ક્યા સંબંધે….?(૧૮) પૂર્વી મોદી મલકાણ

 પ્રિયલ અને ક્ષિતિજના લગ્ન પછી રિશેપ્શનની પાર્ટીમાં સગાવહાલા, મિત્રો, ઓફિસ કલીકનો મેળો જામ્યો હતો. અલકમલકની વાતો સાથે હાસ્યની છોળ ઊડી રહી હતી. કોણ કોને મળીને ખુશ હતું કે કોઈ કેવળ દેખાડવા માટે હાસ્ય કરી રહ્યું હતું તે કહેવું મુશ્કેલ હતું. વિવિધ પ્રકારના કુઝિનની મન લલચાવતી સુગંધ ચારેકોર રેલાઈ રહી હતી, આજે પહેલીવાર પાર્ટી થઈ રહી હતી. રાજસ્થાની લોકગીતો વાતાવરણને સુમધુર સંગીતમય અને ઘોંઘાટીયું બનાવી રહ્યા હતાં. પ્રિયલના મમ્મી પાપા સુષ્મા અને તપનભાઈ ક્ષિતિજના સગાવહાલાઓને મળી રહ્યા હતાં. ક્ષિતિજની મમ્મી પલ્લવી અને પાપા શશાંકભાઈ પોતાના બધાજ સગાવહાલાઓનો પરિચય વેવાણ સુષ્માબહેન અને તપનભાઈ સાથે કરાવતા કરાવતા આગળ વધી રહ્યા હતાં. ત્યાં દૂરથી કોઈ આવ્યું. તેમને જોતાં જ પલ્લવીબેન લે હું ક્યારની તમારી જ રાહ જોતી હતી, બોલતા ઉમળકા સાથે આગળ વધી ગયા.     

થોડીવાર પછી  

એ સુષ્માબેન અહીંયા આવોને ……એમ કહી દૂરથી પલ્લવીબહેને હાંક મારી.  

એ આવી હો પલ્લવીબેન…… કહેતા સુષ્માએ હાથ ઊંચો કર્યો. ત્યાં જ પલ્લવીબહેન આગળ આવ્યા ને કહે સુષ્માબહેન મારે તમને ખાસ વ્યક્તિ સાથે મેળવવા છે તો આવો ને ……. 

હા….હા આ આવી…. એક મિનિટ તમારા ભાઈને કહી દઉં…? નહીં તો એ મને શોધતા રહેશે. કહેતા સુષ્માબહેન પતિ તપનભાઈ પાસે ગયા અને પલ્લવીબેન સાથે પોતે છે એમ જણાવી દીધું.  

સુષ્માબેન મારે તમને જેની સાથે મેળવવા છે તે મારા પિતરાઇ ભાઈ છે, પણ એમના એ ખાસ મિત્ર છે. ને તમને ખબર છે એય તમારા જ ગામના છે.  

એમ …કહેતા સુષ્માબહેન આગળ વધ્યાં.

 સુષ્માબેન જુઓ આમને મળો આ સુદીપભાઈ ને આ મારા જયશ્રી ભાભી. કહી પલ્લવીબહેને પરિચય કરાવ્યો.

કેમ છો? હું જયશ્રી તમારા વેવાણની ખાસ બહેનપણી ને પાછી સગીયે ખરી.

 ને આ મારા પતિ સુદીપ……

 સુદીપ …….હં…….? હં……. કહેતા સુષ્મા થોડી આડી ફરી, ને હલો કહેવા માટે હાથ લંબાવ્યો, ને સુદીપ તરફ નજર ફેરવી. પ્રૌઢતાને આરે એ ઉભેલા પુરુષને જોઈ એ સ્તબ્ધ થઈ વિચારવા લાગી કે ક્યાંક આ એજ તો જૂનો પરિચિત ચહેરો તો નથી ને…..? ને અણસારે ય કાંઈક એવી જ છે પણ ના….ના આટલા વરસ પછીક્યાંથી હોય ? ને હોય તો ય શું? એવી એણે કઇ પળો ને સાચવી રાખી છે જેને એ પ્રેમથી યાદ કરે……એટ્લે કેમ છો કેમ નહીં ઔપચારિકતા પૂરી કરી ઓળખાણ કાઢી. 

