નયનોનાં કોરની ભીનાશ

નયનોનાં કોરની ભીનાશ -() વિજય શાહ

June 24, 2011vijayshahસંપાદન કરોLeave a commentGo to comments

 

સત્ય ઘટનાનાં આધારે આજથી શરુ થાય છે નવી નવલકથા

દિશાભાભીનાં ફોનથી સ્વયં હબક ખાઇ ગયો..”શું વાત કહો છો ભાભી ! ક્ષિતિજની કીડની બ્લોક છે?”

હા સ્વયં ભાઇ! અને હાલ હોસ્પીટલમાં ડાયાલીસીસ માટે લઇ જઇએ છે તમે હોસ્પીટલ પહોંચો…”

દિશાનો ફોન મુકાયો અને સ્વયંનાં મગજમાં નાની ઉંમરે સાયણના ફ્લેટ્ના ત્રીજે માળે રહેતા ક્ષિતિજ અને દિશાની  મીઠી નોક ઝોક યાદ આવી ગઈ..ત્યારે દિશા જબરી હસમુખ અને ઉત્સાહ્થી ભરેલી યૌવના હતી અને  ક્ષિતિજ તેને છુપાઇ છુપાઇને જોતો અને મનો મન કહેતો કે દિશા તેના જીવનમાં આવી જાય તો  તે જિંદગીને પૂર્ણ રૂપથી પામી જાય. દિશા હતી તો ચંચળ પણ આટલું તે વિચારતી નહીં. પણ  જ્યારે ક્ષિતિજની બહેન અંબરે ફોડ પાડીને પુછ્યું કેક્ષિતિજ તને ચાહે છે જો તારી હા  હોય તો તારી મમ્મી પાસે માંગુ કરવા આવીયે.”ત્યારે પહેલી વખત દિશા બોલી

 “ક્ષિતિજ અને હું?..અરે! મેં તો કદી એને એવી નજરે જોયો નથી.”

તો હવે જો..” આટલુ કહીને અંબર તો જતી રહી પણ દિશા વિચાર વમળમાં ધસી ગઈ.

ક્ષિતિજને તેણે ધ્યાનથી જોવાનું શરુ કર્યુતેને તો ઉડલઈ ઉડલી યો કરતો રાજેશ ખન્ના ગમતો હતો..પણ તેણે ડીંપલ કાપડીયાનો સાથ લઈ લીધો હતોલીફ્ટ્માં તે પહેલી વખત ક્ષિતિજને જોતા શરમાઈ. અને ક્ષિતિજે એને પુછ્યુ પણ ખરું કેદિશા હવે કેટલી વાર તું શરમાતી રહીશ? શ્રાવણ ચાલ્યો…”

તેમાં હું શું કરું?”

કરવાનું તો મારેછે પણ તો જનમ જનમનાં ફેરાં..એટલે તારી રજામંદી તો જોઇએને?”

ક્ષિતિજ! અંબરને વચ્ચે નાખવાને બદલે મારી સાથે સીધી વાત કેમ ના કરી?”

જો તને રાજેશ ખન્ના ગમતો હતો તેથી તો હું પેંટ ઉપર ઝભ્ભા પહેરતો હતો..પણ તને તો હું દેખાતો ક્યાં હતો?”

લિફ્ટ ત્રીજા માળે ઉભી રહી હતી..ક્ષિતિજે સાતમા માળનું બટન દબાવી દીધુ.. તેથી લીફ્ટ ફરી ઉપર ચઢવા માંડી..દિશાની  આંખોમાં ગુસ્સો દેખાતો હતો. તેથી સાતમે માળે પહોંચેલી લીફ્ટ ૩જામાળે ફરી લેવડાવી. દિશા સહેજ મલકી પછી બોલીબીકણ છે તુ તો..”

નારે ના મારે જે જાણવું હતું તે મેં તારા ચહેરામાં વાંચી લીધું.”

શું?”

તુજકો મુજસે પ્યાર હૈ..”

ના ના.. એમ ગળે ના પડ..”

તો તુજ કહે હું ક્યાં પડુ?”

ત્રીજા માળે આવેલી લીફ્ટ્ને તે ખુલે તે પહેલા સાતમા માળનુ બટન દિશાએ દાબી દીધું. સાતમાં માળના બા રણે થી એક સીડી ચઢીને ઉપર ધાબે જવાતુ હતું. ક્ષિતિજે દિશાનો હાથ પકડ્યો..બે આંખ મળી ઝુકી અને ધાબા પર જતા પગથીયાઓ હાથ પકડીને બંને સાથે ચઢ્યા..દિશાનું મન ધબકતું હતુંઢળતા સુરજનાં પ્રકાશમાં એણે ફરી ક્ષિતિજની સામે જોયુ..તે પણ પ્રસન્ન હતો..તેનું હાસ્ય દિશાને ગમ્યુ..પહેલી વખત એને લાગ્યું કે રાજેશ ખન્ના કરતા ક્ષિતિજ તો ઘણોજ ઘાટીલો છે. ક્ષિતિજે ધાબા પર પહોંચી ને તેનો હાથ છોડી દીધો. ધાબા ઉપર બે ચાર જણા ટહેલતા હતા તેથી પાણીની ટાંકી પાસે  તે બેઠો..તેની બાજુમાં દિશા પણ બેઠી..ફક્ત ક્ષિતિજ બોલતો હતો..દિશા તો મુગ્ધભાવ ધરીને સાંભળતી રહીતેનું મન અંદરથી તો નાચતુ હતુપંદર મીનીટની વાતોમાં તે બે વખત હા અને ના બોલી હતી..ક્ષિતિજે જ્યારે પુછ્યુ..મારી સાથે ધાબે આવીશને ત્યારે હા અને બીક લાગે છે ત્યારે ના.

સમય તો જાણે અટકી ગયો હતો..સુર્ય પણ ડુબી ચુક્યો હતો..ધાબુ જ્યારે સાવ ખાલી હતુ ત્યારે ક્ષિતિજે કહ્યુંકાલે મારી સાથે દાદર આવીશ? આપણે સાથે જમશું?”

દિશાએ નકારમાં માથુ હલાવતા કહ્યુંમમ્મીને પુછ્યા વિના હું એકલી નહીં આવું

ક્ષિતિજ ને દિશાનો જવાબ ગમ્યો અને નકારમાં હલતું મોં પણ મીઠડું લાગ્યું.

હાશ! તારી પાસે ગાડીની જેમ એક્સીલરેટર પણ છે અને બ્રેક પણચાલ અકસ્માત નહીં થાય..”

દિશા હસી અને લીફ્ટમાં થી બંને સાથે નીકળ્યાઅને સહેજ મસ્તક હલાવી બાય કરી.

સ્વયં હોસ્પીટલમાં પહોંચ્યો ત્યારે દિશા અને ક્ષિતિજ આવી ગયા હતા..ક્ષિતિજ ને પેટમાં દુઃખાવો થતો હતો અને તેની ડાયાલીસીસ માટેની તૈયારી થતી હતી. સ્વયં ને જોઇને ક્ષિતિજ સહેજ મલક્યો અને બોલ્યો..

મને તો એમ હતું કે જેમ કારમાં બેટરી બદલાય જાય તેમ કીડની બદલાઈ જશે અમેરિકામાં. પણ આટલું બધું દરદ સહેવું પડશે તેની તો ખબર નહીં..”

દિશા પીડાતા ક્ષિતિજ સામે જોઇને કહ્યુ..”હવે લાજો.. તમારા ભાઇબંધને જાણે કોઇ ખબર ના હોય તેમ..હું ના પાડુ એટલે દુકાને પીતા હતા. હવે ભોગવવાનું આવ્યું ને?”

સ્વયંને દિશાભાભીનાં સ્વરમાં દબાયેલો ગુસ્સો અને પીડા બંને સ્પર્શી.એને ખબર હતી કે ક્ષિતિજે પીવાનું ચાલું એમજ નહોંતુ કર્યુલોકો ગમ ભુલાવવા પીએ જ્યારે તેણે તેની દરેક સફળતાઓ ઉજવવા પીવાનું શરુ કર્યુ હતું અને સફળતા એને એટલી બધી મળી હતી કે ક્યારે તેને દારુની લત પડી ગઈ તે તેને ખબર ના પડી.

નર્સ એને ડાયાલીસીસ માટે અંદર લઈ ગઈ વેઇટીંગ રૂમમાં સ્વયં અને દિશા એકલા હતા ત્યાં સેલ ફોન રણક્યો..સામે છેડે મીઠો ટહુકો પ્રિયંકા હતી..દિશાની પ્રતિકૃતિ.

મમ્મી પપ્પાને કેમ છે?”

પપ્પાને ડાયાલીસીસ માટે દાખલ કર્યા છે. બહાર આવે ત્યારે ખબર પડે…”

ત્યાં તારી સાથે અંબર ફોઇ છે ને?”

ના.. સ્વયં અંકલ આવ્યા છે જેથી મને કોઇ વાંધો નથીઅંબર ફોઇ તો મોટેલ ઉપર ગયા છે.”

ભલે મોમ હું ચારેક વાગ્યે પહોંચુ છું.સ્વયં અંકલને હાઇ કહેજે

માદીકરીને વાતો કરતા જોતા સ્વયં વેઈટીંગ રૂમમાં ટહેલતો રહ્યો..અંદરથી નર્સે આવીને ક્ષિતિજનાં દર્દની વાત કરી અને તેને લોહીમાં ઊંચા યુરીક એસીડ્નાં પ્રમાણ વિશે જાણ કરી. પહેલો બાટલો પેશાબ સાથે લોહી થી ભરેલો હતો તેથી તેને તાકાતનાં અને દુઃખ શમે તેવી દવાઓ અપાય છે.

દિશાએ ધ્યાનથી સાંભળ્યું સ્વયંએ ક્ષિતિજનાં દર્દ વિશે પુછ્યું ત્યારે નર્સ બોલી અમારો પ્રયત્ન તો તેનું દર્દ ઓછુ થાય તેમ છે .. પણ હા તેનો દર્દનો અંક સહનશીલતાની સીમા બહારનો તો છે.

દિશાની આંખો છલકાતી હતી..નર્સનાં ગયા પછી ફાઉન્ટન પરથી પાણી લૈ ને આવ્યો અને દિશાને આપ્યું. ઠૉદાંક વધું ડસકા સરી ગયા પછી પોતાના આંસુને ખાળતા દિશા બોલી

સ્વયંભાઇ રોગની ભયંકરતા મને તો ખબર છે. અને મારે પણ તેના દર્દની સાથે પીડાવાનું નેકોઇ પણ મારા વાંક ગુના વગર..”

સ્વયંને અત્યારે દિશાને બીજા વિચારે ચઢાવવી જરૂર લાગી તેથી બોલ્યો..હું આવતો હતો ત્યારે મને તમારી સાયણ ના ફ્લેટમા સાતમે માળે પહેલી વાર થયેલી નોક ઝોક યાદ આવતી હતી.

ક્ષિતિજનાં સંભારણા તો મને આજે પણ યાદ છે..બીજે દિવસે ક્ષિતિજનાં મમ્મી અને અંબર બેન મારું માગુ લૈને આવ્યા ત્યારે મારા પપ્પા બહુજ ભડ્ક્યા..

અરે દિશા તો હજી કોલેજ્ના ત્રીજા વર્ષમાં છે..તેને ગ્રેજ્યુએટ તો થવા દો.”

મારા મમ્મી પણ ચોંકી ગયા હતા..પણ ક્ષિતિજ માટે તેઓ તો તૈયાર હતા.. અને બીજું કારણ પણ કે દીકરી આંખ ની સામે રહેને? તેથી તેમણે પપ્પાને વાર્યા અને કહ્યુંલગ્ન ભણ્યા પછી કરીશું. ત્યાં સુધીમાં ક્ષિતિજ પણ ભણી ગણીને કામે લાગી ગયો હશેનેમમ્મીની નજર મારા ઉપર હતી અને હું મારા ગાલે પડેલા શરમના શેરડા છુપાવવા મથી રહી હતી.

અંબર બેને મારો હાથ પકડી સરસ બે સોનાનાં કંગન પહેરાવી દીધા અને તે દિવસે સાંજે બંને કુટુંબોમાં રુપિયો અને નાળીયેર સાકરપડાની લેવડ દેવડ થઇ ગઇ.

ક્ષિતિજ નાં પપ્પાએ મારે માથે હાથ મુકતા કહ્યુંદીકરા અસાર સંસારે સરતા પહેલા ભણવાનું પતાવજોપણ ક્ષિતિજ્ને તો રોજ સાંજે બહાર ફરવા જવાનું અને મિત્રોમાં મને લઈને જવાનું ખુબ ગમતું અને મને પણ તેથી ધીમે ધીમે ભણતર છાજલીએ મુકાઇ ગયું અને ક્ષિતિજને બી કોમ થતાની સાથે પેઢી પર પપ્પાએ બેસાડી દીધો.

દિશાને ધાર્યા વણાંકે ચઢેલ જોઇ સ્વયં ખુશ થયો..કમસે કમ થોડોક સમય તો તે હયાત દુઃખી વિચારધારામાં થી બહાર નીકળી.

તે વિચાર ધારાને આગળ વધારવા સ્વયં બોલ્યો.. “હા મને ખબર છે તમારા બંનેનું જોડું જોઇ અમારા જેવા સૌ મિત્રોની આંખ ઠરતી હતી. અંબર બેન ને જોવા આવેલા મુરતીયાએ પણ પુછ્યુ હતું ને કે ક્ષિતિજ આગળ પડીને તને લઇ ગયો..યાર મારી રાહ તો જોવી હતી..

દિશા તરત હસી.. હા સ્વયંભાઇ તે વખતે તો અંબર બેન કૃત્રિમ ગુસ્સો કરતા બોલેલાએઇ તમે મને જોવા આવ્યા છો.. મારી ભાભી દિશાને નહીં…” અને બહેન નાં માંડવે અમારા પણ લગ્ન થઇ ગયા..સ્વયંભાઇ તમે નહીં માનો ક્ષિતિજને હવે પસ્તાવો થઇ રહ્યો છે કે મેં મારું ભણતર પુરુ ના કર્યુ.”.

કેમ એમ?”

અમારા ફેમીલી ડોક્ટરે જ્યારે કહ્યુંને કે બંને કીડની ખલાસ છે ત્યારે તેનો પહેલો હાયકારો આજ હતો કેહવે તારું શું થશે દિશાતારું ભણતર પુરું હોત તો ક્યાંક સ્થિરતા તો મળતે

સ્વયં ક્ષિતિજની ચિંતા સમજતો હતો..નાનો નિમેશ અને તેની પત્ની બંને કામ કરતા હતા તેથી તેઓનું જીવન સરસ હતું અંબર અને તેનો પલક હોટેલ સંભાળતા હતા..અને ક્ષિતિજના જેટલા પણ કામ હતા તે ક્ષિતિજ ના હોયતો ક્ષણ વારમાં ઢબી જાય તેમ હતા કારણ કે તે કન્સલ્ટીંગ મધપૂડો હતો જેમાં ક્ષિતિજ રાણી માખી હતી બાકી બધા રાણી માખી ના હોય તો કામ વિનાના થઇ જાય અને પ્રશાંત અને પ્રિયંકા હજી નાના હતા ..ભણતા હતા..

ક્ષિતિજ ડાયાલીસીસમાં થી બહાર આવ્ય્પ ત્યારે યુધ્ધમાં ખુબ લઢેલા અને થાકેલા યોધ્ધા જેવો લાગતો હતોદિશાની સાથે સ્વયંને જોઇ તેની આંખમાં એક ચમકારો થયો

સારું થયું સ્વયં તું અહી છેમારી એક મીલીયન ડોલરની ટર્મ ઇન્સ્યોરંસની પોલીસી લેવી છે

પણ હવે તે મળવી અશક્ય છે. “

તુ પેપર તો કર..નહીંતર જે ચાલુ પોલીસી છે તે વધારાવી દઈએ..હવે હું તો ખર્યું પાન થૈ ગયોઆટલું બધુ દર્દ મારાથી સહન જ્યારે નહીં થાય ત્યારે..હું તો ગયો

દિશાથી એક ડુસ્કું મુકાઇ ગયું

(ક્રમશઃ)

 

નયનોનાં કોરની ભીનાશ -() વિજય શાહ

July 9, 2011vijayshahસંપાદન કરોLeave a commentGo to comments

 

સ્વયં જ્યારે મીલીયન ડોલરની પોલીસી લઈને ક્ષિતિજને મલ્યો ત્યારે દિશા સુનમુન બેઠી હતી.

ક્ષિતિજ તેને સમજાવતો હતો  “આ અમેરિકા છે કન્સલ્ટંટની આવકો પર ટકાય નહીં તું ભણવાનું ચાલુ કરી દે.”

દિશા કહે ” હવે પાકા ઘડે કાઠલા ના ચઢે…તુ જરા સમજ જ્યારે ભણવાની ઉંમર હતી ત્યારે લગ્ન લઇને આવ્યો.. હવે આત્માનું કલ્યાણ કરવાની ઉંમરે ભણવાની વાત કરે છે?

સ્વયંને ભૂતકાળનાં ક્ષિતિજનાં શબ્દો યાદ આવ્યા લગ્ન પછી જ્યારે પણ દિશા ભણવાનું પુરુ કરવાની વાત કરતી ત્યારે ક્ષિતિજ કહેતો.. ” હવે ભણવાનો સમય જ ક્યાં છે? આ પ્રશાંતને ભણાવવાનો સમય છે ત્યાં તું ક્યાં ભણવા જઈશ?”

સ્વયંની આંખો ત્યારે દિશા પર ગઇ..હા તે સાક્ષી હતી  ક્ષિતિજની આ વાતોનો.. ક્ષિતિજ કહે તે મુંબઈ હતું અને આ અમેરિકા…અહીં બદલાતા સમય સાથે બદલાવું પડે કારણ કે આ તો હાયર અને ફાયર નો દેશ..કે જ્યાં ફીસ્ટ અને ફાકા ના દ્વંદ્વમાં ટકી રહેવું હોય તો નવું નવું શીખતા જ રહેવું પડે… હા હું સાજો સમો હોત તો કદી ના કહેત કે ભણવા જા.

દિશા કહે “પણ મને તું ભણવા કેમ કહે છે પ્રશાંત બે ચાર વર્ષમાં ભણી રહેશે અને ડોક્ટર થઇ ને પાલવશે ને..?”

” હા  છતાય  તને પગભર કરવી  છે.”

દિશા માથુ ઝુંઝલાવી ને કહે ” મને નથી સાંભળવું …કે કીડની બગડી એટલે હું હવે મરી જવાનો…તમને ખબર છે ને ધર્મ કહે છે આયુષ્ય કર્મ જેટલું હોય તે ભોગવવું જ પડતું હોય છે.”

સ્વયં કહે “ભણવું હોયતો સ્કુલે જવું પડે તેવું તો નથી હવે તો ઘણાં ઓન લાઈન કોર્સ થાય છે”

” ઓન લાઈન કોર્સ” શબ્દ સાંભળતા સાયણ પાછુ દ્રશ્યમાન થવા માંડ્યું..કોમ્પ્યુટર્નાં કોર્સ કરવા જતી દિશાતે સમયે કોબોલ નવી ભાષા ગણાતી અને જ્યારે ટી વાય ના પતાવ્યું અને લગ્ન લેવાઇ ગયા ત્યારે જિંદગી એ નવો વણંક લીધો હતો..કોમ્પ્યુટર એમ શીખવતું હતું કે ૪ વત્તા ચાર એટલે ૮ નહીં તમે જે ધારો તે મુકી શકો અને તેમ કોમ્પ્યુટર પાસે કરાવવા પ્રોગ્રામ લખવો પડે જ્યાં ખરેખર ગણિત નહીં પણ પ્રોગ્રામરે કરેલ પ્રોગ્રામ કામ કરતો હોય.

સાંજે પાછા વળતા ક્ષિતિજને આ વાત કરી ત્યારે ક્ષિતિજ પેટ ભરીને હસ્યો અને પછી કહે દિશુ ૪ વત્તા ૪ એટલે ૮ ને બદલે ધારો તે નંબર મુકી દો એવું કૌતુક પછી તેં સર્જ્યું ખરું?

” હા આમ તો તે પ્રમાણે નો પ્રોગ્રામ લખ્યો અને કૌતુક સર્જાયુ. જેમ કે બોક્ષ ૧ મા રકમ  છે તેનો સરવાળો બોક્ષ ૨ ની રક્મ સાથે થઇને તેનો જવાબ સી બોક્ષમાં લખેલી રકમ આવે આ પ્રકારનો ફ્લો ચાર્ટ તૈયાર થાય અહી જરુરી સરવાળાની  ક્રિયા થતી જ નથી”

ક્ષિતિજ કહે ” દિશુ પ્રેમ માં પણ આવું જ થતુ આવ્યુ છે ને… તેમાં સામાન્ય જગત જેવું કશું હોતું જ નથી.. એક માળ પર રહેતા હોવા છતા તું મને તે નજરે જોતી જ નહોંતી જે નજરે હું તને જોતો હતો… હું કેટલાય ધમ પછાડા કરું પણ તારા મનમાં એ એલાર્મ વાગતું જ નહોંતુ…”

” હા પણ હવે ૧ વત્તા ૧ બરાબર ૩ થવાનાં છીયે બરોબરને?” ૪થા મહીનાની પ્રેગ્નન્સીમાં હવે પેટ દેખાતું હતું…ક્ષિતિજ પ્રેક્ટીસ વધારી રહ્યો હતો..અને હવે પપ્પા ધીમે ધીમે ચાર્ટર એકાઉંટંટની પ્રેક્ટીસ ધીમે ધીમે ક્ષિતિજને સોંપતા જતા હતા.

૦-૦

મી. વાસુદેવન સાથે વાતો કરતા કરતા ક્ષિતિજ ને એક વાત બરોબર સમજાઇ ગઇ હતી કે અમેરિકા જો તક મળે તો જતા રહેવું જોઇએ. અને એ તકમાં એક તક તો દિશા સાથે લગ્ન કરીને તે ગુમાવી ચુક્યો હતો…ફરી થી લગ્ન કરી ત્યાં ના પણ જવાય. એકાઉટીંગની બી કોમ જેવી સાદી ડીગ્રી પર ઉપર અમેરિકા જવાનું શક્ય ના બને તો હવે શું કરીયે કે જેથી અમેરિકા જવાય. દિશાનાં મામા નાં ઘણા લીકર સ્ટોર છે તો હિંમત કરી તે દિવસે તેના મન ની વાત તેણે મામાને કરી..

” મામા મને અમેરિકા આવવું છે.”

” ક્ષિતિજ કુમાર! અમેરિકા માટે મળતી તક સૌને માટે સરખી નથી હોતી..ત્યાં ભણતરને માન છે બાકી તો બીજા બધા અહીં આવતા ડુંગરપુરીયા જ કહેવાય…ત્યાં સવારે ૫ વાગ્યાથી  રાતનાં ૧૧ વાગ્યા સુધી લેબર વર્ક કરવાનું..”

” જે થશે તે.. પણ અમારા પેપર કરી દો.”

“દિશાને પુછી ને તમે કહો છો? અહીં જેવી શેઠાઇ છે તે ત્યાં રહેશે નહી.”

” મામા તેમણે ધાર્યુ એટલે તે કરીને જ રહેશે.. તમે જરૂરી પેપર કરી નાખજો..”

” દિશા તારી મમ્મી ને અમેરિકા આવીને રહેવું પડે તે સીટી ઝન થાય પછી..બ્લડ રીલેશન ઉપર ત્યાં અવાય….”

” આ તો લાંબા સમયનો પ્રયોગ છે.  પણ કરીશુ.” મામાએ સંમતિસુચન આપ્યું…”

પણ એટ્લો બધો સમય ક્ષિતિજ પાસે ક્યાં હતો?

પ્રશાંતનાં જન્મ પછી તે તો અમેરિકામાં હતો સ્ટુડંટ વિસા ઉપર એકલો આવ્યો અને લીકર સ્ટોરમાં કામ શરુ કરવા માંડ્યુ…અને સાથે સાથે ભણવાનું પણ ચાલુ રાખ્યુ..

૦-૦

સ્વયં ઉપર દિશા અને ક્ષિતિજનો ભરોંસો ઘણો તેથી દુકાન ચલાવવા સ્વયં આવતો..આ તો ક્ષિતિજનો ચોથો સ્ટોર હતો. ક્ષિતિજ નો ભાઇ અને બહેન ક્ષિતિજ દ્વારા સ્થપાયેલ સ્ટોરો ઉપર સ્થિર થઇ ગયા હતા પણ ક્ષિતિજને જ્યારે પ્રશાંત ઉપર પણ ભરોંસો નહોંતો માડી જાયા ભાઇ બહેન પર નહોંતો. તેનું કન્સલ્ટન્સીનાં કામને તે પુરો સમય આપતો.. સાથે સાથે હ્યુસ્ટન કોર્પોરેશનમાં ટેંડરો ભરતો..પૈસા સુંઘવાની તેની કળા અજબ હતી તેથી જ્યાં હાથ નાખતો ત્યાં પૈસા મળતા અમેરિકા હવે તેને બરોબર ગોઠી ગયું હતું. પ્રશાંત પછી ત્રણ વર્ષે પ્રિયંકા જન્મી.  ઘર ભર્યુ ભર્યુ હતુ..અને પાછી પ્રિયંકા હતી પણ દિશા જેવી મીઠડી..ઘર એનાથી ચહેકતું રહેતુ. પ્રશાંત હોય પણ તે ભલો અને તેનું કોમ્પ્યુટર ભલું.

દર ત્રીજા દિવસે કીડની ડાયાલીસીસ માટે જવાનું  અને તે ક્ષિતિજ સાથે હોસ્પીટલ જાય અને ત્રણ કલાકનો સમય બાપ દીકરી હસે અને ગામ ગપાટા મારે..આ સમયે પ્રિયંકાએ નવી કીડની માટે અરજી પણ કરી દીધી.

જિંદગીમાં એક વણ જોઇતો વળાંક ક્ષિતિજને નડતો હતો..તેને ચિંતીત જોઇને દિશા પણ કંપી જતી..પણ એને ભરોંસો હતો અત્યાર સુધીની જિંદગી ક્ષિતિજે મહત્તમ સુખ આપ્યું હતું હવે કંઈ દુઃખ આવવાનું નથી. પણ કહે છેને સુખના દહાડા અને દુઃખનાં વર્ષો…ઘરમાં ૪ કાર.. અને ૪ માણસો..અને ચાર હાસ્યો હતા…હવે ક્યાંક કયાંક આંસુ દેખાતા હતા…

૦-૦

પ્રિયંકા સાથે હોસ્પીટલમાં ડાયલીસીસ માટે જતા હતા ત્યારે પપ્પાનું ઉદાસીન મોં જોઇને પ્રિયંકા બોલી

” પપ્પા કીડની ફેલ્યોર એ અમેરિકામાં નવી બાબત નથી”

ક્ષિતિજ ચિંતી ત અવાજે બોલ્યો “.પણ નવી કીડની ક્યારે મળે અને તેનું અનુકુલન શરીર કેવી રીતે કરે એ બધી ખર્ચાળ અને દર્દનાક પરિસ્થિતિ વિશે વિચારી વિચારી મને કમકમીયા આવે છે. અને દિશા વિશે વિચાર આવ્યા કરે છે.. કેમરે કરી તે બાકીની પહાડ જેવી જિંદગી જીવશે.. ઘૈડીયાઓ કહેતા કે દશી વીશી તો જિંદગીમાં આવે . આ દુઃખનો તબક્કો શરું થયો..”

