જેલમનાં ભુરા પાણીનો રંગ રાતો

જેલમનાં ભુરા પાણીનો રંગ રાતો( ૧) કાશ્મીર દર્શને –વિજય શાહ

અંકલેશ્વર હાઇસ્કૂલના ત્રણ મિત્રો અનુજ. આશિષ અને મહાદેવન વેકેશન માટે કાંઇક નવલું સાહસ વિચારી રહયા હતા. અંકલેશ્વ મસ્જીદનો કાશ્મીરી મુલ્લા નબી, સાથે વાત કરતા જેલમના ભરપૂર વખાણ તે કરતો. અનુજ પ્રકૃતિ પ્રેમી તેથી ઉંડે ઉંડે તે એવું કંઇક સાહસ કરવા માંગતો હતો કે ગજવાને પોષાય અને વેકેશન યાદગાર બને. એટલે નબીચાચાને વાતોમાં વળોટ્યા. આમેય અંકલેશ્વરમાં ત્રણ મસ્જીદ અને અંજુમન ઇસ્લામ મસ્જીદનો આ નબી જ કશ્મીરી હતો તેથી એક સવારે ત્રણેય પહોંચ્યા મસ્જીદે.

નબીચાચા છાપુ વાંચી રહ્યા હતા. ત્રણ તોફાની બારકસોને આવતા જોયા તેથી નફીસાને કહ્યું, “ગામનું તોફાન આજે આવે છે . “ચા મુક.”

“ ભલે આવતા ગામનાં છોકરાઓ છે. આવો આવો અનુજ આશિષ અને મહાદેવન.આજે અમારે ત્યાં કંઇ ભૂલા પડ્યાને?”

“ ચાચી, નબીચાચાનું કામ હતું એટલે આવ્યા છીએ.”

નબીચાચા બોલ્યા.” બોલો જુવાનીઆઓ શું કામ પડ્યું?”

અનુજે વાતની શરુઆત કરતાં, “ નબીચાચા મુશ્કાનપુર પાસે જેલમ નદી છે ને?”

નફીસાચાચીએ સ્ટવ પેટાવતા અનુજ ને જવાબ આપ્યો. ” અમારું તો તે વતન. જો કે અંકલેશ્વર જેટલું રહ્યા તેટલું તો ત્યાં નથી રહ્યા પણ વતન એટલે વતન . ભુલાય ઓછુ?”

બરોબર ચાચી એ વાતો જાણવા જ આજે નબીચાચાને તસ્દી આપીએ છીએ.

નબીચાચા ૭૦ વર્ષનાં ગામના આદરમાન પાકા મુસ્લીમ બીરાદર.  એટલે ગામ આખુ આદર પુર્વક નબીચાચા કહે નફીસા ચાચી પણ ૬૯ના બંનેનાં મોં ઉપર કરચલીઓ પડવાની શરુઆત થયેલી, વાળ એક પણ કાળો નહીં તેથી દસમાં ધોરણના  આ ત્રણેય લબર મુછીઆઓ સાથે વાત કરવાની મઝા પડે. ચાચીની ચા એલ્યુમીનીયમની કીટલીમાં આવી સાથે ત્રણ રકાબી પણ. ચાચા માટે કૉફી અલગથી કપમાં આવી અને સાથે નાનખટાઇ પણ આવી.

બોલો યુવાન મિત્રો,’ મારા મુશ્કાનપુર વિશે શું જાણવું છે’? નબીચાચાએ ચાની કીટલી અને નાનખટાઇ તેઓ તરફ ઠેલતા કહ્યું.

મહાદેવન જરા ઉતાવળીયો તેથી તેણે કહ્યું નબીચાચા આ વખતે વેકેશનમાં ગુજરાત બહાર જવું છે તેથી અનુજ આશિષ અને હું તમારી પાસે તમારા વતન નો પરિચય મેળવવા આવ્યા છીએ.

“સરસ મારે, મારા વતનની વાત કહેવાની હોય તો એક વાત સમજો અંક્લેશ્વરમાં અમે  આવ્યા ત્યારે વીસ વર્ષનાં હતા.  તેથી કર્મભૂમિ અંકલેશ્વર પણ જન્મ અમારો મુશ્કાનપુર. તેથી કદીક માતૃભૂમિ કહીને થોડુંક તેને યાદ કરીએ ખરા. મારું વતન તે રીતે ગણીએ તો મુશ્કાનપુર. આપણી નર્મદાની જેમ જેલમ બેઉ કાંઠે વહે. અમારું બચપણ ત્યાં ગયેલું. કાંઠા પરથી બહુ ધુબાકા મારતા. એક બાજુ આજનું પાકિસ્તાન અને ઉત્તરે આખું કાશ્મિર, પણ અમે હતા ત્યારે તો આખું હિંદુસ્તાન હતું.  ભાગલા પડ્યા ત્યારે જેલમ નદીની સીમા થઇ અને લુહારવાડી અને હુશનાબાદ પરનો એક માત્ર પુલ બે દેશોને જોડતો હતો. ત્યાંથી જેલમ, પુખ્ત યૌવના બની અને તેનો અટક ચાળો તોફાની પ્રવાહ શાંત અને ગંભીર બન્યો. જો કે આતો ૫૦ વર્ષ પહેલાની વાતો. પછી તો તેના ઉપર બંધો બંધાયા અને કેટલાય પાણી તેમાંથી વહી ગયા પણ મુશ્કાનપુર  અને લુહાર વાડીના ૧૫ માઇલનું અંતર અને તેમાંનું આભને પ્રતિબિંબીત કરતુ પાણી આકાશી રંગોની ખુબજ આકર્ષિત રંગોળી સાંજનાં સમયે કરતી. એ નજારો આજે પણ મને યાદ છે . નબીચાચાના ચહેરા પર છવાતી ટાઢક જોતા જ અનુજ બોલ્યો. “ચાચા અમે કાશ્મીર જોવા માગીએ છીએ તો શરુઆત મુશ્કાનપુરથી કરીએ તો ચાલેને? નદીના તટે ફરતા ફરતા. જમ્મુ પહોંચી જવાય ને?”

“ અનુજ તેં તો મારા મનને વાંચી લીધુ. ઉત્તર પંજાબથી દાખલ થાવ અને નદી ધારે નાના ગામડા જોતા જોતા જશો તો આખો તમારા વેકેશનનો દોઢ મહીનો નીકળી જશે.”

“હવે ચાચા ત્યાં પહોંચવુ કેવી રીતે એટલો ફોડ પાડો એટલે અમે તમારી વિદાય લઇએ.”..

જુઓ અહીંથી દહેરાદૂન એક્ષ્પ્રેસ પકડશો એટલે તે તમને દિલ્હી સુધી લઇ જશે. દિલ્હીથી કલાક નાં આંતરે તમને મુઝફરપુરની બસ મળશે. મુશ્કાનપુર એ મુઝફરપુર પહેલાનું જંક્શન.મારું ગામ લુહારવાડી તે મુશ્કાનપુર પહેલા આવે. ત્યાં રાત રોકાવું હોય તો મારો જીગરી મિત્ર મુજાહીદ છે. તે તમને એ જેલમ ની વાતો ય કરશે અને આખો દિવસ રહેશો તો જેલમના વિવિધ સ્વરુપો પણ બતાવશે.

ત્રણેય મિત્રોએ એક ઓઢવાનું, ત્રણ જોડી કપડા અને મહીનો ફરવા માટે જરુરી પૈસા લીધા. બીજે દિવસે સવારે દહેરાદૂન એક્ષ્પ્રેસમાં દિલ્હીની ટીકીટ કઢાવી. દિલ્હી બીજે દિવસે સવાર ૮ વાગે આવવાનું હતું. વડોદરા પછી સીધું રતલામ આવ્યું ત્યારે કાશ્મીર જવાનો જુસ્સો ઉતરતો જતો હતો .પણ અનુજ મક્કમ હતો રાત ઢળવા માંડી હતી અને જેલમ જોવાનું મન પાકુ થતું જતુ હતુ.

આશિત કહે “ અનુજ નદી તો નદી હોય છે અને આપણે તો નર્મદાને કાંઠે જીવન કાઢ્યુ છે. તેમાં શું જોવાનું”?

અનુજ કહે “ જો એક વાત સમજ. આપણે અડધા કરતા વધુ સફર કરી ચુક્યા છીએ ત્યાં જઈને નક્કી કરીશું કે નર્મદા અને જેલમમાં શું તફાવત છે.” અને આપણા બીજા સાથીદારો કરતા એક કદમ આગળ છીએ કાશ્મીર જોઇને આવીશું ને?”

મહાદેવન જે અત્યાર સુધી શાંત હતો તે કહે આશિષ, “અનુજની વાત સાચી છે.સવારે તો દિલ્હી આવી જશે.હવે ડગલુ ભર્યં કે ના હઠવું ખબર છે ને?”

કોટા આવ્યું અને રેલ્વેનું ફુડ આવ્યું પ્લેટ ખાધી અને આશિષ બોલ્યો. ‘ યાર ખાવાની તો મઝા આવી’.

અનુજ કહે એવી જ રીતે નવી જગ્યા એ પણ મઝાજ આવશે. એક પંજાબી યુગલ કે જે ગુજરાતી જાણતું હતું તે આ સૌ છોકરાઓની વાતો સાંભળતા હતા તેમણે ગુજરાતી માં કહ્યું, ”દિલ્હી તો જોવાના છો ને?”

અનુજે સહેજ ચમકીને જવાબ આપ્યો. “ હમણાં તો કાશ્મિર દર્શનનો કાર્યક્રમ છે, પાછા વળતા દિલ્હી સમય મળશે તો જોઇશું.”

“ દહેરાદૂન એક્ષ્પ્રેસમાં છો એટલે દહેરાદૂન પહોંચશો?”

“ ના દિલ્હી થી મુશ્કાનપુર જવું છે.” અનુજે પ્રત્યુત્તર વાળ્યો..”

“અરે તો તો તમે અમારી સાથેજ છો..અમે દિલ્હી થી મુઝફરપુર જઈએ છે.”

મહાદેવન અજાણ્યા સાથે બહુ વાતો કરવાનાં મતમાં નહોંતો..તે હવે સહેજ હસ્યો.” તમે સરદારજી છો છતા સરસ અને ચોક્ક્ખુ ગુજરાતી બોલો છો…”

“ હા મારો જન્મ જ સુરતમાં થયેલો તેથી ગુજરાતી તો આવડે જને?”

“ મુઝફ્ફરપુર? ત્યાં કોઇ કામે?”

“ મુઝફફરપુર મારી સાસરી છે.”

“બરોબર..” સરદારની ને નમસ્તે કરતા મહાદેવન બોલ્યો.. “ મારું પણ તમારા જેવું જ છે હું મદ્રાસી હોવા છતા ભરુચમાં જન્મ્યો તેથી મને પણ ગુજરાતી અને મારી મદ્રાસી બંને ભાષા આવડે છે.” આ આશિષ ને પંજાબી થોડી થોડી સમજાય છે.”

“મુશ્કાનપુર કેટલો સમય રોકાવાનાં?”

“ બે કે ત્રણ દિવસ..આ અનુજ અમારો કુદરતી સૌંદર્ય જોવાનો શોખીન છે .એટલે તે જેટલી જેલમ જોશે એટલી અમને બતાવશે..”

“જેલમ જ નહી..પંજાબની પાંચ નદીઓ અને જેલમ તો કુંવારી નદી. દરિયાને કદી ન પામી એટલે એને પહેલી જોવી છે. આ બધી નદીઓનું ઉદગમ સ્થાન તો હિમાલય તેથી તો કાશ્મીર જોવાનો મનસુબો કર્યો.” અનુજ બોલ્યો

“અરે વાહ! “સરદારજી અને સરદારની બંને સાથે બોલી ઉઠ્યા..

થોડોક સમયમાં તો દહેરાદૂન એક્ષ્પ્રેસ વાયુ વેગે દિલ્હી તરફ ધસમસવા માંડ્યો.નિંદ્રાદેવી કંપાર્ટમેંટમાં સૌને આભડવા માંડી.

અનુજ તો કાળી ડીબાંગ રાત્રીનાં આવતા નાના ફ્લેગ સ્ટેશનો ને જતા જોઇ રહ્યો.

ગુડગાંવ દુર દેખાતુ હતું, ત્યારે તેની આંખ મળી. દિલ્હી અવ્યું ત્યારે વહેલી સવાર પડી હતી ગાડીને સિગ્નલ મળ્યુ નહતું એટલે અધવચ્ચે ક્યાંક ઉભી હતી. સરદારજી બબડ્યા પણ ખરા કોઇક સ્ટેશન ઉપર ઉભી હોત તો ચાય પી શકત..ચાયનું નામ પડતા આશિષ ઉભો થયો. થર્મોસ કાઢ્યુ અને બે કપમાં ગરમ પાણી ઠાલવ્યુ અને ચાયની પડીકી અને ખાંડ ઉમેરી અને એક કપ સરદારજી ને આપ્યો બીજો કપ પોતે લીધો.

.” ભાપાજી બેચલર ચાય ચાલશેને?”

“ અરે તું ને ગરમ પાની કહાંસે લીયા થા?”

અનુજે અધખુલ્લી આંખે આશિષને પુછ્યુ, “બેચલર ચાય?”

“ હા દુધ વિનાની કાળી ચાય એટલે બેચલર ચાય..”

