વરિષ્ઠ નાગરિકોનું સુખ-હકારાત્મક અભિગમ

વરિષ્ઠ નાગરિકોનું સુખ-હકારાત્મક અભિગમ

   (૧)   ડો. લલિત પરીખ

આનંદભર્યું   સુખ  તો જોવાની -સમજવાની સાચી દૃષ્ટિ હોય તો અત્ર તત્ર સર્વત્ર, હવાની જેમ હાજર છે-હાજરા હજૂર છે.અભિગમ જ હકીકતમાં જીવનને બનાવે છે અને સારા અભિગમ દ્વારા જ જીવન, જીવન જીવવા જેવું ‘જીવન’ બને છે. હાજરા હજૂર એવા સુખને, શ્વાસે શ્વાસે અનુભવવાના બદલે ઘણાલોકો  કારણ વિના, સ્વભાવે જ ચીડિયા દુખિયા,અવગતિયા જીવ થઇ,ખોળી  ખોળીને, ગોતી ગોતીને,  શોધી શોધીને,ખોતરી ખોતરીને,નોતરી નોતરીને દુ:ખ જ દુખ તરફ દોડે છે અને સામેથી પોતાની નજર પણ દુર્ભાગ્યે દુ:ખ જ દુ:ખ તરફ દોડાવતા હોય છે. બીજાઓને પણ દુ:ખપરક અભિગમ દ્વારા દુ:ખ જ દુ:ખ જોતા કરી મૂકે છે

‘દૃષ્ટિ એવી સૃષ્ટિ’ના સીધા સરળ ગણિતના સિદ્ધાંતને સમજો તો -અને સમજીને જુઓ અથવા સમજીને તેમ જ, મતલબ, એમ જ જીવો તો  તો બધે સુખ જ સુખ છે,દુ:ખજેવું તો કાંઈ પણ ક્યાંય, ક્યારે ય હોતું જ નથી અને હોય પણ નહિ.અભિગમ હકારાત્મક હોય તો દુઃખનું તો નામ નિશાન હોતું નથી.આપણે મનથી જ દુ:ખ ઊભા કરીએ છીએ.મન જ મોક્ષ અને બંધનનું કારણ છે એમ જે કહેવાય છે તે જ પ્રમાણે આપણે  કહેવું જોઈએ,સમજવું જોઈએ અને દૃઢતાપૂર્વક  માનવું પણ જોઈએ અને તદનુસાર તે જ પ્રમાણે આપણું  રોજિંદુ જીવન  જીવવું પણ જોઈએ કે “મન જ દુ:ખનું મૂળ કારણ છે અને મન જ સુખનો એહસાસ કરાવી શકે,આનંદનો અનુભવ કરાવી શકે અને મન જ પરમ ચરમ બ્રહ્માનંદ સહોદર આનંદ આનંદ અને પૂર્ણ આનંદની અનુભૂતિ કરાવી શકે.

બોલો ઓછું ,સાંભળો વધારે,વિચારો પુષ્કળ, ચિંતન કરો, સતત અને ડગલે ડગલે,પગલે પગલે, વધારો પોતાની દરેક શારીરિક,માનસિક અને આધ્યાત્મિક આત્મનિર્ભરતા તો સુખ હસ્તામલક જ છે, હાથમાં પકડેલા  આમળા   જેવું સત્ય અને સરળ છે..

જેમ વિજ્ઞાન કહે છે કે ‘મેમરી’ જ જીવન છે, જે આપણું  શરીર ‘જેમનું તેમ’ મેમરીના આધારે પરફેક્ટ બનાવે છે, તે જ પ્રમાણે આપણને મળેલા જીવનને જીવન બનાવે છે -સાર્થક જીવન બનાવે છે -કેવળ માત્ર આપણો  સુખપરક, આનંદપરક, શાંતિપરક અભિગમ,અભિગમ અને અભિગમ જ.જેમ કોઈ મૂવીમાં એક સંવાદ હતો કે કે લોકોને જોઈએ છે મનોરંજન ,મનોરંજન અને મનોરજન, તે જ પ્રમાણે સુખપરક,આનંદપરક,મોજમાં મૂકી દેનારું કોઈ  તત્વ  હોય તો તે છે  કેવળમાત્ર અભિગમ,અભિગમ અને અભિગમ જ.અભિગમ કેળવો તો  જીવન કેળવાઈ જાય,પરમ ચરમ સુખ જળવાઈ જાય,મન પ્રસન્નતાથી ભરાઈ જાય,આત્મા આનંદથી  ઊભરાઈ જાય અને .ભાર ભાર  લાગતું જીવન હળવું ફૂલ બની જાય. attitude is life. attitude makes life. દ્રષ્ટીકોણ જ જીવન સર્જે છે હકારાત્મક દ્રષ્ટીકોણ સુખ સર્જે છે તે નિર્વિવાદ છે.

સુખેથી જન્મથી મૃત્યુ સુધીની મંગળ યાત્રાના સુખદ સુખદ અંતની આનંદ જ .

આનંદ પરમો ધર્મ:.

વરિષ્ઠ નાગરિકનુ સુખ હકારાત્મક અભિગમ ()- હેમા પટેલ

વરિષ્ઠ એટલે – સર્વોત્તમ, ઉચ્ચત્તમ, સર્વોપરિ.

અભિગમ – વિષયની વ્યક્તિનિષ્ઠ સમજ,  વલણ.

સાચા અર્થમાં વરિષ્ઠ કોને કહીશું ?

આહિંયાં આપણે વરિષ્ઠને સમજીશું અને તેના સુખને પણ સમજીશું.

ખરેખર સુખ કોણ ભોગવી શકે? જેની પાસે સત્તા છે, ખુરશી છે, ગાદી છે, ઉંચી પદવી પામ્યા છે તે? ઘરમાં જે વડીલ છે તે? લોકો તરફથી માન સન્માન મળે , ચારો તરફ એનુ મોટુ નામ હોય આપણને લાગે તે વ્યક્તિ કેટલી નસીબદાર અને સુખી છે. પરંતું વરિષ્ઠને જે સ્થાન મળ્યું છે તેના તરફ તેનુ વર્તન , વલણ, તેનો વ્યવહાર હકારાત્મક હોવો બહુ જ જરૂરી છે. સદગુણી માણસ હમેશાં હકારાત્મક વિચારો અને વર્તન ધરાવે છે.વ્યક્તિ પાસે જો હકારાત્મક વિચારો હશે તો જ તેનુ વલણ, તેની વાણીમાં સંયમ,બીજા તરફ તેનો વ્યવહાર અને તેનુ વર્તન હકારાત્મક હશે અને તે ચોક્ક્સ સુખી માણસ છે.હકારાત્મક વિચારો અને વર્તનથી જ માણસ સુખ ભોગવી શકે છે, સાથે સાથે તે બીજાને પણ સુખી કરે છે.સુખ-દુખ એ બંને મનનુ કારણ છે. સુખી થવાની ચાવી આપણા હાથમાં જ છે.ધારીએ તો આપણુ જીવન આપણા વિચારો,વર્તન અને વાણીથી સુખી બનાવી શકીએ.

આત્મ સંતોષ ન હોય તો પણ ઘણાને દુખી થતા જોયા છે.એક વ્યક્તિ એવી પણ મેં જોઈ છે. પતિ-પત્નીને બંનેને કંપનીમાં સારી પોસ્ટ છે, મોટો પગાર છે,સુંદર મોટું હાઉસ છે, એક સુંદર બાળક છે.બહુજ સુખી હોવા છતાં તે ભાઈ તેમની પત્ની આગળ હમેશાં ફરિયાદ કર્યા કરે મારી જૉબ પર હું હેપી નથી .મારે હજુ વધારે પૈસા વાળી જૉબ જોઈએ છીએ. એક લાખ ડૉલરમાં પણ તેમને આનંદ નથી આવતો.હવે કંપની તમારું ભણતર અને લાયકાત પ્રમાણે એક લાખ ડૉલર વર્ષે આપે છે તેનાથી વધારે કેટલા જોઈએ છીએ ? તેમની પત્ની હમેશાં તેને કહે તને આટલી સરસ લાઈફ ભગવાને આપી છે શાંતિથી જીવને ,દુખી શું થયા કરે છે . પત્ની સંતોષી જીવ છે જ્યારે ભાઈને ભગવાને જે કંઈ આપ્યુ છે તેમાં જરાય સંતોષ નથી અને દુખી થયા કરે છે. દુખ જાતે જ ઉભુ કર્યુ છે. ઘણા માણસો તેઓની પાસે સુખ હોવા છતાં તેને ઓળખી નથી શકતા, તેને માણી નથી શકતા. બધી વસ્તુ માટે બસ ફરિયાદ કર્યા કરે.

વરિષ્ઠને જો સાચે ઓળખવા હોય તો, આપણા ઘરથી શરૂઆત કરીએ, ઘરની અંદર જે વ્યક્તિ છે તે ભલે સ્ત્રી હોય યા પુરૂષ, ઘરની અંદર આપણી માતા પણ વરિષ્ઠ હોઈ શકે અને પિતા હોઈ શકે, મોટાભાઈ પણ હોઈ શકે, ઉંમરમાં વરિષ્ઠ હોવું મહત્વનુ નથી, ક્રર્મોથી શ્રેષ્ઠ બનવાની જરૂર છે.ઘરની અંદર શ્રેષ્ઠ એ છે જે આખા ઘરનો ભાર ઉઠાવે ,બધીજ કાબીલીયત ધરાવે તેની જે જવાબદારી છે તે તેનો ધર્મ સમજી ઈમાનદારીથી પોતાનુ કર્તવ્ય નિભાવે,ઘરની અંદર દરેક વ્યક્તિને બરાબર સમજીને તેની ખુશી-આનંદનો ખ્યાલ રાખીને અનુકુળ થાય. દરેક પ્રત્યે તેનુ વલણ ભેદ ભાવ વીનાનુ હોઈ દરેક સાથે એક સરખો વ્યવહાર રાખે, તેમાં તેને જે ખુશી મળે ત્યારે આત્મ સંતોષ થાય, ત્યારે ખરેખર તેમાં તેનુ સાચું સુખ સમાયેલું છે.પોતે પણ સુખી છે અને પોતાના પરિવારને સુખ આપી શકે .તે વરિષ્ઠ કહેવાને લાયક છે .

ઘણી વખત ઘરની વ્યક્તિ તેના સદગુણો અને તેના બીજા સાથેના વ્યવહારથી પણ વરિષ્ઠ બની શકે છે.અનેક સદગુણો ભરેલા હોય ત્યારે દરેક તેને માન સન્માન આપે, દરેકની દ્ર્ષ્ટિ તેના માટે બદલાય, કારણ તેનામાં બીજા લોકો કરતા કંઈક ખાસ છે, તે નિસ્વાર્થ બની દરેક સારા કર્મ કરીને નિજાનંદમાં મ્હાલતો હોય,સદકર્મો કરીને તેને સાચં સુખ મળે છે. તેના માટે પૂજ્ય ભાવ ઉત્પન થાય ત્યારે શું આ વ્યક્તિ વરિષ્ઠ ન કહેવાય? ઘણા એવા ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ. હિરણ્યકર્ષિપ વરિષ્ઠ રાજા હોવા છતાં પણ તેનુ નકારાત્મક વલણ હોવાને કારણ તે સાચા અર્થમાં વરિષ્ઠ બનવાને લાયક હતો જ નહી. જ્યારે પ્રહલાદ એક બાળક હોવા છતાં પણ તેણે જે માર્ગ અપનાવ્યો તેમાં તેને તે વિષયની વ્યક્તિનિષ્ઠ સમજ હતી , તેનુ વલણ હકારાત્મક હોવાને કારણ ખરેખર તો તે બાળક હોવા છતાં પણ વરિષ્ઠ બનવાને લાયક ગણાય. ધ્રુવ તેના હકારાત્મક વલણને કારણ બાળક હોવા છતાં શ્રી ક્ર્ષ્ણની કૃપાથી વરિષ્ઠ બન્યા, ઈશ્વરે તેમને એક અચલ-અવિચલ સ્થાન આપ્યું. રાવણ, કંસ ,હિટલર વરિષ્ઠ હતા શું તેઓ વરિષ્ઠ નાગરિકનુ હકારાત્મક અભિગમ સુખ ભોગવી શક્યા હતા ? માણસના ઉંચા કર્મો જ તેને વરિષ્ઠ બનાવી શકે નહી કે તેનો હોદ્દો કે ઉંચું પદ કે તેની ગાદી. કોઈના સુવાક્યો સાંભળીને કે કોઈના ઉપદેશથી જ્યારે મન તેની વૃતિ બદલે અને સાચી દિશામાં ચાલવા લાગે ત્યારે તે માણસ આપણા માટે ગુરુ સમાન છે કે જેણે સાચું જ્ઞાન આપ્યુ આપણા માટે તે વ્યક્તિ વરિષ્ઠ બની જાય.

લોકો ઉંચા હોદ્દા પર હોય ત્યારે તેને વરિષ્ઠની પદવી મળે. પરંતું ખરેખર શું તે પદવી બરાબર નિભાવે છે ? ખાસ કરીને ભારત દેશમાં ! ભારત દેશનુ તંત્ર આપણે જાણીએ છીએ જે લોકો ઉંચા હોદ્દા પર બેઠા છે, ઉંચા હોદ્દા સંભાળે છે તે સાચા અર્થમાં વરિષ્ઠ કહેવાની લાયકાત ધરાવે છે ? આશ્રમ અને મઠની ગાદી પર બેસીને વરિષ્ઠ તો બન્યા પરંતું તેમનુ વલણ જુઓ જે ભૌતિક સુખ ભોગવી રહ્યા છે, તેમની ફરજ, તેમનો ધરમ,તેમનુ કર્તવ્ય ચુક્યા છે તે તેમનો હકારાત્મક અભિગમ કહેવાય ?મોટી મોટી કંપનીઓમાં વરિષ્ઠ બનીને બેઠા છે તેઓ સાચે જ હકારાત્મક અભિગમ સુખ ભોગવી રહ્યા છે ? દેશના રાજકીય નેતા જેને આખા દેશનો ભાર સોંપવામાં આવ્યો છે, વરિષ્ઠ બનીને બેઠા છે શું તેઓ હકારાત્મક અભિગમ સુખ ભોગવી રહ્યા છે ? આપણે વરિષ્ઠ નાગરિકનુ સુખ હકારાત્મક અભિગમ કોને કહીશું ? તેની વ્યાખ્યા સમજવી બહુ કઠીન છે. આ વ્યાખ્યા અનુભવથી જ સમજાય.

વરિષ્ઠ નાગરિકનુ સુખ હકારાત્મક અભિગમ સાર્થક કરવા વાળા પણ આપણે સાંભળ્યા, જાણ્યા અને જોયા પણ છે, રાજા હરિશ્વંદ્ર સત્યને માટે જીવન જીવતા હતા, તેમાં તેમનુ સુખ સમાયેલું હતું તેને કારણ બજારમા પરિવાર સાથે વેચાઈ ગયા.છત્રપતિ શિવાજી, રાણા પ્રતાપ રાજ્ય અને પ્રજા માટે જ જીવ્યા, રાણી લક્ષ્મિબાઈ રાજ્ય અને પ્રજા માટે વફાદાર રહ્યાં આ બધાંએ પ્રજાની રક્ષા કાજે પ્રાણ અર્પણ કર્યા.દેશની સીમા પર સતત પહેરો ભરતા, દેશની રક્ષા કાજે જાનની પરવા કર્યા વીના દેશ માટે લડતા સૈનિક આપણા રક્ષણ માટે તેમની જાન આપીને પણ ખુશ થાય છે. મહાત્મા ગાંધીજી જેણે ‘ વરિષ્ઠ નાગરિકનુ સુખ હકારાત્મક અભિગમ ‘ આ શિર્ષકને દેશ માટે પ્રાણોની આહુતી આપીને સાર્થક કર્યું છે.વૈજ્ઞાનિકો, ડૉક્ટરો,મહાપુરૂષો, સમાજ સેવકો વગેરે સેવા જ કરે છે.

આમ ઉંચા પદ પર બેઠેલી વ્યક્તિઓના હકારાત્મક સારા કર્મોથી ઈતિહાસ રચાય છે અને નકારાત્મક ખોટા કર્મો કરીને પણ ઈતિહાસમાં અમર બની જાય છે.ઘણી વખત આપણે જોઈએ છીએ ‘નામ બડે ઔર દર્શન ખોટે’ જેવી હાલત હોય છે.

મોટા મોટા કલાકારો કે જેઓ જે જે ક્ષેત્ર અપનાવ્યું  હોય તેઓએ પણ આ શિર્ષકને સાર્થક કરી જાણ્યુ છે.સંગિત સમ્રાટ તાનસેન, અકબરનો ખાસ સલાહકાર બિરબલ, રાજાના દરબારની નર્તકિયો, રાજનિતિજ્ઞ ચાણક્ય. આવા તો કંઈ કેટલા બધા ઉદાહરણો છે જેણે વરિષ્ઠ પદવી પામીને તેને બરાબર નિભાવીને જીવ્યા છે..વરિષ્ઠ વ્યક્તિનુ સુખ તેના કામ અને બીજા તરફ તેના વલણ ઉપર નિર્ભર કરે છે. તન-મન લગાડીને પોતાના કાર્ય અને કર્તવ્ય વફાદારીથી નિભાવે તો જ તેનુ પદ શોભી ઉઠે. હમણાં જ ટીવી ચેનલ પર સમાચારમાં જોયું, સાઉથ ઈન્ડિયામાં આંધળાની એક શાળામાં હેડ માસ્તરે  એક છોકરાને વીના વાંકે સોટીથી ઢોર માર મારીને તેનો હાથ તોડી નાખ્યો. આ માણસ પાસે ઉંચી ખુરશી છે, વરિષ્ઠ બન્યો તે શું કામનુ ? કોઈ કોઈ વ્યક્તિઓ ભણીને ઉંચી ડીગ્રી મેળવીને વરિષ્ઠ બને તો કોઈ વળી પુષ્કર ધન – દોલત-સંપત્તિ કમાઈને તેનુ મોટું નામ થાય, પરંતું તે ગરીબ કે જરીરીયાત હોય એવા લોકોને મદદ ન કરે તો તેના ધન-દોલત શું કામના ,સુંદર પક્તિઓ યાદ આવી ગઈ

बडे हुए तो क्या हुआ  जैसे पैड खजुर

पंथीको छाया नहिं, फल लागा अति दुर

ખજુરનુ વૃક્ષ ઉંચુ હોવાથી તે છાંયડો ન આપી શકે.કારણ તે ઘટાદાર વૃક્ષ નથી. તેનુ ફળ પણ ઉંચે હોવાથી કોઈ તોડીને ન ખાઈ શકે. એવાજ આ વરિષ્ઠ લોકો છે.માણસ સારા ઉંચા કર્મોથી શ્રેષ્ઠ બની શકે છે નહિ કે ગાદી, ખુરસી કે કોઈ ખાસ પદ મેળવીને. શ્રેષ્ઠ કર્મો જ સાચું સુખ છે. વરિષ્ઠ નાગરિક જ્યારે પોતાને જે સ્થાન મળ્યું છે તેને ઈમાનદારીથી નિભાવી બીજાને ખુશ રાખે ત્યારે તેનુ ઉંચું પદ શોભી ઉઠે,પોતાને પણ તેમાં સાચું સુખ મળે. મને કહેતાં ઘણોજ ગર્વ અને આનંદ થાય છે, આ શિર્ષક માટે સૌથી મોટું ઉદાહરણ આપણી સામે જ છે.ભારતના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જો તેમને સમજી શકીશું તો સાચું સુખ શેમાં સમાયેલુ છે તે સમજાશે. તેઓ દેશની નિસ્વાર્થ સેવા કરીને તેમાં તેમને ખુશી –આનંદ મળે છે તેમાંજ તેમનુ સુખ સમાયેલું છે. આ શિર્ષક, ‘વરિષ્ઠ નાગરિકનુ સુખ હકારાત્મક અભિગમ ‘ ખરેખર સાર્થક કરીને આખી દુનિયામાં સાચા અર્થમાં વરિષ્ઠ નાગરિક બનીને તેમનુ ઉંચું પદ શોભાયમાન બનાવ્યું  છે.

વરિષ્ઠ નાગરિકનુ સુખ- હકારાત્મક અભિગમ (3)-વિજય શાહ

વરિષ્ઠ નાગરિક એટલે મહદ અંશે સીનીયર સીટીજન જેને પોતાના સિવાય કોઇને જોવાનાં ના હોય અથવા તો જેમને જોવા બે ત્રણ પેઢીઓ હાજર હોય. આ પેઢીની તકલીફ ફક્ત એક જ હોય છે કે તેઓ પાસે બહું લાંબો અને પહોળો ભૂતકાળ હોય છે અને તેમનાં સ્વભાવ અનુસાર તે ભૂતકાળને જ વાગોળવા સિવાય કોઇ કામ કરતા નથી. એક વૈજ્ઞાનિક નિદાન પ્રમાણે નકારાત્મક વિચાર જન્મે તેવોજ દાબતા આવડે તે માણસ કદી ભૂતકાળ નાં દળદળમાં ખુંપતો નથી. સમયે વારંવાર સિધ્ધ કર્યુ છે કે ભૂતકાળની ભૂલો અથવા ઇતિહાસ ને એટલો જ જુઓ જેટલી ગાડી પાછળ વાળતા આપણે રીયર મીરર નો ઉપયોગ કરીયે. હકારાત્મક અભિગમ એટલે ગાડી ચલાવતી વખતે આગળનાં કાચ નો ઉપયોગ. ગાડી આગળ ચાલે છે તેથી તે રોડ જોવા આગળ જ જોવાય. પાછળ જોયા કરીયે તો ગાડી આગળ કેવી રીતે જાય?

૭૦ની ઉપર થાય ત્યારે મહદ અંશે સાંસારિક જવાબદારીઓ પતી જ ગઇ હોય. પતિ પત્ની એકલા હોય અને બહુ જ ઇચ્છિત એકાંત હોય..તે એકાંતનો ઉપભોગ કરવાને બદલે કાંતો તબિયતની ચિંતા.. સંતાનો નાં સંતાનો ની ચિંતા કે મેં આમ કર્યુ હોત તો.. આજે આમ ના થયુ હોત..વાળી વાતો જ્યાં હોય ત્યાં સુખ લાવવું હોય તો જાતને બદલવાની એક કળા છે-જે સૌએ શીખવા જેવી કળા છે.દરેક ઘટનામાં થી સુખ શોધવાની કળા.

મારો એક મિત્ર ખુબ જ સ્થુળ..કોઇ એને ટપલી મારી જાય તો તે ખાલી હસ્યા જ કરે… એક દિવસ મેં એને પુછ્યુ.. “અલ્યા પેલો તને ટપલી મારી જાય છે ત્યારે હસ્યા કેમ કરે છે એને પકડ અને ધીબી નાખને?” ત્યારે તે કહે “આ જાડા શરીરને લીધે ટપલી મારનારને પકડવા જેવી ચપળતા રહી નથી તેથી તો દોડતો નથી અને દોડતો નથી તેથી તેઓને ભાવતુ મળે છે…પણ બચ્ચુ ક્યારેક હાથમાં આવી જશે બધી જ ટપલીઓનું સાટુ એક જ વખતમાં લઇ લઇશ. “ આને સમજણ કહેવી કે મજબૂરી?

મોટી ઉંમરે જ્યારે આવું બને તેને સમજણ જ કહેવાય. કારણ કે તેમને વર્ષોનાં અનુભવે ખબર જ હોય કે ફલાણો કામનો કે નકામો…કોને વાત કરીશ તો કામ થશે અને ક્યાં સોનાની જાળ પાણીમાં જશે. આ અનુભવ મહદ અંશે એક વાત જરૂર શીખવાડે છે અને તે છે..જો દુઃખી ના થવું હોય તો જે પરિસ્થિતિ આવી છે તેમાં મારે સુખી થવાનો રસ્તો કેવી રીતે શોધવો? અને પેલા સ્થુળ મિત્રની જેમ હસતા થઇ જવું.

અમારા એક મિત્રને તેમનો એક નો એક દીકરો પાંચમા વર્ષે એવા રોગ ( Cerebral Parsi)નો ભોગ બન્યો કે મગજ નો વિકાસ જ નહીં. શરીર ૨૫ વર્ષનું પણ મગજ ૫ વર્ષે અટકી જ ગયેલુ. તેથી તેનું ધ્યાન રાખવાનું છેલ્લ ૨૦ વર્ષથી બંને જણા કરે છે એમની એ પરિસ્થિતિને દુઃખનું કારણ સમજવાને બદલે તેઓ કહે છે પ્રભુનો મોટૉ ઉપકાર છે તે બાળકનું બચપણ હજી અમને માણવા મળે છે.

દુઃખની આગને બાગમાં ફેરવવાનું કામ કરેછે આવો હકારત્મક અભિગમ.

મહદ અંશે વયસ્ક ઉંમરે દરેક્ને બાળક બનવાનું ગમતુ હોય છે. અને તે ઉંમરનો તકાજો એવું જો તમારા બાળકો કહેતા હોય તો તેને સાચુ ન માનતા… વડીલોને નાના બાળકની જેમ ધમકાવાય નહીં કે તેમની પાસે તેમનું ધાર્યુ થાય નહીં ત્યારે બુધ્ધિપૂર્વક યુવા વર્ગ “સાઠે બુધ્ધી નાઠી કહીં “ છટક બારી શોધે.

ભૂતકાળમાં પડી રહેતો વડીલ વર્ગ હંમેશા પરિવર્તન ને સ્વિકારતો નથી અને તેથી તેઓ ને વાત વાતમાં ઓછુ આવે.. રીસે ભરાય અને કહેતા ફરે કે ભાઇ નવો જમાનો છે…આપણા સમયમાં તો…કહી એક નિઃસાસો નાખે. તેમને નેપોલીયન બોના પાર્ટે ચિંધેલો રસ્તો સમજવા જેવો છે.નેપોલીયન આખી દુનીયા જીતી શકતો તેનું કારણ ફક્ત એક જ વાત હતી અને તે પાછા જવાનાં તમામ રસ્તાઓ તે બંધ કરી દેતો…અને તો જ જાન પર આવીને પણ સૈન્ય વિજય માટે ઝઝુમતું અને મેળવતું.

બસ ! આ એક નિયમ અમારા મુરબ્બી સુરેશ જાની વારંવાર કહે “ આજમાં જીવો. જે છે તે આજ ક્ષણ છે” હુંતો હજી એક કદમ આગળ વધીને કહીશ કે ભૂતકાળ ભુલીને આજમાં જીવો અને આવતી કાલ સારી કરવા આજે હકારાત્મક જીવો…

એક તાજો જન્મેલો અને હમણાં જ ઉડતા શીખેલા મચ્છરને તેની મમ્મીએ પુછ્યુ.. બેટા તું હમણા જ્યાં જ્યાં જઇને આવ્યો ત્યામ તને કેવું લાગ્યું?”

“મને જોઇ ને બધા જોર જોર થી તાળી પાડતા હતા.. મને તો તે ગમ્યુ…”.

મા સમજુ હતી તેણે દીકરાનાં ભ્રમને ના તોડ્યો પણ અંદરથી તો હચમચી ગઇ કે ક્યાંક એ તાળી પાડતા બે હાથ વચ્ચે આવી ગયો હોત તો?

