ગ્રુહ પ્રવેશ

gruhapravesh

પ્રકરણ ૧ ગૃહ પ્રવેશ -રેખા પટેલ “વિનોદિની”

વૈશાખ મહિનામાં પશુપંખી સાથે ઝાડપાન પણ આકળ વિકળ જણાતા હતા. બહાર આંગણામાં મારી સાથે સવારના પહોરમાં વાતો કરતો મારો લાલચટ્ટાક ગુલમહોર પણ કંઈક મુરઝાએલો  હતો. બજારના મોટાભાગના કામ હું જાતેજ પતાવતી. શરદ આખો દિવસ તેમના કામમાં બીઝી રહેતાં અને સાંજ પડે તેમને સીધું ઘર દેખાતું. ઘરે આવીને બહારનો ઝાંપો ખોલતાની સાથે ” સ્મિતા ક્યા છે તું” ની બુમો શરુ કરી દેતા. આજુ બાજુ પડોશમાં બધાય જાણતા શરદને બધા વિના ચાલે પણ સ્મિતા વિના એકપણ દિવસ નાં ચાલે. અને એ પણ નફફટ થઈ બોલનારને સામે કહી દેતા ” જો સ્મિતા સાથે હોય તો હું જંગલમાં પણ એકલો મઝાથી રહું “. આથી તેમની ખુશીમાં હું ખુશ માની બહારના બધા કામ તેમના ઘરે આવતા પહેલા પતાવી દેતી. જેથી તેમની એક બુમ સાથે હું ચ્હાનો કપ લઇ હાજર થઇ શકું. મારા હાથમાં રહેલા ચ્હાના કપ સાથે મારી ચાહ ભળી જતી અને તેની અસર શરદ ચહેરાને ચમકાવી દેતી. દિવસભરના તેમના થાક અને કંટાળાને ભગાવી દેતી. મારા આ નાના પરિવારની સુગંધ મને શરદને, અને બાને સાચવી લેતી હતી. આમ અમારો સુખી સંસાર મઘમઘતો હતો.

આજે કોણ જાણે માર્કેટમાં વાર લાગી. તેમાય રસ્તામાં મારી જૂની ફ્રેન્ડ મંજૂષા મળી ગઈ. તે ભારે વાતોડિયણ અને તેમાય તેનો પાંચ વર્ષની દીકરો રવિ તો બાપરે પરાણે વહાલો લાગે તેવો હતો. તેમની સાથે આઈસ્ક્રીમ ખાવામાં અને તેને રમાડવામાં મારો બીજો અડઘો કલાક નીકળી ગયો.

” આંટી તમે મારી મમ્મીની ફ્રેન્ડ છો? તો મારી ફ્રેન્ડ કેમ નથી?” રવી બોલતો હતો.

” હા ભાઈ હું તારી પણ ફ્રેન્ડ છું બસ, હવે તારી મમ્મી કરતા પણ વધારે ખાસ ” હું તેને પટાવતી રહી અને જાતે ખુશ થતી રહી.

કેટલો મીઠો લાગતો હતો મંજુષાનો દીકરો. આખાય રસ્તે રવિની કાલીઘેલી વાતોને વાગોળતી હું ટેક્સી કરીને ઘર તરફ વળી હતી. તાપથી થાકેલી હું ઘરે આવી ત્યારે શરદ આવી ગયા હતા. હું ઝડપભેર ઘરમાં દાખલ થવા બારણું ખોલી અંદર આવું ત્યાં બાનો ઘીમો દબાએલો અવાજ કાને પડયો

“ક્યા સુધી આમ રાહ જોઈ બેસી રહેવાનું ?

તારી પાછળ લગ્ન થયેલા પણ બબ્બે છોકરાં ના બાપ બની ગયા!

આ શબ્દો સાંભળતા હૃદય એક થડકારો ચૂકી ગયું.”

બહારની ગરમીમાં જાણે બળતામાં ઘી હોમ્યું હોય એવો ભાસ થયો. મારે તો પગ નીચેથી ઘરતી ખસી ગઈ. જે વાતને સાંભળવા અને વિચારવાથી હું કોશો દૂર રહું છું તે વાત આજે સામે ચાલીને આવી ગઈ હતી. હું જાતને પડતી બચાવવા બારસાખને ટેકો દઈ થોભી ગઈ.

પણ ત્યાંજ શરદનો અવાજ કાને પડ્યો

બા …બસ કરો સ્મિતા મારી પત્ની અને તમારી વહુ છે !! શરદનાં આ શબ્દોએ મને ફસડાઈ પડતા રોકી લીધી.

“હા ભાઈ હું જાણું છુ એ તારી પત્ની છે માટે જ મારી આ માંગણી યોગ્ય રહી છે. સ્મિતા સારી પત્ની સાથે સારી વહુ છે, અને તેની હું ક્યા નાં પાડુ છુ. પણ તુજ કહે હું શું કરું? આજકાલ કરતા તારા લગ્નને ૧૧ વર્ષ થયા અને તેનો સારો દિવસ જોવા મેં શું નથી કર્યું? દવા દારુ ભુવા જાગરિયા .. …

વહુને મેં જરાય ઓછું આવવા દીધું નથી. એ બાપ વગરની છોકરી છે વિચારીને લગ્નના દિવસ થી આજ લગી ક્યારેય કોઈ માંગણી કરી નથી. હવે દીકરાના સુખ માટે તેના આટલું માગવું ગેરવ્યાજબી નથી.” બા બોલ્યા.

થોડીવારની ચુપકીદી પછી વળી બાએ વાત આગળ વધારી “તને યાદ છે ને કે લગ્નના સમયે આપણા સગાવહાલા સામે વહુનું અને તેના પીયેરીયાનું સારું દેખાય એ માટે મેં સામે થી દાગીના અને કપડાં વહેલા મોકલી આપ્યા હતા. પરંતુ હવે આ ઈચ્છા તો વહુ એ પૂરી કરવી રહી.”

બાની વાત સો ટકા સાચી હતી. હું અતીતમાં ઘકેલાઈ ગઈ….. હું પંદર વર્ષ અને નાની મનીષા ૧૩ વર્ષની હતી ત્યારે  મારા પપ્પાનું ટુકી માંદગીમાં મૃત્યુ થયું હતું. મિલકતના નામે ગામમાં ઘર અને પંદર વીઘા જમીન હતા. પપ્પાના બે ભાઈઓ એ અમારી જમીન ખેડવા લીધેલી જેમાંથી માંડ ઘરખર્ચ ચાલે એટલું મમ્મીને આપતા હતા. મમ્મી સ્વભાવે બહુ માયાળુ હતા. આથી બહારની મદદ અમને ઘણી રહેતી. પરિણામે બીજી કોઈ તકલીફ વિના અમે મોટા થઈ ગયા. મમ્મીની છત્ર છાયાંમાં અમે મોટા થઇ ગયા. તેમણે બધી ખોટ પડવા દીધી હશે પરંતુ સંસ્કારોની ખોટ કદીયે સાલવા દીધી નહોતી. અમારી વચમાં બહુ હેત હતું.

હા! મારા લગ્ન વખતે મારી મમ્મીને બહુ તકલીફ રહી હતી. તેમના દાગીનામાંથી અડઘા તોડાવી મારી માટે થોડું નવું બનાવડાવ્યું અને જેમ તેમ કરી કાકાઓ નાં અહેસાન તળે દબાઈને મમ્મીએ લગ્નની બીજી તૈયારીઓ કરી હતી. લગ્નને આડે ચાર દિવસ બાકી રહ્યા અને શરદના કાકા અને બીજા એક વડીલ અમારે ઘરે મળવા આવ્યા હતા. શરદના કુટુંબ તરફથી આવેલા આ બે વડીલ હતા. મમ્મી અને બે કાકાઓ સાથે તેઓ અંદરના ઓરડામાં બેસીને થોડી વાતો કરી. પછી ચાય નાસ્તો કરી તેઓ ચાલ્યા ગયા. ત્યાર પછી બેઉ કાકા માથું ધુણાવતા બહાર નીકળી ગયા. પરંતુ મમ્મીની આંખો રડતી હતી. હું નાનપણથી મમ્મીને જોતી સમજાતી અવી હતી. આથી પરિસ્થિતિ ઘણાખરાં અંશે સમજી ગઈ. છતાં પણ બહુ પૂછતાં મમ્મીએ સાચું જણાવ્યું કે તે લોકોએ તેમનું સારું દેખાય તે માટે જણસમાં પાંચ તોલાનો સોનાનો સેટ અને જમણવાર પછી નજીકના સગાઓને નાની મોટી ભેટ આપવી. જેથી તેમની નાતમાં વાહ વાહ થાય.

હું અમારી ખાસ કરીને મમ્મીની સ્થિતિ જાણતી હતી. મારા પછી મનીષાની જવાબદારી પણ એણે આજ રીતે ઉપાડવાની હતી . છેવટે બહુ વિચાર કરી મેં શરદને ફોન જોડ્યો હતો. અને આ લગ્ન બંધ રાખવા વિનંતી કરી. શરદ બહુ સમજુ હતા. અને તેમને હું પ્રથમ નજરે પસંદ આવી ગઈ હતી. બહુ સ્નેહ સાથે તેમને મારી ના નું કારણ પૂછ્યું . અને જવાબમાં મેં આખી વાત જણાવી દીધી હતી. તે વખતે તો તે માત્ર હમમમ… હા કહીને વાત ટુંકાવી દીધી હતી. હું બહુ નિરાશ અને દુઃખી હતી. તે રાત મને બહુ દુઃખ થયું હતું. પપ્પાની બહુ યાદ સતાવતી હતી. હું જાણતી હતી મમ્મીની પણ આજ હાલત હતી. બસ બહુ થયું મારે હવે મમ્મીનો સહારો બનાવો છે. હું જોબ કરીશ એમ વિચાર્યા પછી તે રાત્રે હું શાંતિથી સુઈ શકી હતી.

બીજા દિવસની સોનેરી સવાર સાચા અર્થમાં સોનાની બની ગઈ. અમારા આશ્ચર્ય વચ્ચે શરદ અને બા ટેક્ષી કરીને અમારા ઘરે આવ્યા. મમ્મી તો તેમને જોતા હાંફળી ફાંફળી બનીને તેમને આવકારવા લાગી. પણ મને એક આશંકા ઘ્રુજાવી ગઈ હતી. ચોકકસ શરદ નાં કહેવા આવ્યા હશે. મારું તો ઠીક પણ મમ્મીની શું હાલત થશે. વિચારી હું મનોમન દુઃખી થતી હતી. અંતર ઘડકતુ હતું.

આ બધા વચ્ચે બા બહુ શાંત અને સૌમ્ય જણાતાં હતા. તેમને અચાનક આવેલા જોઈ અમે થોડા ગભરાએલા હતા, બા અમારી સ્થિતિ સમજી ગયા હતા. છેવટે અંદરના રૂમમાં હું મમ્મી શરદ અને બા એકલા પડ્યા ત્યારે બાએ તેમના મોટા પર્સ માંથી સોનાનો સેટ બહાર કાઢયો અને રૂપિયાની થપ્પી બહાર કાઢી હતી. હજુ પણ જાણે કાલની વાત હોય તેમ શબ્દે શબ્દ મને યાદ છે, બા મમ્મીના હાથમાં બધું મુકતા બોલ્યા હતા ” મંજુબેન તમે જરાય ચિંતા નાં કરશો બધું બરાબર થઈ રહેશે. મમ્મી બહુ નાં કહેતા રહ્યા “જણાવતા રહ્યા હું બઘુજ પહોચી વળીશ. તમારી ઈચ્છા પ્રમાણે થઈ રહેશે” બા સઘળું સમજતા હતા કારણ તે પણ એકલા હતા. તેમણે શરદને એકલે હાથે મોટા કર્યા હતા. બસ ફર્ક એટલો હતો કે તેમને આ એકજ દીકરો હતો અને તેમના પતિ તેમની માટે શાંતિથી જીવી શકાય તેટલી મિલકત મુકીને ગયા હતા. આથી તે કોઈના ઓશિયાળા નહોતા. એક સ્ત્રી બીજી સ્ત્રીને સમજે આનાથી વધારે શું હોઈ શકે. છેવટે બાએ કહ્યું હતું મંજુબેન આ બધું અહેસાન નાં સમજતા આતો ઘીના ઠામ માં ઘી છે તેમ માનજો ” મારી અને મમ્મીની આંખો તો આંસુ વહાવી ચુપ હતી.

બસ પછી લગ્ન બધાને સંતોષ થાય તેમ રંગેચંગે ઉજવાઈ ગયા. મારી મમ્મીને એક દીકરો મળી ગયો અને બાને મારા રૂપમાં એક દીકરી મળી ગઈ. પાંચ વર્ષ તો મજામાં ઉડી ગયા. આટલાથી બાકી રહ્યું હોય તેમ નાની મનીષાના લગ્નમાં શરદે બધોજ ભાર ઉપાડી લીધો હતો. ઘરનો એક દીકરો જેમ કામ કરે એ રીતે તેમણે દસ દિવસની રજાઓ લઇ ગામમાં મમ્મી પાસે રોકાઈને ઘણી હેલ્પ કરી હતી. અને બાએ પણ હોંશભેર મને અને શરદને આ બઘા માટે રજા આપી હતી. સાથે પાંચ સિલ્કની સાડીઓ અને એક સેટ મનીષા માટે આપવાની છૂટ આપી હતી. બહેનનાં લગ્નમાં હું અને શરદ કન્યાદાન આપવા બેઠા હતા ત્યારે મારી આંખોમાં ખુશીના આંસુ ચમકતાં હતા. ભગવાને કોણ જાણે કેટલાય વ્રતના બદલામાં આટલો સમજુ પરિવાર આપ્યો હતો. આ બધા કારણે મારી માટે બાનું મહત્વ મમ્મી કરતા પણ વધારે થતું જતું હતું. અમે બધા બહુ ખુશ હતા . પણ પછી ઘરના ચિરાગ માટેની બાની ઝંખના દિનપ્રતિદિન વધવા લાગી. અને છેવટે તેમની ઈચ્છા અને આતુરતાનો અંત આવી ગયો હતો. હું બધુજ સમજાતી હતી પરતું હું મજબુર હતી. બધું ક્યા આપણા હાથમાં હોય છે.

ત્યાંતો બાનો અવાજ ફરી પડઘાયો…. “મારો તું એક નો એક દીકરો છે, તું 10 વર્ષનો હતો અને તારા પિતાજી આપણ ને છોડી સ્વગમાં ગયા. મેં કેટલી મુશ્કેલીઓ વચ્ચે તને મોટો કર્યો તે તું જાણે છે. શું આજે તારા તરફ થી આટલી અપેક્ષા રાખવી ગેર વ્યાજ્બી છે ? ” માના અવાજમાં ભારે દુઃખ પડઘાતું હતું

શરદ ઘવાયેલા હતા કોઇ રસ્તો મળતો નહોંતો.અને હવે સૌ સારુ થઈ જશે કહેનારા બા પણ ઉતાવળા થયા હતા.. તેમને થતુ હતુ વિજ્ઞાન આટલુ બધું આગળ વધ્યુ છે અને વંધ્યત્વનો કોઇ રસ્તો જ નહીં? હું સમજતી હતી કે બાની ઇચ્છા માંગણી યોગ્ય હતી, પણ બા કેમ સમજતા નહોતા કે આ વાત ક્યા અમારા હાથ માં હતી ..

“ઈચ્છા ને ચરમ સીમા હોત તો ?

માગેલું બધું જો મળતું હોત તો ?”

એનજીઓમાં નાના ૫૦ ભુલકાઓની હું મા હતી..પણ બાને કેવીરીતે સમજાવાય કે તે ૫૦ ભુલકાઓ શરદનાં નથી. એમને તો એમનો વંશ ચલાવવો હતો સ્વર્ગમાં જઇને જ્યારે શરદનાં બાપુ મળે તો શું જવાબ આપુ? તે તો મને પુછશે જ આપણા વંશજ નું નામ શું? તેને તુ મારાવતીપણ આશિષો આપીને આવી કે નહિં?

 મારી આંખો પણ આંસુઓથી ભરેલી હતી..બા ને મારું મન પણ કહેતું હતું..બા હું પણ શરદની જેમ મજબુર છું. આંખમાં આંસુઓનું ધુમ્મસ ઘેરાયેલું હતુ .શરદના ચહેરા પર તરવરતી વેદના મારા થી સહન ના થઇ શકી , પરંતુ ઘર પ્રવેશ કર્યા વિના મારે ક્યા છૂટકો હતો. જાણે કંઈ નથી સાભળ્યું તેવો ડોળ કરી હું ઘરમાં પ્રવેશી .

રેખા વિનોદ પટેલ (ડેલાવર)

http://vinodini13.wordpress.com

પ્રકરણ ૨ ગૃહ પ્રવેશ ગીતા પંડ્યા

હજુ તો મેં ઘરના ઉંબરાની અંદર મારો પગ મૂક્યો તેની સાથે મારા લગ્ન પછીના મારા પ્રથમ ગૃહપ્રવેશની વેળા યાદ આવી, મારા ઘરના આંગણે  એક ફિયાટ ગાડી આવીને ઉભી રહી સાસુ અને અન્ય નિકટના સગાવહાલા ઘર તરફ શુભ કાર્ય માટે ઝડપથી ચાલ્યા. નવી આવેલી વહુ ને પોંખવા માટે, નજર ઉતારવા માટે ,પાણીનો કળશ લઈને મારા સાસુજી અને અન્ય નજીકની મહિલાઓ ઉંમરે આવીને ઉભા રહ્યા. 

            મારા દૂરના નણંદ મને કહેવા લાગ્યા કે,’ ભાભી આસ્તેથી પગલું ભરજો કારણ પાનેતર બહુ નીચું હોવાતી ક્યાંક પગમાં ભરાશે મારા કંકુ વર્ણ પગલા લઈને ગાડીની બહાર આવી, મને બહુજ લજ્જા આવતી હતી કારણ શરદની નજર મારા પરથી હટતી નહતી . એથી મારી નજર શરમથી બોઝીલ  થઈ જતી હતી અને ઉપર ઉઠી શકતી નહોતી. બહુજ ધીમા પગલે ઘરના ઉંબરે આવીને ઉભીરહી। 

            મારા દૂરના નણંદ અને બીજી ચુલબુલી મહિલાઓ મારી અને શરદની મજાક કરવાનું ચાલુ કરી દીધું। બધી મહિલાઓ નો ખીલખીલાટ હસવાનો અવાજ આવ્યો, કહેતા હતા કે ” જુઓ શરદ ભાઈના હવે તો હોમ મિનિસ્ટર આવીગયા છે , તેને પૂછયા વગર પાણી પણ નહીં પીવે“, વળી કોઈ બોલ્યું કે ” શરદ ભાઈ હવે આખો દિવસ કામમાં વ્યસ્ત થઈ જશે સમય નહીં મળે , સવારના ગરમાગરમ ચા બનાવશે ભાભી માટે, બપોરે હાથે ગરમ ગરમ રસોઈ બનાવશે, હાઈ  બિચારા શરદ ભાઈ“

  ત્યાંજ શરદનાં બા  બોલ્યા કે ” ચાલો ચક્લીઓ ચૂપ થાઓ અને ગીતો ગાવ ,અને સ્મિતાની નજર ઉતારી ને તેને ઘરમાં આવકારી,

      મારામાં મનમાં ખુબજ ડર , સંકોચ હતો , હું અસમંજમાં હતી, કૈક કેટલી લાગણી આવીને પસાર થઈ જતી હતી, ત્યાંજ તેમના સાસુ બોલ્યા કે 

” વહુજી આરામ કરો , બધા ની વાતો ધ્યાન માં ના લેશો, બધી ચિબાવલીઓ થી ડરવા કે ગભરાવા ની જરૂર નથી , ઘર આજથી તમારું છે, મારા તરફ થી તમને જરા પણ દુઃખ નહીં પડે તમે મારા દીકરી   છો, મેં ક્યારે પણ એવી કલ્પના નહોતી કરી કે હું દીકરો પરણવું છું, પણ મેં જરૂર કલ્પના કરી હતી કે હું એક દીકરીને મારા ઘરમાં લઈ આવીશ , મારી તમ્મના હતી, તે આજે પૂરી થઈ છે. 

હું મારા સાસુજી ને પગે લાગી અને તેને આશીર્વાદ આપ્યા કે ” અખંડ સોંભાગ્યવતી ભાવ “, અસ્ત પુત્રો ભાવતું‘.

હા હજુ યાદ છે તે મારો પહેલો ગૃહપ્રવેશ !

 કેટ કેટલા ઉમંગ ભરેલા સપનાઓ લઈ ને હું મારા સાસરે આવી હતી બહુજ નાનું સુંદર કુટુંબ હતું , સાસુજી, પતિ, અને હું, સાસુ તો માથી પણ વિશેષ ,રસોઈમાં નિષ્ણાત. શરદ ચંદ્ર જેવો શીતળ ,અતિ પ્રેમાળ , હસમુખો પતિ. મને કોઈજ વાત નું દુઃખ નહતું, મારા માવતર તરફ થી કોઈ મારી સાસરી વિશે પૂછતું તો હું કહેતી,

પોપટ ભૂખ્યો નથી ,પોપટ તરસ્યો પણ નથી,

                  સોનાની ડાળીએ બેસીને ઝૂલા ઝૂલે છે.

પણ અગિયાર વર્ષ પછીના આ ગૃહપ્રવેશ માં બહુજ ફરક લાગ્યો। ઘર માં પ્રેવેશતાં ની પેઠે જોઉં કે સાસુમા નું મોં ઉદાસ અને નિરાશ હતું, શરદ પણ જાણે પહેલા  જેવો  હસમુખો અને રમુજી ના લાગ્યા. ઘરમાં એક અજીબ પ્રકારની શાંતિ હતી, જેમાં અશાંતિ ભરાએલી હતી.

