અન્ય શરત -નિરંજન મહેતા

સર્જક મિત્રો

જુલાઇ મહીનાની સહિયારી વાર્તાની રૂપરેખા આપને મોકલી રહ્યો છુ.
નિરંજન મહેતા આ સહિયારા સર્જનનાં મુખ્ય લેખક છે  તેથી વાર્તા પ્રવાહ તેઓ સાચવશે તેમનો સંપર્ક

nirumehta2105@gmail.com

Niranjan Mehta

A/602, Ashoknagar(old),

Vaziranaka, L.T. Road,

Borivali(West),

Mumbai 400091

Tel. 28339258/9819018295

 

 નિરંજન મહેતાની આ લઘુ કથા સહિયારી નવલકથા બની રહી છે આપ સર્વે લેખકોમાં જેમને ભાગ લેવામાં રસ હોય તેઓ તેમનું નામ ૧૦ જુલાઇ સુધીમા આપી શકે છે તેઓ પ્રકરણ ફાળવશે આપે તો તેમને અને મને “આપ લખશો” તે બાબતે સંમતિ આપવાની છે

  1. એક પ્રકરણ ૧૫૦૦ શબ્દનું અને 
  2.  નવા પાત્ર જરૂર મુજબ ઉમેરી શકાય પરંતુ તે આગળના પ્રકરણ સુધી લઇ જવાશે નહી.
  3. આપનું  પ્રકરણ આપનો સમય આવે તે અઠવાડીયામાં આપવું જરુરી છે.
  4.  હા શ્રુતિ ફોંટમા ટાઇપ કરેલું હોવુ જોઇએ. 
  5. શક્ય છે આપ આપનું પ્રકરણ વહેલુ લખીને મોકલો
  6. પણ પ્રસિધ્ધ તો તેના સમયે http://www.gadyasarjan.wordpress.com  ઉપર થશે..
  7. અને હા આપ કોઇ કારણવશાત ન લખી શકો તેમ હો તો નિરંજન ભાઇ અને મને જાણ કરવા વિનંતી

પાત્ર વરણી

શીલા –મુખ્ય પાત્ર- માતા

બકુલ મુખ્ય પાત્ર – પિતા

જીજ્ઞાસા– મોટી દીકરી ડૉક્ટર જીગરને પરણી છે તેમના સંતાનો ૭ વર્ષની બેલા અને ૧૧ વર્ષનો ચિંતન

આશા નાની દીકરી તે એન્જીનીયર આતશને પરણી છે તેને ૫ વર્ષનાં જોડીયા દીકરાઓ છે પવન અને કવન

નીલા શીલાની નાની બેન જે તેના પરિવારને જીવતે જીવત સંપતિ આપી દઈને દુઃખી હાલતમાં મૃત્યુ પામી હતી.તેના પડછાયા પ્રકરણ ૧૦ થી સંભળાય છે.
સી એમ – વિસામા વૃધ્ધાશ્રમનો કેર ટેકર

 

 

 

 

પ્રકરણ ૧ Rekhaben Shukal

જીવનના ૭ દાયકા વિતાવી આજે ૭૧મા વર્ષમાં પ્રવેશ કરી રહી છું ત્યારે વૃદ્ધાશ્રમના વરંડામાં સમય વિતાવતા મારી વીતેલી જિંદગી એક ફિલ્મની પટ્ટીની માફક મારી નજર આગળથી સરે છે.

બાળપણ તો સુખસાહ્યબીમાં વીત્યું હતું એટલે તેનો કોઈ અફસોસ નથી. ત્યારબાદ યોગ્ય ભણતર અને સારસંભાળ પણ યાદ આવે. માબાપે બને એટલી તકેદારી રાખી પોતાની ફરજ નિભાવી હતી અને મને યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન આપ્યું હતું. એ જ રીતે મેં પણ મારા કુટુંબીજનોને પણ તેવું જ શિક્ષણ અને સમજદારી આપી.

પ્રકરણ ૨ Rekhaben Shukal

મને આ બધામાં બકુલનો ઘણો સાથ. એના સાથ અને સહકારે અમે અમારા બે સંતાનોનો યોગ્ય ઉછેર પણ કરી શક્યા. મને બે દીકરી અને તે બન્ને દીકરીને યોગ્ય ભણતર આપ્યું જેને કારણે એક બની વકીલ અને એક બની પ્રોફેસર. બન્નેને તેમની લાયકાત મુજબ યોગ્ય ઠેકાણે મુંબઈમાં જ પરણાવી. આમ ગામમાં પિયરીયું અને ગામમાં સાસરૂ. ન કેવળ દીકરીઓ પણ તેમના સાસરીયા પણ સારો સંબંધ રાખતા અને અવારનવાર આવવા જવાનો સીલસીલો બની રહેતો. વળી હવે તો દીકરીઓ જ દીકરાને અનુરૂપ હોય છે એ વાત અમે પણ માનતા એટલે દીકરો ન હોવાનો કોઈ અફસોસ ન હતો.

પ્રકરણ ૩ Vijay Shah

કહેવાય છે ને કે અતિ સર્વત્ર વર્જયતે. અતિ સુખને દુ:ખ અનુસરે છે. કોઈએ એમ કહ્યું હોત કે આવું મારા કિસ્સામાં પણ થશે તો તે વખતે તે મેં માન્યું ન હોત કારણ હું એક સીધા સ્વભાવની નારી, કોઈનું બુરૂ ન ઇચ્છનાર, તેને પ્રભુ કેવી રીતે અન્યાય કરી શકે? પણ બુઝુર્ગોએ કહ્યું છે કે ઉપરવાળાની લાઠીમાં અવાજ નથી પણ અસર તો હોય છે. જ્યારે મેં તે લાઠીનો અનુભવ કર્યો ત્યારે સમજાયું કે સમય સમય બળવાન હોય છે. મારી ફિલોસોફી વાંચી નવાઈ પામશો પણ જ્યારે હકીકત જાણશો ત્યારે તમે પણ આ વિધાનમાં સહમત થયા વગર નહી રહો.

પ્રકરણ ૪ Archita Pandya

સંસારની બધી જવાબદારીઓ નિભાવી અમે પતિ પત્ની પોતાનું જીવન સહજ રીતે વિતાવી રહ્યા હતા ત્યારે તેમાં ભગવાનની પહેલી લાઠીએ પરચો દેખાડ્યો. વર્ષોથી જેનો સાથ અને સહારો હતો તે બકુલ પ્રભુને પ્યારો થઈ ગયો. મારા માટે આ એક કારમો ઘા હતો. જીવનના મહદ વર્ષો સુધી સારા નરસા પ્રસંગે તેના સાથે હું અમારા સંસારને સારી રીતે નિભાવી શકી હતી. હવે જ્યારે પાછલી જિંદગીમાં તેની ખરી જરૂર હતી ત્યારે જ તેને ગુમાવ્યો.. પરંતુ ઈશ્વરની મરજી આગળ પામર માનવીનું શું ચાલે? એવું કઈ કેટલીયે વાર કહ્યું છે અને સાંભળ્યું છે પણ જાત ઉપર વિતે ત્યારે તે અકારૂં લાગે જ ને?

પ્રકરણ ૫. Pravina Kadakia

હવે બે બેડરૂમવાળા ફ્લેટમાં એકલા રહેવાનું અને તે પણ બકુલ વગર. આ કેમ કરીને થશે તેવા વિચારો તો આવ્યા પણ તેમ રહેવા સિવાય છૂટકો હતો? એકલતાની તકલીફો તો જેણે અનુભવી હોય તે જ સમજી શકે-જોડો ક્યાં ડંખે છે તે પહેરનાર જ જાણે ને?

પ્રકરણ ૬ Praabhulal Tataria

વખત વખતનું કામ કરે છે. ધીરે ધીરે હું આ રીતે રહેવા ટેવાઈ ગઈ અને મારો એકલ સંસાર વિતાવતી ગઈ.. પરંતુ મારી બન્ને દીકરીઓથી આ કેમ સહેવાય? ન કેવળ દીકરીઓ પણ બન્ને જમાઈઓ પણ આગ્રહ કરતા કે તમે એકલા રહેવાનું બંધ કરી અમારી સાથે રહો. એકલા રહેવાથી તમારૂં જીવન શુષ્ક થયું છે તે અમારી સાથે અને અમારા બાળકો સાથે રહેશો તો કંઇક અંશે અકારૂં નહી લાગે.

પ્રકરણ ૭ Rekha Patel

અવારનવાર આમ ચર્ચાઓ થતી રહી. ઘણા આગ્રહ પછી મેં પણ નિર્ણય લીધો અને એ મુજબ મારા ફ્લેટને તાળું મારી વારાફરતી બન્ને દીકરીઓને ત્યાં સમય વિતાવવા લાગી. મારા નાતીઓ સાથે રમવા કરવામાં અને તેમના અભ્યાસમાં મદદ કરવામાં મારો સમય ક્યાં વિતતો ગયો તે પણ ખબર ન રહેતી. પણ આપણું ઘર એ આપણું. જે સ્વતંત્રતા આપણા ઘરમાં ભોગવીએ તે અન્યને ત્યાં ક્યાથી? કહે છે ને કે कुछ पाने के लिए कुछ खोना पड़ता है! બસ એ સમજીને હું જીવન વિતાવતી રહી.

પ્રકરણ ૮ Rashmiben Jagirdar

તમે કહેશો કે તો પછી આ વૃદ્ધાશ્રમ ક્યાંથી આવ્યો?

સાહેબ, ધીરજ ધરો. પ્રભુની લાઠીનો પ્રહાર હજી પૂરો નથી થયો. હવે પછીનો પ્રહાર જાણશો ત્યારે તમે પણ અચંબામાં પડી જશો અને કહેશો કે વાહ પ્રભુ, તારી લીલા અકળ અને ન્યારી છે.

પ્રકરણ૯ Rashmiben Jagirdar

જિંદગીની રફતાર આ રીતે ચાલતી હતી ત્યારે એક ઘડાકો થયો. દીકરીઓ તરફથી વારાફરતી, પહેલા ધીરે ધીરે અને પછી તેજ ગતિએ, કહેવાતું કે હવે પેલો ફ્લેટ જે બંધ પડ્યો છે તે વેચી નાખો અને શાંતિથી અમારી સાથે રહો. આવા કથનોથી મન અકળાતું. થતું કે બકુલ ચાલી ગયો ન હોત તો મારે આ બધું જોવા સાંભળવાનું તો ન આવતે? પણ આ કાઈ આપણા હાથની વાત થોડી હતી કે તેમ થઈ શકતે?

પ્રકરણ ૧૦ Rekha Patel

બહુ સાંભળ્યું હતું અને વાંચ્યું હતું કે આવા પગલાં પછી વડીલની શું હાલત થાય છે. વળી મેં અને બકુલે ઘણા વખત પહેલા નક્કી કર્યું હતું કે બન્ને દીકરીઓ સાધન સંપન્ન છે અને સુખી છે તો આપણા બન્નેની હયાતિ ન હોય ત્યારે આપણી મિલકત કોઈ સારા કામમાં ઉપયોગી થાય તો લેખે લાગે. એટલે જ્યારે દીકરીઓ અને પછી તો જમાઈઓ પણ ફ્લેટ વેચવાની વાત કરવા લાગ્યા ત્યારે વિચાર કરીશ કરી વાતને હું ટાળતી. પણ ક્યાં સુધી? જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ દીકરીઓ અને જમાઈઓના વર્તનમાં ફેરફાર થવા લાગ્યો અને મને સમજાઈ ગયું કે મારા શિક્ષણ અને સંસ્કારોમાં જ ખોટ હશે કે આવી સમજુ અને શિક્ષિત દીકરીઓ સમાજના રંગે રંગાઈ ગઈ. મા-દીકરીના સંબંધોને પૈસાનો કાટ લાગી ગયો.

પ્રકરણ ૧૧.Pravina Kadakia

પછી તો એવું વર્તન થયું કે કે જાણે હું તેમની માતા નહી પણ કોઈ અજાણ વ્યક્તિ છું. મને લાગ્યું કે હવે કોઈને ત્યાં વધુ રહેવું મુનાસિબ નથી કારણ હવે હું તેમને માથે પડી હોઉં તેવી અનૂભૂતિ થવા લાગી.

પ્રકરણ૧૨ Archita Pandya

 પણ દીકરીઓને ત્યાં ન રહું તો ક્યાં જાઉં? રાજકોટમાં ભાઈ હતો પણ ત્યાં પણ થોડા સમય પછી બોજારૂપ થઇ પડું ને? અંતે નિર્ણય કર્યો કે અમારો જે નિશ્ચય હતો તે મુજબ આ ફ્લેટ વેચી નાખું. એક દિવસ ફ્લેટ ઉપર જઈ ઘરના કાગળો લઇ આવી અને ભાવની તપાસ કરી તો જણાયું કે અઆશારે બે કરોડ આવે. જો કે આ બધું કોઈને જાણ ન થાય એ રીતે કરતી હતી. હવે પછીનું પગલું હતું કોઈ વૃદ્ધાશ્રમમાં જઈ રહેવું.  

પ્રકરણ૧Bhumi Machi

બહુ તપાસ કર્યા પછી વિસામો વૃદ્ધાશ્રમ મારા માટે ઠીક લાગ્યો એટલે તેમના કેર્ટેકર સી.એમ. આગળ પ્રસ્તાવ મૂક્યો કે હું એક ફલેટની માલિક છું અને એકલી છું. સંજોગો એવા સર્જાયા છે કે મારે તે ફ્લેટ છોડી અહી રહેવું છે. મારા રહેવા માટે કોઈ આર્થિક મુશ્કેલી નથી કારણ મારા નામે જે ફ્લેટ છે તે હું વેચી નાખીશ. જે પૈસા આવશે તેમાંથી અડધી રકમ આશ્રમને દાન તરીકે આપીશ. બાકીની અડધી રકમ મારા નામે જમા રાખો અને હું જીવું ત્યાં સુધી મને બધી રીતે સાચવો.

પ્રકરણ ૧૪ Praabhulal Tataria

હવે નહી નહી તો ફ્લેટની બજાર કિંમત બે કરોડ હતી જેમાંથી એક કરોડ તેમને મળે તો અ..ધ..ધ થઇ જાય. તો કોણ મૂરખ આવા પ્રસ્તાવને ઠુકરાવી દે? બસ, સોદો પાકો થઇ ગયો. હવે હું અહિ શાંતિથી રહું છું અને અન્યોની કંપનીમાં દિવસ ક્યાં પસાર થઇ જાય છે તે પણ ખબર નથી રહેતી.

કહેવાનું ભૂલી ગઈ કે સોદો કરતી વખતે મેં એક અન્ય શરત પણ કરી હતી કે મારી બન્ને દીકરીઓ અને જમાઈઓ જો મને મળવા માંગે તો તેમને મળવા દેવાની છૂટ ન હતી.

 

અન્ય શરત-૧ રેખા શુકલ

‘વિસામો’ વૃધ્ધાશ્રમના વરંડામાં આજે બહુ ચહલપહલ નહોતી દેખાતી. ફક્ત સામેના ઝાડ પર ચકલીનો જે માળો હતો. તે ખાલી દેખાતો હતો કારણ બચ્ચા ઉડી ગયા હતા અને હવે તે કદાચ પાછા ન પણ આવે. તોય ચકલીને સંતોષ ન હતો અને અકારણ ઉડાઉડ કરી ક્યારેક પોતાના ખાલી માળા તરફ તો ક્યારેક આજુબાજુ વ્યાકુળ નજર નાખતી હતી જાણે તેના બચ્ચાને ન શોધતી હોય? શું હું પણ આમ જ અનુભવું છું? મને પણ બધા એકલી અટૂલી મૂકીને ચાલ્યા ગયા? શીલાબેને મનમાં વિચાર્યું. પછી સામે બેઠેલ વ્યક્તિને જોઇને બોલ્યા, ‘બકુલ, આજે કેમ કોઈ નથી દેખાતું? ક્યાં ગયા છે બધા? કોઈ પાર્ટીમાં ગયા છે?’ પણ સામેથી કોઈ જવાબ ન મળ્યો .

‘આ તો રોજનું થયું. હું કાઈક કહું તે ન સાંભળે અને સાંભળે તો પણ પૂરું સમજે નહી. એક તો ધ્યાનબહેરા અને ઉપરથી કાનની તકલીફ. જ્યારેને ત્યારે કર્ણયંત્રની બેટરી મચડમચડ કર્યા કરે. હું તો જાણે હયાત જ નથી.’ શીલાબેને વિચાર્યું. ત્યાં તો અવાજ આવ્યો, ‘શીલુ, શું કહેતી હતી? આ બેટરી ચેક કરતો હતો એટલે સંભળાયું નહી.’

હાથનો ઈશારો કરી ‘કાઈ નથી કહી’ પાસે પડેલા ટીપોય તરફ નજર નાખી. આજના છાપા વચ્ચે ‘જનકલ્યાણ’ પણ ડોકિયા કરતું હતું. ખાસ શીલાબેનની વિનંતિને કારણે આ છાપા વૃદ્ધાશ્રમમા મંગાવાતા હતાં તો આજીવન સભ્ય હોવાને નાતે ‘જનકલ્યાણ’ હવે આ સરનામે આવતું હતું પણ અત્યારે તે તરફ શીલાબેનને કોઈ રૂચી ન જણાઈ.

બીજી જ ક્ષણે તેમને ભાન થયું કે બકુલ અહિ ક્યાંથી હોય? એ હોત તો મારે આ વૃદ્ધાશ્રમનો સહારો લેવો ન પડ્યો હોત. તો પછી સામે કોણ બેઠું છે? સાંજના અંધારામાં કાઈ કળાયું નહી. ત્યાં તો સામેથી અવાજ આવ્યો, ‘શીલાબેન, હું બકુલભાઈ નહી. સી.એમ છું. શું કહો છો?’

આ સાંભળી ખયાલ આવ્યો કે સામે બકુલ નહી પણ સી.એમ. એટલે કે વૃધ્ધાશ્રમના મેનેજર છે. હવે શીલાબેનને વરંડામાં બેસવામાં રસ ન રહ્યો. આ ઉંમરે કોઈના ટેકા વગર ક્યાં કોઈ હલનચલન થાય છે? એટલે સી.એમ.ને કહ્યું કે તમારો હાથ આપો અને મને મારા રૂમમાં લઇ જાઓ.

‘તમે ‘જનકલ્યાણ’નો નવો અંક વાંચ્યો? મેં નજર નાખી. બહુ સુંદર અને પ્રેરણાદાયક વાર્તાઓ આવી છે.’

‘અત્યારે નહી. તમારી સાથે લઇ લો. જમ્યા પછી વાંચીશ. આમેય તે આ ઉંમરે જલદી નીંદર ક્યાં આવે છે? વાંચતા વાંચતા સમય પસાર થશે અને પછી ઊંઘ પણ આવી જશે.

સી.એમ.ના હાથના ટેકે ટેકે તે રૂમમાં ગયા અને પલંગ પર ફસડાઈ પડ્યા. પછી પડ્યા પડ્યા રૂમની છત તરફ તાકતા રહ્યા. સહસા મનમાં તરંગો ઉત્પન્ન થયા અને સમજાયું કે જિંદગીના સાત સાત દાયકા ક્યાં ચાલ્યા ગયા તેની ખબર ન રહી. અત્યારે અચાનક તે સાત દાયકાની યાદો તેમને વંટોળની જેમ વીંટળાઈ ગઈ. જિંદગી એક ફિલ્મપટ્ટીની માફક તેમની નજર આગળથી સરવા માંડી.

બચપણના બે દાયકા તો મમ્મી-પપ્પા સાથે વીતાવેલા. તેમને ત્રણ સંતાન –મોટી શીલા, વચલો રાજેશ અને નાની નીલા. ભણતર સાથે સાથે બધા ભાઈ-બહેનો એકબીજા સાથે પણ કેટલું બધું કરતા તે યાદ આવ્યું. એકબીજાના સથવારે બધાને હૂંફ મળતી. તો ભગવાનની દયાથી સારા માણસોનો સથવારો પણ મળ્યો જેમની પાસેથી ઘણી બધી સારી વાતો શીખવા મળી. મમ્મી-પપ્પા તો જમાનાને અનુરૂપ રહેવામાં માનતા એટલે ત્રણેય ભાઈ બહેનને તેમનો પૂરો સહકાર, ભણતર અને અન્ય પ્રવૃત્તિઓમાં. પિતાએ ક્યારેય દીકરા દીકરીમાં ફરક નહોતો દાખવ્યો અને ત્રણેયને સમાન રીતે ઉછેર્યા હતા અને એટલે જ ભાઈ-બહેનોમાં એક પ્રકારની વિના ઈર્ષાની હોડ રહેતી કે કોણ ભણવામાં આગળ રહે છે.

ત્યારે તો તેઓ ચાલીમાં રહેતા હતા. ચાલીની સામે ખૂલ્લુ પ્રાંગણ જેમાં બાળકોને રમવાની મોજ પડતી. ઉનાળામાં મમ્મી આખા વર્ષનું અનાજ ભરે અને તે સાફ કરી દીવેલ લગાવી ભરવામાં સમય ક્યાં વીતી જતો તે ખબર ના રહેતી કારણ મોટી દીકરી હોવાના નાતે ઘરકામમાં હાથ લગાવવો પડતો. સામે ઘંટીમાં ઘઉં દળાવવા પણ જવું પડતું. તો પાસેની શાકની દુકાને પણ જોઈતું શાક વગેરે લેવાનું પણ રહેતું. રોજના ઘરાકને કારણે ગંગારામ પણ ક્યારેક લીંબુ તો ક્યારેક લીમડાના પાન એમ જ ઝોળીમાં નાખી દેતો.

વળી વેકેશનને કારણે બહારગામ કાકા, મામા ફોઈને ઘરે જવાનું થતું અને ત્યારે તેમના સંતાનો એટલે કે પિતરાઈઓ સાથે રમતગમત અને ગપ્પાગોષ્ઠિમાં વેકેશન ક્યાં પસાર થઇ જતું તેની ખબર પણ ન રહેતી. આજે એ બધું નજર આગળ આવતા બોલાઈ ગયું ते हीनो दिवसा: गता|

બાળપણ એકંદરે સુખસાહ્યબીમાં વીત્યું હતું. માબાપે યોગ્ય તકેદારી રાખી આપેલા યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણને કારણે કોઈ અફસોસ ન હતો. એ જ રીત તેમણે અપનાવી પોતાના સંતોનોને પણ જરૂરી યોગદાન કર્યું. પિતાનો એક મંત્ર ખાસ યાદ આવ્યો. ‘જે કાઈ કરીએ તેને કારણે અન્યો પર આગવી છાપ પડે અને માનવતાની જ્યોત પ્રગટતી રહે તેમ જીવનમાં કાર્ય કરતા રહો અને આગળ વધતા રહો.’

ફિલ્મ આગળ સરકતી જાય છે અને કોલેજના દિવસો યાદ આવે છે. તેની સાથે યાદ આવ્યા બકુલ. સ્વભાવે શરમાળ એટલે તે પોતાનો શીલાબેન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત ન કરી શકતા. પણ કોલેજ છૂટે ત્યારે તેમની પાછળ પાછળ ચાલે. શીલાબેનને આ બધી ખબર પણ જાણે કાઈ જાણતા નથી તેમ વર્તતા.

પછી એક દિવસ જાણીજોઇને પાછળ નજર કરી તો બકુલ એવા ડરી ગયા કે સમતોલપણું ગુમાવ્યું અને બાજુમાં ઝાડીમાં પડી ગયા. ઝાંખરા અને કાંટાને કારણે વાગ્યું પણ મિયા પડ્યા તો પણ ટંગડી ઊંચી! હસવું તો આવ્યું પણ અન્યની મદદથી ઉભા કર્યા. પણ કહે છેને કે हंसी तो फसी! બસ આમ જ થયું. તે દિવસે શીલાબેને હાથ પકડ્યો તે કાયમ માટે. કોલેજના ચાર વર્ષમાં એકબીજાની નજીક આવી ગયા હતા અને સામાંન્ય રીતે જે પરિણામ આવે તેમ તેમના કિસ્સામાં પણ થયું. બંનેના માબાપ તો સમજદાર અને શિક્ષિત એટલે વિના વિઘ્ને બધું પાર પડી ગયું.

સમય જતા ક્યાં વાર લાગે છે? હવે તેમને આવી પડેલી કૌટુંબિક જવાબદારીઓ યાદ આવી. શરૂઆતમાં તો સાસરે રહેવાનું પણ પછી સારી નોકરી મળતા મુંબઈ આવી વસ્યા. સાથે સાથે બકુલે આપેલ સાથ-સહકાર પણ તેઓ નજરઅંદાજ ન કરી શક્યા. તેમ ન હોત તો જીવનની રાહ કેવી હોત તેનો વિચાર જ તેમને કંપાવી ગયો. સુખ દુ:ખના સમયે તે સાથેને સાથે. સુખમાં તો સમજ્યા પણ દુ:ખમાં તે અડીખમ. તેમનું તે વખતનું વર્તન જોઈ થતું કે શું આ એ જ બકુલ છે જે કોલેજકાળમાં શરમાળ અને અંતર્મુખી હતા?

સંબંધ સાચવવામાં તે અવ્વલ. ન કેવળ તેના કુટુંબમાં પણ સાસરે પણ તે અતિપ્રિય. દરેક તેની સમસ્યા બકુલ પાસે લાવે અને તે યોગ્ય રીતે તેનો ઉકેલ પણ કરી નાખે. ન કેવળ કુટુંબમાં પણ પડોશમાં અને ઓફિસમાં પણ તે આમ જ લોકોનું કામ કરે અને જોઈતી મદદ કરે. સ્વાભાવિક છે કે તે બધે પ્રિય હોયને?

સંતાનોના ઉછેરમાં પણ પાછી પાની નહી. તેમનામાં સંસ્કાર રેડવાના અને શિક્ષણ આપવાના કાર્યને તેમણે મન દઈને પાર પાડ્યું હતું અને તેથી જ તેમના સંતાનો સુશિક્ષિત અને સંસ્કારી બની રહ્યા છે.

શીલાબેનની ફિલ્મ આગળ ચાલી. યાદ આવ્યું બાળપણ. શું તે આનંદમય દિવસો હતા! એકબીજા સાથે રમતગમત રમવાની અને તેમાં ઓતપ્રોત થવાની જે મઝા હતી તે આજની પેઢી માટે તો અપ્રાપ્ય છે. આજની પેઢી તો મોબાઈલમાં અને ટી.વી.માં એટલી વ્યસ્ત રહે છે કે તેમને બીજા માટે સમય કે ચિંતા નથી હોતી. આજની પેઢી તો રૂબરૂ મળવાનું ટાળે કારણ SMS અને WHATSAPP. અરે, અન્યના જન્મદિવસે પણ આમ જ સંદેશાની આપલે થતી રહે છે!

પહેલાના જમાનામાં જે સંબંધો બંધાતા તે મજબૂત રહેતા અને તેથી જ આજે નાની બેન નીલા યાદ આવી. બીજા બધા તેને નીલા કહે પણ શીલાબેન તો તેને નીલુ જ કહેતા. નીલુ બહુ સમજુ અને ડાહી. ભલે તે નાની પણ ન કોઈ માંગણી ન કોઈ જીદ. કામગરી પણ એટલી જ. પ્રવૃત્તિ તો તેના લોહીમાં. નવરા બેસવાનું નામ ન લે. કોઈ પણ કામ સોંપો, પ્રેમથી હસતે મોઢે કરી નાખે. પણ બંનેના શોખ અલગ અલગ. નીલાને વાંચવાનો શોખ. તેમાય શિષ્ઠ પુસ્તકો અને સામયિકો તેની પસંદના. જ્યારે શીલાબેનને રસોઈક્ળામાં તેમ જ સીવણકામમાં રસ એટલે તે માટેની ખાસ સંસ્થાઓમાં પણ જતાં.

નીલુને તો કવિતાનો એટલો શોખ કે ઘણી બધી મોઢે. ઘરઆંગણે બાંધેલ હિંચકે બેસી તે ગાય અને તેમાં શીલાબેન પણ સાથ પૂરાવે. તે ઓછું હોય તેમ પપ્પા સાથે અંતાક્ષરી પણ રમતાં અને છેવટે જીત તો નીલુની જ થતી. કદાચ પપ્પા જાણીને હારતા પણ હશે પણ તેવો અણસાર તેઓ ન આવવા દેતા.

નીલુ જ્યારે વહેલી સવારે ઓટલે બેસી પ્રભાતિયા ગાય ત્યારે નીરવ વાતાવરણનો માહોલ જ બદલાઈ જાય. આ યાદ આવતા શીલાબેનને અચાનક એક પ્રભાતિયું યાદ આવી ગયું જે આપોઆપ તેમના મુખેથી સરી પડ્યું: ‘હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી.’ તરત જ તેમની આંખમાં ઝળઝળીયા આવી ગયા.

પણ બધું ધૂંધળું ધૂંધળું કેમ થઇ ગયું? રૂમની લાઈટ તો ચાલુ છે. પછી સમજાયું કે આ તો નીલુની યાદનું પરિણામ. જ્યારે જ્યારે તે યાદ આવતી ત્યારે ત્યારે શીલાબેનની હાલત આમ જ થઇ જતી. થોડી મહેનતે બેઠા થઇ ટેબલ પર રાખેલ ગ્લાસમાંથી પાણી પીધું અને રૂમાલ ભીનો કરી આંખો લૂછી.

જમવાને વાર હતી એટલે ઓશીકાને ટેકે બેસી ‘જનકલ્યાણ’ હાથમાં લીધું અને વાંચવાની શરૂઆત કરી. પણ થોડીવારમાં શબ્દો શબ્દોને ઠેકાણે રહ્યા અને શીલાબેન ફરી પાછા યાદોમાં ખોવાઈ ગયા.

અન્ય શરત- ૨ રેખા શુકલ

શીલાબેન ફરી ભૂતકાળમાં ગરક થઇ ગયા. ફિલ્મ જાણે જામ થઈ ગઈ … સ્ક્રીન પર પડ્યો કાળો ધોળો વરસાદ. કહેવત છે કે when it rains it pours! ઝરમરીયા ને બદલે ધોધમાર દુઃખોનો પડ્યો વરસાદ. આમ જુવો તો કંઇ જ નહીં ને આમ કહો તો ખૂબ બધુ. કહેનારા તો કહે છે દુનિયા માયા છે ને કઠપૂતલી જેવા આપણે ભગવાન નચાવે તેમ નાચીએ છીએ અને બીજી બાજુ કહેવાય છે કે તારી મુઠ્ઠીમાં છે તારું ભવિષ્ય. આશાવાદી ને નિરાશાવાદી મંતવ્યોમાં સત્ય શોધતા ‘હું રસ્તે રઝળતી વાર્તા’ બની ગઈ. આખા જીવનની ચીસો રહેસાઈ ગઈ અને પોકાર બની રડી કકળી ઉઠી આ વૄધ્ધાશ્રમના બંધ બારણે! આવી મુશ્કેલીઓનું તો ચિત્રપટ પર જ ચિત્રલેખન થાય છે ને? પણ ૩ કલાક પત્યા એટલે પાછા ભૂલી જાઓ જ્યારે જીવનની આવી યાત્રા સહેજમાં ક્યાંથી ભૂલાય?

