આ મહિનાનો વિષય -નાટક

"બેઠક" Bethak

મિત્રો આ મહિનાનો લખવાનો વિષય છે -નાટક

હા તમારી કથા વસ્તુને નાટ્ય સ્વરૂપે પ્રગટ કરો.વાર્તાઓનું નાટય રૂપાંતર કરી વાચિકમ દ્વારા પ્રસ્તુત કરો.

આમ તો સાહિત્યનું માધ્યમ ભાષા છે. જયારે  નાટક તો પ્રારંભકાળથી જ પ્રસ્તુતિ સાથે સંકળાયેલું છે.નાટક અભિનય માટે હોય છે હા જેમાં ભાષા અભિનયમાં રૂપાંતરિત થઇ જાય છે. આમ, ‘ભાષા’ અને ‘અભિનય’ એવા દ્વિ-માધ્યમને બદલે અભિનયને જ નાટકનું માધ્યમ ગણાવે છે. સાહિત્ય સ્વરૂપ તરીકે નાટક એ ગુજરાતી સાહિત્યનો આધુનિક પ્રકાર ગણાય છે .વાર્તા નવલિકા કે નવલકથામાં રંમંચીય ક્ષમતા હોય છે.માટે સાહિત્ય નાટક સાથે આપો આપ સંકળાય જાય છે.

આપણે કલમને કેળવવા પ્રયત્ન કરવો રહ્યો .

તો મિત્રો એકાંકી કે કોઈ નાની સ્ક્રીપ્ટ લખવાની કોશિશ કરો.

View original post

Advertisements
| Leave a comment

૩૦ -હકારાત્મક અભિગમ- વ્યક્તિની વિશ્વસનીયતા- રાજુલ કૌશિક

"બેઠક" Bethak

સદીઓ પહેલાની વાત છે. એક રાજા દરબાર ભરીને બેઠા હતા. એમની આસપાસ દરબારીઓ પણ પોતાની બેઠક પર બિરાજમાન હતા. દરબારમાં એક વેપારી આવ્યો.  વેપારી પાસે કાષ્ઠની ત્રણ ખુબ સુંદર પૂતળીઓ હતી જેના પર મીનાકારીનું ખુબ બારીક અને સુંદર નકશીકામ કરવામાં આવ્યું હતું. ખરેખર બેનમૂન કહેવાય એવી આ  પૂતળીઓને જોઇને દરબારીઓ જ નહીં રાજા સુધ્ધા હેરત પામી ગયા. વેપારીએ રાજાને કહ્યું ….

“ રાજન, આ મારી પૂતળીઓ હું વેચવા આવ્યો છું. એમાંની બે પૂતળીઓની કિંમત તો  કોડીનીય નથી.  ત્રણમાંથી એક પૂતળીની કિંમત સો સોનામહોર છે.  હવે આ ત્રણ એક સરખી દેખાતી પૂતળીઓની કિંમત પ્રમાણે એને પારખવાનું કામ આપના દરબારના ચતુર સુજાણ પર છોડું છું.”

હેરત પામેલા દરબારમાં હવે સન્નાટો છવાઇ ગયો કારણકે કદ કાઠી, દેખાવ, રંગ, રૂપ અને મોહકતામાં ત્રણે પૂતળીઓમાં  લેશમાત્ર તફાવત નહોતો. વેપારીના પડકારનો સામનો કરવામાં જો નિષ્ફળતા મળે તો રાજા અને દરબારીઓ સૌની પ્રતિષ્ઠા જોખમાય એમ હતી. વાત વટ પર જતી હતી.

અંતે દરબારના ખૂણેથી એક વ્યક્તિ આગળ…

View original post 547 more words

| 1 ટીકા

હે શબ્દ માતા- પ્રવીણા કડકિયા

સારથી –સ્વાર્થી,

બધા જ અક્ષર અકબંધ છે. માત્ર જગ્યાની ફેરબદલી  થઈ ગઈ છે ! છે ને કમાલ. આ જીવન પણ એવું જ છે. માત્ર હેરાફેરી અક્ષરની. જુઓને આજકાલની વહુ “મારા દીકરાને તમે સંભાળો, સાસુમા” , “તમારા દીકરાને હું સંભાળીશ “. શબ્દો એના એ જ છે. અર્થ કેટલો બધો ગહન !

દિમાગ કામ ન કરે! શબ્દોમાં કેટલી તાકાત છે ?

દીકરીને ભલે કાંઇ ન આવડે , ભણાવીને ?

‘વહુ, તને તારી મા એ શું શિખવ્યું . વકિલ થઈ તો શું ધાડ મારી ‘?

આ લેખ દ્વારા સૂતેલાને જગાડવાનો ઈરાદો છે. જાગેલાંને જો જગાડી શકાય તો તમારી ગુલામી કરવા તૈયાર છું.

હમણા –મહેણાં, છે ને આસમાન અને ધરા જેટલો ફરક!

કમાલ — કલમ , જોઈ આ કલમની કમાલ. ભલે કમપ્યુટર પર લખ્યું જેને કારણે તામારા સુધી જલ્દી પહોંચ્યું !

૨૧મી સદીમાં ‘મા શારદા’ની ઉપાસના જેવા શબ્દો હાસ્યસ્પદ લાગે છે. એના શબ્દો, અક્ષરો બધાની સાથે આ અવળચંડી માનવજાત ચેડાં કરી રહી છે. આજના સાક્ષર ગણાતા ગુજરાતીના પંડિતોએ “હ્રસ્વ ઇનો છેદ ઉડાડી દીધો ?”  ગુજરાતી ભાષા લખવાની બધે “દીર્ઘ ઈનો વપરાશ કરવાનો” !

પાછાં ઉપરથી સુફિયાણી વાતો કરશે, ‘જમાનો બદલાયો છે’ ! આ વાક્ય મને કાંટાની જેમ ચૂભે છે. વિચારો, જમાનો બદલાયો છે કે ,’હે માનવ તારી વિચાર શૈલી બદલાઈ છે’ ?

સદીઓ પહેલાં સૂરજ પૂર્વમાંથી ઉગતો હતો, આજે ક્યાંથી ઉગે છે ?

નદી પર્વતમાંથી નિકળતી , સમુદ્રને મળતી, આજે શું ઉલ્ટી ગંગા વહે છે ?

કોઈ પણ મા, બાળક દીકરો હોય કે દીકરી પોતાના ગર્ભમાં નવ મહિના પોષે છે, શું આજે નવ દિવસ કે બે મહિનામાં જન્મ આપે છે ?

જમીનમાં રોપેલું કોઈ પણ બી અંકુર ફૂટે ત્યરે ભોંય ફાડીને ઉપરની દિશામાં જ આવે છે’ !

હવે જમાનો ક્યાં બદલાયો ? માણસની વિચાર કરવાની રીત બદલાઈ, જીવનમાં કોને પ્રાધાન્ય આપવું તે નિયત બદલાઈ, ભૌતિકતામાં આળટતા માનવનું આચરણ બદલાયું.  શાને જમાનાને દોષ આપવો ? પોતાની નબળાઈ છતી કરી હજુ સુધરવાનો માર્ગ મોકળો છે !

