નિવૃત્ત થયા પછી (સહિયારુ સર્જન)

પલંગમાં સૂતાં સૂતાં જસવંતલાલ વિચારી રહ્યાં હતાં કે હાશ! આખરે આજે નિવૃત થયો. બાવીસ વર્ષે ચાલુ કરેલી નોકરી આજે પાંસઠ વર્ષે છોડી. તેંતાલીસ વર્ષથી એકધારી મહેનત કરી. ઈમાનદારીથી જીવ્યો હોવા છતાં ય આર્થિક સ્થિતિ સદ્ધર છે. પણ આ વર્ષો યંત્રની જેમ જીવન જીવ્યો. રોજ સવારે અનિચ્છાએ છ વાગ્યે ઉઠીને નવ વાગ્યે કામે જતાં રહેવાનું ને સાંજે આંઠ વાગ્યે પાછાં આવવાનું. હવે કાલથી તો મારી મરજી હશે ત્યાં સુધી સૂઈ રહીશ. શાંતિથી નાસ્તો કરીશ. છાપું વાંચીશ. લાડલી પૌત્રી ચાર્મી સાથે ખૂબ રમીશ.મને ગમતું વાયોલિનવાદન ફરી ચાલુ કરી દઈશ. મારો વાંચનનો શોખ પૂરો કરીશ. મિત્રોને કહીશ કે બોલો,હવે નવી શી પ્રવૃતિ કરવી છે ? શાંતિથી ટીવી જોઇશ.નાટક અને સિનેમા જોવાં જઈશ. હાલ સ્વાસ્થ્ય સારું છે તો એ સ્વસ્થતાને ટકાવવા નિયમિત યોગ અને કસરત કરીશ. જિંદગીના હવે પછીનાં વર્ષોને જીવંતતાથી ભરી દઈશ. એમનાં વિચારોની વણથંભી વણઝાર એમની પત્ની સુશીલાના બોલાવવાથી અટકી.

રૂમમાં આવતાં જ સુશીલાએ કહ્યું ” સાંભળો છો, કાલથી તમે નિવૃત થવાનાં છો. હવે કાલથી તમારે તમારી મરજી મુજબ જિંદગી જીવવાની છે. આટલા વર્ષો બહુ મહેનત કરી, હવે પૂરતો આરામ કરવાનો છે. તમારે તમારાં અધૂરા સ્વપ્નાંઓ પૂરા કરવાના છે. લાવો, માથામાં તેલ ઘસી દઉં એટલે શાંતિથી ઊંઘ આવી જાય. “અને આટલું કહી દિલથી તેલમાલિશ કરી એમને  સૂવાડતા ચાદર સરખી કરીને કહ્યું “લ્યો, હવે શાંતિથી સૂઈ જાવ. કાલે સવારે છ વાગ્યે નહીં ઉઠાડું. તમ તમારે મન પડે ત્યાં સુધી સૂતાં રહેજો.” અને સુશીલા સૂઈ ગઈ, પણ જસવંતલાલની ઊંઘ ઉડી ગઈ.

જસવંતલાલ વિચારવા લાગ્યાં કે કેટલી પ્રેમાળ પત્ની મળી છે. પરણીને આવ્યાં પછી મમ્મી-પપ્પાની દિલથી સેવા કરી. લગ્નનાં તેર વર્ષ બાદ દીપકનો જન્મ થયો. એને પણ એટલા જ લાડકોડથી ઉછેર્યો. મારું પણ હંમેશા એટલું જ ધ્યાન રાખ્યું. દીપકના લગ્ન પછી પૂજા વહુ ઘરમાં આવી તો એની પણ એટલી જ કાળજી રાખી. દીકરો-વહુ બંને નોકરી કરતાં હતાં એટલે એ બંનેના ટીફીનથી માંડીને દરેક ચીજનું એ ધ્યાન રાખતી. વહુ આવ્યાં પછી એનું કામ ઘટવાને બદલે વધી ગયું હતું. આટલું ઓછું હોય તેમ ચાર્મીની જવાબદારી પણ એણે હોંશે હોંશે ઉપાડી લીધી હતી. સવારનાં પાંચ વાગ્યાથી રાતનાં દસ સુધી એ સતત કામ કરે છે ને તોયે સદા હસતી જ રહે છે. રવિવાર,તહેવાર અને માંદગીમાં મને તો રજા મળે છે પણ એને તો ક્યારે ય રજા નથી મળતી. ક્યારે ય આરામ નથી મળતો. ઉલટાનું જ્યારે અમને રજા હોય ત્યારે તો એને વધુ કામ પહોંચે છે. તો શું એને  ક્યારે ય નિવૃતિ નહીં ? એને પણ પોતાનાં અરમાન હશે, સ્વપ્નાઓ હશે. તો શું મારી ફરજ એ અરમાનોને સ્વપ્નાઓ પૂરા કરવાની નથી ? પરણ્યા પછી કાશ્મીર ગયાં હતાં ત્યારે મારાં કહેવાથી કેટલું મીઠું ને મધુરું ગીત ગાયું હતું. એનાં સ્વરમાં કોયલની મીઠાશ હતી પણ પછી તો એ સ્વર જ જાણે રૂંધાઈ ગયો. ના,ના આ બરાબર ન કહેવાય. ને પછી મનમાં કંઈક નક્કી કરીને એ સૂઈ ગયાં.

બીજા દિવસે સવારે પાંચ પહેલાં ઉઠીને,નાહી ધોઈને તૈયાર થઈ ગયાં. ચા બનાવી સુશીલાના પલંગ પાસે આવીને તેનાં માથામાં પ્રેમથી હાથ ફેરવતા તેને  ઉઠાડીને કહ્યું ” સુશી,લે આ ચા પી લે.તેં ગઈકાલે મને કહ્યું હતું ને કે હવે મારે મારી મરજીથી જીવવાનું છે તો મારી મરજી છે કે આજથી હું તને તારાં દરેક કાર્યમાં મદદ કરીશ.આપણે બંને સાથે પ્રવૃત રહીને પણ નિવૃતિનો આનંદ માણીશું. આપણે સાથે સાથે આપણાં સ્વપ્નાઓ પૂરા કરીશું.તારાં સૂરને હું સાઝ આપીને ફરીથી ગૂંજતાં કરીશ.હવે તારે મનમાં ને મનમાં ગણગણાટ કરતાં નથી ગાવાનું,પણ દિલ ખોલીને ગાવાનું છે.  એય, પહેલી વાર ચા બનાવી છે. ચાખીને કહે કેવી બની છે?”

