મને ગમે છે

      સંપાદક:પ્રજ્ઞા દાદભાવાળા

               સહિયારી અભિવ્યક્તિઓનું આ પ્રકાશન

મને ગમે છે.

 

બેઠક- સર્જન ભાગ-3

 

અર્પણ

જેણે ગુજરાત ભાષા અને ગુજરાતી ચેતનાને શક્તિ આપી છે.

એવા ગુજરાતી ભાષાના અને સાહિત્યના લેખકોને .

.

અર્પણ

 

“પુસ્તક પરબ”માતૃભાષાના સંવર્ધન અને વિકાસનો એક પ્રયત્ન પણ બની રહે તો મને એક નીમ્મિત થયાનો સંતોષ થાશે.-પ્રતાપભાઈ પંડ્યા

પરદેશમાં ભાષાપ્રેમી ગુજરાતી માટે જીવનને પુષ્ટ કરતુ પરિબળ.  એટલે પ્રતાપભાઈ પંડ્યા જેમના સૌજન્ય થી “પુસ્તક પરબ” શરુ કરેલ.પુસ્તક દ્વારા  નવા વિચારો સમાજને આપવા અને  વાંચન ની સંવેદના ખીલવ​વા માટે આપનો સહૃદય થી આભાર.

અનુક્રમણિકા

 

 1. અર્પણ -1
 2. પ્રસ્તાવના -2
 3. પદ્માબેન કનુભાઈ શાહ -5
 4. દર્શના વરિયા -7
 5. તરુલતાબેન મહેતા -9
 6. વિનોદભાઈ દાવડા -11
 7. મેઘલતાબેન મહેતા -16
 8. ફૂલવતીબેન શાહ -22
 9. પદ્માકાન્ત શાહ -25
 10. જયા ઉપાધ્યાય -27
 11. હેમંતભાઈ ઉપાદ્યાય -33
 12. પી.કે.દાવડા -36
 13. પ્રમિલાબેન મહેતા -40
 14. વસુબેન શેઠ-43
 15. કલ્પનારઘુ શાહ
 16. નિહારિકા વ્યાસ
 17. પરજ્ઞા દાદભાવાળા
 18. અકિલા સમાચાર
 19. ગુજરાત સમાચાર

.

-પ્રજ્ઞા દાદભાવાળા-

પ્રસ્તાવના
ગુજરાતી સાહિત્યના પાના ઉખેડીએ તો જુની યાદો ઉપર તરી  આવે .ઘણા કવિઓ અને લેખકોએ પોતાની કલમનો જાદુ બતાવ્યો છે. આજે જેમ અખો ગુજરાતીઓના  જીવનમાં જાણતા અજાણતા વસેલો છે… તેમજ પન્નાલાલની ‘માનવીની ભવાઈ’, મેઘાણીની ‘સૌરાષ્ટ્રની રસધાર’ કે પછી ની કવિતાસંગ્રહ હોય લોકોનાં હૃદયમાં આ સાહિત્યકારો અમીટ છાપ મૂકી ગયા છે…આવી જ છાપ બેઠકના લેખકોને આજે પણ સર્વ તાજી છે અને એને યાદ કરતા કલમ દ્વારા શબ્દોમાં આલેખી છે….”મને ગમે છે” …..એ સ્પર્શી ગયેલી માત્ર  વ્યક્તિ નથી પરંતુ  તેમની કલમની તાકાત પણ છે..લોકોએ સ્વીકાર્યું છે એને તેથી જ લોકોને પ્રિય છે…..નાનપણ માં વાચેલી મિયાંફુસકી ની વાર્તા મોટા થતા લેખકને યાદ કરાવે છે,તો કલાપીની ના પ્રેમભર્યા ગીતો જવાની યાદ કરાવે છે,અમેરિકામાં કુદરતી સૌન્દર્ય નિહાળતા ઉમાશંકરની ની કવિતા “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા”અનાયસે યાદ આવતા જાણતા અજાણતા સાહિત્યના પાના ઉખેડાય જાય છે,તો નરસિંહ મહેતાના પ્રભાતિયાની ખોટ વર્તાતા ગુજરાતી ભાષાનું મહત્વ સમજાય છે.. બોલીવુડના ગીતો અવિનાશ વ્યાસના સંગતી અને ગીત સાથે ટક્કર નથી મારી શકતા કારણ આજે પણ માંડી તારું કંકુ જેવા ગીત ગુજરાતીઓના દિલમાં વસેલા છે. કવિ કાન્ત પણ જાણતા અજાણતા દરિયાના મોજાની સાથે યાદ આવી જાય છે,તો મીરાં અને ગંગા સતી ગુજરાતીઓને અધ્યાત્મ તરફ અનાયસે ખેંચી જાય છે બસ આ જ વાત “મને ગમે છે”…. કહી દરેક લેખકે પોતાની ભાષામાં આલેખી છે. જીવનમાં સાંભળેલા વાંચેલા ગુજરાતી ભાષાના કવિઓ  લેખકોને જાણે યાદ કરવાનો આ એક શુભ મોકો છે અહી પુસ્તિકામાં લખનાર સૌ પ્રથમ વાચક છે એ પોતાને ગમતી કૃતિઓ વાંચી અથવા વારંવાર વાચી ને વાગોળ્યા પછી લખવા માટે કલમ ઉપાડી છે ,મુખ્ય વાત પર આવું તો અહી  વાચક જયારે લેખક બને છે ત્યારે સ્વત્વ નો અહેસાસ અહી અનુભવે છે, જે અહી દેખાય છે.. ત્યારે લેખક અને વાચક વચ્ચે ધડકનોનો એક સેતુ બનતો દેખાય છે..

અને એટલે જ  પુસ્તિકામાં  ગમતાનો ગુલાલ કર્યો  છે. એને માપવા કરતા અનુભવશો. તો તમે માણશો। એને જેમ છે તેમ સ્વીકારશો તો જ મજા આવશે….તેમ છતાં વિચાર આવે તો એક વાર વિચારી જોજો કે લોકો 600 વર્ષ પહેલાના લેખને  અહી હજી  કેમ વાંચે છે તો તનો જવાબ આ પાનાઓમાં વાચકની કલમમાં મળશે .

વાંચનારે કલમ ઉપાડી છે હવે ઉમળકાથી વધાવવાની જવાબદારી તો આપણી જ ને !

પ્રજ્ઞા દાદભવાળા( USA )કેલીફોર્નીયા

નહારીકાબેન વ્યાસ,કલ્પનાબેન શાહ,દેવિકાબેન ધ્રુવ,પ્રજ્ઞા દાદભાવાળા, રાજેશ શાહ,મહેશ રાવલ
૧. મને ગમે છે -લોકપ્રિય કવિ અને સંગીતકાર અવિનાશ વ્યાસ

-પદ્માબેન કનુભાઈ શાહ

ગુજરાતી ગીત, ગરબા અને લોકગીતના રચનાર અને તે સ્વરબધ્ધ કરનાર લોકપ્રિય કવિ અવિનાશ વ્યાસને આજે પણ સૌ યાદ કરે છે.  એમણે ઘણી ગુજરાતી ફિલ્મ  સંગીતનું  સ્વર નિયોજન કરેલુ.  1943માં એમનું પહેલુ ચિત્ર ” મહાસતી અનસુયા ” થી શરૂઆત કરેલી. “ભક્ત ગોરા કુંભાર”નું  સ્વર નિયોજન ખૂબજ લોકપ્રિય નીવડેલું.

એમનો જન્મ અમદાવાદ શહેરમાં 1912ની જુલાઈની એકવીસમીએ થયેલો.  એમણે બારસોથી વધુ ગીતો સ્વરબધ્ધ કર્યા છે. ગીતા દત્ત, મહંમદ રફી, સમશાદ બેગમ, મન્નાડે, હેમંતકુમાર, કિશોરકુમાર, લતા મંગેશકર, અશાભોસલે અને બીજા ઘણા સાથે ગીત ગાયા  છે જે આજે પણ બધાને ગાવા અને સાંભળવા ગમે છે.ઘણા સંગીતકારો સાથે મળીને ગીતો રચ્યા છે. આ ગીતો ખૂબજ લોકપ્રિય થયા છે. ……. જેમાં “મારી વેણીના ચાર ચાર ફૂલ”, “પાંદડું લીલુ ને રંગ રાતો”,

“ચરર ચરર મારું ચકડોળ ચાલે”, “રાખના રમકડાને મારા રામે “, “ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી” વિ. ગીતો આજે પણ ઉમળકાથી લોકો ગાય છે.એમણે એકાવન જેટલા ચલ ચિત્રોનું સંગીત નિયોજન કરેલુ. “રામલક્ષ્મણ”,  “જંગ બહાદૂર”, ‘રિયાસત’, “હવામહેલ” વિ. વિ. ફિલ્મોનું સંગીત આપેલું.

કવિ પ્રદીપજી, પ્રેમ ધવન, ભરત વ્યાસ, રાજા મહેંદી અલીખાન વિ. સાથે મળીને ચલચિત્રોના ગીત સગીતની રચના કરી હતી. આજના સંગીત કલાકારોમાં એમની છત્ર છાયામાં વિકાસ પામનાર પુરૂષોત્તમ ઉપાધ્યાય, આસિત દેસાઈ, રાસબિહારી દેસાઈ, અતુલ દેસાઈ વિ. તેમની સાધનાને બિરદાવી આજે પણ યાદ કરે છે. તેમને “પદ્મશ્રી” નો એવોર્ડ મળ્યો હતો. 20મી ઓગસ્ટ 1984માં એમનો દેહ પંચ મહાભૂતમાં વિલીન થયો.એક અતિ લોકપ્રિય કવિ અને સંગીતકાર ગુમાવ્યાનું દુ:ખ સૌએ અનુભવ્યું.

કર્ણપ્રિયસંગીત અને અર્થસભર ગીતો લખનારા એ કસબી અવિનાશ વ્યાસ  ની આ કાવ્ય રચના — અજર અમર કૃતિ મને ખૂબજ ગમી છે જે અત્રે રજુ કરૂ છું. આ કાવ્યમાં કવિની કુદરત પ્રત્યેની અતૂટ શ્રધ્દ્ધા અને ભક્તિના દર્શન થાય છે. આ બ્રહ્માંડના અસ્તિત્વને ધરતી તથા સૂર્ય,ચંદ્ર અને તારાના શણગારને માના આભૂષણ તરીકે વર્ણવ્યા છે. કવિ દેવીના અનન્ય ઉપાસક હતા. આ કાવ્ય કૃતિ અંબાજી માના  મદિરમાં દર્શન કર્યા પછી સ્ફૂરેલી. તે રાત્રે  આસો સુદ પુનમનો ચંદ્ર ખીલેલો હતો નોરતાના ગરબા ગવાતા હતા…. અને આ  ભાવ ભર્યા શબ્દો તેમના હૃદયમાં ઉદભવ્યા.      ઓ માં …. ઓ માં  …..

માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ  ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.

મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો
નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ  ઊગ્યો.

માવડી ની કોટમા તારાના મોતી
જનની ની આંખ્યું માં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી મા ની મોરલો ટ્હુક્યો
કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

નોરતાં ના રથનાં ઘૂઘરા રે બોલ્યા
અજવાળી રાતે મા એ અમરત ઢોળ્યાં
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સૂરજ  ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ  ઊગ્યો…            ( અવિનાશ વ્યાસ )

ગુજરાતી ગીતોને લોકબોલીથી માંડીને સાહિત્યિક ભાષામાં રજૂ કરવાની હથોટી આદરણીય અવિનાશભાઈ પાસે હતી… ગીતો જીવનના વિવધ રંગો અને તબક્કાને બખૂબી રજૂ કરતા હતા.  બાળપણથી માંડીને આજ સુધી ઘણા બધા ગુજરાતી ગીતો સાંભળ્યા છે અને ગમ્યા છે. આજે માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ  ઊગ્યો……. અદકેરો આનંદ તો ખરો જ! લાલાશ ભર્યા સોનેરી સૂર્યના પ્રકાશમાં જેના સપ્ત રંગી કિરણો ધરતીના પટને ચેતનવંતો ને આનંદમય કરે છે….. ચારે બાજુ ઉષ્મા ભર્યું વાતાવરણ સર્જાય છે. … જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો…. કવિ અવિનાશ વ્યાસની આ ઉત્તમ કાવ્ય કૃતિ છે

.-પદ્માબેન કનુભાઈ શાહ  (Sunnyvale CA )

 

૨. મને ગમે છે જીવરામભાઈ ભવાનીશંકર જોશી

દર્શના વરિયા નાટકરણી

મને ગમે છે આપણી ગુજરાતી ભાષા – એ ભાષા જેના સાહિત્ય અને ગીતો દ્વારા મારો પહેલો પરિચય સ્વપ્ન ની દુનિયા સાથે થયો.  અને એ પછી અવાર નવાર વાસ્તવિકતાને છોડી ને સ્વપ્ન ની દુનિયા ની સહેર કરવાનું મેં ક્યારેય છોડ્યું નથી.

ગુજરાતી બાળ સહિત્યનિ દુનિયા માં તો છેલ અને છબ્બા સાથે મેં ઘણા સાહસ ખેડ્યા છે. છેલ હતો લાંબો અને પતલો અને છબો હતો થીંગણો।  બને દોસ્ત જેટલા દેખાવમાં અલગ તેટલાજ તેમના મનમેળ અને જીવરામ જોશી ના મિયા ફૂસકી અને તભા ભટ ના પાત્ર ને તો ભૂલી જ ન શકાય. મીયાભાઈ હતા થોડા આળસુ પણ બુદ્ધિમાન અને હોશિયાર।  એ જિંદગી ની બધી સમસ્યા નો ઉકેલ હોશિયારીથી લઇ આવે. અને બધા પ્રશ્નો ને હલ કરવામાં તેમને મદદ કરે તભા ભટ. મીયાભાઈ હતા મુસલમાન અને તભાભાઈ બ્રાહ્મણ।  પરંતુ આ બને ની દોસ્તી હતી એકદમ ગાઢ. એક વાર્તામાં મીયાભાઈ પોતાના ગધેડા ઉપર સવાર થઇ જતા હતા અને વચે ગધેડો થાકી ગયો અને રસ્તા વચે બેસી ગયો.  મીયાભાઈ એ ગધેડાને માર મારવાની બદલે બુદ્ધિ વાપરીને સમસ્યા નો ઉકેલ શોધ્યો.  તેમણે એક ગાજર લાકડી ઉપર બાંધુ અને લાંબી લાકડી એવી રીતે પકડી કે ગાજર ગધેડા ની સામે રયે અને ગાજર ને પકડવા ગધેડો આગળ આગળ ચાલે.  આવી તો કેટલીયે વાર્તા ઓ છે જેને લઈને હું કલ્પના ની દુનિયા માં ખોવાઈ જતી.

બાળપણ માં તો એ પાત્રો પાછળ ની વ્યુક્તી ને આભારિત થવાની તક નતી લીધી।  પરંતુ અત્યારે હું મારા પરિચિત પત્રો ને જ યાદ નથી કરતી   ।હું તેમના સર્જક જીવરામ જોશી ને આભાર વ્યક્ત કરવાની તક લઉં છું.  જીવરામભાઈ ભવાનીશંકર જોશી નો  જન્મ અમરેલી જિલ્લાના ગરણી ગામે સન ૧૯૦૫ માં થયેલ.  તેમણે મિયાં ફુસકી, છકો મકો, છેલ છબો, અડુકિયો દડુકિયો જેવા અનેક પાત્રો સાથે બાળકોને પરિચિત કર્યા છે.  આ બધી વાર્તાઓ દ્વારા પૈસા, સફળતા, પ્રમાણિકતા, નિષ્ઠા, વિવેક, વિનય, પ્રેમ, અને સાહસ ની દુનિયા માં સહેર કરાવી છે.  આ વોટ્સ એપ અને ગુગલ ની સદી માં જીવરામ ભાઈ જેવા લેખક ને કઈ રીતે ભૂલી શકાય?

