(૧) દીકરી તો સાસરામાં શોભે!- રેખા પટેલ “વિનોદિની”
લલિતચંદ્ર મહેતા સાઈઠ વર્ષની ઉમરે ફરીથી નવા જોમ અને ઉત્સાહ સાથે જે ધંધામાં આટલુ મોટું નામ અને પૈસા કમાયા હતા,એ જ ધંધામાં ફરીથી એકડે એકથી શરૂઆત કરે છે. આ વાત સામાન્ય રીતે પહેલી નજરમાં પચે તેમ નહોતી!
ધંધાદારી લોકો માટે આ કુતુહલનો વિષય હતો, અને તમાશાને તેડુ ના હોય ! લોકોએ અવનવી અટકળ કરવા માંડી. કેટલાક તો કહેવા લાગ્યા કે દીકરાઓ એ પેઢી ડુબાડી લાગે છે. દેવું વધી ગયું હશે? ગમે તે હોય પણ જે ધંધામાં ખાસું નામ કાઢ્યું હોય, મબલખ સંપતિ એકઠી કરી હોય, તેવો ચાલુ ધંધો જુવાન દીકરાઓને હાથ સુપરત કરી , આ ઉંમરે નવેસરથી એજ ધંધાને ઉભો કરવા આટલી મહેનત કરવાનું શું પ્રયોજન હશે ? એ ધંધો કરવાનો મુળ હે્તુ શું હશે ? બહુ નજીકના મિત્રો અને સ્નેહીજનો સિવાય બહારના બીજા કોઈ આ પાછળની સાચી હકીકત જાણતા નહોતા. જેમાં ખૂબ નજીકની કહી શકાય એવી એક હતી લલિતચંદ્રની દીકરી, માધવી મહેતા વોરા. જે તેના જોડિયા બે ભાઈઓ કરતા પાંચ વર્ષ ઉંમરમાં મોટી હતી. જેની સમજશક્તિ ઉંમરના પ્રમાણમાં ઘણી આગળ હતી.
એક તો દીકરી અને તેમાંય ગુણીયલ જે બરાબર તેની મા રમીલાની પ્રતિકૃતિ હતી. ઘરમાં સૌથી મોટી હોવાને લીધે બાર વર્ષ પહેલાં, અજીત વોરાને પરણી લંડનમાં સ્થાયી થઇ હતી. અજીતને લંડન હેરોમાં એક સારી ફર્મમાં જોબ હતી. માધવી ભણેલી, બીઝનેસમેન પિતાની દીકરી જેનામાં ખાનદાની ઘંઘાની સમજ હતી. જેને કારણે ત્યાંની રહેણીકરણી સમજ્યા પછી હિંમત અને પતિના સાથને લઇ એક કન્વીનીયન્ટ સ્ટોર શરુ કર્યો હતો . તે જાતે સ્ટોર ચલાવતી હતી.
પિતા અને પુત્રી વચ્ચે અતુટ પ્રેમ હતો. તેના લગ્ન પછી પિતાને માધવીની ખોટ સાલતી હતી. બી.કોમ. પુરુ કરીને લલિતભાઇને ધંધામાં મદદ કરતી. ધણું બધું કામ માધવી સંભાળતી હતી. પણ દીકરી હોવાને લીધે એક દિવસ તો પિતાથી જુદુ થવાનું જ હતું? લલિતભાઇ ઘણી વખત કહેતાં,’ માધવી માટે ઘરજમાઇ શોધવો છે. જેથી માધવી મારી સાથે જ રહે’.
સામાન્ય રીતે બાપ અને દીકરી વચ્ચે એક અતુટ નાતો રહ્યો હોય છે. દીકરી બાપનો વિશ્વાસ હોય છે. દુઃખી બાપ જો દીકરી સાથે થોડો સમય વ્યતીત કરે તો તેનું દુઃખ હળવું જણાય છે. તેવી રીતે દીકરીનું દુઃખ બાપને મહેસૂસ થાય છે. પિતા અને પુત્રી વચ્ચે અનહદ પ્રેમ હતો.
માઘવીના લગ્ન પછી લલીતભાઈ ને દીકરીની બહુ ખોટ સાલતી હતી. બહારથી મક્કમ લાગતા આ બીઝનેસમેન અંદરથી ઢીલા પડી ગયા હતા. તેમને માઘવીની સતત હૂંફ હતી. ” દીકરી સવાઈ મા પણ કહેવાય છે તેનો પ્રત્યક્ષ અનુભવ ધરાવતા લલીતભાઈ એકલતા અનુભવતા હતા.,તે સમજતા હતા કે દરેક પિતાએ કન્યાનું દાન કરી એક સામાજિક જવાબદારી નિભાવવાની હોય છે. દીકરીને પારકું ઘન માનવામાં આવે છે. જ્યારે તેને સાસરે વળાવવાનો પ્રત્યક્ષ અનુભવ થાય છે, ત્યારે આનો સાચો અર્થ સમજાય છે. ગમે તેટલા કઠણ હ્રદયનો બાપ, જ્યારે દીકરીને વળાવે છે ત્યારે રડતો જણાય છે. તેથી દીકરીને વહાલનો દરીયો કહી છે. બાપને તેના વહાલમાં નવડાવી, ભીંજવી નાખે છે. અંતરમનથી તેના પ્રેમમાં લાગણી શીલ બનાવે છે.
લલિતભાઈ હંમેશા કહેતા સંભળાતા,’મારે માઘવી માટે ઘરજમાઈ શોધવો છે’. ‘દીકરી સાસરીમાં શોભે’ તે વાત સારી રીતે જાણતા હતા. જેનું સ્વપ્ન તેમની સ્વર્ગવાસી પત્ની રમીલાએ વર્ષોથી સજાવી રાખેલું હતું। તેથી સારું ઘર અને યોગ્ય વર મળતા માઘવીના હાથ પીળા કરી છેક લંડન સુધી મોકલવા રાજી થયા હતા.
વર્ષો પહેલાં લલિતભાઈ અને રમીલાનો સુખી સંસાર હતો. બંને વચ્ચે પ્રેમ સાથે સમજ પણ મહેકતી હતી. લલિતભાઈ જુવાનીમાં શરુઆતના દિવસો દરમ્યાન, નવા ધંધાને કારણે થોડા વ્યસ્ત રહેતા. ઘંઘાને જમાવવા તેમને શારીરિક તેમજ માનસિક પરિશ્રમ કરવો પડતો હતો. તે સમયે રમીલા એક અભિન્ન અંગ બની પતિના પડખે ઉભા રહેતા હતા. “સુખમાં સહુ કોઈ સાથ આપે દુઃખમાં સાથ આપે તે પોતાના બને. ” લલિતભાઈની પુરક બની રમીલા તેમની પ્રગતિમાં સાથ આપતા હતા. શિવ પાર્વતીનું પાણીગ્રહણ કરી, સ્મશાનમાં રાખ અને ભૂતોની વચમાં લઇ ગયા હતા. પાર્વતીજીએ રાખને ફૂલો સમજી ભૂતોની ટોળીને સાથી સમજી અને સ્મશાનમાં ઉપવન શોઘી કાઢ્યું હતું. તેમ રમીલાએ બે રૂમ અને રસોડાના મકાનને તંગીના દિવસોમાં મીઠાશથી ભરી ઘર બનાવી લીઘુ હતું.
પછી જન્મ થયો માઘવીનો જે તેમના જીવનમાં લક્ષ્મીનો અવતાર બનીને આવી હતી. માધવી પાંચ વર્ષની થઈ ત્યાં રમીલાએ બે જોડિયા દીકરાને જન્મ આપ્યો. એક સાથે બે પુત્ર રત્નોને મેળવી લલિતભાઈ તો ખુશીથી ફૂલ્યા નહોતા સમાતા. ‘ જિંદગી સામે ચાલી ખુશીઓનો ખજાનો તેમના પગ પાસે ઠાલવી ગઈ હતી.’
બંને દીકરાને ઉછેરવામાં અને દીકરીનું સંસ્કારોથી સિચન કરવામાં રમીલાબેને જીવન સમર્પણ કરી દીધું. તેમની દેખરેખ હેઠળ બધું વ્યવસ્થિત ચાલતું હતું. લલીતભાઈ સંપૂર્ણપણે ઘંઘામાં ગળાડૂબ રહેતાં. આથી તેમની મહેનત અને કાર્યદક્ષતાને કારણે પંદર વર્ષમાં મુંબઈ શહેરમાં જ્યાં નાની ઓરડીની કીંમત આસમાને આંબતી હોય છે ત્યાં બાંદ્રામાં એક સારી કહી શકાય તેવી પોતાની ઓફીસ અને જુહુ ઉપર બે માળનો મજાના બંગલાના માલિક બની ગયા હતા. કાચી સામગ્રી સસ્તા ભાવે ખરીદતાં. મોટા સરકારી ટેન્ડર તેમની બુદ્ધિ અને મીઠા સ્વભાવને કારણે હસ્તક કરી લેતા. આ દરેક ટેન્ડર તેમને પ્રગતિના માર્ગો ખોલતા જતા હતા.
હવે તેમના વણિક સમાજમાં તેમની એક આગવી પ્રતિષ્ઠા બંધાઈ હતી. તે સમયે વણિક સમાજમાં સમુહ વિવાહનું આયોજન કરવાનું નક્કી થયું. બધાની સંમતિથી લલિતભાઈ અને રમીલા બહેન આયોજનના પ્રમુખ બન્યા અને મોટી રકમનું દાન પણ કર્યું. તે માનતા કે જરૂર કરતા વઘુ ઘન કમાઈએ તો થોડું દાન ધરમમાં વાપરવું જોઈએ. સોસાયાટી જો આપણને કઈક આપેતો તેનું ઋણ ચૂકવવાની દરેક ની ફરજ બને છે! તેમના આ બધા કાર્યમાં રમીલાબેન હર કદમ પર સાથે હોય. પતિ અને પત્નીએ સાથે મળી કેટલાય અનાથ યુવક યુવતીઓનું કન્યા દાન કર્યું. હવે લલિતભાઈ ખરા અર્થમાં’ લલિતચંદ્ર ‘બની ન્યાત અને ન્યાતબહાર પ્રકાશવા લાગ્યા. કાળના ગર્ભમાં શું ઘરબાએલું છે, તે કેમ જાણી શકાય?
આમને આમ સુખનો સમય બે પાંખો લગાવી ઉડતો હતો. માઘવી કોલેજ ના છેલ્લા વર્ષમાં આવી અને દીકરાઓ એસ.એસ.સી. પાસ કરી હાઈસ્કૂલમાં આવ્યા ત્યારે રમીલાબેનની તબિયત અચાનક બગડી. તાવ ઉતારવાનું નામ લેતો નહી. બે ત્રણ સારા ડોકટરોને બતાવ્યું, પણ કોઈ અજાણ્યા એવા વાઈરસનો હુમલો લાગે છે કહી આગળ કશું કરી શકવા અસમર્થ હતા.
કોઈ દવા કામ લાગતી નહોતી. દિવસે દિવસે તેમનું શરીર ઢીલું પડતું ગયું. હવે પોતાનું કામ કરવા પણ રમીલાબેન અસમર્થ બની ગયા હતા. તે અંતરમનથી સમજી ગયા હતા કે હવે ઝાઝું ખેંચાય તેમ લાગતું નથી તેમણે લલિતચંદ્ર ને પાસે બોલાવ્યા. તેમનો હાથ પોતાના કૃશ હાથમાં પકડી આંખોમાં આંસુ ભરીને બોલ્યા,’ માઘવી માટે બહુ જોઈ સમજીને સાસરું શોધવાનું અને બંને નાના દીકરાઓને મા તેમજ બાપ બંનેનો પ્રેમ આપવાની ભલામણ કરી ! “તું જરાય ચિંતાનાં કર રમી, તને કશુજ નથી થવાનું આપણે આવતા અઠવાડિયે લંડન જઈ રહ્યા છીએ. મેં ત્યાં તારી સારા ડોક્ટરની એપોઈમેન્ટ લઇ રાખી છે.”રમીલાને સાંત્વન આપી રહ્યા.રમીલા પરિસ્થિતિ જાણતી હતી તેમણે માધવીને પાસે બોલાવી લલિતભાઈની સઘળી જવાબદારી સોંપી. ખાસ જણાવ્યું કે,’ તારા ડેડીની બનીને રહેજે! તેઓ સુખ બધાની સાથે વહેંચે છે, બસ દુખને પોતાની અંદર ભરી રાખવાની ટેવ છે. દીકરી તું બાપની લાકડી બનજે !
વીસ વરસની માઘવી અને પંદર વર્ષના બે જોડીયા દીકરાને મૂકીને ટુંકી માંદગીના કારણે તેમના સંસાર રથને ખોડંગાતો કરી પાછળ રહેલાંને રડતા છોડી વૈકુંઠવાસી બની ચાલી નીકળ્યા. પત્ની રમીલાનાં ગયા પછી લલિતચંદ્ર બહુ એકલા પડી ગયા હતા. પત્નીનો સાથ હતો ત્યારે તેની અહેમિયત બહુ સમજાઈ નહોતી.
હવે તેની ચીર વિદાય પછી તેના સાથ અને હુંફની ડગલેને પગલે જરૂરત લાગતી હતી. આટલા વૈભવ વચ્ચે પણ ક્યારેક એકલતા અનુભવતા હતા. યુવાની આવકારવા ઉત્સુક બાળકોને માની ખોટ લાગતી પરતું તેમની મસ્તીમાં બધું દુઃખ ક્ષણભરમાં વિલીન થઇ જતું.
બસ એક સમજણના આરે આવેલી માઘવી બાપનું દુઃખ અનુભવી શકતી હતી. તે હમેશા એવો પ્રયત્ન કરતી કે ડેડી સાથે બને તેટલો વધુ સમય વ્યતીત કરી શકે. સાંજે લલીતભાઈ ઘરે આવે , પછી તે ખાસ કામ વગર બહાર જતી નહી. ઘરે તેમની સાથે બેસી તેમના ધંધા વિષે વાતો કરતી. આમ કરવામાં ડેડીના રસના આ વિષયને ઘીમે ઘીમે માઘવીએ પણ અપનાવી લીધો. હવે તે પણ તેના ડેડીના બીઝનેસને સમજવા લાગી હતી.
માધવી બરાબર સમજાતી હતીકે તેના ભાઈઓની આ ઉંમર એક એવી અવસ્થા છે જ્યાં ટકોર અને પ્રેમ બંનેની સાથે જરૂર પડતી હોય છે. આથી ભાઈઓ સાથે ક્યારેક દોસ્ત બનીને રહેતી, ક્યારેક મા બની ટકોર કરતી. ક્યારે માનો પ્રેમ પિરસતી. આમ મા, બહેન અને દીકરી આ ત્રણેની જવાબદારી તેણે નાની ઉંમરમાં હસતા મ્હોંએ સ્વીકારી લીધી હતી. લલિતભાઈ દીકરીના આ સ્વરૂપને જોઈ ખુશ થતા હતા. રમીલાની પ્રતિકૃતીએ ઘરને ફરી ઘબકતું બનાવી દીધું હતું. હવે કોલેજ પૂરી કરી માધવીએ લલિતભાઈના બીઝનેસમાં જોડાઈ તેમનો ખાસ્સો ભાર ઉપાડી લીધો હતો. પણ દીકરી તો સાસરામાં શોભે! આ વાત સમજતા લલિત ભાઈ, માધવીને યોગ્ય વર અને ઘર મળતા તેનું લગ્ન ઘામઘૂમથી કર્યું. કન્યાદાન કરી આત્મ સંતોષ મેળવ્યો.
માધવીના જવાથી લલિતચંદ્ર અંદરખાને એકલતા અનુભવવા લાગ્યા. ફરી વાર તે એકલતામાં સરી રહ્યા હતાં. પરંતુ હવે આવા આઘાતને પચાવવા સફળ થયા. નજીકના મિત્રોએ લલિતચંદ્રને બીજા લગ્ન કરવા માટે સમાજાવ્યા પણ લલિતચંદ્રએ બીજા લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી, કારણ તે જાણતા હતા કે હવે આ ઉમરે લગ્ન એ એક જવાબદારીમાંથી મુક્ત થવાનો માર્ગ હશે, પ્રેમ નહિ? તે દીકરાઓના ભવિષ્ય સાથે કોઈ ચેડાં કરવા માગતા નહોતા.
(૨)દીકરાઓ સાથે ગઠબંધન રેખા પટેલ “વિનોદીની”
*********************
માઘવીના સાસરે ગયા પછી આટલા મોટા બંગલામાં રહી ગયા સુકેશ, હિમાંશુ અને લલિતભાઈ. મહારાજ સવાર સાજ રસોઈ બનાવી જતા આથી રસોડાની તો કોઈ ચિંતા ન હતી. નાનામોટા કામ કરવા પણ જયંત હતો. આખું ઘર પુરુષોથી ભરેલું હતું. એક સ્ત્રીની ઋજુતા ક્યાંય ન હતી. સવાર થતી સાજ પડતી અને શુષ્ક દિવસ પૂરો થઇ જતો. સંવેદનાની લહેર દોડાવનાર પહેલા આ ઘરની માલિકણ દુનિયા છોડી ગઈ. બીજી હતી આ ઘરની મીઠી મહેક જેવી માધવી જે સાસરાને ઉજળું કરવા નીકળી પડી. સુકેશ અને હિમાંશુ તો સવારથી કોલેજ જવા નીકળી જતા. તે પછી મિત્રો સાથે સાંજે રખડવામાં અને પાર્ટીઓ કરવામાં રચ્યા પચ્યા રહેતા. આ એક એવી ઉંમર છે જ્યાં યુવક યુવતીની પોતાની અલગ દુનિયા હોય છે. તે દુનિયામાં તેઓ નાની મોટી વેદનાઓને આસાનીથી ભુલાવી દેતા હોય છે. લલિતભાઈ આ સમજતા હતા. આ બે નમાયા દીકરાઓની ખુશીમાં પોતાના ખાલીપાને ભરી તેને બગાડવા માગતા નહોતા. આથી દીકરાઓ માગે તેના કરતા વધુ પૈસા તેમના હાથમાં પકડાવી દેતા. બસ બંનેના ચહેરા ઉપર ખુશીની એક ઝલક જોવા માટે. તે પોતાની એકલતા મનમાં ભરીને બહારથી ખુશ રહેતા હતા.
કોલેજ હવે પતી ગઈ હતી. બને બહુ લાડકોડમાં ઉછર્યા હતા. તેમના ડેડીએ હંમેશા મા વગરના છોકરાઓ કહી તેમની બધીજ જરૂરિયાત હસતા મ્હોં એ પૂરી કરી હતી. તેમની ગેરવ્યાજબી લાગતી ડીમાંડ પણ આંખ આડા કાન કરી પૂરી કરી હતી. પરંતુ હવે ગ્રેજ્યુએટ થયા પછી લલિતાભાઈની ઈચ્છા હતી કે બંને દીકરાઓ, સુકેશ અને હિમાંશુ ધંધામાં તેમની સાથ્ર જોડાઈ તેની આટીઘુંટી શીખી લે તો સારું। પાર્ટીઓના શોખીન બંને ભાઈઓને શરુઆતમાં ડેડીની આ વાત પસંદ નહોતી. નાં છુટકે તેઓ ડેડી સાથે ઓફીસ આવતા જતા થયા. લલિતભાઈએ દીકરાઓને પોતાની અંગત ઘંઘાની ટેકનીક શીખવાડી બરાબર હોશિયાર કરી દીઘા. બે વર્ષમાં બંને ભાઇઓએ લલિતતભાઇનો ખાસ્સો એવો ધંધાકીય બોજ પોતાના ખભે ઉપાડી લીધો હતો. સવારથી લલિતભાઈ ખુશ હતા. આજે તેમના જોડિયા દીકાઓનો જન્મદિવસ હતો. તેઓ આજે પુરા પચ્ચીસ વર્ષના થયા હતા હતા. એક બાપ તરીકે તેમની ઈચ્છા હતી કે આ દીવસને ધામધૂમથી ઉજવી એક યાદગાર દિવસ બનાવી દે. પરંતુ આજકાલના જુવાનીયાઓ ને આવી ફેમીલી પાર્ટીમાં ક્યા રસ હોય છે? તેમને તો કોઈ ક્લબ કે ડિસ્કોથેકમાં પાર્ટી કરવી હોય. તે પણ તેમના મિત્રો સાથે જ્યાં વડીલોની રોકટોક કે બંધન ન હોય. હિમાંશુ અને સુકેશને સાજે ફ્રેન્ડસ સાથે બહાર જવું હતું . લલિતભાઈ ની “મનની મનમાં રહી ગઈ. “
કંઈ નહિ ,”દીકરાઓની ખુશીમાં મારી ખુશી . તેમણે આ ખુશી બ્રેકફાસ્ટ ટેબલ ઉપર વ્યક્ત કરવાનું નક્કી કર્યું. સવારના પહોરમાં મહારાજ અને નોકર જયંતની મદદથી બંનેને ભાવતો નાસ્તો બનાવડાવ્યો, ડાઈનીંગ ટેબલને ફાઈવસ્ટાર હોટલની જેમ સજાવ્યું. બધું બરાબર હતું પણ કોણ જાણે કેમ આજે રમીલા બહુ યાદ આવતી હતી. તેની ન પૂરાય તેવી ખોટ આજે દીકરાઓના જન્મ દિવસે સાલી.
મા તે મા , રમીલા હોત તો આજે આખું કુટુંબ કેટલું સુખી હોત. આજે તે કેટલી ખુશ હોત?
ત્યાતો સુકેશ અને હિમાંશુના અવાજે તેમની તંદ્રા તોડી.
“ગુડ્મોર્નીગ ડેડી, જય શ્રી કૃષ્ણ” કહેતા બંને પાસે આવી પગે લાગ્યા અને પ્રેમથી ત્રણે બાપદીકરા આલિંગ્યા.
“હેપી બર્થડે મારા દીકરાઓ, જુગ જુગ જીવો, સદા ખુશ રહો” કહી અંતરના આશિષ આપ્યા.
સવાર સવારમાં કેક કાપી અને લલિતભાઈ એ બંને દીકરાઓ વચ્ચે ગિફ્ટનું બોક્સ આપ્યુંં. તેને ખોલતા સુકેશ અને હિમાંશુની આંખો ચાર થઇ ગઈ તેમાં હોન્ડા સીટી કારની ચાવી હતી “વી લાવ યુ ડેડ “કરતા ડેડીને વળગી પડ્યા.સાંજ પડતા બંને ભાઈઓ મોંઘા દાટ કપડા અને સૂઝ પહેરી પાર્ટી માટે નીકળ્યા. લલિતભાઈ એ તેમને દસ હજાર રૂપિયા વાપરવા આપ્યા અને કંઈક કર્યાનો સંતોષ લઇ તેમના કામમાં પરોવાયા .
રાતનો એક વાગ્યો હજુ સુકેશ અને હિમાંશુ ઘરે આવ્યા નહોતા. બાપ તરીકે લલિતભાઈ ચિંતા કરતા હજુ જાગતા હતા. એક બે વાર તો સુકેશને ફોન પણ કર્યો ” ક્યા છો બેટા ? બાર વાગ્યા હવે ઘરે આવો છોને ? ” “યસ ડેડી બસ નીકળીએ છીએ તમે સુઈ જાવ ચિંતા નાં કરશો ” સામે છેડેથી અવાજ આવ્યો પણ લલિતભાઈની આંખોમાં ઊંઘનું નામોનીશાન નહોતું ત્યાતો બહાર ગાડીના પાર્ક થયાનો અવાજ આવ્યો તેમને બારી માંથી બહાર ડોકિયું કર્યું. તે ચમકી ગયા સુકેશ અને હિમાંશુ બરાબર નશાની હાલતમાં ચાલતા હોય તેમ લાગતું હતું. તેમની ચાલ લથડતી હતી. તે સમજી ગયા કે બને જરૂર કરતા વધુ આલ્કોહોલ ચઢાવીને આવ્યા છે .આજે તેમણે આંખ આડા કાન કરી લીધા. પરતું હવે દીકરાઓને તેમની સાથે ઓફીસ લઇ જવાનું નક્કી કરી લીધું . હવે તેમનું એમબીએ પૂરૂ થઇ ગયું હતું . તો તેમને હવે ધંધામાં જોડવા જોઈએ એમ વિચારતા મોડી રાત્રે તેમની આંખ મીચાઈ ગઈ.
હિમાંશુ અને સુકેશને અત્યારથી કોઈ કામ ઘંઘામાં જોડાવું નહોતું, શરુ શરૂમાં તેમણે બહુ આનાકાની કરી છેવટે ડેડીની જીદ અને ફોનમાં માધવી દીદીની સમજાવટ પછી બંને ઓફીસ જવા રાજી થઈ ગયા। રોજ સમયસર ડેડીની ઓફીસ જતા પરંતુ થોડી વારમાં બહાના કાઢી નીકળી જતા. લલિતભાઈ ને આ વાતની ખબર પડી ગઈ. શરુઆતમાં બહુ દુઃખ થયું, ગુસ્સો પણ આવ્યો. પરંતુ તેમણે ધંધાની જેમ અહી પણ કુનેહથી કામ લેવાનું નક્કી કર્યું. ધીમે ધીમે બંને ભાઈઓ ઉપર જવાબદારી લાદવા માંડી અને જે પણ કામ તેઓ પૂરું કરે તેમાં જરૂર કરતા વધુ દાદ આપે, સરાહના કરે .આમ કરતા હિમાંશુ અને સુકેશને કામમાં મઝા આવવા માંડી હતી. ઘીરે ધીરે બંને ડેડીના કામને સમજતા ગયા અને નિત નવું શીખતા ગયા .લાલિતભાઈએ પ્રેમથી દીકરાઓને ધંધાની આટી ઘુંટી બરાબર શીખવી દીધી.
બંને જુવાન દીકરાઓના સાથેને કારણે ,થાકથી વાંકા વળેલાં લલિતભાઈ ફરીથી યુવાન ને શરમાવે તેવી સ્ફૂર્તિ પામી ટટ્ટાર થઈ ગયા. ઘણા સમજુ બનેલા બંને ભાઈઓ હવે ડેડીની તાકાત બની ગયા હતા. પરણવાની ઉંમરને આંબેલા દિકરાઓ માટે હવે લલિતભાઈએ બે સુકન્યાની શોધ માટે નાતમાં નજર દોડાવી. આ ઘરમાં દીકરી આપવા માટે તો જાણે લાઈન લાગી હતી. લલિતભાઈની નજર ઠરે તો સુકેશ અને હિમાંશુની ના હોય આમ કરતા છ મહિના પસાર થઈ ગયા.
અચાનક કોઈ ઓળખીતા દ્વારા કાન્તિલાલ શાહની બે જોડિયા દીકરીઓ માનસી અને રેવાની વાત આવી બંને બહેનો ભણેલી અને દેખાવડી હતી. ઘર પણ ખાધે પીધે સુખી હતું. કાન્તિલાલ અને તેમના પત્ની દીકરીઓને લઇ સુકેશ અને હિમાંશુને જોવા આવ્યા. બધું નક્કી થઈ ગયું. આમ પણ માનસી અને રેવાને સાસુ, તેમજ નણંદ વિનાનું ઘર જોઈતું હતું. જેમાં તેઓનું જ રાજ ચાલે, બંને સ્વભાવમાં ઉતાવળી અને જીદ્દી હતી.
**********************
પહેલાના સમાજમાં સાસુ્વાળું ઘર શોઘતા જેથી દીકરીને માથે મમતાનો છાયો રહે. કહેતા કે સાસુન
હોય તો દસ બીજા સાસુ થવા ઉભા થાય”. આજના જમાનામાં સાસુને ભાાર માને કે સાસુ હોય તો આઝાદી છીનવાઈ જાય છે અને આવાજ વિચાર રેવા અને માનસી ના હતા. આ બધાથી અજ્ઞાત એવા લલિતભાઈએ આ બને ઉપર પોતાની પસંદગીની મહોર લગાવી દીઘી ઉભય પક્ષે હા થતા વહેલી તકે લગ્ન લેવાનું નક્કી થયું. તારીખ નક્કી થતા માઘવી તેના પતિ અને બાળકો સાથ બંને ભાઈના લગ્ન માણવા આવી પહોંચી. મહેતા પરિવારમાં આજે આનંદની છોળો ઉછળતી હતી.
માઘવીએ આવીને તરત લગ્નની બધી જવાબદારી પોતાના માથે લઇ લીધી. બંને ભાઈઓના લગ્નમાં કપડાથી લઇ જરૂરી ચીજ વસ્તુઓની ખરીદીનું બધું કામ જાતે પતાવ્યું. આમ માઘવીના આવ્યા પછી તો લલિતભાઈ ને માનસિક બહુ શાંતિ લાગતી હતી. ડેડી આપણે સતીષ અંકલની સોના ચાંદીની દુકાને જવું પડશે માનસી અને રેવા માટે મંગળસૂત્ર ખરીદવાના છે. તે પસંદ કરવા માટે બંનેને બોલાવીએ જેથી તેમની પસંદગીના ઘરેણાં ખરીદી શકાય. ” માઘવી એ લલિતભાઈ ને કહ્યું, “હા બેટા જરૂર તું ફોન કરી માનસી અને રેવાને બોલાવી લે અને તને ઠીક લાગે તેમ કર ” લલિતભાઈ બોલ્યા માનસી અને રેવાને સાથે લઇ માધવી મંગળસૂત્ર ખરીદવા સોનીની દુકાને ગઈ ત્યાં આજે તેણે માનસી અને રેવાનું સાચું સ્વરૂપ જોવા મળ્યું.અહી તેમને એક એક દાગીનો ખરીદવાનો હતો પરંતુ તે બંને બહેનોએ ડીઝાઈન કરતા વજન ઉપર ભાર રાખ્યું અને મોંઘામાં મોંઘી વસ્તુ ખરીદી. આ જોઈ માધવી તેમના મનની વાત સમજી ગઈ હતી કે બંનેને પૈસાનો મોહ છે. માઘવી સમયની નાજુકતા સમજી ચુપ રહી.
કહેવત છે કે પુત્રના લક્ષણ પારણાં માંથી અને વહુના બારણા માંથી તે વાત અહી સાચી ઠરી હતી. માનસી અને રેવાના લગ્ન પછીના પ્રથમ દસ દિવસમાં ચબરાક માઘવી બંનેના સ્વભાવના મૂળને જાણી ગઈ હતી, કે બંને ધાર્યું કરનાર છે અને થોડી સ્વછંદી મિજાજ પણ છે. તેણે એક વડીલ તરીકે બંને બહેનોને આ ઘરની રીતભાત અને શિરસ્તાની માહિતી આપી. કેટલા વર્ષો ડેડી અને ભાઈઓએ એકલતામાં કાઢ્યા છે તેની સંપૂર્ણ વિગતથી વાકેફ કર્યા. જેથી માનસી અને રેવા વાતને ઊંડે સુધી સમજી શકે. “જુવો આ ઘરમાં સાસુની હાજરી નથી અને હું પણ બે દિવસમાં પાછી લંડન જવાની તો આ આખું ઘર અને તેની સંપૂર્ણ જવાબદારી તમારા ઉપર છે. તમે પત્ની તરીકે મારા ભાઈઓને સાચવી લેશો તેમાં જરાય શંકા નથી પરંતુ મારા ડેડીએ બહુ દુઃખમાં, એકલતામાં દિવસો વિતાવ્યા છે . હું ઈચ્છું છું કે હવે તેમને તમે મારી જગ્યાએ બે દીકરીઓ બની પ્રેમ અને સ્નેહથી જાળવી લ્યો, ” માધવીએ રુંઘાતા અવાજે કહ્યું.
“દીદી તમે જરાય ચિંતા ના કરો આ તો અમારી ફરજ બને છે .તમને કોઈ કહેવાપણું નહિ રાખીએ! ” બંને બહેનોએ સાથે સુર પુરાવ્યો સમય થતા માઘવી આવી હતી તેમજ સપરિવાર પાછી લંડન પહોચી ગઈ.
બધા આ વિવાહથી ખુશ હતા લલિતભાઈને લાગ્યું હવે માઘવી અને રમીલાની ખોટ નહિ સાલે! આ ઘરમાં બે લક્ષ્મીના સાથે પગલા પડ્યા છે. દીકરાઓ અને વહુઓની ખુશી જોઈ તેમની છાતી ગજગજ ફૂલતી હતી. હવે ઘર ઘર જેવું લાગતું હતું।
લલિભાઈએ એક સવારે ચાર એર ટીકીટ સાથે હનીમુન ઈન મોરેસિયસ લખેલું સાત દિવસનું પેકેજ કવર હાથમાં મુક્યું ત્યારે ચારેય જણ ખુશીથી ઉછળી પડ્યા અને દીકરાઓ તો ડેડી કહી લલિતભાઈને પ્રેમથી વળગી પાયે પડ્યા.
