નિવૃત્તી નિવાસ-

બહુ લેખક દ્વારા લખાતી નવલકથા નો આ પ્રયોગ ગુજરાતી સાહિત્ય સરિતામાં ૨૦૦૬માં થયો હતો આ કથા લગભગ દસ કરતા વધુ લેખકોનો સમુહ પ્રયત્ન છે જે નિવૃત્તી નિવાસ નાં પશ્ર્ચાદભુ માં સર્જાયો અને મહદ અંશે દરેક ઘટનાઓ એક જ દિવસની ઘટના અને દરેક પાત્રના માનસીક અજંપામાં થી નીપજતી કથાનાં સ્વરુપે છે. એક નવો પ્રયોગ છે જેને તમે નવલીકા અને નવલકથા  નાં મધ્ય સ્તરે પણ મુકી શકશો

નિવૃત્તી નિવાસ-(૧) મનોજ મહેતા

સંધ્યાનો કુમળો તડકો, આકાશ જે બાંકડાના ખૂણે બેઠો હતો ત્યાં સુધી  આવી ન શક્યો.આકાશ ક્યારનોય બાંકડાના ખૂણે લાંબા થઈ રહેલા પડછાયા  ને ધિરજથી જોતો રહ્યો. એણે ઉપર જોયું ત્યાં પણ આકાશ અને એમાં અવકાશ. ખાલીખમ.આખું આકાશ પણ તેના અંતરની જેમ ખાલીખમ.વળી માથું ધુણાવ્યું
અને બબડ્યો ‘હં, દિવસેતો આકાશ ખાલીખમ જ હોય ને! કવચિત કોઈ વિમાન  સમડી, કાગડો કે પતંગ જોવા માળી જાય. પાછું થયું’ હવે થોડી વારમા રાત  પડશે.’ આ ખાલીખમ આકાશ લાખો કરોડો તારાઓ મઢીને હસી ઉઠશે.પણ મારુ  શું?

મારું ખાલી અંતર–?

એ મૃદુ હસ્યો,એ હસતી આંખોમાં તોફાન પહેલાની શાંતિ  જણાતી હતી. એ પલકો બિલકુલ કોરી હતી.     

નિવૃત્તી નિવાસ ના પ્રત્યેક રહેવાસીને ખબર છે કે બહાર બગિચામાં, એની આ  પ્રિય બેઠક ઉપર એકલા બેસવાની આકાશને આદત છે.અંહી બેસી આકાશ તરફ  મીટ માંડી તેમાં કંઈક શોધવાની પણ ટેવ છે. જીવાણી તેને ખગોળશાસ્ત્રનો ડોક્ટર  તરીકે ઓળખતો. જીવાણી તેની સાથે અવારનવાર ઘુસપુસ કરતો નજરે ચડતો.
સાઠે તેને લેખકની ભાષામા ‘ચાંદ તારાનો ડોક્ટર ‘ કહેતો. બધા માનતા કે આ પૃથ્વિ પરના આકાશને , ઉપર છવાયેલ આકાશ-અવકાશ સાથે અનન્ય રિશ્તો છે.   અહી સર્વે જાણતા હતા કે હાલમા નજરે પડતા આકાશના જર્જરિત શરીરમા એક જમાનામા ફૌલાદી તાકાત અને બુધ્ધિમતા હતા. ૧૯૬૨મા નેફાને  મોરચે ચીનાઓને હંફાવવામા તેનું પ્રદાન શ્રેષ્ઠ હતું. ભણતર અડધેથી છોડી એર- ર્સમા જોડાઈ દેશની રક્ષાને કાજે ઝંપલાવ્યું હતુ.નાનપણમા માતાપિતા તથા સહુ   કુટુંબીજનોને ગુમાવનાર આકાશને જીવાણીએ પ્યારથી ઉછેર્યો હતો.જીવાણીએ તેને  વડિલબંધુનો પ્રેમ આપ્યો હતો. નેફાને મોરચે દેશ કાજે જવાના નિર્ણયથી જીવાણીનું  કાળજું કપાઈ ગયું. આકાશ ખૂબ ચંદ્રકો મેળવી નામ રોશન કરવામા સફળ થયો.ધન
અને યશનો સુભગ સંગમ થયો. કીર્તિના ઝળહળાટે સહુ અંજાયા, ઘરની દિવાલો  ચંદ્રકોથી સોહી ઉઠી. કોલેજની કારકિર્દીમા મેળવેલા નાટક, ગીત અને પરફોર્મિંગ આર્ટસ સ્પર્ધાનના ચંદ્રકો,એકેડેમીક અને પી.એચ.ડીના પ્રમાણ પત્રકો જાણે આકાશ  ના ચાંદ બધા ધરતી પર ઉતરી આવી તેના ઘરની શોભામા અભિવૃધ્ધિ કરિ રહ્યા હતા.
જીવાણી પોરસાઈને સહુને કહેતા ‘આકાશમા તો માત્ર એક જ ચાંદ કિંતુ ધરતી પરના  આ આકાશનું ઘર કેટ કેટલા ચાંદથી ઝળહાળાટ પામી રહ્યું છે.’
આકાશ આભને નિહાળી રહ્યો. સંધ્યા પૂરબહારમા ખીલી હતી. ચાંદ પ્રકાશી રહ્યો હતો અને તારલાઓ ટમટમવા માંડ્યા હતા. ચાંદ અને તારાઓની નદી ન વહી રહી હોય.આકાશ -ગંગાએ બબડી ઉઠ્યો. સ્મરણ પટ પર કદી ન વિસરાયેલી એ ગંગા  છવાઈ ગઈ. જે હજુ ગંગામાં પરિવર્તિત થઈ ન હતી. ઝરણાની જેમ ઉછળતી કૂદતી ચંચળ ને કોમળ અલકનંદા ધસી આવી.એ ફરી બબડી ઉઠ્યો, અલકા, અલકનંદા એની પત્ની.
એના વિચારોની ગાડી ઝડપથી ,ધસમસતી અતીતના પાટા પર દોડવા માંડી .ફક્ત સાધારણ આકસ્મિક ઓળખાણ અને સંજોગોના તાણાવાણા બંધાઈ ગયા.આકાશ અને અલકનંદા લગ્નના પવિત્ર બંધનથી જોડાયા.આકાશના હ્રદયમા આ ચાંદ સમાઈ   ગયો. નિવાસને આકાશ-ગંગા નામ આપી સંસારના શ્રી ગણેશ માંડ્યા. આકાશની  આંખોમા આર્દ્રતા છવાવા માંડી , મધુરજની માણવા ગયેલ હિમાલયની ગોદ તરવરી  ઉઠી. લક્ષ્મણ ઝુલાના પુલ પાસેની મુલાકાત, પાણીમા છબછબિયા કરતા હાથમા  લીધેલ નંદાનો હાથ— હસ્તરેખાનો પારંગત આકાશની નજર નંદાની ડાબા હાથની   હથેળીની રેખાઓ જોઈ અવાચક થઈ ગયો. તેની સ્મૃતિ તાજી થઈ અલકા તેને ખૂબ
હલબલાવીને પૂછી રહી હતી,આકાશ શું થયું? આકાશ,આકાશ અને આકાશે બેહોશી  ખંખેરી વાત ઉપજાવી કાઢી. અસલ વાતને છુપાવવા તે કામયાબ થયો. વાતને બીજા પાટે વાળી હાથની રેખાઓની, ગતિ, વિધિ, સ્થિતિ વગેરેની વાતો કરવા  માંડ્યો.
અચાનક બંનેની નજર એક ખરતા તારા પર પડી.તેનો મતલબ સમજતા હતા તેથી બંને એ આંખ બંધ કરી કંઈક માગી લીધું. અલકા બોલી ઉઠી ‘ જો આકાશ મેં કંઈક માગ્યું પણ હું તને નહી કહું.’ આકાશ પણ લાડ કરતા બોલ્યો, ‘મેં પણ  કંઈક માગ્યું,હું પણ તને કહેવાનો નથી.’એના પ્રતિઘોષમા તે ભય સ્પષ્ટ જણાયો.

સંજોગોના કાળચક્રમા અઘટિત  ઘટના ઘટી ગઈ.આંખો પર આંસુનાં તોરણ બંધાયા હતા. સહદેવ સમ વેદના એના અંતરમા ઉભરાઈ આવી હતી. સંધ્યાના સૂરજના કુમળા કિરણો વક્રીભૂત થઈ પાછા ફેંકાયા.એની માન્યતા સાચી ઠરી, જે ભાખ્યું હતુ તે જ થયું.
સ્મરણ પટ પર પ્રસંગો ચલચિત્રની માફક ઉપસી આવ્યા. અલકાના સગર્ભા અવસ્થાના દિવસો યાદ આવ્યા. દિવસ સોનેરી અને રાત રૂપેરી,બાળક દિકરો હશે કે દિકરી? એને શું ગમશે? શું નહી ગમે? એ શું ખાશે, શું પીશે,શું શું રમશે? બસ તેની ચર્ચામા દિવસ અને રાત પૂરા થતા. વડોદરાની કોલેજમા મહેમાન પ્રધ્યાપક તરીકે જ્યારે લેક્ચર આપવાના હતા. વિષય હતો આકાશનો  મનગમતો”પ્લાનેટોરી પોઝીશન્સ એન્ડ ઈટ્સ મેનીફેસ્ટેશન ઓન હુમન લાઈફ.”
હજુ તો લેક્ચર શરૂ થાય તે પહેલાજ ફોનની ઘંટડી રણકી. અલકાનો અવાજ  ધ્રુજતો હતો. ‘આકાશ મારી પાણીની બેગ ફૂટી ગઈ છે અને હું ઘરેથી દવાખાને જવા નિકળી ગઈ છું. ડો.શુશીલા પણ દવાખાને આવવા નિકળી ગયા છે.ચીંતા કરતો નહી. હવે ડો.જ તને ફોન કરશે.’
હજુ પણ તાજુ હતુ કે એ લેક્ચર આપતો હતો ત્યારે સખારામ ચિઠ્ઠી આપી ગયો     હતો. એ ચિઠ્ઠીની ગડીમા અલકાનું ભવિષ્ય બંધાયેલું હતું. એક ક્ષણ એ અવાચક  થઈ ગયો પણ પછી લેક્ચર આટોપી મારતી ગાડીએ શહેર તરફ પ્રયાણ કર્યું. ક્યારે દવાખાનાને દરવાજે આવીને ગાડી ઉભી રહી તેનો પણ ખ્યાલ ન રહ્યો.
સગર્ભા અલકાને લઈ દવાખાને જવા નિકળેલી ગાડીનો ડ્રાઈવર બાબુ કોઈ  અગોચર મંઝિલ તરફ ધસી રહ્યો હતો.અલકાના શ્વાસ દવાખાને પહોંચ્યા ત્યાં સુધી વાતોની આપલેમાં ગુંથાયેલા હતા. એને શબ્દે શબ્દ યાદ આવી ગયો—-

       અલકા બોલી હતી “આકાશ……….
“યાદ છે તને લક્ષ્મણ ઝુલા…?”
“તેં મારો હાથ જોયો હતો……..”
“તારી આંખોએ ચાડી ખાધી હતી….”
“તારી આંખોમા ભય અને મારું મૃત્યુ વંચાયું હતું….”
“આકાશ, તને યાદ છે કરતો તારો”………
‘ત્યારે મેં પ્રભુ પાસે એજ માંગ્યું હતુમ …કે તેં જે મારા
હાથમા જોયું તે સાચુ ન પડે!”……
“તને યાદ છે એ ખરતો તારો…………..
“મારા સ્વાર્થ માટે નહી..પણ તારી આંખોમા સમયેલ એ મારા    મૃત્યુના ભયને તું સહન કેવી રીતે કરીશ?”…….
‘અરે, ..આ જ વાતના તો મને રોજ દુઃસ્વપના આવતા હતા.’
‘સાંભળ…મારિ પાસે હવે સમય નથી…પણ એક ભલામણ   કરતી જાંઉ છું, તારી ભવિષ્યની એકલતાની ચીંતા છે,…માટે સહુનું ભલુ કરજે, …સહુનો થઈને રહેજે….જેમ મારો  અંતકાળ સુધાર્યો છે તે પ્રમાણે બને તેટલાના અંતકાળ સુધારજે.
સદાને માટે તેની આંખો મિચાઈ ગઈ………….  

યાદના આંસુ ગાલ ઉપરથી  વહી રહ્યા હતા.એના નિશ્ચલ ચહેરા પર અલકાની અંતિમ ઈચ્છા પૂરી કરવાનો નિર્ધાર લેવાઈ  ચૂક્યો હતો. જેને કોઈ સગુ યા વહાલું ન હતું.જેના બાપ દાદા અઢળક જમીન ,જાગીર અને દૌલત નૉ ઝળહળાટ મૂકી ગય હતા એવો આકાશ પત્ની અલકનંદાના છેલ્લા શબ્દોને સાર્થક કરવાના મનસૂબા ઘડી રહ્યો હતો.
ઘણા સત્કાર્યો કર્યા કિંતુ જીવને શાતા ન સાંપડી. એ વિચારે ચઢી ગયો,અલકાના શબ્દો યાદ આવ્યા,” સહુનું ભલુ કરજે, સહુનો અંત સુધારજે’.

અંત…….શરૂઆત…..અંતની શરૂઆત…  વાહ, ….અને મનમા વિચાર સ્ફૂર્યો , હા , બસ કરવું તો આ  જ કરવું. સહુની જીંદગીના અંતની શરૂઆત સુધારવી.   બસ પાક્કો નિર્ણય કરી, જીવાણીને જણાવી તાત્કાલીક અમલમાં મૂકવાની તાકીદ આપી..જોતજોતામા આકાશગંગાની આજુબાજુની જમીન વેચાતી લઈ લીધી.મ્હોં માગ્યા પૈસા આપીને કબજો મેળવ્યો સુંદર ઘાટીલી વનરાજી અને આજુબાજુ નાની નાની વસાહતો ઉભી કરી.જીવાણીના એકલા પડેલા અતરંગ  નવનિત રાય ને શ્રી મેનન આવ્યા
આકાશનો મિત્ર સોહિલ સાઠે સંગે રણછોડ અને પેસ્તનજીને  લાવ્યો. એરફોર્સ વાળો પરાંજપે પણ જોડાયો. આ બધામા મેનન  એકલાજ પત્ની સહિત હતા તેથી તેમને થોડી સહાય રહેતી.
વિચારોમા અરકાવ આકાશ જીવાણીનો અવાજ સાંભળી સફાળો  બેઠો થયો.
“અરે જીવાણી ,શું કહે છે?”
“આપની તબિયત કેમ છે?”
“બોલને બધું બરાબર છે”.
“જો બધુ બરાબર હોય તો અગત્યના કાગળો ઉપર તમારી સહી જોઈએ છે.પણ જો થોડીવાર પછી…..

હા, તો   આજુબાજુ જોઈને અરે “નિવૃત્તિવાસ”ને આજે છ વર્ષ થયા”,હા ..હા
ચાલો સાંજ પડી ગઈ છે.જમવાનો સમય પણ થયો છે. બધું આટોપીને નિરાંતે આમ કરીશું.
દોઢ બે કલાક નિકળી ગયા.આકાશ પાછો પોતાના સૂવાના કમરામા આવી      પ્રભુનું નામ સ્મરણ કરી પથારીમા લંબાવ્યું.વિજળીના અજવાળા દૂર થયા અને બારીમાંથી આકાશના ચાંદ , તારા , નક્ષત્રો, ગ્રહો, આકાશ ગંગા વિ. પોતપોતાની સ્થાયી સ્થિતિમાં આવી પ્રકાશી રહ્યા હતા.
અલકાની તસ્વીરને  મનોમન ચુંબન આપી, તેના આદેશને માન આપ્યાના સંતોષ સુરખી સાથે નિંદ્રા દેવીના અંકે લપાઈ ગયો————      

નિવૃત્તિ નિવાસ-૨ પ્રવિણા કડકીયા

સુહાની સંધ્યા પૂર બહારમાં ખીલી હતી.સૂરજ ગગનેથી સરકી ધીરે ધીરે   સરકી ક્ષિતિજને આંગણ ઉભો રહી વિચારી રહ્યો હતો કે સૃષ્ટિને અંધકારમા    ગરકાવ કરી હું દુનિયાને બીજે છેડે પહોંચી જાંઉ કે નહી.’ નિવૃત્તિ નિવાસ’
મંદિરના ઘુમ્મટ ઉપર સોનાનો કળશ ઝગારા મારે તેમ સંધ્યાના રંગોમા  દીસી રહ્યો હતો.અમાસની રાતના કાળા ડિબાંગ ઓછાયા ધરતીને આવરી  લેવા ઉત્સુક થઈ રહ્યા હતા. આગાસીમા ઉભા રહી કુદરત સાથે મૈત્રીના  તારક મંડળ રચવાની આદત પડી ગઈ હતી. આ નાતો ખૂબ ગાઢો બનતો જતો  હતો.દુન્યવી સંબધો ધીરેથી આઘા સરતા જતા હતા.
જીવન યાદ અને ફરિયાદ વચ્ચે ઝોલા ખાતુ હતું. યાદ ખાટી હો યા મીઠી   મનમા જ માણવાની આદત હતી.ફરિયાદ કરવાની આદત ધીરે ધીરે ઓસરી ગઈ હતી.વાત ખાનગી રાખજો ફરિયાદ કરવી હોય,પણ કોને?મારી એકલતાનો સાથી હંમેશ હાજરીમા પણ ગેરહાજર જણાતો.કદી હુંકારો પણ ન ભરે.નારાજ પણ  ન થાય. અદૃશ્ય રહીને માર્ગદર્શન પૂરું પાડે.પરિણામે યાદ રહી અને ફરિયાદ ગઈ  યાદ આવતી, સળવળતી, ગલગલીયા કરતી જેમાં હું બેફામ બનૉને મહાલતી.
એકલતા સૂરીલા રાગ છેડતી અને તેમા હું ભાન ભૂલતી. વિચારોમા ડૂબી  મેરૂની સ્થિરતા,સમુદ્રની ગંભીરતા અને ચંદ્રની શિતળતાનો આહલાદક અનુભવ માણતી. વાવાઝોડાની ઝાપટથી જેમ ચિત્રની ડાળીઓ ઝૂમી ઉઠતી નથી તેમ  જીવનમા આવતા આરોહ અને અવરોહથી અલિપ્ત રહેવાના પ્રયત્ન કરતી.પણ  તેમાં સરિયામ નિષ્ફળતા જ વરતી. દરરોજ સવારે સૂર્યોદય દરમ્યાન દરેક ચીઝો  નું યથાવત હોવું જેટલું સહજ  અને સ્વાભાવિક હોવું એવું જીવન જીવવાનો પ્રયત્ન  કરતી. જે આવે છે તે જવા માટે નો મુદ્રાલેખ જીવનમા કોર્યો હતો. જેને પરિણામે સંવેદનાની માત્રા ધીરે ધીરે ક્ષીણ થતી જણાતી.

      જ્યારે આમ એકલી વિચારોની સૃષ્ટિમા વિહરતી ત્યારે ન તો અંધારી રાત  બિહામણી લાગતી ન પૂનમનો ચાંદ દૂધ જેવી સફેદ ચાંદનીમા નહાવા પ્રેરતો.પૂનમની ચાદની તેથી તો ગર્વીલી દીસે છે. નાની સી દીવી અંધારું દૂર કરવા જેમ શક્તિમાન બને છે .તેમ હ્રદય પર પથરાયેલા તિમિરના આવરણ દૂર કરવા જરી પુરાણી યાદો છવાઈ જાય છે. સ્વપનામા  કરેલા ખૂન માટે વકીલ યા ન્યાયાધિશની  આવશ્યક્તા નથી. જેલના સળિયા પાછળ કાળ કોટડીમા પૂરાવાની પણ જરૂરત  નથી હોતી.
‘નિવૃત્તિ નિવાસ’નું સંચાલન હવે તો કોઠે પડી ગયું હતું. મેનન સાહિબને  એકલતા સતાવતી. તેનો કોઈજ લાજ નહતો. આકાશ તેનું સંચાલન મેનન  સાહિબાને આપી થોડો હળવો બન્યો હતો. મી.મેનને ગુમાવ્યા પછી મેનન સાહિબા પ્રવૃત્તિમાં ગુંથાયા હતા. અવિનાશ મેનન આકાશનો મિત્ર, એક પછી એક પ્રિય વ્યક્તિઓનો વિરહ સહેવો દુષ્કર બનતો જતો હતો.ભલું થજો સરગમ બહેનનું જે  આવ્યા હતા ‘નિવૃત્તિવાસમા ‘ આશરો લેવા પણ બની ઉઠ્યા હરએકના ચહિતા.
સંગીતના સાત સૂરો જો છેડાઈ ઉઠે તો આખી સૃષ્ટિ ડોલી ઉઠે. તેજ પ્રમાણે  પ્રેમાળ, મીતભાષી સરગમ બહેને દરેકના દિલ જીત્યા હતા. કોઈ પણ અમંગળ  શંકાઓ હોય કે બિહામણો ભૂતકાળ. સરગમ બહેન પોતાની કુશળતાથી સુલઝાવતા  અને વદન ઉપર હાસ્ય ફેલાવવામા સફળતાને વરતા   અવિનાશના વિરહમા સફળતા પુર્વક ‘નિવૃત્તિ નિવાસના’ સંચાલનમા યા તો  ભાતીગળ વ્યક્તિઓ સાથે જો કદી કોઈ પણ અડચણ જણાયતો તેના ઉકેલ માટે મળો યા લખો સરગમ બહેન.ડો વિનય પંડ્યા નેતો સરગમ બહેન આવ્યા પછે ખુબ જ રાહત થઈ ગઈ કારણ તેઓ ભણતરે નર્સ હતા અને તેથી બહુ વિગતે કહેવુ નહોતુ પડતુ અને નાની મોટી માવજત તો તેઓ ડો વિનય પંડ્યા પાસે ફોન ઉપર પુછીને આપી દેતા..

મેનન સાહિબા ‘નિવૃત્તિ નિવાસ’નું સંચાલન કરતા કરતા પોતાનું અસ્તિત્વ વિસરી ગઈ હતી. સરગમ બહેનેતો જાણે જાદુ ચલાવ્યો હતો.સવારના પહોરમા સરગમ બહેન સિવાય કોઈની તાકાત ન ચાલે કે મેનન  સાહિબાને ઉઠાડે. આજે સૂરજ સવારની કોમલતા ત્યજી પોતાની અસલિયત પર આવી ગયો હતો. મેનન સાહિબાની ઉંઘ ઉડી અને સરગમ ઉઠાડવા ન આવી તેથી જરા નારાજ પણ થયા. બારણું ખોલીને બહાર આવી તો સામે જીવણજી,પેસ્તનજી અને ડો.પંડ્યા ઉભેલા જણાયા. તેને થયું અરે આટલી વહેલી સવારે આ બધા કેમ અંહી?

કોઈના મા બોલવાની હિંમત પણ ન હતી. મેનન સાહિબા કાંઈ પૂછે તે પહેલા જ ડો.પંડ્યા કહે કાલે રાતના સરગમ બહેન છાતીમા દુખવાની ફરિયાદ કરતા હતા. મેં તેમને દુખાવો દૂર કરવાની દવા આપી. સવાર થઈ ગઈ છે જરા જુઓને તેને  કેમ છે? મેનન સાહિબાએ સરગમના ઓરડા તરફ દોટ મૂકી. જઈને જુએ છે તો સરગમ “ચિર નિંદ્રામા” પોઢી ગઈ હતી.કોઈના પણ હોશકોશ ઠેકાણે નરહ્યા.નિવૃત્તિ નિવાસના’ આત્મા સમાન સરગમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.આકાશ પણ સમાચાર સાંભળીને દોડી આવ્યો. આટલી સરસ અને સુંદર વ્યવસ્થા વાળી સંસ્થાનું સંચાલન  જોઈ તે હમ્મેશા આનંદીત રહેતો. તેની નંદાનું સપનું સાકાર થઈ યોગ્ય  સ્વરૂપે પ્રક્ટી કાર્યરત થયું હતું.

