ઘર એટલે ઘર

ઘર એટલે ઘર–(1)પી. કે. દાવડા

Posted on August 6, 2015 by Pragnaji

મનુષ્યની ત્રણ મૂળભૂત જરૂરિયાત છે, રોટી, કપડા અને ઘર. કુદરતના પ્રતિકૂળ તત્વો, જેવા કે અતિશય ઠંડી, અતિશય ગરમી, વરસાદ વગેરેથી બચવા માટે મનુષ્યને એક સુરક્ષિત સ્થાનની જરૂર પડે છે. આદી માનવ ગુફાઓનો ઉપયોગ કરતા, પણ સંસ્કૃતિના વિકાસ સાથે નવા નવા સ્વરૂપના ઘર બનવા લાગ્યા. આજથી પચાસ વર્ષ પહેલા પણ ઉત્તર ધ્રૂવમાં એસ્કીમો બરફના ઈગલુમાં રહેતા, જો કે હવે તો ત્યાં પણ ઘર બંધાવા લાગ્યા છે.

ઘર શબ્દનો ઉપયોગ આપણે અનેક પરિપેક્ષમાં કરીએ છીએ. સામાન્ય રીતે, આપણે રહેવા માટે જે ઝુંપડું, ઓરડો, ફલેટ કે મકાન વાપરીએ છીએ એને ઘર કહીએ છીએ. ટપાલી જ્યાં આપણને પત્ર પહોંચાડી શકે એને ઘરનું સરનામું કહીએ છીએ. કેટલાક લોકો પત્નીનો ઉલ્લેખ મારી ઘરવાળી તરીકે કરે છે, એટલે જ્યાં પત્ની સાથે રહેતા હો એ તમારૂં ઘર. કેટલીક જ્ઞાતિમાં હજી પણ ઘર માંડવું નો અર્થ લગ્ન કરવા એવો થાય છે. ગુજરાતી લેક્ષીકોનમાં ઘરભંગ થવું નો અર્થ પત્નીનું મૃત્યુ થવું એવું આપેલું છે.

ઘરનું મહત્વ બાળકો ખૂબ નાના હોય ત્યારથી જ સમજાઈ જાય છે, અને એટલે જ ઘર ઘરની રમત નાના બાળકોની પ્રિય રમત હોય છે. ઘરની સાચી વ્યાખ્યા બાળકો વધારે સારી રીતે સમજી શકે છે. માત્ર ટોવેલ, ચાદર, છત્રી વગેરે લઈ એક ઝુપડું બનાવી લઈને બાળકો એને ઘર કહેતા નથી. એક જણ બાપુજી બને, એક છોકરી બા બને, એક છોકરો ડોકટર બને, આ બધી સંપૂર્ણ વ્યવસ્થાને એ ઘર ઘરની રમત કહે છે.

કેટલાક લોકો કહે છે કે જ્યાં કુટુંબ એક સાથે રહે, એ જગ્યાને ઘર કહેવાય. કુટુંબ તો કેટલીક વાર મુસાફરી દરમ્યાન ધરમશાળામાં, રીસોર્ટમાં કે હોટેલમાં એક સાથે રહે છે, પણ આપણે એને ઘર કહેતા નથી. ઘરની વ્યાખ્યા કરવી એ આપણે ધારીયે છીયે એટલું સહેલું નથી.

ચાર દિવાલો, છત, બારી-બારણાં એ માત્ર ઘરનું શરીર છે, એને ઘર કહેવા માટે એ શરીરમાં જીવ હોય, એમાં આત્મા હોય એ જરૂરી છે. આ જીવ અને આત્મા એમાં વસવાટ કરનારા મનુષ્યો છે. મનુષ્યો મેં એટલા માટે કહ્યું છે, કારણ કે આપણે ઘોડાને રહેવાના સ્થાનને તબેલો કહીએ છીયે અને ગાયોના રહેવાના સ્થાનને ગમાણ કે અન્ય પ્રાદેશિક શબ્દથી ઓળખીએ છીએ.

આપણી માલીકીનું એક વિશાળ મકાન હોય અને એમાં આપણી રોજીંદી જરૂરીઆતના બધા જ સાધનો હોય, પણ આપણે એમાં એકલા જ રહેતા હોઈયે, તો આપણે ભલે કહેવા ખાતર એને ઘર કહીયે, પણ આપણને એ ખરા અર્થમાં ઘર લાગતું નથી. ઘરમાં મા-બાપ હોય, ભાઈ-બહેન હોય, પત્ની હોય અને કિલ્લોલ કરતાં બાળકો હોય; જ્યાં એકલતાનો સદંતર અભાવ હોય, જ્યાં સતત સલામતીનો અહેસાસ હોય, એને ઘર કહેવાય.

આપણે નવા મકાનમાં રહેવા જઈયે ત્યારે બ્રાહ્મણને બોલાવી ગૃહશાંતિ માટે પૂજા કરાવીએ છીએ. આનો અર્થ એ થયો કે શાંતિ એ પણ ઘરનું એક અંગ છે. જે ઘરમાં કુટુંબના બધા સભ્યો વચ્ચે પ્રેમભાવ હોય, ઘરમાં સુખશાંતિ હોય, એ ઘરમાં સ્વર્ગની કલ્પના જેવું સુખ મળે છે. આમ ઘર એટલે માનો ખોળો, પિતાનો સ્નેહ, ભાઈ-બહેનની હૂંફ, પતિ-પત્નીનો સ્નેહ અને બાળકોનું ગુંજન.

ઘરને ઘર બનાવવા માટે કુટુંબના પ્રત્યેક સભ્યનો ફાળો અનિવાર્ય છે. હું જ્યારે કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યો ત્યારે અનેક વડિલોને મોઢે ફરિયાદ સાંભળેલી કે “અમે અમારૂં ઘર છોડી સંતાનોની છત નીચે રહેવા આવ્યા છીએ.” આ વાક્યમાં રહેલું દર્દ સમજી શકાય એવું છે. સમય જતાં મને સમજાયું કે સંતાનોના ધરને પોતાનું ઘર બનાવવા વડિલોનો ફાળો પણ જરૂરી છે. આપણે આબોહવા અનુસાર ઘરની બાંધણી કરીએ છીએ, ઋતુ અનુસાર કપડા પહેરીએ છીએ, તો અમેરિકાની સંસ્કૃતિને સમજીને એ અનુસાર સંતાનોને અનુકૂળ થઈને રહીયે તો અહીં પણ આપણું ઘર બની જાય. સંતાનો પણ ઇચ્છે છે, કે ઘરમાં વડિલોની પ્રેમાળ છત્રછાયા હોય, કુટુંબમાં પ્રેમ અને આનંદ હોય, બાળકોનો કલરવ હોય અને ઘરમાં બધા સંતુષ્ટ હોય.

ઘર એટલે શ્રધ્ધા, પ્રેમ અને શાંતિનો ત્રિવેણી સંગમ. આ સંગમથી વાસ્તુને તથાસ્તુ કહી શકાય.

Interior Decoration થી ઘરને સુંદર બનાવી શકાય, પણ સુખી ન બનાવી શકાય. ઘરને સુખી બનાવવા કેટલાક નિયમોનું પાલન જરૂરી છે. ઘરમાં પ્રત્યેક જણનું માન જાળવવું જોઈએ, ખાવાપીવાની અને અન્ય બધી વસ્તુઓની ન્યાયપૂર્ણ વહેંચણી થવી જોઈએ, કોઈ એક સભ્ય પ્રત્યે પક્ષપાત કે કોઈ એક સભ્ય પ્રત્યે તિરસ્કાર ન હોવો જોઈએ, ઘરના બધા કામકાજમાં પ્રત્યેક સભ્યે યથાશક્તિ ફાળો આપવો જોઈએ, અને વડિલો માટે સન્માનની લાગણી હોવી જોઈએ. ઘરને ઘર કહેવડાવવા માટે પોતાના માણસની હુંફની અનુભૂતિ બહુ જ જરૂરી છે.

આજે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે મકાનો ઊભા છે પણ ઘર ભાંગી પડ્યા છે. સંયુક્ત-કુટંબ પ્રથા શહેરોમાં તો નષ્ટ થઈ ચૂકી છે, લગ્નવિચ્છેદના બનાવો ઝડપથી વધવા લાગ્યા છે, અને સંતાનો નોકરી અંગે પરગામ કે પરદેશ રહેવા ચાલ્યા જાય છે. અમેરિકામાં કુટુંબની વ્યાખ્યા અલગ જ છે. મારી પત્નીના અવસાન બાદ મારા કુટુંબમાં હું એકલો જ. મારો દિકરો, મારી પુત્રવધુ અને મારી બે પૌત્રીઓ મળીને જે કુટુંબ થાય એ મારા દિકરાનું કુટુંબ. અહીં બાળકો પુખ્તવયના થાય અને કમાતા થાય એટલે એ તમારા કુટુંબમાંથી નીકળી જાય, અને પોતાનું કુટુંબ શરૂ કર. આ પધ્ધતિના ફાયદા નુકશાનની ચર્ચામાં હું અહીં નથી ઉતરતો.

આમ સ્થળકાળ પ્રમાણે ઘરની વ્યાખ્યા તો બદલતી જ રહેવાની. તો ઘરની ચોક્કસ વ્યાખ્યા કઈ? આખો દિવસ કામ કરી, થાક્યા પાક્યા જે સ્થળે જવાની ઈચ્છા થાય એ ઘર? જ્યાં તમારા આવવાની કોઈ રાહ જોતું હોય એ ઘર? જ્યાં પહોંચીને જીવને શાંતિ મળે એ ઘર? જે સ્થળે રહેતા પ્રત્યેક જણ પ્રત્યે આપણને પ્રેમની લાગણી થાય એ ઘર? જ્યાં નાનામાં નાનું કામ કરતાં પણ નાનપ ન લાગે એ ઘર? જ્યાં પરણી ને નવોઢા પગલાં પાડે એ ઘર?

ઘરની ગમે તે વ્યાખ્યા કરો, પણ ઘર એ ઘર.

-પી. કે. દાવડા

 

ઘર એટલે ઘર ……… (2) વિનોદ પટેલ

Posted on August 7, 2015 by Pragnaji

 

દરેક મનુષ્યને જીવનનું એક સ્વપ્ન રમતું હોય છે કે મારે પણ મારું પોતાનું ઘર હોય . સ્વપ્નને જેમ બને એમ જલ્દી સાકાર કરવા માટે પ્રયત્નશીલ બને છે. છેવટે જ્યારે પોતાના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે એને સ્વર્ગ માત્ર એક હાથ છેટું લાગે છે. એને મનથી એમ લાગે છે કે મારું ઘર મારા માટે મારું સ્વર્ગ છે .મિત્રો સાથે જ્યારે એના ઘરના ઘરની વાત કરતો હોય છે ત્યારે એના હૃદયનો ઉમળકો ઉડીને આંખે વળગે એવો સ્પષ્ટ દેખાય  છે.

આમ જોવા જઈએ તો ઘર એટલે સિમેન્ટ, લોખંડ, લાકડું ,રંગ રોગાન વિગેરે ભૌતિક ચીજ વસ્તુઓથી બનાવેલું એક મકાન.દરેક ઘર એક મકાન છે પણ દરેક મકાન કઈ ઘર નથી.દરેક મકાનમાં એક ઘર રહેતું હોય છે.ઘર એમાં રહેતાં માણસોના જીવનની વાતો જાણતું હોય છે.દરેક ઘરમાં જીવન ધબકતું રહેતું હોય છે. મકાનનાં સરનામાં બદલાતાં રહે છે,એમાં અવાર નવાર રાચ રચીલું બદલાયા કરે છે, મકાનમાં તોડ ફોડ થતી રહે છે,પરંતુ એમાં વસતા માણસોના ઈતિહાસ સાથેનો ઘરનો આત્મા કદી બદલાતો નથી એનો એજ રહે છે.

એક મકાનની કિંમત આંકી શકાય છે .એને વેચી કે ખરીદી શકાય છે . ઘરમાં જેઓ રહે છે એમના માટે એની કિંમત  અમુલ્ય હોય છે.સંજોગોવશાત જ્યારે ઘર વેચવું પડે છે ત્યારે ઘણા વર્ષો જ્યાં રહ્યા હોય, જીવનના સારા માઠા પ્રસંગોનું જે સાક્ષી બન્યું હોય ,જેની સાથે અંતરથી માયા બંધાઈ ગઈ હોય ઘરથી વિખુટા પડતાં જીવ કપાય છે મારો પોતાનો અનુભવ છે.ભલે મકાન વેચાતાં મોટી કિંમત મળી હોય પણ જે ઘર હતું તો હવે નથી રહ્યું  વિચાર સાથે મનને મનાવવાનું મુશ્કેલ બની જાય છે. ઘર વેચાયા પછી પણ તક મળતાં ત્યાં જઇને વેચાયેલા ઘર પર એકાદ નજર નાખી આવવાનું મન થયા કરે છે.

જે ઘરમાં તમે જન્મ્યા કે તમારાં બાળકો જન્મ્યાં, ઉછરીને મોટાં થયાં ઘર સાથે તમારા હૃદયનો તાર જોડાઈ જાય છે.જે ઘરમાં પરણીને નવોઢાને લાવી  વિવાહિત જીવન શરુ કર્યું હોય,એક પક્ષીની જેમ તિનકા તિનકા એકઠા કરી સુંદર માળો રચ્યો હોય , ઘરને સજાવ્યું અને સમાર્યું હોય ઘરની સાથે અં જે માયા બંધાય છે એને સમજવો અને શબ્દોમાં બયાન કરવો દુષ્કર છે.

ભલે બાહ્ય દ્રષ્ટીએ ઘર નાનું લાગતું હોય , ઝુંપડા જેવું હોય પણ દરેક ઘરમાં રહેતા જન જીવનનો આત્મા એક સરખો હોય છે. ઘરમાં રહેતા માણસો હૃદયના તારથી જોડાએલા હોઈ ઘરમાં માંદગી આવી હોય સંજોગોમાં એમાં રહેતા સભ્યોનો જીવ તાળવે આવી જાય છે.માંદાની માવજતમાં આખું ઘર ઉપર તળે થઇ સેવામાં લાગી જાય છે.

મકાન શું અને ઘર એટલે શું એના વિષે કવિ મિત્ર શ્રી વિવેક મનહર ટેલરએ એક બેનમુન ભાવવાહી ગઝલ લખી છે.એમના આભાર સાથે અત્રે પ્રસ્તુત કરુ છું.

હતી ક્યારે છતો, દિવાલ કે કોઆવરણ ઘરનું ?

અમે તો નામ દીધું છે, જ્યાં જઈ થંભે ચરણ, ઘરનું.

 

એમ કહેવાય છે કે ધરતીનો છેડો ઘર.તમે વિશ્વના કોઈ પણ સ્થળે પ્રવાસે ગયા હો, ઘર કરતાં બહુ કીમતી રોનકદાર હોટલોમાં રહ્યા હો, પરંતુ બધે ફરીને  છેવટે તો તમારે ઘેર પરત આવવું પડે છે. જ્યારે ઘેર આવી તમે હૃદયના તારથી જોડાએલ તમારા કુટુંબી જનો વચ્ચે ફરી આવી જાઓ છો ત્યારે તમારા જીવને જે હાશકારો થાય છે અવર્ણનીય છે.તમારું વિશ્વ ઘરથી શરુ થાય છે અને ઘેર આવીને અટકે છે.ઘર એક આખરી વિસામો છે જ્યાં આવવાથી હૃદયનેહાશની અનુભૂતિ થાય છે. જાણીતાં લેખિકા વિનોદિની નીલકંઠએ એમના નવા બંગલાનું નામહાશરાખ્યું હતું કેટલું સૂચિત છે !

તમે જે ઘરમાં રહો છે મકાન ભલે મહેલ જેવું અનેક ખંડ વાળું વિશાળ અને ભવ્ય હોય પરંતુ એમાં રહેતા સભ્યો માત્ર ઔપચારિક રીતે, હૃદયના કોઈ ભાવ કે પ્રેમની લાગણી વિના રહેતા હોય તો એને ઘર કહી ના શકાય. એને તો કોઈ હોટેલ,મોટેલ જેવું નિર્જીવ માત્ર દેખાવનું મકાન  કહી શકાય .તમે જો મકાનને ઘરમાં ફેરવી શકો તો તમારી જીત છે અને તો તમે જીવનનો ખરો આનંદ અને સુખ ઘરમાં માણી શકો. ઘરમાં જેટલાં વધુ સાધનો અને ચીજવસ્તુઓનો ખડકલો હોય સાચું સુખ આપી નથી શકતું. જે ઘરમાં મુખ પર હાસ્ય જણાતું ના હોય ,એકબીજાનાં મન ઊંચાં રહેતાં હોય ઘર બધી સાહબી કે સગવડો સાથે પણ સાચું ઘર બની શકતું નથી. કદાચ એટલે કહેવત પડી ગઈ હશે કેજે હસે એનું ઘર વસે.”

માત્ર વસ્તુઓથી લાદેલું નહી પણ ખરેખર હળી મળીને, હસી ખુશીથી વસતું  ઘર સૌને પ્રાપ્ત થાઓ એવી શુભેચ્છાઓ .  

વિનોદ પટેલ, સાન ડીયેગો, કેલીફોર્નીયા

 

 

ઘર એટલે ઘર () વિજય શાહ

Posted on August 4, 2015 by vijayshah

ઘર“… એટલે

ઘર અંગેના વિચારો, જે વર્ષોથી મનમાં વહેતા હતા, તે દરેક માટે સાચા થાય તેવી અંતરની અપેક્ષા અક્ષરો વાટે ‘બારાખડીમાં અર્પણ કરું છું.

કુદરતની કૃપાએ કિલ્લોલ અને કલરવ કરતું, કરાવતું                                    … કુટુંબ

ખુશીઓની ખુબ-ખુબ ખુશ્બોઓને ખીલવતી ખુબીભરી                                   … ખુશહાલી

ગમતાનો ગુલાલ અને ગુણોનો ગુણાકાર કરાવતું                                           … ગુરૂત્વકેન્દ્ર

ઘનીષ્ઠતાની ઘોષણા સાથ ઘર-સંસારને ઘટ્ટ કરતું                                          … ઘર-આંગણું

ચાહના અને ચારિત્રના ચણતરને ચક્રવૃદ્ધિ સાથ ચિરકાલીન કરતું                   … ચેતના-ઘર

જાગૃતતાથી જીવન જીવવા અને જીતવા માટેનું જાજરમાન                           … જાત્રા-સ્થળ

ઝીંદાદિલીની ઝલક દેખાડતો અને ઝવેરાત સમાન ઝગમગતો                       … ઝરૂખો

ટાઢ,તડકામાં ટકવા માટે ટેકો આપી, ટહુકા સાથે  ટહેલાવતો કરાવતો                         … ટાપુ

ઠોકર અને ઠેસ પછી ઠરીઠામ અને ઠંડક અપાવતું                                           … ઠેકાણું

ડુબતાની ડાળખી સમાન  ડગલેને પગલે ડહાપણ આપતો                                … ડેલો

તત્વજ્ઞાન અને તુલસીથી તરબતર  તમામ તરસને તૃપ્ત કરતું                         … તીર્થસ્થાન

થોભ્યા કે થાક્યા વગર, થનગનતા થવાનું                                                       … થાનક

દીર્ઘ-દૃષ્ટિથી, દરેક દિલોને દિવ્યજ્ઞાનનું દર્શન કરાવતું                                    … દેવલોક

નયનરમ્ય નિવાસ માટેનું નસીબવંતુ, નિર્મળ અને નિર્ભય નજરાણું                    … નંદનવન

પરસ્પરના પર્યાય બની, પારિવારીક પ્રેમની પરંપરાને પ્રજ્વલ્લિત કરતો            … પુન્ય-પેલેસ

ફરજ અને ફુલોની ફોરમને ફેલાવી ફતેહ કરતી ફળદ્રુપ                                         … ફુલદાની

બંધુત્વ અને બહુમતીને બહેતર બનાવવા  બ્રહ્માએ બનાવેલ બેનમુન                   … બગીચો

ભાઈચારા અને ભક્તિભાવના માટે ભગવાને આપેલ ભાગ્યશાળી ભેટ                   … ભાગ્યભૂમિ

મનમેળ અને મોહમાયાથી મળી, મનગમતી મહેક અને મીઠાશ માણવા              … માતૃભૂમિ

યુગાતંર સુધી યાદગાર અને યથાર્થ બને તેવું                                                      … યાત્રાસ્થળ

રંગરસ અને રાજીખુશી રહેવા માટેનું રસીક અને રક્ષી્ત રહેઠાણ                           … રાજમહેલ

લાગણીના લોહચુંબકને  લેખે લગાડી, લીલાલહેર કરાવતું                                     … લોભ  લોલક

શાંતિ, શ્રદ્ધા, શૌર્ય, શક્તિ અને શિષ્ટતાથી શોભતું                                                   … શુભ શિખર

સમર્પણના સમભાવ અને સદભાવ સા્થે સાચા સ્નેહ, સંબંધોનો સરવાળો                 … સુખસદન

હોંશ અને હેતથી હળીમળીને હંમેશા હર્ષના હિંડોળે હીંચકાવતું                             … હર્ષવીલા

અને  અંતમાં 

વિધાતાના વરદાનથી વસેલું, વડ-વૃક્ષોથી વિભૂષિત, વર્ષાના વારસાગતમાં વહાલનું વહેણ વધારતું,

વિશ્વસનીય વિસામા માટે વાટ જોતું, વિશિષ્ટ અને વૈવિધ્ય વિભોર વહાલને વહેતું રાખતું,

વરદાન-રૂપી આવું વાસ્તવિક ‘ઘર’

પ્રવક પરિવારને પ્રાપ્ત થાય તેવી પ્રભુને પ્રાર્થના સાથ…

કલમ-કાગળનો કસબ કેળવી, કુદરતનો આભાર માનવા,

મારા મિત્ર કિશોરના અંતરની એક કુદરતી કૃતિ છે.

