છબી એક-સ્મરણો અનેક -પ્રિયતમ ને દ્વાર

 

સંકલન

વિજય શાહ-પ્રજ્ઞા દાદભાવાલા

 

કલમકાર મિત્રો

 

વિજય શાહ

શૈલા મુન્શા

ડો.ઇંદુબહેન શાહ

રોહીત કાપડીયા

અર્ચિતા દીપક પંડ્યા

હેમા પટેલ

પ્રવીણા કડકિયા

વિનોદ આર પટેલ.

રેખા પટેલ “વિનોદિની”

પૂર્વી મોદી મલકાણ

ધનંજય પંડ્યા

પદ્મા કાન

ચારુશીલા વ્યાસ

મધુરિકા શાહ

કલ્પના રઘુ

પ્રજ્ઞા દાદભાવાલા

 

અનુક્રમણિકા
છબી એકસ્મરણો અનેક ()-પ્રિયતમ ને દ્વારવિજય શાહ
છબી એકસ્મરણો અનેકપ્રિયતમને દ્વાર ()-શૈલા મુન્શા
છબી એકસ્મરણો અનેક-(3) પ્રિયતમને દ્વાર ડૉ ઇંદુબહેન શાહ
છબી એકસ્મરણો અનેક-() પ્રિયતમને દ્વારરોહીત કાપડિયા ૧૪
છબી એકસ્મરણો અનેકપ્રિયતમ ને દ્વાર( ) –અર્ચિતા દીપક પંડ્યા ૧૬
છબી એકસ્મરણો અનેકપ્રિયતમને દ્વાર () હેમા પટેલ ૧૮
છબી એકસ્મરણો અનેકપ્રિયતમને દ્વાર () પ્રવીણા કડકિયા ૨૪
છબી એકસ્મરણો અનેકપ્રિયતમને દ્વાર ()પ્રજ્ઞા દાદભાવાળા ૨૮
છબી એકસ્મરણો અનેકપ્રિયતમને દ્વાર () વિનોદ આર પટેલ ૩૪
છબી એકસ્મરણો અનેકપ્રિયતમને દ્વાર () રેખા પટેલ ૩૬
છબી એકસ્મરણો અનેકપ્રિયતમને દ્વાર (૧૦) વિજય શાહ ૪૧
છબી એકસ્મરણો અનેક-પ્રિયતમને દ્વાર (૧૧) પૂર્વી મોદી મલકાણ ૪૫
છબી એકસ્મરણો અનેકપ્રિયતમને દ્વાર (૧૨) ધનંજય પંડ્યા ૫૧
છબી એકસ્મરણો અનેકપ્રિયતમને દ્વાર (૧૩પદમાંકાન ૫૩
છબી એકસ્મરણો અનેકપ્રિયતમને દ્વાર (૧૪) ચારુશીલા વ્યાસ ૫૭
છબી એકસ્મરણો અનેકપ્રિયતમને દ્વાર (૧૫) મધુરિકા શાહ ૬૦
છબી એકસ્મરણો અનેકપ્રિયતમને દ્વાર -(૧૬) કલ્પના રઘુ ૬૩
છબી એકસ્મરણો અનેકપ્રિયતમને દ્વાર -(૧૭) અર્ચીતા પંડ્યા ૬૮

 

છબી એકસ્મરણો અનેક ()-પ્રિયતમ ને દ્વાર                             વિજય શાહ

Photo Courtsey : Face book  ( please help me to find the source)

સોળ શૃંગાર

વ્હાલી પ્રિયા

રિઝવો પ્રિયતમને પ્રિયતમનાં પ્રિયને પ્રિય થઇને પ્રિયનાં પ્રિય થવા કાજ સજો શૃંગાર સંકોચ ભરી મધુર વાણીનાં સેંથીમાં સિંદુર પ્રિયનું હાસ્ય નથણી વહાલી પ્રિયની ચુમી કાનમાં કર્ણફુલ ઘરની હાશ! ગળે મંગળ સુત્ર બનશે શીલની વાત હાથમાં કંગન વહેવારનાં ભાર પગનું ઝાંઝર ઘરનું કામ ચલો સજની સજી સોળે શૃંગાર પ્રિયતમને દ્વાર પ્રિયતમને દ્વાર

વિવાહ થયા હતા અને મેં મનથી એમ માની લીધુ મારા ભરોંસે મારા ઘરે આવતી વ્હાલી પ્રિયાને કોઇ તકલીફ  ન પડે તે જોવાની જવાબદારી મારી કહેવાયને?

તેથી આ કાવ્ય દ્વારા પેપર ફોડ્યુ હતુ કે મારા પ્રિય એટલેકે મારા કુટુંબમાં કામ, વહેવાર અને મધુરી વાણીથી મારા કુટૂંબીજનોને  પ્રિય થઇ જા. પ્રિયતમને  દ્વાર પ્રિયનુ હાસ્ય અને પ્રિયની ચુમી વહાલનાં સ્વરુપે હરદમ તારી સાથે છે.

 

 

છબી એકસ્મરણો અનેકપ્રિયતમને દ્વાર ()-શૈલા મુન્શા

બિંબ પ્રતિબિંબ

ઉમાનો પાંચમો જન્મદિવસ. ખુબ બોલકી એ લાડકી પૌત્રી ના સવાલોનો મારો કદી ખુટે નહિ. અજબની એની દુનિયા, અમારી એ ઢીંગલી નો સંસાર એની ઢીંગલી ની આસપાસ જ ઘુમે. ફોન કરીએ તો કહેશે “નાની હમણા હું બહુ બીઝી છું ઢીગલી ને નવડાવું છું પછી મારે વોલમાર્ટમા એના માટે શોપીંગ કરવા જવાનુ છે પછી વાત કરીશ. તો કોઈવાર સામેથી ફોન કરી એટલી વાત કરે અને નાનાને આપ ને, નાના સાથે વાત કરતાં હવે નાની ને આપો કરતા અમને થકવી દે.” મારે કહેવું પડે “ઉમા હવે હું મારી દિકરી સાથે વાત કરું? તો કહેશે એ મારી મમ્મી છે.” અમારી એ રોજની મીઠી તકરાર. “તારી મમ્મી એ મારી દિકરી છે, અને એનો લહેકો જાણે નજર સામે એનો ચહેરો તાદૃશ્ય કરી દે. ઓહો! મારી મમ્મી તમારી દિકરી છે જેમ મારા પપ્પા મારી દાદીના દિકરા છે.”

હજી કાલે તો ઉમાનો જન્મદિવસ ઉજવાયો અને રાતે ને રાતે મહેશે દિકરીના ઢગલાબંધ ફોટા અને વીડિયો Whatsapp પર મોકલી આપ્યા. ટેક્નોલોજી ની કમાલે દુનિયાને આપણી મુઠ્ઠીમા કરી દીધી છે. ઉમા એની માની જ પ્રતિકૃતિ છે. બિંબ ને પ્રતિબિંબ.

ફોટા જોતા જોતા મને મારી એ નાનકડી ગહેના યાદ આવી ગઈ. એની પાંચમી વર્ષગાંઠ પણ આમ જ ધામધુમથી ઉજવી હતી. આજે ગહેના પોતે એક મા છે અને પાંચ વર્ષની એની દિકરી છે. ગહેના સાચે જ અમારા ઘરનુ ઘરેણુ હતી. માબાપને મન સહુ બાળકો સરખા જ વહાલા હોય એમા કોઈ શક નથી. કહે છે ને કે પાંચ આંગળી ભલેને લાંબી ટુંકી હોય જેના પર પણ કાપો પડે, વેદના અને લોહી તો સરખું જ વહેવાનુ. તો ય પહેલી વાર મા બનવાની એ અનુભૂતિ અને અહેસાસ કાંઈ જુદા જ સ્પંન્દનો દિલમા જગવે છે. પોતાના જ દેહમા પાંગરતુ એક નવુ જીવન, નવ મહિના રોજ નવો અહેસાસ, રોજ નવી લાગણી. કદી ડર તો કદી રોમાંચ. અને એ ક્ષણ! એક નવજીવન ધબકતું તમારા હાથમા. જે તમામ વેદના એ દર્દ સહુ ભુલાવી માતૃત્વ નો અમરત કુંભ તમારા હાથમા ધરી દે. એટલે જ તો કહ્યુ છે કે મા ની મમતાની તોલે તો ભગવાન પણ ના આવે. ગહેના ઘરની પહેલી દિકરી.માબાપની તો લાડકી જ પણ દાદા દાદી ને કાકા ને ફઈ સહુની આંખનો તારો.હસતી રમતી નાનકડા પગલે આખા ઘરમા ફરી વળતી. દાદા ઓફિસથી આવે એટલે સહુથી પહેલા હાથ લાંબો કરી સવાલ, “શું લાવ્યા દાદા?” અને દાદનો પણ એક જ જવાબ. “મારી ઢીંગલી માટે ચીકુ કે દ્રાક્ષ કે કેળું જે ઋતુ એ પ્રમાણે ફળ” નાનપણથી જ દાદી ની શીખામણ કે ગહેનાની માવજત બરાબર થવી જોઈએ. કોઈ ખોટી ટેવ નહિ પાડવાની. બહારના મહેમાન મળવા આવે અને ચોકલેટ લાવે તો ય સમજાવટથી કામ લે. મહેમાન ને પણ સમજાવે કે બાળકોને નાનપણથી સારી ટેવ પાડીએ તો એમની તંદુરસ્તી સારી રહે. બાળકને તો સમજ નથી આપણે જે ખાવાની ટેવ પાડીએ એ પડે.

રાતે જમવા બધાએ સાથે જ બેસવાનુ અને ભાણામા જે પીરસાય તે બધાએ ખાવાનુ. આમ નાનપણથી જ ગહેનાને બધા શાકભાજી કઠોળ વગેરે ભાવતા થઈ ગયા. દશ વર્ષની ગહેનાને લઈ જ્યારે અમદાવાદ લગનમા ગઈ તો બીજા બાળકો ના નખરા જોઈ મને મારા સાસુની કેળવણી પર ખુબ જ ગર્વ થયો. સંયુક્ત કુટુંબમા ઉછરી હોવા છતાં ગહેનાને કોઈ ખોટા લાડ ન લડાવતું અને જે સંસ્કાર એનામા હતા એ મારા માટે ગૌરવ ની વાત હતી. બીજી મમ્મી ઓ ની કાયમની ફરિયાદ સાંભળી “મારા મનુ ને તો મોળા શાક જ જોઈએ , તીખું તો એ જરાપણ ખાઈ ના શકે, દીપક તો ખાલી બટાકાનુ શાક જ ખાય, મેઘા ને તો અઠવાડિયા મા બે વાર મેક્ડોનાલ્ડના પીઝા ખાવા લઈ જવી જ પડે” આ બધું સાંભળી ને વિચાર આવ્યો ભુલ કોની?

આ બધા બાળકો પણ ગહેનાની ઉંમરના જ હતા છતાં આજે માને ફરિયાદ કરવી પડતી પણ એ વિચાર નહોતા કરી શકતા કે આનુ કારણ શું? શું પોતાની જ ભુલ નહોતી? નાનપણથી જ એક નિયમ બનાવ્યો હોત તો કદાચ આજે આ વારો ન આવત.

નાનકડી એ ગહેના ક્યારે મોટી થઈ ગઈ એ ખબરે ના પડી અને જોત જોતામા તો એના લગ્ન ના વિચાર મનને ઘેરી વળ્યા. સાસુ સસરાનો સાથ પુરો થયો અને ગહેનાનુ નસીબ એને ક્યાં લઈ જશે નો એક છાનો ડર મનને ખોતરી રહ્યો. ગહેનાની મરજી જાણવાનો પ્રયાસ કર્યો, કોઈ યુવક એના ધ્યાનમા હોય, કોઈને એ ચાહતી હોય પણ એવું કાંઈ નહોતું એટલે કોઈ સારો પરિવાર, કોઈ સુપાત્ર મળે એની શોધ શરૂ થઈ.

અમે અમેરિકામા પણ કેનેડાથી એક સારા છોકરાની વાત આવી. બન્ને પરિવાર રૂબરૂ મળ્યા. ગહેના અને મહેશ થોડો સમય ઇન્ટરનેટ થી ચેટ કરતા રહ્યા અને બન્નેની સંમતિ થી આ પરિચય લગ્નના બંધનમા બંધાયો.

