થીજેલું સ્મિત

 

 

 

પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેવીકા ધ્રુવ

નવીન બેંકર

ચારુશીલા વ્યાસ

પ્રશાંત મુન્શા

 

સંત સમાગમ                                

તાઃ૧૭/૩/૧૯૮૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનના આદર્શો અને સંસ્કારના સિંચનથી આજે જેના નામને માનથી બોલાય છે તે અમૃત આજે જેવો છે તેવો તે પહેલા ન હતો. તેના જીવનમાં પડદા પાછળ નજર કરીએ તો અંધકારની ચાદર પર એક આશાનું કીરણ પડેલુ દેખાય છે. તેના માતાપિતાનો તે એક જ સંતાન. માન અપમાનને ગળી જવું તે તેના પિતા પ્રભાકરના દરરોજના જીવનમાં વણાયેલ હતું. તેમને મળેલા માબાપના આશિર્વાદ અને ભક્તિને જીવનમાં રાખવી તેવા સંસ્કારના સિંચન. પ્રભાકરના લગ્ન નજીકના ગામના એક મધ્યમવર્ગી કુટુંબમાં ભાઇભાંડું વચ્ચે ઉછરેલ બે બહેનોમાં નાની બહેન જેને બધા વ્હાલથી રાની કહેતા હતા તે જ્યોતી પારકા ઘરમાં પોતાના નામને પ્રજ્વલીત કરવા અને માબાપના નામને ઉજ્વળ કરવા પ્રભાકરની પત્ની થઇને આવી. મધ્યમવર્ગી અને મર્યાદાધારી કુટુંબમાં જન્મેલી દીકરીને પ્રેમ, આદર, સન્માન અને સંસ્કાર મળેલા.

પ્રભાકરને અભ્યાસકાળ દરમ્યાન ઘણી અગવડ પડેલી કારણ માબાપની પાસે નાંણાની સગવડ ઓછી, પિતાને ગામમાં એક નાનકડી દુકાન હતી જેમાં મર્યાદીત આવક હતી.પણ પ્રભાકરને ભણવાની ધગસ અને ઇચ્છાને કારણે નજીકના શહેરમાં સાઇકલ લઇને ત્રણ માઇલ ભણવા જતો.અને ઘેર આવી તેના પિતાને દુકાનમાં મદદ પણ કરતો. ભણતરની સાથે તેને નોકરી પણ મળી.અભ્યાસમાં મન પરોવાય અને અનુભવ થાય તેથી તે પોતાની લગન પ્રમાણે જ એક મોટા બીલ્ડરને ત્યાં સુપરવાઇઝરનુ કામબપોરે ૧૧ થી સાંજના ૭ સુધી કરતો. સવારમાં ૭ થી ૧૦.૩૦ નો અભ્યાસ પતાવી તે નોકરી કરતો.આમ તેના જીવનમાં અભ્યાસ કામની શરુઆત થઇ ગઇ. તેને મળેલા માબાપના સંસ્કાર જ તેને ભણતરમાં મન પરોવી મહેનત કરવાની સમઝ આપી હતી અને તેથી તે તેની નોકરીમાં પણ માલિકને સંતોષ આપતો હતો. તેની ધગસ અને લગન જોઇને જ જ્યોતી જેવી પત્ની મળી. જ્યોતી પોતાના નામને અને માબાપના નામને પ્રકાશીત કરી શકે તેવી હતી. જેથી તે આ ઘરમાં સમાઇ ગઇ. પ્રભાકરને એક બહેન પણ હતી પણ તે તેનાથી મોટી હતી એટલે જ્યોતીના ઘરમાં આવ્યા પહેલા તેના લગ્ન થઇ ગયેલ તેથી જ્યોતીને આ ઘરમાં પ્રભાકરની બહેનનો સહવાસ બહુ નહીં મળેલ.પણ છતાં  બન્નેમાં પ્રેમ ભાભીનણંદ પુરતો મર્યાદીત ન હતો. જ્યારે જ્યારે પ્રભાકરના મોટી બહેન તારાબહેન આવે ત્યારે જ્યોતીની આંખો ભીંજાઇ જતી કારણ તેને નણંદમાં માનો આભાસ થતો હતો. કુટુંબમા જે રીતે પ્રેમના વાદળ છાયેલા હતા કે જે એકબીજાને નિરખી આત્મીયતા અનુભવતા હતા અને તે બનવાનુ કારણ કુટુંબને મળેલ ભક્તિ અને અંતરના પ્રેમનો સમાગમ. ઘણી વખત તો જ્યોતી તેની નણંદના ખોળામાં માથુ મુકી મા ની મમતા પણ મેળવી લેતી.

સમયને તો કોઇ રકી શક્યુ નથી. કુદરતની કૃપા અને માનવતાની મહેંકમાં ભણતર પુર્ણ થતાં પ્રભાકરને તે જ કંપનીએ ઘણા સારા પગારથી નોકરી આપી અને શહેરમાં નવુ મકાન પણ આપ્યું. માબાપની આંખોમાં પાણી આવી ગયા કારણ પ્રભાકર તેમની આંખની કીકી સમાન હતો અને ખુબજ વ્હાલો હતો તેના ઉજ્વળ જીવનમાં જલાબાપાની કૃપાથી જ્યોતી પણ આવી ગઇ.આજે પ્રભાકર અને જ્યોતીના ખુબ જ આગ્રહથી અને સંતાનના ખુબજ પ્રેમથી કરેલા દબાણથી ગામડાના ઘરને સગાને સોંપી દીકરાવહુ સાથે શહેરમાં રહેવા આવવાની ફરજ પડી. ગામને છોડવાના પ્રસંગે જે જે તેમને મળ્યા તેમની આંખો આંસુથી છલકાઇ ગઇ. તેમને પ્રભાકરના માબાપનો હવે સમાગમ નહી થાય. ગામના લોકોને ભક્તિ અને સંસ્કાર ભરેલ કુટુંબનો સહવાસ મળેલ અને તેથી જ ગામની પ્રજામાં પ્રેમનો સમાગમ જળવાયેલ. ઉજ્વળ જીવનમાં હંમેશા આશીર્વાદ અને પ્રેમ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે તેમ માબાપની સેવા અને તેમની ભક્તિ એ સંતાનો પર પરમાત્માએ પ્રેમની વર્ષા કરી હોય તેમ પ્રભાકરને કંપની એ બીજા પ્રોજેક્ટોમાં મનેજરની સત્ત્તા આપી તેના કામની કદર કરી. આનંદીત જીવનમાં જાણે પ્રભાકરના માબાપની પ્રાર્થના પરમાત્માએ સાંભળી હોય તેમ જ્યોતીએ દીકરાનો જન્મ આપ્યો.

આજકાલને ગણતાં ગણતાં પ્રભાકરના માતાપિતા સમયને ના રોકી શક્યા અને તેઓના જીવ સંત શ્રી જલારામ બાપાના શરણે અર્પણ થયા એક જ વર્ષના ગાળામાં બંન્નેએ પૃથ્વી પરથી વિદાય લીધી. પ્રભાકર અને જ્યોતીના જીવનમાં માબાપની છાયાથી જ સંસ્કાર અને ભક્તિની મહેંક આવેલી તેથી જીવને અમરત્વ આપનાર અમૃતને તો ન જ ભુલાય તેથી તે બાળકને અમૃત નામ આપી માબાપની યાદ સદા ચિરંજીવી બનાવી. અમૃત બાળપણમાં તેના પિતાની જેમ ધગસ અને ઉત્સાહથી ભણવામાં મન રાખી મહેનત કરતો હતો. સમયમાં તેને બાલમંદીર કે હાઇસ્કુલનો અભ્યાસ પુરો કર્યો. કોલેજકાળ શરુ થયો. વાહન લઇ કૉલેજ જ્તો પ્રથમ બે વર્ષ ક્યાં નીકળી ગયા તેનો ખ્યાલ પણ ના રહ્યો. કોલેજમાં અભ્યાસની સાથે ઘેર મોડા આવવાનુ શરુ થયુ. તેના પિતાને એમ કે અમૃત બરાબર ભણતો હશે. પણ આ બાજુ તેને બે એવા મિત્રો મળી ગયા કે જે તેને લાલચ મોહમાં જકડી સીગરેટ અને છોકરીઓની લપેટમાં લઇ ગયા. એક વખત અમૃતને તેના માતાપિતાએ પુછ્યં ત્યારે કહે મારું ભણવાનું ચાલે એટલે મોડુ થાય છે તમારે કંઇ જોવાની જરુર નથી. આ સાંભળી તેને કહ્યુ પણ ખરુ કે બેટા જીવનના સોપાન સાચવીને ચઢીશ તો આગળ આવીશ કોઇ પણ પગલુ ભરતાં ધ્યેયને સાચવજે તો જીવન પાર ઉતરીશ.

એક દીવસ અમૃત રાત્રે ધણો જ મોડો ઘેર આવ્યો. બારણૂ ખખડાવ્યુ  તેની માતા આવી બારણુ ખોલ્યુ, તેને મા એ તરત જ કહ્યુ બેટા આજે તારા પિતાની તબીયત સારી નથી અને તુ આટલો મોડો ઘેર આવે તે સારુ નહીં તે તેની રુમમાં ગયો નાહી ધોઇ બહાર આવતા રડવાનો અવાજ સાંભળ્યો તેણે બારણા આગળ કાન ધર્યા તો તેની માતા તેના પિતાને કહેતી હતી આપણે આપણી ફરજ બજાવીએ છીએ પણ આપણા બેટા ને ખરાબ મિત્રોનો સહવાસ થયો છે તેમાં તમારે રડવાની જરુર નથી બધુ ભગવાન સારૂ કરશે. જલાબાપા દયાળુ છે આપણી ભક્તિ સ્વીકારી અમૃતને સદબુધ્ધિ આપશે.

બીજે દીવસે ગુરુવાર હતો સવારમાં વહેલો ઉઠી ઘરમાં કરેલ મંદીર સામે બેસી માળા ફેરવતો તેની માતા એ અમૃતને  જોયો તેની આંખમા પાણી આવી ગયા અને બેટાને બાથમાં ઘાલી આંસુ દીકરાના મોં પર પડ્યા. ત્યાં દીકરો ઉંચા અવાજે રડી પડ્યો અને માને બાથમાં ઘાલી કહે મા મને માફ કર મેં મારા માબાપના પ્રેમની કદર ના કરી. હું હવે ધ્યેયથી ભણતર પુરુ કરીશ. તે સવારે સમયસર કૉલેજ ગયો અને સમયસર સાંજે પાછો પણ આવી ગયો, તેના પિતાએ તેને કહ્યુ કેમ બેટા આજે વહેલો કૉલેજથી આવી ગયો? તેની પાસે જવાબ ન હતો તે તેના પિતાના પગમાં માથુ મુકી ખુબ રડ્યો તેના પિતાથી પણ ન રહેવાયું આંખ ભીની થઇ ગઇ. આ દીવસથી જ્યારે તેને એન્જીનીયરની ડીગ્રી મળી ત્યારે તે યુનીવર્સીટીમાં પ્રથમ વર્ગમા પ્રથમ આવ્યો.

કોલેજથી રીઝલ્ટ લઇને સીધો ઘેર આવ્યો અને  કંઇ બોલતા પહેલા માબાપના પગમાં પડી ગયો. તેના પિતાના મુખમાંથી એક જ શબ્દ નીકળ્યો બેટા સમાગમ જીવનને મોડ આપે છે તે તેં સાબિત કરી બતાવ્યુ. જલાબાપા સદાય તારી સફળતામાં સાથે જ રહેશે. અને……….

સમાગમ કરજો મારા ભઇ,જીવન ના બગડે તમારુ અહીં

મળશે વણ માગ્યો પ્રેમ જગતમાં, અંત આવશે તેનો અણદેખ્યો

કરજો કામ ને સમજી આપ,કદી જીવનમાં પાછા પડશો નહીં

==============================================================

અપમાન        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

 

પતિનો   પરલોક-વાસ  દર્શાવતી  સઘળી નિશાનીઓ તે નારીના દેહ પર હતી. તેણે છીકણી રંગનો  સાડલો પહેરેલ હતો. હાથ કંગન વિનાના હતા.વાળ તેલ વિનાના હતા.કપાળ કોરૂ હતુ.આ સઘળુ હોવા છતાં તે પોતાના ઘરના બારણા તરફ કોઇ આવવાનુ છેઅને જેના આગમનની ખાસ જરુર છે તેની આતુરતાથી     રાહ જોઇ રહી હતી.   એને આજે પણ સંપુણૅ ખ્યાલ છે કે આજ્થી ચાલીસ વર્ષ પહેલા માબાપે જેને પોતાના જમાઈ તરીકે નીહાળી લીધા હતા તેમની સાથે ત્યારથી સંસારની દોર બંધાઈ.એ વાતને આજે વર્ષો વીતિ ગયા પણ છતાં  તેને ઘણી સ્પષ્ટતાથી યાદ છે. મા-બાપના એક નાના ઘરમાં સંસ્કારની જ્યોત મેળવી બહાર આવેલી આ નારી માતાપિતાના પૃથ્વી પર જન્મ આપ્યાનો ઉપકાર કદી ન ભુલાય તેવો પ્રાપ્ત થયેલો જે અવિસ્મરણીય છે.મા-બાપ ભલે ગરીબ હતા પણ  તેમની બાળકો પર અસીમ કૃપા હતી,છાયા હતી.બાળકોના આનંદને તેઓ પોતાનો આનંદ સમજતા.બાળકોના મનમાં કોઇ દુઃખ થાય તો તેની ચાર ઘણી અસર માબાપ પર પડતી હતી.આવા પ્રેમને મેળવવા માટે જગત ગાંડુ બને છે તે સ્નેહ પણઆ બાળકીને મળ્યો હતો.ખુબ લાડકોડથી ઉછરેલી એ બાળાને જીવનમાં દુઃખ ના દેખાય તે ભાવનાથી તેઓએ એક પ્રતિષ્ઠીત કુંટુંબના નબીરા સાથે બાળપણમાં જ લગ્ન નક્કી કય્રુ હતું.

પ્રેમની જ્યોત જાગતા પહેલા તે તેના જીવનસાથીને વરી ચુકી હતી.પ્રભુનો તેના માતાપિતા પર અનેરો સ્નેહ હતો કારણ તેમને પુત્રીના જન્મની કોઈ વ્યાધી જણાતી ન હતી.પ્રેમની જ્યોત જલતા પહેલા તેની ગાંઠ પતિ સાથે બંધાઈ ગઇ હતી. અત્યંત આનંદમયી  જીવન હંમેશ માટે બને તેવા અત્યારના કુદરતના આર્શિવાદ લાગતા હતા.  કુદરતની બનાવેલી એ માટીની પુતળીની રમત જગત જાણે રમી રહ્યુ હોય તેમ આ માટીનો માનવી કઠપુતલીની જેમ જીવી રહ્યો છે.ક્યાંક ક્યાંક કુદરતની અવક્રુપા પણ બનતી.  પણ અંતે તો માનવીને માટીમાં  મળી  પોતાની ફરજ બજાવવી  જ પડે છે. તેમ ખરી જીંદગીની શરુઆતના   વર્ષોમાં જ પોતાના જીવનસાથીથી  એકલી પડી ગઇ,   તેના પતિનો સ્વર્ગવાસ થયો. આનંદથી જીવતા તે જીવડાને  પરમાત્માએ બોલવી લીધો. સ્ત્રી વિધવા બની. પોતાના જીવનમાં પોતાનું કહીં શકાય તેવું એક સંતાન  હતું. તેને એક બાળકી હતી જે તેના પતિની નિશાની હતી અને તે જ તેની જીવનસંગીની પણ હતી. પુત્રીની ઊંમંર પણ હવે અત્યારના રીતીરિવાજ પ્રમાણે પરણવા લાયક થઈ હતી. ઊંમરના ઓવારે ઊભેલી તેની દીકરીને લગ્નના બંધનથી બાંધી સંસારના જીવનમાં બાંધવા માગતી હતી.પણ તે એકલી સ્ત્રી જાત કેવી રીતે કામ કરી શકે. બે ચાર સંબંધી ભેગા થાય તો તેને તે કામમાં મદ્દદ્દ કરી શકે.દીકરી ના લગ્ન પતે એટલે તેને ઘણી શાંન્તિ મળશે જે નિર્વિવાદ વાત હતી.

પોતાની દીકરીને ભણાવી ગણાવી તૈયાર તો કરી હવે તેના માથે એકજ  જવાબદારી હતી અને તે હતી તેને પરણાવવાની.  ઘણા વલખા બાદ એક યોગ્ય પાત્ર મળ્યું પણ સામે એક જ શરત મુકવામાં આવી જેમાં ‘તો ‘ નામનો એક ન ઊચકી શકાય તેવો શબ્દ આવ્યો.છતાં તેના ભાઇના કાને વાત નાખતાં તેના ભાઇએ તે દુર કરવાનું  વચન  આપ્યું. સામે પક્ષને  ભાઇના આવેલા  કાગળ  પ્રમાણે એ જ દિવસે બપોરે આવવાનો પત્ર લખ્યો કે જે દીવસે ભાઇ પૈસા લઇને આવવાનો હતો.

આજે એ દીવસ હતો જે દીવસે બાર વાગતા સુધીમાં ભાઇ આવવાનો છે. અત્યારે બહેન ભાઇના આગમનની રાહ જોતી બારણે ખાટલો નાખી બેઠી છે કારણ કે બપોરના બારને પંદર થવા આવ્યા છે સામા છોકરા પક્ષના લોકો હવે આવશે તે દહેશત થવા લાગી. હ્રદયના ધબકારા વધવા લાગ્યા.પરમાત્માનું રટણ થવા લાગ્યું. હવે કોણ વહેલું આવશે?..જો છોકરાવાળા આવશે તો ‘અપમાન‘ થવાનું તે નિર્વિવાદ વાત હતી. જો ભાઇ આવે તો લાજ બચવાની છે તે પણ નક્કી છે.એ ‘અપમાન‘ અને ‘લાજ‘ના ઝોલામાં તે બારણા બહાર ડોકાય છે તો ભાઇ અને છોકરા પક્ષને સગા સાથે આવતા જુવે છે અને અંતે …હાશ…….અને આંખો ભીની થઇ ગઇ….

===================== ======================================

 

.સ્નેહાળ રાત્રી

          તાઃ૨૮/૮/૨૦૧૪                                                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

.     .પોરબંદરની સાંકડી શેરીમાં રામજી મંદીરની બાજુમાં આવેલ મકાનોમાં ત્રીજા નંબરના  મકાનમાં મનુભાઈ પરિવાર સહિત રહેતા હતા. મળેલા સંસ્કાર અને માબાપના પ્રેમને કારણે જીવનમાં ભક્તિ અને ભણતરને પકડી ઉજ્વળ જીવનનીરાહ મેળવી લેતાં તે સરદાર હાઇસ્કુલમાં  શિક્ષક તરીકેની નોકરી મેળવી હાઇસ્કુલમાં વિધ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન,ગુજરાતી,હીન્દીઅને  સંસ્કૃત ભાષા શિખવી રહ્યા હતા.તેમની પત્ની સવિતાબેન પણ માબાપે આપેલ રાહે કૉલેજમાં બે વર્ષ ભણ્યા બાદ યોગ્ય પાત્ર દેખાતા માબાપે તેને મનુભાઇ સાથે લગ્ન કરી સંસારની કેડી આપી હતી. સવિતાબેન ભણતર અને મળેલ સંસ્કાર પ્રમાણે બુધ્ધિને યોગ્ય માર્ગે લઈ જતા દેખાતા હતા કારણ દરરોજ સવારે સ્નાન કર્યા બાદ પતિને પગે લાગીને ચા નાસ્તો બનાવી ઘરમા કરેલ મંદીરમાં જ્યાં મા અંબા,મા કાળકા,મા દુર્ગા, માતા પાર્વતીજી,શ્રી ભોલેનાથ,સીતારામ, અને સંત શ્રી જલારામ તથા સાંઇબાબાની પુંજા આરતી કરતા હતા.

સમય તો કોઇથી પકડાતો નથી. હા તેની સાથે ચાલવા પ્રયત્ન કરો તો થોડો લાભ મળે. લગ્ન બાદ મનુભાઇને ઘરમાં થતી પુંજાને કારણે પરમાત્માની કૃપા મળતી હોય તેમ લાગતુ હતુ. તેમને સ્કુલમાં પોતાના અનુભવ અને જ્ઞાનનો ઉપયોગ કરવાની તક મળી.વિધ્યાર્થીઓનાસ્પેશ્યલ ક્લાસ મળ્યા અને આવકપણ વધી.તેમને સવિતાની ભક્તિનો જ આ પ્રતાપ છે તેજણાતા તેમણે પણ સવારમાં વહેલા ઉઠી નાહી ધોઇ તૈયાર થઈ  ભગવાનની પુંજા કરવાની શરૂ કરી દીધી. લગ્નબાદ ત્રીજા વર્ષે રાજકોટની હાઇસ્કુલમાંથી તેમને

જે પગાર અહીંની સ્કુલમાં મળતો હતો તેનાથી ડબલ પગારની ઓફર આવી.તેમણે સવિતાને વાત કરી અને તે વાતમાં સહમત થતા તેઓ માર્ચ માસમાં રાજકોટમાં એક મકાન ભાડે રાખીને સ્કુલમાં નોકરી શરૂ કરી દીધી.

દરરોજ સવારમાં સુર્યના ઉદયને વંદન કરી પાણીથી અર્ચના કરવાની ટેવ મનુભાઇને બાળપણથી માબાપની ભક્તિએ માર્ગદર્શન મળેલ.તેઓ દરરોજ સુર્ય અર્ચના કરતા અને ત્યારબાદપ્રભુને દીવો અગરબત્તી કરી ચા નાસ્તો કરી નોકરી કરવા નીકળી જતા.તેમના પત્ની પણ સમયસર ઉઠી ચા નાસ્તો તૈયાર કરી સ્નાન કરી પુંજન અર્ચન કરી રસોડામાં આવી તેમના પતિની સાથે ચા નાસ્તો કરતા.આ તેમના જીવનની દરરોજની રીત હતી. સમય તો રોકાય નહીં.ચાર વર્ષ બાદ સવિતાબેને દીવાળીના આગલે દીવસે પુત્રને જન્મ આપ્યો માતાની કૃપાએ અને પ્રેરણાએ માબાપે તે સંતાનને નિખીલ નામ આપ્યુ. અને તે નામને સાર્થક કરવાનો પ્રયત્ન કરતો હોય તેમ માબાપને અણસાર થતો.અને તે તેના અભ્યાસમાં મળતી લાયકાતથી દેખાતુ.

સમયતો કોઇથી પકડાતો નથી, પણ કોઇપણ જીવ તેની સાથે ચાલવા પ્રયત્ન કરે તો પરમાત્માની કૃપાએ થોડો લાભ મળે છે.સવિતાબેને નવરાત્રીના નવમા દીવસે પુત્રીને આગમન આપ્યુ.પવિત્ર દીવસે જન્મ થયો.માતાની અસીમ કૃપા અને સવિતાબેનની નિર્મળ  ભક્તિએ જ દીકરીનુ પૃથ્વીપર આગમન થયુ અને તેને સાધના નામ આપ્યુ. નાનપણથી જ તે પોતાના મોટાભાઇને વ્હાલ કરતી. ભાઇની સાથે બેસીને ચા નાસ્તો કરતી અને તેની થાળીમાંથી પણ એ ખાઇ જતી અને રમત પણ રમતી. સમય ચાલવા માંડ્યો. નિખીલે હાઇસ્કુલ  પ્રથમ ક્લાસે પાસ કરી અને કૉલેજમાં પણ પ્રવેશ મળી ગયો.ભણતરમાં ઘણા સારા માર્ક્સ  મળેલ તેથી તેને કૉલેજમાં બે વર્ષ બાદ મેડીકલમાં પ્રવેશ મળી ગયો. જો કે સાધના તો નિખીલને વ્હાલથી ડૉક્ટર કહેતી એ તેની ટેવ હતી.અને સમય આવતા જ્યારે નિખીલને મૅડીકલમાં પ્રવેશ મળ્યો ત્યારે તેણે સાધનાને બાથમાં લઈ કહ્યું જો બહેનતુ મને ડૉક્ટર કહેતી હતી ને તે હવે હુ ડૉક્ટર થવાનો કેવો તારો વ્હાલ હતો જે મને યોગ્ય માર્ગે લઈ જાય છે.

સાધના પણ માબાપને વ્હાલ કરતી અને સમય આવતા હાઇસ્કુલમાંથી ઘણા જ સારા માર્કે પાસ થઈ. તેની ઇચ્છા એ હતી કે તે યોગ્ય રીતે ભણતર મેળવી જીવનના પાયાને મજબુત કરે.તેણે ભણતરમાં ઘણી સારીરાહ લેતાં તેને કૉલેજમાં પ્રોફેસરની નોકરી મળી અને તે પણ ઘણી જ સારી રીતે કરી રહી હતી. નિખીલ પણ સમય આવતા ડૉકટરની ડીગ્રી મેળવી લઇ અને તેને પણ સરકારી હોસ્પીટલમાં નોકરી મળી ગઈ.નોકરી બાદ બીજા વર્ષે તે જ હોસ્પીટલમાં નર્સની નોકરી કરતી તેમની જ જ્ઞાતિની રાગીણી નામની છોકરી જેના માબાપ પણ ડૉક્ટર છે તેમણે સામેથી નિખીલને વિનંતી કરી અને તેના માબાપની સાથે વાત કરી તેમની દીકરીને તારી સાથે પરણાવવાની ઇચ્છા વ્યક્ત કરી.સવિતાબેન અને મનુભાઇને જ્યારે આ માહિતી મળી ત્યારે તેમને ઘણો જ આનંદ થયો કારણ તેમના દીકરાને તેના વ્યવસાયમાં કામ કરતી છોકરી અને તેના માબાપ પણ તે વ્યવસાયમાં છે એટલે હા પાડી અને માતાની કૃપા થતા સમયસર નિખીલના લગ્ન રાગીણી સાથે થઈ ગયા. બંન્ને એક જ વ્યવસાયમાં જોડાયેલ હોઇ કોઇપણ જાતની અડચણ કે તકલીફ ન હતી પડતી.અને તેથી ત્રણ વર્ષ બાદ બંન્ને એ પોતાના માબાપની પરવાનગી મેળવી એક નવુ ઘર વેચાતુ લઈ  જીવનની નવી કેડી શરૂ કરી.

પ્રેમની કેડી પકડીને ચાલતા મનુભાઇ હવે નિવૃત્ત થયા એટલે હવે કુટુંબની કોઇ જવાબદારી રહી નહીં તેમના પત્નિ પણ નિખાલસ પ્રેમથી ભક્તિ પકડીને પોતાનો સંસાર ચલાવી રહ્યા હતા.તેઓ બન્ને મળેલ માનવજીવન સાર્થક કરી જીવી રહ્યા હતા. તેમના સંતાનો પણ વડીલોના આશિર્વાદ મેળવી માનવતાની મહેંક પ્રસરાવી રહ્યા હતા.જીવનમાં સમય તો કોઇથી પકડાતો નથી પણ તેની સાથે ચાલવા સાચી શ્રધ્ધાએ પ્રયત્ન કરીએ તો પરમાત્માકૃપા કરે અને સાચી રાહ પણ મળે. એક વખત નવરાત્રીના સમયે મનુભાઇને તેમના ઘણા જુના મિત્ર દામોદરભાઇ મુલાકાત થઈ. તે દસ વર્ષ કેનેડા તેમના સાળાને ત્યાં રહ્યા હવે કાયમ

માટે તે ભારત પાછા આવી ગયા. વર્ષો પછી જુના મિત્રને મળતા ઘણોજ આનંદ થયો. મનુભાઇએ તેમને ઘેર આવવાની વિનંતી કરી. અને રવિવારે તેમની પત્ની સાથે મનુભાઇને  ત્યાં આવ્યા.લાંબા સમયે મળ્યા એટલે સાથે બેસી નાસ્તો કર્તા ઘણી બધી જુની યાદોને યાદ કરી આનંદ કર્યો. દીકરો નિખીલ ડૉક્ટર થયો તેની પત્ની નર્સ છે,બેબી સાધના પણ કૉલેજમાં પ્રોફેસરની નોકરી કરે છે તેવાત કરતા હતા અને તેજ વખતે સાધના કૉમ્પ્યુટર પર કૉલેજનુ કામ પતાવી રસોડામાંથી ચા લઈ પપ્પા મમ્મી અને મહેમાન માટે આપવા આવી આવેલા મહેમાનને પગે લાગી અને પાછી પોતાની રૂમમાં ગઇ. દામોદરભાઇ એ મનુભાઇને પુછ્યુ કે

આ દીકરી પરણી છે કે કુંવારી છે.તો મનુભાઇએ કહ્યુ કે હમણા બે વર્ષથી કોલેજમાં પ્રોફેસરની નોકરી મળી છે હજુ કુંવારી છે. દામોદરભાઇને પોતાની પત્નીએ વાત કરતા કહ્યુ કે તમારા નાના ભાઇ રણછોડભાઇનો દીકરો મનોજ એન્જીનીયર છે અને હજુ કુવારો છે તો મને યોગ્ય લાગે છે કે તે દીકરા માટે આ દીકરી યોગ્ય પાત્ર છે. તો જો તમને યોગ્ય લાગતુ હોય તો આપણે આગળ વધીયે. મહેમાનોના ગયા બાદ બીજા શનિવારે મનુભાઇએ અને સવિતાબેને  તેમની દીકરીને લગ્ન માટેવાત કરી. સાધનાએ કહ્યુ કે તમને જે યોગ્ય લાગે તે કરો હું તે  કરવા તૈયાર છું.મનુભાઇએ બીજે દીવસે દામોદરભાઇને ફોન કરી કે તમે તમારી અનુકુળતાએ

તમારા ભાઇને અને તેમના દીકરાને લઇને મળવા અને વાતચીત કરવા આવો દામોદરભાઇએ તેમના ભાઇ સાથે વાત કરી મનુભાઇને ફોન કરી જણાવ્યુ કે આવતા બુધવારે સાંજે છ વાગ્યા પછી તમારે ઘેર આવીશું. સમય પ્રમાણે તેઓ ઘેર આવ્યા સાધના પણ કૉલેજથી પાંચવાગે આવી ગઈ હતી.મનુભાઇએ વાતચીત કર્યા બાદ દીકરી સાધનાને બોલાવી તે આવી અને પછી આવેલા મનોજને તેમણે કહ્યુ કે બેટા તમે બંન્ને થોડી વ્યક્તીગત વાતો કરી પછી અમને પરવાનગી આપો. બાજુની રૂમમાં મનોજ અને સાધના વાતચીત કરી બહાર આવ્યા પિતાને મનોજે સાધના સાથે લગ્ન કરવાની હા પાડી.અને વાર તહેવાર નક્કી કરી તેમના લગ્ન પણ  થઈ ગયા. તેમના સંતાનો નિખીલ અને સાધના પણ પોતાની જીવનની કેડીને યોગ્ય માર્ગે ચાલતા  હતા.

