વિરાંગના સરોજ શ્રોફ

વીરાંગના સરોજ શ્રોફ – હેમાબેન પટેલ

સહિયારા સર્જન નાં લેખક હેમાબેન પટેલ નવો વાર્તાનો પ્લોટ લઈને આવી રહ્યા છે.. કથા ચરોતરનાં નાનકડા ગામમાં થી ઉદગમ પામે છે અંદાજે ૧૯૪૦ નાં વર્ષ થી  નવિન નાં જન્મથી શરુ થાય છે જે ૨૦૦૦ સુધીનાં સમયને આવરે છેમુંબઇનાં લોક જીવન ને સાંકળતી   કથા ની નાયિકા સરોજ શ્રોફ ની સુઝ અને આવડત થી જીવન સંઘર્ષમાં વિજયી બનતી  વીરાંગનાની કથા આપ સૌને ગમશે  

વિરાંગના સરોજ શ્રોફ(૧) હેમાબેન પટેલ

લીલાની આંખ આજે  સવારે ચાર વાગે ખુલી ગઈ, દિવાળી એકદમ નજીક આવી ગઈ છે, અને ઘરમાં કામ પણ ઘણા જ છે. ઉઠીને  ફાનસ સળગાવ્યુ બે હાથ જોડી ઠાકોરજીનુ સ્મરણ કર્યુ અને હાથના દર્શન કર્યા. અને ચુલો  સળગાવ્યો અને ન્હાવા માટે પાણી ગરમ કરવા માટે મુકી દીધુ. દાતણ કરી મ્હો ધોઈને , બીજા ચુલે ચ્હા બનાવવા માટે મુકી. ચ્હા પીને દરણુ દળવા માટે બેઠી. ઘરમાં બે જણા જ છે એટલે  દરરોજ જોઈએ તેટલો ઘઉ અને બાજરી દળી લેતી.

શાંતિભાઈ ઉઠ્યા એટલે, લીલાએ શાતિભાઈને પણ ચ્હા બનાવીને આપી દીધી.દળવાનુ પતાવીની પોતે નહાઇ લીધુ. શાંતિભાઈએ પણ નહાઇ લીધુ એટલે, ત્યાર બાદ લીલા નદીએ પાણી ભરવા અને કપડાં ધોવા માટે નીકળી.

શાંતિભાઈ શ્રોફ, વૈષ્ણવ વાણીયા એટલે તે પણ વ્હેલા ઉઠીને નહાઇ ધોઈને સવારે દરરોજ લીલાબેન સાથે આરતીના સમયે મંદિરમાં જતા. ગામ એકદમ નાનુ એટલે ગામમાં ઝાઝી સગવડ નથી.ગામમાં ઈલેક્ટ્રીસીટી નથી, પાણીની પાઈપલાઈન ઘર સુધી નથી અને બેન્ક પણ નથી.દર્શન કરીને લીલાબેન અને શાંતિભાઈ પાછા આવ્યા એટલે લીલાબેન રસોડામાં ગયાં ત્યા શાંતિભાઈએ બુમ મારી, “એય સાંભળે છે?”

લીલાબેન આવ્યાઅને પુછ્યુ “બોલો શુ કામ છે?”

શાંતિભાઈ— “આજે મારે સ્કુલમાં વહેલુ જવાનાનુ છે તો કંઈક ખાવાનુ આપ.”

લીલાબેન — “હા હમણા જ લઈ આવુ, અને લીલાબેન એક થાળીમાં દુધ અને બાજરાનો રોટલો મરચુ અને ખીચીયા પાપડી શેકીને લઈ આવ્યા. લીલાબેન પુછવા લાગ્યા “આજે કેમ વ્હેલા જવાનુ છે?”

શાંતિભાઈ— “આજે સ્કુલમાં મોટા સાહેબો આવવાના છે, સ્કુલમાં ઈન્સ્પેકશન છે, એટલે વ્હેલા જવાનુ છે. બપોરે જમવા પાછો આવીશ.”

શાંતિભાઈ સ્કુલમાં માસ્તરની નોકરી કરે છે, તેમના પિતા એક શેઠને ત્યાં ચોપડા લખતા, મુનિમજી હતા. એટલે દિકરાને મેટ્રિક સુધી ભણાવેલો અને તેને લીધેજ શાંતિભાઈને સ્કુલમાં નોકરી મળ હતી.શાંતિભાઈ સાદા સીધા માણસ હતા ગામમાં બધા તેમને માસ્તર સાહેબ કહી બોલાવતા.લીલાબેન પણ કામ કાજમાં કુશળ અને પ્રેમાળ અને સરલ સ્વભાવ .માતા પાસેથી ભરત-ગુથણ અને સિલાઈનુ કામ શીખ્યા હતા એટલે ભરત-ગુથણ અને સિલાઈ કરીને બે પૈસા કમાઈ લેતા, આમ શાંતિભાઈ અને લીલાબેન મધ્યમ વર્ગના હતા પરંતુ અતિ સુખી દાંપત્ય જીવન હતુ.

દિવાળીના દિવસો છે અને સર્વત્ર ખુશી આનંદ છવાએલો છે. લીલાબેનનુ ઘર નાનુ તેમાં રસોડુ,બેઠકરૂમ, એક સુવાનો ઓરડો બહાર ઓસરી અને પાછળ વરંડો. આગણામાં સુંદર મઝાનો તુલસી ક્યારો અને મોગરાનો છોડ, કે ઘરમાં દાખલ થાઓ તે પહેલા મોગરાની મહેક મન પ્રફુલ્લિત કરી દે અને તુલસી ક્યારો મન પ્રસન્ન કરી દે. વરંડામાં લીલાબેન જુદા જુદા શાકભાજી ઉગાડતાં હતાં.શાક્ભાજી વધારે ઉતરે ત્યારે પડોશીને પણ આપતા.

રવિવાર છે અને આજે રજાનો દિવસ છે, બપોરનુ ભોજન લેવા માટે બંને જણા બેઠા.આજે લીલાબેનને બેચેની લાગે છે અને ખાવાનુ મન નથી થતુ .એક રોટલી ખાઈને ઉભા થઈ ગયા. શાંતિભાઈ કહે આખો દિવસ આટલુ બધુ કામ કરે છે એટલે શુ થાય? જા આજે આખો દિવસ કંઈ કામ નથી કરવાનુ જઈને આરામ કર. લીલાબેનને એક ઉલટી પણ થઈ એટલે શાંતિભાઈ થોડા ગભરાઈ ગયા આને એકદમ ઓચિંતાનુ શુ થયુ? ક્યારેય માંદી નથી પડતી આજે શુ થયુ?

હુ વૈદને બોલાવી લાવુ છુ, કહીને શાંતિભાઈ ઘરની બહાર નીકળ્યા અને થોડી વારમાં વૈદને લઈને આવ્યા. વૈદે લીલાબેનને તપાસ્યા અને કહ્યુ ગભરાવવાની કંઈ જરૂર નથી. શાંતિભાઈ ગોળ- ધાણા વહેચવાની તૈયારી કરો તમારે ઘરે નાના માસ્તર સાહેબ આવવાના છે તમે બાપ બનવાના છો .સાંભળીને શાંતિભાઈ ખુશ થઈ ગયા અને વૈદરાજને ભેટી પડ્યા. અને વૈદને ગોળ ખવડાવીને મોઢુ મીઠુ કરાવ્યુ. લીલાબેન કહે વૈદજી બેસો હુ તમારે માટે ચ્હા બનાવુ, વૈદજીએ ના પાડી છતાં પણ લીલાબેન ન માન્યા કહે તમે તો ખુશીના ખબર આપ્યા અને આમારે ઘરે આનંદનો અવસર છે, ચ્હા પીધા વીના ન જવાય.

શાંતિભાઈ અને લીલાબેનની ખુશીનો પાર નથી, ખુશી સમાતી નથી, આખા ગામમાં ગોળધાણા વહેચ્યા.અને બાળકોને સ્કુલમાં મિઠાઈ વહેચી. આજે સવારે શાંતિભાઈ અને લીલાબેન સાથે ચ્હા પીતા હતા અને શાંતિભાઈ બોલ્યા હવે તારે પાણી ભરવાનુ, કપડાં ધોવાનુ, અને કોઈ પણ ભારે કામ નથી કરવાનુ .હુ આપણો વાળંદ છે તેને વાત કરુ છુ તેની વહુ ઘરનુ બધુ કામ કરી જશે. તુ પૈસાની ફિકર ન કરીશ ભગવાનની દયાથી આપણી પાસે પૈસાની બચત છે.મે શ્રોફની પેઢીમાં પૈસા મુકેલા છે.આવા દિવસો માટે તો મુકેલા છે તે ક્યારે કામ આવશે? તુ આરામ કર અને ભગવાનનુ નામ લે. નવરાશના સમયે રામાયણ અને ભાગવત વગેરે ધાર્મિક પુસ્તકો વાંચવાના ચાલુ કરી દે લીલાબેન સાત ચોપડી ભણેલા એટલે વાંચતા લખતાં આવડતુ હતુ.

લીલાબેનની રોજનીશી બદલાઈ ગઈ, થોડી કસરત થાય એટલે લોટ દળવાનુ કામ અને ભરત-ગુથણ અને સીવવાનુ અને રસોઈનુ કામ કરવાનુ ચાલુ રાખ્યુ. પરંતુ બીજા કામ કરવાની શાંતિભાઈએ મનાઈ કરી છે.દરરોજ સવારે મંદિર દર્શન કરવા જતા.લીલાબેનનુ ભક્તિમાં મન લાગ્યુ અને તેથી શાંતિનો અનુભવ થતો. સવારે દળવા બેસે ત્યારે નરસિહમહેતાના પ્રભાતિયા ગાય, જાગને જાદવા કૃષ્ણ ગોવાળીયા——. કાશીબેન દાયણને શાંતિભાઈએ સંદેશ મોકલ્યો હતો એટલે દર અઠવાડિયે આવીને લીલાબેનની ખબર કાઢી જતા, અને ઓસડીયા પીવડાવે. શાંતિભાઈ, વૈદજી, કાશીબેન દાયણ વગેરે લીલાબેનનુ ખાસ ધ્યાન રાખતા અને તેને લીધેજ લીલાબેનની તબીયત સારી હતી અને બાળકનો વિકાસ પણ બરાબર હતો. લીલાબેનનુ રૂપ પણ ખીલી ઉઠ્યુ છે.

દિવસો અને મહિના વીત્યા અને આખરે જેની રાહ જોવાતી હતી તે ઘડી આવી ગઈ, રાત્રે લીલાબેનને થોડો દુખાવો ચાલુ થયો, એટલે શાંતિભાઈએ કાશીબેનને રાત્રે જ બોલાવી લીધા અને વાળંદની વહુને પણ બોલાવી લીધી અને બંને ત્યાંજ સુઈ ગયા. વહેલી સવારે લીલાબેનને વધારે દુખાવો થયો અને પ્રસવપીડા વધી એટલે કાશીબેને લીલાબેનની પ્રસુતિ કરાવી અને એક સુન્દર બાળ ગોપાળ લીલાબેનના હાથમાં મુક્યો. પ્રાથમિક વિધી પતી એટલે શાંતિભાઈને પણ પુત્ર જન્મની વધામણી આપી .શાંતિભાઈએ તરત જ પોતાના ગળાની સોનાની ચેન કાશીબેનના હાથમાં  મુકી અને કાશીબેનનો આભાર માન્યો.અને વાળંદની વહુને સોનાની વીટી આપી. બીજે દિવસે આખા  ગામમાં ખબર ફેલાયા અને આખુ ગામ માસ્તર સાહેબને વધાઈ આપવા માટે ઢોલ નગારા સાથે ઉમટી  પડ્યુ .બધા જોર શોરથી ગાવા લાગ્યા માસ્તર ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી .શાંતિભાઈએ બધાને  ગોળધાણા અને પતાસા વહેચ્યા. લોકો ખુશી ખુશી ઘરે ગયા.

બાળકને ઝુલાવીને નામ કરણવીધી આવી તેને પણ બંને  જણાએ આનંદ ઉલ્હાસથી સંપન્ન કરી, ગામના ગોરમહારાજને બોલાવ્યા અને વિધી સાથે બાળકને નામ  અપાયુ નવીન. માતા પિતાને તો બાળક આવ્યુ એટલે નવુ જીવન મળ્યુ હતુ એટલા માટે નવજોત શીશુનુ  નામ નવીન રાખવામાં આવ્યુ.નવીન ધીમે ધીમે મોટો થવા લાગ્યો .તે પણ માતા પિતાની જેમ શાંત,  સરલ અને સમજદાર હતો. છ વર્ષનો થયો એટલે સ્કુલમાં મુક્યો .નવીન ભણવામાં હોશિયાર .મેટ્રિક  સુધી ભણ્યો એટલે મેટ્રિક પાસ થયા પછી તેને કોલેજના અભ્યાસ માટે વલ્લભવિદ્યાનગરની કોમર્સ  કોલેજમાં એડમીશન લીધુ. લીલાબેન દિકરાને તેમનાથી દુર મોકલવા માટે તૈયાર ન હતા. લીલાબેન  શાંતિભાઈને કહે આપણા દિકરાને દુર મોકલવાની શુ જરૂર છે? શાંતિભાઈ—જો લીલા આપણા સ્વાર્થ  ખાતર આપણે આપણા દિકરાની પ્રગતિ ન રોકી શકીએ .એ ભણશે તો તેનુ જીવન સુખી થશે આપણે તો  શુ, આજે છીએ અને કાલે નથી દિકરાએ તેનુ જીવન જાતે જીવવાનુ છે. જમાનો બદલાઈ રહ્યો છે. આપણાથી તેના જીવનમાં અવરોધ ન બનાય, આપણે તેનુ જીવન ઉજ્વળ બને તેના માટે પ્રોત્સાહન આપવાનુ, ત્યારે તુ પુત્ર મોહમાં રડવા બેઠી છે. દિકરો દુર જાય છે તો શુ મને દુખ નથી થતુ પરંતુ સંતાનોના ઉજળા ભવિષ્ય માટે મા-બાપે દિલ પર પત્થર મુકવો પડે છે.શાંતિભાઈએ લીલાબેનને સમજાવ્યા ત્યારે લીલાબેન નવીનને બહાર ભણવા મુકવા માટે તૈયાર થયા.

નવીનના  ફોઈ આણદ રહેતા હતા તેમને ઘરે રહીને ભણવાનુ નક્કી કર્યુ. નવીને કોલેજનો અભ્યાસ ચાલુ કર્યો,સાઈકલ લઈને દરરોજ કોલેજ જાય .ઘણા ખરા છોકરા છોકરીઓ  સાઈક્લ લઈને જ કોલેજ આવતા તો કોઈ વળી બસમાં આવતા  અને દુર બીજા શહેરના છોકરા છોકરીઓ હોસ્ટેલમાં રહીને ભણતાં. નવીન બીકોમના છેલ્લા વર્ષમાં આવ્યો. નવીનના મીનાફોઈની બાજુની કોલોનીમાં એક ફેમિલી હતુ તેમાં સરોજ કરીને છોકરી રહેતી હતી અને તે પણ વિદ્યાનગર સાઈક્લ પર કોલેજ આવતી જતી.સામે મળે ત્યારે નવીન અને સરોજને વાત થતી અને એક દિવસ સરોજે નવીનને પુછ્યુ મને એકાઉન્ટમાં થોડી તકલીફ છે તમારે ઘરે આવુ સમજાવશો?

નવીન – હા કેમ  નહી, આજે સાંજે કોલેજથી આવ્યા પછી હુ ઘરે જ છુ, સાંજના ગમે ત્યારે આવો.

સરોજ—હુ આવીશ  તો તમારા ફોઈ અને ઘરમાં બધાને વાંધો નથી ને? આવતાં મને શરમ આવે છે.

નવીન—ભણવા માટે  શરમની ક્યાં વાત છે. મારા ફોઈ અને ઘરમાં બધાજ પ્રેમાળ છે. તમે આવશો તે માટે કોઈને વાંધો  નહી આવે. અને કોલેજથી આવ્યા પછીથી સરોજ શરમાતી નવીનના મીનાફોઈને ઘરે આવી. ઘરના બધાએ  તેને આવકાર આપ્યો અને ફોઈએ કહ્યુ બેટા હુ તને દરરોજ આવતા જતાં જોઉ છુ .ક્યાં રહે છે?

સરોજ—ફોઈ હુ  બાજુની કોલોનીમાં જ રહુ છુ.

મીના (મનમાં વિચારે  છે આહાં ફોઈ!!! કેમ માસી નહી? બહુ હોશિયાર)

મીના—બેટા તમે  કઈ જ્ઞાતિના છો?

સરોજ—ફોઈ અમે  વૈષ્ણવ વાણીયા છીએ, સરોજશ્રોફ. ફોઈ તો સાંભળીને ખુશ થઈ ગયા અને તેમના મનમાં બીજી ગણતરી  શરુ થઈ ગઈ. અને આમ અવારનવાર સરોજ તેની ભણવામાં જે તકલીફ હોય તેના માટે નવીનને ઘરે અવાર  નવાર આવતી જતી. અને કોલેજ પણ લગભગ સાથે જ જતાં અને આ થોડી ઓળખાણ દોસ્તીમાં બદલાઈ ગઈ  અને બંને એક બીજાથી એકદમ નજીક આવવા લાગ્યા. આ દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ તે ખબર ન પડી. બંને એક બીજાને પ્રેમ કરે છે પરંતુ તેનો એકરાર બેમાંથી એક પણ નથી કરતુ. કોણ પહેલ કરે અને કેવી રીતે કરે.

કોમર્સ કોલેજનો વાર્ષિક ઉત્સવ આવ્યો અને  તેમાં નવીને ગીત ગાવા માટે ભાગ લીધો અને તેણે સમારંભમાં મીનાની સામે પ્યાસી આંખે જોઈને  ગીત ગાયુ,અને જાણે ઉત્તરની રાહ જોતો તેની સામે ટીકીને જોઈ રહ્યો.

“ ह्मे तुमसे प्यार कीतना ये तुम नही जानते, मगर  जी नही सकते तुम्हारे बीना….”

સરોજની  શરમથી   આંખો ઝુકી ગઈ અને નત મસ્તક બની  ઘરે પાછા જતાં વાત કરવા લાગી.

સરોજ—આટલી વાત  કરવામાં હુજુરે આટલો બધો સમય લગાડ્યો ?

નવીન—સરોજ મે  મારા દિલની વાત તને કરી હુ તારો જવાબ જાણવા માગુ છુ.તું મને પ્રેમ કરે છે ?

સરોજ— હા હું  તને બહુજ  પ્રેમ કરુ છુ.

આજે નવીન અને સરોજ જાણે  આસમાનમાં ઉડી રહ્યા હોય એવુ લાગ્યુ. દિલમાં ખુશી સમાતી નથી. કેટલાય સમયથી દિલમાં દબાવી  રાખેલી વાત આજે હોઠો પર આવી . ઘરે આવ્યા પણ બંનેની ઉઘ ઉડી ગઈ આંખમાં આજે ઉઘ નથી, સ્વપ્નની  દુનિયામાં રાચવા લાગ્યા. એક બીજા વિના હવે રહેવાનુ મુશ્કેલ છે. બીજે દિવસે કોલેજથી  સીધા આજે બગીચામાં  ગયા અને એક ઝાડ નીચે બેઠા.સરોજ  બહુજ સુંદર દેખાવડી છે એટલે નવીનની નજર સરોજના ચહેરા પરથી હટતી નથી.

નવીન—સરોજ મારા  દિલમાં એક વાત છે, આપણી વાર્ષિક પરીક્ષા પુરી થાય એટલે આપણે લગ્ન કરી લઈએ. તું તૈયાર  છે ?

સરોજ—હા કેમ નહી?  હુ તારી સાથે જનમ-જનમના બંધનથી બંધાવા માટે તૈયાર છુ. પરંતુ આપણામા-બાપને કોણ  વાત કરશે ?

નવીન—તે મારા  પર છોડી દે હુ ફોઈને વાત કરીશ. મને ચોક્ક્સ ખાત્રી છે ફોઈ ના નહી પાડે હુ જાણુ છુ ફોઈ પણ તને પસંદ કરે છે. ફોઈ મારા માતા પિતાને સમજાવશે.

રાત્રે બધા સાથે જમવા બેઠા એટલે ફોઈએ વાત ચલાવી, ફોઈએ નવીનને સીધીજ વાત કરી અને પુછ્યુ નવીન તને સરોજ પસંદ છે ? તે બહુજ સારી અને સંસ્કારી  છોકરી છે , મારી ઈચ્છા છે તારા અને સરોજના લગ્ન કરાવીએ .નવીન વિચારવા લાગ્યો સારુ થયુ  મારે વાત કરવી જ ન પડી,ફોઈએ સામેથી જ મને પુછ્યુ.

નવીન—ફોઈ તમારી  પસંદ તે મારી પસંદ.

ફોઈ—તને પસંદ  હોય તો હુ શાંતિભાઈ અને લીલાભાભીને વાત કરુ.

નવીન—ફોઈ મને  તો સરોજ પસંદ છે એટલે આગળ તમને જે ઠીક લાગે તેમ કરો.

નવીનની મરજી જાણી  લીધી એટલે ફોઈએ પત્ર લખીને શાંતિભાઈ અને લીલાબેનને છોકરી જોવા માટે બોલાવી લીધા.

શાંતિભાઈ અને લીલાબેન રવિવારની રજા હોય એટલે  શનિવારે આણંદ આવી ગયા.મીના—ભાઈ-ભાભી જોવો સરોજ, છોકરી બહુ સંસ્કારી છે ,અને આપણી નાતની  જ છે તેના માતા-પિતા પણ સારા છે, કુળ પણ સારુ છે. એટલે નવીનના સરોજ સાથે લગ્ન કરવામાં  કોઈ વાંધો નથી.અને બીજે દિવસે સરોજના માતા-પિતા સરોજને લઈને આવ્યા બંને પરિવાર એક બીજાને  મળ્યા .એક બીજાને બધુ અનુકુળ હતુ એટલે સાકર અને રૂપિયા આપવાનુ શુકનનું કામ પણ કરી લીધુ  અને પંડિતને બોલાવીને બંનેની પરીક્ષા પુરી થાય પછી લગ્ન લેવાના નક્કી કરીને મહુર્ત  જોવડાવ્યુ. લગ્નની તારીખ પણ કઢાવી લીધી અને શાંતિભાઈ અને લીલાબેન તેમને ગામ પાછા આવ્યા.

લીલાબેન—જોત જોતામાં  આપણો નવીન મોટો થઈ ગયો  સમય ક્યાં વીત્યો ખબર ન પડી હજુ કાલે તો જાણે તે ભાગે છે અને હુ તેને પકડવા તેની પાછળ દોડુ છુ ,મારો નટખટ કાનુડો ક્યારે મોટો થયો એ ખબર ન પડી અને હવે રુમઝુમ પગલે ઘરમાં વહુ આવશે.

શાંતિભાઈ—તુ સાચુ  કહે છે, નવીન ક્યારે મોટો થઈ ગયો ખબર ન પડી આપણો છોકરો ડાહ્યો છે અને પાછો સમજ્દાર  ખરેખર લીલા આપણે  ભાગ્યશાળી છીએ. વહુ પણ ગુણીયલ  અને સુંદર છે. જીવનમાં બીજુ શુ વધારે હોઈએ ?છોકરો સુખી તો આપણે સુખી ,છોકરાના સુખમાં  આપણુ સુખ.

સરોજ—નવીન આપણી  વાર્ષિક પરીક્ષા નજીક છે ,એટલે હરવા ફરવાનુ બંધ અને વાંચવામાં બરાબર ધ્યાન રાખવાનુ  છે એટલે આપણે બંને પાસ થઈ જઈએ એટલે ચિંતા નહી પછી આખી જીંદગી આપણે ફરવાનુ જ છે.

નવીન –હા મેમસાબ આપનો હુકુમ સર આંખો પર. સરોજ તું  કહેશે એમ થશે બસ.સરોજ અને નવીન પરીક્ષાની તૈયારીમાં પડી ગયાં અને મહેનત કરી બંને પાસ પણ  થઈ ગયા.

હવે વેકેશન આવ્યુ એટલે બંનેના લગ્ન લેવાયા.  સરોજ અને નવીન  સાત ફેરા લઈને જન્મો જન્મના બંધનમાં બંધાઈ  ગયાં . ગામ આખું ઉમટ્યું સરોજને  જોવા માટે,  સરોજને જોઈને વાતો કરવા લાગ્યા વહુ તો સાક્ષાત લક્ષ્મી છે. લીલાબેનને સાંભળીને આનંદ થયો. સરોજ અને નવીનને લઈને લીલાબેન મંદિર ગયાં અને નવદંપતિને ભગવાનના આશિર્વાદ લેવડાવ્યા. સરોજ બીજે જ દિવસથી લીલાબેનને કામમાં મદદ કરવા માટે તૈયાર થઈ તો લીલાબેને તેને પાછી મોકલી બેટા તારા હાથની મહેંદીનો રંગ પણ નથી ઉતર્યો તારે કંઈ પણ કામ નથી કરવાનુ. જા બેટા નવીન સાથે બેસો.લીલાબેનની મમતા જોઈને સરોજ વિચારવા લાગી હુ ભાગ્યશાળી છુ મને સાસુ-સસરાના રૂપમાં બીજાં માતા-પિતા મળ્યા જેઓ મને દિકરીની જેમ વ્હાલ કરે છે.દિવસો વીતતા ગયા અને દુધમાં સાકળ ભળી જાય તેમ સરોજ નવીનના પરિવારમાં ભળી ગઈ. તે લીલાબેનને કોઈ કામ કરવા નથી દેતી પોતે જ ઘરના કામ કાજનો ભાર ઉપાડી લીધો.સરોજ બા-બાપુજીની પ્રેમથી સેવા કરે છે.શાંતિભાઈ અને લીલાબેન આવી ગુણીયલ વહુ પામીને એકદમ ખુશ છે અને તેમના દિલમાં શાંતિ છે.

ગામ નાનુ છે એટલે જોઈએ તેટલી સુખ સુવિધાઓ નથી.નવીન  વિચારે છે આમ હાથ પર હાથ ધરીને મારાથી બેસી ન રહેવાય મારે પણ હવે નોકરી સોધી કાઢવી  જોઈએ.

નવીન—સરોજ હુ  વિચારુ છુ, હુ હવે એક નોકરી શોધી કાઢુ જેથી મારા પિતાજીને પણ નિવૃતિ મળે.

સરોજ—હા પરંતુ  આ નાના ગામમાં તમને ક્યાં નોકરી મળશે ?

નવીન—હા એટલેજ  વિચારુ છુ, હુ મુંબઈ જાઉ અને ત્યાં આગળ નોકરી માટે પ્રયત્ન કરી જોઉ.

સરોજ- વિચાર તો  સારો છે, પરંતુ બા-બાપુજી માનશે?

નવીન—મારા બા-બાપુજીને  હુ જાણુ છુ તેઓ ક્યારેય મને ના નહી પાડે.

બીજે દિવસે બપોરે શાંતિભાઈ અને નવીન સાથે જમવા  બેઠા ત્યારે તેણે બા-બાપુજીને વાત કરી બાપુજી હુ નોકરી કરવા માગુ છુ.મને ખબર છે આપણા  ગામમાં મને નોકરી નહી મળે એટલે હુ મુંબઈ જઈને નોકરીની તપાસ કરવા માગુ છુ. બાપુજી તરજ  બોલી ઉઠ્યા બેટા નોકરી કરુ એતો સારી વાત છે ,પરંતુ તેના માટે આટલુ દુર શુ કામ જવાનુ? નજીકના શહેરમાં ક્યાંય શોધી શકે છે.

લીલાબેન—ના  બેટા હવે હુ તને મારી આંખો આગળથી દુર નહી કરૂ.મારે એકતો દિકરો છે, અમારે બીજુ કોણ છે?  બેટા તમારા બે વીના અમે નહી જીવી શકીએ.

નવીન—બા મને નોકરી  મળશે એટલે હુ રહેવાની જગ્યા લઈ લઈશ પછી બધાને મુંબઈ બોલાવી લઈશ.

શાંતિભાઈ—ભલે  બેટા તને જેમ ઠીક લાગે તેમ કર. તારી પ્રગતિ થાય એમાં હુ રાજી છુ.

પહેલા નવીન એકલાયેજ જવાનુ હતુ ,એ વિચારીને સરોજ  ઉદાસ થઈ ગઈ હુ નવીન વિના કેવી રીતે જીવી શકીશ. લીલાબેન પણ વિચારવા લાગ્યા દિકરા અને  વહુ વિના હુ કેવી રીતે જીવીશ. છતાં બીજો કોઈ રસ્તો પણ હતો નહી.નવીનને પણ બધાને છોડીને  જવાનુ પસંદ નથી, બીજો કોઈ ઉપાય પણ નથી. ઘરમાં વાતાવરણ થોડુ ગમગીન બની ગયુ એટલે લીલાબેને  નવીનને બોલાવ્યો અને કહ્યુ બેટા વહુ ઘરમાં આવી પછીથી તમે ક્યાંય બહાર ફરવા નથી ગયા  તો તેને કશે બહાર લઈ જા.નવીન કહે ભલે બા. અને નવીને સરોજ સાથે વડોદરા સિનેમા જોવા જવાનો  પ્રોગ્રામ બનાવ્યો.અને બીજે દિવસે વહેલા સવારની બસમાં, વડોદરા જવા માટે નવીન અને સરોજ  નીકળ્યા. ઘણા વખત પછીથી બંને જણા એકલા બહાર નીકળ્યા.સરોજના દિલનો ભાર પણ હળવો થયો.  આખો દિવસ વડોદરામાં ફર્યા,લોજમાં જમ્યા અને સિનેમા જોઈને રાતે ઘરે પાછા ફર્યા.

બે અઠવાડીયા વીતી ગયા એટલે નવીને બા-બાપુજીની  આજ્ઞા માગી ,બા હવે હુ મુમ્બઈ જાઉ ? શાંતિભાઈએ રજા આપી એટલે ચારેવ જણાએ દિલ પર પત્થર  મુક્યો અને મુમ્બઈ જવા માટે આણંદ જઈને બે અઠવાડિયા પછીનુ બુકીન્ગ કરાવ્યુ.પંદર દિવસ  સુધી સાથે મળીને હશી ખુશીથી બધાએ રહેવાનુ છે.પછીથી જુદાઈ છે અને વિરહ વેદના સહેવાની  ઘડી નજીક છે.સરોજ તો વિચાર માત્રથી ધ્રુજી જાય છે. તો બા-બાપુજીની શુ હાલત થશે?

લીલાબેનના  મનમાં એક ઉમંગ જાગે છે અને શાંતિભાઈને પુછે છે,

લીલાબેન—મારી  ઈચ્છા છે ઘરમાં સતસંગ કરાવવો છે ,તો પહેલાં સત્યનારાયણની પુજા કરાવીએ અને પછીથી ભજન  . તમારો શુ અભિપ્રાય છે?

શાંતિભાઈ—બહુજ  સુંદર વિચારો છે તારા, હુ આપણા ગોરમહારાજને વાત કરુ છુ અને મંદિરના ભજન મંડળને પણ  વાત કરૂ છુ, શાંતિભાઈએ બધીજ વ્યવસ્થા કરી દીધી અને રવિવારના દિવસે સતસંગ ગોઠવ્યો. સરોજે  આજે સોળ શણગાર સજ્યા, બહુજ સુન્દર દેખાય છે.પતિ-પત્નિ આજે સત્યનારાયણની પૂજા કરવા માટે  બેઠા.સરોજ અને નવીને સાચા દિલથી ભગવાનની પૂજા કરી અને ઉજ્વળ ભવિષ્ય માટે પ્રાર્થના  કરી. પૂજા પછીથી સતસંગ ચાલુ થયો. નવીન અને સરોજ સારુ ગાઈ શકતા હતા એટલે તે બંનેએ પણ  એક એક ભજન ગાયુ.આખો પ્રસંગ ઘણોજ સુન્દર ભક્તિભાવ સાથે સંપુર્ણ થયો.

હવે નવીનને મુંબઈ જવાનો દિવસ આવી ગયો . બધા સવારની  બસમાં આણંદ જવા માટે નીકળ્યા. મીનાફોઈને ઘરે આવ્યા અને રાત્રે મુમ્બઈ જવાની ટિકિટ છે.  રાત્રે આખુ ઘર નવીનને વિદાય આપવા માટે સ્ટેશન જાય છે.

નવીન—સરોજ મને  હસતાં હસતાં વિદાય આપજે જરા પણ આંસુ નહી, તારી આંખોમાં હુ આશાનુ કિરણ જોવા માગુ છુ,આંસુ  નહી. બા-બાપુજીને અને ફોઈ-ફુઆને પગે લાગીને નવીન ટ્રેનમાં બેઠો, સરોજે આંસુ પલકો નીચે  છુપાવીને હોઠ પર મુશ્કરાહટ લાવીને નવીનને મુમ્બઈ જવા માટે હસતે મોઢે વિદાય આપી.

 

વિરાંગના સરોજ શ્રોફ હેમાબેન પટેલ

સરોજના માતા પિતાએ બધાનુ જમવાનુ પોતાને ઘરે રાખ્યુ હતુ, એટલે નવીનના માતા પિતા ફોઈ ફુઆ વગેરે સરોજના માતા પિતાને ઘરે જમવા માટે ભેગા થયા. સરોજ અને તેના સાસુ સસરા આજે ઉદાસ હતા.નવીનની ગેરહાજરી એ દુખી કરી મુક્યા છે.પરંતુ જમવાનુ આમંત્રણ છે એટલે તેને પણ ન્યાય આપવો પડે.સરોજના લગ્ન પછીથી પહેલી વખત સાસરી વાળાને જમવા બોલાવ્યા છે એટલે ભેટ સોગાદ આપવાની વિધિ પતાવીને સરોજના માતા પિતાએ વેવાઈને વિનંતિ કરી.

સરોજના પિતા—“આપને જો વાંધો ન હોય તો સરોજને દશ પંદર દિવસ અહિયા રોકાવા દેશો ? પછીથી અમે તેને ત્યાં મુકી જઈશુ.”

નવીનના પિતા—“હા, કેમ નહી સરોજને જેટલા દિવસ રહેવાની ઈચ્છા હોય તેટલુ રહે અમને કોઈ વાંધો નથી અહિયાં થોડા દિવસ રહેશે તો વાતાવરણ બદલાશે, એટલે તેનુ મન પણ હલકુ થશે.”

સરોજનુ માતા પિતાને ઘરે પંદર દિવસ રહેવાનુ નક્કી થયુ, અને નવીનના માતા પિતાને પાછા ગામ જતાં  સરોજે કહ્યુ, બા બાપુજી તમને કોઈ પણ કામ હોય તો જણાવશો હુ તરત જ આવી જઈશ, તમારી તબીયત સાચવજો.નવીન અને મારી ચિંતા જરાય ન કરશો.અને નવીનના માતા પિતા તેમને ગામ પાછા ફર્યા. સરોજે હસતે મોઢે નવીનને વિદાય આપી પરંતુ અંદરથી તેનુ દિલ રોયા કરે છે, ઉદાસ છે.તેના ભાઈ અને બેન તેમજ માતા પિતા તેને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે. વાતોમાં, તો પત્તાની ગેમ રમે, તો કોઈ વખત સિનેમા જોવા જવાનો પ્રોગ્રામ બનાવે. સરોજ નવીનના ફોઈને ઘરે પણ દરરોજ જતી. રાત્રે સુવા માટે ગઈ તો તેને વિચાર આવ્યો મારી પાસે નવીનનુ સરનામુ આવે પછીથી તેને પત્ર લખુ. એટલે હવે નવીનના મુંબઈના સરનામાની રાહ જોઈને બેઠી છે.

નવીન મુંબઈ આવીને એક અઠવાડિયુ તેના મિત્ર વીપીનને ઘરે રહ્યો પછીથી તેના માસી મલાડમાં રહેતા હતા ત્યાં તેમને ઘરે રહેવા માટે ગયો. નોકરીની તપાસ ચાલુ કરી તેનો મિત્ર વીપીન તેને મદદ કરે છે. નવીનનુ રહેવાનુ સ્થાઈ થયુ એટલે વિચાર્યુ, હવે મારે સરોજને જાણ કરવી જોઈએ .નવીને ફોઈને પત્ર લખ્યો અને પોતાનુ સરનામુ મોકલાવ્યુ અને લખ્યુ સરોજને પણ સરનામુ પહોચાડજો. ફોઈને પત્ર મળ્યો એટલે ફોઈએ સરોજને નવીનનુ મુંબઈનુ સરનામુ આપી દીધુ. મુંબઈનુ સરનામુ હાથમાં આવતાંજ સરોજની ખુશીનો પાર નથી.બીજે દિવસે સરોજ પત્ર લખવા માટે બેઠી.

પ્રાણ પ્યારા નાથ,

જલ વીના મછલી, ચંદ્ર વીના તડપે રજની.

તડપું રાત દિન હુ પીયા તારા વીના.

હ્રદયમાં છબી નીરખુ તારી,

તુજ વીના ઉદાસ.નયન પ્યાસા,

હ્રદય પ્યાસું,પ્યાસું મારુ મન.

જોઈશ રાહ હુ,મોકલજો શુભ સંદેશ વ્હેલા.

મારે તો સંગ સારો પરિવાર, તમે એકલા,

જઝુમતા ન કરશો ફીકર અમારી.

અમે સૌ કુશલ મંગલ,ચાહુ કુશલ મંગલ તમારા.

તા.ક.- એક અઠવાડિયુ મારા માતા-પિતાને ઘરે રહીને આપણે ઘરે પાછી જવાની છુ.

લીખીતન.

ચાતક સમાન તમારી સરોજ.

સરોજે પત્ર પોષ્ટ કરી દીધો.અને હવે બસ રાહ જોવાની છે તેના જવાબની.

અહિયાં મુંબઈમાં માસી અને નવીન સરોજ માટે ચિંતીત છે.

નવીનના માસી—“બેટા સરોજને હવે મુંબઈ બોલાવી લે.”

નવીન—“ના માસી હમણાં નહી, અને આપણને જગ્યાની પણ સંકડાસ પડશે.”

માસી—“બેટા આપણે સાંકડે માંકડે સમાઈ  જઈશુ તુ તેને બોલાવી લે.ઃ

નવીન—“ના માસી.મારી નોકરી મળે અને હુ પગ પર બરાબર ઉભો રહુ, ત્યાર બાદ જગ્યા લઈ લઈશ પછીથી સરોજને મુંબઈ બોલાવી લઈશ.”

માસી—“ભલે બેટા મને તો તમારા બંનેની ચિંતા થાય છે એટલ જ કહુ છુ.બેટા માસી  એતો મા સમાન છે.

એટલે માસીના નાના ઘરમાં રહેવામાં કોઈ વાંધો નહી.”

માસા—“હા નવીન, તારી માસી સાચુ કહે છે તુ સરોજને મુંબઈ બોલાવી લે.”

નવીન—“માસી તમારા બંનેનો પ્રેમ મને મારા બા-બાપુજીની કમી પુરી કરે છે.છતાં પણ હુ એ મતનો છુ કે હુ બરાબર કમાતો થઈશ પછીથી સરોજને મુંબઈ બોલાવીશ.”

માસા અને માસી – “ભલે બેટા તારી ઈચ્છા થાય ત્યારે બોલાવજે. નહીતો મારુ ઘર તમારા માટે સદાય ખુલ્લુ છે.”

નવીન દરરોજ સવારથી નોકરીની શોધમાં નીકળી જતો અને જુદી જ્ગ્યાઓએ અરજી કરે છે.કોઈ જગ્યાએ નોકરીનુ ઠેકાણુ નથી પડતુ .આજે સાંજના તેનો મિત્ર વીપીન મળ્યો ,નવીને વાત કરી મને ક્યાંય બરાબર જોઈએ એવી નોકરી નથી મળતી.વીપીન કહે નવીન તુ જરાય ચિંતા ન કરીશ મારી બેન્કમાં એક અરજી કરીને પ્રયત્ન કરી જોઈએ. બીજે દિવસે નવીન નીકળ્યો અને શાન્તાક્રુઝમાં યુ.કો. બેન્કમાં અરજી કરી અને વીપીન તે બેન્કમાં જ કામ કરતો હતો એટલે બે દિવસમાં ઈન્ટરવ્યુ માટે બોલાવ્યો.

માસી—“બેટા નવીન તારી નોકરીનુ શુ થયુ ? જલ્દી ના મળે તો ચિંતા ન કરીશ આજે નહીતો કાલે મળીજ  રહેશે.”

નવીન—“માસી મે યુ.કો.બેન્કમાં અરજી કરી હતી અને મને બે દિવસ પછીથી ઈન્ટરવ્યુ માટે બોલાવ્યો છે.” માસી—“બહુજ સરસ બેટા ઠાકોરજી બધુ સારુ જ કરશે. તને નોકરી ચોક્ક્સ મળીજ રહેશે.તને નોકરી મળીજશે પછી હુ ઠાકોરજીને થાળ ધરાવીશ. આપણે પછીથી સરોજને પણ જણાવી દઈશુ.માસીને પણ નવીન માટે બહુ પ્રેમ છે.અને એટલા માટેજ તેમને ચિંતા થાય છે.”

નવીન ઈન્ટરવ્યુને દિવસે વહેલા ઉઠીને તૈયાર થઈ ગયો અને સવારે જવા માટે નીકળતાં પહેલાં ઠાકોરજીનાં દર્શન કર્યા અને માસા-માસીને પગે લાગી આશીર્વાદ લીધા અને માસીએ નવીનને દહી સાકર ખવડાવીને કહ્યુ બેટા બધુ સારુ થશે, નોકરી ચોક્ક્સ મળશે .અને નવીન નીકળ્યો. મલાડથી શાન્તાક્રુઝ જવા માટે ટ્રેન પકડી અને જે સમય આપ્યો હતો તે સમયે બરાબર પહોચી ગયો.

વીપીન—“ગુડ લક દોસ્ત. જરાય ગભરાયા વીના ઈન્ટરવ્યુ આપજે.”

નવીન—“તારો ઘણો ઘણો આભાર દોસ્ત, તુ છે એટલે મને હિમ્મત આવે છે.”

નવીન કેબીનમાં ગયો સાહેબે તેના ડીગ્રીના બધા કાગળીયા તપાસ્યા અને જે સવાલ થયા તેના જવાબ પણ બરાબર આપ્યા. નવીનને નોકરી મળી ગઈ અને સોમવારથી નોકરીમાં જોડાવાનો કાગળ પણ મળી ગયો.તેની ખુશીનો આજે પાર નથી. વીપીને પણ તેને વધાઈ આપી. ઘરે જતાં મિઠાઈનુ પેકેટ લઈને સાથે ગયો. ઘરે જતાં પહેલાં મંદિર જઈ ભગવાનને મિઠાઈ ધરાવીને દર્શન કરીને સીધો ઘરે ગયો. માસા-માસીને ખુશ ખબર આપ્યા અને મોઢું મીઠુ કરાવ્યુ. માસા-માસી નોકરી મળ્યાના સમાચાર સાંભળીને  ખુશ થયા. કાલે સરોજને પણ ખુશ ખબર આપીશ એમ નવીને વિચાર્યુ ત્યાંજ માસી સરોજનો પત્ર લઈને આવ્યા અને નવીનના હાથમાં પત્ર મુક્યો .પત્ર વાંચીને તેને આનંદ થયો, અને નક્કી કર્યુ કાલે હુ સરોજને વિગતવાર પત્ર લખીશ જેથી તેને અને બા-બાપુજીને પણ શાંતિ થાશે. આજે નવીન સરોજને પત્ર લખવા બેઠો, કેવી રીતે શરૂઆત કરવી સમજાતુ નથી છતાં પણ વિચારીને પત્ર લખવાની શરૂઆત કરી.

પ્રિયે,

તારો પત્ર વાંચીને ખરેખર ખુબજ આનંદ થયો .મારે તને એક અતિ આનંદના સમાચાર આપવાના છે, મને યુ.કો.બેન્કમાં નોકરી મળી ગઈ છે અને ચાર દિવસ પછી નોકરી ચાલુ કરવાની છે. તુ કેમ છે? મને તારી અને બા-બાપુજીની બહુજ ચિંતા થાય છે.તને હુ જેટલુ બને એટલુ જલ્દી મુંબઈ બોલાવવા માગુ છુ. થોડા પૈસા ભેગા થાય એટલે હુ જગ્યા લઈ લઈશ. વચ્ચે વચ્ચે નોકરી પરથી રજા લઈને બે દિવસ માટે પણ આવતો રહીશ .તુ મારી જરાય ચિંતા ન કરીશ. માસા-માસીને ઘરે મને આપણા ઘર જેવુ જ લાગે છે બંને મારુ બહુજ ધ્યાન રાખે છે. આપણે હવે બહુ થોડા દિવસો છે વિરહના, પછી આખી જીન્દગી સાથે જીવવાની છે.તૂ બા-બાપુજીની કાળજી રાખશે એ મને ખાત્રી જ છે.તારા પર ભરોસો છે, તું બા-બાપુજીની સેવા કરશે એટલે તે વાત માટે હુ બેફીકર છુ.વધારે ફરીથી લખીશ ,તારુ ધ્યાન રાખજે.

લી,

તને હમેશાં યાદ કરતો તારો નવીન.

આજે નોકરીનો પહેલો દિવસ છે ,માસીએ વહેલા ઉઠીને નવીનનુ ટિફીન તૈયાર કરી દીધુ. નવીન થોડો વહેલો નીકળ્યો મંદિર દર્શન કરીને મલાડથી શાન્તાક્રુઝ જતી ટ્રેન પકડી. અને સમયસર બેન્કમાં પહોચી ગયો.આ જ બેન્કમાં વીપીન પણ કામ કરે છે એટલે તેને કામ કરવાનુ બહુ સારુ લાગે છે સાંજે ઘરે આવ્યો એટલે માસીએ ચ્હા બનાવી દીધી અને પુછ્યુ “બેટા પહેલો દિવસ કેવો રહ્યો?”

“ માસી મારો દોસ્ત વીપીન મારી સાથેજ કામ કરે છે એટલે મને કામ કરવાનુ સારુ લાગે છે.”

માસી—“બેટા આપણે હવે ડબા વાળાને બાંધી દઈશુ એટલે તને ગરમ ખાવા મળે.”

નવીન—“ભલે માસી.”

અને માસીએ ડબાવાળા સાથે નક્કી કરી લીધુ એટલે નવીનને બેન્કમાં જમવાનુ ટિફીન પહોચી જાય છે. નવીનનો સ્વભાવ શાંત છે, પરંતુ મળતાવડો સ્વભાવ છે.હવે દરરોજનુ કામ અને તેની જીન્દગી ઘડિયાળના કાંટાની સાથે ચાલવા લાગી.અને નવીનની રોજી રોટીની ગાડી બરાબર પાટા પર ચડી ગઈ અને દોડવા લાગી.તેને બેન્કમાં દરરોજ આવતા ઘણા બધા લોકો સાથે ઓળખાણ અને મિત્રતા પણ થવા લાગી.

વીપીનને બે વર્ષનો દિકરો છે અને રવિવારે તેનો જન્મ દિવસ છે, અને જન્મ દિવસ ઉજવે છે એટલે તેણે નવીનને પણ આમંત્રણ આપ્યુ. વીપીને ખાસ આગ્રહ કર્યો નવીન તારે આવવાનુ જ છે.નવીન કહે હા હુ જરૂર આવીશ.ને આગલે દિવસે બાબાને આપવાની ભેટ લઈ આવ્યો અને વીપીનના ઘરે પહોચી ગયો. અહીયાં બધા પતિ પત્નિને જોડીમાં જોઈને નવીનને સરોજની યાદ આવી ગઈ,સરોજ અહીયાં હોત તો હુ અને સરોજ પણ આજે સાથે હોત.નવીન વિચારોમાં ખોવાઈ ગયો. ત્યાંજ વીપીન નાસ્તાની પ્લેટ લઈને આવ્યો, અરે યાર ક્યાં ખોવાઈ ગયો? ભાભીના વિચારોમાં છે? ભાભી ત્યાં આગળ મઝામાં જ હશે. હવે બહુ થોડા દિવસો છે  પછી ભાભી અહીયાં મુંબઈમાં તારી સાથે જ હશે, આમ ઉદાસ ન થઈશ, પાર્ટીની મઝા લે.અને સંગીત ચાલુ થયુ. સંગીત ચાલુ થયુ એટલે નવીનનુ મન બીજી બાજુ ઢળ્યુ અને હલકુ થયુ. પાર્ટી પતાવીને ઘરે આવ્યો, રાત્રે સુવા માટે ગયો પરંતુ તેને આજે સરોજની યાદ બહુ સતાવે છે.સરોજના વિચારોમાં ક્યારે નીન્દર આવી ગઈ ખબર ન પડી.

નોકરી ચાલુ કરવાને ચાર મહિના થઈ ગયા એટલે નવીને વિચાર્યુ ,શનિવાર અને રવિવાર અને બીજા ચાર દિવસ રજા લઈને એક અઠવાડિયુ ગામ જઈ આવુ. નવીન મહેનત અને લગનથી કામ કરે છે એટલે તેને ખાત્રી છે મેનેજર તેની રજા મંજુર કરશે અને એજ ભરોસે અરજી આપવા મેનેજરની કેબીનમાં ગયો, અરજી મેનેજરના હાથમાં આપી. મેનેજર જાણે છે નવીન મહેનતી અને ઈમાનદાર છે એટલે રજા મંજુર કરી દીધી.

નવીન આજે બહુજ ખુશ છે અને મનમાં, જવા માટેની તૈયારીના વિચારોમાં રાચવા લાગ્યો.બા-બાપુજી અને સરોજ માટે ભેટ લેવાની હતા. બા-બાપુજી માટે ખરીદી કરી લીધી અને સરોજ માટે બંગડી સાડી વગેરે લેવાની સમજણ ન પડે એટલે વીપીન અને તેની પત્નિને સાથે લઈને ગયો, વીપીનની પત્નિ હોય તો સારી સાડી અને બંગડી વગેરે ખરીદી શકે. ભુલેશ્વર ખરીદી કરવા માટે ગયા અને સાડીયો બંગડી અને ચપલ વગેરે ખરીદી લીધુ અને ત્યાંથી સીધા એક લોજમાં જમવા માટે ગયા.ત્યાર બાદ પાછા મલાડ જવા માટે નીકળ્યા.ઘરે આવીને નવીને બધી વસ્તુઓ માસીને બતાવી. માસી કહે બેટા બહુજ સુંદર છે. પહેરો અને સુખી થાઓ.આણંદ જવાની ટિકિટ પણ બુક કરાવી લીધી માસીએ મુંબઈના હલવાના પેકેટ લાવી રાખ્યા હતા તે નવીનને આપ્યા, અને પેકીગ પણ થઈ ગયુ. નવીને સરોજને જણાવ્યુ ન હતુ તે આવી રહ્યો છે, ઓચિંતો જઈને તેને ખુશી આપવા માગતો હતો.જે દિવસની ટિકિટ હતી તે દિવસે આણંદ જવા માટે નીકળ્યો, વીપીન તેને સ્ટેશન પર મુકવા માટે આવ્યો હતો.વીપીન કહે ભાભીને મારી યાદ આપજે અને તારી રજાઓની ખુશીયા બરાબર મનાવજે. જલ્દી પાછો આવજે અહીયાં પણ તારો દોસ્ત તારી રાહ જોઈને જ બેઠો હશે.અને ટ્રેન ઉપડી.

બીજે દિવસે સવારે ટ્રેન નવીનને આણંદ લઈ આવી, નવીને આણંદથી તેના ગામ જવા માટે બસ પક્ડી અને એક કલાકમાં તો તેના ગામ પહોચી ગયો. સવારમાં નવીનને જોઈને બા-બાપુજી અને સરોજ એકદમ ખુશ થઈ ગયા. બા બોલ્યા બેટા તારા આવવાના અમને ખબર પણ ન આપ્યા, બા હુ તમને બધાને ઓચિન્તી ખુશી આપવા માગતો હતો. સરોજનો ચહેરો નવીનને જોઈને ખીલી ઉઠ્યો અને ગાલ ગુલાબી થઈ ગયા, આંખોમાં ચમક આવી ગઈ, હોઠ કમળની પાખડીની જેમ ખીલી ઉઠ્યા,ચાલ બદલાઈ, માનો પુરા શરીરમાં તેજ આવી ગયુ, બે જાનમાં જાણે જાન આવી ગઈ.એક નવો ઉમંગ આવી ગયો. ન કોઈ સવાલ ન કોઈ જવાબ, બંને એક બીજાને પ્રેમથી નીહાળતા જ રહ્યા, બંધ હોઠ, પરંતુ આંખોએ ઘણી બધી વાત કરી લીધી. દિલમાં આનંદ અને મનમાં સંતોષ, પરમ શાંતિ. આજે સ્વર્ગ નીચે ધરતી પર ઉતરી આવ્યુ છે. મન તૃપ્ત થઈ ગયુ. બા-બાપુજીને તો દિકરો ઘણા વખત પછીથી આવ્યો, ઘણા બધા સવાલ, ઘણી બધી વાતો, પરંતુ બા કહે બેટા પહેલાં ચ્હા પી લો પછી ન્હાઇ ધોઈને આપણે નીરાંતે વાતો કરશુ. લાંબી મુસાફરી કરીને તુ થાકી ગયો હશે.પરવારીને થોડો આરામ કરી લે પછીથી વાતો કરીશુ.સરોજ ચ્હા બનાવીને લઈ આવી એટલ ચારેવ જણાએ સાથે ચ્હા પીધી.નવીન ન્હાઇ ને આવ્યો એટલે સરોજે ગરમ ગરમ બાજરાના ઢેબરા બનાવ્યા તે બધાએ સાથે બેસીને ખાધા.અને નવીન તેની રૂમમાં આરામ કરવા માટે ગયો. સરોજ રસોડામાં હતી બાએ કહ્યુ, જા બેટા આજે હુ રસોઈ બનાવીશ તમે જઈને નવીન સાથે બેસો.સરોજ રૂમમાં દાખલ થઈ.

નવીન—“આવ અહીયાં આવીને બેસ,” નવીને સરોજને આલિગન આપ્યુ. આજે બે હૈયા,એક જાન બની ગયા.

સરોજ—“તમારી તબીયત કેમ છે? અને તમને હવે મુંબઈમાં ફાવે છે? નોકરી બરાબર ફાવી ગઈ?”

નવીન—ઃમેમસાબ ઉભા રહો. તમારા સવાલોને જરા બ્રેક મારો, બધાનો જવાબ છે હા. સરોજ તૂ કેમ છે તે પહેલાં મને કહે?

સરોજ—“જળ વીનામાછલી તડફડે એવી મારી હાલત છે.મારુ શરીર અહીયાં હતુ પરંતુ મારૂ ચિતડુ મુંબઈમાં તમારી પાસે હતુ.”

નવીન—“અને હુ મારુ દિલ અહીયાં મુકીને ગયો હતો તેનુ શુ ? આપણા બંનેની હાલત લગભગ સરખી જ છે.તમે સ્ત્રીઓ બોલીને બતાવી શકો છો જ્યારે અમે મરદ લોકો બોલીને બતાવી નથી શકતા,એટલોજ ફરક છે.હવે આપણા જુદાઈના દિવસો બહુજ જલ્દી ખતમ થશે થોડા સમય બાદ હુ જગ્યા લઈ લઈશ અને તને મુંબઈ બોલાવી લઈશ.”

સરોજ—“તમે નોકરીમાં ઠરી ઠામ થાવ ,જગ્યા લઈ લો, મારી બહુ ચિંતા ના કરશો હુ રાહ જોઈશ .અને આમેય બા-બાપુજીની સેવા કરવાનો લ્હાવો ક્યારે મળશે અને મને તેમની સેવા કરીને ખુશી મળે છે.એ મારા પણ માતા-પિતા છે.”

બપોરનુ જમવાનુ પતાવ્યુ. અને ગામમાંથી બધાને જાણ થઈ એટલે નવીનને મળવા માટે બધા આવ્યા.બધાએ નવીનના ખબર અંતર પુછ્યા નોકરી માટે પુછ્યુ અને શહેરનુ  જીવન કેવુ હોય વગેરે વગેરે. લોકો ગયા એટલે બા-બાપુજીએ નવીનના ખબર અંતર પુછ્યા. બાને ખબર છે તેમના બેનને ઘરે રહે છે એટલે બીજી કોઈ ચિંતા છે નહી. છોકરો આંખો આગળ નથી એજ દુખ છે. બીજે દિવસે ઉઠીને ન્હાઇ લીધુ એટલે બાએ કહ્યુ,તમે બંને પહેલા મંદિર જઈને ઠાકોરજીના દર્શન કરી આવો.હુ નાસ્તો બનાવી રાખુ છુ,આવીને ચ્હા નાસ્તો કરજો.બંને જણા મંદિર દર્શન કરવા માટે ગયા. નવીન ચાર દિવસ ગામમાં રહ્યો અને આણંદ જવા માટે સરોજ અને નવીન નીકળ્યા એક દિવસ ફોઈને ત્યાં રહેવાનુ હતુ અને એક દિવસ સરોજના માતા-પિતાને ઘરે રહેવાનુ હતુ. છેલ્લે તો જવાનો દિવસ છે.નવીન અને સરોજ માટે તો ફરીથી વિદાયની ઘડી આવી. મનમાં વિચારે છે. આ પુનરાવર્તન ક્યારે બંધ થશે. અને નવીન મુંબઈ જવા માટે નીકળ્યો.

નવીન રજાઓ વીતાવીને આવ્યો એટલે આજે તેને કામે જવાનો મુડ નથી. હજુ એ માનસીક રીતે તેના વતનમાંજ ફરી રહ્યો છે.છતા કામે ગયા વીના છુટકો નથી. માસી માટે આણંદનુ ભુસુ લાવ્યો હતો તે કાઢીને આપ્યુ અને બીજુ પડીકુ વીપીનને આપવા માટે બહાર કાઢ્યુ. કામે ગયો એટલે વીપીનને પણ તેનુ પડીકુ આપી દીધુ.

વીપીન—“દોસ્ત સુખ રૂપ આવી ગયો ભાભી અને બા-બાપુજી કેમ છે?”

નવીન—“વીપીન હવે મારે જલ્દીથી જગ્યા લેવી છે, જોઈએ તો હુ બેન્કમાંથી  થોડી લોન લઈશ અને મારી પાસે બચત પણ છે.”

વીપીન—“હુ બ્રોકરને જાણુ છુ ,તેને મળીએ તે જગ્યા બતાવશે.પહેલાં તો કહે તારે જગ્યા ક્યાં આગળ લેવી છે”

નવીન –“શાન્તાક્રુઝમાં મારી નોકરી છે એટલે શાન્તાક્રુઝમાંજ મને ફાવે”

વીપીન—“તને ખબર છે શાન્તાક્રુઝમાં જગ્યાના ભાવ શુ છે ?અહીયા મલાડ બાજુ લઈ લે.”

નવીન—“ના હું જગ્યા લઈશ તો શાન્તાક્રુઝમાં જ લઈશ .નજીક હોય તો કામે જવાનુ કેટલુ સહેલુ થઈ જાય.”

વીપીન—“ભલે શનિ-રવિ રજા હોય ત્યારે જગ્યા શોધવાનુ કામ કરીશુ.”

બ્રોકરને મળ્યા અને પાઘડી આપીને ચાલીમાં નાની એક રૂમ અને રસોડુ લેવાનુ નક્કી કર્યુ .બે મહિના ફરીને બ્રોકરે ઘણી જગ્યાઓ બતાવી તેમાં એક જગ્યા બેન્કથી સાવ નજીક મળી. બેન્ક શાન્તાક્રુઝ સ્ટેશન રોડ પર છે. અને ઘર પાછલી બાજુએ બે મિનિટના અંતરે મળી રહ્યુ છે,માર્કેટ પણ આસપાસ, નીચે ઉતરો એટલે શાકભાજી અને બીજી ખરીદી માટે પણ દુર ન જાવુ પડે. નવીનને આ જગ્યા પસંદ પડી ગઈ એટલે બેન્કમાં લોન માટે અરજી કરી દીધી, લોન એક અઠવાડિયામાં મંજુર થઈ ગઈ.પાઘડીના પૈસા ભરી દીધા અને ભાડેથી રૂમ લઈ લીધી.અને સરોજને પત્ર લખ્યો. જગ્યા લઈ લીધી છે અને બધી કાર્યવાહી પતે એટલે, આવતે મહિને જગ્યાનો કબજો મળશે એટલે હુ પછીથી તને લેવા માટે આવીશ. બા-બાપુજીને જણાવી દેજે. માસી—“નવીન હવે તો સરોજને લઈ આવ, થોડા દિવસ મારા ઘરે સરોજને રહેવાનુ છે પછીથી શાન્તાક્રુઝ રહેવા માટે જજો.”