હળવા ધક્કા સાથે ટ્રેન ચાલુ થઈ.બરોબર અડધા કલાકે એટલેકે ૮ ના ટકોરે દિલ્હી પ્લેટફોર્મ ઉપર ટ્રેન દાખલ થઈ અને સાથે ચાય અને ગરમ નાસ્તાની લારીઓ પણ ફરતી દેખાવા માંડી.

ટ્રેનમાંથી સામાન લઇને ઉતરતા સરદાર દંપતિને થોડીક વાર લાગી. અનુજ અને બંને મિત્રોએ તેમની રાહ એટલા માટે જોઇ કે તેઓ પ્લેટ્ફોર્મ નાં ભોમિયા હતાં, અને બસ સ્ટેશન પર પહોંચવામાં અગવડ ના પડે.

મુઝફરપુરની બસ કલાકમાં નીકળવાની હતી તેથી બહાર નીકળતા આશિષને કહ્યું “દોસ્ત તારી બ્લેક ચા એ ઉંઘ તો ઉડાડી પણ પણ મોં બગાડ્યુ. ચાલો તમને અહીની ચા ઠીબરામાં પીવડાવું મલાઇ માર કે…”

ચા પીવાઇ રહી ત્યાં સુધીમાં બસ આવી ગઈ હતી. મહાદેવન પૈસાનાં ચાર્જમાં હતો. ટીકીટો લેવાઇ અને બસમાં સૌ ગોઠવાયા. લોક્લ બસ હતી તેથી સરદારજી એ કોમેડી કરતા કહ્યું, મહાદેવન ઓછા પૈસા અને બેસવાનું વધારે કેમ બરોબરને…?

બસ ચાલુ થઇને અને સરદારની બોલી..આ બસ તો બરોબર ખખડધજ છે ,સમયસર ઘરે પહોંચાડે તો સારું >ત્યાં કંડક્ટર કહે ,“ બહેનજી શુભ શુભ બોલો જબ તક ડ્રાઇવર ગુરુચરન સિંઘ ઉસે ચલાતા હૈ તબ તક કુછ નહીં હોગા..”

“ મતલબ ગડ્ડી ઠીક હો કી ના હો. ગુરુચરન ઠીક હોના ચાહીયે.”

“હાં, પંજાબ સરકારકી તરહ સભી ગડ્ડી અચ્છા ડ્રાઇવર ચલા હી લેગા..”

“મતલબ સરકાર ભી ગડ્ડી કી તરહ હૈ?” અનુજે વ્યંગ કર્યો અને બધા હસી પડ્યા.

ચારેક કલાક સુધી પંજાબ દર્શન કરીને આશિષ બોલ્યો. ”આપણે તો ગુજરાતમાં કેટલાય સ્ટોપ આવી ગયા હોય અને કેટલીયે ખાવા પીવાની જગ્યા આવી ગઈ હોય..પણ અહીંતો ઘરની સેંડવીચ ના લાવ્યો હોત તો ભુખ્યા રહેવાનો વારો આવે.”

સરદારજી કહે હમણા કોઇ મોટું શહેર આવશે અને ખાવાનો ધાબો આવશે. જાડી છાશ કે લસ્સી મળશે,.અને મોટા  પંજાબી સમોસા ખાવા મળશે. ચિંતા ના કર. દોસ્ત આ પંજાબ છે અને પંજાબી ખાવાનામાં પંજાબનો અલગ સ્વાદ મળશે

પુરી છ કલાકની ડમણીયા સવારી અટકી ત્યારે ખાટલા ઢાળેલા અને વચ્ચે પાટીયા નાખેલા ટેબલો હતા. આખી બસનાં મુસાફરો ભુખ્યા ડાંસ જેવા હતા. છોલે પુરી અને આલુ ગોબીનું શાક લસ્સી સાથે ખાવાની વાનગી હતી .પરોંઠા અને સરસોનું શાક પણ હતું.

ગુરુચરન સિંઘ બસમાં પાણી નાખતો હતો. અને ધાબામાં રેડીયો મોટા અવાજે પંજાબી ભાંગડા વાગતું હતું.

બસ બરોબર દોઢ કલાકે ઉપડવાની હતી તેથી કેટલાક મુસાફરો એ લાંબી તાણી હતી. ત્રણે ભાઇબંધોએ પંજાબી એક પ્લેટમાંથી જ ખાધું, છતાંય વધ્યુ ત્યારે સરદારજી કહે “પંજાબી ખાવા માટે મારી ગુજરાતી ભુખ ઓછી પડે.”

બરોબર બે કલાકે પંજાબી ચા પીને ગુરુચરન સિંઘે બસ શરુ કરી ત્યારે સરદારની પણ ઉંચી નીચી થતી હતી. તેને ઘરે સમયસર જવું હતું. બસે ઝડપ પકડી અને બીજા મુસફરો સાથે અનુજે પણ ઉંઘ ખેંચવા માંડી. સાંજ ઢળવાની શરુઆત થઈને અચાનક ધડામ દઈ ને અવાજ થયો. અને બસ થોડો અવાજ કરીને અટકી ગઈ. આગલા વ્હીલની ચોકડી તુટી ગઈ હતી. જેલમ વહેતી હોવાનો અવાજ આવતો હતો. લોહારવાડી ગામમાં શિવ મંદિર પાસે બસ બગડી હતી.

