સંકલન
પ્રજ્ઞા દાદભાવાળા
ઈન્ડિયાથી પાછી આવી અને બીજે દિવસે સવારે મારા ખબર–અંતર પૂછવા માટે મારા મોટાભાઈનો ફોન આવ્યો, હેલો કર્યું ત્યાંતો ભાઈએ પૂછ્યુ બેન આવી ગઈ ?
હા ભાઈ આવી ગઈ.
બધું બરાબર છે ને ?
હા ભાઈ બધું જ બરાબર છે.
ભલે તો બેન સાંજના તને મળવા માટે આવીશ.
ભલે ભાઈ, સાંજે આવો ડીનર હું અહિયાં બનાવીશ.
તૂ થાકેલી હોઈશ ખીચડી બનાવજે.
ભાઈ જે હશે તે સાથે બેસીને ખાઈશું.
ભલે બેન.
સાંજના ભાઈ આવ્યા જમીને ગપ્પાં મારવા બેઠા.ભાઈએ પૂછ્યું એરપોર્ટ પર જતા આવતાં કોઈ તકલીફ પડી હતી ? મેં કહ્યું લગ્નમા ગઈ હતી એટલે સાથે થોડા ઘરેણા તો હોય જ, અને બંગડીઓ બનાવવા માટે બે લગડી સાથે લીધી હતી. અમદાવાદ એરપોર્ટ પર લગડી માટે માથાકુટ કરી , ઓફિસર કહે ડ્યુટી ભરો , ગમે તેમ કરીને સમજાવીને ડ્યુટી ભર્યા વીના જ બહાર આવી.
મોટાઅભાઈ તરત જ બોલ્યા “ ના હોય “ ડ્યુટી સેની ભરવાની હોય ? સોનુ તો ગમે તેટ્લું લઈ જવાય કોઈ ના રોકે. સાચુ માનવા તૈયાર નથી.
ઈન્ડિયામાં તારી તબીયત કેવી રહી ?
ભાઈ એક વખત ઝાડા–ઉલટી થયા હતા બાકી તબીયત સારી હતી.
લગ્નમાં કંઈ ખાવામાં આવી ગયું હશે નહી ?
ના ભાઈ, મેં એસીડીટી માટે આયુર્વેદીક દવા લીધી હતી.
“ ના હોય ‘ આયુર્વેદીકની કોઈ દિવસ આડ અસર ન થાય, આયુર્વેદીક દવાથી કોઈ દિવસ ઝાડા–ઉલટી ન થાય.
ભાઈ તમને તો ખબર છે મારા પેટનો પ્રોબલેમ, જેમ ખાવાનુ નથી પચતું તેમ દવાઓ પણ નથી પચતી.
મોટાભાઈને દરેક વાતમાં ‘ ના હોય ‘ શબ્દ વાપરવાની બહુ જ આદત છે. કેમકે કોઈ વાત સાથે જલ્દી સહમત ન થાય.માટેજ દરેક વાતમાં તેમના મૉઢામાંથી ‘ના હોય ‘ શબ્દ સરી પડે. ભાઈ તો ઘરે ગયા. સામાન્ય રીતે દરેકની સાથે બનતું હોય છે, આખા દિવસમાં જેની સાથે વાતો થઈ હોય તેનુ રાત્રે મનન ચાલતું હોય. આપણુ મન સવાલ જવાબના મંથનમાં પડી જાય. ભાઈના મૉઢે વારંવાર “ ના હોય ‘ એમ સાંભળીને મને એક પ્રસંગ યાદ આવી ગયો. એક વીક પહેલાં બનેલ ઘટનાના અતિતમા ખોવાઈ ગઈ અને આજે પણ એ વાત પર એટલું જ હસવું આવ્યું.
પ્રસંગ બહુજ મઝાનો છે. સગાં–સબંધી–મિત્ર મંડળ વગેરે મહેમાનો લગ્નમાં પધારે એ તો સામાન્ય વાત છે. લગ્નમાં મહેમાન તરીકે એક નાના ગામમાંથી બે બહેનો જે માસીની દિકરીઓ છે અને ઉંમરમાં પણ સરખાં છે, તે લોકો આવ્યાં હતાં.નાના ગામડેથી હતા ઉંમર ૭૫ ની આસપાસ. ગામ નાનુ આધુનિક સુવિધા નહી. બંને બેનો એકજ ગામમાં પરણાવેલી, બહુ ભણેલી ગણેલી નહી, અબોધ અને ભોળી. નામ હતાં જમના અને ઝમકુ. ગામ તેમને જમનામાસી અને ઝમકુમાસી કહીને બોલાવે બંને બેનોને બહુ જ બને., બહેનો કરતાં બેનપણી વધારે હતા સુખ–દુખની બધી વાતો થાય.જમનામાસી ઘરની બહાર બહુ ન નીકળે તે શરમાળ અને બહુ જ ભોળીયા જ્યારે ઝમકુમાસીને આખા ગામમાં ગૉળ ગોળ ફરવા જોઈએ , રસ્તે ચાલતા સાથે વાતો કરે અને ખબર અંતર પૂછી લે.. ઓલ ઈન્ડિયા રેડિયો જેવા , આખા ગામના બધા સમાચાર તેમની પાસે હોય.અને દરરોજ દરેક સમાચાર જમનામાસીને આપવા માટે તેમને ઘરે પહોંચી જાય.
લગ્નનો મહોલ, હસી ખુશી ભર્યું વાતાવરણ, રાત્રે બધાં જમી પરવારીને બેઠાં હતાં અને છોકરીઓએ ઝમકુમાસીને આગ્રહ કર્યો બા તમે તમારા ગામની નવા જુની કહો, તમારા ગામ વિષે કંઈ કહો. ઝમકુમાસીને પૂછવુ જ શું એ તો બોલવા માટે રાહ જોઈને બેઠાં હતાં.જમનામાસી તરત જ બોલ્યાં જો ઝમકુડી આડા અવરી વાતો કર્યા વીના તે દિવસે તેં જે રોમાયણ કથા અધુરી રાખી હતી તે વાર્તા પુરી કર. તેમણે બધાંને કહ્યું આ મારી બોન કથા હોભરવા બહુ જાય સેં , તેને બહુ હારી વારતા કરતાં આવડેસેં ઝમકુમાસી તરત બોલ્યાં ભલે મારી બઈ. હેં જમની કઈથી બાકી રયુતુ ?
જમનામાસી “ પેલી રોણી કૈકેઈએ રોમને વનમાં જવાનુ વરદોન માંગ્યું તાંથી.”
ઝમકુમાસીને આદત છે કોઈ પણ વાત હોય મીઠું મરચું ઉમેરીને વાત રસ પ્રદ બનાવવી અને આ માસી રામાયણ કથા કેવી કરશે તે તો ભગવાન જાણે. ઝમકુમાસીએ ચાલુ કર્યું, પેલી રોણી કૈકેઈ બહુ મોથાભારી હૉ ભઈ, દશરથે લાડ કરીને તેને છાપરે ચડાવીને વંઠાવી મેલીતી .લોં રોણી પાછાં કોકભુવનમાં રીહયાં આ તો ભઈ રાજા–વાજાં અને વાંદરાં ઝાલ્યાં રે ? એમની મોનીતી રોણીએ તો માગ્યું રોમને વનમાં જવાનુ ?મારો ભરત ગાદીએ બેહે. આ રાજાની અક્ક્લ બેંર મારી ગઈ, આ રોણીને દંડો હંભાર્યો હોય તો હીધી હેંડે.આ માંનીતી રોણી ભારે હઠીલી રાજાએ મનાઈ, હમજાઈ ,મોને તોને. બાપની આજ્ઞા મોથે ચડાવીને રોમ તો હેંડ્યા પણ લખમણ અને સીતા વોહે હેંડ્યા .