સુશીલાની આંખમાંથી ટપકતા આંસુઓ ચા માં ભળતા ગયાં ને ચા મીઠી બનતી ગઈ. દાંપત્યજીવનની સુવાસથી ઘર  મહેંકી ઉઠ્યું.જસવંતલાલ નો હાથ હાથમાં લઈ એને પંપાળતા સુશીલાએ કહ્યું”આ ઉંમરે પણ કેટલો બધો પ્રેમ કરો છો.તમારી હર વાત મને શિરોમાન્ય છે.હવે મારી મરજી અને તમારી મરજી નહીં પણ બધું જ આપણી મરજીથી કરવાનું. અત્યાર સુધી આપણે આપણી ફરજ પૂરી કરવાં જીવન વિતાવ્યું .દીપક,પૂજા અને ચાર્મી માટે શક્ય હોય તે બધું જ કર્યું અને હજુ પણ કરશું..હજુ આપના બંનેનું સ્વાસ્થય સારું છે તો હવે ઘરની સાથે થોડીક સામાજિક પ્રવૃતિ પણ કરશું. તમારાં સહકારથી મળેલાં સમયનો આપણે સદુપયોગ કરીશું. થોડુંક બીજા માટે જીવીશું.આજકાલ બધાંને ઘડપણ અકારું લાગે છે,વૃદ્ધાવસ્થાનો ડર લાગે છે.આપણે એ ડર ને  લોકોમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરશું. આપણા જ સગાં,સ્નેહી,પરિચિતો અને જ્ઞાતિમાં જે જે ઘરમાં વૃદ્ધો છે તેમને  ફોન દ્વારા,પત્ર દ્વારા કે જરૂર પડે તો પ્રત્યક્ષ મુલાકાત દ્વારા પ્રેરણાત્મક વાતોથી આશાવાદી બનાવશું. વૃદ્ધત્વને અકારું નહીં પણ પ્યારું બની રહે તેવા વિચારોથી મઢી લેવામાં મદદરૂપ થઈશું. શક્ય હશે તો સમયાંતરે બધાંને ભેગાં કરીને સારા વિચારોની આપ-લે કરીશું. ચાર્મી પણ હવે લગભગ પાંચ કલાક શાળામાં વિતાવે છે, તો એ સમય દરમ્યાન થોડીક મોકળાશનો અનુભવ કરતાં સારા વાંચન અને સારા શ્રવણ દ્વારા જીવનને જીવંતતાથી ભરી દઈશું. પગની ધીમી ઠેસ મારી હિંચકે ઝૂલતાં આપણે વીતેલા સમયને યાદ કરતાં અલકમલકની વાતો કરીશું. ઘરની જ બાલ્કનીમાં નાનું એવું ઉપવન રચીશું.ને હાં ! કદાચ બીમાર થઈશું તો એકમેકના સહારે એ બીમારીને દૂર ભગાડીશું. આપણે વેદનાને વહાલ કરીશું,પીડાને પોતીકી ગણીશું અને દૂખ-દર્દને દૂઆઓની અસર ગણીશું. મોત આવશે તો એનો પણ બહુ જ સહજતાથી સ્વીકાર કરીશું. બંનેને સાથે ઈશ્વર બોલાવે લેતે તો અતિ ઉત્તમ પણ કદાચ એવું ન થાય તો પણ જેનું આયુષ્ય લાંબુ હશે તે યાદોનાં સહારે અર્થસભર જીવન જીવશે.” આટલું કહેતાં તો સુશીલાની આંખ ફરી આંસુથી છલકાઈ ગઈ.

પ્રેમાળ હાથે સુશીલાની આંખનાં આંસુ લૂંછતા જસવંતલાલે કહ્યું”ગાંડી,જીવન જીવવાના સમયે મોતની વાતો કેમ કરે છે ? તને એક ફરિયાદ મારાં માટે કાયમ હતીને કે હું ઈશ્વરમાં માનું છું તો મંદિરે કેમ નથી જતો ?પૂજા કેમ નથી કરતો ? તો ચાલ,ઉઠ અને જલ્દીથી તૈયાર થઈ જા. રસોઈ ચાલુ કરતાં પહેલાં આપણે સાથે મંદિરે જઈ આવીએ. આજે તારાં ઈશ્વર પાસે શું માંગવાનો છું ખબર છે ? તારો સાત જનમનો સાથ માંગવાનો છું. “ને સુશીલાએ હસીને કહ્યું “બસ,સાત જ જનમનો સાથ,ભવો-ભવનો નહીં. “બહાર હવામાં સૂરીલું ગીત ગુંજી રહ્યું હતું——-

હમ તુમ, યુગ યુગસે યે ગીત મિલન કે ,ગાતે રહે હૈ,ગાતે રહેંગે ———-

રોહિત કાપડિયા

.

નિવૃત્ત થયા પછી

(પ્રકરણ ૨)

            ‘ અનોખો રવિવાર ‘

સુશીની આંખથી ટપકતા એ આંસુ જશવંતલાલને એવા લાગ્યા – જાણેકે છીપમાં મોતી છૂપાયેલ હોય! પ્રેમથી હાથમાં ઝીલતા બોલ્યા, સુશી આ શું?? તને મારા હાથની બનાવેલ ચ્હા ના ભાવી??

અરે ના, એવું નથી- આ ચ્હા માં તમારા હાથનો સ્નેહ ભળી ગયો હોવાથી મધથી પણ વધુ મધુકર બની છે! પરંતુ તમે કેમ આજે???

સુશી, આજથી નકકી કર્યુ છે તને દરરોજ મારા હાથની બનાવેલ ચ્હા પીવડાવીશ – અને મને તમે તમારા સ્નેહના બંધાણી બનાવી દેશો કેમ?? એમના મધુર પ્રેમભર્યા હાસ્યથી એ રૂમની દીવાલો અને એ ખુશનુમા રવિવારની સવાર મહેંકી ઊઠી!

એટલામાં એમની બુલબુલનો ચહેકતો અવાજ આવ્યો – ગુડમોર્નિગ દાદુ – ગુડમોર્નિગ ‘મા’! ઓહ મારી કોકિલકંઠી એમ કહી જશવંતલાલે પ્રેમથી ચાર્મીને ઉંચકી લીધી અને વહાલભર્યુ ચુંબન તેના કપાળે કર્યું. સુશી આ સ્નેહભરી પ્રેમની તસ્વીરને આંખોમાં સમાવતી રહી – મનમાં વિચારતી રહી – જિદંગીની ભાગાદોડીમા ના જાને આવી કેટલીય પ્રેમભરી ક્ષણો ચૂકી ગયા છીએ, થેકન્યુ જિદંગી – મને આજે એક નવી સ્મરણીય સવાર આપવા માટે!!