હું સમજતી હતી મને ખબર હતી કે ઉદાસીનતા ભરી શાંતિ ને ખલેલ પહોંચાડનાર એક નવા આંગતુક ની જરૂર હતી,જેનો ખીલખીલાટ, કિલકિલાટ ,કાળી કાળી ભાષા,ની જરૂર હતી। 

શાંતિ ને ભગાડવા માટે એકજ નવા આંગતુક ને જરૂર હતી.

પણ હું લાચાર અને બેસહાય હતી તેજ તો બહી ઈચ્છા હતી બની માંગણી યોગ્ય હતી પણ રે  નશીબ, રે વિધાતા , પણ મને એક પ્રશ્ન થયો કે વાત બા કે  સમજતા નથી , તે કે સમજતા નથી કે વાત મારા હાથમાં નથી બધું પરમાત્મા  ના હાથ માં છે. હરી ઈચ્છા બળવાન“.

“જો ઈચ્છા થીજ જો બધું મળી જતું હોયતો દુનિયા માં બધા ભગવાન હોત , માણસ હોત નહીં। “

આવા વિચારો કરતી કરતી ક્યારે હું મારા બેડરૂમમાં આવેલા બેડની કિનારીપર બેસીને સાડીના પલ્લુના છેડાને આંગળી વીંટાળીને ગડમથલ કરી રહી હતી , ત્યાર શરદ આવે મેં મારી બાજુ માં લગોલગ બેસી ગયા અને મારે ખભે હાથ મુકી અને તેના તરફ ખેંચીને મારા બરડે હાથ પસવારવા લાગ્યો, તે સમજી ગયો હતો કે આજે સ્મિતા અનહદ ઉદાસીનતા માં સરી પડી છે, છેવટે તેણે શાંતિ નો ભંગ કરી ને મને કહ્ય્યું કે “ સ્મિતું ચાલ હું આજ ગરમ મસાલા વળી ચા બનવું અને તને અને બાની જોડે આપણે ત્રણે ચા પીએ, please  કઈ બોલ મારો જીવ કપાય છે તારો એવો ચહેરો જોઈ ને, ચાલ હસી લે લે તારા થી ઘર હસે છે .” 

     મેં પરાણે હસતા કહ્યું કે” હવે બેસો તમે હોશિયારી મારતા , લાવો હુંજ બનાવી આપું “

તેમ કહીને હું અને શર જ્યાં બેડરૂમ ની બહાર આવીયે કે હું તો અભી બની ગઈ. 

   સાસુમા હાથમાં ગરમ ગરમ ચાની ટ્રે લઈને સામેજ ઉભા હતા.

જાણે કશું બન્યુંજ નથી. મને કશી ખબર પડી નહીં કે શું થઈ રહ્યું છે। 

અને મને કહેતા હતા કે ” ચાલો સ્મિતા કેટલી વા? ચા ઠંડી થઈ રહી છે ?

મારો ગુસ્સો બરફની જેમ ઓગળી ગયો.

જાણે કશું બન્યુંજ નથી. મને કશી ખબર પડી નહીં કે શું થઈ રહ્યું છે। 

પણ મારા મનમાં વિચારોનો ચડાવ ચાલ્યાજ કરતો હતો. જે નિસરણી મુકો તો પણ તે ઉતારી શકે તેમ ના હતો. અને અવિરત પણે આ વિચારોના ઘોડા દોડતાજ રહે છે કયારેક થાકી ને ચાલે, ક્યારેક દોડે , ક્યારેક હાંફે , બસ વિચારો અટકીજ શકતા નથી. વિચારો જાણે ઘનઘોર વરસાદી વાદળની જેમ છવાયેલા હતા. જે હવે વિખરાઈ ગયા હતા.  પણ એનો અર્થ એવો હતો કે વાતાવરણ સંપૂર્ણ પણે શાંત અને ચોખ્ખું થઈ ગયું હતું. દસ વર્ષનું સંપૂર્ણ હકારાત્મક સુખી દાંપત્ય જીવન પણ ખૉળો ખાલીશું કરું ? ઉપરવાળાને હજી બાની વ્યથા દેખાતી નહોંતી અને મહીને જ્યારે માસિક આવે ત્યારે તેમનો નિઃસાસો અચુક પડે જ..અને મનમાં બોલતા રહેતા પ્રભુ અમને નિર્વંશતાનાં શ્રાપમાં થી મુક્તિ અપાવશરદ તો ઉંઘી ગયા હતા.. મારી ઊંઘ વેરણ હતી. બહુ વિચારોને અંતે બે વિચારો ઉપર મન ઠરતું  હતું અને તે દત્તક સંતાન લેવુ કાંતો કૃત્રિમ ગર્ભાધાનઅમે બંને સક્ષમ છીએ તો પહેલો પ્રયત્ન કૃત્રિમ ગર્ભાધાન જ કરાવાયને? પણ તે પધ્ધતિ ઘણી ખર્ચાળ..પણ આજે મેં મનમાં ગાંઠ વળી દીધી હતી કે હું વસ્તુ પરિસ્થિતિ નો ઉકેલ લાવીશ લાવીશ અને  લાવીશ જ. અને પરિસ્થિતિ માંથી બહાર પણ  નીકળી જઈશ

“ગૃહ પ્રવેશ ” -૩-રશ્મી જાગીરદાર

લગ્નના અગિયાર વર્ષે તે દિવસે મેં જે સાંભળ્યું, તે બનાવે મને વધુ સજાગ બનાવી, મારા ઘરની એક ઝંખના બની ચુકેલી આશા કહોને -અપેક્ષાને- મેં મને બાદ કરીને ઘરનાં સભ્યોની દ્રષ્ટીએ નિહાળવાનું શરુ કર્યું. મારા સાસુ જેમણે  ખરેખર માતા કરતાં વિશેષ લાગણીથી આજ સુધી મને પાસે રાખી હતી. તેમના સ્થાને ઉભી રહીને વિચાર્યું તો તેમની લાગણી, માંગણી અને અપેક્ષા યોગ્ય જ હતાં, તે સમજાયું. બા પોતે મને એટલું ચાહતાં હતાં કે, હું ચા મૂકાવા  ઉઠી તે પહેલાં ચા તૈયાર કરીને અમને આપવા આવ્યાં.એનો અર્થ તો એ જ થયો કે, મારી લાચારીથી તેઓ સંપૂર્ણ વાકેફ હતાં અને મને કોઈ જાતનું દુઃખ ના પહોંચે તેની કાળજી રાખતાં હતાં.  તો વળી અત્યંત પ્રેમાળ પતિ પામીને હું ધન્ય બની હતી. તેમની લાચાર થતી જતી સ્થિતિ જોવાનું પણ મારા માટે શક્ય નહોતું.એટલે મેં નક્કી જ કર્યું કે,  આમાંનું કશું જ હવે વધુ સમય માટે કોઈ જ સહન નહિ કરે.

 આટલું મન મક્કમ કર્યા પછી હું તેને સાકાર કરવાની તકની શોધમાં હતી. વાત એટલી સંવેદનશીલ  હતી કે, પ્રેમાળ એવા મારા પતિની લાગણી ના દુભાય તેને માટે સંપૂર્ણ સજાગ રહીને જ મારે પગલું ભરવું પડે. ઉપરના બનાવને પંદરેક દિવસો થયા હશે. એક દિવસ શરદ સાંજે ઘરે આવ્યા ત્યારે એકદમ મૂડમાં હતા, તેમણે ડોરબેલ માર્યો ને હું બારણું ખોલવા ગઈ, ત્યારે મને લાગ્યું કે તે ગીત ગંણગણે  છે. મેં બારણું ખોલ્યું તો સાચે જ તે ગીત ગાતા ગાતા જ પ્રવેશ કર્યો –” આજ ફિર જીનેકી તમન્ના હે, આજ ફિર મરનેકા ઈરાદા હે ….” શરદ ખુબ આનંદી સ્વભાવના હતા એટલે આવા આનંદ દાયક ગીતો તેમને વધુ ગમતાં અને ઘણીવાર આવી રીતે ગાતા પણ ખરાં. ક્યારેક રાત્રે જમીને બેઠા હોઈએ ત્યારે, અંતકડી રમતા, ત્યારે પણ તેઓ કહેતા,:-“પ્લીઝ મરસિયા જેવા ગીતો ગાવાનું ટાળજો.” કેટલીક વાર લાંબો સમય રમીએ ત્યારે અમારી યાદમાં હોય તેવા સુખના ગીતો પતી  જતાં, છતાં રડમસ ગીતો ગાવાને બદલે તે બા  ને કહેતા,:-” બા,-ર- પરથી તમે  કોઈ ભજન ગાવ.”  આમ સુખમાં જ રાચવાનું વલણ ધરાવતા મારા પતીને, આ એક દુઃખ ભગવાને કેમ આપ્યું હશે!

તે દિવસે અંદર આવીને મને કહે,:-“વ્હાલી, આજે આપણે  ફિલ્મ ‘સ્ટેપ મોમ’ જોવા જવાનું છે જલ્દી પરવારજે.”  જમતાં જમતાં જ મને કહે, “સરસ તૈયાર થજે,”  જમીને અમે અમારી રૂમમાં તૈયાર થવા ગયાં. મને કહે,:-“તું આજે આપણે  છેલ્લે તારા માટે જે ગુલાબી ડ્રેસ લીધો તે પહેરજે, તારા પર ગુલાબી રંગ અદભુત લાગશે.” આમ નવી નવેલી દુલ્હનમાં તાજો પરણેલો પતી જેવો રસ લે તેટલા રસથી શરદ હંમેશા મારી સાથે વર્તતા. મને પોતાને પણ લગ્નના અગિયાર વર્ષ અમારી વચ્ચેના  પ્રેમ અને રોમાંસ માટે નગણ્ય લાગતાં. અમે બંને મસ્ત તૈયાર થઈને એક બીજા પર મુગ્ધ થઈને ફિલ્મ જોવા ગયા. ફિલ્મમાં  પણ ઊંડી લાગણીઓનું પ્રદર્શન હતું જ. ફિલ્મ જોઇને ઘરે આવ્યા ત્યારે પણ અમે બંને લાગણી સભર હતાં. હું હંમેશા શરદને ખુશ રાખવા પ્રયત્નશીલ રહેતી, તેમાં  જ  મને ખુબ સુખ મળતું. જે એક સુખ હું તેને નહોતી આપી શક્તી તેને સરભર કરવા હું તેમને નર્યા પ્રેમથી નવડાવી નાખતી, અને એટલે જ અમે બે સાથે હોઈએ એ જ કેટલું સુખદાયી હતું અમારે માટે. સંતાન ના હોવાનું દુઃખ પણ અમને જાણે નગણ્ય લાગતું. તે રાત્રે પ્રણય  ગોષ્ટીમાં મશગુલ શરદનો હાથ, ખુબ પ્રેમપૂર્વક મારા હાથમાં લીધો અને અવાજમાં બને તેટલી સરળતા અને ભરપુર પ્રેમ લાવીને  હું  કહેવા લાગી, “શું હું તમને વહાલી છું?”

તે કહે,:-“ખુબ જ મારા પ્રાણ  કરતાં પણ વધુ.”

બસ, મને જાણે મારી વાત કહેવાની તક મળી ગઈ અને જરાય સમય ગુમાવ્યા વિના હું તરત બોલી,:-“તો મારું કહ્યું માનશો?”

શરદ:-” અરે વ્હાલી, તુ બોલ તારે માટે તો જાન પણ હાજર.”

મેં કહ્યું,:-”તમે બીજા લગ્ન કરી લો, …હું પણ તમારું સંતાન ઇચ્છું છું. …..”

 એ સાંભળતાં જ ડઘાઈને, મારા મોં  પર આડો હાથ દેતા તે ગળગળા આવાજે બોલી ઉઠ્યા,:- ”ફરી જો તું આવા શબ્દો બોલીશ તો હું આ ઘર છોડી ચાલ્યો જઈશ, મારી જિંદગી તારાથી શરુ થાય છે અને તારા ઉપર જ અટકે છે વ્હાલી. આપણા  નશીબમાં સંતાન સુખ નહિ હોય બીજું શું?” અને છતાય તને લાગતું હોય અને તારી  ખરેખર ખુબ જ ઈચ્છા હોય તો આપણે એક બાળક દત્તક લઈએ. …” મેં તરત જવાબ આપ્યો ” તમે તો જાણો છો હું આ બાબતે પહેલે થીજ તૈયાર છું પણ બા આ માટે ક્યારેય તૈયાર નહિ થાય. અને અમે બંને પણ લાગણીઓનાં તંતુઓથી એવાં બંધાયેલા છીએ કે, હું બાનાં મનને સહેજપણ દુઃખ થાય તેવું કશુ જ કરવા નથી માંગતી.”

આવો જવાબ આપવાનું મને તાત્કાલિક સુઝ્યું તેનું પણ કારણ હતું.  જેટલી પ્રબળતાથી, અત્યંત અનુકુળ માહોલમાં મેં મારી વાત મૂકી હતી, તેનાથી અનેક ગણી પ્રબળતાથી શરદે સિફતપૂર્વક અને ખાસ તો ખુબ જ પ્રેમપૂર્વક મારી વાત ઉડાવી દીધી હતી. શરદના બીજાં લગ્નની વાત હવે પ્રસ્તુત નહોતી રહી. શરદના ઊંડા પ્રેમમાં ગળાડૂબ છતાં તેને સંતાન સુખથી વંચિત રાખવામાં કારણરૂપ બનેલી હું, નહોતી દુઃખી રહી શક્તી  કે નહોતી સુખમાં રાચી શકતી, હું જો મને દોષ આપું તો શરદને ના ગમે કારણ કે, હું તો તેની જાન હતી. પણ મારા  પ્રેમને હું કોસતી, મારી જાત ઉપર ગુસ્સો ઠાલવતી. આમ કરીને મનની આવી સ્થિતિમાં કંઈ રાહત મળે તે માટે પ્રયત્ન શીલ રહેતી. મારી જે સ્થિતિ હતી તેમાં મારા સાસુ કે પતિ પાસે હૈયું ખોલવાની તો શક્યતા જ નહોતી. આ બધા સંજોગોમાં થોડી રાહત મળે તે કારણથી છેલ્લા કેટલાક સમયથી હું ઘરથી થોડે જ દુર આવેલા એક એનજીઓમાં જતી હતી. ત્યાં રોજ બપોરે ત્રણેક કલાક ગાળતી. ત્યાના નાનામોટા કામોમાં મદદ કરતી. વધુ સમય ત્યાંના અનાથ બાળકો સાથે પસાર કરતી. અને મારા જીવનમાં રહેલી બાળકની ખોટને કૈંક અંશે પૂરી થતી હોય તેવું સુખ મેળવતી. સામે અનાથ બાળકો પણ “માં” ની ખોટ અનુભવતા તેમને મારા પ્રેમથી ભીંજવી થોડો ઘણો સંતોષ આપવા પ્રયત્ન  કરતી.મારા આ અનુભવને લીધે શરદે મને બાળક દત્તક લેવાની વાત કરી તો મેં તરત જ  મારો જવાબ જણાવી દીધો.

 આ રીતે સંતાનસુખ માટેનાં ઉપાય તરીકે પહેલાં જેમ- બીજા લગ્નની વાત ઉડી ગઈ તે જ રીતે હવે દત્તક બાળકની વાત પણ લગભગ ઉડી જ ગઈ. આમ સંતાન સુખના અમારા -ગોલ- સુધી પહોચવા માટે અમે જાણે, માર્ગ વિહીન- દિશાવિહીન પરિસ્થિતિના આરે ઉભા હતાં. એક દિવસ હું બપોરે જમીને જરા આડે પડખે થઇ હતી, હું જમીને બધું કામ આટોપવાની પળોજણમાં પડું ત્યારે બા મને હંમેશાં કહે, ” બેટા થોડી આડે પડખે થા, કામ તો થતું રહેશે.”   એમની પ્રેમભરી વાત માની ને જ મેં એનજીઓ માં જતાં પહેલાં થોડો આરામ કરીને પછી જવાની ટેવ પાડેલી.  એજ સમયે ફોનની રીંગ વાગી.  મેં ફોન ઉપાડી કોણ છે તે જાણવા પૂછ્યું,:-“કોણ?”

સામેથી :-” મારો અવાજ ભૂલી ગઈ કે શું?” હું રીટા યાર સંભાળ, આજે હું તારા ઘર બાજુ નીકળવાની છું તો તને મળવા માંગું છું. મને ખબર છે તું લગભગ આ સમયે જ એનજીઓ જતી હોય છે. તું કહેતી હોય તો હું સીધી એનજીઓ આવું.”

મેં કહ્યું,:-” અરે રીટા, ના  તું ઘરે જ આવ. મારી ક્યાં પગારની નોકરી છે, તું તો બધું જાણે છે મનનો ખાલીપો દુર કરવા, ત્યાનાં ફૂલડાં જેવાં મીઠડાં બાળકોનો સાથ પામવા હું ત્યાં દોડી જાઉં છું. પણ આજે તું આવશે ત્યારે તારી મીઠડી દીકરી પણ મળશે ને મને?”

 થોડીવારમાં રીટા આવી. બા હજી આરામમાં હતાં.હું અને રીટા અમારી રૂમમાં જ બેઠા. તેની છો વર્ષની દીકરીને મેં પૂછ્યુ,:-” શું નામ છે બેટા તારું?”

તે કહે:-“માલા.”   મેં માલાને ઊંચકી લીધી, તે સુંદર નાજુક ફૂલડાં જેવી જ હતી. પરાણે  વ્હાલી લાગે તેવી માલાને તેડીને હું જાણે કૃતકૃત્ય થઇ ગઈ. મારામાં ક્યાંક ઊંડે ઢબુરાઈને પડેલું માતૃત્વ જાગી ઉઠ્યું. પણ મારા નિસંતાનપણાને લીધે  કોઈના સંતાનને  વ્હાલ કરતાં હું જાણે  અચકાતી.  આજે પણ તેવું જ થયું તેના સુંદર ચહેરાને બચીઓથી નવડાવી દેવા મન તરસતું હતું પણ હું તેમ ન  જ  કરી શકી. અને મારા મનનો ઉભરો ઠાલવવાનો બીજો રસ્તો જડ્યો હોય તેમ આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

રીટા તો મારી પરમ સખી હતી તે બધું જ જાણતી હતી. તેને એ પણ ખબર હતી કે, શરદે  બીજા લગ્નનો માર્ગ અને બા ને લીધે દત્તક સંતાન માટેનો માર્ગ પણ બંધ કરેલા હતા. આવી ત્યારની હું માલા સાથે રમતી રહી અને તે ચુપ જ હતી. મારી આંખમાં પાણી જોઈ તેણે કહ્યું,:-” હું તને એક વાત કહેવા આવી છું. તું માને તો.”

મેં કહ્યું,:-” હા બોલ, શું કહે છે?”

રીતા :-” મારા નણંદ સીમાબેનને તો તું ઓળખે બરાબર? તેમની જેઠાણી સુધાબેન ને પણ વર્ષો સુધી સંતાન ના થયું. તેઓ અમેરિકા રહે છે ત્યાં તેમને ભારતમાં સરોગસી બાબત લેખ વાંચ્યો અને તપાસ કરી. તારી જેમ જ એમનો પતિ પણ પત્નીને ખુબ પ્રેમ કરતો, અને એટલે બીજા લગ્નની વાત તો રહી જ નહોતી. દત્તક બાળકમાં પણ, એ કોણ હોય, જાત શું હોય, માબાપના લોહીના ગુણ અને સંસ્કાર કેવા હોય, ભવિષ્યમાં બાળક કેવું પાકે ? એ બધી અસમંજસમાં નક્કી ના થયું. છેવટે તેમને સરોગેટ મધરની મદદથી પોતાનું બાળક પ્રાપ્ત કર્યું.  તે લોકો તો અમેરિકાના સિટીજન છે  એટલે પ્રેગનેન્સી શરુ થઇ ત્યારથી અહીં પેલી સરોગેટ સ્ત્રીની સાથે રહ્યાં વળી  બાળક નાનું હતું ત્યાં સુધી એને માતાની  જરૂર હોય એટલે ખાસ્સા દસેક મહિના પાછળથી પણ  એ લોકોએ પેલી સ્ત્રીને સાથે રાખીને  ભારતમાં રહ્યા. બાળક તંદુરસ્ત અને એના માતા પિતા જેવું જ લાગે છે દેખાવમાં. હસતાં રમતા બાળકને જોઇને તેમનું આખું ઘર ખુશ ખુશાલ છે. પેલી બાઈ વગર પણ બાળક રહી શકે છે કે નહિ તે માટે ડોક્ટરની સલાહથી તેઓ છેલ્લા બે મહિના થી અહીં રોકાયા છે. આવતાં રવિ વારે  તેની પહેલી વર્ષગાંઠની ઉજવણી છે. તું એમને મળવા માંગતી હોય તો અવાશે કારણ કે મેં એમને તારી વાત કરી છે. મને સધિયારો આપીને મારા સુના- સુકા મનમાં આશાનું કિરણ રેલાવીને રીટા તો ગઈ. હવે મારું કામ હતું કે હું મારા શરદને અને માતા જેવી પ્રેમાળ મારી સાસુને યોગ્ય રીતે સમજાવીને આ માર્ગે આગળ વધું.

 મેં  એ જ રાત્રે શરદને સરોગસી બાબત અને રીટાની નણંદનાં  જેઠાણી  સુધાબેનની વાત કરી અને કહ્યુ કે, તેમના એ દીકરા “અલય” ની પહેલી વર્ષ ગાંઠની ઉજવણીમાં આમંત્રણ છે એટલે તેમને મળીને વધુ માહિતી લઈશું બા ને પણ સાથે લઇ જઈશું એટલે તેઓ પણ બધી વિગત સમજી લે. અને તેઓ પણ રાજી થાય તો પછી વિચારીએ. શરદ તો તરત જ તૈયાર થઇ ગયા, એટલું જ નહિ તેમની અંદર આશાઓ નો ઉમળકો ઉભરાયો હોય તેમ રાજી રાજી થઇ ગયાં. બાને પણ તેમણે  જ વાત કરી. અલયના  જન્મદિનની ઉજવણીના દિવસે અમે ત્રણે સવારથી ઉત્સાહમાં હતાં. અમે તેના માટે એક સુંદર ગીફ્ટ લાવીને તેને માત્ર ગીફ્ટ પેકથી જ નહિ અમારા ત્રણેના પ્રેમથી પણ વીંટાળીને તૈયાર કરી.

