લલિત શાંતી કુંજ

PBW204-FR-RE-CO-MD

લલિત શાંતિ કુંજ-(૧)-વિજય શાહ

Posted on August 7, 2013 by vijayshah

કૂંજ સોસાયટી આમ તો વડોદરાનો ભદ્ર વિસ્તાર…લલિત શાંતિ કૂંજ જ્યારે આફ્રિકામાં શાંતિભાઇનો સિતારો બુલંદીમાં હતો ત્યારે બન્યુ હતુ. મોઢ વાણીયાજ્ઞાતી પણ શાંતિપટેલ તરીકે ગ્રોસરી કીંગ કહેવાતા કંપાલાનાં જબર જસ્ત વેપારી.

જ્યારે કૂજ સોસાયટી બંધાતી હતી ત્યારે તો તેમનો ત્રણ માળનો બંગલો સંપૂર્ણ તૈયાર થઇ ગયો હતો.. લલિતા બા આફ્રિકા રહીને પણ ભારતિય સંસ્કારોને બહુ માનતા તેથી આગળ તુલસી ક્યારો નાનકડો ફુવારો અને સુંદર ફળફુલ ઉગે તે હેતૂથી ૧૫૦૦૦ સ્ક્વેર ફુટ્ની જગ્યામાં ફક્ત ૩૩૦૦ સ્ક્વેર ફૂટનું બાંધકામ કરાવ્યુ હતુ. છ મહીને એકાદ મહીનો વેકેશન ગાળવા આવતા આ કુટુંબે રોડ ટચ પ્લોટમાં ભવિષ્યમાં દુકાનો કાઢશે તેવી ગણત્રીથી ઘર તૈયાર કરાવ્યુ હતુ.

બાંધકામ પુરુ થાય તે પહેલા ઇદી અમીને હાથે પગે સૌને કાઢ્યા..ત્યારે શંતિભાઇ પહેરેલા કપડે જીવ બચાવીને લંડન પહોંચ્યા..નાનો કેતન તે વખતે તો માંડ ચાર વર્ષનોતેના જન્મ તારીખનું કાગળીયુ હાથવગુ નહી અને પટેલ અટક્નાં ઢગલેબંધ યુગાંડાનાં વસાહતીઓ સાથે લંડન આવી ગયા.છોકરા બધા ભણતા અને મૂડી કાઢી લંડનના એક નાના પરામાં ફરીથી ગ્રોસરી સ્ટોર શરુ કરવો તે નાની સુની વાત નહોંતી..પણ શાંતિભાઇ બાસમતિ ચોખાનાં કામમાં ખુબ કમાયા. હોલસેલ ચોખા ફીલીપાઇન્સથી બેંક ક્રેડીટ ઉપર લાવીને અહીંનું પેકીંગ કરાવી બ્રીટન નાં ગ્રોસરી સ્ટોરોમાં જથાબંધ ભાવે વેચતા અને બેગે દોઢ પાઉંડ જેવો માતબાર નફો પહેલે વર્ષે ઉતાર્યો ત્યારે કોમ્યુનીટીમાં માન પામ્યા

સૌથી મોટી ચંપા તે વખતે કોલેજનાં બીજા વર્ષમાં મહેશ ૧૧મીમાં કમલેશ ૯મી માં અને ભાનુ સાતમીમાં અને સૌથી નાનો કેતન બાળમંદિરમાં..છોકરાઓમાં એકલો કેતન જ લલિતાબેન જેવો શાંત અને ડાહ્યો..ચંપા ઉગ્ર પણ કામઢી. બાકી સૌમાં શાંતિભાઇનો ગુસ્સો કૂટ કૂટ ભરેલો..યાદ શક્તિ પણ એવીજ.. માંગે તે ના મળે તો હાથમાં જે હોય તેનો છુટ્ટો ઘા કરે..એકાદ વર્ષ તો બરોબર ચાલ્યુ પણ ફીલીપાઇન્સથી આવેલી બાસમતીનો મેડ ઇન યુ કે નો લોગો પકડાયો..અને આવી ગયો. નવા ધંધામાં ઇમ્પોર્ટ ડ્યુટી ્નામે નવો કર.. અને નફો ઘટવા માંડ્યો…મહેશ ને આગળ ભણવુ નહોંતુ તેથી પટેલ બ્રધર્સ નામની ગ્રોસરી શોપ શરુ કરાવી અને બધુ સીધુ સાદુ વેચવા માંડ્યુ..લલિતા બા સેંડવીચ સાથે ભારતીય નાસ્તો પણ વેચવા મુકતા  ધંધો જેમ ધંધાને શીખવાડે તેમ શાક્ભાજી, ફણગાવેલા શાક અને મિઠાઇઓમાં જલેબી, મોહન થાળ અને મગસ જેવી વસ્તુની શુધ્ધતાથી ચાલવા માંડી.આમ જથ્થાબંધ ધંધામાં આવેલી નાણાકીય ઉણપો છૂટક વેચાણોથી ભરપાઇ થતી જતી હતી.

કહે છેને ઉદ્યમી માણસ ૧૦૦૦ દિવસે નફો લણતો થઇ જાય તેમ ચંપા, લલિતા મહેશ અને શાંતિભાઇની “પટેલ બ્રધર્સ” ચાલતી થઇ ગઇ.. યુગાંડાના નિર્વાસિતોમાં તેમનું નામ માનથી લેવાતુ હતુ તેથી “ પટેલ બ્રધર્સ” ની બીજી શાખા લેસ્ટરમાં થઇ. કમલેશ ત્યાં બેસતો થઇ ગયો એણે તો સાથે આઇસ્ક્રીમ પાર્લર પણ ખોલ્યુ…

લલિતા વડોદરાનાં ઘરને માણવા નાના કેતન અને ભાનુ ને લઇ વડોદરા આવી..તેની કલ્પના મુજબ તેને ફળ ફુલથી લચેલ ઘર બનાવવુ હતુ. એલેંબીક પાસેના મૉડેલ ફાર્મની નર્સરીમાં થી ગુલાબ, મોગરો, ચંપો, સીતાફળી, જામફળી, કેશર કેરી અને નાળીયેરી લાવી અને મકાનનાં આગળના ભાગમાં વાવી દેવડાવ્યા અને ભરોંસાના માળીને આંતરે દિવસે આવી પાણી ખાત્ર અને નિંદામણ માટે આવવા પણ નિમણુંક કરી. લલિત શાંતી કુંજમાં માળી અને ડ્રાઇવર માટે બે રુમનૂ સર્વંટ ક્વાર્ટર બનાવી અને તે બંનેની ઘરવાળી ઘરકામ માટે રાખી લીધી…

<

સમય સમયનું કામ કરે તેમ છોકરા મોટા થતા ગયા અને પરણતા ગયા..પૌત્રો અને પૌત્રીઓથી ઘર ભરાતુ ગયુ. વાળમાં  ચાંદી પકડાવા માંડી ત્યારે શાંતિભાઇ એ દિકરાઓને ઘર ધંધો સોંપી વડોદરા બાકીની જિંદગી કાઢવા પ્રયાણ કર્યુ જેટલા પૈસા ભારત સાથે લાવ્યા હતા તેની ફીક્ષ ડીપોઝીટો થઇ ગઇ અને વ્યાજ્ની આવકમાં થી ઘર ચાલે તેવી રીતે ગોઠવણ કરી ત્યારે લલિબા ૭૫ અને શાંતિભાઇ ૮૦નાં હતા અને ૫ સંતાનોમાં થી ૧૨ પૌત્ર અને પૌત્રીઓ અને એક પ્રપૌત્ર સાથે સુખી સંસાર હતો..લલિતાબાને એક જ ચિંતા હતી અને તે ભાનુને નિઃસંતાન જોઇ કાયમ જીવ બાળે.

ખાવાપીવામાં નિયમીત જીવન એટલે રોગ તો નખમાં ય નહીં.. સવારે ઉઠીને બેઉ જણા યોગ કરે.. બગીચામાં જઇ સેવાનાં ફુલ લાવે. આંબાનાં ઝાડે જ્યારે કોયલ ટહુકે ત્યારે લલીબા કંપાલાનાં તેમના ઘરને યાદ કરે..પછી નીકળતા નિઃસાશાને ભુલાવવા શાંતિ કાકા બોલે પણ ખરા આપણો દેશ તે જ સાચો દેશ.. બાકી સોનાની લંકા હોય તો પણ તે પરદેશ જ…નવને ટકોરે ટેબલ ઉપર ચાની કીટલી અને કોરો નાસ્તો મુકાયો હોય..લલીબા ચાનો કપ બનાવે.એક ક્યુબ ખાંડ ઉમેરે અને કોરો નાસ્તો કે ખાખરો પ્લેટમાં લઇ છાપુ વાંચતા વાંચતા ખાય..પેલી કલાપીની ઉક્તિ “ કેવું સુખી જોડુ કર્તા એ રચ્યુ” જેવુ કંઇક કેતન નો મિત્ર અર્જુન ગણગણે

કલમ અને કેતન વહેલા ઉઠી નાની ઉર્વીજાને તૈયાર કરે દુધ ગરમ કરીલે અને રસોઇની પૂર્વ તૈયારી જેવીકે શાક સમારે, કઠોળ પલાળે કે સાંજ માટે ફરસાણનું ખીરુ બનાવવા દાળ ચોખા પલાળે. જ્યારે ચલુ દિવસ હોય ત્યારે સાડા આઠને ટકોરે કલમ સ્કુલે જવા સ્કુટી કાઢે અને કેતન જીઈબીમાં જવા તેની મોટરબાઇક પર રવાના થાય. ઘરમાં સમય પ્રમાણે જરુરી ઘર વખરી જેવું કે સોલર પેનલ. એ.સી, ઘરઘંટી, રેફ્રીજરેટર કે કપડા ધોવાનું મશીન અને ભીતે ટંગાયેલા સૌ શો પીસ એ કલમની પસંદગીના…અને કેતને ખરીદેલા…શાંતિલાલ્ને આવુ બધુ ગમે.. અને તેઓ માનતા કે એક છોકરાને તો સાથે રાખવાનો જ.. સાંજે માંદે તે હાથવગો રહે..

ભાનુ ભરુચ રહે આમ તો કંઇ તે દુર ના કહેવાય પણ ફોન વસાવ્યા પછી તો રોજ બાપ અને દીકરી વાતો કરે.

બરાબર ૧૨નાં ટકોરે શાંતિભાઇની થાળી પીરસાઇ જાય.. રોટલી ,દાળ, બે શાક, કચુંબર, કઠોળ દહી અને એક કકડો મીઠાઇનો તો જોઇએ જ..પાપડ, રાઇતુ, અથાણુ હોય તો ભર્યુ ભાણુ.. નહીંતર આ્ટલુ તો જોઇએ જ… બંને બાઇઓને પણ લલીબાએ એવી કેળવી દીધી હતી કે દાદાનું ટાણું અને ભાણું બરોબર સચવાય.જો ક્યાંક કશું ઓછુ હોય તો થાળીનો છુટ્ટો ઘા થાય. જોકે લલીબાની હાજરીમાં તો એવું કયારેય ના થાય..છતાય ભાનુને એવો બે ચાર વાર અનુભવ થયેલો તેથી કલમ એકલી તો કશીજ જવાબદારી ના લે..ક્યારેક રસોયણ ના આવે કે મોડી આવવાની હોય ત્યારે લલીબા પૂર્વભૂમિકા બાંધી એક્ષ્પ્રેસ હોટેલે તેમને જમવા લઇ જાય.

શાંતિભાઇ કહે પણ ખરા કે મને અને મારા ગુસ્સાને તુંજ એકલી ખાળી શકે..બીજાનું કોઇ કામ નહીં..મૂડ સારો હોય તો લલીબા કહે “ હા. પણ હવે હું પણ તમારી જેમ ક્યારેક તો રસોડે રજા લઉને? કલમ વહુનાં હાથે ખાવાનું ફવડાવતા શીખો…એમનો જમાનો તેલ,ઘી, દુધ અને મીઠાઇથી દુર રહેવાનો જમાનો છે..બાફેલુ અને ફણગાવેલુ ખાવાનું ભવડાવતા શીખો.. શું સમજ્યા?”

“ હવે મોટી ઉંમરે નવા કાંઠા ના ચઢે.. તુ છે ત્યાં સુધી તો ચિંતા નથી.. તુ નહી હોય તો મારે પણ રહીને શું કામ છે હેં?

આવી બધી તેમની વાતો બપોરે એક ઉંચ લીધા પછી હીંચકે ઝુલતા ઝુલતા થતી હોય અને આદુ અને લીલીચા નાખેલી બપોરની ચા પીતા પીતા થતી હોય.. સાંજે પાંચેક વાગ્યા પછી ઢળતા પહોરે રીક્ષા કરી કમાટી બાગમાં જવાનુ અને બરોબર પ્લેટેટ્ટોરીયમ થી બીજા છેડા સુધી બે વખત ચક્કર માર્વાના અને બેંડસ્ટેંડ ઉપર તેમના મિત્રોની ટૉળીમાં ટોળ ટપ્પા મારવાના..ઘણી વખત ઉર્વિજા તેમની સાથે હોય..ને તેને વાર્તા કહેતા અને મલકતા બંને જણા રીક્ષામાં પાછા આવે. ત્યારે રસોઇ તૈયાર હોય..કેતન અને કલમ પણ આવી ગયા હોય અને આખુ કુટૂંબ ફરી સાથે જમતુ હોય..

ટેલીવીઝન પર “હમલોગ”ની અશોક કુમારની ટીપ્પણી સાંભળી ને બધા છુટા પડે.ત્યારે કલમ અને ઉર્વિજા બધાને જયશ્રી કૃષ્ણ કહે અને પગે લાગીને છુટા પડે તે વાત લલીબાને બહુ ગમે…

લલિતશાંતિ કૂંજ ની આ હળવાશ અને મોકળાશને તે દિવસે  નજર લાગી. ફોન ઉપર સમાચાર આવ્યા  રીક્ષા અકસ્માતમાં અંકલેશ્વર થી પાછા ફરતા ભાસ્કર નાણાવટી મૃત્યુ પામ્યા. ભાનુનું વૈધવ્ય બંનેને માટે શોકજનક હતુ.

કેતન અને કલમ અંત્યેષ્ટીમાં જઇ આવ્યા. લલીબા તો ભાનુને સફેદ સાડીમાં કલ્પી જ નહોંતા શકતા… ફોન ઉપર મા દીકરી ખુબ કકલ્યા.. પણ વિધાતાનો ન્યાય..વ્યાજ સાથે મૂડી પણ જાય…

મહીના ફેરે શોક મુકવા જ્યારે ભાનુ લલિતશાંતિ કૂંજમાં આવી ત્યારે લલીબા કકલ્યા..અરે અમને જેવાને તેડી જવાને બદલે જમાઈને શીદ તેડી ગયા? ત્યારે જર અણગમા સાથે ભાનુ બોલી.” બા અહીં હું શોક મુકવા આવી છુ અને તું પાછા તેમને યાદ કરીને શોક કરાવે છે.”

કલમ તો સડક જ થઇ ગઈ. પણ લલિતાબાથી વિધ્વા દીકરીના ચહેરા ઉપર દુઃખનાં ડુંગરા પડેલા ના જોવાયા અને એમનાથી ડુસકું ભરાઇ ગયુ… શાંતિભાઇ પણ ઉદાસ તો હતા જ…

તે રાતનાં ડૂમો ના નીકળ્યો તે ડુમો લલીબાને ઘાતક નિવડ્યો. બીજે દિવસે તેમનો દેહ ત્યાં હતો પણ આતમ રાજા ભગવાન ને ત્યાં દીકરીની ફરિયાદ પહોંચાડવા પહોંચી ગયો હતો..

બેસણામાં વાત ચર્ચાતી હતી કે ભાનુ આવીને લલીબા ગયા..કાગનું બેસવુ અને ડાળનું પડવુ તે આનુ નામ..્પણ ભાનુની આંખમાં થી એક બૂંદ પણ નહોતુ પડ્યુ..ધ્રુસકે ને ધ્રુસકે રડતા કેતન ને પણ રડવા દેતી હતી. કેતન સાથે બેઠેલો અર્જુન બધા તમાશા જોતો હતો..તેને તો ભાનુની ચુપ્પી સમજાતી નહોંતી… આખરે દેહને વળાવીને આવ્યા ત્યારે શાંતિભાઇ પહેલી વખત રડ્યા…૮૫ વર્ષે મને નોંધારો મુકીને તું ચાલી ગઈ…ભાનુ ત્યારે બાપા પાસે જઇને બરડો પંપાળતી બેઠી..તેમને પાણી પાયુ અને સ્વસ્થતાથી બોલી..” બાપા શાંત થાવ..ક્યારેક તો તે સ્વિકારવું જ પડેછે કે જન્મ્યુ તે જાય….

પછીનું અઠવાડીયું ગરૂડ પુરાણ અને સગા વહાલાની રડારોળ અને ધમાલમાં ગયુ..ભાનુ નો શોક તો ના મુકાયો પણ તેની હવે શું?ની ચીતાઓ વધતી ચાલી.

બારમા બાદ ભાનુ ને બોલાવીને શાંતિભાઇએ કહ્યું-“ બેટા ભરુચનું મકાન વેચી કાઢો અને પૈસા બેંકોમાં મુકી અત્રે રહેવા આવી જાવ…”

“પણ બાપા કેતન અને કલમને પુછવુ પડેને? મારે તેમને ભારે નથી પડવુ”

“ હવે તારી બા નથી તો તેનું બધુ કામ તુ કરજે અને પેટની છોકરી છે કંઇ ભાણે ભારે નથી પડવાની.” કેતને પણ સંમતિમાં માથૂ હલાવ્યુ.. ત્યારે કલમને કંઇક અજુગતુ થતુ હોવાની શંકા પડી.” તેથી હસતા હસતા કહ્યું કે “બા જે કરતા હતા તે બધુ બાપાનું ધ્યાન રાખવાનું કામ કરજો “બા” ના થતા કારણ કે બા અને બહેન માં પેઢી ફેરનો  ભેદ તો હો્ય જ ખરુને?..”

શાંતિબાપા કલમની ટકોર સમજતા હોય તેમ બોલ્યા..”પેટની છોકરી છે પેટમાં સમાણી તો ભાણે નહીં સમાય?”

કલમ કહે “ હા બાપુજી ભાણે રહે ત્યાં સુધી વાંધો નથી… પણ એકલવાયા જીવો ને પોતાના સિવાય બીજા દેખાતા હોતા નથી જો કે પણ પછીનું વાક્ય તે ગળી ગઇ હતી પણ શાંતિલાલની અનુભવી આંખ સમજી ગઇ હતી કે ભાનુનાં પાછલા અનુભવો ખરાબ હોવાથી કલમને આ ગમ્યુ નથી

પેલો અર્જુન દુરથી માથુ હલાવતો હતો…આ બલાને તો હાથ આપશો તો કાંડુ પકડશે ઘરમાં રુમ આપશો તો ઘર આખુ પચાવવા મથશે…

 

લલિત શાંતિ કુંજ—૨ પ્રવીણા કડકિયા

Posted on August 10, 2013 by pravina

લલિબા ગયા અને શાંતિભાઈને પુરી ન શકાય તેવી ખોટ પડી. જીંદગીના તડકા અને છાંયડામાં સદા સાથ દેનાર અધ વચ્ચે સાથ છોડી ગયા. હજુ તો બે દિવસ પહેલાંની વાત હતી,

‘તું મને બરાબર ઓળખે છે. આટલા વર્ષોથી મારો ગુસ્સો સહન કરતી આવી છે.’

‘હું કાંઈ આખી જીંદગી થોડી પહોંચવાની’? કોને ખબર હતી બસ હવે આ સંબંધનો અંત નજદીક હતો.” ખેર બનવાકાળ બનીને રહે છે. કોઈની આજની કાલ થતાં કદી સાંભળી છે?

કલમ ખૂબ હોંશિયાર હતી. નણંદ બાને ઓળખતી હતી. આમ તો તેને પરિચય ઓછો હતો પણ તેમની સાસરીમાં થતી ચણભણાટ તેને કાને અથડાતી. નાની હોવાને કારણે બોલતી કાંઇ નહી પણ ચકોર નજરે બધાની નોંધ રાખતી. જ્યાં સુધી પોતાને સ્વાર્થ ન હોય અને બધા પ્રત્યે પ્રેમ હોય તો ફિકર શાની કરવાની ? કલમને કેતન ખૂબ લાડલડાવતો. કલમ તેના માતા પિતાનો આદર કરતી તે ગમતું.  હવે માતા ગયાનો શોક કરવા જેટલો સમય પણ ભાનુ બેને ન આપ્યો. પતિ ગુમાવ્યાનો શોક ઉતારવા પિયર આવી હતી. ત્યાં માએ વિદાય લીધી. પિતાની માગણીને માન આપી ‘અઠે દ્વારકા’ કર્યું.

નાની ઉર્વિજા દાદીનો પ્યાર ન મળવાથી દાદાના ખોળામાં ચડી બેસતી.  બસ આજે જીદ પકડીને બેઠી,

‘દાદા ઘોડો  થાવ,’

અરે, મારા ઘુંટણ ન વળે?

શામાટે?

દાદા હું તમને ચાબૂક નહી મારુ, થાવ ને’

દાદાનું નાની બાળકી પાસે કાંઈ ન ચાલ્યું.

શાંતિભાઈનું મન હળવું કરવામાં તેને સફળતા મળી.

ભાનુના પતિ ગુમાવ્યાનું દુઃખ અને લલિતા બા ગયા, શાંતિભાઈ ભાંગી પડ્યા હતાં.  ભાનુ અંહી રહે તે તેમના લાભમાં હતું. પોતાની બધી સગવડ સચવાય ! ભાનુનો પલંગ પૂજાના રૂમમાં ખસેડ્યો. બરાબર શાંતિભાઈની બાજુમાં પૂજાનો રૂમ હતો જેથી ભાનુને કામ વગર બહુ ઘરમાં આવવાનું ન થાય. સવારથી ભાનુ પિતાજીની કાળજી કરતી.  ભાનુના નસિબમાં બા્ળકનું સુખ હતું નહી તેથી બહેનબાને નાના બાળકના કેટલા કામ હોય તેનો અંદાઝ ન હતો. કલમનો કાયદો ખૂબ કડક હતો. પિતાજીની જરુરિયાત સિવાયની કોઈ પણ વસ્તુમાં ભાનુની દખલ ન ચાલે !

ભાનુનો સ્વભાવ જરા વિચિત્ર હતો, તેથી જ તો બાપાનો પ્રસ્તાવ સહર્ષ વધાવી લીધો. નાના ભાઈ ભાભીનું બહાનું બતાવવા માટે કાઢ્યું.  તેનો ઈરાદો હતો નાની કલમને હડસેલી પોતાની એક હથ્થુ સત્તા ચલાવવાનો.

દુખમાં માણસ ક્યાં વૈરાગ્ય અપનાવે ક્યાં ઈર્ષ્યાની આગમાં સળગી ઉઠે. ભાનુ જીંદગીના ત્રિભેટે આવીને ઉભી હતી. પિતાની કાળજી કરવી તે તેની ફરજ હતી. સાસરીમાં પતિ કમાનાર હતો. મોભ ટૂટી પડ્યો હતો તેથી ત્યાંની નાવ હાલમ ડોલમ હતી. કલમ, ખૂબ હોંશિયાર તેણે ભાનુનું પત્તું કાપી નાખ્યું હતું. ભાનુની મનની મુરાદ બર આવે તેવા કોઈ ચિહ્નો જણાતા ન હતાં.

શાંતિભાઈને કોઈ ને કોઈ બહાને કલમના ગુન્હા દેખાડતી. શાંતિભાઈ શાણા હતાં એટલે સાંભળ્યું ન સાંભળ્યું કરી વાત અધવચ્ચેથી કાપી નાખતાં. ભાનુને સમજાવવાનો પ્રયાસ કરતાં અને કલમની કોઇ પણ બાબતમાં માથું નહી મારવાની શિખામણ આપતાં. બાપાને દર બે દિવસે આવી ગનુ હજામત કરી જતો. ઘરઘાટી હતો તે કપડાં ધોવા, ઈસ્ત્રી કરવી બધું ધ્યાન રાખતો. ભાનુ બધાની સુપરવાઈઝર હતી. આળસુનો પીર અને છ મણની કાયા. બોલે ત્યારે ફુલડાં ઝરે.

અર્જુન તેની આંખમાં વસી ગયો. અર્જુનની હલન ચલન પર નજર રાખવા માંડી. એને અંદાઝ ન હતો કે અર્જુન અને કેતન ખાસ મિત્રો છે. અર્જુનને થયું ભલેને મારી સાથે દેખાવ કરે . અંતે એના પેટમાં શું છે તે કઢાવીને ઝંપીશ. ભાનુએ પોતાનું ઘર વેચી જે પૈસા આવ્યા તેની સગવડ કરવા અર્જુનની સલાહ લીધી. અર્જુન દિલનો સાફ હતો. સાચી સલાહ આપી જેથી ભાનુને તેના પર સંપૂર્ણ વિશ્વાસ બેઠો. સારે ઠેકાણે પૈસા રોક્યા તેનું વળતર સારું મળે તેવા ઉજળા ચિન્હ જણાતા હતા.  ભાનુ મનમાં વિચારી રહી ‘જો કલમ અને કેતનને સંકજામાં લેવા હોય તો અર્જુનને ફોડવો રહ્યો.’

અર્જુન જેમ જેમ ભાનુના સંપર્કમાં આવતો ગયો તેમ તેને લાગ્યું કે આ બહેનને ષડયંત્ર રચવામાં રસ છે. કેતનને મિત્ર તરિકે અર્જુને ચેતવ્યો.

‘મારી બહેન કદી ખોટું પગલું ભરે નહી’.

કલમ લગ્ન પછી માત્ર હનીમૂન મણાવવા અમેરિકા અને લંડન ફરવા ગઈ હતી.  હવે બા હતા નહી અને ભાનુબહેને બાપાનું ધ્યાન રાખવાનું શીરે લીધું હતું.  તે કેતનને કહેવા લાગી ‘અંહીનો કારભાર બરાબર ચાલે છે ચાલો ને દસેક વર્ષ ઉર્વીજાને લઈ પરદેશની મોજ માણી આવીએ.’

કેતન વાતમાં આવી ગયો. પરદેશ જવાની તૈયારી ચાલુ કરી ત્યારે ભાંડો ફૂટ્યો કે જ્યારે કાયમી વસવાટ માટે ભારત આવ્યા હતાં ત્યારે બાપાએ આળસમાં બધા કાગળિયા પર સહી સિક્કા કરાવ્યા ન હતા. તેથી અમેરિકા વસવાટ કરવા મળે તેવા તેના તકદીર ન હતા.  કલમને હતું, લાગ્યું તો તીર નહી તો તુક્કો. ફરવા તો તે ગમે ત્યારે જઈ શકે તેમ હતી. તેથી પરદેશ જવાનો વિચાર ઉગતાની સાથે મુરઝાઈ ગયો.