મને ગમે છે આપણી ગુજરાતી ભાષા

દિલ માં છે માત્ર એકજ અભિલાષા

પરદેશમાં પણ રાખીએ આ ભાષા જીવંત

આપણા પ્યારા કવિઓ અને લેખકો ને નમ્ર વંદન

દર્શના વરિયા નાટકરણી

 

સતીશ રાવલ ,રમેશભાઈ રાવલ

 

૩. મને ગમે છે કવિ “કાન્ત”

તરુલતા મહેતા

ગુજરાતી સાહિત્ય અમૂલ્ય રત્નોની  ખાણ છે,એમાંથી એકની પસંદગી કરવામાં મીઠી વિમાસણ થાય છે.નિશાળના અભ્યાસ વખતે કવિ કાન્તની ‘ સાગર અને શશી’ કવિતા  ખૂબ ગમી ગયેલી,એમાંની ‘કામિની કોકિલા કેલિ કૂજન કરે ‘ વારે વારે બોલવાની મજા આવતી, ‘ક’થી શરુ થતા શબ્દોની વર્ણ સગાઈ કેવી સુંદર છે.આ પ્રકૃતિ કાવ્યમાં આવી તો અનેક  મનમોહક પંક્તિઓ  છે.એની ભાવ ભરતી હદયમાં હર્ષ ની હેલી લાવે છે
અર્વાચીન  ગુજરાતી  સાહિત્યની શરૂઆત નર્મદ,દલપતરામથી  થઇ.તે પહેલાં મઘ્યકાલીન  યુગ.જે ભક્તિ યુગને નામે પણ પ્રચલિત છે,જેમાં નરસિહ,મીરાં અને અખો પ્રેમાનંદ વગેરે આજે પણ લોકોના માનીતા છે.ઓગણીસમી  સદીના અંત ભાગમાં અંગ્રજી રાજ્ય આપણા દેશમાં આવ્યું. અંગ્રેજી કેળવણી નો પ્રચાર થયો,પશ્ચિમના વિચારો ફેલાયા.ગુજરાતી સાહિત્યકારો અંગ્રેજી કેળવણી પામ્યા.તેઓ પંડિત નામે ઓળખાયા, પંડિત યુગની શરૂઆત થઇ,તેમાં ગોવર્ધન  ત્રિપાઠી,નરસિહ રાવ દિવેટિયા,કાન્ત,બાળ શંકર કલાપી અને બીજા અનેક  તેજસ્વી  સિતારાઓ છે
કવિ કાન્ત વિદ્વાન અને વિચાર શીલ  સર્જક હતા.એટલું જ નહી,ખૂબ સવેદનશીલ કવિ હતા.તેમનો પૂર્વાલાપ’ નામનો કાવ્ય સંગ્રહ જાણીતો છે.તેમણે થોડાં પણ યાદગાર ખંડ કાવ્યો લખેલાં છે,કરુણ ભાવ  તેમના કાવ્યોમાં વિશેષ છે,જો કે મને પસંદ છે તે કાવ્યમાં પ્રકૃતિના સૌદર્યથી તતા આનદની  વાત છે
કાવ્યની  શરૂઆત થાય છે
આજ મહારાજ ! જલ પર ઉદય જોઇને
ચંદ્રનો હદયમાં હર્ષ જામે,
સ્નેહ ઘન  કુસુમવન  વિમલ પરિમલ  ગહન
નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે;
પિતા કાલના, સર્વ સંતાપ શમે !
નવલ રસ  ઘવલ તવ નેત્ર  સામે !
પિતા ! કાલના સર્વ  સંતાપ શામે!
કાવ્ય તમને દરિયા કિનારે લઈ જાય છે.વિશાળ સાગર  ઉપર ચંદ્ર ઉગ્યો  છે,તે જોઇને  કવિના અને વાચકના હદયમાં હર્ષ છવાઈ છે, આકાશમાં વાદળો ,જમીન પર કુસુમના વનમાંથી આવતો પવિત્ર ;શુદ્ધ ,સુવાસિત પવન  જેવા ભાવની ભરતી પોતાના મનમાં  જાગે છે.કાવ્યની પાસાદાર હીરા જેવી બાની કેવું  જીવંત ચિત્ર આલીખે છે.મનના ત્રણે  કાળના દુ:ખો ,સંતાપનું શમન થાય છે.મહારાજ અને પિતા પ્રભુને માટે છે. કુદરતનું  આવું સુંદર દ્રશ્ય જોઇને જગત પિતાને વદન ,હું સાગર અને ચંદ્રની પાછળ પાગલ છું કાન્તની કવિતા એટલે ગાગરમાં સાગર.ભાષા અને ભાવનું રસાયણ દિલને ડોલાવી દે
હવે પછીની પંક્તિઓ તમારા મનમાં પણ ગુજતી હશે.
જલધિજલ દલ ઉપર દામિની દમકતી ,
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન  કરે,સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા !  સુટી સારી  સમુલ્લાસ ઘરતી !
તરલ તરણી સમી સરલ સરતી !
પિતા ! સૃટી સારી  સમુલ્લાસ ઘરતી !
જુઓ કેવા સુંદર શબ્દોના પ્રાસ અને વર્ણ  સગાઈ  છે.કવિના આકાશમાં.વાચકના મનમાં અને આખા જગતમાં ઉલ્લાસની ઉજવણી થઇ ગઈ ,સર્વ સંતાપ શમી ગયો.
કાવ્યને જેટલી વઘારે વાર વાંચીએ તેટલું વઘારે સમજાય,વઘુ આનદ આવે.
કાન્તનું  અસલ નામ મણી શંકર રત્ન શંકર ભટ્ટ (ઇ,સ.1867-1923) અમરેલી પાસેના ગામના નાગર કુંટુંબમાં જન્મ ,ભારતીય  ઘર્મ ફિલોસોફી અને સાહિત્યનો કવિને ઉડો અભ્યાસ ,સ્વભાવે લાગણીશીલ અને મંથન શીલ ,જીવનમાં વિષાદનો અનુભવ ,એમાં ઘર્મની મથામણ,આ બઘુ એમણે અતિ કલાત્મક રીતે અને સંયમ થી ઉતાયું છે.તેમના છંદો અને અલંકારો અનુપમ છે.આંજે પણ કાન્તની તોલે આવે તેવા કવિની ખોટ છે.
મિત્રો ,તમે પણ આ કવિતાનો આસ્વાદ માણશો,આપણી ગુજરાતી ભાષા અને કવિતા તરફનું જેટલું ઋણ  ચૂકવીએ  તેટલું આછું છે.
તરુલતા મહેતા

૪. મને ગમે છે કવીશ્વર ઉમાશંકર.

વિનોદ પટેલ

આપણી ગરવી ગુજરાતી ભાષાના ભૂતકાળના ઇતિહાસમાં કેટ કેટલા મહાન લેખકો ,કવિઓ , સાહિત્યકારો થઇ ગયા છે . આ સૌએ એમની હયાતીમાં સાહિત્યના વિવિધ ક્ષેત્રે એમનું પ્રદાન કરીને ભલે સદેહે ચાલ્યા ગયા હોય પરંતુ એમના પુસ્તકોમાં સંગ્રહિત કૃતિઓથી શબ્દ દેહે તેઓ સદાને માટે અમર રહેવાના છે . આ સૌ સાહિત્યકારોના સાહિત્ય પ્રદાન માટે આપણે એમના ઋણી છીએ .

આમ તો મને ગુજરાતી સાહિત્યના ઘણા લેખકો અને કવિઓ ગમે છે પણ એ સૌમાં વધુ ગમતા કોઈ સાહિત્યકાર હોય તો એ છે સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ગાંધીયુગના અગ્રણી સર્જક ઉમાશંકર જેઠાલાલ જોશી.

આ રહી એ કવિ ઉમાશંકરની અમર કાવ્ય પંક્તિઓ …….

મળી હેમ આશિષ, નરસિહ મીરા,

થયા પ્રેમ ભક્ત દયારામ ધીરા,

સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી,

મળી માત્રુભાષા મને ગુજરાતી

તારીખ ૨૧-૭-૧૯૧૧ ના રોજ ઈડરના બામણા ગામમાં આ શબ્દોના સ્વામી કવિનો જન્મ થયો હતો અને તારીખ  ૧૯-૧૨-૧૯૮૮ ના રોજ મુંબઈ ખાતે કેન્સરથી અવસાન થયું હતું .

એમના  ૭૭ વર્ષના આયુષ્ય દરમ્યાન તેઓ એક કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક અને સંસ્કૃતિ સામયિકના તંત્રી પદે રહી પત્રકાર તરીકે એમ એમનું કાર્યક્ષેત્ર ખુબ વિશાળ હતું .ગુજરાતી ભાષાના આ મૂર્ધન્ય કવિરાજે એમના કાવ્યો દ્વારા શબ્દોમાં કેટલી શક્તિ રહેલી છે એનો પરચો સૌને કરાવ્યો છે .

કવિશ્રી ઉમાશંકરે સમગ્ર કવિતાસંગ્રહની આત્મની માતૃભાષાનામે પ્રસ્તાવનામાં નોંધ્યું છે કે, “ ગામેથી શબ્દ લઈને હું નીકળ્યો હતો.શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો? સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં, રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં વિદેશના સાંસ્કૃતિક સંમાજોમાં-એટલે કે, વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં તો, ક્યારેક માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર કોઈક પળે બે ડગલાં એ સંઘર્ષોના કેન્દ્ર તરફ પણ.” ………..

પરાગ જો અંતરમાં હશે તો………

..એ પાંગરીને કદી પુષ્પ ખીલશે ,……

મનોરથો સ્વપ્ન મહીં હશે તો………

સિદ્ધિ રૂપે કાર્ય વિષે જ જન્મશે……

આમ ઉમાશંકર જોશી વિષે અને એમના બધા સાહિત્ય ક્ષેત્રોના ખેડાણ માટે જો લખવા બેસીએ તો ઘણું લખી શકાય પરંતુ મને ઉમાશંકર જો કોઈ બીજા ગુજરાતી સાહિત્યકાર કરતાં વધુ ગમતા હોય તો એમના માનવતા પૂર્ણ હૃદયના ભાવોનું પ્રતિબિંબ પાડતી કવિતાઓથી . હાઈસ્કુલના અભ્યાસ દરમ્યાન જ હું એમના કાવ્યો તરફ આકર્ષાયો હતો…..

મળતાં મળી ગઈ માંઘેરી ગુજરાત

ગુજરાત મોરી મોરી રે !….

ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત..

ગુજરાત મોરી મોરી રે……….

કવિ ઉમાશંકરે પુષ્કળ કવિતાઓ લખી છે જે  વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ,તથા સમગ્ર કવિતાજેવા એમના કાવ્ય સંગ્રહોના પુસ્તકોમાં મળી આવે છે .આ બધાં કાવ્યોમાંથી કઈ કવિતા પસંદ કરવી એ મુશ્કેલ કામ છે . આમ છતાં એમના વિશાળ કાવ્ય ભંડારમાંની કેટલીક આખી કવિતામાંથી થોડીક મને પસંદ પડેલી કાવ્ય પંક્તિઓનો આસ્વાદ કરાવું છું જે તમોને જરૂર ગમશે .

આ કાવ્ય પંક્તિઓ આજે ય લોક હૃદયમાં એક કહેવતની જેમ  ચિરંજીવ સ્થાન પામી અવારનવાર અવતરણો તરીકે ગુંજતી રહે છે ..”એ તે કેવો ગુજરાતી……જે હો કેવળ ગુજરાતી ?…….

હિંદુ ભૂમિના નામે જેની ઉછળે ના છાતી “.

”વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી…….માથે ધરું ધૂળ વસુન્ધરાન”

મને મળી નિષ્ફળતા અનેક…તેથી થયો સફળ કૈક જિંદગીમાં”……

’મોટાઓની અલ્પતા જોઈ થાક્યો……નાનાઓની મોટાઈ જોઈ જીવું છું

.જે જે થતો પ્રાપ્ત ઉપાધી યોગ…….

બની રહો તે જ સમાધી યોગ

ત્રણ વાનાં મુજને મળ્યાં – હૈયું,મસ્તક ,હાથ……

..બહું દઈ દીધું નાથ ! જાં , ચોથું નથી માગવું………

પ્રભો ! આ પ્રેમની પુંજી , ધરું છું આપણે પદે ,…….વહેંચ એ સાવ

ખંખેરી ફેંકી દે વૃક્ષ પાંદડાં, ના કદી  થડ ,

રૂઢીઓ ખરતી રુક્ષ , ટકી રહે સંસ્કૃતિ-વડ .

૧૯૩૧ માં આ કવિના દિલમાં રાષ્ટ્ર ભાવના અને શોષિતો પ્રત્યેની માર્ક્સવાદી હમદર્દીમાંથી જઠરાગ્ની નામનું એમનું જાણીતું કાવ્ય રચાયુ હતું . આ કાવ્યના અંતમાં કવિ લલકારે છે .

દરિદ્રની એ ઉપહાસ લીલા….સંકેલવા , કોટિક જીભ ફેલતો

ભૂખ્યાં જનોનો જઠરાગ્ની જાગશે  ખંડેરની ભસ્મકણી ન લાધશે .

આ એમની લોકપ્રિય કાવ્ય કંડિકાઓનો આસ્વાદ કરાવ્યાં પછી  મને ગમતી નીચેની ત્રણ સંપૂર્ણ કાવ્ય રચનાઓ પ્રસ્તુત કરી મારા આ કવિ વિશેનો લેખ પુરો કરીશ .

હું હાઈસ્કુલમાં અભ્યાસ કરતો હતો ત્યારે પાઠ્ય પુસ્તકમાંથી ગુજરાતીના શિક્ષક શ્રી મોહનલાલ પટેલે ભણાવેલું આ ગીત મને ખુબ ગમતું હતું  જે જૂની યાદોને તાજી કરે છે .

ભોમિયા વિના મારે ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા,જંગલની કુંજ કુંજ જોવી હતી;…..

જોવીતી કોતરો ને જોવીતી કંદરા,…….

રોતા ઝરણાની આંખ લ્હોવી હતી.

કવી સ્વ. ઉમાશંકર જોશીની એક અછાંદસ કાવ્ય રચના

કવિશ્રી ઉમાશંકરભાઈએ  ઉપરના ઋતુ કાવ્યોની જેમ છંદમય કાવ્યો ઘણાં રચ્યાં છે એમ કેટલીક યાદગાર અછાંદસ કાવ્ય રચનાઓ પણ કરી છે .

આમાંથી મને કવિ ઉમાશંકરભાઈએ ૧૯૫૪ની સાલમાં રચેલ નીચેની અછાંદસ કાવ્ય રચના બધાંને ગમે એવી અર્થ પૂર્ણ છે .

મૃત્યુ પછી સાથે શું શું લઈ જઈ શકીશું… ?

શું શું સાથે લઇ જઇશ હું ?

શું શું સાથે લઈ જઈશ હું ?

શું શું સાથે લઈ જઈશ હું ?

કહું ?

.કાવ્યની શરૂઆતમાં કવિ કહે છે કે સતત બઘું એકઠું કર્યા કરતા માણસે પોતાની જાતને એક પ્રશ્ન પૂછવા જેવો છે કે હું આ જગતમાંથી શું શું સાથે લઈ જઈ શકીશ ? સાવ ખાલી હાથે આ પૃથ્વી ઉપર આવ્યા હતા , સાવ નગ્ન જન્મયા હતા અને માણસો જાણે બઘું જ સાથે લઈને જવાના હોય એમ આયોજનો કર્યા કરે છે. આખા યે કાવ્યનો મર્મ સમજાય એવો સ્પષ્ટ છે

                                                                           લઈ જઈશ હું સાથે

ખુલ્લા ખાલી હાથે

પૃથ્વી પરની રિદ્ધિહૃદયભર

વસન્તની મ્હેંકી ઉઠેલી ઉજ્જ્વલ મુખશોભા જે નવતર

મેઘલ સાંજે વૃક્ષડાળીઓ મહીં ઝિલાયો તડકો

 વિમળ ઊમટ્યો જીવનભર કો અઢળક હૃદય-ઉમળકો

માનવજાતિ તણા પગમાં તરવરતી ક્રાન્તિ

અને મસ્તકે હિમાદ્રિશ્વેત ઝબકતી શાન્તિ

પશુની ધીરજ, વિહંગનાં કલનૃત્ય શિલાનું મૌન ચિરંતન

વિરહ ધડકતું મિલન સદા મિલને રત સંતન

તણી શાન્ત શીળી સ્મિતશોભા

અંધકારના હૃદયનિચોડ સમી મૃદુ કંપિત સૌમ્ય તારકિત આભા

પ્રિય હૃદયોનો ચાહ

અંતમાં કવિ કહે છે કે માણસો-મનુષ્ય જાતિના પગમાં જે ક્રાંતિ તરવરી રહી છે એ ક્રાંતિ અને હિમાલયની શાંતિ હું મારી સાથે લઈ જઈશ.બધાંઓની ચાહના અને જ્યાં જ્યાં દુઃખનો પડઘો પડ્યો છે તે હૃદયો તે સંબંધોનાં સ્મરણો હું મારી સાથે લઈ જઈશ.

આ સુંદર કાવ્યમાં કવિશ્રીએ કેટલો સરસ સંદેશ માનવ જાતને આપ્યો છે

અને પડઘો પડતો જે આહ

મિત્રગોઠડી મસ્ત અજાણ્યા માનવબંઘુ

તણું કદી એકાદ લૂછેલું અશ્રુબિન્દુ

નિદ્રાની લ્હેરખડી નાની-કહો એક નાનકડો

સ્વપ્ન-દાબડો

(સ્વપ્ન થજો ના સફળ બધાં અહીંયા જ)

અહો એ વસુધાનો રસરિદ્ધિભર્યો બસ સ્વપ્ન સાજ

વઘુ લોભ મને ના

બાળકનાં કંઈ અનંત આશ-ચમકતાં નેનાં

લઈ જઈશ હું સાથે

ખુલ્લા બે ખાલી હાથે

ખુલ્લા બે ખાલી હાથે ?

જુલાઈ ૨૦૧૦માં દેશ વિદેશમાં ગુજરાતી ભાષાના આ મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોષી (૨૧/૦૭/૧૯૧૧૧૯/૧૨/૧૯૮૮) ના જન્મશતાબ્દિ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી અને એમને યોગ્ય રીતે જ ભાવભરી અંજલિઓ આપવામાં આવી હતી .

જેમ સર્વોચ્ચ કૈલાસ પર્વતની ટોચે ઉમા અને શંકરજી બિરાજે છે એમ જ મારે મન ગુજરાતી સાહિત્યમાં કાવ્યો રૂપી પર્વતની ટોચે કવીશ્વર ઉમાશંકરનું સ્થાન છે .

આ લેખ જો કે થોડો લાંબો થઇ ગયો છે પરંતુ આ દ્વારા મારા આ પ્રિય કવીશ્વર ઉમાશંકર જોશીને યાદ કરી એમને સ્મરણાંજલિ આપવાની આ તક લેતાં મને ખુબ આનંદ થાય છે .

વિનોદ પટેલ , સાન ડિયાગો , કેલીફોર્નીયા .

૫. મને ગમે છે નરસિંહ મહેતા-

મેઘલતાબહેન મહેતા

 

એતો મારો મહેતો

જુનાગઢમાં રહેતો

ભક્તિના રંગમાં રાતો

અને જ્ઞાનના ગીતો ગાતો

નરસિંહ  મહેતાના વ્યક્તિત્વના અનેક પાસા છે એને જ્ઞાની કહો  ,ભક્તિ,કેરા ભક્ત કહો કે પ્રેમ, ટીખળ,કરનાર,કૃષ્ણ નો મિત્ર, સંગીત,શાસ્ત્રીય,અને સુગમ પીરસનાર કે સમાજ સુધારક।. કે શાસ્ત્રો જાણનાર પંડિત…. આવા નરસિંહ મહેતા આજે 500 વર્ષ પછી પણ વિશ્વના દરેક ગુજરાતીમાં વસે છે

જ્ઞાન અને ભક્તિને એણે એક ત્રાજવે તોળ્યા છે  ભક્તિના કાવ્યોમાં અગાધ ઊંડું વેદાન્ત-સભર જ્ઞાન પણ છે તો બીજી તરફ પ્રેમ નીતરતી ભક્તિના દર્શન પણ થાય છે જાણે જ્ઞાન અને ભક્તિ એના પદમાં હાથમાં હાથ મિલાવીને પ્રેમના પંથે ચાલે છે એની પ્રેમરૂપી પંખીણીને જ્ઞાન અને ભક્તિની બે પંખો છે

પ્રેમરસ પાને તું મોરના પીંછધર,

તત્વનું ટૂંપણું તુચ્છ લાગે

આ પંક્તિ ખુબ સરસ અગાધ વાત બે પંક્તિમાં રજુ કરે છે તો

જડને ચેતન રસ કરી જાણવા

પકડી પ્રેમ સંજીવન મૂળી ….

