સબળા નારી

sabala nari.

                                                       સબળા નારી     ચેપ્ટર ૧

                                                                  ડૉ ઇન્દુબહેન શાહ

   ગોમતીબા અને તેમની દીકરી નિશા નલિનીના નવા પડોશી, ઇન્ડીયાથી સીધા નવા ઘરમાં રહેવા આવ્યા ઘરમાં ચાર દિવાલ, ૮૦ વર્ષના ગોમતીબા બોલે તો જાણે ૨૦ વર્ષની યુવાન યુવતી બોલતી હોય તેવો જુસ્સો, ઘર જોવા આવ્યા ત્યારે ગુજરાતીના નાતે નલિનીએ ઘેર ચા,પાણી માટે બોલાવ્યા, થૉડી વાતો થઇ, તેમના પરિવાર વિષે, તે દિવસથી નલિનીના મનમાં ગોમતીબાએ સ્થાન જમાવી દીધેલ.

     નવા ઘરનું વાસ્તુ પુજન કર્યું, મહારાજે લીસ્ટ આપેલ સામગ્રી અને પ્રસાદ માટે ગ્રોસરી, બધુ પ્લાસ્ટીક્ની બેગોમાં, સામાન ઇન્ડીયાથી શીપમાં આવવાનો હતો, ફર્નિચર ઓર્ડર કરેલ, બેસવાના આસન, પાથરણા બે ચાર ખુરશી વગેરેની બધી વ્યવસ્થા નલિની

જેવા બીજા મિત્રોએ કરી, પ્રસાદનો શીરો વહેંચ્યો મહારાજને દક્ષિણા આપી વિદાય કર્યા અઠવાડીયામાં તો ગોમતીબાનું ઘર વસાવાય ગયું, ગોમતીબા શ્રીમંત કચ્છી ભાટીયા ધનજીભાઇ આસરના પત્નિ.

     ગોમતી ૧૨ વર્ષે પરણી સાસરે આવી, ધનજીની ઉમર ૧૮ વર્ષની, નવી સાસુ, સસરા મેઘજીભાઇ, બે નાના દિયરો વેલજી દસ વર્ષનો,મુલજી બાર વર્ષનો અને વડસાસુ. મેઘજીભાઇને, માંડવીમાં બાપ દાદાની બે દુકાનો, કાપડની અને કરિયાણાની, મોટું ત્રણ માળનું સહિયારું મકાન, ઉપરના બે માળ બે કાકાઓના પરિવાર માટે અને નીચે મેઘજીભાઇનો પરિવાર તેમના બા સાથે રહે.

ગોમતીનો જન્મ આફ્રિકામાં, બીજા વિશ્વયુધ્ધની શરૂઆત થઇ અને આફ્રિકા, રંગુન, શીલોંગ, પિનાંગમાં વસતા ગુજરાતીઓએ પોતાના કુટુંબના સ્ત્રી બાળકોને સ્વદેશ રવાના કરવા માંડેલ, એ અરસામાં ગોમતીનું કુટંબ પણ માંડવી આવ્યું. ગોમતીના પિતાશ્રી, રવજીભાઇ અને મેઘજીભાઇએ માંડવીમાં એકડા બગડા સાથે ઘૂંટેલા, મેઘજીભાઇ સૌથી મોટા પિતાશ્રીનું ટાઇફોઇડ તાવમાં અકાળે અવસાન થયું એટલે માંડ પાંચમું ધોરણ પાસ કર્યું અને કાકા સાથે દુકાને જવાનું શરું કર્યું. રવજીભાઇએ સાળંત પાસ કર્યું આફ્રિકાના ગામડામા શિક્ષક તરીકે જોડાયા, એ જમાનામાં ઇસ્ટ આફ્રિકામાં શિક્ષકોની અછત, સ્થિતિનો લાભ ઉઠાવી રવજીભાઇનું આખુ કુટુંબ ગવરમેન્ટના ખર્ચે આફ્રિકા આવી ગયું, કુટુંબમાં ફક્ત નિવૃત પિતા અને માતા, રવજીભાઇને નાયરોબિમાં સરકારી શાળામાં તુરતજ નોકરી મળી ગઇ, સરકારે રહેવા માટે કવાર્ટ્સ આપ્યું, તેમના પિતાશ્રીને પણ તેમના ગામના વેપારીની કરિયાણાની દુકાનમાં નોકરી મળી ગઇ, એક વર્ષમાં રવજીના લગ્ન પિતાશ્રીના શૅઠની એકની એક દીકરી ગૌરી સાથે થયા. રવજી અને ગૌરીને એકની એક દીકરી ગોમતી.

         ૧૫ વર્ષે બન્ને લંગોટીયા મિત્રો મળ્યા. રવજીભાઇના કોઇ સગા માંડવીમાં નહી મેઘજીભાઇના મકાનમાં એક રુમ રસોડુ ભાડે રાખ્યા. રવજી મા દીકરીની દેખભાળ મિત્રને સોપી, નિશ્ચિંત મને આફ્રિકા જવા રવાના થયા. ગોમતી ૭મા ધોરણ સુધી અંગ્રેજી માધ્યમમાં ભણેલ, ખૂબ હોશિયાર, મેઘજીભાઇના મનમાં જોઇ ત્યારથી પોતાના દીકરા ધનજી માટે વસી ગયેલ ધનજી મેટ્રિક પાસ કરે એટલે પરણાવવાનો તેમના બાનો આગ્રહ. માંડવીમાં ક્ન્યાઓ માટે હાઇસ્કુલ ન હોવાથી, ગોમતીએ કમને ઘરકામમાં અને ક્ચ્છી ભરતકામ, મોતીકામ વગેરેમાં મન પરોવ્યું.ગોમતી રૂપાળી, બોલકી, મેઘજીભાઇના બા પાસે બપોરે બેસે,’મોટાબા માથુ ધોયું છે? તેલ ખસી આપુ?”

  “ લે તારે આવી છે તો ઘસી દે તુ માલીસ કરી આપે છે, માથુ હળવું ફૂલ થઇ જાય છે હો”,

ગોમતી બ્રાહ્મી આમળાનું ઘરે બનાવેલ તેલની વાડકી ઓઢણાનો છેડો ઢાંકી સાથે લાવી હોય તે કાઢે મોટાબાને તેલ ખસવા બેસી જાય, ખાસ્સો અડધા કલાક માથાનો માલીસ થાય, મોટાબાની વાતો સાંભળે, “ગોમતી આ કચ્છડો બહુ હારો ભલે મેઘ ઓછો વર્ષે પણ ભુમી બહુ હારી અરે આ ભુમી માટૅ તો એવું કહેવાય માથુ વાઢી ભેંકાર વગડામાં નાખ્યો ને ઊગી નીકળે,”

 ‘હેં મોટાબા!!આ બધા પાળિયા એમ જ ઉગ્યા હશે?’

“એક એક પાળિયા પાછળ એક એક વાર્તા કોક દિ ભાટ ચારણ આપણા ગામના પાદરે આવશે તો હાંભળવા જાસુ”.

“ભાટ ચારણ કોણ?કેવા હોય પરદેશથી આવે?”

ભાટ, ચારણ જાતીના લોકો તેઓ રાજાના દરબારમાં રાજા મહારાજાના વખાણ તેમની અનોખી ઢબે કરે, રાજા ખુશ થાય, ને નવલખા હાર ડોકેથી ઊતારી ભેટ આપે. ખણી ખમ્મા બાપુ, ઘણી ખમ્મા, જુગ જુગ જીવો એમ બોલતા ભાટ ત્યાંથી વિદાય લે બીજા ગામની વાટે,”મોટીબા તેમને ઘર બાર ના હોય જીપ્સીની જેમ રખડે?” બેટા તેઓને ઘર હોય ગામમાં તેમના પરિવાર રહેતા હોય ફક્ક્ત પુરૂષો એક ગામથી બીજા ગામ રોટલો રળવા જાય બે ચાર દિવસે પાછા આવે.ભાટ ચારણ જાતિના લોકો કવિતા, દોહા, સૌર્ય ગીતો વગેરે લખે.આ એમની આવડત,તેમની આજીવિકાનું સાધન.

     આમ ગોમતીને કચ્છ વિષે મોટીબા પાસેથી ઘણું જાણવા મળે.ગોમતી મેઘજીભાઇના આખા કુટુંબમાં છવાય ગઇ.નાના મોટા બધાને ગોમતી ગમે, બે દિવસથી ગોમતી મેઘજીભાઇના ઘેર આવી નહીં મોટીબાથી નહીં રહેવાયું,અલ્યા ધનજી જો તો બે દિથ્યા ગોમતી દેખાણી નથી તું ડોકિયું કરી આવ, ગૌરી માસી અને ગોમતી મઝામાં તો છે ને,ધનજીને તો ભાવતુ વૈદે બતાવ્યું તુરત ઉપડ્યો ગોમતીને લેવા, ગોમતી ઓસરીના ખૂણામાં બેસી મોતીનુ તોરણ પરોવતી હતી, “અલી એ હાલ્ય મોટીબા રાહ જુવે છે બેદિથ્યા કેમ ડૉકાણી નથી?”

     “ધનજી મારી માએ ના પાડી છે, હું બાર બેઠી છું, તે એમાં શું! અમારી ઑસરીમાં ખાટ પર બેસજે, અને ધનજીએ તો ગોમતીના હાથ પકડ્યા ને ઊભી કરી, “અરે ધનિયા આ શું કરશ?”બોલી પણ હાથ છુટ્યા નહીં આખા શરીરમાં સ્પર્શના સ્પંદનો ફરી વળ્યા, ઝણઝણાટી અનુભવી રહી તેણીની આંખો બંધ થઇ માથુ ધનજીના ખભા પર ક્યારે ગોઢવાયું બેમાથી એકેયને ખબર ના પડી બન્ને એકબીજાના આલિંગનમાં સ્વર્ગનું સુખ માણી રહ્યા. ગોમતીની મા ગૌરી આજે ગામ બહાર મહાદેવના મંદિર ગયેલી, શિયાળાની સાંજ શેરીમાં અંધકાર અને આજે ઠંડીનું પ્રમાણ વિષેશ હોવાથી શેરીમાં ચકલુય ફરકતું નહોતું, બન્ને પ્રેમ પંખીડાને જાણે સ્વર્ગ મળી ગયું, ઓશરીની ઠંડી ફરસ એકબીજામાં ઊભરાતી ઉષ્ણતાના તાપમાં હુંફાળી સુવાળી સેજ બની ગઇ, આલિંગનમાં ખોવાય ગયા, ભાન ભૂલ્યા, ન કરવાનું કરી બેઠા.ખડકી ખૂલી બન્ને બેબાકળા ઊભા થયા ગોમતી દોડી અંદર બાથરૂમમાં ગઇ,ધનજીએ ખમીશ પહેર્યું.ગૌરી ઓસરીમાં આવી “અરે ધનજીભાઇ તમે અત્યારે અહીં!!ગોમતી ક્યાં છે?” માસી ગોમતી હમણા જ બાથરૂમ ગઇ, હું અબીહાલ આવ્યો,મોટીબાએ મને તમારી ખબર પૂછવા મોકલ્યો, માસીબા મઝામાં તો છો ને?”હા એકદમ મઝામાં છીએ લે આ સોમવારી પેંડા મહાદેવના મંદિરનો પ્રસાદ લેતો જા”,ધનજીએ હાસકારો અનુભવ્યો હાસ બચી ગ્યાં, પ્રસાદ લીધો “આવજો માસીબા મોટીબા રાહ જોતા હશૅ હું જાઉ”,”આવજે મોટાબાને મારા પાય લાગણ કેજે”.

     ધનજીને વળાવી ગૌરી ઘરમાં આવી, મનમાં વિચારના વંટોળ, આ ધનજી સંધ્યાટાણે, અહીં ગોમતી ઘરમાં એકલી, કોણ જાણે શું કર્યું હશે! ના ના મા મારી ગોમતી સમજુ છે, કોઇ અજુગતુ કામ કરે નહીં, તોય ચડતી જુવાનીનો શું ભરોશો? ક્યારે ફસાય કંઇ કહેવાય નહીં, મારે હવે જલ્દી ધનજી હારે મારી ગોમતીનું ગોઢવાય એવું કરવું પડશે, ગોમતીને હવે સાચવવી ભારે પડશે,બોલકી ચાલાક બધા હારે ભળી જાઇ ક્યાંય આ છોડીને અજાણ્યું નાલાગે, હવે તો બાર બેસતી થઇ ગઇ, તેના બાપ વગર મારે કેમ સાચવવી? બાપની બીકે ઘરમાં રહે, વખતસર ઘેર આવે, મારું તો ગાંઢતી નથી, ચાર દિવસ પહેલા મેં મોકલી મોટાબાને ખમણ દેવા, કલાકે પાછી આવી પુછ્યું કેમ આટલું મોડું થ્યું? બા હું નીકળી ત્યાં બાર ધનજી મળી ગ્યો તો થોડી વાર તેની હારે વાત કરવા ઊભી રહી. ત્યારે તો સમજાવેલ સંધ્યાટાણે છોકરા હારે વાત કરવા નહીં ઊભા રહેવાનું કોઇ જોઇ જાય તો વાતો કરે,ને તોય આજે હું મંદિરે ગઇ એટલી વારમાં ધનજી સાથે વાતો કરી, કોણ જાણે બેઉ એકલા હતા, શું કર્યું હશે?ધનજીને ય દાઢી મુછો ફુટ્યા છે.આમ મનમાં બોલતી ગૌરી ઓસરીમાં આવી.સામે ગોમતી માથાબોળ નાહી બાથરૂમમાંથી નીકળી ઓસરીમાં વાળ જાટકતી હતી પગ સંચાર સાંભળી માથુ ઊંચુ કર્યું, બેઉ હાથે રેશમ જેવા સુંવાળા લાંબા વાળને પાછળ પીઠ પર નીતરતા મુકી બોલી “અરે બા તું ક્યારે આવી?”ગૌરી દીકરી સામે જોઇ રહી છુટા નીતરતા કેશ, કસકસતું કાપડું, ગોમતીનું રૂપ આજે કંઇક અનેરુ અંગે અંગમાંથી નીતરી રહ્યું છે, જાણે સોળે સણગાર સજી રહેલી કન્યા, આટલી રૂપાળી છે મારી દીકરી, આને હું એકલી કેમ સાચવીશ!!?

         ગોમતી ઓઢણું ઓઢતા બોલી શું આમ જોયા કરશ! ક્યારે આવી?ગોમતી તંદ્રામાંથી જાગી

“હં..હમણા જ,ધનજી બહાર નીકળતો’તો ને હું આવી”,”સારું થયું બા તું ધનજીને મળી, એ તને જ મળવા આવેલો, હું બે દિવસથી ગઇ નો’તી એટલે મોટીબાએ ખબર પૂછવા મોકલ્યો હતો, બા જલ્દી થાળી પીરસ મને તો કકડીને ભૂખ લાગી છે. “હા હા આજે તે સોમવાર કર્યો છે તે હું ભૂલી જ ગઇ,” બેસ હું થાળી પીરસી લાવું છું.” ગૌરીએ હાથ પગ ધોયા બે થાળી પીરસી, બન્ને મા દીકરી જમવા બેઠા. ગોમતીએ વાસણ માંજ્યા, ગૌરીએ રસોડું સાફ કર્યું. બન્ને સુતા.ગોમતી તો પથારીમાં પડી એવી ઊંઘી ગઇ.

       ગૌરીનું મન આજે સુવા તૈયાર નથી, માળા લીધી ૐ નમઃ શિવાય મણકા ફર્યા કરે જીભ બોલ્યા કરે મન તો પહોંચ્યું આફ્રિકા પતિ રવજી પાસે, છે કાંઇ ચિંતા? દીકરી જુવાન થઇ હવે જટ હાથ પીળા કરવા પડશે, કાગળ લખું છું આવતી કાલે મોટા શેઠનો ભાણીયો દેસમાં હટાણું કરવા આવ્યો છે તેની હારે મોકલી દઉ, હાથોહાથ મળી જાય, ટપાલના કંઇ ભરોસા નહીં.

       ઊભી થઇ કાગળ લખ્યો ગોમતીના બાપુ રજા પડે ટ્યુસનના લોભમાં પડ્યા વગર વહેલા બની શકે તો વિમાનમાં વહેલા આવી જશો, ટીકીટ મોંઘી પડે તોય ખરચ કરશો જલ્દી દેસ આવી જજો સ્ટીમરમાં અઠવાડિયું બગડે રજા દોઢ મહિનાની અઠવાડિયું દસ દિ સ્ટીમરમાં વેડફાઇ નહીં. આપણી ગોમતી જુવાન થઇ છે એના હાથ જલ્દી પીળા કરવા છે, મારા મનમાં ધનજી માટે વિચાર આવે છે, તમારા દોસ્તનો દીકરો, જાણીતું ખમતીધર કુટુંબ, તમે આવો એટલે વાત કરીએ એક મહિનામાં વિવાહ લગ્ન બધુ પતાવી દઇએ.બા બાપૂજીને મારા પાય લાગણ કેજો, બધા સાચવીને રેજો હવે તો લડાઈ પુરી થાય એમ લાગે છે.બસ વધારે રૂબરુ તમારા આવવાની રાહ જોઇ રહી છું. તમારી પત્નિ ગૌરીના પાય લાગણ…

   સાંજે રવજી ઘેર આવ્યો રવજીને કાગળ મળ્યો, વાંચી વિચારે છે ગૌરીની વાત સાચી છે, હું બે વર્ષથી દેશમાં નથી ગ્યો મારી ગોમતી કેવડી મોટી થઇ ગઇ હશે, બાર, તેર વર્ષની સારુ ગજુ કર્યું હશે, એના હાઇટ બોડી મારા પર, નમણાસ અને વાન ગૌરી જેવા, રવજીનું મન હજારો માઇલ દૂર માંડવી પહોંચી ગયું, માનસ પટ પર પત્નિ અને દીકરી છવાઇ ગયા, ગૌરી વઢી રહી છે “આવડી મોટી જુવાન દીકરી, છે કાંઇ તમને ચિંતા? હું અહીં એકલી બે વર્ષ વીતી ગ્યા કોઇ દિવસ અમારી ભાળ લીધી, જાણે અમને ભૂલી જ ગ્યા! ના ના નથી ભૂલી ગ્યો, બોલતો રવજી તેના રૂમ તરફ ચાલ્યો સાંભળી રવજીના બાએ પૂછ્યું “શું ભૂલી જવાની વાત છે બેટા? કોનો કાગળ છે? દેશમાં બધા કુશળ તો છે ને?””બા કંઇ નથી આતો ગૌરીનો કાગળ શેઠના ભાણા હારે આવ્યો છે,”

  “વહુ શું લખે છે? બધા હેમ ખેમ તો છે ને,

 “હા બા બધા કુશળ છે, ગૌરીને ગોમતીની ચિંતા છે, લખે છે હવે એના જલ્દી હાથ પીળા કરીએ”’

  “જુવાન દીકરીની માને ચિંતા થાય, એ સ્વાભાવિક છે, તમે છોકરા જોવાના શરુ કરી દ્યો’,

  “બા ગૌરી મેઘજીના ધનજી વિશે લખે છે તમને શું લાગે છે?”

    “મેઘજી તારી હારે ભણતો’તો બિચારાનું નાની ઉમરે ઘર ભાંગેલ દિકરો હાવ નાનો હતો, એ ધનજીની વાત કરશ?”

     “હા બા એ જ, મેઘજીએ બીજા લગ્ન કરેલ, ધનકુવર હારે, એને બે દિકરા છે, વેલજીને મુળજી મુળજી પાંચ વર્સનો હતોને ધનકુવર મેલેરિયાના તાવમાં પાછી થઇ, મેખજીના નસિબમાં પત્નિ સુખ લખાયું જ નહીં હોય, હવે તો મળેય કોણ ત્રણ છોકરાના બાપને, બા બેઠા છે, એટલે ઘર ને છોકરા સંભાળે છે.”

   “સાચી વાત સાવકી મા કરતા દાદી પાસે છૉકરા મોટા થાય એ સારું, તમે આપણી ગોમતી હારુ ધનજી માટે વિચારો છો તે આમ તો હારુ પણ તેની ઉમર જેવડા કે તેનાથી નાના બે દિયરો, માજીતો કેટલુક જીવવાના? બધો ભાર ધનજી અને આપણી ગોમતી પર પડવાનો”.

    “બા તમારી વાત સાચી પણ બાએ બીજી વારના છે, ઉમરમાં મેઘજી કરતા થોડા જ મોટા, અને તંદુરસ્ત છે હજુ વાંધો આવે એમ નથી”.

   “તો કરો કંકુના, માંડવીમાં તેમના જેવડા મેડી વાળા મકાન કોઇના નહીં, બહુ મોટા ઘરમાં આપણી ગોમતી જશૅ.”

  “હા બા હું કાગળ લખું છું, તમને અને બાપાને વેલા મોકલું છું, “

“ઇ વાત સાચી હું અને ગૌરી તૈયારી કરીએ મોટા ઘરની જાન એટલે તૈયારી મોટી કરવી પડશે, ભલે તો તુ કાગળ લખી નાખ”.

રવજીએ તુરત જ કાગળ પેન લીધા પત્ર લખવા બેસી ગ્યો.

મારી વ્હાલી ગૌરી,

તું અને ગોમતી તો મારી બે આંખો તમને તે ભૂલતો હોઇશ, લડાઇના હિસાબે ઘણા શિક્ષકો દેશમાં જતા રહ્યા છે, તો ઘણા લાંબી રજા પર છે, એટલે સવાર સાંજની સીફ્ટ મારે કરવી પડતી, હવે થોડી રાહત છે, બાંગલા દેશ અને પાકિસ્તાનથી થોડા નવા શિક્ષકો આવ્યા છે, તારી વાત સાથે હું સહમત છું, હું બા બાપાને વહેલા સ્ટીમરમાં સંગાથ સાથે મોકલી દઉ છું, તેથી તને એકલું ન લાગે, અને બીજું આપણા વડીલ હોય ત્યાં સુધી તેઓના મારફત ગોમતીના સગપણ માટૅ મેઘજીના કાને ગામના વડીલ મારફત વાત જાય એ વધારે સારું લાગે, ગૌરી કાલે જ બા બાપૂજીની ટિકીટ કરાવી લઉ છું.તું રોજ રાત પડે યાદ આવે છે, પલંગમાં વચ્ચો વચ સુઇ જવ ઘણી વાર વિચાર આવે તમને મા દીકરીને પાછા બોલાવી લઉ, લડાઇ બંધ થઇ છે, પણ હવે આફ્રિકા આપણા રહેવા લાયક નથી, અહીના સ્થાનિક હબશીઓ માથું ઊંચકતા થયા છે. આપણે બધા બ્રિટીશ પાસપોર્ટ હોલ્ડર છીએ, એટલે આપણે ઇંગલેન્ડમાં પણ સ્થાયી થઇ શકીએ.એ બધુ પછી સાથે બેસી નિરાંતે નક્કી કરીશું અત્યારે તો તારી સલાહ મુજબ ગોમતીના વિવાહ-લગ્ન વિશે જ વિચાર કરવો રહ્યો. મારા વતી મારી ગોમતીને ખૂબ પ્યાર કરજે, જરાય ઓછું આવવા નહી દેતી. જેવું વેકેસન પડે પ્લેનમાં આવું છું, મારા મને તો ત્યાં ઊડાન શરુ કરી દીધી છે, પહોંચી જ ગયું છે.

કાગળ લખતી રહેજે.

તમને બન્નેને જોવા તલપાપડ રવજીનું વ્હાલ.

એરમેલનું પરબિડીયું વાળી બંધ કર્યું.

પલંગમાં લંબાવ્યું, રોજ ઓશીકે માથુ મુકે, કે નિદ્રાદેવીના ખોળે રવજીની આંખ બીડાઇ જતી, આજે, મન મરકંડ વિચારોના વમળમાં ભૂતકાળના પાના ઉથલાવા માંડ્યું, ગોમતી મારી કેવી મઝાની પરી જેવી, મોન્ટૅસરિ સ્કુલમાં બધા શિક્ષક પરી કહી બોલાવતા, હંમેશા હસતી, રમતી કુદતી હોય, મારા બા અને બાપાએ ખૂબ મોઢે ચડાવેલી, હવે પરણાવવાની સાસરામાં કેમ વરતશે? રવજીને તેની એકની એક દીકરીની ચિંતા સતાવવા લાગી. અત્યારે તો વહેલામાં વહેલી તકે બા બાપાને દેશમાં મોકલવાની વ્યવસ્થા કરું, મારા બા અને ગૌરી બધુ સંભાળી લેશે. આમ મન સાથે સમાધાન કરી પત્નિ અને બા પર વિશ્વાસ મુકી વિચારોના વમળથી થાકેલ રવજી આખરે નિદ્રાધીન થયો. સવારે તૈયાર થઇ ચા નાસ્તો પતાવી થોડો વહેલો નીકળ્યો. રસ્તામાં સ્ટીમરની ટ્રાવેલ બુકીંગની ઓફિસમાં ઇન્ડિયા જવાનું બુકીંગ કરાવ્યું, હજુ વેકેસન પડવાને વાર હતી બે ટીકીટ કેબીનમાં મળી ગઇ, થોડી શાંતિ થઇ.

     સાંજે ઘેર બા બાપૂજીને વાત કરી, બા બાપૂજી તો દેશમાં જવા માટે તૈયાર જ હોય, બાએ થોડી ચિંતા વ્યક્ત કરી “રવજી અમે વહેલા જઇએ પણ તને અહીં ખાવાની તકલીફ પડશે’ “બા મારી ચિંતા ન કરો હું ભુખ્યો નહીં રહુ, મારા સસરાનું ઘર મારી સ્કુલથી નજીક છે, તેમના ઘેર જમવા જઇશ. એ વાત સાચી પણ સાંજના શું કરીશ, બા તમે ચિંતા નહીં કરો બે અઠવાડીયા આપણો હબૌ જે બનાવશે તેનાથી ચાલશે,અને થોડુ હું બનાવી લઇશ’ આમ બાને માંડ સમજાવ્યા અને બન્નેને ઇન્ડિયા મોકલ્યા. બા બાપૂજી ચુસ્ત વૈશ્નવ ભાટિયા કાંદા લસણ ખાઇ નહીં કોઇના હાથનું બનાવેલ જમે નહીં અઠવાડિયા પંદર દિવસનું ભાથુ સાથે લઇને નીકળે, દુધમાં બનાવેલ ભાખરી ગોળ, અથાણું ગોળપાપડી વગેરે.

અઠવાડિયે સ્ટીમર મુંબઇ બંદર આવશે ત્યાંથી સ્ટીમર બદલી કંડલા બંદર ઉતરશે ત્યાંથી ટ્રેન પકડી ભુજ જવાનું ત્યાંથી ઘોડાગડીમાં કે ગાડામાં ઘેર પહોંચવાનું.

                                               સબળા નારી

                                                                  ચેપ્ટર   ૨     પ્રવિણા કડકિયા

સ્ટિમરનું ભૂગળું જોરથી વાગ્યું. રવજીને થયું હું પણ સ્ટિમરમાં માંડવી ભેગો થાંઉ. કાશ, મનની ઈચ્છા પૂરી થાય. શાળામાં રજાઓ પડવાની વાર હતી. રવજીનું મન ઉડીને ક્યારનું ગૌરી અને ગોમતી પાસે પહોંચી ગયું હતું.   એમ મનનું ધાર્યું થતું હોત તો કેટલું સારું? રવજી સ્ટિમરમાંથી ઉતરવાનું વિસરી ગયો. પાછું ભુંગળુ જોરથી વાગ્યું ત્યારે તેને ભાન આવ્યું. સ્ટિમરનું લંગર છૂટે પહેલાં ઠેકડો મારીને કિનારે ઉતરી ગયો. બા અને બાપુ તો મોઢું ફાડીને જોઈ રહ્યા. નજર દૂર જતી સ્ટિમર પર મંડાણી. જ્યાં સુધી આંખોથી ઓઝલ થઈ ત્યાં સુધી તાકતો કિનારે ઉભો રહ્યો. આખરે ધીરે પગલે ઘર તરફ ફર્યો. ઘરે જવાની મરજી હતી. ઘરમાં વહાલી ગૌરી હતી કે લાડલી દીકરી ગોમતી. બા અને બાપુ પણ આજે ભારત જવા નિકળ્યા હતા. ખાલી ચાર દિવાલ વાળા ઘરમાં જઈને શું કરવાનું? તેને ખબર હતી ઘર આજે ખાવા ધાશે ! જો કે ઘરે ગયા વગર છૂટકો પણ હતોદરિયા કિનારે બેઠો અને વિચારોના સમુદ્રમાં ડૂબકા ખાવા લાગ્યો.

હેં બાપુ‘, અને સફાળો ઝબકી ગયો.

ગોમતી, ગોમતી તે તો કેવું મઝાનું કાઠુ કાઢ્યું છે‘? રૂપ રૂપના અંબાર જેવી તારી મા પર ઉતરી છો‘.

જાણે ગોમતી શરમાઈને માની ગોદમાં છુપાતી હોય એવું તેને લાગ્યું. તેને વિચાર આવ્યો, ‘બાપ થઈને મને મારી દીકરીનું સૌંદર્ય આંખે ઉડીને વળગે છે તો જુવાનિયાઓની શી હાલત થતી હશે ? હવે છોડીના હાથ પીળા કર્યા વગર મને ચેન નહી પડે ‘!

વિચારોની સુનહરી દુનિયામાંથી વર્તમાનમાં આવી પટકાયોઆભમાં એક તારો શોધ્યો જડતો હતો. હાલમાં અજવાળિયાના દિવસો હતા. ચંદ્રમા સોળે કળાએ ખિલ્યો હતો. બીજે દિવસે એકાદશી હતી. બા અને બાપુને યાદ રાખીને કહ્યું હતું સાબુદાણાની ખિચડી બનાવીને ભાથામાં લઈ લે. સૂકો મેવો બાંધી આપ્યો હતો. કાતરી પણ તળીને લેવડાવી હતી. બા અને બાપુ બન્ને ૬૦ વટાવી ચૂક્યા હતા. તેને હૈયે હમેશા ચિંતા રહેતી, દરિયાની મુસાફરીમાં વાંધો તો નહી આવે ને ? મનમાં ભગવાનને વિનવી રહ્યો, તેમની કાળજી કરજો ભગવાન.

ઘરમાં પગ મૂકતાની સાથે એકલતા સતાવી રહી. મન મક્કમ કર્યું. રસોડામાં જઈ બાએ ઢાંક્યું હતું ખાવાનું લઈ જમવા બેઠો. કોળિયા ગળે ઉતરતા નહી પણ પેટ ભાડું માગતું હતું. રોજ કરતા અડધુ માંડ ખાધુ. ગમતું હતું તેથી પલંગમાં લંબાવ્યું. ઉંઘ તો સો જોજન દૂર હતી. ગૌરી અને ગોમતી ઝંપવા દેતા નહી. કેમ વિતાવીશ હું બાકીના દિવસો.   નોકરી હોત તો?  તો દીકરી પરણાવવા પૈસા ક્યાંથી ભેગા થાત. અંતે હારી થાકીને નિદ્રાદેવી કૃપા કરી. સપનામાં પણ ગોમતી દેખાઈ. છોડીને આવ્યો ત્યારે ફરાકમાં ઘુમતી આજે ચણિયા અને ચોળીમાં જોઈ છળી મર્યો.

છોડીને ચડેલી જવાની, નજરે જોઈ હતી પણ બાપ હતો ને અંદાઝ લગાવતા તકલિફ પડી. પાંખમાં ઘાલતો હવે, તેની આમન્યા જાળવવી પડશે. બાપની આંખનું રતન બીજાનું આંગણુ ઉજાળશે. ગૌરીના સંસ્કાર પર એને જરાય શંક હતી. અંતે ક્યારે સૂઈ ગયો તેનું ભાન રહ્યું.

બા અને બાપુજી આવે છે એનો તાર ગૌરીને મળી ગયો હતો. રોજ તારિખિયાનું પાનું ફાડે અને દિવસો ગણે. આઠ દિવસ આવતા થાય. નસિબ સારા હતા તેમને કોઈ તકલિફ પડી નહી. સ્ટિમરનો રસોઈઓ તેમના ખાવાનાનું ધ્યાન રાખતો. તેમને માટે દહી , દુધ અને ફળફળાદી આપી જતો. ભાથુ તો તેઓ સાથે લાવેલા.  કેટલા દિવસ એવું ભાવે. બાને પૂછી ગયો. દુધે લોટ બાંધી ગરમા ગરમ પૂરી અને બટાકાની સૂકી ભાજી બનાવી લાવ્યો. તેમના આચાર અને વિચાર ધ્યાનમાં રાખી રસોડામાં ખાસ જુદુ ખાવાનું બનાવતો. બા, બાપુજીની આંતરડી ઠારી. તેમને જોઈને રસોઈઆને એના માતા ,પિતા યાદ આવતા. જાણે તેમની ચાકરી કરતો હોય એવો આનંદ તેને અંતરે થતો.

આમ વગર તકલિફે બા અને બાપુજીને ખબર પણ પડી તેમની આઠ દિવસની મુસાફરી કેવી રીતે પૂરી થઈ. ઉતરવાને દિવસે બાએ એક નવી સાડી તેની પત્ની માટે ભેટ  આપી.  રસોઈઓ ખૂબ ખુશ થયો અને બા, બાપુને પગે લાગ્યો. કંડલા બંદરે તેમને ઉતરવામાં મદદ કરી. હજુ તો આગગાડીમાં બેસી માડવી જવાનું હતું. સ્ટિમરમાંથી ઉતર્યા પછી સ્ટેશને પહોંચતા મોડું થયું. સરળ રીતે પસાર થયેલી બોટની મુસાફરી અને અંહી રીક્ષા મળી તેથી સ્ટેશને પહોંચતા મોડું થયું. માંડવી જતી ગાડી જતી રહી. સાથે સામાન અને શિયાળાના હિસાબે થોડી ઠંડી.

