છૂટાછેડા: ઓપન સીક્રેટ

 

લેખક: જયંતીભાઈ પટેલ

          ૧. મનમાગ્યું મિલન-લેખક: જયંતીભાઈ પટેલ

વડોદરાના અલ્કાપુરી વિસ્તારમાં એક સોસાયટીને છેડે નાનકડા સ્વતંત્ર પ્લોટમાં આવેલો નાનકડો ‘પરમક્ષમા’ બંગલો આજુબાજુના વૈભવશાળી આવાસોથી અલગ પડી જાય છે. એ પ્રમાણમાં નાનો ભલે છે પણ નયનરમ્ય છે. પરમ અને ક્ષમાના પ્રબળ પુરુષાર્થથી તેનું નિર્માણ કરાયું છે. પણ આજે એ પુરુષાર્થિ યુગલમાં છૂટાછેડારૂપી તિરાડ પડી ગઈ છે.

છૂટાછેડા પછી ક્ષમા મુંબઈ ચાલી ગઈ છે પરમને એ ‘પરમક્ષમા’ સોંપીને. પરમ પાસે છૂટાછેડા વખતે એણે ધાર્યું હોત તો એ બંગલાની અડધી કિંમતના રૂપે સાત લાખ રૂપિયા કરતાંય વધારે રકમની માગણી મૂકી શકી હોત પણ એણે એમ કર્યું ન હતું. પરમને પણ એની આ વાત આશ્ચર્ય સમાન લાગી હતી. તેણે ક્ષમાને બંગલા પેટે સાડા સાત લાખ રૂપિયા આપવાની ઓફર મૂકી પણ હતી પણ ક્ષમાએ એ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

જો ક્ષમાએ એ પૈસા લેવાની હા કહી હોત તો પરમે એ બંગલા પર બૅંકમાંથી લોન લેવી પડી હોત. પણ ક્ષમા નહોતી ઈચ્છતી કે પોતાના સ્વપ્ન સમો એ બંગલો બૅંકમાં પાછો ગીરવી મૂકવો પડે. જો એના મનને એકન્ત ખૂણે કોઈ ડોકિયું કરે તો એને જાણ થયા સિવાય ન રહે કે એમાં ક્ષમાની પરમને પાછો પામવાની મનીષા જીવંત હતી. ને ક્ષમાને પામવાની મનીષા પરમના દિલમાંય ક્યાં ન હતી? પણ મમતે ચઢેલાં બેયના મન પર ત્યારે છૂટાછેડાનું ભૂત સ્વાર થઈ ગયેલું હતું.

અત્યારે તો એ વાત પર બે વર્ષનાં વહાણાં વાઈ ગયાં હતાં. ક્ષમાની એ મનીષા ફળ હીન સાબિત થઈ લાગતી હતી. જો કે એણે કે પરમે એકબીજાને પાછાં પામવાનો તો શું પણ મળવા સુધ્ધાંનો કોઈ પ્રયત્ન જ કર્યો ન હતો. બેયમાંથી કોઈ પહેલ કરવા જાણે તૈયાર જ ન હતાં.

પરમ એકલવાયો થઈ પોતાની રોજની ઘરેડમાં પરોવાઈ ગયો હતો. ક્ષમા ક્યાં ગઈ હતી ને શું કરતી હતી એની પરમને જાણ ન હતી. એણે એ જાણવા કોઈ પ્રયત્ન જ કર્યો ન હતો. એના મનમાં એમ હતું કે ક્ષમાને જ્યારે પોતાની ભૂલ સમજાશે ત્યારે એ પાછી ચાલી આવશે જ. બધું જાણે આંખના પલકારામાં બની ગયું હોય એમ બેયને લાગતું હતું ને બેય જણ એ માટે પોતાને દોષિત માની મનમાં ને મનમાં પસ્તાઈ રહ્યાં હતાં.

બે વર્ષ બાદ એક દિવસે પરમે ક્ષમાને અચાનક વડોદરામાં જોઈ ને એના પગ થંભી ગયા. આજે બે વર્ષ થયાં એમના છૂટાછેડાને. એને તો ક્ષમા ક્યાં હતી અને કેમ હતી એનીય ખબર ન હતી. પણ ક્ષમાને સામે જ જોતાં અનાયાસે  જ એના પગ એની તરફ વળ્યા ને એ વેલકમ હોટેલમાં પેસતી ક્ષમાની સામે જઈને ઊભો રહી ગયો. ક્ષમાએ એને સામે ઊભેલો જોઈ આશ્ચર્ય ને પરિચિતતાના ભાવ સાથે, મુખ મલકાવ્યું: ‘એય અજાણ્યા માણસ, તું મારો રસ્તો રોકે છે.’ તે બોલી.

‘અજાણી રૂપાળી છોકરીઓનો રસ્તો રોકવાની મને પુરાણી આદત છે.’ ક્ષમાના અવાજમાં રમૂજના ભાવનો અણસાર પરખાતાં પરમે પોતાની કાયમની રીતે જવાબ આપ્યો.

‘ને એવા રોમિયોને ચપ્પલ બતાવવાની મને પુરાણી આદત છે એની તો તને ખબર હશે જ, કે ભૂલી ગયો હોય તો પાછી એય યાદ કરાવી દઉં?’

ક્ષમાનો પ્રતિભાવ પણ એવો જ હતો. એમાં ન તો ગુસ્સો હતો કે ન તો અણગમો. એટલે તો પરમ બોલી ઊઠ્યો ને: ‘એવા રોમિયોના હાથમાં હાથ પરોવીને ટહેલવાનીય તને આદત હતી એમ મને યાદ છે.’

‘એ ટેવ હવે તો ભુલાઈ ગઈ છે, તેં જ ભુલાવી દીધી છે, મારા મોં પર છૂટાછેડાની નોટિસ ફેંકીને. યાદ છે કે એ પણ ભૂલી ગયો છું?’ ને પરમનું માથું શરમથી ઝૂકી ગયું. ક્ષમાય બોલી દીધા પછી પસ્તાઈ રહી. એમાં પરમ એકલાનો વાંક ન હતો. બેય પોતાના અભિમાનના આ પરિપાકને મનમાં જ દોષ દઈ રહ્યાં હતાં.

‘એ યાદ કરીને તો મનને સદાય કોસ્યા કરું છું. એ ફોર્મ તું જ લઈ આવી હતી ને! તેં જ એ મારા મોં પર ફેંક્યાં હતાં એટલે એમાં સહી કરીને મેં તારા મોં પર પાછાં ફેંક્યાં હતાં. આપણે બેય ભાન ભૂલી ગયાં હતાં. આજે તને અહીં જોતાંની સાથે જ ફરી એ કારમી ક્ષણોની પાછી યાદ આવી ગઈ. એકવાર તો મનમાં એમેય થયું કે મોઢું સંતાડી જાઉં પણ તને મળવાની મળેલી તકને જતી કરવાની લાલસા ન રોકી શક્યો એટલે તારી સામે આવી ગયો.’ પરમે શરમાતાં કબુલાત કરી લીધી.

‘એ રાત ગઈ ને વાત ગઈ. ભૂલી જા એ બધું. આવ, અંદર બેસીએ. તને મારી કંપનીને ખર્ચે ચાપાણી કરાવું. હું કંપનીના કામે આવી છું.’ કહેતાં ક્ષમા એનો હાથ ગ્રહી તેને અંદર લઈ ગઈ. બેય કાફેટેરિયામાં જઈ બેઠાં. ક્ષમાએ વેઈટરને કશુંક લાવવા કહ્યું. એણે શું મંગાવ્યું એય જાણે પરમે સાંભળ્યું ન હતું. એનું મન ગ્લાનીથી ઘેરાઈ ગયું હતું.

‘કેટલા દિવસ માટે આવી છું?’ એણે પૂછ્યું.

‘બે, વધુમાં વધુ ત્રણ દિવસ થશે. કંપનીને ખર્ચે વેકેશન થઈ જશે. એમાં પાછો તું મળી ગયો.’

‘તેં લગ્ન તો કર્યાં જ હશે. તારું કેમ ચાલે છે? તારું લગ્નજીવન કેમ છે?’ ક્ષમાના માજી પતિએ એના નવા પતિ વિશેય પૂછ્યું. મનમાં તો એમ કે એણે લગ્ન ન કર્યાં હોય તો સારું.

‘બધું બરાબર છે. મારો પતિ શૈલ ભટનાગર એન્જીનીયર છે ને ગેમનમાં સારા હોદ્દા પર છે. એ ભટનાગર છે. મલબારહીલ પર એક ફ્લેટમાં રહીએ છીએ. હું હર્ષ ઈન્ટરનેશનલમાં એકાઉન્ટન્ટ છું ને વર્ષે બે મહિના આમ જ કંપનીને ખર્ચે વેકેશન ભોગવું છું. તને અદેખાઈ તો નથી થતી ને? માનું છું કે તું તો હજુ તારી લેક્સા ફાર્માને જ વળગી રહ્યો હોઈશ ને એ જ બંગલામાં રહેતો હોઈશ. પરણ્યો પણ હોઈશ. કેવી છે તારી બૈરી? હું અહીં છું ત્યાં સુધીમાં મને બતાવીશ ને!’

ક્ષમાએ જવાબ આપવાની સાથે કેટલાય સવાલ એક સામટા પૂછી નાખ્યા. ક્ષમા હજુ પરણી ન હતી પણ પરમ પરણી ગયો છે કે નહીં એ જાણ્યા વગર પોતે હજુ એની વાટ જોતી એકલી જ રહી હતી એમ એને બતાવવું નહતું એટલે પોતે પરણી ગઈ છે એમ એણે ક્હ્યું હતું ને મનમાં જે નામ આવ્યું એને પોતાનો પતિ બનાવી દીધો હતો.

એણે ભલે ખોટું જ નામ આપ્યું પણ એ માત્ર કલ્પિત નામ ન હતું. શૈલ ભટનાગર એક વાસ્તવિક માણસ હતો ને ક્ષમા એને જાણતીય હતી. વળી એ ગેમનમાં કામ કરતો હતો એ પણ એટલું જ સાચું હતું. હા એ એને માત્ર જાણતી જ હતી. એની સાથે ક્ષમાને કોઈ અંગત પરિચય ન હતો.

ક્ષમા એની બૉસ શીરીન દારૂવાલાના કહેવાથી મુંબઈમાં ચાલતી એક્ઝીક્યુટીવ્સ લોન્જમાં સભ્ય થઈ હતી. એ લોલ્જનાં પ્રેસિડેન્ટ પણ શીરીન દારૂવાલા જ હતાં. જ્યારે ક્ષમાએ કોમ્પ્યુટર વાપરવાનું શરૂ કર્યું ત્યારે એ લોન્જનું ડોટા બેઈઝ બનાવવાનું કામ એને માથે આવ્યું હતું એમાં આ શૈલ ભટનાગરનું નામ એને યાદ રહી ગયું હતું. પછી એક વખત લોન્જની માથેરાનની ટૂર વખતે એને આ ભટનાગર અને એની પત્ની પદ્મા સાથે પરિચય થયો હતો. એ બેયનો સ્વભાવ સારો હતો એટલે ક્ષમાને એમની સાથે દોસ્તી થઈ ગઈ હતી એટલું જ.

‘જેમ તું પરણી ગઈ છો એમ હુંય પરણી ગયો છું. તન્વી એનું નામ છે. તું જો થોડું વધારે રહેવાની હોત તો એની સાથે મેળવત. એની મા બિમાર છે એટલે એ એને પિયર રાજકોટ ગઈ છે. બીજું કોઈ એમની ચાકરી કરવાવાળું નથી એટલે એને ગયા સિવાય ચાલે એવું ન હતું. બેચાર દિવસમાં આવી જવી જોઈએ.’ પરમે થીંગડાં મારવા પ્રયત્ન કરતાં કહ્યું. છૂટાછેડાને બે વર્ષ થયાં છતાં એ હજુ ફરી પરણ્યો ન હતો એ વાત ક્ષમા પરણી ગઈ હતી એ જાણ્યા પછી, ક્ષમાની સામે કબુલ કરવાની એને જરૂર જણાઈ ન હતી.

તો આ બાજુ ક્ષમાય મનમાં વિચારી રહી હતી કે એ પરણી ગઈ છે એમ પરમને કહ્યું એ સારું જ થયું. એટલે એણે શૈલ ભટનાગરનું નામ પતિ તરીકે આપ્યું હતું.

‘એને તો ફરીથીય મળાશે. તું સુખી છો એ જાણી શાંતિ થઈ.’ કહેતાં એની આંખોમાં ઉદાસી ડોકિયાં કરી રહી એ પરમની નજરે ચઢ્યા સિવાય કેમ રહે! છતાં કાંઈ ન સમજાતાં પરમ ચૂપ રહ્યો. બેય ચાની ચુસ્કી સાથે બટાકાની ચીપ્સ વાગોળતાં રહ્યાં. ‘તારે ક્યારેય મુંબઈ આવવાનું થાય છે કે નહીં?’ ક્ષમાએ વળી પૂછ્યું.

‘મારે માટે તો મુંબઈ એટલે પરદેશ, તને તો ખબર જ છે ને! તારી જેમ કંપનીના કામે વેકેશન ભોગવવાનું મારા નસીબમાં નથી એનીય તને ખબર છે જ.’

‘તારો બોસ તને સૂવા માટે ઘેર કેમ આવવા દે છે એની જ મને તો નવાઈ લાગે છે.’

‘એને ખબર છે કે હું ઓફિસમાં સૂઈ રહીશ તો એને વધારે મોંઘો પડીશ. એ સમજે છે કે હું ત્યાં સૂઈ રહીશ તો મારા ચાનાસ્તાના ને ઓવરટાઈમના પગારના પૈસા જ મારા પગાર કરતાંય વધારે થશે.’

‘તોય તારી નોકરી એક રીતે સારી ગણાય. ને તનેય વડોદરાની બહાર નીકળવાનું ક્યાં ગમે છે?’

‘ગમે કે ના ગમે પણ મને એમાં ફાવી ગયું છે. આમ તો આપણને બેયને ફાવી જ ગયેલું હતું ને! તનેય એનો ક્યાં વાંધો હતો?’

‘બધી જીવનની ઘરેડ. જેમાં પરોવાયાં એમાં ફવડાવવું જ પડે. મુંબઈ ગઈ ત્યારે એમ લાગતું હતું કે ત્યાં ગમશે જ નહીં પણ હવે ત્યાં અહીંના કરતાંય વધારે ગમવા માંડ્યું છે.’ આંખો નચાવતાં ક્ષમાએ કહ્યું.

‘તારા શૈલમાં જ તારું મુંબઈ સમાઈ જતું હશે પછી ગમે જ ને! શું કહ્યું તેં ભટનાગર ને?’

‘હા ભટનાગર. એ ભટેય છે ને નાગર પણ છે. એની વાત તું જાણે તો તને તો હસવાનું મળી જાય. એ રસોડામાં ગેસનો ચૂલો કઈ દિશામાં રાખવો એય વાસ્તુશસ્ત્રના નિયમ પ્રમાણે નક્કી કરે ને કોઈની સાથે વાત કરતાં પહેલાં વાક્યરચના અને એના પ્રત્યાઘાતનો પુરતો વિચાર કરે ને પછી ચીપીચીપીને નમ્રતાથી બોલે.’ શૈલની પત્ની પાસેથી જે જાણેલું એ એની કામચલાઉ પત્નીએ પરમને પધરાવ્યું.

‘એટલે જ કહું છું ને કે તારું મુંબઈ શૈલમાં સમાઈ જતું હશે એટલે મુંબઈમાં તને ગમતું હશે.’

‘એવુંય ખરું. તારી સાથે હતી ત્યારે વડોદરા પણ ગમતું હતું જ ને!’

‘આપણે ઘેર આવવામાં તો તને વાંધો નહીં હોય, કે પછી શૈલની બીક લાગે છે?’

‘એની બીક રાખવી પડે એવો વહેમિલો નથી વળી એ વર્તનમાં પણ નખશીખ નાગર બ્રાહ્મણ છે. મને ખોટું લાગે એવું બોલતાં એ લાખવાર વિચાર કરે એવો છે. પણ તારે ત્યાં આવવું મને યોગ્ય લાગતું નથી.’

‘મારે ત્યાં નહીં પણ આપણે ત્યાં. પરમક્ષમાને પારકું શા માટે કરી નાખે છે! એમ કેમ નથી કહેતી કે તને મારા પર હજુ ગુસ્સો છે.’ પરમ બોલ્યો.

‘તારે એમ માનવું હોય તો એમ માન.’ ક્ષમાએ કહ્યું. પણ સાચી વાત તો એ હતી કે પરમક્ષમા તરફ એક નજર નાખી લેવા તો એ ઘડી પહેલાં બહાર નીકળી હતી પણ પરમ પરણી ગયો છે એ જાણ્યા પછી પરમક્ષમામાં જતાં એ ગૂંચવાઈ રહી હતી.

‘તને એમ નથી થતું કે આપણા એ ઘરમાં તું રસોડામાં કાંઈક બનાવતી હોઉં ને હું એમાં તને મદદ કરતો હોઉં ને પછી આપણે ટીવી જોતાં જોતાં, અલકમલકનાં ગપ્પાં મારતાં જમતાં હોઈએ. પછી હું તને પાછી હોટેલ પર મૂકી જઈશ, પ્રોમિસ.’

‘એની તો મને ખાતરી છે. તું મને પાછી મૂકી તો જઈશ જ. પણ તારી તન્વીને ખબર પડે કે હું એની ગેરહાજરીમાં ઘેર આવી હતી તો એ તારી ખબર લઈ નાખે એની મને બીક લાગે છે. તને એવી બીક નથી લાગતી?’ ક્ષમાએ આંખો નચાવતાં ટકોર કરી. મનમાં તો એ બબડી રહી: મને કાયમ રોકી રાખવાની તક તો તું ને હું બેય ચૂકી જ ગયાં છીએ એટલે.

‘એ એવી જેલસ કે નાના મનની નથી. તો આપણે ઘેર જઈએ છીએ એ નક્કી.’

‘તો તું નહીં જ માને, એમ ને! વઈટ, હું ચેઈંજ કરી આવું પણ મને પાછાં મૂકી જવાનું નક્કી?’ સહેજ વિચારતાં ક્ષમાએ પાછાં મૂકી જવાની વાત પાકી કરી.

પરમ એની સામે હસી રહ્યો: ‘મારો એટલોય વિશ્વાસ નથી?’

‘તને ભૂલી જવાની ટેવ છે એની મને ખબર છે એટલે પાકું કરતી હતી.’

‘આજનું પ્રોમિસ નહીં ભૂલી જાઉં એનુંય પ્રોમિસ, બસ?’ પરમે કહ્યું ને બેય હસી પડ્યાં. ‘તૈયાર થવામાં બહુ વાર ન લગાડતી પાછી.’ પરમે આંખો નચાવતાં કહ્યું.

‘તને ખબર છે પછી ટકોર શા માટે કરે છે?’ કહેતાં ક્ષમા પોતાના રૂમમાં જવા ચાલી. પરમને એક વખત તો એની સાથે એની રૂમમાં જઈ એને કપડાં બદલતાં જોવાનું મન થયું પણ એણે પોતાના મનને એમ કરતું પરાણે અટકાવ્યું. આ તરફ ક્ષમા પણ પરમક્ષમા તરફ એક નજર નાખી લેવા જ બહાર નીકળી હતી ત્યાં એને વિચાર આવ્યો કે કદાચ પરમ ભટકાઈ જાય અને પોતાને આવાં ચાલુ કપડાંમાં જુએ તો! એટલે એ કપડાં બદલવા પાછી હોટેલમાં પેસતી હતી ને ત્યાં જ પરમ ભટકાઈ ગયો હતો.

થોડી વારમાં ક્ષમા કપડાં બદલીને આવી એટલે બેય બહાર નીકળ્યાં. રસ્તામાં એક જગ્યાએ ગાડી પાર્ક કરી પરમ એક સ્ટોરમાં પેઠો. ક્ષમા પણ તેની પાછળ સ્ટોરમાં દાખલ થઈ. પરમે ઘણી બધી ગ્રોસરી ખરીદી એ જોઈ ક્ષમાથી બોલ્યા સિવાય ન રહેવાયું: ‘તેં તો નવું જ ઘર ચાલુ કરવાનું હોય એટલી ગ્રોસરી લીધી તે ઘેર રસોડામાં આજ સુધી હડતાલ હતી કે શું?’

‘એમ જ માન. હાલ તો આપણું ઘર વાંઢા વિલાસ જેવું જ છે. એક મહિનાથી તન્વી પિયર ગઈ છે ત્યારથી ઘરમાં કશું ઠેકાણું રહ્યું નથી. એમ જ માન કે આજે જ રસોડું નવેસરથી ચાલુ કરવાનું છે.’

પછી આખે રસ્તે કશી વાત ન થઈ. ગાડી અલ્કાપુરીમાં જઈ ઊભી રહી. ‘પરમક્ષમા’ બંગલામાં દાખલ થતાં ક્ષમાએ બંગલા પરની નામની એ જ પુરીણી તકતી જોઈ. ને એનાથી બોલ્યા સિવાય ન રહેવાયું: ‘તેં હજુ બંગલાનું નામ પણ નથી બદલ્યું તે તન્વી ભલી ચલાવી લે છે? ‘તન્વીપરમ’ નામ શોભે એવું છે.’

‘એણે હજુ સુધી તો કશો વાધો લીધો નથી ને જણીતું થયેલું નામ બદલવાનો મારો પણ કોઈ ઈરાદો નથી. તને તો કશો વાંધો નથી ને તારી સાથે જોડાએલું આ નામ ચાલુ રહે તેમાં?’

‘મને એમાં શો વાંધો હોવાનો એમાં? ઉલટું મને તો મનમાં એમ રહે કે એક મકાન સાથે વડોદરામાં હજુય મારું નામ જોડાયેલું છે એટલે ક્યારેક આ રીતે અચાનક આવી ચઢવાનું મન પણ થાય.’ ને મનમાં બબડીય ખરી: પણ એવો હક કરાય એવુંય આપણે ક્યાં રહેવા દીધું છે?

અચાનક જ શા માટે, કાયમ રહેવા આવી જવું હોય તોય આ બારણાં તારે માટે કાયમ ખુલ્લાં જ છે એમ કહેવાનું પરમને મન થયું પણ રે મન, એમ હારી ખાતાં હજુ શેં અચકાતું હતું? કે પછી પેલો શૈલ ભટનાગર વચમાં અવરોધ બની ઊભો રહી ગયો હતો એટલે!

રસોઈના કામ માટે તૈયાર થવા ક્ષમા બાથરૂમમાં પેઠી એ તકનો લાભ લઈ પરમે જૂના આલ્બમમાંથી હાથ લાગ્યો એવો એક ફોટો કઢીને ટેબલ પરની ફ્રેમમાં ગોઠવી દીધો. બાથરૂમમાંથી બહાર આવીને ક્ષમાએ ચોતરફ એક ઊડતી નજર ફેરવી લીધી. એની નજર પેલા ફોટા પર પડી ને તે બોલી: ‘તો આ છે તારી પત્ની તન્વી. છે તો રૂપાળી. પણ મને એમ કેમ લાગે છે કે મેં એને ક્યાંક જોએલી છે! એ આપણાં કોઈ પરિચિતોમાંની તો નથી ને!’

પરમનું હૈયું જાણે એક ધબકારો ચૂકી ગયું. એને થયું ક્ષમા એને ઓળખી તો નહીં ગઈ હોય ને! છતાં એણે મક્કમતાથી કહ્યું: ‘ના, એ સૌરાષ્ટ્રની છે ને અમારાં એરેન્જ્ડ મેરેજ છે. આપણે અલગ થયાં પછી એનાં મમ્મીએ સામેથી મને પૂછેલું અને લગ્ન ગોઠવાઈ ગયેલાં.’

‘તું કહું છું કે એની માએ વાત મૂકી હતી તો એમને ત્યાં બેઠાં તારી વાત કેમની મળેલી?’

‘એ લોકો ત્યારે અહીં વડોદરામાં જ રહેતાં હતાં. તન્વીના પિતા લગ્ન પછી ગુજરી ગયા એટલે અહીંનો ફ્લેટ કાઢી નાખીને એનાં બા દેશમાં રહેવા ચાલ્યાં ગયાં છે.’

‘તો એટલે જ તન્વીને ક્યાંક જોઈ હોવાનું મને લાગ્યું ને!’

‘કદાચ ક્યાંક થિએટરમાં કે શોપીંગમાં જોઈ હોય.’

‘કદાચ એમ જ હશે. તો આપણે અલગ થયાં કે તરત તું પરણી ગયેલો એમ ને!’

‘ના, સાવ એમ તો નહીં. અમારાં લગ્ન તો ખાસ્સાં આઠ મહિના પછી થયેલાં. હજુ ગયે મહિને જ અમારી પહેલી એનીવર્સરી ગઈ.’ પરમે મોંએ ચઢ્યાં એવાં જુઠાણાં રજૂ કરવા માંડ્યાં.

‘તારી એ એનીવર્સરીનું આલ્બમ હોય તો મને બતાવજે, કદાચ એમાથી ખબર પડે કે મેં એને ક્યાં જોઈ હશે.’

‘આપણી પાસે એ બધી વાતો કરવા માટે ઘણો સમય છે. પહેલાં આપણે ખાવાનું બનાવવાનું વિચરીએ. હું શાક સુધારું ત્યાં સુધીમાં તું બીજી તૈયારી કરવા માંડ.’

‘હંમેશની જેમ જ, કેમ?’

‘હા, એં જ. તને નથી લાગતું કે આપણે બેય એ વ્યવસ્થામાં સુખી હતાં?’

‘એ બધું પતી ગયું. એ યાદ કરીને દુ:ખી થવાનો કશો અર્થ નથી. નવી વ્યવસ્થામાંય આપણે કેવાં સુખી છીએ એ અગત્યનું છે. હું માનું છું કે તારે કે મારે કોઈને આ નવી વ્યવસ્થા માટે કશી ફરિયાદ કરવાપણું નથી.’

‘એ તો છે જ પણ આપણા સહવાસના એ દિવસો યાદ આવી જાય છે ત્યારે અત્યારના દિવસો સાથે તે દિવસોની સરખામણી કરવાનું મન થઈ આવે છે. તને એમ નથી થતું?’

જવાબ આપતા પહેલાં ક્ષમાએ પરમની સામે જોવાનું ટાળ્યું ને કહ્યું: ‘તને તો ખબર છે જ કે હું બહુ કઠણ કાળજાની છું. હું એવા વિચારોને મનમાં પેસવા જ નથી દેતી.’

‘હું તારા જેવો કઠણ કાળજાનો હોત તો કેવું સારું!’ પરમ મનોમન બબડતો હોય એમ ગણગણ્યો.

‘તું કાંઈક બોલ્યો?’

‘ના.’

‘મને એમ લાગ્યું કે તેં મને કાંઈક કહ્યું. લે, હવે આપણે ખાવા બનાવીને તરત ખાવા બેસી જવું પડશે, પાછું મને મૂકવા આવતાં તને મોડું થઈ જશે. ને તારે સવારમાં ઑફિસે જવામાં મોડું થશે. ને મારેય દસ વાગ્યે મીટીંગ છે.’ ક્ષમાએ એને બેયની નોકરીની યાદ દેવડવી. પછી બન્ને ખાવાનું બનાવવાના કામમાં મચી પડ્યાં.

‘મને લાગે છે કે હું કાલે ફોન કરીને સીકલીવ મૂકી દઈશ.’ પરમ બોલ્યો.

‘મારે તો ટૂર પર છું એટલે સીકલીવ મૂકવાનીય જોગવાઈ નથી.’ ક્ષમાએ કહ્યું.

‘તમારી આવી મીટીંગોની મને બધી જ ખબર છે. બે કલાકની મીટીંગ અને આખો દિવસ પૂરો.’

એમની આવી વાતો બેઉ જમી રહ્યાં ત્યાં સુધી ચાલતી રહી. જમ્યા પછી બેય જણે વાસણ ધોયાં ને કીચન અને ડાયનીંગ ટેબલ સાફ કરી દીધું. ‘તું બેસ ત્યાં સુધીમાં હું ચા બનાવી દઉં.’ પરમે કહ્યું ને પાછો રસોડામાં પેઠો. લગ્નજીવનમાં એમનો આ રોજિંદો ક્રમ હતો એટલે ક્ષમાએ વિરોધ કરવાનો કે ઉતાવળ કરાવવાનો પ્રયત્ન ન કર્યો.

ચા પીધા પછી ક્ષમા બોલી: ‘ચાલ હવે મને મૂકી જા.’

‘બેસ ને, હજુ તો સાત જ વાગ્યા છે.’

‘તું હજુ એવો ને એવો જ રહ્યો. તને કોઈ વાતે ધરાવો જ નથી. આટલું મળ્યાં એય નસીબ માન ને. બાકી આવું મળવાનું ક્યાંથી હોય? મારે માથે પતિ અને તારે માથે તારી પત્નીની નજર હોય તો!’

ને બેય જવા ઊભાં થયાં. પરમે ક્ષમાનો હાથ પોતાના હાથમાં લઈ કહ્યું: ‘કાલે તારી મીટીંગ કેટલા વાગ્યે પતશે? હું તને લેવા આવીશ.’

‘ના, કાલે નહીં ને ક્યારેય નહીં. મારે મારા પતિને ને તારે તારી પત્નીને જવાબ આપવાના છે.’

‘તારે આવવું કે નહીં તે તું નક્કી કરજે પણ હું સાંજના ચાર વાગ્યે તને લેવા આવી જઈશ એ નક્કી.’ કહેતાં એણે ક્ષમાને બાહુપાશમાં જકડી લીધી. એનાથી છૂટવા મથતી ક્ષમા કોણ જાણે કયા પરિબળે પરમ પર ઢળી પડી. ને બેય એમ બાહુપાશમાં બધ્ધ જ પથારીમાં પડ્યાં ને કેટલીય વાર સુધી એમ જ પડ્યાં રહ્યાં.

એ રાતે વડોદરામાં બે વાતો થઈ. એક તો પેલાં બેય જાણે ફરીથી પતિ પત્ની બની રહ્યાં હોય એમ પ્રેમસમાધીમાં ડૂબી ગયાં અને બીજી વાત એ બની કે વડોદરામાં એ દિવસે સવાર ઘણી મોડી પડી હતી.

 

૨.  ફ્લેશબેક-લેખક: જયંતીભાઈ પટેલ

સવારે ક્ષમા બાથરૂમમાં પેઠી ને અરિસામાં પોતાને જોઈ ને તે શરમાઈ રહી. રાતે બધું એટલું ઝડપથી થઈ ગયું કે કપડાં બદલવાનીય સૂઝ ન રહી. એનાં કપડાં ચૂંથાઈને એવાં કળચલીવાળાં થઈ ગયાં હતાં કે એ પહેરીને હોટેલ પર જવામાંય શરમાઈ જવાય એવું હતું.

જે થઈ ગયું હતું એમાં એને પોતાની નબળાઈ વર્તાઈ રહી. પણ બીજી બાજુ એના મનનો પેલો ખૂણો કહી રહ્યો હતો: એમાં શરમાવાની જરૂર નથી. તું વડોદરામાં આવી ત્યારથી એના જ વિચાર નહોતી કરતી શું? તોય એના મનમાં કોઈક ગુનો કર્યાની, પાપ કર્યાની વેદના થઈ રહી હતી. પરમ જે એક વખત એનો હતો એ હવે એનો રહ્યો ન્હોતો એ સ્વીકારવા એનું મન તૈયાર જ ન હતું.

પથારીમાં બેસીને આંખો ચોળતા પરમને એણે કહ્યું: ‘તું ચા, નાસ્તો બનાવવા માંડ ત્યાં સુધીમાં હું મારાં કપડાંને ઈસ્ત્રી કરી લઉં.’

‘એના કરતાં તું નાસ્તો બનાવ અને મને કપડાં આપ એટલે હું ઈસ્ત્રી કરી આપું.’

‘ને હું નીકર ને બ્રા પહેરીને રસોડામાં પોઝ આપું એમ ને!’

‘એ તો મને યાદ જ ન આવ્યું. તેં ક્યારેય એવી રીતે નાસ્તો બનાવ્યો નથી. આજે ભલે એ નઝારોય રસોડું જુએ.’

‘લે, હવે એવી નૉન વેજ વાતો પડતી મૂક એને ઊભો થા.’ કહેતાં ક્ષમાએ બીજા બેડરૂમમાં પેસી બારણું બંધ કરી દીધું.

ભલે પરમે ક્ષમાને લેવા આવવાનું કહ્યું હોય કે ક્ષમાએ પોતે નહીં જ આવે એમ કહ્યું હોય પણ આખું અઠવાડિયું બેય સાથે ને સાથે જ રહ્યાં હતાં એ હકીકત છે. ક્યારેક પરમને ત્યાં તો ક્યારેક હોટેલમાં બેય પોતાની રંગમસ્તીમાં ડુબેલાં રહ્યાં હતાં.

ચાર વર્ષ પહેલાં એ લોકો પરણેલાં હતાં એ દિવસોની યાદને જાણે એ લોકો ફરીથી તાજી કરી રહ્યાં હતાં. બેયનાં પાપભીરુ મન અંદરથી ડંખતાં હતાં. ક્ષમાને થતું હતું કે એ બેય તન્વીને છેતરી રહ્યાં છે તો પરમને થતું હતું કે એ બેય શૈલ ભટનાગરને છેતરી રહ્યાં છે. પણ બેય જણ જાણે આ પોતાના સંબંધના નવલા સ્વરૂપને માણવામાંથી પાછાં ફરવા માગતાં જ ન હતાં.

□ □

એ લોકો પરણ્યાં એ વખતે પરમની નોકરી લેક્સા ફર્મામાં ને ક્ષમાની નોકરી સ્પેસ ટ્રાવેલ્સમાં. એમની એ ફોરવ્હીલ પીક અપ (બે જણની કમાણીવાળી) જિંદગીમાં બેય દુનિયાથી ઉપર સ્વર્ગની અટારીએ ટહેલતાં હોય એમ જીવનની નૌકા હંકારી રહ્યાં હતાં. જેટલા દિવસ ઘેર ખાતાં હતાં એના કરતાં વધારે દિવસ બહાર ખાતાં હતાં. રોજ જુદીજુદી હોટેલો ને જુદીજુદી વાનગીઓ. એ વખતે એમણે પરમક્ષમા બંગલો બંધાવેલો ને ફક્ત અઢી વર્ષના ગાળામાં તો એના બધાય હપ્તા સામટા ભરી દઈ એના બૅંકના દેવામાંથી મુક્ત પણ થઈ ગયેલાં.

એ લોકો બધી વાતે સુખી હતાં. લોકોને એમના સુખની અદેખાઈ આવે એટલાં સુખી હતાં. બેયની નોકરીય સારી હતી ને પગારેય સારા. એમને રજઓ થોડી જ મળતી હતી. પણ તેમને એવાં કોઈ સગાં હતાં નહીં કે એમને મળવા જવામાં એ લોકોની રજાઓ વપરાય. એટલે એમને જે થોડી રજાઓ મળતી તેય તેમને વધારે પડવી જોઈએ, પણ એવું નહોતું. એમને મળતી રજાઓનો એ ભરપુર આનંદ લૂંટતાં હતાં. ક્યારેક માથેરાન તો ક્યારેક તાજમહેલ તો ક્યારેક અજન્ટા કે ઈલોરા. એ લોકો રજાઓનેય જાણે થકવી નાખતાં હતાં.

એવામાં એક નાનકડી વાત બની ગઈ. વાત આમ તો નાની જ હતી પણ કોણ જાણે એ કયે કાળ ચોઘડિયે શરૂ થઈ કે એમાંથી આખું મહાભારત સર્જાયું ને એમનું લગ્નજીવન પીંખાઈ ગયું. પરમને લાગતું હતું કે વાત આટલી આગળ વધી ગઈ એમાં ક્ષમા કરતાં પોતાનો જ વધારે દોષ હતો. એ પોતની જાતને એ માટે કાયમ કોસતો રહેતો હતો.

ક્ષમાય પોતાને આમ જ ક્યાં કોસતી ન હતી? પોતે જ તો એક નાનીશી વાતને મોટી કરીને પોતાના લગ્નજીવનમાં ખાઈ ખોદી હતી એમ એનેય ક્યાં લાગતું ન હતું?

એ નાનીશી વાત આમ બનેલી: એક દિવસ બેય ખાધા પછી ચા પીતાં બેઠાં હતાં ત્યાં પરમે કહ્યું: ‘જો, હવે આપણે બધી આર્થિક જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગયાં છીએ. હવે મને લાગે છે કે આપણે આપણા પગાર પોતપોતાનાં અલગ એકાઉન્ટમાં જમા કરાવવા જોઈએ. તું બસો પાંચસો રૂપિયા વાપરું તો તારે મને પૂછવાની કે કહેવાની જરૂર ન રહે.’

‘એવું કરવું હોય તો એ પણ નક્કી કરવું પડે કે ગ્રોસરીનો ખર્ચ કોના એકાઉન્ટમાં પાડવો અને લાઈટ, પાણી, ટેલીફોન અને પ્રોપર્ટી ટેક્ષના ખર્ચા કોના એકાઉન્ટમાં પાડવા. તું કોઈ ફેમિલી કોર્પોરેશનની વાત કરતો હોઉં એવું લાગે છે.’ ક્ષમાએ વાતને હળવાશથી લેતાં પોતાનો વિરોધ દર્શાવ્યો.

‘તું મારા કહેવાનો અર્થ સમજી નહીં.’

‘હું તારા કહેવાનો અર્થ સમજી એટલે તો મેં એની પાદપૂર્તિ કરી પણ તું મારા કહેવાનો અર્થ ન સમજ્યો હોય એમ લાગે છે. શાંતિથી વિચારી જો.’

‘ભલે, હવે તુંય શાંતિથી વિચારીને જવાબ આપ.’ પરમે પોતાની વાતને વળગી રહેતાં કહ્યું.

‘તેં કહ્યું એમ આપણે બેય પોતપોતાના ખાતામાં પગાર જમા કરાવીએ તો પછી ઘરના રોજીંદા ખર્ચા કોના એકાઉન્ટમાંથી કરવા એ પણ નક્કી કરવું જ પડે.’

‘એ તો જે વખતે જે હાજર હોય એ ચેક લખે. આપણામાં એવી ક્યાં જુદાઈ છે?’

‘અત્યાર સુધી જુદાઈ ન હતી પણ હવે મને લાગે છે કે તું જુદાઈ ઊભી કરવા માગે છે.’ ક્ષમાના અવાજ પરથી જ પરમે સમજી જવું જોઈતું હતું કે એને આ વાત પસંદ પડી ન હતી, પણ પરમ હજુ ક્ષમાની વાતમાંની ગંભીરતા સમજી શક્યો ન હતો.

‘હવે તું જ મને સમજાવ કે બેયના પગાર પોતપોતાના ખાતામાં જમા કરાવવા એમાં જુદાઈ ક્યાં આવી? બધી રકમ મારા ખાતામાં જમા કરાવીએ છીએ એટલે તારે કોઈને ચેક આપવો હોય તો મારી પાસે સહી કરાવવી પડે છે એમાં સામા માણસને એમ જ લાગે ને કે તારું ઘરમાં કશું ચલણ નથી. મેં તો બહાર તારું સ્વમાન ન ઘવાય એ માટે આ વાત ઊભી કરી હતી.’

એક રીતે પરમની વાત સાચી હતી. લગ્ન પહેલાં પરમનું જે એકમાત્ર એકાઉન્ટ હતું એ બેયે ચાલું રાખ્યું હતું અને બેય પગારના ચેક એમાં જ જમા કરાવતાં હતાં ને ખર્ચા ને ઉપાડ પણ એમાંથી જ પરમની સહીથી કરતાં હતાં. ક્ષમા પોતાને જોઈતા ખિસ્સા ખર્ચ જોગા પૈસા પરમ પાસે માગીને લઈ લેતી હતી.

‘જો એમ જ કરવું હોય તો તારા એકઉન્ટમાં મારું નામ દાખલ કરાવી જોઈન્ટ એકાઉન્ટ કરીનેય કરી શકાય જેની જરૂર તેં કે મેં આજ સુધી જોઈ નથી પછી આવો અલગ એકાઉન્ટનો તુક્કો તને આજે ક્યાંથી સૂજ્યો?’

‘એક વખત તું મારી વાત સ્વીકારી લે પછી જો તને એમ લાગે કે આ વિચાર બરાબર ન હતો તો આપણે પહેલાંની જેમ અથવા જોઈન્ટ એકાઉન્ટથી બધો આર્થિક વહેવાર કરીશું, બસ?’

‘તો તારે મારી વાત પણ વિચારવી જ પડશે કે કયો ખર્ચ કયા એકાઉન્ટમાંથી કરવો.’

‘આપણે એનોય ઉપાય કરીએ. બેયના એકાઉન્ટમાંથી સરખેભગે ખર્ચ કરવાનું ગોઠવીએ તો!’

‘એટલે આપણે કોઈ પણ બીલ ચુકવીએ ત્યારે અડધી અડધી રકમના બે ચેક આપીશું, એમ ને? પછી સામેવાળો પૂછશે કે બે ચેક શા માટે તો આપણે એને જવાબ આપીશું કે હવેથી અમે અડધા અડધા પૈસા ચૂકવવાનું નક્કી કર્યું છે.’

‘ના ચેક તો આપણે એક જ આપીશું પછી આપણે અંદરખાને હિસાબ સમજી લઈશું, હવે તો વાધો નથી ને!’

‘પણ એમ અડધો અડધો ખર્ચ કરતાં ક્યારેક એવો વખત આવશે કે મારા એકાઉન્ટ કરતાં તારા એકાઉન્ટમાં ત્રણ કે ચારગણા પૈસા હશે.’

‘ના એમ નહીં થાય કારણ કે આપણે બેય સરખો ખર્ચ કરતાં હોઈશું ને!’

‘એમ જ થશે. જો મારા કરતાં તારો પગાર મહિને બે હજાર રૂપિયા વધારે છે વળી ક્યારેક મને ડીલીવરી આવશે ને ચારપાંચ મહિના મારાથી કામ પર પણ નહીં જવાય ત્યારે પગાર બંધ થઈ જશે. એટલે શક્ય છે કે મારા એકાઉન્ટનું તળિયું આવી જાય ને મારે બૅંકમાંથી લોન લેવાનો વખત આવે.’

‘તું કેવી વાત કરે છે? એવે વખતે મારા એકઉન્ટમાંથી જ ખર્ચો કરવાનો હોય ને!’

‘તારા એકઉન્ટમાંથી શા માટે? આપણે નક્કી કર્યા પ્રમાણે બેયે અડધો અડધો ખર્ચ તો કરવો જ પડે ને? પણ બૅંક લોન આપશે એની મને ખાતરી છે, કદાચ તારે જામીનગીરી આપવી પડે. તું બૅંકમાં જામીનગીરી તો આપીશ ને?’

‘એ વાત પડતી મૂક, મારી ભૂલ થઈ મારી મા કે મેં આ વાત કરી. તેં તો દૂધમાંથીય પોળા કાઢવા માંડ્યા.’

‘ના એમાં દૂધમાંથી પોળા કાઢવાની વાત નથી. મને લાગે છે કે મારે હવે મારા ખર્ચા પર કાપ મૂકવો પડશે અથવા થોડો ઓવર ટઈમ માગી લેવો પડશે.’

‘મેં કહ્યું ને કે એ વાત પડતી મૂક.’

‘તું કહે એટલે વાત શરૂ કરવાની અને તું કહે એટલે વાત પડતી મૂકવાની, એમ કેમ? હવે જ્યારે વાત શરૂ થઈ જ ગઈ છે તો એનો નિવેડો આજે જ કેમ ન લાવી દેવો?’ ક્ષમા મમત પર ચડી ગઈ હતી એટલે એ લીધી વાતનો કેડો મૂકતી ન હતી.

‘નથી લાવવો મારે એનો નિવેડો. જે વાતથી આપણાં મન ઊંચાં થાય એવી વાત મારે કરવીય નથી કે સાંભળવીય નથી. તું હવે આ વિષય પર કાંઈ પણ બોલીશ તો હું એનો જવાબ જ નહીં આપું.’ પેલા પુરુષ દિલે વાતનું પૂર્ણવિરામ મૂકવામાં ડહાપણ જોયું પણ એને ક્યાં ખબર હતી કે ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.

□ □

એ દિવસે તો વાત જાણે એટલેથી અટકી પણ બેયનાં મનમાં એ વાતનાં વમળ ચકરાતાં રહ્યાં. પરમને થયા કરતું હતું કે ક્ષમા એક નાની સરખી વાતને મોટું સ્વરૂપ આપી રહી છે કે પછી બેય પોતાની વાતને સાચી ઠેરવવા દલિલબાજીને ચકરાવે ચઢી ગયાં છીએ!

સામી બાજુએ ક્ષમા પણ મનમાં એવા જ વિચારો ક્યાં કરતી ન હતી? પણ એનું શંકશીલ મન બીજુંય વિચારતું હતું. એને થતું હતું કે પરમનો પગાર પોતાના કરતાં વધુ હતો એનું અભિમાન તો આને માટે કારણભૂત નહીં હોય ને!

બેમાંથી કોઈએ ચારપાંચ દિવસ આ વાત ભલે ન ઉપાડી પણ એમના આ મનના ઉભરાને કારણે બેયનું એકબીજા સાથે બોલવાનું ઘણું ઓછું થઈ ગયું હતું.

પણ અચાનક જ એક દિવસ જાણે જ્વાળામુખી ફાટ્યો. ‘શું વિચાર્યું પછી પેલી વાતનું?’ ક્ષમાએ પૂછ્યું.

‘કયી વાતનું?’

‘અલગ એકાઉન્ટની વાતનું. મને ચોક્કસ લાગે છે કે તું આટલા દિવસ એના જ વિચાર કર્યા કરતો હતો.’ ક્ષમાએ વાતની ચોખવટ કરતાં પરમની સામે બેઠક લીધી.

‘હું એ વિષે કશું વિચારતો ન હતો. મેં તનેય એ વાત ભૂલી જવાનું કહ્યું હતું ને!’

‘પણ તું એ વાત ભૂલી શક્યો હતો ખરો? અને એટલે તો તેં મારી સાથે બોલવાનું પણ ઓછું કરી નાખ્યું છે. છેલ્લા ચાર દિવસમાં આપણે આમ સામે બેસીને કશીય વાત કરી છે ખરી?’

‘તું તારા મનની વાત તો મારે બહાને નથી કરતી ને! તુંય મારી સાથે વાત કરવાનું ટાળતી હોય એમ મારાથી જાણે દૂર ભાગતી હતી ને?’

‘તો તેં સામેથી મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કેમ ન કર્યો? કે પછી તું મારાથી ધરાઈ ગયો છું?’

‘ધરાઈ તો તું ગઈ હોય એમ લાગે છે. તારા આવા અબોલા મારાથી સહન થતા નથી. તું મારાથી થાકી ગઈ હોય તો મને કહે. તારે મારાથી છૂટાં થવું હશે તો તું જ્યારે કહીશ ત્યારે હું તને છૂટાછેડા કરી આપીશ, બસ? પણ તારા આવા અબોલાથી તો હું ગૂંગળાઈ મરું છું.’ પરમના મોંમાંથી કોણ જાણે એ કાળમુખા છૂટાછેડા જેવા શબ્દ સરી પડ્યા ને ક્ષમાના હૈયામાથી કારમી ચીસ ઊઠી.

‘છૂટાછેડા! ને તે પણ હું કહીશ ત્યારે? મને લાગે છે કે તેં બધું મનમાં નક્કી કરી જ લીધું છે ને મારી પાસે તારે કહેવડાવવું છે. તો કરી દે છેડા છૂટા. તું તારે રસ્તે ને હું મારે રસ્તે. મારેય આ રોજનાં ઊંચાં મનના ભાર નથી સહેવા. હું કાલે છૂટાછેડાનાં ફોર્મ લેતી આવીશ.’ ક્ષમાય છેલ્લે પાટલે પઈ બેઠી હોય એમ એનાથી બોલાઈ તો ગયું પણ એ મનમાં પસ્તાઈ રહી.

‘મેં એવું કહ્યું નથી પણ મને લાગે છે કે તેં વિચારીને જ ફોર્મ લઈ આવવાનું કહ્યું હશે. તો ભલે એમ થઈ જાય. તું નક્કી માનજે કે તું ફોર્મ લઈ આવીશ તો હું એમાં વિના વિલંબે સહી કરી આપીશ.’ પરમે પણ કહી દીધું એના મનથી એમ કે કાલે ક્ષમાનો ગુસ્સો ઊતરી જશે એટલે ફોર્મ લાવવાની કે એમાં સહી કરવાની વાત જ ઊભી નહીં થાય. પણ એણે એ ન વિચાર્યું કે ક્ષમા ફોર્મ લઈને આવે તો શું?

ને બીજે દિવસે ગુસ્સાની મારી ક્ષમા ડીવોર્સનાં ફોર્મ લઈને આવી પણ ખરી. વળી એણે એમાં પોતની સહી કરીને એ ફોર્મ પરમની સામે પછાડતાં કહ્યું: ‘લે તારે ડીવોર્સ જોઈતા હતા ને? તો કર સહી. મેં એના પ્રાયવેટ હીયરીંગની આવતા સોમવારની એપોઈન્ટમેન્ટ પણ લઈ લીધી છે.’