દુનિયાની નજરમાં ભલે એ નિવૃત્ત થયા- પરંતુ જિદંગીના આ નવા ગણિતમા પ્રથમ મક્ષિકાએ જિદંગીનો દાખલો સચોટ થયો! મને હતું નિવૃત્તિ એ જિદંગીના ઘણા બધા પ્રકરણમાંનુ એક છે. નિવૃત્તિની પળ જાણેકે પ્રવૃત્તિની પાનખરનો અનુભવ કરાવે છે. પરંતુ તેમણે આ સહજતાથી સ્વીકારી લીધી છે. દરેકના માટે એકધારું કામ કરીને એ ખુદ પણ જિદંગીની ખુશીઓથી અલિપ્ત જ રહયા છે ને! હવે એમ લાગે છે – સાચી જિદંગીની શરૂઆત થઇ છે.

દાદા -પૌત્રીને રમતા નિહાળી સુશી પલંગ પરથી ઉતરતા, પોતાના છૂટા વાળને હાથ વડે અંબોડા ટાઇપ બાંધવા લાગ્યા ત્યાં જશવંતલાલ તેમની નજીક આવ્યા – પ્રેમથી હાથને રોકતા બોલ્યા, એને ખુલ્લા રહેવા દે- એ તારા વ્યકિત્વને ખૂબ સુંદરતા બક્ષે છે! એમ કહી અંબોડો ખોલી દેતા નાગણ જેવા વાળ સુશીના પીઠ પર લહેરાઇ ગયા. બંનેની આંખોમાં પ્રેમની જયોતિ જગમગી ઊઠી – સહેજ હસતા એમની વાત માનીને દૈનિક કાર્યો પતાવવા પગ ઉપાડયો ત્યાં એમનું ફરમાન આવ્યું – પ્રિયે – આજે તારે સંપૂર્ણ રવિવારની રજા ભોગવવાની છે. આજે મોર્નિગ બ્રેકફાસ્ટ તારા પ્રાણપ્રિયે પતિદેવ બનાવશે!

એરે વાહ દાદુ – આજે તમે બ્રેકફાસ્ટ બનાવશો?? ચાર્મી ખુશ થતા ચહેકી ઊઠી. યસ માય પ્રિન્સેસ! ડુ યુ હેલ્પ મી? યસ દાદુ,,,,! લેટસ ગો – દાદા પૌત્રી કિચન તરફ ગયા, સુશી આશ્ચર્યથી જોતી રહી, ખરેખર આજનો રવિવાર એના માટે અવિસ્મરણીય હતો!!

કિચનમા ઠાઠથી આવી તો ગયા, પરંતુ બનાવવું શું???? ખુદને કોઈ વસ્તુ બનાવતા નહતી આવડતી. કદી કિચનમા આવ્યા નહતા એટલે દરેક વસ્તુ કયાં મૂકાય છે એ પણ ખબર નહતી. તેમની મૂંઝવણ ચાર્મીએ દૂર કરી. દાદુ આપણે આજે બ્રેકફાસ્ટ માં,,, હમમમમ,,,, બ્રેડ -બટર -જામ, ‘મા’ ના ફેવરિટ બટાકાપૌવા બનાવીશું,, કરેકટ??

અરે, સુશીને એ ફેવરિટ છે એની મને અત્યાર સુધી ખ્યાલ જ ના આવ્યો. સાચે હું મારી જીવનસંગિનીની પસંદ – ના પસંદને ભૂલી ગયો હતો. એને કદી એ માટે ફરિયાદ નથી કરી. બેટા-તને ખબર છે તારી દાદી એ બધું કયાં મૂકે છે?? દાદુ એ મારી દાદી નથી મારા  ‘ મા ‘ છે!!

હા દાદુ મને ખબર છે – ગર્વથી ચાર્મી બોલી ત્યારે તેમને લાગ્યું, મારા કરતા મારી પૌત્રી એ વધુ ખ્યાલ રાખ્યો છે મારી સંગિનીનો – મનોમન ભગવાનનો આભાર વ્યક્ત કર્યો કે તે મને નિવૃત્ત કરી મારી ખુશીઓના પળો છૂટી ગયા હતા એ માટે સમય આપી મારા પર ઉપકાર કર્યો- છે!

સુશી – દાદા પૌત્રીને રસોડામાં કામ કરતા નિહાળી હસી રહી હતી. ચાર્મી ઉંમરના નાની હોવા છતાં બુધ્ધિથી ખૂબ કુશાગ્ર હતી. ના જાને આજે એમના મનમાં શું ભૂત ભરાયું છે? સવારથી કંઇક જુદો વ્યવહાર કરી રહ્યા છે. દીપક – પૂજા ઊઠી ગયા હતા, મમ્મીને ડાઇનિંગ ટેબલ પર એકલી હસતા આશ્ચર્ય થતું હતું, અને કિચનમાથી આ શેનો અવાજ આવી રહયો છે ,ચાર્મી કિચનમા શું કરી રહી છે એ જોવા ત્યાં નજર કરી. જે જોયું એના પર વિશ્વાસ ના આવ્યો. પપ્પા, તમે રસોડામાં આ શું કરી રહ્યા છો?? ગુડમોર્નિગ એવરીબડી – બ્રેકફાસ્ટ રેડી છે -જલ્દીથી ટેબલ પર આવી જાઓ ચાલો,સ્ટાઇલથી બોલી ,,ચ્હા, બનાવેલ નાસ્તો ટેબલ પર મૂકાયા.

દીપક પૂજાનુ આશ્ચર્ય સમાપ્ત થતું નહતું. બધા ત્યાં ગોઠવાયા, જશવંતલાલે બધાને સુશીની સ્ટાઇલથી નાસ્તો સર્વ કર્યો. પ્રેમથી સુશીની પ્લેટમાંથી એક ચમચી બટાકાપૌવાની ભરી તેના મુખ સમીપ લાવતા બોલ્યા, પ્રિયે ચાખીને કહે કેવા બન્યા છે? સુશીએ પ્રેમથી તેમનો હાથ પકડી કહયું – તમે બનાવ્યા છેને! મારા માટે એ સર્વશ્રેષ્ઠ જ છે! એમ કહી, સ્નેહનીતરતી આંખે એને મુખમાં મૂકયા.

અરે દીપક પૂજા, તમે પણ ટેસ્ટ કરી કહો કેવા બન્યા છે? એ બંને મમ્મી પપ્પાના પ્રેમની અનુભૂતિને નિહાળી મનોમન એક બીજા માટે આવો પ્રેમ કદી દર્શાવી શકયા નથી એનો એહસાસ થતા, બંનેની નજર એક બીજા સાથે ટકરાઇ.

વાહ, પાપા એકદમ ફસ્ટકલાસ બન્યા છે, કોઇ કહે નહી તમે આજે પહેલી વખત બનાવ્યા છે! ટેબલ પર રવિવારની સવાર મસ્તી પ્રેમભરી બની રહી. સુશી પરવારી શાકભાજી લેવા માર્કેટ જવા તૈયાર થઈ બહાર નીકળી – સામે જશવંતલાલને ગાડી લઇ તૈયાર હતા. અરે તમે કયાં ચાલ્યા? તારી સાથે આવું છું સુશી. મારી સાથે કેમ?? આજે સવારે કહયું હતું, આજથી તારા દરેક કામમાં હું – તો બસ હવેથી એ સાથે મળીને જ કરીશું.

