નવો પ્રયોગ- .. ઘટના એક સ્પંદનો અનેક

  

સંકલન

વિજય શાહ

 

 

નવો પ્રયોગ- .. ઘટના એક સ્પંદનો અનેક (૧) પ્રવીણા કડકિયા

 

૧.હવડ કૂવો- પ્રવીણા કડકિયા

ઘણા વર્ષો પછી ગામમાં આવી. અમેરિકા ગયા પછી ગામ સાથે નાતો તૂટી ગયો હતો. અચાનક બધી યાદ તાજી થઈ. ગામની માયા મૂકાઈ ગઈ હતી.

‘મમ્મી, હું કેદાર જઈને આવું છું‘.

પાછાં આવતા થયું લાવને વાડી કૂવો જોતી આવું. બાળપણમાં ત્યાં પનિહારી સાથે ઘડો લઈ પાણી લેવા જતી. મુંબઈમાં જન્મી, મુંબઈમાં મોટી થઈ એટલે ગ્રામ્ય જીવન થોડા દિવસ માટે ગમતું. એ સમયે વાડી કૂવાની બોલબાલા હતી. તેનું મીઠું વળી ઠંડુ જળ હૈયાને ટાઢક પહોંચાડતું.  આજે એ  વાડી કૂવો  સાવ હવડ હતો. ગંદો પણ હતો. જાણે તેના દિદાર ફરી ગયા હોય! ખેર, જોઈને દુઃખ થયું. આજુબાજુ વાળાને કહ્યું હું પૈસા આપું ગંદકી દૂર કરો. કોઈ તૈયાર થયું. બે દિવસ બાકી હતા, નિકળવાને દિવસે કાનજી દોડતો આવ્યો. હાંફતો હતો. બોલવા જાય પણ મોઢામાંથી શબ્દો નિકળતા નહી.

‘થોડું પાણી પી, શ્વાસ ખા અને પછી બોલ શું થયું‘?

‘બેન, બેન વાડી કૂવા બાજુ સવારે  ચણ નાખવા ગયો હતો ત્યાં , તેની જબાન પાછી થોથવાઈ.

‘શું થયું, બોલને હવે‘.

‘બેન, એક સ્ત્રી અને બે બાળકો ટીંગાઈને મરેલા ભાળ્યા.’

‘મારા હાથમાંથી ચાનો કપ છુટી ગયો. શું બોલે છે તેનું ભાન છે, અલ્યા કાનજી?’

હા, બહેન જોઈને આવ્યો. ત્યાં સૂબેદાર, થાણેદાર અને પોલીસ છે. ત્રણ લાશ  કૂવાને કાંઠે ચાદરની નીચે જમીન પર પડી છે‘.

હવે મારી જીભ સિવાઈ ગઈ. ‘અલ્યા કોણ છે, ઓળખાણ પડી‘?

‘બહેન, મેં બેથી ત્રણ જણાને બોલતાં સાંભળ્યા બાજુના ગામની સુંદરી અને તેના બે બાળકો છે,’

હવે સુંદરીને તો હું ક્યાંથી ઓળખું. એના વર સૂરજનો બાપ અમારે ત્યાં વર્ષો પહેલા બાજરી અને ચોખા વેચવા આવતા. ખેતરનો તાજો પોંક તેની મિઠાશ જેણે ખાધો હોય તેને ખબર પડે.

‘તું શોધી કાઢ હું ક્યા છુપાઈ છુ‘? રૂપાની  ઘંટડીના રણકાર જેવો સુંદરીનો અવાજ સાંભળી ગાયને ચારો નાખતો સૂરજ દોડીને  આવી પહોંચે. આખા ગામમા તેમની વાતો થતી. બધા જાણતા બે બે જુવાન હૈયા એકબીજા માટે સરજાયા છે. સૂરજ શાળાએથી ઘરે આવે કે પાછળ સુંદરી પાટી લઈને આવી જાય. સૂરજ તેના કરતા એક વર્ષ મોટો હતો. તે બારમીમાં અને સુંદરી ૧૧મા ધોરણમા. ગામડા ગામમા નોટ પેન્સિલને બદલે હજુ પાટી પેન વપરાય. પેન હોય તો કોઈ વાર કોલસો પણ ચાલે. બન્ને જણે નક્કી કર્યું  હતું  બસ હવે આગળ ભણવું નથી.

ગામમા નળ આવી ગયા હતા. તેમાં પાણી હમેશ આવે તેની કોઈ ખાત્રી નહી. સુંદરીના બાપુએ નળ આવ્યા એટલે પાણીની ડંકી પૂરી દીધી. તેમને ખબર હતી કે નળમા પાણી ક્યારે અને કેટલું આવશે. સુંદરી માથે બેડું લઈને કમર લચકાવતી ચાલે ત્યારે તેના જોવા બધા ઉભા રહી જતા. એમાંથી બચાવવા અડધો રસ્તો સૂરજ તેને મદદને બહાને સાથે ચાલતો. સુંદરીને તે ખૂબ ગમતું. અલક મલકની વાતો કરતાં બન્ને ગામમા પ્રવેશે ત્યારે સુંદરી ખાંચાના રસ્તેથી ઘરે પહોંચી જતી. ઉભે બજારે નિકળતી.

શાળાનું ભણતર પુરું કરી એક સમી સાંજે બન્ને વાતે વળગ્યા.  સૂરજ બાપનો ગરાસ સંભાળશે અને સુંદરી તેના પ્યારમાં ગળાડૂબ રહી ઘરમાં સૂરજની માને મદદ કરશે. થોડું ભણેલી હતી તેથી હિસાબ કિતાબ પર ધ્યાન આપશે. એવું નક્કી કર્યું.  હિમત કરીને સૂરજે બાપને સુંદરી વિશે વાત કરી. સોમાભાઈ જાણતા હતા. સૂરજની બા અને તેઓ સુંદરીના બાપુ પાસે વિવાહની વાત લઈને ગયા.

વસંત પંચમીનું શુભ મૂહર્ત જોઈ સુંદરી, સૂરજને પરણી સાસરે વિદાય થઈ. ગામમાં સાસરું ને ગામમા પિયર બધાના ભાગ્યમાં નથી હોતું. સૂરજની ભલામણથી સુંદરીને મુનીમ કાકા પર નજર રાખવાનું સ્વિકારાયું. સૂરજના બાપને ગમ્યું. મુનીમ કાકા ચોપડામાં ઘાલમેલ કરે તો તેના પર સુંદરી કડી નજર રાખી શકે. છેલ્લા બે વર્ષથી નફો ઓછો થતો જણાતો હતો. આમ ઘી ઢળ્યું તો ખિચડીમાં. સુંદરી નજર રાખે એટલે મુનીમ કાકા હવે ચેતી ગયા.

ત્યાં સુંદરીને દિવસ ચડ્યા પહેલે ખોળે  બે રામ લખન જેવા દીકરાં જનમ્યા. સૂરજ તો ખૂબ ખુશ. સુંદરીનો પડ્યો બોલ ઝીલે. બબ્બે વારસદાર દીધા. એટલે સૂરજના માતા અને પિતા પણ તેને ખમા ખમા કરતાં. બધું સુંદર રીતે ચાલતું હતું.

વર્ષે વરસાદ ખેંચાયો. ધોમ ધખતા તાપમાં સૂરજે ઘણી મહેનત કરી. તેના ખેતરમાં પાણી પાવા માટે નીકો ખોદીને એકદમ આધુનિક સગવડો હતી. એક ટીપું ગગનેથી ધરાને આલિંગ્યું નહી. ધરા પાણી વગર તરફડતી રહી. ગમે તેટલું કરીએ પણ ગગનેથી જ્યારે વર્ષાના અમી છાંટણા થાય અને જે તૃપ્તિ ઉભા મૉલને થાય એની સરખામણી થાય. હા, પાક ઉતર્યો પણ પ૦ ટકા.

બાજુના ગામનો વિક્રમ પટેલ આજે સૂરજને મળવા આવ્યો.  શાળાના સમયનો ભાઈબંધ હમણા કામ ઓછું હોવાથી હાલ પૂછવા આવી પહોંચ્યો. સૂરજ હજુ વેપારના કામમાં વ્યસ્ત હોવાથી સુંદરી પાણીનો કળશ્યો લઈને આવી. નોકરને ખાટલો ઢાળવાનું કહી અંદર ગઈ. વિક્રમે સુંદરીને ઘણા વર્ષો પછી જોઈ. તેનું રૂપ જોઈ પાણી પીવાનું વિસરી ગયો. નોકરે ખાટલો ઢાળી બેસવાનું કહ્યું ત્યારે હા, હા બેસું છું કહીને ધબ દઈને બેઠો. હાથમાંનું પાણી બધું તેના કપડાં પર.  અડધું નીચે ફરસ પર પડ્યું જેથી ખમીસ ભીનું થયું અને પાટલુન બચી ગયું.

અંદરના રસોડામાંથી દૃશ્ય જોઈ સુંદરી ખડખડાટ હસી. તેનો અવાજ વિક્રમના કાનમાં પડ્યો અને તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. આબરૂનો ધજાગરો ચડે માટે શાંત રહ્યો ત્યાં સૂરજ આવી પહોંચ્યો.

‘અરે ઘણા વખતે દેખાયો, યાર‘!

‘હા, તારા ગામમા મારી બહેન માટે છોકરો જોવા આવ્યો હતો. થયું લાવ તને મળતો જાંઉં. તારા તો દિદાર સાવ ફરી ગયા છે. ખૂબ કમાણી લાગે છે‘?

ના, ના એવું કાંઈ નથી. આ વર્ષે તો અડધો પાક પણ ઉતર્યો નથી. આ મારી ઘરવાળીની કમાલ છે. હિસાબની ચોખ્ખી અને માણસોની સગવડ સાચવે એટલે બધા કામ મનમૂકીને કરે“. કહી સૂરજે બધો જશ સુંદરીને આપ્યો.

વિક્રમ માટે તો બળતામાં ઘી હોમાયુ. તે થોડો વંઠેલ હતો. કામકાજ ઓછું હતું એટલે સૂરજને અવારનવાર મળતો. તેણે સૂરજને દારૂની લત ચડાવી  દીધો. વ્યક્તિને લપસતા ઝાઝો સમય નથી લાગતો. હા, તેને સુધરતા આખી જીંદગી કદાચ નાની પડે.

સૂરજનું વર્તન અસહ્ય થતું જતું હતું. પહેલાનો સૂરજ હવે રહ્યો હતો. મારતો પણ ખરો. સુંદરી મારથી ટેવાઈ ગઈ. બે બાળકો હતા. તેના અને સૂરજના પ્યારની નિશાની. ખૂબ પ્રેમ કરતી. વિક્રમે સૂરજની જીંદગી બરબાદ કરવામાં પાછું વળી જોયું નહી. એના લક્ષણ એવા હતા કે તેને કોઈએ દીકરી દીધી નહી. સુંદરી તે દિવસે હસી હતી, એટલે તે ખૂબ ગિન્નાયો હતો.

સૂરજ માતા, પિતા કે સુંદરી કોઈનું માનતો નહી. આજે તો હદ વળી ગઈ. મેથી પાક મજાનો આપ્યો. ઉપર બદચલનનો કાળો મેશ જેવો ડાઘ લગાડ્યો. સુંદરી ત્રાહીમામ પોકારી ગઈ હતી. બાળકોને હૈયે ચાંપતી અને ધીરજ બંધાવતી. મોઢામાં જાણે પાણીનો કોગળો ભર્યો હોય એક અક્ષર બોલતી નહી.

સાસુ સસરા દંગ થઈ ગયા. સુંદરીના માબાપ તો જાત્રાએથી આવતા બસને અકસ્માત નડ્યો હતો.  બન્નેને મુક્તિ મળી ગઈ. સુંદરી સંસારમાં સાવ નિરાધાર થઈ ગઈ હતી. વરની માનિતી સહુની માનિતી. વરની અણમાનિતી સહુની  અણમાનિતી . એ દુનિયાનો કાયદો છે.

દુઃખ સહન કરવાની  એક મર્યાદા હોય છે. સુંદરી જાતનું દુઃખ સહન કરી શકતી. ખોટું આળ અને બાળકોની દયામણી સ્થિતિ. તેણે મનોમન નક્કી  કર્યું. એકાદશીના દિવસે મંદીરે જવાને બહાને  તૈયાર થઈ. બાળકોને તૈયાર કર્યા. સૂરજ આજે ઘરે આવવાનો હતો. અઠવાડિયામાં માંડ બેથી ત્રણ દિવસ આવતો. દારૂના પીઠામાં પડ્યો રહેતો. સુંદરીને શાંતિ લાગતી. માર ખાવામાંથી  છૂટકારો  પામતી. બસ આજે તેણે દૃઢ નિર્ણય લીધો.

વાડી કૂવે આવી પહોંચી. ચાંદ તેની મધુરી ચાંદની રેલાવી રહ્યો હતો. સુંદરીના મોઢા પર જુદી શાંતિ હતી. પહેલાં અફીણ ઘોળીને બન્ને દીકરાને બેભાન કર્યો . તેમને ગળેથી બાંધ્યાં. કાંઈ કેટલાય વર્ષનું જુનું ગંધાતું દોરડું ત્યાં પડ્યું હતું. તેમને ગળે ફાંસો દીધો. અંદરની મા કકળતી તો હતી પણ સાથે સાથે કાચા કાનના પતિને ભરોસે દીકરાને રાખવા ન હતા તેથી બબડતી  હતી, “સૂરજ તારા જીવનમાં હું પણ નહી કે મારું લોહી પણ નહી”. તેના મને વિદ્રોહ કર્યો ,પણ હવે પતિ જ જ્યાં શંકા કરે ત્યાં જીવીને શું કામ?

દ્વંદ્વ ચાલતું રહ્યું, છોકરા લટકાવ્યા પોતાના ગળે  દોરડું  બાંધ્યું વચ્ચે લાક્ડુ રાખી દર્દ સભર  હૈયે ભુસકો માર્યો——

 

નવો પ્રયોગ-વૃત્ત એક વૃતાંત અનેક .. ઘટના એક સ્પંદનો અનેક (૨) હેમા પટેલ

 

૨.કરે કૌન ઔર ભરે કૌન હેમા પટેલ

ચિત્રગુપ્ત અને યમરાજા પૃથ્વી પર તેમના કાર્ય માટે વિચરણ કરતા નિકળ્યા છે. ફરતા ફરતા એક નાના ગામ આગળથી પસાર થાય છે. યમરાજાને તરસ લાગી અને ચિત્રગુપ્તને પુછ્યુ અહિંયાં નજીક ક્યાંય કુવો , સરોવર કે તળાવ દેખાય છે ? તરસ લાગી છે પાણી પી લઈએ અને બે મિનિટ વિશ્રામ પણ કરી લઈએ, પછી આગળ ચાલીએ.

ચિત્રગુપ્ત – “ હા પ્રભુ સામે કુવો દેખાય છે ચાલો બાજુ જઈએ.

બંને કુવા નજીક ગયા, અરે શું છે ! કુવો તો હવડ છે પરંતું શું જોઈએ છીએ ? એક નહી બે નહી ત્રણ મૃતદેહ ! પ્રભુ નજીક આવો જોવો અહિયાં એક માએ બે નિર્દોષ બાળકો સાથે આત્મહત્યા કરી છે ! હે પ્રભુ મારાથી સહન નથી થતું. હું દ્રષ્ય જોઈ નથી શકતો, ચિત્રગુપ્ત ઉદાસ થઈ ગયા.યમરાજે નજીક આવીને કુવામાં નજર કરી દ્રષ્ય જોઈને જાણે તેમના પગ નીચેથી જમીન ખસી જતી હોય એમ લાગ્યું. આંખોમાંથી અશ્રુ પ્રવાહ વહેવા લાગ્યો. તેમનુ દિલ દ્ર્વી ઉઠ્યું. માસુમ નિર્દોષ લોકોના પ્રાણ મારી સાથે કેવી રીતે લઈશ ? અને લઈને હું ક્યાં જઈશ ?

ચિત્રગુપ્ત – “ હે પ્રભુ ઈશ્વરે મનુષ્યના પ્રાણ હરી લેવાનુ કામ તમને સોંપ્યુ છે, ઈશ્વરની આજ્ઞા અને સેવા કરવામાં રાત દિવસનુ તમારુ પ્રાણ હરવાનુ કામકાજ છે. જો દ્રષ્ય જોઈને તમને અત્યંત દુખ પહોચ્યું, આપણે દેવોને આવાં દુખ સહન નથી થતાં, તો મનુષ કેવી રીતે સહન કરી શકે.તમારી હાલત થઈ તો સામાન્ય માનવીની દ્રષ્ય જોઈને શું દશા થશે ? “

યમરાજાચિત્રગુપ્ત મેં ઘણાના પ્રાણ હર્યા છે પરંતું જ્યારે આવી ઘટના ઘટે અને આવી પરિસ્થિતી ઉભી ત્યારે તેમના પ્રાણ હરતાં મારા પણ હાથ કાંપે છે.નિર્દોષ લોકોના પ્રાણ હરતા મારુ પણ હ્રદય દ્રવે છે, હે ચિત્રગુપ્ત ધરતીના લોકોને શું થઈ ગયું છે ? મા તો મમતાની મુરત કહેવાય , દુનિયાની કોઈ મા પોતાના બાળકોની હત્યા આવી રીતે કરે. જરૂર તેની કોઈ મજબુરી હશે, ચિત્રગુપ્ત ચોપડામાંથી તેમનુ ખાતુ ખોલીને વાંચી ને તપાસ કરો મને કહો તેમનો સમય આવી ગયો હતો ? તેમના પરિવારની પણ ગામમાં જઈને તપાસ કરીએ આત્મહત્યાનુ શું કારણ છે ?

ચિત્રગુપ્ત  – “ હે પ્રભુ , ના હજુ પ્રાણ લેવાનો સમય પાક્યો નથી.

યમરાજ – “ પરંતુ તેમના પ્રાણ તો શરીરમાંથી નીકળી ગયા છે એટલે તેઓના કર્મ પ્રમાણે સ્વર્ગ કે નર્કમાં પહોંચાડવા પડે. મારું કામ પ્રાણ લેવાનુ છે શરીરમાં પાછા હું મુકી શકુ

ચિત્રગુપ્ત  – “ પ્રભુ ચાલો આપણે તેના ઘરે જઈએ

યમરાજ અને ચિત્રગુપ્ત તેના ઘરે ગયા જોયું તો તે સ્ત્રીનો પતિ મિત્રો સાથે શરાબની મહેફિલ જમાવીને બેઠો હતો નશામાં ધુત તેને ભાન નથી , તેની પત્ની અને બાળકો હવે દુનિયામાં નથી. યમરાજ અને ચિત્રગુપ્તે આંખ બંધ કરી અને મનથી તેઓના જીવનના અતિતમાં દ્રષ્ટિ કરી. શું જોવે છે !

સ્ત્રીનો પતિ મથુર – “ એય ગીતલી જા બે ગીલાસ લઈ આવ અને સાથે  ચણા લેતી આવજે

ગીતા ધ્રુજતી ધ્રુજતી ગઈ શરાબની બોટલ, બે ગ્લાસ અને ચણાની વાટકી લઈને આવી. જેવી મુકવા નીચી નમી મથુરના દોસ્તે ગીતાનો હાથ પકડ્યો. ગીતા ગમે તેમ કરીને તેનો હાથ છોડાવીને ત્યાંથી સરકી અને રસોડામાં રસોઈ બનાવવા બેઠી.બે બાળકોને જમાડીને સુવાડી દીધા. તે જાણતી હતી શરાબી પતિ હમણાં ધમાલ કરશે. શરાબી મથુર પાસે પૈસા હતા નહી ખેતીવાડીને જે આવક થાય તે જુવા અને શરાબમાં ઉડાડી દેતો. શરાબના નશામાં ખેતીવાડીમાં તેનુ મન લાગતુ હતુ. જમીન ગીરવે મુકીને દેવુ કર્યું હતુ તેની પાસે હવે થોડી ઘણી જમીન બચી હતી.પૈસા માટે ગીતાને લોહીનો વેપાર કરવા માટે જબર જસ્તી કરતો. દરોજ તેની માર પીટ કરતો ગીતા બે બાળકોને ખાતર ચુપ ચાપ બધુ સહન કરી લેતી હતી.

ગીતા રોજ રોજના નાટકથી કંટાળી  ગઈ હતી. બે માસુમ બાળકોની ખાતર તેને મજ્બુરીમાં ના મને કામ કરવું પડતું હતુ. મથુર પત્નીની લોહીની કમાણી પર જીવતો હતો.ઘરમાં અડધા દિવસ રાંધવા માટે અન્ન હોય શરીર ઢાંકવા માટે પુરતાં કપડાં હોય.ગીતાને બીજે ગામ જમીનદારને ત્યાં પણ મોકલતો. જમીનદાર પાસેથી સારી એવી રકમ મળતી. ગીતા સુંદર હતી,જમીનદારનો નબીરો ગીતા પર મરતો હતો. ગીતા એક બેજાન પૂતળા સમી બની જતી. તેના મન બળાત્કાર સમાન હતું. લોકો તેનુ શરીર નોછતા તે બે જાન પૂતળુ બની સહન કરતી. હવસ ખોરોએ તેનુ જમીર, તેનો આત્મા, તેના દિલને મારી નાખ્યા હતા. ફક્ત શરીર બચ્યુ છે. ગીતાને નજર સામે ફક્ત બે બાળકો દેખાતા હતા.જલ્લાદ પતિ, નરક સમાન જીંદગીથી તંગ આવી ગઈ હતી ,દરોજ ભગવાનને પ્રાર્થના કરતી હતી હે પ્રભુ આવી જીંદગી કોઈને આપશો, જ્યાં એક અબળા નારી પોતાનો અવાજ ઉઠાવી નથી શકતી, નથી પોતાની રક્ષા કરી શકતી , નથી બાળકોને સંભાળી શકતી.

આજે જમીનદારને ત્યાં તેના છોકરાની સાથે શહેરથી આવેલ એક માણસ સાથે, બંનેને વાત કરતાં ગીતા સાંભળી ગઈ,

ખુબસુરત બલા, ચિડિયા જાલમાં ફસાયેલી તો છે ભાગી ને ક્યાં જવાની નથી મારા નિયંત્રણમાં છે, મુબંઈ જેવા શહેરમાં કોઠે બેસસે લાખો રૂપિયા કમાવી આપશે. તેને ફોસલાવીને લઈ જઈશુ તેના પતિને તો પૈસાની થોક્ડી જોઈને મૉમાં પાણી આવશે. બે છોકરાંને મજુરી કરવા ગમે ત્યાં કામે લગાડી દઈશું નહીતો પછી મારા ગુલામ બનાવીને રાખીશ.નાના છોકરાંની બહુ ચિંતા નથી. બસ ચિડિયા હાથમાંથી ઉડી જાય તેનુ ધ્યાન રાખવાનુ છે.બસ સમજ આપણુ કામ થઈ ગયું

ગીતાએ બારણા પાછળથી બધુજ સાંભળી લીધુ, મનમાં વિચારવા લાગી, મેં એક ભવમાં બે ભવ કર્યા છે વધારે પાપનુ પોટલુ નથી બાંધવું. મારો કોઈ રસ્તો શોધી કાઢવો પડશે જલ્લાદોની વચમાં શાંતિથી નહી જીવાય.પહેલાં વિચારતી હતી પોતે એકલી જીવન પુરુ કરી નાખે પછીથી ખ્યાલ આવ્યો મારા વીના , મથુર છોકરાંની હાલત કેવી કરી નાખશે ? ના ના તેને સૉપી ને જવાય. મારું દુનિયામાં કોણ છે જેને ભરોસે મારા બાળકોને મુકીને જાઉં ? મારા વીના મારા છોકરાં નિરાધાર થઈ જશે, પરલોકમાં મને તેમના નિસાસા લાગે.છોકરાંને રડતાં મુકીને જાઉં તો મારો જીવ બંનેમાં રહે, ના મારે ભુત યોની નથી જોઈતી.સાથે લઈને જાઉં તો મને મર્યા પછી પણ શાંતિ મળે. નિર્દોષનો શું વાંક છે ? તેમની જીંદગી નહી બગાડું મારાં છોકરાં મારી સાથે સારાં.મારા બે બાળકોને પણ શરાબીના હાથમાં નહી મુકુ મને મથુર પર ભરોસો નથી બાળકોને પણ તેના જેવા બનાવશે. હે પ્રભુ મને રસ્તો બતાવ, હું મારી ફરિયાદ કોને કરું ? મારી પાસે બસ એક રસ્તો છે, જીંદગી ખતમ કરીને તારી પાસે આવવાનો, હું મારા બાળકો સાથે આવું છું અમને ત્રણેવને ગોદમાં લઈ લેજે હે પ્રભુ બસ હવે તારો આસરો છે. અમે પરલોક આવીએ છીએ.ગીતા બંને બાળકોને લઈને ઘરેથી નીકળી ગામની બહાર હવડ કુવો હતો જ્યાં બહુ અવર જવર હતી નહી ત્યાં આવીને બાળકો સાથે ગળે ફાંસો ખાઈને તેની જીંદગી ટુંકાવી દીધી.મથુરના રોજ રોજના ત્રાસથી આઝાદ થઈ ગઈ.

યમરાજ અને ચિત્રગુપ્તે ગીતાની જીંદગી જોઈ લીધી , આંખ ભરાઈ આવી,તેની મજબુરી સમજી લીધી હાલતમાં કોઈ પણ સ્ત્રી આવું પગલુ ભરે. તે બંને ને સમજાયુ. બંનેના દિલ હચમચી ગયાં વાહ રે ઈન્સાન પોતાના સ્વાર્થ માટે તું આટલી હદ સુધી નીચે જઈ શકે, જ્યાં સ્ત્રીની કોઈ કિંમત નથી , તેને સમજ નથી સ્ત્રી ભોગની વસ્તુ નથી, જે ઈન્સાન નારીની ઈજ્જત નથી કરતો તે પશુ સમાન છે.

ચિત્રગુપ્ત – “ કરે કૌન ઔર ભરે કૌન ! હે પ્રભુ વિધિનુ વિધાન જોવોકર્મકી ગતી ન્યારી ‘, જલ્લાદ મથુરના પાપોની સજા પત્ની અને બાળકોને ભોગવવાની થઈ “ .

યમરાજે વિચાર્યું ગીતા નર્કથી પણ ખરાબ જીંદગી જીવતી હતી, ત્રણેવ જીવને હું સ્વર્ગમાં લઈને જઈશ ઈશ્વરને વિનંતી કરીશ તોઓને કાયમ સ્વર્ગનુ પદ આપજો.

કોઈ કોઈ લોકોનુ જીવન એવું હોય તેને જોઈ ખુદ ઈશ્વરની પણ આંખ ભરાઈ આવે છે.

હેમા પટેલ

  

નવો પ્રયોગ-વૃત્ત એક વૃતાંત અનેક .. ઘટના એક સ્પંદનો અનેક (૩) વિજય શાહ

 મારો હૈયાનો હાર 

પોલિસ ઇન્સ્પેક્ટર  પરેશ રાણા જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ચમકી ગયા.

મણી એમના ઘરનું કામ કરતી હતી અને નીલમને ક્યારેય કોઇ પ્રકારની તેના થકી હેરાનગતી નહતી.

મણી એ રાવજી રાઠવાની ઘરવાળી પાંચ ઘરનાં વાસીદુ અને વાસણ કરી સહેજે  ૨૦૦૦ રૂપિયા લઇ આવતી. બે છોકરા મ્યુ્નિસિપાલિટી સ્કુલમાં ભણતાં અને તેનો રાવજી રાઠવો ઉચ્ચક રંગ રોગાનનું કામ કરી પૈસા કમાતો અને સુખે જીવતું કુટૂંબ હતુ. તેણે આત્મહત્યા કરવી પડે તેવી કોઇ વાત નહતી.ધ્યાનથી નિરિક્ષણ કરતા પો.ઇ. રાણા ને એક વાત સમજાઇ ગઇ હતી કે આ ખુન નો કેસ છે  ગળે ફાંસો ખાધો હોય તો તરફડિયા અને વેદનાના સૌ ચિન્હો ચહેરા ઉપર હોવા જોઇએ ને ? જીભ ખેંચાઇ આવે કે આંખોનાં ડોળા બહાર નીકળી જાય અને આ નાના ભટુરીયાઓને તો મા કેવી રીતે મારે?

બે જણા ને ઉલટ તપાસ માટે પકડેલા તેને રાણા સાહેબે બોલાવ્યા.  પુછપરછ શરુ કરી કોણ છે, આ? અને શું જાણો છે આના વિશે? મોહન જેઠવા એ હાથ જોડીને કહ્યું,” આ મણી છે મારી મસિયાઇ બહેન છે. એણે ફાંસો ખાઇ લીધો છે . બંને છોકરાઓની તે ખુની છે તેવું હવાલદાર સોલંકી કહે છે. પણ મારા માનવામાં આવતુ નથી.”

“કેમ એવું શાના ઉપરથી કહે છે?”

“ મણીને તો સૌ વાતોનું સુખ હતું રાવજી પણ સારું કમાતો હતો અને હમણા જ પોતાનું છાપરું પાકુ કરીને આનંદથી રહેતો હતો.”

“ ક્યાં છે રાઠવો?”

“ તે તો તેના કોંટ્રાક્ટના કામે   છોટા ઉદેપુર ગયો છે.”

“ તેને ખબર આપી?

“ હા સાહેબ હમણાં જ તે આવવા નીકળ્યો છે.”

“ સારું આ લાશો ઉતરાવી લો અને પંચનામું કરીને સયાજૉ હોસ્પીટલ માં તપાસ હેઠળ મુકી દો.

“ સાહેબ! રાવજી ને આવતા  કલાક તો લાગશે ત્યાર પછી લાશને હોસ્પિટલમાં મોકલીયે તો? હવાલદાર સોલંકી બોલ્યો.

“ કેમ રાવજી રાઠવા લાશ જોયા પછી માનશે કે તેનું કુટુંબ ખલાસ થયું છે?