ભાનુ ધીરે ધીરે પોતાનું પોત પ્રકાશવા લાગી.  પિતાની દેખભાળ કરવામાં બે હાથે પિતાના પૈસા વાપરતી હતી. પિયરમાં રહેવાનું અને ચમન કરતી બાપને પૈસે ! શાંતિભાઈ ખમતીધર હતા તેથી વાંધો આવે તેમ ન હતું. કલમથી ખોટા ખર્ચા સહી શકાતા નહી. પિતાને ચેતવવાનો પ્રયાસ કરી જોયો.  દાદ મળી નહી તેથી વિચાર પડતો મૂક્યો.

ભાનુ પિતાને ફોસલાવી તેમના ખાતામાં સહી નખાવવાનો વિચાર કરતી હતી.પિતાજીને નવાઈ તોલાગી પણ મૌન પાળ્યું. શાંતિભાઈ કદી કોઈ પણ કામ કેતનની જાણ બહાર કરતા નહી. તેમણે કેતેનને ખાનગીમાં બોલાવી વાત કરી. કેતન તો જાણે વીંછીએ ડંખ દીધો હોય એમ ચમક્યો. પિતાને કહે ‘ પપ્પા તમને વિચાર કરીને જવાબ આપીશ.’ તેને ઉતાવળમાં કોઈ પણ નિર્યણ લેવો ન હતો.

રાતના સમયે શયનખંડમાં કલમને આ વાતનો ઉલ્લેખ ડરતાં ડરતાં કર્યો.કલમના તો માનવામાં ન આવ્યું કે ભાનુ બહેન શું વિચારે છે? તેમને સંતાન તો છે નહી. ઘર વેચ્યાની ખાસી રકમ તેમના ખાતામાં છે. એક દમડી પણ ગાંઠેથી વાપરતા નહી.

‘મારી બહેન આવું પગલું વિચારે નહી.’ અર્જુને કહેલા શબ્દો કાનમાં ગુંજવા લાગ્યા.

ખેર જો તને તારી બહેન પર વિશ્વાસ અને પ્રેમ છલોછલ છે તો મારે વધું કાંઈ કહેવું નથી. કેતન હવે સતેજ થયો હતો. તેને અર્જુને કરેલી વાતમાં તથ્ય જણાયું. બહેનની પરિક્ષા કરવા દસ હજારનો ચેક આપ્યો અને કહ્યું ‘બહેન સમય મળે ત્યારે પિતાજીના ખાતામાં જમા કરાવી દેજે.  અમે જે ધંધો કરીએ છીએ તેમાંથી આવેલા આ પિતાજીના ભાગના પૈસા છે.’

ભાનુને એમ કે પિતાજીને ક્યાં ખબર પડવાની છે.  તે અજાણ હતી કે પિતાજીની બધી વાત કેતનને ખબર હોય. તેમનો વહીવટ સઘળો કેતન મારફત થતો. કેતને દસ દિવસ રાહ જોઈ. એક વખત સઘળા બેઠા હતા ત્યારે બોલ્યો બહેન, પેલા દસ હજાર રૂપિયા કેમ પિતાજીના ખાતામાં જમા નથી થયા?’

કયા પૈસા ભાઈ?

કેમ ભૂલી ગઈ ?

અરે હા, એ તો મેં મારા ખાતામાં ભર્યા.

કેમ?

પિતાજીના ખર્ચા માટે વાપરવા ચાલે તેથી.

અચ્છા , કયો ખર્ચ તું તેમાંથી કરીશ. મારી પાસે પિતાજીના ખાતાનો પાઈએ પાઈનો હિસાબ છે. અરે, તું તારા માટે વાપરવાના પૈસા પણ તેમાંથી ઉપાડે છે તે હું બરાબર જાણું છું. બહેન હોવાને નાતે હું ચૂપ રહ્યો હતો.

પિતાજી તો સાંભળીને અચંબામાં પડી ગયા. બહેનની આબરૂ ઘરનાની સામે ન જાય તેમ જાણી ‘કાલે ને કાલે મને તે પૈસા પિતાજીના ખાતામાં જમા થયેલા જોઈએ. રસીદ તારી ભાભીને આપી દેજે. ‘

ભાનુને તો કાપો તો લોહી ન નિકળે એવા હાલ થયા. જાડી ચામડીની હતી તેથી થોડા દિવસમાં જાણે કાંઈ ન બન્યું હોય તેમ બધું ભૂલી ગઈ. કલમ ખૂબ ઉદાર દિલની હતી. તે કેતનની જેમ કઠોર ન થઈ શકી.તેણે નણંદબાની ઉમરનો મલાજો પાળ્યો. પિતાજીને વધારે પ્રેમ બતાવવા લાગી. તેને એમ થયું પિતાના મનમાં શંકાનો કિડો સળવળવો ન જોઈએ.

અર્જુન ભાનુનો ચહિતો થઈ ગયો હતો. કેતનને તો મોટે ભાગે બહાર મળવાનું થતું. ઘરે આવે ત્યારે બધાની સાથે હળતો મળતો. ભાનુને ગંધ પણ ન આવી કે તે કેતેનનો દિલોજાન મિત્ર છે. જો કાંઈ પણ દાવપેચ ખેલશે તો તે સફળ નહી થાય. કશું નવું જુનું કરવાની આદતવાળી ભાનુ શાંત રહી ન શકી. એણે કલમ સાથે અર્જુનને પણ ઘસડ્યો. અર્જુને તેનું કામ સફળતા પૂર્વક કર્યું હતું છતાં તેના વિશે શંકા કરતી.

એક વખત કલમ અને અર્જુન ટેક્સીમાંથી સાથે ઉતર્યા. કલમ કામ માટે કેતનની ઓફિસે ગઈ હતી. આજે ડ્રાઈવર રજા પર હતો તેથી અર્જુને કહ્યું ‘ભાભી ચાલે હું તમને ઘરે ઉતારી દંઉ’.

ભાનુને લાગ્યું આ દાવ રમવા જેવો છે. પિતાજીને કહે  ‘કેતનભાઈ ઘરમાં નથી ને ભાભી ક્યાંથી અર્જુન સાથે ટેક્સીમાં આવી.’

પિતાજી કહે’ ભાનુ તું કહેવા શું માગે છે . તને ખબર છે?’

પિતાજી, હું કાંઈ નાની ગગી નથી !

જરા વિચાર કરીને બોલ. અર્જુન આપણા ઘરની વ્યક્તિ જેવો છે. તેના પર શંકા કરવી વ્યાજબી નથી.

ભાનુ પોતાના પાસા પોબારા પડતા નહતા તેથી અર્જુન પર ગુસ્સો ઠાલવવા કટીબદ્ધ થઈ હતી. અર્જુન ચેતી ગયો હતો. તેણે કેતનને પણ વાત કરી. કેતને કહ્યું  ‘ તું બેફિકર રહેજે, મારી બહેનને હવે પાઠ ભણાવવાનો સમય પાકી ગયો છે.’

ભાનુ ખૂબ અસંતોષી થઈ ગઈ હતી. પોતાની કૂખે બાળક અવતર્યું ન હતું તેનો તેને અફસોસ હતો. કલમ આવીને બે વર્ષમાં તેની કૂખે ઉર્વિજાનો જન્મ થયો. ફોઈબાને ભત્રિજી વહાલી હતી. ઈર્ષ્યામાં બળતી તેથી શાંત રહી શકતી નહી. પિતાજીની સેવાના બહાને અંહી ધામા તો નાખ્યા. શાંતિ તેને સદતી નહી. ધીરે ધીરે શાંતિભાઈની સમજમાં આવ્યું. તેના આવા સ્વભાવને કારણે અચાનક તેઓ શાંત થઈ ગયા.

કામ વગર બોલતા નહી. ગુસ્સો તો જાણે કરવાનું ભૂલી ગયા. ઘણીવાર કોઈ ન હોય ત્યારે લલિબાને ફરિયાદ કરતાં,’ જો તારા વગર મારા હાલ. ભલે ભાનુ ધ્યાન રાખે છે પણ તારી તોલે ન આવે. તું એકવાર મારી ખબર કાઢવા આવ.  હું ગુસ્સો કરવાનું તો જાણે વિસરી ગયો છું. તેં આખી જીંદગી મારી પાસે એટલું જ માગ્યું હતું.  જે મેં તને જીવતા જીવ ન આપ્યું.  હવે અંતે મેં તારું કહ્યું માન્યું. ‘

માતાના ગયા પછી બંને ભાઈઓ અને મોટી બહેન આવી શક્યા ન હતાં. હવે લગભગ છ મહિનાનો સમય પસાર થઈ ગયો.. બાળકોની અનુકૂળતાએ સહુએ સાથે આવવાનું નક્કી કર્યું . માતા પાછળ સપ્તાહ બેસાડવી હતી તેની ગોઠવણ ચાલુ થઈ ગઈ. શરૂઆતના દિવસોમાં બધાએ પિતાને દિલાસો આપ્યો. ભાનુ બહેનના પતિ પણ અવસાન પામ્યા હતા તેનો શોક પ્રદર્શિત કર્યો. માતાને યાદ કરી સહુ ખૂબ ભાવમય થયા. કેતન અને ક્લમ પોતાનો ભાગ સુંદર રીતે ભજવતા હતા તે જાણી આનંદ થયો. અમેરિકા અને લંડનમાં સહુ ખૂબ ખુશ હતા.

માતાના દાગિનામાંથી માત્ર તેમની યાદ રૂપે એક વસ્તુ રાખી બધું કલમ અને ઉર્વિજાને આપી ખુશ થયા. કલમ ખૂબ આગ્રહ કર્યો પણ કોઈ માન્યું નહી. ભાનુને જરા ઓછું ગમ્યું પણ આ સમયે ચૂપ રહેવામાં ડહાપણ સમજી શામ્ત રહી. આમેય તેને કોણ પાછળ ખાનાર હતું?

ભાગવત સપ્તાહની તડામાર તૈયારી ચાલુ થઈ ગઈ. અર્જુન ખડે પગે બધા કામમાં કલમને સહાય કરતો.બધા ભાઈ બહેનોને માતાની આ અંતિમ ઇચ્છાની જાણ હતી. સહુએ સપ્તાહ દરમ્યાન માત્ર ફરાળ કરવાનો નિર્ધાર કર્યો. તેમના કુટુંબના મહારાજને ગોકુળથી તેડાવ્યા. તેમના મુખે આખી કથાના પાન કરી સહુએ માને અંજલી આપી.  મહારાજને ખુશ કરી માતાના નામે ગાયનું દાન કર્યું.  શાંતિભાઈ આખો વખત લગભગ મૌન પાળી નિર્લેપભાવે સઘળું નિરખી રહ્યા.

 

લલિત શાંતિ કુંજ-૩- પ્રભુલાલ ટાટારીઆ’ધુફારી’

Posted on August 28, 2013 by vijayshah

              ભાગવત સપ્તાહનો કાર્યક્રમ રંગે ચંગે પુરો થયો.કદાચ લલિતાબા હયાત હોત તો બધુ જોઇને જરૂર ખુશ થાત એવો લગભગ ત્રણેય ભાઇ અને મોટા ચંપાબેનનો અભિપ્રાય હતો.સૌ સાથે સહમત થતા હતા તે જોઇને ભાનુને ગમ્યુ તો નહતું પણ એકાએક ડુસકા ભરી રડવા લાગી અને રડતા રડતા કહેવા લાગી

એમને પણ કથાઓ સાંભળવી બહુ ગમતી અને આતો આપણા ઘેર હતી એટલે બહુજ ખુશ થયા હોત

      વાતમાં કેટલું તથ્ય હતુ અને ભાનુની આંખના આંસુ સાચા કે, મગરના ભાનુની રગ રગથી પરિચીત અર્જુનની નજરથી તે અછાનું રહ્યું.ભાનુના પતિ ભાસ્કર નાણાવટી કથા સાંભળવા એટલા માટે જતા હતા કે,તે સમય દરમ્યાન તો ભાનુની કચકચથી રાહત રહે. વાત ખુદ ભાસ્કરે અર્જુનને કહેલી પણ ભાનુની સહાનુભુતિ માટે પ્રયાસનો નાટક કરતા અર્જુને સાંત્વન આપતા અને પાણી પિવડાવતા કહ્યુંબહેન જે વીતી ગયું તેને યાદ કરવાથી શું ફાયદો?’

તો લલિતાબાને સૌએ યાદ કર્યા એટલે મન ભરાઇ આવ્યું અને યાદ આવી ગયા….’ગળગળા સ્વરે ભાનુએ કહ્યું

હોય હવે છાની રહે…’ચંપાબેને કહ્યું          ભાગવત સપ્તાહ દરમ્યાન માત્ર ફરાળ ખવાઇ હતી એટલે બ્રહ્મભોજન બાદની બીજી સવારે ચંપાબેને જલેબી બનાવી અને અર્જુન જાણિતી ફરસાણની દુકાનેથી ગરમાગરમ ફાફડા સાથે ભરપુર સંભારો અને તળેલા મરચાં લઇ આવ્યો.

સૌએ સાથે બેસીને નાસ્તો કર્યો. શાંતિભાઇએ ચંપાએ બનાવેલી એટલે માત્ર શુકન પુરતી જલેબી અને રોજનો સુકો નાસ્તો કર્યો.

       નાસ્તા દરમ્યાન શાંતિભાઇએ પ્રસ્તાવ મુક્યો કેઆપણા બાળકોને લલિત શાંતિ કુંજથી તો પરિચીત કરાવ્યા પણ વડોદરથી પરિચય કરાવવો જોઇએ

તો ચાલો બાળકોને વડોદરાની સહેલગાહ કરાવીએકમલેશે સહમતી આપી અને કેતને  એક ટ્રેક્ષ ભાડે કરી આવ્યો અને એવું નક્કી થયું કે, સૌથી પહેલા આપણે કમાટીબાગ જઇએ ટ્રેક્ષના પહેલા ફેરામાં જેટલા બેસી શકે એટલા બેસે અને કમાટીબાગના દરવાજા પાસે ઊભા રહે અને બીજા ફેરામાં બાકીના આવી જાય પછી સૌએ સાથે અંદર જવું.

         બધા આવી ગયા બાદ કમાટી બાગની સહેલગાહ પિકચર ગેલેરીથી શરૂ થઇ

શાંતિભાઇએ માહિતિ આપી કે,અહીં ભારતના તેમજ વિદેશના અનેક કલાકારના બનાવેલા દુર્લભ ચિત્રો છે.બધા પ્રેમથી અને ધ્યાનપૂર્વક ચિત્રો જોતા ગેલેરી સાથે સંકળાયેલ મ્યુઝિયમાં આવ્યા ત્યાં સ્થાપત્ય અને શિલ્પના અનેક વસ્તુઓ જોતા અર્જુને મહિતિ આપતો ગયો.

      ત્યાંથી બહાર આવ્યા તો શાંતિભાઇ તેમને પ્લાનેટેરિયમમાં લઇ ગયા, બાળકોને તો મજા પડી ગઇ સૌએ વિશાળ દુરબીનથી આકાશ દર્શન કર્યું ત્યાંના સંચાલકો બધી માહિતિ આપતા, ગ્રહોના દર્શન કરાવતા હતા. ત્યાંથી સૌ પ્રાણી બાગમાં જુદા જુદા જાનવર જોયા અને ખાસતો સાસણ ગીરના રખાયેલ સિંહને જોઇ સૌ માછલી ઘર તરફ વળ્યા.

      શાંતિભાઇ સૌને વિશાળ ફ્લોરલ ક્લોક જોવા લઇ ગયો ૨૦ ફૂટના વિશાળ વ્યાસ વાળી ઘડિયાળમાં કલાક,મિનિટના કાંટા સાથે સેકન્ડ કાંટો પણ હતો અમુક બાળકોતો પોતાના કાંડા ઘડિયાળ સાથે તેની ચકાસણી પણ કરી જોઇ ગમ્મત જોઇ અર્જુન હસ્યો.

   સૌથી છેલ્લે વારો હતો ટોય ટ્રેઇનનો. જોઇ બાળકો હરખાયા અને ૧૨ની નીચેની ઉમરના તેમાં ગોઠવાયા. સાડા ત્રણ કિલોમિટરના વિસ્તારમાં ફેલાયેલી અને લગભગ કમાટીબાગનો એરિઆ આવરી લેતી ટ્રેઇનમાં સફર કરતા બાળકો ખુશ ખુશ થઇ ગયા. ત્યારે અર્જુને બાળકોને પુછ્યું પેલું હિન્દી ગીતચક્કેપે ચક્કા ચક્કે પે ગાડી.. સાંભળ્યું છેને તે અહીં સુટ થયેલું.’ ઉર્વિજાનું તો ફેવરેઇટ ગીત એટલે તેતો તાળીઓ પાડી ગાવા લાગી સાંભળી સૌ હસ્યા.ત્યાંથી સૌ બેન્ડ સ્ટેન્ડ ફરી ફૂવારા જોઇ સૌ બહાર આવ્યા અને  તેમને શાંતિભાઇ તેમની પસંદગીની એક્ષ્પ્રેસ હોટેલે લઇ જઇને સૌને જમવા બેસાડ્યા,તો શાંતિભાઇ હોટેલ એક્ષ્પ્રેસ ગયા,પછી એકદમ ગમગીન થઇ ગયા તે કેતનથી અછાનું રહ્યું તે જાણતો હતો કે લલિતાબા ઘણી વખત બપોરના ભાણાના ઠેકાણા હોય ત્યારે અહીં તેમને જમવા લઇ આવતા.   કેતને ઉર્વિજાને પોતાના પાસે બોલાવી કાનમાં કશું કહ્યું તો ઉર્વિજા શાંતિભાઇના ખોળામાં ચડી બેઠી એટલે તેમની ગમગીની ખંખેરાઇ ગઇ.    

      કમાટીબાગની વાતો કરતા સૌ પ્રેમથી જમ્યા અને આખો બાગ પગપાળા ફરેલા એટલે જમ્યા બાદ સૌએ ઘેર જવાનો રસ્તો પકડયો.આખા કાર્યક્રમ દરમ્યાન ચાર દિવસ ફરવા આવેલા સૌ રજાની મજા માણી રહ્યા હતા પણ ભાનુ કોઇ વાતમાં ભળી નહીં અને પગથી માથા સુધી અશાંતિકંકાશ પ્રિયા ભાનુને ઓળખતા ભાઇઓએ

ખાસ પરવાહ પણ કરી તેથી તેને ઓછું તો આવ્યું પણ ચંપાની હાજરીમાં કશું બોલી નહી.      

       સાંજ ઢળતા બાગમાં ઉગાડેલ તરબુચ, સક્કરટેટીના વેલા પરથી તાજા ફળ લાવવા મહેશે માળીને કહ્યું. ફળો સમારાયા અને બધાને બાઉલ ભરી અપાયા શાંતિભાઇને ચંપા ખુદ આપી આવી.

ત્યાં યુ.કે.માં બધુ મળે પણ આના જેવી મિઠાશ હોયકમલેશે કહ્યું

ત્યાંના ખેડૂતોને જલ્દી પૈસા કમાવા હોય એટલે બધું હાઇબ્રીડ વાવે એમાં આપણા આંગણામાં દેશી ખાતર સીંચેલા અને રખેવાળી કરેલા ફળો જેવી મિઠાશ ક્યાંથી?’ મહેશે કહ્યું તો ચંપાએ હામી ભરતા કહ્યુંસાવ સાચી વાત છે

મુળ વાત છે કે, લલિત શાંતિ કુંજ બન્યું ત્યારે લલિતાબાએ જાતે એલેમ્બિકમાંથી ઝાડના રોપા અને સીડ્સ લાવીને પોતાની દેખરેખ હેઠળ બધાની વાવણી કરાવી હતી.તેથી આજે ઘટાદાર વૃક્ષો,ફૂલ ઝાડ અને વેલાથી લચેલો બગિચો આપણને મળ્યો છેકેતને કહ્યું

આપણે વિદેશીઓ હાઇબ્રીડ વાપરે છે તેવી વાત કરીએ છીએ પણ હાલ અહીંના ખેડૂતો શાણા થઇ ગયા છે અને વિદેશીઓથી ચાર ચસણી ચડે એવા છેચંપાએ કહ્યું

મતલબ?’કમલેશે પુછ્યું

 ‘અહીંના ખેડૂતો કાચા ફળોને ઇન્જેકશન અને ગેસથી પકવતા થઇ ગયા છે તમને ખબર નહીં હોયચંપાએ કહ્યું

          રાત્રે સૌ સાથે જમ્યા અને આવતી કાલે નજરબાગ પેલેસ જોવા જવાનું નક્કી કરી સૌ છુટા પડ્યા.બીજા દિવસે સવારે સૌએ નિત્યક્ર્મથી પરવારીને સુકો નાસ્તા સાથે ચ્હાકોફી પી તૈયાર થઇ ગયા ત્યારે બારણા પાસે ટ્રેક્ષ સાથે અર્જુન રાહ જોતો ઊભો હતો.નક્કી કર્યા મુજબ સૌ ટ્રેક્ષમાં નજરબાગ પેલેસ પહોંચ્યા અને જ્યારે સૌ આવી ગયા ત્યારે સાથે મળી નજરબાગ પેલેસ જોવાની શરૂઆત કરી.

        ત્રણ માળમાં બંધાયેલ પેલેસમાં ફરતા ઠેક ઠેકાણે પોપડા ઉખડેલી દિવાલો અને ઝાંખા થયેલા ફર્નિચર જોતા મહેશે અર્જુનને પુછેલું આની કંઇ રિપેરિન્ગ કે રખેવાળી નથી થતી? ત્યારે માહિતિ આપતા અર્જુને કહ્યું કે, પેલેસની શાન હવે   

પહેલા જેવી નથી રહી. રોયલ ડ્રેસ ટિંગાયેલા છે તેમાં કિમતી ઝવેરાત હતું તે અમુક વિધર્મીઓએ લુંટી લીધા બાકી હતું તે ભારત છોડતા પહેલા ગોરાઓ લઇ ગયા.જુદા જુદા ઝરૂખા,કમાનો અને થાંભલાઓ ઉપર બારિક નકશી જોતા સૌ શીશ મહેલમાં આવ્યા અને ફરી ફરીને બધુ જોયું.ત્યાંથી બહાર આવ્યા તો અર્જુને કહ્યું

ચાલો લક્ષ્મીવિલાસ પેલેસ જોવા

લક્ષ્મીવિલાસ?’મહેશે પુછ્યું

હા ત્યાં વડોદરાના રાજા સયાજીરવ ગાયકવાડના વંશજ હજુ પણ રહે છે પેલેસનો અમુક ભાગ પ્રવાસીઓને જોવાની છુટ છે

       નજરબાગ પેલેસથી પેલેસ અલગ તરી આવે એવી વાત હતી ત્યાંના મોઝાઇકની ડિઝાઇનથી શણગારેલી દિવાલો ઇટાલીયન ઝુમર અને આરસ તથા અન્ય ધાતુમાંથી કંડારેલા સ્ટેચ્યું જોતા સૌ નવલખી વાવ જોવા ગયા કહેવાય છે કે, વાવમાં નવલાખ ગેલન પાણીસંગ્રહ કરવાની ક્ષમતા છે. પેલેસ સાથે સંકળાયેલ ગોલ્ફ કોર્ટ અને ક્રિકેટનું મેદાન જોઇ સૌ બહાર આવ્યા.

      આજે પણ સૌ એક્ષ્પ્રેસ હોટેલે આવીને જમ્યા.જમતી વખતે શાંતિભાઇએ પ્રતાપ વિલાસ પેલેસ જોવા જવાની વાત કરી તો બાળકોનો એકજ સુર હતો કે,બે પેલેસ જોયા એટલે ત્રીજુ જોવું નથી.જમ્યા બાદ સૌ ઘેર આવ્યા અને આરામ કરવા ગયા. બપોર ઢળતા મહેશને ચ્હા પીવા બોલાવવા ચંપા આવી ત્યારે બારી પાસે ઉભેલા મહેશે જવાબ આપતા તે તેની પાસે આવી પુછ્યું

શું જુવે છે..?’

   તો મહેશે બારી બહાર જોવા ઇશારો કર્યો ત્યાં બગિચામાં જામફળના ઝાડ પાસેના બાંકડે બેસી ભાનુ જામફળ સમારીને ખાતી હતી જોઇ ચંપા હસી અને કહ્યું

ભાનુને ક્યારે ભુખ લાગે કહેવાય નહીં અને લાગ્યા પછી સહેવાય નહી આવડી મોટી ઢાંઢી થઇ ગઇ તોય સુધરી નહી ને એવીને એવી રહી.’

        સૌ ભેગા થઇ ચ્હા પીવા બેઠા ત્યારે ભાનુ ઘરમાં દાખલ થઇ જોઇને મહેશે કહ્યુંભાનુ થોડા અમારા માટે પણ લાવવા હતાને

શું….’અજાણ્યા થવાનો ડોળ કરતા ભાનુ બોલી

શું તે શું ઓલ્યા જામફળ જે તું નીરાંતે બેસીને સમારી સમારીને ખાતી હતી

તમે મારી ચોકી કરો છો? મારે શું કરવું ને શું ખાવું તમે નક્કી કરશો?’ચોરી પકડાઇ જતા ભાનુ ભભુકી.

અરે એમાં આટલા બરાડા શેના પાડે છે તો મહેશ સહેજ બારી પાસે ઊભો અને તને જામફળ ખાતા જોઇને કહ્યું એમાં તારા પર ચોકી ક્યાં આવી અને તને શું એમ લાગે છે કે મહેશ ઠેઠ લંડનથી માટે આવ્યો છે ચાર દિવસનો મહેમાન છે તો શાંતિ જાળવનેચપાએ ભાનુને ખખડાવી.

ભરૂચનું ઘર વહેંચીને બા ના આગ્રહથી અહીં બાપુજીની બાએ સોંપેલી જવાબદારી સાચવવા મને રોકી તેનો બદલો મળ્યો કે તમારૂં સાંભળવાનો વારો આવ્યો.’ભાનુએ રોઇ ધોઇને ગળે પડવાનું ત્રાગુ કર્યું

મોટી બેન રહેવા દો તે પોતાની ભુલ તો કયારે સ્વિકારવાની નથી પછી શા માટે લમણાજીક કરો છોકમલેશે કહ્યું.

હાહાહું ખરાબ છું તમે બધા કેવા દુધમાં ધોયેલા છો હું શું નથી જાણતી?’

કહી બારણું પછાડીને ભાનુ પોતાના રૂમમાં જતી રહી.