જમનામાસી – “ હેં ઝમકુડી ‘ના હોય’ બિચારાં સીતા મોટાં રોણી વનમાં જવાનું ? પેલો લખમણ નવાં લગન થયા બાયડીને હીબકાં ભરતી મેલીને હાલ્યો ગ્યો “
ઝમકુમાસી “ જમની એમાં આટલી દુખી થાયસેં, અજુ હોભરતી જા આગર, દુખ તો અવે આવવાનુસે “
ઝમકુમાસી – ઓણ કોરે રાજા દશરથ રોમનો વિયોગ ના સહન થતાં બે ભોન થઈ ભોય પડ્યા, વૈદે જેમ તેમ કરીને ભોનમાં ઓણ્યા, હોમે હું જોવેસે શ્રવણને તીર માર્યું તે દેખાયું આંધરાં મા–બાપના શરાપ યાદ આયા, આ કરમ કોઈના બાપનુ થયુસે તે આજે થશે, કરમ કોઈને ન છોડે”
જમનામાસી – “ના હોય ઝમકુડી , દશરથે તો જનાવર હમજીને તીર માર્યું તુ “
ઝમકુમાસી – “વનમાં ઝુપડુ બનાયુ ને એમાં રેવાનુ. સીતાએ એક દિ હોનાનુ મૃગલુ ભાર્યુ, બાઈ મોણહ ,એની ખાલનુ મારુ પોલકું બનાવવુ સેં .જીદે ચડ્યાં, રોમને કંઈ સુટકો સે ? લખમણને ભાભીની ચોકી કરવાનુ કઈને રોમ તીર કાંમઠુ લઈ એની વાંહે દોડ્યા, મુગલુ આગર પાછર રોમ , એ રોમ જાય દોડ્યા. મુગલુ તો અલોપ ! જુઠુ બનાવટી મુગલુ , રોમને છેતરવા બધો પેંતરો કર્યો તો, પાછો બુમો પાડે એ લખમણ “
જમનામાસી – “ ના હોય , ઝમકુડી, મુગલુ વરી હોનાનુ ? ભગવોન કોઈ દી છેતરાય ?
ઝમકુમાસી – “ અલી જમની, તને મારી વાત પર વિશ્વાસ નથી ? મેં તો પેલા માત્માના મોએ હોભર્યુ એ કઉછુ.
બેઠેલાં બધાં ખડખડાટ હસી રહ્યાં છે. ઝમકુમાસી બોલ્યાં જો આ છોડીઓ કેટલા દાંત કાઢેસેં તેમને તો વાત ગમી, જમની તને બધી વાતમાં વેંમ આવે સેં.આગર હોભર અવે. રોમના અવાજમાં લખમણે રાડ હોભરી એટલે એતો ભઈની વ્હારે દોડ્યા,.લખમણે મંતર મારી રેખા ખેંચી ભાભીને કીધુ આ ઓરંગશો નહી.હું અમણાં ગ્યો અને અમણાં આયો. મારો ભઈ મુશીબતમાં સેં.
જમનામાસી – “ ના હોય , લખમણે મંતર મારીને રેખા ખેંચી ? ઝમકુડી આગર હું થયું ?”
ઝમકુમાસી – “ શાંતિ રાખ મારી મા ,ઉતાવરી ના થઈશ “
રોમ લખમણ ઝુપડામાં સેં નઈ, એનો લાગ જોઈ એક બાવો ભીખ માગવા આયો ,.સીતા ભીક્ષા આપવા નીકર્યાં લખમણ રેખા ઓરંગવાની ના પાડીતી તેની બાર ના જવાય, પેલો બાવો ઓરંગે તો તે પણ ભસમ થઈ જાય. બાવાએ કીધુ મા, બાર આઈને ભીક્ષા આપો. સીતા બિચારાં ભોરવઈ ગ્યાં ભીક્ષા આપવા રેખા ઓરંગી અને બાવો તેમને ઉપાડી ગયો આ બાવો કોઈ નહી પેલો રાક્ષસ રાવણ.
જમનામાસી– “ ના હોય ઝમકુડી ! સીતા તો મોટાં સતી અને પાછાં દેવી એમને આવા મોણહો અડે તો બરીને ભસમ થઈ જાય “
ઝમકુમાસી – “ અલી જમની આ તો કરજુગ સેં બધુ જ થાય “
જમનામાસી – “ ના હોય, ઝમકુડી રોમ હતા તારે કરજુગ નોતો તુંય શુ તાઢાપોરના ગપ્પાં મારવા બેઠી સેં
ઝમકુમાસી – “ અલી જમની હાચું કઉસું , આગર હોભર, મુગલુ અલોપ થઈ ગયુ એટલે રોમ લખમણ પાછા ઝુપડીયે આયા, સીતા નાં દેખ્યાં , અરે ક્યાં ગ્યાં હશે ? બેઉ તો બોત જેવા થઈ ગયા અવે હું કરીશું ? દોડ્યા જંગલ ભણી, રોમ તો સીતે , સીતે રાડો મારતા જાય , સીતા દેખાયાં નહી, રોમ તો પોકે પોકે રડવા માંડ્યું મોટા ભઈને રડતો જોઈ લખમણે હીબકાં લેવા માંડ્યાં કોણ કોને છાંનુ રાખે ?
જમનામાસી – “ ના હોય , ઝમકુડી, રોમ તો ભગવોન એ હું કોમ રડે ? એતો રડતાંને છોનાં રાખે, ભગવોન કોઈ દી ન રોવે. માત્મા કથા કરતાતા તે ઘડીએ તું ઉંઘી ગઈતી ?
ઝમકુમાસી – “ અલી જમની તૂય ‘ના હોય, ના હોય કારની મંડી સેં, જા મારે કથા નહી કેંવી બીજી આગરની ગોમ જઈને તને કઈશ મનમાં બબડવા લાગ્યાં ‘ના હોય’ ‘ના હોય’ કરીને મારૂ મોથુ ખઈ ગૈ ”
બધી છોકરીઓ બોલી ઉઠી ,બા તમારી કથા બંધ ના કરશો , સાંભળવાની અમને બહુ મઝા પડી છે,નાના મોટા સૌ બોલી ઉઠ્યા મહેરબાની કરીને આગળ કહોને.
ઝમકુમાસી – “ ભલે છોડીયો તમને બધાને મઝા પડીસે ને તો લો આગર હોભરો, માત્મા કથા કરતા તા તારે એમણે કીધુતુ રોમાયણ કથા ભોરેનાથ શીવજી, મા પારવતીને હંભારવતા તા. રોમ સીતાના વીરહમાં રડતાં રડતાં સીતે સીતે કરતાં વનમાં ઓમથી ઓમ ફરતાતા એ જોઈ મા પારવતી બોલ્યાં સોમિ (સ્વામિ) તમે તો કોછો રોમ ભગવોનસે ,ભગવોન ઓમ રડે નઈ, મને જઈને તેમનુ પારખુ કરવા દો, ભોરેનાથે કેટલાં હમજાયાં ના જઈશ, આ તો બ્રહ્મ તેનાં પારખાં નૉ કરાય, મા પારવતીએ હોભર્યુ નઈ ને પારખાં કરવા ગ્યાં”
જમનામાસી – “ ના હોય , ઝમકુડી , મા પારવતી તો શાક્ષાત જગદંબા એમને ય મારી પેઠે જ પુછ્યું, રોમ તો ભગવોન ,ભગવોન કોઈ દી રડે ! “
ઝમકુમાસી – “ મા પારવતીએ સીતાનો વેશ ધર્યો, અને વનમાં રોમની આગર આગર હેંડ્યાં, રોમ તરત ઓરખી ગયા, શાક્ષાત જગદંબા મારાં પારખાં કરવા આયાંસે, એ તો બોલ્યા , મા પ્રણોમ, મા મારા પ્રભુ હું કરેસે તે ખુશી આનંદમાં સેને ? મા પારવવતીને એમની ભુલ હમજાઈ, પછતાયાં જેનુ રટણ મારા સોમિ રાત દાડો કરેસે તેનાં મેં પારખાં કર્યા ,છોનામાંનાં શીવજીની બાજુમાં આઈને બેહી ગયાં, શીવજીએ પુછ્યુ, સતી પારખાં કરી આયાં ? રોમે હું કીધુ ? તોય મા ચુપ . શીવજી અંતરયોમી બધુ જોણી ગયા, માને કયુ આજથી તમે પણ મારાં મા, શીવજીએ સતીને તજી દીધાં “
જમનામાસી – “ ના હોય ઝમકુડી, પારવતીમા આટલાં આટલાં તપ કરી શીવજીને વર્યાં એમની આ દશા થઈ ! ઝમકુડી આગર હું થયું “
ઝમકુમાસી – “ હુ કઉ જમની ,આ બે ભઈઓની તો દશા બેહી ગઈસે, બિચારા ખાધા પીધા વગર વનમાં સીતાને હોધવા ભટકી રયા સે, કોઈ વાવડ નહી મલતા, કોની પોહે જઈ ભાર કાઢવી,પાછા બે એકલા, આવડુ મોટુ વન હોધવા કેમ કરી ? ઓ ભગવોન આવુ દુખ કોઈને અરે દુશમનને ય ના આપશો”
જમનામાસીને કથા સાંભળવાની મઝા આવી કે નહી ખબર નહી પરંતું બધાં હસી હસીને લોટ પોટ થઈ ગયાં, ,સૌ કોઈ એમની નકલ કરતા “ના હોય” એક સાથે બોલ્યા અને ઘરનો ઓરડો હાસ્યથી ગુંજી ઉઠ્યો.
