નવતર પ્રયોગ-તસ્વીર બોલે છે.

                         

સંકલનઃ પ્રજ્ઞા દાદભાવાલા

Copyright © 2015 all Authors

All rights reserved.

ISBN-13:

978-1511640299

ISBN-10:

1511640294

Your book has been assigned a CreateSpace ISBN.

 

અનુક્રમણિકા

તસવીર બોલે છે (૧) અર્ચિતા પંડ્યા
તસવીર બોલે છે (૨) વિજય શાહ
તસવીર બોલે છે (3) પ્રવીણા કડકિયા
તસવીર બોલે છે (૪) ડૉ. ચંદ્રવદન મિસ્ત્રી ૧૧
તસ્વીર બોલે છે – -(૫)વિનોદ પટેલ, ૧૩
તસવીર બોલે છે (૬) ચારુલતા વ્યાસ ૧૬
‘ તસ્વીર બોલે છે ’(૭) હેમા પટેલ ૧૮
તસવીર બોલે છે (૮ ) પૂર્વી મોદી મલકાણ ૨૨
“તસ્વીર બોલે છે”-(૧૦)પદમાં –કાન ૨૭
“તસ્વીર બોલે છે”-(૧૧) કુંતા શાહ ૩૩
તસ્વીર બોલે છે (૧૨) ચિમન પટેલ “ચમન” ૪૦
તસ્વીર બોલે છે (૧૩) જીતેન્દ્ર પાઢ ૪૧
તસ્વીર બોલે છે-(૧૪)-શૈલા મુન્શા ૪૩
તસ્વીર બોલે છે….(૧૫) ફૂલવતી શાહ ૪૫
તસ્વીર બોલે છે (૧૬) ડૉ. ઇંદુબહેન શાહ ૪૮
તસ્વીર બોલે છે….(૧૭) ધનંજય પંડ્યા ૫૧
તસ્વીર બોલે છે …..(૧૮) કલ્પના રઘુ ૫૩
તસ્વીર બોલે છે…(૧૯)પ્રજ્ઞા દાદભવાળા ૫૭
તસ્વીર બોલેછે (૨૦) -રોહીત કાપડિયા ૬૦
તસ્વીર બોલેછે (૨૧) -રમેશભાઈ પટેલ ૬૧
તસ્વીર બોલે છે -(૨૨) દિલીપભાઈ શાહ ૬૩
તસ્વીર બોલે છે -(૨૩)પ્રજ્ઞા દાદભાવાળા ૬૫
તસ્વીર બોલે છે (૨૪) નિહારિકા શશીકાંત વ્યાસ ૬૮
તસવીર બોલે છે.-(૨૫) મધુરિકા શાહ. ૭૨
તસવીર બોલે છે.-(૨૬) જયવંતી પટેલ ૭૪
તસવીર બોલે છે.-(૨૭) સાક્ષર ઠક્કર ૭૮

એક નવતર પ્રયોગ ! તસવીર બોલે છે () અર્ચિતા પંડ્યા

આજની દુનિયા બદલાતી જાય છે.આજે વ્યક્તિ કાં તો ખાસિયત વિસરી જાય અથવા તો મજબૂર બને છે ખાસિયત છોડવા, અને મહત્વાકાંક્ષા ને લીધે આકરા પથ પકડીને જીવન વિકટ બનાવી દે છે. પણ એ પણ સમયની માંગ છે જે પૂરી કરવી જ રહી ….
અહી સંવાદ ના રૂપે મારી વાત રજૂ કરું છું ……

  મૂંડક વાણી

“ભાઈ કેસરીચરણ,ક્યાં છે ? ”
“હરીત્તન ,તારી પાછળ જ ! ”
“નથી લાગતું કે આપણે રસ્તો જ ખોટો પકડી લીધો છે ! ”
“હા ભાઈ ! ,આપણા તો હાથ કરતા પગમાં વધુ તાકાત છે ! ”
“અને અહી તો આ સળીયો પકડી ,હાથના જોરે બીજા છેડે જવાનું ! ”
“આપણી તો ખરી ચાલ કુદકાની ! ”
“પણ રસ્તો એવો પકડ્યો કે કુદકો એક વાર જ કામ લાગ્યો ! હવે જાતને સાબિત કરવાની કસોટી ! ”
“હવે ક્યાં પહેલા જેવું રહ્યું છે,બાપ ની ગાદીએ બેસો ને બેડો પાર ! ”
“પણ કુવામાંના દેડકા છીએ ,એવી આબરૂ સુધારવા કેવી કસોટી લેવી પડે છે ! ”
“સંભાળજે હાથની પક્કડ ! અહી ટકવું મુશ્કેલ છે ! ”
“મારી તો હિંમત હારી જવાય છે,ભાઈ,…હું આગળ નહિ વધી શકું ! ”
“અરે ! ….આટલી બધી મહેનત પછી ? ”
“સંભાળ….હિંમત રાખ ….”
“અરે ,ગયો ….ગયો રે…..! ”
“પકડ પકડ ,મારો પગ પકડી લે ”
“ઓ…..માં……,હાશ ! પકડાયો તારો પગ ! ”
‘હમ્મ્મ્મ …….બરાબર,સરસ,પકડી રાખ ,હું આગળ વધુ છું  ”
“ભાઈ ,મારા લીધે તને કેટલી તકલીફ પડશે ? ”
“ચિંતા ન કર,….અત્યારે ટકી રહેવાનો પ્રશ્ન ઘણો મોટો છે ! ”
“આભાર ભાઈ ! ”
“બંને સાથે હોઈશું તો મદદ રહેશે ”
“તું મારો ભાર લઇ કેવી રીતે એકલો આગળ વધીશ ? ”
“તું આપણા બે વતી ઈશ્વરને પ્રાર્થના કર, હું પ્રયત્ન પૂરો કરું ”
“અરે ,દરેક ક્ષણે ઈશ્વરનું નામ દઉં છું ”
“બસ,તો પ્રયત્ન પર પણ ભરોસો રાખ ”
“આજે ટાંટિયા ખેંચ ની આપણી છાપ ભૂંસાઈ જશે ,ભાઈ ! ”
“કોઈ છાપ આ ધરતી પર સનાતન નથી ,હો !”
“સાચી જ વાત ,! ”
“પ્રયત્ન અને પ્રાર્થના હોય તો બધું જ શક્ય છે ,જો આપણે પહોચવા આવ્યા ! ”
“રંગ રાખ્યો તારા પ્રયત્ને ! ”
“ખરો કમાલ તારી પ્રાર્થનાનો ! ”
“એક અગત્યની વાત રહી જાય છે,ભાઈ ,તારા કામ પ્રત્યેના અને મારા પ્રત્યેના પ્રેમનો મોટો ફાળો છે ! ”
“કોઈ પણ સફળતા જોઈતી હોય તો ત્રણ ચીજ કાયમ જોઇશે …..
       પ્રેમ,પ્રયત્ન અને પ્રાર્થના

(2)

આપણી દુનિયા
તારી લે મને, ઓ મંડૂક -ઈશ્વર !
કેમ રહીએ કૂપ -મંડૂક વૃતિમાં ?

લઈજા મને તો પ્રેમની દુનિયામાં
મઝા હુંસાતુસીને ને હોડ છોડવામાં !

રાચીએ ખુલ્લી હવા ખુલ્લા શ્વાસમાં
સીધો સરળ ને સાદા કોઈ આધારમાં

‘તું ‘ અને  ‘હું ‘એ તહેવાર જીવનમાં
વિચરીએ હંમેશા એક જ સંગાથમાં

અભિમાન નથી કોઈ બડાશો મારવામાં
બધું જ અંતે મળવાનું છે તો રાખમાં

રહેશે તો ઉપયોગી પ્રેમ જ  સાથમાં
અનુભવ એવો બસ,જન્મોજન્મ માં ……

અર્ચિતા દીપક પંડ્યા

એક નવતર પ્રયોગ ! તસવીર બોલે છે () વિજય શાહ

ખુદી કો કર બુલંદ ઇતના

એક ગામનો ઊંડો કુવો જેમાં ઘણા દેડકા ડ્રાઉં ડ્રાઉં કરે. વરસાદ પડી ગયા પછી આ દેડકા ગાન વધુ જોરમાં ચાલે. એક  દેડકી જરા વધુ જાણે તેથી તેને ઘણા પુછે. તેની ઘણા વિષયોમાં  માસ્ટરી તેથી તેણે ઘણા ને મદદ કરેલી. જેને કારણે ચારમાં પુછાતી પણ ખરી!

હવે એક નિયમ છે, તમે જેમ ઉંચે ચઢો તેમ તમને ઘણે દુર સુધી દેખાય. સાથે તમે જેમ ઉંચા ચઢો તેમ તમને પણ ઘણાં જુએ. બસ તેવું જ બન્યું. દેડકીની સફળતા જોયા પછી ઘણા દેડકાઓનું ડ્રાઉં ડ્રાઉં વધ્યું

હવે દેડકાઓનો તો સ્વભાવ છે ને, ફુલાવાનો? એમાં બે ચાર જણ હવા પુરવાવાળા પણ મળ્યા કે “ઓહ તું તો પેલી દેડકી કરતા પણ ઉંચે કુદકો મારી શકે તેમ છે.”

ટાંટીયાં ખેંચને અંતે બહુ કુદકા માર્યા પછી હતું તેટલું જોર કરીને કુદકો મારીને કુદેલ એ દેડકો કુવામાંથી બહાર તો નીકળી ગયો અને બહાર આવતાની સાથે જ કચડાઇ મુઓ.

પેલી દેડકી જે સ્પર્ધા કે તમાશાનો ભાગ હતી તે બોલી, “આપણી તાકાતથી વધુ ઉછળવા જઇએ તો પેલા દેડકાની જેમ જાન ગુમાવીએ. ફુલાવું હોય તો ફુલાવું પણ પેટ ફાટી જાય તેટલું તો ન જ ફુલાવાય. આપણી પહોંચ પણ જોવી જોઇએ ને?”

બીજા સ્પર્ધામાં રહેલા દેડકા શાંત થઇ ગયા. ત્યાં બેઠેલો વયસ્ક કાચબો બોલ્યો “ દરેક જણને ભગવાને અલગ આવડતો સાથે બનાવ્યા છે. ત્યાં સ્પર્ધા કેવી? તમે જેમાં શ્રેષ્ઠ છો તે છો જ. અન્યની  સાથે સ્પર્ધા શામાટે? ખુદી કો કર બુલંદ ઇતના કે ..

એક નાનો તેમજ ડરેલો દેડકો બોલ્યો,”પણ એ આવડતો ને સમજવા અને જાણવા કોઇક્નો તો ટેકો લેવો પડે ને?”

“હા ટેકો લેવાનો હોય ત્યાં આંગળી આપતા પહોંચો ના પકડાય ! તે ધ્યાન જે રાખે છે તે સ્પર્ધામાં ઉતરતાં નથી તેમનો વિકાસ જરુર થાય છે.” કાચબાભાઇએ ડોકું હલાવતા કહ્યું”.

એક નવતર પ્રયોગ ! તસવીર બોલે છે

() પ્રવીણા કડકિયા

“સાથી હાથ બઢાના “! દોરડું પકડીને કુવાની બહાર નિકળવું અને તેમાંય પાછું કોઈ પગે વળગ્યું હોય ?  તસવીર વગર બોલ્યે કેટલો મોટો સંદેશ આપે છે. ઉપર ઉઠવું અને સાથે કોઈને લઈને ઉઠવું એ તો વિરલાઓનું કામ છે ! કાચાપોચા તો ઉઠવાની પળોજણમાં પડતા ગભરાય. ત્યાં બીજાને હાથ કઈ રીતે આપી શકે?  હમેશા પ્રગતિના સોપાન ચડતા જેમણે સહાય કરી હોય તેમનો ગુણ અંતઃકરણ પૂર્વક માનવો. તેમને જ્યારે પણ સહાયની જરૂરત હોય ત્યારે આમંત્રણની રાહ ન જોવી.

ઉત્થાન, એ માનવનો સ્વભાવ છે. ઉત્થાન અને અહંકાર, સાથે સવારી ન કરી શકે ! ઉત્થાન ટાણે નમ્રતાને વરનાર  સાચી પ્રગતિ સાધી શકે. બાકી અહંકાર, પ્રગતિના માર્ગને રૂંધનાર સાબિત થયો છે. અહંકાર તો રાજા રાવણનો પણ નહોતો ટક્યો !

હા, ‘વચને કિમ દરિદ્રતામાં’ માનનારા વાત મોટી મોટી કરે પણ જ્યારે કરવાનો સમય આવે ત્યારે છુમંતર થઈ જાય. અરે, હજુ ગયા મહિનાની વાત છે. મારી બહેનપણીએ જ્યારે ૫૦ વર્ષના સહવાસ પછી પતિ ગુમાવ્યો ત્યારે શરૂ શરૂમાં  દસેક દિવસ બધા દિલાસો આપવા આવ્યા. પછી જેવા બહાર ગામના મહેમાન જતા રહ્યા ત્યારે નજીકના મિત્રો ઈદનો ચાંદ થઈ  ગયા. આવે સમયે ખાસ દિલની વાત સાંભળે એવા સહારાની જરૂર હોય. દરેક દર્દ ની દવા સમય છે.