સરોજ આજે સવારે વહેલી ઉઠી પરંતુ તેને બેચેની જેવુ લાગે છે તબીયત ઠીક નથી લાગતી તેને ખાવાનુ પણ મન નથી થતુ .બાએ બધુ જોયુ તે વાત સમજી ગયા .અને કહ્યુ બેટા તબીયત સારી નથી આણંદ જઈને સારા ડોક્ટરને બતાવી આવો.બાપુજીને કહ્યુ આપણે વહુને લઈને આજે જ આણંદ જઈએ. તેની તબીયત સારી નથી.બસમાં આણંદ ગયા ત્યાંથી  ફોઈને ઘરે ગયા. ફોઈ સાંજના સ્ત્રીઓના નિષ્ણાત ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે તપાસીને કહ્યુ સરોજ પ્રેગ્નેન્ટ છે. સમાચાર સાભળીને સરોજ લજ્જાથી શરમાઈ અને દિલમાં એક ખુશીની લહેર દોડી રહી છે.ઘરે આવીને ફોઈએ બધાને સમાચાર આપ્યા, ભાભી મોઢુ મીઠુ કરાવો તમે દાદા-દાદી બનવાના છો.બા-બાપુજીના ખુશીનો પાર નથી.ખુશીના સમાચાર સરોજના માતા-પિતાને પણ આપ્યા. સરોજના માતાએ કહ્યુ થોડા દિવસ સરોજને અહીયા જ રહેવા દો તો ડોક્ટર પાસે જવાનુ થાય તો સારુ પડે,દોડભાગ ન થાય. અને બાએ કહ્યુ “તમારી વાત બરાબર છે, થોડા દિવસ સરોજ આણંદ રહે”

મુંબઈ નવીનને તાર મોકલીને સમાચાર આપી દીધા. નવીન વિચારવા લાગ્યો ચાલો બધુ સારુ જ થઈ રહ્યુ છે. ઘર પણ લઈ લીધુ અને સરોજે પણ સારા સમાચાર આપ્યા છે. સારો દિવસ જોઈને ઘરની ચાવી લઈ લીધી. અને બેન્કમાંથી રજા લઈને નવીન સરોજને મુંબઈ લાવવા માટે આણંદ જવા નીકળ્યો.

વિરાંગના સરોજ શ્રોફ –(3) હેમાબેન પટેલ

નવીને એક અઠવાડિયાની રજા બેન્કમાંથી લીધેલી છે એટલે ગામમાં વધારે નહી રહેવાય.

બા—નવીન દિકરા આ વખતે તૂ સરોજને પણ સાથે લઈ જાય છે. એટલે બહુ સુનુ સુનુ લાગશે. થોડા દિવસ  વધારે રોકાઈ જાય તો સારુ,વધારે ભેગા રહેવાય.

નવીન—બા અઠવાડિયાની રજા મળી છે, એટલે મારાથી વધારે ન રહેવાય.અમે બંને અવાર નવાર આવતા રહીશુ. અને અમારી બહુ ચિંતા ન કરશો.

સરોજે આગળથીજ તેના કપડા અને જરૂરી સામાન ગોઠવી રાખ્યો હતો. જેથી નવીન સાથે વધારે સમય વીતાવી શકાય.

સરોજ—બાએ મુમ્બઈ લઈ જવા માટે અથાણા,પાપડ વગેરે તૈયાર રાખ્યુ છે, તો હુ લઈ જવા માટે પેક કરૂ ?

નવીન—ના સરોજ મુમ્બઈમાં બધુ મળે છે એટલે કશુ નથી લેવાનુ, બા અહિયાં વાપરશે.

બા—દિકરા બીજી વસ્તુ નહી લઈ જાવ તો ચાલશે પરંતુ આ લાડુ મે ખાસ સરોજ માટે બનાવ્યા છે તે લઈ જવા પડશે. અને તેને ખાવાની જરૂર પણ છે.

નવીન—ભલે બા, લાડુ અમે લઈ જઈશુ.

સરોજ અને નવીનને વિદાઈ આપતા બા-બાપુજી ભાવુક થઈ ગયા વિચારે છે રામ જાણે હવે ફરીથી ક્યારે દિકરા-વહુનુ મોઢુ જોવા મળશે.સરોજ ગર્ભવતી છે એટલે બાને તેની વધારે ફીકર થાય છે અને જતાં જતાં કહે છે નવીન દિકરા સરોજનુ ખાસ ધ્યાન રાખજે. સમયસર ખાવાનુ રાખજો અને બહુ બોજા વાળુ કામ નહી કરવાનુ.અને દિકરા-વહુને બા-બાપુજી આશીર્વાદ આપીને કહે છે દુધો ન્હાવ પુતો ફલો. સંભાળીને જજો અને જલ્દી શુભ સમાચાર પાઠવજો. અને વસમી વિદાય આપે છે. ચારેવ જણાની આંખ ભરાઈ આવી.

સવારે સરોજ અને નવીન મલાડ પહોચ્યા માસીએ આજે આરતી કરીને વધાવીને બંનેનુ સ્વાગત કર્યુ. હસી ખુશીથી બંનેએ ઘરમાં પ્રવેશ કર્યો.માસીએ ચ્હા બનાવી એટલે તેને ન્યાય આપ્યો. નવીનને આજે કામે જવાનુ હતુ એટલે ન્હાઈને તૈયાર થઈ ગયો, નાસ્તો કરીને કામે જવા નીકળ્યો. સરોજ પણ ન્હાઈને તૈયાર થઈને ઠાકોરજીની સેવા કરીને માસી સાથે નાસ્તો કર્યો.માસીને રસોડામાં રસોઈમાં મદદ કરવા લાગી.

માસી—બેટા સરોજ મુસાફરી કરીને આવી છે, તૂ થાકી ગઈ હોઈશ જા થોડો આરામ કર.

સરોજ—ના માસી હુ બપોરે આરામ કરીશ. અત્યારે તમને મદદ કરીશ.સરોજને કામ કરવાની સ્ફુર્તિ ઘણી છે. ક્યારેય કામ કરતાં થાકતી નથી.અને હમેશાં ઉત્સાહમાં રહે, ગમે તેવા સંજોગોમાં પરિસ્થિતીને અનુરૂપ માનસીક રીતે તૈયાર હોય છે ,ક્યારેય હિમ્મત નથી હારતી આ તેનો ખાસ સ્વભાવ છે, યા તો કહો  ભગવાનની ખાસ ભેટ કહો યા તો ભગવાનની મહેરબાની.વાણીયા જ્ઞાતિમાં સ્ત્રીઓ ખાસ કરીને માનસિક અને શારિરીક રીતે નાજુક અને કોમળ હોય એટલે થોડી કમજોર હોય, નૈતિક હિમ્મત ઓછી હોય.જ્યારે સરોજ વૈષ્ણવ વાણીયા સ્ત્રી હોવા છતાં પણ માનસિક અને શારિરીક રીતે એકદમ મજબુત છે. નૈતિક હિમ્મત ખુબજ છે.મજબત મનોબળ છે,ભગવાનનુ વરદાન તેના ઉપર છે. ભગવાને તેને એક રાજપૂત સ્ત્રી સમાન શક્તિ આપી છે, બનાવી છે.માનસિક અને શારિરીક રીતે તો મજબુત તો છે જ અને સાથે સાથે સુન્દર દિલ આપ્યુ છે જે હરપળ બીજાને મદદરૂપ થવા માટે તત્પર છે. મળતાવડો પ્રેમાળ સ્વભાવ છે જેથી બધાના દિલ જીતી લેવાની તેનામાં કળા છે.

માસી—સરોજ બેટા બે દિવસ આરામ કરી લે પછીથી આપણે શાન્તાક્રુઝ ઘરમાં સામાન ગોઠવવા માટે જઈશુ.

સરોજ—માસી હુ એકદમ બરાબર છુ, આપણે આવતી કાલથી જ ઘર ગોઠવવાનુ ચાલુ કરીશુ.

માસી—મે તમારે ઘરમાં જોઈતો બધો જ સામાન લાવી રાખ્યો છે.નવીને પણ ઘરનુ રાચ રચીલુ પલંગ

અને સોફા નોધાવ્યા છે તે પણ આવી જ્શે એટલે દશેક દિવસમાં ઘર ગોઠવાઈ જશે.

સરોજ—માસી આપણે લોકલ ટ્રેનમાં મલાડથી શાન્તાક્રુઝ જઈશુ ને ?

માસી—ના બેટા હુ તને લોકલ ટ્રેનમાં ,તારી આવી હાલતમાં લઈ જાઉ તો તારા માસા મારી ઉપર ખીજાય. આપણે ટેક્ષી કરીને જઈશુ. ભલે થોડો ખર્ચો થાય, તારી તબીયત પહેલાં જોવાની.લોકલ ટ્રેનમાં તો પડે એના કકડા !!! ટ્રેનમાં ના જવાય.

શનિવાર અને રવિવારે નવીન અને માસાને કામે રજા હોય એટલે ચાર જણા અને માસીનો મોટો દિકરો બધા ભેગા મળીને ચાલીનુ ઘર ગોઠવી ધીધુ. અને પંડિત પાસે પૂજા કરાવવા માટે અને કુંભ મુકવા માટે સારુ મર્હુત જોવડાવ્યુ અને દિવસ નક્કી કર્યો.પૂજા વિધિમાં ચાલીના તે આખા ફ્લોરના દરેક રૂમના પરિવારને આમંત્રણ આપ્યુ. મુમ્બઈમાં નાની ચાલમાં બધા એક પરિવાર સમાન હોય છે એટલે સારા ખોટા પ્રસંગે અને સુખ-દુખમાં બધા સાથે ભેગા જ હોય છે.

શાન્તાક્રુઝમાં રહેવાનુ છે એટલે નવીનને તેનુ કામ હવે એકદમ નજીક છે, બપોરે જમવાના વખતે તે ઘરે આવે છે.સરોજને થોડા દિવસ નવુ લાગ્યુ પરંતુ બહુજ ઓછા સમયમાં તેને એકદમ ફાવી ગયુ. હવે નવીન સાથે છે એટલે તેના માટે જીવન એક્દમ આસાન અને સુખમય લાગે છે. નવીન સાથે હોય પછી જીંદગી સુખી હોય કે પછી દુખ હોય સરોજને કોઈ ફરક નથી પડતો તેના માટે નવીન સર્વસ્વ છે.સરોજને કોલેજ કાળથી વાંચનનો બહુજ શોખ છે, એટલે સ્ટેશન રોડ પર એક પુસ્તકાલય છે તેમાં પૈસા ભરીને સભ્યપદ મેળવી લીધુ. દરરોજ પુસ્તકો લાવીને નવરાશના સમયે વાંચનમાં તેનો સમય જતો. ગામમાં બા સાથે રહી હતી એટલે બા પાસેથી સીલાઈ અને ભરતકામ શીખી હતી એટલે બઝારમાંથી ઉન વગેરે સ્વેટર બનાવવાની સામાન લઈ આવી અને આવનાર બાળક માટે પગના મોજાં અને સ્વેટર ગુથવાનુ ચાલુ કરી દીધુ. સ્વેટર ગુથતાં સ્વપ્નની દિનિયામાં સરી પડી અને જાણે દિકરાને સુવડાવવાનો પ્રયત્ન કરી રહી છે અને હાલરડુ ગાવાનુ ચાલુ કર્યુ.

“દિકરો મારો  લાડકવાયો  એ નીન્દમાં પોઢેલ છે, વાયરા  જરા ધીરે વાજો એ નીન્દમાં પોઢેલ  છે.”

ગાતી હતી અને નવીન કામેથી પાછો આવ્યો તે પણ તેને ખ્યાલ ન રહ્યો, દિવાસ્વપ્નમાં ખોવાએલી છે.

નવીન—મેડમ તમે ક્યાં ખોવાઈ ગયાં ?તમારો દિકરો જો હવે સુઈ ગયો હોય તો મારા માટે એક કપ ચ્હા બનાવશો ?અને  સરોજ એકદમ ચમકી.

સરોજ—તમે મારા દિકરાને સુવા પણ નથી દેતા, કેટલુ સુન્દર સ્વપ્ન હતુ, તમે તેને તોડી કાઢ્યુ. હવે ફરીથી મા-દિકરા વચ્ચે ના આવશો. સ્વેટરનો સામાન બાજુમાં મુકીને ચ્હા બનાવવા માટે રસોડામાં ગઈ,નવીને અડધા ગુથાએલા મોજા હાથમાં લીધા અને તેને પણ એક અજબનો રોમાંન્ચ અનુભવ્યો, મનમાં વિચારવા લાગ્યો, ખરેખર માતા-પિતા બનવુ એતો એક અનોખો લ્હાવો અને સુખદ અનુભવ છે. ત્યાંજ બાજુવાળા માસી આવ્યા અને સરોજને પુછવા લાગ્યા સરોજ તૂ કેમ છે?ઠીક તો છે ને ?

સરોજ—હા માસી હુ ઠીક છુ, તમે બેસો હુ ચ્હા બનાવુ છુ ચ્હા પીને જજો.સરોજ ચ્હા અને બિસ્કીટ લઈને આવી અને ત્રણેવે સાથે ચ્હા પીધી.માસી કહે સરોજ તને કંઈ પણ કામ હોય તો અડધી રાત્રે પણ વીના સંકોચ મને ઉઠાડજે અને આ ચાલીમાં બધા એક પરિવાર સમાન છે, એટલે કામ પડે કોઈને પણ બોલાવવામાં કોઈ વાંધો નહી.

માસી—સરોજ હુ બઝાર જાઉ છુ તારે કંઈ લાવવાનુ છે ? હુ લેતી આવીશ.

સરોજ—હા માસી એક ઝુડી કોથમીર લેતા આવજો.અને માસી બઝાર જવા નીકળ્યા.સરોજ સાંજની રસોઈ માટે રસોડામાં ગઈ.

આજે નવીન કામેથી વહેલો ઘરે આવ્યો, સરોજને ડોક્ટર પાસે ચેકઅપ માટે લઈ જવાની છે. ડોક્ટરે ચેકઅપ કરીને કહ્યુ બધુ બરાબર છે,કંઈ ચિન્તા કરવા જેવુ નથી.પૌષ્ટિક ખોરાક આપજો,મા અને બાળકને સારુ પોષણ મળી રહે.નવીને નક્કી કર્યુ કામેથી પાછા આવીને હવે દરરોજ સરોજને ચાલવા માટે લઈ જઈશ. બીજે દિવસથી ચાલવા જવાનુ શરુ કર્યુ, રસ્તામાં જ્યુસ સેન્ટરમાંથી દરરોજ જ્યુસ પીને પાછા આવતા નવીન અને સરોજ હમેશાં ખુશ અને આનંદીત જીવન જીવી રહ્યાં છે, એટલે સરોજ ગર્ભાવસ્થામાં એકદમ સ્વસ્થ છે.ચાલીમાં રહેનારા દરેક રૂમના માણસો કોઈ મામા-મામી, તો કોઈ માસા-માસી તો કોઈ કાકા-કાકી,તો કોઈને વળી જો પોતાનો ધંધો હોય તો શેઠ, એમ દરેક એક બીજાને હુલામણા નામથી બોલાવે. નવીનને, નવીનકાકા અને સરોજને, સરોજકાકી એમ બધા લોકો તેમને બોલાવતા. આમ જોત જોતામાં બહુજ થોડા સમયમાં નવીન અને સરોજ ચાલીમાં એક બીજા સાથે એકદમ એક પરિવારની જેમ ભળી ગયા. નવીનકાકા અને સરોજકાકી સૌના ચાહીતા થઈ ગયા, અને સૌ એમને માનની દ્રષ્ટિથી જોતા.સરોજ ગર્ભવતી છે તેને અવનવુ ખાવાની ઈચ્છા થાય એટલે આજુ બાજુવાળા દરરોજ કંઈને કંઈ વાનગી સરોજને ઘરે ઢાંકી જતા.સરોજ વિચારતી ગામમાં મારે નાનો પરિવાર હતો અહિયાં તો મારે કેટલો મોટો પરિવાર છે. બધાજ મારી ખબર પુછી જાય છે અને મારુ કેટલુ ધ્યાન રાખે છે.મારા માતા-પિતા અને મારા સાસુ-સસરાની કમી પુરી પાડે છે.જીવનમામ બીજુ શુ જોઈએ ?સરોજ વિચારે છે હુ ભાગ્યશાળી છુ, અતિ પ્રેમાળ પતિ મને મળ્યો છે અને આટલો મોટો પ્રેમાળ પરિવાર.મને કેટલી બધી ખુશી મળી છે.

બાજુની રૂમના મામીની વહુનો નાનો બે વર્ષનો દિકરો રમતાં રમતાં દાદરા આગળ પહોચી ગયો અને નીચે પડી ગયો, માથામાં વાગ્યુ એટલે જોરમાં રડવા લાગ્યો, બપોરનો સમય હતો એટલે દરેકના ઘરમાં ખાલી બહેનો જ હતી, બધી બેનો દોડી આવી સરોજ પણ પહોચી. બધા ઘભરાએલા હતા અને રડવાનુ ચાલુ કર્યુ. સરોજે મામીને કહ્યુ જાવ જલ્દી ટેક્ષી બોલાવી લાવો અને મામી ટેક્ષી લેવા દોડ્યા અને સરોજ રૂમમાં ગઈ અને તેનુ પાકીટ લઈને આવી ,ટેક્ષી આવી એટલે સરોજ,ઘાયલ છોકરાને,તેની મમ્મી અને મામી બધા સાથે નાણાવટી હોસપીટલમાં ગયા અને સરોજ તેની સુજ બુજ અને અગમચેતીથી છોકરાની સારવાર ચાલુ કરાવી દીધી નસીબ જોગે વધારે માર લાગ્યો ન હતો અને સમયસર સારવાર મળી એટલે છોકરો બચી ગયો.એક દિવસ હોસપીટલમાં રાખી બીજે દિવસે રજા આપી.છોકરાની મમ્મી અને મામી તો સરોજને કહે ,કાકી તમે ભગવાન  સ્વરૂપે આવીને અમારા છોકરાને બચાવી લીધો. તમારો ધન્યવાદ અમે કયા શબ્દોમાં કરીએ, અમારી પાસે તેના માટે કોઈ શબ્દો નથી.

સરોજ—મામી મે કંઈ નથી કર્યુ, ઉપરવાળાની મહેરબાની છે, તેણે બચાવી લીધો હુ તો નીમીત માત્ર છુ અને મે તો મારી ફરજ બચાવી. નવીને જાણ્યુ એટલે તેને પણ સરોજ ઉપર ઘણોજ ગર્વ થયો, અને વિચારે છે હુ ઘણોજ ભાગ્યશાળી છુ મને સરોજ જેવી પ્રેમાળ,ગુણીયલ અને હિમ્મતવાન પત્નિ મળી છે. સામાન્ય રીતે સ્ત્રીઓને વસ્ત્રો,આભુષણ વગેરેનો શોખ હોય અને હમેશાં એકજ આશા રાખે તેનો પતિ તેને અવાર નવાર ભેટ આપે. સરોજ સાવ જુદી માટીની બનેલી છે.તે કોઈ દિવસ નવીન પાસે કોઈ પણ વસ્તુની અપેક્ષા નથી રાખતી. એકદમ સંતોષી જીવ છે.

નવીન—મનમાં વિચારે છે કાલે સરોજનો જન્મ દિવસ છે એટલે આજે કોઈ ભેટ ખરીદી લઉ. અને બાજુવાળા માસીને લઈને સાડીની દુકાનમાં ગયો, કેમકે તેને સાડીની ખરીદીમાં બહુ સમજણ નથી પડતી.માસીએ સરોજના રુપ અને રંગને અનુલક્ષીને બે સુન્દર સાડી પસંદ કરી.અને નવીને બે સાડી ખરીદી લીધી.અને આ બાજુ ચાલીમાં બધાએ સૌએ પોત પોતાનો હિસ્સો કાઢીને પૈસા ભેગા કર્યા અને સરોજકાકીના જન્મ દિવસની સરપ્રાઈઝ પાર્ટી આપવાનો પ્રોગ્રામ બનાવ્યો અને સાંજના જુહુ બીચ જઈને ત્યાં આગળ સરોજનો જન્મ દિવસ ઉજવવો એમ નક્કી થયુ. આજુ બાજુવાળાએ સરોજને અને નવીનને પાર્ટીની ગંધ પણ ન આવવા દીધી.અને બધા ભેગા મળીને નવીનને વાત કરી આવતી કાલે આપણે બધા સાથે મળીને સાંજે જુહુ બીચ જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે તો બધા સાથે જઈશુ.સ્ટેશનથી બસ પકડીશુ, નવીન કહે હુ સરોજને ટેક્ષીમાં લઈને આવીશ.

આજે સરોજ થોડી વહેલી ઉઠી અને નવીનને પણ ઉઠ્યાડ્યો.

નવીન—मेरी जान, मेरे दिलकी रानी, I love you.

સરોજ—અરે બાપરે!!! સવાર સવારમાં આટલો બધો પ્રેમ ? અને આટલા બધા રોમાન્ટીક ?

નવીન—હા આજે મારા માટે ખાસ દિવસ છે,હુ બહુ ખુશ છુ. અને મેડમ જરા નજીક આવો નવીને સરોજને બાહોમાં લીધી અને કહ્યુ, જન્મ દિવસની ખુબ ખુબ વધાઈ.અને આમ હમેશાં ખુશ રહે એજ મારી શુભ કામના સરોજ—જન્મ દિવસની વધાઈ આપવાની બહુજ સરસ રીત છે.અને હમેશાં તમે તો બહુ રોમાન્ટીક થઈ જાવ છો .

નવીન—ખુબ સુરત ધર્મપત્નિને  જોઈને કોણ ન રોમાન્ટીક થાય ?

સરોજ—ઉઠો જલ્દી તૈયાર થઈ જાવ આપણે મંદિર જવાનુ છે,

નવીન—સાચુ કહુ સરોજ તૂ મંદિર જાય કે ન જાય ભગવાન તને ઘરમાં બેઠા પણ આશીર્વાદ વરસાવવાના

છે. તૂ છે જ એટલી સારી, કે ભગવાનના આશીર્વાદ હમેશાં તારી સાથે છે,

સરોજ—જનાબ  ઉઠો તમારી ફીલોસોફી પછીથી હાંકજો તૈયાર થઈ જાવ તમારે જ કામે જવાનુ મોડુ થશે.નવીન તૈયાર થયો એટલે તેણે લાવી રાખેલી સાડીઓ સરોજને ભેટ આપી, સરોજ સાડી લેતાં એકદમ ભાવ વિભોર થઈ ગઈ અને નવીનને વળગી પડી અને બોલી મારા ઉપર આટલો બધો પ્રેમ વરસાવશો તો હુ કેવી રીતે તેનો ભાર ઝીલીશ. મારે મન તો તમે, મારુ સર્વસ્વ છો. ભાવુકતાને લીધે સરોજ એકદમ ગળગળી થઈ અને તેની આંખના ખુણા ભીના થયા.

નવીન—સરોજ પતિનો પણ ધર્મ છે ,પન્તિને ખુબજ પ્રેમ કરવો અને તેને ખુશ રાખવી.

નવીન—મંદિર જતાં એક સાડી પહેરજે અને સાંજે જુહુ બીચ જઈએ ત્યારે આ બીજી સાડી પહેરજે.

સરોજ—તમારે કંઈ કહેવાનુ હોય ,આ સાડીઓ મારા માટે બહુ અમુલ્ય છે, તેમાં મારા પતિનો પ્રેમ ભરેલો છે. અને સરોજ આજે સરસ રીતે તૈયાર થઈ,બહુજ સુન્દર દેખાય છે,મંદિર જતા માસી સામે જ મળ્યા ઉભીરે સરોજ ગાલે કાળુ ટપકુ કરવા દે, આજે બહુજ સુન્દર દેખાય છે ,કોઈની નજર ન લાગે.

સાંજના બધા કામેથી આવી ગયા એટલે જુહુ બીચ જવા નીકળ્યા નક્કી કરેલ જગ્યાએ સાથે ભેગા થયા. નવીન અને સરોજ પણ આવી ગયા સાથે બેઠા અને બધા સાથેજ બોલી ઉઠ્યા .

” સરોજકાકી જન્મ દિવસની ખુબ ખુબ બધાઈ ”

નવીન અને સરોજ ખુશ થઈ ગયા,અને કહ્યુ આપ સૌનો ખુબ ખુબ આભાર. નવીન બોલ્યો પરંતુ બધાએ જરાય જાણવા પણ ન દીધુ ? દરેક જણ એક એક વાનગી બનાવી લાવ્યા હતા અને કેક બહારથી લીધી હતી. સાથે બેસીને મોજ મસ્તી કરતા અંતાક્ષરી રમ્યા.  વળી કોઈ અલગ અલગ જોક્સ બોલ્યા, ખરેખર એક અનોખી જન્મ દિવસની પાર્ટી બની. સાથે મળીને ખાધુ બહુજ મઝા કરી સરોજ અને નવીન માટે આ જન્મ દિવસ યાદગાર બની ગયો. ખુશી ખુશી ઘરે આવ્યા અને પાછુ દરરોજનુ  નિયમિત જીવન ચાલુ થઈ ગયુ.

સરોજને સાત મહિના પુરા થાય તે પહેલાં નવીનના માસીએ સરોજની ગોદ ભરવાની રિત કરવાનુ   વિચાર્યુ.અને પંડિત પાસે સારો દિવસ જોવડાવીને દિવસ નક્કી કર્યો. ગામમાં સમાચાર મોકલ્યા અને ગામથી સરોજના માતા-પિતા અને નવીનના માતા-પિતા પણ આવ્યા. અને અગાસીમાં પૂજા રાખવી નક્કી કર્યુ, ચાલીમાં પણ બધાને આમંત્રણ આપ્યુ. આનંદ અને ઉમંગથી મનુષ્યના જે સોલ સંસ્કાર છે, તેમાંનો એક, સરોજનો સીમંત સંસ્કાર બહુજ સરસ રીતે વિધીથી સંપન કર્યો. સરોજની માતાએ અને નવીનની માતાએ ભેટ આપી અને આશીર્વાદ આપ્યા દુધો ન્હાવ પુતો ફલો.માસીએ પણ ભેટ અને આશીર્વાદ આપ્યા. નવીનના માતા-પિતાએ સરોજના બાળકનો જન્મ થાય ત્યારે ફરીથી પાછા મુમ્બઈ આવીશુ એમ નક્કી કર્યુ પરંતુ સરોજના માતા સરોજનુ ધ્યાન રાખવા માટે રોકાઈ ગયાં અને નવીનના માતા-પિતા અને સરોજના પિતા એક અઠવાડિયુ રોકાઈને પાછા ગામ ગયા.

આખરે જેની નવ માસથી રાહ જોવાતી હતી તે દિવસ સરોજ અને નવીન માટે આવી ગયો. સરોજને ડોક્ટરે જે તારીખ આપી હતી તે પ્રસુતિનો સમય આવ્યો એટલે આશાપારેખ હોસપીટલમાં દાખલ કરી, બધી રીતે તબીયત સારી છે એટલે પ્રસુતિ તો નોરમલ જ થવાની છે એટલે કોઈ ફીકર નથી.ડોક્ટર નર્સ વગેરે આવ્યા અને સરોજને પ્રસુતિનો સમય થયો એટલે પ્રસુતિ કરાવી દીધી .નર્સ બહાર આવીને, રાહ જોઈને ઉભેલા નવીનને સમાચર આપ્યા સાહેબ,મેડમે છોકરાને જન્મ આપ્યો છે. નવીન ખુશીથી ઝુમી ઉઠ્યો. તેની ખુશીનો કોઈ પાર નથી રહ્યો. નર્સના હાથમાં ૫૧ રૂપિયા મુક્યા,અને બોલ્યો આપનો ખુબ ખુબ આભાર,આજે તમે બહુજ ખુશીના સમાચાર આપ્યા,નર્સ વળતા જવાબ આપ્યો, આપને પણ પુત્ર જન્મની ખુબજ વધાઈ.

નવીનની સાથે સરોજની માતા,તેના માસી, બાજુવાળા માસી વગેરે હાજર હતા બધાએ નવીનને વધાઈ આપી. નવીન રૂમમાં ભાગતો હતો, માસીએ કહ્યુ હમણાં ઉભો રહે નર્સ કહે પછીથી અંદર જા.થોડી વારમાં નર્સ બહાર આવીને કહ્યુ હવે અંદર જઈ શકો છો.માસીએ કહ્યુ બેટા પહેલાં તૂ મળી આવ પછીથી અમે આવીએ છીએ.નવીન રૂમમામ ગયો બાબાને જોયો અને તેને એવુ મહેસુસ થયુ જાણે આ તેનુ પોતાનુ જ સ્વરૂપ જોતો હોય, પોતાની જ પરછાઈ હોય એવુ લાગ્યુ.જોઈને એકદમ ભાવ વિભોર થઈ ગયો અને આંખોના ખુણા ભીના થઈ ગયા. સરોજ નવીનને ભાવ વિભોર બનોલો જોઈ પોતે પણ એકદમ ભાવુક બની ગઈ અને તેની આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા.આપણે માતા-પિતા બનીને આજે ધન્ય થઈ ગયા.

નવીન—સરોજ તારો ખુબ ખુબ આભાર તે મને આજે એક અમુલ્ય ભેટ આપી છે. આજે હુ બહુજ ખુશ છુ.

સરોજ—ઘરે જતા પહેલાં બા-બાપુજીને તાર કરી દેજો અને એક તાર મારા પિતાને પણ કરી દેજો. ત્યાં આગળ બધા ખુશીના સમાચારની રાહ જોઈને બેઠા છે.

નવીન—સરોજ  હા બધુ કામ થઈ જ્શે તૂ જરાય ફીકર ન કરીશ. તારે આરામ કરવાની બહુ જરુર છે. સરોજની માતા સરોજ સાથે રોકાયા અને નવીન વગેરે ઘરે આવ્યા. ચાલીમાં બધા દોડી આવ્યા અને નવીનને, સરોજ અને બાબાના સમાચાર પુછ્યા,અને નવીનને પુત્ર જન્મની વધાઈ આપી.ગામમાં પણ નવીને તાર કરીને સમાચાર આપી દીધા.અને વળતાં વધામણાં દેતા તાર આવી ગયો. અને જણાવ્યુ અમે મુમ્બઈ આવીએ છીએ.બે દિવસ પછી સરોજને હોસપીટલમાંથી રજા આપી અને સરોજ બાબાને લઈને ઘરે આવી. ગામથી નવીનના માતા-પિતા અને સરોજના પિતા પૌત્રને જોવા માટે આવ્યા.નવીનના માસીએ એક અઠવાડિયામાં એક મરાઠીબાઈ સાથે નક્કી કરીને સરોજ અને બાબાને નવડાવવા માટે અને બંનેની માલિશ કરવા માટે રાખી લીધી. વહેલી સવારે મરાઠીબાઈ આવી જતી.બાબાને માલિશ કરતી હતી. અને પહેલે દિવસે બાઈને માલિશ કરતી જોઈને સરોજ બોલી બાઈ જરા સંભાળીને બાબાને માલિશ કરજો.

લક્ષ્મીબાઈ—અહો બાઈ દેવા રે દેવા !!! ઘાભરુ નકો, મી તુમચા મુલગાલા બરોબર કાળજી ઘેઉન કામ કરીલ. માઝા રોજ એઈચ તો કામ આહે.તુમચા મુલગા આણી તુમાલા ચાંગલા માલિશ દેઉન, બગા મી કીતી છાન મજબુત કરુન ટાકીલ.

સરોજને થોડા શબ્દો સમજાયા.અને સમજમાં આવ્યુ ફીકર નહી કરવાની કહે છે. અને બાઈને કહ્યુ ભલે તમે તમારી રીતે કામ કરો.

નવીનના માતા-પિતા અને સરોજના પિતા આવી ગયા. દાદા-દાદી અને નાના-નાનીની ખુશીનો કોઈ પાર નથી.નાનીએ સોનાનો કંદોરો અને લકી ચેન ભેટ આપી તો દાદીએ સોનાની ચેન વીટી ભેટ આપી અને પૌત્રને આશીર્વાદ આપીને પ્રેમથી ચુમી લીધો. ઘર ખુશીઓથી મહેકી ઉઠ્યુ.દાદાજી-દાદી ને નાનાજી પંદર દિવસ પૌત્ર સાથે રહ્યા અને સરોજની માતા સરોજ સાથે રોકાઈ ગયાં.

નામ કરણ દિવસ આવ્યો એટલે, આગળથીજ નવીનના માસીની છોકરીએ બાબાનુ નામ નક્કી કરી રાખ્યુ હતુ “અમર”. અને બાબાને અમર નામ આપવામાં આવ્યુ, પારણામાં ઝુલાવ્યો, સવા મહિનાનો થયો એટલે અમરને મંદિર લઈ ગયા. સરોજને અમરની પાછળ આખો દિવસ જતો રહે છે. અને હવે સરોજની માતા અમરને માલિશ કરે છે અને નવડાવે છે.અમર બે મહિનાનો થયો એટલે સરોજની માતાએ કહ્યુ બેટા હવે હુ પાછી ગામ જઈશ, નવીને ટિકિટ બુક કરાવી લીધી અને સરોજની માતા પાછા ગામ ગયાં.અમર સાત મહિનાનો થયો એટલે તેની બાળ લીલા ચાલુ થઈ ગઈ. સરોજ આખો દિવસ અમરની પાછળ ભાગતી, અને એકજ છબી જશોદામૈયા અને કાનાની આંખો આગળ ઉભરતી, ઘુટણીયાં ભરતા શીખ્યો તો હવે દોડ ભાગ વધી.પરંતુ સરોજને ક્યારેય કંટાળો નથી આવ્યો તેને તો આંખ આગળ બાલ ક્રીષ્ણ જ દેખાતા હતા.સરોજ અને અમરને જોઈને નવીનને એમજ લાગતુ સ્વર્ગ ધરતી ઉપર ઉતરી આવ્યુ છે.

સરોજ અને નવીન દરેકને મદદ રૂપ થાય છે,બીજાને કોઈ પણ મુશ્કેલીમાં મદદ કરવા માટે, સાથ આપવા હમેશાં આગળ હોય છે. અને આ તેમનુ રોજીન્દુ જીવન  જીવવાની રીત છે. નવીન અને સરોજના જીવનની ગાડી સરળ, સહેલાઈથી એકજ ગતીથી ચાલી રહી છે.વિચારે છે ભગવાને અમારી ઝોલી ખુશીઓથી ભરી દીધી છે.અમારે જીવનમાં બીજુ શુ જોઈએ?

એક મધ્યમ વર્ગનુ કુટુમ્બ છે છતાં પણ હરેક પળ હજારો ખુશીઓ ભેગી કરીને જીવી રહ્યુ છે. ન કોઈ ખોટી લાલસા,ન મોટી લાલચ, જે કંઈ મળ્યુ છે તે ભગવાનની પ્રસાદી સમજીને ખુશી ખુશી આનંદથી સ્વીકારીને ખુશીયાં લુટી રહ્યુ છે, સંતોષી છે, એકદમ સુખી કુટુમ્બ છે.

વીરાંગના સરોજ શ્રોફ () પ્રવિણા કડકિયા

ચેપલ ગલીમાં મજાની એક રૂમ અને રસોડાવાળી જગ્યા મળી ગઈ. આગળ પાછળ બંને બાજુ ગેલેરી. ત્રીજો માળ એટલે કસરત પણ થઈ જાય. એક માળ પર દસ રૂમ. રહેવાવાળા સુખી પરિવાર હતા. સરોજ તો આવું સુંદર ઘર અને પાડોશ જોઈને ખુશ થઈ ગઈ.આજુબાજુનું વાતાવરણ જરા ઘોંઘાટિયું હતું.ત્રીજે માળે ઘર હતું તેથી બહુ વાંધો ન આવ્યો. મુંબઈની ચાલીમાં રહેવું તે પણ એક જીવનનો લહાવો છે. પાડોશી કાંઇ સગાં ન હોય પણ જરૂર પડ્યે સગાંથી કમ નહી પણ ઝાઝા પુરવાર થાય. અડધી રાતે તેમના ઘરનું બારણું ખટખટાવો તો મદદે દોડી આવે. ઉછીનું માગવા અને આપવા કાજે હંમેશા ખડેપગે તૈયાર. સરોજ મુંબઈ માટે નવી હતી તેથી આ કળાની તે માહિતગાર ન હતી. જોકે બે યા ત્રણ અનુભવ શિખવા માટે પૂરતાં હોય છે.

ઘર સજાવવામાં સરોજ કુશળ પુરવાર થઈ. નવી જીંદગી, નવું ઘર અને પ્રિય પતિ બારી પર સુંદર રંગના પડદા લટકાવ્યા. પ્રખ્યાત મીલની ચાદરનો નવો સેટ લાવી હતી. તેનાથી પલંગ સજાવ્યો.અમરને માટે નાનો પલંગ પણ બારી પાસે રાખ્યો. ઘરમાં જોઈતી વસ્તુઓ સુઘડ રીતે ગોઠવી. અમરના રમકડાં મોટા પટારામા ભરતી. દિવસે રમે અને રાતના તેબધા શાંતિથી પટારામાં પૂરાઈ જાય.

સ્થળ ખૂબ મોકાનું હતું. ઘરની નીચે ઉતરો એટલે બધું જ મળે. શાકવાળા રેકડી લઈને ઉભા હોય. ફળફળાદીવાળી બાઈ તો આવે અને બે જણા માટે સરસ તાજાં ફળ આપી જાય. નવીનને ‘યુકો બેંકમાં’ નોકરી મળી હતી. ઘરથી નજીક એટલે બપોરે જમવા ઘરે આવતો. જમવામાં રોજ સાદું પણ અવનવું સરોજ બનાવતી. સરોજ રસોઈ કળામાં પ્રવીણ હતી. તેની માતાએ નાનપણથી રસોઈ કરવાનું શિખવ્યું હતું. નવીન ખાવાનો જબ્બર શોખિન જીવડો હતો. દરરોજની રસોઈ સાદી, સ્વાદિષ્ટ અને તબિયતને અનૂકુળ બનાવતી.

નવીનથી વધારે પડતું ખવાઈ જાય તો પછી નોકરી પર ઝોકા આવે. છાશ તો અચૂક હોય જ. સમય મળે એટલે પંદરથી વીસ મિનિટ રમી રમવાની મઝા માણતા. સરોજને રમી રમવાનો શોખ હતો. લગ્ન પહેલાં દરરોજ રાતના પોતાના પિતાજી સાથે રમતી હતી. હવે તો ‘અમર’નું આગમન થયું હતું તેથી કામવાળીબાઈ સાથે નક્કી કર્યું હતું કે શેઠ ઘરે હોય તેટલો વખત અમરને સાચવવાનો જેથી નવીન સાથે સમય ફાળવી શકે. સરોજને થતું બાળક તો સ્વભાવિક છે માતાને પ્યારું હોય. તેનો અર્થ એ નથી કે પતિને ખુશ નહી રાખવાનો. પતિની મર્યાદા અને માન જાળવતી તેનું વળતર વ્યાજ સાથે પામતી અને પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી માનતી. લગ્ન જીવનના પાયાનું શિક્ષણ તે બહુ સુંદર રીતે પામવા નસિબવંતી બની હતી.

જોત જોતામાં અમર વર્ષનો થવા આવ્યો. દાદા, દાદી અને નાના, નાની રમાડીને તાજોમાજો કરી ઘર ભેગા થઈ ગયા. સોના દરરોજ અમરને માલિશ કરી નવડાવતી હતી. તેથી તો અમર દરરોજ બપોરે અઢીથી ત્રણ કલાક ઘોડિયામાં સૂતો હતો. સોના ઘણી સારી હતી જેથી સરોજને ઘણી રાહત રહેતી.આખા મકાનમાં અમર એકલો નાનું બાળ હતો તેથી આડોશી પાડોશી તેને અવાર નવાર રમાડવા લઈ જતા. ધીરે ધીરે અમર મોટો થઈ રહ્યો હતો. સરોજને થતું નવીન તો બેંકની નોકરીમાં ગુંથાયેલો રહે છે. અમર તેનું

બાળપણ મોજથી જીવી રહ્યો છે. સરોજની પાસે ફાજલ સમય ઘણો બચતો. બપોરે સુવાની તેને આદત ન હતી. અમર સાથેના બાળપણની હરએક ક્ષણ તે ખૂબ સુંદર રીતે માણી રહી હતી.અમર નવીનની પ્રતિકૃતિ હતો. સાથે છૂપા છૂપી રમતી. અલક ચલાણું કરતી. સુંદર મજાનાં બાળ ગીતો ગાઈ તેને નચાવતી. પ્રાર્થના કરે ત્યારે અમર બે હાથ જોડી ભગવાન પાસે ઉભો રહેતો તે જોવાની સરોજ અને નવીનને મઝા આવતી.

અમરને બપોરે ત્રણેક કલાક સૂવાની ટેવ હતી . આ સમયનો સરોજને સદ ઉપયોગ કરવો હતો. બાજુવાળા માસીને પોતાના મનની વાત કહી સંભળાવી.

સરોજઃ માસી તમારા સહકારની અપેક્ષા છે. તમે ચાલીમાં સહુથી જુનાં રહેવાસી છો. આ ચાલીની આજુબાજુની ગંદકી દૂર કરીએ. આપણા કામવાળા છે તેમના બાળકોને ભણાવીએ. તેમને ચોખ્ખાઈ અને સુઘડતા શિખવાડીએ. તમે ઘણાં બધાને ઓળખો છો. તમને બધા આદર પણ આપે છે. જો તેમનામાં ચોખ્ખાઈ અને શિક્ષણના બીજ રોપી શકીએ તો જીવનમાં કંઈક કર્યાનો આનંદ મળે. નાનો અમર છે તેથી બહાર તો જવાય નહી પણ ઘર આંગણે થોડું સારું કાર્ય કરી શકાય.

માસીઃ બેટા, હું આ ચાલીમાં ૨૫ વર્ષથી રહું છું.તારા વિચાર મને ગમ્યા. હું તને સંપૂર્ણ સહકાર અને મદદ આપવા તૈયાર છું. માસીને સરોજના આવા ઉત્તમ વિચારો જાણી હર્ષ થયો. તેમણે માસાને પૂછવાનું પણ જરૂરી ન લાગ્યું. વળી મનમાં વિચાર આવ્યો. ઢળતી ઉમરે આવા સરસ કાર્યની હું ભાગીદાર થઈ શકીશ. મકાનમાં દાદર ચઢવાની ભીંત ઉપર ચોકથી લખાઈ ગયું,

૧. કચરો ગમે ત્યાં ફેંકવો નહી.

૨. માળામાં કોઈએ નાની ઉમરના છોકરાં યા છોકરીઓને કામે રાખવા નહી.

રમામાસી અને રમણમાસાએ નક્કી કર્યું ભણાવવાનો બધો ખર્ચ તેઓ આપશે. સરોજ સમય આપશે. એ બાળકોને ચોખ્ખાઈ વિશે શિખવાડશે. ભણવા આવે તેમને દરરોજ બિસ્કિટ કે નાસ્તો પણ આપવામાં આવશે.બાળકો ખાવાની લાલચે આવતા થયા. સરોજનું ઘર ખૂણામાં હતું તેથી બાળકોને બેસવાનું સારું પડ્યું. એક જ અઠવાડિયામાં આઠ બાળકો આવતા થયા. બાજુવાળા રમામાસી તો ઈર્લા પર જઈને તેમના માટે ટુવાલ, નહાવાનો હમામ સાબુ, નોટબુક,પેન્સિલ,રબર,સંચો, ફુટપટ્ટી, દફતર અને કપડાં લઈ આવ્યા. બાળકો ખુબ ખુશ થયા અને રોજ નિયમિત ભણવા આવવા લાગ્યા. સરોજનો દિવસ પ્રવૃત્તિથી ધબકતો થઈ ગયો.

રમામાસી અને રમણમાસાને ત્યાં શેર માટીની ખોટ હતી. સરોજની આ પ્રવૃત્તિ બંને જણે ઉમળકાભેર ખુલ્લા દિલે આવકારી. ઈશ્વર કૃપાથી પૈસાની ખોટ હતી નહી. આવા સારા કાર્યમાં એ પૈસો વપરાય તેનાથી વધારે શું જોઈએ? તન મન અને ધનથી સરોજની પ્રવૃત્તિમાં સહકાર આપ્યો. સરોજે વિચાર્યું માસી માસા ખૂબ સુંદર સ્વભાવના છે.તેણે જ્યારે પ્રસ્તાવ મૂક્યો ત્યારે ખબર ન હતી શું પ્રતિભાવ આવશે? જેનાથી તેનો ઉત્સાહ વધ્યો.

જોત જોતામાં અમરની વર્ષગાંઠ આવી ગઈ. ત્રીજે માળવાળા બધાએ ભેગા મળી આખી ચાલી શણગારી. નવીનની બેંકમાંથી પણ પાંચ જણા ખુશી મનાવવા અને અમરને આશિર્વાદ આપવા આવ્યા હતા. અમર માટે મલાડવાળા માસી તો સુંદર મજાની કેક લઈને આવ્યા. સરોજે બધા બાળકોને આપવા સુંદર ભેટની થેલીઓ બનાવી હતી. બધાને રંગબેરંગી ફુગ્ગા પણ આપ્યા. અમર ખૂબ ખુશ હતો. તાળી પાડી બધાની સાથે સંગીત પર નાચતો હતો. જ્યારે થાક્યો ત્યારે દુધપીને સૂઈ ગયો. ખરી મજા તો મકાનના છોકરાઓએ અમરના સૂતા પછી માણી. નવિને ટેપ રેકોર્ડર પર ગાયન મૂક્યા અને બધા ખૂબ નાચ્યા. માળાના બધા પાડોશીઓએ ભેગા થઈ અમરને માટે ‘ઝુલતો ઘોડો’ ખરીદ્યો જે નવીન અને સરોજને પણ ખૂબ ગમ્યો. નાના,નાની અને દાદા,દાદી આવી ન શક્યા તેથી રોકડા રૂપિયા મોકલ્યા જેનું અમરના નામે બેંકમાં ખાતું ખોલાવ્યું.

શિયાળો આવી રહ્યો હતો. પોંકની ૠતુ ચાલુ થઈ હતી. નવીનનો શાળાનો મિત્ર જુહુ સ્કિમમા રહેતો હતો. મહેશ અને નવીન જીગરજાન મિત્રો. ધન કમાવાની લાલસામાં હજુ ભાઈ એકલ રામ હતા. હવે જ્યારે પરણવાનો વિચાર કર્યો ત્યારે છોકરીઓ પૈસા પાછળ પડી હતી. મહેશને સરોજ જેવી સુંદર અને ઘરરખ્ખુ કોઈ છોકરી સાથે પરણવું હતું. ઉતાવળ ન હતી પણ મળે તો ઘડિયા લગ્ન લેવા પણ તૈયાર હતો. મહેશને કિસ્મતે યારી આપી હતી. કહેવાતું કે ‘મહેશ કાદવમાં પણ હાથ નાખે તો સોનું થઈ જાય.’ અમરની વર્ષગાંઠ પર એ ધંધાના કામ માટે અમેરિકા ગયો હતો. તેણે પ્રયત્ન કર્યા કે સમયસર આવી પહોંચે. કોઈ પણ રીતે કામ પુરું થઈ શક્યું નહી.

નવીનનો ખાસ મિત્ર હોવાને દાવે તેણે બધાને પોતાને ગામ સૂરત આવવા માટેનું નિમંત્રણ આપ્યું. બધાની ટ્રેનની ટિકિટ કઢાવી નવીનને પરબિડિયું મોકલી આપ્યું. સરોજ ભાવવિભોર થઈ ગઈ. સારું થયું આંખમાંથી મોતી ના સરી પડ્યા. આખા માળામાં બધાને આમંત્રણ આપી આવી. અરે , તે જે બાળકોને ભણાવતી હતી તેમને પણ સાથે લઈ જવા તૈયાર થઈ ગઈ. બે બાળકો બિમારીના હિસાબે ન આવ્યા. જે આવ્યા તેમને માટે રમા માસી જઈને કપડાં પણ લઈ આવ્યા. પોંક, ઉંધિયું અને ઘારીની ઉજાણી. એક રાત રહેવાનું પણ હતું. પાડોશીઓ પણ ખુશ થઈ ગયા. કોને ખબર કેમ નવીન અને સરોજ માળામાં રહેવા આવ્યા પછી આજુબાજુના મકાનવાળા પણ કોઈ વાર ઈર્ષ્યા કરતા.

સુરતથી ડુમસ જવા માટે બસની સગવડ , બધાને રાતવાસો કરવાનું આયોજન ખરેખર દાદ માગી લે તેવી હતી. મહેશને પૈસા ખરચવાનું પોસાય તેમ હતું. નવીન બાળપણનો મિત્ર પછી પાછું વળી શું કામ જુએ. આનંદ મનાવીને સહુ પાછા આવ્યા. પોંક ખાધો પણ ખરો અને સાથે લેતા પણ આવ્યા. અમરતો ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે. ઘડી ભર તેને કોઈ અળગો ન કરતાં.

બાજુવાળા રમામાસીને ત્યાં રોજ રોટલીનો લાડવો ખાવાની અમરને આદત પડી ગઈ હતી. સરોજને શોધવા નિકળવું પડતું કે અમર કોના ઘરમાં રમે છે. નવીન બપોરે જમવા આવે ત્યારે તેને અમર સાથે રમવું હોય. આજે બપોરે નવીન જમવા આવ્યો ત્યારે તેનું શરીર ગરમ હતું. અમરને તેનાથી દૂર રાખ્યો. આદુ,એલચી અને ફુદીનાવાળી ચા પીને સૂઈ ગયો. પાછો બેંક પર જવાનો ન હતો. સરોજે વઘરેલી ખીચડી બનાવી. બીજે દિવસે રવીવાર હતો જેથી પૂરતો આરામ મળ્યો. સોમવારે પાછો નોકરી પર હાજર થઈ ગયો.

દરરોજ બપોરે સરોજની બાળકોને ભણાવવાની પ્રવૃત્તિ સુંદર આકાર લઈ રહી હતી. સઘળાં બાળકો ખુબ હોંશે હોંશે ભણવા આવતા. જો કોઈ બાળક સાજુ માંદું થાય તો ડોક્ટર પાસે પણ લઈ જતાં. આ પ્રવૃત્તિને કારણે ડોક્ટરના દિલમાં પણ રામ વસ્યા. તેમણે વગર પૈસે બાળકો માટે સેવા આપવાનું નક્કી કર્યુ. દવા પણ વગર પૈસે અને જો બાળક અશક્ત જણાય તો દુધ અને ફળ માટે પણ પૈસા આપતા. સરોજને લાગ્યું ‘કૃષ્ણ ભગવાને ગીતામાં કેવું સુંદર કહ્યું છે , કર્મ કર્યે જા ફળની આશા રાખીશ નહી. પણ એ જ ગીતા કહે છે, કર્મ ફળ આપ્યા વગર શાંત થતાં નથી.’ જ્યારે કામની શરૂઆત કરી ત્યારે સરોજ અજાણ હતી કે આ કાર્ય સફળ થશે યા નહી?

આ વર્ષે લગ્નની ત્રીજી વર્ષગાંઠ હતી. અમર પણ એક વર્ષનો થયો હતો. સરોજે વિચાર્યું મુંબઈ આવે બે વર્ષ થઈ ગયા. હજુ મહાબળેશ્વર ફરવા નથી ગયા.તેણે નવીનને વાત કરી. નવીનતો ખુશ થઈ ગયો. હવાફેર કરવા મહાબળેશ્વરનો સરોજે મૂકેલો પ્રસ્તાવ તેણે વધાવી લીધો. ચારેક દિવસનો કાર્યક્ર્મ બનાવ્યો. ત્યાંની રિગલ હોટલમાં રહેવાની બધી વ્યવસ્થા કરાવી લીધી. નવીનની કામગીરી બેંકમાં બહુ પ્રશંશનીય હતી. મેનેજરે સામે ચાલીને ગાડી લઈ જવાની વાત કરી. નાનો અમર સાથે હતો તેથી વગર આનાકાનીએ નવિને પ્રસ્તાવ વધાવી લીધો.સરોજ ખૂબ ખુશ થઈ અને ત્રણેય જણાં મહાબળેશ્વર જવા રવાના થયા.

સુંદર મોસમ,ગમતો સાથી અને વહાલા પુત્રને ગાડીમાં લઈને જવાનું બસ મઝા મઝા થઈ ગઈ. રિગલ હોટલનું ખાવાનુંપણ મસ્ત હતું. જો તમે ઉનાળાની રજામાં જાવ તો કદાચ ઓછી વત્તી સગવડ સચવાય પણ આ ટાણે તમારો પડ્યો બોલ ઝિલાય. સવારે પંચગીની ‘ટેબલ લેન્ડ’ જોવા ગયા. બપોરે જમીને ત્રણેય જણા મધુરી નિંદરમાં પોઢી ગયા.સાંજે ‘સન સેટ’ પોંઈંટ જોવા જવાનું નક્કી કર્યું.સુર્યાસ્ત જોવાનો આનંદ હાથમાં હાથ પરોવીને માણ્યો. પહેલી વાર આવ્યા હતા તેથી ખૂબ રોમાંચ અનુભવ્યો. રાતના જમવાનાં રૂમમાં પાંચેક નવ પરણિત યુગલ જોઈને મઝા આવી ગઈ. તેમનો શોરબકોર કાંઈ અલગ જ હતો. એ સઘળાં મિત્રો હતા

મહાબળેશ્વર જાવ અને લેકમાં સહેલગાહે ન નિકળો તો જ નવાઈ. કિનારા પર સરસ મજાનાં મકાઈના ભુટ્ટા અને ગાજર ખાવાની મઝા આવે. સહેલગાહે જવા જ્યારે નવીન પૈસા આપવા માટે ગયો ત્યારે જે માણસ પૈસા લેતો હતો તે નેત્રહીન હતો. દેખતાંને પણ શરમાવે તેવો તેનો વ્યવહાર જોઈ નવીન આશ્ચર્ય ચકિત થઈ ગયો.

નવ પરણિત યુગલોને જોઈ નવીન અને સરોજને લાગ્યું પોતે અલગ પડી જશે પણ એ લોકોને તો અમરને રમાડવાની મઝા આવી ગઈ. ધાર્યું કાંઈ હોય અને નિકળે કાંઈ. ચાર દિવસ માટે ગયા હતાં તેને બદલે આખું અઠવાડિયું ક્યાં પસાર થઈ ગયું તે ખબર ન પડી.ખૂબ આનંદમાં રજાની મઝા માણી.

નાનકડા અમરનું નામ ‘ડીફુ મહારાજ પાડ્યું.નવપરણિત યુગલોને તો અમર્સાથે રમવાની મઝા આવી ગઈ. અમરને ઘોડે સવારીમાં ખૂબ મઝા આવતી.. ઘોડાવાળાના હાથમાં ‘ગ્લુકોઝ બિસ્કિટનું’ પડીકું આપી દેતાં . અમરભાઈ પ્રેમથી ખાતાં જાય અને ઘોડા પર આનંદ માણતા જાય. સરોજને હજુ વધારે રહેવું હતું. નવીન કહે ‘મેમ સાહેબ’ મારી બેંક અને તમારા બાળકો આપણી રાહ જુએ છે. ચાલો સામાન બાંધો કાલે વહેલી સવારે નિકળી જઈશું તો હું અડધો દિવસ બેંકમાં આંટો મારી આવીશ.મારું કામ વ્યવસ્થિત કરી લઈશ જેથી બીજા દિવસે મને અગવડ ન પડે.

સરોજ પણ ઘરે આવી એટલે બાળકોમાં ભેરવાઈ ગઈ.તેમનું ઘરકામ તપાસવાનું , અક્ષર સારા કાઢે છે કે નહી તે જોવાનું. પલાખાં પૂછવાના ,આંક મોઢે લેવાના. કામવાળાના બાળકોને ભણવાની મઝા આવતી. સરોજ નવી રમતો શિખવાડતી. નાગરિક શાસ્ત્રના પાઠ ભણાવતી. ધીરે ધીરે તેઓમાં શિસ્ત અને સ્વચ્છતા વીશે જાગ્રતતા આવી હતી.

અમરની ધમાલ દિવસે દિવસે વધતી ચાલી. માળાવાળા તો જાણે ચકિત થઈ ગયા. માળો સુંદરને સાંતાક્રુઝમાં પ્રખ્યાત થઈ ગયો. અમર માટે બનાવેલું સ્વેટર તેના પર ખૂબ દીપી ઉઠતું. આજુબાજુવાળા અમરને ખૂબ પ્રેમથી રમાડતા.તે હતો જ એવો વહાલો લાગે એવો કે બસ રમાડતાં પેટ જ ન ભરાય.સરોજને બા તથા બાપુજીને મળવા જવાનું મન થતું પણ એવી કામકાજમાં ગુંથાઈ ગઈ હતી કે સમય ફાળવી શકતી નહી. વિચાર્યું ભલે જગ્યા થોડી સાંકડી છે. પણ બંને બા અને બાપુજીને તેડાવી લીધાં. જેથી અમરને રમાડવાનો લહાવો તેઓ પણ માણી શકે.અમરભાઈ બંને તરફથી પ્રથમ પૌત્ર અને દોહિત્ર હતાં તેથી ખૂબ લાડ પામ્યા. માળામાં પણ બધાએ તેમને વારાફરતી ચાનાસ્તા માટે આમંત્ર્યા.મલાડવાળા માસી તો આગ્રહ કરીને બે રાત રોકાવા લઈ ગયા.બાજુવાળા રમામાસી અને રમણમાસાએ તો પ્રેમે જમાડ્યા અને બંને બાને ખટાઉના વાયલની સાડી આપી. સરોજ તો આટલો બધો પ્રેમ જોઈ ગળગળી થઈ ગઈ.

નવીન સમયના અભાવે કોઈનું ઓછું વત્તું કામ કરે પણ સરોજ ખડેપગે હાજર.તેમાં પાછી બાળકોને ભણાવે. છ મહિનામાં એકવાર પર્યટન પર લઈ ગઈ અને સિનેમા બતાવ્યો. અરે, ચેપલ લેનમાં તેનું જોઈને બીજે બે મકાનવાળાએ પણ આવું સુંદર કાર્ય ચાલુ કર્યું.

રવીવારની રજામાં નવીન અને સરોજ અમરને લઈને જુહુની ચોપાટી પર ફરવા જતાં. પાછાં ફરતાં ત્યાં ભેળપુરી અને કુલ્ફી જરુર ખાતાં. વાર તહેવાર હોય કે વર્ષગાંઠ હોય ત્યારે કદી ‘સન એન્ડ સેન’ કે હોટલ ‘હોરાઈઝનમાં’ જઈ ઉજવતાં. આમ મુંબઈની જીંદગીમાં ઓતપ્રોત થઈ ગયા હતાં. એવું કહેવાય છે કે મુંબઈ શહેરમાં ‘રોટલો મળે પણ ઓટલો ન મળે.’ સારાં નસિબે નવીન અને સરોજને બંને પ્રાપ્ત થયા હતાં.

અમર જોતજોતામાં ચાર વર્ષનો થવા આવ્યો. ‘જમનાબાઈ નરસી’ શાળામાં તેને દાખલ કર્યો. હજુ નાનો હતો તેથી માત્ર ત્રણ કલાક જતો. સરોજ સવારે મૂકવા પોતે જતી. નવીન ઘરે જમવા આવે એ ટાણે લેતો આવે. ઈશ્વરની કૃપાથી બધું સરસ ગોઠવાઈ ગયું હતું. નવીનની હોંશિયારી અને ઈમાનદારીને કારણે બેંકમા સારી બઢતી મળી હતી. નવીન અને સરોજ હવે બીજા બાળક માટે વિચારી રહ્યા હતા.

સરોજ, નવીન અમરને ચાર વર્ષ પૂરા થયા. તને નથી લાગતું હવે તેને રમવા માટે ભાઈ કે બહેનની જરૂર હોય?

નવીન, અરે ખુલ્લં ખુલ્લા કહી દેને કે તને બીજું બાળક જોઈએ છે.

સરોજ, હું કાંઇ એવી બેશરમ નથી.પછી તો મરજી તારી.

નવીન, અરે યાર હું રાહ જોતો હતો, પ્રિયે મારે તારે મોઢેથી સાંભળવું હતું.

સરોજ હા, પણ એક વાત કહું તને નથી લાગતું ‘હમ દો હમારે દો; થઈશું તો આ ઘર નાનું પડશે.

ઘર નાનું એ કાંઈ વ્યાજબી બહાનું ન હતું. ઘર તો મોટું લઈ શકાય. બંનેની મજૂરી એ મુખ્ય વાત હતી. નવીન પણ તૈયાર હતો અને સરોજ તો અમરને કોઈ રમવા માટે મળે તેની જરૂર પણ હતી.

નવીન, હા તારી એ વાત સાચી છે.પૈસાની સગવડ તો બેંકમાંથી કરી શકાશે. મને ઘર માટે ઓછા વ્યાજના દર વાળી લોન મળી શકશે. પણ મારે આવું સુંદર મકાન છોડવું નથી. સાંતાક્રુઝનું ઘર અને પાડોશી ખૂબ જ ગમતા હતાં. બેંક નજદિક હતી. બાળકો ભણતા હતા અને આગળ અભ્યાસ માટે તેમનો સરોજ શાળા માટે પણ પ્રબંધ કરી આપતી.