સરગમ બહેન નિવૃત્તિ નિવાસમાં દરેકના વહાલા હતા. તેનું મોહક સ્મિત અને   પ્યારભરી વર્તણુક દ્વારા સહુના માનીતા હતા. કોઈને ,ક્યારેય ,કાંઈ પણ મુંઝવણ   હોય ત્યારે સરગમબેન પાસે બેધડક પહોંચી જતા. વેળા,કવેળા,ટાનું કે કટાણું કશું   જ જોવાનું ન હોય. દરેકનું સ્મિત ભર્યા ચહેરે સ્વાગત અને હમદર્દી ભરેલ હૈયુ. એ   સરગમ બેન આજે ચીર નિંદ્રામા’નિવૃત્તિ નિવાસ’ને માથે જાણે આજે આભ ટૂટી પડ્યું.
આકાશ બધી અંતિમ ગોઠવણમા પડ્યો. સંચાલક રેડ્ડીને બાકી બધી ભલામણ કરી વિદાય થયો. સરગમ બેનની અંતિમ યાત્રા વખતે સુંદર ગુલાબનો હાર પણ મંગાવી    રાખ્યો. અવંતિકા બહેનને તો સરગમ સાથે ખૂબ મનમેળ પડ્યો  હતો. તેમને તો હવે  ઘર કરતાં અંહી વધારે ગોઠી ગયું હતું. સોહિલ જે સરગમ બેનને અંહી લાવી સહુ ઉપર ઉપકાર કર્યો હતો તે તો સાવ જ નોંધારો બની ગયો.જીવણજી શૂન્યમનસ્કે બેઠા હતા.વલ્લભદા મનમા ને મનમા અષ્ટાક્ષર મંત્રનો જાપ કરી રહ્યા હતા. સરગમ બેનના પાર્થિવ દેહને મુલાકાતીઓના ઓરડામા જગ્યા પવિત્ર કરીને સુવડાવ્યો. અવંતિકા બેને સુરિલા અવાજમા ભજન ગાવાનું ચાલુ કર્યું.
 હે,નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીએ
શરણું મળે સાચુ તમારું એ હ્રદયથી માંગીએ 
  
જે જીવ આવ્યો આપ પાસે શરણમા અપનાવજો
પરમાત્માએ આત્માને ચીર શાંતિ આપજો. 
    ખૂબ ભાવ પૂર્વક ઈશ્વરને પ્રાર્થી રહ્યા હતા.મીના મેનને તેમની રોજની પ્રાર્થના
‘મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો.’ ગાઈ. નિવાસમા સોપો પડી ગયો. હવામાં સરગમની સુવાસ પ્રસરી રહી હતી.તેનો અવાજ ચારેકોર સંભળાઈ રહ્યો હતો.ક્યાંય તેમની ઝલક જોવામા આવતી ન હતી.
મીના મેનન ગુમસૂમ બેઠી હતી. તેના શરીરમાંથી જાણે બધી શક્તિ હણાઈ ગઈ    હતી. તન મનથી તે ભાંગી ગઈ હતી.સરગમબેને તો તેના જીવસમસ્યાનું સમાધાન   કેવી સરળતા પૂર્વક કર્યું હતું. અવિનાશ મેનન સાથેનો સ્નેહસભર ૩૦ વર્ષનો સહવાસ પણ તે સમસ્યાને સુલઝાવી શક્યા ન હતા. મનમાને મનમા દુઃખી થઈ રહી હતી,’તેં   કેવી રીતે છેલ્લી પળો વિતાવી હશે?આખી દુનિયાના દુખ સુણનાર અને તેને સુલઝાવ   બતાડનારની અંતિમ ક્ષણોમા તેને પસવારનાર કોઈ ન હતું. સરગમ બેને શાંતિથી પ્રભુનું શરણું સ્વિકારી લીધું.’ 
      મીના મેનને તે દિવસ યાદ આવ્યો. 
સરગમ ગયાના વિરહમા જુના દિવસોની યાદ તાજી થઈ.બાળપણમા  તોફાની રાણી તરીકે પંકાતી હતી.મારો ભાઈ મારાથી બે વર્ષ મોટો.અમારો  પ્રેમ ઉંદર બિલાડી જેવો. એ મને મોઢાના ચેન ચાળાથી ખીજવે અને હું,બોલી પડું તેને કારણે વાંક મારોજ જણાય.અરે મારા હિંદીના શિક્ષક એકવાર મને કહે  
 ’ મીના  તુમ બહોત હુશિયાર લડકી હો મૈં તુમ્હે અચ્છી લડકી બનઉંગા’. 

ફટ દઈને જવાબ આપ્યો ‘સર, મુઝે અચ્છી લડકી બનના નહી હૈ.’

મારી સાથે મારા કાકાની દિકરી અંજુ. બે તન ને એક જાન.

આવતી કાલે ઉતરાણ હતી. રંગીન મિજાજ હતો. બે કોડી પતંગ લાવ્યા.રાતના ૧૨ વાગ્યા સુધી બેસી કન્ના બાંધી.સૂરતનો કાચ પાયેલા માંજા વાળી ફિરકી મોટાભાઈએ અપાવી હતી.(હું મારા પિતાજીને મોટાભાઈ કહેતી હતી)સવારના પહોરમા ખીસામા તલના લાડુ ભરીને ઉપર અગાસીમા ગયા. ભલે  નાની બાળાઓ પણ છોકરાઓ રમે એ બધી રમતો ગમે અને રમતા પણ આવડે.

કેટલીએ પતંગ કાપી, ઘણા બધા પેચ લડાવ્યા. કપાઈ પણ ખરી.ચારે તરફ ‘કાઈપો છે ની બુમો સંભળાતી.’જ્યારે પેટમાં ગલુડિયા બોલ્યા ત્યારે   મા અને ઘર યાદ આવ્યા. બંને જણા નીચે આવ્યા. ઘરે જઈને ગરમા ગરમ ઉંધિયું અને જલેબી ખાધા. તડકો હતો તેથી બપોરે મંગલભુવનની ચાલીમા રમવાનું નક્કી કર્યું. કુમારવિલાસ અને મંગલભુવન સામ સામે વિમાન ફેંકવાના.

જો બરાબર ન ફેંકાયતો ગટરમા પડે. તેથી કઠેડા પર ઝુકીને પકડીએ.રમત  બરાબર જામી હતી.હું ચાલીમા પડેલા વિમાન ભેગા કરતી હતી. અંજુ સામેથી ફેંકાતા વિમાન ઝીલતી હતી. વધારે વાંકુ વળાઈ ગયું. સમતોલન ગુમાવી બેઠી  અને પલભરમા ગટરમા જઈને ઉંધે માથે પટકાણી. દૂરથી વિમાન ભેગા કરતા મેં  નિહાળ્યું અને બૂમાબૂમ કરી ઉઠી. મારો અવાજ સાંભળીને મારી મા દોડી આવી. ચંપલ પણ પહેરવાનું ભૂલી સીધી દાદરા ઉતરી અંજુ પાસે જઈ પહોંચી.કાકી પણ દોડી આવ્યા. ત્રીજે માળે રહેતા ડોક્ટર કાકા આવી પહોંચ્યા. લોહી  સખત વહેતું હતુ. એમ્બ્યુલન્સ બોલાવીને તાબડતોબ હરકિસન હોસ્પિટલમા લઈ  જવામા આવી. મગજની ધોરી નસ તૂટી ગઈ હતી. બે કલાકમા તો અંજુનું  પ્રાણ પંખેરૂ ઉડી ગયું.અંજુને ઘરે લાવ્યા,તેને નવડાવી સરસ મજાનુ નવું ફરાક પહેરાવી સુવડાવી. હું તેની પાસે ગઈ, સમજણ ન પડી તેથી. ‘ચાલને અંજુ શું ઉંઘે છે. રાતના ફાનસ ચડાવવાનું છે. ચાલ મોટા પતંગને કન્ના બાંધીએ.’મારા મમ્મી સમજી ગયા. હળવેથી મને વારી ને પોતાની પાસે બેસાડી દીધી.

તડકો અને છાંયડો કદી સંગે ભાળ્યા છે? હું તોફાની બારકસ શાંત થઈ ગઈ. શાળાના દિવસો પૂરા થયા કોલેજમા આવી ગઈ જ્યારે પણ અંજુ ની યાદ સતાવતી ત્યારે એકલી એકલી રડતી. મનમા એક વહેમ ભરાઈ ગયો હતો કે મારો ધક્કો તો અંજુને નહોતો વાગ્યો. જે તેને માટે જીવલેણ નિકળ્યો.

અવિનાશ મેનન સાથે લગ્નગ્રંથિથી જોડાઈ. ખૂબ સુખી દાંપત્ય જીવન હતું. સુંદર બે બાળકોની માતા બની. કોઈકવાર અંજુ સ્મરણ પટ પરછવાઈ જાય ત્યારે અવિનાશ પાસે દિલનો ઉભરો ઠાલવતી. અવિનાશ પણ મારો વહેમ નાબૂદ કરવામા નાકામયાબ રહ્યા. બાળક પરદેશ સ્થિત થયા તેથી અવિનશ અને મીના  આકાશના સુંદર કાર્યમા જોડાઈ ગયા. નવા નવા માણસોના સહવાસે જીવનમાંથી એકલતા દૂર કરી.સરગમે તો આવીને દિલ ઉપર કબજો જમાવ્યો. અવિનાશની સિગરેટ પીવાની આદતે ફેફસાને નબળા કર્યા. પોતાના અનુભવોનું પુસ્તક જ્યારે પ્રકાશન પામ્યું ત્યારે ખૂબ આનંદ થયો.

બાયપાસનું ઓપરેશન કરાવ્યું દુખાવો કાબૂમા ન આવતા વર્ષની અંદર ફરી કરાવ્યું. ભલું થજો આકાશનો રંગીન સ્વભાવ, ડો.પંડ્યાની કુશળતા,જીવણજીનો પ્યાર ભર્યો સહકાર અને સરગમ બહેનની હુંફ ભરી ચાકરી. અવિનાશ મેનન ઘરે તો આવ્યો. પણ ખુબ અશક્ત અને નિર્લેપ. જાણે  જીવવાની જીજીવિષા સૂકાઈ નગઈ હોય. સહુનો પ્યારો અને હસાવતો  અવિનાશ મેનન શાંત બની ગયો. મીના આ બધા ફેરેફાર મનમા ને  મનમા નોંધતી અને સરગમ બહેન પાસે હૈયું ઠાલવતી. સરગમ બહેન પણ જાણે પોતાની નાની બહેન ન હોય તેમ મીનાને ખમા લેતા. એક દિવસ અચાનક અવિનાશે સહુનો સાથ ત્યજ્યો. મીના એકલી પડી,    ભલું થજો ‘નિવૃત્તિ નિવાસના’ પરિવારનું કે મીનાના દિવસો શાંતિથી પસાર થતા.   અવંતિકા બેન સાથે દિકરો. વહુ હતા.તેમની વહુનું મુખ જોઈ અંજુની યાદ તાજી થઈ. મીના મેનનના મ્હોં ના હાવભાવનું પરિવર્તન સરગમ બેનથી છાનું ન રહી શક્યું. તેની બધી વિધિ પતાવી રાતના સરગમ  બહેન મીના મેનના ઓરડા તરફ વળ્યા. તેમને જોઈને મીના મોકળા મને રડી ઉઠી. બધીજ દિલની વાત સરગમ બેનને કરી. સરગમ બહેન કહે

‘જેવાત નથી, જે વાતનો પાયો નથી એ વાત આટલા વર્ષો શા કાજે દિલમા સંઘરી છે મારી નાની બહેન્.અંજુ તને ખૂબ વહાલી હતી. એ ઉંમરે   પોતાનું કહેવાય તેવી વ્યક્તિથી વિજોગ પડે તે બાળમાનસ સ્વિકારી ન શકે. તેથી જ તું વહેમનો શિકાર બની. હકિકતમા અંજુ પોતાનું સમતોલ પણું ગુમાવી બેઠી હતી. તું તો જમીન પરથી વિમાન ભેગા કરતી હતી.’

ખુબ પ્રેમ અને સાંત્વના પૂર્વક વાત સાંભળી મીના મેનનને થયું ,ખરેખર પોતાનો કોઈ વાંક ગુનો  નથી. પ્રિય સખી અંજુનુ મૃત્યુ આકસ્મિક હતું.ત્યાર પછી તો સહુના ચહીતા સરગમ બહેન ‘નિવૃત્તિ નિવાસનું’ કેન્દ્ર બિંદુ બની  ગયા હતા. અને આજે એ

નિવૃત્તિ નિવાસ-3-સરયૂ પરીખ

“આજે સરગમ કેમ હજી આવ્યા નહી?”
અવન્તિકાબહેન ક્યારના સવારની પુજામાંથી પરવારી સરગમની રાહ જોઇ રહ્યા હતા.

ચાર મહીના પહેલાં અવન્તિકાબહેન નિવૃતિ નિવાસમાં આવ્યા ત્યારે એમનો ચહેરો જોઇને કોઇને ખ્યાલ પણ ના આવે કે આ બહેન કેટલા હસમુખા સ્વભાવના હશે! બધાનુ કરી છુટે એવા પણ બદલામાં સારી વર્તણૂક ન મળે તો ધમકાવી કાઢતા જરાય વાર ન લગાડે. ભક્તિના નામે રઝળપાટ કરે અને ધાર્મિક ક્રિયાકાંડમાં તન મન અને ધન ખર્ચી નાખે. સાહેબનાં પત્ની તરીકે સુખમય જીવન જીવેલા.

જ્યારે દીકરો વહુ ઘરડા ધરમાં મૂકવા આવેલા ત્યારે અવન્તિકાબહેન એટલાં મુંજાતા હતા કે આંખના આંસુ પણ સંતાઈ ગયા હતા. આગળની ઓફીસમાં મિસ.મેનનની રાહ જોતાં બેઠા હતા. ત્રણેમાંથી કોણે શું બોલવું એ ખબર નહોતી પડતી. વહુના મનમાં ગુસ્સો અને ધૂંધવાટ ભરેલાં હતા, ત્યારે દીકરો મહેશ અન્યમનસ્ક ભાવથી ક્ષુબ્ધ બની બેઠો હતો. મોટાભાઈ-ભાભીએ તો કહી દીધું હતુ, ‘ તમને યોગ્ય લાગે એમ કરો. બાને ક્યાં અમારે ત્યાં ફાવે છે?’ મહેશ વિચારે કે હવે બીજો કોઈ ઊપાય નથી.જ્યારે બીજી તરફ અવન્તિકાબહેન મનમાં ગણગણતાં હતાં,’ એમાં મે શું ખોટુ કરેલું? મારી સીત્તેર વર્ષની ઊંમરની પણ કાંઈ માનમર્યાદા નથી રાખતા. ભલે, અજાણી જગ્યામાં નાખી જાવ. મારે કોઈની જરુર નથી.’

દીકરાને થાય કે હવે કોઈ ઓફીસમાં આવે તો સારું. સેક્રેટરી બેસવાનુ કહી ક્યારની યે ગઇ. ‘બહારથી તો મકાન સારુ દેખાય છે. આગળના રુમની સજાવટ પણ સારી છે.ઠંડક પણ છે. બાએ કહ્યા પ્રમાણે સફેદ સ્વેટર પહેર્યુ એ સારું છે.’ મહેશની નજર મા તરફ વળી. ‘કેટલી પાતળી થઈ ગઈ છે પણ માનસિક શક્તિ હજી ઓછી નથી થઈ. જરા જીદ કરવાની આદત ઓછી કરી હોત તો આ દિવસ ના આવત. ગમે તેમ કરીને મીનળને સમજાવી લેત, પણ બાએ એમનો કક્કો ન છોડ્યો તે ન જ છોડ્યો. અને જ્યારે સુનીલ-સુમનની સલામતીની વાત આવે ત્યારે બાનો બચાવ ક્યાં સુધી થાય!’ આમ આજે મન મક્કમ કરીને બાને ઘરડાં ઘરમાં લઇ જ આવ્યા. દીકરાએ મનથી સહજ પ્રાર્થના કરી કે જરા ગોઠવાઈ જતાં બાનો આનંદી સ્વભાવ પાછો આવી જાય.

અંતે નિવૃત્તિ નિવાસના ડિરેક્ટર મિસ.મેનન આવ્યા અને જરુરી કગળો તૈયાર કરી આપ્યા. અવન્તિકાબહેનને જરા ડાયાબિટિસ સિવાય કાંઇ બીજી તકલિફ નહોતી. અહિં શાકાહારી ખોરાક જ આપવામાં આવે છે એ જાણીને એમને શાંતિ થયેલી.મિસ.મેનને ફોન કરીને અંદરથી કોઇને આવવાનુ કહ્યું. થોડા સમયમાં સવિતાબહેન નામના બહેન આવીને ત્રણેને અંદર લઈ ગયા.રુમ પાસે પંહોચતા જ હસતો અવાજ સંભળાયો,
“હલ્લો, કેમ છો? મારું નામ સરગમ. તમારું નામ?”
“અવન્તિકા” એમણે ધીમથી જવાબ આપ્યો.
” મજાનુ લાંબુ નામ છે.હું તમને મિસિસ.એન્ કહું તો વાંધો નથીને?”
“ભલે” અવન્તિકાબહેને રસવગર જવાબ આપ્યો.

સરગમ એમનાં દીકરા વહુને પણ પ્રેમથી મળેલી. પોતે જ એમને રૂમ તથા બાથરૂમ બતાવવા લઈ ગયેલી. સરગમ પ્રસન્નતાથી વાતચીત કરતી હતી પણ અવન્તિકાબહેનને તો ત્યાંથી ક્યાંય દૂર ભાગી જવાનું મન થતું હતું.
મન-મગજનો વાર્તાલાપ તો ચાલુ જ હતો.
‘ અરેરે! અહીં તો ભગવાનનુ મંદિર પણ નથી. આ જગ્યામાં કોઈ સંતનાં પગલાં પણ નહીં પડ્યા હોય એવી અપવિત્ર જગ્યામાં મારાથી કેમ રહેવાશે!’
સરગમ જે કહેતી હતી એ એમને કાંઈ સંભળાતુ નહોતું.
‘ મારા ઠાકોરજીને અહીં જરાય નહિં ગમે. આ ઓરડામાં બીજા કોઈ ધર્મિષ્ઠ બહેન હોય તો સારું, જેને છૂતાછુતનું ભાન હોય.’

” જુઓ બા આ રૂમ તમને ગમશે.” મીનળ બોલી,” આ ખાટલો ઠીક છે ને? તમારી શાલ બેગમાં મૂકી છે.”
” હાં ઠીક છે.” અવન્તિકાબહેન બોલ્યા પણ મનમાં વિચારે કે,’હવે મીઠાશ બતાવે છે. ગઈકાલે જે કકળાટ કર્યો હતો તે હું એમ કાંઈ ભૂલી જવાની છું! મેં તો કેટલી શાંતિ રાખેલી પણ એણે તો રાડ્યું પાડે રાખી.’

રહેવાની જગ્યા જોવાઈ ગયા પછી ,” ધ્યાન રાખજો”, કહીને દીકરો-વહુ જતાં રહ્યાં.અવન્તિકાબહેન એક્લાં રૂમમાં પથારી પર વિચારની અવસ્થામાં ખબર નહિં કેટલી વાર બેસી રહ્યાં હતાં. અણજાણ, બે આંખોમાંથી આંસુની ધારા એમનાં પાલવને ભીંજાવી રહી હતી. નાનાં હતાં ત્યારે એમનાં બાપુ કહેતાં,”બેનાને તો પાંપણે પાણી.” એ ઉંમરે એમને કલ્પના પણ નહોતી કે પોતે ક્યારેક સિત્તેર વર્ષનાં થશે અને રડતાં બાપુને આમ યાદ કરશે! યાદોની હવા ક્યાંથી ક્યાં લઈ જાય છે!

બપોરનો ચાનો સમય થતાં સવિતાબહેન બોલાવવા આવ્યા.
“મને સરગમબહેને વાત કરી કે તમારૂં નામ અવન્તિકાબહેન છે. ચાલો ચા પીવા જવાનો સમય થયો છે, આવો છો ને?”
” હાં,ચાલો.” એમને સારૂં લાગ્યુ કે રોજની જેમ આજે એકલાં એકલાં ચા નહિ પીવી પડે. જમવાનાં રૂમમાં જુદા જુદા ટેબલો ગોઠવેલાં હતાં. એક બહેનની પાસેની ખાલી ખુરશીમાં એ બેસી ગયા. થોડીવાર કોઇએ ધ્યાન આપ્યુ નહિ. ચાના કપ આવ્યા એટલે બધાં શાંતિથી ચા પીવા લાગ્યા.
અવન્તિકાબહેનને થયું,’આ ચા તો બહુ ગળી છે.મને પસંદ એવું અહીં મને કાંઇ નહિ મળે.’ ત્યાં બાજુવાળા બહેન બોલ્યા,” એ સરગમબહેન! અહીં આવો તો.” સરગમ ઊભા થઇને આવ્યા અને સીધાં જ અવન્તિકાબહેન પાસે આવી ને બેઠાં.
“ચા પીધી ને?” અવન્તિકાબહેને માથું નમાવી હા પાડી.
” હું તમને આ બધાની ઓળખાણ કરાવું.” સરગમ હસીને બોલ્યા,  ”પેસ્તનજી દારૂવાલા, વલ્લભભાઈ ચોરડીયા, વિનયવભાઈ પંડ્યા અને લીલાબહેન. તમે અને લીલાબહેન એક જ રૂમમાં છો.” હવે લીલાબહેનનાં મુખ ઊપર હાસ્ય આવ્યુ.
પેસ્તનજી કહે,” સોજ્જો તમો અહિં આયા. તમોને ગમશે.” વલ્લભભાઈએ માંડ માથું હલાવ્યુ.
વિનયભાઈએ પુછ્યું, “ક્યાંના છો?”
અવન્તિકાબહેન, ” ભાવનગરની છું. હવે છોકરાઓ મુંબઈમાં ગોઠવાયા તેથી ભાવનગરમાં ખાસ કોઈ નથી, એક ભાઈનું કુટુંબ જ છે.” આટલું બોલતા તો એમનું મન વ્યાકુળ થઈ ગયું અને આંખમાંના આંસુને પી જવા હોંઠ મજબૂતાઈથી બંધ કર્યા.સરગમ સામે જોઈને જાણેં મદદ માંગી રહ્યાં. સરગમે ભાવથી એમનાં ખભા પર હાથ મુક્યો અને બધાં સામે જોઈ બોલ્યા,” ચાલો રમત ગમતનો સમય થયો છે, તો જઈએ.” પેસ્તનજીએ એમની લાકડી સંભાળી અને તેનાં ટેકે ટેકે બહાર ગયા.

લીલાબહેને કહ્યું,” ચાર વાગે પાછા રૂમમાં જશું પછી તમારે કાંઈ મદદની
જરૂર હોય તો કે’જો.”
અવન્તિકાબહેને હસીને આભાર માન્યો.
સામેના મોટાં હોલમાં સરગમ સાથે ગયા જ્યાં નાનાં મોટાં રમી શકે એવી રમતો હતી. કેટલાયેં ઘરડાં સભ્યો આમતેમ પોતાની જ દુનિયામાં ખોવાયેલા ફરતાં હતાં. કેટલાંક
પત્તા રમવાનાં ટેબલ પર બેઠાં હતાં.
વિનયભાઈએ પૂછ્યું,” અવન્તિકાબહેન્,બ્રીજ રમતાં આવડે છે?”
” હાં, થોડું થોડું. થોડાં દિવસ પછી પ્રયત્ન કરીશ.” એમણે ઉત્સાહ વગર જવાબ આપ્યો અને એક ખૂણાંમાં પિંગપોંગના ટેબલ નજીકની ખુરશીમાં બેસી ગયા. બધાને જોતાં જોતાં ક્યારે પૌત્રો-સુનીલ અને સુમનની દુનિયામાં પહોંચી ગયા એનો ખ્યાલ ના રહ્યો.
‘બેઉને નાનપણથી કેટલાં જતનપૂર્વક ઉછેર્યા! નાનો તો દાદી વગર પાણી પણ ના પીવે. એટલે જ નાનાની માંદગીમાં મારે હાજર રહેવું પડેલું.’
ગર્વ સાથ યાદ આવ્યુ,’અઠવાડિયામાં ચાર વખત છોકરાઓને મંદિર લઈ જાઊં.કેવા આરતી કરતાં શીખી ગ્યા’તા.મીનળ અને મહેશ કીધાં કરે,”આ બધી અંધશ્રધ્ધા છે.”પણ સાંભળે કોણ? એમને શું ખબર પડે!’
“અવન્તિકાબહેન કયાં ખોવાઈ ગયા છો?” સરગમે વિચાર તંદ્રામાંથી જગાડ્યા.

સરગમ સહાનુભૂતિપૂર્વક કહે,

“અવન્તિકાબહેન, તમને પહેલે દિવસે કાંઈ પસંદ નહિં પડે પણ હિંમત નહિં હારતા,ધીરે ધીરે ગમી જશે. અને આમ તો જ્યાં રહીએ ત્યાં પ્રેમથી રહીએ તો બધે ગમે.”

પણ અવન્તિકાબહેનના મનનાં વિરોધ વંટોળ કાંઈક બીજું જ સાંભળતાં હતાં. ‘મારૂં કામ હતું ત્યાં સુધી રાખી અને હવે ઘરમાંથી કાઢી મૂકી. માંડ માંડ ઘરમાં ધરમ કરમ, પાઠ-પૂજા ચાલુ કર્યા હતાં. ઘર કેવું પવિત્ર થાય! બસ હવે તો બધી માંડવાળ. આટલાં કલાક લાંબા લાગે છે તો વરસ કેમ જશે?’

મહેશ કહી ગયો હતો કે એક વરસ નિવ્રુત્તિનિવાસમાં રહો પછી વિચારશું. આમ મુંઝવણમાં પહેલી રાત તો જેમતેમ કરીને પૂરી કરી. બીજે દિવસે
સવારનાં નાસ્તા પછી લીલાબહેન સાથે બેસીને વાતચીત શરૂં કરી.
“તમે અંહી ક્યારથી છો?”
“પાંચ મહિનાથી છું. મને સ્ટ્રોક આવેલો પછી જમણાં કાને સંભળાતુ નથી.મને
વાંચવાનો બહુ શોખ.કેટલીયે ચોપડીઑ વાંચ્યા કરૂં છુ.” લીલાબહેન પાતળી
કાયાને ટટ્ટાર રાખીને બેઠાં હતાં.
અવન્તિકાબહેનને થયું કે આટલું વાંચે છે તો પહેલા શિક્ષક હશે,” તો તમે પહેલાં શું
નોકરી કરતાં હતાં?”
“મને સ્ટ્રોક આવેલો.મને વાંચવાનો બહુ શોખ.” લીલાબહેન એમની ધૂનમાં બોલતાં
હતાં.અવન્તિકાબહેનને ખ્યાલ આવી ગયો કે એમને લાંબા સમયની યાદદાસ્ત નથી
રહી. વર્તમાનમાં જે બની રહ્યું છે તે બરાબર સમજી શકે છે અને યાદ રાખી શકે
છે. ત્યાર બાદ એમને ભૂતકાળમાં લઈ જવાની કોશિશ કરવાનું છોડી દીધું.