       ભાનુના ગયા પછી કેતને ભાનુ ભરૂચથી આવી ત્યારથી આજ દિવસ સુધી બાપુજીની કરેલ કાન ભંભેરણી અને કલમના સાથે કરેલ ત્રાગાની વાત કરી.તેણે આપેલ ચેક પોતાના ખાતામાં જમા કરાવવાની ચાલબાજીની અને બાપુજીના ખાતામાં પોતાની સહી નંખાવવાના કાવત્રાની વાત કરી તો બાપુજી કોઇ પણ પગલું મને પુછ્યા વગર ભરે અને મને વાત કરી ત્યારે મને ખબર પડી બાપુજીએ વાતનો જવાબ આપ્યો એટલે વાત ટળી ગઇ સંભળી સૌ નવાઇ પામ્યા.

ઓહો એટલે સુધી ગઇ?’કમલેશે કહ્યું

મતલબ બાપુજીના ખાતામાં જો તેની સહી પડત તો સારી રકમ ઓળવી લેત એમને?’મહેશે કહ્યું

ભરૂચનું પોતાનું મકાન તો વેંચી કાઢ્યું પૈસા બધા ફિક્સમાં મુક્યા છે તેમાંથી તો રાતી પાઇ પણ વાપરતી નથી હા બાપુજીના પૈસાથી બાઇ અમન ચમન કરે છે. લગભગ મોટો સમય બગિચામાં ફરતી હોય તો આજે મોટાભાઇ તમે જોઇ એટલે બાઇને ઓછું આવ્યું. કલમ તો તેને એક આંખ દીઠી નથી ગમતી તેનું ચાલે તો આખા ઘરમાં પોતાની મરજી ચલાવે પણ બાપુજીનો સાથ નથી મળતો એટલે લાચાર છેકેતને કહ્યું

ભાઇ મારા આટલો બધો ત્રાસ છે તો તું અને કલમ શા માટે અહીં પડ્યા છો આવતા રહોને લંડન ત્યાં બધી વ્યવસ્થા થઇ રહેશે પછી બાપુજી જાણે અને તેમની વહાલુકડી દીકરી જાણેમહેશે કહ્યું

તો શું છે કે અહીં બા સાથે રહેવા મળશે એટલે શાંતિથી રહેવા આખા ઘરની સજાવટ કલમે બહુ જીણવટથી કરી બા ને કોઇ જાતની તકલીફ પડે એટલે સોલાર હીટર. એસી, ઘરઘંટી.વોશિન્ગ મશીન જેવા સાધનો પણ વસાવ્યા છોડતા જીવ નથી ચાલતો પણ ભાઇ હવે લાગે છે ઇનફ ઇઝ ઇનફગળગળા સ્વરે કેતને કહ્યું. અર્જુન સાંભળીને ગણગણ્યોભગવાન બચાવે ભાનુ બહેન થી..”(ક્રમશ)   

 

લલિત શાંતિ કુંજ (૪) ચંદ્રકાંત સંઘવી

Posted on September 4, 2013 by vijayshah

પ્રકરણ…૪…

“બાપુજી આજે કલમે સાવ ખોટી વાત નહોતી કરી? અને કલમ તો બોલતા બોલે  ત્યાર પહેલા કેતન  તેનો વકીલ બનીને કેવો તૂટી પડ્યો મારી ઉપર? “ વાતને આગળ ચલાવતા હળવે થી તે બોલ્યા એક તો મારૂ આવુ શરીર અને મારું મન હજી મારા “વરજી” ની યાદ મા મુંઝાયા કરતુ હોઈ ક્યારેક ઓશિયાળાપણાના આંસુ પણ આવી જાય,ત્યારે કેતન આવા આળા શબ્દો કેમ વાપરી શકે? મે તો કલમ ને ઍટલુ જ કહ્યુ હતુ કે ઘરકામ અને રસોઈ મા ધ્યાન કેમ નથી રાખતી…?ત્યાતો લાલ મરચા જેવો  થઈ કેતન મારા પર તૂટી પડ્યો….અને તેનો પક્ષ લેતા બોલ્યો

“ તમને બધી ખબર છે કે કલમ સ્કૂલમા નોકરી કરે છે….સ્કૂલ નુ પણ કામ હોય,બાળકો ને તૈયાર કરવા ના હોય, ઍમા રસોઈકાંમ વાળી બાઈ મોડી આવી  તો પણ કલમ ભાંગીને કંઇક નાસ્તો બનાવતી હતી  ત્યા તો કલમ ને ઉતારી પાડવા નો મોકો જોઈ ને તૂટી પડ્યા ..? તમે કાઇ બાપુજી નીજેમ પરવશ  નથી ,નથી કોઈ ભયંકર રૉગ..કે તમે મદદ પણ ના કરી શકો….આજે તમને પણ ખબર હતી કે બાઈ મોડી આવી છે તો  ચાલો જરા કલમ ને મદદ કરીયે તેને બદલે બાપુજી નુ નાંમ આગળ કરી અને ઘરમાં વિખવાદનું ઝેર ઘોળી રહ્યા છો…બાપા ને મોડુ થયુ તો બાપા તો બીચારા કાઇ નથી બોલ્યા ને તમે ધમ ધમ કરવા  માંડ્યા? આ. નાસ્તા  ની ડિશ ફગાવી તાયફો ઉભો કર્યો…. ભાનુએ ઉંચા અવાજે કેતન ને કહ્યું “ તુ મને સમજે છે શુ?”

કેતને ખંધાઇમાં કહ્યું “ભાનુ બેન હુ બધ્ધુ બરોબર અને  સાચુ  સમજુ છુ”

ભાનુ બેન હવે જરા રડમસ અવાજે બોલ્યા” કામવાળી મોડી આવવાની છે તો  તારી કલમે વહેલા ઉઠવુ જોઈયે ને?” તો કેતનઓર ભડક્યો…” કેમ કલમ  કાંઇ કામ વાળી બાઈ છે?” કેતન આજે લડી લેવા ના મૂડ મા હતો,કલમ ની લાખ રોકવાની કોશિશ પછી પણ ના રોકાયો.  ત્યારે મારા થી કહેવાઈ ગયુ…કલમ આવી નૌટંકી કરવા ની જરૂર નથી.

ત્યાં તો બેન ની આખમાંથી પિલુડા પડવા માંડ્યા…!ભાનુબેન મોટે થી રડવા માંડ્યા… આ બાજુ પહેલી વખત કલમ પણ રડી પડી હતી…”લલિતબા હતા ત્યા સુધી  કોઈ એ  મને એક અક્ષર નથી કહ્યો…એવો મે ક્યો ગુનો કરી નાખ્યો કે વાતે વાતે હું જ આડી આવુ છુ? મારો જ વાક દેખાય છે? નાસ્તો તો બનાવી લીધો હતો ને? પાંચ મિનિટ મોડુ થયુ તેમા ઘર માથે  લેવાની શી જરૂર હતી?  ઘર ની શાંતી  ખતમ થઈ ગઈ છે.” ભાનુબેન અસ્સલ રંગ મા આવી ગયા હતા…”અટલે એમ કહે ને કે આ બધી શાંતી મારે લીધે  હણાઈ ગઈ છે..મે મારૂ ભરૂચ નુ ઘર વેચી નાખ્યુ  અટલે મારે આ બધું સાંભળવાનું ને?

કેતને ભાનુબેનનો ઉધડો લેતા કહ્યું..” તમારે બાપાની સેવા કરવા અહીં રહેવાનું છે નહીં કે કલમની સાસુ બનવા..બા પણ કલમને કદી અક્ષરે ય નહોંતા કહેતા અને તમે તો દરેકે દરેક વાતે માથે ચઢતા જાવ છો.”

“એટલે તારી કલમની કોઇ ફરજ જ નહીં?”

“ તેની ફરજનાં ભાગ રુપે તેણે જે કરવાનુ છે તે તેણે કરી નાખ્યુ છે..બાપુજીને તે નાસ્તો તમે પણ આપી શક્યા હોત…

આ રકઝક હજી લાંબી ચાલી હોત પણ નોકરી…અને ઘડીયાળનાં ટકોરાએ કલમ અને કેતન ને નીકળી જવું પડ્યુ.

“ભાનુ!,સાંભળ મારે તને કઈક વાત કરવી છે.”શાંતિલાલે ભાનુબેન ને દાદરો ઉપર ચડતા કહ્યુ…. “હા,બાપુજી હમણા જ આવું છું” શરીરે વજનદાર ભાનુબેન ધીરે ધીરે ચડીને દાદરો વટાવી ઉપર બાપુજીના રૂમ મા ગયા… “બેન ભાનુ જરા દરવાજો અંદરથી બંધ કર અન સામે બેસ” શાંતિલાલ પલંગ પર આડા પડ્યા હતા. ભાનુબેન ને તેની  ગંધ આવી ગઈ હતી કે બાપુજી નેકઈક ગંભીર વાત કરવી છે જરૂર કઈક અગત્ય ની હશે. મનમા  બોલ્યા…ક્યા બાત હે…મોકા ભી હે ઓર દસ્તુર ભી હે..પણ હાવભાવ ઠાવકા રાખી શાંતિલાલ ની હથેળી દબાવતા બોલ્યા…. “બાપુજી તમે જરાયે ચિંતા ના કરો..હું છુ ને તમારી સાથે ને? તમે શા માટે આટલી બધી ચિંતા કરો છો?” “હા તું છે  એટલે તો થોડુ જીવવા જેવુ લાગે છે પણ હવે આ તારી બાના ગયા પછી કલમ અને કેતન નો મારી તબિયત વિશેનાં સુચનો  બહુ વધી ગયો છે આ ના ખવાય ને તે નાખવાય..્હવે કેટલું મારે ઇવવાનું કે મારે પરહેજી પાળવાની …હવે તો આ ત્રાસ સહન થતો નથી્  હજી તો હૂ થોડો હલી ચલી શકુ છુ  પણ જ્યારે સાવ પરવશ થઈ જઈશ  ત્યારે એ શું કરશે…?

“ હા બાપુજી.. થોડુંક ગળ્યુ ખાવ તો વાંધો ના આવે.” ભાનુબેન વહાલી થવા માખણ નું એક પડીકું છોડતા શાંતિભાઇને ગમે તેવુ કહ્યું

મેં તો કેટલા સ્વપ્ન ઘડ્યા હતા બેન,” શાંતીલાલ સ્વપ્નો  ની બજાર મા લટારવા લાગ્યા…. કેતન અને તેની વહુ કલમ,બાળકો મારી ચારે તરફ વીટળાયેલા રહેશે….મારી સેવા કરશે હુ એમને ખુબ પ્રેમ  આપીશ.. આંઈ એવી સુખદ ક્ષણ મા મારા પ્રાણ જશે…. “બાપુજી”….ભાનુબેને હાથ હલાવીને હચમચવ્યા ત્યારે  વાસ્તવિક દુનીયા પર પછડાયા. ક્ષણના સુખ ની તલપ મા જીદગી આખી નો જુગાર શાંતિભાઇ ખેલી રહ્યા હતા..તેમને ભાનુ કે કેતનમાંથી એક ને નક્કી કરવાનો દિવસ આવી ગયો હતો.. પણ સ્વપ્ન ની વણ્જાર એક પડછાયો હતો….ભ્રમણા ની માળા તુટી ગઈ હતી આંખો મા બે બુંદ આસુ હતા…. “ભાનુ એક તો  તડફડ કરનારો કેતન સ્વભાવે આકરો હતો હવે આ વહુ કલમ  પણ બોલવા લાગી છે…હવે મને બહુ લાગી આવે છે લલિતા ગઈ અને મારા સુખ ચૈન ગયા છે” “બાપુજી તમે બધા ભાઈઓ ને ઇંગ્લંડ મોકલ્યા ત્યારે  કેતન ને કેમ ના મોકલ્યો?” બાનુબેને તીર સાંધ્યુ.. “મને એમ કે છોકરો મારી તૂટતી કાયા નું  ઓશિકુ થશે….ઘડપણ ની લાકડી થશે.. પણ સ્વપ્ન બધા સાચા  થોડા પડે છે? જેના ઉપર આપણે સૌથી વધારે વિશ્વાસ કરિયે તે  પણ ક્યારેક ખંજર નથી મારતા ? કેતન ઘાવ પર ઘાવ કરી  રહ્યો છે…ખબર નથી આગળ કેવા દિવસો આવશે…!”

“તે તેના કાગળમાં એવું તે શું નહોંતુ કે તેને બ્રીટનમાં પ્રવેશ ના મળ્યો?”

“ જ્યારે બીટન અમે યુગાંડાથી ગયા ત્યારે કેતન બે વરસનો હતો અને તેના યુગાંડામાં જન્મનો દાખલો મેં આપ્યો નહોંતો”

“કેમ?”

“બસ લલિતાને તે ખુબ વહાલો હતો અને મેં પણ એવુ વિચાર્યુ કે ઘરડે ઘડપણ એક છોકરો તો સાથે રહેવો જોઇએને?”

“શું તમે પણ પપ્પા?” થોડી ચુપકીદીને અંતે ચારે બાજુહોળી સળગી છે તેવી પાકી ખાત્રી થતા ભાનુબેને ધીરે થી જવ તલ હોમવા ના ચાલુ કર્યા….. “હશે…બાપુજી એ તો પહેલેથી જ  એવો છે.પણ હું બેઠી છું ને તમને સાચવનારી…”

મન માં તો ભાનુબેન ના રાસ લીલા ચાલુ થઈ ગઈ હતી. મનમાં  પાકી બીજી ગણતરી ચાલતી હતી કે ગમે તેમ કરી ને જો કેતન અને કલમ બાળકો સાથે ઍક વખત ઇંગ્લેંડ જતા રહે તો પૂરા બંગલા નો કબજો  અને બાપુજી ના પૈસા નો વહીવટ હાથમા આવી જાય આમ પણ ભાનુબેન સત્તા ના શોખીન હતા અને રાજ઼કારણ મા પાવરધા હતાં. નાટક કરવામા ઉત્તમ અભિનેત્રી હતા ચાલાક અને ચકોર હતા.

કેતન ને પહેલી વખત અર્જુન નાં શબ્દો યાદ આવ્યા..તે કહેતો હતો વાંઝીયા અને એકલપેટા જીવોને ક્યારેય બીજાને શું નુકસાન થશે તેવી સમજ નથી હોતી..હા તેમને નુકસાન ના થાય તેની તકેદારી તેઓ હંમેશા રાખતા હોય છે. તેનું મન તે વાત માનવા તૈયાર તો નહોંતુ.. પણ આજે જે રીતે તેમણે નાસ્તાની ડીશનો ઘા કરી કલમને ઉધડી લીધી હતી તે તો સહન ના જ થાય.

તેણે ફોન કરીને કલમને પુછ્યુ “ ભાનુબેને નાસ્તાની ડીશ કેમ ફેંકી હતી?”

કલમ કહે “ મેં તને કહ્યું તો હતું કે તેમને બાપુજીની સેવા કરવી નથી પણ બાપુજીનાં નામે મને અધ્ધર રાખવી છે. તેથી તેમના રુઆબનો એક ભાગ હતો…હમણા હું બહું તેમને સાચવી શકતી નથીને? અને મારે પણ પેપરો તપાસવાના હતા..તેથી મેં વિનંતી કરી હતી કે તમે પહેલા ખાવા ના બેસો પણ બાપુજી ને આપો..તેમને મોડુ થાય છે તેથી તેમણે ડીશ ફેંકી હતી.”

“ આજે તેમને માથેથી ઉતારી પાડ્યાને?”

“ ના. કેતન આજે તમે પણ વળતા નહોંતા..પણ સ્ત્રીયા ચરિત્ર હું સમજુને? દાદા બારણે આવતા દેખાયા અને તેમણે અવાજ અને ઢંગ બદલ્યો…રોવાનું ત્રાગુ કર્યુ.. બાપાને વહાલા થવા..અને ડીશ ફેંકી હતી તે ઢાંકવા.”

કેતન થોડી ક્ષણો ચુપ રહ્યો.

“મને લાગેછે કે તું હવે બાપાને માટે ડાયાબીટીશનું જુદુ ખાવાનું બંધ કર.. તેમને તે ભાવતુ નથી અને આ ભાનુબેન તેમને વહાલા થવા. અરે તમે થોડુંક ખાવ તો ચાલે કહીને તારી બધી મહેનત માથે પાડશે.”

કલમે હકારમાં માથુ ધુણાવ્યુ હોય તેવું કેતન ને ફોન ઉપર લાગ્યુ.

“ચાલ! આજે મારો જીવ બળે છે. હું અટકુ..’

“ મહેશભાઇ કહેતા હતા તેમ લંડન જતા રહીયે તો?”

“તું તો મારા મનની વાત બોલી..પણ મારું યુગાંડા જન્મનું સર્ટીફીકેટ નથી તેથી તો વીઝા મળતો નથીને.. કમ નસીબી..બીજુ શું?”

“ ના કમનસીબી તો બાપા અને ભાનુબેન ભેગા થઇ રહ્યા છે તે છે..લલી બાની ખોટ હવે વધુ લાગે છે.”

“ કેમ એવું તને શું દેખાયુ?”

“ આજે બાપા મારા ઉપર મને ગુસ્સે લાગ્યા.. તેમની છોકરીને તું દુઃખ દેતો હોય તેમ લાગ્યુ.”

“ તારા ઉપર ગુસ્સે અને તે બાપા? તુ તો તેમની ચમચી છે.”

“ ના બા હતા ત્યારની અને ત્યાર પછી બદલાતી પરિસ્થિતિ હું સમજી શકુ છુ. અને આમેય હું પારકી.. આંગળાથી નખ વેગળા ખબર છેને? આવા તબક્કામાં હવાલદારનું લોહી હંમેશા હલકુ ગણાય.”

કેતને લંડન મહેશને ફોન જોડવા ટેલીફોન બૂકીંગ કરાવ્યુ….

તેનું મન અવઢવમાં હતુ…તેને ઘર છોડીને લંડન જવામાં બે વાતો નડતી હતી..એક તો આ ઉંમરે બાપાને છોડીને જવાના? અને ફરીથી પાછો જિંદગીનો એકડો શરુ કરવાનો…

બે કલાકે ફોન ની ઘંટડી વાગી ત્યારે મહેશે ફોન ઉપર પુછ્યુ..”શું કેતન બાપને સારુ છે ને?”

ત્યારે કેતન કહે” મહેશભાઇ..આ ભાનુબેન તો ત્રાસ કરેછે.. મને લાગેછે કે તમે જેમ કહોછો તેમ મને લાગેછે કે મારે ત્યાં આવી જવું જોઇએ

“ તો ભાઇ કોની રાહ જુએ છે?’

“ મારા કાગળીયા કરવા હું આવુ છુ. જોકે શક્યતાઓ તો નથી પણ તમે જે કોઇ વક્લની વાત કરતા હતા કે તેઓ યુગાંડામાં થી કાગળીયા મેળવી આપશે તેને મળવા આવુ છુ.”

“ ભલે આવ ભાઇ! પણ થયુ છે શું? તે તો કહે…”

કેતને માંડીને વાત કરી…અને વાતને અંતે બાપાનો બદલાયેલ ચહેરાની વાત સાંભળી મહેશ ખુબ હસ્યો… અને પછી બોલ્યો.. બાપા હંમેશ જળવાયેલા રહ્યા છે લલી બા થી..બાકી આવી પાટલીઓ તો તેમણે કમલેશ, મોટીબેન અને મારી વચ્ચે પણ ઘણી વાર બદલી છે. જો કે ભાનુબેન ની વાતમાં તેઓ લાંબો સમય ગાફેલ નહી રહે…

ચંદ્રકાંત સંઘવી

 

લલિત શાંતિકુંજ (૫) પ્રવીણાબેન કડકિયા

Posted on September 7, 2013 by vijayshah

પ્રકરણ ૫

ભાનુબેનના મનમાં લડ્ડુ ફૂટતાં હતાં.  એક એક દાવ ગોઠવીને મારતી હતી.  બાપા પોતાની જાળમાં  ફસાય અને કલમ અને કેતનનો કાંટો  દૂર  થાય તેના પેંતરા ઘડવામાં દિવસ રાત મચી પડી હતી. બાપા તેને વહાલાં હતા પણ બાપાની પુંજી પર તો તેની નજર આવી ત્યારથી ખોડાઈ હતી. શાંતિભાઈ સાઠે બુધ્ધિ નાઠી જેવું વર્તન કરતા. સારુ નરસુ પારખવાની તેમની ક્ષમતા  ક્યારની વિદાય લઈ ચૂકી હતી.

ભાનુ  જાણી જોઈનેા સળી ચાંપતી  અને  પછી  બળતામાં ઘી નાખતી શાંતિભાઈ પહેલેથી જરા વધારે પડતાં હોંશિયાર. લલિતાબા તેમને નખશિખ જાણતાં. પોતાના પતિ દેવ હતાં , બીચારી સ્ત્રી શું બોલે ? હવે તેમને મોકળું મેદાન મળ્યું હતું.   પિતાજી ને કેતન અને કલમ પર  પ્રેમ અઢળક પણ સ્વાર્થથી છલકાતો.

ભાનુબેનમાં બાપાના ગુણ અક્ષરસઃ ઉતર્યા હતા. લલિતાબાને તો પડીકું વાળી અભેરાઈ પર મૂકી દીધાં હતાં.  આજે તો શાંતીભાઈએ હદ  પાર કરી  કલમને એ વાત ખૂબ હચામચાવી ગઈ. વગર વાંકે થતું તેનું અપમાન રૂચતું નહી.

ડૂસકા ભરીને રડી રહી.  ‘ગમે તેટલો જાન પાથરો પણ સાસરીમાં સહુને જીતવા દુષ્કર!’

શાંતિભાઈને પિતા કરતાં વધારે ગણ્યા. અરે, પિયર જવાનો પ્રસંગ આવે ત્યારે , ‘ના, પપ્પાને દવા કોણ આપશે?  તેમને ગરમ રસોઈ  ખાવાની આદત છે. લલિતાબા ગયા હવે એ  સંપૂર્ણ  જવાબદારી  પ્રેમે સ્વિકારી હતી.’ કેતનને કલમ ઉપર ખૂબ ગર્વ હતો.  આજે કલમનું હૈયુ નંદવાયું હતું. દીકરી ભાનુને શાંતિભાઇ નો સહયોગ સાંપડતાં પુરાણી વૃત્તિઓએ જોર પકડ્યું હતું. ભાનુબેનને સાસરીમાં આખી જીંદગી કોઈની સાથે મનમેળ ન હતો. અધુરામાં પુરું બાળકો ન હતા તેથી ઝઘડવા માટે માત્ર સીધા સાદા  પતિદેવ હતાં. તેમના ગયા પછી  પિયરમાં અડ્ડો જમાવ્યો.  ઝેરીલા માણસ જ્યાં જાય ત્યાં જણાઈ આવે. કોઈનું સુખ તેમનાથી સહન ન થાય. તેમને સુખી થવું ગમે નહી કોઈ સુખી હોય તે સાંખી શકે નહી. પિતાજીની એકલતાનો લાભ લઈ ઘરનું વાતાવરણ  કલુષિત કરી મુક્યું.

શાંતિભાઈ હવે માત્ર ભાનુને દેખતાં. ભાનુએ પરિસ્થિતિનો પૂરેપૂરો લાભ લેવાનું નક્કી કર્યું. કલમ કાંઈ પણ કરે તેમા ખોડ કાઢે. પિતાને તેમાં મીઠું મરચું ઉમેરીને કહે. કાચા કાનના શાંતિભાઈ આટલા વર્ષો સુધી લલિતાબા આગળ કાંઈ બોલી શકતા નહી. તેમને હવે મોકળું મેદાન મળ્યું. ભાનુબેન પેંતરો બદલ્યો. તેમને તો કલમ અને કેતનનૉ ટાંટિયો ઘરમાંથી કાઢવો હતો. એકલી જાત, પેટે વસ્તાર પણ ન હતો. ખબર નહી તેને શું જોઈતું હતું?  કુદરત પણ જાતજાતના અને ભાતભાતના સ્વભાવ વાળા માણસોનું સર્જન કરે છે. પછી નિરાંતે ખેલ નિહાળે છે. કોને ખબર સર્જનહાર તેમાંથી કેવો આનંદ મેળવતો હશે. કદાચ જીવ જગતના બંને પલ્લા સમતોલ રાખવાની આ તેની કળા હશે? શાંતિભાઈ દરરોજની રસોઈમાં કટ કટ કરતાં. કલમે હવે ‘ડાયાબિટિસ’નું શરણું ત્યજ્યું. માત્ર રસોઈ કરવાવાળી બાઈને સૂચના આપી  કે દરેક વાનગીમાં ગળપણનું પ્રમાણ ઓછું કરે. ઘી તેલ વિચારીને વાપરે. નાચવું નહી તેનું આંગણું વાંકુ.  શાંતિભાઈ રસોઈ તીખી છે, કાચી છે એવા વાહિયાત બહાના બનાવતા.  ભાનુની સામે કલમને વગર વાંકે બે શબ્દ કહેતા જે કલમને હાડોહાડ લાગતાં. શાંતિભાઈ ખૂબ ખંધા હતા. અરે, લલિતાબાને પણ ખબર નહતી કે કેતનનું જન્મ વખતનું પ્રમાણ પત્ર તેમણે સંતાડ્યું છે. બધા બાળકો  જો છોડીને  જતાં રહે તો ઘડપણમા શી વલે થાય. આખી જીંદગી તે સર્ટિફિકેટની જીવની જેમ જાળવણી કરી હતી.  ભાનુ બહેને તેમનું મગજ ખાઈ ખાઈને સડાવી મૂક્યું હતું.

અરે, પથ્થર પર જો ૨૪ કલાક પાણી સતત પડતું રહે તો તેમાં પણ ખાડો પડે. આ તો માણસ જેવું માણસ અને તેમાંય પાછો કાચા કાનનો, સ્વાર્થથી  ભરેલો તેના શું હાલ થાય. તેમને પણ કલમ હવે આંખના કણાની જેમ ખુંચવા લાગી.

આજે તો ભાનુએ કમાલ કરી સવારના પહોરમાં પિતાજીની ચા લઈને કલમ આવી ત્યારે નાસ્તાનો ટોસ્ટ જોઇને બોલી. “આવો ટોસ્ટ અપાય? આ ઉમરે બાપા ખાઈ શકે? બટર પણ લગાડ્યું નથી. શું ડાયાબિટિસ વાળાને ટોસ્ટ પર બટર ન ખવાય?”

કલમને નોકરીએ  જવાનું મોડું થતું હતું.  પ્રત્યુત્તર ન આપ્યો.

‘કેમ મોઢામાં મગ ભર્યા છે? હું તારી સાથે વાત કરું છું, કલમ.’

‘બહેન મને મોડું થાય છે. ટોસ્ટ ઉપર બટર સરખું લગાડ્યું હતું  પણ ગરમ હોવાથી જણાતું નથી.’

‘તો શું હું જુઠું બોલું છું?’

કેતન વહેલો નિકળી ગયો હતો. નહિતર સવારના પહોરમાં મહાભારત થઈ જાત !

હજુ સુધી કલમ ખાસ બોલતી નહી. ચૂપચાપ રહેતી તેથી પ્રકરણ બહુ લાંબુ ચાલતું નહી.

