જે ધીમી ધારે પડે છે, એ ઉગાડે છે

 

શેર ઉપરથી કથા (૨)

 

 

Copyright © 2017 All Authors

All rights reserved.

ISBN-13:

978-1979369381

 

ISBN-10:

1979369380

Your book has been assigned a CreateSpace ISBN.

 

 

 

ગદ્ય પ્રયોગો દ્વારા સંવર્ધન કરતા

સૌ સર્જકોને

 

 

 

 

લેખક ક્રમાનુસાર

 

 

વિજય શાહ

 

પ્રવીણા કડકિઆ રોહિત કાપડીઆ

 

નિરંજન મહેતા રશ્મિ જાગિરદાર

 

 

 

 

 

 

 

આભાર

 

સ્ટોરી મીરર ના વાચક વૃંદને

 

 

 

 

 

કિરણ સિંહ ચૌહણ કહે છે

ઝાપટુ તો જોર બસ અમથું બતાડે છે,

જે ધીમી ધારે પડે છે એ ઉગાડે છે.–

પંકજ મકવાણા

આવું કંઇક વાંચવા મળી જાય અને દિલ ખુશ થઇ જાય. આપણે ઘણીવાર કવિનો છંદદોષ ક્યાં થયો એ જ શોધવામાં રહીએ છીએ. એમાં ને એમાં એ પંક્તિમાં રહેલો ઉત્તમ વિચાર ચૂકી જઇએ છીએ. કોઇ પણ કૃતિને પહેલા માણીએ પછી પ્રમાણીએ.

આપણે આ વિચારને મધ્યમાં રાખીને વાર્તા લખવાની છે.

લઘુત્તમ શબ્દો ૧૫૦૦

મહત્તમ શબ્દો મર્યાદા નથી

વાર્તા મોકલવાનું ઈ મેલ Vijay@storymirror.com

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

જે ધીમી ધારે પડે છે એ ઉગાડે છે( ૧) વિજય શાહ

 

આપણા સૌની શ્વેતુવિજય શાહ

જયારથી ધારીણી લગ્ન કરીને આવી ત્યારથી ઘર કેમ ચલાવવુ  બાબતે પ્રફુલભાઇના સુચનો વધી ગયા હતા.

અરે ત્યાં સુધી કે ,બ્રાંડેડ ખરીદાય અને સેલના કપડાં તો ના ખરીદાયવાળી વાતોથી અપૂર્વનું ભેજુ ભરમાવવાનું શરુ કરેલું. આમ કરીને નિવૃત્તીના આરે આવી ઉભેલા અપૂર્વના પપ્પાની વાતો કાપવા મથતા.”

બાપાને ઉવેખતો અને સસરા પ્રફુલભાઈને સદા સાચા માનતો. અપૂર્વ ને ઝંઝટ નહોતી જોઇતી.ખાસ તો ધારીણી ને સમજાવવુ સહેલું પડતું. બાપા તો હજાર ભય બતાવે અને થવા પાત્ર કામ થવા ના દે. અપૂર્વ જ્યાં કામ કરતો ત્યાં પણ બાપાનો ફોન આવતો અને કાયમ કંઇકને કંઇક સલાહો દેતા તેથી એક વખત ગુસ્સામાં કહી દીધું, “બાપા તમને જ્યાં સમજ ના પડે ત્યાં ડહાપણ ડહોળ્યા કરો છો ને તેથી તમારું માનવાનું મે બંધ કર્યુ છે સમજ્યાને !”

ભલે માનીશ ના, પણ સાંભળજે

જે વાત માનવાની ના હોય, તે સાંભળીને ફાયદો શું?”

સારુ તને જ્યારે જરૂર લાગે ત્યારે ફોન કરજે, મારો ૪૦ વરસનો અનુભવ કહે છે

)દેવુ કરીને ઘી પીવું અને

)સૉડ હોય તેટલી ચાદર તાણવી

) છેલ્લી વાત ત્રેવડ ત્રીજો ભાઇ તેથી દેખા દેખી કરવી.”

સારુ પપ્પા બધી વાતો ભારતની છે. અત્યારે અમેરિકામાં તો જેટલું ક્રેડીટ કાર્ડ વધુ વાપરો તેટલું વધુ સારું.” 

પૈસાની વાતો બધેજ એક સરખી ભારત હોય કે અમેરિકા. ક્યારે જરાસરખી ચૂંક પડશે તો ક્રેડીટ માં નોંધાઇ જશે.”

પ્રફુલ જેમ કહે તેમ કરે છે છોકરો પણ ક્રેડીટ કાર્ડ પર હપ્તે ચઢી ગયોને તો વ્યાજ ૨૪% લાગશે.”

બાપાનો બડ્બડાટ સાંભળતી બા બોલી, ”હવે તમે જીવ શું કામ બાળો છો? તમારી ફરજ સમજીને તમે કહ્યું. ઘોડાને વાવ સુધી લવાય પણ પાણી તો તેણે જાતે પીવુ પડે ને? વાર્યા ના વળે તે હાર્યા વળે

હા. તે તો છે .પણ આપણી ફરજ તો ભુલ ના કરે તેથી ટકોર કરવાની ખરું ને?. “

ધારિણી કહે તેમ અને કહે તેટલું ઘરમાં આવે અને બાપાનો જીવ બળે. વધેલું પાછું નહીં આપવાનુ પણ ટ્રેશ કરવાનું. અરે ભાઈ જરુર હોય તેટલું લાવો ને ! બાપાની  ફરજોને કચ કચ માનતી ધારીણી અને પ્રફુલભાઇએ આખરે બાપા અને બા ને ઘરડાઘર બતાવ્યું ત્યારે  બોલ્યાહાશ! હવે આપણું રાજ.”

અપૂર્વ માનતો કે નાના હતા ત્યારે અમને ડે કેરમાં તમે મુકતા ત્યારે તમારી દલીલ હતી ને કે સરખી ઉમરના સાથે રહે તો તેમને પણ ગમે. બસ તેમ તમે સરખી ઉમરના સાથે રહો !

ચારેક મહિના ગયા હશે અને માધવી અને  પ્રફુલ આવીને અપૂર્વનાં ઘરમાં પરમેનંટ થઈ ગયા. અમને તો નાનકડી શ્વેતામાં ધારીણી દેખાય છે . તેના સિવાય ગમતું નથી. તેના ફોટાનું કોલાજ બનાવવુ છે.

અમેરિકામાં અમેરિકાની જિંદગી જીવો. શું, અહીં પણ ભારતની જેમ ઘરમાં ખાવાનું બનાવાનું ?

લંચમાં પીઝા, પાસ્તા કે ટાકો બેલ ખાઈ આવવાના. નહીં વાસણની ઝંઝટ કે નહી તેને સાફ કરવાના. સાંજે ડીનર વ્યવસ્થીત કરવાનું. વેરાઈટી ખાવા મળે અને શ્વેતા સાથે રમવાનો બંને ને સમય મળે.   શું  ચુલો અને કચરા પોતું, દર અઠવાડીયે  મેઈડ બોલાવી લેવાની એટલે પત્યું.

પૈસા કોને માટે બચાવવાના? ઘડપણે સોસિયલ સિક્યોરીટી અને મેડી કેર મળવાના છેને?”

 વર્ષમાં એક વખત ફાધર ડે અને મધર ડે ના દિવસે અપૂર્વને યાદ આવતું ,મારા ઘરડા મા બાપ રીટાયર હોમમાં છે ત્યારે શ્વેતાને લઇને તે મળવા જતો. બાકી ટાઇમ ક્યાં છે?

જો કે બાપાએ તો હવે બોલવાનું છોડી દીધું છે. છોકરા અમેરિકન થઇ ગયા છે. શ્વેતા પણ બ્રાઉન પડીકાની આદિ થઇ ગઈ છે. તેનું શરીર પણ ફુલી રહ્યું છે. હાલત અપૂર્વની પણ છેક્યારેક અપૂર્વનું મન મમ્મીનાં હાથની રસોઈ ખાવા તરસી જાય. ખાસ તો ભીંડાનું ભરેલુ અને રવૈયાનું શાક. હોટેલમાં બધું મળતું હોય. પણ મમ્મી કોઇ જુદીજ રીતે બનાવતી. ધાણાજીરૂ અને કોપરુ ભરપેટ વાપરતી. ધારીણીને બનાવવાનો બહુજ કંટાળો આવતો.

સમય જતા માધવી બેન અને પ્રફુલભાઈ ઘરની દરેક બાબતોમાં માથુ મારતા. અપૂર્વ કમાવામાં ગળાડુબ હતો એટલે વાત પહેલા મદદ લાગતી હતી..પણ તે લોકોની અંગત બાબતોમાં જ્યારે સુચનો થતા ત્યારે અપૂર્વ છછેડાઇ જતો.અને કહેતો આપ વડીલ છો તેથી આપના સુચનો સહી લઉં છું પણ એનો અર્થ એમ નહીં કેતે વાત મને ગમે છે. હા તમારે મને તમારી વાત માટે આગ્રહ નહી કરવાનો. અને પ્લીઝ શ્વેતા માટે કે ઢારીણી માટે શું સારુ છે અને શું ખરાબછે તે મને વારંવાર કહેવાની જરૂર નથી.તમારી વાતોથી અને ખાસ કરી વારંવાર કહેવાતી વાતોમાં મને ચીઢ ચઢતી હોય છે.

ધારીણી કહેતીપપ્પા એમને એકેની એકવાત એમના પપ્પા કહેતા ત્યારે તેમને આવી ચીઢ ચઢતી.”

ત્યારે તો પ્રફુલભાઈ ગમ ખાઈ ગયા પણ કહે છે ને કે સાઠે બુધ્ધી નાસે બસ તેમજ જ્યારે ને ત્યારે તેમનાથી બોલ્યા વીના ના રહેવાય..અને અપૂર્વ ઘાંટો પાડે ત્યારે કહે નાના મોટાનું માન નથી રાખતો. અપૂર્વ ધારીણી ને કહે પપ્પાને જરા સમજાવ કે ભાભો ભારમાં તો વહુમા લાજમાં. મને મારા બાપા પણ કહેતાને તો હું અકળાઇ જતો.

જ્યારે ઘરમાં પ્રફુલભાઇ સાથે રક્ઝક થતી ત્યારે તેને બાપા યાદ આવતા.અને બાપાની વાતો યાદ આવતી.એમની વાતો બેઠી ધારની વરસાદ જેવી હતી.તેમાં વર્ષોની વાતો નો નિતાર હતો. છોકરાને શું કરતા અનુભવોનું ભાથું ભરી દઉં કે જેથી કોઇ પણ હાલતમાં તે દુઃખી થાય. જ્યારે પ્રફુલભાઇ ની દરેક વાતોમાં એમનું હીત વધુ હતું. સામાન્ય રીતે તો તે આંખ આડા કાન કરતો.પણ બ્રાંડેડ વાતોનો આગ્રહ જ્યારે માઝા પકડતો ત્યારે તેઓનાં મન નો ચોર પકડાતો

દસેક વર્ષે પરિસ્થિતિ બદલાઈ  અમેરિકાની નોકરીઓ હાયર અને ફાયરના કાયદાથી ચાલતી હોય છેબહુ સામાત્ય નિયમ છે. તેથી નોકરી છુટી ગયા છતાં ધારીણી નો હાથ સાંકડો થયો. બધી નોકરીઓ અમેરિકામાંથી બહાર જવા માંડી અને હવે એકલું ફાયર થતું અને હાયર થતું .ખર્ચા ચાલુ અને આવક આછી.