“ ના સાહેબ.. તમે જેમ કહો તેમ!”

“ અને હા, છોટા ઉદેપુર પોલીસ સ્ટેશને જાણ કરો કે રાવજીને સાથે લાવે.. ક્યાંક નાસવાની કોશિષ ના કરે. મને આ આત્મહત્યા કરતા ખુન વધારે લાગે છે.”

મોહન જેઠવા કહે, ‘સાહેબ! રાવજી તો કોઇને ખસ પણ કહે તેવો નથી.એને આવી જવા દો પછી આ ચીર ફાડ કે પોષ્ટ મોર્ટમ કરાવજો…”

સવારના ૮ વાગી ગયા હતા તે રસ્તે છુટા છવાયા ખેડૂત નીકળતા અને મણી ના મૃત દેહને લટકતો જોઇ અરેરાટી નીકળી જતી. ગામમાં  હવે મોટરો અને નળો આવી ગયા હતા, એટલે આ કુવો હવડ થઈ ગયો હતો.

રાવજી મારતી રીક્ષાએ નીકળી ગયો છે. તેવા સમાચાર આવતા પો.ઇ. રાણા ફેર વિચારમાં  પડ્યા. જો ખુની રાવજી હોત તો સમાચાર સાંભળતા અહીં આવે જ નહીં

પો.ઇ.રાણાએ ફોટોગ્રાફર અને ડોગ સ્ક્વેડ મંગાવી. કુવાની આસપાસ પડેલા પગલા અને દોરડા પર અને નજીકમાં શક્ય તેટલી જગ્યાએથી આંગળાની છાપો ભેગી કરી. લાશને ઉતારી પંચનામુ કરતા હતા ત્યાં સુધીમાં રાવજી આવી ગયો અને પોક પાડીને છુટે મોં એ રડ્યો.  મણી  આ શું થઇ ગયુ? મારા રામ અને લખનિયાનો શું ગુનો હતો? હવાલદાર સોલંકીએ તેને છાનો રાખવા મથતા મોહનના હાથમાં પાણી આપતા કહયું,  સાહેબ રાવજીની ઉલટ તપાસ કરવા માંગે છે. જે માહિતી મળે તે જાણવું  છે.

રાવજીનો ડૂમો હજી ઘટ્યો નહોતો પાણી પીધા પછી રાણા સાહેબ સામે આવીને બેઠો.

“ બોલ મણી અને તારે કંઇ ઝઘડો થયો હતો?”

“ ના સાહેબ. મણી તો મારો શ્વાસ અને પ્રાણ હતી. ઝઘડો તો શું ઉંચા અવાજે બોલવાનું પણ કારણ નહતુ.”

“તને કોઇના ઉપર શક છે?”

“ નારે સાહેબ ના. મણી તો તેનું કામ ભલું ને તેનું ઘર ભલુ. તેને કોઇનીય સાથે કોઇ લપ્પન છપ્પન નહીં” આટલું બોલતા તેને ફરી ડૂમો ભરાઇ ગયો.

“ આજે સવારે તું અહીં ગામમાં હતો ને?”

“ સાહેબ હું તો છોટા ઉદેપુરમાં હતો જ્યારે પોલીસે ખબર આપી ત્યારે મારતી રીક્ષએ અહીં આવ્યો સાહેબ!”

તેની સાથે આવેલા રીક્ષા ડ્રાઇવરે પણ હકારો ભણ્યો.’ હા સાહેબ કેટલી ઝડપે અમે અહીં પહોંચ્યા છીએ તે તો અમારું મન જાણે છે’.

એમ્બ્યુલંસ્માં ત્રણેય મૃતદેહને લઇને પૉસ્ટમોર્ટમ માટે લઇ ગયા, ત્યારે મોહન રાવજીને સંભાળતો હતો. તે્નાથી મનાતું જ નહોતું, તે ને મણી છોડીને જતી રહી છે! સાથે બંને ફુલ જેવા બાળકો પણ નથી.

તેના આંસુ રોકાતા નહોતા. અનુભવી રાણા જોઇ શકતા હતા કે રાવજી ગુનેગાર નથી.

કેસ સરળ નથી હવે તો પોસ્ટમોર્ટમ નો રીપોર્ટ આવે ત્યારે જ ખબર પડે.

રાવજીને તાકીદ કરી કે “હમણા જબુગામ ના છોડીશ”

“પણ સાહેબ! આ દેહો ક્યારે મળશે? તેમની અંતિમ ક્રિયા કરવાની ને.વડોદરા પો્સ્ટમૉર્ટમ થયા પહેલા કશું જ ન થાય. સમજ્યો?”

રાવજીની સુઝેલી આંખો કહેતી હતી કે એનું સર્વસ્વ લુંટાઇ ગયુ હતું. જોકે નાતરીયાતી જાત એટલે એતો પાછો ટુંકા સમયમાં મંડાઇ જશે. પણ પો.ઇ. રાણા ને સમજાતું નહતું કે આત્મ હત્યા કરતા પહેલા બેઉ રામ લખન ને મારે તેવી જલ્લાદ તો મણી દેખાતી નહતી.

પોસ્ટમૉર્ટમ રીપોર્ટ આવે ત્યારે જોયું જશે કહી તેમણે તેમની વિચાર ધારા રોકી.પંચનામુ અને બીજી જરુરી કાર્યવાહી પતાવી લગભગ સાડા અગિયારે પોલીસ ચોકીથી તે ઘરે ગયા ત્યારે નીલમ પણ ઉદાસ હતી. ખાવાનું પીરસતા તેણે પરેશ ને પુછ્યુ.. “શું થયું? રાવજી આવી ગયા પછી કંઇ કારણ મળ્યું?”

ના. હમણાં તો પોસ્ટમોર્ટમ માટે મોક્લ્યા છે. રાવજી્ના તો હાલ ખરાબ છે…

“મણી કેટલાક સમયથી ઉદાસ તો રહેતી હતી” નીલમ જાણે ખરખરો  કરતી હોય તેમ બોલી.

“ તને કેમ એવું લાગ્યુ?”

“થોડાક દિવસ પહેલા એકલી એકલી કામ કરતા કરતા રડતી હતી  ત્યારે મેં પુછ્યુ હતું કે શું થયું ત્યારે તે બોલી.” બેન જવાદો ને શું વાત કરવી? પુરુષની જાત અને અમારી નાતરીયાની નાત. બધું જ સુખ પણ રાવજીને શંકા પડી કે રામ અને લખનીયો મારા નથી મેં કહ્યું પણ ખરું કે એટલે શું કહેવા માંગે છે? ત્યારે દારુનાં નશામાં ધુત તે બોલ્યો,’ તું હું બહાર હોઉં  છું ત્યારે કોની સાથે મોં કાળુ કરે છે તે મને ખબર છે’ !

“ તો જરા ખોખરો કરવો હતોને “ નીલમ બોલી

તે વાતને દસેક દિવસ વીતી ગયા હશેને આજે આ સમાચાર આવ્યા. મારો તો રામ અને લખનીયાને મારી નાખ્યા વાળી વાત સાથે મેળજ નથી ખાતો. તે બંને તો બંને નાં શ્વાસ પ્રાણ વહાલા હતા

સારું તેં મને આ વાત કરી. હવે રાવજીને મારે મારી રીતે ખોખરો કરવો પડશે. પણ પૉસ્ટમોર્ટમ નો રીપોર્ટ સાચી કહાણી કહેશે.

બપોરે રાવજીને પોલિસ સ્ટેશન બોલાવ્યો ત્યારે તે આવ્યો પણ સાથે વકીલ શર્માને લઈને આવ્યો હતો અને તેની ધરપકડ ન થાય તેવા આગોતરા જામીન લઇ ને આવ્યો. ત્યારે રાણાને તાળો મળવા માંડ્યો હતો.. સાથે મોહન પણ હતો.

રાણાએ  પહેલો પ્રશ્ન કર્યો-રાવજી તું તો ક્યાં દોષી છે? કે તારે આગોતરા જામીન લાવવા પડે? ખેર શર્મા સાહેબને થોડીક કમાણી થઇ. આતો સામાન્ય વાતચીત કરવા બોલાવ્યા છે.

રાવજી હસ્યો ફીક્કુ ફસ!

“હવે બોલ તારે અને મણીને ક્યારેય ઝઘડો થયો હતો?”

“ ના રે ના.”

“મણીને ના ગમતુ – તું કરતો હતો?”

“ નારે ધણીયાણી તરીકે મણી ૧૦૦ માંથી ૧૦૦ માર્કે પાસ.”

“ બરોબર. તું છાંટો પાણી કરે?”

ના સાહેબ, મને બરોબર ખબર છે દારુડીયો શું દારુને પીવાનો. દારુ જ દારુડીયાને પી જાય “

“હવે છેલ્લી વાત, તારા કોંટ્રાક્ટ નું શું થશે?”

“સાહેબ આ આગોતરા જામીન એટલે તો લીધા છે મારાથી બહું લાંબુ રહેવાય તેવું નથી.”

“ જીવલી પીંખી નાખશે તેવું બોલને” મોહન બબડ્યો.

“ આ જીવલી કોણ?’

“ જે કોલોની નો મારો રંગવાનો કોંટ્રાક્ટ છે તેની મુકાદમ”

પરેશને હવે રસ પડતો જતો હતો. તેની બીછાવેલી ચેસમાં તેને છુપાયેલા મહોરા હવે દેખાતા હતા.

“જો પૉસ્ટમૉર્ટમ રીપોર્ટ આવે ત્યાં સુધી તું જબુગામ  છોડતો નહીં.”

“ સાહેબ મારે એક દિવસ માટે મારા રંગારાઓને માલ આપવા જવું પડશે નહીંતર મને નુકસાન થશે અને તમે કહો છો તેમ હું ગુનેગાર નથી તો આજે રાત્રે જઈને સવારે પાછો આવી જઊ તો ચાલે?”

“ હવાલદાર સોલંકી તમારી સાથે આવશે અને આવતી કાલે જીવીને પણ અહીં લાવવાની છે.”

“સાહેબ મુકાદમને હું કેવી રીતે લાવી શકું?”

વકીલ શર્મા ત્યારે બોલ્યા “રાવજી ! પોલિસ કામમાં વિઘ્ન નહીં નાખવાનું સાહેબ જેમ કહે છે તેમ કરો”

રાવજી એ ગુસ્સા ભરેલી આંખે મોહન તરફ જોયું અને બડબડ્યો. જીવલીનું નામ લેવાની શું જરૂર હતી?”

પરેશ રાણા એ મોહનને પ્રશ્નો પુછવાનું શરુ કરતા પહેલા રાવજી ને કહ્યું, “અમે તો કાયદા મુજબ ચાલીયે અને જેનું નામ આવે તેને એક વખત આવી પ્રારંભિક પુછપરછ તો થાય જ.”

“મોહન તું તો આગોતરા જામીન નથી લાવ્યો ને?”

“ નારે ના સાહેબ. અમને એવા ખર્ચા ના પોષાય.”

“ બોલ તને ક્યારે ખબર પડી કે મણીએ સામુહિક આત્મ હત્યા કરી છે?”

“ સવારે ખેતરે જતો હતો ત્યારે .”

“મણી કોઇક પ્રકારનાં માનસીક રોગથી પીડતી હતી તેવી ખબર હતી તને?”

“ નારે સાહેબ તેને તો બધી બાજુનુ સુખ હતું. રાવજી તેને સારી રીતે રાખતો હતો અને અમારા લોકોમાં વર દારુ ન પીએ એટલે સુખી જ કહેવાય.”

“મણીને મરેલી જોઇને તમને કેવું લાગ્યુ?”

“ખુબ દુઃખ થયુ. અમારી નાતમાં આવું થવાની નવાઇ નથી, પણ મણી આવું કરશે તે મનાતુ નથી. વળી રાવજી ને તો બહુ નિરાંત હતી મણી સારુ કમાતી પણ હતી.

“ હવે એક સીધો પ્રશ્ન પુછું?”

“ હા સાહેબ”

અરે! વકીલ સાહેબ અને રાવજી તમે જાવ! આતો અમારું કામ જ્યાં સુધી જવાબ ના મળે ત્યાં સુધી પૂછ પરછ ચાલુ. વકીલ શર્મા અને રાવજી ગયા પછી નરમ અવાજે રાણાએ કહ્યું મોહન તારો આભાર. તેં જીવલીનું નામ દીધું. રાવજી સાથે જીવલીનું કંઇ ચક્કર બક્કર ખરું?

“ જુઓ સાહેબ મને તે દિવસે મણી કહેતી હતી કે “ આ જીવલીનું મારું ચાલે તો ખુન કરી નાખું”

“કેમ?”

“ મારા રાવજી ઉપર ડોળા નાખે છે.”

“પછી?”

મણી નાની બેન એટલે તેને છાની રાખતા મેં કહ્યું, “ એ મુકાદમ એટલે રાવજી તેને સાચવે બાકી રાવજીને મન તો તું જ છે.”

રાણા એ થોડુંક મૌન સેવ્યું

મોહન બોલ્યો “ મારા વાક્ય સામે તેનું મોં પડી ગયું જે મને ના ગમ્યું.”

મોહન! “ફરીથી તારો આભાર. જ્યારે તને બોલાવું ત્યારે હાજરી આપજે..મણીના આત્માને શાંતિ મળે તેવું આપણે કરવું છે.”

*****

બીજે દિવસે સોલંકી સવારે આવ્યો ત્યારે છોટા ઉદેપુરથી જીવી પણ સાથે હતી. અગિયાર ના ટકોરે રાણા સાહેબ જ્યારે પોલિસ સ્ટેશન આવ્યા ત્યારે રાવજી અને જીવી તેમની રાહ જોઇ રહ્યા હતા.

ઓફીસમાં તેમની રૂમમાં પંદરેક મિનિટ પછી બોલાવ્યા.

સોલંકી રૂમમાં જ હતો. તેણે કહ્યું સાહેબ, “ માંડવાળી કરવા માટે ૧૦,૦૦૦ રૂપિયા મને જીવી એ આપ્યા છે.”

એક કડક નજર  જીવી ઉપર નાખી.

જીવી ડરતા ડરતા બોલી સાહેબ, “આતો ખાલી પાન બીડુ છે.  તમે જેમ કહેશો તેમ કરીશું”.

“હજી રીપોર્ટ નથી આવ્યો તે પહેલા જ તમે તો.”

“જુઓ સાહેબ રીપોર્ટ તો આવશે પણ તે રીપોર્ટને તમે બદલી ને આપઘાતમાં ફેરવો તેને માટે તો સાહેબ પૈસા આપવાનું કહું છું.” રાવજી કરગર્યો

“સોલંકી રાવજી અને તેમના મુકાદમ માટે ચા નહીં લાવો?” રાણા એ બહુ ઠાવકાઇથી ઇશારો કર્યો.

ચા અને બિસ્કિટ આવ્યા અને સાથે સંતાડેલો કેમેરો બ્લીંક થવા માંડ્યો.

પરેશે પુછ્યુ ‘ તમે સહેજ ચા નાસ્તો લો ત્યાં સુધીમાં હું એક ફોન કરી લઉં. ફોન વડોદરા ફોરેન્સીક લેબોરેટરીમાં જોડ્યો અને રીપોર્ટ જાણી લીધો મૃત્યુ ઝેર આપવાને લીધે થયુ હતું. પછી લાશોને લટકાવી દીધી હતી.

રીપોર્ટ જાણી લીધા પછી જીવી સામે ધારદાર રીતે જોયુ અને કહ્યું. “ હા તો આ મણી સાથેની દુશ્માનાવટ હતી કે રાવજીને પડાવવાની ચાલ?’

જીવી કહે, “રાવજી તો મારો હૈયાનો હાર છે.  તેને પામવા તો આ ખેલ કર્યો હતો.” હવે તમે કિંમત કહો એટલે રાવજી મારો થાય.”

“ત્રણ રીપોર્ટો બદલવાના એટલે સોલંકી ડોક્ટર અને એમ્બ્યુલન્સ અને મારા ઉપરીઓ સૌને વહેંચવાના અને તમને બંને ને ફાંસીથી રોકવાના એ નાની વાત નથી. બધાને ત્રણ લાખ અને મારા પાંચ લાખ અને તે આજ સાંજ સુધીમાં”.

સાહેબ એ તો શક્ય નથી. રાવજી માટે વીસ લાખ બહું મોંઘો સોદો છે.

ભલે સોલંકી આ બંને ને હમણા ગીરફ્તાર કરો

પણ સાહેબ તમારી પાસે અમરા વિરુધ્ધ કોઇ પુરાવો છે? જીવી છેલ્લે જીવ ઉપર આવીને બોલી.

સોલંકી મુકાદમ સાહેબ ને વીડીયો બતાવો અને બેડી પહેરાવો.

એડિટેડ વીડીઓમાં જીવી નું એક જ વાક્ય હતુ “રાવજી તો મારો હૈયાનો હાર છે.  તેને પામવા તો આ ખેલ કર્યો હતો.” હવે તમે કિંમત કહો એટલે રાવજી મારો થાય.”

રાવજીને ત્યારે સમજાયું કે તે બધેથી હાર્યો હતો. મણી માટેનું ઝેર જીવી એ ભર્યુ હતું.  હવે આખી જિંદગી જેલ જોવાની હતી

 

નવો પ્રયોગ-વૃત્ત એક વૃતાંત અનેક .. ઘટના એક સ્પંદનો અનેક (4)- ડો.લલિત પરીખ

લટકતી લાશો

ટીંબા ગામમાં એકનો એક મીઠા પાણીનો કૂવો . જે મુસાફર ત્યાંથી પસાર થાય તે પાણી પીવા રોકાય. ગામ નાનું પણ માણસો પ્રેમાળ અને કુદરતે બન્ને હાથે ત્યાં હરિયાળી ઠાલવેલી. એ ગામના કેદારને ડુંગરેથી તમે કુદરતને નિહાળો ત્યારે સમસ્ત અસ્તિત્વમાં આનંદ વ્યાપે. દરરોજ સવારે માસ્તરાણીનો વર ત્યાં સૂર્યોદય  નિહાળે. મીઠા પાણીના કૂવે દાતણપાણી કરી હાશકારો થાય તેવું તેનું મીઠુ પાણી ખોબલે ખિબલે પીએ. તેના મીઠા પાણીનો સ્વાદ મુસાફર માણે અને બાકીની મુસાફરી દરમ્યાન તેને વાગોળે!

એ કૂવામાં આજે સવારે પાણી ભરવા આવેલી પનિહારી ગભરાઈને બેડું પડતું મૂકી દોડી. આખું ગામ પછી તો કૂવાને કાંઠે ભેગું થયું.  ગામના લોકો તો ઠીક સરપંચ અને પોલીસ અધિકારીઓ પણ ચકિત-વિસ્મિત રહી  ગયા. એવા  મૂંઝાઈ  ગયા કે આ ત્રણ લાશો કેમ કરીને ગોઝારા કૂવાને કાંઠે લટકતી  દેખાઈ ? જે કૂવાનું પાણી પીવામાં વપરાતું હોય, આખો દિવસ કાંઠે પનિહારી બેડાં ઘસીને ચકચકિત કરી પાણી ભરતી હોય ! તે કૂવામાં ત્રણ લાશ. આંખો આ માનવા તૈયાર ન હતી ! પણ જે દૃશ્ય આંખો જોઈ રહી હતી તેનો ઈન્કાર પણ કેવી રીતે થઈ શકે !

બે બાળકો સાથે શાળાની  મીના  માસ્તરાણીએ  દોરડા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો! આપઘાત  મીના માસ્તરાણી કરે એ વાત કોઈના ગળે ઉતરતી ન હતી. તેનો પતિ મનહર  પત્નીને ખૂબ ચાહતો આજે સવારે માથુ ભારે હતું એટલે સૂર્યોદય નિહાળવા ગયો ન હતો. ઘરની બહાર  અડીને બાંધેલા શેડમાં નાનો પરચૂરણ વસ્તુઓનો  વેપાલો કરતો. તે ખૂબ ભલો, ભોળો, સીધો, સુખી અને  સંતોષી માણસ.  એવા સાધુ જેવા માણહની બૈરી કૂવામાં બે બાળકો સાથે લટકતી હતી. મરતાને મર ન કહે તેવો દીધો સાદો. જે માણસ કીડી કે વાંદાને પણ ન મારી શકે તે  આમ પત્નીને અને બાળકોને મારી, બાંધી કૂવા કાંઠે તો ન જ લટકાવે !

નાના ગામમાં નાની શાળા. માત્ર એક શિક્ષિકા મીના બહેન ! હવે આવા સંજોગોમાં શાળામાં પણ એવું કોઈ ન હતું જે આવું ગોઝારું કૃત્ય કરે ! એક બીજો માણસ હતો. જે નોકર કહો, પટાવાળો કહો, શાળાનો ઘંટ વગાડનાર  બુઢ્ઢો નાથો. જેના મોઢામાં મગ ભર્યા હતા. કોઈ પણ જવાબ માત્ર દસ શેરી હલાવીને જ આપે. જેના મોઢામાં મગ ભર્યા હોય તેનામાં આવી તાકાત ન હોય! તે નાથો તો આવું કરે જ શા માટે? હત્યા અને તે પણ મીના બહેનની ? તેમના બે નાના બાળુડાની ?

આમ ફોજદારને મીનાબહેનના વર કે નાથા પર એક પૈસાનો પણ વહેમ ન હતો. તો પછી ખોબલા જેવા નાના ગામમાં આવું બન્યું કેવી રીતે ? મીના બહેન રોજ વર માટે રોટલા અને મગ બનાવી બન્ને છોકરાને લઈ શાળાએ જાય. છોકરા ૨૪ કલાક તેને હૈયે વળગાડે. ખબર હતી કે વેપારમાં ખુંપેલો એનો વર છોકરા ન સાચવી શકે !

શાળા ભલે નાની હતી. બાળકો પણ માંડ પચાસ. દર વર્ષે તેમની દાક્તરી તપાસ માટે બાજુના શહેરમાંથી  મેડિકલ ઇન્સ્પેકટર આવતા. બનતા સુધી તેમનું કામ એક દિવસમાં સમાપ્ત થઈ જતું. જો કદાચ  પણ એક દિવસમા પુરું ન થાય તો ગામના સરપંચના ઘરામાં રાતવાસો કરતા. બીજે દિવસે કામ પુરું કરી પાછા શહેર જતા રહે. તે આવું  કૃત્ય શામાટે કરે? દર વર્ષે  મેડિકલ ઇન્સ્પેકટર ડૉ.મનસુખ  બાજુના શહેરમાંથી આવતા.એ તો ભલો,સજ્જન,ભરોસાપાત્ર માણસ આવે ભલે શાળાના બાળકો કાજે પણ ગામના માણસોની સેવા કરતા જાય. એક પૈસો પણ ન લે. તેમની  જાંચ-તપાસ કરી સેમ્પલની, સાથે લાવેલી દવાઓ પણ પ્રેમથી સહુ ને આપે. હોંશ પૂર્વક સહુની ફરિયાદ સાંભળી ઈલાજ બતાવે.  સરપંચને ત્યાંથી દિવસ દરમ્યાન ભાણુ આવે. સાજે મીના અને મનહરના પ્રેમ ભર્યા આગ્રહને વશ થઈ તેમને ત્યાં જમે. રાતવાસો તો હમેશા સરપંચને ત્યાં જ કરવાનો આગ્રહ રાખે.

સાંજે છેલ્લી બસ પકડવામાં કાયમ મોડું થાય. તે સરપાંચ જાણે  એટલે આગ્રહ કરી પોતાને ત્યાં  લઈ જાય.  ન તો તેને  ચાનું વ્યાસન હતું, કે ન તો પાન, બીડી, સિગરેટ કે તંબાકુનું . તેની સાથે આવનારો કંપાઉંડર  કમ ક્લાર્ક  કાનજી બધા રીપોર્ટ્સ નોંધવાનું કામ સંભાળતો. કાનજી માસ્તર મારે પણ નહી અને ભણાવે પણ નહી એવો હતો. તેને માત્ર કામ સાથે મતલબ.  આ વખતે  મેડિકલ તપાસમાં આવ્યા ત્યારે કાનજીની બૈરી ત્રીજી સુવાવડમાં પાછી થઈ હતી. તપાસ પૂરી થાય પછી  રાત પડે શાળાની ઓસરીમાં પડ્યો રહે. મીના બહેન તેને ચાદર અને ધાબળો આપી જાય.   આમાંથી કોઈ કરતા કોઈના પણ તરફ શંકાની  સોય  જઈ શકે તેમ ન હતી.

પણ  સત્ય હકિકત  આંખ સમક્ષ હતી. કૂવા કાંઠે ત્રણ  લટકતી લાશો !  સવાર પડતા  સહુ કોઈ પાણી ભરવા આવનારની  નજરે પડવા લાગી. આખા  ગામમાં દેકારો થઇ ગયો.પોલીસ ઈન્સ્પેક્ટરે અને મદદનીશ પોલીસે  આવી કૂવાની ફરતે કોર્ડન કરી દીધો.  લોકોના ભેગા થયેલા  ટોળાને ધમકાવી, ડરાવી કૂવાથી દૂર રાખ્યા. જ્યારે લોકોના ધસારાએ માઝા મૂકી ત્યારે થોડો હળવો લાઠી ચાર્જ કરીને પણ સહુને કૂવાથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો.

સસ્પેન્સ તો ત્યારે વધ્યો જયારે પાસેના મોટા શહેરથી આવેલ મેડિકલ ઇન્સ્પેકશન ટીમે તપાસ કરી પોતાનો નિર્ણય જણાવ્યો કે આ ત્રણેયને પહેલાં  કલોરોફોર્મ સૂંઘાડ્યું છે. પછી  ઘેનની દવા પીવડાવી અંતે ઝેર  આપીને આપઘાત કે ખૂન જેવો સીન ઊભો  કર્યો છે.  આમ ત્રણેય ને દોરડું બાંધી કૂવામાં ફેંકવા જવાના હતા પણ ઉતાવળમાં તેમને લટકાવીને   ગુનેહગાર છૂમંતર થઈ ગયો હોવો જોઈએ. વધુ ઊંડી તપાસ કરતા એમ પણ જણાયું કે બાળકોની માતા સાથે ગુનેહગારે દુષ્કર્મ પણ કર્યું છે.આ કાર્ય કોઈ સામાન્ય વ્યક્તિનું જણાતું ન હતું. સ્ત્રી ઉપર અજમાવેલ પાશવી વૃત્તિના ચિન્હો સ્પષ્ટ જણાતા હતા.

હવે જ્યારે મેડિકલ રિપોર્ટ પ્રમાણે જોતાં શંકાની સોય  મેડિકલ ઇન્સ્પેકટર તેમ જ તેના કંપાઉંડર તરફ દોડવા લાગી.મેડિકલ ઈન્સ્પેક્ટર રાતના સમયે ત્યાં હતા જ નહી. કંપાઉડંર અને ક્લાર્કનું કામ કરતા કાનજી સિવાય આ કોનું પરાક્રમ હોઈ શકે?

બેઉની  ધરપકડ કરી થાણામાં બોલાવ્યા. ઈન્સપેક્ટરને તો કોઈ ડર હતો નહી. તેનું વર્તન, દિલ અને દિમાગ બધું સાફ હતું.  બેઉની પૂછપરછ કરી. ઉલટતપાસમાં કાનજી તત પપ કરવા માંડ્યો. શંકાની સોય  કાનજી પર જઈને અટકી.  હવે તેના ગાત્રો ગળવા માંડ્યા.આવું કામ પહેલા કોઈ દિવસ કર્યું ન હતું એ કાંઈ રીઢો ગુનેગાર ન હતો?

તાજો ઘરભંગ થયેલો હતો. પત્નીના ગયા પછી હવસ પૂરી કરવા ક્યાં જાય? થાણેદારના કડપ સામે એ ઝાઝુ ટકી ન શક્યો. રડતા રડતા બધો ગુનો કબૂલ કર્યો. મેડિકલ રેકર્ડ  બનાવતો હતો ત્યારે ઈન્સપેક્ટર હાજર ન હતા.તેમને થયું આજે કામ વહેલું પુરું થયું છે ગામમાં રાત રહેવું નથી અને આ કાનજી કામ પતાવે ત્યાં સુધીમાં મંદીરે દર્શન કરી આવું.

આવખતે મેડિકલ તપાસ માટે ટીમ આવી તેમનું કામ જલ્દી પુરું થયું. રાતના બસ પકડવા માટે પૂરતો સમય હતો. પાછળનું કામ કાનજી અવેરતો હતો. આજે તેને તેની મરેલી બૈરીની યાદ સતાવતી હતી. હતો સીધો પણ આખરે તો એક સામાન્ય માનવી ! શળાના બાળકો ઘર ભેગા થયા હતા. એનું કામ ચાલતું હતું એટલે માસ્તરાણી ઘરે ન જઈ શકે! બાળકો ભૂખે ટળવળતા હતા. ટેબલના ખાનામાંથી ગ્લુકોઝ બિસ્કિટ આપી તેમને શાંત કર્યા.

મીના માસ્તરાણી એકલી શાળામાં હતી. બેઠા બેઠા કાગળો ઉથલાવી રહી હતી. બાળકો એ જ શાળામાં ભણતા હતા તેથી માની સાથે હતા. મીનાનું છલકતું જોબન  કાનજીને સાદ પાડીને બોલાવી રહ્યું હતું. સહુ પ્રથમ કાનજીએ પ્રેમથી બાળકોને  નજીક બોલાવી ટોનિકના ઈંજેક્શન છે કહી ભોંક્યા. બન્ને બાળકો બેભાન થયા એટલે ચિત્તાની માફક તરાપ મારી મીના માસ્તરાણીને ભોંય પર પછાડી. તેને ચુંથી નાખી. તે બેભાન થઈ એટલે તેને પણ ઘેનમાં ઝેર મેળવી ઈંજેક્શન આપી દીધું.