નીલુ યાદ આવી અને યાદ આવી તેની ભયંકર માંદગી જેમાં તે હોળીનું નાળીયેર વધેરાય તેમ વધેરાઈ ગઈ અને ભૂલાઈ ગઈ. પણ શીલાબેન કેમ ભૂલે? સાથે સાથે યાદ આવી બકુલની

૨૧મું બેસે તે પહેલા બકુલ મળી ગયા ને દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા. નોકરીને કારણે મુંબઈ આવી વસ્યા એટલે મમ્મી-પપ્પાનું ઘર છૂટ્યું પણ તેમના કાગળો જ્યારે જ્યારે આવતા ત્યારે ખૂબ દુઃખ વ્યક્ત કરતા અક્ષરોથી કંડારાયેલ કાગળ હું માંડ માંડ વાંચી શકતી. કેમ કે મારા લગ્નના ત્રીજા જ વર્ષે તો ઘર જાણે ખાલી જ થઈ ગયું હતું. નીલા હજુ ભણી રહી હતી ત્યારે પપ્પાની તબિયત કથળેલી. પહેલા હાર્ટ એટેકની વાત તો છૂપી રાખી પણ પછી જ્યારે ખબર પડી ત્યારે ખૂબ દુઃખ થયું કે શું હું સાચે જ પારકી થઈ ગઈ! અરે, सेंटी हूँ बहोत!

સમાચાર મળતા જ બકુલ પણ તાબડતોબ ઓફિસેથી આવી ગયા અને તરત જ રવાના થયા. કમનસીબે અમે મોડા પડ્યા. તેઓ પહોંછે તે પહેલા બીજો એટેક જીવલેણ નીકળ્યો. બેભાન જેવા બની ગયેલા મમ્મી અને નીલુની અસ્તવ્યસ્ત દશા જોઈ બકુલે અમને બધાને ખૂબ સાવચેતીપૂર્વક જાળવી લીધા. આ કપરા સમયમાં બકુલનો ખૂબ સાથ ને સહકાર મળ્યો. પૈસે ટકે ને માનસિક રીતે અમને બકુલે ખૂબ સહારો આપ્યો. જે સમજે છે તે જ કંઈક કરે છે. પણ જે ‘વધુ’ સમજે છે અને તે સંબંધ નામનો રાખીને પોતાની ‘વાહ વાહ’ માટે કરે છે. અહીં આહ ની વાહ વાહ થાય છે જાણો છો ને તમે તો. અરે ઘણી વાર તો દેડકાનો જીવ જાય ને કાગડાને આવે મજા એવું પણ થાય. આ સમયે નાની નીલુ તેના જીજાજી બકુલની ઘણી નજીક આવી ગઈ હતી. કહેવાયું તો છે જ સાળી તો આધી ઘરવાળી. દોડી આવી ધસમસતી ને વળગી પડી ત્યારે અમે સાંત્વન આપ્યું, ઘણું સમજાવી. રોકાવાય તેનાથી પણ વધુ રહી ને ઘરે પાછા આવ્યા ને બીજા જ મહિને મમ્મી અચાનક ન્યુમોનિયા થઈ જતા માત્ર ૩ જ દિવસમાં દેવલોક પામ્યા. હે ભગવાન, કેટલી લઈશ તું પરીક્ષા ને કેટલું આપીશ દુઃખ?

સાંત્વન, શોકસભા અને દિલગીરી, બધુ એક બેસણાંમાં પતાવ્યું. એક સાથે બેયના ફોટા પર હાર જોઈ કોની આંખો ના ભીંજાય? चार आंसू कोई रो दिए, फेर के मुह फिर चल दिए! પણ જે થવાનું છે તે થતું આવ્યું છે. નાના હોઈએ ત્યારે એક વાર ચાલતા શીખો તો મોત આવે ત્યાં સુધી ચાલો – દોડો – કે ભાગો પણ now you are on your own. તમારા બળે તમારી શક્તિ પ્રમાણે બાંધો સપનાની ઇમારતો ને કામયાબી સર કરો.

રાજેશ તો હોસ્ટેલમાં ભણતો એટલે એ તો બારમા-તેરમાની વિધિ પતી એટલે પાછો ગયો અને અમે ત્રણેય મુંબઈ પાછા ફર્યા.

લગ્ન પછી પહેલી પધરામણી થઇ જીજ્ઞાસાની. બકુલ મારી ખૂબ કાળજી રાખતા. સગર્ભાવસ્થાના દિવસોમાં હંમેશા ખુશ રહેવાનું એમ કહેતા. બકુલ બધા જ મોજ શોખ પૂરા પાડતા. હવે નીલુએ પણ જોબ ચાલુ કરી દીધી હતી. પાર્ટ-ટાઈમ કરતી. જેથી તેને થોડા કલાક બહારનો સંપર્ક રહે અને ઘરે પણ મદદરૂપ થઈ શકાય. સવારે મંદિરે પૂજા કરતી અને સાંજ પડે બગીચામાં લાંબી લટાર રોજ મારતી.

મને બે દીકરીઓ – જીજ્ઞાસા અને આશા. બંને દીકરીઓને ઉછેરવામાં બકુલનો ઘણો સાથ અને સહકાર કારણ શીલાબેનને તેમના મા-બાપ પાસેથી સંસ્કાર મળ્યા હતા તે મુજબ તેઓ પણ દીકરા-દીકરીમાં કોઈ ફરક જોતાં ન હતા. બે સંતાનોનો યોગ્ય ઉછેર પણ કરી શક્યા, યોગ્ય ભણતર પણ આપ્યું જેને કારણે એક બની વકીલ અને એક બની પ્રોફેસર. બંનેને તેમની લાયકાત મુજબ યોગ્ય ઠેકાણે મુંબઈમાં જ પરણાવી. મોટીનું ડોક્ટર જીગર સાથે અને નાનીનું એક એન્જીનીયર આતશ સાથે ગોઠવાઈ ગયું. જીગુનું તો સામેથી માંગુ આવ્યું ત્યારે આનંદની અવધિ ન રહી.

બંને જમાઈઓ મુંબઈમાં જ રહે એટલે ગામમાં પિયરીયું અને ગામમાં સાસરૂ એવો તાલ બેસી ગયો. બંને સ્વભાવના એટલા મળતાવડા કે જાણે જમાઈ નહી પણ દીકરા જ. ક્યારેય જમાઈની જેમ માનપાન ન માંગે. અરે, પોતાનું ઘર હોય તેમ જ વર્તે. તકલીફ હોય ત્યારે તરત દોડી આવે અને જરૂરી મદદ અને દોડાદોડી કરતા અચકાય નહી.

ન કેવળ દીકરી જમાઈઓ પણ તેમના સાસરીયા પણ સારો સંબંધ રાખતા અને અવારનવાર આવવા જવાનો સીલસીલો બની રહેતો. અમે તો ભૂલી જ ગયેલા કે અમને દીકરો નથી. હવે તેવુ રહ્યું છે જ ક્યાં કારણ દીકરી હોય છે દીકરાની સમોવડિયણ. એટલે કદી અફસોસ પણ નહોતો થયો. આમેય દીકરો વહુનો થઈ જાય ને માને ભૂલી જાય તો કોની રખાય આશા? હા, પણ એક વાત છે દીકરીને તો સાસરે જ રહેવાનું ને સાસરિયાવાળા કહે તેમ કરવાનું. તો પણ અમે તો મહિને એક વાર મોટીના અને નાનીના પૂરા પરિવાર સાથે મળતા જ, કેમ કે બંનેનું ગામમાં જ પિયરીયું ને ગામમાં જ સાસરિયું. અમે બેય પક્ષે સારો સંબંધ રાખતા તેથી નિયમિત આવવા જવાનો ને હળવા મળવાનો વ્યવ્હાર હતો. બધા ભેગા મળી મજા કરતા. ક્યારેક મુવી જોતા તો ક્યારેક પિકનિક પર જતા. તો ક્યારેક જાત જાતની રમતો રમતા ઘરમાં કે ઘરની બહાર.

આ બધું યાદ આવતા સહજીવન દરમિયાન બકુલે આપેલા સાથ અને સહકારની યાદો શીલાબેનને કોરી ખાવા લાગી. બકુલ જેવા સીધા ને સરળ સ્વભાવના અને મહેનતુ માણસ કોઈને નહીં મળ્યા હોય. બકુલની એક ખાસિયત કામમાં ખૂંપી જવાની. તો પૈસાની કે અન્ય મદદ ઉદાર દિલે કરતા. જ્યારે કહીએ કે આ ઘણુ કહેવાય તો કહે કમાઈ લઈશું જવા દે ને. કરવું તો સરખું કરવું. બસ, ક્યારેય કોઈની પાસે હાથ લાંબો ના કરવો પડે, ભગવાનને એ જ કહું છું.

યાદોની ગાડી કાઈ અટકે? એ તો આગળ ચાલી અને દીકરીઓની યાદ પર અટકી. બંને કામકાજે અને બોલવે ચાલવે આગળ પડતી તેથી બંનેના સાસરિયાવાળા પણ ખુબ ખુશ રહેતા. વારંવાર પ્રસંગોપાત હળતા મળતા તો રહેતા જ પણ એમ નહીં કે આપણું કામ પત્યું પછી આઘા, જાણે આંગળીથી વેઢાં અળગા. નાની આશાના લગ્નમાં જીગુના સાસુ-સસરા સગા ભાઈ-ભાભીની જેમ ઉભા રહ્યા. ભલે વેવાઈ ને વેવાણ એમાં ના નહીં પણ ન માનની ઈચ્છા, ન ખોટો દેખાડો. આથી જ મન મળી ગયા હોય ત્યાં બધું જ સરળતાથી થાય. અમે બધી વેવાણો સાથે અથાણાં પાપડ પણ કરતા. ખાવાની મજા ખાતરની નહી પણ સાથે કરવાની મજા ખાતર બનાવતાં. કામ કરતાં રહીએ ને ભળતા રહીએ. આમ જીવન માણતાં રહીએ.

વળી યાદ આવ્યા બંને દીકરીઓના સંતાનો. મોટીને ચિંતન અને બેલા અને નાનીને જોડિયા, પવન અને કવન. આજે તો ચિંતન ૧૧ વર્ષનો, બેલા ૭ વર્ષની અને પવન-કવન ૫ વર્ષના.

તેની સાથે સ્મૃતિપટ પર યાદ આવ્યો તે દિવસ જ્યારે ‘ઝુમ્મર ઉગ્યા ડાળે ડાળે, ટહુક્યા પંખીડા માળે માળે! ચળાઈને આવે સૂર્ય પર્ણે ને કૂમળાં સપનાઓ તાણી માણે!’ આવું કંઈક ગણગણતી આશા આવીને બેસી. પછી બોલી ‘ મમ્મી, હું બેબી હતી ત્યારે કેવી લાગતી હતી?’

આજ અચાનક આશા આવું કેમ પૂછે છે? હું કંઇ પૂછું તે પહેલા જ તે બોલી ઉઠી ‘મમ્મી આઈ એમ પ્રેગનન્ટ.’

ઓહ તો એમ વાત છે. હું ખુશ તો થઇ પણ ડરતી પણ હતી કે આ છોકરી મા બનીને પગ વાળીને સખણી બેસશે ખરીને! જોતજોતામાં ડીલીવરીના દિવસો આવી ગયા ને આશાએ સુંદર જોડીયાને જન્મ આપ્યો એક પવન ને બીજો કવન બંનેમા નામ તેવા જ ગુણ હતા. ડાહ્યા હતા. ગલગોટા જેવા તંદુરસ્ત હતા. બાબાગાડીમાં બેસાડીને અમે તેમને મંદિરે અને બગીચામાં આંટો મરાવવા લઈ જતા. જ્યારે અમે આઈસ્ક્રીમ ખાતા કે કોઈક વાર સ્નો-કોન્સ (બરફના ગોળા) ત્યારે બંને ખાવા માટે ખૂબ તત્પરતા દેખાડતા. હાથ પગ હલાવીને હોઠમાં આવેલા પાણીના પરપોટા કરીને કિલકારિયો કરતા. જો ના દઈએ તો આંખોમાંથી ગંગા-જમના વહેતા. હું બોલતી ‘આવું ના કરાય પાપ લાગે.’ તો દાંત પણ કચકચાવતા.

જોડીયા બાળકોને ઉછેરવામાં આશા સારી એવી વ્યસ્ત થઈ ગઈ હતી. જો કે તેના સાસરીયાનો પુરતો સહયોગ હતો પણ જ્યારે એ ભુલેશ્વર આવે ત્યારે એ બેઉનાં બચપણ ને માણવાની મઝા અનેરી હતી..બંને આતશકુમાર પર પડેલા પણ જ્યારે તેઓ આશા જેવી બકબક કરતા ત્યારે બકુલ ખુબ જ ખુશ થતા. આ ભુલકાઓ જ્યારે આશા જેવા દેખાતા ત્યારે મને દાદીમાનું હેત ઉભરાતુ. જો કે આ હેત ચિંતન અને બેલા ઉપર પણ ઉભરાતુ.. આમ તો હેત બધા સરખા જ હોય પણ આતશમારને એમ લાગતું કે હું હેત બતાડવામાં વેરો આંતરો કરુ છુ. ખેર તેમનું કથન આમ તો એક રીતે સાચું પણ હતું કારણ કે જીજ્ઞાસાનાં બંને સંતાનોમાં પહેલી નજરે જીજ્ઞાસા દેખાતી વળી ચિંતન તો ૨૫ વર્ષે આવેલું સંતાન એટલે હેત વધારે પામે અને બેલા તો નાની જીજ્ઞાસા જ જોઇ લો ને!.જ્યારે પવન અને કવન ઘઉંવર્ણા..

જો કે બકુલ તો આતશકુમારની વાત ઉપર કાયમ જ બગડે.“ માનું હેત હંમેશા બધા બાળકો માટે સરખું જ હોય..પેલી પાંચેય આંગળીઓ જેવું .. આંગળીઓ ભલેને નાની કે મોટી હોય, કાપો તો લાલચટ્ટાક લોહી જ નીકળે. બસ હેતનું પણ એવું જ છે

આતશકુમાર આજ વાતને ફેરવી તોળતા “હું પણ એજ વાત કરુ છુ. મોટીને સંતાનો વહેલા આવ્યા એટલે વધુ વહાલ મળે છે..ગોરા છે એટલે વધુ વહાલ મળે છે જ્યારે પવન અને કવન મારા જેવા ઘઉંવર્ણા છે ને તેથી ઓછુ હેત પામે છે” આશાને તેથી ક્યારેક બહું લાગતું પણ બકુલને માટે તો ચારેય બાળકો સરખા. જો કે શીલાના વર્તનમાં આ વેરો આંતરો કુદરતી રીતે જ રહેતો. એ સભાનતાથી મથતી પણ ચારેય બાળકો સાથે હોય ત્યારે ક્યારેક ભુલ થઇ જતી.

આ બધાના આવવાથી બે બેડરૂમવાળો ફ્લેટ આનંદકિલ્લોલથી ગુંજી ઉઠતો. પણ ત્યારબાદ તે બધાના જવાથી બે જીવ એકલા પડતા અને થોડો સમય ખિન્નતા છવાઈ જતી.

પણ સમય જતા ક્યાં વાર લાગે છે?

–રેખા શુક્લ

અન્ય શરત ૩ વિજય શાહ

બન્યું એવું હતું કે સૌ માણસોને સારા માનનારી હું એવું જ માનતી હતી કે જ્યારે તમે કોઇને ના નડો ત્યારે સૌ તમને પણ ના નડે. પણ મને ખબર નહોંતી કે કોઠીમાં ભરેલ સત્કર્મોનાં ધાન એક દિવસ ખુટતા હોય છે. નવા સત્કર્મોનાં પુણ્યો પાકે તે પહેલા ભવાંતરનાં જુના પાકેલા માઠા કર્મો પણ પાકીને તમને પરિણામ આપી જઈ શકે છે. કર્મનું ગણિત આમેય મારા જેવી સીધી નારીને ક્યાં સમજાય?

મુંબઈની ચાલના ભાવો ઉંચકાવા માંડ્યા હતા. હું કે બકુલ તેનાથી બહુ પરિચિત નહોંતા પણ તે દિવસે એન્જીનીયર જમાઇ બાબુ બોલ્યા “અમારી નજીક જુહુમાં નવી કોલોની થાય છે. ભાવો ઓછા છે. એક ફ્લેટ નોંધાવી દો. અમારી નજીક હશો તો આશાને પણ રાહત થશે અને અમારે ભુલેશ્વર સુધીનો ધક્કો નહીં.”

બકુલ કહે, “ભાઇ મને તો આ વારસાગત જગ્યા જ ગમે. જ્યાં મારા માબાપની હાજરી સતત લાગે અને નવા ફ્લેટમાં કાળાધોળાનો વહીવટ મને તો કાયમ જોખમી લાગે.”

હું ત્યારે બોલી, “આતશકુમાર, તમને અને આશાને જ્યારે જરૂર હોય ત્યારે કહેજોને. આ ઘરને તાળું મારીને તમારે ત્યાં.”

“ના. આ તો આખી જિંદગી તમે સંકડાશમાં રહ્યા છો એટલે થયું કે તમે પાછલી ઉંમરે થોડુંક મોકળાશનું સુખ માણો.”

“સાથે સાથે આવનારી ત્રીજી પેઢીનું બચપણ પણ માણો.” આશા એ પોતાનો સુર પુરાવ્યો.

મેં બકુલને જ સાથ આપ્યો..” ના રે, અહીં બધુ સહજ. નીચે ઉતરીએને હાથવગુ. જ્યારે કોલોનીમાં તો કોણ જાણે કેવોય આડોશપાડોશ આવે. માંસ મચ્છી રાંધનાર બંગાળી આવે કે આપણે જેમની ભાષા પણ ના સમજીયે તેવો કોઇ સાઉથ ઇંડીયન પણ આવે. જ્યારે અહીં તો ત્રણ ત્રણ પેઢીઓનાં જાણકારો. સૌની સાથે વાટકી વહેવાર અને સૌથી મોટી વાત પાછલી ઉમરે કરવાના ધરમધ્યાન માટેનાં મંદિરો સહેજ ચાલીયે ને મળે.”

આતશકુમારે છેલ્લો મમરો નાખતા કહ્યું, “હું તો મારા ઘર સાથે તમારું ઘર પણ થાય તેથી કહેતો હતો.. પછી તમારી મરજી.”

બકુલ કહે, “ભાઇ, દલાલીની આવક અમારી અનિશ્ચિંત અને બેંકનાં હપ્તા ના ભરાય તો તકલીફ થાય. વળી મારે તો કોટન માર્કેટ દસ ડગલા જ દૂર જ્યારે જુહુથી મારે કામે આવવું હોય તો ટ્રેનમાં કલાક થાય. ના ભાઇ, મોકળાશનું સુખ બીજી બધી ઘણી રીતે ભારે પડી જાય. તમે તો જાણો છો કે 58 તો થયા અને હવે જીવવું કેટલું કે નવા પરિવર્તનો લેવા અને પાછલી ઉંમરે ટ્રેનમાં ધક્કા ખાવાનાં? ના ભાઇ ના, અમે બે ના હોઇએ ત્યારે તમે બે બહેનોને યોગ્ય લાગે તેમ કરજો.”

અમારા બંનેની “ના” સાંભળીને કચવાતા મને તેમણે પ્રયત્ન છોડ્યો. આમેય નવી પેઢીને જે દેખાતુ હોય છે તે જુની પેઢીને ક્યાં ક્યારેય દેખાતુ હોય છે? અને તેથી તો જનરેશન ગેપ દર ૨૫ વર્ષે ડોકિયા કરતો હોય છે.

રૂનો સટ્ટો જામતો જતો હતો. જો કે બકુલ દલાલનો ધંધો તો રોકડી દલાલીનો એટલે માલ ભરવાનો નહીં અને ક્યારેય ઓકાત કરતા વધુ જોખમ કરવું નહીં, કરતા કરતા આખી જિંદગી પુરી કરેલી. ઇશાની ઝબકે અને તેમના ચોપડેથી માલ ક્યારે જીનમાં ખડકાઈ જાય તેની લોકોને ખબર ન પડે. નીતિથી રહેતા અને એક આની ફેરે કાયમ નીકળી જતા તેથી તેમને કોઇ ઊંચું નીચું  જોવાની થયેલી નહીં.

જો કે જીજ્ઞાસાનું માગું સામેથી આવ્યુ ત્યારે તો શીલાબેન પણ બકુલથી સારા એવા પ્રસન્ન હતા. વળી તે સાલ ભાવ પણ સારો મળતો હતો. જો કે તેજી મંદીનું બજાર એટલે ચેતીને ચાલતા. વળી શેઠિયો પણ સારો એવો ખુશ. તેને તો ચાંદી ચાંદી થઇ ગયેલી. તેજી હોય ત્યારે દલાલનું કામ વધી જતું. ખાસ તો ત્યારે લેનારા અને વેચનારા બંને સક્રિય હોય. દલાલે તે કાર્યને યોગ્ય ભાવે નક્કી કરીને દલાલી લેવાની હોય એટલે આવક તો વધે પણ તેજીનો પ્રવાહ ચાલતો હોય ત્યારે થોડું ઘણું માથાનું પણ કરી લેતો. બકુલ તારવણીનો ભાવફેર પણ મેળવતો. એક જ સોદામાં બે દિવસમાં દસ રૂપિયા ફેરે જીજ્ઞાનું આખું લગ્ન કાઢી નાખ્યું હતું. પતવણાનાં દિવસે સાંજે પારસી ડેરીનો આઇસક્રીમ લઇને આવ્યો ત્યારે શીલા સમજી ગઈ હતી બકુલ આજે ખુશ છે.

તે સાંજે બકુલે શીલા સાથે વાત છેડી.

“શીલા પેલી ખાલી પડેલ મહેશ નાયકની ખોલી ૨૭ લાખમાં કોઇ એન.આર.આઇ.એ લીધી.”

“હેં?”

“હા, આતશકુમારને આ વાતની ખબર હશે કે આપણી ચાલનાં ભાવો આકાશે છે તેથી જ કદાચ આ પ્રયત્ન થયો હશે.”

“એ તો પારકું લોહી છે પણ આપણી આશા આ વાત નથી જાણતી કે આ ખોલી જ આપણા સુખનું કારણ છે?”

“આતશ કુમારની પાસે કદાચ આશાનું ચાલ્યુ નથી. પણ મારે તને મારા મનની એક વાત કહેવી છે. જો બાળકોને આપણી આપેલી નસિયત (સલાહ) યાદ નથી રહેતી પણ વસિયત યાદ જરૂર રહે છે. વળી આપણને દીકરો નથી તેથી આ વાત મારા મનમાં જન્મી છે.”

“દીકરો નથી પણ દીકરીઓ તો છે ને?’

“હું એવું માનું છું કે આપણે જ્યારે ન હોઇએ ત્યારે આપણી મિલકત માટે બે બેનો તો નહીં લઢે પણ જમાઇઓનુ ભલુ પૂછવુ.”

“મને તો એવું કશું જ લાગતુ નથી. પણ તમે જે કહેવા માંગો છો તેમાં મૉણ નાખ્યા વિના કહોને કે શું કહો છો?”

“બહુ શાંતિથી સાંભળ. હમણા એક વાત સાંભળી કે જે વસ્તુ સાથે ન લઇ જવાતી હોય તેને વ્યવસ્થિત રીતે સમાજમાં પાછી આપવાની.”

“એટલે?”

“આ ખોલીનાં ભાવો વધતા જોયા માટે મનમાં વિચાર આવ્યો. આખા જીવન દરમ્યાન આપણે કંઇ કેટલાયના અજાણતા ૠણ લીધા છે. જે શાળામાં ભણ્યા, જે કોલેજમાં ભણ્યા, જે માતૃભાષામાં આપણો વિકાસ થયો, જે શહેરમાં વસ્યા, જે મંદિરમાં ગયા, તે બધાને કંઇક પાછું આપવું જોઇએ. તેથી હું એવું માનું છુ કે આપણા વંશજો ઉપરાંત આ સૌને પણ કંઇક પાછુ આપવું જોઇએ.”

શીલાબેન બોલ્યા, “લ્યો, હજી તો જીવતા છીએ ને અત્યારથી એ વાતોનો શો ફાયદો? અને મને ખબર છે હું તો ચૂડીચાંદલા સાથે જવાની છું. મને તે બધાની શું ચિંતા? તમ તમારે કરજોને જે કરવું હોય તે.”

“આ તો વિચારવાની વાત છે.”

“તો વિચારોને તમે. મને તો ક્યારેય તમારા કરેલા કાર્ય માટે વાંધો હોતો જ નથી.”

“ભલે, તો સાંભળ. આજ દિન સુધી તો ખાધું, પીધું અને મઝા જ કરી છે. હવે લાગે છે કે આવક અને જાવકનાં પલ્લામાં જાવક ઘટી છે અને આવક વધે છે ત્યારે તેનું નિયમન કરવા પોસ્ટઓફીસની એફ. ડી., જે સાત વર્ષે બમણી થાય છે તેમાં નિયમિત રીતે દરેક મહીને એક એફ. ડી. કરીશું તો સાત વર્ષે તે બમણી થશે અને જ્યારે પાકશે ત્યારે દરેક એફ.ડી.માંથી વ્યાજ કાઢીને મૂળ રકમ ફરી રિન્યુ કરીશું. ત્યારે જો પૈસાની જરૂર નહીં હોય તો તે વ્યાજની રકમનું દાન કરશું.”

“ભલે, તમે કહેશો તેમ કરશુ અને તમે તો જાણો છો કે હું તો ચૂડી ચાંદલા સાથે જવાની છું એટલે આ બધું તમારે જ કરવાનુ છે.”.

“હા, એક વાત વધુ. મને ચારેય બાળકો માટે કશું જ નથી કરવું. તેમના મા-બાપ સધ્ધર છે પણ આપણે આપણા સામાજીક ઋણને ભૂલવા નથી.’

શીલા કહે, “આપણી આવક અનિશ્ચિંત, તેથી જે કરો તે વિચારીને સમજીને કરજો. જો કે તમને તે કહેવાની જરૂર નથી. તમે એવું વિચારીને પછી જ કહેતા હો છો.”

ત્રેવડ ત્રીજો ભાઇ છે અને જ્યારે સંકલ્પ સારા કરો ત્યારે વળતર પણ એ જ સ્વરૂંપમાં આવે તેવું નહીં. પણ હા, કીર્તિ કેરા કોટડા બંધાવા માંડે. રૂની પછી દસેક સીઝનમાં બકુલ દલાલ અપેક્ષા વિરુધ્ધ સફળ થતા રહ્યા. શેઠે તેમને ભાગીદાર બનાવ્યા અને બકુલ કંઈ કેટલાય રુપિયા હરર્કિશન હોસ્પિટલમાં ગુપ્ત દાન કરતા રહ્યા. લોકોની આંતરડી ઠરતી રહી. અને આખરે તે દિવસ આવી ગયો જ્યારે અનિયમિત આવક નિયમિત રીતે બેંકમાંથી વ્યાજનાં સ્વરૂપે આવતી થઈ.

ચારધામ યાત્રાનો સંઘ કાઢ્યો ત્યારે આતશકુમારને પહેલી વખત લાગ્યું કે બા બાપા પૈસા ખોટા ઉડાડે છે પણ તેમના માતા પિતા બકુલભાઇની સાથે હતા અને સન્માર્ગે પૈસા વપરાય છે તેમ બોલીને આતશની વાતો બિનવહેવારી ઠરાવી ત્યારે પહેલી વાર આશા પાસે બોલ્યા, “આ ઘરડે ઘડપણ દાન, ધરમ અને પૂણ્ય કમાવા અને સમાજને પાછું આપવાની ઘેલછામાં આપણા ભાગે એકલી તેમની સેવા ચાકરી જ આવશે.”

આશા તો આ દ્રષ્ટિકોણથી વિચારમાં જ પડી ગઈ. જિજ્ઞાસા આ વાતે હસી પણ તેને ખબર હતી કે બકુલભાઇ ક્યાં કોઇનું માને તેવા હતા? વળી ઘણી ઉંચીનીચી જોયા પછી બાપાની દશા સુધરી હતી. તેથી એમ માનતી હતી કે આ તેમનો સુવર્ણકાળ છે અને તેમની જાતકમાઇ ઉપર ખર્ચા કરે છે તો આપણાથી તેમને કેવી રીતે રોકી શકાય?

શીલા દોલા થયેલા બકુલરાયને ક્યારેક કહેતી પણ ત્યારે બકુલ એમ જ કહેતો કે નાવમાં પાણી ભરાય ત્યારે ઉલેચવું એ જ તરતા રહેવાનો શ્રેષ્ઠ ઉપાય છે અને હું તો જેમ ઉલેચુ છું તેમ નવા નવા સંપર્કો વધે છે અને તે દરેક નવા સંપર્કો પેઢીનાં ભાગીદાર તરીકે નવી આવક આપે છે. તું તારે જોતી રહે. આ વખતે ચારધામ ફરીને આવીયે પછીના ખેલ..”

“ખેલ?” આશા ઘરમાં દાખલ થઈ અને તેણે પુછ્યુ.

“હા ખેલ.”

બકુલભાઇ કહે “આ વખતે ચારધામ મારી સાથે આવતા સૌને “સ્મૃતિ ભેટ” તરીકે સો ગ્રામનો ચાંદીનો સિક્કો આપવાનો છું”

“બાપા, આતશને આ બધું નથી ગમતુ. તે કહે છે આ વાહવાહ મેળવો છો તેમાં અમારો વારસો ઘટે છે ને? કાલે ઉઠીને તમે માંદા થયા ત્યારે ધ્યાન તો અમારે બે બેનોએ જ રાખવાનું ને?”

બકુલ કહે, “તેવા દિવસો અમારા નથી આવવાના. હું તો સમાજમાં પ્રભુનો ખજાનચી છું. આ લક્ષ્મી સારા માર્ગે વપરાય છે ત્યારે આવી કુશંકાઓ કરીને આતશકુમારને પતલા ના થવા સમજાવ. મને તો અલીબાબાનો ચિરાગ મળી ગયો છે. પૈસાની જરૂર હોય અને તે ચિરાગ ઘસું એટલે પૈસા હાજર.”

આશા કહે “બાપા મને પણ આતશની વાત સાચી લાગે છે. તમે તમારા ઉપર પૈસા ખર્ચો ત્યાં સુધી કોઇ જ વાંધો નથી, પણ આ ચાંદીનાં સિક્કા વહેંચવાની વાત તો મને પણ બેવકુફી લાગે છે.”.

“જો સાંભળ. હું એવું માનુ છું કે હું તો સમાજનું ૠણ પાછું વાળુ છુ. મારા સમયે આ લોકોએ મને આપ્યુ હતુ તે દેવુ તમારા ઉપર નથી છોડી જતો એટલી ગનીમત માન.”

