાયવો,અને   રમેશ   મારા  ખભે  માથું  મૂકી  ને  નાના  પોયરા  ની  માફક  બો  રયડો,

                              ઓમ   માં   ઓમ 

 

હેમંત  ઉપાધ્યાય

 

(સુરત  માં  રીવાજ છે  કે  સ્મશાન  માં  અગ્નિ સંસ્કાર   પછી   ત્યાં જ  ચવાણું ને ખમણ   ખાવાના,

સુરત   માં  ફ્યુંનેરલ  ને હળવે  હૈયે   લેવાનો  રીવાજ છે ,)