 સાંજે થોડા વહેલા નીકળીને જણાવેલા સ્થાને પહોંચ્યા, રીટા સાથે વાત થયેલી એટલે તે રાહ જ જોતી હતી. જેવા પહોચ્યા એટલે તે અમને સુધાબેન અને સનતભાઈ પાસે લઇ ગઈ. સનત ભાઈ અને સુધાબેને બધું વિગતથી સમજાવ્યું.

સનતભાઈ:-“જુઓ આણદમાં  ડોક્ટર સોનલ છે જેઓ આ બાબતમાં નિપુણ ગણાય છે તેમણે  આજ સુધીમાં દેશ વિદેશમાં અનેક નિસંતાન યુગલોને સરોગસી પધ્ધતિથી પોતાના બાળકના માબાપ બનવાની તક આપી છે.તેમની પાસે સરોગેટ મધર બની શકે તેવી યુવતીઓનાં  નામો પણ  નોધેલા છે. આપણે  ત્યાં જઈને નામ નોધાવવાનું જરૂરી ફોર્મ ભરીને કાગળો તૈયાર કરવાના. બાકી બધી સગવડ  ત્યાંથી જ થતી હોય છે. અહીંથી આ રીતે બાળક મેળવ્યું હોય તેવા બીજા ત્રણ યુગલને હું ઓળખું છું.  અને બા, મૂળ વાત તો એ કે બાળક ઉછરે બીજી સ્ત્રીની કુખમાં પણ તેમાં અંશ તો તમારા દીકરા -વહુનો જ રહેશે. એટલે શરદભાઈ, તમે કોઈ પણ જાતની ઝીઝક વગર ઝંપલાવો,  ભગવાન સૌ સારું કરશે. સનતભાઈની વાત સંભાળીને અને ખાસ તો અલયને જોઇને બા પણ રાજી થઇ ગયાં.

અસ્તુ

રશ્મિ જાગીરદાર

ગૃહ પ્રવેશ -(૪) વિજય શાહ

હવે અઘરું કામ હતું સારા સંસ્કાર વાળી એક સ્ત્રી શોધવાનું જે પોતાની કુખ અમને ઉધાર આપવા તૈયાર થાય….શરદનાં શુક્રાણુ અને મારું અંડજ ને ફલન કરાવી પારકી માની કુખ ભાડે લેવાની હતી. ડૉ મહેતા એ સરળ ભાષામાં અમને સમજાવ્યુ અને કહ્યું આંમા ક્યાંય પારકી સ્ત્રીનાં શારિરીક સ્પર્ષ કે કોઇ લપસણી ભૂમિ ક્યાંય નથી. હા જે સ્ત્રી તેની કુખ ભાડે આપે તેને પ્રસુતિ થાય ત્યાં સુધી સારી રીતે રાખવાની છે કારણ કે તમારું બાળક તેની કુંખમાં ઉછરી રહે છે.પ્રસુતિ પુરી થાય નાળથી બાળક છુટુ પડે પછી રહેતો માનસિક લગાવ ગર્ભાધાન થાય તે પહેલા ઘટાડી દેવો પડે.

આ કામમાં શરદના જીવકોરબા અમારી મદદે આવ્યા , બા ના પિયેર નાવલીમાં તેમના કુટુંબ માં જરા પૈસે ટકે ઘસાતું એક ઘર હતું ,તેમની એક નાની ઉમરે વિધવા થયેલ દીકરી હતી. તેમને રૂપિયા પૈસાની ખેચ હતી તો બા તેમને  મદદ કરવા કહ્યું અને બદલા માં અમારી માટે તેને આ નવ મહીનાની પિડા વેઠવાની હતી જેને માટે તે કચવાતી તૈયાર થઇ.

રાધા ૨૪ વરસની મજબુત અને ઘાટીલી હતી , સ્વભાવે પણ મીઠી હતી. સાવલી સ્કુલમાં છુટક કામ કરતી હતી તેની પાસે વરસનું કપાતે પગાર વેકેશન લેવડાવ્યું..અને ભણવા શહેર જાય છે વાળી વાત વહેતી કરી

બા તેને શહેર માં અમારી સાથે લઇ આવ્યા . સ્મિતા જ્યારે પહેલા મળી ત્યારે તેને તેમાં નાની બહેન કરતા એક ભોળી મુંગી પરી વધારે લાગી. રાધાને મનમાં ગુંચવણો તો હતી જ..પણ સ્મિતાને જોતા તેને પણ ભરોંસો બેઠો.

.”બહેન મને બહુ સમજ તો નથી પણ કેટલીક બાબતો ની ચોખવટ કરી લઉં?”

“હા રાધા આ નિર્ણય આમેય અઘરો છે સૌને માટે ”..મેં તેને સધિયારો આપતા જણાવ્યું

“..જીવી કાકી અમારા ગામના અને દુરનાં સગા પણ ખરા તેમણે મને સમજાવ્યું કે નવ મહીના મારે તમારે ત્યાં રહેવાનું છે પણ મારે શરદભાઇ સાથે સુવાનું નથી બરોબરને?”

“ હા વિજ્ઞાન એટલું આગળ વધ્યું છે કે મારા શરીરમાંથી બીજ અને તેમના શુક્રાણું ને ટેસ્ટ ટ્યુબમાં ફલીત કરશે અને તારા શરીરમાં તેમના વિકાસ માટે મુકી દેશે….એટલે સમજ કે ભાડાની રૂમ માં રહેવા જાય તેથી તે તારું ઘર થતું નથી બસ તેમજ તું અમારા બાળક્ને તારા ઉદરે ભાડે રાખવાની છે. તેના વિકાસ દરમ્યાન થતી વેદના તારે વેઠવાની છે. પણ પછી “ખાલી ખાટલે” ઉઠવાનું છે. અને તેનાંજ તને પૈસા મળશે.

“ખાલી ખાટલે” શબ્દ સાંભળી તેને હસવું કે રડવું ના સમજાયું. પણ મહીનાનાં ૧૦૦૦૦ રુપિયા અને સારુ ખાવાપીવાનું બે શરતો તેના માટે પુરતી હતી..તેને જીવનું જોખમ છે તે વાત તેને સમજાતી હતી તેથી તે બોલી.. જુઓ કોઇ કારણોસર ગર્ભપાત થાય તો મારો જેટલા મહીના થયા હોય તે પગાર અકબંધ રહેશેને?”

“ જો બેના આ જોખમ તો આપણે સૌ લઇએ છે પ્રયત્ન કરીશું કે આવનાર આત્માને આપણે સારી માવજત આપી શકીયે. મારા સાસુને પૌત્ર જોવો છે અને હવે તો મને પણ તેમનું સંતાન જોઇએ છે.કોઇ પણ કારણસર અમને ડૉક્ટરે આશા આપી અને અમારું ખાલી આંગણું નાના સંતાન ની કીલકારીઓથી ભરાઇ જેવું સૌ ઇચ્છીયે છે.”

તે અછડતા હાસ્ય સાથે મારા હાથને પકડતા બોલી “ હા તમારી વાત સાચી છે પણ મને આ બહુ વિચિત્ર અને અજુગતુ લાગે છે. પેટ કરાવે વેઠ પણ આ વેઠ તો અનેરી છે.. મનમાં ઉંડે ઉંડે ડર રહે છે.”

૧૦૦૦ રુપિયા રાધાનાં હાથમાં આપતા હું બોલી.. “બેન તારી જે કોઇ જરુરિયાત હોય તે લઇ આવજે અને બચાવવા હોય તો તારી મરજી. પણ આપણે બંને એક મેકની જરુરિયાત પુરી કરીયે છે. હા એક વાત ફરી યાદ રાખજે તું માતૃત્વની સઘળી પ્રક્રિયામાંથી અને દર્દમાંથી પસાર થઈશ પણ તે સંતાનમાં લોહી સંસ્કાર અને દેહ અમારા છે મારા અને શરદનાં.છે. તને તો અમારી થાપણ ને જીવાડવાનાં અને જનમ દેવાનાં પૈસા મળે છે જેની તને જરુર છે.”

“ હા બહેન જીવીકાકી આજ વાત કરીને મને શહેરમાં લાવ્યા છે.

સારો દિવસ જોઈ અમે તેને લઇ ડોક્ટર મહેતાની કલીનીક ઉપર ગયા રાધાનાં પ્રારંભીક પરિક્ષણો કરાવીને નર્સ ઓપરેશન થીયેટર માં લઈ ગયા દવાની શીશી સુંઘાડી અને બેહોશીમાં ગરકતી રાધાને કશી ખબર ના પડી

ડો . મહેતા શહેર નાં જાણીતા ગાયનેક હતા ! તેમની સલાહ અને સારવાર હેઠળ આ અજુગતી લાગતી પ્રક્રિયા અને સફળતા પૂર્વક પૂરી કરી . કલાક ચાલેલ આ શસ્ત્રક્રિયા દરમ્યાન રાધાને કોઇ જ દર્દ કે તકલીફ ના અનુભવાઇ.. જ્યારે ભાનમાં આવી ત્યારે ડૉ મહેતા એ ધન્યવાદ આપતા રાધાને કહ્યું.. “ અભિનંદન અને આભાર..આપની શસ્ત્ર ક્રિયા સફળ થઈ છે હવે ૩૦થી ૪૫ દિવસમાં તમે ટાઇમમાં બેસો તો બતાવવા આવજો

જીવી કાકી અને હું પ્રસન્ન હતા. હવે બીજા તબક્કાની રાહ જોવાની હતી.. પ્રભુની કૃપા હશે તો ઘરમાં નાના ભુલકાનાં જન્મની કિલકારીઓ ગુંજવાની હતી..ઘરે આવીને બા એ કેશર અને પિસ્તાનું દુધ બનાવ્યુ અને માથે હાથ ફેરવીને આશિષ આપી. તેની સારી સારવાર થાય અને તેનું ખાવા પીવા માં ઘ્યાન રખાય તે માટે બા અને હું  રાધા અમારી સાથે રહે તેવું ઇચ્છતા હતા . બા કહેતા સારા સંસ્કાર ગર્ભ થીજ અપાય છે .

શરદ ને આ વાત મંજુર ના હતી , તે કહેતા “અત્યાર થી રાધાને અહી રાખવાની ક્યાં જરર છે?”

મેં કહ્યું “ એ પ્રભુનાં આશિર્વાદની જેમ આપણા ઘરને અને કૂળને આગળ વધારવાની છે . તેને માનથી રાખો અને આંખની સામે રહે તો બાળક પણ સચવાય અને આપણ ને પણ શાંતિ રહે.

શરદનો વિરોધ મને સમજાતો નહોતો. જે આદરથી હું રાધાને રાખતી હતી તે આદર શરદ માટે શક્ય નહોંતો..તેને તો આશા હતી જ કે હું મા બનીશ પણ ડૉક્ટર મહેતાએ જીવી કાકી અને મને સાચી પધ્ધતી સમજાવીને કહ્યું હતું કે વિજ્ઞાન ઘણું આગળ વધેલું છે.જે પ્રશ્ન નો સરળ ઉપાય હોય તેને ન અપનાવી ને વિલંબ કરવો એ જાતને સજા આપવા બરોબર જ છે.

શરદ માનતા કે બાળક્નો ઉછેર જે માનાં પેટમાં થાય તે માનાં વિચારો અને વર્તનોની અસર બાળક ઉપર પડે પડે ને પડેજ.. રાધા દુઃખમાં ઉછરેલી છે તેથી તેની વિચાર સરણી સંકુચીત હોય જ.જો કે આ વિચારે જ મને મજબુત કરી કે તે અહીં આપણી સાથે રહે તો તે શક્યતા ઘટે. આપણી સાથે રહે તો આપણે તેને દુઃખમાં ના જવા દઈએ.

બીજો શરદનો તુક્કો હતો તેને બીજી સારી જગ્યાએ રાખીયે કે જેથી તેનું સ્વાતંત્ર્ય ના છીનવાય. અને શરદનું તેના ઉપર આકર્ષણ ના થાય. મને તો આ સાંભળી ને પહેલા તો ખુબ જ હસવું આવ્યુ. પછી બોલી ભોળા રાજા તેને અને તમને બંને ને કાબુમાં રાખતા મને આવડે છે.જો કંઇ આડુ અવળુ વિચાર્યુ કે કર્યુને તો હું વાઘણ બની ને ખાઇ જઇશ સમજ્યા?….જીવકોરબા આ બધુ સાંભળતા અને મંદ મંદ હસતા હતા.

અમારી આગળ તેમનું કઈ નાં ચાલ્યું. છેવટે રાધા ને અમારા ઘરમાં ગેસ્ટ રૂમમાં રાખવા માં આવી , આમ પણ બા ના પિયરની હતી તો બા સાથે તેને ખુબ ફાવી ગયું હતું ,મારી સાથે પણ સારું બનતું .ઘરમાં તેનું માન રાખવા તેને ઘરની વ્યક્તિ જ બનાવી દીધી પણ તેને કહી દીધેલું કે શરદ તેમના રૂમ માં હોય ત્યારે તેમની સામે નહીં જવાનું. એટલે તેમના રૂમ માં અને બેડરૂમમાં ટકોરા માર્યા સિવાય નહીં જવાનું. બાકી ઘરમાં બધી રીતે ઘરનાં સભ્ય તરીકે જ રહેવાનું.હતું.

હા. શરદ થોડા ખેંચાએલા રહેતા.

તેમને રાધાનાં આવવાથી મળતું ધ્યાન ઘટી ગયેલું લગતું હતું..બધા રાધાને સાચવતા હતા..તેમને રાધા માટે મનમાં બે વિચારો થતા હતા…એક તો હું જેમ કહેતી તેમ ઘરની વ્યક્તિ માનવા તૈયાર થતા તો પ્રશ્ન એક જ થતો તે કયા સંબંધે રાધા ઘરની વ્યક્તિ કહેવાય? તે મારા સંતાન ની માતા થવાની છે ..પણ નૈતિક દ્રષ્ટીએ રાધા તેમની પત્ની નથી થતી.એમને સંબંધ વિના નો આ નવતર સંબંધ અકળાવતો હતો તે મારા બાળકને દેહ આપવાની છે તેથી તેની તબિયત સાચવવાની મારી પણ જવાબદારી બને છે ને?

બીજો અકળાવનારો મારો વહેવાર હતો.. એ મા તરીકે રાધા સાથે જેટલી તેની કાળજી રાખતી હતી..તેટલી હું બાપ તરીકે તેની કાળજી ન રાખી શકું? એ એક તરફી મારા વલણથી વ્યથિત થતા હતા.. શું સ્ત્રી પુરુષનાં સંબંધ એક જ પ્રકારે સંભવિત થાય? અને શું દરેક આવા સંબંધો ને નામ આપવું જ પડે…? સ્મિતા શું સમજે છે તેના મનમાં? શું દરેક પુરુષ ભમરો જ હોય? દસ વર્ષનાં દાંપત્ય જીવન નું આ એક પ્રકારનું અપમાન તેમને લાગતુ હતુ.તેને મારા ઉપર ભરોંસો નથી?

સ્મિતા સાથે બે એક અઠવાડીયા પછી એક દિવસે શરદે વાત કરી ત્યારે સ્મિતા તો વિચારમાં જ પડી ગઈ. એણે શરદની લાગણીઓ આ કારણે દુભાશે તેવું તો તે વિચારી જ શકતી નહોંતી.. તે તો રાધાનું ધ્યાન રાખવામાં તદ્દન જ ભુલી ગઈ હતી કે શરદ પણ અન્યાય નો ભોગ બને છે.

જીવકોર બા ને આ વાત કરી ત્યારે તે પણ સ્તબ્ધ થઇ ગયા.. પુરુષ પ્રધાન સમાજમાં તેને આવી રીતે ઉવેખી ના શકાય.. તેનો મુદ્દો સાચો હતો અને રાધા સાથે તે કામુક રીતે જ વર્તશે તે કલ્પના અને ધારણા પણ તદ્દન ખોટી હતી.. પણ આગ અને ઘીને સાથે કેવી રીતે રખાય? વાળી ધારી લીધેલી માન્યતા આ ભુલ કરાવતી હતી. અન્ય પુરુષ અને શરદ બેમાં પાયાનો તફાવત એ હતો કે શરદ મને ચાહતો હતો અને તેથી જ વધુ રાહ જોવા માંગતો હતો.

જીવકોર બા અને સ્મિતા પહેલી વખત સમજ્યા કે પુરુષની વિચાર શૈલી શું હોય.. તે જાણતો હતો કે સંતાન પ્રત્યેનૂ આકર્ષણ બંને પક્ષે સમાન હોય છે અને વધુ એક આડ અસર પણ તે જોતો હતો અને તે રાધા હતી. માતૃત્વની પીડા ભોગવ્યા પછી ખાલી ખાટલે એ ઉઠી શકશે ખરી? ભલેને બીજ તેના ના હોય.. પણ પીડા તો તેણે ભોગવી છે ને?

આ ગુસપુસ નો નિવેડો અચાનક રાધાનાં બા બીમાર થયા તેથી આવી ગયો. તે કાયમી નિરાકરણ તો નહોંતુ. મને એક તરફ ગર્વની લાગણી થતી હતી..શરદ તેને કેટલું ચાહે છે અને બીજી બાજુ કંઇક ચુક્યાનો અહેસાસ થતો ત્યારે ગુનેગાર ભાવ આવી જતો હતો.

જીવકોર બા તો અફસોસ જ કરતા હતા.. મેં મુઈ વાતો કરીને હસતા રમતા છોકરાઓને વિમાસણ માં મુકી દીધા.. મારો પહેલો પ્રયત્ન તો ધાર્મીક રસ્તો પકડવાનો હોવો જોઇએ..ચાર ધામ સ્થાનકે ફરવું જોઇએ એને બદલે આ નવી ઉપાધી ઉભી કરી દીધી. હવે થોડુંક મારે પણ છોડવું જોઇએ.તેમના મનમાં નવો ફણગો ફુટ્યો..ચાલને રાધા અહીં આવે પછી તેને લઈને હું વૃંદાવન જ લઈ જઉં… પણ તે તુક્કો તુક્કો જ રહેશે માનીને મન ને મનાવ્યું.

ગૃહ પ્રવેશ (૫) નિરંજન મહેતા

આ વાતને છ મહિના થઇ ગયા. મેં પરિસ્થિતિને સ્વીકારી લીધી હતી અને બા અને શરદની ખુશીને મારી ખુશી ગણી હું રોજિંદુ કામકાજ કરતી રહી. હવે તો જેટલા દિવસો બાકી હતા તે હવે બહુ જલદી પસાર થઇ જશે અને હું મારા શરદ પાસેથી પહેલા જેવી લાગણી અને હૂંફ મેળવી શકીશ એ વિચારે મનમાંને મનમાં પ્રફુલ્લિતતા અનુભવી રહી હતી. તેમાય નવાગંતુકનો સાથ મળશે એટલે જરૂર જિંદગી સુંદર અને જીવવા લાયક બની રહેશે.

પણ એમ જીવન સરળ થોડું હોય છે? એક દિવસ બાથરૂમમાં રાધા નહાવા ગઈ હતી અને અંદરથી કશુક પછડાયાનો અવાજ આવ્યો અને સાથે સાથે એક ચીસ પણ સંભળાઈ. હું રસોડામાં વ્યસ્ત હતી અને બા પૂજા કરતા હતા. અમે બન્ને સફાળા દોડ્યા અને બાથરૂમનું બારણું ખખડાવ્યું પણ કોઈ જવાબ ન મળ્યો. કશુક અમંગળ થયાનો વિચાર ફરકી ગયો પણ તેને હટાવી દીધો અને બૂમ મારી, ‘રાધા, રાધા, શું થયું? બારણું ઉઘાડ.’

થોડી ક્ષણો પછી અંદરથી એક ક્ષીણ અવાજ આવ્યો કે તે લપસી ગઈ છે. મારા મનમાં ધ્રાસકો પડ્યો કે લપસી ગઈ છે તો બધું ઠીકઠાક છે કે કેમ? પછી મેં તેને ધીરે ધીરે ટેકો લઇ બારણું ખોલવા કહ્યું. થોડીવારે તેણે બારણું ખોલ્યું. તેનો ચહેરો એકદમ ધોળો પૂણી જેવો થઈ ગયો હતો. શરદ તો ઓફિસે ગયા હોય એટલે જે કાઈ કરવાનું તે મારે અને બાએ કરવાનું રહ્યું.

અમે ડો. મહેતાના નર્સિંગહોમમાં રાધાની પ્રસુતિ કરાવવાના હતા એટલે તેમને રાધાની હાલત તપાસવા ત્યાં જવું જરૂરી હતું. હાલમાં શરદને આ બધું જણાવવાનો સમય ન હતો અને ત્યાં ગયા પછી જણાવશે કારણ હમણાં કહીશ તો તે ચિંતા કરવા લાગશે માની અમે તેને જાણ કરી નહી અને રાધાને ડો. મહેતા પાસે લઇ ગયા.

વાતની ગંભીરતા સમજી ડો. મહેતાએ રાધાને તરત તપાસી.

‘ડો. શું લાગે છે? કોઈ ગંભીર વાત છે?’ મારી શંકાને દૂર કરવા પૂછ્યું.

‘પડવાને કારણે ગર્ભને કોઈ નુકસાન નથીને તે ખાતરી કરવા સોનોગ્રાફી કરાવવી પડશે.’

સદનસીબે સોનોગ્રાફી કર્યા પછી જણાયું કે ગર્ભ સુરક્ષિત હતો.

ડોકટરે કહ્યું કે આમ તો બધું સારું છે પણ સાવચેતીની જરૂર છે. તેને પૂર્ણ આરામ કરવો પડશે એટલે તેને નર્સિંગહોમમાં બે દિવસ રહેવું પડશે. સાથે સાથે યોગ્ય દવાઓ પણ લખી આપી જેથી તેની તબિયત ઠીક રહે.