તેમનો નાનો દીકરો રાકેશ ભણતરમાં થોડો પાછળ છે તેવું પિતા મનુભાઇ અને માતા સવિતાબેનને લાગતુ હતું તેમણે ઘણી વખત તેને કહ્યુ પણ છતા તેની રાહ બદલતો ન હતો. અંતે માતાએ અંબામાતા અને કુળદેવી કાળકામાતાને દીવો કરી પ્રાર્થના કરી કે તેમના દીકરાનેમાતા સાચા માર્ગે લઈ જઈ જીવનની જ્યોત પ્રગટાવે. નવરાત્રીનો તહેવાર આવી રહ્યો હતો એક રાત્રે સ્વપ્નામાં માતાએ સવિતા બેનને રાહ બતાવી કે આવી રહેલી  નવરાત્રીએ શ્રધ્ધા રાખીને એક વખત જમીને દરરોજ સાંજે ઘરમાં માતાના નામે દીવો કરવાનુ  દીકરાને કહો. આ સ્વપ્નાની વાત તેમણે તેમના પતિ મનુભાઇને કહી.તેમણે ઘરમાં મંદીરમાં દીવો કરી પ્રાર્થના સહિત વંદન  કરી વિનંતી કરી કે હે પ્રભુ હે માતાજી આ નવરાત્રીએ દીકરો નહી કરે તો હું અપવાસ અને નવરાત્રી કરીશ. નવરાત્રીના બે દીવસ પહેલા જ માતાએ દીકરા રાકેશને કહ્યુ કે બેટા આપણા હીન્દુ તહેવારમાં  નવરાત્રીએ પવિત્ર તહેવાર છે તુ આ વખતે નવરાત્રી કરીશ તો તને મા કૃપા કરી બધી રીતે સાચી  રાહે લઈ જશે.દીકરાએ મમ્મીને પુછ્યુ કે નવરાત્રીમાં શુ કરવાનું તો મમ્મી કહે દરરોજ એક વખત  જમવાનુ અને રાત્રે ગરબામાં જઈ આરતી કરી પાછુ ઘેર આવી જવાનુ.સારૂ મમ્મી હુ આ નવરાત્રી કરીશ. રાત્રે સવિતાબેને પતિને વાત કરી . રાકેશ આ નવરાત્રી કરશે. નવરાત્રીના નવેનવ દીવસ રાકેશે સાચા પ્રેમ અને સ્નેહથી માતાની શ્રધ્ધાથી સેવા કરી.

.           .માતાની અસીમ કૃપાનો અનુભવ થયો હાઇસ્કુલમાં અને કૉલૅજમાં ઘણા સારા માર્કસથી પ્રથમ ક્લાસે પાસ થયો અને પોતાના જીવનની કેડી વકીલ તરીકે શરૂ કરી. જીવનમાં સાચી રાહ માતાની સ્નેહાળ રાત્રીથી મળી ગઈ એજ માતની કૃપા એજ સાચી ભક્તિ અને એજ પવિત્ર કર્મ.

==============================================================

 

પંકજ નો સુરજ                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

 

પંકજને આજે એવું લાગતું હતું કે દરરોજ કરતાં આજની સવાર તેને માટે કાંઇક નવી જ છે.

દરરોજ સવાર થતાં પંખીઓના ટોળા આકાશમાં સર્પાકારમાં આવતાં હોય,પૂર્વ દિશામાંથી ગુલાબ છાંટી કોઇ છડીદાર મહારાજના આગમનની જાણ કરતો આવી રહ્યો હોય અને આગળ છડીપોકારાતી હોય તેમ આકાશના ભુરા રંગને હળવેથી દૂર કરી લાલગુલાલ જેવા ગુલાબી વાતાવરણને જગતના આવરણને બાંધતો સુરજ ભગવાનનો રથ આવતો હતો.સર્વે પક્ષીઓનો કલરવ જાણે તેમની છડી પોકારતો હોય તેમ સૂરજદાદાના આગમનને બીરદાવતો હતો.પણ આજનો સૂરજદાદાનો રથ આકાશમાં આવતા પહેલાં જાણે ગુલાલની સાથે બે હાર ન મોકલતો હોય તેમ વચ્ચે કિનારીઓને ઓપ આપતો આવતો હતો.પંકજ તો એ બે હારને આજના ઉમંગમાં ઉમેરવા સૂરજદાદા પાસે માગી રહી હતી, કારણ એ બંન્ને હારની તેને આજે જરુર હતી.આજે કેટલાય વર્ષો બાદ પંકજને પ્રાણથી  પણ વ્હાલો તેનો મોટો ભાઇ સુરજ અમેરીકાથી પાછો આવી રહ્યો હતો.

પંકજ,સુરજને ખુબ જ સતાવતી,ઘણી વખત તો પિતાજીને તેના વિરુધ્ધ ભરવી માર પણ ખવડાવતી અને ઘણી વખત વ્હાલથી બચી પણ કરી લેતી.પંકજ જ્યારે નવ વર્ષની હતી ત્યારે સુરજ અઢાર વર્ષનો હતો. બંન્ને એકબીજાને એટલા બધા ચાહતા હતા કે જે જોતાં લાગે કે ક્યાંક ગયા ભવનો બાકી રહેલો ભાઇબહેનનો પ્રેમ મેળવવા આ ભવે એક જ ઘેર આવ્યા.આગળ વધી રહેલા આ હેત પ્રેમના કિસ્સામાં ભુતકાળ તરફ ડોકીયું કરતાં એક ઉદ્દાત દાખલો મળે છે.જે  જીવનભર ન ભુલાય. ભાઇબહેનનો પ્રેમ તો જે નસીબદાર હોય તેઓને જ મળે છે,તેમાં ખોટું નથી.

સુરજ અને પંકજ એક જ માબાપના સંતાન.સુરજ મોટો અને  પંકજ નાની.બે જ બાળકો. તેમના પિતા એક ખ્યાતનામ  ડૉક્ટર અને  માતા પણ ભણેલી. બંન્ને એકના એક સંતાન એટલે  લાડપ્યાર ખુબ જ મળેલા.માબાપનો અનહદ પ્રેમ બંન્ને પર વરસતો.માબાપના સપ્રમાણ પ્રેમને કારણે બંન્નેના જીવનમાં પ્રેમને સ્વચ્છંદતા મળી ન હતી.તેઓ  અમદાવાદમાં રહેતા હતા.બંન્ને બાળકો અભ્યાસમાં પણ તેજસ્વી. ભુતકાળના વમળમાં અંદર ઉતરતાં દેખાય છે કે સંસ્કારનું સિંચન પેઢીગત મળેલ છે જે જોતાં લાગે કે મોરના ઇંડા ચિતરવાના ન હોય.

પ્રણાલિગતને પારખી લેતાં અરીસાની જેમ સ્પષ્ટ દેખાય, જેમાં કોઇ ચિતરામણની જરુર ના પડે. સુરજના માતાપિતા પણ  તેમના માબાપના  એકના એક  સંતાન હતા. સુરજના પિતા   શ્રી રમેશલાલ એક  ખ્યાતનામ ડૉક્ટરના  દીકરા હતા.એકનાએક  સંતાન અને  હોશિયાર તેથી ઘણાને ઇર્ષા પણ આવતી. પણ  જ્યાં સંસ્કાર અને સાચો  પ્રેમ હોય  ત્યાં ઇર્ષા સ્પર્શી શકતી પણ નથી. કૉલેજમાં અભ્યાસ કરતા  હતા ત્યારે તેમની  તેજસ્વીતા જોઇને  ગીતા નામની  છોકરી તેમનો પ્રેમ મેળવવા પાગલ હતી. ગીતા  તેમને દરેક  કામમાં સહાય આપવા પ્રયત્ન કરતી.  સહાધ્યાયીથી સહચારિણીના સ્વપ્ના સેવતી ગીતા રમેશને  તેનો પ્રેમી સમજી બેઠી હતી. જ્યારે રમેશ, ગીતાને બહેનની દ્રષ્ટિએ જોતો હતો. એકવાર ગીતાએ પ્રસ્તાવ મુક્યો કે “તમે મારે ઘેર આવશો?” તો રમેશે પુછ્યું, “ઘેર શું કામ છે?” તો ગીતાએ કહ્યું, “મારા માતાપિતા તમને  બોલાવે છે.” રમેશે નિર્દોષતાથી ‘હા’ કહી. ગીતાએ રમેશને આ વાત કહેતા પહેલા  પોતાના માબાપને  સઘળી પરિસ્થિતીથી  વાકેફ કર્યા હતાં  અને પોતાના લગ્નમાટેની  તૈયારી બતાવી હતી. તેણે તેની બહેનપણીઓને આ વાત કરી હતી જેમાં તેઓએ પણ તેની ‘હા’માં ‘હા’મેળવી હતી.

રવિવારે સાંજે ફરવાના સમયે રમેશ શાહપુરમાં આવેલ ગીરધરરાવ કાશીશ્વરના ‘ગીતેશ’ નામના બંગલાના દરવાજા આગળ આવી દરવાનને પુછી દાખલ થયો. ગીતાએ આપેલ સરનામે બરાબર આવી ગયો તેનો આનંદ તેને થયો. ગીતાએ તો બારીએથી જ તેના માનેલા પ્રેમીના આગમનની રાહ જોઇ મનમાં પાથરેલ ગુલાબના ફુલની પાંદડીઓની પગદંડી પર રમેશને આવતો જોયો.વણ કલ્પેલ હ્રદયના ચુંબનો રમેશને દેવા દોડી અને કોઇ તકલીફ તો નથી પડીને? તેમ બોલી તેને આવકારવા લાગી. ગીતા માબાપની પાસે તેને બેસાડી પાણી આપી ચા-નાસ્તા માટે રસોડા તરફ ગઇ. ગીતાના માબાપે રમેશના માબાપની માહિતી મેળવી ગીતાના વિચારો તથા લગ્નનો પ્રસ્તાવ મુક્યો. ગીતા તને ખુબ ચાહે છે અને તેની  ઇચ્છાથી જ તને અહીં બોલાવ્યો છે તે લગ્ન કરવા તૈયાર છે. આ સાંભળી રમેશના તનમન પર વજ્ર્નો ઘા પડ્યો  હોય તેમ લાગ્યું તે સફાળો  બેબાકળો બની ગયો.તેને ખુબ જ આઘાત લાગ્યો. જે ને પોતે સહાધ્યાયી ગણી બહેન માની હતી તેની સાથે લગ્ન કરવાના? તેણે ઘણી જ નમ્રતાથી અને આંસુ સાથે ગીતાના માબાપને પોતાના હ્રદયની વાત કરી. પોતે ગીતાને તો પોતાની સહાધ્યાયી બહેન માને છે તેને માટે તો આવી કલ્પના પણ ન થાય.આ સાંભળ્યા બાદ ગીતાના માબાપને પણ ઘણું જ દુઃખ થયું.  રમેશની ભાવના અને પ્રેમ માટે તેઓને પણ અભિમાન થયું. કાશ અમારે આવો પુત્ર હોત.  રમેશ વ્યથીત મને ઘેર પાછો   ફર્યો.રાત્રે ઘણી

જ વિટંમણાઓમાં મન ભટકવા લાગ્યું  પણ તેને કાબુમાં રાખીને  સુઇ ગયો સવારે  નિત્યકર્મ  પરવારી ૧૧ વાગે  કૉલેજ  ગયો. મનમાં દ્રઢ નિશ્ચય સાથે ગયો હતો  પણ તે દિવસથી આજદિન સુધી તેણે ગીતાને ફરી જોઇ નથી.

ભણતર પુરુ કરી રમેશ ડૉક્ટર બની ગયો.તેના લગ્ન એક સારા ઘરની સંસ્કારી કન્યા સાથે થયા આજે તે અમદાવાદમાં પોતાનું ખ્યાતનામ દવાખાનું ચલાવે છે.આવા એક સંસ્કારી કુટુંબનું સંતાન એટલે સુરજ. બાળપણમાં પપ્પાની  જેમ ભણવામાં હોશિયાર એવો  ભાઇ, બહેન પંકજને  ભણવામાં માર્ગદર્શન આપતો.તે તેની બહેનને કહેતો ‘જો તું નહીં ભણે તો તારી સાથે કોઇ લગ્ન નહીં કરે.કારણ પંકજ ભણવામાં થોડી પાછી હતી.ભણ્યા વગર કુંવારા રહેવું પડશે તેમ સાંભળ્યા બાદ કમને પણ ભણવાની લગની પંકજને લાગી હતી અને એટલે જ એક સમય એવો આવ્યો કે અભ્યાસના દરેક સોપાને તે પ્રથમ આવતી.સુરજની ધગસ જોઇ પિતા પણ તેને ડૉક્ટર બનાવવા માગતા હતા.સુરજની પોતાની ઇચ્છા પણ પ્રબળ મનથી ડૉક્ટર થવાની હતી.પિતાજીએ સુરજને અભ્યાસ કાળના સમયમાં પોતાના જેવા ચકકરમાં ન આવે તે કાળજી રાખવા તથા  જીવનની સાચી સુવાસ મેળવી શકે તે ગણતરીએ અમેરીકા મોકલ્યો.

પંકજ માટે આજે સોનાનો સુરજ ઉગ્યો હતો.કારણ બાળપણમાં જ્યારથી તે સમજણી થઇ ત્યારથી તે દરેક રક્ષાબંધનના પવિત્ર તહેવારે પોતાના પ્રાણથી પણ વ્હાલા ભાઇને રાખડી રુપી બહેનના બંધનથી બાંધી બહેનનો પ્રેમ અર્પણ કરતી.તે પોતે જાણતી હતી કે વર્ષમાં એક જ વાર આવતો આ પવિત્ર તહેવાર વર્ષમાં ફરી નહીં આવે તેથી તે દિવસે સવારે સૌથી વહેલી ઉઠી નાહી ધોઇ માબાપને પગે લાગી કંકું,ચોખા ભાઇના કપાળે લગાડવા રાખડી સહીત થાળી તૈયાર કરી પ્યારા સુરજની રાહ જોતી. કંસાર તૈયાર થતાંની સુવાસ વચ્ચે ભાઇ નાહી ધોઇ તૈયાર થતાં પોતાના પ્રાણથી પણ પ્યારા ભાઇને કપાળે કંકુ ચાંલ્લો કરી આંખોમાં છુપાઇ રહેલા વ્હાલના આંસુ સાથે મોટાભાઇના ગાલે ધીમી ટપલી મારી મહામહેનતે બે ત્રણ ચક્કર મારી બજારમાંથી શોધી લાવેલ રાખડીને ભાઇના હાથ પર બાંધતી અને જાણે પ્રેમનો સાગર  ઉભરાઇ જતો હોય  તેમ ભાઇને ગાલે બચી કરી લેતી અને આંખોમાં પ્રેમ પ્રેમ દર્શાવતા ટીપાં દર્શાવી દેતી.ભાઇને ભેટી પડતી. ભાઇ બહેનને ભેટી બન્ને એકબીજાના પ્રેમનો ઉભરો આંખથી આટોપતા જ્યારે માબાપ જોતાં તો તેમને પણ તેમનો આ પ્રસંગ યાદ આવતાં આંખમાં પાણી જરુર  આવી જતાં. આજ આવા પ્રસંગને પાંચ પાંચ વર્ષથી જોયો ન હતો કારણ સુરજ અભ્યાસ અર્થે બહેનથી ઘણો જ દુર હતો  એ પરાઇ ભૂમિ પર ક્યાંક પ્રકાશવા ગયો હતો.અને ખરેખર એ ત્યાં સર્વ પ્રથમ આવી પ્રકાશી આવ્યો હતો. અભ્યાસકાળ દરમ્યાન પંકજ પોતાના વ્હાલા ભાઇને પત્ર દ્વારા જ પ્રેમ દર્શાવતી હતી.પંકજનો અઘાતપ્રેમ ફક્ત એક જ પત્ર પર નજર કરીએ તો પણ જણાશે જ.                                                                            ૩ જુલાઇ ૧૯૬૯

અમદાવાદ

વ્હાલા ભાઇ સુરજ,

આંખોમાં નીર ન હોવા જોઇએ છતાં તને પત્ર લખતાં તો જરુરથી ટપકી પડે છે, વહી જાય છે. આજે બે વર્ષથી તારા હાથે મેં રક્ષા  બાંધી નથી. તારા ગાલને ચુંબન કરેલ નથી. તું જલ્દી પાછો આવ અને નાની બહેનની ટપલી તો ખા.

આ સાથે  મોકલેલ રાખડી નાની બહેનના હેત ના પ્રતિક રુપે સ્વીકારી લેજે  કારણ  મારા હાથ ત્યાં આવી શકે તેટલા લાંબા નથી નહીતર તારા હાથે બાંધી દેત.પણ..ભગવાનની ઇચ્છા નથી અને એટલે જ તને મારા  હ્રદય રુપી  કવરમાં મોકલી રહી છુ. મને વિશ્વાસ  છે કે મારો મારા ભાઇ પરનો પ્રેમ અમર  છે અને અમર રહેતા મારા  ભાઇને મળી રહેશે કારણ

“ભાઇબહેન કા પ્યાર રહેગા જબ તક હૈ સંસાર”

ભાઇ હવે જલ્દી પાછો આવ. નહીં તો હું વિરહમાં ખોવાઇ જઈશ.

લી.નાની બહેન પંકજના વ્હાલ.

તો સુરજે તેનો જવાબ આપેલ

૧૫ જુલાઇ ‘૬૯

ન્યુજર્સી.યુ.એસ.એ.

વ્હાલી નાની બહેન પંકજ,

તારી પ્રેમથી મોકલેલ રક્ષા મળી.મળતાં જ જાણે આંખો કાબુમાં ના રહી.કાગળ વાંચતા પહેલા જ તે અંદરનું લખાણ વાંચી ચુકી હોય તેમ ઉભરાઇ આવી. બહેન મારા હાથ પણ તારા હાથે રાખડી બંધાવવા તૈયાર છે, મારા ગાલ પણ..મને ભગવાન પર વિશ્વાસ છે કે મને તારા સુધી જલ્દી આવવા દેશે જ. બહેન તારી રાખડીની કિંમત તો મારાથી ચુકવી શકાય તેમ નથી પણ તારી રક્ષા મારાથી થશે તેટલી જરુરથી કરીશ. આ પત્ર સાથે જ તને ગમતા રંગની સાડીનું પાર્સલ  કરું છું આશા છે કે તને ગમશે  ભાઇનો ગાલ સમજી બચી તો કરી જ લેજે.  અઠવાડિયામાં મળી જશે જ.

મમ્મી પપ્પાને મારા પ્રણામ કહેજે,તબિયત સાચવજે.કોઇ કામ હોય તો જણાવજે.

લી.તારો ખોવાયેલ ભાઇ         સુરજ

આમ ભાઇબહેનના પ્રેમનો ઉદ્દાત દાખલો પંકજ અને સુરજ આપે છે.

સુરજ સવારના પ્લેનમાં આવવાનો હતો.બધા તૈયાર થઇ એરોડ્રામ પર પહોંચી ગયા.સમય થયો. સુરજનું  વિમાન દૂરથી સમડી આવતી હોય તેમ નજીક આવવા લાગ્યું.પંકજ આંખમાં હર્ષના આંસુ સાથે પોતાની જાત પરનો કાબુ ગુમાવી બેસવાની તૈયારીમાં હતી પણ જ્યાં સુધી સુરજને ન જુએ ત્યાં સુધી તો કાબુમાં હતી જ. પંકજ  તલપાપડ હતી. સુરજની સ્થીતિનો ખ્યાલ શું હશે તે બહેન કલ્પી શકે તેમ ન હતી.પણ છતાં કલ્પનાની પાંખ પર બેસી તેના મગજની સ્થિતી બહેન પંકજ જાણી શકી હતી. વિમાન ધીમે ધીમે ધરતી નજીક આવવા  લાગ્યું અને હવે ઘણા જ મોટા અવાજ સાથે રનવે પર ઉતરી દોડવા લાગ્યું.આ ઘોંધાટ પંકજને તો એવો લાગતો હતો કે તેના ભાઇ  સુરજના આગમનની  છડી પોકારાતી ન હોય. વિમાન

અટકતાં ધીમેથી દરવાજો  ખુલ્યો, સીડી ગોઠવાઇ. મુસાફરોની બહાર નીકળવાની શરુઆતથી જ પંકજ પોતાની જાતને કાબુમાં ન રાખી શકી,હર્ષના આંસું ધ્રુસકા સાથે આવી ગયા..અને ત્યાંજ દરવાજા બહાર આવી સુરજે પોતાના  આગમન પેટે હાથ ઉંચો કર્યો. માબાપને પોતે  સલામત આવ્યાની જાણ કરતી નાની બહેનને શોધતી આંખ પંકજ પર દુરથી મંડાતા ફરીવાર હાથ હલાવ્યો.પંકજ પોતાનો હાથ અડધો ઉચો કરી આંસુને લુછવા લાગી.સમય વિતવા લાગ્યો લાંબા ગાળા બાદ પણ સુરજ,પંકજને ઓળખી શક્યો.બધી કસ્ટમની વિધિ પતાવી તે દોડતો આવી બહેનને ભેટી પડ્યો. બહેને ઘણા વખતના સંગ્રહી રાખેલ વ્હાલના ચુંબન ભાઇના ગાલે વરસાવી દીધા.માબાપ આ અદભૂત પ્રેમ,દ્રશ્ય જોઇને આંસુ વિભોર આંખે નીચા નમેલા પુત્રને આશિર્વાદ આપવા લાગ્યા.પંકજને ભાઇ મળ્યો,માબાપને પુત્ર મળ્યો.ઘણો જ આનંદ આનંદ થઇ ગયો.

રાત્રે બધાએ સુખદુઃખની વાતો કરી.બધા આનંદની પળો પસાર કરતા હતા ત્યાંજ સુરજને ટપલી મારી પંકજ બોલી,’પપ્પા ભાઇને પુછો કે ત્યાં ભાભીને તો નથી મુકીને આવ્યોને?’ સુરજે પંકજને હળવી ટપલી મારતા કહ્યું એ તો હજી વાર છે…..       અને બધા ખડખડાટ હસી પડ્યા…..રાતની વિદાય લેવા.

########################################

થીજેલું સ્મિત દેવીકા ધ્રુવ

શિયાળાની કડકડતી ઠંડીમાં, વ્હેલી સવારે, શહેરના સૂમસામ રસ્તા પર, એની કાર કબ્રસ્તાનના રસ્તે જઇ રહી હતી. આ એક રોજનો ક્રમ હતો. લીસા કારમાંથી ઉતરે, એક મીણબતી પ્રગ્ટાવે, આંખ બંધ કરી એક મિનિટ ઉભી રહે અને ગાડીમાં બેસી પાછી વળે. પછી આંખે બેઠેલા ચોમાસાને ચોંધાર વરસવા દે. કોઇને કદી કશું કહે નહિ. ઘેર આવી, મૂંગા મોંઢે એ નિત્ય કર્મોમાં લાગી જાય.

પશ્ચિમી દેશના ધનાઢ્ય શહેરનું એક નાનકડું સોહામણું ગામ. બરફની શ્વેત વર્ષા હોય કે પાનખરના રંગો, કુદરતની બારેમાસ ત્યાં મહેર હતી. પ્રમાણમાં ઓછી વસ્તીવાળા આ વિસ્તારમાં શાંતિ અને સલામતી હતી. પણ અચાનક એક દિવસ ત્યાં અણધારી, અતિ હીણપતભરી, ક્રુર ઘટના ઘટી. બે મહિના પછી પણ આજે એ વાત લખતા કલમ ધ્રુજે છે, હ્રદય વલોવાઇ જાય છે અને શરીરે રુંવાડા ખડા થઇ જાય છે. ટીવી પર જોયેલું એ દ્રશ્ય નજર સામે આવે છે. નિશાળના નાના નાના ભૂલકાં એકમેકનો હાથ પકડી, ગળાની ચીસોને અંદર જ દબાવી રાખી, શિક્ષકોની સૂચના અનુસાર, સલામતીના સ્થળે પહોંચવા દોડી રહ્યાં હતાં. વાતાવરણમાં ભયંકર કંપ હતો. આંચકા ધરતીને લાગે તો ધરતીકંપ થાય છે. પણ આ તો ધક્કા હ્રદયને લાગ્યાં હતાં, ધિક્કારકંપ થયો હતો. પરિણામે એક ચોવીસ વર્ષના યુવાને, પોતાની મા કે જે શિક્ષિકા હતી તેના સહિત પાંચ-છ વર્ષના વીસ જેટલાં કુમળા બાળકોને વીંધી નાંખ્યા હતાં. એટલું જ નહિ રસ્તામાં આવેલ બીજા પણ ચાર-પાંચ શિક્ષકો અને આચાર્યને ઉડાવી દીધા હતાં!! કારમો કેર વર્તાયો હતો. ફૂલોને ખીલતા પહેલાં જ મુરઝાવી દીધા હતાં…સવારે સવારે જ સૂર્યાસ્ત થયો હતો. આટલાં નાના બાળકોને એકી સાથે રહેંસી નાંખવાનો બનાવ વિશ્વના ઇતિહાસમાં કદાચ પહેલો હતો.

હ્રદયને ક્યારેક તમ્મર આવે છે. બુધ્ધિને ક્યારેક ચક્કર આવે છે. ઘટના કદીક એવી પણ સર્જાય છે, જે લાગણીને પથ્થર બનાવે છે.

લીસાના વલોપાતભર્યા શબ્દો હ્રદયદ્રાવક હતા.. એકાદ-બે મહિનાની અવાક‍ અવસ્થા પછી એણે હૈયું ઠાલવ્યું હતું. ફ્રેઇમમાં મઢાયેલો ફોટો જોઇ જોઇ એ કહેતી હતી. “મારી દીકરી વિક્ટોરિયાને સ્કૂલે જવું અને નવું નવું શીખવું ખુબ ગમતું. એને મિત્રો પણ ઘણાં અને શિક્ષકોની તો ખુબ વ્હાલી. રોજ અવનવી વાતો કરે અને ઘરને પ્રસન્નતાથી ભરી દે. ડેડી માઈકલની તો શ્વાસ-પ્રાણ. ગમે ત્યાં ડેડી જાય પણ દીકરીને માટે સમયસર ઘેર આવી જાય. અરે, માઈકલે તો એની કાર પાછળ એક્સીડન્ટથી બચવા એક તક્તી પણ મૂકાવેલી “ My daughter is waiting at home. drive safely. મારી દીકરી ઘેર રાહ જુએ છે. વાહન સાચવીને હાંકો.” વિક્ટોરિયાને ચિત્રોનો પણ શોખ. ઘરના દરેક રૂમમાં એના જ ચિત્રો લટકાવેલાં છે. કહેતા કહેતાં લીસા પતિના આંસુને લૂછતી જતી હતી. લાચારીની શૂન્યમનસ્કતાએ એને શબવત્ બનાવી દીધી હતી. આજની વાત કંઇક જુદી જ હતી. રાબેતા મુજબ, કબ્રસ્તાનથી સવારે પાછી વળેલી લીસા ભિતરના દુઃખ, ક્રોધ, હતાશા, બદલો, ફરિયાદ, સવાલો, વેરઝેરના તમામ સમંદરોને ઓળંગીને, જાણે સમાધિમાં હોય તેમ આખો દિવસ સાંજ સુધી સુનમુન બેસી રહીને વારંવાર આશ્વાસનભર્યા શબ્દો બોલે જતી હતી, બસ બબડે જતી હતી. “મારી દીકરીને સ્કૂલે જવું બહુ ગમતુ હતું. હવે એણે સ્કૂલ બદલી છે. એ આખા ક્લાસ સાથે, શિક્ષક સાથે અને પ્રિન્સિપાલ સાથે એક નવી અને જુદી સ્કૂલમાં ગઇ છે. હું પણ એને જોવા અને મળવા જલ્દી જઇશ.” કહી એ ફિક્કું અને કંઇક દયામણુ હસી. તેની આંખો ઉંચે આકાશ તરફ મીટ માંડતી સ્થિર, ભાવવિહીન થયેલી હતી અને સ્મિત થીજેલું હતું..

એ રાત્રે મૂશળધાર વરસાદ પડ્યો.

રાત આખી ડૂસકે ચઢી’તી, આભ સાથે ધ્રૂસ્કે રડી’તી. પૃથ્વીના ખોળે છૂપાઇ, વિશ્વશાંતિના પ્રશ્ને રડી’તી…

દેવિકા રાહુલ ધ્રુવ.