મહીના થયા અને કૉલ સેંટરમાંથી કૉલ આવવાનાં શરુ થયા ત્યારે આંખ ખુલી. અપૂર્વ જોઇ રહ્યો હતો. પ્રફુલભાઇની બાંસુરી પણ બદલાઇ હતી.બીલોમાં આવતુ વ્યાજ નો દર જોઇ ને છક્કા છુટી ગયા. પ્રફુલભાઇ કહેતા હતા ક્રેડીટ કાર્ડ ઘસતા પહેલા ખબર નહોતી કે મહીના પછી પૈસા ભરવાના થશે?

પહેલી વખત સખત ઝટ્કો વાગ્યો. એક તો ક્રેડિટ કાર્ડવાળા પાછળ પડ્યા છે. તેમાંથી બહાર નિકળવાનો રસ્તો બતાવવાને બદલે મને ડામ?  આવા કપરા વખતે તેઓ ધારી શક્યા હોત તો કહી શક્યા હોત,’ અપૂર્વ મારી પાસે સગવડ છે હું તમને જોબ મલે ત્યાં સુધી મદદ કરીશ’. પણ આવી અપેક્ષા બાપા પાસે કરાય. સસરા પાસે ઓછી થાય? પ્રફુલભાઇ અને સાસુમાનો કોલાજ પ્રોજેક્ટ પુરો થતો નહોતો. તેમને હવે થોડો ચમત્કાર બતાવવાની જરુર હતી.

એક દિવસ વાત વાતમાં ધારીણી ને કહ્યુંપપ્પા અને મમ્મી હવે ચાર ધામ પ્રવાસે જાય તો કેવું? શ્વેતા મોટી થઈ ગઈ છે અને…”

એટલે?”

એટલે એમ કે હવે તેમણે દેશનાં ઘર સાચવવા અને પાછલી ઉંમરનું પણ કરવું જોઇએ ને?”

એમને ત્યાં ના ફાવે હની!”

ભલે ના ફાવે ત્યારે જોઇશું પણ મેં તો તેમને માટે ચાર ધામની યાત્રાની ટીકીટ કઢાવી છે. સોમવારે કાંતીકાકાનો સંગાથ છેવડોદરા નું ઘર પણ મરમ્મત માંગે છે તો ભલે એકાદ વર્ષ તે બધું કરી લે. અને હા ટિકીટનાં પૈસા ભારત જઈને આપવાના છે તેથી તેમને જમાઈએ જાત્રા કરાવી તેવું ના લાગે. બરોબર.”

ધારીણી, “અપૂર્વ તું સારું નથી કરતો.”

જો ધારીણી તારુ ધાર્યુ બધું દસ વર્ષ કરી લીધું અમેરિકન બની ને જોઇ લીધુ. હવે કેટલાક કામો મારે ભારતિય બની ને કરવા રહ્યા.” પહેલી વખત ધારીણી અપૂર્વની દ્રઢતા જોઇ ડગી ગઈ.

નોકરી છુટી ગઈ.પછી ખર્ચામાં સહેજ પણ હાથ સાંકડો કર્યો છે? અને પાછા કહે છે ક્રેડીટ કાર્ડ ઘસતા પહેલા ખબર નહોતી કે મહીના પછી પૈસા ભરવાના થશે? મારા બાપા જગ્યાએ હોતને તો પરિસ્થિતિ તો આવત નહીં અને આવી હોતને તો તર્ત જે કંઈ હોત તે આપી દેત.” અપૂર્વના અવાજમાં કડકાઈ ડોકાતી હતી. થોડી વારનાંમૌન પછી તે આગળ બોલ્યો.”એક તો નોકરી છુટી ગઈ હતી અને જેટલું વ્યાજ ભરે તેટલું વ્યાજ બીજે મહીને ક્રેડીટ કાર્ડમાં બોલે.પ્રિન્સીપલ તો ઘટવાનું નામ લે. ઘરનો હપ્તો ભરવાનો. કાર નો હપ્તો ભરવાનો અને બચત જેવું તો ક્યાં હતુ? અને મારું અને શ્વેતાનું વજન કુદકે અને ભુસકે વધે છે તેથી બ્રાઉન પડીકા બંધ અને રસોડુ  ચાલુ કરો.

બાપાના શબ્દો મનમાં ગુજવા માંડ્યા,’ સૉડ હોય તેટલું તાણીએ અને દેખા દેખી નહીં કરવાની .ત્રેવડ તો ત્રીજો ભાઈ છે’.

અપૂર્વે ધારીણીનું ક્રેડીટ કાર્ડ લઈ કાતર થી કાપી નાખ્યું ત્યારે ધારીણી બોલી

તમે પણ તમારા બાપાના દીકરાને ?”

જો સાંભળ. એમનું સાંભળ્યુ હોત ને તો કોલ સેંટરના કૉલ આવતા હોત.” થોડો સમય મૌન રહી તે ફરી બોલ્યો “તારા બાપાને સાંભળ્યા ત્યાર પછી કાર્ડ ઘસવાની લત પડી. તેઓ કહેતા હતા ને કે અમેરિકન ઇકોનોમી સ્પેંડીંગ ઇકોનોમી છે. પણ બાપા કહેતા હતા ને ,’સૉડ હોય તેટલું તાણવુંનહીં કે બેકે ધીરેલા પૈસા મફતના છે તેમ સમજવું. કહે કોણ સાચુ?”

ઝાપટુ તો જોર બસ અમથું બતાડે છે
જે ધીમી ધારે પડે છે  ઉગાડે છે.
– 
પંકજ મકવાણા

રવીવારે સાંજે વેવાઇ ચારધામની જાત્રાએ જવાના છેતેમને વળાવવા અને શાંતિથી જાત્રા કરવાનું કહેવા બા અને બાપાને અપૂર્વ ઘરડાઘરમાંથી  તેડી આવ્યો. ધારીણીનું મોં  ચઢી ગયું  હતું. પણ મૌન રહી, કારણ  તે સમજી ગઈ હતી કે કોણ સાચું હતું.

સોમવારે નીકળતા નીકળતા સસરાજીનાં પગ પકડી ને માફી માંગતા અપૂર્વ બોલ્યો-” સસરાજી બોલ્યું ચાલ્યું માફ કરજો.અને હેત પ્રીત રાખજો

મનમાં હાર્યા ખેલાડીની જેમ તેઓ બોલ્યાહા તમે પણ બોલ્યુ ચાલ્યુ માફ કરજો.” તેમના મનમાં પ્રતિભાવ ઉઠતા હતા.જમાઇ તો પારકા.આંગળી થી નખ છેવટે તો વેગળાજ ને?

માધ્વી બેને પણ  બા અને બાપાને પગે લાગતા કહ્યું શ્વેતાને તમારી પણ જરૂર છે. ધારીણી કંઇ ભુલચુક કરે તો સાચે માર્ગે વાળજો.ગમે તેમ તો અપૂર્વ કુમાર અને ધારીણી બંને આપણા સંતાનો છે. શ્વેતાને વહાલ કર્યું 

બાપા કહેસંતાનો આપણું લોહી છે જ્યારે ઉછાળો મારશે ત્યારે સાચો ઉછાળો મારશે..આપ ચારધામ ફરીને આવો પછી જો હયાત હોઇશું તો હેતે પ્રીતે સાથે રહીશું નહીતર સૌને ઝાઝા જુહાર..તમારો જમાઇ એકનો એક્ છે અને અમારી પણ વહુ એકની એક છે.અને આપણા સૌની શ્વેતુ પણ એકની એક છે.”ચારેય દાદા અને દાદી શ્વેતા સામે જોઇ રહ્યા હતા.

 

જે ધીમી ધારે પડે છે, એ ઉગાડે છે (૨) પ્રવીણા કડકિઆ

સરસ્વતિ  બાળમંદિર

મંદાને શાળાએ જવાનું ખૂબ ગમે. વર્ગમાં આપેલું  બધું ઘરકામ પુરું કરીને વર્ગની  શિક્ષિકા બહેનને બતાવે તે બધુ કામ બહું હોંશથી કરે.

હવે શાળામાં લોકો બાળકોને ખૂબ સુંદર તૈયાર કરીને મોકલે. મંદાની મા, લીલીબા કામમાંથી નવરા પડે તો આવું ધ્યાન રાખે ને ?  તાજેતરમાં પતિ અકસ્માતમાં ગુમાવ્યા હતા. ઘણી વાર ફરિયાદ આવતી. બને તેટલો પ્રયત્ન લીલીબા કરતાં , તેમની બાંધી મુઠી લાખની હતી. તેમને પૈસાવાળાઓના બાળકો જેવું અપાવવાનું પોષાય તેમ ન હતું.  જેને કારણે મંદાને કોઈ બહેનપણી બનાવતું નહી. પતિ ગયાની કળમાંથી કોઈ પણ સ્ત્રીને નિકળતાં વર્ષો લાગે. આ ઘા જેણે ઝીલ્યો હોય તે જાણે. એ દુઃખની કલ્પના પણ કંપાવનારી હોય છે.

જો કે તેને દુંખ કહી ચોવીસ કલાક રડવું યા નિરાશ થવું એ જરા અતિશયોક્તિ ભર્યું લાગશે. આ જગતે જન્મ ધારણ કર્યો પછી હરએક માનવી એ દિશામાં ડગ માંડી રહ્યો છે. એ જીવનનું સનાતન સત્ય છે. કોઈ વહેલાં કે કોઈ મોડા, દરેક જણે એ અંતિમ સ્થળે પહોંચવાનું છે. તેમાં શોક શો ? એ થોડા વખત પછી સમજાય છે. જ્યારે આભ ટૂટે ત્યારે તે ભાન રહેતું નથી. એક તો લગ્ન પછી બારેક વર્ષે બાળક થયું અને તે ચાર વર્ષનું થાય તે પહેલાં પતિનું અકસ્માતમાં વિદાય થવું.

લીલીબા નરમ ન હતા, એટલે આ ઘા જીરવી ગયા. દીકરીને જોઈ આંતરડી ઠારતાં.  તેને માટે નયનોમાંથી અમી ઝરે.

આજે રડતી રડતી મંદા શાળાએથી આવી.  લીલીબાએ પુછ્યું .’શું થયું બેટા’?

‘બા મને કહે છે તારો યુનિફોર્મ ઈસ્ત્રીવાળો નથી. આમ ચિંથરેહાલ શાળામાં ન અવાય . તારા ચંપલ પણ ટૂટેલા છે. બા, હું કાલથી શાળાએ નહી જાંઉ.’

લીલી  બાએ મનોમન નક્કી કર્યું. ‘આમ જો મારા જેવાની દીકરીનું શાળાવાળા આવી રીતે અપમાન કરે,  તો ગરીબના બાળકોનું શું ? શાળામાંસ્વચ્છ વસ્ત્રો જોઇએ તેને ઇસ્ત્રી કરેલ હોય કે ના હોય તેનાથી ભણવામાં શું ફેર પડે.

પોતાની દીકરીને શાળામાંથી ઉઠાવી લીધી. તેમના સ્વમાનને ઘા પડ્યો હતો. એકલે હાથે બાળકીને મોટી કરતા હતાં. લાખો, તો મકાનનો સ્લેબ નાખતાં પડ્યો અને રામશરણ થયો. માલિક ખૂબ ખંધો હતો. માંડ દસ હજાર રૂપિયા આપ્યા. લીલીબાએ વ્યાજે મૂકી દીધા. જેથી બેઠી આવક થઈ અને મૂડી સચવાઈ. મંદા બાપુને યાદ કરે, લીલીબા શું જવાબ આપે ? ક્યાંથી લાવે મંદાના બાપુ?