અરે આ ગણિતનો દાખલો આમ કેવી રીતે કર્યો. તારો જવાબ સાવ ખોટો છે. ‘અરે યાર મારો જવાબ કદી ખોટો ‘ના હોય’! નથી લાગતું આ વાક્ય બાળપણમાં વારંવાર સાંભળ્યું હતું. મને બરાબર યાદ છે. અમારા પ્રભુદાસ પટેલ સર કાયમ મને કહેતાં. તેઓ બૉર્ડ ઉપર દાખલા લખે. એ જ્યારે લખી રહે ત્યારે મારા ગણાઈને જવાબ પણ લખાઇ ગયા હોય. કોઈક વાર એકાદ ખોટો હોય ઉતાવળને કારણે વરના બધા ખરા હોય, તરત સર કહેશે ‘ના હોય’. આટલા ઝડપથી તે કેવી રીતે ગણ્યા. જીવનમાં હોય કે ના હોય એ સવાલ ઉભો થતો જ નથી.’ જે છે તે છે નથી તે નથી! ‘ત્યાં ‘ના હોય’ એ સંભવ કેવી રીતે હોઈ શકે? શું કામ ‘ના હોય’. આપણને કેવી રીતે ખબર પડે. ભર ચોમાસામાં બે કાંઠે વહેતી નદી અને તેમાં માણેલી નાવડીની સહેલગાહ કેવી રીતે ભૂલાય. હવે એ જ નદીને કાંઠે છ મહિના પછી ધોમ ધખતા તાપમાં પાણીનું ટીપું ય નજરેન ચડે. તે સમયે મારા દોસ્તને મેં કહ્યું ગયા વર્ષે આ નદીમાં નાવડી મેં જાતે હંકારી છે. પળવારનો વિલંબ કર્યા વગર કહે ‘ના હોય’ શાનો ગપ્પાં મારે છે. હવે આને કેમ કરી સમજાવવો. ખાલી વાદ વિવાદ થાય તેના કરતાં ,હા ભાઈ તું સાચો કહી વાત આટોપી લીધી. જ્યાં કોઈ સબૂત નથી! હકિકત સ્વિકારાવી શું પામવું? ‘ના હોય’ કહીએ એટલે શંકાનું સમાધાન કરવું એ આસાન કાર્ય નથી. કારણ વગર ‘ના હોય’ કહી મમરો મૂકવાની ઘણાને ટેવ હોય છે. એમ કહી કોણ જાણે તેઓ શું પૂરવાર કરવા મથતા હોય છે. કાં તો વાતનું વતેસર કરે યા કોથળામાંથી બિલાડું કાઢે. ‘અરે, આ અમેરિકાના લગ્ન કદી માણ્યા છે’. ‘હા, કેમ એવું પૂછવું પડ્યું’? ઓપન બાર અને નૉન વેજ વગર લગ્ન અધૂરાં ગણાય ! “ના હોય”. અરે ભાઈ હોય. તમે સમજો હવે જમાનો બદલાયો છે. યાર, જમાનો નથી બદલાયો માનવીની દૃષ્ટી બદલાઈ છે! ‘ના હોય’ યાર, આંખ તો એની એ જ છે ! ‘શું તું પણ ફેંકે છે. કૉનટેક્ટ પહેર્યા છે’. ? ‘ના હોય ‘. આ ‘ના હોય’ નું ‘હોય’ કયારે થશે? જ્યારે મારી વાતમાં;’હા માં હા મિલાવીશ ત્યારે’! ‘ના હોય’ તો પછી એ શક્ય નથી. આજે સવારથી નક્કી કર્યું આખા દિવસમાં એક પણ વાર આ ‘ના હોય’ બોલવાનું નહી અને સાંભળવાનું પણ નહી ! નોકરી પર જવા તૈયાર થયો. ઘરની બહાર નિકળતાં પત્ની કહે આજે વહેલાં આવશોને? કેમ ? પહેલી તારીખ છે.નવી ફિલમ મેટ્રોમાં આવી છે.દર વખતની જેમ ‘ગઝિબો’માં જમીને ઘરે આવીશું. ‘ના હોય’, આજે તો મારા સ્ટાફને મિટિંગ માટે રોકાવાનું નક્કી કર્યું છે. આજનો પ્લાન કેન્સલ. ‘ના હોય’. ઘરેથી નિકળતાં, હું અને મારા ઘરવાળા બન્ને એ શબ્દોનો પ્રયોગ કરી ચૂક્યા. હવે આખા દિવસમાં કેટલીવાર આ ‘ના હોય’ સાંભળવા મળશે તે ઈશ્વર જાણે.
કોઈ પણ કાર્યમાં નન્નો ભણવાની આદત બહુ સારી નહી. જરા વિચાર કરીને જવાબ આપીશું તો સત્ય સમજાશે. આજે બાળકોને બહાર ખાવાનું મન છે. ચાલુ દિવસે એ શક્ય ‘ના હોય’. કારણ સાચું છે કે રાતના સૂવાનું મોડું થાય તો સવારે શાળાએ જવા માટે ઉઠતા તકલિફ પડે. છતાં તેમને સમજાવી ઘરે બહારથી તેમનું ગમતું ખાવાનું લાવી સમયસર રાતનું વાળુ કરી સૂવાડી શકાય એ પણ એટલું સરળ છે. ખરું જોતા’ના હોય ‘શબ્દ બને તેટલો ઓછો જીવનમાં ઉપયોગમાં લઈશું એટલું જીવન સરળ બનશે.બધી વસ્તુ સ્થળ,સમય અને પ્રસંગ પર આધારિત છે. મન હોય ત્યારે એને અનુસરવામાં જરા પણ તકલિફ પડતી નથી. કદાચ તેને માટે બે કદમ ચાલવું પડે યા થોડો સમય યા દ્રવ્યનો ભોગ આપવો પડે. તેની સામે મળતો અનેરો આનંદ, ઉલ્લાસ યા સ્મિત તેની કશી કિમત નહી ?
અરે આજે મારો પૌત્ર શાળાએથી આવ્યો. ‘ગ્રાન્ડ મૉમ આજે મારા ટીચરે કહ્યું કે જીભ સહુથી મજબૂત ભગવાને બનાવી છે. મારાથી કહેવાઈ ગયું, ‘બેટા ના હોય’. એમાં તો એક પણ હાડકું નથી. તેની આજુબાજુ ૩૨ ચોકીદાર છે. તેને કદી થાક લાગતો નથી. તેના કામ પણ કેટલાં બધાં. બોલવામાં જરૂર પડે. ચાવવામાં જરૂર પડે. ભલેને ડાબલીમાં હોય સહુથી વધુ સળવળાટ પણ તેને હોય. ભગવાને કેવી સાચવીને મૂકી છે. માણસ વગર વિચારે તેની પાસેથી એકધારું કામ લીધા કરે છે.
મારો ગ્રાન્ડસન બોલી ઉઠ્યો, ‘ના હોય’. તેને ગુજરાતી ઘણું ઓછું આવડે છે.સમજે છે બધું. આ ‘ના હોય’ તેને બરાબર ખબર પડે છે.
બીજી વખત વિચારીને ઉત્તર આપવાનો પ્રયાસ કરીશું તો ‘ના હોય’ ને બદલે ‘એમ જ હોય’ શબ્દો મુખમાંથી સરી પડશે. ખુશી મહેકી ઉઠશે !
ના હોય એમ જ હોય સુશોભિત હોય સંવેદના સભર હોય
પ્રવિણા અવિનાશ કડકિયા
“ના હોય” માસી..(3)પ્રજ્ઞા દાદભાવાળા
મિત્રો ભાષા આવડે તો કળા,નહિ તો …..