પ્રેમ શોધવા જતા મળતો નથી ,વાત સામાન્ય કહી છે પરંતુ બે પંક્તિમાં સમજાવે છે કે તું પ્રીત કર અને પ્રેમ પ્રગટશે ….

ભણે નરસૈયો કે પ્રેમતણી શોધ ના

પ્રીત કરું ,પ્રેમથી પ્રગટ થશે

અને એટલે જ એનો પ્રેમ શુદ્ધ અને અલૌકિક છે એમાં રસતરબોળ થઈને પોતાની સાથે આપણને પણ ભીંજવે છે નરસિંહની રચનામાં ભક્તીસાથે પ્રેમ સદાય નીતરે છે જાણે બે જોડિયા બાળકો અને તેથીજ તેની ભક્તિ પ્રેમલક્ષણા કહી છે અને એટલેજ જેણે જીવન દરમ્યાન દુઃખ દરિદ્રતા વેઠી છે પણ સ્પર્શી નથી ફરિયાદ નથી ,માંગણી નથી પ્રભુ પાસે અપેક્ષા નથી ત્યારે તેના મુખ પર આ પંક્તિ રમે છે કે…

જે ગમે જગત ગુરુ જગદીશને

તે તણો ખરખરો ખોટ કરવો

આપણો ચિંતવ્યો અર્થ કાંઈ નવ સરે

ઊગરે એક ઉદ્વેગ ધરવો

પુત્ર  અને પત્નીને ગુમાવ્યા છતાં એક અનોખા માનવીની જેમ માત્ર નરસિંહ વિચારી શકે.તો આ પંક્તિમાં મોટા શાસ્ત્રો ન કરે તેવી વાત એમણે કરી છે

ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી,

જેહને જે ગમે તેને પૂજે,

મન કર્મ વચનથી આપ માની લહે

સત્ય છે એ જ મન એમ સુઝે …

પોતાની મસ્તીમાં રચનાર આ કવિ આપણને પણ એવા ખેચી જાય છે કે જાણે આપણે જ એ ભક્ત અને આપણે જ એ નરસિંહ મહેતા એવો અહેસાસ થાય છે,એમને શિવજીએ પ્રથમવાર રાસલીલાના દર્શન કરાવ્યા ત્યારે જે પ્રેમભક્તિનો અનુભવ થયો અને ભક્તિસાગરમાં ડુબકાં ખાતા જ્ઞાન લાધ્યું એનો એક એક અનુભવ અને જ્ઞાન આજે કેટલીએ પેઢીને આપતા ગયા પ્રશ્ન અહી એ છે કે તત્વજ્ઞાન અને ફીલસુફીની વાતો કરનાર માણસે કયારે વેદાન્ત અને ઉપનિષદ નો અભ્યાસ કર્યો ?આજની એકવીસમી સદીમાં આ વણઉકેલ પ્રશ્ન રહેવાનો અને રહેશે।….

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે;

​   ​

દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે..

એના જ્ઞાનનાં પદોની વાત કરીએ તો એટલી બધી સરળ ભાષામાં લખ્યાં છે ને પાછાં એક સાધારણ નિરક્ષર વ્યક્તિ પણ સમજી શકે અને ગાઈ શકે એને એથી તે ઘેરઘેર ગવાતાં થઇ ગયા એક ખુબ પ્રચલિત પદ જોઈએ।…

“નિરખને ગગનમાં કોણ ધૂમી રહ્યો ”

તે જ તું, તે જ તું શબ્દ બોલે

આમાં ઉપનિષદનું મહાકાવ્ય “તત્ત ત્વમ આસિ”નો ભાવ જણાય છે। …

ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં

અંતે તો હેમનું હેમ હોયે

આમાં “સર્વમ ખલુ ઈદમ બ્રમ” એ સૂત્ર જાણે કે છુપાયેલું છે

અખિલ બ્રમાંડમાં એક તું શ્રી હરિ

જુજવે રૂપે અનંત ભાસે

આ પંક્તિમાં સ્પસ્ટ રીતે કહે છે  “અહમ બ્ર્હ્માસ્મિ”

ઉપનિષદનો અને આ ચાર મહાન વાક્યોનો અભ્યાસ એણે કયારે કર્યો કેવી રીતે  ને કોની પાસે કર્યો તે એક રહસ્ય છે..આપણા આ નરસૈયાએ તો છસો વરસો પહેલાં આ વાત કરી …નરસિંહ મહેતાની ભક્તકવિ તરીકેની છાપ એટલી રૂઢ થયેલી છે કે જે આ વાંચ્યા પછી ભૂસાય જાય છે  તેઓ સમયથી પણ ઘણા આગળ એવા મહાન તત્વચિંતક હતા તેમાં કોઈ અતિશયોક્તિ નથી ….નરસિંહ જયાં પણ વસ્યા ત્યાં તેને સ્વર્ગ જ ભાસ્યું અને એટલે કહે છે સ્વર્ગલોક કરતા આપણો આ લોક સારો છે અહી હું ભક્તિ પૂજા નો લાહવો લઉં છું

ભૂતળ ભક્તિ પદારથ મોટું,બ્રહ્મલોકમાં નાહિં રે;

પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે ..

આ જગતમાં પ્રેમ-અમીરસ વહેતો રાખવા નો જશ નરસિંહને  પુરેપુરો દઈ શકાય અને એની આ બે પંક્તિ જે વાત કહી છે તે વિચાર માગીલે તેવી છે..એક ભક્ત તરીકે નરસિંહની અપેક્ષા દર્શનમાત્રની જ છે તેથી તે કર્મયોગનું બયાન કરે છે

હરિના જન તો મુક્તિ ન માગે, જન્મો જન્મ અવતાર રે;

નિત સેવા નિત કીર્તન ઓચ્છવ, નીરખવા નંદકુમાર રે ..

તો અહી  તેમની ફકીરી આ રીતે દર્શાવે છે…એનું અલગારીપણું એનું પોતાનું હતું. ભીતરનું હતું. એમાં દેખાદેખી નહોતી! એમાં દંભ નહોતો….આમ જોવા જઈએ તો નરસિંહનું સર્જન સ્વયં કવિતા છે.તેમની કવિતામાં પ્રેરણા, સ્ફુરણા, ચેતના, કર્મ, જ્ઞાન, વૈરાગ્ય, શ્રદ્ધા અને સંસ્કારનો સમન્વય દેખાય છે. એના લોકપ્રિય ભજનો વાગોળશો તો પ્રભુમય ભક્ત ની સાથે ઉપનિષદ, ગીતા, રામાયણ, લોકબોલી, વ્યવહાર, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય જેવાં અનેક આયામો નરસિંહની કવિતામાં  જોઈ શકાય

ત્રણસો ને સાઠ ગોવાળ ટોળે મળ્યા।.. વડો રે ગોવાળિયો કોણ થશે

એટલે કે શરીરની ત્રણસો સાઠ નાડીઓને ચાલુ રાખવાનું કામ તારા વિના કોણ કરશે જાગને જાદવા..આખી સૃષ્ટી ને જગાડનાર પ્રેભુને માત્ર નરસિંહ જ જગાડી શકે એ નરસિંહનો પ્રભુ પરનો પ્રેમ અને અધિકાર દેખાડે છે..ભક્ત વત્સલ અને ભગવાનના સંબંધની ગરિમાના દર્શન પણ થાય છે.

નરસિંહના પ્રભાતિયાં સાંભળિ સૈકાઓથી ગુજરાતીઓનું પરોઢ ખીકે છે.

નરસિંહ ની ટીખળવૃતિની વાત કરીએ તો ગંગાવતરણની વાત યાદ આવ્યા વગર ના રહે ગંગાને જટામાં ઝીલી લેનાર શિવજીની રમુજ કરતા નરસિંહ કહે છે। …..

જોગીપણું રે શિવજી તમારું મેં જાણ્યું રે

જટામાં ઘાલીને, શિવજી આ કયાંથી આણ્યું રે

કોઈ લાવે કેડે ઘાલી કોઈ લાવે હાથે ઝાલી

માથામાં ઘાલીને ,શિવજી ક્યાંથી તમે આણ્યું રે

ભભૂત ચોળીને શિવજી વાઈયો આડો આંક રે

એવા એવા લક્ષણો,પાણીને પાઉં ટાંક રે

આવો જ એક પ્રસંગ સમુદ્રમંથન નો। …

મહીં મથવાને ઉઠયા યશોમતી રાની

વિસામો દેવાને ઉઠ્યા સારંગપાણી

કોઈ નટખટ બાળક માને મદદ કરવા જાય તો માં ગભરાય જાય ને ના પાડી દે। .આતો નટખટ નટવર કનૈયો ,બધાના હાજા ગગડી જાય એટલે માવડી મદદ લેવાની ના પાડે એટલે કાનો કહે છે “બ્હીશોમાં માડી હું ગોળી નાહીં તોડું” પરંતુ મેરુ પર્વત ધ્રુજ્યો અને ધ્રાસકો પડ્યો કે મારું રવૈયું કરશે ને હું તો તૂટી જઈશ ,વાસુકી નાગને થયું કે મારું નેતરું કરશે તો મ્હારે તો મારવાનો વારો આવશે”વગેરે છેવટે બધા દેવો પગે લાગ્યા કે ગોકુળરાય તમે રહેવા દયો નેતરું મૂકી દો “અંતે નરસિંહ કહે છે કે જશોદાજી તો નવનીત પામી ગયા આમ ભક્તિ રસનો એક છાંટોય ઓછો કર્યા વગર હાસ્યરસનો એક છાંટો ય ઓછો કર્યા વગર હાસ્ય રસની છાંટપણ તેમાં કુશળતાથી ભેળવી દીધી... ખુબ જાણીતી આ બે પંક્તિ આજે પણ લોકો વાગોળે છે। ….

જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;

આવડી ધૂમ મચાવે વ્રજમાં કોઇ નહિ પૂછણહાર રે . ..

ભગવાન શ્રી કૃષ્ણ એમને હાજરા-હજૂર હતાં. કમસે કમ બાવન વખત એમણે સદેહે આવીને એમના આ ઘેલાં ભગતની મદદ કરી હતી. એમની અને શ્રી હરિના સંબંધમાં એક અદભુત રેશમની ગાંઠ હતી નરસૈયો,પર હારની ચોરીનું આળ ચઢાવામા આવ્યું ત્યારે સંગે સ્વયં ભગવાને તેમના વિધ્નો દૂર કર્યા હતાં એની પ્રેમભક્તિની પરાકાષ્ટા તેના હારમાળાના પદોમાં દેખાય છે, હારના ચાર સંગોને વર્ણવતી નરસિંહની રચનાઓ ખુબ પ્રચલિત છે …

હું ખરે તું ખરો હું વિના તું નહિ

હું રે હઈશ ત્યાંહા તું રે હઈશ

હું ગયે તું ગયો ,અનિવાર્ચી રહ્યો

હું વિના તુંહને તું કોણ કહેશે ?

અને જેમ રાત વધતી જાય છે ત્યારે એના લાડકા કનૈયાને ટોણા મારવાનું શરુ કરી દે છે

“મોગરે શું રે મોહી રહ્યો મોહના

હાર તું આપ્ય,યશક્ષાત્ય વાદી

કીહિથી ગુણ ગાતાં નાગરનો ન હુવો ,

ત્રિકમ તુંહને કો નહીં આરાધે

નરસિંહઆની ,એક હાર આપતાં,તાહરા બાપનું શું રે જાયે ?

તું હઠ કરી તે શું હઠ કરો શામળા

પુછશે  સ્નેહ,ત્રિકમ તાણ્યે

હાલ્ય હારને કાજે વિલંબવામાં ઘણું ,

નોહી કૌસ્તુભ કે વૈદુર્યમાળા,

ઉજળા ફૂલને સુત્રને તાંતણે ,

તીણી શું રે મોહી રહયો કૃષ્ણકાળો ….

પ્રભાતિયાં, ઝૂલણા છંદ, કરતાલ અને કેદારો રાગ આ બધા જેને બહુ પ્રીય હતા એવા ‘આદ્યકવિ’  નરસિહ મહેતાએ આમ તો ૧૫૦૦થી પણ વધુ પદો રચ્યા છે.નરસિંહ જેટલા વાંચીએ છીએ તેમ તની ગહનતા છતી થાય છે નરસિંહ માત્ર ભગત હતા કે કવિ હતા કે સમાજ સુધારક  પણ હતા? એવા કેટલાય પ્રસંગો જાણીતા છે  જે કહે છે કે નરસિંહ માટે નાત જાતના ભેદભાવ ન હતા અને એટલે જ ભજન કરવા હરીજનવાસ માં જાય છે અને તેમન માંગણી ને મન આપી ગાયું કે

આજ ની ઘડી છે રળિયામણી

હારે મારા વ્હાલો આવ્યા ની વધામણી

નરસિંહ ઉત્કટ ગોપીભાવે,એક નારીના- પ્રિયતમાના સમર્પણભાવે કૃષ્ણને ભજતાં અને પરમાત્માને પુરુષરૂપે જોતા..નરસૈયા એ સ્ત્રીના સંદર્ભ કહું છે કે …

સારમાં સાર તે નાર અબળા તણો

જે બળે બળિભદ્ર વીર રીજે

નરસિંહના સંગીત પ્રેમની વાતો કરીએ તો એમના પદો બધાજ ગદ્ય છે તદુપરાંત ગીતો પણ છે જેવા કે ભોળી રે ભરવાડન હરિને વેચવા ચાલી ,આજની ઘડી છે રળિયામણી વગેરે સુગમ સંગીતના પ્રણેતા તરીકે નરસિંહને અઓલ્ખવી શકાય એમના રાગના જ્ઞાન પરથી અને એમનો ગમતો કેદાર રાગ નરસિંહના શાસ્ત્રીય સંગતની અનુભૂતિ કરાવે છે કયારે શીખ્યા એ એક પ્રશ્ન છે ?કેદાર સાથે મલ્હાર ગાઈને મેઘ વરસાવ્યો છે એવી વાત પ્રચલિત છે

મેહુલો ગાજે ને માધવ નાચે

રુમઝુમ વાગે પાય ઘૂઘરડી રે

તાલ પખાજ વગાડે રે ગોપી

કૃષ્ણ વગાડે વેલુ વાંસલડી રે

ધન્ય નરસૈયાની જી ભલડી રે

જેને ગયો રાગ મલ્હાર રે  ……

પ્રભાતિયાં, ઝૂલણા છંદ, કરતાલ અને કેદારો રાગ આ બધા જેને બહુ પ્રીય હતા એવા ‘આદ્યકવિ’  નરસિહ મહેતાએ આમ તો ૧૫૦૦થી પણ વધુ પદો રચ્યા છે. જેમાં એમના જીવનના મુખ્ય પ્રસંગો વણાયેલા છે. આત્મકથાનક – પુત્ર વિવાહ, પુત્રીનું મામેરું, શામળશા શેઠની હુંડી, ઝારીનાં પદ ; ભક્તિ પદો, – સુદામા ચરિત્ર દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર આ પદો  બહુ જ પ્રખ્યાત થયા। ..ધન્ય તો આપણે કે આવા નરસિંહ આપણને મળ્યા

…..મેઘલતા…

૬. મને ગમે છે કવિશ્રી ઝવેરચંદ મેઘાણી-

ફૂલવતીબેન શાહ

રાષ્ટ્રીય શાયર નું બિરુદ પામેલા કવિશ્રી ઝવેરચંદ મેઘાણી નાં કાવ્યો વાચતાં  મને ઘણો આનંદ થાય છે. સૌરાષ્ટ્ર નાં સાવજ ની જેમ  એમના કાવ્યોમાં ગર્જના જોવા મળે છે. જડ માં ચેતન પ્રગટાવે અને સુતેલાને જાગૃત કરવાની શક્તિ એમના કાવ્યો માં વર્તાય  છે.   કવિ  ભાવુક પણ એટલા જ છે. એમના કાવ્યોમાં  જ્યાં કરુણા અને લાગણી દર્શાવતાં હોય ત્યાં તમે તમારા આંસુને રોકી પણ  નહીં  શકો.
એમની  ભાવુકતાનાં   દર્શન મને  એમનાં   ” કોઈ નો લાડકવાયો”   કાવ્યમાં  થયા  છે.  . આઝાદી ની ચળવળ સમય નું  વર્ણન કરતુ આ કાવ્ય છે. ભારતમાતા ની  મુક્તિ માટે અહીંસા આચરીને લાઠી ઓનો માર ખાતાં , ટીયર ગેસથી પરેશાન થતાં  અને બંદુક ની ગોળીઓએ વીંધાઈ જઈ શહીદ થતાં અનામી   સત્યાગ્રહી નું વર્ણન આ કાવ્યમાં   છે. એ  કાવ્યની કેટલીક પંક્તિઓ   હું અત્રે રજુ  કરીશ

 કોઈ નો  લાડકવાયો !

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

કો’ની વનિતા, કો’ની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઉમટતા રણજોદ્ધા જોવાને,
શાબાશીનાં શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને,
નિજ ગૌરવ કેરે ગાને,જખ્મી જન જાગે અભિમાને  .

 [ કવિ એ  અત્યાર  સુધી તો કાવ્યમાં દુ:ખદ  પરીસ્થિતિ નું વર્ણન જ કર્યું છે , પણ કાવ્ય માં કરુણતા નો  પ્રવેશ  હવે  જ  થાય  છે.]

સૌ સૈનિકના વહાલા જનનો મળીયો જ્યાં સુખ મેળો ,
છેવાડો  ને  એકલવાયો ,    અબોલ  એક    સૂતેલો
અણપૂછ્યો  અણપ્રીછેલો  કોઈનો અજાણ લાડીલો  .

એનું  શિર ખોળામાં  લેવા  કોઈ   જનેતા   નાં’વી ,
એને  સીંચન  તેલ-કચોળા નવ  કોઈ બહેની લાવી;
કોઈના  લાડકવાયા ની  ન  કોઈએ  ખબરે પુછાવી  .
***
***      ***
કોઈ નાં  એ લાડકવાયાના  લોચન  લોલ બીડાયાં ,
આખર ની સ્મૃતિ નાં  બે  આંસુ  કપોલ પર  ઠેરાયાં,
આતમ-દીપક  ઓલાયા, ઓષ્ઠ નાં ગુલાબ કમાયા  .
***
***       ***
વાંકડિયા  એ  જુલ્ફાંની  મગરૂબ  હશે  કો   માતા ,
એ  ગાલોની  સુધા પીનારા   હોઠ હશે બે    રાતા:
રે!   તમ ચુંબન  ચોડાતાં , પામશે લાડકડો શાતા  .

