ક્યાં ગઈ ?

11062019

‘અરે બંસરી કેમ ઘરમાં જણાતી નથી ?’

‘આજે શાળાએથી પાછી આવી ત્યારની ગુમસુમ લાગતી હતી’.

‘મમ્મી બોલી,’કેવો દિવસ ગયો,એમ પુછ્યું ત્યારે કાંઇ પણ બોલ્યા વગર પોતાના રૂમમાં જતી રહી’. થોડીવાર પછી મમ્મી જ્યારે રસોડામાંથી બહાર આવી ત્યારે મોટી દીકરીને પૂછી રહી .

‘રાગિણી, તેં બંસરીને જોઈ’?

રાગિણી પોતાની બહેનપણી સાથે ફોન ઉપર તડાકા મારી રહી હતી. આજે શુક્રવાર હતો તેથી શનિવારનો ભરચક કાર્યક્રમ બનાવવામાં મશગુલ હતી. મમ્મી પૂછી રહી હતી, પણ સાંભળે તે બીજા !

મમ્મીનું દિલ ધડક ધડક કરતું હતું. રાગિણીએ જવાબ ન આપ્યો એટલે જરા મોટેથી બોલી.’રાગિણી તું સાંભળે છે’ ?

અચાનક રાગિણી પોતાનું નામ જોરથી બોલાતું સાંભળી ચમકી. ‘મમ્મી શાની રાડો પાડે છે’?

‘ફોન મૂક એટલે હું તને સમજાવું. તું આ ઘરમાં રહે છે? ઘરમાં શું ચાલી રહ્યું છે, તેનું તને ભાન છે’?

હવે રાગિણીએ ફોન મૂકવો પડ્યો. ‘મમ્મી, પ્લિઝ ગુસ્સે ન થા. માફ કરજે મારું ધ્યાન બીજે હતું. હાં બોલ શું થયું?’

‘કેમ હવે ફુરસદ મળી તને ! તારી નાની બહેન ક્યાં છે, તને ખબર છે’?

‘મમ્મી હમણાં તો મારા રૂમમાં હતી. ‘.

‘હમણા એટલે કેટલા સમય પહેલાં ‘?

‘પંદર મિનિટ પહેલાં’.

‘તું ભાનમાં છે. પોણો કલાકથી અમે તેને શોધીએ છીએ. ઘરમાં નથી, એની રૂમમાં નથી, અરે ગરાજમાં પણ નથી. ક્યાં જતી રહી હશે.’?

મમ્મીએ હવે હિબકાં ભરવાનું ચાલુ કર્યું. બંસરી ઘરમાં સહુની વહાલી હતી. મીઠડી પણ ખૂબ. આજે શાળાએથી આવી ત્યારે એનું મોઢું પડી ગયેલું હતું. મમ્મીએ ખૂબ પૂછ્યું, પણ બંસરી કશું જ બોલી નહી. મમ્મીએ દૂધ પીવાનું કહ્યું ત્યારે કહે કે,’ હમાણા નહી થોડી વાર પછી’.

મમ્મીને ખૂબ ચિતા થઈ. શાળાએથી આવતા જાણે પેટમાં દુકાળ પડ્યો હોય તેને બદલે ,’હમણા નહી’. મમ્મીને થયું ચાલ થોડીવાર આરામ કરશે એટલે પછી દુધ પી લેશે.

હવે તો રાગિણીને પણ ચિંતા થઈ. બંસરી ઘરમાં આવે એટલે મધુરી ગુંજવા લાગે. દરેકના રૂમમાં જાય . આખો દિવસ શું થયું સહુને કહે.  એવી મીઠી કે શાળામાં બધા શિક્ષકોને ખૂબ વહાલી લાગે. જ્યારે શિક્ષક દિવસ આવે ત્યારે, “મમ્મી આજે હું બજારમાં તારી સાથે આવીશ.’

‘કેમ’?

‘મમ્મી તું ભુલકણી છે. કાલે શિક્ષક દિવસ છે.  મારે સહુને માટે તેમની ગમતી ભેટ લેવી છે. મમ્મી, જો સાંભળ તને એમ લાગે એ હું બહુ પૈસા બગાડું છું તો મારા જન્મદિવસ  પર મને કાંઇ નથી જોઈતું બસ’. બંસરીને જ્યારે જે પણ જોઈતું હોય તે સઘળું મળતું. તેને કોઈ ફરક લાગતો નહી.

મમ્મી એકદમ રડવા જેવી થઈ ગઈ. બંસરી ક્યાં ગઈ હશે?  આજે શાળામાં વનલતા બહેને એને કાંઈ કહ્યું હશે. શું પટેલ સર તેને વઢ્યા હશે ? કે પછી જસવંતી બહેને આપેલું ઘરકામ તે લઈ જવાનું ભૂલી ગઈ હતી? બંસરી હોય તો એને પૂછે ને ?

રાગિણીએ તેની ખાસ બહેનપણીઓ જે ચાર મકાન છોડીને રહેતી હતી તેમને ત્યાં ફોન કર્યા. જો કે બંસરી કહ્યા વગર ક્યાંય જતી ન હતી. પણ આજની વાત જુદી હતી. હવે મમ્મીને ખૂબ ચિંતા થઈ. દુકાને તેના પપ્પાને ફોન કર્યો. પપ્પા મારતી ગાડીએ ઘરે આવી પહોંચ્યા. દીકરીઓ પપ્પાની આંખનો તારો હતી. પપ્પાએ આવીને સહુ પ્રથમ મમ્મીને શાંત કરી.

‘તને તારી દીકરી પર વિશ્વાસ છે ‘ ?

‘અરે, મારી બંસરી કોઈ દિવસ ખોટું કામ ન કરી શકે’.

‘બસ, તો પછી જરા શાંત થા. આપણને સહુને બંસરી વહાલી છે. આજે, એવું કાંઈક શાળામાં થયું હશે જે બંસરીને પસંદ નહી આવ્યું હોય.  બધું જ કાંઇ બસરીનું મનપસંદ થાય એ જરૂરી નથી. પણ જ્યાં, બંસરીનું હ્રદય ઘવાયું હશે, જે સત્ય હોવા છતાં અસત્યના આંચળા હેઠળ છુપાયું હશે તે બંસરી સહન નહી કરી શકે. ભલે તે દસ, વર્ષની છે. પણ તેનામાં ઉમર પ્રમાણે સમઝણ સારી છે’.

પપ્પા ભલે વાતાવરણ ઠંડુ કરવા બોલતા હતા, પણ તેમનું અંતર અંદરથી રડતું હતું. જો તે બહાર બતાવે તો સહુને કેવી રીતે શાંત પાડી શકે ? તેમનો મિત્ર દેશમુખ, પોલિસ ઈન્સપેક્ટર હતો તેને ઘરે બોલાવ્યો. ખાસ કહ્યું , ‘યાર તારા યુનિફોર્મમાં નહી આવતો નહી તો મારી પત્નીની છાતીના પાટિયા બેસી જશે.

દેશમુખ તો જાણે ચા પીવા આવ્યો હોય તેમ આવી ગયો. ‘ભાભી ચાય ઠેવતે ના’ ?  તેના મનમાં દ્વંદ્વ યુદ્ધ ચાલી રહ્યું હતું, દસ વર્ષની છોકરી , “ક્યાં ગઈ” હશે ?

તેને ગુજ્જુ આદુ, મસાલાને એલચીવાળી ચા બહુ ભાવતી. અંદર મહારાજને કહીને બંસરીના મમ્મી બહાર આવ્યા. દેશમુખ પોતાના મિત્ર પાસેથી આખી વાત સમજી રહ્યા હતા. પોલિસમાં કામ કરવાવાળાની નજર ચકોર હોય અને બુદ્ધિ સતેજ. તેમને અંદાઝ આવી ગયો કે બંસરી ખૂબ નારાજ થઈ છે.

હવે ,’મિયાંની દોટ મસ્જીદ સુધી હોય’. દસ વર્ષની બાળા જઈ જઈને ક્યાં જવાની ? દેશમુખને ખબર હતી બંસરીનું મોસાળ બહુ દૂર ન હતું. ત્યાં ફોન કરીને તપાસ કરી. બંસરી ત્યાં ન હતી. દાદા અને દાદી થોડા દૂર હતા ત્યાં સુધી એકલી જઈ શકે તેમ ન હતી. હજુ શાળામાં શું થયું એ વાતનો કોઈને અંદાઝ ન હતો. શાળાના અધ્યાપકને ફોન કર્યો. તેમણે વર્ગ શિક્ષિકાને પૂછ્યું, ‘આજે શાળાના સમય દરમ્યાન વર્ગમાં આખો દિવસ શું થયું હતું’ ?