જુઓને શબ્દની જોડણીમાં પણ તેણે ટાંગ અડાવી ! અરે ખોટું આવડે તો ખોટું લખો પણ આમ બેહુદું વર્તન શામાટે ? તેમને પૂછીએ ‘માતા કોને કહેવાય ? પિતાની પત્નીને. તો પછી માતાને પિતાની પત્ની યા બાપની બૈરી તરિકે બોલાવો ! શો ફરક પડે છે. અર્થ તો એક જ છે. જ્યાં સુધી મારું દિલ અને દિમાગ કબૂલ નહી કરે ત્યાં સુધી ‘ખોટું એ ખોટું ‘ રહેવાનું ‘. એ વિદ્વાનોની ગણતરીમાં કે હરોળમાં બેસવાનો મારો કોઈ ઈરાદો નથી. મને મારી હેસિયત ખબર છે. એક સામાન્ય વ્યક્તિ જે જીવન ‘બસ જીવી’ રહી છે. વ્યર્થ નથી જવા દેવું માટે હમેશા ઉદ્યમશીલ છે.

“ખોટું સહેવાતું નથી, સાચું કહ્યા વગર રહેવાતું નથી !”

કોની રજાથી ? કોના કહેવાથી ? એ લોકોને ભાષા સાથે આવી રમત રમવાનો ઈજારો કોણે આપ્યો ? હા, મારી ભાષા લખવામાં અગણિત ભૂલો થાય છે. માટે શબ્દકોષ વસાવ્યો છે. ખૂબ સાવચેતીથી લખું છું. પણ ભાષા સાથે આવી વાહિયાત રમત !

વાણિયાની દીકરી, સંજોગોને કારણે ‘મા શારદાને શરણે શાંતિ પામી’ ! ‘માએ ચરણમાં વસવાની રજા આપી. ‘  બસ, હે શારદે મા તારો ઉપકાર મરણ પર્યંત માનીશ.

શબ્દ દ્વારા મનની તેમજ દિલની અભિવ્યક્તિ એ એક પ્રકારની પૂજા છે. જે ગુજરાતી ભાષાના શબ્દે શબ્દમાંથી નિતરે છે. ‘મીઠું’ ખારું છે. પણ ઉચ્ચાર કરો તેની મધુરતા જણાશે. તેના વગરનું અન્ન સ્વાદ વગરનું લાગશે. ‘ગોળ’ ગળ્યો છે. ગોળ નથી !

મા’ એક જ  અક્ષરનો શબ્દ છે.  જેણે કાનાની સહાયતા લીધી છે. ‘કાનો’ જેને સહાય કરે તેની મધુરતા અવર્ણનિય બની જાય ! આ છે ગુજરાતી ભાષાની કમાલ !

આપણી માતૃભાષાને ઊની આંચ પણ નહી આવે. હજારો વર્ષો જૂની આપણી સંસ્કૃતિ જળવાઈ રહી છે. માતૃભૂમિ, માતૃભાષા અને માતાના આપણે જન્મો જન્મના ઋણી છીએ.

Posted in પ્રવીણા કડકિઆ ની વાર્તાઓ | Leave a comment

છૂટા-છેડા- પ્રવીણા કડકિયા

 

 

 

 

આજે સવારથી આખા ઘરમાં આંટા મારી રહેલી સલોની, કોઈ પણ પ્રશ્નનો ઉત્તર મેળવી શકતી ન હતી. તેને છૂટવું હતું કોનાથી ?  વિચારોના બે છેડા મળતા ન હતા, ક્યાંથી શરૂ કરવું ? કોનાથી છૂટા પડવું હતું ! તેના પ્રિય પતિ, સાગરથી? શું પામશે અંતે ?સાગર વગર રહેતા આવડશે ? આ બધા પ્રશ્નોનો જવાબ પણ મળતો ન હતો. મઝધારમાં ફસાયેલી નૈયા જેવી તેની હાલત હતી. આ બધું માનસિક હતું. જો નરી આંખે જોઈએ ને વિચાર કરીએ તો તેના જેવું સુખી કોઈ ન હતું. પતિના પ્રેમની કિમત કરવાને બદલે અવહેલના કરતી.

જે સાગરને મળવા હમેશા નદીની માફક દોડતી , એ સલોની આજે વિરૂદ્ધ દિશામાં દોડવાનો ઠાલો પ્રયત્ન કરી રહી હતી. દોડવું તો બાજુએ રહ્યું પગલું પણ ભરી શકતી નહી. દસ વર્ષમાં એવું તો શું બની ગયું કે ‘નદી સાગર’ને બદલે રણ તરફ જવા માગતી હતી ?

સાગર, સલોની વગર એક ડગ ન ભરતો. હદ તો ત્યાં કરી જ્યારે સલોનીએ પરણીને સાગરના ઘરમાં પગ મૂક્યો તેના બીજા દિવસે ‘હનીમૂન’ પર નૈનીતાલ જવાનું નક્કી હતું. ચબરાક અને હોંશિયાર સલોની પોતાની હનીમુનની બેગ પિયરથી ભરીને જુદી લાવી હતી.

સાગરના મમ્મીએ પૂછ્યું , ‘બેટા તારી બહારગામ ફરવા જવાની બેગ ભરી’? પંદર દિવસની વાત છે.

‘મમ્મી , હવે બેગ ભરવાનું કામ સલોનીનું. ‘.

‘બેટા, હજુ કાલે તો આવી છે.’

‘અરે મમ્મી, તને ખબર નથી. સલોની હોંશિયાર છે. જો સલુ ,આ મારું કબાટ અને આ બેગ કહી ખડખડાટ હસવા લાગ્યો’.

‘સલોની સાગરને છ મહિનામાં બરાબર ઓળખી ગઈ હતી. તેની બધી જરૂરિયાત અને આદતથી વાકેફ હતી.

હવે આવા સુંદર જીવનથી પણ જેને સંતોષ ન હોય તે સલોની પાછી વર્તમાનમાં પટકાઈ.

આજે  સાંજે સાગર ઘરમાં આવે ત્યારે ‘હું ઘરમાં નહી હોંઉ’ ! મનમાંનો ઘુઘવાટ બડબડ કરીને ઠાલવતી હતી.

એવું તો સાગર તને શું દુઃખ આપે છે ?

અરે, એતો એના કામમાં મશગુલ મારી જરાય કિમત કરતો નથી ?

‘કેમ તને તારી કિમત ખબર નથી ?’

‘તેને મન હું તો માત્ર ઘર સંભાળવાવાળી છું.’

અરે, જા રે ગાંડી, ઘરમાં આવતાની સાથે તને વળગે છે, આખા દિવસના સમાચાર પૂછે છે.

‘એથી શું, મને શું જોઈએ છે તેની તેને ક્યાં પડી છે’?