તેમનું ઘર સરખું હતું. ત્રણ કમરા અને પાછળ મોટી જગ્યા ખાલી હતી. માથે છાપરું નખાવી દીધું. સરકારમાં જઈને શાળ ચલાવવાની પરવાનગી લીધી. એ તો પેલા શેઠિયાના દિલમાં રામ વસ્યા હતાં તેણે લીલીબાને મદદ કરી. છાપરું બનાવવાના પૈસા આપ્યા. નાની શાળા માટે દસેક ચોકી અને પાથરણા પણ આપ્યા. જાણે લીલીબા પર ઉપકાર ન કરતો હોય. લીલીબાને સંતોષ થયો, શરૂઆતમાં જોઈતી બધી વસ્તુઓની સગવડ થઈ ગઈ.

એક પાટિયું લઈ આવ્યા. પોતે બી.એ. સુધી ભણેલા હતાં. છોકરા આકર્ષવા જે દાખલ થાય તેને પાટી, પેન, પેન્સિલ અને બે નોટબુક મફત આપે. ફી ખૂબ મામુલી રાખી હતી. આજના જમાનામાં ૫૦ રુ, મહિને બહુ ન કહેવાય. છતાં લોકોને વિશ્વાસ બેઠો નહી. માત્ર ૪ બાળકો દાખલ થયા.

એકથી પાંચ ધોરણ સુધીની પરવાનગી મળી હતી. લીલીબા સવારના પહોરમાં પરસાળ વાળીને સાફ કરે. કામના ખૂબ ચોક્કસ. સુંદર અને સુઘડ વર્ગ બનાવ્યો. મંદાને ચિત્રકામ સારું આવડ્તું હતું. તેણે ચાર પાંચ સારા ચિત્રો બનાવ્યા. સાદા પણ ખૂબ આકર્ષક. ભીંતે લગાવ્યા. નામ ખૂબ સુંદર રાખ્યું. ” સરસ્વતિ  બાળમંદિર”. એક ગોખલામાં વિણા વગાડતી સરસ્વતિની મૂર્તિ મૂકી. રોજ મંદા બગિચામાંથી ફૂલ લાવીને ત્યાં મૂકતી. અગરબત્તી જલાવતી જેને કારણે સુંદર પવિત્ર સ્થળ જેવું લાગતું.

એકડે એકથી સો સુધી લખીને ભીંત પર ચિત્ર લગાવ્યું. ક ,કમળનો ક અને એ, ફોર એપલ અંગ્રેજીમાં લખી બીજું ચિત્ર બનાવ્યું. આમ વર્ગ ખૂબ આકર્ષક લાગતો. લીલીબાએ,’ સાદગીમાં સોહામણા ‘ ઉક્તિ સાબિત કરી. સવારના દસ વાગે બાળકો આવે. પહેલા ધોરણમાં ચાર બાળકો હતાં તેમના હસ્તાક્ષર પર લીલીબા ખૂબ ભાર મૂકે. જે ભણાવે તે સહુને આવડવું જોઈએ. બાળકોને ખૂબ મઝા આવતી. આમ ચાર બાળકોથી શરૂ કરેલી શાળામાં બે મહિનાને અંતે ૧૦ બાળકો થયા.

મોટી શાળા વાળાની સામે પડવું એ ખવાનાં ખેલ નહોંતા. આજુઅબાજુવાળને તેઓ કહેતા કે ભણતર હું ઉત્તમ આપીશ અને ફી કિફાયતી રાખીશ એટલે મારા જેવા ટાંચી આવકોવાળા માબાપો ને ખોટા ખર્અચા નહીં,  આજુબાજુવાળા પાડોશીઓ લીલીબાની હિમત જોઈને નવાઈ પામ્યા. તેમના બાળકો મોટા હતાં. તેમને થયું આપણે પણ સારા કામમાં સાથ આપીએ.   વારાફરતી બધા બાળકો માટે રિસેસમાં નાસ્તો લાવતાં. બાળકોને તો મઝા પડી ગઈ. લીલીબાના પ્રેમાળ સ્વભાવનું આ પરિણામ હતું. તેમની આંખમાં પ્રેમના આંસુ વહી રહ્યા.

મહેનત કરવી પડી. ચારેય બાળકો વર્ષે ને અંતે સુંદર પરિણામ લાવ્યા. પેલી શાલા નાં તીચરો જે પહેલા હસતા હતા તેઓને આ પરિણામ થી ઈર્ષા થઈ.. છ બાળકો જે નવા આવ્યા હતાં તેમને લીલીબાએ મહેનત કરવાની સલાહ આપી. પોતાને ત્યાં જ્યારે જરૂર પડે ત્યારે તેમના વાલીઓને આવવાની છૂટ હતી. રજામાં બાળકોને નિત નવું વાંચવાની સલાહ આપી, નવા સત્ર દરમ્યાન જેણે વધારે વાંચ્યું હશે  તેને ઈનામ આપવાનું નક્કી કર્યું. વાંચવાની ટેવ બાળકમાં બાળપણથી હોવી જોઈએ.

પાડોશમાં નવી પરણીને આવેલી સુમનને લીલીબા ખુબ ગમી ગયા.  સુમનનો પતિ સારું કમાતો હતો. ઘરમાં નોકર હતો એટલે બપોરે તે સાવ નવરી હોય. મધ્યમ કદના ગામમાં દૂર નોકરી કરવા ન જવાય. તેણે ખૂબ નમ્રતા પૂર્વક પહેલાં પતિની અને પછી સાસુમાની પરવાનગી લીધી.

‘બા, હું ઘરનું કામ આટોપીને જઈશ. મારો સમય બાળકો સાથે સારી રીતે જશે. આપણા ઘરમાં બપોરે ખાસ કામ હોતું નથી. ‘

સુમનની સાસુ લીલીબાની સખી હતી. સુમને સામે ચાલીને કહ્યું તેનો એને આનંદ હતો. હરખભેર રજા આપી. રજાઓ પૂરી થવાની હતી. નવું સત્ર ચાલુ થવાનું હતું. લીલીબાની બહેનપણી શકુન્તલા, થોડૅ દૂરની શાળામાં પ્રિન્સીપાલ હતી. તેની મદદથી અભ્યાસ ક્રમ અને બાળકોને લગતા કાર્યક્રમો વિષે જાણ્યું. ઉનાળાની રજામાં મંદાને સાથે લઈને લીલીબા જતાં. મંદા પણ બધું સાંભળતી, જેથી માને મદદ કરી શકાય. આમ શાળા ચલાવવાનું વ્યવસ્થિત પણે શીખી લીધું.સ્વચ્છ અને સુઘડ વાતાવરણ અને ભણાવાની વાતો ઉપર મુકાતા જોરને લીધે..”સરસ્વતિ બાળમંદિર”નું નામ થવા માંડ્યું.

 

 

ઝાપટુ તો જોર બસ અમથું બતાડે છે
જે ધીમી ધારે પડે છે  ઉગાડે છે.
– પંકજ મકવાણા

મોટી શાળા માં દેખાવો મોટા હતા પણ સાચુ ભણતર તો સરસ્સુવતી બાળ મંદિરમા અપાતુ હતું.

સુમન ચાર દિવસ પહેલાં આવી. ‘લીલીબા એક વાત કહું’.

‘હા, બોલ બેટા’.

‘લીલીબા મારે તમારી શાળામાં તમને મદદ કરવી છે.’ નોકરી શબ્દ જાણી જોઈને ન બોલી.’

અરે, એ તો ખૂબ સુંદર વાત છે.’ બેટા  બહુ પગાર નહી આપી શકું’.

સુમન નીચે જોઈને બોલી,’હું કોઈ પગાર નહી લંઉ’.

‘બેટા, પગાર તો બહુ આપવો મને પોષાય તેમ નથી પણ જે બની શકશે તે હું તને આપીશ’.

‘સારું લીલીબા’.

આમ સુમનનો સાથ મળ્યો જાણી લીલીબા ખૂબ ખુશ થયા. બસ હવે આડે એક દિવસ હતો. નાનો ઘંટ વગાડીને બધાને એકત્ર કર્યા. પંદર છોકરાઓ નવા પહેલા ધોરણમાં દાખલ થયા હતાં.   બીજા ધોરણમાં ગયા વર્ષના દસ બાળકો હતાં.  પહેલે દિવસે અડધો દિવસ હતો. બધાને એક સાથે બેસાડી રજામાં શું કર્યું તે વિગત જાણી લીલીબા ખુશ થયા. ગયા વર્ષના બાળકો ઉત્સાહ સાથે પોતાની વાતો કરી રહ્યા હતા. સુમન બધાની સાથે પ્રેમથી બોલતી અને તેમને કાંઇ જોઈતું હોય તો આપતી.

આજે પહેલો દિવસ હતો. લીલીબા સહુને ચોખ્ખાઈનો પાઠ ભણાવી રહ્યા. વર્ગનું કામકાજ કાલથી શરૂ થશે. આજે આપણે સારા નગરિક બનવા શું કરવું તે નક્કી કરીએ. જે બાળક હાથ ઉંચો કરે તેને બોલવાનો મોકો મળતો. બાળકો તો ખુશ હતા. આટલા પ્રેમથી કોણ ભણાવે? સાથે સારા નાગરિક બનવાની ભાવના કેળવે. લીલીબા જાણતા, ‘જો આજનું બાળક સાચું શિક્ષણ પામશે તો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે’. બાળકોની સાથે પોતાની દીકરી પણ નજર નીચે કેળવાઈ રહી હતી તેનો સંતોષ હતો. પહેલે દિવસે સહુને બે નોટ અને બે પેન્સિલ આપ્યા. તેઓ જાણતા હતાં, ‘આ વસ્તુ મોંઘી નથી, બાળકને મન તેનું મહત્વ છે’.

જે બાળકોએ રજામાં સહુથી વધારે પુસ્તક વાંચ્યા હતાં તેમને દફત્તર આપ્યા. બીજાઓને બિસ્કિટના પેકેટ.

નવું વર્ષ ચાલુ થઈ ગયું. બાળકોએ વર્ગમાં શિસ્તનું પાલન કરવાનું અને વર્ગ સ્વચ્છ રાખવાનો. ગંદકી લીલીબાને પસંદ ન હતી. બાળકોએ પણ કપડાં સ્વચ્છ પહેરવાના. કોઈ સાધારણ બાળક ફરિયાદ કરે કે ઘરમાં સાબુ નથી તો તેઓ તેને આપતા. આ વર્ષે આજુબાજુ વાળા પાડોશીઓએ મહિનામાં એક વાર બાળકોને સ્વચ્છતાના પાઠ ભણાવવા નહાવનો સાબુ, દાંત સાફ કરવાનું બ્રશ, ટુથ પેસ્ટ, કાંસકો અને કપડા ધોવાનઓ સાબુ આપવાનું નક્કી કર્યું. આમ તેમને લીલીબાને  સહાય કરવાનો સંતોષ પ્રાપ્ત થતો. અભ્યાસક્રમ બરાબર વ્યવસ્થિત શિખવવાનું નક્કી કર્યું હતું. બધા બાળકોની તરક્કી એક સરખી થતી. આ વર્ષે બે ધોરણ હતા એટલે કામનો બોજો વધી ગયો હતો.

વાર તહેવારે ઉજાણી કરાવતા. દરેક જણ પોતાને ત્યાંથી તેમની માતા જે અપે તે લાવતા. લીલીબા મિઠાઈ તેમજ ફરસાણનો બંદોબસ્ત કરતાં. સુમન પણ તેને માટે છૂટથી વસ્તુઓ લાવતી. તેને ખૂબ આનંદ મળતો. સુમનનો પતિ અને સાસુમા  તેને ખુશ જોઇ રાજી થતા.