ઘરનો સાચો રણકારવિજય શાહ

ગૂગલ ઉપર શોધતા .ઘરની વ્યાખ્યા મળી ધરતીનો છેડો એટલે ઘર, દુનિયાભરની હાશ એટલે ઘર, આખા દિવસની નિરાંત એટલે ઘર- પરંતુ ઘર એટલે ..? ધરતીનો છેડો જ નહિ, મસ્તીનું સરનામું પણ ખરું. ખરેખર ઘર કોને કેહવું ..? ઇટ-સિમેન્ટ-રેતી-વગરે થી બનેલું મકાન કહેવાય છે ને તેમાં દિલની હાશ, નિરાંત, આવકાર, સલામતી, પોતીકાપણું મળે ત્યારે એ ઘર બને છે.

જ્યાં જવા પરવાનગી લેવાની હોતી નથી અને જ્યાં સ્મિત મળશે કે રુદન તેની પરવા હોતી નથી જે મળશે જેવી રીતે મળશે સ્વિકાર્ય જ હોય.

આ વાંચતા સમીર શાંત મને વિચારવા લાગ્યો..છેલ્લા દોઢ મહીનાથી ઘરે ગયો નહોંતો. સુધા સાથેનું ૪૦ વર્ષનું લગ્નજીવન ઉબડખાબડ જ હતું. મેડીકલ રીપ્રેઝંતેટીવની જિદગી અને મહીનાનાં ૨૦ દિવસ આખા ગુજરાતમાં તે ફરતો ક્યારેક ભૂજ તો ક્યારેક આહવા ડાંગને ક્યારેક દમણ તો ક્યારેક ડીસા ભથ્તુ સારુ અને ટીએ ડીએ નફામાં, તેથી ફરતો અને સુધા બંને દિકરાઓને પરણાવી સાસુ બની હતી ત્યારે બાની હાજરી હવે તેને ડંખતી. ઘરમાં ગામથી આવેલા બા હવે તો ૮૦એ પહોંચ્યા હતા અને સુધા સમિરની બાકીના દસ દિવસોમાં ફક્ત ફરિયાદો જ સાંભળતો. “બા આમ નથી કરતા અને બા તેમ કરે છે”. કેટલી વાર સમજાવવાનું કે ગામ માં હવે કોઇ નથી જે તેમની સંભાળ રાખે અને સાજે માંદે તેનાથી દોડીને જવાય નહીં માટે બાને પોતાની સાથે રાખે છે. એકનું એક સંતાન અને અમદાવાદનાં ઘરથી વતન ઠેઠ ઉના…ખેતીવાડી ભાગે આપી દીધી અને ખોરડૂ બાપાની યાદગીરી એટલે તાળાબંધીમાં

સુધા ઇચ્છતી કે નાથીમા દેશમાં જઇને રહે. અને નાથીમા પણ ઇચ્છતાકે તેમનો દેહ વતનમાં પડે.. પણ શું એ શક્ય હતું?

સુધા આમતો જ્યારે સમીર ઘરે હોય ત્યારે તો મીઠી સાકર.. બા બા કહી મોઢુ ના સુકાય.. પણ જ્યારે નાથીબા ફરિયાદ કરે ત્યારે સમીરને અસંમજસ થાય પાછલી ઉંમર અને કંઇ પડે આથડે તો કેવી રીતે સચવાય? અમદાવાદમાં હોય તો તર્ત સારવાર મળે.. જ્યારે .વતનમાં ડોક્ટરને આવતા પણ કલાક થાય

આ વખતે તેની ટ્રીપ લાંબી થઇ ગઈ હતી અને સેલફોન ઉપર નાથીબાનું રૂદન તેનાથી સંભળાતુ નહોંતું. “ ભાઇ હવે આ દેહ મુકવાનું ટાણું આવ્યું ત્યારે વહુનાં હડસેલા ખવાતા નથી. અને હું અહીંયા છું તેથી તેના માબાપને તેનાથી લવાતા નથી તેથી તેણે તો કહીજ દીધું છે બા હવે તમે ઉના જાવ એટલે મારા મા બાપની સામે હું જોઉંને?

અચાનક જ તેણે ભવનગરની ટ્રીપ રદ કરી ઘેર આવ્યો ત્યારે સુધાનું બા સાથેનું બગડેલું વર્તન જોયું. તેના બે મોઢાનાં ખેલો સાંભળ્યા ત્યારે તે ઉકળી ગયો.

“બા ચાલો બેગ લો અને હવે આપણે બે સાથે ઉના રહીશું અને સુધાને રહેવાદે તેના માબાપ સાથે….”

“પણ બેટા! તારો સંસાર, તારું ઘર અને તારી નોકરી?.”

“બા તમે ૮૦ નાં તો હું ૬૦નો ને?”

“તે હવે આમેય કંપની તો મારા પગારમાં બે રીપ્રેઝંણ્ટેટીવ રાખશે.. મનેય ઘર જેવું લાગશે દેશમાં”

“ તે આ તમારું ઘર નથી?” બારણા પાછળ ઉભેલી સુધા એ ઘુરકીયું કર્યું.

“ છેને? પણ આ તારું ઘર વધારે છે અને આમેય હું તો દસ જ દિવસ રહેતો..અને તેય મહેમાન ની જેમ એટલે એક તૃતિયાંશ ઘર જ મારુંં”

“પણ”..સુધાને શબ્દો જડતા નહોંતા

ત્યારે ગુગલ પર વાંચેલો સમીરને યાદ આવ્યોાને બોલ્યો

સુધા ઘર એટલે શું તેની તને ખબર છે? હું વીસ દિવસ બહાર ફરતો હૌં ત્યારે મને સમજાય કે ઘર એટલે ધરતીનો છેડો એટલે ઘર, દુનિયાભરની હાશ એટલે ઘર, આખા દિવસની નિરાંત એટલે ઘર- પરંતુ ઘર એટલે ..? ધરતીનો છેડો જ નહિ, મસ્તીનું સરનામું પણ ખરું. ખરેખર ઘર કોને કેહવું ..? ઇટ-સિમેન્ટ-રેતી-વગરે થી બનેલું મકાન કહેવાય છે ને તેમાં દિલની હાશ, નિરાંત, આવકાર, સલામતી, પોતીકાપણું મળે ત્યારે એ ઘર બને છે.

જ્યાં જવા પરવાનગી લેવાની હોતી નથી અને જ્યાં સ્મિત મળશે કે રુદન તેની પરવા હોતી નથી જે મળશે જેવી રીતે મળશે સ્વિકાર્ય જ હોય.

આજે બા સાથેનું તારું વર્તન મેં જોઇ લીધું અને સમજાઇ પણ ગયું કે પરાણે પ્રીત ન થાય અને તારા માબાપને ઘરમાં લાવવા તું મારી માને હડસેલા દે તે ના સહેવાય.’

થોડિક ક્ષણો નિઃસ્તબ્ધતાની વહી ગઈ. બાની બેગ લઈ સમીર નીકળી ગયા.

બા અંદરથી વ્યથિત હતા. તેમને સંભાળતા સમીર બોલ્યો “બા! મને તેના બે રૂપણી જાણ આજે થઇ હવે મારે પણ બીજુ રૂપ બતાવવું રહ્યુંને?”

“ પણ બેટા તારી ૪૦ વર્ષનું દાંપત્યજીવન તું દાવ પર લગાવી રહ્યો છે.”

“ જો બા તમે અને પપ્પાએ અમને પાળી પોષીને મોટા એટલામાટે કર્યા છેને ઘડપણમાં અમે તમારું ધ્યાન રાખીયે. તો રાખવા દે ને? એ એના માબાપ્ને સાચવે અને હું મારી માને..’ ચિંતા ના કર કશું નથી થવાનું”

“ પણ બેટા તારી નોકરી? ઘર કેમ ચાલશે?”

“ બા તમે ઉનાનાં ઘરમાં રહેશો અને તમારું જીવન પાંચ વર્ષ વધશે એ વધુ અગત્યનું છે “

“ પણ કહીને બા તેમની ચિંતા નો દોર વધારતા હતા.. અને સમીર કહેતો રહ્યો કે બા ઘણા સમયે મને ઉનાનું ઘર મારું ઘર લાગે છે.”

“તે બેટા એ તારું જ છે ને?”

“ હા તે ખરું પણ આ ઘરમાં મારે તને તારી રીતે જીવડાવવું છે…તારા હાથનાં ઢોકળા અને માઠીયા ખાવા છે..સુધાને તો એ બધું આવડે જ ક્યાં છે?”

સાજે ઉના પહોંચ્યા અને ફળીયામાં તો નાથી કાકી આવ્યા.. નાથી કાકી આવ્યા.. થઇ ગયું કોઇ ચા લઇને આવ્યું તો કોઇ ગરમાગરમ રોટલા અને શાક લઇને આવ્યું. સમીરભાઇ તમે સારું કર્યું બાને લઈને આવ્યા…નાના ગામમાં હૈયા મોટા અને સંકુચીતતા નહીંવત..નાથીબા ખીલ્યા અને સમીર આનંદે રહેતો. બંને છોકરાઓ અને વહુઓનાંફોન આવી ગતા સુધાપણ ખબર અંતર પુછતી અને પુછતી ક્યારે આવો છો? ત્યારે એક જ જવાબ હતો બાને મન થશે ત્યારે.

સુધા ગુંગળાતી..ગુંચવાતી અને કહેતી “બાનું મન ક્યારેય ન થાય તો?”

સમીર કહેતો “તો તારે અહીં આવી જવાનું આ ઘર પણ તારું જ ઘર છેને?”

૪૫ દિવસ વિત્યા હશેને સુધા ઉના આવી પહોંચી.

“ બા! મને માફ કરો.. મારી નાદાનીઓને માફ કરો.”

નાથી બા હસતા હસતા બોલ્યા “ બેટા તમારું તો આ ઘર જ છે અને માફી વળી કેવી માંગવાની? તુંય મારી દીકરી જેવી જ છું ને… પણ તમારી પેઢી થાકી જલ્દી જાય.. ૮૦ તો થયા હવે કેટલું જીવવાનું? બે પાંચ વર્ષ.. રહી જાવ અહીંયા આ સાલ કેરીગાળો સારો છે.. આંબે આવ્યો્ છે મોર અમદાવાદ જાશું પોર..”

“પણ બા તમારા દીકરાને તમારે કહેવું તો પડશેજ.. આમ મને અધવચ્ચે છોડી દેવાની વાત કરે તે કેમ ચાલે?”

“ અરે જે છેડા વિધાતાએ બાંન્ધ્યા તેને હું પામર જીવ કેવી રીતે છોડી શકું?”

તો પછી ફોન ઉપર જવાબ કેમ ઉલટા સીધા આપતા હતા?”

“ તે તો તું જે પ્રશ્ન પુછે તે રીતનાં હોયને?”

“એટલે?”

“તું પુછે ઘરે ક્યારે આવો છો? ત્યારે હું કહું કે હુંતો ઘરે જ છું તો મેં શું ખોટુ કહ્યું?

“ પણ તમે તો મારાથી છુટવા અહીં આવ્યા છોને?”

“ હું તો બાની સાથે રહેવા આવ્યો છુ.”

“ મેં મૂઇએ એવું તારન કઢ્યું કે તમે મને છોડી ને ગયા…”

“ હા મારું બધું કામ પતી ગયા પછી દીકરા તરીકેની જવાબદારી પુરી કરવા આવ્યોછું આમેય તારે તેમને રાખવા નહોંતા અને તેમને પણ રહેવું નહોંતુ તે તબક્કામાં શું કરવાનું?કંઇ ૮૦ વર્ષે મારા બાને એકલા થોડા મુકાય? મારા બા કંઇ નધણિયાતું ઢોર નથી કે જે અહીં તહીં ફરતુ ફરે?”

બાને મલકતાં જોઇ સુધા રડવા જેવી થઇ ગઈ ત્યારે બા બોલ્યા.”.ઘર એટલે ઇંટ ચુનો અને સીમેંટનું માત્ર ચણતર નહી પણ વડીલોને માન અને નાનેરાને વહાલ જ્યાં હોય ત્યાં જ ઘર વિકસતું અને મહેંકતું હોય..તમારી આજની સાથે જોડાયેલી અમારી ગઇ કાલ સમીર ભુલ્યો નથી અને તેથીજ એટલું કહીશ કે “મારા”માંથી “અમારા” કરતા થાવતો ઘરનો સાચો રણકાર સંભળાય”

 

ઘર એટલે ઘર (૪) પ્રવીણા કડકિયા

Posted on August 5, 2015 by pravina

બે અક્ષરનો  બનેલો આ શબ્દ કેટલો પ્યારો છે. ન તેને કાનાની જરૂર, ન માત્રાની, ન માગે  હ્રસ્વ ઇ કે દીર્ઘ ઈ અરે અનુસ્વારની પણ આવશ્યકતા નહી. હ્રસ્વ ઉ કે દીર્ઘ ઊની ક્યાં વાત કરવી !   માનવ માત્રનો સ્વભાવ છે, ‘ઘર’ જે તેનું નિવાસસ્થાન છે. તે તેને અતિ પ્યારું છે. પછી ભલે એ ઝુંપડી હોય કે મહેલ, બંગલો હોય કે બે ઓરડાનું સાદું રહેઠાણ. નાનપણથી સાંભળતી આવી છું,’ ધરતીનો છેડો ઘર’. આટલા વર્ષોના અનુભવનો નિચોડ કહે છે , ‘ધરતીનું ઉદભવ સ્થાન ઘર’. જ્યાંથી જીવન યાત્રા શરૂ થાય છે. જીવનના અંતિમ શ્વાસ પણ ત્યાં છૂટે તેવી દરેક મનુષ્યના મનની એષણા હોય છે.

ઘરની વ્યાખ્યા કરવી ખૂબ કપરું કામ છે. જ્યાં વાસ કરીએ તેને ઘર કહેવાય. હવે દરેકને સ્થળ પવિત્ર મતલબ ચોખ્ખું ગમે. આવનાર વ્યક્તિને અંતરના ઉમળકાનો અહેસાસ થાય. જ્યાં ભલે ભભકો ન હોય. સાદગીમાં સત્કાર જણાય. અરે ભલેને જમવામાં બાસુંદી પૂરી ન હોય ! પ્રેમેથી ખીચડી, પાપડ અને અથાણું ભાણામાં પિરસાય.

એક વાત યાદ આવી ગઈ કહ્યા વગર નહી રહી શકું. એક મિત્ર અમેરિકામાં અઢળક ડૉલર કમાયા. હવે મિત્ર હતા, બીજા શહેરમાં રહેતા હતા.જોગાનુજોગે તેને ત્યાં જવાનો  અવસર સાંપડ્યો. હું  સામાન્ય વ્યક્તિ. તેમાં પાછી એકલી. આરામથી ફરીને મને ઘર બતાવ્યું. ખૂબ સુંદર અને વિશાળ ‘મેન્શન’ હતું. ઘરમાં સ્વિમિંગ પુલ, ટેનિસ કૉર્ટ, સાત બેડરૂમ, ૪ ગાડીઓનું મોટું ગરાજ , નોકર માટેનું નાનું મકાન પાછળના ભાગમાં, બે કૂતરા, નાનું માછલી ઘર, મંદિર વિ. વિ. જોવાની મઝા આવી. સાંજ પડી હતી એટલે કહે હવે જમીને જા. મારી પત્ની ધંધા પરથી આવી ગઈ છે. મારે લીધે કૉલેજ મિત્ર વહેલા નિકળી ગયા હતા. જમવાનો ડાઈનિંગ રૂમ ભવ્ય હતો. બાળકો  રજાને કારણે મિત્રો સાથે બહાર મુવીમાં ગયા હતા.

સુંદર ચાઈના, ક્રિસ્ટલના ગ્લાસમાં પાણી આવ્યું. બધી તૈયારી થઈ ગઈ અને અમે ટેબલ પર ગોઠવાયા. જમવાની શરૂઆત કરી. થાળીમાં પિરસાયેલી વાનગી જોઈ મેં કહ્યું , મિત્ર આ ઘર તારું ઘણું મોંઘું લાગે છે. તેની પત્ની ટહૂકી, વાત જ  ન પૂછો, મારા હિસાબે આ ટાઉનમાં મોંઘામાં મોંઘું ઘર અમારું છે. લોકો જોવા આવે છે.

હવે મારાથી ક્હ્યા વગર ન રહેવાયું,  ‘શાક લાવવાના પૈસા તો રાખવા હતાં. ‘ જમવાની થાળીમાં શાક ગેરહાજર હતું. હવે શું આને ઘર કહીશું હા, ભવ્ય મકાન જરૂર કહીશું . (મેન્શન)

અંહીથી ઘરની યાત્રા શરૂ કરીએ. ઘર માટી , ચૂનો, સિમેન્ટ અને ભિંતોનો મકબરો નથી ! ત્યાં હાલતી ચાલતી, ભાવના ભરેલી વ્યક્તિઓનો વસવાટ છે. જ્યાં પ્યારનો દરિયો લહેરાતો હોય ! જ્યાં આંખમાંથી અમી સરતાં હોય ! વદન પર હાસ્ય યા સ્મિત વિલસી રહ્યું હોય. આવનાર આંગતુકને તેનો અહેસાસ થાય. જ્યાં શુષ્કતાનો સદંતર અભાવ હોય. ‘ઘર એટલે મંદિર’, મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા વાળા ભગવાન બિરાજ માન છે. જ્યારે ઘરમાં પ્રાણવાળી હાલતી, ચાલતી, લાગણી સભર વ્યક્તિઓનો વાસ છે. જે સવારથી સાંજ સુધી તેમાં વસે છે. રાતે નિશ્ચિંત પણે પથારીમાં યા પલંગ પર લંબાવી શાંતિની નિદ્રામાં પોઢે છે.

જે ઘરમાં ‘હનુમાન હડી કાઢે અને ભૂત ભૂસકા મારે’ એ ઘરમાં જવાનું કોઈને દિલ નહી થાય. પછી ભલેને એ ઘર સ્વનું હોય, તેના કરતાં અનેક ઘણું મોટું યા ભવ્ય કેમ ન હોય ? ઘર હોય મ્યુઝિયમ જેવું. માત્ર દેખાવનું સુંદર. સોફા પર બેસવા જઈએ તો કહેશે, ‘આ ફોર્મલ સિટિંગ રૂમ છે. આપણે ફેમિલી રૂમમાં બેસીએ.’.

યાદ કરો આપણા તુલસીદાસજીને જેમણે સદીઓ પહેલાં સનાતન સત્ય ઉચ્ચાર્યું હતું,

” આવ નહી આવન નહી, નહી નૈનમેં નેહ

તુલસી વહાં ન જાઈએ ચાહે કંચન બરસે મેહ” !

ઘરની શિભા જેટલી સાદગીમાં છે તેટલી અતિ ભપકામાં નથી. છતાં પણ આ વિષય છે, અપની અપની પસંદગીનો તેમાં બે મત નથી. અમેરિકાથી મુંબઈ જાંઉ ત્યારે અચૂક ગામડામાં જવાનો પ્રસંગ ઉભો કરું. ભલે મુંબઈમાં જન્મી, મુંબઈના રસ્તાની ધૂળમાં ખરડાઈ બાળપણ ગુજાર્યું, ગાડીમાં ફરી, સરસ મજાની ફેલોશિપ સ્કૂલ અને વિલ્સન કૉલેજમાં ભણી અમેરિકા આવી. છતાં ગામડાના ઘરો અને ઝુંપડા ખૂબ ગમે છે. ત્યાં વસી રહેલી પ્રજાનો પ્રેમ અને આતિથ્ય સત્કારની ભાવના ઉડીને આંખે વળગે તેવી છે. જઈએ એટલે ઓસરીમાં ખાટલો ઢાળી, કપ રકાબીમાં ચહા પિવડાવે ત્યારે, મુંબઈના ‘રેશમ ભવન’ની ચહા તેની આગળ ફીકી લાગે.

બનેલી વાત છે. ભાવનગરના કુંભારવાડામાં ગઈ હતી. જે  ત્યાંનો પ્રખ્યાત ઝુંપડપટ્ટીનો વિસ્તાર છે. આખી જીંદગીનો સ્મરણમાં અંકિત થયેલો પ્રસંગ છે. દીકરી સોનાલીને શાળામાંથી આવવાની વાર હતી. તેના માતા પિતા સાથે વાત કરી રહી હતી. ઝુંપડપટ્ટીમાં પણ ચોક્ખાઈ અને સુઘડતા આંખે ઉડીને વળગે તેવા હતાં. સોનાલીએ પ્રાપ્ત કરેલી સિદ્ધીઓની તેની માતા ગર્વભેર વાત કરી રહી હતી. પિતાની આંખોમાં દીકરી પ્રત્યેનો પ્યાર નિતરતો જણાયો. દીકરો કૉલેજમાં અભ્યાસ કરવા શહેરમાં રહેતો હતો. તેમના ઘરમાં જે ઉષ્માનો અનુભવ થયો તેની શું વાત કરું. હૈયે ખૂબ શાતા વળી. ખરેખર ‘ઘર’ કોને કહેવાય તે જાણ્યું.