“ પપ્પા એવું બધું નહીં વિચાર્યા કરવાનું?” થોડા સમયનાં મૌન પછી પ્રિયંકાએ નોર્થ વેસ્ટર્ન મેમોરીયલ હોસ્પીટલનાં પ્રાંગણમાં પ્રવેશ લીધો..

વૈટીંગ રૂમ માં ખાસી એવી ચુપકીદી પછી પ્રિયંકાએ ફરી પુછ્યુ “ પપ્પા આજે ચુપ કેમ છો? શું વિચાર્યા કરો છો?”

“ કંઈ નહીં આ તારી મમ્મીને બીઝી કરવાનો નવો પ્રયોગ જે સ્વયંએ સુચવ્યો છે તેના ઉપર વિચારતો હતો.”

“સ્વયંકાકાએ શું કરાવ્યુ?”

“તારી મમ્મીને કોમ્પ્યુટર ઉપર શેરોની લે વેચ કરતા શીખવ્યું અને આ શેરબજારની તેજીમાં બંને જણા સારા પૈસા બનાવે છે.”

“તેથી આજ કાલ ઘરમાં સોની અને ઝી ટીવી ને બદલે સી એન બી સી અને બ્લૂમબર્ગ ચેનલો સંભળાય છે…”

“ હા પણ સ્વયંને બ્લાઈંડલી ફોલો કરવાનો તો કોઇ અર્થ નથીને? એણે એની પણ ઇન સાઈટ ખુલે તેવું કરવું જોઇએને.”

“ પપ્પા સાચું કહું આતો મમ્મી છે તે તમને સાંભળે છે બાકી હું તો બસ ખાઈ પી ને જલસા જ કરું”

“કેમ એમ?”

“આટલા ટેંડરો ભરીને ગાડા ભરીને પૈસા જેનો વર લાવતો હોય તેના પૈસા વાપરવા પણ જોઇએને?”

“ જો બેટા લક્ષ્મી જ્યાં સુધી મહેરબાન ત્યાં સુધી તો ગધા પણ પહેલવાન. આ કુદરતે થપ્પડ મારીને ચેતવ્યાં કે હવે જાગ. મને આ રાજરોગ આપીને કહે જા બેટા હવે બહુ બહુ તો છ મહિના કે વરસ. પછી ગાડા ભરેલા ધનનાં ઢગલા હોસ્પીટલમાં જશે અને મારા પછી પ્રશાંત કે તું નથી રાખવાના એવું કહેવાનો મારો પ્રયત્ન નથી ..પણ મારા ગયા પછી તેણે તેના જીવન ની પ્રવૃત્તિ પણ શોધવી રહીને?”

“ પપ્પા આ ભવિષ્યકાળથી બીવાની અને બીજા બધાને બીવડાવવાની વાત કરી કરી તમે અમને દુઃખી કરો છો.તમને ક્યાં ખબર છે કે છ બાર મહિનામાં તમને મૃત્યુ મળી જશે? અરે જે રોગનો ઇલાજ હોય તે રોગ થી ડરાય જ ના. કીડની મળશે ત્યાં સુધી ડાયાલીસીસ ચાલશે અને એક્ને એક દિવસ તો કીડની મળવાની જ છે ને?”

બરોબર ક્ષિતિજનીજ અદામાં તેણે વાત કરી અને ક્ષિતિજ હસી પડ્યો…

નયનોનાં કોરની ભીનાશ () વિજય શાહ

July 17, 2011vijayshahસંપાદન કરોLeave a commentGo to comments

 

લીકર સ્ટોર પરથી દિશા જ્હોન ના આવવાથી છુટી.આમેય દિવસનાં સમયે બહુ ભીડ રહેતી નહીં ખાસ તો લોટરીનાં રીઝલ્ટ જોવા માટે છુટા છવાયા માણસો આવતા. સાંજે નોકરી પરથી ઘેર જતા બીયર અને અન્ય દારુ માટે ભીડ રહેતી. દિશા ને તો તે સમયે ઘરે જઇને રસોઇ કરવાની હોય.જ્હોન આમ તો સ્પેનીશ અને અંગ્રેજી સારું જાણે તેથી કાઉંટર સંભાળે. અને આમેય વિવિધ બ્રાંડનો જાણકાર તેથી ઘરાકો જો પ્રશ્ન પુછે તો તેનો યોગ્ય જવાબ પણ આપે. ક્ષિતિજ સાથે આ સ્ટોર શરુ કર્યો ત્યારથી તે હતો.. ક્ષિતિજની આવડતથી બહુજ પ્રભાવીત હતો અને ઇચ્છતો કે સારું કામ કરી ક્યારેક ક્ષિતિજનાં નવા સ્ટોરમાં ભાગી દાર બને.. વળી આજે લીકર સપ્લાયરની ટ્રક વવાની હતી તેથી તેણે પુછ્યુ..

” મેમ ક્ષિતિજભાઇ આવવાના છે ને?

” હા આવશે જો દુઃખાવો નહી હોયતો.. સવારે તો દુઃખાવો હતો…”

“વાંધો નહીં હું કુલર ભરી દઉં ત્યાં સુધી તમે કાઉં ટર પર રહેશોને?”

દિશા પાછી ફરી અને જહોન ને કુલર ભરવા મોકલ્યો. ક્ષિતિજને જ્યારે ડાયાલીસીસ કરાવે ત્યારે કાયમ જ દુખતું પણ તે ગાંઠતો નહીં..સમય તેની ગતિએ આગળ વધતો હતો. દિશાને થોડોક સમય બજાર જોવા માટે મળ્યો ત્યારે તેની નજર પડી સ્વયંએ કહેલું કે ડેલ્નાં શેરમાં નફો સારો એવો છે તેથી તેમાં થી નીકળી જવું ..અત્યારે તેને પાંચસો ડોલર મળે છે તેમ વિચારીને સ્વંયંને ફોન કર્યો…

” સ્વયં ડેલનાં શેર  કાઢી નાખુને?”

” હા ભાભી.. મેં લીમીટ મુકી હતી તે પ્રમાણે તે ટચ થયા અને હું નીકળી ગયો.. તમે પણ નીકળી જાવ…”

કોમ્પયુટર પર સોદો દિશાએ મુક્યો અને જહોન આવ્યો અને કહે.. “મેમ માલ હતો તેટલો કુલરમાં ભરી દીધો છે.”

‘ક્ષિતિજ કહેતો હતો ત્રણ વાગ્યા સુધીમાં બીયર પણ આવી જશે. ચાલ હું નીકળૂં કંઇ કામ હોય તો ક્ષિતિજને ફોન કરજે.”

દિશા સ્ટોરની બહાર નીકળી ત્યારે ટ્રાફીક સામાન્ય હતો અને તેણે ઘર જવા તેની હોંડા એકોર્ડ ચાલુ કરી ત્યાં તેની બાજુમાં પાર્ક થતી મોટી મરસીડીઝ કારનાં ડ્રાઇવર ઉપર નજર પડી અને તે ચોંકી ગઈ..ક્ષિતિજ? હા સફેદ મોટી મસ મર્સીડીઝમાંથી  ક્ષિતિજ ઉતરી રહ્યો હતો…

દિશા ગાડી બંધ કરીને ઉતરી..

ક્ષિતિજ કહે “દિશુ! આ મર્સીડીઝ લીધી.”

દિશા ક્ષિતિજ ના ચહેરા પરનો આનંદ જોઇ રહી..પાછળથી સ્વયં પણ દેખાયો.

“ભાભી સરપ્રાઇઝ!”

“દિશુ સરપ્રાઇઝ થઇને?”

” હા સ્તો.. નહીં વાત નહીં ચીત અને આટલી મોટી ગાડી?”

સ્વયં કહે “ચતુર કાકાને કાઢવી હતી અને ભાવ સરસ હતો ત્યારે ક્ષિતિજે કહી દીધુ કે દિશુને લઇને લોંગ રાઈડ પર જઈએ..”

દિશા અસંમજસમાં હતી સ્વયંએ હોડા એકોર્ડની ચાવી હાથમાં લઈ અદાથી કહ્યું “જાવ…ભાભી..”

દિશાને ખબર હતી ક્ષિતિજ ને મોટી ગાડી જોઈતી હતી પણ આવી ગાડીઓ નિભાવવા તમારો પોતાને પેટ્રોલનો કુવો જોઇએ તેમ વિચારીને દિશા રાજી નહોંતી થતી…

જેવી દિશુ ગાડીમાં બેઠી કે સેફટી બેલ્ટ જાતે બંધાઇ ગયો એ સી નો ફ્લો સીધો દિશાઉપર આવ્યો અને પાણી ના રેલાની જેમ સ્ટોર પરથી ગાડી હાઇવે ૫૯ ઉપર ચઢી ગઈ..

ક્ષિતિજ આનંદનાં ઘોડાપુરમાં નાહી રહ્યો હતો..”દિશુ! જિંદગીનાં બધા જ શોખ પુરા કરવાનો તબક્કો શરુ થયો… પચાસ પુરા કર્યાને…”

દિશુ એના ચહેરા પરનો આનંદ માણી રહી હતી…જ્યારે તેણે બીજો સ્ટોર લીધો ત્યારે.. જ્યારે પ્રશાંતનાં ગર્ભધારણ નાં પહેલા સમાચાર હતા ત્યારે…અમેરિકા આવવાનું નક્કી થયુ ત્યારે…આ હાસ્ય તેના મુખ ઉપર જોયું હતું.

ક્ષિતિજ મર્સીડીઝની ખુબી બતાવી રહ્યો હતો બધુજ ઓટોમેટીક…

દિશાનું મન અંદરથી ક્ષિતિજ સાથે દોડતુ નહોંતુ પણ જ્યારે ક્ષિતિજે કહ્યું કે આ કાર તો પ્રશાંત માટે લીધી છે તેના ગ્રેજ્યુએશન માટે ત્યારે દિશા ચમકી

” શું ? પ્રશાંતને આટલી મોટી ગાડી?”

” હા ”

“ગાંડો થયો છે કે શું?”

“કેમ?”

“પ્રશાંતે હજી કોલેજ હમણાં પુરી કરી છે..”

“તેથી તો હવે તેણે મુક્ત ગગને ઉડવાનું છે..અને તેના ઉડાણમાં આ ભેટ પાંખો આપવાથી મારામાં નો બાપ રાજી થાય છે.”

” ક્ષિતિજ..તેં વિચાર્યુ છે કે આવી મોટી ગાડી તેને ઉછાછળો બનાવી શકે છે?”

” અરે દિશુ એમ પણ વિચારને કે મોટી ગાડી તેને જવાબદાર બનાવશે..”

” ના મારે તેને આકાશમાં નથી ઉડવા દેવો.. તેને ધરતી ઉપર રાખવો છે.”

” દિશુ આ એણેજ માંગેલી ભેટ છે…”

“શું?”

” હા એ મને કહેતો પપ્પા તમે મોટી ગાડી લાવો તો .”

‘એટલે એને તારી ગાડી મળે તેવું તેણે વિચારેલુ”

“ખરેખર?”

હવે ચમકવાનો વારો ક્ષિતિજનો હતો..થોડાક સમયનાં મૌન પછી તે બોલ્યો..”દિશુ! મેં એવું પણ વિચારેલું કે જિંદગી જ્યારે પીળી લાઇટ ઉપર થોભેલી છે તો જે શમણાં અધુરાં છે તે બધા પુરા કરી લઇએ.”.

“એટલે?”

“એટલે કાલે ઉઠી ને કીડની ના મળી..અને મોટે ગામતરે જવું પડે તો..?..મર્સીડીઝ હાંકુ તે મારું પણ સ્વપ્ન હતું ને?

” ક્ષિતિજ આ જબરું પહેલા પ્રશાંતનું નામ અને તારું કામ…”

” દિશુ ચાલ મુડના બગાડ..ગેલ્વેસ્ટન આવી ગયું..ખબર પણ ના પડી કેમ?”

થોડા સમયનાં મૌન પછી દિશા બોલી..

” ક્ષિતિજ આજમાં જીવવાનું તું કયારે શરું કરીશ?”

” હા દિશુ તારો વિચાર મને સમાજાય છે પણ જરા મારા કોચલામાં તારી જાતને મુકી જો.. જે મોતનાં ઓથાર હેઠળ જીવતો હોય…જેણે તેનું સર્વસ્વ સમય કરતા પહેલા છોડીને જવાનુ હોય! ”

‘ શું આ એજ ક્ષિતિજ છે જે હું રડતી હોઊં ત્યરે મને કહેતો હોય.. I hate tears…”

” દિશુ તે ક્ષિતિજ અને આજનો ક્ષિતિજ એક જ છે..પણ સમય બદલાઈ ગયો છે અને એ બદલાતા સમય સાથે બદ્લાવાનો પ્રયત્ન હું કરું છું.”

“નો વે.. મારો હીરો તો આભથી તારા તોડી લાવે તેવો છે.. એતો  મોતનો પણ રસ્તો બદલે તેવો છે. ધર્મ એક વાત તો કહે છે ને આયુષ્ય કર્મની દોર જ્યાં સુધી હોય ત્યાં સુધી કોઇ કશું જ બગાડી નથી શકતુ. મારો ચૂડી ચાંદલો મારા પહેલા તો જવાનો નથી અને નથીજ..”

“પણ એવું તું કૈ રીતે કહી શકે?”

“જે રીતે તું ભવિષ્ય કાળની કલ્પનાઓ કરી ડરી શકે તેજ રીતે હું આ સ્પષ્ટ રીતે કહી શકું…”

ગેલ્વેસ્ટન બીચ ઉપરથી પાછા ફરી રહ્યા ત્યારે ક્ષિતિજ પોતાની જાતને સુખી અને સંપન્ન માન્વાનો અને મનાવવાનો પ્રય્ત્ન કરી રહ્યો હતો…અને દિશુ તેના સુખને માણતી પણ ભયને તોડવા મથતી.

દિશાનાં તંગ ચહેરાને જોઇ તેણે ફરીથી વાતાવરણ હળવું કરવા કહ્યું ” દિશા તું સાચી પડે તેમાં મને તો બેઉ હાથમાં લાડવા છે. મારે મરવું તો નથી જ..ને પ્રશાંતની આગલી પેઢી જોઇને જઉં.

દિશાનાં મોં પર સહેજ સ્મિત ફરક્યું… જાણે વિજય હવે ઝાઝો દુર નથી..

કિશોરકુમારનું ગીત તે વખતે વાગતું હતું

જિંદગી કી સફરમેં જો ગુજર જાતે હૈ જો મકામ

વો ફીર નહીં આતે.. ફીર નહીં આતે..

ક્ષિતિજ આ ગીત ગાતો હતો અને દિશાની તરફ જોઇને કહેતો હતો ફિર નહી આતે..ફીર નહી આતે.. દિશા પણ એજ ગીત ગાતી હતી અને કહેતી હતી જે પળ આજે ગુજરી રહી છે તેને માણ કાલની કોને ખબર છે.

૦-૦

પ્રશાંતનું ગ્રેજ્યુએશન ચાલી રહ્યું હતું. મોટી વાતો અને મોટા સ્વપ્નોનાં ઉડાણો ની વચ્ચે જ્યારે દરેક સફળ સ્નાતકોએ પોતાની કેપ ઉછાળીને આનંદ વ્યક્ત કર્યો ત્યારે દિશાની આંખ ભરાઇ આવી. એક જવાબદારી પુરી કરી.. છોકરાનું ભણતર પુરુ થયુ…

સાંજે પાર્ટીમાં ક્ષિતિજ આવવાનો નહોંતો તેથી પગે લાગતા પ્રશાંતને વહાલ્થી ભેટીને મર્સીડીઝ કારની ચાવી આપી ત્યારે પ્રશાંત બોલ્યો..” ડેડી! મને તો તમે આ મોટી ગાડી ચલાવો કે જેથી તમારી કોરોલા મને મળે… તેથીજ કહ્યું હતું પપ્પા હવે તમે મર્સીડીઝ ચલાવો.

“ બેટા મેં તો દિશાને આજે લોંગ રાઇડ આપી દી ધી હવે તુ ચલાવ કે જેથી તારો તારા કામમાં પ્રભાવ પડે..પણ સાથે સાથે એ પણ યાદ રાખજે કે આ ગાડી જો સંભાળીને નહીં ચલાવે તો દેવાળુ પણ કાઢશે.એટલે ખુબ જમકે કમાવ  અને પછી આ સુખને માણો..

દિશા ક્ષિતિજની આંખમાં ઉમડતો પિતૃ પ્રેમ જોઇ રહી..

 

નયનોનાં કોરની ભીનાશ ()પ્રવિણા કડકીયા

July 30, 2011vijayshahસંપાદન કરોLeave a commentGo to comments

 

પ્રશાંત  કોલેજ ગ્રેજ્યુએટ થયો.નવી મર્સિડિઝ  પાપા લાવ્યા તેથી ખુશ  હતો. તેનો પ્લાન સારો  હતો. મમ્મી પાપાનું સ્વપનું  હતું કે ઘરમાં મર્સિડિઝ  હોય.  પોતાના નામ પર લેવાનો  આગ્રહ રાખ્યો.પણ એ  ગાડી તો મમ્મા માટે  હતી.એને તો જૂની  ‘ટોયેટા’ ગાડી ખૂબ ગમતી.  ચારેકોર આનંદ છવાઈ ગયો  હતો.ક્ષિતિજ આનંદમાં તરબોળ ભૂલી ગયો  કે પોતે કેવી પરિસ્થિતિમાંથી  પસાર થઈ રહ્યો છે.

દિશા અને ક્ષિતિજ માનવાને  તૈયાર પણ ન હતાં  કે એક બીજાનાં સંગમાં  આટલાં બધા વર્ષો ક્યાં  પસાર થઈ ગયાં. જીંદગી  કેવી સરી ગઈ.જીંદગી  કેવી વૈવિધ્યતાથી પૂર્ણ છે. લગ્ન  થયા તેપણ નાટકિય રીતે , અમેરિકા આવ્યા બાળકો મોટાં  થયાં. બને જણા ભૂતકાળનાં  મધુર સ્મરણો વાગોળતાં બેકયાર્ડના ઝુલા ઉપર ઝૂલી રહ્યાં હતા.

દિશા કહે  “હની  ચાલને રૂમમાં જઈને શાંતિથી  સૂઈ જઈએ. ક્ષિતિજ દિશાનાં  ખોળામાં માથું રાખીને મોજ  માણી રહ્યો હતો. તેને  ઉઠવાનો  કંટાળો આવતો હતો. દિશા  આવી સુંદર સુવર્ણ તક  માણી રહી હતી. પણ આભે ચાંદો વારેવારે ડોકિયાં  કરી તેની હાજરીનો ઢોલ  પિટતો હતો. દિશા  કારણ વગર શરમાતી. તે કાંઇ નવલી દુલ્હન ઓછી હતી? અરે જેનો  દીકરો કોલેજ ગ્રેજ્યુએટ હોય  અને દીકરી કોલેજમાં હોય  તે મા,નાની તો  ન જ હોય. કિંતુ  પ્રેમ ને અને ઉંમરને  શું સંબંધ? જેમ જૂનો  થાય  તેમ  ગાઢ થાય તેને પ્રેમ  કહેવાય.

ક્ષિતિજ ને ઉઠ્યા વગર  ચાલવાનું ન હતું. જેવો  ઉઠવા ગયો ત્યાંજ રાડ  નિકળી ગઈ. . દિશા અડધી  ઉંઘમાં હતી. અરે, અચાનક  શું થઈ ગયું?  ક્ષિતિજ કહે ‘મારાથી ઉભું નથી  થવાતું.’’ તું હાલીશ પણ  નહી’.દિશા તો સમજી  ન શકી કે પોતે  શું કરે?

પ્રશાંત દોસ્તારો સાથે ‘નાઈટ ક્લબ’માં ગયો હતો. પ્રિયંકાને બે અઠવાડિયા પછી  ‘ટેસ્ટ’ હતી એટલે પોતાના  એપાર્ટમેન્ટ પર જતી રહી.. પાર્ટી પૂરી થયા પછી  ‘મેઇડ’ પણ વીકએન્ડ હોવાને  કારણે ઘરે ગઈ હતી. દિશા હવે ખરેખર ગભરાઈ  ગઈ. ક્ષિતિજ ડાયાલિસિસ પર હતો. જ્યારે ડાયાલિસિસ કરાવીને ઘરે આવે તે  દિવસે ખૂબ અશક્તિ લાગતી. બીજા દિવસે પછી નોર્મલ  થઈ જતો..

જ્યાં સુધી  ‘કિડનીનો’ ડોનર’ ન મળે  .ત્યાં સુધી ડાયાલિસિસ  વગર આરો ન  હતો.અઠવાડિયામાં ત્રણ દિવસ ડાયાલિસિસ, તેનું શરીર નંખાતું જતું  હતું . જીવવાની જીજીવિષા અને દિશાનો અનહદ  પ્રેમ તેનેમાટે પૂરતાં હતાં.

આજે પાર્ટીને કારણે  વધારે પડતો ઉત્સાહમાં હતો.  તેથી તો હિંચકા પરથી  અંદર બેડરૂમમાં જવાની પણ આળસ કરતો હતો. તેમાં વળી  ઉભા થતી વખતે અસહ્ય  દર્દ અનુભવ્યું.

“શું કરું હું  ક્ષિતિજ? તારાથી ઉઠાતું નથી.  આપણા બંનેના સેલ ફોન  લિવિંગ રૂમમાં છે. દિશા  ક્ષિતિજની સામે ખૂબ બહાદૂરી પૂર્વક  વર્તન કરતી પણ એકલી  પડતી ત્યારે હિંમત હારી  જતી. અઠવાડિયામાં  ત્રણ વખત ‘ડાયાલિસિસ’ માટે જવાનું.  કરાવીને આવે ત્યારે ક્ષિતિજનું  બ્લડપ્રેશર વધી જતું. મોઢું પણ સોજાવાળું લાગતું.  નંખાઈ  ગયેલો લાગતો. દિશા પોતાના  મોઢા ઉપર કોઈ હાવભાવ બદલાવા  દેતી  નહી. તેને ખબર હતી જો  તે હિંમત હારી જશે  તો ક્ષિતિજ  પડી  ભાંગશે.

દિશા આખી રાત  ક્ષિતિજનું માથું ખોળામાં રાખીને  બેસી રહી. ક્ષિતિજે ખૂબ  શાંતિ અનુભવી. સવાર થઈ ત્યારે ધીરેથી દિશાની સહાયથી ઉઠ્યો  અને ધીરે ધીરે ચાલીને  બાથરુમ સુધી ગયો. દિશાના  પગ સજ્જડ થઈ ગયા હતા. ઉઠીને ગરમ પાણીના  ટબમાં જઈને બેઠી.

ક્ષિતિજ  માટે ચા અને નાસ્તો  તથા તાજાં ફળોનો  રસ પણ કાઢવાનો  હતો. જલ્દીથી નહાઈને બહાર આવી રસોડામાં કામે વળગી. ક્ષિતિજને દુખાવો ન હતો તેથી આવીને  ડાઈનિંગ ટેબલ પર બેઠો.

દિશાએ અને ક્ષિતિજે  સાથે  નાસ્તો કરવાની મજા માણી. ગઈકાલની પાર્ટીને કારણે ક્ષિતિજને આરામની જરૂર હતી. ખાઈપીને  પાછો બેડમાં સૂઈ  ગયો. દિશાની  ઉંઘ તો વેરણ થઈ ગઈ હતી.  દિશાએ ક્ષિતિજની હરપળનું ટાઈમ ટેબલ બનાવ્યું હતું. ક્ષિતિજતો તેનું સર્વસ્વ હતો.  તે હતી ૨૧મી સદીમાં  પણ પતિ પ્રત્યેનો પ્રેમ  તો દુશ્યંત અને શકુંતલાને યા રામ સીતાને પણ ઝાંખા  પાડે તેવો હતો. આખી  રાત ક્ષિતિજ ખોળામાં સૂતો અને પોતે  ઉંહકારો ભણ્યા વગર બેસી રહી.

જેવો ક્ષિતિજ સૂવા  ગયો કે તરત જ  તેની તબિયતની ચિતાએ દિશાના મન  પર રાજ્ય જમાવ્યું. તેણે અટકળો ચાલુ કરી, શામાટે  ગઈ રાતના ક્ષિતિજને દુખાવો  થયો. બાળકોને કહ્યું પણ નહી.  ખાલી તેમેને ચિંતા કરાવવી. તેનો ડોક્ટર શનિ, રવી  ટાઉનમાં હતો નહી. તેથી  વાત સોમવાર પર મુલતવી  રાખી. આંખો બંધ કરી  આરામ લેવાનો પ્રયત્ન કર્યો પણ શું તે સહેલું  હતું?

“કિડની ફેઇલિયોર અને  ડાયાલિસિસ વિશે કમપ્યુટર પર  બેસી વાંચતી”. માહિતી ભેગી કરતી  અને બધી વસ્તુઓનું બરાબર પાલન કરતી. ઘરમાં એક  પણ સ્નેક્સના પેકેટ રાખતી નહી.  અગત્યનું તો એ છે  કે જે ક્ષિતિજ ખાય  તે ચીજો તે પોતે પણ ખાતી. બાકી આજના  જમાનાની તડફડ કરવાવાળી  છોકરીઓ કરતાં તે  જુદીજ માટીની ઘડાયેલી હતી. ક્ષિતિજની ચિંતા તેને રાત  દિવસ કોરી ખાતી.  અંધશ્રધ્ધાળુ ન હતી તેથી  વિચાર કરતી, ઈલાજ શોધતી. ક્ષિતિજના મમ્મી ભારતમાં  હતાં. પાપા તો  નાની એવી માંદગી ભોગવીને  હરિચરણમાં વિરાજ્યા હતા. તેને થયું મમ્માને બોલાવવા દે કદાચ ક્ષિતિજ  તેમને જોઈને સદા હસતો  રહે. તેને ખબર હતી  ક્ષિતિજ તેના મમ્માને ખૂબ માનતો અને વહાલ કરતો. દિશા જાણતી  હતી કે ક્ષિતિજ બધું  સહન કરી શકશે પોતાના  મમ્માની અવહેલના કદી નહી. સંસ્કારી દીકરીઓ  જાણતી  હોય છે ‘મા, કોને  વહાલી ન હોય’. આટલી  બધી ચિંતામા આવો સરસ ઉપાય  શોધ્યો તેથી દિશા મનોમન હસી રહી. તેણે નક્કી  કર્યું  ક્ષિતિજને  સરપ્રાઈઝ આપું.

સોમવારની  સવાર થઈ . સવારના પહેલો  ડૉક્ટરને ફોન કર્યો. બધી  વાત વિગતે જણાવી

ડૉક્ટરે પુછ્યુ “અત્યારે  ક્ષિતિજને  કેમ છે?”

દિશાકહે ” અત્યારે સૂતા છે. પણ  બે દિવસથી રાતના ખૂબ  હેરાન થાય છે.

ડૉક્ટરકહે ”  કાલે તેમની ડાયાલિસિસની એ્પોઈન્ટમેન્ટ  છે ત્યારે પ્લીઝ તેમને  બે કલાક વહેલાં લઈને  આવજો જેથી કમપ્લીટ ચેક અપ કરી લઈશ. કોમ્પ્લીકેશન  થવા ન જોઈએ પણ  ચેક અપ કરવાથી ખબર  પડશે. દિશાને વાત કરવાથી રાહત થઈ પણ  જ્યાં સુધી ડૉક્ટર  ચેક અપ કરીને ન કહે ત્યાં સુધી તેનો  જી્વ તાળવે ચોંટેલો રહ્યો. તેને હવે બી.પી. માપતાં આવડી ગયું હતું  તેથી દર બે કલાકે  ચેક કરતી.