શાક લઇને ઘરે આવતા જશવંતલાલે ફરમાન કર્યું, આજે ઘરની ગૃહિણીઓ આરામ કરશે, ઘરના આ બે પુરૂષો રસોઇ કરશે. તેમનું ફરમાન સાંભળી દીપક બોલ્યો – પાપા આર યુ ઓલરાઇટ??? રસોઇ અને તે આપણે??? પાપા એ કામ મમ્મી અને પૂજાનું છે આપણું નહી -સોરી હું એ નહી કરું!

દીપક – કેમ તમે નહી કરો? પાપાએ કહયું છે, તમારે કરવાનું જ છે સમજયા? પૂજાએ હકકથી કહેતા દીપક મનોમન તેના પર ધૂંધવાયો. સુશી, પૂજા ચાર્મીને મજા આવતી હતી.

બંનેને કિચનમા વસ્તુઓ સાથે માથાકૂટ કરતા નિહાળી સુશી એમની મદદમાં પહોંચી. સુશી તને ના ના કહયું છેને, તારે આજે આરામ કરવાનો છે-કેમ અંદર આવ્યા?? હું તમારી મદદમાં – યસ મોમ – પ્લીઝ તમે કરો, મને આ બધું નથી ફાવતું – એમ બોલી દીપક કિચનની બહાર જવાની તૈયારી કરી, ત્યાં પૂજા આવતા બોલી દીપક ડાર્લિંગ નો ચીટિંગ – આજે તો તમારે જ,,,, હસતાહસતા પૂજા બોલી.

યસ પૂજા બેટા – એ દીપકના બચ્ચા – કામચોર, કામથી ભાગ નહી ચાલ મદદ કર મારી ભાજીપાઁઉ બનાવવામાં. વાઉ,,, દાદુ ભાજીપાઁઉ – ચાર્મી એકદમ કૂદીને દાદુના ગળે વળગી પડી. અચાનક આ થવાથી જશવંતલાલ પોતાનું બેલેન્સ જાળવી ના શકયા, તેમનો હાથ પ્લેટફોર્મ પરની થાળી પર પડયો. એ સાથે જ એ થાળી ઉછળી અને એમાં છોલીને રાખેલા વટાણા કિચનમા વેરાઇ ગયા. ઓહોહો – ચાર્મી બેટા આ શું કર્યું??? સુશી ઝડપથી તેને વીણવા નીચા નમ્યા, જશવંતલાલ પણ એ જ ક્ષણે નીચા નમતા બંનેના માથા એક બીજા સાથે ભટકાયા. અરે-બોલતા કિચનમા હાસ્યનું મોજું ફરી વળ્યું.

જોયું પાપા, જેનું કામ હોય એજ કરે તેજ સારું છે બધા માટે. જુઓ – કિચનમા વિખેરાયને પડેલા વટાણા તરફ આંગળી કરતા સહેજ ચિડાતા બોલ્યો. આજે ખાવાનું આપણે જ બનાવવાનું છે માટે ખોટા બહાના બંધ કરી હેલ્પ કર મને.

દીપકને કામ કરતા નિહાળી, પૂજાને ખૂબ મજા આવતી હતી. મનોમન થોડો અપરાધભાવ પણ અનુભવતી હતી. દીપક – પપ્પાજીને કામ કરતા નિહાળી ખ્યાલ આવ્યો, ખુદ રોજ ઓફિસના કામને કારણે ઘરમાં કદી મમ્મીને ઘરકામમા મદદ નથી કરી. મમ્મીએ કદી એ માટેના વિરોધી સૂર ઉચ્ચારી ઘરના વાતાવરણને કદી ઝઘડાથી દૂષિત નથી કર્યું. કાયમ તેના માટે બધું તૈયાર રાખતા હતા. અરે ખુદની દીકરી ચાર્મીની જવાબદારી તેમને ઉઠાવી લીધી હતી. ચાર્મી આજે 5 વર્ષની થઇ ગઇ છે એ ખ્યાલ જ ના આવ્યો. આજે પૂજાને મમ્મીની એ મહાનતાનો ખ્યાલ આવ્યો, તેનું મસ્તક આપોઆપ તેમને વંદન કરવા ઝુકી ગયું. સમજાયું ઓફિસના કામ કરતા પણ મુશ્કેલ કામ ઘરના છે! ઓફિસમાં કામનો એક ટારગેટ હોય છે, જયારે ઘરના કામમાં એવી કોઇ ગુંજાઈશ નથી હોતી. રવિવારની રજા ત્યાં હોય છે, ઘરમાં રવિવારે દરેકની પસંદગી સાચવવા જતા કામ વધી જાય છે એ પૂજાને આજે સમજાયું. મનમાં પપ્પાજીનો આભાર માન્યો – થેકન્યુ પપ્પાજી! આજે તમે સાચા અર્થમાં મને નિવૃત્તિનો અર્થ સમજાવ્યો છે! નિવૃત્તિનો અર્થ એ નથી કે તમે બધા કામથી નિવૃત થઈ જાઓ. તેનો સાચો અર્થ એ છે કે તમે તમારા સાથીની પ્રવૃત્તિશીલતાના સમયને પોતાનો સાથ આપો!

ફાઇનલી ભાજીપાઁઉ બનીને તૈયાર થઈ ગઈ. ટેબલ પર પહેલી વખત જમવાના સમયે બધા સાથે હતા. નહી તો દરેક રવિવારે બધાનો જમવાનો સમય અલગ અલગ જ હતો. દરેકના ચહેરા પર પ્રસન્નતા હતી. દીપક ગુસ્સે હતો, કિચનના કામને કારણે આજે તેનો રવિવાર બરબાદ થયો હતો. બધાની ખુશી જોઇ સમજાયું – જિદંગીની નાની નાની ખુશીને શોધવા નથી જવી પડતી – બસ આપણે તેને મેળવવાની હોય છે!

અચાનક તેને એનાઉસમેન્ટ કર્યું, આજે સાંજે આપણે બધા પિકનિક પર જઇશું,અને ડિનર હોટલમાં કરીશું. વાઉ,,, ડેડી પિકનિક! ચાર્મીના ચહેરા પર ખુશી ઝળકી ઊઠી, તેની ખુશી નિહાળી દીપકને સમજાયું – ખુશીને આવતા રોકી શકે એવા કોઈ દરવાજા બન્યા નથી, તેને લાગણીના અને પ્રેમના શબ્દો વડે ભીજાવવા પડે છે!!!!