શાંતિભાઈ બોલી ઉઠ્યા , ‘કલમ મારું કામ ન થતું હોય તો ના પાડી દો.  નોકર કરશે તો પણ ચાલશે. ભાનુ તો છે જ ને દેખરેખ રાખવા  માટે’.

કલમે માફી માગી. ભલેને પોતાનો વાંક ન હોય. તે શાંતિભાઈની પુરી આમન્યા જાળવતી. તે જ તો ભાનુને ખુંચતું હતું. જો કલમ કાંઈ બોલે તો ઝઘડો લાંબો ચાલે.

કલમ સંસ્કારી માબાપની દિકરી હતી. તેને થતું ‘કૂતરાનો સ્વભાછે કરડવાનો. જો તે આપણને કરડે તો આપણે વળતા તેને કરડતાં નથી.’

કેતન કલમને જણાવ્યા વગર લંડન જવાની પેરવીમાં પડ્યો હતો. જુવાન જોધ માનવીને આવી નાની નાની ઘરની બાબતોમાં રસ નથી હોતો. પત્ની માથું ખાઈ ખાઈને દિમાગ સડાવે. મોટા ભાગની સ્ત્રીઓનો સ્વભાવ હોય છે પતિને તેના કુટુંબીઓ માટે ગમે તેમ બોલી ચડાવવા.  ભલુ થજો સાસુમા હયાત ન હતા. અંહી  ઉંધું હતું. કલમ ધૈર્ય રાખી ઘરમાં શાંતિ રહે તેવું ઈચ્છતી. જ્યારે ભાનુબેન, નણંદબાના પાત્રમાં પૂર બહારમાં ખીલી ઉઠ્યા હતા. કેતને નક્કી કર્યું,  ભાનુબેનની આડે ઉતરવું નહી.

કેતન સ્વભાવે લલિતાબા જેવો હતો. લલિતાબાનો લાડલો હોવાથી કલમ ઉપર લલિતાબાના ચાર હાથ હતાં. કલમ જે કરે તે લલિતાબાને ખૂબ ગમતું. ઘરમાં નાનો હતો તેથી ભાનુ બહેનનો ખાસ એવો પરિચય ન હતો. હવે તે એમનાથી  ધરાઈ ગયો હતો.

રવિવાર હોવાથી સવારના પહોરમાં આરામથી ચહા પીતા પીતા બોલ્યો. ‘કલમ ચાલને આજે વાતાવરણ ખૂબ  સુંદર છે તો ફરવા નિકળીએ. અર્જુનને કહેજે તે પણ સાથે હશે તો ઔર મઝા આવશે. ઘણો વખત થયો ખુશનુમા હવા ચાલે છે. તું પણ ઘરમાંથી બહાર નિકળીશ તો સ્ફૂર્તિ લાગશે, બા ગયા પછી તને જરા શાંતિ મળતી નથી તો તને આજે ખુશ કરું.’

બસ, હજુ તો વાક્ય પુરું થયું નથી ત્યાં ભાનુબહેને દર્શન દીધાં. કેતન એમ સમજ્યો કે બે જણાં એકલાં રસોડામાં છે. કાગનું બેસવું ને ડાળનું પડવું. ભાનુબહેન તે સમયે પિતાજી માટે  ચહા અને ઉપમા લેવા આવ્યા હતાં. દર રવિવારે ગરમ નાસ્તો  ‘લલિતા શાંતિ કુંજ’ ની  ખાસિયત હતી. આજે મહારાજે ઉપમા ખૂબ સરસ બનાવ્યો હતો. અંદર કાજુ, વટાણા ,કાંદા ભારોભાર નાખ્યા હોવાથી કેતન લહેરમાં આવીને બોલી રહ્યો હતો.

‘બાપા, ક્યાં છો’?  શાંતિભાઈ ચહાની તલપ લાગી હોવાથી રાહ જોતાં બેઠાં હતા. ત્યાં ભાનુનો અવાજ સાંભળી દોડી આવ્યા. ‘કેમ શું થયું બેટા’ ?

સાંભળો,  કેતનભાઈ શું કહે છે.  ‘બાના, ગયા પછી તેમની વહાલી પત્ની ઉર્ફે મારી નાની ભાભીને ઘરમાં શાંતિ મળતી નથી.’

ચહા વગર શાંતિભાઈને ‘મુડ’ આવતો નહી. તેમાં વળી કેતનને સુંદર મિજાજમાં જોઈ તેમનું લોહી ઉકળી ગયું. ઘણા વખતથી કેતન સાથે ઝઘડો થયો ન હતો. ભાનુબહેને ઝેર રેડવાનું કામ પૂર ઝડપે ચાલુ રાખ્યું હતું.  જે હવે અસર બતાવી રહ્યું હતું.

‘હા, હા  તારી વાત સાચી છે. કલમ આપણા બધાનું ધ્યાન રાખીને થાકી જાય છે બિચારી.  તારી બા ગઈ, મારો જમાઈ ગયો.  આ બધો ભાર તેના માથા ઉપર  આવી ગયો.’ શાંતિભાઈ દાઢમાં બોલતાં હતાં. અત્યાર સુધી કેતન અને કલમ સાથે મળતાં ન હતાં. આજે આ સમય ચૂકવા તેઓ કોઈ હિસાબે તૈયાર ન હતાં.

કેતન અને કલમ રંગરેલિયાં મનાવે તે તેમને કોઈ પણ સંજોગોમાં માન્ય ન હતું.  તીવ્ર ઝડપે પોતાના કમરામાં જઈ એક બંધ પરબીડીયું લઈને આવ્યા અને  જોરથી ઘા કર્યો.

કેતન ખૂબ સારા મિજાજમાં હતો. પિતાનું આવું વલણ જોઈ સ્તબ્ધ થઈ ગયો. કલમ તો હતપ્રભ થઈને શું ચાલી રહ્યું છે તે જોઈ રહી. સસરાજીનું આવું રૌદ્ર સ્વરૂપ તેણે જોયું ન હતું. અરે કલ્પનામાં પણ આવા તે ચિતરી ન શકે. પોતાની જાત ઉપર કાબૂ રાખી ભીંતને સહારે ઉભી હતી. ભાનુબેન મોઢું ભારેખમ રાખી બેઠાં હતાં . મનમાં રાજી થતા હત કે આજે હવે’ આપાર કે પેલે પાર’.

શાંતિભાઈએ જમીન પર ફેંકુલું પરબીડીયુ  કેતને વાંકા વળી ઉઠાવ્યું. જોયું તો બરાબર બંધ હતું . તેના દિદાર જોઈને લાગે કે પરબીડીયું ખાસું જુનું છે. તેના પર જાતજાતના ડાઘા પણ હતાં. વર્ષોથી કબાટની તિજોરીમાં ભૂગર્ભમાં દટાયું હતું . કેટલા શિયાળા, ઉનાળા અને ચોમાસા પસાર થઈ ગયા હતા. આજે ખુલ્લી હવામાં શ્વાસ લેવા મળ્યો હતો.  કેતનના મુખ પર આશ્ચર્યના ભાવ ઉપસી આવ્યા. આજે ‘બાપાએ આ શું નવું પ્રકરણ ચાલુ કર્યું’. તેનું મગજ બહેર મારી ગયું હતું.

‘હા, હા ખોલ અને જો અંદર શું છે.’ શાંતી ભાઈ બરાડ્યા. ભાનુબહેનની કાન ભંભેરણી ગુલ ખિલાવી રહી હતી.

કેતને પરબીડીયું ખોલવા , ‘કલમ ચપ્પુ આપતો! ગમે તેમ ખોલીશ તો અંદર જે હશે તે સાજું સમું નહી રહે. ખૂબ જુનું પરબીડીયું જણાય છે. સાચવીને ખોલવું પડશે એવું લાગે છે.’

કલમે માંડ માંડ હોશ સંભાળ્યા અને ખાનામાંથી ચપ્પુ  કાઢી કેતનને આપ્યું.

કેતને ખૂબ સાચવીને પરબીડીયુ ખોલ્યું. અંદરથી જે કાગળ નિકળ્યો, તે તેણે બે વાર વાંચ્યો. આંખમાંથી આંસુ વહી રહ્યા હતાં. કલમ વિચાર  શૂન્ય થઈ ગઈ.

એવું તો શું હતું કે કેતનના આંસુ થંભવાનું નામ નથી લેતાં. એ જ સમયે અર્જુને પ્રવેશ કર્યો. એ મિત્ર ભલે કેતનનો હતો પણ તેને આખા શાંતિભાઈના કુટુંબીજનો પ્રત્યે પ્રેમ હતો. કેતનના બાપાની ઈજ્જત કરતો હતો.  કેતનની આંખમાંથી નિકળતા આંસુ જોઈ બોલ્યો.

‘યાર, કાંઈક બોલ તારા મોઢાથી. સાવ આમ અવાચક કેમ થઈ ગયો છે.’  કેતને કાંઈ પણ કહેવાને બદલે હાથમા નો કાગળ અર્જુનને આપ્યો. અર્જુન,  વાઢો તો લોહી ન નિકળે એવો થઈ ગયો. હવે કલમ સહી ન શકી . તેણે અર્જુનના હાથમાંથી એ કાગળ રીતસરનો ખુંચવી લીધો. તે જાણતી હતી તેથી કામ મૃદુતાથી કર્યું નહી તો એ વર્ષો જૂનો કાગળ ફાટી જાત!

કલમે વાંચ્યું, તેના મોઢા પર મિશ્ર ભાવો રમી રહ્યા.  ત્યાં સુધીમાં કેતને પોતાની જાત સંભાળી લીધી હતી. ઉભો થયો અને બોલ્યો માત્ર બે શબ્દો ” પપ્પા, શામાટે?’ કહીને જમીન પર ફસડાઈ પડ્યો.

કલમ ગભરાઈ ગઈ. કેતનનો હાથ વહાલથી પકડી બોલી, કેતન જવા દે તારા પિતાશ્રી છે.’  નદી સહુની તરસ છિપાવે ,પછી તે ગરીબ હોય કે ધનવાન. વૃક્ષ સહુને છાંયો આપે માણસ હોય કે પશુ,

કલમ પોતાના સંસ્કાર દીપાવી રહી. આમાનું કશું જોવા શાંતિભાઈની આંખો ટેવાયેલી ન  હતી. એવા બાપની મોટી દીકરી ભાનુબેન તો જાણે કશું જાણતા ન હોય એમ વર્તન કરી રહ્યા હતાં.

‘એય, કેતનીયા મારે ચાર દીકરા , હું અને તારી મા ઘરડાં થઈએ ત્યારે અમારું ધ્યાન કોણ રાખશે એ પ્રશ્ન મને મુંઝવતો હતો. તેથી તારી માથી પણ આ વાત મેં છુપાવી હતી.  હવે હું તારાથી અને તારી ભણેલી, કમાતી બૈરીથી ત્રાસ્યો છું. લે આ તારા જન્મનું યુગાન્ડાનું સર્ટિફિકેટ . હવે તને જે ગમે તે કર. મને તારા નિસાસા નથી જોઈતા.’

લલિતાબાના ગયા પછી અને કેતનના જન્મ પછી આખરે શાંતીભાઈએ પોતાના કાવત્રાને છતું કર્યું. તેમના મોઢા પર શરમના ભાવ ન જણાયા. જાણે કોઈ સિંહ મારીને આવ્યા હોય તેવો ગર્વ ફરકી રહ્યો હતો.

કેતન પિતાજીની આ બાજુ જોઈ વિચારી રહ્યો , ખરેખર આ મારા પિતા છે? મનમાં ને મનમાં લલિતાબાને યાદ કરી બોલી ઉઠ્યો, ‘મા તું ક્યાં છે? મારે માથે હાથ ફેરવીને મને શાંત કર!’

← લલિત શાંતિકુંજ (૫) પ્રવીણાબેન કડકિયા

લલિત શાંતિ કુંજ (૭) પ્રજ્ઞા દાદભાવાલા →

લલિત શાંતિ કુંજ (૬) ડો લલિત પરિખ

Posted on September 8, 2013 by vijayshah

કેતન અને કલમ તો, આમ એકાએક લંડન જઈ શકાય, એવા ઉજળા સંયોગો ઊભા થતાં, મનોમન ખૂબ હરખાયા .ભાનુબેન પણ અંદરથી રાજી રાજી થયા કે “આ કાયમની કાશ જાય એટલે પછી હાશ જ હાશ. બસ હું અને ભાઈ બે જ, એટલે ન આ કાયમનો કકળાટ કે ન આ રોજ રોજની રામાયણ.બસ મારું જ રાજ….મારું જ સામ્રાજ્ય.” શાંતિલાલ ને તો હવે કોઈ કરતા કોઈની સાડીબાર જ નહિ.દીકરી તેમના કહ્યામાં અને તેઓ દીકરીના કહ્યામાં “આવ ભાઈ હરખા।…આપણે બેઉ સરખા” એવો તાલ થયાનો આનંદ, શબ્દ કરતા મૌનમાં વધુ મુખરિત થઇ રહ્યો હતો.

કેતન -કલમે પોતાના પાસપોર્ટ,વિસા,ટિકિટ ઇત્યાદિનું કામ વોર-ફૂટિંગ પર શરૂ કરી દીધું અને બીજો મહિનો બેસે એ પહેલા તો ,ઘરેથી, બહેન અને બાપના આશીર્વાદ લઇ અને એરપોર્ટ પર, મિત્ર અર્જુનની ‘બોન વોયેજ’ની શુભેચ્છા સાથે, ‘એરઇન્ડિયા’ માં બેસી લંડન તરફ રવાના થયા. લંડન પહોંચવાના આઠ કલાકમાં તો કેતને પોતાના નાનપણના લંડનના સ્મરણો વાગોળ્યા,નહિ વત આવેલી ઊંઘમાં, લંડનના નવા સપનાઓ જોયા અને બિચારી પહેલી જ વાર વિદેશ જતી કલમે તો સસરા-નણંદથી મળેલી મુક્તિની મસ્તીમાં સારી જ ઊંઘ ખેંચી કાઢી.એરપોર્ટ પર લેન્ડીંગ થતા પહેલાની સૂચનાઓ પૂરી થઇ કે તરત જ થોડી વારમાં એક નવા જ જગતમાં,એક નવા જ વાતાવરણમાં, એક નવા જ ઉત્સાહ સાથે પદાર્પણ કરતા બેઉ પ્લેનની બહાર નીકળી,એરપોર્ટની વિધિઓ પતાવી બેગેજ કલેઈમ તરફ ગયા અને પોતાની એક એક બેગ ટ્રોલી પર મૂકી બહાર નીકળ્યા, ત્યાં તો ભાઈ મહેશ દેખાયો અને તેની સાથે કારમાં બેસી ઘરે પહોંચ્યા..ઘરમાં પ્રવેશતા જ મહેશ બોલ્યો:”અહીં લંડનમાં ઘરો નાના હોય,પણ લોકોના દિલ મોટા હોય.આપણા ‘લલિત શાંતિ કુંજ’ની સરખામણીમાં તો અમારું ઘર નાનું બટકું જ લાગશે. અને તમે સેટલ થઇ જાઓ ત્યાં સુધી આ ઘર તમારું જ સમજો. શું સમજી કલમ?’ કલમ ની સાથે કેતન પણ હસી પડ્યો મહેશની પત્નીએ ઉષ્માભર્યું સ્વાગત કરી ગરમા- ગરમ ચા-નાસ્તાથી તેમને ફ્રેશ કર્યા અને પછી નાહી – ધોઈ, ઘરના રસોડામાં જ ગોઠવેલા ભગવાનના નાનકડા મંદિરમાં પગે લાગી તેઓ વાતે ચડી ગયા. શનિ -રવિની રજાઓ હોવાથી લંડનમાં જોવા લાયક સ્થળોની મુલાકાતોનો પ્રોગ્રામ બનવા લાગ્યો.બાપુજીની તબિયતની અને મોટીબહેનની રાજનીતિની વાતો પણ નીકળી.”આપણા ભાનુ બહેન તો પહેલેથી જ ઝગડેશ્વરી રહ્યા છે.”કેતનથી રહેવાયું નહિ:”હવે રાજ કરશે.દુનિયામાં બે જ મહારાણીઓ પોતાના સામ્રાજ્ય પર રાજ કરે છે-એક તમારી લંડન ની મહારાણી અને બીજી આપણી ભાનુબહેન. પહેલા આપણા બનેવીલાલ પર રાજ કર્યું, પછી અમારા પર રાજ કરવા વડોદરા આવી ગયા અને હવે બાપુજી પર પણ તેમની હાક-ધાક ચાલે છે. બાપુજીને ખાવાનો ભારે ચટકો અને ભાનુબહેનને લટુડા પટુડા કરી તેમને રાજી ને રાજી રાખવાનું,મન- ફાવતું અને મન-ભાવતું જમાડ્યે જવાનો જબરો શોખ છે.” કલમને આ ભાનુપુરાણ બહુ ગમ્યું નહિ. બોલી: જવા દો ને ,જેને જે ફાવે તે કરે અને જેને જે ગમે તે કરે.આપણે તો પહેલા, પહોંચી ગયાનો ફોન કરી દઈએ એટલે પછી, છુટ્ટા !” મહેશે ફોન જોડ્યો. ભાનુબહેને જ ઉપાડ્યો અને “બાપુજી તો ખાઈ-પી સૂઈ ગયા છે.હું સવારે કહી દઈશ.” એટલું બોલી ફોન મૂકી દીધો. કેતનથી રહેવાયું નહિ. બોલ્યો:”ક્રૂકેડ લાઈન કોઈ દિ’ સીધી થાય નહિ અને આપણા ભાનુબહેન કોઈ દિ’ સીધી વાત કરે નહિ.બાપુજી સાથે વાત ન કરાવી એટલે ન જ કરાવી..ખેર ..”

મહેશ બોલ્યો: “બાપુજી પણ કાંઈ ઓછી માયા નથી .ખાવા અને સૂવા માટે જ જીવે છે . અને હવે તો તમે કોઈ છો નહિ એટલે બોલી બોલીને ખાવાના કે “આટલું બધું ખાવાનું ભગવાને બનાવ્યું છે કોના માટે? અરે આપણને પણ બનાવ્યા છે શાના માટે? ભગવાન પણ રોજ પ્રસાદમાં અને અણકોટ ના દિવસે તો ખાસ મધુરાધિપતિ મધુરમ મધુરમ મીઠાઈઓનો ભોગ તો બેઉ હાથે આરોગે જ છે ને? આપણે પણ ખાઈ-પીને જલસા જ જલસા કરવાના. “આ નહિ ખાવું તે નહિ ખાવું” કહી કહી, કોઈ સવા સો વર્ષ ન તો જીવ્યો છે કે ન આપણે જીવવું પણ છે. મિષ્ટાન્ન તેમની વીકનેસ છે,ગળ્યું ખાવાનું તેમને એડિક્શન છે.” “જવા દો ને હવે બાપુજી- પુરાણ.” કહી કલમે સ્વેટર-જેકેટ વી.પહેરી લઇ, બહાર લંડન -ભ્રમણની તૈયારી -તત્પરતા દેખાડી. મહેશ અને તેની પત્ની કારમાં આગળ બેસી ગયા અને કેતન-કલમ પાછળ ગોઠવાઈ ગયા .બાળકો તો, “રજા સૂવા માટે જ બની છે”, તેમ માનનાર હોવાથી, કાકા-કાકીને મળવા માટે ય ઊઠ્યા વિના, ઘોરી રહ્યા હતા . “તારો દોસ્ત અર્જુન કેમ છે?” મહેશે કેતનને એમ જ પૂછ્યું. “મઝામાં. બિચારો એરપોર્ટ પણ આવ્યો -વડોદરાથી અમદાવાદ. મારો જીગરી દોસ્ત છે .પછી નિરાંતે ફોન કરીશું.બાપુજીનું ધ્યાન રાખવાનું કહીને જ આવ્યો છું. રોજ એક આંટો જરૂર મારશે.”કેતનને અર્જુન માટે બહુ જ માન હતું. “હા,હા ત્યાંની સવાર હોય તેમ આપણે ચોક્કસ કરીશું.બાપુજી સાથે પણ વાત કરીશું . “કહી મહેશે સહુથી પહેલા ટેમ્સ નદી બતાવી,નદી પરનો જગપ્રસિદ્ધ બ્રિજ બતાવ્યો,બહારથી બકિંગ- હેમ પેલેસ બતાવ્યો અને પછી એક મ્યુઝિયમમાં ચક્કર મારી સ્વામીનારાયણ અક્ષર ધામ મંદિરમાં દર્શન કરાવી ત્યાં જ કેન્ટીનમાં પ્રસાદ લઇ, ફરી પાછા વેક્સ મ્યુઝિયમ જોવા સહુને લઇ ગયો. કલમ અને કેતનને આ મ્યુઝિયમમાં બહુ જ મઝા આવી. કલાકોનો સમય ક્યાં નીકળી ગયો તે પણ જણાયું નહિ અને બહાર આવ્યા તો લંડનનો ગમે ત્યારે વરસતો રહેતો વરસાદ શરૂ થઇ ગયેલો. છત્રી -રેઈનકોટ સાથે લીધેલા જ હતા એટલે વાંધો ન આવ્યો અને હવે થાકેલા પાકેલા એક સાઉથ ઇન્ડિયન હોટલમાં પહોંચી;ઈડલી-ઢોસા-વડા-સાંભાર -મેંગો લસ્સી વી.મંગાવી પ્રેમથી ખાધું- પીધું .બાળકો માટે પાર્સલ બંધાવી લીધું. “ખાવાનું તો લંડનમાં સરસ ઇન્ડિયા જેવું, બલકે ત્યાંથી પણ સરસ મળતું લાગે છે .મઝા આવી ગઈ .”કલમને સાઉથ ઇન્ડિયન ખાવાનું બહુ જ ભાવ્યું: કેતને પણ વખાણ કરતા કહ્યું:”પહેલા હું નાનો હતો ત્યારે પંજાબી જ વધારે મળતું .હવે આ સાઉથ ઇન્ડિયન અહીં તો શું,અમેરિકામાં,ઓસ્ટ્રેલિયા અને સિંગાપૂર-બેન્ગકોકમાં ય પહોંચી ગયું છે .ઈડલી તો એક દમ ઉત્તમ ખોરાક .ઢોંસા પણ હવે તો સ્ટીમ્ડ આવતા થઇ ગયા છે.કાંઈ તળેલું નહિ પણ આપણે ભારતમાં તો અને તેમાં ય ગુજરાતીઓ તો વધેલી ઈડલી બીજે દિવસે તળી તળીને ખાય અને તાજી ઈડલી પણ ઘીમાં બોળી બોળીને ખાય. આપણા ભાનુબહેન બાપુજીને આવી જ ઈડલી ખવડાવે .ઢોકળા પણ ઘીમાં ખંડ નાખી તેનું ચૂરમું બનાવી બાપુજીને ખવડાવે . વધેલી રોટલીનું ય ઘી-ગોળ નાખી ચૂરમું કરીને ખવડાવે .આમાં ડાયાબીટીસ તો બાપુજીનો બરાબર મેઇન્ટેઇન થાય,વજન પણ બરાબર મેઇન્ટેઇન થાય.” કલમને નિંદા પુરાણ ઓછું ગમતું. બોલી:”જવા દો ને ત્યાંની વાતો.હવે તો દેખવું નહિ ને દાઝવું નહિ. હવે મને એ કહો કે મને મારો ગમતો ટીચરનો જોબ અહીં મળી શકશે કે નહિ?” તરત જ મળી જશે.અહી આપણા લેસ્ટરમાં તો ગુજરાતી બહેનોને તો એપ્લાય કરો ને જોબ મળે એવું સહેલું છે.તમને જૂની કાર અપાવી દઈશું એટલે જોબ મળતાં જ જોઈન કરી લેવાનું. કેતનને પણ તેના ફિલ્ડનો જોબ મળે તેની વ્યવસ્થા મેં કરી જ રાખી છે .એક મહિનો સાથે રહો એટલે તમને બધું સમજાઈ જશે. આમે ય અહીં લંડનમાં પોતાની મેળે એકલે એકલા ક્યાય પણ જવું સાવ સહેલું છે.અહીંની ટ્યુબ ટ્રેઇનો અને બસોની પબ્લિક ટ્રાન્સપોર્ટની સિસ્ટમ આખી દુનિયામાં બેસ્ટ છે. અને અત્યારે તો તમે જોતા-વાંચતા જ હશો અમારો પાઉંડ કેટલો સ્ટ્રોંગ થઇ ગયો છે ! એક પાઉન્ડના સીધા સો રૂપિયા મળે. અહીંનું ચલણ પણ ભારત જેવું નહિ કે પાંચસો ની અને હજારની નોટો ફરતી હોય.અહીં તો પચાસથી મોટી નોટો જ ન હોય. સો ની પણ નહિ.” કેતન-કલમને લંડનની આવી વાતો સાંભળી બહુ આનંદ થઇ રહ્યો હતો.જોબ તરત મળવાની,પોતાની મેળે બધે આવ-જાવ કરવાની સરળ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થાની અને આવી આવી વાતોથી તેમને મનમાં બહુ જ ધરપત થવા લાગી.જો કે મનમાં ઊંડે ઊંડે તો થયા કરતું કે ગોઠવેલું-સજાવેલું પોતાનું ઘર બહેનને સોંપી હવે અહીં એકડે એક થી શરૂઆત કરી પારકા દેશમાં સેટ થવું અઘરું તો પડવાનું જ છે.પોતાનું બધું ગુમાવી પારકા પ્રદેશમાં પહેલેથી પગરણ માંડવું એ કાંઈ રમત વાત તો નથી .” બીજે દિવસે પણ રવિવારની રજા હોવાથી ‘હરે રામ હરે કૃષ્ણ;ના મંદિરે જઈ દર્શન કરી,ત્યાની કેન્ટીનમાં જમી કરી ફરી એક-બે મ્યુઝિયમ જોયા અને સાંજે કોઈ જાણીતા ‘પરોઠા હાઉસ’માં પરોઠા-શાક-દહીં-પાપડ ખાઈ ઘરે પાછા ફર્યા . આજે પણ બાળકો માટે પાર્સલ લઇ લીધું. બાળકો રજાઓમાં ઘરે જ મોજ-મસ્તી કરવામાં અને પાસેના દોસ્તો સાથે રમવામાં મશગુલ રહેવું પસંદ કરતા. આમ લંડનના પહેલા બે દિવસો સરસ મઝાના વીત્યા અને ત્રીજા દિવસથી તો મહેશે બેઉને જોબમાં પણ ગોઠવી દીધા.રવિવારે બાપુજી સાથે અને અર્જુન સાથે વાતચીત કરી કેતન-કલમને શાંતિ મળી.ભાનુબહેન સાથે ય ઔપચારિક વાતચીત થઇ જ,જેમાં ભાનુ બહેને પોતાનો રંગ-પરિચય, અભિનય-પરિચય આપ્યો જ: ” હવે તમે તો પરદેશી પંખી થઈને ઊડી ગયા એટલે અમે તો સુક્કા સટ ઝાડ, ટાઢ-તડકો જ સહન કરતા રહેવાના ! ચાલો,મઝા કરો ત્યાં લંડનની મહારાણીના રાજમાં …” કેતન બોલ્યો નહિ;પણ તેના મનમાં તો આ સંવાદ તે બોલી જ ગયો:’અને તમે ભાનુબહેન, ત્યાં મહારાણીની જેમ તમારું રાજ્ય-સામ્રાજ્ય ચલાવ્યા કરો અને .બાપુજીને નચાવ્યા કરો !”