હકારત્મકતા સારી વસ્તુ છે પણ તે વાસ્તવલક્ષી હોય તો જ સારી બાકી ખબર હોય કે રોગ ભારે છે અને આશાવાદી બની ને બેસી રહેવાથી રોગ મટતો નથી તેની સારવાર કરવી જ પડે છે.

આજુ બાજુ સર્વત્ર જ્યારે નકારાત્મક ભરી હોય ત્યારે હકારાત્મક થવું કે હોવું એ સામે પવને નાવ ચલાવવા જેવું કઠીન હોય તેવું ઘણાને લાગે છે..પણ પેલા સોક્રેટીસને પુછજો કે તે પત્ની ની સતત નકારાત્મ ક ટીકાઓને કારણે જ આત્મ ચિંતન નાં નવતર પાઠો વિચારી શક્યો હતો.

સાંજે બાગમાં ચાલવા જતા પ્રદ્યુમ્ન વિજયજી મહારાજ કહેતા કે સુખી માણસ બાગમાં ફુલો અને કુદરત જોતો હશે અને દુઃખી માણસ ચાલવું પડે છે તે દુઃખથી વ્યથિત હશે. સુખી માણસ મલકતો હશે દુઃખી માણસ બબડતો હશે. આ સુખ સમજણનું છે. અને તે સમજણ નરસિંહ મહેતા એ કેળવી હતી અને તેથી જ “બધી ચિંતાઓનો ટોપલો હરિ તારે માથે ..હું તો ચાલ્યો વનરાવન ની વાટે” જેવું કંઇક ગણ ગણ્યા હતા.

આવા સુખી માણસો બે વાત સ્પષ્ટ રીતે શીખી ગયા હોય છે .

એક જે હાથે તે સાથે..અને તેથી ધીમે ધીમે જે સાથે નથી આવવાનું તે એટલે કે વંશ, ધન, અને કોટડા (મકાન)નો મોહ ત્યાગી તેઓ આજમાં જીવે છે.. સાથે આવે તેવી પૂણ્યની સંપતિ અર્જીત કરે છે.. જરુર હોય ત્યાં ગુપ્તદાન અને અન્નદાન કરે છે …મારા મરી ગયા પછી છોકરાઓ કરે કે ના પણ કરે.. પણ હું તો એટલું વાવીશ જાતે. અને આનંદમાં રહે છે.

બીજી વાત તેઓ બંને “કાલ”ને ભુલી જતા હોય છે. તેઓ આજમાં સ્થિર થયેલા હોય છે તેથી તેમને ભૂતકાળ યાદ નથી રહેતો અને ભવિષ્ય કાળ માટે ચિંતિત નથી હોતા. જો કે આમાં સ્વભાવ અને સમજણ બંને અગત્યના છે અને તેથી જ સોક્રેટીસની પત્ની અંત સમયે જાકારો પામી હતી.

શાંતાકાકીનાં મૃત્યુ પછી સ્મશાનમાં તેમને અંતિમ વિદાય આપતા અંબુકાકાની વાત સમજવા જેવી હતી..જ્ઞાને તેમને એક વાત સમજાવી હતી કે જનાર પાછુ નથી આવતું પણ ક્ષણમાં તો જનારે દેહ બદલી લીધો હોય છે તેથી તેઓ કહેતા કે આજે શાંતાનાં નવા જન્મની તેને વધાઇ આપવાની છે. તેની પાછળ રડારોળ નહીં આભની અટારીએ એ આપણ ને જોતી હશે તો તેને આપણી તેના નવા જન્મની વધાઇ અને આપણે આપેલી તેને સુખદ વિદાય દેખાશે અને આમ કહી તેમણે સૌ દુઃખી ચહેરા ઉપર “જન્મની વધાઇ” અને “આવજો” કહી સૌને ખીન્નતામુક્ત કરી દીધા હતા.

વાતનું સમાપન કરતી વખતે એટલું જરૂર કહીશ કે જેઓનું દ્રશ્ટિબિંદુ હકારાત્મક તેઓ દુઃખી કે નાસીપાસ (Depress) થતા નથી..અને તેમના એ હકારાત્મક અભિગમને કારણે તેમની આજુ બાજુના ને પણ તેઓ સુખી કરતા હોય છે.

વરિષ્ઠ નાગરિકનું સુખ , હકારાત્મક વલણ(૪) પ્રવીણા કડકિયા

વરિષ્ઠતા  વયના વધારા સાથે તાલ  મિલાવે, એ જો સહજ બને તો જીવ્યું સાર્થક થાય. હા, વરિષ્ઠતાને વય સાથે સીધો  સંબંધ છે. એ દીપાવવો તે વ્યક્તિના હાથમાં છે. સમય અને સંજોગ તેમાં મહત્વનો ભાગ ભજવે છે. જ્યાં વરિષ્ઠતા માત્ર પૈસાના જોરે છે ત્યાં શાંતિ અને સુખનો અભાવ જણાશે !

જ્યારે માનવે બીજા મનવના દિલ ઉપર હકૂમત પ્રેમથી મેળવી હશે તે વરિષ્ઠતાના પાયા ખૂબ મજબૂત જણાશે. વયોવૃદ્ધ માતા અને પિતા ,બાળકો પાછળ ફના થઈ ગયા હોય. એ બાળકો જ્યારે સમૃદ્ધિની છોળમાં રાચી માતા અને પિતાની અવગણના કરે એ દૃશ્ય વરવુ લાગે.  બીજી બાજુ એવા સમયે માતા અને  પિતા જો પૂજાતા હોય તો વરિષ્ઠતાનો આનંદ ચરમ સીમા ને આંબતો જણાય.

વયોવૃદ્ધતાને આરે પહોંચેલો આજનો માનવ ખુલ્લું મન અને ઉદારતાને વરે તો પાછળની જીંદગી ખૂબ સુખમય બને. સંકુચિત મનોવૃત્તિ અને સ્વાર્થ જીવનમાં અસંતોષ ફેલાવે છે. તેને માટે સંપૂર્ણ જવાબદારી સ્વિકારવી યથાયોગ્ય છે.

એક માજી ૮૦ વર્ષની ઉમર અને ચાર દીકરા હોવા છતાં કોઈ દીકરો તેમને રાખવા તૈયાર નહી. કેવી શરમ જનક વાત. લખતાં પણ મારા હાથ ધ્રુજે છે. મને લાગણી થવાથી તેમની સાથે હમદર્દી પૂર્વક વાત ચાલુ કરી.

‘બેટા શું કહું મારી દીકરીના પતિ દસ વર્ષ થયા પરલોક સિધાવ્યા. ભાઈઓને બહેન ભારે પડે છે !’ હું, મા થઈને તેનો સહારો ન બનું તો મને ફટ છે.’ તેનો સાથ કેવી રીતે છોડું?

સારું હતું કે પતિ પૈસા મૂકીને ગયા હતાં. મા અને દીકરી સાથે રહે છે. દીકરીને બાળકો હતા નહી. પૈસે ટકે વાંધો આવે એવું નથી. છતાં પણ માજી પોતાની મિલકતના પાંચ ભાગ કરવાના. તેમની ઉદારતાને મસ્તક નમે.

૨૧મી સદીમા એટલું તો ચોક્કસ કહેવું પડશે વરિષ્ઠતાને આરે ઉભેલો માનવ વિચારતો થયો છે. જડતાની જગ્યા સમજ્ણે લીધી છે.  વિશાળ વાંચન અને સુંદર અભિગમ દ્વારા તેને સત્ય અને પ્રેમની સાચી પરખ જણાય છે.

જ્યાં જ્યાં હજુ પણ અનૈતિકતા અને અનાચાર નજરે પડે છે. ત્યારે લાગે છે શું હજુ પણ આપણે ઠેરના ઠેર છીએ. જીવનના આટલા બધા વર્ષો જીવ્યા કે ખાલી વ્યર્થ ગયા. અરે, જીવન તો જીવ જંતુ અને પ્રાણીઓ પણ જીવે છે. જનમ્યા, ખાધું , પીધું, પ્રજોત્પત્તિ કરી અને મરી ગયા. જીવન પ્રત્યેનું વલણ, તેમાંથી શિખેલા પાઠ અને તેનું આચરણ એ મહત્વના છે. કાલે શું હતા અને આજે શું છીએ એ ભેદ નરી આંખે દેખાવો જોઈએ. વિના કારણે કોઈને પોતાના અનુભવની ગાથા સંભળાવવી કે સલાહ સૂચનો આપવા એ વૃત્તિનો ત્યાગ આવશ્યક છે. હા, પૂછે તો ઉત્તર આપવો. તેના પાલન વિશે આગ્રહ ન સેવવો.

મારી મિત્ર બાળકો સ્થાયી થયા પછી કદી કોઈ પણ બાબતમાં માથુ મારતી નથી. ચાવીનો ગુચ્છો વહુઓને સોંપી સમાજ સેવામાં પરોવાઈ. જ્યાં જ્યાં મદદની ધા પડે ત્યાં પહોંચી જાય. કદી કર્યાનું ગુમાન નહી કે કહી બતાવવાની વાત નહી.પ્રભુ દયાથી જો કોઈ કળામાં પ્રવિણતા હોય તો બાળકોમાં પ્રસરાવો. બાળકોનો નિર્દોષ પ્રેમ પામવાનું સદભાગ્ય પ્રાપ્ત થશે !

મારા મોટાભાભી બે જમાઈ અને બે વહુના ભર્યા કુટુંબમાં પોતાના હકારાત્મક વલણને કાજે ખૂબ માન પૂર્વક જીવન ગુજારે છે.  તેમને જોઈને ખરેખર દેવીના દર્શન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય. જુવાનીના દિવસોમાં કઠણાઈ ભોગવી હતી ત્યારે પણ તેમનું વલણ અને પ્યાર પામવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું.

હકારાત્મક વલણ જીવનમાં સુગંધ ઉમેરે છે. ભૂતકાળ ભૂલવો જ રહ્યો. ભૂતકાળની ભૂલો પરથી તો આજે સુંદર પ્રભાત જોવાનું સદભાગ્ય સાંપડે છે. હકારાત્મક વલણ અપનાવનાર આવા વરિષ્ઠ,   કુટુંબ તેમજ સમાજમાં ઇજ્જત અને આદરને પાત્ર બને છે. બચેલા સમયનો સદ ઉપયોગ કરી જીવન દીપાવવું એ ઉત્તમ માર્ગ  છે.

વરિષ્ઠ નાગરિકોનું સુખ – હકારાત્મક અભિગમ …(૫) ચંદ્રેશ ઠાકોર.

** (એક સાચી જીવનગાથા પર આધારિત. માત્ર વ્યક્તિ અને ગામનાં નામ બદલ્યાં છે).

થોડાક સમય પર, મારા એક મિત્ર-મમ્મીનું  લગભગ ૯૨ વર્ષની ઉંમરે અવસાન થયું. એમનું નામ નિર્મળાબેન. એક અનુપમ વ્યક્તિ. લગભગ ૩૮ વર્ષ પર સૌ પ્રથમ એમને મળવાનો પ્રસંગ ઉભો થયો હતો. માત્ર મળવાનો પ્રસંગ ના કહેવાય એને. એ તો એક તક હતી. અને એમના વધુ પરિચયમાં આવ્યા પછી મને ખાતરી થઇ કે એમની સાથેની પહેલી મુલાકાત એ માત્ર તક નો’તી, એ તો એક અવસર હતો.

એમની સાથેની પહેલી મુલાકાત વખતે ઝડપાઇ ગયેલી એમની છબી, આટલા વર્ષો પછી પણ, એવી જ અકબંધ છે. આછી ડિઝાઈનવાળો સફેદ સાડલો. વચ્ચે સેંથા સાથે, બંને બાજુ હોળેલા ચપ્પટ વાળ. થોડાક કાળા, મુખ્યત્વે ધોળા. લંબગોળાકાર, રૂપેરી ફ્રેમના, ચશ્મા. હોઠ પર છવાયેલું આછકલું હાસ્ય. આંખોમાં રમતું મીઠ્ઠું સ્મિત. શબ્દોમાં છલકાતી સ્વાભાવિક મીઠાશ. એક સૌમ્યમૂર્તિ. ઘર પાછા ફરતાં એ સતત મારા વિચારપટમાં  છવાયેલા  રહ્યા. એમની આંખોનું કુદરતી સ્મિત મારા મનમાં ઘૂંટાતું જ  રહ્યું. અને એ મનનવલોણા થકી, છાશવલોણામાં  માખણ તરી આવે તેમ, એક વિચાર પકડ જમાવી બેઠો: હોઠ પરનું હાસ્ય બાહ્યસંજોગોને કારણે હોઈ શકે, પણ આંખોનું સ્મિત અંતરના આનંદનું જ પ્રતિબિંબ હોય છે. નિર્મળાબેનના હસતા અંતરની સહજ ગુસપુસ કરતી આંખોનું સ્મિત જેણે અનુભવ્યું હોય એજ એને મૂલવી શકે. બલકે, મૂલવવાનો પ્રયત્ન માત્ર કરી શકે.

નિર્મળાબેનના એ અંતરના આનંદ વિષે, સંભવ છે, થોડુંક કુતૂહલ થાય. છુટ્ટો મુકાતો કલ્પનાનો દોર, કદાચ, ખેંચી જાય કો’ક ગર્ભશ્રીમંત કુટુંબમાં થયેલા લાલનપાલન તરફ, ચાંદીના ઘૂઘરા અને સોનાનાં ઝાંઝર તરફ,  માબાપની સાધનસંપન્નતાને કારણે ઉચ્ચ શિક્ષણમાં ઉછરેલી વિદ્યાર્થીની તરફ, દિલના છલકાતા અરમાનો સાથે માંડવામાં બેઠેલી કોડીલી કન્યા તરફ, પાંચ આંગળીઓએ જેને પૂજ્યા  હતા એ ગોરમાના આશીર્વાદમાં તરબોળ પત્ની તરફ, સંતાનોને સુખસાહ્યબીની સંગતમાં સંભાળતી મા તરફ …

પણ, નિર્મળાબેનના વિધિના લેખ સાવ જુદા હતા, કારમા હતા. રાજપીપળા જેવા નાના ગામમાં, સાવ સામાન્ય કુટુંબમાં જન્મ. માત્ર પાંચ ધોરણ સુધીનું શિક્ષણ. નાની ઉંમરે લગ્ન. લગ્નના આઠ વર્ષમાં વૈધવ્ય. બે દીકરીઓ, છ વર્ષની વાસંતી અને સાત વર્ષની મંજરીને, પ્રતિકૂળ આર્થિક સંજોગોમાં, ઉછેરવાની જવાબદારી. સહેજ ઉંમર વધતા શારીરિક તકલીફો. ચાર-પાંચ ઓપરેશન્સ. ચાલતે દિવસે વોકર વગર ચાલવાની અશક્યતા. નબળાં પડી ગયેલાં હાડકાં.

આવા મુશ્કેલ સંજોગોમાં એક વાર, માત્ર એક વાર, એમની નાની ઉંમરમાં આત્મહત્યાનો વિચાર એમને આવી ગયેલો. પણ, સાવ નાજુક વયની વાસંતી અને મંજરીને કારણે એ વિચાર તત્કાલ ફગાવી દીધો હતો. બસ, આ એક બનાવને બાદ કરતા, એમની દીકરીઓના કહેવા પ્રમાણે અને પછી મારા અંગત સંબંધને કારણે જાણ્યા પ્રમાણે, નિર્મળાબેનના હોઠ પર ક્યારેય ફરિયાદ નો’તી. એમની આંખોમાં હંમેશ, પારદર્શક અને પ્રૌઢ પૂર્ણતાથી શોભતું, સ્મિત રમતું દેખાતું. એમની સૌમ્યતા સદાએ અકબંધ રહેલી.

આવી વિકટ જિંદગીમાં, આવું અને આટલું પ્રસન્ન વલણ કઈ રીતે એ કેળવી શક્યા હશે? એ અવિચલતા, એ મક્કમતા, એને માટે મન પર જરૂરી કાબુ ક્યાંથી મેળવ્યો હશે? નિજાનંદ એમનો જીવનમંત્ર બની ગયો હતો. પણ, નિજાનંદ કંઈ ઝાડ પર ઉગતો નથી કે એને તોડીને ખોળિયામાં ગોઠવી દેવાય. આવા પ્રશ્નોનો જવાબ શોધવો મારે માટે અનિવાર્ય થઇ પડ્યો હતો. અને મારા સંબંધની વધેલી નિકટતાને કારણે એમની વિચારસૃષ્ટિમાં ડોકિયું કરવાની તક એમણે મને આપી હતી.

જિંદગીમાં બે ધ્રુવતારા એમને માર્ગદર્શન કરતા રહ્યા: એક તો, ઈશ્વર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા. અને બીજું, જીવન પ્રત્યેનો સંપૂર્ણ રીતે હકારાત્મક અભિગમ!

ઘણીએ વાર એમની સાથે કરેલા ચર્ચા અને વાર્તાલાપ થકી એમની જીવન પ્રત્યેના  “હકારાત્મક અભિગમ” વિષેની સમજણ અને અંતરદૃષ્ટિનો તાગ  હું મેળવી શક્યો હતો. મોટે ભાગે એમના જ શબ્દોમાં, અને ક્યારેક એમના વિચારોનું મેં કરેલા શબ્દાંતર વડે, રજુ કરું  એમની એ સમજણ:

– ગ્લાસ અર્ધો ખાલી નથી હોતો, એ અર્ધો ભરેલો હોય છે … – આ જ ક્ષણમાં જીવતા શીખવું જરૂરી છે … – જે પામીએ એને માણવું જ જોઈએ … – ગાંગો તેલી રાજા ભોજ ના બની શકે એનો સ્વીકાર … – ઘેરાતાં વાદળ ક્યાં તો વિખરે કે ક્યાં તો વરસે એ અનન્ય શ્રદ્ધા … – દરેક વ્યક્તિમાં કૈંક તો સારા ગુણ હોય જ છે … – કાદવ નહીં પણ કમળ જોવાની આદત પાડવી જોઈએ … – હું પેલું કરી નથી શકતી પણ આ કરી શકું છું એનો સંતોષ … – પારકાના ઝુમ્મર કરતા મને મારી દીવડી વધારે વ્હાલી છે … – હાથ માથે મુકીને રડવાનો અર્થ નથી. હું તો એ બે હાથને જોડીને ઈશ્વરે જે આપ્યું છે એનો આભાર માનું …

અને આવું કૈંક કેટલુંયે નિર્મળાબેન જીવી ગયા ને શીખવી ગયા. જીવનમાં હકારાત્મક અભિગમ કેળવીને જંગ જીતી ગયા. એટલે જ હરહંમેશ હોઠ ઉપરનું કુદરતી મીઠ્ઠું હાસ્ય અને આંખોને ચમકાવતું સાવ સાહજિક સ્મિત એમના ટ્રેડમાર્ક બની રહ્યા.

નિર્મળાબેનના સાન્નિધ્ય પછી અને એમની જીવનદૃષ્ટિની અનુભૂતિ પછી, એક વિચાર મને સતાવતો રહ્યો ઃ

દુનિયામાં ઘણી ઘણી રૂપાળી વ્યક્તિઓ હોય છે. તંદુરસ્ત વ્યક્તિઓ હોય છે. ખુશનસીબ વ્યક્તિઓ પણ હોય છે. અને એવી વ્યક્તિઓને નજર ના લાગે એટલે નજર ઉતારવાનો રિવાજ, ઘણાએ સમાજોમાં, આદિકાળથી પ્રચલિત છે. આપણા સમાજમાં  જ્યાં જ્યાં આ રિવાજને સ્થાન આપવામાં આવ્યું છે ત્યાં ત્યાં, બહુધા, “મેશનું ટપકું” એનો આવિષ્કાર બની રહ્યો છે. મને વિચાર એ આવ્યો કે રૂપ, તંદુરસ્તી, અને ખુશનસીબી — એ બધું તો જોઈ શકાય, અને, બહુધા, માપી શકાય. પરંતુ, કોઈની નજર લાગી શકે એવી માનસિક મિલકત પણ હોય છે, જે દ્રશ્યમાન નથી અને માપી શકાતી નથી : જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ, અરધો ખાલી ગ્લાસ અરધો ભરેલો જ જોવાની આદત, વર્તમાન ક્ષણનું મૂલ્ય, જિંદગી જીવવા માત્રનો અપૂર્વ આનંદ વિ. વિ. … રૂપ, તંદુરસ્તી, અને ખુશનસીબીની માફક આવી ખાસિયતોને પણ કાળી નજરથી, કુનજરથી, રક્ષવી જ જોઈએ! એ આવશ્યકતાથી પ્રેરાઈને એવા રક્ષણ માટેની હિમાયત કરવા માંગું છું. નિર્મળાબેન જેવી વ્યક્તિઓના હકારાત્મક વલણને, પણ ચાલો, “મેશનું ટપકું”  લગાવીએ. મેશનાં ટપકાંના ચંદ્રક વડે એમનું બહુમાન કરીએ.

મેં તો નિર્મળાબેનને, કાલ્પનિક, “મેશનું ટપકું” કર્યું જ છે. અગણિત વાર. જ્યારે જ્યારે એમને મળતો ત્યારે અને હવે જ્યારે જ્યારે એમનો વિચાર કરું ત્યારે.

તો, બધા વાંચકોને મારી એક નમ્ર વિનંતી: તમારી જિંદગીમાં નિર્મળાબેન જેવી કોઈ અનન્ય વ્યક્તિ હોય તો, કે એવી વ્યક્તિના  સાન્નિધ્યનો લ્હાવો મળે ત્યારે, એમના જીવન પ્રત્યેના હકારાત્મક અભિગમને કોઈની નજર ના લાગે એ આશયથી, તક ઝડપી લેજો એમને “મેશનું ટપકું” કરવાની. એ રીતે અેમનું સન્માન કરવાની. … ————–

વરિષ્ઠ નાગરિકનું સુખ- હકારત્મક અભિગમ (૬) પ્રભુલાલ ટાટારીઆ “ધુફારી”

એક દિવસ બજારમાંથી લાવેલ ગોળનું પડિકું ખુલ્લુ રહી ગયું ને ક્યાંકથી એક મંકોડો આવી ચડયો કદાચ મંકોડાની ઘ્રાણેદ્રિય બહુ સતેજ હશે અને તેને ગોળની સુગંધ આવી ગઇ હશે એટલે તે ક્યાંથી આવેછે તે શોધતા શોધતો આવી ચડયો હશે.ગોળ પર મંકોડાને જતો જોઇ મેં તેને દૂર કર્યો પણ એ ફરી ત્યાં આવી ચડયો. આમ બે ત્રણ વખત થયા છતાં તેણે પ્રયાસ ન છોડયો એ જોઇ વિચાર આવ્યો કે માનવ મન પણ એ મંકોડા જેવું જ છે આપણે ચાહીએ કે નહીં પણ એ જુની યાદોના ખડકલા ઉપર જ જતો હોય છે.એ ખડકલામાંથી સારી યાદો લાવતો હોય ત્યાં સુધી વાંધો નહીં એ સાંપ્રત કાળને આનંદ આપનારી હોય છે પણ સારી યાદો બહુ જૂજ હોય છે કદાચ તેથી જ બહુધા એ દુઃખદ્‍ યાદોના મોટા પર્વતમાં વધુ ભમતું હોય છે.

જે બની ગયું છે તે યાદ કરી આમ કર્યું તેના બદલે આમ કર્યું હોત તો સારું થાત એવી પોતાની ભૂલોને નિરાંતે બેઠેલી ગાય જેમ જટપટ ખાઇ લીધેલું વાગોળતી હોય તેમ ઘણું બધું યાદ કરીને એ સાંપ્રત કાળને દુઃખમાં ડૂબાડી દેતો હોય છે.આપણે જાણીયે છીએ કે વીતી ગયેલો કાળ બદલી શકાતો નથી તે છતાં વિના કારણ તેને ફરી ફરી યાદ કરી દુઃખી થઇને સાંપ્રત કાળ બગાડીએ છીએ.

આવા સમયે આપણે સજાગ રહીને એ દુઃખદ્‍ યાદો ખંખેરીને જો કોઇ સારું ગીત સાંભળીએ કે, કોઇ સદા હસતા મિત્રને મળીએ કે,કોઇ ઝાડ પર બેસી બોલતા પક્ષીનો કલરવ સાંભાળીએ કે કોઇ માસુમ બાળકની બાળ સહજ રમત તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ તો એ સમયમાં આપણું મન પ્રફૂલ્લિત થઇ જાય છે. મૂળ તો મન ને જરા પણ નવરાશ ન મળવી જોઇએ નહીંતર એ જુની યાદો ના ખડકલા પર પેલા મંકોડા જેમ દોડતો જશે એટલે બનવા જોગ છે કે,કોઇ કામ કરતા હો એમાં જો કંટાળો આવે તો તેને ત્યાં જ મૂકી બીજું કશું નવું કરવાની શરૂઆત કરવી જોઇએ.

ઘરના સભ્યોના અમુક વર્તાવ આપણને ગમતા ન હોય તેથી આપણે તેમની ટીકા કરતા રહી જાતે દુઃખી થતા હોઇએ પણ તેમના બધા વર્તન અણગમતા નથી હોતા તેમાં ઘણા આપણને આનંદ આપનારા પણ હોય છે તેના તરફ આપણે ધ્યાન આપતા નથી પણ તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો મનને દુઃખી થવાનો અવકાશ જ ન રહે.દરેક વસ્તુ કે વ્યક્તિને સિક્કાની બે બાજુની જેમ સુખદ્‍ અને દુઃખદ્‍ પાસા હોય છે આપણે ફકત સુખદ્‍ પાસા તરફ જ ધ્યાન કેન્દ્રિત કરીએ તો દુઃખી થવાને મનને અવકાશ જ ન રહે.

આપણે ઘણા લોકોને એવું કહેતા અવાર નવાર સાંભળીએ છીએ કે,જે વાતની મને બીક હતી તે જ બન્યું આટલું બોલીને ચુપ ન થતાં પોતાની બીકનું ખુબ લડાવી લડાવીને વર્ણન પણ કરે ત્યારે વિચાર આવે કે,આવા નકારાત્મક વિચાર જ શા માટે?પાછા આપણને બોધ પણ આપે કે ભાઇ આ બધા તો કિસ્મતના ખેલ છે.સારૂ થાય તો એ ઇશ્વરનો આભાર માનતો નથી પણ કંઇપણ અઘટિત થાય ત્યારે કાં કિસ્મતને કાં ઇશ્વરને દોષ દે છે.હવે ઉપરોકત વાતજો ફરી વિચારીએ કે પેલા ભાઇએ કહ્યું કે મને જેની બીક હતી તે જ થયું મતલબ આ નકારત્મક અભિગમનું જ પરિણામ છે પણ જો તેની જગાએ હકારાત્મક અભિગમ હોત તો કદાચ અલગ જ પરિણામ આવત.