શિક્ષિકા બહેન એકદમ ગભરાઈ ગયા. એવું તો કશું જ થયું ન હતું કે જેને કારણે બંસરી નારાજ થઈ હોય. આમ પણ બંસરી ભણવામાં કુશળ હતી. બધા વર્ગ દરમ્યાન તેને કોઈ હરકત પડી ન હતી. અંતે શિક્ષિકાને થયું બપોરની રિસેસ પછી બંસરી જરા બદલાયેલી લાગી હતી. બંસરીની બે ખાસ બહેનપણી હતી એક ઝરણા અને બીજી મલકા. દરરોજ સાથે બેસીને રીસેસમાં જમતા. પોતાનું ખાવાનું એક બીજાને આપતા. બાળકો નિર્દિષ હોય છે તેનો આ પુરાવો છે.

આજે વાત કરતા ખબર પડી કે,’ મલકા મુસલમાન છે’.  રીસેસના વખતમાં ઝરણા ખાતા ખાતા ટેબલ પરથી ઉઠી ગઈ. બંસરીએ કારણ પૂછ્યું તો કહે,’ મલકાની સાથે બેસીને ન ખવાય’!

‘કેમ’ ?

‘કારણ તે મુસલમાન છે.’

આ વાક્યએ બંસરીને બેચેન બનાવી દીધી. હવે બંસરીના ઘરની ગાડીનો ડ્રાઈવર મુસલમાન હતો. હસનચાચાએ બંસરીને ગોદીમાં રમાડી હતી. તેનાથી આ સહન ન થયું. હસનચાચા તો આખો દિવસ નોકરી પર હોય. ગેરેજની પાછળ તેમને માટે નાનું ઘર બનાવ્યું હતું. તેમના ઘરને ક્યારેય તાળું મારવાની જરૂરત પડી ન હતી.

રિસેસમાં બનેલી વાત શ્ક્ષિકા બહેનને ઝરણાએ કહી. દેશમુખ સાહેબને બધી વાતનો અંદાઝ આવી ગયો. હસનચાચાતો બિટિયાની ફિકરમાં રડતા હતા.

અચાનક દેશમુખ સાહેબ કહે,’ ચાચા આપ કહાં રહતે હો’ ?

હસનચાચાએ કહ્યું , હમે શેઠ સાહબને ગેરેજ કે પીછે નન્હાસા બઢિયા ઘર દિયા હૈ.

દેશમુખ એક પળ પણ વિચાર કરવા થોભ્યા નહી. ઝડપથી ચાલીને હસનચાચાના ઘરે પહોંચી ગયા. જોયું તો રડી રડીને થાકેલી બંસરી શાંતીથી સૂઈ રહી હતી .

| Leave a comment

હળવેથી હૈયાને હલકું કરો..-૪ પ્રજ્ઞા દાદભાવાલા

તે દિવસે ઓપેરશન રૂમની લાલ લાઈટ ખુબ બિહામણી લાગી ,આમ પણ હોસ્પિટલ ક્યાં કોઈને ગમે છે ?શુક્રવારની સવારે અમે સૌ ઓપરેશન રૂમની બહાર આશા અને વ્યથાભરી સ્થિતિમાં બેસી રહ્યા ..અમારે ડૉ બહાર આવે તેની રાહ જોવાની હતી..શું થશે ?મારું માત્ર ૧૮ મહિનાનું નાનું બાળક,આજે એની સૌ પ્રથમ જીદગીની વાસ્તવિકતાનો સામનો કરવાનું  હતું,  શું આ નાનકડું શરીર બધું જીલી શકશે ખરું ? હે ભગવાન મારા બાળકને કોની નજર લાગી ગઈ ?
આજથી ૧૮મહિના પહેલા અમે સૌ કેટલા આનંદમાં હતા વાહ.. બાબો આવ્યો છે અને ઘરમાં બધાએ પેંડા વહેચ્યા હતા,એટલો તો દેખાવડો છે કે વાત જ ન પૂછો ?ગોરો ગોરો અને ગોળ લડવા જેવું મોઢું અને માખણ નો પિંડો જોઈ લો …
લાવ પહેલા કાન પાછળ કાળું ટપકું કરી લે..કોઈની નજર ન લાગે,મારા બા બોલ્યા અને હું મારા બાળકને જોઇને ખુબ ઉતેજના અનુભવતી રહી,પોતાનું બાળક હોવું એ દરેકના જીવનની સૌથી એક્સાઇટિંગ મોમેન્ટ હોય છે.મારી બા કહેતા તારે પણ બહુ વખાણ ન કરવા મીઠી નજર તો માની પણ લાગે સમજી! અને હા જાણે મારા બાળકને મીઠી નજર લાગી ગઈ….ખોળાનો ખુંદનાર દીધો તો ખરો પણ…  આ શું ?       
તમારા બાળકની કીડની કાઢવી પડશે ડૉ. બોલ્યા, અને જાણે વીજળી પડી…
કેમ ? એક પણ શબ્દ અમે ઉચારી ન શક્યા ગળું જાણે સુકાઈ ગયું.. માત્ર અમારી આંખો ડૉ. સાહેબને ફાડી ફાડી ને જોઈ રહી.અમારા જીવનનું સૌથી મોટું આશ્ચર્ય ?  સૌથી મોટો ડરામણો પ્રસંગ …આટલા નાના બાળકને કેન્સર કેમ હોય? ડૉ. અમને રિપોર્ટ હાથમાં આપ્યા અને કંપારી છુટી ગઈ,રીપોર્ટ લેતા હાથ પણ ધ્રુજવા માંડ્યો… અને ડૉ. બોલ્યા ડરતા નહિ એક કીડનીથી લોકો આખી જિંદગી જીવે છે.અમે બોલ્યા પણ આટલા નાના બાળકને આટલી મોટી સર્જરી ? અમારું આ નાજુક બાળક કઈ રીતે જીલશે?..
એના જીવન માટે કીડની કાઢવી જરૂરી છે… ડૉ.ના એક એક વાક્યો જાણે માથામાં ઘા કરતા હતા. અને પછી શું ? હે તે દિવસે ખુબ રડી ચોધાર આંસુએ રડી.એક બાજુ આંસુનો વરસાદ તો બીજી બાજુ ઘરના પુરુષમાં વ્યથાનો ડૂમો.મન બોલી ઉઠ્યું.ભગવાન બધું આપીને પછી પાછું કઈ રીતે છીનવી શકે ? અને સમાધાન કરતા મને શંકાને સ્થાન આપી દીધું .આ ડૉ. કિડનીનો વેપાર નહિ કરતો હોય ને ?મારા છોકરાની કીડની કોઈ આરબને …બસ અમારું મન આ વાત ને સ્વીકારવા તૈયાર નહોતું થતું ..
અમે ચુપચાપ રીપોર્ટ લઇ ઘરે ગયા,મમ્મી પપ્પાને વાત કરી બીજા અનેક ડૉ.ની સલાહ લીધી,બધા એ એજ કહ્યું કીડની કઢાવી નાખો બાળક જીવી જશે.
વાત અહી વાસ્તવિકતાને સ્વીકારી આગળ વધવાની હતી. પ્રયત્ન કર્યા વિના હારી કેમ જવાય ? એના કરતા પરિશ્રમ કર્યા બાદ હાર નો સ્વીકારવી પડે તો…., ડૉ. બોલ્યા વિકસેલા વિજ્ઞાન સાથે પરિશ્રમ સફળ થવાની ૮૦% થી ૯૦% ની ખાતરી આપે છે
.મારું મન બોલી ઉઠ્યું નકારાત્મકતા એટલે આત્મહત્યા -જીવનના રંગને ઢોળવાની વાત છે મારે તો જીવનના રંગને જાળવી રાખવા છે.બધાને બધું નથી મળતું કોઈ સ્વીકારનારા હોય તો કોઈ નકારનારા પણ હોય છે પણ નકારાત્મકતા માણસને અભાગીયો બનાવે છે.
મારી બા બોલ્યા વાત અમુક પ્રક્રારના રસ્તાને માત્ર ઓળંગવાની છે બેટા અને માનસિક તણાવ એતો પરિસ્થિતિને સ્વીકારવાની કળા છે.
ખૂબ મનોમંથન કર્યા બાદ અમે આ નિર્ણય લીધો મારું બાળક જીવશે એક કીડની સાથે હું એની સારવારના અંતિમ બિંદુ સુધી કોશિશ કરીશ.આપણે સૌ પુષ્પો જેવા છીએ સુગંધ દેખાતી નથી પણ આસપાસ અનુભવવાતી હોય છે.
મિત્રો તમે કોઈએ આવી પરિસ્થિતિ સ્વીકારી હોય તો આવો હળવેથી હૈયાને હલકું કરો..કદાચ આપનો અનુભવ કોઈકના જીવનને જીવંત બનાવશે.અને રંગોથી ભરી દેશે.પ્રજ્ઞા દાદભાવાળા
| Leave a comment

અલક ચૂમી ગયું Saryu Parikh સરયૂ પરીખ

આપના આસ્વાદ માટે..