 

મારા ગામની શેરી- દેવિકા રાહુલ ધ્રુવ         ૩૧ જાન્યુ. ૨૦૧૪

મારા ગામની એ શેરી…નરી સંવેદનાઓથી નીતરતો આ શબ્દ ! મનને ક્યાં ક્યાં લઈ જાય છે ? હા, હતી તો એ નાનકડી, સાંકડી શેરી પણ દિલમાં કેટલી વિશાળ બનીને જાણે આખાયે અસ્તિત્વને ભરીને કાયમી આસન જમાવીને બેઠી છે. દિવસ હોય કે રાત, દેશમાં કે વિદેશમાં,ગીતમાં કે ગઝલમાં,શબ્દમાં કે સૂરમાં,જાગતા કે ઉંઘમાં એની સ્મૃતિઓ રોજ આસપાસ ગોળ ગોળ ઘૂમતી હોય છે.

માત્ર ૧૨-૧૩ ઘરોની અમદાવાદની એ સાંકડીશેરી જ્યાં જીવતરનું પાયાનું ઘડતર થયું. માબાપ-ભાઈબેન તો ખરાં જ,પણ પડોશી,શિક્ષકો,મિત્રો સૌ સાવ પોતીકા જ લાગે. દરેકના સુખ દુઃખ, સારા ખોટાં પ્રસંગો બધા જ વ્હેંચે.

આજે સ્મૃતિના દાબડામાંથી એક પ્રસંગ ખુલી રહ્યો છે. પોળમાં ૧૦-૧૨ વર્ષના છોકરાઓ ક્રિકેટ રમતા હતા. લોકોની અવરજવરની વચ્ચે પણ રમત સરસ ચાલી રહી હતી. કેટલાંક રમતા હતાં તો કેટલાંક જોવા ઉભેલા હતાં. અચાનક એક બોલના જોરદાર ફટકાએ ચિચિયારીઓ થઈ ને એની સાથે ચીસાચીસ પણ થઈ. ટોળે ટોળા થઈ ગયાં. રમત રમતને ઠેકાણે રહી અને ઘડીના છઠ્ઠા ભાગમાં એક છોકરાને હોસ્પીટલમાં ખસેડવાની દોડાદોડ શરુ થઈ. તેની આંખમાંથી લોહીનો ધોધ વહેતો હતો. તાત્કાલિક આંખની સર્જરી કરવી પડી. દુર્ભાગ્યે તેણે એક આંખ ગુમાવી દીધી હતી અને ડોક્ટરોને નવી કાચની આંખ મૂકવી પડી હતી. આ પ્રસંગ યાદ એટલા માટે આવ્યો કે તે છોકરાના માબાપે કોઈની સામે કશો જ ક્રોધ કે ક્લેઇમ કર્યો નહિ. માત્ર શાંતિ રાખી આ આફતનો સામનો કર્યો.. શેરીના સૌએ પણ છોકરાના દુઃખમાં મહિનાઓ સુધી સતત સહાનુભૂતિ અને સહાયનું વલણ દાખવ્યું.

આવી મારી આ ભવ્ય, ધનિક શેરીના કંઇ કેટલાંય સ્મરણો ચલચિત્રની જેમ નજર સામે આવે છે. એ મ્યુનિસિપલ સ્કૂલ, એ બાલકુંજ, પૂસ્તકાલય, શેરીના નાકે દવાખાનુ, લોટ દળાવવા જવાની ઘંટી, ગોર્યોની પૂજા, સાથે મળીને શેરીમાં રાંધેલા ખીચડી-શાકની ઉજાણી, બેનપણીઓ સાથે હાથમાં મૂકાતી મેંદી, હોળીની પીચકારી..બધી યાદો અકબંધ છે. દાદીમાની વાર્તાઓ, ભાઈબેનોનો પ્રેમ,આર્થિક સંકડામણોને પહોંચી વળવાની મા-બાપની જહેમત, માની સહનશીલ,સદાચારી, સેવાભાવી, સતત કાર્યરત મૂર્તિ… અભ્યાસમય,તેજસ્વી બાળપણ, સોળના સોનેરી સપના અને આજ શેરીના નાકે કોઈની સાથે મળેલી આંખ ! જે આજની તારીખે ૪૩ વર્ષ પછી પણ ખસતી નથી.! આજે લગભગ ૩૪ વર્ષ જેટલાં વિદેશમાં વસવાટ પછી પણ જ્યારે જ્યારે જવાનું થાય છે ત્યારે ત્યારે અચૂક શેરીમાં જઈને ફરવાનું ગમે. શેરીની ભીંતો,પત્થરો,ઘરોની બારીઓ,બારણાં, ખડકી અને ભાડાના એ ઘરને હાથ અડાડી લઉં છું.  હવે ત્યાં કોઈ વડિલો નથી. સખા-સખીઓ પણ શેરી છોડી, નવા આકાશમાં વિહરી રહ્યા છે. પહેલાં ત્યાં ટીવી,કોમ્પ્યુટર,ફોન,વીડીઓ,ગાડીઓ કશું જ ન હતું .છતાં જીવન હતું. આજે નવા ચહેરાઓ છે અને બધી આધુનિક સગવડો ત્યાં પણ આવી ગઈ છે. ઘણું બધું બદલાયું છે. પણ ત્યાં ધબકેલું આ હ્રદય હજી એવું ને એવું  જ ધબકે છે. ઇશ્વરકૃપાએ એ ધબકાર અહીં જન્મીને ઉછરતા પૌત્ર-પૌત્રી સુધી પહોંચે છે. કદાચ ત્યાંની પેઢી કરતાં વધુ ઘેરી  ઊંડી રીતે.

થોડા વર્ષ પહેલાંની શેરીની મુલાકાત પછી શિખરિણી છંદમાં લખેલું મારું કાવ્ય ટાંકીને વિરમીશ.

શિખરિણી    ( યમનસભલગા-૧૭ )

જૂની મારી પ્યારી, શિશુવયની શેરી ફરી મળી,

દીઠી પોતાને ત્યાં, સહુ સખી સખા સંગ રમતી.

કુકા, કોડી, ખોખા, રમત ગમતો ખેલી કુદતાં,

દીવાળી હોળી ને, નવલ નવલાં દિન ગમતાં.

નિશાળોના ઘંટો, સકળ મનને યાદથી ભરે,

મીઠી મીઠી બાની, અવનવી કથા આંખ ભીંજવે.

ભલા ભોળા નાના, ભઇ ભગિની કેવાં મન હરે,

અડે હાથો ભીંતે, મૂક મન મૂકી વાતડી કરે !!!!

નથી ક્યાંયે પેલી, સરળસટ શેરી અહીં હવે,

બધું જુદું ભાસે, નિજ-જન ન કોઇ અહીં દીસે.

હવા સ્પર્શે સૂકી, ઝણઝણી  શરીરે ફરી વળે,

અજાણી નોખી હું જલસભર નેત્રો ઝમી રહે

અને ખેંચે પૌત્રી,વતનઘરથી દૂરની દિશે;

રહસ્યો યુગોના અતિત-પડળેથી સરી શમે !!!!

અસ્તુ.

દેવિકા રાહુલ ધ્રુવ

જાન્યુ. ૩૧ ૨૦૧૪.

 

બુધ્ધિબેન મિત્રવદન ધ્રુવ (૧૯૧૬-૨૦૧૨) 

 

પ્રચંડ ઇચ્છાશક્તિ અને પ્રબળ મનોબળ ધરાવતી પ્રતિભાશાળી વ્યક્તિ એટલે બુધ્ધિબેન ધ્રુવ. માર્ચ ૨,૨૦૧૨ના રોજ, ૯૬ વર્ષની ઉંમરે તેમનું નિધન થયું તે નિમિત્તે, તેમની જીવન ઝરમર લગભગતેમના જ શબ્દોમાં,રજુ કરતાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. મારું એ સદ્‍ભાગ્ય હતું કે ૨૦૧૧ના મે-જૂનમાં,પૂરો એક મહિનો તેમની પાસે બેસીને,મારી કલમમાં આલેખવાની તક મળી. તેમની હયાતીમાં,તેમની જ સ્મૃતિમાંથી સરેલી યાદગાર વાતો,મારી પ્રસ્તાવના સાથે  સહર્ષ આપની સમક્ષ…..

બુધ્ધિબેન મિત્રવદન ધ્રુવ (૧૯૧૬-૨૦૧૨) 

 ઢળતી સંધ્યાના તેજલીસોટા ( મે ૨૦૧૧માં લખાયેલ )

ઇન્ટરનેશનલ ફ્લાઇટે જ્યારે ટેઇક-ઓફ લીધો ત્યારે ઘડિયાળમાં બરાબર પોણા છ વાગ્યા હતા. હવામાં એક શબ્દ ગૂંજતો અનુભવાયોઃ “ટાઇમસ્લોટ”; અને હ્રદય એક ધબકારો ચૂકી ગયું. નિકટના એક મિત્ર પાસેથી મળેલો એ શબ્દ..કેટલી ઉંચી વાત ? જીવનની કેવી મોટી ફીલોસોફી? ટાઇમસ્લોટ….સમયના ખાના…

ઇશ્વરે બનાવેલાં સવાર,બપોર અને સાંજના ટાઇમસ્લોટ.. બાલ્યાવસ્થા,યુવાવસ્થા અને વૃધ્ધાવસ્થાના ટાઇમસ્લોટ.. ચડતી અને પડતીના ટાઇમસ્લોટ..વિધાતાએ ઘડેલ જીવન અને મરણના ટાઇમસ્લોટ..સમયના ખાના..વાહ. વિશ્વમાં અને કુદરતમાં  પણ જીવ-માત્ર સમયના વિવિધ ખાનામાં જન્મે છે અને વિદાય પણ લે છે.

હાથમાં કલમ છે અને મનમાં મા સાંભરે છે.

આજે એક એવી વ્યક્તિના ટાઇમસ્લોટની વાત કરવાની છે જેની ઉંમર ૯૫ વર્ષની. તેમની ચહેરાની કરચલીઓમાં અનુભવોની આરસી છે અને સંસ્મરણોની સમૃધ્ધિ છે. એ વ્યક્તિએ મને જન્મ નથી આપ્યો,પણ મારી મા જેવી છે..હા, મારી કાયદેસરની મા જેને સંકુચિત આ સમાજે સાસુનુ બિહામણુ નામ આપ્યું છે.તેમનુ અસલી નામ કુસુમાવતી પણ બુધ્ધિબેનના હુલામણા નામે જ ઓળખાયેલા. પિયરમાં,સાસરામાં અને સમાજમાં પણ સૌના એ બુધ્ધિબેન.

એક સ્ત્રીના જીવનના પણ કેટકેટલાં ટાઇમસ્લોટ ? દીકરી,બહેન,પત્ની,મા,દાદી,નાની તરીકેના જુદા જુદા રૂપ અને સમયના સ્લોટ ! આવો, તેમના પોતાના જ શબ્દોમાં સાંભળીએ. આ જીવનચરિત્ર નથી,આત્મકથા નથી.માત્ર સંસ્મરણો છે, ઢળતી સંધ્યાના તેજલીસોટા છે,

૧૫મી મેની સવારે સાત વાગે નાહી ધોઇ,પૂજાપાઠમાંથી પરવારી બુધ્ધિબેને સંસ્મરણો વાગોળવાની શરુઆત કરી.

“ આ વહેલા ઉઠી,સવારમાં પ્રવૃત્ત રહેવાની તારી રીત મને ગમી. જીવન કેવું વીત્યું હેં?  કેટકેટલું યાદ કરુ?  થોડા મહિનામાં તો  છન્નુમું બેસશે. સો કરવા છે એ વાત ચોક્કસ !! સાત વરસની હતી ત્યારથી બધુ યાદ છે મને. ચારેક દાયકાથી તો તું સાથે છે. છતાં છેક નાનપણથી બધું જ કહીશ.

વિલોચનરાય શામરાવ દીવેટીઆ મારા પિતા અને ક્રિશ્નાકુમારી મારી માતા.એક ભાઇ અને એક  બેન. હું સૌથી મોટી. જન્મ અમદાવાદના આકાશેઠકુવાની પોળમાં રજનીકાન્ત દુર્કાળની ખડકીમાં. મારા પિતા શિક્ષક હતા.ખુબ સરસ ભણાવતા.મને યાદ છે મારી ૧૧ વર્ષની ઉંમરે  માણસામાં નોકરી માટે ગયાં.દરબારમાં કુંવરોને ભણાવતા અને તે અંગે અજમેર જવાનુ પણ થયું. તેથી ત્રણ વર્ષ માટે અમે દાદા શામરાવને ઘેર રહી ઉછર્યાં. તે પછી કાયમી વસવાટ અમદાવાદમાં હવેલીની પોળમાં રહ્યો.

મારો અભ્યાસ ટ્યુટોરીઅલ હાઇસ્કુલમાં મેટ્રીક સુધીનો. ભણવા કરતા ઇતર પ્રવૃત્તિઓમાં મને પહેલેથી જ રસ વધારે. આગેવાની લઇ કામ કરવું અને મદદ કરવાનુ બહું ગમે.સમાજના કામોમાં આગળ પડીને કામ કરતી.છોકરાઓ સાથે બહુ રમતી.કારણ કે, છોકરાઓ મને પાણીની ડોલ ભરવામાં મદદ કરતા”.કહેતા એમના બોખા મોંથી ખુબ હસ્યાં.” આગળ ભણી નહિ અને વળી ત્યારે તો માબાપ લગ્ન પણ જલ્દી ગોઠવી દેતા ને ? મારા લગ્ન થયા દિનકરરાય વહાલાભાઇ ધ્રુવ અને શાંતિબેનના દીકરા મિત્રવદન સાથે. ખુબ જ બ્‍હોળુ કુટુંબ.તેથી કુટુંબમાં ઘણી વ્યસ્ત છતાં  સામાજિક કાર્ય ત્યારે પણ મેં ચાલુ જ રાખેલુ. બહારની પ્રવૃત્તિઓમાં સાસુ શાંતિબેને  સારો સાથ  આપ્યો. ખોટું કેમ કહેવાય ?

૧૯૪૨ની ચળવળના દિવસો ખુબ યાદ આવે હોં. મહાત્મા ગાંધીના પ્રવચનો,સભા-સરઘસોમાં જોડાતી. સવારના ચાર-પાંચ વાગે ઉઠી ઉઠી પોળે પોળે પત્રિકાઓ વહેંચવા જવાનુ ને એવું બધુ તો ઘણુ કરતા અમે. ૧૯૫૦ની સાલ સુધીમાં તો પાંચ સંતાનો પણ થયા. ત્રણ દીકરા અને બે દીકરી. છેલ્લી ડીલીવરીમાં દીકરી-દીકરા જોડિયા.પણ દીકરી જ જીવી. કુટુંબની સાથે સાથે સમાજ-સેવા તો ચાલુ જ રાખી.વચ્ચેના થોડા સમય માટે પતિની નોકરી અર્થે મિયાં ગામ-કરજણ,મોડાસા વગેરે જગાઓએ જવાનુ થયેલું. પણ હેડમાસ્તર તરીકે જ્યારથી  વિદ્યાનગર હાઇસ્કુલમાં નિમણુંક થઇ ત્યારથી અમદાવાદમાં કાયમી વસવાટ થયો.”

પહેલા દિવસે જુસ્સાભેર એકધારી આટલી વાત પછી બુધ્ધિબેન અટક્યાં. હવે આગળ કાલે વાત.”

હું  સાંભળતા સાંભળતા વિચારતી હતી કે આટલી ઉંમરે આવી સ્મૃતિ રહેવી અને રસ રાખી વ્યકત કરવાનું ગમે એ તો ખરેખર અદ્ભૂત કહેવાય; ને કહેતા કહેતા પણ જાણે માઇક પકડીને જાહેર મેદનીમાં પ્રવચન આપતા હોય તેવા જોમથી બોલે.વચ્ચે વચ્ચે તેમને અટકાવવાનો પ્રયત્ન કરતા મેં કહ્યું કે તમે દર દસ વર્ષની  યાદગાર ઘટનાઓની વાત કરો તો એ તરત કહેતાઃ “બધુ એમ જ ક્રમ મુજબ જ આવશે. હું બોલતી જઇશ અને તમારે લખતા રહેવું “ મને આ ઉંમરે આવો આત્મવિશ્વાસ પ્રેરણાદાયી લાગ્યો.

બીજી સવારે બુધ્ધિબેને જાતે જ આગલી વાતનો દોર પકડીને વાત શરુ કરી. “૧૯૪૨ની ચળવળમાં યે ખુબ કામ કર્યુ.અને તે પછી ૧૯૫૩ થી અખિલ હિંદ મહિલા પરિષદમાંની કારોબારીમાં પણ ખુબ કામ કર્યુ. વિનોદિનીબેન નીલકંઠ,રંજનબેન દલાલ,ચારુબેન યોધ્ધા,ચિત્તશાંતિબેન દિવાનજી વગેરે સાથે મળી અમે મહિલાઓના પ્રશ્નો ઉકેલવામાં મદદ કરતાં.તે જ કારણે જ્યોતિસંઘમાં પણ જોડાઇ.દર મહિને બેનોને એકત્ર કરતા,સભા સરઘસો કાઢતા અને પોળે પોળે ફરીને મહિલા જાગૃતિનું કામ કરતા.

તે પછી ૧૯૫૬માં ઇન્દુલાલ યાજ્ઞિક સાથે મહાગુજરાતના આંદોલનમાં સક્રિય બની કામ કર્યું. જ્યારે તે વખતની કોંગ્રેસે શહીદ સ્મારક રચવાની ના પાડી ત્યારે અમે બેનોની ટુકડીઓ બનાવી.ગામેગામ ફરતા બ્યુગલો ફૂંકતા અને બેનોને એક્ત્ર કરી સમજાવતા.૨૧ બેનોની અમારી ટૂકડીનો નંબર હતો ૫. જેલમાં પણ જઇ આવ્યા.આજે એમાંનુ કોઇ હયાત નથી.આ સંભારણા કોની સાથે વાગોળવા? કેટકેટલી વ્યક્તિઓ નજર સામે આવે છે? વસુબેન શાહ, રંજનબેન દલાલ, આનંદીબેન મહેતા,વંદનાબેન ઘારેખાન, લીલાબેન પટેલ, હેમલતાબેન માવળંકર,વસુમતિબેન પટેલ,ઇન્દુલાલ યાજ્ઞિક, જયંતિ દલાલ, અહેમદમિયાં શેખ, બ્રહ્મકુમાર બ્રહ્મભટ્ટ, હરિહર ખંભોળજા વગેરે “..કહેતા કહેતા તેઓ જરા થંભ્યા..ક્ષણભર માટે એ ભૂતકાળમાં ઘણે દૂર જઇ રહ્યા હતા.તેમના બોલવામાં ઉંમર સહજ થાક અને વર્તમાન નિષ્ક્રિયતાનો વસવસો વધુ વિક્સે તે પહેલા જ અમે આજની વાત અહીં અટકાવી.

અત્યાર સુધીમાં તેમની સ્મૃતિમાં પોતે જાહેર જીવનમાં શું શું અને કેવું કર્યું તે જ વાતો ઉપસી રહી છે અને તે જ વાતો કરવા મન તત્પર છે એ સ્પષ્ટ જણાય છે. ક્યાંયે વ્યક્તિગત કે કૌટુંબિક વાતો હજી સુધી આવી નથી. મને પણ પાછલી ઉંમરના આ અંતરંગને વલોવી, માખણ પામવામાં રસ પડવા માંડ્યો..તો સાથે સાથે ભાવિના પોતાના ચિત્રની પણ રેખાઓ દેખાવા લાગી.. વય અને અવસ્થા.ઇશ્વરની કેવી અકળ,અગમ્ય લીલા છે ?!!

નવી સવાર પડી નવા વિષય સાથેઃ

“સમસ્ત નાગર મહિલા મંડળની તો કેટલી વાતો કહું ? મને યાદ આવે છે સમસ્ત નાગરના મહિલા પ્રમુખે, બેનોને આગળ લાવવા માટે મંડળ સ્થાપવાની વાત કરી. મેં એ વાત ત્યાં ને ત્યાં જ ઝીલી લીધી અને તત્ક્ષણ મંડળ ઉભુ કરી દીધુ.૧૫ દિવસમાં તો એ મહિલા મંડળ સક્રિય પણ થવા માંડ્યુ. હજી આજે પણ એ સરસ કામગીરી બજાવી રહ્યું છે. એ વખતે તો શરીરમાં થનગનાટ હતો અને મનમાં  જુસ્સો હતો. ગરબા અને ઇતર પ્રવૃત્તિઓ તો ઘણી કરાવી.હંસા દવેને ગરબાઓનું નેત્રુત્વ સોંપી અમે સરસ કાર્યક્રમો કરાવતા. આ સમય દરમ્યાન વળી શહેર શાસક કોંગ્રેસના મહિલા વિભાગમાં પણ જોડાઇ. તેમાં ખાડિયા વોર્ડના પ્રમુખ તરીકે વધુ મતે મારી નિમણુંક થઇ.પછી તો કામ અને જવાબદારી બંને ખુબ વધી ગયાં.ઘરના કામકાજ કરી હું તો બહાર નીકળી પડતી.ઝુંપડપટ્ટીમાં જવાનુ,વોર્ડે વોર્ડે ફરવાનુ અને બહેનોની ગૂંચો ઉકેલવાનું કામ કરતી.કોકિલાબેન વ્યાસ સાથે ફરી તકલીફવાળી બેનોને સાંભળીને તેમને સીવણકામ,ભરતકામ,નિશાળોમાં પાણી ભરવાનું કામ વગેરે અપાવી રોજી-ઉપાર્જન માટે અમે પ્રેરતા.જરૂર પડ્યે બેંકોમાં જઇ જઇ લોનો પણ અપાવતા. મને યાદ છે મિ. હોકાવાળા ખાસ દિલ્હીથી મળવા આવેલા અને આવા કાર્યો કરવા બદલ ધન્યવાદ આપ્યા હતા,અને ઉત્સાહ પ્રેર્યો હતો. મણીનગરના એક મુસ્લિમ વિસ્તારમાં  જઇને ત્યાંના પ્રમુખ એહમદીની કાદરી સાથે પણ કામ કર્યું હતું.જેમને બેંકની લોન ન મળે તેને છૂટક કામ અપાવતા.નીચલી કોમના માણસોને રસ્તા પર  મોચીકામ જેવા કામોમાં જોતરતા. આમ રોજે રોજ જુદા જુદા વોર્ડોમાં ફરતા અને થઇ શકે એટલા બેનોના અને ગરીબોના પ્રશ્નો સાંભળી ઉકેલતા અને આર્થિક રીતે પગભર કરવામાં તેમને મદદ કરતાં.”

એકધાર્યુ સતત બોલતા બોલતા એ જરા થાક્યા હોય તેમ આડા પડ્યાં પણ વાક્‍ધારા ચાલુ જ હતી. અટકાવવા મુશ્કેલ હતા. હું સમજી ગઇ એટલે સિફતથી પાણી લેવા જવાના બહાને “ એક મિનિટ ” કહી રોક્યાં. મેં જાણી જોઇને પાછા આવવામાં વાર કરી એટલામાં તો ઘાંટાઘાંટ કરી મૂકી “ અરે,પછી હું ભૂલી જઇશ બધુ,ચાલ,ચાલ જલ્દી કર.” પણ જેવી હું હાથમાં આઇસ્ક્રીમનો વાડકો લઇને આવી કે તરત એ પીગળી/ઓગળી ગયાં. બાળકની જેમ બીજું બધુ બાજુ પર અને આઇસક્રીમ ખાવામાં લાગી ગયાં. ચોકલેટ અને આઇસક્રીમ એમની નબળાઇ. મને સારું લાગ્યું કે કુનેહપૂર્વક હું એમને વધુ થાકતા રોકી શકી. આજનો આ સ્મૃતિ ઢંઢોળવાનો “ટાઇમસ્લોટ” પૂરો થયો. પણ મન વિચારે ચઢ્યુઃ જીંદગીની આ તે કેવી અવસ્થા કે જ્યાં યાદોની સમૃધ્ધિ સિવાય કશું હાથમાં નથી રહેતું. કદાચ એટલે જ ઋષિમુનિઓ કહી ગયા છે કે,આખી જીન્દગી એવું જીવો કે,અંતકાળ સુધરી જાય,કોઇ વસવસો ન રહે. ટાગોરનું વાક્ય યાદ આવે છે કે, ‘વિધાતા આપણાં જીવનની છબી ઝાંખી રેખાઓ વડે ચીતરે છે.તેમનો હેતુ એવો હોય છે કે આપણે પોતાને હાથે તેમાં જરા જરા ફેરફાર કરી,મનપસંદ બનાવી લઇ તેને સ્પષ્ટ આકાર આપીએ.” ખૈર…ગમે તે હોય..મને તો વૃધ્ધોના માનસની નજીક જઇ જીંદગીના જુદા જુદા સ્વરૂપ જોવા ગમે છે.કારણ કે એ અવસ્થામાં શિશુ જેવી સચ્ચાઇ અને હકીકતોની તાસીર હોય છે.

    વચ્ચે થોડા દિવસ ખાલી ગયા અને અમને કમ્પાઉન્ડમાં બહાર બેઠેલા જોઇને અચાનક એક બહેન આવી ચઢ્યાં. સીધા બાને જોઇ પગે પડ્યાં અને કહેવા લાગ્યાંઃ” બા તમે તો મારું જીવન સુધારી દીધું.મને કામે વળગાડી, રોજીરોટી રળવામાં ખુબ મદદ કરી.આજે તો મારે બધું સારુ છે. તમારો જેટલો ઉપકાર માનુ તેટલો ઓછો છે.” કહી એમણે જાતે બનાવેલા નાસ્તાના પેકેટ કાઢી આપવા માંડ્યાં. બુધ્ધિબેને મારી સામે જોયું અને મેં એમની..પેલા બહેન તો ચાલી ગયા.પણ  સંતોષની આભા સાથે સ્મૃતિનો પટારો આગળ ખોલાવા માંડ્યો.

“ ૧૯૭૫ની એ સાલ હતી જ્યારે સ્કુલબોર્ડના ડેપ્યુટી ચેરમેન તરીકે મારી નિમણુંક થઇ. ૧૩ જણાની કારોબારી.એમાં નંદુભાઇ રાવળ સાથે મેં કામ કર્યું.સવારના ૮ થી ૧ સ્કૂલની ગાડીમાં જુદી જુદી સ્કૂલોમાં ફરવાનુ, શિક્ષકોના સંપર્કમાં રહેવાનુ, ભૂલો અને તકલીફો જાણવાની, સુધારવામાં મદદ કરવાની.બહારગામથી આવતી વસ્તુઓ નહિ ખરીદવા દેવાની.માત્ર અમદાવાદની જ વસ્તુઓ ખરીદવાની જેથી કોર્પોરશનને રાહત રહે વગેરે ઘણું જોવાતુ. દરેક નિશાળોના જુદા જુદા પ્રશ્નો, નિયમોની અંદર રહીને ઉકેલવાના અને સાથે સાથે બાળકોના શિક્ષણમાં કેમ કરતા વિકાસ થાય તે પણ જોવાનુ. એ બધામાં ખુબ રસ પડતો અને કામ કરવાની મઝા આવતી.ઇતર પ્રવૃત્તિઓ પણ એટલી જ થતી.પણ આ બધું પરિવારના પૂરેપૂરા સાથ અને સહકારથી જ થઇ શક્તુ. એતો મારે કહેવું જ પડશે. નહિ તો સામાન્ય સ્ત્રીઓની જેમ ઘરમાં જ બેસી રહેવાનુ થાય. હું તો કહું છું કે દરેક જણે કશુંક તો જીવનમાં કરવું જ જોઇએ કે જેથી બીજાને લાભ થાય અને આપણને આનંદ આવે.”

બુધ્ધિબેનની આ ઇતર પ્રવૃત્તિની વાતથી મને પણ યાદ આવ્યું કે  હું પરણી તે અરસામાં શરુ શરુમાં તેઓ મને વક્તૃત્વ સ્પર્ધા, મ્હેંદી હરીફાઇ,રંગોળી હરીફાઇ વગેરેમાં ભાગ લેવડાવતા અને જ્યારે જ્યારે મને ઇનામ મળતું ત્યારે ખુશ પણ થતા.એ ઉપરાંત નાના નાના બાળકોની તંદુરસ્તીની એક સ્પર્ધામાં મારા દીકરાનું નામ લખાવી આવ્યા હતા.આ ઉંમરે પણ આટલી ઝીણી ઝીણી વિગતો તેમને યથાવત ‍ યાદ છે એ જ એક મહત્વની વસ્તુ છે.

એમણે આગળ ચલાવ્યુ,” આમ. ડેપ્યુટી ચેરમેન તરીકે સાડા પાંચ વર્ષ પદવી ભોગવી નિવૃત્તિ લીધી.મારે તો હજી કામ કરવું હતુ.પણ કાયદા કાનૂન પ્રમાણે આપણે ટર્મ પૂરી થાય એટલે જવું જ પડે ને ? જીંદગીનું પણ એવું જ છે,બેન…ખાલી ખબર નથી કે ક્યારે કોની ટર્મ પૂરી થશે ! કહી હસવા માંડ્યા અને પછી કહે કે “ચાલો, હવે વધુ આવતા અંકે..”

બીજા દિવસનો સૂરજ ઉગ્યો નવી જ વાતો લઇને.

“ આજે તો મારે અમેરિકાની યાત્રાની વાતો કરવાની ઇચ્છા છે. આમ તો તને બધી ખબર જ છે પણ તું લખવા જ બેઠી છું તો આ પણ લખ. બરાબર ૮૨ ની સાલથી ૨૦૦૧ સુધીમાં તો કેટલી યે વાર અમેરિકા ગઇ અને જાણે વીઝીટ કરવા જ ભારત આવતી એવું જ લગભગ થઇ ગયું હતું. ત્યાંના સ્મરણો પણ કંઇ ઓછા નથી…કેટકેટલું ફર્યા,હર્યાં અને સાથે મઝા કરી. ઘણા બધા સ્ટેટ જોયાં. અમે સાજા-માંદા થયાં હોસ્પીટલોની પણ વિઝીટો કરી ! સમાજમાં  બધે જ ઉભા રહ્યાં અને એમ કરતા કરતાં છોકરાઓ પણ ક્યાં મોટા થઇ ગયાં ખબર ના પડી.અરે, એમના લગ્ન પણ કેવી ધામધૂમથી કર્યા ! ખરેખર એ બધો સુવર્ણકાળ હતો. નસીબજોગે અમેરિકાની ભૂમિ પર બંને છોકરાઓ ડોક્ટર થયાં. એક ઇજનેરીનો ડોક્ટર અને બીજો ડોક્ટર સર્જન. હજી મને ઇચ્છા થાય છે કે એકવાર ફરીથી જવું .પણ હવે આકરું ખરું હોં. પપ્પા હોત તો હજી હિંમત કરત.”