સાથી અને સાથ તડકો આવતા પાણીનું બાષ્પિભવન થઈ જાય તેવો હોય તો શા ખપનો? તેથી તો ખુદમાં વિશ્વાસ રાખવો. સાથ મળે તો ‘સોને મેં સુહાગા’ ન મળે ત્યારે સ્વ પર ભરોસો !

જેમ રાજાબાઈ ટાવર પરથી જમીન પર દોડતી ગાડીઓ રમકડાની ગાડી અને હાલતી ચાલતી લાખોની મેદની કીડી જેવી જણાય તેમ પ્રગતિના સોપાન સર કરતા માનવીને નીચે પગથિયે ઉભેલ માનવી નાનો જણાય, ત્યારે ભૂલી જાય કે એક દિવસ તે પોતે પણ ત્યાં હતો. તે આજે  જ્યાં ઉભો છે તે ઠેકાણે પહોંચતા,’ નેવના પાણી મોભે’ આવ્યા હતા.  તે સમયે પોતાનો હાથ આપી કોઈનો માર્ગ સરળ બનાવે તે ખૂબ પ્રશંશનિય કાર્ય ગણાય !

વાંદરો અને કાચબો, યાદ છે ને  ? કાચબાની પીઠ ઉપર સવારી કરી વાંદરો સરોવરમાં સહેલગાહ કરતો. વાંદરાની પીઠ પર બેસી કાચબાભાઈ જંગલ ખુંદતા અને કેળાની મહેફિલ માણતા ! બંને મિત્રો પોતાની શક્તિનો સરવાળો કરી  સહેલ કરતા. ‘હાથ લેવા માટે પણ છે. હાથ આપવા માટે પણ ઉત્તમ સાધન છે. સમય અને સંજોગ અનુસાર બન્નેનું કાર્ય ઉત્તમ સાબિત થયું છે.

અંતે એક વાત કહ્યા વગર રહી નહી શકાય. આ સુંદર ચિત્ર દ્વારા એટલું યાદ રહે જે તમને ઉપર ચડવામાં જાનના જોખમે સહાય કરે તેને કદી ટાટિયા ખેંચી નીચે પાડવામાં ગૌરવ ન અનુભવશો !

એક નવતર પ્રયોગ ! તસવીર બોલે છે ()

ડૉ. ચંદ્રવદન મિસ્ત્રી

મેં હું  ના

એક અનોખું પતિ પત્ની મિલન !

લાકડી મળતા, હું તો ચોંટી ગયો,

હજુ તો લટકતો હતો અને ભાર વધ્યો,

નજર નીચે કરી હું કરી શકતો નથી,

ત્યાં પત્ની ગભરાઈ મને કહેતી હતીઃ

“લાકડી ના છોડશો ઓ મારા સ્વામી,

હું તો લટકી રહી છું તમારો પગ ઝાલી,”

“ગભરાઈશ નહી જરા, ઓ મારી પ્રિયતમા,

હું છું તો શાને છે ચિન્તારૂપી વિચારોમાં ?”

“ચંદ્ર” દેડકા દેડકીનો સંવાદ સાંભળી કહે ઃ

“અંતે પતિ-પત્નીનું મિલન લાકડી પર નજરે પડે !”

ડૉ. ચંદ્રવદન મિસ્ત્રી

એક નવતર પ્રયોગ ! તસવીર બોલે છે () વિનોદ પટેલ

દેડકાદેડકીની પ્રેમ કથા ! ……. વિનોદ પટેલ

એક સરોવરમાં એક દેડકો અને એક દેડકી એક બીજાના પરિચયમાં આવ્યાં.દેડકો દેડકીને પ્રથમ નજરે ગમી ગયો .સુંદર સપ્રમાણ કસરતી બદન,ચળકતી ત્વચા અને લાંબા ગમી જાય એવા પગ  ઉપર દેડકી મોહિત થઇ ગઈ .દેડકાની પણ દેડકી જેવી સ્થિતિ હતી. પણ દેડકીની સુંદરતા ઉપર વારી ગયો હતો. ધીમે ધીમે બન્નેનો પરિચય પ્રેમમાં પરિવર્તિત થતો ગયો.

જો કે દેડકી એનાથી ઉમરમાં ખુબ નાની હતી પણ પ્રેમીઓ આવાં બંધન ની પરવા ક્યાં કરતાં હોય !

એક દિવસે મોકો જોઈને દેડકાએ દેડકી સમક્ષ પ્રસ્તાવ મુક્યો :

ડીયર,હું તને ખુબ ચાહું છું.મારી સાથે લગ્ન કરીશ ?”

દેડકી ખુશ થતી બોલીયસ, યસ, હું તો દિવસની રાહ જોતી હતી કે તું ક્યારે લગ્નનો પ્રસ્તાવ મુકે છે.”

બન્ને જણ ભાવાવેશ અને પ્રેમાવેશમાં એક બીજાને ભેટી પડી પ્રથમ ચૂમી પણ લઈ લીધી!

ત્યાર પછી બિન્દાસ બની સરોવરમાં તેઓ દેડકા સમાજની પરવા કર્યા વિના સાથે ને સાથે ફરવા અને રહેવા લાગ્યાં.

થોડા દિવસો વીત્યા હશે ત્યાં દેડકાએ દેડકીને કહ્યું:

હની, ચાલ હવે પરણી જઈએ.”

દેડકી કહે :” જરૂર પણ ઘણા દિવસથી મારા મનમાં એક ઇચ્છા છે કે પાણીમાં તો બહુ રહ્યા .સરોવરના બે કાંઠાને જોડતો લોખંડના મીની પુલ જેવો થાંભલો છે એના ઉપર પાણી બહાર નીકળી ઉપર હવામાં ચાલીએ તો કેવી મજા આવે .આપણે સાથે એના ઉપર ફરવાની થોડી મજા લઇ લઈએ પછી સામે કિનારે જઇને નવી જગાએ પરણી જઈશું.કેમ બરાબર ને ?

દેડકો કહે :”ભલે, જેવી તારી મરજી.”

આમ નિર્ણય કરી બન્નેએ સરોવરમાંથી બહાર નીકળી એક કિનારેથી થાંભલા ઉપર ચડી ગયાં અને વાતો કરતાં કરતાં ટહેલવા લાગ્યાં.

થાંભલા ઉપર સરોવરની અધ વચ્ચે તેઓ આવ્યાં હશે ત્યાં દેડકીની નજર નીચે પાણીમાં દેડકા કરતાં વધુ સુંદર એક બીજા દેડકા ઉપર પડી .નીચેના દેડકાએ પણ દેડકી તરફ એક મોહક સ્મિતનું મિસાઈલ ફેંક્યું. દેડકી એનાથી ઘાયલ થઇ ગઈ.એણે મનમાં એક નિશ્ચય કરી લીધો .દેડકો તો સામે કિનારે જઈને લગ્ન કરવાના મુગેરીલાલી ખ્યાલોમાં ખોવાઈ ગયો હતો.

દેડકાના ખ્યાલોમાં ભંગ પાડતાં દેડકીએ દેડકાને કહ્યું :” મારે તારો એક પગ પકડીને હીંચકા ખાવાનું મન થયું છે .”

દેડકો કહે :”ભલે ડીયર, તારી ઈચ્છા પણ પૂરી કરી લે.”

પ્રેમમાં અંધ હોય શું નથી કરતો !

દેડકાનો એક પગ પકડીને થોડા હીંચકા ખાવાની મજા માણી લીધા પછી  દેડકીએ દેડકાના આશ્ચર્ય વચ્ચે કહ્યું.:

બાય બાય , હું જાઉં છું

એમ કહીને દેડકીએ દેડકાનો પકડેલો પગ છોડી દીધો. સરોવરના પાણીમાં ભૂસકો માર્યો અને નીચે રાહ જોઈ રહેલ પેલા વધુ સુંદર દેડકા સાથે પાણીમાં અદ્રશ્ય થઇ ગઈ !

વિનોદ પટેલ, સાન ડિયેગો,કેલીફોર્નીયા   

એક નવતર પ્રયોગ ! તસવીર બોલે છે () ચારુલતા વ્યાસ

કહી શકશો કે શું  થયું હશે?

કૂવામાં  દોડાદોડ મચી  ગઈ અચાનક  એક  મોટો દેડકો કુવામાં આવી ગયો બહુ માથાભારે  હતો  તેને ખબર પડી કે ઘણા નાના નાના  દેડકાઓ જનમ્યા છે  તે ખુંખાર દેડકો બધાંને ડરાવતો ધમકાવતો  હતો બધાનું જીવવાનું કઠીન  કરી નાખ્યુ
મા -મા  ઉભી રે ,ક્યાં જાય છે ?
ચાલ જલ્દી ચાલ ,આપણે ભાગવું  પડશે ?
પણ કેમ?
પેલો નાલાયક દેડકો મારી પાછળ પડયો છે તને પણ મારે બચાવવી છે
પણ આપણે કેવી રીતે બહાર નીકળીશું?
જો ,પેલી વેલ ઉગી છે ને?તેની આજુબાજુ થોડા બાકોરા છે તેને ટેકે ટેકે
આપણે ઉપર પહોચી
જઈશું તું મારી પાછળ આવજે
મા પેલો પાછળ આવેછે ભાગ જલ્દી
તું બેટા,મારી પીઠ પર બેસી જા ,પછી વેલ પકડી લેજે
દેડકીએ કૂદકો મારીને વેલ પકડી લીધી બાકોરા ના આધારે ઉપર ચડવા લાગી
તેણે એક પાઈપ જોઈ તે આનંદિત થઇ ગઈ તેને તેની દિકરીને કહ્યું” આ પાઈપ પકડી લેજે ”
મા દિકરી ઝડપથી ઉપર ચડવા લાગ્યાં ઉપર પહોચીને મા એ ડોકું બહાર કાઢયું અને આજુબાજુ જોયું બધું બરાબર લગતા તે બહાર કૂદી ,પોતાનો પાછલો પગ લંબાવી ને દિકરી ને ઉપર ખેચી લીધી માં દિકરી એક બીજાને ભેટી પડયા અને નિત નો શ્વાસ લીધો  એક
પળ પછી ઉંધા ફરીને જોયું તો એક ડાઘિયો કૂતરો ઊભો હતો

–કહી શકશો કે શું  થયું હશે?

એક નવતર પ્રયોગતસ્વીર બોલે છે ’() હેમા પટેલ

‘ દોસ્ત દોસ્ત ના રહા ‘

સંતા અને બંતા બે દેડકા ખાસ મિત્રો , કુવામાં એમનુ ઘર, કુવામાં જ જન્મીને મોટા થઈ રહ્યા છે. સંતા સ્વભાવે સાહસિક તેને હમેશાં કંઈક નવું જાણવું, કંઈ નવું કરવાની ધગશ. જ્યારે બંતા એકદમ બિંદાસ સંતાને સહારે જીવે, સંતા વિચારવા લાગ્યો આપણે જ્યાં રહીએ છીએ એ જગ્યા અને આપણી દુનિયા બહુજ નાની છે. આની બહાર જરૂર મોટી અને સુંદર જગ્યા, સુંદર દુનિયા ચોક્ક્સ  હોવી  જોઈએ.

સંતા – “ બંતા ,મારા મિત્ર, મારા મનની વાત તને કરું ?’

બંતા  – “ હા દોસ્ત જરૂર “

સંતા  – “ આ જગા છોડીને ચાલ બીજે જઈએ, બીજી દુનિયામાં જઈએ ‘

બંતા – “ દોસ્ત બીજી દુનિયા એટલે ક્યાં ? ‘

સંતા – ‘ દોસ્ત આ કુવાની બહાર “

બંતા  – “ દોસ્ત હું તારી સાથે આવવા તૈયાર છું.

સંતા અને બંતા બંને કુદકા મારતા મારતા કુવાની ઉપર આવી ગયા. બહાર નીકળવા માટે મોટી છલાંગ મારવી પડે.સંતાએ તેના મિત્રને કહ્યું દોસ્ત મોટી છલાંગ મારીને ઉપર જે પાઈપ દેખાય છે તે પકડી લેવાની છે. બંતાએ કહ્યું દોસ્ત મને મોટી છલાંગ મારતાં બીક લાગે છે.

સંતા – “ દોસ્ત તું કેવી વાત કરે છે, કુદકા મારવાનુ આપણુ કામ છે અને તને મોટો કુદકો મારતાં બીક લાગે છે ? “

ભલે મારો પગ પકડી લે , પાઈપ પરથી હું સીધો બહાર કુદી પડીશ.બંતાએ મિત્રનો પગ પકડી લીધો, સંતાએ પુછ્યુ, પગ છોડીને પાઈપ પકડવાનો પ્રયત્ન કરી જો, સાથે બહાર કુદી પડીશુ. બંતા તરત બોલ્યો ના ના મારા દોસ્ત હું તો તારો પગ પક્ડીને જ ઉપર આવીશ. તારો પગ નહી છોડુ. સંતાએ પુછ્યુ, મારો પગ પકડીને ઉપર આવે છે, ભવિષ્યમા મને જરૂર પડે તો સાથ આપીશ ને ? બંતા તરત જ બોલ્યો એવુ હોય મારા દોસ્ત મિત્રને જરૂર પડે અને હું મદદ ન કરું ? હા ચાલો જોઈશુ ભવિષ્યમાં સમય આવે.સંતાને તો ખબર છે, તેનો મિત્ર તેના સહારે ઉપર જવા માગે છે, વખત આવે તે તેને મદદ નથી કરવાનો.