નૈન આંસુ લૂછીને ઊભી ઉંબર બહાર,
અનઘ  આનંદ ઉમંગ છે હૈયાના હાર.
રે  ધરિત્રી  ને અંબરના ઊઘડતાં દ્વાર,
અહો! આશાના ઓરડે આવ્યો ઉજાર.

બસ, દૃષ્ટાની  હાજરી છે, ચિંતા  નથી,
કોઈ  વાવડ  વિચારની   મહંતા  નથી.
રીસ વ્યાકુળ આકાંક્ષાનું  લાંગર નથી,
દિલ   ડેલીમાં  દર્દીલા   દસ્તક    નથી.

પંખ પંખને હુલાવતો   વાહર આવ્યો,
પર્ણ પર્ણને પળોટતો શ્રાવણ આવ્યો.
અંગઅંગને મલાવતો ફાગણ આવ્યો,
પંથ પંથને વળોટતો સાજન આવ્યો.

 જરા સંકોરી વાટ ને સુવર્ણો અજવાસ,
અષ્ટ  કોઠા  પ્રદીપ્ત, સુશોભે  આવાસ;
 રંજિત વિશ્વાસ લહે  પુલકિત આ શ્વાસ,
 અલક ચૂમી ગયું તેનો અંકિત આભાસ.

           ——- સરયૂ પરીખ

A Joyful Kiss

I wipe my tears and take a step outside,
The joy and zeal are springing within.
Opening the doors of earth and sky,
a bright ray of hope is shining within.

I feel the presence of celestial sphere,
My mind is not anxious with any expectation.
There is no chain of anger or agitation,
No pulsating pain when I sit in meditation.

Touching my wings, the wind is blowing,
The monsoon rain leaves me soaking,
But warmly beautifies my body, my being,
My beloved comes, our paths crisscrossing.

I carefully tend the candle of my soul,
My mind and heart can hear my call.
My faith is around me like a joyful wreath,
Creation’s kiss I feel when I breath.
——-

Saryu Parikh “MANTRA” book of poems.

http://www.saryu.wordpress.com 512-712-5170 https://www.amazon.com/-/e/B06XYS9HH9| Leave a comment

મહેંકતા પત્રો (વિદેશ વસી સહિયર મોરી-3) રોહિત કાપડિયા

સ્મિતા, 

      રવિવારની સવારનાં છ વાગ્યા હતાં. અહીં બધાં જ રવિવારે આરામથી ઉઠે. કોને ખબર કેમ પણ મને સતત હેડકીઆવતાં હું પાણી પીવા ઊભી થઈ અને ત્યાં જ ફોનમાં તારો ઇ-મેઇલ આવ્યાની જાણ કરતો ‘બીપ’ અવાજ આવ્યો. તું જબહુ યાદ કરતી હશે અને તેથી જ મને હેડકી આવતી હતી. મારે પાણી પી ને સૂઈ જવું હતું પણ બધું જ ભૂલીને હું તોઇ-મેઇલ વાંચવા બેસી ગઈ. તેં રવિવારની બપોરે નવરાશ કાઢીને ઇ-મેઇલ લખ્યો હશે ને અમે તમારાથી સાડા નવ કલાક પાછળ હોવાથી મને વહેલી સવારે મળ્યો. 

          તારી હર્ષનાં આંસુની વાતે મારી સવારને ગુલાબી બનાવી દીધી. આજે છ દિવસ પછી તને જવાબ લખી રહી છું ત્યારે પણ તારા ઇ-મેઇલનો એક એક અક્ષર મારી આંખ સામે તરવરે છે. તું લખે છે કે વર્ષો જેની સાથે વિતાવ્યાં હોય તેઓ પણ એકમેકને ઓળખી શકતાં નથી. ગાંડી, આપણે આપણી જાતને પણ ક્યાં ઓળખી શકીએ છીએ. આપણે અહં ઓગાળી નથી શકતાં. મમત્વ છોડી નથી શકતાં અને એટલે જઆપણે ચહેરા પર મહોરાંઓ પહેરીને જીવવું પડે છે. અહીં આવ્યા પછી દસેક દિવસ બાદ વિશ્વાસ સાથે ફરવા ગઈ હતી. ગાડીમાંથી ઉતરીને મોલમાં જતી વખતે રસ્તાની ફૂટપાથ પર એક ભિખારીએ ભીખ માંગવા તેની પાસે એક બોર્ડ મૂક્યું હતું 

            મારે દારૂ પીવો છે. મને મદદ કરો. ને  નવાઈની વાત તો એ હતી કે આ વાંચ્યા પછી પણ એને મદદ મળતી હતી. હરેક મદદ કરનારને એ ‘ગોડ બ્લેસ યુ’ કહેતો. મારાથી ન રહેવાયું. મેં વિશ્વાસને કહ્યું કે દારૂ પીવા માટે ભીખ માંગવી એ કેટલી ખોટી વાત છે. વિશ્ચાસે હસીને કહ્યું “એ વાત કદાચ ખોટી હોય શકે પણ એ ખોટું બોલીને ભીખ નથી માંગતો એ વાત તો સાચી છે ને? એ સાચું બોલે છે એસારી વાત જ આપણે જોવાની.” વિશ્વાસની વાતથી મને એમનાં પર ગર્વ થયો. ખરાબમાંથી પણ સારૂં શોધી લેવાનોએક સુંદર સબક મળ્યો.  

              તને જે છોકરાએ મુલાકાત દરમિયાન જ ના પાડી એની વાત જાણ્યા પછી પહેલાં તો એમ લાગ્યું કે શું પ્રેમનોમાર્ગ આટલો બધો લપસણો છે? પણ પછી થયું કે ના, ના એતો પ્રેમ જ હતો કે જેના કારણે એ સાચી વાત જણાવી નેઊભો થઈને જતો રહ્યો. પ્રેમની ધારા એટલી બધી પાવન હોય છે કે તેમાં દુ:ખ, દર્દ, વેદના અને વ્યથા બધું જ ભૂલાઈ જતુંહોય છે. સ્ત્રી અને પુરૂષ બંને કંઈક અંશે અધૂરા હોય છે નેપ્રેમ એ અધૂરપને પૂરી કરી દેતો હોય છે. તને પણ તારૂં પ્રિય પાત્ર જલ્દીથી મળી જશે. વિશ્વાસનાં કામ પર ગયા પછી ઘણો સમય મળે છે. જો મારે નોકરી કરવી હોય તો પહેલાં એક વર્ષનો કોર્સ કરવો પડે ને નોકરી ન જ કરવી હોય તો ઘરેજ કંઈક પ્રવૃત્તિ કરૂં. વિશ્વાસે નિર્ણય લેવાનું મારા પર છોડ્યું છે. તારી શી સલાહ છે?.          લખવાની પ્રવૃત્તિ ચાલુ છે. હાલમાં જ વિશ્વાસના મુંબઈ રહેતાં એક ઓળખીતા  શ્રીમંત પરિવારનાં પુત્રે એને જન્મ આપનાર વૃદ્ધ માતાને અનાથાશ્રમમાં મૂક્યાંના સમાચારમળ્યાં. વિચારે ચઢેલા મનમાં સર્જાયેલી એક રચના ‘ખંજન’ તને લખું છું.