સાંભળતા સાંભળતા હું પણ જુના દિવસો તરફ ખેંચાતી જતી હતી. વિચારતી હતી કે, બુધ્ધિબેન, તમે અને દાદાજી હાજર હતા તેથી જ તો અમેરિકાની લપસણી ધરતી પર છોકરાઓ સ્થિર રહી શક્યા. અમારું એ સદનસીબ હતું; કહો કે ઇશ્વરના આશીર્વાદ હતા.કદરદાનીના આ વિચારોની ગર્તામાં હું વધુ ડૂબુ તે પહેલાં મારો હાથ પકડીને હસતાં હસતાં કહેવા લાગ્યાં કે “ આ પપ્પાની વાત આવી એટલે સિટિઝનશીપના ઇન્ટરવ્યુની વાત સાંભરી.પેલા ઓફિસરે મને અંગ્રેજીમાં સવાલ કર્યો.આમ તો મને અંગ્રેજી આવડે.થોડું થોડું,સમજણ પડે તેવું બોલી પણ શકુ.પણ સાલુ,અમેરિકન ઉચ્ચારોને લીધે મને સવાલ સમજાયો નહિ. પણ હું કાંઇ ગાંજી જાઉ ? મેં તો એના સામે જોઇને કહી દીધું એને કે, Look, I know English. ઓકે ? but I do not know your English. So you write question and I write reply ! ને બેન, પેલો તો સડક થઇ ગયો. પછી તો એણે કંઇ જ પૂછ્યું નહિ અને યુએસ સીટીઝનશીપ આપી દીધી મને. પપ્પા તો કહેઃ શાબાશ,શાબાશ,બુધ્ધિદા. યાદ છે ને તને ?” મેં કહ્યું હા,હા, હું જ તો તમને લઇ ગઇ હતી ત્યાં.ને પછી તો એ વાત પર અમે બંને ખુબ હસ્યાં.મને યાદ છે તે પછી તો જે મળવા આવે તેને આ વાત જરૂર કરે.આજના દિવસની કુનેહ અને સ્વાભિમાનની આ વાતને ટકાવી રાખવા અમે અહીં જ અટ્ક્યાં.

વચ્ચે બે દિવસ,સામાજિક અવરજવરને લીધે ખાલી ગયાં. પણ આજે તો એમણે આગલી વાતનો દોર બરાબર પકડીને  શરુ કર્યું. “પછી તેં સીટીઝનશીપની વાત ચોપડીમાં લખી ? મને વાંચી સંભળાવ તો કે તેં બરાબર લખ્યું છે કે નહિ ?” મેં પાસે બેસીને વાંચ્યું ત્યારે તેમને શાંતિ થઇ.કામની ચોક્કસતા તે આનું નામ. મને મારા દાદીમા યાદ આવ્યાં. એ પણ ઘણા ચોક્કસ. એ તો વળી એમ કહેતાઃ “હું તો મારો ચોકો બનાવીને જ સુવાની છું.!!!!!” અસલના જમાનામાં સ્ત્રીઓ પાસે જીવન ઘડતરનું સાચું શિક્ષણ હતું. કદાચ એટલે જ “યત્ર નાર્યેસ્તુપૂજ્યન્તે રમન્તેતત્ર દેવતાઃ”ની વાણી અવતરી હશે.

હા,તો આજનો મુદ્દો હતો ઉનના દોરાથી ગૂંથાતા સ્વેટરોનો. ન્યુ જર્સીની કાતિલ  ઠંડીમાં પહેરવા માટે એ જાતજાતના સૌના સ્વેટરો ગૂંથતા. છેલ્લે વારો પોતાના કબજાનો હતો.ત્યારે તેમની ઉંમર હશે લગભગ ૭૮-૮૦ની આસપાસ. મને પૂછ્યું ” પછી પેલો ભૂરા રંગનો ઉનનો મારો કબજો લાવી કે નહિ? આમ તો સરસ ગૂંથાયો હતો.પણ તો યે બે વાર મેં ઉકેલ્યો અને ગૂંથ્યો. ખબર છે કેમ ? બહુ ડોશી જેવો લાગતો હતો !!” હું તો છક થઇ ગઇ. હજી  આટલી ઉંમરે પણ એ પોતાને ડોશી માનવા તૈયાર ન હતા!! એમણે આગળ ચલાવ્યું. અરે ત્યાં યે વોશિંગ્ટનના નાગરોના અધિવેશનમાં ગઇ હતી અને મેં ભાષણ આપ્યું હતુ.  અરે હમણાંની જ વાત કરુ. જૂનામાં જૂના કોન્ગ્રેસ કાર્યકરોનું બહુમાન હતુ ત્યાં પણ મને બોલાવી અને સરસ સ્પીચ આપી આવી. તારી કવિતાના વિમોચન વખતે પણ સરસ બોલી હતી ને ? ત્યારે પણ હું ૯૩ વર્ષની હતી.” માઇક એમનો પ્રિય વિષય.. વળી પાછો એક પ્રસંગ યાદ કરીને કહેવા માંડ્યા.પપ્પા મને “ લશ્કર કહે,કોઇ વાર વળી જીવરામ ભટ્ટ કહે.પણ એ તો મશ્કરા એટલે કહ્યા કરે પણ મારામાં સ્ટેમીના બહુ હોં. રુઝ્વેલ્ટ પાર્ક પર કેટલા રાઉન્ડ લેતી. યાદ છે ને ? આપણો તો જલિયો ( જલારામ બાપા ) ખડે પગે હતો. છોકરા યે મૂઆ વસ્તુ ના જડે કે માંદા પડે એટલે કહે કે, બા તમારા જલિયાને કહો કે સાજા કરી દો અમને. પણ થાય એવું જ. એક જ  દિવો માનુ અને બધું હેમખેમ.. અને હજી જો ને, મને કોઇ રોગ નથી શરીરમાં હોં. આ તો જરા ઉંમર ઉંમરનુ કામ કરે એ જ. બાકી હજી ગરમ રોટલી કરીને ખવડાવુ.પણ હવે તો કોઇ કરવા જ નથી દેતુ ને ? ચાલો, ઇશ્વર ઇચ્છા..સમય સમયની વાત છે. તું વધારે રહેવાની હોત તો તો આખા આયખાની વાતો કહેત. પણ હવે તારા ય અમેરિકા પાછા જવાના થોડા જ દિવસો બાકી છે અને ઢગલાબંધ કામો તો બાકી હશે જ.” મેં કહ્યું ‘ના,ના, તમે તમારે ચાલુ રાખો. મારે કંઇ કામ નથી. હું તો નવરી જ છું. તો હસતા હસતા કહેવા માંડ્યાઃ “ના રે બાઇ,આ સાંજ પડવા આવી. દિવામાં ઘી–બી પૂરીશું, આરતી કરીશુ, ત્યાં રાત પડશે…કહેતાં કહેતા ઉઠ્યાં અને વોકર લઇ  ચાલવા માંડ્યું. આમ આજની વાત અહીં જ અટકી અને હું પણ મારી બેગ ગોઠવવામાં પડી. ભૂતકાળ તો સુખદ હોય કે દુઃખદ,પણ વાગોળવો સૌને ગમે. પણ એમાંથી સારી શીખ ગાંઠે બાંધે તે સાચો માણસ. જોતજોતામાં જવાનો દિવસ પણ આવી ગયો. સવારથી જ બુધ્ધિબેનનુ બોલવાનું ચાલુ થઇ ગયું હતું. “ નક્કી કરીને આવી છે એટલે એ પ્રમાણે જશે જ. મારાં કહેવાથી કંઇ થોડી રોકાવાની છે ? ઠીક મારા ભાઇ.પણ મઝા આવી. આઇસ્ક્રીમ ખાધો,  જાતજાતના શેઇક અને જ્યુસ પીધા,શેરડીનો રસ પીધો. હવે ક્યારે મળાશે કોને ખબર ? કામમાં પરોવાયેલી રહીને હું ન સાંભળવાનો ડોળ કરતી હતી.પણ તેમનું આ બધું મનોમંથન મને સ્પર્શતું હતુ. છેલ્લાં વાક્યની નિરાશા તોડવા અજાણી બનીને  મેં પૂછ્યું.” આજે રાત્રે તો ઉપડી જઇશ.પછી ક્યારે આવીશ કહું?” એટલે તેમનું મગરૂરી મન તરત બોલી ઉઠ્યું.”જ્યારે આવવુ હોય ત્યારે આવજે ને ભાઇ. આપણે તો ૧૦૦ કરવા છે એ વાત પાક્કી.પછી થોડો પોઝ લઇને એ બોલ્યાં “ બધાને કહ્યું છે ને તને ય કહું છું.મારી પાછળ કશી રડારોળ કરવી નહિ અને ઉઠમણા-બેસણાના ખોટા રિવાજો કરવા નહિ.મારા પાંચે છોકરામાં સુરજ જેવું તેજ રહે અને સંપ રહે એટલું જ ઇચ્છું છું. માતાજી સૌનું સારું કરે. હવે તારી લખાપટ્ટીનું શું કરીશું?  હજી તો ઘણું બાકી છે. પૂરું તો ના થયું. ચાલો, ઇશ્વરઇચ્છા. આ જરા આંખમાં ટીપા નાંખી આપ.મારી આંખના ટીપાને છુપાવતી હું ઉભી થઇ..

બસ, આંસુથી અટકેલી વાત આજે  લગભગ નવ મહિના પછી ફરી પાછી આંસુથી શરુ થાય છે. ફેબ્રુઆરી ૨૦૧૨ના ત્રીજા અઠવાડિયામાં મગજમાં લોહીનું ભ્રમણ ઘણું ઓછું થવાને કારણે, વાણી અને સ્મૃતિ ફંટાવા માંડ્યાં.એને કારણે ધીરે ધીરે એક એક અંગ નિષ્ક્રિય થયાં અને અંતે નિયતિના લેખ મુજબ તા. ૨જી માર્ચના રોજ પૂ. બુધ્ધિબેને ૩ પુત્રો,૨ પૂત્રી, ૭ પૌત્રો, ૪ પૌત્રીઓ, ૮ પ્રપૌત્રો, ૯ પ્રપૌત્રીઓ, ૯ “ધ્રુવ”વહુઓ, અને ૫ જમાઇઓની અને સંસારની માયાજાળમાંથી મુક્તિ પામ્યાં.

જીવન નામે અજબ પાટે, સમયની ગાડી ભાગતી ચાલે, ગાડી,હોડી કે વિમાન વાટે, સમયની ગાડી ભાગતી ચાલે……..

આડી અવળી, ઉપર નીચે, ખાડા ટેકરે એ ફરતી ચાલે, હરિયાળી ને સૂકા રણ પર, સર્પાકારે  એ સરતી જાયે, આમ તો મુકામ ક્યાં ને ક્યારે, કોનો આવે કોઇ ના જાણે, ઇશ્વર નામે વિશ્વાસ શ્વાસે, સમયની ગાડી ભાગતી ચાલે………

હાંકે હાંકનારો  જ સાચો, સહુ મુસાફર પાર ઉતારે. ધમ ધમ ઘડીની સાથે સાથે, અંબર કે સમંદરને પંથે, રંક-રાય યા સંતને રાહે, ધક ધક ગાડી ભાગતી ચાલે. જીવન નામે અજબ પાટે, સમયની ગાડી ભાગતી ચાલે…….

બુધ્ધિબેન વિષે કેટલાંક અવતરણો ઃ

 • ” Budhdhiben was not an individual person but she was an institution.”
 • “Heaven has become much resourceful today. It seems that Steve Jobs asked God for a super Computer from earth.”
 • Budhdhiben was a God’s masterpiece. ( ૧ )પરોઢિયાની પૂજાનો રણકાર નથી. પ્રભાતના નાસ્તાની સુગંધ નથી. સવારે હાથ હલાવતી વિદાય નથી.  ( જોબ પર જતાં સવારે ) ને સાંજે હૂંફાળો આવકાર નથી.      (જોબથી પાછા ફરતાં ) છાપાની પઝલની મથામણ નથી.    ( બપોરની પ્રવૃત્તિ ) અવનવી વાતોની આપલે નથી. ગરમ રસોઇની મ્હેંક નથી.           ( સાંજે ) ફોનની ઘંટડીનો યે અવાજ નથી. “જય અંબે” નો સૂતા સાદ નથી.        ( રાત્રે )ચારે દિશામાં નર્યો સૂનકાર છે. ઘર બંધ તેથી ચિંતાની ચિનગારી છે. ખીચડી,ઢોકળી ને સ્પગેટીનો સ્વાદ છે. પીઝા,પીટા અને નાનને સ્થાન છે. માનો ન માનો,તમારી સતત યાદ છે. હવે કહો, જીવન તમારું કેવું સફળ છે ?એકાણુંવર્ષનાપૂજ્યબાને…. એમનીપચ્ચીસલાખબાણુંહજારપળોનામૌન-વ્રતપ્રસંગેસપ્રેમ….  

 

 •                                               Personal
 •  
 •  
 • મૌનના વનમાં તમે ઘણું તપ્યાં,               હવે અમારા કોલાહલમાં પાછાં આવો; મૌનના મેળામાં તમે ઘણું ફર્યા,               હવે અમારા ટોળામાં પાછાં આવો.. છવ્વીસ લાખ પળોમાં તમે એકલાં જીવ્યાં,               હવે અમને મનોબળના છાંટા આપો; તમારા અશબ્દે અમે મૂંઝાયા,               હવે મૌનના માહોલને વાચા આપો.. તમારા સૂર વિના અમે ગૂંચાયા,              
 • ( ૩ )
 • ( ૨ )  છે માત્ર…..
 • પંદરેક વર્ષ પહેલાં તેઓ જ્યારે અમેરિકાથી ભારત પાછા ફર્યા ત્યારે… તમારા જવાથી…..
 • અને છેલ્લે તેમના વિષે ભૂતકાળમાં લખેલ મારી કેટલીક રચનાઓ.

‘ના’ કહેવાની કળા – નવીન બેન્કર

 ‘ના’  કહેવાની પણ એક કળા છે, જે ઘણાંને સાધ્ય નથી હોતી. સામાને ખરાબ ન લાગે એવી રીતે વિવેકપુર્ણ ના કહી દેવાથી ઘણી મૂશ્કેલ પરિસ્થિતિઓમાંથી તમે તમારી જાતને બચાવી શકો છો.

 મારા એક મિત્ર પ્રવિણભાઇ છે. કોઇનેનાકહી શકતા નથી. હું એમને છેક બાળપણથી ઓળખું છું.  શાળામાંથી ગુલ્લી મારીને, પ્રતાપ સિનેમામાં પાંચ આનાની ટીકીટમાં પિક્ચર જોવા માટે હુંપાવલાને ( વખતે હું એને પાવલો કહીને બોલાવતો અને , મને  નવલો કહેતો.એનામાં ગુલ્લી મારવાની હિંમત નહી. પણ મને ના પાડી શકતો અને પછી ઘેર ગયા બાદ એની માજયામાસીએની ધોલાઇ કરતા અને હું મારા ઘરમાં સાંભળું એમ મોટેથી કહેતા– ‘ખબરદાર..ખરાબ છોકરાઓની વાદે ચડીને ફિલમનાટકને રવાડે ચડ્યો  છું તો !’  કોઇ ઉછીના માંગે તો યે, આનોબે આના ઉધાર આપી દે. પાછળથી બેંકનો મોટો ઓફીસર થઈ ગયેલો અને રીટાયરમેન્ટ સમયે, કોઇ ધપલા માટે એની ધરપકડ થયેલી અને પોલીસકસ્ટડીમાં પોલીસના ધોલધપ્પા તેમજ  ડંડા ખાવા પડેલા. જો કે પાછળથી એની નિર્દોષતા સાબિત થતાં છૂટકારો થયેલો.પણ આના મૂળમાં યે, કાગળો તપાસ્યા વગર સહી કરી દેવાની અનેનાનહીં પાડી શકવાનું  કારણ હતું.

મારા એક બીજા મિત્ર તો અમેરિકામાં છે. એકદમ સીધા, સાદા, ભગવાનના માણસ. પુરી પ્રામાણિકતાથી એક સ્ટોર ચલાવે.  એમના સાળાઓ મોટેલના અને ગેસસ્ટેશનના ધંધામાં ખુબ કમાયા જોઇને એમણે પણ ધંધાઓમાં ઝુકાવી દીધું. બન્ને ધંધામાં ખુબ પૈસા છે સાચું,પણ કમાવા માટે કેટલીક પાયાની આંટીઘુંટી આવડવી જોઇએ. આવડત   મિત્રમાં મળે. ભાગીદારો ધંધો ચલાવે અને બેન્કના જે કાગળો પર સહીઓ કરાવે ત્યાં વિશ્વાસે સહીઓ કરી નાંખે. ના કહેવાની આવડત નહીં. પરિણામે એપાર્ટમેન્ટમાં રહેનારા નોકરિયાતો, ભાગીદારો બનીને પાંચ પાંચ મોટલોના માલિક અને ઇન્ડીયામાં મોટી મોટી પ્રોપર્ટીઓના બિલ્ડરો બની ગયા.અને સજ્જન મિત્ર આજે મોટેલોની બેન્ક લોનના હપ્તા, ઇન્ટરેસ્ટ અને પેનલ્ટીઓ ચૂકવ્યા કરે છે. એના મૂળમાં નાકહેવાની કળાનું અજ્ઞાન હતું એમ મને લાગે છે.

દુનિયાને, તમારી આસપાસના જગતને તમે ખૂબ ગંભીરતાથી લેતા થઈ જાઓ છો ત્યારે તમારી અંદર રહેલી માસૂમિયત, તમારી નિર્દોષતા તમે ગુમાવી બેસો છો. પરિણામ શું આવે છે એનું? તદ્દન નહીં જેવી બાબતોમાં તમે તમારી જાતને વેરવિખેર થઈ જતી જુઓ છો. તમારા પાડોશી મંછામાસીનો જ દાખલો લો. તમારા કહેવા પ્રમાણે તમે તમારી સીડી ઉતરીને કાર પાસે આવો ત્યાં તો, મંછામાસી દોડતા આવીને તમારી પાસે લીફ્ટ માંગે છે. કોઇપણ જરુરિયાતમંદને લીફ્ટ આપવી જોઇએ પણ અહીંતો, મંછામાસીના હસબંડ પાસે ય કાર છે, એમના બે દીકરાઓ પાસે ય કાર છે અને પુત્રવધૂ પાસે ય કાર છે. છતાં મંછામાસી તમારી પાસે જ કેમ લીફ્ટ માંગે છે ? મંછામાસીને બધા અવગણે છે, એમની પાસે જોબ કરાવવી છે, એમની પાસે રસોઇ કરાવવી છે, પણ એમને મંદીરે લઇ જવા કે સિનિયર્સની મીટીંગમાં લઈ જવા કોઇ તૈયાર નથી. તમે ના કહેવાની કળા જાણતા નથી એટલે તમારા અગત્યના કામની એપોઇન્ટમેન્ટને ભોગે પણ તૈયાર થઈ જાવ છો અને મંછામાસી એનો લાભ ઉઠાવ્યા કરે છે.

બીજો દાખલો તમારી બહેનપણી અને પાડોશી પેલી હંસા અને રીના નો છે. તમને બન્ને નથી ગમતી. એમના અને તમારા વિચારોમાં આસમાન-જમીનનો તફાવત છે.તમારી વચ્ચે કશું સામ્ય નથી. ઉપરથી એ બન્ને તમારી ઇર્ષ્યા કરે છે, અને તમને બદનામ કરવાની એકે ય તક છોડતી નથી. છતાં તમે એમને મળો છો, એમની સાથે ન જવા જેવી જગ્યાઓ પર પણ જાવ છો. શા માટે ?

હું આ બધું તમને કહું છું પણ હું યે ક્યારેક ‘ના’ કહેવાની કળા નહોતો જાણતો એટલે મેં ય ઘણાં પૈસા ગુમાવ્યા જ છે. દસેક વર્ષ પહેલાં એક મિત્રને રેસ્ટોરન્ટ ખરીદવા મેં લોન આપેલી. એ રેસ્ટોરન્ટ ન ચાલી અને બંધ કરવી પડી. આજસુધી એ પૈસા નથી ચૂકવી શક્યો. ઇન્ડીયામાં મંદીના સમયે કોઇ મિત્રને ધંધા માટે પૈસા આપેલા એ હજુ પાછા નથી મળ્યા.

હવે કોઇ પૈસા ઉછીના માંગે તો હું સવિનય અને શબ્દો ચોર્યા વગર ‘ના’ પાડી દઉં છું.  અમેરિકામાં ૩૩ વર્ષ રહ્યા પછી કોઇ કહે કે મારી પાસે પૈસા નથી તો કોઇ ના માને. ( હા ! અમેરીકાની સરકાર જરુર માને. તમારા પૈસા બેન્કમાં ન હોવા જોઇએ. સરકાર તમને મેડીકેઈડ અને ફૂડ કુપન્સ આપે  એ અલગ વાત છે.)

 હવે, હું કહી દઉં છું કે-’ ભાઇ, મારી પાસે પૈસા તો છે. પણ આપવાની મારી દાનત નથી.હું એ પૈસા મારી સાથે ઉપર લઈ જવાનો નથી પણ એ અંગે મેં વ્યવસ્થા કરી રાખેલી છે. અને હવે, આ ઉંમરે તમને આપીને, મારે સિરદર્દ લેવું નથી. મારી પાસે ઉછીના આપેલા પાછા મેળવવાનો સમય પણ રહ્યો નથી. અને મારી પત્નીને, પોતાના જ પૈસા માટે પાછલી ઉંમરે ટળવળવાનો કે કરગરવાનો વારો આવે એવું હું નથી ઇચ્છતો. એટલે તમે બીજે ક્યાંકથી સગવડ કરી લેજો.’

આસપાસની વિષમતાઓ, બીજાઓમાં રહેલી અટપટી અને અકળાવનારી વર્તણૂકો તથા જિંદગીના પ્રવાસમાં રોજિંદી બની ગયેલી તડકીછાંયડીઓ તરફ તટસ્થ રહેવાનો એક ઈલાજ છેએમને અવગણવાનો અને સ્પષ્ટપણે કહી દેવાનો કે આઇ એમ નોટ કમ્ફર્ટેબલ વીથ યુ. લીવ મી એલોન. ડુ નોટ કોલ મી એન્ડ ડુ નોટ ડીસ્ટર્બ મી

ખરાબ દુનિયામાં રહીને માણસ પોતે પણ પોતાના અંત:સત્વને એવું ખરાબ બનવા દે તો પછી એવી પરિસ્થિતિમાંથી ઊગરવાની કોઈ શક્યતા બચતી નથી. દુનિયાને તમે બદલી શકતા નથી અને તમે પોતે પણ બદલાવા નથી માગતા કે દુનિયા જેવા થઈ જવા નથી માગતા. આટલું સ્વીકારી લીધા પછી પણ એક હકીકત તો રહે છે કે તમારે દુનિયામાં રહેવાનું છે, લોકો તમારી આસપાસ હશે એવા વાતાવરણમાં રહેવાનું છે

 સતત કાવાદાવાઓમાં રાચતી વ્યક્તિ કે હંમેશાં સાચાનું જુઠ્ઠું અને જુઠ્ઠાનું સાચું કરનારી વ્યક્તિને ઓળખી લીધા પછી એનાથી કિનારો કરી લેવામાં મજા છે

સામા માણસને એકવાર ખોટુ લાગશે પણ પછી શાંતિ થઈ જશે.

 

સુખી થવું હોય તો સવિનયનાકહેતાં શીખો.

 

ઓહ….અમેરિકા !!                 નવીન બેન્કર

 અમેરિકા આવનાર દરેક સ્ત્રીલોલુપ રસિક પુરુષનું એક સ્વપ્ન હોય છેગોરી ચામડીવાળી અમેરિકન કે મેક્સીકન છોકરી સાથે મજા કરવાનું.

 

કેટલાકને વિધાન અતિશયોક્તિભર્યું લાગશે. કેટલાક નાકનું ટેરવું ચડાવશે કેટલાક ચોખલિયાઓઅશિષ્ટ’, ‘અભદ્ર.’…એવો ચિત્કાર કરી ઉઠશે હું સમજું છું.

પણ, મેંદરેક પુરુષકેદરેક રસિક પુરુષએવો શબ્દપ્રયોગ નથી કર્યો, હોંઆગળસ્ત્રીલોલુપએવો શબ્દ પણ લખ્યો છે એની નોંધ લઈને પછી રસિક લેખ વાંચશો.

 

આજે , જે બે કિસ્સા લખવા છે તે મારા ફળદ્રુપ (!) ભેજાની પેદાશ નથી. પણ ૧૯૯૬માં, હ્યુસ્ટનનાહ્યુસ્ટન ક્રોનિકલજેવા લબ્ધ પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબાર અનેનયા પડકારના શુક્રવાર તારીખ ૨૮ જુન ૧૯૯૬ ના અંકમાં પ્રસિધ્ધ થયેલા, બે લેખોના આધારે માહિતી આપને જણાવું છુંઅલબત્ત, રજૂઆત અને ભાષા મારી આગવી છે.

 

હાંતો, દરેક સ્ત્રીલોલુપ રસિક પુરુષ હંમેશાં, ગોરી ગોરી, લીસી લીસી, ઉંચી, પાતળી સ્ત્રીને ઇચ્છતો હોય છે. અનેઅમેરિકા ફરવા આવનાર મોટી ઉંમરના વડીલ પુરુષો પણ  પોતાના પુત્ર કે જમાઇને   કોઇ  ‘અવેઇલેબલ ગોરીઅંગે પુછી ના શકે એટલે ક્યારેક કોઇ સિનિયર્સની મીટીંગમાં જાય અને હમવયસ્ક રસિક મિત્ર સાથે પરિચય થાય તો પુછી લે કે– ‘બાપુતમારે અમેરિકામાં  કોઇ  ‘ગોરીઅવેઇલેબલ ખરી ?’   અને પછી, બીતાં બીતાં, કોઇ ગુનો કરી રહ્યાના ભાવ સાથે ન્યૂયોર્કની ૪૨મી ગલી કે ફીફ્થ એવન્યૂની ૨૮મી ગલીના આંટા મારતા હોય. હ્યુસ્ટનના હીલક્રોફ્ટ વિસ્તારની ગમે તે ક્લબમાં, રાતના દસ વાગ્યા પછી જાવ તો તમને આવા રસિક પુરુષો મળી રહેવાના.

 

સામાન્ય રીતે, અમેરિકામાં ગોરી ચામડીવાળી સ્ત્રીઓનો સહવાસ મેળવવો કોઇ પ્રોબ્લેમ નથી હોતો. મેક્સીકોમાંથી ગેરકાયદેસર ઘુસી ગયેલી અને પટેલોની મોટેલોમાં ચાદરો બદલનારી કે સંડાસ સાફ કરનારી  ગોરી મેક્સીકનો કે  ક્લબોની બાર ટેન્ડરો તરીકે કામ કરનારી ગોરી સ્ત્રીઓ મળી શકેજો તમે સહેજ વાચાળ, હિંમતવાન અને આંખમાં આંખ પરોવીને મક્કમતાપુર્વક, શિષ્ટ રીતે પ્રપોઝ કરવાની આવડત અને ક્ષમતા ધરાવતા પુરુષ હો તો.

 

ઝાકઝમાળ રોશનીથી ઝગમગતી ગમે તે ક્લબમાં રાત્રે જઈ, એકાદ પેગ હાથમાં રાખીને, પગ પર પગ ચડાવીને  એકલી અટૂલી બેઠેલી કોઇ સુંદર ગોરી યુવતીને ટેક્ટફુલી એપ્રોચ કરીને તમે ગણત્રીની મીનીટોમાં તમારા એપાર્ટમેન્ટ પર કોફી પીવડાવવા (!) લઈ જઈ શકો છો.

 

હાએપાર્ટમેન્ટ પર લઈ જવાની વાત આવી એટલે એક ઘટના યાદ આવી ગઈ.

 

હ્યુસ્ટન ક્રોનિકલ નામના એક સુપ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારમાં, નામઠામ અને ફોટા સહિત છપાયેલ એક સત્ય ઘટના છે. જાવેદમિંયા યુવાન છે, હેન્ડસમ છે અને એકલા છે.ક્લબોમાં જઈને સ્મય બગાડવા કરતા, ડેટીંગ સર્વિસમાં ફોન કરીને તેમણે લીન્ડા નામની એકધોળીનો સંપર્ક સાધ્યો. ખાસ્સી પચ્ચીસ મીનીટ સુધી પ્રેમાલાપ કર્યો. ફોન પર આપ કેવી સ્ટાઇલમાં કે કયા આસનમાં જાતીય આનંદ માણવાનું પસંદ કરશો ? એવા સવાલનો રસિક જવાબ પણ તેમણે આપ્યો હતો. અને પોતાના એપાર્ટમેન્ટનું સરનામુ આપ્યું હતું. થોડી વારમાં લીન્ડા એપાર્ટમેન્ટ પર પહોંચી ગઈ અને જાવેદમિંયાને ખુબ મજા કરાવી. બીજી મુલાકાત વખતે  પોતાની સહેલીને લઈને આવી. જાવેદમિંયાએ દરવાજાની મેજીક આઇ માં થી જોયું તો એકને બદલે બબ્બે રૂપાળી લલનાઓને જોઇ, ખુશ થતાં થતાં દરવાજો ખોલીને બન્ને રૂપાળીઓને ઘરમાં દાખલ કરી. બીજી પળે પેલી રૂપાળીએ પિસ્તોલ કાઢીને તેના લમણામાં અડકાડી દીધી.  બીજીની મદદથી  જાવેદમિંયાના મ્હોં પર ટેપ લગાડીને હાથપગ બાંધી દીધા અને ખુણામાં પોટલુ બનાવીને ફેંક્યો. પછી ઘરમાંથી કેમેરા, રાચરચીલુ, ને રોકડ મળી લગભગ ચૌદ હજાર ડોલરની માલમતા સાથે છૂ થઈ ગઈ. પાછળથી જાવેદમિંયાએ અંગે પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે તપાસ કરીને, બન્ને જણીઓને પકડીને જેલ ભેગી કરી હતી.

