ઝમકુબાનાં ઝબકારા ( હાસ્ય નવલકથા)

ઝમકુબાનાં ઝમકારા

મુખ્ય લેખક

હેમાબેન પટેલ

 

 

સહ કલમકાર

 

 

ડૉ ઈંદુબહેન શાહ

કલ્પના રઘુ

પ્રભુલાલ ટાટારિયા

પ્રજ્ઞા દાદભાવાલા

રેખા પટેલ “વિનોદિની”

પ્રવીણા કડકિઆ

રાજુલ કૌશિક

ચારુશીલા વ્યાસ

 

Copyright © 2016 All Author

All rights reserved.

ISBN-13:

978-1536853537

 

ISBN-10:

1536853534

Your book has been assigned a CreateSpace ISBN.

 

 

ઋણ સ્વિકાર

 

આકર્ષક મુખ્પૃષ્ઠનાં ઉપયોગ માટે પરવાનગી આપનાર કલાકાર રમણીકભાઇ ઝાપડિયાનો

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ઝમકુબાના ઝબકારા પ્રકરણ  – ૧ હેમા પટેલ

૧૯૩૫ની સાલનુ ગુજરાતનુ નાનુ ગામ જ્યાં આધુનિક સુવિધાઓ જેવી કે વીજળી, પાણીની પાઈપ લાઈન વગેરે નથી છતા પણ બસની સગવડ છે એટલે બીજા મોટા ગામો સાથે અને શહેર સાથે જોડાયેલુ રહે છે. બસના સમય ઓછા છે. બસ બે વખત આવે અને બે વખત જાય છે. અહિંયાં સોમાભાઈનો પરિવાર જેમાં તેમના પત્નિ અને માતા-પિતા સાથે રહે છે.સોમાભાઈ એક ખેડુત છે જમીન સારી એવી છે એટલે ખાધે પીધે સુખી અને સાદા સીધા માણસો છે. રેવાબેન અને સોમાભાઈના ઘરમાં આજે શુભ-મંગળ દિવસ છે, કન્યા નો જન્મ થયો, ઘરમાં લક્ષ્મી પધારી છે. ઘરમાં આજે  ખુશી આનંદનો અવસર હોવાથી સોમાભાઈએ  દિકરી આવ્યાની ખુશીમાં આખા ગામમાં ગોળ-ધાણા વહેંચ્યા. સોમાભાઈએ ચિઠ્ઠી લખીને માણસના હાથમાં આપીને બીજે ગામ પોતાની બહેન નર્મદાબેનને ઘરે પણ સમાચાર મોકલાવ્યા.” બહેન મારે ઘરે લક્ષ્મીનુ આગમન થયું છે આપ જલ્દી આવજો “ સોમાભાઈએ મહીના પહેલાં જ તેમની બેનને વિગતવાર પત્ર લખી દીધેલો હતો અને ત્યારે જ ભાભીની પ્રસુતિ વખતે મદદ માટે આવવાનુ કહ્યું હતુ. નર્મદાબેને સમય પહેલાં જ બેગ તૈયાર કરી રાખી હતી, ગમે ત્યારે માણસ લેવા માટે આવે અને જવાનુ થાય. નર્મદાબહેન તો લક્ષ્મીના આગમનના સમાચાર સાંભળી ઘણાજ ખુશ થયા,આવેલ માણસ સાથે જ બેગ લઈને ભાઈને ત્યાં જવા નીકળી ગયાં. તેમણે નક્કી કર્યુ હતું હવે ભાઈને ઘરે બે મહિના રહીશ. ભાભીને પણ પુરો આરામ મળી જશે. બેન ખુશી ખુશી ભાઈને ત્યાં આવ્યાં અને ઘરની દોર હાથમાં સંભાળી લીધી. ભાભીને આ પહેલી પ્રસુતિ છે, બધી વસ્તુથી એ અનજાન છે. નર્મદાબેન આવી ગયાં એટલે ભાઈને હાશ થઈ.રેવાબેનના સાસુ તેમની ઉંમરને કારણ ઘરનો બધો ભાર ન ઉઠાવી શકે એટલે નર્મદાબેનના આવવાથી હવે ઘરની ચિંતા નથી.

દિકરીની છઠ્ઠી મુકાઈ, બાર દિવસે ઝુલાવી પરંતુ ફોઈએ કહ્યુ ભાભી આપણે દિકરીનુ નામ સવા મહિને જ્યારે મંદિર પગે લગાડવા જવાનુ થશે ત્યારે હું પાડીશ. ભાભીએ પણ કહ્યું ભલે બેન તમને જે ઠીક લાગે એમ કરજો, નામ તમારે જ પાડવાનુ છે તમારે જ્યારે પાડવું હોય ત્યારે પાડજો. દિકરી બહુ રડતી નથી, અને જ્યારે રડે ત્યારે કંઠમાંથી મધુર અવાજ નીકળે છે, જાણે મીઠો રણકાર થતો હોય એવું લાગે.ત્રણ અઠવાડિયાની થઈ, ધીમે ધીમે મોઢા પર તેજ આવતુ જાય છે.નર્મદાબેન દિકરીને નવડાવે, માવજત કરે છે,ઘોડિયામા સુવાડી હિંચકા નાખી હાલરડા ગાઈને ઉંઘાડે, પુરે પુરુ ધ્યાન તેના તરફ છે. નર્મદાબેનને લાગે છે બાળકી તેજ અને ચમકીલી થશે. પુત્રના લક્ષણ પારણામાં એમ નર્મદાબેનને ધીમે ધીમે બાળકીના લક્ષણ નજરમાં આવવા લાગ્યા.મનમાં નક્કી કરી લીધુ હતુ બાળકીનુ નામ શું રાખવું. સવા મહિનાની થઈ એટલે ન્હાઈ ધોઈ મંદિર પગે લગાડવા લઈ જવાની હતી. મંદિરે પગે લગાડીને ઘરે આવ્યા હવે નામ કરણ વિધી કરવાની હતી. ઘરના સૌ ભેગા બેઠા હતા, નર્મદાબેને કહ્યુ આ કન્યા તેજ ચમકીલી ((ઝમક) છે.અવાજમાં મીઠાસ અને રણકાર( ઝમકાર ) છે. બહુ રડતી નથી આનંદી (ઝમકદાર) છે માટે નર્મદાફોઈ તેનુ નામ ઝમકુ પાડે છે. બધાએ તાલીઓની સાથે દિકરનુ નામ ઝમકુ વધાવી લીધું અને બોલી ઉઠ્યા વાહ ભાઈ વાહ બહુજ સરસ નામ છે.સાચે જ ફોઈ તમે તેના ગુણ પ્રમાણે તેનુ નામ બરાબર પાડ્યું છે.સોમાભાઈએ પોતાના ઘરે જ કંદોઈને બરફી અને જલેબી પાડવા માટે બેસાડ્યો હતો, બરફી-જલેબી તૈયાર થયા એટલે સગાં-સબંધી અને આખા ગામમાં મિઠાઈ વહેંચી. લોકો ઝમકુને આશિર્વાદ આપવા માટે આવ્યાં.સોમાભાઈએ તેમનાં બેનને સોનાની વીટી ભેટ આપી.

ઝમકુ બે મહિનાની થઈ એટલે નર્મદાબેન તેમને ઘરે પાછાં ગયાં. ઝમકુ રાત દિવસ જાય એમ મોટી થવા લાગી એક-બે-ત્રણ વર્ષ એમ હવે તો પોપટની જેમ બોલતી સૌને વ્હાલી લાગે.છે.ઝમકુ જોતાં જોતાંમાં પાંચ વર્ષની થઈ, પાંચ વર્ષની હોવા છતાં તેની સમજ આઠ-દશ વર્ષના બાળક જેવી છે. તેની ઉંમર કરતાં તેની સમજ વધારે છે. રેવાબેને ગોયરોનુ વ્રત ચાલુ કરાવવાનુ નક્કી કર્યું. રેવાબેને સોમાભાઈને  વાત કરી

રેવાબેન – “ઝમકુ પાંચ વર્ષની થઈ મારો વિચાર છે તેને ગોયરોનુ વ્રત લેવડાવુ, તો તમે શહેરમાંથી તેને માટે સુકો મેવો અને તાજા ફળ મંગાવી લેજો”

સોમાભાઈ “ અલી બાવરી તને વ્રતની ઉતાવળ આવી છે તે હજુ માંડ પાંચ વર્ષની થઈ છે, હજુ હસ્તુ ખેલતુ બાળક કહેવાય કેવી રીતે ભુખી રહી શકશે ? થોડો તો વિચાર કર. “

રેવાબેન – “ તમે તેના તરફ ક્યારેય એક ખાસ વસ્તુનુ ધાન આપ્યુ છે તેની સમજ અને સુજ બુજ દશ વર્ષના બાળક જેવા છે મને ખાત્રી છે તે વ્રત કરી શકશે, પ્રયત્ન કરવા દો ભુખ્યુ નહી રહેવાય તો છોડી દેશે. “ દાદીમાએ પણ સુર પુરાવ્યો હા, બેટા તે વ્રત કરી શકે એવી સમજદાર છે કોઈ વાંધો નહી આવે માટે ચિંતા ના કરશો.

સોમાભાઈ – “ હા , તમારા બંનેવની વાત સાચી છે, મને ચોક્ક્સ ખાત્રી છે આપણી છોકરી સમજદાર અને હોશિયાર થવાની છે, મારી દિકરીનુ પહેલું વ્રત છે માટે હું તેના માટે શહેરથી સુકો મેવો, તેને ખવાય તેવી માવાની મિઠાઈ, અને ફળ હું જાતે લેવા માટે જઈશ. કેરી તો આપણા ખેતરના આંબાની છે.

દાદીમાએ કહ્યું, બીજી ખાસ વાત તમને સમજાવું છોકરીઓને વ્રત કરવાથી તેમનામાં સહન શક્તિ. વધે છે. ઉપવાસ કરીને શરીરને જે કષ્ટ પડે તેમાંથી નાનપણથીજ દરેક સ્ત્રીની અંદર દરેક વસ્તુ સહન કરવાની શક્તિ મળે છે. શારિરીક અને માનસિક દુખોનો સામનો કરવાનુ બળ મળે છે.એક સ્ત્રી જ ઘરની સુખ-શાંતિ કાયમ બનાવી રાખે છે. જો તેનામાં આવી પડેલ કષ્ટ-સુખ-દુખ વગેરે હાલાત સહન કરવાની શક્તિ ન હોય તો ઘર વેર વિખેર થઈ જાય.નાની છે એટલે એક વખત ખાઈને ઉપવાસ કરવાના છે. જેમ મોટી થશે તેમ ખાધા વીના ઉપવાસ કરીને શરીરને કષ્ટ પડે છે.શરીરનુ કષ્ટ એને તપ કહ્યું છે. છોકરીઓએ પહેલાં સારો પતિ મળે તેના માટે વ્રત કરવાનુ , લગ્ન થયા પછી પતિના આયુષ્ય માટે વ્રત કરવા પડે છે. આ વસ્તુ સદીયોથી ચાલી આવી છે.બધા તેનુ પાલન કરે છે.

રેવાબેને અને દાદીમા માટીના મોટા કોડિયા, માટી,ખાતર અને જવારામાં રોપવાનુ બિયારણ તૈયાર કરી રહ્યાં હતાં, તે જોઈને ઝમકુ કુતુહલ પુર્વક રેવાબેનને અને દાદીને પુછવા લાગી મા આ તમે શું કરો છો ?

રેવાબેને કહ્યુ – “ બેટા તૂં ગોરમાનુ વ્રત કરીશને તારાથી ભુખ્યા રહેવાશે ? “

ઝમકુ – “ મા વ્રતમાં મારાથી કશુ ન ખવાય ? “

રેવાબેન – બેટા તારાથી શીરા પુરી માવાની મિઠાઈ, સુકામેવા, ફળ બધુ ખવાય “

ઝમકુ – “ મા તો તો હું જરૂર ગોરમાનુ વ્રત કરીશ મને શીરો-પુરી અને મિઠાઈ બહુ ભાવે છે “

ઝમકુને વ્રત કરવાનો ઉમળકો જોઈને રેવાબેન ખુશ થઈ ગયા, ચાલો ઝમકુ વ્રત કરવા માટે રાજી થઈ છે.

રેવાબેન જવારા વાવવાની શરૂઆત કરતાં હતાં ત્યાં તો ઝમકુ બોલી મા હું જવારા વાવીશ, મને કરવા દો.દાદીમા સાથે જ બેઠા હતા, તેમણે ઝમકુને શીખવાડ્યુ તેમ ઝમકુએ કોડિયામાં માટી ભરી પછીથી બીજ પાથર્યા અને ઉપર ખાતર પાથરીને પાણી રેડ્યું દાદીએ કહ્યુ બેટા દરોજ સવારે ઉઠી નાહીને જવારામાં પાણી રેડીને તેને તડકામાં મુકજે એટલે જલ્દીથી સરસ ઉગી નિકળશે. અને પાંચ દિવસમાં તો લીલાછમ જવારા સરસ ઉગી નિકળ્યા. ઝમકુ તેના જવારા જોઈને હરખાઈ ગઈ. વ્રતનો પ્રારંભ થયો, દાદીમાએ કહ્યુ રેવા, ફળિયાની ચાર છોકરીઓને પણ આપણે ઘરે બોલાવી લે જેથી ઝમકુને સાથ રહે. આજે ઝમકુ સવારે વહેલી ઉઠી ગઈ, બીજી છોકરીઓ પણ ઉઠીને નાહી લીધુ તૈયાર થઈને રેવાબેનને ઘરે આવી, બધાના જવારા એક સાથે મુકેલા હતા. જવારાની પૂજા કરી આરતી ઉતારતાં દાદીમાએ શીખવડ્યું. ઝમકુને તો નવાં કપડા પહેરવાના મળે છે મેવા-મિઠાઈ ખવાના મળે છે ખુશી ખુશી વ્રત કરી રહી છે પાછી સહેલીયો સાથે છે. ઝમકુ તેની સહેલીયો સાથે સાંજના તૈયાર થઈને નીકળી. ચૈણિયા ચોલી પહેર્યાં હતાં, હાથમાં સુકોમેવો ભરેલ બટવો,માથે બે ચોટલી રિબીન સાથે બાંધેલી હતી, કપાળમાં બિંદી,હાથમાં બંગડી, પગમાં પાયલ અને નવી ચપ્પલ, ઝમકુ, છમક છમક રુઆબ ભેર ચાલી રહી હતી સામે સવિતાકાકી મળ્યાં ઝમકુને જોઈને બોલ્યાં

સવિતાકાકી- “ ઓ હો ઝમકુડી શું તારો રુઆબ છે ! વાહ વાહ તેંતો સરસ શણગાર સજ્યા છે ને, પાછી તૂ તો લટક મટક ચાલી રહી છે, અલી ક્યાં ચાલી ? “

ઝમકુ – “ કાકી, હું છું જ બહુ સરસ ને એટલે શણગાર સજુ અને લટક-મટક ચાલુ પણ ખરી. આ ઉંમરે તમે શણગાર સજીને લટક-મટક થોડા ચાલવાના છો.તમને એટલી પણ સમજણ નથી પડતી ગોયરો કરી છે એટલે અમે બધા મંદિર્ જઈએ છીએ. “

સવિતાકાકી તો ઝમકુનો જવાબ સાંભળીને અચંબામાં પડી ગયાં પછી ગુસ્સામાં બોલ્યાં “ અરે આ છોકરી તો જોવો ! છે મરચાંના ડીંટા જેવડી અને અને જીભ કેટલી લાંબી ! નાના મોટાંનુ માપ નથી રાખતી,જા તારુ તો નામ ન લેવાય “

ઝમકુ – “કાકી તમે પુછ્યુ એટલે મેં જવાબ આપ્યો , તમને ખોટું લાગ્યુ ? ભલે મારી સાથે કીટ્ટા કરી દેજો બસ”

હસતાં હસતા બધી છોકરીઓ ત્યાંથી નીકળી ગઈ. ઝમકુને તેના વ્રતની ખુશી જ એટલી છે તેને ખુશીના માર્યા ભુખનુ ભાન સુધ્ધાં નથી. હરખભેર તેની વ્રતની મસ્તીમાં લીન થઈ ગઈ છે.

ઝમકુ જેમ જેમ મોટી થાય છે તેમ તેનુ બોલવાનુ વધતું જાય છે.બોલવા વધારે જોઈએ છીએ પરંતું દિલની સાફ અને ભોળી છે. હોય તેવું મૉઢા પર બોલવા જોઈએ છીએ તેને કોઈની બીક કે શરમ નથી. તેની સમજ અને હોંશિયારી વધતી જાય છે. એક દિવસ ગામમાં કોઈ જ્યોતિષ ફરતા ફરતા આવી ચડ્યા, રેવાબેનને આંગણે આવીને ઉભા એટલે તેમણે બ્રાહ્મણને અંદર બોલાવીને પાણી આપ્યુ ત્યાં તો ઝમકુ રમતી રમતી આવી. બ્રાહ્મણે તેને નજીક બોલાવી તેના મૉઢાનુ અવલોકન કરી પછી કહ્યું આ છોકરી હોંશિયાર, ચબરાક અને નામાંકિન બનશે. મોટા ઘરમાં શ્રીમંતને ત્યાં તેનાં લગન થશે. સાસરે નામ કમાશે. ઘરમાં બધા  પંડિતજીની ભવિષ્યવાણી સાંભળીને ખુશ થયા દાદીમાં બોલ્યાં પંડિતજી તમારા મૉઢામાં ઘી-સાકર. બસ આવા જ આશિર્વાદ આપજો મારી ઝમકુ સુખી થાય. રેવાબેને પંડિતજીને ચા-પાણી કરવ્યાં અને દાદીમાંએ દક્ષિણા આપી પંડિતજી વિદાય થયા.

રેવાબેનને ઝમકુ પછીથી બીજી એક દિકરી અને ત્યાર બાદ દિકરો જન્મ્યાં ઝમકુ નાના ભાઈ-બહેનને રમાડે છે. હિચકા નાખે અને હાલરડા ગાઈને સુવાડે છે.ઝમકુને તો જાણે બે રમક્ડાં ઢીંગલા ઢીંગલી મળી ગયાં હોય એમ લાગે છે. તેઓની સાથે વાતો કરે અને સ્વપનની દુનિયામાં રાચે છે. મા હવે વધારે વ્યસ્ત રહે છે એટલે ઝમકુ તેનો સમય દાદીમા અને નાના ભાઈ બહેન સાથે વિતાવે છે.બીજા છોકરાંને નિશાળે જતા જોઈને પોતે મા આગળ જીદ કરે છે, મારે પણ નિશાળે જવું છે, મને નિશાળમાં મુકો સોમાભાઈ –રેવાબેન અને દાદી તેને સમજાવે બેટા નિશાળમાં તો સાત વર્ષે લે છે. તૂં પાંચ વર્ષની છે, જ્યારે સાત વર્ષની થશે ત્યાર અમે તને નિશાળે મુકીશું.તેને સમજાવી અને માની ગઈ. ભગવાનના ફોટા સામે ઉભી રહીને પ્રાર્થના કરવા લાગી હે ભગવાન મને મોટી કરી દો, મને સાત વર્ષની જલ્દી કરી દો મારે બીજાં છોકરાંની જેમ નિશાળે જવું છે.

 

 

 

 

 

 

ઝમકુબાના ઝબકારા પ્રકરણ ૨

હેમા પટેલ

 

ગામની અંદર બીજા છોકરાંને નિશાળે જતાં જોઈને ઝમકુની નિશાળે જવાની તીવ્રતા વધી ગઈ છે. પરંતું  તે શું કરે હજુ ઉંમર નાની પડે છે. ઝમકુ ફળિયાની છોકરીઓ સાથે કોડી-કુકા રમે છે. દાદીમાં દરોજ વાર્તા કહે તે તેને સાંભળવી બહુ ગમે છે. દાદીમાં સાથે સુઈ જાય છે એટલે દરોજ રાત્રે વાર્તા સાંભળે ત્યારે તેને ઉંઘ આવે અને વાર્તા સાંભળવાની ટેવ પડી છે. દાદીમા તેને બહાદુર બાળકો- ધ્રુવ-પ્રહલાદ-શ્રવણ-લવ-કુશ, રામાયણ-મહાભારત વગેરેની દરોજ અલગ અલગ વાર્તા સંભળાવે અને ઝમકુ એકદમ ધ્યાનથી સાંભળે અને વચ્ચે વચ્ચે સવાલ પણ કરે, દાદીમા શાંતિથી તેના સવાલમાં જે શંકા હોય તેને સમજાવીને નિરાકરણ કરે.ઝમકુ મીઠા બોલી હોવાથી દાદા-દાદીની લાડકી છે. બોલવા વધારે જોઈએ અને સવાલો વધારે કરે કેમકે તેને દરેક વસ્તુ જાણીને સમજવી હોય. દાદા-દાદી અને માતા-પિતાને કોઈ દિવસ તેના ઉપર ગુસ્સે નથી થવું પડતું. ડાહી, કહ્યાગરી, સમજુ છોકરી છે.

ઝમકુને સાતમુ વર્ષ બેઠું , નિશાળની રજાઓ પુરી થઈ નવું વર્ષ ચાલુ થયું એટલે સોમાભાઈ ઝમકુને  નિશાળમાં દાખલ કરવાનુ નક્કી કર્યું ઝમકુએ સાંભળ્યું એટલે એ ખુશીની મારી હવામાં અધ્ધર કુદવા લાગી. આ પળની તે બે વર્ષથી ઈન્તજાર કરી રહી છે. હાશ નિશાળ જવાનુ તેનુ સ્વપ્ન પુરું થશે.બધી સહેલીયોને કહી આવી હવે હું પણ નિશાળે જવાની છું. નિશાળમાં દાખલ કરી , પોતાની સ્લેટ-પેન-ચોપડી અને દફ્તરને ગલે લગાવીને હરખાઈ ઉઠી.નિશાળે જવાના દિવસે તેને આખી રાત ઉંઘ ન આવી દર કલાકે ઉઠીને દાદીને પુછે દાદી કેટલા વાગ્યા, મારે નિશાળ જવાનુ છે પહેલે દિવસે હુ મોડી ન પડી જાઉં. દાદીમાએ કહ્યુ બેટા હજુ તો અડધી રાત થઈ છે શાંતિથી સુઈ જા, સવાર થશે એટલે હું તને ઉઠાડીશ. તારે તો દશ વાગે નિશાળે જવાનુ છે વહેલી ઉઠીને શું કરીશ ?

ઝમકુ – “ દાદી વહેલી ઉઠીને આજે હું પહેલાં મંદિર જઈશ, ભગવાનને પગે લાગીશ અને તેમના આશિર્વાદ લઈશ, દાદી તમે મને નિશાળે જતા પહેલાં દહીં-સાકર ખવડાવજો જેથી મારું નસીબ ખુલી જાય, મને તમે બધાં ખુબ ભણવાના આશિર્વાદ આપજો. “

દાદીમા – “ ભલે મારી મા અત્યારે તો સુઈ જા, અને અમને સુવા દે . “

સવાર થઈ ઝમકુ વહેલી ઉઠી નાહીને મંદિર ગઈ, આરતીનો સમય હતો, આરતી ગાવા બેસી ગઈ, આરતી પુરી થતાં દર્શન કરી પ્રસાદ લઈને ઘરે આવી. બધાને પ્રસાદ વહેંચ્યો. તેની ચોપડી-સ્લેટ-પેન બરાબર છે કે નહી દફ્તરમાં ફરીથી જોઈ લીધું. નિશાળે જવાની ખુશીમાં તેને ભુખ નથી, માએ પરાણે તેને ખવડાવ્યું. સેહેલીયો સાથે દોડતી નિશાળે પહોચી અને તેના વર્ગમાં જઈને ગોઠવાઈ ગઈ. વર્ગમાંથી પ્રાર્થના હોલમાં જવાનુ હતું એકથી સાત ધોરણની નિશાળ હતી એટલે પહેલા ધોરણના વિદ્યાર્થી આગળની લાઈનમાં ઉભારહે પછીથી ધોરણ પમાણે ઉભા રહેવાનુ, પછીથી સમુહમાં પ્રાર્થના ચાલુ થાય. ઝમકુ પહેલે દિવસથી નિશાળમાં બહુજ ગમી ગયું.ચાર દિવસમા પ્રાર્થના મૉઢે થઈ ગઈ. ઘરે આવીને દરોજ તેના મધુર કંઠે પ્રાર્થાના ગુન ગુનાવીને સંગીત જગતમાં ખોવાઈ જાય છે.

દાદીમા – “ બેટા ઝમકુ ઘરમાં જલ્દી આવ આ તારુ દુધ ઠંડું થઈ જશે. ‘

ઝમકુ  – “ આવી દાદીમા “

ઝમકુ ઘરની બહાર ઓટલા પર સવારે દાતણ કરી રહી હતી. વાતોડી ઝમકુ દાતણ કરતી કરતી પણ વાતો કરવા, રમવા બેસી જાય, પક્ષીઓને ચણ નાખે ગાય-કુતરાને રોટલો ખવડાવે આમ રમત કરતી કરતી દાતણ કરે, દાતણ ચાવી ચાવીને એક ઈંચનુ થઈ જાય તો પણ તેને ભાન ન હોય. રમવામાં અને વાતો કરવામાં એટલી મશગુલ હોય ઘરમાંથી રેવાબેન અને દાદીમા બુમો પાડે એટલે દોડતી આવે. એક વર્ષ પુરુ થયુ ઝમકુ તેના ક્લાસમાં પરિક્ષામાં પહેલા નંબરે પાસ થઈ, બીજા ધોરણમાં આવી. ઉનાળાની રજાઓ છે, મસ્તી તોફાનનો સમય. સહેલીયો સાથે કોડી-કુકા રમે, છોકરીઓ ભેગી થઈ સંતાકુકડી રમે, હુતૂતુ, ખો ખો વગેરે રમતો રમે.સાંજ પડે આંબાવાડીમાં જઈ કેરી તોડી ને ખાવાની,ગામડામાં બીજા ફળ હોય નહી એટલે બોર-કેરી-કોંઠા વગેરે ખાઈને ઝમકુ સહેલીયો સાથે મઝા કરતા હતી. કોઈના પણ આંબાવાડીયામાં પેસી જાય ત્યારે ત્યાંનો રખેવાળ છોકરીઓને પકડવા આવે ત્યારે ભાગવાની મઝા ઝમકુને ખુબજ આવતી હતી. મસ્તી અને આનંદ માટે જ બીજાના આંબાવાડીયામાં કેરી તોડવા માટે જાય છે,પોતાને ઘરે કેરીના ઢગલા હોય તેમાં મઝા ન આવે પણ ચોકીદારને હેરાન કરવામાં બહુ જ આનંદ આવે છે.

આજે ઝમકુએ ચોથા ધોરણની પરિક્ષા પહેલા નંબરે પાસ કરી.ઝમકુનુ કમ નસીબ તેને તેનુ શિક્ષણ અહિયા જ અધુરુ મુકવુ પડશે કારણ રેવાબેનના ઘરમા બીજાં ત્રણ બાળકોનુ આગમન થઈ ચુક્યું હતું. તે એકલા ઘરનો ભાર સંભાળી ન શકે , ઝમકુ સૌથી મોટી છે, તે કામમાં અને બાળકોની દેખભાળ રાખવામાં મદદ કરી શકે, તેને કારણ સોમાભાઈ, અને રેવાબેને નક્કી કર્યું ઝમકુએ તેનુ ભણવાનુ છોડીને માને કામમા હાથ બટાવવો. ઝમકુ ખુબ રડી, સોમાભાઈ અને દાદા-દાદી આગળ આજીજી કરી મારે વધારે ભણવુ છે, મને ભણવા દો. દાદા-દાદી અને સોમાભાઈએ તેને બેસાડીને સમજાવી જો બેટા તારી મા એકલી આખો દિવસ ઢસરડા કરે છે તે થાકી ન જાય ? તૂ મોટી છે તારી હવે ફરજ છે, તારે માને મદદ કરવી જોઈએ. ઝમકુએ તેનુ મન મનાવી લીધું.

થોડા સમય પછી રેવાબેનના નાનાબેન આફ્રિકાથી આવ્યાં. બધાને મળ્યાં ઝમકુને જોઈને તે બહુજ ખુશ થઈ ગયાં અને બોલ્યાં રેવાબેન તમારી દિકરી તો બહુ હોશિયાર અને સમજ્દાર અને કેટલી રુપાળી છે. મને તો ઝમકુ બહુજ ગમી ગઈ. ઝમકુ માસીને જોઈને ખુશ થઈ, તે માસી સાથે અલક મલક્ની વાતો કરવા લાગી આફ્રિકા વિશે બધું જ પુછી લીધું. માસી એક દિવસ હું પણ આફ્રિકા ફરવા આવીશ. માસી જેટલા દિવસ રહ્યાં એ દિવસોમાં ઝમકુને ભરત-ગુથણ અને અવનવી વાનગી અને મિઠાઈ બનાવતાં શીખવાડ્યું. ઝમકુ ક્યારેય નવરી નથી બેસી રહેતી કંઈનુ કંઈ કર્યા કરે છે. જેમ ઉંમર વધતી ગઈ તેમ તેનો ચહેરો પણ ખીલી ઉઠ્યો.જેવુ રૂપ તેવાજ તેના ગુણ , ભગવાને તેને રૂપ અને ગુણ સાથે આપ્યા છે. ઝમકુ  ઘરનુ કામ કાજ અને રસોઈ ધીમે ધીમે શીખે છે.દાદીમાએ ઝમકુને એક આદર્શ ગૃહિણીના પાઠ ભણાવા માંડ્યા. દાદીમા તેને બધીજ રીતે તૈયાર કરી રહ્યાં છે. નિશાળનુ શિક્ષણ છુટ્યુ પરંતુ  જીવન જીવવા માટે જે શિક્ષણની જરૂર છે તે બધું જ રેવાબેન અને દાદીમા તેન શીખવાડી રહ્યાં છે, જે જીવનમાં ઘણુજ ઉપયોગી છે.દાદીમા અને રેવાબેને આ રીતે ઝમકુના જીવનમાં સંસ્કારોનુ સિંચન કરવા માંડ્યુ.

આજે ઝમકુ તેના માસી આફ્રિકાથી જે ફ્રોક-ચપલ-રિબિન-ખોટા ઘરેણા વગેરે લાવ્યા હતા તે પહેરીને સહેલીયો સાથે ગામમાં લટાર મારવા માટે નીકળી, એક છોકરાએ સીટી મારી એટલે ઝમકુએ તેને નજીક બોલાવ્યો અને કહ્યું ફરીથી સીટી મારતો મારે સાંભળવી છે છોકરાએ ફરીથી સીટી મારી એટલે ઝમકુએ તેને એક લાફો માર્યો અને તેનો કોલર પકડી તેને ઝુડી નાખ્યો, મુરખ તારી બેનને તૂ સીટી મારે છે તને લાજ શરમ છે? જો ફરીથી કોઈ છોકરીને સીટી મારીશ તો હું તને ફરીથી વધારે ટીપી નાખીશ. ચાલ મારી માફી માગ, બોલ બેન મને માફ કરી દો. છોકરો તો ગભરાઈ ગયો,

છોકરો – “ ઝમકુબેન મને માફ કરો ,હવે કોઈ દિવસ કોઈ પણ છોકરીને સીટી મારીને છેડતી નહી કરું ‘

ઝમકુ  – “ હા , હવે શાન ઠેકાણે આવી,ચાલ જા ભાગ. “

ઝમકુથી ગામના બધા છોકરા ડરતા હતા કોઈની હિંમત ન હતી તેની સાથે કોઈ પંગા લઈ શકે.ઝમકુ થોડી આગળ ચાલી ત્યા તો  પેલાં સવિતાકાકી અને તેમની બેનપણી મણીકાકી સામે મળ્યાં. સવિતાકાકી એ મણીને કહ્યું અલી ઉભીરે પેલી ઝમકુડી સાથે બે ઘડી ગમ્મત કરીએ એ છોકરીને ચીડવીને તે જે જવાબ આપે છે તે સાંભળવાની બહુ મઝા આવે છે. તે મૉઢા પર બે ફટ બોલવાવાળી છે પરંતુ તેનુ બોલવાનુ બહુ જ સરસ છે.