બીજે દિવસે સવારે મહેશ્ભાઇએ કેતન માટે ખરીદવા નક્કી કરેલી આઈસ્ક્રીમ પાર્લર ઉપર ગયા. કલમને મહેશે કહ્યુ “ જો કલમ તુ સ્કુલની જોબ શોધવા માંગતી હોય તો ભલે પણ આ પાર્લર મેં તમારે માટે લેવાનું ધાર્યુ છે. તું કે કેતન કલાકનાં ધોરણે પગાર લેજો અને છ મહીને લાગે એ આ ફાવે તેવું છે તો મારી શુભેચ્છા સાથે હું આજે જે ભાવે ખરીદુ છુ તે ભાવે લઇ લેજો અને ના ફાવે અને યોગ્ય જોબ મળે તો તમારી મરજી. અમે લોકોએ તો ક્યારેય નોકરી કરી નથી.. અને રંગભેદને ઝેલ્યો નથી.

કલમ બોલી.. “મહેશભાઇ તમારી આ વાતમાં લલીબાનાં આશિર્વાદ દેખાય છે. ઉર્વિજા ની સ્કુલનું નક્કી થાય અને તેના સમય પ્રમાણે મારો સમય નક્કી કરી દઇશ..”

મહેશે ફોન ઉપર છ મહીનાની લીઝ નક્કી કરી અને બીજા અઠવાડીયાથી કલમને તાલીમ માટે આવશે કહી કેતન નો પહેલો આવક નો દોર શરુ કરી દીધો. પાછા વળતા ઘરે જવા માટે કેતને ગ્રાઉંડ ટ્રાન્સ્પોર્ટ સમજવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહેશે કહ્યુ એ પણ આપણે શીખીશુ.. પણ હાલ તો તારે માટે ગાડી નું લાયસંસ લેવાનું છે. ઘરે પહોંચીને અર્જુન સાથે થોડીક વાત કરીયે અને પપ્પા સાથે પણ જરાક મન હળવુ કરીયે..મહેશને થોડીક નવાઇ તો લાગી પણ મન મનાવતા જોઇને કલમ બોલી “ એમને બહુજ આઘાત લાગ્યો છે પણ કુદરત જે કરે છે તે સારા માટે સમજીને બાપાને અને તેમના બદલાયેલા વહેવારને પોંખવા માંગે છે.” મહેશ કહે “તેમને તમારા જીવનમાંથી જેટલા જદી દુર કરો તેટલુ તમારા માટે સારુ.. અને તમે તો ભક્ષ્ય છો..અફસોસ તો તેમને થવો જોઇએ જેણે તમને શોષ્યા છે” કેતનની આંખમાં બાઝેલા આંસુઓનાં તોરણો જોઇ કલમ અને મહેશ પણ દ્રવી ગયા.

 

લલિત શાંતિ કુંજ (૭) પ્રજ્ઞા દાદભાવાલા

Posted on September 13, 2013 by vijayshah

સુખ અને દુઃખ ની સૌથી મોટી ખૂબી એ છે કે સુખ હંમેશા ઓછું લાગે અને દુઃખ તો વધુ જ લાગવાનું ,આમ પણ તમે જેની પાછળ દોડો એતો છેટું જ ભાગે! ભાનુ ના નસીબ કહો કે મનની વૃતિ – સુખ એનાથી હંમેશા દુર ભાગતું હતું ઘર અને રાજ બધું હાથમાં તો આવ્યું ત્યાં શાંતિભાઈને લખવો થયો, ભાનુ ને મનમાં થયું કે માંડ સુખ હાથમાં લાગ્યું ત્યાં તો છટકી ગયું, શાંતિભાઈનું બધું સાચવવાની જવાબદારી તો લીધી પણ આતો ઉપાધી આવી પડી, ભાનુબેન હવે બે વસ્તુથી પીડાતા હતા એક તો એમના સ્વભાવને લીધે એમનું પોતાનું કોઈ ન હતું ,અને હવે મિલકતમાંથી જે કંઈ હતું તે ચાલી જવાનું હતું, આમ જોવા જઈએ તો અછત એને સ્વાર્થી બનાવતી હતી, હવે અહમ સાથે સ્વાર્થ અને ભય પણ ભળ્યા હતા દરેકને પોતાના ભાગનું સુખ હોય છે, તેમ છતાં દરેકના મનમાં એક વાત રમતી રહે છે કે તમે મારી જગ્યાએ હોવ તો તમને ખબર પડે આજ વાત ભાનુબેનની હતી 24કલાક શાંતિભાઈની માવજત પોતે કરી જ શકતા ન હતા, માટે કામવાળી રાખ્યા વગર છુટકો જ ન હતો અને હવે સાથે નર્સ પણ ઉમેરાઈ વ્યાજની આવક માત્ર નોકરોના પગાર પુરતી જ હતી ઉપરથી ડોક્ટર નું બીલ મૂડી ની રકમો ઘટાડતું હતું એ સાથે એકલતા પણ ઘરમાં પ્રવેશી ચુકી હતી, માણસ પોતાની વ્યક્તિ વગર અધુરો છે એ વાત શાંતિકુંજ ની દીવાલો બોલતી હતી ત્રણ ભાઈના ફોન તો જાણે આવવાના જ બંધ થઇ ગયા હતા ચંપાબેન કયારેક ફોન કરતા તો બાપ દીકરીને સારું લાગતું પરંતુ હવે લાગણી કે સાહજિકતા ની જગ્યા વહેવારે સ્થાન લઇ લીધું દિવસે દિવસે ભાનુ ને પોતાની અનિશ્ચિતા ડરાવતી હતી શાંતિભાઇને બધુ હાથમાં અને હાથમાં જોઇએ અને અવાજ કરે ને તરત તેમની માંગણીઓનો અમલ થવો જોઇએ વાળી વાત તો લલિબાના સમયથી ચાલતી હતી જે હવે ભાનુબેનથી થતુ નહોંતુ..અને એક દિવસ તે છણકો કરી બેઠા..” બાપા એકલ પંડે મારાથી નથી પહોંચાતુ તમે થોડીક સમતા રાખો તો સારુ.” “ પણ મને સમયસર હાથમાં મળવું જ જોઇએ.. એ કંઇ નવો નિયમ નથી તમને ખબર છે ને કલમે તે દિવસે મોડુ કર્યુ હતુને તમે એની ધૂળ કાઢી નાખી હતી?” “ હા. પણ હવે કલમ નથી.. અને વળી હું એની ઉંમરની પણ નથી…” “ પણ તમારે તો કામ કઢાવવાનુ છે લેવાનું કે કરવાનુ નથી.” “ પણ કામ કરનારું હોવુ તો જોઇએ ને? કામવાળા ને સહેજ કંઇ કહીયે તો મારાથી તો કામ નહીં થાયનો ચાબખો મારતા વાર નથી લાગતી તે કંઇ કલમ ઓછી છે કે તેની કોઇ મજબુરીછે?” “ એ હું ના જાણું…તમને વહીવટ સોંપ્યો ત્યારે તો તમે કહેતા હતા હું બેઠી છુંને?” “ તે મેં ક્યાં ના કહી..છે..પણ હવે ક્યારેક મોડુ વહેલુ થઇ પણ જાય..” શાંતિ ભાઇને તે વખતે કેતન ના શબ્દો યાદ આવ્યા.. અને ત્યારે ભાનુ ખખડાવતી હતી કે બાપાને મોડુ તો ના જ થવુ જોઇએ… અને આજે એજ વાત શાંતિભાઇ ભાનુ પાસે થી સાંભળી હબક ખાઇ ગયા..તેમના અંતરમનમાં ઘણા વખત થી હતુ પણ આજે તે મનમાં આવી ગયુ..હા બહેના સમજુ હતા તેને દુર કર્યા અને જેને પાસે રાખ્યા તે બદલાતા ગયા તેદિવસે નાસ્તામાં પરોઠા લંબ તોતડા અને શાક ખારુ હતુ કલમે જો આવુ ખાવાનુ પીરસ્યુ હોત તો શાંતિભાઇ થાળી નો છુટો ઘા કરત ..પણ જમણા અંગનો લખવો તેમને રડાવી ગયો.. ભાનુ બેને તેમને રડતા જોયા ત્યારે ફરી મોટુ લેક્ચર પીવડાવ્યુ…બાપા તમને તો ખબર છે મને સાસરીમાં કે પીયરમાં ક્યારેય રસોઇ કરવાની જરુર નહોંતી પડી..તેથી હવે હું સમય સાચવવા મથુ કે નોકરોની લ્હાય કરું? શાંતિ ભાઇ એ મોટા અવાજે કહ્યુ.. “પણ આતો શાક છે કે મીઠાનો અગર? અને પરોંઠા જાડા અને કાચા છે.” અને ડાબા હાથે ટેબલ પર જોર થી હાથ પછાડ્યો અને તેને કારણે ચાનો કપ નીચે પડી ગયો… ભાનુનો પીત્તો છટક્યો.. પણ ઢોળાયેલી ચા લેવા કપડાનું પોતુ લેવા જતા જતા બોલી “ બાપા મારાથી આ તમારો ગુસ્સો નહીં સહન થાય. તમારે રાહ જોવી જ રહી કે જે આપુ તે ખાવું જ રહ્યુ..” “ એટલે?” શંતિભાઇ ગરજ્યા… “ એટલે તમારી દીકરી છું અને મારાથી થાય તેટલુ કરુ છુ. આવી ધમા ધમ નહીં કરવાના સમજ્યા?” નીચે પડેલી ચાને સાફ કરતા કરતા ઉંચા અવાજે ભાનુ બેન બોલ્યા. અર્જુન સોસાતટીનું કાગળ આપવા આવેલો તે ભાનુ બહેન ને ધ્યાન નહોંતું. તે જ સમયે ચંપાનો ફોન આવ્યો અને શાંતિભાઇ થી બોલાઇ ગયુ.. “હવે તો મોત આવે ને છુટું તો સારુ..” ચંપાને કંઇક થયુ હોવાની આશંકા પડી તેથી બોલી “ બાપા તબિયત તો સારી છે ને?” ભાનુએ ફોન હાથમાં લેતા કહ્યું “ ચંપા બેન. બાપાને તો કશું થયુ નથી હા મને કંક જરુર થઇ જશે” “તો બાપા આવુ કેમ બોલ્ય?” “હવે ૮૪ વર્ષે પેલા નાનકાની જેમ જીદ કરે છે..બધુ સમય સર જોઇએ..અને કામવાળાઓને તો કામ ના કરવાના હજાર બહાના મળી રહે…” “ હા પણ થયુ છે શું એ તો કહે?” થવાનું શું? આજે રસોયણ નથી આવી તેથી મેં નાસ્તો બનાવ્યો તો અને શાક્માં મારાથી મીઠુ વધારે પડી ગયુ હતુ અને મોડી પડી હતી તેથી ધમાધમ કરે છે..ટેબલ ઉપર એટલા જોરથી હાથ પછાડ્યો કે ચાનો કપ નીચે પડીને ફુટી ગયો.” ત્યાં બાપા મોટેથી બોલ્યા ‘વાત ને ના ઢાંક. તેં ખારુ ઉસ જેવુ શાક તો બનાવ્યુ અને સાથે લંબતોતડો પરાઠાઓ બનાવ્યો અને મારી સાથે માથાકુટ કરે છે તે કહેને?” ભાનુ હવે ખરેખર ગુસ્સે થતા બોલી “ બાપા હું ચંપાબેન સાથે વાત કરુ છુને?તમે પછી તમારી રીતે કહેજોને? મીઠું મરચું ભરીને…” ચંપા ફોન માં ઘુરકતી બોલી “ ભાનુ તારાથી બાપાને આમ ના કહેવાય..” “ મોટીબેન એ મને પેલો બે ટકાની કામવાળી ની જેમ મને ટૈડકાવે તે ચાલે અને હું મારા મનમાં આવેલી વાત યોગ્ય રીતે કહું તે ના ચાલે?” “ તારી રીત યોગ્ય નથી.. બાપા ને આમ ના કહેવાય” “ ભાઇ તમે લોકો બેઠા અમેરિકામાં અને કશુ કરવાનું નહી ખાલી સાકરો વાટીને મીઠડા થવાનું…આ બાપાને લલી બા એ આખી જિંદગી કેવી રીતે સંભાળ્યા હશે ભગવાન જ જાણે…” ‘ જો બેન મને તમારી ચિંતા થાય છે માટે ફોન કરુ છુ.” “ ચંપા બેન એક કામ કરોને.. બાપાને ત્યાં અમેરિકા બોલાવી લોને?” “ એ આવે તો તો મને પણ શાંતિ થાય તેમના છેલ્લા દિવસો માં જે કંઇ કરવા જેવું હોય તે થાય. લાવ મને આપ બાપાને કહી જોઉ” શાંતિ લાલે ફોન હાથમાં લીધો અને ઠુઠવો મુક્યો…”હવે તો મોત આવે તો સારુ.” ચંપા સામે છેડે રડતી હતી. તેણે આ બાપાને કદી રડતા જોયા નહોંતા..

***

એક દિવસ ભાનુ એ બાપને કહ્યું કે બેન્કના અકાઉન્ટ ના તળિયા દેખાય છે તો શું કરશું ? ચોર્યાસી વર્ષના શાંતિભાઈ માટે આવી કડવી વાસ્તવિકતા પચાવવી અઘરી હતી ,અહમ ભૂલ સ્વીકારવા તૈયાર ન હતું પણ દિલ અફસોસ કરતુ હતું કે ભાનુ ને તેમણે રાખી હવે શાંતિભાઈ ની પરવશતા અને પાછલી જીદગીનો પોતાનો સંતાનો સાથે નો વહેવાર.. વ્હીલ ચેર નો કિચુડ કિચુડ અવાજ તેમના અહમને ચુરતો હતો શરીર ની પરવશતાએ તો હવે તેમનું નવું ટકા સુખ છીનવી લીધું હતું અત્યાર સુધી શાંતિભાઈ પાસે સંપત્તિ હતી પણ હદયથી હમેશા દરિદ્ર જ રહ્યા હતા પહેલા શારીરિક રીતે તંદુરસ્ત હતા પણ તેમના વિચારો એ તેમના જીવનને મંદુરસ્ત બનાવી દીધું હતું અને હવે એમાં પરવશતા ઉમેરાઈ હતી. રુઆબથી માંગેલો પાણીનો પ્યાલો હવે ભાનુ પાસે લાચારી થી માંગવો પડતો

એક દિવસ તેમણે તેમની ડીપોઝીટો અને તેની રીન્યુઅલ તારીખો જોવા ભાનુ બેન પાસે નોટ્બુક માંગી. ભાનુ બેન ને મોટો આંચકો આવ્ય હોય તેમ પુછ્યુ “હેં બાપા હું કહું છુ તેનો ભરોંસો નથી બેસતો?” લલિતા કહેતી હતી કે બેંકોમાં એફ ડી એવી રીતે ગોઠવાઇ છે કે પૈસા કદી ના ખુટે અને તું કહે છે કે તળીયુ દેખાય છે તેથી ક્યાં ભૂલ છે તે જોવું તો પડેને? બાપા તે સાયકલ તો ભાંગી ગઇ ડોક્ટરની વિઝીટો, નર્સો અને દવાનાં પૈસામાં વ્યાજ તો ચવાઇ જતું પણ મૂડી પણ તુટતી..અને કામ્વાળા અને નર્સોનાં પગાર.. આ હજામ અને છાપાવાળા અને દુધ્વાળાને એમ પરચુરણ તો જેવી હજારની નોટ ખુલે અને ચાંઉ થૈ જાય..આ તો મારો કેર ટેકર તરીકેનો પગાર નથી લેતી તેથી આટલું ચાલ્યુ.. શાંતિભાઇને આંચકો આવતો આવતો રહી ગયો. તો પછી તો તમે અહીં રહો છો તેનું ભાડુ મારે ગણવાનું ને?” હવે આ ઝટ્કો ભાનુ બેન ને લાગ્યો.. તે બોલી “હા.હું એ ભુલી ગઇ હતીકે તમે મારા પણ બાપ છો..તમારામાં થી જ મારી આ કૂટીલતા આવી છે.” “અને હા ભાનુબેન મેં એ પણ જાણી લીધુ છે કે મારી એફડી માં તમારું નામ બીજુ હતુ તેને પાવર ઓફ એટર્ની થી બદલીને પહેલુ કરી નાખ્યુ છે તેથી વ્યાજ સીધુ તમારા ખાતામાં જાય છે. આમ બધો ખર્ચો એફ્ડી તોડીને કરો છો અને વ્યાજ તમે ખાવ છો..એમ કેમ ચાલે? કેતને કદી આવું કર્યુ નથી” ભાનુબેન ને હતુ કે બાપુજી બાપુજી કરીને ભોળવી જઇશ પણ શાંતિભાઇ ભોળવાય તે વાતમાં માલ નહીં તેઓ નિયમિત ડાયરી લખતા જે લખવા પછી લખાતી બંધ થઇ..પણ હવે ગુંગળામણ શબ્દો બની બહાર આવતી થઇ અને તેથી આવી સરખામણી થઇ ગઈ “કેતન સારો હતો તો એને જ રાખવો હતોને? મને શું કામ વહીવટ સોંપ્યો?” “ભાનુ તે વહેવારમાં ચોખ્ખો હતો..અને તેણે કદી કશું મને પુછ્યા વિના કર્યુ નહોંતુ.. હા એ વાત જુદી છે કે મારા ઉપર ખાણી પીણી ની સખતાઇ હતી.. પણ તે મારા હીત માટે હતીને? આ સુગર વધી ના હોત અને આ ખાટલો પણ પકડવો ના પડ્યો હોત…” “ બાપા આ સારુ નથી.. જશ ના આપો તો કંઇ નહીં પણ આ કેતન નાં નામે મને જુતીયા તો ના મારો…” “ જો હું બાપ છું મારે માટે પાંચેય બાળકો સરખા.. અને જે અહીં નથી તે મારા સંતાનો નથી તેવું મા્નવુ અજુગતું છે.” “તો બાપા બોલાવી લો ને તેમને તમારી સેવા કરવા માટે…” “ હા તેમ જ કરીશ..પણ હવે આ તારો તોછડો વહેવાર મારાથી સહન થતો નથી..એક તો કોઇ કામ વાળી તારાથી ટકતી નથી અને તારાથી થતું નથી તે તબક્કામાં મારે જ કંઇક રસ્તો કાઢવો પડશેને? “ બાપા તમે માનોછો તેવા કોઇ સીધા નથી.” ભાનુ નો અવાજ શાંતિભાઇનાં મગજમાં પડઘાતો હતો…. પૈસા ચાંઉ કરીને હવે તેણે જે જુલમ નો દોર શરુ કર્યો હતો તેનાથી ત્રાસીને તેમના અંતર મનમાં એક વાત ઘર કરી ગઇ અને તે ઘરની દરેક બાબતો જણાવતી ડાયરીની ૪ કોપી કરી ચારેય બાળકોને મોકલી દેવી

 

લલિત શાંતિ કુંજ (૮) ડૉ.ઇન્દુબેન શાહ

Posted on September 18, 2013 by vijayshah

ભાનુ ખરેખરી મુંજાણી, બાપાના એકાઉન્ટમાં તળીયું દેખાવા લાગ્યું. અત્યાર સુધી બાપના પૈસે ખુદના મોજસોખ કર્યા, પોતાના પૈસા ની બેંકરનીસલાહ મુજબ સરકારી બોન્ડ, ફીક્ષ ડીપોસીટ, સ્ટૉક વગેરેમાં ગોઠ્વી દીધા. અને બાપા કંઇ બોલે તો, ભાનુ સ્ત્રી ચારિત્ર ભજવે “મારું કોણ!? હું સાવ એકલી વર ઘર વગરની એટલે બધા ભાઇ બેન અને હવે તમે પણ મને દબાવો છો અને માંડે રોવા કકળવા “તમે મને એકલી મૂકી જતા રહ્યા,મારા લલીબાને મદદ કરવા પિયર આવી એ પણ જતા રહ્યા મારી ફરિયાદ સાંભળવા કોઇ નથી, હે ભગવાન હવે તું મને જલ્દી મારા એ અને મારા લલી બા પાસે ખેંચી લે”. બાપા ભાનુના ભવાડાની બીકે ચુપ થઇ જાય.આમ ભાનુ રોતી જાય ને ઘર રખવાળતી જાય.

હવે તો ૨૪ કલાકની આયા પણ બંધ થઇ, રોજ સવારે બે કલાક બાઇ આવે બાપાને સાફ કરે તેમનો બેડ ચોખ્ખો કરે ચાદર બદલાવે, બાપાને બ્રસ કરાવે નવડાવે કપડા પહેરાવે તૈયાર કરી વ્હીલ ચેરમાં બેસાડે. રસોઇ કરવા વાળા બેને પણ ભાનુની કચકચથી ખાડા પાડવા શરુ કરી દીધેલ.આજે પણ આવેલ નહીં.ભાનુનો કુકડો હંમેશ મોડૉ બોલે, બાપા તૈયાર થઇને આવી ગયા,ભનુબેને જલ્દી જલ્દી બાપાને સાંજની ભાખરી અને ચા ધરી દીધા.”બાપુજી આજે મારાથી ગરમ પરોઠા અને શાક નહીં થાય, મારી કમર દુઃખે છે.આજે હું આજથી સ્વામી નારાયણનું ટીફીન બંધાવી દઉ છુ..

“હા આ ઉંમરે મારે બહારના ટીફીન ખાવાનો વારો આવ્યો.”

“તો હું શું કરૂં? મારી ઉંમર થઇ તમારી ચાકરી કરવા વાળી હું એકલી. મને થાક લાગે ને? તમારા ત્રણ દીકરા, ત્રણ વહુઓ અને મોટી દીકરી બધા પરદેશમાં લીલાલેહર કરે છે.અહીં હું એકલી, કોઇ દીકરા કે વહુના ફોન તમારી ખબર પુછવા માટે આવે છે? ચંપાબેન લાગણી વાળી છે તે ફોન કરે છે.બાપની લાગણી દીકરીને જ થાય ને.પણ અહીં તો જસને સાટે જુતિયા જ મળે છે.” ભાનુબેને સ્વભાવ પ્રમાણે બાપાની કાન ભંભેરણી શરુ કરી દીધી.

શાંતિભાઇને ભલે લકવા થયો પરંતુ તેમની યાદ શક્તિ હજુ બરાબર હતી.ડાબા હાથે તેઓ ફોન જોડી શકતા, ડાયરીના પાના ઊથલાવી શકતા વાંચી શકતા. શરીરનું એક અંગ નબળુ પડે તો બીજુ અંગ તેનુ કામ ઉપાડી લે તે કુદરતી નિયમ છે. શાંતિભાઇ હોશિયાર અને મિજાજી વ્યક્તિત્વવાળા, એટલે તેમના ડાબા અંગને કેળવાતા વાર નહીં લાગી. એમણે ખારુ શાક અને જાડા પરોઠા જોયા પછી નિર્ણય લઇ લીધેલ તેનો અમલ કર્યો ચાર કવર તૈયાર કર્યા, માલિશ કરવા બાબુભાઇ આવ્યા ત્યારે તેમને આપ્યા.”બાબુભાઇ આ ટપાલ જેમ બને તેમ જલ્દી પહોંચાડવાની છે.”

“બાપૂજી આંગળીયા સર્વિસ રોજ લંડન, અમેરિકા જાય છે.લંડન ૨૪ કલાકમાં અને અમેરિકા ૪૮ કલાક્માં મળી જશે.

“સરસ”,

બાબુભાઇ શાંતિભાઇના વિશ્વાસુ જુના માણસ, માલિશ કરવા વર્ષોથી આવે છે, શરૂઆતમાં શાંતિભાઇ પૈસાવાળાના શોખ ખાતર માલિશ કરાવતા પછી,ડાયાબીટીશને કારણ પગના દુઃખાવામાં રાહત મળે માટે કરાવતા,અને હવે તો માલિશ ડોકટરની સલાહ મુજબ લકવાની સારવારમાં અનિવાર્ય થઇ ગયો. ઘણીવાર બાપૂજી જમણા હાથ પગના માલિશ વખતે બૂમો મારે “બાબુડા જમણાને મુક પડ્તો એતો નકામો છે ઉલ્ટો મારો દુઃખાવો વધારે છે, જે સારો છે તેને મજબુત કરને”,”બાપૂજી મને ખબર છે હું તમને દુઃખાવો આપુ છું પણ તે તમારા સારા માટે છે, આપણે જમણાને પણ ડાબા જેવો બનાવવાનો છે.”બાપૂજીને કેતન અને કલમ યાદ આવી જતા બાપૂજી સુકુ ફીકુ ખાવાનું તમારા સારા માટે છે અને તેમની આંખમાં આંસુ આવી જતા,

“ બાપૂજી બહુ દુઃખે છે મૂકી દઉં?” ના ના ભાઇ તમે જે કરો છો તે મારા લાભ માટે કરો છો ચાલુ રાખો આ તો મને કેતન અને ક્લમ યાદ આવી ગયા તેમની વાત માની હોત તો મારી આ દશા ના થઇ હોત”.

ભાનુએ શનિવારે સમય જોઇને ફોન જોડ્યો સૌથી પહેલા મહેશભાઇને કર્યો, આમેય સૌથી મોટાભાઇ,અને કેતન પણ તેમના જ ઘેર હશે એટલે બન્ને ભાઇઓ સાથે વાત થઇ જશે, મહેશભાઇએ ઉપાડ્યો ,’હલ્લો “

“મોટાભાઇ હું ભાનુ. કેમછો? ત્યાં બધા મજામાં?”

“હા અમે બધા મજામાં, બાપા કેમ છે?”

“બાપાને તો લીલાલેહર છે તેમનો સમય સાચવવામાં હું થાકી જાઉ છું ,લલીબા તેમનો પડ્યો બોલ ઝીલતા હતા તેમ જ હજુ છે, વ્હીલ ચેરમાં ફર્યા કરે અને હુકમ કર્યા કરે, તેમના ખર્ચા વધતા જાય છે. હજામ આવે માલીશવાળો, કસરત કરાવવાવાળો. સવાર સાંજની બાઇ, વ્યાજમાંથી ઘરનો ખર્ચ માંડ નીકળે છે, હવે તો મુડી પણ ઑછી થઇ ગઇ છે , તમારે ત્રણે ભાઇઓએ દર મહિને ખર્ચ મોકલાવવો પડશે, નહીં તો ઘર વેચવાનો વારો આવશે.”