‘અરે. તને પણ ખબર છે કે તને શું જોઈએ છે?’

બસ સવાર પડી નથી ને ,’સલોની મારી ટાઈ ક્યાં છે ? અરે મારા પાકિટમાંથી કોણે પૈસા કાઢ્યા?  આજે મારી ચામાં આદુ નથી નાખ્યું ? મારા ખમીસનું બટન નિકળી ગયું છે.’

સલોની, તું આ બધું ધ્યાન ન રાખે તો કોણ કામવાળી રાખશે?

મેં કોઈ દિવસ પૂછ્યું છે મારા ચશ્મા ક્યાં છે ?’

તારે પૂછવાનિ જરૂર જ નથી હોતી, સાગરને તારા ચશ્મા જ્યાં પણ દેખાય ત્યાંથી સીધા તારા વાંચવાના પુસ્તકની બાજુમાં મૂકી દે છે.

હ**  મ.

ક્યાં લગ્ન પહેલાંનો હરવા ફરવાનો સમય. સલોની એ સમયને યાદ કરતી ત્યારે તેને થતું, ‘જો સ્વર્ગ, પૃથ્વી પર ક્યાંય હોય તો અંહી જ છે’. આ સાગરની બાહોંમાં. સાગર અને સલોની એકબીજામાં ગુલતાન. છ મહિનાનો એ સમય આંખના પલકારામાં પસાર થઈ ગયો. બન્ને જણા લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા. સાગરના અને સલોનીના માતા તેમજ પિતાના આશિર્વાદ સાથે નવિન દુનિયામાં પગરણ માંડ્યા.  જાણે સોનામાં સુગંધ ભળી હોય તેવું ખુશનુમા વાતાવરણ હતું. સાગરને બહેન હતી નહી, એટલે સલોની પુત્રી તેમજ વહુ બન્નેનો પ્રેમ પામતી.

એ તો સાગરનો નાનો ભાઈ આકાશ પરણ્યો એટલે સાગર અને સલોનીએ જુદું ઘર વસાવ્યું.  જે માત્ર દસ મિનિટના રસ્તે જ હતું. પાંચેક વર્ષ થયા અને બાળકના કોઈ એંધાણ દેખાયા નહી, તેથી ડોક્ટરોના ઘરના દોડા શરૂ થયા. પથ્થર એટલા દેવ પૂજ્યા. સાગરે તો મન વાળ્યું પણ સલોની હમેશા બાળકના વિચારોમાં ડૂબેલી રહેતી. બાળક  દત્તક લેવાનો ખ્યાલ તેને ગભરાવતો. ‘મા’ બનવાની તેની ખેવના પૂરી ન થઈ શકી.

લગ્નના દસ વર્ષ પછી હમેશા સલોનીને સાગરનો વાંક  દેખાતો હતો. તેની પોતાની આંખે સ્વાર્થના ચશ્મા પહેર્યા હતા. ભણેલી હતી અને તે પણ ‘માનસ શાસ્ત્ર’ સાથે. ઘણી  વખત ભણતર માત્ર પોથીમાંના રીંગણા જેવું હોય છે. જે ભણ્યા હોય તેનો ઉપયોગ બીજા પર કરવાનો. આચરણમાં મોટું મસ ‘મીંડુ”.  જો સાગર કાંઇ પણ સમજાવાનો પ્રયત્ન કરે કે મોઢું ખોલે તો બિચારાનું આવી બન્યું.

સાગર હમેશા ઉલઝનમાં રહેતો.

‘શું કરું તો સલોનીને મારા પર પ્રેમ આવે’?

રિઝવવા માટે  સુંદર ફુલોનો ગુલદસ્તો લાવે તો, “શું પૈસા ઝાડ પર ઉગે છે. ખોટા બગાડવાના. ફુલ તો બે દિવસમાં કરમાઈ જશે’.

સાગરને એમ હતું કે આવા સુંદર ફુલના બદલામાં મને આલિંગન આપશે યા ચુંબન ? બિચારાના વિચારનો મહેલ કડ ડ ડ ભૂસ કરતો જમીન દોસ્ત થઈ જતો. તેની સમજમાં ન આવતું કે “હું શું કરું તો સલોની રાજી થાય. સાગર તેની માતા બનવાની તીવ્ર ઉત્કંઠા જોઈ શકતો નહી. ખૂબ સમજાવતો. પણ પથ્થર પર પાણી.  સલોનીને કહેતો.’ તું ભણેલી છે. જો કરવી હોય તો નોકરી કર. તારું પોતાનું નાનું કનસલ્ટીંગ દવાખાનું ખોલ. ‘

સલોનીને કશું કરવામાં રસ ન હતો. ઉપરથી સાગરને હમેશા ટોકતી. હવે બાળક ન થાય તેમાં સાગર પણ શું કરે ? ડોક્ટરોએ બતાવેલા બધા ઉપાય અજમાવ્યા.

જો કે સલોનીના વર્તન પાછળ તેનું માનસિક કારણ અગત્યનો ભાગ ભજવતું હતું. દસ વર્ષના લગ્ન જૉવનના ગાળા દરમ્યાન તે માતા બની શકી ન હતી. માતૃત્વની તીવ્ર ઈચ્છા પર સંયમ જાળવવો તેને માટે ખૂબ કઠીન હતો.  સાગર અને સલોનીએ કાંઈ કેટલાય ડોક્ટરોના અને હોસ્પિટલોના ધક્કા ખાધા. બન્ને એ પોતાની સંપૂર્ણ ચિકિત્સા કરાવી. એવું કોઈ કારણ ડોક્ટરોને ્તપાસ દરમ્યાન ન સાંપડ્યું કે શામાટે સલોની માતા બની શકતી નથી. જેને કારણે સલોનીની માનસિક હાલત દિવસે દિવસે બગડતી જતી હતી.

સાગર પણ કંટાળ્યો હતો. જુવાનિયા એવા જીદ્દી હોય કે માતા તેમજ પિતાને કશું જણાવે નહી. હવે તેમને વિશ્વાસ હોય તો માત્ર ડોક્ટર ઉપર ! તેમના મિત્ર મંડળમાં જેને જેને બાળકો હતા તે સહુ ડોક્ટરની સલાહ લે. યા તો  બજારમાં મળતા પુસ્તકો વાંચીને બાળ ઉછેર કરે. નવજાત શીશુ પર અખતરા કરે.

સલોનીએ મન મક્કમ કર્યું હતું. આવી માનસિક હાલતમાં હવે એ એક પળ પણ સાગર સાથે નહી રહી શકે. સાગર જેવો ઓફિસે જવા નિકળ્યો કે તરત તે સૂવાના ઓરડામાં ગઈ. ખાટલા નીચેથી બેગ કાઢીને સામાન ભરવા માંડી. ત્યાં અચાનક યાદ આવ્યું, સાંજે સાગર ઘરે આવશે ત્યારે એને ભૂખ લાગી હશે. બેગ ભરવાનું પડતું મૂકી રસોડામાં સાગરની મનગમતી વાનગી બનાવવા લાગી. જાણે સાગરને અંતિમ વાર ભોજન પિરસવાનું હોય એમ દિલ દઈને રસોઈ કરી રહી.

