વિદેશે વસી સહિયર મોરી (૧)-રોહિત કાપડિયા.

સ્મિતા,      

પરણીને અમેરિકા આવ્યાને ત્રણ મહિના થઈ ગયાં. ચારેક વાર આપણે ફોન પર વાત કરી પણ દિલ માનતું ન હતું. મારે તને ખૂબ નજદીકથી મળવું હતું. ત્રણ મહિના પૂર્વે જો આપણે બંને એક બીજાને એકાદ દિવસ માટે પણ નહીં મળતાં તો ઉંચા નીચા થઈ જતાં. ખેર ¡ હવેથી આપણે નિયમિત રીતે ઇ-મેઇલ દ્વારા મળીશું. સ્વ અક્ષરોથી લખાયેલા પત્ર જેવીસુગંધ ઇ-મેઇલમાં ન હોય. તો યે આ પત્રના દરેક અક્ષર ટાઈપકરતી વખતે મારો મીઠો સ્પર્શ તને મોકલાવું છું. ઝીલી લે જે.          

નવું ઘર, નવો દેશ, નવું વાતાવરણ, નવી પ્રજા અને નવાં રીત-રિવાજ આ બધાંથી હવે ટેવાઈ ગઈ છું.

ચાલ, શરૂઆત શૈશવથી કરૂં છું.

શૈશવનાં સંસ્મરણો વર્તમાનના ખાલીપાનેભરી દેતાં હોય છે. અડોશ-પડોશમાં રહેતાં આપણે સાથે મોટા થયાં. આપણી મૈત્રી અજોડ હતી. બધા જ આપણને બે સગીબહેન જ ગણતાં. આપણી મૈત્રીને ગાઢ બનાવતો એ પ્રસંગ હજુ પણ મારી આંખ સામે તરવરે છે. પાંચમા ધોરણની આપણી પરીક્ષા ચાલુ હતી. બસમાં બેસીને શાળાએ જતાં પણ આપણે વાંચવામાં મશગુલ હતાં. શાળા આવતાં આપણે બસમાંથી ઉતરી ગયાં. પછી ખ્યાલ આવ્યો કે બે માંથી કોઈએટિકિટ લીધી જ ન હતી. હું તો એ વાત ભૂલી ગઈ પણ બીજા દિવસે બસમાં શાળાએ જતાં તે ચાર ટિકિટ લીધી અને બે ટિકિટ ફાડી નાખી.

મેં અચરજ પામતાં તને પૂછ્યું કે તે આમ કેમ કર્યું?

ત્યારે તે હસીને કહ્યું હતું કાલે આપણે ભૂલમાં ટિકિટ લીધી ન હતી. કોઈને આ વાતની જાણ ન હતી પણ ઈશ્ચરનેતો જાણ હતી ને મારે ઈશ્ચરની નજરમાં ગુન્હેગાર બનવું ન હતું. તારી એ વાત મને સ્પર્શી ગઈ અને આપણા ગાઢ સંબંધની શરૂઆત થઈ.

આ પ્રસંગ અહીંના ચર્ચ પરનું એવાક્ય – ‘ઈશ્ચરની આંખથી કંઈ છૂપું નથી હોતું.’ વાંચતા યાદ આવી ગયો.            

સ્મિતા, મારો વિદેશની ધરતી પરનો પ્રથમ અનુભવ તને જણાવું. સોળ કલાક લાંબી વિમાનની સફરથી અકળામણ થતી હતી. વિમાન બદલીને નાના વિમાનમાં આગળ જવાનું હતું. રમકડાં જેવું લાગતું આ વિમાન થોડું ક ઉંચે ગયા પછી હાલકડોલક થવા લાગ્યું. ડરના માર્યા મેં આગલી સીટને મજબૂતીથી પકડી લીધી. મારો ડર જોઈને મારી બાજુમાં બેઠેલા વિદેશી બેને પૂછ્યું ” ઈન્ડિયાથી આવો છો?”

મેં હા પાડી ને પછી તો એ બેન એકધારૂં બોલવા લાગ્યા. વાતવાતમાં એમણે પૂછ્યું

“તમે લોકો ખાવાના બહુ શોખીન હોવ છો. ખરૂં ને? તો રસોઈ બનાવતા તમને ગેસ પર રાંધતા દાઝી જવાનોડર નથી લાગતો?”.

મેં સહજતાથી કહ્યું કે જરા યે નહીં. એ તો રોજનું થયું. મારો જવાબ સાંભળીને એમણે કહ્યું

“આ પાયલોટ પણ રોજ વિમાન ઉડાવે છે. એ જાણે છે કે મારા સહપ્રવાસીઓને સહીસલામત સફર કરાવવાની છે. શું એને ખુદનો જાન વહાલો નથી? એને કોઈ ડર નથી તો પછી તમે કેમ ડર રાખો છો?. ”

એ જ ક્ષણે મેં આગલી સીટ પરથી મારા હાથ પાછાં ખેંચી લીધા. એ બેન એક મીઠું સ્મિત ફરકાવીનેફરી એમનું પુસ્તક વાંચવા લાગ્યા. પછીની સફર ડરવિહોણીઅને રોમાંચક રહી.

જિંદગીનો એક અમૂલ્ય પાઠ શીખવા મળ્યો. જો મૃત્યુનો ડર કાઢી નાખશો તો જ જિંદગીનેજીવંતતાથી જીવી શકશો.  

               બીજા ત્યાંના શું નવીન છે?

તબિયતનાં અને પરિવારના સમાચારોની તો વાત ફોન પર જ કરશું. હવે તો તું લગ્નનું નક્કી કરે તો મારાથી પાછું ઈન્ડિયા આવી શકાય. તારાં ટેરવાંઓથી મહેંકી ઉઠેલાં ઇ-મેઇલની પ્રતીક્ષા કરતી,                                            

આશા. 
                                                                    

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.