પરમ ગુસ્સા ને હતાશાના ભાવ સાથે પળવાર તો ક્ષમાની સામે તાકતો જ રહી ગયો. એણે પણ ગુસ્સામાં જ એ ફોર્મ પર સહી કરીને એ ક્ષમા તરફ પાછાં ફેંક્યાં. ને ક્ષમા પણ એકેય અક્ષર બોલ્યા સિવાય એ કાગળિયાં લઈને બહાર નીકળી ગઈ.

પછીની વાત બહુ યાદ કરવા જેવી ન હતી. બેય જણાં ચારેક દિવસ પછી એપોઈન્ટમેન્ટને દિવસે કોર્ટમાં પહોંચ્યાં. એમનો કેસ ચલાવતા પહેલાં જજે બેયને કન્સલ્ટીંગ માટે પોતાની ચેમ્બરમાં બોલાવ્યાં. બેયને પોતાની સામે બેસાડ્યાં પછી એ કહે: ‘કેમ પણ મને તમારો કેસ જરા વિચિત્ર લાગે છે. તમે બેય લઢ્યાં હો એવું પણ મને લાગતું નથી. કોઈને વાગ્યું હોય કે લોહી નીકળ્યું હોય એમ પણ જણાતું નથી. પછી તમારે છૂટાછેડા લેવાનું શું કારણ હશે એ જ મને સમજાતું નથી.’

‘એમ મારામારી કરીએ એવાં અસંસ્કારી અમે નથી. પણ સામે પક્ષે અમારે છૂટાછેડા જોઈએ છીએ એ પણ એટલું જ સાચું છે.’ ક્ષમાએ કહ્યું.

‘હવે બેન, તમે જ મને સમજાવો કે પરમભાઈનો શો વાંક છે?’ એમણે મલકાતાં પૂછ્યું.

‘એમ એક જ વાતમાં તો કશું થયું ન હોય ને. નાના નાના કેટલાય પ્રસંગો બન્યા હશે આ આખી પ્રોસેસમાં.’

‘ના બેન, એમ નાના નાના પ્રસંગોથી વાત છૂટાછેડા સુધી ન પહોંચે. કોઈક તો એવો મોટો પ્રસંગ બની ગયો હશે આ પાછળ.’

‘હું એનો જવાબ આપું?’ પરમે પૂછ્યું.

‘હું તો ભૂલી જ ગયો હતો કે તમારે પણ છૂટાછેડા જોઈએ છીએ. ચાલો તમે જવાબ આપો.’

‘હવે અમારે માથે કોઈ આર્થિક જવાબદારીઓ રહી ન હતી એટલે મેં એને સજેસ્ટ કર્યું કે એનું જુદું એકાઉન્ટ ખોલાવીને એના પગારના ચેક એણે એમાં જમા કરાવવા જોઈએ. એમાં એને વાંકું પડ્યું.’

‘આટલો જ પ્રશ્ન હોય તો બેન મારા ખાતામાં ચેક જમા કરાવજો. હું એમ માનીશ કે મારી દીકરી મારા રીટાયરમેન્ટની જોગવાઈ કરે છે.’ હસતાં જજે કહ્યું. ને બધાં હસી પડ્યાં.

‘અમે લગભગ ત્રણ વર્ષ બહુ સુખી હતાં ને પ્રેમમાં ગરકાવ હતાં પણ હવે એમાં ઓટ આવી છે જે અમારાથી સહેવાતી નથી એમ જ માનો ને.’ પરમે કહ્યું.

‘થોડા દિવસ પહેલાં એક પિક્ચર આવ્યું હતું: war of roses. તમારે એ જોવા જેવું હતું. જો તમે દસેક દિવસ રાહ જોવા તૈયાર હો તો હું તમને એની કેસેટ મંગાવી આપું. એમાં તમારા જેવો જ કિસ્સો હતો.’

‘નામદાર વડીલ, પ્લીઝ, અમારે છૂટાં થવું છે એ હકીકત છે.’ ક્ષમાએ કહ્યું ને હાથ જોડ્યા.

‘ચાલો તમારી વાત સ્વીકારી લઉં પણ તમે બેય મારી વાત સ્વીકરો. તમે હમણાં કહ્યું કે તમે બેય પ્રેમમાં ગરકાવ હતાં તે મારે જોવું પડશે. ચાલો મારી એક વાત સ્વીકારો. તમે બન્ને ભેટીને એકબીજાને મનમાં આવે એવું કાંઈ પણ કહો એટલે હું તમને કોર્ટમાં ઊભાં કર્યા સિવાય તમારા છૂટાછેડા કરી આપીશ, બસ?’

ગૂંચવાતાં એ બેય ઊભાં થયાં ને ભેટ્યાં ને બીજી જ પળે બેયનાં હૈયાંમાંથી રૂદનનો ધોધ વહી રહ્યો. ‘આ શું થઈ ગયું?’ પરમ રુદનમિશ્રિત અવાજમાં બોલ્યો.

‘હવે એવું વિચારવાથી શું?’ ક્ષમા પણ એમ જ બબડી રહી. ક્યાંય સુધી બેય એમ જ વળગીને ઊભાં રહ્યાં. પછી સામે જજ તાકી રહ્યાનું ભાન થતાં શરમાઈને છૂટાં પડ્યાં.

‘ના બેન, હજુ વિચારવાને અવકાશ છે. હજુ મોડું થયું નથી. બોલો નવેસરથી વિચારવાનો સમય જોઈએ છે?’

‘ના. પ્લીઝ અમને છૂટાછેડા કરાવી આપો એ જ વધારે સારું છે.’ પરમે કહ્યું.

‘હા નામદાર, અમારી બેયની એ જ ઈચ્છા છે.’

પછી જજે જાણે કમને કરતા હોય એમ ખેદથી માથું ધુણાવતાં છૂટાછેડાના હુકમ પર મત્તું માર્યું.

          . ક્ષમાનું મરીન લાઈન્સ-લેખક: જયંતીભાઈ પટેલ

કંપનીને ખર્ચે વેકેશન ભોગવીને ક્ષમા પોતાને ઘેર આવી ગઈ. એનું ઘર એટલે ગોરેગાંવની ધના ગજ્જરની ચાલ. એ જ તો હતું એનું મરીન લાઈન્સ. એ ચાલમાં આવી પોતાની ખોલીમાં પેઠી ને કપડાંય બદલ્યા સિવાય ખાટલામાં પડી. ઓશિકામાં મોં છુપાવી ક્યાંય સુધી રડતી રહી.

એના મનમાં ગજગ્રાહ ચાલી રહ્યો હતો. પોતે કરેલી ભૂલ બદલ તે પસ્તાઈ રહી હતી. એક અઠવાડિયામાં, પરમની સાથે ગાળેલા સહચારને તે મનમાં જ વાગોળી રહી. એ મનમાં વિચારતી હતી: પરમ એનો જ હતો ને એ એને પાછો મળી ગયો હતો. તન્વી વચમાં આવી ગઈ હતી પણ તોય પરમ તો તેનો જ રહ્યો હતો.

તો બીજી બાજુ એનું પાપભીરુ મન એને સાક્ષીના પાંજળામાં ખડી કરી દેતું હતું: તું ફક્ત તારો જ વિચાર કરે છે. તેં પેલી તન્વીનો વિચાર કર્યો? તું એનો દ્રોહ કરી રહી છે. તું સ્વાર્થી છે. તું તારા કહેવાતા પ્રેમના આવેગમાં ભાન ભૂલી છે. પરમ પહેલાં હતો એવો સુવાંગ તને ક્યારેય મળી શકવાનો નથી. તું તારી જાતને ગમે તેમ સમજાવે પણ તું છેવટે તો પરમની રખાત જ બની રહેવાની છે. એની પત્ની તો તન્વી જ છે. એનો એ હક તું ક્યારેય છીનવી શકવાની નથી. પણ મનનું એવું કહેવું ક્ષમાના દિલમાં ઊતરે ખરું? એને તો પરમને ફરીથી પામવો હતો, ગમે તે સ્વરૂપે.

તો વળી મનનો એક ખૂણો ગણગણતો: મેં બેબે વર્ષ રાહ જોઈ ને એકલાં કાઢ્યાં ને એનાથી થોડાય રાહ ન જોવાઈ! એની તો લગનની એનીવર્સરીય વીતી ગઈ. નક્કી એના મનમાં જ પાપ હશે. કદાચ એ કહેતો હતો એમ એનાં એરેન્જ મેરેજ ન પણ હોય! એણે પહેલેથી તન્વી સાથે પાકું કરીને જ પોતાને છંછેડી હોય એમ પણ બને.

તો સામે મનનો બીજો પોકારી ઊઠતો: તેં તારી જાતે જ એની સામે બધાં બારણાં બંધ કરી દીધાં હતાં તો એને ગમ્યું તે એણે કર્યું એમાં ખોટુંય શું છે? જો તારો અહં છોડીને તું એની પાસે પહોંચી ગઈ હોત તો આમાંનું કશુંય ન થયું હોત. હવે તું તારા એ અભિમાનના પરિણામનો ટોપલો એને માથે શા માટે લાદી દે છે!

વધારે વિચારતાં એને આ વાત સાચી લાગતી અને એ પોતાની જાતને કોસતાં ગણગણતી: મને હવે સમજાય છે કે એ મારી જ ભૂલ હતી પણ એક ભૂલની સજા આટલી મોટી હોય?

□ □

છૂટાછેડા પછી ક્ષમા સીધી મુંબઈ આવી ગઈ હતી. એ વખતે એની પાસે હતી એના જૂના બોસની ભલામણ અને પોતાની લાયકાતનાં કૉલેજનાં સર્ટિફિકેટ. એક હોટેલમાં પોતાની બેગ મૂકીને કપડાં બદલીને એ નવી ભાવિ નોકરીની ઑફિસ શોધવા નીકળી પડી. એની શોધ એને વિલેપારલેને એક ખૂણે એક આલિશાન બંગલા સુધી લઈ ગઈ. એને થયું કે એ કોઈ ઑફિસને બદલે કેઈના બંગલામાં તો નથી આવી ગઈ ને! એણે બંગલાનું નામ: હર્ષ બરાબર વાંચ્યું હતું. જે હશે તે ખરું એમ વિચારી એણે બેલ વગાડ્યો.

જવાબમાં એક વયસ્ક લાગતી ઠસ્સાદાર મહિલાએ બારણું ખોલ્યું ને કહ્યું: ‘આવો. તમારી ઓળખાણ ન પડી. કયા કામે આવ્યાં છો?’

‘માફ કરજો પણ મને લાગે છે કે હર્ષ ઈન્ટરનેશનલ શોધતાં આપના હર્ષ બંગલામાં આવી ચઢી છું.’ ગુંચવાતાં ક્ષમાએ કહ્યું.

‘હા, આ મારું નિવાસસ્થાન છે ને ઈન્ટરનેશનલ પણ. હર્ષ ઈન્ટકનેશનલની ઑફિસ બાજુના મકાનમાં છે પણ આપણે અહીંય વાત કરી શકીશું. પછી હું તમને ઑફિસ બતાવીશ. બેસો ને કહો શું કામ છે?’

‘હું નોકરી માટે આવી છું. આ મારો ભલામણપત્ર અને આ મારાં સર્ટિફીકેટ.’ કહેતાં ક્ષમાએ પોતાની ફાઈલ અને એના બોસે આપેલું કવર એમના હાથમાં મૂક્યાં.

પેલાં બહેને બધું કાળજીથી જોયા પછી કહ્યું: ‘મારું નામ શીરીન ડારૂવાલા. મારો ચાનો સમય થયો છે એટલે આપણે પહેલાં ચા પી લઈએ પછી શાંતિથી વાત કરીએ. પછી હું તુને ઑફિસ પણ બતાવસ.’

ક્ષમા પણ એની સાથે કીચનમાં ગઈ. ક્ષમા સાથે વાતો કરતાં એમણે ચા બનાવી ને બેયે પીધી. પછી એ ક્ષમાને ઑફિસમાં લઈ ગઈ. ઑફિસમાં છ માણસો કામ કરતાં હતાં. એમાં ચાર તો સ્ત્રીઓ જ હતી. શીરીને બધાંની સાથે ક્ષમાનો પરિચય કરાવ્યો. પછી પોતાની અંગત ઑફિસમાં જઈ એણે ક્ષમાનાં સર્ટિફીકેટની ફઈલ ફરીથી જોઈ ને કહ્યું: ‘તારે માટે મી. રાજગોરની ભલામણ છે એટલે મારે તને કાંઈ વધારે પૂછવાની જરૂર નથી. મારે તારા જેવી ચાલાક અને ચપળ યુવતીની જરૂર પણ છે. તું કેટલા પગારની આશા રાખું છ.’

‘તમને જે ઠીક લાગે તે. તમારે કામ જોયા પછી પગાર નક્કી કરવો હોય તોય મને કશો વાંધો નથી.’

‘તારી એ વાત મને પસંડ પરી. એમ જ કરીએ. તારું કામ જોયા પછી પગાર નક્કી કરીશું. જો તું મન મૂકીને કામ કરશ તો તને સોજ્જો પગાર પન મલસ ને આગલ વધવાના ચાનસ પન મલસ. કહે, ક્યારથી જોઈન કરસ?’

‘આજે મારું ઘર ગોઠવી દઉં એટલે આવતી કાલથી હાજર થઈ જઈશ. ઑફિસ કેટલા વાગ્યે શરૂ થાય છે?’

‘ઑફિસ નવ વાગ્યાથી શરૂ થાય છ પન બેતન દિવસ મોડું થાય તો વાંધો નહીં. ને તારું ઘર ગોઠવાય જાય ત્યાં સુધી બપોરે લંચ મારી સાથે લેજે.’

‘લંચની વ્યનસ્થા તો હું જાતે જ કરી લઈશ. હું મહેતા એટલે કે બ્રાહ્મણ છું એટલે તમારું પારસી લંચ મને કદાચ નહીં ચાલે.’

‘તે તને એમ લાગ છ કે હું રોજ મરઘાં બતકાં ખાતી હોવસ. પન મને તો તમારું બામનિયું લંચ ફાવસ તો તું બનાવજે ને આપન બેઉ ખાસું.’ શીરીને હસતાં કહ્યું.

પાછાં ફરતાં ક્ષમાને લાગતું હતું કે એને શીરીનબાઈ સાથે સારું બનશે. તેમનો વહેવાર એને એક માલિક કરતાં મા જેવો વધારે લાગતો હતો. એને થયું કે એમની સાથે એને ફાવી જશે ને કામ કરવામાં પણ મઝા આવશે.

□ □

બે જ દિવસના અનુભવે એને સમજાઈ ગયું કે એણે ધાર્યું હતું એ સાચું હતું. શીરીનબાઈનો સ્વભાવ સારો હતો. ક્ષમાને કારણે એમણે પોતાના સવાર સાંજના ખાવાની ચીજોની આદત પણ એને અનુરૂપ ફેરવી લીધી હતી. ક્ષમા એમને ઘણી વખત કહેતી હતી: ‘માસી, તમને જે ખાવું હોય એ બનાવી દઉં. મને એવું ખાવામાં વાંધો છે પણ બનાવવામાં વાંધો નથી.’

ક્ષમાએ એને મેડમ કે માઈ કહેવાને બદલે એક દિવસ ભૂલમાં માસી કહી દીધેલું તો શીરીન કહે: ­’હવેથી તું મુને માસી જ કહેજે’, એટલે ક્ષમા એમને માસી જ કહેતી હતી.

‘પન મને તમારું બામનિયું ખાવાનું ભાવી ગયું છ. વળી તુંય બનાવછ તે તો મને સોજ્જું લાગ છ. મારી ચિંતા કરિયા વગર તુંને જે આવડતું હોય એ બનાવતી જા. મને રોજે નવ્વું નવ્વું ખાવાનું મલસે.’ એ હસતાં કહેતાં.

ઓફિસમાં પણ એમણે ક્ષમાને જાણે છૂટો દોર આપી દીધો હતો. એમણે સ્ટાફનાં બીજાં માણસોને જણાવી દીધું હતું કે હવેથી ક્ષમા ચીફ એકાઉન્ટન્ટ અને ઓફિસ ઈનચાર્જ છે એટલે બધાએ એના કહ્યા મુજબ પોતાના કામમાં ફેરફાર કરવા પડે તો એ કરવાના છે.

થોડા દિવસ પછી ક્ષમાએ એમને વાત કરી કે હવે બધે કોમ્પ્યુટર ચાલે છે એમ એમની ઓફિસમાં પણ એકાઉન્ટનું ને પત્ર વ્યવહારનું કામ કોમ્પ્યુટર પર કરવામાં આવે તો એ વધુ એક્યુરેટ થશે ને બહાર કંપનીની છાપ પણ સારી પડશે. તો શીરીન કહે: ‘રુસ્તમે કોમ્પ્યુટર એ માટે જ લીધેલું પન આમાંના કોઈને એમાં સમજણ જ ન પરી એટલે કાટ ખાતું પરિયું છ. તુને એમાં સમજણ પડતી હોય તો ટ્રાય કર ને બધાને એની સમજ પાર.’

ક્ષમાને એની જૂની નોકરીનો કોમ્પ્યુટરનો થોડો અનુભવ તો હતો જ. વળી મુંબઈમાં આના જાણકારની કમી ન હતી. એણે પહેલાં તો અંગત રીતે કામની શરૂઆત કરી અને જ્યાં એને સમજણ ન પડી ત્યાં એણે આવા જાણકારોની મદદ પણ લેવા માંડી. ને એક મહિનામાં તો એણે એને ઓફિસમાં જેની જરૂર હતી એટલું એ શીખી પણ લીધું હતું.

પછી એણે ઓફિસમાં વારાફરતી બધાંને એ કામની સમજણ પાડવા માંડી. આમાં સૌથી વધારે મુશ્કેલ લાગ્યું હોય તો તે જૂના એકાઉન્ટન્ટ કરસનકાકાને. એમની ઉંમર રીટાયર થવાની થઈ ગઈ હતી પણ જ્યાં સુધી એમની ગાદી સંભાળી શકે એવી વ્યક્તિ ન મળે ત્યાં સુધી શીરીન એમને છૂટા કરતી ન હતી. એમણે કહ્યું: ‘હવે બેન તું આવી ગઈ છો એટલે બધું સંભાળી લે ને મને આ બધું શીખવાડવાની કુસ્તી કરવી રહેવા દે.’

પણ ક્ષમા લીધી વાત મૂકે એવી ક્યાં હતી? એ કહે: ‘હજુ તમે છૂટા ક્યાં થયા છો? તમે પહેલાં કોમ્પ્યુટર પર સરવૈયું કાઢીને મને આપો પછી હું શીરીન આન્ટીને તમને છૂટા કરવાનું કહું.’ ને મહિનાની લમણાઝીક પછી કરસનકાકા સરવૈયું કાઢવા જેવા તૈયાર થયા એટલે એણે શીરીનને કહ્યું: ‘કાકા પણ હવે કોમ્પ્યુટર જાણતા થઈ ગયા છે પણ એમને હજુ બે મહિના ચાલુ રાખો તો સારું. મારે વડોદરાની ઓફિસમાં પણ કોમ્પ્યુટર પર કામ કરતાં શીખવાડનું પડશે એટલે.’

‘એ થાકી ગયા છે છતાં હું કહીશ તો બે મહિના તો ચાલુ રહેશે.’

ને બબડતાં બબડતાં એ ચાલુ રહ્યા પણ ખરા. છેલ્લે તો એમણે કબૂલ પણ કર્યું કે કોમ્પ્યુટરના કામમાં ભૂલોય નથી રહેતી ને કામ પણ ઝડપથી થાય છે. ક્ષમા થોડી વહેલી આવી હોત તો હિસાબમાં આવતી ભૂલો શોધવામાં પોતાનાં ચશ્માંના નંબર ના વધી ગયા હોત.

પછી શરૂ થઈ ક્ષમાની વડોદરાની દડમજલ. એને હવે કોઈ જાણકારની સેવાની જરૂર ન હતી. એને તો જે મુંબઈમાં કર્યું હતું એ જ વડોદરામાં કરવાનું હતું. પણ માણસો તો ત્યાં પણ કોમ્પ્યુટરના નામથી જ ભડકતા હતા. એણે એમને સીધું કામ સોંપવાને બદલે એમને જાણે હોમવર્ક આપવા માંડ્યું. એમને બધાને ટઈપીંગ તો આવડતું હતું એટલે એણે એમને કોમ્પ્યુટર પર લેટર લખાવવા માંડ્યા.

એમાં એમને થોડી ફાવટ આવી એટલે એમને હવેથી બધો પત્રવ્યવહાર કોમ્પ્યુટર પર કરવાની તાકીદ કરીને એ મુંબઈ પાછી ફરી. આ વખતની ટ્રીપમાં એનો બધો સમય ઓફિસમાં જ ગાળવો પડ્યો હતો એટલે એનાથી પોતાની ઈચ્છા હોવા છતાં પરમક્ષમા તરફ જઈ શકાયું ન હતું. એને થયું કે ફરીને વખતે તો એ ચોક્કસ એ તરફ આંટો મારશે જ.

પણ ફરીથી એણે વડોદરાનો કાર્યક્રમ ઘડ્યો ત્યારે એને અડધેથી જ પાછાં આવવું પડ્યું. ઈન્કમટેક્સનાં રીટર્ન ભરવાનાં હતાં ને એમાં કોઈને સમજણ પડતી ન હતી એટલે શીરીને એને પાછી બોલાવી હતી. આજ સુધી એ કામ કરસનકાકા જ કરતા હતા અને એ તો હવે રીટાયર્ડ થઈ ગયા હતા. ક્ષમાને થયું કે એણે કોઈને એ કામ શીખવાડી દેવું જોઈશે.

આને થયું કે ઓફિસમાંની કોઈ છોકરીને એ કામ સાંપવા કરતાં ઓફિસમાંના એકમાત્ર પુરુષ વ્રજ પરીખને એ સોંપ્યું હોય તો ક્યારેક સરકારી ઓફિસમાં ધક્કા ખાવા પડે તોય વાંધો ન આવે. એટલે એણે આ કામમાં એને પોતાની સાથે લીધો. વ્રજ એ વાતથી પોરસાયો પણ એ મનમાં વિચારવાય માંડ્યો કે છોકરીઓને પડતી મૂકીને ક્ષમાએ પોતાના પર પસંદગી ઉતારી એની પાછળ પોતાની પર્સનાલિટી જ કારણભૂત હતી. એને લાગ્યું કે ક્ષમા પોતાના પ્રત્યે ઢળી હતી. પછી એણે ક્ષમાને આકર્ષવાના પ્રયત્ન સામટા શરૂ કરવાનું નક્કી કર્યું.

ક્ષમાને તો આની કશી ખબર ન હતી એટલે એ તો એને ચીવટથી બધું સમજાવતી હતી અને એને સાથે બેસાડીને પોતે જે કરતી હતી એ પધ્ધતિ સમજાવતી હતી. ઈન્કમટેક્સનું રીટર્ન તો ભરાઈ ગયું પણ એ પછીય વ્રજ કોમ્પ્યુટરમાં કાંઈ ને કાંઈ ન સમજાતું હોવાનું બહાનું કાઢીને ક્ષમાની પાસે આવવા માંડ્યો. ક્ષમા તો એની આ આવનજાવનને માત્ર ઓફિસનું કામ અને વ્રજની ધગશ જ સમજતી હતી.

એક તો એ વ્રજની સાથે હસીને વાત કરતી એ અને એ છૂટાછેડા લીધેલી હતી એટલે વ્રજને પોતાની માન્યતા સાચી હોવાની વાત પર વધારે વિશ્વાસ બેઠો હતો. એ ક્ષમા પાસે વારંવાર જવા માંડ્યો. ક્ષમાને લાગ્યું કે એને કોમ્પ્યુટરમાં જાણકારી મેળવવાની બીજા કરતાં વધારે ધગશ છે. એટલે એને વ્રજ પ્રત્યે માન પેદા થયું.

પણ એક દિવસ એને ઓફિસમાં દાખલ થતાં જોઈ છોકરીઓએ એમની ચાલતી વાતો એકદમ બંધ કરી દીધી. એને લાગ્યું કે એ બધી એની જ વાતો કરતી હોવી જોઈએ. એણે એમને પૂછ્યું: ‘કેમ મને જોતાં તમે વાતો બંધ કરી દીધી? મને લાગે છે કે તમે લોકો મારી જ વાતો કરતાં હતાં. જે હોય એ સંકોચ વગર મને જ કહો ને!’

‘અમે તમારી પાસે ઓફિસિયલ જાહેરાતની જ વાતો કરતાં હતાં. તમારા લગ્નની જાહેરાત તમે ક્યારે કરશો એની અમે અટકળ કરતાં હતાં.’ એકે કહ્યું.

‘તમને એવો ખ્યાલ ક્યાંથી આવ્યો કે હું લગ્ન કરવાની છું?’

‘અમને વ્રજે કહ્યું કે તમે એના પ્રેમમાં છો ને એ તમને પ્રપોઝ કરે એટલી જ વાર છે.’

‘એ આવે એટલે આપણે એને જ પૂછીએ કે એ ક્યારે પ્રપોઝ કરવાનો છે? એ પહેલાં મારાથી કોઈ જાહેરાત ક્યાંથી થાય?’

થોડી વાર પછી વ્રજ આવ્યો એટલે ક્ષમા પોતાની ઓફિસમાંથી બહાર આવી. ત્યાં એક છોકરી બોલી ઊઠી: ‘વ્રજભાઈ, બેન કહે છે કે તમે પ્રપોઝ કરો તો એમનાથી જવાબ આપી શકાય. તો તમે એમને પ્રપોઝ તો કરો.’

ને વ્રજ એવો તો ડઘાઈ ગયો કે એનાથી નજર ઊંચકીને કોઈની સામે પણ ન જોઈ શકાયું. ત્યાં ક્ષમાએ સામેથી પૂછ્યું: ‘આ છોકરીઓને તમે જે કહેલું એ મને કહો ને.’

‘એ તો હું ખાલી ગમ્મત કરતો હતો ને એ લોકો ઊંધું સમજી બેઠાં.’

‘તો હુંય થોડી ગમ્મત કરી લઉં ભલે ને એમને સમજવું હોય એમ સમજે.’ કહેતાં ક્ષમા વ્રજની પાસે ગઈ અને પગમાંથી સેન્ડલ કાઢીને એણે વ્રજને આડેધડ ફટકારવા માંડ્યો. પેલો તો જાણે તેલમાં માંખી ડૂબી ગઈ હોય એમ જમીન ખોતરતો નીચું જોઈ માર ખાતો રહ્યો.

ઓફિસમાં થતી આ ધમાચકડીનો અવાજ સાંભળીને શીરીનબાઈ બંગામાંથી બહાર આવ્યાં: ‘શું છે આ બધું?’ એમણે ઊંચે અવાજે પૂછ્યું.

‘આ તો વ્રજ આ બધી છોકરીઓને કહેતો હતો કે હું એના પ્રેમમાં છું અને એ મને પ્રપોઝ કરે એટલી જ વાર હતી. તે મેં એને બધાંની રૂબરૂમાં જવાબ આપી દીધો કે કોઈને ગેરસમજ ના રહે.’ ગુસ્સાથી હાંફતાં ક્ષમાએ કહ્યું.

‘વ્રજ તેં એવું કહેલું?’ એમણે સીધું વ્રજને જ પૂછ્યું.

‘હું તો… મેં તો… એવું કાંઈ નહીં કહેલું પણ… ‘ વ્રજ બોલવા ગયો.

‘ચોખ્ખું કહી દે ને! તેં એવું કહેલું એટલે તો આ બધી છોકરીઓ મારી પાસે પેંડા માગતી હતી.’

‘મને એમ લાગેલું કે ક્ષમાને હું ગમું છું.’ છેવટે વ્રજે કહ્યું.

‘તને તારા એ લાગવાનો જવાબ મળી ગયો ને! હવે ઓફિસમાં તારે કેમ વર્તવું એ પણ તને સમજાઈ ગયું હશે.’ ક્ષમાએ કહ્યું.

ક્ષોભિલા પડી ગયેલા વ્રજને શીરીને કહ્યું: ‘તું મારી ઓફિસમાં આવ.’ કહેતાં એ પોતની ઓફિસમાં ગયાં. ને ઢીલો પડી ગયેલો વ્રજ એમની પાછળ અંદર ગયો.

‘બોલ, હવે હું તારું શું કરું? આ ઓફિસમાં બધી છોકરીઓ જ કામ કરે છે એમની સાથેય તું કદીક આવું કરે તો! બધી કાંઈ ક્ષમા જેવી બોલ્ડ ન હોય. એના કરતાં સારો રસ્તો એ છે કે હું તને જ છૂટો કરું.’

વ્રજના પગ પાણીપાણી થઈ ગયા. એણે વિનવણીભર્યે અવાજે કહ્યું: ‘મારી સમજવામાં ભૂલ થઈ ગઈ. હું હવે કદી એવું નહીં કરું. ફરીથી કશામાં મારું નામ આવે તો એની તમે જે સજા કરશો એ મને મંજૂર છે પણ મારી આ પહેલી ભૂલ ગણીને આ વખતે તો મને માફ કરી દો તો સારું.’

‘તારી વાત હું સ્વીકારું છું અને આ વખતે તને માફ કરું છું ને નોકરીમાંથી તને છૂટો કરું છું. પહેલી તારીખથી મને તારું મોંઢું ન બતાવતો, જા.’ વ્રજને ખબર હતી કે શીરીનબાઈ એક વખત બોલી દે પછી એમાં કોઈ ફેરફાર કરતાં નથી એટલે એ મનમાં ધૂંધવાતો નીચી મુડીએ બહાર નીકળી ગયો. બહાર તો બધાંને ખબર પડી જ ગઈ હતી કે વ્રજની હકાલપટ્ટી થવાની જ હતી.

. ક્ષમાનું સ્વર્ગ

એ સાંજે ક્ષમા ઘેર જઈ સીધી જ પથારીમાં પડી ને ઓશિકામાં મોં ઘાલી ક્યાંય સુધી  રડ્યા કરી. એને થયું કે વ્રજે જે કર્યું તે કાલે સવારે કોઈ બીજુંય કરશે. પોતે છૂટાછેડાવાળી છે, સ્વતંત્ર છે અને એકલી ને રૂપાળી છે એટલે પોતાની સાથે લટુડાં પટુડાં કરતા આવા લોકો આવવાના જ છે. પોતે પરણેલી હતી ત્યારે કોઈ એવી હિંમત પણ નહોતું કરી શકતું. પણ હવે તો પાછાં વળાય એવું પણ રહ્યું ન હતું એ વિચારે એ વધારે ઉદાસ બની રહી.

એ પોતાના અભિમાની વર્તાવ બદલ પસ્તાઈ રહી. પરમે તો લગભગ એક વર્ષ જેટલી પોતાની રાહ જોઈ હતી. એ બાપડો કરેય શું? પોતે ન તો એની ખબર લેવાનો વિચાર કર્યો હતો કે ન તો એને પોતાનું સરનામું આપ્યું હતું. પછી એ ધારે તોય પોતાનો સંપરેક ક્યાંથી કરી શકે?

આ બધા ઊચાટ વચ્ચેય એને એક વાતનો આનંદ હતો કે તન્વી વચમાં આવી ગયા છતાં તેનો પરમ તેને પાછો મળી ગયો હતો. એટલું જ નહીં પણ એ હજુ તેનો જ રહ્યો હતો. એની સાથેના પોતાના સંબંધને દુનિયા ભલે ને ગમે તે નામ આપે પણ પોતે હજુ પરમની પત્ની જ હતી. કોઈ એમાં વચ્ચે આવી શકવાનું ન હતું. તન્વી પણ નહીં. પોતે હવે પરમથી ક્યારેય થવાની ન હતી.

હજુ તો ગયે અઠવાડિયે જ એ અને પરમ મળ્યાં હતાં તોય ફરી પરમને મળવાના તે પ્લાન કરવા માંડી. એણે મનમાં પરમ સાથે બહાર ટૂર પર જવાની યોજનાઓ પણ ક્યાં ઘડવા માંડી ન હતી?

આ બધું કરતાં ક્યારેય તન્વીની નજરે ન પડી જવાય એની એમણે તકેદારી રાખવી પડશે. પોતાને શૈલ ભટનાગરની તો કશી ચિંતા ન હતી કારણ કે એ તો પોતાનો હતો જ ક્યાં? હા, એક ચિંતા એને હતી કે ક્યારેક શૈલ અને પરમ ભેગા થઈ જાય તો શું? પમ એમે એક વાતનો સંતોષ હતો કે પરમ મુંબઈ આવવાનો ન હતો કે શૈલને મળવાનો પ્રયત્ન કરવાનો ન હતો.

□ □

હર્ષ ઈન્ટરનેશનલમાં કામ કરતી છોકરીઓ સાથે ક્ષમાને સારી દોસ્તી જામી ગઈ હતી. એમાંય માથેરાનની ટૂર પછી તો એ બધી એની ખાસ દોસ્ત જેવી જ બની ગઈ હતી. તેમાંય વ્રજનું પ્રકરણ બન્યા પછી બધી ક્ષમાની વધુ નજીક આવી ગઈ હતી. વળી ક્ષમા એમની સાથે એમની ઉપરી હોવાને બદલે દોસ્ત જેવો વ્યવહાર રાખતી હતી એટલે એ બધી જાણે એની  વરસોની બેનપણીઓ હોય એમ વર્તવા લાગી હતી.

‘ક્ષમા, તેં વ્રજને પાઠ ભણાવ્યો ને એની હકાલપટ્ટી કરાવી એનો તો જાણે વાંધો નહીં પણ અમારી તો એક પાર્ટી ગઈ ને! હવે તારે અમને પાર્ટી તો આપવી જ પડશે.’ રીનાએ એક દિવસ ટકોર કરી. આ રીના શાહ રાજકોટની હતી. એના પતિ મયંક શાહ એક કોલેજની લેબોરેટરીમાં ડેમોન્સ્ટ્રેટર હતા.

‘પણ પાર્ટી આપવા માટે કશું કારણ તો હોવું જોઈએ ને!’ ક્ષમાએ બચાવ કરતાં કહ્યું તો ખરું પણ એને લાગ્યા વગર ન રહ્યું કે એ બધી આજે તેને એમ છોડવાની ન હતી..

‘અમારે તો પાર્ટી જોઈએ છે. કારણ તમારે શોધવાનું છે. ને ન હોય તો ઊભું કરવાનું. તારા ડીવોર્સ થયાને બે વર્ષ કરતાંય વધારે સમય થઈ ગયો છે ને તારો પરમ તો પરણીય ગયો હશે. તે સખી, તારે નક્કી કરી લેવું જોઈએ કે તારે ક્યાં સુધી એના ગમમાં આમ એકલાં એકલાં કાઢવાં છે?’ સપનાએ મીઠી ટકોર કરી. આ સપના મુંબઈમાં જ જન્મેલી ને ઉછરેલી હતી. એનો પતિ સંજય એક થિયેટરમાં મેનેજર હતો. એને એક બાબો અને એક બેબી હતાં. સંજયનાં મા એમની સાથે રહેતાં હતાં એટલે એ બાળકોને સંભાળતાં હતાં એટલે બેય નોકરી કરી શકતાં હતાં.

‘તારા કહેવા પર હું જરૂર વિચાર કરીશ અને જ્યારે કશો નિર્ણય લઈશ ત્યારે તમને બધાંને પાર્ટીય આપીશ, બસ!’

‘લે બાઈ, બાર વરસે બાવો બોલ્યો, જા બચ્ચા દુકાળ પડેગા. પણ તારાથી એમ કહી છટકી શકાવાનું નથી. અમારે તો પાર્ટી જોઈએ. આજે અમે તને છોડવાનાં નથી.’

‘તમારે પાર્ટી જ જોઈતી હોય તો હું હમણાં જ અંદર જઈ બટાકા પૌંઆ બનાવી લાવું છું. અહીં બેઠે જ પાર્ટી આપી દઉં.’

‘ટે અમને ટું ટમારી વાનિયા બામનની જેવી પાર્ટીમાં પટાવી ડેઉં એમ નીં ચાલે. અમારે ટો રંગોલી હોટલમાં પાર્ટી જોઈહે.’ સુષ્મા સુરતી બોલી. એ વરસોથી મુંબઈમાં હતી પણ હજુ વાતચીતમાં મોટેભાગે સુરતી જ બોલતી.

‘પછી તું કહીશ કે મારે ટો હુરટી ઉંધિયું ને ઘારી જ જોઈહે. ટે ટું એમ કરનીં કે આ રવિવારે હુરટ જઈને બઢ્ઢું લેટી આવનીં. પૈહા હું ટને આપી ડેવા.’ ક્ષમાએ એને આવડી એવી સુરતીમાં એને ઉડાવતાં કહ્યું.

‘હા એ જ બરાબર છે. તું સુરત જઈને ઉંધિયાની બધી સામગ્રી લઈ આવ પછી આપણે હેંગીંગ ગાર્ડન કે મહાલક્ષમી પીકનીક કરીએ તો મઝા આવશે.’ બીજી એકે સુચવ્યું.

‘જો પીકનીક કરવી હોય તો રવિવારે જ મઝા પડે. સુષ્મા, તું શુક્રવારની સાંજે સુરત જઈને શનિવારે પાછી આવી જાય તો? તારે એક દિવસની રજા લેવી પડશે પણ ક્ષમાની પાર્ટી છે એટલે એ તને એટલી તો રજા આપશે જ.’

‘તારા ગાડી ભાડાના પૈસા પણ ક્ષમા આપશે, પછી છે કાંઈ?’

‘ભલે, તમે બધાં કહો તેમ, લે સુષ્મા, આ સો રૂપિયા ને ઊપડ તારે સુરત.’ કહેતાં ક્ષમાએ સોની નોટ સુષ્માને પકડાવી.

‘તો પછી એક વાત પાકી કે આપણે બધાં રવિવારે પીકનીક પર જઈએ છીએ. હવે ક્યાં જવું એય નક્કી કરી લઈએ. મને તો હેંગિંગ ગાર્ડન કરતાં મહાલક્ષમી જ યોગ્ય લાગે છે.’

‘તમે માનો કે ના માનો પણ ક્ષમા પાર્ટી આપવા સંમત થઈ ગઈ એટલે એની નજરમાં કોઈક વસી ગયું છે. ભલે એ આપણને ના કહે.’ એકે કહ્યું.

‘એ તો બધું વાગતું વાગતું તોરણે આવશે ત્યારે તો બધાંને ખબર પડી જ જવાની છે ને.’ બીજીએ એમાં ટાપસી પૂરી.

‘તમે તમારે જેમ માનવું હોય એમ માનો. પણ તમે બધીઓ પાછળ પડી ગઈ હતી એટલે જ મેં પાર્ટી આપી છે.’

‘તારેય જેમ માનવું હોય એમ માન પણ તું છાવારે વડોદરા દોડી જાય છે એટલે અમને બધાંને તો ખાતરી થવા માંડી છે કે એમાં કશુંક તો છે જ.’

ને એમ એમની પાર્ટી ગોઠવાઈ ગઈ. ને સુષ્મા સુરત જવા રવાનાય થઈ ગઈ.

□ □

એ રવિવારે સાંજનાં બધાં મહાલક્ષ્મીના દરિયા કિનારે પાર્ટી માણવા પહોંચ્યાં. સુષ્મા પોતાને ઘેરથી જ ઉંધિયું બનાવીને લઈ આવી હતી. તો ક્ષમા શિખંડ અને પાતરાં બજારમાંથી લઈ આવી હતી ને ઘેરથી પુરી અને ભાત બનાવી લાવી હતી. અલબત્ત શીરીન બાઈને ઘેરથી જ. એને ફક્ત રજાને દિવસે જ પોતાને ઘેર ખાવાનું બનાવવું પડતું હતું. જો કે શીરીન બાઈ તો એને કાયમ કહેતાં હતાં કે એ એમની સાથે રહેવા આવી જાય તો એને સબવેની ભીડમાં ધક્કા તો ન ખાવા પડે ને.

પણ ક્ષમાને લાગતું હતું કે એમ કરતાં પોતાની પ્રાયવસીમાં તકલીફ ઊભી થાય તેમ હતી. શીરીન બાઈ આમ તો એની વાતમાં માથું મારે તેવાં ન હતાં પણ ક્ષમાનું વારંવાર વડોદરા જવું એમના મનમાં શંકા પ્રેરે ને એય આ છોકરીઓની જેમ માનવા માંડે એની એને બીક લાગતી હતી.

એ સાંજે સપનાએ કોકના ગ્લાસથી ચીયર્સ કરતાં કહ્યું: ‘ક્ષમાનો પ્રેમ માંગરે એવી શુભેચ્છા સાથે.’

‘અહીં મુંબઈમાં ટો એનો કોઈ ચાન્સ નીં મલે. વડોદરામાં કડાચ લગડું જામી જાય ટો માનું.’ સુષ્માએ પાદપુર્તિ કરી.

આમ બધાં ધીંગામસ્તી કરતાં પાર્ટીની મઝા માણતાં હતાં ત્યાં એકની નજર શૈલ ભટનાગર પર પડી. એ પત્ની સાથે ટહેલવા નીકળ્યો હતો. આ બધાને જોયાં એટલે એ બેય એમની પાસે આવ્યાં. ‘તમે બધાં પીકનીક પર આવ્યાં હોય એમ લાગે છે.’ શૈલે કહ્યું.

‘હા, હવે તમેય અમારી પીકનીકમાં સામેલ થઈ જાવ. આજની પીકનીક ક્ષમા તરફથી છે.’

‘તો તો અમારે વગર આમંત્રણેય એમાં સામેલ થવું જ પડે. કેમ ક્ષમા, કોઈ ખાસ પ્રસંગ છે કે શું..’

‘એ અમને તો કશું જણાવતી નથી, હવે તમને જણાવે તો ઠીક.’

‘કોઈનું ખાનગી હોય તો એમાં આપણાથી માથું ન મરાય પણ અવસરનું નામ ન હોય એવી પોર્ટીમાં મને તો મઝા ન પડે.’

‘મઝા તો અમનેય ક્યાંથી પડે પણ ક્ષમા મોઢું ખોલે તો ખબર પડા ને..’

‘અવસર કશો હોવો જ જોઈએ એવું થોડું છે.. આ તો આ બધી પાછળ પડી ગઈ હતી  એટલે અવસરનું નામ જ પાડવું હોય તો એમ કહી શકાય કે એમનાં મોં બંધ કરવાની આ પાર્ટી છે.’ હસતાં ક્ષમાએ કહ્યું.

‘અમારાં મોં બંઢ કરાવવાં હોય ટો ટારું મોઢું ખોલની. અમને બઢ્ઢાંને ખબર છે કે ટારું વડોડરામાં કશુંક ચાલે છે.’ સુષ્માએ એને ચોપડવી.

‘આ બધીને આવી પાયા વગરની કૂથલી કરવાની ટેવ છે ને આજે હું એમના હાથમાં આવી ગઈ છું.’ ક્ષમાએ શૈલને કહ્યું.

‘જો કે મનેય તમારી વાતથી સંતોષ થતો નથી પણ હાલ તો ભૂખ લાગી છે ને ચટાકેદાર ખાવાનું સામે ઠંડું થઈ જાય છે એટલે હાલ પહરતી તમારી વાત સ્વીકારી લઉં છું પણ ખાધા પછી તમે આ અવસરનું સાચું નામ પાડશો તો મને જરૂર આનંદ થશે.’ શૈલેય બધાંની સાથે સામેલ થઈ જતાં ક્ષમાને ઉડાવી.

પછી અંધારાં ઘેરાવા માંડ્યાં એટલા સૌ છૂટાં પડ્યાં. ઘેર પાછાં જતાં આખે રસ્તે ક્ષમા શૈલની ને પોતાની સહેલીઓની મજાકના જ વિચાર કરતી હતી. એને વડાદરામાં કંઈક હતું એ તો હકીકત હતી પણ એ આ બધીને કહેવાય એવું પણ ક્યાં હતું..

તો એને બીજો વિચાર એ આવતો હતો કે આજની પીકનીક વખતે જો પરમ અચાનક આવી ચડ્યો હોય અને તે શૈલની સાથે વાત કરે તો પોતાની શી દશા થઈ હોત..

૫. તન્વી?- લેખક: જયંતીભાઈ પટેલ

તન્વી કે ક્ષમાંનાં અંતરમન ભલે ગમે તે વિચારતાં હોય પણ બેય એકબીજાને મળવાના પેંતરા ઘડવામાં જ કાયમ રચ્યાં પચ્યાં રહેતાં હતાં એ હકીકત હતી. આજેય ક્ષમા વડોદરા આવી હતી. પરમે એને ફોન પર જણાવ્યું હતું કે તન્વી વડોદરામાં હતી એટલે ક્ષમાએ હોટેલ સૂર્યામાં રૂમ લઈ લીધી હતી.

એ પરમને પોતાના વડોદરામાં આવી ગયાના સમાચાર આપવા ફોન કરવાનું વિચારતી હતી પણ તન્વી કદાચ ઘરમાં જ હોય અને ફોન ઉપાડે તો! એટલે હમણાં ફોન કરવાનો વિચાર પડતો મૂકીને એ બીગ બજારમાં પેઠી. એને કશું ખરીદવાનું ન હતું એટલે એણે આમતેમ ટહેલવા માંડ્યું. આજે એ વડોદરામાં આવવાની હતી એની તો પરમને જાણ હતી જ. પરંતું પોતે હોટેલ સૂર્યામાં રૂમ લીધી છે એ વાત પરમને જણાવવાની હતી એટલે એની પાસે કાં તો ફોન કરવાનો કે પરમક્ષમાની પાસે રાહ જોવાનો એ બે જ વિકલ્પ હતા.

અચાનક જ એની નજર તન્વી પર પડી ગઈ. વધારે નજીક જઈને જોતાં એને ખાતરી થઈ કે એ તન્વી જ હતી. એની સાથે પરમ પણ આવ્યો હશે એમ માની એણે એની વધારે નજીક જઈ નજર રાખવા માંડી. એને પરમ તો ન દેખાયો પણ એક અજાણ્યો માણસ તન્વીની સાથે હતો એ એને લાગ્યા સિવાય ન રહ્યું. એણે એ બેયના પર ચાંપતી નજર રાખવા માંડી. પેલો માણસ તન્વીને એક સાડી લઈ આપવા આગ્રહ કરતો હાય એમ લાગતાં એ વધારે નજીક સરી. પોલા માણસે હઠ કરીને તન્વીને બારસો રૂપિયાની એ સાડી લઈ આપી ને પોતાના બોબ કાર્ડથી પૈસા ચુકવ્યા.પણ ક્ષમાને લાગ્યું કે નસીબ આજે એની ફેવરમાં હતું.

‘મિહીર, આવી મોઘી સાડી લઈ આપવા કરતાં ઘરની ઉપયોગની કોઈ ચીજ લીધી હોત તો મને વધારે ગમત.’ તન્વીએ કહ્યું.

‘ઘરમાં વાપરવાની ચીજ વસ્તુઓ ખરીદવાની ચિંતા હજુ આપણે માથે ક્યાં છે? તું એક વખત કાયમ માટે ઘેર આવી જશે પછી એક જ દિવસમાં તારે ઘરમાં જોઈતી ચીજો લઈ આપીશ, બસ!’

‘એ તો તું લઈ જ આપીશ ને! પણ તું અત્યારથી જ થોડી કરકસર કરતો જાય તો સારું ને!’

‘એ બધી વાત લગ્ન પછી. અત્યારે તો ફક્ત મોજ કરવાના જ વિચાર કર.’

તો તન્વી પરમને છૂટાછેડા આપીને આ મિહીર સાથે પરણી જવાની છે એમ જ ને! ક્ષમા મનમાં જ મલકાઈ રહી. એને એક વખત તો એમ પણ થઈ આવ્યું કે આ મિહીરનામાં એવું તે શું છે કે તન્વી પરમને છોડીને આને પરણવા તૈયાર થઈ હશે? પણ બીજી જ પળે એના પેલા અંતરમને અટકચારું કરી જ લીધું: ‘એમ તો તેંય પરમને છોડી જ દીધો છે ને! તારા જીવનમાં ભલે બીજો કોઈ ન આવ્યો હોય.

એને લાગ્યું કે પરમને આ લફરાની વાત કરવી જોઈએ. એને પોતાની વાતમાં વિશ્વાસ પડે એ માટે એને જરૂર ન હતી છતાં એણેય તન્વીના જેવી જ એક સાડી ખરીદી લીધી. તન્વીને ઘેર પહોંચતાં હજુ બે ત્રણ કલાક તો થશે જ એવું એ બેયના વર્તાવ પરથી એને લાગતું હતું એટલે એણે સ્ટોરની બહાર નીકળીને પરમને ફોન જોડ્યો ને પોતે જે જોયું હતું એની થોડીગણી વાત એને કરી.

‘તેં એની સાથે રૂબરૂ વાત તો નથી કરી ને!’ ગભરાતો પરમ બોલી ઊઠ્યો.

‘ના, હું એની સામેય નથી ગઈ ને વાત કરી હોત તોય શું વાંધો હતો? એ મને ક્યાં ઓળખે છે?’

‘એણે કદાચ આપણા લગ્નના આલ્બમમાં તને જોઈ હોય એટલે તને ઓળખી પણ જાત.’