આજે તેના પર ઝનૂન સવાર થઈ ગયું હતું સારા નરસાનો, સાચા ખોટાનું ભાન ભૂલી ગયો. સીધો સાદો કાનજી કેવું પાશવી કૃત્ય આદરી રહ્યો તેને ખ્યાલ પણ ન રહ્યો. તેથી જ કહેવાય છે,’સંમોહમાં ફસાયેલ માનવી પશુ કરતાં પણ અધમ કૃત્ય આચરી શકે છે’. કરતાં કાર્ય તો કર્યું પણ પછી જ્યારે ભાન થયું ત્યારે આ્ચરેલી લીલા જોઈને હવે શું ?’ વિનાશકાળે વિપરિત બુદ્ધિ.’

તેને લાગ્યું ત્રણેય જણા નિંદરમાં છે એટલે શાળાની પાછળ આવેલા કૂવાને કાંઠે પડેલા દોરડાથી ત્રણેયને કચકચાવીને બાંધી  કૂવામાં ફેંક્યા. નસિબ જોગે દોરડું કૂવામાં ક્યાં અટવાયું જેથી ત્રણે  ટિંગાયા !અંતે બે બાળકો અને માની એમ ત્રણ જણાની લાશ સવારે કૂવામાં લટકતી સહુએ ભાળી.

આ વખતે મેડિકલ ઈન્સપેક્ટર અને કંપાઉન્ડર રાત રોકાયા ન હતા. મેડિકલ  ઇન્સ્પેકટર આવતા સુધીમાં તો બધું સગેવગે કરી દીધેલું હોવાથી કોઈ કરતા કોઈને કોઈ અંદાજો પણ આવે એવું રહ્યું જ નહી. .”માસ્તરાણી બાળકો સાથે મોડું થતા ઘર ભેગી થઇ ગઈ” કહીને સરપંચને ત્યાંથી આવેલું ટિફિન જમીને, બેઉ ઇન્સ્પેકટર અને કંપાઉંડર આ વખતે  રાતે જ ગામ છોડી, તેમને શહેર જતી છેલ્લી બસમાં રવાના  થયા. આખે રસ્તે રઘવાયેલો કાનજી એક પણ અક્ષર બોલ્યો નહી. તે થાકેલો અને વિકળ હતો. મેડિકલ ઈન્સપેક્ટરને થયું આજે કામ બહુ પહોંચ્યું લાગે છે.

કંપાઉંડરના ફિંગર પ્રિન્ટ્સ દોરડા પર, મીનાના વસ્ત્રો અને શરીર પર તેમ જ બાળકોના વસ્ત્રો તથા શરીર પર મળી જતા સ્પષ્ટ થઇ ગયું કે ગુનેહગાર એ  કંપાઉંડર જ હતો. કેસ સાવ સરળ હતો. શંકાનું કોઈ કારણ ન હતું.   તેની રડતા સ્વરે અપાયેલી કબૂલાતે તેની હવસ અને ખૂનની પૂરેપૂરી સાબિતી આપી દીધી હોવાથી તેને જેલ ભેગો અને પછી કોર્ટ કેસ ચાલ્યા બાદ ફાંસીને   દોરડે લટકાવવામાં આવ્યો. જ્યારે તેને લટકાવવા માટે વધસ્તંભ પર લાવ્યા  ફાંસીનું દોરડું ગળામાં પડ્યું ત્યારે તેને પોતે દોરડું બાંધી ત્રણ ત્રણ નિર્દોષોની અકારણ ક્રૂર હત્યા કરેલી એ યાદ આવતા તે કંપી ઊઠ્યો.

બંધ આંખે તેણે  મનોમન ઈશ્વરની અને ત્રણેય મૃતાત્માઓની ક્ષમા માંગી. ઈશ્વર દયાળુ છે એ હકિકત જગ જાહેર છે. ખબર નહી આવા અધમ કૃત્ય બદલ તે કાનજીને માફ કરશે ?આવા અક્ષમ્ય ગુના માટે ક્ષમા માંગવી  એ પોતે જ પોતામાં બેશરમ ભયંકર ગુનો કહેવાય એ સત્ય એ હવસખોર ગુનેગારને છેલી ક્ષણે કોણ સમજાવી શકે?

“કર્યા કૃત્ય પસ્તાવે ને ઝરણે વહાવશો !”

પસ્તાવાનું ઝરણું મલિન થઈ ગયું હતું!

ગામલોકો લટકતી લાશોનો ભેદ જાણી હવસની હેવાનિયતનો અંદાજો કરી શક્યા અને ભગવાન   આવી ભયંકર અને ખતરનાક હવસથી સહુ કોઈને બચાવે  એવી  જ અભ્યર્થના અને પ્રભુપ્રાર્થના કરવા લાગ્યા.

 

નવો પ્રયોગ-વૃત્ત એક વૃતાંત અનેક .. ઘટના એક.. સ્પંદનો અનેક (૫) પ્રભુલાલ ટાટારિયા

બાપના નામે કાળુ કલંક

શિવાંગીને કોલેજમાં વેકેશન પડી ગયું એની ખુશાલી મનાવવા સખી વૃંદ ભેગી મળી હતી.ખાણી પીણી દરમ્યાન ક્યાંક ફરવા જવાનો વિચાર ચાલતો હતો તો શિવાંગીએ સજેશન કર્યું કે,ચાલો આ  વખતે મારા ગામ ધરમપુર જઇએ ત્યાં ગામડાની ખુલ્લી હવા અને સિઝનમાં પાકતા ઠાકોરની વાડીના તાજા ફળો ખાવાનો આનંદ અનેરો હશે અને નક્કી થયા મુજબ સૌ ધરમપુર જવા રવાના થયા.

ધરમપુરમાં શિવાંગીના વિધુર પપ્પા કપુરચંદ ધરમપુર ઠાકોરના કારભારી હતા તેના બંગલા પાસે ગાડી ઊભી રહી તો સૌથી પહેલા શિવાંગી ‘પપ્પા…પપ્પા કરતી ઘરમાં દાખલ થઇ તો સામે ઘરનો નોકર શિવરાજ દોડતો બહાર આવ્યો

‘અરે…શિવુ બેટા તું……સાહેબ તો ઓફિસના કામે દામનગર ગયા છે….ચાલ તારો રૂમ મેં બે દિવસ પહેલા જ સાફ કરાવ્યો છે અને મહેમાનના રૂમ પણ સાફ કરાવેલા છે ચાલો…’કહી શિવરાજ ચાવીનો ઝુડો લઇ આગળ ચાલ્યો.બધાએ પોતાના સામાન ગોઠવી ફ્રેશ થઇ ચ્હા નાસ્તો કર્યો અને ફરવા નિકળ્યા.જયારે ઠાકોર સાહેબની વાડી તરફ જતા હતા ત્યારે રસ્તામાં આવતો કુવો નજીક આવતા એકાએક દુર્ગંધ આવવા લાગી. સૌએ પોતાની પર્સમાંથી હેન્કી કાઢી નાક આગળ દાબી સખી વૃંદમાંથી મંદિરાએ પુછ્યું

‘શિવાંગી આ દુર્ગંધ……’

‘ઓલ્યા હાવડ કુવામાંથી આવતી લાગે છે.અસલમાં તો એક વખત દુષ્કાળમાં હમણાના ઠાકોરના બાપુજીએ આ કુવો ખોદાવેલો અને આ કુવામાંથી ગામ આખું પાણી ભરતું પણ એક વખત લડતા બે આખલા આ કુવામાં પડીને મરી ગયા ત્યારથી દુષિત થયેલું પાણી કોઇ પીતું નથી.હવે બધા ઠાકોરની વાડીના કુવામાંથી પાણી ભરે છે. કદાચ કોઇ જાનવર પડીને મરી ગયું હશે તમે બધી અહીંજ રહો હું જઇને જોઇ આવું’

શિવાંગીએ તેમને ત્યાં જ ઊભા રાખી પોતાની પર્સમાં રાખેલ હેન્કી પર પર્ફ્યુમ છાંટી નાક પાસે રાખી ને કુવા તરફ આગળ વધી અને કુવામાં લટકતી ત્રણ લાશ જોઇ ‘હાય રામ…..’કરતા બેબાકળી ત્યાં જ ફસળાઇ પડી. તરત જ બધી સહેલીઓ ત્યાં દોડી અને કુવા અંદરનું દ્રષ્ય જોઇ હેબતાઇ ગઇ.બે સખીઓ મંદીરા અને વિશાખાએ શિવાંગીને ઉપાડીને રસ્તા પરના વડના ઓટલા પર સુવાડી અને આમ તેમ જોવા લાગી ત્યાં પાણી ભરી આવતી એક પનિહારીને ઊભી રાખી પાણી માંગી શિવાંગીના ચહેરા પર છાંટયું. શિવાંગીને જરા ભાન આવતા પનિહારીએ પુછ્યું

‘હું થયું….તું તો ઓલ્યા કપુરીયાની છોડીને…?’

‘હા…માસી ઓલા કુવામાં ત્રણ લાશ લટકે છે એ જોઇ ગભરાઇને હું બેભાન થઇ ગયેલી…’શિવાંગી એ કુવા તરફ ઇશારો કરી કહ્યું

‘હેં શું વાત કરો છો….’બેડું ઓટલા પર મુકીને પેલી પનિહારી કુવા તરફ ગઇ અને કુવામાં જોઇ તરત પાછી ફરીને કહ્યું ‘આ તો ઓલ્યા જેસંગની ઘરવાળી સોમી અને એની બે છોરાઓ છે’

‘તું ઓળખે છે….’શિવાંગીએ પુછ્યું

‘લે નહીં તારે શું હું કંઇ ગાંડી નથી થઇ ગઇ,અમસ્થા એમના નામ લેતી હોઇશ?’

‘ચાલો પોલીસને જાણ કરીએ…’કહી આખું ટોળું ઉપડયું પોલીસ ચોકીમાં

‘હાં બોલો શું કામ હતું…?’સામે બેઠેલા દિલાવરસિંહે પુછ્યું

‘ગામના છેવાડે પેલા કુવામાં ત્રણ લાશ લટકે છે….’

‘શું વાત કરો છો…?’કહેતા દિલાવરસિંહ ઊભો થઇ ગયો તો સ્ટાફ સાબદો થઇ ગયો.

‘અમને રસ્તે મળેલી પનિહારીએ કહ્યું કે,એ લાશ જેસંગની ઘરવાળી સોમી અને એના બે છોરાઓ છે’

સૌ કુવા પર આવ્યા અને લાશો બહાર કાઢીને પંચનામું કરવામાં આવ્યું અને સાક્ષી તરિકે શિવાંગી અને તેની સહેલી મંદિરાએ સહી કરી.પોલીસચોકી પર આવીને હેડક્વાટર પર જાણ કરવામાં આવી અને પોર્ટમોર્ટમ માટે દામનગરથી એમ્બ્યુલન્સ મંગાવામાં આવી એ આવે તે પહેલા તો ગામમાં હો હા થઇ ગઇ અને લાશો જોવા લોકો ભેગા થયા.

‘આ જેસંગ પાછો થયો તેને બે મહિના પણ નથી થયા ને……’

‘બિચારી કરે પણ શું ખેતર ખેડવા ઇ બાઇ માણહનું કામ નહી તોય…..’

‘જરૂર કંઇક અજુગતું બન્યું હોવું જોઇએ એના હારે….’

‘હા…લાગે છે તો એવું જ નહીંતર આમ આયખું  બે છોરા સાથે કોણ ટુંકાવે…’

‘પણ એમાં છોરાઓ…..’

‘જરૂર કોઇ માથા ભારેનો ભો હશે’

‘હા…હા લાગે તો એવું જ છે’

શિવાંગી અને તેની સહેલીઓ એજ સાંજે હોસ્ટેલમાં પાછી જતી રહી. લાશો દામનગરથી પાછી આવી આડોશ પાડોશના ભેગા મળીને અગ્નિસંસ્કાર કર્યા.વાત પર સમયની ધુળ ચઢતા વિસારાઇ ગઇ.

એક દિવસ કપુરચંદનો મદદનીશ તલકસી ઓફિસનું કામ કરતો હતો ત્યારે હાંફળી ફાંફળી તેની જુવાન દીકરી કમળા આવીને કહ્યું’પપ્પા ઘેર ચાલો મમ્મીની તબિયત બગડી છે એને સખત શ્વાસ….’

સાંભળી તલકસી હાથનું કામ પડતું મુકી ઊભો થઇ ગયો ત્યારે ડેક્સ પર મુકેલા ચોપડામાંથી ઊંચુ જોતા ‘તલકસી તારી છોડીએ તો સારૂં કાઠું કાઢ્યું છે’કહેતા કપુરચંદની વાસનાભૂખી આંખો કમળાના અંગ પર ફરતી જોઇ એના બધા કારસ્તાન જાણતો તલકસી હબકી ગયો અને કમળાનું બાવડું પકડી બહાર નીકળી ગયો. રસ્તામાં કમળાને તતડાવી ‘તારે અહીં આવવાની શી જરૂર હતી પેલા માવલાને કેમ ન મોકલાવ્યો?’

‘પપ્પા એ ડૉકટરને બોલાવો ગયો હતો’

‘તું નહોતી જઇ શકતી…ડૉકટરને બોલાવા…?’

‘શું થયું ડૉકટર રેવાને….’ઘરમાંથી આંગણામાં આવેલા ડૉકટરને તલકસીએ પુછ્યું

‘અરે…કંઇ ગભરાવા જેવું નથી પેટમાં ભરાયેલ ગેસ ઉપર આવવાથી ગભરામણ થઇ હશે મેં દવા આપી છે

સવારે પેટ સાફ થઇ જશે તો બધું બરાબર થઇ જશે’તલકસીનો ખભો થાબડી હસીને ડૉક્ટર જતા રહ્યા.

‘પરમ દિવસે સોમવાર હતો અને કાલે એકાદશી તને કેટલી વખત કહ્યું છે આ મોરિયો અને બટાટા બંને વાયડા પાછા એજ વાસી રાતના ખાવાની તને કેટલીવાર ના પાડી છે પણ માને કોણ?’

‘પપ્પા મુકોને પીંજણ. ચ્હા બનાવું?’

‘ના હું ઓફિસનું કામ અધુરૂં મુકીને આવ્યો છું એટલે જાઉ ને હા…આમ ફરી વાર ઓફિસે આવતી નહી કામ હોય તો માવલાને કે ભીખા ને મોકલાવજે’કહી તલકશી બહાર જતો રહો પણ એના કાનમાં હજુ પણ કપુરચંદના શબ્દો ગુંજી રહ્યા હતા ‘તલકસી તારી છોડીએ તો સારૂં કાઠું કાઢ્યું છે’ એ યાદ આવતા એ થથરી ગયો આ કપુરીયાનો કંઇ ભરોસો નહીં હવે બહુ થયું.

*****

બીજા દિવસે કામ અંગે કપુરચંદ દામનગર ગયો અને તલકસી ઓફિસનું કામ કરતો હતો.કપુરચંદ પીઠ પાછળ રાખતો એ ચોડાયેલો ઓશિકું થપથપાવી સરખું કરી ગોઠવતા ઓશિકું મુકવાના જગા તળે ગાદલા હેઠળ કશુંક છુપાવેલું છે એવું લાગતા ગાદલો ઉંચો કર્યો તો એક ડાયરી હતી હાથ લાગી. પાના ઉથલાવતા તલકસીની આંખ ખુલ્લી રહી ગઇ તેનો અશ્ચર્યથી મોઢા પર રહી ગયેલો હાથ જોઇ ત્યાં આવેલા ઠાકોર સાહેબે પુછ્યું

‘શું વાત છે તલકસી….?’ કહી તલકસીના હાથમાંથી ડાયરી લઇ લીધી પાના ફેરવતા એમને કંઇ સમજાયું નહી એટલે પુછ્યું ‘તલકસી શું છે આમાં એવું કે તને આશ્ચર્ય થયું?’

‘ઠાકોર સાહેબ આ બહુ મોટું કૌભાંડ છે પણ તે જાણવા હું આપને જણાવું એવા પગલા લેવા જોઇશે”

‘હા બોલ હું શું કરૂં…?’

તલકસીએ પ્લાન સમજાવ્યો અઠવાડિયા પછી એક સાંજે દામનગરથી આવેલા કપુરચંદને ઠાકોર સાહેબે બોલાવ્યો

‘હુકમ..બાપુ…’બહુ નમૃતાથી હાથ જોડી કપુરચંદે કહ્યું તો ઠાકોર સાહેબ મનોમન બોલ્યા માળા હાળા ગિલિન્ડર લુચ્ચા શિયાળ અભિનય તો સારો કરે છે.

‘કપુરચંદ આ દામનગર જઇએ છીએ ત્યારે હોટલમાં ઉતારામાં મને મજા નથી આવતી મને થાય છે કે,એક બંગલો દામનગરમાં ખરિદી લીધો હોય તો કેમ?’

‘વિચાર ખોટો નથી બાપુ…’

‘તો પછી કાલે જ ઉપડી જાવ દામનગર અને શોધ શરૂ કરો ભલે અઠવાડિયું રહેવાનું થાય પણ નક્કી કરીને આવજો…’

‘હુકમ બાપુ હું કાલે જ જાઉ છું અને આપના માટે બંગલાની શોધ કરૂં છું’

એક અઠવાડિયું બાપુના ખર્ચે મોજ મજા અને વધારામાં પોતાનો દામનગરમાં આવેલ બંગલો બાપુને મ્હોં માગ્યા દામથી પધરાવી શકાશે એવા વિચાર ઘડતો કપુરચંદ પોતાના આસન પર આવ્યો પણ તલકસી પર પોતાની ખુશી જાહેર ન થઇ જાય તેથી મ્હોં ગંભીર કરી માથું ખંજવાળતો પોતાની બેઠક પર બેઠો તો તલકસીએ

‘શું થયું કેમ આમ મુંઝાયેલા લાગો છો સાહેબ?’મનમાં બધુ સમજતા તલકસીએ છતા પુછ્યું

‘આ દામનગર અને ધરમપુર વચ્ચે ધક્કા ખાતા થાકી જવાય છે હજી આજે જ દામનગર થી આવ્યો ને પા્છું જવાનું તે પણ જ્યાં સુધી કામ ન પતે ત્યાં સુધી ત્યાં રકાવાનું’નિસાસોનો અભિનય કરતા કપુરચંદે કહ્યું

‘એવું તે શું કામ પડ્યું હું કશી મદદ કરી શકું?’

‘ના આતો મારે જ પાર પાડવું પડશે’

‘પણ શું કંઇક સમજાય એવું કહોને..’તલકસીએ મમરો મુક્યો

‘આ બાપુને હવે હોટલમાં રહેવું નથી ગમતું એટલે દામનગરમાં તેમના માટે બંગલો શોધવાનો છે’

‘હં…હં…’

‘હું કાલે જ ફરી દામનગર જાઉ છું એકાદ અઠવાડિયું લાગશે તો તમે ઓફિસ સંભાળજો’કહી કપુરચંદ ઘેર ગયો અને પોતાના નવા પ્લાનના પ્યાદા ગોઠવવા લાગ્યો.

*****

આ બાજુ પ્લાન મુજબ એક રિટાયર ઓડિટરને બોલાવાયો અને ચોપડા ઓડિટ કરતા તેણે જે તારણ આપ્યું એ ચોંકાવનારૂં હતું.ખેડુતોની ઘણી જમીન બાપુ પાસે ગિરવે પડી હતી તે સામે ખેડુત પાસેથી અનાજ ૨૫૦ રૂપિયા કોથડાના હિસાબે લેવાતું અને ૬૦૦ રૂપિયાના હિસાબે બજારના જથ્થા બંધના વેપારીને વેંચાણ થતું હતું પણ અસલમાં તો રૂપિયા ૧૦૦૦ના હિસાબે અપાતું હતું તેમાંથી બાપુના ખાતામાં રૂપિયા ૬૦૦ જમા થતા હતા જ્યારે બાકીના રૂપિયા ૪૦૦ કાળાનાણા કપુરચંદ પોતાના ખીસ્સામાં સેરવતો હતો જેનો હિસાબ તેની સંતાડેલી ડાયરીમાં હતો.

આ બધું પુરૂ થયા પછી તલકસીએ વાત કરી

‘બાપુ આ કપુરચંદે કોણ જાણે કેટલા ખેડુતોની ઘરવાળીઓને તેના રાખેલા ગુંડા માર્ફત અપહરણ કરાવીને પોતાનો હવસ પુરા કર્યા છે અને ધમકી પણ અપાઇ છે કે,મ્હોં ખોલશો તો વ્યાજ ભરાયો ન હોવાથી જમીન જપ્ત કરાશે અને તમારા ધણી અને છોકરાઓની ખેર નથી તેથી દબાયેલા ખેડુતો કશું બોલ્યા નથી. હમણાં કુવામાં પડીને જેસંગની ઘરવાળી સોમીએ આપઘાત પણ આ કપુરચંદની દુસ્ટ માંગણીના હિસાબે થઇ છે.આપણા ખીમલા ખવાસ પાસેથી સોમી અફિણ લઇ ગઇ હતી. છોરાઓને પોતે અફિણ પીને આપઘાત કર્યો છે. આ બનાવ બન્યો તેની આગલી સાંજે હું એમને શોધતો જેસંગના ખોરડે પાસેથી પસાર થતો હતો ત્યાં તેમનો અવાજ સાંભળી ઊભો રહ્યો ત્યારે મેં વાત સાંભળેલી ,”મારી વાત માનીજા તને મારા દામનગરના બંગલે રાજરાણી બનાવી રાખીશ સીધી રીતે માનીજા નહીંતર મારા માણસ તને અને તારા છોરાઓને ઉપાડી જશે અને પત્તો પણ નહીં લાગે તું ક્યાં ગઇ.”

આમ તો હું ન બોલું પણ અઠવાડિયા પહેલા મારી છોડી કમળા પર કપુરચંદે નજર બગાડી છે.’

‘મતલબ આ કપુરિયા એટલા નાણા ઓળવ્યા છે જેમાંથી દામનગરમાં બંગલો પણ બનાવ્યો છે એમને?’બાપુ ગુસ્સામાં ગર્જ્યા

*****

ઠાકોર સાહેબ તરત જ જીપ લઇને દામનગર જવા રવાના થયા અને દામનગર પોલીસ સ્ટેશન પરના ઇન્સપેકટર પાસે કપુરચંદ વિરૂધ પૈસાના ઘોટાળા બાબત,ધરમપુરના ખેડુતોને રંજાળવા બાબત અને તેમની સ્ત્રીઓના યૌન શોષણની  ફરિયાદ નોંધાવી.તલકસીએ આપેલ સરનામે કપુરચંદના બંગલા પર રેડ પડી ત્યારે તે આરામથી બદામ ખાતા દારૂની ચુસકીઓ લઇ રહ્યો હતો.ઠાકોર અને પોલીસને જોઇ તેના મોતિયા મરી ગયા.થોડો ગેંગેં ફેં ફેં થયાપછી જ્યારે બાપુએ ખાતામાં ગોલમાલ કરી તે વિગતો પકડીને બતાવી ત્યારે દોડીને ઠાકોરના પગમાં પડી કહ્યું

‘હું ભટકી ગયો હતો બાપુ મને માફ કરો…માફ કરો’

‘દૂરથા હાળા નાલાયક ચોર..લંપટ..’ક્રોધથી કંપતા ઠાકોરે ત્રાડ પાડીને કપુરચંદને જોરથી લાત મારી ફંગોળ્યો.

પોલીસે બંગલામાં પાડેલી રેડમાં સર્ચ કરતા તિજોરીમાંથી પાંચ કરોડ રૂપિયા રોકડા અને દાગિના મળ્યા. કપુરચંદ અનેક ગુન્હા આચર્યા હોવાના આક્ષેપ સાથે ગુન્હો દાખલ કરીને બેડી પહેરાવી જેલના હવાલે કરવામાં આવ્યો.બીજા દિવસે છાપામાં આખું કૌભાંડ છપાયું તેની એક નકલ લઇ મંદીરાએ શિવાંગીને આપી. જે વાંચતા શિવાંગી હેબતાઇ ગઇ અને એક ટેક્ષી પકડી ધરમપુર આવી જેલમાં કપુરચંદને મળવા ગઇ એને જોઇને મગરના આંસુએ રડતા અને કાકલુદી કરતા કપુરચંદ કહ્યું

‘દીકરી મને ફસાવવામાં આવ્યો છે….’

‘ખબરદાર જો મને દીકરી કહી છે તો મારો બાપ તો આ કાળા કામો આચરતો થયો ત્યારે જ મરી ગયો. મજબુર તમારાથી નાની બાઇ વરણ ઉપર બળાત્કાર જેવા ગુના કર્યા પછી પણ તમે પોતાને નિર્દોષ કહો છો? તમે તો બાપના નામ પર મારે માથે  કાળું કલંક છો…“.હા..ક…થૂ’ કપુરચંદના ચહેરા પર થુકીને શિવાંગી જેલ બહાર જતી રહી.

ચિરાડ!- ચિત્ર એકસંવેદનો અનેકચિમન પટેલ

ચિરાડ!

 

[ચિત્ર પ્રાપ્તિઃ વિજય ધારીયા]

૧.

પથ્થરોમાં પડી

ચિરાડ!

પણ,

ઊગી નિકળ્યાં

નયનગમ્ય કંઈ પુષ્પો!

પરિવારમાં

પણ

પડે ચિરાડ;

ન ઉગે

એમાંથી

આવા કોઈ પુષ્પો!!

*ચીમન પટેલચમન’ (૫જાન્યુ૧૫)

૨.

સૃષ્ટી તણો નિયમ જોને,  જ્યા હોયે તિરાડ

તિહાં  રાડારાડ પછી, ખીલે જરૂર ગુલાબ

વિજય શાહ (૫જાન્યુ૧૫) હ્યુસ્ટન

૩.

નથી રહી,સંવેદના,

પરિવાર જનોના દિલમાં!!

હજુય રસ -કસ ભર્યો છે,

પત્થરોના પેટાળમાં!!

કલ્પના રઘુ શાહ (૫જાન્યુ૧૫) મીલીપીટાસ 

૪.

સરસ ચિત્ર અને એના ઉપર એટલું જ ભાવવાહી કાવ્ય

કોઈ કવિની આ પંક્તિઓ યાદ આવે

ભીંત ફાડીને પીપળો રે ઉગ્યો જીરણ એની કાયા રે હો જીરણ એની કાયા !!

વિનોદ પટેલ (૫જાન્યુ૧૫) સાન ડીયેગો

૫.

ચાર ચિરાડો પડી તો કઈ પુષ્પો જન્મ્યા

બાકી પથ્થરને ક્યા કોઈ કોમળ હ્રદય હતું

રેખા પટેલ ( વિનોદિની) ડેલાવર

૬.

છાતી ચીરી પથ્થરોની

ખીલ્યાં જો ફુલ,

પાષાણ હ્રદયી માનવી

કેમ ના પીગળે?

જોઇ નવજાત નુ સ્મિત!

 શૈલા મુન્શા  તા. ૦૧/૦૬ /૨૦૧૫ હ્યુસ્ટન

૭.

પથ્થરોની ચિરાડમાં  પણ

જો ઉગી શકે રંગ બે રંગી પુષ્પો તો

પાનખર સમી આ કાયામાં

ધક ધક કરતાં આ જવાન દિલે

કેમ ના મહેકે  વસંત?

હેમા પટેલ ૦૧/૦૬/૨૦૧૫ હયુસ્ટન

૮.

ચિરાડ | શબ્દોને પાલવડે અહમની આ દિવાલ તૂટી, પથ્થર વચ્ચે કૂંપળ ફૂટી. ઘૂંટી ઘૂંટી મહેંક મધુરી, ઝરણાં સરખી કેવી છૂટી!

ચિરાડ કહો કે તિરાડ જુઓ, જોઉં મધ્યે ખીલ્યાં ફૂલો, કોઈ કળી શાને મૂરઝાયે, તેજ, પાણી ને પવન લ્હેરાયે, ઝુમી ઝુલે ડાળી ડાળી, નાજુક નમણી દિલને લૂંટી કોમળતાની કલા અનોખી, પથ્થર હૈયે કૂંપળ ફૂટી…અહમની

અડિયલ પથ્થર મંદિર જઈ જઈ તીણા તીણા પ્રહારો ઝીલી શિલ્પી-ટાંકણે ઘડાઈ ગયો, ને મૂર્તિ બની પૂજાઈ ગયો! તોડો, તોડો, દોડી દોડી, આસુરી સહુ વૃત્તિઓ ખોટી, મોડી,છોડી,ભૂલી ચિરાડ, પથ્થર હૈયે કૂંપળ ફૂટી…..અહમની

દેવીકા રાહુલ ધ્રુવ ૦૧/૦૬/૨૦૧૫ હ્યુસ્ટન

૯.

ચિરાડથી અમે કયાં  ડરનારા ? ચિરાડ વચ્ચે પણ ખીલનારા અવરોધોને સદા પાર કરનારા ખરીને યે અમે તો  મહેકનારા.

નીલમ દોશી ૦૧૦૬૨૦૧૫ પોરબંદર

૧૦.

અહી ક્યાં કોઈ ખીલવા દે છે? ખરવાની ક્યાં વાત કરો।? મહેકતા પહેલા મુરઝાવાની ચિરાડને ફરિયાદ કરો!! ચિરાડ પાડેછે રાડ, અહી ક્યાં છે કોઈ સાંભળનાર? હા,છે કોઈ તારણહાર, તોડીને જોડનાર!! કલ્પના રઘુ શાહ ( જાન્યુ૧૫) મીલીપીટાસ 

૧૧.

પુરવા ચિરાડ પથ્થર તણી પ્રભુ ઉગાડે છે તેમાં ફૂલ પુરવા ચીરાડ મન તણી તમે ઉગાડો તેમાં પ્રેમાના ફૂલ

ગિરીશ દેસાઇ જાન્યુ. ૨૦૧૫ વેબસ્ટર 

૧૨.

વાહ! ઝીણીં એક ચિરાડ મહીં, જો બીજ ખરીને આપે સાથ, સહજ પ્રેમની મીઠી ઝરમર, ખીલે કળીની કોમળ આશ.