“ક્ષિતિજ તને  અશક્તિ લાગે છે? તું  પલંગમાંથી ઉભો ન થા, પ્લીઝ “કહી તેને કરગરતી. કિડનીને  હિસાબે  હાર્ટ પણ થોડું નબળું  પડ્યું હતું. વારે વારે  તેને બરફનો ટૂકડો ચૂસવા  માટે આપતી..

ક્ષિતિજ  મશ્કરીમાં કહે’ મારા આકા! આટલી બધી સેવા કરે  છે તો હું તો  સાજો થવાનું નામ જ  નહી લંઉ’

દિશા હસીને  કહે “એક તો મારી ચિંતા  વધારે છે અને ઉપરથી  બળતામાં ઘી હોમે છે?  તું સાજો થઈ જાય તેથી તારું આટલું બધું  ધ્યાન રાખું છું. સમજ્યા  મારા પતિદેવ?’

ક્ષિતિજે દિશાની આંખનાં ખૂણામાં  તગતગતાં આંસુ જોયા.  દિશાએ ગંભીરતા ઘટાડતા કહ્યું,” અરે મારા  આકા, હજુ તો ઘણાં વર્ષો સુધી સંગ માણવાનો  છે. આપણા ‘ગ્રાન્ડ ચિલડ્રનને’  રમાડવાનાં છે. તું શું  મારાથી કંટાળી ગયો છે.”

“દિશા,  શું હું તારાથી કંટાળી  જાંઉ એવું લાગે છે.  અરે યાર હજુતો જીંદગીની  રફ્તારમાં ઘણું બધું માણવાનું  છે.,

“તું સાજો થા પછી જો જે ‘મેમસાહેબા’ રોજ  બેડ ટી નો ઓર્ડર  છોડશે.” એમ કહ્યું ત્યાં  તો બંને જણા ખડખડાટ હસી પડ્યાં.

સોમવારની સવારે મેઈડ આવી  તેને  બધું ઘરનું કામકાજ સમજાવી દીધું. ક્ષિતિજને હળવેથી તૈયાર થવામાં  મદદ કરી નબળાઈ ઘણી  લાગતી હતી. તૈયાર થઈને બંને નિકળ્યા. બે કલાક વહેલું  જવાનું હતું.  દિશા  પોતાની ચિંતા છૂપાવવાનો પ્રયત્ન  કરી રહી હતી.. હસીને વાત કરતી હતી. પણ  તેનાં અંતરમાં ક્ષિતિજની ચિંતા ઘુમરાઈ રહી  હતી. ક્ષિતિજ તેને ખૂબ સારી રીતે જાણતો હતો. દિશાની  વ્યથા સમજતો પણ અસહાય  હતો. ડૉક્ટર પાસે પહોંચ્યા. ક્ષિતિજે પ્રેમથી તેનો હાથ દબાવ્યો  અને ચૂમી લીધો. દિશાએ  નિહાળ્યા કર્યું જ્યાં સુધી ક્ષિતિજને લઈને જતી કાર્ટ  નજર્યુંથી ઓઝલ ન થઈ.

ડોક્ટરે  ક્ષિતિજને બરાબર તપાસ્યો. તેને   ‘ઇનફેક્શન’ લાગી ગયું હતુ. જેના લીધે ડાયાલિસિસ કર્યા પછી  જે  રાહત થવી જોઈતી હતી  તે ધીરી હતી. પાર્ટીની  ધમાલમાં ક્ષિતિજ પોતાની નાજુક પરિસ્થિતિ વિસરી ગયો હતો. દિશાને  બધી વાતની હા એ  હા કરતો. જેથી રાતના  હિંચકા પર સુતાં પછી તે ઉભો ન થઈ શક્યો. બીજે  દિવસે વારંવાર ઉલ્ટી થતી., ભૂખ  ન લાગતી, અશક્તિ લાગતી  અને વારંવાર બાથરૂમ જતો.કિંતુ કરતી વખતે દર્દ થતું  અને અટકી અટકીને પેશાબ  થતો.  દિશાની  ચિંતા અસ્થાને ન હતી. નિયમિત જીવનમાં બહુ તકલિફ ન  લાગતી.આજે બસ મનમાં  ‘શ્રી કૃષ્ણઃ શરણં મમ  નું રટણ અવિરત કરી રહી હતી. હંમેશા ડાયાલિસિસ  કરાવ્યા પછી ઘરે આવતાં  ત્યારે ભલે અશક્તિ લાગતી  પણ ક્ષિતિજ તેનાં બધાં કામ સરસ રીતે કરતો. જાણે  પહેલાંની  માફક. ત્યારે દિશા જરા  રાહતનો દમ લેતી. ખુશમિજાજમાં  હોય ત્યારે બંને ભૂલી જતાં કે ક્ષિતિજની હાલત  નાજુક છે. દિશાને હસતો  હસાવતો ક્ષિતિજ ખૂબ વહાલો લાગતો.પોતે પણ ચહેરાં પર  મોહરું પહેરી ખુલ્લા દીલે  ક્ષિતિજનો સાથ માણતી.

ક્ષિતિજનાં દિવા સ્વપનમાંથી બહાર  આવી. બાથરૂમમાંથી મોઢું સાફ કરી  ઉપર થોડો મેકઅપ લગાવી રડ્યાંની નિશાની ભુંસવાનો વ્યર્થ  પ્રયત્ન કર્યો. વેઈટિંગ રૂમમાં  સમય પસાર કરવો ખૂબ કઠીન હોય છે. પણ  રાતના  ઉજાગરા અને ચિતાના ભારે  આંખો ક્યારે  બંધ  થઈ ગઈ તેતેને ખબર પણ ન પડી..જ્યારે  નર્સે આવીને તેને જગાડી  ત્યારે ક્ષિતિજની હાલતની તેને જાણ  થઈ. નર્સ દ્વારા જાણવા મળ્યું કે ચિંતા કરવાની  જરૂર નથી. કોમપ્લીકેશન મામૂલી  હતાં બે દિવસ ભરપૂર  આરામ કર્યો અને આજે ઇલાજ તેથી બધું બરાબર  છે. ડાયાલિસિસ દ્વારા ક્ષિતિજ સરળતાથી  દિવસો વિતાવી શકતો હતો.ક્યારે ‘કિડની’ મળશે તેની હજુ કાંઈજ ખબર હતી  નહી. ત્યાં સુધી આ  જ એક સહારો છે.

દિશા  સંપૂર્ણ શ્રધ્ધાથી, પ્યારથી ક્ષિતિજનો ઈલાજ કરાવી રહી  હતી. પૈસાની ચિંતા હતી  નહી..મેઈડ હતી તેથી કામકાજ્માં પણ વાંધો ના  હતો. ક્ષિતિજના મમ્મા ભારતથી આવ્યા  હતા તેથી રસોઈ પાણીમાં  રાહત રહેતી. આમ પણ ક્ષિતિજને મમ્માના હાથની રસોઈ ખૂબ  ભાવતી. દિશાની સૂચના મુજબ  મમ્મા બનાવતા જેથી દિશા  ક્ષિતિજ સાથે સમય ગાળી શકે. દિશાની ચિંતા થોડી  હળવી થઈ  હતી. મમ્મા સાથે ક્ષિતિજ પણ વાતો નામ ગપાટા મારતો.

ક્ષિતિજનું ખાવાનું પ્રમાણમાં ખૂબ ઘટી ગયું  હતું. દિશા અચૂક તાજાં  ફળનો રસ  કાઢી  તેને પીવડાવતી. ક્ષિતિજના ઉઠતાં પહેલાં દરરોજ સવારે ‘ગીતા’ વાંચતી. બપોરે  જ્યારે ક્ષિતિજ આરામ કરતો હોય  ત્યારે મમ્મા પાસે આવી  દિલ હળવું કરતી. દિશા  પરણીને આવી ત્યારે તેના માતા પિતાએ ખાસ સૂચના  આપી હતી.

‘બેટા, જો તને  પતિ નો અનહદ પ્રેમ  આખી જીંદગી જોઈતો હોય  તો તેના માતા પિતાને  આદરને સન્માન આપજે.’ પતિ  તારા કહ્યામાં રહેશે અને તને અઢળક પ્રેમ આપશે.’ આ  સુવર્ણ શીખામણનું દિશા એ અક્ષર  સહ પાલન કર્યું હતું’

ક્ષિતિજ તેના ગુણો પર  વારી ગયો હતો.. ડાયાલિસિસને  કારણે દિશા પર આવી પડેલી  પરિસ્થિતિમાં મમ્માને આવેલાં જોઈ દિશાને આલિંગનમાં જકડી કહે, ‘ હેં  દિશા તું અંતર્યામી કેવી  રીતે થઈ ગઈ.? તને  કેવી રીતે મારા દિલની  ઈચ્છા વિશે ખબર પડી?’

દિશા ગર્વથી કહે  , અરે યાર તારા દિલની  વાત હું નહી જાણું  તો કોણ જાણશે?  અરે, તું તો  ખુલ્લી કિતાબ જેવો છે. તારી નજરમા ,મારા પ્રત્યેનો  પ્રેમ અને તેમાં વણલખી  વાત મને બધું સ્પષ્ટ  વંચાય છે. ક્ષિતિજ આવી  હાલતમાં મજબુત દિશા મળી તે માટે પ્રભુનો આભાર  માનતો.

ક્ષિતિજની નાજુક હાલત વિશેના વિચારો પળ ભર પણ દિશાને છોડતા ન હતાં. એની અસર શરીર પર જણાતી. કિંતુ ક્ષિતિજ તે જોવા શક્તિમાન નહતો.  દિશા તેને પ્યારમાં અને સારવારમાં ગુંગળાવી દેતી જેથી ક્ષિતિજની ચકોર આંખો તે જોઈ જ ન શકે.

દિશા જાણતી હતી કે ડાયાલિસિસને કારણે ક્ષિતિજને ભલે નબળાઈ જણાતી . તેનો જીવન પ્રત્યે નો અભિગમ હકારત્મક અને સુરક્ષિત હતો. તેન વર્તનમાં ક્યાંય નિરાશાની છાંટ ન હતી. બાકી તબિયત કથળે એ તો સ્વાભાવિક હતું. બાળકોને પણ પ્રેમ અને ઉત્સાહ પૂરો પાડતો. તેની દીકરી તો હૈયાનો હાર હતી.. દિશાએ બે દિવસ પ્રિયંકાને ઘરે રહેવા બોલાવી. પ્રિયંકા આવી ત્યારે ક્ષિતિજ આરામ ફરમાવી રહ્યો હતો. મા દીકરી બંને ‘ગરાજ’માં વાતોએ વળગ્યાં. દિશાથી રહેવાયું નહી. આટલા બધા વખતથી જાત ઉપર રાખેલો સંયમનો બંધ ટૂટી ગયો. પ્રિયંકાએ મમ્માને આટલી બધી પરેશાન કદી જોઈ ન હતી. તેણે મમ્માને શાંતિથી રડવા દીધી. દિશાનું મન હળવું થયું. પ્રિયંકાને આલિંગનમાંથી છોડતી જ ન હતી.

અંતે જ્યારે થાકી ત્યારે ઉંડો શ્વાસ લઈને બોલી,’બેટા મને તારા પાપાની ચિંતા ખૂબ સતાવે છે.’

પ્રિયંકા, મમ્મા તું હિંમત હારી જઈશ તો કેમ ચાલશે.’?

દિશા,’બેટા હું પણ સામાન્ય સ્ત્રી છું , મારા પ્રાણથી પ્યારા પતિની હાલત મારાથી જોઈ શકાતી નથી.. તેની સામે મારે સદા હસતું મોઢું રાખવું પડે છે.’ હું કોની આગળ મારા અંતરની વેદના ઠાલવું?’ આજે તને જોઈને મારું હૈયું હાથ ન રહ્યું.

પ્રિયંકા, ભલે મમ્મા, હું,  પ્રશાંત અને  દાદી બધા તારી સાથે છીએ મા, તું કેવી સરસ રીતે પાપાની કાળજી કરે છે. હિંમત ન હારીશ. બધા સારાં વાના થશે. ભાવિના એંધાણની કોને ખબર હોય છે.?

દિશાને પ્રિયંકા આગળ પેટછૂટી વાત કર્યાથી ઘણું સારું લાગ્યું. હાથ મોઢું ધોઈ ક્ષિતિજને ગમતી જાંબલી રંગનું ટોપ અને સફેદ સ્કર્ટ પહેરી તેના રૂમમાં આવી. ક્ષિતિજ તેના પગરવ સાંભળી બોલ્યો. શું આજે સાંજના આપણે પાર્કમાં જઈશું. દિશાએ મીઠું મનમોહક હાસ્ય સાથે કહ્યું પહેલાં તાજો ફળોનો રસ કાઢ્યો છે તે પીલે. ગરમા ગરમ ઉપમા બનાવ્યો છે. તને જેટલો ખાવો હોય તેટલો ખા .પછી આપણે બગીચાના હિંચકે બેસી ઝુલીશું. ખબર નહી કેમ મને તારા મોઢા પર થોડા સોજા જણાય છે. જો તારામાં શક્તિ હોય તો જ બહાર જઈશું નહિતર હું અને તું, પ્રિયંકા તૈયાર થઈને આવે ત્યાં સુધી રમી રમશું.

રમી રમવાનું સાંભળીને ક્ષિતિજ એકદમ ગેલમાં આવી ગયો. દિશા હળવી થઈ ગઈ. . બંને જણા રમી રમતા વાતોએ વળગ્યાં. ભૂતકાળમાં જ્યારે દિશા જીતતી ત્યારે ક્ષિતિજ કહેતો મને ખબર છે. તું પાના ગોઠવે છે. જોકરની પણ તફડંચી કરે છે. આજે દિશા ક્ષિતિજને જીતવા દેતી અને તેના મુખ પર સંતોષની ઝલક નિહાળતી હરપળ તેને એકજ પ્રશ્ન કોરી ખાતો “હું , શું કરું જેથી ક્ષિતિજ હસતો રહે અને જલ્દીથી પહેલાં જેવો થઈ જાય”. પણ શું એ દિશાનાં હાથની વાત હતી?

ત્યાં પ્રિયંકા નાહી ધોઈને તૈયાર થઈને આવી.  સીધી પાપાની બાજુમાં જઈને બેઠી. “શું પાપા તમે પણ , આવું કરાતું હશે? ક્ષિતિજ ચમક્યો, હેં બિટિયા રાની, પાપાથી કયો ગુન્હો થઈ ગયો?”

“બસ ને પાપા ભૂલી ગયા?” પ્રિયંકાએ નાટક ચાલું રાખ્યું..

“શું પણ કહે તો ખરી,” ક્ષિતિજ માથું ખંજવાળતાં બોલ્યો.

“પાપા, આજે કયો વાર છે?” પ્રિયંકાએ લાડ કરતાં પૂછ્યું.

ક્ષિતિજ વિચાર કર્યા વગર બોલ્યો “તું ઘરે આવી છે એટલે શુક્રવારની સાંજ હોવી જોઈએ. તું ‘વીક એન્ડ’ વગર ઘરે ક્યાં આવે છે?”

દિશા નાની બાળકીની જેમ તાળી પાડતાં બોલી. “પકડાઈ ગયાં ને? ”

આજે મમ્મા ખૂબ રડી હતી તેથી બાથરૂમમાં નહાતી વખતે દિશાએ નક્કી કર્યું પાપા સાજા નરવા  પહેલાંની જેમ છે. તેમ માનીને મમ્માને રિઝવું..

પાપા પાસે જઈ કાનમાં ગુસપુસ કરી. પાપાએ પણ તાળી પાડી.”અરે હાં ,હું તો ભૂલી જ ગયો.”

હવે ચમકવાનો વારો દિશાનો હતો. બાપ દીકરી ભેગા થઈ શું ખિચડી પકાવે છે તે તેના ભેજામાં ન ઉતર્યું. દિશાના મુખ પર આનંદ છલકાઈ ઉઠ્યો. પાના ફેંકીને બોલી “મને તો કાંઇ કહો . તમે બંને જણા શાની વાત કરો છો?”

પ્રિયંકાએ પાપાની સામે આંખ મારી. પાપા ખૂબ હસ્યા.

દિશાની સમઝમાં કાંઈ આવ્યું નહી. બાપ દીકરીનો જે પણ પ્લાન હોય તેમાં શામિલ થવાનું નક્કી કર્યું. હજુ પ્રિયંકા મગનું નામ મરી પાડતી ન હતી. ક્ષિતિજને પણ દિશાની હાલત જોઈને મઝા આવતી હતી. પ્રિયંકા મમ્માને જોઈને ખુશ હતી. મમ્મા જે પાપાની ચિંતા હરદમ કરતી અને તેથી અંદર સળગતી રહેતી હતી તે તેને પસંદ ન  હતું.. આજે આવી ત્યારે મમ્માની હાલત જોઈ તે ગભરાઈ  ગઈ હતી.

અંતે ક્ષિતિજે ઘટોસ્ફોટ કર્યો, અરે તું કેવી પાગલ છે દિશા ભૂલી ગઈ પ્રિયંકાને મેડિકલ સ્કૂલમાં જવું છે. તેની પરિક્ષાનું આજે રિઝલ્ટ આવવાનું હતું. દિશા, તેથી તો આજે ઘરે  આવી.આજે કાંઈ ફ્રાઈડે નથી! તેને ૯૫ ટકા માર્ક્સ આવ્યા છે. મારા કાનમાં તેણે એ જ કહ્યું.

હવે આજે ભલે તારો તથા મારી મમ્મીનો જે પણ પ્લાન હોય. બધા પ્લાન કેન્સલ. આપણે બહાર ડિનર લેવા ન જઈ શકીએ પણ ઘરમાં તો પાર્ટી મનાવી શકીએ ને !. આપણી દીકરી એટલી હોંશિયાર છે કે તેને “સાત વર્ષ”ના મેડિકલ પ્રોગ્રામમાં એડમિશન મળી ગયું. હવે જોઈએ કે તેને પસંદ કરેલી કોલેજમાં મળ્યું છે કે પછી સેકન્ડ ચોઈસ વાળી મેડિકલ સ્કૂલે એક્સેપ્ટ કરી છે.

દિશા તો બાઘાની માફક જોઈ જ રહી.આવા સુંદર સમાચાર સાથે દીકરી ઘરે આવી હતી. તેવા સમયે તેના ખભે માથું મૂકી રડી તેનું સ્વાગત કર્યું. તેની આંખોમાં હર્ષના આંસુની ગંગા વહી રહી. નજીક જઈ તેને પ્રેમથી વળગી અભિનંદન અને શુભ આષિશ આપ્યાં. હાથ પકડીને દાદીના આશિર્વાદ લેવા લઈ ગઈ. પ્રભુની પાસે જઈ માથું ટેકાવ્યું ઘરમાં ગળ્યું તો ઘણું હતું પણ ઠાકોરજીની મિસરી ખવડાવી તેણે પ્રભુનો અત્યંત આભાર માન્યો.

ઘડી ભર બધું દુખ વિસારે પાડી દીકરીને ભાવતી વાનગીઓનું લિસ્ટ બનાવી રેસ્ટોરાંમા ફોન કરવા બેઠી. ક્ષિતિજ શું ખાઈ શકે તે પણ લક્ષ્યમાં રાખી. ઓર્ડર આપ્યો. પ્રશાંતને ફોન કરી બોલાવ્યો. ખાસ મિત્રોને પણ ભૂલી નહી. ક્ષિતિજને તો કડક સૂચના મળી બેડ પરથી નીચે ઉતરવાનું નથી. પ્રશાંતની પાર્ટી પછી કેવી હાલત થઈ હતી તેનું પુનરાવર્તન કરવું ન હતું.

ગમગીની જગ્યાએ આનંદનું સામ્રાજ્ય છવાઈ ગયું. દિશા દીકરીને જરા પણ ઓછું આવે તેવું વર્તન ન થાય તેનું ધ્યાન રાખતી. આજે તો તેની લાડલીએ ખભો દઈતેનો ભાર હળવો કર્યો હતો. બસ બધાં સારાં વાના થશે એવો તેનો વિશ્વાસ દ્રઢ બન્યો..

 

નયનોનાં કોરની ભીનાશ () વિજય શાહ

August 7, 2011vijayshahસંપાદન કરોLeave a commentGo to comments

 

ક્ષિતિજનું સ્વપ્નુ તો પ્રશાંતને ડોક્ટર બનાવવાનું હતું પણ પ્રશાંત મોટેલ જ કરવા માંગતો હતો તેથી તેના રસની દિશામાં ચાલવા દીધો. પ્રિયંકાએ પપ્પાનું સ્વપ્ન પુરુ કરવા કમર કસી હતી. અને સાત વર્ષના કોર્સમાં બેલેર કોલેજ્માં અરજી કરી દીધી હતી..અને જુઓ તેનું તે સ્વપ્ન પુરુ થવાની દિશામાં આગળ વધી રહ્યું હતું.

અંબલ થી બેલેર કોલેજ દુર નહોંતી પણ ભણવામાં વિઘ્ન ના પડે તેથી તેણે કોલેજની બાજુનાં ડોર્મ માં રહેવાનું નક્કી કર્યુ. દિશા તો કોચવાતી હતી પણ ક્ષિતિજે હસતા હસતા કહ્યું “બેટા  હું કે પ્રશાંત તો ડોર્મ માં રહ્યાં નથી પણ ત્યાંની ઘણી હોરોર સ્ટોરી સાંભળી છે.. ખાસ તો રેગીંગ ની તેથી જુનીયરનો સમય પહેલા બે વર્ષ ઘરે રહીને ભણી હોત તો સારું !”

” પપ્પા તમને તો ખબર  છે ને ભણવા માટે મારે કેવી કમર કસવાની છે? મને ટ્રાફીકમાં સમય નથી બગાડવો…”

” પણ બેટા અમને તો તારું મો જોવા ના મળેને?” દિશા ટહુકી..

“મમ્મી રોજ સવારે વીડીયો ચેટ કરીશુંને?”

ક્ષિતિજને પણ ગમતું તો નહોંતુ જ છતા દિશાને સમજાવવા હસતા હસતા બોલ્યો.. “હવે પ્રિયંકા જાણે અત્યારથી તને તે જો સાસરે હોય તો કેમ રહેવાય તેની તાલિમ આપે છે એમ માનને તું…”

” ના પપ્પા એમ નહીં. મને તો તમારું સ્વપ્નુ પુરુ કરવું છે. બાકી મને તો રોગીનો..હાથ પણ લેતા ધ્રુજારી આવે છે.”

“તો બેટા હજી પણ સમય છે ..માંડી વાળો કારણ કે એ સપનું તો મારું પ્રશાંત માટે હતું.. તારે માટે તો સારો સાસર વાસ અને તારા જેવી ખીલખીલાટ ગુડ્ડા ગુ્ડ્ડીઓને ઉછેરતી હોય તેવું જ સુખી સ્વપ્ન અમારું હતું”

” પપ્પા!.. તમે હેલ્પ મમ્મીની કરો છો મારી નહીં!” લગભગ ફરિયાદનાં સુરમાં પગ પછાડતા તે બોલી.

“ઑહ! ભુલથી પાટલી બદલાઈ ગઈ?..પણ ના બેટા હું પણ માનું છું કે તારી સમજથી તારો કરીયર રોડ તું શોધ અને સ્વિકાર. મને નિમિત્ત ન બનાવ…”

” પપ્પા તમે ભુલી ગયા માને ગ્રેજ્યુએશન પાર્ટીમાં તમે હું મેડીકલમાં જઉં છું તેથી કેટલો બધો ગર્વ અનુભવો છો અને મારી દીકરી નથી દીકરો છે કહી મને કેટલો બધો પોરસ ચઢાવતા હતા!”

” હા બેટા તે વખતે એવું નહોંતુ  વિચાર્યું કે તું ડોર્મમાં જઇને રહીશ વળી તને દર્દીનો હાથ પકડવાથી પણ સુગ થશે ..જાતે ખાવાનું બનાવીશ અને મારા કારણે તું તારી જાતને કોશી રહીશ.. નો વે…”

” જુઓ પપ્પા! ભણવાનું તો ભણવાનું જ છે ને? તો પછી સહેતુક ભણીયે એમ વિચારીને મેડીકલમાં પરિક્ષા આપી હતી.. અને પાસ પણ થઇ ગઈ તો હવે મથીશ…તમે જ શીખવાડ્યું છે ને નિશાન ચુક માફ પણ નહી માફ નીચું નિશાન”

“ચાલો બેટા ત્યારે કરો કંકુનાં અર્જુન ની જેમ ફક્ત ડાબી આંખ જોજો અને ભણી રહ્યા પછી આખી દુનીયાની મઝા તમારી રાહ જુએ છે..”

” પણ બેટા પહેલા બે વર્ષ તું ડોર્મ માં જવાનું માંડી વાળે તો” દિશા કરગરતી હોય તેમ બોલી

ક્ષિતિજે દિશાને વાળી.. “હવે તે ન આવે તો તુ જઇ આવજેને.. ખાખરા અને નાસ્તા આપવાને બહાને…અહીં થી તો તેની ડોર્મેન્ટરી ૪૨ માઇલ તો છે.

દિશા ચુપ રહી પણ તેના નયનોનાં  કોરમાં આંસુ તગ તગી રહ્યાં હતા…

બે ક્ષણ તો પ્રિયંકાને પણ થયું કે ડોર્મમાં નથી જવું પણ બીજી જ ક્ષણે પ્રશાંતનાં શબ્દો સંભળાયા ..પ્રિયંકા..તુ સારું કરી રહી છું..પપ્પા તારા આ નિર્ણય થી ખુશ છે. અને તું આમેય  પપ્પાની લાડકવાઈ છે  જેમ હું મામાઝ બોય છું તેમ…

” મમ્મી! રડ ના. અને તૈયાર થા આપણે શેરીલ સાથે અત્યારે ડોર્મ રૂમ જોવા જઈએ છે.”

ક્ષિતિજને પ્રિયંકાનો આ અભિગમ ના ગમ્યો પણ સાથે પ્રિયંકા પાણી નો ગ્લાસ મમ્મીને આપતી જોઇ હાશ અનુભવી.

પાંચ મીનીટમાં તૈયાર થઇને મા દીકરી શેરીલનાં ઘરે પહોંચ્યા.

શેરીલ સાથે રૂમ રાખવાની હતી.

ડોર્મ આમ તો સાફ હતું . કોમન રૂમ અને બીજી ઘણી બાબતો એવી હતી કે કોઇ શાંતિ થી ભણવા માંગે તો ભણી ન શકે પણ પ્રિયંકા તો કહેતી હતી કે ડોર્મ તો ફક્ત રાત્રે સુવા માટે અને સવારે નહાઈ ને તૈયાર થવા માટે જ હતું બાકીનો સમય તો લાઇબ્રેરી, લેક્ચર અને લેબ માં જવાનો હતો..દિશાને આ હજાર ડોલરનો ખર્ચો બીન જરૂરી લાગતો હતો. પણ ખરી ભીતિ તો ભણતા ભણતા ક્યાંક કોઇ બીજું લફરું ના થઇ જાય.

ક્ષિતિજ કહેતો “સારો છોકરો હોય ( મારી જેમ) તો સારુંને?”

તુ પણ ક્ષિતિજ!  કોઇ પણ મારી ચિંતાને સીરીયસ રીતે નથી લેતો.