એ વાત ને પુરવાર કરતી મારા બાજુવાળા માસીની વાત કહું…
મારા પેલા બાજુ વાળા માસીને ઓળખો છે ને અરે પેલા “અરર” માસી જે બધી વાત અરર થી શરૂ કરે ,હા… .હું પણ જાણું છું એ ભુલવા શક્ય જ નથી
એમના ઘરે એમની બેન દેશ થી આવ્યા એમ કહો કાયમ માટે આવ્યા …આમ તો માસી પોતે એક અલગ તરી આવતી વ્યક્તિ છે.પણ જયારે માસી ના બેનને મળી ત્યારે અજાણતા જ પુછી જવાણું માસી આવી કેટલી બેન તમને છે ?
માસી કહે “અરર” આમ કેમ પૂછે અલી ?
મેં કહ્યું તમે બધા થોડા નોખા તરી આવો છો ને એટલે!
..ત્યાં તો એમના બેન આવ્યા અને કહે “ના હોય”!…
જોયું માસી તમે “અરર” માસી અને તમારા બેન “ના હોય” માસી..
હા… આ માસીના બેનનો “ ના હોય” તકીયાકલામ છે.
ના હોય શબ્દ થકી માસી બધા જ હાવભાવ દેખાડી શકે છે.
આપણે બધાની વાતચીત ‘કેમ છો’, ‘મજામાં ને’ થી શરૂ થાય છે અને માસી “ના હોય” થી શરુ કરે છે….માસી ગુજરાતીમાં દુનિયાની કોઈ પણ ભાષા બોલી શકે છે એ અમેરિકા આવ્યા ત્યારે અમારા ત્યાં અમેરિકન પાડોશી પણ અમારે ત્યાં આવ્યા એમણે પોતાનો પરિચય આપતા કહ્યું…..હાય હું નાન્સી તમે જાણો છો માસી એ જવાબમા શું કહ્યું
“ના હોય” ..
મારા પાડોશી કહે શું કહે છે મેં કહ્યું she can not believe..તો નાન્સી હેબતાઈ ગઈ..પણ પછી મારા ખુલાસાથી હસવા માંડી.
માસી ની ખુશી, આશ્ચર્ય ,શોક બધા જ ભાવો માટે એક જ ઉદગાર છે “ના હોય”..
એટલું જ નહિ એ ગરબો પણ માસી “ના હોય” સાથે ગાઈ શકે છે। .
ના હોય શ્યામ.. .મારા રાધા વીના ના શ્યામ કદી… એકલા “ના હોય” રે લોલ। ..
એક વાર તો માસી ભાણા પર જમવા બેઠા હતા અને હાથ માં કોળિયો લીધો ત્યાં અચાનક મહેમાન આવી ચડ્યા અને મહેમાને દરેક ગુજરાતી જેમ કહ્યું આવું શાંતાબેન જમવા ?
તો માસી બોલી પડ્યા “ના હોય”..
ત્યારે તો જોવા જેવો સીન થયો હતો
પછી મારી મમ્મીએ વાળી લેતા કહું ચાલો, જમવા।..અને તરત માસીએ પણ સાથ પુરાવ્યો હા હા ચાલો જમવા। ..
આમ આવો, આવજો, કેમ છો ?. હા અને ના બધુ જ માસી “ના હોય” દ્વારા પ્રગટ કરે.
માસીના મોઢે “ના હોય” શબ્દ સંભાળતા મને નાનપણ માં સાંભળેલી ભવાઈ ના પત્રો યાદ આવી ગયા ..અમારા ઘરની બાજુમાં એક ચાલ હતી અને વચ્ચે એક મોટું મેદાન ત્યાં ઉત્સવો દરમ્યાન ભવાઈ કરવા આવતા,પરંપરાગત પોશાકો, ભાતીગળ ભાષાશૈલી ખુબ મજા પડતી .।.. ‘ભવાઇ’માં મોટે ભાગે દરેક પાત્રો પુરુષો જ ભજવતા…એમ કહું કે સામાન્ય રીતે સ્ત્રીપાત્રોની ભજવણી માત્ર પુરુષો દ્વારા જ કરવામાં આવતી . …પુરુષો સ્ત્રીઓનો પોશાક પહેરે સ્ત્રીની જેમ લટકા મટકા અને હાવભાવ પણ સ્ત્રી જેવા… નવ દિવસ નાટકો ચાલે પ્રોગ્રામ રાત્રે હોય અને દિવસ દરમ્યાન આજ પાત્રો ખરીદી થી માંડી રસોઈ અને કપડા ધોવા સાથેનું બધુ જ કામ જાતે કરે.
આ ચાલના મેદાનમાં શાકવાળા શાકભાજીની જથ્થાબંધ માર્કિટમાંથી શાક ભાજી ખરીદી, લારીઓમાં ભરી વેંચવા સવારમાં આવે . તાજા શાકભાજી ” ની બુમો પડતા આવે,અને ત્યારે હું બજારનો ધક્કો બચાવવા અનેક ગૃહિણીઓની જેમ ત્યાં શાક લેવા જતી, ત્યારે સ્ત્રીનું પાત્ર ભજવનાર પુરુષ પણ ત્યાં પોતાની મંડળી માટે શાક ખરીદવા આવતા,એના લટકા મટકા બધુજ સ્ત્રી જેવું અને આદત પણ સ્ત્રી જ જેવી શાકભાજી ભાવતાલ કરવ્યા વગર ના લે પણ એનો એ લટકો મને આજે પણ યાદ છે શાકભાજીના ભાવ સાંભળી કહે “ના હોય” મારા વીર “ના હોય”… રીંગણ ના ભાવ આટલા “ના હોય”….અને ખુબ કસ્યા પછી થોડી કોથમીર મફત ની લઈને લટકો મટકો કરતા જાય ત્યારે એને સારું લાગે..
હવે મૂળ આપણા માસીની બેન “ના હોય” ની વાત કરું।. માસી ની ખાસિયત વિષે તો ખબર પડી જ ગઈ હશે બધી બાતમાં “ના હોય” કરી ટપકી પડે…અને બીજું આ માસીએ “ના હોય” “ના હોય” કરતા ભાવ–તાલ કરવામાં તો પી.એચ.ડી હાંસલ કરી છે.
માસીને “ના હોય” કરી ભાવતાલમાં ફેઈલ કરનારા હજી જન્મ્યા નથી હોંકે..
આ “ના હોય” માસીને ભાવ–તાલ કરવાનો રક ઝકનો અનેરો આનંદ આવે.
ઉપરાંત આ ભાવતાલ કરતા “ના હોય” “ના હોય” કરતા લારીમાંથી ગાજર કે ટમેટાં જેવા શાક કાચા ખાવાનો લ્હાવો પણ માસી બે જીજક માણે।.. એટલું જ નહિ ખરીદ્યા પછી ” મસાલો ” અર્થાત કોથમીર, ક્ટકો આદુ, એકાદ બે મરચાં,થોડો મીઠો લીમડો વગેરે વિના મૂલ્યે ઉપરાણમાં મેળવવાનો અબાધિત અધિકાર પણ માસી પોતાના જન્મસિદ્ધ અધિકારની જેમ ભોગવે।.
અલબત્ત ઘણીવાર કેટલાક માસીથી વધુ ચાલાક શાકવાળા કોઈક શાકનો થોડો ભાવ વધારી મફત લ્હાણી માસીને કરાવતા રહે એ વાત જુદી છે….આ ભાવતાલ ચક્કરમાં “ના હોય” ના હોય કરતા ક્યારેક માસી ૧૦ રૂપિયાની મફત ગિફ્ટ માટે ૧૦૦૦ રૂપિયા ખર્ચી નાખે , કારણ કે ફ્રીમાં મળે એટલે મજા આવી જાય સેલ નો આનંદ
કાકા માસીના નકારદર્શક એક શબ્દ “ના હોય” ના ઉદગાર થી ઘણી વાર કંટાળી જાય। અને ક્યારેક તો એમના આ આશંકાવાળા ઉદગાર થી કાકા ખીજાઈ જાય। ..કેટલીય વાર કહે ..બોલવામાં પરેજી પાળો..
પણ માસી માને તો ને ….