ધંધામાં ગગનચુંબી પ્રગતિ –પ્રવીણાબેન કડકિયા
દીકરા અને વહુ હનીમુન પરથી પાછાં આવ્યા. ખુશીઓનો સાગર હિલોળાં લેતો હતો. લલિતભાઈને લાગ્યું આટલા વર્ષોની આરાધના સફળ થઈ. ધંધામાં ગગનચુંબી પ્રગતિ, દીકરીનો ઘરસંસાર સુખી અને હવે દીકરાઓ થાળે પડ્યા. અંતરમાં ટાઢક જણાતી હતી. ઘરમાં વર્ષો પછી સ્ત્રી રાજ્ય દેખાયું. સુંદર વહુઓની ચહલ પહલથી ઘર ગાજી ઉઠ્યું. નવું નવું હતું ,પપ્પાજીને આદર અને પ્રેમ મળે તથી વધુ શું જોઈએ? લલિતભાઈ શાંતિનો શ્વાસ લેતાં. વર્ષો પછી જાણે ઘર ખરેખર ઘર હોય તેવું લાગ્યું!
લલિતભાઈ કેવી રીતે ધંધામાં પ્રગતિ સાધી તેના વિચારમાં ગરકાવ થઈ ગયા. ‘વાણિયાને જો ધંધો કરતાં ન આવડે તો વાણિયો ન કહેવાય’! લલિતભાઈ વાણિયા તો હતાં પણ એક વધારાનું છોગુ હતું કે નસિબવાળા હતા. કાદવમાં હાથ નાખે તો તેનું પણ સોનું થઈ જાય! અરે એક સાવ નાખી દેવા જેવી જગ્યા પાણીના ભાવે ખાલી મળી. રાતો રાત ત્યાં શેડ બાંધી દીધો. હવે એ લત્તામાં સરકારે મોટું શોપિંગ સેંટર ખોલવાનું નક્કી કર્યું . એમની જગ્યાના ભાવ ત્રણ ગણા થઈ ગયા. વેચી મારી અને ખૂબ નફો થયો. બસ પછી તો પૂછવું જ શું? ત્યાર પછી તો લલિતભાઈએ ધંધામાં ગગનચુંબી પ્રગતિ કરી. તેમને લાગ્યું કે ‘રિયલ એસ્ટેટ’ના ધંધામાં બસ ઘી કેળાં છે. લે વેચના ધંધામાં નફો વધતો ચાલ્યો અને નવી મિલકત લેવાતી ચાલી. પાછું વળીને જોવાનો દિવસ જ ન આવ્યો. રિયલ એસ્ટેટનો ધંધો તો ખૂબ નફો કરાવી આપતો. તેને માટે સમય અને સ્થળ ખૂબ અગત્યના હતાં. બજારમાં ચાલતો તેમના ધંધાએ સારી શાખ જમાવી હતી. તેની આંટીઘુંટીની ગડ લલિતભાઈને બરાબર બેસી ગઈ હતી. માધવી પરણીને ગઈ અને ચાર વર્ષમાં બંને ભાઈ ધંધામાં જોડાયા. લલિતભાઈએ બંને દીકરાઓને ધંધામાં પલોટવા માંડ્યા. આટલો મોટો કારોબાર જો છોકરાઓ શીખે તો તેમને થોડી રાહત થાય. સારું હતું કે તેમણે ઉત્સાહ પૂર્વક રસ દાખવ્યો. બંને દીકરાઓની ધંધામાં કુનેહ અને સુઝબુઝ જોઇને લલિતભાઇ પોરસાતાં. બે વર્ષ તેમના હાથ નીચે કેળવાયા. ‘મોરના ઈંડા ચિતરવા ન પડે!’ તેમની આવડત જોઈ બાપની છાતી ગજગજ ફુલતી. લલિતભાઈએ દસે આંગળીએ ભગવાનને પૂજ્યા હતા. દીકરાઓ બાપ કરતાં સવાયા નિકળ્યા. ખબર નહી ધંધાની કાબેલિયત તેમના લોહીમાં હતી. બાપાને ખભે ખભા મિલાવી સાથ દીધો. લક્ષ્મી રીઝે ત્યારે માલામાલ કરી દે! હવે ધંધાનો મોટાભાગનો વહિવટ બંને ભાઇઓના હાથમાં સોપી દીધો હતો. ધંધાની આંટીઘુંટીની પકડ છોકરાઓની સમજમાં આવતી ગઈ હતી. લલિતભાઈ હવે સામાજિક કાર્યો અને પોતાની જૈન સમાજની અન્ય પ્રવૃતિમા રસ લેતા થયા. તેમને થયું સંસારનુ સુખ તો લાંબુ નસિબમાં લખાયું ન હતું. દીકરી સુખી ઘરે પરણી તેની હ્રદયે ટાઢક હતી. દીકરાઓ આવી મળ્યા. હવે તો પરણ્યા એટલે જવાબદાર પણ બન્યા. ધંધાની ગતી મદમસ્ત હતી. લલિતભાઈ ધાર્મિક વાતાવરણમાં ઉછર્યા હતાં. પત્ની પણ શુશીલ અને ઘરરખ્ખુ હતી. પત્નીના નામ પર ‘સ્કોલરશીપ’ ચાલુ કરી હતી. તેમની ન્યાતમાં જો પૈસાની અછતને કારણે કોઈ પણ વિદ્યાર્થિનું ભણતર અટકે છે એવા સમાચાર મળતાં તેની ભણવાની સંપૂર્ણ જવાબદારી પોતાને શીરે લઈ લેતાં. વિદ્યા દાન એ અતિ ઉત્તમ છે તેનો તેમને અંદાઝ હતો. સમાજમાં ખૂબ સુંદર કાર્ય કરતાં કે જમણા હાથે આપે એ ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ. મોટેભાગે અનામી દાતા હોય. આ વર્ષે બંને વહુઓને થયું.પપ્પાને સુખી સંસારની પ્રતીતિ કરાવવા તેમની વર્ષગાંઠ ખૂબ ધામધુમથી ઉજવીએ. પાર્ટી ‘સરપ્રાઈઝ’ રાખવી હતી. એક જ ઘરમાં રહેતાં હોય અને સરપ્રાઈઝ પાર્ટી રાખવી હોય તો તે કાર્ય ખૂબ કુશળતા માગી લે છે. માનસી અને રેવાએ આયોજન બહુ સરસ કર્યું. રવિવારનો દિવસ હતો. લલિતભાઈની વર્ષગાંઠને બે દિવસની વાર હતી. સવારે બ્રેકફાસ્ટ ટેબલ ઉપર બધા સાથે ગરમા ગરમ નાસ્તો અને ચહાની મોજ માણી રહ્યા હતાં. ‘પપ્પા આજે આપણે બધાં ‘ કૉપર ચીમની’માં ડીનર પર જઈએ. તમારી વર્ષગાંઠ ચાલુ દિવસે છે આપણે ઘરમાં ઉજવીશું’. માનસી બોલી. રેવા તેમજ બંને દીકરાઓએ તેમાં સંમતિ આપી. હવે લલિતભાઈને તો બોલવાનું કાંઈ રહ્યું જ નહી! માનસી અને રેવા ખૂબ સુંદર રીતે તૈયાર થયા. લલિતભાઈ તો બંને જણાને જોઈ જ રહ્યા. તેમને સુમન ખૂબ યાદ આવી. આજે તે હોત તો કેટલી રાજી થાત! કૉપર ચીમનીમાં આવી પહોંચ્યા.ઘરેથી નિકળતાં હિમાંશુએ ટેક્સ્ટ મેસેજ મોકલાવી દીધો હતો. ‘૨૫ મિનિટમાં પહોંચીશું’. જ્યારે ગાડી વેલે પાર્કિંગમાં આપી ત્યારે અંદર સંદેશો પહોંચી ગયો હતો. કૉપર ચીમનીના બીજા રૂમમાં અંધારું હતું. હજુ લલિતભાઈ અંદર આવ્યા ત્યાંતો રોશનીથી રૂમ ઝળહળી ઉઠ્યો અને બધા એકી સાથે ‘સરપ્રાઈઝ” બોલી ઉઠ્યા. લલિતભાઈના તો માનવામાં ન આવ્યુ. હવે તેમને સમજાયું , માનસી અને રેવા કેમ આટલા સજી ધજીને નિકળ્યા હતાં. લલિતભાઈનો ચહેરો ખુશી પ્રદર્શિત કરી રહ્યો હતો. તેઓ આજે આનંદના અવધિમાં સ્નાન કરવાનો લહાવો લુંટી રહ્યા હતાં. આનંદના અતિરેકમાં પહેલાં તો સહુનો આભાર માન્યો. ભગવાનની કૃપા જણાવી જેણે આવો સુંદર પરિવાર આપ્યો હતો. પછી ઉંડો શ્વાસ લઈને બોલ્યા, ” આજે મારે એક સુંદર સમાચારની બધાને જાણ કરવાની છે. સહુના મોઢા પર ઉત્સુકતા ઉભરાઈ આવી. શું હશે? એની અટકળ થવા લાગી. કોઈએ તો ‘સમાચાર’ પર સટ્ટો ખેલવાનું નક્કી કર્યું. લલિતભાઈને આવું સુંદર દૃશ્ય જોવાની મઝા પડી. પાણીનો ગ્લાસ મંગાવ્યો. એક ઘુંટડો પાણી પી ને બોલ્યા. “આજે મને છપ્પન પુરા થયાની જન્મદિવસની પાર્ટીમા હું , ઘોષણા કરું છું કે આજથી ધંધાની સંપુર્ણ જવાબદારી મારા બંને દીકરાઓના હાથમાં સોપું છું. મારે નિવૃત્ત થવું છે.” પોતે નિવૃત અને સેવાકીય પ્રવૃતિમાં જીવન ગાળવા માંગે છે’. આખા રૂમમાં સોય પડે તો પણ સંભળાય એવી ચૂપકીદી છવાઈ ગઈ. કોઈના પણ ધારવામાં ન આવે એવી આ ‘સરપ્રાઈઝ” હતી! પધારેલા લોકોને લલિતભાઇની ઇર્ષા થતી હતી. આટલી નાની ઉમરમાં દીકરાઓને કારોબાર સોંપવાનો નિર્ણય થોડો ઉતાવળિયો પણ લાગ્યો. માણસ જ્યારે આનંદના અતિરેકમાં આવે અને વિચાર્યા વગર અતિવિશ્વાસ કોઈના પર મૂકે ત્યારે તેણે પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડે! કોને ખબર હિમાંશુ અને સુકેશ આટલા મોટા ધંધાની જવાબદારી ઉઠાવી શકશે? અરે સામાજીક પ્રવૃત્તિ તો ધંધો કરતાં પણ થઈ શકે! કિંતુ લલિતભાઈને તેમના બાળકો પર અનહદ પ્રેમ તથા વિશ્વાસ હતાં. આંધળો પ્રેમ અને અતિ વિશ્વાસ બંને સમાન ખતરનાક છે. હજુ તો માંડ પીસ્તાલીસના લાગતા લલિતચંદ્ર ધંધામાંથી નિવૃત થઇ પોતાને ગમતું જીવન વિતાવશે. પોતાની મનમાની પ્રવૃત્તિમાં રત રહેશે ? હિમાંશુ અને સુકેશને આંચકો લાગ્યો. પપ્પાએ આ વાતનો કોઈ ઈશારો કે નિર્દેશ કોઈ દિવસ કર્યા ન હતાં. કાલની કોને ખબર છે? ભવિના ગર્ભની અટકળ કરવી પણ સામાન્ય માનવીના ગજા બહારની વાત છે. લલિતભાઈએ જાણે ‘એટમ બોંબ ‘ ફોડ્યો તેવી શાંતિ સમગ્ર વાતવરણમાં છવાઈ ગઈ. આ શાંતિનો ભંગ કરવા હિમાંશુ અને સુકેશે તાળીઓ પાડી જેથી સહુ આમંત્રિત મહેમાનો તેમાં જોડાયા. ખૂબ હોંશિયાર ગણાતા લલિતભાઈના દિમાગમાં આ પગલાં પાછળ શું હેતુ હશે એની અટકળો થવા લાગી. આવ્યા હતાં વર્ષગાંઠની ઉજવણીમાં! આવા સમાચારે સમગ્ર વાતાવરણને રસમય સમય બનાવી દીધું. આ સમય દરમ્યાન રેવા અને માનસી બધી સ્ત્રીઓને સુંદર ભગવાનની છબીનું વિતરણ કરવા લાગ્યા. જેથી સ્ત્રીઓની ચહલ પહલ જરા જોરથી થાય. પાર્ટી પછી રાખેલો ડી.જે. બધાને મજેદાર ગાયનોનૉ લહાણી કરી રહ્યો હતો. જૂના અને નવા સંગીતનું ‘મિક્સર’ તેણે સરસ રીતે કરી સહુને ખુશ કર્યા. અનેક પ્રશ્ન હ્તા, લોકો શેના કારણે ખુશ થયા, વર્ષગાંઠની ઉજવણી, નવિન ઘોષણા, મસ્ત જમવાનું કે ડી.જે.નું મધુર સંગિત”? માનસી અને રેવાને સહુથી વધારે ખુશી થઈ. ‘પપ્પા રિટાયર્ડ ‘થયા. ઘરની તિજોરીની ચાવી તેમના હાથમાં હતી. હવે ‘સત્તા’ પણ સાંપડી. માધવી બહેન હવે આ ઘરના માત્ર મહેમાન થઈ ગયા. સ્ત્રીના મગજમાં શું ચાલે છે તે જાણવાનો પ્રયાસ ભૂલે ચૂકે કરશો નહી! સ્ત્રીના અનેક રૂપ છે. દરેક રૂપમાં તે સુંદર અભિનય આપી શકે છે. પતિ નામનું ‘પ્રાણી’ તે કળવા લાખ પ્રયત્ન કરે સફળતાતો બાજુએ રહી, પણ તેના કિલ્લાની કાંગરી પણ ન ખેરવી શકે! મૂળને પાણી પીવડાવાને બદલે જો માનવી પાંદડાને પાણી આપે તો એ વૃક્ષ લાંબા ગાળે સૂકાઈ જવાનું. એ સનાતન સત્ય છે. વડલા સમાન લલિતભાઈએ નિવૃત્તિને ગળે લગાવી. આ શુભ સમાચાર માધવીને આપવા ઉત્સુક હતાં. પાર્ટી પૂરી થઈ. ઘરે આવ્યા, બે દિવસ સુધી થાકેલાં હતાં. ઓફિસમાં જઈ બધી સલાહ સૂ્ચના હિમાંશુ અને સુકેશને આપી રહ્યા હતાં. જ્યારે પણ જરૂર પડે ત્યારે મદદ આપવાની તૈયારી બતાવી. બેંકોમાં બંને બાળકોની સહી બધા ખાતામાં નખાવી દીધી. સાત્વિક જીવન જીવવાની તેમની ઉત્કંઠા અનેરી હતી. તેમને હવે કાવાદાવા પસંદ ન હતાં. ગમે તેટલો સાફ સુથરો ધંધો હોય ક્યાંક તો આંટીઘુંટી આવે. સાત્વિક જીવન અને સત્ય સભર પથ એ તેમના જીવનનો ધ્યેય બની ચૂક્યા હતા. સાપ કાંચળી ઉતારે તેમ લલિતચંદ્ર સંસારની બધી ખટપટથી અળગા થવાનો નિર્ધાર કરી ચૂક્યા હતા. હલો માધવી બેટા, એક ખુશ ખબર આપવાની છે. ‘ બોલો પપ્પા, હું સાંભળું છું.’ બેટા, ઘણા વર્ષો થયા તારી મમ્મી ગયા પછી હવે મને લાગવા માંડ્યું છે,’સંસાર અસાર છે. મારે સામાજીક કાર્યો કરવા છે. જરૂરતમંદોને સહાય કરવી છે. અછતગ્રસ્તોની વહારે ધાવું છે. ધન ખૂબ કમાયો. હવે ધંધામાંથી નિવૃત્તિ લઈ ભાઈઓને બધો ભાર સોંપી નિવૃત્તિ લીધી.’ માધવી ફોન ઉપર સમાચાર સાંભળી નવાઈ પામી. પિતાને સમજાવવાનો પ્રયત્ન કરી રહી. “પપ્પા તમે ભાઈઓને બધું શિખવી દીધું એ સરસ વાત છે. ભલે ધંધાના મોટાભગના નિર્ણયો તેઓ લે. બને તો તમે તે બધાથી માહિતગાર રહો. અંતિમ સત્તા તમારા હાથમાં રાખજો. પપ્પા હિમાંશુ અને સુકેશ યુવાન છે. નવા પરણેલા છે. તેમને માટે આ બધી જવાબદારી સંભાળવી એ ખાવાનાં ખેલ નથી!’ ‘બેટા બંને ભાઈઓ તારી જેમ હોશિયાર છે. તેમની પત્નીઓ પણ મારું ખૂબ ધ્યાન રાખે છે. મને મારા લોહી પર અનહદ પ્રેમ અને ભરોસો છે. હિમાંશુ અને સુકેશ મારા ‘લવ અને કુશ’ જાણે ડાબા અને જમણા હાથ હોય તેવું લાગે છે. મારે મન તો માધવી, હિમાંશુ અને સુકેશ ત્રણેય સરખા છે.’ પપ્પા, હું જાણું છું .છતાં પણ ચેતતા નર સદા સુખી.’ ‘બેટા મારે કોનાથી ચેતવાનું? મારા જ પંડના દીકરાઓથી? તેમની લક્ષ્મી જેવી સુંદર પત્નીઓથી?’ પપ્પા તમને સત્યનું દર્શન કરાવવાનો મારો ધર્મ, દીકરી તરિકે મેં અદા કર્યો. બાકી તમારી મરજી.’ ‘બેટા મને ખબર છે તને પપ્પાની અત્યંત લાગણી છે. લલિતભાઇ વાત કરતાં કરતાં ગળગળા થઈ ગયા. ‘બેટા હવે સામાજીક પ્રવૃત્તિઓનો સાદ મને સંભળાય છે. સમાજનું ઋણ અદા કરવા માટે હું તત્પર બન્યો છું. તારી માની પાછળ ચાલુ કરેલી સ્કૉલરશીપ વધુ વિદ્યાર્થિ ને ફાળવી શકાય તેમાં સક્રિય થવું છે.’ ‘પપ્પા, એ પહેલાં ? યાદ છે કે ભૂલી ગયા! તમે આપેલું પેલું વચન.’ ‘હા, બેટા એ વચન કેવી રીતે ભૂલાય? મારા હૈયાના હાર જેવી દીકરીને ત્યાં લંડન આવવું છે. મારી લાડલીનું સુંદર જીવન નિહાળવું છે.’
(૪) ભર જુવાનીમાં નિવૃત્તિ પ્રવીણા કડકિયા
શરૂઆતના દિવસોમાં ખૂબ ઉત્સાહ હતો. તદ્દન નવી ઢબે જીવવાનું. સવારના પહોરમાં ક્યાંય જવાની ઉતાવળ નહી. આરામથી ચહા પીતાં ગરમ નાસ્તો અને છાપું .આવો દિવસ પામી લલિતભાઈને પોતાના ભાગ્યની ઈર્ષ્યા થઈ. સુમન સાથ છોડીને ગઈ પછી ત્રણ છોકરાઓમાં ગુંથાયેલા લલિતભાઈ આવું આરામથી નિશ્ચિંત પણે જીવન જીવવાનું ભૂલી ગયા હતાં. કાયમ તેમનું દિમાગ એક પછી એક વિચારોથી ઘેરાયેલું રહેતું. દીકરી માધવી બાપને લાગણીપૂર્વક બધા કાર્યમાં સહાયભૂત થતી.
દીકરાઓ સવારમાં પરવારી જય શ્રી કૃષ્ણ ડેડી, કહીને ઓફિસે જવા નીકળી જતા. બને વહુઓ, પિતાજી કાંઈ જોઈએ તો કહેજો, કહી સવાર સવારમાં એકદ બે વાર પૂછી જતી. બે વાર ચા આપી જતી.
રોજના ક્રમ મૂજબ લલિતચંદ્ર નાહી ધોઈ સવારની પૂજામાંથી પરવાર્યા. હવે મનફાવે તો ઓફિસે જવાનું નહિતર ઘરમાં બેસી પોતાને મન પસંદ ગીતો સાંભળવા. ઓશૉની સીડી સાભળવી જેવા ગમતાં કાર્યમાં પ્રવૃત્ત રહેતાં. નિવૃત્ત જીવનના ઢાંચામાં ઢળતા થોડો સમય લાગે! શિસ્ત ધીરે ધીરે પદાર્પણ કરે. કેટલાય વર્ષો પછી આવું સુંદર જીવન પસાર કરવાના દિવસો આવ્યા હતા.
દરરોજ સવારે ઉઠીને ધ્યાનમાં બેસે, પ્રાણાયામ કરે. શરીરને માફક આવે એવા યોગના આસન કરે. બંને દીકરાઓ ઉઠે એટલે સાથે બેસીને ચહાની લિજ્જત માણે. આ બાજુ તેઓ ગાડીમાં બેસી ઓફિસે જવા નિકળે.
લલિતભાઈને, ડ્રાઈવર ગાડી્માં હેંગીગગાર્ડન જાય. સરસ મજાના સુંદર ગાર્ડનમાં પાંચ આંટા મારી રસાલા સાથે ટોળટપ્પાં મારવા બાંકડા પર ગોઠવાય. લલિતભાઈને ‘ગાર્ડન ગ્રુપ” થતાં વાર ન લાગી. તેમના અનુભવો, રાજકારણ અને કોઈકવાર સિનેમાની વાતો નિકળે ત્યારે સમયને પાંખ આવે.આવું નિરાંતનું જીવન લલિતભાઈના ભાગ્યમાં હોય એ ખરેખર નવાઈ પમાય તેવી વાત હતી.
બચપનમાં ઘરમાં સહુથી મોટા એટલે પિતાને અને માતાને મદદ કરતાં. માતાનું વાક્ય સદા તેમના કાનમાં ગુંજતું. ‘ બેટા વાણિયાનો પહેલો, રાજાનો બીજો અને બકરીનું ત્રીજું હમેશા દુઃખી’! ‘મા, તું કેમ એવું કહે છે?”જો ને બેટા, તું છે મારો પહેલો અને સહુથી લાડલો પણ તારે કેટલું બધું કામ કરવું પડે છે. તું તારા નાનાભઈ અને બહેનને રમાડે. મને પાણી ભરવામાં મદદ કરે. તારા પિતાજી આવે એટલે તેમના હાથમાંથી શાકની થેલી રોજ તારે લેવાની. તેમને પાણીનો ગ્લાસ આપી તેમનો થાક ઉતારે.”મા, એ કાંઇ દુઃખ કહેવાય, મને આ બધું ગમે છે. ‘ હાં, હવે બાકીના બે માટે મને સમજાવ’!’ જો રાજાના બીજા દીકરાને કદી રાજગાદી પ્રાપ્ત ન થાય અને બકરીને બે આંચળ હોય. આગલા બે બધું દુધ માનું ધાવી જાય. ત્રીજું લવારું કાયમ ભુખ્યું હોય’!
હવે તેમને કોઈ ઉપાધિ રહી ન હતી. ફરીને ઘરે આવે , ગરમા ગરમ રસોઈ પ્રેમ પૂર્વક જમે. બંને વહુ સગી દીકરીઓની જેમ તેમનું બધું ધ્યાન રાખે. બપોરે તેમણે સૂવાની આદત પાડી ન હતી. જમ્યા પછી અડધા કલાકે મહારાજ સરસ અડધો કપ ચહા લઈ આવે. લલિતભાઈ નિકળી પડે, વરલી પરના અનાથ આશ્રમમાં. બાળકો માટે બિસ્કિટ અને ચોકલેટ તો સાથે હોય. ત્યાંના બાળકો માટે ભણવાની પાટી, પેન, નાની વાર્તાની ચોપડીઓ લઈ જતાં. તેમને વાર્તા કહી દિલ બહેલાવતાં
ગણિતના પલાખાં અને લખતાં શિખવાડતાં. તેમને ખૂબ આનંદ પ્રાપ્ત થતો. દરરોજ બાળકો સાથે બે કલાક પસાર કરવાના. લલિતભાઈનો રોજનો નિયમ થઈ ગયો હતો.ત્યાંથી સીધા જાય વૃદ્ધાશ્રમમાં. વૃદ્ધ લોકોની એક ખાસ ‘દવા’ તેમની સાથે કોઈ પ્રેમથી વાત કરે! ખબર નહી માણસ જુવાનીમાં ભૂલી જાય છે કે બુઢાપો આગે કૂચ કરી રહ્યો છે. તેની અવગણના કદી ન કરવી જોઈએ.
લલિતભાઈએ એકવાર શંકરાચાર્યનું ‘ભજ ગોવિંદમ” વાંચ્યું હતું. તેમાં સચોટ રીતે જણાવે છે, જ્યારે અંગો ગળી ગયા હોય, દાંત પડી ગયા હોય ત્યારે માનવની કશી કિંમત ઘરમાં કે સમાજમાં હોતી નથી. જ્યારે જુવાનીમાં પૈસા કમાય છે ત્યારે તેની જરૂરત બધાને જણાય છે.જુવાન તો હતાં તેથી બધું કામ ઉત્સાહ પૂર્વક કરવામાં મઝા આવતી. પૈસાની તો ખોટ હતી નહી. આત્મસંતોષ મળતો.
સાંજે ઘરે આવે ત્યારે બંને દીકરા આવી ગયા હોય. બાપ, બેટા સાથે બેસી આખા દિવસની ચર્ચા કરે. જો તેમને કોઈ પ્રશ્ન હોય તો ઉત્તર આપે. જમીને સહુ સાથે ટી.વી. જુએ કે લલિતભાઈ વાંચવા પોતાનાં રૂમ તરફ પ્રયાણ કરે.
માનસી અને રેવા વિચારે અરે, આ તો આખો દિવસ ઘરમાં! તેમની બધી વસ્તુઓનો ખ્યાલ રાખવાનો. લલિતભાઈ કદી તેમની એક પણ વાતમાં દખલ કરે નહી. ‘સાસુ’ નામનું ‘પ્રાણી’ તો ઘરમાં હતું જ નહી, જેથી કચકચ થાય. છતાં નવી દુલ્હનોને એમ લાગવા માડ્યું કે આ તો ૨૪ કલાક અમને ‘કનડગત’ છે.
જ્યારે વર્તનમાં સ્વાર્થની ગંધ આવે ત્યારે બધું વેરણછેરણ થાય. રાત પડે પોતાના પતિઓ સાથે પ્રેમની વાતો કરવી કે તેમની દિનચર્યા સાંભળવી તેને બદલે, ‘પપ્પાનું રામાયણ’ શરૂ કરે. પપ્પાને લીધે આમ ને પપ્પાને લીધે તેમ!’ બંને ભાઈઓ પપ્પાને ખૂબ સારી રીતે જાણતા તેથી તેમનો પક્ષ લે. સ્ત્રી ચરિત્ર કોણ સમજી શક્યું છે?’
તમને તો બસ તમારા પપ્પા વહાલાં છે.’રેવતી બોલી એટલે માનસીએ સાથ આપ્યો.
‘અમારી કશી કિમત નહી. તમારે માટે પિયર છોડ્યું, માતા પિતા છોડ્યા. શું અમે કશું જ નહી?’
હિમાંશુ કહે ‘અરે તમે તો અમારું સર્વસ્વ છો.
‘સુકેતથી રહેવાયું નહી. ‘ તમને ક્યાં ખબર છે, અમારા પપ્પા અને માધવી દીદીએ અમારા માટે કેટલો ભોગ આપ્યો છે?”
તેમાં શું ઉપકાર કર્યો? બધાના માબાપ કરે. તેમાં કાંઈ નવાઈ નથી કરી! ‘અરે ઘરમાં નોકર ચાકર છે, રસોઈઓ છે. તમને શું પપ્પાજી ઉંચકવા પડે છે?’
આજે તો બંને બહેનો ચૂપ થઈ ગઈ. સમજી ગઈ અંહી દાળ નહી ગળે. નવો પેંતરો અજમાવવો પડશે! વાતવાતમાં પપ્પાને વચમાં લાવી વાત શરૂ કરે!
‘એમને લીધે આમ કર્યું.’ એમને લીધે તેમ કર્યું’. પપ્પાને બલિનો બકરો બનાવવા માંડ્યા.
પથ્થર પર કાયમ પાણી ટપકે તો તેમા પણ ખાડો પડે! આ તો હાડચામના માનવી. તેમાંય નવી પરણેતરો રાત બગાડે એટલે ધીરે ધીરે પપ્પા તેમને પણ પત્નીઓએ ચિતર્યા તેવા પપ્પા દેખાવા લાગ્યા. તેમને હવે પપ્પા સાથે બેસી બહુ વાત કરવાનું મુનાસિબ ન લાગતું.
જમીને હજુ હાથ ધોયા નથી, ત્યાં પોતાના રૂમમા જતા રહે. માનસી અને રેવતી નોકરોને કામ બતાવી તેમના વરની પાછળ રૂમમાં ભરાઈ જાય.
લલિતભાઈ સવારથી સાંજ પડવાની રાહ જોતા હોય. તેમની ગમતી પ્રવૃત્તિ કરી સાંજના પાછાં ગાર્ડન જઈ ઘરે આવે કે હવે દીકરાઓ સાથે વાત કરશે. બજારના નવા સમાચાર મળશે. હજુ તો નિવૃત્તિને માંડ એક વર્ષ થયું હતું. ત્યાં બધું હવા થઈ ગયું.
સમજુ લલિતભાઈને લાગ્યું સમગ્ર ધંધાનો ભાર આ જુવાનિયાઓને થકવી નાખે છે. લાડકોડમાં ઉછર્યા છે. ભલેને બધી આવડત અને સૂઝ હોય પણ થાક લાગે એ સ્વાભાવિક છે. એમ માની કશું બોલે નહી. મનમાં તો ખૂબ ઉમંગ હોય દીકરાઓ સાથે બેસે ,વાતો કરે, ધંધાની પ્રગતિ વિષે જાણે.
તેમની પોતાની પણ એવી કાંઈ ઉમર ન હતી કે આખો દિવસ ‘રામનામ ‘જપે. ખેર, બાળકો મન હશે ત્યારે વાતો કરશે એમ મન મનાવ્યું. રેવા અને માનસી સાથે ખપ પૂરતી વાતો કરતાં. નવી નવેલી વહુઓને ગમે કે નહી તે હજુ કળી શક્યા ન હતા.
એક વખત લલિતભાઈ બોલ્યા કે, ‘કેમ તમે જમીને હવે બહાર દિવાનખંડમાં બેસતાં નથી?
”પપ્પા, તમારી સાથે શું વાત કરવી?”
‘કેમ ધંધાના સમાચાર આપો, શું નવી પ્રગતિ કરી તે જણાવો.’
સુકેતુથી રહેવાયું નહી , ‘પપ્પા હવે તમારી ઉમર થઈ ગઈ. તમને નવી આંટીઘુંટીની સમજ પડતાં વાર લાગે, ભલું એમા છે આપણે ધંધાની વાત ન કરતાં તમે હવે ‘ગીતા’ કે ભાગવત વાંચો.’!’
લલિતચંદ્ર કાપો તો લોહી ન નિકળે એમ સજ્જડ થઈ ગયા.’ માથું ખંજવાળવા લાગ્યા, આ કાલ સુધી દૂધ પીતા હતાં એ મારા દીકરાઓ બોલે છે. ડહાપણ એમાં લાગ્યું કે એક પણ અક્ષર બોલવો નહી. ખૂબ શાણા અને સજ્જન વ્યક્તિના આ લક્ષણ છે.
પુરુષ માણસ જલ્દી કુટુંબના કાવાદાવા સમજી શકે નહી! આ કળા સ્ત્રીઓને ભગવાને ખુલ્લા દિલે આપી છે. ધીર ગંભિર પુરૂષ કદી સ્ત્રીઓની ખટપટ કાને ન ધરે. તેને સાંભળ્યું ન સાંભળ્યું કરી વાતને વિસારે પાડે. નહિતર તેનું જે ભયંકર પરિણામ આવે તેનો સામનો કરવા તૈયાર રહે!
બે દિવસ પછી ઘરમાં કોઈ ન હતું એ સમયે માધવીને લંડન ફોન કર્યો. માધવી પણ સ્ત્રી હોવાને નાતે સમજી ગઈ આ કામ ભાઈઓના નહી તેમની ‘સુંદર પત્નીઓના’ છે. જે પતિને હથેળીમાં નચવી રહી છે.
‘પપ્પા, તમે કશું બોલતા નહી. તમે આપેલાં વચન પ્રમાણે લંડન આવવાની તૈયારી કરો. તમે અંહી આવો પછી આપણે સાથે બેસીને વિચાર કરીશું. હિમાંશુ અને સુકેત ભલે ધંધો સંભાળી શકતા હોય. ઘરગૃહસ્થી સરળ રીતે ચલાવવા માટે હજુ પરિપક્વ નથી. એમાંય માનસી અને રેવા બંને બહેનો છે.’