બંને મિત્રો કુદીને બહાર આવી ગયા કેટલી સુંદર જગા ખુલ્લુ મેદાન મોટા ઝાડ, વાહ આતો બહુજ સરસ જગા છે. ખુલ્લા મેદાનમાં બંને મિત્રો કુદા કુદ કરવા લાગ્યા. આ દુનિયામાં આવીને એતો ખુશ થઈ ગયા. કુદતા કુદતા મોટા સરોવર આગળ આવી પહોંચ્યા. બંતા બોલ્યો ઓહો કેટલુ સુંદર અને ભવ્ય, મારા દોસ્ત ક્યાં કુવાની નાની દુનિયા અને ક્યાં આ ખુલ્લુ મેદાન અને વિશાળ સરોવર, દોસ્ત તારો ખુબ ખુબ આભાર તું મને આ દુનિયામાં લઈ આવ્યો. બંને ખુશ થતાં થતા જોરમાં સરોવરમાં કુદી પડ્યા. અહિયાં તો ઘણા દેડકા અને દેડકિયો વસે છે. બંતાને તો જલસા પડી ગયા. તેણે તો  ગર્લફ્રેન્ડ શોધી કાઢી અને તેને લઈને છુ થઈ ગયો. સંતાએ સમજાવ્યો તારી ફ્રેન્ડ ને લઈને અહિયાં રહે, દુર ના જઈશ, માન્યો નહી અને દુર ચાલ્યો ગયો. સંતા તેના મિત્રના જવાથી દુખી થઈ ગયો. મેં જ તેને સહારો આપ્યો અને તે મને છોડીને ચાલ્યો ગયો, એક વખત પણ મારો વિચાર ન આવ્યો. હું તો એકલો થઈ ગયો. ત્યાંજ ડ્રૉઉ ડ્રૉઉ કરતો એક દેડકો આવ્યો તેનુ નામ કનુ. તેણે સંતાને પુછ્યુ તું કેમ આમ ઉદાસ બેઠો છે ? તેણે કહ્યુ શું કહું ભાઈ , મારો એક મિત્ર બંતા અમે બે જણા કુવામાં રહેતા હતા. બીજી મોટી દુનિયાની શોધમાં મહા પરાણે કુવામાં થી બહાર નીક્ળીને અહિયાં સુધી પહોચ્યા અને મારા મિત્રને એક ગર્લફ્રેન્ડ મળી ગઈ ના પાડી છતાં પણ મને મુકીને દુર ભાગી ગયો.મારો પગ પકડીને મારો સહારો લઈને કુવાની બહાર નીકળ્યો , મેં મદદ કરી એની પણ કદર ના કરી.

કનુ – “ મારા ભાઈ શાંતિ રાખ આ દુનિયા એવીજ છે, બીજાને સહારે આગળ વધવાનુ અને તેને જ ભુલી જવાનુ , મારી પણ તારા જેવી જ હાલત છે, તમે લોકો કુવાની અંદર રહેતા હતા હું અને મારો દોસ્ત મનુ કુવાની બહાર પાણીનુ નાનુ ખાબોચિયુ હતુ એમાં રહેતા હતા, ખબોચિયામાં થી બીજે જવાનો વિચાર કર્યો. મનુના પગે વાગ્યું હતુ એટલે મારી પીઠ પર બેસાડીને બહાર લાવ્યો, ખુલ્લા મેદાનમાં આવ્યા અને ત્યાંથી કુદતા કુદતા આ સરોવરમાં આવ્યા. મનુને ગર્લફ્રેન્ડ મળી એટલે એ તેની સાથે મને મુકીને ચાલ્યો ગયો. ભાઈ આપણે બંને સમદુખીયા છીએ. મારો મિત્ર મનિયો પણ મને દગો આપીને ગયો. દોસ્ત તેં કોઈ છોકરી કેમ ના શોધી ?”

સંતા – “ ભાઈ મને છોકરીઓના ચક્કરમાં પડવાનુ ગમતું નથી , હું થોડા જુદા સ્વભાવનો છુ “

કનુ – “ ભાઈ સંતા, ભલાઈનો જમાનો રહ્યો નથી, આપણો સહારો લઈ લોકો આગળ વધે અને આપણે ત્યાંના ત્યાંજ રહી જઈએ છીએ, આપણે જરૂર હોય તો કોઈ સાથ નથી આપતું ‘

સંતા  –  “ કંઈ નહી ભાઈ, દુખી થઈને શું ફાયદો, આપણે તો દોસ્તીને કારણ મદદ કરી હતી. દોસ્તીમાં નફા- નુકશાનના હિસાબ કરવા ના બેસાય. મેં દોસ્તી તો નિભાવી. એક દોસ્ત દોસ્તને કામ ન આવે તો દોસ્તી શું કામની ? “

એક નવતર પ્રયોગ ! તસવીર બોલે છે ( )

પૂર્વી મોદી મલકાણ

ટાંટીયા ખીંચ

આ ચિત્ર સાથે એક પ્રસંગ યાદ આવી ગયો. તે અહીં મૂકી રહી છુ. ઉપરોક્ત ચિત્રને હું ટાંટિયાખીંચ નામ આપું છુ કારણ કે આ ચિત્ર જોતાં મને ૬-૭ વર્ષ પહેલાનો એક પ્રસંગ યાદ આવી રહ્યો છે.

થોડા વર્ષો અગાઉ  મારા સ્ટોરની સામે એક ચાઇનીઝ સ્ટોર હતો. દર શનિવારે તેઓ ફ્રેશ સી ફૂડ લાવતા. આ સી ફૂડ મારા બચ્ચાઑ માટે ફન પાર્ટ બની રહેતો આથી તેઓ પોતે જોવા માટે જતાં અને કોઈવાર મને પણ પોતાની ટોળકીમાં શામિલ કરતાં.

આ ફૂડમાં ખાસ કરીને ક્રેબ જોવા મળતા. એક મોટા બકેટમાં આઈસ સાથે ટન ઓફ ક્રેબ રહેતા. એ બરફની ઠંડીથી બચવા માટે પ્રત્યેક ક્રેબને લાગતું હતું કે હું આ બકેટની બહાર નીકળી શકું છુ તેથી તેઑ બકેટના મુખ તરફ જવા માટે દોટ મૂકતા. જ્યારે કોઈ એક ક્રેબ સફળ થાય ત્યારે તે મુખની નજીક પહોંચતો. જ્યારે તે બકેટના મુખથી બસ થોડીક ક્ષણોની દૂરી પર હોય અને બહાર નીકળવાની તૈયારીમાં જ હોય ત્યાં જ તે ક્રેબનો પગ અન્ય કોઈ ક્રેબ ખેંચતો. જેને કારણે ઉપર ચડી રહેલા સ્પીડમાં બ્રેક આવતો અને તે પાછો ત્યાં જ પડતો જ્યાંથી તેની શરૂઆત થઈ હતી.

હવે તે પડેલો ક્રેબ એ એ જ જૂના ટોળાંનો ભાગ છે તેથી તે પણ એજ કરે છે જે તેની સાથે થયું છે. તે પણ ઉપર ચડી રહેલા અન્ય ક્રેબનો પગ પકડી ને તેને નીચે પાડે છે, અથવા તેને આગળ વધવા દેતો નથી. ઘણીવાર એવું પણ થતું કે જે ક્રેબ ઉપર ચડી રહેલા ક્રેબનો પગ ખેંચતો હોય તે જ વખતે કોઈ આવીને તે પગ ખેંચવા તત્પર થયેલા ક્રેબને પકડીને એક બેગમાં નાખીને ચાલતો થતો. આ જોઈ મને હંમેશા લાગતું કે જે બીજાનો પગ ખેંચે છે તેને પણ કોઈ છોડતું નથી, વહેલું કે મોડુ તેનો ય શિકાર થઈને જ રહે છે.

આ ક્રેબોની ટાંટિયા ખીંચ ગેઇમ જોઈને મને આપણાં રાજકારણી યાદ આવતાં. કારણ કે આપણાં રાજકારણીઑ પણ પોતાની ઈર્ષામાં બીજાને આગળ વધવા દેતા નથી અથવા એકબીજાના સપોર્ટ સિસ્ટમને વારંવાર ખેંચીને તોડ્યા કરે છે. એ ક્રેબની જેમ મને આ ફ્રોગ્સ પણ તેમાંના એક લાગે છે. એક ઉપર ચડે છે તો બીજાને લાગે છે કે હું કેમ કરીને રહી જાઉં ? એના કરતાં તો ઉપર ચડવાનો મારો અધિકાર પહેલા છે, એમ વિચારી એ પહેલા ફ્રોગનો પગ ખેંચવા પ્રયત્ન કરી રહેલો છે.

આ ચિત્રને જોતાં ટૂંકમાં એમ કહી શકાય કે આ કેવળ એક ફ્રોગ કે એક ક્રેબની વાત નથી આ આપણાં બધાની વાત છે. કારણ કે આપણે પણ બીજાની પ્રગતિ જોઈ શકતા નથી તેથી તેની પ્રગતિમાં અવરોધ લાવવા માટે પ્રયત્ન કરતાં રહીએ છીએ.   

 

પૂર્વી મોદી મલકાણ 

એક નવતર પ્રયોગ ! તસવીર બોલે છે () વસુબેન શેઠ.

પ્રેમનું બંધન

દેડકો થોડો રોજની દિનચર્યા અને વાતાવરણ થી કંટાળી ગયો હતો ,એટલે ઊંચી ડાળ પર જઇને બે પગ લબડતા રાખી બે પગના આધારે લટકી રહ્યો હતો ,એટલામાં એના પગ પર ભાર લાગ્યો ,નીચે જોયું તો દેડકી એના પગે લટકી ગઈ હતી,

દેડકી પ્રશ્ન કર્યો,”કેમ આજે મારા વગર એકલો ડાળ પર બેઠો છે”

દેડકો કહે “રોજના આ એક સરખા વાતાવરણથી કંટાળો આવ્યો એટલે વિચાર કરું છું ક્યાંક જતો રહું “

દેડકી તાડૂકી,”તમે મને છોડી ને જવા માંગો છો ,જો એવો વિચાર કરશો તો હું તમારો પગ છોડી દઈશ ,અને જરા નીચે નજર કરો,મારી શું દશા થશે,”

દેડકા એ નીચે નજર કરી ,ગભરાઈ ગયો ,તરત દેડકી ને ઉપર ખેંચી લીધી,અને ભેટી પડ્યો ,એને એની ભૂલ સમજાઈ ,

આ તો પ્રેમ નું બંધન છે                                                                                                                                                 વસુબેન શેઠ,

|

એક નવતર પ્રયોગતસ્વીર બોલે છે”-(૧૦)

પદમાં –કાન

માણસમાં જે કઈ વિકૃતિ આવવાની હોય તે  પહેલા દેડાકામાં દેખાય છે.પ્રકૃતિમાં પ્રદુષણ આવે છે એની અસર મનુષ્યોમાં આવે તે પહેલા દેડકામાં દેખાય છે.ખાસ કરીને વિકૃત બાળકો વિષે કહી શકાય.

જીવનમાં જયારે પિતા ખુબ મહેનત કરીને આગળ આવ્યા હોય ને જે ઉચાઈએ પહોચ્યા હોય તો એ સ્વાભાવિક છે કે તેનું બાળક પણ મહેનત કરીને આગળ આવે. પિતા અનેક રીતે સમજાવી બાળકને પ્રોત્સાહન આપે છે,ને માર્ગ દર્શન  કરે છે.પણ હર કોઈ થોડી મહેનતે ઝાઝું મળે તેવી કોશિશ કરતા હોય છે.

અહિં પિતા એટલે પિતા પરમેશ્વર અને જીવરામ તેમનો પુત્ર. જીવરામ અને શિવનો જન્મોજનમનો સંબંધ એટલે  એક બીજાની સાથે જોડાયલા છે.જીવરામ સંસારમાં આવ્યા પછી,એટલે કે જીવ જયારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે બહાર  નીકળવા માટે પ્રભુને ખુબ વિનવણી કરે છે.પણ જેવો તે પૃથ્વી પર અવતરણ કરે છે ત્યારે પ્રભુને ભૂલી જાય છે.

અજનબી દુનિયામાં,મોહમયી આ નગરીમાં એ અટવાઈ જાય છે. પહેલા પહેલા તો આ માયાવી નગરીમાં બધું બહુ સારું લાગે છે.  છેવટે મોહમયી નગરી એટલે ક્ષણભંગુર જ ને? ને તેમાં રહેવાથી જીવનની ચડતી પડતીના અનેક રંગો જોયા પછી મન ઉબાઈ જાય છે.  હવે તે ત્રાસી જાય છે.