સરયૂ પરીખ જાન્યુ.૨૦૧૫ ઑસ્ટીન

૧૩.

વહાલનો દરિયો ગયો સાસર વાસ

માને હૈયે પડી ચિરાડ, પણ તે ભરાઇ

જોઇ ખીલેલા ફુલો તિરાડે હાશ!

આવશે કદી દીકરીને ત્યાં ગોદ ભરાઇ

કીરિટ ભક્ત જાન્યુ ૨૦૧૫ કિંગ્ઝ્વિલ

૧૪

કઈ રીતે કુંપળે પથ્થર ની જેલ તોડી હતી ?

શું એના હાથમાં છુપી કોઇ હથોડી હતી?

સુરેશ બક્ષી જાન્યુ ૨૦૧૫ હ્યુસ્ટન

૧૫

દિલમાં પડી તિરાડ

તોય તિરાડમાં ખીલ્યા જ ફૂલ

આખરે તો માનવી જ છીએ મારા ભાઈ

પ્રજ્ઞાજીપ્રજ્ઞા દાદભાવાળા જાન્યુ ૨૦૧૫ કેંપબેલ

૧૬

પત્થર બન્યું દિલ દિલમાં પડી તિરાડ પ્રેમ બન્યું પાણી તો ખીલ્યા ફૂલ પ્રજ્ઞાજીપ્રજ્ઞા દાદભાવાળા જાન્યુ ૨૦૧૫ કેંપબેલ 

૧૭

ચીરાડથી ડરું ના જરાએ પુરીશ અવિરત પ્રેમ વર્ષાએ ના થાકું ના છોડું આશ પ્રેમ વેલ રોપી પાંગરશે મહેંક મધુરી ચોતરફ ફેલાશૅ પાષાણ હૈયા વિંધી પથરાશે

ડો. ઇન્દુબેન શાહ  ૦૧/૦૯ /૨૦૧૫ હ્યુસ્ટન

૧૮

કયો આ દેશ છે, ને આ નકશો એનો, ભર્યા આ રણ પુષ્પોથી, એ તખ્તો એનો, નથી ફક્ત જળ, અહીં થળ, તેજ, દળ તો છે, ભરી દેશે, જળ સિંચી છાતીના, વૃક્ષો એનો.

મનોજ મહેતાહ્યુસ્તોનવી૦૧/૦૬/૨૦૧૫ હ્યુસ્ટન

ચિરાડ અને તિરાડ છે સિક્કાની બે બાજુ કોને વગોવું, કોને વખાણું કે મૌન ધરું? એ ચિરાડ ને ભેદી ઉગ્યું ફૂલ મનોહર નયનરમ્ય દૃશ્ય નિહાળી મુખ મલક્યું ========

ચિરાડ ન પડે પ્રયત્ન પૂર્વક જાગ્રત રહું ચિરાડ પડે પુરવાનાં ઠાલા ફાંફાં મારું ! તારી મારી વચ્ચે ‘ચિરાડ’મંઝૂર નથી ! પડેને તેને ચીરી ફુલ ઉગે, શું વાત કરું? —————-

હાથ તારા હાથમાં ચિરાડની તાકાત નથી ! બે હથેળી વચ્ચે ફુલોની ખુશ્બુ બાકાત નથી

પ્રવીણા કડકિયા ૦૧/૧૨/૨૦૧૪ હ્યુસ્ટન

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

છબી એક -સ્મરણો અનેક (૧)-પ્રિયતમ ને દ્વાર- વિજય શાહ

Photo Courtsey : Face book  ( please help me to find the source)

 

સોળ શૃંગાર

વ્હાલી પ્રિયા

રિઝવો પ્રિયતમને પ્રિયતમનાં પ્રિયને પ્રિય થઇને પ્રિયનાં પ્રિય થવા કાજ સજો શૃંગાર સંકોચ ભરી મધુર વાણીનાં સેંથીમાં સિંદુર પ્રિયનું હાસ્ય નથણી વહાલી પ્રિયની ચુમી કાનમાં કર્ણફુલ ઘરની હાશ! ગળે મંગળ સુત્ર બનશે શીલની વાત હાથમાં કંગન વહેવારનાં ભાર પગનું ઝાંઝર ઘરનું કામ ચલો સજની સજી સોળે શૃંગાર પ્રિયતમને દ્વાર પ્રિયતમને દ્વાર

વિવાહ થયા હતા અને મેં મનથી એમ માની લીધુ મારા ભરોંસે મારા ઘરે આવતી વ્હાલી પ્રિયાને કોઇ તકલીફ  ન પડે તે જોવાની જવાબદારી મારી કહેવાયને?

તેથી આ કાવ્ય દ્વારા પેપર ફોડ્યુ હતુ કે મારા પ્રિય એટલેકે મારા કુટુંબમાં કામ, વહેવાર અને મધુરી વાણીથી મારા કુટૂંબીજનોને  પ્રિય થઇ જા. પ્રિયતમને  દ્વાર પ્રિયનુ હાસ્ય અને પ્રિયની ચુમી વહાલનાં સ્વરુપે હરદમ તારી સાથે છે.

માર્ચ મહિનાનાં સહિયારું સર્જન માટે આમંત્રણ.

આ વિષયમાં વૈવિધ્યતા છે અને તે વૈવિધ્યતા એટલે બાપ તરીકે હું મારી દીકરીને વળાવતા જે સંવેદનોમાં થી પસાર થયો તે આજે દસ વર્ષ પછી પણ વિચારીને લખી શકીશ. લેખક મિત્રો આ લખાણમાં દરેક રીતે મા તરીકે  પ્રિયતમા તરીકે કે નણદી સ્વરુપે રજુ કરી શકશે.. કાવ્ય.. હાઇકુ.. લઘુ કથા કે નિબંધ

આશા રાખુ વધુ સર્જકો આમાં ભાગ લે

૧૫૦૦ કે તેથી ઓછા શબ્દો એવું કોઇ જ બંધન નથી  હા ઉર્મિઓનાં ફુવારા તો જરુર જ જોઇશે.

હા આપનું લખાણ શ્રુતિ ફોંટમાં ટાઇપ કરીને મોકલશો

લેખ મોકલવાના મેઈલ સરનામા તથા વધુ વિગત માટે સંપર્ક કરો

vijaykumar.shah@gmail.com ;

pravina_avinash@yahoo.com

pragnad@gmail.com;

hemap920@gmail.com

 

છબી એક -સ્મરણો અનેક – પ્રિયતમને દ્વાર (૨)-શૈલા મુન્શા

 

બિંબ પ્રતિબિંબ

ઉમાનો પાંચમો જન્મદિવસ. ખુબ બોલકી એ લાડકી પૌત્રી ના સવાલોનો મારો કદી ખુટે નહિ. અજબની એની દુનિયા, અમારી એ ઢીંગલી નો સંસાર એની ઢીંગલી ની આસપાસ જ ઘુમે. ફોન કરીએ તો કહેશે “નાની હમણા હું બહુ બીઝી છું ઢીગલી ને નવડાવું છું પછી મારે વોલમાર્ટમા એના માટે શોપીંગ કરવા જવાનુ છે પછી વાત કરીશ. તો કોઈવાર સામેથી ફોન કરી એટલી વાત કરે અને નાનાને આપ ને, નાના સાથે વાત કરતાં હવે નાની ને આપો કરતા અમને થકવી દે.” મારે કહેવું પડે “ઉમા હવે હું મારી દિકરી સાથે વાત કરું? તો કહેશે એ મારી મમ્મી છે.” અમારી એ રોજની મીઠી તકરાર. “તારી મમ્મી એ મારી દિકરી છે, અને એનો લહેકો જાણે નજર સામે એનો ચહેરો તાદૃશ્ય કરી દે. ઓહો! મારી મમ્મી તમારી દિકરી છે જેમ મારા પપ્પા મારી દાદીના દિકરા છે.”

હજી કાલે તો ઉમાનો જન્મદિવસ ઉજવાયો અને રાતે ને રાતે મહેશે દિકરીના ઢગલાબંધ ફોટા અને વીડિયો Whatsapp પર મોકલી આપ્યા. ટેક્નોલોજી ની કમાલે દુનિયાને આપણી મુઠ્ઠીમા કરી દીધી છે. ઉમા એની માની જ પ્રતિકૃતિ છે. બિંબ ને પ્રતિબિંબ.

ફોટા જોતા જોતા મને મારી એ નાનકડી ગહેના યાદ આવી ગઈ. એની પાંચમી વર્ષગાંઠ પણ આમ જ ધામધુમથી ઉજવી હતી. આજે ગહેના પોતે એક મા છે અને પાંચ વર્ષની એની દિકરી છે. ગહેના સાચે જ અમારા ઘરનુ ઘરેણુ હતી. માબાપને મન સહુ બાળકો સરખા જ વહાલા હોય એમા કોઈ શક નથી. કહે છે ને કે પાંચ આંગળી ભલેને લાંબી ટુંકી હોય જેના પર પણ કાપો પડે, વેદના અને લોહી તો સરખું જ વહેવાનુ. તો ય પહેલી વાર મા બનવાની એ અનુભૂતિ અને અહેસાસ કાંઈ જુદા જ સ્પંન્દનો દિલમા જગવે છે. પોતાના જ દેહમા પાંગરતુ એક નવુ જીવન, નવ મહિના રોજ નવો અહેસાસ, રોજ નવી લાગણી. કદી ડર તો કદી રોમાંચ. અને એ ક્ષણ! એક નવજીવન ધબકતું તમારા હાથમા. જે તમામ વેદના એ દર્દ સહુ ભુલાવી માતૃત્વ નો અમરત કુંભ તમારા હાથમા ધરી દે. એટલે જ તો કહ્યુ છે કે મા ની મમતાની તોલે તો ભગવાન પણ ના આવે. ગહેના ઘરની પહેલી દિકરી.માબાપની તો લાડકી જ પણ દાદા દાદી ને કાકા ને ફઈ સહુની આંખનો તારો.હસતી રમતી નાનકડા પગલે આખા ઘરમા ફરી વળતી. દાદા ઓફિસથી આવે એટલે સહુથી પહેલા હાથ લાંબો કરી સવાલ, “શું લાવ્યા દાદા?” અને દાદનો પણ એક જ જવાબ. “મારી ઢીંગલી માટે ચીકુ કે દ્રાક્ષ કે કેળું જે ઋતુ એ પ્રમાણે ફળ” નાનપણથી જ દાદી ની શીખામણ કે ગહેનાની માવજત બરાબર થવી જોઈએ. કોઈ ખોટી ટેવ નહિ પાડવાની. બહારના મહેમાન મળવા આવે અને ચોકલેટ લાવે તો ય સમજાવટથી કામ લે. મહેમાન ને પણ સમજાવે કે બાળકોને નાનપણથી સારી ટેવ પાડીએ તો એમની તંદુરસ્તી સારી રહે. બાળકને તો સમજ નથી આપણે જે ખાવાની ટેવ પાડીએ એ પડે.

રાતે જમવા બધાએ સાથે જ બેસવાનુ અને ભાણામા જે પીરસાય તે બધાએ ખાવાનુ. આમ નાનપણથી જ ગહેનાને બધા શાકભાજી કઠોળ વગેરે ભાવતા થઈ ગયા. દશ વર્ષની ગહેનાને લઈ જ્યારે અમદાવાદ લગનમા ગઈ તો બીજા બાળકો ના નખરા જોઈ મને મારા સાસુની કેળવણી પર ખુબ જ ગર્વ થયો. સંયુક્ત કુટુંબમા ઉછરી હોવા છતાં ગહેનાને કોઈ ખોટા લાડ ન લડાવતું અને જે સંસ્કાર એનામા હતા એ મારા માટે ગૌરવ ની વાત હતી. બીજી મમ્મી ઓ ની કાયમની ફરિયાદ સાંભળી “મારા મનુ ને તો મોળા શાક જ જોઈએ , તીખું તો એ જરાપણ ખાઈ ના શકે, દીપક તો ખાલી બટાકાનુ શાક જ ખાય, મેઘા ને તો અઠવાડિયા મા બે વાર મેક્ડોનાલ્ડના પીઝા ખાવા લઈ જવી જ પડે” આ બધું સાંભળી ને વિચાર આવ્યો ભુલ કોની?

આ બધા બાળકો પણ ગહેનાની ઉંમરના જ હતા છતાં આજે માને ફરિયાદ કરવી પડતી પણ એ વિચાર નહોતા કરી શકતા કે આનુ કારણ શું? શું પોતાની જ ભુલ નહોતી? નાનપણથી જ એક નિયમ બનાવ્યો હોત તો કદાચ આજે આ વારો ન આવત.

નાનકડી એ ગહેના ક્યારે મોટી થઈ ગઈ એ ખબરે ના પડી અને જોત જોતામા તો એના લગ્ન ના વિચાર મનને ઘેરી વળ્યા. સાસુ સસરાનો સાથ પુરો થયો અને ગહેનાનુ નસીબ એને ક્યાં લઈ જશે નો એક છાનો ડર મનને ખોતરી રહ્યો. ગહેનાની મરજી જાણવાનો પ્રયાસ કર્યો, કોઈ યુવક એના ધ્યાનમા હોય, કોઈને એ ચાહતી હોય પણ એવું કાંઈ નહોતું એટલે કોઈ સારો પરિવાર, કોઈ સુપાત્ર મળે એની શોધ શરૂ થઈ.

અમે અમેરિકામા પણ કેનેડાથી એક સારા છોકરાની વાત આવી. બન્ને પરિવાર રૂબરૂ મળ્યા. ગહેના અને મહેશ થોડો સમય ઇન્ટરનેટ થી ચેટ કરતા રહ્યા અને બન્નેની સંમતિ થી આ પરિચય લગ્નના બંધનમા બંધાયો.

ઉમાના ફોટા જોતા ગહેનાની યાદ આવી અને એનુ આલ્બમ લઈ બેઠી.એના જન્મથી માંડી અત્યાર સુધીના ફોટા. પહેલા બાળકના જેટલા ફોટા હોય કદાચ બીજાના એટલા નથી હોતા. ગહેનાના દરેક મહિનાના એ બેસતા શીખી, પહેલું ડગલું ભર્યું, પહેલી વર્ષગાંઠ કંઈ કેટલાય અગણિત ફોટા. ફોટાની વણઝાર એના લગ્નના ફોટાના આલ્બમ પર આવી અટકી.

મારી નજર હાથમા લગ્નનુ શ્રીફળ લઈ નવવધુના પાનેતરમા ઘરના ઉંબરે ઊભેલી ગહેનાની તસવીર પર અટકી. આંખોમા નવજીવનનો ઉમંગ અને માતા પિતાનો હાથ છોડી નવા પરિવારમા સમાવાનો એક છાનો ડર, બન્ને ભાવ એક સાથે એના ચહેરા પર સ્થિર થઈ ગયા હતા.

દશ વર્ષ થઈ ગયા ગહેનાના લગ્નને. હજી હમણા જ જાણે એને વિદાય કરી અને આજે એ પણ એક દિકરીની મા બની ગઈ. આજે એના સાસુના મુખે જ્યારે સાંભળું છું કે તમારી ગહેના તો અમારા ઘરનુ અમોલુ ઘરેણુ છે ત્યારે બસ છાતી ગજ ગજ ફુલે છે અને એજ આશીર્વાદ હૈયેથી ઝરે છે કે દિકરી આમ જ તારા સંસારને ઉજાળતી રહેજે અને ઉમાને તારૂં પ્રતિબિંબ બનાવજે.

અસ્તુ.

શૈલા મુન્શા તા. ૦૨/૨૮/૨૦૧૫

 

 

“છબી એક- સ્મરણો અનેક-(3) પ્રિયતમને દ્વાર” ડૉ ઇંદુબહેન શાહ

                        “દીકરી તો ઈશ્વરની દેન”

અઢાર વર્ષ પૂર્વેનું દૃશ્ય તાદૃશ થયું, બે મારી આંખોની કીકી સમી દીકરીઓને વળાવી, આજે તો બન્નેને એક દીકરી છે.ગયા સમરમાં મારી એન્જલ પૌત્રીનું આરંગગેત્રમ થયું, છ મહિનાથી તેની તૈયારી કરી લગ્નની જેમ. જન્મી ત્યારથી મારી એન્જલ અને મારા પતિની પ્રિન્સેશ, ખૂબ રૂપાળી, હસમુખી, દુશ્મનને પણ વ્હાલી લાગે, અમે મોલમાં, કે ગ્રોસરિ સ્ટોરમાં લઇને ગયા હોઇએ બધાને જોઇ હસતી હોય.પાંચ વર્ષની હતી ત્યારથી એને અમારી બર્થ ડે યાદ, સવારના પહોરમાં ફોન કરે નાનાભાઇ સાથે “હેપિ બર્થ ડે ટુ યુ”અમેરિકન સ્ટાઇલથી વિશ કરે, તેની પોતાની બર્થ ડેના ઇનવિટેસન કોપ્યુટર પર તૈયાર કરે. દીકરી તો ઇશ્વરની દેન.

મારી મોટી દીકરીનો જન્મ થયો ત્યારે ત્રીસ વર્ષે, ઘરમાં નાનુ બાળક આવ્યું, મારા સાસુ સસરાને ખૂબ આનંદ થયો, સગા સંબંધીઓમાં બરફી વહેંચી, અમે બન્ને ડોકટર, વ્યવસાયમાં વ્યસ્ત, મારી બન્ને પુત્રીનો ઊછેર દાદા દાદી પાસે થયો, બન્ને પુત્રીઓને બા બાપૂજી માટે ખૂબ માન અને લાગણી,.બાપૂજીને સાંજે ઘેર આવતા જુવે કે બન્ને દીકરીઓ દોડે તેમના હાથમાંથી તેમનો પોર્ટ ફોલિયો, શાકની થેલી વગેરે લઇ લે દરવાજો ખોલે, બાપૂજી ફળિયામાં લીમડા ની્ચે તેમની સ્પેશીયલ આરામ ખુરશીમાં બેસે, નાની સીતા પૂછે બાપૂજી શું ભાગ લાવ્યા? બાપૂજી તુરત થેલીમાંથી ખારેકી બોર, જામફળ, સીતાફળ સેકેલા પોપટા જેની સિઝન હોય તે કાઠીને આપે, દાદા અને બન્ને લાડલી સાંજનો નાસ્તો આનંદથી માણે. અમને બન્નેને વહેલું મોડું થાય, સાંજે સાત વાગે બન્ને દીકરીઓ બા બાપૂજી સાથે થાળીમાં જે પિરસાઇ તે બધુ જમી લે, થાળી ચોખ્ખી કરવાની, બા હંમેશા થાળી ધોઇને પાણી પીતા, બા સમજાવે થાળી ધોઇને પીવાથી બહુ પુન્ય મળે. આમ બન્ને દીકરીઓ સારા સંસ્કાર અને વડીલોના પ્રેમ સાથે મોટી થઇ ખબર ન પડી.

અમેરિકામાં બન્નેનું હાઇ સ્કુલ કોલેજનું ભણતર પુરું થયું, મોટી પરી ડૉ. અને નાની સીતા લોયર થઇ. બન્નેને માટે મુરતિયા શોધવાનું શરું કર્યું, અમેરિકન કલચરથી બન્ને અલિપ્ત, આઠ વર્ષના કોલેજ કાળ દરમ્યાન બોય ફ્રેન્ડ નહીં, કેલિફોર્નિયામાં એક ઇન્ડીયન બેન મેરેજ બ્યુરો ચલાવતા હતા, તેનો સંપર્ક કર્યો, ઘણા ડૉ. એન્જીનીયર. પી એ્ચ.ડી વગેરે છોકરાઓના ફોટા અને બાયો ડેટા મળ્યા, તેમાંથી બે પર પસંદગીની મહોર મારી ઇન્ટરનેટ પર ચેટીંગ, અને ફોન પર એકબીજાને વધુ ઓળખતા થયા, બન્નેના માતાપિતાને અમે બન્ને મળ્યા. ઘર અને વર બન્ને અનુકળ લાગતા લગ્ન નક્કી કર્યા. આમ તો જન્મ સાથે લગ્ન પણ વિધાતાના લેખમાં લખાયેલ જ હોય છે.(marrages are done in heaven) આપણે તો નિમિત માત્ર.

હાથમાં શ્રીફળ સાથે દીકરીને માતા પિતા જોવે ત્યારથી મનમાં કેટકેટલા વિચારો, મારી દીકરીને ત્યાં ગમશે!! તેને અહીંના જેટલી છૂટ સાસરીમાં મળશે!! સાસુ સસરા સાથે ફાવશે!!વગેરે.

આજે મારી બન્ને દીકરીઓ તેમના વ્યવસાયમાં પ્રગતિ કરી રહી છે, બન્ને જમાઇનો પૂરતો સહકાર છે, બન્નેના સાસુ સસરાએ પણ બન્નેના બાળકોના ઊછેરમાં બનતો ફાળો આપ્યો છે. મારી નાની દીકરી મારાથી ૧૫૦૦ માઇલ દૂર ફિલાડેલફિયામાં છે. દિવસમાં એક વખત સમય કાઢી મારી સાથે ફોન પર વાત કરે છે,તેના સસરાને પાંચ વર્ષ પહેલા સ્ટ્રોક આવ્યો ત્યારે મારી દીકરીએ હેન્ડીકેપ બાથરૂમ, સ્લોપ વગેરે તેના ઘરમાં કરાવ્યા તેમને બે વર્ષ સાથે રાખ્યા, ફિસિકલ થેરપિ, ઓક્યુપેસનલ થેરપિ વગેરે કરાવડાવ્યું, અત્યારે તેઓશ્રી વ્હીલચેરમાં હરી ફરી શકે છે, પોતાની જાતે જમી શકે છે. આજે તેના સાસરિયા સીતાના વખાણ કરતા થાકતા નથી, તેના સાસુ તો ૧૨ વર્ષથી સ્વર્ગવાસ થયા છે, તેના કાકીજી, મામીજી, માસીજી બધા હું જ્યારે ફિલાડૅલફિયા જાઉ, મળું ત્યારે અચુક મારી સીતાના વખાણ કરે જ,

મારી મોટી દીકરી ડો.હ્યુસ્ટનમાં છે, તેના સાસુ સસરા અને અમે બન્ને પણ હ્યુસ્ટનમાં એટલે તેના બાળકો તો ખૂબ નસીબદાર ચાર ગ્રાન્ડ પેરન્ટસનો લાભ મળે છે. અને તેના સાસુ સસરાને પણ ડો.વહુની સેવાનો લાભ મળે છે.

મારી બન્ને દીકરીઓને વળાવી ત્યારે મેં મારા પતિને પહેલી વખત રડતા જોયા,

મારી કલમે કાવ્ય લખ્યું કદાચ એ મારું પહેલું કાવ્ય. અઢાર વર્ષ થયા.

કાળજાનો કટકો વિદાય લે આજે

મા બાપના શ્વાસોશ્વાસ સમ દિકરી

છોડી સુવાસ લે વિદાય લાડલી

જેના નેત્રો થયા નથી કદી ભીના

ચોધાર આંસુઓ જોયા પપ્પાના

દિકરી અશ્રુઓ લુછે પિતાના

આપે આશ્વાસન માતાપિતાને

હું નથી જોજન દુર સાસરે

હું છું ફક્ત ફોન કોલ અવે

મા તું ધ્યાન રાખજે પપ્પાનું

કદી ન કહીશ સિગારેટ ચા છોડવાનું

ટૅનસન ના વધારતી પપ્પાનું

મા તે આપી શિખામણ મને

પાલન કરીશ સ્વસુર ગૃહે

આનંદ પામીશ તું મુજ વર્તને

માતા પિતાના બાહુમાં દિકરી આજે

ભીંજાય ગંગા જમના અશ્રૃ ધારે

ધૈર્ય વચન પરસ્પરને આપે

પિતાએ ધુમ્રપાનને આપી વિદાય

એસ ટ્રે ગઇ ટ્રેસકેનમાં ફેંકાય

માના મૌન અશ્રૃ પિતાને સમજાય

અસ્તુ

ડો.ઇંદુબહેન શાહ

 

“છબી એક- સ્મરણો અનેક-(૪) પ્રિયતમને દ્વાર” -રોહીત કાપડિયા

Posted on March 4, 2015 by vijayshah

પ્રિયતમના દ્વારે

પતિ રહ્યાં પ્રિયતમ રૂપે સદા તો

હર પળ જીવનની મોજીલી રહી

હર ડગલે એમનો સાથ મળ્યો તો

આ સફર જીવનની રંગીલી રહી

હાથ ઉષ્માભર્યો દીધો હાથમાં તો

ઘડી દુખની પણ ગમતીલી રહી

વ્હાલપથી દીધો સાદ સદા તો

આ જીવન સિતાર સુરીલી રહી

નણંદ,ભાભી, અને પુત્રવધુ બની

હર કોઈની સદા લાડીલી રહી

હું સ્ત્રીના રૂપમાં માતૃત્વ ધારીને

સદાયે આ વિશ્વમાં ગર્વીલી રહી .

રોહીત કાપડિયા મુંબઇ સ્થિત લેખક કવિ અને પત્રકાર છે અને આ કાવ્ય દ્વારા તેઓ સહિયારા સર્જન ની પ્રવૃતિમાં સક્રિય થઇ રહ્યા છે. આવકાર.

છબી એક -સ્મરણો અનેક -પ્રિયતમ ને દ્વાર-( ૫) -અર્ચિતા દીપક પંડ્યા

નવોઢાના નમણા શમણાં

દ્વિજા બની અજાણ ઉમ્બરનો ડુંગર ઓળંગી હૃદયના કુમ્ભથી પ્રેમના અક્ષત લઇ વેરું છું પ્રિય ! કંકુ પગલાં તારા દિલ સુધી લાવું છું ચાહતના ચૂડે મઢેલો હાથ કાયમી સોંપું છું !                     હર મુકામે તારો સાથ અખંડ ચાહું છું.

હક્કના નામની છેલ્લી નજર પિયરથી વાળી સાસરીમાં ઠેરવી અહી સૌને પોતીકા ગણું છું ચાંલ્લા ની શોભા,ટીકા દામણી ના માન વધે એવા વ્યવહારની પુંજી લઈને સંસારે ભળું છું                     હર મુકામે તારો સાથ અખંડ ચાહું છું.

વેણી નાંખી મેં મોગરાની,સંભાળ ની સુગંધની સગા સહુને ચાહવા પમરાટ સાથે લઉં છું નાળીયેર જેવી પવિત્ર લાગણી રાખી મન માં સખ્તાઈ સંભાળમાં ને ઋજુ સંવેદના સંકોરું છું                      હર મુકામે તારો સાથ અખંડ ચાહું છું

   લોહીના સંબંધથી આગવો લાલ, ઘર ચોળાનો બંધ ને  સોનેરી સાળુ જેવો આપણો અમૂલ સંબંધ જોઉં છું ! પ્રિયતમ !તારા નામની મહેંદી હાથે રચું છું પ્રિયા ના, પ્રિય ના સ્નેહીને પણ ,પ્રિય ગણું છું                       સાથે સાથે તારો સાથ અખંડ ચાહું છું .

અમદાવાદમાં રહેતા અર્ચિતા બહેન સારા સર્જક છે. વાચન ,લેખન,સાહિત્ય ને લગતી રચનાત્મક પ્રવૃત્તિ માં રસ ધરાવે છે તેમનું  કાર્ય : ચોથી જાગીર અને પોલીસ ,પબ્લિક મીડિયા માં સમયાંતરે લેખ પ્રસિદ્ધિ ; સીરીયલ સપ્તપદી ના સંવાદ લેખન માં તેમનું યોગદાન મહત્વનું હતુ ૧. Stri http://architapandya.blogspot.com/2014/08/stri. ૨ . Pasandagi  http://architapandya.blogspot.com/2014/09/blog-post.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

છબી એક – સ્મરણો અનેક – પ્રિયતમને દ્વાર (૬) હેમા પટેલ

Posted on March 13, 2015 by vijayshah

પિતાના જીગરનો ટુકડો

આપણી હિન્દુ પ્રથા અનુસાર પ્રભુતામાં પગલાં માંડતા પહેલાંનુ દરેક કન્યાનુ આ સુંદર સ્વરૂપ છે. છતાં પણ તેની પર દ્રષ્ટિ પડતાં તેને નિહાળીને અતિતમાં પોતાનુ જે આ સ્વરૂપ હતું તેની યાદ તાજી કરાવે છે. મારા પોતાના સ્વરૂપ સાથે  મારી વહાલસોઈ પુત્રીનુ આ સ્વરૂપ તો આજે પણ પાંપણ ભીની કરાવે છે. દીકરી એ એવું સ્વરૂપ છે જેને મા-બાપનો શ્વાસ કહીએ તો ખોટું નથી. દીકરીનો મા,બાપ પ્રત્યેનો પ્રેમ શરુઆતથી અંત સુધી એક સરખો  વહ્યા કરે છે. દીકરી દુનિયાના કોઈ પણ ખુણામાં પરણીને જાય માતા,પિતાના હ્રદયથી ક્યારેય દૂર નથી જતી.

માતા પોતાના સંતાનોને  હમેશા નિસ્વાર્થ પ્રેમ રૂપી વર્ષામાં ભિંજવતી હોય. તેના પ્રેમનો કોઈ મોલ નથી. પરંતું  પિતા પણ પોતાના સંતાનોને ખુબજ પ્રેમ કરે છે. દીકરી તો બાપનુ હૈયુ , કલેજાનો ટુકડો છે. પિતા વ્હાલનો દરિયો કહેવાય ખાસ કરીને દીકરી માટે તેના દિલમાં કુણી લાગણી હોય. દીકરી તેના જીગરનો ટુકડો હોવાથી  દીકરી માટે  અલગ  લાગણી અને ખાસ જગા હોય. તે ફક્ત એક પિતા જ સમજી શકે છે. તેના હ્રદયના ભાવ વાંચવા મુશ્કેલ છે. પરંતુ જ્યારે દીકરીને સાસરે વળાવવાનો દિવસ આવે ત્યારે  આ ભાવ  હ્રદયમાંથી  નીકળી વેગે બહાર ધસી આવે છે. ત્યારે તેમની આ વેદના અસહ્ય બની જાય છે. દીકરીને સાસરે વિદાય કરતાં વાઘ જેવો પિતા પણ ભાંગી પડે છે. તેની હ્રદય વેદના શબ્દોમાં વર્ણવી ન શકાય, તેને અનુભવવાની છે. દીકરીને થોડો વખત રહીને પારકે ઘર ચાલ્યા જવાનુ છે. માટેજ ઈશ્વરે તેના દિલમાં એક અજબ પ્રેમ ભર્યો છે. પરિવારમાં સૌની લાડકી બની જાય છે .દાદા-દાદીની સેવા કરવામાં પહેલો નંબર.