‘આજે રાતે હું તને વિગતે વાત કરીશ. એને મિહીરે કેવી સાડી લઈ આપી છે એ પણ હું તને બતાવીશ. હુંય એવા સાડી ખાસ તને બતાવવા માટે જ ખરીદી લાવી છું. મેં હોટેલ સૂર્યામાં રૂમ લઈ લીધી છે. બોલ ક્યારે આવે છે?’

‘હમણાં જ નીકળું છું. મેં તન્વીને સવારથી જ કહી દીધું છે કે આજે રાતે મારે કંપનીના કામે બહાર જવાનું છે એટલે એને કહેવા માટે મારે ઘેર રોકાવાની જરૂર નથી.’

‘તો હુંય હોટેલ પર પહોંચું. અત્યારે હું બીગ બજારની બહારથી બોલું છું.’

ફોન મૂકતાં પરમ વિચારી રહ્યો: ‘સારું થયું કે તું એને મળી નહીં, નહીં તો મારી તો માઠી જ બેસી ગઈ હોત. પણ ક્ષમાને વડોદરામાં મળવાને બદલે કોઈ બીજા શહેરમાં મળવાનું ગોઠવવું પડશે.’ એ મનમાં વિચારી રહ્યો.

પરમે ક્ષમાને બતાવવા માટે એ ફોટો ટેબલ પરની ફ્રેમમાં મૂક્યો હતો પણ જ્યારે ક્ષમાએ એને ક્યાંક જોઈ હોવાની વાત કરી ત્યારથી એને ચિંતા થવા માંડી હતી કે ક્ષમા કદાચ એને ઓળખી જશે. ત્યારથી જ એણે એ ફોટામાંની છોકરી વિષે તપાસ કરવાનું મનથી નક્કી કરી લીધું હતું,

ભૂતકાળને ફંફોસતાં એ ફોટો એની પાસે કેમ આવ્યો હતો એ પણ એને યાદ આવી ગયું હતું. જ્યારે એ કુંવારો હતો ત્યારે એની ઑફિસના એક સેલ્સમેને પોતાની એ બેનનાં લગ્ન પરમ સાથે ગોઠવવા માટે એને પોતાની બેનનો એ ફોટો આપેલો. હવે એને ક્ષમાની સામે તન્વી તરીકે બતાવાઈ ગઈ હતી એટલે પરમને એની વધારે તપાસ કરવી જરૂરી લાગી હતી. તપાસ કરતાં એને જાણવા મળ્યું કે એ છોકરીનું નામ જાહ્નવી હતું અને હજુ એક મહિના પહેલાં જ એના વિવાહ  મિહીર નામના યુવાન સાથે નક્કી થયા હતા.

આજે ક્ષમાની વાત સાંભળ્યા પછી એને લાગવા માંડ્યું કે એના એક જૂઠને સાચવવા જતાં એણે બીજાં હજાર જૂઠ બોલવાં પડવાનાં હતાં અને તેય બરાબર એવાં ગોઠવીને કે ભવિષ્યમાં એનાથી બીજો લોચો ઊભો ન થાય. હોટેલ પર આજે ક્ષમાની સામે કેવી રજુઆત કરવી એનુંય એણે મનમાં રીહર્સલ કરી લીધું હતું.

ક્ષમાએ હોટેલ પર આવીને કપડાં બદલ્યાં ત્યાં જ પરમ આવી પહોંચ્યો. ‘હું હમણાં જ આવી. તન્વી ઘેર હોય તો તારો કેવી રીતે કોન્ટેક્ટ કરવો એ વિચારમાં અટવાતી હતી ત્યાં જ બીગ બજારમાં તનેવીને જોઈ એટલે મને શાંતિ થઈ ને તને ઘેર ફોન કર્યો.’

‘તેં એની સાથે વાત કરવા પ્રયત્ન ન કર્યો એ સારું થયું. એ કદાચ તને ઓળખી જાત અને એવા એવા સવાલો પૂછત કે તને એમ જ લાગત કે એને તારા પર વહેમ છે. એ બહુ વાતોડિયણ અને વહેમી છે.’ પરમે પાણી પહેલાં પાળ બાંધવા માંડી.

‘એ વાત કરતા પહેલાં મારી વાત તો પૂરી સાંભળ. મેં એ બેયની જે વાત સાંભળી એ પરથી તો એમ જ લાગે છે કે તન્વી તારી સાથે એકાદ મહિનામાં છૂટાછેડા લઈને તરત પેલા સાથે પરણી જવાનું ગોઠવીને બેઠી છે.’

‘એવું લાગતું તો નથી. હજુ સુધી એના વ્યવહારમાં એણે કશી ઊણપ આવવા દીધી નથી.’ પરમે જાણે તન્વીનો બચાવ કરતો હોય એમ કહ્યું.

‘તું બહું ભોળિયો છે. સ્ત્રી માનસમાં તને સમજ ન પડે. આ સાડી જો. મિહીરે એને આજે આવી જ એક સાડી લઈ આપી છે. એની કિંમત બારસો રૂપિયા છે. તને યાદ છે તેં મને કદી આવી મોઘી સાડી લઈ આપ્યાનું?’

‘ન લઈ આપી હોય તો ચાલ આજે લઈ આપું. હું તને એના બારસો રૂપિયા આપી દઉં, બસ?’ પરમે વાતને હસવામાં ઉડાવતાં કહ્યું.

‘મારે સાડી નથી જોઈતી. તું કેમ કશું સમજતો નથી! તારી બૈરી તારાથી છૂટાછેડા લેવાની છે.’ ક્ષમાએ અકળાતાં કહ્યું.

‘મારે માટે એ નવું નથી. એકે તો છૂટાછેડા લઈ જ લીધા છે હવે એવી વીતોમાં હરખશોક કરવાનું મેં માંડી વાળ્યું છે.’

‘એમાં મને દોષ ન દેતો. તેંય મને છોડી જ દીધી હતી ને!’

‘હું એમાં તારો વાંક કાઢતો નથી. વાંક તો મારો જ હતો પણ પરિણામ આપણે બેયને ભોગવવાં પડે છે. વળી આપણે બેય અભિમાની પણ એટલાં કે પાછા વળવાનો કોઈ માર્ગ જ ન રહેવા દીધો.’ પરમે ખેદથી માથું ધૂણાવ્યું ને એ નીચું જોઈ ગયો.

‘જે થઈ ગયું એ ના થયું થવાનું નથી. આપણે એકબીજાને ભૂલી શક્યાં નથી એટલે મન ફાવ્યો એવો રસ્તો કાઢ્યો. હવે હું ભટનાગરને ને તું તન્વીને છેતરી રહ્યાં છીએ. તને નથી લાગતું કે આપણે ભાન ભૂલી ગયાં છીએ?’

‘એ જે હોય એ પણ હવે હું એમાંથી પાછો હઠવા માગતો નથી ને તનેય એમાંથી પાછી હઠવા દેવાનો નથી.’

‘ધાર કે હું અહીં આવવાનું જ બંધ કરી દઉં તો?’

‘તો હું મુંબઈમાં તારે ઘેર તો ન આવું પણ તારી ઓફિસે આવીને તને ઉપાડી જાઉં.’

‘જો એવું નહીં કરવાનું. હુંય તારાથી છૂટી પડીને ઘેર જાઉં છું ત્યારથી જ તને ફરીથી મળવાના વિચારો કરવા માંડું છું. પણ એમ બહારવટું નહીં કરવાનું. આપણો આ સંબંધ આપણે છૂપો જ રાખવાનો છે. આજેય તન્વી ઘરમાં હશે એમ માનીને તને કેમ ખબર કરવી એના ગૂંચવાડામાં મેં બે કલાક કાઢી નાખ્યા ને.’

‘તારે એની ચિંતા કરવાની જરૂર ન હતી. અમારા ઘરમાં હું જ ફોન ઉપાડું છું.’

‘પણ તું બહાર ગયો હોત તો તન્વીએ ફોન ઉપાડ્યો હોત ને. ને એણે જો ફોન લીધો હોત તો  મારો અવાજ સાંભળતાં એના મનમાં તારે વિષે કેટલીય શંકાઓ જાગત અને એને સમજાવતાં તને નાકે દમ આવી જાત.’ આંખો નચાવતાં ક્ષમાએ કહ્યું.

‘એ બધી વાત પડતી મૂક. ચાલ બહાર જઈને કાંઈક ખાઈ આવીએ. બાકીની વાતો કરીશું રાતે પથારીમાં.’

‘તું પાછો નફ્ફટ થવા માંડ્યો.’

‘તને તો આપણે પરણ્યાં એ પહેલાંથી એ વાતની ખબર છે પછી મને આમ ટોકીને શા માટે વધારે ઉશ્કેરે છે.’

‘તું એ કેમ સમજતો નથી કે તું વધારે ઉશ્કેરાય એ મને ગમે છે. ચાલ હું કપડાં બદલી લઉં.’ કહેતાં ક્ષમા બાથરૂમમાં પેઠી. હજુ એ બાથરૂમમાં પેઠી જ હતી ને પરમે બહારથી બારણા પર ટકોરા માર્યા. ‘કેમ, શું છે પાછું?’ અંદરથી ક્ષમાએ પૂછ્યું.

‘મારેય મોં ધોઈને વાળમાં કાંસકો ફેરવી લેવો છે.’

‘પહેલાં હું તૈયાર થઈને બહાર આવું પછી તારો વારો.’

‘આવું શું કરે છે? ખોલ ને, બાથરૂમ મોટી છે. આપણે બેય એક સાથે તૈયાર થઈ જઈએ.’

‘ના હોં, હું તને બરાબર ઓળખું છું.’

‘ઓળખે છે તો પછી બાથરૂમ ખોલીને મને અંદર આવવા દે ને. આપણી વચ્ચે આટલે વરસે આ પડદો શે?’ પરમનાં આવાં બાલિશ અતકચાળાં ચાલતાં હતાં ત્યાં ક્ષમાએ તૈયાર થઈને બારણું ખોલ્યું. પણ બારણામાંથી એને પાછી બાથરૂમમાં ધકેલી પરમે એને સામેની દિવાલ સાથે જડી દીધી.

‘જો પાછી તેં શરારત કરવા માંડી. મારાં કપડાં ચૂંથી નાખે છે તું.’ ગુસ્સે થવાનો ડોળ કરતાં ક્ષમાએ કહ્યું. જો કે પંદર વીસ દિવસે કે મહિને જ્યારે એ બેય મળતાં હતાં ત્યારે એ આવા જ હેતથી મળતાં હતાં. ‘આટલો આક્રમક તો તું આપણે જ્યારે પરણેલાં હતાં ત્યારેય ન હતો.’

‘એ વખતની વાત અને આજની વાતમાં ફેર છે. એ વખતે આપણી પાસે એનું લાયસન્સ હતું પણ આ તો ચોરીનો પ્રેમ છે. ને વહાલી, સહજમાં મળી ગયેલા પ્રેમ કરતાં આવો ચોરી કરીને મેળવેલો પ્રેમ વધારે મઝાનો લાગે છે.’

‘કોઈક દિવસે તારી આ ચોરી પકડઈ તો તારી બધી મઝા નીકળી જશે.’

‘એને તો હું પહોંચી વળીશ. પણ તને તો ભટનાગરની બીક નથી લાગવા માંડી ને?’

‘એ બીક લાગે એવો માણસ નથી. જો એ આપણને અહીં જોઈ જાય તો મને શાંતિથી પૂછેઃ ‘તમને મારામાં એવી તે શી ઉણપ લાગી કે તમે આવું પગલું ભર્યું?’

‘સાચું કહું, મને તારા એ શૈલ ભટનાગરની દયા આવે છે. પોતાની રૂપાળી પત્ની પર શંકા કરવાનો દરેક પુરુષને અધિકાર છે.’

‘આપણે પરણેલાં હતાં ત્યારે તેં કદી મારા પર શંકા કરી હોવાનું મને યાદ નથી. પણ મને કાયમ થયા કરે છે કે હું એનો દ્રોહ કરી રહી છું.’

‘દ્રોહ તો આપણે બેય કરી રહ્યાં છીએ પણ આમાંથી પાછાં ફરવાનું હું તો વિચારી પણ નથી શકતો ને વિચારવા માગતોય નથી.’

‘ને તને મળવા હુંય દસપંદર દિવસે દોડી આવું જ છું ને.’

‘પણ મારા એ દસપંદર દિવસો કેમના જાય છે એની તને ખબર છે?’

‘જેમ મારા જાય છે એમસ્તો. મને લાગે છે કે આપણે બહુ ખરાબ થઈ ગયાં છીએ. આપણે મન મક્કમ કરીને આ પાપમાંથી નીકળી જવું જોઈએ એમ તને નથી થતું?’ ક્ષમાએ કહ્યું.

‘જો તું આમ ઢીલું ઢાળીશ તો યાદ રાખજે કે હું મુંબઈ આવીને તારું ગળું પકડીશ.’

‘હુંય ક્યાં ઢીલું ઢાળવાની વાત કરું છું કે તું આમ બહારવટે ચડવાની વાતો કરવા માંડ્યો?’

‘ચાલ, જમી આવીએ.’ કહેતાં પરમે ક્ષમાની કમરમાં હાથ નાખ્યો.

‘એય જાહેરમાં આવા મજનુવેડા નહીં કરવાના.’ કહેતાં ક્ષમાએ એને હળવો હડસેલો માર્યો.

૬. ગગનો બાઈકઃ લેખીકા–પ્રવિણા કડકીયા

છૂટાછેડા લેનાર મોટાભાગનાં બધાં જ પસ્તાતાં હોય છે. અહં એક એવી ખીલી છે કે તે વળે પણ નહીં અને નિકળે પણ નહીં. બસ ચૂભ્યા જ કરે. દૂધ ઉભરાઈ ગયા પછી રોવુ નકામું અને પાણી વહી ગયા પછી પાળ બાંધવી નકામી.

ક્ષમા, પરમના વિચારોમાંથી મુક્તિ મેળવી શકતી ન હતી. પરમ પણ ક્યાં ક્ષમાને પળભર માટે વિસરી શક્યો હતો. આમ તો બંને જણાં પોતપોતાના કાર્યમાં સંપૂર્ણ પણે વ્યસ્ત હતાં. આજે ક્ષમાને નિકળતાં મોડું થયું. ઘરે જઈ રહી હતી ઉતાવળમાં ચાલતા ઠેસ વાગી. પડતાં બે સશક્ત હાથોએ એને બચાવી લીધી. ક્ષમાએ એ બચાવનારનો આભાર માન્યો પણ એને ક્યાં ખબર હતી કે એ હાથવાળો વડાદરાનો કુખ્યાત બ્લેકમેઈલર ગગનો હતો.

ગગનને ખ્યાલ આવી ગયો કે આ તો પેલી બસેરામાં ઊતરતી અને પ્રેમી સાથે રંગરેલિયાં મનાવતી ક્ષમા ભટનાગર હતી! એણે જવાબમાં મોહક સ્મિત કરતાં કહ્યું: ‘એમાં શું હું પાછળ આવતો હતો એટલે તમને સ્હેજ ટેકો દીધો.’

અલબત્ત ક્ષમાના સ્પર્શે તેને રોમાંચ તો થયો. કોઈ પણ પોલીસ ચોકીમાં આ ગગનાનું નામ ન મળે. એ કદી ઉઘાડે છોગ ગુંડાગર્દી ન કરે તોય તેના હાથ ખૂબ લાંબા. કોઈ પોલીસવાળો તેને વતાવે નહી. હોટેલ બસેરાનો માલિક તેનો દોસ્ત. અરે દોસ્ત જ શું આડા ધંધાનો ભાગીદાર. એ બેયે મળીને ક્ષમા વિશે જરૂર જોગી વિગતો એકઠી કરી લીધી હતી. તેમને થયું હતું કે રૂપ અને માલનો અંહી સંગમ છે. એને બદનામ કરવાની માત્ર ધમકી આપીનેય એની પાસેથી મોટી રકમ પડાવવાની મઝા આવશે.

એ જ તો તેનો ધંધો હતો જેમાં તેણે આજ સુધી લાખ્ખો રૂપિયાની કમાણી કરી હતી. ક્ષમા અને પરમ નોકરી ધંધાને બહાને વડોદરામાં મળતાં. બંનેનું આ સફેદ જુઠાણું ચાલુ હતું. એકમેક પ્રત્યે એમને કેમ લાગણી ન હોય? બેયનો પ્રથમ પ્રેમ હતો. લગભગ ચાર વર્ષનો મસ્તીભર્યો સહવાસ હતો. ભીની ભીની તેની ખુશ્બુ બનેના અંતરને સ્પર્શતી હતી. એક અહંકાર અને તેમાં ભળી હતી હઠ પછી એ સ્ત્રીની હોય કે પુરુષની.

હોટલ બસેરા વડોદરા શહેરથી થોડી દૂર હતી તેથી કોઈની નજરે ચડવાની ભીતી ન હતી એમ બેય માનતાં હતાં. નામ પણ ચાલાક વ્યક્તિ સાચાં ન જ આપે કે જેથી ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે.

કાળાધોળાં કરવામાં ગગનાને બસેરાના મેનેજરનો સાથ. ગગનને ને મેનેજરને આ ધંધામાંથી સારી એવી રોકડી થતી હતી એટલે એમનાં પાંચેય આંગળાં હાલ તો જાણે ઘીમાં જ હતાં. અવળચંડા આ બેય જણે એવી ગોઠવણ કરેલી કે આવાં યુગલોને લક્કી કરેલી જ રૂમ આપે. વળી એ રૂમમા છૂપાં કેમેરા અને માઈક પણ ગોઠવેલાં. એ લોકો આ યુગલોની વાતચીત ટેપ ટેપ કરતા અને ક્યારેક એની વીડિયોય ઉતારી લેતા. મોટે ભાગે તો ફક્ત ફોટાથી જ કામ પતી જતાં.

૨૧મી સદીની કમાલ, આધુનિક વૈજ્ઞાનિક યંત્રો માણસની બધી હિલચાલ પર નજર રાખે અને અજાણ્યાને તો તેની ગંધ પણ ન આવે. પરમ અને ક્ષમાની આવી મુલાકાતોની બેથી ત્રણ વખતની વિડિયો એમણે તૈયાર કરી હતી. ક્ષમા અને શૈલ ભટનાગરને શીશામાં ઉતારી પૈસા પડાવવાની બધે મોરચે એમણે તૈયારી કરી લીધી હતી.

ગગનો તો બેફિકર અને ગુંડો. તેને કોઈના બાપની સાડાબારી નહીં. નક્કી કર્યા મુજબ બધી માહિતી એકઠી થઈ ગઈ. એ વીડિયો જોઈને ગગનને લાગ્યું  આ તો માલદાર માછલી જાળમાં સપડાઈ છે. બરાબર તેનો લાભ લેવાશે. રૂપે ગુણે સંપન્ન ક્ષમા તેને મન ‘સોનાના ઈંડા ‘ મૂકતી મરઘી પૂરવાર થવાની હતી. મરીન લાઈન્સ જેવા મોંઘા વિસ્તારમાં રહેતી આ બૈરી પાસેથી એ માગી રકમ કઢાવી શકશે એમ એને લાગતું હતું. એણે આંકડો તો ઘણો મોટો વિચાર્યો હતો પણ શરૂમાં ચેતીને ચાલ ચાલવાની તેની ગણતરી હતી.

ક્ષમા, પરમ અને શૈલ ભટનાગર, ત્રણેય એના ચક્રવ્યૂહમાં ફસાયાં હતાં એની ગગનાને ખાતરી થઈ ગઈ હતી. ગગન તેમને માત કરવા પોતાના આ ચક્રવ્યૂહમાં પ્રવેશ્યો તો ખરો  પણ “ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે.” ગગન જેવી કુશળ વ્યક્તિને કોઈ થાપ ન આપી જાય તેનો એને સંપૂર્ણ ખ્યાલ રાખવાનો હતો. ક્ષમા એને ભટકાઈ એટલે એને લાગ્યું કે આજે મૂહર્ત પણ સારું હતું.

આમેય ખોટી દાનતવાળી વ્યક્તિ  વહેમીલી વધારે હોય એ જગજાહેર સત્ય છે. છીંક આવે તો બેસી જાય. કેવા માણસના શુકન થયા છે તેને મહત્ત્વ આપે. પોતે ભલે ને ખડુસ હોય, બદનામ કે લફંગો હોય પણ શુકન તો ગાય માતાના થવા જોઈએ. જો મિજાજ સારો હોય તો પાંચ રૂપિયાનું ઘાસ નીરી લાખોની કમાણીની માગણી કરીલે.

એણે બધી વાતનો વિચાર કરીને પહેલી ચાલ ચાલવાનો પ્રારંભ કર્યો. ભટનાગર ક્ષમાનો પતિ એને હમણાં આમાં સંડોવવો નથી એવી તણતરી સાથે એણે એક કાગળ કુરિયર મારફત મીસીસ ભટનાગરના નામે મોકલાવ્યો. શરૂઆતમાં માત્ર ૫૦ હજાર રૂ.ની માગણી કરી. ધમકી તો એવી આપી કે  વાંચનારના રૂંવાડાં ઊભાં થઈ જાય.  ગગનની આ જ તો ખાસિયત. હરામના પૈસા પડવવાના આવા કેટલાય પ્રપંચ એના સેતાની મગજમાં સંઘરાયેલા હતા.

મોકલનારના નામ પતા વગરનો ખત! ૫૦ હજાર રૂપિયાની માગણી ને પૈસા નહીં મળે તો એની વડોદરાની લીલાની બધી વાતો એના પતિને ફોટા સાથે મોકલી આપવાની ધમકી. ગગનાને ખાતરી જ હતી કે એ રકમ આપવા તો એ બૈરી તૈયાર થઈ જ જવાની હતી. પત્રના અંતે માત્ર પૈસા ક્યાં અને કેવી રીતે આપવા તેના માટેની ગોઠવણ અઠવાડિયા પછીના પત્રમાં જણાવીશ એમ લખેલું.

આ ત્રણેય વ્યક્તિ એ માનતો હતો એવાં દોષિત ન હતાં એટલે કામ કઠીન હતું પણ ગગનાને એની ક્યાં ખબર હતી! ક્ષમા અજાણ, ભટનાગરને તો આમાંની કાંઇ જ ખબર નહીં અને હોય પણ ક્યાંથી? એ તો હતો એના નામ પ્રમાણેના ગુણવાળો. કામકાજમાં હોંશિયાર બાકી ભટ ભાઈ ભોળા. ક્ષમા તેના નામનો ઉપયોગ કરી પરમને મળે છે તેવું તો સપનું પણ શૈલને ક્યાંથી આવે?

પરમ પણ ક્ષમાને મળવા માટે ‘બસેરા’માં સમય વિતાવવાની કાગડોળે રાહ જોતો હતો જ ને! કયાં, ક્યારે કોઈના પર શું વિતવાની છે એનાથી સહુ અજાણ. ગગને બિછાવેલી જાળમાં ત્રણેય પંખી ન પકડાય તો ભલે પણ ફફડવાનાં તો હતાં જ. વિધિના ખેલ વિચિત્ર હોય છે.  કદાચ ‘ખાડો ખોદે તે પડે’ એ ઉક્તિ કદાચ અંહી સાચી પણ પુરવાર થાય?

ક્ષમાએ જ્યારે શૈલનું નામ પોતાના પતિ તરીકે આપ્યું ત્યારે તેનો ઈરાદો ખરાબ ન હતો. તે વખતે પરમે પૂછ્યું એટલે જે નામ તત્કાલિક જીભ પર ચડી ગયું તે બોલી ગઈ.  વળી પાછળથી વધારે વિચાર કરતાં એને લાગવા માંડ્યું હતું કે પરમ કે શૈલના મળવાનો કોઈ ચાન્સ ન હતો એટલે એનું એ જૂઠાણું સલામત હતું. એટલે એ ગપગોળા હેઠળ પરમ સાથેની મુલાકાતોની મોજ માણવાની તેને મઝા આવતી હતી.

ગગનો સ્ટીલ અને તેનો મેનેજર દોસ્ત બેય જે કરતુત કરી રહ્યા હતા એની શંકાય પરમ અને ક્ષમાને ન હતી.  ગગનનો તો ધંધો જ હતો. બદનામી કરવી, ધાકધમકી બતાવી પૈસા પડાવવા. આખું ષડયંત્ર ગોઠવાઈ ગયું. એટલે એણે પહેલું કામ કુરિયર મારફત પૈસા પડાવતો કાગળ મોકલવાનું કર્યું હતું ને!

શૈલ ભટનાગર દિવસે તો ઘેર ક્યાંથી હોય? રોજની આદત મુજબ તેની પત્નીએ ટપાલ લીધી અને કવર પર પોતાનું નામ હતું એટલે એ ચપાલ કોની હશે એની વિમાસણમાં અટવાતાં એણે એ ખોલી અને વાંચી. એ તો વાંચતાં જ ઝાડ પર પાંદડું હલે તેમ ધ્રુજી રહી. એના તો જાણે હોશ જ ઊડી ગયા.

એ સાંજના શૈલ ઘરે આવ્યો ત્યારે ઘર અસ્તવ્યસ્ત લાગતું હતું. ‘અરે, આજે  કેમ આમ છે?  તું  સુનમુન કેમ બેઠી છે? આજે રસોડામાં હડતાલ છે કે શું?’ એણે  ઉપરા ઉપરી પ્રશ્નોની ઝડી વરસાવી. રોજ હસતે મુખડે સ્વાગત કરતી તેની પત્નીના આવા હાલ જોઈ શૈલ ચિંતામાં પડી ગયો લાગતો હતો.

બોલવાને અસમર્થ તેવી પદ્માએ કાંઈ જ બોલ્યા વગર હાથમાં રહેલો પત્ર એને બતાવ્યો. એકી શ્વાસે શૈલ ભટનાગરે વાંચ્યો. ને એનાથી બોલી જવાયું: ‘અરે આ શું તૂત છે?’ નિર્દોષ વ્યક્તિ પર જ્યારે અજૂગતું આળ આવે ત્યારે એ તત પપ થઈ જાય. એક ક્ષણ ડઘાઈ ગયો. પોતાની જાતને કાબૂમા કરી. પદ્માને આલિંગનમા જકડી. ‘તું ખોટી ગભરાઈ ગઈ છું. તું બે વરસથી વડોદરા ગઈ જ ક્યાં છું?’

શૈલે કાગળ બીજીવાર વાંચ્યો. પછી ખડખડાટ હસીને કહે: ‘અરે, પદ્મા નામ તો જો. ક્ષમા શૈલ ભટનાગર છે. કોઈની ટપાલ ભૂલથી આપણે ત્યાં આવી ગઈ લાગે છે. કોઈ શૈલ ભટનાગરને આપણે જાણતાં હોઈએ એવુમ યાદ આવતું નથી. આપણે ચિંતા કરવાની જરૂર નથી. તોય હું કાલે ઈન્સપેક્ટર પાટીલને વાત કરીદઈશ.’

‘ચિંતા તો થાય જ ને! આવા માણસોનો શો ભરોંસો?’

‘તું હિમત રાખજે આ જેની પણ ચાલ હશે તેને હું બરાબરનો પાઠ ભણાવીશ. હું સીધો છું ત્યાં સુધી જ સીધો છું. જ્યારે વિફરીશ ને ત્યારે આ કાગળ મોકલનારને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ. બસ મને તારો સાથ જોઈશે. તું મારી સાથે છે ને?’ પદ્મા શૈલની પ્રેમાળ હિંમત ભરી વાણી સાંભળી હોશમાં આવી. એ શૈલ ને વળગી પડી, એનું હૈયું હાથ ન રહ્યું અને ડુસકે ચડી. શૈલે પણ તેને રોવા દીધી. થોડીવારે એણે હળવાશ અનુભવી.

ચિંતાની મારી પદ્માએ ઘરમાં કાંઇ રસોઈ કરી ન હતી. શૈલ કહે: ‘ચાલ આજે “ગૌરવ”માં જમી આવીએ.’ ને બંને તૈયાર થઈ જમવા માટે નીકળી પડ્યાં. શૈલ મનમાં નકશો તૈયાર કરતો હતો. હવે આગળ શું? અચાનક એને શંકા જાગી કે આ ક્ષમા પેલી હર્ષ ઈન્ટરનેશનલવાળી ક્ષમા તો નહીં હોય ને! ને એણે બીજે જ દિવસે ક્ષમાને મળવાનો નિર્ણય કરી લીધો.

જમીને આવ્યા પછી બંને પતિ પત્ની સૂઈ ગયાં. પદ્મા તો વેલી ઝાડને લપેટાય તેમ શૈલને લપેટાઈને સૂઇ ગઈ. તેનો આખો દિવસ ખૂબ જ ચિંતાભર્યો વાત્યો હતો. શૈલના મનમાં જે શંકા જાગી હતી એના જ વિચારમાં એને ઊંઘ આવતી ન હતી. એને થતું હતું કે જો કાગળમાં જણાવેલી ક્ષમા એ જ હોય એ શક્ય હતું. એ વારંવાર વડોદરા જતી હતી એમ એની સાથે કામ કરતી છોકરીઓ કહેતી જ હતી ને! જો એવું હોય તોય એને વાંધો આવા તેવું ન હતું. એ એકલી હતી. કદાચ વડોદરામાં કોઈની સાથે એ સંબંધ વિકસાવી રહી હોય તોય એમાં શરમાવા જેવું ન હતું.

સૈલને એ કેમે કરીને મગજમાં ઊતરતું ન હતું કે તેનું નામ ક્ષમા સાથે જોડાયું નહીં જ હોય. તેનો સુહાનો સંસાર  સરસ રીતે પદ્મા સાથે નભી રહ્યો હતો ને એને પદ્મા પર પણ અટલ વિશ્વાસ હતો. ખેર, બીજે દિવસે તો ક્ષમાને મળવાનો જ હતો ને!.

મંગળવારની સવાર, ક્ષમા કામમાં વ્યસ્ત હતી ત્યાં અવાજ સંભળાયો: ‘વાંધો ન હોય તો હું અંદર આવી શકું?’  ક્ષમાએ ઊંચું જોયું તો સામે શૈલ જરા ગંભીર મુખે ઊભેલો જણાયો.  આશ્ચર્ય છુપાવતાં હસતા મુખે ક્ષમાએ એને અંદર આવવા જણાવ્યું. થોડીકવાર સામાન્ય વાતચીત કરી. અચાનક શૈલ કહે: ‘ક્ષમા બહેન, તમારા ભૂતપૂર્વ પતિનું નામ શું હતું?’

ક્ષમા આવા સવાલ માટે તૈયાર ન હતી. શૈલે અચાનક પૂછ્યું એટલે કાંઈક ગૂંચવાતાં એણે સામું પૂછ્યું: ‘તમારે શું કામ પડ્યું એનું?’

શૈલ કેવી રીતે કામનું નામ પાડે! છતાં એણે કહ્યું: ‘આ તો મનમાં આવ્યું તે પૂછી નાખ્યું. તમે પાછળ મહેતા લખો છો એની તો મને ખબર છે એટલે થયું કે એ તમારા પિયરની છે કે લગ્ન વખતની ચાલુ રાખી છે એટલે પૂછાઈ ગયું. તમને ખરાબ લાગ્યું હોય તો હું દિલગીર છું.’

ક્ષમાને જરાક અજુગતું લાગતું હતું. એને શૈલ ભટનાગર સાથે એવો વિશેષ પરિચય ન હતો કે એની સાથે પોતાની ખાનગી વાત કરે, છતાંય એણે કહ્યું: ‘તેનું નામ પરમ મહેતા છે ને મેં એ જ અટક હજુ ચાલુ રાખી છે. પિયરમાં તો હું દવે હતી પણ અટક બદલવાની લાંબી વિધિ કરવા કરતાં એ જ ચાલુ રાખવાનું મને સહેલું લાગ્યું.

‘હું તમારા પર કોઈ શંકા નથી કરતો પણ ગઈકાલે મને એક કાગળ મળ્યો છે એમાં કોઈ ક્ષમાનો ઉલ્લેખ છે.’ કહેતાં શૈલે પેલો કાગળ ધીરે રહીને ક્ષમાના હાથમાં મૂક્યો. સવારનો કામનો બોજો અને વળી છૂટાછેડા તથા પતિનું નામ. શૈલની એક પછી એક  નવિન વાતોની વણઝાર ક્ષમાને કાંઈ સમજ પડતી ન હતી.

એ કાગળ વાંચવા માંડી! અક્ષર ઉકલતા હતા પણ તેમાં લખેલું લખાણ વાંચતા ક્ષમાના તો કાપો તો લોહી ન નિકળે એવા હાલ થયા. આંખ સામે જણે અંધારાં આવી ગયાં. તેને થયું એ આ શું  વાંચી રહી છે!

એક જુઠાણું સો જૂઠ બોલાવે. શૈલ ભટનાગરને શું જવાબ આપવો એ મનમાં વિચારી રહી. તેણે એક જ વાત પકડી રાખવાનું મનથી નક્કી કરી લીધું ને જાણે કશું સમજાતું ન હોય એમ સામું પૂછ્યું: ‘આ અનામી કાગળ લખનાર કોણ છે? શું કારણ છે કે આમ પૈસા માગે છે?’ ને અજાણ બનતાં શૈલ ને કહે: ‘આ કોઈ ભળતી જ ક્ષમા ને કોઈ ભળતા જ ભટનાગરની વાત લાગે છે. શૈલભાઈ તમને વહેમ ખાવા હું જ મળી?’

‘સોરી, ક્ષમાબેન, તે દિવસે તમારી ઑફિસની છોકરીઓ તમારી મશ્કરી કરતી હતી એટલે મને થયું કે તમે કદાચ વડોદરામાં ગંભીરતાથી કોઈ સંબંધ વિકસાવતાં પણ હો એટલે… ને એવું હોય તો એમાં ખોટુંય શું છે એટલે મારાથી એવી શંકા કરાઈ ગઈ, મને માફ કરશો.’

‘હજુ મેં એવું કશું વિચાર્યું કે શરૂ કર્યું નથી. તમારા આ કાગળમાં જણાવેલી ક્ષમા હું નથી. તમે એને ૫૦ હજાર રૂપિયા નહીં મોકલો તો આવતે અઠવાડિયે કદાચ એની વધારે ચોખવટ થઈ જશે.’

‘મારી પાસે એવા વધારાના પૈસા છે તે હું એને આપી દેવાનો હતો! તમારા પર શંકા લાવવા બદલ દિલગીર છું. તમે એમાં ખોટું ન લગાડતાં.’ શૈલે કહ્યું.

‘અરે આ કાગળની ધમાલમાં હું તમને ચા પાણીનું પૂછવાનું પણ વિસરી ગઈ. કહેતાં ક્ષમા હાથમાંના પેલા કાગળ સાથે ઊભી થઈ અને બીજા રૂમમાં ગઈ. એણે છાની રીતે એ કાગળની ઝેરોક્ષ કાઢી લીધી ને પાણીનો ગ્લાસ શૈલને આપ્યો ને સુષ્માને બોલાવી શૈલ માટે ચા બનાવી લાવવા કહ્યું.

હજુ એક અઠવાડિયાનો સમય હતો. પણ એ પછીને દિવસે શું થશે એની ચિંતામાં એનું મન અટવાયેલું હતું છતાં એ વાત એ મનમાં જ દબાવી રહી. શૈલને એણે ચા પિવડાવી  રવાના કર્યો.

ક્ષમા ખૂબ હોંશિયાર અને ચાલાક હતી. શૈલ વિદાય થયો એટલે એ ઠંડા દિમાગે વિચારવા લાગી. ઉઠાવગીરને ઊઠાં ભણાવવાનાં હતાં ને શૈલને પણ.

પરમને વહેલી તકે આ વાત કરવી પડશે, તે વિચારતી હતી. એને પહેલો વિચાર એ આવ્યો કે બે દિવસ પછી પરમને મળવાનો વાયદો હતો તેનું સ્થળ બદલી નાખવું પડશે.

એ દિવસે એમણે વડોદરામાં પણ બસેરાની વિરૂધ્ધ દિશામાં ‘હોટલ મેલા’માં રૂમ નોંધાવ્યો. પરમ ક્ષમાને નવી જગ્યામાં મળીને ઘેલો થયો. તેને ક્યાં કશી ખબર હતી! એને તો ક્ષમાને મળવાનું હતું અને તે પણ આવી સુંદર હોટલમાં એટલે એ તો રોજના કરતાંય વધારે મૂડમાં હતો. થોડીક વાર વાતચીત કરી ક્ષમાએ પેલો કાગળ પરમની સમક્ષ ધર્યો.

કાગળ વાંચી પરમ પણ ગભરાઈ ગયો. એ બોલ્યો: ‘સારું થયું કે આપણે આજે હોટેલ બદલી નાખી એ ારું થયું. પણ મને તારી ચિંતા થાય છે. આ કાગળ તારા હાથમાં આવ્યો એ ખરું પણ ફરીનો કાગળ કદામ શૈલના હાથમાંય આવી જાય. આવું થાય તો શું? મને તો અત્યારથી જ એની ચિંતા થવા માંડી છે.’

‘ચિંતા તો મનેય થાય જ છે. મારે ત્યાંનું તો હું સંભાળી લઈશ. હું આવો કોઈ કાગળ શૈલના હાથમાં પહોંચવા જ નહીં દઉં. મારા તરફથી કશો જવાબ નહીં મળે એટલે એ કદાચ તને ટપાલ મોકલશે ને એ કાગળ તન્વીના હાથમાં જશે તો તારું શું થશે એની ચિંતા મને વધુ છે.’

આમ એ બેય જણાં આભાસી ચિતામાં ડૂબી ગયાં. બન્ને જણાને પોતાની ચિંતા કરવાની ન હતી પણ બેય એકબીજાની ચિંતા કરતાં હતાં.

૭. ગગનો સ્ટીલ: -લેખીકા-પ્રવિણા કડકીયા

ગગન, નસીબ જોગે રતન અને મણીનું એક્નું એક સંતાન. એને ખૂબ લાડ લડાવતો એનો બાપ રતન. મા તો ધવડાવતાં ગાતી. મારો દીકરો, ઘરનો દીપક છે. એ માને કાલની ક્યાં ખબર હતી? ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે?
મહીસાગરના કાંઠાગાળાની નજીક એક નાનકડા ગામમાં રહેતો રતનસિંહ ગોહિલ મજૂરીનું કામ કરતો હતો. મજૂરી રોજે રોજ મળી રહેતી તેથી ખાધેપીધે એમને કોઈ દુ:ખ ન હતું. વળી એમનો પરિવાર પણ નાનો હતો. નાના ખોરડાને છાણે લીંપીને મણીએ સુંદર ઘર બનાવ્યું હતું. પ્રેમાળ મણી ઘર, વર અને ગગન ત્રણેયને સાચવી સંસાર નભાવતી. રૂપિયાના ત્રણ અડધા લાવે તેવી તેની આવડતને કારણે ઘરમાં શાંતિનું સામ્રાજ્ય હતું.
એક દિવસ મનોર શેઠના બંધાઈ રહેલા નવા ઘર પર મજૂરી કરતાં રતન પાલખ પર ઘર રંગવા ચડ્યો હતો. ત્યાં સડેલા વાંસની પાલખ ટૂટી પડી. છેક મોભાળિયેથી રતનો ભોંયે પટકાયો ને એને માથે રડ્યો રંગનો ડબ્બો. પડતાંની સાથે જ રતનનું પ્રાણપંખેરુ ઊડી ગયું. મણી ખૂબ રડી. રતન પાછો ઓછો આવવાનો હતો!
પંદર વરસનો ગગન ભણવામાં હોંશિયાર હતો પણ માથેથી બાપની છાયા જતાં આગળ ભણવાનું પડતું મૂકીને એને મજૂરી કરવાની વેળા આવી. એને હજુ સુધી કમાવાની જરૂર નહોતી પડી તેથી તે મનમાં મુંઝાતો હતો.
શેઠે ગગનાની માને સાત હજાર રૂપિયા આપી વાત દબાવી દીધી. મણી જુવાન તેમાંય પાછી નજર લાગે તેવી રૂપાળી. જુવાની દિવાની હોય છે. એક દિવસ મણી દીકરાનો વિચાર કર્યા વગર તેના ગામના જૂના પ્રેમી સાથે ગગનાને પડતો મૂકીને ભાગી ગઈ. ગગન તો બાપના મર્યાનો શોક પાળે કે મા નાતરે ગઈ તેનું દુખ કરે?
ઉપર આભ અને નીચે ધરતી. શેઠ પાસેથી જે પૈસા મળ્યા હતા તે મા લઈ ગઈ હતી. ગગનાને તો ખાવાનાંય ફાંફાં થઈ ગયાં હતાં. ભણવાનું તો કેદા’ડાનું છૂટી ગયું હતું. એને એક ચાની હોટલવાળાને ત્યાં કપરકાબી ધોવાની નોકરી મળી. થોડાક દિવસ બરાબર ચાલ્યું ત્યાં એક દિવસ એનાથી બે જોડ કપરકાબી ફૂટી ગયાં. ચાની હોટલવાળાએ ગગનને ધીબી નાંખ્યો. એ કપરકાબીની કિંમત એના પગારમાંથી કાપી લીધી ને એને નોકરી પરથી કાઢી મૂક્યો.
નાનકડા એના ગામમાં બીજું કામ તો એના જેવા શિખાઉને મળતું ન હતું. જુવાનીને આંગણે આવીને ઊભેલા ગગનાને રોજ નવા અનુભવ થવા માંડ્યા. છેવટે થાકીને એણે મોટા શહેરમાં કામ મળી રહેશે એમ માની વડોદરાની વાટ પકડી. એના જેવા કાચી ઉંમરના ને આધાર વગરના છોકરડાને અજાણ્યા શહેરમાં કામ શોધવાનું, ખાવાનું મેળવવાનું ને રાતે પડી રહેવાનું એ બધું કેમ ગોઠવાશે એની જ સૂઝ પડતી ન હતી.
કોઈક દિવસ નાનું એવું કામ મળી જાય તો કોઈ લારી પરથી ચા ને ગોટા ખાઈને આખો દા’ડો ખેંચી કાઢતો તો કોઈક દિવસ કશુંય કામ ન મળે ત્યારે ભૂખ્યે પેટે ક્યાંક પડી રહેતો. ફૂટપાથ પર બીજા લોકો રાતે સૂઈ રહેતા હતા એ જોઈને બે દિવસ એ ફૂટપાથ પર સૂઈ રહ્યો પણ ત્યાંય પોલીસવાળા: ‘ઈધર નહીં સોનેકા.’ કહીને એને રંજાડતા. એ વિચારતો રહેતો કે એ પોલીસવાળા પેલા બીજા લોકોને સૂવા દેતા હતા ને એને જ કેમ ત્યાંથી ભગાડી દેતા હતા! એને પોલીસના હપ્તાની વાતની હજુ જાણ ન હતી.
છેવટે એણે અંધારા ખૂણામાં એક ઝાડ નીચે સૂવાની જગ્યા શોધી કાઢી ને એને જાણે કોઈ મસ મોટી હવેલી મળી હોય એવો આનંદ થયેલો. એક દિવસ ઝાડ નીચે આડો પડ્યો હતો ત્યાંથી પસાર થતા એક શેઠીઓ જેવા લાગતા માણસના ખિસામાંથી પાકીટ પડી ગયું. રતન ઢોંગ કરી સુતો રહ્યો. જેવો એ દેખાતો બંધ થયો કે એણે પાકીટ લઈને જોયું તો એમાં બે હજાર રૂપિયા રોકડા. આટલા બધા રૂપિયા સામટા એણે જિંદગીમાં ક્યારેય જોયા ન હતા. તેને થયું શું કરું દોડીને પાછું આપી આવું? પણ ગરીબાઈ એની સામે ડોળા કાઢતી હતી. વગર મહેનતના પૈસા રાખી લેવાનું એ જાણે એના કાનમાં કહી રહી હતી.
ગામમાંનું એમનું ખોરડું તો એના બાપા જીવતા હતા ત્યારથી ગીરો મૂકેલું હતું એ તો પટેલે દેવા પેટે આંચકી લીધું હતું. એ પોતાના ગામમાં હતો ત્યારે એને રાતે સૂવાના પણ ધાંધિયા હતા. રસ્તા પર ગટરની બાજુમાં પડ્યો રહેતો હતો. એટલે સૂવાની આ અગવડ એને કોઠે પડી ગયેલી હતી.
પણ અહીં શહેરમાં રાતે જો હવાલદાર નિકળે તો ડંડો મારી ઉઠાડે અને પછી તેને ઊંઘભરી આંખે આમતેમ રખડતાં તારા ગણવા પડતા. પણ આ રૂપિયા હાથમાં આવતાં એને હપ્તાની જાણે આપોઆપ ખબર પડી ગઈ. એણે એક પોલીસવાળાને બે રૂપિયાની નોટ પકડાવી દીધી એટલે ફૂટપાથ પર જાણે એની જગ્યા રીઝર્વ થઈ ગઈ. એને ફૂટપાથ પર સૂતાં એના જેવા બે ત્રણ ભાઈબંધ થયા હતા. જો મોડું વહેલું થાય તો એ બધા એકબીજાની જગ્યા રાખતા.
બે હજાર રૂપિયા બહુ લાંબા ન ચાલ્યા. એણે દોસ્તારોને મિજબાની આપી. હરામના પૈસા હતા તેથી જાય પણ એવે જ રસ્તે! બાબુ પોટલીને ત્યાં જઈ એને પોટલી પીવાની આદત પડી ગઈ. જ્યારે જ્યારે ગગનો પીતો ત્યારે બધાં દુ:ખ, દર્દ ભૂલી મસ્ત થઈ જતો. તેમાં તેને સુખ દેખાવા લાગ્યું.
પેલા હરામના પૈસા હાથમાં આવ્યા ને જેમ આવ્યા હતા એમ જડપથી વપરાઈ પણ ગયા પણ એમાંથી એને હરામની કમાણી કરવાનો ચસ્કો લાગ્યો. એના દોસ્તો તો ચીલઝડપ અને પાકીટમારી કરતા જ હતા. એ બધાએ છૂટા રહીને કામ કરવાને બદલે હવે ટોળકી બનાવીને આવાં આડાં અવળાં કામ કરવા માંડ્યાં. હાથની સફાઈથી તફડંચી કરવામાં એ છ મહિનામાં પાવરધો થઈ ગયો.
ગગનને તો ગગન જેવી વિશાળતા સાંપડી. ધંધામા વિશાળતા લાવવા અથાગ પ્રયત્ન કરતો. બસેરા હોટલનો મેનેજર તેને ત્યાં અવારનવાર દેશી દારૂની મોજ માણવા આવતો. તેને ચડે ત્યારે વધારે પીવડાવીને ધંધાની વાત ઓકાવતો. પછીતો બેને બે ચાર કરી તેની નબળી કડી જાણી લીધી.
દોસ્તી વધારી હોટલમા કેમેરા મૂકવા સુધીના બધા પેંતરા રચ્યા. ઘણાં યુગલ તો એકાદ રાત માટે આવતાં. પણ પરમ અને ક્ષમા તો નિયમિત આવતાં. ગગન પછી કાંઈ ઝાલ્યો રહે!
ક્ષમા શૈલ ભટનાગરના નામે રૂમ ભાડે રખાતી. ઉડીને આંખે વળગે એવું સુંદર જોડું. સોનાના ઈંડા મૂકતી મરઘી જાળમાં સપડાઈ હતી ગગનાને લાગ્યું. ગગને લક્કી કર્યું કે બરાબરના પૈસા પડાવીશ.
તેને ક્યાં ખબર હતી કે આ વખતની ચાલ તેને ભારી પડશે! ક્ષમા આ વખતે બીજી હોટલમા પરમને મળી. પરમતો વધારે ખુશ થયો. ક્ષમાના વર્તન પરથી પરમને કોઈ શંકા ન ગઈ.
બંને મળતા એકબીજાને ખાતર. જુઠાણું ચાલુ રાખવા શૈલ અને તન્વીને વારે વારે વાતમા લાવતા. અંદરખાને બેય જાણતા કે એમની વાતમા સત્યનો અંશ પણ નથી. શૈલ ભટનાગરતો હજુ હયાત વ્યક્તિ હતી. તન્વી પરમના મનની ઉપજ પણ હોઈ શકે. ક્ષમાએ પૂછ્યું ત્યારે જે નામ હોઠે ચડી ગયું ત બોલ્યો હતો. અબ પછતાયે ક્યા જબ ચિડીયા ચુગ ગઈ ખેત.
ક્ષમા મનમા ખુબ મુંઝાતી હતી. પરમને ગગનના પત્રની વાત કરીને તેને એમ કે કાંઈ તોડ નિકળશે. પરમને જોઈને દુનિયાદારીની ઝંઝટ ભૂલી પરમમય થઈ જતી. તેને મનમા થતું આ તન્વી ક્યાંથી ટપકી પડી. દોષનો ટોપલો કોઈને માથે ઢોળવો એ ખૂબ આસાન છે. જુદી દિશા અને જુદી હોટલ ક્ષમાનો મિજાજ પણ જુદો જ હતો ને?
મુલાકાતની મોજ માણતા કાગળની ચિંતા વિસરણી. છૂટા પડવાનો સમય આવ્યો. ક્ષમાને થયું હવે ક્યારે મળાશે? કાગળ વિશે કોઈ નિર્ણય લીધો જ ન હ્તો. મનમા આશા હતી હોટલ બદલી છે તો પેલો ઉઠાવગીર ગગન હવે ક્દાચ ન પણ મળે.
બાબુ પોટલીનું શરાબખાનું તે બધાને જચી ગયું હતું. બાબુ પોટલીનું એ શરાબખાનું એમનો અડ્ડો બની ગયો. બાબુ પોટલીને પણ એમને કારણે કમાણી થતી હતી એટલે એય ખુશ હતો. વળી આ બધાય એના જેવા બે નંબરિયા હતા એટલે બાબુને એમની સાથે ફાવી ગયું હતું.
બાબુ પોટલીને ગગન જોડે સારું ફાવતું ગગન કાયમ તેના ચાર પાંચ સાથીદાર સાથે આવતો તેથી ધંધો ખિલતો. વાતવાતમાં બાબુને ખબર પડી ગગનને રહેવા માટે જગ્યા જોઈએ છે. તેની પાસે બાજુની ઝૂંપડ પટ્ટીમાં ચાર ખોલીઓ હતી. ગગનને એણે વાત કરી. ગગનને તો ભાવતું હતું ને વૈદે કીધું. એણે તરત હા પાડી ખોલી ભાડે રાખી દીધી. ને હાશ થઈ ગગનને હૈયે. હવે રાતના પોલીસના દંડા નહીં ખાવા પડે. વહેલું મોડું થાય તો પણ સૂવાની જગ્યા માટે કોઈ મુશ્કેલી નહીં પડે. એ પોતાના દાસ્તો સાથે એ કોટડીમાં રહેવા આવી ગયો.
પછી તો એ નવરો હોય ત્યારે બાબુના અડ્ડા પર પણ કામ કરવા લાગતો. બાબુને એમ કે છોકરો સારો છે પણ ગગનાને તો બાબુના ધંધાની જાણકારી મેળવવી હતી એટલે એ વગર પગારની આ સજૂરી કરતો હતો. એને બાબુના અડ્ડામાં થતી કમાણી નજરમાં આવી ગઈ હતી. એકાદ વરસ પછી થોડા પૈસા એકઠા થાય એટલે એનો વિચાર વિશ્વામિત્રી તરફની ઝૂંપડપટ્ટી બાજુ આવો જ અડ્ડો શરૂ કરવાનો હતો.
પણ એને એક વરસની રાહ ન જોવી પડી. ગગનનું દારૂનૂં પીઠું સારી એવી કમાણી કરતું હતું. તેની ધાક એવી હતી કે તેને કોઈ કનડે નહીં. બાબુને એક વખત એના હરીફ જગ્ગુ ટીલવા સામે જામી ગઈ. એણે જગ્ગુના એક માણસને ગોળી મારી દીધી. ગોળી પેટમાં વાગી પણ પેલો માણસ બચી ગયો પણ બાબુ પોટલી ફસાઈ ગયો. એને પાંચ વરસની સજા થઈ.
ગગન ત્યાં જ હતો. બાબુને તો આગળ ધરાર નહી ને પાછળ ઉલાળ નહીં એવા હાલ હતા. એની ગેરહાજરીમાં ગગને ગલ્લો સંભાળ્યો અને ધણી થઈ બેઠો. કોઈની તાકાત છે કે ગગનને કાંઈ કહે. એ બિંદાસ ધંધો ચલાવતો. કાયદો ખિસામાં ઘાલીને ફરતો. એણેય પોલીસને હપ્તા બાંધી આપ્યા હતા. પોલીસ ફરજ પર ન હોય ને આવે ત્યારે એ મફત દારૂય ઢીંચાવતો.
પણ બાબુ જેલમાં ગયો એમાં ગગનાને ઘણું શીખવાનું મળ્યું એટલું જ નહીં પણ એને અંધારી આલમનાં નવાં ઓળખાણો પણ ઘણાં થયાં. ગામને ઉઠાં ભણાવનાર ગગન હંમેશા કોરો રહેતો. એણે સ્ટીલનો બેલ્ટ પહેરવા માંડ્યો. એ બેલ્ટ માત્ર શોભાનો બેલ્ટ ન હતો. જરૂર પડે તો એને કેડ્યેથી કાઢીને વીંઝતાં એ તલવાર જેવો વાર કરતો હતો. પછી એની ટોળકી ગગના સ્ટીલની ગેંગ તરીકે ઓળખાવા માંડી.. એક કાંકરે બે પક્ષી માર્યા. સ્ટીલ એ ધાતુ પણ થાય. સ્ટીલ જેવો મજબૂત ચળકતો અને અંગ્રેજીમા ‘સ્ટીલ’ એટલે ચોરવું જે ગગનાનો પહેલો ધંધો હતો.
જેલમાંથી છૂટીને બાબુ સીધો એની દારૂની દુકાને આવ્યો. ગગને તો ધંધાની સિકલ જ બદલી નાખી હતી. ઘડીવાર તો બાબુ માની જ ના શક્યો કે આ પોતાની દુકાન છે. પણ ગગનાએ એને કોઠું ન આપ્યું. બાબુ અંદરથી તો સળગી ઉઠ્યો પણ એ ગમ ખાઈ ગયો. એને લાગ્યું કે ધંધો પાછો મેળવવા બળે નહીં કળેથી કામ કરવું પડશે. એ જેલમાંથી છૂટીને હમણાં જ આવ્યો હતો તેથી એને ધીગાણું કરવું ન હતું. વળી એની પાસે પોતાના જૂના સાથીદારો પણ રહ્યા ન હતા.
બાબુની પાસે પૈસા તો હતા જ. એણે જાકુબીના બીજા ધંધા કરવા માંડ્યા પણ ગગનાને ભીડાવવાની વાત એના મનમાંથી ખસતી ન હતી. એણે પોતાના જૂના સાથીઓનો સાથ મેળવવાની તરકીબ કરી. પણ તેમાંય લોચો. પૈસા ખાતર તેના જૂના ચમચા ગગનની સાથે કામ કરવા માંડ્યા હતા. ગગન ઉસ્તાદ પણ ખરો. બધાને છૂટે હાથે પૈસા વેરતો. તેને ખબર હતી જો ટોળીના માણસો ખુશ હશે તો કામ મન મૂકીને કરશે.
***
ગગનના હાથ ખૂબ લાંબા હતા. ક્ષમા તેના પ્રેમી સાથે બસેરામાં દેખાઈ નહીં કે એણે કરેલી માગણીનો કશો જવાબ મળ્યો નહીં એટલે એ ક્ષમા પર અકળાઈ ઊઠ્યો. એને લાગ્યું કે એમાં પરમની ચઢવણી હશે. એણે પરમને પાઠ ભણાવવાનું નક્કી કર્યું પણ એ બે જણાં તો જાણે હવામાં ઊડી ગયાં હોય એમ એમને એ શોધી ન શક્યો.
એને ઊંડે ઊંડે એવું થતું હતું કે આ પ્રેમ પંખીડાં જરા વધારે પડતાં ચતુર છે. ને તેના મનની શંકા સાચી પડી. એણે વિચાર્યું કે વાંકી આંગળીએ ઘી કાઢવું પડશે. એ લોકો હોટલ બદલશે તેવો વિચાર તેને આવ્યો હતો. પણ પોતાના અહંમાં એ વિચારને એણે ઊગતાંની સાથે ડામી દીધો હતો. એના મનમાં એમ હતું કે એ લોકો જઈ જઈને ક્યાં જવાનાં હતાં! એ દુનિયાને છેડે જાય તોય પોતે એમને કાચી ઘડીમાં શોધી કાઢશે એવી એને ખાતરી હતી.
બાબુ પોટલીનો ધંધાનો હરીફ જગ્ગી ટીલવોય ગુટકા, સટ્ટા આવું બધું ચલાવતો હતો. એને ત્યાં ઘણી મોટી લેવેડ દેવડ થતી. આ જગ્ગીએ ફૂટ કરી અને ગગનાના અડ્ડા પર પોલીસ બારણાં ખખડાવતી આવી પહોંચી. લોકલ પોલીસની સાથે તો ગગનાએ હપ્તો બાંધી દીધેલો હતો પણ આ પોલીસ તો જગ્ગી ટીલવાની બાતમીથી ઉપરની કચેરીએથી આવી હતી. પોલીસ સાથેની મૂઠભેડમાં ગગનાથી એક પોલીસવાળાને છરી ભોંકાઈ ગઈ. એટલે પોલીસ ગગનાને પકડી ગઈ ને એને સાત વરસની સજા થઈ.
આમાં પરમ અને ક્ષમા બચી ગયાં. પણ એમને ગગનાના જેલમાં ગયાની ક્યાં ખબર હતી! એ લોકો તો ફફડતાં જ રહ્યાં. એમને કાયમ લાગ્યા કરતું હતું કે પેલા અજાણ્યા બ્લેક મેઈલરનો ધમકીભર્યો કાગળ ગમે ત્યારે આવીને ઊભો રહેશે અથવા તો એવોએ જાતે આવી પહોંચશે.
તો બીજી તરફ શૈલ ભટનાગર અને પદ્મા ફરીથી બ્લેક મેઈલરનો કાગળ ન આવતાં માનવા લાગ્યાં હતાં કે એને સાચી ક્ષમા ભટનાગર મળી ગઈ હશે એટલે પૈસા માટે બીજો કાગળ આવ્યો નથી.
પણ સાચી વાત તો એ હતી કે ગગનો જેલમાં પડ્યો હતો એટલે બ્લેક મેઈલીંગનું એ આખું રેકેટ અટકી ગયું હતું.