ઘરમાં સુસંગતા, ચોખ્ખાઈ વિષેની સભાનતા એ દરેક ઘરમાં રહેતી વ્યક્તિનું કર્તવ્ય છે. આપણા ભારતમાં અને હવે તો અમેરિકામાં નોકરોની છૂટ છે. છતાં પણ નોકર તેની રીતે સાફ સફાઈ કરે અને ઘરની વ્યવસ્થા તેમજ આકર્ષક ઢબ એ દરેક વ્યક્તિ પર આધાર રાખે.

હવે જ્યારે ઘરની વાત કરીએ ત્યારે માત્ર સજાવટ નહી ઘરમાં રહેતી દરેક વ્યક્તિનું એક બીજા સાથેનું વર્તન, ઘરના વડીલોનું આગવું સ્થાન એ પણ  એટલાંજ મહત્વના છે. સાચું કહું તો એ સહુથી અગત્યના છે. ઘરના વડીલોનું માન ન સચવાય એ ઘરને ઘર કહેવું શોભાસ્પદ નથી. ઘરમાં પ્રાણી, નોકર સમાય અને માતા પિતા ઘરડાં ઘરમાં !  જો ભૂલે ચૂકે સાથે રહેતાં હોય તો તેમને જેલમાં રહેવાનો અનુભવ થાય એવા ઘર પણ જોયા છે.  ખેર આ વિષય પર દસેક દિવસ પહેલાં એક મિત્ર સાથે વિચાર વિનિમય કર્યો.

‘હવે જમાનો બદલાયો છે. ઘરડાં માબાપ ભારે પડે છે. તેમની સેવાચાકરી કરવાનો સમય નથી!’

મારાથી રહેવાયું નહી,’ માબાપ ભારે પડે છે ? આપણે નાના હતા ત્યારે માબાપે ઘણું કર્યું. કોઈ દિવસ તેમેને ભાર નહોતો લાગ્યો. પ્રેમ આપ્યો હતો’.

‘હા, પણ’ !

‘પણ શું?   તેમને સમયની ખેંચ નહી લાગી હોય ? મારી મમ્મી પાંચ વાગ્યયામાં ઉઠીને  ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી.’

‘અરે, યાર મૂકને માથાજીક સમય બદલાયો છે !’

‘એ જ તો તારી ભૂલ છે. સમય કેવી રીતે બદલાયો છે મને સમજાવીશ, સાંભળ, દિવસ ૨૪ કલાકનો તેમાં ક્યાં ફેર પડ્યો છે ? ‘

‘ના.’

‘ બરાબર, સૂરજ પૂર્વમાં ઉગે પશ્ચિમમાં આથમે છે રોજ !’

‘યાર સાચી વાત છે’.

‘નદી પર્વતમાંથી નિકળી સમુદ્રને  મળે.’

‘હા, ભાઈ હા,’

‘એય, હું ભાઈ નથી બહેન છું !  બન્ને જણા ખડખડાટ હસી પડ્યા. વાત આગળ ચાલી  દરેક માતા બાળકને નવ મહિના ઉદરે સાચવે, દીકરો હોય યા દીકરી કોઈ ફરક પડતો નથી.’

‘તો શું ?’

‘તો મને કહે સમય ક્યાં બદલાયો છે. ૨૧મી સદીના માનવીની ‘સોચ’ બદલાઈ છે. સમયને બદનામ ન કર. માનવી સ્વાર્થમાં અને આધુનિકતાની દોડમાં અટવાયો છે. જેને કારણે ઘર અને ઘરમાં રહેતી વ્યક્તિઓનું મૂલ્યાંકન કરવામાં થાપ ખાઈ ગયો છે.

મને ખભે ઠપકારીને કહે, ‘તારી વાતમાં દમ છે’.

દમને માર ગોલી. ઘર એ એવું સ્થાન છે જ્યાંથી દરેક માનવી બાળ સ્વરૂપે આવી જીવનની દોટમાં શામિલ થાય છે. મુસાફરીનો શુભારંભ ઘરમાંથી શરૂ થઈ પૂરા જગત ભરમાં વિસ્તરે છે. અંતિમ ક્ષણે તે પાછો ઘરના ઉંબરાપર આવીને પ્રાણ ત્યજવાની તમન્ના રાખે છે. ઘર પ્રત્યે માયા અને મમતા બંધાય છે. તેને લાગે છે, જગતમાં જો ક્યાંય ખરેખર સ્વર્ગ હોય તો તે પોતાના ઘરમાં છે.

ઘરમાં પ્રવેશતા તેને ‘હાશકારા’નો અનુભવ થાય છે. જો એ ઘરની ગૃહિણી અને બાળકો સું દર સંસ્કારમાં ઉછર્યા હશે તો ? બાકી ઘણા એવા વ્યક્તિઓનો સમાગમ થયો છે. કામ પરથી ઘરે જવાનું નામ આવે એટલે હાંજા ગગડી જાય. ઘરમાં મામલતદાર જેવી પત્ની આખા દિવસનો હિસાબ માગે !

અરે, ભાઈ કામે ગયા છે. બે પૈસા રળશે તો તમને જ જલસા છે. પછી ભલેને પત્ની, પતિને કારણે લાખોમાં ખેલતી હોય. પતિ જાણે પૈસા કમાવાનું મશીન કેમ ન હોય? તેની સાથે પ્રેમ પૂર્વક વ્યવહાર કરવો એ ખૂબ્ભારે કામ લાગે !. બાલકોની પ્રગતિની વાત કરવી. પત્ની પણ કમાતી હોય તો પોતાના દિવસભરના કાર્યની ચર્ચા કરવી. સાથે બેસી ચહાની મસ્તી માણવી. આ બધા સુખી ઘરના લક્ષણ છે. તેને માટે ઘરનું ક્ષેત્રફળ કેટલું છે તે કોઈ મહત્વતા ધરાવતું નથી !

ઘરમાં આવીએ ને મુખડું મલકે. સોફા પર બેસીએ ને દિવસ ભરનો થાક ગાયબ. આ છે સુખી ઘરની નિશાની. એમાં પતિ શું કમાય છે તે મહત્વનું નથી. ઘરમાં પ્રેમ ભર્યું, ઉષ્મા સભર વાતાવરણ અગત્યના છે.

હવે ભલેને ઘરમાં બધું જ હોય છતાં પણ એ ‘ઘર’ પ્રત્યે અનાસક્તિ રાખવી તે પણ ખૂબ મહત્વ ધરાવે છે. સનાતન સત્ય છે, જે જીવ આ ધરતી પર પદાર્પણ કરે છે તેને એક દિવસ, વહેલાં કે મોડા  વિદાય થવાનું છે. જેટલી ઘર પ્રત્યે આસક્તિ વધારે તેટલી દુનિયા ત્યજતી વખતે યાતના વધારે. આ દુનિયા મુસાફરખાનું છે. સહુએ અંહીથી ઉચાળા ભરવાના છે. મને કે કમને એ અગત્યનું નથી.

‘જબ તક સાંસ તબ તક આશ’. જ્યાં સુધી આ જીવન છે. ઘરમાં શાંતિથી જીવીએ છીએ . જીવન યથાર્થ બનાવીએ છીએ. ત્યાં સુધી આ ‘ઘર’ આપણને પ્યારું છે. રહેશે તે હકિકત સ્વિકારી તેનો ખુલ્લા દિલે એકરાર કરીએ. અંતમાં, ‘ઘરને ઘર જેવું બનાવીએ ! જેમાં પ્યારનો પવન વાતો હોય. આનંદનો અવધિ લહેરાતો હોય.  મિત્રતાની મહેક ફેલાતી હોય . પ્રગતિના પગથિઆ  પર પ્રયાણ હોય. ઉન્નતિના ઉંચા મિનારા હોય. અતિથિને આદર મળતું હોય. વડીલો વહાલ પામતા હોય. પતિ અને પત્નીમાં પાવન રિશ્તો હોય. બાળકો બધાને સંવારતા હોય’ !

ઘર એટલે ઘર(૫) -નીતા કોટેચા

Posted on August 5, 2015 by vijayshah

વર્ષોથી સાંભળતા આવ્યા છે કે દુનિયાનો છેડો ઘર , પણ એને  બદલે એમ પણ કહેવાય કે જિંદગીનો છેડો ઘર.

ઘ = ઘડપણ માં

ર = રહેવાનું સ્થાન

એટલે ઘર.

કારણ વૃધ્ધાવસ્થામાં જો પોતાનું ઘર ન હોય તો પારકાઓના બનાવેલા વૃધ્ધાશ્રમ માં જાવું પડે છે , માનવી ઘર શું કામ બનાવે છે, કારણ દિવસના અંતે તે ઘરે આવીને શાંતિથી બેસી શકે. જ્યાં એને કોઈ પણ ટેન્શન ન હોય , પણ હકીકત માં એ દિવસના અંતે નહિ પણ ઉમર નાં અંતની જરૂરીયાત છે. કારણ આજ કાલ તો ભાડા નાં મોટા ઘરમાં રહેવાની ફેશન ચાલી છે , પણ પોતાનું  ઘર  જ સ્વર્ગ સમાન લાગે છે ,  પિયરમાં 25 વર્ષ રહેલી દીકરી પણ 25 દિવસ સસરા માં રહે તો એ એને પોતાનું ઘર કહેવા લાગે છે. પછી પિયર એ મમ્મીનું ઘર થઇ જાય છે અને સાસરું એ મારું ઘર બની જાય છે. માનવ માત્ર ને “મારું,  પોતાનું ” આ બધા શબ્દો થી બહુ જ લગાવ હોય છે. ઓફીસના કામ કાજ થી લોકો ને હવે બધી સુખ સગવડતા અપાય છે. 7 સ્ટાર હોટેલ માં ઉતારો અપાય છે. એક રૂપિયાનો ખર્ચો નથી હોતો ,  પણ છતા એ વ્યક્તિ જ્યારે ઘરે આવે છે અને  કુટુંબ સાથે પગ લાંબા કરીને બેસે ત્યારે એના મોઢામાં થી શબ્દો સારી પડે છે કે હાશ આજે શાંતિ મળી।  કેમ ? કારણ ત્યાના લોકો આપણા  હોય છે  . ત્યાં આપણે  ખોટું ખોટું હસવું નથી પડતું , ત્યાં આપણે  ઈસ્ત્રી વાલા કપડા પહેરીને ટટ્ટાર ઉભા રહીને વાતો નથી કરવાની કે પછી ત્યાં કોઈ ફક્ત  આપણા  કામ ને જ નથી જોતું હોતું, નિસ્વાર્થ પ્રેમ હોય છે।  કદાચ આ બધું બધાના ઘરમાં ન પણ હોય , પણ જો આ બધું ન હોય તો એ ઘર જ નથી કહેવાતું  .

પોતાના ઘરમાં મુસ્કાન હોય પોતાના ઘરમાં શાંતિ હોય , અને પોતાના ઘરમાં પોતાપણું હોય તો જ એ ઘર કહેવાય છે. બાકી તો ચાર દિવાલનું ખોખું કહેવાય છે  , એમાં કેટલી પણ સુખ સુવિધા હોય કેટલું પણ રાચ રચીલું હોય પણ જે ઘરમાં રાત પડે આવવા માટે ત્રાસ થતો હોય એને ઘર ન કહેવાય ,

એક વૃધ્ધાશ્રમ માં જવાનું થયું, ત્યાં એક મોટી ઉમરના માજી હતા , બસ એમ જ એમની બાજુમાં ખુરસી નાખીને હું બેઠી  , એકાદ બે વાર મુસ્કાન ની આપ લે થઇ  , મારે કશું પૂછવું નહોતું એટલે હું ચુપ રહી.  કારણ કોઈનો ઘાવ ભરી ન શકીએ તો કઈ નહિ પણ કોઈના ઘાવ પર મીઠું તો ન જ ભભરાવીએ, એમ વિચારી હું ચુપ હતી, લગભગ અડધો  કલાક થયો એની વચ્ચે મેં એમને મારા મોબાઈલ માં થી બે ચાર જોક્સ સંભળાવ્યા, તેઓ ખુબ હસ્યા, મને ગમ્યું, છેલ્લે મેં કહ્યું ચાલો હું રજા લઉં પછી મળીયે  . મને કહે આવતા જન્મમાં મારો દીકરો કે વહુ બનીને આવીશ મારી જિંદગીમાં ? મારા રુવાડા ઉભા થઇ ગયા, હું પાછી બેસી ગઈ અને હવે એમણે  બોલવાનું શુરુ કર્યું

નાને થી મોટો કર્યો દીકરાને , વહુ લઇ આવ્યા, હવે એને હું નડુ  છુ  . કારણ હવે મારા હાથમાં થી કોળીયો પડી જાય છે , કારણ હવે કદાચ મારા લીધે એમના બાળકોને કોઈ ચેપ લાગે તો  , કારણ હવે એમના ફ્રેન્ડસ સામે એમનું ખરાબ લાગે,

હું ચુપચાપ સાંભળતી હતી ત્યાં પાછા  તે બોલ્યા દીકરો અને વહુ બંને મુંબઈ ની મોટી હોસ્પીટલમાં ડોક્ટર છે, પણ અહિયાં મને તાવ આવે તો મારે ચાર દિવસ ડોક્ટર ની રાહ જોવી પડે છે , જે ઘરમાં રહે છે એનાં પૈસા એના બાપુજી એ લીધેલા ઘરને વેચીને આવ્યું છે પણ મને કહેવામાં આવ્યું જ નહિ અને ઘર વહુ નાં નામનું કરી દીધું , પણ હું કઈ ન બોલી કારણ મારે ક્યા ઘરને  બટકા ભરવા નાં હતા, જ્યાં પ્રેમ જ ન હોય ત્યાં રહીને પણ શું કામ ? પણ અફસોસ એક જ વાત નો છે કે જ્યારે આપણું  લોહી આપણું ન થાય ત્યારે પારકી જણી  નો શું અફસોસ કરવો , છેલ્લે હું જ નીકળી ગઈ. કારણ ઘરમાં મને લાગતું જાણે  હું જીવંત છું  જ નહિ  , મારી બાજુમાં થી બધા ચાલ્યા જતા પણ મારી હારે કોઈ વાત ન કરતા , મને મારું અપમાન લાગતું એટલે હું નીકળી ગઈ અને હવે સ્વમાન થી જીવું છુ . આ જ મારું ઘર છે. હવે એ લોકો ક્યારેક આવે તો હું મળવાની નાં પાડી દઉ છુ  આવા જણ્યા કરતા વાંઝણી હોત તો સારું થાત ” જ્યારે એક માતા નો આવો ઉકળાટ સાંભળું ત્યારે હ્રદય દ્રવી ઉઠે કે કેમ વડીલો ને કોઈ સમજતા નથી. ત્યાં એ બોલ્યા તું મને મળવા આવીશ  ? મેં હા પાડી તો તરત તે બોલ્યા ક્યારે ? મેં કહ્યું આવતા અઠવાડિયે, તેઓ આંગળીના વેઢે દિવસો ગણવા લાગ્યા। એમ થયું કે ત્યાં જ રહી જાવ. કેટલા એ લોકો અહિયાં છે જેમને ફક્ત હૂંફ જ જોઈએ છે, બીજું કઈ જ નહિ।

કેટલી મહેનત થી ઘર બનાવ્યું હોય પણ જો વૃધ્ધાશ્રમ માં રહેવું પડે એમને કેટલું દુખ થાતું હશે. એ તો ફક્ત એ જ જાણતા હશે. એમને ભણાવવા માટે કેટલી મહેનતો  કરી હશે, કેટલા દેણા  કર્યા હશે અને કેટલા લોકો પાસે હાથ લંબાવ્યા હશે , પણ આજે એ જ ભણતર નાં જોરે જ્યારે બાળકો  વડીલો ને એકલા મુકે છે કે પછી ક્યાંક બાળકો સારા હોય તો વડીલો ન સમજતા હોય તે બધા ને જ ઘર ન કહેવાય

ઘરને ઘર બનાવો, ઘડપણ માં માતા પિતાને શાંતિ મળે એવું રહેવાનું સ્થાન  બનાવો। કારણ ભગવાન ને નહિ પૂજો તો ચાલશે પણ ઘરના બધા એક મેક ને સમજે તો ઘર ની દીવાલો પણ હસતી લાગશે ,

એક વાર એક ઠેકાણે વાંચ્યું હતું

“એક સમય હતો જ્યારે આપણે ઘરનો ખૂણો શોધતા હતા

ને આજે એવો સમય છે કે ખૂણો આપણને શોધે છે,”

કોઈક ને કોઈક ઋણાનુંબંધન નાં હિસાબે જ બધા એક બીજાને મળ્યા છે, તો એકબીજાને માં આપીને બધા એક બીજાને સુખ શાંતી આપે એ જ પ્રભુ પ્રાર્થના , કારણ ઘર કેટલું મોટું છે એ જીવવાનું સાધન નથી, પણ એ ઘરમાં લોકો એક બીજાને હૂફ આપે છે કે નહિ એ મહત્વની વાત છે  .

એક માં નો દીકરાને પત્ર

મારું છે કે તારું એ ખબર નથી

આ ફક્ત ઘર છે એ ખબર છે મને ,

હું તારી છુ ને તું મારો, એ ખબર છે મને

પણ એ ઘરમાં આપણા  પહેલા જેવા સબંધો,

રહેશે  કે નહિ એ ખબર નથી મને

 

હું તો ખરતું પાન છુ  એટલું ખબર છે મને

કાલે આરામખુરસી એકલી જુલતી હશે

પણ આ દીવાલો પર માથું ટેક્વજે

તને હૂફ મળશે એ ખબર છે મને

 

હું મરું ત્યારે મારી પાસે ન આવતો

કદાચ તને ધંધામાં કોઈ નુકશાન ન થઈ જાય

પણ તારી આંખમાં આંસુ કદાચ ખોટા પણ હોય,

પણ હું જોઈ નહિ શકું એ ખબર છે મને

 

નીતા કોટેચા “નિત્યા”

Neetakotecha.1968@gmail.com

ઘર એટલે ઘર (6) રોહિત કાપડિયા

મારાં ઘરમાં , ભીંતોમાં તિરાડ પડેલી છે, રંગોના પોપડાં ઉખડે છે, ફર્શ ઉંચી નીચી થયેલી છે, છતમાંથી પાણી ટપકે છે, બારીનાં કાચ તૂટી ગયેલા છે, દરવાજાઓ સજ્જડ થયાં છે, ખુરશી ને ખાટ જૂનાં થયા છે, છતાં પણ, મને ઘર બહુ ગમે છે. કારણકે , ભીતરમાં જખ્મો સહીને પણ, જિંદગીના ફિક્કા રંગ સાથે પણ, ઘણાં ઉતાર ચઢાવ પછી પણ, અશ્રુ ભરેલી આંખો સાથે પણ, ખંડિત શમણાઓ સાથે પણ, જિંદગીની ભીંસ અનુભવીને પણ, વર્ષો પસાર થઇ ગયાં પછી પણ, મારા ઘરમાં સાથે રહેનારાં સહુ, એકબીજાને દિલથી ચાહે છે. એકબીજાને મનથી સમજે છે. એકબીજાની પરવા કરે છે. એકબીજાને માટે જતું કરે છે. એકબીજાને માટે જીવે છે. બધાં મારાં પોતાનાં છે. બધાં મને ખૂબ વહાલાં છે. બધાં મને ખૂબ પ્યારા છે. ને બધા કારણોને લીધે, મારું ઘર મને ખૂબ પ્યારું છે. ઘર – — મારું પ્યારું પ્યારું ઘર.

રોહિત કાપડિયા

 

ઘર એટલે ઘર-(7)રવજીભાઈ પટેલ

Posted on August 8, 2015 by Pragnaji

ઘરનું ઘર છતાં બેઘર નાં ઘરનું કોઈ ઠેકાણું દિવસ આખો રજળપાટ, નાં સુવા ઠેકાણું એક આવે,એક જાય,નાં કુટુંબ સંગ દેખાણું દિ આખો બેસું ઉંબરે,ના કોઈ ફળી ફરકાણું ના રસોડે સુંગંધ સોડમ,ભાગ્યેજ એ વપરાણું બંધ બારણે રહેવું ઘરમાં, મન રહેતું મુંજાણું

રવજીભાઈ પટેલ

ઘર એટલે ઘર-(8)પ્રજ્ઞા દાદભાવાળા

Posted on August 8, 2015 by Pragnaji

મિત્રો મેં જે અનુભવ્યું તે આલેખ્યું છે કોઈ મને રોજ કહેતું હતું કે…….

ઘટાદાર વૃક્ષ પર પંખીઓને માળામાં પાછા જતા જોઉં છું  અને ઘર યાદ આવે છે.