જો કોઈ વાર લીલીબાની તબિયત નરમ રહેતી ત્યારે સુમન બન્ને વર્ગ સંભાળતી. બાળકો પણ સુમન બહેનનું કહેવું માનતા. આમ સફળતા પૂર્વક ‘સરસ્વતિ  બાળમંદિર’  સુંદર કામગીરી બજાવી રહ્યું હતું.    સમયને તો પાંખો હોય છે. બીજું વર્ષ પણ પુરું થવા આવ્યું. બાળકો ખૂબ સુંદર રીતે ભણી રહ્યા હતાં.  હવે નવો પ્રશ્ન ઉભો થયો. ‘ત્રીજુ ધોરણ’. બીજા ધોરણમાં ભણતા મનોજની મમ્મી ને થયું ,લાવને ‘હું કાંઇ મદદ કરું.’ તેણે લીલીબાને વાત કરી લીલીબાએ તેને પહેલું ધોરણ સોંપ્યું. શિખવાડવાની પધ્ધતિ ખૂબ ચિવટ પૂર્વક બતાવી. ચોથા ધોરણ માટે એ નવા સર રાખ્યા. જેમને શાળાનો અનુભવ હતો. હવે લીલીબાને પગાર આપવો પોષાતો હતો.

આ  વર્ષે રજાઓમાં પાછી પેલી સખીને મળવા ગયા. સરસ રીતે તેને સમજાવી કે ,’દર વર્ષે મારી શાળામાંથી ૪ થું ધોરણ પાસ થાય તેમને તેની શાળામાં દાખલો આપવો. મારા બાળકો સાધારણ કુટુંબના છે , તેઓ ડોનેશન આપી શકે એમ નથી.  શકુન્તલાને સમજાવી વાત ગળે ઉતારી. તેણે જ્યારે હા પાડી ત્યારે લીલીબાનેનો હરખ સમાયો નહી.

આમ સાંકડે માંકડે ચાર વર્ગ સુધીની શાળા તૈયાર થઈ. બાળકો ખૂબ સુંદર શિક્ષણ પામવા લાગ્યા. લીલીબા માનતા કે જો પાયાનું શિક્ષણ અને આદત સારા હશે તો એ બાળક્નું ભવિષ્ય ઉજળું થશે.

તેમની હદ હતી ૬૦ બાળકોની . દરેક વર્ગમાં ૧૫થી વધારે નહી. હવે તો બીજા બે રુમ બાંધ્યા, બાળકોને રમવા માટે નાની જગ્યા હતી. ચિત્રકળાનો વર્ગ ખાસ રાખ્યો. પોતાની દીકરી મંદાને તેનો શોખ હતો. શકુન્તલા બહેન આવનાર બાળકની સભ્યતા જોઈને ખુશ થતા. ભણવામાં પણ તેઓ ખૂબ હોંશિયાર હતા,

આ બધો યશ લીલીબાની ધીરજ અને કાર્ય પ્રત્યેની નિષ્ઠાનું પરિણામ હતું.

 

 

 

 

 

 

 

 

 

જે ધીમી ધારે પડે છે એ જ ઉગાડે છે. (3) રોહિત કાપડિયા

ઝાપટું અને ઝરમર

દીપક અને પ્રકાશ બંને નાનપણથી જ સાથે રમ્યા, સાથે ભણ્યા અને સાથે જ તોફાન-મસ્તી કરતાં મોટા થયાં.બંનેના ઘર બાજુ-બાજુમાં એટલે આખો દિવસ સાથે ને સાથે જ હોય.બંને નીચલા મધ્યમ વર્ગના પરિવારના છોકરા હતાં.બંને ભણવામાં પણ ખૂબ જ હોંશિયાર હતાં.ખેર !બંનેની વિચારસરણીમાં આસમાન જમીનનો ફર્ક હતો.એકને માટે તોફાન-મસ્તી એ જ જીવન હતું,જ્યારે બીજા માટે જીવંતતાથી જીવાતી પળો એ જ સાચું જીવન હતું.કોલેજના અંતિમ વર્ષે યોજાયેલી વકતૃત્વ હરીફાઈમાં બંનેએ ભાગ લીધો હતો.હરીફાઈનો વિષય હતો ‘પૈસો ચઢે કે પ્રેમ’.દીપકે એનાં વિચારો મુજબ પૈસો ચઢે એ વાતને પૂરવાર કરતું વક્તવ્ય આપ્યું.–પૈસો જ પરમેશ્વર છે.પૈસો હોય તો હર મુશ્કેલી આસાનીથી દૂર થઈ શકે છે. પૈસામાં એ શક્તિ છે કે મોટા મહારથીને પણ એની સામે ઝૂકવું પડે છે.પૈસો અશક્યને પણ શક્ય બનાવી શકે છે.પૈસો જીવનની હર ખુશી આપી શકે છે.પૈસા વગરનું જીવન ખુશ્બુ વગરનાં ફૂલ જેવું છે.શુષ્ક છે.નીરસ છે.આવી તો કંઇક કેટલીયે વાતો એણે કહી.લોકોએ એનાં વક્તવ્યને તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધું.પ્રકાશે પ્રેમની તરફેણ કરતાં એનાં વક્તવ્યમાં કહ્યું કે –પ્રેમ એ જ જીવન છે.પ્રેમ એ જ પૂજા છે.પ્રેમ જ સર્વસ્વ છે.પ્રેમમાં એ તાકાત છે કે તે ગમે તેવા આકરા બંધનોને તોડી શકે છે.પ્રેમ સમર્પણ છે.પ્રેમ ત્યાગ છે.પ્રેમ પરમ તત્વનો અહેસાસ છે.પ્રેમ સ્વીકાર છે.પ્રેમ અહંનું વિસર્જન છે.પ્રેમ પ્રાણવાયુ છે.પ્રેમ સંજીવની છે.લોકોએ એનાં વક્તવ્યને પણ તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધું.વીસ સ્પર્ધકોમાંથી બંનેને પોત પોતાના વિષયમાં અસરકારક વક્તવ્ય આપવા બદલ ઇનામ મળ્યું હતું.જો કે પ્રેમ ચઢે કે પૈસો એ પ્રશ્ન તો એની જગ્યાએ જ રહ્યો હતો.બંને સારી રીતે સ્નાતકની પદવી મેળવી કોલેજમાંથી બહાર આવ્યાં.બંનેને અલગ અલગ કંપનીમાં સારી નોકરી પણ મળી ગઈ. બે વર્ષમાં તો બંનેના લગ્ન પણ થઈ ગયાં.અલબત,એમની દોસ્તી અતૂટ રહી.

લગ્ન પછી પત્નીને શક્ય એટલી વધુ ખુશી આપવા દીપકે બધી જ રીતે કમાવવાનું ચાલુ કરી દીધું.ખોટાં બિલો,ખોટી ચાંપલૂસી અને ખોટી સિફારસ દ્વારા એ ઝડપભેર આગળ વધવા માંડ્યો.પૈસો આવવો જોઈએ અને સુખ-સાહ્યબી વધવી જોઈએ,બસ એ જ એનો સિદ્ધાંત હતો.નીતિ અને નિયમો એ ભૂલી ગયો હતો.ટૂંક સમયમાં એણે ગાડી પણ લઈ લીધી.જો કે આ બધું મેળવવામાં એણે પ્રેમને ગૌણ બનાવી દીધો હતો.અણમોલ દાગીનાઓ ને ઉતમ વસ્ત્રોથી એની પત્ની સંધ્યાને સજાવીને એ સુખનો અહેસાસ કરવા લાગ્યો.ખોટાં કામ કરવાં માટે એણે બેધડક ખોટાં રસ્તે ચાલવા માંડ્યું.શરૂઆતમા કામ કઢાવવા માટે અપાતી શરાબની પાર્ટી સમય જતાં લત બની ગઈ.સતત શરાબ અને સિગારેટ તેનાં સાથી બની ગયાં.સંધ્યા માટે હવે પાર્ટીમાં શણગારેલી ઢીંગલીનું પાત્ર નિભાવવાનું હતું.સંધ્યા ખૂબ જ કરગરતી અને કહેતી’ શું કરવું છે આવાં પૈસા કમાઈને ?શા માટે શરાબ અને સિગારેટને જ જીવન બનાવી દીધું છે ?શા માટે તમારા શરીરનું દયાન નથી રાખતાં ?શા માટે પ્રેમ કરતાં તમને પૈસો વધુ પ્યારો લાગે છે ?મને તમારી જરૂરત છે.મારે બીજું કંઈ નથી જોઈતું’.ત્યારે દીપક ખડખડાટ હસીને કહેતો ‘અરે,ગાંડી !પૈસો છે તો લોક આપણને પૂછે છે.આપણને માન  આપે છે.પૈસો છે તો જ આ મોજ-મજા કરી શકાય છે.’પ્રકાશ પણ જ્યારે જ્યારે દીપકને મળતો ત્યારે કહેતો ‘દીપક,પૈસા બનાવવાની આંધળી દોટમાં તું તારા જ અંગત સ્વજનોથી દૂર જઈ રહ્યો છે.આપણો જ દાખલો જ લે,આપણે પહેલાં તો લગભગ રોજ જ મળતાં હતાં.હવે તો પંદરેક દિવસે માંડ એકાદ વાર મળવાનું થાય છે.તારી શરાબ અને સિગારેટની આદતને કારણે હું તને બધે સાથ નથી આપી શકતો.દીપક,આપણી આ થોડી મુલાકાતોમાં પણ તારો મોબાઈલ હંમેશા વિલનનું પાત્ર ભજવે છે.દીપક એક સગા ભાઈ કરતાં પણ વધુ હું તને ગણું છું.તારી આ શરાબ અને સિગારેટની લતથી મને તારી તબિયતની ચિંતા થાય છે.’દીપક,પ્રકાશની વાતને પણ હંસી મજાકમાં ટાળી દેતાં કહેતો’ પકલા,તું હજી એવો ને એવો જ રહ્યો.ગાંડા,જિંદગી મળી છે તો માણી લેવાની.ખાઈ-પી ને જલસા કરવાનાં.કાલની કોને ખબર છે ?ને પક્યા,જો ખાધા-પીધા વગર મરીને ઉપર જઈએ તો ભગવાન પણ આપણને પાછાં નીચે પૃથ્વી પર મોકલી દે.જો આપણે બંનેએ સાથે સ્નાતકની પદવી મેળવી.સાથે જ નોકરી ચાલુ કરી.તું જ જોઇલે કે આજે તું ક્યાં છે અને હું ક્યાં છું ?પૈસા વગર કોઈ કોઈને પૂછતું નથી ‘

લગભગ એકાદ વર્ષ પસાર થઇ ગયું.બંને દોસ્તીને જાળવતાં આગળ વધી રહ્યા હતાં.દીપકે એનાં દાવપેચ ચાલુ રાખતાં,ખૂબ પૈસો મેળવ્યો.એક આલીશાન ફ્લેટ ખરીદ્યો.ઉચ્ચ કક્ષાનું  ડેકોરેશન કરી એ ફ્લેટને શણગાર્યો.આજે એ ફ્લેટમાં પ્રવેશ કરતાં એણે અનેકને આમંત્રણ આપ્યું હતું.પ્રકાશ અને એની પત્ની ઉષા બંને આવ્યા હતાં.ફ્લેટની ઝાકઝમાળ જોઇને ઉષાએ પૂંછ્યું કે’ હેં,પ્રકાશ !શું દીપકભાઈ,તમારાથી વધુ ભણ્યાં છે ?તમે તો કહેતા હતાં કે તમે બંને સાથે જ ભણ્યા છો,તો પછી એ આટલી જાહોજલાલી કઈ રીતે મેળવી શક્યા ?’પ્રકાશે પ્રેમથી કહ્યું કે

‘ઉષા,અમે બંને સાથે જ ભણ્યા છીએ ને સાથે જ નોકરી ચાલુ કરી છે.જો કે પ્રકાશ મારાંથી વધુ ગણ્યો છે.મારા ગણિતમાં બે અને બે ચાર જ થાય છે પણ પ્રકાશનાં ગણિતમાં બે અને બે પાંચ પણ થઈ શકે અને પચાસ પણ થઇ શકે છે.નીતિ,નિયમ અને આદર્શ વગરનો એ પૈસો મને મંજૂર નથી.પણ એય,તું ખુશ તો છો ને ?તારું દયાન રાખવામાં અને તને પ્રેમ કરવામાં કોઈ કમી તો નથી લાગતી ને ?મેં તને આકાશમાંથી ચાંદ-તારાં તોડીને નહીં લાવી આપ્યા હોય,પણ જે કંઈ પણ આપ્યું છે તે સાચા દિલથી આપ્યું છે.પરસેવાની સુગંધથી મહેંકતું આપ્યું છે.તને સંતોષ તો છે ને ?