સાંજે શહેરથી દૂર કુદરતના સાનિધ્યમાં બધા પિકનિક માટે ગયા. ચાર્મીને રમવા માટે વિશાળ ખુલ્લી, ઘાસથી ભરેલી જગ્યા જોઇને તે પતંગિયાની માફક આ બાજુથી બીજી બાજુ દોડતી હતી. દીપક પૂજા બંને હાથમાં હાથ પરોવી ચાલતા હતા – શબ્દો અબોલ હતા, હૈયાના સ્પંદનો સ્પર્શ વડે મૂક વહેતા હતા!

સુશીના ખોળામાં માથું મૂકી જશવંતલાલ સૂતા હતા, ડૂબતા સૂરજની લાલિમા – સુશીના ગાલને રતુમડા બનાવતા હતા! તેના ભીના ભીના અધરો પર પ્રિતની મુસ્કાન હતી. તેની આંગળીઓ પ્રિયતમના વાળમાં ફરતી હતી, એ બંને એ પ્રેમના અસ્ખલિત પ્રવાહમાં વહેતા જતા હતા! ચાર્મી દોડતી ત્યાં આવી, દાદુને આ રીતે સૂતેલા જોતા બોલી-દાદુ ઊઠો!  આ મારી જગ્યા છે, તમે કેમ ત્યાં સૂતા છો??

અરે મારી બુલબુલ- તું પણ આવી જા, એમ કહી તેને પોતાની બાજુમાં સૂવડાવી દીધી! સુશી બંનેને પ્રેમભરી આંખે નિહાળતી રહી. તેને નહોતી ખબર નિવૃત્તિ પછીની જિદંગી આટલી સુંદર પ્રેમભરી બની રહેશે!!

“પ્રેમને તારા વર્ણવવા શબ્દો નથી જડતા,

સ્પર્શ પામીને તારો, સ્પંદનો નથી વળતા,

આયખું આખું ગૂંથાય ગયું ત્યાગની સૂરામા,

રે- લાગણીના હુંફાળા સરનામા નથી મળતાં,,,,!!!!!!

ફાલ્ગુની પરીખ.

(રાજપીપળા)

જીયા અપને ખાતિર, તો ક્યા જીયા?

“પ્રેમને તારા વર્ણવવા . …………સરનામાં નથી મળતાં.”

કાવ્યની આ પંક્તિઓ અચાનક જ સુશીનાં મનમાં સ્ફૂરી. અને તે સાથે જ તેને કૈક યાદ આવ્યું, પણ આ પળની ખુશીને તે ગુમાવવા નહોતી માંગતી.એટલે મનને પાછું વળી લીધું અને પોતાના ખોળામાં પોઢેલા બે અનમોલ રતનને સુશી અનિમેષ નજરે તાકી રહી. પીકનીકમાં આખો દિવસ મઝા તો ખુબ આવી તેની સાથે થાક પણ ખાસ્સો લાગ્યો હતો, તેનો અહેસાસ તો ઘરે પહોચ્યા પછી જ થયો. જમવાનું બહાર પતાવી દીધેલું હતું, એટલે મોડા ઘરે પહોચ્યા ત્યારે સૌને પથારી જ દેખાતી હતી.પડતાં ભેગા જ બધાં ઊંઘી ગયાં.

સવારે જશવંતલાલની આંખ ખુલી, ત્યારે તેમણે જોયું કે સુશી પથારીમાં બેસીને કંઇક વાંચતી હતી. તેને ખલેલ પહોંચાડ્યા વગર તે પત્ની સામે જોઈ રહ્યા. થોડીક જ વારમાં સુશીનું ધ્યાન ખેચાયું, એટલે તેમણે પૂછ્યું,  “શું વાંચે છે?”  “આ જુઓને, મારી ઊંઘ પહેલેથી ઓછી, એટલે રાત્રે જ્યારે જાગી જાઉં, ત્યારે કંઈ ને કંઈ લખવા બેસી જતી. છેલ્લા કેટલાંક વખતથી ચાર્મી નાની તેની સંભાળ, પૂજા-દીપકની અને તમારી જોબ, એ બધી દોડધામમાં હું એ વાત જ ભૂલી ગયેલી.” “લાવ મને જોવા દે.” કહીને તેમણે ડાયરી લીધી.અને મોટેથી વાંચવા લાગ્યા.

“ખોવાયેલી છું હું પણ શોધું તને,

રૂપાળી છું હું, પણ તું ગમું મને.

વાહ, સુશી,સરસ. અને ડાયરીમાં તેં આટલું બધું લખ્યું છે? મને કોઈ દિવસ બતાવ્યું પણ નહિ?” ” તમારી પાસે હવે સમય છે નિવૃત્તિ પછી, પહેલાં ક્યાં હતો?” પ્રશ્નનો જવાબ પ્રશ્નથી જ મળ્યો. પછી કહે,” હમણાં બધા વોટ્સેપ અને ફેસબુક પર આવું લખે છે તો મારું લખેલું મુકું તો?” જશવંતલાલે સુશીની વાતને વધાવી લીધી, અને ધીમે ધીમે વોટ્સેપ અને ફેસબુક પર મુકતા શીખવાડી પણ દીધું.

રસનો વિષય હતો,એટલે સુશીએ લખવાનું પુરજોશમાં શરુ કર્યું, એટલુંજ નહિ પોતાનાં સર્કલમાંથી, લખવાનો શોખ ધરાવતી બહેનો સાથે અઠવાડીયે એકવાર મળીને, દરેકની કૃતિઓ વાંચીને એકબીજાની ક્ષતિ દુર કરતાં અને વધુ સારું લખવા પ્રયત્ન કરતાં. તેમની આવી સભાને તેઓએ “જ્ઞાન ગોષ્ઠી” નામ આપ્યું.

જશવંતલાલ અને સુશી એકવાર કોઈના લગ્નમાં પોતાને ગામ ગયાં. ત્યાં બે દિવસ રહેવાનું થયું તે દરમ્યાન તેમના ધ્યાનમાં આવ્યું કે, નાના ગામમાં માત્ર પ્રાઈમરી શાળા જ હતી. એટલે મોટા ભાગની છોકરીઓ, એટલું જ ભણીને ઘરે બેસી જતી. તેમને બહાર ગામ ભણવા મોકલવા કોઈ તૈયાર નહોતું. વળી પોતાનાં છોકરાઓને બહારગામ ભણવા મોકલતાં અને ખર્ચો કરતાં. પણ છોકરીઓ પાછળ એવો ખર્ચો કરવાનું ટાળતા. અને તેમને દીકરીઓની સલામતીની ચિંતા પણ રહેતી. જશવંતલાલે તેઓને ઉપાય સૂચવ્યો. તેમણે કહ્યું, ” જુઓ શહેરમાં મારો એક ફ્લેટ ખાલી પડ્યો છે. તેમાં ગામની દીકરીઓ રહીને ભણશે.તેમની સલામતીની ચિંતા ના કરશો. જે સાવ ગરીબ છે અને આગળ ભણવા માંગે તેમની ફી ની વ્યવસ્થા માટે પણ હું પ્રયત્ન કરીશ. હવે હું નિવૃત્ત થયો છું, એટલે મારી પાસે સમય છે અને મારે તેનો સદુપયોગ કરીને, આ ગામનું મારા પર જે ઋણ છે, તે વાળવાનો એક નાનો પ્રયત્ન કરવો છે. વળી આપણે સૌએ –” બેટી બચાઓ, બેટી પઢાઓ.– અભિયાનમાં પણ, આપણો ફાળો આપવો જોઈએ.”