હા ઘર એટલે ઘર

જે દરેકનું એક  સપનું  હોય.જ્યાં સંતોષના ઓડકાર હોય પાણી પીધા પછીની હાશ હોય આનંદ, આશાઓ, અપેક્ષાઓ, વેદનાઓ અને આંસુ  બધું હોય, પણ સુખના ઓડકાર લેતાં હોય,જ્યાં સલામતીની ભાવના હોય, જ્યાં જગતનો વૈભવ પામ્યાની અનુભૂતિ હોય,જ્યાં બધાનો સમાવેશ હોય , જેમાં એક પોતાપણું ની ઝલક હોય,જ્યાં સૌ કોઈ કિલ્લોલમાં રાચતાં હોય,જ્યાં વહેંચીને ખાતાં હોય, અચાનક આવી ચડેલા મહેમાન માટે બે ખુલે હાથે આવકાર હોય, આપણાં પણા નો અહેસાસ હોય છે.જ્યાં ચાર દીવાલ બંધ બારી હોવા છતાં મોકળાશ હોય જ્યાં કોઈ આપણી પાછા આવવવાની રાહ કોઈ જોતું હોય ,જ્યાં આપણા ઘરેથી નીકળતા પગલા આપો આપ સાંજે જે તરફ વળતા હોય. બીજું કઈ નથી પણ ઘર છે  હા બસ ઘર એટલે ઘર છે

માણસ  વિનાનું ઘર સુનું લાગે છે  કારણ ઘરનો આધાર કેવળ ફર્નિચર નથી એમાં રહેતા માણસો નો જીવન ધબકાર ઘરને સજીવન રાખે છે. ઘર આપણ ને એકાંત અને પ્રેમ આપે છે અને આપણે એક બીજાના અંગત છીએ તે અહેસાસ કરાવે છે  અહી પ્રેમ ચારે કોર હવા થઇ  ફરે છે.અને પંખા વિનાના ઘરમાં પણ ઘર ની આત્મીયતા છે કારણ આપણી અગવડતા નું રૂપાંતર અહી એની મેળે સગવડમાં થાય છે અચાનક આવી ચડેલા મહેમાન માટે ઘર મોટું થઇ જાય છે,છત અને અછત જેવા શબ્દોનું મુલ્ય ઘરમાં નથી ટાઢતડકો, સુખદુઃખ, વરસાદપાણી, બધું આવકાર્ય છે. સ્વીકાર્ય છે અહી  સુખ કે દુખ અલગ ઓરડામાં નથી રહેતું, ઘર નાનું હોય કે વિશાળ, ઘરમાં ભવ્યતા હોય કે સાદગી પરંતુ સહુને ગમે છે. મનની શાંતિ કે જ્યાં દિવસભરનો થાક ઊતરી જાય અને ખૂણેખૂણો પોતાનો લાગે..ઉત્સાહ વહેચાય છે બધાની આદતો એજ ઉત્સાહ છે અને આનંદ બધાને સાથે જોડી રાખે છે અને ત્યારે સુખ આવે છે સ્વપ્નાઓ સાથે જોવાય છેસૌ સાથે છીએ”  એવી નેઈમ પ્લેટ સદાય ઘરમાં લટકે છે અને  ઘર તેનું સાક્ષી બને છે . હા ઘરમાં એવું કૈક છે જે હોટેલમાં નથી..ક્યારેક ભીતોમાં તિરાડ પડે છે પણ મન સદાય સંધેલા હોય છે હોટલ જેવા રંગીન પડદા નથી હોતા પણ હ્યુદયમાં ક્યારેય પોપડા ખરતા નથી  કારણ ટપકતી છત માનવીના હ્યુદયને સદાય ભીજ્વતી રાખે છે બધા એકબીજા માટે ભીતરમાં જખ્મો સહીને પણ,પ્રેમને જીવતો રાખે છે….બસ આજ ઘર છે જ્યાં પાણિયારાં પર દીવો પ્રગટાવાય છે અને દિવાળીને દિવસે ઉંબરો પૂજાય છે બારણે તોરણ નિરંતર આવકાર આપે છે તુલસીક્યારો ઘરને ઓછાયા થી દુર રાખે છે જ્યાં ઉંબરો શુભ લાભ અને સ્વસ્તિકના પ્રતિક થકી જગમગે છે અને જ્યાં ઘડતરના કલાસ માનવી પોતે પોતાની મળે મેળવે છે બીજ ઘડાય છે વિકાસ થાય છે  અને વહુ પણ કુમકુમ પગલે માત્ર ઘરમાં પ્રવશે છે  બાળક પહેલીવાર રડે છે અને અંતિમ શ્વાસ પણ માણસને ઘરમાંજ લેવો ગમે છે , અહી પહેલો અને છલ્લો ઉદગાર પણ માનવીના પોતાના ઘરમાં ઉચ્ચારાય એવું ઈચ્છે છે  અહી કોઈની કરચલીવાળી હથેળીઓ કોઈની આંગળી પકડે છે તો ક્યારેક કોઈનો હાથ લાકડી બની સહારો આપે છે બધું માત્ર સમજી ને થાય છે  ત્યાં કેટલાય સારા નરસા પ્રસંગોની યાદગીરી સામેલ હોય છે….હા અહી ભર્યો ભર્યો ઈતિહાસ ડોકિયાં કરેઘરમાં પેઢીઓ ઊછરે  છે….જેમ માણસ  કોઈની પણ રજા વગર ઘરમાં  દાખલ થાય છે તેમ ઘર ની દુર જાય તો ઓશિયાળો  થઈ જાય છે …   દિલની હાશ, નિરાંત, આવકાર, સલામતી, પોતીકાપણું આપી આપણી તરસને તૃપ્ત કરતું ઘર  બસ ઘર  છે.

ઘરની વ્યાખ્યા નથી અને વ્યાખ્યામાં બધાઈ  ગયા પછી  બધું કહેવાનું બાકી રહી જાય  છે.રાહતનો શ્વાસ વ્યાખ્યામાં જાણે રુંધાઈ  જાય છે મારા પણા નો અધિકાર જાણે છીનવાય જાય છે સાથે માણેલી ક્ષણોનો ઉમળકો જાણે ઓસરી જાય છેઅવગણના, ઉપેક્ષા, તિરસ્કાર, ધિક્કાર, દંભ, અવિશ્વાસ, ઈર્ષા, કટુવચન બધાંનો પગપેસારો થાય છે અને ગણતરી સહનશક્તિ ને ધ્રુજાવી નાખે છે…..હા પણ  વ્યાખ્યા વિનાના ઘરમાં ધીરજની કસોટીમાંથી પર ઉતારવાની તાકાત હોય છે  અને આનંદ પણ સહિયારો છે. વહાલ, ઉદારતા, સહાનુભૂતિ, ત્યાગ અને સેવાભાવ..અહીં તો વરસે છે. ભગવાને સૃષ્ટી ભલે બનવી હોય પણ ઘર તો માનવી બનાવે છેજ્યાં સુખનું પ્રથમ પગથીયું વિશ્વાસ છેબાળપણ સગપણ સમજણ અને ઘડપણ બધું માનવીના ઘરમાં થાય છે જ્યાં હુંફ  ઘરની દીવાલ બની બધાને ઢાંકી  રાખે છે  મારું તારું અને આપણું  નો ત્રિકોણ માત્ર ઘર છે સંપ પણ સહિયારો અને અજંપ પણ સહિયારો છે વર્તતા થાક નો અજંપો પણ ઘર છે.મન મૂકીને ઘર  પાસે આવી શકીએ છીએ  અને એમની આત્મીયતા  પૂરા દિલથી માણી પણ શકીએ છીએ.ઘર માનવીની શાખ પણ છે અને એટલેજ ઘર સરનામું બની ને જીવે છે….જયારે માનવી થાકે છે ,તૂટીને વેરાઈ જાય છે ત્યારે ઘરનાં  કોડિયાના ઉજાસમાં પણ પ્રકાશ મેળવે છે.

સુંદર ઘર એટલે ભગવાનનો વાસ છે  સંસ્કાર અને સંસ્કૃતિ નો પડછાયો ઘર છે. ઘર માનવીને ઘડે છે. અંધકારની ઉષ્માનો અર્થ   અહી સમજાય છે  તો ક્યારેક મોંનના  એકાંત ના આશીર્વાદ પણ માનવી ઘરમાંથી મેળવે છે. સમર્પણના સમભાવ ઘર છે તો પારિવારીક પ્રેમની પરંપરાને પ્રજ્વલ્લિત માત્ર ઘર રાખે છે કારણ ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર હોય છે અને માટે  ભૂલેલો માણસ ફરી ઘરમાં દાખલ થાય છે ત્યારે બે હાથે આવકારાય  છે. બધું માત્ર ઘરમાં થાય છે નાના ઘરમાં બધાનો સમાવેશ થાય..ઘર .ક્યારેય સાંકડું નથી  સાંજ પડે ઘર જાણે મોટું થઇ જાય છે ભવ્યતા હોય કે ખંડેરપણું, એની જે હાલત હોય તે, એને કોઈ ફરક પડતો નથી. ઘર તો ગરીબનું  હોય કે તવંગર, પણ ઘર તો ઘર છે માણસ ઘરમાં વિકસે છે માટે ઘર ક્યારેય ખંડેર થતું નથી..આપણું ઘર આપણી ઓળખ છે. વડીલના વડલાની છાયા પણ છે  તો માં ના ગર્ભનો અહેસાસ પણ ઘર છે અને માટે અકારણ માનવીને ઘરે જવાનું મન થાય….

આપણી  શક્તિઓ ઘરમાં પાંગરે છે આત્મવિશ્વાસ,વિચારવાની ક્ષમતા, ઈચ્છાઓ,થતી લાગણીઓ,આપણી કલ્પના,વાતચીત,ચાલવાની, દોડવાની, હસવાની ક્ષમતા. શક્તિઓ થકી, આપણે ધાર્યે તે સર્જી શકીએ છીએ.. .આપણા  .વિકાસનું સાધન ઘર છે. અને માટે ઘર માનવીનું ચાર્જર છે

હોસ્પિટલ ખૂબસૂરત કુદરતની વચ્ચે હોવા છતાં માણસ નિરાશ્રિતની છાવણીમાં હોય તેવું કેમ લાગે છે ?બીમાર દર્દી હોસ્પીટલમાં બધી સુવિધા વચ્ચે સાજો થવાની કોશિશ કરે છે.પણ પલંગ સામે દેખાતી બારીમાં રોજ ડોક્યા કરી પોતાનું ઘર કેમ શોધે છે.? હું  ઘરની બહાર છું એવું કેમ અનુભવે છે ?. પત્ની સાથે હોવા છતાં ઘર યાદ આવે છે. અને ઉદાસ થઇ જાય છે .દરરોજ સવારે પ્રશ્ન પૂછે છે હવે ઘરે ક્યારે જશું ? બસ આજ ઘર છે.

pragnaji –પ્રજ્ઞા દાદભાવાળા

ઘર એટલે ઘર(9)હેમંત ઉપાધ્યાય

Posted on August 11, 2015 by Pragnaji

ઘર એટલે   ઘર

ઘર   કેવો સુંદર   શબ્દમન  ને આનંદ આપનાર  અને દિલ ને શાતા   આપનાર  સ્થાન

ઘર   નો એક  અર્થ  છે    =ઘમંડ ને   = રહિત   ઘમંડ  રહિત  સ્થાન, બીજો  અર્થ છે =ઘૃણા  અને =રહિત   ઘૃણા  રહિત  સ્થાન

  એક આવું સ્થાન  જ્યાં  ઘમંડ નથી અને  ઘૃણા  નથી  અને આવું સ્થાન  હંમેશા   શાંતિ આપે  ,આનંદ આપે ,ઉત્સાહ આપે ,ગૌરવ આપે ,પ્રેરણા આપે , પ્રોત્સાહન  આપે ,અને જીવન માં સુવાસ આપે

ઘર  ને મંદિર  બનાવો તો સ્વર્ગ  શોધવા  જવું  નહિ  પડે  ઘર ને મંદિર  બનાવવા  માટે —-

*   વ્યક્તિ ના  આરોગ્ય ,આયુષ્ય  અરમાનો અને અપેક્ષા ની  મૂર્તિ  સ્થાપવી  પડે

*   સ્ત્રી  વગર નું  ઘર     ઘર  નથી   માત્ર  વિસામો  આપતું  સ્થાન છે। ઘરમંદિર  ની પુજારી  છે   સ્ત્રી

*  પુરુષ    ઘરમંદિર   નો મુખ્ય   ટ્રસ્ટી છે   અને  પ્રથમ  ભક્ત  છે

*   બાળકો  ઘરમંદિર ના  ઘંટનાદ  અને  શંખનાદ  છે

*વડીલો     ઘરમંદિર  નો  ઘુમ્મટ   છે

*  સ્વજનો    ઘરમંદિર   નો  શણગાર  છે

*   સંસ્કૃતિ  અને  સંસ્કાર    ઘરમંદિર  ની ધજા   છે

*   વહેતો  સમીર    ઘરમંદિર   ના  રાષ્ટ્ર નું  સ્વમાન  છે

*    ઘરમંદિર   માં  પ્રવેશતા  પહેલા  પદ   પ્રતિષ્ઠા અને  પ્રભાવ ના  પગરખા  બહાર  કાઢવા પડે

*જવાબદારી , બહાદુરી  ઈમાનદારી  અને  સમજદારી  ના  સ્વસ્તિક  આંગણિયા માં  ચીતરવા પડે

*  વિવેક  વિનય  આદર  અને મર્યાદા થી   મંદિર ની સજાવટ   કરવી  પડે

*    ઘરમંદિર  માં  પ્રેમભાવ   જ્ઞાનભાવ સમજણ ભાવ અને  ક્ષમા ભાવ ની  આરતી  કરવી પડે

*સદભાવ  સ્નેહભાવ  સેવાભાવ  અને   અનુકુલન  ભાવ  નો  પ્રસાદ  વહેંચવો   પડે

*સહુ નો  સાથ  અને સંગાથ  ના ઓવારણા  લેવા  પડે

*અતિથી ના સત્કાર  અને  પ્રીતીભોજ  કરાવવા   પડે  

*     ઘરમંદિર  માં  ઘર ના દરેક ના જીવન  ની એક એક ક્ષ ને આનંદ   ઉત્સાહ માં  ભરી દે  એવા  ઉત્સવો કે  તહેવારો   મનાવવા   પડે

*  દરેક ની  પ્રગતિ  ને  ગતિ ની  પાંખો આપવા   અનુષ્ઠાન  કરવા  પડે

*  ભક્તિ  ભોજન  અને  સમભાવ  ના ત્રિશુલ  ને  સ્થાપવા  પડે

*  જેમ  મંદિર  માં  દુર્ગુણો  દુષણો  કે વ્યસન ને  પ્રવેશવા    દેવાય તેમ ઘર માં પણ એને  જાકારો  આપવો  પડે

*   જેમ મંદિર  માં  વ્યભિચાર  પાપાચાર  થાય નહિ  તેમ ઘર ને પણ  આનાથી  મુક્ત  રાખવું  પડે

* વહેમ  શંકા  અને  અવિશ્વાસ ને ધૂપ ના  ધુમાડા માં બાળી નાંખવા   પડે

*અહીં  મૂર્તિ ની પૂજા અને પુજારી  ના  ભક્તિ ભાવ ને   પરિશ્રમ ભાવ ને  સહયોગ  સહકાર  અને આદર  આપવો પડે   પુજારી  ના  પુરૂષાર્થ માં  સહભાગી  બનવું  પડે

આવું   ઘર      ઘર    કહેવાય  જ્યાં   યશ  કીર્તિ   શુભ  લાભ  બની ને  પહેરો  ભરે  અને   પુરુષાર્થ  થી  સુશોભિત  પ્રારબ્ધ  દરેક ને  ગૌરવ  પ્રદાન  કરે

*બસ   આવું   ઘર      ધરતી  પર  સ્વર્ગ   નું  પ્રતિક  બની  રહે

બાકી  બધા ને  આવાસ  કહો  વિલા  કહો બંગલા   કહો  કે  મહેલ  કહો     બધા  સંપત્તિ  ના પ્રતિબિંબ   ગણાય પ્રભુ  સહુ ને   સ્વર્ગ  સમું  ઘર  આપે

હેમંત  ઉપાધ્યાય        

ઘર એટલે ઘર-(10)રોહિત કાપડિયા

Posted on August 12, 2015 by Pragnaji

દસ બાય પંદરની ઝૂપડીમાં પરિવારનાં સાત જણા સાથે , કપડાનાં પડદાની પાછળ એ જમીન ઉપર સૂતો હતો. સૂતાં સૂતાં નાનકડી બારીમાંથી એ સામેનાં બંગલાને જોઇને વિચારી રહ્યો હતો. અમે સાત સાત જણા આ એક જ ઓરડો જેમાં રસોડું , રૂમ , બાથરૂમ બધું જ આવી જાય , એમાં કેટલાં સંકુચિતતાથી જીવી રહ્યાં છીએ . અહીં અમને કેટલી અગવડ છે. કેટલી બધી તકલીફોનો અમારે સામનો કરવો પડે છે, જયારે પેલાં સામેનાં આલિશાન બંગલામાં માત્ર ચાર જ જણા રહે છે ને તો પણ આઠથી દસ વિશાળ રૂમો છે. અમારા ઘર જેટલું તો એમનું ગેરેજ છે. ચારે બાજુ કેટલો સુંદર બગીચો છે. જીવવાની કેટલી સ્વતંત્રતા એમની પાસે છે. સાચે જ એમનાં સુખનો કોઈ પાર નથી. એની આંખ બંગલાના સુખથી અંજાઈને બંધ થવાનું ભૂલી જાય તે પહેલાં તેણે ઉઠીને બારી બંધ કરી દીધી. બરાબર એ જ સમયે , પેલા બંગલાની અંદર ,ત્રણસો ફૂટના વિશાળ શયન ખંડમાં, એ.સી. ચાલુ કરીને સુંવાળી ગાદી પર સૂતેલો છોકરો વિચારી રહ્યો હતો. આટલું વિશાળ , ઉચ્ચ પ્રકારના રાચરચીલાથી સજ્જ મારું ઘર કેટલું ખાલી ખાલી લાગે છે. ઘરમાં અમે માત્ર ચાર જણા જ રહેનારાં ને તો પણ એકમેકનાં ચહેરાં અલપ ઝલપ જ જોવાના. પ્રેમ – લાગણી બધું જ ઔપચારિક . જયારે સામે પેલી નાનકડી ઝૂપડીમાં છ થી સાત જણા કેવાં સાથે રહે છે, સાથે જમે છે, સાથે જીવે છે. આખો દિવસ એ લોકો એકબીજામાં ગૂંથાયેલા રહે છે. સુખ – દુઃખ બધું એકબીજામાં વહેંચે છે. આ વિચારતાં જ એ દુઃખી થઇ ગયો. આ દુઃખ એને વધુ અકળાવે તે પહેલાં એણે ઉઠીને એ.સી. બંધ કરી દીધું. બારી ખોલી નાખી ને પેલી ઝૂપડીને જોતાં જોતાં સૂઈ ગયો. એ જ સમયે, એક ભિખારી ફૂટપાથ ઉપર ગગનની ચાદર ઓઢી , પત્થરનું ઓશીકું બનાવી, નિશ્ચિંતપણે ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો.

રોહિત કાપડિયા

ઘર એટલે ઘર-(11) તરુલતા મહેતા

Posted on August 12, 2015 by Pragnaji

ઘરના વિવિઘ ચહેરા ,નીતનવીન સ્વરૂપો મને મોહ પમાડે છે.તેથી જ લાંબા સમય સુઘી એક જ ઘરમાં રહેવા છતાં ‘સ્વીટ હોમ ‘ કહીએ છીએ.ઘરમાંથી એક પછી એક સ્વજન કામ ઘન્ઘે કે બીજા નિમિત્તે જાય છે,ઘરની યાદો કદી છૂટતી નથી ,ઘરથી  સ્વજન દૂર ગયો એમ ભલે હોય પણ ઘર અચલ ,શાંત રાહ જોયા કરે છે. ઘર ઝૂર્યા કરે છે.જે  ઘરમાં પા પા પગલી ભરી,પાવ રે પાવ કર્યું,સંતાકુકડી રમ્યા,ભાઈની પાછળ દોદોડાદોડી કરી ,બા નો પાલવ ખેચી જીદ કરી તે ઘર સ્વજન બની ગયુ.આવા ઘરની માયા કેમ છૂટે ?અને ઘર પણ એની માયાની અદશ્ય દોરીથી અતિ વહાલા સ્વજનને બાંધી રાખે છે. એવા એક  ‘ઝૂરતા ઘર’ની વાર્તા રજૂ કરું છુ.

‘એક ઝૂરતું ઘર’  તરુલતા મહેતા

વલસાડના સ્ટેશનથી ઊતરી સીઘા રોડ પર ચાલતા જાવ કે વાહનમાં જાવ તમને સીલબંઘ દરવાજાની પાછળ એક હવેલી જેવું પીળા રંગનું બે માળનું ઘર દેખાશે ,એ ઘરની લાલ ફ્રેમની બારી અને બારણા પરની ઘૂળ ,કરોળિયાના જાળા અને કબૂતરની અઘારથી તમને સૂગ આવશે,બીજા માળના ખૂલ્લા વરંડામાં તૂટેલી હાલતમાં હીંચકો ખેતરના ચાડિયા જેવોપવનમાં હાલ્યા કરતો જોઈ તમને દુઃખ થશે,એવું બને કે ઘરના વરંડામાં હીંચકો ઝૂલાવવાનું તમારું સપનું હજી પૂરું થયું નહોતું। બાપની મિલકત માની રીતસર  હૂપ હૂપ કરતાવાંદરા  જોઈ તમને ભગાડવાનું મન થઈ જશે.તમે  ચાલતા હો તો ઘરના કમ્પાઉડના

ખૂણે બીડી ફૂકતા ચોકીદારને બોલાવવાનો વિચાર કરતા ઊભા રહો ,કદાચ   માથું ખંજવાળી રહ્યા છો ત્યાં એક ખાનદાન સન્નારી દરવાજે ઊભી રહે છે.જાણે એનું જ ઘર છે,પણ લાંબા સમય પછી આવી હશે  તેથી વિમાસણમાં પડેલી દેખાય છે.તમે ગામમાં નવા એટલે સીઘા રોડથી આગળ નીકળી ગયા.તમે અનુમાન કર્યું હશે કે પેલી સન્નારી ઘરમાં ગઈ હશે.પણ જો તમારું અનુમાન સાચું હોત તો આ વાર્તા ન લખાત। એ ઘર ભાઈઓના ઝઘડામાં આ જ હાલતમાં ઘણા સમયથી દેખાય છે,કેટલાં વર્ષો ઘરની હાલત માલિક વગરની રહેશે કોઈ જાણતું નથી.માલિકણ દરવાજે રાહ જોયા જ કરે છે,શું તેણે પ્રતીક્ષાવ્રત લીધુ હશે?