અવન્તિકાબહેને બેગ ખોલી વસ્તુઓ ઠેકાણે મૂકવા માંડી. બે ત્રણ સાડલાં ઊપાડ્યા ત્યાં નીચેથી બેય દીકરાના કુટુંબના ફોટા અને સુનીલ-સુમનના હમણાં પડાવેલા ફોટા સામે નજર પડી.’ ફોટા પડાવવા જવાનું હતું ત્યારે વાળ ઓળાવતા બાળકોએ કેટલી લમણાં ફોડ કરાવેલી!’એમને યાદ આવી ગયું.
પાંચ વરસનો સુમન અને આઠ વરસનો સુનીલ, પણ હોંશીયારી તો વીસ વરસનાં હોય ને એવી-આમ અવન્તિકાબહેન ગૌરવસહિત બધાને કહેતા. આટલાં વર્ષો એમણે કુટુંબની માયાને સર્વસ્વ માની એ જ માયાજાળમાં ગુંચવાયેલા રહેલાં.મંદિર જવું, પૂજાપાઠ કરવાં, એને જ ધર્મ સમજતાં.રોજ ઊઠીને કોઈ વખાણ ના કરે તો ક્લેશના કાદવમાં ડૂબી જાય. કાંઈ તક મળતાં મનનો ઊભરો વાણી અને વર્તન દ્વારા બતાવી દેવાનો અને સાથે સાથે રડવાનુ પણ ખરૂં. “મારૂં તો કોઈ સાંભળતુ જ નથી.હું તો કેટલી સારી છું! કોઈ આશા નથી રાખતી, પણ જુઓ છે કોઈને મારી દરકાર!’
બારણાં પર ટકોરાં પડ્યા અને સરગમનો અવાજ આવ્યો, “અંદર આવું?
“હાં, આવોને.” અવન્તિકાબહેને હસીને આવકાર આપ્યો.”આ જુઓ, મારા દીકરાઓ અને નાના સુનીલ અને સુમન.” સરગમ ફોટાઓની સામે જોઈ રહી હતી.
અવન્તિકાબહેને આગળ ચલાવ્યુ.” મેં જ આ બેયને મોટા કર્યા,સાંચુ કહું છુ. રાતદિવસ બે બાળકોની સાંચવણી કરી છે.મંદિર લઈ જઈને બાબા ગુરૂના આશીર્વાદ લેવરાવ્યા.પણ હોળી ટાણે સુમન માંદો પડ્યો ત્યારે ઠીક ન થયું.”
“શું ઠીક ન થયું?” સરગમે પૂછ્યું.
” મારા હૈયા પર બહુ ભાર થઈ ગયો છે તેથી મારે કો’કને તો કહેવું જ પડશે. તમને કહું પછી તમે જ ન્યાય કરજો.” અવન્તિકાબહેનને એ વાત એટલી મનમાં ઘૂંટાઈ રહી હતી કે હવે બહાર કાઢ્યે જ છૂટકો.”સુમનને ડોક્ટરે કહ્યું હતું ન્યુમોનિયા થયો છે. મને બાબા ગુરુમાં બહુ શ્રધ્ધા.દવાની ગોળિઓમાં શું ભલીવાર હોય છે? મેં તો મંત્રેલી રક્ષાથી એને માથે ટીલાં કર્યા,ને હાથમાં ટીલા કર્યા.સુમન તો ઊંઘ્યા કરતો હતો તેથી મને થયું કે સારૂં થઈ જશે.મારા બાબા ગુરૂની રક્ષા.પણ ત્રીજે દાડે સવારથી તબિયત વધુ બગડી અને ડોક્ટરને ઘેર બોલાવવા પડ્યા.
ડોક્ટરે પૂછ્યુ, ” દવાની ગોળીઓ બરાબર આપો છો ને?”
મીનળ કહે,”બાને સમય વગેરે બધું લખીને બરાબર ચેતવણી આપીને ગોળીઓ આપી છે તે સુમનને ખવડાવતા જ હશે.હમણાં એમને બોલાવીને પૂછું.”
મેં તો હા ના કરતા, બીતાં બીતાં રક્ષાની વાત કરી.ડોક્ટર,મહેશ અને મીનળના ગુસ્સાભર્યા ચહેરા હજુ મારી નજર સામે ચોંટી ગયા છે.ઈંજેક્શન આપીને ડોક્ટર તો જતાં રહ્યાં.હું મારા રુમમાં ભરાઈ ગઈ પણ મીનળ અને મહેશના અવાજો સાંભળીને હું ધ્રુજી રહી હતી.મહેશનો છેલ્લે બારણાં પાસેથી અવાજ સંભળાયો,”જે કહેવાનુ હશે તે મારી બાને હું કહીશ્, ઓકે! તારે બરાડા પાડવાની જરૂર નથી.”
મહેશ કલાકેક પછી પાછો આવ્યો અને ઊદાસ ચહેરે મારી પાંસે બેઠો.કહે,”બા!અમે
કહીયે છીએ કે અંધશ્રધ્ધા છોડી દો પણ પથ્થર ઊપર પાણી.હવે તમને સંભળાય છે ઓછું, દેખાય છે ઓછું પણ જીદ વધતી જાય છે.દિવસે દિવસે તમારૂં અહીં રહેવાનુ અશક્ય બનતુ જાય છે. મેં ભાઈ સાથે વાત કરી લીધી છે અને તમને નિવૃત્તિ નિવાસમાં મૂકવાનો નિર્ણય
લઈ લીધો છે.”
મેં કહ્યુ,”તમને કશી સમજ નથી પડતી.બાબા ગુરૂની રક્ષામાં કેટલી શક્તિ છે! ગયા અઠવાડીયે મંત્રેલા પાણીથી જ સુનીલની ઉધરસ મટી ગઈ હતી.”
“હેં! તમે મંત્રેલ પાણી સુનીલને આપેલું?”
“હા! એમાં ખોટું શું છે? તમારી સારી નોકરીઓ મારા મંત્ર જાપથી જ ચાલુ છે.”
મને લાગ્યુ કે જાણે મહેશને ચક્કર આવી ગયા. હવે તમે જ કહો સરગમ, મારી વાત સાચી છે ને?”

સરગમ ધીરે ધીરે વિચાર કરતાં બોલ્યા,” અવન્તિકાબહેન, તમારી માન્યતાઓને સત્યનું નામ આપો એ બરાબર છે? તમારા ધાર્મિક ક્રિયાકાંડને ભગવાનનું સ્વરૂપ માની લો અને અંધશ્રધ્ધાને સમર્પણ સમજો ત્યારે તમને તો નુકસાન થાય પણ બીજાને એમાં ઘસડી જવાનો પ્રયત્ન કરો ત્યારે એમને પારાવાર નુકસાન થાય.”
અવન્તિકાબહેન અકળાઈને બોલ્યા, “મારો ધર્મ મને નાનપણથી એ જ શીખવાડે છે અને હું એ જ રીતે જીવવાની છું. થોડું ભણ્યા એટલે છોકરઓ એમ માનવાં માંડે કે હું ખોટી છું, એ મારાથી સહન નહીં થાય. મારી વાત એટલે સો ટકા સાચી.”

સરગમ ઠંડકથી બોલ્યા,” કશો વાંધો નહિ. ચાલો હવે બને તેટલું ભૂલી જાવ. આજનો દિવસ સૌથી વધારે અગત્યનો છે. ભૂતકાળનાં અનુભવોમાંથી કાંઈક શીખીને આપણીં આજ સુધારવાની છે.”

આવા ઘણાં પ્રસંગૉ સરગમ સાથેનાં યાદ કરતાં અવન્તિકાબહેન ફરી પાછાં બૉલ્યા,”અરે! સરગમ કેમ હજી આવ્યા નહિ?” આ ચાર મહિનાઓમાં એમનૉ એકે દિવસ સરગમ સાથે વાતૉ કર્યા વગર પૂરૉ નથી થયૉ. રૉજની જેમ આજે પણ એ આતુરતાથી એમની રાહ જોઈ રહ્યાં હતાં. છોકરાઑનૉ કાગળ આવ્યૉ હતૉ એ સરગમને બતાવવાનૉ હતૉ. આટલા સમયના સહવાસમાં અવન્તિકાબહેનની વિચારૉની જડતામાં થોડી થોડી કોમળતા ક્યારે દાખલ થઈ ગઈ એ એમને પૉતાને પણ ખબર ન રહી.
નારાયણભઈ ઉતાવળા આવ્યા અને બોલ્યા,” આવન્તિકાબહેન! અશુભ સમાચાર છે. સરગમ આજે વહેલી સવારે હ્રદરૉગના હુમલાથી મ્રુત્યુ પામ્યા.” અવન્તિકાબહેન પથારી પર બેસી પડ્યાં,”અરેરે! આવા અણધર્યા સમાચાર? એના હસતાં ચહેરાને જોયા વગર મારા દિવસૉ કેમ જશે!” મનુષ્ય સ્વભાવ, સ્વચિંતા પહેલી કરશે.
અવન્તિકાબહેન, આંખનાં આંસુ લુછતાં, લીલાબહેન સાથે વાતૉએ વળગ્યા.
” સરગમબહેન કેટલાં ભલા હતાં. જે પરિસ્થિતિમાં હતાં એમા સંતૉષથી રહેતાં.કૉઇ દિવસ પૉતાના દીકરા-વહુનુ કે બીજાનું ખરાબ નહૉતાં બૉલ્યા. બસ પ્રેમ આપવામાં જ મશગુલ હતાં.”
—-

આ પછી સરગમની યાદમાં અવન્તિકાબહેનના દિવસૉ પસાર થઈ રહ્યા છે. એમનાં સહજ રીતે કહેલા વાક્યો ફરી ફરીને યાદ આવ્યા કરે છે. એમણે પહેલે દિવસે કહ્યું હતું એ પ્રમાણે, અવનન્તિકાબહેનને ધીરે ધીરે નિવ્રુત્તિ નિવાસમાં ગમવા માંડ્યુ હતું. પૉતે કકળાટ કરતા હતાં એનાં જેવુ કાંય ખરાબ નહૉતુ લાગતુ. ‘અંહી મને એકલી નાખી ગયા’
એ ભાવને બદલે સરખી ઉંમરનાનૉ સહવાસ સારૉ લાગવા માંડ્યૉ. હવે તો અમુક રમતૉ અને ક્યારેક બ્રીજની પત્તાની રમત પણ ઉત્સાહથી રમે છે.

સરગમબહેન કહેતા કે પૌત્રૉને ઉછેરવામાં મદદ કરૉ તે તૉ યોગ્ય છે પણ જરૂર કરતાં વધારે મોહ અને વિટંબણામાં પડ્યા કે ખલાસ! ત્યાંથી જાકારો અને ક્લેશ સિવાય કાંઈ હાથમાં ના આવે.એમણે આ બે પંક્તિઓ કહેલી,

“કર્મનો મર્મ, મર્મથી ધર્મ, ધર્મથી નીતિ હું સમજી
કર્મ અકર્મ વિકર્મની સાથે,સુકર્મની રીતિ હું સમજી”—-સરયુ પરીખ

આ પંક્તિઓ અવન્તિકાબહેનને ગમી તો ગયેલી પણ એને સમજીને જીવનમાં ઉતારી શકાય એ એમણે સરગમના જીવન વ્યવહારમાં જૉયું.હવે એમને સમજાય છે કે આ ભાવ સહિત થોડી જાગૃતિ સાથે કુટુંબમાં જીવ્યા હોત તો પણ આનંદ મંગળ રહયા હોત.

સુનીલ, સુમન અને મહેશનૉ છેલ્લો કાગળ આવેલો એ ફરી આજે અવન્તિકાબહેન હાથમાં લઈને બેઠાં. સરગમને વંચાવવાનો ભાવ થઈ આવ્યો.ફરી વખત વાંચતાં જાણે સરગમનુ તાદ્દશ ચિત્ર ખડું થયું. એ અવસ્થામાં એની સાથે વાતે વળગ્યા.

” જો સરગમ! મેં બે અઠવાડીયા પહેલાં સુનીલના જન્મદિવસે કાગળ લખેલો, એનો કેવો સરસ જવાબ આવ્યો! મને હતું કે મારા વગર એ કોઈને નહીં ચાલે, પણ છોકરાઓ તો સ્કુલ પછી બાલવાડીમાં જાય છે અને બીજાં બળકો સાથે મજા કરે છે. મીનળ સાંજે પાંચ વાગે ઘેર લઈ જાય છે. ‘મારા વગર નહીં ચાલે’ એ ભ્રમણા ભાંગી ગઈ. રોજ હજી નાહી ધોઈને ભગવાનને પગે લાગે છે, હોં!” અવન્તિકાબહેન મનોમન સરગમને ગૌરવ સાથ કહી રહ્યા.

લીલાબહેનની શાંત અને સરળ પ્રકૃત્તિને કારણે આટલા મહીનાઓ સાથે રહેવા છતાંય અવન્તિકાબહેનને જરા પણ માનસિક ખેંચતાણ ન લાગી. પોતાની દયા ખાવાની વર્ષો જુની આદતને ખાસ પ્રોત્સાહાન નહોતું મળતું. એમની દીકરી અનુ અવારનવાર મળવા આવતી ત્યારે અવ્ન્તિકાબહેન સાથે મીઠાશથી વાતો કરતી.

અનુ કહેતી, “મારા બાને સ્ટ્રોક આવ્યો પછી નિવૃતિ નિવાસમાં આવવાનો એમનો જ આગ્રહ અને સહકાર હતો, જેથી હું નોકરી પર હોંઉ કે બહાર ગામ, મારે ચિંતા ન કરવી પડે.” અવન્તિકાબહેન તો આ મા-દીકરીનો સરળ સંબંધ જોઈને છક્ક જ થઈ ગયા. ન કોઇ ફરિયાદ, ન કોઇ હક્ક-માંગણી.

કબીરનો દોહરો એ જ કહેવા માંગે છે ને!

‘સહજ મિલા સો દુધ બરાબર,માંગ લીયા સો પાની
ખીંચ લીયા સો ખૂન બરાબર, કહેત કબીરા જ્ઞાની’

અવન્તિકાનબહેનને થાય કે પોતે દીકરાવહુને, ભાઈને, કેવા ટોંણા મારતા,’તમને પહેલા જેવો પ્રેમ નથી, મને તો યાદ પણ નથી કરતાં’,વગેરે કહીને રડવા બેસતાં. ઉંમર સાથે સ્નેહનાં સ્વરુપો બદલાતા રહે જેનો સદગુણી સ્વીકાર કરી પ્રેમ આપતાં રહે તો બમણો પાછો મળે.

સમય સમયનુ કામ કરતો ચાલતૉ રહે છે.દિવાળી સમયે બધાં મળવા આવેલા અને અવન્તિકાબહેનને બહાર જમવા લઈ ગયેલા. સુનીલ-સુમનને ખબર કે બાને પીઝા બહુ ભાવે છે તેથી ખેંચીને લઈ ગયેલા. મીનળ સાથે સામાન્ય વાતચીત કરેલી પણ બે જણા વચ્ચે દીવાલ ઉભી થઈ ગયેલી એ હજી ખસી નહોતી. અવન્તિકાબહેન પોતાને સમજાવવા પ્રયત્ન કરે કે,’આમ તો સારી છે. મહેશ અને બાળકોને કેટલા સારી રીતે સંભાળે છે.’ પણ હજુ મન એને માફ કરવા તૈયાર નહોતું. મીનળે પૂછેલું,”બા,તમને અંહી ગમે તો છે ને?” ‘ ખાલી વિવેક કરવા પૂછ્યું હશે.’પૉતાનો અહંમ એ પ્રમાણે મીનળની કીંમત કરતા રૉકતૉ હતૉ.

બધાં મૂકીને ગયા પછી લીલાબહેન કહે,” ભૂલકાઓ એની મમ્મી જેવાં મીઠાં છે.” એ સાંભળી અવન્તિકાબહેન મીનળને જૂદી દ્રષ્ટિથી જોવા લાગ્યા. એમને થયું કે ઘરમા આવી સારી વ્યક્તિ છે અને પોતે બહારનાનાં વખાણ કરતાં થાકતાં નહોતા.
” લીલાબહેન, એ ઘરમાં આવી ત્યારથી મેં જ એને બધુ મારી રીતે શીખવાડ્યું.
એમાં કાંઈ ફેર પડે તો મારો પિત્તો જાય.” અવન્તિકાબહેન પોતે જ પોતાની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયાં. નાની વહુ તરીકે સાસુના આવા શબ્દોને પોતે જુલમ માનતા.

આ સાથે સરગમ સાથે થયેલ વાતચીત યાદ આવી.
“મને ફૂલ સજાવટનો બહુ શોખ. ઘર સજાવટ તો મારી પસંદગી પ્રમાણે જ થાય.
એક વખત મહેશ-મીનળ મને પૂછ્યા વગર ખુરશીઓ લઈ આવ્યા.મને જરાય ન
ગમી. એની ખોડ ખાંપણ રોજ કહેતી. સરગમે એ વખતે કહેલું,” મિસિસ.એન, તમે એ વિચાર કર્યો છે કે એ ઘર મીનળનુ હતું કે તમારૂં! મીનળને એના શોખ મુજબ સજાવટ કરવાનો શોખ નહીં હોય? મન મારીને તમારૂ માન જાળવ્યુ હોય એનો અર્થ એવો કેમ કરી શકાય કે એને કાંઈ ઉમંગ નહીં હોય?” અવન્તિકાબહેને પોતાનો બચાવ જરૂર કરેલો,” પણ મારી પસંદગી એટલી સરસ કે બધાં વખાણ કરે.”
યાદ આવે છે કે મહેશ ઘણીવાર સાભળે નહીં તો મારા કચવાટ પછી મીનળ જ કહે કે બા કહે એમ કરો. હવે એમને ખ્યાલ આવે છે કે,”બા કહે એમ કરો જેથી શાન્તિ થાય.” અવન્તિકાબહેનને સમજાયું કે હું મારી મર્યાદા ન સમજુ તો કોઈકે તો પોતાનો આગ્રહ નિર્મૂળ કરવો જ રહ્યો. જુદા રહેતા દીકરાની વહુએ તો પહેલેથી જ એટલો ઠંડો સંબંધ રાખ્યો હતો કે એની પાંસેથી કોઈ અપેક્ષા રાખી નહોતી. પ્રસંગે આવીને મળી જાય એટલે બસ પત્યુ.યાદ પણ નહોતુ આવતુ કે મોટાને ઘેર જમવા ક્યારે ગયાં હતાં!
બહારથી જનકભાઈનો મોટો અવાજ સંભળાયો. અવન્તિકાબહેને જઈને જોયું તો બાપ દીકરો બહારના બારણા પાંસે ઊભાં ઊભાં ચર્ચા કરતાં હતાં.જનકભાઈ મોટેથી કહેતાં હતાં,” એવા કાંઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી, સાદાઈથી કરો. મેં કેટલી મહેનતથી બધું ભેગું કર્યુ છે, ઈ તમારે ઊડાડવા માટે નથી.” દીકરો શરમાઈને એમને ધીમેથી બોલવા કહેતો હતોં પણ એ સાંભળે તો ને! અન્તે ધડ કરતુ બારણું બંધ કરીને બહાર નીકળી ગયો. જનકભાઈ ધુંઆફુંઆ થતાં પાછા ફર્યા,” સાવ બૈરી કહે એમ કર્યા કરશે.”
આ દ્રશ્ય જોઈને અવન્તિકાબહેન વિચાર કરતાં પાછા ફર્યા. મીનળ જે ખરીદી કરીને લાવે એ વિષે પોતાને દર વખતે ‘આ તો સારુ નથી, પૈસા વેડફાઈ ગયા,’ વગેરે બોલવાનુ હોય જ.મીનળ ખાસ કરીને ઘરમાં જરૂરી વસ્તુઓ લાવતી તોય મનનો દ્વેષ વાણી દ્વારા આવતો.મનમાં થાય કે એ કમાય છે તેથી છૂટથી પૈસા વાપરે છે જયારે પોતાને દર વખત પતિની ‘હા’ થાય પછી જ કાંઈક ખરીદી થતી. આખી જિંદગી પૈસા બાબત બીજાના અંકુશનો અનુભવ મીનળ તરફ દ્વેષભાવ લાવતો એ આજે સમજાય છે.

હવે નિવૃત્તિ નિવાસમાં આવ્યે અગિયાર મહિના થવા આવ્યા હતાં ત્યારે અવન્તિકાબહેનનુ મન હળવું થયુ હતું અને મીનળને કાગળ લખવાની ઈચ્છા થઈ. એમણે લખ્યુ કે, ” પોતાના વિચારોને બીજા પર ઠોકી બેસાડવાના મારા સ્વભાવની સુહ્ર્દયી સરગમ સાથે વાતો કરતાં જાણ થયેલી. એ તો ક્યારનાં અમને છોડીને જતાં રહ્યાં છે પણ એના મીઠાં ટૂંકા વચનો હજી મને સારે રસ્તે દોરે છે. ધર્મમાં પૂજાપાઠ વગેરે જરુરી છે પણ એ જ ધર્મ છે એમ માનીને આખી જિંદગી જીવવી એ કેટલી મોટી ભૂલ છે! મારો ભગવાન મારાં તેમજ સર્વેના હ્રદયમાં બેઠો છે એ કેમ ભૂલાય?
આપણોં પહેલો નિયમ કે હિંસા ન કરવી, એમાં સ્વાર્થી આગ્રહોથી બીજાની લાગણી ન દુભાવવી એ પણ આવી જાય.
હું બહારના પાછળ દોડતી અને મારા ઘરની વ્યક્તિને ઓળખવાની દરકાર નહોતી કરતી. દીકરી! તું તો મારા ઘરની લક્ષી છે એ વાતની આજે કબૂલાત કરૂં છું. ક્યારેક તારી માફી માંગવા જેટલી નમ્રતા પણ આવશે. જય શ્રીક્રૃષ્ણ.”

વળતો ઉમંગભર્યો જવાબ આવ્યો.”બા, હવે વરસ થવા આવ્યુ. અમે તમને આવતાં અઠવાડીયે લેવા આવશું.” આવવાવાના દિવસે અવન્તિકાબહેન ઉત્સાહથી એમની સુઘડ ઢબથી નવો સાડલો પહેરી રાહ જોતાં હરતાં ફરતાં હતાં.

સુનીલ્-સુમન દોડતાં આવી દાદીને વળગી પડ્યા. પાછળ મહેશ અને મીનાળ પણ હસતાં ચહેરે આવ્યા. થોડી વારમાં મહશ અને બાળકો પેસ્તનજીની સાથે બગીચો જોવા ગયા. મીનળ બોલી,” બા! અમે તમને લેવા આવ્યા છીએ. મારી આટલાં વર્ષોમાં જે ભૂલચૂક થઈ હોય તે માફ કરજો.” અવન્તિકાબહેન મીનળની નમ્રતાથી દ્રવિત થઈ ગયા, બેતા,ભૂલચૂક બધાની થાય, પણ એને સમજીને સુધારી શકીએ તો આપણી શાન્તિ કાયમ રહે.” મીનળને સાસુની સમજભરી વાણી સાંભળી આશ્ચર્ય અને આનંદ થયા.

મહેશ પાછો આવીને કહે,”ચાલો બેગ લઈ આવુ.”
અવન્તિકાબહેન કહે,” બેટા, અહીં બેસ. મારી વાત સાંભળ. મને હવે અહીં ગોઠી ગયું છે. પ્રસંગે મુબઈ આવતી જતી રહીશ પણ હમણા તો મારે અંહી રહેવું છે. મને એ વાતનો આનંદ છે કે મારે જરૂર પડશે ત્યારે દીકરાવહુનુ ઘર સદાય આવકાર આપશે. હું ગમે ત્યાં રહું, બસ આ સ્નેહનો તાંતણો જોડાયેલો રહે.”

મહેશ્-મીનળ અને બાળકોએ આગ્રહ કર્યો પણ અવન્તિકાબહેને હસીને પરીક્ષા પછી
આવશે એવું નક્કી કર્યુ. બધાને ‘ફરી મળશુ’ કહીને વિદાય કર્યા. ચહેરા ઉપર સ્મિત સાથે નિવૃત્તિ નિવાસની પ્રવૃત્તિમાં જોડાવા અંદર જતાં જતાં ગાતાં હતાં.
” પ્રભુ મારીઆશા નહિવત કરજે
પ્રભુ મારી અપેક્ષા નિર્મૂળ કરજે
તો જાણે સરગમ સાથે સૂર પુરાવતી સંભળાઈ
” સુખી કરીને સુખી થવાની એક અજબ એ ચાવી
જરી તરી નહીં કોઈ અપેક્ષા ‘સરયૂ’ સંસારીની”

નિવૃત્તિ નિવાસ (5)- હિંમત શાહ

નિવૃત્તિ નિવાસના બેઠા ઘાટના મકાન પર સાંજના આછા ઓળા ઉતરી રહ્યા હતા. મકાનની  આજુબાજુ ફેલાયેલ વિશાળ વાડીના વૃક્ષો મંદ મંદ વાયુની લહેરીઓમામ ઝુમી રહ્યા હતા  આથમતી સંધ્યાના ગુલાબી રંગોથી પર્ણો દિવડાની જેમ ઝબકી રહ્યાં હતા. ઉપર ફેલાયેલું અફાટ આકાશ પશ્ચિમ ક્ષિતિજે રંગોની ઉજાણી કરી રહ્યું હતું.અંધકારના ઓછાયા ઉતરી રહ્યા હતા.  સંધ્યાના ઉજાસમા શોભિત ‘નિવૃત્તિ નિવાસ’ અંધકારમાં લપાઈ ગયું.  અચાનક ફોનની ઘંટડી રણકી, ‘હા, હું પરાંજપે, શું કહ્યું? મુખ પરના ભાવ પલટાઈ  ગયા. ‘હા, હું હમણા જ આવું છું.’ કહી ખુરશી પર ફસડાઈ પડ્યા. ત્યાં બારણે ટકોરા પડ્યા  જેમ તેમ ઉભા થઈ બારણું ખોલ્યું,

“સરગમ બેન, અનર્થ થઈ ગયો.”

નર્સના પોષાકમા સજ્જ  સરગમ બહેન કહે “શું થયું  પરાંજપે?.’

પરાંજપેના ગળામાંથી માંડ માંડ અવાજ નિકળ્યો, “મારી  ગાર્ગી, મારી ગાર્ગી વિધવા થઈ! હમણાં વેવાઈનો ફોન હતો. જમાઈ ગાડીના અકસ્માતમા  ઘટના સ્થળે જ ——-. હમણા હું જાંઉ છું. પછી વાત કરીશું.”