    ઘરડાંઘરમાં રહેતી

,   ને મરવાનાં વાંકે જીવતી,                

‘મા’ ને મહેલમાં રહેતો પુત્ર,                

આજે પણ એટલો જ વહાલો છે.              

 ને એથી જ હસતી વખતે,                

પુત્રનાં ગાલમાં ખંજન પડે છે

 ચાલ, ત્યારે અહીં જ અટકું છું. વધુ યાદ કરીશ તો તને હેડકીઆવશે.                          આશા.              

| 2 ટિપ્પણીઓ

આંગળી ચીંધ્યાનું પુણ્ય : પરિચય એક વિશિષ્ટ સંસ્થાનો !

NET–ગુર્જરી

પરિચય – એક પુસ્તકનો, પુસ્તકના લેખકનો અને પરિચય કરાવનાર એક જાગતલ ને જાણતલ સંસ્થાનો !!  

એકત્ર ફાઉન્ડેશન નામક સંસ્થા નેટજગતની મોંઘેરી પરબ છે. એનો આછો પરિચય આ લખાણને અંતે આપ્યો છે પણ તે પહેલાં એક લેખક – કવિ, નિબંધકાર, વાર્તાકાર, ચરિત્રકાર, વિવેચક અને સંપાદક –નો પરિચય કરીને આપણે આજે નેટજગતના એક બહુમૂલ્ય પુસ્તકાલયમાં પ્રવેશ કરીશું !!  

તો ચાલો, વાંચીએ આજે શ્રી મણિલાલ હ. પટેલ અને તેમના એક ગ્રંથરત્ન “ભૂંસાતાં ગ્રામચિત્રો”ની એકત્ર ફાઉન્ડેશને કહેલી વાત, એમના જ શબ્દોમાં !
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– 

“મુખ્યત્વે કવિ તરીકે જાણીતા મણિલાલ હ. પટેલ (જ. 9, નવેમ્બર 1949) એ ઉપરાંત નિબંધકાર, વાર્તા-નવલકાર, ચરિત્રકાર, વિવેચક અને સંપાદક તરીકે પણ ખ્યાત થયા છે. પદ્મા વિનાના દેશમાં (1983) આદિ કાવ્યસંગ્રહો; વૃક્ષાલોક (1997) આદિ નિબંધસંગ્રહો; તરસઘર (19740) વગેરે નવલકથાઓ; બાપાનો છેલ્લો કાગળ (2001) વાર્તાસંગ્રહ; તરસ્યા મલકનો મેઘ (પન્નાલાલ પટેલ વિશે, 2007) એ ચરિત્ર તેમ જસર્જક રાવજી પટેલ (2004) વગેરે વિવેચન-પુસ્તકો – એમ બહોળું લેખનકાર્ય એમણે કર્યું છે. સતત સર્જન-અધ્યયન…

View original post 741 more words

| 1 ટીકા

હળવેથી હૈયાને હલકું કરો-૩

જેન્તી એ જેન્તી નીચે આવ,…..
“ભાઈ કોઈ ઉપર જાવ પેલો જેન્તી એની રૂમમાં એકલો છે…  કોઈ એ છોકરાને બચાવો .. એની માં ને આપણે શું જવાબ દેશું ?… એ જેન્તી નીચે આવ ..”
પણ લાકડાનો દાદરો તો સળગી ગયો હતો ઉપર કેવી રીતે કોઈ જાય ? અને કોણ જાય ? બધે આગની જ્વાળા,કાળઝાળ ગરમી ને કાળા ડીબાંગ વાદળ સમ ધુમાડો, માનવ મેદનીની અસહ્ય અકળામણો, લોકોની દોડાદોડ, કારમી ચીસો, તે દિવસે બધા ડરથી ધ્રુજી ગયા.
           આ ધડાકાથી આખું બિલ્ડીંગ નીચે ઉતરી ગયું હતું. અને પછી વધુ ધમાકા ,બધાને અગનગોળો બિલ્ડીંગમાં આવ્યો તેવું લાગ્યું હતું અને જેન્તી એકલો એની રૂમમાં સંતાઈને બેઠો હતો.  ..અકળામણ, અજંપો અને અજાણ્યો ડર.. આગ એટલી વિકરાળ હતી કે મોટા પણ ડરી જાય આ તો માત્ર ૧૨ વર્ષનો બાળક માં બાપ વગર એકલો પોતાની રૂમમાં ડરથી છુપાઈને ખાટલા નીચે ભરાણો હતો. આખું બિલ્ડીંગ એના નામની બુમ પાડી એને નીચે બોલાવતા હતા. જેન્તી પ્રભુદાસ બિલ્ડીગમાં બીજે મળે એકલો ડરથી ફફડતો હતો.
 તે દિવસે આખું મુબઈ શહેર ધ્રુજી ઉઠ્યું હતું. આ વાત ૧૯૪૪ના દિવસે મુંબઈના બંદર (ડોકયાર્ડ) ખાતે ફોર્ટ સ્ટિકિન (Fort Stikine) નામના માલવાહક જહાજમાં અકસ્માતે આગ લાગી હતી. વિક્ટોરિયા ડૉકમાં લાગેલી ભીષણ આગ અને ધડાકાને આજેય ઘણા ભૂલી શક્યા નથી. એસએસ ફોર્ટ સ્ટિકિન જહાજમાં પ્રસરેલા દાવાનળે અનેકને ધ્રુજાવી દીધા, રૂની ગાંસડીઓ, વિસ્ફોટકો તેમ જ યુદ્ધ-સામગ્રી સાથે સોનાથી ભરેલ જહાજ બ્રિટનથી ભારત આવ્યું પણ વિસ્ફોટમાં સોનું ડૂબી ગયું, ઊડી ગયું અને ન જાણે ક્યાંનુ ક્યાં ફંગોળાઈ ગયું..૧૦૦ કિલોમીટર સુધી સ્ટીમરના ધડાકાએ કેટલાય વિસ્તારોને ધરતીકંપ જેવો અનુભવ કરાવ્યો હતો. ઘણાના ઘરમાં ધડાકામાં ઉડીને સોનાની પાટ પણ આવી હતી ….આ પાટ નહોતી અગ્ન ગોળો હતો ..મોત લઈને આવ્યો હતો.

       ત્યારે જેન્તી જુની હનુમાન ગલીમાં એની માં સાથે રહેતો હતો..જેન્તીના પિતાનું પોતાનું પ્રભુદાસ બિલ્ડીગ, તે દિવસે ઘરમાં એ સાવ એકલો હતો. આમ પણ પિતા તો બાળપણમાં જ ગુજરી ગયા હતા બા વધારે સમય જાત્રા કરવા જતા.પાડોશી જ એમનો પરિવાર એટલે જેન્તીની માં પાડોશીને ઘર અને જેન્તીને સોપી બે દિવસ બહારગામ જાત્રાએ ગયા હતા.ત્યાં અચાનક સ્ટીમર ફાટી અને આંખુ મુબઈ ભડકે બળવા માંડ્યું. ચોમેર ફફડાટ વચ્ચે ભાગદોડમાં અને અફડાતફડીમા બિલ્ડીંગના સૌ કોઈ જીવ બચાવવા ભાગ્યા, નીચે પહોંચ્યા  પછી બધાને ધ્યાન ગયું કે જેન્તી દેખાતો નથી.અરે એ છોકરો તો એની રૂમમાં સુતો હતો …અને બસ સૌએ ભેગા મળી બુમો પાડી. જેન્તીએ અવાજ સાંભળ્યો બારીમાંથી દેખાયો. મોઢું કાળું થઇ ગયું હતું. તે સતત ખાંસતો પણ નીચે કેવી રીતે જાય? નીચે જવા ગયો તો દાદર લાકડાનો હતો સળગી રહ્યો હતો. લોકો બુમો પાડીને એને બોલાવતા હતા નીચે આવ, નીચે આવ… જીવ કોને વ્હાલો ન હોય ,તે દિવસે જેન્તીએ પોતાનો જીવ બચાવવા પોતે જ હિમંતથી નિર્ણય લીધો અને નાસીપાસ થયા વગર કોથળો પહેરી ઉપરથી કુદયો. એની પાસે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો, છેલ્લી ઘડીએ પોતાની મેળે એકલા જ જીવ બચાવવાનો ઉપાય શોધ્યો..લોકોએ ઝીલી લીધો ખુબ વાગ્યું પણ જીવ બચી ગયો.