રસોડાનું કામ પતાવી નહાવા ગઈ. પાછી બેગ ભરવામાં તલ્લિન થઈ ગઈ. ઘર બધું વ્યવસ્થિત કર્યું . ડાઈનિંગ ટેબલ પર જમવાની થાળી, વાટકી, ચમચી, પાણીનો જગ બધું ગોઠવ્યું. હજુ સાગરને ઘરે આવવાની બે કલાકની વાર હતી. વિચાર આવ્યો એટલે છેલ્લે વિદાયનો કાગળ લખવા બેઠી.

સાગર, સંબોધનમાં પ્રિયનો પણ છેદ ઉડાવી દીધો. પોતાની માનસિક સ્થિતિનું વર્ણન કર્યું. ગાંડી થઈ જવા કરતાં અલગ થઈ જવાનું ઉચિત સમજી આ પગલું ભરી રહી છું.  શોધવાનો પ્રયત્ન કરતો નહી. “હું હાથ નહી આવું”. બસ છેલ્લી પળે બેગ લઈને બારણું ખોલ્યું તો ત્યાં સામે સાગર. હાથમાં ડોક્ટરનો રિપોર્ટ લઈને હસી રહ્યો હતો.

“પ્રિય, આખરે હું બાપ બનવાનો ” !

 

 

 

Posted in પ્રવીણા કડકિઆ ની વાર્તાઓ, લઘુ કથા | Leave a comment

ટોકો-ટેકો (૪)રેખા શુકલ

 

ઘડીયે પડીયે વાતવાતમાં ટોકો તો

શું કોઈના ઘડતરમાં તમારો ટેકો છે?

બેય લગ્ન કરવા તૈયાર થયા હતા. બેય ને કશાય નો વાંધો ન્હોતો લાગ્યો.  પણ ત્યાં અચાનક બધુ જાણે બદલાતું નજરે ચડ્યું…

દિકરા રાકેશે પરાણે પાટલે બેસવાની ચોખ્ખી ના પાડી હોવા..છંતા કાકુભાઈએ એક ન સાંભળી. આમ તો જુવાન છોકરો ને પિતાજી તો મિત્ર જેવા જ હોવા જોઈએ. ‘કપાળ મારું !! કહેતા રાકેશે ઉભરો એની પરણેતર સિમ્મી પર કાઢ્યો. સિમ્મીએ પણ પોતાની મમ્મીની અડિખમતા ને રિવાજોને પકડી રાખવાની વાત કરી. “ચાલ ભાગી જઈએ તો આ બધી જ જંજટમાંથી છૂટીએ. ” તે નિર્ણય લેવાયો પણ ઘરે જઈએ એજ નિર્ણય સૂરસૂરિયો થઈ ગયો.

જાનમાં હજાર આવશેનો બોમ્બ ફાટ્યો ત્યાંથી ફોટો ગ્રાફર -મહારાજ- જમણવાર- ડેકોરેશન- પીણાં       ( સાદા નહીં હો પ્રીમિયમ જ જોઈએ) વગેરેથી ચાલુ થયેલો વરઘોડો વ્યવ્હાર માં શું શું કરવું ત્યાં પહોંચ્યોં હતો. જ્યાં સુધી નીવેડો ના આવે ત્યાં સુધી વર-કન્યા ને મળવાની મનાઈ ફરમાવી હતી.

“અરે પણ આ બધી બબાલ કોના માટે છે મમ્મી…?” રાકેશ બોલ્યો ત્યાંજ ચુપ કરાવી દીધો. ” તને નહીં સમજાય બધાને ત્યાં ચાંદ્લો કરી આવ્યા છીએ તો આપણે પણ બધાને બોલાવવાના જ હોય ને ?”

“ચાંદલો ભેગો કરવા ?” ફરી રાકેશને ચૂપ કર્યો..”એ બધું તને નહીં સમજાય ” મમ્મી રૂમમાંથી બહાર નીકળી ને રાકેશે ફોન લગાવ્યો.  સામે સિમ્મી રડી રહી હતી. મમ્મી-પપ્પા લગ્નમાં આવવાની ના પાડે છે કહી ને રીતસરનો મોટો ભેંકડો તાંણ્યો. રાકેશને ના સમજાયું કે આને ચૂપ કેમ કરવી…ફોન પર પપ્પીઓ થતી સાંભળી ગયા કાકુભાઈ…હાથમાંથી લઈને બારીની બહાર ફોન ફેંકી દીધો. ને એક લાફો માર્યો. રાકેશ કાંઈ કરી ના શક્યો…આશ્રર્યજનક વિસ્મઈ રડમસ ચહેરે બારી ની ફોન ની ચિંતા કરવા લાગ્યો. બારીની બહાર મારા હાથમાં ફોન આવ્યો..!!

ઘણા ના લગ્ન જુદા સમાજ માં થવાથી કોઈએ આપઘાત કર્યો. કોઈએ ભાગીને લગ્ન કરી લીધા. કોઈએ એકના એક છોકરા-છોકરીમાં મતભેદ ઉભા કરાવી માન હાની કરાવી ને છેવટે છૂટાછેડા કરાવ્યા. શું આવા હોય પપ્પા ને મમ્મી ? લોભી-લાલચુ-પોતાનું જ ધાર્યુ કરાવવા વાળા -જીદ્દી-મન્યુપુલેશન કરાવે તેને પ્રેમ ના કહેવાય !! પીંખાઈ જતુ હોય શિશુ ને શાંતિ ના હોય ને કહે હું ધાર્મિક છું. ક્યારેક સ્વાવલંબી ને પછેડી એટલી સોડ તાણવાનું શીખી જવાય તો પોતાનાથી અલગ રહેતા બાળક માટે છાતી ગજ ગજ કેમ ના ફૂલે તે આ નવદંપતી ને કોઈ કેમ સમજાવે ? વડીલ જ્યારે ખોટા ત્યાં જુવાનપેઢી ક્યાંથી હોય સમજ્દાર…ને શિશુ ને શું મળે છે તાલીમ તે તો કોઈ કેમ ના વિચારે ??

બસ આટલો મારો મેસેજ પહોંચતો કરશો ને સમજવાનું વર-કન્યા ના માતાપિતાએ પહેલા છે પછી વર- કન્યાએ છે કે ક્યારેક પુટ યૌર ફૂટ ડાઉન, સ્ટેન્ડ અપ ફોર યોર સેલ્ફ..!!

આ બધું વિચારીને લગભગ પાંચેક મિનિટમાં જ અંદર આવીને જોયું તો રાકેશે કાંડુ કાપેલ ને બેડ આગળ કાકુભાઈ ઇમરજ્ન્સી ફોન કરી રહ્યા હતા… !! સિમ્પલ સોલ્યુશન ને બદલે લાઈફ ને કેમ કોમ્પ્લીકેટેડ કરે છે લોકો ? તે વિચારવાનું છોડી ને મદદમાં લાગી ગઈ. રાકેશ ના શર્ટમાં તેનો ફોન મૂકી શાંત થવાનો ઇશારો કર્યો.