પ્રેમથી સરગમ બહેને નટવરને કહ્યું જા ,જલ્દી ટેક્સી લઈ આવ અને પરાંજપે ને કહે ,

“ગાર્ગીને સાચવજો. તેને ધીરજ  બંધાવજો.”
મોડી રાતે પરાંજપે પાછા આવ્યા. ચોકીદારે દરવાજો ખોલ્યો. નટવર રાહ જોતો હતો.

“કેમ જાગે છે ,ભાઈ?”

“તમારા વિચારમા ઉંઘ ન આવી.”

“ ખેર , બધાને સવારે મળીશ” કહી પોતાના રુમ તરફ પગ ઉપાડ્યા અને પથારીમા લંબાવ્યું. શરૂઆતના દિવસોમા અળગા રહેતા પરાંજપે વડીલ સરગમ બહેન સાથે ભળી ગયા. હતા. નિખાલસ , નિઃસ્વાર્થ અને સેવાભાવી સ્વભાવના તેજ કિરણો પરાંજપેના દિલને સ્પર્શી ગયા. ખૂબ આદર આપતા અને પોતાના હૈયાની વેદના તેમની સમક્ષ રજૂ કરતા.

કોઈની પણ સમક્ષ હૈયું ન ખોલી શકનાર પરાંજપે સરગમ બહેનને મોકળે મને મળતા. પથારીમા લંબાવ્યું પણ ઉંઘ ન આવી. ઉભા થઈ થોડા પુસ્તકો અને ‘સાપ સીડી’ની રમત અવ્યવસ્થિત હતા તે બરાબર ગોઠવ્યા.તેમને  બે શોખ હતા.એક   પુસ્તકો વાંચવા અને બીજું ‘સાપ સીડી’ ની રમત રમવી.પત્ની જયા સાથે કાયમ રમતા.  હવે તે હયાત નથી પણ બે દાવ પાડી એકલા રમતા. ઘડી ભર વિસરાઈ જાતું કે તે હયાત  નથી.

‘લે તું તો એકદમ ઉપર પહોંચી ગઈ. જીતી ગઈ. હું તો હારી ગયો!’

“જયા જીવનની આ બાજી પણ હારી ગયો. થાકી ગયો. સહારો દેવા વાળી તું પણ ચાલી ગઈ.’ બોર જેવા  આંસુ થીજી ગયા હતા તે ઉભરાઈ આવ્યા. ક્યારે આંખો મળી ગઈ ખબર પણ ના પડી

પરાંજપે ઉઠ્યા ત્યારે સૂરજ આભે ચડી ગયો હતો.નાહી ધોઈને ધ્યાનમા બેઠા પછી બારણું ખોલ્યું. દૂરથી સરગમ બહેનને આવતા જોયા. “હું બે વખત અંહીથી પસાર થઈ પણ  બારણું બંધ હતું. તમે ધ્યાનમા બેઠા હતા તેથી ખલેલ ન પહોંચાડી.”હા, મને પણ એવું   લાગ્યું,”

કમરને હાથથી દબાવતા પરાંજપે બોલ્યા. “તબિયત બરાબર નથી લાગતી. હા, આજે પાછો જૂનો દુખાવો ઉપડ્યો છે. ઉજાગરાને લીધેસ્તો. લપકારા મારે છે,” બોલતા  પરાંજપે ખુરશી પર ફસડાઈ પડ્યા..

Continu……

નિવૃતિ નિવાસ (6)-શૈલા મુન્શા

મહાબળેશ્વરનાં કુદરતી સાનિધ્યમાં પહાડો અને ખળખળ વહેતાં ઝરણાની પાડોશમા એક વિશાળ બંગલો. કોઈ અમીરની કૃપાથી એ બંગલાનુ નિવૃતિ નિવાસમાં રુપાંતર થયું જ્યાં પંદર થી વીસ વ્યક્તિઓ આરામથી દરેક પ્રકારની સુખસગવડ સાથે રહી શકે.જ્યાં સ્વજનોથી તરછોડાયેલા વ્યક્તિને પોતાપણાનો અહેસાસ થાય. જ્યાં જાતપાત કે ધર્મના વાડામાં બંધાયા વગર જીવનની પાછલી અવસ્થા શાંતિથી પસાર થાય
એવા એ નિવૃતિ નિવાસમા સવાર તો રળિયામણી ઊગી હતી પણ અચાનક કાળું વાદળ આવીને સૂરજને ઢાંકી દે અને ચોપાસ સૂનકાર છવાઈ જાય તેમ અચાન અવંતિકાબેનની બુમ પડી. અરે! વલ્લભદાસ, ડો. પરાંજપે, પુરુષોત્તમભાઈ બધા જલ્દી આવો. આ સરગમબેનને કાંઇક થઈ રહ્યું છે, પરસેવે રેબઝેબ થઈ ગયા છે, અને બધા પહોંચે કાંઇક સારવાર શરુ કરે એ પહેલા તો સરગમબેને ડોક ઢાળી દીધી.
નિવૃતિ નિવાસના રહેવાસીઓમાં આ પહેલું મૃત્યુ બધાને ખળભળાવી ગયું. વલ્લભદાસતો છુટ્ટા મોઢે રડી પડ્યા, અવંતિકાબેનની તો જાણે વાચા જ હરાઈ ગઈ. બધા હાંફળા ફાંફળા થઈ ગયા. ઘડી બે ઘડી તો સર્વને શું કરવું એની જાણે સુઝબુઝ જ ના રહી. પેસ્તનજી તો જાણે બાવરા બની બોલવા માંડ્યા અરે! સરગમબેન ઘડી તો રાહ જોવી હતી, અરે તમારી આગળ હું ઊભો રહી ગયો હોત. મારી તો અહીં કાંઈ જરુર નથી પણ તમે સર્વેના મા સમાન, બધાને ઘડીમાં નોંધારા કરી ગયા.
સરગમબેન ભણતરે નર્સ એટલે અહીંયા પણ બધાંની મા અને મોટીબેન બનીને હંમેશા સાચી સલાહ આપતા, અને નવી આવનાર વ્યક્તિને સંભાળી લેતા. અવંતિકાબેન તો જ્યારે નિવૃતિ નિવાસમા આવ્યા ત્યારે કેટલાય દિવસ સુધી સૂનમૂન હતા. એ વૃધ્ધ માને એક જ વાત કોરી ખાતી કે મા ના ગરીબ ખોરડામાં પાંચ પાંચ દિકરા સમાઈ શક્યા પણ ઘરડી મા અમીર પાંચ દિકરાના મહેલમા ન સમાઈ શકી. ત્યારે સરગમબેને જે હુંફ અને ધીરજથી એમની લાગણીની માવજત કરી, એ યાદ એમની આંખમાથી આંસુના રેલા બનીને વહી રહી હતી.
પુરુષોત્તમભાઈ જીવાણી ધંધે વકીલ અને નિવૃત થયા પછી પણ વકીલશાહી સ્વભાવમાંથી ગઈ ન હતી. એ તુમારશાહીને સરગમબેને કેવી સહજતાથી માનવતાવાદમાં ફેરવી નાખી એનો પુરુષોત્તમભાઈને ખ્યાલ સુધ્ધા ના આવ્યો. દુઃખના પ્રથમ આંચકામાંથી બહાર આવીને બધાએ સરગમબેનના આત્માને શાંતિ મળે એ માટે પ્રભુપ્રાર્થના કરવાનુ નક્કી કર્યું.
સંધ્યા ધીમેધીમે રાતમા પલટાઈ ગઈ, અને દરેક જણે પોતપોતાના રુમમા જઈ નિંદ્રાદેવીનું શરણ લેવાનો પ્રયત્ન કર્યો. દરેક રુમમા બે વ્યક્તિ રહી શકે એવી સગવડ રાખવામા આવી હતી જેથી કોઇ વ્યક્તિને એકલવાયું ના લાગે અને રાતવરત જરુર પડે એકબીજાની હુંફ રહે.
પુરુષોત્તમભાઈ અને સોહિલ સાઠે બન્ને એક જ જમાતના લોકો. પુરુષોત્તમભાઈ વકીલ તો સોહિલ સરકારી અધિકારી, અને સાથે થોડી વકીલાત પણ કરી હતી તેથી એ બન્નેને ભૂતકાળના પ્રસંગો અને કોર્ટના કેસની વાત કરવાની મઝા આવે તેથી એ બન્ને એ એક જ રુમમા સાથે રહેવાનુ રાખ્યુ હતું.
આમ તો બહાર રાતનો સોપો પડી ગયો છે પણ સોહિલ જોઈ રહ્યો છે કે પુરુષોત્તમભાઈ પડખાં ઘસી રહ્યાં છે. છેવટે ન રહેવાતા સોહિલે ધીરેથી હાંક પાડી, પુરુષોત્તમભાઈ ઊંઘ નથી આવતી? શા વિચારે ચઢી ગયા છો? અને સોહિલના સવાલે પુરુષોત્તમભાઈ ની આંખમા આંસુ આવી ગયાં. સોહિલ, સરગમબેનના મૃત્યુએ મને વિચાર કરતો કરી દીધો. કાલ ઊઠીને આપણે સર્વે એ એજ માર્ગે જવાનુ છે. સરગમબેન તો નસીબદાર કે કોઈની પાસે પાણીનો પ્યાલો માંગવા પણ ના રોકાયા અને છૂટી ગયા. ખરો પુણ્યશાળી આત્મા પણ આપણુ શું? એમ વાતો કરતા આંખ ઘેરાવા માંડી અને અર્ધનિંદ્રિત અવસ્થામા પુરુષોત્તમભાઈ પણ જાણે સરગમબેન સાથે ચિત્રગુપ્તના દરબારમા પહોંચી ગયા છે, અને ચિત્રગુપ્ત એમના જીવનનુ સરવૈયું કાઢી રહ્યાં છે. પુરુષોત્તમભાઈ જીંદગીના જમાઉધારમા કયું પલ્લું ભારે છે? અને પુરુષોત્તમ્ભાઈની નજર સામે જીવનના પાના એક પછી એક ઉઘડવા માંડ્યા.
પાંચ વર્ષનો પુરુષોત્તમ. માબાપનું એક નુ એક સંતાન, લાડકોડમાં મોટો થયો. બાપાની ઇચ્છા વકીલ થવાની હતી પણ ઘરની જવબદારીએ ઇચ્છા પૂરી ના થઈ શકી. એ ઇચ્છાનું બીજ એમણે પુરુષોત્તમમા રોપ્યું, અને પુરુષોત્તમ ભણીગણીને મોટો વકીલ થયો. વકીલાતની સનદ લઈ બરોડાની કોર્ટમા કેસ લડવાની શરુઆત કરી. ફોજદારી કેસમા ધીરેધીરે ફાવટ આવતી ગઈ અને ત્રણ વર્ષમા તો વકીલાતની દુનિયામાં પુરુષોત્તમભાઈનુ નામ આગળ પડતું ગણાવા માંડ્યું.
સારા ઘરની કન્યાના માંગા આવવા માંડ્યા અને બાપાએ ખાનદાન જોઈને સંસ્કારી ઘરની કન્યા રમાને પસંદ કરી દીકરાના રંગેચંગે લગ્ન કરાવી આપ્યા. લગ્નજીવનની શરુઆત થઈ.રમા ખુબજ શાંત સ્વભાવની, પુરુષોત્તમભાઈની એકેઍક વાતમાં સંમત કદિ કોઈ વાતમા વિરોધ કે પોતાનો અંગત અભિપ્રાય નહિ. જેના કારણે પુરુષોત્તમભાઈ વધુ ને વધુ આપખુદ બનતા ગયા. સમાજમાં મોભો વધતો ચાલ્યો અને કોર્ટની દુનિયામા નામના વધતી ચાલી.
કેસની તૈયારી એટલી ઝીણવટપૂર્વક કરે કે ભલભલા વકીલોના છક્કા છુટી જાય. નબળો લાગતો કેસ પણ પુરુષોત્તમભાઈના હાથમા આવે કે કાયદાની એટલી બારીકાઈથી એ લડીને સચ્ચાઈ સબિત કરી આપે, અને હારની બાજી જીતમા પલટાવી નાખે. જેમ જેમ વકીલાતની દુનિયામા નામના મેળવતા ગયા તેમ તેમ જાણે ઘરથી દૂર થતા ગયા.
ઘરમા બે સરસ મજાના દિકરા રમતા થયા-નિલેશ અને નિલય, પણ પુરુષોત્તમભાઈને બાળકો સાથે વાત કરવાનો પણ સમય નહી તો પછી સાથે બેસીને રમવાની તો વાત જ ક્યાં? ઘરમા પણ એક રુમ ને એમણે પોતાની ઓફીસ બનાવી હતી. રમાને સખત તાકીદ કે બાળકો ભુલેચુકે પણ એ રુમની આસપાસ ના ફરકે. બાળકોને મન તો પિતા જાણે એક અગમ્ય અસ્પ્રુશ્ય વ્યક્તિ. મોટાભાગે તો એમનો મેળાપ જ ના થાય. નિલેશ નિલયની શાળાનો સમય સવારનો, મમ્મી જ બંનેને તૈયાર કરી સ્કૂલ બસમા રવાના કરે અને રાતે જ્યારે પુરુષોત્તમભાઈ ઘર આવે ત્યારે બંને બાળકો ઊંઘી ગયા હોય.શનિ રવિ પણ ઘર અસીલોથી ભરેલું હોય. ઘરમા જ્યાં સુધી પપ્પાની હાજરી હોય ત્યાં સુધી બાળકોથી મોટા અવાજે ટીવી ના ચાલુ કરી શકાય કે ના જોરથી હસીરમી શકે.
નિલેશ મોટો અને સમજુ, ભણવામા હમેશા પહેલો નંબર લાવે. માની કાળજીને કારણે શાળામા બીજી ઈતર પ્રવૃતિઓમા પણ ઘણો આગળ અને હમેશા વકૃત્વ સ્પર્ધામા પ્રથમ ઈનામ જીતી લાવે, પણ પિતાની હાજરીમા સાવ મૂંગો બની જાય. નાનો નિલય રમતિયાળ. શાળામા હમેશા રમતગમતની હરિફાઈમા ઈનામ જીતી લાવે. શાળામા જ્યારે પણ ઈનામ વિતરણ સમારોહ કે બીજા કાર્યક્રમો હોય ત્યારે હમેશા રમા જ બધે હાજરી આપે. પુરુષોત્તમ્ભાઈને તો સમય જ ક્યાં?
નાનો નિલય જ્યારે બીજાના મમ્મી પપ્પાને જુએ તો રમાને સવાલ કરી બેસે કે મારા પપ્પા કેમ મારી સ્કુલમા નથી આવતા? ક્યારેક રવિવારે ઘરની બારીમાથી નીચે મેદાનમા એના મિત્રોને એના પપ્પ સાથે ક્રિકેટ રમતાં જોઈને એ બાળ માનસને અચૂક મનમાં સવાલ જાગે કે મારા પપ્પા કેમ અમારી સાથે નથી રમતાં? એ અણસમજુ બાળકનાં સવાલનો રમા પાસે કોઈ જવાબ નહીં. બાળકોનું મન બીજે વાળવા એ પતિનો બચાવ કરતી કે તમારા ભવિષ્ય માટે પપ્પા ખુબ મહેનત કરે છે જેથી એ ખૂબ પૈસા કમાય અને તમને સારું ભણતર આપી શકે, પણ એ જોઈ શકતી હતી કે બાપ દિકરાઓ વચ્ચેની ખાઈ પહોળી થઈ રહી છે. ના તો એ પતિને કાંઈ કહી શકતી કે ના તો બાળકોનાં મનને સંતોષી શકતી. એ ફક્ત એકજ વસ્તુ કરી શકતી, પોતાનો બધો પ્રેમ એ બાળકો પર ન્યોછાવર કરી દેતી.
એક તરફ બાળકો મોટા થતાં ગયા અને બીજી તરફ પુરુષોત્તમભાઈ પ્રગતિના સોપાનો સર કરતાં ગયા. માનવી હંમેશા નશાની દુનિયામાં ખોવાયેલો રહેતો હોય છે. કોઈને દારુનો નશો ગમતો હોય તો કોઈ રુપના નશાનો પાગલ, કોઈ સત્તાના નશામા ગરક તો કોઈ જીતનાં નશામાં તરબોળ. જેને જીતના નશાની આદત પડી હોય એ કદી કોઈ સંજોગોમાં હાર સ્વીકારવા તૈયાર ના થાય. પુરુષોત્તમભાઈ સાથે પણ કંઇક એવું જ બની રહ્યું હતું. એક પછી એક કેસની સફળતાએ એમને જાણે સાતમા આસમાને બેસાડી દીધા હતાં. પુરુષોત્તમભાઈ કદી ગુનેગાર નો કેસ હાથમા ના લેતા, એમને ખાતરી હોય કે પોતાનો અસીલ નિર્દોષ છે તો જ એ કેસને લેતા અને પુરાવા અને સાબિતી સહીત કોર્ટમા એ અસીલની નિર્દોષતા સાબિત કરી આપતા. ઘણીવાર તો ભયંકર ગુનેગાર એમને પૈસાની લાલચ આપવાની કોશીશ કરતાં પણ પુરુશોત્તમભાઇએ હંમેશા સત્યને જ વળગી રહેવાનુ વલણ અપનાવ્યું હતું. વકીલાતના ચાર દાયકા જાણે એમની નજર સામે પસાર થઈ રહ્યાં હતાં, અને સમયનુ ચક્ર એમની પચાસ વર્ષની ઉમર પર આવીને અટકી ગયું.
બરોડામા નવજીવન શાળાના પ્રિન્સીપાલની પત્નિ લલીતાનું રહસ્ય સંજોગોમા મૃત્યુ એ બનાવે ચકચાર જગાવી હતી. હમેશા જ્યારે પતિ કે પત્નિ નુ રહસ્યમય સંજોગોમા મરણ થાય ત્યારે શંકાની સોય હમેશા ઘરનિ વ્યક્તિ પર પહેલા જ તકાય, અને લલિતાના રહસ્યમય મૃત્યુમા તો પાછું પતિ મોહનકુમાર એક જાણીતી શાળા નવજીવનનાં પ્રિન્સીપાલ. પતિ સમાજમાં મોભાદાર અને જાણીતી વ્યક્તિ અને લલિતા અભણ અને પાછી સ્વભાવે શંકાશીલ. એને કાયમ મનમા શંકા રહે કે પતિ રોજ શાળામા કેટલીય યુવાન શિક્ષિકાઓ સાથે કામ કરે છે અને મોડે સુધી શાળાના કામસર રોકાય છે તો ભગવાન જાણે ત્યાં શું એ કરતા હશે? આ લલિતાના કમોતમા મોહનકુમારને પોલિસે વધુ પુછપરછ માટે રીમાન્ડ પર લીધાં હતાં. છાપામાં બનાવનો વિગતવાર અહેવાલ હતો કે બપોરે પ્રિન્સીપાલ મોહનકુમાર જ્યારે જમવા ગયાં ત્યારે પત્નિ સાથે ચડભડ થઈ હતી. ચર્ચાએ ઉગ્ર સ્વરુપ લીધું અને મોહનકુમાર જમ્યા વગર પાછા સ્કૂલે ગયા. સાંજના શોમા પતિ-પત્નિ પિક્ચર જોવા જવાના હતા તેથી મોહનકુમાર સીધાં થીએટર પર જઈને પત્નિ ની રાહ જોવા માંડ્યા.અર્ધો કલાક ત્યાં ઉભા રહ્યા પછી ઘરે ફોન કરવાનો પ્રયત્ન કર્યો, ફોનની રીંગ વાગતી હતી પણ કોઈએ ફોન ઉપાડ્યો નહી તેથી થાકીને મોહનકુમાર ઘરે ગયાં. ઘર લોક હતું અને ઉતાવળમા મોહનકુમાર પોતાના ઘરની ચાવી સ્કૂલના ટેબલના ખાનામા ભૂલી ગયા હતા. એક ચાવી બાજુના બંગલાવાળા વિનોદભાઇને ત્યાં રહેતી હતી તેથી વિનોદભાઇને ત્યાંથી ચાવી લઈ જ્યારે મોહનકુમારે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે સામે દિવાનખાનામા જ લલિતાનો દેહ જમીન પર પડ્યો હતો, અને ડાબા હાથની ધોરી નસ કપાઇ ગઈ હતી. લલિતા મૃત્યુ પામી હતી. બાજુમા ચીઠ્ઠી પડેલી હતી કે “દમની બિમારીથી કંટાળીને હું આપઘાત કરું છું ને કોઈને દોષદેતા નહી”- લલિતા.
પુરુષોત્તમભાઈ છાપાનો અહેવાલ વાંચતા હતા ત્યાં એમના ઉપર શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને નવજીવનશાળાના આગેવાન ટ્ર્સ્ટી જીવરાજભાઈ પટેલનો ફોન આવ્યો કે મારે તમને તાત્કાલિક મળવું છે. સવારે દસ વાગે મળવાનો સમય નક્કી થયો, અને જીવરાજભાઈ પુરુષોત્તમભાઈની ઓફિસે પંહોચી ગયા.
જીવરાજભાઇ ની એકની એક યુવાન દિકરી મીતા છ મહિનાથી નવજીવન શાળામા શિક્ષિકા તરીકે જોડાયેલી. મોહનકુમારની મોહક છટા અને આકર્ષક વ્યક્તિત્વના મોહપાશમાં એ ક્યારે લપેટાઇ ગઈ એનુ એને ખુદને ભાન ન હતું. મા ચોવીસ કલાક દેવ-મંદિર અને સાધુ સંતોની સેવામાં મશગુલ અને પિતા ચોવીસ કલાક ધંધામાં રચ્યા પચ્યાં. એનો લાભ લઈને ઉંદર જેમ ફૂંકી ફૂંકીને કરડે તેમ મોહનકુમારે ધીરેધીરે મીતાને પોતાની મોહપાશમા ફસાવવા માંડી હતી. મીતા મોહનકુમારના પ્રેમમાં એટલી આંધળી થઈ ગઈ કે એને માટે મોહનકુમાર જ જાણે સર્વસ્વ બની ગયા. લલિતા ના મોતની સાંજે જીવરાજભાઈ ઓફિસથી નીકળી ક્લબ તરફ જઈ રહ્યાં હતા અને એમની નજર સામેની ફુટપાથ પર પડી. મીતાને એમણે રીક્ષામાં બેસતા જોઇ. પહેલાં તો બહુ ધ્યાન ના આપ્યું પણ તરત જ એમણે જોયું કે મીતા પાછળ ફરીને કોઈને હાથ કરી રહી છે, અને એ વ્યક્તિ મોહનકુમાર છે. ત્યારે તો જીવરાજભાઈને કંઇ ખાસ શંકા ના જાગી, થયું કે કોઈ સ્કૂલના કામે મળ્યા હશે. રાત્રે મોડેથી ઘરે પહોંચ્યા ત્યારે મીતા સુઇ ગઈ હતી. સવારે જ્યારે છાપું હાથમા આવ્યું અને છાપાનું મથાળું વાંચીને એ સફાળા ચોંકી ઉઠ્યા. મોહનકુમારની પત્નિનું કમોત અને બાજુમાથી મળેલી ચિઠ્ઠી એ શબ્દો એટમ બોમ્બની જેમ એમની આંખમા ભોંકાયા. મોહનકુમાર એવાતો મુર્ખ ન હતા કે પોતાના હાથે ચિઠ્ઠી લખીને મુકે તો પછી મીતા એમની સાથે શું કરતી હતી એ સવાલ જીવરાજભાઈના કાળજે ખુંપાયો. તરત જ મીતા ને ઊઠાડીને છાપું એની સામે ધર્યું, મીતા મથાળું વાંચીને જ ભાંગી પડી ને પપ્પા પાસે બધું કબુલ કરી લીધું. એકની એક દિકરીને આ કેસમા ફસાતી બચાવવા એ પુરુષોત્તમભાઇ પાસે દોડી આવ્યા. પુરુષોત્તમ્ભાઈ જેવા નામી વકીલ તરતજ આખો કેસ સમજી ગયાં કે મોહનકુમારે જ પત્નીનુ ખૂન કર્યું છે અને મીતા ને એમણે ફસાવી છે. જીવરાજભાઈએ સહી કરેલો કોરો ચેક પુરુષોત્તમભાઇના ચરણે ધરી દીધો. વકિલ સાહેબ ગમે તે કરો પણ મારી મીતાને ઊની આંચ ના આવવી જોઈએ. પુરુષોત્તમભાઇએ જીવરાજભાઈ પાસેથી મોહનકુમારનાં જીવનની એમના કુટુંબની માહિતી મેળવી.
મોહનકુમાર અને લલિતાનુ એકજ સંતાન વિનય. નાનપણમા બળિયામા તે આંખનુ નૂર ગુમાવી બેઠો હતો, અને હમણા મુંબઈની અંધશાળામા રહીને અભ્યાસ કરતો હતો.દસ વર્ષનો દિકરો મા પાસેથી દૂર ગયો અને એના સમાચાર મેળવવા માટે જ લલિતા વાંચતા લખતાં માંડ શીખી હતી.પોલિસને લલિતાની ચીઠ્ઠિના અક્ષર મેળવવા જો ઘરમાથી કોઈ કાગળ પત્ર કે ડાયરી ના મળે તો પોલિસ જરુર મુંબઈ વિનયની મુલાકાત લે એ તો સાવ સાવ સાદીસીધી વાત હતી અને સરકારી વકીલ પલકવારમાં સાબિત કરી આપે કે આપઘાતની ચીઠ્ઠી લલિતાએ નથી લખી, અને કોર્ટમા મોહનકુમારની અસલિયતને ખૂલતાં વાર લાગે નહી. ગુનો સાબિત થતાં જ મીતાનુ નામ પણ જાહેર થાય.
પહેલીવાર પુરુષોત્તમભાઈ આ કેસ હાથમા લે તો હારી જાય એવા સંજોગો હતાં. એકબાજુ સામે સહી કરેલો ચેક પડ્યો હતો, બીજી બાજુ સત્યને વળગી રહેવાનો એમનો નિયમ અને ત્રીજી બાજુ એક બાપની લાચારી. છેવટે જીવરાજભાઈની જીત થઈ. પુરુષોત્તમભાઈએ મોહનકુમારનો કેસ લડવાની સંમતિ આપી અને રસ્તો વિચારી લીધો.
મીતાને એમણે તાબડતોબ મુંબઈ જઈ વિનયને મળવાનુ સૂચવ્યું. મીતા પહેલા પણ એક બે વાર વિનયને મળીચૂકી હતી તેથી રુબરુ આશ્વાસન આપવા જવાના બહાને એ વિનયને મળી. વાતવાતમા એણે જાણી લીધું કે મમ્મીનો હમણાં પત્ર આવ્યો છે કે નહી, અને વિનયે છેલ્લો કાગળ મીતાના હાથમાં મૂક્યો. એ વાંચવાના બહાને ત્યાં બેસીને મીતાએ પોતાના હાથે એની કોપી કરી અને કવરમા મૂકી દીધો, સાથે ખાતરી કરી લીધી કે આગળનાં કોઈ પત્રો એની પાસે છે કે નહી? વિનય હમેશા કાગળ વંચાવીને ફાડી નાખતો તેથી બીજા કોઈ કાગળ એની પાસે હતા નહી. મીતા અસલ કાગળ લઈ બરોડા પાછી આવી ગઈ અને અસલી કાગળને દિવાસળી ચાંપી દીધી.
કોર્ટમા જ્યારે કેસ શરુ થયો ત્યારે આપઘાતની ચીઠ્ઠી અને વિનય પાસેથી મળેલાં પત્રના લખાણના અક્ષરો સરખા સાબિત થયાં. મોહનકુમાર ખરાં ગુનેગાર હોવા છતાંય માનભેર છૂટી ગયા. મીતાને તો જીવરાજભાઈએ તાબડતોબ વધુ ભણવાના બહાને અમેરીકા મોકલાવી દીધી અને વરસમા તો સારો છોકરો જોઈને ત્યાં જ પરણાવી દીધી.
પુરુષોત્તમભાઈની વકીલાતની દુનિયામા વધુ ને વધુ નામના ફેલાતી ગઈ. અચાનક એક દિવસ રમાનુ રોડ અકસ્માતમાં મૃત્યુ થયું. પંચાવન વર્ષની પ્રૌઢાવસ્થાએ પુરુષોત્તમભાઈ વિધુર થયા. ઘરમા બે જુવાન દિકરા અને બાપ, પણ બાપ દિકરાને જોડી રાખતો સેતુ તૂટી પડ્યો.
મોટો દિકરો નિલેશ વધુ અભ્યાસ અર્થે લંડન ગયો અને ત્યાં જ સાથે ભણતી સાઉથ ઈન્ડિયન લક્ષ્મી સાથે પિતાની ઉપરવટ જઈ લગ્ન કરી સ્થાયી થઈ ગયો. નાનો નિલય ડોક્ટર થયો અને મુંબઈની જસલોક હોસ્પિટલ સાથે જોડાઈ કાયમ માટે મુંબઈ સ્થાયી થયો. સાથે કામ કરતી ડોક્ટર શીરીન સાથે લગ્ન કર્યા અને પિતાને આગ્રહ કર્યો કે હવે વકીલાતમાથી નિવૃત થયા છો તો અમારી સાથે મુંબઈ આવીને રહો. પુરુષોત્તમભાઈ થોડા દિવસ મુંબઈ જઈને રહ્યા પણ સ્વભાવનો કડપ હજુ ઑછો થયો ન હતો. બધ જ એમના સમય પ્રમાણે થવું જોઈએ એ હવે શીરીન અને નિલયના ઘરમાં શક્ય નહોતું.
બન્ને ડોક્ટર અને બન્નેની જીંદગી અતિ વ્યસ્ત. ઘરમાં નોકર ચાકર અને રસોઈયો પણ પુરુષોત્તમભાઈના નિતીનિયમો સાથે મેળ પાડવો એ ઘરના નોકરો માટે મુશ્કેલ થતું. પાણીનો ગ્લાસ અહીં કેમ મુક્યો? ચા આજે બરાબર નથી. સવારનુ છાપું પહેલા મારા હાથમાં આવવું જોઈએ જેવા નાના નાના પ્રસંગોથી ઘરની શાંતિ ડહોળાવા માંડી. શીરીન અને નિલય માટે ઘરનાં નોકરો સ્વજન જેવાં જ્યારે પુરુષોત્તમભાઈને મન નોકર તે વળી નોકર, એને વળી આટલાં માનપાન શાના?
પોતાની રીતે રહી ન શકાય તો એના કરતાં બરોડા પાછા જવુ એમ વિચારીને પુરુષોત્તમભાઈ જવાની તૈયારી કરતાં હતાં ત્યાં એમની નજર મુંબઈ સમાચારની એક જાહેરાત પર પડી. મહાબળેશ્વરનાં નિવ્રુતિ-નિવાસની એ જાહેરખબર હતી, અને પુરુષોત્તમભાઈએ બરોડા જઈ એકલા રહેવાને બદલે નિવ્રુતિ-નિવાસમા આવવાનુ પસંદ કર્યું.
એમની નજર સમક્ષ અત્યારે જીવન પ્રકરણના છેલ્લાં પાના ફરી રહ્યાં હતાં અને એમના કાને ચિત્રગુપ્તનો અવાજ અફળાયો. “પુરુષોત્તમભાઈ જીવનના જમા ઉધારનું સરવૈયું કાઢ્યું? કોઈ વાતનો અફસોસ છે કે તમે ક્યાંક કશુંક ખોટું કર્યું હોય?” અને પુરુષોત્તમભાઇ પાછા જાણે પચાસ વર્ષની વય પર પહોંચી ગયા. મને એક જ વાતનો અફસોસ છે કે પેલા મોહનકુમારને નિર્દોષ છોડાવ્યો અને એ જાણે ફરી કોર્ટમા ઊભા છે ને મોહનકુમારની અસલિયત છતી કરી રહ્યાં છે. ખરી હકીકત એમ હતી કે મોહનકુમારે જ પત્નીનુ ખૂન કરી અને ચાલાકીથી મીતા પાસે એવી રજુઆત કરી કે મીતા હું બહુ બૂરી રીતે ફસાઈ ગયો છું, એમાથી તું જ મને બચાવી શકે એમ છે. આજે બપોરે હું જ્યારે ઘરે ગયો ત્યારે લલિતા ગુસ્સામા ધુંઆફુંઆ હતી. એ આપણા પ્રેમ સંબધને જાણી ગઈ છે અને ગુસ્સામા ને ગુસ્સામા તારી માને ફોન કરવાની હતી કે તમારી દિકરી મીતા મારા ધણી સાથે આડો વહેવાર રાખે છે, કાલ ઊઠીને કુંવારી મા પણ બની જશે માટે તમારી આબરુ સાચવવી હોય તો એને ક્યાંક પરણાવી દો.
મોહનકુમાર મીતાને કહી રહ્યા હતા કે મેં એને રોકવા માટે ફોનનો વાયર કાપી નાખવાનો પ્રયત્ન કર્યો પણ વિફરેલી લલિતા મારા હાથમાંથી છરી ખેંચવા માંડી અને એ ખેંચતાણમા એનાથીજ છરી એના ડાબા હાથમાં વાગી અને ધોરી નસ કપાતા એ જમીન પર ઢળી પડી ને તરતજ તરફડીને લલિતા મૃત્યુ પામી.
મીતા કોઈ મારીઆ વાત નહી માને કે મેં લલિતાનું ખૂન નથી કર્યું. બધાંજ મને ગુનેગાર માનશે અને મન ફાંસીની સજા થશે. એમાંથી બચવાનો એકજ ઉપાય છે કે જો પોલીસને લલિતાના હાથે લખેલી આપઘાતની ચિઠ્ઠી મળી આવે તો મારી નિર્દોષતા સાબીત થાય. મીતા મોહનકુમારના પ્રેમમા એટલી આંધળી થઈ ગઈ હતી કે મોહનકુમારની વાત સાચી માની એ ચિઠ્ઠી લખવા તૈયાર થઈ ગઈ અને ચાલાક મોહનકુમારેપોતાના પ્લાન મુજબ મીતા પાસે ગરબડીયા અક્ષરમા ચિઠ્ઠી લખાવી કે “દમની બિમારીથી કંટાળીને હું આપઘાત કરું છું, કોઈને દોષ દેતા નહિ.”-લલિતા.
બીજે દિવસે જ્યારે છાપામાંસમાચાર આવ્યાં અને જિવરાજભાઈએ મીતાને ઉઠાડીને પૂછ્યું કે કાલે સાંજે તું મોહનકુમાર સાથે શું કરતી હતી? છાપામાં પ્રથમ પાને આવેલા સમાચાર જોઈ મીતા ગભરાઈ ગઈ અને પિતા પાસે બધું જ રડતાં રડતાં કબુલ કરી દીધું.
દિકરીને બચાવવા જીવરાજભાઇએ શહેરના જાણીતા નામી વકીલ પુરુષોત્તમભાઈનો સંપર્ક સાધ્યો અને ઓફીસમાં મળવાનુ નક્કી કર્યું. પુરુષોત્તમભાઇએ પિતા સાથે આવેલી મીતા સાથે વાતચીતમા જાણી લીધું કે મોહનકુમારે મીતા પાસે પત્નીના આપઘાતની રજૂઆત કરીને મીતા ના પ્રેમનો લાભ લઈ મીતાના હાથે જ આપઘાતની ચિઠ્ઠી લખાવી લીધી. પછી તો પુરુષોત્તમભાઈ માટે આ કેસ તો સાવ સરળ બની ગયો.
કોર્ટમા મીતાની જુબાની લેવામા આવી અને એણે કબુલ કરી દીધું કે મોહનકુમારના કહેવાથી મેં આ ચિઠ્ઠી સાંજે છ વાગે એમને લખી આપી હતી, અને અમે સાથે પિક્ચર જોવા જવાના હતા એની બે ટીકીટો પણ એમને આપી દીધી હતી. ઉપરાંત પુરુષોત્તમભાઈએ શાળાની બીજી બે યુવાન શિક્ષિકાને પણ સાક્ષી તરીકે બોલાવી. કામના બહાને મોડી સાંજ સુધી કલ્પના અને રીટાને શાળામાં રોકીને એમની સાથે પણ અણછાજતી છૂટ લેવાનો મોહનકુમારે પ્રયત્ન કર્યો હતો એ પૂરવાર થઈ ગયું. મોહનકુમારનો ગુનો સાબિત થઈ ચૂક્યો, એમને જન્મટીપની સજા થઈ અને મીતા નિર્દોષ સાબિત થઈ.
બીજો અફસોસ કાયમ માટે મારાં અંતરઅત્માને ડંખ્યા કરે છે કે મારી યુવાનીનાં વર્ષોમાં જે સમયના ખરા હક્કદાર મારી પત્ની કે મારા બાળકો હતાં એ મહામૂલો સમય મેં વકીલાતની દુનિયામાં પ્રગતિના શિખરો એક પછી એક સર કરવામા વિતાવ્યો અને બાળકો તથા પત્નીને એ પ્રેમ થી વંચિત રાખ્યા. આજે રમા તો રહી નથી પણ બે દિકરાઓ હોવા છતાં હું એકલવાયો બન્યો. ભલું થજો એ સરગમબેનનું જેણે મને જીવન જીવતાં શીખવ્યું.
અચાનક સરગમબેનેનું નામ હૈયે આવતાં પુરુષોત્તમભાઇની આંખો ખુલી ગઈ, જોયું તો પોતે પથારીમાં છે અને વહેલી પરોઢનો ઉજાસ પથરાઈ રહ્યો છે. યાદ આવ્યું કે સરગમબેન તો ક્યારનાય મૃત્યુલોક છોડી ઉર્ધ્વગામી બની ગયા પણ મુજ જેવા જડસુને જીવન જીવતાં શીખવી ગયાં.
થોડીવારમાં બધાં સરગમબેનનાં દેહને અવ્વલ મંઝિલે પહોંચાડવા માટે ભેગા થયા અને અંતિમ સંસ્કારની તૈયારી થવા માંડી. ભજનની ધુન શરુ થઈ. ભજનના સૂરો સાથે જાણે પુરુષોત્તમભાઈનાં હૈયે પણ સ્ફૂરણા જાગવા માંડી કે જે પ્રેમથી મારાં બાળકો વંચિત રહ્યા એ પ્રેમ વ્યાજ સહિત મારા પૌત્ર-પૌત્રીઓ પર વરસાવીશ. દિકરાઓ તો મારી હજી પણ સંભાળ લે છે. દર મહિને નિલેશનો લંડનથી કોલ આવે છે. નિલય અને શીરિન મહિનામાં એકવાર આવીને અચૂક મળી જાય છે. કહેવત છે ને કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય, પણ મારાં જીવનમાં તો છોરું તો છોરું જ રહ્યા પણ હું માવતર મટી કમાવતર બન્યો.
સરગમબેન તમે જીવતા તો લોકોના સુખદુઃખના ભાગીદાર રહ્યા પણ આજ તમારાં મૃત્યુએ પણ મારું જીવન ઉજાળી દીધું. તમારા ચીંધેલા માર્ગેજ ચાલીને બને એટલી લોકોની સેવા અને સાચી સલાહ આપવાનો હું પ્રયત્ન કરીશ એમ સ્વગત બોલતા પુરુષોત્તમભાઈની આંખમાંથી ગંગા જમના વહી રહી અને ભજનનાં સુરોમાં સુર પુરાવવા માંડયા.