    “I learned that courage was not the absence of fear, but the triumph over it. The brave man is not he who does not feel afraid, but he who conquers that fear.” — Nelson Mandela
“મને ખબર પડી કે હિંમત ભયની ગેરહાજરી નથી, પરંતુ તેના પરનો વિજય છે. બહાદુર માણસ તે છે જે ડરતો નથી, પણ તે ડર જીતી લે છે. “- નેલ્સન મંડેલા
         દરેક વ્યક્તિ અલગ અલગ વસ્તુથી ડરે છે કોઈ પોતાથી જ ડરે છે તો પ્યારથી ડરે છે, દરવાજો ખુલ્લો હોય તો ડરે છે અને બંધ દરવાજામાં ડર લાગે છે, જંગલથી ડરે છે, અને મંગલથી પણ ડરે છે. કાતિલ વીંછીથી કોમળ પીંછીથી. કૂતરાથી ડરે છે, કૂતરાથી બીવાવાળા બિલ્લીથી પણ ડરે છે.તો કોઈ બિલ્લીથી ડરનાર ઉંદરથી પણ ડરે છે. બોમ્બથી ડરે છે અને બોમ્બથી બચવા જે ખાડામાં છુપાવાનું હોય એની ગૂંગળામણથી પણ પણ લોકો ડરે છે. કોઈને ઊડી જવાનો, પડી જવાનો, વાગી જવાનો, ખોવાઈ જવાનો,લપસી પડવાનો, ડૂબી જવાનો  આવા અનેક  ફોબિયા ક્યાંક કોઈ દરેકમાં અંશે હોય જ છે ઝીરો ફોબિયા, આરો ફોબિયા, આર્ટ ફોબિયા, હોમો ફોબિયા જેવા અંગ્રેજીમાં જેટલા ફોબિયા નામના શબ્દો છે.એ બીજું કઈ નહિ પણ માણસનો ભય છે  મનમાં સતત ભય… ભય… ભય..! ધ્યાનથી વિચારો, આપણા સૌની અંદર નાના-નાના કેટલા ‘ભય’ છુપાઈને બેઠા છે? જેને કશાનો ભય ન હોય એવો માણસ આજે હોવો અસંભવ છે. આપણે સૌ જુદા જુદા ડર, ભય કે ખોફના ડિપાર્ટમેન્ટલ સ્ટોર છીએ. નાનપણમાં માં નો પાલવ પકડીએ છીએ એ ભયના સૂચક છે.
            વાત ભયને દુર કરવાની છે આપણામાં રહેલી શક્યતાઓ ને માત્ર જાણી લેવાથી માણસ ભય પર વિજય મેળવે છે.અદભુત ચમત્કારિક શક્તિ ધરાવતું  આપણું અર્ધજાગ્રત મન ભયથી પ્રેરિત નકારાત્મક વિચારને દુર કરી આપણને વિજય આપી શકે છે .
      વાત સ્વીકારની છે, હકારની છે. આવી કોઈ પરિસ્થિતિમાં તમે ઘેરાયા હો તો ક્યારેક હૈયાને અમારી પાસે હળવું કરજો તમારી વાતોથી એક વ્યક્તિ પણ કે કોઈ માર્ગ મેળવશે અથવા જીવન માણશે તો જીવન ધબકતું લાગશે.
પ્રજ્ઞા દાદભાવાળા
| Leave a comment

વિદેશે વસી સહિયર મોરી (૨)-રોહિત કાપડિયા.

આશા,      

તારો ઇ-મેઇલ મળ્યો. ગોળનું ગાડું મળ્યું હોય એટલો આનંદ થયો. કાગળ હોત તો કંઈ કેટલી યે પપ્પી ભરી હોત. આખો કાગળ એકી શ્ચાસે વાંચી ગઈ. પણ એ ય, ઇ-મેઇલનાંઅંતમાં લખેલું તારૂં નામ ધૂંધળું લાગતું હતું. શું રડતાં રડતાં લખતી હતી? પછી થયું કે કદાચ રડતાં રડતાં લખ્યું હોય તો પણ ઇ-મેઇલ પર ક્યાંથી અશ્રુનું બુંદ પડે. ને મેં જોયું તો મારી જ આંખમાં આવી ગયેલા આંસુના કારણે તારૂં નામ ઘૂંધળું લાગતું હતું.      

ત્યાંની નવી જિંદગીમાં તું ઠરીઠામ થઈ ગઈ તે જાણ્યું. તારાં મિલનસાર સ્વભાવના કારણે તું તો ત્યાં પણ સ્વર્ગ ઊભું કરી દેશે. ઇ-મેઇલ દ્વારા દિલની વાતો ઠાલવવાની તારી વાત ગમી. આપણે એક મેકની એટલાં નિકટ રહ્યા છીએ કે તારાં અમેરિકા ગયાં ને ત્રણ મહિના થઈ ગયાં છે તો યે વારેવારે આ પગ તારાં ઘર તરફ જ વળી જાય છે. તને ભાવતી કોઈ વાનગી ઘરે બનેકે તરત જ ડીશમાં ભરીને તને આપવા દોડું. પછી ખ્યાલ આવે કે તું તો હવે અહીં નથી અને તારી મમ્મી પણ દેશમાં જતાં રહ્યાં છે. તને મન પસંદ એવું ગીત સાંભળું તો ભલે ને એ ખુશીનું કે પ્રેમનું ગીત હોય મન થોડું ઉદાસ થઈ જાય. તને યાદ છે

એક વાર રાજકપૂરની સિનેમાનું ગીત – –    આંસુ ભરી હૈ યહ જીવનકી રાહેં…. સાંભળતાં સાંભળતાં હું રડી રહી હતી. મારી આંખમાં આંસુ જોતાં જ તેં કહ્યું “ગાંડી, આંસુ છે તો જ જીવન છે અને તો જ જીવનની મજા છે. આંસુઓને ચૂપકીથી ભીતરમાં ઉતારી ને દર્દને માણવાનીમજા જ જૂદી છે.” આશા, સાચે જ તારી આ વાતને યાદ કરીને તારી ગેરહાજરીને પણ માણી લઉં છું. તારો ઇ-મેઇલ વાંચતાં આવેલું આંસુ પણ ખુશીનું હતું. તારા શબ્દોમાં કહું તો દર્દનેમાણતી હતી.        

તારા અમેરિકાના અનુભવો જાણવાનું બહુ જ ગમશે. અહીંની વાત કરૂં તો તારા ગયા પછી બે છોકરા જોયાં. બંને નીના આવી. જો કે એક છોકરાએ તો મુલાકાત દરમિયાન જ ના પાડી દીધી હતી. એ છોકરાને જ્યારે મળી ત્યારે પહેલાં તો એ વાત કરતાં કંઈ ખચકાટ અનુભવતો હોય એવું લાગ્યું. એટલે મેં વાતચીતનો દોર મારા હાથમાં લીધો. પછી તો એ પણ મારીવાતમાં જોડાઈ ગયો. લગભગ કલાક સુધી અમે વાતો કરી.

 અચાનક જ ઉભા થઈને હાથ જોડીને એણે કહ્યું “માફ કરજો. હું એક છોકરીને ચાહું છું. શરૂઆતમાં જ મારે તમને કહી દેવું હતું પણ તમારી વાત કરવાની રીત, તમારા વિચારો, તમારી સાદગી અને તમારી નિખાલસતાને કારણે હું તમારામાં ખોવાઈ ગયો. મનોમન તમારી અને મારી પ્રિયતમાની હું સરખામણી કરવા લાગ્યો. ત્યાં જ મારો માંહ્યલો જાગી ઊઠ્યો. મને થયું કે આ તો અન્યાય છે. મારા પ્રિય પાત્ર સાથે ધોખો છે. પ્રેમનીપવિત્રતાને મારે અભડાવવી નથી. ફરી તમારી માફી માંગું છું. પિતાજીનું મન રાખવા મેં તમારી સાથે મુલાકાતની હા પાડી હતી. તમને ખૂબ જ સુંદર જીવનસાથી મળે એવી શુભેચ્છા. “આટલું કહીને એ જતો રહ્યો. એનાં ગયા પછી મને લાગ્યું કે વાતાવરણ પ્રેમ પરિમલથી મહેંકી રહ્યું છે. એની ના સાંભળીને મને દુઃખ કરતાં આનંદ વધુ થયો.        