આ બધું પત્યા પછી ખયાલ આવ્યો હવે શરદને જણાવવું જરૂરી છે નહી તો જ્યારે ઘરે આવશે ત્યારે મારી હાલત કફોડી થઇ જશે. આમ વિચારી મેં શરદને ફોન કર્યો.

‘હા બોલ, સ્મિતુ. કેમ ફોન કર્યો?’

‘જી, રાધાની તબિયત ઠીક ન હતી એટલે ડો. મહેતા પાસે લઈ આવ્યા છીએ તે જણાવવા ફોન કર્યો.’

‘શું થઇ ગયું રાધાને? કોઈ ચિંતા કરવા જેવું નથીને? ડો. શું કહ્યું?’ સહેજ ચિંતાભર્યા અવાજે શરદ બોલ્યા.

‘બાથરૂમમાં રાધા લપસી પડી હતી એટલે અમે……..’

‘અરે, તો કોઈ નુકસાન તો નથી થયુંને?’ મારી વાતને અડધેથી કાપી શરદ બોલ્યા.

‘ના, ના, ભગવાનની કૃપાથી બધું સારૂં છે. સાવચેતી ખાતર સોનોગ્રાફી કરવા કહ્યું હતું તે પણ કરાવી લીધી છે અને આવનાર સલામત છે. પણ રાધાને બે દિવસ અહિ રાખવી પડશે.’

‘હાશ, તો ઠીક, નહી તો આપણે પાછા હતા ત્યાના ત્યાં. ખેર, હું હમણાં જ ત્યાં આવું છું.’

થોડી જ મિનિટોમાં તે નર્સિંગહોમમાં દોડી આવ્યા. તેમના ચહેરા પરની વિહવળતા જોઈ મને નવાઈ તો લાગી પણ તે માટે કોઈ પૂછપરછ કરવાનો આ સમય નથી માની હું ચૂપ રહી.

આવતાની સાથે શું થયું? કેમ થયું? ક્યાં છે?ના સવાલોની ઝડી વરસી. હું તેમને રાધાને જે રૂમમાં રાખી હતી ત્યાં લઈ ગઈ. દાખલ થતાવેત તેઓ રાધાની પાસે બેસી ગયા અને તેના માથે હાથ ફેરવવા લાગ્યા. તેમની આ લાગણીની અભિવ્યક્તિએ મને અંદરથી વ્યથિત તો કરી મૂકી પણ કાઈ બોલવા હું અશક્ત હતી.

બે દિવસ પછી રાધાને ઘરે લઇ આવ્યા. તેને હજી આરામની જરૂર હતી એટલે તેને બાની સાથે જ સૂવાની વ્યવસ્થા કરી જેથી તેની સંભાળ પણ લેવાય અને આરામ પણ રહે. બાને પણ પોતાના વંશજની ઇચ્છા હતી એટલે તેઓએ પણ રાધા માટેના અમારા આ નિર્ણયને આવકાર્યો. ધાર્યું હતું તેમ જ થયું. બા તેની બહુ કાળજી લેતા અને તે પથારીમાં જ સૂઈ રહે અને આરામ કરે તે તરફ ખાસ ધ્યાન રાખતા. મને તો એક બાજુ ઈર્ષા પણ થવા લાગી કે હું આ બધી કાળજીથી વંચિત રહી ગઈ, પણ નસીબમાં આ ન લખાયું હોય તો મન મનાવીને બેસી રહેવું પડેને?

બાનું તો સમજ્યા કે એક સ્ત્રી હોવાના નાતે તે આ સમો સમજી શકે છે અને તેમાય જે હાદસો થઈ ગયો એને કારણે વધુ ધ્યાન આપવું જરૂરી છે, પણ શરદનું વર્તન પણ કાઈક અંશે બદલાઈ ગયું હતું. હવે તે ઓફિસેથી આવી પહેલા બાના રૂમમાં જઈ થોડો સમય રાધા સાથે વિતાવતા. એક અજાણી નારી પ્રત્યે આવો વર્તાવ જોઈ મને તો શંકા થવા લાગી કે શરદ બદલાઈ ગયા કે શું? પણ આ બધું જોવા સિવાય બીજો રસ્તો પણ શું હતો? પછી મન મનાવતી કે એકવાર રાધાની પ્રસુતિ થઇ જાય પછી તો શરદ મારી પાસે જ રહેશે, તેમાય બાળકના આવવા બાદ તો અમારો સંબંધ વધુ ગાઢ બનશે. બસ, આ જ વિશ્વાસે હું દિવસો પસાર કરતી હતી અને ક્યારે તે રળિયામણો દિવસ ઊગી નીકળે તેની રાહ જોતી હતી.

દિવસો વિતતા ગયા અને ધીરે ધીરે રાધાની તબિયત સુધરવા લાગી. ડોકટરે પણ હવે તેને કોઈ તકલીફ નથી કહી રોજિંદુ કામકાજ કરવાની છૂટ આપી.

સાત મહિના પૂરા થતા રાધામાં પણ ફેરફાર નજર આવવા લાગ્યા. શરદ પણ હવે તેની વધુ કાળજી લેતો હોય એમ મને લાગતું પણ હું મારી આ વ્યથા વ્યક્ત કરી શકતી ન હતી. ઓફિસેથી શરદ ઘણીવાર વહેલા આવે અને રાતના પણ મોડે સુધી રાધા પાસે વિતાવે. પૂછવા પર કહેતા કે તેને કંપની આપીશું તો તેને ઘર જેવું લાગશે. તેને કારણે તેનું મન પ્રસન્ન રહેશે તો બધું સમૂસુતર પાર પડશે અને આપણને પણ તકલીફ ઓછી રહેશે. આ દલીલ માન્યા સિવાય મારી પાસે કોઈ બીજો ચારો હતો ખરો?

આમ જ એક સાંજે શરદ વહેલા આવી ગયા એટલે અમે ત્રણ જણ દીવાનખાનામાં બેસી વાતો કરતા હતા. હું રાધા માટે સફરજન સમારી રહી હતી ત્યાં તો તેના મુખેથી ‘ઓહ ‘ બોલાઈ ગયું. ‘શું થયું?’ના જવાબમાં તે પહેલા તો શરમાઈ, પછી થોડુક મલકી અને બોલી કે અંદરના જીવે તેને લાત મારી હતી. શરદ તરત જ તેની પાસે ગયા ને તેના પેટ ઉપર હાથ મૂકી આ પહેલા ન અનુભવેલું અનુભવવા લાગ્યા. પોતાની પત્નીને આમ થતું હોય અને કોઈ પૂરૂષ આમ કરે તે સમજાય પણ ગમે તેમ તો રાધા પારકી સ્ત્રી. તેની સાથેનો સંબંધ કેટલા દિવસનો? તો શું શરદની આ પ્રતિક્રિયા યોગ્ય હતી? પણ મને ખબર હતી કે હું કાઈક કહીશ તો તેમની પાસે તેને માટે કોઈને કોઈ બહાનું હશે જ. વળી આ સમયે હું કોઈ દલીલબાજીમાં પણ પડવા નહોતી માંગતી કારણ રાધાની પ્રસુતિ સુપેરે પતે તે જ બધાની ઈચ્છા હતી એટલે હું ચૂપ રહી અને બધું જોયા કર્યું.

એમ તો મેં ક્યાં આ પહેલા રાધાના પેટ ઉપર હાથ ફેરવ્યો નથી? હાથ ફેરવતી વખતે મનમાં અને મનમાં ગણગણતી પણ હતી,

આપણો સંબંધ આંખ અને શમણાંનો

આપણો સંબંધ છે ફૂલોનો અને સુગંધનો

પણ મારો આ અનુભવ મેં ક્યારેય શરદને જણાવ્યો ન હતો. જણાવવાની શું જરૂર? શું એ મારો નીજી આનંદ હતો એટલે કે પછી કોઈ અસલામતીનો અહેસાસ મહેસૂસ કરી રહી હતી? ખબર નથી પણ હમણા હમણા શરદને ખુશ થતા જોઈ મને પણ સારૂં લાગ્યું કે હવે આ ઘરમાં નવું વાતાવરણ પ્રસ્થાપિત થયું છે અને અમારો સરોગેટ રસ્તાનો નિર્ણય લેખે લાગશે.

પછીના દિવસો તો જાણે ક્યાં પસાર થઇ ગયા તેની ખબર ન રહી. દિવસે દિવસે રાધા તરફ બા અને શરદ વધુ ધ્યાન આપવા માંડ્યા, જે સ્વાભાવિક હતું. હું પણ મારા મનની લાગણીઓ અને અવઢવને વિસારી તેમને સાથ આપતી કારણ મને પણ આ ઘરની ખુશીમાં પૂર્ણ રસ હતો અને અમે તે સમય આવ્યે મેળવવાના હતા.

હવે જેમ જેમ દિવસો સમાપ્ત થવાને આરે હતા તેમ તેમ શરદ વધુ ખુશ જણાતા. ઓફિસેથી આવ્યા બાદ જમીને થોડો વખત તે રાધા પાસે બેસતા ત્યારે તેના પેટ ઉપર હાથ મૂકી કશુક અનુભવ્યાનો આનંદ લેતા. કોઈવાર તો અંદરના જીવ સાથે વાતો પણ કરતા અને આંનદ લેતા. શરદ આ બધું કરતા પણ તેમનું દિલ સાફ હતું એટલે મને સાથે ન રાખે તો પણ મને વાંધો ન હતો પણ તેમ છતાં તે હંમેશાં મને પણ સાથે રાખતા, એટલા માટે નહી કે હું કોઈ શંકા કરૂ પણ હું પણ તેમના આનંદની ભાગીદાર થાઉ માટે.

આવનારના કારણે શરદ આમ રાધા સાથે વધુ નજીક આવતા હતા. મને એ પણ ખબર હતી કે આમેય તે રાધાની ગર્ભાવસ્થા સામાન્ય ન હતી અને તે લપસી ગઈ પછી તેનો વધુ ખયાલ રાખવો જરૂરી હતું. તે ઉપરાંત તેમની અને બાની ખુશીને પણ મારે ધ્યાનમાં રાખવાની હતી એટલે આ બધું નજરઅંદાજ કરતી.

જેમ જેમ નવમો મહિનો નજીક આવવા લાગ્યો તેમ તેમ ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું. રાધાની સાથે સાથે નવા આવનારના વિચારો અમારી વાતચીતનો મુખ્ય વિષય બનવા લાગ્યો. ઠીક હોય તો રાધા પણ અમારી સાથે બેસતી જેથી તેનું મન પ્રસન્ન રહે અને અમારી ખુશીમાં તે સહભાગી બની શકે.

આમ જ નવ મહિના પૂરા થયા અને હવે ગમે તે વખતે રાધાને નર્સિંગહોમમાં લેવાનો સમય આવી જશે માની હું અને બા તેની તૈયારીમાં પડ્યા. શરદ પણ રોજ દિવસમાં બે-ત્રણ વાર ફોન કરી રાધાની તબિયત પૂછતા. મને તો ત્યાં સુધી કહ્યું હતું કે મારે ઘરની બહાર જવું નહી જેથી ગમે ત્યારે દોડવું પડે અને બા એકલા હોય તો મૂંઝાઈ ન જાય. જ્યારે પણ તેવો વખત આવે કે તરત મારે તેમને ફોન કરવો જેથી તે સીધા નર્સિંગહોમમાં પહોંચી શકે. હવે તો ઘર માટે શાક્ભાજી અને અન્ય ચીજો પણ તે લેતા આવતા જે સામાન્ય રીતે હું કરતી.

તો બા હવે આંનદમાં રહેવા લાગ્યા હતા અને મારા પ્રત્યે પણ કૂણા પડ્યા હતા.

ડોકટરે જે તારીખ આપી હતી તે નજીક આવતી હતી એટલે રોજ રોજ ઉત્કંઠા સાથે એક પ્રકારનું ગંભીરતાભર્યું વાતાવરણ છવાઈ ગયું હતું.

આપેલ તારીખના આગલા દિવસે બપોરે હું મારા રૂમમાં આરામ કરવા આડી પડી હતી ત્યાં જ બાજુની રૂમમાંથી રાધાની ધીમી બૂમ સંભળાઈ, ‘સ્મિતાબેન’. હું સફાળી ઉભી થઇ અને તેની પાસે પહોંચી. જોયું તો તે વેદનાથી અમળાતી હતી. બા બહાર સોફા પર બેસી છાપું વાંચતા હતા. મેં તરત તેમને બોલાવ્યા. તેમણે રાધાને અમળાતી જોઈ સમજી ગયા કે પ્રસવવેદના શરૂ થઇ ગઈ છે. તરત મને ટેક્ષી બોલાવવા કહ્યું અને સાથે સાથે શરદને ફોન કરી કહ્યું કે અમે રાધાને લઈને નર્સિંગહોમ પહોચીએ છીએ અને તે પણ ત્યાં આવી જાય.

વિના વિલંબે અમે રાધાને લઈને નર્સિંગહોમમાં પહોંચ્યા. ત્યાના સ્ટાફને રાધાને લગતી બધી માહિતી હતી એટલે તરત ડો. મહેતાને ફોન કરી બોલાવ્યા.

ગૃહ પ્રવેશ (૬) પ્રવીણા કડકિઆ

હૉસ્પિટલમાં રાધાના દર્દભર્યા અવાજ સંભળાતા હતાં.

‘મને ક્યાં આવો અનુભવ થવાનો હતો મારા મગજમાંથી તો શરદનું વર્તન છેલ્લા મહિનામાં હતું તે  જ ઘુમરાયા કરતું હતું.’

‘રાધાને હવે નવમો મહિનો ચાલુ થઈ ગયો હતો. તેને બેસવા, ઉઠવામાં તકલિફ ખૂબ પડતી. વજન સારું એવું વધ્યું હતું. શરદ તો ઓફિસથી આવે એટલે પહેલાં ચા પીતા, મારી સાથે આખા દિવસની વાતો કરતાં. હવે એ નિયમ બદલાયો હતો. રાધાનું શરીર વધ્યું હતું પણ ખબર નહી કેમ તેને અશક્તિ જણાતી. ડોક્ટર પાસે લઈ ગયા તો કહે’ તેની તબિયત નાજુક છે. આરામ કરે તેવો આગ્રહ રાખજો. તેને તપાસીને કહે,’બાળકીનું હલન ચલન અંદર નિયમિત લાગે છે. “

શરદ ઓફિસેથી આવે કે પહેલો સવાલ  પૂછતાં,’રાધા કેમ છે’? મને કોઈવાર તેની અદેખાઈ થતી. મૌન ધારણ કરી મુખના ભાવ ન બદલાય તેનું ધ્યાન રાખતી.

હજુ જવાબ સાંભળ્યો ન સાંભળ્યો ત્યાંતો તેના રૂમમાં જઈ તેના પેટ ઉપર હાથ ફેરવતા. ઉદરમાં પોષાઈ રહેલાં પારેવડાંની સાથે વાતો કરતાં. પ્રેમથી તેને સંવારતા. મને આ દૃશ્ય જોવું ગમતું નહી. શરદ તો પ્રેમથી બાળકને માટે વારી જતા પણ હું અભાગણી ઉંધો અર્થ કરતી. રાધાને આ ખૂબ ગમતું. આંખો બંધ કરી તેને મહેસૂસ કરતી !

શરદને રાધાનું શરીર છે એ ખ્યાલ સુદ્ધાં ન આવતો. મારી શંકાશીલ આંખો વિપરિત જોતી અંતે શરદને ભાન થતું એટલે સંકોચાઈને રૂમ છોડી જતાં રહેતાં. હું છોભીલી પડી જતી પણ પોતાની ભૂલ કબૂલ ન કરતી.  રૂમમાં જઈને શરદ ખુલાસો કરતા, ‘પ્રિયે મને શરીર કોનું છે એ તો ખ્યાલ જ નથી રહેતો. યાદ રાખજે અંદર  અંકુરિત થઈ રહેલું બાળક તારું અને મારું છે’. તું નિષ્ફિકર રહેજે. હું તો જન્મો જનમ તારો જ છું’. કહી મને આલિંગન આપતાં. ત્યારે મારો જીવ હેઠો બેસતો. ઘણીવાર પોતાની જાત પર શંકા કરવા માટે તિરસ્કાર આવતો’. મનમાં ગડમથલ ચાલતી,’ શરદ મારો છે. તે બીજી સ્ત્રીને ખોટી નજરે જોઈ જ ન શકે ! ‘

બા આજે રોજ કરતાં પણ વહેલા ઉઠ્યા હતાં. સવારથી તેમની ડાબી આંખ ફરકતી હતી. તેમને લાગ્યું આજે રાધાને હોસ્પિટલ લઈ જવી પડશે. અનુભવીની આંખો બધું બારિકાઇથી નિરીક્ષણ કરતી હોય. બાને તેના પેટની હાલત જોઈને લાગ્યું, બચ્ચું નીચે ઉતરી ગયું છે એવો અંદાઝ આવી ગયો હતો. ગમે ત્યારે હોસ્પિટલ જવાનું તેડું આવશે. જો કદાચ પાણીની કોથળી ઘરમાં ફૂટી જાય તો સત્વરે હોસ્પિટલ જવું પડે ! તેના કરતાં થોડા વહેલા જવું સારું.   ગરમા ગરમ શીરો બનાવવા રસોડામાં ગયા. આજે તેમને જાતે બનાવવો હતો. મનમાં ઉમંગ હતો કે શરદ અને સ્મિતાનું બાળક ભલે રાધાના ઉદરે પોષાયું પણ તેમનું સંતાન કહેવાશે ! જેને જોવાની તેમની આંખો તરસતી હતી. રાધાને પ્રેમથી ગરમ શીરો અને તાજો મગનો પાપડ ખવડાવ્યો. બાને પ્રેમ કેમ ન આવે તેમના ઘરનો વારસદાર કે કન્યા પધારવાના હતાં.’

પાછી હું વર્તમાનમાં આવીને પટકાઈ. દર્દ ભલે રાધાને થતું હતું પણ તેની વેદના હું અને શરદ અનુભવવા  લાગ્યા, બાજુના કમરામાંથી રાધાના ઉંહકારા સંભળાતાં હતાં. રાધાને રહી રહીને  વેણ ઉપડ્યા હતાં.   હું અને શરદ એકબીજાના હાથમાં હાથ પરોવી બહાર બેઠાં હતા. જાણે મને કેમ બાળક ન  અવતરવાનું હોય તેમ શરદ  મને પ્રેમથી બાજુમાં બેસી નિરખી રહ્યાં. રાધાના ઉંહકારા, પીડા અને ચીસો સ્પષ્ટ પણે  સંભળાતાં હતાં. દર્દ ભલે તે અનુભવતી હતી પણ તેનો અહેસાસ મને અને શરદને થઈ રહ્યો હતો.

બા પાસેથી સાંભળ્યું હતું કે,’  બાળક જ્યારે  ધરતી પર આગમન કરે ત્યારની વેદના અસહ્ય હોય છતાં બાળકનું મુખ જોઈ મા તે બધું દર્દ વિસરી જાય છે’. બાળકને જન્મ આપવો એ સામાન્ય કામ નથી. જે પુરૂષ કોઈ કાળે ન કરી શકે. ખરું જોતા સ્ત્રીનું એ કાર્ય વંદનિય છે. તેથી તો દીકરો હોય કે દીકરી મા ગમે તેટલું કષ્ટ હસતે મુખે વેંઢારતી હોય છે.

મારાથી  બાને કહ્યા વગર ન રહેવાયું , ‘મા, બાળક જન્મે ત્યારે માતાનો પણ જન્મ થતો હોય છે’. મારા નસિબે એ સત્કર્મ નહોતું થવાનું એનું દુખ તરવરી રહ્યું.

બાએ વહાલથી મારા ગાલ પર ટપલી મારી,’ બેટા, આ વાત તારી મને ખૂબ ગમી’. જે સનાતન સત્ય છે.’ ભલે હું માતા નહોતી બનવાની છતાં પણ ‘બા’ના મુખ પર ગૌરવની આભા મેં નિહાળી. બા અને શરદ મને ખૂબ ચાહતાં હતાં.

હોસ્પિટલમાં રાધા છટપટાઈ રહી હતી. ડોક્ટર બીજી કોઈ સ્ત્રીના કિસ્સામાં વ્યસ્ત હતાં. રાધાના દર્દના અવાજો અમે સહુ સાંભળતાં. હોસ્પિટલની નર્સ અને આયા સર્વે આવા અવાજથી ટેવાયેલા હતાં. બાળકના જન્મની અમે સહુ ઈંતજારી પૂર્વક રાહ જોઈ રહ્યા હતાં. આખરી આંઠ કલાકની વેદના સહન કરી ડોક્ટરે સી સેક્શન કરવાનો નિર્ણય કર્યો. તેની પ્રસવ વેદના સમાપ્ત થઈ. મુખ પર શાંતિ ફરી વળી.

બાએ કહ્યું, ‘ પહેલીવારનું બાળક છે માતાને ઓછામાં ઓછા દસથી બાર કલાક દર્દ સહન કરવું પડે’. મને અને શરદને ખૂબ કપરું લાગ્યું. ડોક્ટર આવ્યા, રાધા જે રૂમમાં હતી ત્યાંથી બહાર આવીને શરદને કહે, બાળકનો જન્મ કુદરતી રીતે નહી થાય. કાગળો ઉપર સહી કરી બાળકીનો જન્મ કરાવડાવ્યો.

આખરે ‘લક્ષ્મી” એ પારણામાં પગરણ માંડ્યા. શરદ ખૂબ ખુશ થયો. તેને ‘મારા જેવી’ દીકરી જોઈતી હતી. નામ પણ નક્કી કરી રાખ્યું હતું. ‘શાન’!