”સારું બેટા તું કહીશ તેમ કરીશ.’
‘હેં, પપ્પા તમે જ્યારે ધંધો ભાઈઓને સોંપ્યો ત્યારે મને તમે ભેટ આપેલી જાયદાદ અને મૂડીનું શું કર્યું હતું? હું તો લંડન હતી તેથી મને સંપૂર્ણ માહિતી નથી!”
બેટા, તારો બાપ છું. દીકરીની મિલકતને હું ન અડકું. બધી અકબંધ તારે નામે છે’.
‘પપ્પા, મારા વહાલા પપ્પા તમે ખૂબ સારા છો. મને ખૂબ વહાલા છો. હવે જલ્દી આવો.’
”સારું બેટા’! કહીને ફોન મૂક્યો. માધવી સાથે વાત કર્યા પછી તેમણે એ હળવાશ અનુભવી .લલિતચંદ્ર એ જાણે કશું બન્યું નથી એમ વર્તન કર્યું. તેમની સમજુ આંખોએ નોંધ લીધી બેમાંથી એકેય હવે ચહા પીવા વખતે કે નાસ્તા વખતે આજુબાજુ ન દેખાય. સારું હતું તેમનો જૂનો વફાદાર નોકર મોટા શેઠની માનપૂર્વક સેવા કરતો. નહાવાને માટે પાણીથી માંડી નાસ્તો અને જમવાનું બધું તેણે સંભાળી લીધું. નહાવા જાય ત્યારે ગિઝર ચાલુ કરે. કપડાંની ઇસ્ત્રી વિ. બધાની દેખરેખ રાખે. .
લલિતભાઈ હવે ખપ પુરતં બોલતાં. સમજી ગયા દીકરાઓ હવે તેમની પત્નીઓ પીવડાવે તેટલું પાણી પીએ છે. શાંત રહેવામાં માલ છે. માનસી અને રેવાને તો હવે ચાનક ચડી. બહુ ઉતાવળ કરીને લંડન જવું નથી. તેમને ખબર હતી ‘અધુરાં ઘડા છલકાય’. છોકરાઓની વાદે ન ચડાય.
રવિવારે સવારના નાસ્તો કરતાં લલિતભાઈએ વાત શરૂ કરી,’બહુ વખતથી માધવી લંડન બોલાવે છે. હું વિચાર કરું છું. જઈને મળી આવું?ચારેય જણા એકીસાથે બોલ્યા ,’ હા પપ્પા તમે લંડન ફરી આવો.
લલિતભાઈ તો ચારેયનો એક સૂર સાંભળી જરા વિચારમા પડ્યા!
‘હા, હું મળવા તો જઈશ પણ મને એમ હતું કે તમને ધંધામાં જો મારી જરૂર પડશે તો?’
લલિતભાઈ બાળકોની ચકાસણી કરતાં હતા.
‘પપ્પા તમે અમને ખૂબ સુંદર શિક્ષણ આપ્યું છે.’
‘ધંધાની આંટીઘુંટી અમે હવે સમજતા થયા છીએ.’
‘પપ્પા, તમે ક્યાં બહુ દૂર છો? ફોનની સગવડ કેટલી સરસ છે. કમપ્યુટર પર બધી વિગતો તમે તપાસતા રહેજો.’
‘હા, બેથી ચાર મહિનાનો તો સવાલ છે. મારે ક્યાં આખી જીંદગી ત્યાં ગાળવી છે!
લલિતભાઈના મગજમાં બીજી ગણતરીઓ ચાલતી હતી. દીકરા અને વહુના બદલાયેલા તેવરે તેમને મજબૂર કર્યા હતાં. વાણિયાભાઈ મગનું નામ મરી પાડે! તાવી જોતા હતાં જેથી તેમને ભવિષ્યનો વ્યૂહ રચવાની સમજ પડે.
આ તો નાની ઉમરે નિવૃત્ત થઈને સમાજ સેવા કરવી હતી. ભર જુવાનીમાં ઘરભંગ થયા હતાં. ઘણી ઉમેદો મનની મનમાં હિજરાઈ ગઈ હતી! ૬૦ વર્ષ થયા છતાં દિલોદિમાગ ૪૫વર્ષનાને શરમાવે તેવા હતાં.
ભર જુવાનીમાં નિવૃત્તિ લીધી રાસ ન આવી. પાછાં પ્રવૃત્ત થવાના સંકલ્પ સાથે પથારીમાં લંબાવ્યું!
લલિતચંદ્રનો સ્વભાવ સરળ છે. સાથે, સાથે તેઓ મહેનતુ પણ છે. ધંધામાં તેમની સુઝબુઝ સારી એવી હોવાને કારણે એક સફળ વેપારી બન્યાા હતા. ઈમાનદારી પૂર્વક ધંધો કરતાં તેથી સફળતાનાં શિખર ઝૂઝ વર્ષોમાં સર કર્યા. સમાજમાં માનપાન અને ઈજ્જત્ત મળ્યા હતા. દિલમાં માનવ સેવા કરવાની સદભાવના જાગૃત થવાને લીધે તેમણે ધંધામાંથી વહેલી નિવૃતિ લઈ લીધી. ધંધાની પુરી દોર બંને દીકરાને સોંપી નિશ્ચિંત થયા. માનવસેવા એ જ પ્રભુસેવા ગણાય એવી તેમની માન્યતા હતી.
આ માર્ગ પર ચાલતાં તેઓ દીકરા અને વહુઓથી દૂર થતા ગયા. સમાજમાં તેમની પ્રતિષ્ઠા છે. જ્યારે ઘરમાં તેમની કોઈને પડી નહતી. દીકરા,વહુઓ તેમના પ્રત્યે લાપરવાહ બની ગયા. પોતાની ચણેલી અને સજાવેલી મેડીમાં તેમને પરાયાપણું લાગવા માંડ્યું.
લલિતચંદ્રના દિલમાં તેમના વહાલસોયા પુત્રોએ દર્દ ઉભુ કર્યું છે. તેમની જીવનસાથી રમીલા સમય કરતા વહેલી તેમને છોડીને ચાલી ગઈ હતી. જીગરના ટુકડા સમાન પ્રિય પુત્રી પરણીને સાસરે વિદાય થઈ દૂર પરદેશમાં વસી છે. પુત્રો અને પુત્રવધુઓ પરાયા જેવું વર્તન કરી રહ્યા છે. આમ લલિતચંદ્ર દુખના મહાસાગરમાં ડુબી ગયા છે. છતાં પણ તેઓ હિંમત નથી હાર્યા. જીવનમાં ગમે તેવા સંજોગો આવે, પરિસ્થિતીનો સામનો કરવો પડે છે. જીવન એક મહાસંગ્રામ કહેવાય છે. તેમાં સુખ,દુખ જેવા દ્વંદો આવવાના નક્કી છે. જીવનની આ લડાઈ સહુએ એકલા હાથે જાતે લડવાની હોય છે. તેનો સામનો કરીને, તેમાંથી રસ્તો શોધીને દરેક મનુષ્યએ આગળ વધવાનું હોય છે. લલિતચંદ્ર તેમના મજબૂત આત્મબળ અને સમાજ સેવાની ભાવનાને કારણ ટકી રહ્યા છે. સમાજ સેવાથી તેમના દિલને ખુશી પ્રાપ્ત થાય છે. અંતઃસ્તલમાં આનંદનુ ઝરણુ વહે છે. જેને કારણ તેમના મનના ખુણામાં શાંતિ પ્રસરી હોવાથી તે જીવન જીવી રહ્યા છે.
દીકરીની ઈચ્છા છે ડેડી લંડન આવે! લલિતચંદ્રએ વિચાર્યુ દિકરીનો બહુજ આગ્રહ છે તો તેના મનની ખુશીને ખાતર તેને મળવા જવું. તેમને પણ જીવનમાં જે વાતાવરણ ઉભુ થયું છે તેમા જીવ ઘુંટાઈ રહ્યા નો અનુભવ થાય છે. થોડી રાહત મળશે, દીકરીનો સ્નેહ પમાશે એમ વિચારીને લંડન જવાનુ નક્કી કર્યું. સીધા તેમના ટ્રાવેલ એજંટની ઓફિસમાં પહોંચ્યા.
ટ્રાવેલ એજંટ, લલિતચંદ્રને પોતાની ઓફિસમાં આવેલા જોઈને તરત ઉભો થઈને બોલ્યો,
“ આવો સાહેબ આવો, આપે શું કામ તકલીફ ઉઠાવી મને ફોન કર્યો હોત તો હું આપની સેવામાં હાજર થઈ જાત. આપ મારી ઓફિસમા પધાર્યા, જોઈને ઘણી ખુશી થઈ. આપ શું લેશો ? ઠંડું કે ગરમ, ચાય-કોફી શું મંગાવું ? આપની શુ સેવા કરું ? ફરમાવો.”
“ આપનો ખુબ આભાર. કોઈ ઔપચારિકતાની જરૂર નથી. મારે લંડનની એક ટિકિટ બુક કરાવવાની છે.”
“ સાહેબ ટિકિટ તો થઈ જશે. આપ પહેલી વખત મારી ઓફિસમાં આવ્યા છો. કાંઈ લીધા વીના ન જવાય. તેણે પ્યુનને બોલાવીને બે કોફી મંગાવી .” કોફી આવી એટલે તેને ન્યાય આપ્યો.
બે અઠવાડિયા પછીની ટિકિટ બુક કરાવી લંડનના વીઝા પણ લેવાના હતા. ટિકિટ હાથમાં આવી એટલે બે દિવસ પછીથી લંડન જવા માટેના વિઝિટર વીઝા પણ લઈ આવ્યા. હવે શોપિંગ બાકી હતું ઘણુ બધું શોપિંગ કર્યું. દીકરીના ઘરનુ પાણી પણ ન પીવાય એવું માનનાર બાપ, જ્યારે આ તો તેને ઘરે ચાર મહિના રહેવાનુ છે. માટે તેમણે સારા એવા રૂપિયાના પાઉન્ડ કરાવી લીધા. પાઉન્ડ ખર્ચા માટે ચાલશે. વધશે એ બધા મારી દીકરીને આપી દઈશ. સાથે થોડા રૂપિયા લેવાના નક્કી કર્યા જે જરૂર પડ્યે ત્યાં વટાવી લેવાય . બધી તૈયારી કરી લીધી.
લલિતચંદ્રએ માધવીને ફોન કરી પોતાની આવવાની તારીખ જણાવી દીધી. લલિતચંદ્રએ તેને પુછ્યું બેટા અહિંયાંથી કંઈ જોઈએ છે ?
“ ડેડી મારે કંઈ નથી જોઈતું, લંડનમાં બધું મળે છે. બસ મારી પાસે ડેડી નથી તમે જલ્દી આવી જાવ”.
માધવી તો ડેડી આવવાના છે, જાણીને ઘણી ખુશ થઈ ગઈ. હરખ ઘેલી હવામાં ઉડવા લાગી. તેના આનંદનો અવધિ ઉછળી રહ્યો.
લલિતચંદ્રએ લંડન જવાની બધી તૈયારી ઉમંગભેર ચાલુ કરી દીધી. દિલમાં આનંદ ઉમટી રહ્યો છે. બેગ પેક કરવાની હતી. દિકરી, જમાઈ અને બાળકો માટે મન મૂકીને ખરીદી કરી. પોતાના માટે પણ થોડા નવાં કપડાં ખરીદ્યાં. લડંનની ઠંડીથી બચવા ગરમ મોજાં, ટોપી, હાથના મોજાં, શૉલ,સ્વેટર વગેરે ભૂલ્યા વગર લીધા. મુંબઈમાં બહુ ઠંડી પડતી નથી એટલે ઉનના ગરમ કપડાંની ક્યારેય જરૂર ન પડે! ગરમ કપડાં હતા છતાં નવાં ખરીદી શોખ પૂરો કર્યો. સુટ તો ઘણા હતા તેમાંથી સારા બે સુટ પણ બેગમાં મુકી દીધા. યાદ કરીને જરૂરિયાતની બધી વસ્તુ બેગમાં પેક કરી. ત્યાં જઈને દીકરીને તકલિફ ન આપવી પડે. દીકરા-વહુઓ તો ડેડી લંડન જવાના એટલે ઘણા ખુશ છે. તેમને સંપુર્ણ આઝાદી મળવાની હતી.
આખરે જવાની ઘડી આવી ગઈ. લલિતચંદ્રના મિત્ર તેમને એરપોર્ટ મુકવા આવ્યા. એરપોર્ટની બધી પ્રાથમિક વિધી પૂરી થઈ. બ્રિટિશ એરવેઝ લંડન જવા માટે રવાના થયું. જેમાં લલિતચંદ્ર સફર કરી રહ્યા છે.
દીકરા-વહુઓ ડેડી ગયા તેની ખુશીમાં પાર્ટી મનાવી રહ્યા. તેમની ખુશી બેવડી થઈ ગઈ. બંને પુત્રવધુ ઘરમાં કીટી પાર્ટીઓ, ક્લબોમાં જવાનુ, ડાન્સ એન્ડ ડીનરમાં ગુલતાન રહેતી. તીન પત્તી અને બ્લેક જેક રમતા શીખી ગઈ. પૈસાની ચમક, સહેલીઓમાં પૈસાની હરિફાઈ, ખોટા શૉ ઓફ ચાલુ થયા. સુખ,વૈભવ અને પૈસાના નશામાં બંને બરબાદીના રાહ પર ચાલી રહી છે તેનું ભાન નથી રહ્યું.
રવિવારનો દિવસ હોવાને કારણે બંને બાળકો, દીકરી અને જમાઈ લલિતચંદ્રને હિથરો એરપોર્ટ લેવા માટે આવ્યા. તે બહાર આવ્યા એટલે દીકરી,જમાઈ અને બાળકો તેમને પગે લાગ્યા. લલિતચંદ્રએ બંને બાળકોને વારાફરથી ગોદમાં ઉઠાવ્યા. બાળકોએ નાનાજીને મીઠી પપ્પી આપી. લલિતચંદ્ર માટે આ ક્ષણ અતિ મુલ્યવાન હતી. લલિતચંદ્રએ બંને બાળકોને ચુમી લીધા. આંખના ખુણા ભિંજાયા. દીકરી અને જમાઈને આલિંગન આપતાં ત્રણેયના દિલમાં આનંદ અને શાંતિની લહેર દોડી ઉઠી. ખુશીમાં ત્રણેયની આંખમાં હર્ષના અશ્રુ મીઠું ઝરણુ બનીને વહેવા લાગ્યા.
માધવીની ગાડી લલિતચંદ્રને લઈ ‘હેરો ઓન ધ હીલ’ એરિયામાં આવી. રહેવા માટે સારો પૉશ એરિયા ગણાય છે. ઘર પણ મોટું છે. સુંદર સવાર થઈ છે. સૂર્યનારાયણ પણ તેમની સવારી લઈને આવી ગયા છે. ફ્રેશ થઈને રસોડાના કોફી ટેબલ પર બધા ચા-નાસ્તો કરવા બેઠા. બંને બાળકો નાનાજીની આગળ પાછળ ઘુમી રહ્યા છે. લલિતચંદ્રનુ બધું જ દુખ ક્યાંય હવામાં ફુર થઈ ઉડી ગયું. બેકયાર્ડમાંથી આવતા સૂરજ કિરણોની લાલીમા છવાઈ મનની અંદર ઉર્જા ભરી રહી છે. મનને એકદમ હલકુ કરી દે તેવું શાંત સુંદર વાતાવરણ સર્જીને દિલમાં એક નવી આશાનુ કિરંણ ખીલી ઉઠ્યું છે. ત્રણેય જણા જીવનમાં જે દુખ સતાવી રહ્યું છે તે બિલકુલ ભુલીને આ મધુર ક્ષણને માણી રહ્યાં છે.
ચા,નાસ્તો પતાવીને બધા લીવીંગ રૂમમાં બેઠાં. એક બીજાના ખબર અંતર પુછીને હળવાશ અનુભવે છે. નાનાજી બાળકો સાથે રમી રહ્યા છે.
“ ડેડી તમે ઉપર બેડરૂમમાં જઈને આરામ કરો, મુસાફરીથી થાકી ગયા હશો? આરામ કરી લો પછી આખું ઘર તમને બતાવીશ.”
“ ના બેટા બેઠો છું , પ્લેનમાં મેં આરામ જ કર્યો છે ને? “
માધવી અને અજીતના અતિ આગ્રહથી તે આરામ કરવા માટે ઉપર બેડરૂમમાં ગયા. તેમનો બેડરૂમ ખૂબ શુશોભિત હતો. દરેક વસ્તુની સુંદર સજાવટ, મન લોભાવન અને દિલને મોહિત કરે તેવી હતી. દિવાલ ઉપર લટકતી રાધાક્રિષ્ણની ઝુલાપર ઝુલતી સુંદર ફ્રેમ. બરાબર નજરની સમક્ષ પર્વત પરથી મંદ વહી રહેલ ઝરણા્નું ચિત્ર, દિલ અને દિમાગને શાંતિ આપે તેવી લાઈટની વ્યવસ્થા. સુગંધીદાર રૂમ સ્પ્રેની ખુશ્બુ મહેકીને મન આરામેમ અને શાંતિ અનુભવી રહ્યું છે. રૂમની સુંદર સજાવટ , માણસને ગમે તેટલો મગજનો બોજ હોય યા થાક લાગ્યો હોય આ રૂમની અંદર ક્યાં ગાયબ થઈ જાય તેની ખબર ન પડે. મનની અંદર શાંતિ પ્રસરી ગઈ. લલિતચંદની આંખ બંધ થઈ ગઈ અને મીઠી નીંદર આવી ગઈ.
બપોરે એક વાગ્યો, લલિતચંદ્રની આંખ ખુલી નીચે આવ્યા. બપોરનુ ભોજન તૈયાર હતું. માધવીએ હલકું ભોજન બનાવ્યું હતું. નાનાજી નીચે આવ્યા તેથી બંને બાળકો ખુશ થઈ ગયા. ઘર આનંદ અને બાળકોની દોડધામથી ગુંજી ઉઠ્યુ. ભોજનની મોજ માણ્યા પછી બંને બાળકો નાનાજીની આંગળી પકડી માધવીની સાથે ઘર બતાવવા માટે ઉભા થયા. માધવીએ ઘરની દરેક રૂમ સુંદર રીતે સજાવી હતી. જેને કારણે ઘર અતિ સુંદર આકર્ષક દેખાતું.
બાળકોને તેમની રૂમમાં મોકલ્યા. આગળ શું કરવુ તેનો બધો પ્લાન ગોઠવી દીધો. ડેડી રહેવાના છે એટલે સમય તો ઘણો છે. છતા પણ દરેક પ્રોગ્રામનો પ્લાન કરવો પડે તો કાર્ય વ્યવસ્થિત રીતે સફળ થાય. અજીતના કાકા નિવૃત હતા. તેમના બધા ધંધા તેમના દિકરા વહુઓ સંભાળે છે. માર્ગ દર્શન આપે, ધંધાની પુરી દોર તેમના હાથમા છે. માધવી અને અજીતે કાકાને પાંચ મહિના તેનો સ્ટોર સંભાળવા માટે કહ્યુ હતું તેઓ સ્ટોર પર બેસીને સ્ટોર ચલાવશે. માધવી વચ્ચે સમય મળશે ત્યારે જશે એવું નક્કી કરેલું છે. સ્ટોરની ચિંતા નથી. માધવી ડેડીને બધે ફરવા માટે લઈ જઈ શકે. લંડન અને યુરોપ ફરવા જવાનો પ્લાન બનાવી લીધો. યુરોપ જવા માટે અજીતે પણ જૉબ પર રજા મુકી દીધેલ છે. બાળકોને સ્કુલમાં રજાઓ હોય ત્યારે જ યુરોપ જવું જેથી તેઓ પણ નાનાજી સાથે મઝા કરી શકે. સૌથી પહેલાં લંડનમા બધે ફરવું બાદમાં યુરોપ.
માધવીનો સ્ટોર વેમ્બલીમાં ઈલીંગ રોડ પર છે, ઘરથી બહુ દુર નથી. સૌથી પહેલાં તે ડેડીને અહિયા લઈને આવી, પોતાનો સ્ટોર બતાવ્યો. અહિંયાની સ્ટોર ચલાવવાની રીત બધુ સમજાવ્યુ. લલિતચંદ્ર એક સફળ અને કુશળ વેપારી છે. વગર કહે જોઈને બધુ સમજી જાય એમ છે. માધવીએ એક પછી એક બધા સ્ટોર એમ આખુ ઈન્ડિયન માર્કેટ બતાવ્યુ. આ સૌથી જુનું અને જાણીતું માર્કેટ છે. આ એરિયામા આપણે ઈન્ડિયામાં ફરતા હોઈએ એવું લાગે. રેડીમેઈડ કપડાં અને સાડીના સ્ટોર,વાસણના સ્ટોર,ગ્રોસરી અને શાક્ભાજીના સ્ટોર, જંકફુડની રેસ્ટોરંટ જ્યાં ભજીયા તેમજ બટેટાવડાથી માંડી બધું જંકફુડ ઈન્ડિયાની જેમ મળે . હિન્દુ મંદિર છે જ્યાં બધાજ ભગવાન બિરાજમાન છે.
બીજા અઠવાડિયે માધવી ડેડીને ગ્રીન સ્ટ્રીટ, ઈસ્ટ લંડન અને લેસ્ટર લઈ ગઈ. બીજો એરિયા જ્યાં આપણા ઈન્ડિયન રહે છે. શોપિંગ માટેનો સરસ માર્કેટ એરિયા છે .બાદમા સાઉથ હૉલ લઈ ગઈ જ્યા પંજાબી વધારે રહે છે. આમ ઈન્ડિયન લોકો રહેતા હોય અને ઈન્ડિયન શોપિંગનો માર્કેટ એરિયા બતાવ્યા. માધવી જ્યારે આ બધા સ્ટોર બતાવતી હતી ત્યારે ડેડીને ઉદાસ અને દુખી થતા જોયા. માધવીએ તેમના મૉઢા સામે જોઈ અને સવાલ કર્યો ડેડી આજે કેમ તમે અપસેટ દેખાવ છો ?
“ ના બેટા એવું કંઈ નથી, ખાલી તું મારી ચિંતા કર્યા કરે છે”
‘ ના ડેડી કોઈ તો વાત છે જે તમને અંદર ને અંદર ખાયે જાય છે, ડેડી તમને મારા સમ છે .સાચું કહો શું વાત છે? તમે બોલો તો કોઈ રસ્તો નીકળે! એકલા એકલા શું કામ મુંઝાવ છો. તમારા દુખ મારી સાથે વહેંચો તમારા મનનો અડધો બોજ ઓછો થઈ જશે. દીકરી સાથે ફક્ત સુખ ના વહેંચશો, દુખમા પણ મને ભાગીદાર બનાવો.”
છતાં પણ લલિતચંદ્ર ચુપ રહ્યા. આંખમાં ઝળઝળીયા આવી ગયા. માધવી તરત જ બોલી કોઈ વાંધો નહી ડેડી અત્યારે નહી આ બાબતે આપણે ફરી કોઈ વખત ચર્ચા કરીશું. ઘરે આવ્યા જમી પરવારી જ્યારે માધવી સુવા માટે ગઈ ત્યારે તેણે અજીતને બધી વાત કરી. અજીતે કહ્યું કંઈ નહી માધવી ફરીથી મોકો જોઈને આપણે તેમને વાત કરશુ. બધું વિગતવાર પુછી જોઈશું. માધવી કહે,’ મને ખબર છે આ બધાનું કારણ મારા બન્ને ભાઈ અને ભાભી જ હોય બીજુ કોઈ નહી!
માધવીના શ્વસુર પક્ષના બધાં સગાંવ્હાલાં લંડનમાં રહેતાં. માધવી ઘણા વખતથી લંડનમા રહે માટે તેઓનુ મિત્ર-મંડળ પણ વધારે હોય તે સ્વભાવિક છે. જેને કારણે અવાર નવાર કોઈને કોઈ પાર્ટી યા ફંક્શનમા જવાનુ થાય. પાર્ટી કે ફંક્શનમાં માધવી અને અજીત ડેડીને સાથે લઈ જાય. તેમનો સમય પસાર થાય અને ઓળખાણ પીછાણ થાય જેથી ડેડીને પણ સારું લાગે. જ્યાં પણ જવાનું હોય તે બધી જગ્યાએ કારમાં ડેડીને લઈને જાય. માધવીએ વિચાર્યુ, હવે ફરવાની જગ્યાઓએ ટ્રેનમા લઈ જઈશ જેથી ડેડી અહિંયાની ટ્રેનની વ્યવસ્થાની મોજ માણી શકે. માધવીએ નક્કી કર્યું કોઈ પણ જગ્યા બાકી નથી રાખવી. લલિતચંદ્રને પણ સારું લાગે છે. દિકરી અને જમાઈ પ્રેમાળ તેમના માસુમ બે ભુલકાં ! ઈન્ડિયા યાદ આવે પરંતું અહિયા આ બધાની સાથે શાંતિ લાગે છે.
રજાના દિવસે સૌથી પહેલાં બકીંગહામ પેલેસ જોવા માટે નીકળ્યા. તેની ભવ્યતા અને સીક્યોરેટી જોઈ લલિચંદ્રને ખુશ થયા. અતિ ભવ્ય પેલેસ ગમ્યો. બહાર લંચ કર્યું સમય હતો એટલે ચાલતા ચાલતા આજુબાજુ થોડી લટાર મારી અને બારીકાઈથી બધું જોયું.
“ માધવી આપણા ઈન્ડિયામાં રાજાના મહેલ ઘણા ભવ્ય હોય છે. આપણો દેશ પણ કંઈ કમ નથી.”
“ હા, ડેડી તમે તદ્દન સાચી વાત કરી. “
બીજા વીકેન્ડમાં લગ્નમાં જવાનુ હતુ. ઈન્ડિયા જેવી જ પદ્ધતીથી લગ્ન લેવાયા હતા. ફક્ત રિશેપ્શનમા ફરક હતો. લલિતચંદ્રને આવ્યે ત્રણ અઠવાડિયા થઈ ગયા. દિવસો તો ખૂબ ઝડપથી પસાર થતા હોય તેમ લાગતું. માધવીને લાગ્યું પપ્પા હવે લંડનના રહેવાની ઢબથી ટેવાતા જાય છે. જ્યારે સમય હોય ત્યારે અજીતના કાકા ઘરે બેસવા માટે આવે યા તો અજીત ડેડીને લઈને તેમને ઘરે બેસવા જાય. એ બહાને લલિતચંદ્રને સમઉમરના વ્યક્તિ સાથે કંપની મળી રહે અને સારું લાગે!
એક પછી એક બધા સ્થળો જેવાં કે આઈ ઓફ લંડન (લંડન આઈ), લંડન બ્રીજ , વેક્સ મ્યુઝીયમ, બીગબેન્ગ અને આજે ટાવર ઓફ લંડનમાં મ્યુઝીયમ જોવા માટે આવ્યા. કોહિનુર હીરો જોઈને તેમને ઈન્ડિયાની યાદ આવી ગઇ. માધવીના કાનમાં ધીમેથી બબડ્યા, અંગ્રેજો ચોરી કરીને કોહિનુરનો હીરો હિન્દુસ્તાનથી લઈ આવ્યા અને પાછા પોતાના બાપનો માલ હોય એમ મ્યુઝીયમમાં મુક્યો છે. કેટલા બેશરમ !માધવી ડેડીનો ગુસ્સો જોઈ હસવા લાગી.
“ હા ડેડી, આખી દુનિયા જાણે છે, આ કિમતી કોહિનૂરનો હીરો હિન્દુસ્તાનનો છે”.
દિવસો પસાર થતા જાય છે. માધવી અજીતને વાત કરે છે. “ અજીત ડેડીની ઉંમર એટલી પણ નથી વધી ગઈ કે ફરીથી ધંધો ચાલુ ન કરી શકે? મારી ઈચ્છા છે, ડેડી ફરીથી ધંધો ચાલુ કરે. આપણે બંને તેમને સમજાવીશું તે માની જશે. અત્યારે જે પરિસ્થિતીમાંથી ડેડી ગુજરી રહ્યા છે તમાં એકલતા મુખ્ય ભાગ ભજવે છે. તેમને અંદરથી કોરી ખાય છે. ધંધામાં મન પરોવાશે એટલે તેમને એકલતા નહી સતાવે.”
‘ હા માધવી તૂં તદન સાચી વાત કરે છે. ધંધો જ તેમનો સાથી બનશે. “
એક દિવસ રાત્રે જમીને બેઠાં હતા ત્યારે માધવીએ વાતની શરૂઆત કરી,
‘ડેડી મારો અને અજીતનો વિચાર છે. ઈન્ડિયા પાછા જઈને તમે ફરીથી ધંધો ચાલુ કરો. હું, મારા ડેડીને આવી રીતે દુખી અને નિરાશ નથી જોઈ શકતી. મારા ડેડી આવા ક્યારેય ન હતા. અમે તમારું ફરીથી એજ લલિતચંદ્રનુ રૂપ જોવા માગીએ છીએ. ‘
લલિતચંદ્ર આનાકાની કરવા લાગ્યા,’ બેટા મેં સેવાનો માર્ગ અપનાવ્યો છે. તે માર્ગ ઉપર ચાલવા માગું છું. મારે ફરીથી હવે એકડે એક નથી ઘુંટવો.’
“ ડેડી તમે ધંધામાં ખૂબ પાવરફુલ છો. તમારા માટે ફરી ધંધો ચાલુ કરવો રમત વાત છે!”
“ હા ડેડી અજીતની વાત સાથે હું સહેમત છું. દિકરા અનેવહુઓને બતાવી આપો લલિતચંદ્ર હજુ કમજોર અને લાચાર નથી. આ ઉંમરે તે બંને છોકરીઓને શરમાવે તેવો વેપાર કરી શકે એવી તાકાત ધરાવે છે. મારા નાલાયક બે ભાઈ અને ભાભીઓએ તમારી આ હાલત કરી છે. ડેડી હું અને અજીત તમારી સાથે છીએ. તમે એકલા નથી. જીવનની ગમે તેવી પરિસ્થિતીમાં પણ અમે હમેશાં તમારી સાથે હોઈશું .અમે તન,મન અને ધનથી તમારી મદદ કરીશું. હું ઈન્ડિયા આવીશ. આપણે ફરીથી નવો વેપાર ચાલું કરશું. ડેડી તમને મેં કેટલી ના પાડી હતી ધંધો ભાઈઓના હાથમાં ન સૉપી દેશો! તમે મારુ માન્યુ નહી અને આજે તમારી આ હાલત થઈ છે.”
“ બેટા કર્મના લેખા કોણ મિટાવી શકે ? મારા ભાગ્યમાં આ રીતે લખાયું હશે. ત્યારે તો કુદરત આ જાતનો નિર્ણય લેવા માટે સંકેત કર્યો હતો. બધું જન્મ લેતા પહેલાં લખાઈ ગયેલુ હોય છે. ઈશ્વર આપણા ભાગ્યમાં જે લખ્યુ હોય તે પહેલેથી ગોઠવી રાખે છે! આપણે ગમે તેટલી હોંશિયારી કરીએ જે થવાનુ હોય તે થઈને જ રહે છે. તેનો હર્ષ યા શોક ન કરવો જોઈએ. મને પૈસાની નથી પડી, મારા પુત્રોનો મારા માટે પ્રેમભાવ ઓછો થઈ ગયો એનુ મને દુખ છે. જીવનમાં ધનદોલત ઓછી હોય તો ચાલે પરંતું માણસ પ્રેમ વીના ન જીવી શકે. પ્રેમ વીના જીવન ખાલી ખાલી લાગે, પ્રેમ વીના જીવનનો કોઈ અર્થ નથી રહેતો! “
લલિલચંદ્ર બોલતા હતા પરંતુ તે બહુજ દુખી હતા. તેમના દિલમાં ગહેરું દર્દ છુપાવીને બેઠા હતા. તે દર્દ બહાર લાવવા માગતા ન હતા. છતાં પણ હોંશિયાર માધવીએ તેની ચકોર દ્રષ્ટિ અને તેજ દિમાગને કારણ ડેડીનુ મન અને દિલ વાંચ્યું! ચાલાક માધવી સમજી ગઈ. ડેડીને કહ્યું, ડેડી આજે તો તમારે બોલવું જ પડશે તમે આટલા બધા ઉદાસ કેમ રહો છો ? ત્યારે લલિતચંદ્રના મૌનના બંધ તૂટી ગયા. દિલ ભાંગી પડ્યું, બોલતાં ગળામાં ડુમો ભરાઈ ગયો. મૉઢામાંથી અવાજ બહાર નથી નીકળી શકતો. માધવી ઉભી થઈ પાણી લઈ આવી. અજીત ડેડીના વાંસે હાથ ફેરવવા લાગ્યો, માધવીએ પાણી પીવડાવ્યું. ડેડીને શાંત કર્યા અને સમજાવ્યા. ડેડી, અજીત અને હું તમારી સાથે છીએ. તમે એકલા છો એમ ન માનશો. દિલમા જે હોય તે કહી નાખો, મન હળવું થઈ જાય.”