છૂટાછેડા: ઓપન સીક્રેટ (8)- શૈલા મુન્શા

  પરમ અને શૈલ:

ક્ષમા મુંબઈ આવી ને કામમાં પરોવાઈ ગઈ, પણ એના મનમાંથી તન્વીની વાત ખસતી ન હતી. બે વર્ષના વિયોગ બાદ ફરી પરમનો સાથ સાંપડ્યો અને જાણે એ પુરાણી દુનિયામાં જીવવા માંડી. હજુ તો મુંબઈ પહોંચે ન પહોંચે અને ફરી બરોડા જવાનાં સપનાં જોવા માંડતી.

ઘણી વાર એને મન થઈ જતું કે પરમને સાચી વાત જણાવી દે. પોતે કોઈ શૈલ ભટનાગરની પત્નિ નથી, અને એમાં પણ જ્યારથી પેલો ધમકીપત્ર શૈલની પત્નિના નામે મળ્યો ત્યારથી એને એક છાનો ભય લાગવા માંડ્યો. ઓફિસમાં પણ રીના કે સપના વાતવાતમાં મજાક કરતાં અને અને ચીડવતાં કે જરૂર ક્ષમાએ કોઈ પ્રિતમ બરોડામા શોધી કાઢ્યો છે એટલે તો છાશવારે બરોડા દોડી જાય છે, બાકી હવે તો બરોડાની ઓફિસના લોકોને કોમ્પ્યુટર પર કામ કરવાનું ફાવી ગયું છે. ક્ષમા મજાકનો કોઈ જવાબ ન આપતી પણ હવે એ દર અઠવાડિયે બરોડા જઈ ના શકતી.

તન્વીને એણે એકવાર બજારમાં મીહિર નામના છોકરા સાથે જોઈ અને બન્નેની વાતો એના કાને અછડતી પડી. તન્વી તો આવતા મહિને પરણવાની વાત કરતી હતી, એના મોં પર જરાય ગુનાનો ભાવ નહોતો. બરોડામાં રહીને, પરમ સાથે પરણીને પણ આમ ભર બજારે બીજા યુવાન સાથે ફરતી જોઈને ક્ષમાને અંદરખાને એક હર્ષ ને રોમાંચની લાગણી થવા માંડી. એને લાગ્યું કે જો તન્વી પરમથી અલગ થઈ જાય તો પોતે પરમને સાચી વાત જણાવી દેશે કે શૈલ ભટનાગર એનો કાલ્પનિક પતિ છે. હકીકતમાં તો એને એની સાથે કોઈ લેવાદેવા નથી.

બે વર્ષમાં ક્ષમાને બહારની દુનિયા બરાબર સમજાઈ ગઈ હતી. એના જેવી એકલી રહેતી યુવાન અને નોકરી કરતી સ્ત્રી માટે વ્રજ જેવા ઘણા પુરુષો સમાજમાં બાજની જેમ ખુલ્લેઆમ ફરતા હતા અને કોઈ ગભરુ સ્ત્રીને પોતાની જાળમાં ફસાવતાં એ વાર કરે એમ નહોતા. પોતે પણ પરમથી છૂટા પડ્યા પછી મનોમન તો પસ્તાઈ જ રહી હતી ને. એટલે જ જ્યારે એને ઓફિસના કામ અંગે બરોડા આવવાનુ થયું ત્યારથી પરમના વિચારોએ એના મનનો કબજો લઈ લીધો હતો. કુદરત કદાચ એમને બીજી તક આપવા માંગતી હોય એમ પણ બને. તો આ બાજુ પરમ પણ ક્ષમાને ક્યાં ભૂલી શક્યો હતો? દિન રાત એ ક્ષમાને યાદ કરતો હતો પણ ક્ષમાને શોધી કાઢવામાં એનો પુરુષ અહં આડો આવતો હતો.

એટલે જ તો પરમ સાથે છૂટાછેડા લીધા પછી બે વર્ષે અચાનક મુલાકાત થતાં બન્ને પોતાનો આવેગ રોકી ન શક્યાં અને એટલે તો દુનિયાથી નજર બચાવીને છાની મુલાકાતોની વણઝાર ચાલી ને, પણ બન્ને હજુ એકબીજાનો તાગ કાઢી રહ્યાં હતાં. પોતાનો હાથ ઊંચો રાખવામાં અને વર્તમાન જિંદગીમાં પણ બન્ને સુખી છે એ બતાવવા બન્નેએ કાલ્પનિક જીવનસાથીનું નામ આપી પોતાની આજની દુનિયાનુ રમણીય ચિત્ર દોર્યું હતું.

શૈલ મુંબઈના મલબારહીલ નામના આલિશાન વિસ્તારમાં રહેતો હતો એટલે એનું મરીનલાઈન્સમાં રહેવાનું પોતાના એક વખતના અલકાપુરી કરતાં વધારે પ્રભાવશાળી લાગતું હતું. પરમ પરણ્યો છે કે હજુ પોતાની યાદમાં એકલો જ ભમ્યા કરે છે એ જાણવા ક્ષમાએ આ નામ આપ્યું હતું પણ પરમ પરણી ગયો હતો એમ જાણ્યા પછી હવે તે એ જૂઠાણાને વળગી રહી હતી. ક્યાં ગોરેગામ ધના ગજ્જરની ચાલમાં રહેતી ક્ષમા અને ક્યાં મલબારહીલનું આલિશાન રહેઠાણ!

સ્વાભાવિક છે કે હોટેલ બસેરામાં પણ ક્ષમા પોતાનું નામ સરનામું એ જ લખાવતી અને ત્યાં જ એ ને પરમ મળતાં. એમાં તો એ પેલા ગગના સ્ટીલની નજરે ચડી ગઈ અને ગગનાને લાગ્યું કે આ માલદાર મુરઘીને નીચોવી ઘણો માલ ઓકાવી શકાશે. ઘણા દિવસોની મહેનતે ગગનાએ સારા એવા ફોટા ને ટેપ બધું ભેગું કરી રાખ્યું હતું ને વખત આવ્યે એણે ક્ષમા શૈલ ભટનાગરના સરનામે બ્લેકમેલ કરતો પોતાના નામ સરનામા વગરનો પત્ર પણ રવાના કર્યો હતો.

પદ્મા જે શૈલ ભટનાગરની સાચી પત્ની હતી એ બિચારી આખ્ખો દિવસ એ પત્ર વાંચીને ફફડતી રહી. આઘાતનો ધક્કો એવો જોરદાર હતો કે એને વિચાર પણ ના આવ્યો કે આ પત્ર તો કોઈ ક્ષમા માટે છે. શૈલે ઘરે આવીને જ્યારે પત્ર વાંચ્યો ત્યારે એને હૈયાધારણ આપી કે આ પત્ર તારા માટે નથી. બીજા દિવસે શૈલે ક્ષમાને પત્રની વાત કરી ત્યારે ક્ષમા પણ નિર્દોષપણાનો આંચળો ઓઢી આબાદ છટકી ગઈ.

શૈલે ત્યારે તો ક્ષમાની વાત માની લીધી પણ એ નાગર બ્રાહ્મણ હતો. ભલે દેખાય ભોળો અને સીધો પણ નાગરો હમેશાં ચતુર અને ચોક્સાઈવાળા. ઈતિહાસ એનો સાક્ષી છે. મુંજાલ મહેતા જેવા કેટલાય નાગર બ્રાહ્મણોએ રાજાઓનાં રાજ્ય આબાદ રાખ્યાં છે.

ક્ષમા ને પરમ જ્યારે પણ મળતાં ત્યારે જાણે પડછાયા રૂપે તન્વી ને શૈલ પણ ત્યાં હાજર રહેતાં. ક્ષમાએ જ્યારે છૂટાછેડા બાદ પહેલી વાર “પરમ-ક્ષમા” બંગલામાં પગ મૂક્યો ત્યારે પરમે જુના આલ્બમમાંથી જે યુવતીનો ફોટો હાથ આવ્યો તે ટોબલ પરની ફ્રેમમાં સરકાવીને અને એને જે નામ હોઠે ચઢ્યું તે નામ આપીને એને પોતાની પત્નિ તરીકે ઓળખાવી હતી. ક્ષમાને એ ચહેરો જાણીતો પણ લાગ્યો હતો પણ ત્યારે પરમને મળવાના આનંદમાં એણે એ બાબત પર બહુ ધ્યાન નહોતું આપ્યું.

પરમને પણ હમેશ જીજ્ઞાસા થતી કે શૈલ કેવો દેખાતો હશે? પોતાના કરતાં વધુ દેખાવડો અને હોશિયાર હશે તો જ ક્ષમા એને પરણી હશે ને! છેવટે ના રહેવાતાં એણે ક્ષમાને કહ્યું: ‘મને શૈલનો ફોટો તો બતાવ.’ ક્ષમા પળવાર તો સ્તબ્ધ થઈ ગઈ પણ ચાલાકીથી વાત બદલી કાઢી પણ મનમાં ને મનમાં વિચારવા માંડી કે હવે શૈલનો ફોટો મારે ક્યાંથી લાવવો?

બરોડાથી મુંબઈ પાછા ફરતાં અચાનક એને યાદ આવી ગયું કે ગઈસાલ ઓફિસની પિકનીકમાં જ્યારે એ માથેરાન ગઈ હતી ત્યારે શૈલ પણ એની પત્નિ સાથે ત્યાં ફરવા આવ્યો હતો અને ક્ષમા શૈલને ઓફિસના કામ અંગે પહેલાં મળી ચૂકી હતી એટલે બસ હાય હલ્લો કરવા જેટલી ઓળખાણ હતી. બધા સન સેટ પોઈંટ પર ભેગાં થયાં હતાં અને બેત્રણ ફોટા ત્યાં પાડ્યા હતા.

ઘરે જઈને ક્ષમાએ પહેલું કામ એ ફોટા શોધવાનુ કર્યું અને નસીબ જોગે શૈલનો એકલાનો એક ફોટો મળી આવ્યો. બીજીવાર જ્યારે એ બરોડા ગઈ ત્યારે એ ફોટો એણે પરમને બતાડ્યો હતો. ફોટો જોઈને પરમનુ મન એને કહી રહ્યું કે આવા પતિને છોડી ક્ષમા ક્યારેય મારી પાસે નહિ આવે.

એકાદ અઠવાડિયા પછી પરમને સુરત લગ્નમાં જવાનું હતું તેથી એણે ક્ષમાને કહી રાખ્યું હતું કે આવતા અઠવાડિયે આપણાથી નહીં મળાય. ક્ષમા પણ પેલા ધમકીભર્યાં પત્ર પછી ડરી ગઈ હતી, જો કે પત્ર એના પર નહોતો આવ્યો પણ આગળ શું થશે એનો ભય એને હમેશાં સતાવતો હતો. થોડો વખત ના મળવું એ ક્ષમાને પણ ઠીક લાગ્યું.

જેના લગ્નમાં પરમ સુરત આવ્યો હતો એ એની સાથે કામ કરતા મિત્રની બહેન હતી. વિધાતા પણ ઘણીવાર ક્રૂર મજાકના મુડમાં હોય છે. એ જ લગ્નમા શૈલ પણ એની પત્નિ પદ્મા સાથે આવ્યો હતો. મીહિર એનો દૂરનો મસિયાઈ ભાઈ થતો હતો. મીહિરની મોટીભાભીનું નામ જાહ્નવી હતું એટલે મીહિરના માબાપે આ નાની વહુનુ નામ મીના રાખ્યું હતું. આ છોકરી એ જ હતી જેના માટે એના મિત્રે ચાર પાંચ વર્ષ પહેલા વાત કરી હતી. પરમે કોઈ દિવસ જાહ્નવીને રૂબરૂ જોઈ ન હતી અને એના મિત્રે જ્યારે પોતાની બહેનનો ફોટો પરમને આપ્યો હતો કે પરમની ઈચ્છા હોય તો પોતની બહેનની મુલાકાત એ પરમ સાથે કરાવી આપે અને બન્નેની મરજી હોય તો વાત આગળ વધારે એમ પણ એણે કહ્યું હતું.

પરમને ત્યારે નોકરીમાં સ્થિર થવાનું વધુ અગત્યનું લાગ્યું અને એણે એ વાતમાં વધુ રસ ના બતાડ્યો એટલે વાત ત્યાં જ પુરી થઈ ગઈ હતી. એ વાતને ચારેક વર્ષ થઈ ગયાં હતાં એટલે અને જાહ્નવી વધુ સુંદર અને દેખાવડી થઈ ગઈ એટલે પરમ એને ઓળખી શક્યો ન હતો.

પરમને બરોડાથી નીકળતાં જરા મોડું થયું અને એ સુરત પહોંચ્યો ત્યારે જાન આવી ગઈ હતી અને લગ્નની વિધિ ચાલુ થઈ ગઈ હતી.પરમનો મિત્ર જાનૈયાઓની આગતા-સ્વાગતામાં પડ્યો હતો. પરમને બે ઘડી મળી ને એ મહેમાનોને જમાડવા વગેરે વ્યવસ્થામાં રોકાયો.

પરમ કોઈ ઓળખીતું મળી જાય તો સમય પસાર થાય એમ સમજીને આમતેમ નજર દોડાવતો હતો ત્યાં એની નજર શૈલ પર પડી. એક ક્ષણ તો એને થયું કે અરે! શૈલ અહીં આવ્યો છે તો ક્ષમા પણ સાથે હોવી જોઈએ પણ એની ધારણા વિરૂધ્ધ કોઈ બીજી સ્ત્રી શૈલ સાથે હતી. પરમ શૈલની બાજુમાં ગોઠવાયો અને વાત કરવાના હેતુથી પોતાની ઓળખાણ આપી: ‘કેમ છો? મારું નામ પરમ મહેતા. આપ છોકરીવાળા કે છોકરાવાળા કોના તરફથી લગ્નમાં આવ્યા છો?’

શૈલ પરમ નામ સાંભળીને એક ક્ષણ ચમકી ગયો પણ એણે પોતાનો મનોભાવ સંતાડી પોતાની ઓળખાણ આપી: ‘હું શૈલ ભટનાગર, અને પરણનાર છોકરો (મીહિર) મારો દૂરનો મસિયાઇ ભાઈ થાય.’ એણે પદ્માને કહ્યું: ‘ચાલ તો આપણે બુફેની લાઈનમાં ઊભાં રહી જઈએ.’ જાણી જોઈને શૈલે પદ્માની ઓળખાણ પરમ સાથે ન કરાવી. શરૂઆતમા તો પરમને લાગ્યું કે એ શૈલની કોઈ સગી હશે, પણ બન્નેની વર્તણુક જોતાં એને દાળમાં કાંઈ કાળું લાગ્યું.

પેલો ધમકીભર્યો પત્ર મળ્યા પછી પદ્મા બહુ ગભરાઈ ગઈ હતી. એનો કોઈ વાંક ન હોવા છતાં એને બહાર એકલાં નીકળતાં પણ ડર લાગતો. શૈલ એને ઘણી હિંમત આપતો પણ પદ્મા જેવી સરળ સ્ત્રી માટે એ સહેલું ન હોતું.

મુંબઈના વાતાવરણથી પદ્માને કશે દૂર લઈ જવાનો શૈલ વિચાર કરતો હતો અને આ લગ્નનું આમંત્રણ એને કામ લાગી ગયું. શૈલે વિચાર કર્યો કે ચલો આ બહાને પદ્મા સાથે લગ્નમાં હાજરી આપીને ડુમ્મસ પણ ફરી આવીશું.

શૈલે ભલે ક્ષમાની વાત ત્યારે સાચી માની લીધી હતી પણ એમ સહેલાઈથી એ માને એવો નહોતો. એણે પોતાની રીતે તપાસ કરી હતી અને જાણ્યું હતું કે ક્ષમા બરોડા ફક્ત કામ માટે નથી જતી પણ કોઈને મળે પણ છે. પૂરી વિગત તો એની પાસે નહોતી પણ પરમ મહેતાનું નામ એણે ક્ષમાને મોંઢે સાંભળ્યું હતું. તેથી આ પરમને જોઈ ઘડીભર એને થયું કદાચ આ જ તો ક્ષમાનો ભૂતપુર્વ પતિ તો નહિ હોય ને? જે હોય તે પણ પદ્માની ઓળખ એને આપવી શૈલને ઉચિત ન લાગી એટલે એ જમવાનું બહાનું કાઢી ત્યાંથી ખસી ગયો.

શૈલ અને પદ્મા તો ખરે જ પતિ-પત્નિ હતાં એટલે એમનું વર્તન અને સહવાસ સામાન્ય દંપતિ જેવો જ હોય પણ પરમ ને એની ક્યાં ખબર હતી? એ તો શૈલને ક્ષમાના પતિ તરીકે જ જાણતો હતો. શૈલનો પદ્મા સાથેનો વ્યવહાર એને જરા અજુગતો લાગ્યો. એણે શૈલ સાથે વધુ વાતચીત કરવા પ્રયત્ન કર્યો. બુફેની લાઈનમાં એ પણ જોડાયો અને મોસમના હાલચાલથી ફરી વાતની શરૂઆત કરી પણ એણે જોયું કે શૈલ એને કોઠું આપતો નહોતો. પરમને થયું શૈલ કાં તો એકમુડિયો છે અથવા ઘણો ચાલાક છે. એક જાતની બેચેની એના મનને કોરી ખાવા માંડી.

પરમ મનોમન ચિંતા કરવા માંડ્યો. ક્ષમાનો પતિ આમ બીજી સ્ત્રી સાથે ફરે અને બન્ને આટલી નિકટતાથી વર્તે! ક્ષમા આ જાણશે ત્યારે એના પર શું વિતશે એ જ વિચાર પરમના મનને કોરી ખાવા માંડ્યો. પોતે પણ અત્યારે બીજા કોઈની પત્નિ સાથે છાનગપતિયાં કરે છે એ વાત એ ભૂલી ગયો.

પરમ કાગને ડોળે ક્ષમાની રાહ જોવા માંડ્યો. ક્ષમા મુંબઈ ઓફિસમાંથી હમણાં પંદરેક દિવસ નીકળી શકે એમ ન હતી અને ત્યાં સુધી પરમ આમાં કાંઈ કરી શકે એમ નહોતો.

પંદરેક દિવસ પછી ક્ષમા જ્યારે બરોડા આવી ત્યારે એણે બસેરાથી દૂર બીજી દિશામાં સૂર્યા હોટલમાં રૂમ બુક કરાવી. એને હજી પેલા બ્લેકમેલરનો ડર દૂર થયો નહોતો. એમને ક્યાં ખબર હતી કે ગગનો સ્ટીલ તો કોઈ પોલીસવાળાને છૂરી હુલાવી દેવાના આરોપમાં જેલની હવા ખાય છે.

એ સાંજે જ્યારે ક્ષમા ને પરમ મળ્યાં તો પરમ જરા ગંભીર લાગતો હતો. ક્ષમાને કાળજે ધ્રાસકો પડ્યો. શું તન્વીને અમારી છાની મુલાકાતોની જાણ થઈ ગઈ હશે કે પરમ પર પણ બ્લેક મેઈલીંગવાળાનો કાગળ આવ્યો હશે? એ પરમના બોલવાની રાહ જોવા માંડી. પરમે સુરત લગ્નમાં શૈલને મળ્યાની વાત કરી અને સાથે બીજી કોઈ સ્ત્રી હોવાની વાત કરી. પરમે જે રીતે યુવતિનું વર્ણન કર્યું એના પરથી ક્ષમાને તો ખ્યાલ આવી જ ગયો કે એ બીજું કોઈ નહીં પણ શૈલની પત્નિ પદ્મા જ હશે.એણે પરમના મનમાંથી વહેમ કાઢી નાખવા કહ્યું કે એ તો શૈલની માસીની દીકરી પદ્મા હશે, પરમ બોલી ઊઠ્યો: ‘હા નામ તો એવું જ કંઈક હતું પણ તો પછી શૈલે એની ઓળખાણ કેમ નહિ કરાવી?’

ક્ષમા પરમનુ ધ્યાન બીજે વાળવા મજાકમાં બોલી ઊઠી: ‘શૈલને તારી સાથે એની ઓળખાણ કરાવવાનું સલામત નહીં લાગ્યું હોય પણ મનમાં ને મનમાં એને ચિંતા થવા લાગી.

ક્ષમાને યાદ આવી ગયું કે શૈલ એની પાસે પેલો ધમકી પત્ર લઈને આવ્યો હતો અને વાત વાતમાં એણે ક્ષમાની અટક અને પતિનું નામ પૂછી લીધાં હતા. ક્ષમાને ધ્રાસકો પડ્યો કે શૈલ પરમને ઓળખી તો નહિ ગયો હોય ને! એટલે જ એણે પદ્માની ઓળખાણ ન કરાવી અને પરમ સાથે પણ અતડો રહ્યો. બાકી શૈલ તો મળતાવડા સ્વભાવનો છે. પરમ વધારે કોઈ શક કરે એ પહેલાં એણે પરમની મજાક કરવા માંડી: ‘શૈલને લાગ્યું હશે કે તું પદ્માને ભગાડી જઈશ અથવા તો તારી મીઠી જબાનના મોહપાશમાં લપેટી એને તારી દિવાની બનાવી દઈશ.’

આમ પરમને પાછો હસતો કરી ક્ષમાએ વાતનો ત્યાં બંધ વાળ્યો, અને મુંબઈ જઈને આ વાતનો તાગ લેવાનો મનમાં નિર્ધાર કર્યો. શનિ-રવિ આનંદ અને ચિંતાની મિશ્ર લાગણીમાં ક્યાંય પસાર થઈ ગયા ને પરમથી છૂટા પડવાનો વખત આવી ગયો.

પાછાં વળતા ક્ષમાએ નક્કી કર્યું કે હવેથી કાયમ બસેરાને બદલે આ નવી હોટલમાં મળવાનું રાખવું. પોતાનુ ભાવિ કયા રસ્તે દોરશે એ જ વિચારમાં ક્ષમાની આંખો ઘેરાવા માંડી.

છુટા છેડા ઓપન સીક્રેટ: ૯.- ડો ઇન્દિરાબેન શાહ

  

અકસ્માત

ક્ષમા મુંબઇ આવી, હજુ પણ તેને ગગના સ્ટિલનો ભય મનમાંથી જતો ન હતો અને એની ઊંઘ ઊડી જતી હતી.

એમણે બસેરા હોટેલ બદલાવી સુર્યામાં મળવાનું રાખ્યું છતાં મનમાં ડર તો રહેતો જ હતો કે ગગનો સ્ટીલ અહિ પણ સંતાઈને જોતો હશે કે તેના સાગરીતોને ગોઠવ્યા હશે.

તોમાંય પાછા બ્લેકમેઇલીંગ પત્રો શરૂ થઈ જશે તો! આમ તો તેઓ બન્ને કોઇ ગુનો કરતા જ ન હતા એમ માનતાં હતાં. બન્ને ભુતકાળમા પતિ-પત્નિ જ હતાં અને હજુ એક્બીજાને ચાહતાં હતાં અને એકબીજાને ઝંખતાં હતાં, પરંતુ અહંકારની મોટી લાટ આડે આવતી હતી.

આ વખતે વડોદરાથી પાછા આવ્યા બાદ ઘણી વખત ક્ષમાને થતું લાવ પરમને સત્ય જણાવી દઉં પરંતુ અહમ્ સત્યને દૂર ધકેલતો અને એક પછી એક જુઠાણાં ચાલુ જ રહેતાં. તો વડોદરામાં પરમ પણ ‘પરમક્ષમા’ બંગલાના બેડ રૂમમાં નિરાંતની ઊંઘ નહોતો માણતો.

જ્યારથી એણે સુરતમાં શૈલ પદ્માને જોયાં અને એના મનમાં બન્નેના સબંધ વિશે શંકાએ ઘર કર્યુ ત્યારથી તેને ક્ષમા શૈલના સબંધમાં જુઠાણાનો ભાસ થવા લાગેલો. આમ બન્ને જણ જુઠાણાના અંચળા એઠળ અનિદ્રાનો ભોગ બની રહ્યાં હતાં. એક જુઠાણું છુપાવવા બીજાં દસ ઊભાં થતાં તેની જાણે બેમાંથી એકેયને ખબર જ ન રહેતી. આમ બન્નેનો અહમ હ્જારો જુઠાણા ઉભા કરતો સત્યને છુપાવતો. આવું ક્યાં સુધી ચાલશે તેની જાણે બેમાંથી એકેયને ખબર ન હતી ને પરવા પણ ન હતી.

આ બે અઠવાડિયા માંડ બેઉએ પસાર કર્યા, એક બે વખત પરમે ક્ષમાના મોબાઇલ પર વાત કરી,ત્યારે ક્ષમાએ ગગના તરફની હ્જુ પણ પોતાને બીક રહે છે તે વિષે જણાવેલું, એટલે આ વખતે પરમે પાવાગઢના હોલિડે કેમ્પમાં રૂમ બુક કરાવી રાખેલી ને એવું ક્ષમાને પણ જણાવી દીધેલું એટલે શનિવારની સવારે જેવી ક્ષમા વડોદરા ઉતરી સ્ટેશનમાંથી બહાર નીકળી તેવાં બેય પાવાગઢ જવા રવાના થઈ ગયાં હતાં.

પરમે પુછ્યુ: ‘ક્ષમા, ચા નાસ્તો કરવાં છે?’

‘ના પરમ, મને હવે પેલી હોટેલનો અનુભવ થયા પછી બધી હોટલો પર અણગમો આવી ગયો છે.’

‘એમ કેમ ચાલે અહીં સ્ટેશન પાસેની રેસ્ટોરન્ટમાં કોઈ જોવાનું નથી, યાદ કર આપણે કેવાં નવી નવી રેસ્ટોરન્ટમાં જમવા જતાં અને રવિવારે તો બ્રન્ચ માટેય જતાં.’

‘યાદ તો બધું આવે છે, સારું ચાલ હવે નામ પડ્યું છે તો સામે કોફી શોપમાથી કોફી લઈએ.’

પરમે ગાડી કોફી શોપના ડ્રાઇવ થ્રુમાં લીધી અને બારીમાંથી જ બે કોફી અને બે ઇડલી લીધાં.

પરમે ગાડી ચલાવવાનુ શરૂ કર્યું, તેની પાસે હજુ ચાર વર્ષ જૂનું એસ યુ વી જ હતું , પરંતું પેટ્રોલ મોંઘું થવાથી રોજ ઓફિસ જવા આવવામાં સ્કુટરનો જ ઉપયોગ કરતો એસ યુ વી તો શનિ રવિ  જ્યારે ક્ષમા આવવાની હોય ત્યારે જ ગરાજમાંથી બહાર નીકળે.

ક્ષમાએ ઇડલી પર ચટની લગાવી પરમના મોંમાં ફોર્ક વડે બાઇટ મૂક્યો. પરમ બાઇટ ગળે ઉતારી બોલ્યો: ‘ક્ષમા હજુ પણ તને જૂનું બધું યાદ છે.’

ક્ષમા મનમાં બબડી રહી: મને તો તારી બધી ટેવો યાદ છે ને તું તો ચોવીસ કલાક યાદ આવે છે. પછી પ્રગટ કહે: ‘હા, તું પણ ક્યાં મારી ટેવ ભૂલ્યો છે! અને મારા શોખ પણ તને યાદ જ છે.  લાંબી મુસાફરીએ ગાડી લઈ જતાં ત્યારે હું ગુલાબનું ફુલ ગણેશજી પાસે મૂકતી તે તેં આજે મૂક્યું જ છે ને!’

આમ વાતો કરતાં કોફી ઇડલી પૂરાં થયાં અને મુખ્ય માર્ગ પર ચડવા જતાં જમણી બાજુથી આવતી હોન્ડા સાથે પરમની ગાડી અથડાઈ પરમનું માથું સ્ટીયરીંગ સાથે અથડાયું ડ્રાયવર સાઇડનું બારણું ખુલી ગયું અને પરમનો જમણો પગ હોન્ડા અને એસ યુ વી વચ્ચે દબાઈ ગયો. ક્ષમા બાલ બાલ બચી ગઈ હતી.

હોન્ડાને ખાસ નુકશાન થયેલું નહીં, ફક્ત પેસેન્જર બાજુના બારણાને થોડું નુકસાન પોહચેલું,

હોન્ડાનો માલિક પોતે જ ડ્રાઇવ કરતો હતો તેમાં પતિ પત્નિ બે જ ગાડીમાં હરણી કેમ્પ તરફથી આવી રહ્યાં હતાં, તુરત જ એ ભાઈ બાહર નીકળ્યા બેનથી તો બાહર નીકળી શકાય તેમ ન હતું, પેસેન્જર બાજુનો દરવાજો હાલ ખોલી શકાય તેમ ન હતું,

ક્ષમાએ પણ બાહર નીકળી ભાઈનું નામ પૂછ્યું અને એમબ્યુલન્સ બોલાવી. યશભાઈ સારા માણસ જણાયા એમબ્યુલન્સ આવી ત્યાં સુધી એ ક્ષમાને સાંતવન રહ્યા, ત્યાં સુધીમાં તેમનાં પત્ની પણ બાહર આવી ગયાં હતાં અને ક્ષમા સાથે બન્ને પતિ પત્નિ એમબ્યુલન્સની વાટ જોતાં ઊતાં હતાં ત્યારે ક્ષમાનો ગભરાટ વધી રહ્યો હતો. તેની નજર ચારે તરફ ફર્યા કરતી હતી. આ જોઈ યશભાઈ બોલ્યા: ‘ક્ષમાબેન, તમે ગાડીમાં તમારા પતિ પાસે બેસો અમે બેઉ બહાર ઊભાં છીયે.’

ક્ષમાને પરમનું માથું સ્ટીયરીંગ પરથી ઊઠાવી પોતાના ખોળામાં લેવું હતું પરંતુ યશભાઈએ તેને રોકી: ‘બેન, તેમ કરવાથી કોઈ વખત આપણે નુકશાન કરી બેસીએ.’

ક્ષમા બોલી: ‘તે કેવી રીતે બને મારાથી આ નથી જોવાતું.’

’બેન જો ડોકનો મણકો કે બે મણકા વચ્ચેની ગાદી ખસી ગયાં હોય તો અમુક જ રીતે માથું ને ડોક ખસેડવાં પડે અને તે કામ જેણે તાલીમ લીધેલી હોય તે જ કરી શકે, માટે તમે શાંતિથી પાસે બેસો અને માથે હાથ ફેરવો.’

તેમનાં પત્ની યામિનીબેને પણ એમની આ વાતમાં સમર્થન આપ્યું. એ બોલ્યાં: ‘ક્ષમાબેન, મારા પતિને થોડુ મેડીકલ જ્ઞાન છે તો તમે તેમનું કહ્યું માનો.’

ક્ષમાને પણ યાદ આવ્યું તેણે ટીવી સિરિયલમાં આવું જ કંઇક જોયેલું. એટલે એ માની ગઈ ને મનમાં એમબ્યુલન્સ જલ્દી આવે તેની માળા જપવા લાગી. આપણા દેશમાં હ્જુ પણ એમબ્યુલન્સ સેવા સુધરી નહિ. આંખો બંધ કરી એ આમ વિચારતી હતી ત્યાં જ સાયરન સંભળાઈ. એણે તુરત જ બાહર નીકળી જોયું લાલ બત્તી ફેરવતી સાયરન વગાડતી એમબ્યુલન્સ જ આવી રહી હતી.

એમબ્યુલન્સ આવી બે જણ તુરત જ સ્ટ્રેચર સાથે બાહર આવ્યા ને એમણે પરમને જાળવીને સ્ટ્રેચર પર સુવડાવ્યો એક જણે તરત જ મોનીટર હુક અપ કરી દીધું. તે દરમ્યાન એક જણે ક્ષમા સાથે સામાન્ય પેપર વર્ક પતાવ્યું.

ક્ષમા પણ એમબ્યુલન્સમાં બેસી ગઈ. યશભાઈ અને યામિનીબેન પણ એમબ્યુલન્સ પાછળ હોસ્પિટલમાં ગયાં, યામિનીબેને હોન્ડા ચલાવી અને યશભાઈએ એસ યુ વી ચલાવી. ક્ષમાને પરમની સાથે રહેવું હતું, એને આ બન્ને પતિ પત્ની ઘણાં હમદર્દ જણાયાં.

હોસ્પિટલ બહુ દૂર ન જણાઈ પંદરેક મિનિટમાં હોસ્પિટલ આવી ગઈ. ડાક્ટર હાજર જ હતા તુરત જ સી. ટી. એમ. આર. આઇ. લેવાની કારવાઈ શરૂ થઈ ગઈ.

યશભાઈ અને યામિનીબેન ક્ષમાને ધિરજ બંધાવતાં હતાં. એમણે એને પોતાનો ફોન નંબર આપ્યો અને ક્ષમાએ પણ બન્ને જણાનો આભાર વ્યકત કર્યો, ત્યારબાદ એ બન્ને પોતાના ઘર તરફ જવા રવાના થયાં.

દસેક મિનિટમાં ડોક્ટરે ક્ષમાને રૂમમાં બોલાવી: ‘બેસો બેન, મારું નામ ડોક્ટર કામદાર છે. આપનું નામ?’

‘ક્ષમા.’ ક્ષમાએ પોતાનું નામ જણાવી આતુરતાથી ડોક્ટર સામે જોયું.

ડોક્ટરઃ ‘સાંભળો બેન, મગજની અંદર લોહી વહ્યું હોય તેમ જણાય છે, ક્યાં અને કેટલું તે સી ટી અને એમ આર આઇના રિપોર્ટ બાદ કહી શકાય, જમણા પગના પણ x ray લીધા છે. અડધા કલાકમાં રિપોર્ટ આવી જશે કે તરત સારવાર શરૂ થશે.’

ક્ષમાએ પૂછ્યું: ‘કેટલા દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે?’

‘અત્યારે તો લાગે છે દસ દિવસ કે વધુમાં વધુ બે અઠવાડિયાં તો લાગશે જ.’

‘સાહેબ, હું બે અઠવાડિયાંની રજા મૂકી દઉં?’

ડોકટર કહે: ‘હા, તે સારું રહેશે થોડો વધુ આરામ મળે તે સારું હવે તમે રૂમમાં જઇ શકો છો.’

ક્ષમા આભાર માની પરમની રૂમમાં ગઈ, સ્પેસિયલ રૂમમાં સગવડ સારી હતી. ક્ષમાને રૂમ જોઈ સંતોષ થયો.

ડોક્ટર દસેક મિનિટમાં રૂમમાં આવ્યા: ‘ક્ષમાબેન, ગુડ ન્યુઝ અને બેડ ન્યુઝ બન્ને છે. બોલો, પહેલાં શું જાણવું છે?’

ક્ષમા ગભરાતાં કહે: ’પહેલાં ગુડ ન્યુઝ જ કહી દ્યો ને!’

ડોક્ટર કહે: ‘મગજમાં ફક્ત નાનો હિમેટોમા છે, જેને અમારી ભાષામાં સબડુરલ હિમેટોમા કહેવાય, એ પણ એવી જગ્યાએ છે કે તેના ડ્રેનેઝ પછી કોઇ જાતની તકલિફ ન રહે. હવે બેડ ન્યુઝ જમણા પગનાં બે હાડકાંમાં ફ્રેકચર છે, તેમાં સ્ક્રુ સળિયા વગેરે નાખી હાડકાં બેસાડવાં પડશે અને થોડો સમય ઘોડીથી ચાલવું પડશે પણ કશી ખોડ નહીં રહે.’

ક્ષમા કહે: ‘ડોક્ટર સાહેબ, કશો વાંધો નહિ તમે સારામાં સારા સર્જનને જ રિફર કરશો ન્યુરો સર્જન પણ સારામાં સારા જ લાવશો. ખર્ચ ગમે તેટલો થાય એનો વાંધો નથી. બેસ્ટ સારવાર મારા પરમને આપશો’ આટલું બોલતાં તો ક્ષમાની આંખોમાં અશ્રુ આવી ગયાં.

ડોક્ટર કહે: ‘ક્ષમાબેન, સારવારની બાબતમાં તમે બે ફિકર રહેશો. આ હોસ્પિટલ જિલ્લામાં સૌથી સારી ગણાય છે’. અહીંના લગભગ ઘણા સ્પેસ્યાલિસ્ટ પરદેશમાં ટ્રેઈન થયેલા છે.’

ક્ષમા ગભરાયેલી જણાઈ એટલે ડોક્ટરે કહ્યુ: ‘ક્ષમાબેન, બહુ ગભરાવાની જરૂર નથી, પણ સર્જરી બાદ થોડો સમય ઘોડીથી ચાલવું પડશે, અને કદાચ થેરાપી પણ લેવી પડે. આ તો તમને તૈયાર કરું છું બાકી વધારે તો સર્જરી બાદ સર્જન તમને બધુ સમજાવશે. બોલો, તમોને કોઇ સવાલ છે?’

‘સર્જરી ક્યારે થશે?’ ક્ષમાએ ચિંતા કરતાં પૂછ્યું.

ડોક્ટર કહે: ‘ઓ. આર. તૈયાર છે. સર્જન અને એનાસ્થીસ્યોલોજીસ્ટ આવે એટલી જ વાર.’

એટલું બોલ્યા ત્યાં બન્ને સર્જન રૂમમાં દાખલ થયા, ડોક્ટર કામદારે ક્ષમાની સાથે ઓળખાણ કરાવી,

બન્ને ડોક્ટરોએ ઔપચારિક નમસ્કાર કર્યા.  ‘મારુ નામ ડોક્ટર દસ્તુર છે, હું ન્યુરોસર્જન છું. ડીકરી ગભડાતી નહિ. હું અને મારા દોસ્ત દાક્તર ધોલકિયા તારા માટીરાને સોજ્જો મજેનો કરીને ઘેર મોકલશું.’

ક્ષમા કહે: ‘મને તમારા બેઉ પર પૂરો વિશ્વાસ છે અને ડોકટર કામદાર પર પણ.’

ડોકટર ધોળકીયાઃ ‘ચાલો લેટ્સ સ્ટાર્ટ. ક્ષમાબેન ઓપરેશન પછી આપને વેટીંગ રૂમમાં મળીશું અને દર્દીની ઘેર ગયા પછીની સારવાર વિશે સમજાવીશું, બરાબર?’ ક્ષમાએ ડોકુ ધુણાવ્યુ. ત્રણે ડોકટર ઓ. આર. તરફ રવાના થયા.

ક્ષમાને સમજાવ્યું સર્જરી ચાલસે ત્યાં સુધી પરમના શ્વાસોછ્વાસ બી. પી. હૃદયના ધબકારા વગેરે મોનિટર કરાશે.

ક્ષમાને ઘણો સંતોષ થયો બોલી: ‘તમે બધા ખુબ જ સારા છો. મારી પચાસ ટકા ચિંતા ઓછી થઇ ગઈ.’

ડોકટર અને નર્સ પરમને ઓ. આર.માં લઈ ગયા. ક્ષમા તેમની સાથે સાથે ઓ. આર.ના ડોર સુધી ચાલી. નર્સે કહ્યુ: ‘ક્ષમાબેન, હવે તમે સામેના વેટીંગ રૂમમાં બેસો. ચા પાણી પિવાં હોય તો નીચે કેન્ટીન છે.’

ક્ષમાએ તો આજે શનિવાર કરવાનું નક્કી કરેલું. ચા પીવાની પણ ઇચ્છા ન હતી .એટ્લે નર્સે બતાવેલા રૂમમાં સોફા પર બેઠી, તેના જેવાં બીજાં બે ચાર દર્દીનાં સગાં વહાલાં પણ બેઠેલાં હતાં. પણ ક્ષમાને કોઇની સાથે વાત કરવાની ઇચ્છા ના થઈ. શાંતિથી આંખો બંધ કરી એ હનુમાન ચાલીસાના પાઠ કરવા લાગી

બચપણથી તેનાં દાદીમા પાસે બેસી હનુમાન ચાલીસા  સાંભળતી તે એને યાદ આવી ગયું. એ હનુમાનદાદાને યાદ કરવા લાગી .