 આશા, કેટલી વિચિત્ર વાત છે. આખી જિંદગીનોફેંસલો આપણે એક કે બે મુલાકાતમાં કરી લેવાનો. વર્ષો સુધી જેની સાથે રહ્યા હોઈએ તેને પણ આપણે નથી ઓળખીશકતા તો બે મુલાકાતમાં કોઈને કેવી રીતે ઓળખી શકાય? વિશ્વાસ સાથેના તારાં લગ્ન પણ બે જ મુલાકાતમાં થયા હતાં ને. તું બહુ જ નસીબદાર છે કે વિશ્વાસ ખૂબ જ પ્રેમાળ અને સમજુ છે. લગ્નનાં આ બંધન પાછળ ઋણાનુંબંધ જ હોવું જોઈએ ક્યારે ક તો લગ્ન સ્વર્ગમાં નક્કી થતાં હોય છે એ વાત સાચી લાગે છે.  

        તારી લેખન પ્રવૃતિ ચાલુ કરી દીધી હશે. નવીનમાંશું લખ્યું છે? મને જણાવજે. તારા વિમાનની સફરવાળો પ્રસંગ મારી જીવન સફરને સદા જીવંતતાથી ભરપૂર રાખશે.  લખતા અટકવાનું મન નથી થતું.ખેર¡ અહીં જ અટકું છું. જલ્દીથી તારા દિલના અવાજને શબ્દોમાં ઢાળીને વહેતો મૂકજે.                                    સ્મિતા.  

| Leave a comment

વિશ્વ પર્યાવરણ દિન -૫ મી જૂન ની વૈશ્વિક સ્તરે અગત્યતા


              વિશ્વભરમાં આજે પર્યાવરણ સુરક્ષણ સાથે સલામતી,સંતુલન ટકાવી અને  દૂષિતતા ને દૂરકરવા ની ખુબ જરૂર છે ,  યુ,એન,દ્વારા  તા 5 જૂને .આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસની ઉજવણી થાય છે. જેમાં 100 વધુ દેશો પોતાનો ફાળો આપે છે ,જુદાંજુદાં વિશ્વ દિવસો નો હેતુ માનવ હિતાર્થે  સામુહિક ચેતનાનો છે ,આ આયોજન ,ઉજવણી  વૈશ્વિક સ્તરે  એક સામુહિક પ્લૅટફૉર્મ પૂરું પડે છે,  જેમાં દેશોની વ્યક્તિઓ,ઉદ્યોગોઅને સમુદાયો  ભાગ લઈને  તરહ તરેહના આયોજનો કરે છે જે એક જ પદ્ધતિ ના પ્લાન મુજબ હોય છે .  કુદરત,માનવ અને પશુ, વન્ય પ્રાણીઓ,,  હવા,પાણી,વાયુ , સ્વાસ્થ્ય,વગેરે  માટે શુદ્ધિકરણ ,રોગ નિવારણ અને ભાવિ ઉપકારિતા માટે  જુદા જુદાં  ‘વિશ્વ દિવસો ‘ના આયોજન યુ,એ,/ યુનેસકો કરે છે.  તે માટે કોઈ એક દેશ ને  ‘યજમાન ‘ બનાવાય છે ,ગત વર્ષ ભારત  પર્યાવરણ દિન મુખ્ય યજમાન દેશ હતો અને થીમ હતું ‘બીટ પ્લાસ્ટિક પ્રદુષણ ‘ આ વખતે 2019 માં  ચીન મુખ્ય યજમાન દેશ છે ,અને આ વખતનું ઘોષ  વાક્ય-‘થીમ છે -વાયુ પ્રદુષણ ‘- આપણે  શ્વાસ લેવાનું બંધ નથી કરી શકતા પણ હવાનું શુદ્ધિકરણ -ગુણવત્તા વધારી શકીએ છીએ  જેનાથી લોકો ના અપમૃત્યુ બચાવી શકાય છે . નવી શોધો,નવી ટેકનિકો અને ઉર્જા અને સલામતીના ઉપાય  થકી મહત્વનું કામ કરવા  કટિબદ્ધ   બની શકીએ તે વિશ્વ પર્યાવરણ દિવસ નો હેતુ છે . અંકુશિત માર્ગો દ્વારા દુષિત વાતાવરણ ને અટકાવવા  માનવીય ફરજ બજાવવાની ભૂમિકા  જાગૃતિ નું લક્ષ છે .           
         આપણા પ્રાચીન  વેદોમાં પૃથ્વી,વસુંધરાને; સમર્ગ વિશ્વને  એક કુટુંબ તરીકે સ્વીકાર્યું છે   वसु धैवं  कुटुंबकं / .ઋષિ મહર્ષિઓએ  સ્પષ્ટ રીતે કહ્યું છે કે  ”  આપણે  પ્રકૃતિ પાસેથી જરૂર પૂરતું જ ગ્રહણ કરવું અને તેની નૈસર્ગિક સુંદરતા (વૈભવ )ને ક્ષતિ ન પહોંચે તેની સાવધાની રાખવી.” અન્યત્ર -પંચમહાભૂતો ની વાત કરતા જળ ,હવા,આકાશ,પૃથ્વી  અને અગ્નિ [પ્રકાશ  ] ને સાચવવા ,શુદ્ધ રાખવા માનવીની પોતાની નૈતિક  ફરજ  છે -આજના ભૌતિક વાદી અને ઔધોગિકરણની હરણફાળમાં ,તેજીલીગતિ માં આ વાત  તે -સાવ ભૂલી ગયો અને તેથી અનેક પ્રશ્નો ,સમસ્યાઓ એ જન્મ લીધો; પર્યાવરણ સંરક્ષણના અભાવે સર્જાતી  અનેક ગંભીર સમસ્યાઓ પુરા વિશ્વ સામે યક્ષ પ્રશ્ન બની જતાં; તેના નિવારણ અને  અંકુશ માટે યુ,એન,/  યુનો સંગઠન દ્વારા  પ્રયાસ થયો -આપણી પાસે જે એક જ પૃથ્વી છે ,અને તેને જીવવા લાયક  બનાવવા પગલાં લેવા જરૂરી બન્યા  ,સામુહિક  ધોરણે વિશ્વભરમાં તમામ દેશો માં જાગૃતિ લાવવાના  નક્કર આયોજનો કરવા  એવા મુદ્દાઓ  ઉપસ્થિત થયાં  ;દુનિયામાં ( ૧)પ્રાણીઓ ,જીવ જંતુ ,કુદરતી સંપત્તિઓ , વનશ્રી ,જળ સંપત્તિ ,વગેરે ને થતું નુકસાન ;નષ્ટ થતી  કામગીરી ને અટકાવવી ,(૨)ઔદ્યોગિક પ્રદુષણ રોકાવું ( 3 )માનવ  વસાહતો ને રોગ મુકત કરવી , તમામ પ્રાણ જીવન ને બચાવવા ;  ઉર્જા શક્તિનો  બચાવ કરી  તેનો  વ્યાપક ઉપયોગ કરવા (4 )  પાણીનો  દુરુપયોગ અટકાવવો ( 5)   વાહન વપરાશ ટાળવો (  6 )  વીજળી બચત કરવી (    ( 7)વૃક્ષ છેદન  બંધ -આવા બહુ ઉદેશી બાબતો પ્રદુષણ નિવારણ માટેની ગણાય; વિવિધ પ્રદુષણ ફેલાવે છે તેતે તમામ ઘટકો પર અંકુશ મુકવો ઘટે; આવ મુદ્દાઓને ધ્યાન માં લઇ દર વર્ષે એક વિષય હાથમાં લઇ યુ.નો .એ પર્યાવરણ સંરક્ષણ હેતુ સિદ્ધિ કાજ  તા .૫ જુન  ના દિવસને ” વિશ્વ  પર્યાવરણ દિન “- તરીકે  જાહેર  કરેલો છે તેની વ્યાપક પ્રમાણમાં ઉજવણી કરે છે .
.                    
              યુ .એન ,ઓ  દ્વારા  પર્યાવરણ  પ્રતિ  રાજનીતિક તથા સામાજિક  વિશ્વમાં જાગૃતિ લાવવા ,સુરક્ષા સરંક્ષણ અને સલામતી ના મુદ્દાઓને ધ્યાનમાં લઈને ૧૯૭૨ માં  સ્ટોકહોમ (સ્વીડન )ખાતે  આંતર રાષ્ટ્રીય પર્યાવરણ સંમેલન યોજાયું૧૧૯ દેશો એ તેમાં  હાજરી આપેલી  અને   U.N.E.P  સંયુકત  રાષ્ટ્ર્ર પર્યાવરણ- ના કાર્યક્રમ સંબંધિત રૂપરેખાનો જન્મ થયેલો – માનવ સમુદાયો ને પર્યાવરણ શુદ્ધિ થી વાકેફ કરવા  તે માટે ઠેર ઠેર જુદાજુદા વિવિધ કાર્યક્રમો  યોજવાના હેતુ ને મંજૂરી અપાઈ  ભારતના તત્કાલીન વડા પ્રધાન  ઇન્દિરા ગાંધીએ  પર્યાવરણ ની સુરક્ષા , પર્યાવરણ  ઉલ્લંઘનથી   સર્જાતી  દેશો ની બગડતી હાલત ,ભવિષ્યમાં  તેનાથી  ઉભી થનારી આડ અસરો  વગેરે મુદ્દાઓ રજૂ  કર્યા  હતા અને ભારતે પર્યાવરણ ચિંતા અને સુરક્ષાની દિશામાં પ્રથમ પ્રારંભિક પગલાં ઉઠાવ્યા  હતા.
         ૧૯૪૭  થી આઅંગે કાર્યારંભ થી ચુક્યો હતો .સંયુક્ત રાષ્ટ્રસંઘ પ્રમુખ સંસ્થાએ ડબ્લ્યુ .એચ ઓ ;ડ બ્લ્યુ.એમ .ઓ  આઈ .એલ .ઓ  એફ .એ .ઓ.વગેરે  સંસ્થાનો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે  પર્યાવરણ શિક્ષા કાર્યક્રમમાં જોડાઈને સહ્યોગી બન્યા હતા .
          ૧૯૭૫માં બેલગ્રેડ અધિવેશનમાં ”પર્યાવરણ ઘોષણા પત્ર” -જારી કરવામાં આવ્યું, જેમાં મુખ્ય ચાર મુદ્દાઓ નો સમાવેશ  હતો .(૧)પર્યાવરણ ની સ્થિતિ (૨ )પર્યાવરણનો ઉદ્દેશ (૩) પર્યાવરણના શૈક્ષિક ઉદ્દેશ્યો(૪)પર્યાવરણનું શૈક્ષણિક લક્ષ્ય.  ભારત સહિત વિશ્વના અન્ય રાષ્ટ્રો એ ૧૯૭૬ થી ૧૯૮૨ ના ગાળામાં જુદાંજુદાં  પ્રકારના કાનૂન ઘડીને પર્યાવરણ ને સ્વચ્છ રાખવાના હેતુ ધ્યાનમાં લઇ પ્રયાસો હાથ ધરાયા .૧૯૮૬માં તા .૧૯ મી નવે .ના રોજ પર્યાવરણ સંરક્ષણ અધિ નિયમ લાગુ થયો .૧૯૭૪માં તા.૫; જૂન ના રોજ પ્રથમ ‘ વિશ્વ પર્યાવરણ દિવસ ”-ઉજવાયો .હવે દર વર્ષે ૧૪૩ થી વધુ દેશો આ આયોજનમાં ભાગ લઇને  અનેક કાર્યક્રમોની ગોઠવણી સાથે પોતાનું યોગદાન આપે છે .૧૯૮૭ માં સદર ઉજવણીમાં દર વર્ષે અલગ અલગ દેશોને ‘મુખ્ય મહેમાન ‘-પસંદ  કરવું જાહેર થયું. ૨૦૧૭ માં ગઈ સાલ -કેનેડા   ‘હોસ્ટ  (host)’ -બન્યું હતું   અને  theem – ઘોષ વાક્ય  હતું – Connecting  People &  Nature ”.કનેક્ટિંગ પીપલ એન્ડ નેચર ”- ૨૦૧૮  ભારત દેશ (host ) નું  ઘોષ વાક્ય -( Them )  હતું : Best Plastic Pollution ” પ્લાસ્ટિક પ્રદુષણ ની સમાપ્તિ”..સંયુક્તરાષ્ટ્રીય કાર્યવાહક સંસ્થાન યુ.એન ઈ પી. ની મુખ્ય  કચેરી નૈરોબી (કેન્યા )માં  છે .ભારતમાં  રાષ્ટ્રીય પર્યાવરણ અનુસંધાન કેન્દ્ર   મુખ્ય કાર્યાલય -નાગપુર -મહારાષ્ટ્ર ખાતે આવેલું છે.