ડોક્ટર બહાર ખુશ ખબર આપવા આવ્યા. અમને જોઈને કહે સમાચાર ખૂબ આનંદના છે. મા અને દીકરી બન્ને સરસ છે. રાધાને તકલિફ બહુ પડી હતી. કુદરતી રીતે પ્રસુતિ ન થઈ તેથી ‘સી સેક્શન ‘ કર્યું. જે તમે જાણો છો.   દીકરી જરા નબળી છે પણ માનું દૂધ પીશે એટલે તેને માથી હમણા અલગ ન કરવામાં આવે તેવી મારી સલાહ છે.

અમે બન્ને એ અધિરાઈથી પૂછ્યું,’ દીકરીને અને માને મળાય’?

ડોક્ટરે સંમતિ આપી. રૂપ રૂપના અંબાર જેવી દીકરી જોઈ અમે બન્ને ખુશ થયા. બાને પણ અંદર બોલાવ્યા. સહુ પ્રથમ શરદે મને કહ્યું,’ તું દીકરીને હાથમાં લે’.

‘બા આ આપણા ઘરની લક્ષ્મી’, કહી બાને આપી. બા આનંદવિભોર થઈ તેને વહાલ કરી રહ્યા. નામ તો ખબર હતી. તેમના મુખમાંથી સરી પડ્યું, ‘બેટા આપણા ઘરની શાન વધારજે’. તેમના મુખ પર સંતોષ તરવરી રહ્યો હતો. તેમની અંતરની ઈચ્છા આજે ફળીભૂત થઈ હતી.

શરદે જ્યારે માના હાથમાંથી લઈ વહાલ કર્યું ત્યારે  ઝુમી ઉઠ્યો.   શાન તેની માને પાછી સોંપતા રાધાનો ઉપકાર માનવાના ઉમળકામાં આલિંગન આપી દીધું. મારું મોઢું પડી ગયું. શરદની નજરમાં ન આવે એટલે મેં  મોં ફેરવી લીધું. હવે ડોક્ટરે કહ્યું, ‘દીકરીની તબિયત માટે માતાનું દૂધ ખૂબ જરૂરી છે.’

બા અને શરદનું ગમતું નામ ‘શાન ‘! મને પણ ગમતું હતું. મેં એને ખૂબ સુંદર નામ આપ્યું. “મારી ગુડિયા રાની”. શરદને અને બાએ તે નામ વધાવ્યું.  રાધા એ નામે બોલાવે તે મને ન રૂચ્યું. માત્ર મારો હક્ક મને જોઈતો હતો

‘ડોક્ટર, દીકરી માટે અમે બધું કરવા તૈયાર છીએ’. ચાર દિવસ હોસ્પિટલમાં રહી ઘરે લાવ્યા. રાધા અને શાનનો  રૂમ તૈયાર કરાવ્યો હતો. શાન માટે પારણું અમારા રૂમમાં પણ મુકાવ્યું. તેના બદલવાના કપડાં, ગોદડી ,ડાઈપર બધું મારા પલંગની પાસેના ખાનામાં ગોઠવાઈ ગયું હતું.

રાધાને દીકરી પ્રત્યે માયા હોય તે સ્વાભાવિક છે. નવ મહિને ઉદરે પારેવડાને જતનથી ઉછેર્યું હતું. દૂધ તેનું જ આપવાનું હોવાથી આખો વખત તેની પાસે રહેતી. મારી પાસે આવે કે રડવા માંડે. રાધા આવે અને શાનને મારા હાથમાંથી લઈ લે. જાણે જાદૂ થયો હોય તેમ રડતી શાન શાંત થઈ જાય.

‘ભલેને શાન,  રાધા પાસે રહેતી. શરદ બોલ્યા તો ખૂબ પ્રેમથી પણ તેમાં મને માનહાની લાગી.

‘મારી દીકરી મને લેવાનું મન ન થાય. મારી ‘ગુડિયા’ને હાલરડાં ગાઈને સૂવાડવાનું દિલ થાય.  મારી છાતીએ ચાંપવાની ખૂબ મરજી થાય. હા, તેમાંથી દૂધની ધારા નથી નિકળતી, ‘હું શું કરું’ ?  મારી કૂખેથી નથી આવી પણ તેમાં મારો અને તારો અંશ છે’! શરદ ચમક્યા પણ મને કાંઇ કહ્યું નહી, નજદિક ખેંચીને વહાલ કર્યું. મને ખૂબ સારું લાગ્યું. શરદ અને સ્મિતાના જીવનમાં શાનના આગમનને કારણે વસંત ખીલી ઉઠી. ગુડિયા ગીત બનીને આવી. આજે સવારથી મારી પાસે ખૂબ આનંદમાં રહેતી ગુડિયારાની ભૂખ લાગી એટલે રડવા માંડી. મને અંદરથી ખૂબ લાગી આવ્યું, મારી દીકરીને હું અમૃત સમાન દૂધ નથી આપી શકતી !

ન છૂટકે રાધા પાસે લઈ ગઈ. જેવી તેની જન્મદાત્રી માના હાથમાં આવી કે બન્ને હાથે તેની છાતીને વળગી પડી. રાધાએ હજુ પોતાનું વક્ષઃસ્થલ ખુલ્લું કર્યું ન હતું.  તેણે પંજાબી ડ્રેસ પહેર્યો હતો. મને ગુડિયા પાછી આપી. ગુડિયા મને  રાધા સમજી મારી છાતીને ચોંટી પડી. મારી આંખમાંથી ગંગા અને જમુના વહેવા માંડ્યા. મારી અસહાયતા પર મને ગુસ્સો આવ્યો. ગુડિયા બે હાથે છટપટાતી રહી. આમથી તેમ માથા મારતી હતી.

‘હે ભગવાન હું શું કરું ? આંખ મીંચીને તે આનંદ માણી રહી”.

‘લાવો મારી પાસે , હું તૈયાર છું”. રાધાના શબ્દો કર્ણપટે અથડાયા. ગુડિયા તેને સોંપી હું દોડીને મારા રૂમમાં ગઈ. શરદ આજે વહેલા આવી ગયા હતાં. મારી હાલત જોઈ ગભરાયા.

‘શું થયું’.

મારું માથું એમની છાતીમાં છુપાવી હું હિબકાં ભરી રહી. અંતે શાંત થઈને આખી વાત કહી.

‘અરે, ગાંડી જે અનુભવ મળ્યો તેનો ઉત્સવ માણ. જે નથી થઈ શકવાનું તેનો ગમ શામાટે’?

શરદ આગળ મારું મસ્તક ઝુકી ગયું.’ કેટલી સમઝણ અને પ્યારનો ખજાનો ભરીને બેઠું છે આ પ્રેમી નું દિલ’!

રાધા દૂધ પિવડાવીને ગુડિયા અમારી પાસે મૂકી ગઈ. હું અને શરદ તેના મુખ પર ફેલાયેલી સંતોષની આભા જોઈ ઝુમી ઉઠ્યા.

‘જો તો ખરી, તારી ગુડિયા મીઠી નિંદરમાં કેટલી સોહામણી લાગે છે’. કહી મારું માથું ચુમ્યું. આખરે એ હતી તો અમારો અંશ ને ?

ધીરે ધીરે ગુડિયા મોટી થતી ગઈ. બે મહિનાની થઈ . તેને અમૂલનું દુધ આપવાનું નક્કી કર્યું. પહેલાં દિવસમાં એક વાર. જોવું હતું તેને માફક આવે છે કે નહી ? સારા નસિબે તેને ઝાડા ન થયા. હું ને શરદ તેમજ બા ખૂબ ખુશ થયા. તેને વેક્સિન મુકાવવાના હતાં. બે દિવસ ખૂબ હેરાન થઈ. રાધાની સાથે હું અને શરદ પણ રાતના ઉજાગરાં કરતાં. શાંત સૂતી હોય ત્યારે કહીએ ,’રાધા તું સૂઈ જા’ તને આરામની જરૂર છે. તે સાંભળતી નહી. ભલે ને અંશ અમારો હોય જન્મનું દર્દ તો તેણે સહન કર્યું હતું. નવ મહિના તેના ઉદરે ઉછરી હતી. હા, પૈસા મળતા પણ સ્પંદનો અને અહેસાસ તેના પોતાના હતાં.

હવે તો ગુડિયા બહુ ઓછું તેની માનું દૂધ માગતી. હું બૉટલથી આપતી તે ચપ ચપ પી જતી. આજે મારે સ્ત્રી મંડળમાં જવાનું હતું. સ્ત્રીઓના વિકાસ માટે ભાષણ આપતી અને જરૂરિયાતમંદોને પ્રોત્સાહન તથા મદદ કરતી. રાધા પાસે ગુડિયા હતી. ત્રણ કલાક પછી આવી ત્યારે બારીનું દૃશ્ય જોઈને છળી મરી. રાધા ગુડિયાને છાતીએ લગાડી ચુંબનોથી ભિંજવી રહી હતી. મારું મન કાબૂમાં ન રહ્યું. તેને થયું જો ,’આ સ્ત્રી હવે વધુ મારી ગુડિયા પાસે રહેશે તો તેને અનહદ દુઃખ થશે. તેનો જીવ અંહીથી નહી ખસે’. આખરે તેણે શાનને જન્મ આપ્યો હતો !

રાતના જમવાના ટેબલ પર બધા સાથે બેઠા હતાં. શાન તો અમારી રૂમમાં નિરાંતે સૂતી હતી. તબિયત પણ તેની સરખી થઈ હતી.

” બા, અને શરદ હવે મને લાગે છે રાધાએ પોતાના ઘરે જવું જોઈએ. “******

ગૃહ પ્રવેશ ૭ -રાજુલ કૌશિક

ગુડીયા રાની બિટીયા રાની ,

પરીઓ કી નગરી સે એક દિન

રાજકુંવરજી આયેંગે મહેલો મેં લે જાયેંગે……

હળવા પણ હલકદાર કંઠે રાધા મારી ગુડીયાને ગળે વળગાડીને ગણગણી રહી હતી અને બેશુમાર વ્હાલ ઢોળી રહી હતી.

પણ ગુડીયા તો મારી જ, એની પર તો માત્ર મારો જ હક. રાધા તો માત્રા જન્મદાતા છે એનામાં મારો અને શરદનો અંશ છે. એ ક્યારથી રાધાની થઈ ગઈ? મન ફુંફાડો મારી ઉઠ્યું.

એક હળવી ટીસ મનમાં ઉઠી . આમ તો છેલ્લા કેટલાય વખતથી રાધા અને ગુડીયાનુ સામિપ્ય જોઇને આવી ટીસ અવારનવાર મનમાં ઉઠતી અને શમી પણ જતી. પણ આજે બારીમાંથી જે દ્રશ્ય જોયું એનાથી તો સાચે જ હું છળી ઉઠી. જો આમ જ રાધા મારી ગુડીયા પાસે જેટલું વધારે રોકાશે એટલી જ દિકરી પરની એની મમતા વધતી જશે. અને દિકરી માટે તો મા થી વધીને કોઇ હોઇજ ના શકે ને?

કેટલી ય વાર એવું બન્યું હશે કે ગુડીયાને હું રમાડતી હોંઉ પણ અચાનક ભૂખ લાગે અને એને મારે રાધા પાસે મુકી દેવી પડતી. અને રાધા જેવી એને હાથમાં લે કે જાણે એક વિશ્વાસ સાથે એ તરત જ શાંત થઈ જતી કે હવે એ સલામત હાથોમાં છે . અહીં એની તમામ જરૂરિયાતો પુરી થવાની જ છે. રાત્રે પણ એ મારી પાસે સુતી હોય અને ભર ઉંઘમાંથી જાગીને એ વલખા મારવા માંડતી. કેટલી વાર મને એવું થતું કે કાશ આ વલખા મારા માટે હોત ! કાશ એ એના નાનાકડા હાથો વડે મારો પાલવ પકડી લેતી હોય ! કાશ……

મનમાં આવા તો કેટલાય ઉત્પાતો ઉઠતા અને વમળની જેમ ઘુમરાયા કરતાં. ક્યારેક મારો પડી ગયેલો ચહેરો જોઇને શરદ સમજી જતા અને મારા મનને આશ્વત કરવા મથતા. શરદ પાસે હોય એટલી વાર મન શાંત રહેતું. હું પણ મારા મનને સમજાવવાની લાખ કોશિશ કરતી રહેતી. કેટલી વાર મનને મનાવ્યું હશે. દેવકી જ કાનાની જન્મદાતા હતી ને ? પણ આજ સુધી કાનાની મા તરીકે તો યશોદાનું જ નામ લેવાયું છે ને? ભલેને એ પિંડ બનીને કોઇ બીજાના ઉદરમાં પોષાયું હોય પણ છે તો મારું જ લોહી  અને મારો જ અંશ ને? પણ આજે તો જાણે આ મારા અંશ , મારા લોહી પર અન્ય કબજો જમાવવા મથી રહ્યું હતું . એ પળે તો હું એ પણ ભુલી ગઈ કે રાધા ય એની મા હતી. અરે ! કોઇ ભાડાના મકાનમાં રહીએ, જાણતા હોઇએ કે આ મકાન તો થોડા સમયમાં ખાલી કરવાનું છે તો પણ એ ઘર સાથે પ્રિત નથી બંધાઇ જતી? તો પછી રાધાએ ભાડે આપી હતી પણ કોખ તો એની હતી ને! અને એણે જ તો ગુડીયાને નવ નવ મહિના પોતાના લોહીમાંથી પોતાના ઉદરમાં પોષી હતી. ગુડીયાના એક એક હલનચલનને અનુભવ્યા હતા. ગુડીયાનો વધતો જતો ભાર પોતાના નાજુક શરીર પર ઉઠાવ્યો હતો. ગુડીયાને જન્મ આપવા અસહ્ય વેદના વેઠી હતી તો પછી એ કેમ કરીને એને પોતાનાથી અલગ માની જ શકે?

ગુડીયા બે મહિનાથી થઈ ત્યારથી એને બોટલના દૂધ પર ચઢાવી હતી અને સારા નસીબે એને કોઇ વાંધો આવ્યો નહોતો. એને જ્યારથી ઉપરના દૂધ પર ચઢાવી ત્યારથી એ મારી પાસે વધુ અને રાધા પાસે ભાગ્યેજ રહેતી. આજે આ સ્ત્રી મંડળમાં જવાનું થયું ત્યારે રાધાના મન પર ખુશીની લહેર ઉઠી હતી એ જવાની ઉતાવળમાં નજર અંદાજ કરી હતી. પણ હવે બીજું કશું જ નજર અંદાજ કરવામાં નહી આવે એવો નિર્ણય મેં લઈ લીધો અને જમવાના ટેબલ પર બા અને શરદની હાજરીમાં મેં જાહેર પણ કરી દીધો.

બા અને શરદના ચહેરા પર અવઢવ સ્પષ્ટ દેખાતી હતી પણ હું હવે મારા નિર્ણયમાં અડગ હતી. બીજા દિવસે સવારે ઉઠીને રાધાને પણ આ નિર્ણય જણાવી દીધો.

રાધા તો સ્તબ્ધ. જાણે આ શક્યતાને તો એ સાવ જ વિસરી ગઈ હતી. એણે તો કોન્ટ્રાક્ટ પર સાઇન કરી હતું ત્યારે એમાં શું નક્કી થયું હતું એ પણ સાવ જ વિસારી દીધું હતું. આ ઘર , આ ઘર ના સભ્ય અને ખાસ તો ગુડીયા જ એની દુનિયા બની ગઈ હતી. એના મનમાં તો હવે આ જ એનું વિશ્વ હતું. એ અચાનક મારી વાત સાંભળીને આંચકો ખાઇ ગઈ.

સ્તબ્ધ રાધા વળતી પળે પોતાના રૂમમાં દોડી ગઈ. થોડી વાર પછી મેં જઈને જોયું તો એ હિબકા ભરીને રડી રહી હતી. પળવાર તો મારું મન પણ પિગળી ગયું પણ હવે તો મારે હવે આ અંગે કોઇ છુટછાટ મુકવી નહોતી. રાધા એ તો જવું જ રહ્યું.

રાધાએ માયા સમેટવા માંડી હતી પણ દેખીતી રીતે એ નિષ્પ્રાણ પૂતળી જેવી લાગી રહી હતી. ખાવા પીવાથી માંડીને અન્ય કશામાં રસ જ ના રહ્યો હોય એવી રીતી એ ઘરમાં ફરતી. માત્ર ગુડીયાને જોઇને એની આંખોમાં ચેતનાનો ચમકારો દેખાતો. એક જીજીવિષા એની નજરમાં છલકાતી.

અંતે એ દિવસ પણ આવી ગયો અને રાધાનો જવાનો સમય આવી ગયો. નિકળતી વખતે એ બા ને પગે લાગી. શરદ ઘરમાં ન હોય એવી તકેદારી રાખવાનું હું ભુલી નહોતી. બા પાસેથી ખસીને એણે ગુડીયાને પોતાના હાથોમાં ઉચકી. ગુડિયાને છાતી સાથે ચાંપીને એ અનરાધાર રડી. ચુમીથી ગુડીયાને ગુંગળાવી મુકી. ગુડિયા તો આ ભીંસ પણ શાંતિથી- પ્રેમથી માણી રહી. રાધા પાસેથી ગુડીયાને લઈને હું અંદરના રૂમમાં ચાલી ગઈ. મને પોતાને એ સમયે હું નબળી પડી જઈશ એવી ભિતી લાગી હતી. મનને પત્થર જેવું કઠોર બનાવીને હું ત્યાંથી ખસી ગઈ.

પણ કહે છે ને કે માનવ ગમે તે કેમ ન ધારે પણ અંતે બનતું હોય છે ઇશ્વરની મરજી મુજબ. રાધા ગઈ તે પળથી જાણે ઘરમાં એક પળ થીજી ગઈ. આજ સુધી જે સમય પ્રવાહી બનીને વહેતો હતો એ પણ આજે સ્થિર થઈ ગયો. ઘરનું વાતાવરણ ભારેખમ બની ગયું અને આ ભાર જાણે ગુડીયા પર લદાયો હોય એમ એ પણ તરફડી ઉઠી. રાધાની ભીંસથી જરાય ન અકળાનારી ગુડીયા જાણે ઘરની શાંતિથી અકળાઇ ગઈ. અને એ શાંતિમાં ખલેલ પાડતું રૂદન આરંભ્યું.

છેલ્લા કેટલાય સમયથી એ રાધાના દૂધ પર તો હતી જ નહીં. મારી પાસે એ બોટલથી દૂધ પી લેતી જ હતી પરંતુ આજે જાણે રાધાને મોકલવાના મારા નિર્ણય સામે વાંધો ઉઠાવવો હોય એ કેમે કરીને મારી પાસે દૂધ પીતી જ નહોતી. દૂધ પીવાની વાત તો દૂર એ મારી પાસે છાની પણ રહેતી નહોતી. એને ઉચકીને ઘરમાં કેટલા તો આંટા માર્યા. ઘોડિયાની ટેવ તો પાડવી જ નહોતી અને એ પણ રૂમમાં પારણા જેવા એના નાના બેડ પર સુઇ જતી હતી પણ આજે તો એને એ પણ મંજૂર નહોતું. જાણે બંડ પોકારતી હોય એમ મારી તમામ કોશીશોને નાકાયાબ કરી મુકતી હતી. સાંજે શરદ ઘરે આવ્યા ત્યારે આ હોહાપોહ જોઇને એ પણ ડઘાઇ ગયા. શાન જરા જેટલું રડે તો એ એમને કે બા ને જરાય સહન થતું નહોતું. ..મને ય ક્યાં સહન થતું હતું? પણ આ તો જાણે મેં રાધાને મોકલવાની ભારે ભૂલ કરી હોય એવી ગુનાહિત લાગણી મારા મનમાં ઉભરાવા માંડી. વધારામાં બા અને શરદની નજરમાં દેખાતો ઠપકો ય મને કોરી ખાતો હતો.

અંતે રડી થાકીને ગુડીયા સુઇ તો ગઈ પણ મારી આંખોમાંથી ઉંઘ વેરણ બની ગઈ. આખી રાત મેં પાસા ઘસવામાં વિતાવી. રખેને ગુડીયા જાગીને રડવા ના લાગે એ બીકે શરદ સાથે વાત કરવાનું ટાળ્યુ. જો કે શરદ પણ ક્યાં મારી સાથે વાત કરવાના મુડમાં હતા ? એમને તો ગુડીયા આટલું બધુ રડી એનો જ સંતાપ ભારોભાર હતો. એમના ચહેરા પર પણ જાણે રાધાના ગયાનો અફસોસ તરવરતો હતો.

બીજા દિવસે પણ એની એ જ હાલત. ગુડીયાએ ના દૂધ પીધું તે ના જ પીધું. સમજણ નહોતી પડતી કે આમ કેમ થઈ રહ્યું છે? છેલ્લા ઘણા સમયથી બોટલનું દૂધ અને મારો સહવાસ બંને વધારવાના પ્રયાસો આજે વિફળ નિવડ્યા હતા. બે દિવસથી આ હાલ હતા. ગુડીયાએ દૂધનું ટીપું સુધ્ધા લીધું નહોતું.

શરદે આજે તો ઓફિસ જવાનું મોકુફ રાખ્યું હતું. અને એક રીતે સારું જ કર્યું કારણકે બપોર પછી તો ગુડીયાના હાલ જોઇને અમારે એને ડૉક્ટર પાસે લઈ જ જવી પડી. ગુડીયાને ચેક કરી. આમ દેખીતી રીતે તો એના આ હાલ સામે કોઇ ચોક્કસ કારણ હતું જ નહીં. કારણ કે એ માંદી તો હતી જ નહી ને?

ડૉક્ટર અમારી હિસ્ટ્રી જાણતા હતા એટલે એમણે રાધાને પાછી બોલાવી જોવાની સલાહ આપી. મારું મન અત્યંત કચવાતું હતું પણ ગુડીયાની તબિયત પાસે તો હું લાચાર જ હતી. ગુડીયાના ભોગે તો કોઇ બાંધછોડ કરવાની ના જ હોય ને? ઘરે આવીને બા ને વાત કરી.