ઉમાના ફોટા જોતા ગહેનાની યાદ આવી અને એનુ આલ્બમ લઈ બેઠી.એના જન્મથી માંડી અત્યાર સુધીના ફોટા. પહેલા બાળકના જેટલા ફોટા હોય કદાચ બીજાના એટલા નથી હોતા. ગહેનાના દરેક મહિનાના એ બેસતા શીખી, પહેલું ડગલું ભર્યું, પહેલી વર્ષગાંઠ કંઈ કેટલાય અગણિત ફોટા. ફોટાની વણઝાર એના લગ્નના ફોટાના આલ્બમ પર આવી અટકી.

મારી નજર હાથમા લગ્નનુ શ્રીફળ લઈ નવવધુના પાનેતરમા ઘરના ઉંબરે ઊભેલી ગહેનાની તસવીર પર અટકી. આંખોમા નવજીવનનો ઉમંગ અને માતા પિતાનો હાથ છોડી નવા પરિવારમા સમાવાનો એક છાનો ડર, બન્ને ભાવ એક સાથે એના ચહેરા પર સ્થિર થઈ ગયા હતા.

દશ વર્ષ થઈ ગયા ગહેનાના લગ્નને. હજી હમણા જ જાણે એને વિદાય કરી અને આજે એ પણ એક દિકરીની મા બની ગઈ. આજે એના સાસુના મુખે જ્યારે સાંભળું છું કે તમારી ગહેના તો અમારા ઘરનુ અમોલુ ઘરેણુ છે ત્યારે બસ છાતી ગજ ગજ ફુલે છે અને એજ આશીર્વાદ હૈયેથી ઝરે છે કે દિકરી આમ જ તારા સંસારને ઉજાળતી રહેજે અને ઉમાને તારૂં પ્રતિબિંબ બનાવજે.

અસ્તુ.

શૈલા મુન્શા

છબી એકસ્મરણો અનેક-(3) પ્રિયતમને દ્વાર ડૉ ઇંદુબહેન શાહ

  “દીકરી તો ઈશ્વરની દેન

અઢાર વર્ષ પૂર્વેનું દૃશ્ય તાદૃશ થયું, બે મારી આંખોની કીકી સમી દીકરીઓને વળાવી, આજે તો બન્નેને એક દીકરી છે.ગયા સમરમાં મારી એન્જલ પૌત્રીનું આરંગગેત્રમ થયું, છ મહિનાથી તેની તૈયારી કરી લગ્નની જેમ. જન્મી ત્યારથી મારી એન્જલ અને મારા પતિની પ્રિન્સેશ, ખૂબ રૂપાળી, હસમુખી, દુશ્મનને પણ વ્હાલી લાગે, અમે મોલમાં, કે ગ્રોસરિ સ્ટોરમાં લઇને ગયા હોઇએ બધાને જોઇ હસતી હોય.પાંચ વર્ષની હતી ત્યારથી એને અમારી બર્થ ડે યાદ, સવારના પહોરમાં ફોન કરે નાનાભાઇ સાથે “હેપિ બર્થ ડે ટુ યુ”અમેરિકન સ્ટાઇલથી વિશ કરે, તેની પોતાની બર્થ ડેના ઇનવિટેસન કોપ્યુટર પર તૈયાર કરે. દીકરી તો ઇશ્વરની દેન.

મારી મોટી દીકરીનો જન્મ થયો ત્યારે ત્રીસ વર્ષે, ઘરમાં નાનુ બાળક આવ્યું, મારા સાસુ સસરાને ખૂબ આનંદ થયો, સગા સંબંધીઓમાં બરફી વહેંચી, અમે બન્ને ડોકટર, વ્યવસાયમાં વ્યસ્ત, મારી બન્ને પુત્રીનો ઊછેર દાદા દાદી પાસે થયો, બન્ને પુત્રીઓને બા બાપૂજી માટે ખૂબ માન અને લાગણી,.બાપૂજીને સાંજે ઘેર આવતા જુવે કે બન્ને દીકરીઓ દોડે તેમના હાથમાંથી તેમનો પોર્ટ ફોલિયો, શાકની થેલી વગેરે લઇ લે દરવાજો ખોલે, બાપૂજી ફળિયામાં લીમડા ની્ચે તેમની સ્પેશીયલ આરામ ખુરશીમાં બેસે, નાની સીતા પૂછે બાપૂજી શું ભાગ લાવ્યા? બાપૂજી તુરત થેલીમાંથી ખારેકી બોર, જામફળ, સીતાફળ સેકેલા પોપટા જેની સિઝન હોય તે કાઠીને આપે, દાદા અને બન્ને લાડલી સાંજનો નાસ્તો આનંદથી માણે. અમને બન્નેને વહેલું મોડું થાય, સાંજે સાત વાગે બન્ને દીકરીઓ બા બાપૂજી સાથે થાળીમાં જે પિરસાઇ તે બધુ જમી લે, થાળી ચોખ્ખી કરવાની, બા હંમેશા થાળી ધોઇને પાણી પીતા, બા સમજાવે થાળી ધોઇને પીવાથી બહુ પુન્ય મળે. આમ બન્ને દીકરીઓ સારા સંસ્કાર અને વડીલોના પ્રેમ સાથે મોટી થઇ ખબર ન પડી.

અમેરિકામાં બન્નેનું હાઇ સ્કુલ કોલેજનું ભણતર પુરું થયું, મોટી પરી ડૉ. અને નાની સીતા લોયર થઇ. બન્નેને માટે મુરતિયા શોધવાનું શરું કર્યું, અમેરિકન કલચરથી બન્ને અલિપ્ત, આઠ વર્ષના કોલેજ કાળ દરમ્યાન બોય ફ્રેન્ડ નહીં, કેલિફોર્નિયામાં એક ઇન્ડીયન બેન મેરેજ બ્યુરો ચલાવતા હતા, તેનો સંપર્ક કર્યો, ઘણા ડૉ. એન્જીનીયર. પી એ્ચ.ડી વગેરે છોકરાઓના ફોટા અને બાયો ડેટા મળ્યા, તેમાંથી બે પર પસંદગીની મહોર મારી ઇન્ટરનેટ પર ચેટીંગ, અને ફોન પર એકબીજાને વધુ ઓળખતા થયા, બન્નેના માતાપિતાને અમે બન્ને મળ્યા. ઘર અને વર બન્ને અનુકળ લાગતા લગ્ન નક્કી કર્યા. આમ તો જન્મ સાથે લગ્ન પણ વિધાતાના લેખમાં લખાયેલ જ હોય છે.(marrages are done in heaven) આપણે તો નિમિત માત્ર.

હાથમાં શ્રીફળ સાથે દીકરીને માતા પિતા જોવે ત્યારથી મનમાં કેટકેટલા વિચારો, મારી દીકરીને ત્યાં ગમશે!! તેને અહીંના જેટલી છૂટ સાસરીમાં મળશે!! સાસુ સસરા સાથે ફાવશે!!વગેરે.

આજે મારી બન્ને દીકરીઓ તેમના વ્યવસાયમાં પ્રગતિ કરી રહી છે, બન્ને જમાઇનો પૂરતો સહકાર છે, બન્નેના સાસુ સસરાએ પણ બન્નેના બાળકોના ઊછેરમાં બનતો ફાળો આપ્યો છે. મારી નાની દીકરી મારાથી ૧૫૦૦ માઇલ દૂર ફિલાડેલફિયામાં છે. દિવસમાં એક વખત સમય કાઢી મારી સાથે ફોન પર વાત કરે છે,તેના સસરાને પાંચ વર્ષ પહેલા સ્ટ્રોક આવ્યો ત્યારે મારી દીકરીએ હેન્ડીકેપ બાથરૂમ, સ્લોપ વગેરે તેના ઘરમાં કરાવ્યા તેમને બે વર્ષ સાથે રાખ્યા, ફિસિકલ થેરપિ, ઓક્યુપેસનલ થેરપિ વગેરે કરાવડાવ્યું, અત્યારે તેઓશ્રી વ્હીલચેરમાં હરી ફરી શકે છે, પોતાની જાતે જમી શકે છે. આજે તેના સાસરિયા સીતાના વખાણ કરતા થાકતા નથી, તેના સાસુ તો ૧૨ વર્ષથી સ્વર્ગવાસ થયા છે, તેના કાકીજી, મામીજી, માસીજી બધા હું જ્યારે ફિલાડૅલફિયા જાઉ, મળું ત્યારે અચુક મારી સીતાના વખાણ કરે જ,

મારી મોટી દીકરી ડો.હ્યુસ્ટનમાં છે, તેના સાસુ સસરા અને અમે બન્ને પણ હ્યુસ્ટનમાં એટલે તેના બાળકો તો ખૂબ નસીબદાર ચાર ગ્રાન્ડ પેરન્ટસનો લાભ મળે છે. અને તેના સાસુ સસરાને પણ ડો.વહુની સેવાનો લાભ મળે છે.

મારી બન્ને દીકરીઓને વળાવી ત્યારે મેં મારા પતિને પહેલી વખત રડતા જોયા,

મારી કલમે કાવ્ય લખ્યું કદાચ એ મારું પહેલું કાવ્ય. અઢાર વર્ષ થયા.

કાળજાનો કટકો વિદાય લે આજે

મા બાપના શ્વાસોશ્વાસ સમ દિકરી

છોડી સુવાસ લે વિદાય લાડલી

જેના નેત્રો થયા નથી કદી ભીના

ચોધાર આંસુઓ જોયા પપ્પાના

દિકરી અશ્રુઓ લુછે પિતાના

આપે આશ્વાસન માતાપિતાને

હું નથી જોજન દુર સાસરે

હું છું ફક્ત ફોન કોલ અવે

મા તું ધ્યાન રાખજે પપ્પાનું

કદી ન કહીશ સિગારેટ ચા છોડવાનું

ટૅનસન ના વધારતી પપ્પાનું

મા તે આપી શિખામણ મને

પાલન કરીશ સ્વસુર ગૃહે

આનંદ પામીશ તું મુજ વર્તને

માતા પિતાના બાહુમાં દિકરી આજે

ભીંજાય ગંગા જમના અશ્રૃ ધારે

ધૈર્ય વચન પરસ્પરને આપે

પિતાએ ધુમ્રપાનને આપી વિદાય

એસ ટ્રે ગઇ ટ્રેસકેનમાં ફેંકાય

માના મૌન અશ્રૃ પિતાને સમજાય

અસ્તુ

 

છબી એકસ્મરણો અનેક-() પ્રિયતમને દ્વારરોહીત કાપડિયા

પ્રિયતમના દ્વારે

પતિ રહ્યાં પ્રિયતમ રૂપે સદા તો

હર પળ જીવનની મોજીલી રહી

હર ડગલે એમનો સાથ મળ્યો તો

આ સફર જીવનની રંગીલી રહી

હાથ ઉષ્માભર્યો દીધો હાથમાં તો

ઘડી દુખની પણ ગમતીલી રહી

વ્હાલપથી દીધો સાદ સદા તો

આ જીવન સિતાર સુરીલી રહી

નણંદ,ભાભી, અને પુત્રવધુ બની

હર કોઈની સદા લાડીલી રહી

હું સ્ત્રીના રૂપમાં માતૃત્વ ધારીને

સદાયે આ વિશ્વમાં ગર્વીલી રહી .

રોહીત કાપડિયા મુંબઇ સ્થિત લેખક કવિ અને પત્રકાર છે અને આ કાવ્ય દ્વારા તેઓ સહિયારા સર્જન ની પ્રવૃતિમાં સક્રિય થઇ રહ્યા છે તેમનો સાચા હ્રદય થી આવકાર.

 

 

છબી એકસ્મરણો અનેકપ્રિયતમ ને દ્વાર( ) –અર્ચિતા દીપક પંડ્યા

નવોઢાના નમણા શમણાં

દ્વિજા બની અજાણ ઉમ્બરનો ડુંગર ઓળંગી હૃદયના કુમ્ભથી પ્રેમના અક્ષત લઇ વેરું છું પ્રિય ! કંકુ પગલાં તારા દિલ સુધી લાવું છું ચાહતના ચૂડે મઢેલો હાથ કાયમી સોંપું છું !                     હર મુકામે તારો સાથ અખંડ ચાહું છું.

હક્કના નામની છેલ્લી નજર પિયરથી વાળી સાસરીમાં ઠેરવી અહી સૌને પોતીકા ગણું છું ચાંલ્લા ની શોભા,ટીકા દામણી ના માન વધે એવા વ્યવહારની પુંજી લઈને સંસારે ભળું છું                     હર મુકામે તારો સાથ અખંડ ચાહું છું.