કાગનું બેસવું અને ડાળનું પડવું. નવીન અને સરોજની એક બાજુ રમા માસી રહેતાં હતાં ત્યારે બીજી બાજુ કમળાકાકી ૮૦ વર્ષના હતાં. તેમની તબિયત નરમ ગરમ રહેતી. કાયમ પ્રભુને વિનંતિ કરતા, ‘હવે ક્યારે મને ઉપાડી લઈશ,’ ભગવાને પ્રાર્થના સાંભળી. એક અઠવાડિયાની ટુંકી બિમારી ભોગવી વિદાય થયા. આમ જોતાં નવીન સરોજને અનૂકુળતા સાંપડી. કમળાકાકીના બાળકો અમેરિકા સ્થાયી થયા હતાં. તેમને જગ્યામાં જરા પણ રસ ન હતો. નવીન અને સરોજે જગ્યા લેવા માટે રસ બતાવ્યો તે કમળાકાકીના દીકરાઓને ગમ્યું.

ઘરધણી સાથે નવીનને સારાસારી હતી.તેને જગ્યા પણ મળી ગઈ અને મકાન પણ છોડવું ન પડ્યું. પહેલાં હતું તેના કરતાં ઘર ખૂબ મોટું થઈ ગયું. ઘરમાં રંગ રોગાન કરાવ્યું. બે બાળકો માટેનો રૂમ સજાવ્યો. અને એક રૂમ માતા તથા પિતા માટે ખાસ તેમની સગવડ સચવાય તે પ્રમાણે બનાવ્યો.

સરોજ શું હવે ચોઘડિયું જોવડાવવાનું બાકી છે?

નવીન, ના રે ના આજે પૂનમની રાત છે. ચંદ્ર પણ વાત સાંભળીને લજવાયો અને વાદળ પાછળ——-

વીરાંગના સરોજ શ્રોફ () પ્રવિણા કડકિયા

હવે તો ઘર સરસ મજાનું મોટું થયું હતું. ઘરમાં પૈસા અઢળક વેર્યા ન હતાં પણ સાદુ છતાંય સગવડવાળું સરસ તૈયાર  થઈ ગયું હતું. બાજુવાળા રમામાસી તો સરોજની આવડત પર વારી જતાં. સરોજને પિયરમાં તેની મા હંમેશા કહેતી. “મારી સરોજ રૂપિયાના ત્રણ અડધા લાવે તેવી છે.” બાકી બેંક મેનેજરની નોકરી એવી તો ન જ કહેવાય કે જેમાં બધી સાહ્યબી પરવડે. છતાંય સરોજ અને નવિન ‘લાટસાહેબ’ની  જેમ રહેતા. નવિન હાથનો એકદમ ચોખ્ખો હતો. એક પણ પૈસો અનીતિનો ઘરમાં આવે નહી તેનું ધ્યાન રાખતો. તે માનતો કે જો ‘એક રૂપિયો અનીતિથી ઘરમાં પ્રવેશસે તો બે રૂપિયાનું નુકશાન થશે,’ સરોજને પણ ખોટા પૈસા તથા ખોટા ખર્ચામાં રસ ન હતો.

પૂનમના ચાંદની શોભાને નિરખી નવિન બોલ્યો, પ્રિયે ,આજની ઘડી રળિયામણી છે જો તેને માણવામાં પાછાં પડીશું તો હાથમાંથી આ પળ સરી જશે.’

સરોજ , તારા વચનને હું ઉથાપું? અરે આ ઘડીની તો હું રાહ જોતી હતી.

અમર, આરામથી સૂતો હતો. કોઈ વિઘ્ન હતું નહી. પ્રેમ પંખીડાએ સમયનો સદ-ઉપયોગ કર્યો  અને યોગ્ય સમય થયે ‘જતીન’નો જન્મ થયો. અમર હવે દિવસના ચારેક કલાક શાળાએ જતો તેથી જતીન પાછળ સરોજ સરખો સમય ફાળવી શકતી. અમર તો થોડોક પણ ધમાલિયો હતો ,જતીન જાણે શાંત મૂર્તિ જોઈ લ્યો. ઘરમાં હોવા છતાં પણ લાગે જાણે તે ઘરમાં નથી. સમયસર ઉઠવું, ખાવું, સુવું. ખરેખર આવા બાળકની

માને ખૂબ શાંતિ લાગે.

હજુ બાળકોને  ભણાવવાનું તો ચાલુ જ રાખ્યું હતું. લગભગ વર્ષ પુરું થવા આવ્યું હતું. દરેક બાળકને નાસ્તાનો ડબ્બો બિસ્કિટ ભરીને આપ્યો. જે લોકો હોંશિયાર હતા તેમને મ્યુનિસિપાલિટીની  શાળામાં પ્રવેશ પણ મેળવી આપ્યો. બાળકો ખૂબ ખુશ હતાં. સરોજબહેનનું કામ પણ દોડીને કરી આપતા. ભલેને ચાલીમાં બેસીને ભણતા પણ ચાલી વાળવી તેમાં પોતું મારવું તેને માટે પણ વારા બાંધ્યા. નવિન ઘણીવાર વિચાર કરતો સરોજ ખરેખર અદભૂત સ્ત્રી છે. બે બાળકોના પરિવાર સાથે આવું સતકાર્ય પણ સુઘડ રીતે કરી રહી છે. તેનામાં ઉત્સાહ ઠાંસી ઠાંસીને ભર્યો હતો.સરોજ જાણતી હતી કે મારી પાસે કશું નથી માત્ર સમય છે જેનો તે સુંદર રીતે ઉપયોગ કરતી હતી. આવી સરોજ દરેકના પ્રેમનું પાત્ર બની ગઈ હતી.શાળામાં આવતાં બાળકોને પ્રાર્થના પણ શિખવતી.પ્રાર્થના માત્ર પોપટની જેમ રટવાની નહી. તેનો અર્થ પણ સમજાવ્યો હતો. જેથી બાળકો ભાવ પૂર્વક પ્રાર્થના ગાય. બાળકોને ‘સત્યના આચરણ’ઉપર ખાસ ભાર મૂકતી .જેથી  ભવિષ્યમાં તેઓ સારા નાગરિક બને. જો અમર વહેલો શાળાએથી આવી ગયો હોય તો તેને પણ લાભ મળતો. જો ઝુંપડપટ્ટીનાં બાળકો કોઈવાર  તોફાને ચડતાં તો સરોજ કહેતી ‘કાલથી શાળા બંધ’ . બધા છોકરાં ડાહ્યા ડમરા થઈ બેસી જતાં. પંદરમી ઓગસ્ટ કે ૨૬મી જાન્યુઆરી આવે ત્યારે દેશભક્તિના ગાયન શિખવતી.

જતીન ધીર ધીરે બેસતો થયો. રમકડાંની  દુનિયામાં તે ખોવાઈ જતો અને હેરાન કર્યા વગર મસ્ત બની રમતો. સરોજને તેને રમતો જોવાની ખૂબ મઝા આવતી. તેને પોતાના ભાગ્ય ઉપર પ્રભુની કૃપા જણાતી.પ્રેમાળ પતિ અને વહાલસોયા બે બાળકો. સુંદર ઘર અને મનગમતાં પાડોશી. શું વધારે જોઈએ જીવનમાં? રમામાસી અને રમણમાસાનો સંપૂર્ણ ટેકો સરોજને મળ્યો હતો.

નવિન ઘરમાં સમયની અનૂકુળતાએ મદદ કરતો બાકી બધો ભાર સરોજ હસતા મોઢે ઉપાડતી. કોઈવાર થાકી જતી ત્યારે નવિન કહેતો ચાલ આજે ‘શાલીમાર’માં ઢોસાખાવા જઈશું. તને રસોડામાં છુટ્ટી. સરોજ ખુબ  ખુશ થઈ નવીન પર વારી જતી. આજે  જુહુ ફરવા જવાનું નક્કી કર્યું.અમરને જુહુ  ફરવા જાય ત્યારે ઘોડા પર બેસવાની ખૂબ મઝા આવતી. કમ સે કમ બે ચક્કર માર્યા વગર તે ઘોડા પરથી નીચે ઉતરતો નહી. નવિન કહેતો તેને મઝા આવે છે ભલેને બે ચક્કર લગાવતો.

સરોજ વિરોધ કરતી ‘આમ જ તમે છોકરાને બગાડો છો.

નવિન, ઘોડા પર એક ચક્કર વધારે મારવાથી જો છોકરા બગડતા હોય તો ભલે બગડે.

સરોજ નાના જતીનને લઈ બે ચક્કર ચગડોળમાં મારતી. જતીન હજુ નાનો હતો તેથી તેને ખોળામાં લઈ બેસવું પડતું. નવિનને આ બધું જોવાની મઝા આવતી. સરોજ ખૂબ આગ્રહ કરે તો તેને માન આપવા એકવાર ચગડોળમાં તેને સાથ આપતો.પછી નાળિયેર પાણી તો પિવાનું જ.

છેલ્લે ભેળ અને પાણીપુરી તે ખાધા વગર તો ઘરે ન જ જવાય. પેલી મુછાળાની કુલ્ફી, તે અમર યાદ કરાવતો.

પપ્પા, પછી મુછ હોય તેમ અભિનય કરીને કહે , કુલ્ફી નથી ખવડાવવાના?

નવિન અને સરોજ જોરથી હસીને કહે. બેટા તારી મરજી છે તો ખાજે પણ હું અને મમ્મી, હજુ વાક્ય પુરું કરે ત્યાં, સરોજ બોલી’ હું પિસ્તાની કુલ્ફી ખાઈશ’.અંતે બધા કુલ્ફીની મોજ માણી ઘર ભેગાં થતા.

નવિન મહેનતની કમાણી પર મુસ્તાક હતો. માતા પિતાને જરૂર પડ્યે ગામ પણ પૈસા મોકલતો.તેને તો ખબર હતી પિતાએ કેટલી મહેનત કરી તેને ભણાવ્યો હતો. સરોજ પણ સમજુ અને ડાહી હતી જેથી નવિનની હાલત કફોડી ન થતી. તેને કદાપી નવિનના મમ્મી પારકાં લાગ્યા ન હતાં.જો મમ્મી કાંઇ પણ કહે તો તે તેનો કદી અવળો અર્થ ન ઘટાવતી. જતીનના જન્મ વખતે આવ્યા હતા ત્યારે ખૂબ પ્રેમથી સાથે રહેવાનો લહાવો માણ્યો હતો.

યુકો બેંકે નવિનના નેજા હેઠળ ઘણો સારો દેખાવ કર્યો હતો.નવિનનો સવભાવ મળતાવડો અને તેના વેપારીઓ સાથેના સંબંધ વિકસાવવાની કળા મુખ્ય ભાગ ભજવતા. તેવામાં નવિનના બે ઓરડી છોડીને રહેતાં પાડોશીને ત્યાં એકની એક દીકરીનાં લગ્ન લેવાયા. નવિન અને સરોજનું ઘર મોટું હોવાથી તેમને ખૂબ કામમાં આવ્યું. આમ પણ ચાલીમાં સંપ સારો હતો તેથી સહુ જાણે પોતાની ઘરે પ્રસંગ હોય તેમ વર્તતાં. બે પ્રસંગ ઘરે કર્યાં.ડોળી લઈને દિલ્હી જવાનું હતું.

નવિન અને સરોજ બંનેને લગ્નમાં દિલ્હી જવાનું ભાવભર્યું આમંત્રણ હતું.સરોજે વિચાર્યું લાવ મારા મમ્મી અને પિતાને બોલાવું બાળકોને નાના તથા નાની સાથે રહેવાનો મોકો મળશે. મમ્મી અને પપ્પા આવી તો ગયા પણ બે છોકરાઓને માયા થતાં વાર લાગી. જતીન તો સચવાઈ જતો પણ અમરભાઇએ ખૂબ નાટક કર્યાં. સરોજે તેને ખુબ પ્રેમથી સમજાવ્યો અને કહ્યું કે જો તું નાનીનું કહ્યું માનીશ તો તારો ઘોડાવાળો આપણે ઘરે બોલાવીશું .તને રોજ એક આંટો ફરવા લઈ જશે. ઘોડા પર બેસવું અમરને બહુ ગમતું. નાનું બાળક પ્યારથી અને લાલચને વશ થઈ માની જાય. કામવાળી બાઈને પણ સરખી ભાળવણી કરી કે જેથી મમ્મી અને પપ્પાને હેરાનગતિ ન થાય.

સરોજને હૈયે ટાઢક વળી. લગ્નમાં જવાની તૈયારી કરવા માંડી. દિલ્હી તેણે કદી જોયું ન હતું તેથી નવિનને રજા વધારે લેવાનું કહી બંને જણા ખુશમિજાજથી  ‘રાજધાની ટ્રેન’માં નિકળ્યા. આગ્રાનો તાજમહાલ પણ જોવો હતો. લગભગ ૧૦ દિવસનો ભરચક કાર્યક્રમ બનાવ્યો. યુકો બેંકમાં મુંબઈની ‘તાજ હોટલ’ના મેનેજરનું ખાતું હતું. તેની ઓળખાણને કારણે દિલ્હીની ‘તાજમાં’ નજીવા ભાવે અઠવાડિયાનું બુકીંગ કરાવ્યું. સરોજનેતો જાણે સોનાનો સૂરજ ઉગ્યો હતો. બાળકો હતા નહી, તાજમાં રહેવાનું. રાજધાની દિલ્હીની સફર અને લગ્નમાં મહાલવાનું.

લાલ કિલ્લો, મીના બજાર,પૂ. ગાંધીજીની સમાધિ ‘રાજઘાટ’ ,રાષ્ટ્રપતિ ભવન, ધારાસભા,લોકસભા, વડાપ્રધાનનું ભવન બધું જ  ફરીને જોયું. ત્યાંના ‘ચાણક્ય’ સિનેમા ઘરમાં ચાલતું સુંદર સિનેમા પણ જોયો. એક દિવસ વહેલી સવારે નિકળી  આગ્રા પહોંચ્યા, તાજમાહાલ જોયો.શાહજહાં અને મુમતાજના અમર પ્રેમની નિશાની એટલે તાજમહાલ. આવો સુઅવસર સાંપડ્યો સરોજ ખુબ ખુશ હતી. આગ્રાનો તાજમહાલ પતિની બાંહોમા બાંહો નાખીને જોવાની મઝા કાંઈક જુદી છે. કુતુબ મિનાર તો સરોજ જોતીજ રહી ગઈ.  પાછા મોડેથી તાજ પર આવ્યા.  સમય અને સ્થળ બંનેનો સંપૂર્ણ લાભ માણ્યો. તેનું પરિણામ પણ સુખદ આવ્યું. હજુ બહુ જલ્દી હતું તેથી નવિનને ન જણાવ્યું.

લગ્નમાં ત્રણ દિવસનો ભરચક કાર્યક્રમ હતો. સરોજે મહેંદી મૂકાવી નવિનને કહે,’ અરે આ મહેંદીનો રંગતો આપણા લગ્ન વખતે આવ્યો હતો તેનાં કરતાં પણ ગાઢો આવ્યો છે’

નવિન કહે હા, આવે જ ને લગ્નની પંચવર્ષિય યોજના તો ક્યારની ઉજવી છૂક્યા છીએ. આપણો પ્રેમ વધારે દૃઢ થયો એટલે રંગ સરસ આવ્યો. વાત સહજ હતી પણ સરોજે શરમના માર્યા બે હથેળીમાં મોઢું છુપાવી દીધું.

ચંપા માસી અને શાંતીમાસાની દીકરી રોશનીના લગ્નનો દિવસ આવી પહોંચ્યો. રોશની અને રાકેશના  લગ્ન પ્રસંગે દાંડિયા રાસમાં સરોજ અને નવિને ખૂબ મસ્તી માણી. રાકેશના પિતા ધનાઢ્ય હતા. ખૂબ શાનદાર લગ્નમાં સહુએ આનંદ માણ્યો.  દીકરી પરણાવી તેથી વિદાય વેળાએ બધા ગંભિર થઈ ગયા. એ તો દુનિયાનો ક્રમ છે. દીકરી તો સાસરે શોભે.

સરોજના મુખેથી સરી પડ્યું

“ તારે સાસરી એ જવું આજ, તારા દિલમાં ઉમંગ ન માય

તું છે માતા પિતાની લાજ ,સાસરીયામાં ફેલાવજે સુવાસ”

માળાવાળા તો આવી સુંદર પંક્તિ સુણી આનંદમાં આવી ગયા.  વેવાઈના ઘરનાનો અતિથી સત્કાર ખરેખર દાદ માગીલે તેવો હતો . દિલ્હી શહેરમાં બહોળો વેપાર ઉદ્યોગ ધરાવતાં હોવાને કારણે રોશનીના કુટુંબને લગ્ન કાજે દિલ્હી તેડાવ્યા હતાં. ચંપા માસી અને માસાએ પણ સુંદર કરિયાવાર કર્યો હતો. લગ્નને બીજે દિવસે  ‘વર ઘોડિયાં’ મધુરજની માણવા નૈનિતાલ જવા વિદાય થયા. રાકેશના માતા પિતાએ બધાને વિદાયગીરી આપી અને સુંદર ભોજન સમારંભ યોજ્યો.

નવિન અને સરોજને હવે બાળકો યાદ આવ્યા. હરવા ફરવામાં અને રોશનીના લગ્નની મોજ માણવામાં વિસરાઈ ગયા હતા. સરોજ હવે ઘરે જવા ઉંચી નીચી થઈ ગઈ. પાંખ હોતતો ઉડીને પહોંચી જાત. કિંતુ રાજધાની તો પૂરા ૨૪ કલાકે મુંબઈ પહોંચાડવાની. હતી.

નવિન કહે ,મારી પાગલ બૈરી આટલા બધા દિવસની મઝા હવે ખરાબ ન કરીશ.

સરોજ, હા તું મા હોય તો તને ખબર પડે.

નવિન, કેમ બાપ ને કાંઈ ન થાય. અમને સંયમ રાખતાં આવડે છે.

સરોજ, હા માન્યું કે તારામાં સંયમ છે અને મારામાં અધિરાઈ.

સરોજે આખે રસ્તે રકઝક કરી. નવિન તેને ઓળખતો હતો તેથી હસી મજાકમાં વાત ઉડાવી દેતો. વાતને આડાપાટે  ચડાવવામાં તે કુશળ હતો. આખરે  હતો બેંકનો મેનેજર!

રાત પડી બધા સૂઈ ગયા અને સવારે ૬ વાગ્યામાં ‘મુંબઈ સેંટ્રલ’ આવી પહોંચ્યા.  વહેલી સવાર હતી તેથી ચાલીસ મિનિટમાં સાંતાક્રુઝ ઘરે આવી પહોંચ્યા.  ઘરે આવતાની સાથે નાનો જતીન તો મમ્મીને ચોંટી પડ્યો.તેને મમ્મી વગર જ ઓછું ગમતું હતું. અમર ર્તેને સાચવી લેતો હતો. નાના નાની પ્રયત્ન ખૂબ કરે પણ ઘણીવાર બાળકને જ્યારે મમ્મી જોઈતી હોય ત્યારે બીજું કોઈ મનાવી ન શકે.સરોજને દુઃખ થયું તેને જતીન થોડો દુબળો પણ જણાયો. ખેર ,હવે ઘરે આવી ગઈ હતી બધું બરાબર થઈ ગયું.

તાજમાં રોકાયાનું પરિણામ સુંદર આવ્યું. હજુ જતીન બે વર્ષનો પણ થયો ન હતો ત્યાં ત્રીજાની એંધાણી દેખાઈ. સરોજે જ્યારે નવિનને વાત રાતના સમયે જણાવી ત્યારે જતીન ખુશ થયો. અરે, આતો આપણી રાજધાની દિલ્હી અને તેમાંય તાજ હોટલનું ફળ છે.વાહ ભાઈ વાહ.

નવિનઃ બસ હવે વધારે નહી. આ વખતે તું પ્રસુતિમાં જાય ત્યારે ઓપરેશન કરાવી લેવાનું નક્કી કર્યું.

સરોજ, હવે મારા પર દયા કરજે. ત્રણથી વધારે નહી. પછી તો આ ઘર પણ નાનું પડશે. તારે એકને બદલે બે નોકરી કરવી પડશે હું તો ઘર અને બાળકોને સાચવીશ.

નવિન, જેમાં તમે રાજી એમાં હું રાજી મારા આકા.

સરોજ, બસ હવે વધારે નહી. આ વખતે સરોજને અશક્તિ પણ જણાતી હતી. દિલ્હીના લગ્ન માણ્યા ત્યારે તો કાંઈ વાંધો આવ્યો ન હતો. પણ આ ત્રીજી વારની પ્રસુતિ શરીર માટે કષ્ટદાયક પૂરવાર થઈ.

બા અને બાપુજી હવે ઘરે જવા માટે ઉતાવળા થઈ ગયા હતા. બે દિવસ પછી જવાની ટિકીટ આવી ગઈ. તેમના જવાના દિવસે નવિન વહેલો ઘરે આવ્યો. સરોજને અશક્તિ જણાતી હતી તેથી સ્ટેશન પર વળાવવા ન જઈ શકી.

સરોજે બાળકોને જમાડી લીધાં. નવિન પાછો આવ્યો અને જમીને બાળકોની સાથે રમવામાં મશગુલ થઈ ગયો. જેથી સરોજને થોડી રાહત થાય. આમ પણ રમા માસી અને માસા બપોરની શાળા ચલાવવામાં મદદ કરતાં હતાં. હવે થોડા વધારે સક્રિય બન્યા. માસાને પણ પ્રવૃત્તિ ગમી ગઈ.

સરોજની નરમ તબિયતને કારણે જરૂર પડે ત્યાં જ તેની સલાહ લેતા. સરોજના શરીરમાં ખાય પીએ છતાંય શક્તિ જણાતી ન હતી. નવિને તેને આરામ કરવાનું સુચવ્યું. સવાર સાંજ ઘરમાં રસોઈ કરવાવાળા બહેન રાખ્યાં. જેથી સરોજ બાળકોનું ધ્યાન રાખી શકે અને મહેનત ઓછી કરે તો સ્વને પણ આરામ મળે.

હજુ તો બાળક આવવાને બે મહિનાની વાર હતી. એક દિવ્સ બપોરે સરોજની આંખ મળી ગઈ હતી. કોને ખબર કેવી રીતે જતીન રમતાં રમતાં દાદર પાસે પહોંચી ગયો. સરોજ જાગીને જુએ તો જતીન જણાયો નહી. હજુ બહાર આવે ત્યાં તેની આંખ સામે જતીન દાદર પરથી ગબડ્યો. તેને પકડવા જતાં તે જરા દોડી તો  પોતે પણ પડી. ભલું થજો રમામાસીએ બારીમાંથી જોયું તો દોડીને બહાર આવ્યા. જતીનને ચાલીમાં રમતાં બાળકો ઉપર લઈ આવ્યા. નસિબ સારા હતાં કે ખાલી માથામાં ઢીમણું થયું. શાંત જતીન થોડીવાર રડીને ચૂપ થઈ ગયો બરફ ઘસ્યો અને વીસેક મિનિટમાં સૂઈ ગયો.

સરોજની હાલત બૂરી હતી. તેને બે ત્રણ બહેનોએ ઉભી કરી પલંગમાં સુવડાવી. નવિનને ફોન કર્યો હતો. ગભરાયેલો નવિન ડૉક્ટર લઈને જ ઘરે આવ્યો. અમર પણ શાળાએથી પાછો આવી ગયો હતો.

ડોક્ટરે સરોજને તપાસી. બાળકને બહારથી અડકીને તપાસ્યું. તેના ધબકારા તપાસી જોયા. સરોજ સાચવીને પડી હતી. તેના હાથમાં દાદરનો કઠેડો આવી ગયો હતો તેથી બચી ગઈ હતી. માળાવાળા બધા પાડોશીએ જબરદસ્તી કરી. ડોક્ટરની સુચના પ્રમાણે સંપૂર્ણ આરામ ફરમાવ્યો. દરેક જણાએ વારા બાંધ્યા સવાર સાંજનું જમણ નક્કી થઈ ગયુ. ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી સરોજે પથારીમાંથી ઉઠવાનું નહી.

બાજુવાળા રમા માસી અને રમણ માસાએ બાળકોને સંભાળવાનું નક્કી થયું. સવારના ચાપાણી અને ગરમ નાસ્તો પણ તેમને ત્યાંથી આવતો. નવિન પાસે થોડી રજાઓ ભેગી થઈ હતી તેથી તેને સારું પડ્યું. સુંદર માળો અને સારા પાડોશી નવિન અને સરોજની જીંદગીમાં આવી પડેલી કટોકટી સહ્ય બની.

સરોજ મનોમન પ્રભુનો આભાર માનતી કે તેના બાળકને પેટમાં કાંઈ ઈજા ન થઈ. અરે, જતીન પણ પડ્યો અને બચી ગયો..

સરોજ, હે પ્રમ કૃપાળુ પરમાત્મા , તારી કરૂણાનો પાર નથી. આ વખતે દેશમાંથી બાને બોલાવવાના ન હતા.તેમને હવે કામ કરતાં તકલિફ થતી હતી. જમવાનું તો કદાચ બનાવે પણ બે બાળકોની પાછળ સારી એવી ઉઠ બેસ કરવી પડે.

ગામ ખબર પણ ન આપી. આરામ કરવાથી સરોજ પાછી પોતાનું રોજીંદુ કામકાજ ધીરે ધીરે કરતી.. પ્રસુતિ દરમ્યાન એક  બહેન રાખવાનું નક્કી કર્યું. કામવાળાને પણ વધારે પૈસા આપી બે કામ વધારે ચીંધ્યા.

દેશમાં બા અને બાપુજી મંદિરે જતાં ત્યારે રિક્ષામાં બેસીને જાય.જન્માષ્ટમીના દર્શને જતાં સામેથી આવતી ગાડીના  પીધેલા ડ્રાઈવરે રિક્ષાને અડફેટમાં લીધી. બા,બાપુજી અને રિક્ષાવાળો ત્રણેય જમીનદોસ્ત થયા.બાજુની ફુટપાથ સાથે બા અને બાપુજીનું માથું અફળાયું. લોહીની તો ગંગા વહેવા લાગી. રિક્ષા વાળો એવી રીતે પડ્યો કે તેને ગેબીમાર વાગ્યો. બધાને હોસ્પિટલમાં ખસેડ્યા.

બા અને બાપુજી નવિનનું નામ રટતા હતાં. તેને ફોન કરી આવવા જણાવ્યુ. સરોજની તો એવી હાલત હતી કે તે ન જઈ શકી. નવિન તરત જ દેશમાં જવા રવાના થયો..જાણે નવિનના મેળાપની રાહ જ જોતા હતા. બા તથા બાપુજી બંનેને નવિને પ્રેમથી પસવાર્યા અને ઇશ્વરના દરબાર તરફ પ્રયાણ આદર્યું. નવિનતો સડક જ થઈ ગયો. નજર સમક્ષ માતા તથા પિતાનો દેહ વિલય અને પાછી આવી દશામાં.

સુધબુધ ગુમાવી બેઠો. ગામમાં વર્ષોથી રહેત હતા તેથી સગાં વહાલા , આડોશી પાડોશી,  ઓળખીતાં સહુ આવ્યા. નવિનને શું સાંત્વના આપે? અંતિમ સંસ્કારની સઘળી સુવિધા કરી. સરોજની હાલત એવી હતી જ નહી કે તે ત્યાં આવી શકે.  નવિને એકલે હાથે હિંમત દાખવી સઘળાં ક્રિયાપાણીની વ્યવસ્થા પણ કરી..

નવિન જુનવાણી રિવાજનો વિરોધી હતો.તેણે ગામમાં શાળા બંધાવાની ઘોષણા કરી .દર વર્ષે ગામના પાંચ છોકરાઓને  ભણવા  ફંડ  ફાળૉ આપવાનું નક્કી કર્યુ .ગામના લોકોને નવિને કરેલી શુભ શરૂઆત ખૂબ ગમી.. નવિનને દસેક દિવસ રહેવું પડ્યું.. હમણાં તો ઘર જેમ હતું તેમ જ. રહેવા દીધું.બા અને બાપુજીનું ધ્યાન રાખતા હતાં તે નોકરોને ૧૦ હજાર  રૂપિયા આપ્યા. રિક્ષાવાળાને સારવારના પૈસા આપ્યા.વાંક તેનો ન હતો.. જે બનવાકાળ બની ગયું તેનો તો હવે કોઈ ઈલાજ ન હતો. નવિનને જીંદગીમાં પહેલીવાર એવું લાગ્યું કે તે હવે ‘અનાથ’ છે.માતા અને પિતા બંનેનું સાથે અચાનક જીવનમાંથી ખસી જવું અને તે પણ આવી હાલતમાં. ખેર ભગવાન સાથે ઝઘડીને કોણ જીત્યં છે કે નવિન જીતી શકે.

નવિન પાછો ઘરે આવ્યો. સરોજે સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો. નવિન સાવ મુંગો થઈ ગયો હતો .માળાવાળા બધાજ પાડોશી આવીને ખરખરો કરી ગયા. નવિનનું જીવન એક પછી એક કસોટીમાંથી પસાર થઈરહ્યું હતું. ધૈર્ય ધરીને નવિન સરોજના સાથ સાથે જીવી રહ્યો હતો. હવે તો સરોજને પણ બહુ દિવસ બાકી હતા નહી. નવિન હિંમત દાખવતો હતો. બીજું કરી પણ શું શકે?માતા પાસેથી એક વસ્તુ બરાબર શિખ્યો હતો “ પ્રાર્થના ધર્મનો સ્તંભ છે અને સ્વર્ગની ચાવી છે.” સમય મળ્યે પ્રાર્થના કરી ધૈર્ય એકઠું કરતો.

ઘરમા રાખેલા બહેને કારોબાર બરાબર હાથમાં લઈ લીધો હતો. રાતના સરોજની પાણીની કોથળી ફુટી ગઈ અને તરત જ હોસ્પિટલમાં જવું પડ્યું. બે કલાકમાંતો ઉંઆ, ઉંઆ સંભળાયું. આવનાર કન્યા રત્ન હતું.  નવિન અને સરોજ ખૂબ ખુશ થયા. બે ભાઈ અને બહેન. ગમની વાદળીમાંથી આશાનું કિરણ નજરે પડ્યું.

ઘડીભર બંને જણા દુખ વિસરી આનંદના અવધિમાં સ્નાન કરી રહ્યા. દીકરીનું નામ પાડ્યું ‘કાનન’. અમર અને જતીન તો નાની બહેનને જૉઈને ખુશ ખુશાલ હતા. સરોજની તબિયત ખૂબ નાજુક હતી. કાનન દેખાવે સુંદર અને વજન પણ૭ રતલ હતું. સરોજની નાજુક હાલત જોઈ ડોક્ટરે તેના પર ઓપરેશન કરવાની ના પાડી.નવિનને સમજાવ્યો કે તમે કરાવી લો. નવિન કોઈપણ જાતની આનાકાની વગર તૈયાર થઈ ગયો.——-

વીરાંગના સરોજ શ્રોફ -() હેમાબેન પટેલ

નવીનની બેન્કમાં આજે બપોરે વીપીનનો મામાનો છોકરો જે ઈન્સોરન્સ કંપનીમાં કામ કરે છે તે આવ્યો. અને વીપીને નવીન સાથે ઓળખાણ કરાવી. નવીને પટાવાળાને મોકલી ચ્હા મંગાવી અને ત્રણેવ જણાની ચ્હા પીવાઈ ગઈ એટલે ઈન્સોરન્સ એજંટે વાત ચલાવી, “ નવીનભાઈ તમે જીવન વીમા લઈ લો, અને પોલીસીની બધી વીગત પણ સમજાવી”.નવીને પહેલા તો આનાકાની કરી, પછી વિચાર્યુ જીવન વીમા લઈ લીધો હોય તો ભવિષ્યમાં કંઈ થાય તો પરિવારને થોડી મદદ મળે. એટલે તેણે એજંટને કહ્યુ લાવો અરજી પત્રક  ભરી લઈએ.

એજંટે પુછ્યુ “નવીનભાઈ કેટલાનો લેશો”?

નવીન-“ મારાથી પ્રીમિયમ પોસાય તે પ્રમાણે રકમ લખજો”.

એજંટ-“ કેટલા પાંચ લાખ લખુ ?”

નવીન-“ હોતુ હશે એક લાખ લખો”

એજંટ-“નવીનભાઈ હુ બે લાખ લખુ છુ”.

નવીન-“ ભલે ” એજંટે અરજીપત્રક ભરી દીધુ એટલે નવીને સહી કરી દીધી.અને કહ્યુ શરીરની દાક્તરી તપાસ માટે તેની કાર્યવાહી માટે પણ જેને મોકલવાના હોય તેને મારા માસીને ઘરે મલાડ મોકલજો, દાક્તરી તપાસ  હુ ત્યાં કરાવીશ.હુ મારા માસીનુ મલાડનુ સરનામુ તમને લખાવુ છુ.

વીપીન-“ કેમ નવીન, શાન્તાક્રુઝમાં કેમ નહી”?

નવીન-“ વીપીન મારે સરોજને સરપ્રાઈઝ  આપવી છે,પોલિસી આવે એટલે તેના હાથમાં મુકીશ”.

વીપીન-“આઈડીયા સારો છે”.

નવીન-“તમે પોલિસી તૈયાર થાય એટલે મને બેન્કના સરનામે પહોચાડજો”. અને એજંટે કહ્યુ ભલે.

નવીનના શરીરની દાક્તરી તપાસ થઈ ગઈ,બધુ બરાબર પત્યુ અને પોલિસી તૈયાર થઈ એટલે એજંટ જાતે પોલિસી  લઈને બેન્કમાં નવીનને આપી  ગયો. નવીન બેન્કમાંથી સાંજના ઘરે આવ્યો એટલે સરોજને બોલાવી અને તેના હાથમાં પરબિડીયુ મુકતાં બોલ્યો લે આ મારા તરફથી ભેટ.

સરોજ-“ આજે ગજરાની જગ્યાએ આ શુ છે એતો બોલો ”( નવીન કામેથી ઘરે આવે ત્યારે બજારમાંથી દરોજ

સરોજ માટે ગજરા અવશ્ય લાવે,સરોજને માથે ગજરા બાંધવાનો બહુ શોખ છે.)

નવીન-“ મે મારો જીવનવીમા કરાવ્યો છે કાલ ઉઠીને મને કંઈ થઈ જાય અને હુ ના હોઉ ત્યારે તને આ પૈસા કામ લાગે”.

સરોજ-“ શુભ શુભ બોલો, આવુ અમંગળ ના બોલશો તમને કશુ નથી થવાનુ, મારો ચુડી-ચાંલ્લો અખંડ રહેવાનો છે.

નવીન-“ સોરી ! ભલે હવે આવુ નહી બોલુ બસ, નારાજ ના થઈશ ”.

સરોજ-“ ઈન્સોરન્સ લીધો એતો સારી વાત છે,પરંતુ તમે જે બોલો છો એ ખોટુ છે.

નવીને બીજા હાથમાં ગજરાનુ પડીકુ હતુ તે સરોજના હાથમાં મુક્યુ.

સરોજ-“ મારા માટે તો આ ગજરા દુનિયાની સૌથી કિમતી ભેટ છે,તેમાં મારા પતિનો અનહદ પ્રેમ છુપાએલો છે.મારા માટે આ દુન્યવી વસ્તુ કરતાં પ્રેમનુ મહત્વ વધારે છે.

નવીન-“ પરંતુ વાસ્તવીક દુનિયામાં જીવવા માટે પૈસાની પણ જરૂર પડે એ કેમ ભુલી જાય છે.

એકલા પ્રેમને સહારે જીવન નથી જીવાતુ, જીવવા માટે પૈસા હોવા પણ જરૂરી છે.સમજ્યાં મહારાણી”.

જતીન ત્રણ વર્ષનો થયો એટલે તેને શાન્તાક્રુઝમાં “રોઝમેનર” કોનવેન્ટ સ્કુલમાં એડમિશન કરાવ્યુ અને નર્સરી ક્લાસમાં દાખલ કર્યો.અમરને પણ, જમનાબાઈ સ્કુલમાંથી ઉઠાડીને તેને પણ “રોઝમેનર” સ્કુલમાં મુક્યો.રોઝમેનર સ્કુલનો એકાઉન્ટ નવીનની બેન્કમાં છે એટલે નવીનને સ્કુલના પ્રિન્સિપાલ સાથે સારો સબંધ છે એટલે ડોનેશન વગર બંને છોકરાંને એડમિશન મળી ગયુ હવે બંને ભાઈઓ સાથે સ્કુલે જાય છે. સ્કુલ ઘરથી નજીક છે એટલે સરોજ દરોજ બંનેને સ્કુલે લેવા મુકવા માટે જાય છે. અમર અને જતીનને લેશન કરાવવુ, ભણાવવા એ બધુ સરોજ જાતેજ કરે છે.સ્કુલમાં છોકરાઓની બીજી પ્રવૃતિઓ પણ ચાલે છે.ધીમે ધીમે ત્રણેવ છોકરાંઓ મોટા થઈ રહ્યા છે.સરોજ, અમર અને જતીનને રમવાની છુટ પણ આપતી. અમરને જ્યારે રમકડાં લેવાના હોય ત્યારે તેને હમેશા ટ્રેન બહુ ગમે અને જતીનને મોટરકાર ગમે,નવીન હમેશાં બંનેના પસંદગીના રમકડાં લઈ આપતો,કાનને હમેશાં ઢીન્ગલી ગમે અને તે દરોજ તેની સાથેજ રમે.

નવરાત્રિ આવે એટલે નીચે ક્મ્પાઉન્ડમાં ચાલીવાળા ગરબા કરે.નવરાત્રિ આવી અને તૈયારી શરૂ થઈ ગઈ. આજુબાજુના મકાનોમાંથી પણ બધા ગરબા ગાવા માટે ત્યાં આગળ આવે છે. અને અહિયાં બહુજ સરસ ગરબા ગવાય છે. તેમાં નવીનને ગાતાં સરસ આવડે એટલે દર વર્ષે નવીન ગરબા ગવડાવે,અમર,જતીન અને કાનન ને સરોજ સરસ મઝાના ગરબાના ડ્રેસ પહેરાવીને તૈયાર કરીને ગરબા ગાવા લઈ જાય. ત્રણેવ ભાઈ બહેનમાં ઉમંરમાં ઝાઝો ફરક નથી. કાનન નાની છે પરંતુ ગરબા બહુજ સરસ કરે છે. અને તેને બાળકોનુ જે ઈનામ હોય તે હમેશાં કાનન ને મળે છે. સરોજ અને નવીનને ખ્યાલ આવી ગયો કાનન ને નૃત્યનો શોખ છે, અને નૃત્ય અને ગરબા બહુજ સરસ કરે છે એટલે જ્યારે કાનનને સ્કુલમાં મુકવાનો સમય આવ્યો એટલે નવીન અને સરોજે વિચાર્યુ કાનન ને એવી સ્કુલમાં મુકીએ કે જ્યાં નૃત્ય અને સંગીત બંને શીખવાડવામાં આવતુ હોય અને તપાસ કરીને કાનનનુ શાન્તાક્રુઝમાં આવેલ છોકરીઓની આર્યસમાજ સ્કુલમાં એડમિશન કરાવ્યુ. નવીનને આ સ્કુલના પ્રિન્સિપાલ સાથે પણ ઓળખાણ છે એટલે આ સ્કુલમાં પણ એડમિશનનો કોઈ વાંધો ના આવ્યો. નવીનનો મળતાવડો સ્વભાવ અને બીજાને મદદ કરવામાં હમેશા આગળ આવા સ્વભાવને કારણે તેને બધેજ જાન પહેચાન અને સબંધો સારા છે. અને બધે તેનુ કામ આસાન થઈ જાય છે.

કાનન પાંચ વર્ષની થઈ એટલે તેની નૃત્ય અને સંગીતની ટ્રેનીગ ચાલુ થઈ. અને કાનન ધીમે ધીમે તેમાં માહિર થતી ગઈ, કાનન ભારતનાટ્યમ નૃત્ય શીખી રહી છે અને ક્લાસીકલ સંગીત શીખી રહી છે અને કાનન બહુજ ઝડપથી ગ્રહણ કરે છે,ટિચરોની પણ માનીતી થઈ ગઈ બધીજ મેડમોની પ્રિય બની ગઈ.

અમર અને જતીન સ્કુલની સ્કાઉટની પ્રવૃતિ  સાથે જોડાયેલા છે અને આ વર્ષે  સ્કાઉટ કેમ્પ મુમ્બઈની નજીક એલિફન્ટા ગુફાઓ જવાનો છે અને અમર અને જતીને સરોજને પુછ્યુ મમ્મી અમારો કેમ્પ એલિફન્ટા જાય છે અમે નામ લખાવીએ? સરોજે કહ્યુ પપ્પા આવે એટલે પપ્પાને પુછજો મારી તો હા છે. સાંજે નવીન કામેથી આવ્યો એટલે બંનેએ નવીનને સ્કાઉટ કેમ્પ માટે પુછ્યુ અને નવીને પણ જવા માટે મંજુરી આપી દીધી અને બંને જણા એટલા ખુશ થઈ ગયા અને એક સાથે બોલી ઉઠ્યા

“ મમ્મી-પપ્પા તમે દુનિયાના મહાન માતા-પિતા છો, હમેશાં અમને ભરપૂર પ્રેમ કરો છો અને આમારી દરેક માગણી પુરી કરો છો તમે કોઈ પણ વસ્તુ માટે ક્યારેય ના નથી પાડી. અને આ પપ્પા ક્યારેય અમારી ઉપર ગુસ્સે નથી થયા હમેશા શાતિથી અમારી સાથે વાત કરે”. અને નવીન અને સરોજને બંને જણા વળગી પડ્યા.

સાંભળીને સરોજ અને નવીનની આંખ ભરાઈ આવી.સરોજ મનમાં વિચાર કરવા લાગી ભગવાન કરે મારા સુખી સંસારને કોઈની પણ નજર ના લાગે હે ભગવાન બધી બુરી બલાથી અમને બચાવજો.

સ્કુલમાંથી બસમાં બેસીને ગેટવે ઓફ ઈન્ડિયા જવાનુ હતુ અને ત્યાંથી બોટમાં સામે પાર એલિફન્ટા જવાનુ હતુ. અમર અને જતીનને તો બહુજ ઈન્તજારી હતી, જવાનુ હતુ તે રાત્રે બંનેને ઉઘ પણ ના આવી અને વહેલા ઉઠી ગયા, તૈયાર થયા એટલે વહેલી સવારે સરોજે બંનેના નાસ્તાના ડબ્બા ભરી દીધા,તૈયાર કરીને બેગમાં ભરી આપ્યા અને તાપ ના લાગે એટલે માથે પહેરવા ટોપી પણ આપી.સરોજ અને નવીન બંનેને સ્કુલ પાસે બસ જ્યાંથી ઉપડવાની હતી ત્યાં આગળ મુકવા ગયા.બસમાં બેસાડી વિદાઈ આપી ઘરે આવ્યા. પોતાની દીનચર્યામાં લાગી ગયા.સાંજે સરોજ છોકરાઓને કેમ્પમાંથી આવ્યા એટલે ઘરે લઈ આવી.અમર અને જતીને કેમ્પમાં બહુજ મઝા કરી.

કાનનની સ્કુલમાં જ્યારે વાર્ષિક દિવસ ઉજવાય ત્યારે કાનન હમેશાં નૃત્ય અને ગાવા માટે ભાગ લેતી અને હમેશાં તેને જ પહેલુ ઈનામ મળતુ દિકરીની પ્રગતિ અને સફળતા જોઈને નવીન અને સરોજને બહુજ ખુશી થતી. અને ચાલીવાળા પણ કાનનને અભિનંદન અને શાબાશી આપતા અને બધાને તેના માટે ખુશી થતી. અને ગર્વ કરતા અમારા માળાની છોકરી આટલી બધી હોશિયાર છે.અમર અને જતીનને પણ તેમની નાની બહેન બહુજ વ્હાલી હતી.રક્ષાબંધનના દિવસે બંને ભાઈઓ સૌથી પહેલાં રાખડી કોણ બંધાવે તેના માટે ઝઘડતા. અમર હમેશાં કહે હુ મોટો એટલે પહેલાં મારો વારો. તો જતીન કહે હુ નાનો એટલે પહેલાં મારો વારો. અમર કહે કાનન મારી બેન છે,તો જતીન કહે કાનન મારી બેન છે .અને સરોજને બંનેને સમજાવતાં નાકે દમ આવી જાય.ત્રણેવ ભાઈબેનની નોક ઝોક હમેશા ચાલતી,છતાં પણ ત્રણેવને એક બીજા વીના ન ચાલે, ઝઘડે પરંતુ થોડી વારમાં ભેગા થઈ જાય.ખરેખર આતો બાળકોની ખાસીયત હોય છે.બાળકો નાદાન અને માસુમ હોય છે એટલે તેમના દિલમાં રાગદ્વેષ બહુ ઓછો હોય. બાળકોનુ દિલ એકદમ સાફ હોય છે. એટલે તેમના ઝઘડા ઝાઝુ ટકતા નથી.

કાનન નૃત્ય અને સંગીતમાં કુશળ હતી તો અમર અને જતીન ખેલ કુદમાં સ્કુલમાં સૌથી આગળ હતા ખેલ કુદની દરેક પ્રવૃતિમાં હમેશાં પહેલુ ઈનામ અમર અને જતીનને મળતુ. ત્રણેવ છોકરાં ભણવામાં અને ઈતર પ્રવૃતિમાં પણ હોશિયાર હતાં. અને આને કારણે સરોજ બહુજ વ્યસ્ત રહેતી.સરોજને ત્રણેવ બાળકોની પાછળ સ્કુલના ધક્કા બહુ થતા,અને ઘરે આવે એટલે ત્રણેવને ભણાવવાના.ઘરનુ કામ કાજ સાંજ પડતાં તો સરોજ થાકી જતી પરંતુ તેનુ મનોબળ એટલુ બધુ મજબુત છે,તે માને છે છોકરાઓના ઉજ્વળ ભવિષ્ય માટે માતા-પિતાએ થોડો તો ભોગ આપવો જ જોઈએ અને તે ફરજ પણ છે.છોકરાઓને સુખી જોવા હોય તો માતા-પિતાએ પોતાનુ સુખ નહી જોવાનુ.પૈસાનો ,પોતાની જાતનો અને સમયનો ભોગ આપવો જ પડે.

માહિમ ક્રોસવે પર દર વર્ષે દિવાળીની રજાઓ હોય ત્યારે સર્કસ આવે અને જતીન અને કાનને સર્કસ જોવા જવાની જીદ પકડી એટલે નવીને આજુ બાજુની રૂમોવાળાને પુછી જોયુ, અને એ માળાવાળા બધાજ  આવવા તૈયાર થયા અને આશરે બાળકો અને માતા-પિતા એમ ત્રીસેક માણસો થઈ ગયા અને બધાએ સાથે એક્જ દિવસે સર્કસ જોવા જવાનુ નક્કી કર્યુ. અને પાછા આવતા ભેલ પુરી ખાવાનો પ્રોગ્રામ બનાવ્યો.અને શનિવારના બપોરના શોની ટિકિટો બુક કરી. અને તે દિવસે બધા બસમાં માહિમ પહોચ્યા અને બાળકોને તો સર્કસ જોવાની બહુજ મઝા આવી  કેમકે આતો જેમિની સર્કસ હતુ. અને પાછા આવતાં ભેલપુરી અને પછી આઈસ્ક્રિમની લહેજત માણી. સામાન્ય મધ્યમ વર્ગના પરિવાર પણ જીવનમાં ખુશી સોધીને બહુજ સરસ પ્રેમથી માણતા હોય છે, અને એ પળની મઝા લુટે છે.

દિવાળીના દિવસો છે અને ઘરમાં સરોજે મિઠાઈઓ અને નાસ્તા બનાવવાના ચાલુ કર્યા અમર અને જતીનને ઘુઘરા બહુ ભાવે અને નવીનને ચેવડો અને મગજ બહુ ભાવે અને કાનનબેનને મઠિયા અને ઘારી બહુ ભાવે એટલે સરોજને બધુજ બનાવવુ પડતુ .ચાલીમાં બધા એક બીજાને નાસ્તા બનાવવામાં મદદ કરતા અને વારા ફરથી બધાના નાસ્તા સહેલાઈથી તૈયાર થઈ જતા. અને ભેગા થઈને નાસ્તા બનાવવાની મઝા કંઈ ઓર આવે છે. બધા ભેગા થાય એટલે એક બીજા સાથે હસી મજાક પણ બહુ ચાલતી હોય અને ક્યારે નાસ્તા બનીને તૈયાર થઈ જાય ખબર ના પડે. કાનન જેવી નાની છોકરીઓ આડણી વેલણ લઈને મઠિયાં વણવા માટે આવી જાય અને મમ્મીઓ પણ ક્યારેય ના ન પાડે  ખરેખર તો છોકરીઓને વણતાં  શીખવાનુ અહિયાંથી ચાલુ થઈ જાય છે.અને આમ કરતાં વણતા શીખી જાય છે.કાનન નાનુ મઠિયુ વણે અને કોઈ મોટો આવિષકાર કર્યો હોય એમ મમ્મીને બતાવે અને ખુશ થાય.નાના છોકરાઓ હોય તેમને બીજા ધક્કા ફેરા ખવડાવે, બધી મમ્મી કામમાં વ્યસ્ત હોય ત્યારે નાના ભાઈ બેનને સંભાળવાના રડે નહી એનુ ધ્યાન રાખવાનુ, ઘોડિયામાં સુતેલ ભાઈ અથવા બેનને ઘોડિયામાં હિચકો નાખી ઝુલાવવાનુ. આ બધા કામ સોપે એટલે નાનપણથી જ છોકરાઓને પણ તેમની જવાબદારીનો અહેસાસ કરાવવામાં આવે છે.આપણી સંસ્કૃતિ અને આપણા વાર તહેવાર બાળકોને પણ ઘણુ શીખવે છે.અને બાળકો પણ હોશે હોશે,પ્રેમથી મમ્મીઓને મદદ કરતા હોય છે.દિવાળીના દિવસોમાં બાળકોને લઈને સરોજ અને નવીન મંદિર અવશ્ય જાય.અને વડીલોને પગે લાગીને આશિર્વાદ લેવાના.ત્રણેવ બાળકોને પણ આ બધા નિયમો અને રિવાજ ખબર છે એટલે ક્યારેય કહેવુ ન પડે તેમની જાતેજ કરી લેતા.

સમયનુ વહેણ ચાલ્યાજ કરે છે.જોત જોતામાં તો ત્રણેવ મોટા થઈ ગયા. અમર,જતીન અને કાનને દશમા ધોરણની બોર્ડની પરિક્ષા સારા ગુણાંકથી પાસ કરી. અને અમરે પાર્લા N.M. કોમર્સ કોલેજમાં એડમિશન લીધુ અને તેનુ ભણવાનુ લગભગ પતવા આવ્યુ ત્યાંતો જતીને પણ એજ કોલેજમાં એડમિશન લીધુ.જતીનની કોલેજમાં એક છોકરી હતી ,તે તેના ક્લાસમાં ન હતી પરંતુ કોલેજની કેન્ટીન અને બસ સ્ટેન્ડ પર તેને જોતો અને તેને બહુજ પસંદ હતી, પરંતુ તેનુ નામ કંઈ ખબર ન હતી. એક વર્ષ,બે વર્ષ અને ત્રીજા વર્ષે કોઈ મિત્રને પુછ્યુ ત્યારે ખબર પડી તેનુ નામ નીશા છે.નીશાને પણ ખબર છે આ છોકરાને હુ બહુજ પસંદ છુ અને આ છોકરો મને બહુ લાઈન આપે છે.પરંતુ  જ્યારે દુરથી પણ જતીન તેને જોતો તો નીશા શરમાઈને ત્યાંથી જતી રહેતી. નીશાને પણ જતીન બહુજ પસંદ છે.બંને એક બીજાને પ્રેમ કરે છે પરંતુ ક્યારેય એકરાર નથી કર્યો દુરથી જ લુપા છુપી ચાલતી હતી. અને આખરે M.com ના વર્ષે બંને એક ક્લાસમાં ભણે છે ત્યારે થોડી વાત ચીત કરવાની ચાલુ થાય છે.અને બંને નજીક આવે છે.

કાનનો નૃત્યનો કોર્સ પતી ગયો એટલે તેના માટે હવે આરંગેત્રમનો સમય આવ્યો અને સ્કુલ વાળાએ ભાઈદાસ હોલ બુક કર્યો અને હોલમાં પ્રોગ્રામ હતો અને ત્યાં આગળ તેને નૃત્ય કરવાનુ હતુ અને ત્યાર બાદ નૃત્યની તાલિમનુ સર્ટિફીકેટ મળશે સરોજના પરિવાર માટે આ બહુજ મોટો દિવસ છે અને કાનન માટે તો ખાસ દિવસ. આટલા વર્ષોની તાલિમ અને મહેનત આજે રંગ લાવશે.કાનનની ખુશીનો કોઈ પાર નથી. પ્રોગ્રામ પછીથી નવીને તેની અગાસીમાં મોટી પાર્ટી રાખી છે તેમાં તેણે દરેકને આમંત્રણ આપ્યુ છે.

આતો બહુજ મોટી ખુશીનો પ્રસંગ છે.આ પ્રોગ્રામમાં નૃત્ય ને સંગીત ક્ષેત્રની મોટી મોટી હસ્તીઓને પણ સ્કુલ તરફથી આમંત્રણ અપાયુ હતુ. અને ખરેખર પ્રોગ્રામ બહુજ સફળ થયો અને કાનન તેની સફળતાથી આજે બહુજ ખુશ હતી.

આ પ્રોગ્રામમાં સાગર પણ હાજર હતો. સાગર અને કાનન એકજ કોલેજમાં ભણતા હતા પરંતુ ક્યારેય મેળાપ ન હતો થયો સાગર છેલ્લા વર્ષમાં હતો.પરંતુ કાનનના નૃત્યથી સાગર બહુજ પ્રભાવીત થયો અને ખબર નહી કેમ મન હી મનમાં કાનનને પ્રેમ કરવા લાગ્યો.સાગરે કાનનને સામે ચાલીને અભિનંદન આપ્યા,અને પોતાની ખુશી વ્યક્ત કરી.સાગર એટલો બધો દેખાવડો અને વિવેકી, કાનન તો જોતીજ રહી ગઈ અને કાનનનુ હૈયુ પણ સાગર પર મોહિત થઈ ગયુ,એ પણ સાગર પ્રત્યે આકર્ષાઈ .કાનને રાત્રે જે પાર્ટી છે તેમાં સાગરને આવવાનુ આમંત્રણ પણ આપી દીધુ, અને સાગરે સ્વિકારી પણ લીધુ અને રાત્રે પાર્ટીમાં હાજર પણ થઈ ગયો અને કાનને નવીન અને સરોજને પોતાની સહેલીનો ભાઈ છે એમ ઓળખાણ આપ્યુ. સાગર એક અમીર મા-બાપનો લાડકવાયો છોકરો છે. કાનન અને સાગરની પ્રેમ કહાની ચાલુ થઈ બંને મળતા પરંતુ દુનિયાથી છુપાઈને. સરોજ અને નવીન બંનેના પ્રેમનો વાંધો ના ઉઠાવે પરંતુ કાનનને હમણા દુનિયાની સામે તેમનો પ્રેમ જાહેર ન હતો કરવો.

સાગર-“ કાનન હવે આપણે આપણા માતા-પિતાને વાત કરવી જોઈએ અને લગ્નગ્રંથી થી બંધાઈ જઈએ”

કાનન-“સાગર તેતો મારા મોઢાની વાત છીનવી લીધી, મારો પણ એજ વિચાર છે.હવે આપણે જન્મો જન્મના બંધનથી  બંધાઈ જઈએ.પરંતુ  હજુ મારી આગળ મારા પહેલાં મારા બે ભાઈઓના લગ્ન જ્યાં સુધી ના થાય  ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે,પહેલાં બે ભાઈઓ પછી મારો નંબર, વાત સમજમાં આવી મારા મજનુ”

સાગર-“ હા મારી લૈલા હુ સમજી ગયો,કાનન તારા માટે હુ રાહ જોવા પણ તૈયાર છુ,તુ કહેશે એટલી રાહ હુ જોઈશ. કંઈ નહી, આમેય  છુપાઈને મળવાની મઝા આવે છે”.

કાનન-“મળવાનુ અને પ્રેમ કરવાનો એતો ચાલ્યા જ કરશે આપણે ભણવા પ્રત્યે પણ એટલુજ ધ્યાન આપવુ જોઈએ. એટલે આપણા લગ્નનો સમય આવે ત્યાં સુધી ખાલી ભણવામાંજ ધ્યાન આપવાનુ.પ્રેમ કરવા માટે આખી જીન્દગી પડી છે”.

નવીન-“ સરોજ આપણા બાળકો ક્યારે મોટા થઈ ગયા ખબર ના પડી,સમય પાણીના રેલાની જેમ સડસડાટ ચાલ્યો ગયો.આપણા ત્રણેવ બાળકો હવે લગ્નની ઉમ્મરે આવીને ઉભા રહ્યાં છે.આપણુ ઘર પણ નાનુ છે, કાલે ઉઠીને અમર અને જતીનને પરણાવશુ તો તેઓને સુવા માટે પણ આપણી પાસે જગ્યા નથી.કનન તો પરણીને સાસરે જશે, સરોજ મારા જીગરના ટુકડાને હુ મારાથી કેવી રીતે અલગ કરીશ”નવીન તેની દિકરીને બહુજ પ્રેમ કરે છે,કાનન નવીનની લાડકી છે,કાનન પાણી માગે તો દુધ હાજર થઈ જાય.

સરોજ-“ તમે ખોટી ફીકર કરો છો બધુ ભગવાન ઉપર છોડી દો, જે કરશે તે ભગવાન જ બધુ કરે છે,અને ઠાકોરજી જે કરશે તે બધુ સારુ જ કરશે. ના કામની ફીકર ન કરશો ખોટી તબીયત બગાડશો”.

નવીન-“ સરોજ હુ બાપ છુ,મારા પરિવારની મારા પર જવાબદારી છે,ઘરની જવાબદારીનો ભાર મારા માથા પર છે,અને પરિવારને સુખ આપવુ એ મારી ફરજ છે.અને તેમના સુખ-દુખ માટે મને ફીકર ના થાય તો કોને થાય”

સરોજ- “ તમે બાળકોને તમારાથી બને તેટલુ સુખ આપવામાં કોઈ કસર બાકી નથી રાખી.અને આગળ પણ બધુ સારુ જ થસે, મને ચોક્કસ ખાત્રી છે મારો ઈશ્વર બધુ  સારી રીતે સુખરુપ પાર પાડશે,તમે એ બાબતે બિલકુલ ફીકર ના કરશો”

સરોજ નવીનને શાંતવન આપે છે પરંતુ તેને પણ આ વસ્તુની ફીકર છે, જગ્યા નાની છે શુ કરીશુ ? સરોજ મન મનાવી લેછે, જેવી પડશે એવી દેવાશે,કાલની ચિન્તામાં આજે શુ કામ જીવવાનુ.

વસંત આવી અને વાતાવરણ પણ બહુજ સરસ ના વધારે ગરમી ના ઠંડી એટલે ચાલીમાં બધાએ પિક્નીક જવાનો પ્રોગ્રામ બનાવ્યો અને બોરીવલી નેશનલ પાર્ક જવાનુ નક્કી થયુ. રવિવારનો દિવસ છે, બધા રજાના મુડમાં અને પાછી મોસમ સુહાની આનંદ જ આવે.,અને બધા ભરપુર આનંદ લુટી રહ્યા છે.બાળકો તેમના બેટ અને બોલ લઈને આવ્યા છે એટલે ખુલ્લામાં ક્રિકેટ રમવાની મઝા લઈ રહ્યા છે અને બાળકો સાથે મોટા પણ જોડાઈ ગયા અને બધાને ક્રિકેટ રમવાની બહુજ મઝા આવી. અને રમ્યા બાદ લંચનો સમય થયો અને ખાવામાં કેટલી બધી વિવીધતા જુદુ જુદુ ખાવાનુ બનાવીને બધા લઈ આવ્યા હતા. ખાવાનુ પત્યુ એટલે અંતાક્ષરી રમવા બેઠા.અને આમાં એક બાજુ બેનો અને નાની છોકરીઓ અને સામેની બાજુ ભાઈઓ અને નાના છોકરાઓ.અને અંતાક્ષરીની મઝા ચાલુ થઈ નવીન,સરોજ અને કાનન તો ગાવામાં એકદમ હોશિયાર એટલે મહેફીલની રંગત એકદમ જામી. કાનને “બસંત બહાર” પિક્ચરનુ ક્લાસીકલ ગીત ચાલુ કર્યુ

“ કુહુ કુહુ બોલે કોયલીયા—-“

તેના સુરીલા અવાજથી જાણે પ્રકૃતિ પણ ખીલી ઉઠી અને બધાજ વસંતના રસમાં ડુબીને તરબોળ થઈ ગયા.