બંને આમને સામને થયાં એટલે સવિતાકાકી બોલે એ પહેલાં ઝમકુએ બોલવાનુ ચાલુ કર્યું

ઝમકુ – “ એ સવિતાકાકી, આય હાય આજે શું વાત છે, જોવોને કેવાં લટક-મટક ઢચાકા મારતાં આ મારાં કાકી  આજે તો સહીયર સાથે પાછાં ટહેલવા નીકળ્યા છે, ઓ હો કાકી તમારો તો બહુ વટ પડે છે.

સવિતાકાકી – “ જોને અલી મણી, છોકરી એક ગજની અને જીભડી બે ગજની શું જમાનો આવ્યો છે. મશ્કરી કરવામાં કોઈને બાકાત નથી રાખતી.એ અલી ઝમકુડી પહેલે નંબર પાસ થઈ પેંડા ય ના ખવડાવ્યા ? અને અલી આજે તો તેં સરસ કપડા પહેર્યા છે ક્યાં રોફ મારવા નીકળી ?”

ઝમકુ – “ મણીકાકી જુઓની આ તમારી બેનપણી , કેવડાં મોટાં થયાં તો પણ હજુ તેમને સમજણ નથી , બહાર ફરવા જઈએ ત્યારે નવાં કપડાં પહેરવાનાં હોય ને ? અને જુનાં કપડાં પહેરીને રોફ થોડો મરાય .રોફ નાની છોકરીઓ જ મારે તમારા જેવાથી રોફ થોડો મરાય.તમે તો મને કાયમ મારાં કપડાંને અને મને ટોકીને નજર લગાડો છો. ઓ હો ! તમારે પેંડા ખાવા છે નહી ? કાકી મારા ઘરે કંદોઈ પેડા બનાવી રહ્યો છે, તૈયાર થશે એટલે તમને પહેલાં આપી જઈશ બસ હવે રાજી.

સવિતાકાકી – “ આ છોકરીને બોલવામાં કોઈ ના પહોચે, જીભે જલેબી પાડતા બહુ સરસ આવડે છે.અલી ઝમકુડી નિશાળમાં શીખી લાવી એ કવિતા કે ગીત કશું તો કોઈ દિવસ અમને સંભળાવ. “

ઝમકુ સવિતાકાકીને ઉદેશીને ગાવા લાગી “ અરે  તમે કીયાં તે ગામનાં ગોરી રાજ , ઢચાકા મારતાં ચાલ્યાં આજ “

સવિતાકાકી “ જો આ છોકરીને શરમ છે ?”

ઝમકુ – ‘ કાકી આવું શું કરો છો તમે તો મને ગીત ગાવાનુ કહ્યું “

સવિતાકાકી – ‘ ભલે મારી મા , બીજું કંઈ સંભળાવ “

ઝમકુ – ‘ હા હા યાદ આવ્યું, આ મણીકાકીને જોઈને એક જોડકણુ યાદ આવ્યું, સાંભળો

મણી કણી કોદરાની કણી ,

છાસ લેવા ગઈ ત્યારે માટલી ફુટી ગઈ  અને

પાપડી શેકવા બેઠી ત્યારે ઘાઘરો બળી ગયો. “

ઝમકુ તો જોડકણું બોલીને ત્યાંથી ભાગી.

સવિતાકાકી તો પેટ પક્ડીને હસવા લાગ્યાં અને વિચારવા લાગ્યા આ છોકરી વની વનીનુ ક્યાંથી શીખી લાવે છે ? પણ મણીકાકી તો લ્હારા જેવાં થઈ ગયાં અને ઝમકુડીની પાછળ મારવા દોડ્યાં, ઝમકુ હાથમાં આવતી હોય !

ઝમકુ હમેશાં પોતે ખુશ રહે અને બીજાને ખુશ કરે, રમુજી અને ખુશ મિજાજ તેનો સ્વભાવ , દિલની ભોળી, ગમે તેવુ બોલે સૌને વ્હાલી લાગે છે. તેનુ બોલવું બધાને ગમે એટલે તેને બધા છંછેડે.તેની સહેલીયો નવરી બેસી રહે તેને ઝમકુ હમેશા ધમકાવે, અલી આમ બધીઓ નવરી ગપ્પાં મારતી બેસી રહો છો કંઈ તો કરો, મને જુઓ ચાર ચોપડી ભણી ખાવા કરતાં શીખી, ભરત-ગુથણ શીખી મારી દાદી મને ઘરમા શીખામણો આપીને સમજાવીને શિક્ષણ આપીને કેટલુ શીખવાડે છે, તમે બધી ડોબા જેવી રહેવાની છો .સાંજના બધી ડોશીઓ ઓટલા પર બેઠી હોય ત્યારે બધી ઝમકુને ખાસ બોલાવે ઝમકુના ગતક્ડાં સૌને ગમે. તે દરોજ નવુ નવુ શોધી ને સંભળાવતી. આજે ઝમકુડી તેની બેનપણી સાથે આવી, બધી માજીએ કહ્યુ અલી ઝમકુડી નિશાળમાંથી નવું કશુ શીખી લાવી હોય તો સંભળાવ એટલે ઝમકુ બોલી તમે બધી બા સાંભળો પહેલાંજ કહી દઉ છુ, આજે હુ બે વસ્તુ સંભળાવીશ,નાનકડુ નાટક કરીશ, તમારે કશુ બોલવાનુ નહી હોં.

એક ડોશીમા હતાં, મંદિર જતાં હતાં રસ્તામાં કેળાંની લારી ઉભી હતી, કેરા વાળાએ લારીમાં અલગ અલગ લુમ મુકી હતી, ડોશીએ પુછ્યુ કેળાનો શુ ભાવ છે ? પેલાએ કહ્યુ એક ૨૦ પૈસે ડઝન, બીજી ૩૦ પૈસે,ત્રીજી ૪૦ પૈસે. ડોશીએ ૨૦ પૈસે ડઝન વાળા કેળા માગ્યા લારીવાળાએ ના પાડી માજી ના લેશો બહુજ પાકી ગયેલા છે બગડી જશે, ડોશીએ કહ્યુ મારે થોડા ખાવા છે, મંદિરમા મુકવાના છે. મંદિરમાં જઈને ભગવાન આગળ કેળા મુકીને પ્રાર્થના કરવા લાગ્યાં હે ભગવાન મારા છોકરાને ઘેર છોકરો આપજો. તેમના છોકરાને ઘેર પોલિયો થયેલો છોકરો જન્મ્યો.

બધી માજી બોલી ઉઠી  અરર ! છોકરો ખોડ ખાંપણવાળો ! ભગવાનને સારાં કેળાં આપ્યાં હોય તો આ હાલત થાય ?

ઝમકુ અને તેની સહેલી ઉભી થઈ , હવે બીજું સંભળાવુ,  ઝમકુએ બીજી છોકરીને હાથમાં લાકડી આપી અને ડોશીમાની નકલ કરવાનુ કહ્યું

ઝમકુ –  બીજી છોકરીને પુછ્યુ , “ ડોશીમા ડોશીમા તમે ક્યાં ચાલ્યાં ? “

બીજી છોકરી – “ ખેતરમાં “

ઝમકુ – ‘ ખેતરમાંથી શું મળ્યું ? “

બીજી છોકરી – “ રૂપિયો “

ઝમકુ – “ રૂપિયાનુ શું લાવ્યાં ? “

બીજી છોકરી – “ ગાંઠીયા “

ઝમકુ –  બધી ડોશીઓ સામે હાથ કરીને જોરમાં બોલી ,” બર્યા તમારા ટાંટીયા “

પેલી છોકરીને ઝમકુની પાછળ દોડવાનુ હતું અહિયાં તો બે ત્રણ ડોશીઓ સાચે જ લાકડી લઈને ઝમકુની પાછળ મારવા દોડી, અલી ઝમકુડી બર્યા તમારા ટાંટીયા વાળી ઉભી રહે, અહી આઘી આવ, તારા ટાંટીયા સીધા કરીએ.બીજાં માજીઓ તરત બોલી ઉઠી આમ લાલ શું કામ થાય છે ? આપણે તો ઝમકુડીને મઝા કરવા માટે બોલાવીએ છીએ.છોકરી આપણને બહુ ગમ્મત કરાવે છે. બીજી બધીઓ દાંત કાઢતી હતી. તમને ત્રણેવને શું થયું ?

 

 

 

 

 

ઝમકુબાના ઝબકારા પ્રકરણ

ડૉ ઇંદુબેન શાહ

હસતી કુદતી ઝમકુ દિવસે ન વધે એટ્લી રાત્રે વધે, જોતજોતામાં મોટી થઇ ગઇ, આખા ગામમાં ઝમકુ ચર્ચાનો વિષય થઇ ગઇ. ચોરે ચૌટે ઝમકુના લગ્ન વિષે વાતો થવા લાગી, “આટલી આખાબોલી છોકરીને લેશે કોણ”?

“આજના જમાનામાં ઝમકુ જેવી સ્ત્રીની જરૂર છે, જે બજાર વચ્ચે ખુલ્લે આમ છોકરીઓની છેડતી કરતા જુવાનિયાને લાફો મારી સાન ઠેકાણે લાવી શકે.”

“હા એ વાત સાચી તે દાડે લાફો ખાધા પછી ધનિયો સીટીઓ મારતો બંધ થઇ ગ્યો છે”, “થોડા દિ શાંત રહેશે, બાકી કુતરાની પૂછડી વાંકી તે વાંકી,મેળો આવે ત્યારે ખબર, ધનિયો અને તેના સાથિદારો છોડીઓની વાહે સીટીઓ મારવાના અને મજાક કરવાના”,

” તમારી વાત સાચી પણ આપણા ગામની છોકરીઓને સીટી મારવાની હિંમત તો નહીં કરે, ઝમકુના તમાચા અને તેની અંગારા ઝરતી તેજ વાણી ધનિયાને યાદ આવશેને બિચારો નીચી મુંડી કરી ચાલવા લાગશે”.

આમ ગામમાં વાતો ચાલે છે, સાંભળી, ઘેર ઝમકુના બા રેવાબેન અને પિતા દાસભાઇની ચિંતા વધુ તીવ્ર બને છે. દાદીમાને જરાય ચિંતા નથી, દીકરા, વહુને ધરપત આપે “ મને તો ઝમકુની લગીરે ચિંતા નથી મારી ઝમકુને ખૂબ સારુ સાસરુ મળશે, તેનો ધણી તો મારી ઝમકુને હાથમાં રાખશે, તેનો પડતો બોલ ઝીલશે”, “બા મને તો ચિંતા થાય છે આ વખતેય મેળામાં કોઇ જુવાનીયાને લાફો ઝીકી દેશેને તો છોડી વધારે વગોવાય જશે, બીજા ગામમાંય વાતુ થવા લાગશે, આ વખતે એને મેળામાં જ નથી મોકલવી.” “વહુ એમ દીકરીને ઘરમાં પૂરી ન રખાઇ, મારી ઝમકુને હું સમજાવીશ, એ ઠાવકી, શાણી થઇ જશે, હું એના નાના કાકા કાકી ને હારે મોકલીશ”, “તો ભલે બા”.

રેવાને થોડી શાંતિ થઇ, જ્યારે પણ રેવાને મુંઝવણ થાય, બા પાસે જાય બા તુરત ઉકેલ લાવે. ઝમકુમાં તેના દાદીના સંસ્કાર સમજણ આવ્યા છે, સોળે શાન આવી ગઇ છે,દાદીને ઝમકુમાં પૂર્ણ વિશ્વાસ છે. નાનપણથી ઝમકુ દાદીના ઓરડામાં સુતી, આજે રાત્રે ઝમકુને દાદીએ બાજુમાં બેસાડી માથે હાથ ફેરવી બોલ્યા બેટા, હવે તું અઢાર વરસની થઇ, તારા લગન થશે, તારે હવે બોલવા, ચાલવામાં ધ્યાન રાખવાનું, બહુ કોઇના મજાક મશ્કરી નહી કરવાના, નાની હતી ત્યારે તો કોઇ તારું માઠું  નો’તા લગાડતા, હસી કાઢતા, પણ હવે તારે મોટા હારે ગંભીર થઇ શાણી વાતો કરવાની, અને સરખે સરખા હો ત્યારે હસી મજાક કરવાના, ભલે દાદી હું મોટા હારે શાણી સીતા, અને નાના હારે ઝમકુ થઇ જઇશ બરાબર બોલી દાદીના ખોળામાં માથુ મુકી હસવા લાગી, “હા મારી હારે તું તારે કાયમ હસજે, ખાસ તો મેળામાં જાય ત્યારે મોભામાં રહેજે, આ વખતે કાકા કાકી ભેળી રહેજે,” “દાદી મારી બહેનપણીઓ ભેળા નહીં રહેવાનું?” ‘તમે ચારેય બહેનપણીઓ કાકા કાકી ભેળા રે’જો,”

ભલે દાદી એમ કરશું. અને દાદીના ખોળામાં સુઇ ગઈ, દાદીએ હળવેથી માથુ એના ઓશીકે મુક્યું. પ્રાર્થના કરી હે મારા વાલા મારી વ્હાલી દીકરીને એવી સાસુ આપજે જેના ખોળે માથુ મુકી નિરાતે સુઇ શકે.

મેળામાં જવા બધી બહેનપણીઓ તૈયારી કરવા લાગી, સૌ સાથે દરજીને ત્યાં નવા ઘાઘરી પોલકા સીવડાવવા ગયા, લીલાએ પોલકાનું માપ બહુ ઉંચુ અને ગળુ નીચુ અને પાછળ બે દોરીના ફૂમતા, દરજી તો ખૂશ થઇ, બોલ્યો ચાલો બધાના પોલકા લીલા જેવા કરી દૌ, બહુ સરસ લાગશે, મેળામાં તમારો વટ પડી જશે”; ઝમકુ બોલી તમેય શું દલાકાકા, (દલો દરજી જુનામાં જુનો દરજી બધા જુવાનિયા દલાકાકાથી ઓળખે) એક મિટર કાપડ લઇ અડધા મિટરમાં પોલકુ સીવી બાકીનુ કાપડ ખાઇ જવું છે, અને અડધા ઊખાડા પોલકા પહેરાવી ગામની દીકરીઓની ઇજ્જત લુંટાવવી છે,તમારે તો વડીલ તરીકે સાચી સલાહ આપવી જોઇએ.” બધી બોલી હા હા હાલો આપણે બીજા દરજી પાસે જઇએ, મારા બાપુ મને આવું ન પહેરવા દે, લીલા ભલે આવુ પહેરતી”.બધા ઊભા થઇ ગયા. દલાભાઇ બોલ્યા ના ના દીકરીઓ હું આવું શીવું નહીં તમે બધા આબરૂદાર, પટેલની દીકરીઓ છો, હું તમારી પરીક્ષા લેતો’તો, અને લીલા તારે ફેશનવાળા લુગડા શીવડાવવા હોય તો જા, હરજી પાહે હમણા જ અમદાવાદથી અહીં આવ્યો છે, તને બધી સિનેમાની ફેશનનો ચોપડો દેખાડશે.લીલાય શરમાઇ ગઇ, બોલી ના ના મારે બધી સાહેલી જેવા જ કપડા પહેરવા છે, અને બધા માપ લેવડાવી દરજીએ કીધુ એટલા મિટર કાપડ લીધુ, દલાકાકાને આપી ઘેર ગયા.

દલાભાઇએ ચારે બહેનપણીઓના ઘાઘરી પોલકા ઝીકઝાક ભરત ભરી દિલથી બનાવ્યા, ઑઢણામાં સરસ ટીકી ઝરીનું ભરત ભરાવડાવ્યું. ચારે બહેનપણીઓ સાથે કપડા લેવા ગઇ, કપડા જોઇ ચારેય એકદમ ખૂશ થઇ ગઇ, લીલા બોલી સારું થયું ઝમકુ તારા કીધા પ્રમાણે કપડા કરાવ્યા સાચેજ આપણા ચારેયનો મેળામાં વટ પડશે. તે પડેજ ને..કોઇને આપણે આંગળી ચિંધવાનો, સીટી મારવાનો મોકો આપીએ જ નહીં તો બાપડા નીચી મોઢીએ હાલ્યા જાય.. કે આંખ ફાડી જોયા કરે…બીજુ કરીએ શું શકે. “તારી વાત સોળ આની ઝમકુ, બધી દીકરીઓ તમારા જેવી સમજુ થઇ જાય તો જુવાનિયા બધા છેડતી કરવાનું ભૂલી જાય હોં,,”

“અરે કાકા જો છેડતી કરવાની હિંમત કરે ને તો અમારી સખી ઝમકુ વિજળીના ઝબકારાની જેમ લાફો ફટકારી દે ને અમે બધી સામટી ત્રાટકીએ…” “હા હા મને ખબર છે ઓલો ધનો હજુએ એનો ગાલ પંપાળે છે,જાવ હવે ઘરભેળી થાવ”. કાકાને આવજો કરી બધા સૌ સૌના ઘેર ગયા.

પાચમને દિવશે ચારે જણીઓ તૈયાર થઇ ઝમકુના કાકા કાકીના ઘેર, કાકી બોલ્યા “વાહરે તમે ચારેય હારે લુગડા કરાવ્યા તો મનેય લઇ જવી’તીને તમારા જેવા કપડા પહેરત તમારા જેવી લાગત, હું જુદી પડી જઉ છું, કાકાઃ”ઘરડી ઘોડી લાલ લગામ” મેળામાં બધા જુવાનિયા તારી ઠેકડી કરશે, છોડીઓ જેવા લુગડા તને ના શોભે. ઝમકુઃકાકા મારી કાકી અમારા જેવા કપડા પહેરે જુવાનજોધ લાગે, તમને બીક છે, તમે એની પાહે ઘરડા લાગો એટલે મારી કાકીને ના પાડો છો.” ઝમકુ પુછ તારી સખીઓને અમારા બેમાં કોણ જુવાન લાગે છે?’ લીલા બોલી કાકા કાકી તમે બેઉ જુવાન છો, કેવા અમારી હારોહાર હાલો છો, બધાએ લીલાની વાતમાં સાદ પુર્યો બોલ્યા સાચે તમે બેઉ જુવાન છો, એટલે તો અમે તમારા ભેળા જવાની હા પાડી.આમ વાતો કરતા બધા મેળામાં પહોંચ્યા.

બાજુના ગામના જમીનદારનો દીકરો રામદાસ પોતાના સાથીઓ સાથે આવેલ, ઝમકુને રામદાસે જોય, તેનુ રૂપ, તેની ટટાર ચાલ, બોલવાની છટા,રામદાસ તો જોયા જ કરે, ઝમકુ રામના મનમાં વસી ગઇ. ઝમકુની આસપાસ ફરવા લાગ્યો, એક દોસ્તે તો ટકોર કરી રામભાઇ ઓળખાણ કરવી છે? હા કરવી છે તું ઓળખે છે? હા બાજુના ગામના દાસભાઇ પટેલની દીકરી, બસ ત્યારે ઓળખી મારા બાપુના ખાસ મિત્ર છે, બસ આ રામને એની સીતા મળી ગઇ.

રામના દોસ્તે ઘેર પહોંચ્યા કે તુરત રામના બાપુને વાત કરી. દાસભાઇએ તો કહેણ મોકલાવેલ હજુ જવાબ નહીં આપેલ, તુરત જવાબ મોકલાવ્યો વિવાહનું મુરત નક્કી કરવા જણાવ્યું, દાસભાઇ અને રેવાબેનને તો ઘર અને વર જાણીતા જ હતા. રામાયણમાં સીતા,રામે એકબીજાને બગીચામાં જોઇ લીધા હતા, અહીં રામે તેની સીતા (ઝમકુ)ને મેળામાં જોઇ,

બીજે મહિને વિવાહ થયા, બન્ને પક્ષની તૈયારી હતી વૈષાખ સુદ બીજના લગ્ન નક્કી થયા. આખુ ગામ લગ્નની તૈયારી કરવાના કામે લાગી ગયું. જમીનદારના ઘરની જાન, આગતાસ્વાગતામાં જરા પણ કચાસ ન રહેવી જોઇએ, ગામના પ્રવેશથી, દાસભાઇના ઘર સુધી આશોપાલવના તોરણો બંધાયા, લગ્ન મંડપ ચાકળા ચંદરવા અને મોતીના તોરણોથી શણગારાયો.

સામા પક્ષ પણ જાન સૂંઢાડવાના કામે લાગી ગયા, જાનૈયાના નામ નોંધાયા, વેવાઇને લીસ્ટ મોકલાવ્યું, બેઉ પક્ષ ખમતીધર અને બન્નેના ઘેર આ પહેલો પ્રસંગ, એટલે ખૂબ ઉત્સાહથી ઘરના નાના મોટા સૌ હોંશે હોંશે બધા કામમાં સાથ આપતા.

બે બળદના દસ ગાડા, સરસ શણગારી જાન માટે તૈયાર કરાયા, બળદને સરસ શણગારવામાં આવ્યા, ગામને પાદરે જાનનું સામૈયું કર્યું, વાજતે ગાજતે વરઘોડો માંડવે આવ્યો, બન્ને પક્ષે લગ્ન ગીતો શરુ થયા, ધામધુમથી લગ્ન વિધી પુરો થયો, વરવધુએ બન્ને પક્ષના વડીલોના આશીર્વાદ મેળવ્યા. ગોરમહારાજે વર વધુના હસ્તની કુમકુમ છાપ ઘરની ભીંત પર પડાવી. દીકરી પોતાના હાથની મહોર મારી પિતાના ઘરનો હક્ક ઉઠાવી ભાઇને સોંપી દે છે. બનેવી મહોર મારી ખાતરી આપે છૅ તમારી દીકરી આજથી મારા ઘરની સંપુર્ણ હક્કદાર છૅ.

કન્યા વિદાયનો પ્રસંગ આવ્યો, આ પ્રસંગ ખૂબ કરૂણ, લગ્નનો હર્ષ ઉમંગ અચાનક કરૂણતામાં પલટાય છે, કઠોર હૈયુ પણ આ સમયે દ્રવી જાય છે. પિતા ફ્ક્કત દીકરીને કાળજાના કટકાને વિદાય આપતા ચોધાર અશ્રુએ રડે છૅ. વેવાઇ એક બીજાને ભેટે સંબંધ દ્રઢ કરે, આ પ્રસંગે સામા પક્ષની આંખોના ખૂણા ભીના થયા વગર ન રહે.

વેવાણને ભેટતા રેવાબેન રડતા સ્વરે બોલ્યા મારી ઝમકુના બોલવા પર ધ્યાન નહીં લેતા, એનો સ્વભાવ હસી મજાક કરવાનો છે,કોઇ વાર મજાક કરે તો મનમાં નહીં લેતા, “અરે વેવાણ તમારી ઝમકુ હવે અમારી થઇ, અને ઘરના માણસના બોલવા પર માઠું લગાડાતું હશે, ઝમકુ હવે અમારી દીકરી, તમે જરાય ચિંતા નહીં કરતા”.ગામના પાદર સુધી પિયર પક્ષનો ઢોલીડો ઢોલ વગાડતા ગામની વહાલસોહી દીકરીને વળાવતા કરૂણ રસ ઢોળતો રહ્યો..

ઝમકુ સાસરે આવી, સાસુએ વરઘોડીયાને પોંખ્યા, કળશ વિધી કરી, વહુના કુમકુમ પગલે ગ્રહ પ્રવેશ થયો, ગણેશ સ્થાપન પાસે રિવાજ મુજબ કુમકુમ થાળમાં કોડીની રમત રમ્યા ઝમકુએ રુપિયો દરવખતે રામના હાથમાં જવા દીધો, સાસરિયાને ખૂસ કર્યા.

નાની નણંદ ભાભીને ભાઇના રૂમમાં દોરી ગઇ રિવાજ પ્રમાણે ભાભીએ પોતાના આણામાં લાવેલ સાડીમાંથી નણંદબાને મન પસંદ સાડી ભેટ આપી. આમ બધા રીતરિવાજ ઝમકુએ મા અને દાદીએ કહેલા યાદ રાખી કર્યા. સાસરિયામાં સારી છાપ પડી. કહેવત છે ને “પુત્રના પારણામાં અને વહુના બારણામાં”.ઝમકુએ કહેવત સિધ્ધ કરી બારણામાં પ્રવેશતા જ સારી છાપ પાડી.

સાસરિયામાં નોકર ચાકર ફક્કત રસોઇનું કામ જ કરવાનું. ઝમકુ તો સવારના વહેલી ઊઠી નાહી પૂજા પાઠ કરી રસોડામાં પહોંચી ગઇ, વાડીએથી દુધના બોઘરણા ગોવાળ મુકી ગયેલ અંદર લીધા. “બા દુધ ગરમ કરવા મુકી દઉ”? ઝમકુ બેટા હજુ તો તમારા હાથની મેંદી ઊખડી નથી તમારે દસ દિવસ કામ ન કરાય”, ‘બા તમે એકલા કેટલું કરશો મને કામ વગર ન ગમે હું સૌથી મોટી એટલે નાનપણથી મને કામની ટેવ છે”. “હમણા ચાર પાંચ દિવસ આરામ કરો પછી તો તમને જ બધુ સોંપી દેવાનુ છે”.

ઝમકુના સસરાને ખૂબ જમીન, મોટા મોટા ખેતરો, શાક્ભાજી અને જુદા જુદા ફળની બે ત્રણ મોટી વાડી, બધુ કામ માણસો કરે, ગાય, ભેંસનેય વાડીમાં રાખે, ગોવાળ વાડી અને ઢોરાની સંભાળ રાખે, ગોવાળને વાડીમાં ઘર બાંધી આપેલ, તેના કુટુંબ સાથે ત્યાંજ રહેવાનું, તેની પત્ની શાક્ભાજી ચીકુ, બોરા, જામફળ વગેરે ઋતુ ઋતુના ફળ ટોપલો ભરી વેંચે રામદાસને હિસાબ આપી દે. રામદાસ ને તો ખાલી દેખરેખ રાખવાની અને માલનો વેપાર કરવાનો. ઝમકુ ખેતરના દાડીયાઓની સંભાળ રાખે તેમને માટે રોટલા, છાસ, ગોળ રામદાસ બપોરે જમવા આવે ત્યારે તેમની સાથે  મોકલાવે.

સાસરીમાં સૌથી મોટી, નાના દિયર નણંદને પોતાના ભાઇ બેનની જેમ રાખે, સાસુ સસરાને ઝમકુ વગર ચાલે નહીં, બપોરના નવરી પડે ત્યારે ભરતકામ કરે, તો કોક્વાર સાસુને રામાયણ વાંચી સંભળાવે. ઝમકુના નાનપણના સંસ્કાર સાસરીમાં દીપી ઉઠ્યા. સાસુ સસરા ઝમકુના વખાણ કરતા થાકતા નથી.

ગામમાં કોઇ સાજુ માંદુ થાય જમકુ તુરત તેની મદદે પહોંચી જાય, કોઇ મોટી ઊમરના માંદા પડે તો માથુ દબાવતા શીખામણના બે શબ્દ આપી દે “કાકીમાં વરસતા વરસાદમાં કથા સાંભળવા જઇએ તો શરદી માથામાં ભરાય ને માથુ દુઃખે સાચી વાત”? “હા ઝમકુ તારી વાત સાવ સાચી વહુના કકળાટથી કંટાળુ, ઘરનુ કામ કરવાનું એમા બિચારા બે વરસના બચુને ઢીબે, વાંહે વાંહે ફરસ કામ કરવા નથી દેતો કરીને”, “તો કાકીમા તમારે કથામાં જવા કરતા ઘરમાં બચુને રમાડવાનો એને વાર્તા કહેવાની”.એટલે વહુ કામ કરી શકે”. હા હો હવે એમ કરીશ, ઝમકુ તારો બામ બહુ સારો મારુ માથુ હલકુ ફૂલ થઇ ગ્યું.” “કાકીમા વિક્સ છે તમારી પાસે રાખો રાત્રે સુતી વખતે નાક પર અને માથે લગાડજો સવારે સાજા” આવજો હું જઉ. આવજે.

ઝમકુ મંદિરે જતી હોય ને કોઇ દાદીમા એકલા ચાલતા જુએ,  તો તેમનો હાથ પકડી મંદિર લઇ જાય “માસીબા તમને મોતિયો આવે છે અત્યારે ઢોરા ગામભણી આવતા હોય તમને માથું મારશે તો પડી જશો હાલો હું લઇ જઉ દર્શન કરાવી ઘેર મુકી જઇશ”,ઝમકુ બેટા હાલ, ભગવાન તને દીકરો દેશે,” માસીબા તમને બે દીકરા છે તોય કોઇ હાથ જાલી મંદિર નથી લઇ જતા અને મને તમે દીકરાના આશીર્વાદ આપો છો”! બેટા તોય દુનિયા આખી દીકરાની જ આશા રાખે છે, દીકરીને સાપનો ભારો ગણે છે.” માસીબા મને તો દીકરી ગમે, ઝમકુ તારા સાસરિયાએ દીકરાની જ આશા રાખી હોય ભગવાન પાહે હું પ્રાર્થના કરીશ પહેલે ખોળે તને દીકરો આલે, પછી તારી પ્રાર્થના દીકરીની બરાબર.’મંદિરમાં આરતી કરી માસીબાને ઘેર મુકી ઝમકુ તેના ઘેર ગઇ.

સાસરીના ગામમાંય ઝમકુ પ્રખ્યાત થઇ ગઇ. મજાક કરતી ઝમકુ તરીકે નહીં સેવાભાવી મીઠાબોલી ઝમકુ તરીકે.

 

 

 

 

 

 

 

 

 

 

 

ઝમકુબાના ઝબકારા પ્રકરણ

કલ્પના રઘુ

પિયરના સંસ્કારોને શણગારીને, પિયરની રહેણી-કરણી ભૂલીને સાસરીના રીત-રીવાજો અપનાવીને ઝમકુ સાસરીમાં સમાઇ ગઇ. તેના રૂપનું આગવું પાસુઃ ગોળમટોળ ગૌર ચહેરાં પર લાલ ચટક કોરા કંકુનો સિક્કા જેવડો ચાંદલો, નાક પર મોટા હીરલાની નથ, કાળા વાળનો અજબ ગૂંથણી વાળો અંબોડો, તેમાં સોનાનાં ચીપીયા, ગામઠી ભાતની બૉ્ર્ડર-પાલવ વાળો રંગબેરંગી અને ખાસ તો લાલ, પીળા, લીલા રંગનો સુઘડ સાડલો અને માથાં પર હલકું ઓઢેલુ એ ચીર. નાક પર સોનેરી ફ્રેમનાં ચશ્મા રહે, હાથમાં લાલ-લીલાં કંગન અને સોનાની બંગડીઓ, ગળામાં મંગળસૂત્ર અને પગમાં કડલા, અને સદાય હસતો ચહેરો. વિચારોમાં થોડીક આધુનિકતા ખરી, પણ ભારતીય નારીનો સુહાગણનો શણગાર એ એની આગવી પ્રતિભા હતી.

હમેશા તુલસી-પીપળે પાણી, ભૂખ્યાને ભોજન અને ગાય-કૂતરાંને રોટલા, કીડીને કણ અને ચકલાને ચણ નાંખ્યા વગર તો ઝમકુનો દા’ડો શરૂ ના થાય. અને સંધ્યા કાળે દિવા તો હોય જ. માંગણ પણ એના હાથનું ભોજન ના લે ત્યાં સુધી ખાય નહીં. સાક્ષાત મા અન્નપૂર્ણા ….. સવારમાં ઉઠીને સાસુ-સસરાને પગે લાગવું તેનો નિત્યક્રમ હતો. તેની સવાર પ્રાર્થનાનાં ગૂંજનથી સુંદર બની જતી. તેના કંઠમાં જાદુ હતો. મંદિરમાં કે અન્ય ધાર્મિક પ્રસંગે ઝમકુની પ્રાર્થના કે ભજન ના હોય એવું બનેજ નહીં. અને આ તો મા-બાપ અને ઇશ્વર તરફથી તેને બાળપણમાં મળેલું વરદાન હતું.

ધીમેધીમે સાસુની મોટા ભાગની તમામ જવાબદારી ઝમકુએ પોતાને શિરે લઇ લીધી હતી. અને માટે તો એક સવારે ઘરનો ચાવીઓનો ઝુડો ઝમકુને સોંપતાં સાસુમાએ કહ્યુ, ‘અરે વહુ બેટા, તે તો મારી તમામ જવાબદારી ઉપાડી લીધી છે. મને, તારા સસરાને અરે મારાં બાળકોને પણ તું સંભાળે છે. દરેક વહેવારો પણ તું જ કરતી થઇ ગઇ છે. ખરેખર હવે મને લાગેછે કે મારાં રામને સાચાં અર્થમાં સીતા મળી ગઇ છે. મને હવે મારાં રામની કે આ ઘર-પરિવારની કોઇજ ચિંતા નથી. અને હવે આ ચાવીનાં ઝૂડા પર સાચો હક્ક તારો છે, હવેથી તું એને સંભાળ.” અને સાસુ-વહુ બન્ને ગળગળાં થઇ ગયાં. ઝમકુએ સાસુનાં ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધાં.