લલિતચંદ્રએ આખરે માધવીને વાત કરી,” બેટા જ્યારેતું ફોન પર મારા ખબર અંતર પુછે ત્યારે તને દુખ થાય એટલે હુ જણાવતો ન હતો. દુખનો ઘુંટ હું પી જતો હતો. મારે મારુ દુખ તને કહીને તને દુખી કરવી ન હતી. લલિતચંદ્રએ દિકરા અને વહુનુ તેમની તરફ જે વર્તન છે, જે કનડગત અને દુરવ્યહવાર કરે છે તે બધી જ વાત વિગતવાર કરી. પહેલી વખત તેમણે મૉ ખોલ્યુ.”
માધવીને પહેલાં શક હતો હવે પાકી ખાતરી થઈ ગઈ. બંને ભાઈ અને ભાભીઓ પિતાને બહુ હેરાન કરે છે. જેને કારણે ડેડી આટલા બધા દુખી રહે છે. દુખ વહેંચે તો કોની સાથે ? સુખ દુખની સાથી મારી મમ્મી તો છે નહી. ‘ડેડી હવે તો તમારે ધંધો ચાલુ કરવો જ પડશે. હું અને અજીત તમારી સાથે જ છીએ,ધંધા માટે તમારે હવે ના નથી કરવાની.’
દીકરી અનેજમાઈના આગ્રહ અને પ્રેમ આગંળ એક પિતા ઝુકી ગયા. ફરીથી વેપાર ચાલુ કરવા માટે તૈયાર થયા. સાથે બેસીને ધંધાની બધીજ યોજના ઘડી લીધી. નક્કી થયું પાછા જઈને ધંધો ચાલુ કરવો. લલિતચંદ્ર વિચારમાં ડૂબી ગયા. દીકરાઓ કરતાં દીકરી કેટલી સમજદાર છે. એક દુખી બાપના હૈયાને વાંચી શકે છે જ્યારે દીકરા બાપને નથી સમજી શકતા.
જમાઈ પારકો દીકરો હોવા છતા પણ મને સમજે છે. મને દુખમાં સાથ આપવા તૈયાર છે. ડેડી, ડેડી કરતાં તેની જીભ નથી સુકાતી. મારું કેટલું ધ્યાન રાખે છે. ડેડી રાત્રે ઉંઘ બરાબર આવીને ? ડેડી તમને અહિંયાં ગમે છે ને ? ડેડી છોકરાં તમને તંગ તો નથી કરતાં ને ? આમ દરેક બાબતમાં મારું ખાસ ધ્યાન રાખે છે.
ઠંડી ઓછી થઈ. માર્ચ મહિનો આવ્યા એટલે યુરોપની બધી ટુરીસ્ટ જગ્યાઓ ખુલી જશે. બાળકોને સ્કુલમાં સમર વેકેશન પડશે. અજીતે તો રજા માગી લીધેલી છે. તેની રજાઓ મંજુર પણ થઈ ગઈ છે. છોકરાંને યુરેલ ટ્રેન અથવા તો કોચમાં જવું હતું. ડેડીને વધારે તકલીફ ન પડે એટલે બધાએ ફ્લાય થવાનુ વિચાર્યું. હોટેલ, ટેક્ષી અને ફ્લાઈટનુ ઘરેથી ઓન લાઈન બુકિંગ કરાવી લીધું એટલે સમય બચે અને વધારે જગ્યાઓ શાંતિથી જોઈ શકાય. રોમ, પેરિસ, ઈટલી અને સ્વિત્ઝરલેન્ડ જવાનુ હતું. લલિતચંદ્રએ યુરોપના બધાજ ખર્ચા માટે માધવીને પાઉન્ડ આપ્યા. માધવી અને અજીતે કેટલી બધી આનાકાની કરીને ના પાડી છતાં પણ લલિતચંદ્ર ન માન્યા. તેમણે કહ્યું તમે બધાજ મારા સંતાન છો. બધાને હું ફરવા લઈ જવા માગું છું દિકરી તુ આ દુખી બાપની એટલી પણ ઈચ્છા પુરી નહી કરે ? બોલતાં બોલતાં તેમની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં. અજીત અને માધવી ડેડીની આંખમાં આંસુ જોઈને તરત જ બોલ્યા, ‘ભલે ડેડી તમે અમને બધાને ફરવા માટે લઈ જાવ બસ.’
નક્કી કરેલ દિવસે યુરોપ ફરવા જવા માટે એરપોર્ટ ટેક્ષીમાં રવાના થયા. દશ દિવસ ફરવાનુ છે. સમય તો પુરતો છે. કોઈ જ્ગ્યા ઐતિહાસિક છે તો કોઈ ચમક દમકથી ભરેલ. કોઈ શહેરની સુંદરતા, કોઈ કુદરતી સૌન્દર્યથી ભરપુર, માનો સ્વર્ગ ધરતી પર ઉતરી આવ્યું છે. કુદરતી સૌન્દર્ય માણતાં લલિતચંદ્રને રમીલાની યાદ આવી ગઈ. આજે રમીલા મારી સાથે હોત તો કેટલી બધી ખુશ થઈ જાત . જીવનસાથી સાથે કુદરતી સૌન્દર્ય માણવાની મઝા કંઈ નીરાલી છે. સ્વિત્ઝરલેન્ડના સૌન્દર્યને લખવા માટે શબ્દો પણ ખુટી પડે. બર્ફીલા પર્વત, હરિયાલી વાદીયાં, ખુશનુમા હવાની લહેર, સૌન્દર્યને માણતાં નયન ત્યાંથી હટતાં નથી. દિલમાં આનંદની લહેર દોડીને મનને તૃપ્ત કરી દે છે.નાના-મોટા બધાને ખુશી થાય છે. પરંતું આ ટુરની ખુશી ક્ષણિક કહેવાય. ખુશીનો નશો થોડા સમય પુરતો રહે. ઘરે પાછા જઈએ એટલે બસ તેની યાદ બાકી રહી જાય.
માણસ સંસારી કામ કાજમાં રત રહે . આજના યુગમાં માનસિક તણાવમાં બધા જીવતા હોય એટલે આ ક્ષણિક સુખ પણ જરૂરી છે . લલિતચંદ્ર જેવા વ્યક્તિને તો ખાસ જરૂરી હતું!લલિતચંદ્ર, દીકરી, જમાઈ અને બાળકો સાથે છે એટલે તેમની ખુશી અનેક ગણી દેખાય છે. માધવી ડેડીને ખુશ જોઈ મનમાં સંતોષ પામે છે. સારું થયું હું, ડેડીને લઈ ફરવા આવી. ડેડી કેટલા ખુશ દેખાય છે. યુરોપ ટુરમા મન ભરીને ફર્યા. મન ગમતું શોપીંગ પણ કર્યુ. નાનાજીએ બાળકોને મન પસંદ ભેટ લઈ આપી. ફરવાની સમય મર્યાદા પુરી થતાં લંડન પાછા ફર્યા.
લલિતચંદ્રને ઈન્ડિયા પાછા જવાનો સમય નજીક આવી રહ્યો છે. માધવી અને અજીતે નક્કી કર્યું બધે બહુ ફરી લીધું હવે ઘરે બેસીને ડેડી અને બાળકો સાથે શાંતિથી ગપસપ મારતાં સમય વીતાવવો. ડેડીને પણ આરામ મળે.
પાંચ મહિના કેવી રીતે પસાર થઈ ગયા કંઈ ખબર ન પડી. લાગે છે ડેડી હજુ ગયા અઠવાડિયે આવ્યા અને બસ હવે પાછા જશે. જવાની તૈયારી કરી બેગ ગોઠવી દીધી. બાળકો તો નાનાજીને ભેટીને ખુબ રડ્યાં. કહે છે નાનાજી પાછા ન જાવ! અમારી સાથે અહિંયા રહો. માધવી પણ દુખી થઈ. બાળકોનું રૂદન સાંભળી માધવી રડે છે. લલિતચંદ્રના દિલની વ્યથા અશ્રુ બની પુર જોશમાં ધસી આવી.
માધવીએ ડેડીનુ આ દર્દ વહી જવા દીધું જેથી તેમનુ દિલ હળવું થાય. જે દુખ દબાવીને બેઠા હતા તે આંસુ બની બહાર આવવા મથી રહ્યું હતું. પાંચ મિનીટ પછી એક બીજાને સાંત્વના આપીને ગળે મળ્યા.ઘરે પાછાં જવાનું હતું. અંહી લંડનની મધુરી યાદો હૈયામાં ભરી લલિતચંદ્ર નિકળ્યા. એક બીજાને જય જીનેન્દ્ર કહી બધા એરપોર્ટ જવા રવાના થયા.
(૭)“લોહીનો સાદ” રેખા પટેલ “વિનોદિની”
લંડનનું’ હિથ્રો એરપોર્ટ’ વિશ્વનું સૌથી વધુ બીઝી એરપોર્ટ છે. આખી દુનિયાના, હવામાં ઉડતા મુસાફરોથી ઉભરાતાં એરપોર્ટે કેટકેટલી ખુશી અને વિરહના આંસુ પોતાના પાલવમાં છુપાવી ચળકાટ જાળવ્યો છે. દુનિયાની દરેક પ્રજાની ઝાંખી હિથ્રો એરપોર્ટ પર જોવા મળે. કાળા, ગોરા,એશીયન,આરબો,ચીનાઓ વગેરેના દૂર જતા સ્વજનોના આંસુ છુપાવી લે છે. તો આવનારા સ્વજનોને બે હાથ ફેલાવીને આવકારે છે. આ એરપોર્ટ અગણિત કર્મચારીઓની રોજીરોટી નિભાવે છે.
લલિતચન્દ્રને એરપોર્ટ મુકવા માઘવી, અજીત સાથે બાળકો પણ આવ્યા હતા. પ્રથમ સામાનનું ચેકિંગ કરાવી વજન કરા્વ્યું. જરૂરી સિક્યોરીટીની વિધિ પતાવી છેલ્લી વાર આવજો કહેવા લલિતચન્દ્ર માધવી અને બાળકો પાસે આવ્યા. તે સમયે માઘવીની કાળી આંખોમાં આંસુ ચોખ્ખા તરવરતા હતાં. જે તેના ડેડીના હૈયામાં સીધા ઉતરી ગયા. બંનેને હૈયા ઘારણા આપતા અજીતે કહ્યું ,”માધવી, આમ ઢીલા નહી પડવાનું . તારે થોડા સમય પછી ડેડીને બિઝનેસમાં મદદ કરવા ઇન્ડિયા જવાનું છે. તો આમ આવો દુઃખી ચહેરો કરી ડેડીને વિદાય આપવાને બદલે હસતા ચહેરે વિદાય આપ. જો આપણા બાળકો નાનુના જવાંથી અને તારો રડતો ચહેરો જોઇ કેટલા ઉદાસ થઈ ગયા છે!”
અજીતની વાત સાંભળીને માધવીના માથા પર હેતથી હાથ મુકતા લલિતચન્દ્રએ કહ્યું, “મારી દીકરી, અજીતકુમારની વાત સાચી છે.અને તું જાણે છે કે હું બહુ હિંમત વાળો છું. મારી દીકરી હુ મારું ધ્યાન બરાબર રાખીશ, તું જરા પણ ચિંતા કરતી નહી.”
લલિતચન્દ્રની વાત સાંભળી ચમકદાર આંસુઓથી ભરેલી આંખો લુછતા અનાયાસે માધવીના ચહેરે સ્મિત આવી ગયુ. બોલી ઉઠી,”યુ આર બ્રેવ ડેડી,.આઇ એમ પ્રાઉડ ઓફ યુ .” લલિતચન્દ્રને વળાવી માધવી અને અજીત બાળકો સાથે પોતાના ઘર તરફ રવાના થયા. માધવી આખા રસ્તે ડેડી તેમજ તેમના ભૂતકાળને વાગોળતી રહી. રસ્તામાં અજીત સાથે આ સ્મરણૉને તાજા કરતી રહી.
“અજીત, તમને ખબર છે, ડેડીએ કેટલી મહેનત કરી આખું આ બીઝનેસ એમ્પાયર ઉભું કર્યું હતું ? એમની બુદ્ધિમત્તાનાં કારણે બીઝનેસ જગતમાં તેમણે આગવું સ્થાન જમાવ્યુ હતું. આજે એ ડેડીને મારા ભાઈઓ સામે લાચાર થવું પડે છે.”
હા ડીયર, હું જાણું છું. “તારા ડેડીએ સામે ચાલીને આ ભૂલ કરી છે. પોતાના હાથે પગ ઉપર કુહાડી મારી છે! હવે આપણે શું કરી શકીએ.” અજીતે તેને સાંત્વના આપતા કહ્યું.
‘અજીત, તમારી વાત સાચી છે. છતાં પણ હું મારા ડેડીને આમ દુખી જોઈ શકતી નથી. હું મારા ડેડીને ફરીથી એના પગ ઉપર ફરી ઉભા થવાની તાકાત આપીશ. જ્યારે મમ્મીના અવસાન પછી હું ડેડીના પડખે ઉભી રહી હતી, એ જ રીતે હું ફરીથી ડેડીના ઝુકતા ખભાને સહારો આપી ટટ્ટાર બનાવીશ.” માઘવી મક્કમ બની બોલી
‘યસ માય ગ્રેટ વાઇફ. ભલે તારી મરજી મુજબ તું જે કહેશે એ બધું થશે. ચાલ હવે ખુશ થઇ જા. આજે સાજે બહાર ડીનર માટે જઈએ જેથી બાળકો પણ ખુશ થઈ જાય.” આમ કહીને અજીતે વાતાવરણ હળવું કર્યું.
રનવે ઉપર હાંફતું, દોડતું જમ્બો વિમાન, કોઈ બળજબરીથી બહાર ઉગતા પોતાના વિચારોને મનમાં સમાવે તેમ દોડતા પૈંડાને અંદર સંકેલી ઘરતીની ગોદ છોડી ગગનને આંબવા ઉપરની તરફ ઉડાન ભરી રહ્યું . દેશ જવાનો ઉત્સાહ અને વહાલી દીકરીનો વિયોગ બંને વિચારો મસ્તિષ્કમાં એક સાથે રમતા હતાં. લલિતચન્દ્ર એરહોસ્ટેસના કૃત્રિમ સ્મિત સાથે પીરસાયેલા ઓરેન્જ જ્યુસના ઘુંટડા ગળવા લાગ્યા!
વિન્ડો સીટ મળી હતી. નીચે છૂટતા જતા નાના નાના શહેરોને શૂન્યમસ્તક બની તાકી રહ્યા હતાં. એટલામાં પાછળની સીટ બાજુથી એક કાલોઘેલો બાળ સ્વર સંભળાયો. “ડેડી મને તમારા ખોળામાં બેસવું છે. “કોઈ નાની બાળકી બોલી રહી હતી’. ત્યા પાસે બેઠેલો તેનાથી બે વર્ષ મોટો લાગતો દીકરો બોલી ઉઠ્યો, “ડેડી હું બેસીશ મારે બહાર જોવું છે. “”
બંનેની જીદ સાંભળતાં પિતાએ દીકરાને આ હક પહેલો આપ્યો, ” પીન્કી તું પછી આવજે પહેલા ભાઈને બેસવા દે ભાઈ મોટો છે ને! “આમ કહી નાની દીકરીને સમજાવી દીધી.
લલિતચન્દ્ર વિચારમાં પડી ગયા, કે શું ભાઈ મોટો છે માટે તેના પિતાએ આમ કર્યું કે પછી દીકરો વધુ હક જતાવી શકે છે? શું આપણી ભારતિય પરંપરા અને સંસ્કારો હમેશાં દીકરાને દીકરીથી ઉચ્ચ સ્થાન આપે છે. મિલકતથી લઇને સ્વતંત્રતાં પર પહેલો અધિકાર પુત્રનો જ શા માટે? દીકરીનો કેમ નહી? દીકરાઓનાં હાથે ગહેરી ચોટ ખાધેલા લલિતચન્દ્રનું મન દ્રવી ઉઠયું. સીટ પર સહેજ લંબાવી અને એક હળવો નિસાસો નાખ્યો.
ગમે તે કારણ હોય પણ તેમણે દીકરા, દીકરીમાં ખાસ ભેદભાવ નથી રાખ્યો. છતા પણ દીકરાઓને વધુ છુટ છાટ હોવી જોઇએ એવુ માનીને દીકરીને કેટલાક બંધનોમાં રાખી હતી. જ્યારે બંને દીકરાઓને પ્રેમ સાથે આઝાદી પણ આપી હતી. ક્યારેય માની ખોટ સાલવા દીઘી નથી. તેમને પાણી માગતા દુઘ હાજર કર્યું હતું .તે છતાં આજે આ પરિસ્થિતિ કેમ સર્જાઈ તે હજુ પણ લલિતચન્દ્રને સમજાતું નહોતું.
લલિતચન્દ્રને લંડનની એ રાત યાદ આવી ગઈ, જ્યારે માધવી સાથે એકાંતમાં મન ખોલીને વાત કરી હતી. ભારત પાછા જવાને થોડા જ દિવસો બાકી હતા,અને ત્યાની વાત યાદ કરીને લલિતભાઈ ઉદાસ થઇ ગયા હતા કે ફરી રોજ દીકરાઓની ઉપેક્ષા અને વહુઓની નારાજગી અને ચીડ ભર્યું વર્તન સહન કરવું પડશે. જે એક ખુદ્દાર બિઝનેસમેન માટે અસહ્ય હતું. જો બજારમાં હરીફો સામે પડવાનું હોય ત્યારે હમેશાં ઘીરુભાઈ અંબાણીને રોલ મોડેલ માની હરીફોને પછાડવાં અવનવી સ્કિમ બહાર પાડી અને હરીફોને માત આપતા હતાં. કારણ કે ધીરુભાઇ અંબાણી પણ માનતા હતા કે “જીવનમાં કદી પણ ટીકાકારોની ટીકાથી ગભરાઈને પોતાના માર્ગ ઉપરથી વિચલિત થવાનું નહી. અસંભવને સંભવ બનાવવા માર્ગમાં આવતા અવરોધો પાર કરવા સંજોગોને ઉપરવટ જાઓ તો જ સફળતા હાથમાં આવે છે.”
લલિતચન્દ્રને ગૌરવ હતું કે તે પણ ઘીરુભાઈની માફક ગુજરાતી હતા. એમને પણ ધીરુભાઇની જેમ શુંન્યમાંથી સર્જન કર્યું હતું. શરૂઆતની પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી પોતે આગળ આવ્યા હતા. તે યાદ કરતા તેમેણ પોતાની માટે એક છૂપો ગર્વ થઈ આવ્યો .
જ્યારે પહેલી વખત તેમનું ટેન્ડર પાસ થયું હતું. ત્યારે તેમને રિલાયન્સના એક મોટા ઓફિસર સાથે મીટીંગમાં જવાનું હતું. એક મિત્રે સલાહ આપી કે શર્ટ ઉપર ટાઇ બાંધીને જજો તો બધા વચ્ચે વજન પડશે। ત્યારે તેમને અરીસા સામે ઉભા રહી જાતે ટાઈની નોટ બાંધવાનો બહુ પ્રયત્ન કર્યો હતો અને હંમેશા પરફેકશનના આગ્રહી લલિતભાઈ છેવટે સુંદર મઝાની ડબલ નોટની ટાઇ બાંધતા શીખી ગયા હતા. કશું નાં આવડે તે તેમને મંજુર નહોતું. એ જ વ્યક્તિને કોઈના આશરા નીચે જીવવાનું થાય ત્યારે કેટલું પીડાજનક બને એ વાત સમજમા આવી ગઇ હતી. આ બધું યાદ કરતા ઉદાસ થઇને બેઠા હતા ત્યારે અચાનક માધવી ત્યાં આવી. લલિતચન્દ્રના ચહેરા અને આંખોના ભાવ તુરત જ માધવીએ કળી લીધા.
દીકરી જ્યારથી સમજણી થાય છે ત્યારથી એ બાપની આંખોની વાંચતા શીખી જાય છે. માધવી ઘણા દિવસથી જોતી હતી કે ડેડીની હસી કઈક અંશે ખોખલી લાગે છે. તે સામે ચાલી તેમના દુઃખને છંછેડવા માગતી નહોતી. આથી તે સામેથી કદી પુછતી નહોતી. આજે તેની સહનશક્તિનો બંધ તૂટી ગયો. માધવીને બાપની વ્યથા જાણવા મોકળા મને વાતો કરવા માટે જોઇ તો મોકો મળી ગયો. લલિતચન્દ્રની બાજુમા બેઠી અને એના ખભે આદત મૂજબ હાથને વિટાળીને બોલી ,”ડેડી ઘણા દિવસોથી તમારો મુડ મને ઠીક લાગતો નથી. માટે જે પણ તમારા મનમાં હોય તે આજે મારી સામે બોલો. હું તમારી દીકરી સાથે તમારી મિત્ર પણ છું. તમારા સુખદુઃખ ની સાથી પણ છું. તમે હમેશાં મને કહેતા હતા કે તું મારી દીકરીને સાથે મારી મા પણ છે. એ બધા હકથી આજે પૂછું છું, તમારી મનની અંદર જે કાંઇ હોય તે કહી દો! “દીકરીના સ્નેહ નિતરતાં ભાવ સાથે બોલાયેલાં શબ્દો આગળ મજબૂત મનનો પિતા પીગળી ગયો . લલિતચન્દ્રની આંખોમાં ઝળઝળિયાં ભરાઈ આવ્યા. ડુમો ભરેલા અવાજે બોલ્યા,” હા મારી દીકરી, તારી વાત સાચી છે. જ્યારથી અહી આવ્યો છું. ત્યારથી તને સાચી વાત કહેવા ઈચ્છતો હતો. પરતું તને દુઃખ થશે માની ચુપ રહ્યો પણ આજે તારી લાગણી સામે મારી બધી મક્કમતા ઓગળી ગઇ છે.”
લલિતચન્દ્રએ માધવીને એની સાથે જે જે બન્યુ હતુ. એ તમામ ઘટનાઓનું વિગતવાર બયાન માઘવી સામે કર્યુ.
લલિતભાઇ સાથે આટલી હદે ગેરવર્તન અને અપમાનની વાતો સાંભળીને માધવી પળવાર માટે એના મગજ ઉપરનો કંટ્રોલ ખોઈ બેઠી હતી. પરંતુ લલિતચન્દ્રની સમજાવટને કારણે થોડી શાંત પડી. છતાં માધવી એટલું સમજી ગઈ હતી કે પાણી વહી ગયા પછી પાળ બાંધવી નકામી છે.
આંખોના આંસુ લુછીને મક્કમ ભાવે માધવી બોલી, “ડેડી, હવે તમે ઇન્ડિયા જવાનો વિચાર માડી વાળી અહી અમારી સાથે રહો. હું અને તમે બંને મારી દુકાન ઉપર સાથે જઈશું સાથે આવીશું. તમારા હોવાથી મને પણ રાહત મળશે.”
માધવીએ આ વાત જાણી જોઇને કહી કે જેથી ડેડી તેને મદદ કરવાના ઈરાદાથી રોકાઈ જાય.
માધવીની વાત સાંભળીને લલિતચન્દ્ર બોલ્યા,”જો માધવી, હું તારે માટે બધુ જ કરવા તૈયાર છું.પણ તું મારી માટે આ વિચારતી હોય તો દીકરી મારું મન અહી નથી લાગતું. હું તો આસમાનનું મુકત પંખી છું. મને અહીયાનું આ સોનાનું પીંજરું માફક નથી આવતું. છતાં પણ મારી દીકરી , તું જે કહેશે એ બધું કરવા તૈયાર છુ.’
દબાયેલા સ્વરમાં લલિતચન્દ્રનો અહીંયા નહી રહેવાનો ભાવ માધવીને પરખાઇ ગયો.માધવી સમજી ગઈ કે ડેડી શું ઇચ્છે છે। .
“ભલે ડેડી,તમે જેમ ઈચ્છો છો એમ જ થશે. તમને હું ફરીથી એ જ રોફ અને દમામ સાથે જોવા ઇચ્છુ છું. એ માટે હુ બધું કરીને ઝંપીશ.”આમ કહી માધવી સાંત્વના સાથે હિમંત આપી રૂમની બહાર નીકળી.
લલિતચન્દ્ર વિચારી રહ્યા હતાં કે કદાચ ત્યાર પછી જ માધવી અને અજીતકુમારે આ ઇન્ડીયાના નવા બીઝનેસ માટે વિચાર્યું હશે!?
ગમે તે હશે! હું હવે મારી દીકરી અને જમાઈ માટે આ ઘંઘાને આગળ વધારીશ .એવું મનોમન નક્કી કરી લલિતચંન્દ્રએ મુઠીઓ વાળી મક્કમ બનવાનો નિર્ધાર કર્યો.
માધવીના ગયા બાદ લલિતચન્દ્રની અંદરનો બિઝનેસમેન જાગી ઉઠયો. મનોમન પોતાના બિઝનેસ એમ્પાયરને નવેસરથી ઉભું કરવા માટે શું કરવું પડે તેનો વિચાર કરવા લાગ્યા. અજીત અને માધવીનો નાણાકીય મદદનો સહારો મળે તો ,જે રીતે પહેલા ધંધો જમાવ્યો હતો એ રીતે જ ફરીથી પોતાનો ધંધો ઉભો કરી શકે એમ છે. લલિતચન્દ્ર ખુદમાં એટલો આત્મવિશ્વાસ હતો. આજે પણ પોતે જે આબરૂ જમાવી હતી એનો અડધો લાભ મળી શકે એમ છે. જૂના ધંધાકીય સંબંધો, મિત્રોનાં નામ, ફાઇનાન્સિયરના નામ બધા ફરીથી એમના મગજમાં ફિલ્મના રીલ માફક દ્રશ્યાકન થતા ગયા! એક સ્નેહભરી માવજતમાં જ્યારે હુંફ ભળે છે ત્યારે સાવ તળીયે પહોચી ગયેલો માણસ સપાટી પર આવી શકે છે.
આજે લલિતચન્દ્રના ચહેરા પર એક ગજબનો સંતોષ દેખાતો હતો. આત્મવિશ્વાસથી સભર સ્મિત છલકતું હતું. મુંબઇ આવી ગયા હોવાની ઘોષણા થઇ ત્યારે તેઓ તંદ્રામાંથી બહાર આવ્યા. મન ને તૈયાર કરી લીધું કે હવે દીકરા અને વહુનાં રાજ્યમાં નહીં મારા પોતાના ઘરમાં જઇ રહ્યો છું.
(૮) લોહીનો સાદ -નરેશ કે.ડૉડીયા
લલિતચન્દ્ર ભારત ગયા એના બરાબર પંદર દિવસ પછી માધવી ભારત આવે છે. અજીત અને માધવીએ લલિતચંદ્રને નવા ધંધાના સેટઅપ માટે માધવી મહિનો ત્યાં સાથે રહેશે એ વાત સમજાવી હતી. એમને આમ કરવા રાજી કરી લીધા હતા. બધું નક્કી થઇ ગયું હતું .
માધવીએ સહારા એરપોર્ટ પર ઉતરીને મુકત હવામાં શ્વાસ ભર્યો.
જ્યાં તેણે પોતાની જિંદગીનાં બાળપણથી લઇને યુવાનીના યાદગાર સુહાના દિવસો વિતાવ્યા હતા.એ મુંબઇ શહેર એને બહુ વહાલું હતું. યુવાનીમાં પગ મુકતાં જ પોતાના પિતાના કારોબારમાં જોડાઈ હોવાથી અન્ય યુવતીઓની જેમ એને મોજ મસ્તી કરવાનો મોકો બહુ ઓછો મળ્યો હતો. છતાં પણ એની બે ત્રણ અંતરંગ સહેલીઓ જોડે જ્યારે તક મળતી ત્યારે એનો ફાયદો અચુક ઉઠાવતી હતી. ઘરે પહોચતાં સુધી એને મગજ અને આંખો સાથે વાર્તાલાપ સતત ચાલુ રાખ્યો. અંધેરીના જાણીતા રસ્તાઓ જોઇને ભૂતકાળ યાદ આવ્યો.
ડેડી સાથે ઘણી વાર કલાયન્ટને મળવા જવાનું થતું ત્યારે આ રસ્તા પરથી પસાર થતી હતી. અંધેરી લોંખડવાલા કોમ્પલેક્સ પાસે રહે્તા રંજનફોઇનું ઘર યાદ આવ્યું. જ્યાં પોતે બાળપણમાં વેકેશન દરમ્યાન ઘણા દિવસો ત્યાં વિતાવ્યા હતા. ફોઇની દીકરી સીમા અને દીકરો સમીર સાથે કરેલા તોફાન યાદ આવ્યા. ફોઇના ઘરની બહાર નીકળતા જ પાણીપુરીવાળા ભૈયાજી ઉભા રહેતા હતા.
માધવીને પાણીપુરી બહુ ભાવતી હતી અને ફોઇના ધરે જ્યારે આવતી ત્યારે ભૈયાજીની પાણીપુરીનો સ્વાદ અચૂક માણતી. અચાનક માધવીની કાર ત્યાંથી પસાર થઇ. તેણે ડ્રાઇવરને થોડી વાર માટે કાર રોકવાનું કહ્યું. કારમાંથી ઉતરીને એ જૂની જગ્યાને મનભરીને નિરખી રહી. વહેલી સવારે પ્લેન લેન્ડ થયું હોવાથી આ જગ્યાએ ખાસી ચહલ પહલ જોવા ના મળી. ભાવુક થઇ ગયેલી માધવીની આંખોમાં ભીનાશ આવી ગઇ. પાછી કારમાં બેસી ગઇ.
માધવી જાણતી હતી કે જે ઘર હતું એ પિતાની માલિકીનું હતું. એને શું કરવાનું હતું એ બધું લંડનથી નક્કી કરીને આવી હતી. એકની એક દીકરી માધવીમા આખરે લલિતચંન્દ્રનું ‘લોહી’ વહેતું હતું. ભલે બંને ભાઇઓની બહેન હતી પણ તેમના કારસ્તાનને કારણે કોઇ પણ સંજોગોમાં નમતું જોખવાને તૈયાર ન હતી.
માધવીને કારમાંથી ઉતરતી જોઇને બંને ભાભીઓ આભી બની ગઈ. સવારનો સમય હોવાંથી બંને ભાઇઓ પણ ઘરમાં જ હતાં એમણેપણ બાલ્કનીમાંથી માધવીને કારમાંથી ઉતરતી જોઇ, અચાનક માધવીનાં આવવાનું કારણ શોધવામાં મગજ દોડાવવા લાગ્યા. ઘરમાં પ્રવેશતાની સાથે પહેલું કામ એ કર્યું, કે ‘પિતાના માલિકીના ઘરનો નીચલો ભાગ ખાલી કરી બંને ભાઈઓને ઉપરના માળે રહેવા જવાનું જણાવ્યું’.
એક અઠવાડિયાનું અલ્ટિમેટમ આપ્યું. દર મહિને ઉપલા માળના ભાડા પેટે બને ભાઇઓ ભાડૂ પિતાજીને ચુકવવાનું રહેશે. શરૂઆતમાં બંને ભાઇઓએ આનાકાની કરી તો માધવીએ કાનૂની દાવે નોટીસની વાત કરતા બંને ભાઇઓએ બહેનની વાત માની લીધી. માધવીએ બરોબર એક અઠવાડિયા પછી નીચેનો આખો હિસ્સો લાલીતભાઈ માટે અલાયદો કરી નાખ્યો. તેમના જમવા અને ધરની સાફસુફી માટેની સુંદર વ્યવસ્થા કરી. સ્થાનિક ઘરગથ્થુ રસોઈવાળી બહેન અને આખા દિવસની કામવાળી રાખી લીધી. જેથી લલિતચંદ્રને કોઈ પ્રકારે ઘર બાબતની ચિંતા ન રહે.
માધવીના લગ્ન પહેલાં, ફોર્ટ વિસ્તારમાં એક બહુમાળી બિલ્ડીંગમાં બંધ પડેલી ઓફિસની જગ્યા લલિતચન્દ્રએ માઘવીના નામે ખરીદી હતી. જે અત્યાર સુધી ભાડા ઉપર હતી. એ જગ્યા ખાલી કરાવી માધવીએ પિતા માટે ત્યાં નવી ઓફીસ શરુ કરી. દીકરી આજે બાપની સાચા અર્થમાં લાકડી બની ઉભી રહી હતી.
આજનો સમાજ જ્યાં, ‘દીકરીની ભૃણહત્યાનું’ વિચારે છે તેવા લોકો શરમથી નીચું જોઈ રહ્યા . સહુ મનોમન દીકરીની હિંમત અને સાથને વંદી રહ્યા. લલિતચન્દ્ર ધંધાની બરાબર આટી ઘુંટી જાણતા હતાં. જેને કારણે ફરી નવેસરથી ઘંધો જમાવતા જરાય તકલીફ ન પડી. બહુ ટુંકા ગાળાના સમયમાં મીઠાબોલા, મિતભાષી લલિતચંદ્રએ જુના સબંધોનો લાભ લઇ ધીરે ધીરે ધંધામા જમાવટ કરી દીધી.