જીવનમાં તમે કઈ કમાઈ પ્રગતી કરો, ઉન્નતી થાય તો પોતાને અનેં બીજા બધાને આનંદ થાય છે.કશુંક કરવાનો ઉત્સાહ આવે છે. જીંદગીમાં કેટલું કમાણા તેનો જરા સરવાળો માંડજો . પણ જિંદગી કેટલી હતી  અને કેટલી રહી એનો સરવાળો કેમ માંડવો? ખાધું પીધું ને  રાજ  કીધું એમાં ના કઈ દીધું!  હવે સરવાળો કેમ માંડવો?  આ વિચારોમાં દૃષ્ટિ ને માથું સહજ ઉચું થઇ  જતા પ્રભુની યાદ આવી જતા તેની સહેજ સ્હેજ ઝાંખી થવા માંડે છે.ને એક ટ્યુબ  લાઈટ ઝબકી જતા અરે !આ શિવ ભગવાનને તો  હું જુગ જુગથી જાણું છુ પણ હવે કઈ ઓળખાણ લઈને તેની સમક્ષ જાઉં?

આખી જિંદગી તો ખાધું, પીધું ને મોજ મઝા કીધી.ક્ષમા ભાવથી તેની સામે ટગર ટગર જોતા,પ્રભુએ મારા મનનો ભાવ જાણી લીધો.ને મનમાં જ મેં પ્રાર્થના કરી. હે પ્રભુ, તારા અનંત ઉપકારો મારા પર છે.છતાં તને ભૂલી જવાની મેં મોટી ભૂલ કરી છે. મને ક્ષમા કરી દે. હવે હું તારી પાસે આવવા ઈચ્છું છુ પણ કયા મોઢે આવું?કયાં રસ્તે આવું? યોગા કરું કે ધ્યાન કરું? કારણ કે હવેતો આ કાયા પણ સાથ નથી આપતી એટલે ઉમરના હિસાબે થોડું થાકી જવાય.ઉંમર ગમે તેટલી થાય તોય આપણે તો કહેવાઈએ તેના બાળ ,બરાબરને? છોરું  કછોરું થાય પણ તું તો માવિતર કહેવાય. ઉંમરના હિસાબે હવે વધારે કઈ કરવાનો  ડર  લાગે છે.

ભગવાન ખુબ દયાળુ છે.તે કરી  શકાય  તેવો ભક્તિનો માર્ગ બતાવે છે. એટલું તો જરૂરથી યાદ રાખજો,  જો તું રામનું નામ લઇશ ને તો મળશે આરામ .ને આ રામ મળશે તો મનને મળશે શાંતિ.મનમાં શાંતી  હશે તો આપોઆપ પ્રગટ થશે શક્તિ.  હિમ્મતે મરદા  તો મદદે ખુદા તો તેયાર જ છે ને! તારે ફક્ત રામનું સીધે સીધું  નામ લેવાનું છે.એટલું તો કરીશ ને?ને હા એક વાત જરૂરથી ભૂલ્યા વગર યાદ રાખજો.શિવ ભલા છે, ભોળા છે ને તેમની પાસે ભાલો પણ છે.

આ ભક્તિમાર્ગ દેખાય છે સરળ પણ તેમાય ભક્તિ માર્ગ છે શૂરાનો નહી કાયરનું કામ જોને,પ્રથમ પહેલા મસ્તક મૂકી મુખેથી લેવું નામ જો ને.  ભક્તિ માર્ગના પથ પર ચાલતા તમારા મનનો ભાવ પણ શુદ્ધ હોય એ જરૂરી છે.મુખમે રામ બગલમે છુરી તો શિવજીનો ભાલો પછી રહેશે ના દુરી! વાયદો આપીને પ્રભુને કે તમારા આત્માને છેતરો  ના જરી!

પદમાં –કાન

Ek navtar prayog tsvir bole che

 1. Why frogs and not any other animals. They are adaptable for water and earth. They are flexible in the environment they eat the harmful insects who spoil the harvest and atmosphere. They are very helpful to the environment and nature. This thought goes for friendship in their relationship. One is to be friendly with others. Whether as a father, son, brother, sister, mother, daughter or a stranger.
 2. Their sounds are very attractive in the spring season which again sends message to the society that we should be lovable in talk, our language should be sweet in speaking.
 3. Both animals are climbing; older master is taking the younger untrained upwards. This shows upliftment, materialistically, socially, intellectually, emotionally or spiritually.
 4. Their intention is pure i.e. to go up to get a goal in their life.
 5. Both are focused like a frog who is only accessible in his pond only. He doesn’t want to go out of his pond.
 6. Support: which is very important factor in ones life. Without anybody’s support, no one can achieve his ones goal. It is a positive attitude of the older.
 7. Seeker: of help if we don’t demand help or good things, no one will help us. We should be humble to ask for  help or to attain knowledge from our elder.
 8. Expressive: they are very expressive younger is fearful, he speaks out and the older one is equally expressive. He gives the idea to hold his one leg at a time while climbing.
 9. Friendly behavior and logical mind older gives the logic while explaining the consequences of their fall if the younger holds both his legs.
 10. Step by step –progress is the theme.
 11. Spiritual attitude: ram and sita ram are involved while one world because without the grace of god no one can attain success of happiness.
 12. Open minded-for dialogue and discussion criticism

Rajni Aanand

 

એક નવતર પ્રયોગતસ્વીર બોલે છે”-(૧૧) કુંતા શાહ

શું સુંદર આ દ્રશ્ય છે! આ ઝાકળ ભીના દ્રશ્યની પાછળ વનરાજી જોઇને હું ખોવાઈ જાઉં છું. મારું મન આનંદવિભોર થઈ જાય છે. પગમાં સ્ફૂર્તિ આવે છે પણ ઘડીભર એ દ્રશ્યને તીવ્ર આંખો થી પી લેવા ઊભી રહું છું.  કુદરતે રચેલું અલૌકિક રંગો અને સુગંધ નું મિલન અને એનાથી રાજી થતી ઝાકળ ના ભીંજાશની ઉષ્મા!

વળી, એક દેડકાનો પગ પકડીને બીજો નાનો દેડકો,અને  ઉપર ચઢાવનો પ્રયત્ન,અથવા યુવાન દેડકો અને દેડકી હોય તો શું મંગળફેરા લેતાં હશે કે પ્રણયને નવાજતાં હશે?ઝાકળ ના ભીંજાશની ઉષ્મા! સાથે દેડકી દેડકાનો પ્રેમ ની ઉષ્મા વર્તાય છે,”મેં હુના”  

અથવા જો દોરનાર દેડકો નાના દેડકાનો વડિલ હોય તો નાના દેડકાને કેટલી શ્રધ્ધા!  અને એ વડીલને પણ કેટલો પ્રેમ? જીવનમાં કંઇ પણ પામવું હોય તો પ્રથમ પગલું છે આપણા ધ્યેયમાં શ્રદ્ધા અને વિશ્વાસ. દેડકાને ઉપરવાળા દેડકા પર વિશ્વાસ ,શ્રદ્ધા અને વિશ્વાસ  સાચો હશે તો દૂરના ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નહીં પડે. સામાન્ય સંજોગોમાં આપણે જીવનમાં શું ખૂટે છે તેનો વધારે વિચાર કરતા હોઇએ છીએ, પણ જે મળ્યું છે તેના માટે કોઈનો આભાર નથી માનતા. જે નથી તેની ફરિયાદ કરતા રહેવા થી નકારાત્મક ઊર્જા સર્જાય છે અને આપણા માર્ગમાં અવરોધો ઊભાં થયા કરે છે. આપણને જે મળ્યું છે તેનો આભાર માની હકારાત્મક વાતાવરણ ઊભું કરીશું તો બીજા દ્વારા આપણી બીજી ઇરછાઓને પૂરી કરવામાં મદદ મળશે …

આ સંસારમાં એવું જ છે. દાદા, દાદી, મા, બાપ, કાકા, કાકી, મામા, મામી, ફૂઆ, ફોઈ, માસા માસી, ભાઇ, બહેન, ગુરુઓ અને માનેલાં સબંધિઓનો સહુ નો એક શિશુ ને ઉછેરવામાં ફાળો છે.  ખાસ તો ગુરુ, ભલે ઉંમરે નાના કે સમન્વય હોય પણ એ જો આપણો હાથ પકડી લે અને શ્રધ્ધાથી દોરાઇએ તો ઉન્નતિ પ્રાપ્ત થવા માં શંકા જ નથી.

આ કુદરત પણ કેવી છે ?ક્યાંક ને ક્યાંક સંકેત આપે છે

મિત્રો જે હોય તે આ તસવીરમાં મને વિશ્વાસ ,શ્રદ્ધા ,અને પ્રેમ  ઝાકળ ભીની ઉષ્મા ના પ્રતિબિંબ દેખાય છે.

આજે હું જીવું છું, આજ હું માણી લઉં કુદરત ની સમ્રુધ્ધિ, કાલની કોને ખબર છે?

ફોટામાં જીવિત દેડકાને જોતાં આનંદ સાથે કોલેજમાં મૃત દેડકાને ચીરતાં મન કચવાતું તે યાદ આવે છે.  આજે પણ કોઇ ઘા જોતાં મને શું વ્યથા થાય છે તે સમજાવી નથી શકતી,એવાં દ્ર્શ્યો મને અચૂક પૂના યુનિવર્સિટી યાદ અપાવે છે.  ક્લાસ માં જવાને બદલે એની વનરાજી માં ફર્યા કરતી.  મારે બોટ્ની વિષયમાં જ માસ્ટર્સ કરવું હતું પણ બાપુજી ની ઇચ્છા અનુસાર કૅમિસ્ટ્રી લીધું.  કૅમિસ્ટ્રી કરતાં આજે પણ મને બોટ્નીમાં જે શિખી હતી તે વધુ યાદ છે.  હવાઇનાં બોટનિકલ ગાર્ડન ની પણ વિશેષ યાદ છે.  મારા દિકરી, જમાઈ અને તેમનાં બે બાળકો સાથે ગઇ હતી. તેઓને ઘણા બધા છોડ, ઝાડનો પરિચય કરાવતી હતી.

ઘણી વાર એક પ્રશ્ન મનમાં જાગે છે.શું આપણી આવતી પેઢી આવા ફોટાઓ પોતાનાં કેમેરાથી લઇ શકશે? આ દેડકાની ગણત્રી હજુ સારી છે અને જાતે દિવસે લુપ્ત થવાનો ભય નથી પણ એમને રહેવાની કુદરતી વનરાજી ખૂબ ઝડપથી ઓછી થતી જાય છે અને તેથી તેમનાં આકર્ષક ફોટાઓ દુનિયા ના ઉપવનનો બચાવવા માટે વપરાય છે.

આજે ચાલો આ તસવીર ના હીરો દેડકાનું ઉદાહરણ લઈને કૈક શીખીએ।.. આપણી ધરતી મા પણ ઘણા ફેરેફારોની સાક્ષી છે.  માનવ જાતની ઉત્પત્તિ પહેલાં ડાઇનાસૌરની જાતીના પ્રાણી હતાં વિશાળ – કદમાં અને વજનમાં.  જો એ જાતી પ્રલય ને લીધે ભૂંસાઈ ના ગઇ હોત તો માનવ જાત જન્મી જ ન હોત. પણ માનવની ઉત્પત્તિ પછી, માનવીને હાથે કેટલાં પશુ, પક્ષી, જળચર અને વનસ્પતિ નાબૂદ થઇ ગયાં? આ આખું જગત એક બીજાને આધારે જ ચાલે છે. કુદરત નાં ક્રમ પ્રમાણે દરેક શિકારી કોઇક નો શિકાર હોય છે. ધરતી વનસ્પતીને ઉગાડે છે. મચ્છર, ગાય, ઘોડા, બકરા વગેરે એ વનસ્પતિ ખાઈને પોષણ મળવે છે.  મચ્છરનો ખોરાક દેડકા બનાવે છે, દેડકા સાપ, પક્ષી અને નાના સસ્તન પ્રાણીઓના ભોગ બને છે, નાના પ્રાણીઓ વાઘ, સિંહ, ચિત્તા વગેરેનું પેટ ભરે છે અને માનવી કદાચ કશું છોડતો નથી પણ સહુ પ્રાણી વહેલે મોડે મરે છે ત્યારે એ જમીનમાં ભળી જાય છે અને ખાતર બને છે જે વનસ્પતિની વ્રુધ્ધી માટે ખૂબ જ અનિવાર્ય છે.  જ્યારે આ ખોરાક યંત્રનું સમતોલપણું જતું રહે ત્યારે કુદરત વિફરે છે.