“દિશા! યાદ કર તારી મમ્મીએ શું કહ્યું હતું? દરેક આત્મા પોતાના જન્મ સાથે પોતાનાં કર્મો લઇને આવે  છે. આપણા સંતાનોને  સ્નેહ અને આરક્ષણ આપતા માત્ર આપણે તો પ્રભુનાં આ સર્જનોનાં ચોકીદાર માત્ર છીયે માટે સમજાવો પંણ આપણી ઇચ્છાઓ તેમન પર ન લાદો… બરોબરને…”

તેની વિચાર ધારાને ઝંઝોટતી પ્રિયંકા બોલી.. મમ્મી ફોર્મ મેં ભરી દીધું ચેક આપ.

દિશાએ ચેક આપ્યો અને મનમાં નિઃસાસો નાખ્યો જાણે અણગમતા વર સાથે વહાલુડી દીકરીને વળાવતી ના હોય…

(૦)

શરૂઆતનાં દસ બાર દિવસ તો વિડીયો ચેટ બરાબર ચાલ્યું. પછી બહાને બાજી શરું થઈ..રાત્રે મોડી સુઈ ગઈ હતી તેથી ચેટીંગ નો સમય ના રહ્યો. પછીપાછા એકાદ વખત મમ્મા બહુ જ કામ રહે છે બે ત્રણ મહીને ફોન ઉપર વાતો પણ ઘટતી ગઇ.. દિશા જ્યારે જ્યારે પ્રિયંકાને લઇને ઉદાસ થતી ત્યારે ત્યારે તેને યાદ આવતું કે દીકરી એ તો પારકું ધન છે એક દિવસ તો તે પોતાને ઘેર જશે દિશા તું તો તો ફક્ત તેને સાચવે છે.

મહિનાઓ જતા થયા..પ્રશાંત એક વખત દિશાને કહી રહ્યો..”મા તારી પ્રિયંકા ચોપડીઓ સાથે સાથે જીગરને પણ ચાહે છે”

“શું?”

“હા. જીગર સારો છોકરો છે અને તે સીનીયર ડોક્ટર છે. ડો કમલેશ મહેતાનું સંતાન છે.”

“તેની મમ્મીનું નામ આરતી?”

હા તેઓ તમને અને પપ્પાને સારી રીતે ઓળખે છે અને મુંબઇનાં હ્યુસ્ટન ખાતેના ગૃપમાં આગળ પડતા છે”

“તને કોણે કહ્યું?”

“મમ્મી જીગર અને પ્રિયંકાએ સાથે આવીને મને વાત કરી.”

“હં” સહેજ ગંભીરતા પકડતા પકડતા તેણે પુછ્યું “ક્ષિતિજને ખબર છેને?”

“મમ્મા પ્રિયંકા ઇસ પાપા’ઝ ગર્લ..ખબર છે ને?”

“હં” તો આગળ શું પ્રોગ્રામ છે?

“મમ્મી! આજે આવે છે તમારી અનુમતિ લેવા…આશિર્વાદ લેવા..” પાછળથી ક્ષિતિજ પ્રિયંકાનાં અવાજ્માં   ટહુક્યો..અને ખીલ ખીલ હસતી પ્રિયંકા અંદર આવતી હતી

દિશા! ગુસ્સે થતા થતા હસી પડી ..તેની ઢીંગલી..એટલી મોટી થઇ ગઇ હતીકે પોતાનો જીવનસાથી પણ શોધી લીધો…

” બેટા મેડીકલનાં પહેલા જ વર્ષમાં જીવન સાથી શોધી લીધો?”

” ના મમ્મા એણે મને શોધી લીધી છે મેં નહીં.. જેમ પપ્પએ તને શોધી હતી ને તેમજ…”

‘હવે તો પપ્પાનું સ્વપ્નુ અધુરું રહેવાનું..પણ ખેર..જ્યારે એમને વાંધો નથી તો હું શું કામ આવો રૂડો પ્રસંગ રોળું?”

ઘરમાં હસી મઝાકનો  માહોલ છવાયો હતો.

અંબર ફોઇને તેડા થયા. કાકાઓને જાણ કરી.. સાંજે  ગોળ ધાણા ખવાયા

અંબર ફોઇ હસતા હસતા બોલ્યા..પ્રશાંત હવે તું મોડો પડવાનો…તારો વર ઉઘલો બેન નાં માંડવે થવાનો

પ્રશાંત બોલ્યો..”ફઈબા તમારી જવાબ્દારી વધી ગઈ .. મને છોકરીઓ બતાવવા માંડો…”

દિશા બોલી ના એમ નહીં પ્રશાંત પહેલાં પરણશે ત્યાં સુધી પ્રિયંકાને સજા…

જીગર કહે..” મને તો ઍડવાન્સ બુકીંગ જ કરાવવું હતું કે જેથી ભણ્યા પછી મારી પ્રેક્ટીસને આવો સુંદર ભાગીદાર મળે”

સગાવહાલાઓનાં આશિષો સાથે પ્રસંગ સંપન્ન થયો..પણ દિશા વિહ્વળ હતી.. તેને પ્રિયંકા પાસેથી એક વધું વચન લીધું ડોર્મ છોડી ઘરે રહેવાનું અને રસોઇ, ધર્મ અને સારી પરણીતા બનવાની તાલિમ શરું કરવાની.

આરતી બહેનતો ના જ કહેતા રહ્યાં કે ભણવા દો અને ગૃહિણી બનાવવાની તાલિમ રહેવા દો.

પ્રિયંકા બોલી “મમ્મા તારી સાથે આખો રવિવાર. પણ પ્લીઝ  ડોર્મ ના કહીશ.. મારે હવે જીગરની ચોકી પણ રાખવી પડશેને…”

બધા મા દીકરીની નોંક ઝોંક સાંભળી રહ્યા….

 

નયનોનાં કોરની ભીનાશ () રાજુલ શાહ

August 12, 2011vijayshahસંપાદન કરોLeave a commentGo to comments

 

 

પ્રિયંકા દિશાની જેમ સંતોષી હતી. ભાગ્યેજ  એની કોઇ એવી ડીમાન્ડ  રહેતી કે જેના માટે ના પાડવાની હોય. ઉપરથી નાની હતી ત્યારથી એના માટે તો આગ્રહ કરીને કોઇ વસ્તુ એને અપાવવાની થતી. પ્રિયંકાએ  બસ આ એક જ વાર  ડોમમાં રહેવાની વાતને લઈને આજ સુધીમાં આટલી જીદ કરી હશે . એટલે ક્ષિતિજ કે દિશાની ઇચ્છા ન હોવા છતાં એની મરજીને માન આપ્યુ.

જ્યારે પ્રશાંત સાવ નાનો હતો ત્યારથી જ એના સપના મોટા મોટા.અને એની દરેક ઇચ્છા પરિપૂર્ણ  કરવાની હંમેશની ક્ષિતિજની તૈયારી, અને દરેક વખતે દિશાની આનાકાની.

“કેમ જાણે કોઇ બેરોનેટ ફેમિલીમાં જન્મ થયો છે પ્રશાંતનો?  “દિશા હંમેશા ટોકતી. અને થયો હોય તો ય શું? માંગ્યા મેહ વર્ષે તો તો એ મેહની પણ કોઇ કિંમત રહે? એ તો આસમાનના તારા માંગશે તો એ ક્યાંથી તોડીને લાવશો?

પણ શું કરુ ? તને ય ખબર છે છોકરાઓને કોઇ વાતની ના પાડવી પડે એ મને કેટલુ કઠે છે? મારામાં તાકાત હશે , મારુ ગજુ હશે ત્યાં સુધી તો હું એ પુરી કરી જ શકુને?  એમ કેમ ના પાડી દઉં?  અને છોકરાઓ આપણી પાસે જીદ નહીં કરે તો કોની પાસે કરશે?

પ્લીઝ, ક્ષિતિજ , હવે તો જરા ખમૈયા કરો! દરેક ઇચ્છા પુરી કરવી મા-બાપની ફરજ છે જ પણ  બિન જરૂરી કે વધુ પડતી માંગ હોય એને નકારવાની આપણી તૈયારી જોઇએ અને નકાર  સાંભળવાની પ્રશાંતની પણ તૈયારી હોવી જોઇએ એટલુ જ નહી એ નકાર સ્વિકારવાની સમજ પણ આપણે જ આપવી જોઇએ ને? આમને આમ તો ઘર જ નહીં પણ બહારની અસ્વિકૃતિ સ્વીકરતા નહીં શિખે. મોટો થશે અને જરા ઘર બહાર જતા શિખશે ત્યારે દરેક વસ્તુ એની મનગમતી જ મળશે કે થશે એવી કોઇ ગેરંટી આપી શકાશે? અને જ્યારે કોઇ વસ્તુ સહેલાઇથી નહીં મળે ત્યારે એ હાર ખમી શકશે? જીવનમાં કંઇક પામવાની સાથે કંઇક ન મળે ત્યારે એના વગર ચલાવતા પણ શિખવુ પડશેને?    યાદ છે તમે જ કહેતા કે નાના હતા ત્યારે તમને પપ્પાએ ફાવશે , ચાલશે જેવા શબ્દોની ય જીવનમાં એહમિયત હોવી જોઇએ એવુ  કહેલુ? મતલબ કોઇ એવી પરિસ્થિતિ આવે ત્યારે એ સમયે એમાં પણ ગોઠવાઇ જવાની તૈયારી હોવી જોઇએ આમ ને આમ તો પ્રશાંતને કોઇ દુનિયાદારીની સમજ આવશે?    ”

દિશાની વાત ક્ષિતિજ નહોતો સમજતો એવુ નહોતુ પણ તેનેદિકરા કે દીકરીને ના પાડવી એના સ્વભાવમાં જ નહોતુ.

એ દિશાને ઠંડી પાડવા મથતો.

“દિશા તને ખબર છે  ને મને પ્રિયંકા અને પ્રશાંત કેટલા વહાલા છે? અને આ બધું એમના માટે જ છે ને?”

” અને  છોકરાઓ મને વહાલા નથી?” દિશા તપી જતી.” પાણી માંગે ત્યાં દૂધ હાજર કરો ત્યાં સુધી ઠીક છે પણ પછી દૂધપાક સુધીની માંગ તો હંમેશા ન જ પુરી કરાયને?  એની ય એક હદ તો હોય ને?”

એક દિવસે દિશાના ઉકળાટનો પાર નહોતો. પ્રશાંત અને ક્ષિતિજ બંને જણા ઇલોક્ટ્રોનિક્સ અપ્લાયસીસના અત્યંત શોખીન . માર્કેટમાં જે નવી બ્રાન્ડ આવે એ લેવાનુ બંનેને મન થઈ  જ જાય. અને એ પછી જુની વસ્તુ ન વાપરવા માટે સો બહાના જીભે રમતા હોય. એ દિવસે ટચ સ્ક્રીન આઇ ફોન માટે બંને જણ ચર્ચા કરતા હતા અને પ્રશાંત તો એ લેવા એક પગે થઈ રહ્યો હતો. દિશાને ખાતરી હતી કે એ પછીના અઠવાડિયે એની જીદ પુરી થઈ જ હશે.

અને એટલે જ દિશા આટલી અકળાયેલી હતી.  ક્યારેક એવુ બનતુ કે કોઇ પણ વસ્તુમાં જો સહેજ ટેકનિકલ પ્રોબ્લેમ દેખાય તો બાપ-દિકરો બંને જણ તરત જ નવી લેવા તત્પર થયા જ હોય ને.

“અરે ભાઇ, કોઇને બતાવી તો જુવો , કોઇ નાની એવી ક્ષતિ હોય અને રિપેર થઈ શકતી હોય તો એવી ઉતાવળે નવી લેવાની શી જરૂર?”  દિશા કાયમ  બંનેને રોકવા પ્રયત્ન કરતી. પણ એને ખબર હતી  આ એની માથાકુટ વ્યર્થ જવાની છે.

હમણાંથી  ક્ષિતિજને સતત અંદરથી લાગ્યા કરતુ કે કાશ એણે દિશાની વાત માની હોત. કાશ એણે પ્રશાંતની મર્સીડીસ લેવાની ઇચ્છાને હવા ના આપી હોત. આ હવાની પાંખે ઉડીને તો પ્રશાંતે જીવ ખોયોને? એ દિશાની નજરનો સામનો ય કરી શકતો નહોતો . અંદરથી સતત એનુ કાળજુ કોરાયે જતું હતુ. પ્રશાંતને પપ્પા મર્સીડિસ લે એવી ઇચ્છા હતી જેથી એને કરોલા મળે પણ ક્ષિતિજે એના ગ્રેજ્યુએશન નિમિત્તે જ્યારે ક્ષિતિજે મર્સીડિસ એને અપાવી ત્યારે પણ દિશાની તો આનાકાની હતી જ.

ત્યારે દિશાએ  કહ્યુ હતુને કે  ” ક્ષિતિજ..તેં વિચાર્યુ છે કે આવી મોટી ગાડી તેને ઉછાછળો બનાવી શકે છે?”

અને પોતે જવાબ આપ્યો હતો “અરે દિશુ એમ પણ વિચારને કે મોટી ગાડી તેને જવાબદાર બનાવશે..”

દિશાએ કહ્યુ  હતુ ને કે  ” ના મારે તેને આકાશમાં નથી ઉડવા દેવો.. તેને ધરતી ઉપર રાખવો છે.”

અને એની આ વાત પર એણે જ તો દિશાને કહ્યુ હતુને કે હવે “પ્રશાંતે  મુક્ત ગગને ઉડવાનું છે..અને તેના ઉડાણમાં આ પાંખો ભેટ આપવાથી મારામાં નો બાપ રાજી થાય છે.”

એક બાપના રાજીપાની ઉડાણ પર પાંખો પ્રસારીને પ્રશાંત મુક્ત ગગનમાં ઉડી ગયો ને?

ભલે ને પ્રશાંતને મર્સીડીસ પપ્પા માટે લેવી હતી પણ જ્યારે એના હાથમાં ચાવી આવી  આવી ત્યારે અંદરથી તો એ અત્યંત ખુશ હતો.

આહ! જીંદગી આમ જ જીવાય. તેજ રફ્તારે ભાગતી મર્સીડીસ એના મિજાજને ય કેવી અનુકુળ લાગતી હતી?  પાણીના રેલાની જેમ સરકતી મર્સીડીસમાં લાઉડ મ્યુઝિક સાથે  ફરવામાં એક જાતનો નશો છવાતો જતો હતો  દિમાગ પર .

અને એ જાતે જ ગણણતો.

” આજ મે ઉપર આસમા નીચે. આજ મૈં આગે જમાના હૈ પીછે. ”

એ જમાનાને ક્યાંય પાછળ રાખીને કોઇની ય પહોંચ બહાર કયા આસમાને જઇને એ બેઠો?

બારીની બહારના આસમાનમાં કેટલો શૂન્યાવકાશ છવાયેલો હતો? દિશાના સતત ભીના રહેતા નયનોના પાછળ દેખાતા કોરા ધાકોર  શૂન્યાવકાશ જેવો?  રડી રડીને એણે જાતને ઉલેચી નાખી હતી અને હવે તો સાવ જ નિઃશબ્દ બનીને રહી ગઈ હતી દિશા. ચાવી વગરના પૂતળા જેવી.

પ્રશાંત એ દિવસેય અત્યંત ખુશ હતો   ક્ષિતિજનો જન્મદિવસ હતો.  પ્રશાંતે પાપા માટે સરપ્રાઇઝ પાર્ટી એરેન્જ કરી હતી. માત્ર એ અને પ્રિયંકા જ જાણતા હતા. ક્ષિતિજની આવી તબિયતે બહાર લઇ જવો એના માટે થોડુ અગવડભર્યુ બની રહેતુ    સ્વયં અંકલ, અંબર ફોઇ, જીગરના પરિવાર , જ્હોન બીજા ક્ષિતિજના નજીકના મિત્રોને આમંત્રણ આપી ચુક્યો હતો . દિશાને કે દાદીને પણ ખબર ન પડે એ  માટે ઇન્ડિયન રેસ્ટૉરંટ્માં ઓર્ડર આપી દીધો. બધુ  જ બરાબર ગોઠવાઇ ગયુ હતુ. અને  કેક લઈને એ ઘેર આવે એ જ સમયે સૌ સાથે હાજર હોય એવી ગોઠવણ કરી લીધી.

પ્રશાંત અને પ્રિયંકાને મમ્મી -પપ્પાઅ બહુ જ વહાલા હતા પણ પ્રશાંતનો ઝોક હંમેશા પપ્પા તરફ નો જ વધારે રહેતો. નાનપણથી જ પપ્પાએ એની મન માંગી ચીજો હાજર કરી હતી.  હવે એનો વારો હતો પપ્પાની હર એક ઇચ્છા પુરી કરવાનો. એ એક પણ મોકો ચુકવા માંગતો નહોતો. સવારે જ ચા ના ટેબલ પર વાતો ચાલતી હતી ત્યારે  દાદીએ પણ એ જ વાત કહી હતી પ્રશાંતને..” બેટા, આજ સુધી પપ્પાએ તારી તમામ ઇચ્છાઓ પુરી કરી છે હવે તું આ ઘરનો મોભ છું .ક્ષિતિજની દરેક જવાબદારી તારે ઉપાડી લેવાની છે.”

” દાદી , તમે જરાય ચિંતા ના કરતા. પપ્પાની ઇચ્છા સર આંખો પર.બોલ મમ્મી, આજે પપ્પા માટે શું લઈ આવુ?”

દિશા વતી ક્ષિતિજે જવાબ આપ્યો હતો. ” એમ કોઇ નાની મોટી ગિફ્ટથી હવે પપ્પા માની જવાના નથી. હવે તો હુ વ્યાજ સાથે વસુલ કરવાનો છું.”

“પપ્પા, વ્યાજની ક્યાં વાત કરો છો તમારા માટે તો પ્રાણ પાથરી દેવા તૈયાર છું.” પ્રશાંતે હસતા હસતા જવાબ આપ્યો.

અને દિશાની જીભ કચરાઇ ગઈ.આજના દિવસે  ય આવી વાત? કારણકે આજ સુધીમાં કેટલીય વાર પ્રશાંતે પોતાની એક કિડની પપ્પા માટે આપવાની જીદ કરી હતી. દિશા-પ્રિયંકાએ પણ બાકી રાખ્યુ નહોતું. પણ બધા ટેસ્ટ કર્યા બાદ એક પ્રશાંતનુ  જ બ્લડ ગ્રુપ અને ટીશ્યુ  ક્ષિતિજના બ્લડ ગ્રુપ અને ટીશ્યુ સાથે  મેચ થતા હતા. પણ ક્ષિતિજ માટે એ વિચાર માત્ર કંપાવી દેવા માટે પુરતો હતો. કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રશાંતની  કે પ્રિયંકાની કીડની લેવાની એની કોઇ તૈયારી નહોતી .ઘણી વાર આ બાબતે ઘરમાં રકઝક થઈ ચુકી હતી. પણ જ્યાં સુધી કોઇ ડોનર મળે ત્યાંસુધી ક્ષિતિજ એ દિશામાં વિચારવા સુધ્ધા તૈયાર નહોતો. એને કાયમ એમ જ લાગતુ કે હવે એણે દુનિયા જોઇ લીધી છે. જીંદગી માણી લીધી છે.  એ ન હોય ત્યારે એક દિશા સિવાય બીજી કોઇ એને ચિંતા નહોતી જ્યારે પ્રશાંત તો હવે ઉગીને ઉભો થતો હતો. હજુ તો એણે જીવનના કયા રંગો જોયા કે માણ્યા હતા? જીવનની રફતાર તો હવ્જુ હવે ચાલુ થતી હતી એમાં એને કોઇ જોખમમાં મુકવાની એની તૈયારી નહોતી.

એટલે ક્ષિતિજે  તરત વાત વાળી લેતા કહ્યુ ય ખરુ” આજ સુધી મેં જે શુન્યમાં થી સર્જન કર્યુ  છે એનુ જતન કરવાની જવાબદારી હવે તારી છે. કાલ ઉઠીને હું નહીં હોઉ ત્યારે દાદી-મમ્મી અને પ્રિયંકાની જવાબદારી તારી  છે. આટલુ તું સમજી અને સ્વીકારી લઇશ તો મારા માટેની સૌથી મોટી ગિફ્ટ એ જ હશે.બીજા કશાય કરતા મને એમાં જ વધુ ખુશી થશે.

આમ પણ પ્રશાંત અને પ્રિયંકા પાપા ખુશ રહે અને મમ્મી ચિંતામુક્ત રહે એ માટે કોઇને કોઇ બહાનુ શોધી જ કાઢતા. અને સાચે જ  આજે તો આ સૌને એક સામટા  જોઇને ક્ષિતિજ ખુશીથી ઉછળી જ પડ્યો.

એક હવે રાહ જોવાતી હતી પ્રશાંતની. થોડીવાર પહેલા જ પ્રિયંકાએ એની સાથે વાત કરી હતી. ગણતરી કરતા એ કેમ મોડો પડ્યો ? ખરેખર તો બધા સાથે જ આવે એવુ નક્કી થયુ હતુ ને? અધિર પ્રિયંકાએ પ્રશાંતને ફોન પર જ ખખડાવી નાખ્યો.

”  અરે બાબા !  કેક લઈ લીધી છે અને પહોંચુ એટલી જ વાર. ” પ્રશાંતને પણ પોતે થોડો મોડો પડ્યાનો અફસોસ થયો. બધા સાથે ઘરમાં આવે એ સમયે પાપાના ચહેરા પરના ખુશીના ભાવ જોવાની તક તો એણે ગુમાવી જ ને? but that”s ok.” પ્રિયાને કહ્યુ હતુ એટલે એ સમયે એણે સ્નેપ તો ખેંચી જ લીધો હશે ને? કદાચ વિડિયો પણ લીધી જ હશેને?

હવે તો એને પણ અધિરાઇ આવી ગઈ. કેક ગાડીની પાછલી સીટમાં જાળવીને ગોઠવી અને જરા ઝડપથી જ ગાડી રિવર્સમાં લઈ સીધી મેઇન સ્ટ્રીટ પર લીધી. આમ તો પાપાને સવારે જ બર્થ ડૅ વિશ કરી હતી. તેમ છતાં બધાની સાથેની એ પળ ગુમાવ્યાનો મનમાં રંજ તો થયો જ. ગાડીને મેઇન સ્ટ્રીટ પર લઈને એણે સીધી જ સ્પીડ પકડી. સાથે સાથે પપ્પાને ફોન પણ જોડી દીધો. એ ઘેર પહોંચે ત્યાં સુધીની એક એક પળ એ  પપ્પા સાથે શેર કરવા માંગતો હતો.  ઘણી વાર એવુ બનતુ કે એ બહુ  ખુશ હોય ત્યારે ક્ષિતિજ સાથે ફોન પર વાત કરી લેતો. દિશા એમાં ય કાયમ ટોકતી. એને કાર ચલાવતા કોઇ પણ ફોન પર વાત કરે એ ગમતુ નહીં પણ અહીં ક્ષિતિજ કે પ્રશાંત બેમાંથી કોણ એની રોકટોકને સાંભળવામાં માનતા કે આજે માને?

“કેવી રહી સરપ્રાઇઝ પપ્પા? ફોન સ્પીકર પર મુકો અને  હું ઘેર પહોંચુ ત્યાં સુધી મારી સાથે વાત કરો એટલે મારી ગેરહાજરી નો હેવાલ મારે કોઇને પુછવો ના પડે.

“absolutely wonderful my son.” કમાલ કરી નાખી તે તો . મઝા આવી ગઈ.બસ મારા બાકીના દિવસો ય આવી રીતે તમારા પ્રેમ થકી હસતા રમતા , બધાને વચ્ચે પસાર થઈ જાય એટલે ગંગા નહાયો. મારે તો કાશી પણ અહીં અને મથુરા, ગોકુલ . વૃંદાવન પણ અહીં જ છે ને? ”

“પપ્પા પ્લીઝ ,  આવી વાતો બંધ કરો. ભલે તમારા મન બધુ જ અહીં છે પણ મારે તો સાચે જ તમને ચાર ધામ યાત્રા કરાવવી જ છે અને તમે એ કરશો પણ ખરા એ મારુ વચન છે. ” પ્રશાંતનો અવાજ જરા નમ થઈ ગયો, આંખમાં જરા ઝળઝળીયા ય આવી ગયા.

અરે! તું તો ઇમોશનલ થઈ ગયો. કમ ઓન માય બોય ચીયર અપ એન્ડ કમ સૂન. વી આર વેઇટીંગ ફોર યુ.

“બસ, પપ્પા આ ઘર પાસેના ક્રોસ રોડની પાસે જ  છું સિગ્નલ વટાવુ એટલે ઘર ભેગો . પ્રિયંકાને કહી દો કેક માટે સેન્ટર ટેબલ ગોઠવી રાખે.”

પ્રશાંતે  વાત કરતા કરતા ગાડીની ઝડપ થોડી વધુ તેજ કરી.  ઘણે દૂરથી જ  રેડ સિગ્નલ દેખાતુ હતુ એનો અર્થ હવે થોડી વારમાં જ ગ્રીન  સિગ્નલ થઈ જશે અને હવે જરાય  વધુ વાર થાય એ પ્રશાંતને  મંજૂર નહોતુ. બસ આ એક સિગ્નલ પાર થઈ જાય એટલે બે મિનિટમાં તો ઘરે એટલે હજુ જરા વધુ ઝડપ વધારી લીધી.  અને ખરેખર  જરા પાસે આવતા ગ્રીન સિગ્નલ પણ દેખાયુ  પ્રશાંતની ગણતરી મુજબ  બધુ બરાબર ચાલી રહ્યુ હતુ  એટલે  એણે એક ધારી સ્પીડ જાળવી રાખી.  પણ નિયતીની ગણતરી કંઇક જુદી જ  હતી. પ્રશાતની ડાબી બાજુએથી  એક  વાન ધસમસતી આવી રહી હતી. એને જરા થોડે દૂરથી યલો સિગ્નલ દેખાયુ તો હતુ પણ ગણતરી એવી હતી રેડ સિગ્નલ થશે એ પહેલા તો નિકળી જવાશે . બપોર નો સમય હતો એટલે ટ્રાફિક પણ નહીંવત જ હતો  એટલે એણે પણ થોડી ઝડપ વધારી લીધી.પણ  સાવ પાસે આવીને નિકળે એટલામાં  જ રેડ સિગ્નલ થઈ ગયુ. હવે તો બ્રેક મારવાનો પણ સમય રહ્યો નહી. અને હજુ તો કંઇ સમજે વિચારે એ પહેલા જ બરોબર ક્રોસ રોડ વચ્ચે આવી ને બંને અથડાયા.આ  વાનની ઝડપ અને પ્રશાંતની ગાડીની ઝડપ જે રીતની હતી એમાં તો કશું જ બાકી રહે એવુ નહોતુ. બંને કારની સ્પીડ એટલી હતી કે  જે ધમાકો થયો  એ તો ક્ષિતિજે પણ ફોન પર સાંભળ્યો પ્રશાતની કારને  આખી ગોળ ફેરવીને એ વાન આગળ ધસી ગઈ..કારની તમામ એર બેગ ખુલી ગઈ સીટ બેલ્ટ  પહેરેલો હોવા છતાં પ્રશાંતને સખત ધક્કો લાગ્યો અને ક્યાં ય કશું સમજાય એ પહેલા તો એણે ભાન ગુમાવી દીધુ.

પ્રશાં……….ત , ક્ષિતિજ નો અવાજ ફાટી ગયો. પણ પ્રશાંતમાં જવાબ આપવા જેટલીય સુધબુધ ક્યાં બચી હતી?