વેણી નાંખી મેં મોગરાની,સંભાળ ની સુગંધની સગા સહુને ચાહવા પમરાટ સાથે લઉં છું નાળીયેર જેવી પવિત્ર લાગણી રાખી મન માં સખ્તાઈ સંભાળમાં ને ઋજુ સંવેદના સંકોરું છું                      હર મુકામે તારો સાથ અખંડ ચાહું છું.

લોહીના સંબંધથી આગવો લાલ, ઘર ચોળાનો બંધ ને  સોનેરી સાળુ જેવો આપણો અમૂલ સંબંધ જોઉં છું ! પ્રિયતમ !તારા નામની મહેંદી હાથે રચું છું પ્રિયા ના, પ્રિય ના સ્નેહીને પણ ,પ્રિય ગણું છું                       સાથે સાથે તારો સાથ અખંડ ચાહું છું .

અમદાવાદમાં રહેતા અર્ચિતા બહેન સારા સર્જક છે. વાચન ,લેખન,સાહિત્ય ને લગતી રચનાત્મક પ્રવૃત્તિ માં રસ ધરાવે છે તેમનું  કાર્ય : ચોથી જાગીર અને પોલીસ ,પબ્લિક મીડિયા માં સમયાંતરે લેખ પ્રસિદ્ધિ ; સીરીયલ સપ્તપદી ના સંવાદ લેખન માં તેમનું યોગદાન મહત્વનું હતુ
 

છબી એકસ્મરણો અનેકપ્રિયતમને દ્વાર () હેમા પટેલ

પિતાના જીગરનો ટુકડો

આપણી હિન્દુ પ્રથા અનુસાર પ્રભુતામાં પગલાં માંડતા પહેલાંનુ દરેક કન્યાનુ આ સુંદર સ્વરૂપ છે. છતાં પણ તેની પર દ્રષ્ટિ પડતાં તેને નિહાળીને અતિતમાં પોતાનુ જે આ સ્વરૂપ હતું તેની યાદ તાજી કરાવે છે. મારા પોતાના સ્વરૂપ સાથે  મારી વહાલસોઈ પુત્રીનુ આ સ્વરૂપ તો આજે પણ પાંપણ ભીની કરાવે છે. દીકરી એ એવું સ્વરૂપ છે જેને મા-બાપનો શ્વાસ કહીએ તો ખોટું નથી. દીકરીનો મા,બાપ પ્રત્યેનો પ્રેમ શરુઆતથી અંત સુધી એક સરખો  વહ્યા કરે છે. દીકરી દુનિયાના કોઈ પણ ખુણામાં પરણીને જાય માતા,પિતાના હ્રદયથી ક્યારેય દૂર નથી જતી.

માતા પોતાના સંતાનોને  હમેશા નિસ્વાર્થ પ્રેમ રૂપી વર્ષામાં ભિંજવતી હોય. તેના પ્રેમનો કોઈ મોલ નથી. પરંતું  પિતા પણ પોતાના સંતાનોને ખુબજ પ્રેમ કરે છે. દીકરી તો બાપનુ હૈયુ , કલેજાનો ટુકડો છે. પિતા વ્હાલનો દરિયો કહેવાય ખાસ કરીને દીકરી માટે તેના દિલમાં કુણી લાગણી હોય. દીકરી તેના જીગરનો ટુકડો હોવાથી  દીકરી માટે  અલગ  લાગણી અને ખાસ જગા હોય. તે ફક્ત એક પિતા જ સમજી શકે છે. તેના હ્રદયના ભાવ વાંચવા મુશ્કેલ છે. પરંતુ જ્યારે દીકરીને સાસરે વળાવવાનો દિવસ આવે ત્યારે  આ ભાવ  હ્રદયમાંથી  નીકળી વેગે બહાર ધસી આવે છે. ત્યારે તેમની આ વેદના અસહ્ય બની જાય છે. દીકરીને સાસરે વિદાય કરતાં વાઘ જેવો પિતા પણ ભાંગી પડે છે. તેની હ્રદય વેદના શબ્દોમાં વર્ણવી ન શકાય, તેને અનુભવવાની છે. દીકરીને થોડો વખત રહીને પારકે ઘર ચાલ્યા જવાનુ છે. માટેજ ઈશ્વરે તેના દિલમાં એક અજબ પ્રેમ ભર્યો છે. પરિવારમાં સૌની લાડકી બની જાય છે .દાદા-દાદીની સેવા કરવામાં પહેલો નંબર.

મારા લગ્ન પછી સાસરે વળાવી ત્યારે પિતાને જીવનમાં પહેલી વખત રડતા જોયા, એ દ્રષ્ય આજે પણ નથી ભુલાતું .સાસરેથી પાછી પિતાને ઘરે ગઈ , ખડકીના બધા મળવા માટે ભેગા થયા, બધાને મૉઢે એક જ વાત હતી બેન, તને વળાવીને તારા બાપુજી રૂમમાં જઈને છુટ્ટે મૉઢે ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા સાંભળીને મારુ હૈયુ ચિરાઈ ગયુ હતું . પુરૂષ માણસ જ્યારે છુટ્ટે મૉઢે રડે ત્યારે લાગે તેની હ્રદય વેદના ચરમ સીમાએ પહોચી હશે. આજે મારા પિતા હયાત નથી પરંતુ જ્યારે તેમની યાદ આવે છે ત્યારે આંખમાંથી અશ્રુ બંધ થવાનુ નામ નથી લેતાં.

સાસરેથી જ્યારે વેકેશન કરવા માટે મારા દિકરાને લઈને પિતાને ઘરે જતી ત્યારે તેમની બાજુમાં બેસાડે અને મારા ખબર અંતર પુછે, સાસરીના પરિવારના ખબર અંતર પુછે, મારા સાસુ થોડા ગુસ્સા વાળા હતા મને શીખામણ આપે જો બેટા સાસુ-સસરા સામુ કોઈ દિવસ ન બોલાય. કંઈ પણ કહે તો સામો જવાબ ક્યારેય ન અપાય,શાંતિથી રહેજે. તારો વાંક ન હોય તો પણ  સામો જવાબ ના આપીશ.બધાને અનુરૂપ થઈને રહેજે. જે પાણીએ મગ ચડે એ પાણીએ ચડવા દેવાના. મારી મા પણ મને  સાસરીમાં શાંતિથી રહેવાની શીખામણ હમેશાં આપે.

મારે ઘરે દિકરી જન્મી ત્યારે તે પણ તેના પપ્પાને બહુજ લાડકી. તેમના કલેજાનો ટુકડો , તેને વઢવાનુ નહી, મારવાનુ નહી, કેમકે તે તો થોડા દિવસ આપણા ઘરે રહેવાની છે પરણીને આપણા બધાને છોડીને ચાલી જશે, સાસરુ કેવુ મળશે ખબર નથી, સાસરી વાળા મારી દિકરીને બરાબર રાખશે કે નહી આજે કંઈ ખબર નથી. માટે મારી દિકરીને કોઈએ કંઈ કહેવાનુ નહી. જ્યારે પાંચ વર્ષની થઈ મેં કહ્યું તેને ગોયરો વ્રત કરવાનુ  છે, મને ના પાડી દીધી. મારી છોકરીને ઉપવાસ કરાવીને ભુખી નથી મારવાની, હું વ્રતમાં માનતો નથી. તેના નસીબમાં હશે એવો વર મળશે. થોડી મોટી થઈ એટલે તેને થોડા કામ બતાવતી જેથી મોટી થઈને ઘર ગૃ હસ્થીનુ ભાન આવે ત્યારે બોલે  તેને ઘર કામ શીખવાડવાની જરૂર નથી તેને જીવનમાં કામ આવે એવાં બહારનાં કામો શીખવાડો. બહારની દુનિયાનુ જ્ઞાન આપો, જનરલ નોલેજ આપો,વાસણ કપડા કરવામાં કોઈ બુધ્ધિ નથી ચલાવવી પડતી બુધ્ધિનો વિકાસ થાય એવાં કામ શીખવાડવાનાં છે.

જીવનમાં કોઈ પણ પરિસ્થિતી આવે તેનો સામનો કેવી રીતે કરવો, સામનો કરીને તેમાંથી બહાર નીકળવાનુ છે, ક્યારેય ગીવપ નહી કરવાનુ, આ બધુ શીખવાડવાનુ છે. કામવાળાં રાખીએ તે કામ કરશે. રસોઈ નહી આવડે તો મુંબઈમાં તો મહારાજ પણ મળી રહે.અને ખાસ વાત મારી છોકરીને હું સાસરે નહી મોકલું હું તેને માટે ઘરજમાઈ શોધીશ.મારી દિકરી દશ વર્ષની હતી અને તેને શેરના ફોર્મ ભરાવતા. પ્રોપર્ટીની ફાઈલો વંચાવતા, બેકીંગ ઘેર બેઠાં શીખવાડ્યુ હતુ. મારી દિકરી નાનપણથી જ તેજ દિમાગ, જલ્દી બધુ શીખી લેતી. ટીવીમાં કે પિક્ચરમાં છોકરીનો વિદાયનો પ્રસંગ આવે તો આંખમાંથી અશ્રુ વહેવાના ચાલુ થઈ જાય,અને બોલે હું મારા જીગરના ટુકડાને બીજાને કેવી રીતે સોંપીશ, કેવી રીતે તેને વિદાય કરીશ, વિદાય કરતાં મારા પ્રાણ નીકળી જશે.આ બધી વાત કરવાનો એક જ હેતુ છે.

મારા પતિ મારી દિકરીને ખુબજ પ્રેમ કરતા હતા, મારી દિકરી સાસરે છે એકદમ સુખી છે ,પપ્પાને બહુ મીસ કરે છે. સાસરે પણ બધા સાથે ભળી ગઈ છે, તેના સસરા કહે છે આ તો અમારી દિકરી છે, આમારો છોકરો અમારા જમાઈ સમાન છે, તમારી દિકરી હવે તમારી નથી રહી એ હવે અમારી દિકરી છે. અમારો છોકરો તમને આપી દીધો.

( દિકરીને દુલ્હનના રૂપમાં જોતાં મૉઢામાંથી શબ્દો સરી પડે છે )

ઉરમાં ઉમંગ લહેરાયા,દિલમાં અનેક અરમાનો ભર્યા,

સોળ શણગાર સજી કોડીલી કન્યા ઉભી પ્રિયતમ દ્વાર.

પગમાં પાયલ, કેડે કંદોરો, રાતી ચુડી ચુંદડી લાલ,

મહેંદી ભર્યા હાથમાં લઈ શ્રીફળ,  ઉભી સાજન દ્વાર.

કાજલ ભર્યા નયનોમાં આજે સજ્યાં સુન્હેરાં સપનાં,

પ્રભુતામાં પહેલુ પગલુ, કુમકુમ પગલાં સ્વસુર દ્વાર.

પોતાનાં પારકાં કરીને, રડતાં મુકીને ચાલી આજ

પારકાંને પોતાના કરવા દિકરી થઈ પરાઈ,

છોડી બાબુલ આંગન, ઉભી  પ્રિયતમ  દ્વાર

જા દિકરી શ્વસુર ઘર, રાખજે બે કુળની લાજ.

 

 

 

છબી એકસ્મરણો અનેકપ્રિયતમને દ્વાર () પ્રવીણા કડકિયા

આખોમાં આતુરતા, ચહેરા પર ઉમળકો ,હાથમાં શ્રીફળ અને સુંદર શણગાર સાથે રાહ જોતી યુવતી શું કહેવા માગે છે .  કોની કાગડોળે રાહ જોઈ રહી છે ? સ્વાભાવિક છે , પતિની ! તેના શણગાર અને હાવભાવ પરણિત હોવાની  ચાડી ખાય છે ! જાણે પ્રિતમ આવ્યો કે આવશે ! એવું નથી લાગતું નવોઢા હોય ! જેના હાવભાવ અને અંગોપાંગ પ્રિતમને જોવા અને મળવા તલસી રહ્યા હોય?