દીકરી એટલે બાપનો પડ્છાયો, વિશ્વાસનું વ્હાણ, પ્રેમનો ભંડાર, હેતનો હિંડોળો, સૄષ્ટિ નો શણગાર, સ્નેહની પ્રતિમા ને પ્રેમનું પારણું– આ બધું માત્ર પોતાની દીકરી માટે નહી પણ સઘળું છોડીને આવેલી વહુ માટે જો લાગુ પાડો તો તમે દીધો ‘ટેકો ‘ જરૂર … બાકી જો ‘ ટોકો ‘ તો તમે જ કહો તમને ગમે છે? તો એને ક્યાંથી ગમવાનું ? અને જિંદગી આખી ભણતર— ગણતર ને ઘડતરમાં નીકળે બધાની તો શીખવાનું ને શીખવાડવાનું પણ પ્રેમથી તો જગ જીત્યાં બરાબર – ગંગા સ્નાન કર્યા બરાબર !!

આટલું લખ્યું હવે તારા પપ્પા ને પણ બે અક્ષર લખવા જગ્યા રાખું છું બેટા. બાકી આજે જ નહીં પણ કાયમ તમને મારા અંતઃકરણ ના આશિષ

લિ. મમ્મીના શુભાષિશ.

 ‘ ગુણગ્રાહી બનો ને સુખી થાઓ’ રાબેતામુજબ અહીંયા બધા ક્ષેમકુશળ છીએ. અમે પણ વારંવાર તમને યાદ કરીએ છીએ. ‘ પંછી ‘ સિરીયલ સારી છે જો સમયની અનુકૂળતા મળે તો જોઈ લેવી. બાકી કાંઇ નવીન નથી. પૂ. બા ની તબિયત થોડી  નબળી પડતી જાય છે. ચિ. મનીષ ઉર્ફે મન ની ઇરછા પૂરી કરનાર પણ મજામાં છે.

– લિ. પપ્પાના આશીર્વાદ

ડબડબ આંસુ તો સર્યા કરે. ફોન કે ફેસબુક વગર ફેસટાઈમ તો બે લીટીની વચ્ચે થઈ જાય… હા, આજ તો હતી ઇન્લેન્ડ પત્રની કરામત, લખાણની કિંમત, લાગણી ને વ્યથાની સૄષ્ટિ,આતુરતાનો આવતો અંત જ્યારે મહિને બે મહિને પત્ર આવતો. દરેકનું જીવન માત્ર ભલે ને રોક-ટોક માં ઉછર્યું હોય પણ બધા સાથે જમે, સાથે રમે ને સાથે ભજે …. તેથી જ તો જીવન માં હેતાળ ને હૂંફાળો ટેકો મળતો જતો ને સુખ-દુઃખ વહેંચાઈ જતા !!—રેખા શુક્લ

 

| Leave a comment

જો વાવતા રહો તો ખેતી છે.(૧) અલ્પા વસા

બદલાવ

આખો હોલ ખીચોખીચ ભરેલો હતો. સભ્ય સમાજના સભ્ય સજ્જનો અને સન્નારીઓ સુટ બુટ ને ઠસ્સાદાર સાડી ઝવેરાતમાં સજ્જ થઈ બેઠા હતા. રાષ્ટ્રપતિ એક પછી એક ક્રમાનુસાર સહુને અભિનંદન આપતા મેડલ પહેરાવતા હતા. ‘ રામભાઈ આહીર’ નું નામ બોલાયું. ઉતાવળા લાંબા ડગલે ચાલતા રામભાઈને જોઈને સભામાં સન્નાટો પથરાઈ ગયો. એમનો પહેરવેશ જોઈને જ તો. આજ તો હતો એમનો રોજનો પહેરવેશ ને અત્યારે અહીં પણ એજ. ફરક હતો આજે ધોતી ટૂંકી ને બદલે લાંબી પહેરી હતી ને વધારામાં ઉપર ખાદીનો ઝબ્બો પહેર્યો હતો. ગળામાં એ જ એમનો ગમછો ઝૂલતો હતો. જે ક્યારેક માથાનું ફાળિયું બનતું, તો ક્યારેક પરસેવો લુછવાનો ટુવાલ, ને રોજ રાત્રે ગોળ વાળીને ઓશીકું બનતું.

રાષ્ટ્રપતિના હાથે એમનું સન્નમાન થયું ત્યારે તેમણે કહ્યું, ” મુઠ્ઠી ભરો તો રેતી છે, અને જો વાવતા રહો તો ખેતી છે.” ને તાળીઓના ગડગડાટથી આખો હોલ ગુંજી ઉઠ્યો. ટી. વી. ની બધી ચેનલ પર એક જ સમાચાર, એક જ છબી રામભાઈની. ત્યાર પછી એમનો ઈન્ટરવ્યુ શરૂ થયો.

” આપ કેટલા વર્ષ થી ગંગાપુરમાં છો?”

” લગભગ તેર થી ચૌદ વરસ થયાં.”

” સર, તમે કેવી રીતે ત્યાં પહોંચ્યા? આપનું ગામ કયું? ”

” મારું ગામ તો છૂટી ગયું, હવે મારું ગામ ગંગાપુર જ. બસ, મારા ગામની માથાભારી ટોળકી સાથે અનબન થઈ, ને ગામમાં થી મન ઉઠી ગયું. પહેરેલે કપડે, ખીસામાં દોઢસો રૂપિયા સાથે ઘરમાં કોઈને કહ્યા વગર જ નિકળી ગયો. આમ પણ ઘરમા કે ગામમાં કોઈ ચીંતા કરવાવાળું તો હતું જ નહી. સ્ટેશને જઈ જે પહેલી આવી તે ટ્રેનમાં બેસી ગયો. અલગારી ફકીરની જેમ ફરતો રહ્યો. બસ સ્ટેન્ડ ને બંધ દુકાનનો ઓટલો મારો શયનખંડ. આમ આઠ- દસ મહિના ફર્યો, ને છેલ્લે અહીં આવી ઠર્યો.”

” પણ સર, તમે આ કામ કેવી રીતે શરુ કર્યું?”

” એના કંઈ શ્રીફળ વધેરીને શ્રી ગણેશ નથી કર્યા. એ તો બસ ઉપરવાળાની કૃપા એ થતું ગયું, ને હું પણ શીખતો ગયો. મેં તો શિક્ષણ, પોષણ, કામધંધા વગરના, ને વેડફાતી યુવાનીને ભેગી કરી છે. પહેલા તો ગામમાં ખેતી શરુ કરાવી, તમાકુના પાનને બદલે શાકભાજી ને ધાન ઉગાડી પોષણ પૂરું પાડ્યું. સાથે સાથે થોડું ઘણું શિક્ષણ, જેટલું મને આવડતું હતું તે….અને બોર્ડર પર થતા છાશવારે હુમલા માટે યુવાનોને થોડા શારીરિક તૈયાર કર્યા. મને પણ ખબર ન હતી આનું પરિણામ આવું સરસ અને નોંધનીય આવશે.”