માનવીએ તો કુદરત ના ક્રમ ઉપર રાજ કરવાનું બીડું ઝડપ્યું છે! બીજાં કોઇ જીવને પૈસા નું ભાન નથી.  આપણે પૈસા ખાતર દેશો પર આક્રમણો કર્યા,  ગામના ગામ ઉજાડ્યા,  ઘણી માનવ જાતીઓને પણ ભૂતકાળમાં નાખી દીધી. હાથી નાં દાંત ની, હરણ, વાઘ, સિંહ, રીંછ, વરુ, મગર, સાપ, વગેરે ની ચામડી ની કિંમત સમજતાં તેઓની વસ્તિ ઓછી કરવા માંડ્યા.  માણસો વધ્યા એટલે તેમને રહેવાના કાગળ, મકાન તથા રાચરચિલા માટે લાકડાની જરૂરત વધી તેથી આપણે વનો ઉજ્જડ કરવા માંડ્યા છીએ. અને તેથી કુદરતી રીતે જ વનસ્પતિ થી આચ્છાદિત ભૂમિ આજે ત્વરાથી રણમાં બદલવા માંડી છે.  જુઓ ને, કેલીફોર્નિઆમાં હવે એક જ વર્ષ ચાલે એટલું પાણી છે.  ક્યાં ગયો વરસાદ અને ક્યાં ગઇ નદીઓ?  વાદળો અને પવન પણ હારી ગયાં.  શું આપણી આવતી પેઢીઓ આવા ફોટા પોતાનાં કેમેરાથી લઇ શકશે?

જે ગતિ થી ઘણા પશુ, પક્ષી અને વનસ્પતિ કુદરતી રીતે લુપ્ત થઇ રહ્યાં છે તે ગતિ થી પશુ, પક્ષી અને વનસ્પતિ મનુષ્ય જાતને લીધે ૧,૦૦૦ થી ૧૧,૦૦૦ ગણા નાબૂદ થઇ રહ્યાં છે.  આપણે વ્રુક્ષો તો કાપીએ છીએ, અને હા, સાથે સાથે બીજા રોપવાનો પણ પ્રયાસ કરીએ છીએ. પણ આભ ફાટે ત્યાં થીગડું ક્યાં મારીએ? માણસની વસ્તિ વધી, જરૂરિયાત વધી, તેથી અને ટેકનોલોજીનો છેલ્લી બે સદીઓથી એટલો વિકાસ થયો છે કે ગંદકી, પ્લાસ્ટિક વિવિધ જાતનાં રસાયણ અને ગેસોલિનને લીધે વાતાવરણ પર ખરાબ અસર થઇ અને પહેલાં જે જીવો ત્યાં અનુકૂળ વાતાવરણમાં રહેતાં હતાં તે જુદી જુદી માંદગીમાં ભોગ બની મરી જાય છે.

વસવાટ ની જગ્યા જ નથી રહી અથવા એ જગ્યા દૂષિત થઇ ગઇ છે તેથી લગભગ ૮૬% પક્ષી ઓ, ૮૬% સસ્તન પ્રાણી ઓ અને ૮૮% ઉભય જીવી દેડકાનાં કુટુંબી પ્રાણી ઓ નાબૂદ થવા ની તૈયારીમાં છે

બીજું શું ભૂંસાઈ ચાલ્યું છે? આપણી માતૃભાષા  એક જમાનામાં બ્રિટિશ અમ્પાયર પરથી સૂરજ કદી આથમતો નહીં તેથી લગભગ બધા દેશોની પ્રજા અંગ્રેજી ભાષા બોલાતી  થઇ ગઇ.  આદિવાસી, ગામડાના અને અભણ લોકો હજુ પોતાની માત્રુભાષાને વળગી રહ્યાં છે.  મારો જ દાખલો લઇએ.  હું પૂના ગઇ ત્યારે અમારા પડોશના બધાં ઇંગ્લિશ મિડિયમ ની સ્કૂલમાં જતાં અને જ ઇંગ્લિશ મા વાતો કરતાં.  તે જમાનામાં ઘણા અંગ્રેજ પણ સાનુકૂળ વાતાવરણને લીધે પૂનામાં રહેતા.  મને પણ આદત પડી ગઇ.  અહીં આવ્યા બાદ મિત્રમંડળ માં ગુજરાતીમાં વાત થાય, એ જ.  દિકરી ને રસ હતો એટલે એ ગુજરાતીમાં લખી વાંચી અને બોલી શકે છે, દિકરો સમજે છે.  દિકરી ના બે સંતાનો સમજે છે, બોલતાં નથી. મારા પછીની પેઢી પછી ખોવાઈ જવાની મારી માત્રુભાષા!  

  મને “બેઠક” યાદ આવે છે આજે “બેઠક”નો મને સહારો મળ્યો છે. એની દોરવણીને માનથી વધાવી ઉન્નતિ પામીશ.

 દેડકા વિષે જાણવા જેવું -આ ઉભય જીવી દેડકા દક્ષિણ મેક્સિકો, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાના ઉત્તર પ્રદેશનાં ઉષ્ણકટિબંધનિય વનમાં રહે છે.  દિવસે સુએ અને રાતે જાગે. તેઓ માંસાહારી છે. એ ઝાડના પાંદડામાં લપાઈને બેસે અને તીડ, મચ્છર, પતંગિયા વગેરેનો ચીકણી જીભ દ્વારા શિકાર કરે.

લાલ આંખ વાળા આ દેડકા, વધુ વખત ઝાડ ઉપર રહે છે. ઘણા વૈજ્ઞાનિક એમ માને છે કે લાલ આંખ વાળા દેડકાની આંખ એટલે લાલ હોય છે કે એનો શિકાર કરવા આવતા પક્ષી કે સર્પને ઘડી ભર વિચાર આવે કે આ પ્રાણી ખરેખર ખાવા જેવું છે કે નહીં!!!  અને એ પળ માં દેડકાને ભાગી જવાનો મોકો મળે છે.  દિવસ દરમ્યાન પાંદડાની નીચે ચોંટી ને, આંખ મીંચીને અને શરીર પરનાં ભુરા રંગની ભાત સંતાડી ને સુએ છે. પણ જો ભંગ પડે તો પોતાની આંખો ફુલાવી, મોટાં કેસરી પગ અને ભુરી ભાત વાળી પીળી જાંઘ બતાવે છે જેથી એના શિકારી ચમકી જાય છે. એ પળ માં દેડકા પોતાના જીવને બચાવવા ભાગી જઈ સંતાઇ જાય છે.  એમનાં તેજસ્વી લીલા રંગનું શરીર પણ શિકારીને ગૂંચવણમાં નાખવા માટે વપરાય છે.  મોટા ભાગનાં નિશાચર પ્રાણી ઓ જે આ દેડકાઓનો શિકાર કરે છે તે તીવ્ર દ્રષ્ટિ થી શિકાર શોધે છે.  આ તેજસ્વી રંગ થી શિકારીની આંખો અંજાઈ જાય છે અને દેડકો કૂદીને જતો રહ્યો હોય તો પણ તેની ભ્રાંતિ આપતી છબી રહી જાય છે.

કુંતા શાહ

એક નવતર પ્રયોગતસ્વીર બોલે છે (૧૨)

ચીમન પટેલચમન

જાય તો ખરો

મને મુકીને બીજે

છોડું ત્યારેને?

ચિમનભાઇ પટેલ “ચમન”

એક નવતર પ્રયોગતસ્વીર બોલે છે (૧૩) જીતેન્દ્ર પાઢ

ટાટીયો ખેંચવાનું બંધ કર 

આપ મેળે તું હવે આગળ વધ
જો મોટું થવું હોય તારે તો
સમજ, હિંમત રાખ ને સંઘર્ષ કર 

નહીં જીવવા દે કર જગત તને

હો,  વિકટ સમય તો સામનો કર
નક્કી વિજય હશે, તું હાથમાં
વિચારે સંજોગોને માત કર
હું આપી શકું હાથ પણ,

લાચારી છોડીને ખુદ્દારી કર.

 

જીતેન્દ્ર પાઢ ( વોશિંગ્ટનસીએટલ )

એક નવતર પ્રયોગતસ્વીર બોલે છે (૧૪) શૈલા મુન્શા

છે શું હિંમત?

જવા તો દઉં બીજે!

છોડ તો ખરો

*****

પડું કે બચું

નથી કો અવકાશ

શરણે તારે.

શૈલા મુન્શા

www.smunshaw.wordpress.com

શૈલાબેન

ચિમનભાઇએ હાઇકુ લખીને નવી દીશા બતાવી આપના બે હાઇકુ તેજ ધારે સંપૂર્ણ અને ગમે તેવા રચાયા  છે .

મને બીજા હાઇકુમાં વધુ રસ પડ્યો.. પ્રભુને કહેવાતી આ વાત આ ચિત્ર થી હટીને ભક્તિયોગ નું કે નાના ભજન નું સ્વરુપ પકડે છે.

એક નવતર પ્રયોગતસ્વીર બોલે છે (૧૫) ફુલવતી શાહ

તસ્વીર તો ઘણી સુંદર છે.એને જોતાં નકારાત્મક   તેમજ  હકારાત્મક  બંને પ્રકાર ના વિચારો આવી જાય છે. બંને રીતે વિચારણા કરીએ .આપણી કહેવત છે , જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટી ”  કાળા રંગના કાચ માંથી જોનારને દુનિયા વાદળ ઘેરી ઘુન્ઘળી દેખાશે,પછી ભલેને સૂર્ય સોળે કળાયે પ્રકાશી રહ્યો હોય.જ્યારે શુદ્ધ રંગ વિહીન  સ્વચ્છ  કાચમાંથી જોનારને દુનિયા એના કુદરતી રંગે રંગાયેલી રળિયામણી  દેખાશે  .

આ  તસ્વીર પણ માનસ પટ પર  કૈક એવી જ દ્વિધા ઉત્પન્ન કરે એવી  છે. એક દેડકો આપ બળે ઉપર ચઢી રહ્યો છે(1) જ્યારે બીજો દેડકો તેનો પગ પકડી  તેને  આગળ વધતો અટકાવી રહ્યો  છે.  અથવા (2)  બીજો દેડકો તેનો પગ પકડી સાથે ઉપર જવા પ્રયત્ન કરી રહ્યો છે.

કોઈક ને એવો  વિચાર આવે કે આગળ વધી રહેલા દેડકા ને પાછળ પકડી રહેલ દેડકો રોકી રહ્યો છે. પાછળ  પડી ગયેલો  દેડકો વિચારે કે મારાથી  આગળ કોઈ જાય શું? આગળ વધતાને હું અટકાવું ત્યારે જ હું સાચો . તેનો પગ તાણી  નીચે પાડવા પ્રયત્ન કરી રહ્યો છે.આમ બીજાની પ્રગતિ સહન ન થતાં ,બીજાની પ્રગતિમાં વિઘ્ન નાખવાની વૃત્તિ દેખાઈ આવે છે.  ઈર્ષા અને અદેખાઈની ભાવના! આનાં થી જુદું એમ પણ હોઈ શકે કે ઉપર ચઢી રહેલ દેડકાભાઈ જ ગર્વિષ્ટ હોય. હું પણું  એ અજ્ઞાનતા છે. મારા જેવું કોઈ નાં હોવું જોઈએ. હું જ કંઈક છું. પહેરવું , ઓઢવું કે બોલવું ….કોઈ મારી બરાબરી કરનાર ના હોવું જોઈએ.સમાજમાં મારી તોલે કોઈ આવવું ના જોઈએ . રખે કોઈ એનું અનુકરણ કરનાર નીકળે તો પગની લાત મારી એવો તો પછાડવો કે ફરી ઉભો જ ના થઇ શકે.આવી પણ શક્યતા હોઈ શકે.

પરન્તુ આ જ તસ્વીરને હકારાત્મક  દ્રષ્ટી બિંદુ થી નિહાળીએ તો કંઈક ઉચ્ચ આદર્શ આપી જશે. હું  (ઉપર વાળો દેડકો) આગળ વધવા પ્રયત્ન કરું છું,મારા આપબળે ઉપર ચઢવા જઉં  છું. તું પણ મારી પાછળ  ઉપર આવ. મારો પગ પકડ. હું તને મારી સાથે જ ઉંચે  ચઢાવીશ. એમાં  ઉત્તમ  ભાવના એ રહેલી છે કે મારા વિચારો  અને મારા વર્તન નું અનુકરણ કરી ને જેટલી તાકાત હોય તેટલી તાકાત અજમાવી મારો પગ પકડી રાખ.મારી સાથે ઉપર ચઢ. ઉપર વાળો દેડકો સાવધાનીપુર્વક આગળ વધી રહ્યો છે. સાથેસાથે પોતાને ભરોસે પગ પકડી પાછળ આવી રહેલા દેડકાનું પણ એને ધ્યાન છે.”વાડ  હોય તો વેલો ચઢે ” . ઉપર વાળા દેડકાની જેમ  માતા- પિતા બાળકો ની  ઉન્નતિ માં રસ લે. પતિ – પત્ની એકબીજાની  પ્રગતિમાં સહકાર આપે. સશક્ત યુવાન વર્ગ કુટુંબના  વૃધ્ધ અને અશકતોને સહાયરૂપ બને. આર્થિક સદ્ધર વ્યક્તિઓ અને  ઉત્તમ અભ્યાસ કરેલી વ્યક્તિઓ  નિરક્ષરતા નું નિવારણ કરવા કટિબદ્ધ થાય. શાળાઓ અને કોલેજો નું પુરતા પ્રમાણમાં નિર્માણ કરે / કરાવે  કે જેથી  કોઈ પણ બાળક અભણ ન રહે. ધનવાન અને સાહસિક વ્યક્તિ નવા ઉદ્યોગો સ્થાપી સમાજમાં રોજગારી ની તકો પૂરી પાડે જેથી કોઈ યુવાન બેકાર ન રહે. સમાજની જ્ઞાન અને વૈભવથી સમૃધ્ધ એવી  વ્યક્તિઓએ  પોતાની શક્તિ પ્રમાણે જરૂરીઆતમંદો ને મદદ રૂપ થવાની ઉચ્ચ ભાવના ઉપર વાળો દેડકો આપી રહ્યો છે.  આશા રાખીએ કે સમાજ આ તસ્વીર માંથી સુંદર બોધ ગ્રહણ કરે!
ફૂલવતી શાહ

એક નવતર પ્રયોગતસ્વીર બોલે છે (૧૬)

ડૉ. ઇંદુબહેન શાહ

 

શ્રી ચિમનભાઇ અને શૈલાબેનના હાઇકુ વાંચી,   બે હાઇકુ લખાઇ ગયા.