                      ભારતમાં સરકાર  દ્વારા  અનેકવાર  જાહેરમાં તેમજ ખાનગી  સમારંભોમાં  દેશ અને વિશ્વની અનેક સમસ્યાઓ ચર્ચા સાથે  પર્યાવરણ અને  પ્રદુષણ વિષયક જાગૃતિ  લાવવા પ્રયાસો થયા છે અને તે અંગે  ઉત્તમ કામગીરી  બજાવેલી છે  જેની  નોંધ  જગતે પ્રમાણ ભૂત  માહિતી સાથે લીધી છે ; વડા પ્રધાન  નરેન્દ્ર મોદી ની સરકારે  સ્વચ્છતા અભિયાન માં  અને પ્લાસ્ટિક  નાબુદી માટે  સફળતા હાસિલ કરી વિશ્વમાં  પ્રશંસા પ્રાપ્ત કરી -સન્માન પામી  છે આ વખતે ‘વાયુ પ્રદુષણ -નિવારણ માટે ઠેર ઠેર અનેક દેશો, રાજ્યો,પ્રાંતોમાં કામગીરી થશે . દર વર્ષે  દુષિત વાયુ  અને અશુદ્ધ  હવાને  આશરે 7 મિલિયન લોકો મોત ને  ભેટે છે ,વિશ્વમાં 92 ટકા %લોકો શુદ્ધ હવાથી વંચિત રહે છે . વાયુ પ્રદુષણ માટે વૈશ્વિક વેલ્ફેર ખર્ચમાં અર્થતંત્ર અંદાજિત 5 ટ્રિલિયન ડોલર ખર્ચ થાય છે. અનેક જાણતા પ્રદૂષણો દરેક રીતે ,સર્વ માટે નુકસાન કારક છે સાથે ચિંતિત કરે છે ,ભાવિ સુરક્ષા માટે આ વૈશ્વિક સ્તરીય આયોજન આજ ના યુગ  માંગ છે ,રાષ્ટ્રીય સંગઠન દ્વારા આવનારા ભય સામે ની આ સામુહિક મહત્વની ભૂમિકા છે   તેથી  જુદા જુદા ઉજવાતા આંતર રાષ્ટ્રીય દિવસો નું મહત્વ છે .
             .દુનિયાભરમાં માનવતા  માટે પર્યાવરણ સુરક્ષા ની આવશ્યકતા છે ,કારણકે પર્યાવરણ અને ઈશ્વર પ્રકૃતિ ની બે બાજુ છે ,જેની સુરક્ષા  પૂજા  અને મહત્વ  વિના જીવન અધૂરું છે . ચિંતક – પૈંટબકલે  તેથી જ કહે  છે :- ”હું ઈશ્વર ને પ્રકૃતિમાં,જાનવરોમાં ,પક્ષીઓમાં અને પર્યાવરણમાં પામી શકું છું ‘- વેદોમાં  પ્રકૃતિ ના તત્વો ની પૂજા  અને તેના સંરક્ષણ માટે  હજારો વર્ષો પહેલાં જગત ને મંત્રો –  શ્લોકોમાં  દ્વારા  અર્થસૂચક સંદેશાઓ આપ્યા છે  .
 પર્યાવરણ અને પ્રદુષણ  બાબત તો ગંભીર યક્ષ પ્રશ્નને ,માનવ અને પ્રકૃતિ ને  માઠી અસરગસ્ત કરનારી પરિસ્થિતિ ને દૂર કરવી શક્ય ન હોય તો નિવારણ માટે  પણ  વિશ્વના દરેક નાગરિકોએ પોતાનો વ્યક્તિગત ફાળો ફરજ / કર્તવ્યના ભાગ રૂપે  આપવો  જોઈએ . વણસતી પરિસ્થિતિને અંકુશમાં લાવવા  પોતે  સરકારોને મદદરૂપ થવું જોઈએ. જેથી માનવી રોગમુકત -પ્રકૃતિ ભયમુકત બની શકે , શુદ્ધતા દ્વારા  વિકાસ ,સંવર્ધન અને સુરક્ષા  માટે સફળતા  પ્રાપ્ત  થાય -પર્યાવરણ દિનના  સાચા  ઉદેશ્ય ને પૂર્ણ કરવા સંકલ્પ  લઈએ