ઉષાએ પ્રેમથી પ્રકાશનો હાથ દબાવતાં કહ્યું કે ‘મને તો તમે મળ્યાં એટલે સ્વર્ગનું સુખ મળી ગયું.ઝાપટાંભેર વરસીને વ્યર્થ વહી જતાં વરસાદ કરતાં મને તો આ ઝરમર વરસતો ને મારાં હૃદયમાં સ્પંદનો જગાવતો વરસાદ બહુ  ગમે છે.ત્યાં જ એક હાથમાં દારૂની પ્યાલી અને બીજા હાથે સંધ્યાનો હાથ પકડી કંઇક લથડતા પગલે દીપક ત્યાં આવ્યો.આવતાં જ એણે કહ્યું કે ‘એય,પકલા આજે તો તારે પીવું જ પડશે.ભાભી,તમારા આ બુદ્ધુને થોડો તો બહાર કાઢો.આમ કેમ એને બાંધીને રાખ્યો છે ?મોજ-મજા ને મસ્તી વગરનું જીવન એ કંઈ જીવન છે ?’ત્યારે પ્રકાશે હસતાં હસતાં કહ્યું કે ‘દીપક,તારી ભાભી તો મને રોજ એની મદભરી આંખોના જામથી પીવડાવે છે.પણ હાં !એ આંખોનો નશો નુકસાન નથી કરતો પણ જીવનને જીવંતતાથી ભરી દે છે.જ્યારે તારો આ શરાબ તો….’અને એ કંઈ વધુ ખે તે પહેલા તો દીપક આગળ નીકળી ગયો.દીપકની પત્ની સંધ્યાએ પ્રકાશનો હાથ છોડી થોડીવાર ઉભા રહેતાં કહ્યું ‘ના,ના ઉષા આ ચમકતી ને ઝળકતી દુનિયામાં ક્યારે ય રોશની નથી મળતી.એમાં તો માત્ર અંજાઈ જવાનું હોય છે.પ્રેમનાં નામે માત્ર દેખાડો હોય છે.દંભ હોય છે.તમે બહુ સુખી છો.પૈસાની ઘેલછામાં પ્રેમ ભૂlaai જાય છે.પ્રેમ વગર માત્ર દિવસો પસાર થાય છે,જિંદગી નહીં.’ભીતરની વેદના આંસુ થઈને બહાર આવે તે પહેલાં સંધ્યા ત્યાંથી આગળ નીકળી ગઈ.પ્રસંગ પૂરો થયો.સમય વીતતો ગયો.

લગભગ એકાદ વર્ષ પછી દીપકની પત્ની સંધ્યાનો મધરાતે પ્રકાશ પર ફોન ગયો અને એણે રડતાં રડતાં કહ્યું “પ્રકાશભાઈ,દીપક બાથરૂમમાં પડી ગયાં છે.માથામાં ખૂબ જ વાગ્યું છે લોહી બંધ થવાનું નામ જ નથી લેતું.અમે બિરલા હોસ્પિટલ એમને લઇ જઈએ છીએ તમે ત્યાં આવી જાવ.’પ્રકાશ તાબડતોબ હોસ્પિટલ પહોંચી ગયો.બીજા બધાં રીપોર્ટ નીકળી રહ્યા હતાં,પણ લોહી ચઢાવવું બહુ જરૂરી હતું.પ્રકાશને ખબર હતી કે એનું અને દીપકનું બ્લડ ગ્રુપ એક જ હતું અને એટલે તરત જ એ લોહી આપવા રાજી થઇ ગયો.એક બોટલ લોહી આપ્યા પછી પણ દીપકની હાલતમાં ફર્ક પડ્યો નહીં.બીજી બોટલ લોહી આપવું જરૂરી હતું.એક વાર લોહી આપ્યા પછી તરત જ બીજી વાર લોહી ન અપાય તેની પ્રકાશને ખબર હતી.તો પણ ડોક્ટરને આજીજી કરી,પોતાના કસાયેલ શરીરને દયાનમાં  રાખી બીજી બોટલ લોહી લેવાનું કહ્યું.ડોકટરે પણ દર્દીની તબિયતને ધ્યાનમાં લઇ નિયમોની વિરુદ્ધ જઈ લોહી લીધું પ્રકાશનાં દેહમાંથી ટીપે ટીપે સરીને દીપકના ઘસમસતા લોહીમાં ભળતાં રક્તથી ધીરે ધીરે દીપકની હાલત સ્થિર થતી ગઈ.સંધ્યાની રાત-દિવસની સેવા અને કાળજીથી તેમ જ પ્રકાશ અને ઉષાના સહકારથી દીપક સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયો.હોસ્પીટલમાંથી ઘરે આવતાં ડોકટરે કહ્યું ‘મિ.દીપક તમે ખૂબ જ નસીબદાર છો.આ વખતે તો તમે પ્રકાશનાં તેજથી ફરી ઝળહળી ગયા છો,પણ હવે કાયમ માટે તમારે શરાબને તિલાંજલી આપવી પડશે.શરાબ હવે તમારાં માટે ઝેર કરતાં પણ વધુ પ્રાણઘાતક છે.તમારે તમારી દૈનિક જીવનશૈલી પણ બદલવી પડશે.અલબત,તમારી પત્ની તમને ખૂબ જ ચાહે છે એટલે એ તમારું દયાન રાખશે જ,પણ તમારે એને પૂરો સાથ આપવો પડશે.’ડોક્ટરની વાતને ગંભીરતાથી સાંભળ્યા પછી પ્રકાશનો હાથ પોતાનાં હાથમાં લઈ કહ્યું’ ડોક્ટર સાહેબ,તમારો ખૂબ ખૂબ આભાર.મોતને બહુ નજદીકથી જોઈ લીધું છે અને એટલે જ જિંદગીની સાચી કિંમત સમજાઈ છે. શરાબ પીવાની ક્યારે ય ઈચ્છા નહીં થાય કારણકે મારાં લોહીમાં હવે પ્રકાશનું લોહી ભળેલું છે.હાં હું એનો આભાર કે ઉપકાર માની દોસ્તીના મોલ નહીં આંકુ,પણ એનાં નિસ્વાર્થ પ્રેમની કદર રૂપે હવે મારું જીવન સચ્ચાઈ અને સાદગીના માર્ગે જીવીશ.અત્યાર સુધી મારી પત્નીને મેં અલંકારોથી જ મઢી હતી,હવે નિર્મળ પ્રેમથી એનું દામન ભરી દઈશ.જે જિંદગીને હું વેડફી રહ્યો હતો તેને હવે સાચા અર્થમાં જીવીશ.’સહુનાં ચેહરાં અવર્ણનીય આનંદથી ખીલી ઉઠ્યા.દૂર દૂરથી કોઈનો મીઠો ગણગણાટ સંભળાઈ રહ્યો —–

ઝાપટું તો જોર બસ અમથું બતાડે છે,

                      જે ધીમી ધારે પડે છે ઉગાડે છે.

રોહિત કાપડિયા

 

જે ધીમી ધારે પડે છે તે જ ઉગાડે છે(૪) નિરંજન મહેતા

 

‘રાકેશ હવે શું વિચાર છે?’ મંજુશ્રીએ પૂછ્યું.

‘મંજુ, શેની વાત કરે છે?’

‘આજે આપણી છેલ્લી પરીક્ષા હતી અને હવે આપણે આગળ ઉપરનો વિચાર તો કરવો રહ્યોને?’

‘જો, આગળ તો ભણવું પડશે કારણ ફક્ત ગ્રેજ્યુએટ થવાથી આપણે સંતોષ નથી માનવાનો. હાલના સમયમાં વધુ અભ્યાસ જરૂરી છે તે તું અને હું બંને જાણીએ છીએ.’

‘હું આગળના અભ્યાસની વાત નથી કરતી. મારા ઘરેથી તો હવે તેમ કરવાની મંજૂરી મળશે જ નહિ તેની મને ખાતરી છે કારણ મારા માતા-પિતા તો આજના દિવસની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મારી પરીક્ષા પતે. અમારી કોમમાં દીકરીને તો બહુ ભણાવે નહિ અને જો સારો છોકરો મળી આવે તો તેની સાથે લગ્ન પણ કરી નાખે. તેમનું ચાલતે તો ક્યારનાય છોકરા જોવાનું ચાલુ કરી દીધું હોત પણ મારી જીદ કે હું ભણી ન લઉં ત્યાં સુધી લગ્નની વાત નહિ કરવાની એટલે મનેકમને ચૂપ બેઠા છે.’

‘હા, તો હવે કરવા દે ને તેમને તેમની ઈચ્છા પૂરી. તેમાં વાંધો શો છે?’

‘મજાક ન કર, રાકેશ. તું અને હું આપણે બંને જાણીએ છીએ કે આપણા વચ્ચે જે દોસ્તી હતી તે હવે આ ચાર વર્ષને અંતે જુદા રૂપમાં ફેરવાઈ ગઈ છે. તું આ વાત નથી સમજતો એવું નથી પણ જાણીને મને ચીડવવા આમ બોલે છે.’

‘તો અત્યારે બીજું શું કહું? આ એક ગંભીર વિષય છે અને તેનો આમ એક મિનિટમાં નિર્ણય ન લેવાય.’

‘ભલે આજે નહિ પણ ટૂંક સમયમાં તો લેવો પડશે ને?’

‘તે વાત મારા ખયાલમાં છે પણ ઉતાવળે નિર્ણય લેવો એ જાણીને કૂવામાં પાડવા જેવું ન બને તેનો પણ વિચાર કરવો રહ્યોને?’

મંજુશ્રી અને રાકેશ એક કોલેજમાં સાથે ભણતાં હતાં. ચર્ચાસભામાં બંનેનું આગવું સ્થાન હતું. સામસામે પક્ષે રહીને તેઓ જે દલીલ કરતા તે દલીલો એવી સચોટ રહેતી કે જાણે બંને પક્ષ સાચા છે અને ક્યારેક તો નિર્ણાયકોને એટલી મૂંઝવણ થતી કે કોને વિજેતા જાહેર કરવો. એટલે નાછૂટકે બંનેને વિજેતા જાહેર કરી ઇનામ તેમની વચ્ચે આપવું પડતું. જ્યારે આ પ્રકારની જાહેરાત થતી ત્યારે ડીબેટહોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઊઠતો.