ગામના લોકોને જશવંતલાલની વાતો ઘીથી લસલસતા શીરાની જેમ ગળે ઉતરી ગઈ. અને શરુ થયું -બેટી પઢાઓ– અભિયાન. છેવાડાનાં નાના ગામોમાં જ્યાં શાળાઓ નહીવત હતી તેની ચિંતા હવે જશવંતલાલને થવા લાગી. તેમણે પોતાના કેટલાંક નિવૃત્ત મિત્રોની સહાયતા લઈને,એવા ગામોમાં અઠવાડિયે એકવાર જઈને ગામના બાળકો અને વૃધ્ધોને અક્ષરજ્ઞાન આપવા માંડ્યું. અને તે કામ ઉપાડી લે તેવા જુવાનીયાઓ તૈયાર કર્યા.

નિવૃત્તિ પહેલાં૯ થી૮ ની જોબ કરીને પણ, થાકી જતા જશવંતલાલમાં એક નવું જ જોમ પ્રગટ્યું હોય તેમ, તે આખો આખો દીવસ વ્યસ્ત રહેતા.રાત્રે પણ મોડા સુધી કંઇક ને કંઇક કામ રહેતું. તેમના ફોનની રીંગ સતત વાગતી રહેતી.આ બધાની વચ્ચે, પોતાની વ્હાલી,  ચાર્મીને લેવા મુકવા જવાનું, કે તેની સાથે રમવાનું પણ ચુકતા નહિ. દીપક અને પૂજા પોતાના માતાપિતાની કામગીરીથી પ્રભાવિત હતા. નિવૃત્તિમાં તેમના દ્વારા થતી પ્રવૃત્તિને લીધે માબાપ પ્રત્યે તેમનું માન અનેક ગણું વધી ગયું. પિતા તો પહેલાં પણ જોબમાં વ્યસ્ત હતા, પણ માતા સુશીબેન તો હંમેશાં ઘરના કામમાં અને અને ઘરના સભ્યોની સરભરામાં જ ડુબેલાં રહેતા. તેમનો સાહિત્ય શોખ, જ્ઞાન અને આવડત જોઇને બંને ખુબ રાજી થતાં. પૂજા પણ સાજે આવીને ઘરનું કામ પતાવવામાં સાસુને મદદ કરતી. ઘણીવાર તો કહેતી કે, ” મમ્મીજી તમારે લખવું હોય તો જાવ ઘરનું કામ તો હું પતાવી દઈશ, પહેલાં મને આવાં કામનો ખુબ કંટાળો આવતો હવે એવું નથી,” તો વળી. તે લખવાના કામમાં વ્યસ્ત હોય ત્યારે ચાર્મી કહેતી, “બધા શાંતિ રાખો દાદીને લખવાનું છે.”

પોતાને આવું ઈમ્પોર્ટન્સ મળે છે, તે વાતથી સુશીને ખુબ હરખ થતો. અને વધુ જોમથી તે લખતી. હવે તો તે લગભગ બધી જ સ્પર્ધાઓમાં પોતાની કૃતિઓ મોકલતી અને ઇનામો પણ મેળવતી. ઇનામની રાશીનું તો કંઈ ખાસ મહત્વ નહોતું, છતાં નાનામાં નાનું ઇંનામ તેને માતા સરસ્વતીના આશીર્વાદ સ્વરૂપ લાગતું અને તેને ખુશીઓથી ભરી દેતું અને વધુ ને વધુ લખવા માટે પ્રેરણા પૂરી પડતું. ખાસ વાત એ પણ રહેતી કે, આજ સુધી પતિ, પુત્ર કે પુત્રવધુની કમાણી તેના હાથમાં આવતી. જ્યારે ઇનામની રકમ તેની પોતાની કમાણી! એનો આનંદ અદભુત રહેતો.

સતત પ્રવૃત્તિમય રહેવાથી આળસ , કંટાળો અને થાક જેવાં દુષણો આપોઆપ શરીરથી દુર રહેતાં હોય છે. આ અનુભવથી તેઓને એક જ્ઞાન એ પણ લાધ્યું કે, કાંટાળો એ નિષ્કિય રહેનારનો સાથી હોય છે. ગામડેથી ભણવા આવતી છોકરીઓને પણ તેઓ એ વાત સમજાવતા. આ રીતે ભણીને તૈયાર થતી દીકરીઓ જ્યારે જોબ કરતી કે, પછી યોગ્ય પાત્ર સાથે લગ્ન કરીને સુખી થતી, ત્યારે સૌથી વધુ આનંદ આ દંપતીને થતો. કામ કામને શીખવાડે એ ન્યાયે તેમને નવી પ્રવૃત્તિઓ મળતી જ ગઈ. હવે એ દંપતીએ એક બીજું કામ પણ ઉપાડ્યું. -પુસ્તક પરબ-માંથી જ્ઞાન ગોષ્ઠીની બહેનોને જરૂરી પુસ્તકો આપીને તેમની લેખન પ્રવૃત્તિને પ્રદીપ્ત કરતાં. તો વળી ઘરડા ઘરમાં જઈને ત્યાના વૃધ્ધોને પુસ્તકો પહોચાડતા અને સરક્યુલેટ થતાં રહે તેની તકેદારી રાખતા.

 “જેણે દાંત આપ્યા છે તે ચાવણું પણ આપે જ ”   એ કહેવતને આ દંપતી સહેજ જુદી રીતે જોતું. “નિવૃત્તિ મળી છે, તો પ્રવૃત્તિ પણ મળશે જ.” અને થતું પણ એવું જ. ફરીથી એક નવી પ્રવૃત્તિ તેમને મળી ગઈ બંને જણા સવારે સાડા પાંચ વાગે લાફીંગ ક્લબમાં જવા લાગ્યાં. કલબના ગુરુજી ખરેખર જ્ઞાની હતા, તેઓ સવારમાં આંખ,નાક,મોં,ગરદન, ખભા, હાથ, પેટ, ઘુંટણ, પગ, એમ તમામ અંગોની કસરત કરાવતા. એના લીધે વધુ સ્ફૂર્તિ લાગતી. આ ઉપરાંત મધુપ્રમેહ અને વર્ટીગો જેવા રોગમાં રાહત આપતી કસરત પણ હતી. આ પ્રવૃત્તિ શરુ કરવાથી શારીરિક તંદુરસ્તી પણ સરસ થવા લાગી. આવી બધી પ્રવૃત્તિમાં રમમાણ રહેનાર આ અનોખું દંપતી હવે તંદુરસ્તી અને મન-દુરસ્તીના પાઠો બીજાને શીખવાડી શકે તેવા કાબેલ બન્યું.