બાજુ ગૌરી બા બાપુજીને આવવાની કાગના ડોળે રાહ જોતી હતી. ગાડીમાં ગામનાં લોકો હતા એટલે ગૌરીને સમાચાર મળી ગયા કે બા અને બાપુજી તેમાં ચડ્યા નથી. તેને ખૂબ ફિકર થઈ. કરે શું? ભગવાનને પ્રાર્થના ! હે, મારા દયાળા પ્રભુ તેમનું ધ્યાન રાખજે. ગાડી હવે બીજે દિવસે  મળવાની હતી.

તો વળી સ્ટેશન માસ્ટરના દિલમાં રામ વસ્યા. પરદેશથી આવેલા મોટી ઉમરના બુઝર્ગને જોઈ મદદ કરી. બાનો સ્વભાવ પ્રેમાળ બોલે એટલે કોઈના દિલમાં વસી જાય. થાક્યા હતા એટલે ઉંઘ તો આવી ગઈ પણ ગૌરી અને ગોમતી પળ ભર વિચારમાંથી ખસતા નહી. સવારે ગરમ ચા અને ગાંઠિયાનો નાસ્તો સ્ટેશન માસ્ટરે કરાવ્યો. દેશનો નાસ્તો બન્ને જણાને ખૂબ ભાવ્યો. સામાનમાંથી ચોકલેટ અને નાનું પાકિટ સ્ટેશન માસ્તરની દીકરી માટે ભેટમાં આપ્યા. માસ્તર રાજીના રેડ થઈ ગયા. વિદેશની વસ્તુઓ આમ પણ સહુને ગમે !

આખરે બા અને બાપુજી ઘરે માંડવી આવી પહોંચ્યા. સ્ટેશન પર નાનો ભાઈ દેવજી, મોટાભાઈ અને ભાભીને હરખભેર ભેટ્યો. તેને મોટાભાઈ થોડા નબળા જણાયા, ભાભી  માટે પણ થયું હવે તેમની  ઉમર વધે છે. દેવજી ખુબ ખુશ થયો. તેમને થોડી તકલિફ પડી બદલ દિલગીરી વ્યક્ત કરી. બે ઘોડાની બગી લઈને સ્ટેશને લેવા ગયો હતો. ઘોડાના ગળે વાગતા ઘુઘરું જાણે લગ્નનો હરખ રણકાવતા હોય ? ગાડી ક્યારે ઘરના આંગણામાં આવી ઉભી રહી ખબર પણ પડી.

ગૌરી દોડતી આવી તેમને પાયે પડી આશિર્વાદ પામી.  ગોમતીતો બા અને દાદાને જોઈને ઘેલી થઈ ગઈ. આજે ફળિયાવાળા સહુ મળવા આવશે એવી ગૌરીને ખબર હતી તેથી બાજરીના વડા અને ચેવડો બનાવી રાખ્યા હતા. ગરમ  ચા અને નાસ્તાથી બધાનું સ્વાગત કરવાની હતી.. હવે લગન માંડવાના હતા તેથી ખૂબ ખુશ હતી. બા અને બાપુજી તો ગોમતીને આંખો ફાડીને જોઈ રહ્યા.

છોડીએ તો કાંઈ કાઠું કાઢ્યું છે?’

બાપુજીએ હકારમાં માથું હલાવ્યું. ‘વહુ બેટા રંગે રૂપે ગોમતી અસલ તારા પર છે‘.

બાથી રહેવાયું, ‘હા, પણ જુઓ તો ખરા ઉંચી એના બાપ જેવી છે‘.

ગોમતી શરમાઈને બીજા રૂમમાં જતી રહી. ત્રણેય જણા ગોમતીની વાતોમાં ગુંથાયા. ગૌરી મનોમન વિચારતી હતી,’મને મારા રાવજીના તો કાંઇ સમાચાર જણાવો? તેઓ કેમ છે? અમને મા દીકરીને યાદ કરે છે કે નહી? ક્યારે આવશે? મારી આંખો તો તેમને જોવા અધીરી થઈ ગઈ છે‘.

બાએ ગૌરીનું મન વાંચ્યું. વહુ બેટા,’ રાવજી અમને મૂકવા સ્ટીમર પર આવ્યો હતો. બોલ, તું નહી માને છેલ્લું ભુંગળું વાગ્યું ત્યારેદોડીને ઉતરી ગયો. એને રજા મળશે એટલે પહેલું વિમાન પકડી ઉડીને આવ્યો સમજજે. ગોમતીને અને તને મળવા ખૂબ આતુર છે‘.

ગૌરીને હૈયે ટાઢક થઈ.

અરે વહુ બેટા, ચા પિવડાવશો, કાંઈ ખાવા દેશો કે બેઉ સાસુ વહુ ડોસાને ભૂખો મારશો‘?

લાવી બાપુ બધું તૈયાર છે.  ગરમા ગરમ બાજરીના વડા અને ચેવડો બનાવ્યો છે. ‘

લો બાપુ તમે અને બા શાંતીથી માણો. હાં, તમે આવી ગયા છો એટલે મને ટાઢક થઈ. બાપુ, ગોમતીના બાપુ આવે ત્યાં સુધીમાં આપણે બધી તૈયારી કરવાની છે‘.

પેલા હરિવદન જોશીડાને કાલે ઘેર આવવાનું  કહેણ મોકલું છું. બાપુજી ગૌરીનો ઉત્સાહ એકટક નિહાળી રહ્યા. તેમને થયું વહુ આમન્યા જાળવે છે અને પોતાના મનની વાત પણ કહે છે. સાક્ષાત લક્ષ્મીનો અવતાર મારી ગૌરી છે. વાત સાંભળતા હતા અને ગૌરીને હરખાઈને નિરખી રહ્યા,’ હા વહુ બેટા‘. અનાયસે તેમના મોઢામાંથી નિકળી ગયું.

હવે ગૌરીને શરમ આવી. નીચુ જોઈને બોલી, બાપુ તમે ધરમશીભાઈ હારે   મેઘજીભાઈને ઘરે જજો.  એમના દીકરા સાથે આપણી ગૌરીનું  વેવિશાળ કરીએ તો કેવું?’

બાપુ ખૂબ ખુશ થયા મનની વાત કરી અને મારી મંજૂરી પણ માગી.’ તેમને થયું રવજી હવે જલ્દી આવે તો સારું‘.

બાપુએ આવ ઉદગાર કાઢ્યા ગૌરીને ખૂબ મીઠા લાગ્યા. આવ્યાને બે દિવસ થઈ ગયા. ફળિયાવાળા અને સગા મળવા આવે તેમની ગૌરી ખૂબ ઉમળકાભેર આગતા સ્વાગતા કરતી. સહુને ચા તેમજ નાસ્તા વગર જવા દેતી. પાડોશીઓને થતું ગૌરી ખરેખર ઘર ડાહી છે. તેની દીકરી ગોમતી જેને ઘેર જશે, માબાપનું નામ ઉજાળશે!

બા અને બાપુજીનો થાક ઉતર્યો. જોશીડાને બોલાવી શુભ મૂહર્ત કઢાવ્યું. હોળાષ્ટક ઉતરે પછી વાત કરવા જશો તો સારા સમાચાર પામશો. તો બધો માત્ર વ્યવહાર હતો. હોળાષ્ટકના આઠ દિવસ ક્યારે પૂરા થાય? સહુથી વધારે ઉતાવળ ગોમતીને હતી. ધનજી છાનોમાનો આવીને ચેન ચાળા કરી ભાગી જતો.  ગોમતી ઉપરથી ના પાડે પણ અંતરમા આનંદ છવાઈ જતો. રવજીને તે ખૂબ યાદ કરતી.

તેને થતું,’બાપુ મને જોઈને શું કહેશે? મને હવે મારા બાપુ પાસે ખુલ્લા દિલથી જવું ગમશે કે નહી? પછી જાતને જવાબ આપતી,’ અરે મારા બાપુ છે. ખૂબ વહાલા છે. હું તો તેમની આંખનું રતન છું. તેમને છોડીને જવા મારો પગ ઘરની બહાર કેવી રીતે ઉપડશે‘?

ગૌરીએ બૂમ પાડી, ‘અલી, તું આખો દિવસ શમણા જોઈશ કે આપણી સુરભિ ગાયને ઘાંસ નીરીશ કે નહી‘.

હા, મા આવી દૂધ લાવી.’ કહીને નાઠી ગમાણમા. સુરભીના વાછરડાને કસીને ખીલે બાંધ્યું.

ગોમતીનું મેઘજીભાઈના દીકરા સાથે નક્કી હતું. ગૌરી જાણતી હતી. માગુ લઈને જવું જોઈએ રિવાજ તેને બરાબર ખબર હતો. એમાંય જો વડિલ જાય તો પછી કાંઈ કહેવાપણું રહે નહી.હવે બે દિવસ બાકી છે. દાદા દીકરીનું માગુ લઈને જાય તેનાથી રૂડું શું?

એક મિનિટ ગૌરીને મનમાં થઈ આવ્યું, ‘હેં અલી ખૂબ ખુશ થાય છે, પણ ખબર છે ને ગોમતીના ગયા પછી તારું આંગણું સુનું થઈ જશે‘?  પછી હસીને બબડી,’દીકરી તો સાસરે શોભે. જગનો ધારો છે, સોનાની કટારી કેડે શોભે તેને પેટમાં ખોસાય‘.

મારી દીકરી પિયર અને સાસરી બન્નેને ઉજાળશે. ‘મારું દુધ નહી લજવે.’તેને મેં ખૂબ સારા સંસ્કાર આપ્યા છે. તેના બાપે અને મેં કશી કમી રહેવા દીધી નથી. દાદા અને દાદીએ તેને ફુલશી ઉછેરી છે.

સવારે ગૌરી વહેલી ઉઠી. સ્નાન કરી સેવામાં ઠાકોરજીને સરસ મઝાની લાપસી કરીને આરોગાવી. ભગવાનને પ્રાર્થના કરી,’હે પ્રભુ મારી ગોમતી જે ઘેર જ્યાં ત્યાં સુખ અને શાંતિ પ્રસરાવે. તેના ઘરમાં દાદી સાસુએ ખૂબ મહેનતથી ઘર સાચવ્યું છે. તેમને પણ ગોમતી ખૂબ વહાલી 

                  

 

 

 

 

 

 

 

 

સબળા નારી ( ) પ્રવીણા કડકિયા

ગૌરી એકદમ હરખ પદુડી જણાતી હતી આટલી ખુશ તો કદાચ તેના લગ્ન રાવજી સાથે થયા ત્યારે પણ  નહોતી. બાળકી હતી, કશું ભાન હતું નહી. માતા અને પિતાએ કહ્યું એટલે રવજી સાથે પરણીને સાસરે આવી. આજની વાત જુદી હતી. તેના હૈયાનો હાર, કલેજાનો ટુકડો ગોમતીનું માગુ લઈને તેના દાદા જવાના હતા. ફરક એ હતો કે ગોમતીને મનનો માન્યો મળવાનો હતો ! ધનજી અને ગોમતી એક બીજાને ચાહતા હતા એ બધાને ખબર હતી. તેથી જ તો ગૌરી, ગોમતીને પરણાવવા ઉંચી નીચી થતી હતી. જુવાનીના આવેશમાં કોઈ આડુ પગલું ભરાઈ જાય તો નાલોશી લાગે તે જાણતી હતી. દીકરીની મા હમેશા સાવધાન હોય! સસરાજી આવી ગયા હતા. ગોમતીની વાત કાને નાખી. ઘડી ભરના વિલંબ વગર તૈયાર થઈ ગયા. તેઓ જાણતા હતા ‘સારા કામમાં સો વિઘ્ન આવે’ !

ગૌરી ખૂબ  ખુશ થાય તેમાં શી નવાઈ ? રવજીની ખોટ સાલી પણ તે તો હવે થોડા દિવસોની  વાત હતી. આંગણામાં શરણાઈના સૂર રેલાઈ ઉઠશે. ઢોલ ઢબૂકશે અને છમ છમ કરતી ગોમતી તેના મનના માનેલાનો હાથ ઝાલી સાસરે વિદાય થશે. મહેંદી ભર્યા ગોમતીના હાથની કલ્પના તેના મનને ભાવી. પીઠી ચોળતી વખતે કયું ગીત ગાશે તે ગણગણી રહી. હા, તેનું આંગણું સુનું થશે પણ એ તો કુદરતનો ધારો છે. તે પણ એક દિવસ પિયર છોડી સાસરે સંચરી હતી. ‘ગૌરી, હવે વર્તમાનમાં આવ, ખયાલોમાં ખિચડી પકાવવાનું બંધ કર’! અંતરનો અવાજ સંભળાયો! મનમાં પાછી ઘડા લાડવા ઘડવા માંડી.

હરિહર જોશીડાને તેડું મોકલવું પડશે. ખાસ કહેવાનું ઘડીનો વિલંબ કર્યા વગર આવી જાય. વાર જોવાનો, તિથી જોહર્ત જોવાનું.

‘બાપુ આજે પેલા હરિહરને તેડાવ્યો છે’.

‘હા, બેટા એ આવીને સારો દિવસ અને ચોઘડિયુ બતાવી જાય એટલે જઈશ’. એ બે દિવસ પછી આવ્યો. ગૌરીએ પરોણાગત કરી અને શા કાજે તેડાવ્યો છે તે બરાબર સમજાવ્યું. જુઓ, હરિહરકાકા, સારો દિવસ, વાર ચોઘડિયુ જો જો. આપણી ગોમતીનું માગુ લઈને બાપા અને ધરમશી ભાટિયા જાતે જવાના છે. જેટલો સમય લેવો હોય તેટલો લો. ત્યાં સુધીમાં હું શીરો અને ભજિયા બનાવું છું. પ્રેમથી ખાઈને જજો.

શીરો અને ભજિયાનું નામ સાંભળી હરિહરકાકાના મોઢામાં પાણી આવ્યું. થેલીમાંથી પંચાગ કાઢ્યું અને ગણતરી કરવા લાગ્યા. બે દિવસ પછીનું મુહર્ત બતાવ્યું અને અખાત્રીજ  લગ્ન માટે પણ કહ્યું. રવજી એ પહેલા આવી જશે તેની ખાત્રી કરી લીધી.

સારા  સુરભી ગાયના શુકન જોઈને બાપુ અને ધરમશીભાઈ નિકળ્યા. ગૌરીએ કંસાર તો ખવડાવ્યો પણ પાછું નિકળતા ગોળ દીધો અને તાજુ મીઠુ દહી ખવડાવી વિદાય કર્યા. મેઘજીભાઈને ઘરે દીકરી ગોમતીનો હાથ તેમના દીકરા ધનજીને સોંપવા.’ખુબ સુંદર અવસર હતો. બન્નેના મનમાં આશા અને ઉમળકાનો સાગર ઉમટી રહ્યો હતો. અધુરામાં પુરું ધનજી અને ગોમતી એકબીજાને ખૂબ ચાહતા હતા એ વાત અજાણી ન હતી. ઘીના ઠામમાં ઘી પડી રહે એનાથી વધુ આનંદની  વાત  કઈ હોય?

ગોમતીને ખબર પડી દાદા અને ધરમશી બાપુ ધનજીના બાપુને ત્યાં જાય છે. પાછલે બારણેથી દોડી ઝટ ધનજી પાસે આવી. ધનજી તેના કામમાં ગળાડૂબ હતો. તેની પાસે સરીને કાનમાં બોલી,

‘એય , આજે હું બહુ ખુશ છું!”

‘કેમ આજે કાંઈ ખાસ વાત છે’?

‘અરે, તને કહીશ તો તું મને —-‘!

‘હા, હા બોલ હું તને—‘?

‘ઉચકીને ગાલે—‘?’

‘તું છે ને યાર વાત નથી કરતીને વાતમાં મોણ નાખ્યા કરે છે’.

‘પ્રિયે, વાત એવી છે કે  તને કહું કેવી રીતે’?

‘તારા સુંદર મુખેથી’!

‘હા, તો સાંભળ મારા દાદા અને ધરમશી બાપુ તારે ઘરે આજે આવે છે’.

ધનજીને ગોમતીને ચીડવવાની અને તેના હાવભાવ જોવાની મઝા આવતી હતી. જાણી જોઈને તેને પરેશાન કરતો હતો. ‘તો ભલેને આવતા’!

‘એય, પાગલ તારી ને મારી વાત કરવા’!

‘ઓ, હવે ખબર પડી કહી ગોમતીને લાજ શરમ છોડી ઉચકી લીધી અને પાગલની માફક ગોળ ગોળ ફરવા લાગ્યો.

‘હવે મને નીચે મૂકીશ ? ચક્કર આવે છે.’

જેવી નીચે મૂકી કે ગોમતી પાછી ઘર તરફ નાઠી. આવી હતી તેના કરતા બમણી ઝડપે દોડી. તેને ડર હતો કે મા ને ખબર પડી જશે તો ?

બાપા ધરમશીભાઈ ભાટિયા અને ગૌરીના બાપાને ઘર જેવા સંબંધ. ધરમશીભાઈને ગૌરી જાણે પોતાની દીકરી હોય એટલું વહાલ. હવે ગૌરીની દીકરી ગોમતીનું માગુ લઈને રવજીના બા પાસે  જવાનું હોય એ તેમને મન ગૌરવ અપાવે એવી વાત હતી.તેમણે જુવાનીમાં ‘સ્ટીમ કંપની ‘ ચાલુ કરી હતી. નાના ગામના નવા નિશાળિયા  પાસે બહુ મૂડી મળે નહી. નસિબનું પાનું ક્યારે ફરે તેને કોણ કહી શકે. આજે બે દીકરા જોડાયાને મોટી કંપનીમા દીકરાઓ સાથે ભાગિ્દાર બની ગયા. હવે પોતે નિવૃત્ત જીવન ગાળતા. ગામમાં શાખ અને નામના જમાવ્યા હતા. ટાણે , કટાણે મદદ કરવામાં પહેલો નંબર.

ધરમશી ભાઈ ભાટિયાને નામે સિક્કા ચાલે. મોટા સખાવતી ગામના મોભાદાર માણસ. દરિયાવ દિલના હોવાને કારણે કદી કોઈ માણસ ખાલી હાથે પાછો ન ફરે. તેમને થતું ‘તારું દીધું લેવું ને તારું દીધું દેવુ’. જ્યારે ઈશ્વરે આટલી મહેર કરી છે તો શામાટે દિલ ટુંકું રાખવું. અડધી રાતે કોઈને કામ પડે તો ધરમશી શેઠ હાજર જાણવા. ધરમશી શેઠ ગાંઠનું ગોપીચંદન કરીને પણ ગામના લોકોના કામ કરે. એમાં જો જેની સાથે સંબંધ સારા હોય તેમને કાજે મરી ફીટે. ગામની ઘણી સંસ્થામાં પ્રમુખ હોવાને કારણે નિવૃત્તિકાળમાં ખૂબ પ્રવૃત્તિમય જીવન વિતાવે છે.

નાના મોટા કૌટુંબિક પ્રશ્નોનું નિરાકરણ ચપટી વગાડતા કરે. લોકો તેમને ઈજ્જત આપે . તેમની વાત પર સંપૂર્ણ ભરોસો મૂકી કબૂલ કરે !આજે તેમને હરખ માતો ન હતો. ગૌરીની દીકરી, ગોમતી માટે આવો કનૈયા કુંવર જેવો ધનજી સરસ મજાનો લાંબો ડગલોને પાઘડી પહેરી તૈયાર થઈ ગયા.

તેમણે  ગૌરીને નજર સમક્ષ મોટી  થતા જોઈ હતી.  એ ગૌરી રવજીની સાથે પરણી ત્યારે એમની આંખોના આંસુ  રોકાતા ન હતા. આજે એની દીકરી ગોમતી પરણવા જેવડી થઈ ગઈ. ગોમતીના બાપ રવજીની ખોટ સાલી, જ્યારે બાપ કરતા  દાદા આવી શુભ વાત કરવાના હોય એનો ઉમંગ અનેરો હોય. રવજીને તે પોતાનો જમાઈ ગણતા. રવજીની પ્રગતિ અને તેની ચડતી જોઈ પોરસાતા. તેની  લાખોમાં એવી એકની એક દીકરી ગોમતી પરણવા જેવડી થઈ ગઈ તે આનંદનો અવસર હતો.

નિવૃત્તિ કાળ દરમ્યાન સારા પ્રસંગે ધરમશીભાઈ ભાટિયાએ જ્યારે સાથે જવાની હા ભણી તેથી ગૌરી ખૂબ હરખાઈ. એમના બોલનું વજન પડે. ગામમાં પાંચમા પુછાય એવા વ્યક્તિની સાથે જવાનું છે એ જાણી રવજીના બાપુ પણ ખૂબ ખુશ થયા. ધંધાનું સુકાન બન્ને બાળકોને સોંપી તેઓ પાછલી જીંદગી ઉદ્યમ પૂર્વક જીવતા. ગામમા મોટી હૉસ્પિટલ બંધાવી. શાળા માત્ર નાના બાળકોની હતી.  વિદ્યાની અગત્યતા જાણતા તેથી મોટી શાળા બંધાવી. છોકરાઓને રમવા માટે મેદાન  બનાવડાવ્યું. રમત ગમતના સાધનો પણ વસાવી આપ્યા.

‘  બાપુ, ગોમતીના પિતાજી  (રવજી) તો હજુ આવી શકવાના નથી તમે અને મારા બાપુની જગ્યા લે એવા ધરમશી કાકા બન્ને સાથે ગોમતીનું માગુ લઈને મેઘજીભાઈને દ્વારે જજો! હરિહર જોશીડા એ મૂહર્ત જોઈ ચોઘડિયું કાઢી આપ્યું  છે. તમે બન્ને એ સમયે ઘરેથી પધારજો. હું તાજા ઘીનો કંસાર બનાવીને લાવું છું’!

શ્રીધરમશી ભાટિયા અને રવજીના બાપુ ઘરેથી નિકળ્યા ત્યારે ગૌરીએ  કુલડીમાં રાંધેલો ઘી અને ખાંડ મિલાવેલો કંસાર બન્નેને આગ્રહ કરીને ખવડાવ્યો. હરિહરના કહ્યા પ્રમાણે શુકન અને શુભ ચોઘડિયુ જોઈ બન્ને સિગરામમાં બેસીને નિકળ્યા. આખે રસ્તે તેઓ ગોમતીના ગુણ અને રૂપની વાતો કરતા  ધરાયા નહી. મેઘજીભાઈને ઘરે કહેણ મોકલ્યું હતું.  વેવાઈને ત્યાં જવાનું હતું. વટવહેવાર બરાબર સાચવવો પડે, એમાંય દીકરીના બાપ હમેશા વેવાઈનો મોભ અને મર્યાદા જાળવે. દીકરાવાળા પણ હેત ભેર આગતા સ્વાગતા કરે અને ધીર બંધાવે. તમારી દીકરી અમે સાચવશું. હવે એ અમારા ઘરની લાજ અને શરમ સાચવી આબરૂ વધારશે!

મેઘજીભાઈ આંગણે આવેલા અતિથિનું ઉમળકાભેર સ્વાગત કરે છે.  તેમને આજનું નિમિત શું છે તેનો બરાબર ખ્યાલ હતો. હરખ માતો ન હતો.  દીકરા માટે ગોમતીનું માગું લઈને આવનાર અતિથિનું સ્વાગત તેમાં જરાય ખામી ન આવવી જોઈએ. સાથે ધરમશી ભાટિયાને જોઈ રાજીના રેડ થઈ ગયા.

‘આવો, આવો મુરબ્બી તમે અમારું  ખોરડું પાવન કર્યું’!

નમ્રતા જીભને ટેરવે વસી હોય એવા ધરમશી ભાટિયા કહે,’અરે ત્રણ મેડીવાળી હવેલી ખોરડું કહેવાતું હોય તો ખોરડાને શું કહીશું’?

ત્રણેય જણા ખડખડાટ હસી પડ્યા. મેઘજીભાઈના બા દોડીને આવ્યા., આવો, ભલે પધાર્યા. વેવાઈ બોલવા જતા હતા ત્યાં અટકી ગયા. ‘અરે કહો , કહો આનંદથી આજે કહો. અમે અમારી લાડલી દીકરીનું  માગુ લઈને આવ્યા છીએ. તમે મંજૂરીની મહોર મારો એટલે હવેથી આપણે વેવાઈ, બરાબરને ‘?

મેઘજીભાઈને તો ભાઈબંધની દીકરીનું માગુ ધનજી માટે આવ્યું જાણી સોનામાં સુવાસ હોય તેવું લાગ્યું. સહુને ખબર હતી આ એક દિવસ થશે. એ શુભ દિવસ આજે છે તે જાણી ખૂબ આનંદ થયો.

બાએ ખુશીથી માથું ધુણાવ્યું અને બોલ્યા,’ હા ઉભા રહો હું ગોળધાણા લાવી મ્હોં મીઠુ કરાવું એટલે વાત પાકી’.  આજે કાયદેસર વાત આવી તેથી આનંદમાં ઉમેરો થયો. જે ઘડી પળની બન્ને કુટુંબો વાટ નિહાળી રહ્યા હતા એ આજે હકિકતમાં પલટાઈ. મેઘજીભાઈની માએ ખબર હોવાથી ખંડવા ઘંઉને દળાવી રાખ્યા હતા. તાજો કંસાર ચુલા પર રાંધ્યો, તેમા ઘી ને બુરુ ભેળવી સહુને પ્રેમથી જમાડ્યા.

મેઘજીભાઈ ખુશીથી હરખાઈ ઉઠ્યા. ગોમતીનાા દાદાને  કહે,’ આ તો મારી અંતરની ઈચ્છા હતી. આજે મારા સપના સાકાર થયા. તમે મારા ભાઈબંધની દીકરીનું કહેણ લઈને ક્યારે આવશો એની તો અમે કાગડોળે રાહ જોતા હતા. આજે મારે આંગણે સોનાનો સૂરજ ઉગ્યો. મારો ધનજી અને ગોમતી એકબીજાને પસંદ કરે છે. તમારી છોડી અમારે ઘેર આવીને રાજ કરશે.’

બે વખત ઘરભંગ થયેલા મેઘજીભાઈ આજે અંતરની વાણી બોલતા થાકતા ન હતા. ‘ગોમતીએ તો મારી બાનું દિલ પણ જીતી લીધું છે. જ્યારે પણ અંહી આવે ત્યારે, ‘બા બેસો તેલ ઘસી દંઉ’.કહેતીકને માથામાં ઘસવાનું ધુપેલ જરા ગરમ કરી બાને એવી સરસ માલિશ કરી આપે કે તેમને મીઠી નિંદર આવી જાય’.

બાપુજી ક્યારના પોતાના બોલવાની રાહ જોઈ રહ્યા હતા. ‘વેવાઈ, શ્રીમાન મેઘજીભાઈ ચાલો ત્યારે કરો કંકુના’! કહીને ગૌરીએ સાથે બાંધી આપેલું ખડી સાકરનું પડીકું આપ્યું’. આમ રંગે ચંગે ગોમતીની સગાઈ નક્કી કરી સહુ વાતોએ વળગ્યા. આવો શુભ અવસર આંગણે હોય ત્યારે આખું ઘર કિલ્લોલ  કરતું લાગે. ચારે દિશાઓ શુભ સમાચારના પડઘા પાડે.

બા ત્રણેયને જમાડતા જાય અને ગોમતીના ગુણગાન ગાતા જાય, ધરમશી બાપુ અને દાદા પોતાની વહાલી છોડીના વખાણ સાંભળી રાજીના રેડ થાય.  કયો દાદો હોય જેને પોતાની છોકરીના ગુણગાન સાંભળવા ના ગમે. બાપુને થયું અત્યારે રવજી હોત તો સોનામાં સુગંધ ભળત.

ગોમતી પલંગમાં પડી પડી ધનજીને સપનામાં સતાવતી હતી. ધનજી કામેથી આવ્યો. ઘરમાં આવેલા મહેમાનોને જોઈ પાછલે બારણેથી રૂમમાં ભરાયો. બસ હવે ગોમતી મારી થવાની બહુ ઝાઝા દિવસ રાહ નહી જોવી પડે !

સબળા નારી () રેખા પટેલવિનોદિની

” સગાઇની ચુંદડી” હરિહર જોશીએ કાઢેલા મૂહર્ત પ્રમાણે ગૌરી ગોમતી અને બાપા ધરમશીભાઈ ભાટિયા અને ગૌરીના બાપૂજી સાથે છોટુ કાકા અને રવજીના પિતરાઈ ભાઈયો અને તેમની વહુ દીકરીઓ સાથે બધા ખુશખુશાલ ચહેરે ચાર ફલાંગ દુર મેઘજીભાઈ ના દરવાજે હાથમાં સજાવેલા થાળ સાથે ગોમતીની સગાઇ માટે આવી પહોચ્યા. બધા બહુ ખુશ હતા આ તો જાણે દીકરી એક ઘરે થી બીજા ઘરે જતી હતી. આગણે  આવેલા બધાને મોટીબા અને મેઘજી ભાઈએ બહુ માન અને ઉત્સાહ થી આવકાર્યા આવો આવો ” ધરમશી બાપા, બાપુજી ,બા ,પધારો બધા , મારી ગોમતી દીકરી ” કહી મોટીબા એ ઓવારણા લઇ ટચાકા ફોડ્યા જાણે આવનારી બધી બલાને દુર ભગાડી . મેઘજીભાઇના બાએ બધાને સુકનના ગોળધાણા ખવડાવી બધાની વચમાં આવીને બોલ્યા ,અમારા ઘરમાં અમારીજ લખમી આવવાની છે।.આજ સુધી એ છોડીને હું દીકરી માનતી હતી હવે એ અમારા ઘરની લાજ બનીને લખમી બનીને આવવાની છે. તો હવે કમળા વહુ કોક સુકનનું ગીત ગવડાવો કહી કમળા કાકીને લગન ગીત ગાવા આગ્રહ કર્યો  …. આખા ગામમાં કમળા કાકીનો અવાજ બહુ મીઠો હતો અને જ્યારે એ લહેકાથી કોઈ પણ ગીત ગવડાવતા ત્યારે લાગતું કોક  ગાયિકા ગાઈ રહી છે.અને એથીજ નોરતામાં કાકીની બહુ માંગ રહેતી હતી. જ્યારથી આ ગામમાં પરણીને આવ્યા ત્યારથી ગામની વહુવારુઓ નોરતામાં તેમને પિયર પણ જવા દેતી નહોતી. પરણીને આવ્યા ત્યારથી મોટાંબા સાથે સારું બનતું , આમ પણ જયારે મોટાંબા ની તબિયત બહુ સારી ના હોય ત્યારે કમળા ને બેવ ઘર સંભાળવા પડતા હતા આથી આજે મનમાં છૂપો આનંદ પણ હતો કે હાશ હવે આ ઘરની ચિંતા ઓછો કરવાની થશે કારણ હવે ગોમતી અહી વહુ બનીને આવવાની છે, અને ગોમતીની કામ કરવાની સુઝબુઝ ઉપર બધાને માન હતું આથી ઉત્સાહમાં કમળા વહુએ તેમના કહેવાથી એક સુંદર મઝાનું લગન ગીત ઉપાડયું. ગણેશ પાટ બેસાડીયે ગોળ ઘાણા સહુને વ્હેચીયે સગા સબંધી તેડાવીએ સહુને સ્નેહે આમંત્રી બોલાવીએ, જોશીડા બોલાવીએ લગનના મુહર્ત કઢાવીએ. આજ માંડવી ગામે અવસર રૂડો  માણીએ. બધાં બહુ ખુશ હતા , આટલી ખુશીની વચમાં ગૌરીની આંખમાં ભરાઈ આવેલા ઝળઝળિયાં મોટાંબા જોઈ ગયા.  ” ગૌરી કેમ ઓછું આવ્યું તને? ,  તારી ગોમતીની જરાય ચિંતા ના કરીશ ” ” નાં બા મને મારી છોડીની જરાય ચિંતા નથી બસ એના બાપાની ખોટ સાલે છે ” કહેતા સાડલાના છેડા વડે આંખોના ખૂણા લૂછ્યા. બસ કર વહુ ,હવે તો તું વેવાણ થવાની અને આમ રડે તે સારું નાં લાગે અને રવજી મારા મેઘજી જેવો છે ,આ વખતે હું તેના કાન પકડીશ અને અહીજ રાખી લઈશ ” કહી બાએ ગૌરીને ખુશ કરવા પ્રયત્ન કર્યો .