” જી સર, અત્યાર સુધી આ ગામની કોઈ ઓળખ જ ન હતી.”

” હા, ગંગાપુર એટલે બોર્ડર પરનું, છેવાડાનું નાનું વીંધ જેવું પછાત ગામ. ગામમાં ઉજ્જડ જમીન ને ઘાસની ઝુંપડીઓ. ન નિશાળ, ન પોસ્ટ ઓફીસ, ન દવાખાનું. આવું ગામ કહેવાય જ નહી ત્યાં પહેલી વાર દુશ્મને હુમલો કર્યો. ગામના કાચા પાકા તૈયાર થયેલા જુવાનોની ટુકડીએ બરોબરની ટક્કર આપી. ને બસ, ગંગાનદીની જેમ ગંગાપુર ગામે પણ ઇજ્જત ને અદબ કમાવી લીધાં.”

” જી, ગંગાપુર તો આજે ગાગરમાં સાગર સાબિત થઈ ગયું છે. એ પણ આપની એકલાની મહેનત.”

” એકલાની નહી, એકતાની. મારા ગામમાં હું જ્યારે એકલો હતો તો માથાભારે તત્ત્વો સામે ટકી ન શક્યો ને ગામ છોડી નિકળી ગયો. પણ અહીં ટોળી બનાવી, ગંગાપુરના જુવાનીયાઓને થોડું થોડું આપ્યું, એમનામાં જોમ અને જુસ્સાના બીજ વાવ્યા. તેમને શારીરિક પોષણ અને માનસિક હિંમત આપી. તેમનામાં રાષ્ટ્રપ્રેમ ખિલવ્યો. એકજૂથ થયા ને લશ્કરને ખાળી શક્યા. સાથ અને સહકાર વગર એકલો માણસ કંઈ ન કરી શકે. એ લોકોએ જીવવા માટે ટક્કર આપી હતી, જીતવા માટે નહીં.”

” વાહ સર, સ્ટેજ પર બોલેલા તમારું વાક્ય, ” મુઠ્ઠી ભરો તો રેતી છે, અને જો વાવતા રહો તો ખેતી છે.” નો અર્થ હવે બરાબર સમજાઈ ગયો.”

” જય હિન્દ, જય ભારત.”

Posted in જો વાવતા રહો તો ખેતી છે | Tagged | Leave a comment

નિવૃત્તિ પછી શું ?

 

“નિવૃત્ત થયા પછી” ઘણી બધી ચરી પાળવાની.  અરે, આ તો જીંદગી છે, મરજીમાં આવે તેમ જીવવાની. બાળપણમાં માતા અને પિતાની આજ્ઞા માનવાની, શાળાએ જઈએ ત્યારે શિક્ષકોને સાંભળી તેમના કહ્યા પ્રમાણે અનુસરવાનું. પરણ્યા એટલે પ્યારી પત્નીની  ગુલામી કરવાની.  નહી તો, “હું મારે પિયર જઈશની લુખી ધમકી આપે” તે સાંભળવાની. બાળકો મોટા થાય એટલે તેમની મરજી મુજબ કારણ “આપણે ઘરડા થઈ ગયા”. આ ગણિત મારી સમજમાં નથી આવતું.

નિવૃત્ત થયા, તમે તમારા મનના માલિક. જુવાનીમાં કમાયા હતા, હવે વિમાનમાં ફરો કે ફાઈવ સ્ટાર હોટલમાં રહો તમને કોણ રોકનાર છે ? હા નસિબ હોય અને પતિ ,પત્ની બન્ને હો તો  સ્વર્ગ ઢુંકડું છે. કેટલું સરસ લાગ્યું ને ? નિવૃત્ત  થયાનો આ તો સહુથી મોટો લાભ છે. નિવૃત્ત થયા પછી શું ? એ પ્રશ્ન દરેકને સતાવે છે. તુંડે તુંડે મતિઃ ભિન્ન . દરેક વ્યક્તિના અભિપ્રાય અલગ હશે. અંતે તો  સહુનો   ધ્યેય એક જ છે ! નિવૃત્ત થયા પછી, “હાશકારો”. બસ કોઈની ગુલામી નહી. સમયની પાબંધી નહી.

નિવૃત્તિ એટલે નોકરી ન કરવી ! બાકી પ્રવૃત્તિમાં બાધ નથી. જો બિમાર પડવું હોય, દર્દ અને રોગને ખુલ્લા દિલે આવકારવા હોય તો ‘નિવૃત્તિમાં સોફા શોભાવજો’ ! બાકી જે ખ્વાઈશ હોય તે પૂરી કરવાનો સમય એટલે નિવૃત્તિ !  બાળપણ ગયું મસ્તી તોફાનમાં , જુવાનીમાં પ્રેમ કર્યો, બાળકો થયા , ઘરસંસાર ચલાવ્યો, સુંદર કામગીરી કરી પતિને બે પૈસા રળવામાં મદદ કરી. હર્યા, ફર્યા આનંદ કર્યો. આધેડ વયે બાળકો ઠેકાણે પડે તેની ચિંતા કરી. હવે આવ્યો જીવનમાં ‘હાશકારો’ જેનું બીજુ સુંદર નામ ‘નિવૃત્તિ’. ક્યારે પેલો ઉપરવાળો બોલાવશે ખબર નહી ? પળભરનો વિલંબ પણ નહી સહી શકે. બસ આ જીવનને સન્માર્ગે વાળો, લાખેણા મનખા દેહને એવો રૂડો બનાવે કે સર્જનહારને આપણા પર ગર્વ થાય !

શું જોઈએ છે ?

“જીવનમાં શાંતિ”.

“કોઈને નડવું નહી”.

” પતિ, પત્નીની અને પત્ની, પતિની સાથે આનંદમય જીવન ગુજારે”. ( જો નસિબદાર હોય અને બન્ને ડોસા, ડોસી સાથે  હોય તો!”)

શેષ રહેલા જીવનનું સરવૈયુ કાઢી તાળો મેળવે”.

“જો એકલા હોય તો જાત સાથે સંધિ કરી જીવનને સફળ બનાવે”.( સાથીની યાદ સતાવે એમાં બે મત નથી !)

સ્વામી સચ્ચિદાનંદ, ઓશો કે મોરારીબાપુ કહે તેમાંથી આપણને યોગ્ય લાગે તે ગ્રહણ કરવાનું. બાકી જીવનની ઢળતી સંધ્યાએ આપણા  વાળ ‘નથી ધુપમાં ધોળા કર્યા કે  વગર મહેનતે મફતની ટાલ  પાડી”. આપણી મરજી પ્રમાણે જીવવાનું. પ્રભુ ભજનમાં મઝા આવતી હોય તો તેમાં મસ્ત રહેવાનું. સતકાર્ય કરવા ગમતા હોય તો તેમાં પ્રવૃત્ત રહેવાનું. “પસંદ અપની અપની ખયાલ અપના અપના”.