વર્ષો વીતતાં ગયાં. બે દિકરા અને બે દિકરીને જન્મ આપીને ઝમકુ પીઢ બની ગઇ હતી. સમય અને અનુભવનાં ભાથાએ તેના વ્યક્તિત્વમાં ઠસ્સો ભરી દીધો. પિતા સોમાભાઇ, મા રેવાબેન, દાદીમા અને નર્મદાફોઇએ શૈશવમાં સિંચેલા સંસ્કારની સુવાસથી રામદાસની કુટુંબવાડી મઘમઘતી હતી.

સમય જતાં ઉંમરને કારણે તેના સાસુ સાસરાની તબીયત કથળતી જતી હતી. એક સમય તો એવો આવ્યો કે તેઓ પથારીવશ થયા તો તેમની તમામ સરભરા, અરે! ઝાડો-પેશાબથી માંડીને તમામ કામ ઝમકુ સ્વહસ્તે કરતી. હા, નોકર-ચાકરની તેમને હંમેશા મદદ રહેતી, અરે, તેમના પર નભતાં નોકર-ચાકર-મજૂર માણસોના ઘરની આર્થિક ખેંચમાં પણ તેઓ મદદ કરતાં. અને તે પણ કેવી રીતે? એક હાથે આપે તે બીજા હાથને પણ ખબર ના પડે!!! પતિ રામદાસે પણ તેને આ બાબતમાં કોઇપણ જાતની રોકટોક વગર છૂટ આપી હતી. આમ છૂટે હાથે ઝમકુનો ધર્માદાનો દોર ચાલુ રહેતો અને માટે જ હવે ગામનાં નાના-મોટાં સૌ અરે રામદાસ પણ ઝમકુને ‘ઝમકુબા’ના હુલામણા નામથી સંબોધન કરવા લાગ્યા. ખરેખર ઝમકુબાએ તેમનાં ઘરને એક મંદિર બનાવીને રાખ્યું હતું.

કયારેય કોઇ ગુમાન નહીં અને કોઇ કામ માટે શરમ પણ નહીં. જરૂર પડે ગામમાં કોઇની સુવાવડ કરાવવી હોય તો પણ ત્યાં મદદે પહોંચી જાય. એક સમયની વાત છે. ચોમાસાના દિવસો હતાં. સંધ્યા ટાણે ગામમાં રેવા ડોસીની દિકરી જયાને સુવાવડનું દરદ ઉપડ્યું. ઢીંચણસમા પાણી ભરાયેલાં. આવા સમયે કોઇ સુવાવડ કરાવનાર હતું નહીં. સૌની ચિંતાનો પાર ન’તો. વાત વાજતી ગાજતી ઝમકુબાના સાસુ પાસે આવી. રેવા ડોસી ઝમકુબાની સાસુની સમઉંમરના હતાં. તેમને પણ ચિંતા થવા લાગી અને ઝમકુને વાત કરી. હાથમાં છત્રી લઇને, સાડલાનો કછોટો વાળીને આ ઝમકુબા બે બાઇઓ સાથે વિજળીની ગતિએ વરસતાં વરસાદમાં ચાલી નિકળ્યાં. રાવળવાસ દૂર હતો. પણ સેવાભાવી ઝમકુબા જયારે સેવા કરવા નિકળે ત્યારે તેમનામાં અજબ શક્તિનો સંચાર થતો. રેવા ડોસીના ઘરે પહોંચ્યા ત્યારે લોકોનું ટોળું જમા થયેલું. ઝમકુબા તો સડસડાટ અંદર પહોંચી ગયા. સુવાવડીનો કણસવાનો અવાજ સતત ચાલુ હતો. સૌને શાંત્વન આપીને ઝમકુબા કામે લાગી ગયા. ઝમકુબાના આવવાથી લોકોને હાશ થઇ. જયાને હૈયે પણ ધરપત થઇ. થોડા સમય બાદ બાળકનો રડવાનો અવાજ સાંભળીને સૌના જીવમાં જીવ આવ્યો. જયારે ઝમકુબા બહાર આવ્યા ત્યારે સૌના આનંદનો પાર ના રહ્યો. ઝમકુબાએ જયાના પતિ શંકરને કહ્યુ, ‘તારી વહુએ આ વરસતાં વરસાદમાં કાનાને જનમ આપ્યો છે. બન્ને સાજા સમા છે. આનંદ કરો … પેંડા વહેંચો … ‘ અને ફાનસના અજવાળામાં બધાની આંખોમાં અને ચહેરા પર આભાર અને સંતોષની રેખા જોઇને ઝમકુબા રાજીના રેડ થઇ ગયા. આમ સત્કર્મનાં પોટલા સેવાભાવી ઝમકુબા બાંધતાં જતાં હતાં …

રસ્તે ચાલતા પણ આવતા-જતાની ખબર-અંતર પૂછી લે. તેમને ગામનાં તમામનાં નામ મોઢે. કોઇને ધમકાવવાનું હોય તો તેને ઉભા ઉભા વઢી નાંખે. અને બધાં ચૂપચાપ નત્‍-મસ્તકે સાંભળી પણ લે. કારણકે તેમની સલાહ હંમેશા વ્યાજબી હોય. દરેકને તમામ બાબતોમાં મદદરૂપ થાય એટલે સૌ તેમને માન આપતાં. ગામમાં કોઇના ઘરે કોઇ મુશ્કેલી હોય તો તે ઝમકુબાના ધ્યાનમાં હોયજ. સૌ કોઇ પહેલાં સમાચાર તેમને આપે. તે ઑલ ઇન્ડીયા રેડીઓ જેવાં હતાં અને વાત આગળ વધે તે પહેલાંજ તેનું સમાધાન થઇ જાય. દરેકને તેમની એવી આગવી ઢબથી વસ્તુ સમજાવતાં કે સામેનાનાં મગજમાં બરોબર ઠસી જાય. ચાર ચોપડી ભણેલાં ઝમકુબા ભણ્યાં કરતાં ગણેલા વધારે હતાં તેમ કહી શકાય.

ફળિયામાં રહેતી તેમની એક મિત્ર મંગુનાં દિકરાના લગ્ન હતાં. બે દિવસ પછી જાન લઇને બાજુના ગામમાં જવાનું હતું. દિકરાના લગ્ન અને છતાં મુખ પર ઉદાસી, અનુભવી ઝમકુબાએ પારખી. તેમનાથી રહેવાયું નહીં અને તેને એકાંતમાં લઇ જઇને પૂછી નાંખ્યું, ‘અલી મંગુ, બધુ બરાબર છે ને?વહુ સરસ છે, બધું બરાબર છે તો પછી તારૂં મોઢુ પડેલુ કેમ? કોઇ ચિંતા છે?’ તરત મંગુએ કહ્યું, ‘લગ્ન આવી રહ્યાં છે, ગણેશ માંડેલા છે અને જાન લઇને જઇએ ત્યારે ઘરમાં રહેનાર કોઇ નથી. ઘરને તાળુ કેમ લગાવાય? મારો જીવ મૂંઝાય છે. ઘરમાં જોખમ છે, ગમે તેને ઘર સોંપીને કેમનુ જવાય?’ અને તરત ઝમકુબાએ તોડ કાઢયો. ‘અરે મંગુ, આટલીશી વાત, જરા મને તો કહેવું’તુ. તુ ચિંતા ના કર, તારૂ ઘર હું સંભાળીશ.’ ‘અરે ઝમકુ, તારા વગર લગન કેમના થાય? તારે તો આવવુજ પડે ને?’ પરંતુ ત્યાગીને ભોગવે એ ઝમકુબા. આવાં તો કંઇક પ્રસંગો રોજબરોજ જીવનમાં બનતા.

ઉપનિષદ, ગીતા અને તમામ ગ્રંથો પિયરમાં ભણીને આવેલી આ ઝમકુએ તેની બન્ને દિકરીઓને હિંદુ સંસ્કૃતિની આદર્શ ગૃહીણીના તમામ પાઠ ભણાવ્યા હતાં. તેમનુ પોતાનું જીવનજ બાળકો માટે બોધપાઠ સ્વરૂપ હતું. તેઓ માનતા કે વડીલ અને જરૂરીયાતમંદના આશિર્વાદ હંમેશા લેવા. તેમની સેવા એ જીવનનું પ્રથમ કર્તવ્ય હોવું જોઇએ. તે તેમના બાળકોના ઉછેરમાં પણ પૂરતો સમય આપતાં. તેમને અખાડામાં મોકલતા જેથી શરીર કસાય. આવનાર સમય સામે ઝઝૂમવા માટે, સ્વરક્ષણ માટે શરીર સ્વાસ્થ્ય જરૂરી છે તેમ માનતા. બાળકોને ગોળપાપડી વગેરે પૌષ્ટિક ખોરાક આપીને તાજામાજા રાખતાં. પ્રથમ નંબરે પાસ થવાં છતાં ચાર ધોરણ પાસ કરીને, ઘરનાં સંજોગેને કારણે તેમના મા-બાપે તેમને શાળામાં થી ઉઠાડી લીધા હતા, તે તેમને મગજમાં આજે પણ યાદ હતું. અને માટેજ તેમણે નક્કી કર્યું હતું કે પોતાનાં બાળકો ઉચ્ચ શિક્ષણ લે અને ગામનાં અન્ય બાળકોને પણ શિક્ષણ બાબતે તે હંમેશા સહાયરૂપ રહેતાં. પોતાનાં બાળકોને વધુ અભ્યાસ માટે પરદેશ મોકલવાનું સપનુ જોવાનું તેમણે શરૂ કર્યુ હતું. તે મુજબ તેઓ બાળકોને કેળવતાં. અને આ બાબતની સંમતિ તેમણે પતિ રામદાસ પાસેથી પહેલેથી માંગી લીધી હતી.

બાળપણમાં પાંચ વર્ષની ઉંમરે કરેલુ ગોરમાનું વ્રત તેમને ફળ્યું હતું. ખરેખર પતિ રામદાસ તેમનો પડયો બોલ ઝીલતા અને કયારેય ઓછું આવવા દેતાં નહીં. ઝમકુબા પણ રામદાસની નાનામાં નાની વસ્તુઓનું ઝીણવટથી ધ્યાન રાખતાં. ગામના તમામ પ્રશ્નોના સમાધાન માટે પતિ રામદાસ તેમની સલાહ લેતા અને ઝમકુબા પતિની પાછળ રહીને તેમના સ્વમાનનું ધ્યાન રાખીને તેમનો અભિપ્રાય આપતાં. આ એક આદર્શ પત્નિનો ગુણ તેમનામાં હતો.

તેમની સમોવડી ઉંમરના લક્ષ્મીબેન અને તેમના પતિ ચંપકભાઇ વચ્ચે હંમેશા હૂંસાતુંસી અને અણબનાવ બની રહેતો ત્યારે ઝમકુબાની સલાહ લેવામાં આવતી. ઝમકુબા પતિ રામદાસ સાથે ત્યાં પહોંચી જતા અને કહેતા, ‘ચંપકભાઇ, લક્ષ્મીનો તો આ સ્વભાવ છે બાકી એનામાં ઘણું સારૂ છે એનો તો તમે વિચાર કરો? આમને આમ વારેઘડીયે કરશો તો આ બાળકો પર શું સંસ્કાર પડશે? તમે તો ભણેલા ગણેલા છે.’ અને ઘણીવાર ઝઘડાં છૂટાછેડા સુધી પહોંચે ત્યારે ઝમકુબા કહેતાં, ‘જુઓ, લઇ લો છૂટાછેડા પણ બીજી લાવશો તો ખાતરી છે કે આવનારી બત્રીસ લક્ષણા હશે! માટે પ્રેમથી પડયું પાનુ નીભાવો એમાજ તમારૂ સૌનું સુખ છે બાકી તો ચંપકભાઇ, તમે હો કે લક્ષ્મી કે હું કે તમારા ભાઇ, આપણા સૌમાં સારૂં પણ હોય અને ખરાબ પણ હોય. તમે તો જાણો છો કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. પૂછો આ તમારાં ભાઇબંધને. હવે વધુ ના બોલાવશો.’ બસ ત્યારની ઘડી ને આજનો દા’ડો. એ ઘરમાં પણ લક્ષ્મીની સાથે શાંતિએ જમાવટ કરી. ખરેખર ઝમકુબાની જીભે હંમેશા સરસ્વતિનો વાસ રહેતો. મડદાને પણ જીવતુ કરે … નિષ્પક્ષ અભિપ્રાય એ એમની આગવી લાક્ષણીકતા હતી.

કોની પાસેથી કયારે કેવું કામ લેવું તેની આવડત તેમનાં લોહીમાં હતી. માના સંસ્કાર અને સાસુની કેળવણીએ તેમને બરાબર ઘડયા હતાં. જરૂર પડે તે બીજાના ઘરમાં સાવરણી પકડતા કે રસોઇ કે અન્ય કામ કરતા પણ શરમાતાં નહીં. અને માટેજ તેમની આંખ ફરે અને તેમની હાથ નીચે કામ કરનાર માણસોના પગ ફરે તે રીતે સૌ કેળવાયેલા હતાં. તે માણસો પાસેથી ધાર્યુ કામ કરાવી શકતા.

નાની ઉંમરે પાકટ અને ઠરીઠામ થયેલી ઝમકુને કયારેક તેના માતા-પિતા તેના ઘરે આવે તો કહેતા, ‘બેટા ઝમકુ, તને જોઇને અમારી આંતરડી ઠરે છે. ઇશ્વરનો અમે જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે કે અમારાં કૂળમાં તારા જેવી દિકરી અવતરી.’ અને મા-બાપના મોઢા પર સંતોષ અને દિલમાં ટાઢક અનુભવતાં ઝમકુબા હર્ષથી રડૂરડૂ થઇને માને ભેટી પડતાં અને મા-બાપનાં ચરણ-સ્પર્શ કરતાં.

પથારીવશ સાસુ-સસરાની દિન-રાતની ઝમકુબાની પરવરીશથી સાસુ-સસરાને જાણે પુનર્જીવન મળ્યું. તેમના સસરા હવે કારોબાર સંભાળવા લાગ્યાં. રામને રાહત થઇ. કારણકે અનુભવી પિતાની રામને અને ઝમકુબાને ઘણી હૂંફ રહેતી. એક દિવસ ઝમકુબાના સસરાને જમીનના કારોબાર માટે શહેરમાં કલેકટરની ઓફીસે જવાનુ થયું. ઘરના રિવાજ મુજબ ઝમકુબા સાકર અને દહીનો કટોરો લઇને અંદરનાં ઓરડે સાસુના બોલાવવાની વાટ જોઇને ઉભા હતા. સાસુએ બુમ પાડી, ‘વહુબેટા, તમારાં બાપુજી માટે દહી-સાકર લાવો.’ અને મજાકીયા સ્વભાવ વાળા ઝમકુબા હાથમાં દહીનો કટોરો અને સાકર લઇને ગાતાં ગાતાં બહાર આવ્યાં,

લાંબો ડગલો, મુછો વાંકડી, શિરે પાઘડી રાતી,

બોલ બોલતો તોળી તોળી, છેલ છબીલો ગુજરાતી,

હું છેલ છબીલો ગુજરાતી.’

અને સાસુ-સસરા તો વહુને જોતાંજ રહી ગયાં. સાસુ બોલ્યા, ‘તું વહુબેટા, એવીને એવીજ રહી. આ તારો ટીખળી સ્વભાવ તારાં બાપુનેય નહીં છોડે.’ અને ઘરમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું. સસરા તો ખુશ થઈ ગયાં, ‘મારી વહુએ કેવી સરળતાથી સરસ રીતે મારાં વખાણ કર્યા!!’ અને કહ્યું, ‘વહુબેટા, મને તમારાં હાથેજ દહી-સાકર ખવડાવો.’ અને બાપુજીએ ગળામાંથી સોનાનો ચેઇન કાઢીને ઝમકુબાને ભેટમાં આપી. ઝમકુબા સાસુ-સસરાને પ્રણામ કરીને ખુશ થતાં તેમના રૂમમાં સરકી ગયાં. તેમનાં હૈયે હરખ સમાતો નથી. બાપુજી તરફથી મળેલી ભેટ તેમના માટે અણમોલ હતી.

 

ઝમકુબાનાં ઝબકારા પ્રકરણ પ્રભુલાલ ટાટારીયા

 

છીતૂ ગામની અંદર રમત-ગમત ની હરિફાઈ યોજાઈ જેવી કે હુ તૂ તૂ ,ખો-ખો ,દોરડાં ખેંચવાની હરિફાઇ. ઝમકુબા તો સ્કૂલમાં આ બધી રમતો રમેલા. ઝમકુબા સાથે જેમણે રમતમાં ભાગ લીધેલો તેમને દોરડા ખેંચમાં ક્યારે ઢીલ મુકવી ને ક્યારે ઓચિંતો ઝાટકો મારી પોતાની તરફ ખેંચી લેવો તેના દાવ સમજાવ્યા. હુતૂતૂમાં કેમ કોઇને પાછળ આઉટ કરવા દોડવું અને અચાનક પલટી ખાઇને પાછળ આવતાને કેમ આઉટ કરવા. ખો ખો રમતમાં પણ ક્યારે લાગ જોઇને ખો આપવો એના દાવ સમજાવ્યા અને એમ દરેક રમતમાં તે સૌથી આગળ અને હમેશની જેમ પહેલો નંબર આવ્યો, ઇનામ જીતી લાવ્યાં. ઝમકુબાને સાધુ સંતોની કથા સાંભળવાનો ખુબજ રસ. ક્યાં પણ સત્સંગ થવાનો હોય તો પહેલી હરોળમાં ઝમકુબા માટે ખાસ જગા રાખવામાં આવે. તેવી જ રીતે કોઇ પણ જગ્યાએ રામાયણ અથવા મહાભારત કે ભાગવત કથા ચાલતી હોય ત્યાં સમયસર પહોંચી જાય અને કથા ધ્યાનથી સાંભળે. કથાકાર જે દ્રષ્ટાંત આપે એ સાંભળવી ઝમકુબાને બહુ ગમે કારણકે એથી સામાજીક વિટંબણાના માર્ગદર્શન થાય. એટલું જ નહીં પાછા આવીને બીજા સાથે સતસંગ પણ કરે. બાળકોને ઝમકુબા પાસેથી વાર્તાઓ સાંભળવી બહુ ગમે એટલે રાત્રે વાળુ પત્યા પછી અને રસોડાના બધા કામકાજમાંથી પરવાર્યા પછી આંગણામાં લાઇટ ચાલુ કરી એક સરસ ચોફાડ પથરાવીને બધા બાળકોને ભેગા કરી કથાઓમાં કથાકરે આપેલા દ્ર્ષ્ટાંત ઝમકુબા બાળકોને વાર્તા તરિકે સંભળાવે એક દિવસ બાળકોએ ઝમકુબાને કહ્યું, ‘દાદી હમણાં ગામના પાદરે રાધા-કૃષ્ણના મંદિરમાં રામાયણ કથા ચાલે છે. તમે તો રોજ સાંભળવા જાવ છો .અમને આજ હનુમાનજીની વાર્તા કરોને’ ‘હા, હનુમાન એટલે પરમ રામભક્ત. રામજીનો પડ્યો બોલ ઝીલે અને રામજીના બધા કામ પાર પાડે’. બાળકો ધ્યાનથી એક ચિતે સાંભળતા હતા. ‘સીતામાતાને રાવણ કપટ કરી હરણ કરવા, હરણ એટલે સમજો છો ને?’ ‘હા દાદી ઉપાડી જવા.’ ‘શાબાશ તો રામજીની હાજરીમાં તો એ ન બને એટલે પોતાના અનુચર મરીચને કહ્યું .મરીચે માયા કરી સોનેરી હરણનું રૂપ લીધું અને સીતા માતા બેઠા હતા તેમનાથી થોડે દૂર ચરવા લાગ્યું. સીતામાતાએ આ જોયું તો રામજીને કહ્યું મને ઇ ઇવડા હરણને મારી ચામડું અપાવો હું એની કંચુકી. કંચુકી સમજાય છે ને? ‘હા દાદી કંચુકી એટલે ચોલી બરાબર’?  એકે જવાબ આપ્યો.

‘બરાબર,  રામજીએ સમજાવ્યું કે આ કોઇ માયાવી રાક્ષસ છે.  સોનેરી હરણ ન હોય. પણ સીતામાતા ન માન્યા, એટલે રામજી લક્ષ્મણને પહેરો ભરવા મુકીને તીર-કામઠા લઇ એ હરણનો શિકાર કરવા બહુ દૂર સુધી ગયા. થોડીવારમાં એ રાક્ષસ મરીચને માર્યો તો એ રામજી જેવા સાદે લક્ષ્મણ,લક્ષ્મણ બચાવ,બચાવ એમ બુમ મારવા લાગ્યો. સીતામાતાએ લક્ષ્મણને રામજીની મદદ માટે જવા કહ્યું તો લક્ષ્મણે કહ્યું આ ઓલા માયાવી હરણની માયા છે. મોટાભાઇ કોઇ સંકટમાં નથી.  આ સાંભળી સીતામાતાએ બહુજ કડવા વેણ લક્ષ્મણને કહ્યા, આખર લક્ષ્મણે તીરથી એક રેખા દોરી કહ્યું હું જાઉ છું પણ તમે આ લક્ષ્મણ રેખાની બહાર ન જશો.’ ‘દાદી લક્ષ્મણ રેખા એટલે?’ ‘લક્ષ્મણજીએ મંત્રો ઉચ્ચારી તીરથી રેખા દોરેલી, જેથી એ રેખા પાર કરી કોઇ જાય તો બળીને રાખ થઇ જાય. હં,તો ત્યાં તો માયાવી રાવણે બાવાનું રૂપ લઇ મઢી પાસે આવી કહ્યું, ભિક્ષામ્‍ દેહી, ભિક્ષામ્‍ દેહી સીતાજીએ ભીક્ષા આપવા ગયા તો રાવણે તે લેવાની ના પાડી. હું આમ દૂરથી ભીક્ષા નથી લેતો આ રેખાની બહાર આવી ભિક્ષા આપ.સીતામાતાએ કહ્યું મને આ રેખાની બહાર આવવાની મનાઇ છે.રાવણે કહ્યું હું ભીક્ષા લીધા વગર જઇશ અને બધે કહીશ રઘુકુળની વહુવારૂએ મને ભીક્ષા ન આપી. એમ કહી જવા લાગ્યો. પાછા વળીને કહ્યું,’ આ રેખા પર હું મારી ચાખડી મુંકુ છું તે પર ઉભી રહી મને ભીક્ષા આપ’.સીતામાતા ભોળવાઇ ગયા જ્યાં ભીક્ષા આપવા જાય છે ત્યાં રાવણ પોતાના મુળ રૂપમાં આવીને સીતાને લઇ આકાશમાં ઉડી ગયો અને લંકામાં લઇ ગયો.’

‘રામજી અને લક્ષ્મણ પાછા આવ્યા તો મઢી ખાલી હતી. ભીક્ષા આપવાની થાળી અને ભીક્ષા વેરાયલી પડી હતી. રામજીએ લક્ષ્મણને પુછ્યું, મેં તને સીતા અને મઢીની રક્ષા કરવા કહ્યું હતું તું મારી પાછળ કેમ આવ્યો? લક્ષ્મણે, રામજી ગયા ત્યાર પછીની બધી વાત કરી અને લક્ષ્મણ રેખા પણ બતાવી. સીતે,સીતે કરતા રામ-લક્ષ્મણ સાથે સીતામાતાની શોધમાં નીકળ્યા.રસ્તામાં સીતામાતાએ ઘરેણા ઉતારીને ફેંકેલા તે જોતા સીતામાતાની શોધમાં ચાલ્યા. સુની કેડીઓ અને ગાઢ જંગલમાથી પસાર થતા આગળ ચાલ્યા જાય છે તે એક જગાએ ઘાયલ થયેલ જટાયું મળ્યો તેણે કહ્યું રાવણ સીતામાતાને ઉપાડી જતો હતો તે છોડાવા મેં તેના સાથે લડાઇ કરી પણ તેણે મને ઘાયલ કરી સીતા માતાને લંકા લઈ ગયો.’ ‘તે, હેં દાદી એ જટાયુ કોણ હતો?’ ‘જટાયુ, પક્ષીઓનો રાજા ગરૂડ હતો’.  રામજી અને લક્ષ્મણ આગળ ચાલ્યા તો રીંછ રાજ જાંબુવન અને વાનર રાજ કેશરી,સુગ્રીવ અને વાલી મળ્યા. રામજીએ બધી વાત કરી કે હવે સીતામાતાની ભાળ કોણ લઇ આવે?  કેસરીએ કહ્યું મારો પુત્ર હનુમાન એ કામ કરી આપશે.  કહી હનુમાનને બોલાવ્યો. હનુમાન તો રામજીને ઓળખી ગયો, કહ્યું હું આપના જ દર્શનની રાહ જોતો હતો મારા પ્રભુ’. તેણે રામજીના પગ પકડી લીધા,’ હું તમારો દાસ છું મારા લાયક કામ બતાવો’. રામજીએ કહ્યું,’ રાવણ સીતાને લંકામાં લઇ ગયો છે એની ભાળ મેળવી આપ’. ‘પ્રભુ એ મારા માટે કંઇ મુશ્કેલ કામ નથી પણ હું સીતામાતાને શોધી આપના સમાચાર આપુ તે પહેલા તે મને મરીચ કે રાવણ જેવો માયાવી ગણીલે તો મારી વાત માને નહીં માટે આપ આપની કંઇ એંધાણી આપો તે જોઇને સીતામાતાને મારા પર વિશ્વાસ આવશે’. હનુમાનજીની વાત પણ સાચી હતી કારણ કે સીતામાતા બે વખત છેતરાયા હતા. દૂધનો દાઝયો છાશ પણ ફૂંકી ફૂકીને પીયે.’ ‘હા, હા, બંને સફેદ એટલે માણસ છેતરાય .હં પછી?’ ‘રામજીએ પોતાની વીંટી આંગળીએથી ઉતારી હનમાનજીને આપી તો રામજીને વંદન કરી જય શ્રીરામ કરતાં  વીટીં મ્હોંમાં મુકીને હનમાનજીએ વિરાટ રૂપ ધર્યું અને છલાંગ મારી અને આકાશ માર્ગે ઉડતા લંકા આવ્યા અને શુક્ષ્મ રૂપ ધરી લંકાના મહેલ, માળિયાના ઝરૂખાઓમાં નજર કરવા લાગ્યા પણ ક્યાં સીતામાતા દેખયા નહી. આખર ફરતા ફરતા અશોક વાટિકા નામના બગિચામાં આવ્યા ત્યાં એક ઝાડ નીચે સીતામાતાને જોયા. જ્યાં આજુ બાજુ બહાર રાક્ષસોનો અને સીતામાતા નજીક રાક્ષસીઓ પહેરો ભરતી હતી. રાક્ષસોને તો હનુમાનજી એ મારી હટાવ્યા અને પછી વાટિકામાં કુદાકુદ કરતા જોઇને રાક્ષસીઓ તેમને પકડવા દોડી ઘડિકમાં સુક્ષ્મ રૂપ ધરે ક્યારેક વિરાટ તો ક્યારેક બટુક રૂપ ધરે એમ કરતા રાક્ષસીઓને બહુ દૂર લઇ ગયા બાદ હનુમાનજી સીતામાતા પાસે આવ્યા અને વંદન કરી કહ્યું,’ મા, હું મારા પ્રભુ રામનો દાસ છું અને આપની ભાળ મેળવવા મને મારા પ્રભુ રામે મોકલાવ્યો છે. કહી રામજીની વિંટી આપી.’ એ જોઇ સીતામાતા રાજી થયા. તેમણે રામજી અને લક્ષ્મણના સમાચાર પુછ્યા. ‘હં પછી?’ હનુમાનજી આ ફળફૂલથી લચેલી વાટિકા જોઇ કહ્યું માતા મને ભુખ લાગી છે .તમારી આજ્ઞા હોય તો હું થોડા ફળ ખાઇ લઉ. સીતામાતાએ હસીને કહ્યું તારૂં પેટ ભરાય એટલા પ્રેમથી ખા. આ સાંભળીને તો હનુમાનજીએ બધા ઝાડના ફળ ફૂલ મંડયા આરોગવા.’ ‘બધા ઝાડના ફળ ખાઇ ગયા નહી?’ ‘હા, ને એમણે તો અશોક વાટિકાનો સોથ વાળી નાખ્યો. બે રાક્ષસીઓએ દરબારમાં રાવણ ને સમાચાર આપ્યો કે ક્યાંકથી એક વાંદરો આવી ચડ્યો છે.  તેણે આપણા સૈનિકોને મારી નાખ્યા છે અને અશોક વાટિકાનો સોથ વાળી દીધો છે. સાંભળી રાવણ તો રાતો પીળો થઇ ગયો અને બીજા સૈનિકોને મોકલી એ વાંદરાને પકડી લાવવા આજ્ઞા કરી. સૈનિકો આવ્યા ત્યારે હનુમાનજી પામી ગયા કે આ મને પકડીને રાવણ પાસે લઇ જવા આવ્યા છે.  એટલે ઝાઝી ઉધામાત કર્યા વગર પકડાઇ ગયા. હનમાનજીને બાંધીને રાવણ પાસે લઇ આવ્યા. હનુમાનજીને જોઇને રાવણને લાગ્યું કે આ કોઇ સાધારણ જંગલનો વાદરો નથી. તેણે હનુમાનજીને પુછ્યું,’ કે તું કોણ છે અને અહીં શા માટે આવ્યો છે’? હનુમાનજીએ કહ્યું,’ હું મારા પ્રભુ રામનો દૂત છું અને તને સંદેશ આપવા આવ્યો છું કે મારી માતા સીતાજી મારા પ્રભુ રામને સોંપી દે મારા પ્રભુ રામ બહુ દયાળુ છે તારી ભુલ માફ કરી દેશે.’ ‘પણ રાવણ માન્યો નહીં બરાબર?’ ‘હા, રાવણે કહ્યું એ સામાન્ય વનવાસી માનવની હું લંકાનો રાજા રાવણ માફી માંગુ અસંભવ.’ હનુમાનજીએ કહ્યું તારામાં સિષ્ટાચાર જેવું કશું લાગતું નથી, કારણ કે ભલે દુશ્મનનો દૂત હોય એને આસન આપવું જ જોઇએ તે મને આસન પણ નથી આપ્યું’. રાવણના ભાઇ વિભિષણે પણ રાવણને કહ્યું દૂતની વાત સાચી છે. આપણે તેનું સન્માન કરવું જોઇએ. તો રાવણે કહ્યું વાંદરાઓને આસન ન હોય. હનુમાનજીએ તો હું તારા આસનથી પણ ઉંચુ આસન બનાવીને બેસીશ કહી હનુમાનજીએ પુછડી વિસ્તારીને બનાવ્યું મોટું ફિંડલુ એ પણ જયશ્રી રામ કહી રાવણના આસનથી ઉંચુંને કુદકો મારીને તેના પર બેસી ગયા.રાવણ તો જોતો જ રહી ગયો પણ પોતાના આસનથી ઉંચે હનમાનજીને બેઠેલા જોઇને ખુબ ખીજાયો. સૈનિકોને આજ્ઞા કરી આ વાંદરાની પુછડી પર ગાભા વિંટી તેલ રેડી આગ લગાડો. સૈનિકોને આવતા જોઇ હનમાનજીએ પુછડી વિસ્તારની માયા સંકેલી લીધી.સૈનિકો નજીક આવે તો મહેલના આ થાંભલેથી બીજા થાંભલે એમ મંડ્યા કુદાકુદ કરવા અને સૈનિકો જ્યારે હાંફીને નરમ ઘેંસ જેવા થઇ ગયા ત્યારે દરબારને વચ્ચે ઉભા રહ્યા. સૈનિકોએ પકડીને પુછડી પર ગાભા વિટતા જાય તેમ હનુમાનજી પુછડી લાંબી કરતા જાય આખર સૈનિકોએ ગાભા વિટી આગ લગાડી તો હનુમાનજી જયશ્રી રામ કરી કુદકો મારી ને લંકાના મહેલ અને માળિયામાં મંડ્યા આગ લગાડવા. જરાવારમાં લંકા આખી મંડી ભડભડ બળવા અને દરિયા કિનારે જઇ પુછડું પાણીમાં ઝબોળી ને લાંબો કુદકો માર્યો અને રામજી પાસે પહોંચ્યા અને સીતામાતાએ આપેલ ચુડામણી રામજીને આપી લંકામાં શું શું થયું તેના સમાચાર આપ્યા. ‘દાદી પછી ?’ ‘હવે તો એક જ રસ્તો હતો. રાવણ સાથે લડાઇ પણ વાનરસેના સાથે ત્યાં પહોંચવું કેવી રીતે? જાંબુવને કહ્યું પ્રભુ આપણા સૈન્યમાં નલ અને નીલ જેવા કાબેલ ઇન્જીનીયર છે તેમને બોલાવીએ.બંને આવ્યા અને મંડ્યા પથ્થરો પર ‘રામ’ લખવા અને સમદરમાં નાખવા લાગ્યા પથ્થરો તો તરવા લાગ્યા. તેમને ગોઠવતા જાય અને પુલ બનાવતા જાય એમ ભારતથી લંકા સુધી પુલ બનાવ્યો ‘દાદી એને રામસેતુ કહે છે ને?’ ‘બરાબર પછી વાનરસેના જય શ્રીરામ, જય શ્રીરામ કરતી દોડી લંકા તરફ લંકાના ગુપ્તચરોએ રાવણને સમાચાર આપ્યા કે રામજી વાનરસેના સાથે આપણા પાદરમાં આવી ગયા છે. રાવણ ક્રોધે ભરાયો ને રાક્ષસ સેના સાથે મેદાનમાં આવી ગયો.’ ‘ને વાનર અને રાક્ષસની લડાઇ ચાલુ થઇ?’ ‘હા, રાવણ સાથે રામજીએ યુધ્ધ કર્યું પણ રાવણ કેમે મરતો નથી ! હવે? તો વિભિષણે રામજીને કહ્યું એની ડુંટીમાં બાણ મારો તો જ એ મરશે અને રામજીએ બાણ માર્યું અને રાવણ મરી ગયો પછી સીતામાતાને લઇને રામજી પાછા ભારત આવ્યા. ‘પછી?’ ‘એ પછીવાળા બસ હવે બહુ થયું બધા જુઓ જંપી ગયા છે તમે પણ જઇને સુઇ જાવ કાલ સ્કૂલ નથી જવું? કહી ઝમકુબા હસ્યા(ક્રમશ)

 

 

 

 

 

 

 

 

 

 

ઝમકુબાનાં ઝબકારા પ્રકરણ

પ્રજ્ઞા દાદભાવાળા

આ મારી છોડી પરણાવા જેવી થઇ, કંઈ આવડતું નથી.અલી તો ઝમકુબા પાસે મોકલી દેને। ડોશીઓ કહેતી ઝમકુ એટલે ઝમકુ ! ગામમાં કોઈને પણ કશું શીખવું હોય તો સૌ ઝમકુબા પાસે પોહચી જતા. બપોરના સમયે ગામની છોકરીઓને ભરત ગુંથણ શીખવતા શીખવતા  નાની છોકરીઓને વ્રત-જપ-તપ કેવી રીતે કરવા તેની પણ વાર્તા કહી સમજાવતા. ઝમકુબાના જીભ, હાથ અને પગ સાથે સદાય સક્રિય રહેતા. પગે ભમરો અને જીભે સ્વાદ સાથે મળ્યો  બોલવાનો ચટકોને મટકો। એવી  આવડત કે ઘડીવારમાં આજુબાજુની સ્ત્રીઓને ભેગી કરી દે. ક્યા માસનું વ્રત કરનારને શું ફળ પ્રાપ્ત થાય છે ? એ જાણો છો ? તરત બધા ઝમકુબા ને હોકારા ભણે. પોપટ રામ,રામ બોલે તેથી કાંઈ મોક્ષ  મળે નહી. સ્ત્રીઓ ઝમકુબા ને સંભાળવા વડના ઓટલે બેસી જાય. પછી તો બસ ઝમકુબા શરુ થઇ જાય પોતાનું વ્યાખ્યાન આપવા,પોતે  જાણે પંડિત અને પોતે જ મહારાજ.    બહેનો રોગો, દુર્બળતા, બુદ્ધિનો અભાવ અને મૂર્ખતા વધી પડ્યાં છે. શાંતિ અને દિલાસો મળે તેના સરળ ઉપાય ગોતો ? આપણો મનુષ્યનો અવતાર એળે ન જવો જોઈએ ! સમજ્યા વગર જે કંઈ પણ કરવામાં આવે તે પોપટ બધા કહેવાય! જોવો બહેનો, ’આપણે કંઈ પોપટ છીએ ?