એ લાડકડા ની   પ્રતિમા નાં  છાનાં  પૂજન કરતી ,
એની  રક્ષા  કાજ  અહર્નીશ   પ્રભુને  પાયે  પડતી,
ઉરની એકાંતે  રડતી  વિજોગણ  હશે દિનો ગણતી  .
***
***     ***
એવી કોઇ  પ્રિયાનો  પ્રીતમ આજ  ચિતા પર પોઢે,
એકલડો  ને  અણબૂઝેલો   અગન-પિછોડી   ઓઢે ;
કોઇના  લાડકવાયાને   ચૂમે  પાવકજ્વાલા  મોઢે.

એની  ભસ્માંકિત  ભૂમિ પર ચણજો  આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો   નવ કોઇ  કવિતા લાંબી;
લખજો ખાક પડી આંહી  કોઇના   લાડકવાયાની”.

*********************

જ્યારે હ્રુદય માં   વેદનાની  ભરતી થાય  ત્યારે શબ્દો માં ઓટ આવી જાય છે. જે  કહેવું હતું  તે  કવિએ  ખુબ જ ટુકાણ  માં કહી દીધું
આજે જો આપણી વચ્ચે  શ્રી ઝવેરચંદ મેઘાણી  હોત  તો   ભારત ની  આજની  પરીસ્થિતિ ,  રાજકારણ અને   રાજકારણીઓ વિષે કેવી  કવિતાઓ લખેત ?

ફૂલવતીબેન શાહ
૭. મને ગમે છે મીરાબાઇ-

પદમાં -કાન

જૂનુ તો થયું રે દેવળ જૂનું તો થયું

જૂનું રે થયું રે દેવળ જૂનું તો થયું

મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું….

આ કાવ્યના રચયિતા મીરાંબાઈ જે કૃષ્ણ ભક્તિથી રંગાયેલ હતાં। તેમણે તેમનું જીવન કૃષ્ણને સમર્પિત કર્યું હતું.કાવ્યની ભાષા સરળ અને સુઘડ છે.સમયની સાથે દેહ જર્જીરત થતાં ”જૂનું રે થયું રે દેવળ જૂનું તો થયું ”એ શીર્ષક યથાર્થ છે.

પડી ગયા દાંત માયડી રેખું તો રહ્યું। ………મારો

તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે

આ રે કાયા રે હંસલા ડોલવા રે લાગી રે

ઉડી ગયો હંસ પીંજર પીંડ પડી તો રહ્યું। ……..મારો

સમય જતાં માનવીને વૃધ્ધાવસ્થા આવે છે। દાંત પડી જતાં મો એક બાખોલું થઈને રહે છે.આ દેહને મારો  જાણીને ખૂબ પ્રેમ કર્યો હતો તે દેહ હવે લથડીયા ખાવા લાગે છે। છતાં પણ માણસને આ દેહ પ્રત્યેનો મોહ છુટતો નથી.પણ એક દિન જાવું જરૂર એ સનાતન સત્ય મીરાંબાઈ સમજાવે છે.ને એક દિવસ હંસલો યાને જીવ આ દેહ છોડીને ઓચિંતાનો ચાલ્યો જાય છે.

આ કાવ્યમાં મીરાંબાઈ એ આત્માને દેવ અને દેહને દેવળની ઉપમા આપીને એક રૂપક કાવ્ય આપણી સમક્ષ રજુ કર્યું છે.દેવલમાંથી પ્રભુની પ્રતિમા જતી રહેતાં તે દેવળ એક સામાન્ય ઘર થઈને રહે છે,તેમ આ દેહમાંથી આત્મા રૂપી હંસલો ઉડી જતાં તે ખોળિયાની કોઈ જ કિંમત ન રહેતાં તેને આખરે બાળી નાંખવામાં આવે છે.વળી આ રૂપક દ્વારા આત્માની શાશ્વતતા અને દેહની નશ્વરતા જતાવી છે.મીરાંબાઈ પાસે દૂન્યવિ વસ્તુઓ અને સંસારના સુખો પતિ ,પ્રતિષ્ઠા ,ધન ,ભૌ તિક સુખની રેલમછેલ હતી ,પણ ભક્તિ અને વૈરાગ્યને વરેલી મીરાંબાઈએ આ સંસારના સુખને ઝાંઝવાના નીર જેવું કહી માનવીને આ જગતની નશ્વરતા માંથી મુક્ત બની શાશ્વત એવા પ્રભુમાં લીન થવાની ઘોષણા કરી છે.કહેવાય છે કે ચોર્યાશી લાખ યોનિમાંથી પસાર થયા પછી આ અનમોલ મનુષ્ય દેહ મળે છે.આ દેહ પણ નાશવંત જરૂર છે પણ આ જ  દેહ વડે પ્રભુ ભક્તિ કરી આત્મા જાગે ,વૈરાગ્યની જ્યોત જગાવી ,પ્રભુ પરાયણ બને ,બ્રહ્મમા આત્માને લીન કરવાની પ્રેરણા આપે છે।

બાઈ મીરાં કહે પ્રભુ ,ગીરીધરના ગુણ વ્હાલાં

પ્રેમનો પ્યાલો તો તમને પાવું ને પીવું। ……..

મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું

છેવટે મીરાંબાઈ કહે છે ભક્તિ વડે હું પ્રેમનો પ્યાલો આપને (પ્રભુને) પીવડાવું અને હું પણ આપના પ્રેમને પામું।…..મળેલો આ મોંઘો મનુષ્ય અવતારને સાર્થક કરું।

પદમાં -કાન

પદમાં કનૈયાલાલ  શાહ

પદ્માબેન શાહ કલ્પના રઘુ શાહ
૮. મારા  પ્રિય  કવિ  કલાપી

જયા ઉપાધ્યાય

જન્મ  તા ૨૬-૨-૧૮૭૪     મૃત્યુ   તા.૧૦-૬-૧૯૦૦

“કલાપી”  વિષે જયારે  મને મોકો મળ્યો  ત્યારે  સહુ  પ્રથમ તો હું ભૂતકાળ  માં ખોવાઈ ગઈ . બી   એ  વિથ   ગુજરાતી  મારો મુખ્ય   વિષય   હતો  અને  પ્રણય કવિ  કલાપી  નો કાવ્ય સંગ્રહ  “કલાપી નો કેકારવ “ ભણવાનો  અવસર  મળ્યો હતો .  યાદ  તાજી થઇ ગઈ .

આ પહેલા  આટલી બધી સ્નેહ અને અનુકંપા  ભરી  કૃતિ ઓ  ક્યારેય  જોઈ , અનુભવી  કે વાંચી  નહોતી .આજે પણ યાદ કરું છું  કે બુદ્ધિ થી ગૂંગળાયા  વિનાની  નિરંકુશ  ઊર્મિ ઓ તેમના  પ્રત્યેક  સર્જન માં જોવામળે છે .તે  વખતે  મુશાયરા  ઓ માં ગાજતા  કવિ ઓ  ‘શૂન્ય  પાલનપુરી , બેફામ  કે’ ઘાયલ  નું નામ  પણ નહોતું સાંભળ્યું    તે પહેલા થી  આ  કવિ  લોક હૃદય ની લાગણી માં જીવંત  રહ્યા છે

આપણા ભારતવર્ષ  કે દુનિયા ના બીજા દેશો માં અનેકાનેક એવા નામો છે  જેમણ જીવન નો અણધાર્યો અંત  આવી ગયો હોય .

ફક્ત  ૨૬ વર્ષ ની  ઉંમરે આ  દુનિયા ને  અલવિદા કહી જનાર   લાઠી નામના નાનકડા રજવાડા  ના રાજા ‘સુર સિંહજી તખ્ત સિંહજી   ગોહિલ  ( કલાપી )  પણ વીજળી ના ચમકારા જેવું જીવન જીવી ગયા  અને નાની ઉમર  માં કેટલો બધો  વારસોછોડી ગયા કે આખી સદી  પછી પણ દુનિયા તેમને  ભૂલી  શકી નથી .

કવિ  જીવન તો ફક્ત  ૧૬ થી ૨૬ વર્ષ સુધી નું હતું .આ સર્જન કાળ  માં સાહિત્ય ને અમૂલ્ય ભેટો જેવી ગઝલો લખી અને પત્રો પણ આપ્યા . ‘ કાશ્મીર  નોપ્રવાસ ‘ એ ૧૮ વર્ષ ની ઉંમરે પહોંચેલાકુમાર સુર સિંહ નું  પુસ્તક  આપણા  પ્રવાસ સાહિત્ય નું  અણમોલરત્ન  છે .’કલાપી નો કેકારવ ‘ માં ઈ  સ ૧૮૯૨ થી ૧૯૦૦ સુધી માં  ૨૭૫ જેટલી  કાવ્ય રચના ઓ  પ્રગટ  થઇ છે . કલાપી એ  પોતાના  પ્રણય જીવન ની  કથા  ‘હૃદય ત્રિપુટી ‘ માં  નિરૂપી છે  . કલાપી ના કાવ્ય નો રશિયન  ભાષામાં  અનુવાદ  થયોને છે . આ  કોઈ નાની સુની વાત  નથી  અને  અચાનક  ૨૬ માં વર્ષે  કાવ્ય દ્વારા   વ્યક્ત   પણ કરી  દીધું

હું  જાઉં  છું  .!   હું  જાઉં  છું !  ત્યાં  આવશો કોઈ નહિ

સો સો દીવાલો  બાંધતા   ત્યાં  ફાવશો  કોઈ    નહિ

મારો  હિસાબ  વિધિ  પાસ કશો ના લાંબો જીવ્યો

મરીશ  જેમ તારક   ત્યાં   ખરશે

આ   કવિ નું  ‘કલાપી  ‘  એ ઉપનામ હતું . કલાપી એટલે પીછ્સમૂહ (કલાપ) થી  શોભતો  મોરલો …. મયુર  જે મોહિત કરે છે   ટહુકાર   કરે છે  તેમ કલાપી ની કલામે લખાયેલ  રંગ બેરંગી  રચના ઓ દ્વારા  આજે પણ કવિતા પ્રેમી ઓ ને  મોહિત કરે છે  અને દરેક દિલ ની વાડી માં  એ જ ચીર યુવાન મીઠાશ થી  ગુંજતા  રહ્યા છે  અને રહેશે .

યુવાન હૃદય  ની સુકોમળ  ઊર્મિ ઓ  સરળ અને સહજ સુમધુર  વાણી માં  ગુજરાત ના ખોળે  ધરનાર અ  કવિ ની કવિતા ઓ દરેક પ્રેમી ના પાઠ્ય પુસ્તક માં પહેલા પાના પર જ લખાયેલી રહી છે .ગુજરાતી સાહિત્ય માં કદાચ  મેઘાણી  ને બાદ કરતા   કલાપી જ લોક  હૃદય માં રહેલા કવિ છે .

માતા   રમાબા  પિતા ઠાકોર તખ્ત સિંહજી .     ત્રણ  રાજકુમારો માં તેઓ  વચેટ .મોટા ભાઈ  ભાવ સિંહજી ના અવસાન  ને કારણે કલાપી   જન્મતા ની સાથે જ  રાજ્ય ના વારસદાર  તરીકે જાહેર  થયા હતા .૧૮૯૭ માં

માત્ર  પાંચ  વર્ષ  ની વયે  સુર સિંહજી ને માથે  થી પિતા  નું  છત્ર ઝૂંટવાઈ ગયું ઈ સ ૧૮૮૮ માં ૧૪ માં વર્ષે માતા ની સ્નેહ સરવાણી  સુકાઈ  ગઈ .

માતા ને મૃત્યુ ને હજુ દોઢ  વર્ષ  નથી વીત્યું ત્યાં તો પંદર વર્ષા ની ઉમરે  એમના  થી  સાત વર્ષ મોટી  વય ના કચ્છ  ના  રોહા સંસ્થાન  ની ૨૨ વર્ષા ની  રાજકુમારી  ‘રાજબા ‘ અને કોટડા સાંગાણા  ની ૧૭ વર્ષ ની ‘કેસરબા’ (આનંદીબા ) સાથે ——એક સાથે બે  લગ્ન  થયા . કલાપી  ને રાજબા  પ્રત્યે વિશેષ  પ્રીતિ  હતી . તેમણે એમનું  નામ  રમાં   પાડેલ   .  રાજબા  ભણેલા   હતા  . કંઠ  મધુર હતો  સાહિત્ય  સંગીત  ચિત્રકલા  માં એમને  અત્યંત  રસ  હતો .કલાપી  રાજકોટ ની રાજકુમાર   કોલેજ  માં અભ્યાસ કરતા  પણ તેમનું  દિલ લાઠી માં  વિશેષ કરી ને રમાં   માં જ  રહેતું . કલાપી ની કવિ જીવન ની શરૂઆત  રાજબા ના  પત્ર  માં થાય છે .એક પ્રેમ પત્ર માં કવિ રમાં  ને ઉદ્દેશી  ને  લખે છે .

“  અહો  પ્યારી   મારી  શોક   ના કરજે જરી હવે ,

દિવસ  તેર  રહ્યા છે ,  મળવા  પ્રિય  મારી તને  “

લોહ ચુબક  લોઢા ને ખેંચે  જ્યમ   નિજ ભણી ,

તેમ  જ પ્રીતિ  તારી ખેંચે  મુજ ને  તુજ ભણી . “

સમગ્ર દેશ ના  રજવાડા   ઓ માં વ્યાપેલું  સડેલું   વાતાવરણ  લાઠી  માં પણ હતું  . રજવાડા ના હિંસક  વાતાવરણ  માં કવિ  ની કલામે  “   શિકારી  “ ને ઉદ્દેશી ને  લખ્યું

રહેવા  દે !  રહેવા દે  !  આ  સંહાર  યુવાન તું ,

ઘટે  ના ક્રૂરતા આવી  ,વિશ્વ આશ્રમ   સંત  નું

ગાંધીજી ના આગમન પહેલા  ભગવદ ગીતા નો “  અહિંસા “ નો સંદેશ   એક કવિ જ  સમજાવી શકે . રોહા વાળી  રાણી  રમાબા ની સાથે તેમની   દાસી   મોઘી  (શોભાના ) નામની  નાનકડી  ખીલતી કળી  જેવી બાળા  આવેલી કલાપી એ તેને  ભણાવેલ .તેઓ  કાશ્મીર  ના પ્રવાસે  ગયા  ત્યારે  રમાં પર ના પત્ર  સાથે શોભના  પર ટૂંકા  પત્રો  લખતા રહી  તેના  ભણતર ને ઉત્તેજન  આપ્યું . કાશ્મીર ના પ્રવાસે થી પાછા  ફર્યા  બાદ લગભગ  ઈ  સ  ૧૮૯૪ થી  કલાપી નો   શોભા પ્રત્યે નો  વાત્સલ્ય   ભાવ પ્રણય  ભાવ માં  પલટાયો હતો .

“  અતિ મોડું મોડું  વદન તુજ   ચાહું  કહી શક્યું

અને મારું હૈયું  સમજી નવ  વહેલું  કઈ   શક્યું

હતી તું તો શિષ્યા   રમત મય એ યાગ  તુજ  સૌ

અહો ! કોડે  હેતે  હૃદય મમ   લાડ  પુરતું “

ગુજરાત ના  સાહિત્ય રસિકો એ કલાપી  ને  શોભાના ના સ્નેહ મન થી પેદા થયેલો કોઈ અવધૂત  , લયલા નો મજનું કે  શીરીન  ની પાછળ  ઘેલો  થયેલો  ફરદાહ —  એ રીતે  ઓળખ્યો  છે શોભાન માં થી  પ્રેરણા  ન મળી હોત  તો કદાચ  કવિ કલાપી   ન  મળી શક્યા   હોત  .રમાબા થી આ વાત  અજાણી  ન હતી  . પોતાની દાસી  સાથે લગ્ન કરે  એ  વિચાર જ  અસહ્ય   હતો .એમની સંમતી  વગર  લગ્ન શક્ય  ના હતું . રમાબા ને  સમજાવવા માં કલાપી  સફળ  ના  થયા . લગ્ન થાય તો પણ પોતાના  હૃદયમાં રમા નું .સ્થાન  જે હતું તે જ   રહેવાનું હતું .

“તુને ચાહું   ન બન્યું કદી  એ   તેને   ન ચાહું  ન  બને કદી  એ

ચાહું  છું  તો ચાહીશ બેયને હું  ,ચાહું  નહીં  તો ના કોઈ ને હું

નીતીભાવના  ,સમાજ   રાજા તરીકે નું કર્તવ્ય અને ન્યાય  વગરે કલાપી ને શોભના થી દુર રહેવાનો  અનુરોધ કરવા લાગ્યા   . બીજી બાજુ શોભના  નોપ્રેમ સૌન્દર્ય અને આકર્ષણ  રોજ રોજ વધતા   જ ગયા રમાબા  એ શોભાના ને પતિ થી દુર  કરવાનો નિર્ણય લીધો .  રોહા થી  રામજી લખણ ખવાસ  નામના જુવાન ને બોલાવી  તેની સાથે લગ્ન  કરાવી દીધા .

“ કપાવી માંશુકે  ગરદન અમારી કોઈ ને હાથે ,

વળી છે રિશ્તે  દુર  રખાવ્યો  મોત ને હાથે “

“એક ઘા”     કાવ્ય  માં શોભના થી પોતાને દુર કાર્ય પછી  પશ્યાતાપ  અનુભવે છે તે  દર્દ  બની ને ટપકે છે .

“ તે  પંખી ની ઉપર પથરો  ફેંકતા  ફેંકી દીધો

છૂટ્યો તેને  અ ર ર ! પડી ફાળ  હૈયા  મહી તો

રે ! રે !  લાગ્યો દિલ પર અને  શ્વાસ રૂંધાઇ  જાતા

નીચે આવ્યું તરુ ઉપરથી  પંખ ઢીલી  થતા   માં “

પશ્યાતાપ  કાવ્ય માં  કવિ લખે  છે

હા  પસ્તાવો  વિપુલ ઝરણું  સ્વર્ગ  થી ઉતર્યું  છે

પાપી તેમાં ડૂબકી દઈ ને  પુણ્યશાળી   બને છે

પરંતુ  શોભના  નું લગ્ન  જીવન દુખી હતું  અને તે માંદી  પડી અને મારવાની દશા માં  તેને કલાપી ને છેલ્લી સલામી ચીત્થી    લખી  . નજરે  જોઈ એને  બચાવવી  પોતાનો ધર્મ  સમજ્યો  . છેવટે  ઈ સ  ૧૮૯૮ ના જુલાઈ ની  અગિયારમી તારીખે  ૨૪ વર્ષ ની વયે   શોભના સાથે   લગ્ન કર્યું . પણ રે કુદરત   !  પ્રણય  ના  ઘા  જીરવી  જનાર વિરહી  કવિ ખુદ પોતાની  પત્ની  રમ ના પ્રેમ આગળ  હારી ગયા . રમ એ યુક્તિ થી ઝેર  પીવડાવ્યું  .અને માત્ર  ૨૬ વર્ષ ની યુવાન વયે  કળા સાહિત્ય ને  સમૃદ્ધ  કરી  સ્વર્ગવાસ  પામ્યા .