ભાનુ તો એક શ્વાસે બોલી ગઇ,આમેય રોદડા ને ત્રાગા કરવામાં તો તે પાવરધી છે.

“ભાનુ બેન તમે આ બધો હિસાબ મોકલાવો અને બેંકના સ્ટેટમેન્ટ મોકલાવો બાપુજીની મુડી ઘણી છે,અને લલીબાએ જે રીતે ફીક્ષ ડીપોસિટ કરેલ છે તે મુદતોને હજુ વાર છે, આમ ખાલી ના થાય.”

“તમને મારા પર વિશ્વાસ નથી? અહીં આવોને જુવો કે કેતનને પૂછો,કેતનને તો બધુ ખબર છે.” મોટાભાઇએ કોન્ફરન્સ બટન દબાવી દીધેલ બન્ને ભાઇઓ ભાનુનો કે બાપૂજીનો ફોન આવે ત્યારે કોન્ફરન્સ પર સાંભળી લેતા, કલમને તો હવે ભાનુની વાતમાં કોઇ રસ ન હતો માંડ સસરા નણંદના ત્રાસમાંથી છૂટેલ.

“કેતન એના કામમાં છે હું એને જણાવી દઇશ તારે એને ફોન કરવાની જરૂર નથી.”

કેતનને તો ખબર જ હતી આ સ્થિતી આવવાની જ છે. બેઠા બેઠા ખાધા કરો તો કુબેરના ભંડાર પણ ખૂટી જાય..

ભાનુએ હવે કમલેશને ફોન કર્યો “હલ્લો”

“ હલ્લો કમલેશભાઇ ઇન્ડીયાથી ભાનુ બોલુ છું બધા મજામાં ?”

“અમે મજામાં, જેવા તમે જોયા હતા તેવા જ, તમારી શારીરિક તથા આર્થિક સમૃધ્ધિમાં કેટલો વધારો થયો?“

“કમલેશ તું તો બધી વાતને મજાકમાં જ ઉડાવે છે? રડતા રડતા “મારુ શરીર તને શું નડે છે?હું અત્યારે ખૂબ મુંજવણમાં છું બાપૂજીની મુડી તેમની સારવારમાં વપરાઇ ગઇ છે તમારે ઘર બચાવવા દર મહીને પૈસા મોકલાવવા પડશે”

…”ભાનુબેન હવે તમારે આ કંઈ કહેવાની જરૂર નથી બાપૂજીને તમે સાચવો, બાપૂજીએ તમને ઘર અને તેમને સાચવવા રાખેલ ને?””ભાનુ શું જવાબ આપે પણ એમ ભાનુ પાછી પડે!”!હા હા એટલે તમારી કોઇ જવાબદારી જ નહીં” સામે કોઇ હોય તો સાંભળે કમલેશે તો ફોન જ મુકી દીધેલ.

હવે છેલ્લો પાસો ચંપાબેન, “ચંપાબેન મોટા છે સાચી સલાહ આપશે, વિચારી ભાનુએ ફોન જોડ્યો

હલ્લો” હલ્લો ચંપાબેન કેમ છો હું ભાનુ બોલુ છું’ “બાપૂજી કેમ છે?”

“બાપૂજી તો એકદમ મજામાં છે મારી તબિયત ઘસાતી જાય છે,બાપૂજીને સાચવવાના અને પૈસાની ચિંતા, બાપાના પૈસા બધા ખલાસ હવે ઘર વેંચવું પડશે”.,

“તો ઘર વેંચી બાપૂજીને ઘરડા ઘરમાં મુકી દે તું એક રૂમ રસોડામાં રહેવા જતી રહે, અડધી રાત થઇ મારે વહેલા જોબ પર જવાનું છે બાય”.

“આ પરદેશવાળાને બાપની કાંઇ પડી છૅ!! એકને હિસાબ જોઇએ, કેતન તો વાત પણ નથી કરતો, અને કમલેશને તો જાણે કોઇ સાથે સંબંધ જ ના હોય!! હવે મારે જ રસ્તો કાઢવો પડશે ,

હું જ મુર્ખી લલીબા ને બાપાની વાતમાં આવી મારુ ભરૂચનું ઘર વેંચી અહીં રોકાય ગઇ..

,હા યાદ આવ્યું મારી બહેનપણી ભરૂચમાં વકીલ છે તેને સવારે ફોન કરું મને જરૂર સલાહ આપશે, મારે હવે બાપાનું વિલ બદલાવી ઘર મારા નામ પર કરાવવું પડશે ,ભાનુની બુધ્ધી તેના શરીર સાથે જાડી થઇ રહી છે તેને તો બસ કેમ બાપાનું બધુ પચાવી પાડવું તેના જ રાત દિવસ વિચાર.

સવાર પડી આજે કામ કઢાવવાનું હતુ એટલે બાપાને ગરમ ઢોકળા નાસ્તામાં ઉતારી આપ્યા,સાથે ખીર બનાવી આપી.બાપૂજી ખૂશ થયા ઘણા દિવસે ભાવતો નાસ્તો મળ્યો.”ભાનુ બેટા અહીં બેસ મારે તને વાત કરવાની છે, ઘણા વખતે બાપૂજીના મુખેથી બેટા શબ્દ સાંભળી ભાનુબેન મનમાં પોસરાયા ચારે જણા છોડી પરદેશ જતા રહ્યા, હું જ એક સંતાન તેમની સેવા કરું છું એની બાપાને આજે ખબર પડી. ભાનુબેન બાપા પાસે બેઠા,બોલો બાપૂજી “ભાનુ હવે હું ખર્યું પાન ક્યારે શું થાય કહેવાય નહીં ,…”

“ બાપા તમને કશું થવાનું નથી હું બેઠી છુંને?’

“ હા તે તો છે પણ છાપામાં આજ કાલ ઘણું વાંચુ છું કે છોકરાઓ માબાપ મર્યા પછી બહેનો નું ધ્યાન રાખતા નથી. તેથી વકીલને બોલાવી આ ઘર માં પાંચેયનાં સરખા ભાગ કરી દઉ…આમ તો તમને લગ્ન વખતે પલ્લાનાં રુપમાં તમારો ભાગ આપી દીધોછે.. છતાય મારે માટે તો પાંચેય સરખા..”

“ પણ બાપા સેવા તો હું એકલી કરુ છું ને?”

“ હા તેટલે તો આ વિચાર કર્યો છે. પરદેશથી આવીને તેઓ તો મકાન વેચી નાખશે ત્યારે તમારું શું?”

“ના બાપા તમે સારા હતા ત્યારની અને આજની વાત જુદી છે..આજે તમારી જાળવણી કઠીન છે.”

“ભાનુ બેન તમે નહીં માનો પણ મને લાગે છે કેતન અને કલમ સાચા હતા .. તેઓનો ખાવ ઉપરનો કડપ સાચો હતો..તેઓ અહી હોત તો કદાચ હું ખાટલે ના પડ્યો હોત!”

“એટલે બાપા તમે એમ કહેવા માંગો છો કે મેં તમને લખવા કર્યો?”

“ હા અને તમે વહીવટ એવો વિચિત્ર કર્યો કે પાંચેય ભાઇ બહેનો નો ભાગ ઓળવવા માંડ્યા..”

“એટલે?”

“એટલે એ જ કે તારી સેવાઓ સ્વાર્થી છે. તું જે કરી રહી છો તે બીજા સહોદરોને નુકશાન કરી રહી છું.”

“ અહીં હું તમારું સાચવવા તુટી મરું છું અને તમે મને મારા કામ નો આ શિરપાવ આપો છો?”

“ જો કામવાળા ને ભરોંસે અને ટીફીનો મંગાવીને રહેવું હોય તો મને તારી જરુર જ ક્યાં રહી? તને ઘરે રાખી ત્યારે બાપની લાગણી કામ કરતી હતી તે લાગણીઓને સમજવાને બદલે તેંતો સીધો મારા પૈસે જ રાજ્પાટ ભોગવવા માંડ્યો.. આ મકાનમાં તો ખરેખર તારો ભાગ જ ના હોય.. પહાડ માન મારો કે હું તને પણ કરોડ રુપિયા આપવાની વાત કરું છુ.”

ભાનુ થી બાપાની આવી વાતો પચતી નથી અને એક્દમ ખુન્નસથી ભરેલી આંખે તે બોલી.. “બાપા તમને મારી તો પડેલી જ નથી. મારી વાત તો સાવ સીધી છે જે સેવા કરે તે મેવા ખાય.”

“એટલે?”

શાંતિભાઇનું ગળચુ પકડીને દબાવતા જોર થી બોલી “ મકાન તો તમારે મારે નામે જ કરવુ પડશે…”

પક્ષઘાતી શરીર ઝાઝો સામનો ના કરી શક્યુ અને “ ભલે મારી મા તુ કહીશ તેમ કરીશ..” અને નવું વીલ બન્યુ જેમા ભાનુ મકાન ની ઉત્તરાધીકારી હતી

આ ઘટના બની રહી હતી ત્યારે અર્જુન નાં ઘરે કેતન વાત કરતો હતો અને તેને અંદેશો હતો કે આવું કંઇક થશે..તો શું કરીશું

અર્જુન કહે તમે ચારેય જણા અત્યારથી મકાન ટ્રાન્સ્ફર ઉપર સ્ટે મુકાવી શકો છો.વીલનાં આધારે મકાન ટ્રાન્સ્ફર થતા મહીનો તો નીકળી જાય..ને વીલ તો શાંતીકાકાનાં મૃત્યુ પછી અમલમાં આવે.

← “વિંછીનો ડંખ”-બીજો પ્રભુલાલ ટાટારીઆ’ધુફારી

‘વિંછીનો ડંખ’-છેલ્લો –પ્રભુલાલ ટાટારીઆ’ધુફારી’ →

લલિત શાંતિ કુંજ-પ્રકરણ-૯ -શૈલા મુન્શા

Posted on September 26, 2013 by vijayshah

ભાનુ નુ એ રૌદ્ર સ્વરૂપ જોઈ શાંતિભાઈ હેબતાઈ ગયા. આટલું જોર અને આટલો ગુસ્સો શા કાજે? શું ઓછું છે એની પાસે? અને કોને માટે આ ઉધામા? શાંતિભાઈ ખુબ ગભરાઈ ગયા. શરીર તો કમજોર થઈ ગયું હતુ. “આજે ગળચી પકડી છે, તો કાલે તો મને ક્યારે મોતને ઘાટ ઉતારી દેશે એનો કાંઈ ભરોસો નથી.”

બીજે જ દિવસે એમણે વકીલને બોલાવી નવું વીલ બનાવડાવ્યું, પણ ભાનુબેન હજી એમના બાપા ને ઓળખતા નહોતા. શાંતિભાઈ આમ તો જમાના ના ખાધેલ માણસ.દેશ દેશાવર મા વેપાર કરી અનુભવનુ ભાથું ભેગું કરેલ.ફક્ત ભાનુ નુ વૈધવ્ય અને લલિતા બા નુ મૃત્યુ એ બે સંજોગો એ એમને ભાનુ ની વાતોમા આંધળો વિશ્વાસ મુકતા કરી દીધા. ભાનુ ની ચડવણી એ છેવટ કેતન અને કલમને લંડન જવા મજબુર કર્યા. વકીલ ને જ્યારે વીલ બદલવા બોલાવ્યો ત્યારે સાક્ષી તરીકે અર્જુનને પણ સહી કરવા શાંતિભાઈ એ બોલાવેલ. અર્જુન કેતન નો ગાઢ મિત્ર, અને કેતને પોતાની ગેરહાજરીમા શાંતિભાઈ નુ ધ્યાન રાખવાની જવાબદારી અર્જુન ને સોંપી હતી. અર્જુન પણ શાંતિભાઈ નુ પોતાના પિતા હોય એમ જ ધ્યાન રાખતો. અવાર નવાર બન્ને મિત્રો ફોન પર વાત કરતા, અને અર્જુન કેતન ને શાંતિ કુંજ ની રજેરજ માહિતી આપતો રહેતો. ભાનુ નુ સ્ત્રિયા ચરિત્ર અને હિસાબના ગોટાળા થી બધા ભાઈ બહેન માહિતગાર હતા, માટે જ જ્યારે ભાનુએ બધાને મદદ માટે ફોન કર્યા તો કોઈએ સરખો જવાબ ના આપ્યો. જે દિવસે ભાનુબેને બાપાની ગળચી દબાવી મકાન પોતાના નામે કરવા કહ્યું એ જ વખતે કેતન લંડન થી અર્જુન સાથે વાત કરી રહ્યો હતો. મહેશભાઈ અને કેતન ને અંદેશો હતો કે ગુસ્સાની મારી ભાનુ કોઈ અજુગતું પગલું ભરશે. જ્યારે બીજી બાજુ હેબતાયેલા શાંતિભાઈ પથારીવશ અવસ્થા મા વિચારે ચઢી ગયા. લલિતાબા ની યાદ હવે એમની આંખો મા પરવશતા ના આંસુ બની ટપકતી હતી. જુવાની અને જીંદગીભર ની આદતો હવે વીંછી ના ડંખની જેમ ડસતી હતી. જ્યાર થી વડોદરા રહેવા આવ્યા અને કેતન અને કલમ સાથે રહેવા માંડ્યુ ત્યારે શાંતિભાઈની આદત કે ભોજનની થાળી મા કાંઈ ઓછુ હોય તો થાળીનો છુટ્ટો ઘા કરે. લલિતા બા ની હાજરીમા તો ઝટ ના થાય પણ રસોયણ બાઈ ની ભુલ તો આવા ગુસ્સા નો ભોગ જરૂર બને. શાંતિભાઈ જ્યારે સારા મુડમા હોય ત્યારે લલિતાબા એ કંઈ કેટલીય વાર શાંતિભાઈને સમજાવ્યા હતા. લલિતા-“તમે થોડી ધીરજ ધરો. આ પાંચ બાળકો સાથે પણ તમારો પડતો બોલ ઝીલી તમારી બધી સગવડ મે સાચવી છે. આફ્રિકા હોય કે લંડન હોય ક્યારેય તમને ફરિયાદ નો મોકો નથી આપ્યો.એક પછી એક દિકરા દિકરી પરણી ગયા અને પોત પોતાના માળા મા ગોઠવાઈ ગયા.આપણે લંડનથી વડોદરા આવી ગયા. કેતન સૌથી નાનો પણ ડાહ્યો અને સમજુ અને વળી વહુ પણ એવી જ સંસ્કારી મળી જે આપણને માબાપ ગણી આપણુ બધી રીતે ધ્યાન રાખે. કેતન કે કલમ ના વિચારો કે ખાવાની પધ્ધતિ આજના જમાના પ્રમાણે જુદી હોઈ શકે, પણ તમારું ભાણું સાચવવામા ક્યારેય કચાશ નથી રાખી. કલમ ઘણી ડાહી છે. નોકરી કરે છે તો પણ આપણુ પુરતું ધ્યાન રાખે છે. જમાનો બદલાતો જાય છે માટે જમાના ને અનુરૂપ જીવશો તો ક્યારેય વાંધો નહિ આવે.” અત્યારે શાંતિભાઈની આંખો ડબડબી ઊઠી .કેતન તો પોતાનો દિકરો હતો પણ કલમ વહુ થઈને પણ હમેશ પોતાની કેટલી કાળજી લેતી હતી. પોતે જ પોતાના પગ પર હાથે કરી કુહાડો માર્યો હતો, ભાનુ ની ચડવણી મા આવી કલમ ને કંઈ કેટલુંય ભલુ બુરૂં કહી નાખ્યુ, અને અંતે કેતન અને કલમને આ ઘર છોડી લંડન જવા મજબુર કર્યા. આજે જીવતા જીવ પોતાનુ મકાન ભાનુના નામ કરી આપવું પડ્યું અને લાચાર પરવશ અવસ્થામા જીવવાનો વારો આવ્યો. પોતે લકવાની લાચારીમા પથારીવશ થયા અને ભાનુ એ કોણ જાણે પાવર ઓફ એટર્ની નો ઉપયોગ કરી ફીક્ષ ડીપોઝીટ બેંકના પૈસા વગેરે મા શુ ઘાલમેલ કરી આજે મને નોધારો કરી દીધો. પોતે આટલા વર્ષોમા ભાનુને ઓળખી કેમ ના શક્યા? સાસરીમા ક્યારેય સમાણી નહિ, જમાઈ ભાસ્કર ક્યારેક વાતવાતમા ભાનુના ગુસ્સાની વાત કરતા ત્યારે પોતે દિકરીના બાપ તરીકે હમેશ જમાઈ ની જ ભુલ જોતા. ભાનુના સ્વાર્થીપણાને એની અસલામતી સમજતા કે ભાનુને બાળક નથી માટે એનો સ્વભાવ આવો થઈ ગયો છે. ભાનુ નુ અસલી રૂપ હવે જોવા મળ્યું. આજે એણે પોતાનુ પોત પ્રકાશ્યું. એકલો જીવ હોવાં છતા પોતાની મુડી સલામત બેંક ફીક્ષ મા રાખી અને બાપના પૈસા પણ ધીરેધીરે ઉચાપત કરી બાપ ની મિલ્કત તળિયા ઝાટક કરવા બેઠી. પૈસા નથી નુ ગાણુ ગાઈ ધીરે ધીરે નર્સને રજા આપી દિધી. કામવાળી બાઈ ની જરૂર નથી કરી એને પણ કાઢી મુકી.બાપ નો ઝાડો પેશાબ સાફ કરવા માટે આયા હતી તેને કાઢી અને હું બેઠી છુ ને બાપા કહી બધા કામની જવાબદારી પોતે હાથમા લીધી. પોતે જીવનભર કોઈ કામ કર્યું નહોતું એટલે ભાનુ બધે પહોંચી વળતી નહોતી અને છેલ્લે બધો ગુસ્સો શાંતિભાઈ પર ઉતરતો. દિવસે દિવસે ભાનુબેન ની લાપરવાહી વધતી ચાલી. શાંતિભાઈ નુ ડાઈપર બદલવાનુ થયું હતુ, ક્યારના એ ભાનુને બુમ પાડતા હતા પણ ભાનુને સમય નહોતો. કામ તો કાંઈ કરતી નહોતી બસ જરા આડી પડી હતી પણ હવે તો એને બાપની કાંઈ પડી નહોતી જે જોઈતું હતુ એ તો એને મળી ગયું હતું. લલિત શાંતિ કુંજ એના નામે થઈ ગયું હતુ, હવે બાપા જીવે કે મરે એમા એને જરાય રસ નહોતો. શાંતિભાઈ બુમો પાડી પાડી ને થાકી ગયા. પરવશ પણે સામે ની ભીંત પર ટિંગાતા લલિતા બા ના ફોટાને જોઈ રહ્યા. મન ભુતકાળ ની યાદોમા ગોતા ખાતું રહ્યુ. લલિતા બા એ કેટલા હોંશ થી આ મકાન બનાવડાવ્યું હતું. મકાન ની આસપાસ ફળ ફુલો નો બગીચો મકાન ની શોભામા વધારો કરતો અને વરંડાનો હિંચકો એમના સુખ દુઃખ નો સાથી હતો. કેવો એમનો ઠસ્સો હતો અને વડોદરામા એમના શાંતિ કુંજની વાહ વાહ હતી. શાંતિભાઈ ની આંખના આંસુ સુકાતા નહોતા.અત્યારે એકલતા ની સાથી એમની ડાયરી હતી. મન નો પ્રકોપ, હૈયા મા થી નીકળતા નિઃસાસા બધું એમા શબ્દ રૂપે અવતરતું. ભાનુબેન ના કાળા કારનામા નો બધો ચિતાર એ ડાયરી મા હતો.શોખ મા શરૂ કરેલ ડાયરી લખવાની પ્રવૃતિ અત્યારે એમનો એક માત્ર સહારો હતો. મનનો બધો ઉભરો એમા ઠલવાતો અને મન થોડું હળવું થતું. જ્યારે ન રહેવાયું ત્યારે છેવટે આ બધી વ્યથા પરદેશ રહેતા એમના સંતાનો ને લખી જણાવી. ભાનુબેનને ખબર નહોતી કે શાંતિભાઈ થોડા દિવસ પહેલા પોતાની વ્યથા પત્ર મા લખી પરદેશ રહેતા એમના સંતાનો ચંપાબેન, કમલેશભાઈ, મહેશભાઈ અને કેતનને પોતાના વિશ્વાસુ માણસ બાબુભાઈ ને એ ચાર પત્રો આપી તાબડતોબ પોસ્ટ કરાવી હતી. એટલે જ તો જ્યારે ભાનુબેને બધાને મદદ માટે ફોન કર્યો ત્યારે કોઈએ સરખો જવાબ ના આપ્યો. ઉપરાંત કેતને તરત જ અર્જુન ને વાત કરી વકીલની સલાહ લેવા કહ્યું. જ્યારે નવું વીલ બનાવવાની વાત આવી ત્યારે ભાનુબહેન સાતમા આસમાને વિહરતા હતા. બસ હવે તો બાપા નુ મકાન મારૂં થઈ ગયું અને હું એને વેચી કરોડોની માલિક થઈ જઈશ અને રાણી ની જેમ રાજ કરીશ. ભાનુને શાંતિભાઈ ની આવડત અને ચતુરાઈ નો અંદાજ નહોતો. કાનુની દાવપેચની બહુ જાણ નહોતી. સોસાયટી રજિસ્ટ્રેશન વિધી ની કાંઈ ખબર નહોતી. જ્યારે ભાસ્કરભાઈ, ભાનુ ના પતિ ગુજરી ગયા અને ભરૂચનુ મકાન વેચવા ની વાત આવી ત્યારે કેતન અને અર્જુન હતા એમણે બધી કાનુની કારવાઈ પતાવી હતી. ભાનુબેન ને તો કહ્યું ત્યાં સહી કરી દીધી હતી અને એમના પૈસા ફીક્ષ ડિપોઝીટમા ગોઠવાઈ ગયા હતા એટલે અત્યારે જ્યારે લલિત શાંતિ કુંજ પોતાના નામે કરવા બાપાની ગળચી દબાવી ત્યારે એના શું પ્રત્યાઘાત આવશે એનો ભાનુ ને કોઈ અંદાજ નહોતો. શાંતિભાઈ ના શરીરે લકવો થયો હતો મગજ ને નહિ.ભાનુ ને હવે બાપા ની બુમો ની કાંઈ પડી નહોતી.શાંતિભાઈ ને ભુખ લાગી હોય કે એમનુ ડાઈપર બદલવાનુ હોય, ભાનુ ના નાટક શરૂ થઈ જાય. રડી ને બાપાને જાણે એ ગુનેગાર હોય એવો અહેસાસ કરાવવો,પોતાના રોદણા રડવાં એ રોજનુ થઈ ગયું. એક દિવસ શાંતિભાઈ ને બાબુભાઈ વ્હીલચેર મા બેસાડી બગીચામા આંટો મારવા લઈ ગયા હતા અને ભાનુ બેન પથારી ની ચાદર સરખી કરવા શાંતિભાઈ ના રૂમમા ગયા. અચાનક ચાદર ખંખેરતા એક ડાયરી નીચે સરકી પડી. આમ તો કાયમ શાંતિભાઈ એ ડાયરી જીવની જેમ સાચવતા અને કોઈના હાથમા ના આવે એનો પુરો ખ્યાલ રાખતા પણ જ્યારથી નવુ વીલ બન્યુ હતું ત્યારથી શાંતિભાઈ મનોમન ભાંગી ગયા હતા,ભુલવાની આદત વધી ગઈ હતી. જીવન પ્રત્યે જાણે વૈરાગ આવી ગયો હતો, મૃત્યુ ઝટ આવે એની દિનરાત પ્રાર્થના કરતાં, એમા આજે રૂમની બહાર નીકળતા પહેલા ડાયરી ઓશિકા તળે રહી ગઈ. ડાયરી જોતાં જ ભાનુબેન ની જીજ્ઞાસા જોર કરી ઊઠી. એવું તે શું છે આ ડાયરીમા કે બાપા મારાથી સંતાડી પોતાના ઓશિકા નીચે છુપાવી રાખે છે? બધાં કામ પડતાં મુકી ભાનુબેને ડાયરી નુ એક પાનુ ખોલ્યું. “કેતન હવે નથી સહેવાતું, કેવી ભયંકર ભુલ મારાથી થઈ ગઈ તને અને કમલ વહુને ઓળખવામા. તમે હમેશ મારૂં હિત ઈચ્છ્યું, મારી તબિયત સુધારવા યોગ્ય ખોરાક આપવાની કોશિશ કરી અને મે ભાનુ ની ચડવણી મા આવી જઈ તને અને કમલ વહુને ન કહેવા જેવા શબ્દો કહી નાખ્યા, તારૂં જન્મ પ્રમાણ પત્ર સંતાડી રાખ્યું જેથી તું લંડન ના જઈ શકે. ભાનુ મારી સગી પુત્રી અને તુ ય મારો સગો પુત્ર પણ મે ભાનુ ના ખોટા દેખાડા પર વિશ્વાસ મુકી બધો પાવર ઓફ એટર્ની એને સોંપ્યો અને એણે મારી હાલત એવી કરી કે મને મારવા સુધી પહોંચી ગઈ. ધિક્કાર છે મને મારી જાત પર. એને દિકરી કહેતા પણ હું લાજી મરૂં છું, તારી બા તો નસીબદાર કે આ બધું જોવા ના રહી. ભગવાન મને આ યાતના મા થી મુક્તિ આપે એ જ વિનંતી રોજ પ્રભુ ને કરૂં છું.” મારી આ દર્દભરી કથા મે તમને સહુ ભાઈ બહેન ને પોસ્ટ કરી છે જેથી તમે ભાનુ ની વાતમા ભોળવાવ નહિ. ભાનુબેન ના હાથ મા થી ડાયરી સરી પડી. “બાપા શું મને આટલી બધી ધિક્કારે છે? મારા માટે એટલી નફરત કે મારા થી છુટવા ભગવાન પાસે મોત માંગે છે? ફક્ત બાપા જ નહિ હવે તો બધા ભાઈ બહેન મને નફરત કરતા થઈ જશે. થઈ જશે શું, થઈ જ ગયા છે માટે જ મારા ફોન નો કોઈ એ સરખો પ્રતિસાદ નથી આપતા.બાપાની આવી ધિક્કારભરી નજર નો સામનો કરવો એના કરતા તો હું જ ઘર છોડીને જતી રહું. મારે હવે અહિં રહીને શું કામ છે? ” બાપા કહેતા જ હતા કે ટિફીન નુ ખાવું અને નોકરો ના રાજમા રહેવું તો તારું શું કામ છે? ખરે જ શું આ બધું છોડી જતી રહું? ભાનુ વિચારો ના અસમંજસ મા અટવાતી રહી. શૈલા મુન્શા તા ૦૯/૨૫/૨૦૧૩.