શરૂઆતમાં જે માલનું ઉત્પાદન એનાં બંને દીકરાઓ કરતા એ જ માલ ગુજરાતના વાપી અને જુનાગઢ સ્થિત ફેકટરીઓમાંથી ખરીદી પોતાના જુના ગ્રાહકોમાંથી જે લલિતચન્દ્ર તરફ વળ્યા હતા એમને સપ્લાય કરવાનું શરૂ કર્યું. આ સપ્લાયના ધંધામાં લલિતચન્દ્ર એકલાથી પહોચી શકાય એવું ના લાગતા એમણે ફોઇબાના દીકરા સમીરની ઓળખાણથી જોબ માટે ઉત્સુક એવાં ચાર પાંચ તરવરતા જુવાનિયાઓને પોતાની ઓફિસમાં કામે રાખ્યા.
યુવાન છોકરા, છોકરીઓની કામ પ્રત્યેની ઘગશના કારણે લલિતચન્દ્રના ઘંધાનો વિસ્તાર વધ્યે જતો હતો. અધુરામાં પુરું માધવીએ નિમણુક કરેલો માર્કેટીંગ મેનેજર સતીષ,માધવીનો સ્કુલ મિત્ર હોવાંથી લલિતભાઇને એક પુત્રની જેમ ખભે ખભા મિલાવી સાથ આપતો. અજીત અને માધવીએ લંડનથી પુરતા પ્રમાણમાં ફંડ મોકલ્યું હોવાંથી લલિતચન્દ્રને નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો ના પડયો. કારોબારમાં પુરતું નાણાકીય ભંડૉળ હોય ત્યારે મનગમતા ભાવે કોઇ પણ કંપની પાસે કેશ પેમેન્ટ આપીને માલ ખરીદી શકાય!
આ બાબતે સતીષ અતિ કાબેલ માણસ હતો. લલિતભાઇ ક્યારેક વિચારતાં, કે માધવી લંડન રહે છે છતાં કેટલી બારીકાઈથી અહીના ધંધાકીય માહોલનો ખ્યાલ રાખે છે.માધવી અઠવાડીયામાં ત્રણ કે ચાર વખત ફોન કરીને લલિતચન્દ્ર અને ઓફિસનાં સ્ટાફ સાથે સતત કારાબારની સ્થિતિ,વેચાણ અને ખરીદી બાબતની પુછપરછ કરી વ્યવસ્થિત અહેવાલ મેળવતી રહેતી હતી..
માધવી ઘણી વાર લલિતભાઇને કહેતી કે કોઇ પણ માણસની ધંધાકીય સુઝબુઝ જોવી હોય તો એને મુખ્ય સ્થાને બેસાડો અને એને બધી સત્તા આપો. જો એ માણસમાં કુનેહ અને આવડત હશે તો આપોઆપ એ બહાર આવશે. આ જ વાત સતીષ જ્યારે નોકરીએ લાગ્યો ત્યારે માધવીએ પોતાના સ્કુલ મિત્ર પર ભરોસો મુકીને ડાયરેકટ માર્કેટીંગ મેનેજર તરીકે નિમણુક કર્યો હતો. એક મહિનાંમાં લલિતચન્દ્રએ આવડત, સમજણ, કાર્યદક્ષતા અને આગવી કોઠાસુઝને કારણે ધણા કામમાંથી મુકતિ મેળવી. પરિણામે પોતાના કારોબારને ભવિષ્યમાં કેમ આગળ વધારી શકાય એ્ના પ્લાનિંગ માટે સમય કાઢી શક્યા.સતીષના આવવાથી લલિતચન્દ્ર એક યુવાન બિઝનેસમેનની જેમ પોતાના ઘંધાને વિસ્તારવાના સપના જોવા લાગ્યા. લલિતચન્દ્રની આંખોએ જે સપનું જોયું હતું, હવે એને હકિકતમાં પલટાવવા માટે તલપાપડ હતાં.
સતીષનાં માબાપ નાની ઉમરમાં અવસાન પામ્યા હોવાંથી લલિતચન્દ્રમાં એ પિતાની છબી નિહાળતો હતો. સતીષ ઘણી વાર કહેતો કે,”શા માટે આટલી દોડાદોડી અને મહેનત કરો છો. આ ઉમરમાં તો માણસ નિવૃત થઇને પોતાનાં મનગમતા શોખને પુરા કરે !”
ત્યારે લલિતચન્દ્ર કહેતાં,”બેટા સતીષ હું જે કરૂં છુ એ મારો શોખ છે’. તમારા જેવા યુવાનો યુવાનીમાં જે સપનાઓ જુએ છે. એ જ સપના હું નિવૃત થવાની ઉમરે જોંઉ છું’.
બેટા,માણસ શરીરથી ઉમરલાયક દેખાય એનો મતલબ એ નથી કે દિલથી ઉમરલાયક થઇ ગયો છે! ‘હું આજની તારીખે દિલથી તમારી ઉમરનો યુવાન છું.”
લલિતચન્દ્રનો ઝિંદાદિલ સ્વભાવ સતીષનો બહું ગમતો હતો. પરિણામે સતીષનો લલિતચન્દ્ર સાથે એક બોસને બદલે એક મિત્ર જેવો વહેવાર રહેતો હતો. ઘણી વાર શનિવાર કે રવિવારે સાંજે લલિતચન્દ્ર સતીષને પોતાની સાથે એની મનગમતી જગ્યા વિલેપાર્લા્ના,”ગ્રીન હાઉસ બાર”માં લઇ જતાં. ત્યાં લલિતચન્દ્ર જુનાધંધાદારી મિત્રો સાથે ખુબ આંનદ કરતા હતાં.
એક દિવસ લલિતચન્દ્રની નજર એક ધંધાકીય અખબારમાં
ગુજરાત સરકારના એક મોટા ટેન્ડર પર પડી. તરત જ સતીષને ફોન કર્યો. સતીષ એ સમયે વાપી ઓફિસના કામે ગયો હતો.લલિતચન્દ્રએ સુચનાં આપી કે આ ટેન્ડરમાં જે ચીજ વસ્તુઓનો સમાવેશ છે, એ તમામ ચીજ વસ્તુઓના મુળભૂત વપરાશકાર કોણ છે એની તપાસ કરે. એવી સિફતથી કરવાની કે કોઇ પણ ઉપરી અધિકારીને જાણ ના થાય ! એક અઠવાડીયામા જે સરકારી એજન્સીઓ આ ચીજ વસ્તુઓની વપરાશકાર હતી એ તમામ ઓફિસના ઉપરીઓનાં નામ અને સરનામા સાથે પુરતી વિગત એકઠી કરી સતીષ મુંબઇ આવ્યો.
સતીષના રીપોર્ટ પર તરત અમલ કરવા ,એને જે બધી વસ્તુઓ ગુજરાત સરકારનાં ટેન્ડરમાં હતી એ બધી ચીજ વસ્તુઓના લાઇવ ડેમોનસ્ટ્રેશન માટે જે એજન્સીઓ મુળ વપરાશકાર હતી, એમને જાણ કરવા માટે દરેકને વ્યવસ્થિત રીતે એક ઓફિશિયલ લેટર લખી જાણ કરવાનું કહ્યું. સતીષે આ કામ જેટલુ બને એટલું જલદી પુરુ કરી નાખ્યું. દસ દિવસમાં મોટા ભાગની એજન્સીઓના જવાબ આવી ગયા.
જે તારીખ નક્કી થઇ હતી. એ તારીખ મૂજબ લલિતચન્દ્રએ દરેક એજન્સીમાં પોતાની ટીમ મોકલી અને લાઇવ ડેમોનસ્ટ્રેશન કર્યુ. દરેક એજ્ન્સી્ના મુખ્ય અધિકારીને પોતાની બ્રાન્ડ જ જોઇએ એવો એક લેટર ગુજરાત સરકારને મોકલે એવી બાંહેધરી લીધી. લલિતચન્દ્રને ખાતરી હતી કવોલિટીના હિસાબે એની બ્રાન્ડ બધા કરતા ચડિયાતી હતી.
થોડા દિવસોમાં ટેન્ડર ખુલતાં, આખું ટેન્ડર લલિતચન્દ્રની કંપનીને ફાળે ગયું. તે દિવસે સતીષની મહેનત અને પોતાની કોઠાસુઝ માટે માધવીએ ખાસ લંડનથી ફોન કરીને બંનેને અભિનંદન આપ્યા.
ટેન્ડરનો માલ ગુજરાત સરકારને સમયસર સપ્લાય કરી દીધો. કુશળ લલિતચન્દ્રને થયું કે બહારની ફેકટરીમાંથી માલ ખરીદી કરવો એના કરતાં પોતાની ફેકટરી હોય તો સહેજે નફાનો ગાળો વીસથી ત્રીસ ટકા જેટલો વધી શકે એમ છે.
તે દિવસે સાંજે લલિતચન્દ્રએ માધવી અને અજીતને ફોન જોડ્યો અને પોતે નવી ફેકટરી નાખવા માગે છે. એ વાતનો વિચાર બંને સામે પ્રગટ કર્યો. માધવી તો એના ડેડીની આ વાતથી ઉછળી પડી અને કહેવા લાગી કે, “યસ માય બ્રેવ ડેડી. ગો અહેડ હમ આપ કે સાથ હૈ!”
લલિતચન્દ્રએ પોતાનો કારોબાર શરૂ કર્યાના બરાબર બે વર્ષ પછી, જે વસ્તુઓ સપ્લાય કરતા હતા એ જ વસ્તુઓના ઉત્પાદન માટેની પોતાની નવી ફેકટરીનો પાયો નાખ્યો.
ફેક્ટરી કરી ત્યારથી લલિતચન્દ્ર એક વસ્તુ માટે નક્કી હતા. તે કોઇપણ વસ્તુ જરુર વીના બનાવવી નહીં અને કોઇ પણ ઓર્ડર એડવાન્સના ૫૦ ટકા ના મળે ત્યાં સુધી બનાવવાનો નહીં. ઉધારી કોઇને પણ આપવાની નહીં અને માલની ગુણવત્તાનો ભોગ કદી ન લેવાય તેને માટે કટીબધ્ધ હતા.
બજારમાં આ શરતોને લીધે ઘણા વેપારીઓ જેઓ ઓછી મૂડીએ વધુ ધંધો કરવા મથતા તે વચોટીયાઓ ઘટવા માંડ્યા. ખાસ તો બંને દીકરાઓને ત્યાં ઉપાડ ઘટવા માંડ્યો. તેમનો નફો ઘટવા માંડ્યો. બેંકની તવાઇ વધી. ખાસ તો ગવર્નમેંટ ઓર્ડરો જે મોટી રકમો પહેલા માંગતા હતા તેમાં તેમના પૈસા સલવાવા માંડ્યા.
સામાન્ય બુદ્ધિનું કામ હતું કે વચોટીયાને ફાવવા ન દેવા હોય, તો મલાઈ ઓછી કરી સીધો ઉપભોગ કર્તાને માલ આપવો. એ કામ લલિતચંદ્ર સારી રીતે કરી શક્યા. કારણ ઉત્પાદન તેમનું હતું અને ૫૦ ટકા એડવાન્સમાં મળતા. જેને કારણે બંને દીકરાઓ સહિત ઘણાં વચોટીયા સાફ થવા માંડ્યા.
નરેશ કે.ડૉડીયા
લોહીનો સાદ (૯) પ્રજ્ઞા દાદભાવાળા
એક સંસ્કૃત ઉક્તિ યાદ કરતા લલિતભાઈ ની આંખોમાં આંસુ આવીગયા .‘ગૃહેસ્યાત્-ગૃહીણી…’ જયાં ગૃહીણી હોય તે જ ઘર કહેવાય. પત્ની રમીલાનાં ગયા પછી લલિતચંદ્ર બહુ એકલા પડી ગયા હતા. પત્નીનો સાથ હતો ત્યારે તેની અહેમીયત (જરૂરિયાત) બહુ સમજાઈ નહોતી રોજના ક્રમ મૂજબ લલિતચંદ્ર નાહી ધોઈ સવારની પૂજામાંથી પરવારી લલિતચંદ્ર નજીકના પાર્કમાં એની ઉમરના મિત્રો સાથે લટાર મારવા નીકળી પડયા……….
સતત વ્યસ્તતા વચ્ચે પણ લલિતચંદ્રને એકલતા કોરી ખાતી હતી …. જયારે સમય મળે અઠવાડીયામાં બે ત્રણ વખત સાંજે તેમના મિત્રોને મળવા નજીકના બાગમાં અચૂક જતા,પૈસો જીવનમાં જરૂરી છે એ તો જાણે અનુભવે એમને સમજાવી દીધું હતું, તોય જીવન પૈસા થી ઘણું વધારે છે એ વાત લલીતભાઈ ભૂલ્યા ન હતા …સંબંધો બદલાતા રહે પણ માણસ મૂળે તો અંદરથી ક્યારેય બદલાય નહીને ! લાલીતભાઈને બાબતમાં પણ આવું જ હતું એ માણસોને ઝંખતા અને એટલે બાગમાં બહુ સારું લાગતું એકલતામાં કોઈ પોતાનું હોવાનો અનુભવ થતો…
વેપારી માણસને અનેક ચિંતાઓ રહેતી હોય છે અને આવા સમયમાં સ્વાભાવિક રીતે માનસિક તાણને સમજે અને સહારો આપે તેવા કોઈ પોતીકાની જરૂર રહેતી હોય છે જાણે અંધકારમાં કોઈદીવડાનો પ્રકાશ. ત્યાં ઘણા લોકો બગીચામાં ટહેલવા માટે જ આવતાં હતા. રવિવારના દિવસે તો બગીચો સામાજિક અગ્રણીઓથી ભરેલો રહેતો હતો. જયાં નજર કરો ત્યાં કુડાળા વળી સામાજિક વાતો થતી રહેતી હતી. લલીતભાઈ પથરાયેલ લીલાછમ ઘાસ પર એ ખૂલ્લા પગે ટહેલતા, . કુમળા ભીના ઘાસની કૂંપળનો સ્પર્શ એને ગમતો,જાણે રમીલા સ્પર્શ … આમ જ એ પત્ની રમીલા સાથે સાથે હાથમાં હાથ પરોવી ખૂલ્લા પગે બાગમાં વહેલી સવારે એ ક્યારેક ટહેલતા રમીલા સાથેનો સુખી સંસાર અને બંને વચ્ચે પ્રેમ અને સમજ બાગમાં યાદની જેમ મહેકતી હતી…।..પણ હવે મિત્રો સાથે બાગમાં મળવું એક જાણે નિયમ થઇ ગયો કારણ।…. ધંધો વિકસાવવામાં સમય આગળ વધતો હતો પણ મન જાણે સ્થગીત થઇ ગયું હતું … બાગમાં મિત્રો સાથે પાછલું જીવન જાણે જીવંત થતું હતું વ્યસ્તતા એ એમને પરિવારથી જાણે અળગા કરી નાખ્યા હતા,અને પછી બાળકોની વ્યસ્તતા એ તેઓ એકલા પડયા,હવે આ બાગનો ઓટલો જાણે એનો સાથી બન્યો, રહી રહીને એક વાત આ ઓટલાએ લલીતભાઈ ને સમજાવી હતી કે નવી પેઢી સાથે વૈચારિક મતભેદ થાય તો પણ મનભેદ ન થવા જોઈએ।..પરિવાર જ માનવીનું બળ છે
જયારે પણ જુના મિત્રો સાથ વાતોના તડકા કરે ત્યારે મનથી હલકા થઈજતા… બાગમાં એકલતા કયાંક છુપાઈ જતી ફુલો વચ્ચે કાંટા ખોવાઈ જતા સવારના નવા વિચારો સાથે નવો દિવસ શરુ થતો
,કયારેક નાના બાળકોને માબાપ સાથે જોતા ત્યારે પોતે કરેલી ભૂલ યાદ આવતી, કમાવાની લાયમાં એક પિતા તરીકે બહુ ઓછો સમય બાળકોને આપ્યો,અને પોતે અને બાળકો આવા સુખથી અજાણતા જ વંચિત રહ્યા।..એજ બગીચો, એજ મિત્રો, એજ સવાર છતાં લલીતભાઈ ના જીવનમાં કૈક ખૂટતું હતું,રમીલા ની ખોટ અચાનક ડોકિયા કરી મન ઉદાસ કરી જતી…બધું એમનુ એમજ હતું, ન હતી તો ફતત રમીલા અને બાળકો ખોવાઈ ગયા હતા। .રમીલા અને એના મીઠા-મીઠા ઝઘડા, એની મીઠી-મીઠી વાતો, ક્યારેક ગુસ્સે થઇ જવાની કળા તો ક્યારેક હરસાઈ જવાની અદા, એ સાથે મંદિરે જવું, રોજ રોજ ચીડવવું, ઓફિસેથી મોડા આવી એને મનાવવી, જન્મદિવસે અને લગ્નદિવસે છાની ભેટ આપવી, એ સવારની ચ્હા ને નાસ્તો, ઓફિસે જતા મળતો પ્રેમ, કઈ ન હતું.. ફકત એકલતા.. એકલતા અને એકલતાનો સહારો બાગનો ઓટલો। .. બહારથી મક્કમ લાગતા આ બીઝનેસમેન અંદરથી ઢીલા પડી ગયા હતા. લલિતભાઇની પુરક બની રમીલા આજે પણ અજાણતા એના જીવનમાં દીકરી સ્વરૂપે માધવી બની જીવતી હતી। ..જુવાનીમાં રમીલાના સહારે દાંપત્યજીવન ગુજારતો હતા પણ હવે તેના માટે હવે એકલા રહેવાનું અસહય થઈ પડ્યું હતું કારણપ્રેમાળ જીવનસાથી વિના જીવવું એ કંઈ જેવી તેવી મુસીબત નથી. એકાકી જીવન પોતાની સાથે કેટલીય સમસ્યાઓ લાવે છે…. હવે તેની નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાવાળું હયાત ન હતું . પુરુષને ભલે તેના સંતાનોનો સાથ હોય પણ તેમ છતાં તે એકલો પડીજાય છે. પણ જો કોઈ સંતાનનો સાથ ન હોય તો? તો તેની લાચારીનો વિચાર તમે કરી શકો છો.લલીતભાઈ ની દીકરી આ વાત સમજતી હતી। ..પુરુષને જન્મથી મૃત્યુ સુધી તેને એક યા બીજા સ્વરૂપે સ્ત્રી પર આધાર રાખવો પડે છે જે મા, બહેન, પત્ની કે દીકરીના રૂપે ભાગ ભજવે છે…..પત્નીના મૃત્યુ પછી અન્ય સભ્યોના વ્યસ્ત જીવનમાં પોતે દખલરૂપ ન થાય તે માટે પુરુષને સતત સતર્ક રહેવું પડે છે. રોજની જરૂરિયાતો જેવી કે ચા–નાસ્તો, જમવાનું અને અન્ય જરૂરિયાતો માટે તેણે બીજાની ફૂરસદની ઉપર આધાર રાખવો પડે છે. વળી રમીલાને ને તેની પસંદગી અને ટેવોની જાણકારી હતી અને તેને તે સાચવી લેતી તેવું અન્યો ન પણ કરે. ત્યારે મન મનાવી રહેવું પડે. માંદગી આવે ત્યારે તો ઓર મુશ્કેલી. પગ દબાવવાનું, માથું દબાવવાનું જેવા કામ કોને કહેવા? પુત્રવધૂને તો ન જ કહેવાય! આવે સમયે તેને પત્ની ગયાનો શોક વધુ લાગે છે.લાલીતભાઈ ના નસીબ સારા કે તેમને માઘવીની સતત હૂંફ હતી.દીકરી માધવીના લગ્ન પછી લલિતચંદ્ર અંદરખાને એકલતા અનુભવવા લાગ્યા હતા ત્યારે ..ઘણા નજીકના મિત્રોએ લલિતચંદ્રને બીજા લગ્ન કરવા માટે સમાજાવ્યા પણ લલિતચંદ્રએ બીજા લગ્ન કર્યા નહી.ખાલીપો એને ખાવા દોડતો હતો…આ બાગ જાણે એક આશાનું કિરણ હતું।.મિત્રો સાથે હળવાશની બે મીઠી પળ હતી ક્યારેક કોઈ લલીતભાઈ ની લાગણી ને છંછેડી જતું ત્યારે લલીતભાઈ મોંન થઇ જતા। ..તે દિવસે બાગમાં ટહેલતા મુકેશ માવજી કોલેજનો મિત્ર મળ્યો કહે તું તો બધું છોકરા ને સોપીની વયો ગ્યોતો ને,તો પાછો કેમ આવ્યો? હજી કમાવાની લાલચ બાકી છે શું? ,કે છોકરાવે તારા ધંધાનો ઉલાળયો કર્યો?લલિત ભાઈ પાસે મૌન સિવાય કંઈ જવાબ નહતો। …એક તરફ પત્ની વગરની એકલતા તો બીજી તરફ બાળકોનો વહેવાર અકળાવતા હતા અને આવી વાતો દાજયા પર ડામ દેતી હતી। … છતાં બીજી વારના લગ્નનો વિચાર એમને ક્યારેય નહતો આવ્યો,જે સંજોગોનો સામનો કરીને પોતાના વિચારો સાથે જીવે એને જીવન બોજ ના લાગે અને સંજોગો સામે પોતાના હૃદય વિરુદ્ધ સમાધાન કરીને વ્યક્તિ એકાંતમાં પોતાના દિલને જ માફ નથી કરી શકતો। જીવનની આ કઠોર અને નઠોર વાસ્તવિકતાને સ્વીકારી આગળ તો વધ્યા અને લલીતભાઈ એ જીવનમાં ક્યારેય પત્ની ની ખોટને પુરવાની કોશિષ કરી નહિ પરંતુ પરિવાર તૂટતા એકલતા અચાનક પ્રવેશી। ..બાગનો આ ઓટલો રમીલાની યાદ ફરી ફરી કરાવતો હતો …પ્રેમાળ જીવનસાથી વિના જીવવું એ કંઈ નાની વાત નથીએકાકી જીવન સાથે કેટલીય વાતો માનવીને કોરી ખાય છે …લાગણીતંત્ર તૂટવા ઉપરાંત મવધુરો અને મવધવાઓને મૂંઝવતો સવાલ એમની મનરાધાર અવસ્થાનો હોય છે,
શરીરની પરાધીનતાનો છે. એમની દેખભાળ કોણ કરે? સમાજને પજવતી આ સમસ્યાને ઉકેલવાની દિશામાં કોઈ ખાસ વિચારતું નથી,આ સવાલ માત્ર લલીતભાઈનો ન હતો એકાકી પુરુષ કે સ્ત્રી, વિધુર કે વિધવા માટે, એમની સમસ્યા માટે પુનર્લગ્ન જેવો ઉત્તમ એકેય ઉકેલ નથી એ આપણે સહુ જાણીએ છીએ પરંતુ નથી હિમંત દેખાતી।.. નથી.. કોઈ પગલા લેતું।..આ સ્તરે પહોંચવા માટે સમાજે અને વ્યક્તતએ પોતાની રૂઢ થઈ ગયેલી માન્યતાઓને ધરમૂળથી બદલવી પડશે. અલબત્ત, એ કામ સહેલું નથી.લલીતભાઈ ની બાબતમાં આમ જ હતું પત્નીને ભૂલવું અશક્ય હતું અને બીજા કોઈને જીવનમાં સ્થાન આપવા ની હિમંત પણ ન હતી, ખેર લલીતભાઈ પોતાના કામમાં મન પરોવી દોસ્ત મીત્રો સાથે ટહેલતા વાત ખંખેરી આગળ વધી રહ્યા હતા.
એમાં અચાનક બન્યું એવુ કે એક દિવસ જરા વહેલા પરવારી બાગમાં ટહેલવા ગયા પરંતુ સમય કરતા વહેલા હોવાથી તે એકલાજ પહોચ્યા હતા સમય પસાર કરવા આમતેમ ટહેલતા હતા ત્યાં તેમની નજર ખૂણામાં નાં એકબાંકડા ઉપર પડી ત્યાં એક પચાસેક વર્ષની એક સુશીલ ઘરની લાગતી સ્ત્રી નીચા મ્હોએ ઉદાસ બેઠી હતી તેનું સુંદર ઘાટીલો ચહેરો ઉદાસી તળે કરમાએલો દેખાતો હતો,
અવશપણે લલીતભાઈ નાં પગલા તે તરફ વળ્યા,
આ કુદરતનો સંકેત હતો કે દિલનો કહેવું મુશ્કેલ હતું। …છતાં પગ ઉપડયા હતા એ વાત સાચી હતી પાસે જઈને લલીતભાઈ એ બને તેટલી મૃદુતા ભરીને પૂછ્ું। …” માફ કરશો આપણે એક બીજાને ઓળખતા નથી પણ રોજ સવારે ટહેલતા આપને મેં અહી જોયા છે..શું હું અહી બેસી શકું। …મારું નામ લલિતચંદ્ર મહેતા હું રોજ અહી ફરવાના બહાને મિત્રોને મળી મારી સવારને સ્વાસ્થ્યપૂર્ણ બનાવી સારો દિવસ ઉગાડવાનો પ્રયત્ન કરું છું મિત્રો સાથે વાતચીત કરવાથી મન હળવું થાય છે અને વોક લેવાથી બીમારીથી દુર રહેવાય છે,બાકી સાઈઠ વષકની ઉમરે ફરીથી નવા જોમ અને ઉત્સાહ સાથે ધંધામાં મન પરોવી મારી જાતને બીઝી રાખું છું…દરરોજ સવારે ઉઠીને ધ્યાનમાં બેસવાથી એકાગ્રતા રહે છે, પ્રાણાયામ પણ કરી લઉં છું. શરીરને માફક આવે એવા યોગના આસન મને ચુસ્ત રાખે છે . ચહાની લલજ્જતમાણવી ગમે છે .. હેંગીગગાર્ડન મારી ગમતી જગ્યા છે.આવા સરસ મજાના સુંદર ગાર્ડનમાં પાંચ આંટા મારી રસાલા સાથે ટોળટપ્પાં મારવા મને ગમે છે… ક્યારેક બાંકડા પર મારી જાતને મળં છું .’ગાર્ડન ગ્રુપ” માં મારા અનુભવો, રાજકારણ ની વાતો કરવી ગમે છે અને કોઈકવાર સીનેમાની વાતો નીકળે કરું ત્યારે સમયને પાંખ આવે… લ્યો મેં મારો પરિચય આપ્યો હવે તો આપ મને તમારો મિત્ર સમજશો ને ! એક વાત પુછું?આટલી ઉદાસી આટલું દુઃખનું કોઈ કારણ?….દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે. દુઃખ જવા માટે જ આવતું હોય છે..દુઃખને શબ્દોની નદીમાં વહી જવા દો; નહિં તો તમે પોતે દુખોના સાગરમાં ડૂબી જશો.’કોઈને કહી દેવાથી વહી જાય છે..રડવું આવે તો મન થાય એટલું રડી લો! કેમ કે મન હળવું કરવા દુઃખનો ભાર ઉતારવો જ જોઈએ. પણ શું હું તમને કઈ મદદ કરી શકું? જોઆપ ઈચ્છો તો મને કહી શકો છો” કદાચ દુઃખ હળવું થાય…જાણે આપણા પણા નો અહેસાસ અને પેલા બહેનની નજરો પરાણે ઉચી થઇ ગઈ …તેમણે આંખોમાં આંસુ ભરી નજરે લલીતભાઈ સામે જોયું……થોડો ખચકાટ થોડા ભાર સાથે કૈક છુપાવતા બોલ્યા નાં હું બરાબર છું કોઈ દુઃખ નથી મને…. કહી આંખોમાં આવેલા આંસુઓને ખાળવાની વ્યર્થ કોશીસ કરીરહ્યા !!
પ્રજ્ઞા દાદભાવાળા
(૧૦) લોહીનો સાદ પ્રવિણા અવિનાશ
અણધારી મુલાકાત
૬૦ વર્ષની લતા, લલિતભાઈના મૃદુ અને પ્રેમાળ સ્પર્શે જરા વિચલિત થઈ. ૨૦ વર્ષથી પતિનો વિયોગ થયો હતો. એ વર્ષો દરમ્યાન કોઈ પણ પરાયા પુરૂષનો સ્પર્શ યા હેતભરી વાણી સાંભળવાની આદત ન હતી.
માત્ર ‘લાડલો દીકરો જયેશ જીવનમાં હતો ! જે તેના હૈયાનો હાર હતો. જીવનની પુંજી હતી. શીળી છાંયડી હતી. વટેમાર્ગુ માટે વિસામો હતો.’ લલિતચન્દ્રને નામ જણાવતાં તેના આખા બદન પર પસીનો વળી ગયો. અજાણ્યા ભયથી કાંપતી હતી. ‘ન જાન ન પહેચાન’ એવો આ આધેડ પુરૂષ તેને સહાનાભૂતિ બતાવી નામ પૂછી રહ્યો છે!
માંડ માંડ તેના ગળામાંથી અવાજ નિકળ્યો, ‘લતા’. જાણે રૂપાની ઘંટડી રણકી. જીવનના સંધ્યા ટાણે પણ લતાનો અવાજ ખૂબ સુરીલો જણાયો.
આંખ ઉંચી કરવાની હિમત પણ તેનામાં ન હતી. જાણે ૧૬ વર્ષની બાલિકા ન હોય. હિમત કરી જાત ઉપર કાબૂ મેળવ્યો. જે અનુભૂતિ થઈ તે રોમાંચક હતી. તેના તરફ બેધ્યાન પણે વર્તી વાતમાં જોડાઈ.
લતાને સ્વસ્થ થતી જોઈ લલિતચન્દ્રએ પોતાની વાત જણાવી. ‘દરરોજ સાંજે હું આ પાર્કમાં ફરવા આવું છું. ખીલેલી સંધ્યાનાં આકર્ષક રંગ મને પ્રફુલ્લિત કરે છે. રોજ આવવાને કારણે મિત્રમંડળ જામ્યું છે’. મારે પરિવારમાં બે દીકરાઓ અને તેમની વહાલસોઈ પત્ની છે. લાડલી દીકરી લંડનમાં જમાઈબાબુ સાથે કલ્લોલ કરતાં બે બાળકો સાથે રહે છે.’ હવે તમારે વીષે બે શબ્દ જણાવશો’ ? થોડામાં તેમણે પોતાના વિષે સંપૂર્ણ માહિતી પૂરી પાડી. જેને કારણે લતાને ભરોસો આવે.
લતા બહેન માંડ માંડ આંખમાં ધસી આવતાં આંસુ રોકી શક્યા. ‘તમને શું જણાવું ? મારી જીંદગાની ચાર દિવસની છે. ખૂબ નાની કહાની છે. છતાંય અણમોલ છે’!
‘ મારા પતિ લગ્ન પછી દસ વર્ષમાં પરલોક સિધાવ્યા. તમે નહી માનો દરરોજ મુંબઈથી ચર્ચગેટ જતાં. તે દિવસે મુંબઈ જતી લોકલ ટ્રેનમાં પુષ્કળ ગિર્દી હતી. મુશળધાર વરસાદ કહે મારું કામ .
‘નવિન’, મારા પતિના મિત્રોએ કહ્યું ‘ નવિન ના ચડીશ, સખત ગિર્દી છે. આ ટ્રેઈન જવાદે’. સાંભળ્યું નહી. નોકરી પર મોડા પહોંચાય એ કારણે ચઢી ગયા.’ ટ્રેઈન હજુ પ્લેટફૉર્મ છોડીને આગળ વધે તે પહેલાં તેમનો હાથ છૂટી ગયો. પડતાંની સાથે ખેલ ખતમ થઈ ગયો.’
‘મારો લાડલો જયેશ ત્યારે માત્ર પાંચ વર્ષનો હતો. મારા અને નવિનના ‘પ્રેમ લગ્ન ‘ હતાં. નવિનના માતા પિતા હિંદુ અને હું હતી જૈન તે બંને કુટુંબને ગમ્યું ન હતું. જયેશના આગમન પછી સંબંધો સુધર્યા હતાં. ત્યાં નવિન મારી જીંદગીમાંથી વિદાય થયા. નવિનના માતા પિતાને એમ કે હું તેમની મિલકત પડાવી જઈશ એટલે વ્યવહાર ઓછો કરી નાખ્યો. મારા માતા પિતાને એમ કે દીકરીને ક્યાં હવે આખી જીંદગી પાલવવી. એકલી હોત તો સમજ્યા પણ આતો આંગળીએ છોકરું લઈને આવશે. ભાઇ ભાભીની મરજી ન હતી તેથી માતા પિતા કાંઈ બોલી કે કરી ન શક્યા.’