રોડ પરની દુકાનમાં આવેલો ઘરાક અને વેપારી વાત કરતા હતા.ઘરાક ‘આ બાઈ ત્યાં ઊભી રહી શું કરે છે? એની ચાવી ખોવાઈ ગઈ છે?’

વેપારી કહે ,’ચાવી હોય તો ગુમ થાય ને! જવા દો ને વાત રોજની રામાયણ છે.આખી બપોર દરવાજેથી બૂમો પાડયા કરશે।’કોઈ ખોલો દરવાજો ખોલો ,મારે બારીઓ ,બારણાઓ ચોખ્ખા કરવા છે,કચરો વાળવો છે,અરે ,સાંભળે છે કે પેલા વાંદરાને તો કાઢો.’

ઘરાક પૂછે છે,’ચોકીદાર દરવાજો કેમ ખોલતો નથી?’

વેપારી કહે છે,’તે ક્યાંથી ખોલે?પાંચ વર્ષ પહેલાં જુદી વાત હતી,એનું ઘર હતું।એના કુટુંબ સાથે મઝેથી રહેતી હતી.હવે કોર્ટનું સીલ વાગી ગયું છે.કેસનો નિકાલ ન આવેત્યાં સુધી કોઇથી અંદર દાખલ થવાય નહિ , ત્યાં સુઘી ઘર ખંડેર પડી રહેવાનું.’

હવેલીની સામેની ફર્નિચરની દુકાન વેપારી સોમચંદની છે.એ ત્રીસ વર્ષોથી ઘન્ઘો કરે છે.સ્ટેશનરોડ એટલે પરગામના અને ગામના ઘરાકો ફર્નીચર ખરીદવા આવ્યા કરે. સોમચંદ દુકાનની બહાર આવી ભાવથી  બોલ્યા ,’સરલાબેન ,તાપ છે,દુકાનમાં આવો।આમ ને આમ સાંજ સુધી થાકી જશો. આપણે

તો પાડોશી ,તમે ઘરમાં રહેતાં હતાં ત્યારે ઠંડું પાણી મારી દુકાને મોકલતા ,મોહનભાઈ હતા ત્યારે રોજ દુકાને આવતા.’

સરલાબેને  સાડલાની ધૂળ ઉડાડી ,ચંપલ બહાર કાઢી દુકાનમાં આવ્યાં ,બોલ્યાં ‘ભાઈ ,મને ગંદકી ના ગમે.’

સોમચંદ બોલ્યા ,’દુકાનમાં બધાં જૂતા સાથે આવે છે,હવે બઘા મોર્ડન થઈ ગયાં ,જૂતા વગર એમને ન ચાલે।’

સોમચંદે બે ચાનો ઓર્ડર આપ્યો,પછી બોલ્યા ,’સાભળ્યું કે તમે મોટી દીકરીને ત્યાં અમેરિકા જવાના છો,આ ઘરના કકળાટમાંથી

છુટો ,’દેખવું ય નહિ ને દાઝવું ય નહિ ‘

સરલા પાલવથી આંખો લુછતા બોલી ,’ભાઈ ,આ ઘર ગયું ત્યારની કાયમની દાઝી ગઈ છું ,નથી ખાવાનું મન થતું કે રાત્રે ઊઘ આવતી ,પથારીમાં જેવું ઓશિકા પર માથું મુકું એટલે હવેલીના બારી -બારણા ખૂલી જાય અને ને હવામાં એવાં ભટકાય કે સફાળી ઊભી થઈ જાઉં ,વલસાડ આખામાં તિથલના  દરિયાના પાણી કંઈ ઊમટે કે જોવાય નહિ ,તેમાં હવેલીના ખૂલ્લા બારણેથી હુડ હુડ કરતા ઘૂસી જતાં પાણી કાળોકેર વર્તાવે ‘

સોમચદે ચાનો  કપ સરલાને આપ્યો,બોલ્યા ,’સરલાબેન મન મજબૂત રાખો ,આ બઘી તમને ભ્રમણા થાય છે.કેસનો ચૂકાદો આવી જશે. બહેન હવે આપણે પાકું પાન કહેવાઈએ ,મેં દીકરાને ઘણું સોંપી દીઘું છે,તમેય ઘરની માયા છોડી દો ,આ હવેલી ભંગાર થઈ ગઈ રહેવા લાયક રહી નથી.’

સરલા બોલી ,’આ તમારી પાસે હેયાવરાળ કાઢી ,બાકી મારા બળાપાથી છોકરો વહુ કંટાળી ગયાં છે.ચાલીશ વર્ષો જે ઘરમાં સાફસૂફી કરી ,રસોઈપાણી કર્યા ,સઉને જમાડ્યાં,દીકરાને પરણાવ્યો તે બધું કેમ વિસારું ?છેવટે તમારા ભૈબંઘના છેલ્લા શ્વાસ—હજી હવેલીમાં ઘૂમરાતા હશે! એક વાર હવેલીમાં જઈ એમની બેસવાની આરામખુરશી અને માળા લઈ આવું તો મને ચેન પડે.’

સરલાની વાત સાંભળી સોમચદ પણ ખિન્ન થયા ,તેમણે સહાનુભુતિથી કહ્યું ,’હા ,એ આરામખુરશી મોહનભાઈ હોંશથી મારી દુકાનેથી જ લઈ ગયા હતા ,ભોળા દિલના અને હસમુખા હતા.’

સરલા યાદ કરી બોલી ‘હું નવી સાસરે આવેલી ત્યારે હવેલી જોઇને છક થઈ ગઈ હતી ,પછીના વર્ષે પારણું તમારે ત્યાંથી લઈ ગયેલાં ,’

‘તમને બધું યાદ છે.’સોમચંદ બોલ્યા

સરલા હવેલી તરફ જોઈ રહી છે,કોઈ એના કાનમાં ઝીણીઝીણી વાત કરતું હતું,તેને થયું આ ઘર વણપૂજ્યા માતાજીના મંદિર જેવું છે,સાફસૂફી માટે રાહ જોતું હશે,તુલસીનો છોડ પાણી વગર સૂકાય છે,કીડી ,મકોડા ઘરને ચટકા ભરતા હશે,ઉઘયથી કોરાતું હશે.

તે  ખાલી ખાલી ,દીવા બત્તી વગરનું અંઘારામાં  કેવું હીજરાતું હશે.મારી  યાદો કાંટા જેવી તેને  વાગતી હશે!’મને તો  સૂનું સૂનું ઘર ડૂસકા ભરતું સભળાય છે’. સરલા સોમચંદની દુકાનમાંથી જાણે ઓગળી ગઈ ,સોમચંદ આંખો ચોળતા દુકાનને ઓટલે આવી ગયા ,હવેલીના બારણાં

ખૂલ્લાં   હતાં ,લાઈટો થયેલી હતી ,સરલા બીજા માળના વરંડામાં હિચકે ઝૂલતી હતી.સોમચંદ દુકાનને તાળું વાસી સીઘા રોડ ઉપર જતા જતા  સરલાનો વિચાર કરતા હતા ,’સરલા  હવેલીમાં ક્યાંથી જતી રહી! ‘

તરુલતા મહેતા 10મી ઓગસ્ટ 2015

‘કોઈ પણ કારણ વગર જવાય તેવું એક ઘર મળે ‘

ઘર એટલે ઘર (૧૨) પ્રીતિ સેનગુપ્તા

Posted on August 9, 2015 by vijayshah

હૃદયની અંદરનાં સ્થાન

જીવનમાં કેવું બનતું હોય છે. કશુંક દૂર થઈ જાય તે પછી જ ખ્યાલ આવે છે કે કેટલું નિકટનું હતું એ કશુંક. એવું જ બને છે ઘર વિષે પણ. મોટા ભાગના લોકો કદાચ ઘરને છોડ્યા પછી જ સમજ્યા હશે હૃદયમાં એનું સ્થાન. ને ઘણા લોકો ઘરને કંઇક ભૂલી પણ જઈ શક્યા હશે.

મારી જ બાબતે બધું ઊંધું બન્યું. મારા જીવનનો આધાર હતું મારું ઘર. ને મારે માટે આખું ભારત હતું મારું ઘર. જ્યારે પણ ઘર – કે હોમ (home) ની વાત કરતી ત્યારે મારા મનમાં સંદર્ભ દેશનો રહેતો. એને છોડીને પરદેશ આવી એના ઘણા મહિનાઓ પહેલાંથી મન તીવ્ર પીડા અનુભવતું રહેલું – આ ભૂમિથી દૂર જવાનું છે, આ હવાથી દૂર જવાનું છે.

અને અહીં અમેરિકામાં કેટલાંયે વર્ષો વીત્યાં છતાં ઘર ભૂલાયું નહતું. માનવું અઘરું છે કે દસ દસ વર્ષો સુધી દેશના ઝુરાપામાં આંસુ સારતી રહી હતી. કેટલીયે સરસ હુંફાળી સાંજે બહાર નીકળી હોઉં કે બાલ્કનીમાં બેઠી હોઉં, ને પવન વહેતો આવે, મોઢાને ને બાહુને સ્પર્શે, અને તરત બોલાઈ જાય, અરે, બરાબર ઘર જેવો પવન છે આ તો.

ઘર તો શું, ઘરના પવનનો સ્પર્શ પણ ભુલાયો નહતો. એ જ રીતે અહીં એકસો ફૅરનહીટ જેટલી ગરમી થઈ જાય તે વખતનો ઉષ્ણ, શુષ્ક તડકો. દેશનો ઉનાળુ તડકો અનુભવાય ત્વચા પર તરત જ. પછી ગરમીની ફરિયાદ પણ શું કરવાની? દેશની ગરમ બપોરની યાદમાં મલકવાનું.

આવા મલકાટ સાથે આપણો પ્રેમ-ભાવ જોડાયેલો હોય છે. સ્થાનનો પ્રેમ, કોઈ પ્રિયપાત્રનો પ્રેમ. આ લાગણીમાંથી જ આકારાતો હોય છે આપણા રહેઠાણનો, આપણા ગામનો આપણો ખ્યાલ. નાની ઉંમરે દેશથી નીકળી આવ્યાં તે જમાનામાં આ એક જ જગ્યાને આપણે જાણતાં હતાં. જ્યાં જન્મ્યાં, ને જ્યાં વસવાટ કર્યો તે જગ્યા. પોતાનું ગામ.

મન કેવું ઠરીને રહી શકતું ત્યાં – પોતાના ગામમાં. બધું પરિચિત- રસ્તાઓ, રાહદારીઓ, વૃક્શો ને એમનાં પરનાં ફૂલો; ગલીને નાકે પાણીના માટલાની પરબ લઈને બેઠેલાં માજી; મેંદીથી રંગેલી દાઢીવાળા, ઊંચા, પાટા ઓળંગતી વખતે સામસામે થઈ જતા કાબુલીવાલા; સાયકલ ચલાવતાં મહેનત પડે તેવા ધૂળના ઢગલા, મોટરને સાવ ધીમી કરાવી દેતાં ગાડાં, ચાલવા નીકળવાનું મન થાય તેવી આનંદકર સાંજો, ખડખડતી ટ્રેનની વ્હીસલ દ્વારા કોઈ અજાણી જગ્યા તરફ મનને ખેંચી જતી ગૂઢ રાતો.

સ્થળ, સમય, સંવેદન- બધું યે પરિચિત. ને એ કારણે જ ધરપત, એ કારણે જ નિરાંત. આ પરિચિતતાનો જ આધાર, એના દ્વારા જ પોતાની ઓળખાણ. પોતાનું ગામ એટલે પોતાનું ઘર, પોતાનું ઘર એટલે સ્વયં પોતે જ. ઘર છૂટ્યા પછી પણ એ, પોતાનું હોવું, નથી છૂટતું. ત્યારે જે હતાં તે જ રહી જઈએ છીએ આપણે. એ અર્થમાં ક્યારેય દૂર નથી થતું ઘર આપણાંથી, ને આપણે ઘરથી.

અસંખ્ય, ને કદાચ સઘળાં ગામો હવે એવાં જ નથી રહ્યાં. કદાચ સાવ બદલાઈ ગયાં છે. એ રસ્તા કે રાહદારી કે એ માજી કે કાબુલીવાલા કે એ ધૂળ કે એ ગાડાં કે એ સાંજો કે એ રાતો હવે મળવાનાં તો શું, ક્યાંયે દેખાવાનાં પણ નથી. હવે એમની યાદો જ છે સાધારણ જેવો આધાર. લિસોટા જેવી યાદો, ને એમનો નબળો શો આધાર.

હું નાની હતી ત્યારે બહેનપણીઓ સાથે, સરસ કપડાં પહેરી, પાછલા રસ્તે થઈ, પાટા ઓળંગી, અખાડાના ખુલ્લા ધૂળિયા કમ્પાઉન્ડમાં થઈ ગૌરી વ્રતની પૂજા કરવા એક નાના મહાદેવ પર જતી. સાથે મમ્મી પણ આવતી. પૂજારી કશાંક વિધિ-પૂજા કરાવતા હશે. પછી હસતાં-રમતાં અમે ઘેર જતાં રહેતાં, ઉપવાસનું સરસ સરસ ખાવાનું ખાતાં, મઝા કરતાં.

જીવનમાં આ વ્રતની કે વિધિ-પૂજાની શું અસર થઈ તે કોને ખબર, પણ એ મહાદેવ માટે – એટલેકે એ મંદિર માટે- મારામાં કશુંક ખેંચાણ રહી ગયું. મારે ગામ પાછી જાઉં ત્યારે મનમાં થાય કે લાવ, એ મહાદેવ જઈ આવું. એ બહુ બદલાયું નથી. એનું કમ્પાઉન્ડ થોડું મોટું થયું, અંદર જવા માટે એને ફરતે લાંબું જવું પડે છે, પણ મંદિર એનું એ જ છે. સાવ નાનું. એટલા અર્થમાં મારું ને મારું જ.

જાઉં ત્યારે શિવને ઘેર જરાક બેસું છું – સામેની બેંચ પર. બપોર હોય કે આરતીનો સમય ના હોય ત્યારે કોઈ જ ના હોય. ત્યારે બહુ ગમે છે ત્યાં ઘડીક બેસવું. ક્યારેક પૂજારીની નજર પડે છે, ને એમાં નવાઇ હોય છે, ને સંદેહ પણ હોય છે. એમ કે કોણ છે આ અજાણી એકલી સ્ત્રી? કદાચ ઘર વગરની, ગામ વગરની હશે- એ શક્યતા એમને નહીં ગમતી હોય.

એ જાણતા નથી, કે જે ઘર મારું ના પણ રહ્યું હોય, ને જે ગામ એનું એ ના રહ્યું હોય તે પણ હજી છે તો મારાં જ. એ છે મારા હૃદયની અંદરનાં સ્થાન. હંમેશ માટે મારાં જ.

 

ઘર એટલે ઘર-(૧૩)કલ્પના રઘુ

Posted on August 15, 2015 by Pragnaji

ચાલો, ઘર ઘર રમીએ કહીને જીવનની શરૂઆત કઇ વ્યક્તિએ નહીં કરી હોય? ક્યારેક પત્તાનો મહેલ કે દરિયાની ભીની રેતથી બનાવેલો મહેલ કે પછી તુ મમ્મી અને હું પપ્પા કહીને સંબંધોનો માળો ગૂંથીને ઘર બનાવ્યા વગરનું બાળપણ હોઇજ ના શકે. યુવાનીમાં ઘર માટેના સપના અને ઘડપણમાં ઘરની વ્યાખ્યા અને જીવનના અંતિમ પડાવ પર દેહરૂપી ઘર છોડીને, નામ સરનામું બદલીને ચાલ્યા જવાનું. આમ જીવનયાત્રા ‘ઘર’ શબ્દની આગળ-પાછળ ઘેરાયેલી હોય છે.

ઇંટ, રેતી અને પત્થરથી બનેલું ઘર એ ઘર ના કહેવાય. ઘર ઘર રમતાં તો દરેકને આવડે પણ હકીકતમાં મકાનને સ્નેહ-પ્રેમની રેતી, માટીથી મજબૂત બનાવવું જરૂરી છે જેમાં લાગણીથી ધબકતા દિલોનાં શ્વાસનો વાસ હોય, તે ઘર કહેવાય.

ગટરનાં પાઇપ અને ઝૂંપડાને ઘર બનાવીને રહેનારા લોકો પણ છે. જરૂરી નથી કે શ્રીમંત વિસ્તારમાં મોટું કે ઇન્ટીરીયર ડૅકોરેશન, ભૌતીક સાધનો અને આધુનિક સુવિધાથી સજ્જ ઘરનેજ ઘર કહેવાય. જ્યાં પરિવારમાં પ્રેમ અને ઉષ્મા હોય, એક બીજા માટે ત્યાગ અને બલિદાનની, એકબીજાની લાગણીઓને સમજવાની ભાવના દરેકના દિલમાં રહેતી હોય, જ્યાં સૌ પોતાનાં માટે નહીં, એકબીજા માટે જીવતા હોય અને દરેકનાં સપના સમાન હોય, તે ઘર કહેવાય. ઘર હંમેશા જીવંત લોકોથી બનેલુ હોય છે. સંયુક્ત કુટુંબ રહેતુ હોય, તેમા વડીલોની છત્રછાયા હોય, બાળકો કિલ્લોલ કરતાં હોય ત્યાં ચકલા ચણવા આવે અને અતિથિઓનો આદર-સત્કાર થતો હોય, ચહલ પહલ હોય અને અવનવા ઉત્સવોની ઉજવણી થતી હોય, એ ઘર સ્વર્ગ સમાન છે. આમ એક લોહી, એક છત નીચે એકજ ઘરમાં કોઇ નવો નિખાર લાવે છે એ સિધ્ધ થયેલી હકીકત છે.

પ્રેમ અને લાગણીઓ ભેળવીને, ગૃહસ્થ અને ગૃહસ્થીના સંયોજનથી, ઇંટ, રેતી, સીમેન્ટનાં મિશ્રણથી જે માળખુ ઉભુ થાય એ ઘર છે. એવા ઘરની દિવાલો મજબૂત હોય છે. જ્યાં દિવાલો મજબૂત હોય અને કુટુંબ ભાવનાથી રંગાયેલી હોય ત્યાં બહારનાં ઝંઝાવાતો વચ્ચે પણ ઘરનાં સભ્યો સુરક્ષીતતા અનુભવે છે. પોતાનુ ગાદલુ-ઓશીકુ-ઓઢવાનુ હોય, આસપાસ પોતાના માણસો હોય, પોતિકાપણાની સુવાસ હોય, જ્યાં એકબીજાને સમાવી લેવા દરેક વ્યક્તિ તત્પર હોય, જ્યાં સુકો રોટલો કે ખીચડી ખાઇને પણ ઓડકાર આવે, જ્યાં રાત પડે કોઇ રાહ જોતુ હોય, જ્યાં નિશ્ચિંતપણુ હોય, દુનિયામાં ક્યાય પણ જાઓ, જે આવાસ તમને આકર્ષતુ હોય, જ્યાં તમને ખેંચાણનો અનુભવ થતો હોય, ત્યાં તમે કહી શકો આ મારૂં ઘર છે. ધરતીનો છેડો ઘર. ત્યાં તમને ફાઇવ સ્ટાર હોટલ કરતાં પણ વધુ હાશકારાનો અનુભવ થાય છે.

ક્યારેય ઘરના ચિત્રમાં કાળો રંગ જોયો છે? કાળો રંગ નકારાત્મકતા સૂચવે છે. ઘર હમેશા રંગીન સપનાથી સજેલું હોય છે. જ્યાં સવાર પડે છે અને સૂરજના સોનેરી કિરણો મેઘધનુષના તમામ રંગો ઘરમાં રહેનારના જીવનમાં ભરી દે છે. જ્યાં મોરના ટહૂકા જેવા ટહૂકાર અન્યના અવાજમાં રણકાર બનીને સ્પંદનો ઉભા કરે છે. જ્યા ઉમરા પર સાથીયા, આંગણામાં રંગોળી અને તુલસી ક્યારો હોય છે. ઉગતી સવારે અને સંધ્યાકાળે દીપ પ્રગટાવીને, સકારાત્મકતાને આવકારવા, ઇશ્વરની આરાધના અને પ્રભાતીયાથી શરૂઆત કરવામાં આવે છે. જ્યાં વાસણો ખખડે છે પણ વ્યક્તિઓના ટકરાવનો ધ્વનિ કોઇને સંભળાતો નથી. જ્યાં વડીલ, વૃધ્ધો અને માતા પિતાનાં અસ્તિત્વનો સ્વીકાર થાય છે. જ્યાં મોટા નાનાનું સન્માન થાય છે. જ્યા દરેકની વાણીમાં સંગીત છે. જ્યાં ઘરની સ્ત્રી લક્ષ્મીનું સ્થાન અનુભવે છે. જ્યાં દરેક વ્યક્તિ પોતાનુ પાત્ર દિલથી ભજવે છે એ ઘર છે. અને આવું ઘર એટલે ઘર. આવા ઘરની કલ્પનાને સાકાર સ્વરૂપ ભારત દેશમાં માત્ર આદર્શ ઘરવાળીજ આપી શકે! હકારાત્મકતાથી ભરપૂર આવું ઘર એક મંદીર સમાન હોય છે. જ્યાં તમને તમારી સુવાસ આવતી હોય છે. અને મન બોલી ઉઠે છે, ‘સુખનું સરનામુ એટલે ઘર’.