“ગ્રામ માતા  “ ખંડ  કાવ્ય માં  સીધી સાદી  શૈલી  ને અનુસરી ને  કલાપી એ ચમત્કાર  સર્જ્યો છે . સીધા સાદા  શબ્દોમાં  શબ્દ ચિત્ર ખડું કરે છે .

“ વૃદ્ધ  માતા અને તાત  તાપે છે સગડી  કરી ,

અહો !  કેવું  સુખી જોડું  કરતા એ નિરમ્યું  દિશે “

“રસહીન ધરા  થઇ  છે  દયા હીન થયો નૃપ “

નહિ તો ના બને  આવું  “ બોલી માતા ફરી રડી .

રાજા  પ્રજા નું રક્ષણ કરવાને બદલે   કર્તવ્ય  ભ્રષ્ટ  થઇ ને  શોષણ  કરે  ત્યારે  ધરતી  રસકસ  વગર ની થાય  છે એવું  આ પંક્તિ  સૂચવે છે

“આપની યાદી   “  ગુજરાતી સાહિત્ય નું અણમોલ   મોતી  છે અને  આજે  એક સદી પછી પણ અજોડ છે . કલાપી ની તે છેલ્લી  અને ઉત્તમ કૃતિ છે . કવિ શ્રુષ્ટિ  ના  એક એક કણ માં ઈશ્વર  ને સ્મરે  છે .

”જ્યાં જ્યાં  નજર મારી ઠરે  ,યાદી ભરી ત્યાં આપની ,

આંસુ  મહી એ આંખ  થી  યાદી ઝરે છે આપની  “

માંશુકો ના ગાલ  ની  લાલી  મહી  લાલી અને

જ્યાં જ્યાં ચમન  જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની “ગાંધીજી ના આશ્રમ ભજનો માં પણ “આપની યાદી” ને  સ્થાન મળેલ છે .કલાપી સજ્જનતા  ની મૂર્તિ હતા .કોઈનું બુરું  ના કરી શકે . બુરું ઈચ્છી પણ  ના  શકે બલ્કે  સૌ નું કલ્યાણ વાન્છતા  કવિ ને કોઈ નું બુરાઈ ની હવે ફિકર  નથી

“દેખી બુરાઈ  ના કરુ  હું , શી ફિકર છે પાપની,                         ધોવા બુરાઈને બધે  ,ગંગા વહે છે આપની “

અને એટલે જ કવિ અંત માં ગઈ શકે છે  —–

”કિસ્મત કરાવે ભૂલ  તે  ભૂલો કરી નાખું

બધી  છે આખરે તો  એકલી  ને એજ  એ યાદી  આપની  “

પ્રિય   કવિતા ને છેલ્લું  આલિંગન આપતા કવિ કહે  છે   આ   પંક્તિ માં  કવિતા  અને શોભના  દ્વિ અર્થ  છે જેના પ્રતાપે  કવિતા સ્ફૂરી  હતી,

“ તારા  બહુ  ઉપકાર  રસીલી  તારા બહુ ઉપકાર

તું ઉર  નો ધબકાર ! રસીલી  તું અશ્રુ ની ધાર “

કેટલાક  રાજા નું જીવન એના ખોબા જેવડા  રજવાડા થી પણ લાંબુ હોઈ છે  તો કેટલાક નું શાસ્વત . આવા  શાસ્વત કવિ કલાપી નું કાવ્ય સર્જન  ઈ સ ૧૮૯૨ થી શરુ થયેલ . વરિષ્ઠ  સાહિત્યકારો  સાથે તેમને મિત્રતા  હતી . સ્વીડન બર્ગ ના વિચારો ની  તેમન પર ઊંડી  અસર  હતી .૧૬ થી ૨૬ વર્ષ  ના દસ વર્ષ ના ગાળા માં જ ૫૦૦ થી વધુ  વિવિધ પુસ્તકો નો અભ્યાસ  કરેલો  અને લોકો ને  મોઢે  રમે અને  ગમે તેવા  ગુજરાતી સાહિત્ય ના  ઘરેણા જેવી ૨૫૦ થી વધારે વિવિધ  છંદ  માં ગઈ શકાય તેવી  રચના ઓ કરેલી છે . પત્ર સાહિત્ય માં પણ ઘણું ચિંતન સમૃદ્ધ  કર્યું છે. તેમને “ રાજવી કવિ કલાપી “  પુસ્તક થી  સન્માનવા માં આવ્યા છે .કલાપી એવોર્ડ  થી નવાજવામાં  આવ્યા છે .ઈ સ ૧૯૬૬ માં ગુજરાતી ચલચિત્ર  “કલાપી “ બનાવાયું જેમાં અભિનેતા  સંજીવકુમારે  અદભુત  રોલ ભજવ્યો હતો .  પ્રેમ પ્રકૃતિ અને પ્રભુ વિરહ ના એમના  કાવ્યો  —  ભાવ ની સ્નીઘ્ધ મીઠાશ  અને રસાળ ચિંતન ના કારણે આજે પણ અજર અમર  બની રહ્યા  છે

જયા   ઉપાધ્યાય—ઓમ માં  ઓમ

૨૪-૩-૨૦૧૪

૯. મને ગમે છે “ઉશનસ”  ઉર્ફે  નટવરલાલ  કુબેરદાસ    પંડ્યા  

–  હેમંત  ઉપાધ્યાય

જ   તા    ૨૮-૯-૧૯૨૦      અને  દેહ વિલય  ૦૬-૧૧ -૨૦૧૧

૯૧  વર્ષ  સુધી ના જીવન માં  અનેક   રચના ઓ  થી  ગુજરાતી સાહિત્ય માં   એક આગવું  સ્થાન  પ્રાપ્ત  કરી ને જીવન સુગંધ  પ્રસરાવી ગયા.તેઓ   પહેલા નવસારી ગાર્ડા   કોલેજ   માં   પ્રોફેસર   હતા અને પછી  વલસાડ કોલેજ  માં  પ્રિન્સીપાલ   થયા .  નવસારી માં અમારા  સાખ  પાડોશી તેમના  ખોળા  માં  હું  રમ્યો છું .૧૯૭૫ માં  ગુજરાતી સાહિત્ય   પરિષદ   દ્વારા   શ્રેષ્ઠ   અવોર્ડ   થી તેઓ નું  સન્માન   કરવામાં આવેલું..તેમની  બે  રચનાઓ   મનેખુબ  ગમે  એક  જે  અપ્રકાશિત     છે  અને  બીજી  બહુ    વખણાયેલી  છે.

અપ્રકાશિત  રચના

પત્ની સાથે  વિવાદ થતાં  પત્ની  એ  મોંન  ધારણ  કર્યું   અને  પછી    તેઓ  પિયર  જતા  રહ્યા  ત્યારે  તેમણે  સંસ્કૃત   ના પ્રસિદ્ધ   શ્લોક

મુકમ   કરોતિ  વાચાલમ , પંગુમ  લંઘયતે   ગિરિમ

પરથી   લખ્યું   કે

મૂંગા  ને બોલતો કરે   એ તો જાણે     સમજ્યા

અમારા   અબોલા   તોડાવે તો જાણું

લંગડા  ને પર્વત   ચઢાવે   એ તો જાણે ઠીક

એને પિયર થી  પછી ખેંચી   લાવે તો જાણું

સ્ત્રી વગર ના જીવન માં પુરુષ ની એકલતા , લાચારી  ,વિરહ  અને વેદના  ને વાચા  આપતી  આ  પંક્તિ ઓ  મને ખુબ ગમે છે..દરેક   પરિણીત  પુરુષ ના જીવન  ની આ   સામાન્ય   ઘટના  છે,( જો કે અહીં  અમેરિકા  માં કોઈ  પિયર જાય નહીં )

અને  બીજી રચના :વળાવી    બા  આવી

રજાઓ દિવાળી તણી થઇ પૂરી, ને ઘર મહીં

દહાડાઓ કેરી સ્ખલિત થઇ શાંતિ પ્રથમની,

વસેલાં ધંધાર્થે દૂર-સુદૂર સંતાન નિજનાં

જવાનાં સૌ કાલે તો , જનકજનની ને ઘર તણાં

સદાનાં ગંગામા-સ્વરૂપ ઘરડાં ફોઇ, સહુએ

લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ

નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,

ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઇ ગયાં;

સવારે ભાભીનું ભર્યું ઘર લઇ ભાઇ ઉપડ્યા,

ગઇ અર્ધી વસ્તી, ઘર થઇ ગયું શાંત સઘળું,

બપોરે બે ભાઇ અવર ઊપડ્યા લેઇ નિજની

નવોઢા ભાર્યાઓ પ્રિય-વચન-મંદ-સ્મિત-વતી;

વળાવી બા આવી નિજ સકળ સંતાન ક્રમશઃ

ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે

ઉશનસ

ખુબ સંવેદનશીલ   રચના —–  અમે  ચાર ભાઈ અને એક બહેન   — બહેન અપરિણીત  છે

દિવાળી માં ચારેય  ભાઈ ઓ પોતાના પરિવાર સાથે આવે   — પાંચ દિવસ આનંદ   ઉત્સાહ  અને કિલ્લોલ  માં પુરા થાય  અને પછી એક એક  ભાઈ  નો પરિવાર  જાય,   છેલ્લો   ભાઈ જાય   ત્યારે  આવજો કહી ને અમારી માં  ઉંબરે   બેસી પડતી  —ઘર માં  આવવાની   હિંમત  ના રહેતી  .

અમારા   પિતાજી  ધીમે રહી ને હાથ   પકડી અંદર   લાવે અને રવેશી ના હિંચકે  બંને  બેસી ને બોલ્યા વગર  અશ્રુ  વહાવે. થોડા સમય પછી  અમારા  પિતાજી ચા  બનાવે    ત્યારે  મારી માં બોલાતી

“પંખી  ઓ ઉડી ગયા   , રહ્યા  આપણે માળા   ના રખવાળા —-

માં ના વાત્સલ્યને, પ્રેમ ને  શબ્દો  માં  સમાવાય નહીં  પણ તેને થયેલા  વિરહ ની વેદના  ની અનુભૂતિ  મારી બહેન ને   થતી ,

આજે એમના   અવસાન ને  ૨૮ વર્ષ   થયા   પણ એ પરંપરા   ચાલુ જ છે.  આજે તો અમારા છોકરા ને ત્યાં પણ છોકરા   છે. માં  ગઈ ને બહેન આવી  —એનો હાથ   પકડનાર    કોઈ   નથી છતાંય   અશ્રુ ઓ તો એક જ વેદના   પોકારે   ચાહે   તે

માં  ના  હોઈ  કે    બહેન  ના

હેમંત  ઉપાધ્યાય

ઓમ માં  ઓમ

૨૬-૩-૨૦૧૪

 

૧૦. મને ગમે છે –અખો —

પી. કે. દાવડા

સતરમી સદીમાં જન્મેલા,અખા ભગત અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા. અખા ભગતના છપ્પા ખૂબ જ જાણીતા છે. દુનિયાના દંભ અને પાખંડ દેખીને અખાનો આત્મા ઊકળી ઊઠતો. આ છપ્પાઓમાં એમણે તીખી-તમતમતી વાણીમાં મર્મવેધી કટાક્ષ કર્યો છે. અખા ભગત ઉચ્ચ કોટીના જ્ઞાની કવિ છે. અખાની ઉક્તિઓ ગુજરાતી ભાષામાં કહેવત બની ગઈ છે. એમની વાતો આને પણ એટલી જ રીલેવન્ટ છે, જેટલી ચારસો વર્ષ પહેલાં હતી. અખાના શબ્દો મોટે ભાગે તેજ તરાર અને તીખા તમતમતા છે. અખો આમતેમ વાતો કરવામાં નથી માનતો. એક ઘા ને બે કટાકા કરી નાખવાની એની નેમ હોય છે.

હવે આપણે અખાના થોડા છપ્પા જોઈએ.

તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;

તીરથ ફરી ફરી થાક્યાં ચર્ણ, તોય ન પહોંચ્યા હરિને શર્ણ;

કથા સુણી સુણી ફુટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ;

પાણીને દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન;

એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત.

જોજો રે મોટાના બોલ, ઉજડ ખેડે વાગ્યો ઢોલ;

અંધે અંધ અંધારે મળ્યા, જેમ તલમાં કોદરા મળ્યા;

ઘેંસ ન થાય ન થાય ઘાણી, કહે અખો એ વાતો જાણી.

જ્યાં જોઇએ ત્યાં કૂડેકૂડ, સામે સામાં બેઠાં ઘૂડ;

કોઇ આવી વાત સૂરજની કરે, તે આગળ લઇ ચાંચજ ધરે;

અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા ક્યાંથી થયા;

અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડ્યો પાણ.

આંધળો સસરો ને સણગટવહુ, એમ કથા સુણવા ચાલ્યું સહુ;

કહ્યું કાંઇને સમજ્યાં કશું, આંખ્યનું કાજળ ગાલે ઘશ્યું;

ઉંડો કુવોને ફાટી બોખ, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.
ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર;

સંસ્કૃત બોલે તે શું થયું, કાંઇ પ્રાકૃતમાંથી નાસી ગયું;

બાવનનો સઘળો વિસ્તાર, અખા ત્રેપનમો જાણે પાર.
ઓછું પાત્ર ને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો,

મારકણા સાંઢને ચોમાસું મલ્યું, કરડતા કુતરાને હડકવા હલ્યું,

મર્કટ ને વળી મદિરા પીએ, અખા એથી સૌ કોઈ બીએ.

તમે અખા ભગતના છ્પ્પા સાંભળ્યા, હવે તમને દાવડા ભગતના થોડા ગપ્પા સંભળાવું. કોમપ્યુટર, ગુગલ અને જી.પી.એસ ની વાતો કરૂં.

કોમપ્યુટરની જૂઓ કમાલ, બંધ પડે તો થઈ જાય હાલ,

દિમાગથી  વિચારવું પડે, યાદ   શક્તિની  સીમા   નડે;

દાવડા જો  કોમપુ  ના હોય, સંપર્ક  રાખે ક્યાંથી  કોઈ?

દાવડા ગુગલની જુઓ કમાલ, ચપટી વગાડો હાજર માલ,

સૌના  જાંગીયા  ગંજીના રંગ,  ગુગલ  જાણે  તંતો  તંત,

જીપીએસ પણ કમાલ જ કરે, બસ કહી દો તો પહોંચાડે ઘરે.

દાવડા ગુગલ કરે કમાલ, ત્રણે ભુવનના જાણે હાલ,

આકાશ પાતાળ એક જ કરે, જે જોઈએ તે હાજર કરે,

ગુગલ વગરનો આ સંસાર, ઘી ગોળ વગરનો કંસાર.

હવે થોડા સંબંધોના છપ્પા સાંભળો

“દાવડા”સામાજમાં ફેરફારો થયા, સંબંધ થૈ ગ્યા તદ્દ્ન નવા,

સ્ટેપ થઈ ગયા મા ને બાપ, અર્ધા ભાઈ બહેન આપો આપ,

રોજે  રોજ  સંબંધ  બદલાય, મૂળ  સંબંધમાં  લાગી  લાય.

કાકા  મામા અંકલ  થયા, મામી  માસી  આંટીમાં   ગયા,

કઝીન થઈ ગયા સૌ પિતરાઈ, ભલે રહી હોય કોઈ સગાઈ,

દાવડા  સંબંધોની  ચોખવટ, લાગે સૌને  ફાલતુ   ઝંઝટ .

દાવડા સંબંધનું બદલ્યું માપ, સંબંધ થાતાં આપો આપ,

અર્ધા  ભાઈ ને  અર્ધી બહેન, હવે  નથી એ મારો વહેમ,

બબ્બે મા ને બબ્બે બાપ, સ્ટેપ કહી દયો, થઈ ગઈ વાત.
સંબંધની  વ્યાખ્યા  બદલાઈ, નથી  જરૂરી કોઈ સગાઈ,

સંબંધો  સગવડિયા  થયા, નફા  તોટાના  હિસાબે રહ્યા,

સંબંધોની ન રહી કોઈ જાત, નાત  જાતને  દીધી  માત.

ક્યાં ગઈ સાત જનમની વાત? સંબંધ બદલે રાતો રાત,

દાવડા સરકારી કાયદો ફરે, પાંચ  વર્ષનો  કરાર જે  કરે,

ઇન્કમ ટેક્ષમા  છૂટ અપાય, જેથી  થોડા સંબંધ સચવાય.

-પી. કે. દાવડા

પી.કે.દાવડા ,કલ્પના રઘુ શાહ

પદ્માકાન્ત શાહ ,કલ્પનારઘુ શાહ ,દેવિકાબેન ધ્રુવ, પ્રજ્ઞા દાદભાવાળા, રાજેશ શાહ, મહેશ રાવલ, કુંતા શાહ , નિહારિકા વ્યાસ ,દર્શના નાડકરણી ,વસુબેન શેઠ,હેમંત ઉપાધ્યાય,જયા ઉપાધ્યાય   

 

૧૧. મને ગમે છે  ઉઘાડી રાખજો બારી – પ્રભાશંકર પટ્ટણી-

પ્રમિલાબહેન મહેતા
મારું જન્મસ્થળ ભાવનગર -સૌરાષ્ટ્ર (મહા ગુજરાત )લગ્ન સુધી ભાવનગરમાં જીવન પસાર કર્યું તે સમયના મહારારાજા કૃષ્ણકુમાર સિંહના દિવાન સર પ્રભાશંકર પટ્ટણી સાહેબ જે સારા વહીવટ કરતા સાથે કવિ પણ હતા તેનું મુખ્ય કારણ  તેના મિત્રો હતા। .કવિ કાન્ત, બ.ક.ઠાકોર જેવા રસિક મિત્રો અને ભવિષ્યના સાક્ષરો સાથેના વિદ્યાવ્યાસંગથી પોતે પણ સિધ્ધહસ્ત લેખક અને કવિ બન્યા। વહીવટ માટે સર પ્રભાશંકર પટ્ટણીને માનથી યાદ ન કરે તેવું ન બને! તેમનૂ આ વાક્ય તો તકિયાકલામની જેમ વપરાય-” અહીં પહેરવેશની નહીં ગુણની પૂજા થાય છે.!”.