કહેવાય છે ને કે અતિ સર્વત્ર વર્જયતે. અતિ સુખને દુ:ખ અનુસરે છે. કોઈએ એમ કહ્યું હોત કે આવું મારા કિસ્સામાં પણ થશે તો તે વખતે તે મેં માન્યું ન હોત, કારણ હું એક સીધા સ્વભાવની નારી, કોઈનું બુરૂ ન ઇચ્છનાર, તેને પ્રભુ કેવી રીતે અન્યાય કરી શકે? પણ બુઝુર્ગોએ કહ્યું છે કે ઉપરવાળાની લાઠીમાં અવાજ નથી પણ અસર તો હોય છે. જ્યારે મેં તે લાઠીનો અનુભવ કર્યો ત્યારે સમજાયું કે સમય સમય બળવાન હોય છે. મારી ફિલોસોફી વાંચી નવાઈ પામશો પણ જ્યારે હકીકત જાણશો ત્યારે તમે પણ આ વિધાનમાં સહમત થયા વગર નહી રહો.

અન્ય શરત પ્રકરણ  ૪ અર્ચિતા પંડ્યા
ડોરબેલ વાગી ને શીલાબેનની છાપું વાંચવાની પ્રવૃત્તિ પર બ્રેક લાગી.

“આજે કેટલાં મોડાં આવ્યા? હવે જુવાનિયા જેટલું કામ કરવાનું છે? ”

……અને બકુલભાઈ તરફથી અણધાર્યો પ્રતિભાવ આવ્યો. યુવાન વયના રંગીન પતિની માફક સાડીનો છેડો હાથમાં લઈ લીધો. શીલાબેનના મુખ પર આ ઉંમરે પણ શરમની લાળી છવાઈ ગઈ.

.”લાજો હવે, હવે નાના નથી આપણે!”

“તો મોટા પણ ક્યાં થઈ ગયા છીએ? હજુ કાલે તો સંસાર માંડ્યો છે! ”

.બકુલભાઈની આ અદા પર હસી પડીને સાલ્લો છોડાવીને શીલાબેને રસોડા તરફ લગભગ દોટ મૂકી. ….
“જમવાનું પીરસી દઉં? આજે બહુ મોડાં થઈ ગયા. દવા તમારી લઈ લીધી તમે?” “હા, પણ બધું ગરમ ન કરીશ. ખાલી રોટલી ને શાક જ જમીશ. પાછું એક કામે બહાર જવું છે.” “અરે, પાછા બહાર જવું છે?  જંપો ને હવે? કયા કામે જશો?”

“એક ફ્લેટ જોવા જવું છે, અત્યારે જ મેળ પડશે.”

“ફ્લેટ? કોના માટે ?”

“આપણા માટે વળી.”

“અરે, તમને શું થઈ ગયું છે? અહીં ચાલમાં કેટલો આનંદ છે! આપણને ફ્લેટની શી જરૂર છે ? વળી જ્યારે આતશકુંમારે અગાઉ આ વાત કરી હતી ત્યારે તો તમે જ ના પાડતા હતા. હવે કેમ વિચાર બદલ્યો?”

“તે વખતની વાત જુદી હતી. ત્યારે મારી પાસે સવલત ન હતી. હવે જ્યારે તેમ થયું છે તો ભવિષ્યનો પણ વિચાર કરી મેં આ નિર્ણય લીધો છે. તું નહીં સમજે શીલા. બસ મારી આ એક જ ઇચ્છા છે તેના પર પાણી ન ફેરવી દે.”

“તમે ય ……મારી બોલતી બંધ કેમ કરવી તે તમે બરાબર જાણો છો!”

“તું જમી? ચાલને, ક્યાં જાય છે ?”

“હા, અધૂરું જમી પાછા બહાર જવાનું કહો છો તો છાશ બનાવી દઉં. તાપમાં જવાનું છે તો સારું રહેશે.”

“રસોડાની રાણીનો જે હુકમ! પણ સાંજે તારા હાથનાં વઘારેલા દાળભાત મળશે ને?”

“અરે હા હા, ચોક્કસ. પણ બહુ થાકી જાવ એટલું કામ ન કરો. મને તમારી ચિંતા થાય છે.”

“ચિંતા મારે કરવાની રાણી, તારે નહીં. તને એક સુંદર ફ્લેટમાં લઈ જવી છે મારે.”

“નથી લાગતું કે તમે થોડી વધારે હિમ્મત કરી રહ્યા છો?”

“શીલા, ચિંતા ન કર. ઈશ્વર માર્ગ બતાવે છે તો મંઝિલ પણ આપશે.”

“તમારી બહુ જૂની આદત છે, તમે કોઈનું સાંભળતાં જ નથી!”

“શીલા, તને ખબર છે, મારો માંહ્યલો ઉપડે પછી હું કોઇનું સાંભળતો નથી. ઇશ્વરે જે રીતે ઇચ્છ્યું હોય તે રીતે જ આપણી પાસે કામ કરાવે છે.”

ખબર નહિ પણ કેમ શીલાબેનની આંખમાં થોડાં ઝળહળિયાં આવી ગયાં અને બકુલભાઈ એ જોઈ થોડાં ખમચાયા. કોઇ વિચાર આવી ગયો હોય એમ ચિંતાથી કહેવા લાગ્યા,.”શીલા, તું વધારે પડતી લાગણીશીલ થઈ ગઈ છે. થોડી હિંમત રાખતાં શીખ. આટલું આળું મન સારું નહી”

.આ સાંભળી શીલાબેનની આંખમાંથી ઉલ્ટા ડળક ડળક આંસુ પડવા લાગ્યાં. .

.”ઉંમર થઈ કે પછી મારી દીકરીઓ વિનાનાં માળામાં હું સૂની પડી ગઈ છું ….ખબર નથી પડતી.”

બકુલભાઈ સમજાવતાં હોય એમ બોલી ઉઠ્યાં, “શીલા, આપણે બે દીકરીઓ જ છે. પરણાવી દીધાં પછી આપણી જોડે થોડી રહી શકવાની હતી?”

.”બકુલ, મા છું અને આખી જિંદગી દીકરીઓમાં જ જીવ રહ્યો છે એટલે શું કરું ?”

.”શીલા, દીકરીઓ અને જમાઈઓ આનંદ કરે એ જ આપણાં માટે સાચું સુખ.”

“હા, સાવ સાચી વાત. પણ લક્ષ્મીનારાયણ જેવા જમાઈનું કંઈ સૂચન થાય કે સલાહ આપે ત્યારે મન વિચારે ચડી જાય છે.”

“હું સમજું છું પણ આપણે આપણી ખુમારી નહીં છોડવાની. મારી સલાહ માનજે. ઇશ્વર એનો રસ્તો જરુર કાઢશે.”

“એમ તો તમારી શીલાને તમે ઓળખો જ છો ને?”

“હા,તારી પર પૂરો ભરોસો છે, દરેક સંજોગોમાં તું મારી પડખે અડીખમ રહી છે અને કોઇ પણ સંજોગોમાં સાંગોપાંગ પાર પણ ઉતરશે.

“હા, બકુલ તમે પડખે હો તો શું ચિંતા છે? પણ સાચું કહું? આજકાલ તો મને તમારી ચિંતા થાય છે!”

“કેમ?” આછું હસતાં બકુલભાઈએ પૂછી લીધું.

“તમે આ ઉંમરે આટલી દોડાદોડ કરો છો તો તમે થાકી નથી જતાં?”

હસીને બકુલભાઈ બોલ્યાં; “થાકે મારાં દુશ્મન! જો નસીબે યારી આપી છે તો થોડી વ્યવસ્થા એવી થઈ જાય કે ભવિષ્યની આગોતરી તૈયારી થઈ જાય! શીલા, સમાજનું ઋણ ચૂકતે થઈ જાય અને તું પણ સલામત અને સુરક્ષિત સ્થિતિમાં ……”

“આ શું બોલ્યાં બકુલ તમે?.તમે મને ખૂબ સુખ અને બધી જ સગવડ આપી છે. આપણું આ ચાલીનું ઘર મારા માટે તો સ્વર્ગ સમાન છે!”

” શીલા, તારા ભોળપણ અને સાદગીની જ મને ચિંતા થાય છે. થોડો આરામ કર હું હમણાં જ દોઢેક કલાકમાં આવું…”

“તમે કહેતાં હો તો હું તમારી સાથે આવું.”.

.”ના, આપણે પછી સાથે જઈશું, અત્યારે મારો એક મિત્ર મારી રાહ જોઇ રહ્યો છે એની જોડે જઈને ગમે તો પછી પાકું કરી આવું. આપણે બંને પછીથી જઈશું.”

“તમે ધાર્યું હોય એ જ કરશો ….”

બકુલભાઈ સાંભળ્યું ન સાંભળ્યું કરી નીકળી ગયા.

થોડું ઘરનું કામકાજ આટોપીને શીલાબેન આડા પડખે થયાં પણ એમનું મન વિચારે ચડી ગયું હતું. બકુલના મનમાં શું ચાલી રહ્યું છે? જમાઈઓ આ ચાલી વિષે બોલ બોલ કરે છે એથી ખોટું લાગ્યું હશે? ફ્લેટ મોંઘો નહિ પડે? નાણાંની વ્યવસ્થા વિષે વિચાર્યું તો હશે જ પણ તો ય કોણ જાણે કેમ જીવ ઊંચો થઈ જાય છે.

અચાનક ફોનની ઘંટડીએ શીલાબેનના વિચારો તોડ્યા.

“હલ્લો, હા બેટા, બોલ. પપ્પા તો બહાર ગયા છે. કંઈ કામ હતું?”

“મા, પપ્પા કેટલાં ખર્ચા કરે છે? જરા સમજાવને?”

“તને ખબર તો છે બેટા, મેં આજ સુધી તારા પપ્પાને કંઇ કહ્યું નથી”

“તારા જમાઈ ટીકા કરે છે એટલે કહું છું.”

“બેટા, ટીકાથી બહુ ગભરાવાનું નહીં. દરેક પોતાના વિચારો પ્રમાણે હિત જુએ, પણ આપણું જીવન એ આપણી જ જવાબદારી. તારા પપ્પાનું મન બોલે છે તો એમાં ઇશ્વરની ઇચ્છા સામેલ હશે જ”

“મા, અમુક વાત તમને લોકોને સમજાતી જ નથી. દુનિયાદારીથી ક્યાંય દૂર છે તમારો આદર્શવાદ.”.

“બેટા, આખી જિંદગી તારા પપ્પાના નિર્ણય પર ભરોસો રાખ્યો છે ને રાખીશ.”.

“મા, મને તો કંઈ સમજાતું નથી. …બીજો ફોન આવે છે, પછી વાત કરીએ”

શીલાબેન વિચારમા પડ્યા. નવી પેઢીની સમજણ અને પ્રશ્નો આપણી સમજ અને પ્રશ્નોથી વિપરીત હોય છે. મારી જિજ્ઞાસા અને આશા, સાથે જ ઉછરેલાં છે પણ વિચાર વર્તનમાં ફરક આવી જાય છે. તો બે જમાઈમાં ફરક હોય તેની શું નવાઈ!

ડોરબેલ રણકી. બકુલ આવી ગયા માની દરવાજો ખોલ્યો. બકુલભાઈના ચહેરા પર થાક તો વરતાતો હતો પણ એક પ્રકારનો આનંદ પણ દેખાતો હતો. પાણીનો ગ્લાસ આપતા આપતા પૂછ્યું, “કેવું રહ્યું?”

બકુલભાઈ બોલી ઉઠ્યા, “શીલા, તને મારા મનની વાત કરું છું. ફ્લેટની જગ્યાથી મારું મન ખૂબ પ્રફુલ્લિત થયું છે. એ જગ્યા પર ઊભા રહેતાં જ ત્યાંનાં સ્પંદનો મને જાણે ત્યાં જકડી રાખતાં હોય એવું લાગતું હતું. તું જોઇશ તો તને પણ ગમશે જ.”

શીલાબેનના કપાળ પર ચિંતાની લકીર ઊપસી આવી અને બોલી ઊઠ્યા, “બકુલ, દૂર પરામાં ફ્લેટનો વિચાર કરો છો પણ  તમે રૂપિયાનો વિચાર કર્યો છે ખરો ?”

“શીલા, ચિંતા નથી. આ ચાલના ભાવ ખાસ્સા ઊંચકાયેલા છે. બધું બરાબર થઇ રહેશે.”

શીલાબેન તેમ છતાં દુઃખી હતા. “અરે, આપણને આ વડીલોપાર્જિત જગ્યા સાથે કેવો નેડો છે? આ જગ્યા છોડી આપણે શું કામ જઈએ? કેટકેટલી યાદો આ ઘર સાથે સંકળાયેલી છે?”

“શીલા યાદો તો આપણી સાથે જ હોયને? તે આપણાં દિમાગ સાથે હોય, ઈંટ અને પથ્થર જોડે નહીં, ભવિષ્યનો વિચાર કરવાનો, ભૂતકાળનો નહિ …..”

“તમારા વિચાર આટલા ક્યાંથી બદલાઈ ગયા?

“શીલા, હું વિચારીને જ આ કરી રહ્યો છું. એક સારા પરાંમા સારો ફ્લેટ રહેઠાણ તરીકે હોય એ ખૂબ જરૂરી છે હવે! દીકરી, જમાઈ આવતા વિચાર કરે છે તો તેમની નજીક હઈશું તો આ ઉંમરે હવે તેમનો સાથ વધુ મળશે જે જરૂરી છે.”

શીલાબેન ઊંડા વિચારમાં પડી ગયા. નક્કી કર્યું કે બકુલ કહે છે એમ ફ્લેટ હું જોઈ જ લઈશ. એમનું મન ઉપડી રહ્યું છે તો એની પાછળ પણ કોઈ કારણ હશે. જે ઈશ્વરેચ્છા. એમ વિચારીને દિવસનું કામકાજ તો પૂરું કર્યું પણ મનમાં મૂંઝવણ વધવા લાગી એટલે ઈશ્વરના જાપ શરૂ કરી દીધા અને મનને સ્વસ્થ કરવાના પ્રયત્ન કરવા લાગ્યા .

જીવનમાં કેવું છે? જ્યાં સુધી જીવનનું કેન્દ્ર આપણે હોઈએ ત્યાં સુધી શાંતિથી જીવી નથી શકાતું. સમય પાણીના રેલાની માફક નીકળી જાય છે. કેન્દ્રમાં હોવાની અનુભૂતિ, સુખ કે માન મરતબાની તાકાત માણીએ, અનુભવીએ એ પહેલા તો મોટા થઇ ગયેલા છોકરાઓ આપણને કેન્દ્રથી દૂર ધકેલવાના મિજાજમાં આવી ગયા હોય છે!

ચક્કીની જેમ પીસાતી જિંદગી અને વડીલોની કુટુંબ પ્રત્યે કઈ કરી છૂટવાની તમન્નાને સમજવાને બદલે એમને એ રોજિંદા ઉભા કરેલા સંઘર્ષથી વધારે કઈ નથી લાગતું, કારણકે હજી વાસ્તવિકતાથી દૂર અને શક્તિના ગુમાનમાં રાચતી નવી પેઢી આપણી વીતી ગયેલી વાતોને અલગ દ્રષ્ટિકોણથી જ જુએ છે .

બકુલની વિચારધારાને આખી જિંદગી સહયોગ  આપ્યો છે અને હજુ આપતી જ રહીશ એવો શીલાબેનનો દ્રઢ નિર્ધાર હતો. બકુલ ઉપર એક માનવ તરીકે ગૌરવ થાય એવું  વ્યક્તિત્વ હતું. જીવનના તડકાછાંયડામાં સ્વસ્થ રહી હિંમતપૂર્વક જીવન જીવવું તે તેમનો ધ્યેય હતો અને શીલાબેનની પાસે પણ એ જ અપેક્ષા તેઓ રાખતા. બાળકોને સતત પ્રેમ અને શિક્ષણ આપવું અને છતાં એક અલગ વ્યક્તિત્વ તરીકે વિકસવા દેવા એવું બંને માતાપિતાનું માનવું હતું .અને બાળકોની જીદ કે ગેરવર્તન સામે પોતાના વ્યક્તિત્વનો હ્રાસ થઈ ન જાય એવી પણ તકેદારી રાખવાની હતી. અંતે જીવન એ ઈશ્વરનો પ્રસાદ છે, એની ગરિમા પણ જાળવવી જરૂરી છે ને?

દિવસો વીતતા ગયા. ચારધામ જાત્રાનો આનંદ …સાથી પ્રવાસીઓને ચાંદીના સિક્કાનું યાદગીરી રૂપે વિતરણનો આનંદ અને નવા ફ્લેટની ફેરબદલનો આનંદ …..ઝોળી ખૂબ ખુશીથી ભરાઈ ગઈ. દિવસો ખૂબ ઝડપથી વીતી ગયા. નાના મોટા કામ મિત્રોની મદદ અને બાળકોના સહકારથી ઉકેલી શકાયા. બધુ હેમખેમ પાર પડ્યું .

અને એ દિવસ આવી ગયો નજીક જયારે ચાલીનું મકાન કાયમ માટે છોડી દેવાનું હતું. બકુલભાઈ મક્કમ મને બધું ખાલી કરી રહ્યા હતા પણ શીલાબેનની આંખમાંની અશ્રુધારા અસ્ખલિત વહી જતી હતી.

નવા ફ્લેટમાં પ્રવેશ કુંભ મૂકીને થયો. દીકરીઓ, જમાઈઓ, બાળકો અને નજીકના થોડા મિત્રો વચ્ચે એ શુભ પ્રસંગ ઉજવાયો. મુંબઈના સારા પરામાં બે બેડરૂમનો ફ્લેટ હોવો એ ઘણું સારું કહેવાય એવી સૌની લાગણી હતી. દીકરીઓ નવા ઘરે રાત રોકાઈ .આખું કુટુંબ સાથે રહ્યાં એ પણ એક સુખદ અનુભવ હતો. નવા ફ્લેટમાં બકુલભાઈ અને શીલાબેન નવી જગ્યાથી ટેવાઈ જવા લાગ્યા .

એક રાતે……..

“બકુલ, થોડો વધારે થાક લાગી ગયો નહીં?”

“હા, વાત તો તારી સાચી, પણ નકકી કરેલાં કામ તો પતાવ્યે જ છૂટકો, ખરૂંને?”

“બહુ રઘવાટ ન કરશો. બાકીના કામ પછી થશે.”

“મને ‘પછી’ ઉપર રાખવાનો જીવ જ ન ચાલે શીલા.”

“અને તમને આમ ખેંચાઇ જતાં જોઇ મારો જીવ બળે છે.”

બકુલભાઈને શીલાબેન પર ખૂબ પ્રેમ આવ્યો. એ માથે હાથ ફેરવવા લાગ્યા. નવા મકાનની છત તાકતાં બંને જણ ભૂતકાળનાં સ્મરણપટને વાગોળતાં વાગોળતાં સૂઈ ગયા.

સવાર પડી. શીલાબેનની આંખ ખૂલી તો જોયું કે બકુલ હજી સૂઈ રહ્યા છે. નિયમ પ્રમાણે દૂધની થેલી બહાર ટાંગેલી જ હશે ભૈયાએ, એમ વિચારીને ઉભા થયા.

“કેવા થાકી ગયા છે બકુલ. હવે આ કાઈ ઉંમર છે દોડવાની? ચા બનાવીને જ ઉઠાડું.”

.શીલાબેન કામે વળગ્યા. દાતણ કરી ચાલમાંથી લાવેલ તુલસીને પાણી પાયું. માટલું વીછળ્યું અને ભગવાનની સ્તુતિ ગાતાં ગાતાં ચા બનાવી અને બકુલભાઈને ઉઠાડવા બેડરૂમ તરફ ગયાં.

“બકુલ, ચા થઇ ગઇ છે હોં! નથી ઉઠાતું કે શું? પગ દુ:ખે છે, દબાવી આપું? અરે, બકુલ, ઉઠતાં કેમ નથી?”

બકુલ, બકુલ. …..બકુલ….!! શીલાબેનનો અવાજ  ફાટી ગયો કારણ બકુલભાઈનો શ્વાસ સ્થિર થઇ ગયેલો. એમને હલબલાવવાથી ડોકું નમી ગયું. શીલાબેન સખત મૂંઝાયા, રડી પડ્યા. દીકરીઓને ફોન કર્યો .અને બકુલભાઈના મિત્રને ફોન કરી ડોક્ટરને બોલાવ્યા.

એ પછીનો અડધો કલાક એટલે જાણે કે વીજળી પડી. ઘરમાં  બધા ભેગા થઇ ગયા. બધાના મોં ઉતરી ગયા. અનહદ દુઃખ આવી પડ્યું. શીલાબેનને સમજણ નહોતી પડતી કારણ હૃદય તો ફૂટી ફૂટીને રડવા જીદ કરતુ હતું પણ મન કહેતું હતું કે ઉંમરમાં હવે બધા એમનાથી નાના છે, ઘરની ધરોહર બકુલ હવે સૌની વચ્ચે નથી …..હવે વડીલ હું કહેવાઉં ….હું જ જો રડીશ તો છોકરીઓ ગભરાઈ જશે. કસોટી કરે છે આ ઈશ્વર. શ્વાસ સાબૂત રાખ્યા પણ ઓક્સિજન જ છીનવી લીધો.

સગાવ્હાલા એકઠા થશે, મૃત્યુને છાજે એવી બધી તૈયારીઓ થશે, શીલાબેન શૂન્યમનસ્ક થઈ ગયા. સાથે રહેવું એક આદત માત્ર નહીં જરૂરિયાત બની જાય છે, એને જીવનનો ટેકો કહેવાય. ઘડપણમાં એકબીજાનો જ સહારો ગમે, ત્યારે આ વિયોગ સહન કરવાનો આવી ગયો. કુદરત ક્રૂર પણ થઈ શકે છે, એમના વિના હું જીવીશ કેવી રીતે?

સહુ સગા સધિયારા રૂપે આવી લાગ્યા. પિયર, સાસરી ….બધા જ. પણ જીવનની મોટી મૂડી તો ચાલી ગઈ, લૂંટાઈ ગયા કરતારના હાથે જ. નવેસરથી જીવન જીવવા, નવા ફ્લેટમાં સાથે રહેવા બકુલ હયાત જ ન રહ્યા. પણ ઈશ્વરની મરજી સામે સહુ કોઈ લાચાર છે.

હવે સ્વસ્થ થવા સિવાય છૂટકો નહોતો. ઘણી વખત ઠપકા રૂપે, શીખ રૂપે, વાતચીત સ્વરૂપે બકુલે કોણ જાણે કેમ પણ મને શીખવાડ્યું જ છે. શું ખરેખર એમને અણસારો મળી ગયો હશે? ભલે એ મારી સાથે નથી તો કઈ નહીં પણ અંતરમાં તો છે જ. બસ, એ સ્મૃતિને સહારે જીવવું છે.

ડાઘુઓએ વિદાયની તૈયારી કરી લીધી અને ચિરવિદાયનો સમય આવી ગયો .

શીલાબેનના  પગ નીચેથી  ધરતી સરકી ગઈ. જીવ નીકળીને દૂર ચાલ્યો જતો હોય એવું લાગતું હતું પણ ઈશ્વરેચ્છાથી જ જીવ નીકળે કે પછી શું ઈશ્વરેચ્છા છે તેથી જીવ નીકળતો નથી? કેવી મજબૂરી…પાંદડું પણ એની ઈચ્છા વિના ન ફરકે…એટલે જ તો મનુષ્ય ઈશ્વરની કઠપૂતળી છે ને?

અર્ચિતા દીપક પંડ્યા

અન્ય શરત પ્રકરણ ૬ પ્રભુલાલ ટાટારીઆ “ધુફારી”

શીલાને બકુલના અવસાન પછી આ ઘર શરૂ શરૂમાં ભૂતિયું ભાસતું હતું. પણ પહેલા જે અડવું અડવું લાગતુ હતુ એ સમસ્યા હવે ક્યાં રહી હતી? આપણને જો દૂધમાં સાકર ભળે એમ ભળતા આવડતું હોય તો પારકા પણ પોતાના થઇ જાય. એટલે જ ફ્લેટની આજુબાજુના જ નહી એના માયાળુ અને મળતાવડા સ્વભાવના લીધે સોસાયટીમાં પણ બધા એને ઓળખતા થઇ ગયા. તો જ્યારે પણ તે વૃધ્ધાશ્રમમાં પણ ત્યારે ‘શીલાબેન…શીલાબેન’ જ સંભળાય. દરેક પાસે બેસીને તે તેમની વાત ધ્યાનથી સાંભળે અને શક્ય હોય એટલી મદદ કરે. આમ એ બકુલ વગર એકલા રહેતા ટેવાઇ ગઇ અને ખરેખર તો કહેવત છે ને દુઃખનું ઓસડ દહાડા. જેમ જેમ સમય પસાર થતો ગયો એમ તે આજુબાજુના વાતવરણમાં ઢળવા લાગી.

 એક દિવસ છાપામાં આવેલ ઘર માટે બેન્ક લોનની જાહેરાત સાથે બાળકોએ ભીની રેતીથી બનાવેલ ઘર જોઇ એ અતીતમાં ખોવાઇ ગઇ.

જયારે જિજ્ઞા અને આશા નાના હતાં ત્યારે રવિવારે ઘણી વખત બકુલ અને શીલા બાળકીઓને લઇ ચોપાટી જતા. ત્યાં ભીની માટીમાં બંને બાળકીઓ ઘર બનાવતી અને શંખલા અને છીપલાં શોધીને શણગારતી અને પોતે બકુલના સહવાસમાં દરિયા પરથી આવતી શીતળ પવનની લહેરખી માણતા, બંને બાળકીઓની રમત સ્નેહભરી નજરે નિહાળતી.

ઘણી વખત શેકેલી મગફળી ફોલીને બાળકીઓને આપતા અને અલક મલકની વાતો કરતા પોતે પણ ખાતા. ચાલીમાં રહેતા હતા ત્યારે ગટરની ખુલ્લી નાલીમાં વરસાદના વહી જતા પાણીમાં જાડા કાગળમાંથી બનાવેલી હોડી બંને બહેનોને બનાવી આપતા, જે પાણીના વહેણમાં તરતી જોતા બંને દીકરીઓ ખુશખુશાલ થઇ કિલકારી કરતાં જે તે બારી પાસે મુકેલી સેટી પર બેસીને સાંભળતી.

એક રવિવારે વિકટોરિયા રોકીને બાળકીઓને સહેલ કરાવી ત્યારે બંને કેવાં ખુશ થઇ ગયેલા? તેમાં રસ્તામાં જતા બુઢ્ઢીકે બાલ વેચનાર પાસે વિક્ટોરિયા ઊભી રખાવી બકુલે તે તેમને અને પોતાને પણ અપાવેલી ત્યારે એણે મીઠો ઠપકો આપતા કહેલું, ‘બકુલ, તમેય શું નાના બાળક જેમ…..’

 તો બકુલે બંને ભમ્મર ઉપર નીચે કરતા પુછેલું, ‘શું….શું…?’

 પણ પછી શું બોલવું તે શીલાને ન સમજાયું.

       તો એક રવિવારે સંધ્યાના રંગે રંગાતો આકાશ જોવા બકુલે કહ્યું અને બંને અનિમેષ નજરે આસ્તેથી અસ્તાચળ પર જતા ભાણ અને તેથી બદલાતા આભમાં છૂટાંછવાયાં વાદળાની કિનારીઓની આભા જોતા અને તેના દરિયાના જળ પર પડતા પ્રતિબિંબ જોવાનો લહાવો પહેલી વખત માણ્યો. ત્યારબાદ જ્યારે પણ ચોપાટી આવતા ત્યારે ક્ષિતિજમાં અસ્ત થતા રવિને અને આભમાં બદલાતા રંગ જોઇ પોતે કેવી આનંદિત થતી! જુના વખતમાં સમય કાઢી બાળકીઓને લઇ ચોપાટી આવતા પણ હવે તો ઘર જ દરિયા કિનારે હતું. દરિયામાં અસ્ત થતા સુરજને જોવો એ શીલાને એક વ્યસન થઇ ગયું હતું અને એ સમય મળે ત્યારે અચૂક બાલ્કનીમાં રાખેલી ખુરશીમાં બેસી. આસ્તે આસ્તે અસ્તાચળમાં અસ્ત થતા અને દરિયામાં ડૂબકી લગાવતા સુરજને અંધારૂં ઉતરી ચોતરફ ફેલાય ત્યાં લગણ જોતી .

    એક એવી જ સાંજે કુંજ પક્ષીઓની હાર ઉડતી દેખાઇ ત્યારે શીલાને બકુલના અવાજનો આભાસ થયો, જાણે કહી રહ્યો

હોય….‘શીલા જો પેલા કુંજ પક્ષીઓની હાર, સુરજના ગોળા વચ્ચે કેવી સુંદર ભાસે છે….’

    રોમાંચ અને રઘવાટમાં એનાથી સાહજિક સાદ પડાઇ ગયો ‘બકુલ……..’

    શબ્દ રૂમમાં પડઘાયો અને એકાએક દિવાલ પર લટકતી ઘડિયાલમાં છના ટકોરા થયા, જાણે બકુલે શીલાના સાદનો    જવાબ આપ્યો હોય અને ઘડીભર શીલાને     પોતાની મનોદશા પર હસવું આવ્યું.

                                 ———————————————-

      એક દિવસ ઓફિસમાં સાથે બેસી ચા પીતા પોતાના સહકાર્યકર અને મિત્ર સાથે બજારમાં પ્રોપર્ટીના ઉચકાતા ભાવની વાત સાંભળવા આતશે કાન સરવા કર્યા.

     ‘અરે…ચારે બાજુ ભાવ ઉચકાય છે તેમાં જુહુ સ્કીમમાં તો જેની પ્રોપર્ટી હોય એને માટે તો સોનાની લગડી સમજી લે. માણસો મોં માંગ્યા દામ આપવા તૈયાર થઇ જાય……’

    આટલી વાત સાંભળી આતશના મનમાં ઝબકારો થયો કે જો પોતાની સાસુ શીલાને સમજાવી શકાય, મતલબ શીશામાં ઉતારી શકાય, તો આગળ જતાં બંને દીકરીના નામે પ્રોપર્ટીના ભાગ પડી જાય. પછી તો ચાંદી થઇ જાય. આ માટે તેણે બે ત્રણ એસ્ટેટ એજન્ટનો સંપર્ક કરી તપાસ કરી તો જાણવા મળ્યું કે તેના સાસુના નામે જે ફ્લેટ છે એ જો મળી જાય અને તે વેચાઇ જાય તો બંને દીકરીઓને સહેજે ૮૫ થી ૯૦ લાખ ભાગમાં આવે. તેણે તરત પોતાના સાઢુભાઇ જીગરને ફોન કર્યો, ‘હલ્લો…..’

‘………..’

‘તને જો સમય હોય તો મારી ઓફિસ પર આવી જા, સાથે ચા પીએ…’                             

‘……….’

‘ઉં…હું, મારે જે વાત કરવી છે તે ફોન પર થઇ શકે એમ નથી….જાનમ સમજા કરો…’

‘……….’

‘સાથે જમવાનું પછી વિચારીશું, હાલ તો…..’

‘………..’

‘ભલે હું તારા ક્લિનીક પર આવું છું….’