તો હાંભળો, હું  તમને શું કહું છું ?

સમજીને ગાજો મારી જોડે, સ્ત્રીનો અવતાર સમજવા માટેનો અવતાર છે! મંદિરમાં મહારાજ ગાયા કરે પણ  તેમાં કોઈ સ્ત્રીઓ ના સમજે, પેલો પંડિત પણ એ ના સમજે ! પણ ઝમકુબાની વાત બધાને  શીરાની જેમ ઉતરી જાય. ઝમકુબા  કહે બધા પોપટે પોપટ ! રામ, રામ ! આયારામ ! ગયારામ !!! અરે બહેનો. જે કરવાથી દોષ વધ્યા કરે એને તપ કેમ કહેવાય ? બધા એક સાથે જવાબ આપે, ના કહેવાય ! દરેક જન્મમાં જે સુખ અનેદુઃખ ભોગવવા પડે છે ને?  અથવા લાભ કે નુકશાન થાય છે ને? તે કર્મના ફળ સ્વરૂપે હોય છે. એમાં સાસુને કે બીજાને દોષ ન દેવાય। . આ કર્મના ફળ દૂર કરવા માટે વ્રત, તપ, ધર્મ, સંયમ ઈત્યાદિથી શરીર અને આત્માને પવિત્ર બનાવવા જોઈએ. તમે સૌ તેનું વ્રત કરો. તે સારી વાત છે . તે વ્રતના પ્રભાવથી સુખ ફરીથી પ્રાપ્ત થશે. રંભાબેન સાંભળો છો ને !   દુઃખનું વારંવાર સ્મરણ કરવાથી મનુષ્ય વધારે દુઃખી થાય છે. દોષોનાં  આવરણો પાતળા પડતાં જાય તો જ વ્રત કામના! વળી કોઈ નવી પેઢી ની છોકરી એમને સવાલે કરે?તો ઝમકુબા  આ સ્વર્ગ અને નર્ક શું છે ? ભારતનાં ઋષિમુનિઓએ પાપ-પુણ્યનો, સ્વર્ગ-નર્ક આદિનો વિચાર માત્ર  પ્રદર્શિત કર્યો છે. મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ, તપ, વ્રત, ઉપવાસ કરવા સુચન કર્યુ છે.. ઝમકુબા જપ કે ધ્યાન કરતી વખતે મનને ક્યાં સ્થિર કરવું જોઈએ? તમે જ્યાં તમારા મનને સહેલાઈથી એકાગ્ર કરી શકતા હો,ત્યાં ? જ્યાં કેન્દ્રિત કરવાથી તમારું મન બાહ્ય સંકલ્પ વિકલ્પોને પરિત્યાગીને સહેલાઈથી એકાગ્રતા અનુભવી શકતું હોય ત્યાં મનને સ્થિર કરો. ઝમકુબા જ્યાં જતા ત્યાં પોતે જાણે લીડર બની જતા અને પોતાની પાઠશાળા ચલાવતા. લોકોને તેમની વાતો ગમતી.આમ ઝમકુબા તેમની વાતોથી લોકોને પ્રભાવીત કરતા અને બધાનો ઠેકો પોતે ન લીધો હોય તેમ વર્તતા.*** પેલા દિવસે પોતાની ટેવ મુજબ ઝમકુબાએ જાહેરાત કરી અરે બહેનો,છોડીઓ ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી શરુ થાય છે  યાદ છે ને ! તો ગરબીની તૈયારી કરજો.. તો ગરબો લાવવાનું ભૂલતા નહિ તમને ખબર છે ને? નોમ સુધીની તિથિઓ દરમ્યાન અંબાના ગરબા ગાવાના છે. . અને હવન પણ કરશું આને શું કહેવાય ?….નવરાત્રી. આ દિવસોમાં અંબામાતાની આરાધના કરવાની . માટે ઘરમાં આપણે  સહુ ગરબો લાવી માતાજીની સ્થપના કરશું,ઝમકુબાને સાધુ સંતોની કથા સાંભળવાનો ખુબજ રસ.નાનપણમાં સાંભળેલું બધું લોકોને કહેતા,ઝમકુબા ઘરની ધાર્મિક માન્‍યતા મુજબ જીવન જીવ્યા હતા પણ સીધેસીધું કંઈ સ્વીકારે તે ઝામ્કુબા નહી… વડીલોની માન્યતાને માન આપ્યું પણ તેમાં તેમની શ્રધા ઉમેરી બધાને કહેતા શ્રધા વગર કંઈપણ કરશો તો માત્ર જડ ક્રિયા થઇ જશે..જાણે પોતે પ્રવક્તા ન હોય એમ કહેતા … બહેનો નવરાત્રી ભારત ના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે. અને ખાસ કરીને સ્ત્રીઓ માટે.. અંબા કે દુર્ગા ને દેવી ‘‘શક્તિ’’ ના રૂપે પૂજવામાં આવે છે અને મારો માનીતો તહેવાર, ઝમકુબા નવરાત્રિમાં ગરબા ગાવામાં સૌથી આગળ, તેમના વીના ગરબા ચાલુ ન થાય. પણ થાય પણ ક્યાંથી? પોતે સૌ પહેલા કામ આટોપી પોહ્ચી જાય. .પોતે ભજન-ગરબા ગાવામાં હોશિંયાર. .ગરબા ગાવા ગવડાવા એમનો શોખ એટલો કે પૂરા દિલ થી એ ગરબામા જાન રેડે અને આવાજ પણ પહાડી, યાદ શક્તિ સારી પોતે ગાય અને બધાએ ઝીલવાનું. આમ નવરાત્રિના નવ દિવસ અદ્યાશક્તિ જગતજનની મા જગંદબાની આરાધનાની સાથે સાથે ઝમકુબા ગરબામા એવા તો એકરસ થઇ જાય..જોનારને લાગે જાણે  આ કોઈ નવી જુવાન સ્ત્રી જ છે અને સાચે જ મા અંબાની શક્તિ. તેમના વીના નવરાત્રિ રસ હીન.લાગે.. ઝમકુબા માનતા કે ગરબા એતો ગુજરાતણની ઓળખ છે અને  રમુજ કરતા કહેતા “જો તમને ગરબા નથી આવડતા તો તમે ગુજરાતી નથી.” એમની વાતો કરતા એવા તો ઝમકુબા ખોવાઈ જાય કે વાત ન પૂછો અને  ગામડાના દિવસો યાદ કરતા વાતો કરવા માંડે।..મારા સાસુ કહેતા ખુલ્લા માથે તો ગરબા ગવાય જ નહીં. પોતે ખુબ શોખીન પણ ઘરના રીતરિવાજ પરંપરા અને મર્યાદા જાળવી રાખતા  તેમના ઘરમાં કે સાસરામાં જૂનવાણી વિચારધારા પરિવારમાં તો વહુઓ લાજ કાઢીને જ ગરબે રમતી તો પોતે પણ એમ જ કરતા  છતાં અંબોડા-ચોટલાંની ફેશન તો ઝમકુબા જરૂર કરતા,પગમાં ઝાંઝર ,અંબોડો માથામાં વેણી હાથમાં ઝગમગતી બંગડી ,ઘૂઘરીવાળા દાંડિયા। અને આભલા ટાંકેલા ચણીયા ચોળી પહેરી.નવરાત્રી દરમ્યાન સ્ત્રીઓ ભેગી થઇ માતાજીની સ્તુતિ ગાતી, ત્યાં ઝમકુબા પોહચી જતા અને મન ભરીને નવરાત્રી દરમિયાન ગરબા અને રાસ રમતા ,ઝમકુબા કહે નવરાત્રિ અને તેમાં ગવાતા ગરબા-ગરબી-રાસ-રાસડા સ્ફૂર્તિનું પ્રતીક છે, તમારે વજન ઉતારવું હોય તો નવ દિવસ ગરબે રમો। ..અમારે તો ધર્મ સાથે મનોરંજન થતું, એ બહાને ઘરની સ્ત્રીઓ બહાર જતી। પરંપરાગત ઢોલ અને નગારા વાગતા અને સ્ત્રીઓ ગરબા ગાય એ પદ્ધતિના ગરબા રમવાની મજા જુદી હતી.અને ફરી ક્યાંક ખોવાઈ જાય…. ગામડાં ગામના ચોકમાં ચૂંદડી બંધાય, વચ્ચે અંબિકા, બહુચર, મહાકાલી અને લક્ષ્મીજીનો ફોટો મૂકી તેની ચારેકોર ગરબીઓ ગુંજે નવરાત્રિ એટલે શક્તિનું પર્વ,પ્રસાદમાં ખાસ કરીને ખાંડ અને શીંગ વપરાતી . અમારે ત્યાં ઘરમાં માતાજીની સ્થાપના કરી બેઠા ગરબા ગાવાનો પણ રિવાજ હતો અને હજી પણ છે.એમાં શેરીની બધી સ્ત્રીઓને ઘરે બોલાવવામાં આવે અને તેઓ ગરબા ગાય માટે બહેનો મારે ત્યાં જરૂર આવજો કોઈ જુવાન છોડી આના કાની તો કહેતા  મારી માં કહેતી કે નવરાત્રિ દરમ્યાન માતાજી રોજ ફરવા નીકળે છે. તો આ આદ્યશક્તિની “પોઝિટિવ એનર્જી ” દરેક સ્ત્રીએ જરૂર ગ્રહણ કરવી , પોતે જ ડોકી ઉંચી રાખી હસતા .આમ અચાનક અંગ્રજી શબ્દનો પ્રયોગ ઝમકુબા ના મોઢે સાંભળી સહુ અવાચક થઇ જતા. ઝમકુબા કહે કેમ હવે હું વરણાગી લાગુ છું ને ? અને છણકો કરીને કહેતા હું તો જેને જે ભાષા સમજાય તે બોલું. ઝમકુબા  આવા છમકલા અને નકલ  કરવામાં ખુબ હોશિયાર હતા. અમુક જુનવાણી સ્ત્રીઓ કહે ઝમકુબા આજ કાલ આવી ગરબી ક્યાં થાય છે ? હવે તો બસ માત્ર ઘોંઘાટ જ સંભળાય છે. હવે તો સૌનાં અંગ-ઉપાંગ નચાવતી, ડોલાવતી, ભાતીગળ વસ્ત્રો-ઘરેણાંની છડી પોકારતી બેશરમ નખરાથી લટકા કરતી છોકરીઓ અને સાથે  રૂમઝૂમતા  નફફટ છોકરાઓ.  ગરબા-ગરબી-રાસ રમે છે.નવરાત્રિ મહોત્સવ બન્યો છે વ્યવસાય, વેપલો કહો  વેપલો. આજે નવરાત્રિનું રૂપ અને સ્વરૂપ બદલાયું છે. માટીનો ગરબો ક્યાં છે? ગરબો વચ્ચે મૂકીને તાળીઓના તાલે ધૂમતી શ્રદ્ધા અને ભક્તિ કયાં છે? હાજર જવાબી ઝમકુબા જવાબ આપતા. આપણે ઈ નવી પરજા પાંહેથી ઘણુંય શીખવાનું છે. જે ગમે તે અપનાવો .બહેનો સમય બદલાય તેમ સ્વરૂપ પણ બદલાય, આખરે શ્રદ્ધાને આપણે અકબંધ રાખવાની છે. ફરિયાદથી શું થાય આધુનિકતા સાથે અર્વાચિન વારસાનું જતન આપણે જ કરવાનું છે.  આધુનિકતા સાથે ભારતીય સંસ્કૃતિની પરંપરાનો સમન્વય કરીને આપણે આગળ વધવાનું છે.ગરબાની કલા આપણી સંસ્કૃતિ અને વારસો છે. આમ જુના જમાનાના ઝમકુબાના વિચારો ઘણા આગળ પડતા હતા. તો કોઈવારતો ઝમકુબા નવરાત્રિમાં ઘણી છોકરી અને છોકરાનો ઉધડો લઇ નાખતા.  કહેતા બેટા આધુનિકતા અને આછકલાઈ વચ્ચેનો ભેદ સમજવા જેવો છે. આ ફેશન અને  આ આધુનિકતા, બુદ્ધિચાતુર્ય અને નમ્રતા વિના  શું કામના ?  જુવાનિયાને કહેતા અલ્યા ઓ એને એકડા વિનાનાં મીડાં કહેવાય .જગતના હંધાય ભેગા મળીને કીધે રાખે છે કે ગુજરાતી પરજામાં આ ખોડ છે તો હાલશે ભઈલા…અલ્યા નબળા નમૂછિયા ગુજરાતીઓ,  સુધારશો નહિ તો તમારે તો આમ ને આમ સાત સાત પેઢીયું વઈ જાશે.  બસ ઝમકુબા ધ્યાનમાં આવે એટલીવાર।..કોઈને ધમકાવવાનુ હોય તો તેને ઉભા ઉભા વઢી પણ નાખતા। છોકરીઓને કહેતા કોક દિવસ આધુનિક’ બનવાની કિંમત ચૂકવવી પડશે ત્યારે દીકરી ખુબ આકરું લાગશે નોરતાની નરવી રાતો, મસાલેદાર વાતો, હિલોળતા જોબન અને પછી થતા ગર્ભપાતો આંખ ઉઘાડનારા અને ઊંઘ ઉડાવી દેનારા હોય છે. દીકરી હું જાણું છું નવરા્ત્રિ દાંડિયા પકડાવી મન મૂકીને રમી લેવાની મોસમ છે. વિકાર અને વિકૃતિથી ચીતરવાને બદલે શ્રદ્ઘા અને આનંદથી  એને સજાવાય તો કેમ ?આમ ફેશન ન થાય છોડી। સાચી વાત એવી કરતા કે લોકો ચુપચાપ સાંભળી લેતા  બધા તેમની સચ્ચાઈને  માન આપતા તેથી. કોઈની હિમ્મત નથી કોઈ તેમને સામો જવાબ આપે. ઝમકુબા જુવાન પ્રજા સાથે ક્યારેક ઠઠ્ઠા  મશ્કરી પણ કરતા તો ક્યારેક લલીતા પવારની એક્ટિંગ કરી  હસાવી-હસાવી ગાંડા કરતા. ઝમકુબા કોઈ દિવસ કોઈને સાચું કહેતા ખચકાટ કે ડર ન અનુભવતા અને હમેશાં વિચારો સાથે બધાને મદદ કરવાના શુભ ભાવ એટલે આખા ગામમાં પણ સૌના માનીતાં, આરતી પણ લોકો એમના હાથે જ કરાવે.  આમ ઝમકુબા એ પોતાના દિવસો ખુબ સમજદારી અને બીજાને આનંદ આપી પસાર કરતા આમને આમ દિવસો પસાર થવા લાગ્યા.ચારે સંતાન મોટાં થયાં તેમ વારા ફરથી દરેકના લગ્ન કરાવી આપ્યાં એક પુત્રી અમેરિકમાં છે બીજી પુત્રી લંડનમા રહે છે. હવે ઝમકુબા એકદમ નિવૃત છે બેસી રહે એ ઝમકુબા નહિ આજ કાલ એમને અંગ્રજી બોલવાનું વળગણ  લાગ્યું છે શાળામાં તો નથી જતા પણ ટીવી જોઈ નકલ જરૂર કરે છે.અને હા બધા ને કહેતા ફરે છે કે હું તો અમેરિકા અને લંડન જવાની અને મેમ બની ફરવાની. પ્રજ્ઞાજી-પ્રજ્ઞા દાદભાવાળા

 

 

ઝમકુબાના ઝબકારા ૭

રેખા પટેલ વિનોદિની

ચારે છોકરાઓને સારા ઠેકાણે પરણાવ્યા પછી તો જાણે ઝમકુબાને નિવૃત્તિ મળી ગઈકોઇ ઉપાધી વગરનું જીવન જીવવાનું હોવાથી ઝમકુબાનાં ઉત્સાહી જીવમાં નવા ઉત્સાહનો ઉમેરો થયોઝમકુબા જેવા જીવો તો જીંદગીને છેલ્લી ક્ષણ સુધી મનભરીને જીવી લેવામાં માનતા હોય છે ઝમકુબા પણ આવા કઈક હતા તો એને અત્યાર સુધીની સંસારિક જવાબદારીઓએ  બાધી રાખ્યા હતા હવે તે મનભરી જીવી લેવાના મુડમાં હતાકારણકે હવે એનાં મન ઉપર કોઇ સાંસારિક બોજો નહોતોએમને રોજની ઘરેડમાંથી બહાર નીકળવું હતું,અને એવામાં બાજુ રહેતી સવિતા એક દિવસ સમાચાર લઈને આવી . ” ઝમકુબા ઘેર છો કે નહી?” બારણે ઉભા રહીને વિતાએ  બુમ પાડી.એલી સવલી હું ઘરમાં નથી તો તને મારૂં ભૂત જવાબ આપે છે? કેમ અલી ઘર ખુલ્લું મુકીને હું કઈ જવાની હતી” એમ કહેતા ઝમકુબેન હસી પડ્યા. “હવે રહેવા દો ઝમકુબાતમે જે ધરમાં હો ઘરમાં ભૂત પણ આવતા બીવે”  સવિતા એમ કઈ ગાંજી જાય તેમ નહોતી. બસ બસ સવલી વહુ, હવે રહેવા દેહવે બોલશું કામ આમ દોડતી આવી છે? આવ ઓસરીના હિચકે બેસીએ.” કહીને ઝમકુબા સવિતા જોડે હિચકે બેઠાનવરાશની પળમા ઝમકુબાને હિચકે બેસવું બહુ ગમતું હતું.

સાંભળૉ બાબાજુના નવાગામના રાધા કૃષ્ણના મંદિરના મુખ્યાજી ગોવિંદ બાપુ ગોકુલ, મથુરા માટે જાત્રાની બસ કાઢે છે. હું કાલે ત્યાં દર્શન કરવા ગઈ હતી તો બાપજીએ વાત કરી કે તમારા ગામમાંથી કોઈને સંઘમાં જોડાવવાની ઈચ્છા હોય તો બે ચાર દિવસમાં જણાવી દેજોબા તમે આવતા હોય તો આપણે બે ચાર જણાનાં  નામ નોઘાવી દઈએ.” સવિતા ઉત્સાહમાં બોલતી હતી. વાહ મારી સવલીવહુતું તો બહુ સારા  સમાચાર લઇને આવી છે અને હું પણ થોડા દિવસથી વિચારતી હતી કે થોડા દિવસ ક્યાંક બહાર ફરી આંવુંસાજે તારા કાકા આવે એટલે તેમને પૂછી નક્કી કરીએ.” હકારમાં ડોકું હલાવતા ઝમકુ બા બોલ્યા.

સાંજે રામદાસ ભાઈ ઘરે આવ્યાજમતી વેળાએ ઝમકુબા વાત મૂકી, “કહું છું સાંભળો છો?” કહીને સવિતાએ કહેલી આખી વાત કહી સંભળાવીહા,  તો બહુ સરસ વાત કહેવાય અને ગોવિંદ બાપજીને આપણે પણ ક્યા નથી જાણતાબહુ સજ્જન માણસ છેજો તારી ઇચ્છા હોય તો આપણે જરૂર જઈશુંમાંડ આટલા વર્ષે આપણને હવે મોકો મળ્યો છે. બહારની દુનિયા જોવાનોબાકી હું ખેતી વાડીમાં અને તું છોકરાઓની સારસંભાળમાં રચીપચી રહેતી હતી. તું તારે નક્કી કરજે અને આમેય હું તો કાયમ તારી પાછળ ચાલુ છું.” રામદાસભાઈ હસતાં હસતાં બોલ્યાબસબસ હવે હાંઉ કરો!  ક્યે દહાડે તમે મારી પાછળ ચાલ્યા છો ? હા બસ ઉપરવાળાને ઘેર હું પહેલી જઈશ તમે પાછળ આવજો બસ.” ઝમકુબા રામદાસ ભાઈના હાથ ઉપર હાથ મૂકી બોલ્યા. “તુય ખરી છું વાતને ક્યાથી ક્યા લઇ જાઇ છેતું ખુશ રહે મારા માટે  ઘણું છેબસ હવે જમવાનું પીરસી દે ” .**

બીજા દિવસે સવારે ગામના અંબાજી માતાના મંદિરની બહાર ઓટલા પરિષદ ભરી.”અલી વહુઓ નવાગામના ગોવિંદ બાપુ ગોકુલ મથુરા માટે જાત્રાની બસ કાઢે છે તો જેને જેને આવવાની ઈચ્છા હોય તે કાલે સવારે મને નામ નોધાવી જજો.આવો અવસર રોજરોજ નથી આવવાનો તો ઈચ્છા હોય તો બહું વિચારવા ના રહેશો,અને હા ખાસ કોઈ એના ભાયડા જોડે કજીયો કરી ના આવશો નકામું સુલેહ માટે મારે દોડવું પડશે.”ઝમકુબાએ જાહેર ફતવો બહાર પાડ્યો.

સાંભળી બધા ખુશ થઇ ગયા.ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી જાત્રાની બસ કોઈએ ઉપાડી નહોતી. બીજા દિવસે તો નાના કરતા પંદર નામ નોધાઇ ગયા અને સાંજે તો બા જાતે બસમાં બેસી નવાગામ રાધેકૃષ્ણ નાં મંદિરે જઈ પહોચ્યા અને પોતાના તરફથી પંદર નામ નોધાવી દીધા.બાપજીને પણ જોઈતી સંખ્યા થઇ જતા હાશકારો લાગ્યો

બધાએ જાત્રા માટેની કિમતની ચુકવણી કરી દેતા પંદર દિવસ પછી સોમવારની  સવારે પાંચ વાગ્યે ઝમકુબા અને બાકીના ચૌદ જણાને લેવા બસ તેમના ગામમાં આવી જશે ના સમાચાર મળી ગયા.

બસ ઉપડવાના દિવસે  “કૃષ્ણ કનૈયા લાલકી જયનાઉદ્દઘોષ સાથે બસ ઉપાડી.બધાએ પોતપોતાને મળેલી બેઠક ઉપર જગ્યા લઇ લીધી.જરૂરી સામાન સાથે બસમાં લેવાયો અને વધારાનો બસની ઉપર ફીટ કરાએલી જાળી નીચે ગોઠવી દેવાયો હતો.વહેલી સવાર હતી છતાં કોઈની આંખોમાં ઊંઘ દેખાતી નહોતી આજે બે ગામના માણસો એક થતા હતા તે પણ પુરા પંદર દિવસ માટે જાણીતા અજાણ્યા ચહેરા ઓળખાણ વધારવા વાતોએ ચડ્યા હતા. બસમાં ઉત્સાહ નો માહોલ હતો.

બપોરનાં જમવા માટે બસ કોઈ એક નાનકડા શહેરની બહાર આવેલા પાદરે વૃક્ષોની છાયાંમાં બસ ઉભી રખાતી.નીચે પાથરણા પાથરીને બધાને બપોરના ભાણા માટે સવારે બનાવીને લાવેલા થેપલા,ઢેબરા,ચવાણા,ચેવડા અને અથાણાનું સુકુ ભાણું જમતા અને રાત્રે નક્કી કરેલા ઉતારા ઉપર બધાને ગરમા જમવાનું મળતું હતું.બાપજીએ બધી વ્યવસ્થા બરાબર કરાવી હતી તેમાં રામદાસભાઈની આગેવાની નીચે બધાને કોઈ મુશ્કેલી પડતી નહોતી.આમને આમ  બે દિવસ નીકળી ગયા પછી ઝમકુબા અને રામદાસભાઈને પણ બસમાં રહેલા બધા મુસાફરો સાથે સારું ફાવી ગયું હતું.ત્રીજા દિવસે રાત્રે બસ ગોકુળથી થોડે દુર આવેલી એક ઘર્મશાળામાં રોકાઈ ગઈ.બધા બહુ ખુશ હતા કાલે સવારે બાળ ગીરઘારીના દર્શન કરવા બધા ઉત્સુક હતા.

મોડી રાત્રે ઉતારે પહોચ્યા બધા સુવાની તૈયારી કરતા હતા ત્યા ઘરડા થઇ ગયેલા  ગોમતીકાકી વળી ગયેલી કમર ઉપર હાથનો ટેકો ગોઠવી ઝમકુબાના ઓરડાનો દરવાજો ખખડાવ્યો. “ઝમકુબોન બારણું ખોલ, તારા ભાઈને જરાય સારું નથી લાગતું જરા મારી રૂમમાં આવીશ જરા .. બારણું ખોલતા હમેશા કોઇને કોઇ પણ સમયે મદદ કરવાં માટે તૈયાર રહેતા એવા ઝમકુબા બોલ્યા,”હા કેમ નહી,બોન ચાલો હું તરત આવીકહેતા ફટાફટ    રામદાસભાઈ સાથે ગોમતીકાકીના સુવાના ઓરડામાં પહોચી ગયા. ત્યાં જઈને જોયું તો  ગોવિંદભાઈકાકા પેટ પકડીને બુમો પાડતા હતા મારે મારા પેટમાં ગુચળા વડે છે,કોક દવા લઇ આવો.”થોડીવારમાં તો આસપાસની રૂમો માંથી બધા એકઠાં થઈ ગયા.બધા ચિતાતુર હતા કોઈ પાસે અડધી રાત્રે કોઈ દવા નહોતી શું કરવું તેજ સમજાતું નહોતું. કોઈકે વાત સુઝાડી મારી પાસે ગરમા પાણીનો સેક કરવાની પ્લાસ્ટીકની થેલી છે લઇ આવું?” “હા હા જાઓ જલદી લાવો.” રામદાસ ભાઈ બોલ્યા ગરમ પાણીની થેલીથી ગોવિંદકાકાને થોડી રાહત લાગી,પરંતુ તેમને માનસીક  રીતે હજુ પણ સંતોષ થતો નહોતો.બીમારીમાં તેમને દવાથી સંતોષ થતો  હતો આથી તેમની બુમો ચાલુજ રહી.બધા પરેશાન હતા તેવામાં ઝમકુબા ઝડપભેર તેમના ઓરડામાં ગયા અને હાથમાં બે દવાની ટીકડી લઈને પાછા આવ્યા. ” લ્યો ભાઈ, દવા ખાઈ લો, દવાથી તરત સારું થઇ જશે,અને હા દવા મારી છોકરીએ લંડનથી મોકલી છે એટલે સરસ મીઠી છે અને જરાય કડવી નહિ લાગેકહેતા દવા ગોવિંદભાઈના હાથમાં પકડાવી એક તો ગરમ પાણીનો સેક અને ઉપરથી દવાનો માનશીક સંતોષ. થોડીજ વારમાં કાકાને સારું લાગતા સુઈ ગયા બધા હાશ કરતા પોતાના ઓરડામાં સુવા ચાલ્યા ગયા.

રામદાસ કાકા એમના રૂમમાં આવતા બોલ્યાઝમકુ તારી પાસે દવા હતી તો તો શું આપ્યું તે ગોવિંદભાઈને ?”

ઝ્મકુ બા મીઠું હસી પડયા અને રામદાસ ભાઈના ખભે હાથ મુકતા બોલ્યાસાંભળો દવાનું આખુ પડીકું ઉતાવળમાં હું ઘેર ભૂલી ગઈ હતી , તો આપણી દીકરીએ મારી માટે મોકલાવેલી લંડન ની ખાટી મીઠી ગોળીઓ હતી જેમાંથી બે ગોળી મે દવાનું નામ આપી ગોવિંદભાઈના હાથમાં આપી દીઘી ” “લે તું તો જબરી છે ને ઝમકુ,પણ સાચું કહું તો તારી હાજર જવાબી મને હજુય પહેલા જેટલીજ વહાલી છે,” કહેતા રામદાસભાઈ ઝમકુબાનો હાથ પકડી બોલ્યા. “હવે હાથ છોડૉ,તમને પણ હવે  ઉંમરે આવું બધું સુઝે છે,સુઈ જાવ હવે સવારે વહેલા ગીરઘારીના દર્શને જવાનું છે.” કહીને ઝમકુબા નવોઢાની જેમ શરમાઈ ગયા .