એકવાર માસીએ રસોઈ બનાવી અને કાકાને પીરસી શાક ખારું હતું એટલે કાકા કહે શાકમાં મીઠું વધારે છે અને માસી કહે “ના હોય” અને કાકા નું મગજ ગયું। . કાકા કહે નહિ માનતી જા મારે જમવું નથી અને ભાણે થી ઉભા થઇ ગયા..કાકી માંડયા રડવા એવામાં હું અને મમ્મી ત્યાં પોહ્ચ્યા મમ્મી કહે કેમ રડો છો પણ માસી જવાબ ન આપે અને સાડલાના છેડા થી આસું અને નાક લુછે રાખે…..
મેં મમ્મી ને કહ્યું મને લાગે છે કાકા એ માસીને માર્યું અને મમ્મી બોલી “ના હોય”। ….આવડા મોટા। ..તું પણ… મૂંગી રહે….
ફરી મ્મીએ પુછ્યું શું થયું કહો તો ખરા…. ફરી માસી રડે અને સાડલાના છેડાથી નાકના શેડા લુછે।…
મમ્મી કહે જ જઈ ને કાકાને બોલવ।… પણ કાકા પણ ગુસ્સામાં આવવા તૈયાર ન થાય ..એટલે છેવટે મમ્મી જ કાકાને બોલવા ગઈ..
,ભાઈ ચાલો ઘરે ગુસ્સો થુકી નાખો। ..કાકા કહે હું,, હું મારી પત્નીથી પરેશાન થઈ ગયો છું..પચાસ વર્ષથી મારી કોઈ વાત માનવા તૈયાર જ નથી બધી વાતમાં “ના હોય” મારે એને કેવી રીતે સમજાવી કે ભાઈ આમ..મ.. જ હોય .. તમને બેન શું કહું ઘરના છો તો સાંભળો। …અમારા લગ્નની રાતે મેં તમારા માસીને કહ્યું તું ખુબ સુંદર છે તો કહે “ના હોય”। ..અરીસો લાવી એનું મોઢું દેખાળ્યું તો શરમાણી। … ગયા વેલેન્ટાઈન માં મેં એને કહ્યું કે આઈ લવ યુ તો કહે છે “ નાં હોય” મારે એનું કરવું શું ?બેન થોડા વર્ષ પહેલા।.. હું અમારી 25મી દસમી લગ્નતિથિએ કાશ્મીરની ટીકીટ લાવ્યો તો મને કહે “ના હોય” અંતે મારે કહેવું પડ્યું કે હું બીજી સાથે જાવું છુ ત્યારે માની …મારી એકપણ વાતમાં સહમત નથી થતી….હવે હું કંટાળ્યો છુ… આ બે દિવસ પહેલાની જ વાત છે। ..
રસ્તે ચાલતા એક આંધળો ભિખારી મળ્યો મેં કહ્યું તારી પાસે છુટા હોય તો આપ… બીચાળો આંધળો છે, તો કહે “ના હોય” ત્યાં તો ભિખારી બોલ્યો આ જુવાનીયા ની વાત સાંભળો બેન થોડા પૈસા આંધળા ને આલો। .. .એટલે એને ખાતરી થઇ કે આ નક્કી આ આંધળો છે ત્યારે પૈસા આપ્યા। …
અરે એકવાર તો હદ થઇ ગઈ મારો જન્મદિવસ હતો મેં કહ્યું ચાલ આજ કેક ખાઈએ તો કહે “ના હોય” .મેં કહ્યું હા આજે મારો જન્મદિવસ છે તો ફરી કહે “ના ..હોય”….
અને તે દહાડે પણ હું ખીજાણો …
એક તો મારો જન્મદિવસ ભૂલી ગઈ અને કહું છુ તો પાછી માનતી પણ નથી
અને કહ્યું। .તો શું મારું જન્મ નું સર્ટીફિકેટ દેખાળું તો જ માનીશ…..
હવે તમે જ કહો મારે આનું શું કરવું ?
મમ્મી એ કાકા નો પક્ષ લેતા કહ્યું …વાત આપની બરાબર છે.
પણ…. આમ ભાણે થી તમારે ન ઉઠવું જોઈએ…ભાઈ જમવા પર ગુસ્સો ન કરવો.
પણ બેન હું મુંગો મુંગો જમતો હતો.
અણે જ મને પુછ્યું કે કેવી છે રસોઈ ?
મેં કહ્યું શાકમાં મીઠું વધારે છે તો કહે “નાં હોય”
મેં કહ્યું શાક માં મીઠું વધારે છે!
તો કહે “ના હોય” ! ..
મેં કહ્યું તું જ ચાખી જો
અને ચાખ્યા પછી પણ માનવા તૈયાર નથી પોતે જ થુકીને કહે છે “ના હોય” ..
બેન પછી તો મારો પિત્તો ગયો। ..એટલે હું જમવાનું છોડી નીકળી ગયો। ..
બસ બહુ થયું હવે હું એની સાથે નહિ રહું। ..
મમ્મી કહે એમ નાં હોય ભાઈ ચાલો ઘરે… બીચાળા ક્યારના ખાધા વગર હિબકે ચડ્યા છે ચાલો ઘરે… બીજું શાક બનાવી દવું અને માનમાન કાકાને સમજાવી ઘરે લાવ્યા ત્યાં તો માસી એ બીજું શાક બનાવ્યું।.
કાકા બોલ્યા પહેલા માની લીધું હોત તો ? આવા ધજાગરા ન થતે ને.. ..
માસી કહે મેં ક્યાં ના પાડી ?
કાકા કહે તો શું હું મુરખો છુ
અને માસી તુંરત બોલ્યા ના હોય.. ..
જોયું !કોઈ વાતમાં સહમત નહિ થાય..
એટલે માસી કહે સારું, ચલો આ વાતમાં હું સહમત થાઉં છું.
કાકા તાડૂક્યા આખી જિંદગી મારી સાથે સહમત ન થઇ..
અને જોયું કેવી છે? .. મને મુરખો કહેવા સહમત થઇ ગઈ । …
મમ્મી એ માનમાન કાકા ને શાંત કર્યા। ..બધા શાંત પડ્યા એટલે મમ્મીએ માસીને સમજાવતા કહ્યું
તમને પણ શાક ખારું લાગ્યુંને ?તો માસી નીચુ મો રાખી હા પાડી।..
તો ક્યારના “ના હોય” “ના હોય” કેમ કરો છો ?
અને તમે કેમ માનવા તૈયાર ન થયા ?… .
માસી પોતાનો કક્કો સાચો કરતા બોલ્યા ના મીઠું વધારે નથી .આ ..તો શાક થોડું ઓછુ છે.
“ના હોય” અને અમે બધા એક સાથે બોલ્યા અને બધા ખળખળાત હસતા હતા..
એવામાં માસીના ત્રીજા બેન આવી ચડ્યા અને બોલ્યા “શું વાત છે”
પ્રજ્ઞાજી –પ્રજ્ઞા દાદભાવાળા
“ના હોય”-(૪)સાક્ષર હરીશભાઇ ઠક્કર
–
“ના હોય”
તાપમાં મહેનત કરવાને લીધે પરસેવાથી લથબથ એવો શંભુ એની ઝુપડીમાં આવીને દીવાલના ટેકે બેઠો. ત્રિકમ, પાવડો અને બીજા ખેતીના સાધનો રસ્તામાં થી લઇને ખૂણામાં મુકતા એની પત્ની ઉમાએ કહ્યું, “આ બધું રસ્તામાં કેમ નાખ્યું છે, ગણપત ત્યાં આગળ જ રમે છે એ જો રમતા રમતા આ બાજુ આયો તો એને વાગી જશે”
“અલી, મેલું છું હવે થોડો શ્વાસ તો લેવા દે”
“હઉ, લઇ લો લઇ લો શ્વાસ લઇ લો…થોડો”
ખુલ્લું પડેલું “ખેડું મિત્ર” છાપાનું પાનું જોયું અને જોરથી વાંચ્યું,
“દરેક જગ્યાએ પાણી ભરપુર, મધ્યપ્રદેશમાં પુર”
અને ચુલા પર કંઈક વઘાર કરતી ઉમાને કહ્યું,
“અલી તું આવું બધું કેમ વાંચે છે, અહીંયા પાક થતો નથી, લેણદારો પાછળ પડ્યા છે, આટલો દુકાળ છે ને તું પુરના સમાચાર વાંચે છે, કેમ હેરાન કરે છે!”