***********************************************************************************

જેલમનાં ભૂરાપાણીનો રંગ રાતો -(૨) નિરંજન મહેતા

***

પ્રકરણ ૨: નિરંજન મહેતા
લોહારવાડી પાસે બસ બગડતાં બધા ઉતારુઓ ગભરાયા. એક તો અજાણ્યું ગામ. વળી ભારત-પાકિસ્તાનની સરહદ પાસે આ ગામ આવેલું. હાલમાં થતા આતંકી હુમલાને કારણે ઉતારુઓની ચિંતા વ્યાજબી હતી.
જેલમ નદી ઉપર બંધાયેલ પુલની એક બાજુ લોહારવાડી ગામ જે એક સાવ નાનું ગામ. પુલની બીજી તરફ હશનગંજ નામનું ગામ તપાસ કરતા ખબર પડી કે લોહારવાડી ગામ એટલે હકીકતમાં એક ગામડું જ. લગભગ ૨૦૦ માણસની વસતી ધરાવે જેમાં ન કેવળ હિંદુ, પણ મુસ્લિમ અને શીખ લોકો રહેતા. અન્ય ગામડાની જેમ આ ગામ પણ સામાન્ય ગામ. કોઈ તેની વિશિષ્ઠતા નહી. અહી જે દરિદ્રતા જોવા મળે તેવી અન્ય ઠેકાણે કદાચ ન પણ જોવા મળે. અહિના લોકો ખાસ ભણેલા પણ નહી. પણ વિવિધ ધર્મના હોવા છતાં ગામલોકોમાં સંપ અનન્ય. એકબીજાનો ખયાલ રાખે. કહેવાય છે ને કે ભગવાન ભૂખ્યા ઊઠાડે પણ ભૂખ્યા ન સુવાડે. બસ, જાણે અહી એ વાત હાજરાહજૂર હોય તેમ તેની સાબિતીરૂપ ગામમાં વસતા લોકોએ આ નિયમને બરોબર પચાવ્યો હતો અને તે અચૂક પળાતો. ક્યારેક કોઈ મહેમાન આવી ચઢે તો જાણે ભગવાન પધાર્યા.
જો કે બસના યાત્રીઓને આ વાતની ખબર ન હોવાથી ગામમાં કેવો આવકાર મળશે તેની અનિશ્ચિતતા હતી. વળી આ નાના ગામમાં બસ રીપેર કરવા યોગ્ય માણસ હશે કે કેમ એ પણ એક સવાલ હતો. એટલે અંદર અંદર મસલત કરી થોડાક લોકો બસ ડ્રાઈવર પાસે પહોંચ્યા અને પૂછ્યું:
‘અરે ડ્રાઈવર સા’બ, બસ કબ ચાલુ હોગી?’
‘કુછ બોલ નહી શકતા. શાયદ રાત યહી ગુજારની પડે.’
આ જવાબ સાંભળી યાત્રીઓની ચિંતામાં ઓર વધારો થયો.
‘લેકિન યહ ગાંવ તો છોટા દિખતા હૈ. યહાં રાત ગુજારને કી સવલત ભી નહી હોગી ઓર બસ ઠીક કરનેવાલા ભી ઇસ ગાવમેં કોઈ હોગા કી નહી વહ ભી માલુમ નહી હૈ.’
‘જી, યહાં તો યહ મુમકીન નહી હૈ ઈસ લિયે મૈને ક્લીનર કો મુશ્કાનપુર ભેજા હૈ. આતે આતે દેર હો જાએગી ઇસ લિયે મૈને કહા કી શાયદ રાત યહાં ગુજારની પડે. પર આપ લોગ ચિંતા મત કરે. હમારી બસ શિવમંદિર કે પાસ બિગડી હૈ ઉસમેં ભી કોઈ સંકેત હોગા, ઇસ મંદિર કે સિવા ઇસ ગાંવ મેં એક ગુરુદ્વારા ઔર એક મસ્જીદ ભી હૈ. હર શામ હરેક જગહ કુછ ન કુછ ખાના પકતા હૈ જિસ કી વજહ સે કોઈ ગાવવાલા ભૂખા નહી સોતા. બાહરસે આનેવાલે મહેમાનો કા તો યહ સબ પ્રેમ સે સ્વાગત કરતે હૈ તો આપ બિના સંકોચ કહી ભી ખાના ખા લીજીયે. મૈ તો યહાં કે ગુરુદ્વારેમેં અપના ઇન્તજામ કર લુંગા.’
આ નાના ગામમાં ગુરૂદ્વારા છે તેની જાણ સરદાર અને સરદારનીને તો હતી જ કારણ સરદાર પોતાના સાસરે બસમાં મુઝફરપુર જાય અને લોહારવાડી પાસેથી તેમની બસ પસાર થાય ત્યારે તેમને ગુરુદ્વારા દેખાતું. પણ અન્ય બે-ત્રણ શીખધર્મી મુસાફરો તો આ જાણીને આંનંદમાં આવી ગયા કે અહી ગુરુદ્વારા છે અને અનાયાસ બોલી ઊઠ્યા, ‘જો બોલે સો નિહાલ સતશ્રી અકાલ.’ આનો સરદાર અને અન્ય મુસાફરોએ પણ યોગ્ય પ્રતિસાદ આપ્યો અને તે એટલો બુલંદ બન્યો કે શિવમંદિરથી થોડે દૂર સ્થિત ગુરૂદ્વારાના સંચાલકને કાને તે પડ્યો. આ અવાજ સાંભળી તે નવાઈ પામ્યો કે ગામમાં વસતા શીખભાઈઓ તો આટલું બુલંદ બોલતા નથી તો આવી બુલંદી કોની અને ક્યાંથી?
તરત જ તેણે શિવ મંદિર તરફ પ્રયાણ કર્યું અને પોતાના સહધર્મીઓને જોઈ તેણે ઝડપ વધારી. નજીક આવતા તે પ્રેમથી દરેકને ભેટ્યો અને પૂછતાછ કરીને પરિસ્થિતિની જાણકારી મેળવી.
‘આપ સબ કો યાની કિ બસ કે સારે યાત્રીઓ કો ગુરૂદ્વારેમાં આને કા નિમંત્રણ દેતા હું. આપ સબ કે લિયે ખાને કા બંદોબસ્ત હો જાયેગા.’
પરંતુ અન્ય મુસાફરો જે હિંદુ હતા તેમ જ એક બે મુસ્લિમ હતા તેઓએ પોતપોતાના સ્થાનકે જઈ રાત ગુજારવાની ઈચ્છા પ્રગટ કરી. ગુરુદ્વારાના સંચાલકે બહુ આગ્રહ કર્યો પણ તેમની ઈચ્છા આગળ કાઈ ચાલ્યું નહિ અને તેથી કમને તેમને તેમના સ્થાનકે જવા મંજૂરી આપી.
શીખબંધુઓ તો હર્ષોલ્લાસ સાથે ગુરૂદ્વારા તરફ જવા રવાના થયા અને મુસ્લિમ ભાઈઓ પૂજારીને પૂછી મસ્જીદ તરફ જવા રવાના થયા. બસ તો સવાર પહેલા ચાલુ થવાની નથી તેની જાણ હોવા છતાં કહેતા ગયા કે જો વહેલી ચાલુ થાય તો તરત તેમને ખબર કરવામાં આવે જેથી વિના વિલંબે તેઓ આવી જશે અને આગળની મુસાફરી પણ જલ્દીથી પૂરી કરી શકાશે.
શિવમંદિરમાં હમણાં જ આરતી સમાપ્ત થઇ હતી એટલે બાકીના મુસાફરો દર્શન કરવા અને પૂજારીને મળી રાતવાસાની વ્યવસ્થા માટે વાત કરવા અંદર ગયા. શિવ મંદિરના પૂજારી શિવાનંદે તો આ બધા મુસાફરોને આવેલા જોઇ પ્રથમ તો શું થયું અને શું મુશ્કેલી છે તેની વિગતવાર માહિતી મેળવી. બધું જાણ્યા પછી પોતે તેઓને સહાયરૂપ થઇ શકશે તેનો આનંદ વ્યક્ત કર્યો અને કહ્યું કે મારા અહોભાગ્ય કે ભગવાનને ઘરે આટલા બધા મહેમાન એક સાથે !
પ્રથમ તો હાલમાં થયેલી આરતી સાથે ધરાવેલ શીરાનો પ્રસાદ તેમણે સૌને આપ્યો અને થોડા સમયમાં જમવાનું તૈયાર થઇ જશે એમ કહ્યું. એક બે મુસાફરોએ વિવેક દર્શાવ્યો અને જણાવ્યું કે આમે ય તે અમે અમારી સાથે થોડું ઘણું ભાથું રાખ્યું જ છે કારણ રસ્તામાં ન કરે નારાયણ અને આવી કોઈ પરિસ્થિતિ આવે તો તે મુશ્કેલીને પહોંચી વળવા આવી તૈયારી તો રાખવી પડે. તેથી એવી કોઈ તકલીફ ન લેવા કહ્યું..
પણ પૂજારી પોતાની યજમાનગીરીની તક એમ થોડા ગુમાવે?
‘અરે, ન કરે નારાયણ અને તમને ફરી આગળ જતા આવી મુશ્કેલી આવે ત્યારે તમે લાવેલ આ ભાથું તે વખતે કામ લાગશે. એટલે તે ન આરોગતા અત્યારે તો તમારે મારી મહેમાનગતિ માણાવી જ રહી. ગરમ ગરમ ભોજન લેશો તો થાક પણ ઊતરી જશે અને ઊંઘ પણ સારી આવશે. એ બહાને આજે મને અતિથિઓની સેવાનો લાભ મળશે તે હું ગુમાવવા નથી માંગતો.’ હસતાં હસતાં પૂજારી બોલ્યા.
યાત્રીઓને લાગ્યું કે હવે આમની આગળ આપણું કશું નહિ ચાલે એટલે કહ્યું – ‘પણ બહુ તકલીફ ન લેતા. પૂરી અને સુકી ભાજી કરાવશો તો અમને આનંદ થશે. આપને વાંધો ન હોય તો અમારી સાથે બે-ત્રણ મહિલાઓ છે તે આપના ઘરવાળાને રસોઈના કામમાં મદદરૂપ થઇ શકશે.’
‘અરે, હોતું હશે? મહેમાન તો ભગવાન ગણાય. તેમની સેવા થોડી લેવાય? આમેય મારા ઘરવાળા દસ-બાર લોકો માટે તો આરામથી રસોઈ બનાવી લે છે એટલે તમે તેની ચિંતા ન કરો. મંદિરની પાછળ હાથપગ ધોવાની સગવડ છે. તમે સૌ ત્યાં જઈ તાજા થઇ જાઓ અને કલાકેક આરામ કરો ત્યાં સુધીમાં તમારો થાક ઊતરી જશે અને ગરમ ગરમ ભોજન પણ તૈયાર થઇ જશે.’
અનુજ, આશિત અને મહાદેવને આરામ કરવા કરતા નવું નવું જોવાની અને જાણવાની ઇંતેજારી એટલે પૂજારીને ગામ વિષેની માહિતી પૂછી કે ખાસ કોઈ જગ્યા કે વાત હોય તો જણાવો.
‘બેટા, આ તો એક નાનું ગામ છે. અહી એવું શું હોય જેનાથી તે જાણીતું હોય? હા, જેલમ નદી તો તમે જોઈ જ રહ્યા છો. ત્યાના પુલ ઉપરથી તમને સુંદર દ્રશ્ય જોવા મળે પણ હાલમાં અંધારું છે એટલે તે પણ માણી નહી શકો. પણ જો પગ છૂટા કરવાની ઈચ્છા હોય અને તેના પૂલ ઉપર જશો તો આગળ એક મસ્જીદ આવશે. ત્યાના મુંજાવર પણ એક મળવા જેવી વ્યક્તિ છે. ભલે તમે હિંદુ હો પણ દરગાહમાં સૌને પ્રવેશ છે કારણ એક ખાસ વાત તેની સાથે સંકળાયેલી છે.’
અંકલેશ્વરમાં નબી ચાચાએ આ મુંજાવર અને તેની મસ્જીદ સાથે સંકળાયેલ વાત તો કરી હતી તેમ છતાં પૂજારીની વાત સાંભળી ત્રણે યુવાનો ઉત્સુક થઇ ગયા અને કહ્યું. ‘શું વાત છે તે જણાવો ને.’
‘હું તે વિષે કશું નહિ કહું કારણ મુંજાવરને મુખેથી સાંભળવાની જે મજા છે તે મારી પાસેથી સાંભળતા નહી મળે. તમારી ઉત્સુકતા સમજી શકું છું પણ જ્યારે તમે તે પૂરેપૂરી વાત મુંજાવર પાસેથી સાંભળશો ત્યારે તમે જ મને કહેશો કે મારું કહેવું યોગ્ય છે.’
કલાકેક પછી સાદું પણ સ્વાદિષ્ટ ભોજન તૈયાર થઇ ગયું એટલે શિવાનંદ પૂજારીએ બધાને બોલાવ્યા. પૂરી, બટાકાનું શાક અને સાથે વિવિધ પ્રકારના ભજીયા જોઇને યાત્રીઓના મોમાં પાણી આવી ગયું. આમેય તે રસ્તામાં ધાબે ખાધું હતું તેને ઘણો સમય થઇ ગયો હતો એટલે ભૂખ તો લાગી જ હતી. સામે ગરમ ગરમ શાક અને ભજીયા પીરસાયા હતા તેમાય પૂજારીના પત્ની તે જ વખતે પૂરીઓ ઉતારતા જતાં હતાં અને પૂજારી શિવાનંદ દરેકને આગ્રહ કરી કરીને પીરસતા હતા એટલે તેને જલ્દીથી ન્યાય આપવાનો બધાને વિચાર આવે તેમાં નવાઈ ક્યાંથી હોય?
અનુજ, આશિત અને મહાદેવન તો આવું સાદું છતાં સ્વાદિષ્ટ ખાવાનું આવા અંતરિયાળમાં મળી શકે તેનો વિચાર પણ કરી શકતા ન હતા. પણ ઘર જેવા ભોજનનો આનંદ મળ્યો એટલે તેમણે શિવાનંદ પૂજારીને વિનંતી કરી કે અમારે તમારા પત્નીને મળવું છે.
ગામડાગામમાં તો સ્ત્રીઓ મલાજો જાળવે અને અન્યોને ન પણ મળે એટલે શિવાનંદે પહેલા તો પૂછ્યું કે મળવાનું કારણ શું છે. ત્રણેયે કહ્યું કે અમારે આવા સરસ ભોજન માટે તેમનો રૂબરૂ આભાર માનવો છે. વળી ઉમેર્યું કે અમે સ્ત્રી મર્યાદાને જાણીએ છીએ પણ તેઓ તો અમારા મા અન્નપૂર્ણા સમાન છે અને અમે તો તેમની આગળ તેમના સંતાન કહેવાઈએ એટલે આપ અમને રજા આપશો માની આ વિનંતી કરી છે.
આ સાંભળી શિવાનંદનું મન વિચલિત થઇ ગયું. આવા લબરમૂછિયા જવાનોમાં વડીલો પ્રત્યે આટલો આદર જાણી તે ત્રણેયને અંદરના ઓરડામાં લઇ ગયા. તેમના પત્ની કમલાદેવી હજી બધું સમુસૂતરું કરવામાં હતા એટલે તે આ બધાને આવેલા જોઈ જરા ચમક્યા અને શિવાનંદ સામે પ્રશ્નાર્થ નજરે જોયું. શિવાનંદે તેમને સમજાવ્યું કે આ જવાનો તમને મા અન્નપૂર્ણા માની બેઠા છે અને તમને મળવાની જીદ કરતાં હતાં એટલે મારે તેમને નાછૂટકે અહી લાવવા પડ્યા..
શિવાનંદે બોલવાનું પૂરૂં કર્યું એટલે ત્રણેય જણા કમલાદેવીને પગે પડ્યા અને કહ્યું કે આપ કે હાથ કા ખાના ખા કર હંમે જો તૃપ્તિ હુઈ હૈ ઉસે હમ જિંદગીભર નહી ભૂલેંગે. પછી તેમણે કમલાદેવીના અગ આગળ થોડાક રૂપિયા મૂક્યા. નારાજ થઇ કમલાદેવી બોલ્યા કે આપ હંમે શરમિંદા કર રહે હૈ. અતિથિ કી સેવા તો હમારા ધર્મ હૈ ઔર હંમે ઉસસે જો આંનદ મિલતા હૈ ઔર આપ ઇસ તરહ ધનરાશી દે કે હંમે અપમાનિત કર રહે હો.
ત્રણેય એક મિનિટ તો અવાચક થઇ ગયા અને પછી બોલ્યા કે તેમનો ઈરાદો અપમાન કરવાનો ન હતો. અજાણતા તેમ થયું હોય તો અમને માફ કરો.
શિવાનંદે કહ્યું તમારી ભાવના સમજી શકાય એમ છે એટલે તમને નારાજ નહી થવા દઈએ. આ પૈસા સવારે મંદિરમાં રાખેલ ભેટપેટીમાં આપ નાખી દેજો. હાલ તો તમારા માટે સુવાની સગવડ કરી છે તે જોઈ લો.
ત્રણેય જણે કહ્યું કે અમે તો બહાર ચોગાનમાં સુઈ જશું જેથી કુદરતનો નજારો નિહાળી શકીએ. વળી અમારે મસ્જીદ જઈ મુંજાવરને મળવા જવું છે એટલે મોડું થાય તો તમને તકલીફ પડે એટલે આમ વિચાર્યું છે. ઠંડી માટે અમે પૂરતા સાધન લઈને નીકળ્યા છીએ એટલે તે માટે પણ તમે ચિંતા ન કરતાં.
આટલું કહી તેઓ જેલમ નદી તરફ ચાલી નિકળ્યા અને તેના ખખડધજ પૂલ પરથી જેલમનો પ્રવાહ અને રાતનો નજારો જોતાં જોતાં આગળ વધ્યા.
નિરંજન મહેતા.

*************************************************************************************

જેલમના ભૂરા પાણીનો રંગ રાતો ***૩   સ્વાતિ

*****************

 