બીજા દિવસે સવારમાં વહેલા ઉઠીને નાહી પરવાતી બધાકૃષ્ણ બાંકે બિહારી કી જયબોલતા બસમાં બેઠા.ધાના અંતરમાં ઉલ્લાસ હતો આસ્થા હતી.વહેલી સવારે ગોકુળમાં કનૈયાની આરતી માટે બધા તન્મય બની ગયા.ઝમકુબાને આજે જીવન સફળ થતું લાગ્યું જાણે સાક્ષાત પ્રભુના દર્શન થયા હોય તેવો ભાવ ઉભરાયો અને આંખોમાંથી ભાવાવેશમાં આંસુ વહેવા લાગ્યા.

ગોકુલમાં દર્શન કરી યાત્રા સંઘ આગળ વધ્યો.ઝમકુબા હવે આખી બસના પ્રિય થઇ પડ્યા હતા.તે દિવસે થોડી ઠંડી હતી રસ્તામાં બપોરના ભોજન માટે બસ ઉભી રહી ત્યારે બધાને ચાય પીવાનું મન થયું.એટલે સાથે આવેલા મહારાજે કહ્યું,”ચા તો અબઘડી મૂકી દઉ પણ  દુઘ નથી તો તેની વ્યવસ્થા તમારે  કરવી પડશે.

મહારાજની વાત સાંભળીને બધા મુસાફરો એક બીજાને મોઢાને તાકવા લાગ્યા.કારણકે અહી હિન્દીમાં બોલવું પડતું હતું અને કોઈને હિન્દી આવડતું નહોતું તો હવે શું કરવું?બધા વિચારમાં પડી ગયા બાજુમાં આવેલી દુકાનમાં દુઘ લેવા કોણ જશે? બસ સીઘા ઝમકુબા પાસે આવી પહોચ્યા.બા બધાને ચા પીવી છે દુઘની વ્યવસ્થા કરાવો.

અલ્યા કઈ આપણું ગામ છે કે હું તપેલી લઈને દુઘ લઇ આવું ,અહી તો સામુ મારૂં બેટુ હિન્દીમાં બોલવું પડે તેમ છે.” ઝમકુબા હાથ ઉલાળતા બોલ્યાઆપણામાંથી હિન્દી બોલતાં કોઈને આવડતું નથી તો શું કરવું તે હવે તમે વિચારોકાન્તીભાઈ બોલ્યા. હજુ તો કાંન્તીભાઇ આગળ બોલે પહેલા તો ઝમકુબા બોલ્યા,આમ એકાબીજાનાં મોઢા જોયા કરશો એનાં કરતા હાલો હું જાઉ છુ.બા બધાની સંમતીથી ઉપડ્યા નજીકની દુકાન ઉપર દુઘ લેવા.તે રોજ હિન્દી સીરીયલો જોઈ ભાગ્યું તૂટ્યું હિન્દી સમજી શકતા હતા.આનો બરાબર ઉપયોય તેમણે અહી કરવાનો હતો. “ભાઈ હમેરેકે થોડા દુઘ ચહીએ.”કહીને પચાસ રૂપિયાની નોટ આપી ,અને બધાના આશ્ચર્ય વચ્ચે ઝામકુબા હસતા ચહેરે દુઘ ભરેલી તપેલી લઇ બસ પાસે આવી પહોચ્યા.બાની હિમત અને બુદ્ધિ જોઈ બધા ખુશ થઇ ગયા .

ચા પીતા પીતા ઝમકુબા એની આગવી શૈલીમાં ટહુકો મુકતાં બાવા હિંદીમાં બોલ્યા,સૌએ ચા પી લીઆ તો પ્લાસ્ટીક કાં કપ કો થેલીમે ભર દેના,આજુબાજું કોઇએ ફેકને કા નહી.”

બાજુ ઝમકુબાનાં જાત્રાએ જતા એનું ગામ ઝમકુબાના ઉખાણાં અને વાતોના વડા વિના સુનું થઈ ગયું હતું.બધા રાહ જોતા હતા કે જાત્રાનો સંઘ ક્યારે પાછો આવે અને ક્યારે ઝમકુબાનાં વાતો વડા ગામને સાંભળવા મળે. –રેખા પટેલ (વિનોદિની )

 

 

 

 

 

 

ઝમકુબાનાં ઝબકારા પ્રકરણ ૮

પ્રવીણા કડકિયા

બાળકો પરણી ગયા. સુંદર લીલી પરિક્રમા કરીને આવ્યા. જાણે સ્વર્ગમાં પહોંચવાની સીડી પામ્યા હોય એવો અનુભવ કરવા લાગ્યા. ઝમકુબાના તો દીદાર ફરી ગયા. હાથમાં પેલા હરે કૃષ્ણવાળાની જેમ માળા કાયમ ફેરવતા હોય. બાળકો હવે સહુ ઠરીઠામ થઈ ગયા હતા એટલે ઘરમાં પણ શાંતિ. પણ નવરા બેસે તો ઝમકુબા નહી ! તેમને થયું જીંદગી એવી જીવવી કે આ માનવ અવતાર મળ્યો  છે. શામાટે કોઈના ખપમાં  આવે એવું જીવન ન જીવીએ ! આમને આમ એક દિવસ ઉપરવાળાનું તેડુ આવશે તો હાલવા માંડવું પડશે!

તેમના પતિ રામદાસ આખી જીંદગી સારું કમાયા. ક્દી મરતા ને મર ન કહે તેવા માણસ.

‘અરે, સાંભળો છો ? ‘

‘કેમ તને એમ લાગે છે મારા કાન ગીરવે મૂક્યા છે’?

‘તો પછી આ છાપુ ચા પીતા તો બાજુએ મૂકો’!

‘હાં, તો બોલ શું કહે છે’?

‘ આ આપણી જુની કામવાળી મંગિ છે ને, તે એની  દીકરી સાસરેથી બેગ અને બિસ્તરો લઈને પાછી આવી છે’.

‘તે તને કોણે વધાઈ ખાધી’.

‘આ આપણો દાનો સમાચાર લાવ્યો’.

મને કહે, ‘ મા, હું, આપણા ઘર તરફ આવતો હતો ત્યારે મેં એને લારીમાં સામાન સાથે ચાલતી જોઈ હતી.’

‘ઓ, ભગવાન આ કળિયુગમાં શું થાહે’?

આવા સમાચારે ઝમકુબાની આંખો ઉઘાડી. તેમણે વિચાર્યું, અભણ હોય કે ભણેલા સહનશિલતાનું નામ નહી.  લગન પછી જરાય નમતું બેમાંથી એકેય ન મેલે. અરે,ભાઈ એમ તો કાંઈ ઘરસંસાર ચાલતો હશે’? મંગીને ઘેર જઈ તેની છોડીને સમજાવી સાસરે પાછી મોકલી.

ઝમકુબાએ હવે ગામની પટલાઈમાં રચ્યા પચ્યા રહેવાનું મુનાસિબ માન્યું. જ્યારે ઝમકુબાની લંડનવાળી દીકરી માબાપને મળવા આવી. ત્યારે તેને ખૂબ નવાઈ લાગી !

‘મારી મા આમ ગામની પટલાઈ કરવામાં સમયનો ઉપયોગ કરે છે તે ખૂબ સારું છે. આ નવી પ્રવૃત્તિમાં રચ્યું પચ્યું રહેતું તેનું મન ગામવાળાનો ઉદ્ધાર કરશે. આ પ્રવૃત્તિ ને કારણે તેનો સમય ગામના લોકોના ભલા માટે થવા લાગ્યો. કોઈની આંતરડી ઠરે !. કોઈનું ઘર ભાંગતું બચે ! કોઈના છોકરા ભણવા કાજે શહેર જાય! આમ ‘પટલાઈ’ કરવામાં ધીરે ધીરે ફાવટ આવતી ગઈ.

ગામના પટલ અને સરપંચ કરતાં સહુને ઝમકુબામાં વધારે વિશ્વાસ. ઝમકુબાને એમ થવા લાગ્યું  કે’ હું તો હવે જજ થઈ ગઈ’. ગમે તેટલું સારું માણસ કેમ ન હોય આજુબાજુ ફુલણિયા ગુંદર જેવું મીઠું બોલવાવાળાનું ટોળું ભેગું થાય એટલે મગજમાં હવા ભરાય.

ઝમકુ કિસ્સો સાંભળવા બેસે ત્યારે  ઓસરીમાં ચાર પાંચ લોકો તેની આજુબાજુ આંટા મારે. તેને સલામ ભરે. રામદાસ માટે ઝમકુનું આ રૂપ નવું હતું. હવે સાસુ, સસરા  રહ્યા ન હતાં. બાળકોની કોઈ જવાબદારી શિરે રહી ન હતી. સુખી ઘર એટલે ઘરમા ત્રણ, ચાર નોકર ચાકર હોય. બે પૈસો ભેગો થયો હોવાથી હજૂરિયા માખીની જેમ ઝમકુબાની આજુબાજુ બણબણી રહ્યા. રામદાસ જાણતા હતાં પણ ન બોલવામાં શાણપણ જણાયું. તેમને ઝમકુ પર અપાર પ્રેમ પણ કદી તેમના કામમા આડખીલી ન બનતા. સાવધ થઈ બધે નજર રાખતાં.

દીકરીને બાનું આવુ રૂપ જરા  અવનવું લાગ્યું પણ ગમ્યું.! ન બોલવામાં શાણપણ જણાયું. તેને તેની માના અવનવા રૂપ નાનપણથી જોયા હતા. બાપા સાથે વાતો થાય ત્યારે તેણે બાપાને મૂછમાં હસતા ભાળ્યા.

‘હેં, બાપુ તમને બા પટલાઈ કરે છે તે ગમે છે’?

‘બેટા મને ગમે કે ન ગમે તારી બાના ચહેરા પરની ચમક જોઈ મને આનંદ થાય છે.

દીકરી લંડનથી આવી હતી. હજુ સુધી ઘરમાં ટી.વી. નથી એ વાત તેને ન ગમી. બા અને બાપુની પરવાનગીથી સરસ મોટો ટી.વી. લાવીને મૂકી દીધો. તેના પર આવતા વકિલાતના અને કૉર્ટના સિન વાળી સિરિયલો માને બતાવી  ઝમકુબાને તો ભાવતું તુ ને વૈદે કીધું.  દીકરી પાછી લંડન ગઈ અને શ્વાસ હેઠો બેઠો. ઝમકુબા નવરા બેસે તો ઝમકુબા ન કહેવાય. મનમાં ઘડા લાડવા ઘડ્યા. પહેલાં પોતાની જાત સાથે નક્કી કર્યું, શું કરવું છે. ભલે ઓછું ભણેલા હતાં પણ રામદાસની સંગે હર્યાભર્યા ઘરની જવાબદારી ઉઠાવી ગણ્યા ખૂબ હતાં. તેમણે વિચારીને પગલું ભરવાનું નક્કી કર્યું.

ઘરની પાછળ વાડામાં થોડું બાંધકામ કરી રૂમ બનાવ્યો. મોટું ટેબલ અને  ખુરશીઓ મૂકાવી દરવાજાની બહાર પટાવાળો ઉભો રખાવ્યો. ઝમકુબા તો પૂરા રંગમા આવી ગયા. તેમને બસ એવા કામ ગમે જેમા ‘ઝમકુબા’ મુખ્ય ભાગ ભજવવાના હોય. ગામનું કૂતરું પણ કોઈની શેરીમાં જઈને બગાડી આવે તો ઝમકુબા તેના માલિક પાસે યાતો તે શેરીવાળા પાસે સાફ કરાવે. મતલબ નાના મોટા બધા ઝઘડા હવે ઝમકુબાની કૉર્ટમાં આવી તેમનો ચૂકાદો માથે ચડાવે.

તેના અગણિત ફાયદા. લોકો છાપરે ચડાવે એટલે ઝમકુબા તેમને જમીને જવાનો આગ્રહ રાખે. જો કોઈને ઝમકુબાનો ચૂકાદો મંજૂર ન હોય તો તેનું આવી બને. ઝમકુબાનું ચંડી સ્વરૂપ નજરે ચડે અને ડરનો માર્યો તેમનો ચૂકાદો માથે ચડાવે.

ઝમકૂબામાં એક ગુણ, જો અસિલ પાસે પૈસા ન હોય તો તેને  વગર વ્યાજે નાણા પણ ધીરે. આમાં કોઈને નુકશાન ન જાય. જાય તો ઝમકુબાના પતિદેવ રામદાસને ! એ ભલા માણસ ખૂબ કમાતા એટલે પત્નીને આ ઉમરે નારાજ કરવા તૈયાર ન હતા.

રવીવારે  પતિ રામદાસ અને ઝમકુબા બગિચામાં બેસીને ચા સાથે ગરમ બટાટા પૌંઆ અને જલેબી આરોગી રહ્યા હતા. ત્યાં અચાનક.

‘કેમ ધંધો તો બરાબર ચાલે છે ને’?

‘ધંધાને શું માતા ખાવાની છે’?

‘ના, આ તો તમારા મોઢા ઉપર જાણે અમાસનું અંધારું છાયું  હોય તેવું કેમ લાગે છે’!

છાપામાંથી માથું કાઢતા રામદાસ બોલ્યા’અરે,  તને ખબર નથી, પણ ક્યાંથી હોય? ગામની પંચાતમાંથી ઉંચી આવે ત્યારે ને? પેલા બાજુવાળા દલાકાકાના દીકરાઓ જમીન જાયદાદની બાબતમાં કૉરટે ચડ્યા  છે, તે વાત સાંભળી’?

ગામની પંચાત અને ઝઘડામાં વ્યસ્ત ઝમકુબાને કુટુંબમાં કે પાડોશમાં ચાલી રહેલા તનાવની ખબર ન હતી.   આજે રામદાસના મુખેથી ઝઘડાની વાત સાંભળી થોડા સળવળ્યા. દલાકાકા તો સાખ પાડોશી ! જો તેમના ઘરમાં મિલકતનો ઝઘડો સંભળાય તો તેના છાંટા ઝમકુબાના ઘરને અભડાવે. આમે ઝમકુબા અને રામદાસ શાંતિ પ્રિય હતા. ડહાપણ વાપરી ઝમકુબા ગોળને કુલડીમાં ભાંગતા.

‘અરે, આ દલા કાકાના દીકરાઓની વાત કરો છો ? તેઓ કોરટે ન ચડે તો સારું. બાપ ગયો એ સાથે ઘરની આબરૂનું લિલામ કરવાનો વિચાર છે? ‘દલાકાકા આખા ગામના પટેલ હતા. તેમના ઘરમાં આવું બને મારા માનવામાં નથી આવતું’. ‘તમે ભલે નિરાંતનો શ્વાસ ખાવ , હું ઝંપવાની નથી.’ ઝમકુબા વિચારના દરિયામાં ડૂબી ગયા.

શું જમાનો આવ્યો છે. બે આંખની શરમ હતી ત્યાં સુધી બધું ચાલ્યું. આ દલાકાકાની આંખ મિંચાણી ત્યાં બન્ને સપુતોને શું સુઝ્યું ? દલાકાકાના ખેતરો, ગામમાં ઉંચી મેડીનું ઘર. અડધો ડઝન દુઝણી ગાયો. બે ઘોડા જોડેલા સિગરામમાં  બેસી દલાકાકા  અને તેમના ધર્મ પત્ની માથે સાડલાનો છેડો ઓઢી ફરવા  નિકળે  ત્યારે તેમનો રૂઆબ જોવા જેવો રહેતો. આખા ગામના માણસો તેમની દોમદોમ સાહ્યબી જોઈને હરખાતા. તેનું મુખ્ય કારણ બન્નેના દિલ દરિયાવ હતા. જરૂરિયાતવાળા કદી નિરાશ થઈ તેમને બારણેથી પાછા ન વળતા. આ તો દમુકાકી ને કમળામાંથી કમળી થઈ ગઈ અને મોટે ગામતરે ચાલ્યા ગયા પછી દલાકાકાનું મોઢાનું તેજ વિલાઈ ગયું હતું. સાખ પાડોશી રામદાસ અને ઝમકુબાએ તેમનો મરતા સુધી ઈજ્જત પૂર્વક સાથ નિભાવ્યો હતો. આમે દલાકાકા ચાર પેઢીએ રામદાસના પિતરાઈ થતા હતા.

એમની સરખામણીમાં રામદાસ સાવ સીધા સાદા. ખોટો આડંબર તેમને ગમતો નહી. ઝમકુબાએ એવો સુંદર સંસાર સજાવ્યો હતો કે દલાકાકા તેમને ખૂબ ઈજ્જત આપતા. કાયમ શનિવારે રાતના રામદાસ અને દલાકાકા સાથે જમતા.  રામદાસ અને દલાકાકા સાથે ઉછરીને મોટા થયા હતા. બેઉને એકબીજા માટે પ્રેમ અને આદર છલોછલ ભર્યા હતા.

ઝમકુબા વિચરવા લાગ્યા , જો તેમના બાળકો મારી વાત માને તો જ હું વચમાં પડીશ. દલાકાકાના બન્ને દિકરા ઝમકુબાને પોતાની સગી મા જેટલો આદર આપતાં, તેમનું હૈયુ વિંધાયું. ઝમકુબાને ખબર હતી, કારણ સાવ નજીવું હશે. દલાકાકાના મોટા દીકરાની વહુ ખૂબ સુખી ઘરની હતી. તેનું દિલ પણ વિશાળ. નાના દીકરાની વહુ સાધારણ કુટુંબની હતી તેથી તેને જરા મારું તારું વધારે હતું.  તેને ગમે તેટલું મળે પણ ઓછું જ લાગે. હવે ઈર્ષ્યા અને અદેખાઈના રોગની દવા કોઈ હકીમ કે વૈદ પાસે ન હોય.

દિવાળીના દિવસોમાં ઝમકુબા થાળ ભરીને સૂકો મેવો અને કરંડિયો ભરીને ફળ લઈ દલાકાકાને ત્યાં આવી પહોંચ્યા. બન્ને વહુઓએ હસીને સ્વાગત કર્યું. ‘કાકી આટલું બધું દર વર્ષે ન હોય’ કહી તેમનું માન જાળવ્યું. ‘બસ એટલું કહી, નાનાની વહુ તેના રૂમમાં જતી રહી. ઝમકુબા નાસમજ ન હતા. તેમણે મોટીને પ્રેમથી બોલાવી પૂછ્યું, ‘બેટા, બધું હેમખેમ છે ને’? મોટીથી પ્રેમ પૂર્વક પૂછાયેલા સવાલનો જવાબ ન આપી શકાયો.

મુખ ને બદલે આંખોએ વળતો ઉત્તર આપ્યો. બે આંસુ સરી પડ્યા. તેને પાંખમાં લેતાં ઝમકુબા બોલ્યા,’બેટા હું બેઠી છું ત્યાં સુધી દલાકાકા કુટુંબ તરફ કોઈ આંગળી નહી કરી શકે’. એ રાતના તો બોલ્યા વગર રામદાસ અને ઝમકુ બન્ને ઘરે ગયા. દિવાળીના દિવસો હતા. ધનતેરસે ધનની પૂજા કરી. કાળી ચૌદસે ચાર રસ્તા જ્યાં મળે ત્યાં જઈ કકળાટ કાઢ્યો. કળશિયો ભરીને જળ વેર્યું અને મગની દાળના ભજીયા કરીને ગોઠવ્યા. દિવાળીને દિવસે ચોપડા પૂજન સારું લાભનું ચોઘડિયુ જોઈને  કર્યું. ઘરના કામ કરનાર માણસોના કુટુંબને બોણી આપી. નવા કપડા આપ્યા અને એક કિલો પેંડાના પડીકા આપી ખુશ કર્યા.

બેસતા વર્ષે સહુને ઘરે જમાડ્યા. ભાઈબીજ તો ક્યાંથી કરે. ન રામદાસને કોઈ બહેન કે ન ઝમકુબાને કોઈ ભાઈ. બાળકોતો હતા નહી. બન્ને પતિ પત્ની પ્રેમથી જમીને હિંચકે ઝુલવા બેઠા.

‘સાંભળો છો’?

‘કેમ હું બહેરો છું’.

‘મઝાક છોડો’.

આ બાજુવાળા દલાકાકાના છોકરાઓ માટે એક વિચાર આવ્યો છે’.

‘જે કહેવું હોય તે કહોને મને યોગ્ય લાગશે તો આગળ વિચાર કરી તેમને જણાવશું. બાકી મને તો આ તલમાં તેલ જણાતું નથી ‘!

‘તમને તો ખાલી પૈસા કેમ કમાવા તે સિવાય કશું ક્યારે આવડ્યું છે’?

‘હા, એટલે તો તને પરણ્યો હતો કે તું સંસાર ચલાવે ને હું કમાંઉ’.

બન્ને જણા ખડખડાટ હસી પડ્યા. આધેડ ઉમરે આવા ખુલ્લા દિલથી નસિબદાર પતિ અને પત્ની હસી શકે. બાકી લોકો પડ્યું પાનુ નિભાવે !

‘હાં, તે બોલો શું વિચાર આવ્યો. ‘

‘મને લાગે છે જમીન , જાયદાદ અને મિલકતના ભાગલા પાડવાના હોય ત્યારે બૈરાં પિયર મોકલી દેવા. તેઓને કાંઈને કાંઈ વાંધા જણાય.  તમને યાદ છે પેલી જમનાને ત્યાં બે વહુઓએ બધી મિલકત વેચાઈ ગઈ અને અંતે એક મોતીની માળા વધી ત્યારે બે વહુઓએ અડધી અડધી કરી હતી. બેમાંથી એકેય મોટું મન રાખીને ન કહ્યું કે તમે રાખો!’

મારી પાસે આવ્યા ત્યારે મેં કહ્યું,’ એક આખી માળા રાખે બીજીને પૈસા હું આપી દઈશ, તે નવી કરાવી લે ‘!

‘અરે તેં તો ખૂબ સુંદર ઉપાય શોધ્યો. પણ જોજે કોઈને ગંધ ન આવે કે તેઓ પિયર જાય ત્યારે ભાગ પાડવાનો છે!’

‘એ શું બોલ્યા. હું કાંઈ ઘેલી છું. ‘ બસ પતિનો સાથ  મળ્યો એટલે ઝમકુબા પોરસાયા. બન્ને લાભ પાંચમને દિવસે પિયર ગયા. તેમના પતિદેવોએ ધંધાના કામનું બહાનું બતાવી જવાનું ટાળ્યું. ઝમકુબાને ભાવતું તુ ને વૈદે કહ્યું. ઘરમાં શાંતિથી મામલો પતી ગયો. ઝઘડાનું મોં કાળું !

તેઓ પિયરથી પાછા આવ્યા ત્યારે બન્નેના પતિદેવોએ હસતે મુખે તેમના સ્વાગત કર્યા.

 

 

 

 

 

 

 

 

 

ઝમકુબાના ઝબકારા પ્રકરણ- ૯

રાજુલ કૌશિક

ઝમકુબા અને રામદાસને તેમના સગાને ત્યાં મુંબઈ જવાનુ થયું, ત્યાં આગળ સિનેમા જોવા માટે ગયાં અને સિનેમા હોલમાં સિનેમા જોઈને ઝમકુબા તેમનો પ્રતિભાવ આપવા માટે દરેક ડાયલોગ સાથે ઝમકુબાની બુમા બુમથી સૌ પરેશાન થઈ ગયાં. ચોપાટીને સેર કરવા માટે ગયાં, આમ જોવા લાયક બધીજ જગ્યાઓની સેર કરી લીધી.મુંબઈમાં પાડોશી સાથે પણ બહુજ જલ્દીથી હળી મળી ગયાં.એક દિવસ ઝમકુમાસીને પાડોશીને ઘરે પોતાના ગામની ખાસ વાનગી શીખવાડવા માટે બોલાવ્યાં, આજુબાજુની બાજુની બીજી ચાર બેનો પણ શીખવા માટે ભેગી થઈ. અહિંયાં તેમની રસોઈ કલાની મઝા તેમની ભાષામાં સૌને સમજાવી.

ઝમકુ જેનું નામ. કશું નવું ના કરે તો જ નવાઇ. વાર-તહેવારે એના મનમાં કોઇ નવો વિચાર તો સ્ફુર્યો જ હોય અને તે તરત અમલમાં મુકાઇ પણ ગયો હોય. હજુ તો મેળાની રમઝટનો થાક ઉતરે એ પહેલા તો ઝમકુને મુંબઈ સગાના ઘેર જવાનું તેડું આવ્યું.ઝમકુના સ્વભાવ અને આવભગત તો સગા અને વહાલા સૌમાં જાણીતા થઇ ગયા હતા. ભાગ્યેજ કોઇ એવું હતું કે ઝમકુના ઘેર ગયા વગર કે એની આગતા-સ્વાગતાનો લાભ લીધા વગર રહ્યું હોય. ગામમાં ને ગામમાં હોય એને તો ઝમકુ સમય આવે સાચવી લેતી પરંતુ બહારગામથી આવેલાને તો વિશેષ સાચવતી.

મન જુવે છે તો આવે છે ને? કોઇ રોટલાના ભુખ્યા નથી હોતા, પ્રેમના ભુખ્યા હોય છે. અને જગ્યા તો ઘરમાં નહીં રૂદિયામાં હોવી જોઇએ બાકી તો ગમે તેટલી મોટી હવેલી કેમ ના હોય તમારું મન ના જોવે ને તો કોઇએ તમારા ઘરની દિવાલોને ચાટવા આવવા નવરું નથી હોતું. ઘણીવાર ઝમકુ અસ્સલ તળપદી ભાષા પર ઉતરી આવતી અને ઝમકુ જરા વધારે પડતી પરોણાગત કરે છે એવી ટીકા કરે એને સંભળાવી જ દેતી.

રામદાસના દૂરના સગા મુંબઇ જઈને વસેલા. મૂળ તો આ જ ગામના પણ દિકરાઓ ભણી-ગણીને મુંબઈ જઈને સ્થાયી થયા એટલે કાંતિભાઇ અને મંજુબેનને પણ મુંબઈ રહેવાનું થઇ ગયું. એક તો સગા-વહાલા ગામમાં અને આટલા વર્ષો ગામમાં ગાળેલા એટલે વતનની માયા છુટતી નહોતી એટલે વરસમાં બે-ત્રણ વાર તો ગામની ખેપ મારી જતા. જ્યારે જ્યારે એમને આવવાનું થાય ત્યારે અગાઉથી ઝમકુને અને બીજા નજીકના સગાઓને સમાચાર મોકલી દેતા. હોંશીલી અને વ્યહવારુ ઝમકુ માણસોને લઈને કાંતિભાઇ-મંજુબેનનું ઘર સાફ કરાવી રાખતી અને રોજ-બરોજ જોઇતી કરતી વસ્તુઓ અગાઉથી લાવીને મુકી રાખતી. પણ જે દિવસે આવે તે દિવસે તો ભારે હેતથી એમને પોતાના ઘેર જ લઇ આવતી.

“ ભાભી થાક્યા પાક્યા આવ્યા તો અને પરબારા તમારા ઘેર જવાનું નામ લો તો કેમ ચાલે? આ તમારું ઘર નથી? આમ તો તમારું ઘર ખોલવાની જરૂર જ નથી , અહીં જ રહેવાનું હોય પણ તમે છો કે મારું માનતા નથી અને તમારા ઘેર જવાની જીદ પકડી રાખો છો” ઝમકુ મંજુબેનને પ્રેમથી લડી નાખતી. પણ મંજુબેને ય વ્યહવારુ હતા. ઝમકુને પ્રેમથી સમજાવી લેતા.“ જો ઝમકુ, .. તારી માયા અને તારી વાત સાચી પણ કહેવત છે ને કે મેહ અને મહેમાન કેટલા દિ? પહેલે દિવસે પરોણો, બીજે દિવસે પઇ, ત્રીજે દિવસે રહે તેની અક્કલ ગઇ. અને મને તો આવતા ને આવતા જ છીએ ને? જરૂર પડશે તો તને જ સૌથી પહેલા યાદ કરીશ.”

કાંતિભાઇ અને મંજુબેન જેટલા દિવસ રહે એમાં સૌથી વધુ ઝમકુને મળવાનું થતું. જ્યારે પાછા જાય ત્યારે ઝમકુ એમના માટે જ નહીં પણ તેમના દિકરા અને વહુઓ માટે પણ કેટલું બધું મોકલાવતી. ગામની ડેરીના કડક માવાના પેંડા અને દૂધનો હલવો તો અવશ્ય મુંબઈ જાય જ. અને તે સિવાય પણ ઘારી-ગલેફા પણ ખરા.

છેલ્લે આવ્યા ત્યારે તો એમણે પણ ઝમકુ અને રામદાસને ભારે આગ્રહથી મુંબઈ આવવનું નિમંત્રણ આપીને ગયા હતા.

“ ઝમકુ હવે તમારો વારો છે મુંબઈ આવવાનો. અમે તો ઘણીવાર આવ્યા અને આવતા રહેવાના પણ તમે ય કોકવાર આવો તો અમને ય ગમે હોં! આ વરસે નવરાત્રીમાં અમે નવચંડી કરાવવાનું નક્કી કર્યું છે એટલે તમારે આવવાનું  છે.

“ તમારું નોતરું હોય અને અમારે આવ્યા વગર થોડું ચાલવાનું છે? અમે આવી જઈશું. તમારે ફક્ત ક્યારે આવવાનું છે એ કહી દેવાનું. આટલુ મોટું પૂજન હોય એટલે કામે ય ઘણું રહેવાનું ને? તમારા ભાઇ પાછળથી આવશે પણ હું વહેલી આવી જઈશ એટલે તમને ય કામમાં લાગું.”

“ ના ઝમકુ , કામ તો કશું જ નથી રહેવાનું, હવે તો બધો જ કોન્ટ્રાક્ટ આપી દઈએ એટલે આપણે તો ખાલી મહાલવાનું જ. એટલે તમે પૂજનના આગલા દિવસે આવશો તો ય ચાલશે પણ આવ્યા પછી પાંચ સાત દિવસ તમારે રહેવાનું છે. બીજ દિવસે તો બધા મહેમાન હાલ્યા જશે પછી તમને મુંબઇ ફેરવવાના છે. છોકરાઓ અને વહુ એ પણ ખાસ કહ્યું છે.’

અમે આમ ઝમકુ અને રામદાસ ઉપડ્યા મુંબઈ. બે દિવસ તો જાણે ધમાલમાં ક્યાંય નિકળી ગયા પછી મહેમાનોના ગયા પછી જરા હાંશકારો થતા બધા પગ વાળીને બેઠા. દિકરા અને વહુ ને ય ઝમકુકાકી માટે અદકેરો સ્નેહ હતો. અને કેમ ન હોય? ઝમકુ સૌને કેટલા સાચવતી અને વળી કાંતિભાઇ મંજુભાભી હારે કેટલુ ય મોકલતી. આજ સુધી વાવ્યું તેનું તેને લણવાના દહાડા હતા.

ભઈ બીજું બધું તો ઠીક પણ મારે ઓલા શું ક્યે છે? બધી બહુ સિનેમા એક સામટી એક જ જગ્યાએ હોય ત્યાં જવું છે.

“ મલ્ટીપ્લેક્સ કહેવાય એને કાકી.”

“એ જે પ્લેક્સ કેવાતું હોય એ પણ મારે ન્યાં જવું છે.” અને એ દિવસે સાંજે જ સૌ ઉપડ્યા પિક્ચર જોવા.

બાપરે ! શો હંગામો મચાવ્યો છે ઝમકુ એ તો! પિક્ચરની સાથે સાથે ઝમકુના ઝમકારા પણ ચાલુ ને ચાલુ. મારામારી આવે કે ઝમકુ તાનમાં આવી જાય.“ દે દે.. દેવાડ એક ડાબા હાથની અડબોથ એને તો… ઇ લાગનો જ છે. બેન દિકરીઓ પર નજર બગાડે તે કેમ હાલે?”

ગીત શરૂ થાય તો ય ઝમકુને તાન ઉપડે. “લો  આ તે કઈ જાતના માણસો છે એક બીજાથી રિસાયા તો મનાવવાના, આ તમારા શેરમાં શું ક્યે છે સોરી- એવું બધું કહેવાનું કે આમ આઘે ઉભા રહીને રાગડા તાણવાના?”