 

તો જાવેદમિંયાના સદનસીબે બચી ગયા. બાકી, આવા કિસ્સામાં તો લમણામાં ગોળી ધરબી દઈને સાક્ષીપુરાવાનો નાશ કરી નાંખવામાં આવતો હોય છે. રહેગા બાંસ, બજેગી બાંસુરી.

 

બીજો એક કિસ્સો તો એનાથી વધુ રસિક છે. ‘ નયા પડકારના ૨૮ જુન, ૧૯૯૬ના અંકમાં છપાયેલો કિસ્સો.એક મોટી ઉંમરના વિધુર  ગુજરાતી કાકાનો છે. આપણે તેમનું નામ નથી જાણવું. કાકા પોતાની દીકરી, જમાઇ, અપરિણિત દીકરા અને પૌત્રો સાથે  હ્યુસ્ટનના એક ઇન્ડીયનપાકિસ્તાની કોમ્યુનિટી ધરાવતા એપાર્ટમેન્ટ કોમ્લેક્સમાં રહે છે. ભાડુ બચાવવા, બધા ભારતના સંયુકત કુટુંબ ની જેમ, બે બેડરુમના એપાર્ટમેન્ટમાં સાંકડે માંકડે પડ્યા રહેતા. કાકા સાંજે જોબ પરથી ઘેર પાછા ફરતાં, એપાર્ટમેન્ટના સીક્યોરીટી ગેટ પર મશીનમાં કાર્ડ ભરાવીને દરવાજો ખોલવા જતા હતા ત્યાં એક રૂપાળી લલનાએ આવીને કહ્યું– ‘હા..’.

 

કાકા પાણી પાણી થઈ ગયા

.

મોટી ઉંમરના વિધુર કાકા સમજી ગયા કે ધોળી અવેઇલેબલ છે. એમણે સમય બગાડયા વગર સીધુ પુછ્યું– ‘ હાઉ  મચ ?’

 

ધોળીએ કહ્યું– ‘મે આઇ કમ ઇન, ઇન યોર કાર ? વી મે ટોક કમફર્ટેબ્લી.’

 

કાકાએ તેને પેસેન્જર સીટ પર બેસાડી દીધી અને ગાડી રીવર્સમાં લીધી. દીકરી, જમાઇ અને પૌત્રોથી ભર્યાભાદરા ઘરમાં તો ધોળીને લઈ જવાય તેમ હતી અને ધોળી પાસે પોતાની જગ્યા હતી એટલે એવું નક્કી થયું કે કોઇ એકાંત, અંધારા પાર્કીંગ પ્લોટમાં કાર પાર્ક કરી, સીટ જરા પાછળ કરીને, ‘બ્લો જોબથી સંતોષ માનવો. હવે મને કોઇ પુછશો નહીં કેબ્લો જોબએટલે શું ?’ અશિષ્ટ ભાષાપ્રયોગ કર્યા સિવાય એનો અર્થ સમજાય નહીં એટલે જેઓ એનો અર્થ સમજતા હશે તે સમજી જશે .

 

એકાંત પાર્કીંગ લોટમાં કાર પાર્ક કરીને વિધુર પટેલબાપાએ પોતાની સીટ ઢળતી કરી અને આંખો મીંચીને, ‘સુખમાણવાની તૈયારી કરી ત્યાં તોતેમના ગળા પર છરીની અણી દાબીને પેલીમાયાબોલી-‘ ચુપચાપ ખિસ્સા ખાલી કરીને મારે હવાલે કરી દો..નહિંતર ગળુ કાપી નાંખીશ…’  ( અલબત્ત, વાર્તાલાપ અંગ્રેજીમા થયેલો પણ આપણે પટેલબાપાના સગાવહાલા સમજી શકીએ એટલે ગુજરાતીમાં લખું છું. )

 

કાકાની બધી ઉત્તેજના ઓસરી ગઈ.

 

ક્રેડીટકાર્ડ સહિતનું પાકીટ ચુપચાપ તેણીને આપી દીધું. પેલી જતાં જતાં, પટેલબાપાનું પેન્ટ ઉતારીને પ્લાસ્ટીકની થેલીમાં ભરીને લઈ ગઈ અને થોડેક છેટે જઈને ગારબેજ કેનમાં નાંખીને ત્યાં પાર્ક કરેલી પોતાની કારમાં બેસીને છટકી ગઈ.

 

કાકા શરમજનક  સ્થિતિમાં  ઘેર આવ્યા. સાચી વાત તો કહી શકાય તેમ હતી એટલેકોઇ કાળીયો ગન બતાવીને લૂંટી ગયોએવી કલ્પિત વાત કરીને લોકોની સહાનુભૂતિ મેળવી.

 

આમ તો વાતનો અહીં અંત આવી જાય. પણ ના

 

કોમ્પ્લેકસમાં રહેતા એક  ‘દેશીસીક્યોરી ગાર્ડે, પટેલબાપાને એકલા મળ્યા ત્યારે  કહ્યું– ‘ કાકાગૂનો થાય એટલે કોઇ કાળિયાએ કર્યો એવી વાતો ફેલાવવાની હવે બંધ કરો. તમે એકલા આવી રીતે લૂંટાયા નથી. ઘણાં બધા લૂંટાયા છે અને પોલીસે ગુનેગારોને પકડ્યા પણ છે. પોલીસ ગૂનાની મોડસ ઓપરેન્ડી પરથી વિસ્તારની લૂંટારુ લલનાઓને ઓળખી કાઢે છે. પોલીસ ફરિયાદ કરશો તો પોલીસ તમારુ પાકિટ મેળવી આપશે.’ પણ કોઇ  કુટુંબકબીલાવાળો ગુજજુ માઈનો લાલ આવી ફરિયાદ કરવાની હિંમત કરે ખરો ?…. શ્રીરામ..શ્રીરામ

 

હિલક્રોફ્ટ વિસ્તારના એક સ્ટોર પર સાંજે સ્ટોર બંધ થવાના સમયે એકલા મિત્રો ભેગા થઈને, ટોળટપ્પા કરતા હોય એને અહીંકડીયાનાકાતરીકે ઓળખવામાં આવે છે. ત્યાં આવી બધી માહિતી મળી રહે. મંદીરોના બાંકડે પણ આવું બધું જાણવા મળે.

 

આહઅમેરિકાનો લ્હાવો માણવા જતાં, ક્યારેકઓહ..અમેરિકા !’ કરીને ચિત્કાર પણ કરવો પડે, હોં !

 

નવીન બેન્કર.

મારો લાલિયો કુતરો

વાત અમદાવાદની અને મારા બાળપણની છે. માણેકચોકમાં , સાંકડીશેરીમાં અમે ભાડાના ઘરમાં, મેડા પર રહેતા ત્યારે, મારી ઉંમર પંદરેક વર્ષની હતી. અમારી ખડકી ના નાકે, ચાર-પાંચ કુતરા તો હોય જ. બે ગાયો પણ રસ્તાની વચ્ચે બેઠેલી હોય. અમને ગાયોના શીંગડાની બહુ બીક લાગે. ખડકીમાં ૪૫ ડીગ્રીના કોર્નર પર વીજળીની બત્તીનો એક મ્યુનિસિપલ થાંભલો ,જેનું અજવાળુ, ખડકીના નાકા પર પડે. રાત્રે તો ખડકીમાં પ્રવેશતાં, ધ્યાન રાખવું પડે કે વચ્ચે ગાયબાય તો બેઠી નથી ને ?  ક્યારેક કુતરા પણ બેઠેલા હોય ! પણ કુતરાઓનું તો એટલું સારૂ કે માણસને ખડકીમાં આવતો જુએ કે તરત ભસીને પોતાની હાજરી જાહેર કરી દે. પણ…ખડકીના રહેવાસીઓને કુતરા ઓળખી ગયેલા. કોઇને ક્યારેય કોઇ કુતરુ કરડ્યું હોય એવું મને યાદ નથી. સામાન્ય રીતે કુતરા લાલ, કાળા અને ધોળા રંગના. અમારા ઘરમાં, મારા દાદીમા સવારે નવ વાગ્યે ઘરના ૧૧ માણસ માટે રોટલી વણવા બેસે અને પહેલી રોટલી ગાય-કુતરા માટે જુદી રાખે. મોટેભાગે મને કહે કે –‘નવીનીયા, જા..પહેલા ગાયકુતરાની રોટલી  નાંખી આવ. પછી ખાવા બેસ.’ જો મને દિવસે ગાય કે કુતરુ જોવા મળે તો ખડકીના નાકે, હેમુબેનની ઓટલી પર રોટલી મૂકી દઉં અને પછી જમવા બેસી જઉં. હેમુબેન ની ઓટલી અને હાંકુમાનો ઓટલો – મને આજે યાદ છે. હાંકુમા એટલે સંતોકબેન. પણ અમે ક્યારેય એમના નામને જાણતા નહોતા. હેમુબેન  એક ડોસાને ,નવા નવા પરણીને આવેલા ત્યારે મારી ઉંમરના કિશોરોને ખુબ રૂપાળા લાગતા હતા. પછી જેમ જેમ અમે વધુ ને વધુ જુવાન થતા ગયા એમ એમ હેમુબેન ઘરડા થતા ગયા. છેવટે છેવટે તો એમના દાંત પણ પડી ગયેલા અને સા..વ.. ડોશી બની ગયેલા મેં જોયા હતા. કિશોરવયના મારા દોસ્તદારોમાં, અનિલ, ગુણવંત, દ્ત્તુ, રાજુ, ગિરીશ, મુરલીધર ( મોરલી), પ્રબોધ, સુરેન્દ્ર, પ્રવિણ, દેવલો ((દેવેન્દ્ર), કાનુ મને યાદ છે. મિત્રો સાથેની યે યાદો છે. પણ આજે તો મારે મારા લાલિયા કુતરાની વાત કરવી છે.

લાલિયો અમારા ઓટલા પર પુંછ્ડી દબાવીને બેઠેલો હોય. મને જોઇને પુંછડી પટપટાવે, મારા પગ ચાટે. મારી પાછળ પાછળ આવે. કોઇની સાથે ઝઘડો થાય અને મારામારીમાં મારે માર ખાવાનો વખત આવે ત્યારે હું દુશ્મન ( આમ તો મિત્ર હોય)  પાછળ લાલિયાને છોડી દઉં. એટલે પેલો ભાગી જાય. લાલિયો કરડતો નહીં. અસ્સલ હિન્દુસ્તાની હતો એ. કોઇ આતંકવાદી ગમે તેટલા હુમલા કરે કે માથા વાઢી જાય પણ માત્ર ભસતા શીખેલો. ઘણીવર તો હું એને પોળને નાકે આવેલી કન્યાશાળાની બારીઓના ઓટલા પર બાજુમાં બેસાડીને પંપાળતો. મને એની આંખોમાં સ્નેહ દેખાતો. લાલિયાને નાંખેલો રોટલો બીજો બળવાન કુતરો ઝુંટવી જાય તો હું એને માટે બીજો રોટલો કે રોટલી લઈ આવીને ખવડાવતો. એક દિવસ, મ્યુનિસિપાલિટીની ગાડી આવીને કુતરા પકડી ગઈ એમાં મારો લાલિયો પણ ઝડપાઈ ગયો. આમે અહિંસક હતો ને ! અને…અહિંસકોને હંમેશાં માર ખાવાનો હોય છે. મને મહાત્મા ગાંધીજીની અહિંસામાં જરા વિશ્વાસ નથી, હું એમાં માનતો પણ નથી. નાનો હતો ત્યારથી હું આક્રમક રહ્યો છું. હું કોઇની સાથે લડતો હઉં  તો મારા લલિતાપવાર જેવા દાદીમા પંખો લઈને દોડતા આવીને મારૂં ઉપરાણું લે અને મારી સાથે લડવાવાળા અને એની માને પણ ઝાટકી નાંખતા.

આજે પણ હું મારા આક્રમક સ્વભાવને બરાબર ઓળખું છું એટલે કોઇ સંસ્થામાં કમિટી કે કોઇ પદ પર ઉભો રહેતો નથી. મને કોઇ સહેલાઈથી ઉશ્કેરી શકે છે. અને હું આક્રમક બની જાઉં એવો મને ડર રહે છે. મારામાં સહનશીલતા અને ધીરજના ગુણો નથી. મારામાં  મતાંતરક્ષમાનો ગુણ પણ નથી.

હું આડીવાતે ઉતરી ગયો…હમણાં એક સિનિયર સિટીઝન ડોશીમાને રાઇડ આપીને તેમને ઘેર ઉતારવા ગયો ત્યારે એમના ઘરમાં ડાઘિયા જેવા કુતરાને જોઇને મને ડર લાગી ગયેલો. કારણકે અત્યારે હવે ઉંમરે હું દોડીને ભાગી જઈ શકતો નથી. મારી નાની બહેન સંગીતા ધારિઆ ને ઘેર પણ એક ‘એમા’ નામની શ્વાન છે. ઘરના સભ્યની જેમ એને રાખે છે. . મારી પત્નીને કુતરા નથી ગમતા. કોઇના ઘેર કુતરો હોય કે બિલાડી હોય તો એમના સોફા પર બેસતાં યે એને સુગ ચડે છે.

 

 

 

    અમારા  ચંચીબા  –નવીન બેન્કર 

તમને હવે તો ખબર છે કે બેલેન્ડ પાર્કના કોમ્યુનિટી સેન્ટરમાં મહિનામાં બે વખત અમારે સિનિયરોની મીટીંગ મળે છે. આજથી પચીસ વર્ષ પહેલાં એસોસિયેશનની શરૂઆત થયેલી ત્યારે માંડ પચાસેક સભ્યો હતા અને વખતે એના સભ્ય થવાની વયમર્યાદા ૫૦ ની રાખેલી. વખતે હું એનો સભ્ય થયેલો. આકાશવાણીના નિયામક પણ રીટાયર થઈને શહેરમાં દીકરા સાથે રહેવા આવેલા જે લેખનપ્રવૃત્તિને કારણે મને અમદાવાદથી ઓળખે. એસોસિયેશનના પ્રેસિડેન્ટ હતા. હું નવો નવો આવેલો અને જાણતા હતા કે હું લખું છું એટલે મને પ્રવચન કરવા આમંત્રણ આપ્યું હતું. પછી તો મને લોકોની પ્રવૃત્તિઓમાં રસ પડી ગયો એટલે હું પણ સંસ્થાનો સભ્ય થઈ ગયો હતો. સંસ્થાની મીટીંગોના અહેવાલો હું લખતો. હિસાબો પણ સંભાળું અને દર મહિને થતી પિકનિકોના અહેવાલો લખીને ગુજરાતી વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધ કરાવું.

ચંચીબા  વખતના સભ્ય. હું પચાસ વર્ષનો અને ચંચીબા લગભગ પાંસઠના. એમના દીકરા સાથે રહેતા. એમને ચાર દીકરા. ત્રણ દીકરા શહેરમાં અને એક દીકરો કેલિફોર્નિયામાં. ત્રણે દીકરાઓએ વારા કાઢેલા-મા ને રાખવાના. ચાર મહિના થાય એટલે અઠવાડીયા અગાઉ જેનો વારો હોય એને નોટીસ પહોંચી જાય કે ‘જો જે, બા ને મૂકવા આવવાનો છું. વેકેશન પર જવાનો પ્લાનબ્લાન કરતો નહી’. દરેક દીકરા-વહુને બા સાથે રહેવાનો લાભ તો મળવો જોઇએ ને !..શ્રીરામ..શ્રીરામ…

આટલી પુર્વભૂમિકા પછી હું અસલી વાત પર આવું.

ચંચીબાને એક ખાસ બહેનપણી હતી.- શકરીબા. જાતે બ્રાહ્મણ. એમનો દીકરો ડેની દ્વિવેદી એમને મૂકવા આવે એટલે હું ઓળખું . મૂળ નામ તો એનું દયાશંકર. પણ આવા તો કેટલાય દયાશંકરો અમેરિકામાં આવીને ડેની બની ગયા છે. બન્ને બહેનપણીઓ સુખદુખની વાતો કરે અને મનનો ભાર હળવો કરે. યુ નો વોટ આઇ મીન !    મંદીર હોય કે સિનિયર્સની મીટીંગ. બધા સોશ્યલાઇઝીંગ કરવા જતા હોય છે.

ચંચીબા હમણાં ચાર-મહીનાથી મીટીંગમાં નહોતા દેખાતા. અચાનક આજે કોઇ પાડોશીની સાથે આવ્યા. મને બહાર બેલેન્ડ પાર્કના બાંકડે બેઠેલો જોઇને તેમણે પુછ્યું-  ‘કેમ ભઈલા, બહાર બેઠો છું ?’

અંદર પ્રવિણાબેન કડકિયા યોગા શીખવે છે. અને આપણને જમીન પર બેસવું ફાવે નહીં. વળી, આખી જિન્દગીમાં ક્યારેય કસરત બસરત ના કરી હોય એટલે આટલે વર્ષે બધામાં રસ ના પડે. પણ  બહેન, તમે ક્યાં ખોવાઇ ગયા છો ? ચંચીબાને અજાણ્યા લોકો ‘ બા’  કહે. પણ ઘરમાં અને અમારા જેવા આપ્તજનો-માયાવાળા લોકો ‘બહેન’ કહે છે.

નાઇન્ટીપ્લસ ચંચીબા મારી સાથે બાંકડે બેસી ગયા. અને એમની કરમકહાણી કહેવી શરૂ કરી-

ભઇલા… મારી બહેનપણી શકરી ગુજરી ગઈ પછી હું એકલી પડી ગઈ હતી. કોને મળવા આવું ? મારી સાથે સુખદુખની વાત કરવાવાળી તો એક હતી. મારો સૌથી વહાલો દીકરો શ્રવણકુમાર ગુજરી ગયો. તો મારી કાળજી રાખતો હતો.    જરા મ્હોં બગાડ્યા વગર મને મીટીગમાં મૂકવા આવતો, મીટીંગ પુરી થાય ત્યાં સુધી બહાર બાંકડે બેસી રહીને મારી રાહ જુએ. બહાર હોટલમાં ખાવ લઈ જાય. મંદીરમાં દર્શન કરવા લઈ જાય. ગુજરી ગ્યો ને મારી કરમકઠણાઇ બેસી ગઈ. બીજા દીકરાઓની વહુઓ તો એમની માઓને લઈ  જવાની હોય તો  આપણને ગાડીમાં બેહાડે. બાકી બે જણીઓને તો હાહુ આંખમાં કણાની જેમ ખુંચે. હજુ એકની વહુ તો હારી’સે પણ બીજાની વઉ તો કાટમાં કાટ અને મારો દીકરો તો એનાથી મોટો કાટ. લોકલાજે ઘરમાં રાખે અને બટકુ નાંખે પણ…’

એમની વાતને અધવચ્ચેથી અટકાવીને મેં પુછી લીધું- ‘ તે બહેન, તમે  અહીં ઓશિયાળી જિન્દગી વેઠવા કરતાં ઇન્ડીયામાં તમારા  પોતાના ઘરમાં જઈને રહો ને ! ત્યાં તો સગાંવહાલા-પાડોશીઓ તમને સાચવે, નોકરચાકર મળી રહે, રસોઇ કરવાવાળી બાઈ રાખી લેવાની અને જ્યારે દેવદર્શને કે સોશ્યલ કામે જવું હોય ત્યારે રીક્ષાઓ ક્યાં નથી ?  છોકરાઓ એમ તો બે પાંદડે છે. ‘…

ભઈ…એનું તો દુખ’સે…પાંચ વરહ પહેલાં, દીકરાઓએ મને કહ્યું-‘ બહેન, તુ હવે પંચ્યાશીની થઈ. તારા મરી ગયા પછી ઇન્ડીયાના ઘર અને પૈસા માટે બખેડા પડે, કોરટકચેરીના ધક્કા અમારે ખાવા પડે અને ઇન્ડીયામાં તો સરકારી કચેરીઓમાં વચેટીયા વગર કોઇ કામ નથી થતું. વળી અત્યારે ગુજરાતમાં મોદીસાહેબનું રાજ છે અને રીયલ એસ્ટેટ તેજીમાં છે. તો ઘર કાઢી નાંખીએ. તારે જેને આપવા હોય તારા જીવતા પતાવી દે. હવે તને પંચ્યાશી થયા. તું યે કેટલું જીવવાની ? તો બોનસની જિન્દગી કહેવાય.’ મને એમની વાત  હાસી લાગી અને મેં મૂઇએ કાગળીયાઓમાં સહીઓ કરી આલી. હંધુ ય  વેસાઇ ગ્યું ને ચારે જણાંએ વહેંચી લીધા. મારા જગુએ ( એમના વરને  વહાલમાં જગુડો કહેતા ) મારા ઘડપણ માટે વ્યવસ્થા કરેલી.’ ( ડૂસ્કુ )  

તે બહેન… તમારા શ્રવણકુમારને શું થયું હતું ?’ 

બચાડો જીવ દુખિયારો હતો.  અમેરિકામાં પહેલવેલો આયો’તો. એણે હંધાયને આંય કને બોલાયા’તા. પેલા બધા વધારે ભણેલા તે મીલીયોનેર થઈ ગ્યા ને મારો શ્રવણ ઓ્છું ભણેલો  ને સીધી લીટીનો માણહ તે નાનકડી નોકરી કરીને પડી રહ્યો. એની બૈરી રૂપાળી અને ફેશનવાળી. એને મારો શ્રવણ કદી ગમતો નહોતો, પણ અમેરિકા આવવા માટે પૈણેલી. શ્રવણને આઘો ને આઘો રાખે. જોકે ભેળા રહ્યા એટલે  એક દીકરી થઈ ગઈ. એની મા પર પડી છે. રૂપરૂપનો અંબાર છે. એને પેલા જુગાર રમવા જાય છે ને ત્યાં-‘

હા… લાસ વેગાસ.’ મેં કહ્યું.

હા..ત્યાં લાસવેગાસમાં દીકરી અને જમાઇ રહે છે. શ્રવણની વહુ પણ એની દીકરીની સુવાવડ કરવા ત્યાં ગઈ અને રહી ગઈ. ત્યાંની ઝાકઝમાળમાં ખોવાઇ ગઈ. અને મારો શ્રવણ અહીં એની જોબ કરતો એકલો ને એકલો હોટલોના રોટલા ખાઈ ખાઇને પડ્યો રહ્યો. શ્રવણને હમણાં પાંસઠ થયા ને રીટાયર થઈને લાસવેગાસ ગયો હતો અને ત્યાં હાર્ટએટેકથી ગુજરી ગયો. બચાડો એની સોશ્યલ સીક્યોરીટી ખાવા ય  નો રહ્યો.’ ( ડૂસ્કુ)

સાલ્લાના છેડાથી આંખો લુછતાં બહેને આગળ ચલાવ્યું-

હવે બે દીકરાઓની વચ્ચે દહાડા કાઢું છું. લબાચા  લઈને આને ઘેરથી પેલાના ઘેર ને પેલાના ઘેરથી આના ઘેર. વહુઓ કહે કે બારીના પડદા નહીં ખોલવાના તો સુર્યના પ્રકાશ વગર અંધારિયા ઓયડામાં પુરાઈ રહેવાનું. ઘડીક ઓસરીમાં ખુરશી નાંખીને બેહવાનું મન થાય તો કહેશે-‘બહાર ના બેસાય, કોઇ ઘરમાં ઘુસી જાય અને મારી નાંખે. ઘરની અંદર રહો.’

તો…બહેન, તમે તમારી પૌત્રીને ઘર લાસવેગાસ જતા રહો ને !’ –મેં સુચવ્યું.

‘શ્રવણની વહુને એ ગમે ? હવે તો શ્રવણની સોશ્યલ સીક્યોરીટી, બચતના પૈસા, લાઇફ ઇન્સ્યોરન્સના પૈસાથી એ લાસવેગાસની ક્લબોમાં મજા કરતી હોય ત્યાં આ બુઢ્ઢી સાસુ સહન થાય  અને ભઈલા, એક ખાનગી વાત કહું ? એ તો શ્રવણના ફ્યુનરલમાં યે નહોતી આવી. પત્ની એના બાળક્ના બાપના અંતીમ દર્શન કરવા કે અંતીમ વિદાય દેવાનું સૌજન્ય ચૂકી ગઈ હતી. બધાયે બહુ સમજાવી પણ ના માની તે ના જ માની.’

એવું બને કે અતિશય પ્રેમને કારણે, પોતે સહન નહીં કરી શકે વિચારે ફ્યુનરલમાં આવી હોય’- મેં  મારો વિચાર દર્શાવ્યો.

અરે..પ્રેમબેમ તો એને કદી નહોતો. હમેશાં જાહેરમાં, વારતહેવારે કુટુંબના બધા ભેગા થયા હોય ત્યારે કહેતી-‘ કોઇએ મને એવોર્ડ આપવો જોઇએ આવા વરને નભાવવા બદલ ‘…

હંમેશાં એની આંખમાં મારા શ્રવણ માટે એક પ્રકારની નફરત , ઉપેક્ષા દેખાતી. એનું બધાં વચ્ચે અપમાન કરતી હતી. પોતે રૂપાળી છે એનું એને અભિમાન હતું એને તો પોતાને માટે કોઇ સલમાનખાન જેવા સોહામણા પુરુષની ઝંખના હતી.

હવે હું શું બોલું ?

નાઇન્ટી પ્લસ ચંચીબા જેવા ઘણાં સિનિયરો મને એમની હૈયાવરાળ કહેતા હોય છે.

તમે કોઇ દિવસ બેલેન્ડ પાર્કના બાંકડે, કે કોઇ મંદીરની બહાર ટોળે વળેલા ગ્રુપમાં આવજો. આંખ અને કાન ખુલ્લા રાખશો તો આવા કેટલાય ચંચીબાઓ તમને જોવા મળશે. કેટલાય ડેની, કેટલાય શ્રવણકુમારો તમને ભટકાશે.

એક રીક્વેસ્ટ કરૂં ?  વાત મારી પત્નીને ના કહેશો. નહિંતર મને દુનિયાદારીની શિખામણ આપતાં કહેશે- ‘ ડોશીઓ તો બધી પોતાના દીકરા-વહુઓની ખણખોદ કરવા અને વગોવવા મંદીરો અને મીટીંગોમા જતી હોય છે. મારે તો સારૂં છે કે હું બહેરી છું એટલે મારી જોડે તો કોઇ વાત કરવા આવે નહીં. એક તો આવી વાતો ધીમેથી કહેવાય અને હું મૂઇ સાંભળું નહીં એટલે એમને મોટેથી બોલવું પડે. અને એકનું એક વાક્ય ચાર ચાર વાર બોલવું પડે એટલે બધાં મારાથી દૂર ભાગે. અને…તું  સાલો ઘાંયજો છું. પઈની પેદાશ નહીં ને આવું આવું લખીને છપાવે અને વગર ફોગટના ફોટા પાડી પાડીને –‘ વગેરે..વગેરે…

યુ નો વોટ આઇ મીન !

લખ્યા તારીખ-૧૦ જુન ૨૦૧૫

 

 

મેસેજ મળી ગયો  લેખકશ્રી. નવીન બેન્કર

 

હ્યુસ્ટનના ઇન્ડિયા હાઉસમાં પેલા  ‘આપ’થી જાણીતા થઈ ગયેલા કવિ. લેખક અને હિન્દી ભાષાના પુરસ્કર્તા એવા કુમાર બિશ્વાસનો કાર્યક્રમ હતો.

એ દિવસે  બીજી ઓગસ્ટ  અને શનિવાર હતો.

નચિકેત, પાર્કીંગ લોટમાં આમંત્રિતોની કારોનું વ્યવસ્થિત  પાર્કીંગ કરાવવા માટે વોલન્ટીયર તરીકે ફરજ બજાવતો હતો. હ્યુસ્ટનની ખ્યાતનામ હસ્તીઓ ગાડીઓ લઈને આવતી હતી..શ્રી. રવિ કંકરીયા, શ્યામ પંજવાણી, વિજય સિરોહી,આભા દ્વિવેદીજી,  કવિશ્રી. નૌશા અસ્સાર, પત્રકાર વંશિકા વિપીન…ને એવા તો ઘણાં જાણીતા ચહેરાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. કાર્યક્રમ શરુ થવાની તૈયારીમાં જ હતો અને પાર્કીંગ એરિયા ભરચક થઈ ગયો હતો ત્યાં જ એ અત્યંત સ્વરુપવાન  સ્ત્રી કાર લઈને પ્રવેશી. નચિકેત એને જોઇને મંત્રમુગ્ધ થઈ ગયો.  વી.આઈ.પી.માટે સ્પેશ્યલ કોરીડોરમા જગ્યા રાખેલી ત્યાં, એ રુપાળી સ્ત્ર્રીની કાર પાર્ક કરાવીને, નચિકેતે કૃતકૃત્યતા અનુભવી હતી.

હેન્ડસમ  કુમાર બિશ્વાસ, શાયરાના અંદાઝમાં બમ્બૈયા સ્ટાઇલથી, શાયરી ફટકારી રહ્યા હતા-

કોઇ  દિવાના  કહેતા હૈ,  કોઇ પાગલ સમજતા હૈ,

મગર, ધરતીકી બેચેનીકો બસ બાદલ સમજતા હૈ.