એક પ્રકારની આ તંદુરસ્ત દુશ્મની ધીરે ધીરે દોસ્તીમાં ફેરવાઈ ગઈ તેનો ખયાલ તેમને તો હતો જ પણ તેમના મિત્રમંડળ અને કોલેજના અન્યોને પણ હતો. પરંતુ મંજુશ્રી સવર્ણ અને રાકેશ દલિત. મિયા મહાદેવનો મેળ બેસશે કે કેમ અને બેસશે તો કેવી રીતે? તે માટે તો રીતસરની શરતો લાગતી. હવે તો કોલેજનું ભણતર પણ પૂરું થવા આવ્યું પણ હજી સુધી કોઈ નિર્ણય બંનેએ લીધો ન હતો એટલે તે શરતો ફક્ત અનિર્ણાયક બનીને રહી હતી.

મંજુશ્રી અને રાકેશ પણ એ વાતથી વાકેફ હતા કે તેમના સંબંધોને દોસ્તીમાથી પરિણયમાં ફેરવવો એ એટલું સહેલું નથી જેટલું ધારીએ. એક જ ધર્મના લોકોમાં પણ વિરોધ અને વાંધા પડતા હોય છે તો આવો નિર્ણય લેવા માટે વિધર્મીઓનો પ્રશ્ન તો ઓર જટિલ બની રહે. ભલે હવે આ તરફ સમાજનો ઝોક થોડો બદલાયો છે પણ તેમના કિસ્સામાં તો સમાજ કરતા કુટુંબનો ડર વધુ હતો.

પણ એક વાત માનવી પડે. બંને વ્યક્તિઓ સમજદાર હતી. વસ્તુની ગંભીરતા તેમના ખયાલમાં હતી અને કોઈ પણ નિર્ણય ઉતાવળે ન લેવો તે તેઓ સારી રીતે સમજતાં હતાં. તેઓ તે પણ સારી રીતે સમજતા હતા કે તેમ કરતા તેઓને જે માનસિક ત્રાસ થવાનો તે સહન કર્યે જ રહ્યો. જો કે આમ હોવા છતાં તે વિષે ચર્ચા કરવી આવશ્યક હતી એટલે મંજુશ્રીએ સામે ચાલીને રાકેશને પરિક્ષા પત્યા પછી કોલેજની કેન્ટીનમાં મળવા બોલાવ્યો હતો. તેને ખબર હતી કે એક વાર પરીક્ષા પતશે એટલે તેને ઘરમાંથી બહાર જવાની આસાની નહિ રહે અને તેનો જીવનનો મહત્વનો પ્રશ્ન અને તેનું નિરાકરણ લટકી જશે. એટલે તેણે જ હિંમત કરી આ વાત આજે છેડી હતી.

‘તારી વાત અને વિચાર હું સમજી શકું છું પણ સાથે સાથે આપણા અને ખાસ કરીને મારા જીવનનો પ્રશ્ન છે. તને ખબર છે કે તારા અને મારા સંબંધો કેટલા આગળ વધી ગયા છે? કોલેજમાં તો તે ચર્ચાનો વિષય બની ગયો છે.’

‘હા, મારા ખયાલ બહાર નથી આ વાત.’ રાકેશે જવાબ આપ્યો.

‘હવે જ્યારે આ વાત મારા માતા-પિતાની જાણમાં આવશે ત્યારે મારા શું હાલ થશે તેનો તો તને અંદાજ પણ નહિ આવે.’

‘તું ધારે છે એવું નથી.’ રાકેશે દલીલ કરી. ‘વિધર્મીઓમાં લગ્ન એ એક એવી સામાજિક ગૂંચ છે જેને ઉકેલતા ઉકેલતા કઈ કેટલાય ખુવાર થઇ ગયા છે. આપણા કિસ્સામાં આવું ન થાય તેની તકેદારી રાખવી જરૂરી છે. ખુવાર થવાથી બંનેમાંથી કોઈને લાભ નથી અને એટલે જ તને ફરી કહું છું કે ઉતાવળે નિર્ણય લેવો આપણને જ હાનિકારક નીવડી શકે છે.’

‘તું રહ્યો પુરુષ એટલે તને સ્ત્રીની મનોદશા અને લાગણીનો અંદાજ ક્યાંથી હોય? સામાન્ય રીતે પુરુષ પતંગિયું ગણાય, જો કે તું તેમાં અપવાદ છે, પણ નારી સંવેદના અનન્ય હોય છે. તે એકવાર કોઈને દિલ આપી દે છે તો તે માટે કાઈ પણ કરવા તૈયાર હોય છે અને તેથી જ હું તારા સહવાસ માટે તારી સાથે ભાગી આવવા પણ તૈયાર છું.’

‘જો મંજુશ્રી ભાગીને લગ્ન કરવા એ તો સાધારણ રીતે બધા કરતા હોય છે. આપણે તેનાથી અલગ છીએ એમ હું માનું છું. તું શું માને છે?’

‘હું પણ ભાગીને લગ્ન કરવામાં નથી માનતી. જો સમજાવટથી અને ધીરજ રાખવાથી આપણો પ્રશ્ન હલ થઇ જાય તો મને શું વાંધો? ભલે તે માટે થોડો સમય આપવો પડે.’

‘હવે મારી મંજુ બોલી. ભલે કોલેજ પૂરી થયા પછી મળવાની તકો નહિવત રહેશે પણ અન્ય સાધનો તો છે ને? તે દ્વારા આપણો સંપર્ક ચાલુ રહેશે જ.’

‘એ વાતનો મને ખયાલ છે એટલે થોડીક નચિંત છું પણ રૂબરૂ મળવું અને પરોક્ષ રહી વાતો કરવી તેમાં ફરક તો ખરોને?’

‘આમ સાવ નાસીપાસ ન થા. અરે સાચા દિલથી પ્રેમ કરીએ છીએ એટલે પ્રત્યક્ષ મળવાના પણ સંજોગો બનતા રહેશે. સંજોગો ન બને તો બનાવવા પડે. તારાથી તે શક્ય નથી તે પણ મને ખબર છે પણ તું તે મારા પર છોડી દે. અને હા, તારા માતા-પિતા લગ્નની વાત કરે તો તે એમ કહીને ટાળજે કે તારે હજી આગળ ભણવું છે. આ વાતનો વિરોધ તો થશે જ પણ તું મક્કમ હશે તો તેમને નમતું જોખવું જ પડશે.’

‘અને તેમ છતાય દબાણ કરે અને છોકરોઓ સાથે મુલાકાત ગોઠવે તો?’

‘એમાં શું? મુલાકાત કરવી અને કોઈને કોઈ બહાને છોકરો પસંદ નથી કહી રીજેક્ટ કરવો. આમ અવારનવાર થશે એટલે થાકીને તેઓ આ નાટક બંધ કરશે. વળી બહાર પણ તે વાત આવશે કે તને બધા છોકરાઓમાં ખોડ જ દેખાય છે એટલે લોકો પણ ત્યારબાદ તારા માટે વાત લઈને નહિ આવે.’

Xxxxxxxxx

અને ધાર્યું હતું તેમ જ થયું. સાંજે ઘરે પહોંચતા જ મંજુશ્રીની માએ પાણીનો ગ્લાસ આપી પાસે બેસવા કહ્યું. હવે તોપમારો શરૂ થશે સમજી મંજુશ્રી સોફા પર બેઠી.

‘કેમ રહી પરીક્ષા? હવે તો બધી પરીક્ષા પતી ગઈને?’

‘હા, મા.’ ટૂંકો જવાબ આવ્યો.

‘તારા પપ્પા પણ પૂછતા હતા કે ક્યારે તારી પરીક્ષા પૂરી થવાની છે.’

‘મને ખબર છે શા માટે,’ મંજુશ્રીએ મનમાં વિચાર્યું અને આગળની જાણીતી વાત માટે તૈયાર રહી.

‘તારા પપ્પાને લાગે છે કે તે બહુ ભણી લીધું. હવે તારા માટે સારું ઠેકાણું ગોતવું રહ્યું.’

‘મમ્મી, પણ મારે હજી આગળ ભણવું છે. ગ્રેજ્યુએટ થવું એ તો પહેલું પગથીયું છે. ગ્રેજ્યુએટ એટલે કાઈ નહિ. વધુ સારા કોર્સ કરીએ તો જિંદગીમાં આગળ જતાં તે કામ આવે.’

‘આ બધું મને ન સમજાય. તારા પપ્પાને પૂછ. તેમણે કહ્યું એટલે મારે તને કહેવું જોઈએ એટલે કહ્યું બાકી તમારા બેની વચમાં મારે નથી આવવું.’.

પપ્પા સાથે વાત કેમ કરવી એના વિચારમાં મંજુશ્રીએ બે દિવસ કાઢી નાખ્યા, પણ ગમે ત્યારે વાત તો કરવી પડશે માની મન મક્કમ કરીને તેણે પપ્પાને એક સાંજે વાત કરી. ધાર્યો જવાબ મળ્યો કે બહુ થયું, ભણી લીધું. હવે સંસારમાં ઠરીઠામ થાઓ અને અમને અમારી જવાબદારીમાંથી મુક્ત થવા દો.

હવે તેને રાકેશની વાત યાદ આવી કે છોકરા જોવાની ના ન પાડવી અને સમય કાઢી નાખવો.

‘પપ્પા તમારી ચિંતા સમજી શકું છું. મને પણ સમજાયું છે કે મારે પણ તમારા વિચારોને સમજવા જોઈએ. લગ્ન કરવાની ના નથી પણ જો થોડો સમય એટલે કે ત્રણ વર્ષ ન થોભી શકાય તો આપણે એક કામ કરીએ. તમારી ઈચ્છા હોય તો છોકરા જોવાનું શરૂ કરીએ. આમેય તે એકદમ કોઈ મને પસંદ કરે કે હું તેને પસંદ કરું એમ તો થવાનું નથી એટલે જ્યાં સુધી યોગ્ય ઠેકાણું ન મળે ત્યાં સુધી હું આગળ અભ્યાસ ચાલુ રાખું. જો નક્કી થયા પછી મને અભ્યાસ ચાલુ રાખવાની હા હશે તો તેમ કરીશ નહિ તો અધવચ્ચે છોડી દઈશ.’

અને આ વાત માન્ય થઇ અને મુલાકાતોનો સિલસિલો ચાલુ થયો. મંજુશ્રીએ પ્લાન મુજબ એક યા બીજા બહાને બધાને નાપસંદ કરવા માંડ્યા. તેના પપ્પાએ પણ એકવાર પૂછ્યું કે આમ કેમ? એક પણ છોકરો તારી નજરમાં બેસતો નથી? જવાબ મળ્યો કે કોઈકને કોઈક કારણ એવું આવે છે કે મારું મન નથી માનતું.

ત્રણ વર્ષના સમયગાળામાં કેટલાય છોકરા જોવાનું ચાલુ રહ્યું અને ભણવાનું ચાલુ રહ્યું. હવે તો તેના પિતા પણ થાક્યા એટલે કહ્યું કે તારી નજરમાં કોઈ હોય તો વિના સંકોચ કહી દે કારણ તારી લગ્નની ઉંમર વીતી જશે ત્યારે આપણી નાતમાં કોઈ રહ્યું નહિ હોય જેની સાથે તારા લગ્ન થઇ શકે અને આગળ જતા સમાધાન કરવું પડે તેના કરતા હમણાં જ વાતનો અંત લાવી દઈએ.

‘ના પપ્પા એમ તો કોઈ નથી નહિ તો તમને ક્યારનું કહ્યું હોત.’ રાકેશના શબ્દો યાદ આવતા મંજુશ્રીએ જવાબ આપ્યો અને ઉમેર્યું કે તેણે નેટ ઉપર પોતાનો પ્રોફાઈલ મુક્યો છે અને બહુ જલદી કોઈક મળી આવશે તેની તેને ખાતરી છે.’

