હવે નથી- દિલિપ મોદી

Inline image

મારું મૃત્યુ

આવતીકાલે જો હું નહિ હોઉં,

મારી આંખો કાયમને માટે મીંચાઈ જાય તો

-સૌપ્રથમ મારા મૃતદેહને નવડાવશો નહિ

(નગ્નાવસ્થા મને શરમજનક લાગે છે)

મારા મૃતદેહ પર સફેદ ચાદર ઓઢાડો તેનો વાંધો નથી પરંતુ મારું માથું તો ખુલ્લું જ રાખશો

(ચહેરા સુધી સંપૂર્ણપણે ઢાંકવાથી મને અકળામણ થાય છે)

મારા મૃતદેહને નનામી સાથે દોરી વડે સખત બાંધશો નહિ

(બંધન થકી મને ગભરામણ થાય છે)

મારા મૃતદેહ પર ફૂલોના નાહક ઢગલા કરશો નહિ

(ફૂલ આપીને ફૂલ એટલે કે મૂરખ બન્યો છું ઉમ્રભર)

મારાં ચક્ષુદાન કરશો નહિ

(મારાં સપનાં એ મારાં અંગત છે,ભલે અધૂરા રહી ગયાં હોય)

મારા મોંમાં ગંગાજળ મૂકશો નહિ

(એની પવિત્રતા સંદર્ભે હજી ભીતર સંદેહ છે)

મારા મૃતદેહ પર ઘી ચોપડશો નહિ

(મને કોલેસ્ટરોલના ડરે હંમેશ સતાવ્યો છે)

મારા મૃતદેહ પર લાકડાં સીંચશો નહિ

(મારું ભારેખમ શરીર આમ સાવ તકલાદી છે)

અને પછી બાળશો નહિ

(પ્રદૂષણની નાહક સમસ્યા ઊભી થશે)

કે મારા મૃતદેહને ગૅસની ભઠ્ઠીમાં ધકેલશો નહિ

(બંધિયારમાં મને ખૂબ જ ગૂંગળામણ થાય છે)

અને હા,અગ્નિની તો બહુ બીક લાગે છે મને

(જિંદગીભર હું દાઝયો છું છતાં પણ)

મારા નામ આગળ સ્વ. લખશો નહિ

(કદાચ હું નર્કમાં ગયો હોઉં,એવું પણ બને)

પાનાં ભરી ભરીને મારી અવસાનનોંધ અથવા શ્રદ્ધાંજલિ છાપશો નહિ

(મારું નામ છાપાંમાં અવારનવાર છપાતું રહ્યું છે એટલે મને નવાઈ નથી)

મહેરબાની કરીને મારી શોકસભા રાખશો નહિ

(અનિવાર્ય પ્રશંસાના શબ્દો સાંભળવા મારા કાન હાજર નહિ હોય)

અને છેલ્લે,મને કોઈ યાદ કરશો નહિ એમ હું ઈચ્છું છું

(સ્મરણ કેટલું બધું પીડાદાયક હોય છે!)

ખરેખર… એક માણસ હતો-ન હતો થઈ જાય

એ કુદરતી ઘટના છે વળી હું અસામાન્ય નથી

ક્ષમાયાચનાપૂર્વક હું જલદીથી ભૂંસાઈ જાઉં, ભૂલાઈ જાઉં તો કેવું સારું !

મારે કોઈને પણ કદી બોજરૂપ નથી બનવું, યારો…

ડૉ. દિલીપ મોદી’લિખિતંગ સહીદસક્ત પોતે.

.’કાવ્યસંગ્રહમાંથીજેના વિમોચન પ્રસંગે કાવ્યસંગ્રહનો પરિચય કરાવવાનો મોકો મળ્યો હતો.આપ સ્મરણમાં રહેશો દિલીપભાઈવંદન

Inline image

Inline image
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

1 Responses to હવે નથી- દિલિપ મોદી

  1. Rajul Kaushik કહે છે:

    શ્રી દિલિપભાઈ મોદીએ એમના વિશે શું કહીએ?
    એમણે જ તો કશું કહેવાની મનાઈ ફરમાવી છે પણ એટલું તો કહી શકીએ કે,

    એક માણસ હતો-ન હતો થઈ જાય
    પણ એની યાદ હંમેશ માટે મનમાં તો રહી જ જાય.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.