મારા લગ્ન પછી સાસરે વળાવી ત્યારે પિતાને જીવનમાં પહેલી વખત રડતા જોયા, એ દ્રષ્ય આજે પણ નથી ભુલાતું .સાસરેથી પાછી પિતાને ઘરે ગઈ , ખડકીના બધા મળવા માટે ભેગા થયા, બધાને મૉઢે એક જ વાત હતી બેન, તને વળાવીને તારા બાપુજી રૂમમાં જઈને છુટ્ટે મૉઢે ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા સાંભળીને મારુ હૈયુ ચિરાઈ ગયુ હતું . પુરૂષ માણસ જ્યારે છુટ્ટે મૉઢે રડે ત્યારે લાગે તેની હ્રદય વેદના ચરમ સીમાએ પહોચી હશે. આજે મારા પિતા હયાત નથી પરંતુ જ્યારે તેમની યાદ આવે છે ત્યારે આંખમાંથી અશ્રુ બંધ થવાનુ નામ નથી લેતાં.

સાસરેથી જ્યારે વેકેશન કરવા માટે મારા દિકરાને લઈને પિતાને ઘરે જતી ત્યારે તેમની બાજુમાં બેસાડે અને મારા ખબર અંતર પુછે, સાસરીના પરિવારના ખબર અંતર પુછે, મારા સાસુ થોડા ગુસ્સા વાળા હતા મને શીખામણ આપે જો બેટા સાસુ-સસરા સામુ કોઈ દિવસ ન બોલાય. કંઈ પણ કહે તો સામો જવાબ ક્યારેય ન અપાય,શાંતિથી રહેજે. તારો વાંક ન હોય તો પણ  સામો જવાબ ના આપીશ.બધાને અનુરૂપ થઈને રહેજે. જે પાણીએ મગ ચડે એ પાણીએ ચડવા દેવાના. મારી મા પણ મને  સાસરીમાં શાંતિથી રહેવાની શીખામણ હમેશાં આપે.

મારે ઘરે દિકરી જન્મી ત્યારે તે પણ તેના પપ્પાને બહુજ લાડકી. તેમના કલેજાનો ટુકડો , તેને વઢવાનુ નહી, મારવાનુ નહી, કેમકે તે તો થોડા દિવસ આપણા ઘરે રહેવાની છે પરણીને આપણા બધાને છોડીને ચાલી જશે, સાસરુ કેવુ મળશે ખબર નથી, સાસરી વાળા મારી દિકરીને બરાબર રાખશે કે નહી આજે કંઈ ખબર નથી. માટે મારી દિકરીને કોઈએ કંઈ કહેવાનુ નહી. જ્યારે પાંચ વર્ષની થઈ મેં કહ્યું તેને ગોયરો વ્રત કરવાનુ  છે, મને ના પાડી દીધી. મારી છોકરીને ઉપવાસ કરાવીને ભુખી નથી મારવાની, હું વ્રતમાં માનતો નથી. તેના નસીબમાં હશે એવો વર મળશે. થોડી મોટી થઈ એટલે તેને થોડા કામ બતાવતી જેથી મોટી થઈને ઘર ગૃ હસ્થીનુ ભાન આવે ત્યારે બોલે  તેને ઘર કામ શીખવાડવાની જરૂર નથી તેને જીવનમાં કામ આવે એવાં બહારનાં કામો શીખવાડો. બહારની દુનિયાનુ જ્ઞાન આપો, જનરલ નોલેજ આપો,વાસણ કપડા કરવામાં કોઈ બુધ્ધિ નથી ચલાવવી પડતી બુધ્ધિનો વિકાસ થાય એવાં કામ શીખવાડવાનાં છે.

જીવનમાં કોઈ પણ પરિસ્થિતી આવે તેનો સામનો કેવી રીતે કરવો, સામનો કરીને તેમાંથી બહાર નીકળવાનુ છે, ક્યારેય ગીવપ નહી કરવાનુ, આ બધુ શીખવાડવાનુ છે. કામવાળાં રાખીએ તે કામ કરશે. રસોઈ નહી આવડે તો મુંબઈમાં તો મહારાજ પણ મળી રહે.અને ખાસ વાત મારી છોકરીને હું સાસરે નહી મોકલું હું તેને માટે ઘરજમાઈ શોધીશ.મારી દિકરી દશ વર્ષની હતી અને તેને શેરના ફોર્મ ભરાવતા. પ્રોપર્ટીની ફાઈલો વંચાવતા, બેકીંગ ઘેર બેઠાં શીખવાડ્યુ હતુ. મારી દિકરી નાનપણથી જ તેજ દિમાગ, જલ્દી બધુ શીખી લેતી. ટીવીમાં કે પિક્ચરમાં છોકરીનો વિદાયનો પ્રસંગ આવે તો આંખમાંથી અશ્રુ વહેવાના ચાલુ થઈ જાય,અને બોલે હું મારા જીગરના ટુકડાને બીજાને કેવી રીતે સોંપીશ, કેવી રીતે તેને વિદાય કરીશ, વિદાય કરતાં મારા પ્રાણ નીકળી જશે.આ બધી વાત કરવાનો એક જ હેતુ છે.

મારા પતિ મારી દિકરીને ખુબજ પ્રેમ કરતા હતા, મારી દિકરી સાસરે છે એકદમ સુખી છે ,પપ્પાને બહુ મીસ કરે છે. સાસરે પણ બધા સાથે ભળી ગઈ છે, તેના સસરા કહે છે આ તો અમારી દિકરી છે, આમારો છોકરો અમારા જમાઈ સમાન છે, તમારી દિકરી હવે તમારી નથી રહી એ હવે અમારી દિકરી છે. અમારો છોકરો તમને આપી દીધો.

( દિકરીને દુલ્હનના રૂપમાં જોતાં મૉઢામાંથી શબ્દો સરી પડે છે )

ઉરમાં ઉમંગ લહેરાયા,દિલમાં અનેક અરમાનો ભર્યા,

સોળ શણગાર સજી કોડીલી કન્યા ઉભી પ્રિયતમ દ્વાર.

પગમાં પાયલ, કેડે કંદોરો, રાતી ચુડી ચુંદડી લાલ,

મહેંદી ભર્યા હાથમાં લઈ શ્રીફળ,  ઉભી સાજન દ્વાર.

કાજલ ભર્યા નયનોમાં આજે સજ્યાં સુન્હેરાં સપનાં,

પ્રભુતામાં પહેલુ પગલુ, કુમકુમ પગલાં સ્વસુર દ્વાર.

પોતાનાં પારકાં કરીને, રડતાં મુકીને ચાલી આજ

પારકાંને પોતાના કરવા દિકરી થઈ પરાઈ,

છોડી બાબુલ આંગન, ઉભી  પ્રિયતમ  દ્વાર

જા દિકરી શ્વસુર ઘર, રાખજે બે કુળની લાજ.

|

 

 

 

 

 

 

 

 

 

છબી એક- સ્મરણો અનેક-પ્રિયતમને દ્વાર (૭)પ્રજ્ઞા દાદભાવાળા

 

 

 

દસ્તક દિલના દરવાજે ….

કપડા, શ્રુંગાર,  હાથની મેંદી ,અને પસનું નાળીયેર

બધું આવી ગયું.

દર્પણ કહે છે સોળે કળાએ ખીલી જાણે રાણી

પણ શું?

આંખોમાં

કોઈની આવવા નો ઇન્તજાર છે કે  ડર ?

પણ મમ્મી કહેતી હતી ને લગ્ન પહેલા બધી સ્ત્રી આવું અનુભવે છે

પ્રભુતામાં પગલાં માંડવા મન તત્પર હોય ને?

હું બારણે ઊભી તો છું  

અને આવો તો?

છુપાયેલા અનેક શબ્દો મારા અધ ખુલ્લા હોઠો માં …..

વાત કેમ કહેવી?    

અંતર વલોવાય છે. કદાચ દરેક દીકરી આવું અનુભવતી હશે.

  પપ્પા  હું તો આજ સાસરિયે ચાલી

 મમ્મી, તારા જોએલા શમણાં પુરા કરવા.

તે કહ્યું હતું ને તારા સપનાનો રાજ કુમાર આવશે!

અને તારા સપના સાકાર થશે..

બસ તો જાઉં છું…..

પ્રભુતામાં પગલાં માંડવા આજે ઉંબરા ઓળંગી  બહાર પગ મુકું છું…..   

 હું જાઉં છું! તારું આંગણું છોડી,

પણ રડતાં નહિ,ઉંબરો ઓળંગતા  હું થોડી અળગી થઇ જવાની છું ? 

પપ્પા તમે મને ઉંબરા બહારની દુનિયા દેખાડીને

અને ઉંચે આકાશમાં ઉડતા પણ  તમે શીખવ્યું….

મમ્મીતું કહેતી હતી ને કે પ્રેમમાં તાકાત છે.  

જુઓ મારી મહેંદીમાં પ્રેમની સુગંધ છે

 દરેક સ્ત્રી ક્ષણ જંખે છે.

બસ મારી ઝંખનાનો અંત છે

હું આજે ખુબજ ખુશ છું

હમણાં આવશે

જોહુંકેવી લાગુ છું ?

મારો માંગમા ટીકો અને નવલખો હાર

લાલ સાડી પણ તારી  

અરે, કાળું ટપકું કોણ લગાડશે ?

પપ્પા, તમે હું નાની બાળકી હતી ત્યારે અને ત્યાર પછી, સમજણી થઈ અને આજ દિવસ

સુધી જે જે માગ્યું તે આપ્યું છે ને!

રોજ નિત નવા કપડા લાવતા  

અને સ્કૂટર પણ આપ્યું…..

તમને ખબર છે સ્કૂટર મને કેટલું કામ લાગ્યું છે અને લાગશે

 હવે હું કઈ નહિ માગું. બસ હવે કોઈ માંગણી નહિ કરું !

હું જાણું છું, તમે બન્નેએ મારી ખુશીમાં તમારું સુખ માણ્યું છે.

બસ હવે તો આવશે

હમણાં આવશે

હું ખુબજ ખુશ છું   

કોઈ વ્યક્તિને જ્યારે પ્રેમ મળે ત્યારે।…..

ત્યારે જીવન કેવું વસંતની જેમ ખીલે છે.

મેં આજે અનુભવ્યું છે.  

હું હવે હર પગલે એનો  સાથ માણીશ.

નાળીયેરની જગ્યાએ એમનો ઉષ્મા ભર્યો હાથ માણીશ.

મમ્મી, તે કહ્યું હતું ને કે પહેલું પસનું નાળીયેરમાઆપે.

બસ મને આટલું જોઈએ છે.  

બસ આજ તારી યાદોને લઈને જાઉં છું.

પૈડું સીચંતા નાળીયેર જોઈશેને !

તને ખબર છેહું, પપ્પા ને કેમ કહેતી નથી ? ના પાડશે’ !

યાદ છે નાની હતી ત્યારે પપ્પા મને પીકનીક પર જવાની  ના પડતા પણ હું કહેતી,

કે હું તો જઈશ અને પછી ચોકલેટથી માની જતી .પણ હવે,

હું હવે કાંઈ નાની નથી કે મારી ચિંતા કરવી પડે હં !મમ્મી,’ હું તો જઈશ ’ !

મમ્મી, પપ્પા ને કહે જે મારું પણ કોઈ સ્વતંત્ર અસ્તિત્વ હોય કે નહિ ?

હવે મારી નવી ઓળખ બનાવીશ…..  

મને આંસુથી કે તમારા વાત્સલ્યથી કે પ્રેમના બંધનથી રોકશો નહિ.

બસ દિલ દીધું છે હવે કોઈના કહેવાથી રોકાશે નહિ.

 હા શું હતું અને શું થયું અમે પૂછી પાછળથી કોઈ મને ટોકશો નહિ.

લ્યો આવી ગયા…….

મને માફ કરજો પપ્પા

હું આજે પાછલે બારણે થી તમારા આપેલા સ્કૂટર પર,મમ્મીની સાડી  અને નવલખો હાર

પહેરી  માત્ર શુક્નનું નાળીયેર લઈને મારા પ્રેમી સાથે જાઉં છું. પ્રજ્ઞા દાદભાવાળા 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

છબી એક – સ્મરણો અનેક – પ્રિયતમને દ્વાર (૭) પ્રવીણા કડકિયા

Posted on March 14, 2015 by pravina

આખોમાં આતુરતા, ચહેરા પર ઉમળકો ,હાથમાં શ્રીફળ અને સુંદર શણગાર સાથે રાહ જોતી યુવતી શું કહેવા માગે છે .  કોની કાગડોળે રાહ જોઈ રહી છે ? સ્વાભાવિક છે , પતિની ! તેના શણગાર અને હાવભાવ પરણિત હોવાની  ચાડી ખાય છે ! જાણે પ્રિતમ આવ્યો કે આવશે ! એવું નથી લાગતું નવોઢા હોય ! જેના હાવભાવ અને અંગોપાંગ પ્રિતમને જોવા અને મળવા તલસી રહ્યા હોય?

ચિત્રની એક આગવી અદા હોય છે. વણ કહ્યે બધું જ કહી શકે છે ! માત્ર જોનારની નજરનો અંદાઝ છે ! યુવતીના બદનમાંથી નિતરતી જવાની અને હાથમાં પરદેશ ખેડીને આવેલા પ્રિતમને વધાવવાની તૈયારી દર્શાવતું શ્રીફળ. જે કારણથી પ્રિતમ ગયો હતો તે કાર્ય સફળતા પૂર્વક પાર પાડી આવી રહ્યો છે. કાંઈ કેટલાય મનસૂબા યુવતિની નજરોમાં ડોકાઈ રહ્યા છે

કાનમાં કુંડળ, સેંથીમાં સિંદુર અને ટીકો, ગળામાં નવલખો હાર કદાચ નવોઢા હોય તો નવાઈ નહી ? હાથમાં શ્રીફળ જાણે પરણીને માંડવામાંથી સાજનને ઘરે જવા તત્પર. નથી ઘરની અંદર કે નથી ઘરની બહાર, ઉમરા પર હાથમાં શ્રીફળ લઈને ઉભી છે.

હમણા સાસુજી પૂજાની થાળી લઈ આવશે !  નવી વહુને પોંખશે, આરતી ઉતારશે, કુમકુમના પગલા પડાવશે. ચોખા ભરેલા કળશને જમણે પગેથી હળવી ઠેસ મારી  શુકન કરી ઘરમાં પગલા પાડશે.સત્કાર કરવા નથી લાડકી નણદી કે પતિદેવ. નજરોમાં આતુરતા છલકાય છે. માથું ઢાંકેલું અને મુખ પર લાગણીનો તરવરાટ છલકાય છે. લજ્જાથી લદાયેલી શબ્દ નહી નજરોની ભાષામાં હાલ વર્ણવે   છે.

૫૦ વર્ષ પૂર્વે, આમ આ સ્વરૂપે  જ્યારે સાસરીના દરવાજે આવીને ઉભી હતી એ દૃશ્ય તાજુ થયું. દિલમાં ગભરાહટ, પિયા મિલનની ઉત્કટ પળ, પિયર છોડયાનું ઝીણું ઝીણું દર્દ. સઘળું નજર સમક્ષ તરવરી ઉઠ્યું. કેટલા ઉમંગોની ડોળી સજાવી હતી. માતા અને પિતાના સંસ્કારને પાલવમાં સમેટી શ્વસુર ગૃહે આંગણામાં  ઉભી હતી. હૈયામાં પિયાને મળવાની તાલાવેલી, આંખોમાં અદા અને પ્રભુતામાં પગલા  પાડ્યાની શુભ ઘડી. ચાલો એ તો જુનું થઈ ગયું ! છતાંય હજુ તેનો અહેસાસ છે.

બે સુંદર વહુઆરૂઓને ઘરમાં, કુટુંબમાં, દિલમાં આવકારી. ભારત છોડીને દસ હજાર માઈલ દૂર અજાંણી ધરતી અને નવા ચહેરાઓ વચ્ચે વસવાટ. કેટલા ઉમળકાભેર આવ્યા. સુંદર સંસ્કારને પાલવમા સમેટ્યો. વહાલા માતા અને પિતાના આંગણને ત્યજી પતિ ગૃહે પ્રવેશ. સ્ત્રી આ તો તારી કમાલ છે. તું કુદરતનું ખૂબસૂરત સર્જન છે. તું છે તો આ સંસાર સમૃદ્ધ બને છે. તું નારાયણી, તારા ઝૂઝવા રૂપ. તારી અદા નિરાળી.

માતા રૂપે તું વંદનિય. પત્ની રૂપે અજોડ. ભગિની રૂપે તું વહાલની પૂતળી. દીકરી રૂપે તું આશિર્વાદ. સોહાગણના રૂપમાં તારૂ સૌંદર્ય અવર્ણનિય. દરેક રૂપ અલગ. દરેક પાત્ર અલગ. સહુમાં તારી આગવી પ્રતિભા.

આવા સુંદર સ્વરૂપે નિહાળે તેના મુખમાંથી કાવ્ય સરી જાય. તારું વર્ણન કરતાં પેન થાકી જાય. તારું સૌંદર્ય આંખલડી પીએ પણ તેની પ્યાસ ના બુઝાય. તારા અંગોમાંથી નિતરતી મગ્ધતા ભલભલા મુનીઓને ચળાવી દે. તું રીઝે તો રાજ આપે. તું વિફરે તો ખેદાન મેદાન કરી મૂકે.

અરે, હું તો બીજી વાત કરી ગઈ. હવે, પ્રિયતમના આવવાના ભણકારા વાગે છે. ચાલો તેમની સાથે ગુફતગુ કરવાનો સમય નજીક આવે છે ! દિલ તેજથી ધડકે છે. આજે શું થશે    ?

 

 

 

 

 

 

 

 

 

 

Link | Posted on March 15, 2015 by vijayshah | 5 Comments | સંપાદન કરો

છબી એક – સ્મરણો અનેક – પ્રિયતમને દ્વાર (૮) વિનોદ આર પટેલ

લગ્નના શણગાર સજી ,હાથમાં શ્રીફળ ગ્રહી,

આવી ઉભી છે બારણે કન્યા તૈયાર બની.

 

વિચારોનો વંટોળ જામ્યો છે એના ચિત્તમાં,

યાદો પિતૃ ગૃહની મનમાં ધસી આવે આજે,

દિવસ માટેતો ગોરમા પૂજ્યાં હતાં,

છતાં દીલમાં ઉદાસી કેમ પિતૃ ગૃહ છોડતાં.

 

મિશ્ર ભાવો આજે ઉમટ્યા છે એના ચિત્તમાં,

સુખદુખની મિશ્ર લાગણીઓ છે દિલમાં,

માવતર મૂકી નવાં માવતર બનાવવાનાં છે,

પતિ સાથેનો ભાવી રાહ સાથે કંડારવાનો છે.

 

કેવી રહેશે નવી જિંદગીની નવી મજલ?

પિયરનો પ્રેમ ફરી મળશે કે નહિ મળે?

આશાઓ જરૂર છે,કેમ નહી મળે ત્યાં પણ?

છતાં મનમાં છે આશંકાઓ દિલમાં અવનવી.

 

સૌ સારું વાનું થશે એવી મહેચ્છાઓ સાથે,

દિલમાં થતી અનેક મિશ્ર લાગણીઓ સાથે,

આજે તો ઉભી છે  લગ્નોત્સુક કન્યા,

આવી દ્વારે,રાહ જોતી,હાથમાં શ્રીફળ લઇ.

 

વિનોદ પટેલ,સાન ડીયેગો,કેલીફોર્નીયા

 

“છબી એક- સ્મરણો અનેક” – પ્રિયતમને દ્વાર (૯) રેખા પટેલ “વિનોદિની”

 

વાજતે ગાજતે જાન બસમાં “અમે ઈડરિયો ગઢ જીત્યારે આનદ ભર્યો”  ગાતા સહુ બસમાં બેસી  મારા નવા નવા બનેલા સાસરીયે પાછી વળતી હતી, અમારી કાર બસની આગળ હતી. જેમાં હું અને મારા પતિદેવ સમીર ભગત સાથે નાની નણંદ સીમા હતી. હું મારા માતાપિતાનું ઘર છોડીને આવી હતી તેનું દુઃખ એક આંખમાં હજુ ઝમતું હતું અને બીજી આંખમાં ભાવિના સપના ચમકતા હતા. સમીરનો હાથ મારા હાથ ઉપર ફરતો હતો.તેમની હૂફ મને સાંત્વના આપતી હતી. કોણ જાણે શું થયું  કે પાછળ આવતી બસને સ્પીડમાં આવતી એક  ટ્રકે ટક્કર લગાવી દીધી અને એક ધડામ અવાજ સાથે બસ ખોડાઈ ગઈ. ચીસાચીસ, રાડારાડ આ બધું સાંભળતાં અમારી કાર રોકાઈ ગઈ

અમે બધું ભૂલી સીધા બસ તરફ દોડયા. હું નર્સિંગ નું ભણી હતી આથી હું મારી શરમ બધું છોડી જે ઘાયલ થયા હતા તેમની સેવામાં લાગી ગઈ. બસને પાછળથી થોડું નુકશાન થયું હતું અને પાછળ બેઠેલાઓને વાગ્યું હતું. કેટલાકને પછડાટ આવી હતી. બસ સારું હતું કે કોઈને વધારે વાગ્યું નહોતું. આથી કોઈને ઈમરજન્સી હોસ્પીટલમાં દોડવું ના પડયું, બધા બોલતા સંભળાયા ‘ચાલો શુળીનો ઘા સોઈથી સર્યો “દ્વારકાધીશ કી જય” કહેતા બસ ફરી પાછી ઉપડી  .

સમય કરતા બસ ઘરે મોડી પહોચી ,અમે ઘરમાં પ્રવેશવા ગયા ત્યાજ મોટા બા એટલે કે સમીર્રના મોટા કાકી બારણાની વાચોવચ ઉભા રહી ગયા. ઉભા રહો હવે મુહરત નથી, છેક સાંજ પછી તમને પોંખવામાં આવશે. મોટાબા હજુ તો ચાર વાગ્યા છે સાંજ સુધી અમે ક્યા બહાર રહીએ ?આમ પણ અમે થાક્યા છીએ અને હું આમ મુહરતમાં નથી માનતો.તમે બસ જલ્દી વિધિ પતાવી દો.  ” મારા પતિદેવ તેમને સમજાવતા બોલ્યા. છેવટે મોટા બા કમને અમને પોંખાવા રાજી થયા .

નવું ઘર, નવી જગ્યા અને માણસો પણ લગભગ અજાણ્યા! આ પારકા ઘરને પોતાનું કરવા હું આવી હતી.મનમાં ઉમંગ છલકાતો હતો. શરમ નીતરતી હતી સાથે પોતાનાઓને છોડ્યાનું દુઃખ પણ ઝમતું હતું. આ બધાની વચ્ચે હું શરમથી લદાયેલી ઓરડાની મધ્યમા  પલંગ ઉપર બે ઉભા પગ ને હાથોમાં સમાવી  માથું નમાવી બેઠી હ તી .

આવનારા બધા મારી સુંદરતાના વખાણ કરતા હતા, ” વહુ તો સમીર બહુ રૂપાળી લાવ્યો છે.ચાલો તમારું ઘર ઉજળું થઇ ગયું! ” આવેલા એક વૃદ્ધ માજી બોલ્યા, હા ભાભી વાત સાચી છે. રૂપાળી વહુ છે પણ હવે જોવાનું એ કે ભાગ્ય રૂપાળું લાવી છે કે નહિ?” મોટા બા બોલ્યા.

“ભાભી બધું બરાબર છે નકામી ચિંતા ના કરો, “કહી મારા સાસુ એ મારું ઉપરાણું લીધું. આમ તો બા સામે બોલવાનો હક કોઈને પણ નહતો કારણ તેમણે એકલાએ આખા ઘરને પંદર વર્ષની ઉંમરથી સાચવ્યું હતું. તેમના સાસુ નાના ચાર છોકરાઓને અને તેમના સસરાને એકલા મૂકી સ્વર્ગે સિધાવ્યા હતા .

” એ ભલે ગીતા એતો સમય આવે દેખાશે કોણ કેટલું નસીબ લઈને આવ્યું છે. હાલો હવે વાળુ કરી લઈએ, ” કહેતા બધા વિખરાયા. હું પણ બધાની સાથે મોટા ઓરડામાં જમવા બેઠી. રસોડામાં મારી નાની નણંદે ગરમ દૂઘ લેવા તપેલી હાથમાં પકડી અને કોણ જાણે હાથમાંથી તપેલી છટકી ગઈ ,તે ચીસ પાડી ઉઠી. તેની બુમ સાંભળી અમે બધા સીધા કિચનમાં દોડ્યા. ” ઓ મા રે આ શું થઈ ગયું? મારી છોકરીને આ શું થઇ ગયું ? આ ઘરને કોની નજર લાગી ગઈ છે ? આજે નર્યા અપશુકન થયા જ કરે છે! ”  મોટા બા બુમ પાડી ઉઠ્યા .

નાની નણંદ ઘરમાં બધાને બહુ વહાલી હતી. કોઈ કશું વિચારે તે પહેલા હું તરત દોડી ને કિચનની બહાર ઉગેલા કુંડામાં કુંવારપાઠુ તોડી લાવી. તેનો રસ  દાઝેલા ભાગ ઉપર નીતારી દીધો, જેના કારણે ઠંડક થવાથી તે શાંત થઇ..

હું આ બધામાં વ્યસ્ત હતી ત્યાં પાછળ થી મોટાબા નો અવાજ સંભળાતો હતો ,” હું કહેતી હતી કે વહુના પગલા બહુ સારા નથી હજુ ઘરમાં આવે તે પહેલા તો તેના પારખા બધાને થવા લાગ્યા હું તો આ સાંભળી અવાક થઇ ગઈ આંખમાં આંસુ તરી આવ્યા.

ત્યાતો બીજો ઘેરો અને મક્કમ અવાજ સંભળાયો જે મારા દર્દ ઉપર મલમ નું કામ કરી ગયો.

” મોટાબા મહેરબાની કરી આવી અફવા ન ફેલાવો. તમને આજે થતા બધા અકસ્માત દેખાય છે પણ દરેક વખતે આ નવી આવેલી વહુએ તેની સમયસુચકતા વાપરીને જે મદદ કરી છે તે નથી દેખાતી.  બસમાં થયેલી ઈજામાં પણ એણે બધાને તરત મદદ કરી હતી. આજે પણ એણે તેની બુદ્ધિથી તમારી આ દીકરીની બળતરા ઓછી કરાવી છે ”

આ સાંભળતાં મને મારી નવી જીંદગીમાં એક નવો આવકારો મળ્યો.

રેખા વિનોદ પટેલ (વિનોદિની) ડેલાવર (યુએસે )

R Patel (vinodini)

http://vinodini13.wordpress.com

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

“છબી એક- સ્મરણો અનેક” – પ્રિયતમને દ્વાર (૧૦) વિજય શાહ

જયારે સુમિતના પપ્પા અને મમ્મી અહીં આવ્યા તે દિવસે વિચારોથી આર્દ્ર  મનને કારણે સવારે વહેલો ઉઠી ગયો. રેણુ તો બે દિવસથી રસોડામા અને તેમની આગતા સ્વાગતાના કાર્યોમાં સક્રિય હતી.  તેની દશાનો ચિતાર,  મનથી હરખાતી પણ અંતરમનથી દ્રવિત હતી. તેને જોઈ, ચીની પર એક નજર નાખી ત્યારના મારા મનના ભાવો આ કવિતામાં મૂર્તિમંત કર્યા.

મારા ઘરની લાડલી અલ્લડ ચંચળ પ્રેમાળ ચીની

પુખ્તતા પામી ચાલી પ્રિયતમને દ્વાર

તે ઘર મળતા ભૂલજે સર્વ ભૂતકાળ, માનજે

એક વાતનો મોટો ભાર,

પિયર અને સાસરુ બને એક સમાન

હાસ્ય, અર્પણ ને સ્વિકાર આવે જો એક સાથ.

નિજ ને ઓગાળી વેરવાના છે પુષ્પો હાસ્યના

સારુનરસુ જે છે તે તારુ સઘળુ સ્વિકારી

વહેવાનુ છે જીવન એક સાથ જેમ

સમાયે સરિતા ઉદધિ ને દ્વાર

ચીની બને ઉદાસ છોડતા પિયરવાસ પણ

હૈયે આનંદ અપાર જાતા પ્રિયતમ ને દ્વાર.

આ કવિતા જયારે ડો. બંસી મહેતા અને સુશીલા બહેને સાંભળી ત્યારે તેમને આનંદ હતો. કુલિન પુત્રવધુ મેળવવાનો.

જિંદગી જેમ ઝડપથી વહે છે, તેમ તે વિદાયના દિવસોની કલ્પનાથી પિતૃ હ્રદય આર્દ્ર રહે છે. બધા ભલે ગમે તે કહે, પણ મારે તો એક  દિકરી છે. કન્યાદાનનું કંકુ ભાલે એક જ વખત લાગે તેવી ભાવના સતત રહે છે.

જેને કારણે, ઘણી વખત પેલી પર્વતરાજા ની વિદાય વાળી વાત પણ મનમાં ઘુમરાતી રહે.