ચિત્રની એક આગવી અદા હોય છે. વણ કહ્યે બધું જ કહી શકે છે ! માત્ર જોનારની નજરનો અંદાઝ છે ! યુવતીના બદનમાંથી નિતરતી જવાની અને હાથમાં પરદેશ ખેડીને આવેલા પ્રિતમને વધાવવાની તૈયારી દર્શાવતું શ્રીફળ. જે કારણથી પ્રિતમ ગયો હતો તે કાર્ય સફળતા પૂર્વક પાર પાડી આવી રહ્યો છે. કાંઈ કેટલાય મનસૂબા યુવતિની નજરોમાં ડોકાઈ રહ્યા છે

કાનમાં કુંડળ, સેંથીમાં સિંદુર અને ટીકો, ગળામાં નવલખો હાર કદાચ નવોઢા હોય તો નવાઈ નહી ? હાથમાં શ્રીફળ જાણે પરણીને માંડવામાંથી સાજનને ઘરે જવા તત્પર. નથી ઘરની અંદર કે નથી ઘરની બહાર, ઉમરા પર હાથમાં શ્રીફળ લઈને ઉભી છે.

હમણા સાસુજી પૂજાની થાળી લઈ આવશે !  નવી વહુને પોંખશે, આરતી ઉતારશે, કુમકુમના પગલા પડાવશે. ચોખા ભરેલા કળશને જમણે પગેથી હળવી ઠેસ મારી  શુકન કરી ઘરમાં પગલા પાડશે.સત્કાર કરવા નથી લાડકી નણદી કે પતિદેવ. નજરોમાં આતુરતા છલકાય છે. માથું ઢાંકેલું અને મુખ પર લાગણીનો તરવરાટ છલકાય છે. લજ્જાથી લદાયેલી શબ્દ નહી નજરોની ભાષામાં હાલ વર્ણવે   છે.

૫૦ વર્ષ પૂર્વે, આમ આ સ્વરૂપે  જ્યારે સાસરીના દરવાજે આવીને ઉભી હતી એ દૃશ્ય તાજુ થયું. દિલમાં ગભરાહટ, પિયા મિલનની ઉત્કટ પળ, પિયર છોડયાનું ઝીણું ઝીણું દર્દ. સઘળું નજર સમક્ષ તરવરી ઉઠ્યું. કેટલા ઉમંગોની ડોળી સજાવી હતી. માતા અને પિતાના સંસ્કારને પાલવમાં સમેટી શ્વસુર ગૃહે આંગણામાં  ઉભી હતી. હૈયામાં પિયાને મળવાની તાલાવેલી, આંખોમાં અદા અને પ્રભુતામાં પગલા  પાડ્યાની શુભ ઘડી. ચાલો એ તો જુનું થઈ ગયું ! છતાંય હજુ તેનો અહેસાસ છે.

બે સુંદર વહુઆરૂઓને ઘરમાં, કુટુંબમાં, દિલમાં આવકારી. ભારત છોડીને દસ હજાર માઈલ દૂર અજાંણી ધરતી અને નવા ચહેરાઓ વચ્ચે વસવાટ. કેટલા ઉમળકાભેર આવ્યા. સુંદર સંસ્કારને પાલવમા સમેટ્યો. વહાલા માતા અને પિતાના આંગણને ત્યજી પતિ ગૃહે પ્રવેશ. સ્ત્રી આ તો તારી કમાલ છે. તું કુદરતનું ખૂબસૂરત સર્જન છે. તું છે તો આ સંસાર સમૃદ્ધ બને છે. તું નારાયણી, તારા ઝૂઝવા રૂપ. તારી અદા નિરાળી.

માતા રૂપે તું વંદનિય. પત્ની રૂપે અજોડ. ભગિની રૂપે તું વહાલની પૂતળી. દીકરી રૂપે તું આશિર્વાદ. સોહાગણના રૂપમાં તારૂ સૌંદર્ય અવર્ણનિય. દરેક રૂપ અલગ. દરેક પાત્ર અલગ. સહુમાં તારી આગવી પ્રતિભા.

આવા સુંદર સ્વરૂપે નિહાળે તેના મુખમાંથી કાવ્ય સરી જાય. તારું વર્ણન કરતાં પેન થાકી જાય. તારું સૌંદર્ય આંખલડી પીએ પણ તેની પ્યાસ ના બુઝાય. તારા અંગોમાંથી નિતરતી મુગ્ધતા ભલભલા મુનીઓને ચળાવી દે. તું રીઝે તો રાજ આપે. તું વિફરે તો ખેદાન મેદાન કરી મૂકે.

અરે, હું તો બીજી વાત કરી ગઈ. હવે, પ્રિયતમના આવવાના ભણકારા વાગે છે. ચાલો તેમની સાથે ગુફતગુ કરવાનો સમય નજીક આવે છે ! દિલ તેજથી ધડકે છે. આજે શું થશે    ?

 

 

 

 

 

 

 

 

 

 

છબી એકસ્મરણો અનેકપ્રિયતમને દ્વાર ()પ્રજ્ઞા દાદભાવાળા

દસ્તક દિલના દરવાજે ….

 

કપડા, શ્રુંગાર,  હાથની મેંદી ,અને પસનું નાળીયેર

બધું આવી ગયું.

દર્પણ કહે છે સોળે કળાએ ખીલી જાણે રાણી

પણ શું?

આંખોમાં

કોઈની આવવા નો ઇન્તજાર છે કે  ડર ?

પણ મમ્મી કહેતી હતી ને લગ્ન પહેલા બધી સ્ત્રી આવું અનુભવે છે

પ્રભુતામાં પગલાં માંડવા મન તત્પર હોય ને?

હું બારણે ઊભી તો છું  

અને આવો તો?

છુપાયેલા અનેક શબ્દો મારા અધ ખુલ્લા હોઠો માં …..

વાત કેમ કહેવી?    

અંતર વલોવાય છે. કદાચ દરેક દીકરી આવું અનુભવતી હશે.

  પપ્પા  હું તો આજ સાસરિયે ચાલી

 મમ્મી, તારા જોએલા શમણાં પુરા કરવા.

તે કહ્યું હતું ને તારા સપનાનો રાજ કુમાર આવશે!

અને તારા સપના સાકાર થશે…..

બસ તો જાઉં છું…..

પ્રભુતામાં પગલાં માંડવા આજે ઉંબરા ઓળંગી  બહાર પગ મુકું છું…..   

 હું જાઉં છું! તારું આંગણું છોડી,

પણ રડતાં નહિ,ઉંબરો ઓળંગતા  હું થોડી અળગી થઇ જવાની છું ? 

પપ્પા તમે મને ઉંબરા બહારની દુનિયા દેખાડીને

અને ઉંચે આકાશમાં ઉડતા પણ  તમે શીખવ્યું….

મમ્મીતું કહેતી હતી ને કે પ્રેમમાં તાકાત છે.  

જુઓ મારી મહેંદીમાં પ્રેમની સુગંધ છે

 દરેક સ્ત્રી ક્ષણ જંખે છે.

બસ મારી ઝંખનાનો અંત છે

હું આજે ખુબજ ખુશ છું

હમણાં આવશે

જોહુંકેવી લાગુ છું ?

મારો માંગમા ટીકો અને નવલખો હાર

લાલ સાડી પણ તારી  

અરે, કાળું ટપકું કોણ લગાડશે ?

પપ્પા, તમે હું નાની બાળકી હતી ત્યારે અને ત્યાર પછી, સમજણી થઈ અને આજ દિવસ

સુધી જે જે માગ્યું તે આપ્યું છે ને!

રોજ નિત નવા કપડા લાવતા  

અને સ્કૂટર પણ આપ્યું…..

તમને ખબર છે સ્કૂટર મને કેટલું કામ લાગ્યું છે અને લાગશે

 હવે હું કઈ નહિ માગું. બસ હવે કોઈ માંગણી નહિ કરું !

હું જાણું છું, તમે બન્નેએ મારી ખુશીમાં તમારું સુખ માણ્યું છે.

બસ હવે તો આવશે

હમણાં આવશે

હું ખુબજ ખુશ છું   

કોઈ વ્યક્તિને જ્યારે પ્રેમ મળે ત્યારે।…..

ત્યારે જીવન કેવું વસંતની જેમ ખીલે છે.

મેં આજે અનુભવ્યું છે.  

હું હવે હર પગલે એનો  સાથ માણીશ.

નાળીયેરની જગ્યાએ એમનો ઉષ્મા ભર્યો હાથ માણીશ.

મમ્મી, તે કહ્યું હતું ને કે પહેલું પસનું નાળીયેરમાઆપે.

બસ મને આટલું જોઈએ છે.  

બસ આજ તારી યાદોને લઈને જાઉં છું.

પૈડું સીચંતા નાળીયેર જોઈશેને !

તને ખબર છેહું, પપ્પા ને કેમ કહેતી નથી ? ના પાડશે’ !

યાદ છે નાની હતી ત્યારે પપ્પા મને પીકનીક પર જવાની  ના પડતા પણ હું કહેતી,

કે હું તો જઈશ અને પછી ચોકલેટથી માની જતી .પણ હવે,

હું હવે કાંઈ નાની નથી કે મારી ચિંતા કરવી પડે હં !મમ્મી,’ હું તો જઈશ ’ !

મમ્મી, પપ્પા ને કહે જે મારું પણ કોઈ સ્વતંત્ર અસ્તિત્વ હોય કે નહિ ?

હવે મારી નવી ઓળખ બનાવીશ…..  

મને આંસુથી કે તમારા વાત્સલ્યથી કે પ્રેમના બંધનથી રોકશો નહિ.

બસ દિલ દીધું છે હવે કોઈના કહેવાથી રોકાશે નહિ.

 હા શું હતું અને શું થયું અમે પૂછી પાછળથી કોઈ મને ટોકશો નહિ.

લ્યો આવી ગયા…….

મને માફ કરજો પપ્પા

હું આજે પાછલે બારણે થી તમારા આપેલા સ્કૂટર પર,મમ્મીની સાડી  અને નવલખો હાર

પહેરી  માત્ર શુક્નનું નાળીયેર લઈને મારા પ્રેમી સાથે જાઉં છું. પ્રજ્ઞા દાદભાવાળા 

 

 

છબી એક – સ્મરણો અનેક – પ્રિયતમને દ્વાર (૮) વિનોદ આર પટેલ

લગ્નના શણગાર સજી ,હાથમાં શ્રીફળ ગ્રહી,

આવી ઉભી છે બારણે કન્યા તૈયાર બની.

 

વિચારોનો વંટોળ જામ્યો છે એના ચિત્તમાં,

યાદો પિતૃ ગૃહની મનમાં ધસી આવે આજે,

દિવસ માટેતો ગોરમા પૂજ્યાં હતાં,

છતાં દીલમાં ઉદાસી કેમ પિતૃ ગૃહ છોડતાં.

 

મિશ્ર ભાવો આજે ઉમટ્યા છે એના ચિત્તમાં,

સુખદુખની મિશ્ર લાગણીઓ છે દિલમાં,

માવતર મૂકી નવાં માવતર બનાવવાનાં છે,

પતિ સાથેનો ભાવી રાહ સાથે કંડારવાનો છે.

 

કેવી રહેશે નવી જિંદગીની નવી મજલ?

પિયરનો પ્રેમ ફરી મળશે કે નહિ મળે?

આશાઓ જરૂર છે,કેમ નહી મળે ત્યાં પણ?

છતાં મનમાં છે આશંકાઓ દિલમાં અવનવી.

 

સૌ સારું વાનું થશે એવી મહેચ્છાઓ સાથે,

દિલમાં થતી અનેક મિશ્ર લાગણીઓ સાથે,

આજે તો ઉભી છે  લગ્નોત્સુક કન્યા,

આવી દ્વારે,રાહ જોતી,હાથમાં શ્રીફળ લઇ.