‘ મને તો ખબર જ હતી પણ સત્તા આગળ શાણપણ નકામું એમ માનીને હું ચુપ હતી” ઘરે આવીને બા ને વાત કરી એવું લાગલું એ બોલી ઉઠયા. ગમે એટલું કરો પણ મા એ મા….

‘આવી વાતોમાં હું માનતી નથી બા, કેટલાય છોકરાઓને દત્તક લેવામાં નથી આવતા? તો શું એ બધા એમની મા વગર નથી રહેતા ? છોકરાઓ ક્યાં અને એમની મા ક્યાં એની કોને ખબર હોય છે અને છતાં છોકરાઓ ઉછરતા નથી? આ તો મારું નસીબ આડું પડ્યુ કે ગુડીયાને રાધાનો અહંગરો નડ્યો.

શરદ ચુપ હતા પણ એમના ચહેરા પરના ભાવો પણ જાણે બા ની વાતને ટેકો આપતા હતા. અંતે અમારા ઘરમાં રાધા પાછી ફરી. એક વિજયી સ્મિત સાથેનો એનો પ્રવેશ મારા કાળજાને કોરી ગયો. ઘરમાં ગુડીયા જ નહીં બધા એના હેવાયા બની ગયા હોય એવો ઘાટ હતો. ઉંમરમાં મારા કરતાં ઘણી નાની હોવા છતાં એની પાસે હું વામણી બની ગઈ. ગુડીયા તો એની હતી જ બાકીના પણ જાણે એના બની ગયા.

ગુડીયાને જન્મ આપવા પાછળ માત્ર પરમાર્થ નહી પણ એનો ય સ્વાર્થ હતો એ વાત સદંતર ભૂલાઇ ગઈ અને અમારા પર ઉપકાર કર્યો હોય એવી ખુમારી એનામાં વર્તાવા લાગી. ગુડીયા પણ જાણે રાજી રાજી. એનું રોવાનું તો સાવ બંધ. રાધાને શા કારણે પાછી બોલાવવામાં આવી છે એ જાણીને તો ઘરમાં એ હુકમનો એક્કો હોય એવી રીતે વર્તવા માંડી.

ગુડીયાને લગતા નિર્ણયોમાં તો એ બા સાથે જ નહીં શરદ સાથે પણ સીધી વાત કરી લેતી. એણે લીધેલા નિર્ણયો જાણે અજાણે સવળા પડવા માંડ્યા. ગુડીયા મોટી થતા માત્ર દૂધના બદલે લિક્વીડ ફુડ આપવાનું ડૉક્ટરે કહ્યું. હવે ગુડીયાને શું ખવડાવવું એ પણ રાધા કહે એ પ્રમાણે નક્કી થતું. કપડાં પણ રાધા કાઢીને આપે એ જ પહેરાવાતા. ક્યારેક હું કશું કહેવા જતી ત્યાં એ મારી સામે એવી રીતે જોતી કે જાણે બાળક માટે શું સારુ કે શું ખોટું એની મને કેવી રીતે ખબર પડે? બા પણ એને રાજી રાખવા મથતા. શરદ આ બધા સામે આંખ આડા કાન કરતાં જાણે આ ઘરમાં હું જ પરાઇ બની ગઇ.

ક્યારેક મને મારી જાત પર તો ક્યારેક શરદ પર પણ ગુસ્સો આવી જતો. રાધા માટે તો મનમાં ભારેલો અગ્નિ ધગધગતો હતો. ગુડીયા પણ એની હેવાઇ બનતી ચાલી. મારે ગુડીયાને રમાડવી હોય તો કેટલી વાર વિચાર કરવો પડતો. મનમાં એક જાતની ધાસ્તી રહ્યા કરતી કે રખેને હું ગુડીયાને લઈશ અને જો એ રડવા માંડી તો ? રાધાની હાજરીમાં મને મારી માનહાની થાય એ મારા માટે અસહ્ય બાબત હતી. હા! શરદને એ સામી ચાલીને ગુડીયા સોંપી દેતી. ઘણીવાર તો મને એવું લાગતું કે એ સાંજ પડે જાણે શરદની રાહ ના જોતી હોય?

મોટાભાગે રાત્રે તો ગુડીયાને અમારા રૂમમાં જ સુવાડવાનો નિયમ રાખ્યો હતો પણ ક્યારેક વળી એ રાત્રે જાગીને રડતી તો મારે કમને પણ એને રાધા પાસે મુકવી પડતી. અને એવી દરેક ક્ષણે એના ચહેરા પર રાજીપા ના ભાવ જોઇને હું ઘાયલ થઈ જતી. હું એ ય સમજતી હતી કે ખરેખર તો એ જ સાચી મા છે પરંતુ મારે મન તો એ કોન્ટ્રાક્ટ સાઇન કરેલી ભાડૂતી મા જ હતી.

ગુડીયા ના જન્મ પહેલા મને સાચે જ રાધાની પરવા રહેતી. એના માટે આત્મિયતાના ભાવ પણ સાચા હતા પરંતુ હવે આખી પરિસ્થિતિ બદલાઇ હતી એની સાથે મારા મનમાં એના માટેના ભાવ પણ આટાપાટા ખેલતા હતા. હવે મને રાધા આંખના કણાની જેમ ખટકવા માંડી હતી.

બા તો આ સમગ્ર પરિસ્થિતિને એકદમ તટસ્થ ભાવે જોતા હતા. એમને મન તો એમનો વારસ એમની શાન ખુશ રહેતી હતી ને? બસ પછી એ મારી પાસે હોય કે રાધા પાસે એનાથી એમને કશોજ ફરક પડતો નહોતો. સવારે ઉઠીને એમનું નિત્યકર્મ પતાવીને સેવા પૂજા કરીને સહેજ ફુરસદે ગુડીયાની પાસે બેસતા. હું અને રાધા હતા એટલે ઘરના કામનો તો હવે એમના માથે ઝાઝો ભાર રહ્યો નહ્તો. કહેવાની રીતે બે જણ પરંતુ ઘરનું કામ મોટાભાગે મારા માથે જ રહેતુ. ગુડીયાની તમામ જવાબદારી મોટાભાગે રાધા સંભાળી લેતી. એટલે બા સાંજ પડે ને ઉપડતા મંદિરે.. આમ પણ શ્રાવણ મહિનામાં ભજન- કીર્તનનો લાભ તો એ હંમેશા લેતા. દર્શન કરીને એમના જેવા વયસ્ક જોડે થોડો સમય પણ કરી લેતા.

આવી જ એક સાંજે બા મંદિરે ગયા હતા અને હું બજારના કામે. પાછા ફરતાં ધાર્યા કરતાં જરા મોડું થઈ ગયું. શરદ ઘરે આવી ગયા હશે અને મને નહીં જુવે તો એ અથરા થશે એવા વિચારે હું પણ ઘેર પહોંચવા ઉતાવળી બની ગઈ. શરદને એવું ખરું કે એ ઘરમાં આવે ત્યારે મારે ગમે એટલા કામ હોય એ પડતા મુકીને પણ એમની આસપાસ વિંટળાયેલા રહેવું. કામ હોય કે ના હોય સ્મિતાના નામની બૂમ ચાલુ જ રહેતી. ક્યારેક હું ટોકતી પણ સાચું કહું તો મને એ ગમતું પણ ખરુ.

આજે પણ એમણે ઘેર આવીને બૂમાબૂમ કરી મુકી હશે એવા વિચારે થોડું મલકી જવાયું પણ આ શું ? ઘરમાં આવીને નજરે જે દ્રશ્ય પડ્યું એ મારી ધારણાથી સાવ જ અલગ હતું . શરદના ચહેરા પર મારા વગર મેં ધાર્યા હતા એવા કોઇ અકળામણના ભાવ નહોતા એના બદલે એમના ચહેરા પર તો સરસ મઝાનું સ્મિત વિલસતું હતુ. એ અને રાધા સાવ અડોઅડ બેઠેલા હતા. બંનેના ખોળા ભેગા કરીને ગુડીયાને રમાડતા હતા અને વચ્ચે વચ્ચે હેતભરી નજરથી એકમેકને જોઇ લેતા હતા.

આ દ્રશ્ય પચાવવાની વાત તો મારા તાકાત બહારની હતી. ગુડીયાની સાથે શરદ સાથે પણ રાધા આટલી તન્મય બની જશે એવી તો મને કલ્પના સુધ્ધા નહોતી અને શરદ પણ રાધા જોડે આટલી આત્મિયતાથી વર્તશે એવું તો મન સ્વીકારવા તૈયાર નહોતું . એક ગુસ્સાભરી દ્રષ્ટી બંને તરફ નાખીને હું સીધી રૂમમાં ચાલી ગઈ. ક્ષણેક વારમાં શરદ મારી પાછળ રૂમમાં આવ્યા.

હું મારા રૂમમાં બારી પાસે ઉભી હતી. બારીમાંથી આવતો ઠંડો પવન પણ મારા મનનો ઉકળાટ શમાવી શકે તેમ નહોતો. આવીને એમણે મારો હાથ એમના હાથમાં લીધો. ચહેરા પરની શાંતિ પાછળ પણ મને તો ભોંઠપનો ભાર જ દેખાતો હતો.

“સ્મિતા, તું કંઇ પણ આડું અવળું વિચારીશ નહીં પ્લીઝ, તું ધારે છે એવું કશું જ નથી. હું તો બસ આમ જ ગુડીયાને રમાડવા બેઠો હતો.”

શરદના આવવાથી મારો ગુસ્સો ક્રોધમાં પલટાઇ ગયો . મારાથી ઉંચા અવાજે બોલાઇ ગયું “ બસ થયું શરદ , હવે મને મારું ઘર, મારી ગુડીયા પાછી આપો.”

“સ્મિતા, તને તો ખબર જ છે ને કે હું એને અહીં રાખવાનો વિરોધી જ હતો. તારો અને બા નો આગ્રહ હતો એટલે એ આ ઘરમાં આવી હતી અને રહી હતી. હવે ગુડીયાને એની જરૂર છે ત્યારે હું કહું પણ માનું છું કે ભલેને એ અહીં રહેતી. એકવાર એને મોકલીને આપણે અનુભવી ચૂક્યા છીએ કે ગુડીયાની હાલત શું થઈ હતી. ફરી એકવાર તારે ગુડીયા માટે એવા સંજોગો ઉભા કરવા છે?”

“એકવાર બન્યું એવું હંમેશા બનશે જ એવું કેમ માની લો છો શરદ? અને તમારી દ્રષ્ટીએ વિચારીએ તો તો રાધા ક્યારેય આ ઘરમાંથી જઈ જ નહીં શકે. ખરેખર તો તમારે મારી વાતને ટેકો આપવો જોઇએ અને ગુડીયાને સાથે મળીને સંભાળી લઇશું એવી હિંમત મને આપવી જોઇએ. ગુડીયાને સાચવવામાં તમારો સાથ છે એવો સધિયારો આપવાનો હોય કે બસ આમ જ રાધાને ભરોસે હંકારવાની વાત કરવાની હોય? શરદ , હવે તો હદ થાય છે. ગુડીયાની જેમ તમને ય રાધાનો અહંગરો લાગ્યો કે શું?”

શરદ તો સ્તબ્ધ અને એમને એમ જ સ્તબ્ધ અવસ્થામાં મુકીને હું રાધાના રૂમમાં પહોંચી ગઈ. મનનો આવેશ રાધા પાસે છતો ના થાય એની તકેદારી રાખીને રાધાની સામે જઈને ઉભી રહી.

“ રાધા, ગુડીયા માટે તેં ઘણું કર્યું છે પરંતુ હવે તારે વધુ રોકાવાની જરૂર નથી. અમે ગુડીયાને સંભાળી લઈશું , તું કાલે અહીંથી નિકળવાની તૈયારી શરૂ કરી દે.”

અને રાધાના મનના ભાવો જોયા વગર હું આવી હતી એવી ત્વરાથી બહાર નિકળી ગઈ.

ગૃહ પ્રવેશ- (૮) રેખા શુકલ

અમારી ગુડિયા અમારું વ્હાલ હા ..નજર દોષ માનજો પણ બહુ જ સુંદર દેખાવે. તેના કાળા ભમ્મર લીસ્સા લીસ્સા વાળ ને તેની મોટી મોટી હસતી આંખો અરે સૌને રીઝવે તેવી મારી ગુડિયા બસ મને બહુ જ ગમે.

જરાક જો રડે ને તો તેનું નાક લાલ લાલ થઈ જાય. તેના માટે હું તો જુદા જુદા રંગના ફ્રોક લઈ આવેલી ને વાદળી રંગ નું રોમ્પર મારું ફેવરીટ હતું પણ થોડી મોટી થશે પછી તેને ફીટ થશે. બા ને સ્વેટર ગૂંથવાનું ગમે તો તેમણે પ્રેગનન્સી દરમ્યાન એક પીંક સ્વેટર પણ ગૂંથ્યું. ને શરદ પણ હરખ પદુડા તો ખરા જ ! બાબા ગાડી લઈ આવી ને મૂકી રાખી છે. પણ આ કટકા કટકા નું વ્હાલ મનમાં ઉત્પાત જગાવે છે. ને એમાં ક્યાં મન ભરાય છે ?

એક વાર ગેસ્ટરૂમ ની વીંડો ખોલેલી હતી. ને તેના બહાર ના ભાગમાં શરદ ફૂલો ની ક્યારીઓની માવજ્ત કરતા હતા. બારી ની બહાર રાધા વાદળો ને ઝાંખી રહી હતી ને અચાનક બંનેની નજરો મળી હશે કે કેમ તેણીએ હાથ હલાવી સ્મિત આપ્યું. ને મારું બસ ત્યાથી પસાર થવું ને જોવાઈ ગયું, મનમાં ઉદભવેલ વિચાર ડંખ્યા ને મેં બીજી તરફ મોં ફેરવી લીધું..પણ મન માંકડુ ના રહે સીધું …પાછું જોયું ઝરમરિયાં વરસાદ ની આવતી ઝીણી વાંછટ ની મજા લઈ રહી હતી રાધા. ને ઝાડ ની નીચે શરદ થોડો થોડો ભીંજાતો ઉંચી નીચી નજર ટપટપ ટપકતાં વરસાદ ની મજા માણી રહ્યો હતો. પ્રણયલીલા ની વાંછટ મને દઝાડી ગઈ…મારા રૂંવાડા ખડા થઈ ગયા.

‘આમ તો સ્ત્રી સર્જાઈ છે બલિદાન ને ત્યાગની મૂર્તિ બનવા કે શું ..! પણ હવે તો આ બધું મારા થી સહન નથી થઈ શકતું. મારા જ ઘરમાં હું જ મેહમાન ?’ પણ મારી વાત સાંભળી ને મારી અપેક્ષા બહાર રાધા દબાયેલા અવાજે લો બોલી કે ‘ તમે જે કહો છે એ વ્યાજબી ખરું પણ કેટલું બધું અજુગતું તો છે જ દીદી, હવે હું ત્યાં જઈને પણ શું કરીશ ? તમે જ કહો ને …આપણી આ ગુડિયા વગર હું ત્યાં નહીં જીવી શકીશ. અને માનશો આખા ગામમાં બોલો બધાને આ વાત ની જાણ થઈ ગઈ છે કે હું આખા એક વર્ષથી અહીં આપ લોકો સાથે જ રહું છું ! અને આમ પૂછો તો સાચું કહું તો હવે આ ઘર પણ મને મારું જ લાગે છે. અને ખાસ તો હવે ગુડિયા વગર રેહવું મારે માટે શક્ય જ નથી…. રાત-દિ બસ એના જ વિચારોમાં ખોવાયેલી હોંઉ છું. પડખામાં લંઉને પેટે પાટુ મારે છે તો ય આ ગુડિયા મને મારી લાગે !! અને જોવા જઈએ તો મારી પાસે બીજો કોઈ સહારો છે જ ક્યાં?

તમારી વાત તો સાવ જુદી …ઘરે આવો તો ગુડિયા ને બહાર તમારા એન્જીઓ માં વ્યસ્ત .. જ્યારે મારું તો આખું ભાગ્ય એ જ મારી ગુડિયા ..! ‘ મમતા આનું જ નામ હશે પણ હું તો સજ્જડ થઈ ગયેલી કે આ બધું સાંભળ્યે જતી હતી…. સ્તબ્ધ બનીને !! અને રાધા તો બોલ્યે જ જતી હતી.

પગ ભલે થીજી ગયા હોય , ભારે થઈ ગયેલું મન કરે ભારે તરકટ અને દિલ તો ભાવ થી હોય બસ વિભોર ! કંઈ જ ના સાંભળે…અરે માનવા તૈયાર જ નહોતું. હા બસ મને તો મારું ધર્-પતિ-બા- મારું સ્થાન બધું જ પાછું જોઈતું હતું. મેં સહેજ ડોકું ફેરવ્યું તો શરદ ને ચુપચાપ ત્યાંથી ચાલ્યા જતા જોયા. લાચાર અજનબી પગલાં ને હું બસ તાંકી જ રહી. હૈયું મારું ભરાઈ આવેલુ. હુ મારી રૂમ માં ઝડપભેર પગલાં ભરી ને આવી ને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી.

અચાનક શરદનો હૂંફાળો હાથ મારી પીઠ પર પ્ંપાળતો સ્પર્શ ને મારી નજર શરદ પર પડી. એમના ચહેરા ઉપરથી નરી લાચારી ટપકતી ભાળી અરેરે ! આ કેવી પરિસ્થિતી માં બધા સપડાઈ ગયા હતા ..અને એમની પાંગળી લાચારી ઉપર ગુસ્સો ને દુઃખ જાણે મને કોરી ખાતા હતા જેનાથી હું વધુ ને વધુ ચોધાર અશ્રુધારે ભીંજાતી ગઈ. શરદ મારી પીઠ પ્ંપાળતા રહ્યા, વ્યર્થ સાંત્વના ઠાલવી રહ્યા હતા ને દર્દ મને ભીંજવી રહ્યું હતું . ઇરછા થી ઉદભવ્યું દુઃખ, વિચારો નો વાયરો વાયો વંટોળ બની ને ભીના નૈનો જેમ તેમ થઈ ગયા હશે બંધ ..બીજો દિવસ તો અંગડાઈ લઈ ને ઉઠ્યો સૂરજ ત્યારે સૂજેલી આંખો, પોપચાં અર્ધ-બિડ્યા રાખી નજર મેળવવા તલપાપડ થયા.મૂંગા મૂંગા ગોળ ગોળ ફરતા સિલિંગ ફેન પર પટપટાવતી આંખે મેં ઉઠવાનો વ્યર્થ પ્રસાસ કર્યો. મન તો આખું ડહોળાયેલું આ અંધારી ટનલમાં આશા ની કિરણ ગોતતું હતું . હું તો ક્યાંય સુધી પડી રહી હોત…ભારે આંખો ઉઘડી ને બંધ થઈ. રાહ જોતી પાંપણો પોપચા વચ્ચે ગડમથલ અનુભવી રહી. છેવટે ફેરવ્યું મેં પડખું … ને આડી પડેલી હુ ઉભી થવાનો ફરી વ્યર્થ પ્રયત્ન કરી રહી. શરદ સામું નજર પડી અને મને પણ એમની શુષ્ક આંખો ના ભીના ખૂણા દેખાઈ ગયા.

રૂટિન માં રત પ્રત રહેતી માનવજાત નો ભાર આજે ઘણો લાગ્યો. મનમાં મંત્ર થઈ બોલ્યા કરું ગુડિયા ગુડિયા પણ સપના તણાય છે ને રઘવાયા આંસુઓ જાય ભાગ્યા…કેવી કેવી આવન-જાવન આ વણથંભી વણઝાર વ્યથા ની વાર્તા મંડાય તે પેહલા તો સંતાકૂકડી શબ્દો ની. હા, આ રાધા ની માંગ પણ વ્યાજબી જ છે કેમ કે બા ને તો તેમનો તંદુરસ્ત વંશ સૌથી વ્હાલો. અનુભૂતી કરાવે રાધા ને પ્રથમ કૂંપણ બાળકી કૂમળી જુઓ ભરમાવે વ્હાલ અત્યારથી. ગુડિયા પણ પાછી બંને પાસે હોય ત્યારે રડે પણ નહી.

રેડિયા પર ‘ તુમ બે વફા હો ના હમ બે વફા હૈ મગર ક્યા કરે અપની રાહે જુદા હૈં !!’ ગીત સાંભળ્યું તો ગંગા-જમના આંખે થી વહેતા રહ્યા. મધરાતે ભૂખી થયેલી ગુડિયા ને રમાડતી રાધા નો અવાજ મારા કાને પડ્યો ને થયુ આવો મમતા નો લ્હાવો તેના નસીબ માં કેમ ન્હોતો. પણ સ્ત્રી ને જેટલી લાગણી બાળક માટે જેટલી થાય તેટલી કોઈ ને ના થાય..અને હું પણ એક સ્ત્રી થઈ ને બીજી સ્ત્રી ની વ્યથા સમજી શકતી નથી કેમ કે કોઈ સ્ત્રી પોતાનો પ્રેમ શેર કરી શકતી નથી. બેબી નું લાત મારવું ને શરદ નું રાધા પાસે બેસી જવું ને તેના પેટ પર હાથ ફેરવવો બધું સાંખી ગઈ. બા એ જણાવેલો તટસ્થ નિર્ણય પણ ખમી ગઈ.