ચુંદડી પહેરાવવાની રસમ બહુ ઘામઘુમ થી મોટા જમણવાર સાથે આટોપાઈ ગઈ. પંદર દિવસ પછી રવજીભાઈ ને નોકરી માંથી વેકેશન પડ્યું અને તેજ દિવસની અગાવથી  નક્કી કર્યા મુજબ પ્લેનની ટીકીટ બુક કરાવી દીધેલ, એટલે રવજીભાઈ મુંબઇ આવી પહોચ્યા , તેના આવવાના સમાચારે  બેવ ઘરમાં આનંદ ઉત્સાહ ઊભરાઇ ગયા, ગૌરીના આધેડ ચહેરા ઉપર એક નવ યૌવના જેવી ચમક ફેલાઈ ગઈ, આજે ગૌરીએ લાંબા વાળનો સરસ અંગ્રેજી આઠડાનો અંબોડૉ વાળ્યો, રવજીને ગમતા પીળા ચંપાના ફૂલ ભરાવ્યા, બાંધણી પહેરી તૈયાર થઇ. બા ગૌરી અને ગોમતી સવાર થી રવજીભાઈ નું ભાવતું જમવાનું બનાવતા હતા  ,રવજીભાઈ ને પૂરણ પોળી બહુ ભાવતી હતી આથી ગૌરીએ ખાસ એલચી અને ખસખસ નાખી બનાવી હતી. બા અને બાપુજી પણ બહુ ખુશ હતા પણ વધારે ખુશ હતી બાપુની લાડલી ગોમતી તેના પગ જમી્નને અડતા નહોતા ,તેમાય બાપુના આવતા પહેલા એક લાબું લીસ્ટ કાગળમાં લખીને રવજીભાઈ ને મોકલી આપ્યું હતું ,જે બધુજ તેના લગ્ન માટે હતું આ બધુ રવજીભાઈએ  સાથે કામ કરતા ભાઈબંધ ની વાઈફની મદદ થી  ખરીદ્યું હતું એ બધુ લઇ આવવાના હતા. સમય થતા બાપુજી રવજીભાઈને ભુજથી મોટરમાં માંડવી લઈને આવી ગયા. મોટર બહાર આવીકે  તરત ગોમતી બહાર દોડી અને બાપુ કહેતા વિટળાઈ ગઈ. રવજીભાઈ પોતાની વ્હાલી દીકરીને  જોઇ તેમની આંખમાં ખુશીના આંસુ ભરાઈ આવ્યા અને તેમનો હાથ કેટલીય વાર સુધી દીકરીના માથા ઉપર ફરી રહ્યો. “મારી દીકરી મારી સોનપરી કેટલી મોટી થઈ ગઈ “. એટલામાં મેઘજીભાઈ ત્યાં આવી ચડ્યા ” આવી ગયો મારો પરદેશી દોસ્ત ” કહેતા મોટેથી બોલ્યા સાંભળતા વેંત ગોમતી બાપુ થી છૂટી થઇ ઓઢણાનો છેડો માથે લઇ દુર ગઈ, અને મેઘજીભાઈ અને રવજીભાઈ એકમેક ને વળગી પડયા। ” દોસ્ત કહું કે વેવાઈ કહું ” “રવજી અત્યારે તો દોસ્ત કહે  લગ્ન પછી વેવાઈ કહી ગળે લગાવીશ ”  સાંભળતાં બધા હસી પડ્યા. ધનજીએ આવીને રવજીને પગે લાગ્યો ,બધાએ સાથે બેસી જમણ જમ્યા , પછી બાપુએ બધાને કહ્યું કે હરિહર જોશીએ મહિનાના છેલ્લા રવિવારે સાકર માટલી નું મૂહર્ત કાઢયું છે તો જો બધાની હા હોય તો તેના બીજા ત્રીજા દિવસે અખાત્રીજનું લગ્નનું મૂહર્ત આપણે નક્કી કરી નાખીયે. આ સાંભળતાં બધાના ચહેરા ખુશી થી હકારમાં હાલી ઉઠયા , ગોમતી અને ધનજીના ચહેરાની લાલી કંઈક અલગ દેખાતી હતી …. રવિવારે સાકર માટલીનો દિવસ આવી પહોચ્યો……એક લાલ કપડાંથી બાંધેલી પવાલીમાં સવાશેર સાકર ભરી ગીતો ગાતા કન્યા પક્ષ આવી પહોચ્યાં. આનંદ ઉલ્લાસમાં આખોય પ્રસંગ ઉજવાઈ ગયો. બા બાપા બન્ને ખૂબ ખુશ છે હોય જને એક પછી એક પ્રસંગ આનંદથી ઉજવાઇ રહ્યા છે . મોટા ઘરની મોટી વાતો હોય તેમ અહી આ માંડવીના ભાટિયા ખમતીધર કુટુંબમાં આમન્યા બહુ મહત્વની ગણાતી , અંદરના ઓરડામાં બધીય વહુવારુઓ કપાળ ઢંકાય તેમ સાડલો ઓઢીને ગીતો આલાપતી હતી અને બહારની મોટી ઓસરીમાં પથારાએલા ખાટલામાં ગાદલા પાથરી ઉપર કચ્છી ડીઝાઈનની ચાદરો બિછાવી ઢોલીયા ને અઢેલી પુરુષો હુક્કા પાન કરતા મૂછોને તાવ દેતા અલકમલકની વાતોમાં મશગુલ હતા . આજે ગોમતી બહુ રૂપાળી લાગતી હતી તેમાય બહુ ચીવટથી ગૌરીએ ગોમતીને  અંબોડો ગુથી આપ્યો હતો અને તેમાય પાછી તાજા મોગરાની વેણી ભેરવી દીધી હતી . આફ્રિકાથી રવજી પોતાની એકની એક દીકરી માટે આ દિવસ માટે ખાસ મંગાવેલા લંડનના પાવડર અને લાલી લાવ્યો હતો જેનો ઉપયોગ ગોમતીને બરાબર કરતા આવડતો હતો અને તેમાય માએ લાવી દીધેલું કાજળ લગાવવાથી તેની મોટી કાળી આંખો વધારે મોટી અને આકર્ષક લાગતી હતી. આમેય સુંદરતાને થોડું સજાવવા સંવારવા થી તે વધારે નીખરી ઉઠે છે  તેમાય આતો ઉગતું યૌવન જાણે સુરજના તાપમાં ઝળહળતું રતન કપાળ સુધી ખેચાએલા ઝરીભરતની ગુલાબી લીલી સાડી નીચે વધારે ઉઘડતું હતું . આજ સુધી સાવ સાદા કપડાંમાં ફરતી ગોમતીને જોઈ તેની માં ગૌરી સાથે મોટાંબા અને આજુ બાજુ ટોળે વળેલી સ્ત્રીઓ સહીત બધા ગોમતીના રૂપની ચર્ચા કરતા હતા , ત્યારે બહાર ઓસરીમાં પુરુષો વચ્ચે ફસાઈ પડેલા ઘનજીની હાલત તો ઉડવા મથતા પંખીને કોઈએ પરાણે જકડી રાખ્યો હોય તેવી હતી . બહાર થી શરમે બંધાએલા ઘનજીનું મન ક્યારનું ભમરો બની ગોમતીની આસપાસ ઉડાઉડ કરતુ હતું.  વિચારોમાં તે મન ગોમતીના ચમકતા કપાળને ચૂમી લેતું તો વળી ક્યારેક તેના લિપસ્ટિક થી લીપાએલા લાલ ચટ્ટક હોઠ ઉપર ચીટકી જતું, અને ત્રાંસી આંખે બરાબર તેને દેખાય તેવી રીતે બેઠેલી ગોમતીને જોઈ લેતો. તો ગોમતીએ શરમાતી નજર ઉંચી કરી સાડીની કિનારેથી ધનજીને જોઈ લેતી, તેઓના આ છાન ગપતિયા ધનજીનો જીગરી ભાઈબંધ હરીશ જોઈ રહ્યો હતો. આ હરીશ પણ અંદરખાને ગોમતીને પસંદ કરતો હતો પણ મેઘજીકાકા ના ભાઈબંધની દીકરી છે માની આજ લગી ચુપ બેઠો હતો ત્યાં એક મેઘજીકાકા નો દીકરો અને પોતાનો ભાઈબંધ સોનપરીને લઇ ગયો એમ વિચારી થોડો ઝંખવાયો હતો પણ હશે હવે વાત હાથમાં થી નીકળી ગઈ માની આજે ઘનજી ની ખુશીમાં સાથ આપતો હતો. તેણે ઘનજીને કોણી મારી. ” અલ્યા હવે કાયમ તારી સોડમાં ભરાવવાની છે અત્યારે તો તેને ઝાખવાનું છોડ ” ” વાત તો તારી સાચી છે પણ જોને મારી સોનપરી કેવી રૂપાળી લાગે છે આ ગુલાબી સાડીમાં ,જોતા મન ધરાતુ જ નથી ” ધનજી બોલ્યો. ” હોવે બહુ રૂપાળી લાગે છે મનેય ત્યાં વારેવારે જોવાનું મન થઇ આવે છે ” કહેતા હરીશ હસ્યો. ” એલ્યા એય તારી આંખો કાઢીને હાથમાં આપી દઈશ જો તારી થનારી ભાભી સામે નજર બગાડી છે તો”. ” લો બોલો હજુ ઓલી પરણીને આવી નથી અને આપણે બધા ભાઇબંધના પ્રેમમાં ભાગ પડાવી ગઇ”કહેતા બધાજ ભાઈબંધો હસી પડ્યા.

 

 

 

 

 

સબળા નારી () રેખા પટેલવિનોદિની

“ગોમતીના લગ્ન”

આમ સાકર માટલી નો પ્રસંગ હસી ખુશી ઉજવાઈ ગયો , હવે લગ્નને માત્ર સાત દિવસ આડે રહ્યા હતા , રાવજીભાઈ અને મેઘજીભાઈ બંનેના ઘરોમાં ઘમાલ વર્તાતી હતી , મોટા ઘેર લગ્ન લેવાતા હતા આથી મહેમાનો ની અવરજવર શરુ થઈ ગઈ હતી , ભાવનગરથી કાશી ફોઈ આવી પહોચ્યા આથી મોટાંબા ને લાગ્યું હાશ હવે રાહત થશે , પણ અહી બન્યું ઉલટું. કાશી ફોઈ મેઘજીભાઈ ના સહુથી નાના ફોઈ હતા. ફોઈ નાનપણ થી ખબરદાર હતા તેમાય વનેચંદ ભાટિયા ને ઘેર વહુ થઈને ગયા પછી મોટર ગાડી વાડી ને બંગલામાં રહી તેમનો વટ પડતો હતો અને તે હવે છેક પિયરના ઉંમરે આવી ગયો હતો.આવતાની સાથે કાશીફોઈ ઘર માથે લીધું.

” ભાભી વહુ જાણીતી છે તે તો જાણ્યું પણ લેવડદેવડ ની કશી ચોખવટ કરી? “

કાશી બોન હવે ભગવાનનું આપેલું બધુંય છે આપણા ઘરમાં અને છોડી લાવશે તે જાતેજ પહેરશે ,શું કામ નકામી ચિંતા કરવી “.

” નાં ભાભી એવું નાં હોય , કરિયાવર આપવા લેવાથી ખોરડું દીપે છે ,આતો વ્યવહાર કહેવાય . મારા લગનમાં બાપુએ ગાડું ભરીને દીધું હતું તે ભૂલી ગયા “.

” યાદ છે કાશી બોન ,એ કરિયાવર માં થોડુક ખૂટ્યું હતું તે તમારા ભાઈને મેં મારા દાગીના પોટલીમાં બાંધીને દીઘા હતા “. “હા ભાભી મને તે બઘા વિશે બહુ મોડેથી જાણ થઇ હતી”  ફોઈના અવાજમાં ઊંડું દુઃખ છલકાઈ ગયું .

હા ભાભી વખતે મારું કહ્યું માની તમે આજે સાંજે બધાને અહી ભેગા કરો ,તમારાથી વાત નહિ થાય તો હું કરીશકાશી ફોઈ છેલ્લું તીર છોડયું.

મેઘજીભાઈ એ ફોઈને સમજાવી જોયા ” ફોઈ આ મારા ભાઈબંધની દીકરી છે અને તે પરદેશ ગયો ત્યારથી તેની જવાબદારી મને સોપતો ગયો છે .  હવે તે છોડી આપણે ઘેર વહુ બનીને આવે છે બસ હું તો આમાજ ખુશ છું મને કરીયાવારનો કોઈ મોહ નથી”.

જો ભાઈ તને ખોરડાની આબરૂ વહાલી નથી તેતો હું સમજી ગઈ પણ મારે મારા બાપના ઘરની આબરૂ વ્હાલી છે , હું જવાબદારી નિભાવીશ અને જો મારી વાતની કોઈ કિંમત નાં હોય તો હું કાલની ગાડીમાં ભાવનગર પાછી જાઉં છું.

છેવટે રાત્રે મીટીંગ બોલાવાઈ અને તેમાં ફોઈએ જાતે આ વાત ઉપાડી ….

સાંભળતાં ચારે બાજુ સન્નાટો વર્તાઈ ગયો , કેટલીય વાર સુધી કોઈ બોલ્યું નહિ છેવટે બાપુજી વાતને સંભાળી લીધી. “કાશી બોન તમારા બાપુ અને મારા બાપુ ભાઈબંધ હતા પછી અમારો રવજી અને મેઘજીભાઈ ભાઈબંધ બન્યા હવે બેવ ખોરડા એક થવાના તેમાં કરિયાવર વચમાં ક્યાંથી આવ્યો ?, બોન દહાડા ગયા હવે નવા જમાના માં નવી વાતો વિચારવાની હોય “.

“ભાઈ સબંધોની બધીય વાત સાચી પણ વ્યવહાર જેવું પણ હોવું જોઈયે ને !” કાશીબેન બોલ્યા.

બધીય સમજાવટ એળે ગઈ છેવટે રવજીએ કહ્યું “ફોઈબા તમે કહો હું મારી ગોમતીને બધુ જ આપવા તૈયાર છું. આજ લાગી ભેગું કરેલું સઘળું એનુજ છે “.

“ભલે તો સહુ પહેલા ગોમતી અને ઘનજીને અહી બોલાવો “. “કાશીબોન છોકરાવ નું અહી શું કામ છે ?  આપણે મોટાજ વાત પતાવી લઈયે ” મોટાંબા બોલ્યા.

“નાં ભાભી જેમના લગન છે જેમને જીવનભર સાથે આ ઘરમાં રહેવાનું છે તેમને બધી ખબર હોવી જ જોઈએ, મારા લગન વખતે બાપુ અને ભાઈએ મને અંધારામાં રાખી હતી એ વાત પાછળ થી જાણી હું બવ દુઃખી થઇ હતી ,બોલાવો છોકરાઓ ને !” ફોઈબા નો આદેશ છૂટ્યો.

 થોડીવાર માં ઘનજી અને હંમેશા ઉછળતી કૂદતી ગોમતી આજે માથે ઓઢણી ઓઢી ત્યાં આવીને ચુપચાપ ઉભી રહી , આ બંને છોકરાઓના મનમાં અજબ શંકાઓ તરવરતી જણાતી હતી.

” આવો છોકરાઓ અહી મારી સામે બેસો , આજે તમારા લગ્નમાં થતા કરીયાવારની આપ લે ની વાત થવાની છે ” ફોઈબા ના આવાજમાં કરડાકી જણાતી હતી , બધા ચુપ હતા રવજીભાઈ એ મેઘજીભાઈ સામે જોયું ત્યારે મેઘજી ભાઈ હાથનો ઈશારો કરી શાંત રહેવા જણાવ્યું.

” સહુ પહેલા હું રવજીભાઈ અને ગૌરી વહુ જોડે માગું છું …… “દીકરીને પુરા સંસ્કાર અને સ્નેહ ઠાંસી ઠાંસી દેવા , એ જેટલું લાવી હશે તેના ઉપર અમારો અઘિકાર રહેશે ” બીજું માગું છુ ગોમતી દીકરી પાસે ” તારા બાપુને ઘેર જેટલો પ્રેમ તે આપ્યો તેનાથી બમણો મારે ઘેર આપવો પડશે “.

હવે વારો મેઘજીનો અને મારા મોટાભાભી નો ….. ” આપણા ઘનજીને જેટલો પ્રેમ છૂટ આપી તેટલી આવનારી દીકરીને આપવી રહેશે “.

બોલો અહી આવેલા બધા નાનામોટાની આ લેવડ દેવડ માટે હા હોય તો હું આ લગન માટે ખુશ છું .

ફોઈબા આગળ કશુય બોલે તે પહેલા એક મોટાંબા ,બા, અને બાપુજી સિવાય બધાય તેમના પગે લાગી ચુક્યા. ચારે બાજુ હાસ્યના રણકાર સંભળાવા લાગ્યા ,ઘડીભરનો સન્નાટો ક્યાંય છુમંતર થઇ ગયો .”ગોમતી જા ઝટ રસોડામાં બધાય માટે કડક મીઠી ચા બનાવી લાવ” મોટાંબા બોલ્યા .

સાંભળતાં ગોમતી રસોડા તરફ દોડી અને તેને જતા જોઈ ધનજી પણ ધીમેથી એ તરફ સરકી ગયો. એકાંત મળતા પ્રેમી પંખીડા ઘડીબર એકમેકમાં પરોવાઈ ગયા અને બહાર વડીલો આગળની તૈયારીઓ વિષે વિગતે ચર્ચા કરવામાં રોકાઈ ગયા.

બીજા દિવસે મેઘજીભાઈ ના કાકા કાકી મસ્કતથી આવી પહોચ્યા. મેઘજીભાઇનો એકનો એક દીકરો અને રવજીભાઇની એકની એક ગોમતી એટલે બન્ને પક્ષે પહેલો પ્રસંગ, ખૂબ ધામધૂમથી લગ્ન ઉજવવા નક્કી કરાયું હતું

બેઉ ઘર એકજ ગામમાં અને બાજુબાજુમાં હોવાથી લગનનો ખર્ચ વહેચી લેવાનું નક્કી થયું અને એકજ રસોડે રસોઈ રંધાઈ. ખમતીધર ખોરડે લગન હતા આથી આખાય ગામને રસોડે  પાંચ દિવસ તાળા લાગી ગયા લોક પણ બહુ ઉત્સાહ માં હતું ,લગ્નના ચાર દિવસ પહેલા રાંદલને તેડયા ,આ વખતે ગોરબાપા ને પુરા માન સન્માન થી  બોલાવ્યા આંગણે ઝાલરો વાળો માંડવો બાંધ્યો અને ઢોલીના ઢોલ સાથે વાજતે ગાજતે રાંદલ બેસાડયા આ બાજુ મોટીબા, કાશીબા ,અને મસ્કત વાળા કાકી જોર શોરથી બધાજ પ્રસંગો ઉજવવામાં પડ્યા હતા ,તો બીજી બાજુ ગૌરી અને તેના સાસુ સાથે ગૌરીની બહેન ભાભીઓ તેના આ પ્રસંગ દિપાવવા હાજર હતી.

છેવટે લગ્નનો દિવસ આવી ચડયો મેઘજીભાઈ નો દીકરો ઘોડી ચડયો ,આખું ગામ વરઘોડો મહાલવા થનગનતું હતું સાંજની વેળાએ વરઘોડો નીકળ્યો ત્યારે ધનજી એક રાજકુમાર જેવો શોભતો હતો . જરકશી જામો ઉપર બાંધેલો ફેટો અને ફેટામાં ખોસેલું મોતીનું ફૂમતું ગાળામાં મોતીની માળાઓ અને હાથમાં કલાત્મક તલવાર લઇ જાણે કોઈ કુંવર પરણેતર ને લેવા જતો હતો . બારીની આડસમાંથી આ દ્રશ્ય જોઈ રહેલી ગોમતીની આંખો માંથી ખુશીની ઘારા વહી નીકળી તેને મનોમન માં ભવાનીને તેમના પ્રેમનું રક્ષણ કરવા પ્રાર્થના કરી . ” કા ગોમતી આમ રડે છે ?  જોને તારું કાજળ ફેલાઈ જશે” એક સખી ટકોર કરવા લાગી ત્યારે તેનું ઘ્યાન ગયું કે એ પોતે પણ એક રાજ્કુવરી ને પાછળ મૂકી આવે તેવી રીતે તેના પ્રિયતમને પામવા તૈયાર થઇ હતી.

બધા હસી મજાક કરી રહ્યા હતા ત્યાં ગૌરી અને રવજી અંદર આવ્યા અને સખીઓના વૃંદને બહાર જવા કહ્યું . ગૌરીએ ગોમતીના હાથ હાથમાં લીધા અને કહ્યું ” દીકરી તું આજથી પારકી થવાની પણ યાદ રાખજે માનું હૈયું અને બાપનું આંગણ કાયમ તારું રહેવાનું છે “. ત્યાજ પહેલીવાર આંખમાં આંસુ સાથે રવજી બોલ્યો ” બેટા બેવ કુળની લાજ રાખજે અને કાયમ મને તારી પાછળ માનજે “. હેમખેમ લગ્ન ઉજવાઈ ગયા ,રડતી આંખે સહુની વિદાય લઇ ગોમતી ઘનજી સાથે માં બાપનું આંગણ છોડી , વાજતે ગાજતે પુરા માન સમ્માન સાથે તેના સાસરે આવી.  જે ઘેર કેટલીય વાર ઉછળતી કુદતી આવી ગઈ હતી ત્યાં આજે પગલા પાડતા કઈક અલગ અનુભૂતિ થતી હતી. કાકીએ વરવધુને પોંખ્યા.

નવા નવ દહાડા , થોડા દિવસ ગોમતીને નવી વહુ તરીકે બહુ માન મળ્યા, બે દિવસ પછી બાપને ઘેર જઈ પગફેરાની રસમ પણ નીભાવી આવી. હવે લગ્નને દસ દિવસ નીકળી ગયા હતા ,  મહેમાનો પણ પોતપોતાને ઘેર પહોચી ગયા હતા . મોટાંબા હવે થોડા કડક બની ગોમતીને ધીરેધીરે અહીની રહેણી કરણી અને વ્યવહારની સમજ આપવા લાગ્યા હતા.  પરંતુ ગોમતીમાં હજુ બાળપણ છુપાએલું હતું જે ક્યારેક તેના ઓરમાન દિયરો સાથે છલકાઈ આવતું આથી દેવજી અને મુળજીને આ ભાભીમાં ગોમતી સાથે બહુ ફાવી ગયું હતું.ક્યારેક ઘનજી હસત હસતા કહી દેતો કે ” અલી જોજે આ બેવ જોડે ઘમાલ કરતા મને નાં ભૂલી જતી ,તારો પરણ્યો છું હો “. ત્યારે જવાબમાં ગોમતી કહેતી ” આ ભવ નહિ સાત ભવ માટે તારી જોડે જોડાઈ છું ,હવે તું ઈચ્છે તો પણ હું તને છોડવાની નથી “.-

    “ ગોમતીની  સાસરી”  (૬)  ડો ઇન્દુબહેન શાહ

ગોમતી સાસરે આવી, મોટાબાને  હવે એકદમ નિરાંત થઇ ગઇ. ગોમતી  તેમની વહાલી દીકરી હવે ઘરની વહુ બનીને આવી. ગોમતીએ પણ  ધીમે ધીમે મોટા ઘરની બધી જવાબદારી લેવા માંડી. નાના દિયરો મુળજી અને દેવજી , ઉમરમાં ગોમતીના સમોવડીયા ગણાય. મોટો મુળજી  તેનાથી એકાદ વર્ષ મોટો અને દેવજી એકાદ વર્ષ નાનો. બન્ને આઠમા તેમજ સાતમા ધોરણમાં અભ્યાસ કરે. ગોમતી કુવારી હતી ત્યારે રજાને દિવસે તેમની સાથે પત્તા રમતી. તો કોઇ વાર કોડા રમતી. ગોમતીને કોઇ ભાઇ બેન નહી. એકની એક એટલે એને તો  બહુ મજા આવતી. સાથે રમનારા ભાઇ માંડવીમાં મળી ગયા. મુળજી અને રવજીને કોઇ બેન નોતી, એટલે ત્રણે જણા રજાના દિવસે મજાક મસ્તી કરતા.. બન્ને નટખટ નાના ભાઇઓ કોઇવાર ગોમતી અને મેઘજીના સંદેશવાહક પણ બનતા.

 લગ્ન થયા પછી બધું બદલાઇ ગયું. થોડો વ્યવહાર અને વર્તનમાં ફેરફાર જરૂરી બન્યો. હવે ગોમતી, રવજી અને ગૌરીની નાચતી, હસી મજાક કરતી દીકરી,મોટા ઘરની સૌથી મોટી વહુ બની ગઇ. સવારના વહેલી ઊઠી નાહી ધોઇને  મોટાંબાની  ઠાકોરજીની સેવાની તૈયારી કરે, પૂજાના ચાંદીના પાત્રો સાફ કરે. માળીએ લાવેલ ઋતુ પ્રમાણેના પુષ્પો મોગરા, ગુલાબ, જુઇ, ચંપાની સુંદર માળા બનાવે. ઠાકોરજીને  ધરાવવા સામગ્રી માટે મગજના લાડવા મોટાબાએ શીખવાડ્યા તે ધ્યાનથી શીખી લીધા. રોજ બનાવવા લાગી. ચાલાક ગોમતીને કોઇ પણ કામ એક વખત બતાવે ને આવડી જાય. સવારના ધનજી અને સસરાજી માટે ગરમ ભાખરી, ગરમ બાજરીનો રોટલો તો કોઇ વાર ગરમ રવાનો શીરો બનાવે, સાથે બદામ પિસ્તા કેસરના કઢેલા દુધના તાંસળા ભરે.બન્ને બાપ દીકરાને પ્રેમથી સાત્વિક નાસ્તો કરાવે. બન્ને દુકાને જાય.પછી બન્ને દિયરોને ગરમ ગરમ રોટલી પીરસે, પ્રેમથી જમાડે, નિશાળે મોકલે .પછી મોટાંબાને જમાડી પોતે જમે.

લડાઇ પછી મોંઘવારી દિવસે દિવસે વધી રહી હતી, દુકાનમાં માણસો રાખવા પોષાય નહીં.ધનજીનો મિત્ર હરીશ મોરબી આગળ આભ્યાસ માટે ગયો, સમજુ ધનજીએ પોતાની ઈચ્છા મનમાં જ દબાવી દીધી અઢાર વર્ષની ઉંમરે બાપા જોડે ધંધામાં લાગી ગયો.

 દુકાનના મુનિમ બચુભાઇ જમવા જાઈ તેમની સાથે ગોમતી બાપ દીકરાનું બપોરના જમવાનું ટીફિન મોકલાવે. મેઘજીભાઇ કોઇ વાર સમજીને ધનજીને બપોરે જમવા મોકલે “ધનજી બેટા તુ વહેલો નીકળ આજે માલનો છકડો આવવાનો છે, બચુભાઇને હું અહીં રહીએ તું જમીને અમારું ટિફીન લેતો આવ”,

ધનજી મનમાં હરખાઈ બહાર વિવેક દર્શાવે “બાપા તમારે ઠંડુ

“ભઈ તારું કામ નહીં મારી ને બચુભાઇની હાજરીની જરૂર “, તું મોડું ન કર ગોમતી તારી રાહ જોતી હશે.

દિવસભરના થાક પછી ગોમતી અને ધનજી રાત્રે સયનખંડમાં ભેગા થાય,બસ આખી રાત તેમની એકલાની કોઇની ડખલ નહી ,બન્ને પ્રેમી પારેવડા તન, મનથી એકબીજામાં પરોવાય ગાઢ નિદ્રામાં પોઢી જાય. સવાર પડે ગોમતી ધનજીના બાહુને ધીરેથી અળગા કરે,ધનજી ઓઢણું ખેચી પાછી બાહુમાં જકડી ચૂમીઓનો ધોધ વર્ષાવે  બન્ને એકબીજાને ભીજવતા રહે. કુકડાનો કેકારવ સંભળાયો ગોમતી સફાળી ઊભી થઈ, અરે બહુ મોડું થઈ ગયું. જલ્દી ઓઢણુ ઓઢી બાથરૂમમાં,નિત્યક્રમ પતાવી રર્સોડામાં ગઈ.

મોટાબાને જોયા,જૈ શ્રીકૃષ્ણ મોટાબા, જૈ શ્રી કૃષ્ણ આવી ગઈ બેટા પછી સ્મિત સાથેપુછ્યું ‘સવાણ છે ને બેટા”? ગોમતી શરમાતા’ તમે ય શું બા! આજે હસી મઝાક સાથે બન્નેએ સાથે સવારનું કામ આટોપ્યું. મોટાંબા કોઇ વાર વજ્રકાળજાના તો કોઇ વાર માખણ જેવા નરમ. હોશિયાર ગોમતી મોટાંબાને બરાબર ઓળખતી થઈ ગઈ હતી.  કોઇ વાર ધનજી ગોમતીને વહાલમા કહેતો “તે તો મોટાંબા પર જાદુ કર્યો છે,કોઈ દિ તારો વાંક જોતા જ નથી”,” તને શેની ઇર્ષા થાય છે! હું વાંકમાં જ નથી આવતી. હવે જટ દુકાન ભેળૉ થા બાપા પુગી ગ્યા હશે.”પછી કે’તો નહી ગોમતીએ મોડું કરાવ્યું.”

ગોમતીને ઉબકો આવ્યો મોઢા પર હાથ મુકી પરસાળમાં દોડી, મોટાંબા પૂજા અધુરી મુકી બહાર આવ્યા, ગોમતીનો વાંસો પ્રસરાવતા બોલ્યા બેટા તને દી ચડ્યા છે.

“મોટાંબા એટલે શું?”

“તું મા બનવાની છે”.

“હેં! હું મારી મા ને ઘેર જઇને કહી આવું?”

“હમણા નહીં, તું લીબુનું શરબત પી ને આરામ કર, આપણે બેઉ બપોરે હારે જઈશું”

“મોટાંબા, હજુ રસોઇ બાકી છે.”

.”આજે હું અને સુખીબેન થઈને રસોડું પતાવશું, તારે ઊભા નથી થવાનું”.

 મોટાંબા અને ગોમતી બપોરે ગૌરીને ત્યાં ગયા. ખડકી ઊઘડી, ગૌરી બહાર નિકળી ચોકમાં ગોમતી અને મોટાબાને જોયા.

આવો આવો વેવાણ, ખરે બપોરે! મુળજીભાઈને મોકલવા’તા ને હું આવી જાત, ગોમતી વાંકમાં આવી છે?”

“ગૌરી વહુ, તારી છોડીનો વાંક છે, બસ આજે જ મારી માને ઘેર જઇને કહેવું છે”.

“શું કહેવાનું છે?”

“ગૌરી વહુ,તું નાની થવાની અને હું વડ દાદી”

“વાહ, આવા સારા સમાચાર જણાવવાની ઊતાવળ તો મારી છોડી કરે જ ને.”

“ગૌરી વહુ, તારે એકાદ વર્ષ અહીં રોકાવું પડશે”.

“બા-બાપૂજી છે, ગોમતીના બાપુને કોઇ તકલીફ નહીં પડે”.

બેઉ વેવાણ આમ વાતો કરતા હતા ત્યાં ગોમતી ચા, નાસ્તો લઈને આવી.

“મા, મોટાંબાનો ચાનો ટેમ થ્યો છે, બેવ ચા પી ને વાતું કરો”.

“જોયુ ગૌરી વહુ, તારી છોડી કેટલું બાધું ધ્યાન રાખે છે, હું એનો ક્યાં વાંક ગોતું”.

“વેવાણ હવે આપણે બેઉંએ ગોમતીનું ધ્યાન રાખવું પડશે”.

આઠમે મહિને ગોમતીનો સીમંતનો પ્રસંગ ધામધૂમથી ઊજવ્યો, ગામની બધી સીમંતિની સ્ત્રીઓને આમંત્રણ અપાયા ખોળો પિત્રાઇ નણંદે ભર્યો.પગલા ભરાયા પગલે પગલે ગૌરીના ભાભીએ સોપારી રુપિયા મુક્યા, બધા ભેગા કરી દાનમાં આપ્યા. સિમંત પ્રસંગ પછી રિવાજ મુજબ ગોમતી પિયર આવી. મોટાંબાએ મેથીના લાડવા વાળ્યા, ગોમતીને પિયર મોકલાવ્યા.

નવ મહિના પૂરા થયા , પ્રસુતિની પીડા ઊપડી. સરકારી દવાખાનાની નર્સને ઘેર બોલાવી કુદરતી પ્રસુતિ થઈ ગોમતીને દીકરો આવ્યો. મુળજીએ થાળી પીટી જાહેર કર્યું, બાર વર્ષે મેઘજીના ઘેર પારણું બંધાયું. આખા ગામમાં પેંડા વેંચ્યા. છઠે દિવસે નણંદને તેડા મોકલ્યા નણંદ પાંચ દોરિયા અને છઠીયું (છઠીને દિવસે પહેરાવામાં આવતું (ઝભલું) લઈને આવ્યા. છ્ઠી મંડાય દીવો કર્યો દીવાની વાટની મેસ ભેગી કરી ફૈબાએ ભત્રીજાની આંખમાં આંજી બોલ્યા “છઠીના આંજ્યા, ન જાય કોઇથી ગાંજ્યા”. ત્યાર બાદ  નામ કરણ વિધી કરવામાં આવી બાબાના સંખેડાના ઘોડીયાને સરસ કચ્છી ભરત ભરેલ સાટીનનું ખોયું  બાંધ્યું, બાબાને સુવડાવ્યો. પાંચ સૌભાગ્યવતી વહુ, દીકરીઓએ રેશમની દોરી પકડી હલકા હાથે બાબાને ઝુલાવતા ગીત ગાયું.

  “ઓળી ઝોળી પીપળ પાન, ફોઈએ પાડયું ધનેશ નામ”.

ગોમતીના ખોળો ભરાયાના ચોખાનો મીઠો ભાત ગૌરીએ બનાવ્યો. સાથે ચોખાના સારેવડા તળ્યા, બધી વહુ દીકરીઓને જમાડી અને કચ્છી ભરતના કાપડાની લહાણી આપી.

ગોમતીની નણંદને બે સાડી, બનારસી સેલું અને કચ્છી બાંધણી આપ્યા.

છઠીના દિવસે ગામના એક માત્ર ફોટૉ સ્ટુડીયોવાળા જીવણભાઇને ઘેર બોલાવી ફોટા પડાવ્યા અને સ્પેશીયલ મોટા કવરમાં બીડી રવજીને એર મેલથી મોકલાવ્યા.

ગોમતીનું પાંચમે મહિને જીઆણું કર્યું.

એક ઘેરથી બીજે ઘેર જ જવાનું હતું, પરંતુ મોટા ઘર પ્રમાણે  રિવાજ બધા કરવાના.

ગોમતીને તેડવા મુહરત જોઈ સાસરીયા આવ્યા. બે દિયરો, નણંદ,ભાવનગરથી ફોઈ બાબાને રમાડવા આવેલ તેમને મોટાંબાએ આગ્રહ કરી રોક્યા.” બેન ચાર દિ રોકાય જાવને ગોમતીને તેડવા જવાનું છે”.

મોટાંબા અને મેઘજીભાઇ એમ પાંચ જણા થયા. ગૌરીએ જી આણું દેખાડયું. પહેરામણી કરી .ફૈબા બોલ્યા “ગૌરી વહુ અમારે જી આણામાં પહેરામણી ના હોય”.

“ફૈબા આ તો મારે ઘેર અને મેઘજીભાઇના ઘેર આટલે વર્ષ પારણુ બંધાયું એના હરખનું તમને બધાને આપું છું”.

 “બધા તલધારી લાપસીનું જમણ જમ્યા, ગોમતી અને ધનેશને લઈને ઘેર આવ્યા”.

આ આખો પ્રસંગ ગૌરીએ એકલે હાથ ઉકેલ્યો પૂર્ણ સંતોષ સાથે આફ્રિકા જવાની તૈયારી કરી.