સુખમેં સુમીરન કોઈ ન કરે, દુ:ખમે સમરે સૌ કોઈ, 

જો  સુખમેં  સુમીરન  કરે તો  દુ:ખ  કાહેકો  હોય. 

ખરેખર સંતે સાચું જ કહ્યુ છે. ગમે તેટલા મોડર્ન હો પણ દુઃખ પડે ત્યારે વડીલોએ કહેલ વાતો યાદ આવે અને વડીલોના આશીર્વાદ યાદ આવે. અંગ્રેજીમાં પણ દુઃખ પડે ત્યારે કહેવાય છે count your blessings. ક્ષમા પણ અત્યારે આશીર્વાદ યાદ કરી રહી હતી.

અચાનક ક્ષમાને યાદ આવ્યું, તન્વીને ફોન કરવાનો તો રહી જ ગયો, એણે તરત જ પરમક્ષમામાં ફોન જોડ્યો. રીંગ વાગ્યા કરી કોઈએ ફોન ઉપાડ્યો નહિ. ક્ષમાએ વિચાર્યુ તન્વી તેના યાર સાથે ફરવા ઉપડી ગઈ લાગે છે કે પછી મોલમાં શોપીંગ કરતી હશે કદાચ. જે હોય તે કાલે ફરી ટ્રાય કરીશ.

એણે ઘડિયાળમાં જોયુ ને ચમકી, ઓ સાડાચાર થયા રોજ ઓફિસમાં ચાનો સમય, એને માથું પણ ભારે લાગતું જણાયું. ચાલ નીચે જઈ ગરમ ચા પીઉં. માથું પણ હલકું થશે  અને પગ છૂટો થશે વિચારી ક્ષમા નીચે ગઈ. ચાનો ઓર્ડર આપી એક ખુણાના ટેબલ પાસે બેઠી, ન્યુઝ પેપર વાંચવા પ્રયાસ કર્યો પરંતું મનમાં હજુ પરમનો વેદનાથી કણસતો ચહેરો જ આવ્યા કરતો હતો.

છોકરો ચા લઈ આવ્યો. ચા ગળે ઉતારી, પૈસા ચુકવી પાછી વેઈટીંગ રૂમમાં આવી ગઈ. માથું તો ભારે જ રહ્યું. ઓ. આર.માં પરમની સર્જરી કેટલે આવી હશે? પગમાં કેટલા સ્ક્રુ નાખ્યા હશે? અત્યારે તો એને બેશુધ્ધિમા દર્દની ખબર નહિ પડે પણ જ્યારે એનેસ્થેસ્યાની અસર પૂરી થશે ત્યારે એને કેટલું દર્દ થશે? વગેરે વિચારો એના મનમાંથી જતા જ ન હતા.

ડોકટર દસ્તુર બહાર આવ્યા તુરત જ ક્ષમા ઊભી થઈ તેમની સામે ગઈ, ડોકટર દસ્તુરે તેની સામે જોયું ને પાસે આવી બોલ્યા: ‘દીકરી બધ્ધું સોજ્જું છે. અર્ધા કલાકમાં ધોળકિયાનું કામ પણ પતી જશે. તું થાકેલી જણાય છે, ચાલ સોફા પર બેસી જા.’ તેમ કહેતાં ક્ષમાને ખભે હાથ મૂકી સોફા પર ક્ષમાની બાજુમાં બેઠા.

ક્ષમા કહે: ‘સાહેબ પરમને બોલવા ચાલવામાં કે તેની યાદ શક્તિમાં કોઇ ફરક પડશે તો નહીં ને!’

ડોકટર કહે: ‘જરા પણ નહિ. પહેલાંના જેવું કામ કરસે જાને બ્રેઈન સર્જરી થઈ જ નથી.’

‘થેંક યુ, સાહેબ.’

દસ્તુરસાહેબ ‘યુ આર વેલકમ.’ બોલી એ સ્ટાફ રૂમ તરફ ચાલ્યા.

આટલા બધા સમય પછી ક્ષમાએ હળવાશનો અનુભવ કર્યો. એ સોફા પર આરામથી બેઠી. સામે ટીવી તરફ નજર કરી તારક મહેતાનાં ઉલટાં ચશ્મા કોમેડી શો ચાલતો હતો એ જોવા લાગી મઝા આવી દિલ પણ હળવું થયું.

સામે નજર પડી ધોળક્યા સાહેબ આવતા જણાયા. એ ઊભી થઈ. ધોળક્યા સાહેબ બોલ્યા બેન બેસો.’ કહેતાં પોતે પણ બાજુમાં બેસતાં બોલ્યા: ‘બેન x-rayમાં જોયું હતું તેના કરતાં ખોલ્યા પછી અંદર ઘણું સારું જણાયું. પગમાં સળિયો મૂકવાની જરૂર ના પડી, ફક્ત ઘુંટીના હાડકાને પ્લેટસ્ક્રુ મૂકી બેસાડવા પડ્યા. કાસ્ટ બુટ સાથે પેહરાવેલું છે એટલે ત્રણ દિવસમાં તો ઘોડી સાથે ચાલતા થઇ જશે. બોલો કોઈ પ્રશ્ન છે?’

‘કાસ્ટ કેટલા દિવસ રાખવું પડશે? દુઃખાવો કેટલો રહેશે?’

ડૉક્ટર ધોળક્યા કહે: ‘કાસ્ટ અને ઘોડીનો ઉપયોગ થશે એટલે દુઃખાવો ખાસ નહિ થાય. અને જરૂર પડ્યે દુખાવાની પીલ્સ આપીશું. કસ્ટ બે અઠવાડિયાં તો ખરુ જ.’

‘થેંક યુ વેરી મચ.’

‘યુ આર મોર ધેન વેલકમ. હવે રજા લઉ.’ બોલી ડૉક્ટર સ્ટાફ રૂમ તરફ ચાલ્યા, ત્યાં નર્સ આવી: ‘ક્ષમાબેન પરમભાઈને રૂમમાં લઈ ગયા છે આજની રાત મોનિટર કરવા માટે I C U માં રાખવાના છે.’ નર્સ સાથે ક્ષમા રૂમમાં ગઈ, એણે પરમને જોયો. એ હજુ ઘેનમાં જ હતો, નર્સ મેરી ઘણી સારી હતી.

ક્ષમાએ ઘડિયાળ જોઈ સાંજના છ વાગ્યા હતા. એણે પાછો પરમને ત્યાં ફોન જોડ્યો. પાછો નો રિપ્લાય. હશે હવે સોમવારે પાછો કરીશ મનમાં બોલી એ રૂમમાં આવી. જરા ફ્રેશ થઈ સોફા પર આડી પડી પણ ખાવાની તેને ઇચ્છા ન થઈ.

રાત આખી એણે બેઠાં સુતાં વિતાવી નિદ્રાનું તો નામ જ ન હતું. મેરી જ્યારે આવે ત્યારે કહે: ‘બેન બેસી બેસીને થાકી જશો ને તબિયત બગડશે તો તમારા હસબંડની સેવા કોણ કરશે? જરા આડે પડખે થાવ.’

‘મને આજે ઊંઘ નહિ આવે.’

સવાર પડી, નર્સ આવી પરમ હમણાં જ ભાનમાં આવ્યો હતો. પરમે આંખ ખોલી હોઠ પર હાથ મૂક્યો.

ક્ષમાએ પૂછ્યું: ‘પરમ, હોઠ સુકાય છે?’ નર્સે ભીનો ટોવેલ લાવી ક્ષમાને આપ્યો. ક્ષમાએ ટોવેલ હોઠ પર ફેરવ્યો. ક્ષમાએ નર્સ સાથે રહી પરમને સ્પન્ઝ કર્યું, કપડાં ચેન્જ કર્યાં. ૮ને ૯ની વચ્ચે ત્રણેય ડોક્ટર વારા ફરતી રાઉંડ પર આવી ગયા, દસેક વાગતાં સુધીમાં પરમને I C U માંથી સ્પેસિયલ રૂમમાં લઈ ગયા.

ડૉક્ટરે પરમને પ્રવાહી લેવાની છૂટ આપી હતી. ક્ષમા તેને માટે સફરજનનો રસ લઈ આવી. પરમે આરામથી એ પીધો, ત્યાર બાદ ક્ષમાએ ચા નાસ્તો પતાવ્યાં.

ત્રીજા દિવસથી તો પરમને ઘોડીથી ચલાવવાનું પણ શરૂ થઈ ગયું, ક્ષમા રોજ સુચના મુજબ દિવસમાં બે વખત પરમને ચલાવતી.

આમ હોસ્પિટલમાં દસ દિવસ કાઢ્યા. ક્ષમા બધા ખર્ચ પોતાના કાર્ડમાં ચાર્જ કરાવતી રહી. તેને વિચાર આવ્યો તન્વીને ખબર પડશે તો, ત્યારની વાત ત્યારે પડશે તેવા દેવાશે. એને બીજી બીક હતી. જો ઓફિસમાંથી પૈસા મંગાવશે તો પોતાની પોલ ખુલી જશે.

૧૧મે દિવસે રજા મળી. બધા સ્ટાફ્ને પણ ક્ષમાએ યોગ્ય બક્ષિસ આપી. ડોક્ટર ધોળક્યા અને દસ્તુર સાહેબે વડોદરામાં ફોલો અપના રેફરલ વગેરે પણ આપ્યા.

ક્ષમા અને પરમ એસ. યુ. વિ.માં પાછલી સીટ પર ગોઠવાયાં. ડ્રાયવરની વ્યવસ્થા ડૉક્ટર કામદારે કરી આપી હતી. રસ્તામા ક્ષમાએ તન્વીનો સંપર્ક નથી થઈ શક્યો તે વાત કરી.

પરમે તેના જવાબમાં જણાવ્યું: ‘અરે હું તને કહેવાનું જ ભૂલી ગયેલો કે તન્વી તો તેનાં મમ્મી માંદાં છે એટલે રાજકોટ તેમની સેવા કરવા થોડો સમય ત્યાં રહેવા ગઈ છે, ત્રણ ચાર અઠ્વાડિયાંનું કહીને ગઈ છે.’

‘પણ ઘેર ફોન કરે અને નો રિપ્લાય થાય તો ચિંતા ના થાય!’

‘તેની તું ચિંતા ન કરતી. તન્વીને હું સંભાળી લઈશ.’

ક્ષમાએ આંખો નચાવી: ‘તું તો ઊઠાં ભણાવવામાં હોશિયાર છે. મને પણ ભણાવતો  જ હતો ને!’

પરમ હસતાં કહે: ‘હા, તને બહુ મોડી ખબર પડી. તને તો  હજુ પણ ભણાવું જ છું ને!’

ક્ષમા કહે: ‘ચાલ હવે મજાક બંધ કર, ઘર આવી ગયુ.’

ગાડી પરમક્ષમા બંગલા સામે ઊભી હતી અને ડ્રાયવર ગેટ ખોલતો હતો. ગાડી અંદર લીધી સામાન ઉતારી ડ્રાયવરે રજા માગી, ક્ષમાએ ચા પાણીના પૈસા આપ્યા.

ડ્રાયવરને રવાના કરી બન્ને ઘરમાં દખલ થયાં, આજે રવિવાર હતો, સોમવારથી બન્નેની નોકરી ચાલુ થઈ જવાની હતી. પણ પરમથી તો હજુ દસેક દિવસ નોકરી પર ક્યાં જવાવાનું હતું!

ક્ષમાને સવારે વહેલી ટ્રેન પકડવાની હતી, બુકીંગ તો આગલા દિવસે હોસ્પિટલમાંથી રજા આપવાનું નક્કી થયું કે તરત એણે કરાવી દીધું હતું.

ક્ષમા પરમને બેડમાં સુવડાવી કિચનમાં ગઈ, ફ્રીઝ ખોલ્યું, ડેરીનું દૂધ હતું.  એણે ડેટ જોયા સિવાય જ એને કચરાપેટીમાં ફેંકી દીધું ને ચોકડી પરથી તાજું પેક લઈ આવી. એણે પરમને પૂછ્યું: ‘દૂધ અને ટોસ્ટ ચાલશે?’

પરમે જવાબ આપ્યો: ‘ચોક્ક્સ. દૂધમાં તારા પ્રેમની મોરસ નાખજે એટલે ચાલશે તો શું પણ દોડશે.’

ક્ષમાએ માઈક્રોવેવમાં બે કપ દૂધ મસાલો નાખી ગરમ કરવા મૂક્યું અને ટોસ્ટરમાં ચાર સ્લાઈસ બ્રેડની મૂકી.

ટ્રેમાં ગોઠવી એ બેડ રૂમમાં ગઈ, પરમે નસ્કોરાં બોલાવવાનો ઢોંગ કર્યો.

ક્ષમા એમ છેતરાય ખરી! ‘ એય મિસ્ટર, ઢોંગ બંધ કરી આંખો ખોલો.’

પરમ ઘેનમાં હોય તેમ કહે: ‘ઊં… ઊં… બહુ ઊંઘ આવે છે,’

ક્ષમાએ ટ્રે ટૅબલ પર મૂકી અને ચાદર ખેંચી પરમે હાથ પકડી લીધો ને કહ્યું: ‘કેવી પકડાઈ ગઈ!’

‘હજુ તું સાજો નથી થયો માટે આવા વાનરવેડા નહિ કરવાના. ચાલ, દૂધ ને ટોસ્ટ લઈ લે પછી દવા લેવાની છે.’

પરમ આંખ ફાંગી કરતાં કહે: ‘યસ મેમ તૈયાર. પણ જેમ હોસ્પિટલમાં ખવડાવતી હતી એમ ખવડાવે તો મઝા આવે.’

ક્ષમાઃ આટલાં હાડકાં ભાગ્યાં તોય તું સુધર્યો નહિ.’ કહેતાં ટૉસ્ટ પરમના મોંમાં મૂક્યો, પછી એને બેઠો કર્યો અને દૂધનો કપ મોઢે માંડ્યો.’

પરમ કહે: ‘આવી રીતે ખાવાની મઝા જ કોઈ ઓર છે. ટોસ્ટ બહુ મીઠો લાગ્યો.’

‘ચાલ, હવે મોડું થયું છે અને કાલથી જાતે જ ખાવાનું છે. એના કરતાં તન્વીને જ શા માટે નથી બોલાવી લેતો?’

‘એટલે તો આજે ચાન્સ લઈ લઉં છું, ક્ષમા, સાચું કહું છું તારા હાથથી ખાવું મને બહુ ગમે છે.’ આમ ગોષ્ઠિ કરતાં બન્ને જણે ખાવાનું પતાવ્યું.

ક્ષમા કિચનમાં ગઈ. એણે વાસણ ધોઈને મૂક્યાં. પરમને દવા આપી. ને બીજા રૂમમાં સૂવા માટે ગઈ.

સવારના પાંચ વાગે ઊઠી એ તૈયાર થઈ એ પરમની રૂમમાં ગઈ. પરમ હજુ સૂતો હતો. એ કિચનમાં જઈ ચા બનાવી બે કપ લઈ રૂમમાં ગઈ. પરમ જાગી ગયેલો હતો. ચા પીતાં પરમને સૂચના આપવા માંડી: ઘોડીથી જ ચાલવાનું, જમણા પગ પર વજન નહિ મૂકવાનું, અઠવાડિયા પછી રેફરલ પેપર લઈ બતાવવા જવાનું વગેરે વગેરે અને છેલ્લે પરમને કપાળે ચુમ્મી આપી નીકળી ગઈ પાછું ફરી જોયું નહિ. એની આંખોમાં આંસું તગતગી રહ્યાં હતાં. પરમે એ જોયાં હોત તો દુઃખી દુ:ખી થઈ ગયો હોય. ને ક્ષમા આવી તબિયતમાં એને દુ:ખી કરવા માગતી ન હતી.

છૂટાછેડા: ઓપન સીક્રેટ (૧૦)- વિજય શાહPosted on September 3, 2010 by vijayshah

૧૦.  કડકા ગગનાનો છેલ્લો પાસો    

સવારની રાજ્ધાની એક્ષપ્રેસ  પકડીને જવાનુ ક્ષમા માટે  અઘરું થતુ જણાતા પરમે કહ્યું નવનું પ્લેન પકડી લઈશ તો પણ સમય સર પહોંચી જઇશ. કોણ જાણે કેમ તેને પરમને એકલો મુકીને જવુ નહોંતુ. તેથી તેણે ઓફીસમાં ફોન કરીને જણાવ્યુ કે તે હજી અઠવાડીયા પછી આવશે. સામે છેડે બે એક પ્રશ્નો પુછાયા અને તેના હકારાત્મક જવાબો આપી ક્ષમાએ ફોન મુક્યો.

પરમ આ બધુ સાંભળતો હતો. તે પણ અંદરથી તો ઇચ્છતો જ હતો કે ક્ષમા રોકાઈ જાય તો સારુ…પણ ક્ષમાનાં તન્વી વિશેનાં પ્રશ્નો નો તેની પાસે જવાબ નહોંતો. ક્ષમા પરમનાં ઘરે જતા ખચકાતી હતી અને તેનો તે ખચકાટ વ્યાજબી પણ હતો…પણ તેને અંદર થી થતુ હતું કે પરમ અને તન્વીનો કોયડો શંકાસ્પદ છે… જે ફોટૉ તન્વીનો હતો તે તો કોઇ મીહીર સાથે લગ્ન કરવાની વાતો કરે છે..

એક મીઠા પણ અવ્યાજબી સ્વપ્નમાં તેણે કલ્પી લીધું કે પરમને જો તન્વી છોડી દે તો? …છુટી ગયેલી  માનેલી ટ્રેન પ્લેટ્ફોર્મ પર પહોંચો ત્યારે ખબર પડે કે તે મોડી છે અને હજી આવીજ નથી..તેવો આનંદ તેના મને કલ્પવા માંડ્યો હતો…..

“પરમક્ષમા”માં પગ મુકતા તેને એક આછેરી ધ્રુજારી તો આવી પણ તેમ ડરે તો કેમ ચાલે? તેમ વિચારીને હિંમત કરીને પરમને ટેકો આપી તેને ઘોડી સાથે ઘરમાં લઈ ગઈ.

ઘરમાં દાખલ થતા સાથે જ જુની સ્મૃતિઓનું વંટોળ ક્ષમાને ઘેરી વળ્યુ… હજી તો હમણા બે અઠવાડીયા પહેલા અહી આવી હતી ત્યારે તો આવુ કશુંજ નહોંતુ થયુ…અને આ વખતે પરમની સાથે અકસ્માત થયા પછી તેનુ મન વધુ અને વધુ પરમને ઝંખવા માંડ્યુ હતું.

પરમ તેને બુમો પાડતો હતો..”ક્ષમા! તુ બેસ..હું કોઇકને બોલાવીને રસોડુ ચોખ્ખુ કરી દેવડાવુ છું”

ક્ષમાએ તેને કહ્યું “કોઇની જરુર નથી અને જે કોઇ આવશે તે તન્વીને હું અહી આવી હતીની જાણ કરશે…”

પરમથોડી વાર થંભીને બોલ્યો.. “હા..! મેં તો તે વિચાર્યુ જ નહીં.”

ક્ષમા કહે ” તેમા કોઇ જ નવાઇ નથી..અમે સ્ત્રીઓ અગમદર્શી અને તમે પુરુષો પચ્છમ દર્શી..”

ઘરની આગળ લટકતી ચાઈમ્સ ( વા ઘંટડીઓ ) ઝીણું ઝીણું રણકતી હતી…ક્ષમા માટે પરમ આ ચાઇમ્સ અમદાવાદનાં પારેખ્સ્માં થી લાવ્યો હતો.. અને જ્યારે તે ક્ષમાને ભેટ આપી ત્યારે ક્ષમા લગભગ ઘેલી થઇને પરમને ભેટી પડી હતી…વાહ રાજ્જા…તને મારી દરેક વાતોની ખબર છે ને કંઈ…

પરમે ક્ષમાને ચાઇમ્સ જોતા અને વિચાર કરતી જોઇને કહ્યું ” આજે પણ મને તારી નસ નસની ખબર છે.”

ક્ષમા કહે ” જવા દે ને તે વાત? હું ખરેખર તો તને અને આ ઘરને જોઇ મને થાય છેકે આપણે શું કામ આવા છાન ગપતીયા કરવા જોઇએ?”

” છાન ગપતીયા?”

“ હા સ્તો.. પત્નીની ગેર હાજરીમાં અન્ય સ્ત્રી  સાથે રહેવુ એ છાન ગપતીયા જ કહેવાયને?”

“નારે ના. તુ કંઇ અન્ય સ્ત્રી નથી મારી મિત્ર છે અને એક મિત્રની તકલીફમાં બીજો મિત્ર તેને સહાય કરે તો તે છાન ગપતીયા નહી મૈત્રી નિભાવી એમ કહેવાય.”

“તન્વી તારી આ વાત માનશે? મને તો લાગે છે કે તેને ખબર પડશે એટલે તરત જ છુટાછેડા માંગશે”

” તારી વાત કર શૈલને આ ખબર પડશે તો તારુ શું થશે?”

” હા ગુનેગાર તો આપણે બંને છીયે..જોયુ જશે જ્યારે જે થશે ત્યારે…હાલ તો હું રીક્ષામાં જઇને થોડુક ખાવાનું અને ગ્રોસરી લઈ આવુ.”

‘ તારી ફ્રંટી લૈ જઇશ તો મને વાંધો નથી.”

” મને વાંધો છે ને…”

“કેમ? તને શું વાંધો છે?

” આવીને વાત કરીયે..બોલ ખાવામાં શું લાવુ? પીઝા કે ચાઇનીઝ?”

” તને ગમે તે લાવજે અને હા આઇસક્રીમ બે ચાર પ્રકારના લાવજે..”

ક્ષમા ગઇ અને પરમ એકલો પડ્યો ત્યારે કામવાળી બાઇ કોઇ નવી કામવાળી લૈને આવી. પગારની રક્ઝક વગર તેને રાખી લીધી કારણ કે તેને ગુજરાતી આવડતુ નહોંતુ પણ પરમને મરાઠી આવડતુ હતુ અને તે બાઇને પાંવ શેકતા અને વડા બનાવતા આવડતુ હતુ…પગે પાટો જોઇને તેણે કહ્યુ કે તે કાલે આવીને બધુ કરી જશે. જુની કામવાળી મહારાષ્ટ્ર જતી હતી તેથી ઓળખી જશે વાળો ભય હંગામી રીતે ટળી ગયો હતો.

તેની આંખ ભારે થતી જતી હતી..કામવાળી બાઇની વાત ધારી રીતે પતી જતા તે થોડોક નિશ્ચિંત થઇ ગયો હતો…તે નિંદરે ચઢી ગયો હતો..

સાડા અગીયારે ક્ષમા મોટો થેલો લૈને ઘરે આવી ત્યારે તેના થેલામાં થી ગરમ ગરમ મંચુરીયન અને ફ્રાઇડ રાઇસની સોઢમ આવતી હતી. એક પ્લેટ પરમની અને બીજી ક્ષમા પોતાને માટે લઈને જમવા બેઠા..અને ક્ષમાનાં ફોનની ઘંટડી વાગી…ફોન ઉપર શૈલ હતો.

” હા બોલ શૈલ!” તેણે ફોન કાન પાસે લગાવીને વાત શરુ કરી ત્યારે પરમનું મોં પડી ગયુ હતુ..જાણે પોતાનુ મનગમતું રમક્ડુ બીજાનું થઇ ગયુ હોય તેમ….ક્ષમા આ ભાવને જોતી હતી…

શૈલ સાથેની વાતનો ટુંકસાર એ હતો કે બીજો પત્ર તેને મળ્યો છે અને હવે માંગણી ની રકમ વધી હતી…ક્ષમાએ જાણી જોઇને પદ્મજાને યાદ આપી અને પરમના પડી ગયેલા ચહેરાને ફરી ખીલતો જોઇ રહી..

પરમ પુછે તે પહેલા ક્ષમા બોલી પદ્મા શૈલની પહેલી પત્ની છે અને પેલો ગગનો સ્ટીલ ફરી થી ૭૫૦૦૦ રુપિયા માંગે છે.

“તે પદ્માને તુ શું કામ હવા આપે છે?”

ક્ષમાને આ પ્રશ્ન પુછાશે તે ખબર હતી તેથી તે બોલી….

રાજ્જા! મને ખબર છે આ તન્વી જેમ ઉપજાવેલુ પાત્ર છે ને તેમ જ  આ  શૈલ  ભટનાગર  પણ એક રીસે ચઢીને ઉપજાવેલુ પાત્ર છે.

હવે સ્તબ્ધ થવાનો વારો પરમનો હતો.

થોડીક ક્ષણો તે સ્તબ્ધતાની વહી ગઈ..સપનુ આગળ ચાલે તે પહેલા ઘરનો ડોર બેલ વાગ્યો અને ચાવીથી બારણુ ખુલ્યુ ત્યારે પરમને સમજાયુ કે તે તો સપનુ હતુ. ક્ષમા તો હમણા ઘરે આવી અને તે તો ચાઇનીઝ નહી તેને ભાવતુ ઈટાલીયન ખાવાનુ લઇને આવી હતી..એના મો ઉપર થોડીક બીક અને થાક વર્તાતો હતો..

પરમ બોલ્યો..”ક્ષમા થાકી ગઈ છે કે શું?”

” ના થાકી તો નથી ગૈ પણ ડરી ગઇ છું મેં ગગનાનાં સાગરીતને હોટેલમાં કોઇ ની સાથે ગાળા ગાળી કરતો જોયો…”

“એણે તને જોઇ?”

“ખબર નથી. પણ હું બે રીક્ષાઓ બદલીને આવી એટલે માનુ છું કે તે ચુકી જ ગયો હશે….”

” બેસ. પાણી પી…અને થોડો પોરો ખા.”

” પરમ! આ કેવી વિચિત્રતા?

” મન મળેલા , તન મળેલા છતા આ બ્લેક મેલરનાં ડરથી ભાગતા રહેવાનુ અને બચતા રહેવાનુ…”

” મારુ માને તો તારે કોઇથી નથી ડરવાનુ.”

“એટલે?”

“તન્વી રાજકોટ છે અને તેના કોઇ સગા વહાલા અહીં નથી”

“હં! પણ તેનુ શું?”

“બીજો ભય શૈલનો હોય અને તે તો  મુંબઈ માં છે”

“બરોબર” ક્ષમા પરમનો તેને ભય મુક્ત કરવાનો સમજી રહી હતી.

“કામવાળી બાઇ કોઇ બીજી મરાઠી બાઇને મુકીને ગઈ છે તેથી તે ઓળખી જશે તે ભય પણ અસ્થાને છે.”

” પણ આ ગુંડાઓ….”

” તે લોકો ધમકી શૈલ ભટ્ટનાગરને મોકલે છે ને?”

” હા પણ તે લોકો તને શૈલ ભટ્ટનાગર સમજે છે ને?”

” સમજવા દે ને? અહીં પરમ અને ક્ષમા છે…”

ક્ષમાએ જરા ગમતીલા અવાજમાં પરમને પુછ્યુ ” તો તને તેની બીક નથી લાગતી?”

પરમે તેના પ્રશ્નના જવાબ રુપે કહ્યું-” જો એક વાત સમજ. ભય કરતા ભયની કલ્પના વધુ આપણ ને ડરાવતી હોય છે. જ્યાં સુધી એ ગગનો ઘરનું બારણુ નથી ઠોકતો ત્યાં સુધી હું તેની ચિંતા કરવા નથી માંગતો…’

ક્ષમાને પહેલી વખતે હુંફ અનુભવાઈ..તેણે માઇક્રોવેવમાં થી ઇટાલીયન ખાવાનુ કાઢ્યુ…સોસ મિક્ષ કરીને પરમને પ્લેટમાં આપ્યુ…

બે પ્રેમી પારેવડા ઇટાલીયન ખાવાનુ ખાઈ…નયનોમાં નયનો ઢાળી એક મેક માં ખોવાયા…

ત્યારે રેડિયો ઉપર ગીત વાગતુ હતુ પ્યાર હુઆ એકરાર હુઆ ફિર પ્યારસે ક્યું ડરતા હૈ દિલ!

*****

જેલમાં બેઠેલો ગગનો હજુ સાવ નિષ્ક્રિય થઈ ગયો ન હતો. એને હાઈ કોર્ટમાં જઈને પોતાની સજા રદ તો નહીં પણ ઓછી તો કરાવવી હતી. પણ એના બધા પૈસા કેસ લડવામાં વકીલો પાછળ ખર્ચાઈ ગયા હતા.

એને ક્ષમાની પાસેથી પૈસા કઢાવવાનું યાદ આવ્યું. એણે જેલમાં પોતાનો દોસ્ત મળવા આવ્યો ત્યારે પૈસાની માગણી ક્યાં કરવી અને પૈસા લઈને એને કેમ અને ક્યાં બોલાવવી એની વિગતવાર વાત કરી કામ સોંપ્યું.

એણે મુંબઈમાં કાગળ લખવા માટેનું સરનામું પણ એને આપ્યું. એ તો હજુ ક્ષમાને શૈલ ભટનાગરની પત્ની જ માનતો હતો ને!

એના સાથીદારે મુંબઈને સરનામે પૈસાની માગણી કરતો ધમકીભર્યો પત્ર શૈલ ભટનાગરને સરનામે રવાના કર્યો.

પદ્માતો ગુંડાનાં પત્રથી ખુબ જ ગભરાઈ ગઈ.અને તર્તજ શૈલને ફોન કર્યો…” શૈલ!”

“હા બોલ.. શું કામ છે?”

” પેલા ગુંડાનો પત્ર આવ્યો છે. અને આવખતે પૈસા મોકલ્વાની જગ્યા અને વધેલી રકમો સાથે તને બોલાવ્યો છે.”

” પદ્મા! તારુ નામ ક્ષમા છે?”

“ના”

” તો પછી તુ શું કામ ડરેછે?”

” પણ કાગળો તારા નામે સાચા સરનામે આવે છે ને?”

” સારુ હું સાંજે આવી  પોલીસ ફરિયાદ કરીશ. પણ હું માનુ છું કે તારે ચિંતા કરવાની જરુર નથી.”

” હું માનુ છું કે આ વાતમાં વિલંબ ન કરવો જોઇએ.”

” સારું હું આવુ છુ”

પદ્માએ એ પત્ર પોતાના પતિ શૈલને બતાવ્યો અને શૈલે પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે છટકું ગોઠવી પોલાને રંગે હાથ ઝડપી લેવા માટે શૈલને પેલાએ જણાવેલી જગ્યાએ એક સ્યુટકેસ લઈને જવાનું કહ્યું ને ચાર પોલીસવાળા અને એ પોતે ત્યાં અગાઉથી સંતાઈ ગયા. ને ગગનાનો દોસ્ત પકડાઈ ગયો.

લાંબી ઊલટ તપાસને અંતે એની પાસેથી મળેલી બાતમી પરથી એને બે વર્ષની સખત મજૂરીની સજા એને પછી વડોદરાની કોર્ટને હવાલે કરવાની વધારની સજા સાથે જેલમાં પૂરી ઘાલ્યો.

આ ઉપરાંત એની પાસેથી મળેલી માહિતી પરથી ગગના પર પણ બ્લેક મેઈલીંગ કરવાનો વધારાનો ચાર્જ લગાવવામાં આવ્યો ને એની જનમટીપની સજા પૂરી થાય એ પછી બીજાં બે વર્ષની સખત મજૂરીની સજા ફટકારવામાં આવી.

છૂટાછેડા: ઓપન સીક્રેટ (૧૧)–પ્રભુલાલ ટાટારીઆ “ધુફારી”

૧૧. ક્ષમાની વ્યથા              

અર્ધા કલાક જેટલા સમય સુધી બન્‍ને એકમેકમાં સમાયેલાં પડ્યાં રહ્યા બાદ એકાએક ક્ષમા પરમથી અલગ થતાં ઊભી થઈ બન્‍નેનાં ખાલી વાસણ લઈને કિચનમાં આવી. એણે મોં ધોયું પાણી પીને ભીનો નેપકીન લઈને પરમ પાસે આવી અને તેનું એઠું મોં લુછવા ભીનો નેપકીન અડાડ્યો ત્યાં પરમ કોઈ અલગ દુનિયામાં ખોવાયેલો હોય એમ જાગી ગયો: ‘શું કરે છે?’

‘તારું એઠું મોં ન ધોવડાવું? નહીતર માખીઓ ને મીજબાની થશે.’

‘હં.’

પલંગના સાઈડ ટેબલ પર પડેલી દવાઓમાંની એક બોટલ ખોલી એક કૅપ્સ્યૂલ કાઢી અને જગમાંથી પાણી સાથે આપતાં ક્ષમાએ કહ્યું: ‘ચાલ પરમ, આ કૅપ્સ્યૂલ લઈ લે. તારા પગમાં થતા દુ્ખાવામાં આરામ રહેશે.’

‘દુખાવામાં તો તારો હાથ ફરે તોય આરામ થઈ જાય છે.’

‘એમ કે?’

‘હા, તારા પ્રેમની હુંફ જ એવી છે.’

‘હશે ચાલ મોં ખોલ.’ કહી પાણીનો ગ્લાસ પકડાવી કૅપ્સ્યૂલ સામે ધરી.

‘ના, હું નહીં ખાઉં ખાઈશ તો તરત જ ઊંઘ આવવા મંડશે.’ ક્ષમાનો હાથ હડસેલતાં પરમે કહ્યું.

‘આમ કરીશ તો તબિયતમાં સુધારો કેમ થશે?’

‘હું હજુ જાગવા માંગુ છું ને તારો સાથ માણવા માગું છું.’

‘તો પણ ડૉકટરની એડવાઈસ માનવી જોઈએ ચાલ બહાનાં બતાવ્યા વગર લઈ લે. હું કાંઈ નાસી જવાની નથી.’ કહી તેણે કૅપ્સ્યૂલ ખવડાવી. થોડીવારમાં જ પરમ ઊંઘમાં સરી પડ્યો.

ક્ષમાએ જૂની આદત મુજબ કિચનનો સ્લાઈડિન્ગ ડોર બંધ કર્યો તો એગ્ઝૉસ્ટ-ફેન અને એર-કુલર ચાલુ થઈ ગયાં. ક્ષમાને યાદ આવ્યું: પરમ તેનું કેટલું ધ્યાન રાખતો હતો! એક દિવસ ઉનાળાના દિવસોમાં પરસેવે રેબઝેબ એ કિચનમાંથી બહાર આવી તે જોઈને પરમે બે દિવસ પછી કારીગરો બોલાવીને ચાલુ વપરાતો ડોર બદલી ને આ સ્લાઈડિન્ગ ડોર અને એર-કુલર ફીટ કરાવ્યાં હતાં જેનું કનેકશન સ્લાઈડિન્ગ સાથે હતું. એટલે જેવો દરવાજો બંધ થાય એટલે બન્‍ને ઓટોમેટિક શરૂ થઈ જાય અને કિચનમાં કામ પુરું થઈ ગયા બાદ બહારથી પણ બન્‍ને બંધ કરી શકાય. આ સગવડ જોઈને એમના ઘણા મિત્રોને આ આઈડિયા ગમી ગયો હતો. એર-કુલરથી ગરમી ન થાય અને વઘારની વાસ તો એગ્ઝૉસ્ટ-ફેનથી નીકળી જ જવાની હતી.

આ બધું યાદ આવતાં પોતાના અંતર મનનો જ અંદરથી અવાઝ આવ્યો: ક્ષમા તેં આટલા પ્રેમાળ પતિને છુટાછેડા આપ્યા? એક વખત પણ તેં આજુબાજુ નજર ન કરી? શુન્યમનસ્ક તેણે વાસણ સાફ કર્યાં અને કિચનનું કામ પતાવીને સોફાપર કેટ્લી વાર સુધી એમ જ બેઠી રહી. “ફેમિના”ના છેલ્લા પાના પર સિલ્કી સાડીની એડ હતી એ જોઈને તેને ફરી તન્વી યાદ આવી ગઈ આ તન્વીનો તાગ તો મેળવવો જ પડશે. એ પેલા મિહિર સાથે પરમથી છાનાં કેવાં છાન-ગપતિયાં કરતી હતી.

છાન-ગપતિયાં કમાલ શબ્દ છે! પોતે પણ પોતાના એક વખતના પતિ સાથે એ જ તો કરતી હતી, છાન-ગપતિયાં. તેણે પલંગ સામે નજર કરી તો ખ્યાલ આવ્યો કે,પરમ ઊંઘમાં છે તો તેનો લાભ લઈ પરમ અને તન્વીના લગ્નનું આલ્બમ શોધવું જોઈએ. એમ વિચારી તેણે બેડરૂમમાંના કબાટનું બારણું ખોલ્યું.

કબાટમાંનાં ખાનાં તપાસતાં તેને એક વાત ધ્યાનમાં આવી કે, પોતે જેવી રીતે ઘર છોડી ગઈ હતી તે બધી પોતાના વપરાશની આઈટમ ઈનટેક એમ જ હતી. શું તન્વીની પણ એવી આદત હશે કે જે વસ્તુ જ્યાંથી ઉપાડવી તે પાછી ત્યાં જ મૂકવી?

એમાં કોઈપણ આઈટમનો વધારો ન્હોતો થયો. એકાએક તેની નજર હાથીદાંતના બેન્ગલ-બોક્ષ પર પડી. શિલ્પા પોતાના હનિમુન માટે મૈસુર ગયેલી ત્યારે ખાસ ચંદન અને હાથીદાંતલું બેન્ગલ-બોક્ષ અને તે પણ તેની પસંદગીની બેન્ગલ સાથે કેટલા પ્રેમથી લાવી હતી! પરમે ત્યારે ટકોર પણ કરેલી કે નવપરણિતને ભેટ અપાય કે તેના પાસેથી લેવાય? ત્યારે શિલ્પાના પતિ વિભાકરે કહેલું: લેડીઝની વાતમાં આપણને સમજણ ના પડે બેટર છે કે આપણે બસ જોયા કરીએ.

આ શિલ્પાને કહ્યું હોય તો તપાસ કરીને તન્વી વિષે માહિતિ આપી શકે કે તેનો અને મિહિરનો સબંધ કેટલોક વિસ્તર્યો છે. તેણે તરત જ શિલ્પાના સાસરાને ત્યાં ફોન જોડ્યો.

‘હલ્લો.’

‘….’

‘આંટી, જય શ્રીકૃષ્ણ. હું ક્ષમા બોલું છું શિલ્પાની ક્લાસ મેટ. જરા શિલ્પાને ફોન પર બોલાવશો પ્લિઝ?’

‘….’

‘ઓ.કે. ના ના કંઈ ખાસ કામ ન્હોતું તેનો મોબાઈલ નંબર આપો ને.’

‘….’

‘થેન્ક્સ આંટી, જય શ્રીકૃષ્ણ.’

આ ક્યારે અમેરિકા પહોંચી ગઈ? તેને ફોન જોડું પણ તે તો અમેરિકામાંછે અને મારું કામ અહીં વડોદરામાં કરાવવાનું છે તો એ મારા શા કામની? અહીં હોત તો મદદ જરૂર કરત, તે વિચારી રહી.

એક કવિતા હતી તે મદદ જરૂર કરે અને ખણખોદ કરી પાતાળમાંથી પણ માહિતિ શોધી લાવે પણ તે પહેલાં એટલા બધા પ્રશ્નો પૂછે કે આપણને થાય કે, આ લપ ક્યાં ગળે વળગાડી! તો તન્વીની માહિતિ કોણ આપે, કોણ આપે, કોણ આપે..? ચાલ જવા દે પહેલાં તન્વી ને પરમના લગ્નનું આલ્બમ શોધવું જરૂરી છે તે મળી જાય તો એમાંથી કોઈ જાણીતી વ્યક્તિ મળી જાય જે મને મદદ કરે, વિચારી ક્ષમા પાછી આલ્બમ શોધવામાં લાગી ગઈ.

શક્યતા હતી તેવાં નીચેના માળનાં બધાં સ્થળ ફંફોસી જોયાં પણ ક્યાંયે કશું હાથ લાગ્યું નહીં સિવાય કે પેલો ટેબલ પર ફોટોફ્રેમમાં મૂકેલો તન્વીનો  ફોટોગ્રાફ. કદાચ ઉપલા માળે કશું હાથ લાગે એ હિસાબે તે ઉપર આવવા લાગી દાદર પર પગ મૂકતાં તેને મકાન બાંધકામ વખતે દાદરની ડિઝાઈન માટે થયેલી રકઝક યાદ આવી ગઈ.

‘આ દાદા-આદમના વખતની સ્ટાઈલ નહીં ચાલે જેમાં પેલા ખૂણાથી શરૂ થયું ને ઉપલા માળે એક ત્રણ બાય છના બાકોરામાંથી બહાર આવ્યા.’

‘તો એમ કરીએ આપણે બન્‍ને બાજુથી ઉપર જવાના દાદર મૂકાવીએ તો?’

‘પરમ….પરમ એના માટે વધારે સ્પેસ જોઈએ.’

‘તો એમ કરીએ એક ખૂણામાં ગોળ સીડી મૂકીએ એ ઓછી જગા રોકશે.’

‘પરમ એવી વાહિયાત વાતો ન કર પ્લીઝ. એવી સીડીઓ ટેરેસ પર જવા માટે સારી લાગે મકાનની અંદર નહીં ટ્રાય ટુ અંડરસ્ટેન્ડ.’

‘ઓ કે,ઓ કે તો તું શું સજેસ્ટ કરે છે?’

સામે પડેલા “ગુજરાત સમાચાર”ના પાના પર તેણે ડિઝાઈન બનાવી કહ્યું: ‘જો આ માળના છ ફૂટ સુધી જૂની સ્ટાઈલ પ્રમાણે જવાનું, પછી ૧૦ ફૂટ સીધી લાઈનમાં જવાનું અને પછી ત્યાંથી જૂની સ્ટાઈલ પ્રમાણે ઉપલા માળે જવાનું. સાથે સાઈડમાં ત્રણ ફૂટની લાક્ડાની રેલિન્ગ મૂકવાની સમજાયું?’

‘પણ…’

‘મારી વાત હજુ પૂરી નથી થઈ. તું વચ્ચે નહીં બોલ નહીંતર હું ભૂલી જઈશ. હં તો આપણે ક્યાં હતાં?’

‘લાકડાની રેલિન્ગ પકડીને ઉપર જતાં હતાં.’ ગાલ હથેળી પર ટેકવી બેઠેલા પરમે કહ્યું હતું.

‘હં, તો પહેલા દાદર નીચે શો કેસ બનાવીશું જેમાં ક્રોકરી મૂકીશું અને સાથે શુ-સ્ટેન્ડ કેબીનેટ પણ હશે. સામે પેરેલલ સ્પેસ નીચે તો બારી છે જ અને ઉપલા માળ તરફ જતાં દાદર નીચે આપણે વોસ-બેસીન વીથ મીરર બેસાડીશું.’

‘હં, આઈડિયા સારો છે.’ સહમતિમાં માથું ધુણાવતાં પરમે કહ્યું

‘બે દાદર વચ્ચેની ઓપન સ્પેસમાં અહીં ડાઈનિન્ગ ટેબલ મૂકીશું અને છ ચેર્સ.’

‘અરે, આપણે તો બે જ છીએ પછી છ ચેર્સ શા કામની?’

‘ઓ કે ચાર ચેર્સ રખીશું બસ?’

‘હં, આ કંઈક રીઝનેબલ છે,  તો આગળ?’

‘મેં તને કહ્યું ને કે વચ્ચે નહીં બોલ હું ભૂલી જાઉં છું. હં, તો…’

‘આપણે ઉપલા માળથી ટેબલ જોતા હતા.’ પરમ વાત આગળ વધારતાં કહ્યું હતું.

‘હં, તો ઉપલા માળની સિલિન્ગમાંના હુકથી પિતળની સાંકળમાં ઝુમ્મર લટકાવીશું જે ડાઈનિન્ગ ટેબલથી પાંચ ફૂટ ઉપર રહેશે.’

‘હં, એટલે આપણે ઝુમ્મર પણ લેવું પડશે?’

‘હા, સાથે પિતળની સાંકળ પણ.’

‘ઓ કે જેવો આપનો હુકમ.’ સલામ કરતાં પરમે કહ્યું હતું.

‘પરમ, આ આપણા ઘર માટે લેવાનું છે. કોઈને પ્રેઝન્ટ આપવા માટે નહીં.’

‘ઓ…હો…તું તો નારાજ થઈ ગઈ.’ પરમે ક્ષમાને મનાવવા કહ્યું હતું. એ યાદ આવતાં ક્ષમા આજે પણ મલકાઈ ઊઠી.

‘તું લટકાં મટકાં એવાં કરે છે કે કોઈ પણ ચીડાઈ જાય.’

‘હશે ચાલ, બીજું કશું વિચાર્યું હોય તો કહી દે. નહીંતર કોફી પિવડાવ.’

ઉપલા માળે બે બેડરૂમ હતા પણ તે કશા ઉપયોગમાં ન હતા. કોઈ ગેસ્ટ આવે તેમની સગવડ સચવાઈ જાય માટે બનાવેલા જેનો ઉપયોગ ક્યારે નહોતો થતો, એટલે લગભગ બંધ જ રહેતા હતા. કામવાળી ઝાપટવા માટે અને ઝાડુ પોતાં કરવા પુરતા ખોલીને કામ પૂરું થયે બંધ કરી દેતી એટલે ત્યાં પણ કંઈ મળે તેની આશા કે શક્યતા નહિવત હતી છતાં ક્ષમાએ ઉપર છલ્લી નજર તો કરી જ લીધી.

બધે ખાંખા-ખોળા કરવા છતાં કશું હાથ ન લાગ્યું. એક વખત વિચાર આવ્યો કે પરમ પણ મારા ઉપજાવી કાઢેલા શૈલ ભટ્ટનાગરની જેમ તેની કાલ્પનિક પત્નિ તન્વી છે એમ તો નહીં કરતો હોય ને? કશીક ગરબડ તો છે, ક્ષમા. નહિતર તેણે મને પોતાના બીજા લગનનું આલ્બમ જરૂર બતાવ્યું હોત સિવાય કે પેલી ટેબલ પરની ફોટોફ્રેમ. કેમ ખબર પડે, ક્ષમા? કશુંક તો તેનો તાગ મેળવવા કરવું જોઈશે.

અચાનક એકાએક યાદ આવતાં તેણીએ ડી.વી.ડી.પ્લેયર બાજુનો કબાટ ખોલીને એમાં પડેલી થોકબંધ સી.ડી. ઉથલાવવા માંડી. કદાચ એમાં પરમ અને તન્વીના લગ્નની સી.ડી. મળી આવે. પણ બધી મહેનત માથે પડી. હા, પોતાના અને પરમના લગ્નની સી.ડી. હાથ લાગી એક વખત તો થયું કે, પ્લેયર પર મૂકીને જોઈ લે પણ મન ન માન્યું. આમ કરીને મન વધુ વ્યથિત કરવાથી શો ફાયદો? એટલે બધું યથાવત ગોઠવીને પાછી સોફા પર બેઠી. પેલી હોટલમાં જોયેલો ગુંડો એના મગજમાં ચકરાવા લેવા લાગ્યો અને તેના વિચારમાં ને વિચારમાં થાકને લીધે તે સોફા પર લાંબી થઈ ગઈ અને તેની આંખ મળી ગઈ.

છૂટાછેડા: ઓપન સીક્રેટ (૧૨)– વિજય શાહ 

૧૨. કડકા ગગનાનો છેલ્લો પાસો  

જેલમાં બેઠેલો ગગનો હજુ સાવ નિષ્ક્રિય થઈ ગયો ન હતો. એને હાઈ કોર્ટમાં જઈને પોતાની સજા રદ તો નહીં પણ ઓછી તો કરાવવી જ હતી. પણ એના બધા પૈસા કેસ લડવામાં વકીલો પાછળ ખર્ચાઈ ગયા હતા. એને શૈલની પાસેથી પૈસા કઢાવવાનું યાદ આવ્યું. એણે જેલમાં જ્યારે ચિમના તાતગાંવકર એને મળવા આવ્યો ત્યારે પૈસાની માગણી ક્યાં કરવી અને પૈસા લઈને એને કેમ અને ક્યાં બોલાવવી એની વિગતવાર વાત કરી કામ સોંપ્યું. એણે મુંબઈમાં કાગળ લખવા માટેનું સરનામું પણ એને આપ્યું. એ તો હજુ ક્ષમાને શૈલ ભટનાગરની પત્ની જ માનતો હતો ને! એના સાથીદારે મુંબઈને સરનામે પૈસાની માગણી કરતો ધમકીભર્યો પત્ર શૈલ ભટનાગરને સરનામે રવાના કર્યો.

પદ્માતો ગુંડાનાં પત્રથી ખુબ જ ગભરાઈ ગઈ.અને તરત જ શૈલને ફોન કર્યો: ‘શૈલ!’

‘હા બોલ.. શું કામ છે?’

‘પેલા ગુંડાનો આજે ફરીથી પત્ર આવ્યો છે અને આ વખતે પૈસા મોકલવlની જગ્યા અને ૭૫૦૦૦ રુપિયા સાથે તને બોલાવ્યો છે.’

‘પદ્મા! તારું નામ ક્ષમા છે?’

‘ના.’

‘ તો પછી તુ શું કામ ડરે છે?’

‘પણ કાગળો આપણા નામે સાચા સરનામે આવે છે ને?’