લેખિકા- શૈલા મુન્શા. તા.૧/૧૮/૨૦૦૯

નિવૃત્તી નિવાસ -4-વિજય શાહ

નિવૃત્તી નિવાસમાં એક સન્નાટો છવાઇ ગયો હતો સરગમ બેન ને રાત્રે ભારે હ્રદય રોગનો હુમલો થયો હતો. તેમણે ઉઁઘમાં જ દેહ છોડ્યો. સવારનાં છને ટકોરે હાજર થઇ જનારા સરગમ તે દિવસે સાડા છ સુધી ના આવ્યા ત્યારે મીનાબેનને અજુગતુ લાગ્યુ અને તે જાગ્યા છે કે નહિં તે તપાસવા ગયા અને ખબર પડી ત્યારે તેઓ છુટ્ટા મોઢે રડી પડ્યા.

.ડો.વિનયે તેમને તપાસી દુ:ખમાં નકારાત્મક માથુ હલાવ્યુ ત્યારે તો સહુ રહેવાસીઓની આંખો ચોધાર રડતી થઇ ગઇ હતી. ડો વિનય ગળ ગળા અવાજે બોલ્યા

“ આ નિવૃત્તી નિવાસનો મુખ્ય પ્રાણ ગયો…જોકે તેમની ગતિ ચોક્કસ જ સારી થયેલ છે. આખા નિવૃત્તિ નિવાસની ચાકરી અને માવજત કરતી સરગમ કોઇની પણ સેવા લેવા ન રોકાઇ. બહુજ ભલા બહેન હતા. આ નિવૃત્તિ નિવાસમાં દરેક્ની કાળજી દિકરા અને દિકરીની જેમ રાખતા અને સહુના દુ:ખને હકારાત્મક અભિગમોથી હલકુ કરતા હતા.”

સંચાલક રેડ્ડીએ ફોન કરી એમ્બ્યુલંસ બોલાવી ત્યારે તો ત્યાં જેટલા હાજર હતા તે સૌ સુનમુન હતા દરેક્ને લાગતુ હતુ કે તેમણે તેમનો અંગત મિત્ર, મા કે બહેન ગુમાવી હતી. અવંતિકાબેનની આંખે તો પાણી સુકાતા જ નહોંતા.

અક્ષય પરાંજપે કહે “ત્યાંય એમની જરુર પડી હશેને..તેથી યમરાજા કોઇ ખબર કર્યા વિના અમને નોઁધારા કરીને લઇ ગયા”

પેસ્તંનજી તેમની પારસી લઢણ માં બોલ્યા

“આવા મુઠ્ઠીભર પરગજુ માણસોને લીધેતો આ પૃથ્વી હજી વિના આધારે ટકેલી છે.બહુ સોજ્જા અને હસમુખા મેડમ હતા..જો કે મનાતુ નથી કે તેવણજી હવે અહીઁ આપણી સાથે નથી.. હમણા જાણે કે બોલશે..

”બાવાજી રોઝીને ભલામણ કરું તમારા માટે કંપની શોધવાની?”

અચાનક વલ્લભદાસ છુટ્ટે મોઢે રડી પડ્યા અને રુધાતા અને ગળ ગળા અવાજે બોલ્યા

‘આ મોત મને કેમ નથી લઇ જતુ? જેમની અહીં હજી જરુર છે તે જતા રહે અને અમારા જેવા નકામા ડોહલા અહીં રહી જઇએ છે.”

સોહિલ સાઠે એ ઉભા થઇને વલ્લભદાસ ભાઇને પાણી પાયુ. અને વહેવારીક વાત કહી કે તેઓનુ જીવન પુરુ થયુ હવે તો તેમની યાદ અને તેમની સારી વાતોને સહારે આપણે જીવવુ રહ્યુ..

એમ્બ્યુલંસ આંગણે આવી  ત્યારે વહેલી પરોઢ તો ઢળી ગઇ હતી અને સુર્ય પુર્વે ઉગી ગયો હતો અંતિમ દર્શન કરાવી જ્યારે તેમના મૃત દેહને ફુલોમાં લાદીને લઇ ગયા ત્યારે કહેવાની જરુર નહોંતી કે ફુલો કરતા દરેક સભ્યોની ચુમતી આંખોનાં આંસુઓ વધારે હતા.

આકાશ, પુરૂષોત્તમ જીવાણી અને રેડ્ડી લગભગ બપોરે બે વાગે તેમના નશ્વર દેહને વિદાય દઇને આવ્યા ત્યારે લગભગ થાકયાનાં ગઢ તે સૌ ચઢતા હતા. ડો વિનય અને મીના બેન દરેક્ને ભાવે કે નભાવે છતા તબિયત જાળવી રાખવા સૌને ભોજન ખંડમાં લઇ ગયા અને સાંજે સાત વાગે પ્રાર્થના ખંડમાં તેમને શ્રધ્ધાંજલી આપવા ભેગા થવાનું સુચવતા હતા. ખાવાનુ તો ક્યાં કોઇને ગળે ઉતરે પણ જેમને દવા લેવાની હોય તેમને ફરજીયાત પણે ખાવાનુ હતુ…એકનાં એક શબ્દો પડ્ઘાતા હતા.. મારી તો માજણી બેન હતી.. મારીતો મા હતી કે મારી તો મોટી મા હતી.. ડુસકા શમતા હતા પણ મનમાં તો સૌ રડતા હતા અને કુદરતની કઠણાઇ વેઠતા હતા

@#@

સાંજના સાત વાગ્યે બધા ભેગા થયા.

આકાશે તેમને માટે એક કાવ્ય વાંચ્યુ..તેણે તો મૃત્યુને બહુ નાની ઉંમરે જોયુ હતુ તેથી તેમણે એક કાલ્પનીક વાત કરી કે જે ત્યાં જાય છે તેઓને અહીં કરતા વધુ સુખ ચેન અને આરામ મળે છે તેથી તો ત્યાંનાં સુખને માણતા કોઇ પાછુ આવતુ નથી.. તેઓના આત્માની શાંતી એજ આપણી પ્રાર્થના હોય…

અવંતિકાબેને ભારે અવાજે સરગમ બેનને ગમતુ ભજન એક જ દે ચિનગારી મહાનલ ગાયુ

ત્યાર પછી મીનાબેને રોજ થતી પ્રાર્થના તુ પ્યારકા સાગર હૈ તેરી એક બુંદ કે પ્યાસે હમ ગાયુ..જે સૌ તેમની સાથે ઝીલતા હતા.

સોહીલનુ આજનુ વક્તવ્ય લગભગ દરેક્ને મંત્રમુગ્ધ કરી ગયુ. તે સરગમ બેન ને આ નિવૃત્તિ નિવાસમાં લઇને આવ્યો હતો. તેમની જીવન ઝરમરની ઘણી બધી વાતો કહીને એક જ વાત તેણે સાબિત કરી કે જો સરગમ બેન જેવું જીવવુ હોય તો દુ:ખમાંથી તમને ભગવાન બહાર કાઢશે તેવા ભ્રમો ન રહેવાને બદલે જાતે ઝઝુમીને હકારાત્મક અભિગમોથી બહાર આવો. સોહિલ અને સરગમ બેન ની કથા લગભગ એક જેવી જ હતી.સોહિલનાં માથે ઘણા દુ:ખો આવ્યા અને તે દુ:ખો દરમ્યાન નકારાત્મક જીવન થી તેને સહેતો તેથી જ તો  છેલ્લે મોટુ કુટુંબ હોવા છતા નિવૃત્તિ નિવાસમાં હતો.. એ બધે ઠેકાણે સરગમ બહેન પણ હતા જે તેમના વ્યવહારીક અને હકારાત્મક અભિગમથી સૌના દિલોમાં ઘર કરી ગયા..

ડો વિનય જેમની સાથે સરગમ બહેનનો રોજનો તબીબી સબંધ હતો તેઓ ફક્ત બે જ વાક્ય બોલ્યા..જેટલી લેણ દેણ હતી તેટલી પુરી કરી તે આત્મા જીવન જેલમાંથી હસતો ગયો છે.

તેમની ખોટ તો કોઇ પણ રીતે પુરાય તેમ નથી..પરંતુ હરિઇચ્છા બલીયેસી..ત્યાં કોઇનુ ચાલતુ નથી કે ચાલ્યુ પણ નથી તેના આત્માને શાંતી મળે તેવી પ્રાર્થના

પુરૂષોત્તમ જીવાણી મુળે વકીલ એટલે એમણે તેમની શ્રધ્ધાંજલી એવી રીતે રજુ કરી કે જાણે સરગમ બેન નાં જીવન કાર્યોની ચિત્રગુપ્તના દરબારમાં ખુલાસા લેવાતા હોય અને છેલ્લે તેમના જીવન નાં અંતિમ તબક્કે તેમને બહુ માન ભેર સ્વર્ગારોહણ નો આદેશ અપાયો..

વલ્લ્ભદાસ અંજલી આપી જ ન શક્યા છેવટે સૌએ સાથે સર્વ ધર્મ સમ્ભાવનું ભજન કરી છુટા પડ્યા ત્યારે રાત પડી ચુકી હતી. તેમની દવા જ્યારે મેનન સાહેબા લઇને આવ્યા ત્યારે વલ્લ્ભદાસ પાછા હીબકે ચઢી ગયા..ઉઘની ગોળી એ અસર કરવા માંડી અને તેમના રુમની લાઇટ બંધ કરી સોહીલ તેના રુમ માં ગયો

છેલ્લા જીવાણીનાં વક્તવ્યની અસર હેઠળ વલ્લભદાસ ચિત્રગુપ્તના દરબારમાંથી લઇ જવાતા સરગમ બહેન ને જુએ છે અને તેમનો અને ચિત્રગુપ્તનો સંવાદ સંભળાય છે.

ચિત્રગુપ્ત કહેતા હતા કે તમને સ્વર્ગારોહણ મળવા છતા આંખમાં અવ્યક્ત અફસોસ દેખાય છે તેનુ કારણ શું? પાછલી દુનીયાનાં ઘણા કામો રહી ગયાનો અફસોસ છે કે શું?

સરગમ બહેન બોલ્યા

“હા હજી વલ્લભદાસ તેમના વર્તમાનમાં આવ્યા નહોંતા તેથી તેમની ચિંતા મને રહી ગઇ છે”.

સ્વપ્નમાં તેમનો ઉલ્લેખ થતા વલ્લભદાસ સ્વપ્નમાં મલક્યા..ચિત્ર ગુપ્તનો દરબાર વિલાઇ ગયો અને તેઓ તેમના વતન બારડોલી પહોંચી ગયા દસ વીંઘા જમીન અને શેરડીનો રોકડીયો પાક.. પાણી પાવાનુ નિંદામણ કરવાનુ અને જીવની જેમ તે પાકને જાળવવાનો..વળી શેરડીનાં ક્યારામાં સાપોલીયા બહુ થાય તેથી તે પણ સાચવવાનુ.

કાંતાને જ્યારે સાપ કરડ્યો ત્યારે દેવો દોઢનો અને નીતા અગીયારની..વિધુર વલ્લભદાસ એક જ સ્વપ્ન લઇને જીવતા હતા બંને નમાયા મારા દિકરી અને દિકરા ને સુખે દુ:ખે અમેરિકા મોકલુ..અને ત્યારે તો બારડોલીનુ કોઇ ફળીયું એવુ નહીં કે જ્યાં કોઇ ને કોઇ ભારત બહાર હોય..કાં તો પનામા તો કાં ફીજી કે પછીલંડન કે કેલીફોર્નીયા…

વલ્લભદાસની માએ બહુએ કહ્યું પણ ફરીલગ્ન નહી કરી તે માને ટેકે ટેકે બને બાળકો ને ભણાવ્યા અને તૈયાર કર્યા. ત્યાં સુધીમાં દસ વીંઘા જમીન વધીને 30 વીંઘા થઇ કાચું મકાન પાકુ થયું અને નીતા ભણી રહીને કાનજી પટેલે તેમના ડો. રાકેશ માટે સામે થી માંગુ મોકલાવ્યુ ત્યારે વલ્લભદાસને તેની જિંદગી હરી ભરી લાગી. દેવાંગ બારમુ પાસ કરીને કોલેજ ભણવા સુરત જવાના ઉધામા કરતો ત્યારે તેને થતુ કે આ બારડોલીમાંજ કોલેજ છે અને તેને સુરત કેમ જવુ છે? તે સમજાતુ નહીં ત્યારે નીતા એ કહ્યુ બાપા તેને એંજીનીયર થવુ છે અને તે કોલેજ સુરતમાં છે તો તમે તેને સુરત મોકલો.