 ગોમતીને ધનેશ પછી બે દીકરા ગણેશ અને ઉમેશ,  ત્યાર પછી બે દીકરી દીના અને નીશા. સૌથી નાનો ઉમેશ હતો.

બાજુવાળા કાકી, માસી વગર માગી સલાહ દેવા આવે, “ગોમતી વહુ તે પાંચ સુવાવડ અને નાના દિયરો પાછળ તારી જાત ઘસી નાખી”. માસી ટાપસી પૂરે બુન બાપડીને સાસુ નહીં કોણ સલાહ દે દસ વરસમાં પાંચ છોકરાની મા થઈ ગઈ”.

ગોમતીઃ”કાકી- માસી, ચા નાસ્તો  તૈયાર છે. તમે મારી ચિંતા છોડો મારા મોટાંબા મારી સગી માથી વિષેશ છે. મને જરૂર પડશે ત્યારે તમને પૂછીશ”.

કહેવાય છે ને સાસુ ન હોય  ત્યારે ગામની સો સ્ત્રીઓ સાસુ થવા આવે.

ગોમતી કોઇને સાસુપણું કરવા નથી દેતી. બધાને વિવેક સાથે બિંદાસ જવાબ આપી દેતી. બા અને ગૌરી એકદમ ચિંતા મુક્ત થઈ ગયા.

ધનજીના નાના બેઉ ભાઇઓ મેટ્રિક પાસ થયા, બન્ને માટૅ ગોમતીએ મુંબઈની છોકરીઓ  ગોતી. ધામધૂમથી પરણાવ્યા. મુળજીના સસરાને મુળજી જેઠા માર્કેટમાં કાપડનો ધંધો. મુળજી તેમાં ગોઠવાઇ ગયો. સસરાએ કચ્છ કલા ભરતનો નવો ડીપાર્ટમેન્ટ ખોલ્યો. દેવજી ભણવામાં હોશિયાર તેને વસનજી ભાટિયાની સ્કોલરશીપ મળી ગઈ. ભણવાની બધી સગવડતા વસનજી ભાટિયાની સખાવતોની મદદથી થઈ ગઈ.

 

 

 

 

સબળા નારી  ()  ડૉ ઇંદુબેન શાહ

 ગોમતીનો પરિવાર વધવા માંડ્યો. વિશ્વયુધ્ધ શાંત થયું. તેનો આનંદ ક્યાંય દેખાતો નથી, પાંચ બાળકોનો ઊછેર, વધતી જતી મોંઘવારી. હિન્દુસ્તાન ખેતી પ્રધાન દેશ હોવાથી ક્યારેય અનાજની અછત નહીં ભોગવેલ.લડાઇ પછી, બ્રિટિશ શાસનકારોએ અમેરિકા અને કેનેડાથી અનાજની આયાત શરુ કરી દીધી.  હલકા ફાલના કેનેડીયન  લાલ ઘઉં, અમેરિકન જાડા ચોખા,અને શાસન તંત્રની નબળાયને કારણે આ બધામાં પણ ભરપૂર ભેળસેળ થવા લાગી. આ બધાનો લાભ ઊઠાવનારા વેપારીઓને ફાયદો થતો. મેઘજી અને ધનજી જેવા પ્રમાણીક વેપારીઓને નુકશાન ભોગવવું પડતું.

ગોમતીની ચપળ શક્તિ, આ બધું જોય કંઇક કરવા થનગનતી; મનમાં વિચારો ઘોડાપૂર જેમ ઊભરાતા, પ્ર્શ્નો ઉઠતા “આમ જ ચાલશે તો મારા પાંચ બાળકોનું ભવિષ્ય શું?કચ્છના ઘણા ભાટિયા કુટુંબો ઘર બંધ કરી મુંબઈ, જેવા મોટા શહેરમાં સ્થળાંતર કરી રહ્યા છે. મારે અને ધનજીએ આ વિષે વિચારી નિર્ણય લેવો પડશે.”

ગોમતીને નાનપણથી વાંચવાનો શોખ, માંડવી આવ્યા પછી આ શોખ અંતરના અગોચર ખૂણામાં ધબરાઈ પડ્યો હતો. જે જાગૃત થયો, પિતાના શબ્દો કાનમાં ગુંજવા લાગ્યા ગોમતી દુનિયાભરમાં શું ચાલી રહ્યું છે જાણવું જરૂરી છે, તે જાણવા નવરાસ મળે છાપા વાંચવાના. ગોમતીને જાણે બધા પ્ર્શ્નોના જવાબ મળી ગયા. બાળકોને શાળામાં મોકલે ઘરનું કામકાજ પતાવે બપોરના બે કલાક મળે તેનો સદઉપયોગ કરે, ગામની એક માત્ર નાની એવી લાઇબ્રેરીમાં પહોંચી જાય, જે કંઇ જુના નવા છાપા, મુંબઈ સમાચાર, ગુજરાત સમાચાર અને કોઇ વાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અંગ્રેજી છાપું હાથમાં આવે તો તે પણ વાંચી લે. વાતચીત કરવાની ગોમતીની આવડત બધાના દિલ જીતી લે. આધેડ ઉમરના લાઇબ્રેરિયનને આ નાની ઉમરની મહિલાના વાંચન શૉખ પ્રત્યે માન થયું. કોઈ વાર કોઈ કારણસર ગોમતી ના આવી હોય તો તેના માટે છાપા રાખી મુકે. ગોમતી જે કરે તેમાં મોટાંબાની સંમતિ મળી જતી.

મોટાંબા ભણેલા નહીં,પરંતુ ગણેલા ગામમાં સારા માઠા પ્રસંગે ગામની સ્ત્રીઓ તેમની સલાહ લેવા આવતી.,લડાઇ પછીની મોંઘવારીની તેમને પણ થોડી ચિંતા થવા લાગી હતી. મુળજી દુકાનના માલની ખરીદી કરવા આવ્યો, ત્યારે નાનપણમાં પોતે પરોવેલ સાચા મોતીના તોરણ અને કચ્છી ભરતના ચાકળા પડદા વગેરે બતાવ્યા, જોઇને મુળજી ખૂબ ખુશ થઈ થયો , “મોટાબા તમે તો છૂપા રૂસ્તમ નીકળ્યા, આ બધું ક્યારે બનાવ્યું? આ બધી કળાની કિમત મુંબઈમાં ખૂબ થશે.”

“બેટા આમાનું મોટા ભાગનું મને મારા પિયરીયા તરફથી મળેલ, મેં સાચવી રાખ્યું,હતું આમાનું ઘણું તારી ગોમતી ભાભી લઈને આવી છૅ, હવે તું તારી દુકાનમાં વેંચવા લઈ જા, આ કપરા કાળમાં તારી ગોમતીભાભીને ઘર ચલાવવામાં કામ લાગશે”.

“બા હું ભાભીને દર મહિને પૈસા મોકલાવીશ. તમારે અને ભાભીએ આ પ્રાચિન કળાને વેચવાની જરૂર નથી. ભાભી તો અમારી મા બરાબર છે”.

“બેટા મને તારા પર ગર્વ છે, તું અત્યારે બધું નહી તો થોડું તો લઈ જ જા. તારી ભાભી સ્વમાની છે, તે કોઇની પાસે હાથ લાંબો નહી કરે, અણ હકનું કંઈ લેશે નહીં, દર મહિને તું ખરીદી કરવા આવે ત્યારે હું અને ભાભી આવી નાની મોટી જણસ બનાવી રાખશું, તું વેંચી અમને પૈસા મોકલાવતો રેજે’.

“સારું મોટાંબા તમે કહેશૉ તેમ કરીશ”.

મુળજીએ પાંચ હજાર રૂપિયા કાઢી મોટાંબાના હાથમાં મુક્યા, “બા અત્યારે આટલા રાખો મને ખાત્રી છે આની કિંમત વધારે આવશે, હું મુંબઈ પહોંચી બાકીના મનિઓર્ડથી મોકલાવી દઈશ”.

વ્યવહાર કુશળ મોટાંબા બોલ્યા “બેટા તું તારે બધા પછી મોકલાવજે, તારે હજુ બજારમાં ખરીદી બાકી છે, પૈસા જોઇશે”.

“મોટાંબા મારી પાસે પૂરતા છે, ચિંતા ન કરો.”.

આમ વાતો ચાલતી હતી, ગોમતી ચારે બાળકોને લઈ ઘેર આવી, નાનો ઉમેશ દોઢ વર્ષનો, પગ સંચાર થતા જાગ્યો, રડવા લાગ્યો, મુળજીએ ઉંચક્યો, બધા બાળકો મુળજીને વિંટળાય વળ્યા, બધા એક સાથે “મોટાકાકા અમારા માટે શું લાવ્યા”?

ગોમતીઃ” મોટા કાકાને હેરાન નહીં કરવાના, જે લાવ્યા હશે બધું આપશે, પહેલા રસોડામાં આવો બધાનો ભાગ કાઢ્યો છે, નહી આવો તો પાછો મુકી દઈશ”.

મુળજી “જાવ બધા, મા પાસે પહોંચો, નહી તો ભૂખ્યા રહેશો”.

બધા રસોડામાં સાદડી પર બેઠા ગોમતીએ બધાને શેવ મમરા, અને મુંબઈના આઇસ હલવાનો નાસ્તો આપ્યો.

નાસ્તો કરી બધા બહાર આવ્યા. નાની નિશાની ધીરજ ખૂટી ગઈ, કાકાની પાસે ગઈ, લાડમાં બોલી

“કાકા, મારા માટૅ ઢીંગલી લાવ્યા?”

“તારા માટે સરસ અંગ્ર્જી ઢીંગલી લાવ્યો છું,એક સરત, તારે અને દિશાએ સાથે મળી રમવાનું કબુ્લ?”

“કાકા, અમે બન્ને સંપીને રમશું”.

નિશા,દિશાને સરસ રૂપાળી ગુલાબી ગાલ, લાલ હોઠ, સોનેરી વાળ વાળી ફ્રોક બુટ મોજા પહેરેલી ઢીંગલી મળી.બન્ને બહેનો ખૂશ થઈ ગઈ.

“મોટાંબા, ગુણીના ઘેર રમવા જઇએ’?

“જાવ, વાળુ ટાણે આવી જજો”

નાના બાળકોને નવા રમકડા મિત્રોને બતાવવાની ઊતાવળ, બન્ને બહેનો, બહેનપણીના ઘેર પહોંચી ગઇ.

બન્ને ભાઇઓને ક્રિકેટ રમવા બેટ, બોલ અને સ્ટંપ આપ્યા,

“તમારી સરત,દોસ્તાર સાથે સેરીમાં સંપીને રમવાનું,કબુલ.

બન્ને એક સાથે કાકા,”કબુલ, હવે રમવા જઇએ”.

સૌથી નાનો ઉમેશ, મોટાબાના ખોળામા બેઠો હતો,આ બધુ કૌતક જોયા કરતો હતો, ભાઇની ધીરજ ખૂટી, કાકા તરફ લાંબા હાથ કરી, ભેંકડૉ તાણ્યો.

મોટાબાઃ મુળજી તારા સૌથી નાના ભત્રીજાને ભૂલી ગયો? જો માઠું લાગ્યું, દે એને કંઇક.”

મુળજીઃ”મોટાબા એને માટે તો એની કાકીઍ સરસ બાબાસુટ મોકલાવ્યો છે, અને ચાવી વાળી મોટર એના વેલજી કાકાએ મોકલાવી છે, અને હું ઘોડિયા પર લટકાવાનું ચાવી વાળું નાનું ચકડોળ લાવ્યો છું.”

ગોમતીઃ અરે વાહ મારો નાનકો તો બહુ લાડકો !

મુળજીએ ચાવી વાળી મોટરને ચાવી ચડાવી નીચે મુકી મોટરને દોડતી જોઇ, ઉમેશનું રડવાનું બંધ ખિલખિલાટ હસવા લાગ્યો મોટરને પકડવા દોડ્યો.

ચારે બાળકો રમવા ઉપડ્યા, ઉંમેશ નવા રમકડા સાથે ઘરમાં રમતે ચડ્યો.

મુળજી અને મોટાંબાએ ગોમતીને તેની ગેરહાજરીમાં થયેલ વાતની જાણ કરી.

ગોમતી માની ગઇ. મોટાંબા અને ગોમતી રસોડામાં ગયા. મુળજી તેના નક્કી કરેલ કારીગરોના ઘેર, ઓર્ડર કરેલ વસ્તુઓ લેવા ગયો.

ઍ જમાનામાં મુંબઈના વેપારીઓ સીધો કારીગર સાથે વ્યવહાર કરતા, આજના જેવી કોઇ સહકારી મંડળીઓ શરુ નહિ થયેલ. કારિગરોને ફાયદો, નફો પોતાના હસ્તક રહે. આજે પણ અમદાવાદના અમુક વિસ્તારમાં આવા કારિગરો પોતાના ગ્રહ ઉદ્દધોગની વસ્તુઓનું વેચાણ રાત્રીના સમયે કરતા હોય છે.

રાત્રે સૌ સાથે જમવા બેઠા, આજે મોટાંબાએ તલધારી લાપસી બનાવેલ, ખીચીના પાપડ તળેલ, ઘણા દિવસે સૌ સાથે સરસ ભોજન જમ્યા. જમીને પુરૂષો બેઠક રૂમમાં આવ્યા. મોટાબાએ પાનની પેટી કાઢી મુળજીને આપી “આજ ભારે ખાધું છે, બેટા બધા માટે પાન બનાવ.”મોટાંબાનો આશય આ બાને થોડો સમય ત્રણે જણા દિલ ખોલી વાતો કરે અને લડાઇની અસરનો મન પરનો ભાર હલકો કરે.

ધનજીઃ”મુંબઈમાં લડાઈ પછી ધંધામાં કોઇ અસર ખરી?”

મુળજીઃ”મોટાભાઇ અમારા કાપડના ધંધામાં લડાઈની કોઇ અસર નથી અનાજ કરિયાણાના વેપારમાં થોડી મંદી આવી છે.”

મેઘજીઃ “મોટા શહેરમાં ધંધાના વિકાશની ઘણી મોકળાસ, મહેનત સફળ થાય”.

મુળજીઃ “બાપુ તમારી વાત સાચી, મોટા શહેરમાં તક ઘણી મળે અને તક્વાદી લોકો તેનો લાભ ઊઠાવે, બસ તમારી બુદ્ધિ તક્વાદને જડપે તેવી હોવી જોઇએ, જો વિચારતા રહો તો બીજા લાભ ઊઠાવી લે અને તમે અફસોસ કરતા રહી જાવ, અરેરે લક્ષ્મી ચાંદલો કરવા આવી અને હું મોઢું ધોતો રહી ગયો.”

મોટાંબાઃ” મુળજી, બસ હવે, બહુ વાતો કરી, સવારે તારે, આશર સાહેબની ઝીપમાં ભુજ જવાનું છે, મેઘજીને વાંધો નહીં, ધનજી અને બચુભાઇ વહેલા દુકાન ખોલી દેશે.”

“હા મોટાંબા, જૈશ્રી કૃષ્ણ, કરી બધા સુવા ગયા.

મુળજીની વાતો સાંભળી ત્યારથી ધનજીનું મન મુંબઈના સ્વપ્ના જોવા લાગ્યું,મનમાં સવાલ ઊઠે,”નવ માણસના કુટુંબને રહેવું ક્યાં? મુંબઈમાં રોટલો રળવો સહેલો પરંતુ ઓટલો મળવો મુશ્કેલ. મોટાંબા, બાપુ ગોમતી ને પાચ છોકરાને એકલા દેશમાં રખાય નહી , બાપુને હમાણાની પ્રેસરની બિમારી શરુ થઈ છે, અવાર નવાર માથુ દુઃખવાની ફરિયાદ કરે છે.મુંબઈની હાડામારીમાં પ્રેસર વધી જાય તો બધા મુશ્કેલીમા મુકાય. હમણા તો અહીં જ રહેવુ યોગ્ય છે.” આમ સ્વભાવે શાંત ધનજી મનને સમજાવે કોઇને વાત નહીં કરે.

લાઇબ્રેરીમાં ચબરાક ગોમતીની નજર એક જાહેરાત પર પડી મસ્કતમાં શિક્ષકોની જરૂર, તથા બીજા અન્ય ક્ષેત્રોમાં પણ સારા કામકરનારાની જરૂર. તુરત જ ગોમતીની નજર સમક્ષ, લગ્નમાં આવેલ મસ્કતવાળા કાકા કાકી આવ્યા. ગોમતીનું ચપળ મન, અને તિવ્રબુધ્ધિ ,વિચાર આવે જાલ્યા ના રહે.

“આજે રાત્રે ધનજીને મસ્કત વિષે વાત કરવી પડશે, ગામડા ગામમાં મારા બાળકોનું કોઇ ભવિષ્ય નથી દેખાતું, બાપાની ઉમર વધતી જાય છે મારો ધનજી એકલા હાથે, નાના ગામમાં જ્યાં કોઇ નવી તક જ ન હોય ત્યાં, બુધ્ધિશાળીની બુધ્ધી શું કરી શકે ?”.

બાળકોને શાળામાંથી લીધા ઘેર પહોંચી, રસોઇ બનાવી, બધાને જમાડ્યા. રસોડું આટોપી બન્ને મોટાને લેશન કરાવ્યું, નાના ઉમેશને દૂધ પીવડાવી ઘોડીયામાં મુક્યો, ચારેય બાળકોને રામ ભક્ત હનુમાનની વાર્તા કરી સુવડાવ્યા. ધનજીના પડખામાં સુતી ધીરેથી એક હાથ માથા પર અને બીજો હાથ છાતી પ્રસરાવી રહ્યો ધનજીને તો ખૂબ ગમ્યું, ગોમતીને બેઉ બાહુમાં લીધી. થોડી વાર બન્ને એકબીજાના શ્વાસોછ્વાસ માણી રહ્યા. ગોમતીએ ધીરેથી ધનજીના કાનમાં કહ્યું, “ધનજી આપણે આપણા બાળકોના ભવિષ્ય વિષે વિચારવું જોઇએ.”

“ગોમતી મને વિચાર તો ઘણા આવે છે પણ નવ જણા મુંબઈ કેવી રીતે જઈએ!”

“ધનજી હું મુંબઈનું નથી વિચારતી, આપણે પણે મસ્કત જઈએ, ત્યાં અત્યારે માણસોની જરૂર છે., અને આપણે તો ત્યાં કાકાનું ઘર પછી શું ચિંતા?”.

“હા, પણ એમ કાંઇ થોડું કાકાને માથે પડાય”,

“પૂછવામાં શું જાય છે? એમને તો ઘરના વિશ્વાસુ માણસો કામ કરવાવાળા મળશે.”

“હા, તારી વાત વિચારવા જેવી તો ખરી.”

આમ ગોમતીએ પતિના મનમાં વિચારનો મમરો મુકી દીધો.

બન્ને એકબીજાની બાથમાં નિદ્રાદેવીને શરણે પોઢી ગયા.

 

 

 

 

 

 

 

 

 

સબળા નારી ( ) હેમાબેન પટેલ

જે ઘરની ગૃહિણી સુશીલ, સંસ્કારી અને ચાલાક હોય તે ઘરમાં સુખ શાંતિ હોય સાથે સાથે તે સ્ત્રીની ચતુરાઈ અને સુજ બુજને કારણ તે ઘરમાં પ્રગતિ થાય અને ઉન્નતિની રાહ પર આગળ વધે.ગોમતી ધનજી માટે પ્રેરણામુર્તિ સમાન હતી, તે ધનજીને જીવનમાં પ્રેરણા અને સાથ આપતી. ગોમતી તેના સુખી સંસાર માટેજ હમેશાં વિચારે છે માટે પરિવારમાં પ્રગતિ થાય અને ઘર ઉંચુ આવે તેને માટે તેણે ધનજી આગળ મસ્કત જવા માટે દાણો દબાવી જોયો. ધનજી તો મુંબઈના સ્વપ્ન જોતો હતો ત્યાંતો ગોમતીએ મસ્કત જવાની વાતનો ધડાકો કર્યો, ધનજી મુંબઈના સ્વપ્નમાંથી જાગૃત થયો , મસ્કત જવાની વાત સાંભળીને ખુશ તો થયો પરંતું મસ્કત જવું એટલુ સહેલુ નથી, માટે ગોમતી સાથે થોડી દલીલો કરી. તેને બહાર જવુ છે. બાળકોના ભવિષ્યનો વિચાર કરે છે. ગોમતીનો પ્રસ્તાવ તેને ગમ્યો જઈને રહેવુ ક્યાં ? ગોમતીએ જે સજેશન આપ્યુ તે તેને ગળે ઉતર્યુ અને વિચારવા લાગ્યો ગોમતીએ જે દીશા ચીંધી છે એકદમ યોગ્ય છે  પરંતું બિમાર બાપને એકલા મુકીને જવુ ઠીક નથી લાગતુ. પરંતું મોઘવારીમાં મોટા કુટુંબનુ ભરણ પોષણ કરવુ અઘરું છે. ગામની બહાર જઈએ તો જ બે પૈસા કમાવાય. ગામની અંદર રહીને છોકરાંનુ ભવિષ્ય બનાવી ન શકાય.ગોમતીને કહ્યુ તારી વાત સાચી છે જવા માટે ચોક્ક્સ વિચારીશું.

મેઘજીભાઈને પણ કામકાજનો બોજ મોટુ કુટુંબ અને ઉંમર, બ્લડપ્રેશર પણ હતું એટલે તબીયત હવે નરમ ગરમ રહેવા લાગી. ગોમતી બાપુજીનુ ખુબજ ધ્યાન રાખતી. આજે સવારે ઉઠ્યા સવારમાં ચા નાસ્તો કરતા હતા ત્યાંજ ચક્કર આવવા લાગ્યા હાઈ બ્લડ પ્રેશર વધ્યુ અને શરીર ખેચાવા લાગ્યુ બેભાન થઈને નીચે પડ્યા. તુરંત ડૉક્ટર બોલાવ્યા ડૉક્ટરે તપાસીને કહ્યું મેઘજીકાકાને બ્લડપ્રેશર હાઈ થવાને કારણ લકવાનો હુમલો થયો છે. એક બાજુનુ અંગ કામ કરતું બંધ થઈ ગયું, મૉઢુ થોડુ  ત્રાંસુ થઈ ગયુ. મૉઢા પર બહુ અસર હતી નહી. ડૉક્ટરે દવા ઈન્જેક્શન આપ્યુ. અને ખાસ દેખરેખ રાખવાની કહ્યુ.મોટાંબા અને ગોમતીને તેમજ ધનજીના જીવને થોડી શાંતિ થઈ હાશ બાપુજી મોતના મુખમાંથી પાછા આવ્યા.ગામમાં મોટી હોસપીટાલ નથી એટલે ડૉક્ટર ઘરે આવીને ઈલાજ કરતા હતા. મેઘજીભાઈને નવડાવવા માટે, ટોયલેટ બાથરુમ માટે ઘરનો નોકર મદદ કરતો. દવાઓ અને ખાવા પીવાની દેખરેખ મોટાંબા અને ગોમતી ધ્યાન રાખતા. મોટાંબા અને ગોમતી બાપુજીની સેવા-ચાકરી ઉભે પગે કરતાં, તેમાં કોઈ કમી રહેતી ન હતી.ગોમતીનુ કામ બમણુ થઈ ગયું ઘર અને બાળકોની સંભાળ,મહેમાનોની અવર જવર સાથે મેઘજીભાઈની સંભાળ રાખવાની, ગુણીયલ ગોમતીના મૉઢા પર અણગમાનો જરાય  અણસાર નથી, હસતે મૉઢે આ મારો ધરમ છે એમ સમજીને ફરજ બજાવી રહી છે. સાસુ-વહુ વચ્ચે પ્રેમ બંધાએલો હોવાથી મા દિકરીની જેમજ રહેતાં હોવાથી ઘરમાં શાંતિ છવાયેલી રહે છે.

મેઘજીભાઈ પથારીવશ થઈ ગયા, સુતા સુતા કેટલુ ખાઈ શકે ? ન કોઈ હલનચલન ખાવાનુ પચાવવુ પણ ભારે પડે. ધીમે ધીમે તબીયત વધારે લથડી ગઈ, કમજોરી આવી ગઈ,શ્વાસો શ્વાસ ખુટવા લાગ્યા અને પરિવાર સાથે લેણદેણ પુરી થવા આવી એટલે બધાને રડતાં મુકીને મેઘજીભાઈની જીવાદોરી પુરી થતાં પરલોક પ્રયાણ કર્યું. ગોમતી સમજદાર મેઘજીભાઈની પાછળ ગીતા પાઠ કરાવ્યા, સતસંગ કરીને મેઘજીભાઈના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી તેર દિવસના લૌકીક રીતિ-રિવાજ પુરા કરીને મરણનો પ્રસંગ શાંતિથી સંપન કર્યો. પિતાના મૃત્યુથી ધનજીને આઘાત લાગ્યો અને દુખી થઈ ભાંગી પડ્યો. બાપની ઘેર હાજરીથી તે હતાશ થઈ ગયો, મોટાંબા તેને આશ્વાસન આપીને હિંમતથી રહેવાનુ સમજાવે છે,

મોટાંબા –  “ બેટા જે જાય છે તેને કોઈ ના રોકી શકે, દુનિયાનો નિયમ છે બધાની આ ગત થવાની છે. રડવાથી તારા બાપુને વધારે દુખ થશે, તારા બાપુ પીળુ પાન તેમાંય પાછા પોતે રીબાઈ રહ્યા હતા , અમને પણ તેમના જવાથી દુખ થાય છે, તેમની ખોટ લાગવાની છે, કોઈના જવાથી દુનિયા અટકી નથી જતી, સમય તો અવિરત ચાલ્યા જ કરે છે તેની સાથે સાથે આપણે ચાલવું પડે છે.આ સમય હિંમત રાખવાનો છે.ભગવાનનો  પાડ માન તેમને તેમના દુખમાંથી છુટકારો મળ્યો,શરીરની પીડામાંથી મુક્તિ મળી, તેમનુ જીવન નરક સમાન બની ગયુ હતું તેમાંથી તેમને છુટકારો મળ્યો .“

ધનજીને મોટાંબા અને ગોમતી હિંમત આપતા હતાં તેના મનનુ દુખ હળવુ થતું હતુ.મેઘજીભાઈના મૃત્યુને મહિનો થઈ ગયો ઘરમાં શોકનુ વાતાવરણ હળવુ થઈ ગયું. પરિવારમાં બધાનાં મન હળવાં થયા. એક દિવસ રાત્રિ ભોજન બધાં સાથે કરતાં હતાં અને મોટાંબાએ વાત ચાલુ કરી “ બેટા જો મોઘવારી વધી રહી છે તેની સાથે આપણા કુટુંબમાં માણસો વધીને મોટુ થયું છે, ગોમતીના પ્રસ્તાવ માટે વિચાર્યું ? “

ગોમતીએ પણ મોટાંબાની વાતમાં સાથ પુર્યો “ તમે કાકાને પત્ર લખી જોવો આપણે પ્રયત્ન કરવામાં શું જાય છે. જોઈએ કાકાનો શું જવાબ આવે છે. હું કાકાને ઓળખુ છું ત્યાં સુધી મારા ધારવા પ્રમાણે  જવાબ હા આવશે . “

ધનજી  – “ તમારા બંનેની વાતમાં તથ્ય છે, તમારા બંનેની ઈચ્છા છે પરિવારમાંથી કોઈ રોજી રોટી માટે બહાર જાય તો ઘર જલ્દીથી ઉંચું આવે..બે ભાઈઓને પહેલાં ત્યાં મોકલીને સેટલ કરીશું, મારી ઈચ્છા ભાઈઓને મોકલવાની છે એટલા માટે હું કાલે જ કાકાને પત્ર લખીશ. “

મોટાંબા  – “ ધનજી તૂ પહેલો જા પગ ભર થાય પછી ભાઈઓને બોલાવી લેજે. નાના ભાઈઓ મુંબઈમાં કમાય છે”

ધનજી  – “ ના મોટાંબા બંને જવાન છે મહેનત કરી શકે એવા છે, તેમને પહેલા મોકલીશ. મારુ પછી જોયુ જશે, ભાઈઓ પ્રત્યેની મારી ફરજ પુરી કરવી છે.“

મોટાંબાએ માથાકુટ કરી પરંતુ ધનજી માન્યો નહી એટલે ભાઈઓને મોકલવાનુ નક્કી કર્યુ.નાના ભાઈઓની પત્નીઓએ જ્યારે જાણ્યુ મોટાભાઈ નાના ભાઈઓને મસ્કત મોકલવા માગે છે સાંભળીને ખુબજ ખુશ થઈ ગઈ પરદેશ જવાનુ કોને ન ગમે.ભાઈ ભાભી માટે તોનો પ્રેમ વધી ગયો કહેવા લાગી આ જમનામાં ભાઈઓ માટે કોણ આટલુ કરે છે ?

બીજે દિવસે કાગળ લખીને ધનજીએ પોસ્ટઓફિસના પોસ્ટબોક્ષમાં જઈને નાખી આવ્યો.મોટાંબા અને ગોમતી કાગને ડોળે પત્રના જવાબની રાહ જોવા લાગ્યાં.બંનેના મનમાં આશાનુ એક કિરણ ઉગ્યુ છે.ગોમતી બાળકોના ઉજ્વળ ભવિષ્યનો વિચાર કરીને સુખી સંસારના સ્વપ્ન જોઈ રહી છે.મેઘજીભાઈના મોતનુ દુખ ધીમે ઓછુ થવા લાગ્યુ કેમકે હવે તેમનુ મન હઠીને બીજે લાગ્યુ છે,મસ્કત બાજુ દોડી રહ્યું છે.

મસ્કતમાં કાકાને ધનજીનો પત્ર મળ્યો તેમને ઘણોજ આનંદ થયો સાથે સાથે ભાઈના મૃત્યુથી મોટું દુખ પણ થયું.કાકા વિચારે છે મારા ભત્રિજાએ મારી પાસે પહેલી વખત મદદ માગી છે, હું તેને અહિયાં બોલાવીને ચોક્ક્સ સેટલ કરીશ આખરે અમારુ એકજ લોહી છે.તેને મદદ કરવી મારી ફરજ છે. કાકાએ વળતો જવાબ લખી દીધો

“ ધનજી બેટા, તારો પત્ર વાંચીને ઘણોજ આનંદ થયો પરંતુ મારા ભાઈના સમાચાર સાંભળીને મને ઘણુજ દુખ થયું, ઈશ્વરને જે ગમ્યુ તે ખરું, તેનો જીવાત્મા તેની સફરમાં આગળ વધી રહ્યો છે.તેના આત્માને શાંતિ અને સદગતિ મળે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. ઘરમાં બધાં હિંમત રાખજો, બહુ દુખી ના થશો. અહિયાં આવવાનો વિચાર કર્યો છે બહુજ સારુ કામ કર્યુ છે,વીના સંકોચે સહ કુટુંબ અહિયાં આવી જાવ આ તમારુ જ ઘર છે.”

કાકાના પત્રનો જવાબ સાંભળીને ઘરમાં ખુશી છવાઈ ગઈ,ગોમતી તરત જ બોલી મેં નહતું કહ્યુ કાકાનો જવાબ હા જ આવશે. ચાલો હવે મસ્કત જવાની તૈયારી કરીશું.ધનજી વિચાર્યુ હું મોટો છું, મારે બે નાના ભાઈઓની જવાબદારી છે માટે પહેલાં બે ભાઈઓને મોકલીશ તેમને સેટ કરવાની મારી ફરજ છે માટે કાકાના સલાહ સુચન મુજબ ધનજીએ ભાઈઓને મસ્કત મોકલવાની બધી ઔપચારીક વિધી માટે કાગળીયા તૈયાર કરવાના શરૂ કરવા માંડ્યા.

ગોમતીના પીયરમાં દુરના પીતરાઈ ભાઈના લગ્ન લીધા છે અને કંકોત્રી આવી. મુંબઈ લગનમાં જવાનુ છે. ગોમતીએ મોટાંબાને કહ્યુ

“ બાપુજીને ગયે હજુ બહુ વખત થયો નથી અને મારાથી લગનમાં કેવી રીતે જવાય “

મોટાબા તરત જ બોલ્યાં  “ વહુ બેટા બાપુજી લીલી વાડી મુકીને ગયા છે, તેમને જવાની ઉંમર થઈ હતી અને ગયા છે. બે મહિના તો થઈ ગયા હવે શોક શેનો ? સમયની સાથે ચાલવું પડે જનાર પાછળ ક્યાં સુધી રડતા રહેવાનુ તું  ખુશી ખુશી જજે, હું કહું છું ને, બીજા શું કહેશે એની ચિંતા ના કરીશ છોકરાંને સાથે લઈ જજે એ બહાને તેમને ફરવાનુ થશે.“

ગોમતી, બાને સાંભળીને બાના વિચારો ઉપર તેને ગર્વ થયો.સ્કુલમાં રજાઓ હતી એટલે ધનજીએ કહ્યુ છોકરાંને લઈને જજે તેમને મુંબઈ ફરવાનુ મળશે મુળજી મુંબઈમાં છે એટલે ચિંતા નહી.ગોમતીએ બાળકો સાથે મુંબઈ જવાનુ નક્કી કર્યુ બાળકો તો મુંબઈ જવાનુ ચે જાણી કુદાકુદ કરવા લાગ્યાં. ગોમતીને લેવા સ્ટેશને મુળજી આવ્યો અને ભાભીને ઘરે લઈ ગયો જમાડીને લગ્ન હતું તે ઘરે મુકી આવ્યો.લગ્ન પતી ગયું એટલે મુળજી ગોમતી અને બાળકોને મુંબઈ ફરવા લઈ ગયો આખુ મુંબઈ ફેરવ્યુ. બાળકોને ચોપાટી ફરવા લઈ ગયો ત્યાં બાળકોને ભેલ પુરી અને આઈસ્ક્રીમ ખાવાની મઝા આવી.અઠવાડિયુ દશ દિવસ રહીને ગામ પાછા ગયા. બાળકો દાદીને અને ધનજીને મુંબઈની અત થી ઈતી સુધીની બધી વાતો કરી. ખુબ મઝા કરી એમ જણાવ્યુ. બાળકોની ખુશી જોઈ મોટાંબા અને ધનજીના મનને પણ સંતોશ થયો, આમેય બાળકો ક્યાંય ફરવા નથી જતા લગનને બહાને મુંબઈ ફરી આવ્યાં. બહુજ સારું થયું.મુળજીનુ મુંબઈનુ જીવન પણ જોઈ લીધું.