છેલ્લે જીવનમાં હકારત્મક અભિગમ અપનાવવા માટે અને તમને જે જોઇએ છે તે મેળવવા પ્રાઇમ ટાઇમ પ્રોડકશન દ્વારા નાઇન નેટવર્ક ઓસ્ટ્રેલિઆના સહકારથી નિર્માણ પામેલ એક અંગ્રજી ફિલ્મ ‘ધ સિક્રેટ’ જોવી જોઇએ જે તમને હકારાત્મક અભિગમ કેમ અપનાવવું અને તમને જોઇતું કેમ મેળવવું તે સરળ રીતે સમજાવતા શિખવાડે છે.આ ફિલમની હિન્દી ડબ કરેલી આવૃતિ પણ ઉપલબ્ધ છે.આ ફિલ્મમાં દરેક વ્યક્તિ પોતાને શું જોઇતું હતું અને હકારત્મક અભિગમથી જે મેળવ્યું તેવા પોતાના અનુભવો સરળ ભાષામાં વર્ણવ્યા છે તે દર્શાવે છે કે તેમણે કઇ ટેકનિકથી પોતાનું ધાર્યુ મેળવ્યું.

બાકી તો મનને હકારાત્મક અભિગમ તરફ કેમ વાળવું એ આપણા હાથની વાત છે.જોકે મન તો અળવિતરા બાળક જેવું છે પણ તેની અળવિતરાપણાથી કંટાળ્યા વગર જો કરોળિયાનો દાખલો સામે રાખો ‘કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય વણ તૂટેલા તાંતણે ઉપર ચઢવા જાય’ તેમ તમે પણ સતત પ્રયાસ કરતા રહો તો સિધ્ધી તમારા હાથમાં છે.એક વખત હકારાત્મક અભિગમની ટેકનિક તમને સમજાઇ ગઇ તો નકારત્મક અભિગમનો સામનો કરવાનો વખત ક્યારે પણ નહીં આવે.

૧૮-૦૮-૨૦૧૪

વરિષ્ઠ નાગરિકનુ સુખ- હકારાત્મક અભિગમ(૭) પ્રજ્ઞા દાદભાવાલા

સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિને વૃદ્ધ થવું પસંદ નથી તેમ વૃદ્ધાવસ્થા કે નિવૃત્તિકાળ પણ પસંદ નથી. આ આવી પડેલું અડવડતું ઘડપણ ,અણગમતા અતિથી જેવું ભાસે છે .જયારે હકારાત્મકતા એ માનવીના પોતાનો અભિગમ છે જેમ સુખ અને દુઃખ  માનવીની માનસિકતા પર આધાર રાખે છે.તેમ .હકારત્મક વિચારો અને નકારત્મક વિચારો એ આપણી મનની સ્થિતિ પર જ નિર્ભર છે..શું આપણે રોજના જીવનની સામાન્ય ..તુચ્છતાઓથી પર  રહી શકીએ છીએ? અનેક તુચ્છ મહત્વાકાંક્ષાઓનાં બંધનથી બાંધેલો મનુષ્ય સુખ અને આનંદ પામી જ કેવી રીતે શકે ?…હકારાત્મક અભિગમ કોઈ પણ વયને  લાગુ પડે છે  કારણ કોઈ પણ અવસ્થામાં કેવો અભિગમ રાખવો એ માનવીનો પોતાનો વિચાર માંગતો પ્રશ્ન છે….

ઉંમર  સાથે માનવીની શરીરની જેમ અનેક શક્તિઓ ધીમી પડે છે જેને કસરત યોગ અને ધ્યાન  દ્વારા કેળવી શકાય છે અને કેળવો છો ને ? તો હકારત્મક અભિગમ બીજી અનેક નબળી શક્તિને સતેજ કરે છે..એ ભૂલવું ન જોઈએ .મનની મોટાઈ છે માનવી માટે આનંદની સહેલી કડી…ઉમર સાથે આભિગમ માનવીને સુખના ઓડકાર ખવડાવે છે  હકારત્મકને કદાપિ સાંકડાં-રાંકડાં હૃદયોમાં વસવાનું ફાવે જ નહીં. સંસારમાં આનંદો જાતજાતના છે, અસંખ્ય છે, પરંતુ એમાં અન્યને આનંદ આપવાના આનંદ જેવો બીજો આનંદ એક પણ નથી. પરિવારના ચહેરા પર ક્ષણભર ચમકી જતો આનંદ જોઈ, જીવનની સાર્થકતાનો આનંદ અનુભવવાની ટેવ એટલે જ હકારત્મક અભિગમ।…ક્યારેક પૃથક્કરણાત્મક નિરીક્ષણ કરી જોજો।…શું નકારત્મકતા તમારા જીવનને પોષણ આપી શકે તેમ છે ? જે સુખને પામવા આખી જિંદગી દોડ્યા અને અંતમાં નકારત્મક વિચારો કે અપેક્ષા દ્વારા જીવનને વેડફી નાખવાનું?..

હકારત્મક અભિગમ ને સ્વસ્થ અભિગમ કહેવાનું પસંદ કરીશ।..મન અને તન બંને સારા રહેશે ..તુચ્છતાની વ્યાખ્યાને ત્યજી, ઉદારતાની વ્યાખ્યા।..એજ..તો..હકારત્મક..અભિગમ।..હળવાફૂલ બનીને વિહરીવું એટલે હકારત્મક અભિગમ।.લીલુંછમ જીવવાની કેવી મજા છે એતો જે જાણે એજ માણે। …નાની નાની ઇચ્છાઓ અને તેની તુચ્છ પ્રાપ્તિઓના થરના થર ને હટાવી નિરંતર વિસ્તારતા રહીએ તો ખોટું શું છે. પ્રસરવાનો  જે આનંદ છે તે સંકુચિતતા માં ક્યાંથી હોય! માનવી પોતાની સમય મર્યાદાને ભૂલી જાય છે. અને જે જીવનનો અર્થ જ નથી સમજ્યા, ત્યાં જીવનનો આનંદ તો પામી શકવાના જ શી રીતે ? .

લોભથી લોલુપતા દાખવતા, ક્રોધથી ફાટફાટ થતા, અહંભાવથી ફુલાતા-ફરતા, જિંદગીના અંતિમ તબક્કે પણ પોતાની તુચ્છ સ્થૂળ પ્રાપ્તિને જળોની જેમ વળગ્યા કરતા, અજ્ઞાનમાં ડૂબેલા, તુચ્છતાપીડિત  વડીલ જનોને જોઉં છું અને મારી જેમ તમને પણ પ્રશ્ન થતો જ હશે કે  ‘આ લોકો સાથે શું બાંધી જવાના ?’  બસ આજ નકારાત્મકતા વરિષ્ઠ નાગરિકનું સુખ,…  અરે  કોઈનું પણ સુખ છીનવી  લે છે…નકારાત્મક વિચારો ને તમારા પર પ્રભુત્વ ન જમાવવા દો… માનવજાતની આ જ તો મોટી કરુણતા છે કે, તેનું ચિત્ત નિરંતર જીવનની સાવ સામાન્યમા પણ  સામાન્ય, નગણ્ય ઘટનાઓના મિથ્યા મોહમાં અને અહમમાં રમમાણ રહે છે

વડીલો ઘરના માળી છે પણ માલિકીનો ભાવ ઘરનાને સમાજને અકળાવે છે તો  માલિકીભાવના શા માટે ?’જ્ઞાન કરતાં પણ દષ્ટિ મહત્વની હોય છે એ વાત અહી યાદ રાખવાની છે હકરાત્મકતા એ દ્રષ્ટી છે… ઘણા ને પ્રશ્ન થાય છે કે શું હું હકારત્મક નથી ? તો તમારી જાતને પ્રશ્ન પૂછજો કે હું માનવીનો માનવી તરીકે સ્વીકાર કરું છું  કે માલિકીનો અધિકાર છે ?દીકરા પર અધિકાર જમાવતું મન કયાંથી આનંદ પામે ? સામેની વ્યક્તિને સહી  લેવાની ભાવના માણસને આપો.. જે સ્વીકાર કરાવે છે.ઘણા વડીલો આ વૃધ્ધાવસ્થા નો સ્વીકાર કરતા નથી. મન પરિવર્તન ને સ્વિકારતો નથી…..નકારાત્મકતા આપણામાં  નથી પણ આપણા  અભિગમમાં છે। ..

હકારાત્મકત વ્યક્તિ પોતાની મહત્ત્વાકાંક્ષા પર કાબુ રાખે છે….. જીવનના ઉત્તરાર્ધમાં જ્યારે જીવનના સંબંધને નવો આયામ આપવાનો હોય છે… હવે ખોવાયેલાંને ફરી ખોળવાના હોય છે – ફરીથી પામવાના હોય છે… ફરીથી એકત્વ સાધવાનું હોય છે.ત્યાં એકલા જીવતા વડીલોને ઘરથી વિખુટા પડતા જોઈએ તો નકારાત્મકતા દેખીતી નજરે પડે છે સંતાનો અને તેમનાં સંતાનો-પૌત્ર-પૌત્રીઓ સાથે હળવા-મળવાનો આ આનંદભર્યો સમય છે.ત્યારે  મંદિરના ઓટલે આંસુ સારતા  દાદીને જોઇને દુઃખ  થાય છે ને ?..પોતાનો શોખ-રુચિ કેળવવાનો હવે વખત છે અને ધીમે ધીમે કુટુંબનાં સંકુચિત વર્તુળમાંથી થોડા બહાર નીકળી સમાજ અભિમુખી થવાનું હોય છે.ત્યારે ઘરમાં ગોંધાય ને મુંજાતા વડીલો કેમ દેખાય છે ? આવા અવરોધ શેના ?અને તેના માટે જવાબદાર કોણ ?..આ માત્ર તમારો મારો કે કોઈ એક વ્યક્તિનો પ્રશ્ન નથી  સમગ્ર સમાજ આનો ઉકેલ માંગે છે .

સમગ્ર સમાજને નિર્દેશન છે કે વૃદ્ધાવસ્થામાં વૃદ્ધોને તેના વિચારોને સમજનારાઓની, પરિવાર અને મિત્રોના પ્રેમની, વાસ્તવમાં તેમને ખાસ તો જરૂર છે માનવીય હૂંફની.તેમના શબ્દો પર ભરોસો રાખનારાઓની જરૂરત છે. જો વૃદ્ધો નિવૃત્તોને આવી મદદ મળતી રહે તો વૃદ્ધો નિવૃત્તો અનેક નવા આવકાર્ય કાર્યો કરી શકે. આપણે તો મરતા સુધી વિકસી શકીએ છીએ. તેવી જ રીતે  હકારત્મક અભિગમ કેળવવો અઘરો નથી.વૃદ્ધોએ જાતને જાણવા પ્રયત્નશીલ થવું જ રહ્યું..આશાસ્પદ વિચારો વૃદ્ધાવસ્થામાં નવું બળ પ્રેરે છે..

નકારત્મક વિચારોને ઠેલી અને હકારત્મક વિચારો લાવવા એ મનુષ્યના પોતાના હાથમાં છે ને ?…..વૃદ્ધાવસ્થા એ ચેતનાના બદલાતા સ્તરની અવસ્થા છે..ઘણા વૃદ્ધાવસ્થાની ચેતના ને ધસાઈ ગયેલી, ચીમળાઈ- કરમાઈ ગયેલી, ધરેડે ચઢી ગયેલી બનવાજ નથી દેતા . કારણ તેઓ જાણે છે કે વૃદ્ધાવસ્થાની ચેતના અનુભવસમૃદ્ધ ચેતના છે. જે બીજાને પ્રેરણા આપી આગળ વધવામાં મદદ કરી  શકે તેટલી તાકાતવાન છે। ..જે ચેતના બીજાને સમૃદ્ધ ન કરે તો તેનો શું ઉપયોગ ? આપની  કાર્ય શીલતા બીજાને ઉપયોગી થાય તો તેના જેવું શું જોઈએ ?.ઉકલેલા વિચાર, સ્પષ્ટ દૃષ્ટિકોણ તથા જવાબદારી સમજવાની અને નિભાવવાની ૫રિ૫કવતા એ જ તો વરિષ્ઠ નાગરિકનો વિકાસ છે ,જે વિકસે તે વૃદ્ધ અને એની એજ ઘરેડમાં ઘસાય તે ઘરડા। ..

અંતિમ સમયે સંતોષના ઓડકાર ખાવા છે ને ? તો જાતને જાણવા પ્રયત્નશીલ થવું રહ્યું. સ્વાર્થવૃત્તિ છોડવી  જ રહી . નિંદા ટીકાથી વ્યગ્ર ન બનવું.,નાની ઇચ્છાઓ,માલિકીનો ભાવ,.લોભથી લોલુપતા દાખવતા, ક્રોધથી ફાટફાટ થતા, અહંભાવથી ફુલાતા-ફરતા. સ્વભાવને બસ કેળવવો જ રહ્યો .જયાં જયાં શુભ હોય ત્યાં ત્યાં દિલથી પ્રશંસા કરીએ।…જ્યાં જ્યાં ગુણ હોય ત્યાં ત્યાં ગુણપ્રાપ્તિ ની ઝંખના।..તો બસ અહી વિચારોની થકી જીવન ની અંતિમ પળોમાં સંતોષ પ્રાપ્ત કરવાનો છે. એમાં કોઈ શક નથી… .આપણે મનુષ્ય તો મરતા સુધી વિકસી શકીએ છીએ. આપણી અંદર રહેલી અનેકવિધ સુષુપ્ત શક્તિઓને આપણે જગાડી શકીએ છીએ. પોતાની શક્તિઓને ઓળખી સુષુપ્ત શક્તિઓને જગાડી કામ કરતા રહો સતત તમે કોઈ ને કોઈ કાર્ય માં વ્યસ્ત રહો.બીજાને તમારા જ્ઞાનનો અનુભવનો લાભ આપો। ..

ઘર બેઠા અનુભવસિદ્ધ લેખો લખતા ને બ્લોગ પર કે છાપામાં વરિષ્ઠ નાગરિક ને  જોયા છે ?

દરેકમાં કંઇક ને કંઇક અદભૂત શક્તિ રહેલી જ છે. તેને સર્જનાત્મક માર્ગે વાળવી અને રચનાત્મક કાર્યો કરવા તથા નવીન સર્જન કરવું, તેવી જ રીતે હકારત્મક વિચારો કરવા તેમજ દ્રઢતા પૂર્વક તેને અમલમાં મુકવા….સમય સાથે તાલ મિલાવી આધુનિક ટકનોલોજી નો ઉપયોગ કરી નવું જાણવાની અવિરત ધગસ એટલે  હકારત્મકતા (ઘણા વડીલોને કોમ્પુટર વાપરતા જોયા છે ને ?) મારે ઘરના ખૂણામાં પડેલી નકામી ચીજ બનવું નથી બસ એજ નિરાધાર એજ હકારાત્મકતા આવા તો અનેક દાખલાઓ આપણી  આસ પાસ તમને દેખાતા હશે..અમેરિકામાં  વરિષ્ઠ નાગરિકને કોમ્યુનીટી સર્વિસ કરતા ખુબ જોયા છે આજ તો આનંદ છે જે સમાજમાંથી મેળવ્યું તેને પાછુ દેવું જે આત્મસંતોષ પણ આપે છે., વહેચવું એ માંગલ્ય પ્રગટાવવાની પ્રક્રિયા છે.અન્ય ને મદદ કરી પોતાની જાતને ને લાભ મેળવો।…આપણે શુભ કર્તવ્યોની અનુમોદના કરતા રહેવાથી જાણ્યે અજાણ્યે એના સંસ્કાર બીજ આસપાસની વ્યક્તિના અંતરમાં રોપાતા હોઈએ  છીએ ……આમ હકારાત્મક વિચારોનાં તરંગો આપણી આસપાસનાં પરિસરમાં પ્રસરતાં બીજાને પણ હકારાત્મકતા બક્ષે છે. તેવી જ રીતે હકારાત્મક વ્યક્તિનો સંગ આપણને પણ હકારાત્મક બનાવે છે. બસ અંતમાં વૃધા અવસ્થાને શણગારો-અંતમાં મેઘલતા બેન મહેતાની થોડી પંક્તિ ટાંકીશ

ભૂતકાળનો પાલવ પકડી …

જે ટમટમ્યા કરે ..

તેનો વળી વિકાસ  કેવો ?…

જે ભૂતકાળ ના ભૂત ની પકડ થી છટકી ,

જે દોડ મુકે આંખ મીચી –

તેજ આગળ આવે છે …વિકાસ સાધે છે .

વરિષ્ઠ નાગરિકનું સુખ – હકારાત્મક અભિગમ (૮) -કલ્પના રઘુ શાહ

 

વરિષ્ઠ નાગરિક એટલે વડલો. વડલો આપે વિસામો. એ આપ્યાજ કરે. એને કોઇની પાસે કોઇ અપેક્ષા ના હોય. તેના પર પત્થર ફેંકો તો પણ શીળી છાયા આપે. આ એક હકારાત્મક અભિગમ કહેવાય. અને માટે એ પૂજનીય બને છે. આ તો થઇ વડલાની વાત. પરંતુ આધુનિક સમયમાં માનવ માટે જરૂરી નથી કે તે હંમેશાં પૂજનીય હોય. અને છતાં હકારાત્મક અભિગમ સેવવો એ એક કપરી કસોટી બની જાય છે.

મારાં પતિ હંમેશાં કહે ‘ઉગતા સૂરજે નહીં, ઢળતા સૂરજે કોમ્પ્રોમાઇઝ કરવું પડે.’ કારણ કે ઢળતા સૂરજને કોઇ પૂજતું નથી. છતાં તે તેનું કાર્ય નિયમિત કરે છે. આમ જીવન પ્રત્યેની હકારાત્મકતા એ સુખી જીવનનું સુંદર ઘરેણું છે.

વરિષ્ઠ નાગરિકનાં સુખથી કુટુંબ સુખી બને છે. સુખી કુટુંબથી સમાજ સુખી બને છે. અને સુખી સમાજ ભેગા થઇને દેશ સુખી બને છે. આમ તંદુરસ્ત દેશનાં બંધારણ માટે વરિષ્ઠ નાગરિકનું સુખ પાયામાં રહેલું છે અને તેનાં માટેનું એક માત્ર પરિબળ હકારાત્મક અભિગમ છે.

દરેક નવી જીન્દગીએ જીવનનાં નવા પ્રશ્નો હોય છે. જીવનનાં દરેક ક્ષેત્રમાંથી પસાર થતી જીન્દગી તેના ‘અંતિમ પડાવ’ એટલે કે વૃધ્ધાવસ્થામાં પહોંચે છે. જીવનના દરેક ક્ષેત્રની સમયની મર્યાદા નક્કી હોય છે. એ સમય ગમે તે રીતે પસાર થઇ જાય છે પરંતુ કહેવાય છે, ‘જીવ્યાં જેમ તેમ, મરશું કેમ કેમ?’ જીન્દગી મળવી એ નસીબની વાત છે, મૃત્યુ મળવું એ સમયની વાત છે.પણ મૃત્યુ પછી કોઇના હ્રદયમાં જીવતા રહેવું એ જીન્દગીમાં કરેલાં કર્મની વાત છે. કહેવાય છેને? કે પ્રેમ બાળપણમાં સામેથી મળે, યુવાનીમાં ચોરવો પડે, અને ઘડપણમાં માંગવો પડે … બસ, ત્યાંજ છે અપેક્ષાઓનું મૂળ. અને દુઃખનું મૂળ છે અપેક્ષા.

વરિષ્ઠ નાગરિકે તેની વધતી જતી ઉંમર સાથે તેની માનસિક સ્થિતિને પણ બદલવી જોઇએ. જો તમે તમારી યુવાનીનાં સમયની માનસિક સ્થિતિ સાથે જ જીવવાનું પસંદ કરો તો તમને ઉંમરનો ભાર લાગશે. જીન્દગી એક વહેતી નદી સમાન છે. જીવનનાં પ્રવાહની સાથે વહેતાં શીખવું જોઇએ. નદીનું સતત વહેતું નીર એનાં બાહ્ય અને આંતરિક સ્વરૂપને સતત બદલતું રહે છે. જીવનને પણ એ દ્રષ્ટિએ જોવું જોઇએ.

વૃધ્ધાવસ્થાને ઉત્સવની જેમ માણો. ઉંમરની દરેક અવસ્થાનું પોતાનું એક આગવું, વિશિષ્ઠ રૂપ – સૌંદર્ય હોય છે. વૃધ્ધાવસ્થા વખતે જીન્દગી નામની નદી ઉછળકૂદ કરતી વહેતી નથી પણ સમથળ સપાટી ઉપર આવીને એક પ્રકારની ગરિમા સાથે વહેતી હોય છે. આ ગરિમામાં ભૂતકાળનાં અનુભવોનું ભાથું, તેનાં પડછાયાં અને પડઘાનાં સંસ્મરણો ભળેલાં હોય છે. આ ખજાનો એટલો અમૂલ્ય અને અગાધ હોય છે કે ‘જેને જરૂર હોય તેને’ વહેંચતા જવાથી તેનું વજન લાગતું નથી. વૃધ્ધાવસ્થા વહેંચવા માટે છે, વહેંચાવા માટે નથી. ઘડપણ એક એવી અવસ્થા છે જયારે દરેક વ્યક્તિ જીવનના નવરસનું પાન કરીને ઓડકાર ખાય છે. અને આ અનુભવોનાં ભંડારથી વ્યક્તિ વરિષ્ઠ નાગરિક બને છે. પરંતુ તેમની માનસ સ્થિતિમાં ભરતી અને ઓટ આવ્યાંજ કરે છે. કારણકે તેમને સાંભળનાર કોઇ નથી. નથી સમય કોઇની પાસે, અને શારીરિક અને માનસિક રીતે વૃધ્ધ અસલામતીનાં વમળોમાં ફસાય છે. એકલતા, અસહાયતા અને અસલામતીની નાગચૂડમાંથી છૂટવાની તેને જરૂર છે.

આ તબક્કે હું કહીશ કે દિશા બદલવાથી દશા જરૂર બદલાય છે. જયારે આજની પેઢી આવક અને આધુનિક ટેક્નોલોજીની ચકાચૌંધમાં ધર્મ અને વડીલોનાં આદર-સત્કાર અને લાગણીઓને ભૂલીને આંધળી દોટમાં જોડાય છે. ત્યારે જરા વિચારો, તેમની પાસે ક્યાં સમય છે, તેમનાં પોતાનાં બાળકોને સાચવવાનો? તેઓ તમને ઘરડા-ઘરમાં મૂકે છે, તો તેમનાં બાળકોને ડે-કેરમાં મૂકે છે, મૂકવા પડે છે … કે જેમને જીવનમાં હજુ કાંઇ જોયું નથી, અનુભવ્યું નથી. તો આ મા-બાપ તેમનાં વૃધ્ધ માતા-પિતા તરફ કયાંથી સમય ફાળવશે? આ વસ્તુ આજનાં વૃધ્ધો જો સમજે તો પોણાભાગની સમસ્યાઓનું સમાધાન મળી જશે.

હા, નિવૃત્ત વૃધ્ધ મા-બાપને જરૂર છે, તેમનાં બાળકો તેમની સાથે પ્રેમથી બે શબ્દો બોલે. અને જેવાં છે તેવાં પણ તેમનાં અસ્તિત્વનો સ્વીકાર કરે. અને તેમની હસ્તીનો આદર કરે. બાકીતો, આજનાં વૃધ્ધ, પોતાનાં બાળકોને કેમ મદદરૂપ થવું? તેનાં માટે પોતાની ઉંમર તરફ જોતાં નથી.

૬૦ વર્ષ સુધી બાહ્ય સુંદરતા પાછળ માણસ મંડ્યો રહે છે. ૬૦ વર્ષ પછી આંતરિક સુંદરતાને ઉજાગર કરવાની છે. એના માટે આંતરમનને જગાવો. અંતરના દીપને પ્રગટાવીને જીવન પ્રકાશમય બનાવો. સુંદરતા આપોઆપ નીખરશે. સાથેસાથે સુવાસ પણ પ્રસરશે.

કુટુંબમાં વરિષ્ઠ નાગરિક એટલે ચમડાનું તાળુ એમ કહેવાતું. અહીં હું બીજા અર્થમાં કહીશ કે આ તાળાને ઉપયોગી બનવા માટેની કેટલીક ચાવીઓ પણ સાથેજ હોવી જોઇએ … જેમકે કયારેય કોઇને નડો નહીં. તે માટે વડીલશાહીનો ડગલો ખીંટીએ ટીંગાડી દેવો જોઇએ. કારણકે આજની પેઢીને તે જરાય પસંદ નથી. કોઇપણ પ્રકારનો ગમો-અણગમો રાખ્યા વગર ચાલશે, ભાવશે, ફાવશે, ગમશેનું સનાતન સત્ય અપનાવવું જોઇએ. શરીરને સ્વસ્થ રાખવા નિયમિત ચાલવું, કસરત, યોગ કરવો. શરીર સાથ આપે તેટલું શારીરિક કામ કરીને કુટુંબ કે સમાજને મદદરૂપ થવું. સેવકીય પ્રવૃત્તિમાં જોડાવું, જેથી માનસિક શાંતિ મળે. ઘરનાં બાળકો સાથે નિર્દોષ આનંદ માણવો, કુદરત સાથે મિત્રતા કરવી. અને ગમતાં શોખને પ્રવૃત્તિ બનાવીને એકલતાનો સહારો બનાવવો. ઇન્ટરનેટથી વાકેફ રહેવું જોઇએ. મનને કેળવવા માટે વાંચન, ચિંતન, મનન કરવું અને રમત-ગમતનાં કોયડા ઉકેલવા. જીવનને વાસણમાંના પ્રવાહીની જેમ જીવવું જોઇએ. જેવું વાસણ, તેવી પ્રવાહીની સ્થિતિ હોય, તો કયારેય જીવન ભારરૂપ નહીં લાગે અને એનેજ જીવન પ્રત્યેનો વાસ્તવિક અભિગમ કહેવાય. વૃધ્ધાવસ્થામાં હસતાં-હળવાફૂલ રહેવું એ મોટી ચેલેન્જ છે. પરંતુ જયારે જયારે નકારાત્મકતાથી જીન્દગીનું વહેણ ઠીંગરાઇ જાય, જીવન જીવવાનું બળ ઉત્પન્ન થતું અટકી જાય ત્યારે ત્યારે થોડું સમારકામ કરતાં શીખી લેવું જોઇએ.

વૃધ્ધાવસ્થામાં સંસાર છોડ્યા વગર જળકમળવત્‍ રહેવું જોઇએ. આ એક પ્રકારનુ તપ છે. અને આ સત્સંગથી સાધ્ય બને છે. એક સંતનાં પ્રવચનમાં મેં સાંભળેલું હતું કે જ્યારે તમારાં સ્વજનો તમને પ્રેમથી રાખે ત્યારે સમજવું, એ સ્વજનો તમારાં પૂર્વજન્મનાં મોટામાં મોટાં દુઃશ્મન છે કારણકે સંસાર સાગરમાં તમે જેટલાં ડૂબેલાં હશો એટલાંજ તમે ઇશ્વરથી દૂર જશો. જ્યારે આપણે કોઇ સ્વજનથી દુઃખી થઇએ અને આખી જીન્દગી એમાંજ રહીએ … એનાં બદલે કોઇ આપણને હેરાન કરે, દુઃખ આપે તો એનો આભાર માનો … ઇશ્વર તરફ એટલું વધારે જવાશે. નરસિંહ મહેતા, સંત તુકારામ અને સોક્રેટિસ ભૂતકાળનાં જીવંત ઉદાહરણ છે.