 વાતચીત કરતાં કરતાં સુષ્માને જાણવામાં આવ્યું કે આ એજ ક્ષણોની વ્યક્તિ છે જેને તે ઘણી જ કટુતાથી વર્ષો પહેલા પાછળ છોડી ચૂકી છે. તેથી વધુ સમય એજ અતીતના બારણે ગુજારવા કરતાં અહીંથી અજાણ્યા બનીને નીકળી જવું એજ બહેતર રહેશે. એમ માની સુષ્મા કહે પલ્લવીબેન લાગે છે કે તમારા ભાઈ મને બોલાવી રહ્યા છે, તમે વાત કરો હું આવી કહેતા સુષ્માબેન ત્યાંથી નીકળી ગયા.

*****@****

અનેક સગાવહાલાઓ સાથે વાતચીત કરતાં કરતાં સુષ્માનું મન પળભરમાં ૩૦ વર્ષ પાછળ ચાલ્યું ગયું હતું. તેથી જ્યાં હતાં ત્યાં ઊભા ન રહી શકતા સુષ્માબેન ત્યાં રહેલી દૂર રહેલી ખુરશીમાં જઇ બેસી ગયા. અને ફરી એજ અતીતની જૂની ગલિયારીમાં ફરવા નીકળી પડ્યાં. જ્યાં હતી એક નવયુવતી સુષ્મા અને નવયુવાન સુદીપને…… કેટલો બધો પ્રેમ કરતી હતી, કદાચ યૌવનમાં આવી પ્રથમ પ્રેમનો અણસાર એ સુદીપ હતો. અનેક વડીલોની તીર જેવી નજરોમાંથી બચીને એક-બીજા તરફ જોઈ લેવું, ધક ધક કરતાં હૃદયથી તે સમયને માણી લેવો, થોડી પળોનો એકાંત મળતા એકબીજા સાથે વાતો કરી લેવી. આજુબાજુમાં જ રહેવા છતાં યે એકબીજાને પત્ર લખતાં. ને એક દિવસ બંને સાથે મળીને એક સુંદર બગીચો વસાવીસું એવું દીવા સ્વપ્ન પણ જોઇ લેતા.

 સુષ્મા તું ઠીક છે ને..? કેમ અહીં બેસી ગઈ? પતિ તપનનો સ્વર સાંભળી  સુષ્મા ફરી વર્તમાનમાં આવી ગઈ.

 એ તો જરા હું ઊભા ઊભા થાકી ગઈ એટ્લે બેસી ગઈ.

 તો હું અહીં રહું? તારી પાસે ? તપનભાઈ બોલ્યાં.

 એ ના..ના તમે તમારે મિત્રો સાથે મળો હું થોડીવારમાં આવી 

 તું ઠીક છો ને? તપનભાઈએ પૂછ્યું.

 હા…હા…સારું છુ તમે ચિંતા ન કરો સુષ્મા બોલી.

 સારું કહેતા તપનભાઈ ત્યાંથી ગયા અને મિત્રોના ટોળામાં ભળી ગયા.

 

આ ખુરશી ખાલી છે તો હું અહીં બેસી શકું કે? 

અવાજ આવતા સુષ્માએ હા….હા કહેતા બાજુની ખુરશી થોડી સાઈડમાં કરી.  

બાજુની ખુરશી પર બેસવાનો અવાજ આવતા તેણે તે બેસનાર સામે જોયું ને સુદીપને જોતાં ચોંકી ઉઠી પણ એ ચૂપ રહી.  

સુષ્મા તને એકલી બેસેલી જોતાં હું હિંમત કરીને આવ્યો, થોડી વાત કરવી છે. સુદીપ બોલ્યો.

 હા કહો શું કામ છે.

 સુષ્મા તારી માફી માંગવી છે આજે .

 શા માટે?

 વર્ષો પહેલા જે ભૂલ કરેલી તે ભૂલો માટે.

 જુઓ વર્ષો વીતી ગયા છે અને તે સમયે ય પસાર થઈ ગયો છે માટે તે સમયમાં કરેલી ભૂલોની માફી આજે માંગીને તે સમયને પાછો લાવવાની ભૂલો હવે ફરી કરવી નથી, કારણ કે આજે આપણે બંને અલગ અલગ માર્ગના રાહી છીએ. માટે જે સમય વીતી ગયો છે તે ભૂલી જાવ.

 સુષ્મા એકવાર મને માફી માંગી લેવા દે જેથી કરીને મારા મનને શાંતિ વળે સુદીપ બોલ્યો.

 જુઓ વાતને ખેંચી ખેંચી લાંબી કરવાથી કશું વળતું નથી આપણાં બંનેની આજ જુદી છે માટે વર્તમાનમાં ખુશ રહીએ તે જ યોગ્ય છે. માટે તમે ય …….

 તમે…..સુષ્મા હું તો તારે માટે તું હતો ને?