ધનજી ભાઈઓને મસ્કત મોકલવાની તૈયારીમાં લાગી પડ્યો.

 

 

 

 

 

 

 

 

 

સબળા નારી ( ) હેમાબેન પટેલ

બાપુજી વીના ઘર ખાલી લાગે છે, પરંતુ શું કરવાનુ જનાર જાય છે તેની પાછળ તે તેની મીઠી યાદો મુકીને જાય છે પરિવાર તેની યાદને સહારે જીવે છે, તેને યાદોને સહારે જીવવાની ટેવ પડી જાય છે. જે વ્યક્તિએ ઘરમાંથી વિદાઈ લીધી હોય તેની યાદ સારા-ખોટા પ્રસંગે ચોક્ક્સ આવે છે.બાપુજીને જવાનો પ્રસંગ હજુ તાજો છે. મોટાંબા દરરોજ મેઘજીભાઈના ફોટા સામે દીવો અને ધુપસળી પ્રગટાવીને ફુલ-હાર ચડાવે છે બધાં ફોટાને પગે લાગીને આશીર્વાદ લે છે.બાપુજીનો હસતો ચહેરો સૌનાથી ભુલાય એમ નથી. આંટીના વખતે બાપુજી માર્ગ દર્શન આપતા એટલે ધનજીને બાપુજીની બહુજ ખોટ લાગે છે.

 મોટાંબાએ ધનજી અને ગોમતીને બોલાવીને કહ્યુ તમારા બાપુની બીજા મહિનાની વર્ષી વાળવાની છે. બાર મહિના સુથી દરેક મહિને ગોરમહારાજને બોલાવીને વિધિ કરાવશુ, બેટા મંદિરમાં જ પૂજા કરાવીશું. એક વર્ષે વર્ષી વાળી દઈશુ એટલે વિધિ પુર્ણ થશે. બાર મહિનાની ભેગી થાય પરંતું મારી ઈચ્છા છે દરેક મહિનાની જુદી જુદી થાય.દર મહિને બાપુજીની તિથીએ એક વર્ષ સુધી બાલમંદિરમાં નાના બાળકોને મિઠાઈ,દુધ,બિસ્કિટ, સેવ-મમરા એમ જુદી જુદી વસ્તુ દર વખતે બાળકોને વહેચીશું.પાંચ ભ્રાહ્મણને જમાડીશુ. તો ધનજી એ પ્રમાણે દર મહિને વ્યવસ્થા કરજે ”[બા, બોલીને વિચારોમાં ખોવાઈ ગયાં,મોટાંબાને એ બહાને એમના દિકરા મેઘજીને હ્રદયમાં ધબકતો રાખવો છે. દરોજ વિચારે છે જવાનો સમય મારો હતો અને મારો દિકરો વહેલો ચાલ્યો ગયો, હશે ઈશ્વરને જે ગમ્યુ તે ખરું.તેમને મીરાંની પંક્તિઓ યાદ આવી ગઈ  ‘રામ રાખે તેમ રહીએ ઓધ્ધવજી ‘ મોટાંબાના હ્રદયને તેમના બાળકો કેવી રીતે વાંચી શકે? પરંતુ ઘરમાં દરેક બાનો પડ્યો બોલ ઉપાડી લેતા, મોટાંબાને માન સન્માન આપે છે.મોટાંબા તેમના સુખી સંસારને જોઈને પ્રસંન્ન છે.]

ગોમતી અને ધનજી તરત જ બાલ્યાં

‘”મોટાંબા અતિ ઉત્તમ,તમારી ઈચ્છા હશે એમ આપણે કરીશું. ચિંતા ના કરશો કાલેજ ગોરને બોલાવીને વાતચીત કરી લઉં છું, અને સામગ્રીનુ લીસ્ટ લઈ લઈશ, મોટાંબા તમે છો એટલે ઘરમા દરેક કાર્યો બરાબર થાય છે. મને અને ગોમતીને આવી બાબતોમાં અડધી વસ્તુ ખબર ન હોય “.

  સમય વીતતો જાય છે,દર મહિને મોટાંબાની સલાહ સુચન મુજબ બાપુજીની પાછળ જે ક્રિયાકર્મ કરવાનુ છે તે બધુ વ્યવસ્થિ થઈ રહ્યુ છે. મોટાંબા નવા વિચારોના છે માટે બાપુજી મરી ગયા છે એટલે આ વસ્તુ થાય અને આ વસ્તુ ના થાય એમાં માનતાં નથી જમાના પ્રમાણે બધાંને દરેક વસ્તુની છુટ છે.ઘરમાં બધાંના સ્વભાવ એવા છે જે એકબીજાને અનુકુળ થઈને રહે છે માટે જ સંપ છે અને એક બીજા પ્રત્યે પ્રેમભાવ રહેલો છે.

ફળિયામાં ગંગાબાને ઘરે કામ હતું એટલે ગંગાબાએ મોટાંબાને તેમના ઘરે બોલાવ્યા હતાં એટલે ત્યાં ગયા છે. મોટાંબા ઘરમા હાજર નથી, બપોરે ધનજી જમવા આવ્યો ત્યારે ગોમતીએ તેને વાત કરી,

ગોમતી  –  “ તમને એક વાત કરું મને  વિચાર આવે છે, બાપુજી ગયા છ મહિના વીતી ગયા, આપણે બંને ભાઈઓને મસ્કત મોકલવાની તૈયારી કરી રહ્યા છીએ. મોટાંબાની ઈચ્છા હતી બાપુજીની વર્ષી વાળી લઈએ પછી બંને ભાઈઓ મસ્કત જાય, એ લોકોને જવાની વાર છે. કેમ ન આપણે સૌ  દ્વારકાધીશના દર્શન કરવા સાથે મળીને સહ કુટુંબ જઈએ. મુંબઈથી બંને ભાઈઓને અને તેમની પત્ની અને બાળકોને પણ બોલાવી લઇએ.

ધનજી  – “ મને કોઈ વાંધો નથી મોટાંબાને પુછી જોજે તે હા કહે એટલે જઈ આવીશુ ‘

ગોમતી – “ મોટાંબા તો હાજ પાડશે રૂપિયા તમારે ખર્ચવાના છે એટલે મને થયું પહેલાં તમને પુછી જોઉ.

વાત ચાલતી હતી અને બા કામ પતાવીને પાછાં આવ્યાં અડધી વાત સાંભળી એટલે પુછ્યું

“બેટા  મોટાંબાને શું પુછવાનું છે?”

ગોમતી  – “ મોટાંબા, મારી ઈચ્છા છે, આપણે સૌ સહ કુટુંબ દ્વારકાધીશની જાત્રાએ જઈએ , તેના માટે આપને પુછવાનુ કહેતા હતા “,                                                               મોટાબા ‘- “ ગોમતી બેટા તારો વિચાર ઉમદા છે પરંતુ બાપુજીની વર્ષી વાળ્યા પછીથી જ્યારે બંને ભાઈઓને મસ્કત જવાનુ થશે ત્યારે બધા ભેગા જઈશું થોડી રાહ જો છ મહિના તો વહી ગયા, છ મહિના જતાં વાર નહી લાગે બાપુજીના ક્રિયા-કર્મ પતી જવા દે, ત્યા સુધી બંનેની મસ્કતની ટિકીટ પણ લેવાઈ ગઈ હશે, જવાનુ નજીક હશે તે પહેલા દ્વારકાધીશનાં દર્શન કરી આશીર્વાદ લઈને જશે એના જેવું ઉત્તમ નહી. “

ગોમતી – “ ભલે મોટાંબા, તમે જેમ કહેશો એમ અમે કરીશું “મોટાંબા – “ અત્યારે આપની પાસે સમય છે આ વખતે તમારા બાપુજીની તિથી આવે ત્યારે સતસંગ કરાવીશું મંદિરમાં ભજન મંડળીને કહી આવીશ, આવીને ભજન કરશે. ગોમતી તો સાંભળીને ખુશ થઈ ગઈ તેને તો ભજન ગાવાનો બહુજ શોખ છે તેનો કંઠ પણ સુરીલો છે. નક્કી થયા પ્રમાણે સતસંગનુ આયોજન થયું મંદિરમાં નિયમિત ભજન કરવા વાળા વાજાપેટી, મંજીરા, ઢોલક વગેરે લઈને આવ્યા અને સુંદર ભજનો ગાયા ગોમતીએ તેના મધુર સ્વરે મીરા અને નરસિંહ મહેતાના ભજનો ગાયા. લોકો ગોમતીના ભજન સાંભળીને મુગ્ધ થઈ ગયા. આજે ઘર ભક્તિ રસથી તરબોળ થઈ ઉઠ્યું, વાતાવરણ ભક્તિમય બની ગયુ. અલ્પાહાર કરીને ગામના લોકો જય શ્રી કૃષ્ણ કહી વિદાઈ લીધી.

સમય ક્યાં પસાર થઈ ગયો ખબર ના પડી બાપુજીને ગયાને એક વર્ષ થઈ ગયુ, તેમને વર્ષી વાળી દીધી. હવે મોટાંબાને સંતોષ થયો.ધનજીએ નક્કી કર્યુ બંને ભાઈઓ સાથે મોટાંબાને મોકલીએ તેઓની પત્નીને પાછળથી મોકલાવીશું , છોકરાંની સ્કુલ પણ ના બગડે.  મોટાંબા “ બેટા ધનજી આ ઉંમરે હું પરદેશ જઈને શું કરીશ ?“ધનજી –  “ ના બા તમે સાથે જાઓ તમે હશો તો તેઓને હિંમત મળશે, કાકા –કાકી આગળ કંઈ બોલી નહી શકે, ખોટા મુઝાશે, તમે હશો તો સાચી રાહ બતાવશો. તમે સાથે હશો તો મને પણ બંનેની ચિંતા નહી રહે”    હાના કરતા બા જવા માટે તૈયાર થયાં.આવતે મહીને જવાનુ નક્કી થયું.મસ્કત જવાના કાગળીયાં તૈયાર થઈ ગયાં.સાઉદી એર લાઈનમાં બંને ભાઈઓ અને મોટાંબાની ટિકીટ બુક કરાવી અને કાકાને ફ્લાઈટ નંબર તારીખ અને સમય જણાવી દીધો તેથી કાકા એરપોર્ટ લેવા જઈ શકે. જતા પહેલાં બંને ભાઈઓ પત્ની અને બાળકો સાથે ગામ આવ્યા. ધનજીએ પહેલેથીજ દ્વારકા જવા માટે મોટી મેટાડોર વેન ભાડે બુક કરાવી લીધી હતી, બધા એક સાથે હોય તો યાત્રા આરામ દાયક બને અને આનંદ પણ મળે.જવાના આગલા દિવસે ત્રણેવ દેરાણી-જેઠાણીએ ગોળપાપડી, મગઝ, થેપલા, સેવ-મમરા, સક્કરપારા વગેરે ભાથુ તૈયાર કર્યુ જેથી રસ્તામાં ખાવાની કોઈ તકલીફ ન પડે. વહેલી સવારે વેન આવી ગઈ, સૌ વેનમા ગોઠવાયા, બોલો કૃષ્ણ કનૈયા લાલકી જય…. દ્વારકાધીશકી જય .. ના નારા સાથે વેન ઉપડી. આખે રસ્તે મઝા મસ્તી કરતા અંતરાક્ષી રમતાં દ્વારકા પહોંચી ગયાં ધર્મશાળામાં ઉતારો કર્યો.                                                બીજી દિવસે સવારે નાહી ધોઈ મંદિર દર્શન કરવા માટે ગયાં સાથે પ્રાર્થના કરી, મોટાંબા ગોમતી અને ધનજીએ બંને નાનાભાઈઓના પરિવાર માટે સુખ-શાંતિ અને મસ્કત સારી રીતે પહોંચી જાય ત્યાં આગળ તેમની પ્રગતિ થાય તેને માટે દ્વારકાધીશ પાસે માગણી કરી પ્રાર્થના કરી. કહે છે હ્રદયના ઉંડાણમાંથી નિકળેલા ભાવભરેલ શબ્દોથી કરેલી પ્રાર્થના ઈશ્વર ચોક્ક્સ સાંભળે છે. મોટાંબાના કહેવાથી પુજારી મહારાજે બંને ભાઈઓ માટે ખાસ પૂજા કરી તિલક કરીને પ્રસાદ અને ભગવાનને ચડાવેલા પુષ્પહાર ભેટ આપ્યા.   મોટાંબાના પરિવાર માટે આ અમુલ્ય ભેટ ગણાય, અત્યારે બાળકો માટે ભગવાનના આશીર્વાદની બહુ જ જરૂર છે.મોટાંબાના પરિવારની યાત્રા સુખરુપ સફળ થઈ બધાં હેમખેમ જાત્રા કરી ઘરે પાછા આવ્યાં.                       ગામમાંથી બધાં મળવા આવ્યાં, ખબર અંતર પુછ્યા, જે આવ્યા તેમને દ્વારકાધીશનો પ્રસાદ આપ્યો.ગોમતી અને મોટાબા તો જાત્રા કરીને જાણે ધન્ય થઈ ગયાં પુરો પરિવાર ખુશ છે. મસ્કતથી કાકાનો જવાબ આવ્યો, જલ્દી આવી જજો અમે રાહ જોઈએ છીએ.હું એરપોર્ટ પર લેવા આવીશ ચિંતા ના કરશો.મુંબઈમાં બંને ભાઈઓએ તેમનુ કામ સમય સર આટોપી લીધું. જેની રાહ જોવાતી હતી તે દિવસ આવી ગયો. ગામથી મોટાંબા સહીત આખો પરિવાર મુંબઈ આવી પહોચ્યા.રાત્રે ફ્લાઈટ છે, એરપોર્ટ જવા સૌ તૈયાર થયા બંને ભાઈઓ વડીલોને પગે લાગી આશિર્વાદ લીધા. ગોમતીએ બંને ભાઈઓને અને મોટાબાને માથે વિજય તિલક કરી હાથમાં શ્રીફળ અને એકસો એક રૂપિયા મુકીને ગુડ લક કરવા માટે દહીં-સાકર ખવડાવ્યા. બધાં સાથે એરપોર્ટ જવા અલગ અલગ ટેક્ષીમાં નીકળ્યાં.મોટાંબા જાય છે એટલે ધનજી અને ગોમતી ને બહુજ લાગી આવ્યું. ગોમતી રડવા લાગી બોલી, બા તમારા વીના અમે કેમ કરીને જીવીશું?

મોટાંબા – “ બેટા જરાય ચિંતા ના કરીશ આ બે ભાઈ સેટલ થાય એટલે તમને બધાંને પણ ત્યાં બોલાવી લઈશ.

એરોપ્લેન ત્રણેવને લઈને મસ્ક્ત એરપોર્ટ પર પહોંચ્યું, કાકા-કાકી લેવા આવ્યાં, મોટાંબાને બંને પગે લાગ્યાં બે ભાઈઓ કાકા-કાકીને પગે લાગ્યા. ગાડી તેમના ઘરે આવી. કાકીએ ચા બનાવી , બધાંએ ચાને ન્યાય આપ્યો, ઘણી બધી વાતો થઈ. કાકીએ કહ્યું બા તમે રુમમાં આરામ કરો રસોઈ તૈયાર થાય એટલે જમવા

મોટાંબા – “વહુ બેટા ખીચડી બનાવજે, સાદુ ખાવું છે. “

કાકાએ – “ અરે હોય બા, આજે તમે બધા અવ્યા છો, ખીચડી ના બનાવાય આજે, દાળ-ભાત-શાક-પુરી અને કંસાર બનશે.”

 કાકાને ઓળખાણ હતી, બંને ભાઈઓને ઈલેક્ટ્રોનિક્સ અને ઘડિયાળની દુકાનમાં નોકરી અપાવી.બે મહિના પોતાની સાથે રાખ્યા થોડા ભોમિયા થયા એટલે જુદુ ઘર વસાવી આપ્યું. મોટાંબા છે એટલે ખાવા પીવાની કોઈ ચિંતા નથી.બંને ભાઈઓ મહેનત અને ઈમાનદારીથી કામ કરે છે. બંનેની ગાડી પાટા ઉપર ચડી ગઈ એટલે મોટાંબાએ કહ્યું હવે બંને વહુઓને બોલાવી લઈએ.ઈન્ડિયાથી બંને ભાઈઓની પત્ની અને બાળકો મસ્કત આવી ગયાં. ઘર હર્યુ ભર્યું થઈ ગયુ.

ઈન્ડિયામાં ધનજી અને ગોમતીને મોટાંબાની બહુજ ખોટ લાગે છે, સાથે સાથે બંને નાના ભાઈઓને સેટલ કર્યાનો આત્મસંતોષ પણ થયો. મનને શાંતિ છે, ભાઈઓ પરદેશમાં સેટલ થયા બે પૈસા કમાશે તો ઘર ઉંચું આવશે. ઘરની અંદર એક બીજા માટે લાગણી અને પ્રેમભાવ તેમજ ખુબજ સંપ છે, મોટાંબાનો સુખી સંસાર આનાથી બીજું મોટું સુખ કયું હોઈ શકે.

સબળા નારી (૧૦) રાજુલ કૌશિક

ધનજી, મુળજી અને દેવજી લોહી એક એ સૌને એક તાંતણે બાંધનારી ગોમતી. કેટલીય વાર એવું સાંભળ્યું હતું કે ડાંગે માર્યા પાણી છુટા ના પડે પણ પારકી જણી આવીને લોહીના સંબંધોને વિખુટા પાડી શકે. ભાઇ-ભાઇ અને બહેન કે માવતર થી પણ પતિને દૂર કરી શકે. ગોમતી પરણીને આવી ત્યારે એને માથે તો સાસુ નહોતી એટલે એને સલાહ દેનાર ઘણા ફુટી નિકળતા. પણ ગોમતીએ એ સૌને હંમેશા આઘા જ રાખ્યા હતા. એને તો સાચો સથવારો અને ઓથ હતા મોટાંબાનો અને એણે હંમેશ એ માન્ય રાખ્યો હતો. મા-દિકરી જેવું જ હેત બંને વચ્ચે હતું. મોટાંબા ની સલાહ અને સૂચનાને એ હંમેશા પ્રાધાન્ય આપતી જ રહી હતી. ક્યારેક એવુ ય બને કે એનો વિચાર અને મોટાંબાનું સૂચન જુદા હોય ત્યારે પણ એ મોટાંબાને જ માન આપતી પરિણામે આજે આટલા વર્ષે એને મોટાબાથી વિખુટા પડવાનું આવ્યું એ ઘણું ય આકરું લાગ્યું હતું. પરંતુ હંમેશા પરિવારનું ભલુ ઇચ્છતી ગોમતી એ આજે પણ બંનેને કાકાના ઘેર અઘરું ના પડે એટલે પોતાની સોઇ જતી કરીને પણ મોટાંબા ને મુળજી અને દેવજી જોડે મસ્કત મોક્લ્યા હતા.

મુળજી અને દેવજી તો આ સમજતા જ હતા પણ સાથે ગોમતીની દેરાણીઓથી પણ આ અજાણ્યું નહોતું. ભાભીએ બંને દેરને કેવી રીતે પંડના જણ્યા હોય એવા હેતથી ઉછેર્યા હતા એની વાતો તો કેટલીય વાર પોતાના પતિ પાસેથી સાંભળી ચુકી હતી. પતિનો આ અહોભાવ એમનામાં ઇર્ષ્યા ઉભી કરવાને બદલે એમના મનમાં પણ અહોભાવ જગાડતો એનું કારણ સાથે એ પણ હતું કે બંનેના લગનમાં ભાભીએ મન મુકી ને વ્યવહાર કર્યા હતા. બંને દેરાણીઓને પોતાના ભાગે આવેલી જણસમાંથી પણ કાઢીને આપી દીધી હતી.

એમને જાણ હતી કે મસ્કત જવા માટે મોટાભાઇને જ સૌથી પહેલા કાકાએ બોલાવ્યા હતા એ તક જતી કરીને પણ મોટાભાઇ-ભાભીએ તેમનું હિત જોયું હતું. મસ્કતમાં જરા પણ અગવડ ન પડે એના માટે ભાભીએ પોતાની સગવડ જતી કરીને પણ ઘરના મોભ જેવા મોટાંબા ને સાથે મોકલ્યા હતા ને!!

મસ્કતમાં ધીમે ધીમે મુળજી અને દેવજી ગોઠવાતા જતા હતા. હવે સમય હતો તેમની પત્નિઓને બોલાવી લેવાનો જેથી બાળકો પણ અહીં ગોઠવાતા જાય. મોટાંબાના આદેશ મુજબ બંને દેરાણીઓ પણ મસ્કત આવી ગઈ. અજાણ્યો દેશ અને અજાણી ભોમકામાં બાળકોને સોરવસે કે કેમ એની ય ચિંતા હતી પણ હાલમાં તો સૌએ સાથે રહેવાનું હતું એટલે બાળકોને પણ સાવ અજાણ્યું રહ્યું નહી અને વળી બાળકો મુંબઇમાં રહીને ઉછર્યા હતા એટલે મસ્કતમાં ગોઠવાતા વાર ન લાગી.

ઇલેક્ટોનિકસ અને ઘડીયાળની દુકાનના કામથી મુળજી અને દેવજી માહેર થતા જતા હતા. હોંશિયારી તો હતી એટલે હુન્નર હાથ  કરતા વાર ન લાગી. હોંશિયારી અને હુન્નરની સાથે બીજી એક વાત મહત્વની હતી. કાકાએ પહેલા જ દિવસે બંનેને “ પ્રમાણિકતા” ગળથુથીમાં પાઇ હતી. બંનેને પાસે બેસાડીને સમજાવ્યું હતું.

“ આ તમારો કાકો અહીં આવ્યો ને ત્યારે તો એને કોઇ ભુતો ભા ય નહોતો ઓળખતો. કે દહાડે મસ્કતમાં પગ મુક્યો એ દહાડે અહીં કોઇ આંગળી ઝાલનાર નહોતું. દોરી લોટો લઈને આ દેશમાં પગ મુકયો હતો અને આજે આટલી વગ કેવી રીતે ઉભી થઈ હશે? જ્યાં જઈને ઉભો રહું છું ત્યાં ચાર જણ તો સલામી આપનારા મળી જ આવે છે. આ માન-પાન મેળવવા માટે લોહીના પાણી કર્યા છે દિકરાઓ મારા…”

અને મુળજી-દેવજી અવાચક થઈને કાકાની વાત સાંભળ્યા કરતાં. મોટાંબા ય વચ્ચે વચ્ચે ટાપસી પુરાવતા. “સાચી વાત છે તમારા કાકાની.

વળી કાકા વાત માંડતા “અહીં આવ્યો ત્યારે એક સાંકડી રૂમમાં સત્તર જણ એક પડખે સુતા હોય  એવા દહાડા કઢ્યા છે.ખાવા માટે કેટલે ય દૂર ઠોકાઇએ ત્યારે માંડ સીધુ-સામાન મળતો. ત્યારે તો ક્યાં અત્યાર જેટલી સુવિધાઓ સહેલાઇથી મળતી ? અત્યારે આ મસ્કત આવીને  જે તમે જુવો છો કે સરળતાથી મેળવો છો એના માટે તો કેટલીય દડ-મજલ કરવી પડી છે. કેટલીય વાર એવું થાતું કે મુક આ જળો-જથા અને થા ઘર ભેગો… પણ પાછું મન મક્કમ કરી દેતો કે  “ડગલું ભર્યું કે ના હઠવુ ના હઠવું” આમ ખાલી હાથે જઈશ તો કોઇ મને કઈ કહેવા વાળું નથી પણ મારે પોતે એ નાલેશીનો ભાર ખમવો નહોતો. કેટલાય દહાડા ખાલી ભાત પર કાઢ્યા છે તો કેટલાય દહાડા દૂધ પર દિકરા.….અત્યારે મસ્કતની જે જાહોજલાલી વધતી ગઈ છે ને એની સાથે આ તમારા કાકાની ઉંમર અને માથાના વાળની સફેદી ય વધતી ગઈ છે.પણ એક વાત-બાપાએ આપેલી શિખ હું ક્યારેય નહોતો ભુલ્યો. બાપા હંમેશા કહેતા કે “ગાંઠનું ઘસાજે પણ કોઇને ના ઘસતો અને ક્યારેય લોભે લક્ષણ ના ગુમાવતો. ઇમાનદારી રાખીશ તો વિશ્વાસ કમાઇશ અને એકવાર વિશ્વાસ કમાઇશ ને તો બીજું બધુ આપોઆપ મળશે”  આજે આ શિખ હું તમને આપું છું..જાઓ ફતેહ કરો આ કાકાની પુંઠે તો બાપાની શિખ અને મોટાંબાની હામ હતી તમારી પુંઠે તો હું ઉભો છું અને ઉભો રહીશ.”

અને કાકાની શિખ અને મોટાંબાની હામ મુળજી અને દેવજીને આશીર્વાદ સમી બની રહી. બંને ભાઇઓએ મન દઈને કામમાં જીવ પોરવ્યો. કાકાએ પણ પોતાનો ધંધો ઘણો વિકસાવ્યો હતો .લાંબા સમયથી એવી ઇચ્છા પણ મનમાં ઉગી હતી કે પાછલી અવસ્થા તો દેશમાં જ કાઢવી .મસ્કતમાં પથરાયેલો બહોળો વેપાર સંકેલીને મુંબઈ જવું એમ સરળ પણ નહોતું. અને આટલા વર્ષો મસ્કતમાં કાઢ્યા પછી એક વાત પણ નિશ્ચિત હતી કે કોઇ મોટા શહેરમાં જ એ રહી શકશે. માંડવી જેવા નાનકડા ગામમાં તો એ નહીં જ રહી શકે. એટલે સૌથી પહેલા તો મુંબઈમાં એક એવી પગભર પેઢી ઉભી થવી જોઇએ જેથી જ્યારે પણ મસ્કત છોડીને જવાનું થાય તો ત્યાંનો કારોબાર બરોબર ગોઠવાઇ ગયો હોય તો દેશ જીવન સરળતા રહે.

લાંબો વિચાર કર્યા બાદ કાકાએ સૌથી પહેલા મોટાંબા ને કાને વાત નાખી. મોટાંબા તો રાજીના રેડ. આમ પણ આટલા વર્ષો દેશમાં કાઢ્યા પછી એમને અહીં આમ મસ્કત આવીને રહેવાનું જરા આકરું તો લાગ્યું જ હતું પણ છોકરાઓની સાર-સંભાળ લેવાને લીધે અને સૌની સાથે રહેવાને લીધે સમય તો પસાર થઈ જતો હતો પણ મન તો માળવે

એટલે કે માંડવીમાં જ હતું અને વળી ગોમતી અને ધનજીની સાથે આટલા વર્ષો રહ્યા પછી એમના અને એમના છોકરાઓના હેવાયા થઈ ગયા હતા . મન પણ એમનું એ લોકો માટે સોરાયા કરતું હતું. પણ કોઠા ડાહ્યા મોટાંબા એમના મનની વાત ક્યારેય કોઇની આગળ દર્શાવ્યા વગર મુળજી અને દેવજી અને એમના પરિવારમાં પોતાની જાતને સુપેરે ગોઠવીને રહ્યા હતા. હવે જો  દેશમાં પાછા જવાનું થાય તો શાંતિથી માંડવીમાં ગોમતી અને ધનજી સાથે રહેવાની પોતાની મનની ઇચ્છા પુરી થશે. હાંશ ભગવાન તારો બહુ બહુ પાડ. અને બે હાથ જોડીને જાણે ભગવાનને પગે લાગતા હોય એમ કપાળે અડાડ્યા.

મોટાંબાની મરજી જાણીને એક દિવસ કાકાએ નક્કી કરીને મુળજી અને દેવજીને બોલાવ્યા. પણ એ સૌથી પહેલા એમના મનની વાત જાણી લેવાનું જરૂરી હતું એટલે પોતાની મનની વાત મુકતા પહેલા એમને નાણી લેવા હળવેથી વાતની શરૂઆત કરી.

“મુળજી –દેવજી, એક જરૂરિયાત ઉભી થઈ છે. કોઇ એક જણે મુંબઈ જવું પડશે.”

પહેલા તો બંનેને લાગ્યું કે કદાચ કોઇ કામસર કામ ચલાઉ જવાની વાત હશે એટલે બંને સાથે બોલી ઉઠ્યા “ કાકા જે ઘડીએ જરૂર હોય અમને કહી દો જ્યારે જવાનું હશે જઈ આવશું.”

“મારી વાત તમે સમજ્યા નથી. જઈને પાછા આવવાની વાત નથી. હંમેશ માટે જવાની અને ત્યાં રહેવાની વાત છે.”

હવે બંને જણ ગુંચવાઇ ગયા. “ કાકા ,કેમ આમ કહો છો? અમારી કોઇ ભુલ થઈ છે? કેમ પાછા આવવાની દિશા બંધ કરી દો છો?”

“પાછા આવવાની દિશા બંધ નથી કરતો હું પણ એક નવી દિશા ખોલવાની વાત છે છોકરાઓ. અને તમારી ક્યાંય કોઇ ભૂલ થઈ નથી. એવી ચિંતા કરવાની જરાય જરૂર નથી.”

“તો પછી શું વાત છે કાકા જરા પેટ છુટી વાત કરો તો સમજાય આ તો અમારા પેટમાં તેલ રેડાય છે.”

અને કાકાએ નિરાંતે એમની દેશમાં પાછલી અવસ્થા પસાર કરવાની ઇચ્છાની વાત માંડીને કરી અને એના માટે મુંબઈમાં એક પેઢી શરૂ કરવાની મનની વાત પણ કરી. મુળજી અને દેવજી તો કાકાની અગમચેતી અને ભાવિ યોજના ઘડવાની સૂઝથી સાચે જ નવાઇ પામી ગયા. હવે કાકાએ નિર્ણય એમના પર છોડ્યો હતો એટલે એમનું  ભાવિ એમના હાથમાં હતું.

“ જો તમારો જવાબ જાણવાની મને કોઇ ઉતાવળ નથી. શાંતિથી વિચારીને જવાબ આપજો કારણકે એ નક્કી કરશો એ કાયમી હશે. અહીં તમારી આવડત અને હોંશિયારીથી તમે આગળ આવ્યા છો એવી જ રીતે મુંબઈમાં પણ તમને આગળ વધવાની પુરેપુરી તક મળી રહેશે.” કહીને કાકાએ વાત પુરી કરી.

કાકાએ ધારણા મુકી હતી એ મુજબ જ જવાબ આવ્યો. દેવજીએ કોલેજ મુંબઈ કરી હતી એટલે એ મુંબઈથી મુંબઈની રહેણીકરણીથી પરિચિત હતો વળી તેની પત્નિ પણ મુંબઈની હતી એટલે એ પણ મુંબઈ જવા તરત જ તૈયાર થઈ ગઈ.

દેવજીએ ધીમે ધીમે મસ્કતમાંથી પોતાની માયા સંકેલવા માંડી. મુળજીને થોડી મુંઝવણ થતી હતી કે હવે એ અહીં એકલો પડી જશે કારણકે દેવજીની સાથે મોટાંબા એ પણ દેશમાં પાછા જવાની મરજી જાહેર કરી દીધી હતી. અત્યારે તો કાકા છે પણ પછી તો કાકા પણ જશે એટલે એ સાવ એકલો પડી જશે એવી ધાસ્તીથી એ ઢીલો પડી ગયો.

વગર કહે પણ કાકા એની અવઢવ પારખી ગયા હતા. એમણે મુળજીને ધરપત આપી કે આજે તો નહીં પણ પછીથી એ એને પણ પાછો બોલાવી લેશે. અત્યારે એક સામટું સાહસ ખેડવાની મુર્ખામી તો ના કરાય ને? નવી જગ્યા એ નવી રીતે શરૂઆત કરવાની હોય ત્યાં એનું જોખમ તો હોય જ અને એમાં જો બંને હોમાઇ જાય તો બધું કર્યું કારવ્યું પાણીમાં જાય.

“ એક વાત સમજી લો કે કોઇ પણ નવો ધંધો શરૂ કરવાનો હોય ત્યારે એક હજાર દિવસ તો કમાણીની આશા રાખ્યા વગર મહેનત કરવાની હોય . અહીં જે મુડી ભેગી થઈ છે એમાંથી અમુક ટકા હું એમાં રોકું અને સાથે દેવજીની ભરણ-પોષણની પણ જવાબદારી હું લઉં. હાલમાં આ કોઇ એક માટે આ જવાબદારી લેવાની મને ભારે ના પડે. અને સાથે સાથે એક જણ અહીં હોય તો મને સમેટવામાં સહાય રહે. તમે આવ્યા ત્યારે મેં કીધુ હતું એમ હું અહીં આવ્યો ત્યારે મને તો કોઇની ય હુંફ નહોતી આજે હું તમારી સાથે છું અને રહીશ એટલે મનમાં કોઇ ઉચાટ ના રાખશો.

કાકા જે કરવા માંગે છે એ બરોબર સમજી વિચારીને કરે છે એ સમજ્યા પછી હવે દેવજી અને મુળજી બંનેના મનમાં શાંતિ થઈ. દેવજીએ એની નોકરીમાં અગાઉથી જણાવી દીધુ અને અહીંનો પથારો સંકેલવા માંડ્યો. અને એક દિવસ ફરી એકવાર મુંબઈ તરફ એક નવી દિશા તરફ એક નવી આશા અને વિશ્વાસ સાથે પરિવાર અને મોટાંબા સાથે પગ મુક્યો.

***

દેશની ધરતી પર પગ મુકતાની સાથે મોટાંબાનું મન માંડવી જવા, ધનજી- ગોમતી અને બાળકોને મળવા ઉત્સુક બન્યું. મોટાંબાની ભાવના સમજતા દેવજીએ એની તથા મોટાંબાની માંડવી જવાની ટિકીટ બુક કરાવી દીધી. આમ પણ પિતાતુલ્ય મોટાભાઇ અને મા સમાન ભાભીને મળવા તો એ પણ એટલો જ અધીરો હતો.