દરેક વરિષ્ઠ નાગરિકે પોતાનાં મગજનાં કૉમ્પ્યુટરમાં એક ડીલીટ બટન રાખવું જોઇએ. જેમ ધર્મમાં ત્રિસંધ્યા કરવાનું કહે છે, તેવી રીતે દિવસમાં ત્રણ વખત ડીલીટ બટનનો ઉપયોગ કરીને દિવસ દરમ્યાન બનતી નકારાત્મકતાને મનમાંથી કાઢીને મનને સ્વચ્છ રાખવું જોઇએ.

જીવનની સત્યતા એ છે કે વ્યક્તિ જન્મે ત્યારે એકલી હોય છે અને મૃત્યુ પામે ત્યારે પણ … તે દરમ્યાનની સફરમાં જેનો જેનો સાથ મળે છે તે માત્ર ભ્રમણા હોય છે. અને મનુષ્યને આ ભ્રમણાની જાળ વધુ ગમે છે. તેમાંથી ટપકતાં રસનું પાન કરીને તે હમેશા પુષ્ટ રહેવા કોશીષ કરે છે. અને તે પણ એક ભ્રમણાજ છે. એક ભ્રમણા તૂટે અને બીજાનો સહારો માનવ પકડે છે. અને તે ક્ષણીક સુખનો ભોગ બને છે. પરંતુ જો તે જીવનનાં બીજા છેડાને પણ સરળતાથી જોઇ શકતા હોય તો જીવન જીવવું સરળ થઇ પડે છે.

શાયર બેફામે સુંદર પંક્તિ લખી છેઃ

 “બેફામ તોયે કેટલું થાકી જવું પડયું, 

નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી

 

નાનો અમથો માર્ગ સરળ છે કે કઠીન એ માણસની મનઃસ્થિતિ પર અવલંબે છે. જીન્દગીનો જામ જુસ્સાથી, આનંદ અને તરવરાટથી છલકાવી દેવો એ કઠીન છે. પરંતુ જો ‘હકારાત્મક અભિગમ’ની જડીબુટ્ટી તમારે હાથ લાગી જાય, તો જીવનની હરક્ષણ, હરપળ તમે ચેતનાસભર રહેશો. એ તમને જીવનની ઘરેડમાંથી, જેમાં તમે ફસાયેલા છો તેમાંથી બહાર કાઢશે. આ એક મોટી સિધ્ધિ છે.

અને અંતે હું કહીશ કે વૃધ્ધાવસ્થા એ હારી-થાકીને ભાગી છૂટવા કરતાં હકારાત્મક અભિગમ કેળવીને જ્ઞાન, કર્મ અને ભક્તિની પરીસમાપ્તીની, મૃત્યુનાં મહોત્સવની તૈયારીની અને નિજધામ પહોંચવા માટે હળવા અને શુધ્ધ થઇને પ્રાર્થનામય ચિત્તે ગાડીનો ડબ્બો છોડવાની અવસ્થા છે. અને આમાંજ એક વરિષ્ઠ નાગરિકનું સુખ રહેલું છે.

કલ્પના રઘુ

 વરિષ્ઠ નાગરિકનું સુખ (9)એટલે દુઃખની બાદબાકી- તરુલતા મહેતા

‘ સુખ અને દુઃખનો  સંવાદ’

એક સિક્કાની બે બાજુ જેવા જીગરજાન ગોઠિયા વાદે ચઢ્યા છે,બન્યું એવું કે   ચિદાનંદ  નોકરીમાંથી રીટાયર થયા,સિનયર સીટીઝન બે વર્ષ પહેલાં થયા હતા પણ હવે એમણે ઘરમાં સૌને ઓર્ડર આપી દીધો ,’સાંભળી લો,આજથી મારે બસ નિરાંત આરામ અને સુખ છે.ના મારે સમયની તાણાતાણી છે કે પેસાની હાયવોય છે.હા મેં રીટાયર જીવનની સગવડ કરી લીધી છે.’જેવું વાવીએ તેવું લણીએ ‘ આખી જીદગી મહેનત કરી,બે સંતાનો સેટ થઈ ગયા,હવે સુખનો ફાલ માણવાનો,એમના ગોઠિયા નિત્યાનંદ કહે ‘આજે તો તમે  વરિષ્ઠ નાગરિકના બાદશાહી સુખના મૂડમાં છો.પણ ભલા અંધકારને દૂર કરીએ ત્યારે આપોઆપ પ્રકાશ પથરાય તેમ

દુઃખોની બાદબાકી કરીએ ત્યારે સુખ વધે.

ચિદાનંદ કહે ,’તમને કઈક તો અવળું કહેવુ જ પડે ,હું લેઝી ચેરમાં ઝૂ લતા ઝૂલતા સુખમાં મસ્ત રહેવાનો ‘

નિત્યાનંદ ,’આધિ ,વ્યાધિ ઉપાધિમાથી મનને દૂર ખસેડશો ત્યારે સુખ મળશે, સુખ એટલે ખસું ,સંસારથી ખસું ,મારા તારાથી ખસું ,દ્વેષ ,ઈર્ષાથી ખસું ,તમારા નામ પ્રમાણે

ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ‘

ચિદાનંદ કહે ,મારે સન્યાસી નથી થવું ,જો મારા સુખ ગણાવું ,પહેલું સુખ તે જાતે નર્યા ,બીજું સુખ તે કોઠીએ જાર ,ત્રીજું સુખ તે ધેર દીકરા ,ચોથું સુખ તે સુલક્ષણી નાર,

નિત્યાનંદ કહે ,’બઘા સુખને પોટલી બાધીને સેઈફમાં મુકાતા નથી ,એ તો ચંચલ છે,’

ચિદાનંદ કહે ,’આખી જિદગી સપના જોયા સિનયર થઈ ને સુખી થઈશ,હવે તમે કહો છો સુખ ચંચલ છે.તમે રસ્તો બતાવો શું કરવાનું ?’

નિત્યાનંદ ,’વરિષ્ઠ નાગરિકે સુખ તરફના  પ્રયાણમાર્ગે માયા મમતાના કંટકો દુર કરવાના છે,પોતાની દ્ષ્ટિ છોડી બીજાની નજરે જગતને જોવાથી દુખો ઓછા થઈ જાય છે.’

ચિદાનંદ ,’આતો તમે ગૂગલના ચશ્માંએ જોવા જેવી અજાયબ વાત કરી ,હવે  આ લેઝી ચેરમાં ના  બેસી રહેવાય ,મારે કોઈની અપેક્ષા રાખ્યા વગર ,સૌ પ્રત્યે હમદર્દી

રાખીને ,માયાના બોજને હળવો કરીને સુખના માર્ગે મહાપ્રયાણ એ જ કલ્યાણ  .’

સૌ વરિષ્ઠ નાગરિકોને જીવનના સોનેરી અવસરની શુભેછા।

તરુલતા મહેતા 22મી ઓગસ્ટ 2014

વરિષ્ઠ નાગરિકોનું સુખ હકારાત્મક અભિગમ (૧૦) ડૉ ઇંદુબહેન શાહ

વરિષ્ઠ નાગરિક કોને કહીશું? જે આપણા સમાજમાં વરિષ્ઠ છે? જે આપણા કુટુંબમાં વરિષ્ઠ છે? જે રાજકારણમાં વરિષ્ઠ છે?દાખલા તરિકે આપણા સમાજ એટલેકે ગુજરાતી સમાજ, ગુજરાતી સાહિત્ય સરિતા, જૈન સમાજ, આવા તો અનેક સમાજ અમેરિકા્માં તેમજ આપણા દેશમાં અને દુનિયાભરના અનેક દેશોમાં સ્થાપિત છે. આ બધા વરિષ્ઠ નાગરિક જે તે સમાજ, કુટુંબ, રાજ્ય કે દેશના ગણાય.આમાના કેટલાના હકારાત્મક અભિગમ છે?આની ચર્ચા હું નહીં કરું આપણે સૌ તેઓના નકારાત્મક, હકારાત્મક અભિગમ વિશે મિડીયા દ્વારા જાણતા જ હોઇએ છીએ.

મેં અનુભવેલ વરિષ્ઠ નાગરિક વિષેની વાત કરીશ.

મારા મિત્રના બા ૧૯૭૦માં અમેરિકાના નોર્થ ઈસ્ટ સ્ટૅટના ફ્રેંકોનિયા જેવા નાના ગામમાં આવ્યા, બોસ્ટનથી લગભગ ૧૭૦, ૧૮૦ માઇલ દૂર, ત્યારે બોસ્ટનમાં પણ દેશી ગ્રોસરી મળતી ન હતી ચિકાગો કે ન્યુયોર્કથી  ગ્રોસરી મંગાવવી પડે, બા શુધ્ધ શાકાહારી, દેશી શાકભાજી પણ ન મળે, બાએ કદિ ફરિયાદ ન કરી, મારા મિત્ર પૂછે બા તમને ફાવે છે? “હું મારા મિત્રને ફોન કરું તમે લીસ્ટ આપો બધી ગ્રોસરી ન્યુયોર્કથી મંગાવી લઇએ”.બા જવાબ આપે બેટા અહીં બધુ મળે છે તું ખોટી ચિંતા કરે છે,આ પીળા રંગની સ્કોસ આપણી દૂધી, આ લીલા રંગની ઝુકીની આપણા ગલકા તુરિયા, અને કોબી ફુલાવરતો કેવા સરસ મળે છે, એવા તો દેશમાંય નથી મળતા!!, હું તને ઝુકીની મગની દાળ કરી આપીશ,તુવેરની દાળ નથી તો પીળી વટાણાની દાળ તો છેને, સરસ દાળ થશે.ચણાના લોટની જગ્યાએ કોર્નનો લોટ વાપરે, બાસમતી ચોખાને બદલે અંકલ બેન્સના ચોખાના પેકેટથી કે મેક્ષીકન ચોખાથી ચલાવી લે.અને તેમની વહુના મોઢે વખાણ કરે અહીં તમારે કેટલું સારું, બધી ગ્રોસરી સાફ પેકેટમાં પેક મળે ચાળવાની કાંકરા વીણવાની એવી કોઇ ચિંતા નહીં. બા રોટલી પણ બે લોટ ભેળવી બનાવે એક પેકેટ પિલ્સબરિનો ઓલ પરપઝ લોટ અને એક પેકેટ પિલ્સબરિનો હોલ વ્હીટ લોટ ભેગા કરી રાખે, રોટલી ભાખરી પૂરી બધું દેશની જેમ જ બનાવે,બધાને પ્રેમથી જમાડે.બા પાસેથી તેમની વહુને પણ ઘણું શીખવા મળ્યું. બા તેમનો પૌત્ર ૭ વર્ષનો તેને લેવા બપોરે બસ સ્ટોપ સુધી ચાલતા જાય, કડકડતી થંડી, હિમ વર્ષા, કે ધોધમાર વરસતો વરસાદ બા જાય જ તેમના નેબર બેન બા ને જોતાજ બોલે બા યુ શૂડ નોટ કમ ઇન બેડ વેધર આઇ કેન ડ્રોપ અમર, બા ભાંગ્યા તુટ્યા ઇંગ્લીશમાં બોલે સુઝાન સમજી જાય. બાને તેમના ગ્રાન્ડ સનને મળવાની ઇન્તેજારી આગળ આ વેધર કાંઇ નથી.અને સુઝાન મનમાં બોલે વોટ એ વંડરફુલ ગ્રાન્ડ મધર!!!ઘેર આવી તરતજ દીકરા માટે ગરમ ફ્રેન્ચ ફ્રાઇ બનાવે આપે,અમર પણ ગરમ ફ્રાઇસ ખાઇ, દાદીને પણ આગ્રહ કરી ખવડાવે.બા તેની સાથે ટી વી પણ જુવે. આ રીતે બા ખૂબ આનંદથી રહે. કોઇ વખત અમર જીદ કરે, બા મારે દાળ ભાત, શાક રોટલી નથી ખાવા મને ટર્કી સેન્ડવીચ બનાવી આપ તો પણ બાને વાંધો નહીં, તેના મમ્મી ડૅડી કોલ પર હોય અને મમ્મીને આવતા મોડું થાય તો આવે તે પહેલા દીકરા અમરને તેને ભાવતી સેન્ડવીચ પણ કોઇ જાતના અણગમા,નફરત વગર બનાવી આપે.તેમની વહુ સાસુને ના પાડે, અમરને વઢે તારે બા પાસે આવી જીદ નહીં કરવાની હું આવુ ત્યાં સુધી રાહ જોવાની,બા વેજીટેરિયન છે.બાને ગ્રીલ ચિઝ સેન્ડવીચ બનાવવાનું કહેવાનું.બા તરતજ કહે અમી બેટા મને ટર્કી ચોટી નથી જવાની, તમે આવો ત્યાં સુધી એને ભૂખ્યો ના રખાય, તમે મને બધી અમેરિકન વાનગી જે અમરને ભાવે છે તે શીખવાડી દો તો હું એને રોજ નવું નવું અમેરિકન ખાવાનું કરી આપીશ, અને બાએ મેક એન્ડ ચિઝ, જાત જાતના પાસ્તા એગ પ્લાન્ટ પાર્મેઝાન લઝાનિયા વગેરે વહુ અમી પાસે શીખી લીધું. આ રીતે બાના હકારાત્મક અભિગમ અને દેશ તેવો વેશના વલણથી અમેરિકામાં દીકરાના ઘેર જીવ્યા ત્યાં સુધી શાંતિથી રહ્યા, પૌત્ર અને પૌત્રીને અમેરિકન અને ઇન્ડીયન બન્ને વાનગીઓ ખવડાવી મોટા કર્યા. બીજા એક મિત્રના બાની વાત કરું સાવ જ ઓપોસિટ,બાપૂજી રિટાયર્ડ થયા એટલે એકના એક દીકરાએ બન્નેને પિટીસન ફાઇલ કરી અમેરિકા બોલાવ્યા. થોડા દિવસ થયાને બાની ફરિયાદ શરું થઇ ગઇ,રોજ તેમના પતિને કંઇને કંઇ ફરિયાદ કરે, અહીંના શાકભાજી બધા દેખાવના સારા,આપણા દેશના શાક્ભાજી જેવી જરા પણ મીઠાશ નહીં,કેળા, સફરજન બધા મોટા મોટા પણ મીઠાશ વગરના,અહીં ક્યાંય જવા આવવાનું નહીં,શનિ રવી બહાર જવાય, તમે તો આખો દિવસ ટી.વી. જોયા કરો મારે શું કરવું? રસોય કરતા કંઇ વાર ન લાગે ઘરમાં કોઇ કામ તો હોય નહીં શું કરવું.આપણે બહુ મોટી ભૂલ કરી અહીં ગ્રીન કાર્ડ  પર આવ્યા, મારો વિચાર તો પહેલા વિઝિટર વિસા જ લેવાનો હતો. પણ તમને અમેરિકામાં કાયમ રહેવાનો બહુ શોખ. બાપૂજી સમજાવે અહીંના શુધ્ધ હવા પાણી, અહીં બધુ ભેળ શેળ વગરનું ચોખું ખાવા પીવાનું મળે.થોડા દિવસમાં બધુ ફાવી જશે. બાપૂજીએ તો દીકરાને પૂછી ડ્રાઇવીંગ લેશન શરૂ કર્યા, અને ત્રણ મહિનામાં ડ્રાઇવીંગ પણ શીખી લીધું.દીકરાની દીકરી વેકેસન માં ઘેર આવી ત્યારે કોમપ્યુટર શીખી લીધુ, ગ્રાન્ડ ડૉટરે બાને પણ કાર્ડ ગેમ, ચેકર્સ  વગેરે જાત જાતની ગેમ રમવાનું શીખવાડી દીધું.હવે બાને પણ ફરિયાદ રહી નહીં. બન્નેનો દિવસો આનંદથી પસાર થવા લાગ્યા.હવે તો બા બોસ્ટનની ઠંડીમાં પેન્ટ, ટૉપ પહેરતા પણ થઇ ગયા.આમ બાળકો વડીલોને મોર્ડન ટૅકનોલોજી શીખવે તેઓને રસ લેતા કરે તો વડીલો આગલી જીંદગી ભૂલી પાછળની જીંદગી આનંદથી વિતાવે. વરિષ્ઠ નાગરિકો થોડા શે અક્ષરથી પૂરા થતા  શબ્દો પોતાની વોકાબ્યુલરીમાં વાપરે તો હંમેશા હકારાત્મક વલણ રહે,જેવાકે ચાલશે, ફાવશે, ભાવશે,ગમશે થશે..વગેરે.જે વિતી ગયું છે, તેને યાદ નહીં કરવાનું, ભવિષ્યની ચિંતા નહીં કરવાની જે સંજોગો આવે તેને પ્રભુનો પ્રસાદ માની સ્વીકારવાના અને હસતા મોઢે તેનો સામનો કરવાનો. નરસિંહ મહેતાનુ આ પદ યાદ આવે છે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે, ઊગરે એજ ઉદ્વેગ ધરવો.

ૠતુ લતા -પત્ર-ફળફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તેહ પહોંચે.

ડૉ. ઇન્દુબેન શાહ

વરિષ્ઠ નાગરિકનું સુખ – હકારાત્મક અભિગમ (૧૧) પદમાં–કાન

 

વરિષ્ઠ નાગરિક એટલે મહદ અંશે સીનીયર સિટીજન જેને પોતાના સિવાય કોઈને જોવાના ના હોય અથવા તો જેમને જોવા બે ત્રણ પેઢીઓ હાજર હોય. આ પેઢીની તકલીફ ફક્ત એક જ હોય છે કે તેઓ પાસે બહુ લાંબો અને પહોળો ભૂતકાળ હોય છે. અને તેમના સ્વભાવ અનુસાર તે ભૂતકાળને જ વાગોળવા સિવાય કોઈ કમ કરતા નથી.

સીનીયર એટલ વૃધ્ધ. વૃધ્ધ શબ્દ એ સંસ્કૃત શબ્દ છે. વૃધ્ધ એટલે વૃધ્ધિ પામવું. જે વ્યક્તિ ઉમરની સાથે વૃધ્ધિ કરતી હોય તેને વૃધ્ધ કહેવાય. તેના જીવનમાં કંઈક કરવાનો ઉમંગ હોય, કંઈક તરવરાટ છે,મન હજી પ્રફુલ્લ છે. શારીરિક કે માંનસિક

બન્ને રીતે કરવા તત્પર છે. આળસને સ્થાન ના હોય,કોઈ ફરિયાદ ન હોય. જયારે તમે ફક્ત ઉંમરની સાથે વધો છો યાને કે તમે વર્ષોમાં મોટા થાવ છો તેમાં આળસ હોય કોઈ ઉત્સાહ ન હોય,ફક્ત ફરિયાદ જ હોય. આ ગુણો તમને ઘરડા બનાવી દે

છે,કે જેમાં ફક્ત લાચારી, નિરુત્સાહ અને નિરાશાનો ભેટો થાય છે. જે આપણને જીવનથી મરણ તરફ ધકેલે છે ને હવે મૃત્યુ આવે તો સારુએવું વિચારે છે. આમાં જોનાર અને ભોગવનાર બન્ને દુઃખી થાય છે. જે વ્યક્તિ વિચારોમાં જડથઈ ગઈહોય,

બેઠાડું જીવનમાં મેદસ્વી થઈ જાય, પ્રારબ્ધવાદી અને ચમત્કારોના ચાળે ચઢી જાય ત્યારે ગતી શૂન્ય થઈ, તે વ્યક્તિનું જીવન ફક્ત અસ્તિત્વ પુરતું રહે પણ કર્તૃત્વ શૂન્ય બને, નિરર્થક બની જાય.

આપણે જીવનના કેટલા વર્ષ વિતાવ્યા એ કહી શકીશું, પણ કેટલા બાકી છે એ કહી શકીશું? પળે પળે જિંદગી વીતી રહી છે,મરવું તો અહિયાં પ્રત્યેક પળે છે,પણ આમાંથી જ જીવનની પળચોરી લેવી તે જ જીવનની મઝા છે. જીવન છે તો મૃત્યુ નિશ્ચિત છે, તો પછી મૃત્યુથી ડરવું શું?શારીરિક અને માનસિક બન્ને રીતે હર પલ હર ક્ષણ હર ઘડી પોતાની માતૃભુમી કાજે તેયાર રહેનાર એક સૈનિકની જેમ આપણે આપણા તનની, મનની, અને જીવનની રક્ષા કાજે સજ્જ થવાનું છે. કાયાને કાયર નથી બનાવવાની, બલ્કે કસોટીમાંથી કસીને કરામત બનાવવાની છે. એ જ છે જીવનની હકારાત્મકતા.

પ્રભુએ સૃષ્ટિની રચના કરી તેમાં દિવસ અને રાત, સવાર બપોર અને સાંજ સજાવી. વળી શિયાળો ,ઉનાળો અને ચોમાસાની રેલમછેલ કરી. પાનખર અને વસંત બનાવી. ઋતુ અનુસાર કપડા બદલાવે . સાથ સાથ કપડાની ગડી બદલાવે. ઋતુનો બદલાવ ,કપડાનો બદલાવ કરીને આપણામાં બદલાવ લાવવાનું સૂચવે છે. પરિવર્તન એ કુદરતનો નિયમ છે. પ્રસંગ અનુસાર ઋતુ અનુસાર કપડા બદલવાની સાથે સાથે એક મહત્વની વસ્તુ , આપણે કપડાની ગેડ અજાણપણે બદલતા હોઈએ છીએ. તે કપડાનું આયુ વધારે છે અને બદલાવથી મનને તનને સારું લાગે છે. સમયને અનુસરી જીવનમાં ગેડ બદલતા રહો,પાસા ફેરવતા રહો બદલો પ્રવર્તી બદલાશે પરિસ્થિતિ સર્જાશે નવી આકૃતિ આપોઆપ બદલાશે પ્રકૃતિ ભાવમાં બદલાશે સ્વભાવ.

ખૂબ અગત્યની વસ્તુ. ઋતુ અનુસાર કપડાની ગેડ બદલવાની એ બરાબર છે, પણ મારી તબિયતને કેટલું અનુકુળ છે એ પણ વિચારવા જેવું છે. કહેવાય છે કે સહુથી બળવાન સમય. એક ભજનની પંક્તિ ‘’પ્રભુ તું ગાડુંમારું ક્યાં લઈ જાય કઈ ન જાણું ‘’એક કહેવત ‘’ગરદ ગાંઠે ને વિદ્યા પાઠે’. ’ જીવનના ગાડાને ચલાવવા લક્ષ્મીની જરૂર પડે છે અને કઈ દિશામાં હંકારવું એ માટે સરસ્વતીમાની યાને તે જ્ઞાનની. ધન અને વિદ્યા હશે તો એ જીવનમાં તમે મૂંઝાયા વગર તેનો ઉપયોગ કરી જીવનને હળવું બનાવી શકશો. એ પણ આંશિક રીતે વૃધ્ધાવ્સ્થામા હકારાત્મક સૂચવે છે.

પરિસ્થિતિ બદલાતા જન જાગૃતિ આવતા ઠેરઠેર સીનીયર સેન્ટરો, વૃદ્ધાશ્રમ,ઘરડા ઘર જોવા મળે છે. દરેકની બન્ને બાજુ હોવાથી અહી એમ વિચારી શકાય યુવા પેઢી જેઓ આખો દિવસ કામકરતા હોય તો વડીલોનું ધ્યાન ન રાખી શકે તેથી તેમને સીનીયેર સેન્ટરમાં કે એવી કોઈ સંસ્થામાં મોકલી તેઓ ચિંતા મુક્ત રહી શકે. ને સીનીયરો બધા સમવયસ્ક હોઈ એક બીજાનું દુખ સમજી શકે, વાતો કરીને થોડા હળવા થઈ શકે. પણ જે સિનિયરોએ પોતાનું સ્વાસ્થ્ય સારું રાખ્યું છે, તેમના માટે તો સુવર્ણ કાળ કહી શકાય. જીવનની જવાબદારીથી મુક્ત થઈ હવે પોતાની મનગમતી વસ્તુ, શોખો જેના સ્વપ્ન જોયા હોય તે હવે પુરા કરી શકશે. રેલગાડીમાં એક જ ડબ્બામાં મુસાફરી કરી રહેલા મુસાફરોને મહદ અંશે એક બીજા પ્રત્યે પ્રેમ,લાગણી સહાનુભુતિ હોય છે. તે સીનીયેર સેન્ટરમાં જતા મને અનુભવ થાય છે. સીનીયર સેન્ટર કે વૃધ્ધાશ્ર્મમાં રહેવું એમાં સારું કે ખોટું એવું કઈ નથી. જેની જેટલી જરૂરિયાત અને જેવી પરિસ્થિતિ. હર હાલમાં ખુશ રહેવું. એકલા રહેવાનું થયું તો સમજી લેવું પ્રભુ સંગ ગોષ્ટી કરવાનો મોકો મળ્યો, ભક્તિ કરવાનો મોકો મળ્યો. એ વખતે રડવા કરતા પ્રભુના બે ભજન ગાઈ લેવા. ભાવથી ગાયેલા ભજન તમારા હ્રદયને પુલકિત કરે છે,તમને એકલાપણું નહી લાગે. ભગવાન તમારી સાથે છે,આસપાસ તમારું રક્ષણ કરી રહ્યા છે એવું મહેસુસ થશે.

વળી દુખ અને વેદના ક્યારેય નિરર્થક નથી હોતા. શીલ્પી જેમ ટાકણું મારી પત્થર ઘડે તેમ પ્રભુ આપણું ઘડતર કરી સુરૂપ બનાવે છે. જીવનની સમજ પ્રેરે છે. તેથી તે સવિશેષ અનુગ્રહ છે. હું નિરાશાભર ચિંતન કરીશ નહિ. હું ધારુંતે કરવા જન્મ્યો છું એવું સકારાત્મક ચિંતન કરવું. મારે મન કોઈ સમસ્યા અઘરી નથી. તેથી અઘરાપણાને પહોચી વળવા મારી બુધ્ધિ, ચિંતન અને નિર્ણય શક્તિને ધારદાર બનાવવી છે. યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે. મજાલ છે કે કોઈ ભૂતકાળનો ભૂત તમારી પાછળ લાગે? કરીએ ભૂતની શક્તિને વશ, વર્તમાનમાં અપાવે યશ. ભૂતને ભૂલવાનું નથી, તેનું રાખશો થોડું માન,સમ્મીશ્રણનું નવું કરશો પાન, નવી અને જૂની પેઢીની સાથ સાથ રહેશે શાન.

કૃતજ્ઞતા એ સંબંધોને દ્રઢ રાખવાની માસ્ટર –કી છે. તમે જેના કૃતજ્ઞાતા છો તેની યાદી બનાવો. યોગ્ય સમયે તેની લાગણી પ્રગટ કરો, આમ કરવાથી મનને હળવાશનો અનુભવ થાય. આવી કૃતજ્ઞાતા તમારા મનને આખી સૃષ્ટિની સર્જનાત્મક ઉર્જા સાથે નિકટની સમવાદીતા સાથે લાવશે. તમે પોતાના જીવન વિષે એક ભિન્ન ભાવ અનુભવશો. આવું અમુલ્ય જીવન મળ્યાનો આનંદ અનુભવશો. અને કૃતઘ્નતા પ્રગટ કરીને તમે કદાચ ગરીબ કે અભાવગ્રસ્ત હશો તો પણ સમ્પન્ન બની જશો. કોડિયું તો નાનું હોય છે. દિવેટનું પણ કેટલું ગજું? નાનકડી આ વાટને પ્રગટાવતા બાજુનું અંધારું નાસી જાય છે. પ્રકાશ ફેલાય છે. જીવનની વાટને પણ સંકોરવાની જરૂર છે.