બીજી પાંચ મિનિટ પછી તો ઘર પાસેથી જ  પોલિસની સાયરન ,ફાયર બ્રિગેડ્ની સાયરન સૌએ સાંભળી.

ક્ષિતિજનો ફાટેલો અવાજ અને બોલવાના ફાકા પડતા જોઇને સૌને ધ્રાસકો પડ્યો. પ્રિયંકાએ પપ્પાના હાથમાંથી ફોન ઝુંટવી લીધો અને ફોન પર સંભળાતા અવાજ પરથી એ પરિસ્થિતિ પામી ગઈ. બીજી જ ક્ષણે જીગરનો હાથ તાણતી એ ઘરની બહાર ભાગી. સ્વયં અંકલ પાછળ દોડ્યા. એમને પણ સાથે લઈ લીધા.

ઘરમાં બીજા કોઇ હજુ તો વધુ કંઇ સમજે એ પહેલા તો એની ગાડી રસ્તા પર હતી. ક્ષિતિજ સાથે ચાલતી વાતો પરથી એટલો તો ખ્યાલ આવી  ગયો હતો કે પ્રશાંત સાવ જ ઘરની નજીકના ક્રોસ રોડ પાસે હતો. ત્યાં પહોંચીને જે પરિસ્થિતિ જોઇ એ તો સાવ કલ્પના બહારની હતી. પ્રશાંતની મર્સીડીસ તો સાવ જ ડબ્બો થઈ ગઈ હતી અને એમાંથી ને બહાર કાઢવાના ફાયર બ્રિગેડ વાળાના પ્રયાસો તો જોવા અસહ્ય હતા. પ્રશાંતને ગાડીને બહાર ખેંચી ને તરત જ એમ્બ્યુલન્સમાં ઇમરજન્સીમાં એડમીટ કરવામાં આવ્યો. બેહોશ પ્રશાંતને આમ દેખીતી રીતે શરિર પર કોઇ ઉઝરડો દેખાતો નહોતો બસ ડાબી બાજુ મ્હોંની ફાટમાંથી લોહીનો રેલો ગાલ સુધી વહી ગયો હતો.

પ્રિયંકાના હાથ પગ પાણી પાણી થવા માંડ્યા.  જીગર અને સ્વંયે  એને સંભાળીને ગાડીમાં બેસાડી ગાડી એમ્બ્યુલન્સની પાછળ પાછળ લીધી. ક્ષિતિજ લગાતાર ત્રણે જણના સેલ ફોન પર સતત ફોન ટ્રાય કર્યા કરતો હતો.  પ્રશાંતને અક્સ્માત થયો છે એ તો હવે ઘરમાં  સૌને સમજાઇ ગયુ હતુ એટલે ખોટુ બોલવાનો કે કોઇ બહાનુ કાઢવાનો પ્રશ્ન જ ઉભો થતો નહોતો.  સ્વયંને થયુ હવે જો એ વાત નહી કરે તો ક્ષિતિજ માટે કટોકટી સર્જાશે.

“ક્ષિતિજ , શાંતિથી સાંભળ . પ્રશાંતને અકસ્માત થયો છે. આમ તો કોઇ ઇજા દેખાતી નથી પણ એને ઇમરજન્સીમાં લઈ ગયા છે . ત્યાં પહોંચીને પછી જે હોય એની તને જાણ કરુ છું .

ક્ષણ પહેલાના મસ્તીભર્યા માહોલમાં  સન્નાટો છવાઇ ગયો . અંબર ફોઇને દાદી પાસે રાખીને વળતી પળે જ્હોનને લઈને દિશા અને ક્ષિતિજ પણ હોસ્પીટલ જવા નિકળી ગયા.દિશા કે ક્ષિતિજ બેમાંથી કોઇમાં બોલવાના હોશ સુધ્ધા નહોતા. દિશાના મનમાં ઇશ્વરનુ રટણ હતુ  .’હે ઇશ્વર ,ખરેખર મારા પ્રશાંતને કશું જ ન થવા દેતો. મારા પ્રશાંતને  ક્ષેમ કુશળ રાખજે…બીજુ કંઇ એને સુજતુ નહોતુ. તો ક્ષિતિજના પણ ક્યાં હાલ સારા હતા? શરિરમાં ધુજારી વ્યાપી ગઇ હતી. ગળામાં શોષ પડતો  હતો,અવાજમાં ખરી બાઝી ગઇ હતી.કશુ જ બોલવાની કે દિશાને કંઇ પણ કહેવા જીભ ઉપડતી નહોતી. ઘરથી હોસ્પીટલ પહોંચતા તો જાણે જીવ નિકળી જશે એવુ લાગતુ હતુ. ઘરથી નજીકની હોસ્પીટલ પણ જોજનો દૂર હોય એવુ લાગતુ હતું.

જ્યારે હોસ્પીટલનુ વાતાવરણ ખુબ ભારભર્યુ  હતુ. પ્રશાંતનુ શરિર તો અકબંધ હતુ માત્ર ચહેરા પર ભય સ્થિર થઈ ગયો હતો. તમામ ટેસ્ટ અને મેડીકલ રિપોર્ટ જોયા પછી સાવ સાજા સમા દેખાતા, શરિર પર  દેખીતી કોઇ ઇજા ન ધરાવતા પ્રશાંતને હેમરેજના લીધે બ્રેઇન ડૅડ જાહેર કરવામાં આવ્યો હતો.ક્યાંય કોઇ સર્જરી કે ટ્રીટમેન્ટ્નો તો સવાલ જ આવતો નહોતો.માત્ર એના બાકીના અંગો જીવિત રહે એના માટે એને વેન્ટીલેટરી સિસ્ટમ પર મુકવામાં આવ્યો હતો.

હોસ્પીટલના નિઃશબ્દ વાતાવરણને  દિશાની ચીસે જાણે ઉભુ વેતરી નાખ્યુ. એનુ આક્રંદ કોઇનાથી જોયુ જાય એમ નહોતુ.એને સંભાળવી કોઇના ય હાથ બહારની વાત હતી.પણ અહીં તો લાગણીની વાત નહોતી , માંગણીની જ વાત હતી. પેશન્ટ તો ક્યાં રહ્યો હતો હવે પ્રશાંત એટલે બાકીની વિધિ ઝડપથી આટોપવાની હતી. એના ડ્રાઇવીંગ લાયસન્સ પર ઓર્ગન ડૉનર તરીકેના ડીક્લેરેશનના લીધે  હોસ્પીટલ ઓથરીટી નિર્ણય લઇ શકે તેમ હતી પણ તેમ છતાં એમાં હાજર ઘરની વ્યક્તિની સહી પણ જરૂરી હતી.ક્ષિતિજ કે દિશા  આ માટે જરાય તૈયાર નહોતા.

સાવ જ આમ સાજો સમો  હસતો  હસાવતો  દિકરો ઘડીભરમાં રડતા મુકીને ચાલ્યો ગયો? હજુ તો કેક લઈને આવતો પ્રશાંત ડેડ જાહેર થઇ ગયો?

“”ના ! ના ! તમે એને બરોબર જુવો તો ખરા. ક્યાંય કોઇ ઉઝરડો સુધ્ધા નથીને તમે એને આખોને આખો ઉતરડી નાખવાની વાત કરો છો? ” દિશા કોઇના તો શું એના પોતાના વશમાં નહોતી. “ક્ષિતિજ તમને તો પ્રાણથી  ય પ્યારો હતોને દિકરો ક્યાં છે એના પ્રાણ ? આમ સાવ નિશ્ચેત થઈને સુતો છે એને જરા હલાવીને જુવો તો ખરા.પાણી માંગે ત્યાં દૂધ લાવી આપવાની વાત કરતા હતાને જરા મ્હોંમાં પાણી  રેડી તો જુવો. ના પાડી હતી ને ગાડી ચલાવતો હોય ત્યારે ફોન પર વાત કરવાની ? હવે સામે છે તો બોલાવો તો ખરા એને? ”

એના કારમા આક્રંદ સામે ક્ષિતિજ  પાસ કોઇ જવાબ નહોતા. અને આમ જુવો તો એના ય હાલ ક્યાં બરોબર હતા? જડ જેવો થઈ ગયો હતો. કોણ કોને સંભાળે?

પણ સૌથી પહેલા સ્વયં અને જીગરે પરિસ્થિતિ હાથમાં લીધી. પ્રિયંકાને  પણ સંભાળવી મુશ્કેલ હતી. બંને ભાઇ-બહેનમાં લોહીના સંબંધની સાથે ઉષ્મા ભર્યો લાગણીનો સંબંધ હતો .એ બંને ભાઇ બહેન મિત્રો જેવા વધુ હતા પ્રશાંતને એની કોઇ વાત હોય તો એ ખુલી પ્રિયંકા સાથે ખુલીને કરી શકતો. ક્ષિતિજના કીડની પ્રોબ્લેમ પછી તો બંને જણમાં એકબીજાની સાથે રહીને   સમજણ અને સમસ્યા ઉકેલવાની સૂઝ વધુને વધુ ઉંડી બનતી ગઈ હતી. દૂર ડૉમમાં રહીને પણ એ પ્રશાંતની વધુ ને વધુ નજદીક આવતી ગઈ. રડી રડીને આંસુનો આખે આખો દરિયો ઉલેચી નાખ્યા પછીય આંસુ રોકાવાનુ નામ લેતા નહોતા. ધ્રુસકે ચઢેલી પ્રિયંકાને જીગર દિશા અને ક્ષિતિજથી દૂર લઇ ગયો. હવે જે વાત કરવાની હતી એ કદાચ એ બંનેની હાજરીમાં શક્ય ન જ બનત.

પ્રિયંકાને પાણી પિવડાવીને જરા શાંત કરવા પ્રયત્ન કરી જોયો. કોઇ વાત કાન પર ન લેવા તૈયાર પ્રિયંકાને હળવા આગોશમાં લઈ એની ધ્રુજારી શમે ત્યાં સુધી ધિરજથી સ્થિર કરવા પ્રયત્ન કર્યો.

” સાંભળ , પ્રિયા. જે બની ગયુ એ હવે બદલાવાનુ નથી.હવે જે બનવાનુ છે એ તારા હાથમાં છે. જે પ્રશાંત આપણી વચ્ચે હતો એ એક સ્વરૂપે હતો. હવે એને અનેક સ્વરૂપે જોઇ શકવાની માનસિકતા તુ કેળવે એ વધુ ઇચ્છનિય છે. પ્રશાંત જે એક જીવ આપણી સાથે હતો એને અનેક જીવમાં વહેંચાઇને આપણી વચ્ચે રહેશે. સમજે છે ને તું હું શું કહેવા માંગુ છું ? ”

પ્રિયંકા બાઘાની જેમ જીગર સામે જોઇ રહી. ક્યાંક દૂરથી આવતો અવાજ આ જીગરનો છે? એ કંઇક બોલે છે પણ કાનથી વધી ને મગજ સુધી કેમ પહોંચતુ નથી? એ કઈક તો કહે છે પણ સમજાતુ કેમ નથી? એની નજર સામે તો પ્રશાંતનો ચહેરો જ તરવર્યા કરતો હતો.

જીગરે રીતસર પ્રિયંકાને હડબડાવી નાખી.  ડૉક્ટરો સાથે સ્વયં અને જીગરને જે વાત થઈ એ પહેલા પ્રિયંકા સમજી લે તો સારુ જેથી એ મમ્મી-પપ્પાને સમજાવી શકે.પ્રશાંત બ્રેઇન ડૅડ હતો પણ હજુ એના બીજા તમામ અવયવને કોઇ નુકશાન પહોંચ્યુ નહોતુ.

“પ્રિયા , ફરી ધીમે ધીમે એણે સજાવવાનુ શરૂ કર્યુ. એક મેડીકલ સ્ટુડન્ટ થઈને તું તો સમજી શકીશ ને કે  એક પ્રશાંત બીજા બે જણની આંખોની રોશની બની શકશે? જેને સતત હાર્ટ ફેલ્યોરનો ડર હોય એનુ હ્રદય બનીને પ્રશાંત ધબકશે એ નાની સુની વાત છે? લીવર કેન્સરને લઈને જીવનના આરે ઉભેલા કોઇનુ જીવન બની શકશે. કિડની ફેલ્યોર એટલે શું એ હવે તો તારી નજર સમક્ષ જ છે.એ યાતના તો એમની સાથે તમે સૌએ ભોગવી છે ને?  તું કેટલાય સમયથી પપ્પાને કીડની ડોનર મળે એના વલખા મારતી હતીને ? જો તું જરા સમજણથી વિચારીશ તો પ્રશાંત પપ્પા જ નહીં બીજા આવા જ કોઇ કિડની ફેલ્યોરના આયખાને લંબાવી શકશે. પ્રિયા પ્લીઝ હવે જરા હોશમાં આવ . આ સમય છે સૌથી વધુ તારી હિંમત બતાવવાનો. મમ્મી-પપ્પાને સાચવી લેવાનો. અમે સૌ તારી પડખે છીએ પણ સુત્રધાર તો તારે જ બનવાનુ છે.

શાંતિથી સમજાવેલી વાત ધીમે ધીમે  પ્રિયંકાના મગજમાં ઉતરતી ગઇ પણ  સાથે સાથે એ વિચારતા હ્રદય ઉંડુ ઉતરતુ ગયુ કે પપ્પાને આ વાત કેમ કરીને સમજાવવી. ક્ષિતિજ પાસે જ્યારે આ વાત મુકી ત્યારે એક વિસ્ફોટ થયો હોય એવુ એને લાગ્યુ. પ્રિયંકા આવુ વિચારી શકે જ કેવી રીતે? ભયંકર ગુસ્સો આવ્યો એને પ્રિયંકા પર. દિશાને થયુ કે આ તો દિકરી છે કે કોણ?

પ્રિયંકાએ એ મમ્મી-પપ્પાને એ જ સમજાવ્યુ કે ખરેખર એ દિકરી જ  છે દુશ્મન નહીં. જે વાત જીગરે એને સમજાવી એ જ રીતે એણે ક્ષિતિજ અને દિશાને સમજાવવા પ્રયત્ન કર્યો. દેહદાન થી વધી ને બીજુ ઉત્તમ દાન કોઇ નથી અને પ્રશાંતને એ દાન નો લાભ મળતો હોય તો પ્લીઝ પપ્પા હવે તમે એની આડે નહીં આવતા.આમે ય સવારે જ એણે તમને કહ્યુ હતું ને કે તમારી માટે તો એ પ્રાણ પાથરી દેવા તૈયાર છે.  તો પપ્પા એના પ્રાણને અવગતે ન જવા દેશો. જાણે અજાણે આપેલી એની આ આહુતિ એળે ન જવા દેશો. આમે ય તમે તો  મમ્મી કહે છે એમ એની દરેક  જાયેજ-નાજાયેજ ઇચ્છા પુરી કરતા જ આવ્યા છો ને ? જ્યારે  આ તો એની અંતિમ ઇચ્છા છે એ પુરી નહી કરીને એના આત્માને શાંતિ નહી આપો?

ખુબ અઘરુ હતુ દિશા અને ક્ષિતિજને સમજાવવાનુ પણ  કહે છે ને જેન કોઇ ન પહોંચે એને એનુ પેટ પહોંચે. કદાચ દુનિયામાં દિકરી એટલે જ માંગતા હશે જે મા-બાપની લાગણીને ઓગાળી શકે. કઠોરમાં કઠોર પરિસ્થિતિમાં ય મા-બાપને જાળવી શકે.

પ્રિયંકાની સમજાવટ છેવટે ફળી. જીગરે સમજાવ્યુ એમ પ્રશાંત એક નહી અનેક જગ્યાએ જુદા જુદા સ્વરૂપે વ્યાપી રહ્યો.

અકસ્માતના કેસમાં સામેની  એ વ્યક્તિનો વાંક હતો એટલે થર્ડ પાર્ટી ક્લેઇ્મના પૈસા પણ ઘણા આવ્યા.પણ હવે આ પૈસા કે બાકીનુ જીવન પણ શું કામનુ? સર્જરી દરમ્યાન હોસ્પીટલના દિવસોમાં પણ  શાંતિ ફેલાયેલી રહેતી.કોઇ કોઇની સાથે બોલતુ નહોતુ.

ક્ષિતિજ તોદિશાની નજરનો સામનો કરવાનુ પણ ટાળતો. હંમેશની દિશાની રોકટોક ને એ કાશ સ્પીડ બ્રેકર માનીને ચાલ્યો એના કરતા સ્પીડ લિમિટ સમજીને ચાલ્યો હોત તો આ જીવલેણ અકસ્માત માટે આજીવન પોતાને એક ગિલ્ટ લઇને ફરવાનુ ન આવ્યુ હોત ને? દિકરો તો ખોયો પણ હવે એ દિશાને ખોવા નહોતો માંગતો. દિશાની હ્રદયશૂન્યતાને ઓગાળવી જરૂરી હતી. દિશાને બોલતી કરવી જરૂરી હતી. અને એના માટે એ કઈ પણ કરવા તૈયાર હતો. સૌથી પહેલા એણે ખરા હ્રદયથી દિશાની માફી માંગી.

“દિશા, હું તારો ગુનેગાર છું . કાયમ તું મને સમજાવતી આવી અને હું તારી લાગણીઓને ઉવેખીને મન માની કરતો આવ્યો .દિશા જો તું મને માફ નહી કરે તો આ બાકીનુ આખુ જીવન એક ગુનેગારની જેમ હું તારો સામનો ય નહી કરી શકું.દિશા પ્લીઝ કંઇક તો બોલ તને પ્રશાંતના સમ. ”

અને દિશાના હ્રદયના બંધ છુટી ગયા. આટલા દિવસની સ્તબ્ધતાનુ ચોસલુ ઓગળી રહ્યું. આજે એને દિકરાને ખોયો એનો રંજ કરવો કે પતિને જીવતદાન મળ્યુ એનો સંતોષ માનવો એ નક્કી કરી શકતી નહોતી.

મમ્મી આ દિવસો દરમ્યાન દિશાને અને ક્ષિતિજને સતત અશ્વાસન આપતા હતા. કર્મના બંધન, સંચિત કર્મના ફળ, ઋણાનુબંધ, લેણદેણની વાતો કરીને મનને દિલાસો આપતા. કહેતાકે “જન્મ -મરણ કોઇના  ય હાથની વાત નથી . પ્રશાંત જેટલુ એનુ આયુષ્ય લખાવીને આવ્યો હતો એ એના ભાગનુ એણે જીવી લીધુ . હવે એની પાછળ આમ જીવ આપી દેવાથી એ પાછો તો નથી જ આવવાનો ને? પણ એટલુ તો તમે કરી શકોને એની ઇચ્છા હતી ક્ષિતિજને ચાર ધામ યાત્રા કરાવવાની તો એની એ ઇચ્છા તો પુરી કરી જ શકોને?

અને દિશા-ક્ષિતિજે નિર્ણય લઈ લીધો જેટલાય પૈસા પ્રશાંતના વિમા ના આવ્યા હતા તે અને આજ સુધીના એના નામે કરેલા મુડી રોકાણમાંથી એ એવુ કોઇ કામ કરશે જેમાં પ્રશાંતનુ નામ આપીને  એને હંમેશ માટે ચિરંજીવ કરવો

 

નયનોનાં કોરની ભીનાશ () પ્રભુદાસ ટાટારીઆધુફારી

August 20, 2011vijayshahસંપાદન કરોLeave a commentGo to comments

ત્રીજે દિવસે પ્રશાંતનો દેહ અગ્નિસંસ્કાર માટે સોંપા્યો. આ સમય દરમ્યાન પ્રશાંતની કીડની ક્ષિતિજમાં આરોપાઇ ગઈ હતી. મેચીંગનો તો પ્રશ્ન નહોંતો પણ ક્ષિતિજ વિચારી વિચારીને થાકી ગયો હતો. દિશા કેટલી સાચી પડે છે એણે ના કહી તે બધી જગ્યાએ હું ખોટો પડ્યો….. આખું હ્યુસ્ટન પ્રશાંતની અંતિમયાત્રામાં સામેલ હતું એમ કહી શકાય.ભારે હ્રદયે બધા સ્મશાનમાં આવ્યા હતા.અમેરિકાનાં સ્મશાનોની એક વાત બહુ અજીબ હતી તે સ્મશાનમાં  જેટલી કબરો હતૉ બધા ઉપર તાજા ગુલાબનાં ફુલો હતા જાણે તેમના નવા જોડીદારને વધાવવા તે તૈયાર ના ઉભા હોય..

પ્રશાંતનાં મૃતદેહને જોતા તો એમ જ લાગતું હતું કે હજી ઘેરી નિંદ્રામાં સુતો છે. દિશા તેને જોઇ રહી હતી તેને થતું કે હમણાં ઉઠીને બોલશે મમ્મી મારી કોફી થઇ ગઈ? અંબર પણ દિશાની સાથે જ ત્યાં ઉભી હતી. મહારાજ અંતિમ વિદાય આપવા આવનારા સૌને જીવનની ક્ષણભંગુરતા સમજાવતા હોય તેવા સંસ્કૃતમાં શ્લોકો બોલતા હતા.અમેરિકન મિત્રો કાળા શૂટમાં હતા જ્યારે ભારતીયો સર્વે શ્વેત વસ્ત્રમાં હતા.

ક્ષિતિજને આવતો જોઇ અંબર ફરીથી રડી પડી બા તેને સંભાળતા બોલ્યા.. અંબર.. આયુષ્ય કર્મ આટલુંજ લખાવીને તે આવ્યો હોય ત્યારે આ રડા રોળને કાબુમાં રાખ. દિશા શુષ્ક આંખે તેના લાડકવાયાને જોઇ રહી હતી. સંભવ અને જીગરના ટેકે પોતાના શરીરની લાશ ખેચતો ક્ષિતિજ ચિતા પાસે આવ્યો. ગોર મહારાજે અંતિમ દર્શન પહેલા સ્નેહી જનો અને મિત્રોને પ્રશાંત વિશે બોલવા કહ્યુ..

ત્યારે બા પહેલા માઇક ઉપર આવ્યા. “આપ સૌનો બહુ આભાર . તમે અમારા કુટૂંબ ઉપર આવી પડેલી આ વિપદા સમયે હૂંફ અને સહાનુભૂતી આપી. પ્રશાંત માટે તો એટલું જ કહીશ કે મારી તો મૂડી પણ ગઈ અને વ્યાજ પણ ગયું. પણ કહે છે ને કે ઐસી કરની કીજીએ જબ તુમ જાઓ જગ રોય.. ”

અંબર ફોઇ અને પ્રિયંકાનાં શબ્દોએ તો સમગ્ર જનતાને રડાવી દે તેવું ગીત ગાયુ.. કે “ભાઇલા આજે ભલે તુ જાય પણ રક્ષા બંધને દેવ થઇ ને આવજે.”

દિશાની નજર એક છોકરી પરથી હટતી નહોંતી. તે જ્યારે માઈક ઉપર આવી ત્યારે બોલી “ એ દોસ્ત તેં દીધો મને દોસ્તીનો એવો ગુલદસ્તો કે જે મહેંકે તે પહેલા જ તુ ધુમ્ર થઇને હવામાં ઓગળી જવાનો”

પાંચ સાત ટુંકા વક્તવ્યો પત્યા અને ક્ષિતિજના હાથમાં અગ્નિસંસ્કાર માટે અગ્નિ આપવામાં આવ્યો ત્યારે એ બે હાથ વચ્ચે માથું રાખી ગોઠણિયે પડીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો “ઓહ! ભગવાન આ મારા ક્યા ભવના કર્મની સજા છે જેના હાથે અગ્નિસંસ્કાર પામવું જોઇએ તેને અગ્નિસંસ્કાર આપવાનો મારે આવ્યો” સંભવ અને જીગરે સાંત્વના આપીને અગ્નિસંસ્કાર કરાવ્યા.

ક્ષિતિજને વેનની પાછલી સીટ પર સુવડાવ્યો. વેન હોસ્પીટલ તરફ જૈ રહી હતી. પ્રિયંકા અને જીગર ક્ષિતિજની સાથે જતા હતા.. દિશા અને અંબર સંભવની સાથે પાછળ આવતા હતા અને પ્રશાંતનાં જન્મ સમયની યાદો ભુતકાલીન સ્મરણોની જેમ ક્ષિતિજની સામે ઉભરાવા લાગ્યા. સાપુતારા હનીમૂન દરમ્યાન વર વધુનાં મનામણા- રીસામણા આનાકાની અને પોતાની મનમાનીના દ્રષ્યો ચિત્રપટની પટ્ટીની જેમ ઉભરાવા લાગ્યા.

મેનોપોઝની ડેઇટ પર એક વીક જતાં જ્યારે દિશાએ ખબર આપ્યા ત્યારે તે કેટલો ઉછળી પડેલો અને સાયણનાં મેટરનિટિ હોમમાં રીઝલ્ટ પોઝીટીવ મળતા તેના આનંદ સમાતો ન હતો.મેટરનિટિ હોમના ડોરથી કાર સુધી તે દિશાને હાથમાં ઉચકીને લાવેલો અને કોઇ સુંવાળું ફૂલ મુકતો હોય તેમ આસ્તેથી પેસેન્જર સીટમાં બેસાડેલી.

રસ્તામાં પડતા પુરોહિત સ્વીટ માર્ટમાંથી પાંચકિલો મિક્ષ વેરાઇટીની મીઠાઇ લીધેલી અને ઘેર આવ્યા ત્યારે મમ્મીએ પુછ્યું “એલા! ક્ષિતિજ આટલી બધી મીઠાઇ?” ત્યારે તેણે મમ્મીને પણ ઉચકીને ગોળ ગોળ ફેરવતા કહેલું

“મમ્મી તું દાદી બનવાની છે”

“અરે વાહ!….વાહ મારા વ્હાલા તેં બહુ મોટી મહેર કરી” મમ્મીની આંખો કેવી ખુશીથી છલકાયેલી “નીચે ઉતાર આમાંથી હું મારા ઠાકોરજીને પ્રસાદ ધરાવું”

ક્ષિતિજે સૌથી પહેલા સમાચાર અંબર અને સંભવને આપ્યા ત્યાર બાદ મિત્રવર્ગમાં.ત્રીજા મહિને ચેક-અપ માટે ગયેલા ત્યારે તેણે લેડી ડૉકટરને પુછી લીધેલું કે,આવનાર બાળકની જાત કઇ છે અને જયારે તેણીએ કહ્યું કે તે નર જાતી છે ત્યારે તે વધુ ઘેલમાં આવી ગયો.તે છતાં તેણે દિશાને જણાવ્યું નહી કે અવતરનાર બાળક નર જાતીનું છે.તેણે પોતાની જાતને જ પુછ્યું ક્ષિતિજ આવનાર બાળક નારી જાતીનો હોત તો તું કરત એબોર્શન? નો…વે….છટ! કેવી વાત કરે છે?દીકરીતો વહાલનો દરિયો કહેવાય તેને ખાબોચિયું સમજીને અવહેલના થોડી જ કરાય?

દિશાને અમુક આઇટમ ભાવતી અમુક નહી તેથી જ પોતાને ભાવતી પણ દિશાને ન ભાવતી આઇટમનો આગ્રહ તેણે છોડી દીધેલો.રોજ સવારે તે દિશાને મોર્નિન્ગ વોક માટે લઇ જતો અને દિશાને ખુશ રાખવાની કોશિશ કરતો.તેના બધા સિડ્યુઅલ દિશાની આસપાસ જ ઘુમતા હતા.આવનારને તો બે માસની વાર હતી તે પહેલાં કોઇ દિવસ ક્રેડલ,કોઇ દિવસ પ્રૅમ,ત્યાર બાદ બેડ બ્લેંકેટ એક એક વસ્તુ લાવી રાખેલી.શોફ્ટ સ્ટફડ ટેડીબૅર ડોલ્સ વગેરે લાવવા શરૂ કર્યા ત્યારે દિશા તેના ગાંડપણ પર હસેલી. ઘણી વખત દિશાના પેટ પર હળવેથી માથું મુકીને ગર્ભસ્થ બાળકના ધબકારા સાંભળતો અને હળવેકથી કહેતો “હ…લ્લો…..”