 આતશ જીગરના ક્લિનીક પર પહોંચ્યો ત્યારે રિસેપ્શન કાઉન્ટર પર બેઠેલી નર્સે કહ્યું, ‘ડોકટર એક ઇમર્જન્સી ઓપરેશન માટે થિયેટરમાં હમણાં જ ગયા છે. આપ તેમની ઓફિસમાં વેઇટ કરો’

 ‘સારૂં…’કહી આતશ જીગરની કેબિનમાં આવ્યો. સોફા પર બેસી રેક પર રાખેલ ચોપાનિયા ઉથલાવવા લાગ્યો. થોડી થોડી વારે એ કેબિનની દિવાલ પર લટકતી ઘડિયાલ તરફ જોતો તો કયારેક કાંડાઘડિયાળ તરફ નજર કરતો. માંડ માંડ વિતેલા કલાક પછી ડોકટર જીગરે કેબિનમાં પ્રવેશ કર્યો.

 ‘તારો ફોન આવ્યો અને ઇમર્જન્સી આવી ગઇ…એ દર્દીનું સમયસર ઓપરેશન ન થયું હોત તો કંડિશન ક્રીટિકલ હતી….’

‘કેમ રહ્યું ઓપરેશન….?’

‘ભગવાનની એટલી મહેરબાની છે જીગર, કે આજ દિવસ સુધી કોઇ ઓપરેશન ફેઇલ નથી થયું…તો હવે ચા મંગાવું ને…?’ કહી ઇન્ટરકોમ પર બે ચા મોકલવા જણાવ્યુ. પછી વાત સાંધતા પુછ્યું, ‘હા…તો તારે શેની વાત કરવી હતી….?’

 આતશે પોતે સાંભળેલી વાત, ત્યાર પછી એસ્ટેટ એજન્ટ પાસેથી મળેલી બાતમી અને પોતાને આવેલ વિચારની વાત વિસ્તારથી કરી. જીગરને પણ વાત સમજાઇ ગઇ કે આ તો ‘આકડે મધ અને તે પણ માખીયું વગરનું’ જેવી સીધી વાત છે.

 ‘જો…જીગર આનાથી તારા ક્લિનીકમાં જે નવા સાધનો તારે વસાવવા છે એની જોગવાઇ થઇ જશે અને હું પણ આ નોકરીના ગધ્ધાવૈતરાથી વાજ આવી ગયો છું. તો રાજીનામું આપી મારે મારી પોતાની જે કન્સ્ટ્રકશન કંપની શરૂ કરવી છે એ પણ થઇ જશે…’

                                           ————————————–

એ જ રાત્રે જમ્યા પછી આશા જયારે પોતાના શયનખંડમાં આવી ત્યારે આતશ બંને હાથના આંગળા ભીડી તે પર માથું ટેકવી ઓશિકાના ટેકે બેસી છત તરફ તાકી રહ્યો હતો.

‘ક્યાં ખોવાઇ ગયો તું….?’

‘મને મમ્મીનો વિચાર આવે છે…’

‘કેમ શું થયું મમ્મીને…?’ આશાએ એકદમ ઉત્તેજીત થઇ પુછ્યું.

‘મમ્મીને હમણાં તો કશું નથી થયું પણ…..’

‘પણ શું આતશ?…’ અધીરાઇથી આશાએ પુછ્યું.

‘મારા કલીગના મકાનમાં આપણી મમ્મીની જેમ એકલા રહેતા માજીનું કોઇ અજાણ્યા શખ્શે ખૂન કરી ઘરમાં લૂટ કરી….’

‘હાય રામ….તો…?’

‘મને વિચાર આવે છે કે આવડા મોટા મકાનમાં એકલા રહેતા મમ્મીને ન કરે નારાયણ ને કંઇ કોમ્પ્લિકેશન થાય અને આપણને સમાચાર મળે ત્યાં સુધી….’

‘તો આવતી કાલે હું જીજ્ઞાની સાથે મમ્મીને મળી આવું.’

‘હું પણ એ જ કહેતો હતો કે મમ્મી આવડા મોટા બે બેડરૂમના ફ્લેટમાં એકલા રહે છે તેના કરતા ફલેટને તાળું મારીને થોડો સમય આપણી સાથે અને થોડો સમય જિજ્ઞા સાથે રહે તો બાળકોને પણ સારૂં લાગે અને એમની એકલતા પણ એમને સતાવે નહીં…’

‘તમારી વાત કંઇ ખોટી નથી. ચાલ હમણાં તો સુઇ જા કાલે વાત…’

‘ગુડ નાઇટ….’કહી આતશ પડખાભેર સુતા મલક્યો,

બીજા દિવસે આતશે વાત પાકી કરવા ઓફિસે જતા પહેલા આશાને પુછ્યું

‘તો તું મમ્મીને મળવા જવાની છે ને….?’

‘હા હું જરા રસોડામાંથી પરવારી જાઉં એટલે જીજ્ઞાને ફોન કરી દઉ છું કે સમયસર તૈયાર થઇ જાય…’કહી આશા પાછી પોતાના કામમાં ગુંથાઇ

                                           ————————-

‘હલ્લો..’

‘……….’

‘હું તારા ઘેર આવું ત્યાં સુધીમાં તૈયાર થઇ જા આપણે મમ્મીને મળવા જવું છે…’

‘………’

‘આપણે મમ્મીને મળવા જઇશું ત્યારે રસ્તામાં તને વાત કરીશ. બસ જલદી તૈયાર થઇ જા…’કહી આશાએ તૈયાર થઇ નીચે આવી રિક્ષા પકડી.

 જીજ્ઞા તેની સોસાયટીના ગેટ પાસે જ ઊભી હતી એટલે આશા રિક્ષામા આવતા તે તેમાં બેસી ગઈ.

 ‘કેમ એકાએક? મમ્મીની તબિયત તો બરાબર છે ને?’ અધીર થઇ જીજ્ઞાએ પુછયું

 ‘મમ્મીને કાંઇ નથી થયું પણ ગઇકાલે તારા બનેવીએ જે વાત કરી એ સાંભળીને હું થથરી ગઇ…’

 ‘શું….?’

 આશાએ આતશે કરેલ વાત જીજ્ઞાને કરી અને પછી પોતાના મનની ઇચ્છા જણાવી.

 ‘હા તારી વાત સાચી છે. મારી બેલા પણ ઘણી વખત કહેતી હોય છે કે નાની ત્યાં એકલા રહે છે તો તેમને આપણે ત્યાં ન રાખી શકાય? હવે એને કેમ સમજાવું કે મમ્મી હા ભણે ત્યારે થાય ને?’

 ‘આ મારા પવન અને કવનને લઇને જ્યારે મમ્મીના ઘેર જાઉ છું ત્યારે એ બંને નાનીના ઘરેથી પાછા આવવા તૈયાર જ ક્યાં થાય છે…?’ આશાએ ભીની આંખે કહ્યું.

 વાત વાતમાં મમ્મીનું ઘર ક્યારે આવી ગયું તેની તેમને ખબર ન રહી. દરવાજે ઘંટી વગાડતા જ, ‘એ આવું છું…..’ એવો શીલાનો અવાજ સાંભળી બંને મલક્યા.

 ‘ઓહો…તે શું બંનેને આજે એકસાથે માની યાદ આવી? આવો આવો…’ બારણું ખોલતા શીલાએ કહ્યું અને પછી રસોડામાં પાણી લેવા જતી હતી ત્યાં તો જીજ્ઞાએ એનો હાથ પકડી સોફા પર બેસાડી. ત્યાં સુધી આશા પાણીના ત્રણ ગ્લાસ ભરી લાવી. પાણી પીને શીલાએ પોતાનો સવાલ દોહરાવ્યો.

 ‘મમ્મી, હવે તારે અહીં આવડા મોટા ઘરમાં એકલું નથી રહેવાનું..’ આશાએ શીલાનો હાથ પકડી કહ્યું

‘તો……?’

‘અહીં પપ્પા વગર હિજરાતી એકલી રહે છે તેના કરતા આ ઘરને તાળું મારી ચાર જોડી કપડા લઇ મારી સાથે ચાલ અને મારી સાથે રહેજે. પછી મારે ત્યાં કંટાળે ત્યારે જીજ્ઞા સાથે રહેજે’

‘પણ શું કામ…?’

‘આ તારા જમાઇએ ગઇ કાલે એક તારી જેમ એકલી રહેતી મહિલાનું ખૂન થઇ ગયાની વાત સાંભળી તો મારો જીવ પડીકે બંધાઇ ગયો છે…’આશાએ ભીની આંખે કહ્યું.

‘હવે એકાદનું આમ ખૂન થઇ જાય એટલે બધી એકલી રહેતીનું ખૂન થઇ જાય એવું થોડું જ છે…’ કહી શીલા હસી.

‘મમ્મી, તું આમ હસવામાં વાત ન કાઢી નાખ. અહીં તારી પાસે આવ્યા પછી મારા પવન અને કવન ક્યાં જલ્દી પાછા જવા તૈયાર થાય છે? તું એમની સાથે રહેશે તો કેટલા ખુશ થશે? એમના વાનરવેડા જોતાં તારી એકલતા ઓસરી જશે.’

‘મારી બીના પણ પુછતી હતી કે નાની ત્યાં એકલા જ રહે છે તો તે આપણી સાથે ન રહી શકે…?’

‘એ તો બાળકોનો પ્રેમ છે….’

‘પણ તને નથી, નહીંતર આમ ગલ્લાંતલ્લાં ન કરત…’

‘મને લાગે છે આજે તમે મને અહીંથી ઘસડી જવા જ આવ્યા છો…’કહી શીલાએ મોં કટાણું કર્યું.

‘જોયું…જોયું…આપણે એને પ્રેમથી આપણી સાથે લઇ જવા આવ્યા છીએ ને એની ભાષા જોઇ? મને ઘસડી જવા આવ્યા છો…’જીજ્ઞા એ રોષે ભરાઇને કહ્યું.

‘આશા મૂકને લમણાજીક. જો આપણા પ્રત્યે નહી પણ આપણા બાળકો પ્રત્યે પણ થોડી લાગણી હોત તો તરત જ હા પાડી દેત…

અન્ય શરત (૭) રેખા પટેલ “વિનોદિની”

મને લઈને અવારનવાર ચર્ચાઓ થતી હતી. બધાને ચિંતા હતી કે મારી એકલતા મને જીવન તરફથી દૂર લઇ જશે. પરંતુ મારું મન જાણતું હતું કે હું મારા અતીતની યાદો સાથે બહુ ખુશ હતી. બકુલ સાથેની ખુશીઓભરી જિંદગી આજે પણ મારી એકલતાને ભરીભરી રાખતી. ક્યારેક તો હું સવારમાં ચાના બે કપ બનાવી સામસામે મુકીને બેસતી. પેપર વાંચતા બંને કપ ગટગટાવી જતી.

મારી આ ટેવ એક વખત સામેના ફ્લેટમાં રહેતી રમીલા જોઈ ગઈ. એ સમજી કે હું ડીપ્રેશન તરફ ઘકેલાઉં છું. કારણ મારા અને  બકુલનાં સહજીવનની એ સાક્ષી હતી. વળી તે જાણતી હતી કે સવારમાં મને એક કપ ચાની ટેવ છે. રમીલા અને શાંતિભાઈને એક દીકરી હતી જે પરણીને વિદેશ સ્થાઈ થઈ ગઈ હતી. અમારી બન્ને દીકરીઓના લગ્ન પછી અમે પણ એકલા થઇ ગયા હતા. આથી અમારી એકલતા ભાંગવા અને જિંદગીને મસ્તીભરી રાખવા અમે બધા અઠવાડિયે એકાદ દિવસ સાથે ડીનર કરતા. ક્યારેક અમે જુહુની ચોપાટી ઉપર લટાર મારવા જતા કે પછી સિદ્ધિવિનાયકનાં મંદિરે દર્શન માટે જતા. તો વળી ક્યારેક અમસ્તા શોપિંગના બહાને બહાર નીકળી પડતા. આમ સારા પાડોશી તરીકે એકબીજાને કાયમ મદદરૂપ થવાનો પ્રયત્ન કરતા હતા.

બાળકો નાના હતા ત્યારે તેમની જવાબદારીઓ પૂરી કરવામાં અમારો મોટા ભાગનો સમય વીતી ગયો હતો. આને કારણે અડોશીપડોશી સાથે ઝાઝો સબંધ નહોતો રાખી શકાયો. પરંતુ હવે જવાબદારીઓ ઓછી થતા અમે અમારા માટે જીવવાનું શરૂ કર્યું હતું. પરંતુ કુદરતને આ ક્યાં મંજૂર હતું! અધવચ્ચે બકુલનો સાથ છૂટી ગયો અને સઘળું ગોઠવેલું ખોરવાઈ ગયું.

રમીલા મારા મનની સ્થિતિ જાણતી હતી એટલે મારી આ ટેવ તેને અજુગતી લાગી અને તેણે મારી ચિંતા થવા લાગી. એક વખત જિજ્ઞાસા મને મળવા આવી. બહાર રમીલા તેને મળી ગઈ અને વાતવાતમાં રમીલાએ મારી બે કપ ચાવાળી વાત તેને કહી દીધી. જિજ્ઞાસા ઘરમાં આવતાની સાથે કહેવા લાગી, ” બસ મમ્મી, બહુ થયું. હવે હું નથી ઈચ્છતી કે તમે અહી એકલા રહો. આજ શહેરમાં તમારા બીજા બે ઘર છે, બાળકો છે, પછી આવી એકલતા ગળે શુ કામ  વળગાડીને ફરો છો?”

“અરે જીજ્ઞા, આવ થોડીવાર શ્વાસ લે, પછી કહે કે અચાનક શું થયું કે તું આમ ચડે ઘોડે આવી છે?”

“મમ્મી. આ આજની વાત નથી. હું અને આશા તમને પપ્પા ગયા ત્યારથી કહી રહ્યા છીએ અમારી સાથે રહેવા આવી જાઓ પણ તમે માનતા નથી. શું અમે દીકરા નથી માટે તમે આમ કરો છો?” બોલતા જિજ્ઞાસાનું ગળું ભરાઈ ગયું.

એક માની જીદ અને હિંમત દીકરીના આંસુ સામે હારી ગઈ. છેવટે તેમની સાથે રહેવા જવાની મેં હામી ભરી. હવે હું મનમાં હસવા લાગી કે “ચાલો, ઈશ્વર ઘર બદલશે”. વધારાની ચીજવસ્તુઓ કબાટમાં ભરી, બકુલનાં ગમતા સાગની કોતરણી કરેલા ફર્નિચરની સાચવણી માટે મેં ચાદરથી ઢાંકી દીધાં. રસોડામાં પણ જરૂરી વસ્તુઓ રાખી બાકીનું દીકરીઓના ઘરે પહોચાડી દીઘું. આ બધામાં જિજ્ઞાસા અને આશા બંનેએ મોટાભાગનું કામ કરી મને ઘણી રાહત આપી હતી. હું વિચારતી કે દીકરાની ખોટ પૂરી કરે તેવી દીકરીઓ ભગવાને આપી છે અને જમાઈઓ પણ કેટલા સારા છે. મારી કેટલી ચિંતા છે તેમને. બકુલ નકામાં અમારા ઘડપણની ચિંતા કરતાં હતા.

મારા ફ્લેટને તાળું મારી વારાફરતી હું થોડો થોડો સમય બન્ને દીકરીઓને ત્યાં સમય વિતાવવા લાગી. મારા નાતીઓ સાથે રમવા કરવામાં અને તેમના અભ્યાસમાં મદદ કરવામાં મારો સમય ક્યાં વિતતો ગયો તે પણ ખબર ન રહેતી. પણ આપણું ઘર એ આપણું. જે સ્વતંત્રતા આપણા ઘરમાં ભોગવીએ તે અન્યને ત્યાં ક્યાથી? કહે છે ને કે कुछ पाने के लिए कुछ खोना पड़ता है! બસ એ સમજીને હું જીવન વિતાવતી રહી…

થોડો સમય તો આ બહુ સારું લાગ્યું. હું જતી ત્યારે દીકરીઓ સાથે જમાઈઓ પણ ખુશ થઇ જતા. મમ્મી મમ્મી કહેતા તેઓ થાકતાં નહી. વધારે ખુશી જિજ્ઞાસાના ઘરે જાઉં ત્યારે તેની સાત વર્ષની દીકરી બેલા અને ૧૧ વર્ષના દીકરા ચિંતનને થતી. તો આશાના ઘરે તેના બે જોડિયા દીકરા પવન અને કવનને થતી. પરાણે વ્હાલા લાગે તેવા બાળકો હતા. તેમને માટે તેમની ભાવતી ખાવાની વસ્તુઓ બનાવવામાં મારો સમય ક્યાંય પૂરો થઈ જતો. હું પણ ફરી જીવનમાં ગુંથાઈ ગઈ હતી.

પહેલાની વાત અલગ હતી. પરંતુ હવે થાક ચડતો હતો. છતાં બાળકોની ખુશીમાં મારી ખુશી માની હું બધું કરતી હતી. ઘીમે ધીમે દીકરીઓ જમાઈ સાથે બહાર વધારે અને વધારે વ્યસ્ત થતી ગઈ અને હું બાળકોમાં. હું ભણેલી હતી આથી હવે બાળકોને હોમવર્ક કરાવવાનું પણ મારે માથે આવી ગયું. કાંઈ નહિ, બાળકો પણ મારા જ છે ને, માની હું તેમના માટે પૂરતો સમય આપતી.

મારા હોવાથી દીકરીઓ અને જમાઈઓને રાહત રહેતી. તેમને લેટનાઈટ પાર્ટીમાં જવાની છૂટ રહેતી. તેઓ પણ મારા કારણે સ્વતંત્રતા ભોગવી શકતા. હા, અઠવાડિયે એકવાર અમે બઘા સાથે બહાર જતાં ત્યારે સહુ પહેલા મને પૂછતાં, ” મમ્મી, આજે ક્યા જવું છે? તમારે બહાર શું જમવું છે?”  મને આટલાથી સંતોષ થતો કે હજી મારું મહત્વ છે.

એક માને આનાથી વધુ શું જોઈએ કે બાળકો તેમનો ખ્યાલ રાખે, પ્રેમ આપે અને માન રાખે?

આ બધું થોડા દિવસ સારું લાગ્યું. પછી મારે જરૂરીઆત પ્રમાણે ઘર બદલવાનું થતું ગયું. ક્યારેક લાગ્યું હું મારું અસ્તિત્વ, મારું પોતાનું ઘર ખોઈ ચૂકી છું. મારું પોતાનું ક્યાંય નહોતું લાગતું. જે ઘરમાં હું મારી મરજી પ્રમાણે ચીજવસ્તુઓ ગોઠવતી, સજાવતી તે બધુ જ હવે હાથમાંથી ઝુંટવાઈ ગયું હતું. આ વાતનો અહેસાસ ત્યારે થયો જ્યારે એક દિવસ  જીજ્ઞાના ઘરે દીવાનખંડમાં એકની એક સજાવટને બદલવા માટે મેં થોડા ફેરફાર કર્યા. સાંજે જીગરકુમાર ઘરે આવ્યા. આવતાની સાથે આ બધું જોઈ બરાડ્યા, ” આ બધું કોણે બદલી નાખ્યું? બધાને ખબર છે મારું કોફી ટેબલ મને બારી પાસે પસંદ નથી. મને કહ્યા વગર આ બધું ફેરવવું નહિ.”

તેમને બૂમો મારતા જોઈ જીજ્ઞાસાએ નજીક જઈને કહ્યું કે શાંતિ રાખો મમ્મીએ બદલ્યું છે.

“તો મમ્મીને કહી દેજે તે કિચનમાં ફેરફાર કરે, બાકીનાં ઘરની ચિંતા ના કરે” તેમને હતુ કે મેં આ બધું નથી સાંભળ્યું પણ હું અંદરના રૂમમાંથી બહાર આવી રહી હતી અને ત્યાં જ આ સાંભળી ગઈ હતી. જેવી આવી હતી તેવી જ પાછી વળી ગઈ. બહુ લાગી આવ્યું. આજે મને બકુલ અને મારું ઘર બહુ યાદ આવ્યાં. ઘણા દિવસે ગમતા ફેરફાર કરી હું ખુશ થઈ હતી. થાકી ગઈ હતી છતાંય જીગરકુમારને ભાવતા કોફતા કરી બનાવ્યા હતા. હું જ્યારે પણ કોઈને ભાવતું બનાવતી ત્યારે તેને ખાવાનો આનંદ ઉઠાવતાં જોવું મને બહુ ગમતું. પણ હવે મારી ભૂખ પણ મરી ગઈ હતી. મને ઠીક નથી લાગતું કહી એ દિવસે હું જમવાના ટેબલ ઉપર ના ગઇ.  છેવટે જિજ્ઞાસા દૂધનો ગ્લાસ લઇ રૂમમાં આવી એટલે પોતાનાની વચ્ચે હોવાનો અહેસાસ થયો હતો.

આમ જ દિવસો વિતતા ગયા. અહી બાળકોની વચમાં પણ હવે હું વઘારે એકલતા અનુભવતી હતી. કારણ હવે જીજ્ઞાના બાળકો મોટા થતા ગયા તેમ તેમ તેમનામાં વ્યસ્ત રહેતા ગયા. આજના બાળકોને વડીલોની વાર્તાઓ સાંભળવા કરતા વિડીયો ગેમ અને મિત્રો સાથે ફોન અને ચેટીંગમાં વધારે રસ પડતો હોય છે. આથી હલ્લો બા શું કરો છો? કે પછી બા, ભૂખ લાગી છે, શું બનાવ્યું છે? જેવા બે ચાર વાક્યો બોલી નાખતાં. બાકી તો રૂમમાં ભરાઈ જતા. જીજ્ઞા અને જીગરકુમાર પણ પોતાનામાં બીઝી રહેતા. છેવટે મેં આશાના ઘરે જવાનું નક્કી કર્યું, કારણ તેના જોડીયા દીકરાઓને હજુ પણ મારી જરૂર હતી.

અહી આવ્યાને માંડ વીસ દિવસ થયા ત્યાં તો ફોન આવ્યો. આતશકુમારના મમ્મી, પપ્પા અને બહેન થોડા સમય માટે અહી રહેવા આવે છે. આતશકુમાર તો બહુ ખુશ હતા કે ચાલો આ બહાને મમ્મી પપ્પા સાથે શાંતિથી થોડો સમય રહી શકાશે. પણ હું જાણતી હતી કે અહી હવે મને તકલીફ પડશે. આમ તો મને કોઈએ કઈ કહ્યું નહોતું પણ હું ના સમજુ એવી અબુધ પણ નહોતી. કારણ ત્રણ રૂમનો આ ફ્લેટ સાત જણ માટે સાંકડો હતો. બે ચાર દિવસની વાત હોય તો સમજ્યા, પણ મહિના માટે બધાને તકલીફ રહેવાની.

આથી બહુ વિચાર કરી એ સાંજે મેં આશા અને આતશકુમારને મનની વાત જણાવી, “તમને લોકોને વાંધો ના હોય તો હું થોડા દિવસ મારા ઘરે પાછી રહેવા જાઉં જેથી તમારા મમ્મી પપ્પાને પણ રહેવા સગવડ રહેશે. મારું મન પણ ત્યાં જવા અધીરું બની ગયું છે. મને ઘરની બહુ યાદ આવે છે. ઘરને બહુ લાંબો સમય હવડ રાખવું પણ સારું નહિ.”

તેઓ સમજી ગયા હતા કે હાલ પૂરતો આજ સારો રસ્તો છે. એથી બંનેએ મારી વાતને સહર્ષ વધાવી લીધી. આશા અને આતશકુમારે મારી ત્યાં રહેવાની વ્યવસ્થા કરાવી દીધી. જરૂરી અનાજપાણી, શાક અને દૂધ ભરીને હું ત્યાં રહેવા ચાલી ગઈ. એ રાતે રમીલા અને શાંતિભાઈએ મને રસોડું ખોલવા ના દીધું. પણ હવે ઉમરના કારણે થાક લાગતો હતો. બધું એક જ દિવસમાં ગોઠવી દેવાની હિંમત રહી નહોતી. સવારની ચા માટે પણ ત્યાં જ આવવા કહ્યું અને હું પણ તેમના પ્રેમને નકારી ના શકી. આથી આભાર વ્યક્ત કરી સવારે આવીશ અને જય શ્રીકૃષ્ણ કહી હું મારા પોતાના ઘરે આવી.

એ રાત્રે મને લાગ્યું બકુલ મારી પાસે જ છે, સાવ અડોઅડ. જાણે કહેતા હતા કે શીલા તું નકામી એકલતા અનુભવે છે. હું તો સદાય તારી સાથે તારા મસ્તિષ્કવનમાં છું અને આપણા બાળકો પણ તારી આજુબાજુ વર્તુળ બનીને ગોઠવાઈ ગયેલા છે. બસ તારે કોને કેવી રીતે રાખવા અને માનવા એ તારે નક્કી કરવાનું છે પરંતુ ભોળવાઈ ના જતી.” હું મનોમન હસી પડી અને શાંતિથી સુઈ ગઈ.

સવારે આંખ ખુલી ત્યારે સામે જ બકુલનો હસતો ચહેરો અને બાજુમાં શ્રીનાથજીની છબી મને સત્કારતા હતા. ત્યાંજ ડોરબેલ વાગ્યો. હું સમજી ગઈ કે ઉઠવામાં મોડું થયું છે એટલે રમીલા બોલાવવા આવી હશે.

ચાલો જેટલી મઝા લેવાય એટલી લઇ લઉં. બાકી ફરી બાળકોની જીદ સામે ઝૂકી જઈ  ગમે ત્યારે ત્યાં જવાનું થવાનું જ છે ને?

અન્ય શરત (૮) રશ્મિ જાગીરદાર

ચિંતન :-” નાની, પ્લીઝ મને આ જોમેટ્રીનો સમ સમજાવો છો?

મેં કહ્યું,” હા ચિંતન, પાંચ મિનિટ, મને કિચનમાં થોડી વાર લાગશે. ચાલશેને?”

ચિંતન:-” ના ના, નાની, હમણાં જ આવો, આ સબ્જેક્ટ પતાવીને મારે બીજું હોમવર્ક પણ છે, પ્લીઝ!”

અને તરત જ હાથ ધોઈને હું હરખભેર ચિંતન પાસે પહોંચી. બંને દીકરીઓ સાથે રહેવાનું ચાલુ કરતાં મને ઘણું વસમું લાગેલું. પણ મારી વ્હાલી દીકરીઓ અને તેઓનાસંતાનોને મદદરૂપ થવાનું, હવે મને ગમવા લાગેલું. તેમાંય બાળકોને અભ્યાસમાં મદદ કરવી એ જાણે મારી ગમતી પ્રવૃત્તિ બની ગઈ હતી, એટલે ઝડપથી ચિંતન પાસે પહોંચી, તેને ભૂમિતિના કોરસપોન્ડીંગ એન્ગલ્સવાળા ચેપ્ટરમાં, કોન્સેપ્ટ ક્લીયર નહોતો થતો. જયારે બાળક જ્ઞાન લેવા ઉત્સુક હોય ત્યારે તે જ સમયે સાથે બેસીને ના સમજાવીએ અને આપણું કામ પૂરું કરવાની લાહ્યમાં તેને રાહ જોવડાવીએ.તો પછી જયારે આપણને સમય હોય ત્યારે તેનો મૂડ ન હોય તેવું પણ બને અને વાત બનતાં પહેલાં બગડી જાય. મારી દીકરીઓને પણ હું પોતે જ અભ્યાસમાં મદદ કરતી અને એ અનુભવ પરથી જ આવાં ઘણાં સત્યો મને લાધ્યાં હતાં. ચિંતનને પહેલાં એન્ગલ વિષે બધું સમજાવ્યું એટલે મને કહે, ” નાની હવે મને સમજ પડી ગઈ, નાવ આઈ કેન ડુબાઈ માય સેલ્ફ, થેંક યું સો મચ, તમે શીખવાડો એટલે આવડી જ જાય.”

મારે પોતાને બે દીકરીઓ જ હતી, પણ ચિંતન એટલો લાગણીવાળો હતો કે મને તે પોતાના દીકરા જેવો જ લાગતો. વચ્ચે વચ્ચે  હું મારા ફ્લેટ પર પણ રહેવા જતી, જેથી બેત્રણ મહીને થોડી સાફસફાઈ થઇ જાય, પડોશીઓ સાથે વર્ષોથી આત્મીયતા બંધાયેલી હતી એટલે બધાને મળવાનું મન પણ થઇ જતું. સોસાયટીમાં પણ બધા બે ત્રણ મહિના થાય એટલે મારી આવવાની રાહ જોતાં. એક જ જગ્યાએ રહીને કંટાળું તે પહેલાં હું એક દીકરીના ઘરેથી બીજી દીકરીના ઘરે ને પછી મારા પોતાના ફ્લેટ પર રહેવા જઈ  શકતી હતી. એક જ બંધિયાર જગ્યામાં બંધાઈ રહેવાને બદલે આમ પોતાનાં જ ગણાય તેવા ત્રણેય ઘરોમાં રહેવાની સ્વતંત્રતા મને ગમી ગઈ હતી. બકુલની ગેરહાજરી હજી મારે માટે ખુબ દુઃખભરી હતી, પરંતુ એના સિવાય જેટલું સુખમાં રહી શકાય તેટલું સુખ હું ભોગવી રહી છું એવા સંતોષથી હું ખુશ રહી જીવી લેતી હતી.

મારી મોટી દીકરી જીજ્ઞાસાની દીકરી બેલા, સાક્ષાત કોઈ દેવીનો અવતાર હોય તેવી સુંદર હતી. બેલાનો અર્થ ચંપાનું ફૂલ થાય. તે અમારી દીકરી સાચેજ ચંપાવર્ણની હતી. ગોરા મોં  પર લીલાશ પડતી ભૂરી આંખો, રાણી-ગુલાબી રંગનાં હોઠ, નમણું રૂપાળું નાક અને આછા સોનેરી વાળ! આટલા બધા રૂપ-વૈભવથી શોભતી દીકરી બેલા સાથે આખો દિવસ રહેવું એ એક લ્હાવો બની જતો, તેની પ્રત્યેક ગતિવિધિ નિહાળવી મને ખુબ ગમતી. એને જોઇને મને મારી દીકરીઓ જીજ્ઞાસા અને આશાનું બાળપણ યાદ આવી જતું. તેઓ પણ રંગે રૂડી અને રૂપે પૂરી એવી ખુબ સુંદર બાળકીઓ હતી. આજુબાજુ સૌ મારી દીકરીઓને રમાડવા આવતાં. મારે કોઈ કારણસર કોઈ પણ દીકરીને દસ પંદર મિનટ માટે કોઈને સોંપીને જવું હોય તો ખુશીથી પડોશીઓ રાખતાં અને જયારે પાછી આવું ત્યારે કહેતા, “શીલાબેન, તમારી દીકરીઓ પણ તમારા જેવી જ રૂપાળી છે.”

કોઈ એક રાતે મેં બકુલને કહેલું, ” બકુલ, બધા પડોશીઓ કહે છે કે, મારી દીકરીઓ મારા જેવીજ રૂપાળી છે, પણ હજી સુધી તમે તો ક્યારેય કહ્યું નથી કે તું રૂપાળી છે?” મને યાદ આવી ગયું, ત્યારે બકુલે કહેલું, “જે વાત હું જાણું છું ને તું પણ જાણે છે એને કહેવાની શી જરૂર?”