રામકૃષ્ણપરમ હંસે કહ્યું છે કે તમે એક હાથે કામકરો બીજા હાથે ઈશ્વરને પકડી રાખો, કામકાજ પુરા થાય એટલે ઈશ્વરને બન્ને હાથે પકડો. બન્ને હાથે પકડો એટલે વૃદ્ધાવસ્થામાં બન્ને હાથે તાળીપાડી પ્રભુનું ભજન કરો. એક કવિએ ગાયું છે ‘’હાજરી દેજે, ભજનમાં હાજરી દેજે, જીવ તું રાંકથઈ રહેજે ભજનમાં હાજરી દેજે. ’’તારાથી કઈ ના થાય તો તું ભગવાનનું ભજન કરજે. એ પણ ના થાય તો, કાઈ પણ આશા કે અપેક્ષા વગર રાંક થઈને ભજનમાં હાજરી આપજે. આ નિવૃતિના સમયમાં તમે ધારો એ કરી શકો છો.

હકારાત્મક અભિગમ વિષે :-

જીવન પથની મુસાફરીમાં હર પલ આવે મોડ,

કોઈ સુખદ કે કોઈ દુઃખદ, કે કોઈ આવે જોડાજોડ!

ના મોડ વિનાનો આ દેહ છે,ના મોડ વિનાનું આ જીવન,તો શીદને મોડવું મન?

મોડ સાથે મુડ બદલાય ,મુઝવણ અતિ મનમાં થાય

શું સારું કે શું ખોટું,એ વિમાસણમાં હું લોટું,

જીવન ઉજાળવાનો મોડ, પુરા કરવા છીપાયલ મનના કોડ

સરસ્વતીમાંની સોડ,મનમાં ન રાખવો જરીય લોડ

મોડને જોડ, જોડને મોડ, થશે કે નહી?તેની બાંધછોડ છોડ,

નેગેટીવ કે પોઝીટીવ? બેમાંથી એકને આપું લીવ

તો કા ન રાખું પોઝીટીવ? જે રાખે મને સદા એક્ટીવ!

કર્મણ્યેવાધિકારસ્તે એ રસ્તે તું મોડ

તો આવી મળશે તને તારો ‘ઓ માય ગોડ’’.

પ્રભુ આપણી સાથે છે એ ન ભૂલવું કદી,

અડગ શ્રધ્ધા મનમાં તું રાખે યદી.

 ← જીંદગી પ્યારકા ગીત હૈ (૧૨) પ્રવીણા કડકિયા

આધ્યાત્મ એ જ ઉત્થાનની સીડી”-(૧) વિજય શાહ →

← “શુભેચ્છા સહ”-પ્રજ્ઞા દાદભાવાળા

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર-(૬) ગિરીશ દેસાઇ →

વરિષ્ઠ નાગરિકનું સુખ -સંતોષી જીવન (૧) વિજય શાહ

 

તન માટે ઉદ્યમ ભલો

મન માટે હરિ નામ

ધન માટે બુધિ ભલી

સંતોષ છે સુખનું ધામ

આપણા હાથમાં કશું નથી સમજી વર્તમાનની દરેક સ્થિતિમાં સંતોષ રાખી જીવતા શીખવામાં સાચું સુખ છે.           -ગિરીશ દેસાઇ

આમતો આ ઉપદેશ બહુ પ્રચલીત છે અને જ્યારે ગિરીશભાઇનું સાદુ જીવન તમે જુઓ તો કહેવાય કે સાચુ નિવૃત્ત જીવન તેઓ અને તેમના પત્ની મૃદુલા બહેન જીવે છે.

૮૫ વર્ષની ઉંમર_ શું વ્યાધી કે ઉપાધી ન હોય? પણ ના દરેક આધી વ્યાધી અને ઉપાધીને તેમણે સામી છાતી એ ઝેલી છે અને કેટલાંક મૂળભૂત નિયમો બનાવીને બંને જીવે છે. આ નિયમોમાં પહેલો નિયમ છે હકારત્મક અભિગમ એક દિવસ એમના મમ્મીએ તેમને તપેલી લવવાનું કહ્યું ખાલી હાથે પાછા આવીને ટીખળ કરતા કહે બા તે તો ઠંડી છે. મને ટયુબ લાઇટ જરા મોડી થઇ પણ એ જોક ઉપર આજે પણ મને હસવું તરત આવે છે.

મૂળે તે એન્જીનીયર તેથી ઘરનાં બધા રીપેર કાર્ય જાતે કરે..અરે એમના એક માળનાં ઘરને બે માળનું તેમણે જાતે કરેલું અને તેથી જ મૃદુલા બહેન તેમને કડાકુટીયા કહે.. પણ એમ કહીને તેમની સર્જન શક્તિને સુપેરે વખાણે.

ગેલ્વેસ્ટન બીચ ઉપર જાય તો પથરા લઇ આવે પીસ્તાનાં છોતરા, પીચનાં ઠળીયા કે અખરોટ્નાં કાચલા જુએ ત્યારે તેમના મગજમાં કોઇ પક્ષી કે કોઇક કલાકૃતિ જન્મતી હોય..પિસ્તાનાં છોતરામાં તેમને પુષ્પોની પાંદડીઓ કે મંદીરની દીવાલોનાં કાંગરા દેખાતા હોય. એક રૂમ ભરીને બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ્માં થી બનાવેલુ છે. તેઓ સીવી શકે, લોખંડ કામ કરી શકે, સુથારી કામ કરી શકે કવિતા લખી શકે, સંસ્કૃતમાં થી સંશોધનો કરી શકે. તેઓ માને છે કે “ આ મારું કામ નથી “ તેવું માનનારા મોટે ભાગે આળસુ હોય છે. કોઇ પણ કામ ધ્યાન રાખીને કરીયે તો અઘરું જ નથી.

આ કોઇ પણ સર્જન ચાલતું હોય ત્યારે રામ નામ કે ગાયત્રી મંત્ર મનમાં સતત ચાલતો હોય કારણ કે તેઓ માને છે કે મન માંકડુ છે અને તેને કાબુમાં રાખવું. હોય તો ઉદ્યમ સાથે હરિનામ શ્વાસ સાથો સાથ ચાલવા જોઇએ.

ત્રેવડ ત્રીજો ભાઇ એ કહેવતને તેઓ કમાતા થયા ત્યારથી પાળતા. દેખા દેખી કશું લાવવાનું નહીં કુપનો છાપામાં મફત આવે છે પણ જ્યારે તેનો ઉપયોગ કરી બે પૈસા બચાવીયે તો તેનો અર્થ. મૃદુલા બહેન ને કાયમ સમજાવે કે કંજુસાઇ અને કરકસર વ્ચ્ચે બહું જ બારીક સીમા છે.જરુરિયાત જેટલું ચોક્કસ ખરીદવુ પણ સેલ આવ્યુ છે ચાલો ભરી લઇએ તે વાત જ ખોટી. કોઇપણ નિર્ણય કે જેમાં પૈસા ખર્ચાવાનાં હોય કે રોકવાના હોય તો બધુજ સમજી મૃદુલા બહેન ને સમજાવે ત્યાર પછી જ તે ખર્ચ કે રોકાણ થાય. તેઓ માનતા કે

રુપિયો રળે ૨૪ કલાક્.

માણસ રળે બાર કલાક

તેથી બચતો કરવામાં માનતા.

તેમની દીકરી કહે પણ ખરી.. તમ તમારે વાપરો.. મને તમારા વારસાની જરૂર નથી અને તમને કંઇ થશે તો ભગવાને મને અભરે ભરાય તેટલું દીધું છે.મૃદુલા બહેન જો કે હસતા હસતા કહે.. પ્રભુ એ અમને પણ ઘણું આપ્યુ છે પણ સૌથી અગત્યની વાત સાંજે ફરવા જઇએ ત્યારે સંતોષ-ગૂણની અમે ઉપાસના કરીયે. અને “પર”માંથી ખસી “સ્વ”માં વસવા મથીયે ત્યારે પ્રભુની અનંત કૃપાઓનો અનુભવ થાય. જ્યારે આગ્રહો કપાય અને અપેક્ષાઓ ઘટે ત્યારે સંતોષ જન્મે અને એ સંતોષ ઘણી વિપદાઓને ટાળે છે.

વરિષ્ઠ નાગરિકનુ સુખ (૨) – સંતોષી જીવ- હેમાબહેન પટેલ

સંતોષી જીવ – જેના મનની બધી જ કામનાઓનો નાશ થયો છે , તેનુ મન સંતુષ્ટ થઈને શાંતિનો અનુભવ કરે છે. દરેક મનુષ્યની ઈચ્છા હોય તેને જીવનમાં સુખ પ્રાપ્ત થાય, આખી જીંદગી સુખી રહે, એના માટે તે દર દર ભટકતો રહે પરંતું સુખનુ મુળ તેના મનની અંદર જ છુપાયેલુ છે, જે મનની અંદર સ્થિત થયેલુ છે તેનાથી તે અજ્ઞાત છે. અજ્ઞાનને કારણ તેના મનને શાંતિ નથી.જેના મનમાં શાંતિ ન હોય તે કેવી રીતે સુખ પ્રાપ્ત કરી શકે ? અજ્ઞાનને કારણ દુખોમાં વૃધ્ધિ થયા કરે છે.શાંતિ પ્રાપ્ત કરવા માટે મન પર નિયંત્રણ હોવું જરૂરી છે. જો મનની અંદર અનેક ઈચ્છાઓ અને કામનાઓ ભરેલી હશે તો તેને શાંતિ પ્રાપ્ત ક્યારેય ન થાય.શાંતિ પ્રાપ્ત કરવા માટે તો સૌ પ્રથમ ઈચ્છાઓનો નાશ કરવો પડે.પોતાની પસંદ પ્રમાણે કોઈ વસ્તુ ન થાય તો ત્યારે વ્યક્તિનુ મન વધારે અશાંત થાય છે.

મનની અંદર ઈચ્છા જાગે તે પુરી કરવામાં આવે એટલે બીજી જાગે, તેને પુરી કરો એટલે ત્રીજી આમ જો મનની ઈચ્છાઓ પુરી થતી જાય એટલે લાલચ જાગે, મન લાલચી બની જાય પછીથી આ લાલચનો નશો ચડે એટલે માણસને સામે બીજુ કંઈ પણ ન દેખાય, તે સારા-ખોટાનુ ભાન ભુલી જાય.જે વ્યક્તિના મનની અંદર હશે-નભશે-ચાલશે,ની ભાવના હોય તે ક્યારેય દુખી ન થાય. ઈશ્વરે જે આપ્યું અને જેટલું આપ્યું છે તેમાં મન રાજી રહે તેમાં જ સુખ માને ત્યારે તે મનનો સંતોષ છે. તેમાં જ મનની શાંતિ સમાયેલી છે.આ વસ્તુ વીના હું નિભાવી લઈશ , આ વસ્તુ વીના મને ચાલશે , જ્યારે આ ભાવના મનની અંદર પેદા થાય ત્યારે મનની વાસનાઓનો નાશ થાય છે, ઈચ્છા-વાસનાઓ નાશ પામતાં જ મન શાંતિનો અહેસાસ કરે.સંતોષી જીવ સદાકાળ સુખ ભોગવે છે.માટે જ કહ્યું છે ‘ સંતોષી નર સદા સુખી ‘ જેને દરેક વસ્તુ માટે હમેશાં મનમાં સંતોષ હોય તેને દુખ સ્પર્ષિ ન શકે, દુઃખ કોસો દુર ભાગે.સુખ-દુઃખ એ મનના ખેલ છે, જે માનવીએ જાતે ઉભા કરેલા છે તો પછી તેના માટે ફરિયાદ કેમ ? તેના માટે શું કામ ચિંતા કરવી , શોક કરવો ?

પ્રતિસ્પર્ધાનો જમાનો છે, બીજાની સારી કિમતી વસ્તુ જોઈને તેની પાસે જે છે તે મારી પાસે પણ હોવું જોઈએ તે ઈચ્છા, લાલચ સીવાય બીજું કંઈ નથી. બુધ્ધિથી તેના તર્ક-વિતર્ક કરી વિચારીને ઈન્દ્રિયોના ઘોડાની લગામ ખેચતાં જેને આવડે છે તે મનને જીતી શકે. સુખ-દુખના તાણા વાણાથી જીવન વણાયેલું છે.બંને સાથે રહેવાના છે.પરંતું સુખ અને દુખમાં સ્થિર મતિ રહે તો તેનુ મન દુખી ન થાય.દુખ આવ્યુ એટલે સૌથી પહેલાં ભગવાન આગળ ફરિયાદ ચાલુ થઈ જાય.

दुःखमें सुमिरन सब करे, सुखमें करे न कोई,

जो सुखमें सुमिरन करे, तो दुःख काहे को होय

જો આપણને આ વસ્તુ યાદ રહે  અને સમજાય તો પછી કોઈ ફરિયાદ ન રહે.ઈશ્વરે કેટલુ બધુ આપ્યુ કુદરત તરફ એક નજર કરી વિચારતાં મનુષ્ય પર ઈશ્વરે કરેલા અસંખ્ય ઉપકાર દેખાય. અઢળક આપ્યુ તો પણ તેમાં મન ભરાતું નથી અને ધરાતું પણ નથી. આપેલુ ઓછું પડે છે,સંતોષ નથી.ભગવાને વગર માગે જે આપ્યું તેની કોઈ કિંમત નથી.અઢળક મળ્યું પરંતુ જો માગેલી એક વસ્તુ ન મળે તો તેના માટે ફરિયાદ, તેના માટે દુઃખ.જે સૌથી કિંમતી અને જીવવા માટે જરૂરી છે કે જેના વીના બે મિનિટથી વધારે ન જીવી શકાય તે  પ્રાણવાયુ  ઈશ્વરે વીના મુલ્ય આપી દીધો છે. તેના માટે ક્યારેય આપણે ભગવાનનો ઉપકાર માન્યો ? તેના માટે એક વખત પણ ભગવાન માટે ‘Thank you very much ‘ શબ્દ કોઈ દિવસ મૉઢામાંથી નિક્ળ્યો છે ?

ઘરમાં રહીને ભગવાન પાસે માગણી ! મંદિરમાં માગણી ! ઘણી વખત એવું લાગે, મંદિરની અંદર જઈને ભગવાન પાસે માગવા વાળા અને મંદિરની બહાર બેઠેલા ભિખારીમા કોઈ ફરક નથી. ભિખારી તેના પેટની ભુખ મિટાવવા ભીખ માગે છે અને સામાન્ય માણસ મનની અંદર રહેલી વાસનાઓની ભુખ મિટાવવા પ્રભુ પાસે ભીખ માગે છે.લાલચ બુરી બલા કહી છે. લાલચ માણસને અધમ કામ પણ કરાવે. મનની ઈચ્છાઓ અને લાલસા-વાસના જીવનમાં બુરી આદતોનો શિકાર બનાવી દે છે.

માયાનગરી મુંબઈ, જે ચોવીસ કલાક જાગતી રહે છે. દિવસે દોડતી, શ્યામ રંગીન તો ધબકતી રાત્રિ, લોકો વૈભવશાળી જીંદગી જીવી જાણે છે તો ઐયાશી પણ કરી જાણે છે.આજે સાંજના ક્લબમાં , મિનાક્ષી,વિશાખા,વનિતા અને સરલા ચારેવ સહેલી ટેબલ પર બેસીને કોફી પી રહી છે.અહિયાં રમી રમવા માટે ભેગી થાય છે. બારેવ બત્રીસ દિવસ તેમનુ ટેબલ બુક હોય છે.

મિનાક્ષી બોલી “ સરલા તૂં એક દિવસ તો રમી રમવા માટે અમારી સાથે જોડાઈ જા “ વિશાખા અને વનિતાએ પણ સુર પુરાવ્યો , હા સરલા કોઈક દિવસ તો અમારી સાથે રમ, તૂં ક્યારે અમારી સાથે નથી રમતી “

સરલા “તમે લોકો વારંવાર મને રમવા માટે આગ્રહ કરો છો અને મારો તમને હમેશાં એક જ જવાબ હોય છે, જોવો મારી સખીઓ આ મારો વિષય નથી મારી ઈચ્છા વીના મને અંદર ન ઘસીટો, મને બાકાત રાખો તમે બધા મઝા કરો મને રમવામાં કોઈ રસ નથી અહિંયાં હું તમને મળવા માટે આવું છુ બે શબ્દો તમારા કાનમા નાખુ તો તમારી જીંદગી સુધરે, તમારી જીંદગી તો નથી સુધરતી તમે મારી પણ બગાડવા માગો છો ? “

પાંચ સહેલીઓ સ્કુલ અને કોલેજમા સાથેજ ભણી પાંચેવની ઘહેરી દોસ્તી છે એક બીજા વીના ન ચાલે ભણીને ચારેવને મુંબઈના જ મુરતિયા મળી ગયા એટલે ચારેવ મુંબઈમા સેટલ થઈ ગઈ જ્યારે પાંચમી પરણીને પતિ સાથે પરદેશ ચાલી ગઈ. ચારેવના પતિ કોઈ કરોડપતિ તો કોઈ અબજો પતિ છે. પૈસાની રેલમ છેલ.પૈસા ક્યાં વાપરવા એ મોટો સવાલ છે.સ્કુલ અને કોલેજકાળથી જ સરલાનુ કંઈક જુદુજ વ્યક્તિત્વ છે જેનાથી તે બીજા કરતાં અલગ તરી આવે. સાદી સીધી, હશે-નભશે-ચાલસે એ તેની પોલીસી છે. એકદમ સંતોષી જીવ.ચારેવમાં તેનો પતિ વધારે પૈસા ધરાવે છે જ્યારે તે પોતે એકદમ સાદી સીધી છે.ચારેવની પાનખર ઋતુ ચાલી રહી છે છતાં પણ મિનાક્ષી,વિશાખા અને વનિતાના મોજ શોખ ઓછા થવાની જગ્યાએ દિવસે વધતા જાય છે. ચારેવ નિવ્રત છે ઘરમાં નોકર-ચાકર-રસોઈ કરવા માટે મહારાજ, ગાડી ડ્રાયવર સેવામાં હાજર.છોકરા-છોકરી પરણાવી દીધાં છે.પતિ ધંધાના કામ અર્થે એકનો પતિ ચાયનામાં હોય બીજીનો સ્વિત્ઝ્રલેન્ડમાં હોય તો ત્રીજીનો અમેરિકામાં હોય ચોથીનો ઓસ્ટ્રેલિયામાં બેઠો હોય હવે આવી બહેનોનો કામ ધંધો શું હોય પતિ વીના સમય ક્યાં પસાર કરવો ? માટેજ તેઓ પત્તાં રમવાં,કીટી પાર્ટી, શોપિંગ વગેરેમાં સમય પસાર કરે છે. અઢળક પૈસા હોવા છતાં પૈસાથી રમી રમે એટલે તેમાં પૈસા જીતવાની લાલચ તે પણ તેઓને ભાન ભુલાવે છે કે તેઓ કરે છે તે ખોટું છે.કહે છે ને ‘હાર્યો જુગારી બમણુ રમે’ તેવી આ લોકોની હાલત છે, જુગાર તેમનો પીછો નથી છોડતો.

સરલા એ સિધ્ધાંતવાદી સ્ત્રી છે, જીવન શું છે તે સમજે છે. તેનો મોટાભાગનો સમય અનાથ આશ્રમ અને ઘરડાઘરમાં સેવા આપવામાં જાય છે. સરલા તન-મન-ધનથી બાળકોની અને ઘરડા માણસોની સેવા કરે છે. તેમાં તેને આનંદ મળે છે, તેના મનને સંતોષ અને શાંતિ મળે છે અને તેમાં તે સુખ અનુભવે છે.ત્રણ સહેલીઓને કિમતી કપડાં, ઘરેણા,ચપલ, પર્સ,મોટર વગેરે ખરીદીને પણ સંતોષ નથી, સુખ અને શાંતિ માટે તરફડિયાં માર્યા કરે છે. સરલા સાદગી પસંદ કરે છે, તેમાં તેના મનને સંતોષ અને આનંદ મળે છે. સાદગી, જરૂરિયાત મંદની સેવા કરવી એમાં જ તેનુ સુખ સમાયેલું છે.ઘરડાઘરમાં જઈને દવા આપે, ફ્રુટ-જ્યુસ આપે,રામાયણ-મહાભારત-ગીતાના પાઠ વાંચી સંભળાવે, પેપરમાં સમાચાર વાંચીને સંભળાવે.આ કામ તે વર્ષોથી કરે છે. ઘરડા માણસોના મુખ પર એક મુશ્કાન જોઈને તેનુ દિલ રાજી થઈ ઉઠે છે.અનાથ આશ્રમમાં બાળકો સરલાને જોતાં ખુશ થઈ જાય છે, તેમના ઉદાસ ચહેરા પર આ ખુશી જોઈને જ તે ભાવ વિભોર બની જાય છે. ખુશ થયેલા બાળકોને જોઈને સરલાના મનને શાંતિ મળે છે. સરલાએ જે સેવાનુ કામ ઉપાડ્યુ છે તેમાં તેના પતિ અને બાળકો પણ સાથ આપે છે. સરલાને પણ સંતોષ છે કે ચાલો પૈસો સારા માર્ગે વપરાય છે ઈશ્વરે જે આપ્યું છે તેમાંથી અમે મા-બાપ વિનાના માસુમ બાળકો અને નિરાધાર વ્રધ્ધો ના મુખ પર મુશ્કાન લાવી શકીએ છીએ.

સરલા વારંવાર તેની સહેલીઓને સમજાવે પુષ્કળ પૈસામાં રમવું તેમાં જ રચ્યુ પચ્યું રહેવું એ જીંદગી નથી, તેની બહાર એક દુનિયા છે તમારી આંખો ખોલો અને જોવો લોકો કેવી રીતે જીવે છે.શું આ પૈસા ધન-દોલત તમને સુખ આપે છે ? તમારા દિલ પર હાથ મુકો અને મને સાચો જવાબ આપો. હું જાણુ છું , એક ને પતિ સાથે પ્રોબલેમ છે, એકને વહુ સાથે પ્રોબલેમ છે, એકને દિકરા-વહુના કજિયા કંકાસથી કંટાળી છે. મારી બેનો પત્તાં રમવાથી, મોંઘા-કિમતી વસ્તુ વાપરવાથી સુખ નથી મળવાનુ ,મનની અંદર રહેલી વાસનાનો ત્યાગ કરીને જે છે એમાં સંતોશ માનસો ત્યારે જ શાંતિ મળશે.મારી સાથે આવો, એક બાળકના મોઢા પર એક વૃધ્ધના મોઢા પર મુશ્કાન લાવી જોવો પછી સમજાશે સાચું સુખ સેમાં સમાયેલુ છે.નાનપણથીજ મારી માતા અમને બધાં ભાઈ-બહેનને શિખામણના શબ્દો કહેતાં સમજાવતી હતી. સંતોષી જીવ ક્યારેય દુખી ન થાય, બેટા

“ સંતોષી નર સદા સુખી ‘

 

વરિષ્ઠ નાગરિકનું સુખ (3)-સંતોષી જીવન -પ્રભુલાલ ટાટારીઆ ‘ધુફારી’

માણસ સુખે રોટલો ખાતો હોય ત્યારે એ નથી વિચારતો કે,એવા પણ લોકો છે જેને એક ટંક જમવા જાર નથી તેના કરતા પોતે સુખી છે એ તો બસ એવું વિચારે છે કે,સામી હવેલીમાં રહેતા રહીશને ત્યાં રોજ પકવાન બને છે એમ પોતાને ક્યારે ખાવા મળે? આવી ક્ષુલ્લક વાતો જ અસંતોષના બીજ મગજના ખેતરમાં વાવે છે અને પછી એનો પાક લણી ગંજ ખડકતો જાય છે જે ક્યારે ખુટતો નથી અને માણસ અસંતોષની આગમાં સેકાયા કરે છે.

વર્ષોની મહેનત પછી તૈયાર કરેલ કલાકૃતિ એક કલાકાર રાજાને અર્પણ કરી એથી ખુશ થઇને રાજાએ તેને મ્હોં માંગ્યું ઇનામ આપવાની જાહેરાત કરી તો એણે જમીન માંગી. રાજાએ કહ્યું આજ સાંજ સુધી તું જેટલા ડગલા ચાલીશ એટલી જમીન તારી એ માણસે રાજ મહેલથી ભાગોળે આવી વધુ જમીન મેળવવાની લાલચમાં ચાલવાના બદલે દોડવાનું શરૂ કર્યું સુરજ આથમવાની તૈયારીમાં હતો બસ થોડા ડગલા બીજા બાકી પછી હું રાજા એમ ખુશ થતા મરણિયો થઇને દોડ્યો અને ભાગોળ પર પાછો આવ્યો ત્યારે ભુખ તરસ અને થાકના ત્રિવેણી સંગમને લીધે ફસડાઇને મરી ગયો. એક અમસ્થુ ચક્કર મારીને જેટલી જમીન મળી તેમાં સંતોષ માન્યો હોત તો કદાચ એ જીવતો હોત અને સુખે રોટલા ખાતો હોત.

બે જુના મિત્રો એક લગ્ન સમારંભમાં ભેગા થયા અને એક બીજાને જોઇ બોલ્યા

‘અલ્યા…કાન્તિયા તું અહીં?’

‘તે જેન્તિડા તું અહીં ક્યાંથી ગુડાણો?’

‘હું અહીં કન્યાપક્ષ તરફથી છું’

‘તો હું વરપક્ષ તરફથી છું’

‘તો તો આપણે વેંવાઇ થયા નહીં?’કહી બંને હસી પડ્યા

બંને મિત્રોએ પોતાની જુની મિત્ર મંડળીના સભ્યોને યાદ કરતા એમના સમાચાર એક બીજા પાસેથી સાંભળતા અલકમલકની વાતો કરી રહ્યા હતા ત્યાં જમવાનો સાદ પડ્યો એટલે બંને પ્લેટ લઇને ગયા અને મનગમતી વાનગી પિરસી.

‘અલ્યા કાન્તિઆ તું આ ગુલાબજાંબુ ને મોહનથાળ ખાય છે તને તો મારા જેમ ડાયાબિટીસ છેને તો તને સુગર વધવાની બીક નથી લાગતી? હું તો ભાઇ મિઠાઇથી દસ વાર દૂર જ રહું છું’

‘જો જેન્તિડા ડાયાબિટીસના લીધે હું હાલતા ચાલતા મિઠાઇ નથી ખાતો,ખાધી ત્યારે મન ભરીને ખાધી તેનો સંતોષ છે હમણાં તો ચ્હા પણ સુગર-ફ્રી વાળી ગોળી નાખીને કે કાળી ચ્હામાં સોલ્ટ નાખીને પીવું છું પણ પ્રસંગોપાત મિઠાઇ ચાખતા નથી ડરતો હું તો એક જ વાત માનું છું ‘જો ડર ગયા સો મર ગયા’ ડાયાબિટીસ કરતા ડાયાબિટીસનો ડર માણસને જલ્દી મારી નાખે છે એમ હું માનું છું પણ મારી જેમ તું પણ માન એમ તને સલાહ નહીં આપુ કારણ કે હું કાન્તિ છું તું જેન્તિ છે.’