પ્રસુતિના આખરી દિવસો હતા એ દરમ્યાન જ અંબર ભાભીને સંભાળ લેવા આવી ગયેલી અને ક્ષિતિજને બીજા રૂમમાં સુવા મોકલી પોતે ત્યાં હાજર રહેવા લાગી અને એક મધરાતે દિશા એ અંબરને જગાડી અંબર પણ સફાળી જાગીને ક્ષિતિજને જગાડ્યો અને ગાડી બહાર લાવવા કહ્યું ક્ષિતિજે ગેરેજ ખોલતા પહેલા મમ્મીને જગાડ્યા અને તરત જ નામ નોંધાવેલા મેટરનિટિ હોમ જવા રવાના થયા. દિશાને ઍડમિટ કર્યાના બાદ અર્ધા કલાકમાં જ નોર્મલ ડિલેવરી થઇ અને બાળકનો જન્મ થયો.નર્સ નવડાવીને બાળકને માની પાસે લાવી અને દાદીને સોંપ્યો.અંબર અને ક્ષિતિજ બાળકનું મુખમંડળ જોવા આતુર થઇ ગયા.

ઠાકોરજીની પૂજામાં રહેતી મધની બોટલ દાદી સાથે જ લાવેલા ગળામાં પહેરેલું શ્રીનાથજીનું લોકેટ મધમાં ડૂબાળીને ચટાળ્યું અને પછી દિશાને સોપ્યો. “જરા મને મારૂં બાળક જોવા ને હાથમાં લેવા તો દો….”ક્ષિતિજે કહ્યું “એ ભુખ્યું છે તેને માનું દૂધ પીવા દો ચાલો બહાર જાવ પછી આરામથી જોયા કરજો”

થોડી વાર રહીને રૂમના બારણા ખુલ્યા અને ક્ષિતિજ બાળકનું મ્હોં જોવા દોડ્યો.બાળક તેના હાથમાં આપતા મમ્મીએ ટકોર કરી “માથા નીચે હાથ રાખી માથું બરોબર પકડજે” “હ…લ્લો….તું મને ઓળખી લે હું તારો પપ્પા છું…..”એમ જયારે ક્ષિતિજે કહ્યું ત્યારે સૌ હસ્યા.

દાદીએ હવેલીના મુકિયાજી પાસેથી કુંડળી મંડાવી અને અંબર ફોઇએ નામ પાડ્યું પ્રશાંત. પ્રશાંતના જન્મથી વિવિધ સમયે સ્નેપ્સ અને મુવી લેવા માટે ક્ષિતિજે એક હેન્ડીકેમ હાથવગો જ રાખેલો દિવાલ પકડીને ચાલતા શિખેલા પ્રશાંત માટે ક્ષિતિજ વોકર લઇ આવ્યો પણ રિમોટ કંટ્રોલ વાળી અને તે દિવસે દિશાએ કહ્યું “આ રિમોટ કંટ્રોલથી આપણે વોકર ચલાવીશું તો એ પોતાની રીતે મેન્યુઅલી ચાલતા ક્યારે શિખશે?”

“એ પણ શિખી જશે….”અને ખરેખર વોકરમાં બેસાડ્યા બાદ પ્રશાંત પગ અધ્ધર ઉપાડી લેતો તે દિશાએ બતાવ્યું ત્યારે ક્ષિતિજને પોતાની ભૂલ સમજાઇ. તેના મનોરંજન માટે એક અલાયદુ ટીવી અને સીડી પ્લેઅર લઇ આવ્યો અને ટોમ-જેરી, મીકી માઉસ,પિન્ક પેન્થર વગેરેની સીડીનો ગંજ ખડકી દીધો.પહેલા પોતાના હાથે જમતા પ્રશાંતને ટીવી જોતા જોતા મમ્મી જમાડે એવો આગ્રહ રાખતો થઇ ગયો.એક દિવસ ખીજાયેલી દિશાએ ટીવીનો પ્લગ કાઢી નાખ્યો અને સીડી પ્લેઅર અભેરાઇ પર ચડાવી દીધો.તે દિવસે પ્રશાંત ખુબ રડ્યો પણ પછી મમ્મીની શરત માની કે નાસ્તો અને દૂધ પહેલા અને પછી ટીવી જમવાનું પહેલાં પછી ટીવી એ થોડો વખત ચાલ્યું પાછું એનું એ જ. પ્લે ગ્રુપમાં નામ નોંધાવ્યું.ત્યાં જોયેલી બાઇસિકલની માંગણી પ્રશાંતે કરી તો ક્ષિતિજે તેને ગીયર વાળી,સપોર્ટિન્ગ સાઇડ વ્હીલ અને રિમોટ કંટ્રોલથી ચાલતી લાવી આપી ત્યારે પણ દિશા નારાજ થયેલી તે પોતાની મહેનતે ચલાવી શકે એવી સાદી સાઇકલ લાવવાના બદલે આ શું? “ગમે તેમ ક્ષિતિજનો દીકરો છે….”ક્ષિતિજે ગર્વ કરેલો. એક દિવસ પોતાના મિત્રની સાદી સાઇકલ ચલાવવાની તેણે કોશિશ કરી અને સાઇકલ ઉપરથી પડ્યો કોણી ઉપર ગોઠણમાં સારા એવા ઉજરડા પડેલા અને સાંજે ક્ષિતિજ લીકર સ્ટોર પરથી આવ્યો ત્યારે તેને પ્રશાંતને લાગેલા ઘાવની ખબર પડી ત્યારે દિશા કશું બોલી નહીં પણ તેણીની આંખો કહેતી હતી “જોયું….?”

પ્રશાંતના પાંચમા બર્થ-ડેની ગિફ્ટ તરિકે ક્ષિતિજે તેને રિમોટ કંટોલથી ઉડતો હેલિકોપ્ટર આપેલો અને એક દિવસ પડોસી બુઢ્ઢી મેડમ જેકશનની કેપ હેલિકોપ્ટરમાં ભેરવાઇ ગયેલી અને હેટના લીરા લીરા થઇ ગયેલા ત્યારે મેડમ જેકશન બિચારી કૅટલી રડેલી એ તેના સ્વર્ગસ્થ હસબન્ડ તરફથી મળેલી ભેટ હતી.તેણી બિચારી રડીને બેસી રહી બીજી કોઇ હોત તો કોર્ટ કચેરીના ચક્કર થઇ જાત.

પ્રિયંકાના બર્થ પછી દિશાને લાગતું કે બસ પરિવાર પુરૂં થઇ ગયું.સમય આવશે ત્યારે દીકરી સાસરે જશે તો કોઇકની દીકરી સાસરે આવશે અને દીકરીની ખોટ પુરાઇઅ જશે.દિશાએ પ્રિયંકા પ્રશાંત જેવી ઉછાંછળી ન થઇ જાય તેની પુરી તકેદારી રાખેલી.આમ પણ પ્રિયંકા શામ્ત હતી કોઇ વાતની ક્યારે જીદ ન્હોતી કરતી જોતા દિશા ખુશ હતી.

પ્રશાંતના દશમા બર્થ-ડે વખતે તેણે નોટબુક સાઇઝ લેટેસ્ટ ટેકનોલોજી વાળું લેપટોપ પ્રેઝન્ટ આપેલું અને એ આખો દિવસ ગુગલ ઉપર સર્ફિન્ગ કરીને નિત નવી ટેકનોલોજીની માહિતિ ભેગી કરતો અને ત્યારથી બાપ દીકરો તેના વિષે જ ચર્ચા કરતા.જુની વસ્તુ બગડી જાય તો રિપેરિન્ગ કરાવવું બાપ દીકરાના લોહીમાં જ ન્હોતું બસ નવું અને લેટેસ્ટ લાવો અને આજમાવો.

ક્ષિતિજ હંમેશા કોઇ ન કોઇ વસ્તુનું બહાનું રાખીને પાર્ટી ઉજવતો.પ્રશાંતની બર્થ-ડે પાર્ટી, દિશાની બર્થ-ડે પાર્ટી, પોતાના બર્થ-ડે પાર્ટી,નવી ગાડી લીધી પાર્ટી.એક લીકર શોપ પછી બીજી ખુલ્લી તેની પાર્ટી. આમ પીવામાં એક પેગ બસ એક પેગ મન ખુશખુશાલ રહે તે માટે કહીને તેણે શરૂઆત કરેલી.દિશા એ મનાઇ કરી તો લીકર શોપ પર પીવાનું શરૂ કર્યું એમ કહીને કે લીકર શોપના માલિકને કઇ બ્રાન્ડ સારી છે અને કઇ કંડમ છે તેનું જ્ઞાન તો હોવું જોઇએને?અને તે ચાખ્યા વગર થોડી ખબર પડવાની છે? અને આખરે કીડની ફેલ્યુઅર્નો શિકાર બની ગયો.

હોસ્પીટલ પર જ્યારે બે ગાડીઓ પહોંચી ત્યારે તે છોકરી અને તેના પપ્પા ક્ષિતિજને મળવા આવ્યા. દિશાને તે પગે લાગી અને બોલી “ મમ્મી! મારું નામ સુહાગી અને હું પ્રશાંતની નવી મિત્ર.ગ્રેજ્યુએશન પછી અમારી આંખ મિંચામણી પુરી થઇ હતી.” સુહાગીનાં પપ્પાએ કહ્યું “પ્રશાંત તેની નવી મર્સીડીઝ લઇને મને મળવા આવ્યો હતો અને મારી પાસેથી સુહાગીનો હાથ માંગ્યો હતો. જે દિવસે ક્ષિતિજભાઇની પાર્ટી હતી તેમાં સુહાગીને પપ્પા સાથે તે મેળવવાનો હતો.” પ્રિયંકાને ત્યારે યાદ આવ્યુ..પ્રશાંતે પપ્પાના જન્મ દિવસની એક મોટી સર્પ્રાઇઝ રાખી હતી. તે જ આ સરપ્રાઈઝ?

દિશાએ તેને પોતાની પાસે ખેંચી અને બોલી “બેટા તું પ્રશાંતને પરણી ને આવત તોંય હું તને મારી દીકરી જ માનવાની હતી તો તું આજથી મારી દીકરી જ છે.”કહી માથું સુંઘી બાથમાં લીધી ત્યારે “આ..ઇ….”કહી તેણી દિશાને બાઝી પડી. વાત વાતમાં ખબર પડી તેણીએ બાળપણમાં જ મા ગુમાવી હતી.

ક્ષિતિજ્ને હોસ્પીટલમાં મુકી દીધા પછી દિશાએ બધાને કહ્યું.” ચાલો બધા અહીંથી ઘરે જઇએ”

દિશા સુહાગીને લઈ ઘરે જતી હતી ત્યારે બોલી બેટા મને પ્રશાંતે કહ્યું હતું તેથી પણ વધુ સુંદર અને ગુણીયલ છો. પ્રિયંકા તે વખત બોલી “તો મમ્મી તને ખબર હતી?” “હા તે દિવસે સવારે જ આ સરપ્રાઇઝ માટે તેણે મને વાત કરી હતી.” સુહાગીનાં પપ્પા માથે થી તો જાણે મણનો ભાર ઉતરતો  જણાયો. ઘરમાં હજી ટેન્સ વાતાવરણ તો હતું જ પણ દિશાના વ્યવહારીક મનમાં જે ગુંચ હતી તે ઉકેલવા પ્રિયંકા અને સુહાગીને ઉપલે માળે લઈને ગયા. પાછળ પાછળ બા પણ આવ્યા

.સંભવ અને અંબર સુહાગીનાં પપ્પા સાથે બેઠા. પ્રિયંકા દિશાની દશા જોઇ ચિંતિત હતી પણ હવે મમ્મીને કોઇ પણ રીતે પાછી વળાય તેમ નહોંતું તે સમજી ગઈ હતી. દિશાએ થૉડા ક્ષણની ચુપકીદી સાધ્યા પછી સુહાગીની સામે જોઇને પુછ્યુ..” સુહાગી મને સાચુ કહેજે આ “ગુલદસ્તો” એટલે તું પ્રશાંત્ થી પ્રેગ્નંટ છે?”

બા અને પ્રિયંકા તો આવા સીધા પ્રશ્ન થી એક્દમ સડક જ થઈ ગયા..સુહાગીએ હકારમાં માથુ હલાવ્યું અને દિશાનો પ્રતિવ્યવહાર જોવા ઉંચે જોયું..દિશાની આંખોમાં પ્રશ્નોની હાર સળંગ ચાલી ગઈ… “ સુહાગી.. મારી દીકરી થઇને રહીશ તો મને તો આનંદ છે પણ સુહાગણ થતા પહેલા વિધવા થવાનું કેવી રીતે ગમશે તને?..મારા પ્રશાંતનું બીજ તારા દેહમાં છે તેથી આ પ્રશ્ન તને પુછું છું.”

“ આઈ! હું સ્નેહ લગ્નની વિધવા છું..મને પ્રશાંત સિવાય બીજા કોઇની ચાહ નથી” પ્રિયંકા, બા અને દિશાને તો રડવું કે હસવું ન સમજાયુ..પણ પ્રશાંતનાં નામે બે જણાની આંખો નીતરવા માંડી..દિશા મા ને માટે દિકરો ખોયો અને બીજા સ્વરુપે પામ્યો અને સુહાગીને પ્રેમી ખોયો પણ તેના સંતાનને નામ મળ્યુ તે માટે… સુહાગીનાં પપ્પાતો દિશાને નમીજ પડ્યા…એમની દીકરી કેવા ઘેરા સંકટમાં હતી પણ પ્રશાંત બધીજ સમસ્યાનું હલ મુકીને ગયો હતો.

ક્ષિતિજને આ વાતની ખબર પડી તો તેને પણ આંચકો લાગ્યો..તે એક જ શબ્દ બોલ્યો ખબરદાર સુહાગીને વિધ્વા કહીતો.. તેતો પ્રશાંતની વાગ્દત્તા અને આપણી છોકરી છે…

 

નયનોનાં કોરની ભીનાશ-() વિજય શાહ

August 23, 2011vijayshahસંપાદન કરોLeave a commentGo to comments

 

 

દાદીમા હસવું કે રડવું નક્કી કરી શકતા નહોંતા પણ દિશાની વાતે વારંવાર તેને  ડર લાગતો હતો.કોઇ તપાસ નહીં કોઇ વાત નહીં અને અજાણી મરાઠી બાઇને હા પાડી દીધી.

બપોરે ક્ષિતિજ પાસે મનની વરાળ કાઢતા તે બોલ્યા “બેટા મારું મન તો હજી માનતું  નથી”

“શાને માટે બા?”

“સુહાગી માટે જ તો વળી..”

દિશા ધીમે રહીને ઉભી થઇ અને પ્રશાંતનાં રૂમમાં થી ડાયરી લઇને આવી..ડાયરીમાં  તેનો સુહાગી સાથેની મુલાકાતો અને ડાયમંડ્ની રીગ બનાવવા માટે કરેલી બચતોનો હિસાબ  હતો.

બા હજી જાણે શંકાશીલ હતા અને ડાયરી ફંફોસતા સુહાગીનો પત્ર અને ફોટૉ નીકળ્યો  જેમાં પ્રશાંત ખુબ જ પ્રસન્ન હતો અને સુહાગીની ગોદમાં સુતો હતો.. ચિત્રે હ્યુસ્ટન  પ્રખ્યાત વોલ ઓફ વોટર ની પર્શ્ચાદભુમાં લેવાયેલું હતુ.

પાછળ લખાણ હતું..”મને ખાત્રી છે પપ્પાને સુહાગી ગમશેજ…”

દાદી પ્રશાંતનાં અક્ષરો સારી રીતે ઓળખતા હતા.. તે પણ ક્ષિતિજની માફક જ આડા  અને ઢળતા અક્ષરે લખતો હતો.

સુહાગીના બાપુજી રોયલ બેંક ઓફ સ્કોટ લેન્ડ્માં લોન ઓફીસર હતા અને તેમણે જ  ફ્રેન્ચાઇઝ મોટેલ શરુ કરવાનો રસ્તો બતાવ્યો હતો…

ક્ષિતિજ બોલ્યો બા! આ તારી દિશા એમ કશું જ જલ્દીથી માને તેવી નથી..

દિશા બોલી મને આ ચિત્ર પ્રશાંતે બતાવ્યુ હતું અને પપ્પાનાં સરપ્રાઇઝ તરીકે પેક કરતા તેણે મને કહ્યુ હતુ.. મમ્મી સુહાગી વૈષ્ણવ નથી કાયસ્થ બ્રાહ્મણ છે તેથી તેઓ શૈવ ધર્મી છે.ત્યારે દિશાએ કહ્યું..”તને ગમતી છે ને ? અને આખુ જીવન તારે તેની સાથે જીવવાનું છે. મને તો એ વાતનો આણંદ છે કે તો કોઇ અમેરીકાની કો’ક ગોરી કે કાળી પકડી નથી લાવ્યોને? અને વળી બીજી એ વાતે પણ આનંદ છે કે લગ્ન કરવા તે ભારતિય સ્ત્રી પસંદ કરી..

પ્રશાંતનો પ્રતિભાવ તે વખતે દિશાને દેખાયો… “મમ્મી તું શું બોલે છે? હું અને  તે ગોરી કાળી?”

દાદી બોલ્યાં ..”તો હવે શું કરવાનો વિચાર છે?”

“એટલે?”

“ વહુનાં કંકુ પગલા ક્યારે કરવા છે?”

નીચે બારણું ખખડ્યુ અને કોઇ આવ્યું હોય તેમ લાગતા અંબર નીચે ઉતરી અને મોટેથી  બોલી “બા નીચે આવો તો…”

સુહાગી અને તેના પપ્પાને બારણે રોકી રાખી અને અંબર બુમો પાડવા માંડી..બા  દીકરાની વહૂ આંગણે ઉભી છે પ્રિયંકાને બોલાવો બારણુ રોકવાનું દાપુ વસુલ કરે. સફેદ  વસ્ત્રમાં સુહાગીને જોઇ દિશાએ અંબરબેનને ને કહ્યું.. “અંબર બેન તેને વસ્ત્રો બદલાવો તેને લાલ ચટ્ટક ઘર ચોળૂ પહેરાવો..પલ્લુ ચઢાવો..કંકુનાથાળ ભીના કરો અને  ઘરનાં દ્વારે શેલું પથરાવો અને લક્ષ્મીને કંકુ પગલે ઘરમાં લાવો..”

તેની આંખો ભીની હતી નયનોની કોરે અશ્રુબીદુ ઝમતું હતું જેને આવતું રોકી દિશા  આણુ કરવા દોડી.ક્ષિતિજ પણ એ ભીનાશમાં ભીનો થયો…

અંબર બેન અને પ્રિયંકા સુહાગીને રાતા ચોળામાં ઘર આંગણે લાવ્યા ત્યાં સુધીમાં  દીશા તેનાં રુમમાં જઇને સુસજ્જ થઇને આવી ગઈ.તેણે માથે મોડ પહેર્યો હતો. સુહાગી પણ  સુંદર સજીને આવી હતી પણ તેનું મનતો  ઉદાસ જ હતુ.. બાએ દેશી લહેકામાં વહુ આગમન નાં  ગાણા વગડાવ્યા. સુહાગીને માથે ચાંદલો તે જ્યારે કરઈ હતી ત્યારે તેને પ્રશાંત એની  સાથે ઉભૉ છે તેવો આભાસ થયો..અને ચાંદલો કર્યો ના કર્યો ત્યાં વિધવા સુહાગી તેને  દેખાઇ અને તેને આંખે ઝળઝળીયા આવ્યા…

અંબર બેને તેની આરતી ઉતારી શુભ  આશિષોના સ્વરૂપે આંગળિઓના ટાચકા ફોડ્યા અને પ્રિયંકા કંકુભીની થાળીમાં પગ ઝબોળીને  ઘરનાં આંગણે પગલા પડાવ્યા..પ્રિયંકાને બારણું રોકવાનું દાપુ ક્ષિતિજે આપ્યુ..બાને  દિશાને અને અંબર બેન ને તે પગે લાગી. અને પ્રશાંતભાઇનાં રૂમમાં લઇ ગયા. પ્રશાંત  અને સુહાગીનું એ ચિત્ર ભીતે ૮ બાય ૪ ફુટ્નૂં ચિત્ર બની ઝુલતું હતું..પ્રસન્ન  પ્રશાંતનાં ચિત્રને જોઇ સુહાગી હીબકે ચઢી…

આ બધી ક્રિયાઓ વખતે સુહાગી તો રડતી જ હતી અને અચાનક દિશાએ હોશ  ગુમાવ્યા..સુખનાં પ્રસંગે દુઃખ આવે તે તો સહન થાય પણ દુઃખ નાં પ્રસંગે સુખ ન પચે…

રસોયાએ કંસાર રાંધ્યા

ક્ષિતિજે ફરી કહ્યું સુહાગી તુ તારા નામ પ્રમાણે સુહાગણ જ છે  અને તુ દીકરી તરીકે જ અહી આવી છે…

થોડાક પૂર્વ ઉપચારે દિશાએ આંખ ખોલી ત્યારે સાંજ પડી ચુકી હતી..સાંજનાં ૬  વાગે ગરુડ પુરાણ વાંચવા પુરોહિત આવશે તે વિચારે બેઠક રૂમમાં સૌ આવ્યા

૦-૦

લૌકિક ક્રિયાઓમાં ન માનતો છતા બાનાં કહેવાથી ગરુડ પુરાણ વંચાતુ અને પુરોહિત  આત્માને લઇ જતા તે આત્મા દ્વારા ભોગવાતા ત્રાસને વર્ણવતા તે સાંભળતા તેને યાદ આવી  જતું કે મારો પ્રશાંત આવો ત્રાસ ભોગવતો હશે? આ બધો ત્રાસ વેઠવાનો વારો તો મારો હતો. ખરેખર તે પ્રાણ પાથરીને મને સાજો કરી ગયો.. છેલ્લા છ દિવસથી ડાયાલીસીસ ને  વિદાય કરી હતી પેટનો અસહ્ય દુઃખાવો કાયમી સ્તરે નાબુદ થઇ ગયો હતો. પુરોહીત એક સમયે બોલ્યા કે રડવાથી જનાર જીવને દુઃખ થાય છે તેથી આંખનાં આંસુ મનમાં પીતા શીખો. જનાર જીવે પાછુ વળવાનું જોવાનું હોતું નથી તેમને તમારા રુદન થી  તેને પાછા વાળવાનાં વિચારોને છોડો અને તેની સારી બાબતોને જ યાદ કરો અને એને વારં  વાર કહો કે તારું બધું જ કામ અમે કરીશું..તારી સમગ્ર ઇચ્છાઓ પુરી થઇ જશે તે શ્રધ્ધા સાથે નવો જન્મ લે અને આ ભવ ખાતે નિશ્ચિંત થજે વાળી વાતોને દોહરાવો કે જેથી  જે આત્મા આ દેહ છોડીને પરમ પિતાનાં શરણે જાવ!

ક્ષિતિજ્નું મન તો ગરૂડ પુરાણમાં હતું જ નહી પણ દિશા તો મગ્ન થઇને સાંભળતી  અને તેવીજ એકાગ્રતા બા પણ  દેખાડતા.

ફોન ની ઘંટડી એ ક્ષિતિજને બહાર નીકળવાનું બહાનું મળ્યું. કો’ક ગરજ્વાન  લીકરનો સ્ટોર વેચવા માંગતો હતો ક્ષિતિજને તાકડે મધ દેખાયુ અને તેમણે કહ્યું જો બેન  મારે તો માલની કોઇ જરુર નથી. પણ તમારો માલ દસ આને ખરીદી લઇશ. પેલા બહેન કહેતા હતા  “ તે તો દેવુ મુકીને ગયા છે કંઇક વ્યાજબી કરોને?”

ક્ષિતિજે તોછડાઈ બતાવી બહેન તો જવાદો.. મારે આમેય માલ નહોંતો લેવો પણ તમારા  આવા આફતનાં સમયે પૈસા છુટા થઇ જાય તેથી મેં તો હા પાડી હતી.. બજારમાં તમારી રીતે  વેચી જુઓ અને ના વેચાય તો મને કહેજો. કહી ફોન મુકવા જતો હતો અને પેલા બેન સાથે કોઇ બીજા બેન હતા તે બોલ્ય.. ભાઇ બાર આના આપો તો સારું.સહેજ વિચાર કરીને તે  બોલ્યો..આપણે એક કામ કરીયે હું ૧૨ આના આપીશ પણ માલ પુરો વેચાઇ જાય પછી.. કારણ કે  મને ખબર છે આ માલ વેચાવાનો નથી અને તમને વ્યાજ ખાધ પડવાની છે . બે મીણીટ ની સ્તબ્ધતા પછી પેલા બહેન કહ્યુ.. મારાથી રોકાવાય તેમ નથી તમે જેટલો માલ છે તેનો  હિસાબ કરી વહેવારે જે થાય તે રોકડા આપી શકશો?

“ મારે ત્યાં પણ દિકરાનો શોક છે  અઠવાડીયા પછી આપણે વાત કરીયે તો?”

પેલા બીજા બેન બોલ્યા ભાઈ ત્યારે તો તમારી અને મારી પરિસ્થિતિ સરખી છે દુકાન  ઉપર મારા દીકરાને આડે ધડ ગોળી મારીને મારી નાખ્યો છે…

પાછળથી પ્રશાંતનો ચહેરો ઉપસતો જણાયો અને સફળ વેપારી ક્ષિતિજ  માણસ બન્યો અને બોલ્યો “ માફ કરજો બેન મને ખબર નહોંતી કે આ ઊચ્છેદાયેલું ધન છે. મને તેનો નફો ના જોઇએ બહેન હું વહેવારે જે થતું હશે તે સોળ આની આપીશ. મારો માણસ આજે જ આવીને હિસાબ કરી જશે.”

“પણ ભાઇ તમે તો ..”માજી વધુ બોલે તે પહેલા ક્ષિતિજ બોલ્યો..પૈસા કમાવાનાં  ઘણા રસ્તાઓ આવડે છે માસી.. આ તો પૂણ્યનું કામ છે તેમા નફો ના શોધાય. કહી તેણે ફોન  સ્વયંને આપ્યો કે જેથી સ્ટોક જોવા અને ઉચિત પૈસા આપી શકાય તેમને ત્યાં જવાનો સમય સાચવી લીધો.

દિશાએ જ્યારે વાત જાણી ત્યારે તેને બહુ આનંદ થયો. તે બોલી ક્ષિતિજ! દેર આયે  દુરસ્ત આયે…પ્રશાંત્નો ચહેરો તને દેખાયો અને તેં નફો જતો કર્યો..નિરાધાર કુટુંબની  સહાય કરી… ધન્ય છે.”

“દિશા!. મારું મન બહુજ આર્દ્ર થઇ જાય છે…કોણ જાણે પ્રશાંતનાં ગયા પછી આ પૈસો  આ સુખ આ  રાસરચીલું મને ગમતું જ નથી”

“મારા પ્રશાંત પછી પ્રિયંકા તો છે ને?”