ભોળો ખેડુત જે ચાર ચોપડી માંડ ભણેલો તે શું સમજે કે દિકરાને હૈયેથી અને ખોરડે થી કઢાય નહીં પણ તેનુ ભલુ થાય છે તેથી સુરત ભણવા મુક્યો.  અને બે જ વરસમાં વાતો આવવા માંડી કે દેવો તો કોઇક હલકી વરણની રુપાળી છોકરીનાં ચક્કરમાં પડ્યો છે અને બીજીજ મીનીટે સુરત જવા બસ પકડી. નીતા બાપાને કટાણે ખબર આપ્યા વિના આવેલા જોઇ પહેલા તો અમંગળ કલ્પનાઓથી ધ્રુજી ગઇ..પણ વલ્લભ દાસે સીધોજ પ્રશ્ન પુછ્યો “દેવો ક્યાં?”

“તે તો કોલેજ ગયો છે”

ધુંવા ફુંઆ થતા તેની રાહ જોતા બેઠા.. જમાઇ ડો. રાકેશ પણ જમવા ટાણે ઘરે આવ્યા ત્યારે દેવો પણ કોલેજથી આવ્યો..

“દેવા!”

” હા બાપા!”

” કનીયો કહેતો હતો કે તુ અહીં કો’ક પોરી ના ચક્કરમાં છે”

નીતા બોલી -“ બાપા શહેર અને ગામડામાં ઘણો ફેર હોય છે.સાથે ભણતા હોય અને વાતો કરે તેથી ચક્કર ના કહેવાય!”

” હા જો અહીં તને ભણવા મુક્યો છે. પોરીઓનાં ચાળે ચઢ્યો તો લાકડીએ લાકડીએ મારી ગામ ભેગો કરી દૈ’શ સમજ્યો ને..પેટે પાટા બાંધીને ભણાવવા પાછળ તમારુ ભાવિ હુધરે તેવુ સમજુ છુ તેથી કાં’ખમાંથી કાઢ્યો છે. હીધો હીધો ભણી લે અને જમીન હાચવ જેથી મને પણ હાહ ખાવા મળે”

ડો રાકેશ પણ બોલ્યા

“બાપા થોડુક મન મોટુ રાખીને ભણી લેવા દ્યો. ઇજનેર થઇ ને ખેતીવાડી કરતા વધુ કમાશે”

વેવાઇ વરતમાં દિકરીનો બાપ ઝાઝુ બોલે તો સારુ ન લાગે તેમ સમજીને વલ્લભદાસ ગમ ખાઇ ગયા પણ મનમાં તો ગાંઠ વાળી દીધીકે દેવાનાં હાથ પીળા કરવાનો સમય આવી ગયો છે.

મહીનો થયો હશેને વલ્લ્ભદાસ સુરત પહોંચ્યા.જ્યારે વેવાઇ કે જમાઇ ના હોય ત્યારે ટાઢા પેટે કહ્યું-“ દેવા આ પાંચમે તારા ચાંદલા રાખેલ છે”

’બાપા હજી તો ભણવાનાં ત્રણ વર્ષ બાકી છે”

“તે મેં તને ભણવાની ક્યાં ના પાડી છે આતો કરસન પટેલની પોરીનુ માંગુ આવ્યુ અને મેં જીભ કચરી નાખી,, આવી ગામની પોરીઓ જ આપણ ને ચાલે આ શહેરની લટક મટક આપણે ત્યાં ના ચાલે કામ તો ના કરે અને ઉપરથી ઘૈ’ડાને રડાવે.”

દેવો મક્કમ અવાજે બોલ્યો “ એ ગામની પોરીને ગામમાં રાખો હું તો ભણી ગણીને અમેરિકા જવાનો છું..નયનાનાં બાપા મારા પેપર કરવાના છે.”

”કોણ નયના?”

”નયના કાચવાળા એ મારા વર્ગમા સાથે ભણે છે એના બાપા મને ત્યાં લઇ જવાના છે. હું કંઇ ગામમાં નથી રહેવાનો..”

વલ્લભદાસનો ગુસ્સામાં દેવા પર ઉઠી ગયો “ પેલો કનીયો કહેતો હતો તે સાચુને? એટલે તુ ઘાંચણને ઘરમાં લાવવાનો? પટેલોમાં કન્યાઓ ખુટી ગઇ છે? કપાતર!”

દેવો પણ મક્કમતાથી બોલતો હતો

“ મને મારો નહીં પણ બાપા મારે મારુ ભવિષ્ય પણ જોવાનુ ને…?”

ગુસ્સામાં ઝઝુમતા હાથ વલ્લભદાસને દેખાતા હતા ત્યાં દુરથી એક પરી સ્વપ્નમાં તેમની પાસે આવતી જણાઇ..તે નજીક આવી અને વલ્લભદાસને અહેસાસ થયો કે તે સરગમ બહેન હતા. તે ધીમેથી બોલ્યા” વલ્લભદાસ ભાઇ તમારી વ્યથા મને ખબર છે”

સાસરે ત્રાસથી રડતી વહુને પીયરીયુ મળેને જેમ બાઝીને છુટ્ટે મોઢે જેમ વહુ રડે તેમ વલ્લભદાસ ભાઇએ પોક મુકી,,

“તમે તો છુટી ગયા બેન પણ આ અક્કરમી પટેલીયાને ‘ઉકરડો’ બની કેટલું જીવવાનુ છે તે સમજાવશો?”

”વલ્લભદાસભાઇ તે તો સમજાવવા આવી છુ. તમે આ ‘ઉકરડો’ કેમ બન્યા તે તમે જાણો છો? ક્યારેક ઘડપણ આવશે અને દિકરા આવો દગો કરશે તેવી કલ્પના પણ કરેલી ખરી?”

અસંમજસમાં માથુ હલાવતા વલ્લભદાસનો સરગમ બહેને હાથ પકડ્યો અને વૃધ્ધ વલ્લભદાસનાં ધ્રુજતા હાથ સીધા થયા..વળેલી કમર ટટ્ટાર થઇ ધોળાવાળ સફેદ થયા અને  એ પ્રસંગ જાગૃત થયો જ્યારે દેવા ઉપર ગુસ્સામાં હાથ ઉપાડતા હતા..સરગમ બહેન કહે હવે જરા બારણાની પાછળ નજર કરો તો..તે સમયે નયના સહેજ ડરેલી પણ ગુસ્સામાં દાંત કચકચાવતી દેખાઇ “આ ડોહલાને મારી સાથે કયા ભવનુ વેર છે તે નથી સમજાતુ અમે બન્ને એક બીજામાટે તૈયાર છે ત્યારે….આ કેમ ફાચરો મારે છે?”

હવે આ વખતે જો તમે જરા બીજો વિચાર કર્યો હોત તો તમારું સ્થાન ક્યાં હોત તે જુઓ…

જમાઇ અને વેવાઇની હાજરીમાં તેઓ પુછતા હતા

“ દેવા પેલો કનુ કહેતો હતો કે તારુ મન કોઇક સાથે મળી ગયુ છે તે સાચુ?”

આશ્ચર્યનાં ભાવો સાથે દેવો કહેતો હતો “ બાપા મને તમને કહેતા ડર લાગતો હતો પણ નયના કાચવાળા ના બાપુજી મને અમેરિકા લઇ જવા માંગે છે.

નીતા એ કહ્યું નયના પટેલ નથી પણ તેના બાપુજીનાં અમેરિકામાં ઘણા ગેસ સ્ટેશનો છે અને તમારા આશિર્વાદ હશે તો આપણા ગામ માથી પહેલો અમેરિકા જનારો થશે…વલ્લભદાસે હસતા હસતા કહ્યું તમે સમજદાર છો અને સૌને ઠીક લાગતુ હોય તો ફુલો ફલો અને મઝા કરો…

દેવાંગે બીજા રૂમમાં બેઠેલી નયના ને બોલવી અને કહ્યું બાપાએ હા પાડી દીધી.. આવ તુ પગે લાગ. નીતા બેન કહેતા હતા તેમજ બાપા તો બાપા છે.

નયના પગે લાગતી હતી ત્યારે વલ્લભદાસ ગળ ગળા થઇને તારાને સ્વગત રીતે કહેતા સંભળાયા જો તારો દેવો…કેવી સુંદર કન્યા લાવ્યો…

સરગમ બહેન વલ્લભદાસ ની પ્રસન્નતા જોઇ રહ્યા..તેમની સ્વપ્નીલ આંખો દેવાના લગ્ન પછી અમેરિકાથી ચાલતો પત્ર વ્યવહાર અને ડોલર વ્યવહાર જોતા રહ્યા જમીનો વધતી ચાલી.. સુગર મીલનાં પ્રમુખપદે મહાલતા વલ્લભદાસ વધતા વંશવેલાના વિકાસ સાથે સાથે સુખના દરિયમાં ઝુમતા દેખાયા

દેવાનાં દિકરાનાં લગ્ન પ્રસંગે દાદા ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે દેખાયા…હાર્ટ એટેકમાં દેવો બાપાને તેડીને હોસ્પીટલ જતો દેખાયો સ્વપ્ન આગળ ચાલે તે પહેલા સરગમ બહેને તેમને જગાડ્યા. વલ્લભદાસ બોલ્યા બહુ સરસ સ્વપ્ન હતુ તેમા આ નિવૃત્તી નિવાસ ક્યારે આવ્યુ? સરગમ બહેન કહે છે આતો સ્વપ્ન હતુ પણ વાસ્તવિકતા જુદી હતીને…યમે ગુસ્સો કર્યો તે દેવાને અજુગતુ નહોંતુ લાગ્યુ પણ નયનાને…

અને તમારો ગુસ્સો અને કછારી જબાન તેને ક્યારેય ભુલવા નહોંતી દેતી કે તે હલકા વરણ ની છે અને તેથી જ તો તે દિવસે તેણે તમને લપડાક મારી અને દેવો કંઇ ન કરી શક્યો..બેઘર હાલતમાં નિવૃતિ નિવાસ વહારે ધાયુ…વહેલી સવાર પડી ગઇ હતી અજંપ મન પ્રભુને ફરિયાદ કરતું હતુ.

હે કરતાર કેવો છે તારો  

વેરા-આંતરા ભર્યો વર્તાવ!

દુ:ખો આપે થોકબંધને

સુખોમાં કાપે ભારે વટાવ

જાણે હું તારું નહીં  

કટ્ટર વેરીનું સંતાન   

સવારની પ્રભાત ફેરીને અંતે ભજનમાં તેમના ફોટા પર નજર કરતા સરગમ બહેન ફરી દેખાયા અને હસતા હસતા કહે પ્રભુને કેમ ફરિયાદ કરો છો? વાંક ખુદનો જુઓ તો તમને લાગશે કે તમે નથી ફરિયાદી.

મનનું લોલક બીજી તરફ ફંગોળાયુ..શું ખરેખર નયના એટલી દોષી હતી? દેવા અને નયના વચ્ચે તડ પડાવવા ઓછા ધતિંગો નહોંતા કર્યા? પણ અંતે પરિણામ શું? એ સત્ય છે ને કે જે આગળ જતા રહે છે તેમને પાછળ પડી ગયેલાનાં આંસુ ક્યારે દેખાય છે? એક આહ મનમાંથી નીકળે છે “ અમ વીતી તુમ વીતશે ધીરી બાપુડીયા”

સરગમ બહેન ફરીથી ટહુકો કરતા સંભળાય છે “ વલ્લભ ભાઇ તમે તમારા બાપા માટે શું કર્યુ હતુ જરા યાદ કરો..કાંતા બાપને સરખુ ખાવા પણ નહોંતી આપતી..દુધ્થી ઝાડા થૈ જાય છે માટે ચા પાતી અને કાંતા દુધ દેવાને પાતી…ત્યારે ડો હા ને નહીં થતુ હોયકે આ વલ્લભાને શું થયુ છે શું?

સ્થિર થઇ જાવ..ભૂતકાળને ભુલવામાં મઝા છે અને વર્તમાનમાં જીવવાની મઝા છે. જ્યારે તમે દિકરા હતા ત્યારે તમે જે કર્યુ તે તમારા દિકરા તમારા માટે કરે તો તેનો અફસોસ શું? નાગણ ને પેટે સાપોલીયા જ પાકેને ? કરણી તેવી ભરણી…વલ્લભદાસની આંખો આઁસુ સારતી હતી ત્યારે સરગમ બહેન જીવતા જે નહોંતા બોલ્યા તે બ્ર્હ્મ વાક્ય બોલ્યા વલ્લભભાઇ મૃત્યુ સુધારો..બાપાની ક્ષમા માંગો અને દિકરાને માફકરો.. આ વેર અને તિરસ્કાર્નાં ઝેરને અહીં જ ત્યાગો.. તેથી આત્મા હલકો થશે અને તેથી તેનુ ગમન ઉર્ધ્વગામી થશે…મનમાં પ્રભુનું નામ અને હળવો આત્મા તમને મુક્તિ ગામી કરશે…

ફોટાનાં સરગમ બહેન  હસતા હતા તેમ તેજ સ્વરૂપે અદ્ર્શ્ય થયા.. અને વલ્લભભાઇ નાં મુખવદન પર અનન્ય શાંતિ દ્રશ્યમાન થઇ અને તે બોલ્યા હા હવે મૃત્યુ સુધારવુ હોયતો પ્રભુનામ સિવાયની બધી વાતો ખોટી.. અવંતિકા બહેને હલકા અવાજે ભજન ઉપાડ્યુ..

મેરે તો ગીરધર ગોપાલ દુસરા ન કોઇ

વિજય શાહ

નિવૃત્તિ નિવાસ (5)- હિંમત શાહ

નિવૃત્તિ નિવાસના બેઠા ઘાટના મકાન પર સાંજના આછા ઓળા ઉતરી રહ્યા હતા. મકાનની  આજુબાજુ ફેલાયેલ વિશાળ વાડીના વૃક્ષો મંદ મંદ વાયુની લહેરીઓમામ ઝુમી રહ્યા હતા  આથમતી સંધ્યાના ગુલાબી રંગોથી પર્ણો દિવડાની જેમ ઝબકી રહ્યાં હતા. ઉપર ફેલાયેલું અફાટ આકાશ પશ્ચિમ ક્ષિતિજે રંગોની ઉજાણી કરી રહ્યું હતું.અંધકારના ઓછાયા ઉતરી રહ્યા હતા.  સંધ્યાના ઉજાસમા શોભિત ‘નિવૃત્તિ નિવાસ’ અંધકારમાં લપાઈ ગયું.  અચાનક ફોનની ઘંટડી રણકી, ‘હા, હું પરાંજપે, શું કહ્યું? મુખ પરના ભાવ પલટાઈ  ગયા. ‘હા, હું હમણા જ આવું છું.’ કહી ખુરશી પર ફસડાઈ પડ્યા. ત્યાં બારણે ટકોરા પડ્યા  જેમ તેમ ઉભા થઈ બારણું ખોલ્યું,

“સરગમ બેન, અનર્થ થઈ ગયો.”

નર્સના પોષાકમા સજ્જ  સરગમ બહેન કહે “શું થયું  પરાંજપે?.’

પરાંજપેના ગળામાંથી માંડ માંડ અવાજ નિકળ્યો, “મારી  ગાર્ગી, મારી ગાર્ગી વિધવા થઈ! હમણાં વેવાઈનો ફોન હતો. જમાઈ ગાડીના અકસ્માતમા  ઘટના સ્થળે જ ——-. હમણા હું જાંઉ છું. પછી વાત કરીશું.”

પ્રેમથી સરગમ બહેને નટવરને કહ્યું જા ,જલ્દી ટેક્સી લઈ આવ અને પરાંજપે ને કહે ,

“ગાર્ગીને સાચવજો. તેને ધીરજ  બંધાવજો.”
મોડી રાતે પરાંજપે પાછા આવ્યા. ચોકીદારે દરવાજો ખોલ્યો. નટવર રાહ જોતો હતો.

“કેમ જાગે છે ,ભાઈ?”

“તમારા વિચારમા ઉંઘ ન આવી.”

“ ખેર , બધાને સવારે મળીશ” કહી પોતાના રુમ તરફ પગ ઉપાડ્યા અને પથારીમા લંબાવ્યું. શરૂઆતના દિવસોમા અળગા રહેતા પરાંજપે વડીલ સરગમ બહેન સાથે ભળી ગયા. હતા. નિખાલસ , નિઃસ્વાર્થ અને સેવાભાવી સ્વભાવના તેજ કિરણો પરાંજપેના દિલને સ્પર્શી ગયા. ખૂબ આદર આપતા અને પોતાના હૈયાની વેદના તેમની સમક્ષ રજૂ કરતા.

કોઈની પણ સમક્ષ હૈયું ન ખોલી શકનાર પરાંજપે સરગમ બહેનને મોકળે મને મળતા. પથારીમા લંબાવ્યું પણ ઉંઘ ન આવી. ઉભા થઈ થોડા પુસ્તકો અને ‘સાપ સીડી’ની રમત અવ્યવસ્થિત હતા તે બરાબર ગોઠવ્યા.તેમને  બે શોખ હતા.એક   પુસ્તકો વાંચવા અને બીજું ‘સાપ સીડી’ ની રમત રમવી.પત્ની જયા સાથે કાયમ રમતા.  હવે તે હયાત નથી પણ બે દાવ પાડી એકલા રમતા. ઘડી ભર વિસરાઈ જાતું કે તે હયાત  નથી.

‘લે તું તો એકદમ ઉપર પહોંચી ગઈ. જીતી ગઈ. હું તો હારી ગયો!’

“જયા જીવનની આ બાજી પણ હારી ગયો. થાકી ગયો. સહારો દેવા વાળી તું પણ ચાલી ગઈ.’ બોર જેવા  આંસુ થીજી ગયા હતા તે ઉભરાઈ આવ્યા. ક્યારે આંખો મળી ગઈ ખબર પણ ના પડી

પરાંજપે ઉઠ્યા ત્યારે સૂરજ આભે ચડી ગયો હતો.નાહી ધોઈને ધ્યાનમા બેઠા પછી બારણું ખોલ્યું. દૂરથી સરગમ બહેનને આવતા જોયા. “હું બે વખત અંહીથી પસાર થઈ પણ  બારણું બંધ હતું. તમે ધ્યાનમા બેઠા હતા તેથી ખલેલ ન પહોંચાડી.”હા, મને પણ એવું   લાગ્યું,”

કમરને હાથથી દબાવતા પરાંજપે બોલ્યા. “તબિયત બરાબર નથી લાગતી. હા, આજે પાછો જૂનો દુખાવો ઉપડ્યો છે. ઉજાગરાને લીધેસ્તો. લપકારા મારે છે,” બોલતા  પરાંજપે ખુરશી પર ફસડાઈ પડ્યા..