એક આધાર

ટચલી આંગળીનો,

ન છોડું હવે.

 

તુજ ચરણ

જીવનનો આધાર

એજ નિર્ધાર

(2)

એક દિવસ કુવામાં એક અજાણ્યા પ્રાણીને જોઇ સહુ દેડકાને કુતુહલ થયું આ વિચિત્ર પ્રાણી કોણ હશે? સૌ તેનાથી દૂર રહે, જોકે નવું પ્રાણી કોઇને હેરાન ન કરે પોતાની ડોક અંદર છુપાવી પડ્યું રહે, કદમાં ખૂબ મોટું અને જાડી ચામડીવાળું હોવાથી બધા દેડકાને બીક લાગે એક દિવસ નાના દેડકા દેડકી ને વિચાર આવ્યો આ રીતે બીતા ક્યાં સુધી રહીશું, ચાલ આપણે બન્ને તેમની સાથે દોસ્તી કરીએ,બન્ને ગયા, પુછ્યું ભાઇ તમારું નામ શું? તમે ડોક કેમ અંદર છુપાવી દ્યો છો? અમે નથી ગમતા?ના ના એવું નથી મને તો તમે બધા ગમો છો મારું નામ કાચબો હું કુવાની બાજુના તળાવમાં રહું છું, એ જગ્યા તો ખૂબ સુંદર છે મન થાય ત્યારે પાણીમાં સહેલ કરવાની રાત્રે જમીન પર સહેલ કરવાની, તમે પણ બહાર આવો મઝા આવશે મારી જેમ તમે પણ જમીન અને પાણીમાં રહી શકો છો, તો અહીં કુવામાં શું કરવા પડ્યા છો.દેડકો ને દેડકી ખૂશ થઇ ગયા, બન્ને એકબીજાને પ્રેમમાં હતા પણ તેમના વડીલો તેમને લગ્નની રજા નહોતા આપતા દેડકી પગે ખોટવાળી બહુ કુદી ન શકે દેડકો ખુબ સશક્ત સુંદર. દેડકાના વડીલોને મોટો વાંધો લંગડી ને ઘરમાં ન લવાય વેઠ કરવી પડૅ.

દેડકો ને દેડકી બન્નેને વિચાર આવ્યો ચાલો ભાગી જઇએ બહાર નીકળી લગન કરી લઇશું, દેડકાએ દેડકીને કહ્યું

“તું મારો પાછલો પગ તારા બે આગલા પગથી પકડી લેજે અને આપણે બેઉ ઉપર પહોંચી જઇને,લગન કરશું, ખુલ્લી હવામાં ફરશું, આ બંધિયાર કુવો અને ઘરડા દેડકાઓથી હું કંટાળી ગયો છું,”

” હાહો કંટાળી તો હું ય ગઇ છું, પણ હનિ ત્યાં મને કોઇ કનડશે તો નહીં ને?”

” અરે હું બેઠો છું ને તારું કોઇ નામ ન લે. દેડકીનો વિશ્વાસ પોતાના પ્રિયતમ પ્રત્યે દૃઢ થયો.”

બન્ને ઉપરની દુનિયાના સ્વપ્ન જોવા લાગ્યા, બધા દેડકા સુઇ ગયા ડ્રાંવ ડ્રાવ બંધ થયું કે તુરત દેડકાભાઇએ દેડકી સાથે કુદકો માર્યો અને પાઇપ પકડી લીધો, દેડકીએ પણ બરાબર પગ પકડી રાખ્યો, દેડકાભાઇ કુદ્યા અને બેઉ પ્રેમીઓ કુવાની બહાર.

થોડો આધાર મળે નબળાનો આત્મવિશ્વાસ વધે

ધાર્યા કાર્ય કરી શકે.

 

એક નવતર પ્રયોગતસ્વીર બોલે છે (૧૭) ધનંજય પંડ્યા

 

દેડકા રાજા દેડકી રાણી પ્રેમમાં થઈ ગયા પાગલ
પકડા-પકડી શરૂ થઈ, ના જોયું આગળ-પાછળ

એકે મારી છલાંગ મોટી, પકડી લીધી લાકડી
બીજાએ પણ દોડી જઈને છલાંગ મારી ફાંકડી

નિશાન એવું લીધું ને પકડી પ્રેમીની તંગડી
જોવા જેવી થઈ હવે તો બની પ્રેમીઓની સાંકળી

હળવે-હળવે આવજે ઉપર, મજબુત પકડ છે મારી
પ્રેમ ગીત ગાશું સાથે સાથે ડ્રાંઉ-ડ્રાંઉ રાગ તાણી

ધનંજય પંડ્યા

એક નવતર પ્રયોગતસ્વીર બોલેછે (૧૮) કલ્પના રઘુ

અહીં ચિત્રમાં કૂવાને કાંઠે દેડકાનો પગ બીજા દેડકાએ પકડયો છે. અને ઉપર ખુલ્લું આકાશ નજરે પડે છે. હું અહીં દેડકા-દેડકીની કહાણી રંગલા-રંગલીનાં સંવાદ દ્વારા રજૂ કરી રહી છું.

આધુનિક જીવનનું કડવું છતાં મીઠું નગ્ન સત્ય રજૂ કરું છું. અસંખ્ય ભારતીય માતા-પિતા, છતે સંતાને વાંઝિયા બની ગયાં છે. બાળકો કૂવામાંનાં દેડકાં નહીં રહેતાં પરદેશ આવીને તેમનો સંસાર શરૂ કરે છે. કારણકે ક્ષિતિજ વિસ્તરતી જાય છે. હું-મારી પત્નિ અને મારાં બાળકોમાં તેમનો સંસાર પૂરો થઇ જાય છે. પાછળ વળીને જોવાનો તેમની પાસે સમય નથી, આ એક સત્ય છે અને તેમાં કંઇ અજૂગતુ નથી. આગળ વધવું છે તો પાછળ જોવાની જરૂ કયાં? ગંગા હિમાલયમાંથી ઉપરથી નીચેજ વહે. કયારેય સાંભળ્યું છે? નીચેથી ઉપર જાય છે?

તો મિત્રો, સાંભળો મારી રચના …

કૂવામાંનો દેડકો

 રંગલા રંગલીનો સંવાદઃ

એક છે રંગલો, એક છે રંગલી. (૨)

રંગલો બોલે, સાંભળ રંગલી, (૨) તા થૈયા થૈયા તા થૈ …

કૂવાનાં કાંઠે જુઓ નજારો,

એક છે દેડકી, એક છે દેડકો.

દેડકો બોલે ડ્રાઉં ડ્રાઉં,

દેડકી બોલે ડ્રાઉં ડ્રાઉં.

આ ડ્રાઉં ડ્રાઉંના ચક્કરમાંથી,

હવે તો બહાર નીકળી,

કૂવામાંની દેડકીમાંથી,

બનીજા મારી દેડકી.

આ વહેતી નદી, તળાવ સમંદર,

અગાધ પાણી ચારેકોર.

લે સહારો જે મળે,

હવે રાહ નથી જોવાનો.

ભેટ મને ને પકડ હાથ,

ચાલ જઇએ દુનિયા પાર.

પાછળ ફરીને જોઇશ મા,

આગળ જોઇને દોડતી જા,

કુદકે ભૂસકે આગળ વધશું,

બહારની હવા ખાશું.

નાચશું ગાશું ડ્રાઉં ડ્રાઉં કરશું,

દોડશું ભૂસકા મારશું.

આપણે બન્ને પરણી જાશું,

એક બીજાના થાશું.

તું મારી દેડકી, હું તારો દેડકો,

આપણી દુનિયા વસાવશું.

અને કૂવામાંના દેડકાનું,

આપણું મ્હેણું ભાંગશું.

રંગલો કહે રંગલીને,

એ ના ભૂલતી વહાલી,

હું છું તારો રંગલો ને,

તું છે મારી રંગલી. તા થૈયા થૈયા તા થૈ …

કલ્પના રઘુ

એક નવતર પ્રયોગતસ્વીર બોલેછે (૧૯)પ્રજ્ઞા દાદભવાળા

તસ્વીર બોલે છે”  ના સંપાદક શું બોલે છે

તસ્વીર  બોલે છેએવા ​ વિચાર ભલે મારા છે.
પણ  ખબર છે,  વિચારમાં કઈ હકીકત સમાણી છે.?

 તસ્વીર પણ બોલે છે.

કુદરત જાણે સાથ જોડે છે
ફોટો નહિ શબ્દો બોલે છે.
ગમતા પાત્રો શોધી બોલે છે.
દરેકના મન અનેવિચાર બોલે છે.
હા આજે તસ્વીર પણ બોલે છે.

પ્રેમની ઉષ્મા ઝાકળ બની બોલે છે.
પ્રેમ જાણે લટકી બોલે છે.
પ્રેમ નો તરફડાટ બોલે છે.
પ્રેમનો ઓડકાર ડ્રાઉં ડ્રાઉં,બોલે છે.
હા આજે તસ્વીર પણ બોલે છે.

ઉચે ચડવાની હરીફાય બોલે છે.
દુશ્મની ચાડી ખાય બોલે છે.
ટાટિયા ખેચ પગથી બોલે છે.
ગાદી અને સત્તા નો ગર્વ બોલે છે.
હા આજે તસ્વીર પણ બોલે છે.

દોસ્તી વારંવાર બોલે છે
એકબીજાનો વિશ્વાસ બોલે છે
નવી શોધ નો પ્રારંભ બોલે છે
સહિયારો સાથ સર્જનમાં બોલે છે.
હા આજે તસ્વીર પણ બોલે છે.

પ્રકૃતિનો આત્મા આજે બોલે છે.
દેડકાનો સંહાર બોલે છે.
આવિષ્કારમાં કતલ બોલે છે.
ઝાકળના બિંદુમાં આંસુ બોલે છે.
હા આજે તસ્વીર પણ બોલે છે.

મોક્ષ માર્ગ લાકડી બોલે છે
આવરણો વિના શુદ્ધતા બોલે છે
ગુરુ શિષ્યનો સાથ બોલે છે.
ગુરુનું જ્ઞાન મંગલમ બોલે છે.
હા આજે તસ્વીર પણ બોલે છે

રંગલો અને રંગલી બોલે છે
પ્રેમ નો અહેસાહસ
વિશ્વાસ,દોસ્તી
ગાદી અને સતા
ઝાકળના આંસુ
ગુરુનું જ્ઞાન
દેડકાનો સંહાર
બધું તસ્વીર બોલે છે
તો માનવી ચુપ કેમ છે ?

પ્રજ્ઞાજી

એક નવતર પ્રયોગતસ્વીર બોલેછે (૨૦) –રોહીત કાપડિયા

શ્રી ચિમનભાઇ અને શૈલાબેનના હાઇકુ વાંચી,   બે  બહુ જ સરસ વાત હાઈકુ દ્વારા કહી છે. આપનાં હાઈકુ વાંચતા જ એક વિચાર હાઈકુ રૂપે જ સ્ફૂર્યો,

ભવસાગર
તરવા માટે, એક
સહારો કાફી

રોહીત કાપડિયા

| Leave a comment | સંપાદન કરો

એક નવતર પ્રયોગ તસ્વીર બોલે છે ( ૨૧)

રમેશભાઇ પટેલ

આ તસ્વીરમાં મને એક પતિ પત્ની  દેડકો અને દેડકીના સ્વરૂપે દેખાય છે.

એક પતિ પત્ની હતા. ખુબ સાધારણ હતા. એમ કહો ખુબ ગરીબ હતા.ઘણાને ખાવા માટે એટલી વાનગી હોય કે શું ખાવું એ પ્રશ્ન સતાવતો હોય છે જયારે આ પતિપત્નીને આજે શું ખાશું એવો પ્રશ્ન સાંજ થયે થતો. ઘણી વાર તો માત્ર પાણી પી ને સુઈ જતા ,આમ દિવસો પસાર થાય છે. ધીરે ધીરે મહેનતથી કમાણીમાં આવક થાય છે ,ઘર લે છે પરિવાર પણ વિસ્તરે છે હવે ખોબો ભરાઈ ગયો છે. પણ કશુક ખૂટે છે.બાળકો હવે મોટા થઇ ગયા છે.ઉમર વધતા બાળકોને બધું સોપી દીધું  છે. હવે બાળકો જ બધું સંભાળે છે.