હું જીજ્ઞાસાને ત્યાં હોઉં ત્યારે મારી નાની દીકરી આશા ઘણીવાર મને મળવા આવતી અને આશાને ત્યાં હોઉં ત્યારે જીજ્ઞાસા પણ મળવા આવતી. આમ વારંવાર બધા બાળકો અને બંને જમાઈઓ ભેગા થઇ આનંદ કિલ્લોલ કરતાં અને હું તેની સાક્ષી બનીને ખુશ થતી. આવા જ એક દિવસે આશા અને નાના જમાઈ આતશ અને તેમના બંને બાળકો પવન અને કવન, ખાસ તો મને મળવા, જિજ્ઞાસાને ત્યાં આવેલા. બંને જમાઈઓ, જીગર અને આતશ વચ્ચે પણ સારી મિત્રતા. બંનેને એકબીજાની કંપની ગમતી. ભેગા થાય ત્યારે બધા મોડી રાત સુધી બેસતા અને આનંદ કરતાં. બધા બાળકો પણ સાથે રમતા. બંને બહેનો ભેગી થાય ત્યારે તેમની વાતો ખૂટતી જ નહિ. આવો બધાની વચ્ચેનો મનમેળ જોઈ મને સંતોષ થતો.

તે દિવસે પણ આશા આવેલી ને બધા મોડા સુધી બેઠા હતા. પછી બધા જવા માટે નીકળ્યા ત્યારે બધાની સાથે હું પણ ઓટલા સુધી મુકવા આવી. તેઓ ગાડીમાં બેઠા ત્યારે પાસે જવા માટે  ઓટલા પરથી ઉતારવા ગઈ ત્યાંરે જ, પગથિયુ ચૂકી કે પછી ચક્કર આવ્યા, પણ હું પડી ગઈ. પડ્યા પછી મારાથી ઉભું જ ના થવાયું, જીજ્ઞાસાએ પ્રયત્ન કર્યો પણ મારાથી મારું વજન જ ના ઉપાડાયું. આશા અને આતશ પણ ગાડીમાંથી ઉતરીને આવ્યા. પરાણે  બધાએ ભેગા થઈને મને ઉઠાડીને મારી રૂમમાં સુવાડી. પણ મને સહેજ પણ ચેન નહોતું પડતું, દુઃખાવો સહન કરાય તેમ નહોતું,  એટલે તરત જ મને હોસ્પિટલ લઇ જવા માટે  એમ્બ્યુલન્સ  બોલાવવી પડી. જેનો ભય હતો તે જ થયું, આ ઉમરે હાડકા બરડ થઇ જાય એટલે તૂટે વહેલા! મારા ડાબા પગમાં મલ્ટીપલ ફ્રેકચર હતું. ઓપરેશન કરવું પડે તેમ હતું પણ બીક અને ચિંતાને કારણે મારું પ્રેશર વધી ગયેલું. હૃદયના ધબકારા પણ નોર્મલ નહોતા. એટલે દવા અને ઇન્જેકશનોના મારાથી બધું નોર્મલ થાય પછી જ ઓપરેશન કરવાનું નક્કી થયું. હું રીતસર ગભરાઈ ગઈ હતી કે હવે શું થશે? મનમાં ઘેરી ચિંતા અને મગજ પર તાણ, તબિયત સુધરવાને બદલે વધુ બગડતી ગઈ. ફ્રેકચરને લીધે થતાં દર્દનો મારો, એ સમય ખુબ ખરાબ રીતે પસાર થયો. કાળ જેવું લાગતું. ઓપરેશન આખરે થયું! ડોક્ટર સાથે થતી વાતોમાં ખબર પડી કે આ ઓપરેશન થોડું સરખું થાય પછી કદાચ બીજું ઓપરેશન પણ કરવું પડે. પથારીમાં પડીને આવું બધું સંભાળવું કેટલું કઠીન હોય છે! મને થતું કાશ બકુલ મારી સાથે હોત તો? તેની પાસે કેટલું બધું રડવું’તું મારે!  મેં વિચાર્યું, આ સ્થિતિમાં હવે એક જ કામ કરી શકાય`~ભગવાન ને દિલથી પ્રાર્થના. બધું મનમાંથી હડસેલા મારીને દૂર કરતી ગઈ અને સાચા મનથી પ્રાર્થનામાં જીવ પરોવ્યો. ઉપરાંત બકુલ કહેતા તે મને એ પણ યાદ આવ્યું. “હંમેશા પોઝીટીવ વિચારવું, અને તમે જે ઘટના ઈચ્છતા હો તેનું નાનું વાક્ય બનાવી ૨૧ વાર બોલવું,  જ્યાં સુધી ઘટના સાકાર ના થાય.”  મેં એક વાક્ય બનાવ્યું – બીજું ઓપરેશન ના કરાવવું પડ્યું અને મને બધું મટી ગયું છે. ભગવાને પણ જાણે મારી સામે જોયું અને હું બીજા ઓપરેશનની પળોજણમાંથી બચી ગઈ! પણ હજુ વીસેક દિવસ તો બેઠા પણ થવાની રજા નહોતી આપી. અને ત્યાર પછી પણ ચાલવાનું તો મહિના સુધી શક્ય નહિ જ બને. પથારીમાં પડ્યા પડ્યા આવો બેહદ કારમો કાળ કેવી રીતે વીતશે? તેની ફિકરમાં હું ગરકાવ રહેતી, પરિણામે તબિયત બગડતી જતી હતી.

મારી સોસાયટીમાંથી લગભગ બધાં જ વારાફરતી મારી ખબર કાઢવા આવી ગયા. મારી અને મારા પગની હાલત એવી હતી કે વહેલી રજા આપે તે શક્ય નહોતું. પણ જયારે ૨૦ દિવસ પછી, વધુ બે ત્રણ દિવસ પસાર થયા છતાં ઘરે જવા ના મળ્યું ત્યારે મને ચિંતા થઇ!  વળી પાછું કોઈ કોમ્પ્લીકેશન થયું હશે કે શું? એ જ દિવસે મારી ખાસ સખી મિત્રા મને મળવા આવી. તે મને જોઇને રડવા લાગી. મારે સામેથી એને દિલાસો આપવા જેવું થયું. મને નવાઈ લાગી કે આમ રડવાનું કારણ શું હશે? જો કે, ખાસ્સા વર્ષો પછી અમે મળ્યા હતા, એટલે રડવાનું કારણ કલ્પી શકું તેમ નહોતું. પણ પછી જતા પહેલાં તેણે જે કહ્યું તે સાંભળી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ!

હું અને મિત્રા બાળપણની સખીઓ, તે ધનિક માતાપિતાનું એક માત્ર સંતાન હતી, લગ્ન પણ એવાજ ખાનદાનમાં થયેલા. એને દીકરી હોય એવા ઊંડા અભરખા હતા. પણ ભગવાને એને એક જ દીકરો દીધો. દીકરી માટે એણે  રીતસર વલખાં માર્યા, પણ કહેવાય છે ને કે, જન્મ, પરણ અને મરણ એટલું પ્રભુએ પોતાના હાથમાં રાખ્યું છે. લગ્ન પછી પણ અમે એક જ ગામમાં હતાં એટલે એ મારી દીકરીઓ, આશા-જિજ્ઞાસાને રમાડવા ને પાછળથી મળવા આવતી રહેતી. પણ પછી છેલ્લા ઘણાં સમયથી  કોઈ સંપર્ક રહ્યો નહોતો. તે જયારે નીકળતી હતી ત્યારે મેં પૂછ્યું, ” હવે તું ક્યાં રહે છે? તારો નંબર તો આપ.”

મિત્રા,:” લે મારો નંબર, ઓફિસનો છે તું મારું નામ કહેશે એટલે મને બોલાવશે.”

મેં કહ્યું, ” ઓફીસ? શાની ઓફીસ?”

મિત્રા, “વૃદ્ધાશ્રમની.”

મારા મોઢેથી પ્રશ્ન રૂપે એક ચીસ નીકળી, “શું……?”

મિત્રા:-“હા હવે હું વૃદ્ધાશ્રમમા રહું છું. મારા ગીરીશે (પુત્ર) મને છેતરીને મારી પોતાની તેમ જ મારા પિતાની બધી જ મિલકતનાં કાગળિયા પર મને ભોળવીને સહી કરાવી લીધી અને પછી મને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો. મને ખબર જ હતી પુત્ર પરણે ત્યા સુધી જ આપણો, જયારે દીકરી તો સાસરે જાય પછી પણ આપણી, એટલે જ મારે દીકરી જોઈતી હતી.તું કેટલી નસીબદાર કે તારે બે-બે દીકરીઓ છે, કેટલું સાચવે છે તને!”

મિત્રા ગઈ પછી તેને માટે મને ઘણું દુઃખ થયું પણ બે-બે દીકરીઓને પામી હું મારી જાતને ધન્ય માનવા લાગી. પણ મને ક્યાં ખબર હતી કે, પ્રભુની લાઠીનો પ્રહાર હજી પણ મારા પર વધુ ક્રુરતાથી પડવાનો છે! પ્રભુની લાઠીનો પ્રહાર હજી પૂરો નથી થયો. હવે પછીનો પ્રહાર જાણશો ત્યારે તમે પણ અચંબામાં પડી જશો અને કહેશો કે વાહ પ્રભુ, તારી લીલા અકળ અને ન્યારી છે.

મિત્રા ગઈ પછી મારા માટે ટીફીન લઈને આવેલી આશાને મેં કહ્યું,-” બેટા, મને ઘરે ક્યારે લઇ જશો? કંઈ કહ્યું ડોકટરે?”

આશા, “ના, મને કંઈ ખબર નથી. દીદી જાણે. ”

સાંજે ડીનર લઈને આવેલી જિજ્ઞાસાને મેં પૂછ્યું :-” ક્યારે રજા આપશે? ડોક્ટર શું કહે છે?”

જીજ્ઞાસા:-“ના મારે કંઈ વાત નથી થઇ. આજે પૂછીશ.”

બીજે દિવસે સવારે ડોક્ટર રાઉન્ડમાં આવ્યા ત્યારે મેં તેમને જ પુછ્યું:-” સાહેબ મને ખુબ કંટાળો આવે છે મને ક્યારે રજા આપશો?”

“હા, હવે તમે બેસી શકો છો, ઉભા થઇ ને ડગલાં ભરી શકો છો, એટલે હવે ઘરે જવાની રજા. ફીઝીઓથેરાપી માટે પણ મેં વાત કરી છે તમારી દીકરી સાથે. તમને તો ગઈ કાલે  સવારે જ રજા આપી દેવાની વાત થઇ હતી, પણ તમારા ઘરમાં અનુકુળતા નથી એટલે એ લોકો ના લઇ ગયાં.”

તે દિવસે રાત્રે કોઈ સુવા જ ના આવ્યું. મને ચિંતા થઇ, “શું થયું હશે? મને ઘરે પણ ના લઇ ગયાં અને સુવા પણ ના આવી શક્યા, નક્કી મારી દીકરીઓ કોઈ મુસીબતમાં છે.”

આખી રાત મને ઊંઘ ના આવી. દીકરીઓની ચિંતા કરતી રહી. સવારે મોટા જમાઈ જીગર આવ્યા ત્યારે મેં કહ્યું, “જીગરકુમાર, ડોકટરે કહ્યું કે ઘરે જવાની રજા, તો આજ સુધી મને રજા કેમ નહોતા આપતા? અહીના ડોક્ટર તો તમારા દોસ્ત છે તેમ છતાં તમે આ માટે કઈ વાત ણ કરી? શું આપણા ઘરે કંઈ થયું છે?”

ડોક્ટર જીગર:-” મમ્મીજી, જીજ્ઞાસા આવે જ છે એ આવે એટલે વાત કરીએ પણ મને લાગે છે કે  તમારે આશાના ઘરે જવું છે પણ તે ના પડે છે હમણાં મને નહિ ફાવે તેમ કહે છે.”

થોડીવારમાં જીજ્ઞાસા આવી એટલે મેં તેને પૂછ્યું. તો તેણે  પણ એવો જ જવાબ આપ્યો કે, આશા લઇ જવાની ના પાડે છે.

મેં કહ્યું, ” એને કંઈ તકલીફ હોય તો વાંધો નહિ બેટા જીજ્ઞા, હું તારા ઘરે આવું અને હું ગમે ત્યાં હોઉં શું ફેર પડે છે? તમે લોકો તો એકબીજાના ઘરે આવીને મને મળતા જ રહો છો ને?”

જીજ્ઞાસા, ” હા મમ્મી, કાલે બપોરે આશા, આતશકુમાર અને અમે બંને અહીં આવીશું ને તમારું શું કરવું તે નક્કી કરીશું. હમણાં અમે જઈએ.”

હું કંઈ સરખું સમજું તે પહેલાં જ બંને નીકળી ગયાં. મને થયું મારી દીકરીઓ ચોક્કસ કોઈ મોટી આફત સામે ઝઝૂમી રહી છે. પથારીમાં  પડીને ચિંતા કર્યા  સિવાય બીજું હું કરી પણ શું શકવાની હતી! હું બીજા દિવસની બપોર પડે તેની રાહ જોતી પડી રહી. બીજે દિવસે લગભગ એક વાગે દરવાજો ખુલ્યો પણ ઘરનું કોઈ નહિ. હોસ્પિટલનો વોર્ડ બોય જમવાની થાળી લઈને ઉભો હતો. મેં કહ્યું :-“ભાઈ કેમ આમ? મારું ખાવાનું તો ઘરેથી આવે છે.”

હા જી, પણ બેને કાલે કહેલું કે આજે તમારું ખાવાનું અહીંથી આપવાનું છે.”

એની વાત સાંભળીને મને વધુ ચિંતા થઇ, મારી દીકરીઓ મને કંઈ કહેતી નથી પણ નક્કી મુસીબતમાં જ છે. નહિ તો મારું ખાવાનું ના લાવે તેવું બને કદી? ખાધા પછી અને દવાઓની અસરને કારણે મને બપોરે ઊંઘ આવી જતી, પણ આજે ઘેરી ચિંતા અને ફફડાટ થતો હતો. ઊંઘવાનું તો ઠીક પથારીમાં પડી રહેવું પણ અઘરું હતું. છેવટે સાડાચારે આશા-જીજ્ઞા બંને આવ્યાં. સાથે બન્ને જમાઈઓ પણ હતા.

મેં કહ્યું “ચાલો, બધો સમાન ભેગો કરો, આપણે  નીકળીએ.”

જીજ્ઞાસા:-” આશા ઉઠ, મમ્મી હવે કંટાળી છે, તારા ઘરે લઇ જા.”

આશા – ” અરે મેં કહ્યુંને હમણા મને નહિ ફાવે, તું તારા ઘરે લઇ જા.”

જીગર-“અમે તો ક્યારનું કહ્યું છે કે મમ્મી પથારીવશ રહેવાના એટલે તેમનું બધું કામ બીજાએ કરવાનું, પોતે તો ઉઠીને બાથરૂમ પણ મહિના સુધી નહિ જઈ  શકે. છોકરાઓ  સાથે જીજ્ઞાસાને એ બધું ક્યાંથી ફાવે?”

આતશ -” હા, પણ એ જ પ્રોબ્લેમ અમને પણ નડેને?

હું ડઘાઈ ગઈ. ઓહ, તો આ મુસીબત હતી?

મેં કહ્યું- “હું પૈસા ખર્ચીશ. અહીંથી એક નર્સની વ્યવસ્થા કરવાનું ડોક્ટરને કહી દઈએ. પછી તો વાંધો નથી ને?”

જીજ્ઞાસા:-“હા, નર્સ તો દિવસે રહે, પણ રાતે કોણ જાગશે તમારે માટે? અને રાત માટે નર્સ રાખીએ તો કેટલા બધા પૈસા થાય!”

“તમે લોકો અત્યારે ઘરે જાઓ. નર્સ માટે વાત કરવી પડશે એટલે આજે મેળ નહિ પડે.”

મને પણ થયું કદાચ બધું લાંબુ ચાલે તો પૈસા પણ જાળવીને વાપરવા પડશે. હવે મને મારી જ દયા આવવા લાગી. જાણે હું બકુલના જવાથી નહિ પણ દીકરી-જમાઈના આવા વર્તનથી આજે નોંધારી થઇ  છું. મારી સ્થિતિ એવી હતી કે મારા ઘરે એકલી રહી શકાય તેમ નહોતું. દીકરીઓ મારું કરવું પડે તે માટે લઇ જવાની ના પાડતી હતી! આખી જિંદગી એક ખુદ્દાર તરીકે જીવનાર હું, અસહાય બની હતી. મને પોક મુકીને રડવાનું મન થયું. આખરે રડવા માટે પણ કોઈનો ખભો જોઈએને! .. એકાએક મને મારી સખી મિત્રા  યાદ આવી. મારી પાસે તેનો નંબર હતો. મેં એક નર્સ પાસે મિત્રાને ફોન કરાવ્યો. તેને મેં પૂછ્યું “શું આજે રાત્રે તું મારી પાસે હોસ્પિટલમાં રહી શકશે?”

તેણે  તરત જ જવાબ આપ્યો, “શીલા, તું મને આવું કેમ પૂછે છે? શું આપણે  મળી નથી શકતાં એટલે પારકા થઇ ગયા? તું ફોન મુક, હું વીસ મિનિટમાં પહોંચું છું.”  અને સાચે જ વીસ મિનિટ પૂરી થાય તે પહેલા મિત્રા મારી સામે હતી! એને જોતાં જ પરાણે રોકી રાખેલાં મારા આંસુ, નળ બનીને અને ધ્રુસકાધોધ બનીને વહેવા લાગ્યાં. મિત્રા ગભરાઈ ગઈ કે શું બન્યું હશે, જેને કારણે હું આટલું બધું રડી રહી છું. તેણે થોડીવાર મને મન મુકીને રડવા દીધી.

થોડી વારે મારું મન હળવું થયું. હું શાંત થઇ. ત્યારે મિત્રા કહે:-” હું જાણું છું શીલા એક તો તારી પાસેથી બકુલને લઈને ભગવાને તને મોટો ઘા  આપ્યો અને હવે ઉપરથી આ ફ્રેકચર કરીને  અને પથારી પકડાવીને અસહાય બનાવીને બીજો એથી ય મોટો પ્રહાર કર્યો. ભગવાન આટલો ક્રૂર કેમ બનતો હશે શીલા?”

“ના મિત્રા ના, તું જેને  મોટો પ્રહાર સમજે છે, એનાથી પણ મોટો પ્રહાર મારા પર ઝીંકાયો છે. મારી બંને દીકરીઓ જે મને પ્રાણથી પણ પ્યારી છે, તેઓ, હું પથારીવશ છું માટે હવે મારું કરવું પડશે તે કારણથી મને પોતાના ઘરે લઇ જવા રાજી નથી. એકબીજા પર જવાબદારી ઢોળવા માંગે છે..શું મેં આવા સંસ્કાર આપ્યા હતા? મારી દીકરીઓનું વર્તન, મારા ઉછેર પર, મારાસંસ્કાર પર સવાલ ઉઠાવે છે! શું આનાથી મોટો કારમો ઘા કોઈ કાળે હોઈ શકે?”  અને હું ફરીથી ધ્રુસકે ચઢી. પરિસ્થિતિ કાબુ બહાર લાગતી હતી  ત્યારે જ મારી સખી મિત્રાએ મને અને મારી દીકરીઓને સ્વીકાર્ય હોય તેવો માર્ગ બતાવ્યો. તેણે  બીજે દિવસે મારી બંને દીકરીઓને સમજાવ્યું  કે, શીલા પથારી વશ છે ત્યાંસુધી હું તેની સાથે રહીશ અને એક નર્સ પણ રાખીશું. બધું જ અમે કરી લઈશું, તમે વારાફરતી તમારા ઘરે રાખજો. તે ફરતી ના થાય ત્યાં સુધીની જવાબદારી હું લઉં છું. બીજું, તેની પાસે પૈસા છે એટલે  એનો પોતાનો, મારો અને નર્સનો ખર્ચો તે જ ઉપાડશે. તમે બબ્બે દીકરીઓ હોવા છતાં એને મારી જેમ વૃદ્ધાશ્રમમાં રાખો તો સારું નહિ લાગે.” આમ વાત પતી ગઈ. હું પહેલાં આશાને ત્યાં અને પછી જિજ્ઞાસાને ત્યાં રહી અને એ જ રીતે બધું થાળે પડવા માડ્યું..

અન્ય શરત (૯) રશ્મિ જાગીરદાર

મિત્રા મારી ખાસ અને પ્રિય સખી તો હતી જ પણ આજે મને તે દેવદૂત જેવી લાગી રહી હતી. હોસ્પિટલમાં આટલા બધા દિવસ રહેવાથી હું ખુબ જ કંટાળી ગઈ હતી. ઘરે જવાની જાણે તાલાવેલી હતી અને એક નહિ તો બીજા કારણે ઘરે જવાની વાત ઠેલાતી જતી હતી. મારા પોતાનાં શારીરિક દુઃખથી તંગ આવી ગયેલી અને હોસ્પિટલના વાતાવરણથી ત્રાસી ગયેલી એવી મને મિત્રાએ  આવીને જાણે ઉગારી લીધી હતી. મારા પગના ઓપરેશનને લીધે હજી જાતે ઉભા થવાનું કે એક ડગલું પણ ચાલવાનું શક્ય નહોતું. મારે આશાના ઘરે જવાનું હતું પણ તેની ગાડીમાં બેસી શકાય તેમ નહોતું. એમ્બ્યુલન્સમાં જ જવું પડ્યું. મિત્રા મારી સાથે હતી. આશા તેની ગાડીમાં આગળ ગઈ કારણ તેણે મારા માટે રૂમ પણ તૈયાર કરવાની હતી.

આશાના  ઘરે એમ્બ્યુલન્સ પહોંચી ત્યારે  તેના અવાજથી આજુબાજુના પડોશી બહાર આવી ગયા. હું ત્યાં અવારનવાર રહેતી એટલે બધા સાથે સારી એવી ઓળખાણ હતી. તેઓએ વારાફરતી મારી ખબર પૂછી અને તબિયત સાચવવાની ભલામણ કરી. તેઓની લાગણીભરી વાતચીતથી મને ઘણું સારું લાગ્યું. ઘરની અંદર જવામાં ખાસ્સી તકલીફ પડી. બંને જમાઈઓ અને આશા- જીજ્ઞા, ચારેય જણ મને મદદ કરતાં હતાં. મારી રૂમ પણ છેક પાછળની બાજુ હતી. આખો ડ્રોઈંગરૂમ પસાર કરવાનો મને હિમાલય આરોહણ કરવા જેવું મુશ્કેલ લાગ્યું. જેમતેમ પથારી ભેગી થઇ ત્યારે બેસવાના હોશ નહોતા. હું તરત જ પથારીમાં ઢળી પડી, ત્યારે જાણે થોડી હાશ થઇ. મારા ભાણાઓ કવન અને પવન બંને હું એમ્બ્યુલન્સમાંથી ઉતરી ત્યારના મારી સામે જોતા જોતા મારી પાછળ ચાલતા હતા. એ બાબત જોયેલી ખરી પણ તેનો ખ્યાલ મને થોડી રાહત થઇ પછી આવ્યો. મેં તેમને મારી નજીક બોલાવ્યા. ઘણા દિવસો પછી મન ભરીને તેમને જોયા.

કવન કહે, “નાનીમા, હવે તમને કેમ છે?”  હજી હું તેને જવાબ આપું તે પહેલાં પવન કહે, “તમે હવે હોસ્પિટલમાં ના જતા, પ્લીઝ. અમારું હોમવર્ક તમે હો તો જલદી પતી જાય ને ઘણો બધો ટાઈમ રમવા મળે.”

મેં બંનેને માથે વહાલથી હાથ ફેરવ્યો અને કહ્યું, “તમે મારા માટે પ્રાર્થના કરજો એટલે મારે હોસ્પિટલ ના જવું પડે અને જલ્દી સારું પણ થઇ જાય.” ત્યારે બંને સાથે બોલ્યા, “નાનીમા, એ તો અમે રોજ કરીએ છીએ.”

નિર્દોષ મારા બાળકોની વાત સાંભળી મારું અડધું દુઃખ ઓછું થઇ ગયું. બે ત્રણ દિવસ તો એમ જ નીકળી ગયા. પછીના દિવસે આશા મારું જમવાનું લઇને આવી અને કહ્યું, ” મમ્મી આજથી ફિઝિયોથેરાપી માટે ડોક્ટર આવશે. તમને કેટલા વાગે ફાવશે?”

મેં કહ્યું, ” આજે તો સાંજે ચાર વાગે આવવાનું કહેજે, અથવા એમને અનુકુળ કોઈ પણ સમયે આવશે તો આજનો દિવસ વાંધો નહી. આજે આવે એટલે કહીશું કે સવારે દસ-અગિયાર  વાગે આવે તો સારું પડે. મારું નહાવાધોવાનું પતી જાય અને ભગવાનની પ્રાર્થના પણ થઇ ગઈ હોય એટલે પછી ફિઝિયોથેરાપીની કસરત કરવામાં ગમે તેટલો સમય લાગે તો ચિંતા નહિ.”

સાંજે ફિઝિયોથેરાપીસ્ટ યજ્ઞેશભાઈ આવ્યા. પહેલાં તો તેમણે મને ઊભી કરી અને કેટલો વખત જાતે ઊભી રહી શકું તે જોયું. પછી મને પકડીને ચાલવા માટે કહ્યું. એક પગ પર વજન લઈને ચાલવું કેવી રીતે શક્ય બનશે? તે ચિંતામાં હું ઊભી જ રહી ગઈ, પણ યજ્ઞેશભાઈએ હિંમત આપીને, પકડીને ડગલાં ભરાવવા માંડ્યા, શરૂઆતમાં ચાલવાનું ભૂલી ગઈ હોઉં  તેવું લાગ્યું, પણ પછી હિંમત આવી ગઈ. કસરત પતી ગઈ એટલે બીજા દિવસના સમયની વાત કરી. તેમને આ સમય અનુકૂળ હતો. ધીમે ધીમે બધું કામકાજ જાણે ટાઈમટેબલ પ્રમાણે ગોઠવાઈ ગયું. મારા સ્વભાવ પ્રમાણે ચુસ્ત રીતે એને વળગીને સમયસર ઊઠવાનું, નહાવાધોવાનું, સમયસર દવા લેવાની, કસરત કરવાની અને બપોરનો આરામ તેમ જ રાત્રે સમયસર ઊંઘી જવાનું, વગેરે તમામ બાબતે પૂરતી કાળજી રાખતી. હું હવે હમણાં તો બીજા પર આધારીત છું તે વાત કેમે કરી હું ભૂલી શકતી નહોતી, બલ્કે હું ભૂલવા માંગતી ન હતી. મારા લીધે કોઈને સહેજ પણ તકલીફ ન પડે તે માટે હું સંપૂર્ણ સજાગ રહેતી અને ખાસ તકેદારી પણ રાખતી. પછી ભલે ને ઘરના સભ્યો જ કેમ ન હોય?

આવા જ કોઈ ટાણે બકુલે મને કહેલું, “તું અમારા બધાને લીધે રોજ તકલીફ વેઠે છે, તો ક્યારેક અમે તારા લીધે કૈંક વેઠીએ તો શું વાંધો? તું કેમ અમને આટલા પારકા માને છે?” ત્યારે સૌને માટે ભરપૂર લાગણી અનુભવતા મને ગાંડી(!)ને  થયું’તું , શું કરું તો થોડીઘણી તકલીફ આપીને બકુલને રાજી કરી શકું! આવી ઉંધા પાનીયાની પાકેલી મને, આજે જ્યારે બધાને અઢળક તકલીફ આપી રહી છું ત્યારે કેવું લાગતું હશે! તે ય જ્યારે સામેથી તકલીફ માંગનારો -બકુલ-મારો બકુલ -મારી પાસે નથી, મારી સાથે નથી!

આશાના ઘરે આવ્યાને મને મહિનો થઇ ગયો. ‘હવે બધું સેટલ થઇ ગયું છે, મને બધું ફાવી ગયું છે,’ એવી લાગણી થતી હતી. ફિઝિયોથેરાપીને લીધે ધાર્યા કરતાં ઘણો ઝડપથી અને સારા પ્રમાણમાં ફેર પડી રહ્યો હતો. એને લીધે હું તથા ઘરનાં સૌ ખુશ હતાં. આ બધું જોઈ મિત્રા પણ રાજી હતી અને હવે મને તેની જરૂર નથી એમ કહી ફરી પાછી વૃધ્ધાશ્રમમાં જવા રજા માંગી. બહુ કહેવા છતાં તેણે તેનો નિર્ણય ન બદલ્યો. ભારે હૈયે મેં તેની વાત માની, પણ એક શરતે કે તે અવારનવાર રૂબરૂ કે ફોન દ્વારા વાત કરશે જેથી મારા મનને શાંતિ મળે.

એક દિવસ પવન અને કવન મારી પાસે બેસીને હોમવર્ક કરતા હતા. આશા મારા માટે બપોરની ચા અને નાસ્તો લઈને આવી. તેણે કહ્યું, “પવન-કવન, તમે જલ્દી હોમવર્ક કરી લો. સાંજે માસા-માસી આવવાનાં છે, યાદ છે ને? બધા ભાઈબેનોએ વધારે સમય રમવું હોય તો વહેલા પરવારી જાઓ.”

આશાની વાત સાંભળીને મને આનંદ થયો. સૌથી મોટા ભાણા ચિંતન પર મને વિશેષ લાગણી હતી, કારણકે તેના વખતે જીજ્ઞાની સુવાવડ અમારા ઘરે કરેલી અને તે વખતે જીજ્ઞાની તબિયત બરાબર નહોતી રહેતી એટલે ચિરાગ બે અઢી મહિનાનો મારા હાથમાં જ થયેલો. રૂપકડી બેલાને જોવાનું પણ એટલું જ મન હતું. તેને જોતાં જ થાક અને કંટાળો જાણે ભાગી જતાં.

હું બપોરે જમ્યા પછી ઊંઘીને આરામ કરતી. હું ઊઠું તે પહેલાં જ  જીજ્ઞા આવી ગઈ હતી. ચારેય બાળકોનાં કિલકિલાટથી જ હું જાગી. અમે બધાએ સાથે ચા નાસ્તો કર્યા અને વાતો કરતાં બેઠા. બંને જમાઈઓ ટીવીમાં મેચ જોવામાં મશગુલ હતા. એટલામાં આતશકુમારનો અવાજ આવ્યો, “આશા, અમને તો મેચ જોતાં જોતાં ભૂખ લાગી ગઈ. કંઈ નાસ્તા જેવું લાવો તો સારું.” આશા હજી એ વાતનો જવાબ આપે તે પહેલાં જીગરકુમાર કહે, “સાળી સાહેબા, સાંજે શું જમાડવાના ડીનરમાં? જો કંઈ ચટાકેદાર હોય તો હમણાં નાસ્તો કરીને ભૂખ ના બગાડીએ.”

આશા: “આજે તો મસાલા ઢોંસા છે, સાથે ચટાકેદાર સંભાર અને ચટણી. મમ્મીને ઢોંસા ખુબ ભાવે છે, હેં ને મમ્મી?”