મૈં તુઝસે દૂર કૈસે હૂં, તૂ મૂઝસે  દૂર કૈસે  હૈ,

યે તેરા દિલ સમજતા હૈ યા મેરા દિલ સમજતા હૈ..

શ્રોતાઓ સ્ટેન્ડીંગ ઓવેશન સાથે વાહ વાહ પોકારી રહ્યા હતા.

પાર્કીંગનું કામ પુરુ થઈ જતાં, નચિકેત પણ હોલમાં આવીને પાછલી સીટ પર ગોઠવાઇ ગયો હતો. પેલી શાયરી પર સ્ટેન્ડીંગ ઓવેશન વખતે  નચિકેત અને પેલી ખુબસુરત નાઝનીનની નજરો મળી અને ઔપચારિક પરિચય થયો હતો. એનું નામ સુહાસિની હતું.  નિર્દોષ ડાયવોર્સી હતી અને, જ્યાં દેશી લોકો વધુ રહેતા હતા એવા વિસ્તારમાં એપાર્ટમેન્ટ ભાડે રાખીને રહેતી હતી. બાળકોની જંજાળ ન હતી. કોઇ કન્વીનીયન્સ સ્ટોરમાં કાઉન્ટર સંભાળતી હતી.

નચિકેત પણ  એની ઉંમરની ચાલીસીમાં છે. યુવાન અને વાચાળ માણસ છે. પરિણીત પણ છે. પત્ની સીધી સાદી  ‘શાન્તાબેન’ છે. સારી છે. પણ  મોટાભાગના રસિક પુરુષોને  ‘SEVEN  YEARS  ITCH’ નો અનુભવ થતો જ હોય છે. એકધારી જિન્દગીમાં થોડીક થ્રીલ અને રોમાંચ અનુભવવા માટે  મોટાભાગના પુરુષો તલપાપડ થતા જ હોય છે.  હા ! કોઇ શરમાળ હોય, હિમ્મત વિનાના હોય, ધર્મભીરુ હોય એ જ આખી જિન્દગી ઘરના દાળભાત ખાઈને જીવતા હોય છે.

બાકી કલાકાર હોય, લેખક હોય, કવિ હોય, સંગીતકાર હોય, વાચાળ હોય, સ્માર્ટ હોય તો ક્યારેક ને ક્યારેક તો એના જીવનમાં પેલી ‘નિવેદીતાઓ’ આવતી જ હોય છે. કોઇ સ્વીકારે કે ના સ્વીકારે. (‘નિવેદીતા’ એટલે ‘ઇતના ના કરો પ્યાર’ સિરિયલની અભિનેત્રી). ઇન્ડીયા હાઉસ અને એવી અન્ય સંસ્થાઓમાં  નચિકેત વોલન્ટીયર તરીકે સેવા આપે, સેલીબ્રીટીઝના ફોટા પાડે, ફ્રીલાન્સ જર્નાલીસ્ટ તરીકે ઇન્ટરવ્યુ લે એટલે ચહેરાથી કોમ્યુનિટીમાં બધા ઓળખે. એ દિવસે તો કશી વાત થઈ શકી ન હતી પણ બીજી મુલાકાત ગુજરાતી સમાજની પોંક પાર્ટી વખતે થઇ.

સુહાસિની પોંક, ઉંધીયુ અને જલેબીની ડીશો તૈયાર કરતી હતી અને  નચિકેત દેશીઓના ટોળાને લાઇનમાં વ્યવસ્થિત ઉભા રહેવા આગ્રહભરી વિનંતિ કરતો હતો ત્યારે  કોમન ટોપીક પર વિચારવિનિમય કરતાં, વાતચીતનો સંબંધ બંધાયો. ‘ આપણા સાલા દેશી લોકો શિસ્તમાં સમજતા જ નથી. એક વ્યવસ્થિત લાઇન કરવાને બદલે, ચાર ચાર લાઇનો કરી નાંખે અને ટોળામાં જ, ઘુસવાની આદ્ત છે એમને. હેન્ડીકેપ્ડ પાર્કીંગમાં પણ ગાડીઓ પાર્ક કરી નાંખે. નાટકમાં પણ મોડા આવીને ખોટી સીટો પર બેસી ગયા હોય. અમદાવાદમાં તો જમીનના એટલા પૈસા આવી ગયા છે અને બ્લેકમનીને કારણે ઘેરેઘેર ગાડીઓ આવી ગઈ છે પણ ટ્રાફિકસેન્સ વગરના સાલા દેશીઓ……વગેરે વગેરે… જેવા બળાપાના સૂરો વચ્ચે , ફોન નંબરની આપ-લે થઈ ગઇ.

સુહાસિનીના સ્ટોર પર બે-ચાર મુલાકાતો પણ થઈ. એ પછી, નચિકેતને થયું કે હવે ખોટી લાળ પાડ્યા વગર એને સિનેમા જોવાનું આમંત્રણ આપીને, આગળ વધવું જોઇએ.

આમે ય, જિન્દગીની ચાલીસીએ પહોંચેલા પુરુષો, પેલા ટીન એજર છોકરાઓની જેમ છ છ મહિના સુધી ફીલ્ડીંગ ના ભરે. અને જે કામ કરતા ટીનએજર છોકરાઓને બે જ મીનીટ લાગે  એ કામ ચાલીસીએ પહોંચેલા અનુભવી પ્રેમીઓ-  યુ નો આઇ મીન !

સિનેમા થિયેટર એ પ્રેમીજનો માટે મળવાનું આદર્શ સ્થળ ગણાય. એક જમાનામાં, અમદાવાદમાં ભીખાભાઇ પાર્કના કે વિક્ટોરીયા ગાર્ડનના અંધારા બાંકડા કે યુનિવર્સિટી પાછળના ખુલ્લા ખેતરો  પ્રેમીઓના આદર્શ મિલનસ્થળો હતા. હ્યુસ્ટનમા  એ.એમ.સી. થીયેટર્સના પહેલા શો આવા આદર્શ સ્થળ ગણાય. ડોલરિયા દેશમાં ડોલરની લાહ્યમાં બપોરના પહેલા શોમાં કાગડા જ ઉડતા હોય. અમિતાભ કે સલમાનના નવા પિક્ચરના પ્રિમિયમ શોમાં  પણ પરાણે પાંચ દેશીઓ જોવા મળે. છોકરી ફિલમ જોવા આવવાનું  આમંત્રણ સ્વિકારે એટલે સમજી જવાનું કે હવે  સ્વાભાવિક લાગે  એવા અછડતા સ્પર્શથી શરુ કરીને ક્રમિક તબક્કે છૂકછૂક ગાડી આગળ વધી શકે.

‘તમે  મૂવી જુઓ છો કે નહીં ?’

‘જોઇએ ક્યારેક  બે ડોલરમાં  ડુપ્લીકેટ  ડીવીડી  લાવીને ફુરસદના સમયે.’

‘મને તો ડીવીડીમાં મૂવી જોવાની મજા જ ના આવે. થીયેટરના વિશાળ પડદા પર સ્ટીરીયોફોનિક સાઉન્ડ અને ફુલ સાઇઝની બિપાશા બાસુ કે કેટરીના કૈફને અંગોને હિલોળા આપી આપીને ડાન્સ કરતી જોવાની મજા થિયેટરમાં જ આવે, બાકી.’

‘તમે તો બહુ બેશરમ છો.’- શરમાતા શરમાતા સુહાસિનીએ કહ્યું.

‘તમને વાંધો ન હોય તો આપણે ,તમારી રજાના દિવસે એક વખત એ/એમ/સી માં ‘મીસ્ટર એક્સ’ જોવા જઈએ. અદ્ર્ષ્ય થઈને વીલનોની ધોલાઇ કરતા  કીસીંગ એક્સપર્ટ ઇમરાન હાશ્મીનું લેટેસ્ટ  મૂવી છે. તમે આવશો ?’

‘જોઇએ હવે. સમય મળે એના પર આધાર છે. તમે ફોન કરજો.’- શરમાતા શરમાતા સુહાસિનીએ, તોફાની આંખો નચાવતા જવાબ આપ્યો. છોકરીઓ જાણતી જ હોય છે કે સિનેમાના અંધકારમાં કેવા ગલગલીયા થતા હોય છે !

નચિકેતને હવે સ્વર્ગ હાથવેંતમાં લાગ્યું.

સુહાસિની…સુહાસિની..સુહાસિની..એમ મોટેથી બુમો પાડીને એ નાચી ઉઠ્યો.

રુપાળી સ્ત્રીના સાન્નિધ્યમાં ગૂસપૂસ ગૂસપૂસ વાતો કરતાં કરતાં, મૂવી જોવાની ક્ષણોના રોમાંચની કલ્પના માત્ર એની ચાલીસીએ ડિસ્ચાર્જ થઈ ગયેલી બેટરીને ચાર્જ કરવા પુરતી હતી.

પોતાની પત્નીને સવારથી જ કહી રાખ્યું હતું કે આજે સાંજે પ્રેક્ષા મેડીટેશન સેન્ટરમાં હરીશ ભાવસારે એના નવા નાટકના ગ્રાન્ડ રીહર્સલમાં મને બોલાવ્યો છે એટલે જરા મોડુ થશે. નચિકેત જેવા માણસોને આવા જુઠ ડગલે ને પગલે બોલવા જ પડતા હોય છે.

સુહાસિની મોટેભાગે ચળકતુ બ્લ્યુ કે ગુલાબી રંગના વસ્ત્રો પરિધાન કરે છે એટલે પોતે પણ ગુલાબી રંગનું શર્ટ અને બ્લ્યુ કલરનું પેન્ટ પહેરીને તૈયાર થઈને બેઠો. છેક સાંજે જ, ક્લીન શેવ દાઢી કરી અને પુછોની કટ પણ કરી દીધી. બૂટને પોલીશ કરી દીધું. હાથની આંગળીઓના નખ પણ કાપી દીધા.

સાંજે સાત વાગ્યે ફોન કરીને પુછ્યું કે  ‘નીકળે છે ને ?’  સામેથી જવાબ મળ્યો-‘‘આજે તો જોબ પર ખુબ કામ હતું તેથી થાકી ગઈ છું. આજે અનુકૂળ નહીં પડે. કાલે જઇશું.’

બીજે દિવસે ફરી તૈયાર થઈને ફોન કર્યો તો સામેથી જવાબ આવ્યો-‘ મેનોપોઝનો દુખાવો શરુ થયો છે. હવે કાલે વાત.’

અનુભવી નચિકેત સમજી ગયો કે મેનોપોઝનો દુખાવો એટલે ચાર દિવસનો ત્રાસ. એટલે ચાર દિવસ પછીના રવિવારે ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું.

વહેલી સવારે, કોમ્યુટર પર, ગુગલમાં, એ.એમ.સી-૩૦ ડનવેલ ના શો ટાઇમીંગ ચેક કરી લીધા. આખા દિવસના બધા જ શોનું લીસ્ટ બનાવી રાખ્યું. કદાચ સુહાસિની આજે ય કોઇ બહાનુ કાઢે કે સવારનો શો અનુકૂળ નહીં પડે તો પાછળના બીજા બધા શોમાંથી એકાદ કહી શકાય.

ફરી રીપીટેશન…નવી બ્લેડથી શેવ કર્યું…હાથની આંગળીઓના નખ કાપ્યા..ગુલાબી શર્ટ અને બ્લ્યુ પેન્ટ પર ઇસ્ત્રી ફેરવી લીધી.. અને દસ વાગ્યે ફોન કર્યો-

સામેથી જવાબ આવ્યો- ‘ છ દિવસની જોબ પછી એક રજા આવી એમાં કામનો ઢગલો થઈ ગયો છે. લોન્ડ્રી કરવાની છે. ઘર સાફ કરવાનું છે.ગ્રોસરી લાવવાની છે. મેનોપોઝનો દુખાવો પણ ચાલુ જ છે. એટલે આજે તો નહીં ફાવે. ફરી ક્યારેક.’

નચિકેતે મૂવીનું લીસ્ટ ફાડી નાંખ્યું.

એને મેસેજ મળી ગયો હતો.

 

બહેરી બૈરીએ બાથરુમમાં પુર્યો

નવીન બેન્કર 

તમે કલ્પી શકો છો કે તમે, છત પરની ગરોળીથી ડરી ડરીને, સંડાસમાં કમોડ પર સીસી કરી રહ્યા હો અને અચાનક લાઈટ ગૂલ થઈ જાય અને પુરા બે કલાક સુધી એ અંધકારમાં, ગરોળીના ડર વચ્ચે, અસહાય પુરાઇ રહો તો તમારી શું વલે થાય ?

શાંતિકાકાનો આ અનુભવ જાણવા જેવો છે.

આ શાંતિકાકા ૭૪ વર્ષના વયોવૃધ્ધ સજ્જન છે. સજ્જન તો ના કહેવાય કારણ કે જુવાનીના દિવસોમાં, સંજીવકુમારના વહેમમાં કંઇ કેટલાય ખેલ કરી ચુક્યા છે,પણ પાછલી ઉંમરે, પ્રોસ્ટેટની તકલીફો પછી, હિલોળા લેતા સમુદ્રના મોજાઓ, ઠરીને શાંત થઈ ગયા છે અને તેમની સમવયસ્ક બહેરી બૈરી શાંતા સાથે શેષ જીવન વ્યતિત કરી રહ્યા છે.

હાં…તો, આ શાંતિકાકાને  કેન્સરનું ડાયગ્નોસીસ થયું છે. રેડીએશન અને સર્જરિમાંથી પસાર થઈ ચુક્યા છે. બાવન વર્ષના લગ્નજીવન પછી, તેમની નિઃસંતાન પત્ની માટે ભવિષ્યની આર્થિક વ્યવસ્થા કરવા માટે, અમેરિકાથી અમદાવાદ આવ્યા છે. એક જમાનામાં જ્યાં ખુલ્લા ખેતરો હતા અને આંબાના વૃક્ષોથી વનરાજી મહેંકતી હતી એવા સ્થળે તેમણે એક નાનકડુ ૬૪ વારનું ઘર બાંધ્યું હતું અને ભવિષ્યમાં, પોતે રીટાયર થયા પછી, આ ઘરની પછવાડે ખુલ્લા ખેતરમાં, આંબાના ઝાડ નીચે ખાટલો ઢાળીને, પુસ્તકો વાંચતાં વાંચતાં, શેષ જીવન વ્યતિત કરવાના સ્વપ્નો સેવ્યા હતા એ ઘરનું રીનોવેશન કરાવીને , પંદરેક દિવસથી રહેવા માંડ્યું હતું. હવે સ્વપ્નો સેવેલા એ ખેતરો અને આંબાના ઝાડ તો રહ્યા નથી. એની જગ્યાએ ઉંચા બહુમાળી મકાનો ઉભા થઇ ગયા છે.આમ તો શાંતાબેન અને શાંતિકાકા શેષજીવન શાંતિપુર્વક હ્યુસ્ટનમાં વિતાવી શકે તેમ છે પરંતુ હવે, કેન્સરના નિદાન પછી, નિઃસંતાન શાંતિકાકાને પોતાની પત્ની શાંતાના ભવિષ્યની ચિંતા થાય છે કે અરેરે ! એ બિચારી અંગ્રેજી જાણતી નથી, કાને સાંભળતી નથી, ગાડી ડ્રાઇવ કરતી નથી. અરે ! ચેકમાં સહી કરીને પૈસા ઉપાડ્તા પણ એને આવડતું નથી ત્યાં એ એકલી આ દેશમાં કેવી રીતે રહેશે ? એટલે અત્યારથી જ ઇન્ડીયાની નેશનાલાઇઝ્ડ બેન્કોમાં, દર ત્રણ મહીને એના સેવિંગ્ઝ ખાતામાં વ્યાજ જમા થઈ જાય અને અમેરિકાની સોશ્યલ સીક્યોરીટીના પૈસા પણ જમા થતા રહે એવી વ્યસ્થા કરવા, એ અમદાવાદ આવ્યા હતા.

આટલી પુર્વભૂમિકા પછી મૂળ વાત પર આવીએ.

મેનોપોઝની પીડા અને પ્રોસ્ટેટની તકલીફો પછી, ઘણાં સમયથી પતિ-પત્ની સીંગલ બેડમાં, વચ્ચે ટીપોય પર દવાઓની શીશીઓ ગોઠવીને અલગ અલગ જ સુતા હતા જેથી ઓઢવાના ની ખેંચાખેંચ એવોઇડ કરીને શાંતિથી ઉંઘી શકાય.

એ રાત્રે… લગભગ ત્રણ વાગ્યે, પહેલા શાંતાબેન બાથરુમ જવા ઉઠ્યા. બાથરુમમાંથી પાછા ફરતાં, રસોડામાં પાણી પીવા ગયા. પછી તરત જ શાંતિકાકા ઉઠ્યા અને સંડાસમાં ઘુસ્યા અને કમોડ પર પીપી કરવું શરુ કર્યું. રસોડામાં ગયેલા શાંતાબેને સંડાસની લાઈટ ચાલુ જોઇ એટલે એમને થયું કે પોતે લાઈટ બંધ કરવાનું ભૂલી ગયા હશે તેથી એમણે સંડાસની લાઈટ બહારથી ઓફ કરી નાંખી અને સંડાસના દરવાજાને સાંકળ વાસી દીધી અને જઈને પોતાના પલંગ પર, ગોદડુ ઓઢીને સુઇ ગયા.

લાઈટ ઓફ થતાં જ, શાંતિકાકા બુમ પાડી ઉઠ્યા કે ‘અલી શોંતા…હું બાથરુમમાં  છું. લાઈટ કર અને સાંકળ ખોલ.’….પણ બહેરી શાંતા ક્યાંથી સાંભળે ?

શાંતિકાકાએ પીપી કરતાં પહેલાં જોયેલું કે એક જાડી મદમસ્ત લીલીછમ ગરોળી કમોડની બરાબર ઉપર, છત પર, વળગેલી હતી. શાંતિકાકાને નાનપણથી ગરોળીની બહુ બીક લાગે એટલે આ મદમસ્ત ગરોળીને જોતાં જોતાં જ એમણે હોસપાઈપ પકડી રાખેલો પણ પ્રોસ્ટેટને કારણે અતિ મંદ ગતિથી…. યુ નો વોટ આઇ મીન !

૭૪ વર્ષના પ્રોસ્ટેટ અને કેન્સર પેશન્ટ એવા શાંતિકાકા જોર જોરથી ‘શોંતા…શોંતાડી, દરવાજો ખોલ’ ની બુમો પાડતા જાય અને જોરજોરથી દરવાજાને ધધડાવતા જાય પણ બહેરી બૈરી ક્યાંથી સાંભળે ?  પાછળની સોસાઇટી  ‘કામજ્યોત એપાર્ટમેન્ટ’ના રહીશો, ચોકીદાર બધા જાગી ગયા. શાંતિલાલની સોસાઈટીના પાડોશીઓ પણ રાત્રે ત્રણ વાગ્યે જાગી ગયા.

‘અરે…અમને તો રાત્રે ત્રણ વાગ્યે ઉંઘવા દો’…  સંડાસના કમોડની ઉપરના વેન્ટીલેટરના કાચમાંથી શાંતિકાકા જવાબો આપે…

પુરા એકાદ કલાક સુધી આ તાયફો ચાલ્યો…એક બાજુ પેલી ગરોળીની બીક..સાલી ગરોળી ફર્શ પર પડી હશે તો ? ટુંકી ચડ્ડી પહેરેલા શાંતિકાકા પેલી ગરોળી એમની લાજ લુંટવાની હોય એમ બે ય હાથે ચડ્ડીને પકડી રાખે અને બુમો તો પાડતા જ જાય…ક્યાંક ગરોળીને એની સહિયર ના મળી જાય !

શાંતિલાલની સોસાઈટીના પડોશીઓ આગળના દરવાજેથી ‘શાંતામાસી..શાંતામાસી’ ના પોકારો પાડે. પાછળની સોસાઈટીના રહીશો શાંતિલાલને ભાંડે …એમ ચાલ્યા કર્યું અને  શાંતામાસી સુખપુર્વક ઘસઘસાટ ઉંઘતા રહ્યા….

હારી થાકીને શાંતિલાલે છેવટે પોતાના હથિયારો હેઠા મુકી દીધા અને છેલ્લે છેલ્લે કમોડના વેન્ટીલેટર પાસે જઈને પાછળની સોસાઈટીના રહીશોને કહ્યું-

“મારા અજાણ્યા દોસ્તો…તમે તો કોઇએ મને જોયો નથી કે ઓળખતા નથી. હવે  મને લાગે છે કે  મારું મોત જ મને છેક અમેરિકાથી અમદાવાદના આ અંધારિયા, ગંધાતા સંડાસમાં મરવા માટે ખેંચી લાવ્યું છે. જેના ભવિષ્યની સલામતિને ખાતર હું અહીં આવ્યો એ મારી, બાવન વર્ષના લગ્નજીવનની સંગિની પણ આ છેલ્લી ઘડીએ મારો અવાજ સાંભળી શકતી નથી. હું એને અલવિદા પણ કહી શકતો નથી. પેલી ગરોળી ગમે તે ઘડીએ મારા આ પાર્થિવ શરીરને સ્પર્શી લેશે અને મારુ શરીર લીલુછમ થવા માંડશે. હું મોતને મારી સમક્ષ જોતો રહીશ અને આટઆટલા પૈસા હોવા છતાં, મેડીકલ સહાય વગર હું મોતને ભેટીશ. હું બાથરુમના દરવાજા પાસે જ સુઇ જાઉં છું. અને મોતની પ્રતિક્ષા કરું છું.

હવે કોઇ બારણાં ખખડાવીને કોઇની ઉંઘ ના બગાડશો.

ફરી જ્યારે મારી પત્નીને બાથરુમ જવાની ચળ ઉપડશે અને એ બાથરુમ ખોલશે ત્યારે એને મારો મૃતદેહ જોવા મળશે.

શાંતાનો કોઇ દોષ નથી. એ બિચારી બહેરી છે. એણે જાણી જોઇને થોડો મને પુરી દીધો છે ? આ તો મારી નિયતી હતી.

દોસ્તો… મારુ મરણ એક વાત કહી જાય છે.. આખી જિન્દગી તમે પૈસા બચાવો, ગણ ગણ કરો, એની વ્યવસ્થા કર્યા કરો પણ નિયતિએ એ પૈસાની વ્યવસ્થા એની રીતે જ કરી રાખી છે. તમે તો એ પૈસાના વ્યવસ્થાપક જ હતા…એમ.ડી. એન્ડર્સન કેન્સર હોસ્પીટલ તમારુ દુઃખ થોડુ હળવુ કરી શકે છે પણ પાંચમની છઠ નથી કરી શકતી.”

શાંતિલાલ શાંતિપુર્વક સંડાસના દરવાજે બેસી પડ્યા. હવે એને પેલી ગરોળીની બીક નહોતી લાગતી. મૃત્યુને ભેટવાની તૈયારી કરી લીધા પછી કોઇ ડર નથી રહેતો.

સવારે પાંચ વાગ્યે, શાંતામાસી ઉઠ્યા, સંડાસનું બારણું ખોલ્યું અને ઝોકુ ખાઇ ગયેલા શાંતિકાકાને જોઇને હેબતાઇ જ ગયા.

હવે ચીસ પાડવાનો વારો એમનો હતો.

આમ તો આટલેથી આ વાર્તા પુરી કરી શકાય. વિવેચકો કહે કે ચોટદાર અંત સાથે વાર્તા પુરી થઈ. પણ ના…

 

મારી વાર્તાનો અંત આ નથી. શાંતિકાકા ઉંઘમાંથી જાગ્યા હોય એમ ઉભા થયા. બહેરી પત્નીને વળગીને ખુબ રડ્યા. ઘરની બહાર નીકળીને ખુલ્લા આસમાન સામે જોઇને ઉંડા ઉંડા શ્વાસ લીધા. ફરી સંડાસમાં જઈને પેલી છત પર વળગીને ચૉટેલી ગરોળીને જોઇ. ગરોળી આટઆટલી ધમાલ, બુમાબુમ વચ્ચે પણ સ્થિતપ્રજ્ઞ શી એમ જ છતને વળગેલી હતી. એ શાંતિકાકાનું મોત બનવા નહોતી આવી.

શાંતિકાકાએ એ ગરોળીને બે હાથ જોડીને પ્રણામ કર્યા.

*********************************************

નવીન બેન્કર-   લખ્યા તારીખ-   ૨૮ માર્ચ ૨૦૧૫

મારા, સાઇકલ સાથેના સંસ્મરણો

મને  મારી જૂનીપુરાણી સાયકલ યાદ આવી ગઈ.૧૯૫૮ની સાલમાં હું મેટ્રીકમાં ( S.S.C.)માં હતો ત્યારે વહેલી સવારે ચાર વાગ્યે ઉઠીને છાપાં નાંખવા જતો હતો. મારી પાસે સાયકલ લાવવાના પૈસા ન હતા. એ વખતે નવી હર્ક્યુલસ સાયકલ બસ્સો રુપિયામાં મળતી અને રેલે સાયકલ અઢીસો રુપિયામાં. હું કડકડતી ઠંડી હોય કે વરસતો વરસાદ,ઉઘાડા પગે,સાંકડીશેરીથી ખાડીયા,સારંગપુર થઈને, રેલ્વે સ્ટેશને જતો.‘સંદેશ‘, ગુજરાત સમાચાર‘ અને‘ જનસત્તા‘ની થોકડી લઈને દોડતો,સારંગપુર દરવાજા, સારંગપુર ચકલા,રાયપુર ચકલા, ઢાળની પોળ, માંડવીની પોળ, માણેકચોક થઈને ગ્રાહકોને છાપાં આપી આવતો.થોડાક છૂટક પણ વેચતો.ચંપલ પહેરવાથી ઝડપથી દોડી ના શકાય અને પટ્ટી તૂટી જાય તો રીપેર કરવાનો એક આનો આપવો પડે ! એક પળે મને સાયકલ ખરીદવાની ઇચ્છા થઈ અને જેમતેમ કરીને ચાલિસ રુપિયા ભેગા કરીને એક સેકન્ડહેન્ડ સાયકલ ખરીદી હતી.એ સાયકલની સાથે મારી કેટકેટલી યાદો જોડાયેલી છે !

એ સાયકલ પર મારા નાના ભાઇ વીરુના જન્મ વખતે હું મારી બાને દેડકાની પોળની હોસ્પિટલમાં ટીફીન આપવા જતો હતો..નાનકડા વીરુને આગળના દંડા પર બેસાડીને હવામાં ઉડતો હતો અને વીરુ સાયકલની ઝડપથી ડરીને રડવા લાગતો એ જોઇને મને મઝા આવતી હતી.  એ સાયકલની આગલી સીટ પર પ્રેમિકાઓથી    માંડીને પત્નીને બેસાડીને જે લહેર કરી છે તેની યાદો અત્યારે આ વાર્તા વાંચતાં નજર સમક્ષ તાદ્ર્યુશ થઈ ગઈ.પાલડીથી મણીનગર સ્ટેશને સાયકલ પર જઈને સાયકલને  સાયકલ-સ્ટેન્ડ પર મૂકી ,ગુજરાત એક્ષપ્રેસમાં વડોદરા અપ ડાઉન કરતો..પત્નીને સાયકલ પર ડબ્બલ સવારીમાં બેસાડીને છેક પાલડીથી સરસપુરના આંબેડકર હોલમાં ‘અમે અમદાવાદી‘ નાટક જોઈને રાત્રે એક વાગ્યે પાછા સરસપુરથી પાલડી આવેલા..પાલડીથી સરખેજના ‘સપના‘ સિનેમામાં તો ઘણા પિકચરો  ડબલસ્વારીમાં જઈને જોયાનું સ્મરણમાં છે.આખા અમદાવાદ શહેરના રસ્તાઓ એ સાયકલ પર ખૂંદી વળતો હતો. એ સાયકલ પર, જમાલપુરના મુસ્લીમ વિસ્તારમાં હુલ્લડો વખતે માર ખાઇને અધમુવો પણ થઈ ગયાનું સ્મરણ છે.

ખૂબ ખૂબ સ્મરણો છે મારી એ સાયકલના..૧૯૮૦માં હું અમેરિકાથી અમદાવાદ પાછો ગયેલો ત્યારે પણ અમે બન્ને, સાયકલ પર ડબલસવારીમાં જ ફરતા અને સોસાઈટીવાળાઓ મશ્કરી કરતા.

એક રમૂજી ઘટના કહી દઊં.

૧૯૮૦માં મારી નાની બહેન  સુષમા માટે પસંદ કરેલા છોકરાને જોવા માટે અમે-હું અને મારી પત્ની-મારી બહેન દેવિકાના ફ્લેટ પર આંબાવાડીમાં સાયકલ પર ગયેલા. વેવાઇપક્ષના સભ્યો સાથે વાતચીત કરી, ચા-પાણી પીને પાછા ફરતાં કોઇએ પુછ્યું-‘ ‘તમે વેહિકલ લઈને આવ્યા છો ને ?’

મેં હા પાડી. પુછનારે કહ્યું-‘તો તમને આમને ડ્રોપ કરવાનું ફાવશે ? અને..મારે સ્પષ્ટતા કરવી પડી કે અમે તો સાયકલ પર ડબ્બલસવારીમાં આવ્યા છીએ‘.

૧૯૮૩ની સાલમાં હું આ રીતે ડબલસવારીમાં એલિસબ્રીજના લક્કડીયા પુલ ના ઢાળ પરથી ટાઉનહોલ બાજુ જતો હતો ત્યારે ઢાળ ચડાવવામાં મને શ્રમ પડતો જોઇને બકુએ કહ્યું-‘હું ઉતરી જઊં છું અને ઢાળ ચઢીને આગળ આવું છુ.‘ કહીને એ ઉતરી ગઈ. અને હું મારી ધૂનમાં ને ધૂનમાં પેડલો મારતો આગળ વધતો ગયો. મેં એની વાત સાંભળી જ નહોતી. એ ઉતરી ગઈ એ પણ મને ખબર નહોતી પડી.આમે ય એ હંમેશાં આવી  જ દુબળી પાતળી રહી છે. ક્યારેય એનું વજન ૧૧૦ કે ૧૧૫થી વધ્યું જ નથી. આજે સીત્તેર વર્ષની વયે પણ એ ‘પાતળી પરમાર‘ જ રહી છે.