વીરાંગના સરોજ શ્રોફ () પ્રભુલાલ ટાટારીઆધુફારી

અર્ધી રાત્રે અમર ઝબકીને જાગી ગયો આજે ફરી એ જ સ્વપ્ન આવ્યું પોતે આંબાના ઝાડને અઢેલી બેઠો છે અને એક નીચી ડાળખી પર દેખાતી કોયલનો કુહૂ કુહૂ અવાજ સંભળાય છે. એ પહેલા બે વખત તેણે જોયું હતું કે,શહામૃગનું મોટું પીછું હળવે હળવે આકાશમાંથી નીચે ઉતરી રહ્યું છે અને એ તેનાથી થોડે દૂર ફુલના છોડ પાછળ પડે છે અને એ છોડ પાછળથી એક અપ્સરા અંગળાઇ લેતી ઉભી થાય છે અને તેની સામે બેસે તે પહેલા ત્યાં મોગરાના ફૂલોની બિછાત થઇ જાય છે તેના પર તે બેસે છે અને તેણી તેના સામે હાથ લંબાવે છે અને તેણીને સ્પર્શવા હાથ લંબાવે છે ત્યાં તેણી અદશ્ય થઇ જાય છે,

અર્ધી રાત્રે અમરના રૂમમાં બળતી લાઇટ જોઇને સરોજને વિચાર આવ્યો કે,સદા ઘસઘસાટ ઊંઘતા દીકરાના રૂમમાં અજવાળું?તેણી તરત જ અમરના રૂમ તરફ વળી ને સાઇડ ટેબલ પર મુકેલા ટેબલ લેમ્પના અજવાળે તેણીએ જોયું ડબલ ડેકર પર સુતેલા જતીન અને કાનન આરામથી સુતા હતા પણ અમર પલંગ પર ખોળામાં ઓશિકું દબાવી ને શુન્ય મનશ્ક સામેની દિવાલને તાકી રહ્યો હતો.

“શું થયું અમર?”તેના બાજુમાં બેસીને તેના માથા પર હાથ ફેરવતા સરોજે પુછ્યું

“કંઇ નહીં..”કહી એ ખસિયાણું હસ્યો

“જો દીકરા મનમાં ઘુંટાતી વાત કોઇને ન કહિયેં તો વિચાર વાયું થઇ જાય અને આગળ જતાં તેના લીધે અનિદ્રાનો રોગ થઇ શકે”

“ના મમ્મી એવું કશું નથી……”કહેતા તેના ચહેરા પર લાંચારી લીપાઇ ગઇ

“જો દીકરા બાળકો મોટા થાય એટલે માવિત્રો એ તેમના સાથે મિત્રની જેમ વર્તવું જોઇએ ચાલ તું મને તારી ગર્લફ્રેન્ડ સમજી લે અને તારા હૈયાના કમાડ ખોલ”અમરના માથામાં આંગળા ફેરવતા સરોજે કહ્યું તો તેણી સામે જોતા અમર હસ્યો

“તું એ શું મમ્મી…?”

“તો ચાલ મમ્મી સમજીને બોલી નાખ”

અમરે અપ્સરા વાળા સ્વપ્નની વાત છુપાવી કોયલ વાળા સ્વપ્નની વાત કરી તો સરોજે પલંગ પરથી ઊભા થતાં કહ્યું

“મમ્મી તું ડ્રીમ રીડર છે??”અમરે પુછ્યું

“કહ્યું ને અત્યારે સુઇ જા આવતી કાલે વાત”કહી ટેબલ લેમ્પની સ્વીચ બંધકરી સરોજ બહાર આવી પછી અમરના સવાલ પર હસી “ડ્રી..મ રી…ડ..ર” સારો ખિતાબ છે.”

બીજા દિવસે ચ્હા-નાસ્તો થઇ ગયા નવીન બેન્કમાં જવા રવાના થયો જતીન અને કાનન કોલેજ ગયા ઘરમાં જ્યારે સરોજ અને અમર રહ્યા ત્યારે અમરે સરોજને સ્વપ્નવાળી વાત યાદ અપાવી એટલે તેણીએ પોતાના બેડરૂમના ખુણામાં એક જુના જમાનાના પટારા જેવી પેટી ખોલી અને તેમાં મુકેલી ચોપડીઓમાંથી એક જાડી બુક કાઢી “ભૃગુસંહિતા”તે લઇ તેણી બાજુમાં મુકેલ ખુરસીમાં બેસીને બુકના પાના ઉથલાવવા લાગી.

“હં…આનો મતલબ તને મનોરમા પત્નિ મળે”

“તું એ શું મમ્મી…??”અમરના ગાલ શરમથી લાલ થઇ ગયા

“તો લે વાંચ તારી જાતે…’ કહી બુક તેના હાથમાં આપી સરોજ રસોડા તરફ ગઇ

સ્વપ્નના શુભ ફળ નામના ચેપ્ટરમાં પોતાનો જવાબ વાંચી તેણે અપ્સરાવાળા સ્વપ્નનું ફળ વાંચ્યું તો તેનો અર્થ થતો હતો કે,શિઘ્ર લગ્ન થાય.”વાવ!! અમર શરણાઇ વગડાવવાનો સમય પાકી ગયો.”મનોમન કહી તે બુક પેટીમાં મુકવા ગયો તો તેમાં બે કળશ લાલ કપડાથી મોઢું બાંધેલા દેખાયા બુક તેમાં મુકી પેટી બંધ કરી અમર રસોડામાં આવ્યો.

“મમ્મી પેલા પીતળના બે કળશમાં શું છે?”

“બેટા એમાં તારા દાદા અને દાદીના અસ્થી છે જે બનારસમાં વિસર્જન કરવાના છે.”

“તો આપણે બનારસ જઇએ”

“બેટા બનારસ તો જઇએ પણ મુસાફરી બહુ લાંબી છે વચ્ચે તારા પપ્પા તપાસ કરેલી લગભગ ૨૮/૩૦ કલાક સતત બેસી રહેવું એટલે?”

“નહીં મમ્મી આપણે સ્લિપર કોચમાં જઇએ તો રાત્રે આરામથી સુતા સુતા જવાય થોડા વધારે પૈસા ખર્ચીએ તો એસી કોચમાં પણ જવાય જે વધારે આરામ દાયક હોય”

“તારા પપ્પાને વાત કરીએ….પણ તને ઓફિસમાંથી એટલી રજા મળશે?”

“મારા મેનેજરને વાત કરીશ મારી લગભગ ૧૦ દિવસની રજા ભેગી થઇ છે એટલે વાંધો નહીં આવે’કહી અમર પોતાની ઓફિસ જવા રવાનો થયો.

@@@@@@

            સાંજે નવીન ઓફિસમાંથી બહાર આવવા ઊભો થયો ત્યાં તેનો મિત્ર વીપીન આવ્યો

“હાય!વીપીન કેમ છો?”

“નવીન તું ઘેર જ જાય છે ને?”

“હા કેમ?”

“તને કંઇ અર્જન્ટ કામ નથી ને?”

“ના…….”

“તો જરા મારા સાથે ચાલીશ?”

“ઓહ! જરૂર પણ ..કેમ આટલા બધા સવાલ કેમ કરે છે?”

“એ તને રસ્તામાં કહીશ અત્યારે તો તું મારા સાથે મલબાર હીલ ચાલ”

“મલબાર હીલ ત્યાં શું છે?”

“તું ચાલ તો ખરો”કહી વીપીને બાઇક ચાલુ્  કરી અને નવીન પાછળ બેઠો.

“તને તો ખબર છે મારી પાસે એલ.આઇ.સી.ની એજન્સી છે અને મારા એક ક્લાયન્ટ પાસેથી મારે પ્રિમિયમનો ચેક લેવાનો છે”

“અરે એ તો તું એકલો જઇને પણ લઇ આવી શકે પછી વાંધો શું છે?”

“વાંધો મારો ક્લાયન્ટ જ છે યાર”

“મતલબ,,,?”

“યાર એ એટલો બધો ચીકણો છે કે, દર વખતે ચેક લેવા જાઉં ત્યારે એ પોતાની ઢંગધડા વગરની વાતો કરવામાં મારો ઓછામાં ઓછો એક કલાક બગાડે છે અને આજે મારે ઘેર જલ્દી પહોંચવું છે એટલે તારું અર્જન્ટ કામ છે અને મારે તારા સાથે જવું જરૂરી કહી આજ જાન છોડાવી શકીશ”

વીપીનની ટ્રીક કામ કરી ગઇ અને ઘેર જવા માટે વીપીનની બાઇક યુ-ટર્ન લઇ રોડ પર આવે તે પહેલાં નવીનના નામ ની બુમ સંભળાઇ અને બાઇકને બ્રેક લાગી ગઇ અને જ્યાંથી હાંક સંભળાઇ હતી તે દિશામાં નવીને જોયું અને જોતો જ રહી ગયો

“અરે! મહેશ તું ને અહીં??”લગભગ દૉડતો નવીન ત્યાં ગયો.

“હા હું ને અહીં…”કહી મહેશ નવીનને ભેટી પડ્યો

“પણ તું તો અમેરિકામાં હતો ને??”

“હા પણ છેલ્લા બે મહિનાથી અહીં છું હંમેશ માટે,આ ભાઇ કોણ છે?”

“મારા કલીગ છે હું અને વીપીન યુકો બેન્ક સાંતાક્રુઝ બ્રાંચમાં સાથે જ કામ કરીએ છીએ”

“હલો! વીપીન હું અને નવીન જુના મિત્રો છીએ ચાલો મારો બંગલો બાજુમાં જ છે”

“તો નવીન હું નીકળું મારે….”

“અરે! ચ્હા-પાણી વગર ન જવાય…”મહેશે કહ્યું

“મહેશ તેને જવાદે તેને ઘેર સમયસર પહોંચવું જરૂરી છે”

“જેવી તમારી મરજી સાહેબ!”મહેશે રજા આપી તો વીપીન પોતાના ઘેર જવા રવાનો થયો અને નવીન અને મહેશ બંગલામાં આવ્યા.

એ એક વિશાળ અને વેલ ફર્નિશ બંગલો હતો.સામે જ સામ સામે મુકેલા સોફામાં બન્ને ગોઠવાયા.નોકર આવીને પાણીના ગ્લાસ મુકી ગયો અને અદબ વાળી ઊભો રહ્યો

“ચ્હા ચાલશે કે કોફી?”

“નહીં ચ્હા…”નવીને કહ્યું તો નોકર ખાલી ગ્લાસ લઇને ગયો અને થોડીવારમાં એક ટ્રોલી માં ચ્હાના કપ અને ચાર જાતના નાસ્તાની પ્લેટો અને ખાલી પ્લેટ્સ અને ચમચી આવી ગયા

“ચાલ જે ફાવે તે લઇ લે અને પછી ચ્હા”

“પણ તું એકાએક અમેરિકા મુકીને….ભા…ભી…અને હા..અશોક ક્યાં છે?”નવીને પુછ્યું તો મહેશની આંખ ભીની થઇ ગઇ

“તારી ભાભી ૫ વરસ પહેલાં…. લ્યુકોસર્મા ઓફ ઇન્ટેન્સ્ટાઇન… એટલે આંતરડાના કેન્સરમાં ગુજરી ગઇ…. આટલી અઢળક સંપતિ હોવા છતાં નવીન  હું તેણીને બચાવી ન શક્યો”કહેતા મહેશની આંખ ઉભરાઇ પડી

“અને અશોક….?”નવીને ઊભા થઇ સોફાની હાથા પર બેસી મહેશની પીઠ પસવારતા પુછ્યું

“તારી ભાભીના રોગની ખબર પડી ત્યારે એ લાસ્ટ સ્ટેઝમાં હતું અશોકના મગજમાં ઠસી ગયું કે મેં જાણી જોઇને તેણીની બિમારી નજરઅંદાજ કરી એટલે ગુસ્સે થઇને ઘર છોડીને અલગ ટેનામેંટમાં રહેતો હતો.”મહેશે આંસુ લુછતા કહ્યું

“તેના મગજમાં આવું ઠસી જવાનું કારણ તો હશે ને?”

“તારી ભાભીની બિમારીને લીધે તે અપસેટ તો હતો….”

“હં….તો પણ…”

“તારીભાભી જ્યારે એ બિમારીના લાસ્ટ સ્ટેજમાં હતી ત્યારે સતત એક જ વાત કરતી હતી મહેશ હું હવે મરી જવાની છું…. મહેશ તું એકલો પડી જઇશ….પ્લીઝ તું બીજા લગ્ન કરી લેજે”

“હં……..”

“તેણીને કેટલી પીડાનો સામનો કરવો પડ્યો હશે નવીન….તેણી આ બીમારીમાં કેટલી પીડાઇ હશે….રામ જાણે તેણી મારી હાજરીમાં તો હસતી હતી પણ તેણીને એકાંતમાં કણસતી જોઇ સાંભળી હૈયું કંપી જતું હતું એ જ્યારે યાદ આવે છે ત્યારે હજી પણ કંપારી છુટી જાય છે”બોલતા મહેશ ગળગળો થઇ ગયો

“તો પણ…”

“નવીન તારી ભાભી મરી જઇશ મરી જઇશની માળા જપતી હતી ત્યારે અમારા વચ્ચે જરા બોલચાલ થતી હતી તેમાંના કોઇ અધુરા શબ્દો અશોકના કાને પડ્યા હશે અને તેણે કોઇ ગાંઠ વાળી લીધી હશે બનવા જોગ છે”

“હં….હોઇ શકે”

“મેં બે ત્રણ વખત તેને સમજાવવાની કોશિશ કરી તો તેને હું મારો બચાવ કરું છું એવું લાગ્યું”

“મતલબ તે અમેરિકાથી તારી સાથે આવ્યો નથી??”

“આવ્યો છે પણ એ ક્યાં છે તે મને ખબર નથી એરપોર્ટ પરથી જ અલગ થઇ ગયો”

“હલ્લો!! પપ્પા ક્યાં છો? ઘેર ક્યારે આવો છો?”આ વાત ચાલતી હતી ત્યાં અમરનો ફોન આવ્યો

“બેટા હું એક ફ્રેડને ત્યાં મલબાર હીલ છું કલાક વારમાં આવી જઇશ કેમ કામ હતું?”

“પપ્પા વારાણસીની જે ટ્રેનમાં આપણને જવું છે તેની બુકિન્ગમાં લગભગ દોઢ માસના વેઇટિન્ગમાં છે થ્રી ટાયર તો ઠીક ટુ ટાયરમાં પણ નથી મળતી”

“હું ઘેર આવું પછી વાત”

“શું વાત છે?નવીન એની પ્રોબ્લેમ??”

નવીને માતા-પિતાના મૃત્યુથી અસ્થી કુંભ મળ્યા અને વારાણસી વિસર્જન માટે જવાની વાત કરી તો મહેશ ઊભો થયો અને સામેના શો-કેશના ખાનામાંથી લેટર પેડ લઇ આવ્યો અને નવીનને આપતા કહ્યું

“આ માં બધાના નામ અને ઉમર લખ આપણે સૌ સાથે જઇશું,ટિકિટની ફિકર નહીં કર મારો એજન્ટ વ્યવસ્થા કરી આપશે”

નવીને પોતાનું,સરોજનું અને અમરનું નામ અને ઉમર લખ્યા તે જોઇને મહેશે પુછ્યું

“તારે પણ એકજ સંતાન છે?”

“ના અમરથી નાનો જતીન અને તેથી નાની કાનન”

“તો એમના નામ કેમ ન લખ્યા?”

“અરે! અસ્થી વિસર્જન માટે જઇએ છીએ ફરવા થોડાજ જઇએ છીએ?”

“જે હોય તે બન્ને નામ અને ઉમર લખ અને જવાની તારીખ જણાવ”

“પણ મહેશ….”મારું એટલું બજેટ નથી એવું તે થોડો બોલવા દેવાનો હતો

“તું મુંબઇ ક્યારે આવ્યો?”થોડી અહીં તહીંનીવાતો થઇ પછી મહેશે પુછ્યું

“લગ્ન થયા કે તરત જ લગભગ ક્વાટર સેંચ્યુરી થઇ ગઇ”

“ત્યારે જ મેં બે ત્રણ કાગળ તારા ગામના સરનામે લખેલા પણ પાછા આવ્યા ને તું ક્યાં છે તેની તો ખબર જ ક્યાં હતી?”

“અરે!! છોડને યાર રાત ગઇ બાત ગઇ પણ હા તારો અને અશોકનો લેટેસ્ટ ફોટો મને આપ હું તેને જરૂર શોધી કાઢીશ અને તેના મોબાઇલ નંબર….પણ તેણે તો ઇન્ડિયાનું સીમ કાર્ડ લીધું હશે પણ ખેર વાંધો નહીં…”

“આ લે” કહી એક પોતાનો અને એક હસમુખા જુવાનનો ફોટો નવીનને આપ્યો.જે તેણે પોતાના પાઉચમાં મુકી ને કહ્યું

“તો મને રજા આપ ફરી મળીશું”

“આ લે મારું કાર્ડ” કહી મહેશે પોતાનો કાર્ડ આપ્યો સામે નવીને પોતાનો આપ્યો અને બન્ને ભેટીને છુટા પડ્યા.

@@@@@@@

        આખર નવીનનો ભય સાચો પડ્યો અને મહેશે બધાની ટિકિટ બાય એર બુક કરાવીને ટિકિટો નવીનને બેન્કમાં મોક્લાવી આપી અને બધા વારાણસી આવી ગયા બીજા દિવસની સવારે મણિકર્ણિકા ઘાટ પર પુરોહિત દ્વારા કરેલા વિધિ વિધાન મુજબ અમરના હાથે શાંતિલાલ અને લીલાવતીનું પિંડદાન આપી અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું.

અસ્થિ વિસર્જન બાદ નવીન સરોજ જતીન કાનન અને અમરે ગંગા નદીના પવિત્ર જળમાં ડુબકી મારી.એક ડુબકી મહેશે પણ મારી ગંગાસ્નાનનો લાભ લીધો.તેઓ જ્યાં સમુહમાં ઊભા હતા ત્યાં એક બીજા પર પાણી ઉડાડતી ત્રણ યુવતીઓમાંથી એકનો પગ લપસ્યો અને તેણી નદીના પ્રવાહમાં તણાવા લાગી તે જોઇને ઘાટ પર ઉભેલા માવિત્રો એ બુમાબુમ કરી અને અમરે તરત તે તણાતી યુવતિને પાછળ ગયો અને તેણીને ડૂબતી બચાવી અને ઘાટ ઉપર લઇ આવ્યો.

નવીને સરોજને ઇશારો કર્યો એટલે તેણીએ તે યુવતીને ઉંધી સુવળાવીને પીઠને દબાવી ને સારું એવું પાણી તેણીના પેટમાંથી બહાર કાઢ્યું તેણીને અંતરાસ આવી એટલે તેણીએ આંખ ખોલી અને તરત ઝંખવાઇને ઊભી થઇ ગઇ.યુવતીના મવિત્રોની આંખમાં કૃતજ્ઞતાના આંસુ ફરી વળ્યા.એકબીજાની ઓળખાણ થઇ અને ખબર પડી કે તેઓ પણ નજીકની હોટલમાં ઉતર્યા હતા

અને મુંબઇ વિલે પાર્લે રહેતા હતા.એક બીજાના સરનામા અને ટેલિફોન નંબરની આપ લે થઇ.

બે દિવસ વારણસીમાં ફર્યા દેવ દર્શન કર્યા થોડી ખરીદી પણ કરી અને ત્રીજા દિવસે પા્છા મુંબઇ આવી ગયા.નવીને તેની બેન્કમાં ખાતેદાર ઇન્સ્પેકટર બલસારાને ફોન કરી બેન્ક પર બોલાવ્યો

“બોલો નવીનભાઇ શું કામ હતું?”

“આ ને શોધવો છે”કહી પાઉચમાંથી અશોકનો ફોટો આપ્યો.

“કોણ છે?”

“મારા આ ફ્રેન્ડનો દીકરો છે”કહી મહેશનો ફોટો આપ્યો.

“આ બન્ને આજથી બે મહિના પહેલાં સાથે અમેરિકાથી આવ્યા અને એરપોર્ટ પર છુટા પડ્યા”

ત્યાર બાદ નવીને ખાસ તાકિદ કરી કે આ બાબત ગુપ્ત રહેવી જોઇએ અને અશોકને કશી દમદાટી કે પુછપરછ કરવાને જરૂર નથી તમે મને બસ સરનામું શોધી આપો તો તમારો મોટો ઉપકાર થશે.

@@@@@@

અમર એક મોટી કંપનીમાં એકાઉન્ટન્ટ હતો એક દિવસ તેની મુલાકાત વારાણસીમાં બચાવેલી યુવતીથી થઇ ગઇ.બન્ને હાય હલ્લો પછી રેલ્વેપ્લેટફોર્મ પરની કેન્ટીનની ચ્હા પીધી અને ત્યારે અમરને ખબર પડી કે તેણી એરટ્રાવેલની ઓફિસમાં બુકિન્ગ ક્લાર્ક હતી.તેણીનું નામ અમીતા હતું.મોબાઇલના નંબરની આપ લે થઇ અને પછી સાથે મુસાફરી અને સાથે નાસ્તો અને લંચ થવા લાગ્યા અને એક દિવસ અમરે તેણી પાસે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો.

આજનો જમાનામાં માવિત્રોની સંતાનો સંમતિ લેતા હોય તો તેમણે પણ જુનવાણી ના થવું જોઇએ અરસ પરસ વિચારોની આપ લે થયા પછી તેમણે તો મંજુરીની મહોર જ મારવાની હોય છે.એક દિવસ શુભ મુહુર્ત જોઇ વેવિશાળની વિધિ સંપન થઇ અને એક અઠવાડિયા પછી ધામધુમથી લગ્ન લેવાઇ ગયા ત્યારે સરોજે આખી ચાલીને આમંત્રણ આપ્યું હતું અને બધા હસીખુશી સામેલ થયા તેમના હાથમાં જ રમીને મોટો થયેલ સૌનો લાડલો અમર માંડવે બેઠો જતો.એક અઠવાડિયું મહાબળેશ્વર ખંડાલા અને લોનાવલા હનિમુન મનાવ્યા બાદ પોત પોતાની નોકરી પર લાગી ગયા.

સરોજ અને નવીન ખુશ ખુશાલ થઇ ગયા.હાલ પુરતું તો નવીન અને સરોજના રૂમમાં ડબલ ડેકર પલંગ ખસેડાયો અને એડજેસ્ટમેન્ટ થઇ ગયું. એક અઠવાડિયા પછી સાંજે અમર ઘેર આવ્યો ત્યારે સાથે સુથારને લેતો આવ્યો એ જોઇને સરોજે પુછ્યું

“શું રીપેર કરવવાનું છે…?”

“રીપેર કરાવવાનું નથી નવું બનાવવાનું છે”

“શું….”સરોજ મુઝાઇ ગઇ

“રૂમ”

“રૂ…મ હું સમજી નહીં”સરોજે પુછ્યું

“ફીકર નહીં કર બસ તું જોયા કર હમણાં તો અમારા માટે ચ્હા બનાવી લાવ”

“થઇ જશે સાહેબ ફર્સ્ટ કલાસ બનાવી દઇશ”આવ્યો ત્યારથી બધા મેજરમેન્ટ લઇ નોંધ કરતા સુ્થારે પોતાની ડાયરી ગજવામાં મુકતા કહ્યું ચ્હા આવી અને પીવાઇ ગઇ અને ચાર દિવસ બાદ અર્ધા રૂમમાં માળિયું બની ગયું અમર અને અમિતાનું બેડરૂમ.નીચેની સ્પેસમાં ફરી ડબલડેકર બેડ મુકાઇ ગઇ અને જતીન અને કાનન પોતાના રૂમમાં આવી ગયા,

‘એલા અમર આ તને ક્યાંથી સુઝ્યું”સરોજે પુછ્યું

“મમ્મી મારો મિત્ર વીપીન જે ઘરમાં રહે છે તે એકજ બેડરૂમનું ઘર છે તેણે આવી જ વ્યવસ્થા કરી છે તેનું મેં અનુકરણ કર્યું અને આપણો પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયું ને??”

“હા બેટા”

@@@@@@@

જતીન કોમર્સનો વિદ્યાર્થી છે,એમ કોમના છેલ્લા વર્ષમાં હતો અને તેનાજ ક્લાસની નીશા સાથે અવાર નવાર વાત થતી હતી અને વાતમાંથી દોસ્તી થઈ હતી અને બંને નજીક આવ્યા હતા, ત્યારે આ દોસ્તી પ્રેમમાં પરિણમી હતી. બંને એકબીજાને બહુજ પ્રેમ કરતા હતા.હવે કોલેજ પછી દરોજ બહાર પાર્ક અથવા રેસ્ટોરન્ટ અથવા સિનેમા હોલમાં ભેગા થતા અને બંનેએ નક્કી કર્યુ, માતા-પિતાને મળીને લગ્નની વાત કરવી.નીશા સંસ્કારી અને સમજદાર છોકરી છે. અને એક દિવસ જતીન નીશાને ઘેર લઇ આવ્યો

“આ કોણ છે એલા જતીન?”નીશાએ સરોજના ચરણ સ્પર્શ કર્યા તો આશીર્વાદ આપી ખભેથી પકડી ઊભી કરતા અને નીશાને ખાડી પકડીને જોતા સરોજે પુછ્યું

“મમ્મી તને ગમે છે?”જતીને સરોજને પુછ્યું

હા…પણ…..”

“મમ્મી મને લાગે છે મારી ભવિષ્યની ભાભી છે ખરુંને જતીન”કાનને પુછ્યું

“હા…મમ્મી તું રજા આપે તો અમે પરણવા માંગિયે છીએ”જતીને કાન પાછળ હાથ લઇ ખંજવાળતા કહ્યું

“ચાલો સારૂં થયું મને તારા માટે છોકરી શોધવાના કામમાંથી છુટ્ટી”કહી સરોજ હસી

“થેન્ક યુ મમ્મી પણ પ્લીઝ તું પપ્પાને વાત કરજે ને”

“મારી સંમતિ એ જ તારા પપ્પાની સંમતિ બાળકો માવિત્રોની આમન્યા જાળવે એ ઘણું છે નહીંતર તમે બન્ને આર્ય સમાજ વિધિથી કે કોર્ટ મેરેજ કરી લો તો હું કે તારા પપ્પા શું કરી લેવાના હતા?”સરોજે જતીનની પીઠમાં ધબ્બો મારતા કહી ને હસી અને નીશાને લઇને પોતાના રૂમમાં લઇ ગઇ જતીન તેણીની પાછળ અંદર આવવા ગયો તો સરોજે ના માં માથું ધુણાવતા

બારણું બંધ કર્યું

@@@@@@

નક્કી કર્યા મુજબ અને મળેલા સરનામે નવીન અને સરોજ નીશાના માવિત્રોને મળ્યા અને લગ્નની વાત ચીત થઇ ફકત એક વિધિ પુરતી કુંડળીનો મેળાપ કરવામાં આવ્યો મેળાપ થતો હોવાથી નીશાના માવિત્રોને એક જાતનો આત્મ સંતોષ થયો અને શુભ મુહુર્ત જોઇને વેવિશાળ થયું અને ત્યારે જ લગ્નની તારીખ પણ નક્કી થઇ ગઇ.

“આ અમરના લગ્ન થયા અને અમરની સમઝણ કામ કરી ગઇ અને સમાવેસ થઇ ગયો પણ હવે જતીનના લગ્ન થશે તો સમાવેસ નહીં થાય એટલે હવે મોટું ઘર શોધવાની જરૂર જણાય છે           રાત્રે સરોજે નવીનને વાત કરી

“અમારી બેન્કમાં એક બિલ્ડરનો એકાઉન્ટ છે તેને મેં વાત કરી છે લગભગ એકાદ અઠવાડિયામાં

ખબર પડી જશે તું બેફિકર થઇ જા મારી રાણી”નવીને સરોજને પાસે ખેંચતા કહ્યું

“મને લાગે છે કે અમીતા સારા સમાચાર આપે”

“શું વાત કરે છે??”

“મને તેણીના પિરિયડની ખબર છે તેણી તે દરમ્યાન આપણા ઘરમાં ઠાકોરજીની પૂજા હોવાથી રસોડામાં આવતી નથી”

“હં…”

“આ લગ્નની તારીખ નક્કી થઇ છે ત્યાં સુધી તો ઘર મળી જશે ને”

“તને કહ્યું ને ચિંતા છોડ અને આરામથી લાબી સોડ તાણીને સુઇ જા”

બીજા દિવસે નવીનને  ઇનસ્પેકટર બલસારા મળવા આવ્યો અને સમાચાર આપ્યા કે,એરપોર્ટથી જે ટેકસીમાં અશોક ગયો હતો તેના ડ્રાઇવર પાસેથી જાણવા મળ્યું કે,તે હોટલ તાજમાં ત્રણ દિવસ રહ્યો હતો ત્યાંથી ક્યાં ગયો ખબર નથી અને તે જે ટેક્સીમાં હોટલ છોડીને ગયો તે ટેકસીનો પત્તો લાગ્યો નથી.નવીનના ઇશારે પટાવાળો પાણી અને ચ્હા મુકી ગયો

“લ્યો બલસારા સાહેબ ચ્હા પીઓ”

“ભલે તો નવીનભાઇ હું જાઉં”બલસારાએ ચ્હાપુરી કરી ઊભાથતા કહ્યું

“આગળ જે ખબર પડે મને સમયસર જણાવજો પ્લીઝ”

“નવીનભાઇ એ પણ ખબર પડી જશે”

બલસારા ગયા એટલે નવીને મળેલ માહિતિ મહેશને ફોન કરી જણાવી

“એ તાજમાં જ ગયો હશે તેનો અંદાઝ તો મને હતો જ અને ત્યાં શોધતો હું ન આવું એટલે વધુ રોકાયો પણ નહીં હોય પણ હવે ક્યાં છે એ શોધવાનું છે”

“મહેશ એ ની ખબર પણ પડી જશે મેં ઇનસ્પેક્ટર બલસારાને વાત કરીછે”

“તેં પોલીસ કંપ્લેઇન નોંધાવી છે…?”મહેશે ચિંતીત થઇને પુછ્યું

“અરે! નહીં રે બલસારા મારો ફ્રેન્ડ છે અને પર્સનલી શોધ ચલાવે છે”

“તો ઠીક….”મહેશે હાશ કરતાં જવાબ આપ્યો

“અચ્છા મુકું છું”

નવીને ફોન મુક્યો અને બિલ્ડરનો ફોન આવ્યો

“નવીનભાઇ તમારા માટે ત્રણ બેડરૂમનો ફ્લેટ મળ્યો છે”

“ક્યાં છે….મતલબ અહીં આસપાસમાં કે બીજે ક્યાં?”

“સોરી અહીં આજુબાજુ તો મળવો મુશ્કેલ છે પણ આ ફ્લેટ કાંદીવલિમાં છે તમે હા પાડો તો બતાવી દઉ”

“ભલે હું લગભગ કલાકેક વારમાં તમારી ઓફિસે આવું છું”

“સારું હું રાહ જોઇશ”

નવીને તરત ઘેર ફોન કરીને સરોજ અમીતા અને કાનનને નવો ફ્લેટ જોવા જાવાનું છે તો સૌ તૈયાર રહે એવી તાકિદ કરી અને પછી અમર અને જતીનને બિલ્ડરની ઓફિસે આવી જવા કહ્યું.સૌ બિલ્ડરની ઓફિસે આવી ગયા અને ત્યાંથી ટેક્સીમાં નવો ફ્લેટ જોવા ગયા

“હવા ઉજાસ સારા છે” બાલ્કનીમાં ઊભી રહી સરોજે કહ્યું

“જગા પણ મોકળાસવાળી છે” અમીતાએ કહ્યું

“તો સિફ્ટિન્ગનું નક્કી કરિયે?”

“અરે! તમે તો ઉતાવળા બહુ પહેલાં કુંભ મુકાશે પછી બધી વાત”

“કુંભ ક્યારે મુકાશે?”જતીને પુછ્યું

“તારા લગ્ન પહેલાં”કાનને જતીનના ખભે ધબ્બો મારતા કહ્યું

“ચુપકર ચિબાવલી”કહી જતીન કાનનનો કાન ખેંચવા ગયો તો કાનન અમીતા પાછળ સંતાઇ

ઘેર આવીને સરોજે સૌથી પહેલાં રમામાસી અને રમણ માસાને સમાચાર આપતા કહ્યું

“હવે ચાર દિવસના મહેમાન છીએ માસી”

“એમ કેમ કહે છે સરોજ?”

“માસી માસા અમરના લગ્ન થયા ને જેમ તેમ સમાવેસ કરી લીધું પણ હવે જતીનના તુરતમાં લગ્ન લેવાના છે તો હવે ઘર નાનું પડશે એટલે હવે અમે કાંદીવલિ રહેવા જઇશું”કહેતા સરોજ ગળગળી થઇ ગઇ

“હોય દીકરી ખુશી ખુશી જાવ અને ખુશ રહેજો”સરોજના આંસુ લુછતા રમા માસીએ કહ્યું

“તમારી શું આ આખી ચાલી બહુ યાદ આવશે”

“લાગણીની વાત છે દીકરી હા તમે તમારે આરામથી પેકિન્ગ કરજો અને ચ્હા પાણી નાસ્તા કે જમવાની ફિકર મારા પર છોડી દેજે”કહી રમામાસીએ સરોજને બાથમાં લઇ વાંસો પસ્વાર્યો.

પંડિતે જણાવેલ તારીખે અમીતાના હાથે નવા મકાનમાં કુંભ મુકાયો અને ઘેર આવીને પેકિન્ગ શરૂ થઇ અને બે દિવસ પછી ટેમ્પોમાં સમાન ભરાયો.જુનામકાનને તાળુ માર્યું અને નવા મકાનમાં જવા સૌ નીચે આવ્યા ત્યારે આખો માળો વળાવવા નીચે આવ્યો સૌ એકબીજાને ભેટીને વિદાય લીધી.(ક્રમશઃ)

વીરાંગના સરોજ શ્રોફ () પ્રભુલાલ ટાટારીઆધુફારી

વીરાંગનાસરોજશ્રોફ () પ્રભુલાલ ટાટારીઆધુફારી

નવા ઘરનાદ્વાર અમીતાના હાથે ખોલાવવામાં આવ્યા.એક પછી એક બધા કાર્ટુન,બોક્ષ ઉતારવામાં આવ્યા અને ત્યાર બાદ તેના પર લખેલા લેબલ મુજબ અલગ કરવામાં આવ્યા.અમરે પુછ્યું

“મમ્મી ક્યાંથી શરૂઆત…….”

“અરે!! રસોડાની પેકિન્ગ પહેલા ખોલો તો ચ્હા મળે….”નવીને અમરનો સવાલ કાપતા કહ્યું

“હા…ભઇ તારા પપ્પાની વાત સાચી છે પહેલાં ત્યાંથી જ શરૂઆત કરો”સરોજે કહ્યું

રસોડામાં આવ્યા ત્યારે જતીન ગેસનું કનેક્શન જોડતો હતો તે જોઇ ને સરોજે કહ્યું

“જો આને પણ ચ્હાની તલપ લાગી છે એટલે કેવો લાગી પડ્યો છે”

“વેલ ડન સની,,,”કહી નવીને જતીનની પીઠ થાબડતા કહ્યું

“હા…પણ…દૂધ વગર બધું નકામું ને?” લઇ આવેલા દૂધના પેકેટ બતાવતા કાનને કહ્યું

‘બ્રાવો…બ્રાવો…”તાળી પાડતા નવીને કહી જોયું? એવા ભાવથી અમર સામે જોયું

અમીતાએ વાસણવાળું કાર્ટુન ખોલીને તેમાંથી ચ્હા માટે જોઇતા વાસણ કાઢ્યા.અને સૌ પહેલા ચ્હા બની અને બિસ્કીટના પેકેટ ખુલ્યા તેના સાથે પીવાઇ.

“પહેલાં ફ્રીઝ ચાલુ કરો અને દૂધના પેકેટ એમાં મુકો”સરોજે કહ્યું

નવીન અને જતીન ફોલ્ડિન્ગ પલંગના છુટા કરેલા પાટિયા જોડવા લાગ્યા.સૌ એક એક પેકિન્ગ ખોલતા ગયા અને બપોર સુધી લગભગ મોટા ભાગની પેકિન્ગ ખુલી ગઇ અને ગોઠવાઇ ગઇ

“અરે! સરોજ બાકીનું પછી પતાવજો ચાલો પહેલા હોટેલમાં જમી આવીએ”નવીને કહ્યું

અમર ટેલિફોન ડીરેકટરી ખોલીને કાંદીવલિમાં પિત્ઝા સેન્ટરનો નંબર શોધવા લાગ્યો તો નવીને પુછ્યું “એલા શું મંડી પડ્યો છે?”

“પપ્પા પિત્ઝા,ગાર્લિક બ્રેડ અને કોક મંગાવીએ તો?”

“યા..યા..ધેટ’સ બેટર”જતીન અને કાનનએ કહ્યું તો અમીતાએ સુર પુરાવ્યો.

“તો પછી રાહ કોની જોય છે મંગાવી લે”સરોજે કહ્યું

અમરના ઓર્ડર આપ્યા બાદ પંદર મિનિટમાં ડીલેવરી બોય ફૂડ સપ્લાય કરી ગયો.સરોજે જુના છાપાના કટકા કરીને બધાને પિત્ઝા અને ગાર્લિક બ્રેડ આપી અને ગ્લાસમાં કોક રેડાયો સરોજે નવીન સામે આપવા હાથ લાંબો કર્યો તો નવીને કહ્યું

“લાવ લાવ ટ્રક લોડ ભુખ લાગી છે”

“તો તો મોટાભાઇ ટ્રક લોડમાં તો બધું સમાઇ જશે ને આપણે રહી જઇશું તો બીજો ઓર્ડર આપી દો”

“હા હા તમારી સગવડ કરી લ્યો”કહી નવીન હસ્યો

એક બીજાની મજાક ઉડાવતા જમવાનું પુરું થયું અને પાછા બધા કામે વળગ્યા.પલંગ ફીટ થઇ ગયા હતા અને તેના પર સુંદર બેડસીટ પણ પથરાઇ ગઇ હતા એ જોઇને નવીને કહ્યું

“ભઇ હું તો જરા આડે પડખે થાઉં છું”કહી તેણે લંબાવ્યું

“મમ્મી તમે પણ આરામ કરો”અમીતાએ કહ્યું

“હા મમ્મી લગભગ બધું ગોઠવાઇ ગયું છે એટલે તું પણ પપ્પાને કંપની આપ” જતીન અને કાનને કહ્યું

અને કાનન સરોજને બેડરૂમ સુધી લઇ ગઇ

અઠવાડિયા પછી વહેલી સવારે સફાળી ઉઠીને અમીતા બાથરૂમ તરફ દોડી અને તેના ઉબકાનો અવાઝ સાંભળી અમર તેણીની પાછળ દોડ્યો

“શું થયું અમીતા?”કહીને તરત સરોજના બેડરૂમ તરફ ગયો અને બારણું ખખડાવ્યું

“શું છે અમર?…..શું થયું?”આંખો ચોળતા સરોજે પુછ્યું

“મમ્મી અમીતાને ઉલટી થાય છે તું જો ને પ્લીઝ”

સરોજ અમરના બેડરૂમમાં આવી ત્યારે અમીતા બ્રશ કરતી હતી.તેણીને જોઇને સરોજે કહ્યું

“આ તો બ્રશ કરે છે”

“હમણાં હજુ તો ઉબકા ખાતી હતી”અમરે કહ્યું તો સરોજ અને અમીતા હસ્યા અમર મુંજાઇ ગયો.

નિત્યક્રમથી પરવારી સરોજ અમીતાને મેટરનિટિ હોમમાં લઇ ગઇ અને ચેક-અપ પછી પ્રેગ્નેન્સી કનફર્મ થતાં ખુશખુશાલ સરોજે મિઠાઇનું પેકેટ લીધું અને ઠાકોરજીને ભોગ ધરી બધાને પ્રસાદ સાથે ખુશ ખબર આપ્યા.તો ઘરમાં આનંદ આનંદ છવાઇ ગયો.સૌથી પહેલાં તો અમીતાના માવિત્રોને સમાચાર આપ્યા અને પછી આ સમાચાર રમામાસી અને રંમણમાસાને આપ્યા.નીશાના માવિત્રોને પણ સમાચાર આપ્યા.

આખર જતીનની જાન જોડવાનો દિવસ આવી ગયો રંગે ચંગે વિવાહ સંપન થયા.સરોજે થાળીમાં કંકુ ઘોળીને નીશાના કુમકુમ પગલા કરાવ્યા.નીશા અને જતીને નવીન અને સરોજના ચરણ સ્પર્શ કર્યા ત્યારે નવીને નીશાના હાથમાં એક મીનાકારી વાળો કડો ભેટ આપ્યો ત્યાર બાદ બન્ને અમર અને અમીતાના ચરણસ્પર્શ કર્યા તો અમરે નીશાને સોનાને ચેઇન ભેટ આપી.ત્યાર બાદ કાનનને નીશા ભેટી પછી બન્ને જતીનના રૂમમાં ગયા.હજુ તો પલંગ પર બન્ને બેઠા જ હતા ત્યાં બારણે ટકોરા પડ્યા

“અરે!! અહીં આવીને શું બેસી ગયો ચાલ બહાર નીકળ”અમરે આંખ કરડી કરતા કહ્યું

“પણ મોટાભાઇ….”કંઇક ગડમથલમાં અટવાતા જતીને કહ્યું

“નીચે ટેક્સી રાહ જુવે છે તેમાં ખંડાલા કોણ મારો કાકો જશે?”એ જ નાટક ચાલુ રાખતા અમરે કહ્યું તો ઘરમાં જતીન સામે કેવો ગભરાઇ ગયો એવા ભાવથી હાથ લંબાવી સૌ હસ્યા.

“તમે પણ શું મોટાભાઇ મને તો ગભરાવી મુક્યો”જતીને કહ્યું

“મુક્યો ને તો….”

“મોટાભાઇ આપણો તો કોઇ કાકો નથી એટલે અમે જ જઇએ ચાલ નીશા”અવાક ઊભેલી નીશાને ખેંચતા જતીને કહ્યું

“તું એ શું અમર બેચારી નીશાને ઘરમાં આવતા જ ગભરાવી મારી”સરોજે કહ્યું

“ટેક્સી તમને ખંડાલા તો પહોંચાડશે તેનું ભાડું તો આપી દીધું છે પણ ત્યાં વાપરવા પૈસા છે ગજવામાં?”

નવીને જતીનની પીઠમાં ધબ્બો મારી પુછ્યું

“………..”

“મને ખબર જ હતી કે ખીસ્સા ખાલી ને ભભકા ભારી લે આ પૈસા” કહી એક કવર આપ્યો તો જતીનની આંખ ભીની થઇ ગઇ

“છોકરી જેમ શું રડે છે અને તે પણ નીશાની સામે?”નવીને જતીનના કાનમાં ગણગણતા કહ્યું

બન્ને નવીનના ચરણ સ્પર્શ કર્યા અને ટેક્સીમાં બેઠા અને ટેક્સી ખંડાલા-લોનાવલા તરફ રવાના થઇ તો જતીનના ખભે માથું મુકી નીશાએ કહ્યું

“કમાલ છે મોટાભાઇ ધમકાવતા તો એવી રીતે હતા કે……”

“આપણે કોઇ મોટો ગુન્હો કર્યો હોય નહી? પણ મોટાભાઇ તો આવા જ હોવા જોઇએ આપણી અમીતા ભાભી પણ એવા જ છે”કહી જતીને અમીતાને થયેલ ઉલટીની વાત કરી તો નીશા હસી પડી

“કમાલ છે….”

“મમ્મીએ કહ્યું જ્યારે તેણી બાથરૂમમાં ગઇ ત્યારે ભાભી બ્રશ કરતા હતા તે જોઇને મોટાભાઇનું મોઢું જોવા જેવું હતું જ્યારે મમ્મીએ કહ્યું આ તો બ્રશ કરે છે”કહી બન્ને ખુબ હસ્યા

રસ્તા વચ્ચે આવતા ફૂડ મોલ નજીક આવતા ડ્રાઇવરે ટર્ન લઇને ગાડી ઊભી રાખી નીશા અને જતીન બન્ને ઉતર્યા.

“હું જરા બાથરૂમ જઇ આવું”નીશાએ કહ્યું

“ચાલ હું પણ આવું છું”

મોલમાં દાખલ થતાં મેનુ કાર્ડ કાઉન્ટર પર લખેલું જોતા જતીને પુછ્યું

“શું ખાવું છે તારે?”

“તારે શું ખાવું છે?” નીશાએ સામે સવાલ કર્યો

“હું તો બર્ગર ખાઇશ તારે શું ખાવું છે?”

“મારા માટે ફ્રેન્ચ ફ્રાઇસ અને કોક લઇ આવ અને તારી બર્ગરમાંથી બે-એક બાઇટ તો આપીશને?”

“વેરી સ્માર્ટ…”કહી જતીન ફૂડ લેવા ગયો.

નાસ્તો કરીને પાછા ટેક્સીમાં ગોઠવાયા અને ખંડાલા આવીને ટેક્સી ડ્રાઇવરે એક સારી હોટેલ પાસે બન્નેને ઉતાર્યા અને ડીકી માંથી સામાન ઉતારીને કહ્યું

“લ્યો સાહેબ ખંડાલાની આ સારી હોટલ છે”કહી સામાન લઇ ડ્રાઇવર બન્ને પાછળ અંદર આવ્યો

“હવે હું રજા લઉ સાહેબ” કહી સલામ કરીને ડ્રાઇવર જતો રહ્યો.

કાઉન્ટર પર નામ નોંધાવીને રૂમની ચાવી લઇ બન્ને બેલ બોય પાછળ ગયા અને રૂમમાં આવ્યા પછી બારણાના હેન્ડલ પર “ Do not disturb” નું બોર્ડ લટકાવી બારણું બંધ કર્યું

“હું જરા બાથ લઇ આવું” કહી નીશાએ બેગ ખોલી જરૂરી કપડા કાઢી બાથરૂમમાં ગઇ તો જતીને પણ તેણીનું જ અનુકરણ કર્યું અને નીશાએ અર્ધા ખુલ્લા રાખેલ બાથરૂમનો દરવાજો હડસેલી તે પણ અંદર દાખલ થયો

“એઇ મિસ્ટર અહીં લેડીઝ બાથરૂમમાં તમે શું કરો છે?”શાવર કર્ટેઇન પાછળથી નીશાએ પુછ્યું

“મેડમ એવું છે ને કે મારા આજે જ લગ્ન થયા છે તો મારી મિસિસ અહીં આવી છે કે નહીં એ જોતો હતો” કહી કર્ટેઇન પાછળ ગયો

“………..”શું છે આંખના ઇશારે નીશાએ પુછ્યું

“વાવ!! તમે તો બહુ જ સુંદર છો”કહી નીશાને આલિંગન આપી બન્ને બાથટબમાં જ એક બીજામાં ખોવાઇ ગયા શાવર ચાલુ હતો જેનો સ્પર્શ બન્નેને આ‌હ્‌લાદક લાગતો હતો. ઉન્‌માદનો ઘેન ઉતર્યો તો જતીન ઊભો થયો તો નીશાએ માથું ધુણાવી ના કહી

“મેડમ શરદી થઇ જશે”જતીને તેણીનો હાથ ખેંચતા કહ્યું

“વાંધો નહીં દવા લઈ લઈશ”પણ જતીને આપેલા ઝટકાથી તેણી ઊભી થઇને જતીનને લપેટાઇ  એટલે જતીને ટોવેલ પકડાવ્યું બન્ને ટોવેલ લપેટીને બહાર આવ્યા અને થોડી વારે તૈયાર થઇને રૂમની બહાર આવ્યા અને ફરવા નીકળી પડ્યા,

બીજા દિવસે સવારના લોનાવલા બસમાં ફરવા ગયા.એકવીરા માતાજીના દર્શન કરી પ્રસાદ લઇ નીચે આવી થોડુંઘણું ફર્યા અને થોડી સામાન્ય ખરીદી કર્યા બાદ લોનાવલાની પ્રખ્યાત ચીક્કીના પેકેટોની ખરીદી કરી ત્યાં સુધીમાં ખંડાલા જતી બસ આવી ગઇ તેમાં પાછા ખંડાલા આવી ગયા ત્યારે ડીનર સર્વ થતું હતું તે લઇને રૂમમાં આવી ગયા.બીજા દિવસે રૂમ ખાલી કરી મહાબળેશ્વર જવા માટે નીકળી ગયા.ત્યાં એક સારી હોટેલમાં રૂમ બુક કરાવીને સવારના નાસ્તામાં જોડાયા અને પછી હોટેલની લોંઝમાંથી જ સરસ નઝારો દેખાતો હતો.ચારે તરફ હરિયાળી અને ધુમ્મસ.

“જતીન મુંબઇ નજીક આવી સુંદર જગા છે ક્યારેક વીક એન્ડમાં બધા સાથે આવીએ તો મઝા આવી જાય

નહીં ?”નીશાએ સજેશન કર્યું

“પપ્પા-મમ્મીની વેડિન્ગ એનેવર્સરી હશે ત્યારે તેમને લઇ આવીશું”જતીને કહ્યું

મહાબળેશ્વરનું ખુશનુમા વાતાવરણ માણી જોડલાએ મુંબઇની વાટ પકડી. બીજા દિવસની સવાર થતાં અમીતા અને નીશાએ નાસ્તો તૈયાર કરીને ડાઇનિન્ગ ટેબલ પર મુક્યો નાસ્તો કરી નવીન બેન્કમાં ગયો અમર પોતાની ઓફિસે જતીન હોસ્પિટલ અને અમીતા ટ્રાવેલની ઓફિસમાં ગઇ કાનનનું કોલેજનું છેલ્લુ વરસ હતું.તે પોતાની કોલેજ ગઇ.સરોજ પાલવ કમર પર વીંટી અને ઘરકામમાં લાગી ગઇ તો નીશાએ તેણીનું અનુસરણ કર્યું અને ઝાડુ ઉપાડ્યું ત્યાં સરોજે તેણીના હાથમાંથી ઝાડુ લઇ

લેતા મલકીને કહ્યું

“દીકરી તું રહેવા દે હજુ તો તારા હાથની મહેંદીનો રંગ પણ ઊતર્યો નથી ને આ બધું રહેવા દે”

“તો મમ્મી તમે કામ કરો અને હું હાથ પર હાથ રાખી બેસી રહું?”નીશાએ ફરીઝાડુ ઉપાડવા વળી

“એક કામ કર તમારા રૂમમાં જુના ઘેરથી આવેલ અમુક કાર્ટુન ખોલ્યા વગરના પડ્યા છે તે ખોલીને ઘરમાં ગોઠવવા માંડ બસ”કહી સરોજે તેણીના ગાલે હાથ ફેરવતા કહ્યું

એક કાર્ટુનમાં બધી નાની આઇટમ હતી તે તેણીએ શો-કેશમાં ગોઠવવા મંડી એ પુરી થતાં બીજા કાર્ટુનમાં મેલામેન ક્રોકરી હતી ત્યારે સરોજે  આવી ને કહ્યું

“એ રહેવાદે એના માટે જગા નથી એ પેક કરી માળિયા પર રાખી મુકશું”

“મમ્મી એના માટે જગા થઇ રહેશે”

“થઇ રહેશે?…તો તો સારું”કહી સરોજ પોતાના કામે વળગી.

નીશાએ શો-કેશનો બધો સામાન બહાર કાઢી તેની અંદર લગાડેલા સેલ્ફને એડજેસ્ટ કર્યા અને પછી ક્રોકરીનું કાર્ટુન ખોલી તેમાંથી ડીસીસ ઊભી ગોઠવી અને બાઉલ્સ ઉપર નાની ડિસ્પ્લેની આઇટમો ગોઠવી અને બધુ એડજેસ્ટ થઇ ગયું થોડીવારે સરોજ રૂમમાં દાખલ થઇ અને શો-કેશનું ડિસ્પ્લે જોઇ ખુશ થઇ ગઇ

“અરે!! વાહ આવો તો કોઇને ખ્યાલ જ નથી આવ્યો”

“મમ્મી આમાં વાસણ છે તેનું શું કરીશું?”નીશાએ પુછ્યું

“દીકરી એ ખાસ વપરાતા નથી એ પેક જ રહેવા દે”

નીશા હાથ પકડીને સરોજને રસોડામાં લઇ આવી અને એક ખાલી ખુણો બતાવીને કહ્યું

“મમ્મી અહીં સ્ટીલનો વાસણ માટેનો રેક ફીટ કરાવીએ તો આ બધા વાસણ ત્યાં ગોઠવાઇ જાય અને જરૂર પડે ત્યારે માળિયા પર કાર્ટુન ચડાવવું અને ઉતારવાની કસરત બચે”કહી સરોજનો પ્રતિભાવ જોવા તેણીએ સરોજ સામે જોયું.વાત તો સાચી છે એવા ભાવ સાથે માથું ધુણાવ્યું

“તો ચાલ હમણાં જ બઝારમાં જઇએ અને કેવો અને કેવડો રેક જોઇશે એ તું નક્કી કર તો આપણે ખરીદી લઇએ અને તારા પપ્પાને કે અમરને કહીશું તો કોઇને લઇ આવશે અને ફીટ થઇ જશે”

“હા બઝારમાં તો જઇશું પણ તમને બીજું કશું પણ બતાવવું છે તે તમને યોગ્ય લાગે તો આપણે તે માટે પણ જોઇતી વસ્તુની ખરીદી સાથો સાથ કરી લઇએ”નીશા એ કહ્યું

“હા ચાલ બતાવ”

“બાથરૂમમાં કાંચના રેક બેસાડીએ તો સાબુ,શેમ્પુ અને ઝીણી વસ્તુ તેના પર રાખી શકાય”

“વાત સાચી”

“આપણાં ઘરના ખુણાઓમાં જુદી જુદી ઉચાઇએ ગ્લાસના રેક લગાડીએ તો તેના પર પ્લાસ્ટિકના ફૂલવાળા ફ્લાવરવાઝ કે ગણપતિની મૂર્તિ કે એવું કશુંક મુકી શકીએ મની પ્લાન્ટ પણ મુકી શકાય”

“વાહ! વિચાર સારો છે”

તૈયાર થઇને સાસુ વહુ ખરીદીમાં નીકળી પડી અને સારો એવો સમય બઝારમાં પસાર કર્યા પછી જરૂરી સામાન લઇ આવી અને ક્રોકરીના ખાલી કાર્ટુનમાં બધું મુકીને પોત પોતાના કામે લાગી ગઇ.સાંજે બધા કામ પરથી પાછા આવ્યા ત્યારે સરોજે નીશાએ શો-કેશ બધાને બતાવ્યું અને પછી બીજા નીશાએ કરેલા સજેશનની વાત કરી.અમરે કહ્યું

“એ બધા માટે જોઇતી આઇટમ હું સાંજે આવીશ ત્યારે ખરીદી લાવીશ”

“એ બધું અમે લાવી રાખ્યું છે બસ કોઇ કારીગરને બોલાવી લાવજે જે ફીટીન્ગ કરી આપે”

નીશાના સજેશન પ્રમાણે બધું ફીટ થઇ ગયું અને ઘરમાં અમુક વસ્તુ કાર્ટુનમાં પેક કરેલી પડી હતી તે સરસ રીતે ગોઠવાઇ ગઇ.એક દિવસ નીશા સંજવારી કાઢતા એક ખાલી ભીંત સામે કમરની બન્ને તરફ હાથ રાખી ઊભી હતી તે જોઇ સરોજે પુછ્યું

“કેમ અલી! શું ઘોળાય છે તારા મનમાં??”

“મમ્મી આ ભીંત ખાલી છે મારો વિચાર છે કે તેના પર ઘરના આલ્બંબમાંથી ચૂંટેલા ફોટાઓ કાઢીને ફ્રેમ કરાવી ને અહીં ડિસ્પ્લે કરી શકાય અને ભીતની શોભા વધે”

“વાહ!!”

“અહીં આવો તો…કહી મુખ્ય દરવાજા પાસે લઇ આવી

“હા બોલ શું દરવાજો બદલવાનો છે?”સરોજે પુછ્યું

“નહીં રે!! મમ્મી આ દિવાલ પર વહેતા ધોધનો ચિત્ર જોઇએ” દરવાજા બાજુની દિવાલ દેખાડી કહ્યું

“એ વળી શું?”

“મમ્મી મારા કઝીનના કહેવા મુજબ એ ચિત્ર મુકવાથી ઘરમાં બરકત રહે”

“હં..હં….લગાડીશું એ પણ”સરોજે કહ્યું

સમય ગુજરતો ગયો અને અમીતાની ખોળો ભરાઇનો શુભ પ્રસંગ આવી પહોંચ્યો અમીતાના માવિત્રો બધી તૈયારી સાથે આવી ગયા અને નીશાના માવિત્રો પણ પ્રસંગમાં સામેલ થયા

બધી વિધિ વિધાન આનંદ પૂર્વક સંપન થયા બપોરના પ્રિતિ ભોજન પછી બધા હસી ખુશી છુટા પડ્યા

ત્યારે અમીતાની મમ્મીએ કહ્યું

“વેવાણ દીકરીની પહેલી ડિલેવરી માવતરે થાય એવો અમારો રિવાજ છે”

“જેવી તમારી મરજી અને તમારો રિવાજ અમને કશો વાંધો નથી”સરોજે નવીન સામે જોઇ કહ્યું

“હા…હા..સરોજ બરોબર કહે છે”નવીને સુર પુરાવ્યો

“તમારા રિવાજ મુજબ તમે કહેશો ત્યારે અમર અમીતાને તમારે ત્યાં મુકી જશે”સરોજે કહ્યું

એક દિવસ સવારના અમીતાની મમ્મીનો ફોન આવ્યો અને સરોજના કહેવાથી અમર અમીતાને માવતરે મુકી આવ્યો.નીશા અને કાનનને અમીતા વગર ગમતું નથી.જમ્યા બાદ બાગમાં ત્રણેય ભેગી મળતી ત્યારે અમીતા તેની ઓફિસે અવાર નવાર બુકિન્ગ વખતે થતા રમુજી અનુભવો કહી સંભળાવતી.ક્યારેક એમના હસવાનો અવાઝ સાંભળી સરોજ પણ સામેલ થતી.

એક દિવસ વહેલી સવારે સમાચાર મળ્યા કે,અમીતાને ડિલેવરી માટે હોસ્પિટલ લઇ જઇએ છીએ.સરોજ નીશા અને કાનન સાથે જતીન ગયો.તેઓ પહોંચ્યા ત્યારે જાણ થઇ કે અમીતા લેબરરૂમમાં છે,જતીન લેડી ડૉકટરને મળ્યો તો જાણ્યું કે ગભરાવાની જરૂર નથી નોર્મલ ડિલેવરી થશે.જતીને બહાર આવી સરોજને અને અમીતાના મમ્મી પપ્પાને સમાચાર આપ્યા.દશેક મિનિટ પછી નર્સ ગલગોટા જેવો બાળક લઇ આવી અને સરોજના હાથમાં સોંપ્યો તેણીએ તેનું કપાળ ચુમી અમીતાના મમ્મીના હાથમાં સોંપ્યો.કાનન નીશા અને અમર બાળકને જોવા માંગતા હતા પણ સરોજે હુકમ છોડ્યો

“ચાલો હાલ બધા બહાર જાવ અને ભુખ્યા બાળકને દૂધ પીવા દો પછી નિરાંતે જોયા કરજો”કહી પોતે પણ બહાર આવી બારણું બંધ કર્યું,ત્યાં સુધી નવીન અને અમર પણ આવી ગયા.

“શું થયું…? કેમ છે અમીતા…?”નવીને જુજ્ઞાષાથી પુછ્યું

“પપ્પા તમને દાદા કહેનારો આવી ગયો”કાનને કહ્યું

“વાહ રે મારા નાથ….”કહી નવીને આકાશ તરફ જોઇ હાથ જોડ્યા અને પછી અમીતાના પપ્પાને કહ્યું “વેવાઇ તમને નાના બન્યાની વધામણી”

“તમને પણ…”કહી બન્ને ભેટ્યા

થોડીવાર પછી બારણું ખુલ્યું એટલે અમીતાની મમ્મીએ નાનકડા બાલુડાને હાથમાં લઇને સરોજ સોંપ્યો.સૌ નવા મહેમાનને જોવા ઘેરી વળ્યા.