જાણે કેવી દીધી હશે વિદાય  કે પર્વતરાજાને ઘરે થી

નીકળેલી કોઇ નદી કયારેય પાછી પિયર આવી નથી.

ભારતિય સંસ્કૃતિના ઘણા સદગુણો રેણુ લઈને મારે ઘરે આવી છે.  તે જયારે મુ.કાકા (મારા સસરા, ચિનુભાઇ ગાંધી) ની વાત કરે ત્યારે એ વાત સાંભળવી ઘણી  ગમે.

તેમને છ દીકરી અને બે દીકરાનો બહોળો પરિવાર. તેમ્ણે તેમની બધી દીકરીઓ ખૂબ વહાલી.  એક વાત બહુ  ઠાવકાઇથી દરેક દીકરીઓને શીખવેલી . તે એ કે “તમારા સંસાર યા સાસરીમાં કદી માથુ નહી મારીએ. તમે તમારુ ભાગ્ય લઈ ને આવ્યા છો. સુખ મળે કે દુખ તે તમારુ ભાગ્ય.  રડતા આ ઘરના ઓટલે આવશો તો સાચી સલાહ મળશે, પણ છાવરશે કોઈ  નહી.”

તે જ વાત ચીની ને હું લગ્ન પછી સમજાવીશ, પણ કોણ જાણે કેમ એ દુખી થશે તો એ દુખના પડઘા અમને બંનેને, તેને જેટલુ દુખ પડશે તેટલુ જ વસમું લાગશે! સંવેદનાની અને લાગણી ની વાત છે. ચીનીના જન્મ વખતે શારદાબા એ સમય સુચક્તા વાપરી બંને જીવો ને પીડાતા બચાવ્યા હતા. જ્યારે નાની દિકરી આવ્યાની વધાઈ નો ફોન આવ્યો ત્યારે લક્ષ્મી માતા આવ્યા કહી હેત ની હેલી વરસાવી હતી. તે વાત આટલે વરસે યાદ આવે છે.

ખરી વાત તો તે  છે કે ચીનીના જન્મ પછી કદી પૈસાની તંગીરી પડી નથી. બાંધી આવકમાં  તેનું ઘડતર જરુર છે. દરિદ્રતા મનમાં કે વર્તનમાં કયાંય નથી . એ વાતનો અહેસાસ સુમિત ને તેણે બહુ  સલુકાઈથી કરાવ્યો. મારા બાપા ના રાજમાં તડકો છાયડો  જોયો છે. તેથી પૈસાની જ આછકલાઈ મારામાં નથી. તેની કોઈ ઘેલછા પણ નથી !

આવી રૂડી દીકરી ને ઘણી  તકલીફનો સામનો કરવો પડ્યો.  મમ્મી  કહી ને આજે પણ મમ્મીના ખોળામાં સરકી જતા અને કૃત્રિમ ગુસ્સો કરીને મમ્મી ની રીસ ને ક્ષણ વારમા હાસ્યમા ફેરવતી દીઠી છે.

સુમિત સાથે તે રંગે ચંગે મઝા કરે,  ફરે પણ તેમની વાતોમાં જો સુમિત કયાંક  બોસીઝમ કરવા જાય તો, ‘મારા પપ્પા પાસે તારે ટ્રેઈનીંગ લેવી જોઈએ’! ખબર પડે  કે પત્નીનું મહત્વ શું છે ? એક ગાડી ના બે પૈડા છીએ. કોઈ એ ઘાયલ થવાનું  નહી અને કોઈને ઘાયલ કરવાનું નહી સમજયો ?

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a comment | સંપાદન કરો

“છબી એક- સ્મરણો અનેક” – પ્રિયતમને દ્વાર (૧૧) ધનંજય પંડ્યા

આપ આજ રીતે હાજરી આપો અને આપની રચના અમને પીરસતારહો 

મનમોહિની

 કોયલ જેવો કંઠ એનો 

મધથી મધુર વાણી

વર્ષા શી ​શીતળતા એમાં

મનડુ લઇ ગઇ તાણી

પહેલા પહેલા જોઈ જ્યારે

મનડુ ગયું હરખાઈ

રૂપ ની છાલક એવી વાગી

તન મન ગયા ભીંજાઈ

વાહ વાહ ઈશ્વર ​વાહ પરમેશ્વર ​

શું સુંદરતા,પ્રભુ તારી  બલિહારી ​

સુંદરતા ના ગિરી શિખરની

પ્રભુ છબીમેં એમાંનિહાળી

​-

છબી એક – સ્મરણો અનેક – પ્રિયતમને દ્વાર (૧૨) પદમાં-કાન

 

 

શણગાર સોળે સજીને ,અનેક સપનોની ગઠરી બાંધીને, શુકનવંતુ શ્રીફળ હાથમાં ધરીને કરી નિશ્ચય પ્રીતમ ઘેર જાવાનો !પણ હવે તું કેમ ઉભી? બારણે આવીને શીદ થંભી?  નાના શા ઉંબર ને ઓળંગતા તું કેમ ધ્રુજી? દિવસમાં કેટલી વાર તું ઓળંગતી,આજ તારા પગ કેમ ગયા થંભી?પિયરની વિદાય વેળા આવી, સાસરીયે જવાની વેળા આવીને પગ  મારા એમ ગયા થંભી.ભગવાનને યાદ કરું ત્યાતો મગજમાં એક ચમકારો થયો ને તેની સાથે રાધા અને ગોપીઓ યાદ આવી ગઈ

ભગવાનની સાથે નાતો જોડતી ગોપીને પણ આવો કઈ અનુભવ થયો હશે નેકારણ કેપ્રીતમની અને પ્રભુની જાતી તો આખરે નરજાતિને! ને તેની સાથે શાળામાં ભણતા એક કવિતા યાદ આવી ગઈ.શ્યામ રંગ સમીપે જવું મારે આજ થકી સહુ માં કાળાશ એતો સહુ એક સરખું સહુમાં કપટ હશે આવું? એમાય આપણે તો માણસ જાતી  તે વિચાર આવતા તેના પગ ગયા થંભી.રખેને તેનો પીયુ——

ગોપી થોડી શંકા અને થોડી અધીરાઈથી

ગોપી વનમાં પૂછે છે ઝાડ ઝાડને રે,પીપળા તે તો પ્રીતમને દીઠા ?

તારી છાયામાં પ્રભુ રાસ રમે ,ગોપી પૂછે છે ઝાડ ઝાડને રે

વડલા તે તો વાલમને દીઠા?તારી થાળીમાં પ્રીતમ પ્રભુ ભોજન કરે

તુલસી તે તો ત્રીકમને દીઠા,તારા વીના પ્રભુ થાળ ના જમે.

ગોપી વનમાં પૂછે છે ઝાડ ઝાડને રે કાંટાળી વાડ વાડને રે

ગોપી વનમાં પૂછે છે ઝાડ ઝાડને રે   આમ દ્વીધામાં કેમ?

શું તેનો પતિ એક આદરણીય પ્રેમની નજરે તેને જોશે?ઘરમાં સાસુ નણંદ માંનની નજરે જોશે?કરિયાવરમાં કઈ વધતું ઓછુ તો નહી પડેને! મારા સગા સંબંધી મારા મિત્ર વર્તુળ સાથે હું મનની મોકલાશ અનુભવીશ?વળી મારી જોબનો પણ પ્રશ્નકરી શકીશ કે નહી?અને ધર્મનો પ્રશ્ન તો ઉભો ?આવા તો અનેક પ્રશ્ન મનમાં  ઉઠતા ને પગ ગયા થંભી.

એટલામાં લાઉડ સ્પીકરમાં એક ગીત ગુંજી ઉઠ્યું, મરાઠીગીત હ્તુ,વ્હાલી દીકરીને વિદાય સાથે સાથે તેના સુખની મંગલ કામના કરતુ ગીતજા મૂલી જા તુઝા ઘરી તું સુખી રહામને યાદ અપાવી રહ્યું ને વળી પાછા મનમાં તરંગો ઉઠવા લાગ્યા ને જાવાની તાલાવેલી લાગી.ને માં તે તો મને સમજાવ્યું હતુ કે નાળીયેર છે ને તે તને જીવનમાં કેમ રહેવું તેની શિક્ષા આપે છે.પોતાની રક્ષા કાજે નાળીયેરના ઉપરના પડની જેમ સખ્ત એટલે કે મજબુત રહી મનથી શુદ્ધ અને મીઠાશ  ભર્યું રાખીશ તો જીવન હૃષ્ટ પુષ્ટ બનશે,અને જ્યાં જ્યાં નજર તારી ફરે આનંદ આનદ સઘળે વર્તાય.માં દીકરીને એક મરાઠી ગીતમાં કહે છેબગુ  નકો તું માગે માગે,લાડકે બઘ પુઢે ,મોઠ્યાચી તું સુન પાટલીન માંનાચી હ્સ્લે બીલ્વ્રર લગીન ચૂડે બઘુ નકો તું માઘે માઘેતારો લગ્ન ચૂડો હસી રહ્યો છે ને કહી રહ્યો છે તારે તો આગળ વધવાનું છે દીકરી તું પાછુ પાછુ વાળીને જોઇશ માં.મારી લાડકવાયી તું તો મોટા ઘરની વહુવારું છો પાછુ પાછુ વાળીને તું જોઇશ માં વળી મારી ભાભીના વ્હાલ ભર્યા બોલ મને આગળ વધવા પ્રેરણા કરે છે.માને  તો જેટલું કહેવાય તેટલું કહી  શકાયનેપણ મારી ભાભીનું સ્થાન મારા જીવનમાં મા કરતા  જરાય ઓછુ નથી.ભાભી તે મને જે પ્રેમની શીખ આપી છે ને તે મારા જીવનમાં અગ્રસ્થાને રહેશે. પ્રેમ વડે સારા સંસારને જીતી લઇશ.માં, તે દીધેલ સંસ્કાર મારામાં સારા વણાઈ ગયા છે

પ્રેમલ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ ,દુર નજર છો ના જાય,

દુર નજર જોવા લોભ લગીરના એક ડગલું બસ થાય,

મારે એક ડગલું બસ થાય

એક એક ડગલું ભરતા ભરતા ઉન્નતિના શિખરે હું પહોચું,

ત્યાંથી પાછી ના હું ફરું.

પદમાંકાન  

 

 

 

 

 

 

 

 

છબી એક – સ્મરણો અનેક – પ્રિયતમને દ્વાર (૧૩) ચારુશીલા વ્યાસ

સવારના સાત વાગતા જ મીનુ  સોળ શણગાર સજી હાથમાં નાની બેગ લઈ ને તૈયાર થતી,’ક્યારે મારો પ્રિયતમ આવશે ? આજથી પાચ વર્ષ પહેલા મને પ્રિયતમ  એક પાર્ટીમાં મળ્યો હતો. કનૈયા જેવા શ્યામ રંગ નો ખૂબ જ આકર્ષક હતો એ. એને  જોતા જ મારું મન મોહી પડ્યું. હું ય કઈ ઓછી રૂપાળી નહોતી !પણ એ તો મારા મનનો માણીગર હતો ‘,

સપનાનો રાજકુમાર હતો, ‘એનું નામ હતું  શ્યામ તેના કપડા પહેરવાની કળા એટલી તો સરસ હતી કે બધા તેની તરફ ખેચાતા હું પણ ખેચાઇ’શ્યામ મારી નજીક આવ્યો.ધીરે ધીરે અમારી દોસ્તી આગળ વધી રોજ રોજ મુલાકાત થતી અમે બેઉ પ્રેમમાં પાગલ થઇ ગયા એકબીજાને પરણવા નું વચન આપ્યું, માએ પૂછ્યું “બેટા ,કેમ ખોવએલી રહે છે ? તારા જીવનમાં કોઈ આવ્યું છે ?” “મા,કેવું પૂછે છે ?” “મને કહે ,શું વાત છે ?જો , તારું માગું આવ્યું છે ઘર બહુ સારું છે તેઓ  તને જોવા માંગે છે તેથી તારે તૈયાર રહેવાનું છે” “ના ,મા મારે કોઈને નથી મળવું મારા મનમાં કોઈ છે.” બીજે દિવસે શાદીની વાત માએ કરી. તેને ઘેર આવવા આમંત્રણ આપ્યું. તે આવ્યો પાપા અને મા સાથે વાત કરી તે લગ્ન  માટે તૈયાર છે પણ તેના  મા બાપુને પૂછીને લગ્ન કરવા આવશે. અને તે બધાની રજા લઈને ગયો. તે ગયો

તે  ખૂબ દુઃખી થઇ ગઈ

માએ સમજાવી ,ભાઈએ ધીરજ આપી. કોલેજ પૂરી થઇ ,ભણવાનું પતી ગયું ન તો શામનો કાગળ આવ્યો ,ન તો કોઈ સંદેશો વિરહમાં તે ઘસાતી ગઈ પત્ર લખી લખીને ફાડી નાખતી સરનામું તો હતું નહીં. પ્રેમમાં  તે ખરેખર પાગલ બનવા લાગી ઘરના એ બધા પ્રયત્ન કરી જોયા! બીજે પરણાવવા જોર કર્યું પણ એના શ્યામ ની પ્રેમ દીવાની બની ગાયા  કરતી હતી, ‘એરી મૈ તો પ્રેમ દીવાની ,મેરા દરદ ન જાને કોય’. આજે ફરી તે સોળ શણગાર સજી ને ઘર ના દરવાજે ઉભી છે. દૂર દૂર રસ્તા પર નજર દોડાવતી ,રોજની જેમ આશા માં -એ જરૂર આવશે મને પરણી ને લઇ જાશે એ મને ખૂબ પ્રેમ કરે છે .

મા બોલી,”બેટા હવે સાંજ પડવા આવી ,ચાલ હવે અંદર આવીને જમી લે”. “મા ,મા એ જરૂર આવશે ,એ હમણાં આવશે તું જોજેને ?” મા, “હા બેટા , એ આવશે  અને તને લઇ જશે પ્રિયતમને દ્વાર” !

ચારુશીલા વ્યાસ.

 

 

 

 

 

 

એક નવતર પ્રાયોગ-“તસ્વીર બોલે છે.” -આ મહિનાનો આ વિષય છે.

મિત્રો

આ મહીને  આપ સૌ  માટે એક  નવતર પ્રયોગ  મોકલ્યો છે. ફેસબુક ઉપરથી જડી આવેલી આ તસ્વીર તમને કોઇક કથા સુઝાડે ,છે?

 • એક તસ્વીર ઉપરથી માઈક્રોફ્રીક્શન વાર્તા

એક દેડકો હતો ઉપર ચડવું હતું બાપાએ કહ્યું .જો ઉપર ચડવું છે ને તો મારા પગ પકડી લે..દેડકો કહે… પણ બાપા ડર લાગે છે!..  એટલે બાપા એ કહ્યું બેટા જયારે તું મારો ડાબો પગ ખેચો તો રામ બોલ અને જમણો પગ ખેચો તો સીતારામ બોલ.પછી ડર નહિ લાગે પણ  દેડકો તો દોઢ ડાહ્યો  એને બાપની જેમ ઉપર રહેવું હતું. તો દેડકો બોલ્યો અને” જો હું આપના બે પગ ખેચું તો…..? ”

“તો કે તું અને તારો બાપ બંન્ને  નીચા પડે.”

તસ્વીર ઉપરથી કૈક લખવાનું મન થાય છે?.બસ આપણો  આ મહિનાનો આજ  વિષય છે. ચિત્રને જોવાનું કલમ ઉપાડવાની અને કલ્પના શક્તિને દોડાવવાની ​ બસ  આપની કલ્પના શક્તિ વધારો અને માંડો લખવા.કોઇક લઘુકથા કે લઘુ નવલકથા કે કાવ્ય.

આપની કૃતિ મોકલો

pragnad@gmail.com,

vijayakumar.shah@gmail.com

Pravinash@yahoo.com

hemap920@gmail.com

 

એક નવતર પ્રયોગ ! તસવીર બોલે છે (૧) અર્ચિતા પંડ્યા

આજની દુનિયા બદલાતી જાય છે.આજે વ્યક્તિ કાં તો ખાસિયત વિસરી જાય અથવા તો મજબૂર બને છે ખાસિયત છોડવા, અને મહત્વાકાંક્ષા ને લીધે આકરા પથ પકડીને જીવન વિકટ બનાવી દે છે. પણ એ પણ સમયની માંગ છે જે પૂરી કરવી જ રહી …. અહી સંવાદ ના રૂપે મારી વાત રજૂ કરું છું ……

                  મૂંડક વાણી

“ભાઈ કેસરીચરણ,ક્યાં છે ? ” “હરીત્તન ,તારી પાછળ જ ! ” “નથી લાગતું કે આપણે રસ્તો જ ખોટો પકડી લીધો છે ! ” “હા ભાઈ ! ,આપણા તો હાથ કરતા પગમાં વધુ તાકાત છે ! ” “અને અહી તો આ સળીયો પકડી ,હાથના જોરે બીજા છેડે જવાનું ! ” “આપણી તો ખરી ચાલ કુદકાની ! ” “પણ રસ્તો એવો પકડ્યો કે કુદકો એક વાર જ કામ લાગ્યો ! હવે જાતને સાબિત કરવાની કસોટી ! ” “હવે ક્યાં પહેલા જેવું રહ્યું છે,બાપ ની ગાદીએ બેસો ને બેડો પાર ! ” “પણ કુવામાંના દેડકા છીએ ,એવી આબરૂ સુધારવા કેવી કસોટી લેવી પડે છે ! ” “સંભાળજે હાથની પક્કડ ! અહી ટકવું મુશ્કેલ છે ! ” “મારી તો હિંમત હારી જવાય છે,ભાઈ,…હું આગળ નહિ વધી શકું ! ” “અરે ! ….આટલી બધી મહેનત પછી ? ” “સંભાળ….હિંમત રાખ ….” “અરે ,ગયો ….ગયો રે…..! ” “પકડ પકડ ,મારો પગ પકડી લે ” “ઓ…..માં……,હાશ ! પકડાયો તારો પગ ! ” ‘હમ્મ્મ્મ …….બરાબર,સરસ,પકડી રાખ ,હું આગળ વધુ છું  ” “ભાઈ ,મારા લીધે તને કેટલી તકલીફ પડશે ? ” “ચિંતા ન કર,….અત્યારે ટકી રહેવાનો પ્રશ્ન ઘણો મોટો છે ! ” “આભાર ભાઈ ! ” “બંને સાથે હોઈશું તો મદદ રહેશે ” “તું મારો ભાર લઇ કેવી રીતે એકલો આગળ વધીશ ? ” “તું આપણા બે વતી ઈશ્વરને પ્રાર્થના કર, હું પ્રયત્ન પૂરો કરું ” “અરે ,દરેક ક્ષણે ઈશ્વરનું નામ દઉં છું ” “બસ,તો પ્રયત્ન પર પણ ભરોસો રાખ ” “આજે ટાંટિયા ખેંચ ની આપણી છાપ ભૂંસાઈ જશે ,ભાઈ ! ” “કોઈ છાપ આ ધરતી પર સનાતન નથી ,હો !” “સાચી જ વાત ,! ” “પ્રયત્ન અને પ્રાર્થના હોય તો બધું જ શક્ય છે ,જો આપણે પહોચવા આવ્યા ! ” “રંગ રાખ્યો તારા પ્રયત્ને ! ” “ખરો કમાલ તારી પ્રાર્થનાનો ! ” “એક અગત્યની વાત રહી જાય છે,ભાઈ ,તારા કામ પ્રત્યેના અને મારા પ્રત્યેના પ્રેમનો મોટો ફાળો છે ! ” “કોઈ પણ સફળતા જોઈતી હોય તો ત્રણ ચીજ કાયમ જોઇશે …..        પ્રેમ,પ્રયત્ન અને પ્રાર્થના

(2)

આપણી દુનિયા તારી લે મને, ઓ મંડૂક -ઈશ્વર ! કેમ રહીએ કૂપ -મંડૂક વૃતિમાં ?

લઈજા મને તો પ્રેમની દુનિયામાં મઝા હુંસાતુસીને ને હોડ છોડવામાં !

રાચીએ ખુલ્લી હવા ખુલ્લા શ્વાસમાં સીધો સરળ ને સાદા કોઈ આધારમાં

‘તું ‘ અને  ‘હું ‘એ તહેવાર જીવનમાં વિચરીએ હંમેશા એક જ સંગાથમાં

અભિમાન નથી કોઈ બડાશો મારવામાં બધું જ અંતે મળવાનું છે તો રાખમાં

રહેશે તો ઉપયોગી પ્રેમ જ  સાથમાં અનુભવ એવો બસ,જન્મોજન્મ માં ……

અર્ચિતા દીપક પંડ્યા

 

 

 

બોલે છે (3) પ્રવીણા કડકિયા →

એક નવતર પ્રયોગ ! તસવીર બોલે છે (૨) વિજય શાહ

ખુદી કો કર બુલંદ ઇતના

એક ગામનો ઊંડો કુવો જેમાં ઘણા દેડકા ડ્રાઉં ડ્રાઉં કરે. વરસાદ પડી ગયા પછી આ દેડકા ગાન વધુ જોરમાં ચાલે. એક  દેડકી જરા વધુ જાણે તેથી તેને ઘણા પુછે. તેની ઘણા વિષયોમાં  માસ્ટરી તેથી તેણે ઘણા ને મદદ કરેલી. જેને કારણે ચારમાં પુછાતી પણ ખરી!

હવે એક નિયમ છે, તમે જેમ ઉંચે ચઢો તેમ તમને ઘણે દુર સુધી દેખાય. સાથે તમે જેમ ઉંચા ચઢો તેમ તમને પણ ઘણાં જુએ. બસ તેવું જ બન્યું. દેડકીની સફળતા જોયા પછી ઘણા દેડકાઓનું ડ્રાઉં ડ્રાઉં વધ્યું

હવે દેડકાઓનો તો સ્વભાવ છે ને, ફુલાવાનો? એમાં બે ચાર જણ હવા પુરવાવાળા પણ મળ્યા કે “ઓહ તું તો પેલી દેડકી કરતા પણ ઉંચે કુદકો મારી શકે તેમ છે.”

ટાંટીયાં ખેંચને અંતે બહુ કુદકા માર્યા પછી હતું તેટલું જોર કરીને કુદકો મારીને કુદેલ એ દેડકો કુવામાંથી બહાર તો નીકળી ગયો અને બહાર આવતાની સાથે જ કચડાઇ મુઓ.

પેલી દેડકી જે સ્પર્ધા કે તમાશાનો ભાગ હતી તે બોલી, “આપણી તાકાતથી વધુ ઉછળવા જઇએ તો પેલા દેડકાની જેમ જાન ગુમાવીએ. ફુલાવું હોય તો ફુલાવું પણ પેટ ફાટી જાય તેટલું તો ન જ ફુલાવાય. આપણી પહોંચ પણ જોવી જોઇએ ને?”

બીજા સ્પર્ધામાં રહેલા દેડકા શાંત થઇ ગયા. ત્યાં બેઠેલો વયસ્ક કાચબો બોલ્યો “ દરેક જણને ભગવાને અલગ આવડતો સાથે બનાવ્યા છે. ત્યાં સ્પર્ધા કેવી? તમે જેમાં શ્રેષ્ઠ છો તે છો જ. અન્યની  સાથે સ્પર્ધા શામાટે? ખુદી કો કર બુલંદ ઇતના કે ..

એક નાનો તેમજ ડરેલો દેડકો બોલ્યો,”પણ એ આવડતો ને સમજવા અને જાણવા કોઇક્નો તો ટેકો લેવો પડે ને?”

“હા ટેકો લેવાનો હોય ત્યાં આંગળી આપતા પહોંચો ના પકડાય ! તે ધ્યાન જે રાખે છે તે સ્પર્ધામાં ઉતરતાં નથી તેમનો વિકાસ જરુર થાય છે.” કાચબાભાઇએ ડોકું હલાવતા કહ્યું”.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

એક નવતર પ્રયોગ ! તસવીર બોલે છે (3) પ્રવીણા કડકિયા

“સાથી હાથ બઢાના “!

દોરડું પકડીને કુવાની બહાર નિકળવું અને તેમાંય પાછું કોઈ પગે વળગ્યું હોય ?  તસવીર વગર બોલ્યે કેટલો મોટો સંદેશ આપે છે. ઉપર ઉઠવું અને સાથે કોઈને લઈને ઉઠવું એ તો વિરલાઓનું કામ છે ! કાચાપોચા તો ઉઠવાની પળોજણમાં પડતા ગભરાય. ત્યાં બીજાને હાથ કઈ રીતે આપી શકે?  હમેશા પ્રગતિના સોપાન ચડતા જેમણે સહાય કરી હોય તેમનો ગુણ અંતઃકરણ પૂર્વક માનવો. તેમને જ્યારે પણ સહાયની જરૂરત હોય ત્યારે આમંત્રણની રાહ ન જોવી.

ઉત્થાન, એ માનવનો સ્વભાવ છે. ઉત્થાન અને અહંકાર, સાથે સવારી ન કરી શકે ! ઉત્થાન ટાણે નમ્રતાને વરનાર  સાચી પ્રગતિ સાધી શકે. બાકી અહંકાર, પ્રગતિના માર્ગને રૂંધનાર સાબિત થયો છે. અહંકાર તો રાજા રાવણનો પણ નહોતો ટક્યો !

હા, ‘વચને કિમ દરિદ્રતામાં’ માનનારા વાત મોટી મોટી કરે પણ જ્યારે કરવાનો સમય આવે ત્યારે છુમંતર થઈ જાય. અરે, હજુ ગયા મહિનાની વાત છે. મારી બહેનપણીએ જ્યારે ૫૦ વર્ષના સહવાસ પછી પતિ ગુમાવ્યો ત્યારે શરૂ શરૂમાં  દસેક દિવસ બધા દિલાસો આપવા આવ્યા. પછી જેવા બહાર ગામના મહેમાન જતા રહ્યા ત્યારે નજીકના મિત્રો ઈદનો ચાંદ થઈ  ગયા. આવે સમયે ખાસ દિલની વાત સાંભળે એવા સહારાની જરૂર હોય. દરેક દર્દ ની દવા સમય છે.

સાથી અને સાથ તડકો આવતા પાણીનું બાષ્પિભવન થઈ જાય તેવો હોય તો શા ખપનો? તેથી તો ખુદમાં વિશ્વાસ રાખવો. સાથ મળે તો ‘સોને મેં સુહાગા’ ન મળે ત્યારે સ્વ પર ભરોસો !

જેમ રાજાબાઈ ટાવર પરથી જમીન પર દોડતી ગાડીઓ રમકડાની ગાડી અને હાલતી ચાલતી લાખોની મેદની કીડી જેવી જણાય તેમ પ્રગતિના સોપાન સર કરતા માનવીને નીચે પગથિયે ઉભેલ માનવી નાનો જણાય, ત્યારે ભૂલી જાય કે એક દિવસ તે પોતે પણ ત્યાં હતો. તે આજે  જ્યાં ઉભો છે તે ઠેકાણે પહોંચતા,’ નેવના પાણી મોભે’ આવ્યા હતા.  તે સમયે પોતાનો હાથ આપી કોઈનો માર્ગ સરળ બનાવે તે ખૂબ પ્રશંશનિય કાર્ય ગણાય !

વાંદરો અને કાચબો, યાદ છે ને  ? કાચબાની પીઠ ઉપર સવારી કરી વાંદરો સરોવરમાં સહેલગાહ કરતો. વાંદરાની પીઠ પર બેસી કાચબાભાઈ જંગલ ખુંદતા અને કેળાની મહેફિલ માણતા ! બંને મિત્રો પોતાની શક્તિનો સરવાળો કરી  સહેલ કરતા. ‘હાથ લેવા માટે પણ છે. હાથ આપવા માટે પણ ઉત્તમ સાધન છે. સમય અને સંજોગ અનુસાર બન્નેનું કાર્ય ઉત્તમ સાબિત થયું છે.

અંતે એક વાત કહ્યા વગર રહી નહી શકાય. આ સુંદર ચિત્ર દ્વારા એટલું યાદ રહે જે તમને ઉપર ચડવામાં જાનના જોખમે સહાય કરે તેને કદી ટાટિયા ખેંચી નીચે પાડવામાં ગૌરવ ન અનુભવશો

 

 

એક નવતર પ્રયોગ ! તસવીર બોલે છે (૪) ડૉ. ચંદ્રવદન મિસ્ત્રી

મેં હું  ના

એક અનોખું પતિ પત્ની મિલન !

લાકડી મળતા, હું તો ચોંટી ગયો,

હજુ તો લટકતો હતો અને ભાર વધ્યો,

નજર નીચે કરી હું કરી શકતો નથી,

ત્યાં પત્ની ગભરાઈ મને કહેતી હતીઃ

“લાકડી ના છોડશો ઓ મારા સ્વામી,

હું તો લટકી રહી છું તમારો પગ ઝાલી,”

“ગભરાઈશ નહી જરા, ઓ મારી પ્રિયતમા,

હું છું તો શાને છે ચિન્તારૂપી વિચારોમાં ?”

“ચંદ્ર” દેડકા દેડકીનો સંવાદ સાંભળી કહે ઃ

“અંતે પતિ-પત્નીનું મિલન લાકડી પર નજરે પડે !”

ડૉ. ચંદ્રવદન મિસ્ત્રી

 

 

 

 

 

એક નવતર પ્રયોગ ! તસવીર બોલે છે (૫) વિનોદ પટેલ

Posted on March 9, 2015 by vijayshah

દેડકાદેડકીની પ્રેમ કથા ! ……. વિનોદ પટેલ

એક સરોવરમાં એક દેડકો અને એક દેડકી એક બીજાના પરિચયમાં આવ્યાં.દેડકો દેડકીને પ્રથમ નજરે ગમી ગયો .સુંદર સપ્રમાણ કસરતી બદન,ચળકતી ત્વચા અને લાંબા ગમી જાય એવા પગ  ઉપર દેડકી મોહિત થઇ ગઈ .દેડકાની પણ દેડકી જેવી સ્થિતિ હતી. પણ દેડકીની સુંદરતા ઉપર વારી ગયો હતો. ધીમે ધીમે બન્નેનો પરિચય પ્રેમમાં પરિવર્તિત થતો ગયો.