રાતનું જમવાનું પતાવી ત્રણે ભાઈબંધ સામે દેખાતા ખખડધજ પુલ જોવા અને ફકીર મુંજાવરને મળવા ઉત્સુક હતાં તે ભણી પ્રસ્થાન કરવાં પગ માંડ્યા. અજવાળી રાતમાં જેલમના પાણીમાં એક જુદી ચમક ભાળી અનુજનો ઉત્સાહ બમણો થયો. ઉતાવળે પગ માંડતા નજર લંબાવી જોયું તો સામે પુલ ઉપર સરહદની ચોકી હતી. પુલની પેલેપાર ગામના દીવા ઝબુકતા દેખાતાં હતાં તે જોતા અનુજ બોલ્યો, “આ સામે લોહારવાડી જેવું જ નાનું ગામ કેવું સુંદર દેખાય છે?”
ઉપર આકાશમાં ચમકતાં તારા ને ઘડીબેઘડી જોઈ ત્રણે જણની નજર વહેતી જેલમ પર સ્થિર થઇ. ચાલતાં ચાલતાં અનુજના મનમાં થઇ આવ્યું કે ક્યારે જેલમને કાંઠે પહોચીયે! થોડી ઉતાવળ કરી ચાલવા લાગ્યાં ત્યાં અનુજને થોડે દૂર દરગાહ જેવું લાગ્યું. “ચાલો ત્યાં દરગાહ લાગે છે. આપણે એ બાજુ જરા જોઈએ. પુલ પર ચોકી છે એટલે આપણે ત્યાં તો જઈ નહિ શકીએ. આ જેલમ નદીનો અવાજ રાત્રીની શાંતિમાં કેવો મધુરો લાગે છે. બસ જાણે સંભાળતા જ રહીએ. જાણે યુવાન કન્યા નાં રણકતા ઝાંઝર. જો રાતનાં સમયે જેલમના પાણી આટલાં સુંદર લાગતાં હોય તો સવાર પડતાં તો વાહ..” હજી અનુજ આગળ બોલે તે પહેલા આશિત બોલી ઉઠ્યો, “ અરે જમણે જુવો, કંઈ ઝીણી લાઈટમાં દેખાય છે. ચાલો એ બાજુ જઈએ.”
ત્રણે જણા એ દિશમાં વળ્યાં. ચારે કોર કોટ અને તેની ઉપરનાં કાંગરા જોઈ અનુજને અંદાજ આવી ગયો કે પૂજારીજી એ કહી હતી તે આ દરગાહ. ઉતાવળી ચાલે ત્રણે જણા પહોંચ્યાં. મહાદેવનને ખબર હતી કે દરગાહમાં જવું હોય તો માથું ઢાંકેલ જોઈએ. તેણે અનુજ અને આશિતને હાથ રુમાલથી માથું ઢાંકવા કીધું. માથું ઢાંકી અંદર ગયાં દરગાહમાં લીલી ચાદર ઓઢાઢેલી કબર પર નજર પડતાજ ત્રણેનાં બે હાથ જોડાઈ ગયાં. બહારના અંધકારમાં દરગાહની આજુબાજુની જગ્યાનો ખ્યાલ બહુ નહોતો આવતો પણ અંદર જતા તેની વિશાળતા નો અંદાજો આવી ગયો. કબર ઉપર ચાદર તો હોય પરંતુ ભગવા રંગની ધજા જોઈ આશ્ચર્ય થયું.
સામેની દિવાલ ઉપર બે ફોટા લગાડેલાં હતાં. ફોટાની નજીક જઈ વિસ્મયથી અવલોકન કરતાં હતાં ત્યાં હળવા પગલાં નો અવાજ સાંભળતા ત્રણે પાછાં વળી જોયું તો ચોકડા વાળી લુંગી ને લાંબો ઝભ્ભો પહેરેલ એક સફેદ દાઢી વાળા ભાઈ તેમની તરફ આવતાં હતાં. તેમની માથાની ટોપી પરથી મહાદેવને ખ્યાલ આવી ગયો કે તેમની તરફ આવતાં ભાઈ જ મુંજાવર ફકીર હશે. ત્રણે જણાએ તેમને બાઅદબ નમસ્કાર કર્યાં. “આટલે મોડેથી આવવા બદલ ક્ષમા કરશો. અમારો ઈરાદો આપની બંદગીમાં ખલેલ પહોંચડવાનો નહોતો. અમારા અવાજને કારણે આપને ખલેલ પહોચી હોય તો માફ કરશો.” મહાદેવન બોલી તો ગયો પણ બધું ગુજરાતીમાં બોલ્યા પછી જરા સંકોચ થયો. અનુજે એને ટપારતાં કહ્યું, “હિન્દીમાં બોલવાનું. આપણી ભાષા કેમ સમજે!” હિન્દીમાં બોલવા જતો હતો ત્યાં ફકીર બે હાથ આકાશમાં ઊંચા કરી બોલ્યા, “ દીકરાઓ આવો. આતો પ્રેમ અને ધિક્કારનું મંદિર છે. ગુજરાતથી આવો છો?” કેમ હું ગુજરાતીમાં બોલ્યો એટલે આશ્ચર્ય થયું? બેટા હું ગુજરાતી લોકો સાથે રહ્યો છું. તેમની સેવાનો મોકો મને મળ્યો છે.”
“ પ્રવાસી લાગો છો! આ બાજુ કેવી રીતે? મારું નામ મુંજાવર છે. હું આ દરગાહની ઘણાં વર્ષથી દેખભાળ કરું છું.” “બાબા અમે કાશ્મીર દર્શને નીકળ્યાં છીએ. હું અનુજ અને આ મારા મિત્ર મહાદેવ અને આશિત. અમારે કાશ્મીરને કોઈપણ બંધન વગર જોવું છે. અમે ૮માં ધોરણમાં ભણીએ છીએ. અમે અહીંયાથી પસાર થતાં હતાં ત્યાં લોહારવાડી પાસે અમારી બસ બગડી, સવારે રીપેર થશે તેવું કહેવામાં આવતાં અમે ત્યાંના મંદિરમાં રાતવાસો કરવાં રોકાયા છીએ. આ ગામ અને આજુબાજુના વિસ્તાર વિષે પૂછતા પૂજારીજીએ આપને મળવા કીધું. જેલમનું રાતનું સ્વરૂપ જોવા નીકળ્યા અને ફરતા ફરતા અહીં તમને મળવા આવી પહોંચ્યાં.”
“કાફી સાલથી હું અહીં રહું છું. કાળા વાળ લઇ આવ્યો હતો ને આજ ધોળાં પણ અહીં થયાં. જુવાનીમાં ફકીરી આવી ને આ બુઢાપે રહી. પીરની દરગાહ ગામથી થોડી દૂર છે એટલે અતિથિનો લાભ ઓછો મળે છે. થોડાં વર્ષ પહેલાં થોડાં ફોજી અહિયાં રોકાયા હતાં. આ પુલ પરની ચોકી ત્યારે થોડી પાછળ હતી. એ ફોજી લોકોમાં બે ત્રણ ગુજરાતનાં હતાં. તેઓનું રોકાણ થોડું લંબાઈ ગયું એટલે મને ગુજરાતી શીખવાનો લાભ મળી ગયો. એલોકો અંદર અંદર ગુજરાતીમાં બોલતાં એટલે એક દિવસ મારાથી ના રહેવાતા મેં તેમને મને શીખવાડવા કીધું અને હું તમારી ભાષા શીખી ગયો.”
કહેવાય છેને કે ગુજરાતી જ્યાં જાય ત્યાં ગુજરાત ખડું કરી દે. વાતોનો દોર ચાલવા લાગ્યો. પાકિસ્તાનની સીમા નજીક હોવાને કારણે ઘણો સમય ફોજના જવાન દરગાહમાં ઉતારો લેતાં. મુંજાવર તો ફકીર માણસ. લોકો આવે અને જાય તેનો તેમને કોઈ ફરક ના પડે. એ ભલા ને એમની સેવા ભલી. દરગાહની સાફ સફાઈ અને પીરબાબાની બંદગી. એકલા પંડને ઝાઝું શું જોઈએ. જીવન ટકાવવા જેટલું પીરબાબાની રહેમતથી મળી રહેતું. દુનિયાદારી છોડી ફકીરી અપનાવી મુંજાવર બસ પોતાની દુનિયામાં વ્યસ્ત. પીરબાબા ના દર્શને બે થી ત્રણ પેઢી આવતી તે સાક્ષી ભાવે જોતાં ને પોતાની બંદગીમાં સમય પસાર કરતાં.
દરગાહમાં પગ મુકતા અનુજનું ધ્યાન સામેની દિવાલ પરનાં ફોટા પર ગયું હતું અને તેણે ઇશારાથી બંને મિત્રોને પણ બતાવેલું. વિસ્મય જનક નજરે અંદર આવ્યાં હતાં પણ પછી મુંજાવરની વાતોમાં ડુબી ગયાં. અનુજ અને તેના મિત્રોની વિસ્મય જનક આંખો મુંજાવરથી છૂપી નહોતી રહી. અનુજ બોલ્યો, “બાબા , આ કબર ઉપર લીલી ચાદર તો સમજમાં આવી પરંતુ ભગવા રંગની ધજા !!”
“બેટા તમે આવ્યાં ત્યારે જ મેં પહેલા શું કહ્યું હતું તે યાદ છે? આ પ્રેમ અને ધિક્કારનું મંદિર છે. મંદિરમાં તો ભગવા રંગની ધજા હોય ને! આ દરગાહ તો છેજ પણ એક મંદિર પણ છે જ્યાં પ્રેમ અને સાથે ધિક્કારની વાત છે. બેટા પ્રેમની ઘણી માવજત કરવી પડે છે. દુનિયાદારી ની મને ઝાઝી ખબર નથી પણ જ્યાદાતર જ્યાં પ્રેમની વાત આવે ત્યાં ધિક્કાર પણ ક્યાંકથી ઘુસી આવે છે. કોઈકના પ્રેમમાં કોઈકનો ધિક્કાર સમાયેલો હોય છે. અલ્લાહ અને ઈશ્વર જે ગણો એ બધાં એક છે પણ આ લોકો માં એવી સમજ ક્યાં છે! જે પથ્થરમાં હિંદુ ઈશ્વરને જોવે છે તેમાં મુસલમાન અલ્લાહને જુવે છે.”
“પણ ફકીરબાબા, આ ભેદ આવ્યો ક્યાંથી? કોમવાદનો જન્મ થયો ક્યાંથી?” અનુજના આ શબ્દ સાંભળતા મુંજાવરની છાતી માંથી એક હાય નીકળી ગઈ. “શું કહું બેટા, અલ્લાહ ગવાહ છે. આજ વાત થી હું બહુ દુઃખી છું અને રોજ અલ્લાહ તાલાહ ને પ્રાર્થના કરું છું હવે રહેમ કર. વર્ષોથી ચાલ્યો આવતો કોમવાદ અટકાવ.”
આઠમા ધોરણમાં ભણતાં આ છોકરાઓને અંકલેશ્વર જેવાં ગામમાં ક્યારેક થતાં હિંદુ અને મુસલમાન વચ્ચેનાં ઝગડાથી વિશેષ કંઈ ખબર નહોતી અને નહોતી દુનિયાદારીની ખબર. એ લોકો ના ઉઠતાં સવાલનો જવાબ આજે આપવો રહ્યો તેમ મુંજાવરનું દિલ કહી રહ્યું હતું. સાથે મનમાં મુંઝવણ હતી કે વાતની શરૂઆત કેમ કરવી. આ કુમળા મનના બચ્ચાઓને કેમ કરી સમજાવવું કે કોમવાદની આગ ભલભલાને ખતમ કરી નાખે છે.
અનુજને પહેલાતો જાણવું હતું કે ભગવા રંગની ધજા કેમ આ સ્થળે? મુંજાવર વાતની શરૂઆત કરતાં બોલ્યાં, “ બચ્ચા, ભગવો રંગ હિંદુ ધર્મનું પ્રતિક મનાય છે અને તેથી તેને અહિયાં લગાવવામાં આવી છે. હું પોતે દુનિયાદારી છોડી અલ્લાહની ખિદમત કરું છું અને અલ્લાહને રોજ પોકારું છું, આ પીરની દરગાહ પર જીવન પસાર કરવાં પાછળ એ પણ એક કારણ છે. બહુ મોટા પીરની આ દરગાહ છે. આ જેલમ નદી પાસે મેં જે ઘટના જોઈ ત્યારથી બસ દુનિયાદારી પરથી મન ઉઠી ગયું અને હું આ પીરબાબા ની દરગાહ પર સેવામાં લાગી ગયો અને કોમવાદ અટકાવવા દુઆ કરવાં લાગ્યો. અંદર આવતાની સાથે અનુજ તારી નજર જે ફોટા પર પડી તે વિષે તને શું લાગ્યું?”
ખુબ ચિંતન મનન માં સમય પસાર કરવાના કારણે મુંજાવરને અનુજ અને તેના મિત્રોને કેવી રીતે સમજાવવા તેનો ખ્યાલ હતો. એટલે પ્રશ્નો પુછી જવાબ એમની પાસેથી જ મળે તેવાં પ્રયત્ન કરી આખી વાત કરવાં મુંજાવર તૈયાર હતાં. “બાબા છોકરી તો મુસલમાન લાગે છે પણ આ છોકરો મુસલમાન નથી લાગતો. કપાળે તિલક કરેલ છોકરો હિંદુ બ્રાહ્મણ જેવો લાગે છે. એનો ફોટો? એક દરગાહ માં હિંદુ છોકરાનો ફોટો થોડું આશ્ચર્ય પેદા કરે છે.” અનુજ જ્યારે આમ બોલ્યો ત્યારે મુંજાવર ને પોતાની વાત કરવાનો રસ્તો વધુ ખુલતો લાગ્યો. અનુજે પણ આજે આ ફકીરના મોંએથી વાત જાણવાનો મનસૂબો ધારણ કરી લીધો હતો.
“ અનુજ આ ફોટા મેં અહીં કારણ સર લગાવ્યા છે. જરા વિચાર કર. આમ સાથે આ ફોટા, મારું તમને આવકારતું વાક્ય! શું કારણ હશે? મેં કેમ આ જગ્યાને પ્રેમ અને ધિક્કારનું મંદિર કહ્યું?” અનુજ અને તેના સાથી મોં વકાસી એકબીજાને જોવા લાગ્યાં. “આ તો સવાલ સામે સવાલ થયો! ફકીરબાબા આ શું વાત થઇ. તમેતો અમને વધારે ગૂંચવતા જાઓ છો.” અનુજ બોલી ઉઠ્યો.
મુંજાવર વાત શરુ કરતાં બોલ્યા, “ બહુ સમય પહેલાની વાત છે. મારી આંખ સામેની ઘટના છે. એ સમયે હિંદુ અને મુસલમાન પોતાના બાળકોને એક શાળામાં ભણાવતા, એક બીજા સાથે રમવા દેતાં. પણ હા પોતાના ધર્મના પાઠ પોતાની રીતે ભણાવતા. અનુજ તમારા ગામમાં હિંદુ શાળા અને મુસલમાન શાળા જુદી છે?”
અનુજ વિચારીને બોલ્યો,” હા, મુસલમાન વધારે ઉર્દુ માધ્યમમાં અભ્યાસ કરવાં જાય છે. અમારી શાળા ગુજરાતી માધ્યમની છે જ્યારે કેટલીક હવે અંગ્રેજી માધ્યમની પણ છે. મેં અમારી બાજુની સોસાયટીમાં રહેતાં મારા એક મુસલમાન દોસ્તને ઉર્દુ માધ્યમમાં ભણવાનું કારણ પુછ્યું ત્યારે તેણે કહ્યું હતું કે અમારો મજહબ કહે તેમ અમે કરીએ. પાક મુસલમાનને ઉર્દુ બરાબર આવડવું જોઈએ. અમારા ધર્મ ગ્રંથ ઉર્દુમાં લખાયેલ હોવાથી વાંચવામાં સરળતા રહે.”
“ ઉર્દુ શાળાને મદ્રેસા કહેતાં. આ ફોટા માં જે છોકરી દેખાય છે તેનું નામ ફાતિમા. બહુ સીધી અને સરળ છોકરી. અને બાજુના ફોટામાં જે છોકરો દેખાય છે તેનું નામ કરણ. બંને બચ્ચા લગભગ હમ ઉમ્ર. આ દરગાહ કરણ અને ફાતિમાના ઉછેરની સાક્ષી છે. બાળપણમાં આસપાસના ગામનાં બચ્ચા ઘણીવાર આ બાજુ રમવા આવતાં. હું નિર્દોષ બચ્ચાઓનાં વિકાસ માટે હંમેશા બંદગી કરતો. અલ્લાહ તાલાહને કહેતો આ સમાજના દુષણ કોમવાદથી આ બચ્ચાઓને દૂર રાખે. કરણ હિંદુ હોવા છતાં દરગાહ પર આવી માથું નમાવવા આવતો મારી સાથે માનવ ધર્મની ચર્ચા કરતો.
તે હંમેશા મને સાચા ધર્મ અંગે સવાલો પુછતો. કરણ વારંવાર ધર્મ ગ્રંથમાં આવતી ક્રિયાકાંડ ની ચર્ચા કરતો અને સાથે માનવ ધર્મનું મહત્વ પણ મને પુછતો. મને તેની વાતો માં ઘણું તથ્ય છુપાયેલું દેખાતું. તે કારણ વશ મેં કરણની યાદમાં અને તેના વિચારને માન આપવા આ ભગવા રંગની ધજા રાખી છે. આ દરગાહ ફાતિમા અને કરણના નિર્દોષ પ્રેમની સાક્ષી પણ છે તેમ લોકોનાં ધિક્કારની પણ સાક્ષી છે.”
રાત્રીનો સમય વહેતો હતો પણ હવે અનુજ અને તેના મિત્રોને ફકીર બાબાની આખી વાત સાંભળવાની ઇન્તેજારી વધતી ગઈ…
સ્વાતિ શાહ..