 

લલિત શાંતિ કુંજ -૧૦ રાજુલ શાહ

Posted on September 29, 2013 by vijayshah

ભાનુ

એક્દમ જીદી અને અત્યંત સ્વાર્થી . નાનપણથી જ એ એના જ મનનુ ધાર્યુ કરવા વાળી. ઘરમાં સૌ ભાઇ બહેનો માટે આવતી વસ્તુમાં ય હંમેશા પોતાને જેમ બને એમ ભાગ વધુ મળે એવી જ તજવીજમાં રહેનારી. ક્યારેક તો લલિબા ય એના પર અકળાતા. હાયકારો નિકળી જતો અને ક્યારેક તો ફળફળતો નિસાસો નાખી ને શાંતિભાઇ પાસે રાવ નાખતા,

“ક્યાંથી આવી પાકી હશે આ છોકરી? આપણા ઘરમાં સૌ છોકરાઓને એક સરખા સંસ્કાર આપવામાં મેં તો કોઇ મણા રાખી નથી તો આ કેવી રીતે ઉણી ઉતરી? ”

પણ એ વખતે શાંતિભાઇને ક્યાં ફુરસદ હતી કે આવા બધા બખાળા સાંભળે ? પણ અત્યારે તો એમના ય મનમાંથી મણ મણના નિસાસા નિકળતા હતા કે એ વખતે લલિની વાત કાને ધરીને જળો ઉગતી જ ડામી હોત તો આવો વસમો વખત તો ના આવત ને? અરે ! ભાનુના વૈધ્યવ્ય પર પણ દયા રાખીને એને અહીંયા બોલાવી ન હોત તો ય આ કપરો સમય ન આવ્યો હોત ને? બાબુભાઇ સાથે વ્હીલ ચેરમાં નિકળેલ શાંતિભાઇના મન હ્રદય કે ચિત્તને ક્યાંય શાંતિ નહોતી વળતી. હમણાં હમણાંથી ભાનુ એમની સાથે જે રીતે વ્યહવાર કરતી હતી એના પરથી તો હવે પોતાના બાકીના દિવસો ય કેવી યાતનમાં પસાર થશે એ ભયે એમના તન-બદનમાંથી ભયનુ લખલખુ પસાર થઈ ગયુ.

“શું થયુ ભાઇ? ટાઢ વાય છે? ઘેર પાછા ફરવુ છે?” શાંતિભાઇની કમકમાટી જોઇને બાબુભાઇએ સહ્રદયતા થી પુછ્યુ ય ખરુ પણ

શાંતિભાઇ ડોકુ ધુણાવતા નકારો ભર્યો.

ઘર! કેવુ ઘર અને કોનુ ઘર? આ તો ઘર કહેવાય કે દોજખ? બધા કહે છે ને કે સૌ એ પોતાના કર્મોનુ ફળ અહીંયા જ ભોગવીને જવાનુ હોય છે. લલિ તો ભગવાન નો જીવ હતી તો સદગતિ પામી ગઈ પણ પોતે તો કોણ જાણે કેવા ય કર્મો કર્યા હશે કે એનુ આવુ ફળ ભોગવવા આમ સાવ જ પરવશ બનીને જીવી રહ્યા છે ? અને મનમાં તરત જ કેતન અને કલમ ઝબક્યા. કેટલા પ્રેમથી એમનુ ધ્યાન રાખતા હતા ? ખરા મનથી અને સાચા દિલથી એમની ખેવના કરતા હતા અને પોતે જે ડાળ પર બેઠા હતા એ જ ડાળ સ્વ હસ્તે કાપી નાખી હતી .

કેતન તો પોતાનુ લોહી હતુ પણ કલમ ? એ ક્યાં પોતાનુ લોહી હતી? અને તેમ છતાં ય નાની નાની વાતે એણે ય કેટલુ માન અને ધ્યાન રાખ્યુ હતુ ? અને પોતે ? બસ ભાનુની વાતમાં આવીને એને કોડીની કરી મુકી હતી ને? એવો તો કેવા કાચા કાનનો અને ડામાડોળ મનનો કે બસ ભાનુ એ કહ્યુ અને પોતે માની ય લીધુ? સહેજે ય પરિસ્થિતિ નો અંદાજે ય ના લીધો ? તો ભોગવ હવે તુ તારી જ ભુલનુ પરિણામ ભોગવ ” શાંતિભાઇ નુ દિલ અને દિમાગ હવે એક તાલે વિચારી રહ્યુ હતુ બસ હવે તો એક વાતની નિશ્ચિંતતા છે કે સારુ થયુ અને સહેજ ઉતાવળ કરીને વિલ બદલી નાખ્યુ .હવે તો પોતાનુ જે થાય એ પણ જતા જતા દિલ પરથી એક બોજ તો ઓછો લઈને જઈશ ને કે ચંપા , મહેશ ,કમલેશ કે કેતનને જે અન્યાય કરવા બેઠો હતો એમાંથી તો તું ઉગરી ગયો નહી તો આ ભવનુ ફળ બીજા કેટલાય ભવ ભોગવત?

પણ એમને ક્યાં ખબર હતી કે હવે એ એમના સારા કે નરસા કોઇપણ કર્મોનુ ફળ ભોગવવા લાંબો સમય રહેવાના હતા?

બાપા..

આમને તો બાપ કહેવા કે સાપ? ડાયરી વાંચીને ભાનુનો ક્રોધ માઝા મુકી રહ્યો હતો. એ શું વિચારી રહી છે એનુ ય એને ભાન નહોતુ.નાનપણથી જીદી ,સ્વાર્થી અને ક્રોધી જ હતી પણ ઉંમર જતા એ ઘટવાના બદલે બેવડાતા ગયા હતા અને બાકી હતુ તો એમાં એકલતાએ ઉમેરો જ કર્યો હતો.એક જાતની અસલામતીથી ઘેરાયેલી ભાનુ બધુ જ અંકે કરી લેવા માંગતી હતી.

લલિબાએ નાનપણમાં કેટ-કેટલી વાર શિખવ્યુ હતુ કે જ્યાં સંપ અને પ્રેમ હશે ત્યાં સંપત્તિ આપોઆપ આવશે પણ સ્વાર્થી ભાનુના મનમાં તો સંપત્તિ જ સર્વેસર્વા હતી ને? પોતાની સંપત્તિ ય ઓછી નહોતી તો ય બાપાની સંપત્તિ પર ડોળો ચકરાવા લેતો હતો ને?

એકવાર તો બાપા પર જોર કરીને શાંતિકુંજ પોતાના નામે કરાવવા પ્રયત્ન કર્યો પણ હવે આગળ શું ? બાપાની ડાયરીમાં પોતાના માટે જે ધિક્કાર હતો એના કરતાં અનેક ગણો ધિક્કાર અત્યારે એને બાપા પર વધતો હતો.

ક્રોધની મારી ભાનુ હાથમાં ડાયરી લઈને રૂમમાં ઘવાયેલી વાઘણની જેમ આમથી તેમ આંટા મારતી હતી. આજ સુધી પોતે જે કહેતી એ બાપા અને બાકીના ય સાંભળતા પણ આ વખતે એકે ભાઇએ કે ચંપાએ પણ ભાનુની વાત કાને ધરી નહોતી એનુ કારણ ખબર પડી.

અને કારણનુ મારણ શોધવાના બદલે બાપાનો જ જેમ બને એમ જલદી છુટકારો થાય એવી ઇચ્છા હ્રદયના ઉંડાણથી એને થવા માંડી.

રખેને બાપાનો વિચાર બદલાય , રખેને એકે ભાઇ કે બહેન આવી ચડે અને બાપાના વિલમાં ફેરફાર થાય તો ? તો પોતાનુ શું થાય ? તો શું ?

ભાનુ , તારી પાસે ય ક્યાં ઓછી મિલકત છે અને ખાવા વાળી તું એકલી છો તો શા માટે આટલો ઉત્ત્પાત કરે છે ? આમથી તેમ આંટા મારતી ભાનુની નજર સામે ભીંત પર લલિબાના સુખડનો હાર પહેરેલા ફોટા પર ગઈ અને લલિબા જાણે નજરથી એને આશ્વાસન આપતા હોય એવુ પળ વાર અનુભવ્યુ.

ઉફ્! આ બા , નાનપણથી જ એને બોધકથાઓ કહેવાનો અને એમાંથી બોધપાઠ આપવાનો ભારે શોખ પણ એ બોધ પર કઈ આખુ જીવ જીવાય છે?

“લો બોલ્યા, સંપ અને પ્રેમ હોય ત્યાં સંપત્તિ આપોઆપ આવે .પણ સંપ અને પ્રેમ પર કઈ આખુ જીવન જીવાય છે? એના માટે તો કલદાર જોઇએ અને એ કલદાર કેમ કરીને પામવા એ તો મારે જોવાનુ છે ને?”

બા ની મીઠી નજર સામે ભાનુએ તીખી નજર નાખીને તત્કાળ મ્હોં ફેરવી લીધુ .

ભાનુ ……….ઓ ભાનુ ….બહારથી જ બાપાની બુમ સંભળાઇ.

અરે ભગવાન ! આ ડાયરીની લ્હાયમાં તો રસોઇ કરવાની ય રહી ગઈ ! પણ હવે થાય શું? ભુખ તો પોતાને ય લાગી હતી.હવે બાપા અકળાશે અને હવે બાપા અકળાય એ કેમ કરીને ય પાલવે એમ નહોતુ .

ડાયરીમાં પોતાના માટે લખેલુ સાચુ હોય તો હવે ખોટુ ઠેરવવાનો સમય પણ હાથમાંથી નિકળી ગયો છે.પણ હવે જે સમય છે એ તો સાચવી લેવો પડશે ને? પળ વાર તો મનમાં વિચાર આવ્યો કે આ બધુ છોડીને જતી રહુ પણ વળતી જ પળે સ્વાર્થી ભાનુ વળ ખાઈને જાગી . એમ કંઇ આ બધુ છોડાય ? આટલો વખત બાપાને સાચવ્યા છે એ કંઇ એમ એળે જવા દેવાય?

વિચારોમાં અટવાયેલી ભાનુ ને એ ય યાદ ન રહ્યુ કે હજી ય બાપાએ લખી ડાયરી એના હાથમાંજ છે . ઘરના બારણા પાસે શાંતિભાઇની વિલ ચેર મુકીને બાબુભાઇ એ બહારથી જ નિકળી જવામાં શાણપણ માન્યુ. આમે ભાનુની હાજરીમાં એ બને ત્યાંસુધી ઘરમાં ઝાઝુ આવવાનુ કે રોકાવાનુ ય ટાળતા અને એમાં ય આજે ભાનુનો ચહેરો જોઇને તો એક પળ રોકાવામાં જોખમ લાગ્યુ.શાંતિભાઇએ ઘરમાં આવતાની સાથે જ ભાનુના હાથમાં ડાયરી જોઇ અને એમનો રોષ ભભુકી ઉઠ્યો. સંપત્તિથી માંડીને પોતાની અંગત પળો પર પણ ભાનુએ કબજો લેવા માંડ્યો હોય એવા વિચારે એ વિચલિત થઈ ગયા અને ભાનુને જરા જોરથી ઘાંટો પાડ્યો.

“શું ધાર્યુ છે તે હેં? ઘરમાં , કામકાજમાં કે મારામાં ધ્યાન રાખવામાંથી જીવ જ ઉઠી ગયો છે તે ક્યાં જઈને તારો જીવ અટક્યો છે એ કહીશ મને? ભગવાન લોકો તો હવે ખોળો પાથરીને દિકરી માંગે છે . દિકરી હોય તો દુનિયા જ સ્વર્ગ બની જાય પણ તારા જેવી દિકરી પાકે તો સ્વર્ગે ય નરક બની જાય. તારા ભરોસે જીવતર નિકળશે એમ માન્યુ હતુ અને જે સાચા ટેકા હતા એ ય હડસેલી મુક્યા પણ સારુ થયુ કે મારી અક્કલ ઠેકાણે આવી. કહે છે ને કે ભગવાનના ઘેર દેર છે પણ અંધેર તો નથી , જેને જેને મેં તારા લીધે અન્યાય કર્યો છે એને યોગ્ય ન્યાય મળે તજવીજ કરવાની સદબુધ્ધિ ભગવાને સુઝાડી. ”

અરે બાપરે ! સાંભળતાની સાથે જ ભાનુ ભડકી. આ બાપા શું બોલે છે? સાચે જ જો સદબુધ્ધિ આવી જશે તો પોતાને બદનસીબી તો પાર નહી રહે.

બેબાકળી ભાનુ એ આવેશમાં ડાયરીનો છુટ્ટો ઘા શાંતિભાઇ પર કર્યો અને શાંતિભાઇ તરફ ધસી.

“શું બોલ્યા તમે? કોનો ન્યાય તોળવાના છો? ”

“છોકરાઓ નો , મારા બાકીના ચારે છોકરાઓનો. તારી દયા ખાઈને બાકી હતુ તો તારી વાતોમાં આવીને જે મુર્ખામી કરવા બેઠો હતો એ હવે મારે સુધારી લેવી છે. ” શાંતિભાઇ પણ સ્થળ ,સમય અને સંજોગો વિસરી ગયા હતા અને ભાનુને ન જણાવવાનુ ય બોલી ગયા.

હવે તો ભાનુ સાચે જ ભાન ભુલી . કહે છે ને કે લોભ -ક્રોધ માણસને સારાસાર નુ ભાન ભુલવી દે અને આમે ય ભાનુ માં તો કયે દિવસે સારાસારનુ ભાન હતુ કે આજે એ ભાન ઠેકાણે રહે?

બે ય હાથે શાંતિભાઇને ઝંઝોડી નાખ્યા.

એમ ! ન્યાય કરશો તમે ? જોઉ છું કેવો ન્યાય કરો છો તમે . શાંતિભાઇએ ભાનુને ધક્કો મારવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો પણ ભાનુમાં તો જાણે હવે આવેશનો લાવા ખદબદતો હતો.ધક્કો મારવા ઉઠેલા શાંતિભાઇના હાથને હડસેલીને એમની વ્હીલ ચેરને જોરથી ધક્કો માર્યો . સામેની દિવાલ સાથે અથડાયેલી વ્હીલ ચેરમાં થી શાંતિભાઇ ઉથેલી પડ્યા. નીચે પડેલા , તરફડીયા મારતા શાંતિભાઇને બેઠા કરવાના બદલે એ જ જમીન પર બેસી ગઈ અને જમીન સરસી ભીંસ આપીને બોલી “બોલાવો જેને બોલાવવા હોય એને બોલાવો એટલે બધાની હાજરીમાં જ ન્યાય થઈ જાય , કોઇને ય વસવસો ના રહેવો જોઇએ.

જમીન સરસા દબાયેલા શાંતિભાઇના હાથ તો ભાનુની ભીંસ નીચે દબાયેલા હતા એટલે માથુ ઉચકીને એમણે બાબુભાઇને બુમ મારવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો એની સાથે જ ભાનુએ એમની એમની બુમ દબાવવા ગળચી પકડી .

શાંતિભાઇ ઉંમર અને નબળાઇના લીધે આ ઝાક ઝીલી ન શક્યા અને એમની ડોક એક તફર ઢળી પડી. આંખો ફાટી ગઈ , જીભ લટકી પડી અને મ્હોં માંથી ફીણ ફીણ નિકળી ગયા.

નિશ્ચેત શાંતિભાઇની ડોક હજુ ય ભાનુના હાથમાં હતી. શું બની ગયુ એનો ય એનો અણસાર સુધ્ધા ન રહ્યો. ક્ષણવાર રહીને શું બની ગયુ એ સમજમાં આવતા ભાનુ સ્તબ્ધ બની ગઈ અને ભયંકર ગભરાઇ ગઈ.

હે ભગવાન! અજાણતા આ શું કરી બેઠી? બાપાને જરા બિવડાવવા જ હતા , કોઇ નુકશાન તો નહોતુ જ પહોંચાડવુ ને? સોયથી કામ સરતુ હોય તો શૂળી પર તો નહોતા જ ચડાવવાને? હવે?

ઘડીભર અટવાયેલી ભાનુ સાવ જ દિગ્મુઢ બની ગઈ. કશું જ સુજતુ નહોતુ. ઉભા પગે બેઠેલી ભાનુ જમીન પર ધબ દઈને બેસી પડી. બે મિનીટ-પાંચ મિનીટ સમય એમ જ પસાર થતો રહ્યો . ભાનુ બીકની મારી થરથર ધ્રુજતી રહી. એક તરફ કપાળ પરથી પરસેવાની ધાર ચાલી તો બીજી બાજુ ભયના લીધે શરિરમાંથી ટાઢનુ લખલખુ પસાર થઈ રહ્યુ હોય એમ બેવડી સ્થિતિમાં એ મુકાઇ ગઈ.

પણ એ ભાનુ હતી. દિલ કરતા એનુ દિમાગ વધુ કામ કરતુ હતુ ને? જાત ને સંભાળી લીધી . બાપાને એમ જ જમીન પર પડતા મુકીને સૌથી પહેલા અર્જુન અને પછી બધા ભાઇ ઓ અને બહેનને ફોન જોડ્યા. ફોન પર પોક મુકીને સૌને જણાવ્યુ કે બાપાને અચાનક કંઇ થઈ ગયુ વ્હીલ ચેર પરથી જમીન પર ઢળી પડ્યા અને ઢળ્યા એવો જ એમનો જીવ મ્હોં વાટે નિકળી ગયો.

થોડી જ વારમાં અર્જુન આવી ગયો અને પરિસ્થિતિ માપી લીધી. એક પણ શબ્દ બોલ્યા વગર ફરી એક વાર કેતન અને કમલેશ સાથે વાત કરી લીધી.

પહેલા દિવસથી માંડીને જગતના દેખતા ભાનુએ આદરેલી બાપાની પાછળ રોકક્કળ બધા આવ્યા ત્યાં સુધી થાકયા વગર ચાલુ રાખી પણ મગરના આંસુની કિંમત આ બધા ય જાણતા હતા.બધાની આંખમાં દેખાતો અવિશ્વાસ ભાનુ ય પારખી શકતી હતી પણ એ હવે નિશ્ચિંત હતી.

” છો ને જાણતા બધા , હવે તો દુનિયા જખ મારે છે. હવે તો હું છું અને બાપાની મિલકત મારે હવે કોની સાડાબારી? પાવર ઓફ એટનરીથી જેટલુ ઉસેટાય એટલુ તો ઉસેટવા માંડ્યુ હતુ અને બાકી છે એ ય મારા જ નામે છે ને? બા કહેતી કે સંપ હોય ,પ્રેમ હોય ત્યાં સંપત્તિ આપોઆપ આવે પણ એને ક્યાં ખબર હતી કે સંપત્તિ હોય તો સત્તા ય આપોઆપ આવે .નાણા વગર નો નાથિયો અને નાણે નાથાલાલ .

હવે તો લલિતકુંજ પર મારી જ સતા અને મારી જ આણ.” પણ એને ક્યાં ખબર હતી કે એના તો હાથમાંથી સત્તા તો દૂરની વાત પણ પગ નીચેથી જમીન પર સરી જવાની છે.

શાંતિભાઇ નુ બારમુ પત્યુ અને એ રાત્રે બધાની હાજરીમાં વિલ ખુલ્યુ. ભાનુ પર તો જાણે વિજળી ત્રાટકી. બાપાએ એને મિલકતમાંથી બાકાત તો નહોતી કરી પણ એમની મિલકત પાંચે સંતાનો વચ્ચે સરખા હિસ્સે વહેંચી હતી.

ક્યારે કર્યુ આ બધુ બાપા એ? એક સળગતા સવાલે ભાનુની આજની અને આવનારી તમામ રાતોની ઉંઘ ઉડી જવાની હતી.

 