ભલે રાધા શ્યામલી હતી પણ ઘાટિલી તો હતી જ , અને પ્રેમ ને લાગણી તો સાથે રહેવાથી જ થાય છે ને? હું સમજું છું છતાં પણ ના-સમજ માં ગણાવું નહી પરવડે. કોઈ ને મારો વિચાર જ નથી આવતો ? હું પણ દસ દસ વર્ષ બેસી રહી આ દિવસો જોવા માટે આ ઘરમાં ? મને પણ બાળક જોઈએ છે તેવું તો મેં કેટલી વાર કહેલું ને તેથી જ તો શરદે ને બા એ જે કઈ કહ્યુ તે બધું જ કર્યું જ ને. પણ બા નું બોલવાનું મને ક્યારેક રડાવી દેતું ને શરદ કંઇ પણ બોલ્યા વગર મને પંપાળી ને આંખો થી સાંત્વન દેતા. મારી પડખે આવી મારી સાઈડ લેતા ને અહેસાસ જતાવતા કે હું સમજું છું !! ક્યારેક બહાર લઈ જતા ખાસ કરી ને પાર્ક માં. બગીચા માં બેસવું અમને બહું જ ગમતું . બગીચાની બેંચ પર મોકળાશની ઘડી માં દિલ નો બોજ હળવો કરી શકતી…ને કેહતી પણ ખરી કે ‘ શું તમને હું હજી ગમું છે ને !’ શરદ બોલી ઉઠે ‘યુ આર માય લવ ! હું તો બસ તને તને અને તનેજ પ્રેમ કરું છું ‘

બગીચા ના ફૂલો જાણે અનુમતિ આપતા હોય તેમ ટગર ટગર જોઈ ને હસ્યા કરતા. અમારી વાતો સાંભળી ને પવન પણ ગેલ કરી જાતો મારા વાળો ની લટો માં અડપલાંઓ કરી જતો. ને હું વાળ પાછા સરકાવું ને મંદ મંદ મુસ્કાને પાછો વળી જતો. થોડો ઉપર જઈ ગુલમહોરને છેડતો પવન કેસરી ફુલો ની મહેંક સંગ પુષ્પવૄષ્ટિ કરતો અમારા પર. ને અમે બંને હસી પડતા. મારા ખોળા માં માથુ નાંખી ને સૂતેલા શરદ કહેતા “હમ તો ક્યા મૌસમ ભી મહેરબાન હૈં આપ પર ” આખરે મેં આ બધી વાત જ્યારે બા ને કહી તો તે બોલ્યા ‘હુ તો આ બધું જાણું છું આજ ની જન્મેલી થોડી છું ! ધૂપ માં સૂકવાયા ર્ંગ વાળ થઈ ગયા ભૂખરાં ને બરછટ …ભલે ને નજર નું તેજ થઈ રહ્યું છે માત્રા માં ઓછું પણ હું બધું જાણું છું. પણ રાધા શું કહે છે તને ખબર છે ?’ જવાબ ની રાહ જોયા વિના પાછા બોલ્યા ‘ રાધા કહે છે કે જો તે આ ઘર માંથી જશે તો સાથે ગુડિયા ને પણ લેતી જશે !’

સૂડી વચ્ચે સોપારી ..દશા બસ મારી બિચારી. ” હવે તું જ કહે સ્મિતા હું શું કરું ? આટઆટલા વર્ષો પછી આ ઘરમાં રડતા બાળક નો અવાજ સ્ંભળાયો છે. ..ને તે પણ મારા વ્ંશ નો..!! હવે રાધા ઘરમાં રહેશે કે જશે તમે નક્કી કરો શું કરવું તે …પણ હું તો એટલું જ જાણું કે મને મારો વ્ંશ આ ઘરમાં જ જોઈએ બસ ‘ ….બસ બા તો તટસ્થ નિર્ણય જણાવી ગયા. વજ્રાઘાત થયો દિલ પર જાણે ..મારે માથે તો આભ પડ્યું ..!આ બધી જંજટ માં પડ્યા જ ના હોત તો કેટલું સારું હતું !! શરદે બીજા લગ્ન કરી લીધા હોત તો વધુ સારુ રહેત ને ! અને સાચુ કહું એ વાતનું દુઃખ હું સાંખી લેત ..સહી લેત એ ને મનાવી લેત મન ને કે શરદ મારા પ્રેમ ને યોગ્ય ના રહ્યા…ને તે વાત નું દુઃખ ઓછું થાત.

આ બધા નો અંત શું થાશે? કોઈ સલાહ સૂચન થી શું ખરેખર આવશે નિવેડો ?? અત્યાર સુધી તો માનતી આવી છું કે જે થાય છે તે સારા માટે જ થાય છે. મને ઉપરવાળા માં શ્રધ્ધા છે. પણ આ વ્યથા માં મારી શ્રધ્ધા ડગમગે છે…શું મને આમ જ તડપવાનું હશે મારી જીંદગી માં ? બા મોટા છે પણ આ બાબતે સુલેહ કેમ નથી કરતા ? સાચી સલાહ કેમ નથી દેતા ? કદાચ તેમની પણ ધીરજ ને લાગણી ના જાળા માં પૂરી દીધી લાગે છે. મન ની મૂંઝવણ કંઈક ઓછી થાય તો કેવું સારું લાગે. પણ આ તો રોજ રોજ જોવાનું, રોજ રોજ બળવાનું જીવતા, રોજ આ ના પરવડે તમને નહીં સમજાય કદાચ પણ નસ નસમાં ભરાયેલી મારી ખુદ્દારી બળવો પોકારે છે. બધું સચવાય એવું કંઈક ચમત્કારિક થાય તો !! તો તો બાત બન જાય . —રેખા શુક્લ

 

ગૃહ પ્રવેશ ( ૯ ) નીતા કોટેચા “નિત્યા”

આખા ઘરનું વાતાવરણ તંગ થઇ ગયું હતું . હવે રાધા ગુડિયાને કોઈને કોઈ બહાને વધુ તેની પાસે રાખતી હતી  . જ્યારે પણ મારું ધ્યાન ગુડિયા પાસે જતું અને એને ખોળામાં લઈને વ્હાલ કરવાની ઈચ્છા થતી  . રાધા કહેતી કે ગુડિયાનો દૂધ પીવાનો સમય થઇ ગયો છે અથવા કહેતી એના કપડા બદલવાના છે એ કોઈ ને કોઈ કારણસર મને ગુડિયાને લેવા ન દેતી . અને ગુડિયાના કારણે શરદ પણ રાધા સાથે જોડાયેલો જ રહેતો . મને શું ખુચતું  હતું એ મને પણ નહોતું સમજાતું . રાધા મને ગુડિયાને લેવા ન દેતી એ કે પછી શરદ રાધા સાથે જોડાયેલો રહેતો તે. પણ હકીકત એ હતી કે શરદ રાધા સાથે રહે  એ સહન જ નહોતું થતું  .

મારી પરિસ્થિતિ ન ઘરની ન ઘાટની જેવી લાગતી. ગુડિયા આમતો બહારનું દૂધ પીતી હતી પણ બપોરના સૂવાના સમયે અને રાતના જો રાધાનું પીએ તો શાંતિની ઉંઘ લેતી. જે નાના બાળક માટે ખૂબ અગત્યનું હોય. શરદ ગુડિયાને કારણે જ્યારે પણ રાધા પાસે જાય ત્યારે મારું મન શરદથી સો જોજન દૂર જતું રહે. મને મનમાં વસવસો થતો કે જો ‘ગુડિયા’ને મેં જન્મ આપ્યો હોત તો આ સહન કરવાનો વારો ન આવત. મારું મન ખૂબ આળું થઈ જતું. મનમાં એવા ભાવ પેદા થતા કે હવે શરદને મારી કોઈ જરૂર નથી. તેને મારી કોઈ કિંમત નથી ! આ મારા મનના પ્રત્યાભાવ હતાં. શરદ આનાથી બિલકુલ અજાણ હતાં.

જેને કારણે મને લાગતું , કે હવે શરદ સાથે હું માનસિક રીતે પણ દુર થતી જઈ રહી છું’  . શરદનું ધ્યાન મારા પર રહેતું નહી . હું ક્યારે આવું છુ ક્યારે જાઉં છુ એનાથી પણ એને ફરક પડતો નહી . એક એક મિનીટ મેં એન જી  ઓમાં શું કર્યું એ જાણવા વાળો શરદ હવે ફક્ત ગુડીયાનો થઇ  ને રહી ગયો હતો. ફક્ત ગુડીયાનો થાત ને તો મને વધારે ગમત પણ હવે એના હાવભાવમાં મને એ રાધા તરફ પણ ખેચાતો દેખાતો હતો. એક નેગેટીવ વાઈબ્રેશન જાણે મને મળતા હતા . ખબર નહોતી પડતી કે મારું વિચારવું સાચું હતું કે નહી ? પણ વિચારો તો વંટોળ જેવા હોય છે એક વાર શુરુ થાય એટલે તોફાન મચાવી ને રહે. મારા વિચારો શું તોફાન લાવવાના હતા મને નહોતી ખબર .

ભવિષ્યમાં જિંદગી ક્યા વળાંક લેવાની હતી એ સમજણ નહોતી પડતી . પણ એક ઘરમાં રહીને હું આમ જીવી નહિ શકું એ પણ હકીકત હતી. હું પણ એક સ્ત્રી હતી. એક માતાનું વહાલ હું પણ મારી અંદર રાખતી હતી . અંશને કારણે મતાની લાગણી મને થાય તે સ્વાભાવિક છે. હું રાધાને પણ સમજતી હતી અને  ક્યારેક રાધા માટે પણ કુણી લાગણી જનમતી હતી. ગુડીયામાં ફક્ત  મારો અને શરદનો જ અંશ છે એમ હું કેવી રીતે કહી શકું . નવ મહિના રાધા એ પોતાના લોહીથી એને સીંચી હતી . એ વાત મેં હમેશ મારા મન અને મગજ પર ્છવાયેલી રહેતી. આ વાતાવરણમાં હું પોતાને સમાવી નહોતી શકતી .

આવી વિકટ સ્થિતિમાંથી યોગ્ય રસ્તો શોધવા મથી રહી. શરદને મારા દિલના ભાવ બતાવતા સંકોચ થયો. ધીરે ધીરે મારું એન જી ઓ માં રહેવાનું વધવા લાગ્યું જ્યાં બાળકો મારી આતુરતાથી રાહ જોતા હતા  હું એમને ગુજરાતી, હિન્દી શિખવતી . મારો વધુ પડતો સમય હું એન જી ઓમાં જ વિતાવવા લાગી  . સવારના પણ હું મારા સમય પર નીકળી જતી કારણ એ આદત મને શરદે જ પાડી હતી એનું દ્રઢ પણે માનવું હતું કે જે કાર્ય કરો એમાં શિસ્ત હોવી જરૂરી હોય . આટલા વર્ષોથી સવારના મારા કામમાં એ મને મદદ કરતા અને સમય પર નીકળવા માટે એ આગ્રહ સેવતાં .

રાધા અને ગુડીયાના આવ્યા પછી આજે મને એન જી ઓ જવામાં જરા મોડું થઇ ગયું.  ઘરનું કામ દોડાદોડી કરીને પૂરું કરવામાં લાગી હતી . સવારથી રાધાને ઠીક ન હતું.  તાવ આવ્યો  હતો . માત્ર સવારથી ચા તેણે પીધી હતી. બાએ કહ્યું એટલે ખિચડી તેના માટે બનાવી.

મનનો એક ખૂણો થોડો સ્વાર્થી થઇ ગયો હતો. આજે એ ખૂણો ખુશ થતો હતો કે રાધા બીમાર રહેશે તો ગુડીયા મારી પાસે રહેશે . મને તેને લાડ કરવાનો સમય વધારે મળશે. મન કેવું વિચિત્ર છે. સ્વાર્થમાં લપટાયેલું હોય ત્યારે બીજાની તકલિફ તેને દેખાતી નથી. આજે તો એન જી ઓ માં જવાની પણ ઈચ્છા નહોતી થતી .  હું રાહ જોતી હતી કે શરદ મને કહે,’ આજે એન જી ઓમાં ના જા’ . કારણ બા ને તો એમના બાલકૃષ્ણ જ સવારના વ્હાલા હોય એમના બે કલાક તો સેવા પૂજા માં જ વ્યતીત થાય.

મનમાં લડ્ડુ ફૂટતાં હતા, હમણા શરદ કહેશે,’સ્મિતા આજે એન જી ઓમાં નહી જતી. ગુડિયાને તારે રાખવી પડશે. જે ધાર્યું હતુ તે થયું. શરદ રૂમ માં આવ્યા  અને બોલ્યા, “આજે થોડી મોડી’જા, રાધા ને તાવ છે .એ ગુડીયા ને તો સંભાળી લેશે પણ ઘરના બધા કામ પતાવીને તું જાય તો સારું “

મને મારા કાન પર વિશ્વાસ ન બેઠો. શું આવા શબ્દો સાંભળવાના દિવસો આવી ગયા ? જે વિચાર્યું હતું એનાથી સાવ વિરુદ્ધ સાંભળીને મારા મગજ નો પિત્તો ગયો . ક્રોધથી રાતીપીળી થઈ ગઈ. શરદ સામે એવી કાતિલ નજરે જોયું. સારું થયું રાધા અમારા રૂમમાં ન હતી. એના રૂમનું બારણું બંધ હતું. બા તો તેમના સેવાના રૂમમાં હતા.

ઉકળીને મેં જવાબ આપ્યો, “ હવે હું આ ઘરની ફક્ત કામવાળી બની ને રહી ગઈ છુ. તમને મારી જરૂરત ફક્ત ઘરના કામ પુરતી છે બાકી ક્યાય તમને મારી હાજરી ની જરૂરત નથી . અહિયાં મારા મન પર શું વીતે છે એ જાણવાની સમજવાની કોઈને દરકાર નથી લાગતી . બધા પોતાના સ્વાર્થ માટે જીવે છે . હું એક મા ન બની શકી એનો અફસોસ મને જિંદગી ભર રહેશે પણ હું મારા સ્ત્રીત્વ નું અપમાન નહિ થવા દઉ. ”

‘અહિયાં રહું એના કરતા હું મારી સંસ્થા માં જ ન રહું કે જ્યાં લોકો મારી કદર કરે છે જેમને મારી મમતાની જરૂર છે’ . મારી વાણી બસ એકધારી ચાલુ રહી. અપમાનિત થયેલી હું શરદના બાણે ઘવાઈ હતી. કદાચ હું ઈર્ષ્યાના અગ્નિમાં જલી રહી હતી. શરદનો, રાધાનો, બાનો કે અરે મારી વહાલી ગુડિયાનો કોઈનો વિચાર મનમાં ન આવ્યો.

મારી વાત સાભળીને શરદને પણ ગુસ્સો આવ્યો, તેમને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. તેઓ સ્તબ્ધ થઈ ગયા. આવા જવાબની આશા તેમણે નહોતી રાખી. સમતા તેમનામાં ઠાંસી ઠાંસીને ભરેલી હતી. મારો ગુસ્સો જોઈને તેમણે શાંત ચિત્તે કહ્યું, “ તને જે ઠીક લાગે તે કર આ ઘરમાં મારી મરજી પણ ક્યા કોઈ દિવસ કોઈએ જાણી છે , હું તો તને બાળક કરવા માટે પણ નાં જ કહેતો હતો તને અને બા ને બસ બાળક જોઈતું હતું . તો જ્યારે હવે એ બાળક કે જેમાં તારો પણ અંશ છે એ આવી ગયું છે તો હવે એને સંભાળવાની જવાબદારી પણ લેવી પડશે !“

શરદ પહેલેથી ખૂબ તટસ્થ વ્યક્તિ હતાં. હું હીરાને પારખવામાં નિષ્ફળ નિવડી હતી. મારી આંખે કાળા ચશ્મા ચડાવી હું દુનિયા જોતી હતી. અદેખાઈ અને ઇર્ષ્યાના ચશ્મા કદાપિ સત્ય ન નિહાળી શકે ! શરદે ખૂબ સ્વાભાવિક પ્રમાણે સત્ય હકિકતનું દર્શન કરાવ્યું.

“ હું જવાબદારી નહી મારું વ્હાલ વરસાવવા તૈયાર છુ પણ મને કોઈ મારી દીકરી હાથમાં પણ લેવા નથી દેતું અને ધીરે ધીરે એક પત્ની તરીકે નો મારો હક્ક પણ છીનવાઈ રહ્યો છે . કે જે તમારા ધ્યાનમાં નથી આવતું . મને મારી દીકરી ને વ્હાલ કરવાનો હક્ક સંપૂર્ણ પણે જોઈએ છે . આખો દિવસ હું તરસતી રહું છુ કે દિવસમાં એક વાર મારી દીકરી ને હું વહાલ કરી શકું ‘.

મારી જબાન બેફામ ચાલતી હતી. માત્ર મારો જ વિચાર કરી રહી. ગુડિયા, શરદ , રાધા કે બા કોઈનો લેશમાત્ર વિચાર મને ન આવ્યો. ગુડીયા માંડમાંડ તંદુરસ્તી મેળવી રહી હતી. ડોક્ટરના કહેવા પ્રમાણે માના દુધને કારણે તેની હાલત સુધારા પર હતી.

પાછું આળ શરદ ઉપર જ ચડાવ્યું .’શરદ તમે ન્યાય કરવામાં ભૂલ ખાધી છે તમે તમારા બાળકનાં પ્રેમમાં એટલા અંધ થઇ ગયા કે તમે એ ભૂલી ગયા છો કે હું પણ એની મા  છું.  ભલે મારી છાતીમાંથી દૂધની ધારા ન વછૂટી   પણ મારા કાળજા માંથી એક એક ક્ષણે વહાલ અને મમતાની લાગણીઓ ઝરે  છે . શરદ  તમે પણ હવે મારા નથી રહ્યા તો આ ઘરમાં હું શું કામ રહું  ?

“મારી જબાન કાતરની જેમ શરદના હ્રદયને  ચીરતી રહી. સ્વાર્થમાં ગળાડૂબ હું શું બોલી રહી છું તેનું ભાન મેં ગુમાવ્યું હતું. વિચારો એ મારી જિંદગી માં વંટોળ ઉભો કરી તોફાન મચાવ્યું. . પણ આ વંટોળ આવવાનો જ હતો એ મને ખબર  હતી. આગળ યા પાછળનો કોઈ વિચાર મને ન આવ્યો. ક્રોધમાં સળગતી હું ખોટું કદમ ઉઠાવી રહીછું એ વિસરી ગઈ. ધમ ધમ ચાલતી, ધરણી ધ્રુજાવતી હું રૂમમાં ગઈ.

મેં મારી બેગ ભરી અને સંસ્થા માં રહેવા માટે ચાલી નીકળી . રાધા અવાજ સાંભળી રૂમની બહાર આવી. તાવમાં તરફડતી હતી છતાં બે હાથ જોડી મને વિનવી રહી. સારું હતું ગુડિયા દૂધ પીને બપોરની નિંદર માણી રહી હતી.  બા એ મને રોકવાની બહુ કોશિશ કરી પણ મેં એમને પણ કહી દીધું કે,’ આટલા દિવસથી મારી સાથે જે થતું હતું ત્યારે કેમ કઈ ન બોલ્યા’.

મારા આ નિર્ણયથી બા અને શરદ બંને જાણે સ્તબ્ધ થઇ ગયા હતા . હવે બસ બંને એક મુક પ્રેક્ષક ની જેમ મને જોઈ રહ્યા હતા.  આજે જીવનમાં પહેલીવાર મેં બાને નકહેવાના શબ્દો કહ્યા. બાએ મને કદી ‘શરદની વહુ’ માની ન હતી. તેમને મન હું પોતાની દીકરીથી પણ અધિક હતી. એ બાની સામે બોલતાં મારી જીભ કેમ કપાઈ ન ગઈ ! શરદ તો પાષાણની મૂર્તીની માફક બારણામાં ખોડાઈ ગયા.

હું અભિમાની કોઈની પરવા કર્યા વગર ‘મારા ઘરનું આંગણું ‘ ત્યજી સંસ્થામાં રહેવા પહોંચી ગઈ !

સંસ્થામાં ગયે આજે બે અઠવાડીયા  થઇ ગયા હતા . શરદ મને રોજ ફોન કરતા સંસ્થામાં મને મળવા પણ આવતા અને મને સમજાવતા,’ કે ઘરે પાછી આવી જા તારા વગર મારું જીવન અધૂરું છે ‘. પણ હું ફક્ત સાંભળતી,કોઈ પ્રત્યુત્તર ન આપતી મારી પાસે હવે શબ્દો બચ્યા જ ન હતા . એવું ન હતું કે ઘર મને યાદ નહોતું આવતું કારણ મને પણ ઘરે જવું હતું . ઘર જ મારું અસ્તિત્વ હતું પણ મારું સ્વમાન મને રોકી રાખતું હતું અને  મેં એક વાર કહી પણ  દીધું હતું,’ કે જો રાધા જશે તો જ હું ઘરે પાછી આવીશ ‘.

અચાનક શરદ નું આવવાનું બંધ થયું ! એક દિવસ બે દિવસ ત્રણ દિવસ,. હવે મને ચિંતા થવા લાગી કે શું થયું હશે ?

 

 

ગ્રુહ પ્રવેશ (૧૦) સ્વાતિ શાહ

શરદ છ સાત દિવસ થયા તો પણ દેખાયા નહિ અને ફોન પણ નાંઆવ્યો , હવે મને ચિંતા થવા લાગી કે શું મને ભૂલી ગયા કે કઈ બીજું કારણ હશે ? પણ પૂછું તો કોને પૂછું ?

આજે સવારથી મન થોડું બેચેન હતું .એન જી ઓ દ્વારા ચલાવાતા આશ્રમનાં બાળકો વચ્ચે સમય પસાર તો થતો પણ જીવમાં એક ચચરાટ ની અનુભૂતિ થતી રહી .કોઈ કાર્યમાં મન નહોતું લાગતું .સાંજ પડવાની રાહ જોતી હતી શરદસાંજે લગભગ છ વાગ્યા ની આસપાસ આવતાં .હું મારા સ્વમાન ખાતર આશ્રમમાં રહેવા આવી ગઈ હતી પણ શરદ પ્રત્યેનો પ્રેમ મને વ્યાકુળ કરતો .સાંજે તેમનું આવવું મારે મન એક આશાનું બીજ જન્માવતું હતું. મનમાં ઘણી વાર થાય કે એક દિવસ તો એવો આવશે કે જ્યારે શરદ રાધાને મહત્વ આપવાનું ઓછું કરશે અને મને ગુડિયા નાં ઉછેર માટે જવાબદારી સોંપી દેશે . રોજનાં સમય પર મારી આંખો આશ્રમનાં દરવાજા ભણી વારંવાર જતી .