હું તો પેડલો મારી મારીને છેક ટાઉનહોલ સુધી પહોંચી ગયો. જ્યારે મને ખ્યાલ આવ્યો કે મારી બકુ સાયકલ પર નથી તો મને ધ્રાસ્કો પડ્યો કે પુલ પરથી એ નદીમાં પડી તો નથી ગઈ ને ! હું પાછો ફર્યો. તો..એ સાઇડ પરની પગથી પરથી ચાલતી ચાલતી આવતી હતી. મેં સાઇકલનું ગવર્નર ઘૂમાવ્યું ને એને બેસાડી દીધી.

આ સાયકલને એક વાર એક્સિડંટ થયો હતો અને એનું આગળનું વ્હીલ અને ગવર્નર કચડાઇ ગયા હતા.નસીબજોગે મને થોડા ઉઝરડા સિવાય કોઇ ખાસ ઇજા થઈ ન હતી. મારી સાઈકલની એ હાલત જોઇને મેં એક ટૂંકી વાર્તા લખી હતી-‘એ કચડાઇ ગઈ‘ , જે એ જમાનામાં ‘ચાંદની‘ વાર્તામાસિકમાં પ્રસિધ્ધ થઈ હતી.

સાઇકલ તો મને એટલી પ્રિય કે હ્યુસ્ટનમાં નવો નવો આવેલો ત્યારે વેસ્ટહેમર અને ફોન્ડ્રનના કોર્નર પરના એક પોન શોપમાંથી યુઝ્ડ બાઈસીકલ ચાલીસ ડોલરમાં ખરીદી લાવીને એકાદ વર્ષ સુધી મેં ચલાવેલી. જૂના મહાત્મા ગાંધી સેન્ટરમાં સાઇકલ ચલાવીને જઈને, નવરાત્રિના પ્રોગ્રામ વખતે ખંજરી વગાડ્યાનું પણ મને યાદ છે.

૧૯૯૭માં ઘૂંટણના ઓપરેશન પછી પણ હું સાઇકલ ચલાવતો હતો અને મારે ફાંદ નહોતી.

છેલ્લી વખત મેં સાઇકલ ચલાવી-૨૦૦૮ના ફેબ્રુઆરિમાં. ગયા  વર્ષે હું અમદાવાદ ગયો અને સાઇકલ-સ્વારી કરી તો ત્રણ વખત ગબડી પડ્યો. એવું જ એક્ટીવા અને સ્કૂટરમાં થયું. ડોક્ટરે કહ્યું  ‘નવીનભાઇ, તમારા બન્ને પગનું બેલેન્સ નથી રહ્યું.હવે ક્યાં તો સ્કૂટરને  પાછળ બીજા બે પૈડા નંખાવો અથવા ફોર વ્હીલર જ ખરીદી લો.હવે ઇકોતેર તો પુરા થઈ ગયા ને ! અને ૩૦ વર્ષ અમેરિકામાં રહ્યા છો તો પૈસાને શું કરશો ?  ગાડી લઈ લો અને ડ્રાઇવર રાખી લો !‘

હું એ દિવસે ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડ્યો હતો. હું એ લોકોને કેમ સમજાવું કે મને જે આનંદ, થ્રીલ સાઇકલમાં આવે છે એ કાર ચલાવવામાં નથી આવતો !

ગયા જાન્યુઆરિથી માર્ચ માસ દરમ્યાન હું અમદાવાદમાં બસ અને રીક્ષામાં મુસાફરી કરતો હતો ત્યારે મેં મારી એ સાઇકલોને ખૂબ ખૂબ મિસ કરી હતી.

આજે ય જીમમાં જઈને સ્ટેન્ડીંગ સાઇકલ પર પેડલ મારું છું ત્યારે પણ મારું મન ભરાઇ આવે છે.

અને…મન ગાઇ ઉઠે છે-‘ વો દિન યાદ કરો..વો હંસના ઔર હંસાના…‘

૧૩મી મે ૨૦૧૨ થી ૧૩મી મે ૨૦૧૩ સુધીનું એક વર્ષ અમારું

‘પ્રસન્ન-દાંપત્ય સુવર્ણજયંતિ વર્ષ છે- ગોલ્ડન જ્યુબીલી..૫૦મું વર્ષ…

શ્રીરામ…શ્રીરામ…

નવીન બેન્કર

૭ મે ૨૦૧૨

 

ખેલ -ચારુશીલા વ્યાસ

Feb 16th 2015

મહારાષ્ટ્ર ના એક નાના ગામડામાં પિતા પુત્ર રહેતા હતા માતા  મૃત્યુ પામી હતી  પિતાનું નામ કાનજી હતું  પુત્રનું નામ મોહન હતું  કાનજી ઢીંગલીઓ ઓ બનાવીને શણગારતો  અને ખેલ બતાવતો  મોહન તેને મદદ કરતો પણ ગામડામા પૈસા ખર્ચીને ખેલ જોવા કોણ આવે?પુત્ર ગરીબી થી  કંટાળ્યો હતો તેનો મિત્ર ગામ છોડીને મુંબઈ જતો રહ્યો તેને પણ થયું  કે  આ  ગામમાં હવે કઈ નથી તેણે તેના પિતાને મુંબઇ જવા કહ્યું તેણે કહ્યું કે મુંબઈ જઈને ખેલ કરીશું ખૂબ પૈસા કમાઈ પાછા આવીશું ભૂખમરા ના દિવસો જતા  રહેશે પણ પિતાને પોતાનું ગામ  નહોતું  છોડવું તે  ત્યાં જ  મોટો  થયો  હતો ત્યાં જ પત્ની  સાથે  સંસાર માંડ્યો હતો તેની  માયા તજી નહોતો શકતો પિતા પુત્ર  વચ્ચે રોજ આ ઝગડો થતો  મોહનને  નિરાશા માં  ઘેરાતો જોઇને  કાનજીએ  પોતાની જીદ  છોડી દીધી મોહન રાજી થઈ ગયો એક  નવી આશા સાથે જે  જે  ખેલ  માટે હતું તે  બધું ભેગું કરી મુંબઈની બસમાં બેસી ગયાં મોહને  તેના  દોસ્તને ખબર આપી  દીધી  બસસ્ટોપ  પર તેનો મિત્ર રમેશ આવ્યો તેના  મો  પર  વિષાદ હતો  રમેશ  તેને આવકારી  ન  શક્યો  કાનજી તે જાણી શક્યો પણ  મોહન  ઉત્સાહ માં જાણી  ન  શક્યો  રમેશ  તેઓને દૂર આવેલી ઝૂપરપટ્ટી માં  લઇ ગયો તેની  નાની ,ગંદી ઝુંપડી પાસે લઇ ગયો અને ભાત અને મીઠું ખવડાવ્યું મોહન તો  આભો બની ગયો આ મુંબઈ ? આનાથી  તો મારું ગામ સારું  હતું હવે તો  આવી ગયા પૈસા  કમાઈને તો પાછા જ  જવાનું  છેને /રમેશે  તેની  તંદ્રા  તોડતાં  કહ્યું ‘જો , મોહન  અહી  જગ્યા  શોધીને એક ઝૂપડું બનાવી  લે  આ જ  અહિની જિંદગી છે  મને  પણ અહી  આવીને  જ  ખબર પડી કે  મુંબઈ આવું  છે કાનજી દુઃખી  થઈ ગયો। ;’હું ના પાડતો હતો ને ?”ચાલ હવે તારો શું વિચાર છે ?

‘ચાલ પાછા જતા રહીએ ‘

‘ના બાપુ ના આવ્યા છીએ તો થોડા પૈસા કમાઈને  જઈશું મારે  તો  અહી જ રહેવું છે ’

કમને  કાનજી એ મોહનને  મદદ કરવા માંડી  ઝૂપડું  બની  ગયું। મોહન બધું ગોઠવી ને ઢીંગલીઓ કાઢીને  શણગારવા લાગ્યો તેના ઉત્સાહ નો પાર  નહોતો તે પોતાનો સમાન એક થેલામાં ભરી બહાર જવા  બદલ, લાગ્યો  કાનજીએ પૂછ્યું ’ખેલ કરશું ક્યાં ?” તેણે કહ્યું સરસ  ’બાપુ હું જગ્યા શોધી કાઢીશ ’તમે ચાલો તો ખરા ’બેઉ  ઉપડ્યા  એક જગ્યા એક  જગ્યાએ ખૂણામાં  તંબુ લગાડવા  ની  શરુવાત  કરી  કે એક પોલીસે  આવીને ત્યાંથી ખસેડ્યા  વળી  બીજી જગ્યાએ  જઈને બેઠા  ત્યાંથી દુકાનદારે  તેમને કાઢયા તે દિવસ  સાવ નક્કામો  ગયો આમ  ને  આમ  થોડા દિવસો નીકળી ગયા  લાવેલી ’મૂડી  વપરાવા લાગી  જ્યાં તેઓ  રહેતાં હતાં તેની નજીક જ ખેલ બતાવવાનું નક્કી કર્યું નાની  અને  ગંદી  જગ્યા માં ઝૂપડાઓ નજીક કોણ જોવા આવે? થોડો વખત જેમતેમ ચલાવ્યું પૈસા બેપૈસા મળતાં

જીવનમાં  નિરાશા વ્યાપવા લાગી  કાનજી ને પસ્તાવો થવા લાગ્યો મોહન ના સાથ આપવા બદલ। તેનું મન તેના ગામમાં પહોચી ગયું  ગામડાની ખુલી હવામાં રહેવા ટેવાયેલો  હોવાથી તેને અહી ગુંગળામણ  થતી હતી અપૂરતો ખોરાક અને ગંદકીને લીધે તે માંદો રહેવા લાગ્યો અને ધીમે ધીમે  તે ઘસાવા લાગ્યો એક દિવસ તે મોહનને એકલો મૂકી   આ દુનિયા છોડીને  છોડીને  ચાલી નીકળ્યો મોહન  બેબાકળો  બની ગયો  રમેશે  તેને હિમ્મત  આપી મોહને વિચાર્યું કે હવે રહીને શું કરું?ગામમાં જઈને પણ શું કરું?મારી ભૂલ થઇ ગઈ ને બાપુ ને પરાણે અહી લાવ્યો એ તો જતા રહ્યાં હું આ દુનિયામાં એકલો થઇ ગયો તે નિરાશા માં ડૂબી ગયો તેને કઈ ગમતું નહોતું હવે હું જીવીને શું કરીશ?

એક દિવસ  વહેલી સવારે તેના ઝૂપડા નજીક એક નાના બાળકનો રડવાનો અવાજ આવ્યો  મોહન આખી રાત  શું કરવું ના વિચાર માં જાગતો જ પડ્યો  હતો  તે સફાળો ઊઠયો અને દોડીને  બહાર ગયો જોયું તો એક કપડામાં એક બાળક હાથ હલાવતું રડતું હતું તેણે ઝડપથી  તેને ઉઠાવી  લીધું અને તે શાંત થઇ ગયું મોહન સામે હસ્યું જાણે તે  મોહનની  જ  રાહ જોતું  હતું મોહને તેને ગળે લગાડી દીધું આંખમાં થી હર્ષ ના આસું વહેવા લાગ્યા જાણે તેના બાપુ  પાછા આવ્યા તે  તેને વ્હાલ ભરી બ્ચ્ચીઓ ભરતો પોતાની ઝુપડી માં ગયો થોડું દૂધ હતું તેમાં પાણી નાખી તેને પાયું કેવી રીતે પાવું ? તે મૂંઝવણ માં હતો  પણ તેને એક પવાલું દેખાયું તેણે તેનાથી તેને દૂધ પાયું નિરાતે સુઈ ગયું મોહન પણ તેની બાજુમાં સુઈ ગયો કેટલાય દિવસ પછી તેને  સરસ ઊંઘ આવી  સરસ ઉઘ આવી ગઈ થોડા  સમય પછી બાળકના રડવાના અવાજથી તે જાગી ગયો તેના કપડા ભીના થઇ  ગયા હતા મોહન સમજી ગયો કે તેણે સુસુ  કર્યું હશે પણ કપડા તો નથી તેણે તેના પિતાનો એક ખેસ પહેરાવવા નો વિચાર કર્યો મોહને તેના શરીર પરથી કપડા દૂર કરી કોરા કપડામાં સુવાડવા ગયો ત્યારે તેને ખબર પડી કે આ તો છોકરી છે તેને ખુબ ખુશી થઈ તે ગાવા લાગ્યો ’માઝા ઘરી લક્ષ્મી આલી ’ હવે મારી બધી મુશ્કેલી દૂર થઈ જશે તેની જિંદગી માં ખુશી છવાઈ ગઈ     બે ત્રણ દિવસ પછી તેની ઝૂપડી બહાર એક કપડાની ભરેલ એક થેલી મળી મોહને આજુબાજુ જોયું કોઈ દેખાયું નહિ તેને ખુબ નવાઈ લાગી  તેમાં નાના બાળક ના કપડા હતા આને પણ ઈશ્વર ની ભેટ સમજી ને બાળકીને પહેવરાવા લાગ્યો નાના બાળકનો અવાજ સાભળીને આજુબાજુ ના લોકો જોવા આવ્યા બધાને પોતાની દીકરીની ઓળખાણ કરાવી તેણે  તેને ઢીગલી નામ આપ્યું એક દિવસ મોહન  ઢીગલી ને લઈને બહાર ઉભો હતો તેને કંઈક દેખાડવાનો પ્રયત્ન કરતો હતો પણ તે કઈ જોતી નહોતી તેટલામાં બાજુવાળી શકુતાઈ ત્યાંથી નીકળ્યા  પણ તેને રમાડવા ઉભી રહી તે કોઈ બાજુ જોતી નહોતી શકુબાઈ એ કહ્યું ;મોહન ,આને દેખાતું નથી અને સભળાતુંય  નથી ’ તે તો આભો બની ગયો બે  મિનીટ તો તે કઈ ન બોલ્યો શકુતાઈ મોટી ઉમરની હતી તેને તે  અંદર લઇ ગઈ બધી બાજુથી અવાજ કર્યા , રંગીન વસ્તુઓ બતાવી પણ ઢીગલી એ ન તો આંખ ફેરવી ,ન તો મો ફેરવ્યું બંનેને ખાત્રી થઇ ગઈ તે જોઈ નથી શકતી કે સાંભળી નથી શકતી। મોહન ચોધાર આંસુએ  રડવા લાગ્યો ઘણા લોકો ભેગા થઇ ગયા તેને આશ્વાસન આપીને ગયા                       ધીરે ધીરે તે સ્વસ્થ થવા લાગ્યો ઢીગલી મોટી થવા લાગી  તે તેને નવડાવતો ખવડાવતો ,માથું ઓળતો પછી ખેલ કરવાજતો  પોતાની સાથે લઇ જતો બાજુમાં સુવાડતો તે ચાલવા લાગી ત્યારે તેને એક વિચાર આવ્યો કે તેના હાથે પણ બીજી પૂતળીઓ ની જેમ હાથે દોરી બાંધી દઉં અને પૂતળીઓની વચ્ચે ઉભીરાખું તો એ મારી સામેજ રહે એનો ખેલ જોઇને કદાચ વધારે પૈસા મળે એક દિવસ એણે જોયું કે એક સારા ઘરની સ્ત્રી ખેલ જો વા ઉભી હતી તે ખુબ પ્રેમ થી વચ્ચે ઉભેલી ઢીંગલી ને જોતી હતી મોહનને નવાઈ લાગી પછી તો એ રોજ આવવા લાગી મોહનને મદદ કરવા લાગી મોહન  એનું કામ પતાવે ત્યાં સુધી ઢીંગલી ને તેડે ,રમાડે તેને તેના ઘર સુધી  મૂકવા આવે ઘણી વાર તેના માટે કપડાં  કે રમકડા લાવે મોહન ખુશ થતો

 આવી એક સાચી ઢીંગલી પૂતળીઓ સાથે નાચે છે એ વાત ફેલાતાં એક પત્રકાર છોકરી તે જોવા આવી તેને મોહન સાથે દોસ્તી થઇ ગઈ તેણે પેલી  આવી અને સ્ત્રીને પણ જોઈ તેની સાથે ઓ ળખાણ કરી પત્રકાર છોકરીનું નામ સ્વરા હતું  એક દિવસ સ્વરાએ મોહનને કહ્યું કે ’મારા એક મિત્ર છે એ બહુ સારા ડોક્ટર છે ,ચલ આપણે ઢીંગલી ને બતાવીએ તે હવે ચાર વર્ષની છે એટલે તેનો ઉપચાર કરવો સહેલો પડશે  મોહન તો રાજી થઇ ગયો ત્ર સ્વરા સાથે ડોક્ટર પાસે ગયો ઢીંગલી ને તપાસીને કહ્યું કે ’તેનો ઈલાજ થઇ શકે જો તેને કોઈની આંખ મળે તો ’એક વાર તે જોઈ શકે તો સહેજ મોટી થાય પછી કાનની સારવાર થઇ શકે ”મારી આંખ લઇ લો મારી ઢીંગલી ને દેખતી કરી દો ”ડોકટરે કહ્યું ’ભાઈ તેને માટે ઘણા પૈસા જોઇશે એટલું સહેલું નથી ”સ્વરા બોલી ’મોહન તારી આંખ આપીશ તો તેનું ધ્યાન કોણ રાખશે? આપણે બીજું કઈ કરવું પડશે ’                                                                                           મોહન નિરાશ  થઇ ગયો  ખુબ દુખી થઇ ગયો પણ તેણે આશા ન  છોડી તેણે વિચાર્યું,’ કઈ નહિ હું ગમે તેમ કરીને પૈસા ભેગા કરીશ  ને મારી ઢીંગલીને સા જી કરીશ ’મોહન તેના હાથે દોરી બાંધી રાખતો તેને જે બાજુ લઇ જવી હોય તે બાજુ દોરતો ઢીંગલી તે બાજુ ચાલવાલાગતી। રોજ ની જેમ આજે પણ  એ ખેલ કરવા નીકળ્યો  મન ખાટું થઇ ગયું હતું  પેલી સ્ત્રી ફરી ત્યાં આવી અને સ્વરા પણ ત્યાં આવી તેણે મોહનને કહ્યું ’મોહન મેં ડોનેશન માટે ઘણાને વાત કરી છે ,કંઈક સગવડ થઇ રહેશે ,તું ચિંતા ન કરીશ ’ આ વાત સાંભળી ને પેલી સ્ત્રી સ્વરા પાસે ગઈ અને તેને પૂછ્યું ’શું થયું ? હું કંઈ મદદ કરું?’સ્વરા એ તેની સામે જોયું તેને યાદ  આવ્યું કે આ તો ઘણી વાર અહી આવીને ઢીંગલી સાથે રમતી હતી તેણે બધી વાત તેને કરી તેણે કહ્યું ’હું મદદ કરું?મારા પતિ ને વાત કરીશ ’ સ્વારાને આશ્ચર્ય થયું તે શા માટે મદદ કરવા તૈયાર થઈ છે તે જાણવું પડશે શા માટે તે રોજ અહી આવે છે?

  ધીરે ધીરે તેની સાથે મિત્રતા વધારી અને એક દિવસ પેલી સ્ત્રી એટલે મીના એ કબુલ કર્યું કે જન્મથી આંધળી છોકરીને તેનો પતિ રાખવા તૈયાર નહોતો તેથી તેણે તેનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો પતિ ની  વિરુધ્ધ જવાની તેની હિમ્મત નહોતી ખુબ કડક હતો પૈસાદાર પતિ ને પોતાની આ બરૂ વહાલી હતી મીના તો એની માં હતી તેને ખબર હતી કે તેની દીકરી ને મોહને અપનાવી હતી તેથી ત્યાં આવતી તેણે

ઘરે જઈને પોતાના પતિ ને કહેવા નું નક્કી કર્યું આમ પણ આ પાંચ વર્ષમાં તેને બીજું બાળક નહોતું થયું તેને પોતાની ઢીંગલી પાછી જોઈતી હતી તે પોતાની જીદ પકડી અને ડોક્ટર વળી વાત કહી ’જુઓ આપણી દીકરી સજી  થઇ શકે એમ છે ” તે માંડી ને વાત કરવા માંડી તેના પતિ એ પોલીસ ની મદદ માગી પોલીસ તેની પાછળ પડી સ્વરાએ મોહનને ઢીંગલી ને  તેમને આપી દેવા સમજાવ્યો  પણ તેના પ્રેમે ના પાડી તે ઢીંગલી ને લઇ ને ભાગ્યો ભાગતા તે થાકી ગયો વરસાદ પણ પડવા લાગ્યો હતો એ એટલો થાકી ગયો હતો એક જગ્યાએ તે  બેઠો અને તેની આંખ મીચાઈ ગઈ ઢીંગલી તેને ભેટીને ,વળગી ને તેના ખોળામાં પડી હતી ખુબ વરસાદ પડતો હતો તેને બીક લાગતી હતી

એટલામાં ત્યાં એક  માણસ પણ વરસાદથી બચવા ઉભો રહ્યો તેણે દારૂ પીધો હતો તે મોહનને ઓળખતો હતો તે પણ ત્યાજ રહેતો હતો તેના મગજ માં કુવિચાર આવ્યો તેને ખબર હતી કે ઢીંગલીને કેવી રીતે દોરવી તેણે તેના હાથે બાંધેલી દોરી ખેચી ઢીંગલી ને થયું હવે જવાનું છે તેને મોહન લઇ જાય છે તે ચાલવા લાગી પેલો થોડે દૂર લઇ ગયો તે ઢીંગલી ના શરીર પર હાથ ફેરવવા લાગ્યો ઢીંગલી અકળાઈ તે  જાણી ગઈ  કે આ મોહન નથી ત્યાતો મોહન જાગી ગયો ઢીંગલી ને શોધવા લાગ્યો ત્યાં તેને દૂર પેલો અને ઢીગલી દેખાયા દોડી ને ત્યાં ગયો પેલાને પકડીને ખૂબ માર્યો ”મારી ઢીંગલી ને હાથ લગાડયો ?તારી હિમ્મત કેવી રીતે થઇ?”મોહને તેને મારી મારીને બેભાન કરી નાખ્યો તે ઢીંગલીને લઈને ચાલવા લાગ્યો પોતાની ઝુપડીમાં જઈ ને રડવા લાગ્યો બીજે દિવસે તેણે સ્વરા ને બોલાવી ને કહ્યું કે તે ઢીગલી ને પાછી આપવા તૈયાર છે સ્વરા ને નવાઈ લાગી મોહને કહ્યું ”મારી  પાસે પૈસા નથી ,તેની સંભાળ મારા કરતાં વધારે સારી રીતે રાખી શકશે ”

બીજે દિવસે સ્વરા તેના માબાપ ને લઈને ત્યાં પહોચી મોહન તેને તૈયાર કરતો હતો આંખમાંથી આસુનો ધોધ વહેતો હતો ઢીંગલી ને સમજાઈ ગયું કે આજે કઈ જુદું થવાનું છે તે મોહનના મો પર હાથ ફેરવવા માંડી તેણે તેના હાથની દોરી છોડી નાખી નવું ફ્રોક પહેરાવ્યું ,ચોટલા વાળ્યા એટલામાં તેઓ આવી પહોંચ્યા મોહને તેમને ઢીંગલી સોંપી દીધી તેની મા એ તેડી લીધી અને જલ્દી જલ્દી ચાલવા લાગી જાણે કોઈ તેને  મોહન તેની પાસેથી ઝૂટવી લેશે થોડું ગયા ત્યાં ઢીગલી રડવા લાગી ,તેના પિતાએ તેડી લીધી તે તેને મારવા લાગી ,નીચે ઉતરવા નો પ્રયત્ન કરવા લાગી સ્વરાએ સૂચવ્યું કે ”આપણે પાછા મોહનની પાસે લઇ જઈએ તે તેને શાંત કરી દે પછી લઇ જઈશું ”ઝૂપડી માં પહોચતાં તે નીચે ઉતરી ગઈ દીવાલને ટેકે ટેકે મોહનને શોધવા લાગી સ્વરાએ મોહનને બૂમ પાડી પણ કઈ જવાબ ન આવ્યો તે દરવાજા તરફ પીઠ કરીને દીવાલ ને ટેકો દઈને   બેઠો હતો ઢીંગલી તેના મો પર હાથ ફેરવી ને તેને બોલાવતી હતી સ્વરે જઈને જોયું તો તેના હાથમાંથી લોહીની ધારા વહેતી હતી પાસે એક ચિટ્ઠી પડી હતી તેમાં લખ્યું હતું” મારી આંખ મારી ઢીંગલી ને આપશો ,આમ પણ ઢીંગલી વગર હું જીવીને શું કરું?મારી ઢીંગલી નું ધ્યાન રાખજો ”

    ત્રણે ય જાણ સ્તબ્ધ થઇ ગયા આ તે કેવો પ્રેમ ,આ તો કેવો કુદરત નો ખેલ —–

(પ્રેરિત )

 

બદલો ચરુશીલા વ્યાસ

હિન્દુસ્તાન આઝાદ થયા પછીની આ વાત છે 1948 ની સાલ પછી જે નાના નાના રાજ્યો હતાં તે બધાંને એક કરી દેવામાં આવ્યા  રાજાઓના રજવાડા છીનવાઈ ગયા છતાં તેમને  ગવર્મેન્ટ તરફથી સાલીયાણું મળતું રહેવા મહેલ અને વાપરવા  ખૂબ પૈસા કામકાજ કઈ નહિ આમ પણ તેઓ આળસુ અને એશ કરવામાં પારંગત હતાં સભામાં નાચગાન અને દારૂ ના નશામાં ચકચૂર રહેનારા ભૂત ને નિસરણી મળી  એવા જ એક રાજા ની આ જીવન કહાની છે

માનસિહ નામનો રાજા હતો રાજપાટ છીનવાઈ જતા તેનો રોફ ,અક્કડ ઢીલા પડી ગયા તે ખૂબ  ઐયાશી હતો  તેનું ચરિત્ર જરાય સારું નહોતું તેની પત્ની બહુ સારી અને ચારિત્રવાન હતી  તેનું નામ સુશીલા હતું પતે પરિસ્થિતિને સમજી ને જીવતી હતી પતિ સમજાવવા પ્રયત્નકરતી

સુશીલા –“હવે કંઈક સમજો ,આપણને ભગવાને સંતાન નથી આપ્યું પણ આપણે દત્તક લઈએ  મને પણ ગમે ,રાજપાટ તો રહ્યું નથી લોકો સાથે ના સબંધ નથી રહ્યા “

માનસિહ –“જાજા હવે ગાંડી થામાં મારે કોઈ પળોજણ નથી જોઈતી તું  તારે પૂજા પાઠ કર અને મને મારી રીતે જીવવા દે “

સુશીલા —“પણ આ રોજ તમે ઐયાશી કરો છો તે સારું નથી કેટલી સ્ત્રીઓ ની જીદગી બગાડશો ? તમને કેટલો શાપ આપશે તેની ખબર છે? ભગવાનથી ડરો ઘર માં એક બાળક આવશે   તો તમે સીધા રહેશો “

માનસિહ ને  ગુસ્સો આવ્યો અને સુશીલને જોર થી બે તમાચા મારી દીધા તે જમીન પર પડી ગઈ વળી બે ત્રણ લાતો પણ મારી દીધી સુશીલા કણસતી રહી

માનસિહ ની ખરાબ ટેવો  ને લીધે કોઈ આવતું નહી અને કોઈ સબંધ નોતું રાખતું ઘરમાં કોઈ સ્ત્રી કામકરવા નોતી  આવતી એક જ ડોસો જુનો હતો તેથી સુશીલા પર દયા ખાઈ ને આવતો

એક રાત્રે માનસિંહ એક સોળ સત્તર વર્ષની છોકરી ને લઈને આવ્યો શુશીલા તેને જોઇને ચોકી ગઈ તે રડતી હતી ગરીબ ઘરની લાગતી હતી તેના વાળ વિખરાયેલા હતા. તેણે તેના પતિ સામે ગુસ્સામાં જોયું તેને એક બાજુ લઇ ગઈ ને પૂછ્યું

“આ શું આટલી નાની છોકરીને લઇ આવ્યા? શરમ નથી આવતી?”

”  અરે એ રડતી રસ્તામાં બેઠી હતી એકલી હતી ક્યાં જાય બિચારી એટલે લઇ આવ્યો ”

છોકરી મોટા અવાજે રડવા માંડી સુશીલા ને દયા આવી તેણે તેને પાણી આપ્યું તે જમીન પર બેસી ગઈ હજીય એના ડૂસકા સંભળાતા હતા સુશીલા એ માનસિહ ને જમવા બોલાવ્યો બેઉ જમવા બેઠા આજે  તે જરા જુદો લાગતો હતો એનો ઈરાદો સમજાતો નહોતો

સુશીલા એ પેલી છોકરીને પૂછ્યું “તને ભૂખ લાગી છે? આવ ખાઈ લે અમારી સાથે ‘  તે ડોકું હલાવી ને ટેબલ પર જમવા બેથી સુશીલાએ પ્રેમ થી થાળી પીરસી તે નીચું જોઇને ખાવા લાગી તે હજી પણ ગભરાયેલી લગતી હતી માનસિહ જમીને કઈ પણ બોલ્યા વગર ઉભો થઇ ગયો ચુપચાપ પોતાના રૂમમાં જતો રહ્યો સુશીલા ને ખૂબ નવી લાગી જમ્યા પછી સુશીલાએ પૂછ્યું

“તારું નામ શું છે?’

“મોતી ,લાઓ તમને મદદ કરું?'”