“આ તે કઈ જાતનું મા મરી ગઈ તેમાં મરશીયા ગાવાના કે ગીત ગાવાના?”

આજુબાજુવાળા ય ઝમકુથી રનીંગ કોમેન્ટ્રીથી ત્રાસી ગયા. કાંતિભાઇ અને મંજુભાભીને ય પસ્તાવો થયો કે આ વળી કયા મુરતમાં પિક્ચરનો પ્રોગ્રામ થયો.પણ ઝમકુને શું કહેવાય ?

વળી બીજા દિવસથી મુંબઈની સફર શરૂ કરી. તારાપોર એક્વેરિયમ, હેંગીગ ગાર્ડન,ચોપાટી…..

હવે તો સૌ એ નક્કી કરી લીધુ કે ઝમકુ માટે તો એવી જ જગ્યાએ વિચારવાની જ્યાં એને એના સ્વભાવ પ્રમાણેની મોકળાશ રહે. ઝમકુને ચોપાટી તો અજબ જેવી જગ્યા લાગી.“ ભઈસાબ ઘરમાં બેસીને ખવાતું નથી તો આમ રેતીના ઢગલા પર બેસીને કે આમ ઉભા-ઉભ  હાથમાં પડીકા લઈને ખાય છે? એને ઊંટગાડીની સેર કરવાની મઝા પડી. “લો ભઈસાબ, આ ખરું આપણા ન્યાં તો કેટલાય રસ્તે રઝળતા ઢોરા જોયા પણ આમ આવી રીતે ફરાય એવું તો કોઇને ય સૂઝ્યુ નથ. ગામડા અને શેરમાં આટલો ફરક હો! ગામના લોકને આવી કઈ કેતા કઈ સૂજ ના પડે અને આ શેરના લોકો તો પાણીના ય પૈસા લ્યે.”

એટલામાં લોકોને નારિયેળ લઈને એમાં સ્ટ્રોથી નારિયેળનું પાણી પીતા જોયા… બસ પતી ગઈ વાત. પોતાની વાત પર જાણે સિક્કો વાગ્યો. “ જો નોતી કેતી હું, કાંઇ અમથા આ માથા ના પટીયા ધોળા કર્યા છ? પીવે છે ને પૈસા ખર્ચીને પાણી પીવે છે ને?”

આવા તો કંઇક તોફાનો ઝમકુએ મચાવ્યા. પણ એની વાત કરવાની હળવી રીતથી સૌને આનંદ આવતો. ઝમકુને સૌથી વધુ ગમી ગયું સિદ્ધિ વિનાયકનું મંદિર. ખુબ રાજી રાજી થઈ ગઈ એ તો. આમ પણ શ્રદ્ધાળુ તો હતી જ અને એમાં ય મુંબઈ જેવા મોટા શહેરમાં આવા મોટા મંદિરમાં ગણપતિ દાદાના આમ દર્શન કરવાનો લાભ મળ્યો તેમાં તો તેનો મુંબઈનો ફેરો સફળ થઈ ગયો.

આમ ને આમ ત્રણ દિવસ નિકળી ગયા અને હવે તો બે દિવસમાં રામદાસને કામને લઈને પાછા જાવાનું હતું.

“ બસ કરો ભાભી, બહુ ફેરવ્યા તમે હવે જરા પગ વાળીને બેસીએ.” ઝમકુએ ફરમાન પાડી દીધું. મંજુબેનને પાડોશ સારો હતો. નવરા પડે એકબીજાના ઘેર ઉઠક બેઠક અને વાડકી વ્યહવાર પણ હતો. વળી મંજુબેન અવાર-નવાર ગામ જાતા એટલે ગામ અને ગામના લોકોના નામથી પણ પાડોશીઓ પરિચીત હતા અને એમાં ઝમકુથી તો ખાસ.. મંજુબેન ગામથી પાછા આવે એટલી વાર ઝમકુની વાત તો હોય જ. નવચંડીમાં પણ સગા-વહાલાની સાથે પાડોશીઓ પણ હતા એટલે તે સમયે ઝમકુની વધુ ઓળખ થઈ. બધાને ઝમકુઓ સાલસ અને હળવાશભર્યો સ્વભાવ ગમી ગયો, ઝમકુ પણ ખુબ ઝડપથી બધા સાથે હળીમળી ગઈ હતી એટલે એ લોકો પણ ઝમકુને લઈને એમના ઘેર આવવાનું મંજુબેનને નિમંત્રણ આપી ગયા હતા.

ફરવાનું પતી ગયા પછી ફરી એકવાર મંજુબેનને યાદ કરાવી ગયા. બપોરે ઘરના સૌ પુરુષો જમી કારવીને કામે જવા નિકળે એ પછી એક જ ઘેર સૌ સાથે મળવાનું નક્કી થયું. બપોરનો સમય હતો એટલે જમીને સૌ મળવાના હતા પણ મોડેથી હળવો નાસ્તો કરીને છુટા પડવાનું નક્કી થયું હતુંઅને સૌ કોઇને કોઇ વાનગી બનાવીને લાવવાના હતા.

ઝમકુને લઈને મંજુબેન પહોંચ્યા ત્યારે લગભગ સૌ આવી ગયા હતા. એકબીજા સાથે ઓળખાણ તો પૂજનના દિવસે જ થઈ ગઈ હતી એટલે મળતાની સાથે સૌ વાતો એ વળગ્યા. ધીમે ધીમે રંગત જામતી જતી હતી. આજે તો સૌએ બનાવેલી વાનગી ખાવાની હતી પણ વાતવાતમાં મંજુબેને ઝમકુની રસોઇની કુશળતાના વખાણ કર્યા એટલે બીજા દિવસે ફરી એકવાર મળવાનું નક્કી કરીને સૌ છુટા પડ્યા.

ખાવાના શોખીનો ને તો અવનવું જાણવાની અને માણવાની તાલાવેલી હોય એટલે આસપાસના બીજા બે-ચાર જણા પણ વધ્યા. સૌએ ચોખાના લોટનું ખીચુ તો ખાધુ જ હોય પણ ઘંઉના લોટ, બાજરીના લોટ, મગ અને મઠના લોટનું ખીચું સૌ માટે નવું હતું. બધા આવે એ પહેલા ઝમકુની ઇચ્છા થોડી તૈયારી કરી લેવાની હતી પણ સૌને એમની સામે જ બનાવે તે જોઇને શીખવાની ઇચ્છા હતી. બધા આવ્યા એટલે સૌ પહેલા ઝમકુએ સરસ મઝાના તાજા ફુદીનાની સાથે સ્ટ્રોબેરી વાટીને એમાં મીઠુ લીંબુ ઉમેરીને શરબત બનાવ્યું એમાં ઉપર બુંદી તરતી મુકી. ગળામાં જે ઠંડક પહોંચી તેનાથી સૌને મઝા આવી ગઈ. પછી તો જે અવનવા ખીચા ઝમકુએ તૈયાર કરતી ગઈ અને શીખવાડતી ગઈ એમાં તો બધાને ખુબ મઝા આવી ગઇ. મુંબઈ આવીને કંઇક નવું ખાવાની તત્પરતાના લીધે જુની વાનગીઓ ભુલાતી ગઈ હતી તેનો આજે ઝમકુએ બધાને આસ્વાદ કરાવ્યો.

મુંબઈ છોડતા પહેલા ઝમકુ તેના સ્વભાવ અને હાથમાં રહેલા અમીથી મંજુબેનના પરિવાર જ નહીં તેમની આસપાસના પાડોશીઓમાં પણ કાયમી યાદ મુકતી ગઈ.

 

 

 

ઝમકુબાનાં ઝબકારા પ્રકરણ ૧૦

ચારુશીલા વ્યાસ

ઝમકુબા મુંબઈ ફરીને આવ્યાં, ગામના લોકો તેમને મળવા આવતાં, ઝમકુ ભોળાં ગામ લોકો આગળ મુંબઈ જ્યાં જ્યાં ફર્યાં હતાં તે જગ્યાઓની અલ્લ્ક મલ્લ્કની વાતો કરીને, અતથી ઈતી સુધીની રામ કહાણી સુંદર રીતે સમજાવી.લોકો એકદમ મગ્ન થઈને ઝમકુને સાંભળવામાં તલ્લીન થઈ જતાં. લોકોને ઝમકુને સાંભળવામાં બહુ જ મઝા આવતી. તેમને તેમના  ઝમકુબા પર અભિમાન હતું . 

ઝમકુબાએ ગામમાં મહિલા મંડળ ઉભુ કર્યું હતું.તેમના  મહિલા મંડળ માં બધાં એક સરખી  ઉંમર ના નહોતા, કોઈના પતિ ગામતરે ગયા હતાકોઈ ત્યકતા તો વળી કોઈ  ડોશીમા.  મંડળમાં  ઘણી જાણવા જેવી વાતો  થતી. પ્રમુખ પદે તો ઝમકુબા રહેતા. તેમની એક પેલી સવિતા પણ હતી તે માંડ પચાસે પહોંચી હતીતે મોટી ઉમરના  બીજવર પતિ ને પરણી હતી. બિચારી નસીબની મારી ગરીબ ઘરમાં જન્મી હતી અને સાવકી માની મહેરબાનીથી માંદા પતિને   પરણી હતી  લાંબી  માંદગીમાં પતિનું મૃત્યુ થયું. સાસુ ,નણંદની પળોજણ નહોતી.છૈયા ,છોકરાં  પણ ન હતા. તેથી તે પણ મંડળમાં  ભળી ગઈ હતી.

સવિતા થોડું ઘણું  ભણેલી હતી. દૈનિક પત્રમાંથી સમાચાર વાંચી બધાને અવનવી વાતો કરતીઝમકુબા પણ નાનપણમાં શાળાએ ગયા  હતાતેમને પણ અવનવી વાતોની ચર્ચા કરવાની મજા આવતીએક  દિવસ સવિતા કહ્યું કેબા ,તમને ખબર છે,બાજુના ગામમાં મેળો ભરાયો છે ? બહુ સરસ સરસ વસ્તુઓ  મળે છે . 

તો તો  જોવા જવું પડશે સવિતા,ક્યારે જઇશુંહું પૂરી શાક બનાવી લાવીશ

તું એકલી કેમ બનાવેઅમે બધાં કઇક ને કઇક બનાવી  લાવીશું.”

સવિતા  બોલી,“બધા વહેલાં નીકળી જઇશું  અને સાંજે મોડા પાછા આવીશું મજા આવશે”.

મંગુએ ટાપશી પૂરી,“બહુ મોડા નહી ,મારે મારી વહુને પૂછવું પડશે”.

સવિતાએ મનનો ઉભરો ઠાલવ્યો,   “મંગુબા ,મને  આખો દિ ઘરમાં એકલા સોરવતું નથી કોક દિ બાર રહેવાનું મન   થાય” .

 ઝમકુબા  કહે,“તારી વાત હાચી છે ,અમારે તો  સઘળું કુટુંબ હારે છે એટલે એકલું લાગે”  .મંગુબા લટકા સાથે બોલ્યા,“હજી મગનભાઈને ગયે વરહ  થયું એટલે  તેને એકલું લાગે તે હમજાય તેવી વાત છે” . ઝમકુબા્ને તેની લાગણી થઈ. “તને એકલા સોરવતું  હોય તો કાલથી તારે ઘેર વેલા ભેગા થાશું”. સવિતાને ગમ્યું.’ તો ક્યારે જાશું ?”  ઝમકુબા તેની ઉત્કંઠા સમજ્યા,“ઈતો  કાલે તારે ઘરે ભેગા થાશું ત્યારે નક્કી કરશું”.સવિતા ખુશ થઈ.“કાલે બધા નક્કી કરીને આવજો બીજે દિવસે બધા સવિતાને ઘેર ભેગા થયાથોડા વહેલા ,કારણ આજે ઓટલા પર છાયો આવે તેની રા જોવાની નહોતી  

ઝમકુબા કહે, “મને વિચાર આવ્યો કે આપણી સાથે આપણી વાહુઆરુઓને પણ  લઇ    જઈ તો?”  મગુબા ટપક્યા,“ મને કેમ ?” ઝમકુબાને દયા આવી,“  બિચાડી   કોઈદી ક્યાં કશે જાય છે? આખો  દિ કામ ને રોયા છોકરા એને  મેળે જવું ગમે ને ?”  મંગુ બા બોલી પડ્યા, “તયે ,છોકરા કોણ રાખશે ?”  ઝમકુબા  હાજરજવાબી,“ ખરું ,હા પણ છોકરાઓ ને પણ લઇ જઈએ તો ?એમને મજા આવશે”  સવિતાને થયું,“ તો બહું પળોજણ થશે છોકરા હારે નઈ મજા આવે બાહમણાં આપણે જાઈએ ,વહુઓ તેના વર છોકરા સાથે જાશે”.  મંજુબા અત્યાર સુધી મુંગા હતા, “ ખરૂ આપણને વહુઓ ટોકશે આપણે તેનું માનવું પડશે”  ઝ્મકુબાએ હા માં હા ભરી, “ચાલો ત્યારે એમ રાખીએ પણ ભેગા જઈએ તો મજા આવશે બધા વિચાર કરી જોજો”   બધા સમંત થયા, “હા ,બા તમારી વાત તો હાચી ચાલો કાલે મળીએ જાય શ્રી કૃષ્ણ”  

 મંગુબાએ મમરો મૂક્યો, “જેનાં છોકરા મોટા હશે તે આવશે સાવ નાના છોકરાઓ વાળા નઇ આવે બધી  ડોશીઓ પોતાને ઘેર જઈને વાત કરી જેના છોકરાઓ થોડા સમજણા  હતા તે વહુઓ તૈયાર થઈ.બીજે દિવસે પાછું મહિલામંડળ  સવિતાને ઘેર ભેગુ થયું કોણ શું ખાવાનું લાવશે , કેટલા વાગે જવું વગેરે નક્કી થયું. બધા જોશમાં આવી ગયા ઘણી બીજી વાતો થઇ. અંતે બધા છુટા પડ્યાબીજે દિવસે નક્કી કરેલ સમયે ઝમકુબા ને ઘેર મળ્યાં બધાએ બસમાં જવાનું નક્કી કર્યું ઝમકુબાએ બધાના પૈસા ઉઘરાવી લીધા. બસ સ્ટેન્ડ પહોચી મેળે જનારી બસ માં ઉત્સાહ ભેર બેસી ગયા. ઝમકુબાએ ટીકીટ કઢાવી બાળકો અને મોટાઓ કુતુહલ વશ બારીની બહાર જોતાં હતા અને બસ ઉપડે તેની રાહ જોતા હતા. બસ ઉપડતા બાળકો ખુશ થઈ ને નાચવા લાગ્યા ઝમકુબા મોટેથી બોલી ઉઠ્યા વહુઓ પોતાના છોરા છોરીઓ ને બેહાડી દ્યો પડશે.

 આમ વાજતે ગાજતે વરઘોડો મેળે પહોંચ્યો. બધાં વારાફરતી નીચે ઉતર્યા મેળાની ઝાકઝમાળ જોઇને આશ્ચર્યચકિત થઈ ગયા. ચારેબાજુ  જોઇને ખુશ થતા હતા ઝમકુબા ના નીચે ઉતારવાની રાહ જોતા હતા તેઓ નીચે ઉતર્યા અને બધાને કહ્યું કે, “જુઓ બધા સાથે રહેજો આગળ પાછળ રહેતા બધા હારે રેજો. છોકરાવાળા છોકરાઓ નો હાથ પકડી રાખજો છૂટા પડી જાય ખોવાય જાય તેનું ધ્યાન રાખજોઆમ ઝમ્કુબાની સૂચના પ્રમાણે ચાલવા લાગ્યા.

મેળો જોતા બધા ટોળકીમાં ચાલવા લાગ્યા. જુદી જુદી હાટડીએ ફરીને અવનવી વસ્તુઓ જોવા લાગ્યા. કોઈએ  રમકડાં લીધાકોઈએ બંગડીઓ લીધીતો કોઈએ અવનવા ચાંદલા  લીધા, તો વળી કોઈએ ભગવાનના ફોટાઓ ખરીદ્યા. બધા થાક્યા હતા પણ છોકરાઓ ચકડોળમાં બેસવા માટે ક્જીએ ચડ્યા હતા. ઝામકુબાએ મોટેથી બોલીને છોકરાઓને સમજાવ્યા કે પછી ચકડોળ માં બેસવા લઇ જશું હમણાં ચાલો બેસવાની જગ્યા શોધીએ. થોડે દૂર એક ઘટાદાર ઝાડ નીચે જગ્યા હતી બધા ત્યાં બેઠા સૌએ પોતપોતાના ભાતા છોડ્યા. કોઈના ઢેબરા ,કોઈના મુઠીયા, ઢોકળા અને પૂરી બધાએ વહેચીને ખાધા. થોડે દૂર આવેલ નળે જઈને પાણી પીધું અને આરામથી બેઠા. છોકરાઓને ચકડોળ ની વાત ભુલાડવા માટે ઝમાંકુબા ને એક વિચાર આવ્યો કે વાર્તા કહે આમ પણ ઝમકુબા ને વાર્તા લડાવી લડાવીને કહેવાની ટેવ હતી છોકરાઓને સંભાળવાની બહુ મજા આવતી તેમણે વિચાર્યું  કે  મહાભારતની વાત કહે પાંડવો કૌરવો ની  વાતો તો સંભાળવાની  તેમને મજા આવશે  તેમણે બધાને બોલાવ્યાઅરે ભૂલકાઓ આંય  ઓરા આવો ,હું તમને સરસ મજાની વાર્તા કહુંબધા પાસે આવીને ઝાડ નીચે બેસી ગયાબા ,પેલા જાદુગર ની વારતા કેહો ?’એક બોલ્યોના બા ,પેલ્લા ભૂત ની કો નેબધાં દેકારો કરવા માંડ્યા બા બધાને ચુપ રહેવા કહ્યું તેમણે  મોટો ઘાટો પાડીને બધાને શાંત પા ડ્યાબહુ સરસ વારતા કેવાની છુંતેમણે ધુતરાષ્ટ્ર અને પાંડુ થી વાર્તા શરુ કરી

પાંડુ રાજા માંદા થયા એટલે વનમાં આરામ કરવા ગયા. ધુતરાષ્ટ્ર આંધળા હતા પણ રાજા બની ગયા હતા એમને સો પુત્રો હતા પાંડુ ને પાચ ,ધુતરાષ્ટ્ર ના પુત્રો સ્વાચ્છદી હતા પાંડુપુત્રો શાંત અને નરમ હતા પણ ભીમ બહુ તોફાની હતો ખૂબ જાડો હતો એક હાથ મારે તો દાત તોડી નાખે એવો જબરો હતો જયારે પાન્ડુ દુનિયા છોડી ગયા પછી તેઓ જંગલમાં રહ્યા. એમને  મહેલમાં રહેવા બોલાવ્યા ધુતરાષ્ટ્ર ના પુત્રો એટલે કૌરવોને ગમ્યું તેઓ પાંડવો ને હેરાન કરવા લાગ્યા પણ ભીમ તેમને  પાઠ ભણાવતો એક વાર દુર્યોધને ભીમ ના લાડુમાં  ઝેર ખવડાવી દીધું તે બેભાન થઇ ગયો, પણ તે શક્તિ શાળી હતો એટલે તેને કઈ થયું .બીજે દિવસે દુર્યોધનને  માર્યો એક વાર મલ્લ યુદ્ધ શીખતા કૌરવોને એવા પછાડ્યા કે ભીમથી બીવા લાગ્યાએક વાર દુર્યોધન અને તેના ભાઈઓ ઝાડ નીચે રમતા હતા ભીમે ઝાડ પાછળ ઊભા રહીને તેને હલાવીને તેમને બીવડાવી દીધા, આમ ભીમ તેના ભાઈઓને બચાવતો. ભીમ અને  તેના પરાક્રમો  ની વાતો સાંભળવાની બહુજ મજા આવી. ત્યાંથી પસાર થતા લોકો પણ ઉભા રહીને સંભાળવા લાગ્યા આવી સરસ વાતો સાભળીને  બાળકો ચકડોળ ભૂલી ગયા

ઝમકુ બાએ એક મોટું અને મીઠ્ઠું તડબુચ ખરીદીને સૌ બાળ સેનાને ફરી થી ગમ્મત કરાવી ત્યારે મંગુ બા પણ થોડા પાછળ રહે ? મોટેરા સૌને ચા અને ગરમાગરમ ભજીયાનો નાસ્તો કરાવ્યો અને મેળાનાં માહોલમાં મસ્તી છલકાવી દીધી.

ઝમકુબાએ ઘડીયાળ જોઇને કહ્યુંઅલી સવલી હાલ ને થોડા ગરબા લઇએ બસને તો હજી કલાક્ની વાર છે

પણ તાલ કોણ દેશે અને ઢોલ ક્યાં છે?” મંજુબાએ પ્રશ્ન ઉઠાવ્યો.

સવિતાનાં બે ડબ્બા અને બે વાડકીઓએ તાલ દેવા માંડ્યો અનેમાઝમ રાતે ગ્યાતા નો ઢાળ મળ્યો અને ધીમે ધીમે સૌ ગરબે રમવા માંડ્યા ત્યાં રમણ ઢોલી અને તેનો નાનીયો મંજીરા લૈને આવ્યો. ગામના અને બહારનાં જુવાનીયાઓની ટોળી પણ ઉમેરાઇ. થોડોક તાલ બેઠો ના બેઠો ને ગામનાં મુખીએ જાહેર કર્યું કે જે સારો ગરબો લેતુ હશે તેને ૧૦૧ રૂપિયાનું ઇનામ.

ઝમકુબાએ ડોશી મંડળ જે થાકતુ જતુ હતુ તેમને કહ્યું તમે પાણી પી આવો અને તમારી વહુઆરુઓને માટે ઠંડી સોડા લેમન લેતા આવજો. આજે તો મેળે સૌને થકવવાના છે. રમણ ઢોલીએ વણઝારો રે વણઝારો શરુ કર્યું ત્યાં ગામની બસ આવી ગઇ. કોઇને નીકળવું નહોંતુ એના પછીની બસ વાગ્યાની હતી.

ઝમકુ બાએ મંગુ બા અને મંજુ બાને ઇશારો કર્યો પણ તેમણે ઇશારાથી કહી દીધુમોડી બસમાં જૈશું આજે તો વહુઆરુ અને તેમની સાસુઓ રંગે ચઢી છે તો હાલવાદે!  ચાર વાગ્યાથી સાડાસાત સુધી સૌ ગરબે ઝુલ્યા અને પછી રાસ મંડાયો

બરાબર સાંજ પડવા આવી હતી ઝમકુબા ઉઠ્યા. બધા પોતપોતાના છોકરાઓનાનાં હાથ પકડીને  ચાલવા લાગ્યા બસ આવી ને તેમાં બેસી ને બધાં પોતાને ઘેર પહોચી  ગયા. તેઓ ખુશ હતા ઝમકુબા હતા એવા નાના સાથે નાના થઇ જતા, હસતા રમતા અને મોટા સાથે મોટા બની યોગ્ય સલાહ આપતા. સરખી ઉમરના સાથે દોસ્ત બની મજાક મસ્તી કરતા બધાને પ્રેમથી રાખતા કોઈ પણ જાતના ભેદભાવ વગર આવા ઝમકુબાને સહુ આદર આપતા.

ઘરે પહોંચીને સવિતા કહે, “ ઝમકુબા  બપોરે  મેળામાં  લોકોને વાત જામતી નહતી પણ સાંજે ગરબા અને ડાંડીયાએ રંગ રાખી દીધો. બસ ત્યારે હવે દરેક પૂનમે ઉપડીશું કોઇ મંદીરે કે પ્રવાસે. તું તૈયારી કરજે અને કરાવજે. મઝા કરાવવાનાં દરેક કામમાં ઝમકુબા હોંશિયાર છે એવું લાગ્યું મને?”

હા અને બાલ, જુવાનીયા અને બુઢ્ઢાઓ સૌને મસ્તીમાં ઝબોળી દીધા તમે તો!”

ચાલ બેન તુ તારે ત્યાં જા અને મારે મારા ઘરને સંભાળવાનુ છે ને? અને પગતો હવે થાને કારણે રાસ લ્યે છેઆવજે.

 

ઝમકુબાના ઝબકારા  પ્રકરણ– ૧૧    હેમા પટેલ

મોટાં શહેર કરતાં નાના ગામડામાં એક બીજા પ્રત્યે ભાઈચારો અને પ્રેમભાવ વધારે જોવા મળે. ફળિયામાં એક માણસ દુખી હોય, કોઈને પણ મુશીબત આવે તો તેના દુખમાં ભાગીદાર થવા માટે બધા જ પહોંચી જાય.સુખ-દુખમાં સાથ નિભાવે.કોઈનુ દુખ દુર ન થાય પરંતું બધાનો સાથ હોય એટલે દુખ હળવું થઈ જાય . સૌના માનીતા અને લાડકા આપણા ઝમકુબા દરેક વાતમાં સૌથી આગળ જ હોય.આટલી ઉંમર હોવા છતા ન થાક હમેશાં ખુશ મિજાજ, હસતો ચહેરો બસ હમેશાં બીજાને મદદ કરવા માટે તત્પર.તેમની સલાહથી જ બધાં કામ થાય. સેવાભાવી અને લાગણીશીલ સ્વભાવ અને પરોપકારી જીવનને કારણ ઝમકુબાનુ વ્યક્તિત્વ સૌથી અલગ તરી આવે તેને કારણ સૌ તેમને માન સંન્માન આપે સાથે સાથે તેમનો બોલ કોઈ નકારતું નથી..આધ્યામિક જીવન હોવાથી કથા વાર્તા વ્રત વગેરેમાં રસ, ધાર્મિક કાર્યો તેમની આગેવાની હેઠળ જ આયોજીત થાય.

રામદાસભાઈ અને ઝમકુબા મુંબઈ ફરીને આવ્યા હજુ પણ ઝમકુબાને મંબઈની યાદ આવે છે. રાત્રે જમી પરવારીને સુવા માટે ઉપર આવ્યા થોડી વાતો થઈ ઝમકુબા ધીમેથી બોલ્યા

“ એય તમને એક વાત પુછુ,”

રામદાસભાઈ – “ ભસને “

ઝમકુબા – “ એ ! હું કુતરું છું તે ભસવાની છું, તમને તો મારી વાતો હું ભસતી હોય એમ લાગે છે,તમે કાયમ મારી વાત અધ વચ્ચે જ ઉડાડી દોછો કોઈક વાર તો શાંતિથી મારી વાત સાંભળો “

રામદાસભાઈ – “ હા બોલ શું કહેવા માગે છે ? “

ઝમકુબા  – “તમને મુંબઈ યાદ આવે છે ? મને તો દરોજ યાદ આવે છે. આપણે એક સિનેમા જોઈ હતી તેમાં પેલી બાઈ તેના ધણી માટે દરોજ ભાથુ બાંધીને ખેતરમાં જમાડવા માટે જાય છે, સાચું કહું મનેય અભરખા થાય છે હું ય તમારા માટે માથે ભાથુ બાંધી ખેતરમાં જમાડવા આવું”

રામદાસભાઈ – “અરે મારી ઘેલી બાયડી ! તું ગાંડી થઈ ગઈ છું ? તારી અક્ક્લ ઘાસ ચરવા ગઈ હોય એમ લાગે છે, બોલતા પહેલાં મારી આબરૂનો તો વિચાર કર. હું ખેતરમાં હળ ખેડુ છું ? મારે તો દેખરેખ રાખવાની છે, ખેતીનુ બધુ કામ માણસો કરી લેછે. અને આમેય હું ઘરે જમવા આવું છું. ઉંમરની સાથે તારી બુધ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ છે.”

ઝમકુબા – “ એમાં આટલા અકરાવ છો શું કામ, આ તો મારા હૈયામાં અભરખા ઉભરાયા હું શું કરું ? મારુ હૈયુ હિલોળે ચડે એમાંય તમારી પાબંધી ! વિચારવા માટે તમારી પરવાનગી લેવાની ? તમે મરદ જાત અમારા જેવા વિચારો થોડા આવે તમને તો બસ રૂપિયાના જ વિચાર આવે.”

ઝમકુબા દરોજ એક વખત પણ મુંબઈની વાત ન કરે તો એમને ચેન ના પડે.રામદાભાઈ ઝમકુબાની રોજ રોજની હરકોતીથી તંગ આવી ગયા છે. તેમની નાદાન હરકતોથી રામદાસભાઈને કેટલી બધી વખત શર્મિદા થવું પડે છે. હરકતો નાદાન છે પરંતું ઝમકુબા દિલના બહુજ સાફ છે માટે આંખ આડા કાન કરે છે, પરંતુ જ્યારે વધારે પડતા રમુજે ચડે ત્યારે ટકોર કરવી પડે છે.

ઝમકુબાના પાડોશીના દિકરાની વહુ તેને પહેલો છોકરો જન્મો છે અઠવાડિયા પહેલાંજ પીયેરથી બાબાને લઈને આવી છે.તેનો બાબો આજે રાત્રે ખુબજ રડી રહ્યો છે. રાત્રે ઝમકુબાએ તેના જોર જોરથી રડવાનો અવાજ સાંભળ્યો એટલે રામદાસને ઉઠાડીને કહ્યુ

“ જોવોને આ બાજુવાળી સુધાનો છોકરો બહુ જ રડે છે. બિચારી નાની છે તેને સમજણ નહી પડતી હોય છોકરો આટલો બધો કેમ રડે છે, હું જઈને જોઈ આવુ કંઈક ઉપાય થાય. છોકરો છાનો રહે.”

રામદાસભાઈ – “ હા તારી વાત તો સાચી છે એક કલાકથી ખુબ રડે છે, જા જઈને જોઈ આવ “

ઝમકુબા – “ હા, હમણાં જ જઈને જોઈ આવુ શું થયું છે.”

ઝમકુબા સુધા પાસે પહોંચી ગયાં છોકરાના પેટ પર હાથ મુક્યો, પેટ તડ તડ હતું, જોઈને કહ્યું આ ને પેટમાં દુખે છે, મારી બેન તૂં ખાવા પીવાંમાં સાચવ, એને તારું દુધ પીવડાવે છે, કંઈ આડુ અવળુ ખાઈશ અને આ છોકરો હેરાન થઈ જશે.ઝમકુબા પાસે ઓસડીયું હતું તે પીવડાવ્યુ અને છોકરો શાંત પડીને પાંચ દશ મિનિટમાં સુઈ ગયો. ઝમકુબાએ સુધાને ખાવા-પીવાની સમજણ પાડી અને નાના છોકરાંની કેવી રીતે સંભાળ રાખવી એ પણ સમજાવ્યું. સુધા તો આંખમાં આંસુ સાથે ઝમકુબાને વળગી પડી, છોકરો રડતો બંધ થયો અને ઉંઘી ગયો એટલે તેને શાંતિ થઈ.ઝમકુબાએ કહ્યું ક્યારનો રડતો હતો મને બોલાવાય નહી કંઈ પણ કામ હોય તો વીના સંકોચે મને અડધી રાતે ઉઠાડીશ તોય હું હાજર થઈ જઈશ. કોઈ મુઝવણ હોય તો મને કહેજે હું તેનો ઉકેલ શોધી આપીશ.સુધા ગળગળી થઈને બોલી બા તમારો ખુબ આભાર.મને તો સમજણ ન હતી પડતી શું કરવું.

ઝમકુબા – “ હા ચાલો હવે બંને શાંતિથી સુઈ જાવ. હુ ચાલી “

રામદાસભાઈએ ઝમકુના મૉઢા ઉપર આત્મ સંતોષની ખુશી દેખી. વિચારવા લાગ્યા તેને બીજાને મદદ કરીને ઘણીજ ખુશી મળે છે. તેનો આ સ્વભાવ મને ગમે છે.