“સરોજ જરા મને આપ” કહી નવીને હાથ લંબાવ્યો

“સંભાળજો…..”સરોજે કહ્યું તો નવીન હસ્યો

“આ ઊભા ત્રણેયને સંભાળ્યા જ છે ને?’બાળક હાથમાં લેતા નવીને કહ્યું

“એમને સંભાળ્યા તેને જમાનો થઇ ગયો”કહી સરોજ હસી

“આખી દુનિયાની ખુશી એક તરફ અને દાદા કહેનારને જોવાની ખુશી એક તરફ”કહી અમીતાના પપ્પાના હાથમાં બાળક સોંપ્યું તેને જોઇને તેમણે કહ્યું

“સાચી વાત છે”

અમર,નીશા.કાનન અને જતીને સાવચેતીથી પોતાના હાથમાં બાળક લેવાનો આનંદ માણ્યો. સરોજે આજની તારીખ અમીતા અને અમરનું નામ અને સમય એક ચબરકીમાં લખીને નવીનને

આપતા કહ્યું

“આ લ્યો કાલે નવજાતની કુંડલી બનાવી લેજો”

“હા એ જરૂરી છે”નવીને ચબરકી સાચવીને ગજવામાં મુકી.

નવીને જન્મકુંડલી બનાવડાવી મકર રાશી આવતી હતી અક્ષર હતા “ખ” અને “જ” પુરોહિતજીનું કહેવું હતું કે “જ” અક્ષર પર નામ પાડો તો ઉત્તમ અને ફઇ કાનને નામ નક્કી કર્યું “જય” અને છ દિવસ પછી નામકરણ વિધિ પુરી થઇ.જય દોઢ માસનો થતાં અમીતા પોતાની નોકરી પર પાછી ફરી.ઘરમાં ત્રણ જણી જયની સંભાળ લેવા મોજુદ હતી.

એક મોટા એક્ઝિબીશન ફંકશનમાં એન્ટ્રીના બે પાસ વીપીનને એલ.આઇ.સી.ના એજન્ટની રૂએ મળ્યા.વીપીનની મિસિસ આવી શકે એમ ન હોતા તે નવીનને સાથે લઇ ગયો.ફંકશન પુરું થતા બુફે લંચ લેતી વખતે અચાનક નવીનની નજર અશોક પર પડી હાથમાં પકડેલી ખાલી પ્લેટ ત્યાં જ રહેવા દઇ તે અશોક પાસે પહોંચી ગયો

“અશોક…”નવીને હાંક મારી તો અશોકે પાછો ફરીને જોયું

“નવીન અંકલ તમે…?”તેણે નીચા વળીને નવીનના ચરણ સ્પર્શ કર્યા તો નવીને તેને બાથમાં લીધો

“તું અમેરિકાથી ક્યારે આવ્યો?”

“બે મહિના થયા…પણ તમે તો…”

“હા હું ગામડામાં હતો અને હાલ યુ.કો. બેન્ક સાંતાક્રુઝમાં કામ કરું છું”

“તો તમારું રહેવાનું ક્યાં છે?”

“કાંદિવલીમાં…તું ક્યાં રહે છે?”

“માટુંગા… આ મારું કાર્ડ”નવીને નામ વાંચ્યું અશોક ઇન્ટરનેશનલ જોઇ નવીને પોતાનું કાર્ડ આપ્યું

“શું કરે છે તું?”

“ઇમ્પોર્ટ એકસ્પોર્ટ અમેરિકામાં મારી ઓફિસ છે”

“તો મહેશ ક્યાં છે?”નવીને અજાણ્યા થતાં પુછ્યું

“એ પણ ઇન્ડિયા આવ્યા છે મલબાર હીલ પર બંગલામાં રહે છે”

“તો તું સાથે નથી રહેતો?”

“અંકલ એ બહુ લાબી વાત છે ઘેર આવજો તો કહીશ”

“ભલે રવિવારે આવું છું”

“સાથે જ લંચ લઇશું”

પ્લેટ લઇને બન્ને એક ખુણામાં ઊભા રહી અહીં ત્યાંની આડી અવળી વાતો કરતા ડીનર પુરું કરી છુટા પડ્યા.નવીનને અશોક મળ્યાથી ધરપત થઇ ગઇ હવે તેને કેમ સમજાવવો તેના વિચાર તે કરવા લાગ્યો.ત્રણ દિવસ ગડમથલમાં ગાળ્યા બાદ તેણે નિર્ણય કરી લીધો અને સિનેમાની સીડી વેંચતા એક સ્ટોરમાં ગયો અને એક સીડી ખરીદી પોતાના પાઉચમાં મુકી.રવિવાર આવી ગયો અને બપોરે તેની જમવામાં રાહ ન જોવી એવું સરોજને કહી તે માટુંગા જવા રવાનો થયો અને કાર્ડ પરના સરનામે આવી ડોર બેલ મારી તો એક આધેડ ઉમરના માણસે દરવાજો ખોલ્યો

“અશોકભાઇ છે?”નવીને વિવેક કર્યો

“હા છે ને તમે…?”

“હું નવીન…”

“આવો આવો નવીન અંકલ…”કહી ચરણસ્પર્શ માટે અશોક વળ્યો તો નવીને તેને ખભેથી જ પકડી લીધો

“કરશનકાકા આ મારા નવીન અંકલ છે”અશોકે નવીનની ઓળખાણ કરાવવા કહ્યું

“જયશ્રી કૃષ્ણ”

“જયશ્રી કૃષ્ણ ભાઇ”

“ચ્હા-નાસ્તો લાવજો કાકા”અશોકે કહ્યું

“ના ખાલી ચ્હા નાસ્તો તો હું કરી આવ્યો છું”

“તમારી મરજી તો કાકા ખાલી ચ્હા લાવો”

ચ્હા લઇને કરશનભાઇ આવ્યા તો અશોકે કહ્યું “કાકા અહીં જ જમશે” “સારું”

ચ્હા પીવાઇ ગઇ એટલે નવીનને અશોકે કહ્યું “ચાલો અંકલ મારા રૂમમાં બેસીએ”

“બીજુ કોણ કોણ છે અહીં?”

“હું અને મારા કરશનકાકા જે ઘરની બધી કામગીરી બજાવે છે અને મારૂં ધ્યાન રાખે છે”અશોકે કહ્યું

“હં…….”

“મારા સરોજ કાકી કેમ છે? અને મારા ભાઇ બહેન?”

“સરોજ મજામાં છે તારો મોટો ભાઇ અમર અને ભાભી અમીતા ને ભત્રિજો જય,તે પછી જતીન અને ભાભી નીશા અને સૌથી નાની તારી બહેન કાનન”

“અમર ભાઇ ને જતીન ભાઇ શું કરે છે?”

“અમર એક મોટી કંપનીમાં એકાઉન્ટન્ટ છે,જતીનને પણ સારી જોબ છે અને અમીતા એક ટ્રાવેલ ઓફિસમાં બુકિન્ગ ક્લાર્ક છે”

“વાહ! સરસ…એક દિવસ સૌને મળવા જરૂર આવીશ”અશોકે કહ્યું

“તે દિવસે ફંકશનમાં તેં કહ્યું કે તું અને મહેશ બન્ને અલગ રહો છો કેમ?”

“માત્ર અહીં જ નહીં અમેરિકામાં પણ અલગ જ રહીંએ છીએ”

“કારણ..?”

“હું મારી માના કાતિલ સાથે રહેવા નથી માંગતો”અશોકના બોલવામાં કડવાશ આવી ગઇ

“મતલબ?”

“તમને ખબર નથી અંકલ મારી મમ્મીને આંતરડાનું કેન્સર હતું આટલી અઢળક મિલ્કત મારા બાપ પાસે હોવા છતાં તેમણે તેણીને બચાવવા પૈસા ન ખર્ચ્યા કહી”અશોક રડી પડ્યો.

“તું ડૉકટરને મળ્યો હતો?”

“હા તેમણે જ મને કહ્યું કે,મમ્મીને હોસ્પિટલમાં એડમિટ કરી ત્યારે લાસ્ટ સ્ટેજ પર હતી”

“ડૉકટરે તને એવું કશું કહેલું કે,તેણી વહેલી આવી હોત તો બચી જાત”

“ના ડૉકટરે એવું કશું કહેલું નથી પણ અંકલ આ તો બે ને બે ચાર જેવી સીધી વાત છે”

“હશે…”

“જવા દો એ વાત ચાલો જમવાનું તૈયાર થાય ત્યાં સુધી ફૉર્ટમાં મારી ઓફિસ તમને બતાડું”

અમે બન્ને નીચે આવ્યા અને તેની બ્લેક બી.એમ.ડબ્લ્યુનો ડોર તેના સોફરે ખોલ્યો

અમે ગાડીમાં ગોઠવાયા અને ગાડી રોડ પર આવી તો અશોકે કહ્યું

“મન્નાલાલ ગાડી ઓફિસે લઇ લ્યો”

“જી”

એક બહુમાળી ઇમારત પાસે ગાડી ઊભી રહી.નવીન અને અશોક ગાડીમાંથી ઉતરીને લિફ્ટમાં આઠમે માળે આવ્યા.લિફ્ટની બરોબર સામેની જ દિવાલ પર અશોક ઇન્ટરનેશનલનું બોર્ડ જોયું. ઓફિસના પટાવાળાએ ઓફિસ ખુલ્લી રાખી હતી.એ એક વેલ ફર્નિસ્ડ ઓફિસ હતી બે કેબીન અને અલગ અલગ પાર્ટીશનમાં મુકેલી ટેબલ પરથી અંદાજ આવ્યો કે,લગભગ એક આસિસટન્ટ અને બીજા સોળ જણનો સ્ટાફ હોવો જોઇએ.

“ઓફિસ તો મોટી અને સારી છે” અશોકની કેબીનમાં દાખલ થતા નવીનને કહ્યું

“આ આઠમો આખો માળ મારી ઓફિસ માટે રિઝર્વ છે”અશોકે કહ્યું. પટાવાળો આવીને બે ગ્લાસ પાણી અને ચ્હા મુકી ગયો.ચ્હા પીવાઇ અને અલગ અલગ ટોપિક ઉપર વાતો કરવામાં સારો એવો સમય પસાર થયો.ટેબલક્લોક જોઇને અશોકે કહ્યું

“ચાલો અંકલ જમવાનો સમય થઇ ગયો રસોઇ તૈયાર હશે”

ઓફિસ છોડી બન્ને નીચે આવી ગાડીમાં ગોઠવાયા અને ગાડી અશોકના બંગલે આવી ઊભી રહી.બન્ને હાથ ધોઇને જમવા બેઠા.કરશનકાકાએ સારી રસોઇ બનાવી હતી.જમી પરવારીને પાછા અશોકના રૂમમાં બન્ને આવ્યા.

“જો દીકરા એક વાત પુછું તારી મમ્મીની બિમારીની જાણ થઇ તે પહેલા તો તું સાથે જ રહેતો હતોને?”

“હા…”

“એ દરમ્યાન તને ક્યારે પણ એવો અણસાર આવ્યો હતો કે, મહેશને તેની પત્નિ ગમતી નથી?”

“ના…”

“તેં કોઇ દિવસને બિમારીની જાણ થઇ એ પહેલાં બન્નેને ઝગડતા જોયા હતા”

“ના ક્યારેય નહીં”

“તને ક્યારેય એવું લાગ્યું કે સાંભળ્યું હતું કે તારા પપ્પાની કોઇ બીજી સ્ત્રી સાથે પ્રેમ લીલા ચાલે છે”

“સવાલ જ પેદા નથી થતો”

“તું હજુ પરણ્યો નથી એટલે કદાચ તને પુરતો ખ્યાલ ન આવે પણ જસ્ટ ઇમેજ કોઇને તું દિલોજાનથી ચાહતો હોય અને તેણી કોઇ ગંભિર બિમારીની શિકાર થાય પછી સતત એક જ માળા જપતી હોય કે હવે હું મરી જવાની છું હવે હું મરી જવાની છું તો તારા મગજની સમતુલા રહે?”

“એ ક્યાંથી રહે??”

“તારા પપ્પા સામે તારી મમ્મી સતત એ જ માળા જપતી હતી એ તારા પપ્પાએ તને કહ્યું?”

“ના….એક મિનિટ તમને કેમ ખબર પડી?”

“કારણ કે હું મલબાર હીલ તારા પપ્પાને મળ્યો છું”

“શું???”

“આજ સાંજે બધાએ બહાર જવાનું છે એટલે મારા આવવાની રાહ જોવાતી હશે માટે હું જાઉ”

“………..”

“અરે હા તું હિન્દી મુવી જોવે છે?”

“ક્યારેક…”

“આ હિન્દી મુવીનું માઇલ સ્ટોન મુવી છે જરૂર જોજે”કહી નવીને પાઉચમાં રાખેલી હિન્દી ફિલ્મ “આનંદ”ની સીડી અશોકને આપી

“નાનો હતો ત્યારે મને દર વખતે પ્રેઝન્ટ આપતા એ ભુલ્યા નથી”કહી અશોક હસ્યો

“હા…ચાલ હું જાઉ”

“અરે! મન્ના લાલ અંકલને સાંતાક્રુઝ મુકી આવ”

@@@@@@@

આમે આજે રવિવાર હતો અને માઇલ સ્ટોન મુવી જોવી જોઇએ એ વિચારે અશોકે સીડી પ્લેયર ચાલુ કર્યું.આરામથી સોફામાં લાંબો થઇને જોતો હતો રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની નોંક જોક જોવાની તેને મજા પડી અમિતાભ અને રમેશ દેવના રાજેશ ખન્નાની બિમારી બાબતના ડાયલોગ કે, ત્રિવેદીને ખબર નથી કે આ બિમારીનો કોઇ ઇલાજ નથી તો આનંદને અહીં મોકલવાનો શું મતલબ છે. ……આ બિમારી જ એવી છે કે છેલ્લા સ્ટેઝમાં પહોંચે નહીં ત્યાં સુધી ખબર ન પડે અને ત્યારે બહુજ મોડું થઇ જાય છે તે ટ્યુમર ચાર છ મહિને પાકીને ફાટી જાય અને દર્દીનું મોત કમબખ્ત બિમારી જ એવી છે કે આપણે દર્દીના મૃત્યુની રાહ જોવા સિવાય કશું પણ કરી શકતા નથી.આ આટલું જ મુવી અશોકે બે ત્રણ વાર રિવાઇંડ કરીને જોયું.

અશોક સીડી પ્લેયર બંધ કરીને બે હાથ વચ્ચે મ્હોં રાખીને રડી પડ્યો.ઓહ!! ભગવાન મેં મારી નાની અમથી ગેરસમજણને લીધે પપ્પાને કેટલું દુઃખ પહોચાડ્યું છે.મમ્મીની બિમારીને લીધે તેઓની માનસિક હાલત કેવી હશે?મમ્મીના ગયા પછી તેઓ અમારા બન્નેની જુદાઇનો કેટલો જુરાપો વેઠ્યો હશે ઓહ!! અશોક…અશોક તેં આ શું કર્યું?

અશોક સફાળો ઊભો થયો અને બી.એમ.ડબલ્યુની ચાવી લઇને મલબાર હીલ તરફ રવાનો થયો અને મહેશના બંગલાની બેલ મારી મહેશે દરવાજો ખોલ્યો અને સામે અશોકને જોઇ અવાક થઇ ગયો અશોક એકદમ મહેશના પગ પકડીને રડી પડયો “પપ્પા મને માફ કરો…માફ કરો”

મહેશે અશોકને ખભેથી પકડી ઊભો કરી બાથમાં લીધો તો અશોક ધ્રુસકે ધ્રુસકે રડી પડયો એ રડતો રહ્યો

અને મહેશ તેની પીઠ પસવારતો રહ્યો.જયારે તેનું હૈયું હળવું થયું ત્યારે આટલી વારથી બાપ દીકરાનું મિલન જોતા રામકિશને પાણીના ગ્લાસ લઇને પ્રવેશ કર્યો.

“નાના શેઠ પાણી….”અશોકને પાણી આપતા કહ્યું

“તું મને ઓળખે છે?”પાણી લેતા અશોકે પુછ્યું

“મોટા શેઠના રૂમમાં તમારી આવડી મોટી તસ્વિર છે”બે હાથ પહોળા કરી કહ્યું

“ચાલ અમારા માટે બે કપ કોફી બનાવી લાવ”પાણીનો ગ્લાસ આપતા મહેશે કહ્યું

“ચાલ રૂમમાં જઇએ…”કહી મહેશ આગળ થયો અને અશોક પાછળ પાછળ

“આ રામકિશન નવો નોકર છે તો અમુ કાકા…”મહેશે પુછ્યું

“બિચારો પોતાના ગામ ગયો હતો ત્યાં ઝાડા-ઉલટીનો શિકાર થઇ ગયો અને પ્રોપર ઇલાજ થાય તે પહેલાં ગુજરી ગયો”મહેશને જુના નોકરનું મોત યાદ આવતા આંખ ભીની થઇ ગઇ.બન્ને મહેશના રૂમમાં આવ્યા અને મોટા એક જાજરમાન સ્ત્રી પેઇટિંગ સામે ઊભા રહીને કહ્યું

“શોભા જો તારો અશોક પાછો આવી ગયો આશીર્વાદ આપ”

“મને માફ કરજે મમ્મી….હું ભટકી ગયો હતો…”ફ્રેમને સ્પર્શ કરી આંખે લગાડતા અશોકે કહ્યું

“તમને ખબર છે પપ્પા નવીન અંકલ અહીં મુંબઇમાં જ છે”

“હા બે-એક અઠવાડિયા પર મળેલો અને મને પ્રોમિસ કર્યું હતું કે, તને શોધી કાઢશે”

“હા…પપ્પા તેમણે પોતાનું પ્રોમિસ બરોબર પાડ્યું”

રામકીશન આવીને કોફીના મગ મુંકી ગયો અને પછી અશોકે તેની અને નવીનની મુલાકાત આજે તેનું આગમન થયું ત્યારથી “આનંદ”મુવીની સીડી આપ્યાની અને પોતે એ મુવી જોયા બાદ પોતે કૅટલી મોટી ગેરસમજણનો શિકાર હતો એ બધી વાત વિસ્તારથી કરી.

“હું નવીનનો મારા પરનો ઉપકાર ક્યારે પણ નહીં ભૂલી શકું”કહી નવીનને ફોન જોડ્યો

“હલ્લો નવીન હું મહેશ…”

“કેમ આટલી મોડી રાતે ફોન કર્યો એની પ્રોબ્લેમ?”

“નહીં યાર અશોક મારે ત્યાં પાછો આવી ગયો”

“હું તેને આજે જ મળ્યો હતો….અને ખાત્રી હતી એ પાછો ફરશે”

“નવીન અંકલ સીડી આપવા બદલ આભાર નહીંતર હું હજી પણ ભટક્યા જ કરત”મહેશ પાસેથી ફોન લઇને અશોકે કહ્યુ.

“ચાલો દીકરા દેરસે આયે દુરસ્ત આયે ગુડ નાઇટ”

“ગુડનાઇટ”

@@@@@@@

સાગર સહેગલના પેઇન્ટિગનું આજે એક્ઝિબીશન છે એ સમાચાર મુંબઇ સમાચારમાં વાંચી કાનન ઉછળી પડી. કાનન જયારે સેકન્ડ ઇયરમાં હતી ત્યારે એ જ કોલેજમાં સાગર ફાઇનલ ઇયરમાં હતો. કાનનના આરંગેત્રમના ફંકશન પછી બંને નજીક આવ્ય હતા.તેણીએ તેને અલગ થલગ બેસીને સ્કેચબુકમાં ખોવાયેલો જોયો હતો.

 

એક્ઝિબીશનના ટાઇમ મુજબ કાનન ત્યાં પહોંચી ગઇ એન્ટ્રી પાસ લઇને અંદર દાખલ થઇ સરસ રીતે ગોઠવેલા પેઇન્ટિગ જોતા જોતા તેણીના પગ થંભી ગયા.એક પેઇન્ટિગ તેણીનું પ્રતિબિંબ પાડતું હતું પણ તેણીનો પોશાક ગામડાની ગોરીનો હતો,તરત જ તે પેઇન્ટિગ લઇને સાગર પાસે ગઇ

“એઇ મિસ્ટર…..”કોઇના સાથે વાત કરતો સાગર સાંભળી પાછો ફર્યો

“યસ…મે….મ….”કહેતા એ કાનન તરફ ફર્યો.

“હું જાણી શકું કે, આ ની પ્રેરણા તમને ક્યાંથી મળી”

પેઇન્ટિગ બતાવતા કાનને કહ્યું તો સાગર એક નજર પેઇન્ટિગ તરફ અને એક નજર કાનન તરફ કરતા અવાંક ઊભો રહ્યો તે જોઇને કાનન કહ્યું

“મી.સાગર મેં તમને પુછ્યું છે કે…….”

“સોરી તે પેઇન્ટિગમાંની લેડી તમારા જેવી લાગેછે પણ વિલ યુ બિલિવ ઇટ ઓર નોટ પણ એ મારું જસ્ટ ઇમેજીનેશન માત્ર છે”

“તો….હવે…??”

“છતાં તમને લાગતું હોય કે તમારું જ છે તો….સાગર તરફથી તમને પ્રેઝન્ટ.હું તમારું નામ જાણી શકું?”

“કા…ન..ન”

સાગરે તરત જ ખીસામાથી એક માર્કર પેન કાઢીને ફ્રેમ પાછળ લખ્યું ટુ કાનન, એઝ લેઇટ બર્થ-ડે પ્રેઝન્ટ ફ્રોમ સાગર અને કાનનને આપ્યું

“થેન્કસ”

“ઇટ્સ માય પ્લેઝર મેમ”

અને બંને ખડખડાટ હસી પડ્યા.કાનન બોલી” સાગર, મારા માટે આ અમુલ્ય ભેટ છે.તારો ખૂબ આભાર”.

કાનન પછી બાકીનું એક્ઝિબીશન જોયા વગર આસમાનમાં ઉડતી ઘર તરફ રવાના થઇ ગઇ. રસ્તામાં એક સ્ટેશનરી દુકાને પેઇન્ટિગને ગિફ્ટ પેક કરાવી લીધું કે,ઘરમાં કોઇ પુછે તો કહેવાય કે ફ્રેન્ડનો બર્થ-ડે માટે ગિફ્ટ છે પણ ઘેર આવે છે ત્યારે બધા બપોરનું આરામ ફરમાવતા હોય છે એટલે કોઇના પુછવાનો સવાલ પેદા નથી થતો અને આરામથી પેઇન્ટિગ કબાટ ઉપર મુકી દીધું

કાનને  જ્યારે સાગર ફ્રેમ પાછળ લખવામાં વ્યસ્ત હતો ત્યારે મોબાઇલમાં તેને કેચ કરી લીધો હતો.બીજા દિવસે કોલેજથી પાછા ફરતા કાનનએ પોતાના મોબાઇલમાંના સ્નેપનો પ્રિન્ટઆઉટ એક સ્ટુડિયોમાંથી કઢાવી લીધો અને ગિફ્ટ આર્ટિકલ્સ શોપમાંથી તેને અનુરૂપ ફ્રેમમાં મઢાવી લીધો.એક પેપરબેગમાં મુકીને બુક્સ વચ્ચે સંતાડીને ઘેર લઇ આવી અને કપડાની થપ્પી વચ્ચે મુકી દીધું હતું.આ તરફ સાગરે કાનનને પ્રેઝન્ટ આપેલ પેઇન્ટિગનો સ્નેપ જે કોમ્પ્યુટરમાં સ્કેન કરેલું હતું તેનું મોટું પ્રિન્ટ આઉટ કઢાવી ફ્રેમ કરાવીને રૂમની દિવાલ પર મુક્યું ત્યારે હસ્યો

“સોરી કાનન! મેં તને કહ્યું કે,એ જસ્ટ ઇમેજીનેશન હતું પણ ખરેખર તો એ તારા દોરેલા સ્કેચને મેં ગામડાની ગોરીના વાઘા પહેરાવ્યા હતા”

કાનન એસ.વાયમાં અને સાગર ટી.વાયમાં હતો.એક જ કોલેજ હતી એટલે કેટલિક જાણી જોઇને અને કેટલિક અજાણ્યે મુલાકાતો વધવા લાગી.એક દિવસ સાગરનો મિત્ર હિમાશું તેને ઘેર આવ્યો અને સાથે એક બ્લેક એન્ડ વ્હાઇટ જુનો તેના દાદાજીનો ફોટોગ્રાફ લાવ્યો હતો તે દેખાડીને કહ્યું

“યાર! આના પરથી કલર પોર્ટ્રેઇટ બનાવી આપ”

“બનાવી તો આપું પણ એક શરતે તે એ કે મારી પાસે ટાઇમ હશે તે પ્રમાણે”

“હા…પણ…”

“જો એમાં પણ બણ ને અવકાશ નથી તું તારી મરજી પડે ત્યારે ઉઘરાણી કરે કે આદુ ખાઇને પાછળ પડી જાય કે ઓલા પોર્ટ્રેઇટનું શું થયું ક્યારે પુરું થશે શરું કર્યું કે નહીં એવા શબ્દોથી મારી ઉલટ તપાસ કરે તો મને મંજુર નથી પસંદ નથી”સાગરે એક શ્વાસે કહ્યું

“અરે,અરે!! આટલું બધું લેકચેર બાપ રે બાપ તું કહેતો હું કાગળ પર લખી આપું કે આજની તારીખથી તું મને પોર્ટેઇટ આપે નહીં ત્યાં સુધી એક પણ શબ્દ હું ક્યારે નહીં બોલું લાવ કાગળ”હિમાશું એ કહ્યું

“તેની જરૂર નથી”

“પણ આ બધું…??”

“મને બે ત્રણ કડવા અનુભવ થઇ ગયા છે તેમાં એક તો એવો ભેટી ગયો હતો કે ભર બજારમાં એવી રીતે ઉઘરાણી કરવા લાગ્યો કે હું તેનો ગુલામ …”

“તો…..”

“તો શું?મેં તેને આપેલો ફોટોગ્રાફ તેને પાછો આપી દીધો અને કહ્યું જે તારી માંગણી મુજબની સમય મર્યાદામાં બનાવી આપે તેની પાસે બનાવી લેજે”કહી એક પોણા ભાગનું બનેલ પોર્ટેઇટ્નું કેનવાસ હિમાંશુને બતાળ્યું.અચાનક હિમાંશુંની નજર કાનનની દિવાલ પર મુકેલી ફ્રેમ પર પડી અને વિચારવા લાગ્યો આને ક્યાંક જો…ઇ…એક મિનિટ એક મિનિટ આ તો એસ.વાય.ની સ્ટુડંટ છે

“આ કોણ છે? જાને મન?”

“તું યે શું યાર…”

“તો પછી આટલા પ્રેમથી…એક મિનિટ તેં તેણીને કહ્યું છે કે, તું તેણીને ચાહે છે?”

“ના…તેણીના મનની ખબર પડ્યા વગર…?”

“જો ભાઇ કોક જ બિંધાસ છોકરી હોય તે પહેલ કરીને પુછે બાકી ૯૫% ન પુછે અને આમ રાહ જોતા જોજે કોઇક કાગડો દહીથરૂ ન લઇ જાય”કહી સાગરને ધબ્બો મારતા હિમાશું હસ્યો

કાનનના વિચાર પ્રમાણે હમણાં કોઈને બહાર જણાવવાનુ નથી તે બંને એક બીજાના પ્રેમમાં છે એટલે

સાગર હિમાંશુ આગળ અનજાન બન્યો અને ખાલી ઢાંગ કરવા લાગ્યો.

બીજા દિવસે લાયબ્રેરીના એક કબાટમાં કોઇ બુક શોધતી કાનન પાસે સાગર ગયો

“કાનન હવે તારા બંને ભાઈઓ પરણી ગયા હવે આપણા વડીલોને વાત કરવાનો અને પરવાનગી લેવાનો સમય આવી ગયો છે એટલે આપણા માતા-પિતાને વાત કરીએ”.

“હા.. કાનને એક નજર સાગર સામે કરી,અને બોલી હા તારી વાત સાચી છે, હવે સમય આવી ગયો છે”.

(ક્રમશઃ)

વીરાંગના સરોજ શ્રોફ () રાજુલ શાહ

 

પરણ્યા એટલે પ્યારા લાડી… ચાલો આપણા ઘેર રે…

હજુ ય મનમાં ગુંજ ઉઠે છે .. આજે કાનનને વળાવે અઠવાડિયુ  વિતી ગયુ પણ હજુ ય આંખ  આગળથી અને મનમાંથી એની  વિદાય જાણે ખસવાનુ નામ નથી લેતી. ઘરમાં બધાય છે પણ ઘરનું આંગણુ સુનુ થઈ ગયુ એવુ કેમ લાગે છે? અમિતા અને નિશાને ય દિકરીઓની જેમ જ આપણે માની છે  પણ તોય મનનો ખુણો ખાલી કેમ?  સરોજ અને નવિન એકબીજા સાથે બોલ્યા વગર પણ એકબીજાનો ખાલીપો અનુભવી રહ્યા હતા.

એ મહેંદી વાળા હાથ , એ ઘરની દિવાલો પરની થાપ ,સુકાઇ ગયા પછી પણ હ્રદયમાં લીલાછમ બનીને ફોરી રહ્યા એમ કેમ લાગે છે?  કાનનને વળા્વી ત્યારે જાણે એમ લાગતુ હતુ કે મન પર મણ મણનો બોજ ઉતરી રહ્યો છે તો હ્રદય કાનનને વળાવતા મણ મણની ભીંસ અનુભવી રહ્યુ હતુ. આ તો કેવી બેવડી લાગણી? એક બાજુ મન હળવુ થઇ રહ્યુ છે તો દિલ દિકરીની  વિદાયના અસહ્ય ભારથી ભિંસાઇ રહ્યુ હતુ.

છેલ્લા કેટલાય સમયથી કાનનના લગ્નની તૈયારી ચાલતી હતી. કાનન માટે સાડીઓ દાગીના હાથનુ મિંઢળ , લાલ -લીલા -સફેદ કપૂરની હાથ અને કંઠની માળા ,લગ્ન ચુડો અને એની આગળ-પાછળના ગોરવા , આવી તો બીજી કેટલીય નાની નાની ચીજોનુ લિસ્ટ સરોજે બનાવવા માંડ્યુ હતુ. નિશા પણએમાં ઉલટભેર ભાગ લેતી. અમિતા પણ શક્ય હોય એટલો સમય ફાળવતી. જયના આવ્યા પછી પણ સરોજના આગ્રહને લીધે અને નિશાના સહકારને લઈને એ ટ્રાવેલ એજન્ટની જોબ ચાલુ રાખી શકી હતી. પણ જ્યારે જ્યારે કાનન માટે શોપિંગ  કરવા જવાનુ થાય ત્યારે એ અડધા દિવસની રજા લઈ લેતી. સરોજનો હંમેશા એવો આગ્રહ રહેતો કે શોપિંગમાં જવાનુ હોય ત્યારે કાનન , અમિતા અને નિશા  સાથે જાય. ક્યારેક અમિતાનેએવુ લાગતુ કે જયની જવાબદારી મમ્મી એ જે રીતે લીધી છે એના લીધે જ એ આટલી મુકત રહી શકતી.  જય પણ દાદી અને કાકી સાથે એટલો હળી ગયો હતો કે  અમિતાને કોઇ વાતે ચિંતા જ નહોતી રહેતી. અમિતા પણ જવાબદારી અંગે એટલી જ સજાગ હતી. સવારે જોબ પર જતા પહેલા બને એટલી વહેલી ઉઠીને તૈયારી કરીને જતી.

સરોજે હંમેશા દિકરી અને પુત્રવધુઓનુ પલ્લુ સરખુ જ રાખ્યુ હતુ. ક્યારેક કાનન મજાકમાં  સરોજને કહેતી પણ ખરી કે મા ” તારે તો એક નહી ત્રણ દિકરીઓ હોય એવુ લાગે છે.હું સાસરે જઈશ તો તને તો મારી ખોટ નહીં જ લાગે.

સરોજ હસી ને એના ગાલે ટપલી મારીને કહેતી , સાવ સાચી જ વાત છે. તું મારુ પોતાનુ લોહી છે પણ એક વાર તું આ ઘરમાંથી વિદાય લઈશ ત્યારે તો આ બે દિકરીઓ જ મારા સુના સંસારને કિલ્લોલતો રાખશે ને? કહે છે ને દિકરી તો પારકી થાપણ કહેવાય . તું કોઇના ઘરની લક્ષ્મી થઈને એનુ ઘર ઉજાળીશ. તારામાં મેં જે સંસ્કારોનું સિંચન કર્યુ છે એ ક્યાંક  જઈને અમૃતવેલ બનીને પાંગરશે. તો એવી રીતે અહીં આપણા ઘરમાં પાંગરી રહેલી આ બે અમૃતવેલમાં લાગણીનું સિચન કરીને લીલીછમ રાખવાની મારી જ જવાબદારી ના કહેવાય? બેટા, સાચા હ્રદયથી એ બંનેનો મેં સ્વીકાર કર્યો છે એટલે એમના માટેની લાગણીમાં ક્યાંય કોઇ ખોટ ન રહેવી જોઇએને?

ઓહો મા , તું ય શું ? હું તો ખાલી મજાક જ કરતી હતી અને તું તો સાચે જ એકદમ ગંભીર બની  ગઈ.ઓ કે બાબા , બે કાન વચ્ચે માથુ બસ ? મમ્મી મને ય ખબર છે અને તારી એ ભાવના  મને સાચે જ ગમે ય છે. ભાઇ તો પોતાના જ હોય પણ ભાભીઓ પણ આટલી પોતીકી લાગે એ  મને ય ગમે જ ને? અને મને ખબર છે તારા એમની સાથેના આવા વ્યહવારને લીધે તો અમે પણ આટલા નજીક રહી શક્યા છીએ ને? અને સાચુ કહુ તો  મને ભાઇ જેટલા જ એ બંને વ્હાલા લાગે છે.

વાત તો કાનનની ય સાચી જ હતી. અમિતા , નિશા અને કાનન વચ્ચે અત્યંત ઉષ્માભર્યો વ્યહવાર હતો.અમર અને જતીન સાથે જે લોહીનો સંબંધ હતો એના જેવો જ બળકટ આ લાગણીનો સંબંધ હતો.ખરીદીનુ કામ એ બંને એ સંભાળી લીધુ હતુ તો અમર અને જતીને પાર્ટી પ્લોટ બુક કરાવવાથી માંડીને કેટરર , ડેકોરેટર અને લગ્ન  નિમિત્તે યોજેલા તમામ નાના મોટા પ્રસંગને લગતી જવાબદારી  નવિન સાથે વહેંચી લીધી હતી એટલે નવિનને માથે ભાર ઓછો રહેતો. કંકોતરીની ડીઝાઇન  પણ સૌએ સાથે મળીને નક્કી કરી લીધી હતી.

પપ્પા , કાલે આપણે સવારથી જ નિકળી જઈશુ. અમરે રાત્રે જમવાના ટેબલ પર નવિન સાથે વાત કરી લીધી. આજ સુધી સરોજ અને નવિને ઘરમાં એક નિયમ બનાવ્યો હતો. સવારે  નાસ્તાના ટેબલ પર અને રાત્રે જમવાના સમયે પરિવાર એક સાથે હોવો જોઇએ. એ સવારનો અને સાંજનો સમય સમગ્ર પરિવારનો સહિયારો અને ત્યાર બાદ પોત પોતાનો આગવો.

કાનનના લગ્ન અંગે પણ જે કોઇ વાતચિત કરવાની હોય કે કોઇ પ્રોગ્રામ નક્કી કરવાનો હોય એ આ સમયે સાથે બેસીને થઇ જતો. કાનનનું શોપિંગ તો લગભગ પતવા જ આવ્યુ હતુ સાથે સાથે સરોજ ,અમિતા અને નિશા માટે પણ ખરીદી થઇ ગઈ હતી.. ઓફ વ્હાઇટ સિલ્ક પર લાલ ચટક બનારસી બોર્ડર અને એની ડિઝાઇન સાથે ભળે એવુ વચ્ચે લાલ ચટક મીનાકારી ભરતકામવાળુ પાનેતર. પાનેતર સાથે શોભે એવો જ લાલ-સફેદ જડતરનો સેટ જે દિવસે તૈયાર થઈને આવ્યા ત્યારે તો સરોજે ઘરમાં કંસારના આંધણ મુક્યા હતા .  ભગવાનની  પહેલી કંકોતરી પણ એ દિવસે જ લખવાની હતી.જય માટે પણ સરસ મઝાની શેરવાની -ચુડીદાર આવી ગયા હતા. સાગર માટે સોનાની ચેઇન અને હીરાની વીંટી પણ લેવાઇ ગઈ હતી. હવે જે બાકી રહેતુ હતુ નવિન , અમર અને જતીનનુ એટલે  અમરે બીજા દિવસનો પ્રોગ્રામ જતીન અને પપ્પા સાથે નક્કી કરી લીધો.

સવારે બને એટલા વહેલા નિકળાય તો બપોરે જમવાના સમયે પા્છા આવી જવાની ગણતરીએ એ ત્રણે નિકળી ગયા.  આમ તો અમર અને જતીને પોત પોતાની રીતે ગમતા શો રૂમમાં ઉડતી મુલાકાતે તૈયાર આઉટફીટ્સ જોઇ રાખ્યા હતા. લગ્ન સમયે જવ તલ  હોમવાની વિધી બંને ભાઇને કરવાની હતી એટલે ઇચ્છા તો એવી જ હતી કે બને તો એક સરખા જ દેખાવુ . એટલે શેરવાની અને ચુડીદાર પણ એક સરખા જ કરાવવા. અને નવિન માટે બંધ કોલરનો ઝભ્ભો અને ચુડીદાર .નવિનને જરા પણ ભપકા વાળો ઝભ્ભો નહી ચાલે એટલે આછા બદામી રંગના ઝભ્ભાના કોલર પર જરા તરા રેશમી વર્ક હોય એવો  સિલ્કનો ઝભ્ભો આમ તો પસંદ પણ કરી રાખ્યો હતો . બસ માત્ર નવિનની પસંદગીની મહોર મરાવવાની બાકી હતી.

બંને ભાઇઓ અત્યંત ઉત્સાહથી નવિનને બતાવી રહ્યા હતા. નવિન પણ એટલા જ રસથી કલર કોમ્બીનેશન જોઇ રહ્યો હતો. પણ ખબર નહીં પણ કેમ આજે નવિનને અંદરથી થોડી થોડી વારે બેચેની લાગ્યા કરતી હતી.

લગ્ન સમયે રજાઓ લેવી જ પડશે વિચારીને બેંકમાં પણ થોડો કામનો બોજો નવિન ખેંચી લેતો હતો. વધારામાં ઘરમાં પણ મોડા સુધી કંકોતરી લખવાની  ચાલતી એટલે થોડા  ઉજાગરા એમ પણ થઈ જતા.આ બધા કારણે જરા હમણાંનુ રૂટીન અપસેટ થઈ જ ગયુ હતું નહી તો નવિન સ્વાસ્થ્ય માટે એકદમ સજાગ હતો . રોજ સાંજે ઓફીસથી આવીને ઘરની નજીકના પાર્કમાં ચાલવા જવાનો નિયમ હંમેશા એ જાળવી રાખતો .ખાવાની બાબતે પણ સરોજ સજાગ રહેતી . ઘરમાં રોજીંદા વ્યહવારમાં સાદુ -સાત્વવિક અને તેમ છતાંય સ્વાદીષ્ટ  ભોજન બને એવો એનો આગ્રહ રહેતો જે બધાને માન્ય હતો. હા ! શનિ- રવિ આમાંથી બાકાત  રહેતા.શનિવારે સાંજે અને રવિવારે અમિતા અને નિશાના હાથમાં રસોઇ રહેતી .અને આ દિવસોમાં કંઇક નવી જ વાનગીઓ ઘરમાં બનતી. નવિન એ નવિનતાને માણતો પણ એક મર્યાદામાં રહીને. દર વર્ષે ટોટલ બોડી ચેક અપ કરાવનો નિયમ હતો અને આ વખતે નવિનના રીપોર્ટમાં કોલેસ્ટ્રોલ વધુ આવ્યુ હતુ ત્યારથી એ અને ખાસ કરીને સરોજ જરા વધુ સજાગ થઈ ગયા હતા.એટલે આમ તો આજ સુધી બીજો કોઇ વાંધો આવ્યો નહોતો પણ આજે રહી રહીને અંદરથી બેચેની લાગ્યા કરતી હતી. જો કે વળી પાછુ થોડી વારે કળ વળી ગઈ હોય એમ લાગ્યુ એટલે નવિને મન કામમાં પરોવ્યુ. સિલેક્શન થઈ ગયુ અને ત્રણેના  આઉટ ફિટ્સનો ઓર્ડર અપાઇ ગયો.

આમને આમ લગ્નનો દિવસ પણ આવી ગયો. સવારે ગણેશ ,માંડવા મુરત અને પીઠી. નમતી બપોરે લગ્ન અને  ડીનર અને નમતી સાંજે વિદાય. જે ઉત્સાહથી સવાર ઉગી હતી એ સાંજ ઢળતા ઉદાસીમાં ફેરવાઇ ગઈ. આમ તો આગલા દિવસે કાનના હાથે મહેંદી મુકાઇને જ સરોજ ઢીલી પડવા માંડી હતી. આટ આટલા દિવસનો ઉત્સાહ , જોમ , જોશ ઓસરતુ જતુ હતું. નાની નાની નાજુક હથેલીઓને હાથમાં લઈને પા પા પગલી પાડતા શિખવ્યુ હતુ એ દિકરીનો હાથ કોઇના હાથમાં સોંપી દઈને  બસ આમ જ પરાઇ કરી દેવાની ? સાડલાનો છેડો પકડીને ઘરમાં ઘુમતી લાડલીથી બસ પળમાં જ  દામન છોડાવી દેવાનુ? આજે તો અમિતા અને નિશાએ  હાથમાં પણ મહેંદી મુકાવી હતી. સરોજે ત્રણેને કોળીયા ભરાવીને જમાડ્યા હતા. નાનકડી કાનન જમવાની ચોર હતી ત્યારે એને આમ જ કોળીયા ભરાવીને જમાડવી પડતી . એ જ કાનનને આજે કોળીયા ભરાવતા હાથ ધ્રુજતો કેમ હશે?

રાત્રે સુતી વખતે સરોજ નવિનના ખભે માથુ મુકીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી . નવિનનુ મન પણ ત્યારે આ વિદાય કેવી વસમી હશે એની કલ્પના માત્રથી અત્યંત ભારે થઈ ગયુ. મન જ કેમ હ્રદય પર પણ બોજ લાગવા માંડ્યો. જાણે એક ટીસ ઉઠતી લાગી.

સમજણ નથી પડતી આમ વારે વારે  હ્રદય ભીંસ કેમ અનુભવે છે?  દિકરી્ને સાસરે વળાવવી આટલી કપરી હશે?  ભિંજાતા મન  અને ભિંસાતી લાગણીઓ પર કાબુ રાખવો પડશે નહીં તો સરોજને કેવી રીતે સંભાળી શકાશે? અને સાચેજ વિદાય સમયે તો સરોજને સંભાળવી મુશ્કેલ થઈ પડ્યુ. અમર જતીનથી માંડ છુટી પડેલી કાનનને અમિતા અને નિશાથી તો છોડાવવાનુ તો અત્યંત વસમુ બની ગયુ.  આજ સુધી સૌએ એ ત્રણેના સખ્યની વાત માત્ર સાંભળી  હતી આજે  તો જે પાશ છુટ્યો છુટતો નહોતો એ જોઇને મહેમાનોની  આંખ પણ ભીની થઈ ગઈ.

હજુ  ખરી આકરી ઘડી તો હવે આવી જ્યારે કાનન સરોજ અને નવિનને પગે લાગી.  સાગર આજ સુધી કાનનએ ચીડવતો , જો પરણીને વિદાય વખતે સહેજે રડી છુ તો હું તને ત્યાં ને ત્યાં જ મુકીને ચાલતો થઈશ. આ શું મન મન ભાવે અને મુંડુ હલાવવાનુ એ તે કયાંનો ન્યાય?  એ તારુ ઘર હતુ તો હવે આ ઘર પણ તારુ જ છે તો એક ઘરમાંથી નિકળીને બીજા ઘેર જવાનો આટલો શો ઉત્પાત?  અત્યાર સુધી તમે  બે ઘર બદલ્યા ત્યારે રડી તો તો હવે કેમ રડવાનુ?

પણ આ ક્ષણે તો સાગરની આંખ પણ ભિંજાઇ ગઈ. દિકરી તો કાળજા કેરો કટકો અને એ જ્યારે વિખુટો પડે ત્યારે ભલભલાના કાળજાના કટકા થઈ જાય એ આજે જ જોયુ – જાણ્યુ . જાણે કાનનને વરાવીને લઇ જવામાં પોતે કોઇ ગુનો કરી રહ્યો હોય એવુ એ ક્ષણે સાગરને લાગવા માંડ્યુ.

વિદાયનુ ચોઘડીયુ અને કાનનના ગૃહપવેશનુ મુહર્ત સાચવવાનુ હતુ એટલે કાનનને એમનાથી છુટી પડ્યા વગર છુટકો જ નહોતો. જે મંડપ દ્વારે સાગરને પોંખ્યો હતો ત્યાં સુધી કાનનએ વળાવવા જવાની સરોજમાં હામ નહોતી. પગ પાણી પાણી થઈ રહ્યા હતા અને હૈયુ  હાથ રહેતુ નહોતુ. નવિનનુ તો જાણે જોમ જ ઓસરી ગયુ . હ્રદયમાંથી એક સબાકો ઉપડ્યો અને બેસી ગયો. અને એ ક્ષણ પણ વીતી ગઈ. કાનન રંગેચંગે સાસરે ચાલી ગઈ.

હંમેશનું ચહેકતુ પંખી પાછળ ટહુકો છોડીને માળામાંથી ઉડી ગયુ.  ઘરનો કલરવ -કલશોર સુનો પડી ગયો.  અને તેમ છતાંય એક સુનકાર સાથે પણ ધીમે ધીમે ઘર થાળે પડવા માંડ્યુ. બે દિવસ પછી તો અમર , જતીન નવિન અને અમિતાએ પાછા પોતાની જોબ પર  જવાનુ ચાલુ કર્યુ.

બેંક પરથી પાછા આવીને નવિનને થતુ કે સરોજ જોડે બેસે. બસ હવે ક્યાંય જવુ નથી. કાનનની નાની નાની વાતો યાદ આવતી .યાદ છે  સરોજ કાનન કેવી રીતે ચાલવા માંડી હતી ? એની પહેલી જ વર્ષગાંઠના દિવસે એની નાની ખુરશી પરથી એકદમ જ ઉભી થઈ ને બસ ચાલવા માંડી હતી યાદ છે ને? અને બોલતા શીખી ત્યારે ?  યાદ છે ને ક્યાંય સુધી  બોલતી જ નહોતી તો માતાજીના મંદિરે તેં  ચાંદીની જીભ ચઢાવી હતી ? બાપરે પછી તો જે બોલવા માંડી તો ચુપ જ રહેવાનુ નામ જ નહોતી લેતી.સરોજ હસી પડતી , કેમ તમને એકલાને જ બધુ યાદ રહેતુ હશે?

બે-ચાર દિવસ પછી તો સરોજને પણ લાગવા માંડ્યુ કે  આ યાદોથી ભરેલા દેખાતા નવિનના મનમાં ખરેખર તો  કાનન વિનાનો સુનકાર ભરેલો છે. અઘરુ હતુ આમાંથી બહાર આવવુ પણ એને અશક્ય તો ના જ બનાવાય ને? સરોજ પણ ક્યાં કાનનની જુદાઇને હજુય મનથી સ્વીકારી શકી હતી? એને ય તો ભણકારા વાગતા જ હતાને ? ક્યાંક બહાર ગયેલી કાનન આવીને પુછશે , આજે પણ ખાવામાં આર ડી બી એસ જ છે ને? એણે રોટલી દાળ ભાત શાક એવુ લાંબુ ચોડુ બોલવાના બદલે  ટુંકુ નામ આર ડી બી એસ કરી નાખ્યુ હતુ. તેમ છતાંય એ ઘરના કામમાં અને જયની દેખભાળમાં જાતને ઓતપ્રોત કરવા મથતી પણ નવિનની આ સુનકાર ભરેલી સાંજને વિખેરી નાખવી જરૂરી હતી

હવે ક્યારથી ચાલવા જવાનુ છે? હમણાં હમણાં તો ખાવાની પરેજી પણ સચવાઇ નથી.  ફરી બોડી ચેક અપ  કરાવવનુ આવે ત્યારે કોલેસ્ટ્રોલ વધી ગયેલો જોશે ને તો ડૉક્ટર દવાઓ ચાલુ કરાવશે. એના કરતા તમારી મેળે જ ચેતો તો સારુ અને  તમે ઘરમાં હો છો અને મને પણ રોકેલી રાખો છો. અમિતા આવે ત્યાં સુધી જયને પણ જોવાનો કે નહીં?  નિશા તો સાંજની રસોઇની તૈયારી કરે એક જયનુ ધ્યાન રાખે?

એમ કહોને કે હવે તમને મારા કરતા જય વધુ વ્હાલો લાગે છે? અમર નાનો હતો ત્યારે મને સમય આપી શકાય એના માટે બાઇને વધુ પૈસા આપીને રાખી હતી અને હવે જય એવો હૈયે વળગ્યો છે કે હું ય ઘરમાં ખમાતો નથી?

હાસ્તો વળી, મુડી કરતાં વ્યાજ વ્હાલુ ના હોય? અને તમારે ચાલવા ના જવુ હોય તો તમારી મરજી તમેય મારી જેમ જયની સાથે માંડો રમવા પણ પછી કોઇ પ્રોબ્લેમ ઉભો થાય ત્યારે મને ના કહેતા કે મેં તમને ચેતવ્યા નહોતા.

નિશા પણ આ મીઠી નોક-ઝોકની મૂક સાક્ષી બની રહેતી કારણકે રસોઇની તૈયારી કે જયને  સાચવાનુ તો એક બહાનુ હતુ , મમ્મી ઇચ્છતા હતા કે પપ્પા વળી પાછા નિયમિત બને .

આમ પણ નવિન સરોજની કોઇ વાત ભાગ્યેજ ટાળતો . એણે બીજા જ દિવસથી ઓફીસેથી આવીને ચાલવાનુ શરૂ કરી દીધુ.જોગીંગ પાર્કમાં નવિન અને એના જેવા ઘણા હતા કે ચાલવા ઉપરાંત શનિ-રવિવારની સવારે ચાલતા યોગ અને લાફીંગ ક્લબ સાથે સંકળાયેલા હતા. મઝા આવતી બધાને. ક્યારેક રવિવારે યોગ અને લાફિંગ ક્લબના મેમ્બરો ભેગા થઈને ફાફડા-  જલેબી કે સેન્ડવીચ , ઇડલી-ચટ્ણીની મઝા માણી લેતા. એટલે નવિન માટે એ પાર્ક શરીરની તંદુરસ્તી  સાથે મનની  તાજગી લાવનારો બની ગયો હતો.

સાંજે આવીને નવિનને ચ્હા પીવાની ટેવ હતી.મસાલા અને ઇલાયચી વાળી ચ્હા પીને એ સાંજે ઘરની નજીકના બગીચામાં ચાલવા જતો. આજે આવીને એણે ચ્હા પીવાની નામરજી દેખાડી અને સરોજ પાસે આદુ -લીંબુ નાખી સોડા પીવાની ઇચ્છા વ્યકત કરી. ઘરમાં સોડા તો હતી નહી પણ સરોજે ઇનો પીવડાવ્યો. છેલ્લે હમણાંથી નવિન ગેસના લીધે પેટમાં અને છાતીમાં ભાર લાગવાની ફરિયાદ તો કરતો જ હતો. સરોજે એને ડોક્ટર પાસે જઇને બતાવવાનો આગ્રહ કર્યો હતો પણ નવિને ખાતરી આપી કે  આ કોઇ મોટી તકલીફ નથી  ,લગ્નની દોડધામ અને ઉપરા-ઉપરી ભારે જમણના લીધે આ ગેસની તકલીફ થઈ હશે અને ધીમે ધીમે ઠેકાણુ પડી જશે.સરોજે આપેલો ઇનો પીને જરા વારે એ ચાલવા નિકળ્યો. બગીચામાં  નિયમિત ચાલનાર સમવયસ્ક લોકોનુ એક સરસ ગ્રુપ થઈ ગયુ હતુ. ચાલુ દિવસે ચાલ્યા પછી સૌ થોડી વાર ટોળ-ટપ્પા કરવા ઉભા રહેતા . વાતો નો ટોપિક મોટેભાગે હળવો જ રહેતો .સૌનો નિર્ણય હતો કેઆખા દિવસની મગજમારી ભર્યા કામ પરથી પાછા આવીએ ત્યારે કોઇના ય મગજને ઉશ્કેરાટ થાય એવા સોશિયલ , પોલિટીકલ સબ્જેક્ટ પર વાદ-વિવાદ કરવાનો જ નહી. અમથાય સવારના ઉઠીને છાપાવાળા દુનિયાભરની કથા અને વ્યથાથી સવાર બગાડી મુકતા હોય ત્યાં સાંજે ફરી ક્યાં એ ચર્ચા ઉવેખવી?    જોગર્સ પાર્કના ટ્રેક પર નવિને બે રાઉન્ડ માંડ માંડ માર્યા. આજે નવિનને સાચે જ વધારે અકળામણ થતી હોય એમ લાગવા માંડ્યુ . છાતી પર ભાર લાગતો હોય કે શ્વાસ ભારે થતો હોય એવુ લાગતુ હતુ એટલે કોઇની ય સાથે વાત કર્યા વગર એણે ઘર ભણી પ્રયાણ કર્યુ. કદાચ ઘેર જઇને સોડામીન્ટ કે એવી બીજી કોઇ દવા લેવાથી ફરક પડશે તો ઠીક નહીં તો ડોકટરને બતાવી આવવાનુ નક્કી કરી લીધુ.

રોજ કરતા નવિન ને વહેલો આવેલો જોઇને સરોજને નવાઇ તો લાગી જ પણ એના મ્હોં પરની અકળામણ જોઇને એ સમજી ગઈ કે હજુ ગેસની તકલીફ ઓછી થઈ લાગતી નથી. ક્યારેક ઘરમાં કોઇને આવી તકલીફ થાય તો એ ફેન્ટા કે કોઇ પણ એરેટેડ ડ્રિન્ક સાથે એ સોડામીન્ટ આપી દેતી. આજે તો ઘરમાં સોડા કે કોઇ એરેટેડ ડ્રિન્ક હતા નહી . નિશાને  બાજુના પ્રોવિઝન સ્ટોરમાંથી જે મળે એ લાવવા મોકલી દીધી. નવિન આવીને ચુપચાપ સોફા પર  માથુ ટેકવીને બેસી ગયો. થોડીવારમાં તો બેસવામાં પણ તકલિફ થતી હોય એવુ લાગવા માંડ્યુ એટલે જરાક અડધો બેઠો થઈ ગયો.

હિંગ મરીનો ઉકાળો બનાવુ? એનાથી તરત જ ઓડકાર આવી જશે ને ગેસ પણ હેઠો બેસી જશે. સરોજના પ્રશ્નનો એ જવાબ આપે એ પહેલા તો એના કપાળ પર પરસેવાના બુંદ ટપકવા માંડ્યા.ઉંડા કુવામાં ઉતરતો જતો હોય અને કોઇ સુધી એનો અવાજ જ ન પહોંચતો હોય એવી ભીંસ કેમ આવવા માંડી? કળણમાંથી બહાર આવવા ફાંફા મારે અને વધુને વધુ કળણમાં ખુંપતો જતો હોય એવુ કેમ લાગે છે? અને આ સરોજ ! એના એક અવાજે હોંકારો દેનારી સરોજ એની કોઇ વાતનો જવાબ કેમ નથી આપતી?  આંખે આ અંધારા શીદને ? ક્યાં ગયા આ બધા ? છાતી પર પાટીયુ મુકીને હાથીઓ ના હાથી કેમ મારી પર ચલાવે છે?  શું ધાર્યુ છે  આ લોકો એ?

નવિનનો મુંઝારો , એની ચહેરા પરનો પરસેવો અને તણાવ જોઇને સરોજે તરત જ એમના ફેમિલી ડોક્ટરને ફોન જોડ્યો. હજુ તો ફોન જોડાય અને વાત થાય એ પહેલા તો નવિનને સોફા પર ઢળી પડતો જોઇને એણે અમ્બ્યુલન્સને ફોન જોડી દીધો અને તરત જ શર્ટના બટન ખોલીને છાતી પર મસાજ કરવા માંડ્યો.

આજ  સુધી ક્યારેય નવિનને આવો ઢીલો થતા જોયો નહોતો .સરોજને આશરે ખ્યાલ તો આવી જ ગયો કે આ કોઇ સામાન્ય ગેસ કે એસીડીટી  નથી. નિશા પણ પાછી વળી નહોતી. હે ભગવાન ! શું કરુ ? જો કે એણે એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધીમાં અમર , જતીનને ફોન કરી દીધો.

મા ……….

નિશાની ઘરમાં આવતા જ મોટેથી બૂમ ઉઠી. નવિનને સોફા પર ઢળેલો જોયો અને સરોજના ચહેરા પર આતંક જોયો  એ જોઇને જ વગર કહે જ એણે પરિસ્થિતિ પામી લીધી.. ઝડપથી દોડીને પંખાની સ્પીડ વધારી દીધી. નવિનના ચહેરા પરનો પસીનો લુછીને હાથવગા મેગેઝીનથી હવા નાખવા માંડી. નિશાની સાથે પાછા વળેલા જયને સંભાળવો કે નવિનને?  હવે તો સરોજનુ હૈયુ હાથ નહોતુ રહેતુ, એબ્યુલન્સ આવે ત્યાં સુધીને એક એક પણ એને એક એક યુગ જેવી લગવા માંડી. છુટા છવાયા વાક્યોમાં એણે  નિશાને નવિનની પરિસ્થિતિ અને એમ્બ્યુલન્સ માટે કરેલા ફોનની માહિતિ આપી દીધી.  નિશાએ પણ ઝડપથી બાકીની તૈયારી કરવા માંડી. એક હેન્ડ બેગમાં નવિન અને સરોજ માટે બે જોડ કપડા , નેપ્કિન અને જરૂરી ચીજ વસ્તુઓ ભરી લીધી અને સરોજની  સાથે જવા માટે મેઇલ ડોર સિવાયનુ ઘર બંધ કરવા માંડ્યુ.  જયને અમિતા આવે ત્યાં સુધી સાચવી લેવો જરૂરી હતો અને સરોજ જોડે જવુ પણ એટલુજ  જરૂરી હતુ એટલે બીજી એક પર્સમાં જય માટે જરૂરી વસ્તુ ભરવા માંડી.

એમ્બ્યુલન્સની સાયરન સંભળાતા એ બહાર જઈને ઉભી. પળવારમાં તો એમ્બ્યુલન્સમાં આવેલા સ્ટાફના માણસોએ પરિસ્થિતિ હાથમાં લઈ લીધી. સતત ઇમર્જન્સીથી ટેવાયેલા અને ઘડાલેયા માણસો હતા. આવીને તરત નવિનની પલ્સ અને હ્રદયના ધબકારા જોઇ લીધા આંખમાં ટોર્ચનો પ્રકાશ મારી આંખની ચેતના જોઇ લીધી .અને ત્વરાથી પણ જાળવીને નવિનને સ્ટ્રેચર પર લઈ એમ્બ્યુલન્સ તરફ દોટ મુકી. સરોજ પણ એટલીજ ઝડપથી સાથે થઈ . નિશાએ ઘરને તાળુ મારી જયને ઉચકીને લગભગ દોડવા જ માંડ્યુ.

એમ્બ્યુલન્સમાં નવિનને ગોઠવીને તરત જે ઓક્સીજન ચાલુ કરી દેવામાં આવ્યો. અને માથે લાલ બત્તી અને સતત વાગતી સાયરનના અવાજ સાથે એમ્બ્યુલન્સે હોસ્પીટલ તરફ સ્પીડ પકડી. નવિન સોફામાં ઢળી પડ્યો ત્યારથી હજુ એકવાર પણ આંખ ખોલી નહોતી. સતત અનિયમિત થતા ધબકારા અને નાડીની ધીમી પડતી ગતિથી અજાણ હોવા છતાં સરોજના હ્ર્દયના ધબકારા એટલા તો વધી ગયા કે એને થતુ કે નવિન પહેલા એનુ હ્રદય ફાટી જશે.

મનની ગતિએ એમ્બ્યુલન્સ સાથે જ હોસ્પીટલ તરફ દોટ મુકી હતી તો હ્રદયની ગતિએ ઇશ્વરના દરબાર ભણી દોટ મુકી.

સતત ફફડતા ઉચ્ચક જીવે જાણે સન્નેપાત થયો હોય એમ એ નવિન તરફ જોઇ બબડવા માંડી.

જો મેં કોઇ દિવસ તમારી પાસે કશું જ માંગ્યુ નથી તમે મને જે જોઇએ એના કરતાં પણ અધિક આપ્યુ છે. મારો સંસાર ઉપરવાળાએ આપેલી દેન હતી પણ તમે જ એની જાળવણી સુપેરે કરી છે , સાચે જ આભારી છું , એક વધુ ઉપકાર કરો તમે મારી પર, બસ એક વાર આ ઘડી સાચવી લો  , જીંદગી ભર કંઇ નહી માંગુ. વચન આપ્યુ હતુને તમે કે ક્યારેય મારાથી દૂર નહી જાવ, મને તમારાથી સહેજે અળગી નહી કરો?