જે કાળે રાજા મહારાજાએ ઉચ્ચારેલા શબ્જ એજ કાયદો માનતો અને રાજ્યના સામાન્યમાં સામાન્ય કર્મચારી પણ સમાજ પર પોતાની સત્તાનો પ્રભાવ પડી શકતો તેવા સમયે સમયે ભાવનગર રાજ્યના દિવાન પ્રભાશંકર પટ્ટણી જેવા યુગ પુરુષ તેમના વાણી વર્તન તથા કર્યો દ્વારા શાસકો માટે પ્રેરણારૂપ બની રહે છે

કેળવણી ,ન્યાય ,શાસન પદ્ધતિ તેમજ રાજ્યની નાણાકીય બાબતોમાં કુશળ સંચાલનમાં પટ્ટણી સાહેબનું વ્યક્તિત્વ મ્હોરી ઉઠેલું છે દરેક માટે એક સરખી ઉદારતા રાખીને વ્યહવાર કરતા તમામ લોકો માટે ઉચાં આદર્શો સ્થાપી ગયા

ભાવનગર રાજ્યને બ્રિટીશ હુકુમત પાસેથી મળવા જોઈતા બધાજ હક્કો મળે તેવા પ્રયાસો કર્યા અને તેમાં સફળ પણ થયા,ગાંધીજી સાથેના પટ્ટણીસાહેબના સંબંધો વિશિષ્ટ તથા હેતુપૂર્ણ હતા,દાંડીકુચ માટે ગાંધીજી નીકળ્યા ત્યારે પટ્ટણી સાહેબ સાથે હતા

જે લોકો રાજ્યની સેવામાં જોડતા તેમને તેઓ ભારપૂર્વક સલાહ આપતા કે તેમણે  “હુક્મદાર” તરીકે નહિ પરંતુ “સેવક”તરીકે રાજ્યનું કામ કરવાનું છે

વહીવટમાં લોકોની સક્રિય ભાગીદારીને જોડવા દેશી રજવાડાના શાસનમાં ગ્રામ પંચાયતન શરૂઆત ભાવનગર રાજ્યમાં 80વર્ષ પહેલા કરી હતી તે નોંધ પત્ર છે

એક ઉમદા શાસક,વિષ્યક્ષણ,રાજપુરુષ તથા તીબીબી શાસ્ત્રના અભ્યાસુ હોવા ઉપરાંત એક ઋજુ હ્રદયના કવિ પણ હતા

તેમના કાવ્યો માત્ર કોરી કલ્પનાને આધારે રચેલા નથી પરંતુ તાન્રમાં જાગેલી દયા અને કરુણાના ભાવોના અખંડસ્ત્રોતમાંથી પ્રગટેલી ભાગીરથી સ્વરૂપના છે  ….આવી જ એક રચના મને ખુબ સ્પર્શી જાય છે. “ઉઘાડી રાખજો બારી…… .આ પંક્તિઓથી શરૂ થતા કાવ્યમાંના ત્રણ શબ્દો ‘ઉઘાડી રાખજો બારી’ અમુક અંશે લોકોકિત જેવા બની ગયા છે. એક આખી પેઢી આ કવિતાની પંક્તિઓને આજે પણ કહેવતની જેમ ઉપયોગે છે

ઉઘાડી રાખજો બારી…… (-પ્રભાશંકર પટ્ટણી-)

દુઃખી  કે  દર્દી   કે  કોઈ   ભૂલેલા   માર્ગવાળાને,

વિસામો  આપવા  ઘરની  ઉઘાડી  રાખજો બારી.

જીવન જીવવાની ગરેડમાં આપણે એવા કેદ થયા છીએ ત્યારે દુખી દર્દી કે જરૂરિયાતની દાદ સંભાળવા સંવેદનાની બારી ઉઘાડી રાખવાની જે અમુલ્ય શીખ પટ્ટણી સાહેબે તેમની એક અમર કાવ્ય રચના મારફત આપી છે તે સમગ્ર સમાજને માટે માર્ગદર્શન બને તેવી છે.. આ માત્ર કવિતા નથી ભાવનામય હૃદયની સરલતા અને મધુરતા ઝીલતી ભાવમય વાણી છે.’ ..                        ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુઃખને દળવા,

તમારા   કર્ણનેત્રોની    ઉઘાડી    રાખજો   બારી.

દિવાન સર પ્રભાશંકર પટ્ટણી રાજ્યના મહાન વ્યક્તિ હોવા છતાં તેમનું હૃદય કોમળ અને સંવેદનશીલ હતું,જનજનના દુઃખમાં ભાગિયા થવાની વાત અને લાગણીના પડઘા આ પંક્તિમાં સભળાય છે,કવિતા માત્ર લખવા ખાતર લખી નથી તેઓ તેજ પ્રમાણે જીવન જીવ્યા છે , અહી આ બારી માત્ર દીવાલની જ ન હોવી જોઈએ, કર્ણનેત્રોની પણ ખરી એમ કવિ કહે છે…

પ્રણયનો  વાયરો  વાવા,  કુછંદી  દુષ્ટ વા જાવા,

તમારા  શુદ્ધ  હૃદયોની   ઉઘાડી   રાખજો  બારી……

બારી ખુલ્લી હશે તો પવનની આવનજાવન, સૂર્યપ્રકાશની અવરજવર, કુદરતી નીરવ શાંતિની ચહલ-પહલ ઘરમાં આવી શકશે. પ્રેમ પ્રવેશશે..અને ખરાબ વિચારો બહાર જશે. …..માટે શુદ્ધ વિશાળ હૃદય બનાવવા બારી ઉઘાડી રાખજો પ્રેમ થકી દૃષ્ટત્વ  ને હટાવજો……

થયેલાં   દુષ્ટ   કર્મોના   છૂટા   જંજીરથી  થાવા,

જરા   સત્કર્મની   નાની,  ઉઘાડી  રાખજો  બારી.

અહી છુટવાની વાત છે। ..કર્મનો સિદ્ધાંત ની વાત છે। ..સત્કર્મથી આપણા કર્મો ખપે છે …આમ આ આખી કવિતા મન, વચન અને કર્મની બારીને ઉઘાડીને જીવનને સાચી દિશામાં જોતી કરવાનો અનુભવ સેવે છે,બારીમાંથી પ્રવેશતા હકારને હૃદય સુધી વહેતો કરવાની વાત આ પંક્તિમાં સરળ શબ્દોમાં સ્પર્શી જાય તેવી ભાષમાં આલેખી છે એક સત્તા સંભાળતો માણસ ,કાયદાનો માણસ ,વહીવટકર્તા આવી ફૂલ્સુફી સાથે જીવતો હોય ત્યાં અન્યાય થવાની શક્યતા કયાંથી હોય ?સંવેદના થી ભરેલું હૃદય હંમેશા બારી ઉઘાડી જ રાખે અને લોકોને રાખવા કહે તેમાં શું નવાઈ !જીવનના હકારની આ કવિતા આજે પણ મને સ્પર્શી જાય છે.

પ્રવિણાબેન શાહ ,કુંતાબેન શાહ ,વસુબેન શેઠ બીજા બેઠકના પ્રક્ષકો સાથે

૧૪.મને ગમે છે શ્રી ઇન્દુલાલ ગાંધી-

વસુબેન શેઠ

નવરાત્ર આવે એટલે મારી માનો ઉત્સાહ વધી જાય ,સ્ત્રીઓ ગરબા ગણગણવા માંડે ,આવાજ મારી માનો ખુબ જ મધુર અને સુરીલો હતો જાણે એના ગરબા સાંભળ્યા જ કરીએ ,એમનો એક ગરબો ઘણો મને ખુબ જ પસંદ છે જેના રચયતા હતા કવિ શ્રી ઇન્દુલાલ ફુલચંદ ગાંધી ,એટલે સ્વતંત્ર પહેલાના સમયના ગુજરાતી ભાષાને મળેલું એક અનમોલ કવિરત્નઆ એક એવા કવિ છે જેમણે 1947ના ભારતના ભાગલાની કરુણાંતિકા નજરે નિહાળી છે.શ્રી ઇન્દુલાલ ગાંધી કરાંચીમાં પાન-બીડીની દુકાન ચલાવતાં ચલાવતાં ઇન્ટર સુધી ભણ્યા. ખોખાના વિંટાળેલા એક કાગળ પર તેમણે તેમનું પોતાનું પ્રથમ કાવ્ય લખ્યું…. .અને ઈ ખાખી – ખરબચડા કાગળ પર એક ગીત ઊતરી આવ્યું. ઈ ગીત એટલેઆંધળી માનો કાગળતેમનું અમર સર્જન આંધળી માનો કાગળકાવ્ય દ્વારા ગુજરાતી પરિવારોમાં જબરી પ્રસિદ્ધિ પામ્યા.

તેમનુંમેંદી તે વાવી માળવે…કાવ્ય જાણે ગુજરાતનું માનીતું લોકગીત બની રહ્યું

જેનાથી આપ સહુ પરિચિત છો એવીજ રીતે એમનો રચેલો ગરબો “સાગ સીસમનો બાજોઠીયો” ઘણો પ્રખ્યાત થયો। ..સીધો સાદો ગરબો પણ ભાવ જેમ ઊંડાણમાં જાવ તેટલો વધતો જાય

ગરબાના શબ્દો છે। ….

સાગ સીસમનો બાજોઠીયો  એને રૂડી ફરતી મુકાવું ઘૂઘરમાળ

ગરબો રણે ચડ્યો રે લોલ

સાત સાત ધાનના પુરિયા સાથિયા

ધૂપ દીપ જાક જમાળ

ફૂલડે શમિયા શોભે માઅંબા ,આછી તારલીયાની ભાત

અર્થ પણ કેવો સરસ। ….

સીસમના બાજોટ જેવો મજબુત મારો ભાવ રહે (શ્રધાની વાત છે ),ને રૂડી ઘૂઘર માળ નો ભાવર્થ છે કે મારા પ્રેમ ,આનંદ,ભાવ શ્રધાની માળ બની રહે ,પછી કહે છે કે ભક્તિમાં મારું તન મન રંગોથી છવાય જાય ,ધૂપ બળીને ધુમાડો થઇ ઉદ્વ ગતિ મેળવે તેમ મારો આત્મા પણ ઉચ્ચ ગતિમાં રહે અને દીવાની જ્યોતની જેમ પ્રકશિત રહે। …હું એવી શ્રધાથી ગરબો ગાઉં જેથી લીલા નાળીયેર ની જેમ મારું જીવન પણ લીલું છમ ,અને કોપરા જેવું કોમળ અને શ્વેત રહે। ..ફૂલડાં જેવા કોમળ દેખાતા મારી માં (માતા રૂપે હૈયામાં શ્રધાનો દીપ સદાય માટે પ્રગટાવી ગયા ,આતો મેં જે તાર્યું તે લખ્યું છે કદાચ કવિએ પણ આવીજ કંઈ કલ્પના કરી હશે ,કવિએ ગરબામાં જે સાધનો વાપર્યા છે  એ ગુજરાતીઓના અંત:કરણમાં  આજે પણ રણક્યા કરે છે. ગરબાની સાચુકલા સાધનો ની સંવેદનાએ અનેકને ભીંજવી દીધા છે.ગરબો માત્ર ગાવામાં જ છે કે માનવજાતિનું ઊંચું જીવનતત્ત્વ છે ? સુખ-દુ:ખ,પ્રેમ, સંતોષ, શાંતિ તેમજ આનંદની વિભૂતિ એટલે ઘૂઘરમાળ।….રોજ બરોજના સાધનો ને આધ્યાત્મ અને ઇશ્વર સાથે જોડતા …..એમના ભાવમાં જાણે મારો ભાવ મારી કલ્પનામાં  સચવાઈ ગઈ છે

-વસુબેન શેઠ-

૧૫.મને ગમે છે દામોદર ખુશાલદાસ બોટાદકર –

કલ્પના રઘુ

જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ …

આજથી ૫૦ વર્ષ પહેલાં દસમા ધોરણના પાઠ્યપુસ્તકમાં સ્થાન પામેલી આ કવિતાનાં શબ્દો આજે પણ માનસપટ પરથી વિસરાતાં નથી. તેનાં રચયિતા શ્રી બોટાદકર પ્રાચીન કવિ હતાં. ભાવનગર પાસેનું બોટાદ ગામ તેમની જન્મભૂમિ અને કર્મભૂમિ રહ્યું. એક સામાન્ય શિક્ષક તરીકે અસહ્ય ગરીબીમાં પણ તેમના સાહિત્યરસે અનેક કાવ્યસંગ્રહ કલ્લોલીની, શ્રોતસ્વીની, નિર્ઝરીની, રસતરંગીની અને કાવ્ય ઉર્મિલા અને ખાસ તો દરેક માતાને શ્રધ્ધાંજલી આપતું આ કાવ્ય સાહિત્યજગતને પ્રદાન કર્યું છે. ૧૮૭૦ થી ૧૯૨૪ સુધીની તેમની જીવનયાત્રા રહી.

અત્યાર સુધીની ‘મા’ ઉપરની તમામ કવિતાઓમાં સર્વશ્રેષ્ઠ કહી શકાય, તેવી આ કવિતા છે. ‘મા’ … ‘મા’નું વર્ણન કરી શકે તેવો વિરલો હજુ પાક્યો નથી. તેના માટે કલમ, કાગળ ઓછા પડે. પરંતુ શ્રી બોટાદકરે સરળ અને મધુર ભાષામાં ‘મા’ નું વર્ણન કર્યુ છે. અહીં ‘મા’ વિષેના શ્રી બોટાદકરના વિચારોને મારી લાગણીનાં શબ્દો સાથે ભેળવીને મેં ‘મા’ની સાર્થકતા અને વિશાળતાને વર્ણવવા માટેનો એક સૂક્ષ્મ પ્રયાસ કર્યો છે.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ…..

એથી મીઠી તે મોરી માત રે
       જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
         જગથી જૂદેરી એની જાત રે … જનનીની

મધ અને મેહુલાથી પણ મીઠી ‘મા’ની મમતા હોય છે. ‘મા’ની મમતાને મમળાવ્યાં જ કરીએ અને તેની મધુરપનાં, વાત્સલ્યનાં વારિ … બસ … પીધાજ કરીએ. ‘મા’ની દુનિયા, તેનો સંસાર તેનાં સંતાનની આસપાસ જ હોય છે. ‘મા’નાં ખોળામાં માથું મૂકો અને દરેક દુઃખ ગાયબ! માની ઝપ્પીમાં એની અમી ભરેલી આંખડીમાં એક નવી ચેતના, નવા જીવનનો અનુભવ થાય છે. હું તો કહીશ, દુનિયાનો ‘સર્વશ્રેષ્ઠ જાદુગર’ એટલે ‘મા’.

જગનો આધાર એની આંગળી રે લોલ,

કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની..

​..કહેવાય છેને કે ઇશ્વર ધરતી પર સદેહે આવી નથી શકતો, માટે એને ‘મા’નું સર્જન કર્યું છે. ‘મા’ની આંગળી,  એ તેના સંતાન માટે જગનો આધાર હોય છે. ‘મા’ તેના સંતાન માટે ઇશ્વરથી પણ શ્રેષ્ઠ હોય છે. ઇશ્વરને પણ ‘મા’ના દૂધનું અમૃત પીવા માની કોખે અવતરવું પડયું હતું. શશીએ પણ જનનીની સોડ સીંચી’તી.

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે જનનીની

‘મા’ની સરખામણી કવિ ચાકળા સાથે કરે છે. જેમ ચાકળો ગોળ ગોળ ફરીને માટીના વાસણનું સર્જન કરે છે તેમ ‘મા’ ચાકળાની જેમ તેના પ્રાણ મધ્યબિંદુમાં તેના બાળક સાથે બંધાયેલા હોય છે, અને જીવનમાં ગોળ ગોળ ફરી સંઘર્ષ ખેડીને સંતાન ફરતે કવચ બનીને તેનું સંસ્કાર સિંચન કરે છે. તેને ઉરે હમેશા મૂંગી આશીષ મલકતી હોય છે અને કાળજામાં અનેક કોડ ભરીને સંતાનનો ઉછેર કરે છે. ત્યાગ અને બલિદાનની જીવતી જાગતી મૂર્તિ એટલે ‘મા’.

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ, અચળા અચૂક એક માય રે … જનનીની ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,

સરખો એ પ્રેમનો પ્રવાહ રે  જનનીની

​​‘મા’ની વિશાળતા વર્ણવવા કવિ ક્યાં ક્યાં પહોચ્યા છે? એક ‘મા’ જનમ દેનારી તો બીજી ધરતી ‘મા’. કવિ કહે છે ધરતી માતા પણ ક્યારેક ધ્રૂજે છે. પણ ‘મા’ હમેશા અવિચળ રહે છે.

ગંગા નદી પણ તેનાં નીરનાં વ્હેણ અને દિશા બદલે  છે. પરંતુ ‘મા’નો પ્રેમ અવિરત એકધારો સંતાન તરફ વહે છે. પછી તેનું સંતાન ગમે તેવું હોય.

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,…..માડીનો મેઘ બારે માસ રે … 

ચળતી ચંદાની દીસે ચાંદની રે લો

એનો નહિ આથમે ઉજાસ રે

અમીની ભરેલ એની આંખડી રે લોલ
વ્હાલનાં ભરેલાં એના વેણર…..જનનીની જોડ સખી ! નહીં જડે રે લોલ

વાદળા પણ ક્યારેક અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ કરીને આગળ વધી જાય છે. ચંદાની ચાંદનીના ઉજાસમાં પણ વધઘટ થાય છે પરંતુ ‘મા’ … ગમે તેવી ગાંડી, ઘેલી, અપંગ કે મૃત્યુના બિછાને હોય તેના સંતાનને હમેશા પ્રેમના ઉજાસમાં ઘેરીને આશીર્વાદ જ વરસાવ્યા કરે છે.