એક વ્યક્તિ જ્યારે પોતાને માટે બધું જ કરી છૂટે છતાં જેટલી ખુશી ના મળે, તેટલી ખુશી એક દોરા ભાર કાર્ય બીજાને માટે કરે તો પણ મળી જાય.એ વાતથી વાકેફ કોઈ કવિ એ જ આ ગીત રચ્યું હશે.-

” લે લે દર્દ પરાયા, કર દે દુર ગમકા સાયા, તેરી ખુશી, તુજકો મિલ હી જાયેગી.”

સુશીને આ ગીત ખુબ ગમતું હતું. તે રસોઈ કરતી વખતે હંમેશા આ ગીત ગાતી. તે દિવસે પણ સાંજે રસોડામાં તે આ ગીત ગાતી હતી ત્યાં ઈંગ્લીશ મીડીયમમાં ભણેલી પુત્રવધુ, પૂજા આવી,(પહેલાં તો તે રસોડામાં ભાગ્યે જ આવતી.) તેણે પૂછ્યું, ” મમ્મીજી આ તમારું ગમતું ગીત છે નહિ? એનો અર્થ શું થાય છે?”   ” બેટા આ ગીતની તો દરેલ લાઈન ઘણું બધું કહી જાય છે.તે કહે છે, તમે જ્યારે કોઈનું દુઃખ ઓછું કરવા સ્હેજ પણ પ્રયત્ન કરો, તેના દુઃખમાં દિલાસો આપો કે ભાગીદાર બનો તે વખતે, સામેની વ્યક્તિને જેટલો આનંદ થાય, તેનાથી અનેક ગણો આનંદ તમને પોતાને થાય. અને ઊંડાણથી સમજાવુ તો બીજાને માટે કંઈ કરવાથી મનને જ ખુશી નથી મળતી પુરા જહેનમાં ખુશી અને શકુનનો અહેસાસ થાય છે. એટલે મારી તો તમને સલાહ છે કે, –તમે જ્યારે નિવૃત્ત થાવ ત્યારે બીજાને માટે જીવજો, –જીયા અપને ખાતિર તો ક્યા જીયા? કિયા અપને ખાતિર તો ક્યા કિયા? ખરું કે નહિ?”

અસ્તુ.

રશ્મિ જાગીરદાર .

નિવૃત્ત થયા પછી-(૪) પ્રવીણા કડ્કિયા

“પ્રવૃત્તિમાં નિવૃત્તિ અને નિવૃત્તિમાં પ્રવૃત્તિ”

“પ્રવૃત્તિમાં નિવૃત્તિ અને નિવૃત્તિમાં પ્રવૃત્તિ” જેને આ વાક્યનો મર્મ સમજાય તેનું જીવન સદાબહાર બની જાય. આ જીવન એક કલાકારની કૃતિ સમાન દીસે. એક જમાનો હતો જ્યારે ૨૪ કલાકનિ દિવસ  મને નાનો લાગતો હતો, છતાં પણ સમય નથી, એ ફરિયાદ ન હતી. આજે નિવૃતિ કાલમાં ખૂબ સુંદર પ્રવૃત્તિઓ પામીને  જીવન વેંઢારવું પડૅ તેવું નથી લાગતું.

સીધી સાદી વાત છે.  ઘર એ ઘરમાં રહેનારનું,’ પ્રતિક’ બની જાય છે. ૨૧મી સદીમાં જ્યાં પતિ અને પત્ની બન્ને ઘર ચલાવવામાં સરખો ફાળો આપતા હોય છે. ત્યારે નિવૃત્ત થયા પછી શું, એ પ્રશ્ન ખૂબ   સહજ લાગે. બન્ને ને થાય હાશ, હવે કાલથી નોકરી પર જવાની ચિંતા નહી ! જુવાનીમાં કુશળતા પૂર્વક સંસાર ચલાવ્યો હોય. બાળકો ઠેકાણે પાડી ગયા હોય. બેંકમાં બન્ને જણાને જીવે ત્યાં સુધી ચાલે એટલા પૈસા હોય. અમેરિકામાં તો વળી સોશ્યલ સિક્યુરિટી મળે. પેનશન્વાળાને પેન્શન મળે. થોડી ઘણી આવક પૈસાનું રોકાણ પુરું પાડે. પછી નિવૃત્તિ ખરેખર આરામ શાંતિ અને સંતોષ લાવે.

ઘણાને એમ થાય કે પત્નીને ક્યારે નિવૃત્તિ મળશે? તમે તેને શેમાંથી નિવૃત્ત કરવા માગો છે? તમારી ચા બનાવવામાંથી? અરે એ તો તમે ભર જુવાનીમાં પણ એને માટે બનાવી પિવડાવતા હતાં.  ભૂલી ગયા, શનિવાર અને રવીવાર બેડ ટી પિવડાવી તેને ખુશ રાખતાં. એ પ્રેમ પત્ની કઈ રીતે વિસરી જાય?  હવે, તમે ટેબલ પર બધું ગોઠવો ત્યાં તો ગરમા ગરમ ચા અને બટાટા પૌંઆ ખાવા પામો. માણી જુઓ લહેજત આવશે. સવારે મોડા ઉઠો કે વહેલાં,શું ચિંતા? હા, પણ થોડી નિયમિતતા સારી.

રસોઈમાં નિવૃત્તિ આપવી હોય તો મદદ કરવા લાગો.  સગવડ હોય તો મહારાજ લાવી આપો. એવા પણ નિવૃત્ત લોકો જોયા છે, પતિ ક્લબમાં પાના રમતો હોય અને પત્ની ભજન કરતી હોય. એમને માટે એક સુંદર ઉદાહરણ આપવાનું મન થઈ જાય છે.

એક પત્નીને અલઝાઈમરની બિમારી હતી. પતિને પણ ઓળખતી નહી. હવે પતિએ તેને નર્સિંગ હોમમાં મૂકી. રોજ તેની સાથે સવારની ચા સાથે પીવા પહોંચી જાય. એક દિવસ જરા મોડું થયું. તેના મિત્રએ કહ્યું, ‘શું ગાંડાની જેમ દોડે છે. તારી પત્નીને ક્યાં ખબર પડે છે’?