“હા છે પણ પ્રશાંત એ પ્રશાંત છે.”

પાછલથી સુહાગી બોલી “હા પપ્પા પ્રશાંત તો પ્રશાંત જ છે.. ભગવાનની દયા તો  કેટલી છે કે દિકરો જે રીતે તમને વ્યાધીમાં થી મુક્ત કરવ માંગતો હતે તે રીતે તમને  વ્યાધીમાં થી દુર કર્યા અને વંશજને મુકીને ગયા.

દિશા કહે “હા પ્રભુનાં ન્યાયનો તો પરચો થાય ત્યારે જ સમજાય.”

પુરોહીતે વિદાય લીધી.

જીગર અને પ્રિયંકાની મેડીકલ કોલેજ અને લેબ ચાલુ થઇ ગઇ હતી. મેડિકલ ટર્મીનોલોજી  પ્રિયંકાને ગુંચવતી હતી..જીગર એને સમજાવી શકે પણ યાદ તો પ્રિયંકાને રાખવુ પડેને?  વળી લેબોરેટરીની પ્રીઝર્વેટીવની વાસ તેને સતત વોમીટનાં સેન્સેશન આપ્યા કરતી હતી.

જીગર લેબ અને હોસ્ટેલમાં વહેંચાયેલી પ્રિયંકા પહેલા ટેસ્ટમાં નપાસ થઈ ત્યારે  ખુબ રડી…સુહાગી તેને સાચવવા મથતી. જોકે બીજે મહીને તેને પણ મોર્નીગ સીકનેસ ખુબ જ  રહેતી.

પ્રશાંતનું મોટેલ ચૈન કરવાનું પેપર વર્ક તેણે શરુ કરી દીધું કોર્પોરેશન  રજીસ્ટર થઇ ગયું હતું

દિશા સુહાગી પ્રિયંકા અને ક્ષિતિજ સરખા ભાગે હતા

લોન લેવાની જરુર હાલ નહોંતી

 

નયનોનાં કોરની ભીનાશ-() ડો નીલેશ રાણા

September 8, 2011vijayshahસંપાદન કરોLeave a commentGo to comments

 

ખુશી હોય કે ગમ, મનની સ્થિતિની સમય ઉપર કોઈ અસર થતી નથી.એ તો અબાધ, નિર્લેપ વહેતી જ રહે છે.પરિક્ષા પાસે આવતાં પ્રિયંકાની ચિંતા વિરાટ રૂપ ધારણ કરવા લાગી.ઘણી બધી ઈચ્છાઓ સાકાર કરવી એના બસની બહારની વાત હતી. ખબર હોવાથી નિરાશા અને હતાશાના સાગરમાં ડૂબકી ખાવા લાગી.મેડિકલમાં એડમિશન લીધું,પપ્પાને ખુશ રાખવા.એ ક્ષેત્રમાં ધ્યાન આપવા પ્રયત્ન કર્યો, જિગરને રાજી કરવા.સુહાગીને ‘સારાં દિવસો હતા તેથી મમ્મીને મદદ કરવાં દોડી જતી.. બધાને રિઝવવા, પાણીના રેલાંની માફક ક્યાં સુધી બધી દિશામાં વિસ્તરી શકે? પરિક્ષા પહેલાં મનની વેદના જિગર પાસે ઠાલવવા ચાહી,પણ જિગરને મળી કેવી રીતે સમઝાવવો? પોતાનું મંતવ્ય કઈ રીતે પ્રસ્તુત કરી, કયા શબ્દમાં તેનો આબેહૂબ ચિતાર આપવો? ક્યારે કહેવું? કેવી રીતે કહેવું? અનેક પ્રશ્નો એકી સાથે મનમાં ઉદભવ્યા. ના છૂટકે એક દિવસ સવારનાં વર્ગો ચાલુ થાય તે પહેલાં કોફી પીવાને બહાને જિગર પાસે પહોંચી ગઈ.

‘હાય, હેન્ડસમ’.પહેલો દાણો નાખ્યો.

પાછળ ફરી પ્રિયંકાને જોતાં જિગર હાસ્ય ફરકાવતાં બોલ્યો,

‘કેમ આજે ક્લાસમાં નથી જવાનું?’

‘પાંચ મિનિટની વાર છે.’

“પરિક્ષા પાસે આવી રહી છે, વાંચવાનું કેમ ચાલે છે?’ સ્વાભાવિક રીતે પુછાએલો આ  પ્રશ્ન પ્રિયંકાને ગમ્યો નહી. પોતાનાં અણગમાને કુશળતાથી છુપાવતાં તેણે જવાબ આપ્યો,

‘હા, તૈયારી ચાલે છે, પણ  મારે તને એક અગત્યની વાત કહેવાની છે’. બોલ્યા પછી જિગરને તાકી રહી.

‘સાંજે વાત કરીએ તો  કેમ ? આઇ અમ ગેટીંગ લેટ ફોર માય ક્લાસ.’

‘પ્લીઝ, એક  મિનિટ ડીયર.’

‘તુ નહી માને કેમ? તારા પપ્પા અને મમ્મીતો ઠીક છે ને?’

‘હા ,.’

‘તારી ભાભી, સુહાગી?’

‘તે પણ  મઝામાં છે.’

‘તો પછી ‘? જિગરને આશ્ચર્ય થયું.

આપણે “લગ્ન” કરી લઈએ  તો? કોફીનો કપ  જિગરનાં હાથમાંથી છૂટતો રહી ગયો !

‘સવારના પહોરમાં તને મઝાક સૂઝે છે ?

‘જિગર હું સાચું કહું છું,મઝાક નથી કરતી.’

તું ભાનમાં તો છે  ને? જિગરના અવાજની માત્રા વધી ગઈ.

‘ના,પણ  સાંભળતો ખરો.’

‘અરે, તું પાગલ છો?.આપણી ‘મેડિકલ સ્કૂલનો’ ખર્ચ આપણા મમ્મી અને પપ્પા આપે છે. લગ્ન કરશું તો આ ખર્ચ કોણ ભોગવશે? લગ્ન પછી ભણવાનું બાજુમાં અને જો  બાળક થયું તો ?’ જિગર એકી શ્વાસે ધડાધડ બોલી ગયો.

‘લગ્ન પછી પણ ભણવાનું તો ચાલુ રખાય.’?

‘ના ,ના  લગ્ન પછી તેમની પાસે હાથ લાંબા કરતાં મને શરમ આવે..અને મેડિકલ પુરું કર્યા પછી ‘રેસિડન્સી’, એટલે આવતાં સાત યા આઠ વર્ષ, સુધી લગ્ન તો ભૂલી જા.પહેલાં કેરિયર બનાવીએ પછી લગ્ન.’ સહુથી પહેલાં ‘મેડિકલ સ્કૂલ’ પૂરી કરવાની.,પછી બીજી વાત.’

‘એના માટે એક રસ્તો છે’.

પ્રિયંકા, મહેરબાની કર, બીજી વાત કરીએ.’ જિગર ગુસ્સે થયો.

‘સાંભળ, હું મેડિકલ સ્કૂલ છોડી દઈશ.અને નોકરી કરીશ . તું તારો અભ્યાસ ચાલુ રાખજે.

તું સાથે હશે તો  તેઓ પણ  માની જશે.’

પ્રિયંકાને ગાલે વહાલથી હાથ ફેરવતાં જિગરે કહ્યું.’હની બી પ્રેક્ટીકલ .વર્ગમાં નિયમિત જા. પરિક્ષા સમયે કોઇ મદદ જોઈતી હોય તો ‘હું તૈયાર છું’.મને મોડું થાય છે,બાય સાંજે મળીશું.’

પ્રિયંકા કાંઈ આગળ બોલે તે પહેલાં જિગર ઝડપથી ચાલતો તેની દૃષ્ટિ મર્યાદા વટાવી ગયો. વ્યથિત મન  અને ભગ્ન હ્રદયે એ  વર્ગ તરફ ગઈ.. લેક્ચરરનો એક પણ  શબ્દ તેના કર્ણપટ સુધી પહોંચી ન શક્યા. સાંજ પડતાં જિગરને મળવાને બદલે ડોર્મમાં પોતાની રૂમમાં જઈને પથારીમાં આડી પડી.એના મનની મનિષા કે મનગમતાં જીવન સાથીને મેળવી જીવન આનંદમાં વ્યતિત કરવું એ  નંદવાઈ ગઈ. ‘પહેલાં જ  બોલે ક્લીન બોલ્ડ’.હવે પપ્પા,મામ્મા, સુહાગી અને પોતે અભાગી—–.?

શની, રવી ઘરે જવાનો કંટાળો આવતો હોવા છતાં ,જો  નહી જાય તો હજાર પ્રશ્નો પૂછાશે ? તે ભીતી એને ઘરે જવા મજબૂર કરી બેઠી.

ક્ષિતિજ પ્રિયંકાને જોતાં ,બોલી ઉઠ્યો, દિશા ભવિષ્યના ડૉક્ટરનું આગમન થઈ  ચૂક્યું છે !તારે મારી ચિંતા કરવાની જરૂર નથી..

ઓહ,પ્રિયંકા તું આવી ગઈ, બેટા જો આજે તને ગમતી અને ભાવતી રસોઈ બનાવી છે. જિગરનો ફોન હતો.તું જરાઅપ સેટ છે  એમ કહેતો હતો.’

“અરે,પરિક્ષા નજીક છે  તેની પ્રિયંકાને ચિંતા હોય.એટલું તો  સમઝ. બિચારીને થોડો આરામ તો કરવા દે. એના મોઢા પરની ચિંતા તને નથી દેખાતિ?’ ક્ષિતિજે દિશાને ટોકતા કહ્યું.

‘ભણતા હોય તો પરિક્ષા તો આવેજ ને ? તેમાં ખોટી ચિંતા કરવા થી  શું ફાયદો?’

‘મારી લાડલી ડૉક્ટર બનવાની છે. ડૉક્ટર,બેટા પરિક્ષામાં પાસ થઈશ તો મારે તને ‘ગીફ્ટ’માં શું આપવું એ  મને કાનમાં કહી દેજે.’ જેથી તારી મમ્મી એ સાંભળી નેમારી સાથે કટકટ ન  કરે

‘તમે વળી પાછાં’ દિશાએ મોં મચકોડીને કહ્યું.

ત્યાં જ  સુહાગી પાસે આવતાં બોલી,’પ્રિયંકા દીદી તમે આવ્યા છો તો,મારું બ્લડ પ્રેશર માપી જુઓને.મારા ગાયનોકોલોજીસ્ટે દર અઠવાડિયે માપવાનું કહ્યું છે. તમે છો તો મારે તેના દવાખાનામાં જવાનો ધક્કો બચી જાય.’

પ્રિયંકાએ હકારમાં માથું હલાવ્યું.

જમતી વખતે ક્ષિતિજે દિશાને કહ્યું,’જોયું આપણાં સંતાનો. પ્રશાંત મને નવું જીવન આપતો ગયો. પ્રિયંકા મને નવજીવનને સાચવવામાં મદદ કરશે.’

દિશાની આંખમાં ઉદભવતા આંસુ પ્રિયંકાના મનને ગ્લાનિયુક્ત કરી ગયા.જમવાની તેની રૂચી લુપ્ત થઈ  ગઈ. એને સરખી રીતે ખાતી ન જોતાં સુહાગીએ મશ્કરી કરી. ‘ફઈબા જરા સરખું ખાવ ,મારી ડિલિવરી પછી બાળકને સાચવવામાં મદદ કરવી પડશે. ડોક્ટર ફોઇબા, ડૉક્ટર ફોઈબા કહીને બોલાવશે ત્યારે તમે શું કહેશો.’

અંહી ફોઇબા, માસી કાકી કે મામી નહી માત્ર ‘આન્ટી’.બસ  એમાં બધા સંબધો આવી ગયા, ક્ષિતિજ વચ્ચે ટપકી પડ્યો. ‘તો હેં બેટા ,તમારી તૈયારી કેવી ચાલે છે?’

ઓ કે.પ્રિયંકા એટલું જ  બોલી શકી. કોળિયા ગળે ઉતરતાં ન  હતા અને ડૂમો ભરેલા શબ્દો બહાર આવતા ન  હતા.

અધુરામાં પૂરું અંબર ફોઇ ટપકી પડ્યાં. હાય,પ્રિયંકા તું મળી ગઈ , ઘણું સારું થયું.જો ને  બેટા મને કૉઈક વાર આંખે ઝાંખપ આવે છે.  કોઈ સારા આંખના ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ આપ  ને.

પ્રિયંકાએ હકારમાં માથું ધુણાવ્યું. પ્રિયંકા એકલી , કેટલી જગ્યાએ પોતાને વહેંચે”? સહુને ખુશ રાખવા પોતે બધા દુખ પચાવવા પડશે. સહુના સ્વપનોને સાકાર કરવાની તે જાણે જડીબુટ્ટી ન હોય? નિરાશા અને હતાશાની જકડમાં તેની હિંમત ભાંગવા લાગી. શની, રવી માંડ માંડ ગુજારી સાંજે જાણે એ ઘરમાંથી ભાગી જવા માગતી હોય એવી લાગણી તેના મનમાં પ્રજ્વલિત થઈ. એક અકથ્ય ભારનો હ્રદય પર સહેતી તે ડોર્મમાં પાછી ફરી રૂમમાં ભરાઈ ગઈ.

ફરી પાછું એણે ભણવામાં ચિત્ત પરોવવાનો પ્રયત્ન કર્યો.દિવસ દરમ્યાન લેક્ચર, સાંજે જિગરનું ટીચીંગ.,રાતના કિતાબના ઢગલા, કોમ્પ્યુટરનો સાથ. પરિક્ષાના રાક્ષસનું કદ વધવા માંડ્યું. પાસ થવાની ચિંતાએ એની આંખોમાંથી ઉંઘને ભગાડી દીધી હતી. ટેન્શનનો તણખો હવે જ્વાળામુખી બની નસે નસમાં બળતરા ફેલાવવા લાગ્યો. ઉંઘવાની ગોળી ગળતી ત્યારે માંડ પાંચ યા છ કલાક સૂઈ શકતી.માથું દુખવું, ભૂખ ન  લાગવી અને અશક્તિ.સામાન્ય થઈ ગયાં.

પરિક્ષાને આગલે દિવસે જિગરે ભાર પૂર્વક કહ્યું ’મન  મૂકીને વાંચજે.’ નાપાસ થવાનું તને પરવડે તેમ નથી. .તારા અને મારા મમ્મી અને પપ્પા શુભ સમાચારની આશા લગાવીને બેઠા છે. ‘ગુડલક’ કહીને છૂટો પડ્યો.

પપ્પાનો ફોન આવ્યો.’બેટા તારો વધુ સમય નહી લંઉ.’હજુ તારેવાંચવાનું હશે. મારું સ્વપ્ન સાકાર કરજે.’

‘ઓલ ધ  બેસ્ટ’.

મમ્મીએ પણ  આશિર્વાદ આપ્યા.’ સુહાગી અને જિગરના માતા પિતાએ પણ  ફોન કરી ‘ગુડલક’કહેવામાં પાછી પાની ન કરી.’ ગુડલકનું કવચ પહેરી પરિક્ષાના યુધ્ધક્ષેત્રે પ્રિયંકા યોધ્ધાની માફક ધસી ગઈ. વાંચેલું, ગોખેલું, યાદ કરેલું. જેવા વિધ વિધ શસ્ત્રો સાથે નિશ્ચય કર્યો ‘આ  પાર કે  પેલે પાર.’

પરિક્ષા પતી જતાં પ્રિયંકાનો શ્વાસ હેઠો બેઠો. મનમાં વિચાર્યું ‘આજે શાંતિથી ઉમ્ઘ આવશે. બહાર નિકળતાં જ  જિગરનાં દર્શન થયાં.

ઉતાવળે અને ઉત્સાહના આવેગમાં જિગરે પ્રિયંકાને કહ્યું .હેલો,ડીયર,પરિક્ષા કેવી ગઈ.?

પ્યારથી મુખ મલકાવીને જવાબ આપવાનો પ્રયત્ન કરતાં પ્રિયંકા બોલી ‘ખૂબ મહેનત તો કરી છે. હું પાસ થઈશ,’

શું તને શંકા છે?તારે જરૂર પરિક્ષામાં પાસ થવાનું છે.આપણા ભવિષ્યનો તેના પરા આધાર છે.’ આપણને નપાસ થવું પાલવે તેમ નથી.તને જે લગ્નનું ભૂત વળગ્યું છે તેને પુરું કેવી રીતે કરી શકીશ? આપણે બંને ડૉક્ટર થઈશું તો જાહોજલાલીમાં રહેવાની મઝા આવશે. મોટું ઘર,  સુંદર’લેક્સસ’ગાડી, દુનિયામાં ફરવાનું અને બેંકમાં અઢળક નાણું.કહીને જિગર હસી પડ્યો.

શું જિગરને બધું મોટું હોય તેમાં જ દિલચશ્પી છે.પોતાની નાનકડી ઈચ્છાનું શું?.જિગરના ઉત્સાહને ન  તો પ્રિયંકા પ્રોત્સાહન આપવા માગતી હતી કે ન  તો તેના પર ઠંડુ પાણી રેડવા. ચાહતી હતી. તેણે મધ્યમ માર્ગ અપનાવ્યો કહે, પરિણામ તો આવવા દે.

પ્રિયંકાની આ  વાત જિગરને ન ગમી.તેને લાગ્યું કે પ્રિયંકા બદલાતી જાય છે.પ્રિયંકા પહેલાં જેવી નથી રહી.તેના ચહેરા પરથી ખુશીએ જાણે દેશવટો ન લીધો હોય, તેના મન પર  કોઈ બોજ છે પણ  જિગર પૂછવાની હિંમત ન કરી શક્યો. વળી પાછી એ લગ્નની વાત કાઢેઅને બંને વચ્ચે વાતાવરણ તંગ થઈ જાય.પ્રિયંકા પાસ થઈ જશે એટલે પાછી અસલી મિજાજમાં આવી જશે, એમ જિગર પોતાની જાતને મનાવી ચૂક્યો હતો..

તેવામાં મમ્મીનો ફોન આવ્યો, કેવી ગઈ  પરિક્ષા અને પપ્પા પણ  સાથે જ  બોલ્યા ‘દિશા કેવો ગાંડા જેવો સવાલ કરે છે.  ‘મારી દિકરી છે પરિક્ષામાં અવ્વલ નંબરે આવશે.’ ગર્વનાં છાંટા સેલ ફોનમાંથી પણ પ્રિયંકાના ચહેરાને ભીંજવી ગયાં.

જો બેટા ,પરિણામ આવતાં પહેલાંજ તારા પપ્પાએ પાર્ટી ગોઠવી દીધી છે.સગા અને મિત્ર મંડળને આમંત્રણ પણ આપી દીધાં છે.

‘ ઓ બાપ રે’,પ્રિયંકા સ્વગત બોલી. પ્રશાંતની વિદાય સાથે પપ્પાએ તેમના સ્વપ્નાની ફ્રેમમાં પ્રિયંકાની તસ્વિર મઢી દીધી હતી. આપણે પહેલી મોટલ લઈશું તેનું ઉદઘાટન તારા હસ્તે જ કરવાનું છે.ધ્યાન રાખજે..પપ્પાના શબ્દોએ તેને વિચાર કરતી કરી દીધી. પરિણામ—-પરિણામ

પરિણામ હાથમાં આવતાં જ પ્રિયંકાના દિલની ધડકન વધી ગઈ.સાંજ ઢળી ચૂકી હતી. સૂરજ ગાયબ થવાની તૈયારીમાં હતો. રાત્રીના અંધારાએ આક્રમણ શરૂ કરી દીધું હતું.પપ્પા,મમ્મી અને જિગરને ફોન કરી જણાવું કે મારું પરિણામ આવી ગયું છે એ વિચાર પાછળ ધકેલી દીધો.પોતાના ડોર્મના રૂમની બારીનો પડદો બંધ કરી પલંગ પર બેસી પરિણામ વાંચ્યું. હોય જ નહીં, ના હોય, અશક્ય આખા રૂમમાં ચિત્કાર ગુંજી ઉઠ્યો. મમ્મી, પપ્પા,જિગર, સુહાગી,ફોઈ,કાકા,કાકી અને દાદીના ચહેરાઓ ઘેરી વળ્યાં. નાકામયાબ, નાકામયાબ—- જે ક્ષેત્ર તેને ગમતું ન હતું તેમાં પરાણે પપ્પાનું સ્વપ્ન સાકાર કરવા પગ મૂક્યો.ત્યાં જિગરનો મેલાપ થતાં એ વધારે ખૂંપી ગઈ. આ સમાચાર મળતાં જ પપ્પાનાં દિલને આઘાત લાગશે. એમની તબિયત બગડશે.મમ્મી તો પ્રિયંકાને જ દોષિત માનશે. તારે લીધે પપ્પાની આ હાલત થઈ છે. તારે જ  લીધે, તારે જ લીધે જિગર બરાડા પાડશે, મારા ભવ્ય સપનાની પીઠમાં તેં ખંજર ભોંકી દીધું છે. ‘તું, તું મારે માટે લાયક નથી.

તું અપશુકનિયાળ——

દાદીના ચહેરા પર નારાજગી, સુહાગી કાકા,ફોઈબાના પડી ગયેલાં ચહેરાં. રાત્રીનો અંધકાર ધીરે પગલે તેને ઘેરવા લાગ્યો.તે દિશા શૂન્ય થવા લાગી.તેને થયું ક્યાંક જઈને ચીસો પાડું,’ મને સ્વતંત્ર કરી દો. તમારા સપનાઓનો ભાર હું નહીં ઝીલી શકું.’. મને તમે માગેલાં વચનથી મુક્ત કરો.

આંખો સામે નૃત્ય કરતો પરિણામનો કાગળ, હા, હા,હા, નાકામયાબ, નાકામયાબ.ગુંગળામનનો અનુભવ થયો પ્રિયંકાને.તેને લગ્યું કોઈ તેના શ્વાસ રોકી રહ્યું છે. એ વમળમાં ડૂબી રહી છે. ક્યાં છે કિનારો! ક્યાં છે કિનારો! નથી સહેવાતો આ ભાર.પ્રશાંત તું ક્યાં છે, હેલ્પ મી .તારા વગર હું એકલી પડી ગઈ છું.સાવ એકલી બ્રો હેલ્પ મી

અચાનક તેની આંખો ખૂલી ગઈ. તે  શાંતિ ચાહતી હતી. પોતાનાથી દૂર ભાગી જવા માગતી હતી. એવા સ્થળે કે  જ્યાં જઈને કોઈને પણ  પેશ ન કરવી પડે. બસ  બધાં જ પ્રશ્નોનો અંત આવી જાય. આશા, ઈચ્છા, એષણા , અપેક્ષા સઘળાં બંધનમાંથી મુક્તિ. આરામની નિંદર—-

પલંગની બાજુમાં પડેલી ઉંઘવાની ગોળીની બાટલી અંધારામાં જ હાથ ફેલાવતાં જડી ગઈ.પાણી તો બાજુમાં હોય તેની તેને જાણ હતી.. એક ગોળી, પછી બીજી, પછી ત્રીજી, પછી ચોથી, ટપોટપ આખી બાટલી ખાલી———–

નાકામયાબી, અસફળતા, નાકામયાબી , અસફળતા ના પડઘા ધીરે ધીરે શમવા લાગ્યા————-

Type sahay Pravina Kadakia

 

નયનોનાં કોરની ભીનાશ-(૧૦) શૈલાબેન મુન્શા

September 20, 2011vijayshahસંપાદન કરોLeave a commentGo to comments

 

રાત્રિ નો અંધકાર ઘેરો થતો ગયો. પ્રિયંકા નો દેહ જાણે મુલાયમ કોઈ પીંછા પર સવાર થઈ વાદળો વચ્ચે લહેરાઈ રહ્યો. નિષ્ફળતા  નાકામિયાબી બધું ક્ષીણ થતું ગયું. ગહેરી નીંદમા ઘેરાતી આંખો ક્યારે સદા માટે  મિંચાઈ ગઈ અને પ્રિયંકાનુ અસ્તિત્વ લોપ થઈ ગયું.

સવારના આઠ વાગ્યા, જિગર ક્યારનો પ્રિયંકાને ફોન કરી રહ્યો હતો. આગલી રાતે એ મિત્રો  સાથે બહાર હતો અને પાછાં વળતાં મોડું થયુ એટલે પ્રિયંકાને ફોન કરવાનો રહી ગયો. વહેલી સવારે એના મિત્ર પ્રથમનો ફોન આવ્યો કે મેડિકલ ના પ્રથમ વર્ષનુ પરિણામ તો  કાલે સાંજે જ આવી ગયું અને પ્રિયંકા ના કેટલા ટકા આવ્યા? જિગર એકદમ ચમકી ગયો, અરે!  જો પરિણામ કાલે આવી ગયું તો પ્રિયંકાનો ફોન કેમ ના આવ્યો? શું ટકા ઓછા આવ્યા હશે?  તરત જ એણે ફોન હાથમા લીધો ને નંબર ડાયલ કર્યો. સામા છેડે ઘંટડી વાગતી રહી ને  આન્સરીંગ મશીન પર પ્રિયંકાનો મેસેજ સંભળાયો.(મહેરબાની કરી આપનુ નામ અને નંબર  જણાવો) વારંવાર ફોન પર આ જ મેસેજ આવતાં જિગરનો જીવ ઊંચો થઈ ગયો.

થોડા દિવસ પહેલાની વાત એને યાદ આવી ગઈ. પ્રિયંકા થોડી સુનમુન જણાતી હતી, પરિક્ષા  થી ગભરાતી હતી, લગ્ન કરી લેવાની વાત કરતી હતી, બસ જિગરની ચિંતા ગભરાટમા બદલાઈ ગઈ  તરત જ એણે પ્રિયંકાની ડોર્મ તરફ પ્રયાણ કર્યું અને રસ્તામા થી જ અંબર ફોઈ ને ફોન કરી ડોર્મ પર આવી જવા કહ્યું.

આજ સવારથી દિશા ના મનમા ન જાણે કેમ પ્રિયંકા ના વિચાર આવી રહ્યા હતા. જે ગુમાવ્યું  તે પાછું મળી શકે એમ નથી પણ પ્રિયંકા ની બધી મનોકામના કેવી રીતે પુરી થાય, એના પર  જ ધ્યાન આપવું છે. દિકરી મારી તો એટલી સાદી છે કે ક્યારેય પોતાના મનની ઈચ્છા નહી જણાવે પણ મારે જ એને હમેશ ખુશ રાખવાની છે. પ્રશાંત ના મોત ના કારમા આઘાત માથી અમને  બહાર કાઢવા એ કેટલી ઝઝુમી. ભાઈ તો એણે પણ ગુમાવ્યો પણ પોતાનુ દુઃખ ભુલી અમારા  બધાની મા બની અમને સાચવી લીધા.

એની સમજાવટ થી જ ક્ષિતિજ પ્રશાંતની કિડની લેવા તૈયાર થયો. આજે પ્રશાંતની હયાતિ ન  હોવા છતાં જાણે એ સુક્ષ્મ રીતે ક્ષિતિજમા જીવી રહ્યો છે. સુહાગી અમને પ્રશાંતનુ  બીજું સ્વરૂપ આપશે. બસ પ્રભુ હવે તો પ્રિયંકા ડોક્ટર બને અને એનુ ઘર વસે એ સિવાય કોઈ કામના બાકી નથી રહી.