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ
હૈયું હેમંત કેરી હેલ રે….જનનીની જોડ સખી ! નહીં જડે રે લોલ
અમીની ભરેલ એની આંખડી રે લોલ

વ્હાલનાં ભરેલાં એના વેણ રેજનનીની જોડ સખી ! નહીં જડે રે લોલ

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ

હૈયું હેમંત કેરી હેલ રે…..જનનીની જોડ સખી ! નહીં જડે રે લોલ

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ

લેતા ખૂટે ન એની લહાણ રે….જનનીની જોડ સખી ! નહીં જડે રે લોલ

હીરા જેવા એનાં કિમતી હાથમાંથી ઝરતાં આશીર્વાદ સંતાન માથે શીળી છાયા બની રહે છે. જાણે કે હેમંતની હેલ ના હોય! બાળકના જન્મતાની સાથે નર્સ umbilical cord કાપે છે પરંતુ spiritual cordથી બાળક ‘મા’ સાથે હમેશા જોડાયેલુ રહે છે અને એ સંધાન ‘મા’ના મૃત્યુ પછી પણ ચાલુ જ રહે છે … સતત આશિર્વાદ વરસાવીને … અને માટેજ કહેવાય છે કે ‘કદિ ક્યારેય કોઇની ‘મા’ સ્વર્ગસ્થ નથી થતી … એ તો સંતાનસ્થ થાય છે !’આખરે તો દરેક વ્યક્તિ માટે પરમેશ્વરજ આધાર હોય છે. પરંતુ ‘મા’ના પાલવ તળે તેના હ્રદયની કુમાશમાં અને સ્પર્શની હૂંફમાં સંતાન હમેશા સલામતી અનુભવે છે કારણ કે ‘મા’- સંતાનનો સંબંધ સૌથી જુનો અને લાંબો હોય છે. ૯ મહિના બાળક માના ગર્ભમાં રહ્યુ હોય છે એ કેમ ભુલાય! અને માટે તો આ હ્રદયદ્રાવક કવિતાનાં શબ્દો દરેકને આંખમાં ઝળઝળીયા સાથે માની યાદ તાજી કરાવી જાય છે. ખરેખર! જનનીની જોડ જગમાં નહિં જડે … જન્મોજનમ સુધી …

માતૃદેવો ભવઃ કલ્પના રઘુ-

કવિ વિશે વધુ વિગતે

ગુજરાતી સાહિત્યની એક  જાણીતી પ્રતિભા એટલે શ્રી દામોદર  ખુશાલદાસ બોટાદકર ,જેમણે ચોપ્પન વર્ષના ટુંકા ગાળામાં ગુજરાતી સાહિત્યને અણમોલ ફાળો આપ્યો,ગુજરાતી સાહિત્ય અને સ્વત્રંતા ની લડાઈના એ સેનાની હતા એમનો જન્મ બોટાદમાં થયો હતો, બોટાદ એટલે ઝવેરચંદ મેઘાણી, શ્રી બચુભાઈ શાહ (રાજ નેતા )મહમદ માંકડ(સાહિત્ય અને શિક્ષક )અને ભાનુ શંકર જોશી (સ્વતંત્ર સેનાની જેવા પ્રખ્યાત રાજનેતા,સહિત્યકારોની પણ જન્મભૂમિ

ઘણા એક કવિ કે લેખક તમારી ઉપર ઊંડી અસર પડતા હોય અને તે આજેય ન ભૂલાય તેવી હોય  છે તેમ  મારા માટે  છે ઊંડી છાપ મૂકી જનાર છે કવિ શ્રી બોટાદકર,અનેક માતાઓને રજુ કરતી -ટુકમાં માં ને, કવિશ્રી બોટાદકરની રચના “જનની” ગુજરાતના કુટુંબ  પ્રેમને  માં ને મધ્યમાં રાખી સૌથી અસરકારક રીતે રજુ કરે છે.મારા બા આ રચના ખુબ સુંદર રીતે ગાતા ,કવિતા એટલી મધુરને સુંદર છે કે જે સંભાળતા મન ભાવ વિભાર થઇ જતું ,તેનો શબ્દેશબ્દ પ્રેમથી ભરપુર લાગતો  …“મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ

એથી મીઠી તે મોરી માત રે

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ” અમીની ભરેલ એની આંખડી રે લોલ,

વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની…

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,

શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની”,

આજે આ પંક્તિ ગાતા મારી બા યાદ આવી જાય છે ,જાણે એમના માટે જ રચાયેલી ન હોય  …નાનપણથી અનુભવેલી એ પ્રેમભરી આંખો ,એમની લાગણી અને વ્હાલથી સોડમાં લઇ લેતી બા કયારેય ભુલાતી નથી ,મારા બા માંડ બે ચોપડી ભણેલા પણ વારે વારે કહેતા કે મારી દીકરીઓને તો ભણાવીશ જ,..ગમે તેટલું દુઃખ પડશે પણ ત્રણેય દીકરીઓને સારી શાળા અને કોલેજ કરાવીશ,આજે વર્ષો વીતી ગયા છતાં જયારે પણ આ કવિતા વાંચું છું ત્યારે રોવાટા ઉભા થઇ જાય છે અને બા નો ચહેરો નજર સમક્ષ આવી જાય છે જાણે મારી જ માની વાત,માની તુલના કેવી સરસ કરી છે કેટલી સહજતા છતાં હૃદયને સ્પર્શી જાય છે માં એટલે પ્રભુનું સ્વરૂપ -(પ્રેમ તણી પુતળી )

“પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,

જગથી જૂદેરી એની જાત રે … જનનીની”

મારા બા રાત્રે મોડે સુધી બેસી સિલાઈ કરતા,એ સિલાઈ માંથી અમારા પુસ્તકો લાવતા અને ફી ભરાતી,સાથે બેસી સહુ વાતો કરતા,કઈ ન સમજાય તો બા ધીમે રહી સમજાવતા, કહેતા દુનિયાદારી હજુ તને ન સમજાય,વખત જતા બધું સમજાશે,એ વખતે અમારે અંગ્રેજી પણ શીખવાનું હતું,અમને અંગ્રેજી શબ્દ ન સમજાય અને જલ્દી ન પકડાઈ તો બા પાતે  ખુબ મહેનત કરી પોતે શીખતા અને અમને શીખડાવતા,આમ અમને ભણવાના કોડ બાને ખુબ હતા.કવિ એ પણ આજ એમની પંક્તિમાં મારી બાની વાત જાણે વર્ણવી છે.

“જગનો આધાર એની આંગળી રે લોલ,

કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,

લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની”

બા ના યાદોની લહાણ ક્યારેય ખૂટતી નથી અને તેમ માંના મૂંગા આશીર્વાદ સદાય સાથે હોય છે અને વર્ષેતા રહે છે

“ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,

સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,

માડીનો મેઘ બારે માસ રે … જનનીની”

આમ તો એકય પંક્તિ એવી નથી કે દિલને ન સ્પર્શે છેલ્લી બે પંક્તિ એવી તો જાણે હૈયા ની આરપાર પોહોંચી જાય છે કેટલી પવિત્રતા છે આ રચનામાં  માંની સરખામણી ગંગાના નીર સાથે કરી છે,માડીનો પ્રેમ એક સરખો રહે છે,વર્ષા પણ ત્યારે જ આવે છે જયારે આકાશમાં વાદળો હોય પણ માનો પ્રેમ વર્ષના બારે મહિના અવિરત વરસતો હોય છે.

બા ની યાદો આમતો કયારેય ભુલાતી નથી પણ શ્રી દામોદરની આ કવિતા જયારે જયારે કોઈ પણ વાંચશે ત્યારે એમની  માં ને મારી જેમ યાદ કરી લહાણ લેશે

૧૬. મને ગમે છે અખો ભગત

નિહારીકાબેન વ્યાસ

તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;

તીરથ ફરી ફરી થાક્યાં ચર્ણ, તોય પહોંચ્યા હરિને શર્ણ;

કથા સુણી સુણી ફુટ્યા કાન, અખા તોય આવ્યું બ્રહ્મજ્ઞાન”.

સમાજને ચાબકા મારતી આ અખા ભગતની રચનાઓને અખાના “છપ્પા” કહે છે અખા ભગત મુખ્યત્વે અખો ના નામે જાણીતા છે,મૂળ નામ અખેરામ, વ્યવસાયે સોની. દુનિયાના દંભ અને પાખંડ દેખીને એમનો માંહ્યલો ઊકળી ઊઠતો હતો.અને તેથી અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે….બે પંક્તિમાં સત્ય હકીકત ખુબ સરસ રીતે રજુ કરતા ,જીવનમાં કથા સાંભળ્યા પછી જો પરિવર્તન ન આવે તો  બ્રહ્મજ્ઞાન કેવી રીતે પામશો ? આમ ધર્મસ્થાનોમાં ય આડંબર જ દેખતા। ..જે આ પંક્તિમાં નજરે પડે છે

 

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ;

પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન;

તે તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર ક્યાંની વાત?”

ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના ૧૭મી સદીમાં થઈ ગયેલા એક સ્પષ્ટ આખા બોલા કવિ એટલે અખો ભગત,અખાના સ્તરના વેધક વ્યંગ ક્યાંય જોવા મળતા નથી… ભણતી વખતે યાદ કરેલા છપ્પા આજે પણ મનમાંથી હટતા નથી.હું આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે અખાના છપ્પા ભણી હતી…અખા નાં છપ્પા ભણવાની ખરેખર મજા આવતી, તેમનાં એક એક છપ્પા માં ઘણી કહેવતો,મહાવરા આવી જાય છે..હકીકતમાં વારંવાર પ્રયોગથી કહેવતો થઇ ગઈ એમ કહું તો ચાલે। .હું વારંવાર ગણગણતી , ત્યાર થી અત્યાર સુધી મારે તેને મોઢે કરવા પડ્યા નથી પણ સહજતા થી જ યાદ રહી ગયા,છપ્પામાં તીખી-તમતમતી વાણીમાં એમણે આત્માને વીંધી નાંખે અને આંખના પડળ ઉઘાડી દે એવા મર્મવેધી કટાક્ષ કર્યા છે. મુખ્ય વસ્તુ એ છે કે અખાની જ્ઞાનદ્રષ્ટી સમાજમાં પ્રવર્તતા,દંભ,અજ્ઞાન અને વહેમોની આરપાર જોઈ શક્તિ,પોકળતા પારખી લેતી,અને આમ અખાની વાણી સુતેલા આત્માને જગાડતી

આ છપ્પા એટલે શું ? ચોપાઈ છંદમાં લખેલા એમના કાવ્યો છ પદ (ચરણ)ના હોવાથી છપ્પા તરીકે ઓળખાય છે. (છપાઈ ઉપરથી છપ્પો, ‘પાઈ’ એટલે પાય, ચરણ, પગ, પંક્તિ) આ અખા ભગત આપણી ભાષાના ઉચ્ચ કોટિના જ્ઞાની કવિ છે.તેઓ બહુ શરૂઆતનાં ગુજરાતી સાહિત્યકારોમાંનાં એક છે. તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે.અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલા છે.

સસાશિંગનું વહાણ કર્યું , મૃગતૃષ્ણામાં જઈને તર્યું;

વંધ્યાસુત બે વાણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં.

જેવી શેખસલીની ચાલી કથા , અખા હમણાં ને આગળ એવા હતા.

(સસલાના શિંગડાનું વહાણ, મૃગજળમાં તરવું, વાંઝણીના પુત્રો અને આકાશનાં ફૂલોઅશક્ય અને તરંગી વાતોના દૃષ્ટાંત વડે અગાઉ અને આજે કેવા જૂઠાણાં ચાલ્યા કર્યાં છે વાત અખાએ અવળવાણી વડે વેધકતાથી સમજાવી છે.)

અખાના છપ્પા કદાચ આજની પેઢીને કે ભવિષ્યમાં સમજવા કદાચ આકરા પડે  જેનો આ એક નમુનો છે નવી પેઢીને કદાચ શીખવા પડે પરંતુ એ પાંચસો વર્ષ જુનો ૧૭ મી સદીનો કવિ ખાસ ભણેલા નહિ શાળામાં ગયા વગર અનુભવથી માત્રથી  આટલું સચોટ લખી શકતા ,એમની ચોટદાર વાણીમાં બહુશ્રુત ,અનુભવી,વિદ્વાન દેખાય છે અખા ભગતૅ આધ્યાત્મિકતાની મહત્તા ગાતા આ છ્પ્પા પાંચશો વર્ષ પહૅલાની કર્મકાંડથી ભરપૂર સામાજિક વ્યવસ્થામાં લખ્યા, અનૅ આજૅ પણ કૅટલા સાંપ્રત છૅ તેથી  આજે અને ભવિષ્યમાં અખા ભગતના છપ્પા માનવીને આધ્યાત્મ ને પામવાનો, જ્ઞાનનો માર્ગ બનશે,આત્માના અનુભવને અને જ્ઞાનને એમણે‘અખેગીતા’ , ‘પંચીકરણ’, ‘ગુરુ-શિષ્ય સંવાદ’, ‘ચિત્તવિચાર સંવાદ’ અને‘અનુભવબિંદુ’ જેવી કાવ્યરચનામાં કલાત્મકરીતે નિરૂપ્યાં છે. અખા ઉપર લખવા બેસીએ ઘણું લખી શકાય પરંતુ કોઈએ લખ્યું છે તેનો ઉલ્લેખ જરૂર કરીશ.

“ઘણી વખત પડ્યો અખો

તોય એનોના કોઇથી ડખો

મનફાવે તેમ ભલે લાખો

પણ અખા જેવો ના કોઈ શાખો”

-નિહારીકાબેન વ્યાસ-
શિવાજીનું હાલરડું – ઝવેરચંદ મેઘાણી

મને ગમે છે આપણું ગુજરાતી લોકસાહિત્ય જેમાં શ્રી ઝવેરચંદ મેઘાણીનું કામ નોંધપાત્ર છે. ગુજરાતી લોકસાહિત્યની એક અમર કૃતિ – શિવાજીનું હાલરડું મને નાનપણથી ખુબ ગમતું અમારે ત્યાં નોરતામાં ગરબીમાં લોકસંગીતના ગાયકોને આમત્રણ આપતા ચાર રસ્તાપાસે લોકો પોતાની ચટાઈ લઈને પોહચી જતારાત સુધી ડાયરો જામતો

આ હાલરડું કોણ જાણે કેમ મારે હૃદયમાં કાયમ માટે વસી ગયું ઇતિહાસમાં શિવાજીને વાંચતી પણ યાદ રાખવા નોહતા પડ્યા શિવાજીની માતાનુંનું નામ જીજીબાઇ આ ગીત સાથે કંઠસ્ત હતું. અહી એક ખાસ વાત કહીશ કે મેઘાણી ની કલમે વર્તાતી સહજતા મારું મુખ્ય આકર્ષણ છે એવું હું આજે પણ માનું છે. એમના લખેલા ગીતો યાદ રાખવા નથી પડતા યાદ રહી જાય છે.એનું કારણ મેઘાણીની કલમ લોકજીવનને કાવ્યોમાં સહજ ઉતારી લાવે છે,માતાના મનોભાવ ગુંજવતા ગીતો અનાયસે આપણ ને આકર્ષે એમાં નવાઈ શું ? ગુજરાતનું લોકસંગીત ભાવજગતનાં પાયા ઉપર રચાયેલું છે. એ એવા લોકોનું સંગીત છે કે જે પંડિત નથી પણ સરળ છે.હાલરડાં તો દરેક માતા ગાય પણ એક શુરવીર માતા જો ગાય તો શું હોય શકે એ માત્ર ઝવેરચંદ મેઘાણી જ વર્ણવી શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી,આ ગીતમાં પણ  ઝવેરચંદ મેઘાણી  કાવ્યમાં શૌર્યને,ખમીરને અને સ્વમાન ને આલેખ્યા છે.ગુજરાતના લોકગીતો બાળકની ગળથૂથી શરુ થાય છે.મને પણ જાણે આ ગીત ગળથુથીમાં મળ્યું છે. હાલરડા એટલે માં ની લાગણીનો ઊભાર.આ હાલરડાં નું ગુજરાતી સાહિત્યમાં અને લોકસંગીતમાં  આગવું મહત્વ છે. આ હાલરડામા કાવ્યતત્ત્વ ઓછું લાગણીની સહજ અભિવ્યક્તિ વઘારે દેખાય છે …ભાષાથી તેમને શણગારવુ નથી પડ્યું,કવિ એ એવી સરળતાથી આલેખ્યું છે કે પાઠશાળામાં જે ન ભણે ..એ માના હાલરડામા ભણાય જાય… પેઢી દર પેઢી ગળામાં જ સચવાય અને ઉછરે…..લોકોની જીભે સહજ રીતે ચડી જાય…. હાલરડા એટલે માં ની લાગણી …સાભળતા જ…..જેની….મીઠાશ હૈયામાં અંકાઈ જાય ..ગુજરાતી સાહિત્ય અને લોકસંગીતની એક અમર કૃતિ – શિવાજીનું હાલરડા ની પહેલી બે પંક્તિ વાંચશો તો ખ્યાલ આવે કે માતા જયારે બોલે ને ત્યારે એમની લાગણી અને સમ્વેદના માનવીને તો હલાવી દે પણ સાથે પથ્થર દિલ ડુંગરા પણ હલી જાય  .  

“બાળુડાને માત હીંચોળે

ધણણણ ડુંગરા બોલે.”