પળનો પણ વિલંબ કર્યા વગર જવાબ આપ્યો, ‘પણ મને તો ખબર પડે છે ને, તેને સવારની ચા વગર ફાવતું નથી.’ આ કહેવાય પતિ અને પત્નીનો પ્રેમ અને નિવૃત્ત જીવનની મહેક.

બાળકોનો પ્રેમ પામવો. તેમના બાળકોને સમય આવ્યે સાચવવા. તેમની સાથે પોતાનું બાળપણ પાછું આવ્યું હોય તેવો આનંદ લુંટવો. ખેર, આ બધું તો પ્રવૃત્તિ કરતાં ,કુટુંબ તરફની આસક્તિ  છે. સાચું પૂછો તો હવે અનુકૂળ સમય છે બાકી રહેલા જીવનનો સદુપયોગ કરવાનો. જો કે એ તો જુવાની દરમ્યાન થોડો ઘણો કર્યો હશે યા તે તરફ વળાંક હશે તો જીવનને સફળ બનાવી શકાશે. કહેવાય છે,

‘કૂવામાં હોય તો હવાડામાં આવે.’

જો બાળપણમાં માતા પિતા પાસેથી એ સંસ્કાર પામ્યા હોઈએ તો નિવૃત્તિના સમયમાં ખૂબ પ્રવૃત્તિ કરી શકાય, સામજ ઉપયોગી થવાય. આત્માના કલ્યાણ માટે પ્રયાસ થાય. પોતાનું નહી, બની શકે તો બીજાનું ભલું કરવાનું મન થાય. આપણી પાસે સગવડ હોય તો ખાલી કુટુંબનું જ નહી જરૂરિયાત મંદોનો વિચાર આવે.

મારા એક મિત્ર છે. તેમના બાળકો ખૂબ સુખી છે. પતિ અને પત્ની પોતાના નોકરોના, ડ્રાઈવરના અને રસોઈઆના બાળકો માટેની સંપૂર્ણ જવાબદારી લઈ તેમને  લાયક બનાવ્યા, ડ્રાઈવરનો દીકરો તો એટલો હોંશિયાત નિકળ્યો અમેરિકા પહોંચી ગયો. નોકરનો દીકરો બેંક મેનેજર થયો. તેમને માણસો રાખતાં આવડતું હતું. આમ હવે બન્ને ખૂબ સરસ જીંદગી જીવે છે. તેમણે ‘ગીતા’ પચાવી જાણી હતી. જુવાનીમાં તે બાળકો નાના હતાં. જેમ જેમ મોટા થતાં ગયાં ત્યાં સુધીમાં નિવૃત્તિનો સમય આવી ગયો. પોતાના બાળકોને યોગ્ય ભણતર મળવાથી માતા અને પિતાને સંપૂર્ણ આઝાદી મળી.

હરવા ફરવાના તેમના શોખ પૂરા કરે છે. જીવનમાં શિસ્તને ખૂબ મહત્વ આપી સંયમ ભરી જીંદગી જીવી બન્ને જણા સર્જનહારનો આભાર માને છે. આવો લહાવો દરેકને મળતો નથી એ હકિકત સ્વીકારવી રહી. નિવૃત્તિ દરમ્યાન જીવનનું સરવૈયુ કાઢવાનો સમય પ્રાપ્ત થાય છે. શાંતિથી બેસીને વિચારવાનો સમય મળે છે કે જીવન જીવ્યા ત્યાં ઉણપ કેવી રીતે રહી ગઈ. જો તે સુધારવાની સુવર્ણ તક મળે તો તેને ઝડપી લેવી. જુવાની દિવાની હોય છે તેમાં બે મત નથી. કોઈની સાથે અજુગતું વર્તન થયું હોય આ અન્યાય કરી બેઠા હોઈએ તો તેને સુલઝાવવાનો ઉપાય શોધી શકીએ છીએ. આ કાળ દરમ્યાન ભૂલ કબૂલ કરી માફી માગવી એ આપણી ઉદારતા દર્શાવે છે.

આ વાળ ધૂપમાં ધોળા નથી થયા હોતાં. ભલેને મહેંદી યા રંગ લગાવી તેનો રંગ છુપાવીએ પણ અનુભવનું જે અમૃત લાધ્યું છે તેનો સદઉપયોગ કરી શકાય. એમાં કોઈ નાનમ નથી કે નીચા જોવા પણું નથી. એ તો સુંદર રીતે જીવન જીવી તેમાંથી ભલેલા પાઠનું આચરણ છે. ગર્વ લેવા જેવી વાત છે. ગર્વની વાત કરતાં એક વસ્તુ યાદ આવી ગઈ ‘અહં’ને અભેરાઈ પર ચાડાવવાનો આ સાચો સમય છે. અભિમાન શેના માટે અને શેનું કરવાનું. આજે છીએ કાલે નહી હોઈએ. સહુ સાથે પ્રેમ પૂર્વક વર્તન કરવું. વાણી અને વર્તનમાં સમનતા જાળવવી. આ બધું ગહન છે. વિચાર માગીલે તેવી વાતો છે. અભ્યાસ જરૂરી છે. જેને માટે હવે પૂરતો સમય છે.

‘જે ગમે  જગતગુરૂ દેવ જગદિશને તે તણો ખરખરો ફોક કરવો.

આપણો ચિંંતવ્યો અર્થ કાઈ નવ સરે ઉદરે એક ઉદ્વેગ ધરવો”

જે પરિસ્થિતિમાં હોઈએ   તેમાંથી સુંદર કેડી કંડારી રાહ બનાવવો.  બેમાંથી એક પણ થયા હોઈએ તો અફસોસ કરવાને બદલે પરિસ્થિતિની સાથે સંધિ કરી લેવી. ‘ચોર્યાસી લાખ અવતાર પછી માનવ દેહ’ મળે છે, તેને વ્યર્થ ન જવા દેવાય. ‘ગીતા’ને ગુરૂ માની જીવન જીવવાની ચાવી મેળવવી. આ પૃથ્વી પર સહુ મુસાફર છે. ક્યારે બેગ અને બિસ્તરો બાંધીને ઉપડવું પડશે તેની કોઈને ખબર નથી. સત્કર્મોની બેગ અને સદભાવનાનો બિસ્તરો તૈયાર કરવો પડશે. એક દિવસ ચાલ્યા વગર ચાલી જવું પડશે.  કશું સાથે લઈ જવાનું નથી.

આ એટલા માટે ખાસ લખ્યું છે કે નિવૃત્તિના સમય દરમ્યાન  થોડી આસક્તિ હળવી થાય. ‘આ જગે બધું મારું છે અને કશું મારું નથી’ . આ તદ્દન વિરોધાભાસ લાગે તેવી વાત છે પણ એમાં સનાતન  સત્ય છુપાયેલું છે. ‘ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ’, થોડું ભજન કરવામાં, સર્જનહારની કૃપા સ્વીકારવામાં પાપ નહી લાગે.