 

વિનોદ પટેલ,સાન ડીયેગો,કેલીફોર્નીયા

 

 

 

 

છબી એક-સ્મરણો અનેક – પ્રિયતમને દ્વાર (૯) રેખા પટેલ

વાજતે ગાજતે જાન બસમાં “અમે ઈડરિયો ગઢ જીત્યારે આનદ ભર્યો”  ગાતા સહુ બસમાં બેસી  મારા નવા નવા બનેલા સાસરીયે પાછી વળતી હતી, અમારી કાર બસની આગળ હતી. જેમાં હું અને મારા પતિદેવ સમીર ભગત સાથે નાની નણંદ સીમા હતી. હું મારા માતાપિતાનું ઘર છોડીને આવી હતી તેનું દુઃખ એક આંખમાં હજુ ઝમતું હતું અને બીજી આંખમાં ભાવિના સપના ચમકતા હતા. સમીરનો હાથ મારા હાથ ઉપર ફરતો હતો.તેમની હૂફ મને સાંત્વના આપતી હતી. કોણ જાણે શું થયું  કે પાછળ આવતી બસને સ્પીડમાં આવતી એક  ટ્રકે ટક્કર લગાવી દીધી અને એક ધડામ અવાજ સાથે બસ ખોડાઈ ગઈ. ચીસાચીસ, રાડારાડ આ બધું સાંભળતાં અમારી કાર રોકાઈ ગઈ

અમે બધું ભૂલી સીધા બસ તરફ દોડયા. હું નર્સિંગ નું ભણી હતી આથી હું મારી શરમ બધું છોડી જે ઘાયલ થયા હતા તેમની સેવામાં લાગી ગઈ. બસને પાછળથી થોડું નુકશાન થયું હતું અને પાછળ બેઠેલાઓને વાગ્યું હતું. કેટલાકને પછડાટ આવી હતી. બસ સારું હતું કે કોઈને વધારે વાગ્યું નહોતું. આથી કોઈને ઈમરજન્સી હોસ્પીટલમાં દોડવું ના પડયું, બધા બોલતા સંભળાયા ‘ચાલો શુળીનો ઘા સોઈથી સર્યો “દ્વારકાધીશ કી જય” કહેતા બસ ફરી પાછી ઉપડી  .

સમય કરતા બસ ઘરે મોડી પહોચી ,અમે ઘરમાં પ્રવેશવા ગયા ત્યાજ મોટા બા એટલે કે સમીર્રના મોટા કાકી બારણાની વાચોવચ ઉભા રહી ગયા. ઉભા રહો હવે મુહરત નથી, છેક સાંજ પછી તમને પોંખવામાં આવશે. મોટાબા હજુ તો ચાર વાગ્યા છે સાંજ સુધી અમે ક્યા બહાર રહીએ ?આમ પણ અમે થાક્યા છીએ અને હું આમ મુહરતમાં નથી માનતો.તમે બસ જલ્દી વિધિ પતાવી દો.  ” મારા પતિદેવ તેમને સમજાવતા બોલ્યા. છેવટે મોટા બા કમને અમને પોંખાવા રાજી થયા .

નવું ઘર, નવી જગ્યા અને માણસો પણ લગભગ અજાણ્યા! આ પારકા ઘરને પોતાનું કરવા હું આવી હતી.મનમાં ઉમંગ છલકાતો હતો. શરમ નીતરતી હતી સાથે પોતાનાઓને છોડ્યાનું દુઃખ પણ ઝમતું હતું. આ બધાની વચ્ચે હું શરમથી લદાયેલી ઓરડાની મધ્યમા  પલંગ ઉપર બે ઉભા પગ ને હાથોમાં સમાવી  માથું નમાવી બેઠી હ તી .

આવનારા બધા મારી સુંદરતાના વખાણ કરતા હતા, ” વહુ તો સમીર બહુ રૂપાળી લાવ્યો છે.ચાલો તમારું ઘર ઉજળું થઇ ગયું! ” આવેલા એક વૃદ્ધ માજી બોલ્યા, હા ભાભી વાત સાચી છે. રૂપાળી વહુ છે પણ હવે જોવાનું એ કે ભાગ્ય રૂપાળું લાવી છે કે નહિ?” મોટા બા બોલ્યા.

“ભાભી બધું બરાબર છે નકામી ચિંતા ના કરો, “કહી મારા સાસુ એ મારું ઉપરાણું લીધું. આમ તો બા સામે બોલવાનો હક કોઈને પણ નહતો કારણ તેમણે એકલાએ આખા ઘરને પંદર વર્ષની ઉંમરથી સાચવ્યું હતું. તેમના સાસુ નાના ચાર છોકરાઓને અને તેમના સસરાને એકલા મૂકી સ્વર્ગે સિધાવ્યા હતા .

” એ ભલે ગીતા એતો સમય આવે દેખાશે કોણ કેટલું નસીબ લઈને આવ્યું છે. હાલો હવે વાળુ કરી લઈએ, ” કહેતા બધા વિખરાયા. હું પણ બધાની સાથે મોટા ઓરડામાં જમવા બેઠી. રસોડામાં મારી નાની નણંદે ગરમ દૂઘ લેવા તપેલી હાથમાં પકડી અને કોણ જાણે હાથમાંથી તપેલી છટકી ગઈ ,તે ચીસ પાડી ઉઠી. તેની બુમ સાંભળી અમે બધા સીધા કિચનમાં દોડ્યા. ” ઓ મા રે આ શું થઈ ગયું? મારી છોકરીને આ શું થઇ ગયું ? આ ઘરને કોની નજર લાગી ગઈ છે ? આજે નર્યા અપશુકન થયા જ કરે છે! ”  મોટા બા બુમ પાડી ઉઠ્યા .

નાની નણંદ ઘરમાં બધાને બહુ વહાલી હતી. કોઈ કશું વિચારે તે પહેલા હું તરત દોડી ને કિચનની બહાર ઉગેલા કુંડામાં કુંવારપાઠુ તોડી લાવી. તેનો રસ  દાઝેલા ભાગ ઉપર નીતારી દીધો, જેના કારણે ઠંડક થવાથી તે શાંત થઇ..

હું આ બધામાં વ્યસ્ત હતી ત્યાં પાછળ થી મોટાબા નો અવાજ સંભળાતો હતો ,” હું કહેતી હતી કે વહુના પગલા બહુ સારા નથી હજુ ઘરમાં આવે તે પહેલા તો તેના પારખા બધાને થવા લાગ્યા હું તો આ સાંભળી અવાક થઇ ગઈ આંખમાં આંસુ તરી આવ્યા.

ત્યાતો બીજો ઘેરો અને મક્કમ અવાજ સંભળાયો જે મારા દર્દ ઉપર મલમ નું કામ કરી ગયો.

” મોટાબા મહેરબાની કરી આવી અફવા ન ફેલાવો. તમને આજે થતા બધા અકસ્માત દેખાય છે પણ દરેક વખતે આ નવી આવેલી વહુએ તેની સમયસુચકતા વાપરીને જે મદદ કરી છે તે નથી દેખાતી.  બસમાં થયેલી ઈજામાં પણ એણે બધાને તરત મદદ કરી હતી. આજે પણ એણે તેની બુદ્ધિથી તમારી આ દીકરીની બળતરા ઓછી કરાવી છે “

આ સાંભળતાં મને મારી નવી જીંદગીમાં એક નવો આવકારો મળ્યો.

રેખા વિનોદ પટેલ (વિનોદિની)
છબી એકસ્મરણો અનેક” – પ્રિયતમને દ્વાર (૧૦) વિજય શાહ

જયારે સુમિતના પપ્પા અને મમ્મી અહીં આવ્યા તે દિવસે વિચારોથી આર્દ્ર  મનને કારણે સવારે વહેલો ઉઠી ગયો. રેણુ તો બે દિવસથી રસોડામા અને તેમની આગતા સ્વાગતાના કાર્યોમાં સક્રિય હતી.  તેની દશાનો ચિતાર,  મનથી હરખાતી પણ અંતરમનથી દ્રવિત હતી. તેને જોઈ, ચીની પર એક નજર નાખી ત્યારના મારા મનના ભાવો આ કવિતામાં મૂર્તિમંત કર્યા.

મારા ઘરની લાડલી અલ્લડ ચંચળ પ્રેમાળ ચીની

પુખ્તતા પામી ચાલી પ્રિયતમને દ્વાર

તે ઘર મળતા ભૂલજે સર્વ ભૂતકાળ, માનજે

એક વાતનો મોટો ભાર,

પિયર અને સાસરુ બને એક સમાન

હાસ્ય, અર્પણ ને સ્વિકાર આવે જો એક સાથ.

નિજ ને ઓગાળી વેરવાના છે પુષ્પો હાસ્યના

સારુનરસુ જે છે તે તારુ સઘળુ સ્વિકારી

વહેવાનુ છે જીવન એક સાથ જેમ

સમાયે સરિતા ઉદધિ ને દ્વાર

ચીની બને ઉદાસ છોડતા પિયરવાસ પણ

હૈયે આનંદ અપાર જાતા પ્રિયતમ ને દ્વાર.

આ કવિતા જયારે ડો. બંસી મહેતા અને સુશીલા બહેને સાંભળી ત્યારે તેમને આનંદ હતો. કુલિન પુત્રવધુ મેળવવાનો.

જિંદગી જેમ ઝડપથી વહે છે, તેમ તે વિદાયના દિવસોની કલ્પનાથી પિતૃ હ્રદય આર્દ્ર રહે છે. બધા ભલે ગમે તે કહે, પણ મારે તો એક  દિકરી છે. કન્યાદાનનું કંકુ ભાલે એક જ વખત લાગે તેવી ભાવના સતત રહે છે.

જેને કારણે, ઘણી વખત પેલી પર્વતરાજા ની વિદાય વાળી વાત પણ મનમાં ઘુમરાતી રહે.

જાણે કેવી દીધી હશે વિદાય  કે પર્વતરાજાને ઘરે થી

નીકળેલી કોઇ નદી કયારેય પાછી પિયર આવી નથી.

ભારતિય સંસ્કૃતિના ઘણા સદગુણો રેણુ લઈને મારે ઘરે આવી છે.  તે જયારે મુ.કાકા (મારા સસરા, ચિનુભાઇ ગાંધી) ની વાત કરે ત્યારે એ વાત સાંભળવી ઘણી  ગમે.

તેમને છ દીકરી અને બે દીકરાનો બહોળો પરિવાર. તેમ્ણે તેમની બધી દીકરીઓ ખૂબ વહાલી.  એક વાત બહુ  ઠાવકાઇથી દરેક દીકરીઓને શીખવેલી . તે એ કે “તમારા સંસાર યા સાસરીમાં કદી માથુ નહી મારીએ. તમે તમારુ ભાગ્ય લઈ ને આવ્યા છો. સુખ મળે કે દુખ તે તમારુ ભાગ્ય.  રડતા આ ઘરના ઓટલે આવશો તો સાચી સલાહ મળશે, પણ છાવરશે કોઈ  નહી.”

તે જ વાત ચીની ને હું લગ્ન પછી સમજાવીશ, પણ કોણ જાણે કેમ એ દુખી થશે તો એ દુખના પડઘા અમને બંનેને, તેને જેટલુ દુખ પડશે તેટલુ જ વસમું લાગશે! સંવેદનાની અને લાગણી ની વાત છે. ચીનીના જન્મ વખતે શારદાબા એ સમય સુચક્તા વાપરી બંને જીવો ને પીડાતા બચાવ્યા હતા. જ્યારે નાની દિકરી આવ્યાની વધાઈ નો ફોન આવ્યો ત્યારે લક્ષ્મી માતા આવ્યા કહી હેત ની હેલી વરસાવી હતી. તે વાત આટલે વરસે યાદ આવે છે.

ખરી વાત તો તે  છે કે ચીનીના જન્મ પછી કદી પૈસાની તંગીરી પડી નથી. બાંધી આવકમાં  તેનું ઘડતર જરુર છે. દરિદ્રતા મનમાં કે વર્તનમાં કયાંય નથી . એ વાતનો અહેસાસ સુમિત ને તેણે બહુ  સલુકાઈથી કરાવ્યો. મારા બાપા ના રાજમાં તડકો છાયડો  જોયો છે. તેથી પૈસાની જ આછકલાઈ મારામાં નથી. તેની કોઈ ઘેલછા પણ નથી !

આવી રૂડી દીકરી ને ઘણી  તકલીફનો સામનો કરવો પડ્યો.  મમ્મી  કહી ને આજે પણ મમ્મીના ખોળામાં સરકી જતા અને કૃત્રિમ ગુસ્સો કરીને મમ્મી ની રીસ ને ક્ષણ વારમા હાસ્યમા ફેરવતી દીઠી છે.

સુમિત સાથે તે રંગે ચંગે મઝા કરે,  ફરે પણ તેમની વાતોમાં જો સુમિત કયાંક  બોસીઝમ કરવા જાય તો, ‘મારા પપ્પા પાસે તારે ટ્રેઈનીંગ લેવી જોઈએ’! ખબર પડે  કે પત્નીનું મહત્વ શું છે ? એક ગાડી ના બે પૈડા છીએ. કોઈ એ ઘાયલ થવાનું  નહી અને કોઈને ઘાયલ કરવાનું નહી સમજયો ?