ત્યાર બાદ ની પંક્તિમાં તાજા જન્મેલા બાળકને માતા એનું ભવિષ્ય દેખાડી ડરાવતી નથી પણ મજબુત બનાવે છે. આ ગીત માત્ર આપણાં  સાહિત્યનો વારશો નથી પણ આપણી સંસ્કૃતિનો પડઘો પણ પાડે છે. માતાના  પ્રેમનુ ગીત કે પછી શુરવિરતાનુ,દેશપ્રમનુ કે વિરહનુ, બઘી જ ભાવના ઓનો આસવાદ,ટુકમાં કહું તો લોકકંઠે વહેતી વાણીના સપદનં એટલે શિવાજીનું હાલરડું।  આ ગીતનો પ્રચાર નથી થયો  પ્રજાના હ્દયમાથી પ્રકટી તેમના  કંઠમા ઉછરી  અને એક કંઠમાથી બીજા કંઠમા અને એક કાનમાંથી બીજા કાનમા વહેતૂ થયું છે અને થશે આ હાલરડાની એવી રચનાઓ છે જે વારંવાર સાંભળવું ગમે છે કાવયતવથી સભર  એને ગેયેતાને નામે લયને નામે એમા મરોડ નથી …છતા લયબઘ છે  એક પંક્તિ  સાંભળીયે તો બીજુ સાંભળવાની ભુખ જાગે,ગીત ભલે દેશભકિતીનું હોય કે હાલરડાની રચના હોય પણ તેની એક આગવી વિશેષતા છે.અને તેથી જ આ ગીત હમેશા ગાયક અને શ્રોતાઓના આકષૅણનું કેન્ર્દ રહ્ર્યા છે અને રહેશે .સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી જેમણે  લોકગીતોના મોતીઓ એકઠા કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે એવા -મેઘાણી એક એવી વિરલ પ્રતિભા છે…જેમણે રકત ટપકતી કલમ દ્વારા ખમીરવંતી કથાઓને આવા કાવ્યો દ્વારા  અક્ષરદેહ આપ્યો છે. અને મહાત્મા ગાંધીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયર કહ્યાં છે એમના માટે લખવું કે બોલવું મારી ક્ષમતા બહારની વાત છે માટે અહીજ હું વિરમીશ  

કલ્પના રઘુ શાહ ,પ્રજ્ઞાબેન દાદભાવાળા ,રાજેશભાઈ શાહ ,મહેશભાઈ રાવળ

કલ્પના રઘુ શાહ ,પ્રજ્ઞા દાદભાવાળા રાજેશભાઈ શાહ ,મહેશભાઈ રાવલ

News of Monday, 31st March, 2014

 

USમાં ઇન્‍ડિયા કોમ્‍યુનીટી સેન્‍ટર મિલ્‍પીટાસ ખાતે યોજાઇ ગયેલી સાહિત્‍ય રસિકોની બેઠકઃ‘‘મને ગમે છે”વિષય ઉપર કલાપી, ઉમાશંકર, નરસિંહ મહેતા, હરિભાઇ કોઠારી, કનૈયાલાલ મુનશી, મીરાબાઇ સહિતના સર્જકોને યાદ કરતા નવા લેખકો….

         

ઇન્‍ડિયા કોમ્‍યુનીટી સેન્‍ટર મિલ્‍યીટાસ ખાતે યોક્ષયેલી ૨૮મી માર્ચની ‘‘બેઠક”ખુબ સરસ રહી…. હાજરીની સાથે ઉત્‍સાહ વર્તાયો, ‘‘મને ગમે છે”… વિષય પર એક પછી એક રજૂઆત દેખાતી મહેનત હતી,નવા લેખકો પોતાની વિચાર ધારાને આગળ વધારી, કલમને કેળવતા, ગુજરાતી સાહિત્‍યના પાના ઉખેડતાં સાહિત્‍યકાર કવિ લેખને યાદ કરતા હતા, જેમાં મને બેઠકનો હેતુ સદ્ધિ થતો દેખાતો હતો, એક વાત અહી પુરવાર થતી હતી કે ગુજરાતીના મૂળમાં રહેલી ભાષા લોકો ભલે કહે પણ હજી પણ જીવંત છે અને રહેશે,પ્રદર્શિત કદાચ ન થાય તો પણ જાણે કાલની બેઠકમાં બધાજ કવિ લેખો જાણે હાજર હતા, કોઇ કલાપી તો કોઇ ઉમાશંકર, કે કોઇ આદિ કવિ નરસિંહ ને લઇને આવ્‍યા હતા,

         ૭ વાગ્‍યા પહેલા સહુ હાજર હતા,પ્રોગ્રામની શરૂઆત સરસ્‍વતી વંદનાની સાથે ક્‍લપનાબેનના માની વિદાયની પ્રાર્થના સાથે કરી, શરૂઆત બેઠકના ખાસ મહેમાન કવિ, ગઝલકાર મહેશભાઇ રાવળ નો પરિચય પી.કે.દાવડા સાહેબે પોતાની આગવી છટાવી કહું કે મહેશભાઇ વ્‍યવસાયે ડો છે પરંતુ દવાજયારે કામ ન લાગે તો ગઝલથી લોકોને સાજા કરી શકાય એમ માની લખવાનું શરૂ કર્યુ હશે, એમની ગઝલમાં પણ દવાની જેમ સત્‍યની કડવાસ સાથે માનવીની સંવેદના પોરસે છે. ત્‍યારબાદ મહેશભાઇ એ પોતાની રજૂઆત કરી લોકોને તરબોળ કરી દીધા અને વાહ વાહ થી રૂમ ગુંજી ઉઠયો, ત્‍યારબાદ કલ્‍પના બેને દેવીકાબેનનો પરિચય આપી. હ્યુસ્‍ટન થી મોકલાવેલ તેમની રચના પ્રસ્‍તુત કરી દેવિકાબેન હાજર ન હોવા છતાં હાજર રહ્યા.

         વિષયની શરૂઆત રાજેશભાઇ શાહે ‘‘મને ગમે છે”… હરિભાઇ કોઠારી એમ કહી કરી અને એક પછી એમની એક પછી પંક્‍તિઓ સંભળાવી અધ્‍યાત્‍મનું માહોલ ઉભું કરી દીધું તો ક્‍લપનાબેન જનની જોડ સખી ગાઇ અને માની સ્‍વંદના શબ્‍દોમાં વ્‍યક્‍ત કરી, આ રચના જયવંતીબેન પટેલે પણ તેમની દ્રષ્‍ટિથી રજુ કરી આમ કવિ દામોદર ખુશાલદાસ બોટાકરને યાદ કરી તેમને સજીવન કર્યા. ત્‍યાર બાદ વસુબેન શેઠ તેમની સાથે ઇન્‍દુલાલ ગાંધી ને જાણે લઇ આવ્‍યા અને નાનપણ થી સાંભળતા આવ્‍યા હતા તે રચના અને તેમને કેવી રીતે સ્‍પર્શી ગઇ તે પોતાની ભાષામાં રજુ કર્યુ.. માંધુરીકાબેને ગંગાસતી ના ભજન સાથે આધ્‍ત્‍મિકતા નો તેમનો ચીંધેલો માર્ગ દેખાડયો,તો કુંતાબેન રે પંખીને પથરો ફેકતા ફેકી દીધો એ રજુ કરી કવિ કલાપી જે જીવંત કર્યા,દર્શનાબેન અને નરેન્‍દ્રભાઇ શુક્‍લ એ હાજરી આપી બેઠકને પ્રોત્‍સાહન આપ્‍યું તો પ્રેક્ષકોએ દર્શનાબેનના સ્‍વરમાં માંડી તારૂં કંકુ અને રૂપને મઢેલી આવી રાત સાંભળી સંગીતમાં ભીંજાયા,બેઠકનો દોરઆગળ વધારતા ભીખુભાઇએ કનૈયાલાલ મુનશી ને યાદ કરતા ‘‘ગુજરાતનો નાથ”પુસ્‍તકની ની વાતો રજુ કરી, નિહારીકાબેન અને દાવડા સાહેબે અખા ભગત ને ખુબ પ્રેમથી યાદ કર્યા, નહારીકાબેન પ્રિય કવિ અખાને યાદ કરતા આનંદ સાથે ઉત્‍સાહ અને ગૌરવ વર્તાયો અને ખુબ માહિતી સભર રજુઆત કરી તો દાવડા સાહેબે જાણે પોતામાં અખાને અનુભવી, ‘અખા’ના ચાબખા જેવા છપ્‍પા તેની વિશેષતા વર્ણવી, વખાણ તો કર્યા સાથે પોતે લખેલા છપા પણ રજુ કર્યા, બ્‍યાસી વર્ષના પદ્માબેન કાન્‍તે મરાંબાઇની પ્રેમલક્ષણ ભક્‍તિનું એક લોકપ્રિય પદ જુનું રે થયું રે દેવળ રજુ કરી બાળપણમાં સાંભળેલી પ્રાર્થના ના સંભારણ ને વાગોળતા મીરાંબાઇને રજુ કર્યા,હેમંતભાઇ અને જયાબેનની ઉપાધ્‍યાય ની ખામી વર્તાણી, સાથે બીજા અનેક ને યાદ કરતા પ્રજ્ઞાબેન દાદભાવાળાએ જે નોહતા આવ્‍યા અને લખાણ મોકલ્‍યા હતા તેવા દરેકને યાદ કર્યા અને મેધલાતાબેન ની નરસિંહ મહેતાની રજૂઆતની એક ઝલક આપી, આભાર સાથે દરેકને પ્રોત્‍સાહન આપી બીજી બેઠકનો વિષય ‘‘પ્રસ્‍તાવના”આપ્‍યો.

          આમ બેઠક માહિતીસભર, સાહિત્‍યના પાના ઉખેળની, નવા લેખકોની કલમની તાકાત માણતી, ઉત્‍સાહ અને આનંદથી મૈત્રીસભર રહી.પ્રવિણાબેનનો નાસ્‍તો,સાથે કોઇએ લાવેલી જલેબી માણી,અને જાગૃતિબેનના પાઉંવડા ખાઇ સાથે પુસ્‍તકો લઇ સહુ છુટા પડયા.૧૦ વાગી ગયા તેની કોઇને નોંધ પણ ન રહી. તેવું શ્રી વિજય શાહની યાદી જણાવે છે.

(10:28 pm IST)

 

 

Last Update : 16 April, 2014 06:32 PM

‘માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. ‘અને ‘મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ’

– બે એરિયામાં ‘બેઠક’ના ઉપક્રમે સાહિત્ય પ્રેમીઓ મળ્યા

– – ઈન્ડિયન કોમ્યુનિટી સેન્ટરના ઓડિટોરીયમમાં વિવિધ સંવેદનશીલ કૃતિઓની રજૂઆત થઈ (રાજેશ શાહ દ્વારા)બે એરિયા, તા.૧૪ એપ્રિલ ૨૦૧૪

બે એરિયામાં ગુજરાતી ભાષા-સાહિત્ય-સંગીતના સમૃદ્ધ વારસાને જીવંત રાખવા ગુજરાતી સાહિત્યપ્રેમીઓ ‘બેઠક’ના ઉપક્રમે દર મહિનાના છેલ્લા શુક્રવારે ગુજરાતી ભાષા-સાહિત્યને સ્પર્શતો કોઈ વિષય લઈ તેના ઉપર પોતાના મૌલિક વિચારો રજૂ કરવા ઉમળકાભેર એકત્ર થાય છે.
ખાસ ધ્યાન ખેંચે તેવી વાત તો એ છે કે દર વખતે સિનિયર ભાઈઓ-બહેનો તેમના ભવ્ય ભૂતકાળની જૂની યાદો અને યુવાની વખતે તેઓના સાહિત્ય-કલા-સંગીતના પ્રેમ-લગાવને યાદ કરી પોતાની ઊર્મિઓની આનંદભેર અભિવ્યક્તિ કરવા કાર્યક્રમ શરૃ થાય તે પહેલાં સમયસર આવી જાય છે. ૭૦ વર્ષ પછીની ઉંમરવાળા ભાઈઓ-બહેનોના ચહેરા ઉપરનું સ્મીત અને ઉમળકાને જોતાં આનંદ અને ગર્વથી સૌ ભાષા-પ્રેમીઓનું મસ્તક ઝુકી જતું હતું.
‘બેઠક’ના ઉપક્રમે તેઓના ચોથા કાર્યક્રમમાં ”મને ગમે છે” વિષય ઉપર પોતાના જીવનકાળ દરમ્યાન કોઈકે વાંચેલી-સાંભળેલી ગુજરાતી કવિતાઓ અથવા લેખો જે તેઓના હૃદયને સ્પર્શી ગયા હોય અને યાદોમાં હજુય જીવંત હોય તેવી કૃતિઓના સર્જક કવિ કે લેખક તેઓને કેમ ગમી ગયા તે વિષય ઉપર પોતાના ખાસ વિચારો સૌની સમક્ષ રાખવા સૌ તૈયારી સાથે આવ્યા હતા.
શુક્રવાર તા. ૨૮ માર્ચ, ૨૦૧૪ના રોજ મિલપિટાસ નગર ખાતેના ઈન્ડિયા કોમ્યુનિટિ સેન્ટરના ઓડિટોરિયમમાં ગુજરાતી ભાષા-સાહિત્યના રસિકો ઉમંગભેર આવી પહોંચ્યા હતા.
કાર્યક્રમની શરૃઆતમાં કલ્પનાબેન રઘુભાઈએ સરસ્વતી વંદના કર્યા બાદ તેઓના માતુશ્રીના દુઃખદ અવસાન તાજેતરમાં થતાં તેઓના આત્માની શાંતિ માટે સૌએ પ્રાર્થના કરી હતી. મૂળ સુરેન્દ્રનગરના પણ અમેરિકાને કર્મભૂમિ બનાવી અમેરિકામાં સ્થાયી થયેલ જાણીતા કવિ અને ગઝલના પ્રેમીઓમાં જાણીતા ડૉ. મહેશભાઈ રાવલનું સૌએ સ્વાગત કરી તેઓની ચારેક ગઝલનો સૌએ રસાસ્વાદ કર્યો હતો. ત્રણેક દાયકાથી ગઝલોની દુનિયામાં અનન્ય પ્રદાન કરનાર ડૉ. મહેશભાઈએ તેમની આગવી છટામાં ગઝલ ગાઈને સંભળાવી હતી. હયુસ્ટન (ટેકસાસ)ના જાણીતા કવિયત્રી દેવિકાબેન ધુ્રવની કવિતા કલ્પનાબેને વાંચી સંભળાવી હતી. કલ્પનાબેને કવિ બોટાદકરે માતાના પ્રેમ ઉપર રચેલી કાવ્ય રચના ‘મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ’ યાદ કરીને કવિ બોટાદકરની સિદ્ધ કવિતાઓની ચર્ચા કરી હતી.
વસુબેન શેઠે કવિ ઈન્દુલાલ ફૂલચંદ ગાંધીની જાણીતી કૃતિ આંધળી માનો કાગળ વાંચી સંભળાવ્યો હતો. ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા કવિયત્રી ગંગાસતીએ પાનબાઈના પાત્રને લઈને ૪૧ ભજનોમાં જે ઉપદેશ આપ્યો છે તે આજે પણ સૌ ભાષાપ્રેમીઓ યાદ કરે છે. કુંતાબેન દિલીપભાઈએ કલાપીની ખૂબ જાણીતી રચના જ્યાં જ્યાં નજર મારી ઠરે રજૂ કરી કલાપી કઈ રીતે તેઓના હૃદયને સ્પર્શી ગયા તે જણાવ્યું હતું. બે એરિયાના જાણીતા સાહિત્યપ્રેમી પી.કે. દાવડાએ ૪૦૦ વર્ષો અગાઉ અખાએ સમાજ સમક્ષ છપ્પાના રૃપમાં ૬ લાઈનોમાં પોતાના મક્કમ વિચારો કડવું સત્ય સમજાવતાં રજૂ કર્યા હતા તેને યાદ કરી સૌને આનંદિત કર્યા હતા.
બે એરિયામાં સંગીત પ્રેમીઓ માનીતા એવા નિવડેલા ગાયીકા દર્શનાબેન ભૂતાએ જગજગની માને જાણીતી કાવ્ય રચનાઓ ”માડી તારૃં કકું ખર્યું ને સુરજ ઉગ્યો” તથા ”રૃપને મઢી છે સારી રાત સજન” તેમના મધુર અવાજમાં રજૂ કર્યા હતા. ભીખુભાઈ પટેલે ક.મા. મુન્શીને યાદ કરી ”ગુજરાતનો નાથ” જેની ૧૯૧૯ના વર્ષમાં પ્રથમ આવૃત્તિ છપાઈ હતી તે હજુ પણ જીવંત છે અને સૌમાં લોકપ્રિય છે તેની વાત કરી હતી.
પત્રકાર રાજેશભાઈ શાહે તેઓના પ્રિય લેખક-કવિ-કથાકાર અને ભગવદ્ ગીતાને સ્પર્શતા વિષયો ઉપર આશરે ૨૦,૦૦૦થી પણ વધુ પ્રવચન આપનાર સ્વ. પૂ. હરિભાઈ કોઠારીના જાણીતા પ્રવચનોના વિચારો રજૂ કર્યા હતા.
નિહારિકાબેન વ્યાસે ૧૫૯૧થી ૧૬૫૬ના જીવનકાળ દરમ્યાન અખાએ ૭૪૬ છપ્પાઓમાં સમાજમાં એ સમયે પ્રવર્તતા અસત્ય, ઢોંગ, આડંબર અને અંધવિશ્વાસને સમાજ સમક્ષ ખુલ્લા પાડી ખૂબ મહત્ત્વનું કાર્ય કર્યું હતું અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અનન્ય પ્રદાન કર્યું હતું તે તેઓની આગવી રીતે રજૂ કર્યું હતું.
બે એરિયાના જાણીતા ગાયીકા કલાકાર માધવીબેન મહેતાના માતુશ્રી મેઘલતાબેન જાણીતા સાહિત્યકાર, કવયત્રિ છે. તેઓએ નરસિંહ મહેતાના જીવન અને ગુજરાતી સાહિત્ય પ્રત્યે તેઓના પ્રદાન ઉપર તેઓના વિચારો મોકલાવ્યા હતા તે રજૂ કરવામાં આવ્યા.
૮૨ વર્ષના પદમાબેને ખૂબ ઉત્સાહ-ઉમંગથી ૮૨ વર્ષે પણ ગુજરાતી ભાષામાં પોતાના વિચારો કોમ્પ્યુટરમાં રજૂ કરી તૈયારી કરીને આવેલા પદમાબેને કૃષ્ણભક્તિથી રંગાયેલા મીરાબાઈએ રચેલી અનન્ય રચના ‘જૂનું રે થયું રે દેવળ’ રજૂ કરી મીરાબાઈ તેઓને કેમ ગમે છે તે રજૂઆત કરી હતી. સિનિયરમાં પ્રિય એવા રમેશભાઈ પટેલે અને ગુજરાતી ભાષા-સાહિત્યના પ્રેમી શ્રી પિનાકભાઈ દલાલે પણ સુપ્રસિદ્ધ કવિઓની રચનાઓ રજૂ કરી હતી.

-રાજેશ શાહ-

સંપાદક અને બેઠક વિશે બે શબ્દો

Insert author bio text here. Insert author bio text here Insert author bio text here Insert author bio text here Insert author bio text here Insert author bio text here Insert author bio text here Insert author bio text here Insert author bio text here Insert author bio text here Insert author bio text here Insert author bio text here Insert author bio text here Insert author bio text here Insert author bio text here Insert author bio text here Insert author bio text here Insert author bio text here Insert author bio text here Insert author bio text here Insert author bio text here Insert author bio text here Insert author bio text here