મેં કહ્યું, ” હા, સાચી વાત. યાદ છે? તમારા પપ્પાને પણ આઠ-દસ દિવસ થાય એટલે ઢોંસા યાદ આવતા?”

જીજ્ઞાને પાછા ઘરે જવાનું એટલે અમે બધાએ સાડા સાત વાગ્યામાં ખાવાનું ચાલુ કર્યું. ગરમ ગરમ ઢોંસા અને ટેસ્ટી સંભાર ખાવાની બધાને ખુબ મઝા આવી. બંને બેનોએ થઇને રસોડાનું કામ આટોપ્યું, પછી જીજ્ઞા કહે, “ચાલો મમ્મી, હવે તો તમારાથી ગાડીમાં બેસાશે.”

મેં કહ્યું, ” શું? મારે ક્યાં જવાનું છે?”

આશા: ” હા મમ્મી, મેં તમારું બધું જ તૈયાર રાખ્યું છે. આ જુઓ, દીદી તમને લેવા તો આવી છે. ચાલો તમને ઉભા કરું.”

હું શું બોલું? છેવટે મેં કહ્યું, ” ફિઝિયોથેરાપી માટે યજ્ઞેશભાઈ ત્યાં આવશે?”

આશા કહે: “ના, તેમણે કહ્યું હવે તમને સારું છે, કસરતની  જરૂર નથી. એના માટે તો આટલા દિવસ અહીં રાખ્યાને.”

મારું મોં પડી ગયું. ઢોંસાની મઝા પણ મરી ગઈ. છેવટે હું જીજ્ઞા-આશાની મદદથી ઊઠી. ધીમે ધીમે ડ્રોઈંગરૂમમાંથી બહાર નીકળીને માંડ ગાડીમાં બેઠી. તે જોઇને પવન-કવન દોડતા ગાડીની બારી પાસે આવ્યા અને કહ્યું, “ના, નાની તમે ના જાવ અમારું હોમવર્ક કોણ કરાવશે?”

મને રડવું આવ્યું. મારા એ આંસુ લાગણીનાં હતાં કે ઓછું આવી ગયું એના હતા, શી ખબર! ત્યાંથી નીકળીને જીજ્ઞાના ઘરે પહોંચ્યા પછી સૂવા સિવાય કઈ કરવાનું નહોતું. પણ ઊંઘ વેરણ થઇ ગઈ હતી. મન વિચારોના વમળોમાં અટવાઈ ગયું, –મારે ક્યારે ક્યાં જવું તે હવે હું નક્કી નહિ કરી શકું! તો હવે મારે કોની મરજીથી ચાલવાનું? મેં હંમેશાં બકુલ અને આશા-જીજ્ઞાને ગમે તેવું જ કરેલું, પણ તે મારી પોતાની મરજીથી. મારી જાણ બહાર કોઈએ કરેલા નિર્ણયથી હું થોડી ગભરાઈ ગઈ. આ કેવું?  મને પહેલેથી જાણ પણ કર્યા વગર મારે માટે કોઈ ગમે તે નિર્ણય લઈ શકે? મને ક્યાં ખબર હતી કે હવે પછી મારી સાથે આવું જ બધું બન્યા કરવાનું છે.

જીજ્ઞાને ત્યાં ચિરાગને મેથ્સમાં મદદ કરવી મને ગમતી, ખાસ કરીને જ્યારે લાગ્યું કે  એના લીધે ચિરાગને ગણિતમાં વધુને વધુ રસ પડતો જાય છે. નાનકડી બેલાને મારી પાસે માથું ઓળાવવું ખૂબ ગમતું. તે કહેતી, ‘મોમ, નાની બિલકુલ હર્ટ ના થાય તે રીતે ઓળે છે.’

આવી નાની નાની ખુશીઓને માણવા કોશિશ કરતી અને એમ દિવસો વહી જતા, તે પણ જાણે મારી જાણ બહાર. એક દિવસ તો કથરોટમાં ચાળેલો લોટ લઈને જીગરકુમાર આવ્યા અને જીજ્ઞાને કહે,  ‘મસાલાનો ડબ્બો અહીં લાવ, ઢેબરાનો મસાલો તો મમ્મીજીનો જ.’ મેં મસાલો  કર્યો અને કહ્યું કે હવે ઘણાં બધાં આદુ, મરચાં, ધાણા, તું અંદર જઈને નાખજે.

આમ તે દિવસે સૂપ અને ઢેબરાનું ડીનર પત્યું એટલે જીગરકુમાર કહે, “હું જઈને મમ્મીને આશાને ત્યાં મૂકી આવું છું. હવે તેમને સારું છે એટલે ગાડીમાં સરખી રીતે બેસી શકાશે.

જીજ્ઞા કહે, “ના ના, અમે પણ આવીએ છીએ. છોકરાંઓ નહિ માને.”

અને ફરી પાછી આપણી સવારી પહોંચી આશાને ઘરે. આમ જ ચાલતું રહ્યું. લગભગ મહિનો સવા મહિનો થાય એટલે મારે પરાણે ઉચાળા ભરવા પડતાં. આશા અને જીજ્ઞાના ઘર વચ્ચેના મારા આંટાથી કંટાળી એક દિવસ મેં કહ્યું, ” આશા-જીજ્ઞા, હવે મને સારું થઇ ગયું છે. ઊઠવા, બેસવા કે ચાલવામાં કોઈ વાંઘો નથી આવતો. તો હવે હું મારા ઘરે જ રહેવા જાઉં. બે કામવાળી રાખીશ, એક દિવસ માટે અને એક રાત માટે એટલે વાંધો નહિ આવે.”

મેં ઉપરની વાત મૂકી એટલે જાણે ઘરમાં સોપો પડી ગયો. જાણે મેં તેમની કોઈ વાત કાપી ના હોય! હું વિચારમાં પડી. મને એમ કે મારું બહુ દિવસ કર્યું એટલે આ વાતથી બધા રાજી થશે. એ વખતે હું આશાના ઘરે હતી. મેં તેને કહ્યું, “બેટા, હવે તું મને જીજ્ઞાને ત્યાં નહિ, મારે ત્યાં મુકી જા. તને ક્યારે ફાવશે?”  એટલે ધીમેથી આશા કહે, ” હું ને દીદી એ જ વિચારતાં હતાં કે એ ફ્લેટ ક્યારનો બંધ જ પડ્યો છે તે વેચી કાઢીએ. તમે તો હમણાં જેમ રહો છો તેમ રહેજોને અમારી સાથે નિરાંતે.”

આ જ વાત મેં જ્યારે જીજ્ઞાને કરી ત્યારે એણે પણ ધીમે રહીને ફ્લેટ વેચવાની જ વાત કરી. હવે પાછી મારી સ્થિતિ દયાજનક બની. મને મારા ઘરે જવા દેવામાં આનાકાની થતી હતી.

એક દિવસે સવારે આશા છાપું લઈને આવી. રવિવાર હતો એટલે પહેલા પાના પર ઘર વેચવા માટેની એડ હતી તે બતાવી મને કહે, ” મમ્મી જુઓ, આપણા એરિયામાં ફ્લેટના ભાવ જોરદાર રીતે ઉંચકાયા છે એટલે તમને એ ફ્લેટ વેચીને અમારી બે બેનોની સાથે નિરાંતે રહેવા કહીએ છીએ. બસ પછી તો દર બે દિવસે બંને બેનો જોરશોરથી ફ્લેટ વેચવાની જ વાત કરતી. આવા કથનોથી મન અકળાતું. થતું કે બકુલ ચાલી ગયો ન હોત તો મારે આ બધું જોવા સાંભળવાનું તો ન આવતે? પણ આ કંઈ આપણા હાથની વાત થોડી હતી કે તેમ થઈ શકે?

અન્ય શરત ( ૧૦) રેખા પટેલ (વિનોદિની)

વળી પાછી આપણી સવારી જીજ્ઞાને ઘરે પહોંચી તો ત્યાં પણ આડકતરી રીતે ઘર વેચવાની વાતો થવા માંડી.

હવે હું આટલી વાત ના સમજુ એવી તો અબુધ નહોતી. આ વાળ કંઈ એમ સફેદ નહોતા થયા. આજે બહુ દુઃખ થતું હતું, મન પણ ભરાઈ આવ્યું, પણ મારા મનની વાત કોની સામે ઉલેચું, પેટની જણીને કોની સામે વખોડું? છતાય મનમાં વિચારોના ઘોડા ઉછળી ઉછળીને ચડી આવતા તેને કેમ કરીને રોકી શકું?  હું વિચારતી હતી કે આજ સુધી માની એકલતાનું દુઃખ, મા માટેનો પ્રેમ સહાનુભૂતિ શું દેખાડો હતા? માત્ર પૈસાની લાલચ હતી કે ખરેખર પ્રેમ હતો?

મેં અને બકુલે તો દીકરીઓની પરવરિશમાં ક્યાંય કોઈ કચાશ નહોતી રાખી. સંસ્કાર પણ ભરપુર માત્રામાં આપ્યા હતા. તો પછી આટલા બધા મોટા પરિવર્તન પાછળનું કારણ શું હશે? કોઈ મારાથી અજાણી હોય તેવી તેમને આર્થિક સમસ્યા હશે? કંઈક તો છે જ, નહિ તો મારી દીકરીઓ આટલી હદે ના બદલાઈ જાય. જમાઈઓ પારકા છે પણ દીકરીઓ તો મારી છે…. વિચારી લીધું સાચું કારણ તો મારે જાણવું રહ્યું.

ગમે તે હોય પણ મારે ઘર વેચવું નથી. આમ વિચારી એક દિવસ મક્કમ બની મેં જીજ્ઞાસા અને જીગરકુમારને કહી દીધું કે હું આજે ફ્લેટ ઉપર રહેવા જાઉં છું. તમને સમય ના હોય તો વાંધો નહી. હું ટેક્ષીમાં જતી રહીશ. પહેલી વાર મને આટલી મક્કમ બનીને વાત કરતા જોઈ તેઓ ડઘાઈ ગયા હતા. જીજ્ઞાસા મારી પાસે આવી મને સમજાવવા લાગી.

“મમ્મી, જુઓ, તમે આમ નાના છોકરા જેવી જીદ ના કરો. હવે આ ઉંમરે આ શું જીદ લઈને બેઠા છો કે એકલા રહેવું છે. આ પણ તમારુ જ ઘર છે. અમે દીકરીઓ શું તમારા દીકરા જેવી નથી?” .

તેની આવી મીઠી ભાષા મને પળવારમાં ડોલાવી ગઈ. “પણ દીકરી, એ મારું ઘર છે. મારી આખી જિંદગી ત્યાં વિતી છે. મને ત્યાં રહેવાનું ગમે છે”. મારા અવાજમાં એક વેદના હતી. આંખોમાં આંસુ ડોકાઈ આવ્યા.

“ભલે, થોડા દિવસ માટે તને હું મૂકી આવીશ. પણ યાદ રાખજે કાયમ એકલા નથી રહેવાનું.” કહી દીકરીએ ચર્ચા ઉપર પડદો પાડ્યો. મારી નજર જીગરકુમાર ઉપર પડી. તેમના ચહેરા ઉપર અણગમો સ્પષ્ટ કળાતો હતો. હું સમજી ગઈ કે મારી જીદ તેમને નથી ગમી. હું પણ જય શ્રીકૃષ્ણ કહી ત્યાંથી ઉભી થઇ ગઈ.

તે રાત્રે તરસ લાગી અને ગળું સુકાતું હતું. પણ પાણીનો જગ પણ ખાલી પડ્યો હતો. હું ધીરે, અવાજ ના થાય તેમ રસોડા તરફ ચાલી. વચ્ચે જીગરકુમારનો બેડરૂમ આવતો હતો. આમ તો હું કોઈની વાતોમાં દખલ કરતી નહિ, તેમાંય દીકરીઓના ઘરમાં તો ખાસ માથાકૂટ કરવું મને પસંદ નહોતું. પણ મારું નામ ઉચ્ચારાતું સાંભળી મારા પગ ત્યાં જ અટકી ગયા. તેમની ચર્ચા સાંભળી પગ નીચેથી જમીન ખસી ગઈ.

જીગરકુમાર જીજ્ઞાસાને કહી રહયા હતા, “બસ, હવે બહુ થયું. આમ તારી મમ્મીને મમ્મી કહીને માથા ઉપર ચડાવવાનું ઘણું થયું. કેટલું સાચવીએ   છીએ કે અહી જ રોકાઈ જાય અને તેમના ઘરે પાછા જવાનો વિચાર પણ ના કરે. જેથી કરીને તમે બંને બહેનો તેમના ઘરને જલ્દીથી વેચી શકો.”

“જુઓ જીગર, હું અને આશા પણ આવુ જ ઇચ્છીએ છીએ. પણ મમ્મીને બહુ ફોર્સ કરવાનો કોઈ અર્થ નથી.  તે જિદ્દી છે. મને નથી લાગતું મમ્મી જલદી ઘર વેચવા તૈયાર થાય. હવે મમ્મીના ગયા પછી જ આ કામ થઇ શકશે.”

“ના જીગી, આટલી રાહ જોવાનું શક્ય નથી. તું જાણે છે અત્યારે તે ફ્લેટના ભાવ બહુ સારા આવે તેમ છે અને તે માટે તારી મમ્મીના મરવાની રાહ જોવાની?” જીગરકુમારના અવાજની કડવાશ મને છેક બહાર અંધારામાં સ્પર્શી ગઈ. હું પાણી પીવાનું પણ ભૂલી ગઈ અને મારા રૂમમાં આવી બકુલને યાદ કરતા રડી પડી.

મને બકુલ બહુ યાદ આવી ગયા. સાથે તેમની કહેલી વાતો પણ મારા દિમાગમાં સજીવન થઇ ગઈ. બકુલ હંમેશા કહેતા આ જમાનામાં કોઈના ઉપર વિશ્વાસ મૂકવા જેવો નથી. આજના જમાનામાં પોતાનું લોહી પણ પોતાનું થતું નથી. મને તેમના મિત્ર મધુભાઈની વાત કહી હતી તે યાદ આવી ગઈ.

મધુભાઇ પોતે જુવાનીમાં વિધુર બન્યા હતા. તે તેમના એકના એક દીકરા ઈશાન સાથે રહેતા હતા. દીકરાને ડોક્ટર બનાવવા પોતે ખૂબ મહેનત કરી હતી. છેવટે ઈશાન ડોક્ટર બની ગયો અને તેની સાથે ભણતી કાવેરી સાથે પ્રેમલગ્ન કરી લીધા. મધુભાઈ દીકરા વહુ સાથે ખુશ હતા. હવે પ્રોબ્લેમ ત્યારે શરૂ થયો જ્યારે તે રિટાયર્ડ થયા.

હવે મધુભાઇનો મોટા ભાગનો સમય ઘરે વિતતો હતો અને એ બનતી મદદ કાવેરીને કરતા હતા. મધુભાઇની અનુભવી આંખો અનુભવવા લાગી કે મારું કામ કાવેરીને દખલગીરી જેવું લાગે છે. આથી હવે મધુભાઇ માથાકૂટ કર્યા વગર સવારે ચા-નાસ્તો પતાવી બહાર ચાલવા નીકળી જતા. પાછા આવે ત્યાં સુધીમાં તો એ બંને હોસ્પિટલ જવા નીકળી જતા. પછી મધુભાઈ પણ નજીકના વૃદ્ધાશ્રમમાં સમય પસાર કરવા જતા. ક્યારેક અમારા ઘરે આવીને પણ સાંજની ચા પીતા હતા. રાત્રે ઈશાન આવી ગયા પછી થોડી વાર તેની સાથે બેસી, જમવાનું પતાવી પોતાના રૂમમાં ટીવી જોતા કે વાંચન કરતા. આમ પણ પહેલેથી એકલા હતા પણ હવે મધુભાઇ પોતાનાઓ વચ્ચે એકલા થતા જતા હતા.

ક્યારેક કાવેરી બીઝી છું કહી મધુભાઇનું જમવાનું પણ બનાવતી નહોતી. સામે ઈશાન પણ એના કામમાં બીઝી રહેતો હતો. તેથી હાથે કરી દીકરા અને વહુને કોઈ તકલીફ પણ આપવા માગતા નહોતા. એ કારણે મધુભાઇ ચુપ રહેવાનુ પસંદ કરતા.

એક દિવસ કાવેરી અને ઇશાન બંને રાત્રે મધુભાઇના રૂમમાં આવ્યા. મધુભાઇ સમજી ગયા કે કોઈ જરૂરી કામ હોય તો જ મારી પાસે આવ્યા હશે. મધુભાઇએ કહ્યું, “આવો દીકરા, શું કામ પડ્યું અચાનક મારૂં?”

ઈશાન ધીમેથી બોલ્યો, “પાપા, અમે બંને જુદી જુદી હોસ્પિટલમાં કામ કરીએ છીએ. અમારી પાસે થોડી બચત છે. બીજા થોડા રૂપિયા મળી જાય તો અમારી પોતાની હોસ્પિટલ ખોલી શકાય.”

“અરે વાહ બેટા, આ તો બહુ સારી વાત છે. આનાથી વધારે ખુશી શું હોઈ શકે?”મધુભાઇએ ખુશ થતા જવાબ આપ્યો હતો.

“તો પાપા આ માટે તમે મને દસ લાખ રૂપિયા આપી શકો?” ઇશાન વિનયપૂર્વક બોલ્યો.

“આટલા બધા રૂપિયા હવે મારી પાસે ક્યાંથી હોય? જે કાંઇ બચત હતી તે બધી તારા ભણવા પાછળ વપરાઈ ગઈ છે. હવે મારી પાસે કોઇ બચત છે નહી અને વધારામાં મારું પ્રોવિડન્ટ ફંડ પણ અડધું વપરાઈ ગયું છે.”

મધુભાઇ પાસેથી શુ જવાબ મળશે અને સામે શુ જવાબ આપવો એની પહેલેથી તૈયારી કરીને આવેલી કાવેરી બોલી, ‘પાપા, જો તમને યોગ્ય લાગે તો આપણા આ ઘર ઉપર સારી એવી લોન મળી શકે.’ આટલુ કહીને ઇશાન સામે જોયું.

મધુભાઈ આખી વાત સમજી ગયા અને તેમણે ઘર સામે લોન લેવાની ના પાડી. બદલામાં દીકરો વહુ બીજે રહેવા ચાલ્યા જશે એવી ધમકી આપવા લાગ્યા. મધુભાઈએ આ બધી ધમકીઓથી ડરી જઈ ઘર ઉપર લોન લીધી અને તે રૂપિયા દીકરાને આપ્યા હતા. એ પછીની એમની દશાના સાક્ષી બકુલ અને પોતે હતા. છેવટે દુઃખી મધુભાઈ જાતે જ વૃદ્ધાશ્રમમાં રહેવા ચાલ્યા ગયા હતા.

હું હાથે કરીને મારી દશા ધોબીના કૂતરા જેવી કરવા માગતી નહોતી અને આમેય બકુલની ઈચ્છા હતી કે આપણી સંપતિ બાળકોને જરૂર ના હોય તો કોઈ સારા કાર્યમાં વાપરવી.

બસ મેં નક્કી કરી લીધું કાલે સવારે ગમે તે થાય હું મારા ઘરે પાછી રહેવા ચાલી જઈશ. મારી પાસે મારૂં ઘર છે. પછી આમ ઓશિયાળી જિંદગી હું નહિ જીવું. તે રાત મારી જેમતેમ ગુજરી હતી. ભગવાનનું સ્મરણ કરતા કરતા છેક મોડા આંખ મીચાઈ હતી.

સવારના પહોરમાં હું જાણીને મોડી ઉઠી. આમ તો હું બધા સાથે ટેબલ ઉપર બેસીને ચા પીવાના મોહમાં બધા કરતા વહેલી જાગી જતી. નાહી પરવારી પૂજા પાઠ પતાવી લેતી. જીજ્ઞાસા અને આશા કહેતા પણ ખરા, “મમ્મી, શું ઉતાવળ હોય છે. શાંતિથી પરવારતાં હો તો?”

પણ આજે હું જાણીને જીગરકુમારના ગયા પછી બહાર આવી. આવતાની સાથે જીજ્ઞાસાને કહ્યું, “બેટા હું આજે ઘરે જઈશ. બસ બહુ થયું. અહીંથી તહી આમ વણઝારા જેવી મારી જિંદગી બની ગઈ છે. આમેય હવે હું લાકડી વિના પણ ચાલી શકું છું અને આપણા જૂના પાડોશી રમીલા અને શાંતિભાઈ છે જ. તેમની કામવાળી મારૂં બધું કામ કરી આપશે. મારે વાત થઈ ગઈ છે. મારી મિત્ર મિત્રા પણ અવારનવાર આવતી રહેશે. તમે લોકો તમારી જિંદગી શાંતિથી જીવો. અને હા દીકરા, હવે મારી ચિંતા કરવાનું રહેવા દેજો. મારે તો બસ તમે સુખી એટલે હું સુખી” આટલું બોલી હું ચુપ થઇ ગઈ.

જીજ્ઞાસા સમજી ગઈ કે હવે હું નહિ માનું. તેની ચુપ્પી મારી માટે સંમતિની મહોર બની ગઈ અને હું મારા પોતાના ઘરે જવા તૈયાર થઇ.

 

રેખા પટેલ (વિનોદિની)

ડેલાવર (યુએસએ)

અન્ય શરત (૧૧) પ્રવિણા કડકિઆ

પતિ અને પત્ની વચ્ચેનો આ સંવાદ મારા કાનમાં ગરમ સીસું રેડાયું હોય તેવું દર્દ આપી રહ્યા. જીગરકુમાર જીજ્ઞાસા સાથે અડધી રાતના જે વાત કરી રહ્યા હતાં તે અવાજના ભણકારા મારા કાનમાં ૨૪ કલાક ઘૂમતાં રહ્યા. કાન ઉપર બન્ને હાથ દબાવ્યા. અવાજ વધુ ઘેરો અને કર્કશ થતો ગયો. મારૂં દિમાગ કામ કરતું અટકી ગયું. ઘડીભર મનને મનાવવા લાગી, ‘મેં સાંભળ્યું એ સાચું નથી.’ પણ હકીકતને કેવી રીતે ખોટી ઠેરવી શકાય? જો કોઈએ આવું કહ્યું હોત તો મેં ન માન્યું હોત પણ આ તો અડધી રાતે મેં મારા કાનથી સાંભળ્યું હતું.

હતપ્રભ થયેલી હું તે દિવસે ટેક્સી કરીને ઘરે આવી પહોંચી. દીકરી જાણતી હતી એકવાર મમ્મી મન મક્કમ કરે પછી તેની ના ની હા ન થાય કે હા ની ના ન થાય. કોઈ પણ સમસ્યાનો હલ રડીને નહી આવે તે હું બરાબર સમજી ગઈ હતી. છેલ્લા ત્રણ મહિનાથી દીકરીઓને ત્યાં હતી. ઘરમાં કાંઈ ઠેકાણા ન હતાં. જે  જીજ્ઞાસા મારાં હૈયાનો હાર હતી તેની અને જીગરકુમાર વચ્ચેનો સંવાદ મને આઘાત આપી ગયો. હવે ઉમર એવી ન હતી કે મનમાં કોઈના પ્રત્યે કભાવ આવે. કિંતુ માનવ સહજ સ્વભાવને કારણે દુઃખ નહોતું થયું એમ કહી મારી જાતને છેતરી નહી શકું.

પાડોશી ખૂબ સારા હોવાને કારણે રમાબહેન ખીચડી અને કઢી આપી ગયાં હતા તે ખાધાં. ઈશ્વરે માનવને પેટ આપ્યું છે. ભૂખ લાગે એટલે ભલેને ગમે તેવા સંજોગો હોય બે કોળિયા ગળાની  નીચે ઉતરે એટલે મગજ વિચાર કરવા માટે સતેજ બને. સામાન ગોઠવવાની જરા પણ ચિંતા ન કરી. કેટલા દિવસે ઘરે આવી હતી. ભણકારાં વાગતાં હતાં કે કોઈના પગલાંનો અવાજ સંભળાય છે.

બકુલ આવીને પૂછશે, ‘કેમ છે તને? થાકી ગઈ છો? હિંમત નહી હારતી. જો તારો ઈશ્વર તારી સાથે છે. આપણા સાથે ગાળેલાં વર્ષોનો અનુભવ તારી પાસે સિલકમાં છે.  હું ભલે તારી સાથે નથી પણ પ્રેરણારૂપે તારી સંગે છું.’

બકુલનો મારા પરનો વિશ્વાસ જોઈ મારું મુખ આવી કપરી પરિસ્થિતિમાં પણ મલકાઈ ઉઠ્યું. ધરતીની શરૂઆત અને છેડો બન્ને ઘર છે. મને ખૂબ શાંતિથી નિદ્રા આવી. મારી અને બાજુવાળાની કામ કરનાર બાઈ એક હોવાથી ઘરમાં લાઈટ જોઈ તે સવારના પહોરમાં આવી ગઈ. તેને ખબર હતી ઘરમાં ચા કરવા માટે દૂધ પણ નથી. જઈને દૂધ લઈ આવી. અમે બન્ને સાથે ચા પીવા બેઠાં. મારા મોઢા પરની રેખાઓ ઉકેલવામાં તે સફળ થઈ.

‘સઘળાં બરા હાય કાય?’

મેં હસીને કહ્યું, ‘હો.’ પણ મારું હાસ્ય રૂદન જેવું તેને જણાયું.

‘બરા, બરા, ચિંતા કરું નકા. મી આહે તુમચા સંગાતી.’

બાઈના ઉષ્માભર્યા શબ્દો મારાં અંતરને સ્પર્શી ગયા.

ઘરે આવ્યાને બે દિવસ થયા. બન્ને દીકરીઓના ફોન રોજ આવતાં. તેમના અવાજમાંથી નિતરતું અલગાપણું અને લુખ્ખાપણું તરત પદર્શિત થઈ જતા હતા. મારું હ્રદય ચિત્કાર પામતું પણ કાળજું કઠણ કરી સહન કરી લેતી. મા હતી એટલે થયું દીકરીઓ છે, થોડાં દિવસોમાં ભૂલી પાછી પ્રેમ વરસાવશે. માતા અને પિતા, બાળકોની નાદાનિયત પર કદી નારાજ નથી થતાં. આ ઉંમરે કોઈ પણ જાતનું બેહુદું વર્તન પોતાના જણ્યા કાજે શોભાસ્પદ ન હોય એટલી સમજ તો મારામાં હતી.

બકુલે સામે જોઈ સ્મિત રેલાવ્યું, ‘તું, વહાલને નામે એમની વાતોમાં આવી જતી નહી. તારું ધ્યાન હવે તારે જાતે રાખવાનું છે’.

મન પાછું તે દિવસની વાતોમાં વિહરી રહ્યું. ઘરે આવી હતી પણ વિચારો પીછો છોડતાં નહી. હવે તો સલાહ પણ કોની લેવાની? હું મૂઈ ભીંત ભૂલી હતી. જો આજે બકુલ હયાત હોત તો શું કરત? મારા મને તોડ કાઢ્યો. ‘આ તો પરણેલી ઘરસંસારવાળી દીકરીઓ છે. તેમને હવે માતા પિતાનો નહી, સૌ પ્રથમ પોતાના સંસારનો વિચાર આવે. પછી તેના બદલામાં શેનું બલિદાન આપવું પડે તેની ચિંતા કરે.’

મનની દલીલ બાજી ‘ટગ ઓફ વોર’ની જેમ બન્ને બાજુ ખેંચે. ‘ખેર, ખોટી ચિંતા કરીશ અને મારું આ દુનિયામાં કોઈ નથી એવા ગાણાં ગાઈશ તો શું બકુલ પાછાં આવવાનાં હતાં?’

સ્પષ્ટ જવાબ હતો,”ના”.

‘તો શાંતિથી વિચાર કર કે આ સમસ્યાનું હલ કઈ રીતે કાઢવું.’

એ તો સારું હતું કે પૈસાનો કારોબાર બધો મારા હાથમાં હતો. બન્ને દીકરીઓ પરણીને સાસરે ગઈ પછી બકુલે બાજુમાં બેસાડી મને બધું સમજાવ્યુ હતું. ઘરનાં કાગળિયા, બેંકના ખાતામાં પૈસા, લોકરની ચાવી બધી વસ્તુઓની મને ખબર હતી. વળી થતું, આ બધી માયાને હવે મારે શું કરવી છે? બકુલ સાથે શું લઈ ગયા અને હુ શું લઈને જવાની? શાંતિથી બેસીને હવે આ જીવનનો કોયડો સુલઝાવવો પડશે. ૭૧ વર્ષની ઉમરે કાંઈ અમસ્તા વાળ સફેદ નહોતાં કર્યા. દરેક પ્રશ્નો સુલઝી ગયાં પછી સાવ સરળ જણાય પણ જ્યાં સુધી તેનો નિવેડો ન આવે ત્યાં સુધી એમ થાય કે હવે શું?

ગઈકાલે રાતના સ્વપ્નામાં ચાર ભૂલકાં આવ્યા. હમણાંથી તેમના મમ્મી અને પપ્પાનું આવવાનું ઓછું થઈ ગયું હતું એટલે તેઓ પણ મળી શકતાં નહી. નાનીએ સ્વપ્નામાં કવન અને પવનને ભણાવ્યા, ચિરાગ મોટો હતો, પણ બેલા ખોળામાંથી ઉતરવાનું નામ લેતી ન હતી. ખૂબ વહાલ આપ્યું. તેની ભાવતી ગોળપાપડી ગરમાગરમ બનાવીને ખવડાવી ત્યારે માંડ શાંત થઈ.

‘નાની, તું કેમ આવતી નથી?’

‘નાની, તારા વગર અમને આટલું વહાલ કોણ કરે?’

‘નાની, મમ્મી અને પપ્પા તો બસ આખો વખત અમને નેની પાસે મૂકી કાં તો પાર્ટીમાં જાય અથવા મુવીઝમાં.’

‘નાની, તું અમને રામાયણ અને મહાભારતની, પેલા બાળ કનૈયાની વાતો કરતી હતી એવું હવે કોઈ નથી કરતું.’

આજે સવારે મારી આંખ ખૂલી ત્યારે ખૂબ સુસ્તી હતી પણ રાતનું સુહાનું સ્વપનું સવારે વાગોળવાની મઝા માણી. બાળકો જાણે મારી ચારે બાજુ વિંટળાઈ વળ્યાં હતાં.

આજે રવિવાર હતો. બન્ને છોકરીઓને ઘરે આવવા ફોન કર્યા.

જીજ્ઞાસા કહે, ‘મા, આજે બન્નેને બર્થ ડે પાર્ટીમાં જવાનું છે’.

આશા તૈયાર થઈ ત્યારે એના પતિદેવ બોલ્યા, ‘ભૂલી ગઈ, આજે તો કવન અને પવનને ટેનિસના ક્લાસ છે. પાછા આવશે ત્યારે તો થાકી ગયા હશે’.