“ના રે ના, એવું બધું કંઈ નથી વાંચતી, આ તો, એ પાનાંમાં નીચે જુઓ નવી વાનગી આવી છે, દુકાળ પેસ્યલ વાનગી…એની રીત વાંચતી હતી, વઘાર થઇ ગયા પછી શું લખ્યું છે, જરા વાંચીને કહો” ઉમા એ પૂછ્યું.
” ‘દુકાળ પેસ્યલ’ એમ ને… હા… મળ્યું…કે’ છે કે સમારેલી બધી શાકભાજી નાખ…ને પછી થોડી વાર બધું વઘારમાં શેકી અને પાણી નાખ…અને પછી ૧ ચમચી હળદર નાખ અને મીઠું નાખ”
ઉમાએ બધી શાકભાજી નાખી…
“કેટલું મીઠું નાખવાનું છે?”
“એક મિલીટ…વાંચીને કહું… હા… સ્વાદાનુસાર મીઠું”
“પછી?” ઉમા એ પૂછ્યું.
“હવે ૨ મિનીટ હલાવી અને પછી ઝેર”
ઉમાએ આજે જ બજારમાંથી લાવેલી ઉંદર મારવાની દવા નાખી અને આખી તપેલી સાણસીથી ઊંચકી શંભુ પાસે લઇ આવી અને કહ્યું,
” લો ચાખી ને જરા કહો તો કેવું બન્યું છે, પછી આપણે ત્રણે પી લઇએ”… એમ કહીને એણે ગણપતને બોલવા બુમ પાડી, “અલ્યા ગણપત આમ આય તો…. કશું આપું જો તને”
શંભુ એ કહ્યું,
“એમાં શું ચાખવાનું અલી, આ તો ઘટઘટાઈને પી જવાનું, પેલું હું કે છે હાંભ્ળ્યું નહિ,
ઝેરના પારખા……”
– સાક્ષર
ઇન્ડીયામાં ઘર દીઠ ગાડી ના હોય, અમેરિકામાં ઘરઘાટી ના હોય!
અમેરિકામાં સવાર થતા ફોનમાં હાય હાય શરૂ થઇ જાય? ના હોય!
ઇન્ડીયામાં સવાર થતા કામવાળી બાઈની હાય હાય શરુ થઈ જાય “ના” “હોય’’
અમેરિકામાં રંગ બેરંગી વિવિધ આકારના સુંદર પુષ્પો ખીલી ઉઠે ગાર્ડનમાંય !
પણ ઇન્ડીયાના જાઈજુઈ, ચંપો ચમેલી, ગુલાબ મોગરાની સુવાસ ત્યાં હોય? ના હોય
અમેરિકામાં સવારના પોરમાં મેડીટેશન કરતા ઓમકારનો ઉચ્ચાર મોટેથી થાય,
તો ત્યાં ડીસ ટર્બ સહુ થઇ જાય. “ના હોય”!
ઓમકાર ઉચ્ચારનો નાદ ઇન્ડીયામાં થતા હવામાં શુદ્ધિ થાય,
વાતાવરણ પવિત્ર બની જાય. “ના” “હોય”!
આજે સવારે સવારે એક ગમ્મત થઈ ગઈ. ફોનની ઘંટી વાગી ને મેં ફોન ઉપાડ્યો ને હલો કહું છું ત્યાં તરત જ ફોનમાં બોલ્યા હું હસું. ને મારાથી બોલાઈ ગયું હસો. પાછા એ બોલ્યા ના ના હું હસું છું. તો મેં કહ્યું ભઈ, હ્સોને મેં ક્યાં ના પડી છે?તો એ બોલ્યા અરે તમે મને ના ઓળખી? તમારા ભત્રીજા વહુની બેન હું હસમુખ! ને મારાથી બોલાઈ ગયું “ના હોય”ઓહ હસમુખ બેન !તો એમ બોલોને/હા. બોલો હવે શું ખબર છે?
હસુબેન-તમે આજનું છાપુ વાંચ્યું?
મેં કહ્યું ના કેમ શું થયું?
હસુબેન –બે ખબર એવી છે ને કે વાંચીને આપણા રુવાડા અધ્ધર થઇ જાય!
મેં કહ્યું ના હોય એવું તો શું બન્યું છે? બેન, તમે જરા સ્પષ્ટતા કરશો
હસુબેન –ક્યાય કદી સાંભળ્યું છે? બાપે દિકરી પર બળાત્કાર કર્યો હોય!
ના હોય!શું વાત કરો છો તમે? માન્યામાં જ ન આવે!
હજી બીજા પણ એવા જ સમાચાર સાંભળતા આપણા કાન ફાટી જાય અને કહેતા જીભ લજવાય ક્યાય સાંભળ્યું છે?દીકરાએ માં પર બળાત્કાર કર્યો!આવું શું હોય?
હે!નાહોય! શું કળજગ આવ્યો છે! નાહોય, આવું ના હોય, આ તો હડહડતો કળજુગ!
હસમુખબેન-હજી એક સમાચાર,
હવે વળી પાછુ શું છે?
હસમુખબેન – આમાં ગભરાવાનુ નથી તમને સાંભળીને સારું લાગશે એ વાત નક્કી. બન્ને પ્રેમી આપઘાત કરવા રેલવેના પાટા પર જઇને સુઈ ગયા. રેલગાડી બન્નેના ઉપરથી સડસડાટ ચાલી ગઈ?
હે! આ તું શું કહે છે! ના હોય! ને તે બન્ને?
હસમુખબેન-તે બન્ને આબાદ બચી ગયા. આવું બને કદી? એ તો એ બન્નેમાંથી કોઈને ઉ નીઆંચ પણ નથી આવી!આને જ કહેવાય રામ રાખે તેને કોણ ચાખે? આતો ખરેખર પ્રભુની મોટી કૃપા કહેવાય.નહી તો આવું ના હોય! હવે તને શાંતિ થઈને?
હાશ મને સારું લાગ્યું, ને એવા કોઈ સમાચાર સાંભળું ને તો જીવ ઉચાટમાં પડી જાય.
હસમુખબેન- બાકી બધું ઠીક છે ને?
હા પણ જો ને, અહિયાં આ બાઈઓનો મને ખૂબ ત્રાસ લાગે છે. અમેરિકા જતા જતા મારા દીકરાએ બાઈને થોડા વધારે પેઈસા આપીએ તો તે રસોઈ પણ કરે અને પપ્પાનું કામતો તે કરે છે એટલે મને થોડી શાંતિ, પણ શું ખાક શાંતિ? ને તમને ખબર છે હસમુખબેન, જે દિવસે મહેમાન આવવાના હોય ને એ દીવસે તો અચૂક તેનો ખાડો હોય જ.
હસમુખબેન-જુઓ બેન એક વાત તમને કહું? અહીના કામવાળા બહુ હોશિયાર હોય આપણી ફોન પર વાત ચાલતી હોય ને તે સાંભળી જાય કે કાલે મહેમાનની પધરામણી થવાની છે તો તમે કહ્યું તેમ સમજી લો ડબ્બા ગુલ!
એમ !ના હોય હૂ તો એને ખાસ કહું કે ભઈ કાલે તું જરા જલ્દી આવજે હો આપણે ત્યાં મહેમાન આવવાના છે
હસમુખબેન –ના હોય, જોજો હવે આવી ભૂલ કરતા!
ના હવે એવી ભૂલ ના થાય, પણ એક દિવસ એવું થયું કે બાર વાગી ગયા હતા ને બાઈ નોતી આવી ને તેમની ઓફિસમાંથી મને ફોન આવ્યો કે તમારી બાઈ શું કરે છે? મેં એનો બચાવ કરતા કહ્યું કે દુરથી આવે છે ને એટલે કોઈ વાર મોડું થઈ જાય. તે હજી આવી નથી. તો ઉપરથી મને દબડાવવા માંડી કે કેમ નથી આવી? તમે અમને ફરિયાદ કેમ ના કરી? તમારી બાઈ અત્યારે અમારી ઓફિસમાં મારી સામે ઉભી છે.
હે “ના હોય!” જ્વા દે મારું તો માથું દુઃખી ગયું.ફરી કોઈ વાર મળશું.