બાળકોને તેમની સ્વતંત્રતા આપી ,આપણો મારગ જુદો ચાતરી લેવાનો. જો તેમને આપણી જરૂર હોય તો અડધી રાતે પણ તૈયારી બતાવવાની. મનમાં મુંઝાઈને કે તેમની ગુલામી નહી ચલાવવાની. દરેક લેખકોના મંતવ્યો વાંચ્યા.  તેમની પરેશાની જોઈ દુઃખનો અહેસાસ થયો. ખેલદિલ લોકો સત્ય લખે છે. બાકી બધા સત્યનું મહોરું પહેરી ફરે છે. શાને માટે ?  સત્ય બોલજો, અંતરમાંથી, “કાઢ્યા એટલા કાઢવા છે ખરા”?

મને નથી લાગતું કોઈની મરજી હોય !

સાથીની ગેરહાજરી સાલે, જરૂર તેમાં બે મત નથી. ત્યારે પેલું બ્રહ્મ વાક્ય ડોકિયું કરે, “એકલા આવ્યા એકલા જવાના”. સગાં કે વહાલા બધા સ્મશાનેથી પાછા વળવાના. કિંતુ નિવૃત્ત જીવનમાં એવી પ્રવૃત્તિ પણ દેખાઈ આવે છે જીવનને સફળ કરવામાં સહાય રૂપ થાય. દરેક વ્યક્તિને એક ત્રાજવે ન તોલાય. દરેકની પ્રવૃત્તિમય જીંદગીની વ્યાખ્યા અલગ હોઈ શકે.

આપણે સહુએ સાંભળ્યું છે ૧,૮૪,૦૦૦ જન્મ પછી આ માનવ દેહ પ્રાપ્ત થાય છે. હવે આ જન્મ એળે જવા દેવાનો ? શું કામ ? આંબો વાવનાર ક્યારેય એમ નથી વિચારતો કે ‘હું આ કેરી ક્યાં ખાવાનો છું ?’ વૃક્ષ દરેકને છાંયડો આપે છે. જરાય વેરો આંતરો નથી કરતો. કેટલાયના કાળજા ઠારે છે. કેટલા અગણિત પક્ષીઓ તેના પર માળો બાંધી પોતાના બાળ બચ્ચા ઉછેરે છે .

નિવૃત્તિ વેળાએ આપણે અઢળક ધન કમાયા હોઈએ તો બાળકોને આપ્યા પછી .હૉસ્પિટલ ,શાળા કે અનાથાશ્રમ બંધાવવું એ ખોટો વિચાર તો નહી જ ગણાય. મતલબ કે સારી રીતે તે ધનનો ઉપયોગ કરવો. વિદ્યા પાછળ વિનિમય કરવો. તે પહેલા એક મંત્રનું રટણ કરવું.

“પહેલું સુખ તે જાતે નર્યા”.

સ્વાસ્થ પાછળ ધ્યાન આપવું. ઘડપણમાં ન જોઈતી આપત્તી આવે તો તેનો સામનો કેવી રીતે કરવો તે માટે સજ્જ રહેવું. જો જુવાનીમાં બાળકોને સારા સંસ્કાર આપી ઉછેર્યા હશે તો તેમનો સાથ અને સહકાર મળશે તેમાં બે મત નથી. ઘરડૅ ઘડપણ તો પતિ અને પત્નીને એક બીજાની આદત પડી જાય. તેની મજા નસિબદાર માણે. છતાંય પોતાની આગવી પ્રતિભા રાખી ઝળકે એ સુખી “જોડા”ની લોકો ઈર્ષ્યા પણ કરે. એકલ દોકલ હોય તે અફસોસ કરવાને બદલે પોતાના જીવનની કેડી કંડારે.

જીવનમાં હકારાત્મક વલણ અપનાવો. બાકી જનમ્યા ત્યારથી એક જ દિશામાં સહુની સતત ગતિ રહી છે. આ સમય દરમ્યાન તેનો સદઉપયોગ કરવો આપણા હાથમાં છે.

આપણી અનુકૂળતાએ કોઈની આંતરડી ઠારવી, કોઈને માટે જાત ઘસવી, કોઈના આશિર્વાદ લેવા, કોઈને સહાય કરવી, કુટુંબમાં સ્નેહ પ્રસરે, ઈર્ષ્યાને તિલાંજલી આપવી, ચારે બાજુ જીવન જીવ્યાની સાર્થકતા લાગે એવું વાતાવરણ હોય કોને ન ગમે ? બાકી રેતીમાં પગલું ટકે એટલી આ જીવનની કહાની છે. બધા કાંઇ પૂજ્ય ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, લોકમાન્ય તિલક કે મીરા થવા સર્જાયા નથી!

 

| 1 ટીકા

૨૯ -હકારાત્મક અભિગમ- પરમેશ્વરનું પ્લાનિંગ

"બેઠક" Bethak

ક્યારેક આપણા જીવનમાં એવું બની જાય જેની આપણે કલ્પના સુદ્ધા ના કરી હોય. ઘણીવાર આપણે એવું સાંભળ્યુ હશે કે અનિવાર્ય સંજોગોના લીધે કોઇ વ્યક્તિને પોતાની કન્ફર્મ ફ્લાઇટ અથવા ટ્રેન ગુમાવવી પડી હોય. સમય સાચવી લેવો અગત્યનો હોય ત્યારે આવી ઘટનાથી કોઇપણ વ્યક્તિ ચોક્કસપણે નિરાશ થઇ જાય. કદાચ શક્ય છે કે અકળાઇ પણ જાય. પરંતુ જ્યારે ખબર પડે કે એ ગુમાવેલી ફ્લાઇટ કે ટ્રેનને અકસ્માત નડ્યો છે ત્યારે ? જીવતદાન મળવાની સામે ગુમાવેલી તક સાવ જ નગણ્ય, સાવ તુચ્છ લાગવા માંડે.

આવી જ એક વાત…..એક સમયે એક ચિત્રકારે અત્યંત સુંદર અને જીવંત ચિત્રનું સર્જન કર્યું. ચિત્રમાં પુરેલા રંગોથી એ એટલું તો આબેહૂબ લાગતું હતું કે જાણે એમાં રચેલી સૃષ્ટિ હમણાં જ સજીવ થઈ ઉઠશે. પોતાના અત્યંત ખુબસુરત સર્જનને જોઇને ખુદ ચિત્રકાર પણ અભિભૂત થઇ ઉઠ્યો. ઊંચી ઇમારત પર ગોઠવાયેલા આ ચિત્રની ખૂબી માણવામાં એ ચિત્રકાર એટલો તો વ્યસ્ત અને મસ્ત થઈ ગયો કે એની આસાપાસ શું છે કે એ ક્યાં છે…

View original post 279 more words

| 2 ટિપ્પણીઓ

જીવનસાથીની પસંદગી સમયે પરસ્પરની કુંડળી મેળવવી જરૂરી છે -ઉમાકાંત મહેતા

પ્રસન્ન દાંપત્ય જ સુખી અને સ્વસ્થ સમાજનો પાયો રચે છે.પરસ્પરનો મનમેળ કેવો રહેશે તે પરસ્પરનો જન્મકુંડળીપરથી જાણી શકાય છે.