‘સારું હું સાંજે આવી  પોલીસ ફરિયાદ કરીશ. પણ હું માનુ છું કે આપણે ચિંતા કરવાની જરૂર નથી.’

‘હું માનુ છું કે આ વાતમાં વિલંબ ન કરવો જોઇએ.’

‘સારું હું આવુ છુ’

શૈલ આવ્યો એટલા પદ્માએ એ પત્ર પોતાના એને બતાવ્યો અને શૈલે પોલીસમાં ફરિયાદ કરી.

મુંબઈની પોલીસ માટે ગગનો સ્ટીલ નવું નામ હતું તેથી થોડીક હલચલ તો થઈ કારણ કે વાતો બધી વડોદરાની અને સરનામું મુંબઈનું. કોનું જ્યુરીસ્ડીક્શન અને કામ કોણે કરવાનું તે વાતે એકમતિ ફોન ઉપર સધાઈ અને પોલીસે છટકું ગોઠવ્યું. શૈલને ત્યાં એક સી. આઈ. ડી. પોલીસ આવ્યો જે બેગ અને ડાઘી પાવડર વાળી પૈસાની નોટો લાવ્યો જેની અંદર નાનું દિશા સુચક મોનીટર નાખ્યું અને એણે શૈલને કપડાંની અંદર માઇક્રોફોન મૂકીને જવા માટે તૈયાર કર્યો. પદ્મજાને આ થતું હતું ને બીક લાગતી હતી. તેણે તો શૈલને આ જફામાં ના પડવા ઘણું સમજાવ્યું પણ શૈલ એ જ વાત ઉપર મક્કમ હતો: જે કોઇ બ્લેક મેલર છે તે મારું નામ અને સાચું સરનામું વાપરે છે તેથી તેને રંગે હાથ ઝડપી લેવો જરૂરી છે.

સી. આઈ. ડી. ઓફિસર પદ્માની તકલીફ સમજતો હતો તેથી તેણે શાંતિથી તે જગ્યા ઉપર છુપાઇ જનારા ચાર પોલીસની માહીતિ આપી અને જ્યારે તેઓ ત્યાં જશે તેની મિનિટે મિનિટની ખબર માઈક્રોફોન આપશે. જેવી દરેક વાતો એણે પદ્માને સમજાવી.

શૈલ તો જાણતો હતો કે જે પૈસા લેવા આવશે તેની પાસે હથિયારો પણ હશે માટે બહુ રકઝક કર્યા વિના માંગેલા પૈસા આપી દેવાના અને ત્યાંથી જે આપે તે ફોટા લઈને ચાલ્યા આવવાનું. આ બે મિનિટનું કામ છે.શૈલને પેલાએ જણાવેલી જગ્યાએ એક સ્યુટકેસ લઈને જવાનું કહ્યું ને ચાર પોલીસવાળા અને એ પોતે ત્યાં અગાઉથી સંતાઈ ગયા.

ગગનાનો દોસ્ત ચીમનો તાતગાંવકર ગગના પાસેથી પૂરી માહિતી અને ફોટા લઈને વડોદરાથી નીકળ્યો ત્યારે એક વખત ફોન કરી લઈને પાકું કર્યુ. ક્યાંક પોલીસની મદદ તો નથી લીધી ને? શૈલે ડરતાં ડરતાં વાત કરી કે તેણે પૈસા બેંકમાંથી કાઢી લીધા છે ને તે કહે છે તે જગ્યા ઉપર પૈસા લઈને આવશે પણ તે ફોટા અને તેની નેગેટીવ લીધા પછી જ પૈસા આપશે.

ગગનાએ ચીમનાને કહ્યું હતું કે આવા લોકો કે જે બીજી બૈરી સાથે ભટકતા હોય તે અંદરથી બહુ ડરતા હોય છે. જરા ઠપકારીશ એટલે પૈસા હાથમાં આપી દેશે. ફૉટા પૈસા લીધા પછી જ આપવાના. સાંજે સાડા ચારે ચીમનાએ બોરીવલી ઉતરીને શૈલને ત્યાં ફોન કર્યો અને શૈલને ગંદી ગંદી ગાળો ભાંડી. સી. આઈ. ડી. ઇન્સ્પેક્ટર તેનો ફોન ટ્રેક કરતો હતો. તે ફોન મળ્યા પછી શૈલે ફોન કાપી નાખ્યો.

ચીમનો ખુશ એટલા માટે હતો કે આ કામમાંથી તેને ૨૫૦૦૦ રૂપિયા મળવાના હતા. જો કે ગગનાએ તો કહ્યુ હતું કે શૈલને ઓળખવા માટે એનો ફોટો જોઇ રાખજે, પણ ચીમનો જાણતો હતો કે આવા લંપટ માણસોને ઓળખતાં તેને એક મિનિટ પણ નહીં લાગે.

ઘડીયાળ જ્યારે સાડા છનો ડંકો વગાડતી હતી ત્યારે બોરીવલીથી એક રીક્ષા શીવ મંદિર તરફ જતી હતી જેમા ચીમનો અને તેનો સાગરીત જતા હતા. સુમસામ શીવમંદિર ઉપર છૂપી પોલીસના ચાર માણસો દેખાય ના તે રીતે સંતાયેલા હતા. શૈલ ધારતો હતો તેમ જ મંદિર સુમ સામ હતું અને એ નાનકડી બેગ લઇને ગભરાતો ટેક્ષીમાં બેઠો હતો.

ચીમનાએ રીક્ષા ટેક્ષીની બાજુમાં ઉભી રાખીને કડક અવાજે ગાળો બોલતા કહ્યું: “પૈસા ક્યાં છે?”

શૈલે અમોલ પાલેકર જાણે બોલતો હોય તેમ ગભરાતે અવાજે કહ્યું: ‘આ રહ્યા. ફોટા અને નેગેટીવ ક્યાં છે?’

અને પેલાએ તેની જાત બતાવી: ‘પહેલે પૈસા.’

શૈલ કહે: ‘ફોટા મને જોવા દે..મારા જ છે ને?’

ચીમનો કહે: ‘હમ બેઇમાની ઇમાનદારી સે કરતે હૈ, ક્યા સમજે?’ પણ તેનું ધ્યાન પેલી બેગ ઉપર હતું તેથી તે તેને ચારે તરફથી પકડવા આવતા ચાર પોલીસ અધિકારીઓ તરફ ના ગયું. અને સટાક દઈ ને એક પોલીસવાળાનો ડંડો તેના માથા ઉપર ઢિંમચુ કરી ગયો. બદલાતી પરિસ્થિતિ જોઇ તેનો સાગરીત રીક્ષા હંકારીને ભાગવા ગયો પણ પકડાઇ ગયો.

પોલીસ સ્ટેશન જતાં શૈલે ફોટા અને નેગેટીવ જોવા માંગી ત્યારે સી. આઈ. ડી. ઇન્સ્પેક્ટર કહે: ‘એ તો હવે કોર્ટમા જશે. પણ તમારા ફોટા નથી તેથી તમારે ગભરાવાનું કોઇ કારણ નથી.’

પદ્મજા હજી ફફડતી હતી પણ શૈલ કોઇ પણ તકલીફ વગર ઘરે આવ્યો તે જોઇને, હનુમાન દાદાની માનતા માની હતી એટલે દીવો કરવા ગઈ.

પોલીસ શૈલે પહેરેલાં માઈક્રોફોન, પૈસા અને ટ્રેકીંગ ડીવાઇસ લઈને પોલીસ સ્ટેશને પાછી ગઈ.

એક વસમી સાંજ પસાર થઇ ગઈ. આ બાજુ ચિમનો અને તેનો રીક્ષા ચલાવતો સાગરીત પોલીસનો માર ખાતા હતા અને કણસતા હતા. તેમણે તો ખાલી ઉઘરાણી જેવું ધારીને આ કામ લીધું હતું. વડોદરાથી પોલીસ અધિકારી કાલે સવારે આવશે તેવા સમાચાર પછી ધોલ ધપાટો મારવાનું ઘટ્યું.

બીજે દિવસે વડોદરા પોલિસના ઇન્સ્પેક્ટર સોલંકીને જોઇ ચિમનાને રાહ્ત થઈ.કારણ ગગનાની ખાયકીનો તે ભાગ હતો. પણ તેણે આવતાની સાથે બે ચાર ધોલ ધપાટ વળગાડી દીધી…જેથી મુંબઈની પોલીસ તેને શંકાની નજરે ન જુએ.

*****

હવે પરમ અને ક્ષમાને ઇન્સ્પેક્ટર સોલંકીએ શોધવા માંડ્યાં. શૈલને ફોટો નહીં બતાવી આમ તો પોલીસે કાયદાકીય રીતે શૈલને આવનારી તકલીફોમાંથી બચાવ્યો પણ તેમણે તેમની ઇન્ક્વાયરીમાં એક ખોટો વળાંક લઈ લીધો એની એમને ક્યાં ખબર હતી!

ચિમનાને વડોદરા જેલમાં મુકવાની પાકી ગણતરી એ પણ હતી કે ગગનો અને ચિમનો ભેગા થઈને આ પ્રેમી પંખીડાને શોધવામાં તેને મદદ કરે. જો ૭૫૦૦૦ની રકમ માંગી શકાતી હોય તો તેને સતત ધાસ્તીમાં રાખી તે લક્ષ્મીને પોતાને ત્યા વાળવાનો ઇન્સ્પેક્ટર સોલંકીને રસ પડી ગયો હતો. વળી ક્ષમા તેને જાણીતી લાગતી હતી..

ગગનાએ ચિમનાને જેલમાં જોયો તેથી તેણે આંચકો તો અનુભવ્યો. ઇન્સ્પેક્ટર સોલંકીએ જેલરની હાજરીમાં બંનેને  બોલાવીને ધમકાવી વાત ને આગળ ચલાવવા મથી જોયુ. ગગનો તો જાણે તેમા કશુ જાણતોજ ન હોય તેમ વર્તતો. ઇન્સ્પેક્ટરે શામ દામ  અજમાવી ચુક્યા પછી ભેદનો ઉપયોગ કરવાની શરુઆત કરતા કહ્યુ “ ગગના જેને તુ ક્ષમા કહીને રંજાડે છે તે મારી ખોવાયેલી કઝીન છે  તેની પાસેથી તને પૈસા એંઠવા નહી દઉં.”

ગગનો આ બધા ખેલથી અજાણ્યો નહોંતો તેથી કહે “ સોલંકી સાહેબ તો આપી દોને જઈને તે ફોટાઓ”

સોલંકી કહે “ તેથી તો તારી પાસે સરનામુ માંગુ છુ.તારી પાસે જે સરનામું છે તે શૈલનું છે. જ્યારે ક્ષમાતો અહીં વડોદરામાં ક્યાંક છે.”

ગગનો ચુપ રહ્યો તેથી સોલંકીએ વાતને આગળ ચલાવી..”તુ નહીં કહે તો મને ખબર નહીં પડે તેવું ઓછુ છે? મારે તો ઉલટ તપાસમાં તારી સાથે બધી રીતે પુછવુ જોઈએને?”

“..”

ચિમનો અને ગગનો ઇન્સ્પેક્ટરનાં ચહેરાને જોઇ રહ્યા..ત્યાં સોલંકીએ તેમને માટે ચા મંગાવી. ગગના ને ખબર હતી હવે તેમની ઉલટ તપાસમાં માર પડશે અને માર ખાઈને કહેવા કરતા ચા પીતા પીતા વાત કહેવી યોગ્ય લાગી.

ચા આવી અને ગગનાએ મૌન તોડ્યુ..તમારી કઝીન છે તેથી કહું છું..તે બહુ જ ડરપોક છે. મારી સજા ઓછી કરાવો એટલે હું તેનું વડોદરાનું સરનામુ આપુ…

સોલંકી મુછમાં હસ્યો…” ભલે એમ રાખશુ પણ સરનામુ ખોટું નીકળ્યું તો?”

“ તો તમે માઇ બાપ છો”

ગગનાએ સરનામુ આપ્યુ અને સાથે સાથે કહ્યુ..”ક્ષમા તો આ જગ્યા પર જ્યારે વડોદરામાં હોય ત્યારે જ ખોલે છે- લાંબી નજર રાખવી પડશે.. કારણ કે મોડી રાત્રે આવીને વહેલી સવારે અહીં થી નીકળી જતી હોય છે.”

સરનામુ ગગનાનાં ગેર કાનુનીઅડ્ડાનું હતું. અને તે કોઇ ક્યારેય ખોલતું નહોંતુ. ( હમણા તો શુળીનો ઘા સોય થી દુર કર્યો )

લાંબી ઊલટ તપાસને અંતે અને ચિમના પાસેથી મળેલી બાતમી પરથી ચિમનાને બે વર્ષની સખત મજૂરીની સજા એને પછી વડોદરાની કોર્ટને હવાલે કરવાની વધારની સજા સાથે જેલમાં પૂરી ઘાલ્યો.

આ ઉપરાંત એની પાસેથી મળેલી માહિતી પરથી ગગના પર પણ બ્લેક મેઈલીંગ કરવાનો વધારાનો ચાર્જ લગાવવામાં આવ્યો ને એની જનમટીપની સજા પૂરી થાય એ પછી બીજાં બે વર્ષની સખત મજૂરીની સજા ફટકારવામાં આવી

*****

વ્રજ નોકરી છૂટી ગયા પછી બે જ વાત વિચારતો હતો, એક બીજી નોકરી કેવી રીતે મેળવવી અને થયેલી બદનક્ષીનો બદલો કેવી રીતે લેવો. એ વડોદરા જે કામે આવ્યો હતો તે કામ તો ખોરંભે ચઢ્યું હતું.

જે સંપર્ક દવારા ક્ષમાની માહીતિ મેળવવાની હતી તે તો કલકત્તાથી હજી ૫ દિવસ પછી આવવાનો હતો. અને વડોદરા રોકાય તો જ તે બાતમી મળે..જો કે મુંબઈ પણ કંઈ કોઇ તેની રાહ જોતુ નહોંતુ.આ અવઢવમાં સમય બરબાદ કરવાને બદલે તે મિત્ર સાથે પાવાગઢ જવાની તૈયારી બતાવી. પાવાગઢ જવા તેના મિત્રે મેટાડોર કરી હતી..

હાલોલ પાસે એક અકસ્માત થયેલો જોયો અને તેને આભાસ થયો.. કદાચ તે ક્ષમા હતી…પણ પછી મનમાં ને મનમાં પોતાની જાતને કહ્યુ..વ્રજ…વહેવારુ થા…

સહુ મિત્રો અંતાક્ષરીમાં મગ્ન હતા તે માથુ ઝંઝોટી તે ગીતોમાં સમાવા માંડ્યો.. બહાર હાલોલથી પાવાગઢ તરફ વળી ગઈ હતી.

છૂટા છેડાઓપન સીક્રેટ (૧૩) ડો. ઇન્દિરાબેન શાહ 

ક્ષમા અને પરમ ભલે માનતાં હોય કે એમનાં છાનગપતિયાંની વાત છુપી જ રહેવાની છે, પણ હવે ઝાઝો સમય રહી શકશે નહિ, જો કે ક્ષમાને તો ઊંડે ઊંડે ગગનાનો ભય રહેતો જ હતો, પરંતુ એ એને બહાર આવવા નહોતી દેતી, બન્ને મઝા મસ્તીમાં વિક એન્ડ પૂરો કરતાં. બેમાંથી એકેયને ખબર ન હતી કે શૈલે પોલીસની મદદથી છટકું ગોઠવી ગગનાના સાગરીત ચીમનાને જેલ ભેગો કર્યો છે અને ગગનો સ્ટીલ પણ જનમટીપની કાળ કોટડીમાં હવા ખાઇ રહ્યો છે. આગલા દિવસના સ્વપ્ન પછી પરમને પણ ઊંડે ઊંડે થતું હતું કે આ શૈલ ને ક્ષમા વચ્ચે કંઈ છે જ નહિ જેમ મેં તન્વીને પત્ની તરીકે ઉપજાવી છે તે જ પ્રમાણે ક્ષમાએ પણ શૈલને નકલી પતિ બનાવી દીધેલો છે, બેઉમાંથી એકેય પોતાની એ શંકા બહાર પાડતાં નહીં અને એમનાં છાનગપતિયાં ચાલુ રહેતાં.
છાનગપતીયાં છુપાં ક્યાં સુધી રહે!
“છાનું રે છપનું કંઈ થાય નહિ થાય નહિ ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહિ.”
ક્ષમા ચોકડીએ દૂધ લેવા જાય રીક્ષામા ઘરવખરી લેવા જાય, ક્ષમાને બહાર નીકળે એટલે ભય તો રહેતો જ. જે રીતે સામેનો પાનવાળો તેની સામે જોતો અને પછી પાન પર ચુનો લગાવતાં તેના ગ્રાહકો સાથે ગુસપુસ કરતો અને મવાલી જેવા ગ્રાહકો ક્ષમા સામે તાકીને ગુસપુસ કરતા અને કોઇ તો વળી સિસોટી મારતો, આ બધું ક્ષમાથી સહન નહોતુ થતુ પણ કરેય શું?
જો કે હવે વાત બહાર આવવાની હતી, વ્રજને તો વહેમ વહેમ પડી જ ગયેલો હતો એ જ્યારે તેના દોસ્તો સાથે મન બેહલાવવા પાવાગઢ જતો હતો ત્યારે રસ્તામા એકસિડન્ટ થયેલો એણે જોયો હતો પણ . એ દોસ્તો સાથે ઉતાવળમાં હતો એટલે એ બધા ત્યાં ઊભા નહોતા રહ્યા પણ વ્રજને ભાસ થયેલો કે કારમાંની સ્ત્રી ક્ષમા હતી એનું ચાલ્યું હોત તો તેણે ઊભા રહી ચોકસાઇ કરી હોત પણ એના દોસ્તોને એક્સીડંટ સ્થાને ઊભા રહી વગર મફતની ઉપાધિ નહોતિ વહોરવી એટલે ના છુટકે એને પણ એ લોકોની સાથે જવું પડ્યું હતું.
વ્રજની નોકરી છુટી ગઈ હતી અને નવી હજુ મળી ન હતી અત્યારના ખરાબ સમયમાં નોકરી કાંઇ રસ્તામાં પડી ન હતી કે એને મળી જાય! એટલે નવરોધુપ દોસ્તોના આગ્રહને વશ થઇ પાવાગઢ જવા તૈયાર થયેલો મનમાં વિચારેલું એ બહાને પાવાગઢ મહાકાળી માતાનાં દર્શન પણ થશૅ. એમાં એક્સીડંટમાં ક્ષમા હોવાનો ભાસ થયો પણ તેના મિત્રો ન તો ક્ષમાને ઓળખતા હતા કે ન તો એમને ત્યાં ઊભા રહી પોલીસની બબાલમા ઊતરવું હતું એટલે એ લોકો રોકાયા નહતા.
જો કે વ્રજને પણ શાંતિથી વિચારતાં એ શંકા પાયા વગરની જ લાગી હતી. જો ગાડીમાં ક્ષમા હોય તો મુંબઇ તરફથી આવતી હોવી જોઇયે. પણ એણે જે ગાડી ઍકસીડંટમાં સંડોવાયેલી જોઇ હતી એ તો બરોડા તરફ્થી આવતી હતી એટલે પાવાગઢથી પાછા આવ્યા બાદ વ્રજ એ વાતને ભૂલી જ ગયેલો. પણ જ્યારે એ હર્ષમાંથી પોતાનો પર્સનલ સામાન લેવા ગયો ત્યારે એને ખબર પડી કે ક્ષમા એક અઠવાડિયાથી ઓફિસમાં આવી નહતી.
ક્ષમાની ઑફિસમાં ગેરહાજરી છે તેની પાકી ખાત્રી કર્યા પછી જ વ્રજે છોકરીઓ સાથે બેસી ગપ્પાં મારવાની હિંમત કરી, સેન્ડલનો સ્વાદ હજુ એ ભૂલ્યો ન હતો, પણ છોકરીઓ સાથે ટોળ ટપ્પાં મારવાની આદત ચાલુ જ હતી. બિચારો આદતથી મજબુર. શાંતિથી બેઠો અને વાત વાતમાં સુષમા પાસેથી જાણી લીધું, રમા અને ઉષાએ તો ઉડાવ જવાબ આપ્યા અમને શું ખબર? ક્યારે આવશે અને કેટલા દિવસની રજા પર છે તેની? તને બહુ જાણવાની ઇન્તેજારી હોય તો અંદર જા અને માસીને જ બધી માહિતી પૂછી લે અને બન્ને સામસામી આંખ મિંચકારી કરી હસવા માંડી.
આ સાંભળી સુષમા તરત જ તેઓ બેઠાં હતાં ત્યાં આવી, એણેય પહેલાં તો ના પાડી દીધી: ‘મને ગપસપ નો સમય નથી શીરીનબાનુ મને ડબલ કામ આપે છે તમે તો છટકી જાવ છો કોમપ્યુટર નથી આવડતું કરીને.’ સુષ્મા થોડી સિનિયર હતી અને ક્ષમાની હરીફ થવાના અને શીરીનબાનુને વહાલી થવાના પ્રયત્ન કરતી હતી, ક્ષમાની વાત ઇન્ટરેસ્ટીંગ લાગી એટલે એ આવી અને વ્રજને જણાવી દીધું કે વિક એન્ડમાં ક્ષમા વડોદરા ગઇ હતી અને ત્યાંથી જ રજા વધારવાના ફોન કર્યા કરે છે, કારણ જાણવા મળ્યુ નથી.
પછી વ્રજે બે ને બે ચાર કરી લીધા અને મીઠુ મરચું ઉમેરી છોકરીઓને ક્ષમાના ત્યાં રોકાયાની વાત કરી. એણે કહ્યું: ‘હું મારા દોસ્તો સાથે પાવાગઢ ફરવા ગયેલો ત્યાં મેં રસ્તામાં ક્ષમા અને તેના યારની કારનો એક્સીડંટ થયેલો જોયેલો. કાર જોતાં એવું લાગતું હતું કે કોઇનું મૃત્યું થયું હોવું જોઈએ અથવા ભયંકર ઇજા પણ થઇ હોય. એકસીડંટ ગંભીર હતો તેમાં બેઠેલી સ્ત્રીને જોઇ ક્ષમા હોવાનો જ ભાસ થયેલો, ભાસ શું મને ખીતરી જ છે કે એ ક્ષમા જ હતી. બીજા દોસ્તો સાથે હોવાથી ત્યાં ઊભા નહોતા રહ્યા જો હું એકલો હોત તો જરુર ચોકસાઇ કરત.’
‘તમારી એ વાત માની શકાય તેમ નથી કારણ ક્ષમાનો જ અહીં ફોન આવ્યો હતો.
‘ હા મનેય એવું જ લાગે છે કારણ ક્ષમાને મેં બહાર નીકળતાં જોયેલી પણ તેનો સાથી તો ફસાયેલો જ લાગતો હતો અને ક્ષમા પણ સારી એવી ઘવાઇ તો હશે જ. એ આવે ત્યારે જોજો ને હાથ પગ પ્લાસ્ટરમાં અને ચેહરા પર પટ્ટીઓ જોવા ન મળે તો મને કહેજો, હવે તો તમને સાચી વાતની ખબર પડી ગઇ છે એટલે તેની ઠેકડી ઉડાડવાની પણ મઝા આવશે.’
‘એણે તમને બરાબરાના ઝાપટેલા તેનો બદલો લેવા તો આ બનાવટી વાત નથી કરતા ને!’
‘એ આવે એટલે તમે પોતે જ જોશો એટલે ખાતરી થશે કે મારી વાત સાચી છે, મેં નજરે જોયું છે, મારી નજર ધોખો ન ખાય. હું એકલો હોત તો તો ઊભો જ રહ્યો હોત પણ મારા દોસ્તોયે મારી વાત માની નહીં. એ લોકોને પોલીસના લફરામાં ન હોતું પડવું એટલે શું થાય?’
‘તમારી વાત સાચી હશે તો એ આવશે એટલે એની ખબર લઈ નાંખશું.’
લંચ સમય પૂરો થયો અને શીરીનબાઇના આવવાનો સમય પણ થયો હતો એટલે વ્રજ પણ સામાન લઈ ઓફિસની બહાર નીકળ્યો.
‘એ આવશે એટલે એને પૂછીશું તો ખરાં જ અને તમારી વાત ખોટી નીકળી તો અમે ત્રણેય થઈ તમારી ખબર લઈ નાંખીશું.’
********
પરમક્ષમામાં પરમને છોડતાં પેહલા ક્ષમાએ શિખામણોનું લિસ્ટ વાંચવા માંડયુ: ‘જો આ બધી દવાની બોટલ પર મેં લખ્યુ છે તે પ્રમાણે સમયસર દવા લેવાની ઘોડીથી જ ચાલવાનું ફોન બાજુમાં લઇ ને સુવાનું એટલે રાત્રે ફોન લેવા ઊભા ન થવું પડે, અને અહિ ફોલો અપ માટે જવાનું છે તે ભૂલતો નહિ વગેરે વગેરે.’
પરમે ડાહ્યા ડમરા થઇ સાંભળ્યું,પછી ક્ષમાનો હાથ પકડી કાકલુદી કરતો હોય એમ બોલ્યો: ‘આટલું બધું મને ક્યાં યાદ રહેશે! એના કરતાં તું જ થોડા દિવસ રોકાઇ જા ને! મને બહુ ગમશે.’
‘પણ તારી તન્વી આવી જશે તો એને નહિ ગમે તેનું શું?’
‘એ તો હું એને ફોન કરીશ ત્યારે જ આવવાની તેને ખબર પડશે. મેં જ એને કહ્યુ છે કે નિરાંતે બા સાથે રોકાજે.’
‘પણ ફોન પણ ન કરે! તું એનાં આવાં નખરાં ચલાવી લે છે એટલે એને તો ભાવતું હતું ને વૈદ્યે કહ્યું જેવું થાય છે.’
‘એ તો એમ જ હોય અમારે ચરોતરમાં તો કેહવત છે: ‘ડુંગરે ચઢેલો ભીલ અને પિયર ગયેલી પત્નીનું પાછાં આવવાનું કાંઇ નક્કી નહીં.’
‘પણ આવું કશું થઇ જાય તો?’
‘એટલે તો તને રોકાઇ જવાનુ કહુ છુ, કે પછી તારાથી શૈલનો વિરહ સહેવાતો નથી?’ પરમે તેને ઉડાવી.
ક્ષમા પણ ક્યાં પાછી પડે તેમ હતી. ગંભીર ચહેરો કરી બોલી: ‘હા, આટલા દિવસ થયા એટલે  મારે બહાનાં તો બતાવવાં જ પડશે ને! શૈલને તો ઠીક કંપનીના કામનું બહાનું બતાવાશે પણ શીરીન માસીને એવું ઓછુ કહેવાવાનું છે?’ પણ મનમાં તો તે બોલી..ચાલો પડશે તેવા દેવાશે.
****
એ મુંબઇ આવી ત્યારે ઓફિસની છોકરીઓ જાણે એની વાટ જ જોતી હતી.
ઉષાએ તો પુછ્યું: ‘અલી, તું આટલા બધા દિવસ રોકાઇ એટલે મને થયું કે તુ લગ્ન કરીને જ આવવાની હોઇશ!’
તો વળી રમા ચિંતા વ્યક્ત કરતાં બોલી: ‘મને થયું કદાચ તને અકસ્માત તો નહીં થયો હોય ને! તેં ફોન પર પણ કશું સ્પષ્ટ જણાવેલું નહીં!’
‘કેમ, તમે બધાં મને અકસ્માત કરી મારી નાખવા તો નથી માગતાં ને!’ આ તો એક બેનપણીનાં અચાનક લગ્ન ગોઠવાયાં એટલે મારે રોકાઇ જવું પડ્યું. તેના સગાંમાં કે મિત્રમાં જે કહો તે હું જ એટલે મારે જ બધી જવાબદારી લેવી પડી, આ બધું તમને ફોન પર ક્યાં સમજાવું?’ જવાબ તો આપ્યો પણ મનમાં વિચારવા લાગી આ અકસ્માતની વાત રમા જેવી ભોળી છોકરીના મનમાં કેમ ઉદભવી હશે? પછી પોતાની જાતે જ સમાધાન કર્યુ એ તો બિચારી એ છાપામાં અકસ્માતના સમાચાર વાંચ્યા હશે ઓટલે પૂછ્યું હશે!
ઉષા ફરિયાદ ભાવે બોલી: ‘મારી સગી બેનનાં લગ્ન હોય તોય તું મને અઠવાડિયાથી વધારે રજા ન આપે ને બેનપણીના લગ્નમાં પૂરા દસ દિવસ!’
‘હોય એ તો એની માસીની પહેલા ખોળાની દીકરી છે એટલે એને બધી છૂટ હોય જ ને!’ સુષમાએ મમરો મુક્યો.
‘તમારા બધાના હાથમાં આજે હું આવી ગઈ છું પણ મેં તમને કહ્યું તો ખરું કે મારી બચપણની બેનપણી અને હું જ લગ્નમાં સર્વેસર્વા હતી એ તમને નહીં સમજાય.’
‘એનો અમને ક્યાં વાંધો છે? પણ લગ્નની ધમાલમાં તને કશી ઇજા તો નથી થઇને!’
‘અરે, હું લગ્નમા રોકાઇ  ગઇ હતી, હિન્દુસ્તાન પાકિસ્તાન બોર્ડર પર લડવા નહોતી ગઈ કે મને વાગ્યું હોય તમે બધીઓ નવરી બેઠી ખરા તુક્કા લડાવો છો!’ માસીને કહેવું પડશે કે આ બધીને કામ ઓછું પડે છે, આપણે નવી બ્રાન્ચ ખોલીએ.’
‘આ તો લગ્નની ધમાલમાં પણ અકસ્માત થતા હોવાના સમાચાર સાંભળતાં હોઇએ એટલે પુછ્યુ?’ જો કે તને સાજીનરવી જોતાં લાગે છે કે કદાચ અકસ્માત થયો હોય તો પણ તું બાલબાલ બચી ગઇ છે. પણ તારી બેનપણીના લગ્નની મીઠાઇ ચખાડજે. અમારે માટે લાવી તો હોઇશ જ, કે પછી એય ભુલી ગઇ છું?’
“ટમે બઢાં એની મશ્કરી શું કરટાં છો! બેનપણીના લગનના હરખમાં એને એવું બઢું કાંઠી યાદ રહેટુ હશે?’ સુષ્માએ ઠાવકે મોંએ કહ્યુ ને બધી હસી પડી.’
ક્ષમાને આ વાર્તાલાપ પરથી લાગ્યા વગર ન રહ્યુ કે આ લોકોને એક્સીડંટ અંગેની ગંધ ક્યાંકથી આવી તો ગઇ જ છે.’ પછી એણે કામમાં ચિત્ત પરોવવા પ્રયત્ન કર્યો , મન ખુબ વિચારોના વમળમાં એવું ફસાયેલું કે કામમાં લાગે જ નહીં. ઉપરથી બધાની શંકાશીલ દૃષ્ટીનો સામનો કરવાનો. હવે શીરીન માસી શું પુછશે? શું જવાબ આપીશ? આમ વિચારતાં બપોરે લંચ સમયે શીરીનને મળી ત્યારે માસીએ પુછ્યું: ‘દીકરી, ટુને કંઇ વાગ્યું ટો નથીને?’
“માસી, હું તો બેનપણીનાં લગ્નમાં જ રોકાઇ ગયેલી મને ત્યાં શું વાગવાનું હતું? જુવો જેવી ગઇ હતી એવી જ પાછી આવી છું.’ પણ આટલો જવાબ આપતાં ક્ષમાને એરકંડીશન્ડ રૂમમાં પણ પરસેવો છુટી ગયો.

 

છૂટા છેડાઓપન સીક્રેટ (૧૪)વિજય શાહ 

૧૪. વ્રજ વિફર્યો

વાયદા પ્રમાણે વ્રજ બે દિવસ પછી હર્ષ પર આવ્યો. તેને તો ગળા સુધી ખાતરી હતી કે આજે તેનું સ્વાગત સારી રીતે થવાનું છે. કારણ કે ક્ષમાની પોલ પોતે પાકે પાયે પકડી પાડી હતી, તેથી તે ખુમારીથી હર્ષની ઓફિસમાં દાખલ થયો પણ જેવો તે દાખલ થયો કે બધી તેને ફરી વળી: ‘તમે કહ્યું હતું એવું કશું ન હતું. એ તો એની ખાસ બેનપણીના લગ્નમાં રોકાઈ હતી.‘

‘એ તો એ એમ જ કહે ને!‘ વ્રજે કહ્યું.

‘ક્ષમાને તો  ઉઝરડોય પડ્યો નથી. તમે કહેતા હતા કે ગાડીનો તો લોચો થઈ ગયો હતો. તે એ એમાં હોય તો આમ સાવ કોરી તો ન જ રહી હોય ને!‘

‘એ કારમાં હતી કે નહીં એની મને ખબર નથી. હું તો એટલું જ જાણું છું કે એ કારમાંથી કોઈને બહાર કાઢવા પ્રયત્ન કરતી હતી.‘ વ્રજ પોતે જે જોયું હતું એને વળગી રહ્યો.

રમા બોલી: ‘વ્રજભાઈ, હવે તમે તમારી વાત બદલો છો. તમે તો કહ્યું હતું તેને પણ હાથે કે પગે પાટા હશે. પણ એ તો હસતી અને વાતો કરતી આવી. તમેય શું ગપ્પાં મારો છો?’

ઉષા કહે: ’અમે અને ખૂદ શીરીનબાનુએ એને એક્સીડન્ટ થયો હોવાની શંકા આગળ કરીને ફેરવી ફેરવીને પૂછ્યું હતું.‘

‘અરે, અમે તો એની બેનપણીના લગ્નની મીઠાઈ પણ માગી હતી. જો લાવી હશે તો એ આજે લેતી પણ આવશે.‘

વ્રજ હજી પણ તેની કથાને વળગી રહ્યો હતો: ’મારું માનો, લગ્નની વાત તો એનું બહાનું જ છે. એ જે કારમાં જતી હતી એનો એક્સીડન્ટ થયો હતો એ હકિકત છે. મારી નજર એમ ધોખો ન ખાય.‘

‘ટમારી વાટની ચકાસણી આજે હું કરી લેવા. મનેય એની વાટમાં બહુ વિશ્વાસ પરતો નઠી ટો.‘ સુષ્માએ કહ્યું.

વ્રજે વિફરતાં, પોતાની વાતને ફેરવ્યા વિના ફરીથી આખા ટોળાને કહ્યુ: ‘હું સાચો છું તમને પાકી ખાતરી કરાવી આપીશ.

□ □ 

વ્રજને ક્ષમા ઉપર ગુસ્સો તો હતો જ તેમાં ક્ષમાની પોલ ઉઘાડી પાડી તેને બધાંની નજરમાંથી ઉતારી પાડવાનો એને મોકો આવી મળ્યો દેખાતો હતો એટલે એ એને વળગી જ પડ્યો હતો. જો કે ઊંડે ઊંડે તો તે સમજતો હતો કે પોતાને મળેલા પાણીચાનો બદલો લેવાની આ એક માત્ર તક હતી. ક્ષમાએ એને નોકરીમાંથી પાણીચું પકડાવીને એને નવરાશ પણ અપાવી હતી એટલે એની પાસે સમયની તો તાણ જ ન હતી.

તેની ટેલીફોન ડાયરી ફેરવતાં ફેરવતાં એને અચાનક હરેન્દ્ર ઠક્કરનું નામ દેખાયું. વળી તે હાલોલમાં તલાટી હતો તેથી તેની મદદ લઈ એક્સીડેંટ પરથી ક્ષમાનું પોલ પકડી શકાય તે શક્યતા તેને દેખાઈ.

□ □

બીજે દિવસે સવારનાં પહોરમાં છ વાગ્યે એણે હરેન્દ્રના ઘરનું બારણું ખખડાવ્યું.

હરેન્દ્ર એને પોતાને ત્યાં આવેલો જોતાં આશ્ચર્યથી બોલી ઊઠ્યો: ‘અલ્યા તું?’

વ્રજ કહે: ‘હા હાલમાં નોકરી ગયા જેવી છે અને તે જેને કારણે ગઈ છે તેનો ડબ્બો કરવો છે તેથી અહીં આવ્યો છુ.’

હરેન્દ્ર: ‘પહેલાં અંદર તો આવ. હું બ્રશ કરી લઉં તું બેસ. કાલનો દેશી દારૂ અત્યારે માથાને ઠપકારી રહ્યો છે.’

‘ઘરમાં તુ એકલો જ છે ને કે પછી???’

હરેન્દ્ર: ‘છે ને પણ તે તો જતી રહેશે. તુ તારે બેસ.’

પાંચેક મિનિટમાં મરાઠી બાઈ ચા મૂકીને લટકાં  કરતી નીકળી ગઈ. ચા પી ને પછી વ્રજે સોફામાં લંબાવ્યું.

હરેન્દ્ર તૈયાર થયો એટલે વ્રજે એને પોતાની કથની સુણાવી. હરેન્દ્ર પૂરો બે નંબરિયો હતો એટલે એ આખી વાતનો મર્મ તરત સમજી ગયો. નવેક વાગે બંને જણા તૈયાર થઈને હાલોલ જવા નીકળ્યા

હરેન્દ્ર બાઈક પર તેની વાત કરતો હતો કે તેને પણ હમણાં પોલીસમાં ધક્કા ખાવાના થયા છે એટલે એનું કામ તો પતશે પણ પૈસા ખવડાવવા પડશે. એફ. આઈ. આર.ની વાત કઢાવવાની એટલે ગજવું ઢીલું કરવું પડશે…

વ્રજ કહે: ‘હવે તો વટનો સવાલ છે.’

હાલોલ બસ સ્ટેશન પર કેન્ટીનમાં વ્રજને બેસાડી હરેન્દ્ર પોલીસ ચોકી પહોંચ્યો. પોલીસ ઈન્પેક્ટર ભંડારી સાદા વેશમાં હતા અને હવાલદાર જાની તેમની સાથે વાતોમાં હતા તેથી તે બહાર બેઠો.

થોડીક વાર થઈને ભંડારી સાહેબ જીપ લઈને નીકળી ગયા એટલે હરેન્દ્રએ હવાલદાર જાની ને કહ્યું: ‘સાહેબ ચાલો ચા પીવા.’

વ્રજ જ્યાં બેઠો હતો ત્યાં હવાલદાર અને હરેન્દ્ર આવ્યા.

ચા પીતાં પીતાં વાત કાઢી અને ૨૦૦૦ રૂપિયામાં સોદો નક્કી કર્યો.

એફ. આઈ. આર. રીપોર્ટમાંથી વાત કાઢી તે પ્રમાણે ઘવાયેલો ડ્રાઈવર હતો પરમ મહેતા અને સાથેની સ્ત્રીનું નામ હતું ક્ષમા ભટનાગર. એ ક્ષમા તો હતી પણ અટક તેણે ભટનાગર લખાવેલી તેથી વ્રજ  ગુંચવાયો.

બીજી ગાડી આ અકસ્માત સંડોવાયેલી નહોતી તેથી પેસેન્જરને વડોદરા સયાજી હોસ્પિટલમાં દાખલ કરેલાં તે વિગતો લઈ બેય વડોદરા પાછા ફર્યા.

પરમની સારવારમાં રહેલી સ્ત્રી ક્ષમા હતી પણ એ ક્ષમા ભટનાગર હતી. વ્રજને વધારે વિચારતાં એને લાગ્યું કે આવી લફરાંબાજીમાં કોઈ પોતાનું સાચું નામ ન જ લખાવે એટલે ક્ષમાએ પોતાની અટક મહેતાને બદલે ભટનાગર લખાવી હશે.

હોસ્પિટલમાંથી પરમક્ષમાનું સરનામું કઢાવતાં બીજા હજારેક ઢીલા કરવા પડ્યા.

પછી એમણે હોસ્પિટલમાંથી મળેલે પરમને સરનામે તપાસ કરી. એના ઘરમાં દાખલ થવાની તો એમની હિંમત ન હતી પણ બાજુમાંની નાની દુકાનોમાં તપાસ કરતાં ખબર પડી કે પરમને થોડા દિવસ પહેલાં કોઈ ઈજાઓ થઈ હોય એમ એના મોં પર પટ્ટીઓ મારેલી હતી.

હવે વ્રજને બે ને બે ચાર કરી લેવામાં વાર ન લાગી. પણ વધારે પૂછતાં પેલા દુકાનવાળાએ કહ્યું કે એની સાથે એની પત્ની ક્ષમા હતી ત્યારે એ પાછો ગૂંચવાઈ ગયો. એણે કહ્યું: ‘એ એની પત્ની જ હતી એ વાતની તમને ખાતરી છે?’

‘હા, એ એમની પત્ની જ હતી. હું એમને ચાર વરસથી ઓળખું છું. પહેલાં એ લોકો કાયમ મારી દુકાનેથી જ માલ સામાન ખરીદતાં હતાં. હમણાંનાં મારી દુકાનેથી બહુ લેતાં નથી પણ પરમ ભાઈ ક્યારેક કશુંક લેવા આવતા હોય છે. એ નોકરી પરથી આવતાં મોલમાંથી મોટાભાગની ખરીદી કરતા હશે.‘

વ્રજ મનમાં ગૂંચવાઈ રહ્યો. સાથેની સ્ત્રી જો એની પત્ની હોય તો એણે પોતાની અટક મહેતા લખાવવાને બદલે ભટનાગર કેમ લખાવી હશે એ પ્રશ્નનો ઉત્તર એને મળતો ન હતો.

કડકીમાં ગજવું ખાલી થતું જતું હતું અને સત્ય દરેક પ્રયત્ને તેનાથી આઘું અને આઘું જતું લાગતું હતું. પણ હવે તો વ્રજને મન આ આબરૂનો સવાલ થઈ ગયો હતો.

વ્રજ હવે મરણીયો થઈને પરમક્ષમામાંથી ક્ષમાને શોધવા લાગ્યો હતો. દિવસો ઉપર દિવસો જતા હતા. શુક્રવારે હરેન્દ્ર કહે કોઈક બહાનું કાઢી એમના ઘરમાં ગયા વિના ક્ષમા કોણ છે તે જણાવાનું નથી. તેથી બાઈક લઈને બેય પરમક્ષમાથી થોડે દૂર ઊભા રહ્યા. ચા પીતાં પીતાં તે ઘરના બારણા પર નજર ખોડીને ઉભા હતા.

અર્ધાએક કલાકે પરમના ઘરમાંથી કામવાળી બહાર નીકળી. તેને જોઈ હરેન્દ્ર ચમક્યો: ‘અરે આ તો મારી છમક છલ્લો છે. આ જ મારે ત્યાં કામ કરે છે. આજે સવારે તેં એને જોઈ જ હતી ને! માન કે તારું કામ થઈ ગયું. કાલે એ આવે એટલે તારી ક્ષમાની ચોટલી આપણા હાથમાં.’

□ □

હર્ષ ઉપર ક્ષમા જ્યારે મિઠાઈ વહેંચતી હતી ત્યારે ઉષા બોલી: ‘વ્રજ તો બરોબર વિફર્યો છે.’

‘તે કહે છે કે હાલોલ પાસે જોયેલા અકસ્માતમાં તું હતી. મેં તો મોઢે તેને કહી દીધું કે તમે તો કહેતા હતાકે ક્ષમાને હાથે કે પગે પાટો જોશો પણ તેને તો કોઈ ઘસરકો પણ નથી. વ્રજભાઈ તમે બોલીને ફરી જાવ છો.

સુષ્મા બોલી: ‘હા. મેં તો તેમને કહ્યું પણ ખરું કે વડોદરાની મિઠાઈ તું લાવીને અમને ખવડાવવાની છે.’

ક્ષમા બોલી: ‘હવે મૂકો ને તે વ્રજની વાત. હવે ફરીથી અહીં આવશે તો બીજી વાર ચંપલ ખાશે.’

ત્યારે રમા બોલી: ‘આ વખતે તો બધાને બતાવી આપવાનો છે કે તેણે તને ત્યાં જોઈ હતી અને અત્યારે વડોદરા જઈને ખોળી કાઢવાનો છે અને પાકું પ્રૂફ લાવવાનો છે.’

શીરીનબેન આવીને જોડાયાં અને હલવાસન ખાતાં ખાતાં બોલ્યાં એ છે જ ઢીલું ચક્કર. કામ કરવામાં આટલુ જોર કરતો હોત તો ક્ષમાને આટલું એની સાથે માથું ના ચઢાવવું પડ્યું હોત ને!’

ક્ષમા અંદરથી તો ધ્રુજી ગઈ હતી. લંચ પત્યું અને ક્ષમાએ પરમને ફોન જોડ્યો. પરમે ઉંઘરાટીયા અવાજમાં હેલો કહ્યું એટલે ક્ષમાએ પૂછ્યું: ‘શું થયું તારી તન્વી ક્યારે આવવાની છે?’

‘ના તન્વીની મા તો બહુ બીમાર છે.’

‘તો તું પણ અહીં બીમાર જ છે ને?’

‘હું તો તારે કારણે બીમાર થઈને રહ્યો છું.’

‘કંઈ કોઈ સમાચાર?’

‘કોના?’

‘કોના તે વળી પેલા બ્લેક મેલરના.’

‘નો ન્યુઝ ઈઝ ગૂડ ન્યુઝ.’ પરમે બેફિકરાઈથી કહ્યું.

‘આજે રાત્રે હું આવું છું. સાડા દસ તો થશે જ.’

‘આવા સમાચારની રાહ તો તું ગઈ ત્યારથી જોઉં છું,’

‘થોડી ગ્રોસરી મારી સાથે લેતી આવીશ.’

‘પણ શૈલ ભટનાગર કેમ છે?’

‘તારી તન્વીની જેમ જ તો.’

‘એટલે?’

‘મને તો એની દયા આવે છે.’

‘તો પછી હું નથી આવતી જો તને જો દયા આવતી હોય તો.’

‘ના રે ના એવું ના કરતી હું તો કહું છું તારી મેડમને કહી અહીં  ટ્રાન્સ્ફર થઇ જા એટલે આ રોજની દોડાદોડ તો ન કરવી પડે.’

‘લુચ્ચા. છૂટાછેડા પછી ફ્લર્ટ કરે છે ને.’

‘મેડમ, તમે પણ તો એ જ કરો છોને?’

‘ચાલ મારી ટ્રેન આવી ગઈ, બાય.’ કહીને એણે ફોન મૂક્યો.

હરેન્દ્ર તે રાત્રે તેની છમક છલ્લોને કહેતો હતો: ‘તેં પરમક્ષમામાં ક્યારથી કામ કરવાનું શરૂ કર્યું?’

‘બસ હમણાં બે અઠવાડિયાંથી. શેઠ પાટામાં છે તેથી ઘરે બહુ કામ હોતું નથી અને પૈસા સારા આપે છે.’

‘તે તને સમજાય છે તે ગુજરાતીમાં વાતો કરે ત્યારે?’

મરાઠી લઢણમાં ટહુકો કરતાં એ કહે: ‘મારું તો બાંધેલું કામ એટલે કચરો, પોતું અને વાસણો કરીને જતી રહું.’

‘મારા આ ભાઈબંધનું એક કામ કરવાનું છે. કરીશ?’

‘પૈસા કેટલા આપશે અને કેવું કામ છે તેના ઉપર આધાર.’

‘એ ઘરમાંથી શેઠાણીનો ફોટો લાવવાનો છે. લાવીશ?’

‘કેમ?’

‘હવે તુ છોડને ઝાઝી કચ કચ. એક દિવસ માટે લાવવાનો છે. અને બીજે દિવસે તેમને પાછો.’

‘ભલે સોની નોટ રોકડ અટાણે અને ફોટો લાવુ ત્યારે ૫૦૦ની નોટ કબુલ હોય તો કહે.’

વ્રજે હકારમાં ડોકુ હલાવ્યું અને સોની નોટ આપી.

‘છમકછલ્લો બોલી તે ફોટો સોમવારે સવારે લાવીશ.’

‘કેમ કાલે નહી?’

‘શની રવિ મારે રજા હોય છે.’ આળસ મરડતાં તે બોલી અને અંદરનું બારણું આડું કર્યુ.

વ્રજને હવે આશા બંધાઈ હતી. ક્ષમાને હવે તે જાહેરમાં ઝટકાવશે. અને તે રાતની ટ્રેનમાં મુંબઈ જવા નીકળી ગયો.

સામે આવતી ટ્રેનમાંથી ક્ષમા ઊતરી. હાથમાંની થેલી થોડી ભારે હતી. રીક્ષા પકડીને તે પરમક્ષમા પહોંચી. પરમ અને ક્ષમા બંને ભૂલી ગયા હતાં કે તેઓ જે કરી રહ્યાં છે તે વ્યભિચાર છે પણ જ્યાં મન મળેલાં હોય ત્યાં તન મળે તેમાં શું વ્યભિચાર?

બે દિવસ અને બે રાત્રી માણી ને રાતની ટ્રેનમાં ક્ષમા મુંબઈ જવા નીકળી ત્યારે સામેના પ્લેટફોર્મ ઉપર વ્રજ ઉતર્યો. સોમવારની સવારની કલ્પનામાં તે આખી રાત સુઈ શક્યો ન હતો.