પદમાં-કાન
જય અને રીમા નો સંવનન પ્રણય તબક્કો બે વર્ષ પુરા કરી ગયો હતો.. તેમની વાતોમાં કાયમ એકાદ વખત જયની સુંદર આંખો અને રીમાનાં લાંબા કેશનો ઉલ્લેખ આવે આવે અને આવે જ.
જય કહેતો “પદ્મિનિ એટલેજ લાંબા કેશ ધારીણી.”
રીમા કહેતી તારી આંખોનાં સમુદ્રોમા.મને ડુબવું ગમે છે જય..”
જય કહે તારા કેડથી યે નીચે જતા કેશની અમળાટો જોઇને હું વારી જતો હોઊ છું અને એજ વાત રીમા કહેતી તારી આંખો જ મારા મન ને રીઝવતી રહે છે.. કેટલી તરલ અને પારદર્શક છે?
હવે તેઓ જીંદગી વિશે ગંભીર વાતોએ ચઢ્યા હતા.. હળવુ અને ફરવુ એક તબક્કે તો ગંભીરતા પકડે બસ તેમ જ આજની ચર્ચામાં તેઓની વાતો હતી ” પરસ્પરનો વિશ્વાસ”
પ્રેમ હોય ત્યાં વિશ્વાસ આવતો જ હોય છે તે ચર્ચાને જયે આગ્રહ પુર્વક વધારી હતી. રીમા કહેતી કદીક એ પ્રેમની પરીક્ષા પણ કરવી જોઇએ.. બાકી આજ કાલ તો પ્રેમ હોય તોજ સંવનન તબક્કો વર્ષો સુધી ચાલે. નહીંતર તુ તારા ઘેર અને હું મારા ઘેર થતા ક્યં વાર જ લાગે છે?”
“હેવમોર” સયાજીગંજ વડોદરાનું તેમનું માનીતું સ્થાન અને તેમનો રૂમ પણ કાયમ રીઝર્વ.. ફોન રીમા કરીજ દે.
આજે જયે નક્કી કર્યું હતું કે પ્રેમ તો છે .જે શારિરીક આકર્ષણોની પરે છે કે નહીં તેની કસોટી કરવી જ છે. તેથી તેણે ૪૫૦૦૦ રુપીયાની વીંટી લીધી અને સહેજ વાતાવરણ વ્યવસ્થિત કરવા લાલ ગુલાબનાં ૧૨ પુષ્પો લીધા. રીમા આજે સ્વીટ હાર્ટ માંથી પત્ની થવા જનારી હતી.
તેનું ગમતુ ફીલ્મ ‘સચ્ચા જુઠ્ઠા’નું ગીત ” યું હી તુમ મુઝ સે બાત કરતી હો યા પ્યાર કા ઇરાદા હૈ..”ગાતા ગાતા તેણે રીમાને લાલ ચટ્ટક ગુલાબોનો ગુલદસ્તો આપ્યો અને પુછ્યુ “મારી પદ્મિની..મને તારો ભરથાર બનવાની સંમતી આપીશ?” અને હીરાની વીંટી વાળું લાલ પેકેટ ખોલીને ફીલ્મી અદામાં નીચે વળીને ઉભો રહ્યો…”
રીમાએ ઝુકીને જયને હા પાડી પણ એક વાક્ય તેના મગજમાં ઝબકી ગયું પ્રેમની પરિક્ષા કરવાનો આ સમય છે. તેણે ધીમે રહીને તેના વાળની વીગ ખોલી હાથમાં લીધી..
વિસ્મયથી જયે કહ્યું ” ના હોય! રીમા!”
જય થોડીક વાર શાંત રહ્યો તેણે ગજવામાંથી ચશ્મા કાઢ્યા અને પહેરી લીધા…
પછી કહ્યું ” હા. હોય રીમા”
રીમા માટે પણ આ આંચકો જ હતો. પછી તે ખડખડાટ હસી પડી.. જય આપણે પરણીશું તો ખરા, પણ આ આંખો અને વાળને કારણે નહીં. પરસ્પરના વિશ્વાસ ને કારણે !
‘ના હોય’ એટલે આ શક્ય જ નથી. આવું તો કાંઇ હોતુ હશે? રોજીંદા જીવનમાં અવારનવાર ‘ના હોય’ શબ્દપ્રયોગ દરેક જણ કરતાં હોય છે. અને શું વાત કરો છો? ‘ના હોય’ સાંભળવા મળે છે.
સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી ‘ના હોય’ શબ્દનો જન્મ થયો છે. સતયુગ, ત્રેતા, દ્વાપર અને પછી અત્યારે કળિયુગમાં ‘ના હોય’ શબ્દ બોલાતો આવ્યો છે. સતયુગમાં જે ઘટના બની એ ગ્રંથોમાં આજે વાંચીએ કે સાંભળીએ તો લાગશે … શું ખરેખર આવું હતું? ‘ના હોય’. એજ રીતે ત્રેતા અને દ્વાપર યુગમાં જયારે રામ-કૃષ્ણ થઇ ગયાં, એ મંત્ર-તંત્રના યુગમાં જે બની ગયું એ કાલ્પનીક જ લાગે અને બોલાઇ જાય ‘ના હોય’. ભાગવતજીમાં દ્વાપરયુગના અંતમાં શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરના પૂછવા પર કળિયુગનાં લક્ષણોનું વર્ણન કરે છે અને એ વખતે જેણે પણ સાંભળ્યું હશે તેનાથી બોલાઇ ગયું હશે, ‘ના હોય’ અને અત્યારે જયારે કળિયુગ હજુ તો ભાખોડિયા ભરી રહ્યો છે, અને એ બધું જ સાચુ પડી રહ્યું છે. ના બનવાનું બની રહ્યું છે આ મશીનયુગમાં, ત્યારે નાના-મોટા સૌ બોલી ઉઠે છે, ‘ના હોય’.
આધુનિકતાની ઉપજ એટલે ‘ના હોય’. આજે યાને ‘મંગળ’ પર ઉતરાણ કર્યું … સાંભળીને સ્વાભાવિક બોલાઇ જાય … ‘ના હોય’. આજે વિજ્ઞાનનાં ખેતરમાં કેટલોય ‘ના હોય’નો પાક લણવામાં આવી રહ્યો છે. દર મીનીટે ‘ના હોય’ની મબલખ પેદાશ જોરશોરથી વધે છે. થોડાકજ સમયમાં વર્તમાનની શોધ ભૂતકાળ બની જાય છે. અને માનવ જીવન હોય-ના હોયનાં ચકરાવામાં વમળ લેતું થઇ ગયું છે.
વૈશ્વિક સ્તરે ગ્લોબલ ચેન્જીસ આવે છે. ‘શિયાળે શિતળ વા વાય, પાન ખરે, ઘઉં પેદા થાય’, આ લોકોકિત ખોટી પડે ત્યારે બોલાઇ જાય … ‘ના હોય’. જયારે ભર તડકામાં વરસાદ વરસે અને શીયાળામાં ગરમી અને ઉનાળામાં ઠંડી લાગે, કમોસમે માવઠું થાય, બારે માસ તમામ ફળ-ફૂલ મળે, આમ કુદરત પણ બદલાઇ જાય ત્યારે ઉદ્ગાર સરી પડે, ‘ના હોય’.