નવિનનો હાથ પકડીને બેઠેલી સરોજના હાથ કંપી રહ્યા હતા, શરીર આખુ ધ્રુજી રહ્યુ હતુ. નિશાને સમજણ પડતી નહોતી એ કેવી રીતે સરોજને સાંત્વન આપે. સરોજનો ઉચાટ અને ઉન્માદ ક્ષણે ક્ષણે વધતો જતો હતો .એને એક ક્ષણ તો થયુ કે નવિનને એ હચમચાવી મુકે. સાંભળતા કેમ નથી? આજ સુધી કોઇ દિવસ એવુ બન્યુ નહોતુ કે સરોજે કંઇ કહ્યુ હોય અને નવિને ન સાંભળ્યુ હોય. પણ જીવન અનિશ્ચિતતાનુ બીજુ નામ છે. જે ક્યારેય ન બન્યુ હોય એ ક્યારે બનીને રહેશે એની કોને ખબર છે? આજે પણ સરોજના જીવનમાં ન બનેલુ બની રહ્યુ હતુ. નવિન એની વાત કાને ધરતો નહોતો, એની વાતનો જવાબ તો દૂરની વાત હોંકારો પણ ભણતો નહોતો.

આપેલા વચન પુરા કરવાનો કે મુકેલા ભરોસાને જીવી બતાવવાની તક મળતી હોત તો નવિન એ પુરી કર્યા વગર રહે? ચાલુ  ઓક્સીજને પણ જે ઝડપે જીંદગીના શ્વાસ પળે પળે ખુટી રહ્યા હતા.નાડીની ગતિ તુટી રહી હતી, હ્રદય વચ્ચે ધબકવાનુ ચુકી જતુ હતુ એ ગતિને તો એમ્બ્યુલન્સ પણ પહોંચી શકે એમ નહોતી. નવિનના શરીરે એક આંચકો ખાધો. એમ્બ્યુલન્સના સ્ટાફે  છાતી પર મસાજ કરવાનુ ચાલુ કરી દીધુ. સરોજના હાથની મજબૂત પકડ છોડાવવી મુશ્કેલ હતી. નિશાને  સરોજને નવિનથી દૂર કરવા ઇશારો કરીને ફરી એક વાર નવિનને મસાજ ચાલુ કરી દીધો. નવિનની પલ્સ વચ્ચે વચ્ચે મીસ થતી હતી.ઓક્સીજન ચાલુ હોવા છતાં પણ નવિનના શરીરે બીજો આંચકો ખાધો અને તરત જ ત્રીજા આંચકા સાથે એના શ્વાસ તુટી ગયા. સરોજના હાથમાંથી હાથ અને જીવનભરનો સાથ છુટી ગયો.  મૃત્યુ તરફની ગતિ કરતાં એમ્બ્યુલન્સની  હોસ્પીટલ તરફની ગતિ ઓછી પડી  ચેતના ગુમાવી જડ  બની ગયેલા નવિનનુ શરીર, સ્તબ્ધ થઈ ગયેલી સરોજ અને હેબતાઇ ગયેલી નિશાને લઈને  એમ્બ્યુલન્સ હોસ્પીટલ પહોંચી ત્યારે  અમર અને જતીન તો પહોંચી જ ગયા હતા અને અમિતા પહોંચવામાં હતી .જીવનની વાસ્તવિકતા હતી કે આજ સુધી એક સુત્રે બંધાયેલા પરિવારનું તંત્ર જ ખોરવાઇ ગયુ . લોહીના કે લાગણીના તમામ સંબંધોથી નવિન પર થઈ ગયો.

કેટ કેટલાય સપના જોયા હતા , એ સપનાને  અત્યંત ભાવથી સિંચ્યા હતા. કાનનના લગ્ન પતી જાય પછી સરોજ જોડે ચારધામ યાત્રા કરવી હતી. બધાય વાયદા તોડીને નવિન પરમધામની યાત્રાએ પહોંચી ગયો. અમર જતીન માટે આ ઘા આકરો હતો. સવારે જેને સંપૂર્ણ સ્વસ્થતાથી ઘરની બહાર જતા જોયા હોય એ પિતાને આમ નિશ્ચેષ્ટ -નિષ્પ્રાણ સુતેલા જોવા એ જ કેટલુ કલ્પનાતિત હતુ એ લોકો માટે? સવાર સુધી જેને માથે કમાવા પુરતી જવાબદારી સિવાય કોઇ ભાર નહોતો એવા અમર-જતીનના ખભે પિતાને અવ્વલ મંઝીલ પહોંચાડવાનો ભાર આવી રીતેએકદમ આવી ગયો એ જ એમના માટે અત્યંત કપરી ઘટના હતી. હિંમત રાખીને પણ આ જવાબદારી નિભાવ્યે જ છુટકો હતો. ત્રીસ મિનીટના આ ગાળામાં ત્રીસ વર્ષનો અમર ઘરનો અને જતીનનો વડીલ બની ગયો?   એમ્બ્યુલન્સ નવિનને લઈને હોસ્પીટલ પહોંચી  ગઈ હતી એટલે બાકયદા જે વિધી કરવી પડે એ કરવી જરૂરી હતી. અમર અને જતીને અમિતા-નિશાને સરોજને લઈને પરાણે ઘર તરફ વિદાય કર્યા. સાગરને પણ ફોન કરીને કાનનને લઈને ઘરે પહોંચવાની સુચના આપી દીધી. એ બહુ જ જરૂરી હતુ. અહીં હોસ્પીટલમાં તો એ બંને પહોંચી વળે એમ હતા પણ નવિનના મૃતદેહને લઇને ઘેર પહોંચે પહેલા ત્યાંની પરિસ્થિતિને હાથમાં લેવી જરૂરી હતી.

સરોજની જડતા અમિતા અને નિશા માટે અત્યંત અસહ્ય હતી. નવિનના મૃત્યુની વાસ્તવિકતા  સરોજના મન સુધી પહોંચી છે કે કેમ પણ સમજાતુ નહોતુ. સુધબુધ ખોઇ બેઠેલી સરોજની ફિકરમાં એ બંનેની ચેતના પણ ઓસરતી જતી હતી.

કાનનને લઈને સાગર ઘેર પહોંચ્યો ત્યાં સુધીમાં તો કાનન પણ  એકધારુ રડી રડીને લોચો વળી ગઈ હતી. સાગરે એને રડવાજ દીધી . રડીને ખાલી થઇ ગયેલી કાનન ફરી પાછી અમિતા અને નિશાને જોઇને હિબકે ચઢી. હવે તો અમિતા અને નિશા પણ માંડ માંડ રાખેલો જાત પરનો સંયમ ગુમાવી રહ્યા હતા.

આજ સુધી નવિન અને સરોજે  દિકરીઓની જેમ સાચવ્યા હતા બંનેને . અદ્કેરી લાગણી હતી  બંને સાથે . માથેથી છત્ર ગુમાવી બેઠા હતા બંને જણ. કોણ કોને સાચવે?

ફરી પાછી એવી જ સફેદ વર્દીમાં લપેટાયેલા સ્ટાફે ઘરમાં સ્ટ્રેચર જાળવીને  લાવીને મુક્યુ. ફરક માત્ર એ હતો કે એમ્બ્યુલન્સમાં ગયેલુ એક જીવન શબવાહિનીમાં મૃત અવસ્થામાં સફેદ કફનમાં લપેટાઇને પાછુ આવ્યુ હતું.

સગા-સંબંધીઓને ફોન થઈ ગયા હતા એટલે ધીમે ધીમે ઘરમાં એક મૌન ચહલ-પહલ ચાલુ થઈ હતી. નવિનની અંતિમધામ યાત્રાની તૈયારી કરવાની હતી પણ એ પહેલા સરોજને સાબદી કરવાની જરૂર હતી. છેલ્લા ચાર કલાકથી એ સાવ જ સુધબુધ ગુમાવી બેઠેલ પ્રાણહીન પુતળા સમ બની ગઈ હતી.

સમજણ નહોતી પડતી કે આ  કરૂણ અણધારી વાસ્તવિકતા એના સુધી પહોંચી છે ? એણે એ સ્વીકારી છે ? નનામી પર મુકાયેલા નવિનના મૃતદેહની પાસે અખંડ દીવો ચાલુ હતો. ખુણામાં  સળગાવેલી અગરબત્તીની ઉઠીને ઉપર તરફ જતી ધુમ્રસેર  નવિનના આત્માની ગતિ માટે જાણે રસ્તો બતાવતી હતી.  નવિનના મૃતદેહ પર ચઢાવવા થાળીમાં કંકુ-અબિલ-ગુલાલ અને ગુલાબના ફુલો મુકાઇ ગયા હતા.

ઘરમાં જેના આવવાની કાગના ડોળે રાહ જોવાતી હતી એને ઘરમાંથી કેવી રીતે વિદાય કરવા  એની રાહ જોવાઇ રહી હતી. સરોજની પાસે પણ જવાની અમર કે જતીનમાં તો હિંમત હતી નહી. સાગરે આસ્તેથી સરોજનો હાથ પકડીને ઉભી કરી.

મા , ચાલો પપ્પાને વિદાય તો આપવી જ પડશે ને? અને તમારી રજા સિવાય તો પપ્પાએ ક્યારેય ઘરમાંથી બહાર પગ મુક્યો છે તો આજે મુકશે? મા , પપ્પા તમારા માટે ફુલનો ગજરો લાવતા હતાને ? આજે તમે પપ્પાને ફુલ નહી અર્પો?  ચાલો ઉભા થાવ .આગળ વધો મા,  તમારી અનુમતી વગર અમારાથી કશું જ નહી થઈ શકે .

અમર- જતીન કે અમિતા-નિશામાં તો કોઇ તાકાત જ નહોતી આ રીતે સરોજ સાથે વાત કરવાની. અને કાનનમાં તો વળી કોઇની ય સાથે વાત કરવાની કે કોઇની વાત સાંભળવાની સચેતતા જ ક્યાં હતી. રૂ ના ગાંસડાની જેમ ઢગલો થઈને બેઠી હતી.

જાણે કોઇ ઓળખ જ ન રહી હોય એમ સરોજે સાવ જ ભાવશૂન્ય ચહેરે સાગર સામે જોયા કર્યુ. સાગરે લગભગ જોર કરીને એને ઉભી કરી. પગ ઢસડતી સરોજ સાગર સાથે ખેંચાઇ. સાગરે નવિન પાસે લાવીને સરોજને બેસાડી. એક હાથમાં કંકુ -અબિલ-ગુલાલની ઢગલી કરી અને બીજા હાથમાં ગુલાબની પાંદડીઓ..અને જરા હડબડાવીને કહ્યુ મા , પપ્પા તમારી અનુમતિની રાહ જુવે છે. વિદાય કરો મા.

અને એક છાતીફાટ આક્રંદ ફુટી નિકળ્યુ. સફેદ ચાદરમાં નાડાછડીથી બંધાયેલુ  નિર્જીવ શરીર , એના પર પથરાયેલ અબિલ-ગુલાલ-કંકુ અને વેરાયેલી ગુલાબની પાંદડીઓ સરોજની વેદનાને ઝંઝોડવા કાફી હતી. જે કોઇ ન કહી શક્યુ , જે કોઇ સમજાવી ન શક્યુ એ પળવારમાં સરોજને સમજાઇ ગયું. હવે નવિનનો સાથ છુટી ગયો હતો અને આ  ભરસંસારમાં પણ સરોજ એકલવાઇ થઈ ગઈ હતી. જેના ઘરની બહાર જવાની સાથે પાછા આવવાની રાહ જોવાતી હતી એ હવે એક વાર ઘરની બહાર જશે પછી ક્યારેય ફરી પાછો નહી આવે એ સરોજને સમજાઇ ગયુ હતુ.

ક્યાંય સુધી એણે રડ્યા કર્યુ, ક્યાંય સુધી એને રડવા દીધી. રડીને ખાલી થઈ ગયેલી નજરે ક્યાંય સુધી એ અપલક  નવિનને જોઇ રહી. હળવે રહીને એ ઉભી થઈ , હાથમાં ગુલાબ-અબિલ-ગુલાલ-કંકુ લઈને નવિનના પગ પાસે ગઈ. આસ્તેથી અત્યંત નાજુકાઇથી એણે નવિનના પગ પાસે  એની ઢગલી કરીને બેસી ગઈ. બે હાથે એના પગ પકડીને મસ્તક ટેકવી દીધુ. ક્યાંય સુધી એ એમ જ બેસી રહી અને પછી ધીમેથી ઉભી થઈને ખસી દૂર જઈ ઉભી રહી. જાણે નવિનના મૃતદેહ માટે માર્ગ મોકળો કરી આપ્યો.

કાલથી સરોજની સવાર એકલીની જ ઉગવાની છે અને એકલીની જ આથમવાની છે એ એણે સ્વીકારી લીધુ. સવારે આંખ ખુલતાની સાથે નવિનના ચહેરાના બદલે એની  સુખડનો હાર ચઢાવેલી તસ્વીરના દર્શન થવાના છે એ પણ એણે સ્વીકારી લીધુ. સવારની  ઠાકોરજીની પૂજામાં આરતીની આશ્કા લેવા નવિનનો હાથ લાંબો નહી થાય એ ય એણે સ્વીકારી લીધુ અને સાયંકાળના દીવા ટાણે નવિનની હાજરી નહી હોય એ પણ એણે સ્વીકારી લીધુ.

વીરાંગના સરોજ શ્રોફ્ (૧૦) રાજુલ શાહ

 

કાલથી સરોજની સવાર એકલીની જ ઉગવાની છે અને એકલીની જ આથમવાની છે એ એણે સ્વીકારી લીધુ. સવારે આંખ ખુલતાની સાથે નવિનના ચહેરાના બદલે એની  સુખડનો હાર ચઢાવેલી તસ્વીરના દર્શન થવાના છે એ પણ એણે સ્વીકારી લીધુ. સવારની ઠાકોરજીની પૂજામાં આરતીની આશ્કા લેવા નવિનનો હાથ લાંબો નહી થાય એ ય એણે સ્વીકારી લીધુ અને સાયંકાળના દીવા ટાણે નવિનની હાજરીનહી હોય એ પણ એણે સ્વીકારી લીધુ.

ન સ્વીકારી શકી એ એના કોરા લલાટને. નવિનને હંમેશા સરોજના ભાલ પર થતો  કોરા કંકુનો મોટો ચાંદલો ખુબ ગમતો. ક્યારેક રવિવારની કે બેંક હોલિડેની મોડી સવાર સુધી ઉંઘતા નવિનને સરોજ ઉઠાડવાએના ચહેરા પર સૂરજનો સીધો તડકો આવે એમ બારી પરના પડદા હટાવી લેતી.

“હવે તો ઉઠો, સૂર્યવંશી. આ સૂરજ પણ ચઢીને  કેટલો ઉપર આવી ગયો છે અને તમારે તો સવાર થવાનુ નામ નથી લેતી?”

નવિન સરોજનો હાથ પકડીને એની જોડે બેસાડી દેતો. તને ખબર છે સરોજ તારો કોરા કંકુનો મોટો લાલચટક ચાંદલો મારે મન આ ઉગીને ઉપર ચઢેલા સૂરજથી કઇ કમ નથી. બને કે કાલે વરસાદને લઈને વાદળ ઘેરાયા  હોય અને એ દૂર રહ્યો ઉગવા પણ ન પામે જ્યારે મારે તો અહીં બારેમાસ ઉગતો સૂરજ મારી નજર સામે જ છે. પછી ક્યાં મારે રાહ જોવાની જરૂર છે એ ઉછીના સૂરજની ઉગવાની ?

ક્યારેક સરોજના ગાલે શરમના શેરડા રેલાઇ જતા તો ક્યારેક એ ખોટા ગુસ્સાથી રાતી થઈ જતી.જો જોયુને હું નહોતો કહેતો એ દૂરની લાલિમા કરતા મારી નજીક છે એ લાલિમા જ સાચી અને હંમેશની છે.

પ્રેમ કરીને જ પરણવુ એવુ તો ક્યારેય સરોજ કે નવિને વિચાર્યુ પણ નહી હોય પણ જે દિવસથી એકમેક્ને જોયા અને પસંદ કર્યા ત્યારથી એ બંનેનો એકબીજા માટેનો લગાવ આજ સુધી અકબંધ રહ્યો હતો.કોઇને ય ન સમજાય એવુ સખ્ય હતુ એ બંને વચ્ચે. બે રૂમ અને બે વ્યક્તિ સાથે ના ઘરથી શરૂ થયેલા સંસારનો વ્યાપ આજે જેટલો વધ્યો હતો એટલુ એ બંને વચ્ચેનુ રહ્યુ સહ્યુ પણ અંતર ઘટતુ ગયુ હતુ. કશુ જ કહ્યા વગર પણ મૌનની ભાષા સમજાઇ જતી એટલુ તાદાત્મ્ય , એટલી સંવાદિતા બંને વચ્ચે સર્જાઇ ગઈ હતી. ભાગ્યેજ કોઇ દિવસ એવો ઉગ્યો હોય કે સરોજ અને નવિન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોય.

“સરોજ , ક્યારેય તને કોઇ વાત પર ગુસ્સો નથી આવતો? નવિન પુછી બેસતો. તને કશું જમાંગવાની ક્યારેય ઇચ્છા જ નથી થતી? કોઇ વસ્તુની ક્યારેય કોઇ ખોટ નથી લાગતી? તને કોઇ વાત માટે ખોટુ ય નથી લાગતુ?  સરોજ, દુનિયાભરના પતિ -પત્નિ વચ્ચે ક્યારેક તો વાસણ ખખડે ને? તું તો ક્યારેય કોઇ વાતે અકળાતી નથી કે નથી તને કોઇ વાતે ઓછુ આવતુ?

થાય છે ને, ઘણીય અકળામણ થાય છે ને , આ સવારના પહોરમાં ઉઠીને તૈયાર થવાના બદલે પથારીમાં પડ્યા પડ્યા વાતોના વડા કરો છો ત્યારે બહુ ય અકળામણ થાય છે .

સરોજ હસી પડતી.

નવિન ચીઢાતો , જો આમ વાત ના ઉડાવ. ક્યારેક તો તારા મનની વાત કર. ક્યારેય તને કોઇ અબળખા નથી થતી ? તારે ક્યારેય કશું જ નથી જોઇતુ હોતુ? સાચે જ જો જાણવા માંગતા હો તો કહુ? સાચુ કહુ તો હું ભરપૂર જીવી છું તમારી સાથે. કલ્પના ના કરી હોય એવુ સુખ તમે મને આપ્યુ છે. હા, જો ગાડી કે બંગલાની વાત મેં વિચારી  હોત તો કદાચને મને ઓછુ આવ્યુ હોત . પણ પહેલેથી જ હું સીધી સાદી અને સરળ જ છોકરી હતી . ક્યારેય મેં કોઇ એવા આભને આંબે એવા સ્વપ્ના જોયા જ નહોતા.  કે મને એનો અભાવ સાલે. બસ પહેલેથી જ એક સરસ મઝાનુ ઘર હોય , મને સમજે -સાચવે એવો પતિ હોય અને બાથ ભરી શકુ એટલુ  સુખ હોય એવી જ મારી હેસીયત મેં જોઇ હતી અને તમે મને એ બધુ જ આપ્યુ છે પછી મારે શેના માટે તમારી સાથે ઝઘડો કરવો પડે? અને મારા પક્ષે હું તમારુ આપેલુ સુખ  સાચવી શકુ એવી ક્ષમતા  હંમેશા પ્રાર્થી છે.

સરોજ એકી શ્વાસે એકધારુ બોલી ગઈ અને અપલક નવિન એને જોઇ રહ્યો. “બસ આ જ તારી વાત , આ જ તારી સરળતા મને ગમે છે . તું છો એવી જ રહેજે સરોજ એવુ કહુ તો એમાં હું સ્વાર્થી ઠરુ એવુ લાગે તો એમ પણ બસ તુ આવી જ રહેજે. કાલ ઉઠીને હું ન હોંઉ તો મારા સંસારને આમ જ સાચવી લઇશ એવી મને પુરેપુરી ખાતરી છે.”

હવે તો સાચે જ સરોજને સખત ગુસ્સો આવ્યો અને નવિનનો હાથ ઝટકાવીને ઝાટકા સાથે ઉભી જ થઈ ગઈ.

“અરે! એકદમ શું થયુ?” નવિન હડબડી ગયો. ક્યારેય આમ સરોજ આવી રોષે ભરાઇ હોય એવુ તો બન્યુ નહોતુ. એ એકદમ પથારીમાંથી બેઠો થઈ ગયો અને બારી પાસે ઉભેલી સરોજ પાસે જઈને ઉભો. ગુસ્સાથી લાલઘુમ ચહેરા પર આંખમાંથી રેલાયેલા આંસુની ધારથી સરોજનો ચહેરો ખરડાઇ ગયો હતો.

નવિન ડઘાઇ ગયો. સરોજને પોતાની પાસે ખેંચતા બોલ્યો.” પ્લીઝ, સરોજ કંઇક તો બોલ.”પણ સરોજની આંખમાંથી તો હજુય ધાર ચાલુ હતી.

“શું બોલુ? તમે જે બોલ્યા પછી મારે કશું ય ક્યાં બોલવાનુ રહ્યુ? હું આપણા સંસારને આમ જ અકબંધ રહે એ માટે હંમેશા ઇશ્વરને પ્રાર્થના કરવાની વાત કરુ છુ અને તમે સાવ જ મને આમ નોંધારી મુકીને જવાની વાત કરો તો બીજુ હું શું કહુ?”

“ઓહ , આમ વાત છે ? સરોજ એક વાત તો સ્પષ્ટ છે ને દુનિયામાં જે આવ્યુ છે એને ક્યારેક તો જવાનુ જ છે. અને બીજી એક વાત પણ એટલીજ સ્પષ્ટ છે કે મારા વગર તુ તારી જાતને અને આપણા ઘરને જાળવી શકીશ પણ તારા વગર મારાથી તો કંઇ સંભાળવાની વાત દૂર રહી હું મારી જાતને પણ નહી સંભાળી શકુ.એટલે તારા ઇશ્વરને તુ સાથે એ પણ કહી રાખજે કે એ મને તારા વગરનો ક્યારેય ન રાખે. પ્લીઝ આટલુ તો તું મારા માટે કરી જ શકે ને?”

પણ ન તો સરોજે એના ઇશ્વરને નવિનનો એ સંદેશો પહોંચાડ્યો કે ન ફરી એ વાત ઉખેળી અને તેમ  છતાંય ઇશ્વરે તો નવિને કહેલી વાત સાંભળી જ લીધી.અને સરોજે પણ નવિનની ઇચ્છા- નવિનની મનની વાત સ્વીકારી લીધી અને સાર્થક પણ કરી.

સરોજે પોતાની જાતને , એના અને નવિનના ઘરને પણ સંભાળી લીધુ. બહુજ આકરુ હતુ , લગભગ અશક્ય જ હતુ અને તેમ છતાં એણે શક્ય કરી બતાવ્યુ.

પહેલા એક એક ક્ષણ , પછી એક એક દિવસ , ત્યાર બાદ એકે એક અઠવાડીયુ અને એના ય પછી  સરોજ એક એક મહિનો એમ ગણતી જ રહી અને સમય તો એની મેળે એની રફ્તારે આગળ વધતો જ ચાલ્યો.

એક અખંડ ઘરમાંથી એક ખંડ જ આખો જુદો પડી ગયો.શાંત , નિરવ અને સ્તબ્ધ. એ ખૂણો નવિનની  સ્મૃતિ બનીને સ્થીર બની ગયો. હા! ક્યારેક સરોજની એકલતામાં એ નવિન જેટલો જ બોલકો પણ બની જતો.  સરોજ કેટલીય વાતો એની સાથે ઉકેલીને બેસતી અને કેટલીય ફરિયાદો પણ એ નવિન સામે માંડી દેતી. નવિને ઇચ્છ્યુ હતુ એમ એની સાથે ક્યારેક ઝગડી પણ લેતી . એ સિવાય ઘરનો  રોજીંદો વ્યહવાર ધીમે ધીમે થાળે પડતો ગયો.

તેર દિવસ સાંજ પછી ગીતા વાંચન અને ભજનના લીધે મનનો ઉદ્વેગ થોડો શમ્યો . દિવસ દરમ્યાન કોઇને કોઇની અવર-જવરના લીધે મન થોડુ પરોવાયેલુ રહ્યુ. સમાજના રૂઢ લાગતા આવા મ્હોં મેળો કરવાના રિવાજો પણ ક્યારેક વ્યક્તિની એકલતાને સહ્ય બનાવવા જ બન્યા હશે ને?

શરૂઆતના થોડા દિવસ નિશા કે અમિતા સરોજ જોડે રાત્રે સુઇ રહેતા. પણ પછી તો સરોજે એની ય ના પાડી દીધી.એ ઇચ્છતી હતી કે નવિને જે એની પાસે માંગ્યુ હતુ એ એની અંતિમ ઇચ્છા સમજીને ય સ્વીકારી લેવુ. એની જાતને અને ઘરને સંભાળવા માટે સૌથી પહેલી તો એના મનની સ્થિરતા જરૂરી હતી અને જો આમ જ નિશા કે અમિતા એને સાચવ્યા કરશે તો મનની સ્થિરતા તો દૂરની વાત મનની સ્વસ્થતા પણ પાછી નહી મેળવી શકે.

‘નિશા , એક વાત મારે તને કરવી છે. માનીશ?”

“મા, કેમ આમ ? આજે તમારે મને કઈપણ કહેતા પહેલા પુછવુ કેમ પડ્યુ? તમારી વાત ન  માનવા જેવી ક્યારે થઈ  ?

નિશા , ઘરમાં બધા જ પોતાની આગવી ઓળખ સાથે જીવે છે. હું ઇચ્છુ છું કે હવે તુ પણ ઘરની આ ચાર દિવાલો વચ્ચેથી બહાર નિકળે. ઘરની બહારની એક વિશાળ દુનિયા છે , ખુલ્લુ આસમાન છે જેમાં તમે તમારી તાકાત મુજબની ઉડાન ભરી શકો છો.તુ પણ તારી આગવી ઓળખ ઉભી કરે એવી મારી ઇચ્છા છે.

“મા,  તમે શું કહેવા માંગો છો એ હું સમજી નહીં .”

“તારે પણ હવે તારા રસનુ કોઇ કામ શોધવુ જોઇએ.. ઘરમાં બધાજ  સ્વતંત્ર રીતે કામ કરે છે એમ તુ પણ તારુ સ્વતંત્ર વ્યક્તિત્વ ઉભુ કર.”

“અને મા તમારું શું? ઘરમાં તમે એકલા હો અને તમને મુકીને બહારની દુનિયામાં મારે કોઇ નવી દુનિયા નથી બનાવવી.તમે ય આટલા સમયથી ઘરમાં જ હતા ને? અને કોણે એવુ કીધુ કે ઘરની બહાર નિકળો તો જ તમારી સ્વતંત્ર ઓળખ ઉભી થાય. પહેલા તમે આસપાસના બાળકોને ભણાવતા અને મનગમતી પ્રવૃતિમાં રસ લેતા કર્યા ત્યારે ક્યાં તમે ઘરની બહાર નિકળ્યા હતા? અને છતાંય તમારી એક આગવી ઓળખ અને આગવી દુનિયા નહોતી?”

“નિશા , મારો સમય અને હવે તમારો સમય જુદો છે. એક સાવ જ નાનકડા શહેરમાંની હું પરણીને આ મોટા શહેરમાં આવી ત્યારે બહાર નિકળવુ મારા માટે સાચે જ અઘરુ હતુ અને  અમર -જતીન કે કાનનને સાચવવા માટે ઘરમાં બીજુ કોઇ હતુ નહી કે જેના ભરોસે એમને મુકીને બહાર જઈ શકુ અને તે છતાં ય  મનમાં કંઇક કરવાની ધગશ હતી તો  એટલુ ય કરી શકીને? અત્યારે તમારામાં  તો એટલી આવડત પણ છે અને  સગવડ પણ  છે . ઘરની કોઇ એવી જવાબદારી તમારા માથે નાખવી પડે એટલી કમજોર તો હુ નથી જ માટે અત્યારે જે સમય છે એનો સદુપયોગ કરવાની વાત કરુ છું. અને આજે તું મારા માટે લાગણીથી ખેંચાઇને ઘરમાં રહેવા માંગે છે એ મારા માટે સારી વાત છે પણ કાલ ઉઠીને તને વહી ગયેલા પાણીનો અફસોસ થાય તો હુ તારી ગુનેગાર ઠરુ કે મેં તને બાંધી રાખી..વહેતુ પાણી અને પસાર થઇ ગયેલો કાળ કોઇના ય માટે પાછો ફરતો નથી. હજુ ય તુ નાની છુ , ભણતર કે નવુ શિખવાની તારી ઉમર છે અને મનેતારી ક્ષમતા પર વિશ્વાસ છે માટે તને આટલો આગ્રહ કરુ છું.

મા, તમારી લાગણી હું સમજુ છુ પણ હું એવા પરિવારમાં ઉગીને ઉભી થઈ છુ જ્યાં ઘરને જ સ્વર્ગ માનીને રહેવાના સંસ્કાર આપવામાં આવ્યા છે. એટલે બહાર ન નિકળવાનો મને કોઇ અફસોસ નહી જ થાય. કહેવત છે ને કે બે ભાઇ કમાય અને ત્રીજો ત્રેવડ કરે તો સરખુ જ ઉતરે. અને  તે છતાંય કઈક કરવુ જ હશે તો આપણે બંને સાથે મળીને કરીશુ.માટે હાલ પુરતુ તો હું તમારી સાથે ય ઘરમાં ખુશ જ છું. અને અમિતાભાભી કામ કરે છે માટે મારે ય કરવુ એવુ વિચારુ તો મનની કે વિચારોની હું સાંકડી છુ એવુ બીજા કોઇને લાગે કે ન લાગે મને તો લાગશે જ. માટે ચાલો હવે સાંજની રસોઇની તૈયારી કરીએ. એ પણ એક કામ જ છે?

સરોજ મનમાં ઘણુ ય સમજતી હતી કે નિશાની લાગણી સાચી હતી તો પોતાની વાતેય ક્યાં ખોટી હતી? આજે કદાચ લાગણીમાં વહીને નિશા આમ કહી રહી છે તો  ભલે એની લાગણી  દુભાવવી નથી .આજે નહી તો કાલે એ નિશાને સમજાવી ને રહેશે એવી મનથી ગાંઠ વાળીને  કામે લાગી.

મા, આજે રાત્રે કાનન અને સાગર અને એના મમ્મી પપ્પા  આવવાના છે . અમરે ઓફીસેથી આવતાની સાથે સમાચાર આપ્યા.  સરોજને નવાઇ તો લાગી કે સાંજે ફોન આવ્યો પણ  આવી તો કોઇ વાત કાનને એની સાથે કરી નહોતી. ભુલી ગઈ હશે? આમ તો કાનન અને સાગર અવાર-નવાર  ગમે ત્યારે મન થાય ત્યારે આવી જતા  અને એમાં સરોજને અગાઉથી જણાવવાની જરૂર ક્યારેય લાગી નહોતી. પણ આજે જ્યારે વેવાઇ -વેવાણને લઈને આવતા હોય ત્યારે તો કાનને જણાવવુ જોઇને ?

ઘરમાં સાહિલના લગ્ન લેવાયા હતા એટલે સ્વભાવિક છે સૌ કામમાં હોય ત્યાં આમ અચાનક? સાહિલના લગ્નની કંકોતરી તૈયાર થઈ ત્યારથી જ નક્કી હતુ કે પરિવારમાં નજીકના સગાના ઘેર કાનન અને સાગર આમંત્રણ આપવા જશે અને કાનનના ઘેર તો સુહાસીનીબેન અને સુર્યકાંતભાઇ પણ સાથે આવશે. નવિનના અવસાન બાદ સરોજે સામાજીક વ્યહવારમાં અમર-અમિતા અને જતીન-નિશાને જતા કરી દીધા હતા. હા, ક્યારેક વ્યહવારે કોઇને મળવા જવાનુ થાય તો એ અલગ વાત પણ આવા માંગલિક પ્રસંગો એ તો એણે હાજરી આપવાની બંધ જ કરી દીધી . આથી જ સુહાસીનીબેન અને સુર્યકાંતભાઇએ જાતે જ નિમંત્રણ આપવા આવવાનુ નક્કી કર્યુ હતુ.

રાત્રે સૌને સાથે આવેલા જોઇને સરોજને આજના આગમનનો આછેરો ખ્યાલ તો આવી જ ગયો .ભાવભીનો આવકાર અપાયો, થોડીઘણી ઔપચારિક વાતો થઈ અને સુહાસીનીબેન સીધા જ મૂળ વાત પર આવી ગયા. સરોજના હાથમાં લગ્નની આમંત્રણ પત્રિકા આપી. ખરેખર સાદી પણ ખુબ સરસ કંકોતરી હતી. આમંત્રણ પત્રિકાના કવર પર નવિનનુ નામ હતુ અને નીચે સહકુટુંબ લખ્યુ હતુ. સરોજે ખોલીને વાંચી . લગ્ન નિમિત્તે યોજાયેલ તમામ પ્રસંગોમાં સૌને આમંત્રણ હતુ.સરોજે  વાંચીને અમરના હાથમાં આપતા કહ્યુ , સુહાસીનીબેન ખુબ સરસ કંકોતરી બનાવી છે.

માત્ર સરસ છે એમ કહેશો એટલાથી પતવાનુ નથી સરોજબેન સૌને લઈને બધાય પ્રસંગમા તમારે હાજરી આપવાની છે. થડકારો થઈ ગયો સરોજના હ્રદયમાં. દૂરના સગા-વહાલામાં તો આજ સુધી એની ગેરહાજરી ચાલી પણ અહીં કાનનના સાસરે ગયા વગર ચાલશે નહી એમ એને સમજાઇ ગયુ. નમ્રતાથી બે હાથ જોડીને એણે સુહાસીની અને સુર્યકાંત  તરફ નમ્રતાથી બે હાથ જોડીને માફી માંગતા સમજાવવા પ્રયત્ન કર્યો કે એના સિવાય ઘરના તમામ સદસ્ય જરૂરથી હાજરી આપશે જ.

પણ વાત એટલેથી અટકી નહી. હવે વાતચીતનો દોર સુર્યકાંતભાઇએ હાથમાં લીધો. સરોજબેન દિકરીને સાસરે વળાવી એટલે એમ જવાબદારી પુરી થઈ નહી સમજવાનુ. દિકરીની હોંશ પુરી થતી જોવાની કે નહી? આજે અમારા ઘેર કાનનના લગ્ન પછી પહેલો અવસર છે અને ગૃહશાંતિમાં કાનન અને સાગરને આશિર્વાદ આપ્યા વગર એમ કંઇ ચાલે?  સાહિલને પરણાવવા કાનન અને સાગર બેસવાના છે તો એ સમયે તમારી હાજરીની હોંશ કાનનને કેટલી હોય? આટલા બધાની હાજરી હશે પણ એક તમારી ગેરહાજરી એને કેટલી સાલશે ? તમારા વગર એનો ઉમંગ મોળો નહી પડી જાય? વ્યહવાર માટે નહી પણ દિકરીને મ્હાલતી જોવા તો આવવું પડે ને?

સરોજે કાનન તરફ નજર કરી તો એની નજરમાં એક અપેક્ષા જોઇ. મા પાસે કોઇ પણ સમયે દિકરીને હોય  એવી. બાકીના સૌના તરફ જોયુ તો એમની ય નજરમાં ય એના જવાબ માટેનો ઉચાટ જોયો. હવે નકારનો તો કોઇ અવકાશ જ નહોતો એમ સરોજને સમજાઇ ગયુ.

ભલે , હું જરૂરથી આવીશ , સરોજે બધાની મરજી પારખીને સંમતિ દર્શાવી દીધી. છેલ્લા છ મહિના બાદ એ પહેલો પ્રસંગ હતો જેમાં સરોજે નવિન વગર હાજરી આપી. સૌને ખુબ સારુ લાગ્યુ. કાનન તો સાચે જ અત્યંત રાજી થઈ ગઈ. એક તો પોતાના ઘરના પ્રસંગમાં મા એ હાજરી આપી અને એમ કરતા ય સરોજ ઘરની બહાર નિકળી.

*******************

જયના તોફાનો ધીમે ધીમે વધતા જતા હતા.ઘરમાં બધા  મોટાઓ વચ્ચે જરા વધુ પડતા લાડકોડને લઈને પણ હવે પોતાનુ મનનુ ધાર્યુ કરાવવા જેવો જીદ્દી થવા માંડ્યો હતો . અમિતાએ ઘરની પાસે જ પ્લે ગૃપમાં જયનુ નામ લખાવવાનો અને ખુલતી સ્કૂલે મુકવાનુ નક્કી કર્યુ.

સરોજનુ મન થોડુ કચવાતુ હતુ પણ એ ય સમજતી હતી કે ઘરમાં રાખીને બાળકનો વિકાસ  સ્કૂલમાં થાય એટલો નહી થાય .પ્લે ગૃપમાં જેટલી પ્રવૃત્તિ કરાવે એવી ઘેર તો થાય જ નહી એટલે એણે પણ સંમત્તિ આપી દીધી. શરૂઆતના થોડા દિવસ તો જયને આકરુ લાગ્યુ પણ પછી તો એને પ્લે ગૃપમાં મઝા પડવા માંડી.

આવતા અઠવાડીયાના પહેલા સોમવારે નવિનની વાર્ષિક તિથી આવતી હતી. સરોજની ઇચ્છા હતી કે એ દિવસે યથાયોગ્ય રકમ કોઇ સારા કામમાં વાપરવી. સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યુ કે હોસ્પીટલમાં એ દિવસે જરૂરિયાતમંદ લોકો માટે દૂધ , બિસ્કિટ અને ફળ આપવા . એ દિવસે ઘરમાં આખો દિવસ અખંડ દિવો પ્રગટાવવામાં આવ્યો અને સાંજે ભજન કિર્તન કરી સૌ છુટા પડ્યા.

મા , અમારી ઓફીસમાંથી આવતા શનિ- રવી બે દિવસ માટે લોનાવાલા જવાનો પ્રોગ્રામ કરી રહ્યા છે .અને સૌનો આગ્રહ છે એટલે ટાળી શકાય એમ લાગતુ નથી.સાંજે જમતા જમતા અમરે ઓફીસમાં ઘડાઇ રહેલા પ્રોગ્રામ અંગે વાત કરી.

અને ટાળવાની જરૂરેય ક્યાં છે? ખરેખર તો વરસમાં એકાદ વાર તો સૌએ બહાર જવાનો પ્રોગ્રામ કરવો જ જોઇએ . જીવનની રોજની એક સરખી  ઘટમાળમાંથી બહાર આવવાની તો સૌને જરૂર હોય છે. એનાથી જે તાજગી મળે તો ફરી કામ કરવાની મઝા પણ આવે. તમે જઈ આવો પછી જતીન અને નિશાને પણ મોકલીએ. તમે તો દિવસ દરમ્યાન કામ થકી કેટલાય લોકોને મળતા હશો. નિશાતો આખો દિવસ ઘરમાં જ હોય .એ ય ને હુ ,બાવો ને મંગળદાસની જેમ . અત્યાર સુધી તો એમે ત્રણ જણ હતા પણ જ્યારથી અમારો આ મંગળદાસ પ્લે ગૃપમાં જવા માંડ્યો ત્યારથી અમે બે જ સાવ ફક્કડ ગીરધારી નહી નિશા?

ઓહો મા, તમે ય શું? બધા જ ઘરની બહાર જવા માંડશે ને તો રસ્તામાં ચાલવાની જ્ગ્યા ય નહી રહે. નક્કામી અથડામણ વધી જશે. ઘર કુકડી પાકી છે આ છોકરી તો નહી મા? અમર હસી પડ્યો.

એવુ તો કેમ કહેવાય , પણ એક વાત ખરી કે છે એ એકદમ સંતોષી. બધા કરે છે માટે  મારે ય ગાડરીયા પ્રવાહમાં જોડાવુ એવુ એને ક્યારેય નથી લાગતુ.પણ હવે આગળ કંઇક નવુ કરે એના માટે તો એને ય મારે તૈયાર કરવી છે .

“પછી મા તું ઘરમાં એકલી પડી જઈશ એનુ શું ? “અત્યાર સુધી શાંતિથી ચર્ચા સાંભળતા જતીને ચર્ચામાં ઝુકાવ્યુ.

“મારી ચિંતામાં એનુ ભવિષ્ય  રૂંધી રાખવાનું?”

“હે ભગવાન! આ શું ચર્ચા માંડી છે અત્યારે નજીકના ભવિષ્યમાં  ભઈ-ભાભીને જવાનુ છે એની વાત કરવાના બદલે લાંબા ભવિષ્યની યોજના ક્યાં કરવા બેઠા છો બધા?”

જમવાની સાથે વાત પણ આટોપી લેતા નિશા ઉભી થઈ ગઈ.

સવારે ઓફીસ જતા જતા અમર સરોજને ચિંતા ન થાય એના માટે કહેતો ગયો કે સાંજે એને ઓફીસથી આવતા મોડુ થશે . અમિતા ,  “સવારે એ મને કહીને ગયો હતો કે એને આવતા મોડુ થશે પણ મોડુ એટલે કેટલુ મોડુ? આ તો સાંજ  આથમવા  આવી.”

સાયંકાળના દિવા ટાણે તો ઘરમાં બધા જ પાછા આવી જતા અને આજે  અમર જમવાનો સમય થયો તોય આવ્યો નહી એટલે સરોજનો ઉચાટ વધવા માંડ્યો.

“મા , મારે બપોરે લંચ ટાઇમે વાત થઈ હતી. લોનાવાલા જવાનુ છે એનુ નક્કી કરવા માટે બધા થોડી વાર રોકાવાના હતા . હમણાં આવતા જ હશે.”અમિતાને ય ઉચાટ તો થતો હતો પણ એણે સરોજને ધરપત આપવા ખાતર જવાબ  આપ્યો.

વાત તો એની સાચી જ હતી. બપોરે જ અમર સાથે વાત થઈ હતી. પણ એ વાત બપોરની હતી. સાંજનું શું? સાંજ કેવી ઢળી કે કેવી ઢળશે એની તો કોઇને  કલ્પના ય ક્યાંથી હોય?

અમરને ધાર્યા કરતા વધારે મોડુ થઇ ગયુ .થોડી કામની વાતો અને એ પછી થોડા ટોળટપ્પા , ઘડીયાળમાં નજર પડીને જ અમર હાથમાં બ્રીફકેસ ઉચકીને  ઉભો થઇને ભાગ્યો. અરે બાપરે !  ઓફીસથી સ્ટેશન પહોંચતા તો જે ટાઇમ લાગશે એ તો ખરો અને પછી તરત જ લોકલ મળે તો ય ઘેર પહોંચતા નવ વાગી જશે.

નસીબે સ્ટેશન પહોંચતાની સાથે જ લોકલ છુટતી જોઇ. એકી શ્વાસે દોડીને અમર ટ્રેનનો દરવાજા પરનો હાથો પકડીને લગભગ લટકતો હોય એમ ચઢી ગયો.ધીમે ધીમે કરતા ટ્રેને ગતિ પકડી  .ઉતાવળ અને દોડાદોડ – પરસેવે રેબઝેબ થઈ ગયો અમર.

હાશ ! હવે જરા સારુ લાગ્યુ. પવનની લહેરખીથી જરા શાતા વળી. અંદર આમે જગ્યા મળવી મુશ્કેલ હતી અને બહારનો પવન અત્યારે સારો ય લાગતો હતો. અમરે અંદર જવાનો પ્રયત્ન સરખો કરવાના બદલે આમ જ થોડી વાર બહાર લટકવાનુ મુનાસીબ માન્યુ.

પહેલી વાર અમરે અનુભવ્યુ કે આમ છેલ્લી મિનીટે દોડીને ટ્રેન પકડવાવળો એ એકલો જ નહોતો. આજ સુધી પ્લેટફોર્મ પર ઉભા રહી ને આવી રીતે લટકીને મુસાફરી કરવા વાળા અનેક પેસેંજર જોઇને એને હંમેશા લાગતુ કે અજબ નગરીની ગજબ માયા છે. જેટલા ટ્રેનની અંદર છે એટલા જ બહાર હશેને? પણ આજે એને સાચે જ મઝા આવી રહી હતી. ટ્રેનની ખરી ઝડપનો રોમાંચ પહેલી જ વાર અનુભવ્યો. હવે તો આમ જ જવુ જોઇએ. બાપરે અંદર તો  કેવી ગીરદી ને કેવી ગરમી , કેવી ગીચાગીચ!. આજુબાજુના લોકોના પરસેવાની વાસ અને આહ ! અહીં બહાર તો સાચે જ સારુ લાગે છે.આખા દિવસનો થાક અહીં જ ઉતરી જાય.

અને સાચે જ આખા દિવસનો થાક ઉતરી જતો હોય એમ અમરને  એક નાનકડુ ઝોકુ આવી ગયુ. અણી ચુક્યો સો વરસ જીવે અને અણી ભુલ્યો એક પળ પણ ન રહે. બસ ! આ એક પળનુ ઝોકુ અને અમરનો હાથ લસર્યો .બીજી જ ક્ષણે હજુ તો એની બાજુમાં ઉભેલા કોઇને પણ ખ્યાલ આવે એ પહેલા તો અમરનો હાથ છુટી ગયો.સડસડાટ સામેથી આવતી ટ્રેન સાથે અફળાયો, ફંગોળાયો અને ક્ષત-વિક્ષત થઇને વેરાઇ ગયો.

ચારેબાજુ ચીસાચીસ, બુમાબુમ કાગારોળ ઉઠી. અંદર બેઠેલા પેસેંજરને તો કોઇ અંદેશો સુધ્ધા નહોતો કે બહાર શું બની ગયુ. સાંકળ ખેંચીને ટ્રેન ઉભી રાખે એ પહેલા તો ટ્રેન ક્યાંય આગળ વધી ગઈ.

*******************************************

ગાંડપણની સીમાએ જ પહોંચવાનુ બાકી રહી ગયુ હોય એવા સરોજના હાલ હતા. અમિતા તો ગઈકાલની બેશુધ્ધીમાંથી બહાર જ આવી નથી.

અમરના ખીસ્સાનો મોબાઇલ જરા દુર ફેંકાઇને પડ્યો પડ્યો રણકતો હતો. જતીનનો ઉચાટ વધતો જતો હતો. આટ આટલી વાર રીંગ મારવા છતાં ભાઇ ફોન ઉપાડતો કેમ નથી?  અમિતાના મોબાઇલની બેટરી સાવ જ ડાઉન હતી એટલે જતીન  પાસે એ વારંવાર ટ્રાય કરાવતી રહી. થોડી વાર રહીને અમરના ફોન પરથી જતીનના મોબાઇલ પર રીંગ વાગી અને જે સમાચાર જતીને સાંભળ્યા એ તો એનાથી  ઘરમાં કોઇને ય કહેવાય એવા નહોતા.

ઘરમાં કોઇને ય કહ્યા વગર એ ઘરની બહાર દોડ્યો. એ પછીના બાકીના બીજા બે કલાક તો જાણે નરકની યાતના ભોગવી હોય એવા ગયા. ઘટના સ્થળે પહોંચીને એણે અમરના જે હાલ જોયા એ તો એવા કમકમાટી ઉપજાવે એવા હતા કે અમર તો શું એ પોતાની જાતને ય સંભાળી શકે એમ નહોતો. પોલિસ કેસ કે  પોસ્ટમોર્ટમની ય કોઇ આવશ્યકતા નહોતી . આંખે દેખ્યો જે અહેવાલ હતો એ મુજબ ગમખ્વાર  અકસ્માતની નોંધ લખાઇને અમરના શરીરના ભાગ સમેટીને સોંપી દેવામાં આવ્યા. જે જતીનથી જોયુ જતુ નહોતુ એ ઘરમાં તો કોઇનાથી ય ક્યાં જોઇ શકાવાનુ હતુ?

સરોજ સાવ જ ભાંગી પડી અને અમિતા તો બેશુધ્ધ થઈને ઢળી પડી. હેબતાયેલી નિશા અને સહેમી ગયેલા જયને સંભાળવા ય અઘરા થઈ પડ્યા. મોતની કાલિમા આખાય  ઘર પર છવાઇ ગઈ. હજુ તો ઘરમાં નવિનનો અવકાશ પુરાયો નહોતો ત્યાં આ આઘાત? જતીન અને નિશાને લાગ્યુ કે અચાનક એ બંને ઘરના મોભ બની ગયા. માથેથી નવિનની છત્રછાયા તો ગઈ જ પણ અચાનક રહ્યો સહ્યો ટેકો ય છીનવાઇ ગયો અને ઘર સાવ જ નોંધારુ બની ગયુ. મા ને સંભાળવા કે ભાભીને? અને આ નાનકડા જયનો શો દોષ ? હજુ તો બાળપણનુ ભોળપણ અકબંધ છે ત્યાં એ શુ ગુમાવી બેઠો છે એ એને કેમ કરીને સમજાવવુ?

માથુ પછાડી પછાડીને, છાતી ફાડીને રોવાનુ મન થયુ જતીનને પણ એણે છાતી વજ્જર કરી નાખી. અમરને જે અવદશામાં જોયો હતો એની તો એ ઘરમાં વાત સુધ્ધા કરી શકે એમ નહોતો. નિશાને પણ કહી શકે એમ નહોતો. કેટલીય રાતોની ઉંઘ વેરણ બની ગઈ. આંખ મિંચાય અને નજર સામે અમરનુ અથડાઇને ફાટી ગયેલુ માથુ દેખાય અને એ હબકીને જાગી જતો. કોની પાસે એ આ કારમી વેદના વર્ણવે?

તો સરોજ કે અમિતાની ય દશા બેહાલ હતી. હવે ક્યારેય જોવા નહી મળે? નવિન વખતે તો એટલોય સધિયારો હતો કે જે કંઇ બની ગયુ એ નજર સામે હતુ. છેક છેલ્લી પળ સુધીનો સાથ હતો આ તો કલ્પનામાં ય ન આવી એવુ સત્ય હતુ કે અમર કોઇને ય મળ્યા વગર જ ચાલ્યો ગયો હતો.

મા , તમે કહેતા હતાને કે બે -ચાર દિવસ બહાર જઈ આવો  આ તો હવે ક્યારેય બહારથી પાછા જ નહી આવવાનુ કરીને ગયા ને? અને તમે તો મને સાથે લઈને જવાનુ કહ્યુ હતુ ને ? મને મુકીને ગયા તો તમે એ ચલાવી કેમ લીધુ? અમિતા નો આક્રોશ ફાટી જતો. એ તો આ પરિસ્થિતિને સ્વીકારવાનુ તો દુર સમજી ય શકતી નહોતી.આવુ બને જ કેમ? સાંજ પડે તો સૌ પાછા વળેને ? આ તો રાત પડી તો ય પાછા ન આવે

અને તો ય મા તમે કંઇ બોલો જ નહી?

શું બોલે સરોજ?

દિવસોના દિવસો પસાર થયા તો ય એની ઘેલછા ઓછી થવાનુ નામ નહોતી લેતી. જય એની પાસે જતો તો ય સાવ જ શુન્યમનસ્ક થઈને એની સામે જોયા કરતી. જયને ય સમજણ નહોતી પડતી કે હજુ પપ્પા ઘેર કેમ નથી આવતા?  એ તો એને અને મમ્મીને ફરવા લઈને જવાના હતા ને એ એકલા કેમ જતા રહ્યા?

ચાવી દીધેલા પુતળા જેવી બની ગઈ અમિતા. ચાલો જમવા તો ભલે એમ, ચાલો સુવા તો ભલે એમ.

એક જ ઉપાય હતો એને પાછી જોબ પર જતી કરાય તો કદાચ એ એની જાતે કઈક વિચારવા કે આચરવા જેવી દશામાં પરત થાય. પણ આ હાલતમાં તો એને જોબ પર મોકલવાનુ ય કેવી રીતે વિચારાય?

ઘરમાંથી જાણે જીવન જ ઉડી ગયુ. સૌ સ્તબ્ધ દશામાં મુકાઇ ગયા. એક સમય હતો ઘરમાં ખુશહાલી હતી ત્યાં  અચાનક માતમ છવાઇ ગયો. ઢળતા સુર્યની લાલિમા પર  શોકના ઘેરા વાદળની કાલિમા છવાઇ ગઈ.

હવે નિશાએ પરિસ્થિતિ હાથમાં લીધી.

ભાભી,જયને શું ખાવુ છે ? મને તો કઈ સમજણ પડતી નથી. હવે તમે કઈક કહો તો સમજણ પડે અને કામ આગળ વધે.

ભાભી, આજે તો જયની સ્કુલમાંથી રિપોર્ટ આવ્યો છે અને કાલે એના ટીચરને મળવા જવાનુ છે.

ભાભી, આવતા સોમવારે જયના ક્લાસમાં  શો એન્ડ ટેલ માટે જયને શુ આપુ? ગયા અઢવાડિયે તો એ એની રેસર કાર લઈને ગયો હતો . આ વખતે કંઇક નવો આઇડીયા આપોને.

ભાભી , જયની સ્કુલમાં ફેન્સી ડ્રેસ કોમ્પીટીશન માટે એને કેવો તૈયાર કરવો છે?

ભાભી-ભાભી-ભાભી.

નિશાએ મ્હોં મા આંગળા નાખીને ય અમિતાને બોલાવવાનુ નક્કી કરી લીધુ હતુ .

આ નાનકડી ગૃહીણી પર સરોજને સાચે જ માન થઈ ગયુ . આજ સુધી ઘરની ચાર દિવાલો વચ્ચે  જેની દુનિયા ગુંથાયેલી હતી એ નિશા આટલી સમજદાર? અને ઘરની વડીલ થઈને પોતે શું કરે છે? જે ગયુ છે એ તો પાછુ આવવાનુ નથી પણ જે હાજર છે એને તો આમ આવી હાલતમાં તો ન જ રખાયને? એટલુ જ નહી પણ એણે જે ગુમાવ્યુ છે એનાથી બમણુ કરીને પાછુ મળે એમ થાય તો જ એનુ વડીલપણુ સાર્થક થયુ કહેવાય.

ઉંમર જ શું છે હજુ એની? જીવનના ત્રણ દાયકા તો માંડ જોયા છે અને આગળ આખુ આયખુ આમ ખાલીખમ વિતે એવો ઉપરવાળાનો કેવો ન્યાય? કોઇની ય કિસ્મત લખવાની આપણા હાથની વાત નથી પણ આપણા હાથમાં જે હોય એતો કરી શકાય ને? સરોજે એક નિર્ણય એ જ ક્ષણે લઈ લીધો.

દુઃખનુ ઓસડ દહાડા..ગમે એવો ઘા હોય પણ સમયાનુસાર એ પણ રુઝાય. જીવન ક્યારેય કોઇના વગર અટકી પડ્યુ હોય એવુ બન્યુ નથી .હા! થોડો સમય લાગે એ કારમી વેદના જીરવતા અને પચાવતા.જે બની ગયુ છે એ સત્ય સ્વીકારતા સમય લાગ્યો પણ અંતે અમિતા પણ  સમજી ગઇ . અમર વગરનો ખાલિપો વેઠતા શીખી ગઈ. એક બીજી વાત પણ એણે સ્વીકારી લીધી કે જયના માટે મા પણ એ જ છે અને બાપ પણ. જયને ઓછુ ન આવે એ માટે જો ઘરના બધા જ સતર્ક રહેતા હોય તો એ કેમ આમ અધ્ધર જીવે રહી શકે?

મા, વિચારુ છું કે કાલથી ઓફીસ જવાનુ ચાલુ કરુ.

સરોજે  મનોમન ઠાકોરજીનો આભાર માન્યો અને એ  દિવસથી  પૂજાનો પ્રસાદ ધરવો ચાલુ કર્યો.હાશ !પ્રભુ છેવટે તે મારી પ્રાર્થના સ્વીકારી ખરી.

અમિતા કામે લાગી અને સરોજ પણ. હવેના દિવસોમાં એણે લીધેલો નિર્ણય અમલમાં મુકવાનો હતો. દરરોજ છાપામાં આવતી લગ્ન સંબંધી જાહેરખબરો એણે ચીવટપૂર્વક જોવા માંડી. જોડી તો ઉપરવાળો બનાવે છે પણ આજકાલ એ જોડી મેળવી આપવાનુ પુણ્યકામ કરવાવાળા મેરેજ બ્યુરોમાં ય એણે અમિતાનુ નામ લખાવી દીધુ. એક વિધવા સાથે પુનઃવિવાહ માટે તૈયાર થવા માટે કોણ તૈયાર થાય? પણ સરોજને વિશ્વાસ હતો કે એના પ્રયત્નો એળે નહી જાય.

આ સાથે અમિતાને ય તૈયાર કરવી જરૂરી હતી. સરોજને ખબર હતી કે જે દિવસે આ વાત એ અમિતા સાથે માંડશે ત્યારે કેવો વિસ્ફોટ થશે. અમિતા તો આ આખીય વાત સાંભળીને હબકી જ ગઈ. કેવી રીતે મા તમે આવુ વિચારી જ શકો? કેમ ન વિચારી શકાય? તેં જીંદગી જ હજુ ક્યાં જોઇ છે? આમ સાવ એકલ પંડે શા માટે તારે રહેવુ પડે? હું એકલી છું જ ક્યાં ? તમે નથી? જતીનભાઇ અને નિશા નથી? અને એ બધા કરતા આ જય ? કોણ કહે છે હું એકલી છુ?

“હું કહુ છુ ભાભી, મા એકલા જ નહી અમે સૌ ઇચ્છીએ છીએ કે મા એ જે નિર્ણય લીધો છે એ યોગ્ય જ છે.”

“કેમ હવે હું અને જય તમને ભારે પડીએ છીએ? અમર નથી તો મારી આ ઘર સાથે લેણદેણ પુરી થઈ ગઈ સમજવાની?  એવુ જ હોય તો હું અને જય મારી મમ્મીના ત્યા જતા રહીશુ અને એમને પણ અમારો ભાર લાગતો હશે તો અમે બે મા દિકરો અમારી વ્યવસ્થા વિચારી લઈશુ.”

“મને ખબર જ હતી અમિતા કે તું આમ જ વિચારીશ. એક વાત સમજી લે જે આ ઘર સાથે કે અમારી સાથે તારો જીવનભરનો સાથ છે અને રહેશે. કાનનને વળાવી એ દિવસથી એ પારકી થઈ ગઈ છે કે તુ પારકી બનીશ? મારો અમર હતો ત્યાં સુધી તને વહુના રૂપે દિકરી ગણી હતી પણ એ દિવસથી તુ માત્ર અને માત્ર મારી દિકરી જ છો.  આમ પણ તને અને નિશાને કાનનની જેમ મેં જન્મ નથી આપ્યો પણ મારો ઇશ્વર સાક્ષી છે કે મેં તમને બંનેને કાનનથી જરાય જુદા ક્યારેય ગણ્યા નથી.  આ ઘરમાંથી જે દિવસે તને હુ કાનનની જેમ વિદાય આપીશ એ દિવસ મારુ જનેતાપણુ સાર્થક થયુ કહેવાશે બાકી તો  દિકરી ગણવાની વાતો પોકળ કે ઠાલી મનને આશ્વાસન આપનારી બની રહેશે.અને હુ એ કઈપણ કરવા માગુ છુ એ મારી મેળે નક્કી કર્ય છે એવુ ય નથી. આ નિર્ણયમાં રંજનાબેન અને પંકજભાઇની સંમતિ ભળેલી જ છે .”

મમ્મી પપ્પા પણ આ વાત સાથે સહમત છે એ જાણીને અમિતાને એક વધુ આંચકો લાગ્યો. આખી ય વાત જાણે પોતાને અંધારામાં રાખીને નક્કી થઈ હોય એવી  લાગણીથી એ સુકીભઠ્ઠ થઈ ગઈ. આજ સુધી અમર વગર પણ આ ઘરમાં સૌ એના છે અને એ  આ ઘર એનુ છે એવી એક નિશ્ચિંતતાથી મનમાં હતી . આ ક્ષણે અચાનક એને લાગ્યુ કે  જાણે આ દુનિયામાં એનુ કોઇજ નથી .એ સાવ જ એકલવાઇ થઈ ગઈ? આવી નિરાધારતા એ દિવસથી માંડીને આજ સુધી ક્યારેય લાગી નહોતી.

સ્તબ્ધ બૂત  જેવી બની ગઈ.

“ભાભી, ક્યાં ખોવાઇ ગયા?” નિશાએ એને લગભગ હડબડાવી મુકી અને અમિતા છુટ્ટા મોં એ રડી પડી. રડતી જ રહી .એ ખાલી થઈ જાય ત્યાં સુધી એને રડવા દીધી .એના હિબકા ઓછા થયા એટલે સરોજે હળવેથી એને બાથમાં લીધી . માથુ પસવાર્યા કર્યુ અને શાંત પાડી. નિશા ઉભી થઇને પાણી લઈ આવી.