જો કે દેડકી એનાથી ઉમરમાં ખુબ નાની હતી પણ પ્રેમીઓ આવાં બંધન ની પરવા ક્યાં કરતાં હોય !

એક દિવસે મોકો જોઈને દેડકાએ દેડકી સમક્ષ પ્રસ્તાવ મુક્યો :

ડીયર,હું તને ખુબ ચાહું છું.મારી સાથે લગ્ન કરીશ ?”

દેડકી ખુશ થતી બોલીયસ, યસ, હું તો દિવસની રાહ જોતી હતી કે તું ક્યારે લગ્નનો પ્રસ્તાવ મુકે છે.”

બન્ને જણ ભાવાવેશ અને પ્રેમાવેશમાં એક બીજાને ભેટી પડી પ્રથમ ચૂમી પણ લઈ લીધી!

ત્યાર પછી બિન્દાસ બની સરોવરમાં તેઓ દેડકા સમાજની પરવા કર્યા વિના સાથે ને સાથે ફરવા અને રહેવા લાગ્યાં.

થોડા દિવસો વીત્યા હશે ત્યાં દેડકાએ દેડકીને કહ્યું:

હની, ચાલ હવે પરણી જઈએ.”

દેડકી કહે :” જરૂર પણ ઘણા દિવસથી મારા મનમાં એક ઇચ્છા છે કે પાણીમાં તો બહુ રહ્યા .સરોવરના બે કાંઠાને જોડતો લોખંડના મીની પુલ જેવો થાંભલો છે એના ઉપર પાણી બહાર નીકળી ઉપર હવામાં ચાલીએ તો કેવી મજા આવે .આપણે સાથે એના ઉપર ફરવાની થોડી મજા લઇ લઈએ પછી સામે કિનારે જઇને નવી જગાએ પરણી જઈશું.કેમ બરાબર ને ?

દેડકો કહે :”ભલે, જેવી તારી મરજી.”

આમ નિર્ણય કરી બન્નેએ સરોવરમાંથી બહાર નીકળી એક કિનારેથી થાંભલા ઉપર ચડી ગયાં અને વાતો કરતાં કરતાં ટહેલવા લાગ્યાં.

થાંભલા ઉપર સરોવરની અધ વચ્ચે તેઓ આવ્યાં હશે ત્યાં દેડકીની નજર નીચે પાણીમાં દેડકા કરતાં વધુ સુંદર એક બીજા દેડકા ઉપર પડી .નીચેના દેડકાએ પણ દેડકી તરફ એક મોહક સ્મિતનું મિસાઈલ ફેંક્યું. દેડકી એનાથી ઘાયલ થઇ ગઈ.એણે મનમાં એક નિશ્ચય કરી લીધો .દેડકો તો સામે કિનારે જઈને લગ્ન કરવાના મુગેરીલાલી ખ્યાલોમાં ખોવાઈ ગયો હતો.

દેડકાના ખ્યાલોમાં ભંગ પાડતાં દેડકીએ દેડકાને કહ્યું :” મારે તારો એક પગ પકડીને હીંચકા ખાવાનું મન થયું છે .”

દેડકો કહે :”ભલે ડીયર, તારી ઈચ્છા પણ પૂરી કરી લે.”

પ્રેમમાં અંધ હોય શું નથી કરતો !

દેડકાનો એક પગ પકડીને થોડા હીંચકા ખાવાની મજા માણી લીધા પછી  દેડકીએ દેડકાના આશ્ચર્ય વચ્ચે કહ્યું.:

બાય બાય , હું જાઉં છું

એમ કહીને દેડકીએ દેડકાનો પકડેલો પગ છોડી દીધો. સરોવરના પાણીમાં ભૂસકો માર્યો અને નીચે રાહ જોઈ રહેલ પેલા વધુ સુંદર દેડકા સાથે પાણીમાં અદ્રશ્ય થઇ ગઈ !

વિનોદ પટેલ, સાન ડિયેગો,કેલીફોર્નીયા   

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

એક નવતર પ્રયોગ ! તસવીર બોલે છે (૫) ચારુલતા વ્યાસ

કહી શકશો કે શું  થયું હશે?

કૂવામાં  દોડાદોડ મચી  ગઈ અચાનક  એક  મોટો દેડકો કુવામાં આવી ગયો બહુ માથાભારે  હતો  તેને ખબર પડી કે ઘણા નાના નાના  દેડકાઓ જનમ્યા છે  તે ખુંખાર દેડકો બધાંને ડરાવતો ધમકાવતો  હતો બધાનું જીવવાનું કઠીન  કરી નાખ્યુ મા -મા  ઉભી રે ,ક્યાં જાય છે ? ચાલ જલ્દી ચાલ ,આપણે ભાગવું  પડશે ? પણ કેમ? પેલો નાલાયક દેડકો મારી પાછળ પડયો છે તને પણ મારે બચાવવી છે પણ આપણે કેવી રીતે બહાર નીકળીશું? જો ,પેલી વેલ ઉગી છે ને?તેની આજુબાજુ થોડા બાકોરા છે તેને ટેકે ટેકે આપણે ઉપર પહોચી જઈશું તું મારી પાછળ આવજે મા પેલો પાછળ આવેછે ભાગ જલ્દી તું બેટા,મારી પીઠ પર બેસી જા ,પછી વેલ પકડી લેજે દેડકીએ કૂદકો મારીને વેલ પકડી લીધી બાકોરા ના આધારે ઉપર ચડવા લાગી તેણે એક પાઈપ જોઈ તે આનંદિત થઇ ગઈ તેને તેની દિકરીને કહ્યું” આ પાઈપ પકડી લેજે ” મા દિકરી ઝડપથી ઉપર ચડવા લાગ્યાં ઉપર પહોચીને મા એ ડોકું બહાર કાઢયું અને આજુબાજુ જોયું બધું બરાબર લગતા તે બહાર કૂદી ,પોતાનો પાછલો પગ લંબાવી ને દિકરી ને ઉપર ખેચી લીધી માં દિકરી એક બીજાને ભેટી પડયા અને નિત નો શ્વાસ લીધો  એક પળ પછી ઉંધા ફરીને જોયું તો એક ડાઘિયો કૂતરો ઊભો હતો

–કહી શકશો કે શું  થયું હશે?

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

એક નવતર પ્રયોગ ‘ તસ્વીર બોલે છે ’(૬) હેમા પટેલ

‘ દોસ્ત દોસ્ત ના રહા ‘

સંતા અને બંતા બે દેડકા ખાસ મિત્રો , કુવામાં એમનુ ઘર, કુવામાં જ જન્મીને મોટા થઈ રહ્યા છે. સંતા સ્વભાવે સાહસિક તેને હમેશાં કંઈક નવું જાણવું, કંઈ નવું કરવાની ધગશ. જ્યારે બંતા એકદમ બિંદાસ સંતાને સહારે જીવે, સંતા વિચારવા લાગ્યો આપણે જ્યાં રહીએ છીએ એ જગ્યા અને આપણી દુનિયા બહુજ નાની છે. આની બહાર જરૂર મોટી અને સુંદર જગ્યા, સુંદર દુનિયા ચોક્ક્સ  હોવી  જોઈએ.

સંતા – “ બંતા ,મારા મિત્ર, મારા મનની વાત તને કરું ?’

બંતા  – “ હા દોસ્ત જરૂર “

સંતા  – “ આ જગા છોડીને ચાલ બીજે જઈએ, બીજી દુનિયામાં જઈએ ‘

બંતા – “ દોસ્ત બીજી દુનિયા એટલે ક્યાં ? ‘

સંતા – ‘ દોસ્ત આ કુવાની બહાર “

બંતા  – “ દોસ્ત હું તારી સાથે આવવા તૈયાર છું.

સંતા અને બંતા બંને કુદકા મારતા મારતા કુવાની ઉપર આવી ગયા. બહાર નીકળવા માટે મોટી છલાંગ મારવી પડે.સંતાએ તેના મિત્રને કહ્યું દોસ્ત મોટી છલાંગ મારીને ઉપર જે પાઈપ દેખાય છે તે પકડી લેવાની છે. બંતાએ કહ્યું દોસ્ત મને મોટી છલાંગ મારતાં બીક લાગે છે.

સંતા – “ દોસ્ત તું કેવી વાત કરે છે, કુદકા મારવાનુ આપણુ કામ છે અને તને મોટો કુદકો મારતાં બીક લાગે છે ? “

ભલે મારો પગ પકડી લે , પાઈપ પરથી હું સીધો બહાર કુદી પડીશ.બંતાએ મિત્રનો પગ પકડી લીધો, સંતાએ પુછ્યુ, પગ છોડીને પાઈપ પકડવાનો પ્રયત્ન કરી જો, સાથે બહાર કુદી પડીશુ. બંતા તરત બોલ્યો ના ના મારા દોસ્ત હું તો તારો પગ પક્ડીને જ ઉપર આવીશ. તારો પગ નહી છોડુ. સંતાએ પુછ્યુ, મારો પગ પકડીને ઉપર આવે છે, ભવિષ્યમા મને જરૂર પડે તો સાથ આપીશ ને ? બંતા તરત જ બોલ્યો એવુ હોય મારા દોસ્ત મિત્રને જરૂર પડે અને હું મદદ ન કરું ? હા ચાલો જોઈશુ ભવિષ્યમાં સમય આવે.સંતાને તો ખબર છે, તેનો મિત્ર તેના સહારે ઉપર જવા માગે છે, વખત આવે તે તેને મદદ નથી કરવાનો.

બંને મિત્રો કુદીને બહાર આવી ગયા કેટલી સુંદર જગા ખુલ્લુ મેદાન મોટા ઝાડ, વાહ આતો બહુજ સરસ જગા છે. ખુલ્લા મેદાનમાં બંને મિત્રો કુદા કુદ કરવા લાગ્યા. આ દુનિયામાં આવીને એતો ખુશ થઈ ગયા. કુદતા કુદતા મોટા સરોવર આગળ આવી પહોંચ્યા. બંતા બોલ્યો ઓહો કેટલુ સુંદર અને ભવ્ય, મારા દોસ્ત ક્યાં કુવાની નાની દુનિયા અને ક્યાં આ ખુલ્લુ મેદાન અને વિશાળ સરોવર, દોસ્ત તારો ખુબ ખુબ આભાર તું મને આ દુનિયામાં લઈ આવ્યો. બંને ખુશ થતાં થતા જોરમાં સરોવરમાં કુદી પડ્યા. અહિયાં તો ઘણા દેડકા અને દેડકિયો વસે છે. બંતાને તો જલસા પડી ગયા. તેણે તો  ગર્લફ્રેન્ડ શોધી કાઢી અને તેને લઈને છુ થઈ ગયો. સંતાએ સમજાવ્યો તારી ફ્રેન્ડ ને લઈને અહિયાં રહે, દુર ના જઈશ, માન્યો નહી અને દુર ચાલ્યો ગયો. સંતા તેના મિત્રના જવાથી દુખી થઈ ગયો. મેં જ તેને સહારો આપ્યો અને તે મને છોડીને ચાલ્યો ગયો, એક વખત પણ મારો વિચાર ન આવ્યો. હું તો એકલો થઈ ગયો. ત્યાંજ ડ્રૉઉ ડ્રૉઉ કરતો એક દેડકો આવ્યો તેનુ નામ કનુ. તેણે સંતાને પુછ્યુ તું કેમ આમ ઉદાસ બેઠો છે ? તેણે કહ્યુ શું કહું ભાઈ , મારો એક મિત્ર બંતા અમે બે જણા કુવામાં રહેતા હતા. બીજી મોટી દુનિયાની શોધમાં મહા પરાણે કુવામાં થી બહાર નીક્ળીને અહિયાં સુધી પહોચ્યા અને મારા મિત્રને એક ગર્લફ્રેન્ડ મળી ગઈ ના પાડી છતાં પણ મને મુકીને દુર ભાગી ગયો.મારો પગ પકડીને મારો સહારો લઈને કુવાની બહાર નીકળ્યો , મેં મદદ કરી એની પણ કદર ના કરી.

કનુ – “ મારા ભાઈ શાંતિ રાખ આ દુનિયા એવીજ છે, બીજાને સહારે આગળ વધવાનુ અને તેને જ ભુલી જવાનુ , મારી પણ તારા જેવી જ હાલત છે, તમે લોકો કુવાની અંદર રહેતા હતા હું અને મારો દોસ્ત મનુ કુવાની બહાર પાણીનુ નાનુ ખાબોચિયુ હતુ એમાં રહેતા હતા, ખબોચિયામાં થી બીજે જવાનો વિચાર કર્યો. મનુના પગે વાગ્યું હતુ એટલે મારી પીઠ પર બેસાડીને બહાર લાવ્યો, ખુલ્લા મેદાનમાં આવ્યા અને ત્યાંથી કુદતા કુદતા આ સરોવરમાં આવ્યા. મનુને ગર્લફ્રેન્ડ મળી એટલે એ તેની સાથે મને મુકીને ચાલ્યો ગયો. ભાઈ આપણે બંને સમદુખીયા છીએ. મારો મિત્ર મનિયો પણ મને દગો આપીને ગયો. દોસ્ત તેં કોઈ છોકરી કેમ ના શોધી ?”

સંતા – “ ભાઈ મને છોકરીઓના ચક્કરમાં પડવાનુ ગમતું નથી , હું થોડા જુદા સ્વભાવનો છુ “

કનુ – “ ભાઈ સંતા, ભલાઈનો જમાનો રહ્યો નથી, આપણો સહારો લઈ લોકો આગળ વધે અને આપણે ત્યાંના ત્યાંજ રહી જઈએ છીએ, આપણે જરૂર હોય તો કોઈ સાથ નથી આપતું ‘

સંતા  –  “ કંઈ નહી ભાઈ, દુખી થઈને શું ફાયદો, આપણે તો દોસ્તીને કારણ મદદ કરી હતી. દોસ્તીમાં નફા- નુકશાનના હિસાબ કરવા ના બેસાય. મેં દોસ્તી તો નિભાવી. એક દોસ્ત દોસ્તને કામ ન આવે તો દોસ્તી શું કામની ? “

 

 

 

 

 

 

 

 

 

 

એક નવતર પ્રયોગ ! તસવીર બોલે છે (૭ ) પૂર્વી મોદી મલકાણ

ટાંટીયા ખીંચ

આ ચિત્ર સાથે એક પ્રસંગ યાદ આવી ગયો. તે અહીં મૂકી રહી છુ. ઉપરોક્ત ચિત્રને હું ટાંટિયાખીંચ નામ આપું છુ કારણ કે આ ચિત્ર જોતાં મને ૬-૭ વર્ષ પહેલાનો એક પ્રસંગ યાદ આવી રહ્યો છે.

થોડા વર્ષો અગાઉ  મારા સ્ટોરની સામે એક ચાઇનીઝ સ્ટોર હતો. દર શનિવારે તેઓ ફ્રેશ સી ફૂડ લાવતા. આ સી ફૂડ મારા બચ્ચાઑ માટે ફન પાર્ટ બની રહેતો આથી તેઓ પોતે જોવા માટે જતાં અને કોઈવાર મને પણ પોતાની ટોળકીમાં શામિલ કરતાં.

આ ફૂડમાં ખાસ કરીને ક્રેબ જોવા મળતા. એક મોટા બકેટમાં આઈસ સાથે ટન ઓફ ક્રેબ રહેતા. એ બરફની ઠંડીથી બચવા માટે પ્રત્યેક ક્રેબને લાગતું હતું કે હું આ બકેટની બહાર નીકળી શકું છુ તેથી તેઑ બકેટના મુખ તરફ જવા માટે દોટ મૂકતા. જ્યારે કોઈ એક ક્રેબ સફળ થાય ત્યારે તે મુખની નજીક પહોંચતો. જ્યારે તે બકેટના મુખથી બસ થોડીક ક્ષણોની દૂરી પર હોય અને બહાર નીકળવાની તૈયારીમાં જ હોય ત્યાં જ તે ક્રેબનો પગ અન્ય કોઈ ક્રેબ ખેંચતો. જેને કારણે ઉપર ચડી રહેલા સ્પીડમાં બ્રેક આવતો અને તે પાછો ત્યાં જ પડતો જ્યાંથી તેની શરૂઆત થઈ હતી.

હવે તે પડેલો ક્રેબ એ એ જ જૂના ટોળાંનો ભાગ છે તેથી તે પણ એજ કરે છે જે તેની સાથે થયું છે. તે પણ ઉપર ચડી રહેલા અન્ય ક્રેબનો પગ પકડી ને તેને નીચે પાડે છે, અથવા તેને આગળ વધવા દેતો નથી. ઘણીવાર એવું પણ થતું કે જે ક્રેબ ઉપર ચડી રહેલા ક્રેબનો પગ ખેંચતો હોય તે જ વખતે કોઈ આવીને તે પગ ખેંચવા તત્પર થયેલા ક્રેબને પકડીને એક બેગમાં નાખીને ચાલતો થતો. આ જોઈ મને હંમેશા લાગતું કે જે બીજાનો પગ ખેંચે છે તેને પણ કોઈ છોડતું નથી, વહેલું કે મોડુ તેનો ય શિકાર થઈને જ રહે છે.

આ ક્રેબોની ટાંટિયા ખીંચ ગેઇમ જોઈને મને આપણાં રાજકારણી યાદ આવતાં. કારણ કે આપણાં રાજકારણીઑ પણ પોતાની ઈર્ષામાં બીજાને આગળ વધવા દેતા નથી અથવા એકબીજાના સપોર્ટ સિસ્ટમને વારંવાર ખેંચીને તોડ્યા કરે છે. એ ક્રેબની જેમ મને આ ફ્રોગ્સ પણ તેમાંના એક લાગે છે. એક ઉપર ચડે છે તો બીજાને લાગે છે કે હું કેમ કરીને રહી જાઉં ? એના કરતાં તો ઉપર ચડવાનો મારો અધિકાર પહેલા છે, એમ વિચારી એ પહેલા ફ્રોગનો પગ ખેંચવા પ્રયત્ન કરી રહેલો છે.

આ ચિત્રને જોતાં ટૂંકમાં એમ કહી શકાય કે આ કેવળ એક ફ્રોગ કે એક ક્રેબની વાત નથી આ આપણાં બધાની વાત છે. કારણ કે આપણે પણ બીજાની પ્રગતિ જોઈ શકતા નથી તેથી તેની પ્રગતિમાં અવરોધ લાવવા માટે પ્રયત્ન કરતાં રહીએ છીએ.-  પૂર્વી મોદી મલકાણ 

 એક નવતર પ્રયોગ ! તસવીર બોલે છે (૮) વસુબેન શેઠ.

પ્રેમનું બંધન

દેડકો થોડો રોજની દિનચર્યા અને વાતાવરણ થી કંટાળી ગયો હતો ,એટલે ઊંચી ડાળ પર જઇને બે પગ લબડતા રાખી બે પગના આધારે લટકી રહ્યો હતો ,એટલામાં એના પગ પર ભાર લાગ્યો ,નીચે જોયું તો દેડકી એના પગે લટકી ગઈ હતી,

દેડકી પ્રશ્ન કર્યો,”કેમ આજે મારા વગર એકલો ડાળ પર બેઠો છે”

દેડકો કહે “રોજના આ એક સરખા વાતાવરણથી કંટાળો આવ્યો એટલે વિચાર કરું છું ક્યાંક જતો રહું “

દેડકી તાડૂકી,”તમે મને છોડી ને જવા માંગો છો ,જો એવો વિચાર કરશો તો હું તમારો પગ છોડી દઈશ ,અને જરા નીચે નજર કરો,મારી શું દશા થશે,”

દેડકા એ નીચે નજર કરી ,ગભરાઈ ગયો ,તરત દેડકી ને ઉપર ખેંચી લીધી,અને ભેટી પડ્યો ,એને એની ભૂલ સમજાઈ ,

આ તો પ્રેમ નું બંધન છે                                                                                                                                                 વસુબેન શેઠ,

 

 

 

એક નવતર પ્રયોગ “તસ્વીર બોલે છે”-(૯)પદમાં –કાન

માણસમાં જે કઈ વિકૃતિ આવવાની હોય તે  પહેલા દેડાકામાં દેખાય છે.પ્રકૃતિમાં પ્રદુષણ આવે છે એની અસર મનુષ્યોમાં આવે તે પહેલા દેડકામાં દેખાય છે.ખાસ કરીને વિકૃત બાળકો વિષે કહી શકાય.

જીવનમાં જયારે પિતા ખુબ મહેનત કરીને આગળ આવ્યા હોય ને જે ઉચાઈએ પહોચ્યા હોય તો એ સ્વાભાવિક છે કે તેનું બાળક પણ મહેનત કરીને આગળ આવે. પિતા અનેક રીતે સમજાવી બાળકને પ્રોત્સાહન આપે છે,ને માર્ગ દર્શન  કરે છે.પણ હર કોઈ થોડી મહેનતે ઝાઝું મળે તેવી કોશિશ કરતા હોય છે.

અહિં પિતા એટલે પિતા પરમેશ્વર અને જીવરામ તેમનો પુત્ર. જીવરામ અને શિવનો જન્મોજનમનો સંબંધ એટલે  એક બીજાની સાથે જોડાયલા છે.જીવરામ સંસારમાં આવ્યા પછી,એટલે કે જીવ જયારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે બહાર  નીકળવા માટે પ્રભુને ખુબ વિનવણી કરે છે.પણ જેવો તે પૃથ્વી પર અવતરણ કરે છે ત્યારે પ્રભુને ભૂલી જાય છે.

અજનબી દુનિયામાં,મોહમયી આ નગરીમાં એ અટવાઈ જાય છે. પહેલા પહેલા તો આ માયાવી નગરીમાં બધું બહુ સારું લાગે છે.  છેવટે મોહમયી નગરી એટલે ક્ષણભંગુર જ ને? ને તેમાં રહેવાથી જીવનની ચડતી પડતીના અનેક રંગો જોયા પછી મન ઉબાઈ જાય છે.  હવે તે ત્રાસી જાય છે.

જીવનમાં તમે કઈ કમાઈ પ્રગતી કરો, ઉન્નતી થાય તો પોતાને અનેં બીજા બધાને આનંદ થાય છે.કશુંક કરવાનો ઉત્સાહ આવે છે. જીંદગીમાં કેટલું કમાણા તેનો જરા સરવાળો માંડજો . પણ જિંદગી કેટલી હતી  અને કેટલી રહી એનો સરવાળો કેમ માંડવો? ખાધું પીધું ને  રાજ  કીધું એમાં ના કઈ દીધું!  હવે સરવાળો કેમ માંડવો?  આ વિચારોમાં દૃષ્ટિ ને માથું સહજ ઉચું થઇ  જતા પ્રભુની યાદ આવી જતા તેની સહેજ સ્હેજ ઝાંખી થવા માંડે છે.ને એક ટ્યુબ  લાઈટ ઝબકી જતા અરે !આ શિવ ભગવાનને તો  હું જુગ જુગથી જાણું છુ પણ હવે કઈ ઓળખાણ લઈને તેની સમક્ષ જાઉં?

આખી જિંદગી તો ખાધું, પીધું ને મોજ મઝા કીધી.ક્ષમા ભાવથી તેની સામે ટગર ટગર જોતા,પ્રભુએ મારા મનનો ભાવ જાણી લીધો.ને મનમાં જ મેં પ્રાર્થના કરી. હે પ્રભુ, તારા અનંત ઉપકારો મારા પર છે.છતાં તને ભૂલી જવાની મેં મોટી ભૂલ કરી છે. મને ક્ષમા કરી દે. હવે હું તારી પાસે આવવા ઈચ્છું છુ પણ કયા મોઢે આવું?કયાં રસ્તે આવું? યોગા કરું કે ધ્યાન કરું? કારણ કે હવેતો આ કાયા પણ સાથ નથી આપતી એટલે ઉમરના હિસાબે થોડું થાકી જવાય.ઉંમર ગમે તેટલી થાય તોય આપણે તો કહેવાઈએ તેના બાળ ,બરાબરને? છોરું  કછોરું થાય પણ તું તો માવિતર કહેવાય. ઉંમરના હિસાબે હવે વધારે કઈ કરવાનો  ડર  લાગે છે.

ભગવાન ખુબ દયાળુ છે.તે કરી  શકાય  તેવો ભક્તિનો માર્ગ બતાવે છે. એટલું તો જરૂરથી યાદ રાખજો,  જો તું રામનું નામ લઇશ ને તો મળશે આરામ .ને આ રામ મળશે તો મનને મળશે શાંતિ.મનમાં શાંતી  હશે તો આપોઆપ પ્રગટ થશે શક્તિ.  હિમ્મતે મરદા  તો મદદે ખુદા તો તેયાર જ છે ને! તારે ફક્ત રામનું સીધે સીધું  નામ લેવાનું છે.એટલું તો કરીશ ને?ને હા એક વાત જરૂરથી ભૂલ્યા વગર યાદ રાખજો.શિવ ભલા છે, ભોળા છે ને તેમની પાસે ભાલો પણ છે.

આ ભક્તિમાર્ગ દેખાય છે સરળ પણ તેમાય ભક્તિ માર્ગ છે શૂરાનો નહી કાયરનું કામ જોને,પ્રથમ પહેલા મસ્તક મૂકી મુખેથી લેવું નામ જો ને.  ભક્તિ માર્ગના પથ પર ચાલતા તમારા મનનો ભાવ પણ શુદ્ધ હોય એ જરૂરી છે.મુખમે રામ બગલમે છુરી તો શિવજીનો ભાલો પછી રહેશે ના દુરી! વાયદો આપીને પ્રભુને કે તમારા આત્માને છેતરો  ના જરી!

પદમાં –કાન

Ek navtar prayog tsvir bole che

 1. Why frogs and not any other animals. They are adaptable for water and earth. They are flexible in the environment they eat the harmful insects who spoil the harvest and atmosphere. They are very helpful to the environment and nature. This thought goes for friendship in their relationship. One is to be friendly with others. Whether as a father, son, brother, sister, mother, daughter or a stranger.
 2. Their sounds are very attractive in the spring season which again sends message to the society that we should be lovable in talk, our language should be sweet in speaking.
 3. Both animals are climbing; older master is taking the younger untrained upwards. This shows upliftment, materialistically, socially, intellectually, emotionally or spiritually.
 4. Their intention is pure i.e. to go up to get a goal in their life.
 5. Both are focused like a frog who is only accessible in his pond only. He doesn’t want to go out of his pond.
 6. Support: which is very important factor in ones life. Without anybody’s support, no one can achieve his ones goal. It is a positive attitude of the older.
 7. Seeker: of help if we don’t demand help or good things, no one will help us. We should be humble to ask for  help or to attain knowledge from our elder.
 8. Expressive: they are very expressive younger is fearful, he speaks out and the older one is equally expressive. He gives the idea to hold his one leg at a time while climbing.
 9. Friendly behavior and logical mind older gives the logic while explaining the consequences of their fall if the younger holds both his legs.
 10. Step by step –progress is the theme.
 11. Spiritual attitude: ram and sita ram are involved while one world because without the grace of god no one can attain success of happiness.
 12. Open minded-for dialogue and discussion criticism

Rajni Aanand

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

એક નવતર પ્રયોગ “તસ્વીર બોલે છે”-(10) કુંતા શાહ

 

 

“મેં હું ના”  

શાહ દ્વારા

“છબી એક- સ્મરણો અનેક” – પ્રિયતમને દ્વાર (૧૦) વિજય શાહ →

શું સુંદર દ્રશ્ય છે! ઝાકળ ભીના દ્રશ્યની પાછળ વનરાજી જોઇને હું ખોવાઈ જાઉં છું. મારું મન આનંદવિભોર થઈ જાય છે. પગમાં સ્ફૂર્તિ આવે છે પણ ઘડીભર દ્રશ્યને તીવ્ર આંખો થી પી લેવા ઊભી રહું છું.  કુદરતે રચેલું અલૌકિક રંગો અને સુગંધ નું મિલન અને એનાથી રાજી થતી ઝાકળ ના ભીંજાશની ઉષ્મા!

વળી, એક દેડકાનો પગ પકડીને બીજો નાનો દેડકો,અને  ઉપર ચઢાવનો પ્રયત્ન,અથવા યુવાન દેડકો અને દેડકી હોય તો શું મંગળફેરા લેતાં હશે કે પ્રણયને નવાજતાં હશે?ઝાકળ ના ભીંજાશની ઉષ્મા! સાથે દેડકી દેડકાનો પ્રેમ ની ઉષ્મા વર્તાય છે,”મેં હુના”  

અથવા જો દોરનાર દેડકો નાના દેડકાનો વડિલ હોય તો નાના દેડકાને કેટલી શ્રધ્ધા!  અને વડીલને પણ કેટલો પ્રેમ? જીવનમાં કંઇ પણ પામવું હોય તો પ્રથમ પગલું છે આપણા ધ્યેયમાં શ્રદ્ધા અને વિશ્વાસ. દેડકાને ઉપરવાળા દેડકા પર વિશ્વાસ ,શ્રદ્ધા અને વિશ્વાસ  સાચો હશે તો દૂરના ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નહીં પડે. સામાન્ય સંજોગોમાં આપણે જીવનમાં શું ખૂટે છે તેનો વધારે વિચાર કરતા હોઇએ છીએ, પણ જે મળ્યું છે તેના માટે કોઈનો આભાર નથી માનતા. જે નથી તેની ફરિયાદ કરતા રહેવા થી નકારાત્મક ઊર્જા સર્જાય છે અને આપણા માર્ગમાં અવરોધો ઊભાં થયા કરે છે. આપણને જે મળ્યું છે તેનો આભાર માની હકારાત્મક વાતાવરણ ઊભું કરીશું તો બીજા દ્વારા આપણી બીજી ઇરછાઓને પૂરી કરવામાં મદદ મળશે

સંસારમાં એવું છે. દાદા, દાદી, મા, બાપ, કાકા, કાકી, મામા, મામી, ફૂઆ, ફોઈ, માસા માસી, ભાઇ, બહેન, ગુરુઓ અને માનેલાં સબંધિઓનો સહુ નો એક શિશુ ને ઉછેરવામાં ફાળો છે.  ખાસ તો ગુરુ, ભલે ઉંમરે નાના કે સમન્વય હોય પણ જો આપણો હાથ પકડી લે અને શ્રધ્ધાથી દોરાઇએ તો ઉન્નતિ પ્રાપ્ત થવા માં શંકા નથી.