- અનિયમિત લાઇફ સ્ટાઇલને કારણે દિકરો, બાપની કાંધે જાય ત્યારે … ‘ના હોય’ બોલાઇ જાય,
- નિયમિત જીવનાર વ્યક્તિનું અચાનક હ્રદય બંધ પડી જાય ત્યારે તરત બોલાઇ જાય …
- જયારે નાની ઉંમરે મા-બાપનું મૃત્યુ થાય ત્યારે …
- જયારે અકાળે કોઇ મહાવ્યાધિ આવે ત્યારે …
- જયારે રાતોરાત રોડપતિ, કરોડપતિ બની જાય અને કરોડપતિ રોડપતિ બની જાય ત્યારે …
- આખી જીંદગી ખરાબ કર્મો કરનાર સુખેથી જીવતો જોવા મળે ત્યારે … અરે! તેનું મોત પણ સુંદર રીતે આવે ત્યારે …
- જયારે દેવ જેવો માનવ, દાનવ બની જાય અને દાનવ જેવો દેવ ત્યારે …
- જયારે સંબંધોનાં સમીકરણો અને સંબંધોની વ્યાખ્યા બદલાઇ જાય ત્યારે … કહોને ફૂલ વાવો અને બાવળ ઉગે ત્યારે …
- સંબંધોમાં વ્યક્તિનાં મૃત્યુ પહેલાં સંબંધો મરે ત્યારે …
- જયારે માવતર કમાવતર થાય અને પૂત કપૂત થાય ત્યારે …
- જયારે સાંભળવા મળે, ફલાણા મા-બાપને તેના છોકરાં-વહુએ તેમનાજ ઘરમાંથી કાઢી મૂકયા …
- જીવન આખુ બીજા માટે ખર્ચો અને નસીબ જશ ના આપે ત્યારે …
- જયારે કાગડો દહીથરૂ લઇ જાય ત્યારે …
- પૈસા ખાતર શરીર વેચાય ત્યારે …
- ૮૪ વર્ષની મહીલાનાં ગર્ભમાં ૪૪ વર્ષનું બાળક મરેલુ નીકળે ત્યારે …
- ૯૬ વર્ષનાં દાદા, બાપ બને ત્યારે …
- કયારેક મૃત્યુ પામેલાં માણસનું ભૂત અચાનક સામે જોવા મળી જાય …
- અરે! સ્મશાનમાં મડદુ અચાનક બેઠું થઇ જાય …
- લગ્નનાં ૫૦ વર્ષ પછી છૂટાછેડા … !!!
- ટૂંકમાં ના બનવાનું બને ત્યારે … નકારાત્મકની જેમ હકારાત્મક ઘટના માટે પણ ‘ના હોય’ બોલાઇ જાય છે.
- જયારે વગર આવડતે માણસ સિધ્ધિની ટોચે બિરાજે ત્યારે …
- ના ધારેલી સફળતા મળી જાય ત્યારે …
- કોઇને મોટી રકમની લૉટરી લાગે ત્યારે …
- કોઇ ગરીબ ભણીને મોટા હોદ્દા પર પહોંચે ત્યારે ભરપેટ જમ્યા પછી ૫ લાડવા ખાઇ શકે … ‘ના હોય’
- અહીં થોડી ઘટનાઓનો હું ઉલ્લેખ કરવા માંગુ છું …
- એક બાળક ઘરમાં ઓછું બોલે, પણ વકૃત્તવ સ્પર્ધામાં પ્રથમ આવ્યો. સહુ બોલી ઉઠયા … ‘ના હોય’.
- એક વાસ્તુના પ્રસંગે રસોઇમાં રસોઇયાએ લાડવામાં બુરૂખાંડ ના બદલે ભૂલમાં મીઠું નાંખ્યું. શું હાલત થાય… ‘ના હોય’.
- એક ડૉકટર તેના ફીઝીશીયન મિત્રને મળવા જાય છે. ફીઝીશીયન કહે છે, બહુ વખતથી તારો કાર્ડીઓગ્રામ લીધો નથી. ચાલ સૂઇ જા. કાર્ડીઓગ્રામ લેવો શરૂ કરે છે. મોનીટર પર ધ્યાન જાય છે. તો શું જુએ છે? ડૉકટર મૃત્યુ પામેલા હતા … શું વાત કરો છો? … ‘ના હોય’.
- એક માણસે મધરાતે આપઘાત કરવા માટે ૩ માળ ઉપરથી ભૂસકો માર્યો. ધબાકો થયો … એ તો ઉભો થઇને પાછો ઉપર સીડી ચઢીને ગયો. પરંતુ જેના પર પડયો તેના રામ રમી ગયા … ‘ના હોય’. અને એક વ્યક્તિ ત્રણ પગથિયા પરથી પડયો અને મરી ગયો … ‘ના હોય’.અમદાવાદના મંદિરનાં ઓટલે બે ડોશી શાંતા અને ગંગા વાત કરે છે.ગંગાઃ હેં! ‘ના હોય’ગંગાઃ હેં! શું વાત કરે છે! ‘ના હોય’ગંગાઃ હાય, હાય! ‘ના હોય’, શું વાત કરે છે! છોકરો થઇને છોકરાને પરણે? ‘ના હોય’ … શું કળજુગ છે … !!!ગંગાઃ તે હેં શાંતા, ભલેને નરેશ, મહેશ સાથે પરણે. બળ્યું આમ વિચારીએ તો ખોટું શું? છોકરાં ના થાય એજને!!! છોકરાં તો આમેય આજની છોકરીઓને ક્યાં કરવા છે? પૈસા કમાય અને ફીગર સાચવે. છોકરાં તો હવે તૈયાર લઇ આવે છે. આ વિજ્ઞાને તો દાટ વાળ્યો છે. આમેય છોકરો-વહુ બન્ને ઘરનું અને બહારનું કામ વહેંચીને કરતાં હોય તો બે છોકરી પરણે કે બે છોકરાં પરણે, આપણને શું ફેર પડે?ગંગાઃ હાચુ, હાચુ, આ જમાનામાં હંધુય બની શકે. બધુંજ ‘ના હોય’ ‘ના હોય’ નહીં … બધુંજ હોઇ શકે.ગંગાઃ ‘ના હોય’ તારી વહુ ખાવા ના દે એવી નથી.ગંગાઃ હા … હા … હા!!! ચાલ ચાલ, વરસાદ પડતો હોય અને દાળવડા-ભજીયા ‘ના હોય’ એતો નાજ ચાલે … હાવ હાચી વાત …અને છેલ્લે એવા દર્શકો કે વાચકગણ કયાં કે જયાં તાળીઓ ‘ના હોય’ … હોય … હોય ને હોય …કલ્પના રઘુ
- શાંતાઃ કેમ ભૂલી ગઇ? ડાયાબીટીસ …
- શાંતાઃ ચલને અલી આજે દશેરા છેને? ફાફડા-જલેબી ના ખાઇએ એ કેમ ચાલે? ચાલ ખાવા જઇએ … વહુ પાછી ખાવા નહીં દે.
- શાંતાઃ વાત અલી, સો ટકા સોનાની, હાવ હાચી. મને આ તારી વાતમાં દમ લાગ્યો. મારી વહુ, જોને છોકરા કરતાં વધારે કમાય છે. આમેય મને પાણીનો પ્યાલોય નથી આપતી. તો એને છોકરો ગમે કે છોકરી, જેની હારે રહેવું હોય એને પૈણે, આપણને હું ફેર પડે છે. આજકાલ તો છોકરાના મા-બાપ છતે છોકરે વાંઢા છે. અને વહુરોના મા-બાપ રાજ કરે છે. હવે તો છોકરી નહીં છોકરાં વળાવવાનો જમાનો આવ્યો છે … હાચું ને … હવે બોલ, ‘ના હોય’.
- શાંતાઃ અરે શું ‘ના હોય’ ‘ના હોય’ કયારની રટે છે. હવે તો બધું આમજ હોય અને આજ હોય.
- શાંતાઃ અરે સાંભળ તો ખરી … એક છોકરો નાતમાં પરણ્યો અને પેલો નાનો નરેશ તો કહે, મારે તો મારા ભાઇબંધ મહેશ હારેજ પરણવું છે
- શાંતાઃ સાંભળ તો ખરી. એ પોતે બ્રાહ્મણ. એને સાત છોકરાં. એક મદ્રાસીને, એક પંજાબીને, એક સીન્ધીને, બે અમેરીકા છે તે એક અમેરીકનને અને એક ચીન્કીને પરણ્યો અને એ પરણ્યો ત્યારે તેની વહુને સાતમો મહિનો જતો હતો.
- શાંતાઃ સવિતાનાં ઘરમાં તો આખી દુનિયા વસી છે!
- આમ આ યુગમાં ગાય પણ ઘાસના બદલે પ્લાસ્ટીક ખાતી થઇ ગઇ છે. કુદરતની સાથે પશુ-પક્ષી અને માનવ પણ બદલાયો છે. માનવજીવન વાડા વગરનુ બની ગયુ છે. ટૂંકમાં કોઇ નીતિ નિયમ રહ્યા નથી.વૈશ્વિક ચેતના વિકસી રહી છે. તેમાં સામાજીક બંધન અવરોધરૂપ બને છે. લગ્ન વ્યવસ્થા ભાંગી પડી છે. આ વાત પર પ્રકાશ પાડતુ એક નાનકડુ રૂપક રજૂ કરૂં છું.