આ વર્ષે શ્રાવણ અને અધિક માસ સાથે આવ્યા છે, મંદિરમાં ભકતડાંની ધોડ ધામ વધી જાય અને આમેય ભક્ત ન હોય તો પણ મંદિરોમાં ઉત્સવો ધામ ધુમથી ઉજવાય તેમાં દરેક જણ હશીખુશી ભાગ લઈને આનંદ પામે છે. મોટાં શહેરોમાં દરેક ધાર્મિક ઉત્સવો ઉજવાતા હોય તો નાના ગામડામાં તો લોકો એક જ પરિવારના સદસ્ય હોય એ રીતે દરેક ઉત્સવ ઉજવે છે.ઝમકુબાના મનને તો ખુશી વહેચવાથી તેમને ખુશી ઓર વધી જાય છે.મંદિરમાં ભાગવત કથાનુ આયોજન થયું તેમાં કથાકારની સેવામાં ઝમકુબા ખડે પગે હાજર ! તેમનુ રહેવાનુ, ચા,પાણી નાસ્તા, જમવાનુ વગેરેની સગવડ તેમજ આરતી-પ્રસાદ વગેરે સર્વેની જવાબદારી ઉપાડી લીધી. દરોજ સમયસર કથામા પહોચી જઈને આગલી હરોળમાં બેસીને ધ્યાનથી એક ચિત્તે કથા સાંભળે. કોઈની હિંમત નથી કથા ચાલતી હોય ત્યારે વચ્ચે કોઈ વાતો કરે.

ઝમકુબાના સ્વભાવથી કંટાળીને રામદાસભાઈ બુમાબુમ કરે છે, ઝમકુબા થોડા સાંભળવાના છે.રામદાસભાઈ જાણે છે બે પવિત્ર માસ સાથે આવ્યા છે મારી ઘેલી ઝમકુ ઝાલી નહી રહે એટલે એક દિવસ બોલાવીને ઝમકુને કહ્યુ

રામદાસભાઈ – “ મારી ઘેલી ઝમકુડી હું જાણુ છું આ બે મહિના તૂં રમણ ચકરડીએ ચડશે, તારો પગ ઘરમાં ટકવાનો નથી, ગામ સેવા કર્યા વીના ઘરમાં ચુપ ચાપ બેસી રહેજે ‘

ઝમકુ – ‘ એ શું બોલ્યા ? બે પવિત્ર માસમા ઝમકુ ચુપચાપ ઘરમાં બેસી રહે એવું કદી બને ? નારે ના હું તો મારે જે કરવું હોય તે કરીશ. હું તમારી ખેતીવાડીમાં ક્યારેય માથુ મારું છું ? આ ભવ મનુષ્યનો મળ્યો છે, જેટલુ પુણ્ય એકઠુ કરાય એટલુ પોટલું બાંધવા દો, તેમાં મારી વચ્ચે ના આવશો, આ કહી દઉ છું.”

રામદાસભાઈ  – “ તેં ક્યારેય મારુ સાંભળ્યું છે તો આજે સાંભળવાની છું તૂં તારા મનનો રાજા છે, તારે જે કરવું હોય તે કર. તારા રોજ રોજના નાટકથી હું કંટાળી ગયો છું સાચુ પુછો તો આ બધું મને પસંદ નથી આ ઘેલી બૈરીને કોણ સમજાવે “

ઝમકુ – “ હું ભગવાનની ભક્તિ કરું છું તે તમને નાટક લાગે છે ? તમને કોણ હમજાવે ? “

રામદાસભાઈ – “ તને ભક્તિ કરવાની ક્યાં ના પાડુ છું, ઘરમાં બેસીને શાન્તિથી ભગવાનનુ જેટલુ નામ લેવું હોય એટલું લે કોણ મના કરે છે, આતો એ બહાને બહાર ભટકવાની ટેવ પડી ગઈ છે આ ઉંમરે તને બધું શોભે છે ? “

ઝમકુ (ગુસ્સે થઈને) – “ હું કયું, ભટકવાની ટેવ પડી છે ? ભટકવાનુ કોને કેવાય એ ભાન છે ? જીભને લગામ ખેંચો નહીતો મારા જેવી કોઈ ભૂડી નથી, ભગવાનનુ કામ કરવામાં ઉંમર વચમાં ક્યાં આવી ? ઘડપણ હરિ ભજન માટે તો છે. હું ઉંધા કામ તો નથી કરતી, મેં મારગ તો સાચો જ પકડ્યો છે, ગામ સેવા અને ભક્તિ એમાં ખોટું શું છે ? “

રામદાસભાઈ – “ શાંત –શાંત-શાંત, ખમ્મા કર મા જગદમ્બા, શાંતિ રાખ મારી મા, તારે જે કરવું હોય તે કરજે, તું સાચી હું ખોટો બસ , મારે કજિયા – કંકાસ નથી જોઈતો “

ઝમકુનો ગુસ્સો શાંત પડ્યો અને પ્રેમભરી નજરે રામદાસભાઈને જોવા લાગી,

બોલી – “ મારા ભોલા ભંડારી તમારી ઉપર વારી જાઉં, બહુજ સમજદાર છો, દરેક જનમમાં તમે જ મળજો એવી ભગવાનને પ્રાર્થના કરું છું, આપણે સાથે સાત જનમ નિભાવીશું “

રામદાસભાઈ મનમાં જ બબડ્યા આ એક જનમ ભારે પડ્યો અને આ ઘેલી સાત જનમની વાત કરે છે.

ઝમકુએ જોયુ રામદાસભાઈ કંઈક બબડ્યા એટલે પુછ્યું – “ હું કીધું? જરા મોટેથી બોલો મેં હાંભર્યુ નઈ ?

રામદાસભાઈ- “ કંઈ નહી મારી મા, મારી સામત આવી છે કે હું તને ફરીથી કંઈ કહું “

રામદાસભાઈ ખેતરની વાડીમાં જવા નીકળી ગયા.આમ ઝમકુના સંસારમાં પતિ-પત્નીની નોક ઝોક ચાલે છે છતાં પણ એક બીજાને અનુકુળ થઈને રહે છે, તેઓનો સુખી સંસાર છે જે એકદમ સ્મુધ ચાલી રહ્યો છે.

શ્રાવણ માસ છે નાની છોકરીઓના વ્રત આવતા હોય છે. ઝમકુબા ગામની છોકરીઓને ભેગી કરીને આગલે દિવસે હાથ મેંદીથી રંગાવ્યા.બીજે દિવસે સવારે મંદિર પૂજા કરવા લઈ ગયા, પુજા પતી એટલે પોતાને ઘરે લઈ જઈને કેસર-બદામ-પીસ્તા-ઈલાયચીનુ દુધ બનાવીને છોકરીઓને ગરમ ગરમ પીવા માટે આપ્યુ. તાજા ફળ મંગાવી રાખ્યા હતા તે ખવડાવ્યા, ખેતરમાં બારમાસી આંબા છે માટે કમોસમી મીઠી કેરી પણ સાથે હોય જ ઝમકુબા છોકરીઓને પ્રેમથી ખવડાવે અને છોકરીઓ હોંશે હોંશે ખાઈને કિલ્લોલ કરતી દોડા દોડી કરી મુકે છે. સાંજના સરસ અંબોડા વાળીને માથે ફુલ ગજરા નાખીને સુંદર આભુષણ અને ચૈણિયા ચોળી પહેરાવીને તૈયાર કરીને હાથમાં સુકામેવાની નાની થેલી પકડાવીને ગામના બગીચામાં ફરવા લઈ જાય.રાત્રે છોકરીઓને ભેગી કરીને સમજાવે પૂજા કરીને ઉપવાસ કરીને વ્રત પુરુ નથી થતું સાથે શીખવાનુ છે, વડીલોનો આદર સત્કાર કરવો, વડીલોની આજ્ઞા પાળવાની,વ્રત કરવાથી સારો વર મળે એ ખરું પણ સાસરે જઈને દુધમાં સાકર ઓગળીને ભરી જાય એમ આપણે પણ પ્રેમથી બધાંના દીલ જીતીને ઘરમાં ભળી જવાનુ.સહનશક્તિ કેળવીને બધુ સહન કરતા શીખવાનુ છે. આમ ઝમકુબા છોકરીઓને ઘર ઘ્રહસ્તી નિતિના પાઠ ભણાવે છે.છોકરીઓને ઝમકુબા અતિશય પ્રિય છે.

શ્રાવણ માસ છે એટલે ગામમાં બહેનોનો નિયમ નદીમાં નાહીને પછી મંદિર જવાનુ પવિત્ર માસમાં નદીમાં સ્નાન કરવાથી પુણ્ય મળે એમ બહેનો માને છે.માટે પુણ્યનુ પોટલુ બાંધવા માટે દરોજ નદીમાં સ્નાન કરવા જવાનુ. ઝમકુબાને પાણીમાં સ્વિમીંગ કરતા સરસ આવડે છે તે બધાજ જાણે છે.આજે શ્રાવણ માસનો સોમવાર હોવાથી છોકરીઓ વધારે આવી છે.નાની છેકરીઓને નદીમાં તરતાં શીખવાડી રહ્યાં છે ત્યાં અચાનક એક છોકરી નદીના પ્રવાહમાં ખેંચાઈને તણાવા લાગી બધાના જીવ અધ્ધર થઈ ગયા,બુમાબુમ ચાલુ થઈ,એ છોકરી વહેણમાં ખેંચાઈને ચાલી કોઈ બચાવો. ઝમકુબાએ કહ્યું બધાં શાંતિ રાખો બુમો ના પાડશો, બુમો પાડવાથી પાછી નહી આવે.મા પાર્વતી અને શીવજી પર ભરોસો રાખો તેને કંઈ નહી થાય.ચિંતા ના કરશો ભગવાન મારી સાથે છે, મને મદદ કરશે, શક્તિ આપશે મને વિશ્વાસ છે.હું બેઠી છું છોકરીને કંઈ નહી થવા દઉં. ઝમકુબા હિંમત કરી વહેતા પ્રવાહ બાજુ ઝડપથી બહાદુરીથી તરવાનુ ચાલુ કર્યું અને થોડી ક્ષણોમાં છોકરીને ડુબતી બચાવીને હેમ ખેમ પાછી કિનારે લઈ આવ્યા. બધાની જાનમાં જાન આવી.

ઝમકુબા – “ આ છોકરીએ વ્રત કર્યું છે, ભુખી રહી છે, પૂજાપાઠ કરે છે, મા પાર્વતિ અને ભોલેનાથ તેનુ અજુગતુ કદી ના થવા દે. શીવ-પાર્વતીએ તેને બચાવી લીધી. “

ઝમકુબા તો હમેશાં સારા વાર તહેવાર ક્યારે આવે એજ રાહ જોતાં હોય, આ દિવસોમાં આનંદ-વિભોર થઈ ઉઠે.

આજે સવારે ગામમાં કુટુંમ્બ નિયોજનવાળી બે બહેનો આવી એક છોકરો ગામની ભાઘોરેથી બંને બહેનોને ઝમકુબાને ઘરે લઈ આવ્યો. બહેનોએ ઝમકુબાને બધી વાત કરી એટલે ઝમકુબાએ ગામની બધી સાસુ-વહુઓ, મહિલા મંડળ ભેગુ કરવા છોકરાને મોકલ્યો જા બધાને મારે ઘરે બોલાવી લાવ. બધાં ભેગાં થાય ત્યાં સુધી, વહુને કહીને ચા મુકાવી, ગરમ થેપલાં અને ચા નાસ્તા માટે આપ્યા ઝમકુબાનો રમુજી સ્વભાવ તે કોઈને બાકી રાખે , બે બહેનો આવી હતી તેમાંથી એક બહેને હેરસ્ટાઈલ કરી હતી તે જોઈને તરત જ બોલ્યાં

“ આય હાય બેન તૂ તો બહુ રોફીલી હોં, આ મીનાકુમારી જેવી સરસ લટો કાઢી છે ને તેં તો,બહુ રૂપાળી દેખાય છે હોં. જેટલાં ત્યા હાજર હતાં તે બધા હસી પડ્યાં, પેલી છોકરી શરમાઈને નત મસ્તક બની , ઝમકુબા બધાંને તાડુક્યા એમાં દાંત શું કાઢવાના ચુપ રો બધીઓ, આ બિચારી શરમાઈ ગઈ “

આવેલી બે બહેનોએ બધાને વધતી વસ્તીને કારણ ફેમિલિ પ્લાનીંગ વિશે માહિતી આપી. જે વાંચી શકે તેના માટે બુકો આપી. વસ્તી નિયંત્રણ કેવી રીતે થાય તે બધું જ સમજાવ્યુ.ઝમકુબા તરત જ બોલ્યાં હા આ વસ્તુ માટે સમજની જરૂર છે. આમારા વખતે આવું કંઈ હતું નહી. અમે પણ આ બહેનો કહે છે તે પ્રમાણે ચાલ્યા હોત.કંઈ અફસોસ નહી કરવાનો જાગ્યા ત્યાંથી સવાર, આગળની પેઢીમાં જાગૃતિ આવશે અને સુધરશે.

સવારમાં રામદાસભાઈ અને ઝમકુબા ચા પીતી હતા અને તેમની દિકરી મીતાનો અમેરિકાથી ફોન આવ્યો. પુછ્યું

“ બા-બાપુજી બધુ બરાબર છે ? તમારી તબીયત સારી છે ? બાપુજી તમારો ભાણો જીદ કરે છે નાના-નાનીને અમેરિકા બોલાવો અને બાપુજી મારી પણ ખુબજ ઈચ્છા છે ભાઈ-ભાભી સાથે તમે બહુ વર્ષો રહ્યા હવે અહિંયાં અમારી સાથે આવીને રહો,અમે તમારી માટે જે ફાઈલ કરી હતી તે ખુલી છે અમે તેના માટેની બધી કાનુની વિધી પતાવી દીધી છે વીઝા લેવાના થશે ત્યારે તમારો ભાણો રાહુલ ત્યાં આવશે તે ત્યાં આગળ વીઝા લેવા જવામાં બધી મદદ કરશે અને તેની સાથે જ બા-બાપુજી તમારે આવવાનુ છે”

રામદાસભાઈ – “ બેટા આ ઉંમરે અમે ત્યાં આવેની શું કરીશું ? “

રામદાસભાઈ વાત કરતા હતા અને વચ્ચેજ ઝમકુબાએ ફોન રામદાસભાઈના હાથમાંથી લઈ લીધો અને બોલ્યાં “ મારી દિકરી જય શ્રી ક્રિષ્ણ, કેમ ખુશી આનંદમાં છે ને ? બધુ ઠીક ઠાક છે ને? તારા બાપુજી ભલે ગમે તે બોલે નારાજ ના થઈશ એમને ભાન નથી દિકરીનુ દિલ આમ દુભાવાય ? અમે જરુર આવીશું તૂ તારે બેફિકર રહે. તારા બાપુજીને હું મનાવી લઈશ.ત્યા આગળ ભાણેજાં અને જમઈ મઝામાં છે ને ? આજે તારો અવાજ સાંભળી બહુ સારું લાગ્યુ, બેન મારું તો શેર લોહી ચડ્યું તારા બાપુજી તો તારી સાથે વાત કરીને ગળગળા થઈને આંખ છલકાઈ જાય છે. તું તારે જે તૈયારી કરવાની હોય તે કરી લેજે અમે નક્કી આવીશું. “

ઝમકુબાના ઝબકારા  પ્રકરણ – ૧૨

  હેમા પટેલ

ઝમકુબા અને રામદાસભાઈ માટે તેમની દિકરી મીતાએ અમેરિકા માટેની ફાઈલ કરી હતી તેના માટેના વીઝા કૉલની તારીખ આવી ગઈ એટલે મીતાબેને રાહુલની ઈન્ડિયા જ્વાની ટિકિટ બુક કરાવી લીધી અને ઈન્ડિયા ઝમકુબાને ફોન કર્યો.

મીતાબેન – “ બા, રાહુલ તમને અને બાપુજીને લેવા માટે ઈન્ડિયા આવે છે, વીઝા લઈને તમારે પહેલાં લંડન અને પછીથી અમેરિકા આવવાનુ છે તો એ રીતે તૈયારી કરી રાખશો.”

ઝમકુબા  – “ દિકરી તારો અવાજ સાંભળીને ખુબજ આનંદ થયો.તારા માટે શું લઈ આવુ ? જે જોઈએ એ તે રાહુલ સાથે ખબર મોકલાવજે “

મીતા – “ બા-બાપુજી તમે આવી જાવ, અમારે કંઈ નથી જોઈતું અહિયાં બધુ જ મળે છે”

ઝમકુબા તો લંડન,અમેરિકા જવાનુ દિકરી જમાઈ અને ભાણેજોને મળવાનુ તેમને ખુશી સમાતી નથી. આખા ગામમાં સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા, લોકો એક પછી એક તેઓને મળવા માટે અને ખુશી વ્યક્ત કરવા ટોળે મળ્યા. ઝમકુબાના ઘરે જાણે મોટો પ્રસંગ હોય એવો માહોલ સર્જાઈ ગયો.ઝમકુબાએ જવાની તડામાર તૈયારીઓ કરવા માંડી, તેમના નણંદે જાણ્યુ તે પણ ભાઈ-ભાભીને મળવા આવી ગયાં, તે લોકો જાય ત્યાં સુધી તેમની સાથે રહેવાનુ નક્કી કર્યું.રાહુલ પણ ઈન્ડિયા આવી ગયો.ઝમકુબા રાહુલને જોઈને ગલે લગાવ્યો, ઓવારણા લીધા ગદગદ થઈ ગયાં, રામદાસભાઈની પણ આંખ ખુશીથી ભરાઈ આવી.નાના-નાની રાહુલને જોઈને બહુજ ખુશ થઈ ગયાં, દાદીએ ઘણી બધી વાતો કરી, તેના માટે જાત જાતના પકવાન બનાવ્યા હતા,હોંશે હોંશે ખુશીથી જમાડ્યો, નાના-નાનીને ભાણેજને જમાડીને કલેજે ઠંડક પહોંચી.ઝમકુબાને ખબર છે એક ભાણેજને જમાડો તો સો ભ્રાહ્મણ જમાડ્યાનુ પુણ્ય મળે. અહિંયાં પુણ્ય તો ઠીક પ્રેમ વધારે છે.

મુંબઈ વીઝા લેવા જવાનુ હતું રાહુલ અજાણ્યો છે એટલે રામદાસભાઈએ તેમના બનેવીને સાથ આવવા માટે બોલાવી લીધા, આમ ચારેવ જણાં વીઝા લેવા માટે મુંબઈ ગયાં એમ્બેસીમાં ગયાં,,વીઝા મળી ગયા, બે દિવસ રોકાઈને રાહુલને મુંબઈ ફેરવીને બતાવ્યુ અને પાછા ગામ આવી ગયાં.

રાહુલે કહ્યું – “ બા-દાદા, આપણે પહેલાં માસીને ઘરે લંડન જવાનુ છે, ત્યાર પછીથી અમેરિકા જવાનુ છે એમ મારા મમ્મીની ઈચ્છા છે તો એ રીતે ટિકિટ બુક કરવાની છે”

ઝમકુબા – “ બેટા મારી પણ દિકરીને મળવાની ઈચ્છા છે એટલે તેને મળીને પછીજ જઈશું”

બધી તૈયારી થઈ ગઈ, ટિકિટો બુક થઈ ગઈ,બેગો તૈયાર કરતાં હતાં ત્યારે ઝમકુબા પાપડ-વડીઓ પેક કરીને ભરતા હતાં રાહુલે ના પાડી બા બધુ ત્યાં મળે છે બેગમાં વજન ના ભરસો એરપોર્ટ પર બધુ ફેકાવી દેશે.

રામદાસભાઈએ પણ કહ્યુ – “ ઘેલી થઈ ગઈ છું? કોઈને પુછ તો ખરી, શું લઈ જવુ અને શુ નહી,”

ઝમકુબા – “ભલે મારા બાપ, આ કાઢી નાખુ બધું બસ, આમ અકરાશો નહી, તમારુ નામ શું કામ લજવો છો,ગુસ્સો નાકની અણી પર અને નામ રામદાસ ! તમારી ફોઈને શું કામ બદનામ કરો છો”

રામદાસ – “ તૂં મને ગુસ્સો કરાવે છે, સીધી રહેતી હોય તો ગુસ્સો ના આવે, મારા હિસાબે તું હજુ નાની બાળકી જ છે મોટી થઈજ નથી.“

બધાં એક સાથે હસી પડ્યાં.આખરે જવાનો દિવસ આવ્યો, આખુ ગામ ઝમકુબાને વળાવવા માટે ભેગું થયું. રામદાસના બહેને ત્રણેવના કપાળે વિજય તિલક કર્યુ,દહીં-સાકર ખવડાવ્યા હાથમાં શ્રીફળ આપ્યુ, ગામમાં સૌના લાડકાં ઝમકુબા પરદેશ જઈ રહ્યાં છે, વિદાઈની ઘડી છે, બધાંની આંખો ભિંજાઈ, ઝમકુબા બોલ્યાં સૌને જય શ્રી કૃષ્ણ.ત્રણેવ જણાં મુંબઈ જવા નીકળ્યાં.ઝમકુબા વીના તેમનુ ઘર, ફળીયું અને ગામ સુના પડી ગયાં.

ઝમકુબા પહેલી વખત પ્લેનમાં બેઠાં તેમને હવામાં ઉડી રહ્યાં છે અજાયબી લાગે છે,જમવાનુ આવ્યુ તેમણે ના લીધું સાથે લાવ્યાં હતાં તે થેપલાં અને છુંદો ખાઈ લીધા.દીકરીને મળવાના ઈન્તજારમાં આખે રસ્તે એક જોકુ પણ નથી લીધું. બ્રિટિશએરવેઝ ત્રણેવને લંડન લઈ આવ્યું, તેઓને લેવા માટે તેમની દિકરીનો પુરો પરિવાર બે ગાડી લઈને આવ્યાં હતાં.એરપોર્ટ ઉપર બધાં રામદાસ અને ઝમકુબાને પગે લાગ્યાં એક પછી એક, એક બીજાને ગલે મળીને ભેટ્યાં. ગાડીમાં બેસી ઘરે જવા નીકળ્યાં,ગાડી ઘરના આંગણમાં આવીને ઉભી રહી.ઘરમાં દાખલ થયાં ઝમકુબાને હૈયે આનંદ સમાતો નથી ખુશીમાં તેમને ન કોઈ થાક કે ઉંઘ ! દિકરીને વર્ષો પછી મળ્યા.

ઝમકુબાની દિકરી રમા – “ બા-બાપુજી તમે થોડા ફ્રેશ થઈ જાવ હું બધાં માટે આદુ-ઈલાયચી વાળી ગરમા ગરમ ચા બનાવું છુ, સૌ ટેબલ પર ગોઢવાયાં રમા ચાની સાથે મઠિયાં-મગસ,સેવ, તીખી પુરી, બિસ્કિટ વગેરે નાસ્તા મુક્યા, ચા નાસ્તો કર્યો. રમાએ કહ્યુ, બા-બાપુજી તમે ઉપર બેડરુમમાં જઈને સુઈ જાવ ઉઠીને પછીથી આરામથી નાહી લેજો.”

ઝમકુબા અને રામદાસ બોલ્યાં ના બેટા પહેલાં નાહી લઈશું પછીથી સુઈ જઈશુ. આખે રસ્તે બંને સુઈ ગયાં ન હતાં એટલે નાહીને સરસ ઉંઘ આવી ગઈ, બે કલાક આરામ કરીને બંને નીચે આવ્યાં, ભાણીએ નાના-નાનીને આખુ ઘર બતાવ્યુ.દિકરીનો સુખી સંસાર જોઈને રામદાસ અને ઝમકુબાના હૈયામાં ખુશીની સાથે સાથે ઠંડક પહોંચી. સંતાન સુખી તો મા-બાપ સુખી અને ખાસ કરીને દિકરી સાસરે સુખી હોય તે ખુશી અલગ જ હોય છે.રમા, બા-બાપુજીને એક મહિનો રાખવાની હતી આગળથીજ બધુ પ્લાનીંગ થઈ ગયું છે, સગાં સંબધી, મિત્ર મંડળમાં બા-બાપુજીને લઈને ડીનર પર જવાનુ અને લંડનની સેર.

રમા –“ બા-બાપુજી તમે બે દિવસ આરામ કરી લો પછીથી બધે ફરવા જવાનુ છે.મુસાફરીનો થાક હોય અને દોડા દોડી કરીએ તો બિમાર થઈ જવાય.”

ઝમકુબા- “ બેટા તેં જે રીતે ગોઠવ્યું હશે એમજ કરીશું, બે દિવસ તારે ઘરમાં સાફ સફાઈ કે પાપડ-પાપડી બનાવવાના હોય તો તને મદદ કરું”

રમા- “ ના બા મારે કંઈ નથી કરવાનુ તમે શાંતિથી મારે ઘરે રહો”

ઝમકુબા – “ રમા બેટા તું રસોડામાં ના જઈશ હું ખાવા બનાવીશ”

રામદાસ – “ રમા, તારી બા ઝંપીને નહી બેસે તેને ખાવા કરવા દે તને એટલા દિવસ રસોડામાં છુટ્ટી”

રસોઈકલામાં પારંગત ઝમકુબાને તો જાત જાતનુ ખાવા બનાવતાં આવડે છે એટલે તેમણે તો અવનવુ પીરસીને ભારતીય વ્યંજનોના જાયકાના રસમાં તરબોળ કરી દીધા. રમાએ કહ્યું બા-બાપુજી આવતી કાલે આપણે ફરવા જઈશું, રાહુલે પુછ્યુ માસી ક્યાં જવાનુ છે ? રમાએ કહ્યું સૌ પ્રથમ ‘મેડમ ટ્રુસાર્ડસ વેક્સ મ્યુઝીયમ’ ( Madam Trussards wax museum ) જોવા જઈશું

ઝમકુબા – “ મને તો અંગ્રેજી આવડે નહી,આમાં કંઈ ના હમજાયું ત્યાં જઈને જોઈશ ત્યારે હમજાશે.”

રાહુલ  – “ નાની તમને જોવાની મઝા આવશે , માસી આપણે ટ્રેનમાં જઈશું”

રમા – “ હા બેટા આપણે ટ્રેનમાંજ જઈશું અહિયાં પાર્કીંગના પ્રોબલેમ છે “

બીજે દિવસે નાહી ધોઈ, ચા નાસ્તો પતાવીને ફરવા નીકળ્યા.ઝમકુબા તો હમેશાં એકદમ પ્રફુલિત હોય કોઈ દિવસ કંટાળો કે થાક ના લાગે, દરેક વસ્તુમાં ખેલ દીલી બતાવે.મ્યુઝીયમ પહોચ્યા, ટિકિટો લીધી, અંદર ગયાં ઝમકુબા એકદમ આશ્ચ્રર્યમાં પડી ગયાં અને એકદમ બોલી ઉઠ્યાં આ બચ્ચન, સચીન,ઈશ્વર્યા બધાં એક સાથે શું કામ ભેગાં થયાં છે ? હું જરા પેલા બચ્ચનને મળી આવું, રામદાસ બોલ્યા ઓ બાવરી આમ ઉતાવળી ના થઈશ, આ તો પૂતળાં છે.

ઝમકુબા – “ તમને આજે કોઈ ના મળ્યું મારી મશ્કરી કરો છે, હું ભોટ છું, મને સાચા-ખોટાનુ ભાન ન પડે”

રમા – ‘ બા, બાપુજી સાચું કહે છે આ મીણનાં પૂતળાં છે”

ઝમકુબા – “ અરે બાપરે… આય હાય આ તો અસલ લાગે છે, કોઈ ના કહે પૂતરુ છે ! ઓ રમા મને તો બહુ નવાઈ લાગે છે હોં ! હુ તો એને હાચા માની ગઈતી,જઈને હાથ લગાડી જોયો એટલે સમજાયું.કારીગરની શું કરામત છે ! આ બધાં તો હાચાં લાગે છે જાણે અમણાં બોલી ઉઠશે.”

ફોટા પડાવવાના થયા એટલે ઝમકુબા બોલ્યાં હું તો ગાંધીજી હારે અને બચ્ચનની હારે મારો ફોટો ખેસાવીશ.ઝમકુબાને તો સાચા ગાંધીજી અને અમિતાભ સાથે ફોટો પડાવતા હોય એટલો આનંદ લુંટી રહ્યાં છે. ફરી ફરીને બધાંનાં પૂતળાં ખુબજ ધ્યાનથી જોયાં, રામદાસ તેમને પૂતળાની ઓળખાણ કરાવે અને ઝમકુબા તેમની કોમેન્ટ આપતાં જાય , સૌ તેમની કોમેન્ટથી ખડખડાટ હસી પડે.મ્યુઝીયમ જોઈને ઘરે આવ્યાં.આખે રસ્તે ઝમકુબાએ પૂતળાની વાતો કરી.બા-બાપુજી થાકી જાય એટલે એક દિવસ એક્જ જગ્યા જોવી એમ રમાએ નક્કી કર્યું હતું. ઘરે આવ્યાં જમીને સોફા પર બેઠાં,વાતોએ વળગ્યાં આમેય ઝમકુબાને શાંત બેસી રહેવું ના ગમે, એમને તો કંઈ ને કંઈ પ્રવૃતિ જોઈએ નહી તો કંટાળી જાય.

રમા – “ બા, આવતી કાલે મારા માસીસાસુને ઘરે ડીનર માટે જવાનુ છે”

ઝમકુબા – ‘ અલી રમા, ડીનર ! એ વરી હું છે ? “

રમા – “ બા, ડીનર એટલે રાત્રી ભોજન “

ઝમકુબા – “ મારી બેન એમ બોલને રાત્રે જમવા જવાનુ છે “

રામદાસ – “ ઝમકુ આ બધા અંગ્રેજી શબ્દ યાદ રાખજે હવે દરોજ તારે પનારે પડવાના છે, મોઢું બંધ અને કાન ખુલ્લા રાખજે, તારુ ભેજુ ઠેકાણે રાખજે “

ઝમકુબા – “ લો કરો વાત, બાવન કારજાવારીને ભેજુ ઠેકાણે રાખવાનુ કેછે , મારુ તો મૉઢું અને કાન બંને કાયમ ખુલ્લા જ હોય છે, અને મારા ભેજાની તો વાત જ ના કરશો“

આમ રામદાસ અને ઝમકુબાની મીઠી નોક ઝોક ચાલ્યા કરે છે એમાં જ તેઓનો પ્રેમ સમાયેલો છે.રાત્રે રમાના માસીસાસુને ઘરે જમવા માટે પહોચ્યા, ઈન્ડિયાથી જે ગીફ્ટ લાવ્યા હતા તે આપી, ઘર બતાવ્યુ એટલે ફરીને ઘર જોયું.જમવા બેઠા વાડકીમા દહીં પીરસ્યુ હતું તરત જ બોલ્યાં મારાં બેન તમને દહીં આખરતાં નથી આવડતું દહીંમાં ચોસલુ પડે તો જ એ દહીં કહેવાય, રામદાસે મૉઢું બંધ રાખવાનો ઈશારો કર્યો , ઝમકુબાની રેકોર્ડ ચાલુ રહી,આગળ બોલ્યાં બેન ચાલો જમ્યા પછીથી આજે હું તમને શીખવાડીશ દહીં કેવી રીતે અખરાય. રમાને પણ શરમ આવી પરંતુ શું કરે, બાનો સ્વભાવ તેમને ખબર છે.ઝમકુબાએ માસીને દહી બનાવવાની આખી રીત શીખવાડી, માસી પણ ખુશ થઈ ગયાં અને બાનો આભાર માન્યો.હશી-ખુશી બધાં છુટાં પડ્યા

રામદાસ – “ ઝમકુ તને મૉઢુ બંધ રાખવાનુ ન હતુ કહ્યું, જ્યાં ને ત્યાં ગમે તેમ વાટવા બેસી જાય છે, એટલો પણ વિચાર ના આવ્યો આપણી દિકરીના સાસરીવાળા છે, આપણા વેવાઈ કહેવાય રમાનો વિચાર ના કર્યો તારુ ડહાપણ, તારી આવડતનુ બધે પ્રદર્શન કર્યા કરે છે.”