છબી એકસ્મરણો અનેક-પ્રિયતમને દ્વાર (૧૧) પૂર્વી મોદી મલકાણ

સંભાળીને રાખો એને ખાસ અમારી આંખોમાં સમાયેલું મજાનું સ્વપ્નું છે.

ફોટો જોઈ એક અંધગૃહની યાદ આવે છે. ૧૯૮૫ માં રાજકોટના એક અંધગૃહની મુલાકાત લેવાનું થયેલું. સમય હતો જ્યારે સમજ અને સમજણ ઓછી હતી, પણ કરુણા વધુ હતી. મારા કાકીની બહેનની દીકરી સીમા અંધગૃહમાં રહેતી હતી. મુંબઈથી કાકી રાજકોટ આવતા ત્યારે તેઓ હંમેશા તેને મળવા જતાં. મળીને ઘરે આવતા ત્યારે મારી મમ્મી પાસે તેની બહેનની દીકરી શું શું કરી શકે છે તેની વિસ્તારપૂર્વક વાત કરતી. કાકીની વાતથી હું હંમેશા વિચારતી રહેતી કે અંધ હોવા છતાં સીમા કામ કેવી રીતે કરતી હશે. ઘણીવાર કાકીની વાતમાં મને અતિશયોક્તિ લાગતી. પણ તે સમયમાં મોટાઓ સાથે બહુ વાદવિવાદમાં પડવું તેવો અમારા ઘરનો નિયમ હતો જેને કારણે હું ચૂપ રહેતી. એક દિવસ કાકીની સાથે હું પણ અંધ ગૃહમાં ગઈ. તે વખતે મારુ ત્યાં જવું મારી ઉત્સુકતાનો કેવળ એક ભાગ હતો તેમ હું આજેય માનું છુ. કારણ કે કાકી પાસેથી સીમાના એટલા વખાણ સાંભળેલા કે જ્યારે કાકીએ તેની સાથે આવવાનું કહ્યું તો હું ના પાડી શકી નહીં.

અમે અંધ ગૃહમાં જઈ મુખ્ય ઓફિસમાં ગયાં. અહીં ગુલાબબેન કાટકોરિયા નામના હેડ હતાં. અમે તેમને જઈને મળ્યાં. ગુલાબબેન કાકીને તેઓ ઓળખતા હતાં તેથી તેઓ તેમની સાથે વાતોએ વળગ્યા. તેમની વાતચીત લાંબી ચાલી તેવામાં મને તરસ લાગી તેથી મે ગુલાબબહેનને પૂછ્યું પાણી પીવું છે મને મંગાવી આપશો? સાંભળી કાકી કહે પૂર્વી બહાર જા ને તરફ રસોડુ છે ત્યાં જઈને પી આવ. મે કહ્યું સારું એમ કહી હજુ ઊભી થાઉં તે પહેલા ઓફિસનો સ્વિંગ ડોર થોડો ખૂલ્યો. સામેથી એક છોકરી પાણીની ટ્રે સાથે આવી અમારી સામે ઊભી રહી. લે….

બેટા પાણી લેગુલાબબેન બોલ્યાં.

મે પાણીનો ગ્લાસ ઉઠાવી તે છોકરી સામે જોયું. તે અંધ બાળા હતી. હું કશું બોલી નહીં, પણ મારા બોલાયેલા શબ્દો મને ઘણા બધા સવાલ કરી રહેલા હતાં. જેના કોઈ જવાબ મારી પાસે હતાં. પાણી પી ને મે મારો ગ્લાસ પાછો ટ્રે માં મૂક્યો અને તે પાછળ ફરી કાકી પાસે ગઈ ને બોલી

માસી તમને પાણી?

તેની વાત સાંભળી કાકી તે છોકરીના માથા પર હાથ ફેરવતા બોલ્યાં…. હિના કેમ છે બેટા…..? ઓળખે છે મને?

હા હોં માસી તમને કેમ ના ઓળખું? સીમાની માસી એટ્લે અમારી યે માસી

હા બેટા હું તારી યે માસી છું કાકી બોલ્યાં.

કાકી પાણી પી ગ્લાસ પાછો ટ્રે માં મૂક્યો પછી પૂછ્યું બેટા સીમા ક્યાં છે? એને મોકલીશ?

હા હોં માસી થોડીવાર બેસો, હમણાં નહાવા માટે ગઈ છે થોડી વારમાં આવશે હું એને જઈને કહી દઉં છું. …….

બોલીને પાછી રૂમમાંથી બહાર જતી રહી……ને તેને જતાં હું જોઈ રહી.

સીમા આવે ત્યાં સુધી કાકી અને ગુલાબબેનની વાતું આગળ ચાલતી રહી. દરમ્યાન સામાન્ય વાતચીત સાથે અંધબાળાઑના ભવિષ્ય વિષે પણ કાકીની વાતચીત થઈ. વાતચીત કરતાં કરતાં વચ્ચે આપણે બહાર આંટો મારી આવીએ તે સાથે અમારી છોકરીઓ અહીં કેવી રીતે તૈયાર થઈ રહેલી છે તેનો પણ ખ્યાલ આવે. ગુલાબબેનની વાત સાંભળી હું અને કાકી ગુલાબબેન સાથે ઓફિસની બહાર નીકળ્યા. ચાલતાં ચાલતાં મે જોયું કે બધી બાળાઑ કોઈને કોઈ કાર્યમાં બીઝી હતી. કોઈ સાફસૂફીમાં બીઝી હતું, તો કોઈ ક્રાફ્ટ વર્ગમાં બીઝી હતું, કોઈ રસોડામાં બીઝી હતી, તો કોઈની સ્કૂલ ચાલી રહી હતી, કોઈ હસી મજાકમાં મગ્ન હતી તો કોઈ સ્પોર્ટ્સમાં હતું. ટૂંકમાં કહું તો એક અંધ ગૃહની અંદર એક અલગ વિશ્વ હતું જે પોતાના રોજિંદા કાર્યમાં લાગેલું હતું. આજે પણ તે દિવસને યાદ કરતાં હું કહીશ કે ગુલાબબહેને મને પોતાના તે અનોખા વિશ્વ સાથે મેળવી હતી જેનો અહેસાસ આજે પણ ગઇકાલ જેવો છે.

અમારું ફરવાનું ચાલુ હતું તે દરમ્યાન સીમા આવીને અમને મળી. થોડીવાર વાતચીત કર્યા પછી તે છૂટી પડી રસોડા તરફ ગઈ. ગુલાબબહેને તેને જોતાં કાકીને કહે આશાબેન અમે તમારી સીમાને એક સામાન્ય છોકરી હોય તે રીતે ઘરના કામકાજમાં હોંશિયાર કરી છે. આજે તમારી સીમા સાથે કોઈ ઘર વસાવશે તો ચોક્કસ સુખી થશે. હું જાણું છું કે શારીરિક ખોડખાંપણવાળી વ્યક્તિને તેના જેવુ પાત્ર મળતું હોય છે, પણ તેમ છતાં યે મને હંમેશા થાય છે કે એક બધી રીતે સ્વસ્થ યુવાન અને તેનો પરિવાર અમારી દીકરીઓને અપનાવે તો છોકરીઑને પોતે પણ સામાન્ય યુવતી હોવાનો આનંદ અને અહેસાસ રહે. પણ આજે એકેય પણ એવા પરિવાર નથી જે અમારી દીકરીઓને પ્રેમથી પોતાના ઘેર લઈ જાય. તે દિવસે હું ગુલાબબેનની વાત સમજી તો હતી, પણ હા એક દર્દની અનુભૂતિ ચોક્કસ હતી. એનું એક કારણ પણ હતું અને તે હતું કે મને ચશ્માના નંબર હતાં. તે સમયે મારી મમ્મી મારા નંબર કાઢવા માટે ખૂબ પ્રયત્ન કરતી……એટલા માટે કે તેની દીકરી પણ જ્યારે વયસ્ક થશે ત્યારે તેને પણ ચશ્મા સાથે કોઈ છોકરો હા નહીં પાડે બસ તે ડર થી તેથી તે જેટલા નેચરલ ઉપાયો જાણતી તે બધાનો પ્રયોગ મારી ઉપર થતો હતો.

સીમાને મળ્યા બાદ અમે ઘરે પાછા ગયાં. ઘરે જઈ મમ્મી સાથે વાતચીત કરતાં કરતાં કાકી મમ્મીને કહે કે ગુલાબબેન કહે છે કે છોકરીઓ બધી અંધ ભલે રહી પણ એમના લગ્ન કોઈ આપણાં જેવા સારા પરિવારમાં ને સ્વસ્થ પરિવારમાં થાય તો છોકરીઓ ખરા અર્થમાં સાસરે ગઈ તેમ કહેવાય. એની વાત સાંભળી મમ્મી કહે હા આશા તમારી વાત સાચી છે પણ કોઈ પોતાના દીકરાને એક અંધ છોકરી સાથે પરણાવવા તૈયાર થાય ખરું? એમ હાથે કરીને કોઈ પોતાના દીકરાના વિશ્વને અંધારમય શું કામ કરે?

આજે આટલા વર્ષો પછી પણ પ્રશ્ન અને વિશ્વ ત્યાનું ત્યાં છે. હા સમય સાથે સીમા લગ્ન પણ ચોક્કસ થઈ ગયાં, પણ ગુલાબબહેને જણાવ્યું હતું તે મુજબ કોઈ શારીરિક ત્રુટિઑ ધરાવતી વ્યક્તિ સાથે. ચિત્ર જોઉં છું ત્યારે મને અંધ આશ્રમમાં રહેલી તે બાળાઓની યાદ આવે છે જે એક સમયે લગ્ન કર્યા બાદ નવા પરિવારને પ્રેમથી અપનાવવા આતુર હતી. નવવધૂના હાથમાં રહેલું નાળીયરને પણ આશા છે કે હું તેના હાથમાં જાઉં જે મને મારા સ્વભાવ અને મારી અભિવ્યક્તિ સાથે સ્વીકારી શકે. દરવાજો ઉમ્મીદનું પ્રથમ પગથિયું છે, તે નવવધૂ તે અંધ બાળાઑ છે જે દરવાજો ખોલીને એક ઉમ્મીદની કિરણ સાથે જોઈ રહી છે કે કોઈક દિવસનો સૂરજ અમારે માટે સ્વસ્થ, અને સધ્ધર પરિવારનું માગું લઈને આવશે તો અમે પણ અમારા નવા ઘરે જઈશું એજ ભાવના સાથે કે

અંધ, અનાથ ને બિચારી બનીને રહેતી હતી આજ સુધી કે છત મળી ગઈ, મને કે નવા ઘરમાં

પૂર્વી મોદી મલકાણ યુ.એસ. purvimalkan@yahoo.com

 

← Older posts

છબી એકસ્મરણો અનેકપ્રિયતમને દ્વાર (૧૨) ધનંજય પંડ્યા

મનમોહિની

કોયલ જેવો કંઠ એનો

મધથી મધુર વાણી

વર્ષા શી ​શીતળતા એમાં

મનડુ લઇ ગઇ તાણી

પહેલા પહેલા જોઈ જ્યારે

મનડુ ગયું હરખાઈ

રૂપ ની છાલક એવી વાગી

તન મન ગયા ભીંજાઈ

વાહ વાહ ઈશ્વર ​વાહ પરમેશ્વર ​

શું સુંદરતા,પ્રભુ તારી  બલિહારી ​

સુંદરતા ના ગિરી શિખરની

પ્રભુ છબીમેં એમાંનિહાળી

​-ધનંજય પંડયા

 

આપ આજ રીતે હાજરી આપો અને આપની રચના અમને પીરસતા રહો 

 

 

છબી એકસ્મરણો અનેકપ્રિયતમને દ્વાર (૧૩પદમાંકાન

 

શણગાર સોળે સજીને ,અનેક સપનોની ગઠરી બાંધીને, શુકનવંતુ શ્રીફળ હાથમાં ધરીને કરી નિશ્ચય પ્રીતમ ઘેર જાવાનો !પણ હવે તું કેમ ઉભી? બારણે આવીને શીદ થંભી?  નાના શા ઉંબર ને ઓળંગતા તું કેમ ધ્રુજી? દિવસમાં કેટલી વાર તું ઓળંગતી,આજ તારા પગ કેમ ગયા થંભી?પિયરની વિદાય વેળા આવી, સાસરીયે જવાની વેળા આવીને પગ  મારા એમ ગયા થંભી.ભગવાનને યાદ કરું ત્યાતો મગજમાં એક ચમકારો થયો ને તેની સાથે રાધા અને ગોપીઓ યાદ આવી ગઈ

ભગવાનની સાથે નાતો જોડતી ગોપીને પણ આવો કઈ અનુભવ થયો હશે નેકારણ કેપ્રીતમની અને પ્રભુની જાતી તો આખરે નરજાતિને! ને તેની સાથે શાળામાં ભણતા એક કવિતા યાદ આવી ગઈ.શ્યામ રંગ સમીપે જવું મારે આજ થકી સહુ માં કાળાશ એતો સહુ એક સરખું સહુમાં કપટ હશે આવું? એમાય આપણે તો માણસ જાતી  તે વિચાર આવતા તેના પગ ગયા થંભી.રખેને તેનો પીયુ——

ગોપી થોડી શંકા અને થોડી અધીરાઈથી

ગોપી વનમાં પૂછે છે ઝાડ ઝાડને રે,પીપળા તે તો પ્રીતમને દીઠા ?