મને બધું ફોન ઉપર સંભળાતું હતું. સામાન્ય વાત કરીને ફોન મૂકી દીધો. આજે હવે ખરેખર મને લાગ્યું ‘ હું પરાઈ થઈ ગઈ છું’. તેમ છતાં મનમાં જરા પણ કડવાહટ ન રાખ્યો. આખરે હું મા છું. બાળકોને જુવાની હોય, ઈશ્વરની દયાથી પૈસેટકે સુખી હોય, છોકરમત કરે. તેમના બાળકો મોટાં થશે ત્યારે બધું સમજશે.

આજનો મારો દિવસ ખૂબ સરસ જવાનો છે એવું સવારથી લાગતું હતું ત્યાં જ કવન અને પવન બન્ને ભાઈઓનો ફોન આવ્યો. ફોન ઉપર આમંત્રણ આપ્યું, ‘નાની મંગળવારે તૈયાર રહેજો. અમારી સ્કૂલમાં વાદવિવાદ સ્પર્ધા છે. અમે બન્ને ભાઈ એક બીજાથી વિરૂદ્ધપક્ષમાં છીએ. અમારું મન હતું નાની કે તું ન્યાયાધીશ બને પણ સ્કૂલના પ્રિન્સીપાલે કહ્યું વિદ્યાર્થીઓના સગાં ન્યાયાધીશ ન બની શકે’.

કવન જરા લાડલો હતો. ‘નાની, ત્યાં ભલે તું ન્યાયાધીશ ન બને પણ અમારા બન્નેમાં કોણ સરસ બોલીને દલીલ કરે છે એનો ફેંસલો અમે તારી ઉપર છોડવાના છીએ.  નાની, છના ટકોરે અમે બન્ને ભાઈ, મમ્મી અને પપ્પા સાથે તને લેવા આવી પહોંચશું. તૈયાર રહેજે, હોને?’

મારા મનથી આજે સોનાનો સૂરજ ઊગ્યો. બકુલને હમેશા ગમતું જો હું વાદળી કલરની સાડી પહેરું તો. આજે તેના ફોટા સાથે લવારો કરી રહી. ‘બકુલ, જુઓ તો ખરા, આપણાં દૌહિત્રોએ મને ન્યાયાધીશ બનાવી દીધી. મારે ન્યાય કરવાનો છે.’

મંગળવારે તૈયાર થઈને બેઠી હતી. ૭૧ વર્ષની ઉમરે આ નાટક ભજવવાનું હતું. સભા સ્થળે ગઈ. બન્ને બાળકો મને પગે લાગીને ગયાં. ઉગ્ર ચર્ચા ચાલી રહી હતી. વિષય હતો, “વડીલો પ્રત્યે બાળકોની ફરજ”. બન્ને પક્ષે જોરદાર દલીલ અને સમર્થન કર્યાં. મારૂં મન તો કવન અને પવનનાં મંતવ્યોમાં પરોવાયું. બન્ને બાળકો પર ગર્વ થયો. તેમના માટે સુંદર કાંડા ઘડિયાળ લાવી હતી. ગાડીમાં ઘરે જતાં બન્નેએ મારો અભિપ્રાય પૂછ્યો. ખુલ્લા દીલે બન્નેને નવાજી તેમની ભેટ આપી. આશા અને આતશકુમાર પણ ખુશ થયા.

‘મમ્મી, ચાલ ઘરે. થોડા દિવસ રોકાઈ જજે.’ આખરે મારું લોહી બોલી ઉઠ્યું.

‘બેટા, આજે નહી, ફરી કોઈક વાર આવીશ. હમણાં તો ઘરે જઈશ.’

એક વસ્તુ મારી આંખ અને હ્રદયે સાથે નોંધી. દીકરી અને જમાઈ બન્ને ખૂબ ઈજ્જત તથા સન્માનની ભાવના સાથે મારી જોડે વર્ત્યા હતાં પણ દિલ માનતું ન હતું.. બધું જાણે ઉપરછલ્લું લાગતું.

કોઈક વાર તબિયતને કાંઈ થાય બાકી ૭૧ વર્ષની ઉમર પ્રમાણે શરીર કહ્યામાં રહેતું. બકુલ વગર જાણે તેઓને એમ થતું કે મમ્મી અમારે માથે પડી છે. સાચું પૂછો તો હું તેમના ફેરા ખાતી. તેમની પાસે ન છૂટકે મારે કોઈ કામ ચિંધવાની પરિસ્થિતિ આવતી.

જીજ્ઞા અને આશા બન્ને સંપી ગયા હોય એવું મને લાગતું. આમ પણ ,”હું હવે ખર્યું પાન”. મારી પેલી મનોરમા કહેતી, ‘તું નસીબદાર છે. આજના જમાનામાં તો દીકરીની મા રાણી, ઘડપણમાં મહારાણી.” પણ અહીં તો કાંઇ અવળું જ જણાતું હતું. લોકોને મોઢે સાંભળ્યું છે દીકરા-વહુ ચાકરી ન કરે. પણ અહીં તો દીકરી અને જમાઈ મિલકત પર નજર ટાંપીને બેઠા છે.

હું હવે કેટલા યુગ જીવવાની. મારા મર્યા પછી તેમનું જ છે ને. ભલે દીકરીઓ મને અળગી માને. મારા માટે તો બન્ને સરખી છે. હરીફરીને બે દીકરીઓ તો છે. તેમને દુ:ખ નહી થતું હોય, આવા પરાયા વર્તન માટે અને તે પણ પોતાની જન્મદાત્રી સાથે? મનને ખૂબ સમજાવ્યું. પણ બન્ને દીકરીઓ જે રીતે મારી સાથે વર્તન કરી રહી હતી .તે પરથી લાગ્યું કે તેમ નહી હોય. કારણ તો અમારા બધાની વચ્ચે સ્પષ્ટ હતું, ‘મા, તારો ફ્લેટ વેચી અમારી સાથે રહે’. તેનો મતલબ એટલો કે ‘ફુટબોલની જેમ આ ઘરેથી પેલા ઘરે જા, તને કહેવાનું નહી કે ક્યારે? અમારી મરજી પ્રમાણે.’

મારા પ્રશ્નનો જવાબ ખોળવા પ્રયત્નશીલ બની. શા માટે મારે એવું જીવન જીવવાનું? બકુલ હવે ગેરહાજર છે એટલે? નથી મારે તેમની પાસે ઘર ખર્ચ માટે ફૂટી કોડી માંગવાની. માંદી સાજી થાંઉ તો બે બાઈ વધારે રાખી શકું તેવી તૈયારી છે. ભલુ થજો આજે બકુલ મને મૂડી આપીને ગયો છે. પૈસા ન હોત તો મારા શું હાલ થાત?

મને જરા પણ ચેન પડતું નહી. આમ પણ મારી જરૂરિયાત ખૂબ થોડી હતી. છેલ્લા અઠવાડિયાથી મનોમન કાંઈક નિર્ધાર કર્યો. આમ અસહાય સ્થિતિમાં જીવવું ખૂબ કપરું છે. દીકરીઓ અને જમાઈઓ ભલે ગમે તે ચાહે, મારે કોઈના ઓશિયાળા થઈ જીવવું નથી. જો મારે તેમની ખફા સહન કરવી પડે તો તે મંજૂર છે, પ્રેમમાં સોદો મંજૂર નથી. પ્રેમ તો પર્વતમાંથી નીકળતાં ઝરણા જેવો નિર્મળ હોય. જ્યાં માત્ર સ્વાર્થની ગંધ હોય તેવી સોદાબાજી કઈ રીતે સહન થાય? આંખ બંધ કરી ગહન વિચારોમાં ડૂબી ગઈ. પછી મુખ પર પરમ શાંતિ પ્રસરી ગઈ.

અન્ય શરત : (૧૨) અર્ચિતા પંડ્યા

“વહાલાનાં મુખેથી જ દવલા વેણ!”….દિલને જે ધક્કો લાગ્યો છે એને ફરી સ્વસ્થતા મળી શકે એમ જ નથી. આ જિંદગીમાં ગુસ્સામાં પણ અણછાજતું ન બોલાય એ સંસ્કાર સાથે દીકરીઓને મોટી કરી. .હંમેશ પ્રેમનાં બીજ સંસારમાં રોપ્યા છે, અને આજે વળતરનો વખત આવ્યો ત્યારે રૂંપિયા પર નજર રાખે એવા  સગાં ને શું કહેવુ? અને એમાં ય આ તો દીકરીઓ ..જે પોતાનું જ રૂપ કહેવાય! એમને આવું શું સૂઝ્યું? દીકરીઓ યાદ આવી ગઈ, ભલે એમનાં ઘરે વસવાટ દરમિયાન અડવું અડવું તો લાગતું જ હતું પણ મારું મન એમ આનંદમાં હતું કે હું એ બધાને ખૂબ પ્રેમ કરું છું  અને એમની સાથે છું, ભલેને એમના કામમાં રચ્યા પચ્યા રહે પણ એમને જોવાથી જ મારું મન લાગણીમાં તરબોળ રહેતું,  મારી નજર અમીથી ભરાઈ રહેતી .અને એમની ખુશીમાં જ મારી ખુશી જોયા કરતી. .નાના નાના દોહિત્રોમાં મારા બાળકોનું નાનપણ જોતી અને એમની પ્રગતિથી હરખાતી રહેતી. પણ ઈશ્વરે એક વાર જોરદાર લપડાક મારી. ખુદના બાળકોને હું ભારે પાડવા માંડી. મન ખૂબ ભારે થઇ ગયું, અતિશય મૂંઝારો થયો અને આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી.

આંખમાંના આંસુનો ગરમાટ ગાલે સ્પર્શ્યો અને મારામાંની મારી જ ઓળખાણ જાગી, જાણે સૂકી શાહીથી લખેલા અક્ષર પર પાણી પડ્યું અને અક્ષર ઓળખાણ બદલીને જાણે સરી પડ્યા! સફેદ કાગળને શાહી રંગીન બનાવી દે એમ મનના ચિત્રપટને સ્મરણોના રંગે રંગી દીધો. એ વિચારવા લાગી કે હું આજે છું એવી કાલે ક્યાં હતી? મને જીવનભર શીખવાડ્યું છે સમયે, મને બદલી છે તો મારા સમયે અને અત્યારે પણ સમય નવો માર્ગ ચીંધી રહ્યો છે, મને સંદેશો આપી રહ્યો છે. આ શીલામાંથી ફરી એક નવી મૂર્તિ તૈયાર થઇ રહી છે કે શું? જેમ ઉંમર વધે એમ નવી અને અઘરી કસોટીઓ તમારી સામે આવતી જ જાય છે. શરીર નબળું થાય અને મન વૃદ્ધ થાય પણ જીવનના કઈ કેટલાય સમીકરણો પચાવતું જાય છે .

આ સમયે બકુલની યાદ ખૂબ આવે છે. એ વિચારતો હશે હું બાળકોની વચ્ચે છું એટલે સુરક્ષિત છું, પણ બાળકોથી જ પીડા ભોગવી રહી છું એ સત્ય એને કેટલું પીડશે? બસ,આ વિચારે અશ્રુની ધારા ફરી પ્રગટ થઇ. એકલી કેવી રીતે રહીશ  અને એમા ય આ ઘરમાં! બકુલની અંતિમ ભેટ …..હા, આ ફ્લેટ એની ભેટ જ કહેવાય. કેટલું વિચારીને આ પગલું લીધું હશે? એની હયાતિમાં અનુભવાતો પ્રેમ એની ગેરહાજરીમાંતો દિલની જમીનમાં જડની માફક રોપાઈ ગયેલો જણાય છે. ગેરહાજરી સંવેદનાઓને દુઃખ આપે છે પણ સ્મરણો મને શક્તિ પણ આપે છે, કારણ બકુલે  આખી જિંદગી પ્રયત્ન રાખ્યો છે કે  હું છું એવી ને એવી જ રહું, મારી આંતરિક શક્તિઓને એ ચાહતો હતો અને મારામાં જે ખૂટતું હતું એ પ્રેમથી રોપતો પણ હતો, પ્રેમમાં પૂર્ણતા તરફની ગતિ એ જ તો છે જીવન! બકુલ, થેન્ક્સ તમે મારા જીવનસાથી રહ્યા તેથી જ તો મારુ જીવન મારા માટે એક અદ્ભુત અનુભવ બની ગયું. .શીલાનો પ્રેમ વિયોગના અશ્રુ બનીને નીતરતો રહ્યો

વિયોગમાં ઘણી વાર સ્વજનની શીખ આપણી વધુ નજીક આવી જાય છે. એક ઠહરાવ અને પુખ્તતા સાથે એ મને બહુ થોડા શબ્દોમાં, (ત્યારે નહોતું સમજાતું), કહેતો જ હતો કે આપણું જીવન આપણી રીતે જ જીવવું. આપણા વિચારોથી રસભર બનાવવું અને આપણા નિર્ણયોથી એને મજબૂત  બનાવવું. ,શીલાના મોં પર એક જૂદું જ તેજ ઝળક્યું. એ મક્કમ બની. ત્યાં જ જૂની કામવાળીએ બેલ મારી. બારણું ખોલતા જ  જોયું તો ચકલીના ચીં ચીં અવાજથી ઓટલો ગાજતો હતો અને માળો બાંધવાના પ્રયત્નોમાં તણખલાં વેરાયેલા પડ્યા હતા. સામાન્ય રીતે કચરો જોઇને  અકળાઈ જતી શીલાએ બાઈને તણખલાનો કચરો ઉપાડી બીજું કામ શરુ કરવાનું કહ્યું અને કોણ જાણે કેમ એને ત્યાંથી ખસવાનું મન ન થયું. એનું ધ્યાન ગયું ચકલી અને ચકલા તરફ …શોરબકોર હતો, ઉત્સાહ હતો, ,પરિશ્રમ હતો ….કેટલી બધી ભાવનાઓ એના ઓટલે ચકલી દ્વારા મહેમાન થઈને આવી હતી!

મનુષ્ય પણ આ જ ઉત્સાહથી જીવનનો માળો બનાવે છે.  એમાં શ્રમ, પ્રેમ અને ધર્મથી મોટી જાગીર બને છે. બાળકો મોટી મોલાત છે પણ આપણું ઘડપણ આપણા જીવનના સમીકરણો બદલી નાખે છે !

“શીલા!  “….એના મને જ એને અવાજ કર્યો,  “હવે માત્ર લાગણીશીલ નહિ વિચારશીલ બનવું પડશે. હકીકતનો સામનો કરીને નિર્ણય લેવો પડશે.” દુઃખ અને પીડા તે છતાં સાથે જ હતા. એ ઉદ્વેગને લીધે તે વરાળ બની અને અશ્રુ થઇ આંખે વરસતી રહી. પણ એ પછી મન સ્વસ્થ થયું. બધું કામ પતાવીને કામવાળી બાઈને રોકાવાનો આદેશ કર્યો. બકુલની હાજરીમાં ઉતાવળથી આ ફ્લેટ ખરીદ્યો અને સજાવેલો અને બકુલના નિધન પછી તો માથે માથું જ ક્યાં રહ્યું હતું? એને થયું કે મન ઊપડ્યું છે તો બધું સમેટવાનો સમય નજીક આવી ગયો લાગે છે. અત્યારે નજર મારી લઉં કે મારા જીવનની અમૂલ્ય યાદોને મારે કેવી રીતે યોગ્ય ઠેકાણે ગોઠવી દેવી. બકુલની આ છેલ્લી ભેટ …ફ્લેટ ..એનું શું કરું? વેંચી દઉં? એના સંતાનોને જ સોંપી દઉં? સંતાનો અમારા છે, ફ્લેટ અમારો છે, તો એ લોકો માંગે જ ને! પણ એમનો વ્યવહાર મને જચતો નથી તો જિંદગી મારી એ પરિસ્થિતિમાં મૂકું કેવી રીતે ?

મારે ઘર વગરના થઇ ને ….ના ના … મન પલ્ટી મારી ગયું. માન વગરની જિંદગી નક્કામી. આજે પણ મારી હાજરી એમને ખૂંચતી હોય, મારા અસ્તિત્વને એમણે ગણકારવું ન હોય તો મારૂં જીવન શું કામનું? દીકરીઓને સંસ્કારની કમી નથી રાખી, જીદ અને લાલચથી દૂર રાખ્યા છે છતાં કેમ આવી પરિસ્થિતિ? …આ જમાઈની નિયતની અસર છે કે મારી નિયતિમાં જ એ લખેલું છે? પ્રશ્ન એના સ્થાને ઠીક હતો પણ હકીકત બદલાય એવી ક્યાં હતી? આખા ફ્લેટમાં સફાઇના નામે શીલાએ બધે નજર દોડાવી.

કામવાળી બાઇનો હાથ ફરતો હતો અને શીલાના સ્મરણપટ પર ચિત્રો ફરતાં હતાં. જીવન જાણે રીકેપ થઈને સામે આવતું હતું. જ્યાં પ્રેમથી બનાવેલ નાનો માળો હતો…બચ્ચાંનો કલરવ હતો અને પૂર્ણતાની ભાવના વ્યાપ્ત હતી. આનંદ અને શ્રદ્ધાથી ઉલ્લાસ હતો. દરેક વ્યક્તિ એક પૂર્ણ કુટુંબની ખૂટતી કડી સમાન હતા અને બધાં મજબૂત રીતે જોડાયેલા હતા. હવે,…હવે દીકરીઓ એ વાતાવરણથી નીકળી ગઈ છે. એમને મારે હવે મનમાંથી દૂર કરી દેવી જ સારી.  એ હવે પોતાના કુટુંબની ગાંઠ મજબૂત કરી રહ્યા છે. એમના વ્યસ્ત જીવનની પળોને મઠારી રહ્યા છે, મારે એમને હેરાન નથી કરવા. એમના જીવનની આડખીલી નથી બનવું. પણ અહીં એકલું રહેવાશે ?

એકલું રહેવું આકરું છે. એનું મન વ્યગ્ર થયું, સ્ત્રીના જીવનમાં બે ઘર પોતાના કહેવાય પિયર અને સાસરી ..પણ હક્ક? એને પોતાના માબાપ યાદ આવી ગયા .નાના અમથા દુઃખમાં કે કપરી પરિસ્થિતિમાં એમનો હાથ માથા પર ફરતો ત્યારે કેવું સારું લાગતું? કેવી શાતા અનુભવાતી? અત્યારે પિતાની નિશાની જેવો ભાઈ છે …એને ત્યાં રહેવા જતી રહું? આંખમાં ચમક આવી ગઈ …પિયરના દરેક ઓરડામાં મન ફરી વળ્યું. એકદમ સુખનો અહેસાસ થયો. પણ વળી પાછું યાદ આવી ગયું ….કમાવાની ઉંમરવાળો ભાઈ, ટુરિંગ જોબ અને દમની પેશન્ટ એવી ભાભી! એક નાનો અપંગ ભત્રીજો ..કેમ કરીને એને માથે પડું? .છતાં ન રહેવાયું ….ફોન લગાવ્યો. ભાઈને ચાઈના જવાનું હતું એટલે પેકીંગ કરતો હતો અને ભાભીએ ફોન ઉપાડ્યો. ફ્લેટ પર આવી છું એ જાણ્યા છતાં બિચારીને અજુગતું ન લાગ્યું ….રક્ષાબંધને કેમ ન આવ્યા એ પ્રશ્ન પણ ન થયો. એ ભાભીને કેવી રીતે મારી કથની કહું? અને ભાઈ મારી જોડે વાત કરતો હતો એટલી વારમાં બીજા કેટલાય ફોનને ટાળતો રહ્યો. મારુ મન ખાટું થયું. બધા એની દુનિયામાં વ્યસ્ત છે મારે ક્યાં ત્યાં જઈ તેમનું કામ વધારવું ?….

વ્હાલાઓનો સાથ છૂટી ગયો. કુટુંબમાં નજીકની વ્યક્તિઓ ચાલી ગઈ સ્વધામ અને મારા ધામમાંથી ‘સ્વ’ જ નીકળી ગયું! હું આખી ને આખી અધૂરી રહી ગઈ. હવે મારા ‘હોવાપણા’ને વિસ્તારવાનો અવકાશ જ નથી! બધાના જીવન બરાબર ગોઠવાયેલા છે. મારે મારૂં અને મારા જીવનનું શું કરવું છે એનો નિર્ણય મારે જ લેવાનો છે ….બકુલના ફોટા પાસે જ સાંજ ઘેરી થઇ અને રાત પણ ત્યાં જ પૂરી થઇ.

વહેલી સવાર થઇ. નિત્યક્રમ ચાલુ કર્યો પણ નવા જોમ સાથે. શ્વાસ છે ત્યાં સુધી જીવન છે અને જીવન છે તો શ્વાસ જિંદાદિલીના જ લેવા પડશે. મનોમન નક્કી કર્યું કે દુનિયામાં આવવાનો રસ્તો આપણે નક્કી નથી કરી શકતા પણ જવાનો રસ્તો સારો બનાવવાનો પ્રયત્ન તો કરી જ શકીએ છીએ અને ઈશ્વર પાસે પાછા પહોંચીએ ત્યારે ખુદ્દારી અને ખુમારીવાળું સ્વમાનભેર જ મોં બતાવવું.

શીલા ઉઠી, તિજોરીમાંથી ફ્લેટનાં પેપર્સ કાઢ્યા અને અભ્યાસ કર્યો. બકુલની ટેલિફોન ડાયરી કાઢી તો બધા જૂના ફોન નંબરો નીકળ્યા. આજના જમાનામાં મોબાઈલ વાપરતા લોકોને ફોન નંબરોની ડાયરી બનાવવાની પડી જ ન હોય! આ તો જૂનાં જમાનાના માણસ! અને ત્યાં જ શીલાની નજર અટકી ગઈ એક નામ પર. હા, એ જ નામ, બકુલ કહેતો એ જ મિત્ર એજન્ટ..ફ્લેટ એમની મદદથી જ ખરીદ્યો હતો. શીલાએ મક્કમ મને એ નંબર ડાયલ કર્યો અને ફોર્મલ વાતચીત કરી એક વખત મળવાનો સમય નક્કી કરી લીધો. બકુલના મિત્ર હોવાના નાતે એમણે કહ્યું કે હું જ આવીને મળી જઈશ, ચિંતા ન કરશો. થોડી મિટિંગો પછી નક્કી થઇ ગયું કે સારો એરિયા અને સારો ફ્લેટ હોવાથી બે કરોડ જેવી કિંમત ઉપજી શકે એમ છે. શીલાની આંખમાં આંસુ આવી ગયા . ખબર નહી એમાં હર્ષ હતો, શોક હતો કે બકુલ પ્રત્યેના ઋણની ભાવના હતી! બહારના પેલા માળા તરફ તેણે જોયું તો હવે ચકલીના બચ્ચાનો ચીં ચીં મૃદુ અને મધુર અવાજ ગૂંજી રહ્યો છે. એનું મન નવી આશામાં, નવી દિશામાં વિચારવા લાગ્યું.

બે કરોડ! તરત જ એને દીકરી-જમાઈઓનો બદલાયેલો વ્યવહાર સમજાયો. રૂપિયા પાછળની રમત ફિલ્મી વાર્તાની જેમ સમજાઈ ગઈ. ફ્લેટની કિંમત મોટી હતી અને હાથમાં રૂપિયા આવવાને હજી તો વાર હતી અને આટલી અવગણના? તો પછી મારી જિંદગીની ખુશહાલીની સલામતી કેટલી? હવે કોઈના જીવનનું નડતર પણ નથી બનવું અને કોઈનો હાથો પણ નથી બનવું! જ્યાં સ્વમાન ન જળવાય તે રીતે તો જીવવું જ નથી! જ્યાં સુધી મક્કમ થઇ નવો નિર્ણંય જાહેર ન કરું ત્યાં સુધી સમય પસાર કરવા દે અને ફ્લેટ વેચવા માટે ઘરાક શોધવાનું અને કાગળ તૈયાર કરવાનું કામ મિત્ર એજન્ટને સોંપી જ દીધું. ચકલીના બચ્ચાનો માળો ગૂંજતો રહેતો હતો. એ પણ મનને આનંદમાં લાવે એવી પ્રવૃત્તિ કરતી થઇ ગઈ. ચકલી આવે અને બચ્ચાનો કલરવ શીલાને કંપની આપતો. એક દિવસ છાપાં જોડે એક ફરફરીયું આવ્યું. એમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધો દ્વારા ભજનનો કાર્યક્રમ હતો અને જાહેર આમંત્રણ હતું. શીલાના મનમાં ઝબકારો થયો, ચારથી છનો અનુકૂળ સમય હતો. શીલાએ ત્યાં જવાનું નક્કી કરી દીધું. તૈયાર થઈને ગઈ. પોતાની ઉંમરના તેમ જ નાના અને મોટા ઘણા લોકો હતા. એને અત્યાર સુધી ટીકાપાત્ર લાગતી વ્યવસ્થા ઉત્તમ લાગી. સ્વમાનભેર જીવવાના કોડ પૂરા થાય, સરખો સંગાથ મળે અને પ્રવૃત્તિની પ્રવૃત્તિ! જીવનનો મોટો પ્રશ્ન એને સૂલઝતો લાગ્યો .અને એક વાત સમજાઈ પણ ખરી કે દુનિયામાં એના હમદર્દ પણ છે!

રસ્તો મળતો જતો હતો, રૂપિયાનું દાન અને રહેવાની વ્યવસ્થા.અનુસરવાનું જ હતું હવે. તો ઘરવખરી વફાદાર પ્રેમાળ કામવાળીને આપી દેવાની હતી. જોતજોતામાં બધા કામ નીપટાઈ ગયા. હવે હતો ખરો સમય નિર્ણયના અમલનો, એના જોવામાં આવ્યું,ચકલીનો માળો તો ખાલી પણ થઇ ગયો. બચ્ચાં ઉડતા શીખી ગયા અને ચકલી પાછી એવી જ એકલી! એને થયું મનુષ્ય જ વૃદ્ધાવસ્થામાં બાળકોની આશા કરે છે. પૃથ્વી પરના અન્ય જીવ માટે તો સંજોગ ગમે તે હોય પોતાની જાતની બધી તકેદારી  અને ખુશ રહેવાની જવાબદારી પોતે જ નિભાવવાની હોય છે, તો આપણા માટે પણ ક્યાં ખોટું છે ?

આજે એના હરકદમમાં એક જોમ હતું, કારણ એકલી પોતે શીલા નામની સ્ત્રી પોતાની આગવી ઓળખાણ સાચવીને એક નવી જિંદગી શરુ કરવા જઈ રહી હતી.જ્યાં સ્વજન અને સગા લોહીના સંબંધથી નહિ પણ પ્રવૃત્તિ અને ઋણાનુબંધથી હશે ……!

અન્ય શરત (૧૩) પ્રભુલાલ ટાટારીઆ ‘ધુફારી’

નિત્યક્રમથી પરવારીને શીલા ડ્રેસિંગ ટેબલ પાસે બેઠી. બહુ પ્રેમથી બકુલે એના માટે લાવેલ કાંસકો માથામાં ફેરવતા વિચારે ચઢી ગઇ કે પોતાના સોનેરી ઝાંયવાળા લાંબા અને મુલાયમ કેશ જે બકુલને કેટલા ગમતા તે આજે ટૂંકા, બરછટ અને સફેદ થઇ ગયા હતા. બકુલના ગયા પછી હવે કોના માટે સારસંભાળ કરવી એમ વિચારી એ પોતાના વાળ તરફ ઉદાસ થઇ ગઇ હતી.

પોતાના પ્રપંચી પતિઓના રંગે રંગાઇ ગઇ હતી એ દીકરીઓ અને જમાઇઓ જો નિર્લજ્જ થઇ પોતાની સાથે આવું બેહૂદું વર્તન કરતા હોય અને એની લાગણીને ઠેસ પહોંચાડતા હોય તો એમની લાગણી ન દુભાય તેવા સતત કરાતા પ્રયત્નો એણે શા માટે ચાલુ રાખવા જોઇએ? એ ભલે મારી દીકરીઓ છે પણ હું તેમની સાન ઠેકાણે પાડી દઇશ. હું તેમની મા છું મા, અને તેમને બતાવી દઇશ કે આ પ્રેમાળ અને હેતાળ શીલા અત્યાર સુધી એમના તરફથી થતા પ્રત્યક્ષ અને પરોક્ષ અત્યાચાર સહન કરતી આવી છે. એ જો મા મટી શીલા બની જ્યારે હુંકાર કરશે તો રણચંડી બની જશે. હજુ આ કૃશ દેહના હૈયામાં ગજબની તાકાત છે એ બતાવી દઇશ. ત્યારે આયનામાં પ્રતિબિંબીત થતી શીલાએ એને પ્રોત્સાહિત કરતા કહ્યું,

‘શીલા, હવે આજ જુસ્સો કાયમ રાખજે. જરા પણ ઢીલી અને પોચકી થયા વગર….’

‘હા… હવે હું મા મટીને શીલા બની જઇશ. શીલા. એક ક્યાંથી પણ હટાવી ન શકાય એવી અચળ શીલા.’ એમ સ્વગત કહી એ આજે પહેલી વખત મુક્ત મને હસી.

પોતાના માટે કપડાં કાઢવા કબાટ ખોલ્યો તો બીજા ખાનામાં બકુલના કપડાં જોઇ એનું મન ભરાઇ આવ્યું અને એની નજર કપડાંની થપ્પીમાં સૌથી નીચે મુકાયલા, બકુલ માટે પોતે ખાસ લાવેલ આસમાની શર્ટ પર પડી. કેટલી વખત એના આગ્રહથી બકુલે પહેરેલા એ શર્ટનો કોલર પણ હવે ફાટી ગયેલો. ત્યારે બકુલે કહ્યું હતું કે હવે આ શર્ટ ઘરડું થઇ ગયું છે અને ત્યારે બંને કેવા હસેલા. બકુલને તે ભલે હવે પહેરવાનું નહોતું પણ સરસ ઇસ્ત્રી કરાવીને યાદગીરી તરીકે શીલાએ સાચવી રાખેલું. શીલાએ કપડાની થપ્પી ઉંચી કરી એ શર્ટ પ્રેમથી બહાર કાઢ્યું અને તેને પોતાના ગાલે લગાડ્યું તો તેમાંથી એક કવર સરી પડ્યું. શર્ટ કોરાણે મુકી એ કવર ખોલ્યું તો એમાં બકુલનો કેન્સર હોસ્પિટલનો રિપોર્ટ હતો.

શીલા ભૂતકાળમાં સરી પડી. જ્યારે આ ફલેટ ખરીદવાની વાત થઇ ત્યારે એણે કેટલી આનાકાની કરેલી. પણ બકુલ જેનું નામ. તે અવારનવાર કહેતો, ‘કલ કરે સો આજ કર, આજ કરે સો અબ, અવસર બીતા જાયગા તો કરેગા કબ?’ સમજ્યા મારી રાણી?

પોતા પાસે સારી એવી રકમ હતી અને જુના ચાલીવાળા ફલેટના પણ સારા પૈસા મળે એમ હતા, તો જુહુ જેવા વિસ્તારમાં ફલેટ લેવાનો ક્યારનું બકુલે જોયેલું સ્વપ્ન સાકાર થયું અને પ્રોપર્ટી લે-વેચ કરનાર તેના મિત્રની સલાહથી લેવાઇ ગયો. બંને આ નવા ફલેટ અને આસપાસના વાતાવરણથી ટેવાઇ જવા લાગ્યા અને એક રાતે બજારમાંથી ઘેર આવેલ બકુલ ફસ દઇને બેસી ગયો ત્યારે તેનો જરા વ્યગ્ર ચહેરો જોઇ પાણી આપતા શીલાએ પુછ્યું,

‘બકુલ, આજે વધારે થાક લાગી ગયો નહી?’