બંને મિત્રો જમી રહ્યા અને ડેન્ચર પહેરતા બંને મિત્રો હાથ અને ડેન્ચર ધોવા ગયા. જેન્તિભાઇના બધા દાંતનું ડેન્ચર હતું જ્યારે કાન્તિભાઇના અમુક દાંત સલામત હતા એટલે અધુરૂં ડેન્ચર જોઇને જેન્તિભાઇએ પુછ્યું

‘અલ્યા કાન્તિઆ કેટલા સલામત છે?’

૧૪…. સાત નીચે સાત ઉપર કારણકે જનમથી મને ૨૮ જ મળેલા પણ સલામત હતા ત્યારે તંબાકુવાળા પાન મોજથી ખાધાનો સંતોષ છે’

‘આ મને તો ૩૨ હતા પણ પાયોરિયાને લીધે ડોકટરના કહેવાથી પડાવી નાખવા પડ્યા અને આ ડાબલી પહેરવાનો વખત આવ્યો’

‘એક ડોકટરે કહ્યું ને તેં પડાવી નાખ્યા?ગામમાં બીજા મરી પરવાર્યા હતા? બીજાની સલાહ લીધી હોત તો કદાચ એણે કશીક દવા આપી હોત અને જેણે દાંત પાડી નાખ્યા એમાં એના બાપનું શું ગયું એને તો પૈસા મળ્યાને?’

એકને દાંત ખોયાનો અફસોસ છે જ્યારે બીજાને મોજ કરતા દાંત ખોયા છતા સંતોષ છે બાકી તો “તુંડે તુંડ મતિ ભિન્ના”

એક વખત હું સવારના નાસ્તા માટે જલેબી ફાફડા લેવા ગયો હતો.વર્ષોથી એક જ રેંકડી ઊભી રાખી જલેબી ફાફડાનું વેંચાણ કરતા એ મારાજ મારા પરિચિત હતા અને હું હમંશા તેમના પાસેથી જ નાસ્તો લેતો હતો તે દિવસે તેઓ મારા માટે ફાફડા બનાવતા હત ત્યારે એક ભાઇએ આવીને કહ્યું

‘મારાજ એક કિલો ફાફડા આપજો’

‘માફ કરજો ફાફડાનો લોટ ખલાસ થઇ ગયો હવે કાલે’

‘લોટ ખલાસ થઇ ગયો તો બીજો બાંધી ને બનાવો’

‘મને ક્યાં લોટ બાંધતા આવડે છે એ તો મારી ઘરવાળી બાંધી આપે છે એણે બાંધી આપેલો લોટ ખલાસ થઇ ગયો હવે હું ઘેર જઇશ’

સાવ સીધી વાત જેટલો લોટ ઘેરથી મળ્યો હતો તેટલાનો વેપાર કરી એ ખુશ હતો એને સંતોષ હતો.

પૈસા જ બધુ છે પૈસાથી કંઇ પણ ખરિદી શકાય એમ માનનારા પૈસા મેળવવા રચ્યા પચ્યા રહે છે.એ હાય વોયમાં જીવનનું સાચું સુખ માણી શકતા નથી તેમના પાસે પત્નિ માટે કે બાલકો માટે સમય હોતો નથી અને વધુને વધુ પૈસા મેળવવાની લ્હાયમાં તબિયત બગાડે છે પછી એજ કમાવેલા પૈસાથી લથડેલી તબિયત સાંચવવા ડોકટરોના ખિસ્સા ભરે છે આવો કડવો અનુભવ થાય અને સત્ય સમજાય ત્યારે ઘણી વખત મોડું થઇ જાય છે.

ઉપર કહેલી વાતની પૂષ્ટી જેવી એક હિન્દી ફિલ્મ ‘જુદાઇ’ જોવી જોઇએ.જેમાં પૈસા જ બધુ છે એમ માનતી પૈસાના મોહમાં આંધળી થયેલ શ્રીદેવીને જયારે સમજાય છે કે પૈસા પાછળ આંધળી દોડ કરતા તે પોતાના પતિ અને બાળકોના પ્રેમથી કેટલી દૂર થઇ ગઇ ત્યારે એને સત્ય સમજાય છે કે પૈસા જ બધુ નથી પણ જે મળે તેમાં સંતોષ જ મોટી મૂડી છે.

લેખક G.K.Chestertonની મેક્સીકન મછિયારાની એક ઇન્ગલીસ વાર્તાનો ભાઇ ભા.વિનોદ પટેલે ગુજરાતી તરજુમો કરી મોકલાવેલ તે જોઇએ.

એક ગામના દરિયા કિનારે એક બુઢ્ઢો મછિયારાની હોડી નાંગરેલી પડી હતી તેમાં એ આરામ કરતો હતો.તેમાં હાવર્ડ યુનિવર્સિટીમાંથી ભણી આવેલ એક મુસાફરે તેણે પકડેલી સારા પ્રકારની માછલીઓ જોઇ ખુશ થયો પછી એ મછિયારા સાથે વાતે વળગ્યો.

‘તમારી તો હવે ઉમર થઇ છતાં કામ કરો છો ઘરમાં કમાનાર કોઇ નથી?’

‘છેને મારો દીકરો એક દુકાન ચલાવે છે એને પણ બે રૂપકડા બાળકો છે’

“છતા તમારે કામ કરવું પડે છે?’

‘આ માછીમારી તો હું ફકત સમય પસાર કરવા કરૂં છું’

‘આ માછલીઓ પકડવામાં તમને કેટલો સમય લાગ્યો?’

‘બહુ સમય નથી લાગ્યો’મછિયારાએ કહ્યું

‘તો તમે થોડો વધારે વખત હોડીમાં રહીને વધારે માછલીઓ કેમ પકડતા નથી?’

‘હું જેટલી માછલીઓ પકડું છે એમાં જ ખુશ છું અને એમાંથી અમારા કુટુંબની જરૂરિયાત પુરી થઇ જાય છે’મછિયારે જવાબ આપ્યો

‘તો પછી બાકીના સમયમાં શું કરો છો?’

‘હું આરામથી મોડે સુધી સુતો રહું છું,અહીં આવી થોડી વખત માછલીઓ પકડું છું,મારા બે પોતરાઓ સાથે રમત રમું છું,બપોરના જમીને ઘરવાળી સાથે વાતો કરતા આરામ કરૂં છે વચ્ચે બે-એક ઝોકા ખાઇ લઉ છું,સાંજે મિત્ર મડળી સાથે બેસી ગપ્પા મારોં છું એમના સાથે બેસી બે ઘુટડા દારૂ પીવું છું, હું ગિટાર વગાડું છું અને ભેગા કોરસમાં ગાઇએ છીએ,નાચીએ છીએ એમ અમારૂં જીવન બરાબર ગુજરતો જાય છે એનો સંતોષ છે.

એ પરદેશી મુસાફરે મછિયારાની વાત કાપતા કહ્યું

‘જુઓ હું અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાંથી એમ.બી.એ. થયો છું તો તમને થોડી સલાહ આપી મદદ કરી શકુ એમ છું તો મારી એવી સલાહ છે કે તમારે થોડો વધુ વખત દરિયામાં રહીને વધુ માછલીઓ પકડવી જોઇએ એમ કરતા તમારી આવક વધશે અને તેમાંથી તમારી પાસે જે હોડી છે તેથી મોટી હોડી ખરિદી શક્શો’

‘સારૂં સાહેબ પછી શું?’ મછિયારાએ પુછ્યું

‘એ મોટી હોડી મળી ગયા પછી તમે વધારે માછલીઓ પકડી શક્શો તેનાથી તમારી આવક વધસે એટલે તમે બીજી,ત્રીજી એમ તમારા પાસે હોડીનો કાફલો થઇ જશે હમણાં તમે માછલીઓ દલાલને વ્હેંચો છો તેના બદલે માછલીઓ પેક કરનાર કારખાનાને સપ્લાય કરી શકશો આગળ જતા કદાચ તમારી પાસે એટલા પૈસા ભેગા થઇ જાય કે તમે તમારૂં માછલીઓ પેક કરવાનું કારખાનું પણ ખોલી શકો પછી તમારે આ નાનકડા ગામડામાં નહીં રહેવું પડે તમે કદાચ ન્યુયોર્ક,ન્યુજર્શી,હ્યુસટન કે એવા કોઇ મોટા શહેરમાં રહી ત્યાંથી તમારા કામકાજનો વહિવટ કરી શકશો.’

‘સાહેબ આ બધુ પાર પડતા કેટલોક સમય લાગે’મછિયારાએ પુછ્યું

‘અં…વીસ અથવા પચ્ચીસ વરસ’મુસાફરે કહ્યું

‘ચાલો આ બધુ થઇ જાય પછી શું કરવું?’ મછિયારાએ પુછ્યું

‘મારા ભાઇ પછીની વાત તો બહુ મજાની છે.તમારો ધંધાનો વિસ્તાર થતાં તમારે શેરબઝારમાં ઝંપલાવવુ બસ સારો મોકો જોઇ શેર ખરીદવા અને વ્હેંચવા એમ કરોડો રૂપિયાની કમાણી કરી લેવાની’

‘કરોડો…રૂ..પિ..આ ખરેખર..? પણ એ કરોડો મળે પછી શું કરવું?’ મછિયારાએ પુછ્યું

‘કરોડા રૂપિઆ મળી ગયા પછી ધંધો વીટી લેવો અને દરિયા કિનારે એક નાનું ઘર લેવાનું તમારા બે પોતરાઓ સાથે રમત રમવાની,બપોરના જમીને ઘરવાળી સાથે વાતો કરતા આરામ કરવાનો વચ્ચે બે-એક ઝોકા ખાઇ લેવાના,સાંજે મિત્ર મડળી સાથે બેસી ગપ્પા મારવાના એમના સાથે બેસી બે ઘુટડા દારૂ પીવાનો,ગિટાર વગાડવાની અને ભેગા કોરસમાં ગાવાનું,નાચવાનું વગેરે વગેરે’

આ સાંભળીને મછિયારો હસી પડ્યો ને પેલા મુસાફરને કહ્યું

‘તમારા ભણતરનું માન રાખીને મારે કહેવું પડે છે કે,હમણાં અમે તો એ જ કરીએ છીએ તેમાં અમને સંતોષ છે તો પછી પૈસા મેળવવાવી આંધળી દોટ મુકી અમારી જિન્દગીના મહામુલા ૨૦-૨૫ વેડફવાનો કંઇ મતલબ ખરો?’

(આ વાર્તાની શીખ એટલી છે કે,માણસના જીવનમાં માલ મિલકત અને ધન દૌલત પુરતા નથી સાથે સંતોષ પણ હોવો જોઇએ.ધનથી સુખ વ્હેંચાતો મળતો નથી.માણસની વાસના-ઇચ્છાનો કંઇ અંત નથી જેમ પૈસા મળે તેમ બીજા વધુ વાસના-ઇચ્છા જાગે આ વાસના-ઇચ્છાનો ખાડો એટલો ઊંડો છે જે ક્યારે ભરાતો નથી)

ગીતાના બીજા અધ્યાયમાં પણ એજ વાત સમજાવી છે કે અસંતોષી નરનું પતન કેવી રીતે થાય છે

ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते

सङ्गात्सञ्जायते कामः कामात्क्रोधोभिजायते (श्लोक ६२)

બીજા કોઇ પાસેની વસ્તુ જોઇને માણસને એ મેળવવાની આશક્તિ થાય છે અને આશક્તિને લીધે એ મેળવવાનો મોહ જાગે છે અને એ મોહ વસ થઇને મેળવવા પ્રયાસ કરે છે અને એ ન મળે ત્યારે એને ક્રોધ વ્યાપે છે.

क्रोधाभ्दवति सम्मोहः सम्मोहात्स्मृतिवोभ्रमः

समृतिभ्रशाद्‍ बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति (श्लोक ६३)

ક્રોધથી મુઢતા ઉત્તપન્ન થાય એટલે સારા નરસાનું ભાન નથી રહેતું છે અને મુઢતા એની મતિ ભ્રષ્ટ કરે છે એટલે છેલ્લે પાટલે બેસસી જાય છે. મતિ ભ્રષ્ટ થતાં માણસ અધોગતિની ઊંડી ખાઇમાં સરી પડે છે.

नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना

न चाभावयतः शान्तिरशान्तस्य कुतः सुखम्‍ (श्लोक ६६)

જે સયંમ કરી નથી જાણતો એટલે સંતોષી નથી તેની મતિ સ્થિર નથી રહેતી જેની મતિ સ્થિર નથી તેનું મન અશાંત થઇ જાય છે અને જેનું મન અશાંત હોય તેને શાંતિ કે સુખ ક્યાંથી મળે?

અને છેલ્લે સમાપનમાં એક જાણીતો દોહરો છે

गो धन,गज धन, वाजी धन और रतन धन खान;

जो आवे संतोषधन, जो आवे संतोष धन सब धन धुल समान

ગાયોના મોટા ધણનો માલિક હોય,અનેક હાથીઓનો ઝુંડનો માલિક હોય કે અશ્વશાળામાં રાખેલા અસંખ્ય ઘોડાઓ માલિક હોય અથવા રત્નો આપતી ખાણનો માલિક હોય પણ જ્યારે તેની પાસે સંતોષ નામનો ઉત્તમ ધન આવે છે ત્યારે આ બધા ધન ધૂળ જેવા ભાસે છે.

 

વરિષ્ઠ નાગરિકનું સુખ –સંતોષી જીવ-(૪)ડૉ. ઇન્દુબહેન શાહ

 

“સંતોષી નર સદા સુખી” આ કહેવત જગતના બધા જીવોને. લાગુ પડે છે. સંતોષ નાના મોટા સહુને સુખ અર્પે છે. બાળપણમાં, ઉપરની કહેવત આપણે આપણા વડીલોના મુખેથી જ સાંભળેલ છે. આજકાલ ભૌતિક ચીજ વસ્તુના ઢગલા હોય છે છતા બ્લેક ફ્રાઇડેને દિવસે સેલના ફ્લાયર જોયાને દોડ્યા, દીકરા, દીકરી માટે લેટેસ્ટ ફેશનના કપડા, જુતા, જેકેટ,.. વ્યક્તિ દીઠ દસ જોડી જુતા એ આજકાલ સામાન્ય વાત ગણાય છે, બહેનોના ક્લોસેટમાં એટલીજ કે એનાથી વધારે પર્સો લટકતી જોવા મળશે,..તે સિવાય બીજી આવી કેટલીય એક્સ્સેસરિસ જોવા મળે….

આટઆટલી વસ્તુઓ છતા અસંતોષ શા માટે? અસુરક્ષિત માનસ, મનના અજ્ઞાત ખૂણામાં ભય, આજની ફેશન પ્રમાણે કપડા, દાગીના મેચીંગ પર્સ ના હોય તો આપણે સોસાયટીમાં પછાત ગણાઇ જઇશું, ના ના જમાનાની સાથે ચાલવું જ જોઇએ. દીકરા પાસે ત્રણ જેકેટ હતા, તેના ફ્રેન્ડનું લેધર જેકેટ જોયું કે તુરત જ મમ્મી પાસે મોમ “I need leather jacket, all my friends have it,old navy has sale’,

“Ok this wkend we will go to old navy and get it”.

દીકરાના પિતાએ સાભળ્યું, “લીલા ત્રણ જેકેટ છે, ચોથાની શું જરૂર છે?”

“તમને તો બસ બધામાં ના જ પાડવાની ટેવ, આશુના બધા ફ્રેન્ડસ પાસે હોય અને આપણા આશુ પાસે જ ના હોય તો તેને કેટલો ઇન્ફિર્યોરીટી કોમ્પલેક્ષ આવી જાય, ૫૦% ઓફમાં ડિલ જોઇને

માંગ્યું છે, કેટલો ડાહ્યો છે.”

“સારું બગાડો તમારા લાડલાને”.

હવે આપણે વરિષ્ઠ નાગરિકની વાત કરીએ, મારા બાજુવાળા ચંદનબેનની વાત કરું, દર બે વરસે અમેરિકા આવે, દીકરો, દીકરી બન્ને અમેરિકામાં, બન્ને સુખી, પપ્પાના ગયા પછી મમ્મીને બરાબર સાચવે, ચંદનબેનના પતિ ડૉ. હતા, જીવલેણ કાર એક્સિડન્ટમાં અકાળે મૃત્યં પામ્યા, બન્ને પતિ પત્ની ખૂબ શોખીન, ઘણા મિત્રો, ડૉ.પૈસા મુકીને ગયેલા. છતા ચંદનબેન જ્યારે અમેરિકા આવે ત્યારે ખૂબ ખરીદી કરે, છ મહિના રહે, બે ત્રણ સ્વેટર, બે ત્રણ પર્સ, પરફ્યુમ, બદામ, પિસ્તા કેસર, પિનટ બટર બેત્રણ જાતના જામ વગેરે…આ વખતે દીકરાએ કહ્યું મમ્મી હું સિટિઝન થઇ ગયો છું. ગ્રિન કાર્ડ માટે એપ્લાય કરી દઉ?

“ના ભાઇ મને અહીં કાયમ ન ગમે, મારા પગ બંધાય જાય, તમે બધા જતા રહો હું એકલી આખો દિવસ શું કરું? મારા ત્યાં ઘણા ફ્રેન્ડસ અમારી પાના રમવાની કંપની, દેરાસરના મંડળની પ્રવૃતિ. મારો દિવસ પસાર થઇ જાય”.

“મમ્મી તમને ગમી જશે, અહીં સિનિયર સિટિઝન અસોસિએસન, દેરાસર બધું જ છે, તમે ત્યાં એકલા એટલે અમને ચિંતા રહે, ત્યાં અને અહીં બે ઘરની શું જરૂર?”

‘ના દીકરા એ ઘર તો હું જીવીશ ત્યાં સુધી રહેશૅ, તારા પપ્પાની યાદગીરી છે, તેમણે ખાસ પ્લાન કરી ઘર ચણાવ્યું, ભોગવી ના શક્યા, હું રહું તો તેમનો આત્મા તૃપ્ત થાય, હું તો એ ઘરમાં જ પ્રાણ ત્યાગીશ તમને ખર્ચ ભારે પડતો હશે, તો હું અહીં નહીં આવું તમે દર વરસે મારી ખબર કાઢવા આવજો.’

વહુ મા દીકરાની વાતો સાંભળી મનમાં, પપ્પા જતા રહ્યા હવે ઘર સાથે બંધાય રહેવાનું, પરિગ્રહ કરે જ રાખવાનો, પપ્પા ભોગવી ન શક્યા બોલો છો તો તમે સમજો, છોડો.

“મમ્મી તમારી ઇચ્છા નહીં હોય તો નહી લેતા ગ્રીન કાર્ડ, ચાલો હું શોપીંગ કરવા જાઉ છું તમારે આવવું છે?”

“હા હજુ મારે એક સ્વેટર લેવાનું બાકી છે. ગયા વખતે તે સેલમાં લઇ રાખેલું આપ્યું છે, પડતર હશે સાવ ભુખરુ થઇ ગ્યું છે. એક સારું લેવુ છે”.

આ અસંતોષી ચંદનબેન.

એક બીજા વરિષ્ઠ નાગરિકની વાત જોઇએ, વિદ્યાબા.

પતિના અવસાન બાદ, દીકરાના ઘેર અમેરિકા આવ્યા, બોસ્ટન, કડકડતી ઠંડી દેશનો ધાબળો કેરી ઓન બેગમાંથી કાઢ્યો ઓઢ્યો. દીકરા દીપકે ખાસ બા માટે બરલીંગ્ટન કોટ ફેકટ્રીમાંથી લીધેલ કોટ બાને આપ્યો “બા આ પહેરી લ્યો, ધાબળો અહીં ન પહેરાય સારુ ન લાગે”

“મારા શરીરને ઠંડીથી બચાવવા કોટ કે ધાબળો બન્ને સરખા જ છે, સારું લગાડવા માટે નથી પહેરવાનું, મને કોટ પહેરતા ના ફાવે કાલે પાછો આપી દેજે.”

બાએ મોજા પોતાના જાતે ઊનના બનાવ્યા, ઘરના બધા માટે બનાવ્યા.ઘરના બધા માટે મફલર પણ બનાવ્યા. પોતાની લાવેલ ઊન ખૂટી ત્યારે વહુ પાસે બીજી મંગાવી, આખો દિવસ ગુથિયા કરે.એક દિવસ વહુને કહે આશા મે નાના સ્વેટર મોજા ટૉપી બનાવી રાખ્યા છે, તારે કોઇને ગીફ્ટમાં આપવા કામ લાગશે રાખ તારી પાસે, “વાહ, બા કેટલા સરસ છે,મારે આ વિક એન્ડમાં મેરીના બેબીસાવરમાં જવાનું છે, મેરી તો હેન્ડમેડ સેટ જોઇને ખૂશ થઇ જશે. બા તમને બીજા પાછ, છ ઓર્ડર મળી જવાના” ભલે મારો તો સમય પસાર થશે, કલર પસંદ કરી ઊન આપી જશે તો હું બનાવી આપીશ’.

પોતે સાવ સાદા દેશના કપડા જ પહેરે, દિવાળી પર વહુએ હકોબા સાડી લાવીને આપી બા આ વખતે પાર્ટીમાં આ સાડી પહેરજો. ‘આશા બેટા મારી પાસે બે સાડી છે આ ત્રીજી!” ”સારુ તો આ સિલ્ક્ની સાડી પહેરજો.”

‘ભલે પણ હવે વધારે કપડા મારા માટે લાવશો નહી, મારી પાસે પાંચ વરસ ચાલે તેટલા કપડા છે.અને મને જરૂર હશે તો હું તમને કહીશ તમે લાવી જ આપશો, પછી સંઘરો શા માટે?

આવા સંતોષી વિદ્યાબા, હંમેશા સુખી.

છેલ્લે આધુનિક કવિઓ વિષે વાંચેલું યાદ આવે છે. અહીં લાગુ પડે તેવું છે.

કવિ શ્રી સુન્દરમનું ગીત

હમ જમનાકે તીર ભરત જલ

હમરો ઘટ ન ભરાઇ,

એસો ઘટ ક્યોં તુમને દિયો,

જાકો તુમ બિન કોન સગાઇ?

કવિ શ્રી પૂછે છે “જો ઘટ ભરવો જ ન હતો તો ઘડ્યો જ શા માટે?”

આના જવાબમાં કવિશ્રી ઉમાશંકરભાઇ કહે છે,

“જો ઘડાએ તરવું હોય તો એણે ખાલી રહેવું જોઇએ”.

સુન્દરમભાઇ આ પ્રતિભાવ જાણી કહે છે,

“ઘડાની સાર્થકતા એ ભરાય એમાં છે”. અહીં તૃપ્તિ સંતોષ એજ જીવનની સાર્થકતા એ અર્થ ઘટાવું છું.

આ વાત, બે મહાન કવિની વિભિન્ન જીવન્દ્રષ્ટિનો પરિચય કરાવે છે. એક ભરાવવાની વાત કરે છે બીજા ખાલી રહેવાની વાત કરે છે.

ભરાય પરિગ્રહ, ખાલી કરો અપરિગ્રહ.

ઘટ ભારી સંસાર સાગરે ડૂબે

અંતિમ ક્ષણે, વાસનાના ભારે

ચોરાશી લાખ ફેરા ફર્યા કરે,

શુભ ઘડીએ, ઘટ ખાલી થયો જ્યારે

ચિંતા છોડી ઘટ ભરવાની ફરી

હલકો ફૂલ સંસાર સાગર તર્યો ત્યારે.

કોઇની દેખાદેખી નહીં, પોતાના કાર્યમાં રત રહે, પોતે સંતોષ પામે, સહુને આનંદ સુખ આપે.

 વરિષ્ઠ નાગરિકનું સુખ-તે જાતે નર્યા-(1)-પદમાં-કાન

Posted on September 8, 2014 by Pragnaji

 

યોગ કવાયતો અને તંદુરસ્તીને લગતા લેખો

યોગ,કવાયતો અને તન્દુરસ્તી માટેની જાતજાતની જાહેરાતના પાટિયા આપણને જોવા મળે છે. નેજે જેટલા પ્રમાણમાં અપનાવે છે તે પ્રમાણે તેને ફાયદો થાય છે. મારી પાસે મુખ્ય ત્રણ થેરેપી છે. તેના વિષે સમજાવતા મેં એક નાટિકા દસ વર્ષ પૂર્વે લખી હતી અને ભજવી પણ હતી, ને બક્ષિશ મેળવી હતી. નાટકનું નામ ‘’BUY ONE GET TWO FREE’’.

કુદરતી ઉપચારની ત્રણ થેરેપી. તેમાંની એકએટલે રેકી થેરપી. રેકી આ એક કોસ્મિક એનેર્જી છે. જે આપણી આજુબાજુના વાતાવરણમાં જ હોય છે.તેના માટે તમોને રેકીના ગુરુની જરૂર પડે. જેના દ્વારા તમો રેકીના માધ્યમ બની શકો. એના માટે તમારે ગુરુ દક્ષિણા આપવી જરૂરી છે. એટલે અમે એને ‘’બાય વન ‘’ કહીએ છીએ. દા.ત. માથું દુખતું હોય ને આપણે આ વિદ્યા જાણતા હોય તો રેકીનું આવાહન કરીને માથા પર હાથ મુકો તો તમે રીલેક્સ થઈ જશો અનેબીજાને પણ રીલેક્સ કરી શકશો. શીખવું પડે. બાકી તેમાં કોઈ જાતની હાની નથી.

બીજી થેરેપી એક્યુપ્રેસર. એક્યું એટલે બહાર કાઢવું અને પ્રેશર એટલે દબાવવું. દબાવીને બીમારીને બહાર કાઢવી એટલે એક્યુપ્રેશર. સામાન્ય રીતે જોઈએ તો કબજિયાત એ મોટો રોગ નથી પણ એમાંથી મોટી સમસ્યા થવાની શક્યતા ખરી. બીમારીનું મૂળ એટલે પેટ, પેટ જો સાફ ન આવે તો તેમાંથી અનેક બિમારી થઈ શકે. તેના માટે એક પોઈન્ટ છે. તમે જયારે ટોયલેટમાં જાવ ત્યારે કમોડ પર બેઠા પછી જમણા પગની સાથળ પર જમણા હાથની કોણી ટેકવી જમણા હાથના અંગુઠાથી દાઢીના નીચે વચ્ચેનો પોઈન્ટ થોડી વાર માટે દબાવવો. તો પેટ સાફ થઈ જશે. અને કઈ નહી તો ગેસ તો જરૂર નીકળી જશે. એટલે તમે હલકા ફૂલ! જુલાબ એનીમા લેવા સુધીની નોબત ન આવે. જરૂર પડે તો હુંફાળુંગરમ પાણી પીશો તો તે પણ તમને મદદરૂપ થશે.