તારી છાયામાં પ્રભુ રાસ રમે ,ગોપી પૂછે છે ઝાડ ઝાડને રે

વડલા તે તો વાલમને દીઠા?તારી થાળીમાં પ્રીતમ પ્રભુ ભોજન કરે

તુલસી તે તો ત્રીકમને દીઠા,તારા વીના પ્રભુ થાળ ના જમે.

ગોપી વનમાં પૂછે છે ઝાડ ઝાડને રે કાંટાળી વાડ વાડને રે

ગોપી વનમાં પૂછે છે ઝાડ ઝાડને રે   આમ દ્વીધામાં કેમ?

શું તેનો પતિ એક આદરણીય પ્રેમની નજરે તેને જોશે?ઘરમાં સાસુ નણંદ માંનની નજરે જોશે?કરિયાવરમાં કઈ વધતું ઓછુ તો નહી પડેને! મારા સગા સંબંધી મારા મિત્ર વર્તુળ સાથે હું મનની મોકલાશ અનુભવીશ?વળી મારી જોબનો પણ પ્રશ્નકરી શકીશ કે નહી?અને ધર્મનો પ્રશ્ન તો ઉભો ?આવા તો અનેક પ્રશ્ન મનમાં  ઉઠતા ને પગ ગયા થંભી.

એટલામાં લાઉડ સ્પીકરમાં એક ગીત ગુંજી ઉઠ્યું, મરાઠીગીત હ્તુ,વ્હાલી દીકરીને વિદાય સાથે સાથે તેના સુખની મંગલ કામના કરતુ ગીતજા મૂલી જા તુઝા ઘરી તું સુખી રહામને યાદ અપાવી રહ્યું ને વળી પાછા મનમાં તરંગો ઉઠવા લાગ્યા ને જાવાની તાલાવેલી લાગી.ને માં તે તો મને સમજાવ્યું હતુ કે નાળીયેર છે ને તે તને જીવનમાં કેમ રહેવું તેની શિક્ષા આપે છે.પોતાની રક્ષા કાજે નાળીયેરના ઉપરના પડની જેમ સખ્ત એટલે કે મજબુત રહી મનથી શુદ્ધ અને મીઠાશ  ભર્યું રાખીશ તો જીવન હૃષ્ટ પુષ્ટ બનશે,અને જ્યાં જ્યાં નજર તારી ફરે આનંદ આનદ સઘળે વર્તાય.માં દીકરીને એક મરાઠી ગીતમાં કહે છેબગુ  નકો તું માગે માગે,લાડકે બઘ પુઢે ,મોઠ્યાચી તું સુન પાટલીન માંનાચી હ્સ્લે બીલ્વ્રર લગીન ચૂડે બઘુ નકો તું માઘે માઘેતારો લગ્ન ચૂડો હસી રહ્યો છે ને કહી રહ્યો છે તારે તો આગળ વધવાનું છે દીકરી તું પાછુ પાછુ વાળીને જોઇશ માં.મારી લાડકવાયી તું તો મોટા ઘરની વહુવારું છો પાછુ પાછુ વાળીને તું જોઇશ માં વળી મારી ભાભીના વ્હાલ ભર્યા બોલ મને આગળ વધવા પ્રેરણા કરે છે.માને  તો જેટલું કહેવાય તેટલું કહી  શકાયનેપણ મારી ભાભીનું સ્થાન મારા જીવનમાં મા કરતા  જરાય ઓછુ નથી.ભાભી તે મને જે પ્રેમની શીખ આપી છે ને તે મારા જીવનમાં અગ્રસ્થાને રહેશે. પ્રેમ વડે સારા સંસારને જીતી લઇશ.માં, તે દીધેલ સંસ્કાર મારામાં સારા વણાઈ ગયા છે

પ્રેમલ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ ,દુર નજર છો ના જાય,

દુર નજર જોવા લોભ લગીરના એક ડગલું બસ થાય,

મારે એક ડગલું બસ થાય

એક એક ડગલું ભરતા ભરતા ઉન્નતિના શિખરે હું પહોચું,

ત્યાંથી પાછી ના હું ફરું.

પદમાંકાન  

 

 

 

 

 

 

 

 

 

છબી એકસ્મરણો અનેકપ્રિયતમને દ્વાર (૧૪) ચારુશીલા વ્યાસ

સવારના સાત વાગતા જ મીનુ  સોળ શણગાર સજી હાથમાં નાની બેગ લઈ ને તૈયાર થતી,’ક્યારે મારો પ્રિયતમ આવશે ? આજથી પાચ વર્ષ પહેલા મને પ્રિયતમ  એક પાર્ટીમાં મળ્યો હતો. કનૈયા જેવા શ્યામ રંગ નો ખૂબ જ આકર્ષક હતો એ. એને  જોતા જ મારું મન મોહી પડ્યું. હું ય કઈ ઓછી રૂપાળી નહોતી !પણ એ તો મારા મનનો માણીગર હતો ‘,

સપનાનો રાજકુમાર હતો, ‘એનું નામ હતું  શ્યામ તેના કપડા પહેરવાની કળા એટલી તો સરસ હતી કે બધા તેની તરફ ખેચાતા હું પણ ખેચાઇ’

શ્યામ મારી નજીક આવ્યો.ધીરે ધીરે અમારી દોસ્તી આગળ વધી રોજ રોજ મુલાકાત થતી અમે બેઉ પ્રેમમાં પાગલ થઇ ગયા એકબીજાને પરણવા નું વચન આપ્યું, માએ પૂછ્યું “બેટા ,કેમ ખોવએલી રહે છે ? તારા જીવનમાં કોઈ આવ્યું છે ?” “મા,કેવું પૂછે છે ?” “મને કહે ,શું વાત છે ?જો , તારું માગું આવ્યું છે ઘર બહુ સારું છે તેઓ  તને જોવા માંગે છે તેથી તારે તૈયાર રહેવાનું છે” “ના ,મા મારે કોઈને નથી મળવું મારા મનમાં કોઈ છે.” બીજે દિવસે શાદીની વાત માએ કરી. તેને ઘેર આવવા આમંત્રણ આપ્યું. તે આવ્યો પાપા અને મા સાથે વાત કરી તે લગ્ન  માટે તૈયાર છે પણ તેના  મા બાપુને પૂછીને લગ્ન કરવા આવશે. અને તે બધાની રજા લઈને ગયો. તે ગયો

તે  ખૂબ દુઃખી થઇ ગઈ

માએ સમજાવી ,ભાઈએ ધીરજ આપી. કોલેજ પૂરી થઇ ,ભણવાનું પતી ગયું ન તો શામનો કાગળ આવ્યો ,ન તો કોઈ સંદેશો વિરહમાં તે ઘસાતી ગઈ પત્ર લખી લખીને ફાડી નાખતી સરનામું તો હતું નહીં. પ્રેમમાં  તે ખરેખર પાગલ બનવા લાગી ઘરના એ બધા પ્રયત્ન કરી જોયા! બીજે પરણાવવા જોર કર્યું પણ એના શ્યામ ની પ્રેમ દીવાની બની ગાયા  કરતી હતી, ‘એરી મૈ તો પ્રેમ દીવાની ,મેરા દરદ ન જાને કોય’. આજે ફરી તે સોળ શણગાર સજી ને ઘર ના દરવાજે ઉભી છે. દૂર દૂર રસ્તા પર નજર દોડાવતી ,રોજની જેમ આશા માં -એ જરૂર આવશે મને પરણી ને લઇ જાશે એ મને ખૂબ પ્રેમ કરે છે .

મા બોલી,”બેટા હવે સાંજ પડવા આવી ,ચાલ હવે અંદર આવીને જમી લે”. “મા ,મા એ જરૂર આવશે ,એ હમણાં આવશે તું જોજેને ?” મા, “હા બેટા , એ આવશે  અને તને લઇ જશે પ્રિયતમને દ્વાર” !

ચારુશીલા વ્યાસ.

 

 

 

 

છબી એકસ્મરણો અનેકપ્રિયતમને દ્વાર (૧૫) મધુરિકા શાહ

પણ આ શું?  આ છબી શું કહી રહી છે?

ગભરૂ અને ગરીબ ઘરની આ કન્યા

સજ્યાં છે આજ સોળે શણગારા

વાટ જુવે એ મનનાં માનેલાની

કોડ ઘણેરાં છે અંતરમાં

માન્યો ચે જેને જનમ જનમનો સાથી

સેવ્યાં છે સપના સોનેરી અનેક

પણ આજે તડપ છે મિલનની

તોયે હૈયું થરથર કંપે છે.ક્યાં એ “બુધ્ધુ” નીતેશ ને ક્યાં આજે અમેરિકાથી મોટો સાહેબ  બનીને આવતો નીતેશ! નેહલ બાલપણનાં એ “બુધ્ધુ” નીતેશનાં સ્મરણોમાં સરી પડી.હંસાબેનને સમણીકભાઇનો બાલપણથી તે યુવાનીમાં પગલાં માંડ્યા ત્યાં સુધી સાથ જ હોય ને વળી સમણીકભાઇને હંસાબેન  અને પ્રવિણભાઇને પ્રતિમાબેનની મિત્રતા પણ ગાઢ.સમયના વ્હેણ સાથે આ બન્ને બાળકોની મિત્રતા પાગરતી ગઇ ને પ્રેમમાં પરિણમી.અચાનક એક દિવસ નેહલને સમાચાર મળ્યાં કે નીતેશ આગળ ભણવા અમેરિકા જાય છે, ને નેહલ ખૂબજ રડી, જતા પહેલાં નીતેશ મળવા આવ્યો ને કહ્યું કે તું મારી વાટ જોજે.  લગ્ન તો હું તારી સાથે જ કરીશ.ત્યાર પછીના ચાર વર્ષમાં સંજોગો અનેક રીતે બદલાયા. પ્રતિમાબેનની માંદગી, અવસાન.હવે પ્રવીણભાઇ તો સાવ ખખડી ગયા. નેહલે નોકરી સ્વિકારી લીધી હતી.પ્રવીણભાઇએ હવે નેહલ ને નીતેશ પરણે એ આશા પણ  છોડીદીધી।પરંતુ નેહેલ હજી વાટ જોઈ રહી હતી.પ્રવીણભાઇએ રમણીકભાઇ હંસાબેનને નેહલનાં લગ્નની વાત કરી ને કોઇ સારા મૂરતીયો ખ્યાલમાં આવે તો જણાવવા કહ્યું.ત્યાં તો હંસાબેન બોલી ઉઠ્યા નીતેશ આવતી કાલે જ અમેરિકાથી આવી રહ્યો છે. રમણીકભાઇ તમારે માત્ર કંકુ કન્યા ને રુડુ રૂપાળુ શ્રીફળ સાથે તૈયાર રાખવાના  છે.શણગાર સજેલ કન્યા આશા નિરાશા વચ્ચે ઝોલાં ખાતી દ્વારે ઉભી છે વાટ નીરખતી કોડીલી કન્યા આ ચિત્ર માં દેખાય છે.ભય છે પણ મન કહે છે ….એ આવશે અને જરૂર આવશે.

શાંત દરવાજે વાટ નીરખતી

એક કન્યાને મેં જોઈ હતી,

મે એક પ્રેમિકા જોઈ હતી.