મસ્કતથી નિકળતા એ ભાઇ-ભાભી અને બાળકો માટે ઘણું બધું લઈ આવ્યો હતો. મોટાભાઇ-ભાભીના ચહેરા પર તો એને જોઇને અને મોટાંબાને મળીને જે સંતોષ થયો હતો એ સંતોષ સામે તો આ બધી ભૌતિક ચીજોની શી વિસાત પણ બાળકો તો ખુશ ખુશ….. એમના માટે તો આ નવી નવી ચીજ વસ્તુઓની ભારે અજાયબી હતી.

માંડવીમાં જેટલા દિવસ રહ્યો એટલા દિવસ એને તો ભાભીએ એને પ્રેમથી ભિંજવી નાખ્યો. મોટાભાઇ સાથે વાતોનો ખજાનો તો ખૂટ્યો ખુટે એમ નહોતો. મસ્કતના દિવસો, મસ્કતની વાતો, મસ્કતનો અનુભવ આ બધુ જ એ ધનજી સાથે વાગોળવા માંગતો હતો. દિવસો ઓછા પડે એટલી વાતો હતી પણ એટલો સમય ક્યાં હતો એની પાસે ? મુંબઈમાં કાકાએ સોંપેલી જવાબદારીના શ્રીગણેશ કરવાના હતા .

આટલો સમય એ માંડવી રહ્યો એમાં એણે જોયું કે આજ સુધી ભાઇ-ભાભીએ એમના માટે જે કંઇ કર્યું એને હવે વ્યાજ સાથે વાળવાનો સમય થઈ ગયો છે. ધનજીનું કામ તો એનું એ જ રહ્યું હતું પણ બાળકો મોટા થતા જે જવાબદારી અને ખર્ચા વધતા જતા હતા એને પહોંચી વળવા આ કામ અને આ ગામ નાનું પડે એમ હતું.

મનમાં એક ગાંઠ વાળીને મોટાંબા- ભાઇ- ભાભીને પગે લાગીને એ મુંબઈ જવા નિકળ્યો.

મસ્કતમાં રહીને ઘડીયાળની શોપમાં કામ શરૂ કર્યું હતું ત્યારે જ કાકા એ કહ્યું હતું કે આ કામને ફક્ત કામ ગણીને ના રહેતા તેને તમારા આગળ વધવાનું સોપાન સમજશો તો એ તમારું ભાવિ ઉજ્જવળ બનાવશે. કામ એવી રીતે કરજો કે એક દિવસ તમને કામની નહીં કામ માટે માલિકને તમારી જરૂર ઉભી થાય. તમે કામ પર નિર્ભર હો એના કરતાં વધુ તો માલિક તમારા પર નિર્ભર બની જાય એવી રીતે રહેજો. અને ખરેખર કાકાની દરેક શિખને ગીતાના બોધપાઠની જેમ માનીને બંને ભાઇઓ રહ્યા હતા તે આજે કામ આવ્યું . કામ કરવાની સાથે ધંધાની બારીકીઓ સમજી લીધી હતી. તે આજે દેવજીને ખુબ કામ આવી અને જોત જોતામાં કાકાએ વિચાર્યું હતું તેના કરતાં પણ ઓછા સમયમાં અને વધુ ઝડપે ધંધાને બહોળા પાયે વિસ્તાર્યો. જેમ જેમ કામ અને નામ વધતું ગયું એની સાથે અનેક નવી તક અને નવી દિશાઓ ખુલતી ગઈ અને એક દિવસ કાકાની મરજી અને સંમતિથી રોલેક્સની એજન્સી લીધી. શરૂઆતમાં નાનકડા પાયે ઉભી કરેલી એજન્સીનું મોટા પાયે ઉદઘાટન કરીને મોટાભાઇ ધનજીને મુંબઈ બોલાવી લીધા.

સબળા નારી (૧૧) રાજુલ કૌશિક

ધનજી, મુળજી અને દેવજી નાના હતા ત્યારથી મોટાંબાએ એમને પાંખમાં લીધા હતા. મા અને બા એમ બેવડા વ્હાલથી એમને ઉછેર્યા હતા. પણ સાથે સાથે સંસ્કારની ધરોહર રોપવાનું પણ ભૂલ્યા નહોતા. દેવ દર્શન, ભગવાનની ભક્તિ પ્રભુનો પ્રસાદ આ બધું જીવનમાં કેટલું મહત્વનું છે એ સમજાવવાનું ચૂક્યા નહોતા. તો ઇશ્વરે આપેલા માનવીય સંબંધોનું મૂલ્ય પણ આંકતા એમને શિખવાડ્યું હતુ. નાના હતા ત્યારથી રામાયણ –મહાભારતની વાતો કહીને જુદી જુદી રીતે ત્રણેને પરિવારની એકતા, ભાઇ-ભાઇ વચ્ચેનો સ્નેહ શું છે એ કહેતા રહેતા. થોડા સમજણા થયા ત્યારે એમની ઉત્સુકતા વધતી ગઈ, સવાલો પણ વધતા ગયા મોટાંબા એમના બાળ માનસને અનુરૂપ દાખલા આપતા રહેતા.

“ હેં મોટાંબા , આ રામ કરતાં તો રાવણ જોરાવર ના કહેવાય? આપણા બધાને એક જ માથુ અને એમને તો દસ માથા છે તો પણ રામ સામે હારી ગયા?”  ધનજીના સવાલનો એ ત્રણેને સમજણ પડે એવો જવાબ આપેલો તે આજ સુધી ત્રણે ભાઇઓએ હ્રદયમાં કોતરી રાખ્યો હતો.

મોટાંબા કહેતા કે રાવણ રામ કરતાં મોટો, તાકાત અને  જ્ઞાનમાં પણ ચડિયાતો,  રાવણની લંકા પણ સોનાની પણ રામ સાથે એના ભાઇઓ હતા જ્યારે રાવણની સાથે એનો ભાઇ વિભિષણ નહોતો. હાથની પાંચે આંગળીઓ મળે તો મુઠ્ઠી બને અને એ મુઠ્ઠીમાં જે તાકાત હોય એ તાકાત પાંચે આંગળીઓ અલગ હોય તો ના રહે. માટે દિકરાઓ તમે પણ આ બોધ જીવનમાં હંમેશા યાદ રાખજો. ભાઇઓ જો ભેળા હશો તો જગ જીતશો.

ધનજી, મુળજી અને દેવજી જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેમની વચ્ચેનો પ્રેમ ઉત્તરો ઉત્તર વધતો ચાલ્યો. અને એમાં ગોમતી પણ નિમિત્ત બની રહી. બંને દિયરોને દિકરાની જેમ સાચવ્યા અને તક મળતા સ્વાર્થને બદલે પરમાર્થ કરી જાણ્યો. મસ્ક્ત જવાની તક ધનજીને મળી હતી પણ એણે બેય ભાઇઓને આગળ કર્યા.

મસ્ક્ત જઈને જે પ્રગતિ થઈ એમાં મોટાભાઇ-ભાભીના ત્યાગનો પાયો હતો એ વાત તો કેમે ભુલાય એવી ક્યાં હતી ? દેવજીએ મુંબઈ આવીને જે

કાઠુ કાઢ્યું હતું એ તો કાકાની અપેક્ષા કરતાં અનેક ઘણું વધુ હતું. ધીમે ધીમે મુંબઈના બિઝનેસ વર્લ્ડમાં દેવજીનું નામ લેવાતું થયું. કામ કામને શિખવે અને એક વાર સફળતા મળે એટલે કામ કરવાની ધગશ પણ વધતી જાય. રોલેક્સની એજન્સી લીધી ત્યારે મનમાં એક ગણતરી ચોક્કસ હતી કે આટલા સમયમાં મોટાભાઇએ એમનું નસીબ ભાઇઓના નામે લખી દીધું હતું એ હવે એમને વ્યાજ અને વ્હાલ સાથે પાછુ વાળવાની સોનેરી તક વિધાતાએ આપી હતી.

 રોલેકસ ઘડિયાળની એજન્સી લીધી ત્યારે શરૂઆતમાં તો ધનજીએ પણ કલ્પના કરી નહોતી કે આ આટલું મોટું સાહસ એમના નામે ખેડાયું છે.

શરૂઆતમાં દેવજી શૉ-રૂમ પર આવતો અને ખપ પુરતો સમય ફાળવતો. પણ ધીમે ધીમે ધનજીએ જે રીતે કુનેહથી કામ સંભાળવા માંડ્યું એ જોઇને દેવજીએ એ શૉ-રૂમ પર જવાનું ઓછું કરીને પોતાના જ કામમાં મન પરોવ્યું. ધનજીમાં ધંધાની સૂઝ તો પહેલેથી હતી જ. મેઘજીના મૃત્યુ પછી જે રીતે એણે કારોબાર સંભાળ્યો હતો એ આવડત અને એ કુનેહ એને અહીં કામ આવી.

ધનજી મુંબઈમાં ગોઠવાઇ ગયો એ પછી હવે તો માંડવીમાં ઘર ચાલુ રાખવાની કોઇ આવશ્યકતા હતી નહીં. ગોમતી અને બાળકોને પણ મુંબઇ તેડાવી લીધા. મોટાંબા ને તો માંડવી શું કે મુંબઈ શું , જ્યાં મસ્કત રહી આવ્યા હોય એને મુંબઈમાં ગોઠવાતા ક્યાં વાર લાગવાની હતી? અને હવે તો ધનજી –ગોમતી પણ ભેળા હતા એટલે એમને મન તો આ સોનામાં સુગંધ સમુ હતું.

થોડો સમય તો સૌ સાથે રહ્યા પરંતુ કોઠાડાહ્યા મોટાંબાનું માનવું હતું કે ડુંગરા તો દૂરથી જ રળિયામણા. ગમે તેટલો સ્નેહ હોય પણ સાથે રહેવાથી ક્યારેક જમાવેલું દૂધ ફાટી જાય એમ પરિવારમાં તડ પડતાં વાર ન લાગે. અને બીજી એક વ્યવહારિકતા સમજાવતા કહ્યું કે જ્યાં ધંધો એક હોય ત્યાં રસોડા અલગ સારા.                                                 મોટાંબાની સલાહને માન્ય રાખીને ધનજી અને દેવજીએ એક ઉત્તમ માર્ગ કાઢ્યો. સૌને મોટાંબાની માયા અને હૂંફ મળી રહે એ રીતે એક એવું ઘર લીધું જ્યાં ઉપરનો આખો માળ દેવજી અને તેનો પરિવાર રહે અને નીચે ધનજી- ગોમતી અને બાળકો સાથે મોટાંબા તો ખરા જ. સાથે ના સાથે અને તેમ છતાં અલગ. મોટાંબાની વ્યહવારિક દ્રષ્ટિએ સૂચવેલો માગ સાચે સૌ માટે ખુબ ફળદાયી નિવડ્યો.

હવે સવાલ ઉઠતો હતો માંડવીના ઘરનો. મેઘજીનો સમગ્ર પરિવાર હવે તો મુંબઈમાં સ્થાયી થઈ ગયો એટલે માંડવીનું ઘર બંધ પડ્યું. કાકાની સલાહ એવી હતી કે જે ઘર બંધ પડ્યું રહે એ ધીમે ધીમે અવાવરૂ બનતું જાય. હવે આટલું મોટું ઘર એમ જ સાચવણી વગર તો ખંડીયેર થઈ જાય એટલે એ વેચી નાખવું જોઇએ. કાકાની વાત સાચી હતી પણ એમ કંઇ માંડવીની માયા છુટતી નહોતી . એટલે મોટાંબાએ વચગાળાનો રસ્તો કાઢ્યો.અડધું ઘર ભાડે આપવું અને બાકીનું બંધ. આ ઘર એવી વ્યક્તિને ભાડે આપવું કે જે બાકીના ઘરની સાર-સંભાળ રાખે અને તેમ છતાં પચાવી ના પાડે.

આમ તો કેટલીય પેઢીઓ વર્ષોથી માંડવીમાં રહે એટલે એક જાતની શાખ બંધાઇ ગયેલી. વળી આ ઘર તો શુકનવંતુ નિવડ્યું હતું ને? મેઘજી અને એનો

પરિવાર સુખ-સંપતિ પામ્યો હતો અને સૌ બહાર નિકળ્યા તે પણ ઉજ્જવળ ભાવિ માટે એટલે આ ઘર લેવા તો સૌ કોઇ તૈયાર હતા. અંતે મેઘજીના દૂરના પિતરાઇનેઆ ઘરનો હવાલો સોંપીને સૌ નિશ્ચિંત બની ગયા.

ધનજીના બાળકો ઘણા વર્ષોથી માંડવીમાં જ રહીને ભણ્યા હતા એટલે શરૂઆતમાં થોડી નહીં ઘણી અગવડ પડી એમને મુંબઇના માહોલમાં

ગોઠવાતા. એક તો અંગ્રેજી માધ્યમ અને મુંબઈની અદ્યતન રહેણી-કરણી એનાથી થોડા બઘવાઇ તો ગયા જ હતા પણ ગોમતીએ એમને સાચવી લીધા. વળી સૌ સાથે હતા એટલે દેવજીના સંતાનો સાથે રહીને ધીમે ધીમે એ લોકો પણ ટેવાતા ગયા.

રોલેક્સ નામ એવું છે કે એના માટે કશી જ બાંયેધારી આપવાની હોય નહીં.જ્યાં નામના જ સિક્કા પડતા હોય ત્યાં એના માટે કોઇ વિશેષણ કે

આભૂષણની જરૂર રહે ખરી? રોલેક્સ વાપરનારો એક આખો વર્ગ હોય છે અને મુંબઈ જેવા શહેરમાં તો એને પસંદ કરનારાની ક્યાં ખોટ હોય? દિવસે દિવસે ઉત્તરો ઉત્તર પ્રગતિ થતી ગઈ એમ એમ દેવજી અને ધનજીને એને વધુને વધુ વિકસાવવાની ઇચ્છા પ્રબળ બનતી ગઈ.

મુળજીએ પણ મસ્કતમાં સારું એવું કાઠું કાઢ્યું હતુ. એને ઘણીવાર થતું કે મોટાભાઇએ મસ્કત જોયું નથી . ઘણા બધા પ્રેમ અને આગ્રહથી એણે ધનજી અને ગોમતીને મસ્કત જોવા ફરવા અને રહેવા બોલ્યાવ્યા. બાળકો ધનેશ, દિશા ગણેશ નિશા અન સૌથી નાનો ઉમેશ પણ હવે મુંબઈથી માહેર થઈ ગયા હતા અને વળી મોટાંબા પણ હતા. એટલે તેમની કોઇ ચિંતા નહોતી. મોટાંબા એ જ આગ્રહ કરીને ગોમતી અને ધનજીને મસ્કત ફરવા મોક્લ્યા. માંડવીથી માંડ બહાર નિકળેલી  ગોમતી માટે મસ્કત તો બાપરે……આટલા ઉંચા ઉંચા અદ્યતન બિલ્ડીંગ અને દિવસ રાતનો ઝાકમઝોળ નજારો જોઇને તો એ આભી જ બની ગઈ.

મુળજીએ બંનેને ખુબ પ્રેમથી ફેરવ્યા.

હવે જરા ફુરસદ મળતા એ ધનજીને પોતાની સાથે એની શોપ પર લઇ ગયો. મુળજી કામ કરવાની ધગશથી પ્રભાવિત થયેલા ધનજીના મનમાં એક વિચાર સ્ફૂર્યો. જેમ રોલેક્સનું નામ છે એમ સ્વીસ વૉચ પણ આગવું સ્થાન ધરાવે છે. એને પસંદ કરનારો ઉચ્ચ વર્ગ છે તો શા માટે કોઇ એક જ નામથી બંધાઇ જવું? ધનજીએ પોતાના મનની વાત પ્રગટ કરતાની સાથે મુળજીએ વધાવી લીધી. એની પણ અત્યંત ઇચ્છા હતી કે મોટાભાઇ એની સાથે હોય.

“ તમે જો સંભાળતા હો તો મારી પુરેપુરી તૈયારી છે મોટાભાઇ”  એણે હર્ષપૂર્વક વાત આગળ વધારી.  “ મારા એકલાથી તો નહીં જ પહોંચી વળાય અને આમાં બહારના કોઇનો સાથ લેવો એના કરતાં ઘર મેળે જ ટેકો મળી જાય તો સૌથી ઉત્તમ.” ધનજી તો હંમેશા ભાઇઓની સાથે ઉભો રહેવા તત્પર હોય જ. અને સાચે જ મુળજીએ આ અંગેના ચક્રો ગતિમાન કરી દીધા. ધનજીના નામે સ્વીસની એજન્સી લેવાઇ ગઈ. હવે તો ધનજીનો એક પગ મુંબઈમાં અને એક પગ મસ્કતમાં …….

સ્વીસની એજન્સી મળતાં ધનજી વધુને વધુ પ્રવૃત્તિમય બનતો ચાલ્યો. પણ હવે એણે એક નિયમ કરી દીધો હતો કે એ જ્યારે જ્યાં જાય ત્યાં ગોમતીને સાથે લઇને જતો. આમ ગોમતીનું પણ મુંબઈ- મસ્કત અને સ્વીત્ઝર્લેન્ડ વચ્ચેની આવન-જાવન વધતી ગઈ.

મોટાંબા ખુશ હતા. ત્રણે દિકરાઓની પ્રગતિ અને ત્રણે દેરાણી-જેઠાણી વચ્ચેનું સખ્ય જોઇને સંતુષ્ટ હતા. ખાસ કરીને ગોમતીને આવી રીતે દુનિયા મહાલતી જોઇને તો એમની આંતરિક ખુશી અનેક ગણી વધી જતી અને કેમ ન હોય ગોમતીમાં તો હંમેશા એમને દિકરીનુ સ્વરૂપ દેખાતું.

 

 

 

 

 

સબળા  નારી  (૧૨)  પ્રવીણા કડકિયા

માંડવીનું ઘર હવે બરાબર સચવાશે એ જાણી ગોમતી  અને ધનજીને હૈયે ધરપત થઈ. હવે તો બન્ને જણ માટે હવાઈ મુસાફરી સામાન્ય થઈ ગઈ હતી. શાણી ગોમતીએ ભલે માંડવીમાં અડધી જીંદગી ગાળી હતી પણ તે’ડાહીમાની દીકરી હતી’. તેને જે ઢાંચામાં ઢાળો, ઢળતાં વાર ન લાગતી ! ધનજી આવી સુંદર પત્ની પામીને પોતાની જાતને ભાગ્યશાળી સમજતો. મોટાંબાએ તો ગોમતીને દીકરીથી અદકેરી ગણી હતી. વર્તન દ્વારા ગોમતી તેમાં લેશ પણ ઓછી ઉતરી ન હતી. ગોમતીના બાળકો ખૂબ સુંદર સંસ્કાર પામી મોટા થઈ રહ્યા. હવે તો મુંબઈવાસી બન્યા. સુખ સાહ્યબી તો ગામમાં પણ હતાં જરાક ટાપટીપ કરવાનું શિખતાં વાર ન લાગી.

દિશા તો જાણે ગોમતીની આબેહૂબ નકલ. ફરક માત્ર એટલો કે મુંબઈનો ઓપ ચડ્યો હતો. દિશા જ્યારે મુંબઈ આવી ત્યારે એને પાડોશમાં રહેતા રોહિત સાથે પ્રેમ થઈ ગયો હતો. ઉમર કાચી હતી અને કહેવાની હિંમત નહી. રોહિતને પોતાને જીવનમાં શું મેળવવું છે તેના વિષે પાકો ખ્યાલ હતો. દિશાને તેની અડગતા, સહ્રદયતા સ્પર્શી ગયા હતા. મુંબઈ જતાં પહેલા કહીને  ગઈ હતી, ‘હું ભલે મુંબઈ જાંઉ છું. પાછી માંડવી આવી તને વરીશ’. રોહિત જાણતો હતો દીશાને, પ્રેમ અને ભરોસો બન્ને હતાં.રાજવીએ મુંબઈમાં વિલ્સન કૉલેજમાંથી   બી.એ. પાસ થઈ કર્યું, ‘મારે એક વર્ષ બી.એડ. કરવું છે’. ગોમતી વિચાર કરે, ‘હજુ મારી દીકરીને ભણવું છે’.

‘બેટા હવે લગ્નનો વિચાર નથી?’

‘ અરે મા લગ્ન તો કરીશ, બસ એક વરસ પછી ‘.

‘ કાંઈ ખાસ કારણ’.

 ‘મા, તારાથી શું છુપાવું. મારે આપણા વર્ષો જૂના પાડોશી, હરિકાકા પ્રિન્સીપાલના દીકરા રોહિત સાથે લગ્ન કરવા છે. એ હાઈસ્કૂલમાં શિક્ષક છે. મારે પણ પ્રાથમિક સ્કૂલની શિક્ષિકા બનવું છે ‘

ગોમતી દિશાને એકી ટશે નિહાળી રહી. તેની સ્પષ્ટ પણે સત્ય કહેવાની હિમત પર વારી ગઈ’. મોટાંબા , બાજુના રૂમમાંથી મા દીકરીની વાત સાંભળી રહ્યા હતાં. બન્ને જણા જ્યાં વાત કરતા હતા ત્યાં આવીને કહે , ‘બેટા મારી તો હા છે. તારા પિતાજી હા પાડશે તેવો મારા અંતરનો અવાજ છે. તું રોહિતને પરણી ખૂબ ખુશ રહેવાની. ખૂબ સંસ્કારી કુટુંબ છે. હા, આપણા જેવું પૈસા પાત્ર નથી ,પણ પૈસો માત્ર સુખનું સા્ધન નથી’. આમ ઘીના ઠામમાં ઘી પડી ગયું. એક વર્ષતો આંખના પલકારામાં પસાર થઈ ગયું.

                                     દિશા અને રોહિતના લગ્નની તારિખ નક્કી થઈ. ત્રણે ભાઈઓમાં રાજવી અને નિશા બેજ દીકરીઓ હતી. દિશા તો સહુની આંખનો તારો. ધનજી અને તેના બે ભાઈઓ, કાકી સહુનો ઉમંગ સમાતો ન હતો. લગ્ન માંડવીમાં લેવા તે નક્કી થયું. હવે હવેલી જેવું અડધું ઘર તો ભાડે અપાઈ ગયું હતું . ફળિયામાં એક ઘર વર્ષોથી ખાલી હતું. ભાડે લઈ લીધું. ગોમતીએ વટહુકમ બહાર પાડ્યો,’હવે લગ્ન લેવાય  ત્યાં સુધી હું અને મોટાંબા માંડવી રહીશું’. આખું ઘર સમારકામ કરાવી નવા જેવું બનાવ્યું. ભાડે રાખેલા ઘરને પણ બહારથી રંગાવી નવા જેવું કરી લીધું. ગોમતીના લગ્ન પછી અને મોટાંબાની હયાતીમાં આજે ૩૦ વર્ષે    ઘરમાં દીકરીના લગ્ન હતાં. સહુના અંતરમાં આનંદ હતો. દિલમાં ઉચાટ કે ,હવે દિશા પરાયી થવાની !’                                                   દીકરી તો સાસરીને શોભાવે એનાથી રૂડું શું? માતા પિતાના નામને અને સંસ્કારને દીપાવે . દિશા હતી પણ એવી. બધી રીતે આધુનિકતા અપનાવેલી આજકાલની કન્યા પરંતુ તેના વિચારો ખૂબ ઉચ્ચ અને દૃઢ હતા. પ્રેમ તેણે હ્રદય પૂર્વક કર્યો હતો. સમર્પણની ભાવનાની હિમાયતી હતી.  રોહિતના વિચાર અને આદર્શથી પરિચિત હતી. રોહિત તેને પ્રેમ કરતો, તેને વિશ્વાસ હતો દીશા તેના સપના સાકાર કરશે. દીશાને ગળા સુધી ખાત્રી હતી રોહિત તેને પેમપૂર્વક , જીવન જીવવાના સઘળાં દ્વાર ખોલી આપશે. તેમના પ્રેમના પાયામાં વિશ્વાસ અને લાગણી્ની નીવ હતી.

 બસ હવે લગ્નને માત્ર એક અઠવાડિયું બાકી હતું. મસ્કતથી અને પરદેશના બીજા દેશોમાંથી મહેમાનો આવી ગયા. માંડવીની સારામાં સારી હૉટલોમાં વિદેશી મહેમાનોની  સગવડતા સચવાય તેનો પાકો બંદોબસ્ત કર્યો હતો. રોજ શરણાઈના સૂર રેલાતા હતાં. ગોમતીનો હરખ માતો ન હતો. ધનજી બાપ હતો. પોતાના અંતરની લાગણી વ્યક્ત કરી શકતો ન હતો.  સાત ખોટની દીકરી હવે આંગણું ત્યજશે એ વિચારે સુનમુન થઈ ગયો. બાપ હતો ને ? દીકરી સાસરે સુખી રહે એટલી જ એની મનોકામના હોય. તેને ખબર હતી દિશા જશે અને ઘરનું આંગણ બુલબુલ વગર સુનું થશે. પંખી એક દિવસ માળો ત્યજી પોતાનો માળો બાંધશે તે તેને ખબર હતી. દીકરીની હર ખ્વાહીશ પૂરી કરવા તે તત્પર થયો. પૈસે ટકે તેને કોઈ રોકટોક ન હતી. દિશાએ પિતાને વાર્યા, સમજાવ્યા.

‘બાપુ તમે મને પ્યાર કરો છો, ખૂબ કરિયાવાર આપી શકો તેમ છો. યાદ રાખજો, રોહિતને કે તેના પિતાશ્રીને  જરા પણ એવું લાગવા ન દેશો કે તેઓ પૈસામાં આપણા સમાન નથી. ખોટો આડંબર કે દેખાડો ન કરો તેવી મારી પ્રાર્થના. મને જે આપવું હોય તે આપશો. હું પ્રેમે સ્વિકારીશ. હવે હું જે ઘરની થવાની છું તેની ઈજ્જત અને માન મર્યાદા જાળવાય તેનો ખ્યાલ રાખજો પિતાજી”. દીકરીની વાત સાંભળી ધનજી સચેત થયો. ખૂબ માન સાથે વેવાઈ સામે પેશ કરતો. જમાઈબાબુની પ્રતિભા અને સૌમ્યતા તેની આંખે ઉડીને વળગતાં. તેને આત્મસંતોષ હતો કે દિશા આ ઘરને દીપાવશે. રોહિત દિશાને ખૂબ સુખ આપશે.                                      લગ્નનો દિવસ આવી ગયો. સવારથી દરેકના મુખ પર આનંદ અને દિલમાં દર્દ સ્પષ્ટ પણે જણાતા હતા. દિશા તો આજે સ્વર્ગની અપ્સરાને પણ શરમાવે તેવી સુંદર સોહી રહી હતી. તેના અંતરના ભાવ છુપાવે તો પણ મુખડા પર આવી નિખરતા. માતા અને પિતા, પ્રેમાળ ભાઈઓ તેમજ વહાલસોયા મોટાંબાનો સંગ હવે નહી મળે તે સામે રોહિતનો અદભૂત પ્રેમ ! રોહિતના માતા અને પિતા ખૂબ લાગણીશીલ હતા, તેમને બે દિકરા હતા. રોહિત મોટો અને જીત નાનો. દીકરીની ખોટ પૂરી કરવા દિશા તત્પર હતી. તે જીવનની સચ્ચાઈ જાણતી હતી. તેના આદર્શ હતાં ,માતા ગોમતી અને મોટાંબા.

રંગે ચંગે લગ્નની વિધી પતાવી દિશાને વિદાય આપી. માયકામાં શાંતિ પ્રસરી રહી અને સાસરામાં ઢોલ ઢબૂક્યા. રોહિત ખુશખુશાલ હતો. જીત તો ભાભીની આજુબાજુ આંટા મારતો હતો. ઘરમાં કુમકુમના પગલાં પાડ્યા. સુહાગ રાતે ચંદ્રની હિમત ન હતી કે વાદળાની બહાર ડોકુ કાઢે. પેલો પૂનમનો ચાંદ આજે રોહિતના બેડરૂમમાં દિશા રૂપે ચાંદની રેલાવી રહ્યો હતો. પ્રેમ પંખીડા એકબીજાને પામ્યા નો અહેસાસ માણિ રહ્યા. દિશાએ આવીને ચારે દિશામાં પોતાનું સામ્રાજ્ય પ્રસરાવ્યું.

માંડવીનું ઘરસંકેલી બધા પાછાં મુંબઈ આવ્યા. દિશા વગર ઘર સુનું સુનું હતું. હજુ તો બધું વ્યવસ્થિત થાય એ પહેલાં ધનેશે  ખુશખબર આપ્યા. એ પ્રેમ લગ્ન કરવાનો છે. હજુ તો શ્વાસ ખાવાનો સમય મળ્યો ન હતો. સમાચાર મંગળ હતા, ધનજી અને ગોમતીના હરખનો પાર ન રહ્યો. મોટાંબા તો જાણે સાતમે આસમાને. ‘ગોમતી, ભગવાન કેટલો દયાળુ છે. ‘

‘હા, મોટાંબા.’

દિશાને હજુ તો વળાવીને આવ્યા ત્યાં વહુના કુમકુમ પગલાં આપણા આંગણમાં પડશે. ભલેને  પરન્યાતની છોકરી છે. આપણે તેને પાંખમાં ઘાલીશું. ધનેશને આશા હતી બધા તેના પ્રેમ લગ્નનો   ઉમળકાભેર સ્વિકાર કરશે. બન્યું પણ તેમજ.ધનેશ હવે ધરતીને લઈ ઘરે આ્વતો. ધરતી દેખાવમાં સુંદર હતી. તેથી તો ધનેશ તેના પર લટ્ટુ થયો હતો. હવે આ ઘરમાં કેવી રીતે સમાશે એ અકળ પ્રશ્ન હતો. જે મોટાંબા કળી ગયા હતા. તેમની અનુભવી આંખો વ્યક્તિને ઓળખી શકતી. કોઈને પણ કશું ન કહેવામાં ડહાપણ માન્યું. ધરતી આવતી ત્યારે જાણે અજાણે તેની તોછડાઈનું પ્રદર્શન કરતી. તે આવે ત્યારે જાણે ધરતી ધમધમ ન કરતી હોય એવું લાગે!તે ખૂબ ધનાઢ્ય બાપની દીકરી છે એમ વાતવાતમાં જણાવતી. ગોમતી અને મોટાંબા  મૌન પાળી તેને સહી લેતાં. ધનેશને કાંઇ પણ કહેવામાં માલ નથી તે જાણતા હતાં. લગ્ન તો મુંબઈમાં ખૂબ ધામધૂમ પૂર્વક કરવાનું સર્વાનુમતે નક્કી થયું. સી.સી.આઈનો હૉલ બુક કરાવી લીધો. ધનજીને આજે ખૂબ આનંદ થયો. બે ભાઈઓને પ્રેમથી જાળવ્યા હતાં. આખા કુટુંબને એક તાંતણે બાંધી રાખવાનું શ્રેય મોટાંબા અને ગોમતીને આપતો. દિશા પણ રોહિત સાથે લહેરમાં હતી.  હવે ઘરમાં છમછમ ઝાંઝર ઝણકાવતી ધનેશની વહુ આવશે ! ” ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે”.

  કમ સે કમ છ મહિના તૈયારીના થશે એમ સહુને જણાવી દીધું. ખુબ હોંશથી લગ્નની તૈયારી શરૂ કરી. હજુ તો દિશાના લગ્નનો થાક ઉતર્યો ન હતો ત્યાં ધનેશના લગ્ન. ગોમતી કુશળ સ્ત્રી હતી મોટાંબાનો સહારો હોય પછી પૂછવું શું ? તડામાર ખરીદી, ઘરેણાં,   લુગડાં , શેલાં . સાડીઓ અને જાનૈયાઓને આપવાની ભેટો. મોટાં લિસ્ટ તૈયાર કર્યા. સોની, દરજીને ત્યાંના ધક્કા શરૂ થયા. ગોમતીએ ધનજી સાથે બહારગામ ક્યાંય પણ જવાની ઘસીને ના પાડી. ધનજી જાણતો હતો ગોમતી હવે હાથ નહી રહે. પોતાનું ધાર્યું બધું કરશે. તેને ખુશ જોઈ તે પોરસાતો દીકરો પરણાવવાનો હતો. આબેહૂબ પ્રતિકૃતિ બાપની, સ્વભાવમાં ? ધરતીને ગમતાં હીરાના અને સોનાના સેટ તૈયાર થઈ ગયા. મોટાંબાએ ખાસ તેના માટે ચંદનહાર કરાવ્યો. બન્ને કાકા અને કાકીએ મનભરીને આપ્યું. દિશાએ પોતાના લગ્નમાં પિતાએ આપ્યા હતાં તે સેટમાંથી એક રાજીખુશીથી આપ્યો. તેને રોહિત પાસે આવો ખોટો ખર્ચ કરાવવો ન હતો. રોહિત દિશા પર વારી ગયો. ધનજીએ દીકરાના લગ્નની ખુશાલીમાં દિશાને ગાડું ભરાય તેટલું આપ્યું. રોહિત, પિતા પુત્રીને આપે તેમાં વચ્ચે કદી બોલતો નહી. દિશા, રોહિતની સમજદારીને માણતી. નિશા તો દીદી અને જીજુને જોઈ નાચી ઉઠી.

ખૂબ રંગે ચંગે ધામધુમથી લગ્નનો લહાવો સહુએ માણ્યો. હનીમુન કરવા તાજાં પરણેલાં વરઘોડિયા પેરિસ પહોંચી ગયા. હજુ તો પેરિસથી આવ્યા નથી ત્યાં બીજા શુભ સમાચાર મળ્યા. ધનજીને વારેવારે કામ માટે મસ્કત જવું પડતું હતું. ગોમતી દર વખતે સાથ આપી શક્તી નહી. ઘરસંસાર ચલાવવાનો હતો, કાંઇ ઘરઘર નહોતાં રમતા! ધનજીને ગોમતી વગર જવું ગમતું નહી. નાના ભાઈઓને પૂછી જોયું’જો ધનેશ અને ધરતી મસ્કત આવે અને ધંધો સંભાળે તો કેમ”?