‘મારે માટે તો ઉપર આભ અને નીચે ધરતી હતાં. એ તો વળી પ્રભુનો આભાર કે પાર્લામાં ઓનરશીપનો બે બેડરૂમનો ફ્લેટ કંપનીવાળાએ લોન આપી હતી તેથી ખરીદી લીધો હતો. બચત બહુ હતી નહી. પણ વાણિયાભાઈએ વિમો ઉતરાવ્યો હતો તે કામ લાગ્યો. હું, બી.એડ. હતી તેથી પ્રાથમિક શાળામાં એકલી જાણી પ્રિન્સિપાલે નોકરી આપી. મને બહુ મોટાં છોકરાં ભણાવવા ન હતાં. તેથી આખી જીંદગી ૪થું ધોરણ સંભાળ્યું.’
લલિતચન્દ્ર એકચિત્તે લતાની વાત સાંભળી રહ્યા હતાં. તેમને થયું આ સ્ત્રીએ ભરજુવાની કોને સહારે ગુજારી હશે ? લાડલા પુત્રને સહારે? લતા બહેન જાણે તેમનો પ્રશ્ન સમજ્યા હોય તેમ બોલી ઉઠ્યા.
‘હા, તમારી વાત એકદમ સાચી છે.’ જયેશ મારો પ્રાણ છે. તેના ઉછેરમાં જરા પણ કમી ન રહેવી જોઈએ.’ મારા અને નવિનના પ્યારની નિશાની. જયેશના ઉછેર પછળ દિવસ રાત ધ્યાન આપતી. મારી જુવાની પર તરસ ખાઈ ઘણા જણાએ મને દબાણ કર્યું. મનની મક્કમ હું ટસની મસ ન થઈ.’
મારો માંહ્યલો માનતો નહી. હું ભવે ભવ નવિનની રહેવાની.’ મેં નવિનને દિલોજાનથી ચાહ્યો હતો. શું તેણે સાથ છોડ્યો એટલે મારે એને છેહ દેવાનો? અમારા પ્યારની નિશાનીની કશી કિમત નહી?’ પ્રભુને સાક્ષી રાખી કહ્યું, ‘હે જગત પિતા અમને સહાય કરજે. હિંમત આપજે! મારે એક ભવમા બે ભવ નથી કરવા.’ ‘હું મારા જયેશની મા અને બાપ બન્ને બનીશ.’
બસ લતાએ માથા પર ટૂટી પડેલાં આભને સંરક્ષણની છત્રી માની. એકલે હાથે સામનો કરવાનું નક્કી કર્યું. ખૂબ સમજદારી પૂર્વક ઘર ગૃહસ્થી ચલાવતી. જયેશના ઉછેરમાં પોતાની જાતને એક રસ કરી નાખી. તેને સારા સંસ્કાર આપવા, ભણવામાં પ્રવીણતા દાખવે તેનું ધ્યાન રાખવું, સાદો પણ પૌષ્ટિક ખોરાક. સવાર સાંજ જયેશની આજુબાજુ તેની દુનિયા ઘુમતી.
દીકરો જયેશ ,પાપા ગયા પછી અચાનક ડાહ્યો અને સમજુ થઈ ગયો. માનું કહ્યું માનતો અને તેને ખૂબ લાડ કરતો. લતા એકલી પડે ત્યારે ભગવાન સાથે અને નવિન સાથે વાતો કરતી. હર પળ નવિનની વાતો યાદ કરી જીવનમાં નિર્ણયો લેતી.
‘નવિન, આપણા જયેશને હું સારી રીતે ઉછેરી તારાં કરતાં પણ સવાયો બનાવીશ’! કોઈ વાર રડીને તેના ફોટાને આલિંગન આપી સાંત્વના મેળવતી. ‘હે પ્રભુ મેં મારો હાથ જગને દીધો (નવિનને) તેણે અધવચ્ચે છોડ્યો. મરજીથી નહિ છતાં પણ છૂટી ગયો. હવે આ હાથ, તને સોંપ્યો મરણની અંતિમ ઘડી સુધી તારે તેને હાથમાં રાખી સાથ નિભાવવાનો છે!’
અચાનક લતાને થયું , આ બધી વાત હું આ અજાણ્યા વ્યક્તિને કેમ કરી રહી છું?’
લલિતચન્દ્ર સમજી ગયા, ‘લતા તું બોલ હું પ્રેમથી સાંભળું છું. તારા પતિ નવિનના ગયા પછી તને કોઈ એવો સાથી મળ્યો નથી જેને તું દિલ ખોલીને વાત કરી શકી હોય?’
લતાએ પાંપણો ઝુકાવી, હા પાડી. ‘ઉભી રહે, સામે પેલી દુકાનમાંથી પાણીની બાટલી લઈ આવું. નિરાંતે તારું દિલ હળવું કર.’ લતા ઈન્કાર ન કરી શકી.
‘અણધારી મુલાકાત’, આવું સુંદર પરિણામ લાવશે તેની બેમાંથી કોઈને કલ્પના ન હતી. બે એકલવાયા હૈયાં એકબીજાની હુંફ મેળવી રહ્યા હતાં. ઈશ્વર નામનો કારિગર કે કરામતખોર યોગ્ય વ્યક્તિને, યોગ્ય સમયે, યોગ્ય સ્થળે મેળવી આપે છે. બધું તેના મુકરર કરેલાં સમયે થાય છે. માનવ તો તેના હાથની કઠપુતળી છે!
સાંજ ઢળી રહી હતી. વાદળ પાછળથી ચંદામામા ડોકિયું કરી રહ્યા હતાં. પાણી લઈને આવેલાં લલિતચન્દ્રએ કહ્યું, ‘લતાજી તમે કાલે બરાબર સાંજે છ વાગ્યે આવજો. અંધારું થાય એ પહેલાં તમે ઘરે પહોંચી જાવ તો સારું!’
લતાને મનમાં થયું નવી નવી પહેચાનમાં વધારે પડતી ઘરની કે દિલની હૈયા વરાળ કાઢવી ઠીક નથી. ઇશારો સમજી જઈને ઉઠવાની તૈયારી કરી.
છતાં મનના ભાવ રોકી ન શકી. એક પણ અક્ષર બોલ્યા વગર ઘર તરફ પગલાં ભરવા માંડ્યા.
લલિતચન્દ્રએ પ્રેમાળ શબ્દોમાં કહ્યું, કાલે જરૂરથી આવશો ને ? હું રાહ જોઈશ.’
લતા ઘરે પહોંચી. જમવાનું મન ન હતું પણ દીકરા સાથે બેસી ભાણે થોડું ખાધું. નિંદર વેરણ થઈ ગઈ હતી. લલિતચન્દ્રનો ચહેરો નજર સમક્ષથી ખસવાનું નામ લેતો નહી. તેમની આંખો દ્વારા પ્રદર્શિત થયેલી ભાવના તેના અંતરને હચમચાવી ગઈ હતી.
ક્યારે સવાર પડે? કયારે સાંજ થાય અને હું પાછી પાર્કમાં તેમને મળું?’ ઘડિયાળ શું આજે બંધ પડી ગઈ છે?’ લતા બહેન ઘણા વખત પછી નવિનને ગમતાં રંગની સાડી પહેરીને બાગમાં ગયા.
લલિતન્દ્રની આધેડ આંખોએ લતામાં ફેરફાર નોંધ્યો. આજે લતાનું મુખ પણ મંદ મંદ મુસ્કુરાતું હતું. કોઈ હમદર્દ મળ્યો હતો. જે તેના હૈયા્ની વાતને ઉત્કંઠા પૂર્વક સાંભળવા ઉત્સુક હતો.
આમ જોવા જઈએ તો બન્ને સમદુખિયા હતાં. ફરક એટલો હતો કે લલિતચન્દ્ર પુરું સંસારનું સુખ માણીને સાથી વગરના થયા હતાં. જ્યારે લતા હજુ તો સંસાર ભોગવે, માણે તે પહેલાં પતિને અકસ્માતમાં ગુમાવી બેઠી હતી.
એ તો તેના અહોભાગ્ય કે પતિની નિશાની તેના જીવનનો સહારો બની રહી. જયેશ માનો આજ્ઞાંકિત પુત્ર હતો. તેનું પણ ‘મા’ સિવાય જગતમાં કોણ હતું? ‘મા’ તેના માટે પ્રાણ પાથરતી તે જાણતો. માને નિરાશા ન સાંપડે તેની હમેશા કાળજી કરતા.
લલિતચન્દ્રએ માત્ર ‘પછી’ શબ્દ કહ્યો ત્યાં લતાની વાણી વહી રહી. ‘જયેશ અને હું , હું અને જયેશ’ બસ આ મારી દુનિયા. નિયમિત શાળાની નોકરી અને ઘરે આવીને જયેશની આગળ પાછળ. વર્ષોના વહાણાં વાયા. જયેશ ભણી રહ્યૉ. જુવાન હતો .દેખાવમાં તો ‘મારા નવિન’ કરતાં પણ સુંદર. હવે, લતા શ્વાસ ખાવા રોકાઈ.
કૉલેજમાં ભણતા જયેશની કારકિર્દી ખૂબ ઉજ્જવલ નિવડી. વર્ગમાં પહેલો આવતો તેથી સ્કૉલરશીપ મળી.
જયા નામની કોઈ ધનવાનની દીકરી તેના પર લટ્ટુ થઈ. શરૂમાં તો જયેશ મક્કમ રહ્યો. પણ પછી, તમે સમજી શકો છો! જુવાન લોહી, એકાંત અને સુંદરીનો સાથ ભલભલાં ચળી જાય. જયેશ, જયાના પ્યારમાં મસ્ત બન્યો.
‘ લલિતચન્દ્ર બોલ્યાં,’ હવે આગળ નહી કહો તો પણ હું સમજી જઈશ’.
લતા આભારવશ અને લાગણીભર્યા હૈયે બોલી,’ તમારો કેટલો ગણ માનું. અરે, મને કોઈ આજે હમદર્દી પૂર્વક સાંભળી રહ્યું છે.’
લલિતચન્દ્ર લતાને એકી ટશે નિહાળી રહ્યા. તેમની આંખોએ નોંધ્યું લતા ૬૦ની આસપાસ હશે! આ ઉમરે કેટલી સુંદર દેખાય છે. તેના મુખ ઉપરની કાંતિ તેની પવિત્રતાની ચાડી ખાતાં હતા. મગજમાં સુંદર વિચાર ઝબકી ગયો. હજુ તો બે દિવસ થયા હતાં. લાગ્યું કે એકબીજાનો વિશ્વાસ સંપાદન કર્યો છે. કશું પણ આડુંઅવળું ન બોલી જવાય તેનો ખ્યાલ રાખવો પડશે.
‘લતા, તમે હવે શાંત થાવ આપણી આ મુલાકાત દરરોજની બને તેવી વિનંતિ કરું છું. તમને અને મને બન્નેને દિલ ખાલી કરવાનો મોકો સાંપડશે. આ જગમાં સારા મિત્ર મળવા મુશ્કેલ છે. આપણી આ કોઈ પ્રકારના સ્વાર્થ વગરની મુલાકાત પાછળ પ્રભુની મરજી સિવાય કોઈ કારણ મને જણાતું નથી.’
લતા, લલિતચન્દ્રની સહાનુભૂતિથી સભર વાણી સાંભળી રહી. આજે તેને હૈયા પરથી જાણે દસ મણની શિલા હટી ગઈ હોય તેવું લાગ્યું. હુળવી ફલ જેવી થઈ ગઈ. કોને ખબર કેમ જાતને તૈયાર કરી રહી હતી,
રોજ મળવાનો પાકો નિર્ણય લલિતચન્દ્રને જણાવ્યો. બગિચાની મુલાકાત નિયમિત બની ગઈ. ધીરે ધીરે લતાજયેશ સાથેના સુંદર દિવસોનું વર્ણન કરતી. લલિતચન્દ્ર તે સાંભળતાં અને લતાના મુખ પરના ભાવો જોવામાં મગ્ન થતા.
પત્નીનો સાથ ગુમાવ્યો. દીકરી પરણીને લંડન ગઈ. તેમને પણ ક્યાં કોઈ હમદર્દ નસિબ થયું હતું. રોજ લતા જયેશના બાળપણના અને જુવાનીના પરાક્રમ વર્ણવતી. ‘જયેશ’ તેની જીંદગી હતૉ. તેને સહારે તો પહાડ જેવી જુવાની આસાનીથી જીવી હતી. સદભાગ્ય કે ગઈ કાલે લલિતચન્દ્ર સાથે મુલાકાત થઈ.
‘ખરેખર, તમે મારો જીવન વૃત્તાંત સાંભળી ખૂબ ઉપકાર કર્યો છે. હું જીવનના રાહ પર ગુમરાહ ન બનું તેને માટે શક્તિ આપશો ?’
લલિતચન્દ્ર આ નારીના વ્યક્તિત્વ ઉપર વારી ગયા. જીવનમાં આ બીજી નારીએ તેમને મહાત કર્યા. પહેલી પ્રિય પત્ની અને બીજી લતા.’.
લતાના પગલાં વિશ્વાસ પૂર્વક ઘર તરફ પ્રયાણ કરવા માટે ઉપડ્યા. તેના મુખ પર નવા મિત્ર મળવાનો આનંદ સ્પષ્ટ રેલાઈ રહ્યો હતો.
મનમાં ગોઠવી રહી હતી, જયેશ અને જયાનું પ્રણય પ્રકરણ અને લગ્ન વિશે કાલે માંડીને વાત કરીશ————–
(૧૧) લોહીનો સાદ- રેખા પટેલ “વિનોદિની”
લતાબહેનની રામ કહાની
******************
આજે લતાબેન સમય પહેલા બાગમાં આવીને બેસી ગયા હતાં. તેમના મનમાં ઘણું ઘુમરાતું હતું .આજ સુધી મનમાં દબાવી રાખેલું બધું બહાર કાઢી નાખવાની ઈચ્છા મનમાં જોર લગાવી રહી હતી અને તે ખાસ એટલા માટે કે આજે મનમાં સંતાડેલું સધળું લલિતચંદ્રને કહી દેવું હતું. ગુલમહોરના છાંયડા નીચે આવેલા બાંકડા ઉપર બેસી આંખો બંધ કરી અતીતમાં ગરકી ગયા, ત્યાં ધીમા એક મૃદુ અવાજે તેમને ચોંકાવી દીધાં. “લતા ક્યા ખોવાઈ ગયા ? ” ‘ઓહ, તમે આવી ગયા. બસ આમજ શાંતિથી બેઠી હતી. આવો” કહી ખસીને લતાબેને જગ્યા કરી. વાતો વાતોમાં લતાબેન ફરી પોતાના મનની વાત કહેવા લાગ્યા.
હું, એટલે લતા દીકરો પરણાવી કેટલી ખુશ હતી !
‘ અત્યાર સુધીના સઘળા દુઃખ અને એકલતાનો બદલો એક સાથે મળી ગયો . મારે મન તો વહુ નહીં પણ દીકરી ઘરમા આવી. પોરસાઇને નાતમાં અને આડૉશી પાડૉશી અને સહેલીઓને કહેતા ફરતા કે,”દીકરાએ વહુંની ભલે જાતે પસંદગી કરી છે પણ તેની માની પસંદગીને ધ્યાનમાં રાખી કરી છે.એટલે તો મારી બધી ખોટ પૂરી કરે એવી વહુ ઘરમાં આવી
હું વિચારતી કે “આમ જોતા સાસુ વહુના સબંધને એકબીજાના પ્રતિદ્વંદી તરીકે જોવાય છે. પણ હું મારા માતૃવાત્સલ્ય ભાવથી સાબિત કરી બતાવીશ કે વહુ પણ દીકરી બની શકે છે. બસ એક હકારાત્મક અભિગમ અપનાવી તેને સપૂર્ણ પોતાની બનાવવી જોઈએ. સન્માન અને સ્નેહથી દુશ્મન પણ પોતાનો બની જાય છે. જ્યારે આ તો મારા લાડકા દીકરાની લાડી છે. તેને હું મારા વાત્સલ્યભાવથી મારા જીગરનો ટુકડો બનાવીશ.’
લતાબેન પોતાનીજ વાતોમાં ઉતરતા ગયા ! જ્યારે વહુએ ગૃહપ્રવેશ કર્યો, ને પહેલા જ દિવસથી લતાબેને જયાને એક દીકરીની જેમ સાચવવાનું શરુ કરી દીધું. પણ તે ભૂલી ગયા કે નવી નવેલી દુલ્હનને પ્રેમ સાથે આ ઘરને પોતાનું કરવા અહીના નવા રીતરસમો શીખવાડવા પણ પડે છે. સાથે તેને ફ્રીડમ પણ જોઈએ છે. નવી વહુઓને અછોવાના કરવામાં કોઇ કચાશ ના રહે એવી કવાયત લતાબહેને શરૂ કરી દીધી. વહુઘેલા લતાબહેનને ક્યાં ખબર હતી કે વખાણી ખીચડી જ એની દાઢે વળગવાની છે.
જેને દીકરી બનાવવાના કોડ સેવ્યા હતા એ વહુનાં મનમાં કશી ખોટ હશે એ આ લતાબહેનને ક્યાં ખબર હતી ?
જયા રસોઈ બનાવે તો કહે,”લાવ હું શાક કરી દઉ, લાવ હુ દાળ બનાવી દઉં’. કપડા ધોઇને સૂકવવા જતી હોય તો કહે,’જ્યા બેટા,લાવ હું કપડા સુકવી દઉ છુ’ . લતાબહેનનાં વહુનું કામ જાતે કરવાનાં અભરખા જોઇએ શરૂ શરૂમાં જયાને થતું સાસુને મારું બનાવેલું ખાવાનું નથી ભાવતું કે મારું કામ નથી ગમતું.
ધીરે ધીરે આ નવા જમાનાં છોકરીને ખબર પડવા લાગી કે પોતાની મા કરતાં વધું વ્હાલ કરતાં આ સાસુમાં તો વહુને દીકરી સમજીને એનાં કામમાં મદદરૂપ થતા. ચાલાક જયાં સમજી ગઇ કે આ તો ભાવતું હતુ અને વૈદે કહ્યુ જેવું થયું. શા માટે સામેથી મળતા આ લાભને જતો કરવો જોઇએ. ધીરે ધીરે જ્યાને આ બધું કોઠે પડી ગયું તેને લતાબહેનનું આ કામ ગમવા લાગ્યું. પરિણામે જયા વધુને વધુ આરામપ્રિય થવા લાગી.
વહુઘેલા બની લતાબેન મોટાભાગે બધા કામ જાતે કરી લેતા.સાજે જયેશ કામ ઉપરથી ઘરે આવે ત્યારે પણ જો જયા જયેશ માટે ચાય બનાવવા જાય તો સામેથી કહેતાં,’ તમે બંને વાતો કરો હું બનાવી લાવું છું.’ લતાબહેન દીકરા વહુની જોડી જોઈ ખુશ થતા, અને તેમને વધુ સુખી કરવા પુરતો સમય આપતાં. લતાબહેનનાં આ ભોળપણ કહો કે કુંટુબ પ્રત્યે ભકિતભાવ, જયા સમજી ગઈ કે સાસુમાની સાથે કેમ કામ કઢાવવાનું !
ચાલાક અને આધુનિક વિચારસરણી ધરાવતી જયા, લતાબેનનાં સારાપણાનો ગેરલાભ લેવાનો શરૂ કર્યો. જયેશ જ્યારે ઘરે હોય ત્યારે એના દેખતા એ લતાબેન સાથે પ્રેમથી વર્તન કરતી અને મલાવો મારતી હોય એ રીતે લતાબેન કામ કરતા હોય ત્યારે સામે ચડીને કહેતી. ‘અરે, અરે મા તમે કામ ના કરો લાવો હું કરી લઉં છુ.”આમ કહીને લતાબેનના હાથ માંથી કામ લઈ લેવાનું નાટક કરતી હતી. જેવો જયેશના ઘરથી બહાર જાય અને તુરત જ જ્યા એના અસલ રૂપમાં બદલાઈ જતી હતી.
ધીરે ધીરે જ્યાનાં લતાબેન પ્રત્યેના વ્યવહારમાં એક પ્રકારની રૂક્ષતા આવી ગઇ હતી.હવે મોટે ભાગે જ્યા રૂમ બંધ કરી આખો દિવસ ફોન ઉપર એની સહેલીઓ જોડે મોબાઇલ ફોનમાં વાતો કર્યા કરતી. બપોર ઢળી નથી અને સહેલીઓ સાથે બહાર જાઉં છું કહી શોપિંગ અને સિનેમામાં ફર્યા કરતી હતી.જયાનાં આવા વહેવારના કારણે લતાબેનને પોતાની ભૂલ સમજાઈ ગઈ .
નવી વહુ એક નાનાછોડ જેવી હોય છે તેને પણ સમજણ સાથે પ્રેમથી અને કોઇક વાર ફરજ અને થોડી કડકાઇથી ઘરની જરૂરીયાત મૂજબ ધરના વાતાવરણમાં ઢાળવી પડે. એક દિવસ અચાનક વર્ષોથી કામ કરતી કામવાળી સુશી આવીને કહી ગઈ કે,”હવે તે કામ ઉપર નહી આવે,આ જયાબેન બહુ કચકચ કરે છે. હમેશાં એની વસ્તુઓ આડી અવળી મૂકી દે છે અને મારા ઉપર આળ ચડાવે છે. જો આમ વારેવારે બને તો ક્યાંક મારા ઉપર ચોરીનો આરોપ મુકે તો મારે બીજે કામ કરવું ભારે પડી જાય. માટે હવેથી હું કામ કરવા નહી આવું.” ઘણું સમજાવ્યા પછી પણ સુશી માની નહી. અંતે કામ છોડીને ચાલી ગઈ.
હવે એકલા લતાબેનથી બહુ કામ થયું નહી અને દિવસ દરમિયાન કામ કરતા થાકી જતા હતા .હવે તે સામે ચાલીને જયાને કામ બતાવવા લાગ્યા.પરંતુ જયા પહેલેથી સ્વતંત્ર મિજાજની હતી. તેને કોઇની રોકટોક ગમતી નહીં.અને અહીં આવી વધુ સ્વચ્છંદી બની ગઈ હતી. ઉપરથી વધારામાં વહુઘેલા જયેશના તેના ઉપર ચાર હાથ હતા. હવે જયાને ઘરના કામકાજ ગમતા નહોતા. એને તો એના શોખ આરામથી પૂરા કરવા હતા. શોપિંગ કરવું, મોડા ઊઠવું, આ બધું ગમતું હતું. અત્યાર સુધી લતાબેનનાં લાડ પ્યારને કારણે આ બધી આદત પડી ગઇ હતી. જયા માનતી કે જાણે ઘરકામ માટે સાસુ છે. આ બધા કામ તો એમણે જ કરવા જોઈએ અને આમ પણ તે નહોતી ત્યારે એજ કરતા હતા. તો હવે મારી પાસે શુ કામ આશા રાખે છે?
લતાબેન કામ બતાવે તે જયાંથી સહન થતું નહી. તેને લાગતું કે તે મારી ઉપર અધિપત્ય જમાવે છે. ઘરનો સમાજનો બધો વહીવટ પોતાને હસ્તક રાખે છે. કોઇક વાર જયેશ માને જરાક મહત્વ આપે કે પ્રેમથી ખબ અંતર પૂછે તો તે અંદરથી સમસમી ઉઠતી. એને લાગતું જયેશ તેની માને વધારે પ્રેમ કરે છે. જેને કારણે તે છંછેડાઈ જતી. આથી જયાએ લાતાબેનને જયેશની નજરમાંથી ઉતારી મુકવા અવનવા પેતરાં રચવા માંડ્યા।
જયાને ઘરમાં સાસુમાનું રાજ ચાલે એ જરા પણ પસંદ નહોતું આવતું. ધીરે ઘીરે જયેશને ફોસલાવી પટાવીને જયાએ આખા ઘરનો વહીવટ હસ્તક કરી લીધો. જયાં બરાબર જાણતી હતી કે પુરુષ પર કંઇ રીતે સ્ત્રીચરિત્ર અજમાવવું . જયેશ તો પહેલેથી એની મુઠ્ઠીમાં હતો. એક કહ્યાગરા કંથની જેમ જયાં કહે એમ જયેશ કરતો હતો.”
” આમ પણ આવનારી, દરેક નવી વહુને ઉંબરામાં પગ મુકતાની સાથે પોતાના ઘર સંસારની રાણી બનવાનું સ્વપ્ન હોય છે. સત્ય વાત તે ભૂલી જાય છે કે પહેલા દિ્લ ઉપર રાજ કરતાં શીખવું જરૂરી છે. પરંતુ આજકાલની નવયુવાન પેઢીને તો બસ શરૂઆતથી જ બધું પોતાનું જોઈએ. આને કારણે સંયુક્ત કુંટુબની પ્રથા ધીરે ધીરે ટૂટતી જાય છે.”આટલું લાંબુ બોલીને લતાબેન થોડી વાર ખામોશ થઇ ગયા.
થોડી વાર પછી કઈક વિચારી લલિતચંદ્ર લતાબેનને ઉદ્દેશી કહેવા લાગ્યા,”જુઓ લતાજી, તમે આંમ વ્યથિત ના થાઓ. દરેક ઘરમાં કઈંક નાનું મોટું બનતું જ હોય છે. ઘર હોય તો વાસણ ખખડવાના જ !હવે તમે થોડો સમય જવાદો. તમારી પુત્રવધુને તેની ભૂલ સમજાશે અને બધું બરોબર થઈ રહેશે. આ જગમાં સંપુર્ણ સુખી કોઈ નથી હોતું.”
લલિતચંદ્રની સહાનુભૂતિ ભરી વાતો સાંભળીને લતાબેન આંખોમાં આંસુ છલકાઈ ઉઠ્યા. આમ વાતો કરતા ધીમે ધીમે લતાબેન લલીતભાઈ સામે મનથી ખુલ્લા થતા ગયા અને દબાવી રાખેલી એક પછી એક વ્યથાનો ઉભરો લલિતચંદ્ર સામે ઠાલવતા રહ્યા. લતાબેનના કહ્યા પ્રમાણે તેમનો દીકરો જયેશ માને બહુ પ્રેમ કરતો હતો. લવમેરેજ કરીને લાવેલી નવી નવેલી દુલ્હન માટે જીવ પાથરતો હતો.
જયા આ વાત બરાબર જાણતી, સમજતી હતી. જેનો તે બરાબર લાભ ઉઠાવતી હતી. આખા ઘરનું કામ લતાબેન કરતા હતા.પરતું સાજે દીકરો ઘરે આવેકે તરત જયા એવું બતાવતી કે બધું કામ તેજ કરે છે. હવે માને પણ આરામ આપવો જોઈએ કહી ઘરની બધી જવાબદારી અને વહીવટ તેને છ મહિનાના ટુંકા ગાળામાં પોતાને હાથ કરી લીધો. પરિણામે એવા દિવસો આવી ગયા કે નાની નાની વાત માટે અને થોડા રૂપિયા માટે પણ લતાબેનને જયા ઉપર આધાર રાખવો પડતો હતો. હવે તો જયાં વારેવારે તેની બહેનપણીઓને ઘરે બોલાવતી.અને લતાબેન કહેતી કે,”મા તમારું આ સારું બને છે પેલું સારું બને છે.” કહીને લતાબેન પાસે અવનવી વાનગીઓ બનાવડાવતી અને લતાબેન પણ વહુ હસતી રહે ખુશ રહે વિચારી બધુ જ કરતા હતા.
જેવી જ્યાને જરૂર ના રહે એટલે જયાં કોઇ પણ બહાનું કાઢી લતાબેન બહાર મોકલી દેતી હતી. તેમને આખો દિવસ બહાર રહીને જેમ તેમ સમય પસાર કરવો પડતો. ધીરે ધીરે લતાબેન તેની આ ચાલ સમજવા લાગ્યા. હવે લતાબેન એમનાં ઘરની આવી પરિસ્થિતીથી ત્રાસી ગયા હતા.
આજે સવારે એવું બન્યુ કે, લતાબેન પૂજાનું પાણી લઈ જતા હતા ત્યારે લોટામાંથી થોડું પાણી છલકાઈ ફરસ ઉપર ઢોળાયું હતું. ત્યા જયાનો પગ લપસી ગયો અને તે જોર જોરથી બુમો પાડીને રડવા લાગી . જયા પડી તેને આમ રડતી અને બુમો પાડતી જોઈ રૂમમાંથી જયેશ દોડી આવ્યો અને જયાને ઉભી કરતા બોલ્યો, “શું થયું ડીયર? કેમ કરતા પડી ગઈ જરા સાચવતી હોય તો” રડતા રડતા જયા બોલી , “હું તો સાચવીને જ ચાલુ છું,પણ આ જુઓને મમ્મીજી જાણી જોઇને મને હેરાન કરે છે. હું એમને ગમતી નથી એટલે કોઇને કોઇ બહાને મને હેરાન કરતા રહે છે. ફરી જયાં મગરનાં આંસુ સારતી રહી.
પત્નીને આમ રડતી જોઈ જયેશ અચાનક તેની માં ઉપર ગુસ્સે થઇ ગયો અને લતાબેનને તતડાવતા બોલ્યો કે, “મમ્મી જરા જોઇને કામ કરતી હોય તો અને આ રીતે જયાને હેરાન કરવાનું બંધ કર, હવે તું તારા પ્રભુ ભક્તિમાં વધું ઘ્યાન આપ.” લતાબેન કશું બોલે એ પહેલા તો જયેશ જયાનો હાથ પકડી રૂમમાં લઇ ગયો અને બારણું વાસી દીધું.
લતાબેનને બારણાનો આ ‘ધડામ’ અવાજ દિલ ઉપર જઈને વાગ્યો અને ઉદાસ ચહેરે આખો દિવસ વિતાવ્યો. સાંજ સુધી કોઈએ તેમની સાથે વાત ના કરી. પરિણામે તેમનું કોમળ દિલ બહુ દુભાયું હતું . તેથી બસ તે આમ બગીચાના બાંકડા ઉપર ઉદાસ થઇ બેઠા હતા.
લલીતભાઈ આખી વાત શાંતિથી સાંભળતાં ગયા અને લતાબેન ઉપર મનોમન હમદર્દી જતાવતાં રહ્યા. અંતે લતાબેન આજે લલિતચંદ્ર સામે દિલ ખોલીને ઘ્રુસકે ઘ્રુસકે રડી પડ્યા. લતાબેનને આમ રડતા જોઇ લલિતચંદ્રએ દિલાસો આપતા કહ્યુ, “લતાજી બસ કરો હવે,શાંત થઇ જઓ. આ પબ્લિક પ્લેસ છે. મોટો બગીચો છે. આવતા જતા બધાની નજર અહીં પડે છે. બધા વિચારતા હશે કે આ બુઢ્ઢો આ સુંદર જવાન સ્ત્રીની છેડતી કરી રહ્યો છે,
“આવી વાહયાત વાત કરી લલિતચંદ્ર લતાબેનેન હસાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા ત્યાતો બધા મિત્રોની ટોળી આવી ગઈ. લલીતભાઈ એ બધા સાથે લતાબેનની એક નવા મિત્ર તરીકે ઓળખાણ કરાવી. ‘આવો મિત્રો, આપણા મસ્તાના ગ્રુપમાં એક મેમ્બરનો વધારો થાય છે. આ છે લતાજી અને એ અહી આપણા જ એરિયામાં રહે છે અને હવે સમય મળે તે પણ અહીં આવતા રહેશે “
“અરે આતો બહુ સારી વાત છે ,સારૂ કર્યુ તો હવે કાન્તા પણ મારી સાથે બાગમાં આવવા રાજી થશે. હું તેને કાયમ કહું ચાલ મારી સાથે આપણે સાથે જઈએ પણ મને કહે તમે બધા પુરુષો ભેગા થાવ છો હું આવી શું કરું ? પણ હવે કહીશ અમારા ગ્રુપમાં બહેનો પણ જોડાય છે. “મોહનભાઈ મોટેથી હસતાં બોલી ઉઠ્યા.
પહેલી જ વાર આ બધાને મળતા હોવા છતા, લતાબેનને કોણ જાણે આ બધા લોકો આજે પોતાના હોય એવું લાગ્યું.”કદાચ સરખું દુઃખ, દર્દ અને તરસ બધાને એક સરખા બનાવી દેતું હશે?” હવે તો લતાબેન અહી અચૂક આવતા થયા. લલીતચન્દ્ર પણ સમય ચોરી આ મંડળીમાં નિયમિત આવી જતા.
ક્યારેક લતાબેન ને ફોન કરી ખબરઅંતર પણ પુછી લેતાં અને ફોનમાં ગપાટા મારતા. બધા એકમેકની સંગતમાં ખુશ હતા. આજે ચાર દિવસ થયા છતા લલીતભાઈ બાગમાં ના દેખાયા કે ના તેમનો કોઈ ફોન આવ્યો! પહેલા તો લતાબેનને લાગ્યું કે કદાચ બિઝનેસમાં ગળાડૂબ હશે. તેથી અહી આવવા ફાજલ સમય નહિ મળતો હોય. આ પહેલા પણ આવું ઘણી વાર બન્યું છે. અઠવાડિયા સુધી લલિતચંદ્ર બગીચામાં દેખાયા ન હોય પણ ફોન તે ત્રણ ચાર દિવસે અચૂક કરી લેતા.