એના હાથ ની મેંહ્દી હસતી તી,

એના આંખ નુ કાજળ હસતુ તુ,

એક નાની સરખી આહટ થી આશાનું કિરણ દેખાતું હતું

મધુરિકા શાહ

 

 

 

છબી એકસ્મરણો અનેકપ્રિયતમને દ્વાર -(૧૬) કલ્પના રઘુ

સાચી વિદાય

સોળ સણગાર સજીને, નવોઢાનાં સાજ સજીને, મારા ઘરને ઉંબરે ઉભી છું, મારા પિયુની પ્રતિક્ષામાં … દિલમાં ધક્‍ ધક્‍ અવાજ સંભળાય છે. એક અવર્ણનીય આનંદ અનુભવુ છું. અને મારી જાતને હું top of the world પર હોવાની ધન્યતા અનુભવું છું. શૂન્યમાં સરી જાઉં છું. આંખ સામે ભૂતકાળ સરકતો જાય છે … અવી અને રાજ …

હું અમેરીકા ઉચ્ચ અભ્યાસ અર્થે મા-બાપ સર્વેને છોડીને ગઇ હતી જયાં મારૂં કોઇ ન હતું અને ત્યાં મારો આ પ્રિતમ … રાજ મળી ગયો હતો. અમારી મૈત્રીએ પ્રણયનું સ્વરૂપ કયારે લીધું, ખબર જ ના પડી. અમે બન્નેએ એકબીજાનાં પૂરક બનીને અમારી સ્ટૂડન્ટ લાઇફ પસાર કરી. રાજનાં મા-બાપે મને જોયા વગરજ સ્વીકારી લીધી હતી. તેમને રાજ તેમનો એકનો એક પુત્ર હોવા છતાં તેનામાં સંપૂર્ણ ભરોસો હતો. મારાં મા-બાપ રાજને સ્વીકારવા તૈયાર ન હતાં. દિકરીનાં મા-બાપને એવું હોય, સ્વાભાવિક છે. પરંતુ રાજ અને હું લગ્ન બાબતે મક્કમ હતાં કે બન્ને ઘરેથી અમને સ્વીકારે અને સહમત થાય ત્યારેજ લગ્ન કરીશું. અને … અમારૂં ભણતર પૂરૂં થયું. બન્નેનાં મા-બાપે અમને સહર્ષ સ્વીકાર્યાં. અમે બન્નેએ અમારાં લગ્ન-જીવનનાં સોનેરી સપના જોવાનાં શરૂ કર્યાં. અમે બન્ને અમારાં જન્મથી અત્યાર સુધીની એકબીજાની દરેક બાબતોથી વાકેફ હતાં. રાજની માતાએ શારીરિક તકલીફો સાથે રાજને જન્મ આપ્યો હતો. તેનાં માતા-પિતાનાં પણ પ્રેમ-લગ્ન હતાં. અનેક કઠિનાઇ સાથે સંયુક્ત પરિવારમાં રહીને તેમણે રાજનો ઉછેર કર્યો હતો. રાજનાં બા-દાદાનાં અને મોસાળ તરફનાં ધાર્મિક સંસ્કારો, હું રાજમાં જોઇ શકતી હતી. રાજ અને હું સુખી અને સમૃધ્ધ પરિવારમાંથી હતાં. અમારાં વિચારોમાં અને સપનામાં સમાનતા હતી. હા, અમારી દરેક વસ્તુમાં પ્રભુ પરીક્ષા કરતો, પરંતુ મોડા મોડા પણ અમારી દરેક ઇચ્છાઓ પૂરી થતી.

અમે બન્ને લગ્ન માટે ખૂબ ઉત્સુક હતા. અમારાં વર્ષોનું સપનુ સાકાર થવા જઇ રહ્યું હતું. લગ્નની તારીખ નક્કી થઇ ગઇ હતી. અમે બન્ને યુ. એસ. થી અહીં લગ્ન માટે આવ્યાં. બન્ને પક્ષે લગ્નની તૈયારીઓ જોર-શોરથી ચાલુ થઇ ગઇ. બસ રાજ ઘોડે ચડીને મારૂં પાણિગ્રહણ કરવાં આવી રહ્યો હશેજ. અને હું વાટ નિહાળતી રહી મારા રાજ ની …

યાદ આવ્યો આગલો દિવસ … મોસાળામાં પપ્પાએ ગાયેલું એ ગીત …

દિકરી તારૂં પાનેતર હું આજ ખરીદી લાવ્યો છું તારી મારી જુદાઇને હું મ્હોર લગાવી આવ્યો છું

પા પા પગલી ભરતી’તીને, કેવું વળગી પડતી’તી અળગી તુજને કરવાં હું, લાચાર બનીને આવ્યો છું

પાચીકાને સંતાકૂકડી, કેવું મજાનું રમતી’તી, સ્મરણોની આ કુંજગલીમાં, આંસુ પીને આવ્યો છું

તારી વાતો તારાં નખરાંથી, હું બહુ અકળાતો’તો આજે સૂની ભીંતો સાથે, માથા હું અફળાવું છું

તારી ઢીંગલીનાં લગનમાં, મન મૂકીને નાચ્યો’તો મારી ઢીંગલીનાં લગનમાં, આંસુથી હું ન્હાયો છું

આંખો સામે રમતી’તી ને આંખોથી એ ઓઝલ થઇ ડુંગરા જેવો ઉંબરો મારો, આજે એ ઓળંગી ગઇ …

દિકરી તારૂં પાનેતર હું

અને … આંખમાંથી વહી જાય છે રોકી રાખેલો અશ્રુબંધ … મને યાદ આવે છે મારું બચપન, મારી શરારતો. મોસાળમાં માનીતી અને મમ્મી-પપ્પા અને નાના ભાઇની ખૂબ લાડકી આ અવિ બસ આજે ઉંબરો ઓળંગશે અને જોતજોતામાં હું પારકી થઇ જઇશ! આ વસમી વિદાયને અવસરમાં ફેરવતાં, અશ્રુઓને રોકીને મે પપ્પાને આશ્વાસન આપ્યું હતું. પપ્પા, આ તમારી દિકરી તમારાં સંસ્કારોને દિપાવશે. હવે મારી ભાભી તમારી દિકરી બનીને રહેશે. અને હું રાજનાં માતા-પિતાની દિકરી. આ તો છે ભારતીય સંસ્કૃતિનો વારસો. રાજને હું સાચા અર્થમાં ત્યારેજ પ્રેમ કરીશ કહેવાશે જયારે હું તેના પરિવારને અપનાવીશ. રાજનાં મા-બાપે મારાં માટે કેટ કેટલાં સપના જોયા હતાં. હવેનું મારું જીવન તેમનાં ચરણોમાં રહેશે. એ ઘરનાં સંસ્કારનો વારસો મારે આગળ લઇ જવાનો છે. આજે તમારાં ઘરની લક્ષ્મી, હું મારાં હાથની છાપ તમારાં ઘરની દિવાલો પર મૂકી, રાજનાં ઘરની લક્ષ્મી થવા જઇ રહી છું. પપ્પા, અમારે બન્નેએ વિધિસર લગ્ન કરવાં હતાં, તો હવે આ તમામ વિધિઓને હું નિભાવીશ અને તમારાં કુળની લાજ રાખીશ. મમ્મી-પપ્પા તમારો મારા તરફનો પ્રેમ એ મારી મૂડી છે. તમારી છબી હું રાજનાં મા-બાપમાં જોઇશ અને એજ મારાં માટેની સાચી વિદાય હશે. તમારું ઘર હવે મારાં માટે પરાયું રહેશે … હું હવે મારાં ઘરમાં જઇ રહી છું. મને વિદાય આપજો હસતાં મોઢે. અને મારી મમ્મી અને મામી બોલી ઉઠયા, વાહ અવિ બેટા … , આજ તો અમારી તને ખરા અર્થમાં વિદાય હશે. અગ્નિનાં ફેરા બાદ વિદાય આપવી અને તને અમારી લાગણીઓમાં પકડી રાખવી એ સાચી વિદાય નથી. અમારી મમતા તને કયારેય તારી સાસરીની નહીં થવા દે. બેટા … રાજનું જે પણ કઇ છે,જે પણ સગાં વહાલા છે એ આજથી તારા થશે અને અહીં જે છે તે તારા ભાઇ-ભાભીનું છે. માત્ર, અમારાં આશીર્વાદ હમેશાં તારૂં પીઠ-બળ બનીને રહેશે. તને ગમતો આવો પ્રેમાળ પ્રેમી રાજ તને વાજતે ગાજતે લેવા આવી રહ્યો છે એનાથી રૂડુ શું હોઇ શકે? અને આજ તારી સાચી વિદાય છે. મારાં ઘરનો ઉંબરો તું સાચા અર્થમાં ઓળંગી રહી છું. તારા હાથમાં પકડેલા શ્રીફળની જેમ હંમેશાં રહેજે અને તારા સુહાગનું અને શ્વસુર પક્ષનુ રક્ષણ કરી, નામ ઉજાળજે તોજ તું સાચા અર્થમાં ગૃહલક્ષ્મી કહેવાઇશ.

અને આ અવિ  … એક નિર્મળ ભાવિની કલ્પનામાં ડૂબતી ચાલી … દૂર … દૂર … ત્યાંજ ફટાકડાની લૂમો ફૂટી અને ધૂમાડાનાં ધૂંધળાં વાતાવરણમાં વરઘોડો … મારો વર્ષોનાં સપનાનો રાજકુમાર રાજ ઘોડા પર સવાર થઇને આવી રહ્યો હતો … અને હું ઉંબરો ઓળંગી ગઇ … મેં મારાં માતા-પિતાને વિદાય આપી હતી, મારાં સુખી સંસારમાં પ્રવેશવા … પાછું વળીને જુએ એ અવિ શાની … !!!કલ્પના રઘુ

 

છબી એકસ્મરણો અનેકપ્રિયતમને દ્વાર -(૧૭) અર્ચીતા દીપક પંડ્યા

Posted on April 15, 2015 by vijayshah

દીકરી,તને કહું ……

તને હવે સરી જતા જોઉં છું અડકું ત્યાં ઓગળી જતા જોઉં છું હથેળીમાં કોઈ બરફનો ટુકડો તાદ્રશ પાણી થઇ ઓઝલ જોઉં છું મારો માળો તને ગોદમાં ઉછેરે તારી આકાશે ઉડવાની સહેલ જોઉં છું નાજુક જૂઈનો પમરાટ થઇ હવે આખા બગીચે મહેકતો જોઉં છું આંખ મારી એ ની એ જ છે લાગણીએ પણ તું બાળક જ છું નજર ઠેરવું તારી ઉપર ત્યારે તો કોઈ ઘર ની મંજરી બની છું ઝાંઝરીના બોલાશે ઉગતી વેલ તું સદ્ધર વૃક્ષની પનાહ લઇ રહી છું ! અર્ચિતા દીપક પંડ્યા

હું એક સ્ત્રી છું ,પરણી અને સાસરે આવી,ત્યારે જાણે દુનિયા બદલાઈ ગઈ .એમ થયું કે હું જાણે મોટી થઇ ગઈ,ઘણું સમજવા લાગી છું,

….પણ વખત જ સમજાવે છે જીવનના દરેક પડાવે થતી નવી અનુભૂતિ તમને નવું જ શીખવાડે છે ! પિયરમાં મારી માના પ્રેમને માણતી ,સમજતી ,લાડ કર્યા કરતી અને એના પ્રેમ -લાડ થી એટલી ટેવાયેલી હતી કે એમાં જે ઝીણવટ હતી એ માણવાનો મને ક્યારેય સમય નહોતો કે દ્રષ્ટિ નહોતી , મારો મારી માં પ્રત્યેનો પ્રેમ એટલે નરી અપેક્ષા એ હવે સમજાય છે……….. જયારે મોટી થયેલ દીકરીને સાસરે વળાવવાનો સમય થયો હૃદયના ઊંડાણથી જે અનુભવાય છે,તે સમજાવવા અસમર્થ છું. એમતો દીકરીને ભણવા પરદેશ પણ મોકલી છે પણ,હક્ક ઉઠી ગયાની અસહાયતા અનુભવાય છે.ખરેખર તો દીકરી આપીને દીકરા જેવો જમાઈ મેળવ્યો છે,

ખુબ જ સરસ ,શ્રેષ્ઠ વેવાઈ મળ્યા છે ,…પણ મનમાંથી દીકરી સાસરે જતી રહેશે એ જીવન નો મહત્વનો અને મંગળ પ્રસંગ હોવા છતાં હૈયું ચીરાય છે જરા જરા ……પણ દીકરીને દુરતાની ખોટ ન લાગે એવા ખુબ આશીર્વાદ ….