જિતેન્દ્ર પાઢ /મોરિસવિલ સિટી /નોર્થ કેરોલિના /અમેરિકા /whatsapp  cell -+91 9820 496574/  email – jitendrapadh@gmail. com

| Leave a comment

૩૫ -કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

"બેઠક" Bethak

મંચ પર ક્યાં
પૂર્ણ ભજવાયો હતો હું, કોઈને કયાં સાવ સમજાયો હતો હું,

જે મળ્યાં
કિરદાર, એ ભજવી રહ્યો છું,પાત્ર
છું, દર પાત્ર બદલાયો હતો હું,

જીંદગી સંવાદ
જેવી લાગતી’તી, મૌનમાં પણ ક્યાંક
પડઘાયો હતો,

કૈંક ઈચ્છાઓ
ઉગે છે અસ્તતામાં, રાતનો રંગીન પડછાયો હતો હું,

કોણ બોલ્યું
આ? ક્યાંથી પડઘાયા આ શબ્દો? હજુ તો જાણે અહીં જ હતા અને અચાનક ક્યાં ખોવાયા આ
શબ્દો?

આ શબ્દો, આ
લાગણી કદાચ કોઈ એક અદાકારની જ નહીં રંગમંચને બોલકો કરતાં હર કોઈ એક અદાકારની હોઈ
શકે ને? મોટાભાગે કોઇપણ અદાકારને પૂછો તો આ એક સર્વવિદિત લાગણીની વાત લાગશે. હર
હંમેશ કોઇ એક એવું પાત્ર ભજવવાની એમને છેવટ સુધીની ઈચ્છા હોય છે જેનાથી એમનું નામ
અમર બની જાય. શ્રેષ્ઠ પાત્ર ભજવ્યા પછી પણ કોઈ પાત્ર ન ભજવી શક્યાનો રંજ પણ રહી
જતો હશે ?

એક વ્યક્તિ
અનેક રીતે વ્યક્ત થયા પછી અને દરેક કિરદારે બદલાયા પછી પણ એમની ઈચ્છાઓ અધુરી રહી
ગયાનો રંજ મનમાં…

View original post 383 more words

| Leave a comment

વિદેશે વસી સહિયર મોરી (૧)-રોહિત કાપડિયા.

સ્મિતા,      

પરણીને અમેરિકા આવ્યાને ત્રણ મહિના થઈ ગયાં. ચારેક વાર આપણે ફોન પર વાત કરી પણ દિલ માનતું ન હતું. મારે તને ખૂબ નજદીકથી મળવું હતું. ત્રણ મહિના પૂર્વે જો આપણે બંને એક બીજાને એકાદ દિવસ માટે પણ નહીં મળતાં તો ઉંચા નીચા થઈ જતાં. ખેર ¡ હવેથી આપણે નિયમિત રીતે ઇ-મેઇલ દ્વારા મળીશું. સ્વ અક્ષરોથી લખાયેલા પત્ર જેવીસુગંધ ઇ-મેઇલમાં ન હોય. તો યે આ પત્રના દરેક અક્ષર ટાઈપકરતી વખતે મારો મીઠો સ્પર્શ તને મોકલાવું છું. ઝીલી લે જે.          

નવું ઘર, નવો દેશ, નવું વાતાવરણ, નવી પ્રજા અને નવાં રીત-રિવાજ આ બધાંથી હવે ટેવાઈ ગઈ છું.

ચાલ, શરૂઆત શૈશવથી કરૂં છું.

શૈશવનાં સંસ્મરણો વર્તમાનના ખાલીપાનેભરી દેતાં હોય છે. અડોશ-પડોશમાં રહેતાં આપણે સાથે મોટા થયાં. આપણી મૈત્રી અજોડ હતી. બધા જ આપણને બે સગીબહેન જ ગણતાં. આપણી મૈત્રીને ગાઢ બનાવતો એ પ્રસંગ હજુ પણ મારી આંખ સામે તરવરે છે. પાંચમા ધોરણની આપણી પરીક્ષા ચાલુ હતી. બસમાં બેસીને શાળાએ જતાં પણ આપણે વાંચવામાં મશગુલ હતાં. શાળા આવતાં આપણે બસમાંથી ઉતરી ગયાં. પછી ખ્યાલ આવ્યો કે બે માંથી કોઈએટિકિટ લીધી જ ન હતી. હું તો એ વાત ભૂલી ગઈ પણ બીજા દિવસે બસમાં શાળાએ જતાં તે ચાર ટિકિટ લીધી અને બે ટિકિટ ફાડી નાખી.

મેં અચરજ પામતાં તને પૂછ્યું કે તે આમ કેમ કર્યું?

ત્યારે તે હસીને કહ્યું હતું કાલે આપણે ભૂલમાં ટિકિટ લીધી ન હતી. કોઈને આ વાતની જાણ ન હતી પણ ઈશ્ચરનેતો જાણ હતી ને મારે ઈશ્ચરની નજરમાં ગુન્હેગાર બનવું ન હતું. તારી એ વાત મને સ્પર્શી ગઈ અને આપણા ગાઢ સંબંધની શરૂઆત થઈ.

આ પ્રસંગ અહીંના ચર્ચ પરનું એવાક્ય – ‘ઈશ્ચરની આંખથી કંઈ છૂપું નથી હોતું.’ વાંચતા યાદ આવી ગયો.            

સ્મિતા, મારો વિદેશની ધરતી પરનો પ્રથમ અનુભવ તને જણાવું. સોળ કલાક લાંબી વિમાનની સફરથી અકળામણ થતી હતી. વિમાન બદલીને નાના વિમાનમાં આગળ જવાનું હતું. રમકડાં જેવું લાગતું આ વિમાન થોડું ક ઉંચે ગયા પછી હાલકડોલક થવા લાગ્યું. ડરના માર્યા મેં આગલી સીટને મજબૂતીથી પકડી લીધી. મારો ડર જોઈને મારી બાજુમાં બેઠેલા વિદેશી બેને પૂછ્યું ” ઈન્ડિયાથી આવો છો?”

મેં હા પાડી ને પછી તો એ બેન એકધારૂં બોલવા લાગ્યા. વાતવાતમાં એમણે પૂછ્યું

“તમે લોકો ખાવાના બહુ શોખીન હોવ છો. ખરૂં ને? તો રસોઈ બનાવતા તમને ગેસ પર રાંધતા દાઝી જવાનોડર નથી લાગતો?”.

મેં સહજતાથી કહ્યું કે જરા યે નહીં. એ તો રોજનું થયું. મારો જવાબ સાંભળીને એમણે કહ્યું

“આ પાયલોટ પણ રોજ વિમાન ઉડાવે છે. એ જાણે છે કે મારા સહપ્રવાસીઓને સહીસલામત સફર કરાવવાની છે. શું એને ખુદનો જાન વહાલો નથી? એને કોઈ ડર નથી તો પછી તમે કેમ ડર રાખો છો?. ”

એ જ ક્ષણે મેં આગલી સીટ પરથી મારા હાથ પાછાં ખેંચી લીધા. એ બેન એક મીઠું સ્મિત ફરકાવીનેફરી એમનું પુસ્તક વાંચવા લાગ્યા. પછીની સફર ડરવિહોણીઅને રોમાંચક રહી.

જિંદગીનો એક અમૂલ્ય પાઠ શીખવા મળ્યો. જો મૃત્યુનો ડર કાઢી નાખશો તો જ જિંદગીનેજીવંતતાથી જીવી શકશો.  

               બીજા ત્યાંના શું નવીન છે?

તબિયતનાં અને પરિવારના સમાચારોની તો વાત ફોન પર જ કરશું. હવે તો તું લગ્નનું નક્કી કરે તો મારાથી પાછું ઈન્ડિયા આવી શકાય. તારાં ટેરવાંઓથી મહેંકી ઉઠેલાં ઇ-મેઇલની પ્રતીક્ષા કરતી,                                            

આશા. 
                                                                    

| Leave a comment