આથી લતાબેનને થોડી ચિંતા થઇ આવી. અંતે લતાબહેને લલીતભાઈને ફોન જોડ્યો, ‘હલો, એલ. એમ. કેમ છો? બહુ બીઝી લાગો છો કે ? કેટલા દિવસ થી દેખાયા નથી અને ફોન પણ નથી ?”
હવે લતાબહેન લલિતચંન્દ્રને “એલ.એમ.”ના હુલામણા નામે બોલાવતા હતા. લલિતચંદ્ર, લતાજીને બદલે “લતા” તું કહીને સંબોધતા. જવાબમાં લલીતભાઈ બહુ ધીરેથી જવાબ આપ્યો, “હા લતા, હું બીમાર છું અને બે દિવસથી ઘરની બહાર પણ નીકળ્યો નથી”
“તમે દવા લાવ્યા કે નહી? હવે કેમ છે? બહુ ચિંતા જેવું તો નથી ને? આમ કેમ ચાલે? મને મિત્ર કહો છો અને જણાવતા પણ નથી કે તમે આટલા બીમાર છો. અહીં બાગમાં પણ બઘા તમારી રાહ જુએ છે. હું તો તમારી ચિંતા કરી કરીને અડઘી થઇ ગઈ છુ.પણ તમને ક્યા કોઈની પડી છે ?” એકીશ્વાસે ગળગળા થઇ લતાબેન બોલ્યા. “
જુઓ લતા, હવે મને સારું છે. જો તને ચિંતા થતી હોય તો તું મને મળવા મારા ઘરે આવી જા.” કૃશ અને ધીમા અવાજે લલિતચંદ્રએ જવાબ આપ્યો.
લલિતચંદ્રનો ફોન પૂરો થતા તરત જ લતાબેન એમના ઘરે જવા નીકળ્યા.અડધા કલાકમાં લતાબેન લલિતચંંદ્રના ઘરે પહોચી ગયા. નીચેના માળે રહેતા હોવાથી ખાલી અટવયેલા બારણામાંથી અંદર પ્રવેશ કર્યો. અંદર સાવ નીરવતા હતી. બધું બરાબર ગોઠવાએલું સ્વચ્છ દેખાતું આ મકાન રાચરચીલાથી શોભતું હતું. એ લલિતચંદ્રની શ્રીમતાઇ અને એનાં શોખની ચાડી ખાતું હતુ. છતાં પણ એક ભેકારતા પ્રસરી રહી હતી. લતાબહેનને સમજ પડી કે જે ઘરમાં સ્ત્રી ના રહેતી હોય એવા ઘરમાં એકલા રહેતાં પુરુષની શુ હાલત હોય.
આ નિરવતાનો એક મતલબ એ પણ હતો કે ઘરમાં સ્ત્રીની ગેરહાજરી હતી !
બારણા ખુલવાનો અવાજ સાંભળીને અંદરના બેડરૂમમાંથી એક અવાજ આવ્યો,”કોણ, લતા?”
જવાબમાં ” હા, હું છું ” લતાબહેન બોલ્યા. ‘અંદર આવી જા, હું તને બહાર લેવા આવી શકું તેમ નથી.”
લતાબહેન ખુલ્લા રૂમમાં દાખલ થયા.સામે ડબલ બેડમાં લલિતચંદ્ર જાડી રજાઈ ઓઢીને સુતાં હતા.ત્યાં જઇને લતાબહેને લલિતચંદ્રનાં કપાળને હાથ લગાવ્યો અને તે તુરત ચમકી ગયા! અરે, એલ.એમ.આ શું? આટલો બધો તાવ! આ તમારું મ્હોં તો જુઓ કેટલું લેવાઈ ગયું છે’। ..
આટલુ કહીને લતાબહેન ત્વરિત કિચનમાં ગયા. ફીઝમાંથી ઠંડુ પાણી અને એક નેપકીન લઈને આવ્યા અન સીઘા લલિતચંદ્રનાં કપાળ ઉપર ભીના પોતા મુકવાં બેસી ગયાં. ભીના અને ઠંડા પાણીનાં પોતા મુકતા મુકતા લતાબહેનનાં કોણીના નીચેનાં ભાગ ઉપર ગરમ ગરમ આંસુ પડતા હતા.
લલિતચંદ્રની હાલત જોઇને લતાબહેન એટલું જ બોલી શકયા.”એલ.એમ. હું મરી નથી ગઇ જીવું છું હજી. એક ફોન તો કરવો જોઇએ ને? આટલા બિમાર છો અને નબળાઇ આવી ગઇ છતા પણ મને એક ફોન ના કરી શક્યા? શું આપણી દોસ્તી દુખમાં ભાગીદાર ના થઇ શકે?” લતાબેનના ગળામાંથી એક બે ડુસકા નીકળી ગયા.
લલિતભાઇ પોતાની હથેળીમાં લતાબહેનનો પંજો દબાવીને કહ્યુ,”એટલે તો મે તને ઘરે બોલાવી.” ખબર નહી પણ લલિતચંદ્રનાં બે ચાર શબ્દોની શું અસર લતાબહેન પર થઇ? લતાની ભીની આંખોમાં કંઇક આંનદ જેવું ચમકતું હતું. ખાલિપાના ખોળિયામાં અચાનક જીવનો સંચાર થયો હોય એવું લાગ્યું. ઝટપટ આંસુ લુછીને લતાબહેને લલિતચંદ્રને પુછ્યુ.”
તમારા છોકરા વહુ તમારી ખબર જોવા નથી આવ્યા?”
ના લતા. એ લોકો ઘરે નથી.એ બધા વેકેશન ઉપર ગયા છે. આવતી કાલે આવશે. અને એક નિસાસો નાખી અને ઉંડૉ શ્વાસ છોડીને લલિતચંદ્ર ફરીથી બોલ્યા.”લતા, કદાચ એ લોકો હોય તો પણ શુ ફરક પડે છે? મોટે ભાગે એ લોકો અહીં કામ વગર આવતા નથી. એ લોકોનો ઉપરના માળે જવાનો રસ્તો આમ પણ બહાર થી જાય છે. તું હવે મારી ચિંતા ના કરતી. મારે તો આ રોજનું છે.”
“એલ.એમ.તમે જાણો છો કે હું પણ એકલતાથી ટેવાઈ ગઈ છું. તમને આવી હાલતમાં જોઈ શકતી નથી.” લતાંબહેન આંખોને લુછતા લુછતા ચહેરા પર એક આછેરી સ્મિતની લકિર સાથે બોલ્યા.
હુંફ, લાગણી અને પ્રેમ સાથે જ્યારે સ્પર્શની સંવેદનાં ભળે છે. ત્યારે એક બીજાનાં ખાલિપાના રણમાં ફૂલવાડી ઉગવા લાગે છે. અહીં બે નિર્દોષ હૈયા પોતપોતાની એકલતા અને ખાલિપાને લાગણીનાં રંગથી રંગવાનાં એધાંણ દેખાડતા હતાં. ક્યાય સુધી લલિતચંદ્ર અને લતાબહેન એક બીજાની હથેળી પરોવીને થોડુંવજન વધારતાં રહ્યાં.પ્રેમને કોઇ ઉમર હોતી નથી.
અહીયાં બે હથેળીની રેખાઓ જાણે વરસોથી એક બીજાને ઓળખતી હોય એમ સ્પર્શ સુખ માણતાં લાગણીમાં ભિંજાઈ રહી હતી.
લતાબહેનની હથેળીને પંપાળતા પંપાળતા લલિતચંદ્ર અંત્યત મૃદુ અને ભાવવાહી સ્વરે બોલ્યા, ‘લતા , તો મારા ખાલી હાથમાં તમારો હાથ સોપી દો. હું તમને વચન આપું છું તમારા પર જિંદગીભર મારી હથેળી વડે છાંયડો કરીશ.’
એકલતા અને પોતાના લોકો દ્વારા તરછોડાયેલા , કંટાળેલા લતાબેહેને લલિતચંદ્રની હથેળીને દબાવીને કહ્યુ,”એલ.એમ.અત્યારે પણ તમારા હાથમા જ મારો હાથ છે. હું વચન આપું છું. જિંદગીના આખરી શ્વાસ સુધી તમારો સાથે નિભાવીશ અને સેવા કરીશ.”
અચાનક બહાર ઝાડ પર બેઠેલા કોકિલે ટહુકાઓનો ગુંજારવ છેડયો. એના ગળામાંથી પોતાની સાથીદાર કોયલ માટે આરત રેલાતી હતી. જેમ તપતી ધરા વરસાદના અમી છંટણા ઝંખતી હોય .
-રેખા વિનોદ પટેલ
લલિતચન્દ્રએ તુરત જ માધવીને ફોન કર્યો, બધુ જણાવ્યું.માધવી અને અજીત બન્ને ખૂબ ખુશ થયા, અજીતે તો ફોન પર કહ્યું પપ્પાજી, તમે આજે અમારા બન્નેની ઇચ્છા પુરી કરી. માધવીએ ખાસ સુચના આપી પપ્પા,તમે અને આન્ટી તૈયારી બહુ સાવધાનીથી કરજો. જો સુકેશ, હિમાંશુ કે ભાભીઓને જરા પણ ગંધ આવશે તો બન્ને જણીઑ કંઇક ત્રાગા કરશે. નાટક કરશે અને સાચા ખોટા આન્ટી પર આળ નાખશે. ‘માધવી હું બરાબર ધ્યાન રાખીશ, લતાતો બહુ સમજુ છે, તમે બસ સહ કુટુંબ અહી આવવાની તૈયારી કરો.’
બધી તૈયારી માધવીની સુચના મુજબ થઇ. કોઇના મનમાં જરા પણ શંકા કે જીજ્ઞાસાના અંકુર ના ફૂટે તેનું બન્ને જણાએ ધ્યાન રાખ્યું. બાગમા મળતા સૌ મિત્રો સાથે બેસી સહજ ભાવે હસી મજાક કરતા. બસ હવે લંડનથી માધવીના આવવાની રાહ જોવાતી હતી.
એક દિવસ બન્ને બેન્ચ પર બેસીને વાતો કરતા હતા.’ આજે તો જયા સવારથી રૂમની બહાર જ ન નીકળી, સવારની ચા જયેશ કે હું જ બનાવીએ, આજે અગિયારસ હોવાથી હું પૂજા પાઠ પતાવી બહાર મોડી આવી. જયેશ ચા નાસ્તો કરી ઓફિસે ગયો. જયાને જોઇ નહી બારણુ અધખુલ્લું હતું હું નોક કરી અંદર ગઇ. હું કંઇ બોલું તે પહેલા જયા તાડુકી, “મમ્મી જરા તો સભ્યતા શીખો આમ દીકરા વહુના રૂમમાં અવાય?”
“બેટા રૂમ અધખુલ્લો હતો એટલે નોક કરી તમારા ખબર પૂછવા આવી.”
“નોક કર્યા પછી તુરત બારણું ના ખોલાય, આવો કે કમ ઇન જવાબની રાહ જોયા પછી અવાય?”!
ભૂલ થઇ બોલી હું તો બહાર આવતી રહી બોલતા લતાબેનને ડૂમો ભરાઈ આવ્યો.
લલિતચન્દ્રએ સાંત્વના આપી,’ લતા આંસુ ખરવા દો, હૈયુ હલકુ ફૂલ કરો આ હથેળીઓ બધો ભાર ઝીલશે” બન્ને હથેળીઓનો ખોબો લતાબેનની આંખ સામે ધર્યો.
લતાબેન હસ્યા, “એલ. એમ. તમે મને વર્ષો પહેલા સાંભળેલું ગીત યાદ કરાવી દીધુ”.
“વાહ તો ગાવ મને પણ યાદ આવી જશે.’
“ખોબો ભરીને અમે એટલું હસ્યા
કે કુવો ભરીને અમે રોઇ પડ્યા”.
‘અરે આ ગીત તો મને બહુ ગમે છે. આખુ થવા દો’.
‘આખું તો નથી આવડતું. હવે ઊઠૉ તમારે ઑફિસે જવાનુ મોડુ થશે’.આજે ઘણા વખતે રમિલા મીઠો ઠપકો આપી રહી છે અને પોતે કહાગરા કંથ બની તુરત ઊભા થઇ રહ્યા છે તેવો અહેસાસ લલિતચન્દ્રનુ મન અનુભવી રહ્યું. એકલવાયા જીવનનો હવે જલ્દી અંત આવશે, આમ બન્ને જણા દિલના ખાલિપામાં દિન પ્રતિદિન નવા રંગ પૂરાતા જાય છે. નવું સહ જીવન જી્વવા બન્ને સજ્જ થતા જાય છે. બન્નેને ગમે છે. બસ હવે માધવી કુંટુંબ સાથે આવે અને બે વેરાન હૈયા નવપલ્લવિત થાય.
ડેડીનો ફોન મુક્યો ને તુરત માધવીએ બ્રિટીસ ઍર વે ના એજન્ટને ફોન જોડ્યો, ચાર ટિકિટ બુક કરાવી લીધી. અજીત ઓફિસેથી વહેલો નીકળી ઇન્ડિયન સ્ટોરમાં ગયો ડૅડી માટે સરસ સે.વાની ખરીદી, લતા માટે સાડી, અને બાળકો માટે નવા ડ્રેસ લીધાં. પરફ્યુમ લીધા બીજી ખૂબ ખરીદી કરી, ઘરે આવ્યો,ડિનર પતાવી પેકેટ ખોલ્યા.બાળકો કપડા જોઇ ખૂબ ખુશ થયા.
દીકરીએ પુછ્યુ, “મોમ કોના લગ્નમાં જવાનુ છે?
ડેડીએ જવાબ આપ્યો “બેટા નાનાજીએ નાની પસંદ કરી છે, તેમના લગ્ન થશે’.
બન્ને બાળકો કુદવા લાગ્યા વાવ નાનાજી અને નાનીમા બન્ને આપણી સાથે આપણા ઘેર આવશે. રોજ રામ, ક્રીશ્નાની સ્ટોરી સાંભળવાની ખૂબ મજા પડશે.”મમ્મી મારી ફ્ર્ન્ડ ડૉલીના નાની દર સમર વેકેશનમાં તેમને ત્યાં આવે છે. નાના નાની પણ આપણે ત્યાં આવશે. હું પણ ડોલી શીખે છે તેમ નાની પાસે સંસ્કૃત શ્લોક શીખીશ.’
બહુ વાતો કરી, નાના, નાનીને જરૂર વેકેશન પર અહી બોલાવીશું.
“૯ વાગ્યા બેડ ટાઈમ,” ડેડીનો અવાજ સાંભળી બન્ને સંસ્કારી બાળકો ઊભા થયા. મમ્મી ડેડીને જૈ શ્રી કૃષ્ણ કરી ઊપર ગયા.
માધવી અને અજીત એકલા પડ્યા, “અજીત તું હોંશથી સેરવાની લાવ્યો છે પણ તને લાગે છે ડેડી પહેરશે? ” જરૂર પહેરશે મને વિશ્વાસ છે” માધવી હું તારુ બધુ માનુ છું. ડેડી મારુ બધું માને છે.
‘અજીત હું નસિબદાર છુ મને તારા જેવો પતિ મળ્યો, હા માધવીને બાહુમા લેતા વાક્ય પુરુ કર્યું આપણે બેઉ નસીબદાર એક બીજાને મળ્યા,”
શુક્રવારે બાળકોનો સ્પ્રીંગ બ્રેક શરુ થયો. અજીત અને માધવી દર વર્ષૅ સ્પ્રીંગ બ્રેકનું અઠવાડીયુ બાળકો સાથે પસાર કરે.આ વર્ષે ઇન્ડીયા બધા સાથે સ્પ્રીંગ બ્રેક પસાર કરશે. બન્ને બાળકોને એક્સાઇટમેન્ટ સાથે કુતુહલતા હતી. બધી તૈયારી થઇ ગઈ. ગુરુવારે ડેડીને ફોન કર્યો.
‘હલો ડૅડી તૈયાર છો ને? “હા બેટા અમે બન્ને અમારા નિર્ણયમાં મક્કમ છીએ, બસ તમારા આવવાની જ રાહ જોવાય છે. તારા કુટુંબને મળીને મારો અને આન્ટીનો આત્મ વિશ્વાસ વધુ દ્રઢ થશે.ક્યારે નીકળૉ છો?”
‘શુક્રવારે બ્રિટિશ એર વેઝ ફ્લાઇટ # ૫૫૪૯.’
‘ભલે બેટા.’
‘ડેડી તમે એરપોર્ટ નહીં આવતા. ડ્રાઇવરને જ મોકલજો,મનુભાઇ મને ને અજીતને ઓળખે છે.તમને ગાડીમા મોડી રાત્રે બેસતા ચીબાવલી માનસી જોઇ જશે ને તો ધડધડ કરતી નીચે આવશે, કાંતો સુકેશ કે હિમાંશુને પૂછવા મોકલશૅ. ડેડી આટલી મોડી રાત્રે એકલા ક્યાં જાય છે?”
‘બેટા, તું ચિંતા ના કર. હું બે દિવસ ઘરમાં તાવમાં તપતો હતો. ત્યારે પણ ચારમાંથી કોઇ પુછવા આવ્યું નહોતું. ડેડી બહાર કેમ નીકળતા નથી? મનુભાઇ ડો. કાકા પાસેથી દવા લઇ આવતા અને લતા આન્ટી સમયસર દવા આપવા દિવસમાં બે વખત આવતા”.
‘ડૅડી તમે આ વાત કેમ કરી નહી?’
” બેટા તને ૫૦૦૦ માઇલ દૂર બેઠા કેટલી ચિંતા થાય સમજી ન કહ્યું.”
”બસને ડેડી. દીકરી એટલે પારકી જ ગણવાનીને”?
ના બેટા તારી મમ્મીના ગયા પછી તું જ મારો સહારો છે, અને રહીશ.
” મારા વહાલા ડેડી હવે તો તમારા બે હાથને બે સહારા” હું અને આન્ટી”.
‘એમ બોલી છટકતી નહી. તુ મારો સહારો, સલાહકાર, કાળજાનો કટકો અને વહાલનો દરિયો,
“બસ ડેડી તમારો સુવાનો સમય થયો ગુડ નાઇટ.
” યસ ગુડ નાઇટ મારી સલાહકાર”.હું મનુભાઇને કાલે સહાર એરપોર્ટ પર હોન્ડા મોટી ગાડી સાથે મોકલું છું.’ આમ હસતા હસતા બાપ દીકરીએ ફોન પર વાત પૂરી કરી.
સમયસર ફ્લાઇટ આવી. કસ્ટમ પણ તરત ક્લીયર થઇ ગયું. બ્રિટિશ પાસપોર્ટ હોલ્ડરને ઓછી હેરાનગતી થતી હોય છે. જ્યારે અમેરિકાથી આવેલાની એકાદ બેગ બાજુ પર મુકે અને ખોલાવે. ત્યાં તો કુલી આવી કાનમાં કહી જાય સાબ ડોલર દે દીજીએ, હમ બાકીકા લગેજ ઊઠા કર રખ દેંગે નીકલ જાયગા. ઇલેક્ટ્રોનિકસ બેગમાં સંતાડેલ હોય તો તુરત ડોલરાય નમઃકરી કુલીની સુચનાનો અમલ થઇ જાય. દેશીઓ્ને ખબર છે, ઇલેક્ટ્રોનિક્સ બ્રિટન કરતા અમેરિકામાં સસ્તું છે. દેશીઓ હજુ પણ બ્રિટીશરથી બીતા હશે!
બહાર નીકળ્યા, મનુભાઇ સામે ઊભા હતા.તુરત અજીતભાઇ પાસેથી લગેજ કાર્ટ લઇ લીધી. હોન્ડા એસ. યુ. વી. સામે પાર્ક કરી હતી. સામાન ગોઠવાઇ ગયો. અજીતભાઇ આગળ ગોઠવાયા.માધવી બાળકો સાથે પાછળ બેઠી. ફ્લાયઓવર બ્રીજ પરથી જુહુ જલ્દી આવી ગયું.મનુભાઇએ ગેટ ખોલી ગાડી અંદર લીધી.
લલિતચન્દ્ર જાગતા હતા. તરત બારણુ ખોલ્યું. સામાન માધવીના અને બાળકોના બેડરુમમાં બાબુએ ગોઠવી દીધો. બન્ને બેડરૂમની સરસ સજાવટ કરાવી હતી. નાનાજીએ ખાસ સ્પ્રીંગને અનુરૂપ ફ્લોરલ ડિઝાઇનના બેડીંગ સેટ ખરીદી પથરાવ્યા હતા. નાનાજી દીકરીને ત્યાં છ મહિના રહેલાં. ઋતુ બદલાય તેમ ઋતુને અનુરુપ ઘરની સજાવટ માધવી કરતી તેનુ નિરિક્ષણ બરાબર ક્ર્યું હતું.
બાળકોના રૂમમાં એક ટીવી અને ડીવીડી પ્લેયર મૂક્યા હતાં. જેથી વડીલોની વાતો દરમ્યાન બાળકો તેમના રૂમમાં પોતાના મનગમતા કાર્ટુનની મોજ માણી શકે. બન્ને બાળકો મમ્મીના ખભાએ માથુ ટેકવી સુઇ ગયા હતાં.
માધવીએ તેમને જગાડ્યા. ‘ઊઠો બેટા નાનાજીનું ઘર આવ્યું.’ બન્ને પોતાના પીલો પેટ લઇ ગાડીમાંથી ઊતર્યા. લલિતચંદ્રએ બન્નેને બાથમાં લીધા. બન્ને બાળકોએ નાનાજીને મીઠી પપ્પી આપી, નાનાજીના દીલને મીઠાશથી ભરી દીધું. બન્નેને બાથમાં લઇ નાનાજી ખૂબ વહાલ ભરી પપ્પીનો વરસાદ ગાલ અને ભાલ પર વરસાવી રહ્યા. આનંદની અવધિનું આ અનોખું દૃષ્ય માધવી અને અજીત નિહાળી રહ્યા. રૂપિયા કરતા વ્યાજ વધારે વહાલું હોય. લલિતચંદ્રને મન માધવી અને અજીત દીકરા કરતા પણ વિશેષ હતા.
બધા અંદર ગયા. મહારાજે ટેબલ ગોઠવી તૈયાર રાખ્યું હતું.
‘બેટા ફ્રેશ થઇને આવો, બેપડી રોટલી અને રસ ખાવા.
‘ડેડી ખાસ ભૂખ નથી. છતાં રસ રોટલી તો ખાવા જ પડશે. બેપડી રોટલી તો છેલ્લે મમ્મીના હાથની ખાધી હતી.
‘હા બેટા તારી મમ્મીના જેવી પડવાળી પાતળી રોટલી કોઇની નહી બોલતા લલિતચંદ્રની આંખો ભીની થઇ’. તરત આડુ જોઇ ધોતિયાના છેડેથી આખો લુછી.
‘ડેડી, બિલકુલ ઢીલા નથી થવાનું.’ તમે વાત વાતમાં ઢીલા પડો તો લતા આન્ટીને કેવું લાગે? ‘
‘હા બેટા, સમજુ છું. મારી ડાહી દીકરી તને ખાત્રી આપુ છું ઢીલો નહી થાંઉ.’ બેટા, લતા ઘણી સમજદાર છે.
‘યસ મારા બ્રેવ ડેડી, આઇ ટ્ર્સ્ટ યુ. તમારી પસંદગી બેસ્ટ જ હોય’.આમ વાતો કરતા જમવાનુ પુરુ થયું. મહારાજ જમ્યા, મનુભાઇને જમાડ્યા. નોકરને રસોડુ સોંપી સહુ સુવા ગયા વર્ષો જુનો હોવાથી તે રસોડામાં સુઇ જતો.
બીજે દિવસે ચા નાસ્તો પતાવી, માધવીએ બન્ને ભાઇઓને ફોન કરી આમંત્રણ આપ્યું.’ સાંજે ફેમિલી ડીનર અજીત આપવા માગે છે.બધાએ રસરાજ હોટૅલ પર ૭ વાગે આવી જવાનું છે’.
ભાઇઓએ શિષ્ટાચાર કર્યો,’ મોટીબેન અમારે ત્યાં રાખોને ?’
” હિમાંશુ, ઘેર તો હંમેશા જમીએ જ છીએ આ વખતે બહાર રાખવા ઇચ્છા છે”.
”જેવી તમારી મરજી”.વાત પુરી થઇ.રેવા અને માનસીને હાશકારો થયો. હિમાંશુના શિષ્ટાચારથી બન્ને જણીઓને ફફડાટ થવા લાગેલો આટલા બધાની રસોઇ એકલા હાથે કરવી પડશે!
માધવીએ લતા આન્ટીના ફેમિલીને, ડેડીના બે ચાર ગાર્ડનના મિત્રોને તથા સતિષને આમંત્રણ આપ્યું. ત્યાર બાદ ડેડી અને માધવી લક્ષ્મી નારાયણ મંદિર ગયા મહારાજ સાથે વાત કરી. રવિવારે સાદાઇથી લગ્નની વિધી પતાવવાની છે. ગણેશ સ્થાપન, મંડપ મુર્હત વગેરે ઔપચારીક પૂજા માધવી અને અજીત કરશે. મહારાજને તો દક્ષિણા સાથે નિસ્બત.એટલે બધુ જલ્દી પતી ગયું.
બપોરે સાદુ ભોજન કરી થોડો આરામ કર્યો. સાંજે બધા રસરાજ હોટેલ પર પહોચ્યા.માધવીએ પાછળનો નાનો બેંકવેટ હોલ બુક કરાવેલો જેથી પ્રાયવસી સચવાય. બધા સમયસર આવી ગયા સરસ પંજાબી વાનગીઓનુ ડીનર પીરસાયું. બધાએ જમવાનુ શરુ કર્યું. માધવી ઊભી થઇ, કોઇ જાતની પૂર્વભૂમિકા વગર ધડાકો કર્યો.
‘માનનીય વડિલો, ભાઇઓ અને ભાભીઓ, મારા પૂજ્ય પિતાશ્રી લલિતચન્દ્ર અને પૂ્જ્ય લતાઆન્ટી મારા તેમજ મારા પતિ અજીતની ઇચ્છાને માન આપી એકલતા ત્યાગી સહજીવન એકબીજાના સહારે જીવવાનુ નક્કી કરે છે. મને આશા છે આ ‘કુર્યાત સદા મંગલમ’ કાર્યની જાહેરાત સૌને આનંદીત કરશે?’
સાંભળી લલિતચન્દ્રના દીકરા અને વહુઓએ શરમીંદા બની મસ્તક નીચે ઝુકાવ્યા. લતાબેનનો જયેશ એકનો એક, બાપ વગરનો ,માતાના લાડમાં થૉડો બગડેલો ,યુવાનીમાં જયા જેવી મનસ્વી રૂપાળી સ્ત્રી સાથે પ્રેમ લગ્ન કર્યા પછી હેનપેક હસબંડ બની ગયેલો તે શાંત ન રહી શક્યો’.
‘બોલ્યો મમ્મી, આ ઉમરે તમને આ શું સુજ્યુ ? તમને કોઇ જાતની રોક ટોક નથી જેટલો ભક્તિભાવ કરવો હોય તેટલો કરી શકો છો. આ વર્ષે તો જયાએ તમારું નામ ચાર ધામ યાત્રાની ટુરમાં લખાવ્યું છે. જયાના કાકીનો ઘરજેવો સંગાથ છે. તમને વાત કરી આવતી કાલે ડીપોઝિટનો ચેક મોકલવાના હતા .યાત્રા કરવાની ઉમરે તમે બન્ને લગ્ન કરો તે શૉભે છે?’
‘દીકરા, મેં યુવાન વયથી ઍકલતા ભોગવી. તારા સહારે, તું તારી પ્રેમિકા સાથે પરણ્યો મને આનંદ થયો. મને દીકરી મળી,અમે બન્ને મા દીકરીની જેમ રહીશું, એકમેક્ની સાથે સુખ દુઃખની વાતો કરીશું, વ્યવાહર એકબીજાના સલાહ સુચનથી ઉકેલશું એવી મનોકામના હતી. દીકરા, મારી એકલતા વધી, હવે તું પણ મારાથી દૂર થતો ગયો. બેટા આ ઉમરે જ એકબીજાના સાથ અને હુંફની વધારે જરૂર હોય છે. ત્યારે તમે યુવાન પેઢી તમારા કામ કાજમાં અને ઇલેક્ટ્રોનીક રમકડામાં વ્યસ્ત થઇ, પ્રોઢ માવતરને ભૂલી જાવ છૉ. તેઓ તમારી સાથે બેસી ચાર સ્નેહ સભર શબ્દોની આપલે કરવા તરસે છે. તમે આખા દિવસમાં ૧૦ મિનિટ જેટલો સમય પણ તેમના માટે નથી કાઢી શકતા. એટલે અમે આ નિર્ણય લીધો છે. આ કોઇ શારીરિક સંબંધ માટે લગ્ન નથી. બે અતૃપ્ત એકલતામાં રુંધાતા આત્માનું લગ્ન નિમિત્તે જોડાણ છે. કદાચ વિધાતાએ અમારા બન્નેની આ નિયતી લખી હશે. હવે તમે તમારી રીતે સુખી, અમે અમારી રીતે સુખી. હા દીકરા આપણી લોહીની સગાઇ મટી નથી જતી જ્યારે પણ તેનો સાદ સંભળાશે અમે બન્ને અડધી રાત્રે મદદે દોડી આવીશું.’
લતાબેનના સ્પસ્ટ ભાષણની સૌ પર અસર થઇ, ગાર્ડનના વડીલ મિત્રો તો વાહ વાહ બોલ્યા. મોહનભાઇ અને કાન્તાબેન ઊભા થયા, બન્નેના હાથમાં ગુલાબના હાર હતા. મોહનભાઇ બોલ્યા, અમો લલિતચંન્દ્ર અને લતાના નિર્ણયને હાર પહેરાવી વધાવીએ છીએ”. આવતી કાલે બધાએ ‘લક્ષ્મી નારાયણ’ મંદિરમાં સવારે ૧૦ વાગે હાજર થઇ જવાનું છે.
બીજે દિવસે સવારે શુભ ચોઘડીયામાં સૌ મંદિરે પહોંચ્યા. અગાઉ નક્કી થયા મુજબ અજીત અને માધવી પૂજા વિધિમાં બેઠા. લલિતચંદ્રએ અજીતના આગ્રહને માન આપી સેરવાની પહેરી. લતાબેને સુંદર બનારસી સેલુ પહેર્યું. બન્નેની જોડી રામ સીતા જેમ શોભી રહી હતી. મંગલ મંત્રોચ્ચાર થયા. લલિતચન્દ્રના નેત્રો માધવી, અજીતને પૂજાવિધી કરતા જોઇ હર્ષથી ભીના થયા. માધવીએ ડેડીની ચિંતામાંથી મુક્ત થયાનો આનંદ અનુભવ્યો. કોઇ સગા સંબંધીઓમાં વિરોધ કરવાની હિંમત ન હતી. પણ કહેવાય છે ને “સારા કામમાં સો વિઘ્નો. ” જયેશ જેવા કોઇ બે વિઘ્ન સંતોષીઓ આવ્યા.એલ ફેલ બોલવા લાગ્યા, ” આ બુઢિયા યાત્રા કરવાની ઉંમરે પૈસાના જોરે શું કરે છે? લગ્ન આ ઉંમરે શોભા દે? અરે નાસ્તિક હો તો અનાથ આશ્રમ, વૃધ્ધાશ્રમમાં સેવા આપો.”
પોલિસના બે દંડા પડ્યા, અહીં આપણી દાળ નહીં ગળે બોલતા વિલે મોઢે પલાયન થયા. નિર્વિઘ્ને લગ્ન વિધી સાદાઇથી સંકેલાઈ .સૌ ઘેર આવ્યા. ઘરના બારણા પર તોરણ શોભતું હતું.
શ્રી લલિતચંદ્ર મહેતા અને શ્રીમતી લતા મહેતાના,’ કુર્યાત સદા મંગલમ’.