 

 

 

****************************************************************************

જેલમના ભુરાં પાણીનો રંગ રાતો  ૪  વિજય શાહ

************************************************

લોહાર વાડી ની વસ્તી કહીએ તો ૫૦ જેટલા ઘર અને બસો જેટલો માનવ સમુદાય. નાનકડા ગામમાં મંદિર, મસ્જીદ અને ગુરુદ્વારા તેથી સવાર પડેને હલચલ ચાલુ થઈ જાય  જનક શાસ્ત્રી મંદિરનો પૂજારી, સવારના પહોરમાં ઘંટડીનાં મધુર.રણકાર વચ્ચે શીવ સ્તોત્રમ સંભળાતું હોય.ગામના ઘરોમાંથી સવારના પૂજન, અર્ચન માટે દુધ અને પાણી આવતું હોય. માળી તાજા ફુલો લાવતો હોય
આવું જ ચિત્ર મસ્જીદનુ પણ જણાય. બાંગ પોકારતી હોય અને મુસ્લિમ બિરાદરો નમાજ પઢવા જતા હોય.
ગુરુદ્વારામાં પણ ગુરુબાની ગવાતી હોય અને ભંડારા માટે વાસણો ધોવાતા હોય .આવી સુંદર પ્રભાત વખતે જેલમનો ધીમો ખળ ખળ અવાજ એક સુંદર તાલ પુરાવતો રહેતો હોય. જનક શાસ્ત્રી અને રફીક એક જ ફળીયામાં રહે, તેમનાં ઘરથી થોડે દુર બેઠા ઘાટ નો ડૉ. જોસેફ કૌલ અને ડાયેનાનો બંગલો.
અહીં જેલમનું પાણી સ્પષ્ટ દેખાય અને આકાશનું પ્રતિબિંબ પડે એટલે સ્ફટિક જેવું સ્વચ્છ પાણી ભુરો રંગ પકડે.  નદીની ઉત્તરે હિમાલયની પહાડી નજરે પડે. સવારનું પહેલું કિરણ હિમાલયની ટોચને પ્રકાશમાન કરે તે વખતે જેલમ નદીને કિનારે ઝાકળ બુંદો હીરાની જેમ ચળકી ઉઠે. ચિનારનાં વૃક્ષો લીલીધાર  ઉપસાવતા અદભુત દ્રષ્ય ઉભુ કરે. આ દ્રષ્યથી મોહિત થયેલા કોલ અને ડાયેના,  છેલ્લા વિશ્વયુધ્ધ પછી  રીટાયર થઈ લોહારવાડીમાં જ સ્થાયી થઈ ગયા હતા.
નિવૃત્ત જીવન જીવતા મીલીટરીના ડૉક્ટર આમતો મીશનરીઝ  હતા. દેશ અને વિદેશની ખબર રાખતા ડો. કૉલે એક રૂમ છોકરાઓને પ્રાથમિક અક્ષરજ્ઞાન માટે ફાળવ્યો હતો. બીજા રૂમ માં ડાયેના નિઃશુલ્ક પ્રથમિક દવાખાનુ ચલાવતી હતી
બે ઘોડાની બગી, બે ગાયો, ડાઘીયો કુતરો જોહની અને ગુરખા નોકર દંપતીનો બંગલામાં વસ્તાર. મીલીટરીમાંથી તેમને મળેલ ખખડ્ધજ જીપમાં તેઓ મુખ્ય શહેર મુઝફરપુર સાથે જોડાએલા રહેતા.
ક્રિશ્ચયન હોવાને નાતે દરેક રવીવારે તેમને ત્યાં નાનક્ડી સભા ભરાતી. બીસ્કીટ  યા કેક કોફી સાથે ડાયેના બનાવતી. ૧૦ થી ૧૨ વાગ્યા સુધી સ્કુલ ચાલતી . બપોરના ૩ વાગે બે કલાક અલક મલક્ની વાતો થતી. આખી દુનિયા ફરેલા દંપતિનું ગામમાં માન બહુ હતું. પેન્શનની આવકહતી અને ધર્મની ચર્ચાઓ સાથે માનવતાની અલકમલકની વાતો કરતા..
આવા એક રવીવારે ત્રણના ટકોરે બેઠક જામવાની શરુઆત થઈ હતી.જહોની ને રૂમમાં પુરીને ગુરખો બહાર નિકળી ગયો હતો.  આજે કોલ સાહેબ વિજ્ઞાનની વાતો કરવાના હતા ત્યારે ધારણા કરતા વધુ માણસો આવ્યા હતા.ખોંખારો ખાઈને સૌનું ધ્યાન દોરતા કોલ સાહેબે તેમના સમયની ટેલીફોનની વાત શરુ કરી.
એલેક્ઝાંડર ગ્રેહામ બેલ ની વાત શરુ કરી. બેલના કાંઈક કેટલાય પ્રયત્નોને અંતે તેઓ એક સ્થળે ઉચ્ચરાયેલા શબ્દો, બીજે સ્થળે સંભળાઈ શકે તે પ્રયોગમાં  સફળ થયા. આશરે ૨૦૦૦ પ્રયોગો પછી સફળતા સાંપડિ હતી. કોઇકે તેમને પુછ્યુ તમે કંટાળી નહોતા ગયા ત્યારે એલેકઝાંડર ગ્રેહામ બેલ બોલ્યા ના , ‘હું  તમને ૨૦૦૦ વાર પ્રયત્ન કર્યા પછી ફોન કેમ સંભળાતો ન હતો તેના કારણ આપી શકું છુ’.

બટક બોલી નાની ફાતિમાંથી ના રહેવાયુ.” આપણે હોઇએ તો તરત જ કહીએ આ કામ અશક્ય છે”.
કોલ સાહેબે વાતનું અનુસંધાન પકડતા કહ્યું કહે છે ને કરતા જાળ કરોળીયો ભોંય પડી પછડાય.એણે દરેક પ્રયત્નોમાં ભીત ક્યાં સપટ છે ને ક્યાં ખરબચડી છે તે શોધી લીધુ અને સાંજ સુધીમાં તે ભીતનાં ઉચ્ચા ખુણે બેઠો હતો.તેમ દરેક પ્રયત્નોની નિષ્ફળતા માં તેમણે નવું શોધી લીધુ હતુ આ ત્રૂટીઓ દુર કરતાં કરતાં તેમણે તેમના સાથીદાર સાથે વાતો કરતા પહેલ એક માઈલ પછી, ૫૦ માઇલ પછી ,૫૦૦ માઈલ અને છેલ્લે ૧૦૦૦ માઈલનું અંતર કાપ્યુ હતું. આ બધુ કરવા માટે વાયર બાંધ્યા હતા. કરણ મુગ્ધ ભાવે જોઇ રહ્યો હતો
૧૮૭૭ની શોધ માનવ જાતને કેટલી ઉપયોગી થઈ રહી હતી. વાત તો પુરી થઈ ગઈ હતી પણ હવે ચર્ચા શરુ થવાની હતી.

જનક શાસ્ત્રી એ કહ્યું વિશ્વયુધ્ધો થતા હતા તેના કારણોમાં એક કારણ  એવું હતું કે,’ બે નેતાઓ વચ્ચે ત્વરિત વાતચીત ના થાય, તેનું તત્કાલ નિરાકરણ ના  આવે ત્યારે બુધ્ધી અવળી દિશા પકડે.’
રફીકે કહ્યું, બીજું કારણ ભાષા પણ હોઇ શકે,’ જાપાને અમેરિકા ઉપર હુમલો કર્યો ત્યારે દુભાષિયા એ કહ્યું શું અને જાપાનીઓ સમજ્યાં શું ? અને પર્લ હાર્બર ઉપર હૂમલો કર્યો’.
નાનકડું ગામડું પણ વાતો આખી દુનિયાની કરે ત્યારે ધન્યવાદ આપવાના હોય તો ડો કોલની  આવી બેઠકોને આપવા પડે. પાંચ વાગ્યે ચર્ચા પુરી થાય ચા કોફી અને નાસ્તો આવે ત્યારે આવતા રવિવારનો વિષય નક્કી થાય. આવતા રવિવારનો વિષય “સંપ” નક્કી થયો.
સૌને ચટ્પટી હતી કે સંપ વિષય ઉપર શું ચર્ચા થશે. ડૉ કોલ નોર્વેનાં હતા. મીલીટરી તાલિમ તેમની બ્રીટનમાં થઈ હતી. તેઓ રીટાયર પણ બ્રિટીશ આર્મીમાંથી થયા હતા.
બીજો રવિવાર આવ્યો. બેઠક્માં આ વખતે માણસ વધારે હતા.લોકોને ચટ્પટી થતી હતી. ગોરો છે એમની જાતનું ખેંચશે કે ઉપદેશો આપશે.એક જણે તો શરત લગાડવાની તૈયારી બતાવી કે કોલ સાહેબ ગોરાનું જ ખેંચશે.
કોલ સાહેબે સંપ માટેનું ભાષણ શરુ કરતા પહેલા સરદાર પટેલને સંભાર્યા. સરદાર પટેલ કહેતા “ મુઠીભર બ્રિટિશરો આખા ભારત પર શાસન કેવી રીતે કરી શકે? સંપનો અભાવ બે રજવાડાને લઢાવે પછી તેમને સંરક્ષણ આપશું તેમ કહી રાજ્ય ને પચાવી પાડવાની બે બીલાડી અને વાંદરાની નીતિ કહી સમજાવી ત્યારે સ્તબ્ધતા હતી અને કહે હું ગોરો જરૂર છું પણ બ્રિટિશર નથી અને તેમની સાથે આખી જિંદગી કામ કર્યું છે તેથી આ વિષયે વિચારો બહું સ્પષ્ટ છે.
ખોંખારો ખાઈને તેમણે વાત આગળ ધપાવી ગાંધીજી આ વાતને બહુજ તાર્કિક રીતે આગળ વધારે છે…અસ્પૃશ્યતા નિવારણની વાતોમાં અને ધર્મ ની વાતોમાં તેઓ પહેલા પ્રાધાન્ય દેશને આપે છે. સ્વરાજ્યને આપે છે.દેશમાંથી ઢસડાતું જતું ધન દેશના કામેમાં વપરાય તે અગત્યનું છે,
તે કેવી રીતે થાય?
ભારત એક થાય તો…
એક કેવી રીતે થાય?
ત્યાં સૌની જાણીતી વાર્તા ઈસપ ક્થાઓનો ટેકો મળ્યો…હવે વાત જનકભાઇએ સંભાળી…
જાળમાં ફસાયેલા કેટલાય નિર્દોષ પારેવડા એકી સાથે ઉડ્યા તો તેઓ જાળ લઈને ઊડી શક્યા..જો તેઓ ના ઉંચ નીચ ગરીબ અને તવંગરનાં ઝઘડાંમાં પડ્યા હોત તો શીકારી ની જાળમાંથી બચી શક્યા હોત? અત્યારે આપણો દેશ પણ બ્રિટિશરોની જાળમાં ફસાયેલો છે. આપણે પણ સાથે ઉડવુ છે..વિદેશી વસ્તુઓ વાપરવાનું છોડો અને ખાદી વાપરો,,ભાષાનું વૈવિધ્ય..ધર્મનું વૈવિધ્ય બધુ તેની જગ્યાએ યોગ્ય છે પણ તે નબળાઈ ન બનવા દો ભારતિય હોવાનું ઝનુન સહુથી પહેલું આવશે તો આપણે પક્ષીઓની જેમ જાળ લઈને ઉડીશું
રફીક પણ પેલા પાંચ છોકરા ને લાકડીની વાત લાવ્યો..છુટી લાકડીઓ ટુટી ગઈ અને ભેગો ભારો ના તુટ્યો. કોઇ તો ગમે તે કહે પણ આપણી બુધ્ધી સાબુત છે ને?
જયારે ગુરુશરણ સિંઘ પણ પાંચ આંગળીઓ એક થઈ જાય તો મુઠી બને વાળી વાત લાવ્યો.લોભ લાલચ અને સરનાં ખિતાબો આપીને ઉંચ અને નીચના ભાગલા પડ્યા
બેઠક પુરી થવાની હતી ત્યારે ડાયેના બોલી બહુ વાતો તો થઈ પણ નિતારણ તો કોઈ કહો.. આપણે શું કરવું જોઈએ.
એક જણ કહે-સંપ ત્યા જંપ નો નારો બુલંદ કરવો જોઈએ
બીજો કહે ધર્મમાં ક્યાય ઉચ નીચના ભેદ ભાવ ના હોવા જોઇએ.
ત્રીજો કહે પહેલો સગો પાડોશી અને પછી આપણા ગામનો વાસી
ચોથો કહે સૌથી પહેલા તો દેશની વાત દેશભાવના પ્રબળ હોવી જોઇએ,
હવે જરુરી વાત એ હતી કે આ બધી વાતો સોડાવોટરના ઉભરા જેવી સાબિત ન થાય તે માટે ડાયેના એ સૌની પાસે વચન લેવડાવ્યું અને વંદે માતરમ ગવડાવ્યુ
દેશપ્રેમનો દાણો ચંપાઈ ગયો દેશદાઝ ગામ આખામાં ચંપાઈ ગઈ હતી હવે જરુરી વાત એ હતી કે ગામમાં વતનપ્રેમનો જે જુવાળ જાગ્યો તે સચવાઇ રહે.તે હેતૂ થી જનકભાઇ બોલ્યા
હું આજથી ખાદી પહેરીશ.
પછી બીજો અવાજ આવ્યો હું ખાદી કાંતીશ
ત્રીજો અવાજ આવ્યો પરદેશી કપડાની હોળી કરીશ
ચોથો અવાજ આવ્યો કર સામે સવિનય અસહકાર કરીશું
પાંચમો અવાજ ધરતી આપણી મહેનત આપણી અને સરકાર મહેસુલ ઉઘરાવે એ ન ચાલે..
.લોહારવાડી જાગી ગયુ હતૂ . તેના પડઘા અજુ બાજુ પડવા માંડ્યા.
સરકારનાં મહેસુલ અધીકારી ખાલી હાથે પાછા ગયા
એજ ભણકારા બાજુનાં ગામોમાં પણ પડ્યા…પોલિસ આવી પણ હવે જનતા જનાર્દન જાગી ગઈ હતી.