આ દરમિયાન રાકેશનો સંપર્ક યેનકેન પ્રકારે થઇ રહેતો અને મંજુશ્રી તેને બધી વાત કરી આગળ શું કરવું તેની સલાહ લેતી. એ મુજબ એક દિવસ તક જોઇને મંજુશ્રીએ પપ્પાને કહ્યું કે ત્રણ ચાર જણ યોગ્ય લાગ્યા છે. જો તમે કહો તો તેમને એકવાર મળી લઉં અને પછી યોગ્ય જણાય તેની તમારી સાથે મુલાકાત ગોઠવીએ.

પપ્પાની રજા મળતા તે છોકરાને મળવા જવાનું કહી બે ત્રણ વખત રાકેશને જ મળી આવી અને આમ લાંબા ગાળે રૂબરૂ મળવાની ઈચ્છા પણ પૂરી કરી લીધી.

હવે સમય પાકી ગયો છે તેમ રાકેશની સૂચના થતાં મંજુશ્રીએ પપ્પાને કહ્યું કે જે બધાને તે મળી તેમાંથી એક રાકેશ નામનો ઉમેદવાર પસંદ પડ્યો છે. વળી તેને હું આગળ ભણું તેનો પણ વાંધો નથી. તમે કહો તો તમને મળવા બોલાવું.

અને આમ બધુ સમુસુતરું પાર પડી ગયું અને ઘીના ઠામમાં ઘી પડી ગયું.

લગ્ન પછીની પ્રથમ રાત્રે મંજુશ્રીએ પોતાની લાગણીને શબ્દો આપ્યા કે તરત રાકેશે કહ્યું કે મેં તને કહ્યું અને તે મારી વાત માની એ જ મારા માટે ઘણું છે. મને ખબર હતી કે આપણો પ્રેમ નિર્મળ છે અને એટલે ભલે સમય જાય પણ અંતે તો આપણે એક થવા સર્જાયા છીએ અને તેમ થઈને રહેશે, કારણ આપણો પ્રેમ ભલે ધીમી ધારે વહ્યો પણ અંતે તો તે ઉગી રહેવાનો.

 

 

 

 

 

 

 

 

 

 

 

 જે ધીમી ધારે પડે છે તે જ ઉગાડે છે (૫) રશ્મિ જાગીરદાર

કૃપા

તે દિવસે શાળાનું વેકેશન પૂરું થયેલું અને આગલા ધોરણ માટે સૌ વિદ્યાર્થીઓનો પ્રથમ દિવસ હતો.સૌના મનમાં ઉત્સાહ એવી રીતે ઉભરતો હતો કે, આખી શાળા જાણે ઉત્સાહ અને આનંદનો દરિયો બનીને ઉછળતી હતી. કવિતા આઠમું ધોરણ પાસ કરીને નવામાં ધોરણમાં આવી હતી. પ્રથમ દિવસનો રોમાંચ હતો, જુના મિત્રો મળીને વેકેશન કેવી રીતે ગાળ્યું, બીજી કઈ પ્રવૃત્તિ, કરી વિગેરે માહિતીની આપલે કરતાં હતાં. થોડી વારમાં વર્ગમાં જવા માટેનો બેલ પડ્યો અને સૌ પોતપોતાના નવા વર્ગમાં દોડી ગયાં. કવિતા  હંમેશની માફક  પ્રથમ બેંચ પર બેસી ગઈ. પાંચેક મીનીટમાં નવા ક્લાસ ટીચર આવ્યા. સૌએ તેમને નમસ્તે અને ગુડમોર્નિંગ કહ્યું. વળતો જવાબ આપીને તેઓએ વર્ગમાં નજર ફેરવી. છેક છેલ્લી બેંચ પર નજર ગઈ તો એક સાવ નાનકડી છોકરી દેખાઈ.

” અરે બેબી તું અહીં શું કરે  છે? અહીં આવ.” એ છોકરી સર પાસે જઈને ઉભી રહી. ” શું નામ છે તારું?” “કૃપા સર.” ” તું કોની સાથે આવી છે? તારા વર્ગમાં જા, તું નવી દાખલ થઇ છે?” ” હા, સર હું મહેસાણાથી છું.” તારા વર્ગમાં આ કવિતા તને લઇ જશે.” ” પણ સર આજ મારો ક્લાસ છે.” ” આ નવમું  ધોરણ છે, તું કયા ધોરણમાં છું?” “નવમાં ધોરણમાં આવી છું સર.” ” અરે તું કેટલી નાની છે તારી સાથે કોઈ  હોય તો બોલાવી લાવ.” થોડી વારમાં કૃપા એના પપ્પા સાથે પાછી ફરી.

” ગુડમોર્નીગ, સર કૃપા મારી દીકરી છે તેનું નામ- ૯અ- માં  જ છે, શું આ  ૯અ નથી?” ” શું? કૃપા નવમાં ધોરણમાં છે? કેટલી ઉમર છે?” ” તેને અગિયારમું આજે જ પૂરું થયું, તેની વર્ષગાંઠ છે આજે.” “આટલી ઉમરે નવમું ધોરણ કેવી રીતે?”  ” સર કૃપા એટલી હોશિયાર છે કે, તેને પહેલું,બીજું, ત્રીજું ધોરણ ઘરે તૈયાર કરાવીને પરીક્ષાઓ અપાવેલી અને  સીધી ચોથા ધોરણમાં દાખલ કરેલી.” ” ઓહ શું વાત કરો છો! પણ પછી પાછળથી અઘરું પડ્યું હશે.” ” ના ના, સર દરેક વર્ષે તે હંમેશા પ્રથમ ક્રમે જ પાસ થાય છે, આ વર્ષનું રીઝલ્ટ જુઓ.” આઠમાં ધોરણમાં કૃપાના ૯૧.૩ % હતા. તે વાંચીને સરે વર્ગમાં પૂછ્યું, “તમારા વર્ગમાં પ્રથમ કોણ છે? અને કેટલા ટકા છે?” કવિતા ઉભી થઇ અને કહ્યું, “૯૧.૧ %.” તે દિવસથી કવિતા અને કૃપા વચ્ચે પાક્કી દોસ્તી બંધાઈ ગઈ, કવિતા કૃપાથી ત્રણેક વર્ષ મોટી હતી, છતાં તેમની દોસ્તી બેમિસાલ હતી. બંને સખીઓ શાળામાં તો સાથે રહેતી જ, ઉપરાંત સાથે હોમવર્ક કરતી, અને ટેસ્ટ માટે સાથે વાંચતી પણ ખરી. બંનેના ઘર વચ્ચે વધુ અંતર નહોતું, એટલે સાથે રમવાનું, વોક લેવા જવાનું અને ક્યારેક મુવી જોવા,અને  ખરીદી માટે પણ સાથે જાય તેવું બનતું. દરેક પરીક્ષા વખતે બંનેની મહેનત સરખી રહેતી છતાં, કૃપાની યાદશક્તિ એટલી જોરદાર હતી કે, તે કવિતાથી હંમેશા ૨-૩ % માર્કસથી આગળ રહેતી. છેવટે બંનેએ બારમાની બોર્ડની પરીક્ષા પાસ કરી. આ વખતે કૃપા બોર્ડમાં ત્રીજા નંબરે હતી અને કવિતા દસમાં નંબરે. બંને જણ મેડીકલમાં એડમીશન લીધું, તે પણ સાથે જ. તે વખતે કૃપા ટીનેજની મધ્યમાં હતી અને કવિતા સોળે શાન પામીને ટીનેજને પાર કરી વધુ મેચ્યોર બની હતી. ઉગતું યૌવન, સફળતાનો નશો અને માહોલમાં વ્યાપેલી આધુનિકતા — આ ત્રણ ત્રણ વસ્તુ પચાવી શકાય તે ઘણું અઘરું હતું, તેમાંય ટીવી અને ફિલ્મોની માઝા મુકતી કહાણીઓ અને હિરોઈનોનાં કપડાં અને નખરાં ! આ બધાની ઊંડી અસર યુવાધન પર પડતી હતી.

મેડીકલના પહેલા વર્ષે જ નાની ઉમરની કૃપા અચાનક જાણે સુંદર દેખાવાની હોડમાં ઉતરી પડી. તેનો ઘણો સમય બ્યુટી પાર્લરમાં જવા લાગ્યો. સુડોળ આકર્ષક શરીર માટે જીમ જોઈન કર્યું. ટીનેજના સોપાન ચડતી ગઈ તેમ તેમ તેની કાયા કમનીય બનતી ગઈ. દેખીતી રીતે જ અભ્યાસ માટેનો સમય ઓછો થતો ગયો. કવિતાને પણ તે પોતાની સાથે ખેંચવા પ્રયત્ન કરતી પણ કવિતા મક્કમ હતી, મેચ્યોર હતી, તે કહેતી,” મારા મમ્મી પપ્પા મને ડોક્ટર બનાવવા માટે પૈસા ખર્ચે  છે, એનો દુરુપયોગ કરીને તેઓની મહેનતના પૈસા હું બીજે ક્યાંય વેડફી ના શકું.”

એટલું તો કહેવું જ  પડશે કે, કૃપાની યાદ શક્તિ ગજબની હતી -ફોટોગ્રાફિક  મેમરી! એના જોરે તે મેડીકલના પ્રથમ બંને સત્રો પાસ કરી શકી, પણ ..પણ .. કવિતા કરતાં ૧૫% ઓછા લાવીને! કવિતા એને કહેતી કે, “કૃપા, તું હંમેશા મારાથી આગળ રહે છે વધુ ટકા લાવે છે, તું પ્લીઝ ભણવામાં ધ્યાન આપ, એકવાર ડોક્ટર બની જા  પછી તારે જે કરવું હોય તે કરજે, મને પણ તારા સાથ વગર મહેનત કરવાનું નથી ગમતું, પ્લીઝ.” ” ઓકે, ચાલ મારી સખી કહે છે તો હવેનું સેમેસ્ટર તારી સાથે મહેનત કરીશ બસ? પણ તારે મારી એક વાત માનવી પડશે બોલ છે કબુલ?” ” હા મારી વ્હાલી સખી કબુલ બસ? બોલ શું કરું તો તું મારી વાત માને?” ” આ બ્રેકમાં આપણે ગોવા જઈએ.” ” ઓકે ડન.”

ફક્ત પાંચ  દિવસ માટે ગોવા જવાનું નક્કી કરીને બંને પોતાના ગ્રુપ સથે ઉપાડી ગયાં. એમની પાછળ પાછળ ગયું, એમનું બેડલક! પ્લેન ગોવામાં લેન્ડ થયું ત્યારે ત્યાં ધોધમાર વરસાદ વરસતો હતો, સાથે તેજ ગતિથી ચાલતી હવામાં સ્થિર ઉભા રહેવાનું પણ મુશ્કેલ બનતું હતું. માંડ હોટેલ પર પહોંચીને પડી રહેવા શિવાય કશું થાય તે શક્ય જ નહોતું. ગ્રુપના સૌ એક રૂમમાં બેસીને ટીવી જોતાં બેઠા. તેમાંય સમાચાર નેગેટીવ જ હતાં. દેશના મોટા ભાગમાં અતિવૃષ્ટિના એંધાણ મંડાઈ ચુક્યા હતાં. પરીણામે દરેક પ્રકારના અનાજ અને ફળોના પાક નષ્ટ થઇ રહ્યા હોવાના સમાચારો સાંભળીને, મઝા માણવા આવેલું કૃપા-કવિતાનું ગ્રુપ નિરાશ થઇ ગયું. બીજા દિવસની સવાર સરસ હોવાના સપનાં જોતાં સૌ નીંદરના ખોળે  પોઢ્યાં.