લલિતચંદ્રનો સ્વભાવ સરળ છે. સાથે, સાથે તેઓ મહેનતુ પણ છે. ધંધામાં તેમની સુઝબુઝ સારી એવી હોવાને કારણે એક સફળ વેપારી બન્યા હતા. ઈમાનદારી પૂર્વક ધંધો કરતાં તેથી સફળતાનાં શિખર જુજ વર્ષોમાં સર કર્યા. સમાજમાં માનપાન અને ઈજ્જત્ત મળ્યા હતા તેથી નવેસરથી કામ કરવાનું આમ તો અઘરું નહતું.નવી ઓફીસ ભભકાભારી કરવાને બદલે દીકરી એ ટેકનોલોજી સભર અને જરુરિયાતની દરેક સુવિધા જેવી કે પોતાનું ફેક્ષ મશીન, કમ્પ્યુટર્સ, પ્રીંટર્સ, ઇંટરનેટ ઇમેલ અને ટીવી સમાચારો થી તે સજ્જ રહેતા.. દીકરાઓને આ બીન જરુરી ખર્ચ લાગતો પણ એક વખત તે સૌનો ઉપયોગ આવડી ગયા પછી સમજાઇ ગયું હતું કે જે કામ જાતે ધક્કા ખાવાથી જ થાય તે કામ બુધ્ધી અને યોગ્ય ધન વપરાશથી પણ થતુ હોય છે …પાંચ વર્ષ પહેલા જે વેપારીઓ નાના હતા પણ તેમનો વ્યવસાય આજની પેઢીઓ એ હાથમાં લઇ લીધો હતો તેઓ સાથે તેઓ તેમની ભાષામાં ઇ મૈલમાં અને ઍસ એમ એસમાં તેઓ કરી લેતા તેથી હોસ્પીટલ સપ્લાય અને ગવર્ન્મેંટ ટેંડરોમાં તેમની વગ ચમત્કારીક રીતે આગળ વધવા માંડી હતી.
આમેય ડાયનેમીક સપ્લાયર વાળા લલિતભાઇને તો સૌ ઓળખતા જ હતા..અને હવે ફેક્ટરી શરુ કરી એટલે ડાયનેમીક સપ્લાયર ને બદલે ડાયનેમીક ઇંડસ્ટ્રીવાળા લલિત કાકા ને નામે ઓળખાવા લાગ્યા. લતા સાથેનાં લગ્નથી એક હવાતો ઉભી થયેલી જ હતીકે નવી વિચાર સરણી છે. જો કે આ મુદ્દે બંને છોકરા અને તેમની પત્નીઓ ખફા હતા. લલિતચંદ્ર જાણતા કે તેઓ સંકુચીત મનોવૃત્તિ ધરાવતા હતા અને હકીકતે પિતાજીની મિલકતમાં ભાગ પડે તે તેમને ગમતુ નહોંતુ…
હોસ્પીટલનાં ટેંડરો ભરવાનું કામ હિમાંશુ અને સુકેશ પપ્પા પાસેથી જ શીખ્યા હતા અને દવાની કંપનીઓમાંથી રો મટીરીયલ આપી ફોર્મેશન કરાવી તે દવાઓને હોસ્પીટલમાં સપ્લાય કરાવી મજે થી મોટી મલાઇ ઉતારતા. જો કે આ બાબત સહેલી નહોંતી પણ બાપાનાં અનુભવોએ તેમને બે વાત સરસ રીતે ગળે ઉતારી હતી…ક્યારેય ક્વોલીટી સાથે બાંધ છોડ ન કરવી..અને લાંચ મળતરનાં પ્રમાણમાં જ આપવી વધુ લાંચ માંગે તેની સાથે ધંધો બંધ. પણ આ ધંધો બંધ વાળી વાત દીકરાઓને ન ગમતી તેથી તેઓ તોડ પાડવાને ધંધાની આવડત સમજતા.
પપ્પાએ ફોર્મેશન નું કારખાનુ નાખ્યુ ત્યારે તેઓને લાગ્યુ કે બાપા ખોટી જીદ કરે છે…દલાલી અને મલાઇ જો એમને એમજ બીજાને ખભે બંદુક રાખીને મળતી હોય તો મજુરી અને મંજુરીનું કામ કરવું તે મુર્ખતા છે. પપ્પા સાથે બે ત્રણ વખત આવા વિચારો પણ તેઓ એ જાહેર કરેલા ત્યારે લલિતચંદ્ર ફક્ત એટલું જ બોલેલા.”.હું નાનો માણસ છું મને હવે જોઇએ કેટલું?માને તો મારા માર્કેટીંગ્નાં છોકરાઓ જેટલું વેચી શકે તેટલું ફોર્મ્યુલેટ કરીને વેચવાનું અને તેમાં મને જોઇતું મળી રહે છે ..મારે લાખો કમાઇને ક્યાં જ્વું છે?”
તે વાત હિમાંશુ અને સુકેશે પપ્પાજીની “ સાઠે બુધ્ધી નાઠી” તરીકે ગણી લીધી..દિવસો વિતતા ગયા..
લલિતચંદ્રનાં રીપ્રેઝન્ટેટીવ પ્રકાશનાં સસરા ઓ એન જી સી માં મોટા હોદ્દે હતા અને તેમની સાથે વાતોમાં એમોક્ષીસીલીન નું ૬૬ કરોડ રુપિયાનું ટેંડર નીકળવાની વાત આવી. ઓ એન જી સી ની વેબ સાઇટ ઉપર તે જેવું મુકાયું ને તરત જ પ્રકાશે લલિતચંદ્રને જાણ કરી.. કમીશનથી કામ કરતા પ્રકાશને માટે તો આ મોટી લોટરી હતી. તેથી તેણે તેના સસરા અને લલિતચંદ્રને એકઠા કરી તાકડે ભેગા થતા આ મધને ભેગુ કરવા બીડું ઝડપ્યુ.
આવા સમાચારો એ રો મટીરીયલ નાં બજારમાં ગરમી લાવી દીધી હતી હિમાંશુ અને સુકેશ પણ તે ગરમીની આંચથી બાકી થોડા રહે..એમોક્ષીસીલીન રો મટીરીયલ ઉત્પાદક્ની કાબેલીયત પ્રમાણે ચઢતું ઉતરતું મળતુ હતું.
ટેંડરો ખુલે તે પહેલા રૉ મટીરીયલમાં આવેલી તેજીનો ભાવ લેવા હિમાંશુએ મોટો લોટ ખરીદી ગોડાઉન ભેગો કર્યો…
પપ્પાને જાણ થઇ ત્યારે તે અંદર અને અંદર ખુબ જ અકળાયા કારણ કે તેમને ખબર હતી કે તેના સ્ટોરેજ માટે -૧૦ ડીગ્રી તાપમાન અગત્યનું છે અને હિમાંશુ પાસે તો બધાજ ૦ ડીગ્રી વાળા સ્ટોરેજ છે. લતાબહેને લલિતચંદ્રને આ તકલીફોમાં થી બહાર નીકળવા પોતાનું જ ઉદાહરણ આપતા કહ્યું કે “ એક સમયે દીકરા માટે તે પણ પ્રાણ પાથરતી હતી પણ લગ્ન થયા પછી એક બીજું મગજ પણ સમિકરણમાં ઉમેરાય..તેમને તમારી વાત સાચી ના લાગે ત્યારે…જે મનભેદ થાય તેના કરતા તમારે મૌન રાખવું હીતાવહ છે.
માધવી પણ તેજ મતની હતી તેથી લલિતચંદ્રે ચુપ્પી સાધી પણ પ્રકાશની વગનો ઉપયોગ કરવા સમજાવ્યુ.
હોટેલ ગેલોર્ડનાં રૂમ નંબર ૫૦૨માં પ્રકાશ તેમના સસરા ડૉ એમ કે હજારી અને લલિતચંદ્ર બેઠા હતા..
ડૉ હજારી પાસે અત્યાર સુધી આવેલા ટેંડરોનો સરખામણી ચાર્ટ હતો અને ટેંડરને બંધ થવાને હજી બે દિવસની વાર હતી.
ડૉ હજારી એ તે સરખામણીનું કાગળ કાચુ કાગળ હાથમાં રાખીને કહ્યું..”લલીતભાઇ મને તમારા વિશે પ્રકાશ ઘણું જ કહે છે..તેને આ ટેંડર ભરાવીને મારે પગભર કરવો છે કારણ કે હું નિવૃત્તિનાં આરે છું અને મને ખબર છે પ્રકાશ મહેનતુ છે. તેને યોગ્ય તક મળે તો તેની પોતાની ફાર્મસી કરવી છે. તો તમે તેને મદદ કરશો?”
લલિતચંદ્રે ભાવો જોયા પછી કહ્યું “ ભાવો કટો કટ છે અને રોકાણ પણ ખાસુ એવું મોટું છે. મને લાગે છે કે છેલ્લા ટેંડર વાળા ભાઇ કેપ્સ્યુલ દીઠ ૨૨ પૈસા નો ભાવ આપે છે તાં સુધી હું પહોંચી નહીં વળું.”
ડો હજારી એ પ્રકાશ સામે જોયું અને પ્રકાશે લલિતચંદ્રની સામે જોઇને કહ્યું “તમને રો મટીરીયલ સસ્તું મળે તો?”
લલિતચંદ્ર કહે “ સસ્તુ રૉ મટીરીયલની ક્વોલીટી માટે હું કોઇ જોખમ નહીં લઉ.”
પ્રકાશ કહે “ એટલે?”
“પોટેન્સી તેની આઇ પી પ્રમાણે જોઇએ”
“ ભલે તે તમને મળી જશે અને તે પણ બેચ પ્રમાણે “ ડૉ હજારી માથુ હલાવતા બોલ્યા અને ઉમેર્યુ “ કાલે ટેંડર તમે ૨૫ પૈસાનાં ભાવે ભરી દો અને તમારા પ્રોડક્શન ભાવ અને ૨૫ પૈસાનાં ભાવ વચ્ચે જે તફાવત થાય તે પ્રકાશને ઉપલક તરીકે આપજો.”
“ ડૉ હજારી.. હું તે તફાવતને બે ભાગ માં આપીશ. તમે માલ આપો અને પહેલો લોટ નું પે મેંટ થાય ત્યારે અને છેલ્લો માલ લેવાય અને તેનું પેમેંટ થાય ત્યારે.”
પ્રકાશ વાત ને આગળ વધતી જોઇ ને બોલ્યો..”પણ પપ્પા બાવીસ પૈસા વાળાને તમે હટાવશો કેવી રીતે?”
લલિતચંદ્ર અને ડૉ હજારી બન્ને પ્રકાશની વાત ઉપર હસતા હતા…અને જાણે કહેતા ના હોય કે “બેટે તુમ જીસ સ્કુલમેં પઢ રહે હો વહાં કે હમ હેડ માસ્ટર રહ ચુકે હૈ…
તે દિવસે સાંજે લલિતચંદ્ર ખુબ જ વ્યસ્ત રહ્યા રાત્રે ૧૧ વાગે ટેંડર પુરુ થયુ અને ઈ મેલ દ્વારા મોકલ્યુ. તેમેને બધો હિસાબ લગાવી લીધો હતો તે પ્રમાણે તેમને કેપ્સ્યુલ ૧૫ પૈસાની પડવાની હતી અને ૨૦% તેમનો ઉમેર્યા બાદ ૧૮ પૈસાની પડશે સાત પૈસા પ્રકાશ અને ડો હજારેને મળશે બંન્ને કરોડોમાં કમાશે…આમેય રો મટીરીયલ્ની જવાબદારી ડૉ હજારે લે છે તેથી તે નિશ્ચિંત હતા.
પહેલી વખત તેને લાગ્યું કે જિંદગીભરનો અનુભવ આ સોદામાં તેમને ખપ લાગ્યો…૩ પૈસા લેખે તેઓ પણ ઘણું કમાવાના હતા…કેલ્ક્યુલેટર તેમની કમાણી પણ દર્શાવતું હતું…પણ આ લાંબી ગતિવીધી છે અને તે પુરી થતા સુધીમાં ડૉ હજારે નિવૃત્ત પણ થઇ શકે છે…
દિવસો વીતતા ગયા ટેંડરો ખુલ્યા ગળાકાપ સ્પર્ધા હતી ડાયનેમીક ઇંડસ્ટ્રી સહીત છેલ્લા પાંચ જણાને રૉ મટીરીયલ પરિક્ષણ અને ફી ભરવા જણાવાયુ…
પ્રકાશને તેનો જવાબ મળતો જણાયો…
રૉ મટીરીયલ પરિક્ષણનાં પરિણામો જાહેર થયા ત્યારે ડાયનેમીક ઇંડસ્ટ્રીનું રૉ મટીરીયલ જોઇતી પોટેન્સી કરતા વધુ ઉંચુ હતું જેથી ટેંડર તેમને મળ્યુ…હિંમાશુ અને સુકેશનું રૉ મટીરીયલ રીજેક્ટ થયું હતું. કદાચ આ તેમની પહેલી હાર હતી…પપ્પા અનુભવી હતા અને તેઓ સાચા પણ હતા તે વાતનો અનુભવ અત્યારે તેઓને થૈ રહ્યો હતો…તેમનો ૮ કરોડનો માલ જે નફો ખાવા ભર્યો હતો તે આ પરિણામો પછી સાત કરોડનો થઇ ગયો હતો.
માધવી બહેન નો આક્રોશ હવે તેમને સમજાતો હતો…બંને ભાભીઓ તો કરૉડ રુપિયાનાં ભાવ ફેરને સાંભળીને હબકી જ ગઇ હતી. ઘરને નીચલે માળે આનંદ ઉજવાતો હતો અને ઉપલે માળે શૉક…જે છેલ્લા પાંચ વર્ષોમાં ક્યારેય નહોંતુ થયુ…માધવી બહેને ત્યારે બંને ભાઇઓને કહેલું કે માણસ નિવૃત્ત થાય એટલે દાંત અને નખ વિનાનો સિંહ નથી થઇ જતો..પપ્પાનું માન રાખો અને ધ્યાન પણ રાખો..તમને તૈયાર પેઢી અને જ્ઞાન આપ્યું છે. તમારું નવું લોહી ઉછાળા તો મારે પણ દરેક દાવપેચમાં વ્યવહારિક વિષયની જાણકારી હોવી જોઇએ.. જે પપ્પાને છે..અને તમારામાં પણ પપ્પાનું જ લોહી છે..ક્યારેક તકલીફમાં મુકાવ અને પપ્પા પાસે દિલ ખોલીને વાત કરશો તો નાના નહીં થઇ જાવ.
હિમાંશુ અને સુકેશ ગુંચવાતા બેઠા હતા ત્યારે માધવીબેન ની આ વાતે તેમના વિચારોને નવી દિશા આપી.
બીજા દિવસે પપ્પા ફેક્ટરી જતા હતા ત્યારે ચારેય જણા દીન વદને પપ્પાને પગે લાગતા બોલ્યા…”પપ્પા અમને માફ કરો.”
લલિતચંદ્રે નિર્દોષ ભાવે પુછ્યું “ અરે! શું થયું? કેમ માફી માંગો છો?”
લતાબહેન સૌને બેસવા કહ્યું અને મહારાજને ચા પાણી લાવવા કહ્યું. અને બહું જ વાત્સલ્ય સાથે કહ્યું “ પપ્પા હંમેશા પોતાના પુત્રોનું ભલું જ ઇચ્છે. તેથી ક્યાંક ગુંચવાય હોય તો પેટ છુટી વાત કરો”
હિમાંશુ એ સુકેશ સામે જોયુ બંને એ તેમની પત્ની સામે જોયું અને હકારે માથુ સૌનું હલ્યું.
“ પપ્પા તમે કહ્યું હતું છતા અમે ચાદર કરતા લાંબી સોડ કાઢી અને હવે ફસાયા છે. ઓ. એન. જી. સી. ની હોસ્પીટલ નો એમ્પીસીલીન કેપ્સ્યુલ નાં કોંટ્રાકટ માટે રૉ મટીરીયલ ખરીદ્યું હતું અને તે ઓ. એન. જી. સી.માં ઓછી પોટેન્સીનું નીકળ્યુ અને ઘણો માર પડે છે.”
“ સિંહ બાળ છો..પોચકા ના મુકો.. કરીશું કંઇક જેથી માર ઓછો પડે. પણ એ તો કહો તેને ક્યાં સાચવવા મુક્યુ હતું?”
“ આપણી સ્ટોરેજ ફેસીલીટીમાં.”
“ પણ તેમાં તો ૦ ડીગ્રી સ્ટોરેજ છે અને એમોક્ષીસીલીન ને તો લઘુત્તમ -૧૦ ડીગ્રી જોઇએ…જરા પુછવું તો હતું?
“ પપ્પા એ જ્યારે ખબર પડી ત્યારે બહુ મોડુ થઇ ગયુ હતું “
“ચાલ હવે સૌથી પહેલા આગળ નુકસાની વધે તે પહેલા તેને વધુ ઠંડા સ્ટોરેજ્માં મુકાવી દો”
લતાબહેને હકાર ભણતા કહ્યું “ લલિત! હાલ તરત તો આપણા કોલ્ડ સ્ટોરેજ્માં મુકાવી દો જો તેમને વાંધો ના હોય તો..” અને મોટી તરત બોલી નારે ના. એમાં શું વાંધો હોય…પપ્પાની ફેક્ટરી તો વધુ સુરક્ષીત.”
“ ચાલો તમે બધા મારી સાથે ફેક્ટરી પર. આપણે થોડી વધુ ચોક્સાઇ કરી લઇએ.
“ પપ્પા હવે જે કરવું પડે તે કરી અમને આ નાણાકિય ઘાતમાંથી બહાર કાઢો.”
લતા બહેન તમાશો જોઇ રહ્યા હતા.. બદલાયેલા વહુઓનાં અને દીકરાનાં વલણો જોઇ રહ્યા હતાં અને મનથી ફીટકારતા હતા. પણ મોં ઉપર સ્વસ્થતા અને હાસ્ય અકબંધ હતું. મોટી અને નાની પેલા ગરજ્વાન ને અક્કલ ના હોય તેમ ફેક્ટરીમાં દીકરાઓ સાથે આવી. બીજી ગાડીમાં લતાબહેન સાથે લલિત ચંદ્ર આવ્યા.
ફોનની ઘંટડી વાગતી હોવાથી બધાને બહાર કોન્ફરન્સ રુમમાં બેસવાનું જણાવી લલિતચંદ્ર તેમની કેબીનમાં ગયા. ફોન ઉપર ડૉ હજારી હતા.તે તેમના જમાઇ પ્રકાશનાં ભવિષ્ય વિશે વાત કરવા માંગતા હતા.
લલિતચંદ્ર તેમની વાત સાંભળી રહ્યા હતાં અને એમના મનમાં વિચાર આવ્યો કે પ્રકાશને સેલ્સ મેનેજર બનાવી પ્રમોશન આપીયે તો તેની કારકીર્દી પર આંચ પણ ના આવે અને સ્પેશીયલ બોનસ તરીકે વેચાણ નો જે હિસ્સો ઉપલક આપવાનો હતો તે. ફ્લેટ કાર અને પ્રીવીલેજ સ્વરૂપે અપાય કે જેથી ટેક્ષ નાં ઇસ્યુ ના થાય …
ડૉ હજારે તો માની ગયા..લલિતચંદ્રની સમજાવવાની ઢબ અને ડો હજારે જે તેના જમાઇને સ્થિર કરવા મથતા હતા તે આ રીતે કોઇ તકલીફો માં આવ્યા વિના થતા હતા. વળી જિંદગીની ઢળતી ઉંમરે ઇન્ક્વાયરી અને પોલીસ તપાસો થી બચવા આ ઉપાય તેમને સાપ મરે અને લાઠી પણ ના તૂટે એવો લાગ્યો.
પ્રકાશનું તો આમ ધ્યાન રખાયુ પણ ડૉ સાહેબ તમારે માટે પણ મેં વિચાર્યુ છે. જણાવવાની ઘૃષ્ટતા કરું?
“ આપ મને જે રૉ મટીરીયલ આપવાનાં છો તેને માટે મારે તમારી એક ચોક્ખ્ખી ફેવર જોઇએ છે.”
ડૉ હજારેનાં ફોન ઉપર ધબકારા ધીમા થતા હોય તેમ લાગતું હતું.
“ ફરમાવો..એમોક્ષીસીલિન આઇ પી સ્ટાંડર્ડ અને બી પી સ્ટાન્ડર્ડ વચ્ચે માર્જીન ઓફ એરર ૫૦ મીલી. ગ્રામ છે. મારા દીકરાઓ પાસે એમોક્ષીસીલીન સ્ટોરેજ ડીટરીઓશેન ને કારણે ૩૫ મીલી ગ્રામ સબ સ્ટાંડર્ડ છે જો તમે પહેલી બેચમાં ક્વોલીટી કંટ્રોલમાંથી પાસ કરાવી દો તો મને જે પ્રોડ્ક્શન નફો ૩ પૈસા મળે છે તે આપણે અડ્ધ અડધા આપની નિવૃત્તિ બાદ વહેંચી લઇશું. ડો હજારે અચકાયા..અને તેમનો છેડો શાંત હતો ત્યારે લલિતચંદ્રને યાદ ક્વોલીટી કંટ્રોલ ઓફીસર તો પ્રભાત બોઝ છે.
બીજે છેડે શાંતિ ભંગ થઇ ત્યારે લલિતચંદ્ર બોલ્યા..”ક્વોલીટી કંટ્રોલ ઓફીસર પ્રભાત બોઝ છે ને?”
“ હા અને એ થોડો વાયડો છે.”
“ તમે નિશ્ચિંત રહો આપણે હવે ત્રણ પૈસાનાં ત્રણ ભાગ પાડીશું.-વહેંચતા રહીયે તો પૈસા ઓછા મળે પણ સુરક્ષીતતા વધે.”
“ અને સાથે સાથે પકડાઇ જવાની શક્યતા પણ વધે ને?” ડૉ હજારેનો ભય સાચો હતો.
ભલે. આપની વાત સાચી છે. પણ જ્યારે સબ સ્ટાંડર્ડ રીપોર્ટ આવે ત્યારે બીપી સ્ટાંડર્ડ વાળી વાત આગળ વધારજો”
આ વાતો ચાલતી હતી તે દરમ્યાન કોન્ફરન્સ રૂમમાં સાવકી સાસુ સાથે વહુઓ. તાલ મેલ વધારતી હતી. તેમને ખબર હતીકે તેઓ એ પપ્પા સાથે વેરો આંતરો કર્યો હતો.. જો લતાબેન આડા ફાટે તો પપ્પા કોઇ મદદ ના કરે.
મોટી બહુ લોન લઇ ને રૉ મટીરીયલમાં કમાવાનાં પોતાના પતિનાં ખ્વાબ ઉપર ખફા હતી જ્યારે નાની ચાદર સૉડ પ્રમાણે ના તાણી ને રડતી હતી.. બંને ભાઇઓ પણ આકળ વિકળ થતા હતા.
ફોન ખાસ્સો ચાલ્યો.એ મુકાયા પછી
“જય શ્રી કૃષ્ણ.” કહીને લલિતચંદ્રએ પોતાની ચેર પર બેસીને ડાબા પગ પર જમણો પગ ચડાવી ટટાર બેસી ગયા. બેલ મારી તેમના દીકરાઓને ઓફીસમાં આવવા કહ્યું, કાચની કેબિનમા પોતાના પિતાના રૂવાબ અને ઠાઠ જોઇને બંને દીકરાઓના માથા શરમથી ઝુકેલા હતા
ઓફિસમાં પ્રવેશતા જ ડેડીની માફી માંગી અને રીતસર પગમાં પડી ગયા. કરગરવા લાગ્યા કે “ડેડી, મહેરબાની કરીને રો મટીરીયલ તમે ખરીદી લો, નહીતર બેંક સહિત અને ફાઇનાન્સવાળા અમારૂં બધું વેચાવી નાખશે! તમારા બે દીકરાઓ રોડ પર આવી જશે.”
લલિતભાઈએ કશોપ્રતિભાવ ના આપ્યો….અંતે બંને દીકરાઓને ઉભા કરીને એટલુ જ કહ્યુ,”બાપ આખિર બાપ હોતા હૈ.” તમારું રો મટીરીયલ બધા કાનૂની લેબલ સાથે અહીં જમા કરાવો. અને બહાર જઇને ગુપ્તા સાહેબ પાસે સ્ટોરેજ ની ટ ર્મ્સ અને કન્ડીશન્સ નક્કી કરી લો. હવે અંહી વિશ્વાસ પર કશું થતું નથી. .
‘હું તમારો સબ સ્ટાંડર્ડ માલ વેચાવી આપવા મથું છું. સફળતા મળે તો ઉપકાર લતાનો માનજો બાકી તમારા બદલાયેલા ચહેરા મેં જોયા છે. મને તો શંકા છે, આ રૉ મટીરીયલ ખરીદવામાં પણ તમે છેતરાયેલા હશો. કારણ કે તમારી નજર પૈસાથી આગળ કદી જતી નથી. આ કરોડ રુપિયાની લપડાક પરથી શીખ એ લેજો કે વેચનાર માણસે તો ધંધો કરી લીધો. ભાવ વધશે, ટેંડર પાસ થશે એ બધી વાતો ઘણી વખત હવાઇ કિલ્લાઓ હોય છે. જ્યારે ધંધો નક્કી થાય ત્યાર પછી જ રોકાણ કરાય. નીચા ભાવે મળે છે, માટે ભરી લઈએ વાળી વાત લાલચ છે. ધુતારાઓ આવા લોભિયાઓને પહેલા છેતરતા હોય છે’.
બાપની ટકોરથી દીકરાઓનો અંતરાત્મા જાગી ગયો હતો. બંને દોડીને ડેડીના પગમાં બેસી પડ્યા અને પોતાની ભુલ માટે માફી માગવા લાગ્યા. બાપ આખરે બાપ હોય છે.તે સમજી ગયા કે ભાન ભૂલેલા દીકરા પાછા આવ્યા છે હવે જાકારો યોગ્ય નથી. આમ વિચારતા લલીતભાઈનો સ્નેહાળ હાથ બંને દીકરાઓને માથે ફરી રહ્યો.
લતાબહેન સાથે તે રાત્રે બહુ ખીન્ન અવાજે કહ્યું, “બધુ સરસ રીતે ગોઠવાયું હતું પણ આ દીકરાઓની નાદાનીયતને કારણે તેમના ભાવફેરનો માર મારે ખાવો પડે છે. અત્યાર સુધી બાજી મારા હાથમાં હતી અને મારેજ મારા સિધ્ધાંતોમાં બાંધ છોડ કરીને આ ઝેરનો ઘુંટડો પીવાનો થશે.”
“એટલે?”
“એટલે કે નફામાં ખોટ ખાવાની અને હલકી ક્વૉલીટી નો માલ વાપરવાનો…મને આવા વચગાળાનાં સમાધાનો કરવા ગમતા નથી …”
“પણ થયુ શું તે તો કહો.”
“ હું મારી રીતે બધું કરી છુટ્યો. જેમાં કડવી દવા હતી, હલકો માલ. જે સમજાવતા બે કલાક થયા. વેચાણ સામેથી કરી અને છોકરાઓે કરેલી ભૂલની સજા, નફાએ ખોટના સ્વરૂપે લીધી.”
“ આખરે બાપે જ છોકરાઓની ભૂલની સજા વેઠવી પડે ને?”
“હા, તમે ટકોર્યા અને મનનાં સળ ખોલી નાખ્યા. પહેલો પ્રોડક્શન લોટ બહાર નીકળશે ત્યારે ખબર પડશે કે નુકસાન કેટલું વેઠાય છે.
મધુરા સ્મિત સાથે લતા બહેન બોલ્યા, “”લોહીના સાદ, રંગ અને સગપણ એમ કઈ સમયના ઘાથી જુદા થતા નથી “
ડૉ. હજારે પંદર દિવસ ખામોશ રહ્યા.પહેલા લોટની ૮ કરોડ રુપિયાની એમોક્ષિસીલીન નો સપ્લાય જ્યારે આવ્યો ત્યારે લલિતચંદ્રની ઉંઘ ઉડી ગઈ. ડૉ. હજારેએ નપાસ થયેલા માલની વાત જાણે ઉડાડી દીધી હતી.
પ્રકાશે ફોન ઉપર કહ્યું કે પહેલો ઓર્ડર રીજેક્ટ ના થાય તે માટે હાલ સપ્લાય કરેલી દવા નો માલ બનાવવાનો શરુ કરવાનો છે. પ્રોડક્શન ધમાધમ શરુ થઇ ગયું. નક્કી થયા મુજબ પ્રકાશને પ્રમોશન મળ્યું અને મુંબઈ ખાતેથી તેને માટે કલકત્તા મુકામે નવી ઓફિસ ખુલી. બે કુશળ ખેલાડી પોતાની મર્યાદામાં રહી પોત પોતાની બાજી રમી રહ્યા હતા
લલિતચંદ્ર જાણતા હતા કે “ જે જે પ્રાપ્ત થતો ઉપાધી યોગ, બની રહે તે તે લબ્ધી યોગ.” પહેલો લોટ ૨૨ કરોડ રુપિયાનો હતો. તે પાસ થઇ ગયો પ્રભાત બૉઝ્ને મળવાની જરૂર નહતી. બીજા લોટનું રૉ મટીરિયલ આવ્યું ત્યાં સુધીમાં ફેક્ટરી ફુલ ઝડપે ચાલતી હતી. પૈસા આવી ગયા. વેચાણ દ્વારા થયેલી રકમ જુદી મુકાઇ ગઈ. હવે બંને દીકરાઓ અને લલિતચંદ્રની કસોટી સમય આવતો હતો.
જો ત્રીજા લોટમાં હજારે સાહેબ માલ મોકલશે તો તકલીફ થશે.
પણ ત્રીજા લોટમાં ફક્ત એક ચિઠ્ઠી આવી જેમાં માલ સપ્લાય કર્યો છે. તેની સાથે નોંધ પણ હતી કે બૉઝ સાહેબ આપને મળવા માંગે છે. હોટેલ ગે લોર્ડ, રૂમ નંબર ૫૦૨.
પ્રકાશનો કલકત્તાથી ફોન પણ આવ્યો ” આ ટ્રેપ છે. હોટેલ ગેલોર્ડ ના જશો”!
લલિતચંદ્ર હવે મુંઝાયા, તેમના ગણતરી બાજ મગજે એટલું તો માપી જ લીધુ કે હજારે ક્યાંય સીધી વાતમાં નથી. ત્યારે પ્રકાશની વાત માનીને તેમણે ગે લોર્ડ જવાનું મુલતવી રાખ્યું. આમ જોવા જઇએ તો બે લોટ પાર ઉતરી ગયા તેમ જ ત્રીજો લોટ માટે તકનીકી બહાનુ કાઢી હજારેનું સિગ્નલ ના આવે ત્યાં સુધી શાંતિ રાખવી.. જો કે તેમ કરવામાં ઉત્પાદન પાછળ પડી જાય.
આગળ જાવ તો ખાઇ અને પાછળ જાવ તો જંગલી જનાવરો વચ્ચે નિર્ણય લેવાયો ખુટતી પોટેન્સી વધુ માલ ભરીને પુરી કરશું
બરાબર ૫ વાગે ડાયનેમીક ઇંડસ્ટ્રી ની ફેક્ટરીમાં રેડ પડી… એમોક્ષીસીલીન નાં સેમ્પલો લેવાયા..હિમાંશુ અને સુકેશે માલ સ્ટોર કરેલો છે અને તે ડાયનેમીક ઇંડંસ્ટ્રી નો માલ નથી તે સાબિત કરવામાં પાંચ મીનીટ પણ ના લાગી. અગ્રવાલે માલ લીધો ત્યારે ભાડા ચલણ બનાવેલું તેથી રેડ પાડનારા નીકળી ગયા.
બે દિવસે બૉઝ્નાં રીપોર્ટ સાથે ખુશીનાં સમાચાર લઇ ને હજારે જ્યારે ફેક્ટરી પર આવ્યા ત્યારે બાપ અને દીકરાઓ માટે ખુશીનો પાર ન રહ્યો…સેમ્પલો રેંજમાં હતા..આખો લોટ ઓ. કે. થયો હતો.
જે કરોડ રુપિયાનું આંધણ થવાનું હતુ તે ન થયું. બોઝ્ને આપવા માટે ફાળવેલ પૈસો હાથમાં રહ્યો…
લલિતચંદ્ર અને હજારી બંને એ સખત માનસિક દબાણ વેઠ્યું હતું તેથી તેઓની આંખમાં હાશ હતી. હજારે બસ નિવૃત થવાની જાહેરાત કરવાનાં હતા. એક વાત બંને નાં મનમાં ઘુમરાતી હતી “કસોટી તો સોનાની જ થાય દાનત પ્રમાણે બરકત આવે આવે અને આવે જ.”
બંને દીકરા અને વહુઓ માની ગયા કે તેઓ ખોટા હતા. લતામા અને પપ્પા તેમના હિતમાં જ વર્તતા હતા. સાવકી સાસુ ખાનદાન હતી. મોટી બહેને પણ બાપુજીનું સ્વમાન જાળવવા પ્રયત્ન કર્યો હતો.
હજારીના નિવૃત્તિ પ્રસંગે ફરી લલિતચંદ્રે બંને છોકરાઓને ડાયનેમીક ઇંંડસ્ટ્રીનું સંચાલન ફરી સોંપ્યુ અને કરોડો રુપિયાની કંપનીના ‘ચેર વુમન’ તરીકે મોટી દીકરીને સહી કરવાનો અધિકાર સોંપ્યો.
સંપૂર્ણ