 

*****************************************************************************************

જેલમના ભૂરા પાણી નો રંગ રાતો****૫

વર્ષો પહેલા હશનગંજ અને લોહારવાડીને જોડતા પુલ પરથી પસાર થતી વખતે પુલ ઉપરથી જેલમના પાણીમાં ડોકિયા કરતી રઝિયાને જોઇ હતી. ગુલાબી રંગની ચામડી વાળી…રફિક અને રઝિયાનો પ્રેમ પણ આ જેલમની સાક્ષીમાં  પાંગર્યો એક જ ધર્મના હતા એટલે લગ્ન કરવામાં મુશ્કેલી ન આવી.  થોડા વર્ષો પછી રઝિયા જેવી જ ખુબસુરત ફાતિમા આવી એને એના મા-બાપે નમાઝ અદા કરતા શીખવાડ્યુ હતું. એ નાની હતી ત્યારથી અબ્બાના મુખે કુરાન સાંભળતી. એને એનો ધર્મ વહાલો લાગતો
કરણ પણ કાશ્મીરી બ્રાહ્મણ માતા-પિતાનું સંતાન.એ દરરોજ નાહી-ધોઇ ને સુર્યનારાયણ ને પાણી ચડાવતો પછી શિવમંદીરમાં શિવ પુજા કરતો અને એને આ બધુ કરતા હિન્દુ હોવાનો ગર્વ થતો…
અને બલબીર ધર્મે શીખ…એ સમયસર ગુરુદ્વારામાં જતો.
ત્રણેય બાળકો એકબીજાના ઘરમાં થતી આ બધી જ પ્રવૃતિઓ એકબીજાને શિખવાડતા..ખુશ થતા.
આ ત્રણેય પરિવાર વર્ષોથી એક-સંપે રહેતા અને એમના બાળકો પણ એમનો આ સંપ જોઇને જ સાથે રહેતા શીખ્યા હતા અને ત્રણેય મિત્રો એકબીજાના ધર્મની મર્યાદાઓથી અજાણ હતા અને દોસ્તીમાં ગુલતાન હતા. ડો.કૌલ અને એમની પત્ની  અહીં આવ્એયા અને અહિંનાજ બનીને રઃહી ગયા હતા એમના વતન કરતા પણ આ ધરા પોતિકી લાગવા માંડી હતી..અહીંની એકતા અને કાશ્મીરનું વાતાવરણ અને….ભુરા પાણી વાળી જેલમની પારદર્શકતા આકર્ષી ગઇ હતી અને એ લોકો અહીં જ રહી ગયા…
એમને અહીંની ગરીબી ખટકતી…અહીંના લોકો અભણ હતા એ ખટકતુ….અભણ પ્રજા મજુરી કરી ખાતી.
વસ્તીના બીજા બાળકો સાથે કરણ,ફાતિમા અને બલબીર પણ ભણવા આવતા.ડો.કૌલ જોતા કે અલગ-અલગ ધર્મના બાળકો એકબીજા સાથે હળીમળીને  ભણે છે પણ જ્યારે મોટા થશે ત્યારે આ લોકો પણ કોમવાદની જાળમાં સપડાઇ જશે અને દોસ્તી છોડીને એકબીજાના લોહી માટે તરસ્યા થઇ જશે.એટલે એમને હમણાથી જ બાળકોને માનવતા ના પાઠ શીખવાડવાનું શરૂ કરી દીધુ હતું,
એ બાળકોને સમજાવતા કે માણસ ધર્મ માટે નથી પણ ધર્મ માણસ માટે છે અને દુનિયાનો કોઇ પણ ધર્મ માણસને હિંસક કે ઝનુની બનતા શીખવાડી શકે જ નહી…
“તો ધર્મ શું શીખવાડે છે ?” નાનકડી ફાતિમા પુછતી.
ડો.કૌલ સ્મિત કરતા અને જવાબ આપતા કે ધર્મ માણસને બીજા લોકો સાથે કેવી રીતે હળીમળીને રહેવુ એ શિખવાડે છે.ધર્મ એટલે સારી જીંદગી જીવવા માટેની નિયમાવલી.
કરણ વચ્ચે જ બોલી ઉઠતો કે આ ફાતિમાના ઘરે તો માંસાંહાર થાય છે તો એ માટે પશુ હિંસા કરવાની પરવાનગી એનો ધર્મ આપે છે..?
ડો.કૌલ આ નાના બાળકો ના સવાલોમાં ક્યારેક ગુંચવાઇ જતા પણ છ્ત્તાય આવડે એવઓ જવાબ આપતા. “ધર્મ ક્યારેય બંધન ન બની શકે.ખાવા-પીવાની આદતોને ધર્મ સાથે ન જોડી શકાય.
માણસની પાર વિનાની અંધશ્રધ્ધાઓને કારણે ધર્મનાં એટલી બધી વિકૃતિઓ આવી ગઇ છે કે એને દુર કરવી જ અશક્ય છે.જે લોકો ભગવાન ને માને છે એ લોકો ધર્મને ખાતર કેટલુય નુકશાન કરી બેસે છે…જ્યારે કોમી દંગા થાય ત્યારે ધર્માંધ માણસો બીજા ધર્મના બાળકો ને રહેંસી નાખતા પણ ખચકાતા નથી.એટલે કે ધર્મ ને રસ્તે ન ચાલવા કરતા ચાલવામાં વધારે સમસ્યા થાય છે.મંદેર અને મસ્જીદના માને કંઇ કેટલાય લોહિયાળ રમખાણો આ ભારત ની આ ધરા પર થયા છે પણ ક્યારેય બે ધર્મો લડતા નથી પણ ધર્મના ધર્માંધ અનુયાયીઓ લડે છે અને જ્યારે એક કોમવાદી હિન્દુ અને મુસલમાન સામસામે આવે છે ત્યારે ધીંગાણુ થાય છે અને જ્યારે માનવતાના ધર્મનું પાલન કરતા હિન્દુ અને મુસલમાન સાથે કદમ આગળ વધારે છે ત્યારે સમાજમાં સુધારો આવે છે એકતાની સ્થાપના થાય છે.”
અને બાળકો એમની વાતો ધ્યાન દઇને સાંભળતા.
એમના ગામની બહારથી એક સ્ત્રી આવતી.વીખરાયેલા વાળ અને ફાટેલા કપડા..ખભે ચીંથરા જેવો થેલો લટકાવીને ઘરે ઘરે માંગવા નીકળતી.એનો વેશ જોઇ નાના બાળકો ડરતા અને મોટી ઉંમરના બાળકો પાગલ…પાગલ કહી ને પથરા મારતા.એ ચીસો પાડતી અને કિકીયારીઓ કરતી અને ભાગમભાગ કરી મુકતી.જ્યા રાત પડે ત્યાજ સુઇ જતી અને ઠંડીમાં ઠુંઠવાઇને પડી રહેતી કોઇને દયા આવતી તો કોઇ ક્યારેક ધાબળો આપે પણ ખરા પણ વસ્તી ગરીબ જ હતી તો દરરોજ નવુ ઓઢવાનુ ક્યાથી લાવે ?લોહારવાડી ની વસ્તી ની પાછળના ભાગમાં ખાલી મેદાનો આવેલા હતા જ્યા લોકોની અવર જવર સાવ ઓછી હતી અને ત્યાં જંગલી ઝાડ પણ ઘણા ઉગી ગયા હતા અને બાળકો એ સુમસાન જગ્યા પર જવાનુ ટાળતા.પાગલ સ્ત્રી ત્યાં જ પડી રહેતી.એક રાત્રે જોર જોરથી પેલી સ્ત્રીનો રડવાનો અને ચીસાચીસ કરવાનો અવાજ આવ્યો.વસ્તીના બધા જ લોકો બહાર આવી ગયા. બહાર આવીને જોયુ તો પેલી પાગલ સ્ત્રી લોહી-લુહાણ હાલતમાં વસ્તી તરફ આવી રહી હતી.એને રડારોળ કરીને બધાને જગાડી મુક્યા.એના શરિર પર ઠેર-ઠેરે ઉઝરડા પડ્યા હતા.અને શરિર પર ના બરાબર કપડા હતા.આ અવાજો માં કરણ,ફાતિમા અને બલબીર પણ જાગી ગયા હતા અને ઘરની બહાર આવી ગયા.
લોકો એ સ્ત્રીને જોઇને જ ડઘાઇ ગયા અને અંદર અંદર ગુસપુસ કરવા લાગ્યા.
”અરે કોઇ હેવાને આ પાગલ સ્ત્રીને પણ ના બક્ષી..”
”ભગવાન બચાવે હવે આ પાગલને..”
કરણની માતા એ એને જુની પુરાણી સાડીનો કટકો આપ્યો અને ફાતિમાની અમ્મીએ ડોલ ભરી ને પાણી પણ એ પાગલ એટલી ડરેલી હતી કે લોકોની પાસે આવતા પણ ડરતી હતી.સાડી નો કટકો છીનવીને સીધી એક ખુણામાં ભરાઇ ગઇ પણ હજીયે એ ચીસો પાડીને રડતી હતી.
બાળકોને એમના માં-બાપે ધમકાવીને ઘરમાં મોકલી દીધા છતાય બાળકોને એ પાગલ સ્ત્રી સાથે કંઇક તો ખરાબ થયુ જ છે એની ગંધ તો આવી જ ગઇ હતી.
ત્યાં જ વસ્તીના થોડા ચોખલિયા લોકો ડંડા લઇને આવ્યા અને એ સ્ત્રીને કોઇ હડકાયા કુતરાની માફક ભગાડી મુકી.
વળી થોડા દીવસો પછી બધાને ખબર પડી કે એ પાગલ સ્ત્રા ગર્ભવતી છે એ પાગલ સ્ત્રીની નાદાનિયતનો ફાયદો ઉઠાવી કોઇ નરાધમે એના પર બળાત્કાર કર્યો અને એ ગર્ભવતી થઇ ગઇ.બળાત્કારીઓ નો કોઇ ધર્મ નથી હોતો એ આ ઘટના એ સાબિત કરી બતાવ્યુ.સ્ત્રીઓ વાતો કરતી કે આ કોનુયે પાપ માથે ચડાવીને ફરતી હશે એને કોણ મદદ કરે.વસ્તીમાં બધા એને દુર ભગાડતા.પણ ત્રણેય મિત્રોનું હ્રદય દ્રવી ઉઠતુ.એમને બળાત્કાર અને એવી બધી વાતોમાં બહુ ગતાગમ પડતી નહી પણ છત્તાય પેલી પાગલ સ્ત્રીને મદદ કરવાનું વિચારતા.
એ લોકો એ પેલી પાગલ સ્ત્રી હિન્દુ છે કે મુસલમાન પહેલા એ શોધી નાખવાનું નક્કી કર્યુ જેથી એની મદદ કોણ કરે એ નક્કી કરી શકાય.
કરણ,ફાતિમા અને બલબીર આ પાગલ સ્ત્રીને જોઇને ચર્ચા કરતા કે એ હિન્દુ હશે કે મુસલમાન ?
બાળકો આ સવાલ લઇને ડો.કૌલ પાસે ગયા અને પેલી પાગલ સ્ત્રીનો ખરો ધર્મ પુછ્યો.
ડો.કૌલે મન માં ગાંઠ વાળી કે આ બાળકો ના મન માંથી ધર્મ-ધર્મનું તુત કાઢવુ જ રહ્યુ.
એમને બાળકોને સમજાવ્યુ કે જ્યારે કોઇ જરુરિયાતમંદ વ્યક્તિ તકલીફમાં હોય ત્યારે એનો ધર્મ કયો એ નક્કી કરવા ન બેસાય.ધર્મથી મોટો ધર્મ એ માનવતાનો ધર્મ છે. કોઇ એક જ ધર્મના લોકો ખરાબ નથી હોતા પણ લોકોની માનસિકતા ખરાબ હોય છે
સ્થુળ ધર્મ કોઇ કામમાં નથી આવતો પણ એ માનવતાવાદ ને નુક્શાન જરૂર પહોંચાડે છે.ભુખ્યાને જમાડવા અને તરસ્યાને પાણી પીવડાવવુ અને એ પણ એમની જાતિ કે ધર્મ પુછ્યા વગર એ જ  સૌથી મોટો માનવતા ધર્મ કહેવાય.
બાળકો વાતો સાંભળતા પણ નક્કી કરી શકતા નહી કે મદદ કરવી પણ કંઇ રીતે.જો ત્રણેય માંથી કોઇ એક ના ઘર માં પણ ખબર પડી જાય તો આવી જ બને. પણ દીવસે-દીવસે એ સ્ત્રીને મદદ કરવાની ઇચ્છા પ્રબળ બનતી જતી હતી.
પણ કેટલાય મહીનાઓ સુધી આ બાળકોએ એ સ્ત્રીને જોઇ જ નહી એ લોકો એને શોધતા રહેતા કે કોઇ રીતે એને મદદ કરી શકાય પણ એ મળે તો ને ?
એક દિવસ બલબીર શોધી લાવ્યો કે એ સ્ત્રી વસ્તી પાછળના ઝાડવાઓ માં ભરાઇ રહે છે બહાર નથી આવતી અને એનુ પેટ ફુલી ગયુ છે બાળકો સમય મળતા જ જમવાનું અને પાણી લઇને પહોંચી જતા અને ત્યાં એક જગ્યાએ બધુ મુકી છુપાઇ ને જોતા અને એ  સ્ત્રી આવીને બધુ ખાઇ જતી અને પાણી પી ને પાછી ભાગી જતી અને એ ત્રણેય એની પાસે જવાનો પ્રયત્ન કરતા તો એ પથરા મારતી.
એક દિવસ આમ કરતા કરતા પેલી સ્ત્રીને પ્રસુતિની પીડા ઉપડી એની ચીસો સાંભળીને બાળકો ગભરાયા પણ ઘરમાં કોઇને પણ કહેવાની હિંમત ચાલી જ નહી.એ લોકોને વિશ્વાસ હતો કે ડો,કૌલ આમા જરૂર મદદ કરશે.
એ લોકો સીધા ડો.કૌલ પાસે ગયા અને મદદ કરવાની વાત કરી.ડો.કૌલ મદદ કરવા સંમત થયા અને બાળકો સાથે ચાલી નીકળ્યા.
ત્યાં જઇને જોયુ તો પેલી પાગલ સ્ત્રી મરેલી પડી હતી અને એની લોહી થી ખરડાયેલી નવજાત બાળકી રડતી હતી. આખુ ગામ ભેગુ થઇ ગયુ હતુ. પણ ચર્ચા એ વાતની થઇ કે આના અગ્ની સંસ્કાર હિન્દુ વિધીથી કરવા કે પછી ઇસ્લામ ધર્મની જેમ એને દફનાવવી ?
આખરે એને દફનાવવાનું નક્કી થયુ.પછી વાત એની બાળકીની આવી કે આ નવજાત બાળકીને રાખશે કોણ?આવી ગરીબીમાં કોણ અજાણ્યાનું બાળક રાખવા તૈયાર થાય ?
આખરે કોઇ આગળ ન આવ્યુ ત્યારે ત્રણેય બાળકો આગળ આવ્યા અને કીધુ કે આ બાળકીને એ લોકો મરવા માટે નહી છોડે અને એ લોકો જ રાખશે.
બધાને થયુ કે આ લોકો વળી ખુદ જ નાના છે તો એક બાળકને કંઇ રીતે પાલવશે અને એમના માં-બાપ -પરવાનગી પણ નહી જ આપે.એ વાત પણ જોકે સાચી જ હતી.
આખરે ડો.કૌલ અને ડાયેનાએ એ બાળકી ને દત્તક લેવાનું નક્કી કર્યુ. અને એ બાળકી ડો.કૌલના ઘરે જ ઉછરવા લાગી.
ડો.કૌલે બાળકોને સમજાવ્યુ કે પુજા પાઠ કરવા,મંત્રોના ઉચ્ચારણ કરવા,કર્મ કાંડ કરવા..નમાઝ અદા કરવી કે ગુરુદ્વારામાં સમયસર જવુ માત્ર એને જ ધર્મ કહેવો એ ખોટુ છે.પણ જેને સાચે જરૂર છે એને શક્ય હોય તો મદદ કરવી..,કોઇનું બુરૂ ન કરવુ,પાપ ન કરવુ..,બેઇમાની ન આચરવી અને ભુખ્યાઓને ભોજન આપવુ એ જ સાચો માનવધર્મ છે.
આપણે બધા જ ધર્મના રસ્તે ચાલવાનો ડોળ કરીયે છીએ…પુજા,પ્રાર્થના,ધર્મગુરુઓના પ્રવચન સાંભળીએ છીએ…ધર્મ ગ્રંથો વાંચીએ છીએ કારણ કે આપણે બધા જ ઇશ્વરથી ડરીએ છીએ..એક અજાણ્યા ડરની નીચે આપણી સાહજીકતા ચગદાઇ જાય છે આપણે ધર્મપ્રિય નહી પણ ધર્મ ભીરુ છીએ.અને આંડબરનો આંચળો ઓઢીને જીવતા શીખી જઇએ છીએ.અને જો કંઇ સારુ કરીયે તો ગાઇ વગાડીને બધાને કહેતા ફરીએ છીએ આપણને વાહ-વાહ લુંટવી ગમતી હોય છે…અને આ બધાની અંદર જે સાચેસાચ કરવાનું છે એ સહજતાથી અવગણી કાઢીએ છીએ
અને બધા જ બાળકો હંમેશા આ માનવ ધર્મનુ પાલન કરશે અને ધર્માંધ નહી બને ની પ્રતિજ્ઞા લે છે.