પાણીના બે ઘુંટ ભરી ને અમિતા મૌન બેસી રહી.

જરાવાર રહીને સરોજ સામે જોઇ રહી. પછી હળવેકથી બોલી .” મા, એક વાત પુછુ? તમે એક્લા નથી? પપ્પા વગર જો તમે રહી શકતા હો તો અમર વગર હુ કેમ ન રહી શકુ?”

“વાત સાચી છે અમિતા તારી. પણ અડધો અડધ ઉમરનો ફરક છે ને આપણા બે વચ્ચે ? તે હજુ દુનિયા જ ક્યાં જોઇ છે? મેં તો સંસારના સૌ સુખ ભોગવી લીધા હતા. લીલીવાડી કહેવાય મારી તો અને તારી તો ઉમર જ શુ કહેવાય? આજ કાલની છોકરીઓ તો હજુ હવે પરણતી હોય છે ને?

“જો તુ મને મા ગણતી હોય તો મારી વાત પર વિચારી જો જે અને સાસુ ગણતી હોય તો આ આખી વાત ભુલી જજે.”

એ દિવસે તો ચર્ચા ત્યાં જ અટકી ગઈ પણ સરોજની શોધ ન અટકી. જોઇએ છે યોગ્ય જીવનસાથી..

રાકેશ વિનુભાઇ પરીખ. ઉમર વર્ષ એકત્રીસ .નિર્દોષ ડાયવોર્સી.

“નિશા , આ જો તો. આ તો તમારા પડોશમાં રહે છે એ વિનુભાઇના રાકેશ માટેની વાત છે ને? આ તો સોનામાં સુગંધ ભળવા જેવી વાત થઈ. અમિતા માટે મારા મનથી જેવો પરિવાર વિચાર્યો હતો એવુ જ કુટુંબ છે અને એ લોકો પણ તમારા લીધે આપણ કુટુંબથી અજાણ્યા નથી. જો તારા કે તારા મમ્મીથી વાત થઈ શકતી હોય તો પુછી જો.”

નિશા તો સાચે જ ખુશ થઈ ગઈ. રાકેશને તો એ નાનપણથી ઓળખતી હતી અને એના ડીવોર્સનું કારણ પણ જાણતી હતી. સીધો જ એણે એની મમ્મીને ફોન કર્યો અને આખી વાત સમજાવી.

નીલાબેને આખી વાત ઉપાડી લીધી. હવે અમિતાને સમજાવવાનુ બાકી રહેતુ હતુ .

ફરી પાછી એની એ ચર્ચા અને એને એની એજ સરોજ અને નિશાની સમજાવટ.

“બધી વાત સાચી મા તમારી પણ જયનુ શુ?  આ ઘર, આ મુળીયાથી એને ઉખાડીને કોઇ નવી જ ધરતીમાં રોપી દેવાનો સહેલો છે? એના માનસનો કોઇ વિચાર નહી કરવાનો? નવા માણસો, નવુ ઘર એ કેવી રીતે ગોઠવાશે? અને જરા જેટલી પણ એના તરફ કચાશ જે દિવસે મને લાગશે એ દિવસે એ નવા ઘરને , એ નવા માણસોને હુ કેવી રીતે ન્યાય આપી શકીશ? તમારે બધાને ઠીક છે માત્ર કહેવાનુ છે કરવાનુ તો મારે ને? મારા ઘેરથી આ ઘેર હુ આવી એ દિવસે જે ઉમંગ જે ઉત્સાહ હતો એ મારે ક્યાંથી લાવવો? આ તો સગપણ કહેવાય જે સમજુતી?”

“જો અમિતા , દુનિયામાં બધા એટલા નસીબદાર નથી હોતા કે જેમને જે પરિસ્થિત્તિ હોય એ મુજબ મળી રહે જ્યારે તુ એટલી કિસ્મતવાળી છુ કે તારે કોઇ સમજુતી કરવાની નથી. આ સાચા અર્થમાં સગપણ જ છે. નવી દિશામાં ખુલતો નવો એક રસ્તો જે તને અત્યારે બે હાથે આવકારે છે.”

“કિસ્મતવાળી અને હુ ? મા તમે ય હવે મજાક કરવા માંડ્યા? નસીબવાળી હોત તો આજે આ સ્થિતિ ઉભી જ ન થઈ હોત ને? એક ભવમાં બે ભવ કરવાના આવ્યા જ હોત ને? અને જય તો તમારો કેટલો હેવાયો છે . ચાર કલાક  સ્કુલે મોકલવાનો ય તમારો જીવ નહોતો ચાલતો તો હવે આમ બીજા ઘેર કાયમ માટે કેવી રીતે મોકલવા તૈયાર થયા છો?”

“કોણે કીધુ હુ જયને બીજા ઘેર મોકલવાની છુ? એ તો મારી સાથે જ આ ઘરમાં જ રહેશે મારી સાથે.”

આંચકો ખાઇ ગઈ અમિતા.

“મા……. ખબર છે શુ બોલો છો ? એનો અર્થ એ જ ને કે હુ જ એકલી પરાઇ થઈ ગઈ ? જય તમારી સાથે તમારી પાસે રહેશે તો મને જ મોકલી દેવાની ? બસ મારી સાથે નો સંબંધ પુરો કરી નાખવાનો?”

“બસ કર અમિતા, તારી સાથે મારો ક્યારેય સંબંધ પુરો નથી થતો. તુ પરણીને અહીં આવી એ દિવસથી તારો તારી મમ્મી સાથેનો સંબંધ પુરો થઈ ગયો હતો? પહેલા પણ મે તને કીધુ હતુ અને આજે ફરી કહુ છુ જો કાનનને સાસરે વળાવી શકુ તો મારી બીજી દિકરીને કેમ નહી?  સૌથી પહેલા તો તારા મનમાંથી  વાત જ કાઢી નાખ કે આ ઘર સાથે તારી લેણદેણ પુરી થઈ છે. જેટલા હકથી કાનન આ ઘરમાં આવે જાય છે એટલો જ હક તારો આ ઘર પર રહેશે . એકવાર બસ તુ રાકેશને મળ અને પછી જો એનામાં તને કોઇ ઉણપ લાગે તો ના પાડવાનો તને પુરો હક છે પણ આમ અત્યારથી તુ વાતને નન્નાથી ચાલુ ના કર. આટલો તો મારો હક તારી પર માન્ય રાખીશ ને?” સરોજની આંખમાં પાણી આવી ગયા.

“બેટા પણ તારી આ એકલતા મારાથી નથી વેઠાતી..એવુ નથી કે તને વળાવીશ તો મને દુઃખ નહી થાય. થશે એટલુ જ દુઃખ થશે  જેટલુ  કોઇપણ  દિકરીને વળાવતા કોઇ પણ  મા ને થાય. પણ પછી તારો સુખી સંસાર જોઇને મારી આંતરડી ય એટલી ઠરશે તો એ વિદાયનુ દુઃખ તો ક્યાંય વિસારે પડી જશે. અને આ જયને મળવા તુ નહી આવે?”

“અને ભાભી મારે તો બંને બાજુ લાડવા. તમે આપણા ઘેર આવો તો ય મને મળશો અને હુ મારી મમ્મીના ત્યાં આવીશ તો ય તમે મને મળશો.”

બીજા બે મહિના પછી અમિતા અને રાકેશના આગ્રહથી માત્ર ચાર પરિવારના સભ્યોની હાજરીમાં અત્યંત સાદાઇથી લગ્ન લેવાયા. ન કંકોતરી વહેંચાઇ. ન ઢોલ ઢબૂક્યા ,ન જાન ઉઘલી કે ન માંડવો બંધાયો. સરોજના આગ્રહથી સાદા પાનેતરમાં લપેટાઇને અમિતા એ એક નવા સંસારની શરૂઆત કરી. સરોજે કાનન જેટલા જ ઉમળકાથી અમિતાનુ કન્યાદાન કર્યુ. જતીને જવ-તલ હોમ્યા અને નિશાએ રાકેશની ગાડીનુ પૈડુ સિંચ્યુ.

હા! રાકેશના ઘરમાં એક કુળવધુનુ આગમન થાય એવી રીતે અમિતાને આવકારવામાં આવી. ઘરમાં કંકુના પગલાએ ચાલીને અમિતાએ ગૃહપ્રવેશ કર્યો.

વીરાંગના સરોજ શ્રોફ્ (૧૧)- હેમાબહેન પટેલ

સરોજ ઘરની સફાઈમાં કામવાળીબાઈને મદદ કરી રહી હતી અને સફાઈ કરતાં હાથમાં નવીન અને અમરનો ફોટો હાથમાં લીધો. ફોટો લુછતાં જુની યાદ તાજી થઈ.અમર પાંચ વર્ષનો હતો અને સરોજ તેને દુધપાક ખવડાવી રહી હતી અને તેના મોઠા પર બધે ઉડીને મો વધારે એઠુ થયુ હતુ ,અને અમરે જોર જોરમાં રડવાનુ ચાલુ કર્યુ,મમ્મી તમે મારુ મો ખરાબ કર્યુ મારે હવે નથી ખાવુ મારુ મો જલ્દી સાફ કરો. અમરને તેના કપડાં અને શરીર ગંદુ થાય તે પસંદ ન હતુ . સરોજ-“ ના રડીશ મારા દિકરા લાવ હુ તારુ મો સાફ કરી દઉ,મારા રાજકુમારનુ મો મમ્માએ ગંદુ કર્યુ”. નીશા-“મમ્મી તમે શુ કહો છો ? તમે કોની સાથે વાત કરો છો”? અને સરોજ અમરની યાદમાં ધ્રુસકે ધ્રુસકે રડી, નીશા પાણી લઈ આવી અને પાણી પાયુ, અને કહ્યુ મમ્મી શાંત થાઓ, લાવો કપડુ મને આપો હુ સફાઈ કરી લઈશ. સરોજ-“ ના બેટા હુ સફાઈ કરીશ, હુ એકદમ ઠીક છુ,તુ જયનુ ધ્યાન રાખ અને જતીનના નાસ્તાની તૈયારી કરી દે નહીતો એને ઓફિસ જવાનુ મોડુ થશે”. નીશા રસોડામાં ગઈ, અને સરોજે નવીનનો ફોટો સાફ કરવા માટે હાથમાં લીધો, અને પાછી વિચારોમાં ખોવાઈ ગઈ,એક પ્રસંગ યાદ આવી ગયો, “ નવીન જો તારા મો ઉપર કંઈક ચોટ્યુ છે, હાલમ હાલ ના કરીશ મને સાફ કરવા દે”. નવીને જવાબ આપ્યો “ચોખ્ખો છુ કે ગંદો છુ, હવે હુ તારો જ છુ” સરોજ-“ હા તુ મારો જ છે પણ અત્યારે મો તો સાફ કરવા દે”. અને જતીન ત્યાં આવ્યો અને પુછ્યુ “મમ્મી તમે કોની સાથે વાત કરો છો”? અને જતીને મમ્મીના હાથમાં પપ્પાનો ફોટો જોયો, જતીન-“ મમ્મી તમે શાંતિથી બેસો, બાઈ છે, નીશા છે એ લોકો બધુ કામ સંભાળશે તમે શુ કામ મહેનત કરો છો”? સરોજ-“ બેટા હાથ પગ હાલતા રહે તે જ સારુ, નહી તો આળસુ બની જવાય, મારી ચિન્તા તુ જરાય ના કરીશ, હજુ તારી મા એટલી પણ ઘરડી નથી થઈ કે હાથ પગ જોડીને બેસી રહે, અને મને બેસી રહેવાનુ બિલકુલ નથી ગમતુ, કામ કરુ છુ એટલે તો થોડી વ્યસ્ત રહુ છુ”. જતીને પોતાનો વેપાર ચાલુ કર્યો છે અને તેનો ધંધો બહુજ સરસ ચાલે છે,પરિવાર માંડ માંડ હવે તક્લીફોમાંથી ઉભુ થઈ રહ્યુ છે. અને ધીમે ધીમે ઘરમાં શાંતિનુ વાતાવરણ છવાઈ રહ્યુ છે.સાથે સાથે જતીનનુ બેન્ક બેલેન્સ વધી રહ્યુ છે. બધાના જોઈન્ટ એકાઉન્ટમાં પૈસા જમા થાય છે. જતીન-“ મમ્મી મારે ધંધાના કામે આવતે અઠવાડિયે બહાર ગામ જવાનુ થશે અને હુ ગાડી લઈને જવાનો છુ”. સરોજ-“ દિકરા, ગાડી લઈને જાય છે તો નીશાને પણ સાથે લઈ જજે તેને પણ ફરવાનુ થશે અને તારુ કામ પણ થઈ જશે”. જતીન-“ ના મમ્મી મારો દોસ્ત મારી સાથે છે, અને આ વખતે ફરવાનુ નહી ફાવે, ફરી કોઈ વખતે લઈ નીશાને જઈશ”. સરોજ-“ ભલે દિકરા”. કાનન અને સાગર નજીક રહે છે, એટલે અવાર નવાર મમ્મીની ખબર કાઢી જાય છે.અને શનિવાર, રવિવાર રજાના દિવસે તો ખાસ મમ્મીને મળવા આવે અને વધારે વખત મમ્મી સાથે વીતાવે.સાગર પણ સરોજનુ પોતાની મમ્મીની જેમ ધ્યાન રાખે છે, બધુ જ બરાબર ચાલી રહ્યુ છે, પરંતુ સૌથી મોટી કમી ઘરમાં નવીન અને અમરની છે, બંનેને ભુલવા બહુ જ કઠીન છે.આજે સરોજ સોફા ઉપર બેઠી છે અને રેડિયો ઉપર સંગીત ચાલી રહ્યુ છે અને જગજીતસીન્ગની અવાજમાં એક ગીત ચાલુ થયુ, ચિઠ્ઠી ન કોઈ સંદેશ, જાને વો કોનસા દેશ, જહાં તુમ ચલે ગયે,હા જહાં તુમ ચલે ગયે, અબ યાદોકે કાંટે, ઈસ દિલમે ચુભતે હૈ ના દર્દ ઠહરતા હૈ, ના આંસુ રુકતે હૈ, તુમ્હે ઢુઢ રહા હૈ પ્યાર,હમ કૈસે કરે ઈકરાર, જહાં તુમ ચલે ગયે,હા જહાં તુમ ચલે ગયે. ગીત સાંભળીને સરોજ તેના આંસુ રોકી ન શકી અને નવીન અને અમરની યાદમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી. નીશા દોડતી આવી અને ગીત સાંભળીને તેની આંખો પણ ભરાઈ આવી.આ ગીત છે જ એટલુ કરુણા ભરેલુ ભલભલાને હચમચાવી દે.નીશા રેડિયોની સ્વીચ બંધ કરવા જતી હતી અને સરોજ વચ્ચેજ બોલી “ના બેટા બંધ ના કરીશ ગીત સાંભળવા દે, તે લોકોની યાદ તો મારુ જીવન જીવવાનો સહારો છે, મારા આંસુ નીકળી જવા દે અને આ ગીતના શબ્દો બિલકુલ સાચા છે ભગવાનની રચના જોવો, એક વખત માણસ આ મૃત્યુ લોકને છોડીને જાય છે પછી આપણને ખબર નથી તે ક્યાં છે? કેવી હાલતમાં છે? શુ કરે છે?આપણે ક્યાં શોધીએ ? ના કોઈ તેઓનુ સરનામુ !!! કેટલી કરુણા જનક સ્થિતીમાં ભગવાન મુકી દે છે, પહેલાં તો માયાના બંધનમાં નાખી જકડી રાખે છે, અને મૃત્યુ થયુ એટલે એ વ્યક્તિ સાથે માયાનુ બંધન ફરજીયાત તોડી નાખવાનુ ,આ કેટલુ કઠીન અને મુશ્કીલ કામ છે, વાહ પ્રભુ તારી લીલા !!! રાત્રે જતીને પુછ્યુ “નીશા આપણે આવનાર બાળકનુ નામ નક્કી કરી લઈએ” નીશા-“ હા જતીન મે વિચારી રાખ્યુ છે, મને” રાજ ”નામ બહુજ પસંદ છે, જય તો છે એટલે જય-રાજ બે ભાઈઓની જોડી. જતીન-“ વાહ બહુજ સુન્દર નામ છે મને પણ ”રાજ” નામ બહુજ પસંદ છે, જય-રાજ બે ભાઈઓની જોડી, એજ નામ રાખજે ”. નીશા – “કેમ એવુ બોલે છે? રાખજે ,આપણે બંને સાથે મળીને નામ રાખવાનુ છે” જતીન-“ અરે, ભુલથી બોલાઈ ગયુ, નારાજ ના થઈશ, હુ તને ખુશ જોવા માગુ છુ”. નીશા- “જતીન તારી બેગ મે ગોઠવી દીધી છે, રસ્તામાં ખાવા માટે કંઈ નાસ્તો બનાવી દઉ”? જતીન-“ ના નીશા રસ્તામાં ખાવાનુ બહુ મળે છે, બહારથી ખાઈ લઈશુ” સરોજ-“ નીશા તુ આરામ કર, તારે આવી હાલતમાં આરામની બહુ જરૂર છે, હુ જતીન માટે તૈયારી કરી લઈશ” જતીન-“ હા નીશા મમ્મી બિલકુલ સાચુ કહે છે, તુ તારી તબીયતનુ ધ્યાન રાખ,કાલે ઉઠીને હુ ના હોઉ તો પણ મમ્મીનુ સાંભળજે, અને સરોજે જતીનના મો ઉપર હાથ મુકી દીધો,” ના દિકરા આવુ ના બોલીશ શુભશુભ બોલ ,અને સરોજના દિલમાં મોટો ધ્રાસકો પડ્યો અને કંપી ઉઠી,અને મોઢામાંથી શબ્દો સરી પડ્યા ના હવે નહી, હે ઠાકોરજી સૌનુ ભલુ કરજો અને રક્ષા કરજો”. ત્યાંતો જય દોડતો આવ્યો અને અને તેની કાલીઘેલી ભાષામાં બોલ્યો, જય-“ કાકુ, બાલગામ જવ છો માલા માતે મોતી મોતલ ગાલી લઈ આવજો” અને જતીને જયને એકદમ પ્રેમથી ઉઠાવી લીધો અને ગલે લગાવ્યો ,અને ચુમી લીધો.અને કહ્યુ “ હા બેટા જલુલ લઈ આવીશ,મારા રાજા બેટાને બીજુ શુ જોઈએ છે”? જય-“ હા કાકુ ,ચોકલેટ ”. જતીન-“ભલે મારા રાજા બેટા ગાડી ભરીને લઈ આવીશ,ખુશ .બેટા મમ્મીને અને દાદીને તંગ ના કરશો અને એક ડાહ્યો છોકરો બનીને મમ્મી અને દાદીનુ કહ્યુ માનજો”. નીશા ગર્ભવતી છે અને તેને ચોથો મહિનો ચાલી રહ્યો છે, સરોજ નીશાનુ બહુજ ધ્યાન રાખે છે અને ડોક્ટર પાસે લઈ જવુ વગેરે કામીની મદદ કરે છે.આજે જતીનને બહાર ગામ જવા માટે નીકળવાનુ છે, ખબર નહી કેમ નીશાના મનમાં મુઝવણ છે અને બેચેની લાગે છે, જતીનને લાગ્યુ ગર્ભવતી છે એટલી આવુ થતુ હશે, અને સરોજની જમણી આંખ જોરમાં ફરકી રહી છે, તેને કાળજુ ચિરાઈ જતુ હોય એમ લાગ્યુ, બેચેન થઈ ગઈ.તેને સમજણ નથી પડતી તેની તબીયતને શુ થયુ છે,વિચારે છે મને આજે આ શુ થઈ રહ્યુ છે? કંઈ સમજાતુ નથી, એકદમ બે બાકળી થઈ ગઈ,શુ કરવુ સમજાતુ નથી, મનમાં ઠાકોરજીનુ સ્મરણ અને મંત્ર જાપ ચાલુ કરી દીધા. જતીન ,નીશા અને સરોજ સાથે ચ્હા નાસ્તો કરવા માટે સાથે બેઠા ખબર નહી કેમ કોઈના ગળેથી આજે અન્નનો કોળીયો ગળે નથી ઉતરતો ,ચ્હા નાસ્તો પત્યો એટલે જતીન જવા માટે નીકળતો હતો અને સરોજને પગે લાગ્યો, મમ્મી આજે પ્રેમથી મને ગળે લગાવ અને જતીન મમ્મીને ગળે વળલી પડ્યો,અને બોલ્યો,”મમ્મી ખબર નહી કેમ આજે જવાનુ મન નથી થતુ પરંતુ ધંધાનુ કામ છે ગયા વીના છુટકો નથી”. જતીન-“ મમ્મી નીશાને તમને સોપીને જાઉ છુ તેનુ ખાસ ધ્યાન રાખજો”. સરોજ-“આંખમાં આંસુ આવી ગયા, દિકરા તારે એ કંઈ કહેવાનુ હોય ,તુ બેફીકર જા અને અમારી બિલકુલ ફીકર ના કરીશ”. સરોજને આજે તેનુ દિલ એકદમ ભારે લાગ્યુ, કંઈ અજુગતુ અમંગળ થવાનુ હોય એમ આભાસ થતો હતો. અને જતીન નીકળી ગયો, નીશા ઘરની અંદર આવીને છુટે મોઢે રડવા લાગી, સરોજ કહે “ તુ કેમ આટલુ બધુ રડે છે”? નીશા-“ મમ્મી મને પણ ખબર નથી પડતી હુ શુ કામ આટલુ બધુ રડુ છુ, આંસુ એની જાતેજ વહી રહ્યા છે, કેવી રીતે રોકુ”? જતીન ગયો એટલે સરોજ અને નીશા તેમના રોજના કામમાં લાગી ગયા.અને સરોજે કાનનને ફોન કર્યો “ બેટા આજે સાંજના તુ અને સાગર અહિયાં આવજો અને રાત્રે અહિયાંજ જમી લેજો “. કાનન-“મમ્મી કેમ કોઈ પ્રોગ્રામ છે ?કંઈ નવા જુની છે? સરોજ-“ કેટલા સવાલ પુછીશ ? અને કંઈ નવા જુની હોય તો જ અવાય? માને ઘરે કોઈ કારણ વીના શુ ના અવાય? કામીની-“ ભલે આવીશુ મમ્મી, બસ હવે ખુશ “. રાત્રે કામીની અને સાગર મમ્મીને ઘરે પહોચ્યા, સરોજનુ મોઢુ જોઈને કામીનીએ પુછ્યુ “મમ્મી તુ બહુ ચિન્તામાં હોય એમ લાગે છે, તારા મનમાં શુ ચાલી રહ્યુ છે કહે”? સરોજ-“ એતો જતીન બહારગામ ગયો છે એટલે” કામીની-“ મમ્મી ભાઈ પહેલી વખત બહાર ગામ ગયો હોય એવી વાત તુ કરે છે, ભાઈ તેના કામ માટે કાયમ બહાર જતો હોય છે ,ગયો તો એમાં શુ મોટી વાત છે,આટલી બધી ચિન્તા કરે છે, શામ્તિ રાખ”. કામીની અને સાગર જમવાનુ પતાવી થોડુ બેઠા પછી પોતાને ઘરે ગયા.ચારેક દિવસ પછી જતીન તેનુ કામ પુરુ કરીને તેના મિત્ર સાથે પાછો મુમ્બઈ આવી રહ્યો હતો અને સામેથી પુર જોશમાં આવતી ગાડીએ પોતાનુ સમતોલન ગુમાવ્યુ અને તેને લીધે પાછળથી આવતી ટ્રક આ બે ની વચ્ચે જતીનની ગાડી આવી ગઈ અને જતીન ઉછળીને બહાર ફેકાયો અને તેની ઉપરથી ટ્રક પસાર થઈ ગઈ,બહુજ મોટો અકસ્માત થયો, જતીનના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા, તેની સાથે તેના મિત્રને બહુ વાગ્યુ ન હતુ ,પોલિસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી ગયા, જતીનના મિત્રને થોડી પ્રાથમિક સારવાર આપીને તેને હોસપીટાલમાંથી રજા આપી, અને જતીનનુ શરીર પોસ્ટમોર્ટમ થઈ શકે એવી પરિસ્થીમાં હતુ નહી,તેણે સરોજને ફોન કર્યો, અમારો અકસ્માત થયો છે અને આન્ટી તમે અહિયાં આવી જાવ. જતીનના મિત્રએ ઘટના સ્થળનુ સરનામુ આપી દીધુ. સરોજ સાગરની ગીડીમાં સાગરને લઈને નીકળી અને કાનનને નીશા પાસે બેસાડી, નીશાને હજુ જતીનના સમાચાર આપ્યા ન હતા.જતાં જતાં રસ્તામાં સરોજને એકજ વિચાર આવે છે, મારો જતીન હેમખેમ સહીસલામત હોય તો સારુ, ભગવાન કરે તેને બહુ વાગ્યુ ન હોય.મારા જતીનનુ એજ હસતુ મોઢુ ફરી હુ જોવા માગુ છુ. જતીન નીકળ્યો ત્યારે આંખ ફરકતી હતી,મન બેચેન હતુ, આ અકાસ્માત થવાનો હતો એટલેજ અશુભ અમંગલ આભાસ થતો હતો.મનમાં કંઈ કેટલાય વિચારો ચાલતા હતા અને આખરે ઘટના સ્થળે પહોચ્યા.અને રસ્તાની બાજુમાં પોલિસ અને માણસોનુ ટોળુ ઉભેલુ દેખાયુ.અને સરોજ પોલિસને પુછવા લાગી “ ક્યાં છે મારો જતીન? હોસપીટલમાં છે? મને તેની પાસે લઈ જાવ”, અને પોલિસ કહ્યુ મેડમ અહિયાં આવો પોલિસે કહ્યુ આ રહ્યો તમારો છોકરો.અને હવલદારને કહ્યુ મેડમકો બોડી દીખાઓ, સરોજે રસ્તા ઉપર એક ચાદર ઢાંકેલી જોઈ મનમાં ધ્રાસકો પડ્યો, અને નજીક જઈને સાગરને કહ્યુ બેટા તમે ચાદર ઉઠાવો મારી હિમ્મત નથી ચાદર ઉઠાવીને જોવાની, સરોજ અને સાગર ઢાંકેલી ચાદર નજીક ગયાં અને સાગરે ચાદર હઠાવી જોઈને સરોજના મોઢામાંથી ચીસ નીકળી ગઈ અરે ભગવાન આ હુ શુ જોઈ રહી છુ !!! સાગરને પણ જતીનના શરીરના હાલ જોઈને ચક્કર આવી ગયા.અને સરોજ બેહોશ થઈને નીચે પડી ગઈ.એવી પરિસ્થિતી આવી ગઈ, પોલિસ પણ વિચાર કરવા કરવા લાગી, હવલદારે સાગરના હાથમાં પાણીની બોટલ આપી એટલે સાગરે મમ્મીના મો ઉપર પાણી છાંટ્યુ અને કહ્યુ મમ્મી,મમ્મી ઉઠો, અને સરોજને ભાન આવ્યુ, જતીનના શરીરને જોઈ પોક મુકી અને જોરમાં રડવા લાગી, સાગરે આસ્વાસન આપીને શાંત કરી, પોલિસે તેમની કાનુની વિધી પતાવી અને જતીનને લઈ જવાની રજા આપી, સાગર, જતીનના મૃત શરીર આગળ જતો હતો, સરોજે સાગરને રોક્યો, અને ચાદર પાથરીને જતીનના શરીરનો એક એક ભાગ વીણીને ચાદરમાં ભેગો કર્યો અને સમેટીને જતીનનુ પાર્થીવ શરીર ગાડીમાં મુક્યુ.આ માના દિલને દિકરાના શરીરના એક એક ટુકડા વીણતાં અને તેને ચાદરમાં લપેટતાં શુ હાલત થઈ હશે, પોતાની ઉપર આસમાન તુટી પડ્યુ છે, હૈયુ ચિરાઈ જાય એવી પરિસ્થિતી ઉભી થઈ છે.પહાડ જેવો માણસ પણ આ જોઈને તુટી પડે, હાલી જાય.એક સ્ત્રી જેને અબલાનુ ઉપનામ મળેલુ છે, તે અબલાને આટલી શક્તિ ક્યાંથી આવી, આતો માનો પ્રેમ છે, નવ મહિના પોતાના ગર્ભમાં જતન કરીને રાખે ,જન્મ આપીને પ્રેમ અને મમતાની વર્ષાનુ સિન્ચન કરીને તેને મોટુ કરે, આજે દિકરાનુ પ્રાણ પંખેરુ ઉડી ગયુ છે, નાશવંત શરીર રહ્યુ છે, તેને પણ માન આપીને દિલમાં અસહ્ય વેદના ભરેલી છે છતાં દિકરા પ્રત્યે મમતા ,સરોજ પ્રેમથી દિકરાના પાર્થિવ શરીરને ગાડીમાં બેસાડે છે.તેના હ્રદયને શુ વીત્યુ હશે એતો ભગવાન જ જાણી શકે.ભગવાને તેને એક પછી એક દુખ આપે છે તો સાથે સાથે સરોજને અજબની શક્તિ અને હિમ્મત આપી છે.મનોબળ આપ્યુ છે. જતીનનુ પાર્થીવ શરીર લઈને ઘરે આવે છે, ઘર આગળ તો બહુજ માણસ ભેગુ થઈ ગયુ હતુ, જતીનનો પાર્થિવ દેહ ઘરમાં જમીન પર મુક્યો, અને નીશા ત્યાં આવી તેને જાણ થઈ એટલે બેભાન થઈ ગઈ, ભાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો ભાનમાં ન આવી એટલે તેને હોસપીટલમાં દાખલ કરી, તેનુ બલ્ડ પ્રેશર એકદમ ઉચુ ગયુ છે જે સામાન્ય સ્થિતીમાં આવતુ નથી ડોક્ટર તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. સરોજ એકદમ સ્તબ્ધ થઈ ગઈ છે, આંખમાંથી આંસુ નથી આવતા, બધાજ ચોધાર આંસુએ રડી રહ્યા છે. સરોજ બધાને સમજાવે છે,મારો જતીન થાકી ગયો છે એટલે સુઈ ગયો છે, હમણાં થોડી વારમાં ઉઠશે. તમે બધા શુ કામ રડો છો ? કામીનીએ વિચાર્યુ મમ્મીને રડાવવાની જરૂર છે, નહીતો તેના મગજનુ સમતોલન ખોઈ બેસસે, કામીની-“ મમ્મી ભાઈ અપણને છોડીને દુર ચાલ્યો ગયો છે”. સરોજ-‘ બેટા મારો દિકરો માને છોડીને ક્યાય ના જાય”. કામીની-“ મમ્મી ભાઈ મરી ગયો છે, હવે તે ક્યારેય પાછો નહી આવે “. સરોજ-“ બેટા આ તુ શુ બોલે ચે? શુભ શુભ બોલ”. સરોજને રડાવવાના બહુ પ્રેયત્ન કર્યો છતાં પણ તેની આંખમાં એક આંસુ નથી. અને આખરે જતીનના પાર્થિવ શરીરને નીચે લઈ જવા માટે ,થોડા ભાઈઓ આવ્યા અને તેને નીચે લઈ જવા જેવો ઉપાડ્યો એટલે સરોજે એકદમ જોરમાં બુમ મારીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, મારા જતીનને હમણાં તો હુ લઈને આવી તમે તેને ક્યાં લઈ જાવ છો? હુ નહી લઈ જવા દઉ.ત્યારે બધાએ કલેજા પર પત્થર મુકીને કહ્યુ જતીનનો સ્વર્ગવાસ થઈ ગયો છે અને તેને અમે અગ્નિ સંસ્કાર માટે લઈ જઈએ છીએ. સરોજ-“રોએ છે અને બોલતી જાય છે દિકરા, મારી શુ ભુલ થઈ તો તુ મારાથી રિસાઈને દુર ચાલ્યો, તારી માને નિરાધાર છોડીને ના જઈશ તારા વિના હુ કેવી રીતે જીવીશ ,તુ એકલો તો મારા જીવનનો સહારો હતો મારે તારી જરૂર છે, તો તુ પણ તારા પિતા અને ભાઈની પાછળ ચાલ્યો, દિકરા તને પિતા અને મોટાભાઈ વ્હાલા લાગ્યા છે તો તારી મા તને નથી વ્હાલી, તને નવ માસ કોખમાં રાખ્યો, તારુ એક એક અંગ મે એક ખીલતી કળીની જેમ મહેસુસ કર્યુ છે, તે તેને પણ ના સાચવ્યુ, તેના ટુકડા ટુકડા કરી નાખ્યા, તે એ પણ ના વિચાર્યુ તારી માના વ્હાલ સોયા દિકરાના ટુકડે ટુકડા જોઈને તારી મા ઉપર શુ વીતશે? ઓ મારા જતીન તુ આટલો નીર્દય ક્યારથી બની ગયો? મમ્મીને જરા થોડી તકલીફ થાય તો વ્યાકુળ થઈ જતો આજે તારી મા ઉપર આસમાન તુટી પડ્યુ છે,અને તુ એકદમ ચુપ છે,કંઈ પણ બોલતો નથી, મારા આંસુ કોણ લુછશે ? શ્રવણની જેમ મારી સેવા કરતો હતો, હવે તારી માની સંભાળ કોણ રાખશે? દિકરા મને છોડીને ના જઈશ મને નિરાધાર કરીને ના જઈશ.તુ નીશાનો તો વિચાર કર, જતાં જતાં નીશાની સંભાળ રાખવાનુ કહીને ગયો નીશાને પણ આમ એકલી મુકીની ચાલ્યો. સરોજનુ આક્રંદ સાંભળીને હાજર રહેલા સૌ કોઈ રડવા લાગ્યા કોઈની હિમ્મત ન ચાલી સરોજને શાંત કરવાની. અને જતીનના પાર્થિવ શરીરને નીચે લઈ ગયા પછી નનામી બાંધતાં ડાઘુઓના આંખમાં પણ આંસુ આવી ગયા અને બોલ્યા હે ભગવાન મનુષ્યને તેના અંતિમ પડાવ ઉપર પહોચાડવુ એ તો પુણ્યનુ કામ છે,પરંતુ હે પ્રભુ મૃત્યુ સમયે શરીરના આવા હાલ કોઈના ના કરશો.ડાઘુઓ નનામી તૈયાર કરી રહ્યા છે સરોજનુ આક્રંદ ચાલુ જ છે, અને રસ્તા ઉપર ખેલ કરીને પેટ ભરવા કસરતો કરીને જીવન જીવતો એવો એક છોકરો અહિયાં આવ્યો અને સરોજની સામે જોઈને તેની આંખમાં પણ આંસુ આવ્યા અને સરોજની નજર તે છોકરા ઉપર પડી, સરોજ તરત જ સમજી ગઈ, હોય ન હોય આ મારો ઠાકોરજી આવ્યો છે, જોવા માગે છે, તેણે આપેલ એક પછી એક દુખ હુ કેટલા સહન કરી શકુ છુ, એક પછી એક બધાને મારી પાસેથી છીનવી લીધા અને અત્યારે મારી હાલત જોવા માટે આવ્યો છે, હે પ્રભુ જો, તે આટલા દુખો આપ્યા પછી પણ તારી સરોજ જીવતી જ બેઠી છે, તુ કહેવાય છે દયાળુ ભગવંત, પરંતુ તને તો દયા ક્યાં છે? તુ પણ જશોદામાતાને આમજ રડતાં મુકીને મથુરા ચાલ્યો ગયો હતો, તને માના દિલની વેદના નહી સમજાય. તુ નીર્દય છે,અને તે છોકરો પણ રડતો રડતો ક્યારે અદ્રશ્ય થઈ ગયો ખબર ના પડી. હોસપીટલમાં હવે નીશાની તબીયત સારી થઈ એટલે તેને ઘરે લઈ આવ્યા, સરોજે નક્કી કર્યુ હુ નીશાની સામે બિલકુલ નહી રડુ, હુ તેની હિમ્મત અને તાકાત બનીશ, ફુલ જેવી છોકરી હજુ તેણે જીવન રાહ પર પગ મુક્યો અને તેનો સંસાર ઉજડી ગયો. હુ તેની ખુશીયા પાછી લાવીશ.નીશા તો સુનમુન બની ગઈ છે, નથી કોઈની સાથે વાત કરતી નથી હસતી. સરોજે નક્કી કર્યુ નીશાને આ હાલતમાંથી બહાર લાવવી પડશે એટલે ઘરમાં હવે ના કોઈ શોકનુ વાતાવરણ,પહેલાંની જેમજ રહેવાનુ. ભલે લોકો અને સમાજ વાત કરે મને મારા બાકી રહેલા સંતાનોની ફીકર કરવાની છે, નહીકે સમાજ અને લોકોની, લોકોનુ તો કામજ હોય જાત જાતની વાતો બનાવવી. હુ મારા કલેજા ઉપર પત્થર મુકી દઈશ. પરંતુ મારા પરિવારને દુખી નહી થવા દઉ.હુ મારા બાકી રહેલ પરિવારની તાકાત બનીશ, કોઈને દુખી નહી થવા દઉ. અમીતા અને તેનો પતિ પણ આવીને સરોજની પડખે ઉભા રહ્યા અને અમીતાએ કહ્યુ મમ્મી તમારે કોઈ પણ કામ હોય તો આ તમારી દિકરી કામ હશે ત્યારે અડધી રાત્રે પણ હાજર થઈ જશે, વિના સંકોચે મને બોલાવજો. સરોજ-“ જાણુ છુ બેટા, તમારા બધાનો સહારો અને પ્રેમ છે એટલે તો હુ મારી જીન્દગી સાથે જઝુમી રહી છુ”. અશુભ વાતાવરણનુ સુતક પુરુ થયુ એટલે આજે સરોજ તેના નિત્યક્ર્મ મુજબ ઠાકોરજીની સેવા કરવા માટે બેઠી અને ઈશ્વરને પ્રાર્થના કરવા લાગી,હે પ્રભુ હુ જાણુ છુ, દરેક મનુષ્યને તેના કર્મ પ્રમાણે તેનુ ફળ મળે છ.હે પ્રભુ હુ નથી જાણતી હુ કયા જન્મોના કર્મ ભોગવી રહી છુ, પરંતુ બાપલીયા હવે ખમ્મા કર,જીવનની કસોટીની એરણ પર તે દુખો રૂપી હથોડા મારીને મને ઘડીને કયા કામ માટે તૈયાર કરી રહ્યો છે એતો પ્રભુ તુ જ જાણે,એક પછી એક અતિશય વ્હાલસોયા મારા જીગરના ટુકડા મારાથી અલગ કર્યા, મમતાના બંધન તોડ્યા, માયાના બંધન તોડ્યા, પરંતુ તુ જ કહે હુ એ લોકોને ક્યારેય ભુલી શકીશ? એક દર્દભરી તડપતી જીન્દગીની રાહ પર મને મુકી દીધી, મારી હરિભરી જીન્દગી એકદમ વેરાન બનાવી દીધી.શુ વિધાતા જ્યારે મારુ વિધાન લખવા બેઠો ત્યારે તેની કલમ બિલકુલ એક વખત પણ ના કાંપી, તેનો હાથ એક વખત પણ ના કાંપ્યો.હે ઈશ્વર તુ મારી કસોટી કરે છે તો હુ પણ હિમ્મત હારવાની નથી, જીન્દગીની રાહ ઉપર મને એકલી મુકી દીધી પરંતુ હુ આગળની મંઝિલ શોધી લઈશ, અને મારા જેવા દુખિયાની દીવા દાંડી સમાન બનીને બતાવીશ. હુ જીવનના આ સંગ્રામમાં હાર નહી માનુ, નૈતિક હિમ્મત અને તાકાતરૂપી હથિયાર પાછુ નહી ફેકુ, ભલે મારૂ સર્વસ્વ તે છીનવી લીધુ પરંતુ હુ કંઈક કરીને બતાવીશ

વીરાંગના સરોજ શ્રોફ (૧૨)-વિજય શાહ

 

મેરા જીવન કોરા કાગજ .. કોરા હી રહી ગયા

જો લીખાથા.. આંસુઓ કે સંગ બહે ગયા..

ટીવી ઉપર ફીલ્મ “કોરા કાગજ” નું ગીત. સરોજ સાંભળતી હતી..અને તેના મનમાં ડુમો ઉભરાયો..પ્રભુ! સૌ તારી જ મરજી છે..બે દીકરાઓ અને નવીનથી ભરેલું આખુ આયખુ ભર્યુ ભર્યુ હતું અને આ વિધાતા એ શું કર્યુ… ફરી કોરી કટ પાટી… મારે તેમના વિના શા માટે જીવવાનું? ચલચિત્ર ની જેમ આખી ૩૦ વર્ષની યાત્રા તેના મનમાંથી પસાર થઇ રહી હતી.આણંદ કોલેજ્માં ગણીત શીખવતા નવીન સાથે પ્રણય એકરાર! ફોઇ અને લીલા બાનો સ્વિકાર…મુંબઇ ગમન…અમર પછી જતીન… પછી કાનન… એક રુમ રસોડાની ચાલ માં થી બે રુમનું એપાર્ટ્મેંટ ત્યાંથી મોટું એપાર્ટમેંટ  અમરનું લગ્ન..જતીન નું લગ્ન અને કાનનનું લગ્ન આ ત્રીસ વર્ષમાં આંસુ કે દુઃખ જેવું ક્યાં કંઇ જોયુ હતુ?

નવીન જીવન ને ખુશીથી ભરતો હતો..પણ હવે તે નથી..તેની યાદો છે. પણ યાદોથી ઓછુ જીવાય છે? નિવૃત્ત થવાની ઉંમરે બંને સહારા અને પતિ ફક્ત એક વરસમાં જતા રહ્યા.. નાના બે સંતાનો અને એક વિધવા પૌત્રવધુ સાથે ફરી જીંદગીનો સંઘર્ષ અને આ લાંબુ જીવન? વળી સમાજ હવે મને બીચારી તરીકે જુએ છે…

થોડીક ઉદાસીની ક્ષણો આંસુ સાથે વહી ગઇ…

નવીનનો આભાસ એને દેખાયો..તેના રુદન થી વ્યથીત તે સરોજ્ની સામે જોતો હતો..તેની પાછળ જતીન અને અમરનાં પણ આભાસ દેખાયા…” બા! અમારે તો ક્યાં મરવું જ હતું?..પણ આયુષ્ય કર્મ ઓછુ લખાવીને આવ્યા હતા તેથી તો અકસ્માત યમ બનીને ભરખી ગયા…હવે તું રડીશ તો તારી અમિ અને નીશાનું શું થશે? કાનનનું શું થશે?”

નવીન બોલ્યો..સરોજ તું જ કહેતી હતીને કે ગમે તે થાય આપણા વંશજો ને સાચવવાની જવાબદારી સહિયારી છે. હવે તો તારે જ ઝઝુમવાનું છે..કડડભુસ થયેલી આ વાડી ને પાછી ઉભી કરવી એ આ ઉંમરે યુધ્ધ લઢવાથી કમ નથી.. અને તે પણ બે બાળકો સાથે…

“હા. નવિન તમારી વાત સાચી છે. મારા સંતાનો અને આપણી વાડી..”

એકાંતે ઝુઝતી સરોજ રસોડામાં જઇને પાણીનો ગ્લાસ પી ને પાછી આવી..નવિન સાથે હસતા જતીન અને અમરનાં કુટૂબ ફોટાને તે તાંકી રહી.. હવે ઝઝુમવાનું જ છે…અને ભગવાન ની જે મરજી હશે તે સ્વિકારીને જ ચાલવાનું છે ત્યારે રડતા રડતા જીવવાને બદલે હસતા હસતા કેમ ન જીવીયે?

મને થોડી જ વારમાં ઉથલો માર્યો..અરેરે આ ઉંમરે તો પ્રભુને ભજવાનો સમય છે ચારધામ યાત્રા કરવાની ઘડી છે અને હું ક્યાં આ ચક્કરમાં પડી? નીશાને પાંચમો મહીનો જાય છે. જુવાન જોધ મોત અને હાથમાં આવેલો તૈયાર રોટલો કાળે છીનવી લીધો…

એક પ્રકારનું માનસીક વિચાર વલોણૂં તેને ઘેરી રહ્યું..નવીન નો મિત્ર મહેશ ખબર કાઢતો રહેતો..અને પ્રયત્ન કરતો કે સરોજ એકલી પડીને હતાશાની ગર્તામાં ના જતી રહે.તેનો ફોન આવ્યો ત્યારે રડેલી અને મનમાં ને મનમાં સવાલ જવાબ કરતી સરોજને મહેશે પુછ્યુ

“ ભાભી કેમ છો?”

“ હવે નવિન વિના જીવવાનું એટલે અઘરું તો ખરું જને.” જરા ભારે અવાજ અને વાક્ય પતતા એક ડુંસકું ભરાઇ ગયુ…

મહેશે ફોન ઉપર જ કહ્યું “ભાભી તમારી તબિયત સારી નથી લાગતી નીશાને લઇને અઠવાડીયુ મલબાર હીલ આવો..જગ્યા બદલાશે અને થોડીક નવિન ની વાતો કરીશું તેથી મન હળવું થશે. હું ગાડી મોકલાવું?”

“ ના ના આતો ટીવી ઉપર ફીલ્મ “કોરા કાગજ” નું ગીત સાંભળતી હતીને અચાનક તમારા ભાઇ યાદ આવી ગયા… અને મલબાર હીલ તો જયની બાલવાડી ચાલે એટલે ના નીકળાય..ખૈર. આભાર…”

મહેશ કહે “ જુઓ હું પણ સમદુઃખીયો છું..પણ સમય થયો ઍટલે હવે ઘડાઇ ગયો તેથી આ એકલવાસ સહેવાની થોડીક ટીપ્સ  આપી શકું બીજુ તો શું?”

“ હા.. અભાર તમારો..પણ તમારા કરતા મારી દશા થોડીક જુદી છે…અમરનો જય અને નીશાનું આવનારું સંતાન મોટું થાય ત્યાં સુધી નવિન વિના જીવવું એ મોટી સજા છે. પોતાના માણસ સાથે જીવવુ અને માણસ વીના જીવવું ઘણું અઘરું છે”..ભીના અવાજે સરોજ બોલી

“ ભાભી એક વાત કહું?”

“ હા”

“ તમે એમ કેમ માનો છો કે નવિન તમારી સાથે નથી? તે તમારા હ્રદયમાં છે અને તે તમારી સાથે આજીવન રહેવાનો છે.”

“ હા ભાઇ તમારી વાત સાચી છે.”

“ શોભાને બહુજ વિચિત્ર રીતે કેન્સર રોગમાં એ ઉપરવાળાએ લઇ લીધી પણ હું માનતો જ નથી..કે તે નથી. હું તો તે  અમેરિકામાં જ છે એવું માનીને રહું છું”

“ મહેશભાઇ તેમ કરીને તમે ભ્રમમાં રહેવાનું મને શીખવાડો છો?”

“ના ભાભી એમ કહીને હું આ તમારો નાજુક સંવેદન ભર્યા તબ્ક્કાને ઉજળો કરવા મથુ છુ.. વહેવારની વાત કરીયે તો તમારા રુદન થી જનારો પાછો તો આવવાનો નથી. એ નથી તે વાત સ્વિકારાઇ જાય તો જિંદગી સહજ બને. હા એ સ્વિકાર બહુ જ અઘરી બા્બત છે..તેમના સારા માઠા સ્મરણો મનને દુઃખી કરી શકે.. એક વાત માનજો કે મન આપણું ગુલામ છે.. પણ તેને હંમેશા બોસ બનવુ ગમે છે.. અને જો તમે ભાવનામાં અને લાગણીઓમાં દબાઇને મનને માથે ચઢવા દીધુંને તો તે તમને ગાંડાની હોસ્પીટલ સુધી લઇ જતા નહી ખચકાય આ મારો જાત અનુભવ બોલું છું.”

“મહેશભાઇ આપની વાત સાચી છે…હમણા તંદ્રામાં નવિન ને જ જોતી હતી અને તે મને આ જ કહેતો હતો..આપણા વંશજો ને સાચવજે…અને જો અમારો આ સંસાર સાચવવો હોય તો મારે નવિન ને મારા મનમાં જીવાડેલો રાખવો પડશે જ”

“ હા જ્યારે એકાંત નડે ત્યારે વિચારી લેવું કે નવિનને  બેંકે અમેરિકા મોકલ્યો છે.”

“ ના રે ના.. હું એવા ભ્રમને પાળવા જ નથી માંગતી..હવે નવિન નથી અને મારે જ વંશજોને સાચવવાનાં છે“

“ ગ્રેટ ભાભી.. તમે તો મક્કમ મનનાં ધણી છો..બહુ સરસ.. હવે ક્યારેય એકલા એકલા રડશો ના…”

ફોન કપાયો ત્યારે સરોજ…” મેરી ઝાંસી નહીં દુંગી”..વાળી વીરાંગના નું સ્વરુપ ધારણ કરી ચુકી હતી જિંદગી સંઘર્ષ છે તો છે. હું પોચકા મુકતી મા નથી.. પણ વંશજોને માટે ઝઝુમતી મા છું

પશ્ચાદભુમાં નવિન સંતુષ્ટ હતો..અમર અને જતીન પણ હવે નિશ્ચીંત હતા…રુમનાં બારણે ઓગળતા તે ધુમ્ર ઓળાઓને સરોજે પ્રણામ કર્યા…અત્યાર સુધી જીંદગીનાં યુધ્ધમાં સતત વિજેતા બનેલી સરોજે એક વધુ સંઘર્ષ માટે કમર કસી અને ચિત્કાર કર્યો..મેરી ઝાંસી નહીં દુંગી….

પુરા સમયે નીશાએ પણ પુત્ર જણ્યો..બરોબર જતીનની જ પ્રતિકૃતિ..બે માનાં વહાલ અને દુલાર અને મોટાભાઇ જેવા જયની સાથે તે મોટો થઇ રહ્યો હતો..કાનન ફોઇએ તેનાં નામ સંસ્કરણ વખતે ગોઠીમડા ખવડાવતા રાજ નામ પાડ્યુ..આ્મતો તે નક્કી જ હતું પણ તે બહાને ફોઇબા ને દાપુ આપ્યુ ૫૦૧ રુપીયા અને ચાંદીનો ૨૫ ગ્રામનો લાલજીનો સિક્કો.

નવેક મહીના વીતી ગયા પછી સરોજે કાનન ની હાજરીમાં નીશાને પુછ્યુ…બેટા અમીતાની જેમ જ તુ પણ મારી દીકરી છે..અને નવી જીંદગી પામવાનો તારો પણ હક્ક અબાધીત છે. તુ કહે તો તારા માટે યોગ્ય પાત્ર હું શોધું?

“ મમ્મી એ શું બોલ્યા? જતીન પછી હું અહીં છોકરી બની ને નહીં પણ છોકરો બની ને ઘર સાચવવાની છું..આ બંને જય અને રાજ એ આપણી સહિયારી જવાબદારી છે. તમારું માર્ગદર્શન અને મારો ઉછેર ભેગા થશે ત્યારે જય અને રાજ તમારા અમર અને જતીન જ બનશે”

“ બેટા વહેવારીક વાત એ છે કે યુવાની તો જતી રહેશે પણ ઘડપણ માં એકલુ લાગશે ત્યારે?”

“ત્યારે આ બે ભુલકાઓ છે જ ને?..જેમ અમે તમારી ખબર રાખીશું તેમ તેઓ મારી ખબર રાખશે..”

સરોજની આંખ નીશાને જોઇ રહી..જાણે નીશાની જગ્યાએ જતીન ના બોલતો હોય…

બહુ સમજાવી છતા નીશા એકની બે ના થઈ… “બા જતીન મારે મન તો આજે પણ જીવીત છે..અને તેનું બધું જ કામ હું પુરી કરવાની છું તેથી પ્લીઝ પ્લીઝ આ વાત ફરી ના કરશો.. જતીન ની પેઢી મારે જાળવવાની છે હું ઘરનો કમાઉ દીકરો થવાની છું. અને મારે એક ભવમાં બે ભવ નથી કરવા..

“ ભલે પણ બેટા ક્યારેય વિચાર બદલાય તો અને કહેજે”

નીશાની આંખમાં આંસુનું ટોળુ ઉમટ્યુ…

લગભગ ચીસ પાડતી હોય તેમ કાનનબેન પાસે તે બોલી.. “કાનન બેન મમ્મી ને કહોને આ બંધ કરે… મારે રાજને ઓરમાન બાપ નથી આપવો…”

સરોજે તેને બાથમાં લીધી અને કહ્યું “બેટા હું સાસુ નથી.. મા ની જેમ મને તારી ચિંતા થાય છે તેથી કહું છું…”

“ બસ બા તો હવે હું દીકરી નથી દીકરો છું.. અને મારો જતીન હજી મારા હૈયામાં છે…તમને ખબર છે ને સ્નેહલગ્નની વિધવામાટે પુનઃલગ્ન સમુ કોઇ પાપ નથી…મારે મન જતીન એવો છે જેવો તમારે મન પપ્પાજી..”

“ બસ દીકરા ચાલ તારી વાત મેં માની લીધી હવે તને હું ક્યારેય નહીં કહું કે તું બીજા પાત્ર માટે તૈયાર થા…”

સરોજ કાનન અને નીશા ત્રણેયની આંખો ગળતી હતી ભવિષ્યનાં ઉજળા દિવસોની અપેક્ષા સાથે..

વિરાંગના સરોજ શ્રોફ (૧૩) –ડો ઇંદિરાબેન શાહ

જતીનના અકાળ અવસાન, જતીનની પત્નિ નીશાના માતૃત્વને સંભાળવાનું ૯ મહિનાના રાજ અને ૫વર્ષનો નાનો જય.વિધાતા આટલી બધી કૄર હોય શકે!!! ૧ વર્ષ્ંમાં સરોજે બે જુવાન દીકરા અને પતિને વળાવ્યા.કાનનના લગ્ન થયાપછી પતિ પત્નિએ ચારધામ યાત્રા પર જવાના મનોરથ કરેલ, થોડા દિવસ પ્રભુએ સુખની ઝાંખી કરાવી , નવિન અને સરોજ સવારની ચા પીતા વાતો કરતા સરોજઃ’હવે તમે રીટાયર્ડ થાવ કે તુરત આપણે જાત્રા કરવા જવાનું છે,તમે રાજા ટુર તેમજ સીતારામ ટુર પાસેથી ભાવ તથા યાત્રાની વિગત અત્યારથી મંગાવી લેજો જેથી આપણે આગળથી તૈયારી કરી શકીયે નવીનઃ’હા હા મને બધુ ધ્યાનમાં જ છે’,”

આજે મને નીશાએ યાદ કરાવ્યું મમ્મી હવે તો રાજ અને જયને હું સંભાળી શકીસ તમે હવે યાત્રાએ જવાની તૈયારી કરો,અને હવે નીશાને રસોઇમાં મદદ કરવા ગામથી મારા માસીની દિકરી ગોમતીને પણ બોલાવી લીધી છે, એ આ રવિવારે આવી જશે ‘,”અરે વાહ એ તો ઘણુ સરસ, દિલ્હી આગ્રા ગોકુળ મથુરા બધે નિરાંતે ફરી શકાશે ઘરનું માણસ પછી શું ચિંતા.

“હા હા હવે તમે જલ્દી તૈયાર થાવ નહીંતો ઓફિસ જવાનું મોડુ થશે”

“હા હા મેમસાબ તમારી આજ્ઞાની જ સેવક રાહ જોઇ રહેલ.’

ખેર આ બધી વાતો હવે સરોજને મન સોહામણા સપનાનો ભૂતકાળ બની ગઇ. આટ આટલા દુઃખના પહાડ ભલભલા પાષાણ હૈયાને પણ પીગળાવી દે, જ્યારે આ તો એક અબળા કહેવાતી નારી,કે પછી કળીયુગની કુંતી!?, દ્વાપરયુગની કુંતીને જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને વરદાન માંગવા કહ્યુ ત્યારે તેણે દુઃખ જ માંગ્યું, ભગવાનને પણ આશ્ચર્ય થયું ,”આટઆટલુ દુઃખ છતા દુઃખ માંગો છો!? કુંતીનો જવાબ “હા જેથી તારુ સ્મરણ મારા મનમાં નિરંતર રહે’.કદાચ સરોજે પણ ભગવાન પાસે આવી માંગણી તો નહી કરી હોયને !??

જે હોયતે સરોજે છાતી પર પથ્થર મુકી, આ બધુ સ્વીકારી લીધુ.વિરાંગના સરોજે પૂજા કરતા શ્રી કૃષ્ણને ચેલેન્જ આપી” ભલે તે મારુ આવ્યુ સુખ છીનવી લીધુ હું મારા વંશની રક્ષા વિધાતાનાં વિધાન સામે ઝઝુમીને મારા છેલ્લા શ્વાસ સુધી જરૂર કરીશ ખબરદાર જો મારા પહેલા મારા ભુલકાઓને લીધા છે”. વિધાતા આ સાંભળી પીગળી ગયા છબી પર મુકેલ ઓસ ભરેલ મોગરાના ફૂલની માળા સરોજના ખોળામાં પડી ,માળા હાથમાં દડ દડ આંસુએ ભીંજાય રહી.

સરોજ બહાર આવી ‘નવીન જુવો આજ મારી વિધાતાએ કાનાજી બનીને મારી વાત સાંભળી આજે જશોદા માની રીત અજમાવી,અને  કેવો માની ગયો”.

નીશા ગભરાઇ બહાર આવી મમ્મી શું થયુ? કોની સાથે વાત કરો છો?

‘કશુ નહીં બેટા તું ગભરાઇશ નહીં એ તો મારી મારા કાના સાથેની વાત તારા પપ્પાને કહી દીધી “તને તો ખબર છે ને તારા પપ્પાને હું બધુ કહી દઉ,

.આજે ઘણા દિવસે પ્રફ્ફૂલિત મને કામે લાગી. સરોજને દિકરી કાનન અને જમાઇ સાગરનો પણ પૂરતો સાથ અને સહકાર મળ્યા.નીશાએ પણ બન્ને બાળકો જય અને રાજ ના ઉછેરમાં મમ્મીને સાથ આપવાનો નિર્ણય કર્યો.જતીનનો પોતાનો ધંધો હતો એટલે સારી એવી બચત હતી અને નવીનની ૩૦ વર્ષની બેન્કની સર્વિસ એટલે પેનસન પણ ૨થી ૩ હજાર આવે ઍટ્લે સરોજને ઘર ખર્ચની જરા પણ ચિંતા નથી, પણ સરોજ આપસુજ વાળી વિચારે છે, બેઠા બેઠા ખાઇએ તો કુબેરના ભંડાર પણ ખાલી થઇ જાય, એટલે એણે નાના પાયા પર ખાખરા બનાવી વેચવાનો ગૃહ ઉદ્ધયોગ શરુ કર્યો બે મહારાષ્ટ્રિયન બાઇઓ રાખી,ગોમતીબેનતો હતા જ .કાનન સાગર અને નીશા એ પણ સંમતિ આપી .નીશા પાર્લાની વિખ્યાત ચૌહાણ કોમર્સ કોલેજની ફર્સ્ટ ક્લાસ વિદ્યાર્થીની. અને આંકડા શાસ્ત્ર વિષય સાથે બી. કોમ.

એક દિવસ સવારની ચા પીતા પીતા સરોજે નીશાને સમજાવી” બેટા તું ભલે લગ્ન ના કરે, મારી ઇચ્છા છે ભણવાનું શરુ કર, તું C A કે M B A થા “પણ મમ્મી તમને પછી જય રાજનું ધ્યાન રાખવાનું ઘરના નોકરો પર ધ્યાન રાખવાનું, બજારની ખરીદી કરવાની આ બધુ તમે એકલા હાથે કેવી રીતે કરી સકશો”.’તું ચિંતા ન કર ગોમતી માસી હવે અહીં જરહેશે તેને અહીં ફાવી ગયું છે “પણ મમ્મી મનુભાઇ તેમને અહીં રહેવા દેશે”,મે મનુ સાથે વાત કરી પુછી લીધુ તેને કશો વાંધો નથી.”ગોમતીને તો ભાવતુ ‘તુ ને વૈદએ કહ્યું તેને મનુની વહુ સાથે જરાય બનતુ નથી.એક દિવસ બપોરની ચા પીતા દિલ ખોલી સરોજને વાત કરેલ “સરોજબેન તું મને અહીં રહેવા દે મારે પાછા ગામ નથી જવુ તું કેટલી નસીબદાર છે તારી વહુ તારો પડતો બોલ ઝીલે છે,અને મારી પાસેથી પણ પ્રેમથી બાજરીના રોટલા રીંગણાનો ઓળો વગેરે બનાવતા શીખી લીધુ ,અને હવે કેટલો આગ્રહ કરી આપણને બેઉને હારો હાર ગરમ રોટલી રોટલા જમાડે છે.” તે દિવસે જ સરોજે નક્કી કરી દીધેલ મારે મારી બેનને દુઃખી નથી કરવી.બન્ને માસીયાઇ બહેનો સાથે મોટી થયેલ,એટલે સગી બે બહેનો જેટલો જ પ્રેમ.