ક્ષિતિજ માટે સવારનો ચા, નાસ્તો તૈયાર કરતાં આવા બધાં ખુલ્લી આંખે સપના જોતા ધ્યાન  ન રહ્યું ને બીજા ગેસ પર મુકેલું દુધ ઉભરાયું. આટલા વર્ષો અમેરિકા મા રહ્યાં છતાં  અમુક વહેમમાં દિશા હજુ વિશ્વાસ રાખતી ને “કાગનુ બેસવું ને ડાળનુ પડવું”  જેમ કોઈવાર એ વહેમ સાચો પડતો.

હજી તો એ ચા નાસ્તાની ટ્રે લઈ રસોડાની બહાર નીકળી ને ફોનની ઘંટડી રણકી. ક્ષિતિજ  બાજુમા જ બેસીને છાપું વાંચતો હતો એટલે એણે ફોન ઉપાડ્યો.

ક્ષણભરમા એના ચહેરા ના હાવભાવ બદલાઈ ગયા. એના મોઢામાં થી ચીસ સરી પડી, ને દિશાના  હાથમાં થી ટ્રે સરી પડી. બેબાકળી એ ક્ષિતિજ પાસે દોડી ગઈ. એનો ખભો હચમચાવતાં પુછી  રહી

“શું થયું? કાંઈ બોલો તો ખરા!”

પણ  ક્ષિતિજ બસ સ્તબ્ધ બની એને જોઈ રહ્યો. ઝુલતા ફોનને હાથમા લઈ દિશાએ કાને માંડ્યો,  સામા છેડે જિગર બોલી રહ્યો હતો અંકલ તમે હિંમત રાખો, દિશા આન્ટી ને સંભાળો, દિશા  ને કાંઈ સમજ ના પડી આ શું થઈ રહ્યું છે એણે ગભરાઈને પુછ્યું

“જિગર બોલ તો ખરો શું થયું? ક્ષિતિજ કેમ એકદમ  જડ જેવો બની ગયો છે? શું કહ્યું તે એને?”

જિગરથી  કાંઈ બોલાયું નહિ. ફોન એણે અંબર ફોઈના હાથમાં આપી દીધો, અંબર રડતાં અવાજે બોલી “ભાભી!  હિંમત રાખો અને જલ્દી ક્ષિતિજ ને લઈ પ્રિયંકા ના ડોર્મ પર આવી જાવ. પ્રિયંકા એ  ઊંઘની ગોળીઓ ખાઈ લીધી છે.”

દિશાના હાથમાં થી ફોન સરી ગયો ને ધબ દઈને જમીન પર બેસી પડી.

બન્ને ડોર્મ પર પહોંચ્યા ત્યાં સુધી મા પોલીસ, એમ્બ્યુલન્સ બધું આવી ગયું હતું. પ્રિયંકા ચિર નિંદ્રા મા પોઢી હતી ને પલંગની બાજુમા પરિક્ષા ના પરિણામ નો કાગળ  પડ્યો હતો.

પોલીસ જરૂરી કારવાઈ કરી ને રવાના થઈ ને  પ્રિયંકાનો મૃત દેહ એમ્બ્યુલન્સ મા મોર્ગ લઈ જવા ગોઠવાયો. કાળજા ના કટકા જેવી  દિકરી એ કયા આવેશ ને કયા પ્રેશર મા આ પગલું ભર્યું એનુ ભાન ક્ષિતિજ ને થવા  માંડ્યું.

મેડિકલ લાઈન પ્રત્યે ની સુગ અને ભણતર નો ભાર એ  ઝીલી શકતી નથી એ વાત પ્રિયંકા એ જણાવી હતી પણ પોતે જ એને મજબુર કરી હતી. હવે  જીંદગીભર રૂદન અને પસ્તાવા સિવાય કાંઈ હાથ મા રહ્યું નહી. દિશા તો જાણે સુનમુન બની  ગઈ. એક જ વાત એના મન ને કોરી રહી. “અરે! બેટા એકવાર તો તારા મન ની હાલત મને  જણાવવી હતી. હું મા છું, જો મારા સંતાનો ના જીવ પર આવી પડે તો હું આખી દુનિયા સામે  લડી ને પણ એમને બચાવું.”

જિગર ની હાલત પણ કાંઈક એવી જ હતી, રહી રહી ને  એને પ્રિયંકા સાથે ની આખરી મુલાકાત અને વાતો યાદ આવતી હતી. એ બિચારી એ તો મને ઘણુ  સમજાવવાનો પ્રયાસ કર્યો કે “આ મેડિકલ નુ ભણવાનુ મારા થી નહી થાય, ચાલ આપણે  લગ્ન કરી લઈએ, હું કમાઈશ ને તું ભણજે” પણ મેં એની વાતને હસવા મા ઉડાવી દીધી ને  આજે પ્રિયંકા અમને બધા ને છોડીને જતી રહી. પ્રશાંત નુ મોત તો એક અકસ્માત હતો પણ  પ્રિયંકા ને અમે બધા એ ભેગા થઈ મરવા માટે મજબુર કરી. એનુ મોત એક આપઘાત નથી પણ  અમારા દ્વારા થયેલું ખુન છે.

કહેવાય છે ને કે દુઃખ આવે ત્યારે ચારેબાજુ થી  આવે છે. ક્ષિતિજ ને દિશા માટે આ ઘા સહેવો બહુ અઘરો હતો. દિશા જાણે કોઈ જાતના ભાન  વગર યંત્રવત રોજીંદુ કાર્ય કરતી. ક્ષિતિજ દિશા થી નજર ના મેળવી શકતો.એને એમ જ થતું  કે પ્રિયંકા ના મોત નો હું જ જીમ્મેદાર છું.મેં જો આટલી મોટી અપેક્ષા ના રખી હોત  તો કદાચ આ દિવસ ના આવત.

સ્વયંમ લગભગ રોજ સાંજે આવતો અને ક્ષિતિજ ને  બીજી વાતોમા પરોવવાનો પ્રયાસ કરતો.

અંબર પણ જેમ બને તેમ જલ્દી મોટેલનુ કામ પતાવી  ઘરે આવી જતી. દિશાને રસોઈમા મદદ કરતી, એનુ મન બીજે વાળવા ક્ષિતિજ માટે કઈ રસોઈ  બનાવવી જેથી એની તબિયત જલ્દી સુધરે વગેરે વાતો કરતી.

બા ના ભજનો ને પ્રાર્થના નો સમય લંબાતો ગયો. એમનો ભક્તિ ભાવ આ દુઃખ સહન કરવા મા  બધાને તાકાત આપતો ગયો.

કુદરત ની ચાલ કોઇ સમજી શકતું નથી અને દરેક  પોતાની આવરદા લખાવી ને આવે છે, એમા એક ક્ષણ નો પણ મીનમેખ થતો નથી વગેરે વાતો થી  ધીરે ધીરે દિશા ને ક્ષિતિજ દુઃખ ના દરિયામા થી બહાર આવી રોજીંદા કાર્યમા મન પરોવવા માંડ્યા

.ક્ષિતિજ ફરી ધંધા પર ધ્યાન આપવા માંડ્યો. પ્રશાંતની કિડની એને બરાબર માફક આવી ગઈ અને સામાન્ય વિટામીન સિવાય હવે કોઈ દવાની  જરૂર ના રહી.

બબ્બે કારમા ઘા ઝીલવામા સહુથી વધુ હિંમત અને  પ્રેમ સુહાગી પાસે થી મળ્યા. સુહાગી રાત દિવસ એ જ ચિંતા મા રહેતી કે કેમ કરી  ક્ષિતિજ અને દિશા ને આ દુઃખ મા થી બહાર કાઢવા. ઘર ની બધી જવાબદારી એણે ઉપાડી લીધી.  ક્ષિતિજ ને નિયમિત દવા કે વિટામીન આપવા, દિશાને વાનગી શીખવાને બહાને કીચન માં  બોલાવી કઈક નવી ડિશ શીખવી અને એમ કરી દિશાને પ્રિયંકા ના વિચાર મા થી બીજે વાળવી.  કંઈ અવનવી વાતો કરી બધા ના મન પ્રફ્ફુલિત કરવા. બા પાસે બેસી ઈન્ડિયા ની વાતો  સાંભળવી, ઘણીવાર લાડ થી તો કોઈવાર હુકમ ચલાવી સાંજ પડે દિશા અને ક્ષિતિજ ને બહાર  ખુલ્લી હવામા ચાલવા મોકલવા. સુહાગી ની આ પ્રેમ ભરી માવજતે ધીરે ધીરે ઘરનુ વાતાવરણ  રાબેતા મુજબનુ થવા માંડ્યું.

દિશા ક્યારેક વિચારે ચઢી જતી કે થોડા સમય પહેલા એ સુહાગી ને ઓળખતી પણ નહોતી અને  આજે એ મારી બીજી દિકરી બની ને રહી છે. ખરે જ શું કોઈ પૂર્વ જનમ ની લેણાદેણી હશે. એના માથે પણ કાંઈ ઓછી વીતી છે. લગ્ન પણ નહોતા થયા ને પ્રેમી ગુમાવ્યો. પ્રિયતમ નો અંશ પોતાનામાં ઉછરી રહ્યો છે એ જાણી અમારા આશરે આવી અને અમને ખુશી આપવા અમારી વહુ  બની અમારી સાથે રહી.

અહીં અમેરિકા ની છોકરીઓ માટે કદાચ લગ્ન પહેલા દેહ સંબંધ એ સાવ સામાન્ય વાત હશે, પણ  જો પ્રેમી નુ મૃત્યુ થાય તો કોઈ છોકરી પોતાનુ પુરૂં જીવન છોકરા ના કુટુંબ માટે ભોગ  ના ચડાવી દે.

સુહાગી સાચે જ અનોખી છે. કેવી અમારા બધા સાથે  ભળી ગઈ છે. ક્ષિતિજ ને કદાચ દવા આપવાનુ હું ભુલી જાવ પણ સુહાગી નિયમિત દવા આપવાનુ  મને યાદ કરાવે જ. પપ્પાને શું ભાવે છે એનો ખ્યાલ રાખી હોંશે હોંશે મારી પાસે વાનગી  બનાવતાં શીખે.

બા ને શરૂઆત મા એના પર બહુ ભરોસો ન હતો, પણ હવે તો બા બે મોઢે એના વખાણ કરે છે ને  રોજ વહાલ થી પુછે છે, “સુહાગી બેટા તને કાંઈ ખાસ ખાવાનુ મન થાય છે? જે મન થાય  તે મને કહેજે. તારા માટે ખાસ હું મારા હાથે એ વાનગી બનાવી તને ખવડાવીશ.”

બા આમ તો પ્રશાંત ના બાળક ને રમાડી ઈન્ડિયા જવા માંગતા હતા પણ ઘર નુ વાતાવરણ થાળે  પડવા માંડ્યુ અને એમને પાછા જવાની ઉતાવળ થવા માંડી. ઘર ના વડીલ હોવાને કારણે એ  પોતાનો ગમ કોઈની સામે જાહેર ન્હોતા કરતાં પણ એમના દિલમા થી પ્રશાંત ને પ્રિયંકા ના મોત ની ઘટના ભુલાતી નહોતી. ક્ષિતિજ ને ખાતર એ આવ્યા હતા અને શું નુ શું થઈ ગયું.

એક દિવસ લાગ જોઈ એમણે વાત છેડી.

“દિશા બસ હવે મારૂં મન પાછું જવા ઝંખી  રહ્યું છે. થોડા વખતમાં જે બની ગયું એને તો આપણે બદલી શકીએ તેમ નથી પણ હવે બસ  ઈન્ડિયા જઈ દેવ-દર્શન ને બાળકોના આત્મા ની શાંતિ માટે કાંઇ કરૂં એમ થાય છે. હું તો  કહ્યું છું કે તમે પણ પાછા આવી જાવ. જો કે સુહાગી ના ભવિષ્ય નો પણ તમારે વિચાર  કરવાનો એટલે જે તમને યોગ્ય લાગે તેમ કરજો.”

થોડી વાર શાંત રહીને ફરીથી તે  બોલ્યા

“દિશા કદાચ મારા મનમાં જે વિચાર છે તે તને પણ જરૂર આવ્યો જ હશે. સુહાગી બાળકને  જન્મ આપે પછી એને નવો જીવન સાથી શોધી લેવા સમજાવજે. એકલા જીંદગી કાઢવી કેટલી અઘરી  છે અને અમેરિકા કે હવે તો ઈન્ડિયા મા પણ સહજતા થી લોકો આ વિચારને અપનાવે છે અને યોગ્ય જીવન સાથી પણ મળી રહે છે.”

ક્ષિતિજ ને બા ની ઈન્ડિયા જવાની વાત ગમી તો નહિ પણ એ જાણતો હતો કે બા અહીં વધુ ને  વધુ મનમાં સોરાયા કરશે એના કરતાં ભલે ઈન્ડિયા પાછા જાય. એ દિવસ પણ આવી ગયો. બધા  ઉદાસ હતા પણ બહાર થી મોઢું હસતું રાખવાનો પ્રયાસ કરતાં હતા. સ્વયંમ ને ક્ષિતિજ બા ને મુકવા એરપોર્ટ ગયા. ઘરમાં દિશા, સુહાગી અને અંબર ફોઈ રહ્યાં. ઘરમાં એક જાતનો  સુનકાર વ્યાપી ગયો.

ઘરડાં માણસો ની ખાસિયત પ્રમાણે બા આખો દિવસ કાં  તો કોઈ ભજન ની ધુન ગણગણતા હોય અથવા પોતાના જમાના ની કોઈ વાત યાદ કરીને કહેતા હોય.  ઘણીવાર તો એક ની એક વાત વારંવાર કરતા હોય, પણ એને લીધે ઘરમાં એક જાતની જીવંતતા  લાગે.

બા ગયા ને અંબર પહેલી વાર છૂટ્ટા મોઢે રડી પડી. સુહાગી ની જેમ એને પણ પોતાના દુઃખ  ને છુપાવી બધાને આધાર આપવાનો હતો. આમ તો બધા જ એકબીજાથી આંસુ છુપાવતા હતા પણ  સુહાગી અને અંબર બહારથી વધુ નોર્મલ દેખાવાનો પ્રયાસ કરતા. અંબરફોઈને જોઈ સુહાગી પણ  રૂદન નો આવેગ રોકી ના શકી.

દિશા એ બન્ને ને પાંખમા લઈ રડવા દીધા. હૈયાનો ઉભરો ખાલી થઈ જાય એ ઘણુ જરૂરી છે એ  વાત દિશા સારી રીતે સમજતી હતી. ધીરે ધીરે બધા સ્વસ્થ થયા. વાત ને બીજે વાળવા અંબરે  દિશા અને સુહાગીને સુચન કર્યું કે “ભાભી તમે બન્ને જણ પણ થોડીવાર મોટેલ પર આવો તો મને ખાસી મદદ મળી રહે. સુહાગી ને બીજી કોઈ પ્રવૃતિ કરવી હોય તોય વાંધો નથી  પણ જેમ જલ્દી તમે કોઈ કાર્યમા મન પરોવશો તેમ જલ્દી દુઃખમા થી બહાર આવી શકશો.

ક્ષિતિજ હવે વધુ સમય પોતાના ધંધા મા આપવા માંડ્યો. દિશા એ સુહાગીને ખુશ રાખવા યોગા  ક્લાસ શરૂ કર્યા ને સુહાગીને પણ પોતાની સાથે લઈ જવા માંડી. બધા હવે આવનારા બાળક ની  કલ્પના કરી ખુશ થતા અને અવનવા પ્લાન કરી જાતને કાર્યરત રાખતા.

પાંચ મહિના સુહાગી ને થયા, દર મહિને ચેક અપ અને જરૂરી વિટામીન લેવાના સુહાગી એ શરૂ  કરી દીધા. અમેરિકા મા તો સોનોગ્રાફી મા બાળકની જાતિ વિશે ખબર પડે એટલે જો મા બાપ  ની ઈચ્છા હોય તો ડો. જણવી દે, પણ સુહાગી દિશા કે ક્ષિતિજ જાણવા તૈયાર ન હતા. એમને મન બાળક ભગવાન નુ રૂપ, અને દિકરી આવે કે દિકરો એમની એટલી જ આશા કે બાળક સ્વસ્થ  આવે.

સુહાગી ની તબિયત અને વજન બધું બરાબર હતું બાળક નો વિકાસ પણ બરાબર હતો એટલે ચિંતાની  કોઈ વાત નહોતી.

સુહાગી ની ખાસ મિત્ર ના લગ્ન હતા અને અમેરિકા ના રિવાજ મુજબ લગ્ન પહેલા બધી  બહેનપણી સાથે બેત્રણ દિવસ મોજ મસ્તી કરવા ભેગી થવાની હતી.મોના જેના લગ્ન થવાના હતા  એ ન્યુ જર્સી રહેતી હતી. આમ તો બધા ને એણે સાન ફ્રાન્સિસ્કો બોલાવ્યા હતા. ત્યાંના એક રિસોર્ટ મા બધી બહેનપણી રહીને ધમાલ કરવાની હતી પણ સુહાગી એની ખાસ સહેલી અને એની  સાથે થોડો વધુ વખત રહેવાય એટલે ખાસ આગ્રહ કરી ન્યુ જર્સી આવવા કહ્યું.

દિશા એ જ્યારે આ વાત જાણી તો એણે જ સુહાગી ને આગ્રહ કર્યો ” બેટા આ સારો મોકો  છે. તારૂં મન પણ જરા છુટું થશે અને અત્યારે સીઝન પણ સારી છે. હજી સપ્ટેમ્બર ચાલે  છે એટલે ઠંડીની શરૂઆત થઈ નથી અને તને પણ પાંચમો મહિનો જાય છે એટલે મુસાફરીમા પણ તકલીફ નહિ પડે.” ક્ષિતિજ પણ વાતમા જોડાયો.”સુહાગી બેટા હવે તો તારી ખુશીમાં  જ અમારી ખુશી છે. તું જેટલી આનંદિત રહેશે એટલી તારી તબિયત સારી રહેશે ને બાળક પણ  તંદુરસ્ત આવશે.”

સુહાગી ની ઈચ્છા દિશા ને ક્ષિતિજને એકલા મુકીને જવાની નહોતી પણ બન્નેના આગ્રહ ને  વશ થઈ સુહાગીએ ન્યુ જર્સી જવાનો પ્લાન કર્યો. સ્વયંમ અને અંબર ફોઈએ પણ હૈયા ધારણ  આપી અને કહ્યું “તું બેટા જરાય ચિંતા વગર જા, અમે બરાબર કંપની આપશું.”

સપ્ટેમ્બર ૮ ૨૦૦૧ સુહાગી ન્યુ જર્સી જવા નીકળી અને ત્યાં થી ૧૧મી સપ્ટેમ્બરે બન્ને  બહેનપણીઓ સવાર ની ૮.૦૦ વાગ્યાની યુનાઈટેડ એર લાઈન્સ ની ફ્લાઈટ સાન ફ્રાન્સિસ્કો  જવાના હતા. દિશા અને ક્ષિતિજ બન્ને સુહાગીને એરપોર્ટ મુકવા ગયા હતા. આખે રસ્તે  દિશા જાતજાતની સુચના આપતી રહી. છેવટે થાકીને ક્ષિતિજે કહેવું પડ્યું, “દિશા  સુહાગી કાંઈ નાની કીકલી નથી. એ પોતાનુ ધ્યાન બરાબર રાખશે.”

સુહાગી થી છુટા પડતા ન જાણે કેમ દિશાની આંખો ભરાઈ આવી. ઉપરા છાપરી લાગેલા કારમા ઘા  નો આઘાત હજી પુરેપુરો ગયો નહતો. ખબર નહિ કેમ જાણે એના મનમા પેલો ભય પાછો જાગૃત થઈ  ગયો. સુહાગી જ્યાં સુધી નજર થી ઓઝલ ના થઈ ત્યાં સુધી એકીટશે એને જોયા કરી.

સુહાગી એ ન્યુ જર્સી ઉતરીને તરત ઘરે ફોન કરી દીધો. દિશા નો જીવ જરા હેઠે બેઠો. ઘર  એકદમ ખાલી ખાલી લાગત્યં હતું. સુહાગી બોલકી હતી ને એની વાતો કદી ખુટતી નહિ. સાંજે  સ્વયંમ આવ્યો જમીને ત્રણે જણ ચાલવા નીકળ્યા. વાતો નો વિષય સુહાગી જ હતી, ને આવનારા  બાળક ની મધુર કલ્પના.

માનવી ધારે છે કાંઈ ને કુદરત કરે છે કાંઇ. ક્ષણમા સુનામી આવી જાય ને નજર સામે ગામ  ના ગામ તણાઈ જાય. સપ્ટેમ્બર ૧૧ ૨૦૦૧ અમેરિકાના ઈતિહાસમા માનવી ની પશુતાના એક આતંક  રૂપે લખાશે. સવારે છ વાગે મોના ના ઘરે થી નીકળતા સુહાગીએ દિશા ને ફોન કર્યો. અને જણાવ્યું

“મમ્મી ચિંતા નહિ કરતા, બસ ૧૪મી સવારે તો હું ઘરે આવી જઈશ. તમને સાન  ફ્રાન્સિસ્કો પહોંચી પાછો ફોન કરીશ.”

દિશા એ પણ સામે જણાવ્યું. ” બેટા  ખુબ મજા કરજો. અહીં ની જરા પણ ચિંતા ના કરીશ.” બસ તું આવી જાય એટલે આપણે અહીં  બેબી શાવર ની તૈયારી શરૂ કરશું. બધા દુઃખ ભુલી મારે આ પ્રસંગ મન ભરી ને ઉજવવો છે.

પ્રશાંત કે પ્રિયંકા ના લગ્ન પ્રસંગ ઉજવવાની તો ભગવાને તક ના આપી પણ મારે હવે કોઈ  કસર નથી રાખવી.

મોના ને સુહાગી એરપોર્ટ પહોંચ્યા. આમ તો સવાર ની ફ્લાઈટ મોટા ભાગે ફુલ હોય પણ આજે  તો માંડ ૩૩ પેસેન્જર હતા. એક કારણ એ પણ હોઇ શકે કે સ્કુલ કોલેજ હમણા જ ચાલુ થઈ હતી  અને સાન ફ્રાન્સિસ્કો જેવા ફરવા ના સ્થળે હવે કોઈ ખાસ જાય નહિ.પ્લેન નો ઉપડવાનો સમય તો ૮.૦૦ નો હતો પણ રનવે પર લગભગ ચાલીસ મિનીટ પ્લેન ઊભું રહ્યું. અંતે જ્યારે ઉપડ્યું  અને થોડિવારમા પાછું પુર્વ તરફ વળ્યું.

બધા પેસેન્જર વિચારમા પડ્યા. ત્યાં સુધી મા તો ન્યુ યોર્ક ના ટ્વીન ટાવર પર  અમેરિકન એર લાઈન્સ અને યુનાઈટેડ એર લાઈન્સ ના બે બોઈંગ વિમાનો અથડાઈ ચુક્યા હતા.  નેવાર્કથી ઉપડેલા પ્લેન ના એક પેસેન્જર ને એની પત્નિ નો ફોન આવ્યો કે ન્યુ યોર્ક  મા શું થયું, એણે પ્લેન મા ચીસાચીસ કરી મુકી. પાઈલોટ જે પોતે જ આતંકવાદી હતો એણે  પ્લેન મા બોમ્બ છે માટે પાછા જઈએ છીએ એવી વાતો કરી ફ્લાઈટ એટેન્ડન્ટે પણ પોતાની એર  લાઈન્સ ને ફોન કરવાની કોશિશ કરી. બીજા ઘણા પેસેન્જરે પોતાના ઘરે ફોન કરવાના પ્રયત્ન  કર્યા.

ક્ષિતિજ ને સવારે ટીવી પર બીબીસી ના ન્યુઝ જોવા ગમે .એનો રોજનો એ ક્રમ. એણે પહેલું  વિમાન ટ્વીન ટાવર ને અથડાતાં જોયું. એક દુર્ઘટના સમજી બહુ વિચાર ના કર્યો. પણ  થોડીવારમા બીજું અથડાયું અને એને કાંઈક કાવતરા ની ગંધ આવી. તરત એણે દિશા ને બોલાવી ત્યાંતો ત્રીજું વિમાન પેન્ટાગોન ના બિલ્ડીંગને અથડાયું. બન્ને સ્તબ્ધ બની ટીવી  જોઈ રહ્યા. દિશાનો જીવ ઊંચો થઈ ગયો. મનોમન કેટલીય માનતા માની લીધી “હે પ્રભુ!  સુહાગી ની રક્ષા કરજે. બસ એ હેમખેમ ઘરે આવી જાય”

ફોન ની ઘંટડી રણકી. બન્નેના હાથને જાણે લકવો મારી ગયો હોય તેમ કોઈ થી ફોન લેવા હાથ  લંબાવાયો નહિ. હિંમત ભેગી કરી ક્ષિતિજે ફોન લીધો. સુહાગી નોભયથી કાંપતો અવાજ  સંભળાયો.

” પપ્પા અમારૂં પ્લેન હાઈજેક થયું છે. સાન ફ્રાન્સિસ્કો ને બદલે ખબર નહિ  ક્યાં લઈ જાય છે. અમે ટ્વીન ટાવર પર એટેક થયો સાંભ્ળ્યું પપ્પા અમે નહિ બચીએ.આઇ લવ યુ ઓલ.. પ્લીઝ પે ફોર અસ જય શ્રીક્રુષ્ણ”

બસ એ છેલ્લા શબ્દો સુહાગી ના સાંભળ્યા ને લાઈન કપાઈ ગઈ.

પેન્સિલવેનિયા ના શેન્ક્સવિલે કાઉન્ટી ના ખેતરોમા પ્લેન ક્રેશ થયું. ૩૩ પેસેન્જરો  ૭ ક્રુ મેમ્બર અને ૪ આતંકવાદી સહિત ૪૪ જણા મોત ને ઘાટ ઉતરી ગયા.

દિશા ને ક્ષિતિજ ની નજર સામે ક્ષણ મા સુહાગી એના બાળક સાથે પ્રશાંત પાસે પહોંચી  ગઈ. દિશા બેભાન થઈ જમીન પર પડી ગઈ.

મહિનો વીતી ગયો એ વાત ને. દિશાને ક્ષિતિજ જીવતા શબ ની જેમ દિવસો પસાર કરી રહ્યા.

ક્ષિતિજ-“દિશા ચાલ આપણે ભારત પાછા જતા રહીએ. આ ઘર મને ખાવા ધાય છે. આ અઢળક  પૈસો આ નવી જીંદગી શું કામની. બા પણ રોજ ફોન કરી એ જ તો કહી રહ્યા છે. અમેરિકા નો  મોહ આવું પરિણામ લાવશે, નહોતું ધાર્યું.”

દિશા-“ક્ષિતિજ તેં તો મારા મન ની વાત છીનવી લીધી. કદાચ ઈશ્વર નો એ જ સંકેત હશે. શા માટે આપણા પર જ આટલું દુઃખ ને આઘાત.”

ઈશ્વર નો એમા પણ કાંઈક આશય હશે. બા ભારત પાછા આવી જવા કહે છે. ત્યાં કદાચ આપના  બાળકો ની યાદમા આપણે કાંઈક પરમાર્થ નુ કામ કરી શકીએ. તુ જેમ બને તેમ જલ્દી ધંધો  અને બધું સમેટી લે આ ઘર અંબર બેન ને કે સ્વયંમ જેને જોઈતું હશે એને આપી દઈશું.

બસ જાણે મન પર થી મોટો ભાર ઉતરી ગયો હોય તેમ પહેલી વાર બન્ને ને શાંત નિંદ્રા આવી.