જેલમના ભૂરા પાણીનો રંગ રાતો (૬) પ્રવીણા કડકિઆ

 

જેલમ આજે ગાંડીતૂર થઈ હતી. પૂનમનો ચાંદ આકાશમાં પૂર્ણ કળાએ ખિલ્યો હતો. ડો. કૌર અને ડાયેના નાની ફુલશી બાળકીનું જતન કરી રહ્યા હતાં. તેનું નામ રાખ્યું ‘ગુડિયા’ . કોઇ પણ ધર્મને તેમાં વાંધો આવે એવું ન હતું. ડો.કૌલ અને ડાયેનાને તો કોઈ ફરક પડતો ન હતો. આ ગામવાળા આમ સંપીને રહે પણ પોતપોતાની ધાર્મિકતા માટે ખૂબ ચુસ્ત હતાં. ખરું પૂછીએ તો ધર્મની વ્યાખ્યા જ સમજતા નહી. તેમને સમજાવવા એટલે, લોઢાના ચણા ચાવવા બરાબર હતું.  ડો.કૌલ અને ડાયેના બાળકોને સાચું  શિક્ષણ આપવામાં સફળ થયા એ આનંદની વાત હતી. તેઓ મિશનરી હતાં. બાળકોને રાધા અને કાનાની સરસ મજાની વાર્તા કરતાં  કોઈના પર જબરદસ્તી નહી .માત્ર માનવતાનું કાર્ય કરવામાં રચ્યા પચ્યા રહેતાં. મિશનરીઓ હોય ક્રિશ્ચન પણ દિલના ઉદાર અને લાગણી ભરેલાં. સહુને પોતાનો ધર્મ વહાલો હોય.
ફાતિમા, કરણ અને બલવીર નાની ફુલશી બાળાને રમાડતાં. તેમને તે બહુ વહાલી હતી.   એને રમાડવાના બહાના હેઠળ રોજ અંહી મળતાં. આ મિત્રોની ત્રિપુટી એકબીજા સાથે એવી ઘુલમીલ ગઈ હતી કે તેમને ખોટા વિચાર ક્યારેય આવતા નહી.  તેમાં ડો.કૌલ તેમની સાચું શિક્ષણ આપતા. તેથી તો બાળકો અંહી રોજ ગુડિયાને રમાડવાને બહાને આવતાં. ડાયેના તેમને હમેશા બિસ્કિટ આપી ખુશ કરતી.

હવે ગામ નાનું ,તેમા ભણવા માટે પૂરતી વ્યવસ્થા હોય નહી. બધાએ દસમું ધોરણ પાસ કર્યું. રજામાં ખૂબ મઝા કરી. ગુડિયા પણ ત્રણેક વર્ષની થવા આવી હતી. ફાતિમાને તો તેના બાબા ગામની બહાર ભણવા મોકલવાના ન હતા એ ખ્યાલ હતો. કરણ અને બલવીર પાસેના ગામમાં કોલેજ ભણવા જવા માટે તૈયાર થઈ ગયા હતા. બન્નેને હતું કે ફાતિમા વગર મઝા નહી આવે. જેનો કોઈ ઈલાજ ન હતો.

કરણ, ફાતિમા અને બલવીર હવે બાળપણમાંથી નિકળી જુવાનીમાં કદમ મૂકી ચૂક્યા હતાં. તેઓ સરખે સરખી ઉમરના હતા.   ૧૫ વર્ષની ઉમર વટાવી ચૂકેલા દોસ્તો એકબીજાને ખૂબ ચાહતાં. તેમની વચ્ચે ક્યારેય, હું, હિંદુ, શીખ કે મુસલમાન જેવો શબ્દ આવ્યો જ ન હતો. મિત્ર એટલે મિત્ર તેને બીજા કશા સાથે શું લેવાદેવા. મિત્રતાનો ધર્મ  જગતના બધા ધર્મ કરતાં નોખો છે. તેને કોઈ સિમાડા બાંધી શકતા નથી. આ ત્રણે બાળકો સાથે મોટા થયા હતા. તેમની મૈત્રી નિર્દોષ પ્રેમનું સિંચન પામી આજે ફુલીફાલી હતી.

ફાતિમા  કાનાની વાતો સાંભળતી. કરણ અને બલવીર કુરાનની સુંદર વાતો ફાતિમા કરતી ત્યારે મંત્રમુગ્ધ થઈ જતાં. શીખોની ગુરૂવાણી, ગ્રંથસાહેબ અને કબીરના દુહા સાંભળવાની મઝા કરણ અને ફાતિમા લુંટતા. કબીરની વાણી તો ત્રણે સાથે લલકારી ઉઠતાં. આ વર્ષે ઉનાળાની રજામાં પરાક્રમ કરવાનું નક્કી કર્યું.  સહુ પહેલાં બરાબર વિચાર કર્યો. કેવી રીતે તેનો અમલ કરવો તેના પર ગંભિર ચર્ચા વિચારણા કરી. હવે એ ત્રણે બાળકો ન હતાં. જુવાનીમાં કદમ મૂકી ચૂક્યા હતા.

નક્કી કર્યા મુજબ ફાતિમા માટે ચણિયાચોળી અને ઓઢણી કરણ પોતાના ઘરેથી લઈ આવ્યો. લેંઘો અને ઝભ્ભો તો બધા પાસે હોય. આજે  શંકરના  મંદિરમાં  મોટો ઉત્સવ હતો. ફાતિમા ચણિયાચોળી અને ઓઢણીમા લાગે નહી કે મુસલમાન છે. બલવીર શીખ પણ દાઢી અને મુછ વગરનો હિંદુ દેખાતો. ફાતિમાએ સાડીનો છેડો માથે ઓઢ્યો, ત્રણે મંદીરમાં પ્રવેશ્યા. કરણ જે પ્રમાણે કરે તે પ્રમાણે બલવીર અને ફાતિમા કરતાં.

સહુ પ્રથમ શીવ મંદિરમાં પ્રવેશ કર્યો. શંકરના મંદિરમાં અભિષેક કરાવી, નંદીની પૂજા કરવી સહુને ગમ્યું. શંકરની મૂર્તિ આગળ આવી બધાંએ દર્શનનો લહાવો માણ્યો. પાંચેક મિનિટ પછી આરતિ આવી. મંદિરમાં આજની સજાવટ ખૂબ સુંદર હતી. બલવીર અને ફાતિમાને ખૂબ નવાઈ લાગી પણ નિહાળવાનું ગમ્યું. કોઈએ મંદિરમાં રાધા અને કાનાનો ફોટો લગાવ્યો હતો. ફાતિમા તેને એકીટશે નિહાળી રહી.