બીજું શરદી થઈ હોય, નાક બંધ થઈ ગયું હોય તો નાકની બન્ને બાજુના ખાડામાં બેથી ત્રણ વાર દબાવવું. નાક ખુલી જાય એટલે શ્વાસમાં રાહત રહે. બે હાથની હથેળી અને પગના તળિયામાં આખા શરીરના પોઈન્ટ્સ આવેલા છે. આંકા વાળા વેલણથી દબાણ આપવાથી તમારા શરીરના બધા પોઈન્ટ તેમાં આવી જાય છે. તેનાથી ઘણા ફાયદા થાય છે. ધીરજની જરૂર છે. એક્યુપ્રેશર ત્રણ રીતે મદદ કરે છે. રોગને થતો અટકાવે છે. રોગનું વહેલું અને સાચું નિદાન કરે છે. ત્રીજું રોગને મટાડે છે.

બીજા કેટલાય એવા પોઈન્ટ છે જે તમે હરતા ફરતા, ટીવી જોતા જોતા કરી શકો.

ત્રીજું એટલે આપણા દેશના વડા પ્રધાન મોરારજીભાઈ એમને તો સહુ કોઈ જાણે છે. એમના સ્વાસ્થ્યની સાથે જોડાયલી એટલે શિવામ્બુ પદ્ધતિ. હવે કહેવાની જરૂર નથી. પણ સમજવી પડશે. પશ્ચિમના ડોક્ટરોએ પણ સ્વીકાર્યું છે કે આપણા શરીરમાં થતી ગરબડો દુર કરવા આપણું જ શરીર એન્ટીબોડી બનાવે છે. અને દરેક પ્રકારની ગડબડ જંતુ વગેરેને દુર કરે છે.

ઉપયોગ-સવારે ઉઠીને પહેલો પેશાબ ઉતરે ત્યારે થોડો જવા દઈ બાકીનો કાચના કે સ્વચ્છ વાસણમાં લઈ પી જવો. પેટ સાફ થશે. એસીડીટી દુર થશે.

આંખ માટે સ્વમૂત્ર ઠંડું પડે એટલે હથેળીમાં અથવા આંખ ધોવાની પ્યાલીમાં લઈ તેમાં આખો પટપટાવવી, આંખનું તેજ વધે છે મોતિયો શરુઆતનો હોય તો મટે છે.

દાંત માટે સ્વમૂત્ર ઓછામાં ઓછુ પાંચ મિનીટ મોઢામાં રાખવાથી, મમળાવવું કોગળા કરવા, પેઢા પર માલીશ કરવું. ગમેતેવો દાત હાલતો હોય તો તેમાં અને દાતના રોગમાં ફાયદો થાય.

ખાસ સાવચેતી- સાકર કે પરું ન હોવા જોઈએ, સમજીને કરશો તો ઘણો જ ફાયદો છે. ઘડપણ દુર ભાગશે.

હેતુ –જન સેવા, જન જાગૃતિ ઓછા ખર્ચામાં પોતે પોતાના ડો. બની શકો.

શીવામ્બુને લગતું એક ભજન

ઓમ નમઃ શિવામ્બુ શિવામ્બુ નિત પીવો [૨] પાન કરોને રે

અમુતનો આસ્વાદ કરોને ધન્ય ધન્ય તમે થાવોને………ઓમ

પ્રશ્ન –છી છી એ તો છે કાયાનો કચરો એ શે કેમ પીવાયે રે?

એમ છે તો સાંભળો

ઉત્તર –એ નથી કાયાનો કચરો, એ કચરાને કાઢે રે

વિણ સમજ્યા એ કચરાને! શાને તમે વગોવો રે…..ઓમ

શિવે અંબામાને સમજાવ્યું તેથી શિવામ્બુ નામ પડયું રે

શિવ યાને જીવ, જીવ યાને શિવ, અંબુ યાને પાણી

શક્તિ પ્રદાન શિવનું પાણીએ અમૃત કહલાયેરે……ઓમ

કેન્સરમાંથી મુક્તિ અપાવે, અનેક દર્દ મીટાવે રે

રોજની પીડામાંથી બચાવે, ટેન્શન મુક્તિ અપાવે રે …….ઓમ

દેશ જાવો પરદેશ જાવો ,ઝંઝટ ના મેડીસીનની રે,

લીધી ના લીધી ભૂલી ગયાની, ચિંતા ના કરવાની રે

એક જ પ્યાલો સાથે જો હોયે, એજ તમારો સહારો રે ……ઓમ

ચમત્કાર ઘણો એનો છે, નમસ્કાર કરી જુઓને

શિવ અને શક્તિ સાથે જો હોયે, દુમ દબાવી રોગ નાસે રે …..ઓમ

શિવામ્બુ યાને સસ્તું ભાડું સિદ્ધપુરની જાત્રા

શિવામ્બુ યાને ચટ્ટ મન્ગની પટ્ટ શાદી

શિવામ્બુ યાને ઘડપણનો સહારો

શીવામ્બુ યાને ગરીબનો આશરો

તો શાને તમે દેર કરો? થોડું જરા વિચારો.

કોઈ ડોક્ટરનું મન દુભવ્યું હોય તો ક્ષમા યાચું છું. આમાં કોઈને મારી મદદ જોઈતી હોય તો બનતી મદદ કરવા તયારછું. અનુભવનું જ્ઞાન આપવું એમાં મારી ખુશી છે.

સર્વત્ર સુખીન: સન્તુ સર્વે સન્તુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, માં:ક્શ્ચીદ દુઃખમાપ્નુંયાત

ઓમ શાંતિ શાંતિ શાંતિ:

પદમાં-કાન

દુઃખોની બાદબાકી કરીએ ત્યારે સુખ વધે.

ચિદાનંદ કહે ,’તમને કઈક તો અવળું કહેવુ જ પડે ,હું લેઝી ચેરમાં ઝૂ લતા ઝૂલતા સુખમાં મસ્ત રહેવાનો ‘

નિત્યાનંદ ,’આધિ ,વ્યાધિ ઉપાધિમાથી મનને દૂર ખસેડશો ત્યારે સુખ મળશે, સુખ એટલે ખસું ,સંસારથી ખસું ,મારા તારાથી ખસું ,દ્વેષ ,ઈર્ષાથી ખસું ,તમારા નામ પ્રમાણે

ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ‘

ચિદાનંદ કહે ,મારે સન્યાસી નથી થવું ,જો મારા સુખ ગણાવું ,પહેલું સુખ તે જાતે નર્યા ,બીજું સુખ તે કોઠીએ જાર ,ત્રીજું સુખ તે ધેર દીકરા ,ચોથું સુખ તે સુલક્ષણી નાર,

નિત્યાનંદ કહે ,’બઘા સુખને પોટલી બાધીને સેઈફમાં મુકાતા નથી ,એ તો ચંચલ છે,’

ચિદાનંદ કહે ,’આખી જિદગી સપના જોયા સિનયર થઈ ને સુખી થઈશ,હવે તમે કહો છો સુખ ચંચલ છે.તમે રસ્તો બતાવો શું કરવાનું ?’

નિત્યાનંદ ,’વરિષ્ઠ નાગરિકે સુખ તરફના  પ્રયાણમાર્ગે માયા મમતાના કંટકો દુર કરવાના છે,પોતાની દ્ષ્ટિ છોડી બીજાની નજરે જગતને જોવાથી દુખો ઓછા થઈ જાય છે.’

ચિદાનંદ ,’આતો તમે ગૂગલના ચશ્માંએ જોવા જેવી અજાયબ વાત કરી ,હવે  આ લેઝી ચેરમાં ના  બેસી રહેવાય ,મારે કોઈની અપેક્ષા રાખ્યા વગર ,સૌ પ્રત્યે હમદર્દી રાખીને ,માયાના બોજને હળવો કરીને સુખના માર્ગે મહાપ્રયાણ એ જ કલ્યાણ  .’

સૌ વરિષ્ઠ નાગરિકોને જીવનના સોનેરી અવસરની શુભેછા।

વરિષ્ઠ નાગરિકનું સુખ તે જાતે નર્યા(૩) પ્રવીણા કડકિયા

વરિષ્ઠતા  વયના વધારા સાથે તાલ  મિલાવે, એ જો સહજ બને તો જીવ્યું સાર્થક થાય.વયની સાથે શારિરીક સુખ સંકળાયેલું છે. વરિષ્ઠતાને વય સાથે સીધો  સંબંધ છે. એ દીપાવવો તે વ્યક્તિના હાથમાં છે. સમય અને સંજોગ તેમાં મહત્વનો ભાગ ભજવે છે.

જ્યાં વરિષ્ઠતા માત્ર પૈસાના જોરે છે ત્યાં શાંતિ અને સુખનો અભાવ જણાશે !”સુખ ત્યારે અસરકારક હશે જ્યારે જાત નરવી હશે!” ઉપરોક્ત ઉક્તિ સત્ય સભર છે. ખરું પૂછો તો ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ યુક્તિ સહુ માટે સાચી છે. ગમે તેટલું સુખ હોય, પૈસા હોય, મિલકત હોય, રાચરચિલું હોય પણ  જો જાતનું સુખ ન હોય તો એ બધા સુખની કોઈ કિમત નથી.

બેંકમાં થોડી ઓછી બચત હશે તો ચાલશે. જવાબ છે, કરકસર કરીશું. ગાડી નાની, સાદી યા ન પણ હોય ચાલશે. પગે ચાલીશું, બસમાં જઈશું યા કાળી પીળી કરીશું.

દરદથી પીડાતું તન હશે તો ચાલશે?  ખાઈન શકાતું હોય તો ચાલશે? ઉંઘ ન આવતી હોય તો શુ? ગોળીઓ ખાઈને ઉંઘ મેળવવી એ શું સૂચવે છે? જ્યારે માનવે બીજા મનવના દિલ ઉપર હકૂમત પ્રેમથી મેળવી હશે તે વરિષ્ઠતાના પાયા ખૂબ મજબૂત જણાશે.

વયોવૃદ્ધ માતા અને પિતા ,બાળકો પાછળ ફના થઈ ગયા હોય. એ બાળકો જ્યારે સમૃદ્ધિની છોળમાં રાચી માતા અને પિતાની અવગણના કરે એ દૃશ્ય વરવુ લાગે.  બીજી બાજુ એવા સમયે માતા અને  પિતા જો પૂજાતા હોય તો વરિષ્ઠતાનો આનંદ ચરમ સીમા ને આંબતો જણાય. એમાંય જો માતા અને પિતા સ્વતંત્રતા પૂર્વક હરી ફરી શકતા હોય તો સોનામાં સુગંધ ભળે.

વયોવૃદ્ધતાને આરે પહોંચેલો આજનો માનવ ખુલ્લું મન અને ઉદારતાને વરે તો પાછળની જીંદગી ખૂબ સુખમય બને. સંકુચિત મનોવૃત્તિ અને સ્વાર્થ જીવનમાં અસંતોષ ફેલાવે છે. તેને માટે સંપૂર્ણ જવાબદારી સ્વિકારવી યથાયોગ્ય છે.

એક માજી ૮૦ વર્ષની ઉમર અને ચાર દીકરા હોવા છતાં કોઈ દીકરો તેમને રાખવા તૈયાર નહી. કેવી શરમ જનક વાત. લખતાં પણ મારા હાથ ધ્રુજે છે. મને લાગણી થવાથી તેમની સાથે હમદર્દી પૂર્વક વાત ચાલુ કરી. માજીનું સ્વાસ્થ્ય આ ઉમરે પણ સરસ હતું. તેમનો હસતો ચહેરો ખૂબ આકર્ષક લાગે. મુખ ઉપર કદી નિરાશાને ફરકવા ન દે.  માજીનું સ્વાસ્થ્ય આ ઉમરે સારું કયા કારણ સર હતું એ પ્રશ્ન મગજમાં ઉઠ્યા વિના નહી રહે. હાથ કંગનને  અરીસાની જરૂર ન હોય. દરરોજનું નિયમિત જીવન. ભલે આખી જીંદગી ‘યોગ’ના આસન ન કર્યા હોય પણ વરિષ્ઠતા ને આંગણે આવી ઉભા હોઈએ ત્યારે પ્રાણાયામના ફાયદા નરી આંખે જોઈ શકાય છે . કાંઈ નહી તો ધ્યાનમાં જરૂર બેસે. જેને કારણે પરમ શાંતિનો અનુભવ થાય. જીવનમાં ચેતનાનો સંચાર  થાય.

દરરોજ સવારે મળસ્કે ઉઠી ધ્યાનમાં બેસવું. મગજને શાંત કરી  એકાગ્રતા કેળવવી. શ્વાસ અને ઉચ્છવાસનું અવલોકન કરવું.  આંખો બંધ કરી મનના ઉંડાણમાં ડૂબકી લગાવી ઈશ્વર અર્પિત  માનવ શરીરને નિહાળવું. ખૂબીની વાત તો એ છે કે જન્મ ધર્યો ત્યારથી શ્વાસ લઈએ   છીએ પણ કેટલા   બેદરકાર છીએ. કદી તેના પર ધ્યાન કેંદ્રિત કર્યું નથી!  જગ જાહેર છે કે શ્વાસ લેવાનું અટકી જાય તો તેનું પરિણામ શું આવે?

સંયમ અને સમજ, હકારાત્મક વલણનું પરિણામ છે. તેમાં જ્યારે સ્ફૂર્તિલી નરવી તબિયત સાથ આપે તો શેષ જીવન ખૂબ શાંતિમય બને તેમાં શંકાને સ્થાન નથી. એ ક્યારે શક્ય બને જ્યારે ખાવા અને પીવામાં સંયમ હોય. સ્વાદિષ્ટ્ને બદલે પૌષ્ટિકને મહત્વ આપતા હોઈએ!  પચવામાં હલકો ખોરાક, તાજા શાક   અને ખિસાને પરવડે તેવા ફળફળાદીનો ઉપયોગ. જેને કારણે કુટુંબની સુખ અને શાંતિ જળવાઈ રહે. મરવાને વાંકે પાછળનું જીવન જીવવાના કપરા દિવસો ન આવે.

૨૧મી સદીમા એટલું તો ચોક્કસ કહેવું પડશે વરિષ્ઠતાને આરે ઉભેલો માનવ વિચારતો થયો છે. જડતાની જગ્યા સમજ્ણે લીધી છે.  વિશાળ વાંચન અને સુંદર અભિગમ દ્વારા તેને સત્ય અને પ્રેમની સાચી પરખ જણાય છે. પોતાની તબિયત માટે સજાગતા આવી છે. સાત્વિક ખોરાક , સુંદર વાંચન, જીભ પર સંયમ, યોગ્ય નિયમિત કસરત,સહકાર   અને નિસ્પૃહતા કેળવીએ તો તાકાત છે કોઈ પણ રોગ નજીક ફરકી શકે.

અગત્યની વાત કહેવી જ પડશે. મુખ પર સદા સ્મિત ફરકતું રહે, ઉમર એ માત્ર આંકડા છે. જેને કારણે હમેશા ભારેખમ મોઢું રાખીને ફરવું. ‘હસવું એ તો ઉત્તમ દવા છે’. જેની કોઈ આડ અસર શરીર યા મન પર નથી ! નિરોગી રહેવાની મફત દવા, વરિષ્ઠો કાન ખુલ્લા રાખીને સાંભળો. ‘હસો અને હસાવો.’ જીવનમાં બની ગયેલા જૂના રમૂજી પ્રસંગો યાદ કરી હસો. રોજની જીંદગીમાં ઉમરના તફાવતને કારણે બનતા રમૂજી પ્રસંગોને હસી કાઢો. વગર  પૈસાની દવા તેમજ સલાહ અપનાવવા જેવી !

જ્યાં જ્યાં હજુ પણ અનૈતિકતા અને અનાચાર નજરે પડે છે. ત્યારે લાગે છે શું હજુ પણ આપણે ઠેરના ઠેર છીએ. જીવનના આટલા બધા વર્ષો જીવ્યા કે ખાલી વ્યર્થ ગયા. અરે, જીવન તો જીવ જંતુ અને પ્રાણીઓ પણ જીવે છે. જનમ્યા, ખાધું , પીધું, પ્રજોત્પત્તિ કરી અને મરી ગયા.

જીવન પ્રત્યેનું વલણ, તેમાંથી શિખેલા પાઠ અને તેનું આચરણ એ મહત્વના છે. કાલે શું હતા અને આજે શું છીએ એ ભેદ નરી આંખે દેખાવો જોઈએ.

નિરોગી, નિર્મળ જીવન જીવવું આપણા હાથમાં છે. એ તો ઈશની પ્રસાદી છે જો જો વેડફાય ના !

મારી મિત્ર બાળકો સ્થાયી થયા પછી કદી કોઈ પણ બાબતમાં માથુ મારતી નથી. ખાવા પીવામાં સતર્કતા છે.ચાવીનો ગુચ્છો વહુઓને સોંપી સમાજ સેવામાં પરોવાઈ. જ્યાં જ્યાં મદદની ધા પડે ત્યાં પહોંચી જાય.

વડીલો પોતાના હકારાત્મક વલણ દ્વારા બોલ્યા વગર વરિષ્ઠતા દીપાવતા નિહાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નાનેરાઓ પૂછે ત્યારે પોતાના વર્તન દ્વારા સાચો અભિગમ દાખવે !

બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજૂર પંથીનકો છાયા નહી ફલ લાગે અતિ દૂર વડીલો વડલા સમાન હોય! તમની શીળી છાયામાં નાના, મોટા, પરિવારના કે અજાણ્યા સહુને શીળી છાયા અને બે શબ્દ અસરકારક સાંભળવા મળે! મારા મોટાભાભી બે જમાઈ અને બે વહુના ભર્યા કુટુંબમાં પોતાના હકારાત્મક વલણને કાજે ખૂબ માન પૂર્વક જીવન ગુજારે છે.  જાત અને  તબિયત પ્રત્યે કદી બેદરકાર બન્યા નથી.

વરિષ્ઠતા દીપાવવી, સદાય હરતા ફરતા રહેવાની  અને અંતરના સાદને સુણવાની  ટેવ જીવનને સુખમય બનાવવા જરૂરી છે. દરેકના હાથમાં છે.

← ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ સ્વીકાર (૭) વિજય શાહ

જુની આંખે નવા ચશ્મા (૬) વિજય શાહ →

વરિષ્ઠ નાગરિકનુ સુખ તે જાતે નર્યા (5) તરુલતા મહેતા

સુખનું સરનામું આપો

સુખનું સરનામું હાસ્ય ,સૌ મિત્રોએ વરિષ્ઠ નાગરિકને સુખી થવા માટેની અતિ ઉપયોગી થેરાપી દર્શાવી ,પહેલું   સુખ તે તન (મન) નિરોગી સો ટકા સાચી થેરાપી,મને મનમાં વિચાર આવેલો કે કેટલાક માણસોને શરીરના રોગ હોય તો ય હસતા હોય છે.સૌથી જાણીતા હાસ્ય લેખક જ્યોતિન્દ્ર  દવે શરીરના ખૂબ નબળા હતા ,એમને શરીરની જાતજાતની ઉપાધિઓ હતી.

પણ ઉત્તમ હાસ્ય લેખક હતા,તક મળે એમના લેખો વાંચશો તો તબિયત સુધરી જવાની ગેરંટી  .ભગવતીકુમાર શર્માને હું આત્મીયયતાથી જાણું છુ ,એમની નબળી આંખો અને નાજુક તબિયત છતાં ‘નિર્લેપ’ની કોલમમાં ‘ગુજરાત મિત્રમાં કટાક્ષયુકત હાસ્યથી લોકોને હસાવે છે વિનોદ ભટ . રઈશ મણીયાર અશોક દવે ,રવીન્દ્ર પારેખ વગરેના હાસ્ય લેખો વાંચવાથી અને ,કોમેડી સીરીયલો જોવાથી દિન પ્રતિદિન ટામેટા જેવાં લાલ ગાલ થાય છે. બીજા કેટલાક જાણીતા માણસો બીજાને હસાવે પણ મનથી રોગી હોય પોતાના જીવનના દુઃખને સહન કરી શકતા નથી.

તાજેતરમાં રોબીન વિલ્યમ્સના કરુણ અંતની વાત આપણે સૌ જાણીએ છીએ.એટલા માટે મેં તનની સાથે મન શબ્દ મૂક્યો છે.હસવાથી શરીર અને મન બન્ને પુષ્પની જેમ ખીલે છે.આપણી ભાષાનો ‘ફુલ ‘શબ્દ જો હું વાપરું તો તમને જરૂર થાય કે અમથા હસવાની વાત કરનાર પોતે  ફૂલ ( fool) છે,અને વાચકને ફૂલ બનાવે છે,સન્નારીઓ અને સજ્જનો હસીને ,કારણ વગર હસવાથી ફૂલ જેવા હળવા થઈ જવાય.

પ્રજ્ઞાબેનનો ‘અરર ‘હાસ્ય લેખ વાંચી હસો કે કલ્પનાબેનની ‘અરર ‘ ભગવાન ઉપરની પેરોડી વાંચી હસો તબિયત સુધરશે  .મેં હાસ્યની ક્લબ જોઈ ,કારણ વિના  હસીને લોકો નીરોગી રહે છે.હાસ્યની થેરાપી ખાસ કરીને  સિનયર માટે અકસીર છે.કારણકે આપણે વડીલ એટલે આપણને હસતાં જોઈ કુટુંબીજનોને શાંતિ ,કોઈ કહેશે ગાંડા ગણે ,ડાગળી ચસકી ગઈ માને તો ! હોટેલના રૂમની બહાર ડોન્ટ ડીસ્ટર્બ નું બોર્ડ લટકાવી દેવાય તેવું કરવાનું અથવા ‘હાસ્યનું સેસન ચાલે છે,’ એવું બોર્ડ લટકાવી દેવાનું ,બગીચામાં બે ચાર મિત્રો ભેગા થઈને હસવાનો પ્રોગામ કરતા હો તો બોર્ડ માદળિયાની જેમ ગળે લટકાવી દેવાનું,

જો ધણા બધાં ભેગા થઈ એલીઝાબેથ લેકના ગાર્ડનમાં હાસ્યની પિકનીક કરતા હો તો રોડ કન્સ્ટ્રકશન ચાલતું હોય ત્યારે ઓરેજ કલરનું બોર્ડ હોય છે,તેવું ‘લાફીગ ક્લબ’નું બોર્ડ રાખવું ,લોકો ભલે સ્લો મોશનમાં જતા તમારે’ હાય સ્પીડ’માં હસતા રહેવાનું  .આ કાઈ નવી થેરાપી નથી ,ઠેર ઠેર હાસ્ય ક્લબો ચાલે છે,મેમ્બર હો તો અભિનન્દન,નવા મેમ્બર હોશથી આવકારવામાં આવે છે.મને લાફીગ કલબના મેમ્બર થવાની તક કેવી રીતે મળી તેની વાત કરું   .

તાજેતરમાં ભારત ગયેલી.શિયાળાના દિવસો હતા ,સવારે અમદાવાદના લોં ગાર્ડનના વિસ્તારમાં ફરતા બગીચામાં ગઈ, મોટાભાગના જેમાં સીન્યર હતાં તેવું  એક ગ્રુપ પવનમાં ડોલતાં વુક્ષોની જેમ હસી હસીને ઝૂમતા હતા,અરે,કેટલાક તો હસતાં હસતાં બેવડા વળી જતાં હતાં,’હો હો આહા આહાહા ‘,એવા હાસ્યના પડધાથી બગીચામાં આનંદની રેલમછેલ થતી,પછી તો એ  હાસ્ય સંગીતમાં બગીચામાં ફરતા કેટલાય લોકો આપમેળે જોડાયા, સૌ પોતાનો સૂર દિલખોલીને હાસ્યથી પૂરાવતા હતા.હું અનાયાસે એમાં જોડાઈ ગઈ,બસ પછી તો ખુલ્લા મોએ ,ખિલખિલાટ ,આંખમાં પાણી આવી જાય ,એવું  હા,હા,હા હાસ્યનો સાગર મોજાં છલકાવતો રહ્યો,કલાકેક હાસ્યમાં તરબોળ સૌએ હસતા હસતા વિદાય લીધી.હાસ્યની એ ક્લબ હતી ,એમાં જોડાવાનું ફ્રી અને ઢગલાબંધ હસવાનું ફ્રી ,હાસ્ય કલબના નિર્માતા એક ડોક્ટર હતા ,એઓ સિનયર હોવા છતાં યુવાનની જેમ દોડત્તા અને હસતા હતા.તમને થશે શું હાસ્ય વુદ્ધ હોઈ શકે ! હા.,ખોખલું કે માંદલું હાસ્ય, તે ફાટેલા જૂના પહેરણ જેવું ,પ્યાલાબરણીવાળી મો બગાડી ફેકી દે,અમેરિકામાં સીધું ગારબેજમાં પધરાવવાનું, પણ  બોખા મોએ નિર્દોષ બાળક જેવું હસતાં દાદા દાદીને જોઈ ફોટો પાડી લેવાનું મન થાય.લો ,હવે તો આઈ ફોન હાથમાં જ છે.સૌ ગ્રાંડ પેરેન્ટ્સ જલેબી ફાફડા ખાતા હોઈએ તેવું હસીએ  .અમદાવાદના એ ડોક્ટર ધૂમ કમાણી કરતા હતા.ડોક્ટર હતા એટલે નિરોગી રહેવાની દવાઓ પોતાના જ  પ્રિસ્ક્રીપ્શનથી લેતા હતા,પણ એક છુપા ચોર જેવા  ટેન્શન નામના  રોગે  સ્ટ્રોક આપીને એમને હોસ્પિટલ ભેગા કરી દીધા ,હોસ્પીટલમાં એમના એક  રમુજી મિત્ર જોક્સ કહેતા,ડોક્ટરને હસવું આવતું ,સારું ફિલ થતું,પહેલાં પ્રેકટીસમાં બીઝી હતા ત્યારે તેમને જોક્સ સાંભળવાનો ટાઇમ નહોતો,હોસ્પિટલમાં જોક્સ સાભળીને એમનું મન હળવું થઈ જતું  ,નર્સ આવીને બી.પી.માપતી ત્યારે નોર્મલ આવતું.ડોક્ટરને સમજાઈ ગયું કે આ ચમત્કાર હાસ્યનો જ છે.એમને  જોક્સ વાચવા,કોમેડી શો જોવા ,કોમેડી મુવી જોવાનો શોખ લાગ્યો। હસવા અને હસાવવા માટે લાફીગ ક્લબ બનાવી ,છેલ્લા દસ વર્ષથી લાફીગ ક્લબ ચાલે છે.વકીલો ,ડોકટરો ,બીઝનેસ કરનારા સ્ત્રીઓ પુરુષો ,નાના ,મોટા સોં કોઈ હસી હસીને રોગને ભગાડે છે.અમદાવાદમાં હતી ત્યાં સુધી મેં હસવાનો લાભ લીઘો હતો.ધરમાં ભાઈ ભાભી બધાને હસવાનો ચેપ લાગેલો ,ભાભી ,ભાઈ સવારે બગીચામાં લાફીગ ક્લબમાં આવી શકતા નહિ સાંજે નિરાંતે અમે લાફીગ સેશન રાખતાં ,બહાર ડોર ઉપર બોર્ડ લટકાવેલું નહિ ,ડોર બેલની સ્વીચ ઓફ કરી દીધેલી ,તે દિવસે એવું બન્ત્યું કે અમારા કરસનમાસા વઢવાણથી નોટીસ વગર મળવા આવેલા।બહારથી ડોર બેલનું બટન દબાવ્યા કરે ,અમારું હાસ્યનું સેશન અંદરના બેડ રૂમમાં ‘હા હા હીહી ‘એમ પુર જોશમાં ચાલતું હતું,’હસો રે હસો ,મીટ જાએ ગમ ‘,અમે હસવામાં જાતને ભૂલી ગયાં હતાં ,દુનિયાનું  દુખ ભૂલી ગયાં હતાં ,બહાર કરસનમાસા રાહ જોઇને થાકી ગયા ,ઘરના કકળાટથી કંટાળી કરસનમાસા બે ઘડી બેસવા અમદાવાદ અમારે ત્યાં આવેલા ,કેટલીક વાર એમની બે ઘડી બે દિવસ ચાલતી ,છેવટે એમની ધીરજનો  અંત આવ્યો ,નીચે જઈ ચોકીદારને કહે સાત નમ્બરમાં મારો ભાણો બહાર ગયો નથી ,એની ગાડી છે,તો બારણું કેમ ખોલતા નથી.ચોકીદારે  ઉપર આવી ડોર બેલ રણકાવ્યો ,અમારું હાસ્યનું સેશન પૂરું થયું હતું।બારણું ખોલ્યું તો કરસનમાસાનો કાળી શાહી પડી હોય તેવો દુઃખી દુઃખી ચહેરો જોયો,અમે તો હાસ્યની મદીરા પીને ડોલતા હતા.માસા મો ચઢાવી સોફામાં ઉભડક બેઠા,અગ્નિમાંથી ધૂમાડો નીકળે તેમ બોલ્યા ,’ઘરનાને કે સગાંને કોઈને મારી પડી નથી ,આ હું કાંકરિયામાં ડૂબકી મારવા ચાલ્યો ,’પણ ગયા નહિ ,ચા નાસ્તો આરોગી ઠંડા થયા.તેમણે પૂછ્યું ,’આજે તમે બધા ‘ખી ખી ‘હસ્યા કેમ કરો છો! ભાંગ વાટી હોય તો મનેય પરસાદી આપો ,’ અમે કરસનમાસાને લાફીગ ક્લબનું સરનામું આપ્યું ,એમની તબિયત સુધરી ગઈ ,વઢવાણ માસીને મળવા ઉપડી ગયા.હાસ્ય એન્ટાઈઓક્સી ડનટ છે.દુઃખના વાયરસને ભગાડે છે.એની સાઇડ ઈફેક્ટ જાણમાં નથી ,એનો ડોઝ પોતાની મેળે નક્કી કરવાનો ,સવાર ,સાંજ લઈ શકાય ,ધરના સાથે ,મિત્રો સાથે ગમે ત્યારે છુટથી લેવાય,તમારા  હિસાબે ને જોખમે,

‘સુખને નાની ક્ષણમાં જીવો ,શાને માણસ એને ગોતે? જેનું સરનામું એ પોતે ‘

(હસવામાં કવિનું નામ ભૂલાય ગયું છે.)