પોઢ્યાં તો ખરાં પણ વહેલી સવારે તેમને જગાડનાર કોઈ મોંઘા મોબાઈલની મધુર એલાર્મ રીંગ નહિ, ગડગડાટભેર ગાજી રહેલાં જલધર, કડકડાટભેર ચમકતી વીજલડી, અને મુશળધારે વરસતા મેઘરાજાની ગર્જનાનો બિહામણો અવાજ હતો. આવા અણધાર્યા રચાયેલા માહોલમાં ગોવાની ટુરની મઝા માણવાનું ક્યાં શક્ય હતું! એવામાં ટીવીની એક ગુજરાતી  ચેનલ પર  ગીત વહેતું હતું,–

ઝાપટું  તો જોર બસ અમથું બતાડે છે,

સર્વત્ર જળ બમ્બાકાર કરી સૌને  વિતાડે છે.

વિનાશકારી વાદળાં તો બસ જોર પછાડે છે,

ધીમી ધારે પડે   ફળફૂલફાલ ઉગાડે છે.

ગોવાની મઝા તો દુર રહી, જોરદાર ઝાપટાંઓથી તરબતર બનેલા ગોવામાંથી સુરક્ષિતપણે ભાગી છૂટવાની ફિરાકમાં સૌ મચી પડ્યાં.

કવિતા અને કૃપાનું ગ્રુપ પ્લેનમાં પાછું ફરી રહ્યું હતું ત્યારે, મોડેલની શોધમાં નીકળેલા એક એડનિર્માતાની નજરે કૃપા ચઢી. ઉગતી કળી, નમણું ઉછરતું યૌવન અને જીમ તેમજ પાર્લરની મહેરથી નીખરેલું રૂપ! તેમણે કૃપાને ઓફર મૂકી.ટીનેજના તણાવ અને રુપ તેમજ યૌવનનાં વહેણ પર વહેતી કૃપાએ એગ્રીમેન્ટ સાઈન કર્યું.

કૃપાની આ હરકતથી હતપ્રભ બનેલી કવિતા નિરાશામાં ઘેરાઈને પાછી ફરી. તે જાણતી હતી કે, હવે કૃપા સાથે મહેનત કરવાનું ક્યારેય શક્ય નહિ બને. થોડા સમયની નિરાશા પછી તેણે અભ્યાસમાં જીવ પરોવ્યો. મિત્રતા અને સાથથી વંચિત કવિતા ધીમી ગતિએ પોતાનાં માર્ગ પર સફળતા પૂર્વક પગલાં પાડતી રહી.તેને યાદ આવ્યું,- મોટામાં મોટી ફતેહ માટે જરૂરી છે પ્રથમ પગલું અને મક્કમ ગતિ.-

આ જ વિચારને અનુસરીને કૃપા પોતાનાં માર્ગે પ્રથમ પગલું માંડી રહી હતી.   તેની પ્રથમ એડ એક બાથ સોપની હતી.તેમાં સુંદર પણ સાવ ઓછા કપડાં પહેરેલી કૃપા એટલી ખુબસુરત લાગતી હતી કે, તેની એડ લોકોને ખુબ પસંદ આવી. ટીનેજની કૃપા સૌને ગમી ગઈ. દેખીતી રીતે જ તેની માંગ વધી ગઈ અને તેને ઉપરા ઉપરી એડ મળતી ગઈ. ઝાકઝમાળની દુનિયામાં કૃપાને ગમવા લાગ્યું. સમય સાથે તેને અભિનય નું જ્ઞાન પણ મળતું ગયું. બુદ્ધિશાળી કૃપાને પોતે માત્ર અભ્યાસમાં જ નહિ દરેક ક્ષેત્રે ઘણી હોશિયાર છે,-મલ્ટી ટેલેન્ટેડ -તેવું જ્ઞાન લાધ્યું. ઉંચી આવક, ઉંચી રહનસહન અને ઉંચી ઇમારતોએ કૃપાનું મન હરી લીધું. તેણે વિચાર્યું. એમડી થયેલ ડોક્ટર, જેટલું માન સન્માન અને ધન વૈભવ અડધી જીંદગી પસાર કર્યા પછી પણ ભાગ્યે જ પ્રાપ્ત કરી શકે, તેટલું તો મેં ટીનેજમાં મેળવી લીધું! મારે શા માટે  રાત-દિવસના ઉજાગરા કરીને વાંચવું -ભણવું પડે? ઇન શોર્ટ વૈતરું કરવું પડે.

લો, હવે કૃપાબેનના નસીબને શું કહેવું? ઉપરા  ઉપરી એડમાં પોતાની સુંદરતા, અભિનય અને તીવ્ર ટેલેન્ટ દર્શાવતી, કૃપા સહજ રીતે જ બોલીવુડની નજરે ચઢી.અને પછી તેને પોતાની ફિલ્મમાં લેવા માટેની હોડ લાગી. એક લવ સ્ટોરી ઘણાં સમયથી બોલીવુડમાં વંચાતી હતી. લેખક નવા હતા, વાર્તા સબળ અને સમૃદ્ધ હતી. નવા લેખક માટે રિસ્ક લેવું કે કેમ? એ અસમંજસમાં ઘણાં પ્રોડ્યુસરો અને ડાયરેક્ટર મિત્રો સમય લઇ રહ્યા હતા. આ તકનો લાભ લઈને નવલબાબુ – જેમણે  કૃપાને એડ ફિલ્મમાં ઈંટરોડ્યુસ કરેલી, તેમણે તક ઝડપી લેવાનું વિચાર્યું. તેમણે કૃપાને વાત કરી. હજી ટીનેજમાં જ રમતી- રાચતી-ઉછરતી કૃપા ખુશ તો ખુબ થઇ પણ તેણે  જવાબ આપ્યો, “લેટ મી થીંક એન્ડ આસક માઈ પેરેનટ્સ પ્લીઝ.”

કૃપાના પેરેન્ટ્સ મોર્ડન હતાં એટલે તો તે એડમાં કામ કરી શકેલી. ફિલ્મ તેમને પણ થોડી રિસ્કી લગતી હતી પણ સામે હિરોઈનનો રોલ! ઘણું મોટું આકર્ષણ હતું. તે માતાપિતાને મળવા તેના ઘરે ગઈ હતી. ઘણી ચર્ચા વિચારણા ચાલતી રહી, અંતે નવલબાબુની લવસ્ટોરીમાં કામ કરવું, – તેમ નક્કી કર્યું. બે-ત્રણ દિવસ તે ત્યાં રહેવાની હતી. તે રાત્રે અચાનક ઘરના ફોનની રીંગ વાગી, કૃપાએ ફોન લઈને કહ્યું

,” હેલો”

“યા હાઈ કૃપા?”

” યેહ ”

” કવિતા છું કૃપા, તું કેમ છે? તારી તરક્કીની  વાતો સાંભળી આનંદ થાય છે પણ કૃપા તારા ડોક્ટર થવાના સપના નું શું?”

” ડીયર, મારી ટેલેન્ટ સાથે હું ઘણાં સપનાં જોઈ શકું, બધા ફૂલફીલ ક્યાંથી થાય? મારું હવેનું સપનું છે, હિરોઈન થવાનું અને આલિયા ભટ્ટની જેમ નાની ઉમરે એવોર્ડ મેળવવાનું.”

” વોટ? હિરોઈન?”

” યેસ મને નવી ફિલ્મ માટે ઓફર છે, તે મોમ-ડેડ સાથે નક્કી કરવા જ હું અહીં આવી છું.”

” ગ્રેટ.કોન્ગ્રેટ્સ.”

” તું બોલ તારું ડોકટરીનું કેવું ચાલે છે?”

“મારું ગાડું તો ધીમે ધીમે ચાલે છે. મારા દાદી વરસાદ માટે મસ્ત વાત કહે છે, તેઓ કહે –અષાડે ગાજવીજ, શ્રાવણમાં સરવરીયા, ભાદરવે ભારે અને આષોમાં આછો આછો. તેમ આપણે કોઈ ગાજ-વિજ વગર બસ ધીમી ધારે વરસતા વરસાદ જેવું છે. પણ હા સમય પર પતી જશે ખરું.”

” અરે એય ધીમી ધાર, આમ ફોન પર જ વરસવું છે કે શું? ચાલ આજે હું ફ્રી છું સાંજે તારા ઘરે આવું છું. પછી બહાર ખાઈશું.”

બન્ને સખીઓ સાંજે મળી, તને સાંભરે રે -મને કેમ વિસારે રે, ની ઘણી વાતો થઇ, સરસ ડીનર પત્યા પછી પણ બંને ને છુટા પડવાનું મન નહોતું થતું.ત્યાં જ કૃપાના ફોનની રીંગ રણકી, નવલબાબુ તેને હિરોઈન ના રોલ માટે બોલાવી રહ્યાં હતા. માતા પિતા અને સખીની શુભેચ્છાઓ સાથે કૃપાએ ઝંપલાવ્યું બોલીવુડમાં. નવીન વાર્તા, નવી હિરોઈન અને નવા ડાયરેક્ટરની ત્રિપુટી ખરેખર લોકોને ગમી ગઈ. ફિલ્મ સફળ રહી, ટીકીટબારી પર પણ કામયાબ રહી. ત્યારે સૌને લાગ્યું કે, કૃપા કી તો ચલ પડી!

કૃપાની સેક્રેટરી તરીકેનું કામ તેની મમ્મી સંભાળવા લાગી હતી. ઉપરા ઉપરી ત્રણ સફળ ફિલ્મ આપનાર કૃપાને લકી ગણીને સૌ તેની સાથે કામ કરવા તત્પર રહેતા. એટલે સંજોગોનો લાભ લઇ કૃપાના મમ્મી-પપ્પાએ તેની ફી વધારી દીધી. જેમ વધુ ફિલ્મોની ઓફર આવે તેમ ફ્રુપાની  ફી વધે. બોલીવુડની એસટાબ્લીસ્ડ હિરોઈનો પોતાની ફી વધારે તો, પ્રોડ્યુસર તેમના બદલે નવી નાની ટીનેજ કૃપાને પ્રેફરન્સ આપતા. ત્રણેક વર્ષો આમને આમ ચાલ્યું.પછીના વર્ષે કૃપાની સફળતાથી પ્રેરિત ત્રણ ટીનેજ બાળકીઓએ બોલીવુડમાં પ્ર્ગરણ માંડ્યાં. અને ત્યારે વીસના આંકને પાસ કરી જનાર, યુવતી કૃપા જૂની પાડવા લાગી, મોટી પાડવા લાગી. ફીનો આંક ઊંચાઈને છોડી નીચે ઉતારવાની ફરજ પડી. તેમ છતાં હિરોઈનનો રોલ પેલી નવી ટીનેજ બાળકીઓ ખાટી  જતી. ત્યારે અતિ ટેલેન્ટેડ કૃપા અનાયાસ જ વિચારતી. –કેટલી સાચી હતી મારી વ્હાલી સખી કવિતા, તે કહેતી,

સફળતાના શિખરે પહોચવું નથી મારે,

કે ત્યાંથી તો બસ નીચે ઉતરવાનું હોય છે.

અંતિમ મંઝીલે પહોચવું નથી મારે ,

કે ત્યાંથી તો બસ પાછા ફરવાનું હોય છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

અવલોકન

શેર ઉપરથી કથા સર્જવાનો આ બીજો પ્રયત્ન ઝાઝી સફળતાને ન વર્યો. પહેલા પ્રયત્ન ની સરખામણી માં.  પહેલો પ્રયોગ “એક છત નીચે રહી શકતા નથી” વખતે આ પ્રયોગનાં પાંચ લેખકો ઉપરાંત બીજા ૧૭ લેખકો હતા. હું કોઇ ઉતાવળા તારણ ઉપર આવતો નથી આ પ્રયોગ હજી વધુ પ્રચાર અને પ્રસિધ્ધિ માંગે છે