આપણા ભારત દેશમાં અગણિત મંદિરો અને ધર્મ છે. દરેકની ભવ્યતા અલગ અલગ. ઘણીવાર મનમાં પ્રશ્ન થાય , “શું આ ખરેખર ધરમના મંદિરો છે”?  કે ધર્મને નામે માનવ પોતાની મનપસંદ અભિવ્યક્તિ કરે છે. ખેર એ પ્રશ્ન પર વિચારવાનો અંહી કોઈ ઈરાદો નથી.

મોટા તહેવારને કારણે સહુને પ્રસાદ મળ્યો. પહોંચ્યા જેલમને કાંઠે. તેમની રોજની જગ્યાએ બેસી પ્રસાદની મોજ માણી રહ્યા. ત્રણે જણા પોતાની આ કરામત ઉપર મુસ્તાક હતા. સાંજના મળે ત્યારે બધું વિચાર કરીને ગોઠવતાં. ક્યાં મળવું, કેવી રીતે કોઈની આંખે ચડ્યા વગર ચાલવું.

હવે જવાનું હતું મસ્જીદમાં. શુક્વારનો દિવસ આવી પહોંચ્યો.  મસ્જીદ આવે ત્યારે તેની આમન્યા કઈ રીતે રાખવી ફાતિમાએ શિખવ્યુ હતું.  કરણ અને બલવીરને મસ્જીદમાં જરા વિચિત્ર લાગ્યું પણ બોલ્યા નહી. બધું વાતાવરણ અંદર શાંત હતું. કરણને થયું આ લોકો ભાંગફોડિયા માત્ર મસ્જીદની બહાર છે ! મસ્જીદની બાજુમાં મદરેસા ચાલતી હતી.

ફાતિમા  મદરેસામાં ગઈ. બે દોસ્તોને નમાજ પઢતા શિખવ્યું હતું. બોલતાં ન આવડે તો કાંઇ નહી. ખોટા ખોટાં હોઠ હલાવવાના અને બીજા કરે તેવું કરવાનું.  હાથ ઉંચા કરવાના , ઘુંટણ પર બેસી જમીન પર માથું ટેકવાનું. વિ. વિ.  નક્કી કર્યા પ્રમાણે નમાજ પૂરી થઈ એટલે પેલા બન્ને ભાગ્યા.  ફાતિમાને સમજાવ્યું હતું જમણી બાજુના થાંભલા પાસે રહેજે એટલે બહાર નિકળવાને વખતે અમે તારી નજરે પડીએ.  માથા પર સફેદ રૂમાલ બાંધ્યો હતો. નક્કી કર્યા મુજબ બધી વિધિ પતાવી પાછાં જેલમને કિનારે આવી પહોંચ્યા.

રસ્તામાંથી બલવીરે ગરમા ગરમ પકોડા ખરીદ્યા હતાં, તેની મોજ માણી રહ્યા. હવે નાના ન હતાં, તેથી જેલમમાં ધુબાકા મારવાનું છોડી દીધું હતું. પગ પલાળવા જતા. મોજા પાછા જાય એટલે દોડે અને જેવું નવું મોજુ આવે કે દુમ દબાવીને ભાગે. આવી મસ્તી માણતા ત્રણે રજાના દિવસોને રંગીન બનાવી રહ્યા હતાં. હજુ ચાર દિવસની વાર હતી. ગુરુદ્વારામાં જવાનું હતું. બધું બરાબર નક્કી કર્યું. બલવીર બધાને માટે માથા પર બાંધવાના સરસ મજાના રૂમાલ લઈ આવ્યો. ગુરૂવાણીની ઘણી શિક્ષા તેમને આવડતી હતી.

આજે ગુરૂદ્વારામાં લંગર પણ હતું. ત્રણેય જણાએ નક્કી કર્યું, સાંજનું ખાવાનું ત્યાં ખાઇશું. અંદર પ્રવેશતાં પહેલાં હાથ ધોયા અને નીચી મુંડી રાખીને  અંદર પ્રવેશ્યા. અંદરનું દ્રશ્ય જોઈ કરણ અને ફાતિમાનું દિલ ખુશ થઈ ગયું. વચમાં મોટા ગ્રંથ સાહેબને વિંઝણો વિંઝાઈ રહ્યો હતો. ગુરૂ નાનકની સુંદર મોટી છબી હતી. લોકો શ્રદ્ધા પૂર્વક તેમને નમન કરી ત્યાં ગુરૂવાણી સાંભળવા બેસી જતાં. નાનક અને કબીરવાણી માઈક ઉપરથી સાંભળતા ત્યાં સહુ બેઠા હતાં. દસેક મિનિટ બેઠાં. આંખોના ઈશારાથી લંગરનું જમવાનું જ્યાં પિરસાતું હતું ત્યાં બલવીરની પાછળ ચાલવા માંડ્યું.

બરાબર દબાવીને ખાઈને ટોળી બહાર આવી. સીધી જેલમને કાંઠે પહોંચી.
‘અરે, યાર આજે લંગરમાં ખાવાની મજા આવીગઈ’. કરણભાઈ વદ્યા.
ફાતિમાને તો ખાવાનું ખૂબ ભાવ્યું. ‘બલવીર તેરા ગુરૂદ્વારા બહોત અચ્છા હૈ’.
બલવીર હસતાં હસતાં બોલ્યો, ‘જબ જી ચાહે આના, મૈં લે ચલુંગા’.

આજે બધા છૂટા પડ્યા. રસ્તે ચાલતા ફાતિમા વિચારી રહી. અનુભવ ખૂબ સુંદર હતો. શંકરના મંદીરમાં પૂજા દ્વારા તેને સુંદર લાગણિ અનુભવી હતી. ફાતિમાને જુવાની ખીલી હતી. રાધા અને કાનાની વાતો સાંભળતા તેના દિલમાં અવનવા ભાવ પેદા થાય. તે સમજી ન શકી. ગુરૂદ્વારા પણ અદભૂત હતું. આ શાનો ચમત્કાર છે.

શાળામાં રજા હોય ત્યારે આનંદ આવે. પૂરી થાય ત્યારે વળી પાછું નિયમિત જવાનું. ગામ નાનું દસમા વર્ગ સુધીની શિક્ષા મળે તેવી સુવિધા હતી. કરણ અને બલવીર તો નજીકના શહેરમાં ભણવા જવાના. રફિક અને રઝિયા પાકા મુસલમાન હતા. તેઓ પોતાની બિટિયાને શહેરમા એકલી કોઈ હિસાબે મોકલવા તૈયાર ન હતાં. ઉમર હજુ બાલી હતી એટલે ગામની મદરેસામાં મૂકવાનું નક્કી કર્યું .

‘ફાતિમા બેટા, દસ ચોપડી પઢી, અબ બહોત હો ગયા. પઢના લિખના તુઝે આતા હૈ. શાદી કરકે જાયેગી તો પૈસોંકી ગિનતી ભી આતી હૈ. અબ તુઝે મદરેસામેં જાકર કુરાનકી તાલિમ લેની હૈ.’ યાદ હૈ ના હમ મુસલમાન હૈ.’

ફાતિમા તો અબ્બાનું આવું કહેવું સાંભળી દંગ થઈ ગઈ. એના અબ્બાએ   ક્યારેય આવી રીતે કહ્યું ન હતું. જ્યારથી તેનામાં જવાનીના પુષ્પ ખિલ્યા હતા, ત્યારથી અબ્બાની વાતચીતના ઢંગ તેને બદલાયેલા લાગતાં હતાં. ઘણીવાર એ કરણ અને બલવીર સાથે મોડે સુધી વાતો કરતી હોય કે જેલમના તટ પર રમતી હોય તો અબ્બા તેને કાંઇ ન કહેતાં. પણ અમ્મીજાન પર દમ મારતા.

આજે ગુડિયા સાથે રમતા રમતા સાંજ થઈ ગઈ. પકડા પકડી અને ,આંખે પાટા રમતા હતાં. ગુડિયા રાની નાની હોવાથી ડો.કૌરના બંગલાની આગળના ભાગમાં રમતા હતાં. દાવ માત્ર ત્રણ મોટાઓએ જ આપવાનો. ગુડિયાતો તો,’ દુધપૌંઆ’ કહેવાય. ઢીંગલી ખુબ ખુશ થઈને રમતી હતી. છેલ્લી રમતમાં  કરણ આઉટ થયો . ફાતિમા ખુશ હતી. કરણને ખૂબ ખેંચીને રૂમાલ  બાંધ્યો. ક્યાંયથી પણ ન દેખાય એ ચોક્કસ કર્યું.

ગુડિયાએ કરણને બે વખત ગોળ ફરવાનું કહ્યું. ગુડિયા કહે એટલે બધાએ માનવું પડે.
ડો. કૌલ અને ડાયેના ઓટલા પર હિંચકે ઝુલી રહ્યા હતાં. નિર્દોષ ભાવે રમતા બાળકોને આંગણામાં જોઈ ખુશ થતા. તેઓ પણ વિચારી રહ્યા હતા, હવે પંદર દિવસ રહ્યા. કરણ અને બલવીર આગળ ભણવા શહેરમાં ચાલ્યા જશે. આશા રાખીએ કે ફાતિમા ગુડિયા સાથે રમવા આવે.

રમત ચાલતી હતી. કરણની આંખે રૂમાલ બાંધેલો હતો.  ગોળ ફરીને દિશા ભૂલી ગયો. ગાંડાની જેમ બન્ને બાજુ હાથ પહોળા કરી કોઈને પણ ઝપટમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. અચાનક ઉંધો ફરીને બે ડગલાં દોડ્યો. ફાતિમાને ભટકાયો અને પડ્યો એના ઉપર. તે નીચે હતો. ફાતિમા ઉપર. કરણ ફાતિમાને   હટાવી ઉભો થવા ગયો. ફાતિમાએ તે ઉભો ન થાય એવો પ્રયત્ન કર્યો. માત્ર ૧૦થી ૧૫ સેકન્ડનું આ કાર્ય બન્નેને હચમચાવી ગયું.

આખરે કરણ ઉભો થયો. રૂમાલ છોડ્યો અને બોલી ઉઠ્યો ,’ફાતિમા હવે તારો વારો’. ગુડિયા તાળી પાડીને નાચવા લાગી. ‘ફાતિમા દીદી, ફાતિમા દીદી આંખે રૂમાલ બંધાવો’.

ફાતિમા પેલા અનુભવેલા સ્પંદનોમાંથી બહાર આવવાનો અસફળ પ્રયત્ન કરી રહી. ધીરેથી બોલી,’બલવીર મેરી આંખો પર રૂમાલ બાંધો ના’. તે કરણને ન કહી શકી. કરણે તે નોંધ કર્યું પણ કાંઇ બોલ્યો નહી. તેને પણ કશું ગમતું થયું હત્તું . એ શું હતું, તે એ જાણતો ન હતો.

પાછા ત્રણે ઘરભેગા થયા. બીજે દિવસે રવીવાર હતો. બને ત્યાં સુધી મિત્રો રવીવારે ભેગા ન થતાં ઘરે પોતાના માતા, પિતા અને નાના ભાઈ તેમજ બહેન સાથે  દિવસ પસાર કરતા. સોમવારે સાંજના જેલમ નદી પર ભેગા થયા. બલવીર તેની માને માટે બે વસ્તુ બજારમાં લેવા ગયો હતો એટલે દસ મિનિટ મોડો આવ્યો.

કરણ અને ફાતિમા બન્ને એકબીજાને એકલા જોઈ ખુશ થયા. ફાતિમા કરણને જોઈ પહેલીવાર શરમાઈ. કરણ કાંઈક સમજ્યો. આમ પણ છોકરાઓ, છોકરીઓ કરતાં આવી બાબતમાં થોડા કાચા હોય છે.
‘કરણ, તે દિવસે તને કેવું લાગ્યું’?
‘ક્યારે ? શાનું’?
અરે પાગલ , ‘હું તારા પર પડી હતી તે’?
હવે કરણને સમઝ પડી, ‘હા ફાતિમા, ગમ્યું હતું’.
‘કરણ મનોમન કેમ તે દિવસથી તું મને મારો કાનો લાગે છે’.
‘આ તું શું બોલે છે’?
‘હા, મારા દિલમાં છે તે કહ્યું’.

ત્યાં સામેથી બલવીર આવતો દેખાયો. બન્નેએ વાત બદલી નાખી.
ત્યાર પછી રોજ મળતાં પણ ફાતિમા જરા શાંત થઈ ગઈ હતી. કરણ તેનું કારણ સમજી ગયો હતો.
‘ફાતિમા, તું બોલતી ક્યોં નહી. હમ જા રહે હૈ. મગર તુઝે મિલને આયા કરેંગે’.
‘ આના તો પડેગા’! કરણ સામે જોઈને બોલી.
આજે શહેર જવાનો દિવસ આવી ગયો. જીપ કરણના આંગણામાં ઉભી હતી. બલવીર હાથલારીમાં પોતાનો સામાન લઈને પાપાની સાથે  આવી પહોંચ્યો. તેની મા રડી રહી હતી  પિતાજીને આનેસે મના કર દિયા . સામાન જીપમાં ચડી ગયો. ત્યાં ફાતિમા દોડતી આવી. ‘બલવીર, મિલને આયા કરના. મુઝે યહાં અચ્છા નહી લગેગા’. કહી રહી હતી બલવીરને આંખો કરણ પર મંડાયેલી હતી. જાણે કાનો ગોકુળ છોડીને મથુરા જઈ રહ્યો હોય અને રાધા તેના વગર ઝુરતી ન હોય!

 

પ્રવીણા કડકિઆ