સવારે સવા નવે છમક છલ્લો આવી. વ્રજે ૫૦૦ રૂપિયા આપ્યા છમક છલ્લોએ શૈલને કેવી રીતે ફ્રેમ પાડી નાખી અને તુટેલા કાચ વાળી ફ્રેમ નવો કાચ નંખાવવા લઈ આવી ને એણે પરમ સાથે કરેલી બધી વાતો કહી.

ફ્રેમની છબીમાં તન્વી હસતી હતી.

વ્રજનાં મોંમાંથી ૫૦૦૦ રૂપિયા વેડફાઈ ગયાનો મોટો નિસાસો પડ્યો. છેલ્લા અઠવાડીયાના ધક્કા ફેરા અને હર્ષામાં મોટે ઉપાડે મારેલી ડીંગો હવે તેને ડારવા માંડી.

 

છૂટાછેડા: ઓપન સીક્રેટ(૧૫)-શૈલા મુન્શા

૧૫. પરમને શંકા પડી

વ્રજ ને કાંઈ સમજ જ નહોતી પડતી. ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઊંદર એવી એની દશા હતી. મગજ એનું ચકરાવે ચઢી ગયું. એક વાત સાચી હતી કે પરમને કોઈ એક્સીડન્ટ તો જરૂર થયો હતો, અને એની સારવાર કરવા ઘરમાં કોઈ સ્ત્રી પણ રહેતી હતી. પેલો દુકાનવાળો એનો સાક્ષી હતો, પણ એના કહેવા મુજબ એ તો પરમની પત્ની હતી અને દુકાનવાળો એ સ્ત્રીને વર્ષોથી ઓળખતો હતો. બીજી તરફ પેલી કામવાળીએ જે ફોટો ઘરમાંથી ચોરી લાવી અને વ્રજને બતાવ્યો એ તો કોઈ ભળતી જ સ્ત્રી હતી.

વ્રજ મનમાં ને મનમાં જ ધુંધવાતો હતો, સાલા ૫૦૦ રૂપિયા પણ પડી ગયા અને ગુંચ ઉકેલાવાને બદલે વધારે ગુંચવાતી ગઈ. પોતે મુરખ બન્યો કે શું? એ જ સવાલ એના મનમાં ઘોળાવા માંડ્યો. આટલા ધક્કા ફેરા અને મુંબઈ વડોદરાનું ટિકીટ ભાડું બધું માથે પડ્યું કે શું? અત્યાર સુધીમાં તો હજારો રૂપિયાનું પાણી થઈ ગયું. પહેલા તો ૨૦૦૦ રૂપિયા પેલા હવાલદારને એક્સિડન્ટમાં ફસાયેલી વ્યક્તિની માહીતિ મેળવવા આપ્યા અને ૧૦૦૦ રૂપિયા હોસ્પિટલમાં સરનામું મેળવવા આપ્યા. છોગામાં બાકી હતું તે પેલી કામવાળીને પરમના ઘરમાંથી એની પત્નીનો ફોટો ચોરી લાવવા ૧૦૦ રૂપિયા પહેલાં અને ૫૦૦ રૂપિયા ફોટો લાવ્યા બાદ એમ કુલ ૬૦૦ રૂપિયાનું ત્યાં આંધણ થયું.

વ્રજને આ રમત મોંઘી પડી ગઈ. એક તો કેટલાય વખતથી નોકરી નહોતી અને ઉપરથી ક્ષમાને બદનામ કરવા ને પોતાને નોકરીમાંથી પાણીચું અપાવ્યાનું વેર વાળવા એણે મોટા ઉપાડે આ પગલું તો ભર્યું પણ એનું કાંઈ ધાર્યું પરિણામ આવ્યું નહિ.

કિસ્મત પણ કાંઇ અજબ ખેલ ખેલી રહ્યું હતું આ બધા સાથે. ક્ષમાને જ્યારે ઓફિસમાં ખબર પડી કે વ્રજને વહેમ નહિ પણ ખાત્રી છે કે ક્ષમા કોઈ બહેનપણીના લગ્નમાં વડોદરા નહોતી રોકાઈ. એનો કોઈ પ્રેમી ત્યાં છે અને એમની ગાડીને જ અકસ્માત થયો હતો, ત્યારે બહારથી ભલે એણે લાપરવાહીનો દેખાવ કર્યો અને વાતને હસીમાં ઉડાવી દીધી પણ મનમાં તો એ ખુબ જ ગભરાઈ ગઈ. હવે આ વાતનો કોઇ ઉકેલ આવે તો સારું એમ એને થયા કરતું હતું.

ક્ષમાની હાલત એવી હતી “જલ બિન પ્યાસી મછલી.” એક તરફ એને લાગતું હતું કે એ ફરી પરમનું લગ્નજીવન બરબાદીના રસ્તે લઈ જઈ રહી છે તો બીજી બાજુ એને તન્વીની લાપરવાહી પર પણ ગુસ્સો આવતો હતો. જ્યારથી એણે તન્વીને બીજા પુરુષ સાથે જોઈ હતી ત્યારથી એ મનને મનાવતી હતી કે તન્વી તો આમ પણ પરમથી જુદા થવાના વિચાર કરે જ છે એટલે મેં કાંઈ બળતામાં ઘી નથી હોમ્યું.

હવે તો એવી હાલત હતી કે શુક્રવારની સવાર પડે ત્યારથી ક્ષમાનું મન થનગનવા માંડે કે ક્યારે સાંજની ગાડી પકડીને વડોદરા જાઉં. ખાસ તો અકસ્માત પછી એને પરમની વધારે ચિંતા રહેતી અને ઉપરથી તન્વીનાં પાછાં આવવાનાં કાંઈ એંધાણ દેખાતાં નહોતાં. ફોનમાં જ એણે પરમને પૂછી લીધું હતું કે તન્વી ક્યારે પાછી આવવાની છે, તો પરમનો એ જ હંમેશનો જવાબ હતો કે તન્વીની મા સખત બિમાર છે એટલે એ હમણાં નથી આવવાની. ક્ષમા જવાબ સાંભળીને રાહત અનુભવી રહી અને સાંજની જવાની તૈયારી કરવા માંડી.

રાતે દસ સાડાદસે એ પરમ પાસે પહોંચી ત્યારે પણ એના ચહેરા પર આનંદ ને ચિંતા હારોહાર દેખાતાં હતાં. થોડો નાસ્તો અને બ્રેડ બટર વગેરે એણે સાથે રાખ્યું હતું એટલે ઘરે જઈને પહેલાં એણે તો ચા મૂકી ને જમવાની તૈયારી કરવા માંડી. વડોદરા ઉતરીને સ્ટેશન બહારની ચાઈનીઝ હોટલમાંથી એણે પરમને ભાવતાં ફ્રાઈડ રાઈસ અને મંચુરિયન પણ બંધાવી લીધાં હતાં. કામવાળી બાઈને તો શનિ, રવિ આવવાની પહેલેથી જ ના પાડેલી હતી એટલે આ પ્રેમી-પંખીડાંને કોઈની રોકટોક નહોતી.

પરમ અને ક્ષમા જ્યારે પણ મળતાં ત્યારે પરમનો પહેલો સવાલ એ રહેતો કે શૈલ કેમ છે? એને હંમેશ ચિંતા રહેતી કે શૈલને આ છાનગપતિયાંની જાણ થશે ત્યારે ક્ષમાનું શું થશે? એવું ન્હોતું કે પરમ ક્ષમાને પાછી મેળવવા નહોતો માંગતો. એના તરફથી તો કોઈ અડચણ હતી જ નહિ કારણ તન્વી નામની કોઇ સ્ત્રી એના જીવનમાં નહોતી કે નહોતાં એણે બીજી વાર લગન કર્યાં. પણ ક્ષમાની વાત જુદી હતી કારણ પરમ શૈલ ભટનાગરને અચાનક પોતાના મિત્રની બહેનના લગ્ન પ્રસંગે અગાઉ મળી ચૂક્યો હતો અને ક્ષમા પાસે એણે શૈલનો ફોટો પણ જોયો હતો. માટે જ પરમને ચિંતા રહેતી કે આ છૂપાછૂપીનો ભાંડો શૈલ સામે ફુટી જાય તો પરિણામ સારું તો ન જ આવે?

આજે પણ જમીને બન્ને બેઠાં હતાં ને પરમે પુછ્યું: ‘ક્ષમા, શૈલને કશી ગંધ તો નથી આવી ને?’

ક્ષમા એ સામે પુછ્યું: ‘તન્વીના શું ખબર છે? તું તન્વી ને સંભાળી લે હું શૈલને સંભાળી લઈશ.’ એનો પણ કાયમ એક જ જવાબ રહેતો. પરમને એ જવાબથી સંતોષ ન થયો. પરમ પોતે પુરુષ હતો અને એ એક વાત જાણતો હતો કે ભલે બધા પુરુષો સ્ત્રીની સ્વતંત્રતાની વાતો કરતા હોય અને પોતાને ગમે તેટલા આધુનિક સમજતા હોય પણ જ્યારે ખબર પડે કે પોતાની પત્ની ચોરીછુપી કોઇ બીજા પુરુષને મળે છે તો એ સહન ન કરી શકે, અને એ કાંઈ પણ કરી બેસે.

ક્ષમાની વારંવારની વડોદરાની મુલાકાત એ શંકાનુ કારણ બની શકે. ભલે ક્ષમા એના પતિને કહેતી હોય કે પોતે ઓફિસના કામે જાય છે, પણ પરમને ખ્યાલ હતો કે આવાં જુઠાણાં બહુ લાંબો સમય ટકતાં નથી. એને મનોમન એ પણ ખબર હતી કે ક્ષમા ભલે લાખ તન્વીની ચિંતા કરતી હોય પણ તન્વીનું જ્યાં અસ્તિત્વ જ નથી ત્યાં પકડાઈ જવાનો ભય જ ક્યાં છે! એને એમ પણ લાગતું હતું કે શૈલ દેખાય છે એટલો ભોળો પણ નથી.

પરમને શૈલ સાથે થયેલી મુલાકાત યાદ આવી ગઈ. જ્યારે પરમના મિત્રને ત્યાં લગ્ન પ્રસંગે શૈલનો અચાનક ભેટો થઈ ગયો હતો.પરમે શૈલનો ફોટો ક્ષમા પાસે જોયેલો હતો એટલે એ શૈલને તરત ઓળખી ગયો અને જાણીજોઈને એ શૈલની આસપાસ મંડરાવા માંડ્યો ને એની સાથે વાત કરવાની તક શોધવા માંડ્યો. શૈલનો એ સ્ત્રી પ્રત્યેનો વર્તાવ જોઈને પરમ અચંબામાં પડી ગયો.

ક્ષમા તો કાયમ શૈલ માટે કહેતી કે એ તો સાવ ભોળોભટાક છે, કોઈ પારકી સ્ત્રી સામે આંખ ઉઠાવીને પણ જુએ એમ નથી, જ્યારે અહિંયા તો કોઈ જુદો જ નજારો હતો. શૈલનો એ સ્ત્રી સાથેનો વહેવાર પરમને શંકાજનક લાગ્યો પણ ત્યારે શૈલે કોઠું ન આપ્યું ને પરમ વધું કાંઈ જાણી ન શક્યો. ઘેર આવીને એણે ક્ષમાને આ બાબત વાત કરી પણ ક્ષમાએ તો એ સ્ત્રી શૈલની માસીની દીકરી પદ્મા છે એમ કરીને વાત ઉડાવી દીધી.

ત્યારે તો પરમે આ બાબત પર બહુ વિચાર નહોતો કર્યો કારણ એને તો બસ ક્ષમા ને મળવાની જ તાલાવેલી હંમેશ રહેતી પણ પેલા બ્લેકમેલરનો પત્ર શૈલના ઘરે પહોંચ્યો ત્યારથી પરમની ચિંતા શરૂ થઈ.

પહેલાં તો એ એમ માનતો હતો કે શૈલ ભોળો માણસ છે એટલે એ ક્ષમાની હથેળીમાં નાચતો હશે. પણ હવે તો એને શૈલનો પરિચય થયો હતો. એને શૈલ ભોળો કે સાલસ માણસ હોય એવું જરાય લાગતું ન હતું. પરમને તો એ સબ બંદરકા વેપારી જેવો લાગ્યો હતો.

ક્ષમા ભલે કહે કે પદ્મા એની માસીની દીકરી હતી પણ પરમે પોતે એ બે વચ્ચેનો જે વહેવાર જોયો હતો એ એને ખુબ શંકાજનક લાગ્યો હતો. એણે ક્ષમાને એમ જણાવ્યું પણ હતું પણ ક્ષમા એ સ્વીકારવા જ તૈયાર ન હતી.

પરમને થયું કે પોતાના મનની આ શંકાનું નિવારણ ઘેર બેઠે નહીં થઈ શકે. આ કોકડું વધું ને વધુ ગુંચવાય એ પહેલાં પોતે કાંઈ કરવું પડશે અને સાચી હકીકત જાણવી હોય તો ફરી એકવાર શૈલની મુલાકાત લેવી પડશે, સમય મેળવીને મુંબઈ જવું પડશે ને બને તો શૈલને મળવું પણ પડશે. હવે તો શૈલ અને પોતે એકબીજાથી પરિચિત પણ હતા એટલે એને ઘેર જવું પડે તોય વાંધો આવે તેમ ન હતું.

પણ મુંબઈ આવવાનું બહાનું પણ શૈલને ગળે ઊતરે એવું હોવું જોઈએ. ઘણા વિચારને અંતેય એને એવું બહાનું મળ્યું નહીં. એને અત્યાર સુધી આવા કોઈ જૂઠાણાનો આશરો લેવો પડ્યો ન હતો. સાચું કહેવું હોય તો એમ કહેવાય કે એનામાં આવાં જૂઠાણાં આચરવાની આવડત જ ન હતી.

એણે પોતાના આવા પ્લાનની વાત ક્ષમાને કરી ન હતી. એને આવી વાત કરી પરમ એને ચિંતામાં નાખવા માગતો ન હતો. જો ક્ષમાએ આ વાત જાણી હોત તો ગભરાટની મારી એ પરસેવે લથપથ થઈ ગઈ હોત. જો કે જ્યાં સુધી પરમને ગળા સુધી ખાતરી ન થાય કે પોતે મુંબઈ જાય અને શૈલને મળે એનાથી બીજો વધારાનો લોચો ઊભો નહીં થાય ત્યાં સુધી એ મુંબઈ જવાનું ક્યાં ગોઠવવાનો હતો!

તો સામે પક્ષે ક્ષમા પરમની ચિંતા કરતી જ હતી. જો કે એને એક વાતે સંતોષ હતો કે તન્વીને એમના આ સંબંધની જાણ થઈ જાય તો એમણે બહુ ગભરાવા જેવું ન હતું. તન્વી તો આમેય છૂટાછેડા લેવાની જ હતી ને! એ જેટલી વહેલી છૂટાછેડા લઈ લે એટલાં વહેલાં પોતે બેય લગ્ન કરવા માટે મુક્ત થઈ શકે. એને કદીક તો એવો વિચારેય આવતો હતો કે શા માટે પોતે જાતે જ તન્વીને શંકા આવે એવું કશુંક કરીને એને ન ઉશ્કેરે?

આમ પરમ અને ક્ષમા બેય પોતપોતના કલ્પનાના ઘોડા દોડાવતાં હતાં. બેય મનમાં તો સામું પાત્ર છૂટાછેડા લઈ લે એવું ઇચ્છતાં હતાં પણ સામે ઘાસની ગંજીમાં ચિનગારી ચાંપવામાં પણ એટલાં જ ડરતાં હતાં.

છતાં ઓક દિવસ, પડશે એવા દેવાશે એમ નક્કી કરીને પરમ મુંબઈ ઊપડ્યો. એનો વિચાર શૈલને ત્યાં જઈ ક્ષમાને ક્ષોભમાં મૂકવાનો ન હતો એટલે એ શૈલની ઓફિસની બહાર આંટા મારવા માંડ્યો. સાંજે ઓફિસ છૂટતાં શૈલ બહાર આવ્યો એટલે જાણે અચાનક જ હોય એમ એ શૈલની સામે જઈ પહોંચ્યોઃ ‘ઓહ, દુનિયા કેટલી નાની થઈ ગઈ છે! મને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે તમે આમ મળી જશો. હું કંપનીના કામે મુંબઈ આવ્યો છું.’

‘આપણે તે દિવસે લગ્નમાં મળ્યા એ પહેલી વખત અને આજે આમ અચાનક બીજી વખત મળી ગયા. આવું ઘણી વખત બનતું હોય છે. કોઈને એક વખત મળીએ એટલે થોડા જ સમયમાં એમને બીજી ને ત્રીજી વખત મળવાનું થતું હોય છે. આવું બને એ પાછળ વિધિનું કોઈ અજાણ પ્રયોજન હોય છે. તમને સમય હોય તો મારે ઘેર ચાલો.’ શૈલે સહજપણે કહ્યું.

પરમને એક ક્ષણ તો મન થઈ ગયું કે ચાલને એ બહાને સીધો શૈલના ઘરે પહોંચી જાઉં. ક્ષમાને પણ જોઈ લઉં અને એનું ઘર પણ જોઈ લઉં, પણ પહેલી જ મુંબઈની મુલાકાતમા ઘર સુધી પહોંચી જવાનું યોગ્ય ન લાગ્યું. ક્ષમા પણ પોતાને એકદમ જોઇને ગભરાઈ જાય એવો પણ વિચાર એને આવ્યો.

‘ફરી કોઈ વખત આવીશ, અત્યારે તો મારે કંપનીને કામે એક ડીનરમાં પહોંચવાનું છે. ને કાલે પાછા વડોદરામાં નોકરી પર.’ એમ કહીને ઘરે જવાનુ ટાળ્યું.

‘આવો ને સામે કોફી હાઉસમાં બેસીએ.’ કહેતાં શૈલ આગળ થયો અને પરમને પણ તેની સાથે વધુ વાત કરવાનું મન તો હતું જ એટલે એ એને અનુસર્યો. તે દિવસે લગ્ન વખતના શૈલ કરતાં પરમને આજનો આ શૈલ જુદો લાગતો હતો. પરમ મનમાં ગુંચવાઈ રહ્યો હતો.

બેય કોફી હાઉસમાં જઈ બેઠા એટલે શૈલે શરૂ કર્યું: ‘તમારે કંપનીને કામે વારંવાર મુંબઈ આવવાનું થતું હશે.’

‘ના રે, બેચાર મહિને એકાદ વખત આવવું પડે છે. આમ તો હું એક ફાર્માસ્યુટીકલ કંપનીમાં એકાઉન્ટન્ટ છું એટલે કોઈક વખત જ આવવાનું થાય અને સાચું પૂછો તો મને આવું બહાર જવાનું બહુ ગમતું પણ નથી.’

‘મારેય તમારા જેવું જ છે. હું કંપનીમાં ડીઝાઈનીંગ ડીપાર્ટમેન્ટમાં છું એટલે મારેય ઓફિસની બહાર જવાનું ક્યારેક જ થાય છે. ઘરમાં અમે બે જણ છીએ. મારાં પત્ની ને હું. તે દિવસે લગ્નમાં તમે મારી પત્નીને તો તમે જોઈ હતી. તમારા કુટુંબમાં…? માફ કરજો મારું આવું પૂછવું તમને અયોગ્ય તો નથી લાગતું ને!’

‘ના રે, એમાં શું? મારા કુટુંબમાં હાલ તો હું એકલો જ છું. એક વખત પરણેલો હતો પણ બહુ ન જામ્યું ને અમે છૂટાં થઈ ગયાં.’ ગૂંચવાતાં પરમે કહ્યું. ક્ષમા કહેતી હતી કે પદ્મા શૈલની માસીની દીકરી હતી. પણ આ માણસની દૃષ્ટતા તો જુઓ એ કહેતો હતો કે એ એની પત્ની હતી! જ્યારે પરમને ખબર હતી કે એની પત્ની તો ક્ષમા હતી.

‘સોરી, તમારી વાત જાણીને દિલગિરી થઈ.’ શૈલે કહ્યું.

‘એવું તો ચાલ્યા કરે. જિંદગી સરળ ચાલ્યા કરે તો વિધિને માને કોણ?’ પરમે તત્વજ્ઞાન ઉચ્ચાર્યું.મનોમન એ વિચારી રહ્યો આ શૈલ ભટનાગર પણ જલેબી જેવો છે, બહારથી દેખાય છે એટલો સીધો નથી એણે ક્ષમાને પણ અંધારામાં રાખી છે.પદ્માને પોતાની માસીની દીકરી તરીકે ઓળખાવીને.જો શૈલને પણ કોઈ લફરું હોય તો પછી ક્ષમાને એનાથી અલગ થતાં કોઈ ન રોકી શકે.
મનોમન પરમ હરખાવા માંડ્યો કે ચાલો પોતાનો મુંબઈનો ફેરો સફળ થયો અને મને મનમાં કાંઈ શંકા હતી એનો હવે કાંઈ ઉપાય નીકળશે.

બધાં મોટા બાજીગરના હાથનાં પ્યાદાં હતાં અને આગળ ભાવિમાં શું નિર્માયું છે એની કોઈને જાણ નહોતી.

છૂટાછેડા: ઓપન સીક્રેટ(૧૬)-પ્રવીણા કડકિયા

૧૬. ગગન ભાગી છૂટ્યો 

‘ગગન’ એટલે સારા બ્રહ્માંડ પર વિસ્તરેલું.  આપણો ગગન આખી જિંદગી જેલમાં સડ્યા કરે એવી માયા ન હતો. એ તો જેલમાં આવ્યો ત્યારથી જ ત્યાંથી ભાગી છૂટવાના પેંતરા ઘડવા માંડ્યો હતો. જો એમાં સફળ ન થાય તો પછી કારાવાસની સજા ભોગવ્યા વગર તો છૂટકો જ ન હતો. જેલમાં ખાવું, પીવું અને રહેવું બધું મફત. છતાં ગગન જેવી વિશાળ ભૂલનું પરિણામ ભોગવ્યા વગર ગગનાને છૂટકો ન હતો.

એટલું વળી સારું હતું કે ગગનને જેલમાં પણ લાગવગ સારી હતી. તેના સાગરીતો જેલની અંદર બધું વિના સંકોચે પહોંચાડી શકતા. ‘હાથ મૂકે પોલા તો કામ કરે ગોલા’.
એણે નાણાંની કોથળી ખુલ્લી મૂકી હતી. ગગનને ખ્યાલ ન રહ્યો કે આમ કામ કઢાવતાં તો કૂબેરનો ભંડાર પણ ખૂટી જાય.

ગગન શું આખી જિંદગી જેલમાં સડવાનો હતો? તેનું કાવતરાબાજ મગજ રાહ જોતું હતું કે કઈ ચાલ કામયાબ નિવડે. શરૂ શરૂમાં એણે તો જેલર અને પહેરાદાર ઉપર ડોળા સ્થિર કરી તેમને રીઝવવા માંડ્યા. બધાને વિશ્વાસમાં લીધા. ચાલચલગત સારી રાખી.

અરે, પણ જેલની એ હવામાં કંઈક એવું હોય તે માફક કેવી રીતે આવે! લોખંડી હ્રદયવાળો ગગન મીણ જેવો થઈ ગયો. એ કાંઈ જેલમાં સબડવા આવા ધંધા નહોતો આચરતો. એને હરામના
પૈસાની આદત પડી ગઈ હતી.

જેલમાં કોટડીમાં બીજા બે જણા હતા તેમની સાથે એણે સુમેળ સાધ્યો. મિત્રતા વધારી. મીઠું બોલી કામ કઢાવવામાં પાવરધો ગગન મનમાં કિમિયા તો ઘડ્યા જ કરતો હતો કે આ કાળ કોટડીમાંથી કેમનું ભાગવું? બને જોડીદાર સાથે પાક્કી દોસ્તી કર્યા પછી તેમના સહકારની આશા સાથે વાત કરી. પેલા બે ચતુર હતા. ગગનની વાત ગમી પણ તેમાં જોખમ ભારે હતું. જો એની ગંધ જેલરને કે કોઈને આવે તો તેમની પણ સજા વધી જાય એવી એમને બીક હતી.

ગગનની છાપ સારી હતી. તેમના પર શંકા આવે તેવું તેનું વલણ ન હતું . પણ પેલા બંનેને હવે થોડા દિવસો પછી રિહાઈ મળવાની હતી તેથી એને મદદ કરવાની આનાકાની કરતા હતા. ગગનનો તેમને સમજાવતાં દમ નીકળી ગયો. પણ ગગન જેનું નામ હાથમાં લીધું કામ પાર પાડ્યા વગર શ્વાસ ન લે.

માંડ માંડ તે બંને તૈયાર થયા. પેંતરો એવો રચ્યો કે ગગન બિમાર છે.  પહેલા બે ચાર દિવસ શાંતિથી રહી વિતાવવાના. ચોથે દિવસે પેટમાં દુખાવાના બરાડા પાડવાના. દર્દ કાબૂમાં
આવે તો બરાડા બંધ થાય. દર્દ હોય તો બંધ થાય ને? પછી ડોક્ટરથી સારવાર ન થઈ શકે એટલે ગગનને જેલની ગાડીમાં બેસાડી દવાખાને લઈ જવો. રસ્તામાં ગગન પોતાનો પરચો
બતાવી બધને હુલ આપી ફરાર થઈ જાય. આ કકાવતરામાં પેલા લોકોને કાંઈ જોખમ તાગ્યું ન હતું એટલે બેય ગગનને મદદ કરવા તૈયાર થયા હતા.

ગગને શાળા દરમ્યાન નાટકમાં કામ કર્યું હતું. તે કલા આજે કામમાં આવી જશે એમ તેને થયું. બધું ગોઠવણ કર્યા મુજબ પાર ઉતરે તો ‘ગગન’  જેલમાંથી ભાગી છૂટવામાં કામયાબ થાય.

આજે ગગનને માથું દુખતું હતું. ન જમવા ગયો ન નહાવા. ચોકીદાર આવ્યો, ગગનો તો માથે મોઢે ઓઢીને સૂઇ રહ્યો. બીજે દિવસે પેટ પકડીને ચીસો પાડવા મંડ્યો. વગર દુખે, દર્દના
એવા બરાડા પાડતો કે બધા ત્રાસી ગયા. જેલર ડોક્ટરને સાથે લઈને આવ્યો. ગગન બે માણસથીય ઝાલ્યો ઝલાય નહીં. તપાસ આદરી પણ રોગ શું છે તે કળવું ડોક્ટર માટે કોયડા રૂપ હતું. દર્દ યા રોગ હોય તો નિદાન થાય ને? બિમારને બિમારીની દવા અપાય શાંત કરાય. જે નાટક કરતું હોય તેનાથી તો ભગવાન પણ ત્રાસી જાય.

ડોક્ટર બિચારો પસીનાથી રેબઝબ થઈ ગયો. ગગન આબાદ નટ પુરવાર થયો. તેને શું દર્દ છે તે ડોક્ટર કળી ન શક્યો. વળી તેમાં બીજું નાટક ઉમેર્યું. વારંવાર ડબલાં ભરી ઝાડે જવા માંડ્યો.
ગગન સફળતા પૂર્વક ચાલ ચાલતો હતો. જેલના ચોકીદાર, જેલર, વોર્ડન  બધા તેની આ ચાલથી ત્રાહિમામ પોકારી ગયા.

હવે શું? અભિનય સમ્રાટ ગગનને કાજે મોટા ડોક્ટરને બોલાવવો પડ્યો. તેનું દર્દ જાણી ન શકાયું. વોર્ડન, જેલર અને ડોક્ટરની મંડળીએ નક્કી કર્યું કે આને  અહીંથી સીધો હોસ્પિટલમાં જ
ખસાડવો પડશે. એમણે ગાડી બોલાવી, જાપ્તો જો કે થોડો ઓછો હતો. ગગનની વર્તણુંક અને છાપ બીજા કેદીઓ તથા જેલના માણસો પર સારી હતી. તેઓનું વર્તન હમદર્દી પૂર્વકનું રહ્યું. ગાડી શરૂ થઈ, દરવાજા બહાર નીકળી. જેવું થોડું જંગલ જેવું આવ્યું કે ગગનનું આગળનું નાટક શરૂ થયું.

મને તરત ‘ઝાડે’ જવું પડશે.’ એક જમાદારે દયા ખાઈને તેની બેડી ખોલી નાખી. ગગનનું ચિલ્લાવાનું ચાલુ જ હતું. ‘આરે, ડ્રાઈવર સાહેબ ગાડી ખડી કરો. મેરી હાલત બહોત બૂરી હૈ.’ એણે દ્ખની ચીસો પાડતાં કહ્યું. ગાડીમાંના જમાદારો હસી પડ્યા.

‘બૈઠ જા બહાર નીકલ કે. યહાં કહાંસે તેરે લીએ બાથરૂમ લાયેંગે!’ ને ગગને તો લેંઘાનું નાડું છોડવાનો ઢોંગ આદર્યો. બે પહેરેદારોએ તેને રોક્યો. ‘ચલ ભાગ બહાર. ધુંગે કે પીછે બેઠ જા. જલ્દી વાપીસ આ જાના.’

ગાડી ઉભી રહી. બેડીઓ છોડેલી હતી. ગગન તો ઉતાવળથી ચાલી દૂર ઝાડી પાછળ પહોંચી ગયો. પેલા બે પહેરેદાર વાતે વળગ્યા. એમને ક્યાં ખ્યાલ હતો કે ગગન તો નાટક કરતો હતો!

દસેક મિનિટ થઈ ગઈ એક બોલ્યો: ‘એય ગગના, સો ગયા ક્યા. કિતની દેર લગાતા હૈ!’

બીજો કહે: ‘યાર, બીડી પી લેને દે બાદમેં ઉસકો દો ડંડે ઓર લગાયેંગે.’

ગગને તો લેંઘાનું નાડું બાંધી દોટ મૂકી અને ગુલાંટિયા ખાઇ ક્યાંનો ક્યાં પહોંચી ગયો. એ જીવ સટોસટનો ખેલ ખેલી રહ્યો હતો એટલે આંખ મીંચીને ઝાડીઓમાં આડો અવળો દોડી રહ્યો હતો.

બીડી પીવાઈ ગઈ પછી એકે બૂમ પાડી: ‘હે ગગના કિતની દેર લગાતા હૈ? બહાર આજા વરના ડંડા ખાયેગા.’ ગગન હોય તો જવાબ આપે ને. એ તો દોટ મૂકીને ક્યાંનો ક્યાં પહોંચી ગયો હતો. આ બાજુ બહુ વાર થઈને ગગન આવ્યો નહીં એટલે તેના નામની જોર જોરથી રાડો પાડવા માંડ્યા. એમની ધિરજ ખૂટી ગઈ. બંદુકની નળી તાકી પણ વ્યર્થ.

રાતનું અંધારું પોતાનું સામ્રજ્ય જમાવી રહ્યું હતું. ગાડી તો સીધા રસ્તા પર જાય. એટલે ઝાડી ઝાંખરામાં દોડવાનું જોખમ ગગને હસ્તે મુખે સ્વિકાર્યું. બેડીઓ નહોતી તેથી સરળતા સાંપડી.
રાતના અંધારામાંય ચટાપટાવાળાં કપડાં જલ્દી કોઈની પણ આંખે ચડે તેથી પહેલી જે દુકાન નાના ગામમાં આવી ત્યાંથી એણે ધોતિયું ને પહેરણ ખરીદી પહેરી લીધાં. એના સાથીદારોએ એને જેલમાં બસો રૂપિયા પહોંચાડ્યા હતા એટલે એને રાહત હતી.

એક વાળંદ દુકાન બંધ કરતો હતો તેને પ્રેમથી બોલી લપેટમાં લીધો અને માથે મુંડન કરાવી દીધું. રસ્તામાં. એક ફેળિયા પાસેથી દસ રૂપિયા આપીને ગોગલ્સ લઈ આંખ પર પહેરી
લીધાં. એવા દિદાર કર્યા કે જો યમરાજ પણ આવે તો પાછા જાય: ‘અરે, હું ભૂલથી કોને લેવા આવી પહોંચ્યો?’

આ બધું કરતાં ખીસામાં બહુ પૈસા બચ્યા ન હતા. પણ ભૂખ ન જુએ રોટલો. એણે જે મળ્યું તે પેટમાં ઓર્યું. ત્યાં વળી આરતીનો ઘંટાનાદ સંભળાયો. એટલે એ મંદિરને ઓટલે જઈ બેઠો.

પૂજારીને ભગવાનની વાતમાં પલોટી રાતવાસો કરવાનો સોદો પાકો કર્યો.   સવાર પડી એટલે મહારાજ સાથે ચાનો સબડકો મારતાં કહે: ‘પંડિત, હું વટેમાર્ગુ છું ભૂલો પડ્યો છું. આ ગામનું બસ સ્ટેશન કે રેલ્વેનું સ્ટેશન કઈ બાજું?’

ભલો મહારાજ કહે: ‘હું આજે મુંબઈ જાઉં છું. બેસો મારી સાથે તમને રેલ્વે સ્ટેશન સુધી સાથ આપીશ.’ ભાવતું હતું ને વૈદે કીધું.  પોતાના સાથીદારો સાથે નક્કી કરેલી જગાએ એ પહોંચ્યો. એનો દેખાવ એવો તો બદલાઈ ગયો હતો કે એના સાગરીતો પણ તેને ન ઓળખી શક્યા.

એણે એમની સાથે મસલત કરી. પછી પોતાની જૂની નોંધમાંથી એક બકરો શોધી કાઢ્યો. જે પત્નીને પૈસે જ ધંધો કરતો. ગગનને તેના ભેદની ખબર હતી. એ માણસ પત્ની સિવાય એક બીજી સ્ત્રી સાથે સંબંધ ધરાવતો હતો. પોતાની પત્નીથી આ છાનું રાખવા વખત આવ્યે તેની પાસેથી ૧૦,૦૦૦ રૂ. આરામથી ઓકાવી શકાય એવો એ પોચકણ પણ હતો. ગગને એની પાસેથી એકબે વખત પૈસા પડાવ્યા પણ હતા. આજેય એણે એની પાસે દસ હજાર રૂપિયાની માગણી કરી.

ગગન તેને ભાંડો ફોડી દેવાની  ધમકી આપી પૈસા પડાવતો. આબરૂ બચાવવા તે કોઈ પણ જાતની દલીલ વગર પૈસા આપી ગગનનું મોં સીવી દેતો. એને ખબર હતી કે જો ગગન મારી બૈરીને સમાચાર આપશે તો કદાચ બૈરી ઘર બહાર પણ તગડી મૂકે. આવાં ખોટાં કાર્ય કરનારા ભલે છાતી કાઢીને ફરતા હોય પણ જો તેમની નબળી કડીની ખબર કોઈ ગુંડાને ભૂલે ચૂકે પણ પડે તો હવામાં ફફડતા પાન જેવી તેમની હાલત થઈ જતી હોય છે. એમાંય બૈરીને પૈસે જ જે તાગડધિન્ના કરતા હોય એવાની હાલત તો ‘ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રૂએ એવી થઈ જતી હોય છે.

એ તેના સંકટ સમયની સાંકળ હતી. એ જ્યારે ખાસ ભીડમાં હોય ત્યારે જ આ માણસની પાસે પૈસાની માગણી કરતો. એટલે એને કામચલાઉ પૈસા મળ્યા. પણ તે કેટલા દિવસ ચાલવાના!  તેને ક્ષમાને પરમ યાદ આવ્યાં. ક્ષમા કરતાં પરમને ફસાવવો સહેલો લાગ્યો. પરમની વાત જો તન્વીને ખબર પડે તો તેના ઘરમાં ત્રીજું વિશ્વયુધ્ધ થાય તેવા ભ્રમમાં ગગન રાચતો.

ભલભલાને પસીનો છૂટી જાય એવો સખત કાગળ એણે લખ્યો. શબ્દોને કોઇ શરમ નથી હોતી. લખનાર યા વાંચનાર પણ શું અસરમાંથી બાકાત રહી શકે! પરમને બરાબર જાળમાં ફસાવવા તે હોટેલ બસેરા જઈને ફોટા લઈ આવ્યો અને એ ફોટાની સાથે એક કાગળ લખ્યો એમાં એણે પચીસ હજાર રૂપિયાની માગણી કરી અને એ કાગળ પરમને પહોંચાડવા માટે આંગડિયાનો ઉપયોગ કર્યો.  જેથી કાગળ બરાબર પહોંચે.

ગગનને ક્યાં ખબર હતી કે પરમ અને ક્ષમા તો ‘છૂટાછેડા’ પામેલાં પ્રેમી પંખીડાં હતાં! તેમને લુંટવા માટેનો પેંતરો હવાઈ કિલ્લા જેવો હતો. એની મૂળ ગણતરી જ જ્યાં ખોટી હતી ત્યાં ક્યાંથી એક નવો પૈસો પણ મળવાનો હતો?

ગગન જેલમાંથી છૂટ્યો વેશભૂષા બદલી ભલે પોલીસ પકડી ન શકી પણ ખીસાં ખાલી થઈ ગયાં હતાં.

સપનામાં તેને ૨૫,૦૦૦ રૂ. દેખાયા અને ઉંઘમાં મઝા માણતો હતો ત્યાં જોરથી પડખામાં પડેલી લાતથી ‘ઓય મા’ ના ઉદગાર સરી પડ્યા.

 છૂટાછેડા: ઓપન સીક્રેટ(૧૭)-વિજય શાહ

૧૭. તન્વી અને ક્ષમાવિજય શાહ

ક્ષમા આમ તો આ છાનગપતીયાંવાળી જિંદગીથી રાજી તો નહોતી જ. પણ એ વાતની એને ઉત્તેજના ઘણી રહેતી. પરમને ખોયો તે તો કદાચ જીવનની મોટી મૂર્ખતા હતી. તેમાં દર અઠવાડિયે મળતી આ બે રાતનું ઉત્તેજન તે મોંઘેરાં સમણાંની જેમ માણતી અને ઇચ્છતી કે આ રાતનું કદી પ્રભાત ન હોય.

બે દિવસ! અપ ડાઉન કરવાના અને આખું અઠવાડીયું પાછું ઝુરવાનું. તે ઇચ્છતી નહોતી છતાં એ જ ગુનો વારંવાર કરવાની એની તીવ્રતા જતી નહોતી.   પોતાના મનને ચાહે તોટલું મનાવવા પ્રયત્ન કરે પણ એના મનમાંથી તન્વી ખસતી ન હતી. સૂતાં ને જાગતાં તન્વીના વિચાર એનો કેડો મૂકતા ન હતા. એક તરફ એને બીક રહેતી હતી કે પોતાના પરમ સાથેના આ સંબંધની એને જાણ થઈ જશે તો પરમના જીવનમાં મોટી હલચલ મચી જશે ને તન્વીને તો એ જેમ ઇચ્છતી હતી એમ છૂટાછેડા લેવાનું બહાનું મળી જશે.

તો બીજી તરફ એનું મન એમ થાય એવું ઇચ્છતું પણ હતું કે એમ થાય તો સારું. પરમ તન્વીથી છૂટો થાય તો પોતાનો માર્ગ પણ મોકળો થાય. પોતે તો કલ્પનાના સંબંધથી જ શૈલ સાથે સંકળાયેલી હતી ને! પણ પરમના બીજી વખત છૂટાછેડા થાય એટલે એની પ્રતિષ્ઠામાં પણ મોટો બદલાવ આવી જાય અને એમાંથી બહાર નીકળતાં પરમને બહુ અઘરું લાગે. કદાચ પરમને એનાથી એવું ડીપ્રેશન પણ આવી જાય કે જેમાંથી એ બહાર જ ન નીકળી શકે.

જો કે ક્ષમા તન્વીને જે રીતે જાણતી હતી એ રીતે તો પરમે સામેથી એની સાથે છૂટાછેડા લઈ લેવા જોઈએ. પણ પરમના મનમાં હજુ એ વાત બેસતી ન હતી. એને તન્વીનો કોઈ દોષ જાણે દેખાતો જ ન હતો. હવે ક્ષમા એમ ઇચ્છવા માંડી હતી કે તન્વી જ પેલાની સાથે ભાગી જાય તો સારું.

આ શુક્રવારે રાતના દસ વાગ્યે આવવાને બદલે ક્ષમા સાંજે સાડા છ વાગે આવી ગઈ. આજે સૂર્યા હોટેલમાં ડિનર લેવાનું હતું તેથી ઊતરીને એણે પરમને ફોન કર્યો: ‘ પરમ હું વડોદરામાં સૂર્યા હોટેલની લોબીમાં રાહ જોઉં છું. તું આવ.’ એ ફોન કરીને લોબીમાં સોફા પર બેસીને પરમની રાહ જોતી હતી ત્યાં તન્વી અને મિહીર હોટેલમાં આવ્યાં ને એમણે એક રૂમ લીધી. સરવા કાને સાંભળતાં ક્ષમાને ખબર પડી ગઈ કે એમણે પતિપત્ની તરીકે પોતાને ઓળખાવ્યાં હતાં અને મેનેજરે તેમને રૂમ નંબર ૨૮ આપી હતી. ક્ષમાને થયું કે હમણાં પરમ આવે એટલે આજે તો તન્વીની પોલ ઉઘાડી પડી જ જશે. પણ એને બીજી વાતે ગભરાટ પણ થયો કે પોતે અહીં હાજર છે એની જો તેમને ખબર પડી જશે તો પોતાની ને પરમની પોલ પણ પકડાઈ તો નહીં જાય ને!

પેલાં બે પોતાના રૂમમાં ગયાં એટલે ક્ષમા લોબીમાંથી બહાર નીકળી હોટેલના મેઈન ગેટ પાસે આંટા મારવા લાગી. પરમ હોટેલમાં આવે તે પહેલાં એ પરમને સાવધ કરી દેવા માગતી હતી.

પરમ આવતાં એણે એને બધી વાત કરી અને એમનો રૂમ નંબર પણ આપ્યો. પરમ કહે: ‘આપણાથી આમ જાહેરમાં ભવાડો ન કરાય. મારા મનમાં એક બીજો પ્લાન છે. હું એમની પાછળ એક ખાનગી ડીટેક્ટીવને રોકવા માગું છું. એ આપણને એમની ફોટા સાથેની માહિતી પૂરી પાડશે પછી તન્વી જાતે જ છૂટાછેડા આપવા મજબુર થઈ જશે ને બધું ઘરમેળે પતી જશે.’

‘અત્યારે ભવાડો થવાની ચિંતા નથી. તું સીધો એમના રૂમ પર જઈને બારણા પર ટકોરા મારજે ને. કદાચ મેનેજર તને રોકે તો એમ કહેવાનું કે તું એમનો દોસ્ત છું અને એમને મળવા આવ્યો છું.’

‘ના, મને મારી રીતે કામ પતાવવાનું જ યોગ્ય લાગે છે. ચાલ ડાઇનીંગ રૂમમાં જઈએ અને શાંતિથી વિચારીએ.’

‘આપણે બેયે છૂટાછેડા લેવાના છે એ કેમ ભૂલી જાય છે! મારા એકલાના છૂટાછેડા થાય એનાથી વાત ઓછી પતવાની છે?’

‘પરમ મને તો આ તક જવા દેવા જેવી નથી લાગતી. આપણે એમને આજે રેડ હેંડેડ પકડીએ. મારી તું ચિંતા ન કરતો. મેં તને કહ્યું તો છે કે મારી કોઈ પણ ઇચ્છા હશે તો એમાં શૈલ હા જ પાડશે. હું એને જણાવું કે મારે છૂટાછેડા જોઈએ છીએ એટલી જ વાર છે.’

‘ચાલ ખાતાં ખાતાં વિચારી લઈએ કે શું કરવું છે. અને એ લોકો હજુ હમણાં રૂમમાં ગયાં છે તેથી થોડોક સમય જવા દેવો હીતાવહ છે.’

‘પરમ! આટલું થવા છતાં તને ગુસ્સો નથી આવતો કે બામણની જેમ મૂરત અને ચોઘડીયાં જોવા બેઠો છે!’

‘જો સમજ, બીજા છૂટાછેડા લેવા માટે પાકા પૂરાવા જોઇએ. હું ડીટેક્ટીવને રાખું તો તે કાયદા અને  કાનૂન જાણે અને તે રીતે પૂરાવા ભેગા કરે.’

જમવાની થાળી આવી સાત વાટકી અને બે મીઠાઇ સાથે રોટલી પિરસાઈ.જો કે ક્ષમાને તન્વીને હાલ જ પકડવી હતી અને પરમ કોઈ પણ રીતે કાયદો હાથમાં લેવા માંગતો નહોતો તેથી ક્ષમાને થોડી શંકા તો પડી પણ તેની ઉતાવળથી પરમ ચાલતો નહોતો તેથી તે થોડીક શાંત પડી.પરમ શાંતિથી ખાતો હતો.

ગરમ ગરમ કચોરી ખાતાં ક્ષમાની નજર ડાઈનીંગ હોલનાં દ્વાર પર પડી. મિહીર ત્યાં ઊભો હતો. ક્ષમાએ ચારે બાજુ નજર દોડાવી પણ તન્વી નહોતી તેથી થોડી આકળવિકળ થઈ. પરમ તો એની ખાવાની ધૂનમાં હતો. હમણાં આવું છું કહીને ક્ષમા ડાઇનીંગ હોલના બીજા દ્વારેથી બહાર નીકળી તન્વીને શોધતી હતી. અને લેડીઝ રેસ્ટરૂમમાં પ્રવેશતી તન્વીને ક્ષમાએ જોઈ.

રેસ્ટરૂમમાં જવું કે મિહીરને બોલાવી લાવી એને આમાં લેવો તે બે નિર્ણયમાં થોડોક સમય ગયો પણ તેને થયું પુરુષો આમ તો તેને માટે હેંડલ કરવા અઘરા નથી તેથી તન્વી નથી તેનો લાભ લઇને મીહીર પાસે તે પહોંચી..

‘આપ મીહીરભાઈ?’

‘હા.’

‘હું અહીં આપને રાજ્કોટથી આવેલો સંદેશો આપવા આવી છું. રાજ્કોટમાં તમારાં સાસુ બીમાર છે ને?’

‘વ્હોટ? મારાં સાસુ તો ૨૦૦૦માં અકસ્માતમાં મરી ગયાં હતાં.’

‘આપ મિહીર માંકડ ને?’

‘ન બેન, હું તો મિહીર શાહ છું અને રાજ્કોટ સાથે મારે નાહવાનો કે નીચોવાનોય સંબંધ નથી.’ ગૂંચવાતાં મિહીરે કહ્યું.

‘સોરી,  સોરી. આ તો મેં કાઉંટર પર પૂછ્યું તો તેમણે મને તમારા તરફ ઇશારો કરીને કહ્યું. તેથી…’ અને ઝડપથી ક્ષમા લેડીઝ રેસ્ટરૂમ તરફ વળી, તન્વી ભટકાઈ જાય તે આશયથી.

તન્વી રેસ્ટરૂમમાં જ હતી. તે પોતાનો મેક અપ ઠીક કરતી હતી.

ક્ષમા વાત કરવાની શરુઆત કરવા જતી હતી ત્યાં તન્વી બોલી: ‘આ પુરુષો ક્યારેય સમજે નહીં કે આપણો મૂડ ક્યારે કેવો હોય અને કેવો થઇ જાય?’

‘મને કહ્યું?’ ક્ષમાએ અજાણ હોવાનો ડોળ કરતાં પૂછ્યું.

‘હા મેં મિહીરને કહ્યું હતું કે સામાન મૂકીને મુવી જોવા જવું છે તો તે કહે જમ્યા પછી જઇશું.’

‘હા, મારે તમારી માફી માગવાની છે, બહેન. હું મિહીર માંકડને શોધું છું અને તેમ માનીને મેં રાજકોટથી આવેલો સંદેશો કહેવા પ્રયત્ન કર્યો તો એ કહે તમને ગેરસમજણ થઈ છે હું મિહીર શાહ છું અને રાજ્કોટ સાથે મારે નાહવા કે નીચોવાનોય સંબંધ નથી’

‘ મને સમજણ ના પડી કે તમે શું કહેવા માગો છો?’

મારાં એક બહેનનો રાજકોટથી ફોન અવ્યો અને મને કહેલું કે હોટેલ સૂર્યામાં મિહીર માંકડ કરીને તેમના બનેવી છે તેમને સંદેશો આપો કે તેમના સાસુ બહુ બિમાર છે. તે સંદેશો આપવા મેં કાઉંટર પર પૂછ્યું તો કાઉંટરવાળા ભાઈએ તમારા મિહીર બતાવ્યા અને આખું કોળું શાકમાં ગયું.’

‘મારાં મમ્મી તો ૨૦૦૦માં અકસ્માતમાં મરી ગયાં છે. મિહીર સાચો છે અમારું કોઈ સગું રાજકોટમાં નથી.’

‘તેથી તો મેં તેમની પણ માફી માંગી અને તમારી પણ, બેન.’

‘કંઇ વાંધો નહીં. અમે તો ઉમરેઠથી લગ્નની સાડીઓ લેવા આવ્યાં છીએ.’

‘કોનાં લગ્ન?’

‘મારાં અને મીહીરનાં. બે અઠવાડીયામાં. કેમ તમને કંઈ શંકા છે?’

‘ઓહ  મને તો એમ કે તમે બંને પરણેલાં છો. ફરી સોરી. જો કે આવું ન કહેવાય..’

‘એટલે હું મોટી લાગું છું કે મિહીરિયો નાનો?’