એ જમાનો હતો જ્યારે ભારતમાં સંયુકત કુટુંબ હતા, ત્યારે જન્મથી મૃત્યુ સુધી અનેક પેઢી એક સાથ રહેતી. જીવનની દરેક અવસ્થા એક ઘરમાં પસાર થતી. ત્યારબાદ, મા-બાપ ગામડાના ઘરમાં રહેતા અને સંતાન અર્થોપાર્જન માટે શહેરમાં આવીને પોતાનું ઘર માંડીને સ્થિર થવા માંડયા. પરંતુ હવે ભૌતિકતા અને વૈજ્ઞાનિક હરીફાઇના આધુનિક જમાનામાં વ્યક્તિનો પોતાનો વિકાસ જરૂરી બને છે અને ઘર, સ્વજનો અને દેશ છોડીને પરદેશમાં વસવાટ જરૂરી બની ગયો છે. હવેની પેઢી વણઝારાની જેમ રહે છે. નથી નોકરીનું ઠેકાણું, તો ઘરનો તો સવાલજ ઉભો નથી થતો. પતિ, પત્ની અને બાળકો અલગ અલગ જગ્યાએ રહેતા હોય છે. આમ ભારત બહાર ઘરની વ્યાખ્યા બદલાઇ ગઇ છે. જ્યાં ઘર બદલાય, ઘરવાળી બદલાય, રાચરચીલુ બદલાય, રહેણી કરણી બદલાય. હવેનો યુગ શીખવાડે છે, બધુ તોડતા શીખો, છોડતા શીખો. વ્યક્તિ પરણે, બાળક જન્મે, મોટું થાય, આર્થિક રીતે સધ્ધર થાય, છૂટું થાય, આપણામાંથી મારૂં-તારું થાય. એક પરિવાર બેમાં અને પછી ત્રણમાં વિભાજીત થાય ત્યાં ઘરની જૂની વ્યાખ્યા તો મમળાવવીજ રહી. હા, અપવાદ દરેક જગ્યાએ જોવા મળે છે.

હવેના મા-બાપ દેશમાંથી પોતાનું ઘર છોડીને પરદેશમાં સંતાન સાથે રહેવાનું પસંદ કરે છે. જેથી એક છત નીચે, એક ઘરમાં બાળકો સાથે રહીને તેમને મદદરૂપ થાય અને કુટુંબ ભાવના જળવાઇ રહે.

દિકરી માટે માતા-પિતાનું ઘર પછી પતિનુ ઘર અને વૃધ્ધાવસ્થામાં દિકરાનું ઘર, આમ ઘર બદલાતા રહે છે.

માતા-પિતાએ ક્યારેક વૃધ્ધાવસ્થામાં બે બાળકો વચ્ચે વહેંચાવુ પડે છે, શુ એ ઘર છે? મૃત્યુ સમયે શારીરિક અસહાયતાને કારણે પોતાનુ ઘર છોડી દિકરાને ઘરે રહેવુ પડે અને સતત પોતાનુ ઘર યાદ આવે, એ વલોપાત … શું એ ઘર છે? જે બાળકોને પોતાનાં ઘરમાં જન્મ આપીને જીવન જીવવા સક્ષમ બનાવ્યા હોય એ બાળકો, મા-બાપને એમના ઘરમાંથી જાકારો આપે અથવા તો મા-બાપના ઘરમાંથી પરણ્યા પછી પોતાના સ્વાર્થે મા-બાપને છોડીને તેના પરીવાર સાથે બીજે રહેવા જાય, શું એ ઘર ઘર રહેશે? જ્યાં આવનાર વહુ-દિકરો પોતાના ઘરમાં મા-બાપને કહે, ‘આ મારૂં ઘર છે, હું કહું તેમ તમારે રહેવું પડશે … ‘ શું મા-બાપ માટે આ ઘર કહેવાય? અને માટેજ આજકાલ ઘરડા-ઘરની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

દરેક વ્યક્તિના જીવનમાં એકતો ઘર હોયજ. સમગ્ર જીવન દરમિયાન જે માળખા સાથે યાદો, ઘટનાઓ, લાગણીઓ અને સપના જોડાયા હોય તેનેજ તે તેનુ ઘર સમજે છે અને અંત સમયે તેને પોતાના ઘરનું ખેંચાણ રહે છે. અંતિમ સમયે, હોસ્પીટલમાં દાખલ કરેલી, મૃત્યુનાં બીછાને સૂતેલી વ્યક્તિનો જીવ નિકળતો નથી. એનો જીવ પોતાના ઘરમાં હોય છે અને જેવી આ વ્યક્તિને ઘેર લઇ જવામાં આવે છે, પછી ભલે તે કૉમામાં હોય, પણ પોતીકુ ઘર તેને ‘હાશ’ આપે છે અને તેનો જીવ નિરાંતે શરીર છોડીને જાય છે. ક્યારેક વૃધ્ધ વડીલની આધુનિક યુગમાં આ માનસિક સ્થિતિ જોવા મળે છે. ઘર વિનાની વ્યક્તિ, ‘હોમલેસ’ નિરાધારની લાગણી અનુભવે છે.

અંતમાં ગુજરાતી સુગમ સંગીતનાં એક જાણીતા ગીતના શબ્દો યાદ આવે છે. ‘સાવંરીયો રે મારો … કોઇ પૂછે કે ઘર તારૂં કેવડું? મારા વા’લમજી, બાથ ભરે એવડુ …’

આ શબ્દો સૂચવે છે કે જ્યાં પ્રેમ છે ત્યા બાથમાં સમાય એવડુ ઘર પણ પૂરતુ છે. ઘર માટે વિશાળતાની જરૂર નથી, વિશાળ હ્રદય પુરતુ છે, પરંતુ કલિયુગની આ કઠીણાઇ છે, લાગણીઓ વિસરાઇ છે, ઔપચારિક્તા રહી ગઇ છે. ઘર મોટા થાય છે, દિલ નાનું થાય છે. પ્રશ્ન ઉદ્‍ભવે છે, રહેવું ક્યાં … ? પરંતુ એક વાત નક્કી છે, ઘર એટલે ઘર.

કલ્પના રઘુ

 

ઘર એટલે ઘર (૧૪) જીતેન્દ્ર પઢ

Posted on August 12, 2015 by vijayshah

સાચા  અર્થમાં ઘર  (કાવ્ય )

ઈંટ ,દિવાલ અને છાપરું

લોકોને  મન  ઘર હોય છે

પણ ગૂંજે  નહીં  ચારે દિશા

પરિવારની  વાતોથી

તો એ ઘર માત્ર  દિવાલ હોય  છે

ઈશ્વર પણ આવીને વસે છે

જ્યાં  ભાઈ ,બહેન માવતરનો  પ્રેમ  હોય છે

ખુશ્બુ  બધે  ફેલાય    નહીં સંબંધો ની   મહેકથી

એવા  ઘર ઘર નહીં નિવાસ હોય છે

સ્વપ્ના  બધા  ફાળે નહીં , એવું કદી  બને  !

તો ,ધાર્યા  કર્તા  વધુ મળે એવું  કદી બને

આશિષ  સદા જ્યાં  ઈશ્વરની હોય છે

માવતરનો  સદા  ત્યાં  વાસ હોય છે

ઘર એટલે ઘર-(૧૫)જયવંતી પટેલ

Posted on August 16, 2015 by Pragnaji

ઘર શું નથી ?  એ ધરતીકંપ નથી , ઘનઘોર વાદળાથી છવાયેલું નથી, એ બિહામણું ડર લાગે તેવું નથી, એ ડુબાવી દે એવું રસાતાળ નથી, એ નાટક નથી, ઊંડી ખાઈ નથી, એ વિયોગ નથી, એ અંધકાર નથી, એકલતા નથી, સ્વપ્ન નથી, લાગણીહીન નથી, ભૂખ નથી, ઊજાગરો નથી, અશાંતિ નથી, એ મુશળધાર નથી, એ પહાડ નથી, એ અગ્નિ નથી, એ સાગર નથી, ઘર વિમાષણ નથી, એ કારખાનું નથી, ઘર હેવાનયત નથી, ઘર સ્મશાન ઘાટ નથી.

તો ઘર શું છે ?  જ્યાં આત્મીયતા છે, શાંતિથી બેસી શકાય તે છે, પોતાપણું લાગે તે છે, કડવું, મીઠું લાગે  તે છે.કોઈની શરમ ન રાખવી પડે તે સ્થળ છે, પતિ – પત્ની લડી શકે તે છે, અને પાછો પ્રેમ કરી શકે તે છે  ભાઈ-બહેન નું સહિયારું જીવન છે, વિસામો છે. આંખો બંધ કરી જે જોવું ગમે તે દૃશ્ય છે.  માં-બાપ, ભાઈ ભાંડું, દાદા-દાદી અને નાનું ગલુડિયું સાથે રહી શકે તે જગ્યા છે, પછી ભલે તે મોટો બંગલો હોય કે નાની ઝુંપડી હોય.  કોઈ ફરક નથી પડતો.  ઉમળકો આવે અને લાગણી દર્શાવી શકાય તે જગ્યા છે જેને ઘર નામ આપ્યું છે.  જ્યાં જવું ગમે છે.  બાળપણ, જુવાની, પ્રોઢાવસ્થા  અને છેવટે ઘડપણ,  ચારે અવસ્થા વિના સંકોચ કે વિના હિચક વિતાવી શકાય તે છે. ….એ ઘર છે. એ ઝરમર છે. એનો દરવાજો ખોલીને પ્રવેશ કરી શકાય છે.  એ શિતળતા છે. એ મંથન છે.  એ શાંતિનિકેતન છે.  એ  નાનું ઉધોયગ ઘર છે  એ સંસ્કૃતિ છે.  એ એક મંદિર છે.

ગામડાંનો એક ખેડુત તેની પત્ની સાથે નાના સરખા ઘરમાં રહેતો હતો.  એમને એક દીકરો, તેને રામુ કહેતા.  દેશને જરૂરત પડી એટલે જુવાન થયેલા દીકરાને ફોજમાં જવું પડયું.  અજાણ દેશની ધરતી પર, હજારો માઈલો દૂર દેશને માટે લડવું પડયું  ઊંડા ખાડા ખોદી તેમાં સંતાઈ રહેવું પડયું.  કેટલાય દિવસો ખાધા વગર, નિંદ્રા વગર કાઢવા પડયા.

ત્યારે આંખો બંધ કરી, મોતની સામે ઝઝુમતી વેળા બસ એકજ ખ્યાલ અને દૃશ્ય તેનાં મનમાં તાજું થતું કે જાણે તે તેની માએ બનાવેલું શાક અને તે પણ ચોળાનું, સાથે જુવારનો રોટલો, લસણની ચટણી અને ડુંગળી ખાઈ રહયો છે.  એ નાનકડા ઘરમાં ખાટલો ઢાળેલો છે અને તે ત્યાં સૂતો છે – માં માથા પર વહાલથી હાથ ફેરવે છે અને બાપુ ચાળશો ઓઢાડી જાય છે. – કોઈ રીતે એ લાગણી મનમાંથી કાઢી નહોતો શકતો.  છેવટે કેટલાયે વર્ષો બાદ  ઘરે પાછો આવે છે.  હવે રામુ માંથી રામલાલ થયો છે.  રહેવા સારૂ ઘર મળ્યું છે.  હોદ્દો પણ છે.  પણ રામલાલે એક પગ ગુમાવ્યો છે. જે ખાડામાં સંતાઈ રહેવું પડયું હતું ત્યાં બોમ્બ પડયો હતો અને સૈનિકો તેને બાજુની હોસ્પીટલમાં લઇ ગયેલા, ત્યાં તેનો ડાબો પગ કાપવો પડેલો.

જયારે પણ રામલાલ આંખો બંધ કરી વિચારે છે ત્યારે એજ દૃશ્ય એની સામે ખડું થાય છે.  અને, ખરેખર, વર્ષો પછી ઘોડીની મદદથી ચાલતો રાતના બે વાગ્યે ગામને પાદરથી, પોતાના એ નાનકડા ઘરે આવ્યો ત્યારે એમ લાગ્યું કે ધરતીનો છેડો આવી ગયો છે.  ધીમે રહી બારણું ખટખટાવ્યું.  બાપૂએ ફાનસ પેટાવ્યું ને તેનાં પ્રકાશમાં બારણું ખોલ્યું

જોયું તો તેમનો રામુ સામે ઊભો છે.  આંખો ઊંડી ઊતરી ગઈ છે. શરીર સુકાઈ ગયું છે.  એક પગ અડધો નથી અને ઘોડીની મદદથી લંગડાતો ચાલે છે.

દુઃખી હૃદયે માં-બાપ દીકરાને અંદર લાવ્યાં  રામુ ઢાળેલા ખાટલા પર બેઠો.  માએ પાણી આપ્યું  સમાચાર પૂછ્યા અને છેવટે પૂછ્યું ,” બેટા, ભૂખ લાગી છે? કઈ ખાઇશ ?”  જવાબમાં તે બોલ્યો, ” હા, માં, જરૂર ખાઇશ.” “અત્યારે રાતનાં બે વાગ્યા છે – શું આપીશ ?”  “બેટા, રાતનાં ચોળાનું શાક બનાવ્યું હતું તે છે, રોટલો છે સાથે લસણની ચટણી આપીશ.  રામલાલે હા કહી એટલે માંએ ઉપર બતાવેલી બધી વસ્તુ મૂકી તેને થાળી આપી – રામલાલે પહેલા તે થાળી ઊચી કરી ને નાકેથી સુવાસ લીધી.  ગરમ ચોળા અને ગરમ કરેલો રોટલો – કેમે વિસરાતો નહોતો  સાથે લસણની ચટણી ને નાની ડુંગળી.  ઘણા વખતે રામલાલે પેટ ભરીને ખાધું  જમી રહયા પછી બાપૂએ બીજો ખાટલો ઢાળી આપ્યો, તેના ઉપર ગાદલું નાખ્યું ને ચાદર પાથરી, ઓશીકું મૂક્યું.

જમીને રામલાલે તેના પર લંબાવ્યું બાપૂએ આવી ચાળશો ઓઢાડ્યો, માંએ બાજૂમાં આવી માથે હાથ ફેરવ્યો.  રામલાલને થયું હું સ્વપ્નમાં તો નથીને ?  તેણે માંનો હાથ પકડયો – હવે ખાતરી થઇ.  તેને થયું આનેજ સ્વર્ગ કહેતા હશે આ મારું ઘર છે.  આ સ્વર્ગ જ છે.

જયવંતી પટેલ

 