રમા – “ બાપુજી શાંત થાવ, એ લોકોને ખરાબ નથી લાગ્યું એ લોકો જાણે છે બા બહુજ ભોળીયા છે, એટલે એમનો બોલ મનમાં નહી લે. “

રમા –“ બા આજે રાણીનો મહેલ જોવા જવાનુ છે”

ઝમકુબા – “રમા ઉભી રહે હું તેના માટે કોઈ ભેટ લઈ લઉં જ્યારે મલીશ ત્યારે આપીશ”

રામદાસ –‘ લો, આ ઘેલી પાછી શરૂ થઈ ગઈ, આ તો બેટરી વાળુ રમકડુ હોય એવું લાગે છે”

ઝમકુબા –“ કેમ આવુ બોલો છો? આટલી મોટી રાણીને મલીએ,ભેટ તો લઈ જવી પડે”

રામદાસ – “ રાણી એમ કોઈને ના મળે, ગાર્ડ ઉભા હોય,અંદર ના જવા દે, મોઢુ બંધ રાખી ચુપચાપ ચાલ,રમા આ તારી માથી હું કંટાળી ગયો છું”

ઝમકુબા – ‘ મારુ મૉઢુ બંધ રાખીશ બસ, તમે આમ અકરાશો નહી ,ફરવા આવ્યા છીએ ખુશ રહો“

પેલેસનુ બહારનુ ભવ્ય નજારો જોઈ, રામદાસને રાણીનો રજવાડી ઠાઠ સમજાયો.સુંદર શાંત વાતાવરણ, વીઝીટરોના ટોળા,

ઝમકુબા – “ અદભૂત ! કેટલું સરસ છે, આ રાણી કેટલુ મોટું ભાગ્ય લઈને આવી છે, બહાર આટલો ઠાઠ છે તો અંદર શું નહી હોય, અંદર રહેવાવાળાં બધાં સુખી રહો”

આજે વેમ્બલી માર્કેટ, ત્યાંથી હરેરામ હરેકૃષ્ણ મંદિર, નીચે મંદિરનો ગોવિંદા વેજીટેરીયન રેસ્ટોરંન્ટમાં લન્ચ કરીને ઘરે આવવાનો પ્રોગ્રામ છે.માર્કેટમાં ઝમકુબા બોલ્યાં આ તો આપણા દેશ જેવું જ છે, મુંબઈમાં પણ આવું જ માર્કેટ છે. આપણે દેશમાં ફરી રહ્યા હોય એવું જ લાગે છે, પાછા બધા ગુજરાતી સમજે,વાતોડીયા ઝમકુબાને વાતો કરવાની મઝા પડી ગઈ.મંદિરમાં આવ્યાં દર્શન કર્યા નીચે રેસ્ટોરંન્ટમાં જમવા ગયાં.

ઝમકુબા – “ આ ગોરા લોકો કેટલી ભક્તિ કરે છે, આપણે ત્યાં છોકરાં રખડી ખાય છે, જોવો પાછા કાંદા-લસણ નથી ખાતા, માથે મુંડન, ચોટલી, હાથમાં મારા,કપાળે તિલક ધોતી પહેરીછે,કેટલી બધી સમજ છે, આપણો કૃષ્ણ કનૈયો અહિયાં પૂજાય છે, આપણા દેશનાં છોકરાંને કંઈ અક્ક્લ નથી.રમા, જોઈને મને બહુ ગમ્યું, મારે હૈયે ઠંડક થઈ”

આજે ક્યાંય જવાનુ નથી રમાના બે નાના બાળકો સાથે ઝમકુબા ગપસપ કરવા બેઠા બાળકોએ અનેક સવાલ કર્યા નાનીએ દરેક પ્રશ્નો સુંદર રીતે સમજાવ્યા ઈન્ડિયાના વાર તહેવાર તેની ઉજવણી બધું વિગતવાર સમજાવ્યું, બાળકોએ જીદ કરી એટલે પંચતંત્રની ચારેક વાર્તા કહી સંભળાવી.રાહુલ પણ સાંભળવા સાથે બેસી ગયો. બાળકોએ દરોજની વાતચીતમાં વપરાતા થોડા અંગ્રેજી શબ્દો નાનીને સમજાવ્યા અને બોલતાં શીખવાડ્યા, રાહુલે કહ્યું બા અમેરિકામાં તમને હું આખી એ.બી.સી.ડી લખતાં,વાંચતાં અને બોલતાં શીખવાડી દઈશ.નાનીમા અને બાળકોએ આજે ખુબ મઝા કરી.

રમા આજે લંડન આઈ જોવા લઈ આવી છે.

ઝમકુબા – “ અરે બાપરે આવડુ મોટું ચગડોર ! જેણે બનાવ્યુ એની બુધ્ધિને દાદ આપવી જોઈએ,મારી જીંદગીમાં મેં પહેલી વાર જોયું, મારે એમાં નથી બેસવુ, મને ચક્કર આવે છે રમા મારી ટિકિટ ના લઈશ.”

રમા – “ બા એ બહુજ ધીમુ ચાલે તમને ચક્કર નહી આવે ચાલો ઉપરથી આખુ લંડન દેખાશે જોવાની મઝા આવશે”

આનાકાની કરતાં ઝમકુબા તૈયાર થયાં અને ચગડોરમાં બેઠાં અને બોલ્યાં – “ હા રમા તૂં સાચુ કહેતી હતી આતો ચાલે છે એમ ખબર પણ નથી પડતી, મને તો બહુ મઝા આવે છે.” રાહુલે અને રમાએ બધાના ફોટા પાડ્યા.ત્યાંથી તેઓ બીગબેન જોવા ગયાં .

બીજે દિવસે ટાવર ઓફ લંડન જોવામાટે ગયાં, બાદમાં મ્યુઝીયમ ગયાં અહિયાં રાણીના મોટાં મોટાં સોનાના વાસણ જોયાં,કોહિનુર હિરો જોયો, રામદાસે આખો ઈતિહાસ કહ્યો,

ઝમકુબા – “ આ અંગ્રેજો તો ભારે કહેવાય આમારા દેશમાંથી ચોરી કરીને લાવ્યા અને શોભામાં મુક્યો છે”

રામદાસ – “ ધીમેથી બોલ અહિયાં બુમો ના પડાય “

આમ એક પછી એક લંડનમાં જેટલી જોવા જેવી જગ્યાઓ છે તે બધીજ જોઈ આવ્યાં. રામદાસ અને ઝમકુબાને આવે ૨૦ દિવસ થઈ ગયા જવાને હવે અઠવાડિયું દશ દિવસ બાકી છે. ઘરમાં શાંતિથી સમય પસાર કરવાનો છે.ઝમકુબાએ નવરાસના સમયે એક સ્વેટર ગુંથીને જમાઈને ભેટ આપ્યું. બાળકો અને રમા માટે તો ઈન્ડિયાથી ભેટ લાવ્યા હતા.રમાને અલગ અલગ નાસ્તા અને મિઠાઈ બનાવી આપ્યા.કેટલી મના કરવા છતાં પાપડી વડીયો બનાવી આપી, અમેરિકા જતાં રસ્તામાં ખાવાનુ ભાથુ પણ તૈયાર કર્યું. આખરે અમેરિકા જવાનો સમય થઈ ગયો. રમા માટે તો બા-બાપુજી જાય છે તે વસમી વિદાઈ છે. રમા અને જમાઈએ કહ્યું બા-બાપુજી તમારા વીના અમારુ ઘર સુનુ થઈ જશે, તમે હતા એટલા દિવસ ખુશી આનંદમાં પસાર થયા હવે અમને ઘરમાં નહી ગમે, જ્યારે ઈચ્છા થાય ત્યારે વેકેશન કરવા માટે લંડન આવજો. બાળકો જીદ કરવા લાગ્યાં નાના-નાની તમે અહિયાં રહી જાઓ અમેરિકા ના જશો.

ઝમકુબા – “ બેટા હું અમેરિકાથી તમને મળવા ચોક્ક્સ આવીશ, હું દરોજ તમને ફોન કરીશ.”

રમા,જમાઈ,બાળકો, બા-બાપુજી અને રાહુલને મુકવા માટે એરપોર્ટ જવા માટે ભારે હૈયે નીકળ્યા.

 

 

ઝમકુબાના ઝબકારા પ્રકરણ – ૧૩

હેમા પટેલ

રાહુલ, ઝમકુબા અને રામદાસ હ્યુસ્ટન એરપોર્ટ પર ઉતર્યા. એરપોર્ટ પર દીકરી મીતા અને જમાઈ બધાંને લેવા માટે એરપોર્ટ પર આવ્યા હતાં.દીકરી જમાઈને જોઈને ઝમકુબા અને રામદાસ ગદગદ થઈ ઉઠ્યાં અને બંનેની આંખમાં ખુશીના અશ્રુ ઉભરાઈ આવ્યાં ને બધાંની આંખો એક સાથે ભીંજાઈ. ઝમકુબાને તો દિકરીને ઘરે જવાનુ હતું થાક કેવો ? એતો એટલા બધા ખુશ હતાં ખાવા-પીવાનુ, થાક બધું જ ભુલી ગયાં, નાના બાળકની જેમ એકદમ એક્સાયટેડ હતાં ક્યારે ઘરે પહોંચુ ! ઝમકુબા તો જાણે કોઈ નવી દુનિયામાં આવી ચડ્યાં હોય એવું લાગ્યુ.આવતાંની સાથે જ આખા ઘરમાં ફરી વળ્યાં આખુ ઘર જોઈ લીધું.

ઝમકુબા – “ રામદાસને બુમ પાડીને કહ્યું અરે સાંભળો છો, જોવો તો ખરા આપણી દિકરીનુ ઘર કેટલું મોટું અને સુંદર છે,ઘરમાં રાચ રચીલુ ખુબજ પસંદ આવ્યું.વાહ જમાઈરાજા તમે મારી દિકરીને રાણીની જેમ રાખો છો.”

મીતાએ કહ્યું બા ઘર ક્યાં નાસી જવાનુ છે નીરાંતે જોજો અત્યારે ચા-પાણી કરીને થોડો આરામ કરો.

ઝમકુબા  – “ આરામ કેવો ? પ્લેનમાં અમે ક્યાં ખેતર ખેડ્યાં છે ? ક્યાં કશુ કામ કર્યું છે, આરામ જ હતો ને”

મીતા – “ તો પણ બા થાકી તો જવાયને ?”

રામદાસ – “ મીતા બેટા તૂં કોની સાથે જીભાજોડી કરે છે ? થાક તો તારી મા થી કોસો દુર ભાગે છે એતો તને ખબર છે “

ચા તૈયાર થઈ એટલે બધાં ટેબલ ઉપર ગોઠવાયાં.ટેબલ પર મુકેલા જાત જાતના નાસ્તા જોઈને ઝમકુબા બોલી ઉઠ્યાં બેટા તેં તો બહુ ધમાલ કરી દીધી છે, અમે થોડા કંઈ મહેમાન છીએ.મીતા મારે અને તારા બાપુજીને જાત જાતના ફેન્સી નાસ્તા નથી કરવા અમે તો આ મેથીના થેપલા ખાઈશું.

મીતા – “ બા-બાપુજી મેં બધા નાસ્તા મુક્યા છે તેમાંથી તમને જે પસંદ આવે તે ખાજો બસ “

મીતાની નાની દિકરી જે નવ વર્ષની છે તે પણ નાનીની પાસે આવી બેસી ગઈ. નાનીએ તેના માથા ઉપર પ્રેમ ભર્યો હાથ ફેરવ્યો, ભેટીને ઝમકુબાને તૃપ્તિ થઈ ગઈ. મીતાની દિકરી પણ દાદીને હગ આપીને ખુશી થઈ.ઝમકુબા તો ચા નાસ્તો કરીને ડીસો ધોવા બેઠા

મીતા – “ ના ના બા, તમે ડીસો ના ધોસો, વાસણ ભેગા થશે એટલે હું ડીશ વૉશરમાં મુકી દઈશ”

ઝમકુબા – “ બેટા ખોટું વીજળીનુ બીલ વધારવું, હાથથી ધોતાં કેટલી વાર લાગે ?

રામદાસ તરત જ બોલ્યા કેટલી બધી વાર સમજાવ્યું બધે તારુ ડહાપણ ના વાપરીશ છતાં પણ સમજતી નથી.

મીતા – “ કંઈ નહી બાપુજી તમે આમ બા ઉપર ગુસ્સો ના કરશો, માને તો દિકરીને સાચી સલાહ આપવાનો હક્ક છે, બા સાચુ જ બોલે છે પરદેશમાં અમે મશીનોથી એવા ટેવાઈ ગયા છીએ તેના વીના ચાલે નહી અને પછીથી જીમ ની અંદર એક્સરસાઈઝ કરવા જવાનુ ! બા-બાપુજી તમે થોડો આરામ કરો જમવાનો ટાઈમ થશે એટલે ઉઠાડીશ “

ઝમકુબા તો પાંચ જ મિનિટમાં ઘસ ઘસાટ ઉંઘી ગયાં. શાંતિલાલ વિચારવા લાગ્યા મારી ઝમકુડી હરખ પદુડી આખે રસ્તે ઉંઘી નહી દિકરીનુ ઘર અને તેનો પરિવાર જોઈને તેના દિલમાં ઠંડક થઈ માટેજ ઘોડા વેચીને ઉંઘવા માડ્યુ. વિચારોમાં જ રામદાસની આંખ ક્યારે મિચાઈ ગઈ તે ન ખબર પડી તે પણ ઉંઘી ગયા.

જમવાનો સમય થયો એટલે મીતા બા-બાપુજીને બોલાવવા બેડરૂમમાં આવી બંને ઘસ ઘસાટ ઉંઘતાં જોઈ એક મિનિટ મીતા ને થયું ભલે ઉંઘે ઉઠાડવા નથી, પછી થયું ના જમવાનો સમય થયો છે જમ્યા પછીથી સુઈ જશે એટલે હળવેથી બોલીને ઉઠાડ્યા.બા-બાપુજી ઉઠીને ફ્રેશ થયા એટલે જમીને બધાં દિવાનખાનામાં બેઠાં. સુખ-દુખની  વાતો ચાલી તો સાથે સાથે ઝમકુબાની ખટ્ટીમીઠી જાત જાતની હાસ્યની વાતો પણ થઈ. થોડુ ટીવી જોયુ ત્યાર બાદ સૌ પોતાની રુમમાં જઈને સુઈ ગયાં.

બીજે દિવસે ઝમકુબા તેમના નિયમ પ્રમાણે વહેલા ઉઠીને નિત્ય ક્રમ પતાવીને ઘરની બહાર સબડીવીઝનમાંજ નજીકમાં લટાર મારવા નીકળ્યા દશ પંદર મિનિટમાં પાછાં આવી ગયાં, મીતા ઉઠી ગઈ હતી

“ બા તમારે ચાલવુ હોય તો આપણે નજીકના પાર્કમાં દરોજ સાંજના ચાલવા જઈશું બાપુજી પણ આવી શકે.તમે અજાણ્યા છો આમ એકલા ચાલવા ના જશો.”

ઝમકુબા – “ ભલે બેટા તૂં કહે છે એમ જ કરીશુ સાંજના પાર્કમાં ચાલવા જઈશું “

આમ ઝમકુ બા અને રામદાસને આવે બે વીક થઈ ગયા. આજે રવિવાર છે એટલે બા-બાપુજીને લઈને મંદિર જઈશુ એમ મીતાએ નક્કી કર્યુ. ઝમકુબા શાંભળીને ખુશ થઈ ગયાં, મંદિર તો તેમની પ્રિય જગ્યા.સાંજના મંદિર પહોચ્યા,દર્શન કર્યાં ઘણાં ઓળખીતાં મળ્યાં વાતોડીયાં ઝમકુબાને તો પુછવુ જ શું, જે મળે તેની સાથે ગપ્પાં મારવા બેસી જાય. રામદાસ ગુસ્સે થયા,

“ ચાલ હવે ઘરે નથી જવું રાત વાસો મંદિરમા જ કરવાનો વિચાર છે ? “

હવે ઝમકુબા ઉતાવળાં ગાડી તરફ ભાગ્યાં.ઘરે આવીને જમીને જ્યારે નિરાંતે બેઠાં ત્યારે મીતાની નાની દિકરીએ કહ્યુ બા અમને કોઈ જોક્સ કહો. જમકુબાએ અમેરિકામાં પચરંગી પ્રજા જોઈ એટલે તેમના મગજમાં તરત જ વિચાર આવ્યો

“ બેટા તને ખબર છે આપણે સૌ માટીના પૂતળા કહેવાઈએ,ભગવાને આપણને માટીમાંથી બનાવ્યાં અને મર્યા પછી તેજ માટીમાં સમાઈ જવાનુ.ભગવાને માણસ બનાવવાની શરૂઆત કરી,પૂતળુ ઘડીને તૈયાર કર્યુ તેને પકવવા ઓવનમાં મુક્યુ થોડી વારમાં બહાર કાઢ્યુ, અ રે રે આતો કાચું છે તેનો રંગ સફેદ જ રહ્યો, બેટા એ લોકો ધોળીયા લોકો બન્યા. ભગવાને બીજુ પુતળુ ઘડીને ઓવનમાં મુક્યુ, પહેલુ કાચુ રહ્યુ હતુ આને થોડી વાર વધારે શેક્યુ, બહાર કાઢ્યુ અ રે રે આતો બળી ગયું, કાળુ મેંશ થઈ ગયુ. બેટા એ લોકો આ વાંદરા જેવા દેખાતા કાળીયા લોકો બન્યા.ભગવાને ત્રીજુ પુતળુ ઘડ્યુ અને ઓવનમાં પકાવવા માટે મુક્યુ, આ વખતે ભગવાન સાવધાન રહ્યા ના ઓછું કે ના વધારે પકાવ્યુ અને સમય સર કાઢી લીધુ,અરે વાહ આતો સુંદર ઘઉં વર્ણો રંગ આવ્યો ! એજ આપણે ભારતના લોકો, ન કાળા કે ન ધોળા માપનો જ રંગ.”

શાંભળીને ઝમકુબાની વાત પર સૌ હસવા લાગ્યાં.આમ દરોજ રાત્રે ઝમકુબાની હસી મજાકની વાતોથી પુરા ઘરનુ વાતાવરણ હર્સ ઉલ્લાસથી છવાઈ જતું.મીતાના ગુજરાતી નેબર સિનિયર સિટીઝન સંસ્થાના મેમ્બર હતા મીતાએ વિચાર્યુ બા-બાપુજીને મેમ્બર બનાવી દઉ બંનેને તેમની સરખી ઉંમરના માણસો મળશે એટલે તેમને ગમશે અને તેમનો સારો એવો સમય પસાર થઈ જશે. વર્ષ બદલાતુ હતુ નવી મેમ્બરશીપ ચાલુ થઈ એટલે મીતા બા-બાપુજીને લઈને સિનિયર સિટીઝનની મિટીંગમાં ગઈ, મેમ્બર બનીને મિટીંગ એટેન કરી બા-બાપુજીને પ્રોગ્રામમાં ખુબજ મઝા આવી. આમ શનિવારની મિટીંગ ભરતાં અને પિકનિક હોય ત્યારે પિકનિકમાં પણ જતાં હાસ્યની રેલી ફેલાવતાં બોલકણાં ઝમકુબા જોત જોતમાં એકદમ પ્રખ્યાત થઈ ગયાં બધાં તેમને માનથી જોતાં.બધાંનો આગ્રહ હોય ઝમકુબા તેમની કોઈ પણ આઈટમ રજુ કરે, કારણ ઝમકુબા ઓલરાઉન્ડર હતાં બધામાં નિપુણ.પિકનિકન હોય ત્યારે અંતરાક્ષી હોય જ ગાવામાં સૌથી આગળ ઝમકુબા.

સમય એની ગતીએ ચાલી રહ્યો છે, ઝમકુબા ઝડપથી અમેરિકાની લાઈફમાં સરસ રીતે અનુકુળ થઈ ગયાં જાણે વર્ષોથી અહિયાં રહેતાં હોય.ભાંગ્યુ તુટ્યુ થોડું અંગ્રેજી બોલતાં આવડ્યું એટલે પાડોશી મળે તો થોડી ઘણી અંગ્રેજીમાં વાતો કરી લેછે. સ્ટોરમાં ગયાં હોય ત્યાં પણ બધાને ગુડ મોર્નિંગ, હાય હલ્લો બોલતાં શરમાતા નથી.મીતાના છોકરાંએ સાથે મળીને કહ્યુ નાની હવે જ્યારે બહાર જાવ ત્યારે આ સાડી પહેરવાની બંધ કરો અને પેન્ટ ટીશર્ટ પહેરવાનુ ચાલુ કરો,

ઝમકુબા   _ “ અરે બાપરે છોકરાં આ શું બોલ્યાં ? ઘરડી ઘોડી લાલ લગામ ! આ ઉંમરે કેવુ દેખાય ?ના ના મારે મારો આ દેશી પહેરવેશ બરાબર છે. “

મીતા – “ બા, પેન્ટ- ટીશર્ટ પહેરવામાં શું વાંધો છે ? તમારાથી મોટી ઉંમરની બાઈઓ નથી પહેરતી ? કાલેજ સ્ટોરમાં જઈને તમારા માપના કપડાં લઈ લઈએ. “

બીજી દિવસે નાનીને લઈને લશ્કર ઉપડ્યું નાનીનાં કપડાં લેવા ! ફીટીંગ રૂમમાં નાની કપડાં ટ્રાય કરે અને છોકરીઓ વાઉ નાની બોલતી જાય. કપડાં લેવાઈ ગયાં ઝમકુબા ધીમેથી બોલ્યાં

“ મીતા બેટા મને કાળાં ચશ્માં પણ જોઈએ છીએ ‘

છોકરીઓ બોલી ઉઠી નાની તમે બહુજ સ્પોર્ટી છો. સન ગ્લાસીસ લેવાઈ ગયા.માથાનો હેટ લેવાયો. ઘરે આવીને બંને છોકરીઓએ નાનીને પેન્ટ ટીશર્ટ પહેરાવ્યુ, સન ગ્લાસીસ અને માથે હેટ પહેરાવ્યો અને અરિસા સામે ઝમકુબાને ઉભા રાખ્યા. તેમના મૉઢામાંથી શબ્દો સરી પડ્યા અ રે રે વાહ ! વાહ ! આય હાય ઝમકુરાણી આ સુંદરી કોણ છે ? અરે એય ઝમકુડી તારો રુઆબ તો જો શું લાગે છે ! પેલી ગોરી મેમ જેવી જ લાગે છે ને, તો પછી આ ઝમકુડી જાય એવી છે. છોકરીઓ નાનીની વાતો શાંભળીને ખડખડાટ હસવા લાગી બધાં જ તેમને જોઈ ખુશ થઈ ગયા. છોકરીઓ નાનીનો હાથ પકડી બોલી ચાલો આપણે દાદાને સરપ્રાઈઝ આપીએ, તેમને જોવા દો આમારા નાની કેટલાં સુંદર દેખાય છે.

ઝમકુબા  – “ ના ના છોકરીઓ તમારા દાદા મારા ઉપર ભડકશે મારે નથી જવું “

નાની આ કપડા તમે હવે પહેરવાના છો, નો મોર સારી સમજ્યાં અમારાં નાનીમા. નાની બોલ્યા ભલે મારી મા ચાલો જઈએ. જઈને શાંતિલાલ સામે ઉભાં, તે તો જોતાજ રહી ગયા !

ઝમકુબા – “ હું તમારી ઐશ્વર્યા અને તમે મારા અભિસેક બચ્ચન, શું સુંદર જોડી શોભી ઉઠશે ! “

રામદાસ – “ ઓ મારી ઘેલી હરખ પદુડી આ શું વેષ ધારણ કર્યો છે. આ ઉંમરે આ બધું શોભતું હોય ? જા જઈને કપડાં બદલી નાખ.

ઝમકુબા – “ હું જાણીતી હતી, હુ સારી દેખાતી હોઈશ તો પણ મારા વખાણ નહી કરો,ક્યારેય મારી કદર કરી છે ? આખુ ગામ મારા વખાણ કરે એક તમને જ હું કંઈ પણ કરુ તે ગમતુ નથી “

રામદાસ – “ જોયુ મીતા આ ખોટી લમણા કુટવા બેઠી છે ને, બુધ્ધિ નાશ પામી હોય એમ લાગે છે, આ ઘેલીને કોણ સમજાવે ? “

મીતા વચમાં જ બોલી, બાપુજી અહિંયા સાડી પહેરીને બહાર બહુ ના ફરાય આવાં કપડા જ પહેરાય, બાપુજી દેશ તેવો વેષ કરવો પડે, હવે બા દરોજ સાડી નહી પહેરે કોઈ પ્રસંગમાં અને મંદિર જશે ત્યારે સાડી પહેરશે. છોકરીઓએ આજ ડ્રેસમા નાનીના ફોટા લીધા અને સેલ ફોનમાં બતાવ્યા ઝમકુબાની ખુશીનો પાર નથી આજે તેમને લાગે છે હવે તે પુરા અમેરિકન થઈ ગયાં છે. દાદા તો ઈન્ડિયા છોડ્યુ ત્યારથી જ પેન્ટ શર્ટ પહેરવાનુ ચાલુ કર્યુ છે, ઝમકુબા તેમની લાઈનમાં આવી ગયા બંને જોડી હવે બરાબર દેખાવા લાગી. અમે બંને જણાંએ

પહેરવેશ બદલ્યો, મન અને દિલ હજુ હિન્દુસ્તાની છે.

પીત્ઝા ખાઈએ છીએ હજુ બાજરાનો રોટલો નથી ભુલ્યાં.

ગુડ મોર્નિંગ બોલતાં, જય શ્રી કૃષ્ણ બોલવાનુ નથી ભુલ્યાં.

અંગ્રેજી ગીતના બોલ શાંભળીને પણ કોયલની કુહુ,

અને કુકડાની કુકડે કુ નથી ભુલ્યા.

અંગ્રેજીમાં વાતો કરીએ છીએ પરંતુ પ્યારી માતૃભાષા નથી ભુલ્યાં.

વાર તહેવારની રીત બદલાઈ ઉજવવાનુ નથી ભુલ્યાં.

ફ્રીજનુ પાણી પીને પણ માટલાના પાણીની ખુશ્બુ નથી ભુલ્યાં.

બેકયાર્ડની માટી અને મારા ખેતરની માટીમાં ન કોઈ ફરક.

પરિવર્તન કુદરતનો નિયમ છે, માટે જ જીવનમાં પરિવર્તન

લાવીને અમે જીવતાં શીખી ગયાં.

ઝમકુબાની જીવન જીવવાની કળા નીરાલી છે. જ્યાં રહ્યાં ત્યાં અનુકુળ થઈને રહ્યાં બાળક સાથે બાળક જેવાં મોટાં સાથે મોટાં. તેમની સમજ શક્તિ ગજબની છે માટેજ સૌના લાડકાં બની ગયાં છે.બે વીક પછી જન્માષ્ટમી છે જમકુબા ઈન્ડિયાથી લાલજી, તેમનુ પારણુ શણગાર વગેરે બધીજ વસ્તુ લઈને આવ્યાં હતાં તેમણે મીતાને કહ્યું ગોકળ આઠમે આપણે કૃષ્ણ જન્મ કરાવી જન્મ દિવસ ધામ ધુમથી ઉજવીશું.નજીકનુ મિત્ર મંડળ અને સગાંને ઘરે આમંત્રણ આપી દીધુ અને પુજા વિધી માટેની બધી તૈયારી કરા લીધી. આગલે દિવસે ફરાળી સામગ્રી મેવા મિઠાઈ, પંજાજીરી વગેરે તૈયાર કરી દીધુ.બંને છોકરીઓએ મળીને એગલેસ કેક પણ બનાવી.સ્ટોરમાંથી ફુલ-હાર વગેરે આવી ગયું. કૃષ્ણ જન્મ દિવસ આવ્યો, ઝમકુબાએ બધાને ઉપવાસ રાખવાનુ કહ્યુ હતું પરંતુ તેમણે જાત જાતના ફરાળી વ્યંજન બનાવ્યાં હતાં મીતાની બંને છોકરીઓ, તેનો દીકરો અને જમાઈને તો આજ નો ઉપવાસ બહુજ ગમ્યો,જાત જાતનુ ખાવાનુ મળે તો કોને ઉપવાસ કરવો ના ગમે ? બધાંએ ભેગા મળી આખો દિવસ મહેનત કરીને ઘરનો લીવીંગ રૂમ સુંદર સજાવ્યો હતો. મહેમાનો આવ્યા તેમને કેસર-બદામ-પીસ્તા વાળુ દુધ અને પેંડા-બરફી પીરસ્યા, પછી સતસંગ ચાલુ કર્યો, વારા ફરથી બધાંએ સુંદર કૃષ્ણ ભજન ગાયા, વાતાવરણ ભક્તિમય બની ગયું બરાબર બારના ટકોરે શ્રી કૃષ્ણ જન્મ થયો ભગવાનની આરતી થઈ,

“નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી

હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી”

ના નાદથી ઘર ગુંજી ઉઠ્યુ. આનંદ ! આનંદ ! આનંદ. પ્રસાદ વહેચ્યો.સૌ ખુશ થયા , કેમ ના થાય આજે મીતાના ઘરમાં શ્રી કૃષ્ણ, લાલજી સ્વરૂપે પધાર્યા છે.

ઘરની અંદર બુજુર્ગ હોય તો ઘરની રહેણી કરણી બદલાઈ જાય. મીતાના ત્રણેવ છોકરાંએ આ પ્રસંગ પહેલી વખત જોયો તેમને આનંદ થયો સાથે સાથે ભારતીય સંસ્કૃતિના પણ દર્શન થયાં.ઝમકુબા છોકરાંને વાર્તામાં રામ-કૃષ્ણ-પ્રહલાદ-ધ્રુવ વગેરેના પ્રસંગો સમજાવે આજે આંખોએ જોયુ બહુ જ આનંદ થયો. ત્રણેવ છોકરાં નાનીને ભેટી પડ્યાં અને થેન્ક્યુ કહેવા લાગ્યાં દાદી અમને ખુબજ મઝા આવી.મીતા અને તેના પતિને કૃષ્ણ જન્મ ઉજવીને મન તૃપ્ત થઈ ગયુ અને જાણે સ્વર્ગની પ્રાપ્તિ થઈ હોય એવુ લાગ્યું.

મીતા જૉબ પર જતી ઝમકુબાએ કુશળતાથી ઘરનુ કામ કાજ સંભાળી લીધું.ઝમકુબા અલ્લડ ભોળા દિલના છે.બાળકો પણ નાના-નાની સાથે હળી મળી ગયાં. રામદાસ અને ઝમકુબાને અમેરિકામાં રહેવામાં કોઈ તકલીફ, કોઈ આપત્તિ,કોઈ ફરિયાદ નથી. નાના ગામમાંથી આવેલાં સાફ મન, સાફ દિલ,ન કોઈ ઈર્ષા-ક્પટ, મીતાનો ઘર સંસાર ખુશીઓથી ભરી દીધો. રામદાસ અને ઝમકુબાએ અમેરિકન સિટિઝનશીપ લઈ લીધી હવે ઓફિસીયલ અમેરિકન થઈ ગયાં.

સાચા અર્થમાં અહિયાં છે   Home Sweet Home.

 

 

e.

 

 

હેમાબેન પટેલ

ટૂંકો પરિચયઃ   શાંતિમય નિવૃત જીવન .ડાકોર ભવન્સ કૉલેજમાંથી બી.એ.ની ડીગ્રી મેળવી. વાંચનનો ઘણોજ શોખ હોવાથી સાહિત્ય પ્રિય છે. લેખન કાર્ય, સંગીત, ઈશ્વર ચિંતન, એમ નિવૃત્તિની પ્રવૃત્તિનો રસાસ્વાદ માણી રહ્યા છે.તેમને ગુજરાતી હોવાનો ઘણોજ ગર્વ છે. hemapatel.wordpress.com (વિચારધારા)

hemapatel.gujratisahityasarita.org ( વિચાર વિસ્તાર).  સર્જનની શરુઆતઃ હ્યુસ્ટનમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતામાં ૨૦૦૯ માં જોડાયા પછી બે બ્લોગ બનાવીને સર્જનની શરૂઆત કરી. પ્રકાશિત પુસ્તકોઃ ‘ વિરાંગના સરોજ શ્રોફ’ – ‘મનોમંથન’, અલકનંદા..

(પહેલુ પુસ્તક) -સહિયારા સર્જનમાં પહેલી નવલકથા હતી, ‘વિરાંગના સરોજ શ્રોફ’ સત્ય ઘટના પર આધારીત છે. બીજુ પુસ્તક) – ‘મનોમંથન’ જે મન વિષય લઈને લખ્યું જેમાં વેદાંતના પંચિકરણનો સિધ્ધાંત પણ સમજાવ્યો. (ત્રીજુ પુસ્તક) – સત્ય ઘટના પર આધારીત નવલકથા ‘અલકનંદા’ છે.

અન્ય સિધ્ધિઃ અમદાવાદથી પ્રસિધ્ધ થતા’દિવ્યભાસ્કર’માં એનઆરજી કોલમમાં વલય શાહે આર્ટીકલ પ્રગટ કર્યા હતા.અમદાવાદથી પ્રસિધ્ધ થતુ ચિન્મય પ્રભામાં આનંદભાઈએ આર્ટીકલ અને કવિતા પ્રગટ કર્યા હતા.