‘જવા દો ને બેન, શું તમારું નામ? મને લાગે છે આપણે વાતો તો ઘણી કરી પણ એકબીજાનાં નામ જાણતાં નથી.’

‘મારું નામ તન્વી!’

‘હું શૈફાલી. તમને મળી ને ઘણો આનંદ થયો.’ ક્ષમાએ પોતાનું નામ છુપાવ્યું.

‘ચાલો ત્યારે તમને લગ્ન મુબારક.’

બંને સાથે બહાર નીકળ્યાં. મિહીરને ખાવું હતું પણ તન્વી બળજબરી કરી નજીકના થિયેટર આરાધના પર તેને લઈ ગઈ.

આ બાજુ પરમ ક્ષમાને આટલી વાર લાગી તેનાથી થોડો ઊંચો નીચો થતો હતો. તેણે ક્ષમાને આવતી જોઈ અને એનો શ્વાસ હેઠો બેઠો. ‘ક્યાં જતી રહી હતી આ બધું ખાવાનું ઠંડું પડી ગયું!’

‘તુ તારા ડીટેક્ટીવને પૂછજે અને જે કરવું હોય તે કરજે. પણ બે અઠવાડીયામાં તારી તન્વી તો પરણી જવાની છે.’

હવે ચમકવાનો વારો પરમનો હતો.

ઘરે જઇને તે રાત્રે ક્ષમાએ તો મન મૂકીને પરમને માણ્યો. જાણે ફરીથી વિવાહીત જીવનમાં આવી ના ગઈ હોય! પરમે વાતો કઢાવાની બહુ કોશિશ કરી પણ કહે છે ને સ્ત્રી જો ધારી લે તો કૂવા જેવા ઊંડા પેટવાળાના પેટમાંથીય વાત કઢાવી લે. અને જો વાત ના કહેવાની જીદ લે તો કૂવાના કયા પડળમાં તે વાત ડૂબી જાય તે કોઈને ના સમજાય.

સવાર પડી જ્યારે પરમ ઉઠ્યો ત્યારે ક્ષમા નિત્યક્રમથી પરવારી ગઈ હતી. તેના મોં પરનું હાસ્ય જોતાં પરમને લાગ્યું કે આજે તે ખુબ જ પ્રફુલ્લિત છે. હનીમૂન ઉપર સાપુતારા ગયાં હતાં ત્યારે આ જ મૃદુ હાસ્ય તેના મોં ઉપર રમતું હતું. અક્સ્માતમાંથી ઊઠ્યા પછી અ પહેલો શનિવાર હતો જ્યારે તે સ્વસ્થતાથી ચાલી શકતો હતો.

શનિવારે મેટીની શોમાં ‘મેકેનાઝ ગોલ્ડ’ ચલચીત્ર નટરાજ થીયેટરમાં ચાલતું હતું. બંને તે જોવા ઊપડી ગયાં. પાછા ફરતા પરમે પેલો અકળાવતો પ્રશ્ન પૂછ્યો: ‘શૈલ માની તો જશે ને?’

ક્ષમા કહે: ‘તું મને કહે તન્વીથી તું જે દિવસે છૂટો તે દિવસે હું પણ શૈલથી છૂટી, બસ!’

રડું રડું થતા અવાજે તે બોલ્યો: ‘ક્ષમા, તારો ભરોંસો કરીને તન્વીથી તો હું છૂટો થઈ જાઉં અને તું ક્યાક પાછી પડી તો?’

‘હું ક્યાંય પાછી નથી પડવાની.’ પરમની પીઠ પસારતા ક્ષમા બોલી. અને પછી તે ખડખડાટ હસી અને બોલી. પરમ ઉપરવાલાએ આપણી જોડી બનાવી છે તે બનેલી જ રહેવાની છે. આ તો વચ્ચે થોડુંક ગ્રહણ આવ્યું હતું,  જે હવે ગમે ત્યારે જતું રહેશે.’

 

છૂટાછેડા: ઓપન સીક્રેટ-(૧૮)-પ્રવિણા કડાકિયા

૧૮. ગગનાની ભૂલ

બે બે વખત પોતાના કાવતરામાં સફળ ન થતાં ગગનાએ ઝીણવટથી પોતાનાં પગલાં તપાસવા માંડ્યાં તો એમાં એને પોતાની એક મોટી ભૂલ પકડાઈ. પોતે જેલમાંથી આજ સુધી પૈસાની ઉઘરાણી ફક્ત કાગળ પર ઘમકી આપીને જ કરાવી હતી પણ એમાં ક્યારેય એણે ક્ષમાના ફોટા મોકલ્યા હતા. પોતે જેલમાંથી પોતાના સાગરિતને પૈસા વસુલ કરવાની સુચના આપી હતી તેમાં હોટેલના મેનેજરે એમને ફોટા આપ્યા ન હતા. ગગનો જેલમાં ગયો હતો એટલે મેનેજર ગભરાઈ ગયો હતો.    

ગગનાને આ વાતની ખબર ન હતી એટલે એણે છેલ્લે પોતાના માણસને પૈસા વસુલ કરીને આપી દેવા પોતાની પોસેથી ફોટા મોકલ્યા હતા એ તો પોલીસને હાથ પડી ગયા હતા. એટલે ક્ષમા કે એના પતિ ભટનાગરે હજુ ફોટા જોયા જ ન હતા. અને આવા કામના અનુભવી એવા ગગનાને ખબર હતી જ કે આવી મોટી રકમ કોઈ માત્ર ખાલી ધમકીભર્યા કાગળથી જ ન આપી દે. ફોટા સાથે હોય તો એ પોલીસ પાસે જવાને બદલે પૈસા આપી દેવાનું વધારે પસંદ કરે.

(o)

ગગનને પોતાની ગગન જેવડી ભૂલ ઉપર વિચાર કરવાનો મોકો મળ્યો. અરે, હું આવડી મોટી થાપ કેવી રીતે ખાઈ ગયો. ગગન જન્મ ધર્યો ત્યારે આવો ન હતો. જિંદગીને આ ત્રિભેટે આવું થશે તેવો તો એને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો.  કોણ, ક્યારે અને કેમ કોઈ પણ કાર્ય કરે છે તે સંજોગો પર નિર્ધારિત હોય છે.

અવળા ધંધામા પાવરધો ગગન કેવી થાપ ખાઈ ગયો! શું કોઈની પાસેથી પૈસા ઓકાવવા હોય તો માત્ર ધમકી ભર્યો કાગળ પૂરતો છે? કોઈ નાનું બચ્ચુ પણ કહી શકે કે એવાં તો ઘણાં ફ્તુરિયાં આવ્યા કરેતેની પસ્તી કરવાની હોય.

ગગને ખૂબ કડક કાગળ તો મોકલ્યો પણ જોડે પૂરાવા રૂપે એકાદ ફોટો મોકલ્યો હોત તો દેન છે એ વ્યક્તિ પોતાનો ગુનો છુપાવવા પૈસા ન મોકલે? કાગળની ધારી અસર ત્યારે જ પડે જ્યારે સાથે ફોટા હોય. પૂરાવા રૂપે ફોટા જોઈને ભલભલા ભડવીરના છક્કા છૂટી જાય. ગગન પોતાની મૂર્ખામી પર અટ્ટાહાસ્ય કરી રહ્યો. પાછો પોતાની ખાનગી જગ્યા પર આવ્યો અને ક્ષમાના ફોટા, તેના પ્રેમીના પહેલુમાં હોય તે શોધવા મંડી પડ્યો. ખાખાંખોળા કરતાં ખાસો સમય લાગી ગયો.

ગગને પરમને લખેલો કાગળ ફોટા સહિત પોલિસના હાથમાં જઈ પડ્યો હતો. પૈસા ક્યાંથી આવે ઉપરાંત ફોટા ખોયા તે નફામાં. ગગન અકળવિકળ થઈ ગયો હતો બધા રસ્તા પર તેને ‘ગોદરેજ’નું તાળું લટકતું દેખાતું હતું.

જ્યારે કોઈ વસ્તુ શોધતા હોઈએ અને તેમાં નાસીપાસ થવાય ત્યારે પરસેવે રેબઝેબ થઈ જવાય અને ગુસ્સો પહોંચે સાતમે આસમાને. ગગન ધુંઆપુંઆ થતો બધી ખુફિયા જગ્યા પણ શોધી વળ્યો. વાંધો ન આવે અને ક્ષમા તરત પૈસા મોકલાવે એવો એક પણ ફોટો જડ્યો નહીં.

હોટલ બસેરાના મેનેજર પાસે પહોંચ્યો. ‘અરે, યાર તારી પાસે ક્ષમાના ફોટા હતા. જો ને એ ક્ષમા ભટનાગર ખૂબ હેરાન કરે છે. તે એવી તો ચાલાક છે કે સજ્જડ પૂરાવા વગર એક રાતી પાઈ પણ નહી આપે.’ બસેરાનો મલિક ગગનની વાત કરવાની ઢબથી પહેલાં તો ગભરાઈ ગયો. કારણ તેની પાસે એક પણ ફોટો હતો નહીં.

ધીરે રહીને પહેલાં તેણે ગગન માટે ઠંડુ મંગાવવાનો ઓર્ડર આપી તેને નરમ કર્યો. પછી ફોટા શોધવાનાં ખોટાં નખરાં કર્યાં, અરે કદાચ અંદરની ઓફિસમાં હશે તેમ કહી તેની આંખ સામેથી ઓઝલ થઈ ગયો. ગગન તો ઠંડા પીણા સાથે ભજીયાંની મોજ માણવામાં મશગુલ હતો.

લગભગ અડધા કલાક પછી હાથમાં એક પરબિડીયું લઈ જ્યારે તેણે દર્શન દીધાં તો ચીલ ઝડપે હાથમાંથી ખેંચી લીધું. પણ સાંપડી નિરાશા ક્ષમાનો એક પણ ફોટો તેમાં ન હતો. હોય પણ ક્યાંથી? બધા ફોટા પોલીસને હાથ પડી ગયા હતા. તે કહેતાં મેનેજરની જીભ સિવાઈ ગઈ હતી. ગગન જો વિફરે તો બેચાર અડબોથ આપી દેતો. તેને માટે તૈયારી રાખવી પડે.

સાચી વાત તો એ હતી કે મેનેજરે ગગનના જેલમાં જતાં ગભરાઈને પોતાની પાસેના ફોટા અને નેગેટીવોનો પોલીસની બીકે નાશ કરી નાખ્યો હતો. એને ગગનની પાછળ જેલમાં જવાનો કાંઈ મોહ ન હતો. વળી ગગનાને લાંબી સજા થઈ હતી એટલે એ નજીકના ભવિષ્યમાં પાછો આવવાનો પણ ન હતો એની એને ખાતરી હતી.

ધંધામાં અને વળી તેમાંય પૈસા કાજે ગગન કોઈની શરમ રાખતો નહીં. વળી હાલ તો કડકીના દિવસો ચાલતા હતા. પૈસા વગર ગગનના વિચારો હંમેશા ત્રાસ ફેલાવતા. જેલમાંથી જ્યારે સાગરિતો પૈસા લેવા જતા ત્યારે ફોટાના પૂરાવા ન હોવાને કારણે ધોયેલા મૂળા જેવા પાછા ફરતા.

શૈલ ભટનાગર જો પોતાની પત્ની ‘ક્ષમા’ને પરાયા મર્દની બાહોંમાં જુએ તો વાત પર પડદો પાડવાના પૈસા આપે. ગગનને ખબર હતી આવી વાતો ઢાંકવાના પૈસા હોય. પણ ફોટા ક્યાં? પોલીસના લફરાંમા પડવા કોઈ સજ્જન માણસ તૈયાર ન હોય.

હરીફરીને વાત ફોટા પર આવીને અટકતી.  ફોટા મળતા ન હતા. અંતે બહુ શોધખોળ પછી ગુફિયા ઠેકાણે સંતાડેલા ફોટાનો સેટ સાંપડ્યો. આ પહેલી વખત જે ફોટા મોકલ્યા હતા તે વખતે કઢાવેલા ફોટાનો વધારાનો સેટ હતો. ગગને તેની સરસ મઝાની કોપી કરાવી શૈલ ભટનાગરને ત્યાં મોકલવાનો પાકો બંદોબસ્ત કર્યો.

ગગનાએ ફોટાનો એક સેટ તૈયાર કરીને શૈલ ભટનાગરને સરનામે ધમકી સાથે રવાના કર્યો. એમાં એણે લખ્યું કે પોલીસને વચમાં નાખીને તમે મોટી ભૂલ કરી છે. અને અમને પણ ખર્ચના ખાડામાં ઉતારી દીધા છે. એટલે આ સાથેના ફોટા જોઈને હવે અમને રૂપિયા પચાસ હજાર આપવા પડશે. જો પોલીસને ખબર કરવાની ભૂલ કરશો તો પરિણામ બહુ ખરાબ આવશે. આ ફોટા ટીવી અને ન્યૂઝ પેપર પર માકલી આપવામાં આવશે.

પૈસા ક્યાં અને ક્યારે પહોંચાડવા એની સુચના તમને એક અઠવાડિયા પછી પત્રથી જણાવવામાં આવશે. એ દરમિયાન તમે પૈસા તૈયાર રાખશો. પૈસા આપશો કો તરત તમને ફોટા તથા તેની નગેટીવો આપી દેવામાં આવશે એટલે તમને ખાતરી થશે કે હવે પછી અમારા તરફથી તમને કોઈ રંજાડ કરવામાં નહીં આવે.

કાગળ ટપાલ પેટીમાં નાખી ગગન લાંબો થઈને સૂતો. એને ધોળે દિવસે સ્વપ્ન દેખાયું કે વળતી ટપાલે પૈસા આવી જશે. કાગળમાં ચોખ્ખો પોલીસનો ઉલ્લેખ કર્યો હતો. વધુમાં જણાવ્યું કે ક્યાં અને ક્યારે એ માટે આવતે અઠવાડિયે બીજો કાગળ મળશે.  પૂરા ૫૦ હજાર રૂપિયા જોખવાના હતા. સાથે પુરાવો સાબૂત હતો એમ ગગન માનતો હતો તેથી તેને કોઈ ચિંતા ન હતી.

(0)

એ પત્ર ભટનાગરને ત્યાં પહોંચ્યો. શૈલ તે નોકરી પર હતો એટલે પદ્માએ પત્ર ફોડ્યો. એની સાથેના ફોટા જોયા એટલે એને થોડીઘણી વાત તો સમજાઈ જ ગઈ.

સાંજે શૈલ આવ્યો એટલે એણે એ ફોટા એને બતાવ્યા. શૈલ કહે: ‘ક્ષમા તો જેને આપણે જાણીએ છીએ એ જ છે. પણ મને એ સમજાતું નથી કે એણે પોતાની ઓળખ ક્ષમા ભટનાગર તરીકે કેમ આપી હશે? વળી એ તો છૂટાછેડા લીધેલી છે. જો એ આ સંબંધ ગંભીરતાથી વિકસાવતી હોય તો એમાં કશું ખોટું પણ નથી.’

‘એણે અટક ખોટી જણાવી છે એટલે મને કશુંક વહેમ પડતું લાગે છે. કદાચ આ સંબંધ ગંભીર ન હોય અને લગડુંય હોય.’

‘એ જે હોય તે પણ ક્ષમાની સાથે આપણે મૈત્રી સંબંધ છે એટલે આપણે એને સાવધ તો કરવી જ જોઈએ.’

‘પણ આપણે સામાં જઈશું તો બાપડીને શરમાવાનું થશે. કોઈ બીજો રસ્તો નીકળતો હોય તો કાઢો તો સારું.’

‘મને પણ એમ જ લાગે છે. આપણે એમ કરીશું કે કાલે જ આ પત્ર અને ફોટા એક મિત્ર તરફથી એમ લખીને એને મોકલી આપીશું.’

‘એને એ પત્ર આપણે જ મોકલ્યો હશે એવો વહેમ તો તોય આવી જ જશે.’ પદ્માએ ચિંતા કરતાં કહ્યું.

‘તોય આપણે રૂબરૂ જઈએ એને કરતાં એને ઓછું શરમાવાનું થશે. આપણે દિવાળી ડીનર કરવાનું જ છે તો એ બે ત્રણ દિવસમાં જ રાખી લઈએ. એ આવશે એટલે બધી ખબર આપોઆપો જ પડી જશે.’ શૈલે કહ્યું.

‘આપણે થોડી દોડાદોડ પડશે.’

‘પણ ક્ષમાને મદદ કરવા જેવી હશે તો એનીય ખબર પડશે ને આપણે મદદ પણ કરી શકીશું.’

છૂટાછેડા: ઓપન સીક્રેટ-(૧૯) -મનોજ મહેતા

ક્ષમાને શૈલે પોસ્ટ કરેલો એ પત્ર સવારની ટપાલમાં મળ્યો ને એનાં તો જાણે બારેય વહાણ ડૂબી ગયાં. ઘડી ભર તો એને શું કરવું એનીય સુધ ન રહી. કોણે આ ટપાલ મોકલી હશે એની તો અટકળ જ કરવાની રહી. પત્રને ફંફોસી જોતાં ક્યાંય એવો અણસાર પણ મળતું ન હતું. પત્ર પણ ચુંથાયેલા જેવો હતો એટલે એને થયું કે કોઈ કળજી કે ચીવટ રાખવાવાળી આ વ્યક્તિ નહીં જ હોય. એને હજુ અનઘડ બ્લોકમેઈલર સાથે પનારો ક્યાં પડ્યો હતો!

વિચારોના વમળમાં એ વધુ ને વધુ ઊંડી એ ખેંચાતી ગઈ. પાછલા એ સંવનનના દિવસોમાં એ ગરકાવ થઈ ગઈ. એ દિવસના વિચારોમાં એ ખોવાઈ ગઈ જે દિવસોમાં આ ફોટા પડાયા હતા. એ દિવસોની ઉત્તેજના એને ન્હોતી ઘેરી વળી, પણ એની જગ્યાએ અકળ ભય ને અસંભવિતતાની લ્હેરખી એના આખા શરીરમાંથી પસાર થઈ ગઈ.

એ દિવસોમાં કે જ્યારે આ ફોટા પાડવામાં આવ્યા હતા તે દિવસોમાં એ કોને કોને મળી હતી, કોની વાતો અજુગતી લાગી હતી, કોઈ એવો પ્રસંગ કે જ્યારે કોઈ એને અજાણ્યો માણસ કે અજણી વ્યક્તિ કેમેરા સાથે જોવા મળી હોય. પણ એના હાથમાં એવી કોઈ કડી ન આવી કે કોઈ શંકાશીલ વ્યક્તિનો અંદેશો પણ ન આવ્યો.

હવે એ વિચારોના વંટોળમાંથી બહાર પછડાઈને વાસ્તવિકતાના દુર્ગમ વહેણમાં વહેવા માંડી. એને થયું કે આનો એક જ ઉપાય હતો અને તે હતો પરમ ને તન્વીના છૂટાછેડાનો. એને પોતાની તો કશી ચિંતા જ ન હતી. એને ક્યાં શૈલથી છૂટાછેડા લેવાના હતા? પણ તન્વીથી પરમ છૂટો થાય તો જ પોતે એની સાથે લગ્ન કરી શકે ને! અને આ વિચાર આવતાં જ એના મુખ ઉપર પરમ સંતોષનું સ્મિત ફરકી ગયું.

માસીને બે દિવસની રજાનો ફોન કરીને સાંજની જ ટ્રેનમાં એ વડોદરા જવા ઊપડી. એના મનના લપસણા રસ્તા પર પણ વિચારોની ગાડી ચાલી રહી હતી. એને મિહીર અને તન્વીના વિચારો આવ્યા અને એને થયું કે એ શું અસંબંધ સંબંધો હશે? સાચું શું છે? મારું સત્ય એ સત્ય છે કે પોકળ ભાસ છે?

આખે રસ્તે એને પરમ અને તન્વીના જ વિચારો આવ્યા કર્યા. એને થયું કે પરમ ભલે બહારથી બડાશો મારતો હોય પણ એનાથી તન્વીને કશું કહેવાશે નહીં. અહીં તો પોતે જ કદાચ એમાં આગેવાની લઈને તન્વીને બધી વાત કરવી પડશે અને એના મિહીર સાથેના લફરાની પોતાને ખબર છે અને પોતે તન્વીને એની જાણ કરતાં ખચકાવાની નથી એ વાત પરમના મનમાં બરાબર ઠસાવી દેવી પડશે.

ક્ષમા આમ કામકાજના દિવસોમાં અચાનક આવતી હતી એટલે નક્કી કાંઈક બન્યું હશે એવી શંકા આવતાં પરમ પણ બેચેન થઈ ગયો હતો એને લાગ્યું કે કોઈ તાકીદની વાત ના હોય તો એની આમ અચાનક પધરામણી ના થાય. અને એટલે તો એ પોતાના ઘેરથી સ્ટેશન પાસે જ હતું છતાં કાર લઈને ક્ષમાને લેવા સ્ટેશને સામો ગયો હતો ને!

ક્ષમા આવી એટલે બેય પરમક્ષમા તરફ રવાના થયાં. પરમના મનમાં શંકા હતી એટલે તો એણે વાત કઢાવવાના આશય સાથે થોડી આડી અવળી વાત કરીને પછી સીધું જ પૂછી લેવું એમ નક્કી કર્યું. પરમે એને આમ અચાનક આવવાનું કારણ પૂછ્યું તો ક્ષમા કહે: ‘હું ઘેર જઈને તને બધી વાત કરું છું. હું એટલા માટે તો આવી છું.’

એના આવા જવાબથી પરમની શંકા વધુ પ્રબળ બની તોય એ ખામોશ રહ્યો. ફરી પૂછું કે ન પૂછુંની મથામણ પણ એણે છોડી દીધી કારણ કે એ ક્ષમાને સારી રીતે જાણતો હતો. એ જો જાતે જણાવવા માંગતી નહીં હોય તો ભલા-ભોળા શંકર જે હાળહળ પચાવી ગયા છે તેમ એને પણ કોઈ ટસથી મસ નહીં કરી શકે.

ઘેર જઈ ક્ષમાએ ફ્રીજમાંથી ઠંડુ પાણી પીધું ને સેફામાં પરમની સામે બેસતાં એણે પેલું કવર એના હાથમાં મૂક્યું. પરમથી એના હાથમાં રહેલા પત્રનું નાજુક કંપન અછાનું ન રહ્યું. પરમે એ જોયું. એણે કાગળ વાંચ્યો અને સાથેના ફોટા જોયા ને એય હબકી ગયો. પ્રથમ ડર અને પછી ચીવટથી એણે ઝડપભેર આખી વાતનું વિહંગાવલોકન કરવા માંડ્યું.

પોતાની તો એને ખબર હતી પણ આ ફોટા શૈલે જોયા હોય તો ક્ષમાને ચિંતા કરવા જેવું ખરું. એને ખાતરી હતી કે ક્ષમા ગમે તેટલી હિંમત બતાવતી હોય તોય જ્યારે પોતે આવી જાળમાં ફસાઈ ગઈ હોય ત્યારે પતિનો સામનો એ કયા મોંએ કરી શકે? એની ડરેલી આંખો અને હાથનું કંપન એની મનસ્થિતિની ચાડી ખાતું હતું.

‘એ તો સારું થયું કે શૈલ નોકરી પર હતો ને આ કાગળ મારા હાથમાં આવ્યો. જો એના હાથમાં આ કાગળ આવ્યો હોત તો મારાથી તો એની સામે ઊભુંય ન રહેવાત.’ ક્ષમાએ કહ્યું.

‘એક રીતે જોતાં જે થયું તે સારું જ થયું છે. તને છૂટાછેડા આપતાં હવે શૈલને જરાય ખચકાટ નહીં થાય અને તન્વીની સામે તો આપણી પાસે એટલા બધા પુરાવા છે કે એને છૂટાછેડા આપવામાં મનેય કોઈ તકલીફ નહીં પડે.’

‘તું માને છે એટલું એ સરળ નથી. તે દિવસે તન્વીને જો આપણે રંગે હાથ પકડી પાડી હોત તો એ બરાબર હતું પણ હવે આપણી પાસે જે પુરાવા છે એના જવાબ એની પાસે તૈયાર હશે. તેં મારું કહેવું માન્યું નહીં નહીંતર એક મહિના પહેલાં જ તારા છૂટાછેડા થઈ ગયા હોત.’

‘તું એની શા માટે ચિંતા કરે છે. તને મારા પર વિશ્વાસ નથી? એને તો હું કાચીઘડીમાં છૂટાછેડા આપી દઈશ. હવે તું જરાય ચિંતા ન કરીશ. બધું મારા પર છોડી દે. બધું આપણી ગણતરી પ્રમાણે પાર પડશે.’

‘મને તારી વાત સમજાતી નથી ને નથી તને મારી વાત સમજાતી. મને તો થાય છે કે આપણે બરાબરનાં ફસાયાં છીએ.’

‘એ બધી વાત પડતી મૂક અને પહેલાં ચા બનાવ. હું તારી ચિંતાથી અજાણ નથી. પણ આપણી પાસે બધું વિચારવાનો ને ભવિષ્યનાં પગલાંનો પ્લાન કરવાને ઘણો સમય છે.’

ક્ષમાએ ચા બનાવી ને એ પીતાં એણે કહ્યુ: ‘તારી પાસે તો રહેવાનું આવું મકાન પણ છે. પણ મારે તો છૂટાછેડાની વાત શરૂ થાય એ પહેલાં જ અમારા ઘરમાંથી બહાર નીકળી જવું પડે. હવે તું જ કહે મારાથી અહીં આવીનેય કયે મોંએ રહેવાય, જો તેં તન્વીથી છૂટાછેડા ન લીધા હોય તો?’

‘એટલે જ કહું છું કે તું મને આવતીકાલનો દિવસ આપ. પરમ દિવસે આપણે પાછાં મળીએ. આપણી બધી ચિંતાઓ દૂર થઈ ગઈ હશે. બોલ, ક્યાં મળવું છે? તું કહેતી હો તો હું મુંબઈ આવી જાઉં.’

‘ના મુંબઈ નહીં. હું જ પરમ દિવસે અહીં આવી જઈશ.’

તે દિવસે તો વાત આટલેથી પતી. વાત પતી શું વાતમાં વિરામ પડ્યો. પરમના મનમાં વિચારોનું ઘમસાણ ચાલું થઈ ગયું હતું. તો બીજી બાજુ ક્ષમાનું ગભરાતું દિલ પણ તરહ તરહની કલ્પનાઓ કરી એને મુંઝવતું હતું. એને ખબર હતી કે પરમ ભલે ગમે તેટલા ફુંફાડા મારતો હોય પણ એનાથી તન્વીને છૂટાછેડાની વાત નહીં જ કરી શકાય. એમાં તો પોતે જ કાંઈક કરવું પડશે.

ક્ષમા એ રાતે વડોદરામાં રોકાઈ પણ બેમાંથી કોઈને આજે જાણે પ્રેમ કરવાનો ઉમંગ જ ન હતો. બીજે દિવસે સવારમાં ક્ષમા મુંબઈ જવા તૈયાર થઈ ત્યારે પરમે કહ્યું: ‘તું આ ફોટા અને કાગળ અહીં મૂકતી જા. ને જાણે કશું બન્યું જ નથી એમ રાબેતા મુજબ નોકરી પર જજે. ને ઉતાવળી થઈને શૈલને હમણાં કશું કહેતી નહીં.’

પરમના મનમાં શૈલને રૂબરૂ મળીને પોતાનું પોલ જાતે જ ખોલવાનો પ્લાન હતો. ને જે વાત કરતાં ક્ષમા કદાચ ખચકાય એ છૂટાછેડાની વાત પોતે જ એની સામે મૂકવા માગતો હતો.

બીજે દિવસે બપોરે નીકળી સાંજના ચાર વાગ્યા પહેલાં એ શૈલની ઓફિસની નીચે આંટા મારતો હતો. બહાર આવતાં શૈલે એને જોયો ને આજે તો ફર્માસ્યુટિકલના કર્મચારી તરીકે નહીં પણ ક્ષમાની સાથે લફરું કરનાર તરીકે એને ઓળખી લીધો ને સામેથી બોલાવ્યો: ‘અરે પરમભાઈ, આપણે ફરીથી પાછા મળ્યા. આજે તો તમારે મારે ઘેર આવવું જ પડશે.’

પરમને થયું કે અહીં રસ્તામાં ચોખવટ કરવા કરતાં એના ઘરમાં જ ચોખવટ કરવી વધારે અનુકૂળ પડશે એટલે એણે એમાં વાંધો ન લીધો. બેય જણા શૈલની કારમાં એના ફ્લેટ પર પહોંચ્યા. પદ્માએ બારણું ખોલ્યું ને એ પણ પરમને ઓળખી ગઈ. ‘આવો.’ એણે કહ્યું.

‘આ મારાં પત્ની પદ્મા, તમે તે દિવસે લગ્નમાં એમને જોયાં જ હશે.’

‘આ તમારાં પત્ની!’

‘કેમ તમને કોઈ શંકા છે? એવું હોય તો તમને અમારા લગ્નનું આલ્બમ બતાવું.’ મજાક કરતાં શૈલે કહ્યું. પછી પદ્માને કહે: ‘પરમભાઈ આજે આપણી સાથે જમવાના છે તો કશુંક યોગ્ય બનાવો. ત્યાં સુધીમાં અમે વાતો કરીએ. લાગે છે કે પરમભાઈને કશીક મુંઝવણ છે.’

‘મુંઝવણ! મારે!’ પરમ છપાતાં લોચા મારવા માંડ્યો.

‘મુંઝવણ તો ખરી જ ને! તમે પદ્માને મારી પત્ની માની શકતા નથી એટલી તો ખરી જ ને! તમે શાંતિથી બેસો એટલે હું તમારી મુંઝવણનું નિરાકરણ કરું.’ હસતાં શૈલે કહ્યું ને પરમ વધારે ગૂંચવાયો.

‘હું ખરેખર ગૂંચવણમાં પડી ગયો છું. મને તો એવી માહિતી મળી હતી કે તમારાં પત્નીનું નામ ક્ષમા છે.’ ગૂંચવાતાં પરમે કહ્યું.

‘તો તમારા પર પણ બ્લેક મેલરની જાસા ચિઠ્ઠી આવી છે કે શું?’ શૈલે પૂછ્યું.

‘તો તમને બધી ખબર છે?’

‘સરનામું અમારું હોય એટલે એવી ચિઠ્ઠી પહેલી તો અમારા પર જ આવે ને! જુઓ ક્ષમા અમારી દેસ્ત છે અને અમને એના પર પૂરો ભરોંસો છે. અમને લાગતું જ હતું કે એ કોઈ ખોટું કામ તો ન જ કરે. પછી એણે તમને ખોટું સરનામું શા માટે આપ્યું?’

‘કદાચ એના પતિથી સંતાડવા માટે હોય!’

‘એના તો ત્રણ વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયેલા છે અને અમને ખબર છે કે એ હજુ પરણી નથી અને એકલી જ રહે છે.’

‘મને અત્યાર સુધી એવી ખબર હતી કે એ પરણી ગયેલી છે એટલે અમે ચોરીછૂપીથી મળતાં હતાં.’

‘તમે લોકો જો ગંભીરતા પૂર્વક આ સંબંધ વિકસાવતાં હો તો એમાં કશું ખોટું નથી. તમે તો પરણેલા નથી ને!’

‘ના. વાત એમ બની છે કે અમે બેય એકબીજા સાથે પરણેલાં હતાં. ત્રણેક વરસ પહેલાં અમે છૂટાં થઈ ગયાં હતાં. પછી અચાનક ગયે વરસે અમે મળી ગયાં ને પાછાં પ્રેમમાં પડી ગયાં.’

‘તમે બન્ને એકલાં છો તો પછી એમાં વાંધો ક્યાં આવ્યો કે એણે પોતે પરણી ગઈ છે એમ તમને જણાવવું પડ્યું?’ ગૂંચવાતાં શૈલે પૂછ્યું.

‘મને લાગે છે કે એમાં મારી જ ભૂલ થઈ ગઈ. મેં એને પૂછ્યું કે એ પરણી ગઈ છે? તો એને થયું હશે કે હું પરણી ગયો હોઉં તો શું! એટલે એણે મને એમ કહ્યું કે હું પરણી ગઈ છું. મને લાગે છે કે મને પરણી ગયેલો માનીને એણે પણ પોતે પરણી ગઈ હોવાનું કહ્યું હશે.’

‘છતાં તમે બન્ને પાછાં લપટાયાં!’

‘હું કાયમ માનતો રહ્યો કે હું તમારો દ્રોહ કરું છું એમ એય માનતી હશે કે એ મારી કલ્પીત પત્ની તન્વીનો દ્રોહ કરી રહી છે. તમે મને તમે ક્ષમાનું સરનામું આપો એટલે હું એને ત્યાં પહોંચી એને આનંદાશ્ચર્ય આપવા ઊપડી જાઉં.’

‘આપણે એક વખત જમી લઈએ. અમનેય તમારી સાથે આવવું ગમત પણ અમારે ક્ષમાને શરમાવવી નથી એટલે સાથે નહીં આવીએ પણ અમને લગ્નમાં બોલાવવાનું ન ચૂકતા.’

પરમ છૂટાછેડાની ચોખવટ કરવા આવ્યો હતો પણ શૈલ અને પદ્માના વહેવાર અને ક્ષમા પ્રત્યેનો એમનો ભાવ જોઈ એને એમના પ્રત્યે માન ઉત્પન થયું. એમણે પરમને પ્રેમથી જમાડ્યો.

છૂટાછેડા: ઓપન સીક્રેટ-(૨૦)જયંતીભાઈ પટેલ

સીક્રેટ ઓપન્ડ

શૈલ અને પદ્મા સાથેની વાતથી એક વખત તો પરમ ગુંચવાડામાં જ પડી ગયો પણ પછી તરત એ ખુશ થઈ ઊઠ્યો. ક્ષમા પરણેલી નથી એ જાણી એના મન પરથી જાણે હજાર મણનો બોજા ઊતરી ગયો હોય એમ એ અનુભવી રહ્યો. એણે કહ્યું: ‘તમે ક્ષમાને ફોન કરીને કશું જણાવતા નહીં. હું એને આશ્ચર્યમાં નાખવા માગું છું.’

‘અમને તમારી વાત હજુ સમજાઈ નથી. ક્ષમાએ પોતાની સાચી ઓળખ આપવાને બદલે પોતાની અટક ભટનાગર શા માટે જણાવી એ એક કોયડો છે.’ શૈલે કહ્યું.

‘ગયે વરસે અમે અચાનક ભેગાં થયાં ત્યારે એણે મારી સામે જુઠાણું ચલાવ્યું કે એ પરણી ગઈ છે. ને મેંય સામું જુઠાણું ચલાવ્યું. મેં તો એને મારી પત્નીનું કાલ્પનિક નામ આપ્યું પણ એણે તો તમારું સાચું નામ જ આપ્યું. પણ અમે બન્ને છૂટાછેડાથી સંતુષ્ઠ ન હતાં એટલે અમે અમારાં આ કાલ્પનિક જુઠાણાંની આડમાંય નવો સંબંધ બાંધ્યો.’

‘પણ પછી તો તમારે ચોખવટ કરી લેવી જોઈએ ને!’

‘પણ અમે સામાના જુઠાણાને સાચું માનીને વળગી રહેલાં એટલે એ કેવી રીતે શક્ય બને? મને કાયમ તમને છેતરતા હોવાનો અહેસાસ રહ્યા કરે ને એને મારી પત્ની તન્વીને છેતરતી હોવાનો. આજે તમારી સાથે ચોખવટ થયા પછી મને સાચી વાતની જાણ થઈ છે ને એટલો આનંદ થયો છે કે જેની તમને કલ્પના પણ નહીં આવે. ક્ષમા તો હજુ તન્વી મારી પત્ની છે એવા ભ્રમમાં જ હશે. તમે મને એનું સરનામું આપો એટલે હું એને આનંદાશ્ચર્ય આપવા ઊપડી જાઉં.’

શૈલ પાસેથી ક્ષમાનું સરનામું લઈને પરમ ક્ષમાને ત્યાં જવા ઊપડ્યો ત્યારે એના પગમાં અનેરો થણગણાટ વર્તાતો હતો. રસ્તામાંથી એણે ફ્લાવરનો એક બુકે લીધો એને પેંડાનું પડીકું લઈને ટેક્સીમાં એ ક્ષમાની ચાલી પર આવ્યો.

દાદર ચઢી એણે ક્ષમાને બારણે ટકોરા માર્યા. ક્ષમા હજુ હમણાં જ નોકરી પરથી આવી હતી. આ ટકોરા સાભળતાં એને થયું કે પાડોસવાળાં માણેકબા આવ્યાં હશે. એણે બારણું ખોલતાં રોજની ટેવ મુજબ કહ્યું: ‘આવો.’ પણ સામે પરમને ઊભેલો જોતાં એના પગ જાણે બારણામાં જ જડાઈ ગયા. પોતાનું મરીનલાઈન્સનું જુઠાણું પકડાઈ ગયાનો ક્ષોભ એના મોં પર રમી રહ્યો.

‘તું એક બાજુ ખસે તો હું અંદર આવી શકું ને! કે તારો વિચાર બારણું પાછું વાસી દેવાનો છે?’ હસતાં પરમ બોલ્યો.

શરમ, ગભરાટ અને ક્ષોભના મિશ્રભાવ સાથે એક તરફ ખસતાં ક્ષમાથી માંડ બોલાયું: ‘તું અહીં?’

‘એમાં આટલી આશ્ચર્ય શું પામે છે! આપણે કાયમ વડોદરામાં જ મળીએ છીએ તે કદીક ચેઈંજ માટે મુંબઈમાં ન મળાય?’ કહેતાં પરમે ક્ષમાના હાથમાં બુકે થમાવી દીધો એટલે ક્ષમા વધારે ગુંચવાઈ રહી.

‘કેમ ન મળાય? પણ તને મારું અહીંનું સરનામું કેવી રીતે મળ્યું? ને આ બુકે! શો વિચાર છે તારો આજે?’

‘સાવ સહેલું છે. આ જમાનામાં પૈસા ખરચતાં માગી ચીજ મળી જ જાય છે ને! શાંતિથી બેસ આપણી પાસે બધી વાતો કરવાનો ઘણો સમય છે. હું જમીને આવ્યો છું એટલે તારે ખાવાનું બનાવવાની ચિંતા નથી. શાંતિથી બેસ.’ પરમે હસતાં કહ્યું પણ ક્ષમા વધારે ને વધારે ગુંચવાતી જતી હતી. પરમનું અહીંનું સરનામું શોધીને અચાનક અહીં આવવું એના ગભરાટમાં ઉમેરો કરી રહ્યું હતું.

‘જો, આ ચાલી છે. અહીં વડોદરા જેવું નથી. અહીં બધાં પાડોસીઓ એકબીજાનામાં માથું મારતાં હોય છે. કોઈને વાત કરવાનું બહાનું મળે.’ પોતાને ગભરાટ છુપાવતાં એણે કહેવા કર્યું.

‘આજે તો હું નક્કી કરીને જ આવ્યો છું. તારા છૂટાછેડા કરાવીને જ જઈશ. પછી બીજે જ દિવસે હુંય છૂટાછેડા લઈ લઈશ. હવે આપણે છુપાતાં રહેવું પડે કે કોઈ જાણી જશે એની બીકમાં ફફડતાં રહેવું પડે એવું રહેવા દેવું નથી.’ પરમે પોતાની રીતે મજાકમાં કહ્યું.

‘પણ મેં તને કહેલું તો છે જ કે મારા છૂટાછેડાની તારે ચિંતા કરવાની નથી. એનું તો હું મારી રીતે ફોડી લઈશ.’ ક્ષમાં હજુ પોતાના જુઠાણાને વળગી રહી.

‘તેં તારી રીતે એ ફોડી ન લીધું એટલે તો મારે મુંબઈ આવવું પડ્યું. હું શૈલ ભટનાગરને મળીને આવ્યો છું.’

‘હેં?’ કહેતાં ક્ષમાના મોં પર કંઈ કેટલાય ભાવ આવી ગયા. એને તો શું બોલવું એનીય વિમાસણ થઈ પડી. જો પરમ શૈલને મળીને આવ્યો હોય તો પોતાની પોલ ખુલી જ ગઈ હોય! હવે પોતે કયે મોંએ શૈલ અને પદ્માને મળી શકશે એની દ્વિધા એના મોં પર અંકીત થઈ ગઈ.

‘હેં શું? મેં બધુંય પતાવી દીધું છે. જેમ શૈલ તારી સાથે પરણ્યા વગર તને છૂટાછેડા આપી શકતો નથી એમ તન્વી પણ મારી સાથે પરણ્યા વગર મને છૂટાછેડા ક્યાંથી આપી શકે? એટલે આપણે કોઈએ છૂટાછ્ડા લેવાના જ નથી. આવતે અઠવાડિયે જ પાછાં પરણી જઈશું એવું નક્કી કરીને જ હું અહીં આવ્યો છું.’

‘એટલે તુંય મારી જેમ…’ પોતાનું જુઠ પકડાઈ ગયું એના ક્ષોભમાંથી, પરમ તન્વી સાથે પરણેલો નથી એ જાણતાં જ ક્ષમા આનંદમાં આવી ગઈ.

‘હા, તારી જેમ જ. આખું વરસ આપણે છુપાઈને ગુનાહીત ઓથારમાં પ્રેમ કર્યો. પેલા બ્લેકમેઈલરે આપણે કારણે બાપડાં ભટનાગર દંપતિને જાસા ચિઠ્ઠિ મોકલી ચિંતામાં નાખી દીધાં. હું એમને ત્યાંથી જ આવું છું.’

‘મારે એમની સામે શરમાવાનું થશે ને તારે તન્વીની સામે.’

‘ના, એ તો મને જાણતીય નથી. એનો ભાઈ અમારી ઓફિસમાં કામ કરે છે. એણે આપણે છૂટાં પડ્યાં પછી એની બેનનો ફોટો મને એટલા માટે આપ્યો હતો કે એ મને પસંદ આવી જાય તો એ આગળ વાત ચલાવે. પણ મેં એમાં રસ બતોવેલો નહીં પણ એ ફોટો મારી પાસે રહેલો. તે દિવસે તું અચાનક મળી ગઈ અને ઘેર પણ આવી એટલે મેં એ ફોટો ફ્રેમમાં મૂકી દીધો અને મારી પત્નીનું તન્વી નામ તો મેં તને વેલકમ હોટેલમાં જણાવેલું જ હતું. હા, એનું નામ તન્વી નથી પણ જાહ્નવી છે. હજુ બે મહિના પહેલાં જ એનાં લગ્ન મિહીર સાથે થયાં એમાં મારે જવાનુંય થયેલું.’

‘આપણે બેય કેટલાં મૂરખાં છીએ! મેં આ શૈલનું જુઠાણું ચલાવ્યું અને સામે તેં તન્વીનું.’

‘મને એમ કે તું પરણેલી હોય તો હું હજુ એકલમુડિયો રખડ્યા કરું છું એવું સ્વીકારતાં મને શરમ આવે જ ને!? એટલે મેં તને પૂછેલું કે તું પરણી ગઈ છે કે હજુ એકલી જ છે? એમાં થોડી વટની અકડાઈ પણ ખરી.’

‘ને મેં શૈલની સાથે પરણી ગયાનું કહેલું એમાંય તું કદાચ પરણી ગયો હોય તો તારા લગ્નજીવનમાં વચમાં ન આવવાનો વિચાર કરીને કહેલું.’

‘ને તોય આપણે એકબીજાના લગ્નજીવનની વચમાં આવ્યા વગર ન જ રહ્યાં ને!’

‘આપણે બેય મનથી જુદાં થયેલાં ન હતાં એટલે અનાયાસે જ એકબીજા પ્રત્યે ખેંચાતાં રહ્યાં. એમાં આપણે એકબીજાના કાલ્પલિક જીવન પર પડનારા પ્રત્યાઘાતોનેય વિસરી ગયાં.’

‘હું કાયમ તારા છૂટાછેડાની અને તું મારા છૂટાછેડાની ચિંતા કરતાં રહ્યાં.’

‘ને કેવા ભયના ઓથાર નીચે અધ્ધર શ્વાસે મળતાં રહ્યાં! મારા મનમાં કાયમ તન્વીનો દ્રોહ કરતી હોવાનો ખ્યાલ રહેતો હતો પણ હું તારા પ્રત્યે ખેંચાતી જ રહેલી.’

‘મારુંય એવું જ હતું ને! તું ગમે તેટલી મક્કમતા બતાવે પણ મારા મનમાં કાયમ બીક રહ્યા કરતી હતી કે મારે કારણે તારા સંસારમાં એવો ડખો ઊભો થશે કે જેનો સામનો તું નહીં કરી શકે.’

‘એ બધી વાતો આપણે કાલે કરીશું. જો અંધારું થવા માંડ્યું છે. તારે જવામાં મોડું થશે.’

‘હવે શી ચિંતા છે? હું અહીં જ રોકાઈ જઈશ.’

‘અહીં? આ મુંબઈની ચાલી છે. તું અહીં રોકાય તો મારી તો કાલે સવારે ફજેતી જ થઈ જાય.’

‘તો ચાલ બહાર કોઈ હોટેલમાં જઈએ.’

‘ભલે. તું પહેલાં બહાર નીકળ. હું તને શેરીને નાકે પાંચ મિનિટમાં મળું છું.’

‘કેમ મારી સાથે નીકળતાંય તને શરમ આવે છે?’

‘તને નહીં સમજાય પણ મુંબઈની ચાલી એટલે ગામડાની શેરી. તું જા, હું આવું છું ને!’

બીજે દિવસે ક્ષમા પરમને સાથે લઈને હર્ષની ઓફિસમાં ગઈ. આજે એને બધી છોકરીઓને સાચી વાત કરવાની હતી.

એણે પરમનું ઓળખાણ આપતાં કહ્યું: ‘આ પરમ મહેતા છે. તમે બધાં કહેતાં હતાં કે મારે વડોદરામાં કાઈની સાથે લફરું છે તે આની સાથે જ હતું. તે વખતે હું વડોદરામાં પંદર દિવસ રોકાઈ હતી ત્યારે અમને એક્સીડન્ટ જ થયો હતો. વ્રજ સાચો હતો.’

‘તું એવી લુચ્ચી છું! હમણાં માસીની સામે તારી રેવડી કરીએ છીએ.’

‘એમને તો હું સમજાવી લઈશ.’

‘એની તો અમને ખબર છે જ. તું તો એમના પહેલા ખોળાની દીકરી છું ને!’

‘આજે હું તમને બધાંને પરમનું ઓળખાણ કરાવવા જ લઈ આવી છું. આવતે અઠવાડિયે અમે ફરીથી પરણી જવાનાં છીએ.’

‘ફરીથી એટલે?’

‘અમે પહેલાં પરણેલાં હતાં. પછી છૂટાં થઈ ગયાં હતાં. હવે ફરીથી પરણવાનાં છીએ.’

‘તારી વાતમાં મને ટો કશી હમજણ પડતી નીં મલે. જો ફરીથી પરણવાનાં હો ટો છૂટાં જ શું કરવા પયડાં ઉટાં?’

‘એમ માનો કે અમારા બન્નેનાં નસીબમાં બે બે લગન લખેલાં હતાં. પણ અમારે કોઈ અજાણી વ્યક્તિ સાથે પરણવું ન હતું એટલે અમે એનો ઉકેલ આમ કાઢેલો. આવતે અઠવાડિયે અમે પરણવાનાં છીએ. તમને બધાંને તો રજા નહીં મળે એટલે તમારાથી તો લગ્નમાં નહીં અવાય.’

‘શું જુગતે જોડી મળી છે! આય ક્ષમાના જેવા જ લુખ્ખા છે. જુઓ લગ્ન રવિવારે જ રાખજો. અમે શનિવારની સાંજથી જ સુમારે ત્યાં આવી જઈશું અને રવિવારની રાતે જ ત્યાંથી પાછાં આવીશું.’

‘ને અમે બધાં સહકુટુંબ આવીશું એટલે અમારા બધાંને માટે સારી હોટેલમાં રૂમો બુક કરાવી રાખજો.’

ક્ષમા ને પરમનાં એ બીજાં લગ્નને પાંચ વરસ વીતી ગયાં છે. ક્ષમાએ વડોદરાની ઓફિસ સંભાળી લીધી છે ને પરમ હજુ લાક્સાફાર્મામાં જ નોકરી કરે છે. બેય પોતાનાં બે સંતાનો સાથે આનંદથી રહે છે. હજુય ક્ષમાનો પગાર પરમના ખાતામાં જ જમા થાય છે. હવે કોઈ અલગ ખાતું ખોલાવવાની વાત કરતું નથી.

11 Responses to છૂટાછેડા: ઓપન સીક્રેટ

 1. Harsha Jethava કહે છે:

  How do I get to chapter 12th & onward for this story

  Like

 2. smsfunzone કહે છે:

  jordar… છૂટાછેડા: ઓપન સીક્રેટ vanchvani khuba j maza aavi gai ane atyar sudhine akhi story ek j bethake vanchvi nakhi… varta agal vadhe eni dil thi rah jou chhu…

  Like

 3. preeti કહે છે:

  aaturta thi rah jou chu ke aagal shu avse

  Like

 4. BUNTY કહે છે:

  request all of u aagal ni story malta pl forward to my vanjaramanish@yahoo.co.in per mokalso

  intresting story

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.