શરદ આવે , પાસે બેસે અને મને ઘરે પાછી લઇ જવા રોજ મનાવતાં. શરદનું આવવું મારી સાથે બેસવું મને ગમવા લાગ્યું .તેઓ ગુડિયાનાં પ્રોગ્રેસ અંગે વાત કરતાં .આ નિત્યક્રમ  શરૂઆતમાં મને વેવલો લાગતો હતો . પણ જેમજેમ દિવસ વધતાં ગયાં તેમતેમ જાણે મારો અહમ સંતોષાતો મને લાગવાં માંડયો હોય એવું હું અનુભવવા લાગી હોઉં તેવું મને ઘણી વાર લાગતું .એક પ્રકારનો અહમ ગણો કે અહંકાર જે શરદનાં આવવાથી પોસાતો હતો .

આશ્રમમાં બાળકો વચ્ચે મારો દિવસ બહુ ઝડપ થી પસાર થઇ જતો .શરૂઆતમાં તો બીજા દિવસનાં સમય પત્રક પ્રમાણે મારું પ્લાનીંગ કરતી .બે ભાષા ભણાવતી હોવાથી આગળથી બીજા દિવસે ધોરણ મુજબ અભ્યાસ ક્રમ મુજબ નોટ્સ તૈયાર કરવાં જેવાં અનેક કામ રહેતાં .રાત પડે વિચાર વમળમાં ફસાતી .એક દિવસ મારી ફ્રેન્ડ વિરાજ ને ફોન કરી હૈયા વરાળ કાઢતાં કહ્યું ,” વિરાજ , મેં કેમ આવો નિર્ણય લીધો હશે ? પોતાનાં બાળકની ઘેલછા મને ક્યાં લઇ આવી ? હા, તારી વાત સાચી કે અમને એક બાળક જોઈતું હતું પણ તેનાં લીધે મારાં જીવનમાં આવું તોફાન સર્જાશે તેની કલ્પના નહોતી . શું મેં મારા અહમને સંતોષવા આવું પગલું ભર્યું ? ”. વિરાજ બોલી ,” સ્મિતા હું તને બીજા જ દિવસે કહેવાની હતી ,કે જરા લાંબુ વિચાર .શરદભાઈ અને તારા વર્ષોનાં પ્રેમનો કઈ આમ અંત લવાય!તું બહુ આવેશ માં હોવાથી હું પણ બોલી નાં શકી .હજી ઘરે પાછા જવાનો વિચાર કરી જો .” હું ઉદાસ હોવાં છતાં મારી મમત પર હતી .

મારું આશ્રમમાં કામ કરવું અમારી સોસાયટીમાં પણ પ્રચલિત થઇ ગયું હતું .પડોશનાં મીતાભાભી તો એકવાર બોલ્યાં હતાં ,”સ્મિતાબહેન ઘરમાંથી નીકળે એટલે આપણી ઘડિયાળનો સમય આઘો પાછો બતાવતી હોય તો ખબર પડી જાય . આપણે ઘડિયાળનો સમય ઠીક કરી શકીએ .તેઓ સમયનાં પાબંદ છે .” બે દિવસ પહેલાં મીતાભાભી એમની લગ્નતિથિ હોવાથી આશ્રમમાં ફળ લઇ ને આવ્યાં ત્યારેજ કહેતાં હતાં ,” સ્મિતાબહેન , તમારાં વગર તો જાણે સોસાયટી સૂની પડી ગઈ છે .કઈ કામ હોય તો કોને કહેવુંએ પ્રશ્ન થાય .તમે હતાં તો બહુ સારું લાગતું .રાધા તો સામે જોવા પણ નવરી નથી ! ”મીતાભાભી ની વાતોથી મારું અહમ વધુ સંતોષાયું .મને સારું લાગ્યું . મારું મન ભરાઈ આવ્યું .મેં વિરાજ ને ફોન કરી વાત કરતાં કહ્યું ,”આજે પાડોશી મીતાભાભી  આવ્યાં હતાં ને મારા વિષે સારીસારી વાત કરતાં હતાં , ચાલો કોઈને તો મારી ખોટ સમજાણી ,બાકી રાધા સાથેનાં શરદનાં ગાઢ થતાં સંબંધની યાદ મને અકળાવી મુકે છે.”

રાધા શરૂઆતમાં ,”મોટીબહેન મોટીબહેન કરતી આગળ પાછળ થતી .” અને હવે ! ગુડિયા આવતાં જાણે કોણ મોટીબહેન ? મેં બેચાર વખત શરદને કહ્યું હતું ,”રાધાને કહો કે હવેથી ગુડિયાને હું સંભાળીશ .તે મારી દીકરી છે.મને તો તે ગુડિયાનું કશું કાર્ય કરવાં નથી દેતી .”શરદને આવું વારંવાર કીધાં છતાં તેઓ રાધાને કશું કહેતાં નહિ એટલે વધારે ખરાબ લાગતું .મારે પણ સ્વમાન જેવું હોય કે નહી .પહેલાં તો શરદ અને હું એક રૂમ માં સૂતા ,પછી ગુડિયા રાતનાં ઉજાગરા કરાવે અને મદદ રહે તેમ કહી શરદને પોતાનાં રૂમ માં સૂવા મજબુર કરી દીધો ,  હું કેટલાક સમય થી જોતી હતી કે શરદને રાધા તરફ આકર્ષણ થયું હોય .મારી આવી અવહેલના થતી જોઈ શરૂઆત માં તો હું ચુપ રહી પણ ક્યાં સુધી આમ ચલાવાય !મને મારી માતાનાં શબ્દ યાદ આવ્યાં .તેઓ ઘણી વાર કહેતાં,” બેટા મારવો મમ ને ખાવો ગમ . “મને થતું ગમ ખાઈને ક્યાં સુધી જીવવું ?એ બધું એમના જમાનામાં ચાલે .સ્વમાન જેવું હોય કે નહીં .

એન જી ઓ દ્વારા ચલાવાતાં આ આશ્રમમાં હું પહેલાં નિયમિત આવતી ,મને બધાં ખૂબ પ્રેમથી આવકારતાં .હું બહુ ખુશી ખુશી આવતી .આશ્રમમાં ઘર જેવું કામ રહેતું નહિ પણ બાળકો ની જવાબદારી ઘણી રહેતી .આમતો ઘણા સમય થી આવતી હોવાથી બધાનાં પરિચયમાં તો હતી .ઘણીવાર રૂખીબહેન માટે કપડાં લેતી આવતી એટલે તેઓ મારા પર ખુશ રહેતા હતાં .મોટાબહેન સાથે પણ મારે સારું બનતું .

પરંતુ કાલે જ્યારે મોટાબહેન સાથે બેઠી હતી ત્યારે તેમણે મારું ધ્યાન ખેંચતા કહ્યું ,”સ્મિતાબહેન તમે હમણાંથી ખોયા ખોયા રહો છો .શું વાત છે ?આ બાળકો પર આપણી મનોદશાની બહુ અસર પડે .જરા સંભાળજો .”મનમાં એક ચચરાટ નો અનુભવ થયો .મનમાં થયું હવે અહીં રહેવા આવી છું તેમાં આવું કીધું હશે ?

સ્વમાન અને પછી તેમાંથી જો અહંકાર જન્મે એટલે બધું વાંકુંજ દેખાય .મને પણ એવું જ થયું . પોતાનાં ઘરનાં લોકો પાસે જે સ્વમાન સચવાવાની આશા હોય તે અહીં કયાં કોઈ સમજે ,અહીંતો વળી ઘરનાં લોકોએ પણ મારું સ્વમાન ઘવાવામાં કઈ બાકી નથી રાખ્યું તો બીજાં પાસે શી આશા ! વાતવધારેના વધે તેમાટે હું ફટાફટ હસતા મોં એ ત્યાંથી ખસી ગઈ .

તે,દી પલક કેવી ચોંટી ગઈ હતી ,ક્યારની બાજુ પર બેસી ખાંસતી હતી .જેવું મેં પુછ્યું ,”બેટા શું થાય છે ?”ને આવી ને એકદમ વળગી ગઈ .જોઉંછું તો તાવથી તેનું શરીર બહુ તપી ગયું હતું .હું તુરંત મારાં વિચાર ખંખેરી તેની સારવાર કરાવવામાં લાગી ગઈ .તેનાં સ્પર્શથી મને ગુડિયાની યાદ આવી ગઈ. દિવસ પસાર થતો પણ રાત ભારે લાંબી લાગતી .શરદ સાથેનો વર્ષોનો સહવાસ ની યાદ સતાવતી તો ઘડીક માં ગુડિયાની યાદ હૈયું હચમચાવી દેતી . પાછું પેલું સ્વાભિમાન ડોકાતું ને લાગી જતી મારી પ્રવૃત્તિમાં .

શરદ જે નિયમિત આવતા અને મારી સાથે વાતો કરતા તેનાથી મારો અહમ જળવાતો પણ સાથેસાથે મને તેમની રાહ જોવાની ટેવ પડી ગઈ હતી .આજે છ દિવસ થવા આવ્યા તેમને આવ્યાને , તેઓ આજે તો આવશે ને ? જીવમાં એક અજંપો જાગ્યો .કહેવાય છે ને કે જ્યારે જીવને અજંપ થાય ત્યારે નેગેટીવ વિચાર ઘેરો ઘાલે છે .મારી પણ એવીજ હાલત થઇ .મનમાં થયું કે બાને કઈ થયું હશે કે ગુડિયાને ? નાના ,ગુડિયાતો સારી જ હશે .બા હવે વૃદ્ધાવસ્થા એ પહોંચ્યા એટલે જરા તબિયત નરમ હશે .શું કરું .

ઘર વધારે સાંભર્યું છે . શરદ આવે તો સારું .કઈ સમાચાર જાણવા તો મળે .એમ તો હું પણ ફોન કરી જાણી શકતી હતી .બે વાર વાત કરવા ફોન હાથમાં લીધો પણ પાછું અભિમાની મન વચ્ચે આવ્યું અને સાંજ સુધી રાહ જોવા વિચાર આવ્યો .કોઈ કામમાં જીવ નહોતો પરોવાતો . મન અને મગજ ઠેકાણે નાહોય તો મનુષ્યના વાણી વર્તન પર એનો પ્રતિભાવ સૌ પહેલો પડે છે .મારો અજંપો રૂખીની નજરમાં આવી ગયો .હું વર્ગ પતાવી બેઠી હતી ત્યાં તે આવી અને મારી પાસે ઉભી રહી ગઈ .જોઉંછું તો તેનો ચહેરો મને ગંભીર જણાયો .ધીમે રહીને બોલી ,”સ્મિતાબહેન હુ થ્યું સે ?.આ આરસી માં મોંજુવો ,હમજ આવસે .મને કહો શું વીતે સે ?આપડી પાસે હંધી વાત્યું ના નિરાકરણ સે .”

સજળ આંખે રૂખી સામે જોઈ રહી .બોલું તો શું બોલું ? તુરંત થયું રૂખી સિવાય છે પણ કોણ જેની સાથે વાત કરું .મેં કહ્યું ,”મારા પતિ શરદ રેગ્યુલર આવતા પણ હમણાં જરા થોડા દિવસથી નથી આવ્યા એટલે જરા ચિંતામાં છું .”તો કહે ,”લો બેન એમાં આમ સિન્તા કરે હું વરે ! એક ફોન હલાવી દ્યોને .”મારો અહંકાર મને ફોન કરવા રોકતો હતો. સુરજ માથે ચઢવા સુધીમાં મારું માથું આશંકાથી ભરાઈ ગયું .કેમ કરતા દિવસ વિતાવું ! સાંજ ક્યારે પડે અને શરદ આવે !ખાવાનું ગળે ના ઉતર્યું. જેમતેમ પતાવી પથારીમાં પડી .ચાર તો માંડમાંડ વગાડ્યા .છેવટેઅમારાજુનાપાડોશી મીતાભાભીનેમેંફોનકર્યો.શરૂઆતમાં આડીઅવળી વાત કરી ધીમે રહી પૂછ્યું ,”મીતાભાભી ઘરે બધા મઝામાં છે ને ?”પછી તેમણે તુરંત કહ્યું ,”સ્મિતાબહેન શરદભાઈ બહુ બીમાર છે ,સાવ નંખાઈગયા છે ..મેં કાલે જ જાણ્યું.તમારો વિચાર આવ્યો હતો કે તમને જાણકરું પણ પછી થયું તમને ગમે કે ના ગમે !”શું જવાબ આપું તેની સમજના પડી મગજ એકદમ સૂન્ન થઇ ગયું .મારું સ્વમાન ,અહમ બધું પળભરમાં ભાંગીને ભુક્કો થઇ ગયું .

ફોન કાપી ,એટેચીમાં કપડાં નાંખવા જેટલી સુઝ ના રહી ને પર્સ ઉપાડી ઉતાવળે મોટાબહેન પાસે દોડી .તેઓ હજી આગળ કઈ બોલે તે પહેલાં મેં કહીદીધું ,”મારા ઘરે જાઉંછું .”જવાબ સંભાળવા પણ ઉભી ના રહી અને પકડી રીક્ષા .એન જી ઓથી ઘર નો રસ્તો જાણે જલ્દી કપાય .આખા રસ્તે ભગવાનનું નામ જપતી ઘર આંગણે જઈ પહોંચી .

હજુ ઘરમાં પ્રવેશ કરું ત્યાં તો બાનો દુઃખી અવાજ સંભળાયો “શરદ દીકરા ચાર દિવસ થયા તેં કઇ જ ખાધું નથી આમ કેમચાલે ? શું આમ ભુખ્યા રહેવાથી સ્મિતા પાછી આવી જવાની છે ?  શરદે બહુ ધીમા દર્દીલા અવાજે કહ્યું “બા સ્મિતા વગર મારી જીંદગીમાં કોઈ સ્મિત નથી ,હું ખાઉં કે ના ખાઉં હવે કોઈ સુખ નથી .મેં તેને બહુ દુભાવી છે.ભગવાન મને ક્યારેય માફ નહીં કરે.મારી સ્મિતા મને હવે શું આવતા ભવેજ મળશે ! “

હું આનાથી વધુ કઇજ સાંભળી ના શકી , મેં ગૃહપ્રવેશ કરતાની સાથેજ બાના હાથમાંથી સૂપનો બાઉલ લઇ લીધો અને શરદના બેડના એક કિનારે બેસી તેમને સૂપ પીવરાવવા માંડ્યો , તે પણ એક નાના બાળકની જેમ ચુપચાપ બધું પી રહ્યા હતા . અમારા બધાની આંખો માંથી આંસુ વહી રહ્યા હતા …..

 

ગૃહપ્રવેશ ..૧૧ રેખા પટેલ “વિનોદિની”

અમારો અવાજ સાંભળી અંદરના રૂમ માંથી રાધા બહાર આવી. તેને જોઈ મારું મન ફરી કડવાશ થી ભરાઈ ગયું. મેં મોં ફેરવી લીધું. રાધા ચુપચાપ ત્યાં ખુણામાં ઉભી રહી ગઈ. હું વિચારમાં પડી ગઈ કે હવે શું કરવું? રહું કે પાછી આશ્રમમાં જતી રહું? મારા વિચારોને જાણે રાધા સમજી ગઈ કે અચાનક પાસે આવી મારા પગમાં બેસી ગઈ, પછી  મારો હાથ પકડીને કહેવા લાગી ” દીદી આ ઘર તમારું છે અને તમારા વિના સાવ સુનું પડી ગયું હતું. સાહેબ ની હાલત તો તમે જુવો છો ને ! દીદી બા પણ તમારા ગયા પછી વધારે કરીને ભગવાનના મંદિરમાં બેસી રહેતા હતા. આ ઘર ઘર નહોતું લાગતું.

હું તેને વચમાં રોકતા બોલી ” ગુડિયા ક્યા છે? કેમ છે એ “

દીદી તમારી ગુડિયા પણ તમારા વિના ક્યા ખુશ છે?” બોલતા એ અંદરના રૂમ માંથી દીકરીને લઇ બહાર આવી અને મારા હાથમાં રૂના ઢગલા જેવી દીકરીને મૂકી દીધી. હું બધું ભૂલીને તેને ” મારી દીકરી” કહી છાતીએ વળગાળી દીધી. મારા તપતા હૈયાને આજે ઘણી શાતા મળતી હતી. છતાંય કોણ જાણે રાઘાનું આગમન મને ખુંચતું હતું. છતાં હું તેને હવે આ ઘરમાંથી બહાર જવાનું નહિ કહેવાનું નક્કી કરીને આવી હતી. હું મારા દુઃખ અને ગુસ્સાને સંતાડવા ચુપચાપ ગુડીયાને લઈને ઉભી થઈ ગઈ.  તેને બાના હાથમાં સોંપીને હું મારા પોતાના રૂમમાં ચાલી ગઈ. શરદ મારી પાછળ પાછળ રૂમમાં આવી ગયા.

બારણું બંધ કરી મને વળગી પડ્યા, તેમના બેવ મજબુત હાથમાં મને ભીંસી દીધી ” મારી સ્મિતા તારા વિના અમારું સ્મિત ખોવાઈ ગયું હતી, હવે મને પ્રોમિસ આપ મને મુકીને તું ક્યાય નહિ જાય”.

હું અપ તેમને જન્મોના અધૂરા મિલનને પૂરો કરવા કેટલીય વાર વળગીને ઉભી રહી. અમારી વચ્ચેનું મૌન ઘણું કહી ગયું હતું.  છેવટે  ચુપ્પી તોડતા એ બોલ્યા

” સ્મિતા આપણી વચમાં હંમેશા વિશ્વાસની મજબુત ડોર રહી છે તેને તું શંકાની કાતરથી આમ કાપી નાં નાંખ, તારા વિના હું સાવ અપંગ છું. આ આપણી ગુડિયા પણ તારીજ દેન છે ભલે તે અપાનારી રાધા અહોય છેવટે તુજ એની માં છે તે કેમ ભૂલી જાય છે. તેની નશોમાં આપણું લોહી વહે છે.તું એક માં થઈ તેને આમ તરછોડી નાં શકે “”

તેમના આવા વાક્યો સાંભળી મારું અત્યાર સુધી સાચવી રાખેલું ધેર્ય કકડભૂસ તૂટી પડ્યું. હું પાસેનાં બેડ ઉપર ફરડાઈ પડી અને હથેળીમાં માથું સંતાડી રડી પડી. કેટલીય વાર શરદ મારો વાંસો સહેલાવતા રહ્યા. પછી અચાનક મારામાં જૂની સ્મિતા જાગી ગઈ. બસ હવે બહુ થયું. હું હાથે કરી મારા પગ ઉપર પથરો નહિ મારું.

ત્યાંતો બારણે ટકોરા પડ્યા ” સ્મિતા આવ આજે ઘણા દિવસ પછી આપણે સતઃ ચાય પીએ” બાનો ચિરપરિચિત અવાજ મને મલમની જેમ રાહત આપી ગયો.

બસ પછી જાણે ખાસ કઈ બન્યું ના અહોય તેમ હું શરદ અને બા સાથે ચાય પીવા ટેબલ ઉપર ગોઠવાયા હતા. બાજુમાં પારણામાં ગુડિયા મધુરું મુશ્કાઈને સુતી હતી. પરંતુ રાધા ક્યાંય દેખાતી નહોતી. મને કોણ જાણે બહુ અજુગતું લાગ્યું. પહેલી વાર થયું કે હું ક્યાંક રાધા સાથે વધારે કઠોર તો નથી બનતી ને ! છેવટે મેં રાધાને બુમ પાડી. ” રાધા અહી બહાર આવ તારી ચાય પણ તૈયાર છે” ત્યાંતો રાધાનો સાવ પડી ગયેલો ચહેરો દેખાયો. મારા ઇશારાને સમજીને એ મારી બરાબર સામેના ટેબલ ઉપર ગોઠવાઈ ગઈ.

” દીદી હું તમારા દુઃખને વ્યથાને સમજી શકું છું. આ ઘર અને તમારી દીકરી ઉપર મારો ક્યાય હકક નથી. હું તો તમારા બંનેનાં જીવનમાં માત્ર મહેમાન હતી. જાણે અજાણે દીકરીના મોહમાં હું ભાન ભૂલી ગઈ હતી. પણ હા સાહેબ તરફ મારી કદીયે ખરાબ નજર નહોતી. કારણ હું એક સ્ત્રી છું બરાબર સમજુ છું કે સાહેબ માત્ર તમને પ્રેમ કરે છે. અને હું કોઈનું ઘર ઉજાડવા વિષે વિચારી પણ નાં શકું. ” તે ધીમેથી બોલતી હતી

” મેં જવાબમાં મારો હાથ લંબાવીને તેના હાથ ઉપર મુક્યો”.

તેને ફરી આગળ ચલાવ્યું ” દીદી મને તમે જ્યાં રહેતા હતા એ સંસ્થામાં કામ અપાવી ડો તો મહેરબાની રહેશે.કારણ હવે ગામ જઈશ તો લોકો મને શાંતિથી જીવવા નહિ દે”

” હા સ્મિતા એ સાચું કહે છે તું તારી ઓળખાણ ચલાવી આ છોકરીની જિંદગી સુધારી દે, મારી પણ આવીજ ઈચ્છા છે ” બા પહેલી વાર વચમાં બોલ્યા.

” રાધા તું અહી રહી શકે છે” હું કોણ જાણે ક્યાંથી આટલું મોટું મન લાવી કે બોલી પડી.

” ના દીદી બસ હવે તો હું જઈશ મને તમારી એક ગુડિયા નથી જોઈતી, મને વધારે દીકરીઓનો પ્રેમ એક સાથે જોઈએ છે.” કહી હસવાનો પ્રયત્ન કરવા લાગી.

આ ઘરમાં નો તમારો બેડરૂમ મારો નથી થયો પણ સંસ્થા નો તમારો રૂમ મને જોઈએ છે , કરશો મારે માટે ખાલી તેને ? “  મારો એક હાથ તેના માથા ઉપર ફરી રહ્યો હતો અને બીજો હાથ મારી ગુડીયાના હાથમાં હતો.