બન્ને ભાઈ ,મોટાભાઈની દૂરંદેશી પર આફ્રિન થઈ ગયા. જુવાન લોહી નવા નવા નુસ્ખા અજમાવે, ધંધામાં વૈવિધ્યતા લાવે તેનાથી રૂડું શું? તેમણે ધનજીના વિચારને સમર્થન આપ્યું. ધરતીને થયું હાશ, સંયુક્ત કુટુંબમાં રહેવું નહિ પડે ! તેને તો ધનેશમાં રસ હતો તેના માતા પિતા અને ઘરડાં મોટાબામાં જરા પણ નહી.  મોઢા પર મીઠું બોલે પણ આંખના ભાવ મોટાંબા સમજી શકતાં. તેમના કરતાં ધરતી ૫૦ વર્ષ નાની હતી.

પ્લેનમાં ઉડીને મસ્કત આવ્યા. બન્ને કાકા જાણતા હતાં નવા પ્રેમ પંખીડા પોતાનો માળો વસાવે તે યોગ્ય છે. ધનેશ અને ધરતીને બધી છૂટ મળી ગઈ. પૈસાની રેલમ છેલ હતી. હજુતો ૩૦નો આંકડો ખાસ્સો દૂર હતો ત્યાં આટલું બધું, અ ધ ધ ધ ! ઘમંડ અને ઉદ્ધતાઈ ન પ્રવેશે તો જ નવાઈ લાગે. પરસેવો પાડી પૈસો કમાયા હોય તો તેની કિમત સમજાય. આ તો તૈયાર ભાણું મળ્યું હતું. મસ્કતના જુવાનિયાઓમાં ધંધાદરી વર્તુલમાં ગરમા ગરમ ચર્ચાનો વિષય બની ગયા.

ધરતી ,કાકાજી અને કાકીજીની આમન્યા રાખતી નહી. ધનેશ, ગોમતી અને ધનજીનો દીકરો. તેમાંય પાટવી કુંવર પણ પત્નીના હાથની કઠપૂતળી બની ગયો. મુળજીકાકા વડિલ તરિકે શિખામણના  બે બોલ કહે ત્યારે શાંતિથી સાંભળતો. પ્રત્યાઘાત ન આપી દેવાય તેની કાળજી રાખતો. માત્ર ધરતીનું  કર્યું અને કહ્યું ચલાવતો. થાકીને મૂળજીએ મોટાભાઈને વાત કરી.

ધનજી માટે આ સમાચાર ખૂબ આઘાત જનક હતા. પહેલાં તો તેણે માનવાનો ઈન્કાર કર્યો. ધનેશ સાથે ફોન પર વાત કરવાનો પ્રયાસ ધરતીએ નિષ્ફળ બનાવ્યો. હવે તેને અને ગોમતીને શંકા ગઈ. ગોમતી જ્યારે મોટાંબાને વાત કરી રહી હતી ત્યારે તેને અટકાવતાં મોટાંબા બોલ્યા,’ગોમતી બેટા પુત્રના લક્ષણ પારણમાં અને વહુના બારણામાં’ . સાચું કહું, મને આ વાતની ગંધ પહેલા દિવસથી આવી ગઈ હતી’ !

 

 

 

 

 

સબળા નારી ૧૩પ્રવીણા કડકિઆ

ત્રણ દીકરા અને વહાલી દીકરીથી ધમધમતું ઘર હવે શાંત લાગતું હતું. દીશા પરણીને માંડવી ગઈ. સાસરામાં દુધમાં સાકર ભળે એમ ભળી ગઈ હતી. ધનેશ પોતાની પત્ની ધરતી સાથે મસ્કત રહેતો હતો. બંનેના ઉધામા ઘણા હતા. કાકા અને કાકી સાથે માત્ર ધંધા પૂરતો સંબંધ રાખ્યો હતો. ધરતી ખૂબ ફટવેલી અને મોઢે ચડાવેલી હતી. ધનેશ પ્રેમમાં પાગલ થયો હતો. આ ઉમર ખરાબ છે. સારા નરસાનું ભાન જે પુરૂષ ‘કામાંધ’ હોય તે ગુમાવતો હોય છે. ચાલાક સ્ત્રી તે સમયે પુરૂષને આંગળી પર નચાવવામાં સફળતા પ્રાપ્ત કરે છે. પરિણામની તેને પરવા નથી હોતી. સુંદર સંસ્કાર અને પ્રેમાળ વાતાવરણમાં ઉછરેલો ધનેશ બધું વિસરી ગયો. પૈસાની રેલમછેલ હતી. સારું હતું કામકાજ પર ધરતી સાથે ન હોવાથી પોતાનું કૌવત દાખવી શકતો.  બન્ને કાકાને કામ વિશે કોઈ ફરિયાદ ન રહેતી.

ધનજી અને ગોમતી જીવ બાળતા પણ પરણેલો દીકરો હાથમાંથી જશે તેવી તો તેમને કલ્પના પણ ન હતી. બન્ને ભારત બહુ આવતા પણ નહી. મોટાંબાએ હવે પોતાનું ધ્યાન ધર્મ તરફ ફેરવ્યું. દાન, ધર્માદા છૂટથી કરતાં. અનાથ આશ્રમની મહિલાઓને ઉદ્યમ માટે સિવવાના સંચા અપાવ્યા. છોકરીઓ કમપ્યુટર શિખી આગળ આવે તેના માટે આધુનિક સગવડતા વાળો રૂમ તૈયાર કરાવી આપ્યો. નવી પરણતી કન્યાઓને  ઘરવખરી અપાવી તેમનો સંસાર ચાલુ કરવામાં મદદ કરતાં. ગોમતીને મોટાંબાની પ્રવૃત્તિઓ ગમતી. તે સાથ અને સહકાર આપતી. દર શુક્રવારે સવારે કરંડિયા ભરીને ઘરની નજીકની હૉસ્પિટલમાં જવાનું. જનરલ વૉર્ડ વાળા દરદીઓને ફળ આપી તેમના સમાચાર પૂછવાનાં. ઘરમાં દિવસના બે કલાક ઠાકોરજીની સેવા અને કિર્તનમાં પસાર કરી ચિતને અંકુશમાં રાખે.   ગોમતીની નિશા હજુ માંડ અગિયારમી પાસ થઈ હતી તેથી તેની કાળજી કરતી. નિશા ભણવામાં તેમજ નૃત્યમાં પારંગત થઈ ગઈ હતી, સહુથી નાની હોવાને કારણે બરાબર મુંબઈની હવા લાગી હતી. સ્વભાવે શરમાળ અને બોલે ઓછું. બોલે ત્યારે મોતી ઝરે.

ધનજી ધંધામાં ખુંપ્યો રહેતો. બહોળો પરિવાર અને ધિકતો ધંધો . ખર્ચા તો જાલિમ હતા. ગોમતી ખૂબ ઘરડાહી હોવાથી  રાતે ઘરે આવતો ત્યારે હાશકારો અનુભવતો. ,ગોમતી સાથે અલક મલકની વાતો કરે. તેનો દિવસભરનો અહેવાલ સાંભળે, સાંભળતાં ક્યારે આંખ મિંચાઈ જાય તેનું ભાન પણ ન રહેતું. મુંબઈમાં આવ્યા પછી ગણેશ અને ઉમેશ જરા છેલબટાઉ થઈ ગયા હતાં. ધનેશે તો કૉલેજ પૂરી કરી લવ કર્યો, પરણીને વિદાય થયો. ગણેશ અને ઉમેશ માટે તેના દિલમાં મોટી ચિંતા હતી.  ગણેશ બે વાર બી. કૉમ.ની પરીક્ષા આપી માંડ પાસ થયો. ભાઈ જરા ગણપતિ જેવા હતા તેથી કોઈ બહેનપણીના ફંદામાં ન ફસાયા. નિશા ભાઈની મશ્કરી કરી હસાવતી. ઘરમાં સહુથી નાની હતી એટલે ગણેશ તેને ગણકારતો નહી. અજાણ્યાને પણ વહાલ ઉપજે તેવી હતી. તેની આંખો પટપટાવવાની આદત સહુને લલચાવતી.  હવે શું કરવું તે પ્રશ્ન હતો. ધનજીએ શિખામણ આપી, ‘બેટા અમેરિકા જઈને એમ.બી.એ કર”. પિતાનો વિચાર ગણેશને ગમી ગયો. બસ લગાતાર લાયબ્રેરીમાં અને ઈન્ટરનેટ પર વિગતો ભેગી કરવામાં વ્યસ્ત રહેતો.

ઉમેશ એંજીનયરિંગ કૉલેજમાં ભણતો. એ ભણતો કે બાપાના પૈસાનું પાણી કરતો તેની ખબર ઈશ્વર જાણે ! હવે તો એંજિનયરિંગમાં  છોકરીઓ પણ જઈને પોતાનું ભવિષ્ય કંડારે છે. તેને ભણવા કરતાં છોકરીઓને ફરાવવામાં વધારે રસ હતો. તેના વર્ગમાં ઉષા હતી જે દાદરથી તેની સાથે ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ચડતી. ઉમેશની રૉમિયો જેવી પર્સનાલિટી તેને પસંદ પડતી. વાત કરવાનું બહાનું શોધતી. જુવાની દીવાની એક કરતાં એકવીસ બહાનાં શોધી કાઢે. આખરે ચોમાસામાં જ્યારે ઉમેશ ગાડીમાં કૉલેજ આવે ત્યારે તેને ચાલતી જુએ તો આગ્રહ પૂર્વક ગાડીમાં બેસાડે. બસ આમ ઓળખાણ થઈ ગઈ. પછી તો સડસડાટ ગાડી દોડવા માંડી. સાથે કૉલેજના પ્રોજેક્ટ કરવાનાં. એક્ઝામ વખતે લાયબ્રેરીમાં બેસીને વાંચવાનું. રજાઓમાં સિનેમા અને પિકનિકની મોજ માણવાની. જુવાન હૈયાં પ્રેમમાં ન પડે તો નવાઈ લાગે. ઉમેશ વિષે તો ઉષા ઘણું બધું જાણતી થઈ ગઈ.  માલેતુજાર બાપ છે. સહુ પહેલાં તો આજકાલની છોકરીઓને, ‘બકરો’ પૈસાદાર છે કે નહી તેમાં રસ હોય. બીજું રહે છે ક્યાં? મુંબઈમાં તો ‘મ. કા. બો. નહી ચાલે.  એટલે મલાડ, કાંદિવલી કે બોરીવલી રહેતાં છોકરાં ના પસંદ. મલબાર હિલ, નરીમાન પોંઈન્ટ કે પેડરરોડવાળા જોઈએ.

ખેર ધક્કા મારીને એંજિનિયર થયો. એકને એમ.બી.એ. અને બીજાને એમ.એસ. કરવા અમેરિકા મોકલવાનો પ્લાન નક્કી થયો. ગોમતીનો આગ્રહ હતો કે પરણીને જાય તો તેની ચિંતા હળવી થાય. આમ પણ ગણેશ અને ઉમેશ વચ્ચે ૧૨ મહિનાનો ફરક હતો. છોકરીઓના માગા તો આવતા હતાં. લગ્ન કરીને બે વર્ષ રાહ જોવી પડે તેમ હતું. ઉષાને વાંધો ન હતો. મધ્યમ વર્ગની હતી. તેને થયું બે વર્ષ રાહ જોઈશ તો માતા અને પિતાની આર્થિક સહાય કરી શકશે.વચલાં ગણેશભાઈ ને જરા તકલિફ પડી. ‘જોડીઓ તો ભગવાન ઉપરથી નક્કી કરે છે’. સમયસર મેળવી આપે છે. ગૌરીની માતાને ત્રણ દીકરીઓ હતી. જો ગૌરી હા પાડે તો બાકીની બે દીકરીઓ પણ સારે ઘેર પરણી શકે. ધનજીની અને ગોમતીની સમાજમાં આબરૂ ઘણી હતી. ગૌરીએ વિચાર્યું લગ્ન પછી સુકાન સંભાળી લઈશ.

 આમ બન્ને દીકરાઓનું ચોકઠું બેસી ગયું. ફરી  પાછું ઘર લગ્નની તૈયારીમાં ડૂબી ગયું. ગોમતી ને હાશ થઈ. ત્રણે દીકરા પરણી સ્થાયી થશે. ધનેશે તો ધરતીની તબિયત સારી નથી કહી આવવાના નામ પર ચોકડી મારી. ધનજી અને ગોમતીએ કાળજાં કઠણ કરી હકિકતનો સામનો કર્યો. ઉનાળાની રજાઓ હતી એટલે દિશા બન્ને બાળકોને લઈને વહેલી આવી. જેથી માને લગનના કામકાજમાં મદદ થાય. પિયર આવે ત્યારે તેના બાળકો માસીને હવાલે હોય. નીશા તેમને પ્યારથી નવાજતી. દિશા ને બાળકોની જરા પણ ચિંતા રહેતી નહી. મોટાંબા હવે નિવૃત્ત જીવન ગાળતાં. દિશા, ગોમતીને બધી રીતે અનુકૂળ થઈ દરેક કાર્યમાં સહાય રૂપ થઈ. મા દીકરી ઘણા વર્ષો પછી એક બીજાનો સંગ માણી અંતરની આશા પૂરી કરી રહ્યા. લગ્નની બધી તૈયારી થઈ ગઈ. બે દિવસ પહેલાં રોહિત આવ્યો. દિશાએ રોહિતને બધી વાતના સુખથી છલકાવ્યો હતો. બાલકોને જોઈ તેને ખૂબ આનંદ થયો.

રાતના સૂવાના સમયે, ‘અરે તું તો અંહી આવીને જાડી થઈ વધારે સુંદર લાગે છે’.

‘હાં એ તો તમે મારા વગર સૂકાઈ ગયાને એટલે જલન થાય છે’. આમ કહી વેલ ઝાડને વિંટળાય તેમ રોહિતને વિંટળાઈ ગઈ.

રોહિતને પોતાના બિછાના વગર કદી ઉંઘ ન આવે. આજે દિશાના સાંનિધ્યમાં ઘસઘસાટ ઉંઘી ગયો. ત્રણ અઠવાડિયાનો વિયોગ હતો !

ધનેશ અને ધરતી ન આવ્યા તેની કોઈએ ખાસ નોંધ ન લીધી. ગોમતી યાદ કરતી પણ બોલતી નહી. ગણેશ અને ગૌરી તેમજ ઉમેશ અને ઉષાના લગ્ન વાજતે ગાજતે ઉજવ્યા. દિશાના બાળકોને તો પાછાં માંડવી જવું જ નહતું. નાના અને નાની ખૂબ લાડ કરતાં. મસ્કતથી મુળજી ભાઈ પરિવાર સાથે આવ્યા હતા,ધનેશ અને ધરતીની વાત બહુ કરતાં નહી. ખબર હતી ભાઈ અને ભાભીનાં અંતર દુભાશે. મોટાંબા તો હવે સંસારથી નિર્લેપ જણાયા. બધા લગ્નનો લહાવો લઈ પાછાં મસ્કત જ્વાની તૈયારી કરવા માંડ્યા. ગોમતીએ સોનાનો સેટ અને મિઠાઈના પેકેટ ધનેશ અને ધરતી માટે મોકલા્યા. ધનજીની મરજી ન હતી. ગોમતીને દુખ પહોંચે એટલે તેને શાંત રહેવામાં શાણપણ લાગ્યું.

હવે અમેરિકા ભણવા જવાની તૈયારી ચાલુ કરી એડમિશન આવી ગયા હતાં. બન્નેને  પોતાની પત્નીને મૂકીને જવાનું દિલ ન હતું. બીજો વિકલ્પ પણ ન હતો. દિશા બન્ને ભાઈઓને વળાવી માંડવી જવાની હતી. તેને નિશા એકલી થઈ જશે તેની ચિંતા સતાવતી હતી. રોહિતને તો ઉનાળાની રજામાં ટ્યુટોરિયલની તૈયારી કરવાની હતી. લગ્ન પછી બે દિવસમાં પોતાના માતા, પિતા અને નાનાભાઈ સાથે પાછો જતો રહ્યો. બાળકોને સુવડાવી આજે બન્ને બહેનો અને માતા, પિતા વાતે વળગ્યા.ધનજી  અને ગોમતી દીકરીઓ જોઈ પોરસાતા.

પ્લેન તો બન્નેને લઈ અમેરિકા રવાના થયું. ઉષા અને ગૌરી ચાર દિવસ રહી પિયર ભેગા થઈ ગયા. દિશા બાળકો સાથે પોતાને ઘરે ગઈ. ઘરમાં શાંતિ હતી પણ ધનજીને ઉચાપાત. આટલા પૈસા ખર્ચી અમેરિકા ભણવા તો મોકલ્યા પણ  ભણે તો સારું ! તેને જે વિચારો આવ્યા હતા એ હકિકતમાં પરિણમ્યા. ભાટિયા  આટંલુ ભણ્યા તે શું ઓછું હતું ? છ મહિનામાં સારા એવા પૈસાનું પાણી કર્યુ.

અંતે એવો નિણય કર્યો અમેરિકામાં ધંધો  કરવો. ભ ણવાની ઝંઝટ અભેરાઈ પર ચડી ગઈ.   એક દિવસ નેબરહુડનો હાર્ડવેર સ્ટોર ‘આઉટ ઓફ બિઝનેસ’ જતો હતો. સ્ટોર વેચનારને તાત્કાલિક  પૈસાની જરૂર હતી. ડીલ કરી ઓફર મૂકી કામ થઈ ગયું. ઉષા અને ગૌરી પણ અમેરિકા પહોંચી ગયા. સ્ટોરનું ક્લો ઝ અપ ૧૦ દિવસ પછી હતું. ચારેય જણા મન મૂકીને ફર્યા. ઉષા અને ગૌરીએ અમેરિક વિશે ઘણું વાંચ્યું હતું. સિનેમામાં જોયું હતું. જ્યારે પ્રત્યક્ષ અનુભવ કર્યો તે પણ પોતાના  પતિદેવો સાથે! તેમને એમ લાગ્યું કે સ્વર્ગ તો અંહી જ છે.

જ્યારે સ્ટોર ચાલુ થયો અને કામ કરવાનું આવ્યું ત્યારે ધરતી પર આવી પટકાયા. જુવાનીમાં બધું ચલાવાય. અંતે સત્ય લાધ્યું. “કામ કરશું તો પૈસા મળશે” ! ધીમે ધીમે અમેરિકાની જીંદગી કોઠે પડી ગઈ.

ગોમતી’વિચારી રહી સારું થયું બાળકો પરદેશ ગયા. ગામમાં હોત તો આ આજકાલની વહુને સાચવવી ભારે પડી ગઈ હોત.  ધનજીને થોડી શાંતિ થઈ બધા બાળકો ધંધે વળગ્યા. પેલી મસ્કતવાળી ને પેટ ચોળી પીડા ઉભી કરવાની આદત. પોતાને સારા દિવસો છે એ ધનેશને જ ચાર મહિના પછી કીધું.ધનેશ ખુશીનો માર્યો ઊછળ્યો. તેને બચપન યાદ આવી ગયું. કાકાને ત્યાં બાળકો આવતાં ત્યારે મમ્મી કેટલી ખુશ થતી.

ત્યાંતો વટહુકમ બહાર પડ્યો.’ખબરદાર કોઈને કહ્યું તો”.

‘કેમ’?

‘મને કોઈ ચેનચાળાં ગમતાં નથી’!

‘અરે, પણ મારા મમ્મી અને પપ્પા દાદા તેમજ દાદી થવાનાં’. ‘તો’.

ધનેશ બિચારો શું બોલે?’ કહ્યાગરો કંથ’!કુદરતી બહેનના માતા અને પિતા આવી ગયા. તેઓ નાના અને નાની થવાનાં હતાં. પહેલી વખત! તેમના આનંદનો પાર ન હતો.  સમય પ્રમાણે બાળકે પૃથ્વી પર આગમન કર્યું. કનૈયાકુંવર જેવો દીકરો આવ્યો. કાકા અને કાકીને તો ખબર પડી. ધનેશ કુમારે ચાર દિવસની છુટ્ટી લીધી હતી ! નામ રાખ્યું ‘ધીર’. જેનો સંપૂર્ણ પણે અભાવ ધરતીમાં હતો. તેનો અહંકાર અને ઘમંડ હવે ધનેશને સતાવતાં પણ ‘મિંયા ફુસકી’ કાંઈ બોલી શકતા નહી. એમાં વળી પૂ. સાસુ અને પૂ. સસરાની પધરામણી થઈ હતી. ભાઈ લઘુમતિમાં હતાં. ખેર, ‘હાથના કર્યા હૈયે વાગ્યા. ‘ચૂપ રહેવામાં સલમાતી હતી.કાકાનો ટેલિફોન મુંબઈ પહોંચ્યો. ગોમતીને થયું કદાચ દીકરાને માની યાદ આવી હશે. કાશ આવા ખુશીના સમાચાર જુદી રીતે આવ્યા હોત. ગોમતીએ વાત સાંભળી હરખની મારી મોટાંબાને સમાચાર આપવા દોડી. ધનજીને કાને વાત પડતાં ઉછળ્યો, ‘શું મારા ધનેશને ત્યાં દીકરો આવ્યો અને ભાઈ તું મને જણાવે છે. તેની વહુનો પગ ભારે છે એ પણ અમને ખબર ન હતી’. ક્યાંગયો એ કપાતર કહીને જમીન પર  ઢળી પડ્યો. હાથ હ્રદય પર. સારું હતું નિશા ત્યાં હાજર હતી. તરત એમબ્યુલન્સ માટે ફૉન જોડ્યો. ધનજીને ‘હ્રદયરોગનો’ સખત હુમલો આવ્યો હતો. મોટાંબા અને ગોમતી ગભરાયા. નિશાએ પરિસ્થિતિનું સુકાન સંભાળ્યું.

પિતાને લઈને એમબ્યુલન્સવાળા સાથે  ઈમરજન્સીમાં લઈ ગઈ. ગોમતી અને મોટાંબા પાછળ ગાડીમાં હૉસ્પિટલ ગયા.

સબળા નારી”  (૧૪) ડૉ ઇંદુબેન શાહ

                  સવારના પહોરમાં ટેલિફોનની ઘંટડી ટર્ન ટર્ણ ટર્ન …ટર્ન ટર્ણ ટર્ણ ટર્ન ….છ સાત વાર સતત વાગ્યા કરી ધનજી અને ગોમતી યુરોપની ટુર કરી મોડી રાત્રે એર પોર્ટથી ઘેર આવેલ, માંડ આંખના પોપચા બીડાયા અને ટેલિફોને જગાડ્યા. ધનજી ફોન લેવા બેઠક રૂમમાં આવ્યો,રિસિવર ઊપાડ્યું, હલો કોણ બોલો છો?

“મોટાભાઇ હું મુળજી, બાબાને રમાડવા મસ્કત ક્યારે આવો છો? ત્રણ મહિના થયા તમે આવ્યા નહીં તેથી આજે મને થયું હું ફોન કરું, મોટાબા ભાભી બધા મઝામાં છે? “

ભાઈ તારે ત્યાં આટલા વર્ષે બીજો દિકરો આવ્યો !!! જરૂર સમાચાર જાણી મોટાંબા ખૂબ ખુશ થશે,ઊઠે એવા પહેલા સમાચાર આ આપીશ.”

“મોટાભાઈ મારે ત્યાં દિકરો નથી આવ્યો મારે તો આ એક એકવિશ જેવો છે,”

“તો કોના દિકરાની વાત કરે છે?”

“ભાઈ ધનેશને ત્યાં બાબા આવ્યો તમે દાદા થયાં”,

“હેં ….બોલતા ધનજીના હાથમાંથી રિસિવર સરકી  ગયું….સોફા પર દેહ ઢળી ગયો!!”

હેં…કારા ના આવાજથી નિશા, ગોમતી જાગી ગયા, બેઠક ખંડમાં આવ્યા

“પપ્પા પપ્પા ઉઠો શું થયું? કોનો ફોન હતો?”

ગોમતીએ બૂમ મારી મોટાંબા જલ્દી આવો ધનજીને કંઇક થય ગયું!!

સંકટ આવે સ્વાભાવિક માને જ બૂમ મરાય જાય. તુરત પોતાની જાતને સંભાળી સબળા ગોમતીએ રિસિવર ઉપાડ્યું, ડૉ.ઘીયાને ઘેર ફોન જોડ્યો જલ્દી આવો ધનજી ફોન પર વાત કરતા બેશુધ્ધ થય ગયા છે. ડૉ ઘીયા ફોર્ટ વિસ્તારના નામાંકિત કાર્ડીયોલોજીસ્ટ, ધનજીના કુંટુંબ સાથે ઘર જેવો નાતો, તુરત જ આવ્યા,ધનજીને  તપાસી તુરત જ પોતાની ગાડીમાં બોમ્બે હોસ્પિટલ લઈ ને મોટાંબાને જવાનો નિર્ણય લીધો, ગોમતી સાથે ગઈ, નિશા અટેક્ષીમાં આવવા જણાવ્યું.

ડૉ. ઘીયા સાથે એટલે કેઝ્યુલ્ટી ઓફિસર તુરત આવ્યા, ધનજીને સીધા કાર્ડીયાક ક્રિટીકલ કેર યુનિટમાં દાખલ કરાવ્યો ,મોનિટર હુક પર કર્યું ઓક્સિજન  માસ્ક લગાવ્યો, બે હાથની રક્ત વાહિનીમાં નિડલ મુકી દવાઓ ભરેલા સલાયનના બાટલા શરું કર્યા, તુરત હાર્ટ પર ઇલેક્ટ્રિક પેડ મુકાયા શોક આપ્યો, મોનિટર પર નજર હ્રદયના ધબકારા આવે ને જાય,મોનિટર પર આશાની ઝલક દેખાય પાછો એક શોક.આમ ચારથી પાચ પ્રયત્નો હ્રદય ધબકાર શરું કરવા માટે કર્યા.ધનજીનું હ્રદય મોટા દિકરા વહુના, અનેક નાના મોટા આઘાતો સહન કરીને આદ્ર બનેલું,આદ્ર  હૈયું ઇલેક્ટ્રિક સોકથી પણ કઠણ ન થયું ધબક્યું નહીં ડૉ. ઘીયા સાથે આંખ મિચોલી કરી અદ્રસ્ય થયું, મોનિટર પર સીધી રેખા.

નિશાને તેમના ઘર નીચે જ ટેક્ષી સ્ટેન્ડ અને ટેક્ષી વાળા જાણીતા ધનજી અને ગોમતીની  ઉદારતા નાના મોટા બધાના મન જીતી લેતી બધા કુંટુંબના સભ્ય જેવા બની જતા, કામ પડે અડધી રાત્રે હાજર થઈ જતા, તુરત ટૅક્ષી મળી.

તુરત ઇસ્પિતાલ પહોંચ્યા. બોમ્બે ઇસ્પિતાલની લોબીમાં કૃષ્ણ ભગવાનની પ્રતિમા, મોટાંબા અને નિશાએ આંખ બંધ કરી પ્રાર્થના કરી.

વહેલી સવાર હજુ તો પૂર્વ દિશામાં આકાશ તેના સોનેરી રંગોથી સાત ઘોડાની સવારી પર આરૂઢ સૂર્ય નારાયણના આગમનની તૈયારી કરી રહ્યું છે. તે સમયે આસર કુંટુંબનો સૂર્ય જેણે પોતાનું તેજ બધે પ્રગટાવ્યું, કુંટુંબને તેજસ્વી બનાવ્યું, અકાળે આથમી ગયો.

ડો.ઘીયા બહાર આવ્યા પ્રતિક્ષા રૂમમાંથી ત્રણે મા દીકરીને બાજુના કોનફરન્સ રૂમમાં લઈ ગયા .

બેસાડ્યા. પ્યુનને બોલાવી પાણી મંગાવ્યું. પ્યુન તુરત જ પાણીના ચાર ગ્લાસ ટ્રેમાં લઈને આવ્યો સૌને પાણી આપ્યુ. “સાહેબ ચા લઈ આવું?”.

મોટાંબાએ જવાબ આપ્યો ભાઈ ચાની જરૂર નથી.

ડૉ.ઘીયાને માટે હાર્ટફેલ નો આ પહેલો કેશ નહતો, કેટલાય દર્દીઓના સગાને  પોતાની મહેનત નિષ્ફળ થઈ છેના સમાચાર દિલગીરી સાથે જણાવ્યા હતા.આજે તેઓ ઢીલા પડી ગયા છે જાણે પોતાના કુટુંબના વડીલ ગયા હોય, અને ઘરના સભ્યોને સાંતવના આપવાની હોય, જીભ ઊપડતી નથી, કેમ શરૂ કરવું, મન મુંજાઈ છે. કેવું તો પડશે, મન મક્કમ કરી બોલ્યા

 “મોટાંબા, ગોમતી ભાભી ધનજી ઇશ્વરને પ્યારો થઈ ગયો,”

મોટાંબાના હાથમાંથી પાણીનો ગ્લાસ પડી ગયો, અરર ભગવાન મારી સામે મારો મેઘજી ગ્યો ને હવે મારો ધનજી મારા બે દિકરાને મારા પહેલા લઇ લીધા મારો ધનજી સુખ ભોગવવા ન રહ્યો,બધાને સુખ આપી પોતે જતો રહ્યો. બોલતા પોક મુકી.ગોમતી દિગ્ મુઢ બની ગઈ.મોટાંબા અને નિશા સામે શુષ્ક નજરે જોઈ રહી.ડાહી .નિશા સમજી ગઈ, ગોમતીની દીકરી અને મોટાંબાની ટ્રેનીંગ,  નાની છતા સમજણમાં બધાથી ચડે. ઊભી થઈ મોટાબા પાસે ગઈ,” મોટાંબા તમારે મારા લગ્ન કરાવવાના છે તમારે અમને મુકીને નથી જવાનું,”

“હા બેટા પણ હવે તારી મોટાંબાનો ભરોશો નહીં, તારા લગન તારી ભાભીઓ અમેરિકાનો છોકરો ગોતી કરાવી દેશે “

ડો.ઘીયા ઊભા થયા, દેવજી અને વર્ષા પણ આવી ગયા. વર્ષાએ ગોમતીને સજાગ કરી, “ભાભી ઊઠો મોટાભાઇને ઘેર લઈ જઈએ “.

“હા હા દેવજી ગાડી લઈને આવી ગયો ચાલો.

દેવજીએ ઇસ્પિતાલની કાર્યવાહી પતાવી ડ્રાયવર સાથે ચાર સ્ત્રીઓને ઘેર મોકલી.

શબ વાહિનીમાં ધનજીના પાર્થિવ દેહને ઘેર લાવ્યા, વર્ષા અને નિતાએ મોટાંબા અને ગોમતીને સંભાળ્યા. શાસ્ત્રી મહારાજને બોલાવ્યા, દીવો કર્યો દેવજીએ મુંબઈમાં રહેતા ભાટિયા કુટુંબમાં જાણ કરી. શાસ્ત્રી મહારાજે ધનજીના દિકરાઓની ગેરહાજરીમાં નાના ભાઈ દેવજી પાસે શાસ્ત્રાર્થ વિધી કરાવી.પાર્થિવ દેહને કાશ્મિરી શાલ ઓઢાડી ઠાઠડી પર સુવડાવ્યો, આવનાર સહુએ પુષ્પોથી શબને અંજલી અર્પણ કરી પ્ર્દક્ષિણા કરી. પુષ્પોથી આચ્છાદિત ઠાઠડી દેવજી અને બીજા ત્રણ સગાઓએ ખભા પર ઊપાડી, ધનજીના પાર્થિવ દેહની સ્મશાન યાત્રા નીકળી. મોટાંબા,અને ગોમતી સંસ્કારી, બધી બહેનોને ગીતાનું પુસ્તક આપ્યું.પુરુષો સ્મસાનથી આવ્યા ત્યાં સુધી અખંડ દીવો અને  ગીતા પાઠ ચાલુ રાખ્યા.

ઘરનું માણસ જાય તેનું દુઃખ થાય,ગોમતીને ખૂબ દઃખ થયું પરંતુ પોતે ઢીલી થશે તો મોટાંબા અને નાની નિશાને કોણ સંભાળશે નિશા તો હજુ કોલેજના છેલ્લા વર્ષમાં છે. મારે જ નિશાને ભણાવી સારે ઠેકાણે પરણાવવાની છે. ધનજીના આત્માને તો જ શાંતિ થશે.

 બે દિવસ પછી નાનો ઉમેશ અને તેની પત્નિ ઉષા અમેરિકાથી આવ્યા, નવો હાર્ડ વેરનો સ્ટૉર માણસોના ભરોસે ન મુકાઈ,તેથી ગણેશ અને તેની પત્નિ સ્ટોર અને બાળકોને સંભાળવા ઘેર રહ્યા. ધનજીનું શ્રાદ્ધ શાત્રાર્થ વિધી પુર્વક નાના દિકરાએ કર્યું, ગોમતી અને મોટાંબાને સંતોષ થયો દિકરાના હાથે ધનજીની ઊત્તર ક્રિયા થઈ તેના આત્માને શાંતિ થશે.બારમા તેરમાને દિવસે બધા સગા વહાલાને જમાડ્યા. ઉમેશ અને ઉષા દિકરાને કાકા કાકી પાસે મુકીને આવેલા તેથી વધારે નહીં રોકાયા બે અઠવાડિયામાં અમેરિકા પાછા ગયા.