એક દિવસ દીકરો બાપ ઉપર ચોરીનો આળ ચડાવે છે ત્યારે એને મનમાં થાય છે કે મેં આ શૂન્યમાંથી સર્જન કર્યું અને મારી પર આવો આળ ? મનમાં દુઃખ થાય છે. અને પોતે દીકરાના ઘરમાંથી નીકળી જવાનો  નિર્ણય કરે છે. પત્નીને દુખી કરવી નથી માટે ચુપચાપ રાત્રે કોઈને કીધા વગર નીકળી પડે છે. ચાલતો ચાલતો મંદિર ના ઓટલે બેસે છે અને આંખમાં આંસુ સરી પડે છે. અને બે હાથ જોડી આંખો બંધ કરી ભગવાનને કહે છે  હવે હું તમારે સહારે છું ત્યાં કોઈ આવીને પગથીએ એના પગ પકડી બેસી જાય છે અને જોવે છે તો એમના પત્ની એમના પગ પાસે બેસતા કહે છે કે તમે મને કેમ અળગી કરી ? આખી જિંદગી આપણે સુખ અને દુઃખમાં સાથે રહ્યા તમે આમ મુકીને કયાં નીકળી પડ્યા આ નીચેની દેડકી સાવિત્રીની જેમ પોતાના પતિના પગને વળગી ને કહે છે કે જ્યાં તમે ત્યાં હું .. …

અને પ્રેમ ડ્રાઉં ડ્રાઉં બોલે છે અને  ઉષ્મા અને આસું ઝાકળ બની સરી પડે છે.

​(આમ એક દેડકીમાં પતિવ્રતા સ્ત્રી દેખાય છે જે આપણી સંસ્કૃતિ છે )​

રમેશભાઈ પટેલ

એક નવતર પ્રયોગતસવીર બોલે છે -(૨૨) દિલીપભાઈ ​શાહ

 

હું બીજા બધાની જેમ ખુબ સુંદર લખતો નથી પરંતુ તસ્વીર જોઇને મને મારા જુના દિવસો યાદ આવે છે હું એક એન્જીન્યર છું અને મેં વ્યવસાયમાં હમેશા હરીફાય થતા જોઈએ છે , દેડકાની તસ્વીરમાં મને એક માર્કેટિંગ નો માણસ અને એક ટેકનિકલ માણસ દેખાય છે નીચેનો દેડકો માર્કેટિંગ વાળો છે જેને ખુબ ઝડપથી આગળ વધવું છે જયારે ઉપરનો દેડકો ટેકનિકલ છે જે બધું ચકાસીને આગળ વધવા માંગે છે અને કુદકે ભૂસકે વધતો માણસ  ઉપરના ટાટિયા ખેચી કુદકો મારવા ની કોશિશ કરી રહ્યો છે અહી  ઉચે ચડવાની હરીફાય બોલે છે. હરીફાય નો કુદકો દેખાય છે  

​દિલીપભાઈ ​શાહ

એક નવતર પ્રયોગતસવીર બોલે છે(૨૩) પ્રજ્ઞા દાદભાવાળા

ત્રણ દેડકા હતા,ખુબ સારા મિત્રો, યુવાન હતા એટલે કૈક નવું કરવાની ખુબ ધગસ હતી. બધા રોજ વાતો કરતા યાર આ કુવા માયલા દેડકા કી જેમ આપણે જિંદગી જીવાવવાની  આ કુવાની બહાર  ખુબ મોટી દુનીયા છે ચાલોને કૈક નવું કરીએ ..એની વાત એક પીઢ દેડકાએ સાંભળી કહે જો મને તમારા વિચાર ઉમદા લાગે છે. મને ક્યાંક કૈક ખૂટતું દેખાય છે તમે વિચારો ને ગ્રહણ કરો છો પણ તેને પોષતા નથી. કૈક કરવું હોય તો માત્ર વાતો ન કરશો. વિચારો એમ સાર્થક નથી થતાં. વિચારોને પણ પકવવા પડે છે. સારા વિચારને વળગી રહેવું પડે છે.વિચારને પકડી રાખવામાં મહેનત કરવી પડે છે. આમ એટલે આમ જ કરીશ એવું નક્કી કરવું પડે છે. આપણામાં એટલી ધીરજ જ ક્યાં હોય છેબધાને બધું જ ઝડપથી જોઈએ છે.વિચારોને દરરોજ મહેનતનું પાણી પીવડાવતાં રહેવું પડે છે.અને દાદા એક તસ્વીર લઇ આવ્યા આ જુઓં, તમારી જેમ આપણા કુવામાં તમારી જેવા ખાસ મિત્રો હતા એમને પણ ઉચાઇએ પોહ્ચવું હતું એક દિવસ એક દેડકાએ બહાર જવાનો પ્લાન બનાવ્યો ચાલો કૈક કરીએ પણ તક મળવી જોઈએને અને એક દિવસ તક મળી ખુબ વરસાદ પડ્યો કુવો છલકાણો ,પેલાએ કહ્યું ચાલો શરુ થઇ જાવ તક મળી છે એકબીજાના પગ પકડી રાખજો હું પેલી લાકડી પકડીશ તમે બધા મને સાથ આપવા પગ પકડજો  હું જેવો ઉપર જઈશ એ મુજબ તમને શું છે તે કહેતો રહીશ પાંચમાંથી એક દેડકો તો ફસકી પડ્યો..આવું તમને ન થાય માટે તમે એક ઇચ્છા સેવો છોને આ ઇચ્છાને બળવત્તર બનાવો. ઇચ્છાને સિદ્ધિમાં ફેરવવા મહેનત કરો. આજે જે લોકો આગળ છે એ ત્યાં એમ જ નથી પહોંચ્યાતેની પાછળ તેમની મહેનત હોય છે.સૌથી ઉપર ઉભેલો દેડકો બધાનો બોજ લઇ જીમેદારી થી કામ કરતો હતો..

બધા એક બીજાને પકડીને ઉપર ચડ્યા સૌથી ઉપરનો દેડકો હતો જેના પર બધાનો ભાર હતો તે ક્યારેક થાકી જતો પણ ખંત થી કુવાની ટોચ સુધી પોહ્ચ્યો પણ પાણી બહાર જેવું ડોક્યું કર્યું કે બહાર ઉભેલા બાળકોએ તાળી પાડી, પહેલા ગભરાણો પછી તો એનો ઉત્સાહ વધ્યો થોડો ઉપર ગયો,પણ આ તાળીનો ગળગળાત સાંભળી બીજા નીચે લટકી રહેલા દેડકાને થયું પેલો એકલો જશ ખાય છે. અને એમને અદેખાઈ થઇ,કોઈકે ઝટ ઉપર આવવા કોઈકના બે પગ ખેચ્યાં અને બન્ને નીચે પડ્યા અને છેલ્લે માત્ર બે રહ્યા નીચેવાળા દેડકાએ પૂછ્યું આ અવાજ શેનો છે? તો કહે આ છોકરાવ આપણ ને જોઈ તાળી પાડે છે પણ વધારે ઉપર જશું તો પત્થર લઈને ઉભા છે? અને આપણને મારશે માટે આપણે શાંતિથી કામ કરવું પડશે ડ્રાઉં ડ્રાઉં કરી એમનું ધ્યાન આ તરફ ન દોરતો સમજી ગાયોને હું તારો બોજ ઉપાડું છું તું બસ મને પકડી રાખજે મારામાં વિશ્વાસ રાખજે સમય આવતા આપણે બહાર નીકળશું અને બન્ને મિત્રો ધીરજથી કામ કરી બહાર નીકળ્યા તેમને જોઈં રહેલા એક પત્રકારે તમની તસ્વીર પાડી અને જોઓં કેવા ફેમશ થઇ ગયા…

પ્રજ્ઞાજી

એક નવતર પ્રયોગતસવીર બોલે છે (૨૪)

નિહારિકા શશીકાંત વ્યાસ

 

ચિત્ર દર્શન

        ચિત્ર જોઇ મને વિચાર આવે છે કે એક સમર્થ તાકાત વાર આત્મા પરમાત્માની વિશાળતા નું ઘણા ઊંચેથી દર્શન કરી રહ્યો છે. આત્મા ધારણ કરેલા શરીરને એક આલંબન રૂપી લાકડી મળી છે ચિત્રમાં તમે જુઓ!  એટલી બધી ઊંચાઇ છે કે જ્યાંથી ઊંચા પર્વતો ની ટોચ દેખાય છે.  વિશાળ આકાશને સ્પર્શતી પર્વતો ની ટોચ અને બ્રહ્માંડ જેવું વિશાળ આકાશ.  એક સ્લ્લ્કડીનો સહારોછુટી જાય તો નીચે ક્યાં પડાય તે કહેવું મુશ્કેલ! ત્યારે આવા સમર્થ ગુરુના ચરણ ને તેમના શિષ્યે પકડી લીધો છે અને ગુરુના જ્ઞાન ને પ્રાપ્ત કરી રહ્યો છે.

        દુનિયામાં કંઇક તો આધાર જોઇએ તો ગુરુને પણ આત્મ જ્ઞાન રુપી લાકડી મળી છે. જેના આધારે તે સર્જનહાર અને તેમણે બનાવેલા ત્રણ લોક નું દર્શન કરી રહ્યા છે ત્યારે તેમના ચરણ પકડી ઓછી તાકાત ધરાવતો અજ્ઞાની શિષ્ય ગુરુ નાં શરણે  જઈ રહ્યો છે.  તેમના ચરણ ગ્રહણ કરી પોતાના આત્મા પણ ઉર્ધ્વ ગતિએ પહોંચાડવા પ્રયત્ન કરી આત્મા છે.

દુનિયામાં ગુરુ નું જ્ઞાન કથીર જેવાને કંચન સમાન બનાવે છે. સાત્વિક, જ્ઞાની ત્યાગી પરમહંસ કોટી ના સંત ના ચરણો પકડી લેવાથી આત્મા પરમાત્મામાં પામે છે .આત્મા ને મોક્ષ મેળવવો હોય તો સંસાર ની તમામ લાલચ ને છોડી સમર્થ સાચા સંત ના ચરણમાં સ્થાન લેવું પડે છે. ત્યારે સાચું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે.

જીવન પણ આવુ છે.સમર્થ ગુરુ જેમણે જ્ઞાન રૂપી લાકડી પકડી પોતાના જીવનને ઉર્ધ્વ ગતિએ પહોંચાડ્યું છે. જ્યાં પહોંચ્યા છે ત્યાં સંસાર નીદુનિયાની કોઇ વિટંબણા નથી, ફક્ત અલૌકિક પરમાત્મા ના દર્શન છે. પરમાત્મા ના દર્શનનું જ્ઞાન પરમાત્મા પ્રાપ્તિની કક્ષાએ ગુરુ પહોંચેલા છે .  તેમનો ચરણ પકડી શિષ્ય તેમની કક્ષા સુધી પહોંચવા પ્રયત્ન કરી આત્મા છે.  કહ્યું છે કેગુરુ ગોવિંદ દોનુ ખડે કીનકો લાગુ પાય, બલિહારી ગુરુ દેવકી, જિને  ગોવિંદ દિયા  બતાય”.   પ્રમાણે જ્ઞાની સંત ગુરુ નું શરણ સ્વિકારવાથી ગુરુ આત્મા ને પરમાત્મામાં ભેળવા લાયક બનાવે છે. અહિંયા ચિત્રમાં લાકડી એક આધાર છે જે પરમાત્મા પ્રાપ્તિનું જ્ઞાન રૂપી સાધન છે જેને ભક્તિ પણ કહી શકાય.   ભક્તિ રૂપી લાકડી ના આધારે પરમાત્માએ બનાવેલી સૃષ્ટિનું અને સર્જનહાર નું બન્ને નુ શુધ્ધ દર્શન થાય છે અને તેના માટે કોઇ શબ્દ પણ નથી .