બીજે દિવસે નીશા પોતાના સર્ટીફીકેટ્સ અને  માર્કસીટ્સ વગેરે લઈ મુંબઇની વિખ્યાત ચાર્ટર એકાઉટંટ સી સી ચોક્સીની ઓફિસે પહોંચી ગઇ,ચોકસી સાહેબે તુરત તેને આર્ટિકલ માટે હાયર કરી નીશાએ પણ ઉત્સાહથી કામ શરુ કરી દીધુ, ૧ વર્ષમાં આર્ટિકલ પૂરા કરી પાર્ટ ૧ પરિક્ષા પાસ કરી ૬ મહિનામાં પાર્ટ ૨ પાસ કરી.ઘરમાં જ ઓફિસ શરુ કરી દીધી .

ઓફિસમા કામ વધવા લાગ્યું એકાંઉટ એટલે નીશાનો ફેવરેટ વિષય બધાનું ખંતથી કામ કરે ,મહેશભાઇ ફેમીલી ફ્રેન્ડ જેવી ખબર પડી નીશાએ ઓફિસ ખોલી છે,પોતાના નાના વેપારીઓના એકાંઉટ નીશાને સોંપવા લાગ્યા.નીશાને ઘરની કોઇ ચિંતા નથી. જય સન ફ્લાવર મોન્ટેસરી સ્કુલમાંથી ૧સ્ટ ગ્રેડથી કોનવેન્ટ સ્કુલમાં જાય છે સાંજે કાનન ભત્રીજાને હોમ વર્ક કરાવે છે . ગોમતીબેન અને મમ્મી રાજને સંભાળે છે,હવે તો બોલતો ચાલતો થઇ ગયો છે. સરોજના આનંદનો પાર નથી. ટી વી પર અભી તો મે જવાન હું પ્રોગ્રામમાં તેની પ્રિય ફિલ્મનું ગીત ગવાય રહ્યૂં છે

“બરસાતમે હમસે મિલે તુમ સજન તુમસે મિલે હમ બરસાત મે”

તક ધીનાધીન ધીનાધીન તક ધીના ધીન ” બહાર ઝરમર વરસાદ વર્ષી ર્હ્યો છે.

સરોજને એકદમ નવીનની યાદ આવી ગઇ બન્ને જણ પહેલા વરસાદમાં આણંદમાં દૂર ફરવા જતા અને મસ્તીમાં ગીત ગાતા ભીંજાતા.

ગેલેરીમાં આવી વરસાદના છાં ટા જીલવા ખોબો ધરી ગીત ગણગણવા લાગી, નીશા ગેલેરીમાં રાજના કપડા લેવા આવી, છાંટા બંધ થઇ ગયા છે.

” મમ્મી કેમ ખોબો ધરી રડો છો ‘સરોજઃ આંસુ લુછતા બોલી “બેટા આતો હરખના આસુ છે હવે તો મારે ખોબો ભરીને અરે ભૂલી કૂવો ભરીને હસવુ છે”

” ચાલો મા આજથી આપણે કાયમ હસતા જ રહીએ”

‘જરૂર બેટા મને મારા કાનાએ વચન આપ્યુ છે .કોઇ દિવસ મને રડાવશે નહીં”

બન્ને હસતા હસતા અંદર ગયા.

 

વિરાંગના સરોજ શ્રોફ” -૧૪

દિવસે દિવસે સરોજનો ખાખરા બનાવવાનો ગૃહ ઉદ્યોગ વિકસતો જાય છે,સરોજની સુહાસ આખી

સોસાયટીમાં ખુબ જ સારી એટલે બધાની સહાનુભુતિ સહકાર હંમેશા સરોજને સાથ આપતા.સાદા ખાખરા સાથે મસાલા ખાખરા,જીરા ખાખરા મેથી ખાખરા વગેરેના ઓર્ડર આવતા,સરોજ કોઇને ના ન કહે.સવારના .૫ વાગે સરોજ ઉઠે જુદા જુદા ખાખરાના લોટ બાંધી તૈયાર રાખે.૮વાગતા સકુબાઇ અને લક્ષ્મીબાઇ આવે એક જણ મસીનમાં લુવા દબાવી વણે એક જણ સેકવા લાગે સાંજના ૪ સુધીમા ઓર્ડરના પેકેટ તૈયાર થઇ જાય.આજે ૬ વાગ્યા.સરોજે બન્ને બેહનોને ઓવર ટાઇમના પૈસા આપ્યા સવારના ૮ થી ૪ પછી રોકાય તેના પૈસા તે જ દિવસે ચુકવી દેવાના .આવી સમજણ સરોજે બન્ને બહેનો સાથે કરેલ,જેથી તેઓનો ઉત્સાહ જળવાય રહે. પેકેટ તૈયાર હોય તો સવારના સરોજ ગ્રાહકો આવે તેમ ખાખરા આપી શકે કોઇને સવારની ધમાલમાં રાહ ના જોવી પડે.સરોજની કુશળતા કુનેહ અને મીઠાસથી ધંધો દિન પ્રતિદિન વિકસવા લાગ્યો.        આજે સવાર પડતા જ બાજુના ફ્લેટમાં રહેતા શાંતાબેન આવ્યા,શાંતાબેન જૈન એમને ત્યાં તો રોજ રોટલી સેકાય ખાખરા બની જાય.સરોજને આશ્ચર્ય થયું “સરોજઃ”આવો આવો શાંતાબેન આજે સવારના પહોરમાં ભૂલા પડ્યા?!!

“ સરોજ ભૂલી નથી પડી ખાસ આવી છુ, તને મોટો ઓર્ડર આપવાનો છે”

‘મને!!શાનો મોટો ઓર્ડર” “ખાખરાનો’”,”તો લઈ જજોને અમને ક્યાં વાંધોછે”

“ઓળીના સ્પેશીયલ ઘી તેલ વગરના બનાવવા પડશે’’

‘ ભલે તમે કહેશો તેવા બનાવી આપીસ”

“ બે દિવસમાં ચૈત્રી ઓળી શરુ થાય છે આ વખતે આખી ઓળીના આયંબેલ ઉપાશ્રયમાં મારા તરફથી કરાવવાની ઇચ્છા છે, સરોજ તારા સહકારથી હું કરી સકીશ “

“જરૂર મારો ૧૦૦% સહકાર છે “

“હાસ મને આજ શાતિ થઇ”,ત્રણ દિવસથી મુંજવણ હતી ,આઠ દિવસ સુધી રોજ તાજા ખાખરા કોણ બનાવી આપશે?આજે સરોજ તારા જવાબથી ખુશ થઇ.હવે હું આજે જ મહારાજ સાહેબને વાત કરી દઉ છું’.આવજે સરોજ હું જાઉ હમણા તારા કસ્ટમર ડીલીવરી લેવા આવશે.”

“અરે એમ ચા પીધા વગર ના જવાય ચા તૈયાર છે, ચા ખાખરાનો નાસ્તો આપણે બેઉ સાથે કરીએ “

“સારુ તારો આગ્રહ છે તો અડધો કપ ચા અને એક મેથીનો ખખરો આપી દે.”

બન્ને બેનપણીએ ચા નાસ્તો કર્યા,શાંતાબેન ઘેર ગયા.

સરોજ એકલી પડી સ્વગત વાર્તાલાપ શરુ થઇ ગયો ‘અલી તે હાતો પાડી દીધી પણ કોઇ દિવસ ઘી તેલ વગરના ખાખરા કર્યા નથી,એ તો શીખી લેવાશે ગુગલ ગુરુ બેઠા છે બધુ શીખવાડી દે વળી બુધ્ધિએ પડકારી પણ રોજ આટલા વધારાના કામને પહોંચી શકીસ?

સરોજનુ મનોબળ બધા પડ્કાર જીલવા તૈયાર પરંતુ આજે જરાક ડગમગ્યું,આવુ અનુભવે કે તુરત સરોજ નવીનના ફોટા સમક્ષ ઊભી નવીનના હસતા ચહેરા તરફ મીટ માંડી નવીન તારી સરોજ આ કામ પુરુ પાડી શકસે, નવીનના જાણે હોઠ ફફડ્યા “કેમ નહીં?!!મારી સરોજ માટે કોઇ કામ મુશ્કેલ નથી, ગામડેથી મુંબઇ માસીને તૈયા તુરત મુંબઇની રહેણી કેહણી અપનાવી ઍક રુમની ચાલ અમરનો જન્મ ચાલીના નાના બાળકો માટે રમાડવા ભણવવાનુ નાનુ બાળ મંદિર, ત્યારબાદ જતિન કનકનો જન્મ કાંદિવલીનો સુંદર મોટો ફ્લેટ આ બધા સામે ખાખરા બનાવવા એતો રમત વાત છે”. આમ ઢીલી થશે તો જુહુબીચ પર બેઠા જે નાના અમરને પ્રોમીસ આપેલ તે કેમ પુરુ કરીશ!!

એક દિવસ અમર સાથે બન્ને બીચ પર બેઠા હતા અમર રેતીનુ ઘર બનાવતો હતો ,બનાવી બોલ્યો “મમ્મી પપ્પા જુવો મેં કેવુ સરસ ઘર બનાવ્યુ !! સરોજે અમરને ખોળામાં લીધો “હા બેટા તે સરસ ઘર બનાવ્યું”, પપ્પા આ તો ખોટુ છે તમે સાચુ મોટુ ઘર લઇ લો ને મને રોજ બિચ પર રમવા અવાય કેટલી મજા આવે તમારી બેંક પાસે તો કેટલા બધા પૈસા હોય”,નવીનઃ હા બેટા જરૂર મોટુ ઘર બંધાવી્શુ,ચાલો ટોયસ ભેગા કરો ઘેર જવાનો સમય થઇ ગયો સરોજે અમરના કપડા ખંખેર્યા સુઝ પહેરાવ્યા.ઘેર આવ્યા.

“ જરૂર મારા અંતકરણમાં તમે છો તો બધુ છે,અમરનું પ્રોમિશ જરૂર પુરૂ કરીશ. સરોજનો આત્મ વિશ્વાસ દૄઢ થયો.નવીન હવે આ ફ્લેટ ખૂબ નાનો પડે છે નીશાની ઓ્ફિસ મોટી કરવાની જરૂર છે, જુહુ સ્કીમમાં તમે નોંધાવેલ પ્લોટ હવે તેના ડ્રો શરુ થયા છે જરૂર મારો કાનો આપણને પણ એક અપાવશે.

ડીંગ ડોંગ ડીંગ ડોંગ………………………શંકરે બારણુ ખોલ્યું,સકુબાઇ લક્ષ્મીબાઇઃ”આજ શંકર તુ જયબાબાલા છોડુન લવકર આલા! સરોજબેન કુઠે ગેલી”

“સરોજબેન ઘરમદી જ આહે તુમી કામ શરુ કરા “

આમી કસા કરત લોટ બાય તૈયાર કરુન દેત”.

“તો બસા વાટ બગુન મી જાતો માઝા કામ ખોટી હોત”,શંકર તો હોલમાં ફર્નીચર ઝાપટવા લાગ્યો.

સરોજ તંદ્રામાંથી જાગી” અરે શંકર તુ જયને મુકી આવી ગયો , સકુબાઇ લક્ષ્મીબાઇ પણ આવવી જ જોઇએ

“બા એ આવી ગઇ છે, તમારી રાહ જોતી પેસેજમાં બેઠી છે.”સરોજે તુરત બન્નેને બોલાવી ત્રણે રસોડામાં ગયા ગણેષજી પાસે દીવો પ્રગટાવ્યો.હાથ જોડ્યા પ્રાર્થના કરી

वक्र तुंड महाकाय सूर्य कोटी सम प्रभ।

निर्विघ्ने कुरु मे देव सर्व कार्येशु सर्वदा॥

આ સરોજને નિયમ હતો પ્રાર્થના કરીને જ કામ શરુ કરવાનું.

સરોજે લોટ તૈયાર કરેલ બતાવ્યા ત્રણે કામે લાગી ગયા કામ કરતા કરતા સરોજે ઘી તેલ વગરના જૈન ઓળીના ખાખરા બનાવવા વિષે વાત કરી. પુછ્યું તમને બનાવતા ફાવશે?સકુબાઇ બોલી”સરોજબેન ચિંતા નહીં કરો મને આવડે છે મેં પુનાના ઉપાશ્રયમાં આવા ખાખરા બનાવ્યા છે “

‘અરે વાહ સકુબાઇ હું તો હમણા લંચ કરવા નીશાભાભી આવે તેની મદદથી ગુગલ ગુરુ પર જઇ રેસીપી શોધવા વિચારતી હતી તું મારી ગુગલ ગુરુ હવે મારે કોઇ ફિકર નહીં.અને ત્રણે જણા હસતા કામે વળગ્યા.

સરોજે અને તેની ટીમે ઓળીનુ કામ સરસ રીતે સમયસર પુરુ પાડ્યું.આથી સરોજની સુવાસ જૈન સમાજમાં પ્રચલિત થઇ બધા શાંતાબેન સાથે સરોજના ખાખરાના પણ વખાણ કરતા થઇ ગયા.અને આથી ઓર્ડરનુ કામ પણ વધવા લાગ્યું.

જય પણ ત્રીજામાં આવ્યો તેનુ હોમ વર્ક વધવા લાગ્યું, સાથે સાથે એટલી ઇતર પ્રવૃત્તિ વાર્ષિક ઉત્સવ રમત ગમત વગેરે વગેરે.રાજ પણ ત્રણ વર્ષનો થયો એ પણ નર્સરીમાંથી મોન્ટેસરી સ્કુલમાં જવા લાગ્યો.

બન્ને ભાઇઓ રુમ સેર કરતા,હવે રાજના તોફાન વધવા લાગ્યા,રાજ ઘણો સમજુ ડાહ્યો નાનપણથી પોતાની સાથે રાજને જમાડે સુવડાવે.કોઇક્વાર જમતી વખતે દાદી અને મમ્મી પાસે જીદ કરે મને રોટલી શાક નથી ખાવ મને પીઝા કરી આપ.’જો જયભાઇ ખાય છે, તને પણ ભાવશે’

“મને રોજ રોજ રોટલી દાળભાત શાક નથી ભાવતા”.જા મારે નથી ખાવુ’અને થાળી હડસેલી ,રડવા લાગ્યો,

નીશા – “રડવાથી,તું માને છે તને પીઝા મળશે?’

રાજનો રડવાનો અવાજ વધ્યો જય સામે જોઇને રડવા લાગ્યો, દાદી તો હજુ કામમાં હતા માસીબા શ્રાવણ મહિનો એકવાર જમતા.એટલે ભાઇને સહાય સાથ જયભાઇનો જ લેવો રહ્યો.બાળ ચતુરાય તુરત સમજી જાય ક્યારે કોની સહાય લેવી.

જય સમજી ગયો નાનાભાઇને સમજાવી દાળ ભાત રોટલી શાક ખવડાવવા પડશે,

ઉઠ્યો રાજની બાજુની ચેર પર બેઠો ,નર્સરી રાયમ શરુ કર્યુ,

‘બ્રધર માય લીટલ બ્રધર,

યમી યમી યમી

મટર પનીર વેરી યમી”

અને રાજે સુર પુરાવ્યો

પિનટ બટર યમી યમી ટૂ

જેવુ મોં ખુલ્યું કે જયે રોટલી શાક મોંમા મુકી દીધા, રાજભાઇનુ રડવાનુ બંધ જમવાનુ શરુ.

જયએ પોતાનો હાથ ઊંચો કર્યો રાજનો હાથ પણ ઊંચકાયો બન્ને એ હાય ફાય જીલ્યા, નીષાથી હવે કેમ રહેવાય!!તેણીના પણ બન્ને હાથ ઊંચકાયા બેઉને સાથે હાય ફાય આપતા બોલી “મારા બેઉ ડાહ્યા દીકરાઓ તમારા માટે કાલે ડૉમીનોસનો પીઝા અને આઇસક્રીમ .

“થેક્યુ મમ્મી’

નાના બાળકોને રીસાતા પણ વાર નહીં અને રીઝાતા પણ વાર નહીં.

આમ બન્ને ભાઇઓનું બાળપણ જોતજોતામાં વિતી ગયું.બન્ને ભાઇઓ સ્કુલમાં પણ એકબીજાને સાથ સહકાર આપે,જય નાનાભાઇને હોમવર્કમાં પણ હેલ્પ કરે જય ભણવામાં ખુબ હોશિયાર ૧લો નંબર તો તેનો જ હોય.જયએ બન્ને બોર્ડ હાઇસ્કુલમાં પસંદ કરેલ જેથી ૧૨મી પછી ઓલ ઓવર ઇન્ડીયાની કોઇ પણ મેડીકલ કે એન્જીનિયરીંગ સ્કુલમાં એડ્મિસન લઇ શકાય, જય ખુબ હોશિયાર એટલે કોઇએ વાંધો ના ઉઠાવ્યો.
ઉનાળાના વેકેસનથી જ ૧૦મા ની તૈયારી શરુ કરી દીધી.દર વેકેસનમાં નિયમ અમીતા અને અંકલ ડેડી સાથે બન્ને ભાઇઓ રહેવા આ વર્ષે ગયા, એકવેરીયમ, હેંગીંગ ગાર્ડ્ન, નેહરૂ પ્લેનેટોરીયમ એનીમલ ઝુ વગેરે જગ્યાએ ફ્ર્યા, અમીતા પણ એ સમય દરમ્યાન અઠવાડીયાનુ વેકેસન લે જેથી બન્ને દિકરાઓ સાથે કોલીટી સમય પસાર કરી શકે અંકલ ડેડી પણ ત્રણ ચાર દિવસ બન્ને માટે રિઝર્વ રાખે. એક દિવસ ચોપાટીની ભેળ પુરી પારસિ ડેરીની ગુલફી, તો બીજે દિવસે શેરે પંજાબનુ ડીનર અને ફાલુદા આઇસક્રિમ,આ બધુ આ વખતે જય દર વેકેસન જેમ એનજોય નથી કરી રહ્યો તેવું અમીતા અને રાકેશને લાગ્યુ. આજે રાજ સુવા ગયો સાથે જય ન ગયો ગુડનાઇટ રાજ આઇ હેવ સમ વર્ક ટુ ડુ વિથ અંકલ ,ઓ કે ગુડ નાઇટ ભાઇ.

રાજના ગયા બાદ અમિતા જયની પાસે બેઠી .બોલ બેટા શું વાત છે,આ વખતે તું મુડમાં નથી,મમ્મીને જે મુંજવણ હોય તે જણાવ સોમવારથી તો મારે જોબ ચાલુ થશે,ગઇ કાલે તારા અંકલે પણ તને પુછેલ” Raj why you are not in mood what’s rong “,

“મમ્મી મને સાઇન્સ માટે શાહ એન્ડ શાહના ક્લાસિસ શરુ કરવા છે, પણ ફી બહુ વધારે છે ,

“અરે દિકરા એમાં મુજાવાનુ અમે બન્ને તને એ ક્લાસ માટે વાત કરવાના હતા મેં તેનુ સમય પત્રક પણ લાવી રાખેલ છે,”રાકેશે સમયપત્રક અને એપલીકેસન રાજને આપ્યા.

“વાંચી તારા સ્કુલના ટાયમટેબલ સાથે મેળવી, ફોર્મમાં સમય ભરી દે, બાકી બધુ તારી મમ્મીએ ભરી દિધેલ છે. આપણે બેઉ આવતિ કાલે સવારે ફોર્મ આપી આવીએ’.અને પછી થ્રી મસ્કેટીયર મુવી જોવા જઇએ બરાબર”

“જોયુ જય તારા અંકલે તો પ્લાન પણ કરી દિધો, ભલે તમે બેઉ મુવી જોજો હું ને રાજ જહાંગીર આર્ટ ગેલેરીમાં જઇશું”

જયઃગુડ આઇડિયા મોમ રાજ ને આર્ટ બહુ જ ગમે છે’,

“મને ખબર છે અને તું બગાસા ખાતો હોય છે”.

“થેંક્સ મોમ ડેડ”

થેંક્યુ વાળો મોટો મા બાપને થેંક્યુ કહેવાનું બોલતા એકસાથે બન્નેએ દિકરાને બાથમાં લીધો અમિતાને અને જયને આજે રાકેશમાં અમર દેખાયો, ત્રણે જણાની આંખમાં જળજળીયા અને મુખ પર હાસ્ય ચમકી રહ્યા. બહાર ગડગડાટ સાથે વરસાદ વર્ષી રહ્યો છે.ઇશ્વર પણ હર્ષના અશ્રુ વરસાવી રહ્યો છે.

જય બન્ને બોર્ડ એક્ઝામમાં પેલા દસમાં આવ્યો, સરોજે સગા સબંધિઓમાં પેંડા વેંચ્યા નિશા કાનન અને અમિતાએ મળી અમિતાના ફ્લેટમાં ફ્રેન્ડસ અને નજીકના સગાને પાર્ટી આપી.સાગરે પણ પાર્ટીંમાં ખુબ સાથ સહકાર આપ્યા.

જયને મીઠીબાઇ કોલેજમાં એડ્મિસન મળી ગયું. વિલેપારલે કેળવણી મંડળની ફુલ સ્કોલરશીપ મળી, વૈશ્નવ સમાજમાં પણ બહુ માન કરાયું અને ૧૦૦૦ રૂ ઇનામના મળ્યા .

૧૨મામાં પણ જય કોલેજમાં ફસ્ટ .જી એસ મેડીકલ કોલેજમાં એડમિસન લિધુ. યુનિવર્સિટી સ્કોલરમાં સ્થાન મળ્યું MB,BS. સાવ ફ્રી પ્લસ દર વર્ષે ૨૫૦ રૂ બુક્સ માટે.જોત જોતામાં MB;BS. થઈ ગયો.

જયને કાર્ડિયાક સર્જન થવુ હતુ. ડો કુલકર્ણી વિખ્યાત કાર્ડીયાક સર્જન નીચે રેસીડન્સી મળી ગઈ. જયની સાથે તેના જ ક્લાસમા રીયા ભણતી હતી અને બંને સાથેજ ઓનલાઈન રીસર્ચ અને ગુગલ સર્ફીંગ સાથેજ લાયબ્રેરી,વાંચવાનુ અને આમ સાથે સાથે અભ્યાસ કરતાં એક્બીજાની સાવ નજીક આવી ગયા અને દોસ્ત બની ગયા અને આ દોસ્તી પ્રેમમાં ક્યારે પરિવર્તન પામી એ બંનેમાંથી એકને પણ ખબર ન પડી. જય અને રીયાનો ફિલ્મી સ્ટાઈલમા પ્રેમ ન હતો. ન બહાર ફરવા જવું, ન સિનેમા જોવા જવું, તેઓની પાસે આ બધી વસ્તુ માટે જરાય સમય છે જ નહી.

આજે જયની કોલેજમાં એન્યુઅલ ડે છે અને રાત્રે ઓડીટોરીયમમાં મોટો પ્રોગ્રામ છે. જયે પણ તેમાં ભાગ લીધો છે. પરંતુ દાદીને સર્પ્રાઈઝ આપવા માગે છે ,એટલે દાદીને વાત કરી દાદી મારી કોલેજમાં પ્રોગ્રામ છે અને તમારે આવવાનુ છે.સરોજની આનાકાની કરવા છતાં પણ જય ના માન્યો. અને જયની જીદને વશ થઈને, સરોજે આવવાની હા પાડી અને સરોજનુ આખુ ફેમિલી પ્રોગ્રામ જોવા માટે ઉપડ્યુ. એક પછી એક આઈટમ આવતી ગઈ અને જયનુ નામ એનાઉન્સ થયુ અને જય સ્ટેજ ઉપર આવ્યો અને એક ગીત ગાવાની શરરુઆત કરી ,

सो साल पहेले मुझे तुमसे प्यार था, मुझे तुमसे प्यार था

आज भी है और कल भी रहेगा……

અને તાલીયોના ઘડઘડાહટથી આખો હોલ ગુંજી ઉઠ્યો. જય એક સારો ગાયક છે. સરોજ તો સાંભળીને ચકીત થઈ ગઈ અને તેને તેના કોલેજના દિવસો યાદ આવી ગયા. જયની અંદર તેને નવીનની પ્રતિતી થઈ. નવીને પણ આવીજ રીતે તેના માટે ગીત ગાયું હતું, આજે આતિત પ્યારું લાગ્યુ. પ્રોગ્રામ પુરો થયો એટલે સરોજે જયને પુછ્યુ , છુપા રુસ્તમ તૂં ગાતાં ક્યારે શીખ્યો ?

જય – દાદી એતો ગોડ ગીફ્ટ છે, દાદા એક સારા ગાયક હતા, કાનનફોઈ બહુજ સરસ ગાય છે એટલે દાદી વારસામાં તો આવેને “

સરોજ – “ જય તૂં બોલવામાં બહુ મીઠો છે, બોલવામાં તારી સાથે કોઈ ન આવે , કોના માટે ગીત ગાતો હતો એતો કહે, મને છોકરી નહી બતાવે “?

જય –“ દાદી કોઈ છોકરી નથી મારે એવુ કંઈ નથી “

સરોજ –“ તારી દાદીને ઉલ્લુ બનાવે છે, આ વાળ ધુપમાં સફેદ નથી કર્યા “.

જય – દાદી અત્યારે કંઈ નથી જ્યારે કોઈ આવશે ત્યારે કહીશ ‘

સરોજ – “ભલે ભાઈ, અમે તે ઘડીની રાહ જોઈશું ‘.

અને બધા હશી ખુશી ઘરે પહોચ્યા અને સવારથી પાછું રુટીન ચાલુ.

રાજ પણ ભાઇના પગલે ૧૦ અને ૧૨મામાં સારા માર્કસ મેળવી પાસ થયો. મોટાભાઇનુ પુરુ માર્ગ દર્શન મળતુ પછી શું કહેવા પણુ હોય? તેને પણ જી એસ મેડીકલ કોલેજમાં એડમિસન મળી ગયુ, બુક્સ જર્નલ વગેરે બધુ મોટાભાઇએ સાચવેલ મળી ગયા એટલે રાજને તો તૈયાર ભોજન ફક્ત ગળે ઉતારી પચાવવાનું જ રહ્ય

રેસિડન્સિમાં તો જયને શનિ રવી જ ઘેર આવવાનુ બનતુ. નિશા અને સરોજ રાજ સાથે ઘરનો નાસ્તો મોકલાવતા તો કોઇ વાર રાજના ટીફિનમાં જયનું ભાવતુ શાક ફરસાણ વગેરે મોકલાવતા ત્યારે જય સ્ટુડ્ન્ટ ડાઇનિંગ હોલમાં આવી જતો બન્ને ભાઇઓ સાથે લંચ લેતા.

બન્ને ભાઇઓને જોઇ બધાને ઇર્ષા થતી.થાય જ બન્ને ભણવામાં હોશિયાર સ્વભાવના પણ એટલા જ નમ્ર હેલ્પફુલ .બેઉ વચ્ચે જરા પણ સિબલીંગમાં જોવાતા ઇર્ષા દ્વેષ નહીં.

રાજ પણ MB;BS.થઇ ગયો અને આગળ ન્યુરોલોજીમાં ભણવાનુ ચાલુ કર્યુ.

મહેષભાઇની ટ્રસ્ટીઓ સાથે ઓળખાણ એટલે બન્નેને પાર્લાની નાણાવટી હોસ્પીટલમાં એટેચમેન્ટ મળી ગયું .

જયને નાણાવટી હોસ્પીટલમાં જ કન્સલટીંગ રુમ આપવામાં આવ્યો.

રાજની સાથે રીચા તેના ક્લાસમા હતી અને રાજ અને રીચાને તો પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો અને તે બંને એક્બીજાને નજીક આવી ગયાં હતાં .સરોજનો પરિવાર સુખી છે બધુ તેણે ધાર્યુ તે પ્રમાણે જ થઈ રહ્યું છે. અને રાજનુ પણ ભણવાનુ પુરુ થયુ, અને ન્યુરોલોજીસ્ટ થયો બંને ભાઈઓ હવે ભણીને સેટલ થઈ ગયા .રાજ કહે છે ભાઈ હવે દાદીને, રીચા અને રીયાને મળાવવાનો અને બતાવવાનો સમય આવી ગયો છે.દાદીને આપણે વ્યાજ સાથે ખુશીઓ પાછી આપવાની છે દાદીએ દુખ સીવાય જીવનમાં કંઈ જોયુ જ નથી.

 

વીરાંગના સરોજ શ્રોફ-૧૫.

સરોજની તબીયત આજે થોડી અસ્વસ્થ છે, એટલે નીશાએ કહ્યુ મમ્મી આજે તમે આરામ કરો હુ બધુ સંભાળી લઈશ. સરોજ છાપુ લઈને વાંચવા બેઠી, પરંતુ પાંચ મિનીટમાં પાછુ મુકી દીધુ અને ટી.વી.ની સ્વીચ દબાવી ટીવી ચાલુ કર્યુ, થોડો વખત જોયુ કંટાળો આવ્યો એટલે સ્વીચ બંધ કરી.શાંતિથી સોફા પર બેઠી શરીર થાકેલુ છે, અસ્વસ્થ છે, પરંતુ તેનુ મન, દિલ અને મગજ તો સતત કાર્યરત છે. વિચારોમાં ખોવાઈ ગઈ,અને વિચારોમાં અતિતમાં ખોવાઈ ગઈ.

કાનન અને કાનનો પુત્ર ક્રિષ બંને વાત કરતાં હતાં જય નીશામામીનો છોકરો નથી એતો અમીતામામીનો છોકરો છે, અને જય બનંનેની વાત સાંભળી ગયો અને રડતો રડતો ,દોડતો સરોજ પાસે આવ્યો, અને પુછ્યુ,

જય-“ દાદી મને કહો હુ કોનો છોકરો છુ” ?

સરોજ-“ કેમ દિકરા આવો સવાલ કરે છે”?

જય-“ દાદી કાનનફોઈ અને ક્રિષ વાત કરતા હતા હુ અમીતા આન્ટીનો છોકરો છુ, નીશા મમ્મીનો નહી”.

સરોજ-“ દિકરા તુ તો, દાદીનો, અમીતાનો અને નીશાનો બધાનો લાડકવાયો દિકરો છે”.

જય-“ ના દાદી હુ તો દાદીનો અને નીશા મમ્મીનો છુ. અમીતા આન્ટી મારી મમ્મી નથી, મમ્મી હોય તો તે મને છોડીને, એકલો મુકીને કેમ ગતા રહ્યા”?

સરોજ માટે તો ધર્મ સંકટ આવી ગયુ જય હજુ દશ વર્ષનો છે. નાદાન છે, કુમળી વય છે ,અત્યારે તેને સમજાવીએ તો પણ માનવા તૈયાર નહી થાય, અને વાત નહી સમજે. એટલે સરોજે તેને ગમે તેમ કરીને સમજદારી પૂર્વક વાત કરીને સમજાવીને શાંત કર્યો અને વિચાર્યુ યોગ્ય સમય આવશે એટલે હુ જયને શાંતિથી બધી વાત કરીને સમજાવીશ.

સરોજની આંખો આગળ અતિતની વણજાર ચાલુ થઈ ગઈ અને આ વણજાર અતિતનો ભારો લઈને આગળને આગળ ચાલવા લાગી,આ અતિતના ભારા કંઈક સુખની યાદ દેવડાવે છે તો ક્યારેક દુખના સાગરમાં ડુબકી મરાવે છે,આજે અતિતે સરોજના મન અને દિલને, સુખ-દુખના સાગરમાં હિલોળે ચડાવ્યુ છે. તેને ભુતકાળના પ્રસંગો એક પછી એક યાદ આવી ગયા.

રાજ-“દાદી જોવોને મમ્મી આખો દિવસ મોટાભાઈને મારા રાજા બેટા, રાજા બેટા કહીને મોલાવે છે, મમ્મી મારા કરતાં મોટાભાઈને વધારે પ્રેમ કરે છે”.

સરોજ-“ રાજ, ના બેટા મમ્મી તમને બંનેને સરખોજ પ્રેમ કરે છે, મોટાભાઈ છે એટલે તેમને એવી રીતે બોલાવવા પડે નહી તો મોટાભાઈને ખરાબ લાગે અને પછી રિસાઈ જાય, સમજ્યો મારા રાજા બેટા”? સરોજે રાજને સમજાવ્યો એટલે તરત જ સમજી ગયો અને જય સાથે રમવા લાગ્યો. નીશા ખરેખર રાજ કરતાં જયનુ વધારે પડતુ હમેશાં ધ્યાન રાખતી. જયની કાળજી વધારે કરતી.

સરોજની યાદોની વણજાર થોભવાનુ નામ નથી લેતી અને એક પછી એક પ્રસંગો ખબર નહી આજે કેમ યાદ આવ્યાજ કરે છે.

જય-“ દાદી તમે તો મારા દાદા, મમ્મી-પપ્પા, મારુ સર્વસ્વ છો. હુ તો કેટલો ના સમજદાર છુ, હુ ના સમજી શક્યો, મારી મોટી મમ્મીએ ( અમીતા )તમારી યાજ્ઞાનુ પાલન કરીને,તેના હ્રદય પર પત્થર મુકીને ફરીથી લગ્ન કરી લીધા અને એ વસ્તુ જ યોગ્ય છે.ખરેખર મારી મોટી મમ્મી બહુજ સમજદાર છે, મને મારી વ્યથા દેખાઈ પરંતુ તેમની વ્યથા મને ના દેખાઈ. જ્યારે મને છોડીને ગયાં હશે ત્યારે તેમને કેટલુ દુખ થયુ હશે.દાદી તમે બધી વાત સમજાવી, અને હવે હુ મોટો થઈ ગયો ,સમજદાર થયો એટલે સમજાય છે મારી જન્મ આપવાવાળી માએ કેટલી મોટી કુરબાની અને ભોગ આપ્યો છે,મોટી મમ્મી જન્મ આપનારી માતા છે તો નાની મમ્મી મને પાલન કરવાવાળી માતા છે,બંને મમ્મી માદેવકી અને યશોદામાતાથી કમ નથી.દાદી આ બધો શ્રેય તમને જાય છે.દાદી હુ તમને પણ ના સમજી શક્યો, તમે આગળના ભવિષ્યનુ કેટલુ સરસ વિચારો છો,

“Dadi, you are the best grandma in the world, and I am very proud of my wonderful grandma.”

દાદી હુ બહુ નસીબદાર છુ, કે આપ જેવા વ્યક્તિને ઘરે મને જન્મ મળ્યો”

સરોજ-“ બસ હવે બંધ કર,મને ચણાના ઝાડ પર ના ચડાવીશ” અને સરોજ જયને પ્રેમથી ભેટી પડી અને બંનેની આંખમાં હર્ષના આંસુ વહેવા લાગ્યા.

સરોજ વિચારે છે, મિલન અને જુદાઈ એતો જીવનની ધુપ છાંવ છે,ડાળી પરથી એક ફૂલ તુટે તો ચાર નવાં ફૂલ ખીલી ઉઠે,એક દરવાજો બંધ થાય તો ભગવાન બીજો દરવાજો ખોલે અને આ તો કુદરતનો નિયમ છે.

સરોજ ઠાકોરજીને પ્રાર્થના કરે છે, હે પ્રભુ તમે મને કેવા કપરા સંજોગોમાંથી પસાર કરી છે એક પછી એક મારી સાથે મોતનો સંગ્રામ ખેલ્યા, અમારા માથેથી છત્ર છાયા છીનવી લીધી ત્યારે પણ હુ મારા આત્મ વિશ્વાસ અને મનો બળના જોરે અડીખમ ઉભી રહી શકી હતી .મારા ઉપર દુખના પહાડ તુટી પડ્યા છતાં પણ હે ભગવાન જોવો, મારા બાકી રહેલ પરિવારને સંભાળીને આજે પણ તમારી સામે હુ જીવતી ઉભી છુ.તમે આપેલ દરેક દુખ સહ્યા છે,મે હાર નથી માની, દુખોનો હિમ્મતથી સામનો કર્યો છે.તમારી દરેક કસોટીમાં હુ ખરી ઉતરી છુ. એક અબલા નારીની કસોટી કરવામાં તમે કોઈ કસર બાકી નથી રાખી.જીવન રાહ પર આવતા સુખ-દુખ અને કંઈ કેટલી બધી પરેશાનીઓવાળી  પરિસ્થિતીઓની  સામે લડવા માટે પ્રભુ તમે મને તૈયાર કરી દીધી છે.હવે હુ કોઈ પણ જાતના દુખથી નથી ડરતી, ગમે તેવી પરિસ્થિતી હોય, ગમે તેવા સંકટ ભરેલા સંજોગો હોય,તેમાંથી રસ્તો કાઢીને બહાર નીકળતાં આવડે છે,અને બહાર નીકળીશ.એક અબલા જ્યારે રણચંડીનુ સ્વરૂપ ધારણ કરે ત્યારે તેનામાં એક અજબની શક્તિ આવી જાય છે,એક સ્ત્રી જ્યાં સુધી અબલા  બનીને બેસી રહે તો કંઈ ના કરી શકે, પરંતુ તેનામાં સ્ત્રી શક્તિ જાગૃત થાય ત્યારે શક્તિમાન બની જાય છે. અને એ શક્તિ પ્રભુ તમેજ મને આપી છે. મારો જીવન સંગ્રામ એકલી હિમ્મતથી લડતી આવી છુ, અને આગળ પણ છેલ્લા સ્વાસ સુધી લડતી રહીશ.

.હે પ્રભુ એકજ વિનંતી છે, એકજ પ્રાર્થના કરુ છુ,મને જે દુખ આપ્યુ તેવુ દુખ ,હવે મારા સંતાનોને ના આપશો. તેમને ખુશી ખુશી તેમનુ  જીવન જીવવા દેજો, મારો આ નાનો સુખી સંસાર સદાય હર્યો ભર્યો રાખજો. મારા બાળકોને તમને સોપુ છુ હમેશાં તેમની રક્ષા કરજો.

નવીન, મને અમર-જતીન અને કાનનને સોપીને ગયો હતો ,તો અમર અને જતીન ,મને અમીતા,નીશા અને જય તેમજ રાજને સોપીને ગયા છે, અત્યાર સુધી તો બરાબર જવાબદારી નિભાવતી આવી છુ, હે ઠાકોરજી મને કાર્ય કરવાની શક્તિ આપજો જેથી હુ મારી જવાબદારી પુરી કરી શકુ.

અને સરોજે આગળ હવે શુ કામ કરવુ અને કેવી રીતે કરવુ વિચારવા લાગી .બીજે દિવસે તૈયાર થઈને નીશાની સાથેજ ઓફિસ જવા નીકળી. સરોજે જેમ સમજાવ્યુ તે પ્રમાણે નીશાએ  બેસીને પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરી દીધો તેમાં સામેલ હતુ,

૧-ખાખરા બનાવતા હતા તે ધંધાને હવે મોટા પાયે મોટુ સ્વરૂપ આપવુ કારણ તે સફળ ધંધો હતો.

૨-ઘરમાંથી પરિવારે તરછોડેલી સ્ત્રીયો,દુખીયાળી ગરીબ સ્ત્રીયો, લાચાર અને મજબુર જેની આર્થિક પરિસ્થિતી બરાબર ના હોય, કોઈની સામે હાથ ન ફેલાવી શકે એવી સ્ત્રીયો,નાની ઉમ્મરમાં વિધવા બનેલ જેણે સમાજ અને મજબુરીમાં ફરીથી લગ્ન નથી કરી શકી એવી સ્ત્રીયોની સહાય .

૩-સીવણના વર્ગ, જેમાં ભરત-ગુથણ, સીવણ,જેમાં કપડાં સીવવા. સાથે પોતાની આધુનિક બુટીક.

બુટીકમાં સ્ત્રીયો અને પુરોષો માટે વસ્ત્રો.અને બાળકોના પોષાક વગેરે.

૪- મુમ્બઈની એકદમ ઝડપથી ચાલતી જીન્દગીને ધ્યાનમાં રાખીને  નાસ્તા, જુદી જુદી જલ્દી ના બગડે         તેવી વાનગીઓ,

૫- સ્ત્રીયોના અલંકાર જેમાં ફેશનેબલ બંગડી,બિન્દી,નકલી આભુષણો,ટુકમાં સ્ત્રીયોના દરેક સૌન્દર્ય પ્રસાધનો.

૬- લગ્ન પ્રસંગ અને પાર્ટીઓ માટે વપરાશમાં આવતી શણગારેલી કારીગીરી કરેલ વસ્તુ, માલ સામાન,

આ બધી વસ્તુ માટે ગૃહ ઉધ્યોગ ચાલુ કરવો અને આ ગૃહ ઉધ્યોગ ખાલી એકલી બેનો જ ચલાવે.

૭- અશીક્ષિત બેનો માટે અલગ શિક્ષણના વર્ગ

૮- સાથે નૃત્યકળાના અને સંગીતના વર્ગ જેમાં નૃત્ય અને સંગીતની તાલિમ આપવામાં આવે.

બને ત્યાં સુધી મશીનરીનો ઉપયોગ ઓછો કરવાનો જ્યાં વધારે જરૂર હોય ત્યાંજ મશીનરીનો ઉપયોગ કરવાનો હાથકારીગરીથી જ વસ્તુઓ તૈયાર કરવાની જેથી વધારેમાં વધારે બેનોને કામ મળે.ગૃહ ઉદ્યોગ ચાલુ કરવાનુ નક્કી કરવામાં આવ્યુ.

પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થયો એટલે સરોજે ,જય અને રાજને વાંચી જોવાનુ કહ્યુ બંને મોલ્યા “ અમારે કંઈ જોવુ નથી દાદી તમે જે વિચાર્યુ હશે તમે જે કરવા માગતા હશો તે અમને ખબર શ્રેષ્ઠ હશે,ઉત્તમ હશે. એમાં અમારે જોવાની કોઈ જરુર નથી અને નાની મમ્મી તો સી.એ. છે કેટલુ બધુ ભણેલા છે, અને તેમની પાસે કેટલી બધી ડીગ્રીઓ છે. દાદી તમે અને નાની મમ્મી બંને હોશિયાર છો, અને દાદી તમને ખબર છે,તમે તો હિમ્મતવાળા અને બહાદુર છો એને શુ કહેવાય ?હા “વીરાંગના”.કેટલુ સરસ “વીરાંગના સરોજ શ્રોફ” દાદી આ શબ્દોમાં કેટલુ બધુ વજન છે, અને તેમાં તમારી પ્રતિભા છુપાએલી છે.આ નામમાં કોઈને પણ ગર્વ થાય,

રાજ-“ હા દાદી, ઈતિહાસમાં અમારે ભણવામાં આવતુ હતુ ઝાંસીની રાણી,જે બહુજ હિમ્મતવાળી  અને બહાદુર હતી.તે લડાઈના મેદાનમાં વીરતાથી એકલી ઝજુમતી હતી અને તમે જીવનની લડાઈમાં ઝજુમો છો.તમારા બંનેમાં કોઈ ફરક નથી. મોટાભાઈ કહે છે તે તદન સાચી વાત છે દાદી”.

દાદી અમને બધાને તમારી ઉપર બહુજ ગર્વ છે. તમને તમારા કામમાં મદદ કરવા માટે, મોટી મમ્મી અને કાનનફોઈ અને ફુઆનો સાથ છે કંઈ જોવાનુ હોય, દાદી તમે અને નાની મમ્મી બંને હોશિયાર છો અને દાદી તમારામાં એક ખાસીયત છે, નૈતિક હિમ્મત,અને મજબુત મનોબળ એટલે તમે અમને બંનેને ભણાવીને તૈયાર કરી દીધા,મોટી મમ્મીને સુખ આપ્યુ,નાની મમ્મીને ભણાવીને તૈયાર કરીને તેના પગ ઉપર ઉભી  કરી અને તેના કામમાં વ્યસ્ત થઈ એટલે તેનુ દુખ પણ હળવુ થાય.

મોટે ભાગે સ્ત્રીયોને દુખ આવે એટલે બસ રડ્યા કરવાનુ અને પોતાનુ દુખ બધાની સામે કહ્યા કરવાનુ, રડવામાંથી જ ઉચા ના આવે અમે બંને તમને જેટલા પૈસા જોઈએ તેટલા અપવા તૈયાર છીએ. પૈસાની ફીકર બિલકુલ ના કરશો અને તમારા પ્રોજેક્ટ પ્રમાણે કામ ચાલુ કરી દો.

સરોજ-“ બંને ભાઈઓ આજે કેમ દાદી અને નાની મમ્મીને આટલા બધા મસ્કા મારી રહ્યા છો”?

જય-“ કંઈ નહી અમે તો તમને સત્ય હકિક્ત દર્શાવીએ છીએ, તદન સાચુ ,દાદી”.

રાજ-“ અને દાદી મસ્કા એતો ખાનગી છે, સર્પ્રાઈઝ, હમણાં ન કહેવાય”.

રવિવારનો દિવસ છે અને આજે બધાજ ઘરમાં છે, જય અને રાજે નક્કી કર્યુ હતુ તે પ્રમાણે સાંજના બહાર ગયા અને રીયા અને રીચાને સાથે લઈને સાથે આવ્યા, અને દાદી અને નીશાને સર્પ્રાઈઝ આપી, અને બંને જણા ઓળખાણ આપતાં બોલ્યા.

જય-“ દાદી અને મમ્મી જોવો આ રીયા છે ,અને તે મારી સાથે જ ભણતી હતી અને કાર્ડીયોલોજીસ્ટ છે,અને અમે બંને જીવનસાથી બનવા માગીએ છીએ, બસ આપ બંનેની રજામંદી જોઈએ”.

સરોજ-“ રજામંદી ? અરે આપણા ઘરમાં તો બધા પ્રેમી પંખીડા છે, મે અને તારા દાદાએ પ્રેમ લગ્ન કર્યા હતા.તારા કાકુ, ફોઈ ,અમે બધાએ પ્રેમ લગ્ન કરેલા છે અમને કોઈ વાંધો નથી તુ મંજુરી લેવા આવ્યો એતો તારા સંસ્કાર બોલે છે અને રીયા પણ સંસ્કારી કહેવાય નહીતો આ જમાનામાં મંજુરી લેવાની કોને પડી છે? જય તારા મોઢામાં ઘી સાકર,અમે તો ખુશ ખબરના ક્યારના રાહ જોઈને બેઠા હતા.

અને રાજ હવેતૂ !!! હુ સમજી ગઈ, અહી આવ દિકરા મને આ ઢીગલી જેવી છોકરીનુ ઓળખાણ કરાવ”.

રાજ-“ દાદી આ રીચા છે તે પણ મારી સાથે ભણતી હતી અને ન્યુરોલોજીસ્ટ છે”.

સરોજ-“વાહ બહુજ સરસ !! , અતિ ઉત્તમ !!!.તમે તમે બંને ભાઈઓએ દાદીને ખુશ કરી દીધા,દાદી આજે બહુ ખુશ છે”.

અને ચારેવ જણ સરોજને પગે લાગ્યા. સરોજે આશિર્વાદ આપ્યા” સદા સુખી રહો અને આયુષ્યમાન, ચિરંજીવી બનો આ એક માના પ્રેમ ભરેલ હ્રદયના ઉડાણના શબ્દો છે,ખુશ રહો”.

સરોજ અને નીશાની ખુશીનો આજે પાર નથી, આજે ભગવાન ખુશી,આનંદ ,વ્યાજ સાથે બધુ પાછુ વાળી રહ્યો છે.

સરોજ-‘ હે ઠાકોરજી, આપનો ખુબ ખુબ આભાર. આજે તમે મને ખુશીની વર્ષાથી ભીજવી નાખી,ખુશી કેવી રીતે વ્યક્ત કરવી મારી પાસે કોઈ શબ્દો નથી”.

સરોજને ભજનના બોલ યાદ આવી ગયા અને ધીમેથી ગાવા લાગી,

“સખી હરિ વરસે તો પલળુ,પલળુ,

લખ લખ ચોમાસામાં કોરુ મીઢલુ

મારુ દલડુ, હરિ વરસે તો પલળુ

હરિજ મારો ઉનાળો રે, હરિ વાય તો તાઢ

હરિથી આંખ્યુ ભરી ભરીને હરિ વહે તે બાઢ.

તૂલસી દલના અશ્રુ બિન્દુ હરિના નામે પલળુ

સખી, હરિ વરસે તો પલળુ.

સરોજનુ આ અતિશય પ્રિય ભજન છે અને ખુશીમાં મોઢામાંથી શબ્દો સરી પડ્યા. અને નીશા પણ એકદમ ખુશ થઈ ગઈ, તેણે પણ નાની ઉમ્મરથી દુખ જ જોયા છે, એ અલગ વાત છે, સરોજે તેને મહેસુસ થવા નથી દીધુ છતાં પણ પતિની કમી કોઈ ના પુરી શકે જીવનમાં ગમે તેટલુ સુખ હોય પણ પતિ વીના બધુ ધુર છે ,એ સુખની કોઈ કિમ્મત નથી જેમાં પતિ સાથે ન હોય, આ વાત સરોજ અને નીશા વીના સારી રીતે કોણ સમજી શકે ?

બીજે દિવસે સરોજે અમીતા અને કાનનને વાત કરવા માટે બોલાવી લીધા. બધાએ ભેગા થઈને જય અને રાજના સમાચારની ખુશી મનાવી અને મિઠાઈ ખાધી.રીયા અને રિચાના પરિવારને મળીને બંને દિકરાઓના વિવાહ નક્કી કરાયા અને એક્જ દિવસે બંનેના લગન લેવા એમ નક્કી થયુ અને પંડીતને બોલાવીને લગ્ન તારીખ નક્કી કરાઈ અને પહેલી કંકોતરી સિધ્ધિ વિનાયકને લખીને શ્રી ગણેશજીને આમંત્રણ મોકલાવ્યુ. બીજી કંકોત્રી નાથદ્વારા મોકલી શ્રીનાથજીને નોતર્યા.ત્યાર બાદ સગાવ્હાલાં અને મિત્ર મંડળમાં કંકોત્રી લખાઈ અને ધામધુમથી બંને દિકરાના લગ્ન લેવાયા આજે એકદમ ખુશીનો પ્રસંગ છે, તો પણ, નવીન, અમર અને જતીનની યાદ આવી ગઈ.તેઓની ખોટ લાગતી હતી, આ ખુશી જોવા માટે રહ્યા નથી.

હોસપીટલમાં કામમાં ચારેવ નવદંપતી એકદમ વ્યસ્થ છે, છતાં પણ એક અઠવાડિયુ ફાજલ સમય કાઢીને હનીમુન માટે બે જોડી, અલગ અલગ હિલસ્ટેશન જવા નીકળી ગયાં.

ચારેવ ડોક્ટર છે, ચારેવની પ્રેક્ટીસ બહુજ સરસ ચાલે છે,અને હવે જય અને રાજે જુહુ સ્કીમમાં બંગલો લઈ લીધો. અને સરોજનો પરિવાર કાંદીવલીથી પાર્લા જુહુસ્કીમમાં રહેવા માટે આવી ગયા. સરોજે હવે તેનુ કામ હાથમાં લીધુ.મોટી જગ્યા ખરીદી લીધી અને ત્યાં આગળ બાંધકામ અને રાચ રચીલુ, જરુરી મશીનરી દરેક જરૂરિયાતની વસ્તુઓ સાથે જગ્યા તૈયાર થઈ ગઈ એટલે નક્કી કર્યા મુજબ ગૃહ ઉદ્યોગ ચાલુ કરવા માટે બધાએ ભેગા મળીને સંસ્થાનુ નામ “પ્રેરણા” નક્કી કર્યુ. અને સારો દિવસ જોઈને વિધી વિધાનથી શાસ્ત્રોક્ત વિધીથી જય અને રાજે દાદીના હાથે પ્રેરણાનુ ઉદઘાટન કરાવ્યુ.પરિવારના દરેક સદસ્ય આજે એકદમ ખુશ છે. દરેકના મોઢા ઉપર ખુશી આનંદ છે તો આંખના ખુણા હર્ષના અશ્રુ બિન્દુથી છલકાયા.

સરોજે નક્કી કર્યુ અમીતા અને કાનન પણ સંસ્થાના કામમાં જોડાય.

દૈનિક છાપામાં જાહેરાત આપી એટલે, પ્રેરણામાં કામ માટે બેનો આવવાની શરૂઆત થઈ ગઈ.અને નૃત્ય અને સંગીતના ક્લાસ માટે તો લાંબી લાઈનો લાગી.બધીજ વ્યવસ્થા એકદમ સરસ રીતે ધાર્યા કરતાં પણ સારી રીતે થઈ ગઈ અને પ્રેરણાનુ કામ કાજ બહુજ સરસ રીતે ચાલુ થઈ ગયુ. સરોજ જાતે ઉભા રહીને દરેક જગ્યાનુ અને કામનુ નિરીક્ષણ જાતેજ કરે છે,ભણેલી બેનોને બહારનુ સેલ્સ, માર્કેટીન્ગ,જાહેરાત વગેરે કામો સોપ્યા તો ઓછુ ભણેલ સ્ત્રીઓને સંસ્થાની અંદર કામ સોપ્યા, અમીતા અને કાનને સુપરવાઈઝરનુ કામ સોપ્યુ.અને નીશા ઓફિસ સંભાળે છે.ઓફિસના કામ માટે પણ જોઈતો સ્ટાફ રાખ્યો છે.આમ ઘરની દરેક વ્યક્તિ મહેનત અને લગનથી કાર્ય રત થઈ , જય,રાજ,રીયા અને રીચા આર્થિક સહાય કરે છે જે સૌથી અગત્યનુ છે. ચારેવના પૈસા યોગ્ય જગ્યાએ સેવાના કાર્ય અર્થે વપરાઈ રહ્યા છે અને ચારેવને આત્મ સંતોષ થાય છે. અને વધારે તો દાદી અને બંને મમ્મીઓને જોઈને દિલમાં શાંતિ થાય છે. તેઓને ખુશ જોઈને મનમાં સંતોષ થાય છે.જય અને રાજ વિચારે છે,દાદીએ મુશીબતો ઉઠાવીને અમને ભણાવીને તેમને મદદ કરવા માટે યોગ્ય બનાવ્યા છે, દાદીએ અમારે માટે તકલીફો ઉઠાવી તો હવે અમારો સમય આવ્યો છે ઋણ ચુકવવાનો, તેમને મદદ કરવાનો અને તેમને ખુશી આપીને ખુશ જોવાનો.અને ખરેખર આતો અમારી ફરજ પણ છે,અમે અમારી ફરજ બરાબર નીભાવીશુ.

નીશાએ તેની ચાર્ટર એકાઉન્ટની ઓફિસનુ કામ હવે પ્રેરણાની ઓફિસમાંથી કરવાનુ ચાલુ કર્યુ, અને તે પણ કામ સરસ ચાલવા લાગ્યુ.

અને સરોજનો આત્મ વિશ્વાસ અને મજબુત મનોબળ, અને બધાની મહેનત તેનુ પરિણામ, પ્રેરણાએ ઉચાઈના બધા શીખરો આંબી લીધા અને બહુ થોડાજ સમયમાં મુમ્બઈમાં એક નામી સંસ્થા,નામી ગૃહ ઉધ્યોગ બની ગયો. .દૈનિક છાપામાં હેડ લાઈન ન્યુઝ બની ગયા ,અને મુમ્બઈમાં ચારે તરફ પ્રેરણાનો ડંકો વાગવાનો શરૂ થયો.

પ્રેરણાના દરવાજા આગળ ગાડી પાર્ક થઈ અને સરોજ ગાડીમાંથી ઉતરીને અંદર જતી હતી અને એક દશ વર્ષની છોકરી આવી અને બોલી મેડમ મને તમારે ત્યાં કામે રાખો હુ કોઈ પણ કામ કરીશ. સરોજ તેને અંદર લઈને ગઈ અને બેસાડી અને છોકરીની સામે જોઈને પુછ્યુ,

સરોજ-“ હવે બોલ બેટા” પેલી છોકરી સરોજની સામે જોઈને મંદ મંદ મુસ્કરાઈ અને પ્રેમ ભરી દ્રષ્ટિથી સરોજની સામે જોવા લાગી, સરોજને એ છોકરી માટે દિલમાં પ્રેમ જાગ્યો અને મનમાં એક અજીબ ભાવનો અહેસાસ થયો. જાણે એ છોકરી તેની અમી દ્રષ્ટિથી સરોજને પ્રેમ વર્ષાથી ,પ્રેમમાં તરબોળ કરવા માગે છે.

સરોજ-“ બેટા તુ કંઈ ખાઈશ? હુ તારા માટે કંઈ મંગાવુ” છોકરીએ પ્રેમથી આંખોથી હા કહી,અને સરોજ મનમાં વિચારવા લાગી, મને શંકા થઈ રહી છે, જોઈએ આગળ શુ થાય છે.સરોજે તે છોકરી માટે આઈસ્ક્રીમ અને બિસ્કિટ વગેરે મંગાવ્યુ અને છોકરીએ આરામથી ખાધુ અને સરોજને કહ્યુ મેડમ હુ આવતી કાલથી કામે આવીશ. સરોજને થયુ આ છોકરીને હુ ભણાવીશ, અને કહ્યુ ભલે કાલે આવજે.છોકરી જતાં જતાં મીઠુ મધુર સ્મિત આપ્યુ ,અને દ્રષ્ટિ કરી,અમી દ્રષ્ટિથી સરોજ સામે જોયુ અને ત્યાંથી ગાયબ થઈ ગઈ અને સરોજને તરત જ ભાન થયુ, આતો ચોક્કસ મારો ઠાકોરજી છોકરીના સ્વરૂપે મારા હાલ ચાલ જાણવા આવ્યો હતો, જ્યારે દુખ આપ્યુ હતુ ત્યારે આવ્યો હતો અને મે તેને કહ્યુ હતુ હુ કંઈક કરી બતાવીશ ,સુખી થાઉ ત્યારે તારે મારી ખબર લેવા આવવુ પડશે. અને મને સુખી જોઈને હસતાં હસતાં ચાલ્યો ગયો જતીનના મૃત્યુ વખતે મને રડતી જોઈને તેની આંખમાં પણ આંસુ હતા અને આજે મને ખુશ જોઈને તે પણ ખુશ થયો. હે પ્રભુ તારી લીલા અપરમપાર છે. ભક્તના દુખમાં તુ દુખી અને ભક્તની ખુશીમાં તુ ખુશ અને અમે પામર મનુષ્ય હમેશાં અમારા ઉપર આવી પડેલ દુખમાં તને જવાબદાર સમજીને તને કોસતા હોઈએ છીએ .તુ તો દયાળુ છે, તારી અસીમ કૃપા અમે સમજી શકતા નથી.

ઘર સંસાર અને ગૃહ ઉદ્યોગ બંને બહુજ સરસ ચાલે છે એટલે સરોજનુ મન હવે ભક્તિમાં વધારે લાગ્યુ, અને સવાર-સાંજ ધ્યાનમાં નિયમિત બેસવાનુ ચાલુ કર્યુ તેને હવે સારુ લાગે છે, અને ચિન્તા ઓછી થઈ ગઈ.

એક સ્ત્રી ધારે તો શુ ના કરી શકે,સરોજનો એક સાધારણ સામાન્ય પરિવાર હતો તેને આજે ખાસ બનાવી દીધો.અઢળક પૈસો,મોટર-ગાડી,બંગલો,વૈભવ,નોકર-ચાકર,નામ,સફળતા,પ્રગતિ વગેરે અને દુનિયાભરની સારી સુવિધાઓ.એક સ્રીની સમજશક્તિ અને સહનશક્તિ,તેની હિમ્મત અને બહાદુરી સરોજનો પરિવાર આજે ઉચાઈના શીખરોએ પહોચી ગયો.

સરોજનો જીવન જેમ વસંત ઋતુમાં ફૂલોનો બગીચો ખીલી ઉઠે એમ ખીલી ઉઠ્યુ અને જીવન ફરીથી મહેકી ઉઠ્યુ. બગીચાના ઝુલા ઉપર જાણે રાધા કિશન ઝુલા ઝુલી રહ્યા છે, કોયલ મીઠા ગીત ગાઈ રહી છે. ચારો તરફ વસંત ખીલી ઉઠી છે, પ્રકૃતિ ખુશીથી નાચી રહી છે. જીવનની પાનખરમાં જાણે ખીલી વસંત.

સરોજને હવે ન કોઈ ફરિયાદ, મનમાં ન કોઈ આશા-નિરાશા,ન કોઈ સુખ-દુખ. મન સંતુષ્ટ થઈ ગયુ ,મન સ્થિતપ્રજ્ઞ બની શાંત થઈ ગયુ, સરોજને જાણે ધ્યાનસ્થ અવસ્થા આવી ગઈ. પોતાનો ધર્મ સમજીને કર્મ કરતા જાવ ફળ આપવુ ઈશ્વરના હાથમાં છે.

આનંદ- આનંદ-આનંદ.

સત્ત-ચિત્ત-આનંદ.