”   નાના ,તારું ઘર ક્યાં છે ?”

‘ મારે  ઘર નથી ,એક ધર્મશાળા માં કામ કરીને ત્યાંજ બહાર ઓટલા પર સુઈ જાઉં છું માબાપ  મરી ગયા છે કોઈ નથી આજે મારી એક ભૂલ માટે મને કાઢી મૂકી એટલે હું રસ્તા પર બેસી  રડતી હતી અને સાહેબ મને ઘરે લઇ આવ્યા ” ફરી તે રડવા માંડી  સુશીલા ને દયા આવી તેણે વિચાર્યું કે આજની રાત તે ભલે સુઈ રહેતી સવારે જોઈશું આમ પણ મારે કામવાળી ની જરૂર તો છે ,પણ મારે ધ્યાન રાખવું પડશે

તે મોતીને કોઠાર માં લઇ ગઈ ત્યાં એક ગોદડું નાખી દીધું અને તેને ત્યાં સુવાનું કહ્યું જતા જતા બારણું બંધ કરી દીધું. કામકાજ પતાવી ને બેઠી ત્યાં માનસિહ આવ્યો તેણે પેલી છોકરી વિષે પૂછ્યું સુશીલાએ બરાબર જવાબ ન આપ્યો માંનસિંહે ફરી જોરથી પૂછ્યું ત્યારે સુશીલાએ તે સુઈ ગઈ છે એમ કહ્યું તે પાછો જતો રહ્યો અને દારૂ ની બોટલ કાઢી ને પીવા ની શરૂઆત કરી

થોડી વાર પછી નીચે કઈ અવાજ આવ્યો તે દોડી ને જોવા ગઈ માનસિહ દરેક રૂમ ના દરવાજા ખોલીને મોતીને શોધતો હતો તે બે હાથ પહોળા કરીને વચ્ચે ઉભી રહી ગઈ તેણે નક્કી કર્યું હતું કે આ છોકરી ને બચાવશે માંનસિંહે તેને ખુબ માર્યું ,ગાળો આપી પાછો આગળ વધીને કોઠાર નું બારણું ખોલીને જોઇને પાછો ચાલી ગયો આ બધું જોઇને મોતી ગભરાઈ ગઈ સુશીલાએ તેને ધરપત આપી તેની રક્ષા કરવાનું  વચન આપ્યું.

અડધી રાત્રે વળી કૈક અવાજ આવ્યો અમાસની રાત હતી એટલે એકદમ અધારું હતુસુશીલાએ બે પડછાયા જોયા નાઈટ લેમ્પ માં મો ન દેખાયા એક પુરુષનો અવાજ આવ્યો ‘”જે હોય એ બધું કાઢીને આપી દો  નહીતો જાનથી હાથ ધોવા  પડશે હતી  શુશીલાએ જલ્દીથી લાઈટ કરી જોયું તો મોતી  એક છોકરા સાથે ઉભી હતી છોકરાના હાથમાં બંદુક હતી તેઓ ચારે બાજુ થી ભેગું કરવા લાગ્યા હતા માનસિહ સામે બંદુક તાકી હતી તિજોરીની ચાવી હાથ લગતા તેમાંથી  જર ઝવેરાત થેલામાં ભરવા માંડ્યા હવે સમજાયું કે આવી રીતે ઘરમાં ઘૂસવાનો પ્લાન મોતી અને તે છોકરાનો હતો

માંનસિંહે પોલીસ  ને ફોન  કર્યો ત્યાં પેલા છોકરાએ ગોળી ચલાવી માંનસિંહને સાથળ માં વાગી તે બેભાન થઇ ગયો કઈ કેટલાય વર્ષો સિતમ અને અત્યાચાર સહન કરી થાકેલી સુશીલા ના મો પર એક સ્મિત ફરકી ગયું

પોલીસ ના હાથે પકડાઈ જઈશું ની બીક થી બેઉ ભાગી ગયા ઉતાવળ માં બંદુક ત્યાં ભૂલી ગયા થોડી વાર માનસિહ ના બેભાન બનેલા દેહ સામે જોયા કર્યું પછી સુશીલાએ એક રૂમાલ થી બંદુક હાથમાં લીઘી કેટલાય વરસો ની નફરત આગ બની ને નીકળતી હતી તેણે માનસિહ પર બે ત્રણ ગોળીઓ છોડી બંદુક લુછી સાફ  કરીને  મૂકી દીઘી વરસોની હીણપતભરી જિંદગી આપનાર માનસિંહ સાથે બદલો લેવાઇ ચુક્યો હતો.

પોલીસ આવી તે રડતી હતી આખીય  વાત કરી તેઓ કેવી રીતે પ્લાન  કરીને ઘરમાં ઘૂસીને  સુશીલા ને પણ માર માર્યો હતો , , મોતી   એ  તિજોરી ની ચાવી મેળવવા તેની સાથે હાથાપાઈ કરી હતી લુટારુઓ તેના પતિની હત્યા કરી ને નાસી ગયા સુશીલા ને આશ્વાસન આપી પોલીસોએ બઘી કાર્યવાહી પૂરી કરી તેને જુબાની આપવા પોલીસચોકીએ જવું પડ્યું કાળા સાડલામાં છુપાયેલ તેનો” મુક્તિ નો આનંદ ‘કોઈ જોઈ ન શક્યું ઘરે આવીને નિરાતે ચા પીતાપીતા છાજ્જાની બહાર જોઇને તેના મુખમાંથી ગીત સારી પડ્યું

પંછી બનું ઉડતી ફીરું મસ્ત ગગન મેં

આજ મેં આઝાદ હૂં દુનિયા કે ચમન મેં‘”

આઠમ- પ્રશાંત મુન્શા

સવારનાં આઠ – સાડા આંઠનો સુમાર હતો. અનિલ એનાં બેડરૂમમાં ત્રણ મહિનાના પુત્ર નીલ સાથે ગેલ કરી રહ્યો હતો. અને નીલ ખિલખિલાટ એની સાથે રમી રહ્યો હતો. દોઢ વર્ષની અવની દૂધની બોટલ મોંમાં નાંખીને શાંતિથી ઉંઘી રહી હતી. આજે નવરાત્રીની માતાની આઠમ હતી અને સાંજનાં હવનની તૈયારીમાં ઘરમાં થોડી ચહલપહલ હતી.

બિંદી ઉઠીને અનિલ માટે તથા તેનાં પપ્પા રજનીભાઈ ચા-નાસ્તાની વ્યવસ્થા માટે વહેલી પરવારી રહી હતી કારણ કે એને ઘણી બધી તૈયારી કરવાની હતી. એ બેડરૂમમાં જઈ અનિલ ને ઉઠાડવાં જઈ રહી હતી ને ત્યાંજ ઘુઘરાનો અને નીલ નો એં એં અવાજ સાંભળી એ તરફ જોયું તો અનિલ પથારીમાં જ નીલને રમાડી રહ્યો હતો. રૂમમાં જઈ અનિલને કહ્યું કે ચાલો ઉઠો ને તૈયાર થઈ જાવ કારણ કે ઓફીસે વહેલાં જવાનું છે અને સાંજના વહેલાં ઘરે આવીને ઘણી બધી કાલની તૈયારી કરવાની છે.

રજનીભાઈ તેમના ધર્મપત્ની ઉમાબેન, એમના જુવાન પુત્ર અનિલ, પુત્રવહુ બિંદી અને બે grand children, અવની અને નીલ સાથે નેપીઅન્સી રોડ પર આવેલ ત્રણ બેડરૂમના ભવ્ય ફ્લે્ટ સહપરિવાર સાથે કેટલાંક વર્ષોથી રહેતાં હતાં.

તેમણે નાનપણમાં જ માતાપિતાની છત્રછાયા ગુમાવીને અમદાવાદ મુંબઈ નાના ભાઈ રમેશ તથા બેન અલકા સાથે એમના મોટામામા, પ્રભુદાસમામાને ઘરે ઉછેર્યા હતાં. અને મુંબઈથી દૂર બોરીવલીની ચાલમાં ઉમાબેન સાથે જીવન સંસાર માંડ્યો. મામાની લાગવગથી એમના મિત્ર નવિનભાઈની ઈલેક્ટ્રિક સામાન વેચવાની પેઢીમાં નોકરીથી શરુઆત કરી. નવિનભાઈ મુંબઈની ઈલેક્ટ્રિક બજારનાં એક અગ્રણી વેપારી હતાં અને ઈલેક્ટ્રિક બજારનાં હાર્દ સમા કાલબાદેવી વિસ્તારમા પેઢીના માલિક હતાં.

નવિનભાઈના માર્ગદર્શન તેમજ પ્રોત્સાહનથી પ્રેરાઈને નોક્ર્રીમાંથી છુટા થઈ ઈલેક્ટ્રીક બજારમાં એક ભાડે ટેબલ લઈ પોતાના સ્વતંત્ર ધંધાની શરુઆત કરી. તેમજ નવિનભાઈના આશીર્વાદ રૂપે મળેલ નાની પણ અમુલ્ય મૂડીથી મુંબઈથી દૂર મહારાસ્ટ્રનાં નાના શહેરોમાં આવેલ ફેક્ટરીઓમાં સપ્લાય – વેચાણની શુભ શરૂઆત કરી.

ધંધામાં ઉતરોત્તર ચઢ્તી થવાં માંડી. પત્ની ઉમાબેને પણ રજનીભાઈને ખૂબ જ ઉત્સાહથી સાથ આપતાં તેમજ નાના દિયર રમેશભાઈ તેમજ નણંદ અલકાબેનનાં ઉછેરમાં કયાંય કચાશ ના આવે એનું પણ સતત ધ્યાન રાખતાં.

સમય જતાં મોટી દિકરી વંદનાનો જન્મ થયો અને પછી બીજી પુત્રી ઉલકાનો જન્મ થયૉ અને આમ રજનીભાઈનો પરિવાર બહોળો થતો ગયો. અને સામાજીક અને આર્થિક જવાબદારી પણ વિસ્તરતી ગઈ. દરમ્યાન નાના ભાઈ બહેનને પરણાવવાની ને ઠેકાણે પાડ્વાની જવાબદારી પણ પુરી કરી.. ઇશ્વરની ક્રુપાથી તેમણો ધંધો પણ ખુબ વિક્સ્યો અને પ્રગતિના પાટા પર પુરપાટ દોડવા લાગ્યો. અને સાથે સાથે પરિવારમાં ઉમાબેને પુત્ર રત્ન અનિલનો જન્મ આપ્યો. બોરીવલીની નાની ચાલમાથી બોરીવલીમાં જ બે બેડરૂમના ફ્લેટ્માં રહેવાં ગયાં.

અનિલનાં જન્મ થતાં જ ધંધો પણ ખૂબ વિકસતો ગયો. મહારાષ્ટ્ની મોટી મોટી ફેક્ટરીઓના કોન્ટ્રક્ટો તેમજ ટેન્ડરો એમને જ મળવાં લાગ્યાં. આમ નાણાકીય સંગીનતા આવવાં માંડી. ઇલેક્ટ્રીક બજારમાં એક આગ્રણી તરીકે ગણનાં થવાં લાગી. અને જીવનની પ્રગતિમાં ધંધાકીય સાહસ અને સુઝ્નાં સમન્વયથી સ્થિરતા આવવાં લાગી. ઉમાબેન અંબાજીમાતા ના પરમ અનુયાયી તેમજ શ્રધ્ધાળુ ભક્ત હતાં. ચેત્ર તેમજ આસો મહિના ની દરેક નવરાત્રમાં ઉપવાસ કરી ભક્તિભાવપુર્ણ ઉપવાસનું અનુષ્ઠાન રાખતાં. તદઉપરાંત ખુબ જ નીડરતા અને નિર્ભયતાથી રજનીભાઈ સાથે હરેક બાબતમાં કદમ થી કદમ મિલાવતાં. ધંધાકીય તેમજ સામાજીક નિર્ણયોમાં પણ અગત્યનો ભાગ ભજવતાં હતાં. બોરીવલી નાં બે બેડરૂમનાં ફ્લૅટ્માં થી નેપિઅન્સી રોડ પરનાં ભવ્ય ફ્લેટામાં રોકાણ કરાવી જીવનની સ્થિરતા આણવામાં પતિ રજનીભાઈનાં ઉત્કર્ષના પુર્ણપણે જીવનસંગીની બન્યાં.

આજે આસો માસની નવરાત્રીના તહેવારના આઠમા નોરતાંના પર્વ પર ઘરમાં સાંજના સર્વે આમંત્રિત મહેમાનોની હાજરીમાં નારિયેળ હોમવાનો તેમજ આરતીનો કાર્યક્રમ યોજ્યો હતો. અને જેની તૈયારીમાં બિંદી વહેલી ઉઠીને હાથ બટાવતી હતી. કારણ કે આવતી કાલે વહેલી સવારે અનિલને અમદાવાદ જવાનું હતું અને સાંજના તેણે પણ બાળકોને પ્લેન માં લઈને અમદાવાદ જવાનું હતું.

આજે નવરાત્રીના તહેવારમાં આઠમના નોરતાંનુ સર્વત્ર ખુબ મહત્વ ગણાતું કારણકે આ હિન્દુઓનો મોટો તહેવાર તેમજ દિવાળીને આવકારવાની શરૂઆત રૂપે સર્વે ઠેકાણે ઉત્સવનું વાતાવરણ.અને નવાં વર્ષની ઉજવણીની તૈયારીઓ શરૂ થાય.

આ રજનીભાઈનાં જીવનમાં આ ફક્ત એક તહેવારીય ઉજવણી જ નહોતી પરંતુ એમના વિકસતાં ધંધાનુ એક સીમાચિહ્ન બનવાનુ હતું. એમના વિસ્તરતા જતાં ધંધારૂપે દશેરાના શુભ દિવસે અમદાવાદમાં એમના નવાં ઇલેક્ટ્રોનિક – ટી.વી.શો-રૂમનું ઉદઘાટન કરવાનો કાર્યક્રમ પણ યોજ્યો હતો. અને તેની તડામાર તૅયારીઓ પણ કેટ્લાક દિવસોથી ચાલી રહી હતી. આ કેવળ અનિલ નો પ્રોજેક્ટ જ નહોતો પણ સ્વપનુ પણ હતું. એણે ખુબ જ ચીવટાઈ અને બારીકાઈથી ધ્યાન આપી ને ખુબ જ ઉત્સાહ્થી પિતાની મુડીનું જતનપુર્વક રોકાણ કરવાની જહેમત ઉઠાવી હતી. અને એમાં નીલનો જન્મ પણ શુકનિયાળ પુરવાર થવાનો હતો. આમ ઘરમાં નવાં આગતુંક્નું આગમન પણ નિમિત્ત બનવાનુ કારણ પણ બન્યું હતું. અને આજે ઘરમાં ધંધાના વિકાસથી આનંદ અને હર્ષો ઉલ્લાસનું વાતાવરણ બની રહ્યું હતું. મુંબઈ, મહારાષ્ટ્ર અને અમદાવાદનાં અગ્રણી વેપારીઓ, ગ્રાહકો અને  ફેક્ટરીઓનાં માલિકો અને સ્ટાફ મેંબરો પણ રજનીભાઈ તેમજ અનિલના આંમત્રણને માન આપીને આ ઉદઘાટનમાં વિશેષ હાજરી આપવાના હતાં કારણ કે ઉદઘાટન બીજું કોઈ નહિં પણ નવિનભાઈ કરવાના હતાં જેઓ હાલના મુંબઈ ઈલેક્ટ્રીક એસોશીઅનનાં પ્રમુખ પણ હતાં. અને તદઉપરાંત મુખ્ય મેહમાન તરીકે અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જયક્રુષ્ણ નારાયણદાસ પણ પધારવાના હતાં.

આજે રાતની માતાની આઠમની ઉજવણીની પુરેપુરી તેયારી થઈ ચૂકી હતી અને સાંજના પાંચ વાગ્યાથી ધીમેધીમે આમંત્રીત મહેમનોની આવવાની શરૂઆત પણ થઈ રહી હતી. મંત્રોચ્ચાર, આરતી અને શ્રીફળ હોમવાનૉ સમય થઈ ગયો અને ભવ્ય પ્રસાદની વહેંચણીની પણ તૈયારી થઈ રહી હતી. અને વળી અનિલને આવતી કાલ સવારની ફ્લાઈટ્માં અમદાવાદ રવાના થવાની અને અગત્યની બાબતો પર પણ ધ્યાન રાખવાનું હતું. એને સર્વ રીતે આ પ્રસંગ સુપેરે પાર પાડવાનો હતો. અને ઘણી બધી બાબતોનુ ધ્યાન રાખવાનું હતું. એ ઉપરાંત બિંદી, અવની અને નીલ આવતી કાલ સાંજની ફ્લાઈટ્માં અમદવાદ પહોંચવાના હતાં. રજનીભાઈ અને ઉમાબેન પરમદિવસે દશેરાની સવારની વ્હેલી ફ્લાઈટ્માં અમદાવાદ પહોંચવાના હતાં.આમ આખો કાર્યક્રમ ભરચક રીતે ગોઠવાયો હતો.

બિંદીના આનંદની પણ કોઈ સીમા નહોતી રહી કારણ કે નીલના જન્મ પછી પહેલી જ વાર તે એના પિયર જઈ રહી હતી અને ત્યાં બાળકો સાથે એના મમ્મી – પપ્પા સાથે એક મહિનો રોકાવાની હતી. આ બાજુ એના મમ્મી જ્યોત્સનાબેને અને પપ્પા કિર્તીભાઈ પણ ખુશીના માર્યા એમના આગમનની તડામાર તૈયારીઓ કરી રહ્યા હતાં. . આમ ચારે બાજુ આનંદ અને ઉમંગોનાં જાણે મોજાંઓ ઉછળતાં હતાં. આમ અનિલ એક દિવસ વહેલો જઈ બધું સમેસુતેરથી પાર પડે એની પળોજણમાં તેમજ સૌને આવકારવાનું ટાઈમ ટેબલ ગોઠવી રહ્યો હતો.

રાતનાં રંગેચંગે આઠમનો હવન અને મહેમાનોની આગતા-સ્વાગતા પતાવીને અનિલ પોતાના બેડરૂમમાં જઈને જરૂરી કાગળો-ફાઈલો તપાસીને એની બ્રિફકેસમાં મુક્યાં તેમજ સૂતાં પહેલા બિંદીને જરૂરી સુચના અને તેની અને બાળકોની એર ટિકિટો આપી નિંદ્રાધીન થયો.

બીજા દિવસે વહેલી સવારે ઉઠી નીલ અને અવનીને વ્હાલભરી ચૂમીઓ ભરતાં બિંદી ને કહ્યું કે તે અમદાવાદ પહોંચીને ફોન કરશે અને જતાં જતાં બિંદીને પણ કહ્યું કે એ પણ સાંજે ઘરેથી નિકળતા અને એરર્પોર્ટ પહોંચતા એના મોબાઈલ પર જરૂરથી વાત કરે જેથી અમદાવાદ એરપોર્ટથી ઘરે પહોંચવા માટે જરૂરી ગાડીની સમયસર વ્યવસ્થા થઈ શકે.

આ બાજુ ઉમાબેનની ખુશીનો પણ પાર નહોતો. એમણે પણ બિંદી માટે એક ખૂબ જ ભભકાદાર અને સુંદર સાડી અને પંજાબી સલ્વાર કમીજના ડ્રેસીસ લાવી રાખ્યા હતાં તે આપ્યાં. તે ઉપરાંત નવરાત્રીમાં રાસ ગરબા રમવા માટે અવની માટે ખાસ ચણિયા ચોળી ને પંજાબી ડ્રેસીસ બનાવડાવી રાખ્યાં તે આપ્યાં. નીલ માટે એક જોડી ખૂબ જ સુંદર કેડીયું અને સુરવાળ પણ બિંદી ને બેગ મા ગોઠવવા આપ્યાં. નવરાત્રીની નોમ ના નોરતે બિંદી પણ અનિલ સાથે રમવાં ખૂબ ઉત્સુક હતી.કારણ કે અમદાવાદ જે રીતે નવરાત્રીનો ઉત્સવ ઉજવાતો તે પણ ચૂકવા માંગતી નહોતી અને પુરી રીતે દશેરા પણ ઉજવવા થનગનતી હતી. અને એમાં પણ અનિલની દશેરા પર વર્ષગાંઠ હતી. આ બધું એક સ્વપ્નવત લાગતું હતું. અને એ બધી કલ્પનાઓ કરી મનોમન હસુ હસુ થઈ રહી હતી. રજનીભાઈ અને ઉમાબેન પણ ખુબ જ ખુશ હતાં કારણ કે એક બાજુ ઘરમાં જબરદસ્ત રીતે માતાની આઠમ નો ઉત્સવ ખુબ જ ઉલ્લાસપુર્વક ઉજ્વાયો અને બીજી તરફ નવી નવી આશાના દિવાઓ ઝગમગી રહ્યાં હતાં.

બીજાં દિવસે, એટ્લે કે નવરાત્રીની નોમ ની વહેલી સવારે અનિલ અમદાવાદ પહોંચી ને કામે લાગી ગયો. અને સાજં ક્યાં થવાં આવી તેનુ પણ ધ્યાન ના રહ્યું જો બિંદીનો ફોન ના રણક્યો ના હોત. બિંદી અનિલ ને મોબાઈલ પર કહી રહી હતી કે એની ફ્લાઈટ સમયસર as per schedule છ વાગ્યે ઉપડ્વાની છે અને પપ્પા રજનીભાઈ અને મમ્મી ઉમાબેન ડ્રાઈવર ને બદલે જાતે એરપોર્ટ મુકવા આવ્યાં હતાં. અને તેણે સામાન પણ ચેક કરી લીધો હતો. અને ફ્લાઈટ ટેક ઓફ થતાં એક ફરી કોલ તેને કરશે એમ તેણે જણાવ્યું. સાથે અનિલે પણ તેને કોઈ ચિંતા ન કરવાનું જણાવ્યું. અને કહ્યું કે તેના પપ્પા – મમ્મી તેમ જ રમેશકાકા અને કાકી એરપોર્ટ લેવા આવશે કારણ કે તેની સાથે બે નાના બળકો અને સામાન છે.

અનિલ, રમેશકાકા તથા બધાં સ્ટાફ મેંબરો ભેગાં મળી ને શો-રૂમ માં ઇલેક્ટ્રોનીક અને ટી.વી. સેટનો સામાન વિગેરે ઝ્પાટાબંધ ગોઠવી રહ્યાં હતાં કારણ કે કાલે દશેરાની સવારનાં રજનીભાઈ અને ઉમાબેન આવવાના હતાં અને વેપારીઓ અને મહેમાનો પણ ઉદઘાટન પ્રસંગે આવી રહેશે જેની તૈયારીઓ પુરી કરવામાં સમય ક્યાં પસાર થઈ જતૉ હતો તેની ખબર પડ્તી નહોતી.

અને ત્યાં જ અનિલનો ફોન રણક્યૉ. બીજી તરફ બિંદી ખુબ રોમાંચીત હતી અને કહી રહી હતી કે બસ થોડી જ વારમાં ફ્લાઈટ ટેઈક ઓફ થશે અને કલાકેક્માં જ અમદાવાદ પહોંચશે.. આ સંદેશો લઈને અનિલે કાકા કહ્યું કે ચાલો આપણે એરપોર્ટ જવા હવે નિકળવું પડ્શે કારણ કે કાલે દશેરા નિમિત્તે રસ્તા પર ભીડ અને ટ્રાફીક પણ ખુબ હશે. અનિલ પણ એરપોર્ટ પહોંચવા ઉતાવળો થતો હતો. રાતના બિંદી તેમજ છોકરાઑ સાથે દાંડિયા અને રાસ રમવાની કલ્પનાથી ખૂબ જ ઉત્તેજીત હતો અને જેની એણે પુરેપુરી તેયારી પણ કરી રાખી હતી. મનનાં તરંગો પણ દરિયાની મોજાંની જેમ હિલોળે ચઢ્યાં હતાં.કે બસ આજની રાત તો મનભરી ને ઝૂમી લઈશ અને ખુબ મઝા કરીશું.

આમ બધાં વિચારો કરતાં કાકાની સાથે એરપોર્ટ સમયસર પહોંચવા ગાડી પુરપાટ દોડાવી મુકી અને સમય કરતાં અડ્ધૉ કલાક વહેલાં પહોંચીને વિઝિટર લોબીમાં સૌની સાથે ખુલ્લાં આકાશ તરફ તાકવા લાગ્યો.

ઓક્ટોબર મહિનો હતો અને સ્વચ્છ આકાશ અને હવામાન પણ સરસ હતું. સૂરજ આથમવામાં પણ થોડી વાર હતી. ગોરજ નો સમય થઈ રહ્યો હતો અને બીજી તરફ ભુરાં- નીલાં આકાશમાં પંખીઓના ટોળાંઑ પોતાના માળા તરફ કિલ્લોલ કરતાં ઝડપભેર જતાં હતાં. ખૂબ જ નયનરમ્ય દ્ર્શ્ય હતું અને અનિલ એ જોવામાં તલ્લિન થઈ ગયો કારણ કે આ બધું મુંબઈમાં જોવાનો લહાવો નો’તો મળતો.

બીજી તરફ આકાશ પણ નવરાત્રીની રાત્રીસમા ભુરાં – નીલા રંગોમાં સોનેરી થતું જતું હતું અને સુરજદેવ પણ દિવસભરનો થાક ઉતારવા ઝડપભેર આથમી રહ્યાં હતાં. એની લાલિમા બધાનાં હૈયામાં ઉમંગનો અનોખો રંગ પુરી રહ્યો હતો. ચંદ્ર પણ ધીમેધીમે આકાશની મધ્યમાં આવતો જતો હતો. જાણે કોઈ કવિની કલ્પનામાં “આધા હૈ ચંદ્રમા “ જેવી કવિતા રચવાની પ્રેરણા આપતો હોય અને સૌને આજની નવલી રાતમાં રાસ-ગરબાની રમઝ્ટ કરવાં આમંત્રીત કરતો હોય એમ લાગતું હતું. સુરજ અને ચંદ્રની આ જુગલબંદી સૌને એના સોનેરી અને નીલા રંગોમાં એક અનોખી જ છાપ ઉભી કરતાં હતાં.

અને ત્યાંજ સૌના મોંઢાંમાથી એક ગગનભેદી તીક્ષ્ણ ચીસો નીકળવાનો અવાજ ઉઠ્યો અને સૌના કાન પર અથડાયો. અરે આ શું? આકાશમાંથી એક અગનગોળા રૂપી પદાર્થ ધરતી તરફ તીવ્ર ગતિથી ધસમસી રહ્યો હતો અને આંખોને આંજી નાખતો ચોતરફ એક જબરદસ્ત ઉજાસ – ભડકો શાનો દેખાય છે? સૌના મોઢાંમાથી એક જ ઉદગાર નીકળી પડ્યો કે આ તરફ ઉતરતું  જતું વિમાન અચાનક અગનગોળો કેમ થઈ ગયું? માઈક્રોફોનમાંથી નીકળતો ધ્વનિ કેમ કોઈ ને સાંભળવા નથી આવતો? વાતાવરણમાં અચાનક કેમ શુન્યવત – સ્મશાનવત શાંતિ પથરાઈ ગઈ? અને આ ધરતી પર અચાનક ઝપાટાબંધ શું પટકાયું? અને ધુમાડાના ગોટાઓમાં કેમ કાંઈ દેખાતું નથી? અરે આ શેનો ધડાકો? અને એક સાથે ચોતરફ ભયજનક ચીસા-ચીસો કેમ? આ કોલાહલ શાનો?

અનિલ બહાવરો થઈ આકાશ તરફ તાકવાને બદલે જમીન તરફ એકીટશે શું જોઈ રહ્યો હતો? આ બધું શું બની રહ્યું છે? કંઈ જ સમજમાં એની આવતું નહોતું!!! આ બધાં ચિત્કારો, પોકારો શાના?

એના ગળાંમાંથી કેમ કાંઇ જ અવાજ નથી નિકળતો? ગળામાં એકાએક શોષ કેમ પડવાં લાગ્યો? એને અવાજ કેમ રૂંધાતો લાગ્યો ને સમજાતું નહોતું કે અચાનક આ બધું શું થઈ રહ્યું છે? એને ખાત્રી થતી નહોતી કે એ જે જોઈ રહ્યો હતો એજ શું બધાં જ એક્સાથે જોઇ રહ્યાં છે? એને કેમ કાંઇજ સંભળાતું નથી? એના કાનમાં શું ધાક પડી ગઈ છે? એનું મસ્તક શુન્ય થઈ ગયું છે અને  આંખો ચકળ વકળ થવાં લાગી. એને વધું કંઈ સમજાયું નહીં અને વધુ કંઇ પારખે અને સમજાય એ બધું થાય પહેલાં તો જમીન પર ચત્તોપાટ પડી ગયો. સૌનાં મોંઢાંમાંથી નિકળતી ચીસ, રૂદન કે આહનાં ઉદગારો એના કાનો પર કેમ સંભળાતા નહોતાં કે પડતાં નહોતાં – કેમ કંઈ સમજમાં આવતું નહોતું? એ સદંતર બેબાકળો થઈ યંત્રવત અને જડવત થઈ ગયો!!

પાસે ઉભા રહેલાં રમેશકાકા અનિલનો હાથ પકડી ને ફસડાઈ પડ્યાં. આસપાસ બંબાઓ , એમ્બ્યુલસોની સાઈરનૉ, પોલીસની દોડ્ધામ જોતાં રહ્યાં અને લાગ્યું કે પગમાં બેડીઓ જેટલો આ ભાર શાનો લાગે છે? એમને પણ કંઈ જ સમજાતું નહોતું. સર્વ બાજુ વિલાપો અને રૂદનનાં અવાજો એકીસાથે સભંળાઈ રહ્યાં હતાં અને તેઓ શુન્ય મનસ્ક થઈ ને ફાટી આંખે એ બધું એકીટશે નિહાળતાં રહ્યાં !!!!