Continu……

નિવૃતિ નિવાસ (6)-શૈલા મુન્શા

મહાબળેશ્વરનાં કુદરતી સાનિધ્યમાં પહાડો અને ખળખળ વહેતાં ઝરણાની પાડોશમા એક વિશાળ બંગલો. કોઈ અમીરની કૃપાથી એ બંગલાનુ નિવૃતિ નિવાસમાં રુપાંતર થયું જ્યાં પંદર થી વીસ વ્યક્તિઓ આરામથી દરેક પ્રકારની સુખસગવડ સાથે રહી શકે.જ્યાં સ્વજનોથી તરછોડાયેલા વ્યક્તિને પોતાપણાનો અહેસાસ થાય. જ્યાં જાતપાત કે ધર્મના વાડામાં બંધાયા વગર જીવનની પાછલી અવસ્થા શાંતિથી પસાર થાય
એવા એ નિવૃતિ નિવાસમા સવાર તો રળિયામણી ઊગી હતી પણ અચાનક કાળું વાદળ આવીને સૂરજને ઢાંકી દે અને ચોપાસ સૂનકાર છવાઈ જાય તેમ અચાન અવંતિકાબેનની બુમ પડી. અરે! વલ્લભદાસ, ડો. પરાંજપે, પુરુષોત્તમભાઈ બધા જલ્દી આવો. આ સરગમબેનને કાંઇક થઈ રહ્યું છે, પરસેવે રેબઝેબ થઈ ગયા છે, અને બધા પહોંચે કાંઇક સારવાર શરુ કરે એ પહેલા તો સરગમબેને ડોક ઢાળી દીધી.
નિવૃતિ નિવાસના રહેવાસીઓમાં આ પહેલું મૃત્યુ બધાને ખળભળાવી ગયું. વલ્લભદાસતો છુટ્ટા મોઢે રડી પડ્યા, અવંતિકાબેનની તો જાણે વાચા જ હરાઈ ગઈ. બધા હાંફળા ફાંફળા થઈ ગયા. ઘડી બે ઘડી તો સર્વને શું કરવું એની જાણે સુઝબુઝ જ ના રહી. પેસ્તનજી તો જાણે બાવરા બની બોલવા માંડ્યા અરે! સરગમબેન ઘડી તો રાહ જોવી હતી, અરે તમારી આગળ હું ઊભો રહી ગયો હોત. મારી તો અહીં કાંઈ જરુર નથી પણ તમે સર્વેના મા સમાન, બધાને ઘડીમાં નોંધારા કરી ગયા.
સરગમબેન ભણતરે નર્સ એટલે અહીંયા પણ બધાંની મા અને મોટીબેન બનીને હંમેશા સાચી સલાહ આપતા, અને નવી આવનાર વ્યક્તિને સંભાળી લેતા. અવંતિકાબેન તો જ્યારે નિવૃતિ નિવાસમા આવ્યા ત્યારે કેટલાય દિવસ સુધી સૂનમૂન હતા. એ વૃધ્ધ માને એક જ વાત કોરી ખાતી કે મા ના ગરીબ ખોરડામાં પાંચ પાંચ દિકરા સમાઈ શક્યા પણ ઘરડી મા અમીર પાંચ દિકરાના મહેલમા ન સમાઈ શકી. ત્યારે સરગમબેને જે હુંફ અને ધીરજથી એમની લાગણીની માવજત કરી, એ યાદ એમની આંખમાથી આંસુના રેલા બનીને વહી રહી હતી.
પુરુષોત્તમભાઈ જીવાણી ધંધે વકીલ અને નિવૃત થયા પછી પણ વકીલશાહી સ્વભાવમાંથી ગઈ ન હતી. એ તુમારશાહીને સરગમબેને કેવી સહજતાથી માનવતાવાદમાં ફેરવી નાખી એનો પુરુષોત્તમભાઈને ખ્યાલ સુધ્ધા ના આવ્યો. દુઃખના પ્રથમ આંચકામાંથી બહાર આવીને બધાએ સરગમબેનના આત્માને શાંતિ મળે એ માટે પ્રભુપ્રાર્થના કરવાનુ નક્કી કર્યું.
સંધ્યા ધીમેધીમે રાતમા પલટાઈ ગઈ, અને દરેક જણે પોતપોતાના રુમમા જઈ નિંદ્રાદેવીનું શરણ લેવાનો પ્રયત્ન કર્યો. દરેક રુમમા બે વ્યક્તિ રહી શકે એવી સગવડ રાખવામા આવી હતી જેથી કોઇ વ્યક્તિને એકલવાયું ના લાગે અને રાતવરત જરુર પડે એકબીજાની હુંફ રહે.
પુરુષોત્તમભાઈ અને સોહિલ સાઠે બન્ને એક જ જમાતના લોકો. પુરુષોત્તમભાઈ વકીલ તો સોહિલ સરકારી અધિકારી, અને સાથે થોડી વકીલાત પણ કરી હતી તેથી એ બન્નેને ભૂતકાળના પ્રસંગો અને કોર્ટના કેસની વાત કરવાની મઝા આવે તેથી એ બન્ને એ એક જ રુમમા સાથે રહેવાનુ રાખ્યુ હતું.
આમ તો બહાર રાતનો સોપો પડી ગયો છે પણ સોહિલ જોઈ રહ્યો છે કે પુરુષોત્તમભાઈ પડખાં ઘસી રહ્યાં છે. છેવટે ન રહેવાતા સોહિલે ધીરેથી હાંક પાડી, પુરુષોત્તમભાઈ ઊંઘ નથી આવતી? શા વિચારે ચઢી ગયા છો? અને સોહિલના સવાલે પુરુષોત્તમભાઈ ની આંખમા આંસુ આવી ગયાં. સોહિલ, સરગમબેનના મૃત્યુએ મને વિચાર કરતો કરી દીધો. કાલ ઊઠીને આપણે સર્વે એ એજ માર્ગે જવાનુ છે. સરગમબેન તો નસીબદાર કે કોઈની પાસે પાણીનો પ્યાલો માંગવા પણ ના રોકાયા અને છૂટી ગયા. ખરો પુણ્યશાળી આત્મા પણ આપણુ શું? એમ વાતો કરતા આંખ ઘેરાવા માંડી અને અર્ધનિંદ્રિત અવસ્થામા પુરુષોત્તમભાઈ પણ જાણે સરગમબેન સાથે ચિત્રગુપ્તના દરબારમા પહોંચી ગયા છે, અને ચિત્રગુપ્ત એમના જીવનનુ સરવૈયું કાઢી રહ્યાં છે. પુરુષોત્તમભાઈ જીંદગીના જમાઉધારમા કયું પલ્લું ભારે છે? અને પુરુષોત્તમ્ભાઈની નજર સામે જીવનના પાના એક પછી એક ઉઘડવા માંડ્યા.
પાંચ વર્ષનો પુરુષોત્તમ. માબાપનું એક નુ એક સંતાન, લાડકોડમાં મોટો થયો. બાપાની ઇચ્છા વકીલ થવાની હતી પણ ઘરની જવબદારીએ ઇચ્છા પૂરી ના થઈ શકી. એ ઇચ્છાનું બીજ એમણે પુરુષોત્તમમા રોપ્યું, અને પુરુષોત્તમ ભણીગણીને મોટો વકીલ થયો. વકીલાતની સનદ લઈ બરોડાની કોર્ટમા કેસ લડવાની શરુઆત કરી. ફોજદારી કેસમા ધીરેધીરે ફાવટ આવતી ગઈ અને ત્રણ વર્ષમા તો વકીલાતની દુનિયામાં પુરુષોત્તમભાઈનુ નામ આગળ પડતું ગણાવા માંડ્યું.
સારા ઘરની કન્યાના માંગા આવવા માંડ્યા અને બાપાએ ખાનદાન જોઈને સંસ્કારી ઘરની કન્યા રમાને પસંદ કરી દીકરાના રંગેચંગે લગ્ન કરાવી આપ્યા. લગ્નજીવનની શરુઆત થઈ.રમા ખુબજ શાંત સ્વભાવની, પુરુષોત્તમભાઈની એકેઍક વાતમાં સંમત કદિ કોઈ વાતમા વિરોધ કે પોતાનો અંગત અભિપ્રાય નહિ. જેના કારણે પુરુષોત્તમભાઈ વધુ ને વધુ આપખુદ બનતા ગયા. સમાજમાં મોભો વધતો ચાલ્યો અને કોર્ટની દુનિયામા નામના વધતી ચાલી.
કેસની તૈયારી એટલી ઝીણવટપૂર્વક કરે કે ભલભલા વકીલોના છક્કા છુટી જાય. નબળો લાગતો કેસ પણ પુરુષોત્તમભાઈના હાથમા આવે કે કાયદાની એટલી બારીકાઈથી એ લડીને સચ્ચાઈ સબિત કરી આપે, અને હારની બાજી જીતમા પલટાવી નાખે. જેમ જેમ વકીલાતની દુનિયામા નામના મેળવતા ગયા તેમ તેમ જાણે ઘરથી દૂર થતા ગયા.
ઘરમા બે સરસ મજાના દિકરા રમતા થયા-નિલેશ અને નિલય, પણ પુરુષોત્તમભાઈને બાળકો સાથે વાત કરવાનો પણ સમય નહી તો પછી સાથે બેસીને રમવાની તો વાત જ ક્યાં? ઘરમા પણ એક રુમ ને એમણે પોતાની ઓફીસ બનાવી હતી. રમાને સખત તાકીદ કે બાળકો ભુલેચુકે પણ એ રુમની આસપાસ ના ફરકે. બાળકોને મન તો પિતા જાણે એક અગમ્ય અસ્પ્રુશ્ય વ્યક્તિ. મોટાભાગે તો એમનો મેળાપ જ ના થાય. નિલેશ નિલયની શાળાનો સમય સવારનો, મમ્મી જ બંનેને તૈયાર કરી સ્કૂલ બસમા રવાના કરે અને રાતે જ્યારે પુરુષોત્તમભાઈ ઘર આવે ત્યારે બંને બાળકો ઊંઘી ગયા હોય.શનિ રવિ પણ ઘર અસીલોથી ભરેલું હોય. ઘરમા જ્યાં સુધી પપ્પાની હાજરી હોય ત્યાં સુધી બાળકોથી મોટા અવાજે ટીવી ના ચાલુ કરી શકાય કે ના જોરથી હસીરમી શકે.
નિલેશ મોટો અને સમજુ, ભણવામા હમેશા પહેલો નંબર લાવે. માની કાળજીને કારણે શાળામા બીજી ઈતર પ્રવૃતિઓમા પણ ઘણો આગળ અને હમેશા વકૃત્વ સ્પર્ધામા પ્રથમ ઈનામ જીતી લાવે, પણ પિતાની હાજરીમા સાવ મૂંગો બની જાય. નાનો નિલય રમતિયાળ. શાળામા હમેશા રમતગમતની હરિફાઈમા ઈનામ જીતી લાવે. શાળામા જ્યારે પણ ઈનામ વિતરણ સમારોહ કે બીજા કાર્યક્રમો હોય ત્યારે હમેશા રમા જ બધે હાજરી આપે. પુરુષોત્તમ્ભાઈને તો સમય જ ક્યાં?
નાનો નિલય જ્યારે બીજાના મમ્મી પપ્પાને જુએ તો રમાને સવાલ કરી બેસે કે મારા પપ્પા કેમ મારી સ્કુલમા નથી આવતા? ક્યારેક રવિવારે ઘરની બારીમાથી નીચે મેદાનમા એના મિત્રોને એના પપ્પ સાથે ક્રિકેટ રમતાં જોઈને એ બાળ માનસને અચૂક મનમાં સવાલ જાગે કે મારા પપ્પા કેમ અમારી સાથે નથી રમતાં? એ અણસમજુ બાળકનાં સવાલનો રમા પાસે કોઈ જવાબ નહીં. બાળકોનું મન બીજે વાળવા એ પતિનો બચાવ કરતી કે તમારા ભવિષ્ય માટે પપ્પા ખુબ મહેનત કરે છે જેથી એ ખૂબ પૈસા કમાય અને તમને સારું ભણતર આપી શકે, પણ એ જોઈ શકતી હતી કે બાપ દિકરાઓ વચ્ચેની ખાઈ પહોળી થઈ રહી છે. ના તો એ પતિને કાંઈ કહી શકતી કે ના તો બાળકોનાં મનને સંતોષી શકતી. એ ફક્ત એકજ વસ્તુ કરી શકતી, પોતાનો બધો પ્રેમ એ બાળકો પર ન્યોછાવર કરી દેતી.
એક તરફ બાળકો મોટા થતાં ગયા અને બીજી તરફ પુરુષોત્તમભાઈ પ્રગતિના સોપાનો સર કરતાં ગયા. માનવી હંમેશા નશાની દુનિયામાં ખોવાયેલો રહેતો હોય છે. કોઈને દારુનો નશો ગમતો હોય તો કોઈ રુપના નશાનો પાગલ, કોઈ સત્તાના નશામા ગરક તો કોઈ જીતનાં નશામાં તરબોળ. જેને જીતના નશાની આદત પડી હોય એ કદી કોઈ સંજોગોમાં હાર સ્વીકારવા તૈયાર ના થાય. પુરુષોત્તમભાઈ સાથે પણ કંઇક એવું જ બની રહ્યું હતું. એક પછી એક કેસની સફળતાએ એમને જાણે સાતમા આસમાને બેસાડી દીધા હતાં. પુરુષોત્તમભાઈ કદી ગુનેગાર નો કેસ હાથમા ના લેતા, એમને ખાતરી હોય કે પોતાનો અસીલ નિર્દોષ છે તો જ એ કેસને લેતા અને પુરાવા અને સાબિતી સહીત કોર્ટમા એ અસીલની નિર્દોષતા સાબિત કરી આપતા. ઘણીવાર તો ભયંકર ગુનેગાર એમને પૈસાની લાલચ આપવાની કોશીશ કરતાં પણ પુરુશોત્તમભાઇએ હંમેશા સત્યને જ વળગી રહેવાનુ વલણ અપનાવ્યું હતું. વકીલાતના ચાર દાયકા જાણે એમની નજર સામે પસાર થઈ રહ્યાં હતાં, અને સમયનુ ચક્ર એમની પચાસ વર્ષની ઉમર પર આવીને અટકી ગયું.
બરોડામા નવજીવન શાળાના પ્રિન્સીપાલની પત્નિ લલીતાનું રહસ્ય સંજોગોમા મૃત્યુ એ બનાવે ચકચાર જગાવી હતી. હમેશા જ્યારે પતિ કે પત્નિ નુ રહસ્યમય સંજોગોમા મરણ થાય ત્યારે શંકાની સોય હમેશા ઘરનિ વ્યક્તિ પર પહેલા જ તકાય, અને લલિતાના રહસ્યમય મૃત્યુમા તો પાછું પતિ મોહનકુમાર એક જાણીતી શાળા નવજીવનનાં પ્રિન્સીપાલ. પતિ સમાજમાં મોભાદાર અને જાણીતી વ્યક્તિ અને લલિતા અભણ અને પાછી સ્વભાવે શંકાશીલ. એને કાયમ મનમા શંકા રહે કે પતિ રોજ શાળામા કેટલીય યુવાન શિક્ષિકાઓ સાથે કામ કરે છે અને મોડે સુધી શાળાના કામસર રોકાય છે તો ભગવાન જાણે ત્યાં શું એ કરતા હશે? આ લલિતાના કમોતમા મોહનકુમારને પોલિસે વધુ પુછપરછ માટે રીમાન્ડ પર લીધાં હતાં. છાપામાં બનાવનો વિગતવાર અહેવાલ હતો કે બપોરે પ્રિન્સીપાલ મોહનકુમાર જ્યારે જમવા ગયાં ત્યારે પત્નિ સાથે ચડભડ થઈ હતી. ચર્ચાએ ઉગ્ર સ્વરુપ લીધું અને મોહનકુમાર જમ્યા વગર પાછા સ્કૂલે ગયા. સાંજના શોમા પતિ-પત્નિ પિક્ચર જોવા જવાના હતા તેથી મોહનકુમાર સીધાં થીએટર પર જઈને પત્નિ ની રાહ જોવા માંડ્યા.અર્ધો કલાક ત્યાં ઉભા રહ્યા પછી ઘરે ફોન કરવાનો પ્રયત્ન કર્યો, ફોનની રીંગ વાગતી હતી પણ કોઈએ ફોન ઉપાડ્યો નહી તેથી થાકીને મોહનકુમાર ઘરે ગયાં. ઘર લોક હતું અને ઉતાવળમા મોહનકુમાર પોતાના ઘરની ચાવી સ્કૂલના ટેબલના ખાનામા ભૂલી ગયા હતા. એક ચાવી બાજુના બંગલાવાળા વિનોદભાઇને ત્યાં રહેતી હતી તેથી વિનોદભાઇને ત્યાંથી ચાવી લઈ જ્યારે મોહનકુમારે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે સામે દિવાનખાનામા જ લલિતાનો દેહ જમીન પર પડ્યો હતો, અને ડાબા હાથની ધોરી નસ કપાઇ ગઈ હતી. લલિતા મૃત્યુ પામી હતી. બાજુમા ચીઠ્ઠી પડેલી હતી કે “દમની બિમારીથી કંટાળીને હું આપઘાત કરું છું ને કોઈને દોષદેતા નહી”- લલિતા.
પુરુષોત્તમભાઈ છાપાનો અહેવાલ વાંચતા હતા ત્યાં એમના ઉપર શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને નવજીવનશાળાના આગેવાન ટ્ર્સ્ટી જીવરાજભાઈ પટેલનો ફોન આવ્યો કે મારે તમને તાત્કાલિક મળવું છે. સવારે દસ વાગે મળવાનો સમય નક્કી થયો, અને જીવરાજભાઈ પુરુષોત્તમભાઈની ઓફિસે પંહોચી ગયા.
જીવરાજભાઇ ની એકની એક યુવાન દિકરી મીતા છ મહિનાથી નવજીવન શાળામા શિક્ષિકા તરીકે જોડાયેલી. મોહનકુમારની મોહક છટા અને આકર્ષક વ્યક્તિત્વના મોહપાશમાં એ ક્યારે લપેટાઇ ગઈ એનુ એને ખુદને ભાન ન હતું. મા ચોવીસ કલાક દેવ-મંદિર અને સાધુ સંતોની સેવામાં મશગુલ અને પિતા ચોવીસ કલાક ધંધામાં રચ્યા પચ્યાં. એનો લાભ લઈને ઉંદર જેમ ફૂંકી ફૂંકીને કરડે તેમ મોહનકુમારે ધીરેધીરે મીતાને પોતાની મોહપાશમા ફસાવવા માંડી હતી. મીતા મોહનકુમારના પ્રેમમાં એટલી આંધળી થઈ ગઈ કે એને માટે મોહનકુમાર જ જાણે સર્વસ્વ બની ગયા. લલિતા ના મોતની સાંજે જીવરાજભાઈ ઓફિસથી નીકળી ક્લબ તરફ જઈ રહ્યાં હતા અને એમની નજર સામેની ફુટપાથ પર પડી. મીતાને એમણે રીક્ષામાં બેસતા જોઇ. પહેલાં તો બહુ ધ્યાન ના આપ્યું પણ તરત જ એમણે જોયું કે મીતા પાછળ ફરીને કોઈને હાથ કરી રહી છે, અને એ વ્યક્તિ મોહનકુમાર છે. ત્યારે તો જીવરાજભાઈને કંઇ ખાસ શંકા ના જાગી, થયું કે કોઈ સ્કૂલના કામે મળ્યા હશે. રાત્રે મોડેથી ઘરે પહોંચ્યા ત્યારે મીતા સુઇ ગઈ હતી. સવારે જ્યારે છાપું હાથમા આવ્યું અને છાપાનું મથાળું વાંચીને એ સફાળા ચોંકી ઉઠ્યા. મોહનકુમારની પત્નિનું કમોત અને બાજુમાથી મળેલી ચિઠ્ઠી એ શબ્દો એટમ બોમ્બની જેમ એમની આંખમા ભોંકાયા. મોહનકુમાર એવાતો મુર્ખ ન હતા કે પોતાના હાથે ચિઠ્ઠી લખીને મુકે તો પછી મીતા એમની સાથે શું કરતી હતી એ સવાલ જીવરાજભાઈના કાળજે ખુંપાયો. તરત જ મીતા ને ઊઠાડીને છાપું એની સામે ધર્યું, મીતા મથાળું વાંચીને જ ભાંગી પડી ને પપ્પા પાસે બધું કબુલ કરી લીધું. એકની એક દિકરીને આ કેસમા ફસાતી બચાવવા એ પુરુષોત્તમભાઇ પાસે દોડી આવ્યા. પુરુષોત્તમ્ભાઈ જેવા નામી વકીલ તરતજ આખો કેસ સમજી ગયાં કે મોહનકુમારે જ પત્નીનુ ખૂન કર્યું છે અને મીતા ને એમણે ફસાવી છે. જીવરાજભાઈએ સહી કરેલો કોરો ચેક પુરુષોત્તમભાઇના ચરણે ધરી દીધો. વકિલ સાહેબ ગમે તે કરો પણ મારી મીતાને ઊની આંચ ના આવવી જોઈએ. પુરુષોત્તમભાઇએ જીવરાજભાઈ પાસેથી મોહનકુમારનાં જીવનની એમના કુટુંબની માહિતી મેળવી.
મોહનકુમાર અને લલિતાનુ એકજ સંતાન વિનય. નાનપણમા બળિયામા તે આંખનુ નૂર ગુમાવી બેઠો હતો, અને હમણા મુંબઈની અંધશાળામા રહીને અભ્યાસ કરતો હતો.દસ વર્ષનો દિકરો મા પાસેથી દૂર ગયો અને એના સમાચાર મેળવવા માટે જ લલિતા વાંચતા લખતાં માંડ શીખી હતી.પોલિસને લલિતાની ચીઠ્ઠિના અક્ષર મેળવવા જો ઘરમાથી કોઈ કાગળ પત્ર કે ડાયરી ના મળે તો પોલિસ જરુર મુંબઈ વિનયની મુલાકાત લે એ તો સાવ સાવ સાદીસીધી વાત હતી અને સરકારી વકીલ પલકવારમાં સાબિત કરી આપે કે આપઘાતની ચીઠ્ઠી લલિતાએ નથી લખી, અને કોર્ટમા મોહનકુમારની અસલિયતને ખૂલતાં વાર લાગે નહી. ગુનો સાબિત થતાં જ મીતાનુ નામ પણ જાહેર થાય.
પહેલીવાર પુરુષોત્તમભાઈ આ કેસ હાથમા લે તો હારી જાય એવા સંજોગો હતાં. એકબાજુ સામે સહી કરેલો ચેક પડ્યો હતો, બીજી બાજુ સત્યને વળગી રહેવાનો એમનો નિયમ અને ત્રીજી બાજુ એક બાપની લાચારી. છેવટે જીવરાજભાઈની જીત થઈ. પુરુષોત્તમભાઈએ મોહનકુમારનો કેસ લડવાની સંમતિ આપી અને રસ્તો વિચારી લીધો.
મીતાને એમણે તાબડતોબ મુંબઈ જઈ વિનયને મળવાનુ સૂચવ્યું. મીતા પહેલા પણ એક બે વાર વિનયને મળીચૂકી હતી તેથી રુબરુ આશ્વાસન આપવા જવાના બહાને એ વિનયને મળી. વાતવાતમા એણે જાણી લીધું કે મમ્મીનો હમણાં પત્ર આવ્યો છે કે નહી, અને વિનયે છેલ્લો કાગળ મીતાના હાથમાં મૂક્યો. એ વાંચવાના બહાને ત્યાં બેસીને મીતાએ પોતાના હાથે એની કોપી કરી અને કવરમા મૂકી દીધો, સાથે ખાતરી કરી લીધી કે આગળનાં કોઈ પત્રો એની પાસે છે કે નહી? વિનય હમેશા કાગળ વંચાવીને ફાડી નાખતો તેથી બીજા કોઈ કાગળ એની પાસે હતા નહી. મીતા અસલ કાગળ લઈ બરોડા પાછી આવી ગઈ અને અસલી કાગળને દિવાસળી ચાંપી દીધી.
કોર્ટમા જ્યારે કેસ શરુ થયો ત્યારે આપઘાતની ચીઠ્ઠી અને વિનય પાસેથી મળેલાં પત્રના લખાણના અક્ષરો સરખા સાબિત થયાં. મોહનકુમાર ખરાં ગુનેગાર હોવા છતાંય માનભેર છૂટી ગયા. મીતાને તો જીવરાજભાઈએ તાબડતોબ વધુ ભણવાના બહાને અમેરીકા મોકલાવી દીધી અને વરસમા તો સારો છોકરો જોઈને ત્યાં જ પરણાવી દીધી.
પુરુષોત્તમભાઈની વકીલાતની દુનિયામા વધુ ને વધુ નામના ફેલાતી ગઈ. અચાનક એક દિવસ રમાનુ રોડ અકસ્માતમાં મૃત્યુ થયું. પંચાવન વર્ષની પ્રૌઢાવસ્થાએ પુરુષોત્તમભાઈ વિધુર થયા. ઘરમા બે જુવાન દિકરા અને બાપ, પણ બાપ દિકરાને જોડી રાખતો સેતુ તૂટી પડ્યો.
મોટો દિકરો નિલેશ વધુ અભ્યાસ અર્થે લંડન ગયો અને ત્યાં જ સાથે ભણતી સાઉથ ઈન્ડિયન લક્ષ્મી સાથે પિતાની ઉપરવટ જઈ લગ્ન કરી સ્થાયી થઈ ગયો. નાનો નિલય ડોક્ટર થયો અને મુંબઈની જસલોક હોસ્પિટલ સાથે જોડાઈ કાયમ માટે મુંબઈ સ્થાયી થયો. સાથે કામ કરતી ડોક્ટર શીરીન સાથે લગ્ન કર્યા અને પિતાને આગ્રહ કર્યો કે હવે વકીલાતમાથી નિવૃત થયા છો તો અમારી સાથે મુંબઈ આવીને રહો. પુરુષોત્તમભાઈ થોડા દિવસ મુંબઈ જઈને રહ્યા પણ સ્વભાવનો કડપ હજુ ઑછો થયો ન હતો. બધ જ એમના સમય પ્રમાણે થવું જોઈએ એ હવે શીરીન અને નિલયના ઘરમાં શક્ય નહોતું.
બન્ને ડોક્ટર અને બન્નેની જીંદગી અતિ વ્યસ્ત. ઘરમાં નોકર ચાકર અને રસોઈયો પણ પુરુષોત્તમભાઈના નિતીનિયમો સાથે મેળ પાડવો એ ઘરના નોકરો માટે મુશ્કેલ થતું. પાણીનો ગ્લાસ અહીં કેમ મુક્યો? ચા આજે બરાબર નથી. સવારનુ છાપું પહેલા મારા હાથમાં આવવું જોઈએ જેવા નાના નાના પ્રસંગોથી ઘરની શાંતિ ડહોળાવા માંડી. શીરીન અને નિલય માટે ઘરનાં નોકરો સ્વજન જેવાં જ્યારે પુરુષોત્તમભાઈને મન નોકર તે વળી નોકર, એને વળી આટલાં માનપાન શાના?
પોતાની રીતે રહી ન શકાય તો એના કરતાં બરોડા પાછા જવુ એમ વિચારીને પુરુષોત્તમભાઈ જવાની તૈયારી કરતાં હતાં ત્યાં એમની નજર મુંબઈ સમાચારની એક જાહેરાત પર પડી. મહાબળેશ્વરનાં નિવ્રુતિ-નિવાસની એ જાહેરખબર હતી, અને પુરુષોત્તમભાઈએ બરોડા જઈ એકલા રહેવાને બદલે નિવ્રુતિ-નિવાસમા આવવાનુ પસંદ કર્યું.
એમની નજર સમક્ષ અત્યારે જીવન પ્રકરણના છેલ્લાં પાના ફરી રહ્યાં હતાં અને એમના કાને ચિત્રગુપ્તનો અવાજ અફળાયો. “પુરુષોત્તમભાઈ જીવનના જમા ઉધારનું સરવૈયું કાઢ્યું? કોઈ વાતનો અફસોસ છે કે તમે ક્યાંક કશુંક ખોટું કર્યું હોય?” અને પુરુષોત્તમભાઇ પાછા જાણે પચાસ વર્ષની વય પર પહોંચી ગયા. મને એક જ વાતનો અફસોસ છે કે પેલા મોહનકુમારને નિર્દોષ છોડાવ્યો અને એ જાણે ફરી કોર્ટમા ઊભા છે ને મોહનકુમારની અસલિયત છતી કરી રહ્યાં છે. ખરી હકીકત એમ હતી કે મોહનકુમારે જ પત્નીનુ ખૂન કરી અને ચાલાકીથી મીતા પાસે એવી રજુઆત કરી કે મીતા હું બહુ બૂરી રીતે ફસાઈ ગયો છું, એમાથી તું જ મને બચાવી શકે એમ છે. આજે બપોરે હું જ્યારે ઘરે ગયો ત્યારે લલિતા ગુસ્સામા ધુંઆફુંઆ હતી. એ આપણા પ્રેમ સંબધને જાણી ગઈ છે અને ગુસ્સામા ને ગુસ્સામા તારી માને ફોન કરવાની હતી કે તમારી દિકરી મીતા મારા ધણી સાથે આડો વહેવાર રાખે છે, કાલ ઊઠીને કુંવારી મા પણ બની જશે માટે તમારી આબરુ સાચવવી હોય તો એને ક્યાંક પરણાવી દો.
મોહનકુમાર મીતાને કહી રહ્યા હતા કે મેં એને રોકવા માટે ફોનનો વાયર કાપી નાખવાનો પ્રયત્ન કર્યો પણ વિફરેલી લલિતા મારા હાથમાંથી છરી ખેંચવા માંડી અને એ ખેંચતાણમા એનાથીજ છરી એના ડાબા હાથમાં વાગી અને ધોરી નસ કપાતા એ જમીન પર ઢળી પડી ને તરતજ તરફડીને લલિતા મૃત્યુ પામી.
મીતા કોઈ મારીઆ વાત નહી માને કે મેં લલિતાનું ખૂન નથી કર્યું. બધાંજ મને ગુનેગાર માનશે અને મન ફાંસીની સજા થશે. એમાંથી બચવાનો એકજ ઉપાય છે કે જો પોલીસને લલિતાના હાથે લખેલી આપઘાતની ચિઠ્ઠી મળી આવે તો મારી નિર્દોષતા સાબીત થાય. મીતા મોહનકુમારના પ્રેમમા એટલી આંધળી થઈ ગઈ હતી કે મોહનકુમારની વાત સાચી માની એ ચિઠ્ઠી લખવા તૈયાર થઈ ગઈ અને ચાલાક મોહનકુમારેપોતાના પ્લાન મુજબ મીતા પાસે ગરબડીયા અક્ષરમા ચિઠ્ઠી લખાવી કે “દમની બિમારીથી કંટાળીને હું આપઘાત કરું છું, કોઈને દોષ દેતા નહિ.”-લલિતા.
બીજે દિવસે જ્યારે છાપામાંસમાચાર આવ્યાં અને જિવરાજભાઈએ મીતાને ઉઠાડીને પૂછ્યું કે કાલે સાંજે તું મોહનકુમાર સાથે શું કરતી હતી? છાપામાં પ્રથમ પાને આવેલા સમાચાર જોઈ મીતા ગભરાઈ ગઈ અને પિતા પાસે બધું જ રડતાં રડતાં કબુલ કરી દીધું.
દિકરીને બચાવવા જીવરાજભાઇએ શહેરના જાણીતા નામી વકીલ પુરુષોત્તમભાઈનો સંપર્ક સાધ્યો અને ઓફીસમાં મળવાનુ નક્કી કર્યું. પુરુષોત્તમભાઇએ પિતા સાથે આવેલી મીતા સાથે વાતચીતમા જાણી લીધું કે મોહનકુમારે મીતા પાસે પત્નીના આપઘાતની રજૂઆત કરીને મીતા ના પ્રેમનો લાભ લઈ મીતાના હાથે જ આપઘાતની ચિઠ્ઠી લખાવી લીધી. પછી તો પુરુષોત્તમભાઈ માટે આ કેસ તો સાવ સરળ બની ગયો.
કોર્ટમા મીતાની જુબાની લેવામા આવી અને એણે કબુલ કરી દીધું કે મોહનકુમારના કહેવાથી મેં આ ચિઠ્ઠી સાંજે છ વાગે એમને લખી આપી હતી, અને અમે સાથે પિક્ચર જોવા જવાના હતા એની બે ટીકીટો પણ એમને આપી દીધી હતી. ઉપરાંત પુરુષોત્તમભાઈએ શાળાની બીજી બે યુવાન શિક્ષિકાને પણ સાક્ષી તરીકે બોલાવી. કામના બહાને મોડી સાંજ સુધી કલ્પના અને રીટાને શાળામાં રોકીને એમની સાથે પણ અણછાજતી છૂટ લેવાનો મોહનકુમારે પ્રયત્ન કર્યો હતો એ પૂરવાર થઈ ગયું. મોહનકુમારનો ગુનો સાબિત થઈ ચૂક્યો, એમને જન્મટીપની સજા થઈ અને મીતા નિર્દોષ સાબિત થઈ.
બીજો અફસોસ કાયમ માટે મારાં અંતરઅત્માને ડંખ્યા કરે છે કે મારી યુવાનીનાં વર્ષોમાં જે સમયના ખરા હક્કદાર મારી પત્ની કે મારા બાળકો હતાં એ મહામૂલો સમય મેં વકીલાતની દુનિયામાં પ્રગતિના શિખરો એક પછી એક સર કરવામા વિતાવ્યો અને બાળકો તથા પત્નીને એ પ્રેમ થી વંચિત રાખ્યા. આજે રમા તો રહી નથી પણ બે દિકરાઓ હોવા છતાં હું એકલવાયો બન્યો. ભલું થજો એ સરગમબેનનું જેણે મને જીવન જીવતાં શીખવ્યું.
અચાનક સરગમબેનેનું નામ હૈયે આવતાં પુરુષોત્તમભાઇની આંખો ખુલી ગઈ, જોયું તો પોતે પથારીમાં છે અને વહેલી પરોઢનો ઉજાસ પથરાઈ રહ્યો છે. યાદ આવ્યું કે સરગમબેન તો ક્યારનાય મૃત્યુલોક છોડી ઉર્ધ્વગામી બની ગયા પણ મુજ જેવા જડસુને જીવન જીવતાં શીખવી ગયાં.
થોડીવારમાં બધાં સરગમબેનનાં દેહને અવ્વલ મંઝિલે પહોંચાડવા માટે ભેગા થયા અને અંતિમ સંસ્કારની તૈયારી થવા માંડી. ભજનની ધુન શરુ થઈ. ભજનના સૂરો સાથે જાણે પુરુષોત્તમભાઈનાં હૈયે પણ સ્ફૂરણા જાગવા માંડી કે જે પ્રેમથી મારાં બાળકો વંચિત રહ્યા એ પ્રેમ વ્યાજ સહિત મારા પૌત્ર-પૌત્રીઓ પર વરસાવીશ. દિકરાઓ તો મારી હજી પણ સંભાળ લે છે. દર મહિને નિલેશનો લંડનથી કોલ આવે છે. નિલય અને શીરિન મહિનામાં એકવાર આવીને અચૂક મળી જાય છે. કહેવત છે ને કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય, પણ મારાં જીવનમાં તો છોરું તો છોરું જ રહ્યા પણ હું માવતર મટી કમાવતર બન્યો.
સરગમબેન તમે જીવતા તો લોકોના સુખદુઃખના ભાગીદાર રહ્યા પણ આજ તમારાં મૃત્યુએ પણ મારું જીવન ઉજાળી દીધું. તમારા ચીંધેલા માર્ગેજ ચાલીને બને એટલી લોકોની સેવા અને સાચી સલાહ આપવાનો હું પ્રયત્ન કરીશ એમ સ્વગત બોલતા પુરુષોત્તમભાઈની આંખમાંથી ગંગા જમના વહી રહી અને ભજનનાં સુરોમાં સુર પુરાવવા માંડયા.