‘હા, તારી વાત સાચી છે, પણ હાથમાં લીધેલા કામ પૂરા તો કરવા જ જોઇએ ને?’

‘ખોટી દોડાદોડ ન કરો અને હવે આ ઉમર નથી આટલી દોડાદોડની. બાકીના કામ પછી પણ થઇ શકે. પહેલું સુખ તે જાતે નર્યા.’

‘તને તો ખબર છે આ ‘પછી’ શબ્દ મને ક્યારે ગમ્યો નથી…કલ કરે સો….’

‘બસ બસ, હું તમારૂં બ્રહ્મવાક્ય જાણું છું, પણ તમને જ્યારે આમ થાકી ગયેલા જોઉ છું ત્યારે મારો જીવ બળે છે.’

બકુલના મિત્ર એજંટે આવીને શીલાને સમાચાર આપ્યા કે આ તમારા ફ્લેટની આકારણી કરાવતા ખબર પડી કે સાહજીક આ ફલેટની રકમ બે કરોડ ઉપજે એમ છે. સાંભળી શીલાની આંખોમાં એક નવી ચમક આવી ગઇ અને પોતાના જમાઇઓના રંગે રંગાએલી પોતાની સગી દીકરીઓ એને ઘર વેચવા માટે તેને આગ્રહ…. ના દુરાગ્રહ શા માટે કરતી હતી તે સમજાઇ ગયું. ત્યારે જ ક્યાંકથી રેડિયો પરથી સંભળાયું, ‘કોઇ કોઇનું નથી રે…કોઇ કોઇનું નથી…’

એક મોટો નિસાસો નાખી શીલાએ કહ્યું, ‘સાવ સાચી વાત છે ભાઇ….’

આજે શીલાને બકુલના લીધેલા પગલા માટે માન થયું. આ સોસાયટી ત્યારે નવી બનતી હતી. ત્યારે બાજુનો વિસ્તાર એટલો ડેવલપ થયેલો ન હતો એટલે ભાવ ઘણા નીચા હતા.

‘આપણે વરસોથી રહીએ છીએ એ ચાલી શું ખોટી છે કે આવા ઉજ્જડ વિસ્તારમાં રહેવા આવવાનું તમને સુજ્યું બકુલ?’

‘માણસે હંમેશા આગળ નજર રાખવી જોઇએ.’ કહી બકુલે વાત ટાળેલી.

શરૂઆતમાં તો આ નવા પડોશીઓ, તેમાં મરાઠી. વળી શાક, પાન અને ઘરની જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે જરા દૂર જવું પડતું એ જરા આકરૂં તો લાગતું હતું, પણ આપણો સ્વભાવ દૂધમાં સાકર ભળે એમ ભળી જવાનો હોય તો પારકા પણ પોતાના થતાં વાર નથી લાગતી. શીલાનો સ્વભાવ જ એવો હતો તેથી ચાલીમાં રહેતા હતા ત્યારે આજુબાજુમાંથી જેમ ‘શીલાબેન…’ ‘શીલામાસી…’ જેવા શબ્દો સંભળાતા હતા તેમ તે અહિ પણ સંભળાતા હતા. હવે એ પણ અહીંના વાતાવરણમાં ભળી ગઇ.

ફલેટ વેચાઇ જાય પછી એણે જે પગલું ભરવાનું છે તે માટે વૃધ્ધાશ્રમની તપાસ કરવી જોઇએ. એ બાબત બંને દીકરીઓ અને તેના નીચ અને હલકટ જમાઇઓને ગંધ પણ ન આવવી જોઇએ. એ માટે કોની મદદ લેવી…? અચાનક શીલાને એની જુની સખી મિત્રા યાદ આવી ગઇ. એણે તરત જ ફોનના ચકરડા ફેરવ્યા.

‘હલ્લો….મિત્રા…હું શીલા…’

‘……….’

‘લે ભૂલી ગઇ કે હું…?’

‘………..’

‘જવા દે. મારે તારી સાથે ઘણી વાતો કરવી છે. તો મને મળવા આવ.’

‘………..’

‘તો આવે છે ને? હું રાહ જોઉ છું. ભલે મૂકુ છું.’

લગભગ ૧૫ મિનિટ પછી મિત્રા આવી. એ દરમિયાન જ બનાવી રાખેલી ચા શીલાએ ગાળી તો મિત્રાએ કહ્યું,

‘શીલા…તું બહાર બેસ હું લાવું છું.’

‘આજે તને ફૂરસદ મળી ગઇને શું?’ હોઠે કપ માંડતા મિત્રાએ પુછ્યું.

‘મને ઢોસા બહુ ભાવે, પણ એકલી માટે બનાવતા કંટાળો આવતો હતો. થયું તું આવે તો બંને માટે બનાવીએ….’

‘મિત્રા સમજી ગઈ કે વાત કોઈ જુદી છે અને શીલાનું વર્તન જુદું છે કારણ ફોનમાં જે કહ્યું હતું તે વાત આ નથી. પણ પોતાની ઇંતેજારી છૂપાવતા તે બોલી, ‘વાહ, ઢોસા તો મારી પ્રિય વાનગી. ચાલ આપણે સાથે મળી બનાવીએ જેથી વાતો પણ થશે અને જલદી બની રહેશે.’

રસોડામાં ગયા પછી મિત્રા બોલી કે મારા હાથની કોપરાની ચટણી બહુ સારી થાય છે એટલે તે તો હું જ બનાવીશ. તું ખીરું ફ્રિજમાંથી કાઢી ઢોસા બનાવવાની તૈયારી કર.

બંને પોતાના કામમાં વ્યસ્ત થયા અને સાથેસાથે વાતો તો ચાલુ જ હતી પણ મિત્રાને ખબર હતી કે શીલા ધ્યાનબહાર વાતો કરે છે. જરૂર કોઈ મોટી મૂંઝવણ લાગે છે નહી તો મને આમ અચાનક બોલાવે નહી. પણ થોડી ધીરજ ધર મિત્રા, બધું આપોઆપ બહાર આવશે, કારણ તે શીલાને સારી રીતે ઓળખતી હતી.

બીજી બાજુ શીલાએ પહેલો ઢોસો ઉતાર્યો અને મિત્રાને કહ્યું કે તું જા ડાઈનિંગ ટેબલ પર બેસ. હું તને ગરમ ગરમ ઢોસો ખવડાવું. એકદમ પાતળો ઢોસો જોઇ મિત્રાએ કહ્યું, ‘આ તો અસલ મદ્રાસી હોટલ જેવો છે.’

‘મારા બકુલને એ બહુ ભાવતા…હંમેશ કહેતા શીલા તારા હાથમાં જાદુ છે.’

‘વાહ! સાવ સાચી વાત હતી બકુલભાઇની.’ ઢોસાનો કોળિયો ભરતા મિત્રાએ કહ્યું.

જમવાનું પુરૂ થયું તો મિત્રાએ કહ્યું, ‘બસ, બહુ થયું હવે. તું સોફા પર બેસ. હું રસોડાની સાફ સફાઇ કરૂં છું.’

શીલાને આ ગમ્યું. આજે કેટલા વખત પછી ઢોસા ખાધા. કોરાણે મુકેલું છાપુ ઉપાડ્યું અને પાના ફેરવવા લાગી. મિત્રાએ રસોડામાંથી ફારગ થઇ સોફાની બાજુમાં રિમોટ કંટ્રોલ જોઇ પુછયું, ‘શીલા. તું ટી.વી. નથી જોતી?’

‘બકુલ હતા ત્યારે જોતા હતા. પણ મારી દીકરીઓ અને જમાઇઓના બેહૂદા વર્તન પછી નથી જોતી.’

‘કેમ….?’

‘આ ટી.વી.ની સિરિયલ અને ફિલ્મોમાં સાસુ વહુના ઝઘડા, વહુઘેલા દીકરાઓ અને તરછોડાયલા માબાપની વાર્તા સિવાય હોય છે શું? એ જોઇ મારી દીકરીઓ અને જમાઇઓએ આપ્યા છે તે જખમ તાજા થઇ જાય છે. જૂના જખમોને જો…’કહી શીલા ચેનલ્સ ફેરવવા લાગી. એક ચેનલ પર રજુ થતું રાજેશ ખન્નાનું હિટ મૂવી ‘આનંદ’ શરૂ થતું હતું.

મિત્રાએ કહ્યું, ‘બસ એ રહેવા દે. બહુ જ સરસ ફિલ્મ છે. એમાં તને ન ગમતું તત્વ નથી.’

ફિલ્મ શરૂ થઇ અને રાજેશ ખન્ના માટે અમિતાભ બચ્ચન અને રમેશ દેવ વચ્ચે બોલાતા ડાયલોગમાં જ્યારે અમિતાભે કહ્યું, ‘યહ કમબખ્ત બિમારી હી ઐસી હૈ. લાસ્ટ સ્ટેજ પર ન આ જાય તબ તક પતા હી નહીં ચલતા. બાય ધ વે ઇટ ઇઝ ટુ લેટ…કુછ નહીં હો શકતા.’ ત્યારે તે સાંભળીને શીલાને બકુલ યાદ આવી ગયો. થોડી બચેલી જિંદગીમાં બધા કામ આટોપવા મથી રહ્યો હતો તે દીવા જેવું સત્ય શીલાને સમજાઇ ગયું એટલે એના આંખમાંથી બોર બોર જેવડા આંસુ ટપકી પડ્યા. એ જોઇ મિત્રાએ તરત જ શીલાની બાજુમાં બેસી આંસુ લુછતા કહ્યું, ‘શીલા, આ ફિલ્મ છે તેમાં આટલી ભાવુક શું થઇ ગઇ?’

શીલા હળવે રહી ઊભી થઇ અને બકુલનો રિપોર્ટ લઇ આવી ને મિત્રાના હાથમાં આપ્યો. એ જોઇ મિત્રાએ પુછ્યું, ‘મારા બનેવીને કેન્સર હતું?’

‘હા…’કહી શીલા ફરી રડી પડી. મિત્રાએ ટી.વી. બંધ કરી કહ્યું, ‘ચાલ જરા બાલ્કનીમાં બેસીએ….ત્યાં શીતળ પવનમાં તને સારૂં લાગશે.’

‘તને ખબર છે મિત્રા? મને દરિયાકિનારો બહુ જ ગમતો અને જ્યારે મારી બંને દીકરીઓ નાની હતી ત્યારે રવિવારે અમે અચૂક દરિયાકિનારે ફરવા આવતા. છોકરીઓ રેતીમાં રમતી અને હું અને બકુલ અસ્ત થતા અને સાગરમાં ડૂબકી મારતા સૂર્યને, તેનાથી બદલાતા આકાશના રંગોને, કુંજલડીઓની ઉડતી હારને મન ભરીને જોતા. કેવા આનંદિત દિવસો હતા…’કહી શીલાએ એક મોટો નિસાસો મુક્યો.

વાતના દોરને બીજે વાળવા મિત્રાએ પુછ્યું, ‘અરે હા, તું કહેતી હતી કે તારે ઘણી બધી વાતો કરવી છે. એ શું હતું?’

‘જો મારા પગમાં ફેકચર થયુ અને તેં મારી ખડેપગે સેવા કરી ત્યારે મારી દીકરીઓ અને મારા જમાઇઓના તોછડાઇ ભરેલા વર્તનની અને માથે બોજ બની છું એવી વાતો અને અવહેલના સાંભળી અને જોઇ છે, એટલે જ હું મારા ઘેર પાછી આવી ગઇ. પણ હવે મને આ ખાલી વિશાળ ઘર ભૂતબંગલા જેવું ભાસે છે.’ આજુબાજુ નજર કરતા શીલાએ કહ્યું.

‘ભૂતબંગલો…?’

‘મિત્રા, મને વચ્ચે ટોકતી નહીં, નહિતર કદાચ હું કહેવા માંગુ છું એ નહીં કહી શકુ. તો આપણે ક્યાં હતા…?

‘ભૂતબંગલામાં…’

‘હા, તો મેં મારા ફ્લેટની કિંમતની આકારણી કરાવી છે. એના બે કરોડ ઉપજે એમ છે. આ ઘર છોડી હું કોઇ વૃધ્ધાશ્રમમાં રહેવા જવા માંગુ છું. મારા ફલેટની ઉપજતી બે કરોડની રકમમાંથી હું જે આશ્રમમાં રહેવા જઇશ તેને એક કરોડ દાન આપીશ. જેના બદલામાં આશ્રમે મારી સારી રીતે હું ચાહું તેમ સંભાળ લેવાની જવાબદારી ઉપાડવાની અને બાકીના એક કરોડ હું મારી પાસે રાખીશ. જે હું મારી ઇચ્છા મુજબ સદ્‍કાર્યો માટે વાપરી શકું. તો તારે અહીં જેટલા વૃધ્ધાશ્રમ છે ત્યાં મને લઇ જવાની છે. એ જોઇ હું નક્કી કરીશ કે મારે ક્યાં રહેવું.’

 

અન્ય શરત (૧૪) નિરંજન મહેતા

મિત્રા- મારી સખી, મારી માર્ગદર્શક. મારી વાત સાંભળી તે એક મિનિટ તો અવાચક થઇ ગઈ. તેને ખબર હતી કે મારા પોતાના લોકો તરફથી મારા માટે કેવો વ્યવહાર થયો હતો પણ તેને કારણે હું આવો નિર્ણય લઈશ એવી તેની ગંધ પણ ન હતી.

‘શું વાત કરે છે તું?’

‘હા, બહુ વિચાર કરીને જ આ અંતિમ નિર્ણય પર આવી છું.’

‘મને કહેતા પહેલા તેં તારા દીકરીઓ અને જમાઈઓને આ વાત કરી જ હશે.’

‘હોતું હશે? તો તો મને આગળ વધવા જ ન દે. યેનકેન પ્રકારે તેઓ મને આમ કરતા રોકે અને પછી ફરી પાછી તે જ રામાયણ – તેમની ઓશિયાળી.’

‘પણ જ્યારે તેઓને જાણ થશે ત્યારે?’

‘જાણ થાય તો ને? ત્યારની વાત ત્યારે. અત્યારે તો તારા સિવાય કોઈને આ વાત નથી કરી એટલે તેઓને જાણ થાય એ પહેલા તો બધું પતી ગયું હશે. અરે, બાજુવાળા રમીલાબેન સાથે આટલો સારો સંબંધ છે પણ તેમને પણ હમણા નથી કહેવું, કારણ એક હિતૈષીને નાતે તેમનાથી નહી રહેવાય. તેઓ કાં તો આંમ ન કરવા સલાહ આપશે અથવા તો દીકરીઓને જણાવી મને આમ કરતા રોકવાનો પ્રયત્ન કરશે. હવે કહે, તું મને મદદ કરશે કે કેમ?’

‘અન્ય કોઈ વિકલ્પ નથી?’

‘એક વિકલ્પ હતો, રાજેશ. પણ તને ખબર છે ભાભીના સ્વભાવની. ઉપરથી દમના દર્દી એટલે હું તો ઊલમાંથી ચૂલમાં પડું. વળી રાજેશ કામસર અવારનવાર બહારગામ રહેતો હોય એટલે ભાભી સાથે રહેવું તે એક વિચારવાલાયક વાત. તો પણ તે વિકલ્પ નજરઅંદાજ ન કર્યો અને ફોન કર્યો હતો. પણ રાજેશને તો ચાઈના જવાનું હતું તેની તૈયારીમાં હતો એટલે ભાભીએ ફોન ઉપાડી વાત કરી. જો કે પછી રાજેશ જોડે વાત થઇ પણ તે કેમ છો જેવી સામાન્ય વાતો પર જ અટકી કારણ તેને મારી પરિસ્થિતિ અને મૂંઝવણ કહેતા મન અચકાયું એટલે ફોન મૂકી દીધો.’

‘જો શીલા, આ તારો નિર્ણય છે. તે સમજી વિચારીને આ નિર્ણય લીધો છે. હું તને વર્ષોથી ઓળખું છું. એક તો તારી વિચારશક્તિની મને જાણ છે. તે ઉપરાંત તારી પરિસ્થિતિનો પણ મને ખયાલ છે. ભલે હું તારા આ નિર્ણય સાથે સો ટકા સહમત ન હોઉં અને તને અન્ય વિકલ્પ માટે વિચારવા કહું પણ તું મને જ તે વિકલ્પ વિષે પૂછે તો મારી પાસે પણ તેનો જવાબ નથી કારણ મારી પોતાની જિંદગીમાં હું આવા સંજોગોમાથી પસાર થઈ છું અને તું જાણે છે કે મેં પણ તારા જેવો જ વિકલ્પ વિચારી અમલમાં મૂક્યો છે.’

‘એટલે તો તને યાદ કરી કે તારા અનુભવો હવે હું અનુભવી રહી છું એટલે તું પણ સકારાત્મક સલાહ અને ટેકો આપશે.’

‘હા ભાઈ હા – આવ ભાઈ હરખા, આપણે બે સરખા – આ વાતનો તું બખૂબી લાભ લે છે!’

‘મિત્ર કોને કહેવાય? લાભ લેવો હોય અને લાભ મળે તેને જ ને? ચાલ, હવે આગળ કેવી રીતે વધશું તેનો વિચાર કરીએ, કારણ આ કાર્ય એકદમ સહેલું નથી.’

આ કામ એક દિવસમાં પતે એમ ન હતું. વાત જ એવી હતી કે વિચાર વિમર્શ કરવા ખૂબ સમયની જરૂરિયાત હતી. હવે રોજ રોજ મિત્રાને આવવા કરવાની મુશ્કેલી પડે તે કારણે મેં મિત્રાને થોડા દિવસ મારી સાથે જ રહેવા કહ્યું જેથી નિરાંતે ચર્ચા કરી શકાય અને આગળ વધી શકાય.

મિત્રાને પણ આ વાત ગળે ઉતરી એટલે જે વૃદ્ધાશ્રમમાં તે રહેતી હતી તેના સંચાલકની રજા લઈ મારી સાથે થોડા દિવસ રહેવા આવી.

પછીના દિવસો તો બધી રીતે આનંદમય બની ગયા. એક તો મારા નિર્ણયને કારણે મનમાં શાતા તો થઇ હતી પણ તેમાં મિત્રાનો સાથ અને સહકાર મળ્યો એટલે ઓર આનંદ થયો. જુદા જુદા વૃદ્ધાશ્રમોની તપાસ અમે જોરશોરથી કરતા. સાથે સાથે રોજ અવનવી વાનગીઓ બનાવી તેને માણતા. તો સવારે ઉઠીને સૂતા સુધી ભૂતકાળની વાતોને મમળાવતા, કોઈવાર સ્કૂલની બહેનપણીઓને યાદ કરી ક્યાં હશે તેનો વિચાર કરતા. તો ક્યારેક મિત્રા પોતાના પુત્રના વર્તાવની વિતકકથા યાદ કરી આંસુ સારતી અને મારે તેને સાંત્વના આપવી પડતી. મારી વિતકકથા તો તે જાણતી જ હતી એટલે તેને યાદ કરવાનો કોઈ મતલબ ન હતો એટલે તે વિષે હું ચૂપ રહેતી. મિત્રા પણ આ સમજતી એટલે તે તરફ કોઈ ઈશારો પણ ન કરતી.

દીકરીઓ સામાજીક ફરજ સમજી ક્યારેક ફોન કરે પણ પહેલા જેવો ઉમળકો ક્યાંથી હોય? હું પણ વાત કરૂં પણ મારૂં મન કળવા ન દઉં. આડકતરો ઈશારો થાય કે હજી પણ સમજીને ફ્લેટ વેચી તેમની સાથે રહેવા જાઉં. હું પણ વિચારમાં છું કહી તેમને કોણીએ ગોળ ચોટાડતી રહી અને મનમાને મનમાં એક અવર્ણનીય આનંદ માણતી.

એક દિવસ આશા અને જીજ્ઞાસા બંને સાથે આવી ગયા. અચાનક તેમને આવેલા જોઈ શીલા બે મિનિટ તો અચકાઈ પણ આવકાર્યા. મિત્રાને જોઈ તેમને આશ્ચર્ય થયું પણ તે વ્યક્ત ન કર્યું.

‘કેમ છો માસી? તમે પણ આજે જ મળવા આવ્યાને શું? તમને મળીને આનંદ થયો.’

‘ના ના, હું તો બે-ચાર દિવસ તારી મમ્મીને કંપની આપવા, રહેવા આવી છું. મને પણ મારા વૃદ્ધાશ્રમના રોજિંદા જીવનમાંથી થોડો ચેન્જ મળે અને તારી મમ્મીને પણ.’

‘એટલે તો અમે પણ આજે તે માટે આવ્યા કારણ ફોન તો કરીએ પણ તે ઉપર વાતો બહુ ન થાયને?’

શીલાએ વિચાર્યું, ‘મને ખબર છે તમારા આવવાનું ખરૂં પ્રયોજન. ફ્લેટ વેચી નાખું એટલે તમને ભયોભયો! પણ હું શું નથી જાણતી તમને અને તમારા વિચારોને? મારા વિચારોની ખબર પડશે અને તમે ત્યારે જે આંચકો અનુભવશો તે વિચારે જ મારૂ મન પ્રફુલ્લિત થાય છે.’

‘માસી,’ જીજ્ઞાસા બોલી, ‘ તમે અહિ રહેવાના છો તો મમ્મીને સમજાવોને અમારી સાથે રહેવાને? તેમના દોહિત્રો અને દોહિત્રી તો પૂછ્યા કરે છે કે નાની ક્યારે આપણી સાથે રહેવા આવશે? જમાઈઓને પણ ચિંતા છે કે આમ એકલા રહેતા હોય અને કાઈ થાય તો?’

‘શું મેં તેને આ વિષે નહી કહ્યું હોય? પણ તમે જાણો છો કે તમારી મમ્મી કેટલી મક્કમ વિચારની છે? જ્યાં સુધી તેનું મન માનશે નહી ત્યાં સુધી તે આ ઘર છોડી તમારે ત્યાં રહેવાનો વિચાર નહી કરે. હું તો તેને નાનપણથી જાણું છું એટલે તેને દબાણ કરવાનો પણ અર્થ નથી.’

‘વાહ મિત્રા, દોસ્ત હો તો આવા!’ શીલાએ મનમાને મનમાં મિત્રાને શાબાશી આપી.

થોડી આડીઅવળી વાત કરી બંનેએ વિદાય લીધી એટલે હું અને મિત્રા એક્બીજા સામે જોઈ ફક્ત મર્ક્યા..

પછી અમારો દોર ચાલુ હતો. મુંબઈ બહારના આવેલા વૃદ્ધાશ્રમોની સગવડ જોવા રૂબરૂ પણ જઈ આવ્યા પણ ક્યાય મનને ન ગોઠે. કા તો વાતાવરણ અનુકૂળ નહી, કા તો મારે જોઈએ તેવી સગવડનો અભાવ.

મિત્રાએ એક દિવસ કહ્યું, ‘ચાલ મારી સાથે. એક સારા વૃદ્ધાશ્રમની વાત મળી છે.’ અને અમે ‘વિસામો’માં પહોંચ્યા. ત્યાના સી.એમ.ને મળી શું સગવડ છે, કેવી રીતે રહેવા મળે છે, વગેરેની પૂછપરછ કરી. પહેલી મુલાકાતમાં અમે અમારો પ્લાન કહ્યો નહી, કારણ જ્યાં સુધી પાકો નિર્ણય ન લેવાય ત્યાં સુધી શા માટે તેમને ખોટી આશા આપવી?

બે દિવસ વિચાર કરી ફરી ‘વિસામો’ની મુલાકાત લીધી. હવે અમે સી.એમ.ને અમારો વિચાર જણાવ્યો કે જો હું ‘વિસામો’ને એક કરોડ રૂપિયાનું દાન આપું તો મને જીવું ત્યાં સુધી રહેવા મળે અને મારી બધી જરૂરિયાતો સચવાય? આમ તો દરેક વૃદ્ધાશ્રમમાં હોય છે તેવી બધી સગવડો અહિ પણ હતી જ પણ મારી અમુક ખાસ જરૂરિયાતો, જે અન્યોને મળતી ન હતી, તે પણ સચવાય તેવી મારી ઈચ્છા હતી.

એક કરોડ રૂપિયાની વાત સાંભળી સી.એમ.તો લગભગ ઉભા જ થઇ ગયા. સારૂં થયું કે તે બેભાન થઇ ઢળી ન પડ્યા. એમ થાય તો તેની નવાઈ ન જ હોયને, કારણ આટલી મોટી રકમ કોઈએ આજસુધી દાનમાં આપી હશે કે કેમ તે શંકાનો વિષય હતો.

આવા પ્રકારનો પ્રસ્તાવ પણ અનોખો હતો જે માટે સી.એમ.ને નિર્ણય કરવાની સત્તા ન પણ હોય, એટલે તેમણે જણાવ્યું કે તે મુખ્ય ટ્રસ્ટીને વાત કરી એક-બે દિવસમાં જણાવશે. મુખ્ય ટ્રસ્ટી પણ આ પ્રસ્તાવને લઈને અચંબામાં પડ્યા જ હશે તેમાં કોઈ શંકા ન હતી. તેમણે પણ કોઈ નિર્ણય લેતા પહેલા અન્ય ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરી હોય તે સ્વાભાવિક છે. જે હોય તે, બે દિવસ પછી શીલાને સી.એમ.નો ફોન આવ્યો અને બધી શરતો કબૂલ છે તેમ જણાવ્યું. સાથે સાથે ક્યારે આવશો તેમ પણ પૂછ્યું જેથી તેમના રહેવાની બધી તૈયારીઓ તેમના આવતા પહેલા થઇ શકે.

શીલાએ કહ્યું કે હવે તે ફ્લેટ વેચવાની પ્રક્રિયા પૂરી કરશે અને ત્યારબાદ તેના આવવાનો કાર્યક્રમ જણાવશે.

થોડા જ દિવસમાં મિત્ર એજન્ટે બધી વિધિ પતાવી દીધી. મેં પણ તેમને વિનંતી કરી હતી કે મને બને તેટલી રકમ ચેકથી મળે એટલે રોકડા સાચવવાની ચિંતા નહી. એ ધ્યાનમાં રાખી તેમણે આ સોદો પતાવી આપ્યો હતો. મેં પણ તેમને દલાલીની રકમ એક ટકાને બદલે બે ટકા આપી. જો કે તે તો પહેલા માનતા ન હતા પણ બકુલના નામે ઈમોશનલી બ્લેકમેલ કરી મારું ધાર્યું કરીને જ રહી.

આ બધી વાટાઘાટો તેમની ઓફિસમાં જ પતાવી જેથી કોઈને, ખાસ કરીને રમીલાબેનને કોઈ શંકા ન જાય. વળી ફ્લેટ લેનાર ભાઈને કહ્યું હતું કે મારે ફક્ત કપડાં અને મારી જરૂરિયાતની ચીજો લઈને જવું છે. જ્યાં જાઉં છું ત્યાં સરસામાન, ઘરવખરી વગેરેની કોઈ જરૂર નથી. આ બધું આ બે કરોડમાં સામેલ છે. તમારે જે કાઈ રાખવું હોય તે રાખજો અને જે ન જોઈએ તે કાઢી નાખજો. મેં તેમને એ પણ સૂચના આપી કે ભવિષ્યમાં મારી દીકરીઓ અહી આવે તો મારા વિષે કોઈ જાણકારી નથી તેમ જણાવજો.

એક સારા દિવસે એક મોટી સુટકેસમાં મારા બધા કપડાં અને જરૂરિયાતની ચીજો લઈને ઘરને તાળું મારતી હતી ત્યારે બાજુવાળા રમીલાબેન બહાર આવ્યા અને પૂછ્યું કે ક્યાં ચાલ્યા? હું મિત્રા સાથે ચારધામ યાત્રાએ જાઉં છું અને એકાદ મહીને પાછી આવીશ. કમને ખોટું બોલવું પડ્યું પણ છૂટકો ન હતો કારણ જ્યારે જતે દિવસે મારી દીકરીઓને મારો સંપર્ક નહી થાય, કારણ મેં ફોન કનેક્શન કઢાવી દીધું હતું, ત્યારે તેઓ જરૂર રૂબરૂ આવી રમીલાબેનને પૂછશે અને જો રમીલાબેન સાચી વાત જાણે તો મારો આખો પ્લાન ઊંધો થઇ જાય.

મિત્રા સાથે શીલા વૃદ્ધાશ્રમમાં પહોંચી તો મુખ્ય ટ્રસ્ટી અને બીજા એક બે ટ્રસ્ટી જાણે તે કોઈ મહાન વ્યક્તિ હોય તેમ તેનું સ્વાગત કરવા ઉભા હતા. બધાએ સાથે બેસી ચા-પાણી કર્યા અને મુખ્ય ટ્રસ્ટીએ કહ્યું કે કોઈ પણ જાતની તકલીફ થાય તો વિના સંકોચ તેમનો સંપર્ક કરવો.

પહેલી રાતે તો પોતાના ઘર બહારના આ નવા માહોલમાં કાઈક ગોઠયું નહિ. ક્યાંક સુધી શીલાને ઊંઘ ન આવી. મોડી રાતે જ્યારે આંખ મળી ત્યારે સપનામાં બકુલ દેખાયો. ‘વાહ, શીલા. તું તો મારી અપેક્ષાની ઉપર ઊઠી. તારી આ નિર્ણાયક શક્તિને દાદ દેવી પડે. જીવનભર એક સસલીની જેમ મારી પડખે રહેનાર આજે એક નારીશક્તિ દાખવે તે માટે હું ગર્વ અનુભવું છું.’

‘શું કરૂં બકુલ? સંજોગોએ આ બધું મારી પાસે કમને કરાવ્યું. મને આ ગમ્યું હશે તેમ ન માનતા.’

‘જે કર્યું તે સારૂં જ કર્યું છે. હવે તું શાંતિથી તારી પાછલી જિંદગી વિતાવી શકાશે.’

‘જનકલ્યાણ’ વાંચતા વાંચતા સ્મરણયાત્રામાં ગરકાવ શીલાબેને અચાનક પોતાના નામની બૂમ સાંભળી. તે તંદ્રામાંથી જાગી અને જોયું તો સામે બકુલ નહિ પણ સી.એમ. ઊભા હતાં.

‘શું વાત છે, સી.એમ.?’

‘જી, ફક્ત એ કહેવા કે કોઈ આશા અને જીજ્ઞાસા નામની બે સ્ત્રીઓ શીલાબેન વિષે તપાસ કરવા આવી હતી પણ અહી શીલા નામની કોઈ મહિલા નથી એમ કહી તેમને રવાના કરી દીધા.’

‘થેંક્યું, સી.એમ., તમે મારી અન્ય શરત કે મિત્રા સિવાય કોઈને, ખાસ કરીને તમે જે નામ કહ્યા તે સ્ત્રીઓને કે તેના બાળકોને હું અહી રહું છું તેની જાણ ન થવા દેવી, તેનું તમે બરાબર પાલન કર્યું.’