દેવજી ઊપલા માળે જ હતો એટલે ગોમતીને રાહત હતી, ત્રણ મહિને મોટાંબાને પૂછી વરસી વાળી લીધી જેથી કુટુંબીઓના સારા પ્રસંગોમાં વિલંબ ન થાય. ધનજીના ગયા પછી મોટાંબાની તબિયત લથડવા લાગી આખો દિવસ પૂજા પાઠ કર્યા કરે જાજરમાન શોખિન મોટાંબા સાવ બદલાઇ ગયા.એક સોમવાર ગોમતી આગ્રહ કરી તેમને બાબુલનાથ લઈ ગઈ.” મોટાંબા શ્રાવણ મહિનાનો છેલ્લો  સોમવાર છે ચાલો આપણે બેઉ દર્શન કરી આવીએ.” બન્ને ટેક્ષી કરી મંદિર ગયા પગથિયાં ચડી દર્શન કર્યા બિલ્લી પત્ર ચડાવ્યા મહિમન બોલ્યા.ગોમતી મહારાજને સિધુ દક્ષિણા આપતી હતી. મોટાંબા ઊભા થયા પગથિયા ઊતરવા માંડ્યા મોટાંબાનો પગ લપસ્યો છેક નીચે ગબડી પડ્યા. ગોમતી ઊતાવળે ઊતરી જોયું મોટાંબાના નાક, કાન, માથામાંથી લોહીની ધાર આજુ બાજુ માણસોનું ટોળું અવાજ કરે મતારી ગેલિ તો કોઇ ગુજરાતી બોલે અરર.ડોસી બીચારી એકલી!!ગોમતીએ તુરત ટેક્ષી બોલાવી બે સારા માણસ અને ટેક્ષી ડ્રાઇવરની મદાદથી મોટાંબાને પાછલી સીટ પર સુવાડ્યા માથુ પોતાના ખોળામાં લીધું,ડો.ઘીયાકે દવાખાને લેલો, ટેક્ષી વાળો સારો હતો, દવાખાના આગળ ટેક્ષી પાર્ક કરી. બહેનજી આપ બૈઠે રહો મૅં સ્ટ્રે્ચર લેકર આતા હું.

દવાખાનાના બે માણસો  સ્ટ્રેચર સાથે આવ્યા મોટાંબાને સ્ટ્રેચર પર સુવડાવ્યા અંદર લઈ ગયા ગોમતીએ ટેક્ષીના પૈસા ચુકવ્યા, અંદર ગઈ. મોટાંબાને એક્ષામ રૂમમાં ડો ઘીયા તપાસી રહ્યા હતા, ગોમતી ખુરસી પર બેસી ગઈ.ડો.ઘીયાએ તપાસ પૂરી કરી મોટાંબાના મોઢા પર ચાદર ઓઢાડી દીધી.ગોમતીએ જોયું હેબતાઇ ગઈ. “ડો.સાહેબ શું થયું છે માને? “

“ભાભી માં પહોંચી ગયા તેમના બેઉ દિકરા પાસે”.

“ડો. સાહેબ હું સાવ એકલી થઈ ગઈ “

“ભાભી તમારે પાચ દિકરા અને બે દીકરીઓ છે એકલા નથી”

“ડૉ. સાહેબ હું માંડવીમાં આવી ત્યારથી મારા મોટાંબાને જ મારા મા માન્યા છે અને તેમણે મને દીકરીની જેમ રાખી છે હવે હું મા વગરની.”

દેવજી શબ વાહિની લઈ આવી ગયો ભાભી તમે ટૅક્ષીમાં ઘેર પહોંચો હું શબ વાહિની પાછળ નીકળું છું.

ગોમતી ઘેર પહોંચી. વર્ષા તેમના ઘેર આવી ગયેલ. દીવો કરી ગીતા વાંચતી હતી.

દસ મિનિટમાં શબ વાહિની આવી મોટાંબાના પાર્થિવ દેહને બન્ને દેરાણી જેઠાણીએ સ્નાન કરાવ્યું નવા વસ્ત્રો પહેરાવ્યા. કપાળમાં સુખડનું તિલક કર્યું.

‘ભાભી મોટાંબા તો જાણે હમણા બોલશે એવા લાગે છે’

“વર્ષા મોટાંબા હંમેશ આપણી સાથે છે એ રીતે જ આપણે રહેવાનું એમણે ચીધેલ માર્ગે જ આપણો વ્યવહાર ચલાવવાનો.”

“ભાભી એમ જ કરીશું”

મોટાંબાના અંતિમ સંસ્કાર પણ શાસ્ત્રાર્થ વિધી અનુસાર દેવજીએ કર્યા.

મોટાંબાનું શ્રાદ્ધ તેમની ઈચ્છા અનુસાર સરસ્વતીને કિનારે દેવજી અને મુળજી બન્નેએ કર્યું.

મુંબઈમાં ગોમતી અને નિશા એકલા, નિશા મોટાંબાના જવાથી વધારે ઉદાસ રહેવા લાગી .

એક દિવસ ગોમતીએ પુછ્યું “બેટા હમણાથી તું કેમ બોલતી નથી રૂમમાં ભરાય રહે છે?”

“મા પપ્પાએ વચન આપેલ મને અમેરિકા ભણવા મોકલશે હવે કેવી રીતે જવાશે?”

“દીકરી તારી મા બેઠી છે તારા પપ્પાના બધા વચન પૂરા કરશે અને તારા બે ભાઇઓના ત્યાં ઘર છે તું ગ્રેજ્યુએટ થઈ જા કે તુરત આપણે બેઉ અમેરિકા જઇશું આ તારી માનું પ્રોમિશ”.

 

 

 

 

 

 

 

 

 

સબળા નારી” (૧૫) ડૉ ઇંદુબેન શાહ

મોટાંબા અને ધનજી ને ગયા છ મહિના થયા. ગોમતીને બન્નેની પાછળ ભાગવત પારાયણ બેસાડવાની ઈચ્છા હતી. આસર કુટુંબના નાના મોટાં બધા સભ્યો હાજર રહે તેવા સમયે કરવાની.  એક દિવસ ગોમતીએ વર્ષાને અને દેવજીને તેના મનની ઇચ્છા જણાવી. વર્ષા ખૂબ ખુશ થઈ,”ભાભી તમે મારા મનની વાત બોલ્યા મોટાંબાની ઈચ્છા તો મોટાભાઈ ગયા ત્યારે જ ભાગવત કથા કરાવડાવાની હતી, એકવાર મને વાત વાતમાં કહેલું, કદાચ તમે ધનેશ અને ધરતીની ચિંતામા હતા તેથી તમને નહિ કીધું હોય અને હુંય બાળકોની પરિક્ષામાં અટવાય ગઈ, અને કથા ભૂલાઇ ગઈ. વૈષાખ મહિનામાં રાખીએ બાળકોને વેકેશન હોય બધા આવી શકશે”.

નિશા અને વર્ષાએ બધી જવાબદારી લીધી, આખા આશર કુટુંબને આમંત્રિત કરવાનો નિર્ણય લેવાયો બધા નિર્ણયો ગોમતીને પૂછી તેમની ઈચ્છા પ્રમાણે લેવાતા. કામનો બોજો કાકા કાકી અને ભત્રીજીએ સંભાળ્યો. ગોમતીની ઈચ્છા આમંત્રણ પત્રિકા છપાવવાની હતી, ગોમતી દેવજી અને મુળજીએ લિસ્ટ બનાવ્યું, કુટુંબ તથા વેવાઇ, મુંબઈ અને માંડવીના નાતીલાઓ અને ધંધાકીય સંબંધીઓ બધાના નામ ઉમેરાયા,સાતસો પત્રિકાઓ છપાવી, વખત સર સરનામા કરી મુખ્ય પોસ્ટ ઓફિસમાં જઈને પોસ્ટ કરી.

મુળજી અને દેવજી ખાસ વડોદરા ગયા, પરમ પૂજ્ય ડોગરે મહારાજશ્રીને તેમના સ્વમુખે કથા સંભળાવવાની વિનમ્ર વિનંતિ કરી, મહારાજશ્રી અને તેમની સાથે આવનાર પાંચ બ્રાહ્મણ, અને બીજા સ્ટાફની પ્લેનની ટીકિટ બુક કરાવી દીધી.

 ૧૦ દિવસ માટે આખી ભાટિયા વાડી બુક કરાવી દીધી આ વાડીના વિશાળ પટાંગણમાં હજાર માણસોનો સમાવેશ થઈ શકે તેમ હતો. વાડીમાં મહેમાનોના ઊતારા માટૅ ઉપર આધુનિક સગવડતા વાળી રૂમો પણ હતી. પટાંગણમાં વિશાળ મંડપ બંધાયો, કચ્છના સુશૉભીત ચાકળા તોરણોથી શણગારવામાં આવ્યો, મુખ્ય પ્રવેશદ્વાર પર સુશોભિત, સુસ્વાગતમ લખેલ કચ્છી ભરતકામવાળું તોરણ, જે મોટાંબા અને ગોમતીએ બનાવેલ તે લટકાડવામાં આવ્યું.તોરણ લટકાવતા ભાવવિભોર નિશા બોલી

“કાકી, દીદી આ બધું મોટાંબા જોતા હશે!? જોયને ખૂબ ખુશ થતા હશેને?”

વર્ષાઃ “હા બેટા બન્નેનો આત્મા જ્યાં હશે ત્યાંથી આ જોયને ખૂબ સંતુષ્ટ થશે”.

 મંડપમાં ભાગવત કથાના પ્રેરણાદાયક પોસ્ટરો પણ લગાડવામાં આવ્યા જેમાં ભક્ત પ્રહલાદ હિરણ્યકષ્યપની વાર્તા, તથા ભક્ત ધૃવની વાર્તા મુખ્ય હતા. આ બધા કામ નિશા, વર્ષા અને દિશાએ મળીને કર્યા. દિશા બાળકોને વેકેશન પડ્યું કે તુરત મુંબઈ બાળકો સાથે આવી ગયેલ, જેથી કામકાજ કરવામાં નિશા અને વર્ષાને ખૂબ રાહત થઈ, દિશાના બન્ને બાળકો કાકી માસીની આજુબાજુ ફરતા

‘કાકીમા અમે શું કરીએ? અમને કરવા દ્યોને?”

વર્ષા અને નિશા બન્નેને નાની નાની વસ્તુઓ લઈ આવવાના કામ સોંપે, બન્ને જણા ખુશ થઈ જાય, નાના બાળકોને પણ કંઈક કર્યાનો આનંદ મળે.

મહારાજશ્રીના માટે ગોમતીએ ઘેર તેમની જરૂરિયાત પ્રમાણે રૂમ તૈયાર કરાવી. બ્રાહ્મણો અને અન્ય સ્ટાફ માટે વાડીમાં સગવડતા કરાવડાવી.

 રોહિતને એસ એસ સી પરિક્ષાના પેપરોની ચકાસણીની જવાબદારી હોવાથી કથાના પ્રાંરંભના દિવસે માતા પિતા અને ભાઇ સાથે આવ્યા. સમયસર બધા મહેમાનો આવી ગયા સહુને અનુકુળ ઊતારા અપાયા. પરદેશના મહેમાનો માટે એર કન્ડિસન હોટેલમાં સગવડતા કરાવી.

કથાના પ્રથમ દિવસે ધામ ધુમ સાથે પોથી વરધોડો, નીકળ્યો સાત પોથી આશર કુટુંબની સાત બહેનોએ મસ્તક પર ઉપાડી, ભક્તિ રસ યજ્ઞની યજ્ઞ શાળામાં મૃદંગ ઢોલકના નાદ સાથે પ્રવેશ કર્યો, મુખ્ય પોથી મહારાજશ્રીની વ્યાસ પીઠ પર મુકવામાં આવી, બાકીની પોથી યથા સ્થાને મુકવામાં આવી. શાસ્ત્રીજીએ શાસ્ત્રાર્થ પોથી પુજન કરાવ્યું.

સામુહિક મંગલાચરણ શ્લોક બોલાયો.

                      सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे।

                       तापत्रयाविनाशाय श्रीकृष्णाय वयं नुमः॥

ત્યારબાદ કથા શરૂ થઈ.

મહારાજશ્રીની સહજ, સરળ ભાવવિભોર વાણી શ્રોતાજનોને મંત્રમુગ્ધ બનાવી દેતી, અનોખા ભક્તિ રસના સ્પંદનો દસે દિશામાં ફેલાય, ભક્તિ સભર વાતાવરણન રચાઇ જતું. દશ દિવસમાં દશ મુખ્ય અવતાર અને દશ ગૌણ અવતારની કથા સાંભળી સૌના મન પ્ર્ફ્ફુલિત્ત થયા.

મહારાજશ્રી અને બ્રાહ્મણૉના ફળાહાર તથા ભોજનનની વ્યવસ્થા ઘેર કરવામાં આવી હતી જેથી મહારાજશ્રી તેમની વાણીને વિરામ આપી શકે. બધા મહેમાનો માટે કથા દરમ્યાન ચા પાણી તથા ભોજનની વ્યવસ્થા વાડીમાં કરવામાં આવેલ જેથી સૌ સમયસર પોતાના સ્થાન પર બેસી કથામૃત પાન કરી શકે.

દશ દિવસ બહુ જલ્દી પસાર થઈ ગયા.પૂર્ણાહુતીના દિવસે જમણવાર કર્યો સહુ મહેમાનોને જમાડી ચાંદીની દિવી સાથે શ્રી મહારાજશ્રીનું ભાગવત મહાત્મય પુષ્તક ભેટ આપ્યું ..બ્રાહ્મણોને મોટી રકમ દક્ષિણામાં આપી. બીજે દિવસે અનાથ આશ્રમ તથા બહેરા મુંગાની શાળામાં ગોમતીએ મિઠાઇ મોકલાવી.બોમ્બે હોસ્પિટલમાં વિવિધ ફળોના કરંડિયા મોકલાવ્યા.

ગોમતીની ઈચ્છાને માન આપી મુળજી અને દેવજીએ છુટે હાથે ધરમ દાન કર્યા.

મોટો દિકરો ધનેશ કે વચલો ગણેશ નહીં અવ્યા. નાનો ઉમેશ અને તેની પત્નિ કથાના દિવસે આવ્યા. ગોમતીએ એક દિકરા વહુની હાજરીથી મન મનાવ્યું. કોઈએ મોટા અને વચલાને યાદ નહિ કર્યા.પ્રસંગ આનંદથી ઊજવ્યાનો સહુને સંતોષ થયો. બન્ને ભાઇઓએ મોટાભાઇનો ભાગ ગોમતીભાભીને આપવાનું નક્કી કર્યું, ગોમતીને બોલાવી વાત કરી

મુળજીઃ”‘ભાભી અમારા બન્નેની ઈચ્છા તમારો ભાગ ધંધામાં નિષ્ક્રિય પાર્ટનર તરીકે ચાલુ રાખવાનો છે”,

 ગોમતીની આંખમાં જળજળીયા આવ્યા તુરત સાડલાના છેડે આંખો લુછી બોલી “ભાઇ, તમારા ભાઇ ઘણું મુકતા ગયા છે, મારે તો હવે નિશાની જ જવાબદારી છે, તમારે તમારા બાળકોની જવાબદારી છે, મને ભાગ આપવાની શું જરૂર? ભાગ વગર પણ તમે મને આપો જ છો,”

મુળજી દેવજી બન્ને સાથે “ભાભી અમારા ભાઈની મહેનત અને તમે આપેલ ભોગના પ્રતાપે અમે બન્ને આજે સાહબી ભોગવી રહ્યા છીએ,, અમારે તમારું નામ ચોપડામાં રાખવું જ છે, તમારા નામથી અમે ધંધામાં વધુ સફળ થઈશું, તમારે તમારા બાળકોની ચઢતી જોવી છે તો ના ન પાડો,”

 ગોમતી નાના દિયર સાથે મજાક કરતા બોલી “મારા આશીર્વાદ તમારી ચઢતી માટે પૂરતા નથી? મારા નામનો શું મોહ કરો છો?,”

દેવજી લાડ કરતા “ભાભી અમારા ચોપડામાં તમારું લકી નામ રાખવા દ્યોને, મોટાભાઈ હંમેશા તમારું નામ પહેલા લખતા”.

“સારું ચોપડામાં નામ રાખો પરંતુ મને પૈસા જોઇતા નથી બેન્કમાં આપણા ત્રણેનું એક ખાતું ખોલાવો તેમાં રકમ જમા કરાવજો મને જરૂર હશે ત્યારે તમને જણાવી ઉપાડીશ”

વ્યવહારિક ગોમતીએ સૂચન કર્યું.બન્ને ભાઇઓ તો ભાભીનો પડ્યો બોલ જીલતા તુરત બોલ્યા આવતી કાલે સવારે આપણે ત્રણે બેન્કમાં જઈએ ખાતુ ખોલાવીએ.બીજે દિવસે સવારે બેન્કનું કામ પતાવ્યું. મુળજી કુટુંબ સાથે પ્લેનમાં મસ્કત જવા ઊડ્યા.

રાજેશ તેના માતા પિતા અને ભાઇ સાથે માંડવી જવા ઉપડ્યા, દિશા અને બાળકો થોડા દિવસ રોકાયા, બાળકોને તો નિશામાસી સાથે ફરવાની ખૂબ મઝા આવતી નિશામાસી રોજ જુદી જુદી જગ્યાએ ફરવા લઈ જાય બાળકોને રોજ સાંજે હેન્ગીંગ ગાર્ડન લઈ જાય, ઝુલા પર જુલાવે,લપસીયા પર લપસવા દે  વાંદરા સળિયા પર કુદકા મરાવડાવે, બાળકોએ માંડવીમાં આવું કંઇ જોયેલું નહીં. એક દિવસ બન્ને બહેનો બાળકોને જુ માં લઇ ગઈ આખો દિવસ જુ માં પ્રાણીઓ જોયા સિંહ, વાઘ ચિત્તા, રીંછ, સસલા, વાંદરા, શિયાળ, બાળકોએ આ બધા પ્રાણીઓના ચિત્રો જ જોયેલા, જીવતા જોવાની ખૂબ મઝા પડી.

અઠવાડિયું બાળકોએ મોસાળમાં ખૂબ મઝા કરી. ગોમતીએ દિશાને કપડા અપાવ્યા, બાળકોને રમકડા, કપડા અપાવ્યા કાકા કાકીએ પણ મનગમતી ભેટ અપાવી.

દિશા અને બાળકો ગયા, ઘર ખાલી થઈ ગયું. નિશાનું રિઝલ્ટ આવ્યું ફર્સ્ટ ક્લાસમાં પાસ થઈ. અમેરિકા જવાની તૈયારી કરી ગોમતી સિટીઝન હતી. એટલે નિશાને તુરત વિશા મળી ગયા ઉમેશે અને ગણેશે સ્પોન્સરશીપના પેપર્સ મોકલાવ્યા મહિનામાં બધી તૈયારી કરી ઘર બંધ કર્યું ચાવી દેવજીને સોંપી.એર પોર્ટ પર કાકા કાકી ઓફિસનો સ્ટાફ મુકવા આવ્યા. ગોમતીને માટે તો અમેરિકા નવું નહોંતું ત્રણ વખત આવી ગયેલ. નિશા પહેલી વખત જતી હતી, સૌએ નિશાને હાર તોરા કર્યા વર્ષા કાકીએ શ્રીફળ આપ્યું કાકા કાકીએ આશીર્વાદ આપ્યા ખૂબ ભણેલો ગણેલો રાજકુમાર જેવો વર મળૅ.

નિશાઃ “કાકી ભત્રીજીને જલ્દી કાઢી મુકવી છે, હું જલ્દી જવાની નથી મારે મારી મા સાથે ધરાઇને રહેવું છે, માએ મને ખૂબ ઓછો સમય આપ્યો છે,માએ આખો વખત પપ્પા સાથે મસ્કત મુંબઈ યુરોપની ટુર કર્યા કરી છે.”

ગોમતીઃ “સાચી વાત બેટા અમેરિકામાં તારી સાથે જ રહેવાની છું”.

આવજો આવજો ના હવામાં હાથ હલાવતાં બન્ને મા દીકરી એર ઇન્ડિયા જમ્બો જેટમાં ઊડ્યા..પ્લેનમાં થાકેલી ગોમતી આંખો બંધ કરી તેવી નિદ્રા વસ થઈ,નિશા અમેરિકાના સ્વપ્નામાં ખોવાય ગઈ, અમેરિકા ભાઇ ભાભીના સ્ટોરમાં કમ્પુયટર પર બધી ઇન્વેન્ટરી રાખીશ ગ્રાફિક શીખી એડવર્ટાયસ અને બિઝનેસ કાર્ડનો સાઈડ બિઝનેસ શરૂ કરીશ …ઝોકુ આવ્યું ત્યાં ન્યુયોર્ક આવી ગયું.કસ્ટમ ક્લિયર થઈ ગયું. લોકલ ફ્લાઇટમાં હ્યુસ્ટન આવ્યા, ઉમેશ અને તેની પત્નિ લેવા આવ્યા, ગાડીમાં ઔપચારિક વાતો થઈ નિશા બારી બહાર હ્યુસ્ટન જોવામાં વ્યસ્ત હતી, સુગર લેન્ડ વિસ્તારમાં ગાડી વળી બન્ને જણાને ગણેશના ઘેર ઊતાર્યા, ગૌરીભાભી ઘેર હતા, ગૌરી ગોમતીને પગે લાગી, નિશા ગૌરીભાભીને તેમના લગ્ન બાદ પહેલી વખત મળી,ગૌરીઃનિશાબેન તમે તો મોટા થઈ ગયા! અમારા લગ્ન થયા ત્યારે કેટલા નાના લાગતા હતા,”

ગોમતીઃ “દીકરીને સોળે શાન અને વિશે વાન આવી જ જાય.”

ઉમેશઃ “મા તમારો સામાન ઉપર રૂમમાં મુકી દીધો છે,હું દુકાને જાઉં છું ગણેશભાઇને મોકલું છું.

ગોમતીઃ “ઉષા તું રોકાય છે ને? “

“મા મારે અમરને કરાટે ક્લાસમાં લઈ જવાનો છે ઘેર રાહ જોતો હશે”.

“સારું જા અમરનો ક્લાસ પતાવી અહીં થઈને જજે.”

“ભલે મા ક્લાસ પતે સીધા અહીં આવીશું”.

“મા નિશાબેન તમે બેઉ ફ્રેસ થઇને નીચે આવો હું ચા નાસ્તાની તૈયારી કરું”

ગણેશ દુકાનેથી આવ્યો બધાએ સાથે ચા નાસ્તો કર્યા, “મા હું ઉતાવળમાં છું રાત્રે મળીશું” કહીને  તુરત નીકળી ગયો.

“ગૌરીઃમા નિશાબેન રસોડું તમારા હાથમાં તમને ભાવે તે બનાવી જમી લેજો અમને આવતા દશ વાગશે”

“સારું ગૌરી તારી ગીરા ક્યારે આવશે?”

“મા ગીરા હાઇસ્કુલમાં આવી સીધી ટુટોરિયલ ક્લાસમાં જાય છે, તેની બહેનપણી સાથે આવી જશે.તે ટાકોબેલમાં જમીને આવશે તેની રાહ નહિ જોતા.”

 નિશા આ રીતના વાર્તાલાપથી ટેવાયેલી ન હતી. પાંચે ભાઇ બહેન મુંબઈમાં, રોજ સવારે શાળાએ જતા મોટાંબાને અને મા ને જૈ શ્રીકૃષ્ણ કરીને જતા,સાંજે  ઘરમાં પગ મુકતા મોટાબાને માને  જૈ શ્રીકૃષ્ણ બોલે, આ સંસ્કાર મારા બેઉં ભાઇઓને ભાભીઓ આવતા ભૂલાઈ ગયા.મોટાંબા હંમેશા કહેતા બાળકોને સંસ્કાર આપવાની જવાબદારી માતાની છે મારી માએ અમને સંસ્કાર આપ્યા, મારી દીદી પણ  માએ આપેલ સંસ્કારનો વારસો તેના બાળકોને આપે છે. મારી મા બહુ ઉદાર છે સૌને અપનાવી લે છે, પણ હું તેના મુખ પરના ભાવો વાંચી શકું છું, આંખના ખૂણામાં અશ્રુબિન્દુ છૂપાવી દે છે, કોઇ વાર ઊભરાય તો સાડલાના છેડાથી કોઇ ન જુએ તેમ લુછી લે છે.આ તો નિત્યક્રમ થઈ ગયો. ગણેશની મોટી દીકરી પથારીમાં અપંગ પહેલેથી જ ચાલાક ગૌરીએ ટેક્ષાસ મસક્યુલર ડીસટ્રોફી ચાઇલ્ડ કેરમાં અને મેડીકેડમાં મોટીનું નામ નોંધાવી દીધેલ ઍટલે ઘરમાં જ બધી સારવાર મળતી, હવે તો મા આવ્યા એટલે તેની હાજરીની પણ જરૂર નહીં.

નિશા રોજ સવારે ભાઇ સાથે સ્ટૉર પર તૈયાર થઈ જતી ભાઈને નિશા ક્મપ્યુટરની જાણકાર છે, ખબર હતી તેને તો સારૂ થોડો આરામ મળતો.આ ગૌરીને ન ગમ્યું, રાત્રે ગણેશને કહી દીધુ તમારી બેન બહુ હોશિયાર છે, તેને દુકાનનું કેશ રજીસ્ટર નહિ આપવાનું,.નિશાને પણ કહી દીધું ,નિશાબેન તમારે દુકાને જવાની જરૂર નથી તમે ઘેર માને મદદ કરો, માની ઉમર થઈ તેમને હવે ધરમ ધ્યાન કરવા દ્યો. સમજુ નિશા ભાભીનો ઈરાદો સમજી ગઈ.

“સારું ભાભી નહિ જાઉ.”. પોતે પોતાના રૂમમાં આખી બપોર દેવજી કાકાએ એપલ લેપટોપ ગિફ્ટ આપેલ તેના પરઓન લાઇન ગ્રાફિકના ક્લાસિસ ભર્યા, ઓન લાઇન પરિક્ષા આપી. પાસ થઈ. તુરત જ હ્યુસ્ટન કોમ્યુનિટી કોલેજમાં ઓન લાઇન જોબ માટે એપ્લાય કર્યું,નિશાએ આ બધું માની સંમતી અને આશીર્વાદ સાથે કર્યું, નિશાને જોબ મળી ગઈ શરુઆતમાં તેની ફ્રેન્ડ મીના સાથે જતી.ગૌરીને નિશાની હોશિયારી અને પ્રગતિ આંખમાં કણાની જેમ ખૂંચતી, તેણી ઘણા પ્રયત્ન કરતી” આજે નિશાબેન ઘેર રહેજો નર્સની ભાષા માને નહિ સમજાય, આજે  થેરપિસ્ટ નવું શીખવવાની છે ,તમે ઘેર રહેજો” નિશા હા હા કરતી, અને જોબ ચાલુ રાખતી. જેની પાસે વડીલોના આશીર્વાદનો ભંડાર છે તે ગમે તેવી મુશ્કેલીમાંથી પણ માર્ગ કાઠી શકે છે. નિશા પાસે મોટાંબા અને માના આશીર્વાદના ભંડાર હતા.

એક રવિવારે સાંજે મા અને નિશા ઉમેશના ઘેર ગયા રવિવારે સ્ટોર છ વાગે બંધ થાય. ભાઈ ભાભી અને અમર ઘેર હતા.

માએ વાત કરી નિશા નોકરી કરે છે તેને ગાડીની જરૂર છે. તારા બાપુએ મારા અને તારા નામે અહીની બેન્ક્માં ખાતુ ખોલાવેલ તેમાંથી તું ચેક લખી આપ ચેક બુક તારી પાસે છે,

હા જરૂર મા તમારા જ પૈસા છે બોલ નિશા તું કઇ ગાડી લેવા માગે છે?

ભાઇ મારે ટૉયેટા એસ યુ વી લેવાની ઇચ્છા છે,

“ભલે કાલે સવારે દુકાન જતા પહેલા આપણે ડીલરને ત્યાં જઇશું તું સવારે સાત વાગે અહીં આવી જજે.”

અમર ખુશ થયો ફોઇ ગુડ ચોઇશ.

બીજે દિવસે ગાડી નક્કી કરી, નિશા ઇન્ટરનેશનલ લાયસન્સ લઈને આવેલ તેથી તુરત લાયસન્સ મળી ગયું.બધું પેપર વર્ક કરી ગાડી લઈ ઘેર આવ્યા.

ગાડી જોઈ, ગણેશ ખુશ થયો ગૌરી અને ગીરાને ન ગમ્યું,

ટીનેજર ગીરાનું ટૅમ્પર ટૅન્ટ્રમ

ડેડ યુ હેવ મની ફોર ફોઇ. યુ બોટ કાર ફોર હર. આઇ એમ સેવન્ટીન યુ હેવ નો મની ફોર મી?”.

ગણૅશઃ ” બેટા ફોઇએ તેના પૈસાની ગાડી લીધી છે મેં પૈસા નથી આપ્યા.”

“ડૅડ તમારી પાસે બહાના જ હોય છે ગીતાની સારવારના ખર્ચા છે, દુકાનમાં માલ લાવવાનો છે બસ મારા માટૅ પૈસા નથી.હું અઢાર વર્ષની થઈશ કે તુરત ઘરની બહાર જતી રહીશ”. બોલી તેની રૂમમાં ભરાઇ ગઈ.

રાત્રે ભાભી અને ભાઇની વાતો નિશા સાંભળી ગઈ “હું કહું છું તમે અને ઉમેશભાઇ મા પાસે પાવર ઓફ એટર્નિના પેપર્સ પર સહી કરાવી લ્યો નહી તો આ તમારી ચાલાકબેન માની બધી મિલ્કત પોતાને હસ્તક કરી લેશે,”

“હા આજે સવારે ઉમેશે મને આ બાબત અણસાર કર્યો છે”,માને વાત કેમ કરવી વિચારશું, મને થાક લાગ્યો છે, સુવા દે.”

નિશા સમજી ગઈ તુરત મા ને વાત કરી આપણે ઇન્ડિયા જઈ બેઉ કાકાને વાત કરી પપ્પાનું ઓફિસિયલ સ્ટેમ્પ વિલ બનાવડાવવું પડશે. સબળા ગોમતીને સમજતા વાર નહિ લાગી સવારે ગણેશને વાત કરી મારે તિરૂપતિની બાધા પૂરી કરવાની છે અમે બન્ને ઇન્ડિયા જઇ આવીએ.

ગૌરી ને ન ગમ્યું તેને ઘરના મફતિયા હોમ કિપર મળી ગયેલા તરત બોલી “મા તમે જઈ આવો નિશાબેન ભલે રહેતા’

“ભાભી મારે પણ શ્રીનાથજી માને લઈને જવું છે, અમે બન્ને જઈશું”

બન્ને જણાએ અઠવાડિયામાં ઇન્ડિયાની ટીકિટ બુક કરાવી નિશાની બહેનપણી મીના તેમને એર પોર્ટ પર મુકવા ગઈ. મીના અને તેના પતિ મુકેશને બન્ને મા દીકરી બધી વાત કરે, માએ તેમને ઘર જોવાનું પણ કહી રાખેલું. મુકેશભાઇ એર પોર્ટ પર બોલ્યા “મા તમે બન્ને ઇન્ડિયાથી આવો ત્યારે તમારા નવા ઘરમાં જ તમને લઈ જઈશ.”

ઇન્ડિયા પહોંચી તુરત દેવજીના ઓળખીતા વકિલની સલાહ મુજબ કાચુ વિલ હતું તે કાયદેસર કરાવ્યું.

માંડવીનું ઘર ગણેશ અને ઉમેશના ભાગે. મુંબઈનું ઘર ગોમતીનું તેના મરણ બાદ નિશાનું., પુનાનો ફ્લેટ દિશાનો. ગોમતીના દાગીના અને રોલેક્ષ વોચ તેની ઇચ્છા પ્ર્માણે જેને આપવા હોય તેને આપી શકે.

નિશાના લગ્નના ખર્ચના પૈસા જુદા તેણીના નામે મુકવા. નિશાને દિશાના જેટલો જ કરિયાવર કરવાનો.

ધનેશને મસ્કતની દુકાન.. ઇન્ડિયાની કોઈ મિલકત પર તેનો હક નથી કારણ તેણે ઇન્ડિયા સાથે કોઇ જાતનો સંબંધ રાખેલ નથી.

મસ્કતમાં ધનજીના અને ગોમતીના નામે બેન્ક એકાંઉટ હતા તેમાં પણ નિશાનું નામ લખાવડાવ્યું.

આ પ્રમાણેનું વિલ કરાવી બન્ને મા દીકરી કાકા કાકી સાથે જાત્રા કરવા ગયા. અંતકરણ નિર્મળ કર્યાના આનંદ સાથે પાછા આવ્યા

મુંબઈના ઘરનો સામાન જે લઈ જઈ શકાય તેમ હતો તે પેક કરી સાથે લીધો. બીજો બધો શીપ કરાવડાવ્યો.

ઘરની ચાવી દેવજીને સોંપતા ગોમતી બોલી “દેવજી વર્ષા તમે જ મારા દિકરા વહુ, મારા પંડના તો પારકી જણીના ગુલામ થઈ ગયા છે”.

ભાભી એવું ન બોલો બધું ઠેકાણે આવી જશે.

“આવે કે ન આવે હવે હું ત્યાં પગ મુકવાની નથી હું નિશા જોડે મારા પોતાના ઘરમાં રહીશ તમે પણ અમેરિકા મારે ત્યાં જ આવજો.”

એર પોર્ટ પહોંચ્યા, એર ઇન્ડિયામાં પાછા અમેરિકા.

મુકેશભાઇએ સાચે જ સીંગલ સ્ટૉરિ ત્રણ બેડરૂમ ઘર નવા સબ ડિવીઝનમાં જોઇ રાખેલ સીધા ત્યાં લઈ ગયા ઘર બધી રીતે ગમી ગયું.  બે દિવસમાં ક્લોસીંગ નક્કી કર્યું, બે દિવસ મિનાબેનના ઘેર રહ્યા.બન્ને મા દીકરીને શાંતિ થઈ.

ગોમતીને હવે કોઈ દુઃખ નથી પોતે પોતાની ફરજ બજાવ્યાનો પૂર્ણ સંતોષ છે.નલિનીને કહે

“બેન મારા ત્રણ દિકરા સાથે મારી લેણ દેણ પૂરી થઈ. મારા પૂર્વ જન્મના કર્મના ઉદયના ફળ મેં ભોગવ્યા, મને તેનો કોઇ હરખ શોક નથી. ઠાકોરજીની સેવામાં મારો દિવસ પસાર થઈ જાય છે.નિશાની મને ચિંતા નથી, મારી દીકરી મારા જેવી જ છે.”

 સંપૂર્ણ