“ઘર એટલે ઘર “(૧૬)રશ્મિબેન જાગીરદાર

Posted on August 18, 2015 by Pragnaji

કોઈ પૂછે કે , કુબેર ના ભંડાર માં કેટલું ધન હશે ? અને એનો જવાબ શોધવા આપને ગણત્રી કરવા બેસી જઈએ તો એ ગણતરી ક્યારેય પૂરી થાય ખરી ?આકાશ નું માપ લેવા નું કોઈ કહે તો આપને સામે પૂછીએ અઘાધ આકાશ નું તે કંઈ માપ હોય ભલા ! આવું જ અઘરું , અરે ! કહો ને અશક્ય કામ છે આકાશ ના તારા ગણવાનું ,આપણા પોતાના વાળ પણ ક્યાં ગણી શકાય છે ? આવા બધા વિચારો મને ત્યારે આવવા લાગ્યા જયારે હું ઘર વિષે લખવા બેઠી સાગર ના પાણી ને એક લોટો લઇ ને ઉલેચવા બેસું ત્યારે કેવી લાગણી થાય બસ બરાબર એવી જ લાગણી મને અત્યારે થાય છે . ” ઘર ” શબ્દ તો નાનકડો જ છે અને પાછો કાનો – માત્ર જેવા કોઈ વળગણ વગર નો, પરંતુ એનો અર્થ એની ગહનતા , વિશાળતા , ઉચાઇ , ઊંડાણ અને એવા બીજા બધા આયામો સમજવા કે તેના વિષે લખવા હું સંપૂર્ણપણે શકિતમાન નથી કદાચ — આટલું કબુલ્યા પછી હવે ઘર ને સમજવા કંઈક પ્રયત્ન કરી શકું . હા , મકાન શબ્દ ની વ્યાખ્યા થોડી સહેલી પડે ,પણ ઘર ? આપણા શરીર માં જેમ આત્મા સમાયેલો છે તેવી જરીતે મકાન માં ઘર સમાયેલું છે અને એટલેજ તેનો અર્થ જેટલો વિશાળ તેટલો જ સુક્ષ્મ છે . વિશાળ વસ્તુ જોવી સમજવી શક્ય છે જેમ કે હિમાલય આટલો વિશાળ હોવા છતાં તેને આંબી શકાય કિન્તુ સુક્ષ્મ ને સમજ વું અતિ કઠીન , એને માટે તમારી પાસે અલગ સુક્ષ્મ્દર્શક દ્રષ્ટી અને મન જોઈએ !!! “આત્મા ત્વં , ગિરીજા મતી: સહચરાહા પ્રાણાહા શરીરમ ગૃહમ ” આ શ્લોક માં શરીર ને આત્મા નું ઘર કહ્યું છે અને આત્મા એટલે આપણે જેને ” હું ” કહીએ છીએ તે , હવે ઘર શબ્દ ની વિશાળતા સમજીએ તો પૃથ્વી પર જેટલા શરીર છે તે બધાજ આત્મા ના ઘર છે ! એના વિભાગો પણ આ રહ્યા જંગલી પશુ ઓ નું ઘર જંગલ , જળચર પ્રાણી ઓ નું ઘર જળાશયો તો વળી પક્ષી ઓ ના ઘર વ્રુક્ષો એમાં પક્ષી ઓ આપણે પોતીકા લાગે જાણે મિત્રો ! વહેલી સવાર માં જ તેઓ પોતાનું ઘર – માળો છોડી ને ચણ શોધવા નીકળી પડે, આખો દિવસ ખોરાક ની શોધ માં ગમે તેટલાં દુર નીકળી જાય પણ સુરજ ડુબતાં જ ઘર તરફ પાછા ફરે, કેટલીક વાર અતિ દુર થી તો વર્ષા ઋતુ માં અનેક તકલીફો વેઠી ને પણ પોતાને ઘરે પહોચી જ જાય .સાંજ ના ટાણે ઓટલે બેસી ને વ્રુક્ષ ની અંદર લપાઈ જતાં પક્ષી ઓ નો કલરવ માણ્યો હોય તો આપણ ને એ કલરવ માં એવા શબ્દો પડઘાતા જણાશે “ઘર એટલે ઘર ” જાણે પક્ષીઓ કહી રહ્યાં ન હોય !!1 ગોધૂલી ના સમયે પાછા ફરતા પશુધન પણ જાણે અનુભવે છે કે , આખરે ” ઘર એટલે ઘર “, તો વળી કાળક્રમે આત્મા શરીર રૂપી ઘર ને છોડીને તો જાય જ છે પરંતુ આપણા શાસ્ત્રો પ્રમાણે ફરી શરીર ધારણ કરે છે , ત્યાં પણ શું આવો જ ભાવ સમાયો હશે કે , ” ઘર એટલે ઘર ” —- હોઈ શકે નહિ ? હવે આપણે જેને ઘર સમજીએ છીએ , જ્યાં રહીએ છીએ તે ઘર ને સમજવું પણ એટલું જ કઠીન છે .શું ઘર એટલે ચાર દીવાલો , છત અને બારી બારના નું બનેલું માળખું કે પછી એમાં રહેતા માનવ સમુદાય નું ઝુમખું ? આ વિચારતાં જ મારા મન માં એક ગીત ગૂંજી ઉઠ્યું , ” તુમસે હી ઘર ઘર કહેલાયે ….. ” ઘર હોય એટલે એમાં કેટલીક રૂમો હોય અને એમાં રહેનાર કુટુંબીજનો હોય જેમાં બાળકો હોય વડીલો હોય ઘર નો મુખીયા હોય અને ગૃહિણી હોય તો શું આ બધાનો સરવાળો એટલે જ ઘર ??? આ સવાલ નો જવાબ જોઈતો હોય તો ગૃહિણી ને તમારે અઠવાડિયા ની રાજા પર ઉતારવી પડે , એ ના હોય ત્યારે તમને કોઈ ચીજ તમને જગ્યા પર નહિ મળે , કશું જ સમય સર નહિ જડે અરે , ચા નાસ્તો કે લંચ-ડીનર પણ સમયે પ્રાપ્ત થાય તો ગનીમત ! આવું !! અઠવાડિયું તમે માંડ પસાર કરો પછી ગૃહિણી જયારે પછી ફરે ત્યારે સૌ થી પહેલા તે એકજ વાક્ય બોલશે ,” અરે આ તો ઘર છે કે ઉકરડો ? ” ને તરત કામે ચડી જશે એટલે બીજા દિવસ થી બધું રાબેતા મુજબ ગોઠવાઈ જશે અને ત્યરે તમે પણ ગઈ ઉઠશો ,” તુમસે હી ઘર , ઘર કહેલાયે ” તો ગૃહિણી પણ ગીત માં સમાયેલા પ્રેમ ને પામી ને હરખથી બોલી ઉઠશે “ઘર એટલે ઘર ” એક કારણ એ પણ ખરું કે આખું અઠવાડિયું તેણે ઘરને મિસ કર્યું હતું . અહીં જ ઘર – ની ગહનતા ઉજાગર થાય છે , ઘર મિસ કર્યું એટલે શું -શું મિસ કર્યું ભલા ? આપણા માં થી ઘણા ને ઘર જમાઈ બનવાનો શોખ હોય છે ! જો કોઈ રોકે તો રોકડો જવાબ પણ તૈયાર જ હોય . કૈલાશ પતિ શંકર પણ તેમના સાસરે હિમાલય પર જ રહે છે ને ? તો વળી વિષ્ણુ ભગવાન પણ તેમના સાસરે સમુદ્ર માં નિવાસ કરે છે તો પછી અમે કેમ નહિ ?આવું વિચારી ને સાસરે રહેતા જમાઈ ન્હાતા ન્હાતા ક્યારેક બાથરૂમમાં હરખાઈ ને લખી નાખે કે , ” સસરા સુખવાસરા ‘ તો ચબરાકિયો સાળો સામે લખે કે, ” દો દિનો કા આશરા ” આવી હરકતો થી કંટાળી ને દીકરી – જમાઈ પોતાનું જુદું ઘર લે અને રહેવા જાય ત્યારે જ તેઓ ને અહેસાસ થાય , “ઘર એટલે ઘર ” બાપુ ! હું જયારે પહેલી વાર અમેરિકા જઈ ને પછી આવી ત્યારે પ્લેન લેન્ડ થાય તે પહેલા જ ‘ અમદાવાદ ‘ નું બોર્ડ જોઈ ને મને હરખ થયો , હાશ! હું ઘરે આવી ગઈ ! હવે બોલો ઘર તો ઘર ના સ્થાને જ હોવાનું ને પણ આખું અમદાવાદ મને ઘર લાગ્યું . આપણ ને બધાને આવા અનુભવ વારંવાર થતા હોય છે . આપને જ્યરે પંદરેક દિવસ માટે પર પ્રાંત માં પ્રવાસે જઈ ને પાછા ફરીએ ને તે દરમ્યાન ગુજરાત ની બોર્ડર ક્રોસ કરીએ ને ગુજરાત માં પ્રવેશ કરતા જ આપણો માંહ્યલો બોલી ઉઠે, “ઘર એટલે ઘર ” એજ રીતે વર્લ્ડ ટુર કરી ને પાછા ફરતાં ભારત ના કોઈ પણ ભાગ માં પહેલો પ્રવેશ કરીએ ત્યારે પણ બિલકુલ આવા જ ભાવો થી આપણે રોમાંચિત થઇ ઉઠીએ!!! જો તમે મારી વાત માનો તો એસ્ટ્રોનટસ અવકાશયાન સાથે અવકાશયાત્રા પૂરી કરીને પૃથ્વી પર પરત ફરે ત્યારે સમગ્ર પૃથ્વી તેમને પોતાનું ઘર લાગશે અને કેમ નહિ ? આપને તો પ્રાચીન કાળથી “વસુધૈવ કુટુમ્બકમ” માં માનીએ છીએ એટલે કોઈ પણ દેશ નો અવકશ યાત્રી જ્યાં અને જયારે પૃથ્વી નો પ્રથમ સ્પર્શ પામે ત્યરે તે ને ઘરે પહોચ્યા નો અહેસાસ જરૂર થશે અને અંદર થી એક એવી લાગણી ઉદભવશે ,” ઘર એટલે ઘર ” ખરું કે નહિ ? ઘર શબ્દ નો અર્થ ઊંડાણ થી સમજવા જઈએ ત્યારે એના અનેક આયામો અને તેમાં સ્થિત જટિલતા જાણે તેન અર્થ ને અતિ અઘરો બનાવી દે છે નહિ ? પણ મિત્રો ડરશો નહિ આપણને ઈશ્વર જેમ ઊંડા અંધારેથી પરમ તેજે લઇ જાય તેમ આપણે જ પોતાને જટિલતા થી સરળતા તરફ લઇ જઈએ . કોઈએ કહ્યું છે ને ,” મારે પણ એક ઘર હોય જ્યાં હું વિના નિમંત્રણ અને વિના સંકોચે જઈ શકું !!!” તો બસ આ જગ્યા જ સાચું ઘર! પછી તે આપણું હોય કે બીજાનું . સાંપ્રત સમાજ ની વિટંબણા ક્યાં ઓછી છે ? સંયુક્ત કુટુંબ માં રહેનારા બધા માટે ઘર તો એક જ હોય પણ શું દરેક સભ્ય પોતાનું ઘર માની ને કામ કરે છે ? દીકરી પોતે જ્યાં જન્મી ને મોટી થઇ હોય તે લગ્ન પછી પિયર આવે તો કહેશે મમ્મી ને ત્યાં જાઉં છું અને ત્યાંથી પછી ફરતા કહેશે સાસરે જાઉં છું તો પ છી એનું પોતાનું ઘર ક્યાં ? આવી અસમંજસ માં શરૂઆત ના સમય માં તો દીકરી મમ્મી ને ઘરે જાય ત્યારે જ થતું હશે હાશ! “ઘર એટલે ઘર” . આવો અહેસાસ પણ મમ્મી હોય ત્યાં સુધી પછી તો કહેશે ભાઈ ના ઘરે જઈ આવી અને ત્યાંથી પોતાના ઘારે આવે ત્યારેજ તેને લાગે યાર , ” ઘર એટલે ઘર “. આમ આખું વિશ્વ અસંખ્ય ઘરો થી ઉભરાઈ રહ્યું છે , તેમાંનું કયું ઘર કોને પોતાનું લાગશે, તે ખરેખર યક્ષ પ્રશ્ન છે! મારા માટે તો જ્યાં જઈ ને તમને , તમારા આત્માને , અને તમારા સમગ્ર અસ્તિત્વ ને એમ થાય કે , “ઘર એટલે ઘર ” એ જ તમારું ઘર

રશ્મિબેન જાગીરદાર

ઘર એટલે ઘર…..(૧૭). ફૂલવતી શાહ

Posted on August 21, 2015 by Pragnaji

 ” ઘર કેટલો સરળ શબ્દ છે !  નહિ કાનો કે નહિ માત્રા. જેટલો સરળ  છે તેટલો અર્થસભર અને ઉષ્માભર્યો શબ્દ છે. એની સાથે આત્મીયતા અને નિર્ભયતા સંકળાયેલી છે.એનું મૂલ્ય આપણી કહેવત બતાવે છે. ” પૃથ્વી નો છેડો ક્યા?” તો કહેવાય  કે  ” ઘર.”  સંતોષ ,પ્રેમ અને આનંદનું ધામ  એનું નામ ઘર. પછી   તપોવનમાં  વૃક્ષ નીચે બાંધેલી કુટીર કેમ નાં હોય !.  ઈટ ચૂનાનું બનાવેલું  મકાન હોય કે સિમેન્ટ કોન્ક્રીટ અને એર કંડીશન વાળી  ઈમારત હોય કે પછી આરસ પહાણ જડીત મહેલ હોયપણ જો તેમાં રહેનાર વ્યક્તિઓ માં પરસ્પર પ્રેમ, વિશ્વાસ કે સહાનુભુતિ ના હોય તો રહેઠાણ– ” ઘરનથી.  

         સૃષ્ટિ પર નાં તમામ સજીવો ને પોતાના જીવને સાચવવાની  કુદરતી  વૃત્તિ હોય છે.  આથી  પ્રત્યેક પ્રાણીને  આશ્રય સ્થાનની જરૂર પડે  છે. દરેક પોતાની જરૂરીઆત મુજબ સ્થાન શોધે છે અથવા બનાવી લે છે.  આશ્રય  સ્થાનની પસંદગીમાં  પ્રથમ  જરૂરીઆત પોતાની અને  પોતાના પરિવારની   સંરક્ષણની  છે.  પોતાનાથી વધુ શક્તિશાળી પ્રાણી નો પોતે શિકાર ના બને તે મુખ્ય ધ્યેય હોય છે.   પવન, તાપ, ટાઢ અને વરસાદ  જેવી કુદરતી ઘટમાળ થી બચવા દરેક પ્રાણી અને મનુષ્યે પોતાને અનુકુળ રહેઠાણ બનાવ્યા.ઉંદર, છછુંદર કે સાપ  દર બનાવી રહે. પક્ષીઓ પોતાના વિશ્રામ માટે માળો બાંધે છે.વાઘ, સિહ ,વરુ જંગલી પ્રાણીઓ બોડકે ગુફા શોધે છે ગાય,ઘોડો બકરી વિગેરે પાલતું પ્રાણીઓને એમના પાલકો ઋતુ અનુસાર સગવડ સાચવી ગભાણ , તબેલો ઈત્યાદી બનાવે છે.જ્યારે માનવી પોતાને માટે મકાન બનાવે છે. માણસ માણસનો દુશ્મન બની શકે છે. એટલે માનવી ચોર, લુંટારા  કે અનિષ્ટ તત્વોથી બચાય તેવું રહેઠાણ પસંદ કરે છે.બને ત્યાં સુધી સમૂહમાં રહેવાનું પસંદ કરે છે. વિચારધારાએ   આપણને ખડકીઓ, પોળો , મહોલ્લા વિગેરે આપ્યા.અને એના પરિણામે ગામડા, ગામ અને શહેરો બન્યાં

સજીવની જરૂરીઆત પ્રથમ આત્મરક્ષણ , બીજી આહાર અને ત્રીજી  આશ્રયસ્થાન. એટલે માનવી પોતાનું  રહેઠાણ ભયરહિત સ્થળ છતાં નોકરી ધંધાની નજીક પસંદ કરશે .જેથી સમય અને શક્તિ બન્નેનો  બચાવ કરવાનું વિચારશે.પોતાના બાળકો નાં ઉત્તમ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી સારા સ્કુલ એરિયા માં  મકાન પસંદ કરશે.આવી બધી તકેદારી રાખવા છતાં રહેઠાણઘરક્યારે બને ? જ્યારે એમાં રહેનારા સૌ સભ્યો સ્નેહ સાકળથી બંધાયેલા હોય, એમના વિચારોમાં સામ્યતા હોય.  તેઓના સ્વભાવમાં  ક્ષમા અને સંતોષ ગુંથાઈ  ગયા હોય. જ્યાં  પતિપત્નીદીકરાદીકરી, ભાઈબેન, માતાપિતા, કે વૃદ્ધ દાદાદાદી પ્રેમ અને સન્માન પૂર્વક રહી શકતા હોય , જ્યાં   આદરપૂર્વક  અતિથી   આવકાર પામતા હોય   અને જ્યાં આનંદ  કિલ્લોલ નો ગુંજારવ સંભળાતો હોય તો  તે  રહેઠાણ સાચું

ઘર ”  છે. સૌને સાચા અર્થમાં રહેવા માટે નું  ” ઘરમળે શુભેચ્છા

 ફૂલવતી શાહ 

ઘર એટલે ઘર…..(૧૮). રાજુલ ભાનુશાલી

Posted on August 21, 2015 by Pragnaji

મિત્રો  આપણા બ્લોગ પર રાજુલ બેનનું સ્વાગત છે ,ખુબ સારા લેખિકા છે અને સ્વય એક બેઠક ચલાવે છે  હું એમનો પરિચય આપું એના કરતા એમના શબ્દો માં લખું છું 

મને મારો પરિચય કેટલો?

સતત બે દિવસ સુધી ગડમથલ ચાલી..જવાબ મળ્યો..જેટલી ક્ષણ હું સ્વ ને મળું છું એટલો..!

(https://rajulbhanushali.wordpress.com/ )

ઘરએટલે

ઘરએટલે કાનામાત્રા વગરની એક એવી સંજ્ઞા જે ઉચ્ચારતાંજ જીવનેહા…..શકારોથઈ જાય!

ઘર એટલે ધોધમાર વહેતી સંવેદનાનું સરનામું..!

ઘર એટલે આખો દિવસ બહાર રહ્યારખડ્યા પછી તમે પાછા આવો, ડોરબેલ પર આંગળી દબાવો, ને………દરવાજો ખૂલે ત્યાંજ અડધો થાક ઉતરી જાય  પ્લેસ.

ઘર એટલે તમે ભલેને કોક અત્યંત મહત્વનું કામ કરતા હો , તો પણ વાસણોનો ખખડાટ કે બાળકોનો કલબલાટ તમને જરાય ડિસ્ટર્બ ના કરે જગ્યા.

ઘર એટલે જ્યાં રજાને દિવસે તમે આખો દિવસ હાથમાં ટી.વી.નો રીમોટ લઈ સોફા પર રીંછની જેમ પડયા રહો તોય ચાલે એવી સ્થાન.

ઘર એટલે મા ના હેતની હરફર.

ઘર એટલે પિતાની કાળજી.

ઘર એટલે સવારસવારમાં રસોડામાંથી આવતી આદુવાળીચા અને બટાટાપૌંઆની સ્ફુર્તિદાયક સુગંધ.

ઘર એટલે રોટલી કરતી પત્નીની પાછળ ચુપકેથી આવીને પતિએ કરેલું મસ્તીભર્યું અડપલું.

ઘર એટલે  સ્થળ જ્યાં ચોળાયેલી નાઇટીમાં ફરતી ગૃહિણી એટલી મીઠી લાગે જેટલી પાર્ટીમાં જવા તૈયાર થાય ત્યારે લાગતી હોય.

ઘર એટલે સુખ, સગવડ અને સલામતીનો ત્રિવેણી સંગમ.

હા.. આજે વાત માંડવી છેઘરની

જેમ દરેક વ્યક્તિ પોતપોતાની રીતે અલગ અને અનોખી હોય છે તેમ દરેક ઘર પણ પોતપોતાની રીતે અલગ અને અનોખો હોય છે. પ્રત્યેક ઘરની પોતાની આગવી ક્ષમતા, છટા અને સ્વભાવ હોય છે. દરેક ઘરમાં એનાં ઘટમાં ઘટતાં નાનાં નાનાં પ્રસંગોમાંથી, બાબતોમાંથી પોતાનું સુખ જાતે શોધી લેવાનો  જન્મજાત ગુણ હોય છે અને પછી ઘર  એજ સુખ  માણસને પરત આપે છે એનાથીજ દરરોજ માણસ નવોનક્કોર બને છે. એવું મારું માનવું છે. આજ કારણસર આપણને  ‘ગઈકાલકદી વાસી લાગતી નથી..આપણી અને આપણા ઘરની.. જયારે જ્યારે મમળાવીએ એટલી તાજગીસભર ..!

સૃષ્ટિમાં દરેક અજીવસજીવનાં પોતાનાં પ્રકૃતિગત ગુણધર્મો હોય છેગુલાબ ગુલાબ છે અને રાતરાણી રાતરાણી છે ડીટ્ટો તેવીજ રીતે દરેક ઘરની પ્રકૃતિ જુદી જુદી હોય છે. એમની વચ્ચે સરખામણી શક્ય નથીકરવી પણ ના જોઈએ. બન્ને ફૂલનું પોતાનું આગવું મહત્વ અને સુંદરતા છે. એમ તો ગલકાંનાં ફૂલનું પણ પોતિકું સૌંદર્ય હોય છે ને! ઘરનું પણ એવું છે પછી નાનું હોય કે મોટું, ઝુપડું હોય કે આલીશાન મહેલ..!

ઘણીવાર જ્યારે આપણે મોટ્ટાલાંબા વેકેશન પર જતાં હોઈએ ત્યારે ઘરેથી નીકળતી વખતે કેટ્લો ઉત્સાહ, આનંદ અને હોંશ હોય છે. પણ અઠવાડીયું થતાં થતાં ઉત્સાહમાં ઓટ આવવા લાગે છે. મનમાં  ક્યાંક ઉંડે ઉંડે ઘરની યાદ સળવળવા લાગે છે. ફાઈવ સ્ટાર હોટેલનાં સ્ટે દરમ્યાન, સરસ મજાનાં સુખસગવડસાહ્યબીમાં પણ ઘરઝૂરાપો  કનડવા લાગે છે અને જાણે અજાણે આપણેપાછા ઘરે ક્યારે પહોંચશું પળની રાહ જોવા લાગીએ છીએ. પોતાનાં આવા 

ખાલીખમ્મ અને સૂના દિવસો દરમિયાન શું ઘર પણ એકલવાયાપણું અનુભવતું હશે જયારે એનો પરિવાર પાસે, સાથે નથી હોતો! શું પણ કાગડોળે પોતાના પરિવારના પાછા ફરવાની રાહ જોતું હશે?

હા.. ચોક્કસ જોતું હશેઘટમાં વ્યાપેલો સુનકાર એને પણ ખાવા ધાતો હશે!

આવા કોક લાંબા વેકેશન બાદ જ્યારે તમે પાછા ઘરે પહોંચોને ત્યારે એની એકાદી દિવાલ પર હાથ ફેરવી જોજોતમારા ટેરવાં પર ભીનાશ તો નથી ચોંટી ગઈને? ચેક કરજો! મને તો ક્યારેક  એવોય ભાસ થાય  કે જાણે મારા ઘરની ચાર દિવાલો એની અંદર બનતું બધું પોતાની અંદર શોષી લેતી ના હોય! સુખદુઃખ, વેદનાસંવેદના.. બધું .. મારા સુખે સુખી ને મારા દુખે દુ:ખી!

પરિવારનો ઘરઝુરાપો અને ઘરનો એનાં પરિવાર માટેનો  ઝૂરાપોસરખો ..

તસુ નો ફરક નહિં. જે લોકો નોકરી અર્થે કે ભણતર સંબંધે લાંબા અરસા સુધી ઘરથી દૂર રહેતા હોય એમની મનોસ્થિતિની કલ્પના પણ હ્રદય ભીનું કરી જાય છે. વિજ્ઞાન આટ્લું આગળ વધ્યું પણ ઘરઝૂરાપાની થતી પીડા માટે હજુ સુધી કોઈ પેઈનકીલર શોધી શકાઈ નથી..!

 ક્યારેક જયારેઘરને કશુંક નાછૂટકે સહન કરવાનું આવે ત્યારે કેવો સીધોદોર થઈ પોતાની ફરજ બજાવતો હોય છે અને પોતાનાં દરેક સભ્યને પણ સાચવી  લેતો હોય છે. ‘હિમ્મત હારી જવી ગુણ કદાચ જમાતનાં સ્વભાવમાં હોતો નથી એવું લાગે. આપણે પણ ગુણ અપનાવવા જેવો કે નહિં ? કેવી કેવી કપરી પરિસ્થિતિઓમાં ઘર આપણને હુંફથી, હેતથી સાચવે છે ! તો આપણી પણ એવી   ફરજ છે કે નહી ? એમ પણ કોઈ એક ઘરની વાત કરી બતાવો જેમાં ક્યારેય દુઃખ, મતભેદ, પીડા કે વિષાદની એક્કેય ક્ષણ સુદ્ધાં ના આવી હોય! અસામાન્ય સંજોગો અને વિપરિત સમય વચ્ચે પણ પોતાની ખૂબી પર અડીખમ રહી પોતાની આગવી ઓળખ જાળવી રાખવી   દરેક ઘરની  ખાસિયત છેએટલેજ કદાચ એને  ‘દુનિયાનો છેડોઘરજેવી માતબાર ઉપમાથી નવાજવામાં આવ્યો હશે..!

છેલ્લે મારા સાસુ પાસેથી સાંભળેલો એક પ્રસંગ યાદ આવે છે. વર્ષો પહેલા દેશમાંથી  રોટલો કમાવવા મુંબઈ શિફ્ટ થવું એવો નિર્ણય પરિવારે લીધો. દેશનાં ઘરનો બધો અસબાબ સમેટી લેવામાં આવ્યો.પ્રયાણની બધી તૈયારી થઈ ગઈ. ઘરમાં એક ગાય હતી. ગાયને બાબાપુજીએ એક ઓળખીતાને ત્યાં વળાવી દેવાનો નિર્ણય કર્યો અને સજળ આંખે વળાવી પણ આવ્યાં. (દેશમાં પશુધનગાય ભેંસ વગેરેઘરનાં મેમ્બર ગણાય.. ગાય ને બીજા કોઈને સોંપી એટલે ‘વળાવીશબ્દ વાપર્યો.. વેચી નહિં..).. ત્યાર બાદ દેશમાં પ્રસંગપાત આવવા જવાનું થતું રહેતું. ક્યારેક ગાય મળી જતી તો માથે હાથ પણ ફેરવી લેતાં.આગળ બન્યું એવું કે લગભગ દસેક વરસ પછી મુંબઈનું ઘર સમેટી ફરી પરિવાર ગામમાં આવીને વસ્યો. વર્ષોથી બંધ પડેલું ઘર પાછું ખુલ્યું. તે દિવસે સંધ્યા ટાણે સીમમાંથી જ્યારે પેલી ગાય ધણ સાથે પાછી ફરી ત્યારે એનાહાલનાં વર્તમાન ઘરેજવાને બદલે સીધી અમારા ઘરે, પોતાની નિયત જગ્યાએ આવીને ઉભી રહી..!