લલિત શાંતિ કુંજ ૧૧- વિજય શાહ

Posted on October 1, 2013 by vijayshah

સાંજનાં વાળુ પત્યા પછી દીવાનખંડમાં પાંચેય ભાઇ બહેન એકલા પડ્યા ત્યારે ભાનુને ચારેય ભાઇ બહેનોની શંકાશીલ નજરો સહેતા કમ કમીયા આવી ગયા.રંગે હાથે પકડાયેલા ચોરને ધોલ ધપાટ હજી સહન થાય પણ મા જણ્યા ભાઇ બહેનોની આંખોમાં થી નીતરતો અવિશ્વાસ તેને ચારે બાજુ થી દઝાવતો હતો.. આખરે ચંપાબેને મૌન તોડ્યુ…” બેન તુ એકલી અને એવું તો સાવ નથી કે તુ રોડ ઉપર છે..તારુ પોતાનુ સારુ એવું બેંક બેલેન્સ છે..અને સારી એવી બાપાની મૂડી પણ ખર્ચાના નામે ઓળવી લીધી છે..તો આ મકાન જે પૈતૃક સંપતી છે તે પણ અમારાથી છીનવવાનો વિચાર તને કેમ આવ્યો?” “ તમારામાંથી કોઇ અહીં રહેવા આવવાના નથી..અને તમારી પાસે પણ અભરે ભરાય તેટલુ છે..તેથી…” “ પણ આ છેતરામણી કહેવાયને?” “ હવે તે જે કહેવાય તે..બાપા અહીં મરવા પડ્યા હતા ત્યારે કેમ કોઇ ના જણાયુ?” મહેશે કમલેશ સામે જોયુ અને બોલ્યો…”ભાનુ! હવે અમારા સૌની માફી માંગી લે અને આ દળીલો કરવાનું બંધ કર. અમને તારી બધી ભુખ સમજાય છે…બાપાએ તને ઘરમાં રાખી ત્યારે તુ જે સાકરો વાટતી હતી તે અમે સમજતા નહોંતા તેવું નથી. પણ બાપાની જેમ જ અમે ઘી ઢળ્યુ તો ખીચડીમાં સમજતા હતા…” કમલેશ કહે “ મહેશભાઇ તમે ભુલી જાવ છો આ ભાનુ તમારી બહેન નહીં ગુનેગાર છે. તેણે બાપાને ડરાવ્યા અને ધમકાવ્યા છે. હુંતો માનુ છુ કે અત્યારે પણ તેણે બાપાને ડરાવી ધમકાવીને મારી નાખ્યા છે.” મહેશ કહે “ કમલેશ આપણી પાસે કોઇ પુરાવો નથી વળી પેટની જણી બાપને મારી નાખે તેવું ના બને…” ભાનુએ તરત જ ઠુઠવો મુક્યો…”મોટા ભાઇઓ થઇને મારા ઉપર આક્ષેપ કરતા લજવાતા નથી?” ચંપા કહે” હવે ધતીંગ બંધ કર અને કહે શું કર્યુ હતુ બાપા સાથે? કોઇ દિવસ એમની ગળચી પકડાય?” ભાનુ વધારે જોર થી રડતા રડતા બોલી “ મેં એવું કશું નથી કર્યુ..અને હું શા માટે કરું?” ચંપા કહે “ બાપએ એમની નોંધમાં લખ્યુ છે કે તું તેમને ડરાવેછે ..ધમકાવે છે અન્ત તેમને તારી બીક લાગે છે…તો બાપા ખોટા કે તુ સાચી?” કમલેશ બોલ્યો “આ ડાયરી અહીં પોલીસમાં આપી દઇશું એટલે તારું હવે નવું ઘર જેલ થઇ જશે એ તને ખબર પડેછે?” એનો અવાજ અને શરીર બંને મોટા તેથી ભાનુ ક્ષણ માટે તો ડરી ગઇ પણ પછી જીવ ઉપર આવીને કહેવા લાગી.. “ મેં તો મારુ કામ જ કર્યુ છે..તેમની સેવા કરી છે..” “અને કેર ટેકર તરીકેનો પગાર આમ ધાડ મારીને લીધો?” કેતને ધીમે રહીને દાઝ કાઢી. “ચુપ! મરને નાલાયક! નાનો છે ને ડામ દે છે?” ભાનુ બેન હું તો સાચુ બોલુ છુ..તમારા બેંકરને પણ પોલીસ તમારી આ ઘાલમેલમાં સાથ આપવા બદલ સસ્પેંડ ના કરાવું તો કહેજો.. હા તમારા હાથમાં હજી બાજી છે જે છે તે સાચું કહી દો નહીંતર અમે તો કશું નહી કહીયે પણ આ બાપાની ડાયરી તમારી પોલ ખોલી દેશે..અને જેલમાં પાછલી ઉંમરે પથરા તોડજો…” ભાનુ ઠંડક્થી બોલી “ મેં ગેર કાયદે કશું કર્યુ નથી..બાપાએ પાવર ઓફ એટર્ની આપી હતી અને તેનોમેં ન્યાય પૂર્વક ઉપયોગ કર્યો છે.” “ઘરનાં કામવાળા અને માળી પાસે પોલીસમાં નિવેદન લેવડાવશુ એટલે વાત પુરી.” ચંપાબેને એના જેટલી જ ટાઢકથી કહ્યું “એટલે માજણી બહેન ને જેલમાં પુરાવશો?” મહેશ કહે “અરે! મારું ચાલે ને તો હું તને ફાંસીની સજા અપાવડાવુ..નપાવટ કલંક.. મારા બાપને તેં મારી નાખવાની કોશીષ કરી છે.. મારી પાસે બધી જ વાત ની સાબિતીઓ છે…” ભાનુએ ક્રોધીત અને ઉત્તેજીત અવસ્થામાં દાખલ થતા કહ્યુ “ મહેશભાઇ એ તો અકસ્માત હતો.” “એટલે ?” બધાનો અવાજ ફાટી ગયો “ બાપાનું મૃત્યુ એ અકસ્માત હતો.” બાબુભાઇ મુકીને ગયા ત્યાં સુધી બાપા સ્વસ્થ હતા. હું તેમને વ્હીલ્ચેર પરથી સુવાડવા ગઇ ત્યારે તેમણે બેલેન્સ ગુમાવ્યુ. હું તેમને ઉભા કરી બેસાડવા ગઇ ત્યારે તે દેહ છોડી ચુક્યા હતા. કેતન ખુબ ગુસ્સામાં બોલ્યો “ભાનુબેન તેમને તમે પાડી નાખ્યા હતા અને તેમનો મેડીકલ રીપોર્ટ કહે છે તેમની ડોક ભાંગી નાખી હતી” “ કેતનીયા તુ તો બોલીશ જ નહીં કોઇ પણ આધાર અને પુરાવા વિના તુક્કા ના લઢાવીશ” “ મારી પાસે પુરાવા પણ છે અને નજરે જોયેલા સાક્ષી પણ!” કેતન ની આંખો ખુબ જ રાતી હતી.. તે આટલુ બોલતા બોલતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો.” મહેશે કેતન નાં હાથમાં રહેલ ડૉ પુરંધરેનું મૃત્યુ સર્ટીફીકેટ ધ્યાન થી જોયું અને મૃત્યુનું કારણ ડોક નો મરડાટ અને ભાંગી જવું હતુ. ચંપા ઉભી થઇને ભાનુને બે હાથે ટીપવા માંડી..” બાપાની હત્યારણ!”. ચંપાબેન ની સાથે બધા ભાઇઓ પણ જોડાઇ જાત જો કેતને ટકોર ના કરી હોત.. કે કાયદો હાથમાં ના લેશો..એના ઉપર કાયદાકીય રીતે કામ પોલીસ જ લેશે તેથી બહુ મોડુ થાય તે પહેલા કાગળ પત્ર કરો અને ઉચાપત કરેલા પૈસા પહેલા કઢાવો ભાનુતો વિચારીજ નહોંતી શકતી કે તેના ભાંડુરા તેને મારશે… ગુનાની કબુલાત નામા અને પાવર ઓફ એટર્નીનાં દુરુપયોગની વાતો લખેલા તૈયાર સ્ટેંપ પેપર ઉપર બહુ રક્ઝક્ને અંતે કમલેશ ને પાવર ઓફ એટર્ની બેંકનાં ખાતાઓની સહીં કરી આપી તે કકલતી હતી “ભાઇ મારું શું થશે?” “ થવાનું શું હતુ ?” પોલીસ કેસ થશે અને જેટલી સજા જજ આપશે તે ભોગવજે..” “આટલી લખાપટ્ટી પછી પણ તમે મને જેલમાં મોકલશો જરા રહેમ કરોને?” ચંપાને કકલતી ભાનુ ઉપર થોડી દયા આવી અને જોરથી ભરેલો રોષ કાઢતા અને ધબ્બો મારતા બોલી “ લલી બાને ઉપર જઇશ ત્યારે શું જવાબ આપીશ?” રડારોળ ચાલતી હતી તેથી પડોશીઓ આવી ગયા ત્યારે કોઇક બોલ્યુ.. હા કરો ખોખરી એ જાડી ને .. કાકાને બહુ હેરાન કરતી હતી.. બહુ બરાડા પડાવતી હતી શાંતી કાકાને…..રાત જેમ જુવાન થતી ગઇ તેમ તેમ લલિતાશંતિ કુંજ માં ભાનુનાં હિબકા વધતા ગયા. કમલેશને ભાનુનો પૈસાનોય ભરોંસો નહોંતો. બીજે દિવસે એને પોલીસમાં આપી દેવાના મત માં હતો પણ ચંપા કુણી પડી હતી..તે ભાઇઓને વાળતી હતી કે તેણે તો ભુલ કરી પણ આપણે તો વિચારવું રહ્યું ને…? મોડી રાત્રે બધા સુવા ગયા ત્યારે કમલેશે રુમને તાળુ મારીને બંધ કરી દીધુ ત્યારે ભાનુ બહુ કક્લી અને બહુ ચીસો પાડી… કમલેશે ઘાંટો પાડીને ભાનુ ને ચુપ કરી અને ધમકી આપી બહુ કકલ્યા કરીશ કે ચીસો પાડીશ ને તો જીવતી સળગાવી મુકીશ.. બાપાને એક તો ખવડાવી ખવડાવીને રોગ કરાવી નાખ્યો અને હવે ઘાંટા પાડેછે?” ભાનુ કહે “ જનાર તો જતા રહ્યા અને હવે મને કેમ મારવા બેઠા છે? ચંપા રડતી આંખે બોલી “બેન તારી જગ્યાએ હું હોઉ તો જાતે બળી મરુ…આવા હડસેલા અને ગોદા ખાવા કરતા…કે જેલમાં જઇને સડવા કરતા… “ એટલે બેન તમે મને જેલમાં મોકલશો?” “કર્મો એવા ભારે કર્યા છે ને કે હું વાળીશ તો પણ કમલેશ વળવાનો નથી…” પણ બાપાને મેં નથી માર્યા..પેલી ગલીના કુતરા પકડતી ટીમનાં સાણસે ભરાયેલ કુતરુ જેવા ઉધામા નાખે અને ચીસો પાડે તેમ તે કણસતી રહી.. ચંપા એ જતા જતા ભાનુનાં રુમનું તાળૂ ખોલી નાખ્યુ અને લલી બા ની નજરે જોતી જોતી તેના રુમ માં ગઇ. ભાનુનું મગજ ફાટ ફાટ થતુ હતુ..રડાય તેટલુ રડી લીધુ અને પોતે બાપાને નથી માર્યા નાં સત્ય ને સાબિત કરવા મથી લીધુ. હવે તેના મગજે બદલો લેવાની અને મને ના મળે તો તમને કેમ મળે? કોઇને કશું નહી લેવા દઉ. નઇકનાં રુમ માં થી તેના બધા શેરો, બોંડ બેંક્ની એફ ડી અને બધીજ મિલ્કતને પથારીમાં મુકી. અને એક કાગળ ઉપર ચીઠ્ઠી લખી… “ મારા બધા જ ભાઇ બહેનો મારા મોતનાં જવાબ્દાર છે તેમણે મને મારી મારીને આ મકાન અને મારી બધી સંપતી લુંટી લીધી છે. તેઓ કૃતઘ્ની છે. તેમને કડી સજા કરાવજો” વહેલી સવારે કેરોસીન છાંટતા તેને એક વિચાર ફરી આવ્યો..આ શું કરે છે ભાનુ? ચંપા કદાચ તને જેલ્માં ના પણ જવાદે.. બીજી જ ક્ષણે કમલેશનાં હાકોટા સંભળાયા અને ચંપાબેન નાં શબ્દો યાદ આવ્યા…તેના મોં પર એક કુટીલ હાસ્ય આવ્યુ અને જાળી બહારનું તાળુ વાસી દીધુ..અને ચાવી ઘર બહાર દુર ફેંકી દીધી. તે હવે પાકુ સમજી ગઇ હતી કે બાપાનાં મોતના કેસમાં મને ભીડવા જતા હતાને? જુઓ હું તમને ચારેય ને ફાંસી ના લગાવડાવુ તો કહેજો અને સળગતી દીવાસળી ચાંપી દીધી પોતાની જાતને… તાપ સહન ના થયો તેથી ચીસા ચીસ કરી.. પણ વહેલી પરોઢે કોઇની નિંદર ના ખુલી પોતે જાતેજ પોતાને પુરી દીધી હતીને ચાવી દુર ફેંકી દીધી હતી.. છ વાગે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રીગેડે લલિતાશંતિ કુંજની આગ હોલવી અને પોલીસ ચારેય ભાઇ બહેન ને જેલ ભેગા પહોંચતા કર્યા. ચીઠ્ઠિ હતી અને ભાનુ નું બારણુ બહારથી બંધ હતુ..સ્ટેંપ પેપર પરની ભાનુ ની સહીયો ચારેય ભાઇ બહેનો નો તેને મારી નાખવાનો હેતુ સાબિત કરતો હતો… છાપામાં લખાણ હતુ કે મકાન અને સંપતિ પચાવી પાડવા ચારેય ભાઇ બહેને કરેલુ ખુન… ઇન્સ્પેક્ટર રાઠોડ પુછ પરછ કરી રહ્યા છે…હોસ્પીટલમાં બળેલી ભાનુ હોંશમાં આવે તેની રાહ જોવાઇ રહી છે…થર્ડ ડિગ્રીનાં ફોડલા ઉઠેલા હોવાથી તેને આઇ સી યુ માં દાખલ કરેલી છે. કમલેશને અંદાજો હતો તેથી તે પુરીને ગયો હતો..પણ તેની પાસે કેરોસીન ક્યાંથી આવ્યુ? અને તે સળગી કેવી રીતે અને આ ચીઠ્ઠી તે સૌને ઓછામાં ઓછા પંદર વર્ષની જેલ કરાવશે તેવું સ્પષ્ટ લાગતુ હતુ… ચોર સાહુકાર બની ગયો અને સાહુકાર બધા જેલમાં વાહ રે વાહ ભાનુ તારી જબરી કારીગરી! ઇન્સ્પેક્ટર રાઠોડ સાથે અર્જુન ને આવેલો જોઇ સૌના શ્વાસ હેઠા બેઠા.અને લંડનમાં સૌનાં શ્વાસ અધ્ધર થઇ ગયા. ઉર્વિજાની સ્કુલ ચાલુ હતી તેથી કલમ નીકળી ના શકી.. પણ અખબાર પત્રો એ ચારેય એન આર આઇ હોવાને કારણે સ્પેશીયલ બુલેટીનો બહાર પાડેલા .. દરેક ભાઇ બહેનો નાં બયાનો લેવાયા અને ભાનુ ભાનમાં આવશે એટલે સત્ય બહાર આવશે કે આ ખુન નો ખટલો છે કે આત્મ હત્યાનો… આડોશી પાડોશી ભાનુ ને દોષ દેતા હતા…અને મૃત્યુ પ્રસંગે ચારેય ભાઇ બહેન ઘરમાં જ હતા તેથી પોલીસે શકની બીના ઉપર ધરપકડ કરી હતી.તે દિવસે અગીયાર વાગે કોર્ટમાં જામીન મેળવી ને ઘરે જ્યારે આવ્યા ત્યારે આખુ ઘર ખેદાન મેદાન હતુ. બાપાનાં ફોટા ઉપર ચંદન નો હાર ચઢેલો હતો તે જોઇને ચંપા બહુ રડી.. કમલેશ પણ ચંપાબેન ઉપર ખુબ ખીજાયો હતો..પણ દયા ડાકણ ને ખાય તેવો ઘાટ થઇ ગયો હતો..લીલાબાનો ફોટૉ કેતનને જોઇને કહેતો હતો આ દિવસ પણ જતો રહેશે.. ભાનુબેન આટલી હદે જતા રહેશે તે વિચારી વિચારીને તે દુઃખી થતો હતો…

 

લલિત શાંતિ કુંજ- ૧૨- વિજય શાહ

Posted on October 4, 2013 by vijayshah

ઇન્સ્પેક્ટર રાઠોડ ને હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે ભાનુ હોંશમાં આવી રહી છે. એટલે તાબડતોબ તેમની જીપમાં સયાજી હોસ્પીટલનાં આઇ સી યુ માં પહોંચ્યા. બયાન લખવા સ્ટેનો સાથે હતી.ભાનુનાં આખા શરીર ને રૂ માં અને પાટા માં બાંધેલુ હતુ. અર્જુન પાછળ સ્કુટર પર આવ્યો પણ ઇન્સ્પેક્ટરની મનાઇ હતી તેથી તેને ભાનુ પાસે જવા ના દીધો. ડેટોલ અને અન્ય દવાઓની તીવ્ર વાસ આવતી હતી તેથી બુરખો પહેરીને સ્ટેનો અને ઇન્સ્પ્પેક્ટર રાઠોડ ભાનુબેન પાસે પહોંચ્યા ત્યારે દર્દની મારી ભાનુ ચીસો પાડતી હતીડૉક્ટરે કહ્યુ કે પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડ તમારુ બયાન લેવા આવ્યા છે. શું થયુ હતુ તે સાચે સાચુ કહો. ભાનુ અને તે સાચે સાચુ કહે? અર્જુને જેટલો ભાનુ નો પરિચય  ઈન્સપેક્ટર  રાઠોડ ને આપ્યો હતો તે મુજબ તો તેની દરેક વાત ખોટી હોવાની. પણ એમ કંઈ પોલીસ તાલિમ એળે જાય તેથી પહેલા તેની ખબર પુછી તો ભાનુ નો પ્રશ્ન હતોક્યાંથી તેની તબિયત સારી હોય? ‘મરતા મરતા પાછી આવી છું’.ઇન્સ્પેક્ટરે કાયદો બતાવી પુરી સહાનુભૂતિ સાથે શું બન્યુ હતુ તે પુછ્યું. ત્યારે ભાનુ નો પ્રતિ પ્રશ્ન હતોમારા ભાઇ બહેનો જેલમાં છે ને?”

ઇન્સ્પેક્ટરે ઠાવકાઇ થી પાછો એજ પ્રશ્ન પુછ્યોતમારી સાથે શું થયુ હતુ તે કહો.’ “ થવાનું તો શું હતુ? મને પુરીને તે લોકો રાત્રે સુવા ગયા અને વહેલી સવારે મને સળગાવવા આવ્યા”! “ તમારી ચીઠ્ઠી તો કંઇક જુદુ કહે છે.” “ હા મારા બધા પૈસા તેમણે લઇ લીધા હતા તો હું શું કરું?” “ તમને ખબર છે ને કે તમે સાચુ નહીં કહો તો તમારા શબ્દો તમારી વિરુધ્ધ જઇ શકે છે?” “ તમારા ભાઇ બહેનના  ઘરનો સંપૂર્ણ કબજો લઇ લેવા માટે તમે બાપાને ધમકાવીને મકાન લખાવી લીધુ હતુ તેવુ બયાન ચારેય ભાઇબહેને આપ્યુ છે. મકાનમાં શોધ ખોળ ચાલુ છે.. “કમલેશ મને ધમકાવતો હતો તેણે શું કહ્યું?” “ભાનુ બહેન તમે કેતન નાં બહેન છો તેથી હું બહુ નરમી થી પુછુ છું.  તમે સાચુ કહેશો તો હું તમારી મદદ કરી શકીશ. અને તમે જે બોલો છો તે બધ્ધુ સ્ટેનો લખી રહી છે તેથી છેલ્લી વખત કહું છું જે કહો તે સત્ય કહેજો… “ સત્ય કહુ છું મને તેઓ સળગાવવા આવ્યા હતા.” “ માણસ જીવન ની છેલ્લી ઘડીએ તો સાચુ બોલતો હોય છે અને તમે?” ભાનુ નેછેલ્લી ઘડીશબ્દ સાંભળીને ઝાટકો લાગ્યો.. ડોક્ટરો અને તેને મળતી સારવારથી જીજીવિષા પ્રદીપ્ત થતી હતી.ત્યારે ઇન્સ્પેક્ટર તો મને અંતિમ ઘડી કહે છે..ખરેખર અંતિમ ઘડી  હશે ? મુક ને  જીવ બધી કડાકુટ..આમેય લલીબાનું સંતાન હતી ને? પશ્ચાતાપનું ઝરણ સ્ફુટ્યુ અને તે બોલી  “અંત ઘડીએ પાપનું પોટલુ સાથે નથી લઇ જવું.   મારે  જીવવું છે, થોડીક આંખો ભીંજાણી ડૂમો સાફ કરીને ભાનુ બોલતી ગઈ,સત્ય બહાર આવતુ ગયુ..અને ચારેય ભાઇ બહેનો ઉપર લટકતી તલવાર  દૂર થઇ. તે દિવસનાં છાપાઓમાં રસપ્રદ ખબર એક સુર સુરીયુ બની ને રહી ગઇ. તેમની સારવાર ચાલતી હતી અને ચારેય ભાઇ બહેનો લંડન અને અમેરિકા જવાની તૈયારી કરતા હતા ત્યાં કલમ અને ઉર્વિજા તદ્દન નવી વાત લઇને આવ્યા હતા. વેકેશન પડ્યુ હતું.  ભાનુબહેન ની ચાકરી કરવાનો શુભ ભાવ લાવી હતી. ચંપાબહેન તો નાની ભાભી ઉપર વારી ગઇ. કેતન થોડોક નારાજ તો થયો . તેનું મન આમ તો અવઢવમાં હતું . પોતાની મા જણી બહેન આટલી નિમ્નતા પકડશે અને જેલ બતાવશે વાળી વાત તેને ખટકતી હતી. પણ છતાય તેને એકલી મુકવાની વાત તેના અંતરનાં ખુણે જચતી તો નહોંતી દોઢ મહીનાનું વેકેશન હતુ તે દરમ્યાન જો તેમને લંડન  લઈ  જવાય તો  લઈ જવાની વાત ઉપર મહેશ અને કમલેશ બહુ રાજી તો નહોંતા પણ જો ભાનુ બહેન સત્ય ના બોલ્યા હોત તો ભારતમાં પંદર વર્ષની જેલ ની કલ્પના તેમને ડગમગાવી ગઇ હતી. કેતન અને કલમ રહી ગયા અને બાકીના એન આર આઇ પંખીડા ઉડી ગયા ઉર્વિજાને ત્યાં ગમતુ  નહોંતુલલીબા અને બાપા વિનાનું ઘર જાણે ઓકસિજન ઉપર જીવતા આઇ સી યુ ના દર્દી સમાન ભાસતુ હતુ. કલમ અને કેતન જિંદગીને વ્યવ સ્થિત  કરવામાં લાગ્યા..રોજે રોજ હોસ્પીટલ જવાનું મન તો થતુ હતુ પણ ડોક્ટર ના આદેશ પ્રમાણે એક વ્યક્તિને અડધો કલાક મળવા દેવાતુ હતુ અને જ્યારે પણ કોઇ મળવા જાય ત્યારે આંસુડા છલકાતા તેથી ડૉક્ટર ખીજવાતા. કલમ જતી ત્યારે ભાનુ બહેન એક વખત તો જરુર કહેતા..” કલમ મને માફ કરજે..તારા હસતા ખેલતા પરિવારમાં હું દાવાનળ બની ને આવી.. અને બધું ભસ્મીભૂત કરી નાખ્યુંઘણી વાર મારી જાતને ખુબ વામણી લાગુ છું, જ્યારે તુ મારી સેવા કરે છે. કલમ  શિક્ષિકા હતી તેથી હંમેશા માનતી કે  ભૂલ થઇ શકે છે અને    પશ્ચાતાપ   કરીને સુધારી પણ શકાય છે..ત્યારે ભાનુ કહેતી..મને તો જીવતી રાખીને ભગવાન મારા પાપનું   પ્રયાશ્ચિત કરવાની તક આપી રહ્યો છે .વળી તું એવા ખાનદાન કુટુંબમાંથી છે કે મારા જેવી   અધમ ઉપર પણ તું માનવતાનાં માર્ગે કરુણા વરસાવે છે.” કલમ ત્યારે તેમને હળવા થવા કહેતી એકલપેટા રહ્યા હોવાથી મારું શું થશે?નાં અકલ્પ્ય ભયમાંથી જન્મેલું વિચિત્ર માનસિક વલણ છે. તમે લલીબા અને શાંતિ કાકાનું સંતાન છો.. તમે એવું વિચારી કેવી રીતે લીધું કે લોહી નહીં પોકારે ? સંસ્કારો જાગે, જાગે અને જાગે …” “ પણ ત્રણેય ભાઇઓ ભેગા ચંપાબેન પણ બેસી ગયા ત્યારે મને ખરેખર બીક લાગતી હતી” “ હશે હવે તેને એક દુઃસ્વપ્ન સમજીને ભુલી જાવ..” “પણ હવે મારું શું થશે?” કલમ અને કેતન બંને કહેતા કે તમારી પરિસ્થિતિ સુધારે એટલે તમને તો લંડન લઇ જવાના છે અને બદલાયેલા ભાનુ બહેનને અમે તો સાચવવાના છીએ..સહોદર હોવાની ફરજ તમે કહો કે ના કહો અમે તો બજાવવાનાં  છીએ. વિદેશમાં પણ ત્રણે ભાઇ બહેનો પણ ભાનુ નાં હ્રદય પરિવર્તનથી રાજી હતા મહીનો તો પુરો થવા આવ્યો હતો. કેતને કલમ ને કહ્યું હવે આપણે ગંભીરતાથી વિચારવું રહ્યું કે ભાનુ બહેનનાં સારવારનાં ખર્ચા ભારતમાં અને લંડનમાં આપણાથી એકલા ઉપાડાશે? કેતન કહે મને તો લાગે છે થોડીક વાત બધાને કરી લેવી જોઇએ . અર્જુન તે સાંજે આવ્યો અને ઘરમાં મુકેલા ક્લોઝ્ડ સર્કીટ કેમેરાની વીડીઓ ની લાઇબ્રેરી લાવ્યો હતો. શાંતિભાઇને લકવો થયા પછી નોકરોની હીલચાલ ઉપર નજર રાખવા રાખેલા કેમેરા વિશે શાંતિભાઇ ના કહેવાથી તેનું ટેપીંગ ઘર ની બહાર આવેલા સર્વંટ ક્વાર્ટરથી થતુ હતુ જે બધી વીડીઓ ઇન્સ્પેક્ટરને અર્જુને પહોંચાડી આડકતરી રીતે ભાનુનાં જુઠાણાને જાહેર કરી દીધુ હતુ. કેતન વાત સાંભળી ને ગળગળો થઇ રહ્યો હતો. અર્જુન કહેજો તુ અહીં રહેવાનો વિચાર કરતો હોય તો એક બીઝનેસ પ્લાન લાવ્યો છુ.” એન્જીનીયર પાસેથી બીજો શું પ્લાન હોય ?  તે પ્લાન ઇજનેર સરસ રીતે સમજેમકાન તોડી ત્યાં વિશાળ મૉલ બાંધવાનોજમીન તો સોનાનો ટુકડો છે તે જમીન ઉપર સાત માળ મૉલ માટે અને ૮થી દસ માળમાં પાંચેય ભાઇ બહેનો માટે વેકેશન હોમ જેવા એપાર્ટ્મેંટ. પ્રોજેક્ટ પુરો થાય ત્યાંસુધી અર્જુન અને કેતનને પગાર મળે તેવી જોગવાઇ કરવાની.. તે સાંજે કોન્ફરંસ વીડીઓ કોલ ઉપર સીલેક્ટ ક્લીપ કે જેના ઉપર ઇન્સ્પેક્ટર રાઠોડે ભાનુ બહેનને ઝડપેલા તે બતાવી ત્યારે ચારેય ભાઇ બહેન ગળ ગળા થઇ ગયેલા. કમલેશને તેના ના મળેલા પ્રશ્નો નો જવાબ મળી ગયો.. ચંપાબેન કેમ પીગળેલા અને ભાનુએ કરેલુ દહન ક્રૌભાંડ બધાને સમજાઇ ગયુ. અર્જુને તેનું કોમ્પ્યુટર બંધ કરતા બધા ભાઇ બહેનો ને પ્રશ્ન કર્યો હવે શું? લલિતાશાંતિ કુંજનું શું? અને ભાનુ બેન નું શું? કેતને આગળ વાત ઉપાડતા કહ્યુંગમે તેમ તો તે આપણી બેન છે..તેને સાજી કરવાની અને તે જીવે ત્યાંસુધી ધ્યાન રાખવાની આપણી ફરજ છે.. હું તેમને લંડન લઇ આવવાનાં મતમાં છુ પણ..મને બે ડર છે .એક સારવાર ખર્ચ અને બે સારવાર પછી તેમને ક્યાં રાખવાના? કલમ ત્યારે બોલીતમને બધાને વાંધો ના હોય તો તેમને ત્યાં તેમની સારવારનાં અંતિમ તબક્કે કે જ્યારે પ્લાસ્ટીક સર્જરી કરવાની હશે ત્યારે લાવીશુ.. અત્યારે તો તેમને સાચવવાની જવાબદારી હું લઉ છુ.” ચંપાબેન ત્યારે બોલ્યાકલમ તારા પર તેણે આટલુ વિતાડ્યુ છતા તુ તેને સાચવવાની વાત કરેછે?” કલમ કહેહા માણસ ભુલ કરે અને તેની માફી માંગે તો તેને પશ્ચાતાપ ની એક તક આપવી જોઇએમહેશે તેની વાતને વધાવતા કહ્યુ. તારી ભાવના ભારતિય સંસ્કૃતિ સભર છે હું તો તેને અહીં લાવીને ઘરડાઘરમાં મુકી દેવાના મતમાં છું. કમલેશે મહેશનાં મંતવ્યને હકારાત્મક સહયોગ આપતા કહ્યું..” હા એવું હોવુ જોઇએ.. તેને માફ કરીને આપણે સગપણ સાચવ્યુ છે. હવે વાત કરીયે લલિત શાંતિ કુંજની. કેતને અર્જુને આપેલો બીઝનેસ પ્લાન રજુ કર્યો અને બાપાની સંપતિ વધારવાનો મુદ્દો રજુ કર્યો ત્યારે મહેશે પુછ્યુ તો તમે લોકો ક્યાં રહેશો? અને આટલુ બધુ કાર્ય કરશે કોણ? ત્યારે જવાબ હતો તે મકાન ભાડે લઇને વરસ માટે બહાર રહેશે અને પ્રોજેક્ટ પુરો કર્યા પછી તે મૉલનાં એપાર્ટમેંટમા રહેવા જશે.. બધાને પ્રપોઝલ ગમવાનું કોઇ કારણ નહોંતુ વળી પૈસા પણ કાઢવાના નહોંતા કારણ કે યોજના મુક્યા પછી લેવાતી ડીપોઝીટો પર કામ થવાનું હતુ. કેતને તેની નોકરી ઉપર રાજીનામુ મુકવાનું હતુ તે મહેશે સ્વિકારીને જ્યારે પાછો આવવા ચાહે ત્યારે આવી શકે નાં શુભ આશિર્વાદ આપી કલમ અને કેતન ને દ્વીધામાંથી બહાર કાઢ્યા. સૌનું ભલુ વિચારતા લોકોનું પણ ભલુ થતુ હોય છે. ભાનુથી હવે પીડા સહન થતી નહોંતી અને કુદરતની સહાય ગણતી ભાનુ ને હોસ્પિટલમાં ઇન્ફેક્શન લાગ્યું..શરીરે આખુ પ્સ્યુડોમોનાસનાં ચાઠા ચાઠા થઈ ગયા ભગવાન નો આભાર માનતી ભાનુ કલમને કહેતી હતી.. મારા બધા કરમોને ભોગવીને જઉં છુ કે જેથી ત્યાં બા અને બાપાને ઉજળે ચહેરે મળાયઆવી અવસ્થામાં તેમને બહાર પણ ના લઇ જવાય. કલમે તેમની થઇ શકે તેટલી ચાકરી કરી પણ પ્સ્યુડોમોનાસ ઇન્ફેક્ષન દવા કરતા ઘણી ઝડપે ભાનુ બેન ને હરી ગયું. પછીની વાત તો સાવ સરળ હતી અર્જુન ની સાથે કેતને મૉલ ઉભો કર્યો અને ધારણા પ્રમાણે ખાધુ પીધુ અને રાજ કીધુ.. કલમને હજીય લલીબા યાદ આવે છે.. શાંતિકાકાનો વિકરાળ ક્રોધી ચહેરો પણ દેખાય છે. ભાનુબેને આપેલો વિના વાંકનો દંડ પણ દેખાય છે પણ તેને મનમાં શાંતિ હતી કારણ કે ભાનુ બહેન કશું ગાંઠે બાંધીને લઇ ગયા નહોતા . એક સંદેશો જરુર આપીને ગયા હતા કે પૈસા કરતા લોહીનો સંબંધ હંમેશા મોટો હોય છે.. ભાંડુરા લઢે વઢે પણ સમય આવે તેજ વળી જતા હોય છે. તેથી કદી કોઇ અંતિમો તેમની સાથે નહીં કરવા જોઇએ. સંપૂર્ણ