ગુંગાને જ્યોં ઘેબર ખાઇ, ડ્કાર માત્ર દિખાઇ”  ગુરુજી જોઇ રહ્યાં છે કેકલ્હિલ બ્રહ્માંડ માં એક તું શ્રી હરીસમર્થ ગુરુ નો ચરણ પકડી તેમના આશ્રયે તેમનો શિષ્ય જગતના બંધનમાંથી મુક્ત થઇ બ્રહ્માંડ ના દર્શન કરવા ઝંખી રહ્યો છે અને આવા સમર્થ ગુરુ નો આશરો મળ્યા પછી તેને શ્રધ્ધા છે કે ઊર્ધ્વગતિ કરતા આગળ વધતા ના ચરણ પકડવા થી બીજાને પણ તે ગતિ જરૂર થી મળે છે. કહે છે ને કે સમર્થ ઘરના શ્વાન ને પણ માન પાન મળે છે તો ઓહિયાં જે ગુરુ મોક્ષ પ્રાપ્તિની કક્ષાના છે તેમનો ચરણ પકડી જ્ઞાનની કક્ષા પ્રાપ્ત કરી શિષ્ય પણ પરમાત્મા ના દર્શન કરવાનો છે. જગતની વિઅંબણાથી ઘેરાયેલ માનવી જ્યારે સમર્થ ગુરુના ચરણ પકડે છે અને ગુરુના માર્ગદર્શન હેઠળ જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે તે આત્મા ને પરમાત્મામાં ભેદ ઉકેલે છે પરમહંસ કોટી ના ત્યાગી, જ્ઞાની સંતો પારસ સમાન હોય છે.  અરે! તેઓ તો તેનાથી પણ આગળ હોય છે.  પારસ લોખંડ ને અડીને સોનું બનાવે છે પણ સંતો તો તેમના ચરણ પકડી તેમના આપેલા જ્ઞાન ને આધારે સાત્વિક જીવન તેમના સમાન બનાવે છે. એટલે કે સંત ગુરુ પારસ છે તો શિષ્યને પણ પારસ બનાવે છે. લોખંડ જેવા માનવીમાં પરિવર્તન આવે છે અને પારસ બનાવે છે. આમ જ્ઞાન થકી ઉંચ કક્ષાએ પહોંચેલા ગુરુના ચરણ પકડી શિષ્ય પણ પરમાત્મા સુધી પહોંચી શકે છે

આપણા ભારત દેશમાં ગુરુની પરંપરા ચાલી આવે છે. તેમાં ગુરુ કરતાં તેમની પાદુકાનું મહત્વ વધારે હોય છે અથવા પાદુકાજીમાં ગુરુના દર્શન કરવામાં આવે છે.  માથાની પાઘડી કરતાં પાદુકા ને પૂજનીય ગણાય છે કારણ પાદુકા ચરણમાં રહેલી છે.  તેથી ચિત્રમાં નાના દેડકા મોટા ગુરુનો ચરણ પકડ્યો છે.

નિહારિકા શશીકાંત વ્યાસ

એક નવતર પ્રયોગતસવીર બોલે છે-(૨૫) મધુરિકા શાહ.

નહીં જવા દઉં!

નહીં જવા દઉં! હું તારો ટાંટીયો છોડવાની નથી. આપણાં બાળકોને હજુ આપણા બન્નેની જરૂર છે. સંસાર માંડ્યો છે.  ફરજો બજાવવી જ જોઇએ.સંસારથી આમ ભાગવાની જરૂર નથી. માત્ર આપણી ફરજો પૂરી કરતાં સંસાર આપણામાં ન ગરી જાય એ રીતે જાગતાં રહેવાની જરૂર છે. નહીં જવા દઉં!  સંસારમાં જે કર્તવ્ય છે, તેને છોડીને ભાગી જવું ઉચિત નથી. જયાં સુધી જીવો છો. કર્મ ચાલતુ જ રહેશે.આમ ભટક્યાં જ કરીશ!તમે દોડીને પણ જોઇ લીધું કે પહોંચી શકાતુ નથી.રથનાં બે પૈંડા સરખા હોય તો રથ સરળતાથી ચાલે. એક પૈંડાથી તો અધૂરપ જ રહે એઅલે જ પુરૂષ ને પ્રકૃતિ, ઇવ ને આદમની રચના કુદરતે કરી છે.પત્નીને અર્ધાંગીની કીધી છે પણ માત્ર અર્ધાંગથી તો અધુરું જ રહે.

વાંધા વચકા કાઢ્યાં વગર અહંભાવ ઓછો કરી સહનશીલતા રાખી જો પતિ પત્ની એક બીજાનાં પૂરક બને તો ઘરેથી ભાગી મન બીજે ભટકે નહીં, અને જીવનથી એટલો હતાશ અને ભાંગી બાવો બની જાઉં એવા વિચાર આવે. સંસારથી દૂર ભાગવાની જરૂર નથી . જે જીવનમાં પ્રેમ નથી ,તે જીવનમાં એક પ્રકારનો અજંપો  હોય છે અનેક પ્રકારના રોગ હોય છે .પ્રેમના અભાવને કારણે બધી ગડમથલો છે.તને તારામાં ભરોશો નથી અને મારામા વિશ્વાસ નથીઆમ વિશ્વાસ ગુમાવવાથી શું મળશે હું તને ભાગેડુ નહિ બનવા દઉં,આપણે બન્ને સાથે મળીને આપણા પ્રશ્નો ઉકેલશું. હું તારો ટાંટીયો છોડવાની નથી.નહીં જવા દઉં!

 

એક નવતર પ્રયોગ.- તસવીર બોલે છે.-(૨૫) જયવંતી પટેલ

આ તસવીર જોઈ એવો ખ્યાલ આવે છે આ નાના જીવોની ફિલોસોફી નાની હોતી નથી.  સૌની સાથે એક બીજાની મદદથી ઉપર ચડો, કોઈના પગ ન ખેચો.આ તદન સાચી વાત છે  એકબીજાનાં પગ ખેચો તો જરૂર પડી જવાય પણ એક બીજાના પૂરક બનો તો ઘણી ઉચાઈએ પહોંચી શકાઈ  અહી મને એક વાત યાદ આવે છે.

બે મિત્રો હતા – લંગોટિયા મિત્રો ખૂબ જોખમ ખેડી પોતાની માતૃભૂમિ છોડી આફ્રિકા ગયા બંનેને કઈક સાહસ ખેડવું હતું ત્યાં પહોચ્યાં પછી સમજાયું કે તેમની પાસે કોઈ આવડત નથી:તેમજ પૈસા પણ નથી હવે શું કરવું ! હિંમત ન હાર્યા, બીજાને ત્યાં નોકરી કરી થોડી બચત કરી અને નાનો વેપાર શરૂ કર્યો  ધીમે  ધીમે વેપારની રીત સમજાવા માંડી; બન્ને મિત્રો સાંજે ભેગા બેસી કાલે શું કરવું તેની વાત કરતા અને તેનો અમલ કરતા  આ વાતને વર્ષો વિતિ ગયા -બન્ને પૈસાદાર બની ગયા હવે તો મોટી કંપની હતી, મોટું ટીમ્બર યાર્ડ અને મોટા ઓર્ડરો આવતા,એક મિત્રની પાસે વાકચાતુર્ય હતું,  સામી વ્યક્તિને પારખી લેતો, તેની સાથે વાતો કરી, સારૂ લંચ ખવડાવી કંપની માટે ઓર્ડરો લઇ આવતો.

હવે બીજો મિત્ર શાંત હતો પણ કુશળ હતો ઓફિસે અને મીલ પર બેસી કામદારોને સંભાળતો – માલ ન ચોરાઈ તેનું બરાબર ધ્યાન રાખતો  હિસાબ કિતાબ સંભાળતો અને પૈસા સાચવીને ઈમાનદારીથી બેન્કમાં જમાં કરાવતો  વર્ષની આખરે બન્ને મિત્રો ભાગ વહેંચી લેતા  આ યોજના લગભગ ચાલીશ (40) વર્ષ સુધી ચાલી હવે વીસ વર્ષે શરૂ કરેલા ધંધાને ચાલીશ વર્ષ થાય તો બન્ને મિત્રો પણ સાઈઠ વર્ષનાં થઈ ગયા બન્નેના છોકરાઓ મોટા થઇ ગયા, ભણી ગણી લીધું અને બાપાની સાથે ધંધામાં આવવા તત્પર થઇ ગયા  – એટલે  બન્નેના છોકરાઓએ તેમનાં પિતાને મદદ કરવા માંડી,  થોડા વખતમાં જ પહેલા મિત્રના છોકરાને એમ લાગવા માંડયું કે બધું કામ તો હું અને પપા કરીએ છીએ ઓર્ડરો લઇ આવીએ છીએ, કોને કેવી રીતે મનાવી લેવો ઇમપ્રેસ કરવો  – થોડો દારૂ પીવડાવવો અને કામ કઢાવી લેવું – કાકા (એટલે કે બીજો મિત્ર )તો ખાલી ઓફિસમાં બેસી રહે છે ખાસ કઈ કરતાં નથી: અમે ઓર્ડરો ન લઇ આવીએ તો આ ધંધો તૂટી પડે – એની એમને ખબર નથી. 

બીજા મિત્રના દીકરાને પણ કઇક આવુંજ થતું હતું તેના પપાને કહે – અહિ આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ તમે હિસાબ કિતાબ રાખો છો, મજૂરોનું ધ્યાન રાખો છો હું મશીનરીનું ધ્યાન રાખું છું, એક પણ પૈસો આઘોપાછો નથી થતો અને તોયે અડધોઅડધ ભાગ તમારા મિત્ર લઇ જાય છે.  આ ભ્રમણા એટલે હદ સુધી ગઈ કે ધમધોકાર ચાલતી કંપની એટલેકે ધંધાના ભાગ પડી ગયાં – કંપની જે કુશળતાથી ચાલતી હતી તે ન ચાલી શકી કારણકે તેમાં અણસમજ આવી હતી

જયારે બન્ને મિત્રોએ ધંધો શરૂ કર્યો ત્યારે જેની પાસે જે આવડત હતી તેનો ઉપયોગ કરી – એક બીજાના પૂરક બન્યા એક બીજાની કમી ન જોઇ 

એક ઓર્ડરો લાવે તો તેનો અમલ કરવા બીજાએ એટલીજ મહેનત કરવી પડે તોજ એ ધંધો ચાલે  – છોકરાઓને આ વસ્તુ ન સમજાય , ધમધોકાર ચાલતો ધંધો બંધ થઇ ગયો

તો કોઈના પગ ખેચતા પહેલાં સાત વાર વિચાર કરવો  પૂરક બનશો તો તમે પણ ઉચાં ઉઠશો અને સાથે વિકાસ થશે.  

જયવંતી પટેલ

એક નવતર પ્રયોગ.- તસવીર બોલે છે -(૨૭) સાક્ષર ઠક્કર

મારી આંખ ખુલી ત્યારે હું અને મારો દોસ્ત બંને એક રૂમમાં ટેબલ પર પડેલા એક પારદર્શક પ્લાસ્ટિકના ડબ્બાની અંદર હતા. અને આજુ બાજુ પાંચ છ જણ અમને ઘેરીને બેઠા હતા. એટલામાં મારા દોસ્તની પણ આંખ ખુલી, આ જોઈને અમને ઘેરીને ઉભેલા લોકોમાંથી ૨-૩ લોકો ગભરાઈને એક કદમ પાછળ ગયા. એમાંના સૌથી મોટા વ્યક્તિએ કહ્યું, “કલોરોફોર્મ ક્યા છે? મુકેશ, તુ પકડીને લાવ્યો પછી બરાબર કલોરોફોર્મ સુન્ઘાડ્યું નથી લાગતું, હજુ તો અડધો કલાક પણ નથી થયો અને આ દેડકાઓ હોશમાં આવી ગયા છે.”

મેં અને મારા મિત્રએ કુદવાનો નિરર્થક પ્રયાસ કર્યો પણ અમે ડબ્બો ખોલી ન શક્યા. અમને પકડીને લાવ્યા પછી ઘેનની અસર હજુ પણ થોડી થોડી હતી, મારી આંખો ઘેરાઈ એટલામાં ત્યાં ઉભેલા લોકોમાં થી કોઈ બોલ્યું, “લાગે છે થોડી વાર માટે આંખો ઉઘડી હશે, કલોરોફોર્મની અસર પાછી આવી ગઈ છે હવે વાંધો નહિ આવે.” મને સમજાઈ ગયું કે આંખો ખોલવામાં કોઈ ફાયદો નથી, આંખો બંધ રાખવામાં જ ભલાઈ છે, મેં મારા મિત્રને પણ કહી દીધું કે આંખો બંધ જ રાખ. અમે આંખો બંધ કરી ત્યારે આ પ્રમાણેના સંવાદો સંભળાયા:” શશશ… અવાજ ન કરશો, એકાદ મિનીટ રાહ જુઓ””હવે નહિ ઉઠે એવું લાગે છે””મુકેશ, સ્કાલપેલ લાવ તો… જુઓ છોકરાઓ આવું કોઈ પણ બાયોલોજીના ટ્યુશનમાં તમને નહિ શીખવા મળે, અને સ્કૂલોમાં તો દેડકોના dissection પર પ્રતિબંધ જ આવી ગયો છે”અને ડબ્બો ખુલ્યો…બીજું કંઈ જ વિચાર્યા વગર મેં નજીકમાં રહેલી બારીની ગ્રીલ ઉપર કુદકો માર્યો. મારી પાછળ પાછળ મારા મિત્રએ પણ કુદકો માર્યો પણ એ ગ્રીલ સુધી પહોંચ્યો નહિ અને મારા પગ પર આવીને લટકી પડ્યો. એમ પણ મારો હાથ લપસતો હતો અને ઉપરથી પગ પર મારા મિત્રનો ભાર આવવાને કારણે મારા બંને હાથ લપસી પડ્યા અને અમે બંને પેલા ડબ્બાની બાજુમાં નીચે પડ્યા. પહેલા પકડાયા ત્યારે જેવી ગંધ આવી હતી એવી જ ગંધ આવવા લાગી અને પછી…મારી આંખ ખુલી ત્યારે હું અને મારો દોસ્ત બંને એક રૂમમાં ટેબલ પર પડેલા એક પારદર્શક પ્લાસ્ટિકના ડબ્બાની અંદર હતા અને આજુ બાજુ પાંચ છ જણ અમને ઘેરીને બેઠા હતા.