મિત્રો હાસ્ય થેરાપી પછી મારી તબિયત ઘોડી જેવી (મર્દ હો તો ઘોડા જેવી) થઈ ગઈ છે,હું થનગનાટ કરતી પનામા ક્રુઝ માં ઉપડું છુ ,તમને હાસ્યના સંદેશા મોકલીશ.

તરુલતા મહેતા 20મી સપ્ટેમ્બર 2014.

વરિષ્ઠ નાગરિકનુ સુખ તે જાતે નર્યા (૬)-વિજય શાહ

‘વધતી ઉંમરે મહદ અંશે બે જ વિચારો આવતા હોય છે. એક તો ખાટલે પડીશ તો મારું શું થશે?  બીજો વિચાર મૃત્યુ થયા પછી આ બધું અહીં છોડીને જવુ પડશે ! નવા જન્મ સમયે કોણ જાણે ક્યાં હોઇશું?

મૃત્યુ  પછી શું થશે એ વિચાર તો નકામો છે. એ વિશે લખાયેલું કે વંચાયેલુ  ફક્ત ધારણાઓ  છે. પણ ખાટલે ન પડવું હોય અને જાતે નર્યા રહેવું હોય તો, તે એક આરાધના છે.   ખરી રીતે  નિવૃત થયા પછી ખરા હ્રદયથી આરાધવાની હોય છે. જે શરુ થાય છે ખાનપાનમાં વિવેકથી.

આપણે ઘણી વખત એવું માનતા હોઇએ છે કે નિવૃત્તિ એટલે ખાવું, પીવું અને મઝા કરવી. હકિકતમાં  કમ ખાવું, ખુબ પાણી પીવું અને બીજાને મદદ કરી મઝા માણવી એ સાચો અર્થ થાય છે. કહે છે જો જિંદગીને સરસ રીતે જીવવી હોય તો જીવવા માટે ખાવું. ખાવા માટે નહીં જીવવું. ખાવું એટલે મિષ્ટાન્ન, મદ્યપાન અને અત્યંત મસાલા યુક્ત ખાવાનો ત્યાગ.  વિદુરની ભાજી જેવું હલકુ ફુલકુ ખાવું. આ વાત આવે અને મારો મિત્ર રસિક બોલે ‘યાર, આખી જિંદગી તો ઢસરડા કર્યા હવે મઝા કરવાની ઉંમરે તું સાદુ અને સાધુ જીવન જીવવા કહે છે? મને તો ટાણું મળે્ ત્યારે વાલની દાળ  અને માલપુઆ જોઈએ. રોજ મગસ કે મોહનથાળની  એક બે લાડુડી ન ચગળું તો  દિવસ કોરો ધાકોર લાગે.

મારે હસતા હસતા કહેવું પડે, “યાર તું , તારા કુટૂંબ માટે અને તારે માટે પણ દુઃખનું પડીકુ થવાનો !  તારા ડોક્ટરો માટે સોનાની ખાણ.”

“કેમ શ્રાપ આપે છે?”

” શ્રાપ નહીં ,હું  તારું ભવિષ્ય જોઇ રહ્યો છું. આટલુ બધું ગળ્યું ખાઇ ને તું પચાવાવા  કાજે દોડવા તો જવાનો નથી, ખરુંને?”

” હાસ્તો !આવું ખાધા પછી આફરો ચઢે જે  બપોરની બે કલાક્ની ઉંઘ પછી હળવો થાય ?”

” આવો ખાઇ પીને તૈયાર થયેલ બકરો ડોક્ટરો, લેબોરેટરીવાળા અને સ્પેશીયાલીસ્ટો માટે પાકું ફળ.  ઘરમાં શરૂ થાય દીકરા અને દીકરીઓ માટે હોસ્પીટલનાં આંટાફેરા. તમારે માટે ખાવાનું બંધ.સવાર અને સાંજ સોયો ખાવાની શરૂ !”

રસિકને મારી વાતો કડવી લાગી પણ તે વિચાર કરતો  થઇ  ગયો. તેથી મેં મારા લાગણીઓનાં ભાથામાં સંઘરેલું રામબાણ કાઢ્યું. મેં કહ્યુ.” જો તારે સુખ ભોગવવું હોય અને સંતાનોને પણ દુઃખ ના આપવું હોય તો સમજી જા, વરિષ્ઠ નાગરિકનું સુખ તે જાતે નર્યા !  જો તમે જાતે નર્યા તો ડોક્ટરોનાં ઘરે જનારું ધન વારસા રુપે પૌત્ર અને પ્રપૌત્રો પાસે જશે ! સમજ્યો?”

એણે હકારમાં માથુ ધુણાવ્યું એટલે હું બોલ્યો.”જો ભારતમાં હો કે અમેરિકામાં ઘી નો ઉપયોગ ભગવાન નો દીવો કરવા સિવાય ક્યાંય નહી કરવાનો. વળી એટલું સમજ કે સાત વસ્તુઓનો ત્યાગ એટલેકે ખાંડ, મીઠુ, મેંદો તેલ, પ્રીઝેરવેટીવ, કત્રિમ સ્વાદ- કૃત્રિમ રંગ અને શરાબ. આ બધા સ્વાદ તો આપે છે પણ તેની કુટેવ પણ પાડે છે.

એટલે રસિક બોલ્યો,’ યાર તુ તો બધું  ખાવાની ના પાડે છે તો પછી ખાવાનું શું?’

‘ તેં કદી આવું બધું ખાતા કોઇ પણ પ્રાણી કે પંખી ને જોયા છે? નહીંને? બસ તેમની જેમ જ ફણગાવેલા કે બાફેલા કઠોળ, ફળ ફળાદી અને બહુ પાણી ભરેલા શાક્ભાજી તાજા અને કુદરતી સ્વરૂપમાં કે બાફીને ખાવ. શરુઆતમાં અઘરુ લાગશે પણ મન મક્કમ તો શરીર તંદુરસ્ત! સમજ્યા રસિક્ભાઇ ?

← જૂની આંખે નવા તમાશા – ડો.લલિત પરીખ

શ્રધ્ધા-અંધશ્રદ્ધા-આસ્થા →

વરિષ્ઠ નાગરિકનું સુખ -જાતે નર્યા (7)-ડૉ ઇંદુબહેન શાહ

આ વાંચતા જ મને નાનપણમાં દાદીમાં પાસેથી શીખેલ કહેવત યાદ આવી ગઇ.

પહેલું સુખ-તે જાતે નર્યા,

બીજું સુખ તે પાઠે વિદ્યા,

ત્રીજું સુખ તે ગાંઠે નાણા,

ચોથું સુખ તે  દીકરા ડાહ્યા.( કહ્યાગરા)

આપણે તો ફક્ત પહેલા સુખ વિષે વાત કરવાની છે,પોતાના સ્વાસ્થયની સંભાળ પોત જ રાખવાની હોય છે, આજના જમાનામાં દીકરા દીકરી નોકરી ધંધા અર્થે દૂર રહેતા હોય છે, અવાર નવાર ખબર કાઢવા આવે, પરંતુ કોઇને કાયમ સાથે રહેવાનો સમય નથી હોતો.

પચાસ વર્ષ પૂરા કર્યા પછી ખાસ ધ્યાન રાખવું જરૂરી છે,ચાર સફેદ વસ્તુઓ બને ત્યાં સુધી ઓછી ખાવી,આ ચાર ખાદ્ય પદાર્થ આપણા ગ્રોસરી લીસ્ટમાંથી જો રદ કરીશું, તો મોટી ઉમરમાં થતી બિમારી હાઈ બ્લડ પ્રેસર, ડાયાબિટીસ, હાય કોલેસ્ટ્રૉલ વગેરેથી દૂર રહીશું.આ ચાર વસ્તુ તે મેંદો, માખણ, મીઠું, ખાંડ.સાવ બંધ ન થઇ શકે તો તેનો વપરાસ ખૂબ ઓછો કરવો, બને તેટલા લીલા તાજા સાકભાજી તથા તાજા ફળોનો વપરાસ વધુ કરવો, આમ કરવાથી ખોરાકમાં ફાયબરનું પ્રમાણ વધશે અને કોલેસ્ટ્રૉલનું પ્રમાણ ઘટશે,અને સૌથી વધુ ફાયદો જે મોટી ઊમરમાં ખૂબ પ્રચલિત બિમારી છે તે કબજીયાતમાં થશે, હાઈ ફાયબર કબજીયાતની અક્સીર દવા છે.અમારા મેડિકલ કોલેજના એક પ્રોફેસર હંમેશા તેમના પ્રથમ લેકચરમાં એક વાક્ય બોલતા જે મને આ લેખ લખતા યાદ આવ્યું, ( First 50 years you live to eat, after that you eat to live) પહેલા પચાસ વર્ષ તમે ખાવા માટૅ જીવો, ત્યાર બાદ તમારો ખોરાક ઘટાડો, ફક્ત જરૂર પૂરતો જ લેવાનો જેથી અપચો, ગેસ, ડાયાબિટિસ, હાઇ કોલેસ્ટર વગેરે થાય નહીં,અને કદાચ વારસાગત આવી બિમારી પચાસ વર્ષ બાદ આવે તો તેને સાત્વિક ઓછા ખોરાકથી નિયંત્રીત ( કંટ્રોલ) કરી શકશો.

પચાસ વર્ષ બાદ જીવનમાં નિયમિતતા ખૂબ જરૂરી છે.રોજ સવારે વહેલા ઊઠી યોગાસન કરવા,બધા ન થઇ શકે તો ફક્ત બે વખત સૂર્ય નમસ્કાર કરવાથી પણ ફાયદો થશે, શરીરના સ્નાયુઓ અને સાંધાને કસરત મળશે,બની શકે તો પદ્માસન, સુખાસનમાં બેસાય ત્યાં સુધી બેસવું એકાગ્ર ચિત્ત કરી ઇષ્ટ દેવનું સ્મરણ કરવું. ઋષિ પાતન્જલીએ દર્શાવેલ અસ્ટાંગ યો્ગની પ્રેકટિસ કેળવવાથી સ્વાસ્થય રોગ રહિત રહે તેમાં જરા પણ શંકાને સ્થાન નથી.આ અષ્ટાંગ યોગ એ ઋષિએ દર્શાવેલ આઠ પગથીયા.

યમ, નિયમ,આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ.

આ યમ અને નિયમ એ તમારી આંતરિક શિસ્ત (ડીશિપ્લીન) વ્યક્ત કરે છે.યમના પાંચ સિધ્ધાંત સમજવાના છે અને જીવનમાં ઊતારવાના છે.તે અહિંસા, અસ્તેય, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ.

નિયમ, આપણામાં રહેલ આળસ (ઇનર્સીઆ) દૂર કરે છે,જીવનમાં અમુક નિયમ હોવા જરૂરી છે, વહેલા ઊઠવું નાહી, પૂજા પાઠ કરવા, અમુક દિવસે ઉપવાસ કરવો, મૌન વ્રત રાખવું વગેરે નિયમ એ ઇશ્વર ભક્તિ તેનાથી અંતકરણ શુધ્ધ થાય છે.

પ્રાણાયમ શરિરને પ્રાણ (એનર્જી) આપે છે,ઊંડા શ્વાસોચ્છશ્વાસની ક્રિયાથી મન મજબુત બને છે અને પ્રત્યાહાર સરળ બને છે,અને મન (સેન્સ ઓરગન)થી મુક્તિ પામે છે અંતરમુખ બને છે.

આ રીતે મક્કમ મન ધારણા, ધ્યાન અને સમાધિ માટે યોગ્ય બને છે.ધારણા એટલે એક મંત્રનું રટણ, (સીંગલ પોઇન્ટેડ), લાંબા સમયના ધારણા ધ્યાન બનશે. ધ્યાન મંત્ર પણ સાધ્ય (ડીસોલ્વ) થશે અને જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એક બનશે તે તબક્કો(સ્ટેજ) સમાધિ-(એ સ્ટૅટ ઓફ ટૉટલ અબસોર્બસન,)જ્યારે ભગવાન અને ભક્ત એક બની જાય.

લાંબુ રોગ રહીત જીવન માટે પાંચ H જીવનમાં ઊતારવા જરૂરી છે, આ પાંચ એચ તે Health, Happiness. Humanity, Honesty and Hamony

પહેલા એચ હેલ્થની વાત આપણે કરી, હવે બાકીના ચારની વાત કરીશું.

H #૨ Be Happy  પર વિચારીએ ઉપર જણાવ્યું તેમ પહેલુ સુખ તંદુરસ્તી, શરીર સારુ હોય તેના જેવો બીજો કોઇ મોટો આનંદ જીવનમાં નથી. આપણે ખુશ હોઇશું, તો બીજાને ખુશ જોઇ શકીશું, બીજાને ખુશ રાખી શકીશું અને આપણી ખુશી સહુમાં વહેંચતા રહીશું .આમ એક વ્યક્તિનો આનંદ ઘણાને આનંદ બક્ષી શકશે. આનાથી વધારે ઉત્તમ કાર્ય શું હોઇ શકે?

Be Happy, Stay Happy,

Make everybody Happy.

હવે # ૩ Humanity એટલે માનવતા

નાત, જાત, ધર્મ, દેશ, પ્રાંત આદી ભેદ ભુલી બધાની સાથે પ્રેમ ભર્યો વ્યવહાર કરીએ  તો દુનિયાભરમાં वसुधैव कुटुंबकम ’ની ભાવના ફેલાતા વાર નહી લાગે.પ્રાંત,પ્રાંત  દેશ, દેશ વચ્ચેની સીમાઓનો ઝગડાઓનો અંત આવશે.

હવે # ૪ Honesty એટલે પ્રમાણિકતા પર વિચારીએ આપણે આપણા સગા સંબંધી સાથે સહ કર્મચારીઓ  સાથે કે મિત્રો સાથે પ્રમાણિક વ્યવહાર કરીશું તો કોઇને એકબીજા સામે ફરિયાદ કરવાની

નહી રહે. આમ બધા પ્રમાણિક રહેશે તો તેની અસર રાજ્યમાં થશે, રાજ કારણમાં પણ પ્રમાણિકતા જરુર ફેલાશે. એક રાજ્ય સારુ બનશે ધીરે ધીરે બધા રાજ્યો સારા બનશે , દેશ આખો સારો બનશે, અને વિશ્વભરમાં પ્રમાણિકતા  ફેલાતી રહેશે,અને જ્યારે વિશ્વ આખુ માનવતા, પ્રમાણિકતાના પગલે ચાલશે ત્યારે..સહુ હળી મળીને રહેશે.સુમેળ

# ૫ Harmony  (સુમેળ)  સહુ કોઇ અનુભવશે,વિભુએ બક્ષેલ પંચ મહાભુત, આભ, વાયુ, અગ્નિ, આપ(પાણી), પૃથ્વીને જડ, ચેતન સર્વ સાથે માણી શકશે.

← સુખ એટલે…પ્રણવ ત્રિવેદી

ગમતા નો કરીએ ગુલાલ-સુખ એટલે શું ? →

“વરિષ્ઠ નાગરિક્નું સુખ જાતે નર્યા”(7) રાજુલ શાહ

નવનીત અમીન.

નામ એમનું નવનીત અમીન. અમીન એટલે મનમાં એક ચોક્કસ ઇમેજ ઉભી થાય અને એ ઇમેજમાં બંધ બેસે એટલુ મક્કમ મનોબળ.

જીવનના નવમા દાયકાની શરૂઆતના આરે ઉભેલા આ નવનીત અમીનનું શરૂઆતનું જીવન જરાય સ્થાયી જ નહી. બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર એટલે ટ્રાન્સફરેબલ જોબ.  કદાચ મુંબઇથી શરૂ થયેલી આ સફર લખનૌ , કાનપુર , બરોડા , લંડન અને આફ્રિકા સુધી લંબાઇ અને ત્યાંથી સીધા અમેરિકા.

અમેરિકા આવીને શૂન્યમાંથી સર્જન કરવું એટલું સહેલું નહોતું પણ એ ય કરી બતાવ્યું. બ્લિમ્પી , સબ વૅ થી શરૂ કરીને ડેયઝ ઇન મોટેલ , ગેસ સ્ટેશન. ક્યાંથી ક્યાં પહોંચ્યા !

આ બધું જ ખુબ સફળતાથી પાર પાડ્યુ .  એ બધી વાત થઈ જુવાનીના જોમની. પણ જુવાની ઓસરતી જાય એમ જોમ પણ ઓસરતું જાય ને ?

ના ! એમની વધતી જતી ઉમર સાથે એમનું જોમ પણ જાણે વધતું ગયુ. હા ! બીઝનેસ દિકરાઓને સોંપીને લગભગ રીટાયર થઈ ગયા. ઉંમર વધવાની સાથે શારીરિક તકલીફો પણ વધતી ગઈ.  હાર્ટ એટેક, બાય પાસ સર્જરી, બે સ્ટેન્ટ પછી ફરી બીજા બે બ્લોક થયાની જાણકારી પછી ય મનમાં કોઇ ઉદ્વેગ કે ચિંતા નથી. સર્જરીની જરૂર પડશે તો એ પણ કરાવી લેવાશે એવી નિશ્ચિંતતા સાથે આજે પણ એ જ સ્વસ્થા ધારણ કરીને ફરી રહ્યા છે. થોડા ઘણા અંશે કિડની પ્રોબ્લેમ અને આટલું ઓછું હોય એમ પાર્કિન્સન્સ. હાથે બળવો પોકાર્યો હતો એ બળવામાં  જાણે પગે પણ સાથ આપ્યો. ઢીંચણના પ્રોબ્લેમના લીધે ની રિપ્લેસમેન્ટ કરાવવાની જરૂર ઉભી થઈ. ૮૫ વર્ષની ઉંમરે એ પણ કરાવી લીધી

કોઇપણ પ્રોબ્લેમ સામે એમનો એક જ સાદો અને સરળ જવાબ. “થાય , શરીર છે, કઈકનું કંઇક તો થવાનું જ ને? એનાથી ગભરાવાના બદલે એનો ઉપાય કરવાનો”

કોઇને એમ લાગશે કે આવું તો ઘણા બધાને થાય છે ,આમાં નવું શું છે?

નવું એ છે કે આટ આટલી તકલીફો સાથે પણ એમણે જીવન જીવવાનો રાગ એમ જ યથાવત છે.  કોઇને એમ પણ થશે કે ઉંમર થાય એટલે જીવન પ્રત્યે રાગ છુટી જાય એવું કોણે કીધું? ઘણા વડીલો એવા જોયા છે આટલી ઉંમરે જો આટલી શારીરિક તકલીફો હોય તો એમ જ બોલતા હોય કે ” બસ બહુ થયુ હવે તો ભગવાન ઉપાડી લે તો સારુ” અથવા તો એવી ફરિયાદ કરતા જોયા છે કે ” મેં એવા તો કેવા પાપ કર્યા છે કે ઇશ્વર મને એની આવી સજા આપે છે?”

જ્યારે અહીં તો સાવ જ અલગ વાત જોઇ . ક્યારેય નથી ઇશ્વર સામે કોઇ ફરિયાદ કે નથી ક્યાંય વેદના સામે બળાપો . એટલું જ નહી આવી વેદનાઓ સાથે પણ જીવન જીવવાનો મોહ મરી નથી પરવાર્યો. ..જીવવાનો મોહ હોવો અને  જીવન સરસ રીતે જીવી જાણવા વચ્ચે ઘણો ફરક છે. નવનીતભાઇ આજની ક્ષણે પણ જીવન જીવી જાણે છે. એ જ ખુમારી અને એ જ ખુદ્દારી સાથે હરેફરે છે. આજે પણ પાર્કીન્સન્સ સાથે જાતે ડ્રાઇવ કરીને અમેરિકામા ફરે છે. એટલું જ નહી છેલ્લા વર્ષ સુધી ઇન્ડીયાની મુલાકાત પણ લેવાની અને ઇન્ડીયા જતા બીજા દેશોની પણ મુલાકાત લેવાની એ વણલેખ્યો નિયમ પણ તુટ્યો નહોતો.

કોઇએ ઉભા કરેલા હાઉ સામે ડગે એ બીજા. ક્યારેક કોઇ એમ પુછે કે આવી તબિયતે આમ ફરો છો અને રસ્તામાં કે બીજા દેશમાં હશો અને કંઇ થયું તો ?

સરસ મઝાનું સ્મિત આપી એ કહેતા ” તો શું થઈ ગયું? આવ્યા છીએ તો એક દિવસ જવાનું તો છે જ ને? અહીં કે બીજે ક્યાંય નિમિત્ત હશે એમ થશે. એમ કઈ ડરીને થોડું જીવાય છે?”

જેમ જેમ એમને શારીરિક તકલીફો ઉભી થતી ગઈ એમ એમ એ નવા નવા પડકારો ઝીલતા ગયા. બાય પાસ સર્જરી પછી પણ હરવા ફરવાનું જોમ જરાય  ઓસર્યુ નહીં. મનમાં આવ્યું ઇન્ડીયા રહેવું છે અને ઉપડ્યા ઇન્ડીયા. સરસ મઝાનો ફ્લેટ રાખીને રહેવાનો નિજાનંદ પણ માણી લીધો.

પાર્કીન્સન્સને નાથવા પેઇન્ટીંગ શરૂ કર્યુ અને એક પછી એક સરસ મઝાના  સ્કેચથી એમની સ્કેચબુક ભરાતી ગઈ. પેન્સીલ સ્કેચથી શરૂ કરેલી ચિત્રકામની આરાધના કેન્વાસ પર ઓઇલ પેઇન્ટ સુધી પહોંચી. વળી પાછો જીવ ઉપડ્યો અને આવી ગયા અમેરિકા પાછા.સાધુ તો ચલતા ભલાની જેમ નવનીતભાઇ તો ફરતા ભલા.

આજે પણ એ એમની મસ્તીથી મિત્રવૃંદને મળવાનું, પેઇન્ટીંગ કરવાનુ ચાલુ જ છે અને હા એમાં એક બીજો શોખ વિકસાવ્યો છે. ગઝલ, શેર શાયરી પણ લખવાનો. કારણ ? કહે છે કે હવે પહેલાની જેમ બહુ યાદ નથી રહેતું . કદાચ દવાઓની પણ અસર હોઇ શકે. તો આ દવાઓની અસર મગજ સુધી ન પહોંચે એના માટે થઇને મનને પણ પ્રવૃત્ત રાખવા આ ગઝલ શેર શાયરી શરૂ કરવી એ ય એક નવિન અભિગમ તો ખરો જ ને?

આવી અને આટલી જીંદાદિલી આવી ક્યાંથી? કહે છે ને કે મન હોય તો માળવે જવાય. એમનું મન આજે પણ એટલું જ સાબૂત છે.

મન-દુરસ્ત તો તન-દુરસ્ત. પહેલું સુખ તે જાતે નર્યા અને જાતે સુખી તો ભવસાગર તર્યા. આ સુખ માત્ર શરીરનું જ હોય એવું નથી. શરીર સાથ ન આપતું હોય તો પણ મન સુખી રહેવાના રસ્તા શોધી કાઢે અથવા ઉભા કરે તો આપોઆપ સુખ જ છે. એવું નથી કે  મનને રાજી રાખવાના આયાસોમાં તન દર વખતે સાથ આપે જ પરંતુ એવા આયસોથી કરવામાં  તનની વેદના થોડો સમય આઘી તો ઠેલાતી જ હશે ને અથવા ભુલાતી હશે.

મન નવરુ પડે તો ન હોય ત્યાંથી સમસ્યાઓ ઉભી થતી લાગે પણ જો મનને જ જો કોઇ એવી મનગમતી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રાખીએ તો અથવા તો રાખવા પ્રયત્નશીલ રહીએ તો કદાચ સુખ શોધવામાં દુઃખ ઓ્છું નડશે.

આવી જ કોઇ પ્રેરણાથી પ્રેરાઇને નવનીતભાઇ મસ્ત મઝાથી એમની આજની ક્ષણો પણ માણી રહ્યા છે. વ્યક્તિ માત્ર વયથી વરિષ્ઠ નથી હોતી એની વિચારસરણીથી ય એ્ને સાચા અર્થમાં વરિષ્ઠની પદવી આપે છે.

 

← વરિષ્ઠ નાગરિકનુ સુખ- હકારાત્મક અભિગમ (3)-વિજય શાહ

અરર ….. આ શં થઈ ગયું !-હેમાબહેન પટેલ →