નિવૃત્તિ નિવાસ-૭-પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી” “અભેસિંહ”

સવારના પહોરમાં દરરોજ પોતાની વોચમેન કેબીનમાં બેસી સરગમબેનના મધુર કંઠે ગવાતી “મંગલ મંદિર ખોલો……” પ્રાર્થના સાંભળવા ટેવાયેલા અભેસિંહ જાડેજા, એકએક નિવૃતિનિવાસ તરફ આવતી એમ્બ્યુલન્સનું સાયરન સાંભળી કોઇ અમંગળના એંધાણ સાથે સફાળા ઊભા થઇ ગયા. એમ્બ્યુલન્સની સ્ટ્રેચર સાથે અંદર જતા હોસ્પિટલના કર્મચારી પાછળ તેઓ પણ નિવૃતિ નિવાસમાં દાખલ થયા.
પથારીમાં પડેલા સરગમબેનના અચેતન દેહ જોઇને માથે બાંધેલી કચ્છી પાઘડી જમીન પર પટકી ગાલ પર હાથ મુકી ગોઠણિયા ભેર થતાં ધ્રુસકે ધુસકે રડી પડ્યા અને આભ તરફ હાથ ઊંચા કરી રુધાતા અને ગળ ગળા અવાજે માંડ બોલ્યા
“ઓ…મુજી…મા આશાપુરા તું..હી…કેડ઼ો,,,,,ગજબ….ગુધારે? કઇ વરે પ્વા હન અનાથ કે
(ઓ…મારી,,,મા આશાપુરા તેં…આ કેવો ગજબ ક્રર્યો કેટલા વરસો પાછી આ અનાથને)
હકડ઼ી ભેણ મલઇ વઇ સે પણ તોકે મંજુર નવો સે હકડે ઝાટકે જટે ગડ઼ે?”
(એક બહેન મળી હતી તે પણ તને મંજુર ન હતો તે એક ઝાટકે જૂટવી લીધી?)
હન કના ત તું હન અભગિયે કે કો ન ખણી ગડ઼ે જેંજી હન ખલકતે જરૂરત નાય……
(આ કરતાં તો આ અભાગિયાને કેમ ન ઉપાડી લીધો જેની આ જગતમાં જરૂરત નથી)
“અભેસિંહ ધીરા પડો મારા ભાઇ.તમે અનાથ ક્યાં છો?? તમારા બેન નિવૃત્તિ નિવાસના આટલા મોટા કુટુંબ સાથે તમારો પરિચય કરાવી ગયા છે.બાકીતો આપણી એમના સાથે જેટલી લેણાદેણી હતી તે પુરી થઇ. હવે તો હાથ જોડી ને પ્રાર્થના કરો કે તેણીના આત્માને પરમાત્મા શાંતિ આપે.”કહી મીનાબેને લાવેલ પાણીનો ગ્લાસ આપ્યો
પાણી પીને સરગમબેનના પગને હાથ અડાડી આંખે લગાડી પગે લાગીને બે હાથે પકડેલી પોતાની પાઘડીમાં મોઢું સંતાડીને અભેસિંહ પોતાની કેબીન તરફ આવ્યા અને ખુરશીમાં ફસડાઇ પડ્યા.
અભેસિંહસિહ જાડેજા મુળ કચ્છ-મેરાઉના વતની, ૨૫ ડિસેમ્બર ૧૯૪૨માં તેમનો જન્મ થયો. ભુજમાં સ્થાહી થયેલ માવિત્રનું એકનું એક સંતાન. મોજીલા અને મળતાવળા સ્વભાવના અભેસિંહનો મિત્રવર્ગ મોટા હતો.પોતે ૧૯૪૨માં જન્મેલા એટલે ઘણી વખત મજાકમાં મિત્રોને કહેતા બાપુની “હિન્દ છોડો” આંદોલનમાં જોડાવા હાકલ કાને પડી એટલે બંદા જાલ્યા રહે? એટલે જ ૧૯૪૨ પુરી થાય એ પહેલાં જ જન્મ લીધો.

કિશોર અવસ્થામાં એક લગ્ન પ્રસંગે સૌ અંજાર ગયા હતાં ત્યાં થયેલ ધરતીકંપમાં માવિત્ર ગુમાવ્યા.બે દિવસની શોધ પછી મળેલા મૃત દેહોને અગ્નિ સંસ્કાર કર્યા બાદ ભગ્ન હ્રદયે ભુજ પાછા આવ્યા. શાળામાંથી આવ્યા બાદ પેટનો ખાડો પુરવા એક હોટલમાં વેઇટરનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતાં. ૧૯૬૨ની લડાઇ વખતે ફોજમાં ભરતી થયા. શરૂઆતની પોસ્ટિન્ગ કચ્છ બટાલિયનમાં થયેલી.કચ્છ બોર્ડરપર એક મોટા ઘુસણખોર અને ગદાર જવાનની ગુપ્ત કરતુત રંગે હાથે પકડવામાં મુખ્ય ભુમિકા ભજવેલ તેનાથી પ્રભાવિત થયેલ ગુપ્તચર વિભાગના પ્રેમાળ અને સત્યનિષ્ઠ ઉપરી જનાર્દન ગોહિલ સાહેબે તેમને પોતાના અંગત અંગરક્ષક નિમવાની માંગણી કરી જે મંજુર થઇ.ત્યાર બાદ નેફા બોર્ડર, વાઘા બોર્ડર,પૂર્વ પાકિસ્તાનની બોર્ડર પર એમ જયાં જયાં તેઓ ગયા ત્યાં ત્યાં અભેસિંહ તેમના સાથે જ હતાં.
એક દિવસ તેમના મિત્ર સુજાન ચૌહાણ પોતાને આવેલ પત્ર અને સાથે બીડેલ વાગ્દ઼્તાનો ફોટોગ્રાફ જોતા હતા.રૂમમાં આવેલ અભેસિંહસિહે પુછ્યું
“ભાભીનો ફોટોગ્રાફ છે?”
“આજે તેણીનો પહેલો પ્રેમ પત્ર આવ્યો છે”કહી અભેસિંહને ફોટોગ્રાફ આપ્યો.
“ભાભી તો શોભે છે” કહી ફોટોગ્રાફ પાછો આપ્યો ત્યાં સુધી ટૂંકો લખેલ પત્ર વાંચીને કવરમાં મુકતાં સુજાન ચૌહાણે કહ્યું
“મારી ભાભીનો ફોટો તો બતાવો”
“તમારી ભા…ભી નો? નો વે આ જીન્દગીમાં તો ચાન્સ નથી કારણકે મારૂં કોઇ નથી ન મા ન બાપ ન ભાઇ ન બેન કોણ મારા લગ્નની ફિકર કરે?”કહી ખડખડાટ હસ્યા.
“સોરી અભેસિંહભાઇ મેં તમારૂં મન દુખાવ્યું”
“અરે જે છે એતો હકીકત છે એમાં સોરી ક્યાં આવ્યું”
એક દિવસ ગોહિલ સાહેબાને તેમના મિત્ર ધર્મેન્દ્રસિંહનો ફોન આવ્યો અને પોતાની દીકરી સુનયનાના એકવિસમાં બર્થ ડે નિમિતે રાખેલ પાર્ટિમાં આવવાનું આગ્રહ ભર્યુ આમંત્રણ મળ્યું.પાર્ટી પુરજોશમાં ચાલતી હતી.સુનયનાને જોઇ ગોહિલ સાહેબને બારણા બહાર ઊભા રહી સુજાણ ચૌહાણ અને અભેસિંહ વચ્ચે થયેલ વાર્તાલાપ યાદ

આવી ગયો. મિત્રો વચ્ચે ધેરાયલા ધર્મેદ્રને એક બાજુ આવવા ઇશારો કર્યો.
“હા બોલ જનાર્દન શું વાત છે?”
“ધરમ જો મારી વાત માને તો કહું માઠું નહીં લગાડતો”
“અરે….અરે…અરે….આટલી લાંબી પ્રસ્તાવના વગર જે મનમાં હોય એ કહી દેને તું મારો મિત્ર છે તને હક્ક છે”
સુનયના માટે હું મુરતિયો બતાવું તો?”
“મુરતિયો ? કોણ છે??
“મારો અંગરક્ષક અભેસિંહ”
“અભેસિંહ?પણ આગળ પાછળ કંઇ?”
“અભેસિંહ જોરાવરસિંહ જાડેજા કચ્છી નરબંકો”
“ઓલ્યો તો નહી જેણે બોર્ડર પર ગદાર જુવાનો ને પકડાવેલા?”
“હા એ જ”
“જાડેજા મતલબ જામ જાડાના વંશજ ક્ષત્રિય લોહી તો મને શો વાંધો હોય?”
“તો સુનયનાને વાત કર અને બન્ને વચ્ચે હમણાં મિટીગ ગોઠવીએ”
“હા..હા શુભસ્ય શીઘ્રમ્”
બન્નેને એકાંતમાં મળવાની ગોઠવણ કરવામાં આવી લગભગએકાદ કલાક્ના સમય ગાળા પછી બન્ને પાર્ટિમાં આવ્યા. ત્યારે
“આ કોઇ જબરદસ્તી નથી વિચારીને ખુલ્લા મને તમારો અભિપ્રાય આવતી કાલે અમને જણાવજો” બન્નેની સામે રાખીને પુછવામાં આવ્યું
“બાપુ તમે વિચાર્યું છે એમાં મારૂં હિત જ હશે”સુનયનાએ નયન ઢાળી શરમાતા કહ્યું
“તો મારા માવિત્ર ગોહિલ સાહેબે પણ મારૂં હિત જ જોયું હશે”અભેસિંહસિંહે કહ્યું.
એક અઠવાડિયા પછી સુનયના સાથે અભેસિંહના લગ્ન થયા.બે મહિનાની રજા ભોગવી સુનયનાને ભુજમાં મુકીને પાછા ડ્યુટી પર હાજર થઇ ગયા.
દશ વરસના લગ્ન જીવન બાદ નિઃસંતાન રહેલા અભેસિંહસિંહે ઉઘાડા પગે બાળક્ને લઇ આઇ આશાપુરાના દર્શને જવાની કરેલી માનતા ફળ્યાના સમાચાર જ્યારે સુનયનાએ આપ્યા ત્યારે હરખના આંસુ ઉમટી પડ્યા અને ૧૯૮૩માં ગોકુળ અષ્ટમીના દિવસે પુત્ર જન્મ થયો.આમ તો રાશી પ્રમાણે નામ તો મહેન્દ્રસિંહ પાડયું પણ જન્માષ્ટમી ના જન્મેલ એ બાળકનું હુલામણું નામ પાડ્યું કાનજી/કાનો.
ગોહિલ સાહેબની પુણે ખાતે નિમણુંક થઇ ત્યારે અભેસિંહને લુલાનગરના આર્મી ક્વાટરમાં સુનયના સાથે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.એક દિવસ તેમના બાતમીદારે માહિતિ આપીકે આવતી કાલે સવારે શાકભાજીના ટ્રક્માં એપલના કાર્ટુનમાં ડ્રગ સંતાડીને મોટું કન્સાઇન્મેન્ટ લાવવામાં આવનાર છે.અભેસિંહસિંહે ગોહિલ સાહેબને વાત કરી અને બીજા દિવસે સવારે ગોઠવેલા છટકામાં કન્સાઇન્મેન્ટ પકડાયાના સમાચાર પુણે ટાઇમ્સમાં ફોટા સહિત છપાયા.
બે રોક્ટોક ચાલતા આ ડ્રગ ટ્રાફિકના ધંધા આડે અચાનક આવી પડેલી આ અભેસિંહ નામની ફાચરને સમયસર દૂર કરવાના પ્રયત્નો શરૂ થઇ ગયા અને એક દિવસ પુણેથી લોનાવલા ખંડાલા સહકુટુંબ જઇ રહેલી અભેસિંહની જીપની પાછળ પુરપાટ આવતાં ટ્ર્કે હળફેટમાં લઇને ખાઇમાં ધકેલી દીધી.આ અક્સ્માતમાં અભેસિંહસિહને પગમાં ફેક્ચર અને હાથ મચકોડાઇ ગયા અને અન્ય જગાએ મુઢ માર લાગ્યા.અક્સ્માત સમયે જીપમાંથી ઉછળીને બહાર પડેલા સુનયના અને મહેન્દ્રને ગંભીર અને જીવલેણ ઇજા થતાં સ્થળ પર જ મૃત્યુ પામ્યા.
લગભગ દોઢ માસની સારવાર પછી અભેસિંહ બેવડા આઘાતમાંથી માંડ બહાર આવ્યા પણ સ્મગલરોને અભેસિંહ જીવતો રહી ગયાનો વસવસો રહી ગયો.
એ દરમ્યાન ગોહિલ સાહેબ રિટાયર થયા અને એના સ્થાન પર એક નંબરના લાલચું અને ભ્રસ્ટાચારી અધિકારી વસાવડાની નિમણુંક થઇ. સ્મગલરોના ડોન અને વસાવડા વચ્ચે ગુપ્તમંત્રણા થઇ.પોતાના લાભમાં આડે આવનારની ટાઢેપાણીએ ખસ કાઢવામાં પારંગત વસાવડાએ જાળ પાથરી.
આ જાળની જાણ અભેસિંહને તેમનો બાતમીદાર પહોંચાડે તે પહેલાં જ તેને લોકઅપ ભેગો કરી દેવામાં આવ્યો. વસાવડાએ પાથરેલ જાળથી અજાણ અભેસિંહ તેમાં ફસાઇ ગયા અને તેના સામે મિલ્ટરી કોર્ટમાં કોર્ટ માર્શલ થયો.ગોહિલ સાહેબે પોતાના જુના અંગત નિર્દોષ અંગરક્ષક્ને બચાવવાના પોતાથી થતાં પ્રયત્નો કર્યા પણ પટાવાળાથી ઉપરી સુધી આખા તત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના લીધે એમના બધા પ્રયત્નો વ્યર્થ ગયા આખર નિર્દોષ અભેસિંહ ગુન્હેગાર જાહેર થયા.તેના બધા માન અકરામ, જીપ અને રિવોલ્વર અને યુનિફોર્મ જપ્ત કરી તેમને મિલટરીમાંથી પેન્સન કેનસલેશન પત્ર સાથે બરતરફ કર્યા.બે દિવસમાં કેમ્પમાંનું ક્વાટર ખાલી કરી ચાલ્યા જવાનો ઓર્ડર મળી ગયો.
આખી જીન્દગી ઇમાનદારી અને કર્તવ્યપરાયણ રહેલ અભેસિંહ આ જૂઠા તહોમતનો આઘાત સહન ન કરી શક્યા અને હવે બાકીની જીન્દગી બદનામી અને ગુન્હેગાર તરિકે જીવી શકે એ અશ્ક્ય હતું.એકાએક ક્વાટર તરફ આવતાં જવાનની પાર્ક કરેલ જીપ અને તેમાં લટકતી ચાવી નજરે પડતાં એક પળનો વિલબ કર્યા વગર ચીત્તાની જડપથી કુદ્કો મારી જીપમાં ચડીને પુરપાટ મારી મુકી.મેઇન ગેટ સામે મુકેલ આડસનો ભુક્કો બોલવતા મેઇન રોડ પર આવી મુબઇ તરફ જીપ મારી મુકી.
મિલટરી કેમ્પમાં જીપ ચોરાયાના અને અભેસિંહ ભાગ્યાના સમાચાર મળતાં હાઇએલર્ટ સાયરન વાગી અને સૌ અભેસિંહને શોધવા નીકળી પડ્યાં.ટ્રાફિક પોલીસને અને ટોલ નાકા પર જાણ કરી દેવાઇ અર્ધો ખડંલાઘાટ વટાવ્યા પછી પોતાને પકડવા માટે આવી રહેલ વેનને જોઇ મરણિયા થયેલ અભેસિંહસિંહે ખંડાલાની ખીણમાં જીપ જાવા દીધી.
એક ખડક સાથે અથડાઇજીપ ઊંડી ખીણમાં જઇને સળગી ગઇ પણ અભેસિંહનું જીવન મોતને હાથતાળી આપી છટકી ગયું.જીપમાંથી ઉછડેલ અભેસિંહ એક ઝાડ્ની ઘટા પર પડીને બચી ગયા.
અભેસિંહને પકડવા આવનારાઓએ દૂરથી અભેસિંહની જીપ ખાઇમાં પડતી જોઇને હાશકારો ભરતાં આનંદમાં એક બીજાને તાળી આપતાં બોલ્યા “મરી ગયો સાલ્લો! ચાલો બલા ટળી” કહી ત્યાંથી જ વસાવડાને આનંદના સમાચાર આપ્યા “સાહેબ પાર્ટી જોઇશે અભેસિંહ ખંડાલાની ઊંડી ખાઇમાં પડીને કુતરાની મોતે મરી ગયો.”
અભેસિંહની જીપ ખાઇમાં પડતી જોઇ પુણે ખંડાલાના સર્પાકાર રસ્તા પર નીચેથી આવી રહેલી કારના ચાલકનું ધ્યાન સાથીદારે ખેચ્યું.અકસ્માતની જગાએ તેઓ જ્યારે પહોંચ્યા ત્યારે માંડ જેમ તેમ ઉપર આવી બેભાન થયેલા અભેસિંહનું શું કરવું એ દ્વિધામાં પડ્યા.અભેસિંહને અહિં મુકી જવો કે સાથે લઇ જવો? તેમને તેમની રાહ જોતા મિત્રો પાસે પણ જલ્દી પહોંચવું હતું કારણ કે, પિકનિક પેક તેમની કારમાં હતું એટલે વિચાર કર્યો કે,મહાબળેશ્વર સુધી અભેસિંહને લઇ જવો અને ત્યાની દિવ્યજયોતિ હાસ્પિટલમાં દાખલ કરી દેવો.

અભેસિંહને કારની પાછલી સીટમાં સુવડાવીને મહાબળેશ્વર લઇ આવ્યા અને દિવ્યજ્યોતિ હોસ્પિટલના રિસીપ્શન-કાઉન્ટર પર પેશન્ટ્ને લાવ્યા હોવાની જાણ કરી. તરત જ સ્ટ્રેચર લઇ વોર્ડ બોય આવ્યા અને પાછળ ડો,પંડયા પણ આવ્યા પેશન્ટ કોણ છે અને ક્યા સંજોગોમાં લાવ્યા છો વગેરે પ્રાથમિક સવાલના જવાબ મળ્યા પછી અને આ કોઇ પોલીસકેશ નથી જાણી એડમિટ કરી દીધો.લાવનાર પોતાના મોબાઇલ નંબર આપી ને ચાલ્યા ગયા
ભાનમાં આવ્યા બાદ અભેસિંહસિંહે પોતાની ઓળખ છુપાવતા કહ્યું પોતાને તેમના સગાઓએ દગો દીધો હતો.બધુ ઝૂટવીને રસ્તા પર લાવી દીધો.પોતાના એક મિત્રને મળવા અને મળે તો આશરો લેવા પોતાની બચેલી મૂડી રૂપી કારમાં મુંબઇ જતા હતા અને અકસ્માત થયો.ડૉ.પંડયા તેમને નિવૃતિ નિવાસમાં મુકી આવ્યા.
નિવૃતિનિવાસમાં આવ્યા બાદ સરગમબેનના માયાળુ સ્વભાવ અને સારવારને લીધે આટલા દિવસના માનસિક યાતના ભોગવતા મનને પહેલી વખત શાંતિનો અનુભવ થયો.ત્રણ દિવસ પછીની સવારના પહોરમાં “ભૈયા મેરે રાખીકે બંધન……ગીત સાંભળી એમનાથી એક નિશ્વાસ નંખાઇ ગયો.સવારના દવાના ડોઝ આપવા આવેલ સરગમબેનની નજર બહાર આ વાત ન રહી.
“ચાલો સવારની ગોળિયો લીધી કે નહીં?”સાથે લાવેલ જગમાંથી ગ્લાસમાં પાણી રેડતા આત્મીયતાથી પુછ્યું
“બસ હમણા લેવાનો જ હતો” જરા દયામણા ચહેરે અભેસિંહે કહ્યું
“એવા તે કયા વિચારમાં ખોવાઇ ગયા હતાં??”
“આ ગીત જ્યારે પણ વાગે છે મન ખીન્ન થઇ જાય છે.”
“કેમ તમને બેન નથી?”
“એતો હતી જ નહી અને હવે તો કુટંબમાં પણ ક્યાં કોઇ છે?”
“બસ એટલી જ વાત?ચાલો હાથ આગળ કરો આજથી હું તમારી બેન” કહી કમરમાં ખોડેલી રાખડી કાઢી કાંડેબાંધવા લાગ્યા.
“બેન મારી બે..ન..ડી!!!” કહી અભેસિંહસિંહે સરગમબેનનો હાથ પકડી આંખે અડાડી ચુમ્યો
પછી ખીસ્સામાંથી એકસો એક રૂપિયા કાઢી તેમના હાથમાં આપ્યા.
“આ શું? આટલા બધા?”
“લે બેને રાખડી બાંધી તો અભેસિંહની બેન કાપડું તો માગે ને??”કહી માથે હાથ મુક્યો.
“આજે બેન બનાવી છે તો એ હક્થી પુછું છું કે, ડૉ.પંડયાના કહેવા પ્રમાણે તમારા સગાઓએ તમારાથી શો દગો કરી બધું ઝુંટવી લઇ રસ્તે રખડતા કરી દીધા. તે વાત મને ન અહી કહો ?”
“એ વાત સાચી નથી……”
“તો?”
અભેસિંહે પોતાનો જન્મ કેવા સંજોગોમાં થયો,અંજારના ધરતીકંપમાં માવિત્રો નો વિયોગ,ભણતર નોકરી પોતાના ઉપરીની રહેમ પોતાના લગ્ન બાળક્નો જન્મ,રોડ અકસ્માતમાં પત્ની અને બાળક્નું મૃત્યુ,ડ્ર્ગ કન્સાઇનમેન્ટ્નો પરદાફાસ,ઉપરીનું રિટાયરમેન્ટ,ખોટી બાતમી અને ખોટો આક્ષેપ,કોર્ટ માર્શલ,બરતરફી આઘાત અને મિલટરી જીપની ચોરી અને છેલ્લે આત્મહત્યાનો નિસ્ફળ પ્રયાસ વગેરે વાત કરી અને પોતે ભાગેડું છે એ જાહેર થઇ જવાની બીકે ડૉ.પંડ્યાથી વાત છુપાવેલ.
બીજા દિવસે સરગમ બેને આકાશને વાત કરી અને અભેસિંહની નિમણુંક નિવૃતિનિવાસના ચોકીદાર તરિકે થઇ ગઇ.ફુરસદના સમયમાં સરગમબેન અભેસિંહ પાસેથી દાદા મેકણના,ચંદુભા જાડેજાના,ગંગાસતીના ભજન સાંભળતા,ક્યારે દુલેરાય કારાણીએ લખેલ કચ્છી વીરોની વિરાંગનાઓની અને રાજવીઓની વાર્તાઓ સાંભળતાં. અભેસિંહના સંપર્કમાં આવ્યા પછી તેમના સાથે કચ્છીમાં વાત કરતાં શીખી ગયા.ત્યાર બાદ તો અભેસિંહને સરગમબેન પોતાની મા જણી બેનથી પણ અદકેરી થઇ ગયા.એ સરગમબેન અભેસિંહને રડતાં મુકી આજે આ ફાની દુનિયા છોડી ગયા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.