કુદરત પણ કેવી છે ?ક્યાંક ને ક્યાંક સંકેત આપે છે

મિત્રો જે હોય તે તસવીરમાં મને વિશ્વાસ ,શ્રદ્ધા ,અને પ્રેમ  ઝાકળ ભીની ઉષ્મા ના પ્રતિબિંબ દેખાય છે.

આજે હું જીવું છું, આજ હું માણી લઉં કુદરત ની સમ્રુધ્ધિ, કાલની કોને ખબર છે?

ફોટામાં જીવિત દેડકાને જોતાં આનંદ સાથે કોલેજમાં મૃત દેડકાને ચીરતાં મન કચવાતું તે યાદ આવે છે.  આજે પણ કોઇ ઘા જોતાં મને શું વ્યથા થાય છે તે સમજાવી નથી શકતી,એવાં દ્ર્શ્યો મને અચૂક પૂના યુનિવર્સિટી યાદ અપાવે છે.  ક્લાસ માં જવાને બદલે એની વનરાજી માં ફર્યા કરતી.  મારે બોટ્ની વિષયમાં માસ્ટર્સ કરવું હતું પણ બાપુજી ની ઇચ્છા અનુસાર કૅમિસ્ટ્રી લીધું.  કૅમિસ્ટ્રી કરતાં આજે પણ મને બોટ્નીમાં જે શિખી હતી તે વધુ યાદ છે.  હવાઇનાં બોટનિકલ ગાર્ડન ની પણ વિશેષ યાદ છે.  મારા દિકરી, જમાઈ અને તેમનાં બે બાળકો સાથે ગઇ હતી. તેઓને ઘણા બધા છોડ, ઝાડનો પરિચય કરાવતી હતી.

ઘણી વાર એક પ્રશ્ન મનમાં જાગે છે.શું આપણી આવતી પેઢી આવા ફોટાઓ પોતાનાં કેમેરાથી લઇ શકશે? દેડકાની ગણત્રી હજુ સારી છે અને જાતે દિવસે લુપ્ત થવાનો ભય નથી પણ એમને રહેવાની કુદરતી વનરાજી ખૂબ ઝડપથી ઓછી થતી જાય છે અને તેથી તેમનાં આકર્ષક ફોટાઓ દુનિયા ના ઉપવનનો બચાવવા માટે વપરાય છે.

આજે ચાલો તસવીર ના હીરો દેડકાનું ઉદાહરણ લઈને કૈક શીખીએ।.. આપણી ધરતી મા પણ ઘણા ફેરેફારોની સાક્ષી છે.  માનવ જાતની ઉત્પત્તિ પહેલાં ડાઇનાસૌરની જાતીના પ્રાણી હતાં વિશાળકદમાં અને વજનમાં.  જો જાતી પ્રલય ને લીધે ભૂંસાઈ ના ગઇ હોત તો માનવ જાત જન્મી હોત. પણ માનવની ઉત્પત્તિ પછી, માનવીને હાથે કેટલાં પશુ, પક્ષી, જળચર અને વનસ્પતિ નાબૂદ થઇ ગયાં? આખું જગત એક બીજાને આધારે ચાલે છે. કુદરત નાં ક્રમ પ્રમાણે દરેક શિકારી કોઇક નો શિકાર હોય છે. ધરતી વનસ્પતીને ઉગાડે છે. મચ્છર, ગાય, ઘોડા, બકરા વગેરે વનસ્પતિ ખાઈને પોષણ મળવે છે.  મચ્છરનો ખોરાક દેડકા બનાવે છે, દેડકા સાપ, પક્ષી અને નાના સસ્તન પ્રાણીઓના ભોગ બને છે, નાના પ્રાણીઓ વાઘ, સિંહ, ચિત્તા વગેરેનું પેટ ભરે છે અને માનવી કદાચ કશું છોડતો નથી પણ સહુ પ્રાણી વહેલે મોડે મરે છે ત્યારે જમીનમાં ભળી જાય છે અને ખાતર બને છે જે વનસ્પતિની વ્રુધ્ધી માટે ખૂબ અનિવાર્ય છે.  જ્યારે ખોરાક યંત્રનું સમતોલપણું જતું રહે ત્યારે કુદરત વિફરે છે.

માનવીએ તો કુદરત ના ક્રમ ઉપર રાજ કરવાનું બીડું ઝડપ્યું છે! બીજાં કોઇ જીવને પૈસા નું ભાન નથી.  આપણે પૈસા ખાતર દેશો પર આક્રમણો કર્યા,  ગામના ગામ ઉજાડ્યા,  ઘણી માનવ જાતીઓને પણ ભૂતકાળમાં નાખી દીધી. હાથી નાં દાંત ની, હરણ, વાઘ, સિંહ, રીંછ, વરુ, મગર, સાપ, વગેરે ની ચામડી ની કિંમત સમજતાં તેઓની વસ્તિ ઓછી કરવા માંડ્યા.  માણસો વધ્યા એટલે તેમને રહેવાના કાગળ, મકાન તથા રાચરચિલા માટે લાકડાની જરૂરત વધી તેથી આપણે વનો ઉજ્જડ કરવા માંડ્યા છીએ. અને તેથી કુદરતી રીતે વનસ્પતિ થી આચ્છાદિત ભૂમિ આજે ત્વરાથી રણમાં બદલવા માંડી છે.  જુઓ ને, કેલીફોર્નિઆમાં હવે એક વર્ષ ચાલે એટલું પાણી છે.  ક્યાં ગયો વરસાદ અને ક્યાં ગઇ નદીઓ?  વાદળો અને પવન પણ હારી ગયાં.  શું આપણી આવતી પેઢીઓ આવા ફોટા પોતાનાં કેમેરાથી લઇ શકશે?

જે ગતિ થી ઘણા પશુ, પક્ષી અને વનસ્પતિ કુદરતી રીતે લુપ્ત થઇ રહ્યાં છે તે ગતિ થી પશુ, પક્ષી અને વનસ્પતિ મનુષ્ય જાતને લીધે ,૦૦૦ થી ૧૧,૦૦૦ ગણા નાબૂદ થઇ રહ્યાં છે.  આપણે વ્રુક્ષો તો કાપીએ છીએ, અને હા, સાથે સાથે બીજા રોપવાનો પણ પ્રયાસ કરીએ છીએ. પણ આભ ફાટે ત્યાં થીગડું ક્યાં મારીએ? માણસની વસ્તિ વધી, જરૂરિયાત વધી, તેથી અને ટેકનોલોજીનો છેલ્લી બે સદીઓથી એટલો વિકાસ થયો છે કે ગંદકી, પ્લાસ્ટિક વિવિધ જાતનાં રસાયણ અને ગેસોલિનને લીધે વાતાવરણ પર ખરાબ અસર થઇ અને પહેલાં જે જીવો ત્યાં અનુકૂળ વાતાવરણમાં રહેતાં હતાં તે જુદી જુદી માંદગીમાં ભોગ બની મરી જાય છે.

વસવાટ ની જગ્યા નથી રહી અથવા જગ્યા દૂષિત થઇ ગઇ છે તેથી લગભગ ૮૬% પક્ષી , ૮૬% સસ્તન પ્રાણી અને ૮૮% ઉભય જીવી દેડકાનાં કુટુંબી પ્રાણી નાબૂદ થવા ની તૈયારીમાં છે

બીજું શું ભૂંસાઈ ચાલ્યું છે? આપણી માતૃભાષા  એક જમાનામાં બ્રિટિશ અમ્પાયર પરથી સૂરજ કદી આથમતો નહીં તેથી લગભગ બધા દેશોની પ્રજા અંગ્રેજી ભાષા બોલાતી  થઇ ગઇ.  આદિવાસી, ગામડાના અને અભણ લોકો હજુ પોતાની માત્રુભાષાને વળગી રહ્યાં છે.  મારો દાખલો લઇએ.  હું પૂના ગઇ ત્યારે અમારા પડોશના બધાં ઇંગ્લિશ મિડિયમ ની સ્કૂલમાં જતાં અને ઇંગ્લિશ મા વાતો કરતાં.  તે જમાનામાં ઘણા અંગ્રેજ પણ સાનુકૂળ વાતાવરણને લીધે પૂનામાં રહેતા.  મને પણ આદત પડી ગઇ.  અહીં આવ્યા બાદ મિત્રમંડળ માં ગુજરાતીમાં વાત થાય, .  દિકરી ને રસ હતો એટલે ગુજરાતીમાં લખી વાંચી અને બોલી શકે છે, દિકરો સમજે છે.  દિકરી ના બે સંતાનો સમજે છે, બોલતાં નથી. મારા પછીની પેઢી પછી ખોવાઈ જવાની મારી માત્રુભાષા!  

  મનેબેઠકયાદ આવે છે આજેબેઠકનો મને સહારો મળ્યો છે. એની દોરવણીને માનથી વધાવી ઉન્નતિ પામીશ.

 દેડકા વિષે જાણવા જેવું ઉભય જીવી દેડકા દક્ષિણ મેક્સિકો, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાના ઉત્તર પ્રદેશનાં ઉષ્ણકટિબંધનિય વનમાં રહે છે.  દિવસે સુએ અને રાતે જાગે. તેઓ માંસાહારી છે. ઝાડના પાંદડામાં લપાઈને બેસે અને તીડ, મચ્છર, પતંગિયા વગેરેનો ચીકણી જીભ દ્વારા શિકાર કરે.

લાલ આંખ વાળા દેડકા, વધુ વખત ઝાડ ઉપર રહે છે. ઘણા વૈજ્ઞાનિક એમ માને છે કે લાલ આંખ વાળા દેડકાની આંખ એટલે લાલ હોય છે કે એનો શિકાર કરવા આવતા પક્ષી કે સર્પને ઘડી ભર વિચાર આવે કે પ્રાણી ખરેખર ખાવા જેવું છે કે નહીં!!!  અને પળ માં દેડકાને ભાગી જવાનો મોકો મળે છે.  દિવસ દરમ્યાન પાંદડાની નીચે ચોંટી ને, આંખ મીંચીને અને શરીર પરનાં ભુરા રંગની ભાત સંતાડી ને સુએ છે. પણ જો ભંગ પડે તો પોતાની આંખો ફુલાવી, મોટાં કેસરી પગ અને ભુરી ભાત વાળી પીળી જાંઘ બતાવે છે જેથી એના શિકારી ચમકી જાય છે. પળ માં દેડકા પોતાના જીવને બચાવવા ભાગી જઈ સંતાઇ જાય છે.  એમનાં તેજસ્વી લીલા રંગનું શરીર પણ શિકારીને ગૂંચવણમાં નાખવા માટે વપરાય છે.  મોટા ભાગનાં નિશાચર પ્રાણી જે દેડકાઓનો શિકાર કરે છે તે તીવ્ર દ્રષ્ટિ થી શિકાર શોધે છે.   તેજસ્વી રંગ થી શિકારીની આંખો અંજાઈ જાય છે અને દેડકો કૂદીને જતો રહ્યો હોય તો પણ તેની ભ્રાંતિ આપતી છબી રહી જાય છે.

કુંતા શાહ

 

|

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

એક નવતર પ્રયોગ -તસ્વીર બોલે છે (૧૧) ચિમન પટેલ “ચમન”

વાહ! ચિમનભાઇ

હાઇકુ માં કથા

જાય તો ખરો

મને મુકીને બીજે

છોડું ત્યારેને?

ચિમનભાઇ પટેલ “ચમન”

” ટાંટીયા ખેંચ” નો સચિત્ર અહેવાલ. આ હાઇકુ વાંચીને આવી જ છબી મનમાં રચાય

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

એક નવતર પ્રયોગ -તસ્વીર બોલે છે (૧૨) જીતેન્દ્ર પાઢ

ટાટીયો ખેંચવાનું બંધ કર 

આપ મેળે તું હવે આગળ વધ જો મોટું થવું હોય તારે તો સમજ, હિંમત રાખ ને સંઘર્ષ કર 

નહીં જીવવા દે કર જગત તને

હો,  વિકટ સમય તો સામનો કર નક્કી વિજય હશે, તું હાથમાં વિચારે સંજોગોને માત કર હું આપી શકું હાથ પણ,

લાચારી છોડીને ખુદ્દારી કર.

 

જીતેન્દ્ર પાઢ ( વોશિંગ્ટનસીએટલ )

 

 

 

 

 

 

 

એક નવતર પ્રયોગ -તસ્વીર બોલે છે (૧3) શૈલા મુન્શા

 

 

૧. છે શું હિંમત?

જવા તો દઉં બીજે!

છોડ તો ખરો

૨. પડું કે બચું

નથી કો અવકાશ

શરણે તારે.

શૈલા મુન્શા

www.smunshaw.wordpress.com

શૈલાબેન

ચિમનભાઇએ હાઇકુ લખીને નવી દીશા બતાવી આપના બે હાઇકુ તેજ ધારે સંપૂર્ણ અને ગમે તેવા રચાયા  છે .

મને બીજા હાઇકુમાં વધુ રસ પડ્યો.. પ્રભુને કહેવાતી આ વાત આ ચિત્ર થી હટીને ભક્તિયોગ નું કે નાના ભજન નું સ્વરુપ પકડે છે.

 

 

 

 

 

 

|

એક નવતર પ્રયોગ -તસ્વીર બોલે છે (૧૪) ડૉ. ઇંદુબહેન શાહ

Posted on March 23, 2015 by vijayshah

 

શ્રી ચિમનભાઇ અને શૈલાબેનના હાઇકુ વાંચી,   બે હાઇકુ લખાઇ ગયા.

એક આધાર

ટચલી આંગળીનો,

ન છોડું હવે.

 

તુજ ચરણ

જીવનનો આધાર

એજ નિર્ધાર

(2)

એક દિવસ કુવામાં એક અજાણ્યા પ્રાણીને જોઇ સહુ દેડકાને કુતુહલ થયું આ વિચિત્ર પ્રાણી કોણ હશે? સૌ તેનાથી દૂર રહે, જોકે નવું પ્રાણી કોઇને હેરાન ન કરે પોતાની ડોક અંદર છુપાવી પડ્યું રહે, કદમાં ખૂબ મોટું અને જાડી ચામડીવાળું હોવાથી બધા દેડકાને બીક લાગે એક દિવસ નાના દેડકા દેડકી ને વિચાર આવ્યો આ રીતે બીતા ક્યાં સુધી રહીશું, ચાલ આપણે બન્ને તેમની સાથે દોસ્તી કરીએ,બન્ને ગયા, પુછ્યું ભાઇ તમારું નામ શું? તમે ડોક કેમ અંદર છુપાવી દ્યો છો? અમે નથી ગમતા?ના ના એવું નથી મને તો તમે બધા ગમો છો મારું નામ કાચબો હું કુવાની બાજુના તળાવમાં રહું છું, એ જગ્યા તો ખૂબ સુંદર છે મન થાય ત્યારે પાણીમાં સહેલ કરવાની રાત્રે જમીન પર સહેલ કરવાની, તમે પણ બહાર આવો મઝા આવશે મારી જેમ તમે પણ જમીન અને પાણીમાં રહી શકો છો, તો અહીં કુવામાં શું કરવા પડ્યા છો.દેડકો ને દેડકી ખૂશ થઇ ગયા, બન્ને એકબીજાને પ્રેમમાં હતા પણ તેમના વડીલો તેમને લગ્નની રજા નહોતા આપતા દેડકી પગે ખોટવાળી બહુ કુદી ન શકે દેડકો ખુબ સશક્ત સુંદર. દેડકાના વડીલોને મોટો વાંધો લંગડી ને ઘરમાં ન લવાય વેઠ કરવી પડૅ.

દેડકો ને દેડકી બન્નેને વિચાર આવ્યો ચાલો ભાગી જઇએ બહાર નીકળી લગન કરી લઇશું, દેડકાએ દેડકીને કહ્યું

“તું મારો પાછલો પગ તારા બે આગલા પગથી પકડી લેજે અને આપણે બેઉ ઉપર પહોંચી જઇને,લગન કરશું, ખુલ્લી હવામાં ફરશું, આ બંધિયાર કુવો અને ઘરડા દેડકાઓથી હું કંટાળી ગયો છું,”

” હાહો કંટાળી તો હું ય ગઇ છું, પણ હનિ ત્યાં મને કોઇ કનડશે તો નહીં ને?”

” અરે હું બેઠો છું ને તારું કોઇ નામ ન લે. દેડકીનો વિશ્વાસ પોતાના પ્રિયતમ પ્રત્યે દૃઢ થયો.”

બન્ને ઉપરની દુનિયાના સ્વપ્ન જોવા લાગ્યા, બધા દેડકા સુઇ ગયા ડ્રાંવ ડ્રાવ બંધ થયું કે તુરત દેડકાભાઇએ દેડકી સાથે કુદકો માર્યો અને પાઇપ પકડી લીધો, દેડકીએ પણ બરાબર પગ પકડી રાખ્યો, દેડકાભાઇ કુદ્યા અને બેઉ પ્રેમીઓ કુવાની બહાર.

થોડો આધાર મળે નબળાનો આત્મવિશ્વાસ વધે

ધાર્યા કાર્ય કરી શકે.

 

એક નવતર પ્રયોગ -તસ્વીર બોલે છે (૧૫) ફુલવતી શાહ

તસ્વીર તો ઘણી સુંદર છે.એને જોતાં નકારાત્મક   તેમજ  હકારાત્મક  બંને પ્રકાર ના વિચારો આવી જાય છે. બંને રીતે વિચારણા કરીએ .આપણી કહેવત છે , જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટી ”  કાળા રંગના કાચ માંથી જોનારને દુનિયા વાદળ ઘેરી ઘુન્ઘળી દેખાશે,પછી ભલેને સૂર્ય સોળે કળાયે પ્રકાશી રહ્યો હોય.જ્યારે શુદ્ધ રંગ વિહીન  સ્વચ્છ  કાચમાંથી જોનારને દુનિયા એના કુદરતી રંગે રંગાયેલી રળિયામણી  દેખાશે  .

આ  તસ્વીર પણ માનસ પટ પર  કૈક એવી જ દ્વિધા ઉત્પન્ન કરે એવી  છે. એક દેડકો આપ બળે ઉપર ચઢી રહ્યો છે(1) જ્યારે બીજો દેડકો તેનો પગ પકડી  તેને  આગળ વધતો અટકાવી રહ્યો  છે.  અથવા (2)  બીજો દેડકો તેનો પગ પકડી સાથે ઉપર જવા પ્રયત્ન કરી રહ્યો છે.

કોઈક ને એવો  વિચાર આવે કે આગળ વધી રહેલા દેડકા ને પાછળ પકડી રહેલ દેડકો રોકી રહ્યો છે. પાછળ  પડી ગયેલો  દેડકો વિચારે કે મારાથી  આગળ કોઈ જાય શું? આગળ વધતાને હું અટકાવું ત્યારે જ હું સાચો . તેનો પગ તાણી  નીચે પાડવા પ્રયત્ન કરી રહ્યો છે.આમ બીજાની પ્રગતિ સહન ન થતાં ,બીજાની પ્રગતિમાં વિઘ્ન નાખવાની વૃત્તિ દેખાઈ આવે છે.  ઈર્ષા અને અદેખાઈની ભાવના! આનાં થી જુદું એમ પણ હોઈ શકે કે ઉપર ચઢી રહેલ દેડકાભાઈ જ ગર્વિષ્ટ હોય. હું પણું  એ અજ્ઞાનતા છે. મારા જેવું કોઈ નાં હોવું જોઈએ. હું જ કંઈક છું. પહેરવું , ઓઢવું કે બોલવું ….કોઈ મારી બરાબરી કરનાર ના હોવું જોઈએ.સમાજમાં મારી તોલે કોઈ આવવું ના જોઈએ . રખે કોઈ એનું અનુકરણ કરનાર નીકળે તો પગની લાત મારી એવો તો પછાડવો કે ફરી ઉભો જ ના થઇ શકે.આવી પણ શક્યતા હોઈ શકે.

પરન્તુ આ જ તસ્વીરને હકારાત્મક  દ્રષ્ટી બિંદુ થી નિહાળીએ તો કંઈક ઉચ્ચ આદર્શ આપી જશે. હું  (ઉપર વાળો દેડકો) આગળ વધવા પ્રયત્ન કરું છું,મારા આપબળે ઉપર ચઢવા જઉં  છું. તું પણ મારી પાછળ  ઉપર આવ. મારો પગ પકડ. હું તને મારી સાથે જ ઉંચે  ચઢાવીશ. એમાં  ઉત્તમ  ભાવના એ રહેલી છે કે મારા વિચારો  અને મારા વર્તન નું અનુકરણ કરી ને જેટલી તાકાત હોય તેટલી તાકાત અજમાવી મારો પગ પકડી રાખ.મારી સાથે ઉપર ચઢ. ઉપર વાળો દેડકો સાવધાનીપુર્વક આગળ વધી રહ્યો છે. સાથેસાથે પોતાને ભરોસે પગ પકડી પાછળ આવી રહેલા દેડકાનું પણ એને ધ્યાન છે.”વાડ  હોય તો વેલો ચઢે ” . ઉપર વાળા દેડકાની જેમ  માતા- પિતા બાળકો ની  ઉન્નતિ માં રસ લે. પતિ – પત્ની એકબીજાની  પ્રગતિમાં સહકાર આપે. સશક્ત યુવાન વર્ગ કુટુંબના  વૃધ્ધ અને અશકતોને સહાયરૂપ બને. આર્થિક સદ્ધર વ્યક્તિઓ અને  ઉત્તમ અભ્યાસ કરેલી વ્યક્તિઓ  નિરક્ષરતા નું નિવારણ કરવા કટિબદ્ધ થાય. શાળાઓ અને કોલેજો નું પુરતા પ્રમાણમાં નિર્માણ કરે / કરાવે  કે જેથી  કોઈ પણ બાળક અભણ ન રહે. ધનવાન અને સાહસિક વ્યક્તિ નવા ઉદ્યોગો સ્થાપી સમાજમાં રોજગારી ની તકો પૂરી પાડે જેથી કોઈ યુવાન બેકાર ન રહે. સમાજની જ્ઞાન અને વૈભવથી સમૃધ્ધ એવી  વ્યક્તિઓએ  પોતાની શક્તિ પ્રમાણે જરૂરીઆતમંદો ને મદદ રૂપ થવાની ઉચ્ચ ભાવના ઉપર વાળો દેડકો આપી રહ્યો છે.  આશા રાખીએ કે સમાજ આ તસ્વીર માંથી સુંદર બોધ ગ્રહણ કરે! ફૂલવતી શાહ

 

 

 

 

તસ્વીર બોલે છે….(૧૬) ધનંજય પંડ્યા

દેડકા રાજા દેડકી રાણી પ્રેમમાં થઈ ગયા પાગલ પકડા-પકડી શરૂ થઈ, ના જોયું આગળ-પાછળ

એકે મારી છલાંગ મોટી, પકડી લીધી લાકડી બીજાએ પણ દોડી જઈને છલાંગ મારી ફાંકડી

નિશાન એવું લીધું ને પકડી પ્રેમીની તંગડી જોવા જેવી થઈ હવે તો બની પ્રેમીઓની સાંકળી

હળવે-હળવે આવજે ઉપર, મજબુત પકડ છે મારી પ્રેમ ગીત ગાશું સાથે સાથે ડ્રાંઉ-ડ્રાંઉ રાગ તાણી

ધનંજય પંડ્યા
 

 

 

 

 

 

 

 

 

 

Posted in “બેઠક “​, તસ્વીર બોલે છે, પ્રજ્ઞા દાદભાવાળા, સહિયારુંસર્જન | Leave a comment

તસ્વીર બોલે છે …..(૧૭) કલ્પના રઘુ

Posted on March 27, 2015 by Pragnaji

અહીં ચિત્રમાં કૂવાને કાંઠે દેડકાનો પગ બીજા દેડકાએ પકડયો છે. અને ઉપર ખુલ્લું આકાશ નજરે પડે છે. હું અહીં દેડકા-દેડકીની કહાણી રંગલા-રંગલીનાં સંવાદ દ્વારા રજૂ કરી રહી છું.

આધુનિક જીવનનું કડવું છતાં મીઠું નગ્ન સત્ય રજૂ કરું છું. અસંખ્ય ભારતીય માતા-પિતા, છતે સંતાને વાંઝિયા બની ગયાં છે. બાળકો કૂવામાંનાં દેડકાં નહીં રહેતાં પરદેશ આવીને તેમનો સંસાર શરૂ કરે છે. કારણકે ક્ષિતિજ વિસ્તરતી જાય છે. હું-મારી પત્નિ અને મારાં બાળકોમાં તેમનો સંસાર પૂરો થઇ જાય છે. પાછળ વળીને જોવાનો તેમની પાસે સમય નથી, આ એક સત્ય છે અને તેમાં કંઇ અજૂગતુ નથી. આગળ વધવું છે તો પાછળ જોવાની જરૂ કયાં? ગંગા હિમાલયમાંથી ઉપરથી નીચેજ વહે. કયારેય સાંભળ્યું છે? નીચેથી ઉપર જાય છે?

તો મિત્રો, સાંભળો મારી રચના …

કૂવામાંનો દેડકો

રંગલા રંગલીનો સંવાદઃ

એક છે રંગલો, એક છે રંગલી. (૨)

રંગલો બોલે, સાંભળ રંગલી, (૨) તા થૈયા થૈયા તા થૈ …

કૂવાનાં કાંઠે જુઓ નજારો,

એક છે દેડકી, એક છે દેડકો.

દેડકો બોલે ડ્રાઉં ડ્રાઉં,

દેડકી બોલે ડ્રાઉં ડ્રાઉં.

આ ડ્રાઉં ડ્રાઉંના ચક્કરમાંથી,

હવે તો બહાર નીકળી,

કૂવામાંની દેડકીમાંથી,

બનીજા મારી દેડકી.

આ વહેતી નદી, તળાવ સમંદર,

અગાધ પાણી ચારેકોર.

લે સહારો જે મળે,

હવે રાહ નથી જોવાનો.

ભેટ મને ને પકડ હાથ,

ચાલ જઇએ દુનિયા પાર.

પાછળ ફરીને જોઇશ મા,

આગળ જોઇને દોડતી જા,

કુદકે ભૂસકે આગળ વધશું,

બહારની હવા ખાશું.

નાચશું ગાશું ડ્રાઉં ડ્રાઉં કરશું,

દોડશું ભૂસકા મારશું.

આપણે બન્ને પરણી જાશું,

એક બીજાના થાશું.

તું મારી દેડકી, હું તારો દેડકો,

આપણી દુનિયા વસાવશું.

અને કૂવામાંના દેડકાનું,

આપણું મ્હેણું ભાંગશું.

રંગલો કહે રંગલીને,

એ ના ભૂલતી વહાલી,

હું છું તારો રંગલો ને,

તું છે મારી રંગલી. તા થૈયા થૈયા તા થૈ …

કલ્પના રઘુ

 

← તસ્વીર બોલે છે …..(16) કલ્પના રઘુ

તસ્વીર બોલે છે…(૧૮)પ્રજ્ઞા દાદભવાળા

Posted on March 27, 2015 by Pragnaji

તસ્વીર બોલે છે”  ના સમ્પાંદક શું બોલે છે

તસ્વીર  બોલે છેએવા ​ વિચાર ભલે મારા છે. પણ  ખબર છે,  વિચારમાં કઈ હકીકત સમાણી છે.?

તસ્વીર પણ બોલે છે.

કુદરત જાણે સાથ જોડે છે ફોટો નહિ શબ્દો બોલે છે. ગમતા પાત્રો શોધી બોલે છે. દરેકના મન અનેવિચાર બોલે છે. હા આજે તસ્વીર પણ બોલે છે.

પ્રેમની ઉષ્મા ઝાકળ બની બોલે છે. પ્રેમ જાણે લટકી બોલે છે. પ્રેમ નો તરફડાટ બોલે છે. પ્રેમનો ઓડકાર ડ્રાઉં ડ્રાઉં,બોલે છે. હા આજે તસ્વીર પણ બોલે છે.

ઉચે ચડવાની હરીફાય બોલે છે. દુશ્મની ચાડી ખાય બોલે છે. ટાટિયા ખેચ પગથી બોલે છે. ગાદી અને સત્તા નો ગર્વ બોલે છે. હા આજે તસ્વીર પણ બોલે છે.

દોસ્તી વારંવાર બોલે છે એકબીજાનો વિશ્વાસ બોલે છે નવી શોધ નો પ્રારંભ બોલે છે સહિયારો સાથ સર્જનમાં બોલે છે. હા આજે તસ્વીર પણ બોલે છે.

પ્રકૃતિનો આત્મા આજે બોલે છે. દેડકાનો સંહાર બોલે છે. આવિષ્કારમાં કતલ બોલે છે. ઝાકળના બિંદુમાં આંસુ બોલે છે. હા આજે તસ્વીર પણ બોલે છે.

મોક્ષ માર્ગ લાકડી બોલે છે આવરણો વિના શુદ્ધતા બોલે છે ગુરુ શિષ્યનો સાથ બોલે છે. ગુરુનું જ્ઞાન મંગલમ બોલે છે. હા આજે તસ્વીર પણ બોલે છે

રંગલો અને રંગલી બોલે છે પ્રેમ નો અહેસાહસ વિશ્વાસ,દોસ્તી ગાદી અને સત્તા ઝાકળના આંસુ ગુરુનું જ્ઞાન દેડકાનો સંહાર બધું તસ્વીર બોલે છે તો માનવી ચુપ કેમ છે ?

પ્રજ્ઞાજી