છે ઘરની માયા.. આપણને ઘરનીઘરને આપણી!

કવિ માધવ રામાનુજની પંક્તિઓ સાથે વિરમું છું.

એક એવું ઘર મળે વિશ્વમાં, જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું!”

અસ્તુ.

~~ રાજુલ

ઘર એટલે ઘર…(૧૯)ડૉ.મહેશ રાવલ

Posted on August 26, 2015 by Pragnaji

ગઝલઘરનાં બારણે……. જ્યાં આડકતરો પણ અહમ  ઉંબરે  પણ પોષાય નહીં।.ઘર એટલે સૌમ્ય, સાલસ, સાહજિકતા,ભીતરી સૌંદર્ય, રાગ નહીં કે દ્વેષ નહીં, ખણખોદ કે ખટરાગ નહીં‘ને સાદગી થી શણગારેલું ઘર  એટલે ઘર ……આખરે ઘર તો ઘર જ હોય છે અ પછી એ ગઝલનું કેમ  ન હોય….

તો, બારણાં ખુલ્લા જ છે…

http://drmahesh.rawal.us/?p=1877

અર્થ અંગીકાર હો તો બારણાં ખુલ્લા છે લાગણી, આધાર હો તો બારણાં ખુલ્લા છે

આડકતરો પણ અહમ ઉંબરે પોષાય નહીં પાત્રતા પુરવાર હો તો બારણાં ખુલ્લા છે

એક માર્ગી છે હ્રદયની સલ્તનતનાં માર્ગ સહુ આવવા તૈયાર હો તો બારણાં ખુલ્લા છે

ફળવગરનાં કર્મ નહીં પણ, કર્મનાં ફળનું ચલણ માન્ય જો સો વાર હો તો બારણાં ખુલ્લા છે

રાગ નહીં કે દ્વેષ નહીં, ખણખોદ કે ખટરાગ નહીં માપસર વ્યવહાર હો તો બારણાં ખુલ્લા છે

સૌમ્ય સાલસ સાહજિકતા,ભીતરી સૌંદર્ય, ‘ને સાદગી શણગાર હો તો બારણાં ખુલ્લા છે !

લઇ ખુમારીનો અનાહત વારસો બેઠા છીએ દબદબો સ્વીકાર હો તો બારણાં ખુલ્લા છે

ડૉ.મહેશ રાવલ

ઘર એટલે ઘર…(૨૦) દેવિકાબેન ધ્રુવ

Posted on August 26, 2015 by Pragnaji

વીતેલી સમયવીણા પર,

         સ્મરણનખલી ફરે છે ઘરમાં,

સુખી સૂરીલા સૂરો છેડે,

જાણે આરતી ઘરમંદિરમાં

હળવે ફરે છે ઘરના જૂનાં,

પાના હજી યે મનમાં તાજાં,

પ્રસંગો ખૂલે છે ખૂણે ખૂણે,

પ્રગટી રહે જેમ દીવે દીવા.

શૈશવ વીત્યું સંતાનોનું,

બાદાદાની શીળી  છાંયમાં,

ભણ્યાં ગણ્યાં ને પરણી માંડ્યાં,

ઘરમાં કુમકુમ પગલાં.

મોંઘામૂલા દિવસો કેવાં,

સ્વજન મિત્રોના નિકટ સાથમાં,

ટૂંકા નાના સીમિત આંચલમાં,

પોષાયાં સૌ પ્રેમમંદિરમાં,

ક્ષણકણ વીણી ઘરથી,

બાંધ્યા સૌએ નીજના માળા.

ભૂલાય કેમ હા સૌની વચમાં,

પરમ શિવ તો સતત ઘરમાં.

વીતેલી સમયવીણા પર,

સ્મરણનખલી ફરે છે ઘરમાં..

દેવિકાબેન ધ્રુવ 

ઘર એટલે ઘર…(૨૧) કવિશ્રી મુકેશ જોશી

Posted on August 27, 2015 by Pragnaji

ઘર જયારે સન્નાટો ઓઢી લે છે

ઘર એટલે ભર્યુંભાદર્યું જીવન,બાળકોના કિલ્લોલથી ગૂંજતું ઘર ,હર્યાભર્યા ઘરમાં જીવનની સંધ્યા માણવાના ઓરતા દરેક માંને હોય છે.પણ એવું બનતું નથી.

બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું ત્યાં બાળકોના કિલ્લોલથી ગૂંજતું ઘર જયારે સન્નાટો ઓઢી લે છે ત્યારે સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરવા માંડે ..હૈયું હચમચાવી દે એવી કવિશ્રી મુકેશ જોશીની કવિતામાં  ઘરની એકલતામાં ઝૂરતાં બાની મૂક વેદનાનું હૃદયદ્રાવક ચિત્રણ થયું છે.

.

બા એકલાં જીવે                                              બા સાવ એકલાં જીવે એકલતાનાં વર્ષો એને ટીપે ટીપે પીવે                                     બા સાવ એકલાં જીવે

બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વ્હેતું દોડાદોડી પકડાપકાડી સહુ પકડાઇ જાતાં ભાઇભગિની ભેળાં બેસી સુખનો હિંચકો ખાતા સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે ઊડવાનું બળ આપી પાછી ઊડવાનું શિખડાવે સુખનો સૂરજ છાનો માનો જલતો બાના દીવે                                                     બા સાવ એકલાં જીવે

કાળ કુહાડી ફરી કપાયાં વેકેશનનાં ઝાડ કોઇ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા બાના જીવતરની છત પરથી ઘણા પોપડાં ખરતાં સુખડીનો પાયો દાઝેલો શેમાં ઘી રેડે બાએ સહુનાં સપનાં તેડયાં: કોણ બાને તેડે ફાટેલા સાળુડા સાથે કૈંક નિસાસા સીવે                                                   બા સાવ એકલાં જીવે

કમ સે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ નીચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ દાદાજીના ફોટા સામે કંઇક સવાલો પૂછે ફ્રેમ થયેલા દાદા એની આંખો ક્યાંથી લૂછે શબરીજીને ફળી ગયાં બોર અને નામ બાનાં આસુ બોર બોર પણ ના ફરકે રામ જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે                                               બા સાવ એકલાં જીવે

મૂકેશ જોશી

ઘર એટલે ઘર…(૨૨) પ્રજ્ઞા દાદભાવાળા

Posted on August 27, 2015 by Pragnaji

મામા નુ ઘર કેટલે

મામાનું ઘર કેટલે ? દીવો બળે એટલે. દીવો મેં તો દીઠો, મામો લાગે મીઠો.

 

 

મારી એક મીઠી યાદ કહો તો મારું મોસાળ… .”મામા નુ ઘર”…બાળપણના ઘણાખરા ઉનાળુ વેકેશન નાનાનાની,  ઘરે વીત્યા છે.એની  વાતો યાદ આવતા ,શબ્દની સાથે સંવેદનાઓથી હૃદય છલકાવા લાગે છે.  મારું મોસાળ રાજકોટ ,જન્મ પણ ત્યાં થયો ભલે મુંબઈમાં વસવાટ કર્યો પણ દર વેકેશનમાં મામાને ઘેર જવાનું થાય ,એટલે એની વાતો કરું એટલી ઓછી પડે હો…. ….

આમ પણ  રાજકોટિયા કોઈ ભેગા થાયને કે તરત રાજકોટની વાતો કરવા મંડી પડે ,શરૂઆત કરે પહેલા તો તમારે ક્યા રહેવાનું થી  થાય ,પછીતો  લે લે હું ને તારી મામી એકજ શાળામાં જતા,ખાસ મિત્ર  ,લે કર વાત અને શરુ થઇ જાય। ..હવે તું તો મારી દીકરી જેવી કહેવાયભાણીબા લેલે તું આટલી મોટી થઇ ગઈ। .અને પછી રાજકોટ ની શેરીઓ ,જીગદના ભજીયા ,પટેલનો આસ્ક્રીમ ,ધર્મેન્દ્ર કૉલેજ અને પેલો ત્રિકોણ બાગ ,જુબિલી ગાર્ડન ,શ્રોફનો બંગલો ,અને યાદ છે ,તને કયાંથી યાદ હોય? ,ત્યારે તું સાવ નાની, મને યાદ છે તારા નાકમાંથી શેડા હાલે જાય …તને અમે શેડાડી  કહેતા….. રેસકોર્સ પર અમે દાડમની ભેળ ખાતા ,અને પેંડા ને ભજીયાના ચસકા લેતા એવી વાતો કરે કે બાજુમાં ઉભેલો। ..રાજકોટને હોય જાણના તો હોય તો પણ .. જાણે પોતે રાજકોટ નો હોય તેવું લાગવા માંડે,અને એટલું નહિ પાછા તાળિયું દેતા જાય હવે આવા રાજકોટને કેમ ભૂલાય ? મારા સગાવાળા 30 વર્ષથી રાજકોટ છોડી અહી રહે છે ત્રીજી પેઢી હમણાં પરણશે પણ હજી પૂછો તો કહેશે રાજકોટ એટલે રાજકોટ। ….  આમ જોવો તો રાજકોટના લોકો પોતે પોતાના વખાણ પણ કરે અને સંભાળવા પણ ખુબ ગમે ,મારા મામા અમેરિકા આવ્યા ત્યારે મેં કહું મામા શરીર ખુબ વધી ગયું નહિ ? પણ રાજકોટવાળા નું કામ બધું બાપુ જેવું ! …તો કહે હા અમે જાડા ખરા પણ અદોદરા નહિ હો ….

ખેર મારા માટે ,મારું રાજકોટ એટલે મારા મામાનો ડેલો.દેવકુરબા સ્કુલ,.ધારશી શામજી ઘીવાળા નો ડેલો,એથી આગળ વધો તો રયા નાકા રોડ એના છેડે આવેલું  ટાવર જરીક આગળ નીકળો તો લુહાણા પરા અને ર્ય ટાવરની ડાબી બાજુ વળો તો  કંસારા બજાર,માંડવી ચોકનું દેરાસર જય સીયારામ ના પેંડા,અને કેસર કેરી,રવિવારની સાંજ એટલે રેસકોર્સ ની  દાડમ ભેળ અને કોઠમ્ડાની ચટણી ,અને પછી ખાવાનો પટેલનો આઈસ્ક્રીમ.આમ જોવો તો રાજકોટના બધા  લોકો ખાવાના પણ એટલા  શોખીન  છે.વરસાદ  પડ્યો  નથી  કે  તરત    બધા  ભજીયા  ખાવાનો વિચાર આવે  અહીના  લોકોના  ફેવરીટ  સિવાય વણેલા ગાંઠિયા, સાથે પપૈયાં નો મરચાંનો  સંભારનું  પણ  ચલણ ..

મારા નાનાનાં ડેલામાં સાત ભાઈના સાત ઘર,બધાય એક સાથે અને રસોડા જુદા,ડેલામાં દાખલ થાવ કે એય મજાનું મોટું ફળિયું  અને ફળીયામાં વચો વચ્ચ પાણી નીડંકી અને ડંકીની બાજુમાં બાંધેલી ચોકડી,બાલદી રાખવાની અને ડંકી સીચી પાણી ભરવાનું ,સવારે દૂધવાળી ભરવાડન આવે ,માથા પર તાંબાના ઘડામાં દૂધ લાવે ,કમ્ખું પહેરેલું હોય અને હાથમાં મોટા પાટલા બાવળા સુથી ચડાવેલા હોય અને પગમાં ચાંદીના કડા નાખ્યા હોય અને આવે ભેગી હોકારો કરે ..દૂધ લેજોબધા પોત પોતાના ઠામ વાસણ લઇ આવે અને બધાને દૂધ આપે હું દોડતી કાસાનું છાલીયું લઈને જાઉં એટલે મને મારા કાંસાના વાટકામાં દૂધ આપે,હું રાજી રેડ થતી ઘરમાં દોડી જાઉં..

સવારે ફળિયાની પાળી ઉપર દાતણ કરતી બેઠી હોઉં ત્યાં તો મારા નાના દેરાસરથી દર્શન કરી પાછા આવે, અને મોટેથી બોલતા જાય।પગુડી (પ્રજ્ઞા)ઉઠી કે નહિ ?એટલા જોરથી બોલે કે બધા ઘરની વહુ બધી જટ  લાજ કાઢી લે અને કોઈ આડી ઉતરેઆજ સંસ્કૃતિ ,આજ માન અને મર્યાદા…..કહેવાનું નહિ માત્ર સમજી જાય ..મારા નાના ઘરના મોભી એટલે આમ માન સચવાય ….અંદર આવ્યા ભેગા મારા મામાને ઉઠાડવા બુમા બુમ કરે ચમનીયો ઉઠયો કે નહિ ?(મુળ  નામ ચંદ્રકાંત )અને પછી નાનાજી ની આરતી નો ઘંટ સંભળાય ,દીવો રે દીવો પ્રભુ માંગલિક દીવો।આરતી થાય એટલે અખા ઘરમાં પાણી છાંટી શુદ્ધ કરે,અને પછી સીરામણ આલજો।કહી મામીને બોલાવે ,ત્યાંતો ઉપરથી રોજની ટેવ મુજબ બાબુકાકા ખોખરો ખાતા મામાને હોકારો કરતા બોલેદુકાને નથી જવાનું  ચમન ?…અને મારા મામા જવાબ આપે ભાણીયા આવ્યા છે મુંબઈ થીતો જલેબી ને ગાંઠિયા ખાઈ મોડો નીકળીશ ,તમ તમારે નીકળો ,અને આજે અભયસિંગ ની ગાડી મંગાવી છે તો રાજકોટ ફેરવશું ભાણીયાઓને….

સવારે અમને દૂધ સાથે બોર્નવીટા જોઈએતો ખાસ લઇ આવે ,રસોડાની ભીતમાં એક ચાર ખાનાવાળું પીંજરું ,જે આજના જમાનામાં ફ્રીજ ની ગરજ સારે ,તેમાં થી રોટલા કાઢવાના અને સીરામણ કરવાનું ,રસોડાની ત્રણ દીવાલમાં અભેરાય અને એક ખૂણે ચૂલો, એક બાજુ સિકુ એમાં પેંડા રાખે કીડીયું ચડે માટે। ..જરીક બહાર નીકળો એટલે ઓસરીમાં પાણીયારું ,અને એના ઉપર ઓસરીમાં અભરાય જ્યાં મામી રોજ પ્યાલા ,લોટા રાખથી માનજી ચકચકિત કરી ને હાર બંધ ગોઠવે ,એક માટલું અને બે ગોરી અને ગાગર ,પાણી લેવાનો નો ડોયો,પાણીયારા નીચે કાળો પત્થર લાદીમાં જડેલો જેમાં તમામ પ્રકારનું વાટવાનું કામ થાય।મિક્ષચર ની જરૂર નહતી ,અમે જઈએ ત્યારે મામા એકવાર જરૂર વાટીદાળ ના ભજીયા ખવડાવે ..

  આમ જોવા જાવતો મારા મામા રાજકોટમાં ખુબ પ્રખ્યાત ,સ્ટેશને ઉતરો અને કોઈ ઘોડા ગાડી વાળાને પૂછો કે ચીમનભાઈ ક્યા રહે તો તરત લઈ જાય,અને સરનામું પૂછો તો કહેશે રાય ટાવર પાસે જમણી બાજુ વળી સીધા નાકની દાંડીએ હાલ્યા જાવ અને દેવકુવરબા સ્કુલની સામે ધારશી શામજી નો ડેલો એટલે તમે પુગી ગયા હમજો। …. મામાનો  વટ  એટલે  અહીનું  રેસકોર્સ  ! . કોઈ પણ મહેમાન આવે એટલે રેસકોર્સ ખાસ લઇ જવાના પણ યાદ રાખજો અહી  રેસકોર્સમાં ઘોડા નથી,હ્હા માણસો ખુબ દેખાય , રસ્તા ઉપર બાઈકની અને  કારની  અવરજવર  ખાસ્સી  છે,તો રયાનાકા રોડ ની નાની ગલ્લીમાં ગાડીઓ જતી પણ નથી ,મામા  શરદ પુનમ હોય તો દૂધ પૌઆ ખાવા પણ આજી ડેમે લઇ  જાય જ। ….અહી આમ જોવા જઈને તો પેંડા એટલે લીલાલહેર છે ,અને નાકે નાકે પણ આઈસ્ક્રીમ ની દુકાન છે,મામા ખાય અને ખવડાવી જાણે ,અને  વખાણ પણ કરતા જાય ,

આમ જોવા જીઈએ તો રાજકોટના ઘરમાં એક ઓસરી ,ઉતારા બે ઓરડા ,એક બાજુ રસોડું ,અને ઓસરીની બાજુમાં કોઠાર ,કોઠારની બાજુમાં ઘંટલો ,ઓરડાની પાછળ નવેરું.. અને એના ખૂણા માં પાણી નો ટાંકો એને અડીને નાનો ઓટલો ..એને બંધ કરતો દરવાજો એટલે બાથરૂમ ..બાજુમાં થી પાણી બહાર જાય માટે ખુલ્લી ખાળ open drain ….વેકેશનમાઆખે આખું ઘર  ધમાલ મસ્તીથી ભરચક, હાસ્યની છોળોથી રંગાયેલુ  ……નવાઈ વાત તો છે કે ત્યાં કયારેય મહેમાન ને અગવડ નથી પડી। ..મામા મામી નું દિલ ખુબ મોટું,સૌથી વધુ આકર્ષણ મને બા ના ઘંટલા નું રહેતું ,બા મને અડવા ના દે ,કારણ હું ખુબ જોરથી ફ્રેરવું અને પથ્થર ઘસાય ,તો લોટમાં કાંકરી આવે અને પાછો ટાંકવા જવો પડે તે વધારાનું ,ડંકી સિંચવી ખુબ ગમે ,રોજે રોજના તાજા દળેલા લોટના રોટલા ખાવ તો મજા પડી જાય ઉપર ઘી ને ગોળ, ખોટા રાતના ઉજાગરા, ખોટા ખર્ચા ,સાદું સાત્વિક જમવાનું ,સહજતાથી જીવવાનું અને બીજાને જીવવા દેવાના,સંતોસ ,કોઈ જાતની ચડસા ચડસી નહિ, દેખાડો નહિ,મારું તારું નહિ ,બધું સહિયારું,ખુબ મજા આવતી ,ઓસરીમાં હિચકે બેસવાનું ,ગીત ગાવાના ,સાથે ચણીયા બોર, જામફળ ખાતા ખાતા કહેવાનું મામાનું ઘર કેટલે દીવો બળે એટલે… ..આજે પણ યાદો સગપણના તાંતણે અમને બાંધી રાખે છે, નિસ્વાર્થ પ્રેમ અને લાગણી।જાણે અમને ખેચી રહી છે અનુભૂતિ શબ્દોમાં સમાવવી શક્ય નથી..

…..મોટા ભાગના બાળકો વકેશન શરૂ થતાં મમ્મી સાથે મામાના ઘરે જતાં હોય છે, પરંતુ અનાથાશ્રમમાં રહેતાં ઘણાં માસૂમોને માટે તોમામાનું ઘર કેટલે?’ માત્ર  જોડકણું…..

 

પ્રજ્ઞાજીપ્રજ્ઞા દાદભાવાળા  

ઘર એટલે ઘર…(૨૩) હેતલ બ્રહ્મભટ્ટ

Posted on August 28, 2015 by Pragnaji

વ્હાલા પ્રજ્ઞા બેન, બેઠક ના વિવિધ વિષયો પર લખાયેલું ઘણું વાંચ્યું છે પણ આવો લાગણીશીલ વિષય જોઇને થોડુક લખવાનું મન થઇ ગયું.

ઘર. કાનો, માત્રા, અનુસ્વાર વગરનો એક સાવ નાનકડો શબ્દ. એના નાનકડા સ્વરૂપમાં એ કેટલી મોટી દુનિયા સમાવે છે! તેર વર્ષના વિદેશવાસ પછી, ઘરની મારી વ્યાખ્યા ઘણી બદલાઈ છે.

સાવ નાનપણમાં મમ્મી, પપ્પા અને બહેનીના સહવાસમાં જ ઘર લાગતું. પછી માસી, ફોઈ, કાકા, દાદા, નાનીને ત્યાં પણ ઘરોબો લાગતો. નવી નવી અમેરિકા આવી, પહેલી વાર મહિનાઓ સુધી ચાલેલી ‘homesickness’ અનુભવી ત્યારે મારા ઘર નું મૂલ્ય સમઝાવાનું શરુ થયું … હવે મમ્મી, બહેનીનું વર્ષો સુધી મ્હો જોવા ના મળે ત્યારે અવારનવાર અનુભવતી ઉદાસી વળી પાછી મને વારેવારે ઉડાડીને ઘરે જ તો લઇ જાય છે…અત્યંત આત્મીય ઘરથી પડેલું અઢળક અંતર જાણે ક્યારેક મને દઝાડે, ક્યારેક ઓગાળે ને ક્યારેક વળી સાવ જ પીગળાવી દે…ને છતાં, મારી અંદર જ સદા અકબંધ અને જીવંત છે મારું ઘર.

હું માનતી હતી, કે તમે જેમાં વસો એ તમારું ઘર. વર્ષો-વર્ષ અને હજારો માઈલોના અંતર પછી સમજાયું – જે તમારામાં વસે, એ તમારું ઘર.

~ હેતલ બ્રહ્મભટ્ટ