 તું એ ગઇકાલની સુષ્મા માટે હતો આજે તમારો ને મારો સંબંધ જુદો છે તો હું તમને ક્યાં સંબધે તું કારે બોલાવું?

 પણ સુષ્મા…….

 જુઓ આપણી આજ જુદી છે તેથી તમે તમારી આજ ને જ મહેસૂસ કરો ને તમારા જીવનસાથીના સાથને એન્જોય કરો, ને મારા ગઇકાલમાં રહેલા બ્લેકમેલરનું મારા આજમાં ક્યાંય અસ્તિત્વ નથી……કહેતા કટુતા સાથે સુષ્મા ત્યાંથી ઊભી થઈ અને દીકરી –જમાઈ તરફ ચાલી નીકળી.

 બ્લેકમેલર……આટલા વર્ષો પછી યે તે મને માફ નથી કર્યો તેની ખાતરી થઈ ગઈ સુષ્મા, પણ તે મને માફ કરી દીધો હોત તો….

 

 હવે એ સમય પાછો નહીં આવે જે સમયમાં તમે લટાર મારવા નીકળા છો. પાછળથી આવેલા અવાજે અને ખભા મુકાયેલ હાથને કારણે સુદીપ ચોંકીને જોવા લાગ્યો, ને પછી કહે તમે…? તમે કોણ…?

ઓહ હું તપન ……મે તમારી વાત સાંભળી

 એ તો…..અમે એમ જ વાતો કરતાં હતાં…..સુદીપ બોલ્યો.

 હા હું જાણું છુ. પણ તમને એક વાત કહું? એ તમને તું નહીં કહે. કારણ કે તું કારનો એ પ્રેમભર્યો અધિકાર તમે ખોઈ દીધો છે.

 તમને કેવી રીતે ખબર? સુદીપે પૂછ્યું.

 “જ્યારે સુષ્માના મમ્મી પપ્પાએ તમારો સંબંધ એની સાથે જોડાવા ન દીધો ત્યારે તમે એણે બ્લેકમેઈલ કરવાનું ચાલું કરેલું એના એજ જૂના પ્રેમ પત્રોને સહારે, એ વખતે એને પોતાના એ કાયર પ્રેમ માટે ખૂબ અફસોસ થયો તો, તે બધી જ વાત એણે મને કરી દીધી હતી.”

 “કરી દીધી હતી?” એટ્લે કે એ સમયે સુષ્માનું તમારી સાથે ય પ્રેમ પ્રકરણ ચાલતું હતું? 

ના એ સમયે તો નહોતું ચાલતું, પણ તમારી ને એમની વાત સાંભળ્યા પછી ચાલુ થયું. 

ઓહહ….. તો…તો તમે એમને સારી રીતે ઓળખતા લાગો છો સુદીપ બોલ્યો.  

હા…..બહુ જ સારી રીતે. એટ્લે જ કહ્યું કે એ તમને તું કારે નહીં બોલાવે, પણ મને બોલાવશે.  

એમ…? કેવી રીતે ? ક્યો સંબંધ છે તમારે એની સાથે ને ક્યા સંબંધે એણે તમને બધી યે વાત કરી દીધી? થોડા ઈર્ષાના ભાવથી કટાક્ષ કરતાં સુદીપ બોલી ઉઠ્યો.  

જુઓ જે સમયે એણે મને વાત કરી હતી તે સમયે તો મારો કોઈ જ સંબંધ ન હતો, પણ આજે એ ક્ષણોને ખાતર બહુ સરસ સંબંધ છે.  

એટ્લે ..? તમે શું કહેવા માંગો છો? સુદીપે પૂછ્યું.  

એ ક્ષણોને કારણે અમારી મિત્રતા થઈ, ને પછી એ મને એની સાથે પ્રેમ થયો ને પ્રેમના પરિણામે એના આજમાં અને આજના સંબંધમાં સુદીપનું નામોનિશાન ક્યાંય નથી તેના રોમ રોમમાં હું જ કિરણ રૂપે તપુ છુ.

 કેમ? ક્યા સંબંધે ? સુદીપે પૂછ્યું.

એના પ્રેમી પતિ હોવાના સંબંધે…….કહી તપનભાઈ ત્યાંથી ચાલી નીકળ્યા ને સુદીપ તેમને જતાં જોઈ રહ્યો.

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ

Purvimalkan@yahoo.com

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

One Response to ક્યા સંબંધે….?(૧૮) પૂર્વી મોદી મલકાણ

  1. પિંગબેક: ક્યા સંબંધે….?(19) પૂર્વી મોદી મલકાણ | શબ્દોનુંસર્જન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s