માટે જીવનસાથીની પસંદગી સમયે પરસ્પરની કુંડળી મેળવવી જરૂરી છે.

ભારતીય સંકૃતીમાં લગ્નને એક પવિત્ર બંધન ગણવામાં આવે છે. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવા માટે તે અનીવાર્ય સંસ્કાર છે. હાલના આધુનિક સમયમાં, યુવક -યુવતી એક બીજાને થોડો સમય રૂબરૂ મળી ઉપર છલી વાતચીત કરી તેમની પસંદગી કરે છે.આજના આપણા જ્યોતિષીઓ, જ્યોતિષને વિજ્ઞાન ગણાવવા લાગ્યા છે. દામ્પત્યજીવનમાં  જ્યોતિષનું શું અને કેવું મહત્વ છે તે માટે તેમણે જાતજાતની પધ્ધતિઓ ઉપજાવી છે.

જેના થોડા દાખલા આપણે જોઈએ.

પતિ-પત્નીના દામ્પત્ય જીવનમાં વિસંવાદ,વૈમનસ્ય,લગ્ન વિચ્છેદ વગેરે  જેવી  ઘટનાઓ ના બને એ માટે જીવનસાથીની મુલાકાતની પસંદગી સમયે પરસ્પર વાતચીત દરમ્યાન એકબીજાને સંપૂર્ણ જાણી અને સમજી ના શકે આથી આપણા વિદ્વાન ૠષી મુનીઓએ એક વિશીષ્ટ પધ્ધતી વિકસાવી. જેને જ્યોતિષ તરી કે આપણે જાણીએ અને સમજીએ છીએ જ્યોતીષ શાસ્ત્રના આધારે જન્મના ગ્રહો  મુજબ વ્યક્તિનો સ્વભાવ, રસ રૂચિ, સંતાનોત્પત્તી, (નોકરી ધંધો) આજીવીકા, આયુષ્ય, વગેરે વગેરે જન્મકુંડળી દ્વારા મેળવવી જાણી શકાય તેવી શાસ્ત્રોક્ત પધ્ધતિ વિકસાવી છે. આ પધ્ધતીને આપણે અષ્ટકૂટ કુંડળી મેળાપક પધ્ધતી તરીકે જાણીએ છીએ.

આ અષ્ટકૂટ પધ્ધતી શું છે

 આ અષ્ટકૂટમાં આ પ્રમાણે છે; અને તેમાંથી નીચે મુજબ જાણી શકાય છે. 

૧) વર્ણ :- એટલે જાતી ,બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ,શુદ્ર. (વર્ણ આધાીત જાતી સ્વભાવ) 

૨) વશ્ય:-આધિપત્ય (દાંપત્ય જીવનમાં પતિ કે પત્ની કોનું વર્ચસ્વ રહેશે ?) 

૩) તારાઃ- જીવનમાં તાલમેલ ( જીવન સુમેળ ભર્યું રહેશે કે ક્લેશમય ?)

૪) યોનીઃ-  જાતીય જીવનની સંવાદિતા (Sexual compatibility)

૫) ગ્રહ મૈત્રીઃ- માનસિક સંવાદિતા. ચંદ્ર ષડાષ્ટક બીયા બારૂ, વગેરે 

૬) ગણ:- સ્વભાવની સંવાદિતા  જાતકનો સ્વભાવ સુચવે છે. તે ત્રણ રીતે દર્શાવે છે. દેવ,મનુષ્ય, રાક્ષસ

૭) ભકૂટઃ- આર્થિક  સંવાદિતા

૮) નાડીઃ-  વાંધાજનક પ્રસુતિ,વિકૃત બાળક જન્મ, અથવા નબળુ બાળક.(વાત,પિત્ત, કફ આધારીત)

તેના ગુણાંક મુજબ ગણત્રી કરી તેઓના  જીવનનો દામ્પત્ય જીવનનો ક્યાસ કાઢવાના આવે છે. 

નામ              ગુણાંક                  નામ              ગુણાંક

૧ ) વર્ણ …………૦૧                 ૫) ગૃહ મૈત્રી……૦૫

૨) વશ્ય………..૦૨                 ૬) ગણ……………૦૬

૩) તારા………..૦૩                 ૭) ભકૂટ………….૦૭

૪) યોની……….૦૪                 ૮) નાડી…………..૦૮

કુલ ગુણાંક >>>>>>>>>>>>>>>>>>>> ૩૬

૩૬ ગુણાંક માંથી ૧૮ કે વધુ ગુણાંક મળે તો સારૂ  ગણાય.   ૧૮થી નીચેના ગુણાંક સંબંધ બાંધવા યોગ્ય ગણાય નહિં.

કુંડળી મેળાપક ગુંણાંક મહત્વના નથી.અન્ય ગ્રહોનો પણ વિચાર કરવો જરૂરી છે. આ ગ્રહો પતિ પત્નીનું દાંપત્ય સુખ

પરસ્પર જાતિય તૃપ્તિ  બંન્નેના સ્વભાવ રસ,રૂચી અને પકૃતિનું આકર્ષણ હોય, સારું સંતાન સુખ હોય ત્યારે જ સફળ

દામ્પ્ત્યજીવન સફળ બને.

 મંગળ દોષઃ-

વરને પાઘડીએ અને કન્યાને હાટડીએ મંગળ.

ઉપરની કુંડળીમાં જોતાં દર્શાવેલ ૧૨ ખાનાંમાં ૧, ૪,,૭ ,૮ ,અને ૧૨ ખાનામાં  જ્યાં ‘મં ‘ લખ્યું છે તે ખાનામાં જ્યાં મંગળ હોય તો તે કુંડળી મંગળ દોષ વાળી કહેવાય છે.

નાડી દોષઃ- Health compatibility = પ્રાકૃતિક અસામાનતા.

વેદિક જ્યોતિષમાં નાડીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. નાડીના ત્રણ પ્રકાર આદિ,મધ્ય અને અંત્ય,વેદિક જ્યોતિષમાં નાડીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. નાડીના ત્રણ પ્રકાર આદિ,મધ્ય અને અંત્ય,આયુર્વેદમાં જેને વાત,પીત્ત અને કફથી ઓળખવામાં આવે છે. અષ્ટકૂટના ૩૬ ગુણાંકમાંથી નાડીને ૮ ગુણાંક(એટલે ૨૫ %) તે મેળાપકમાં મહત્વનો ભાગ ભજવે છે. વર અને કન્યાની એક જ નાડી હોય તો તે દોષ પાત્ર છે.આવા તો ઘણા દોષ, જેવા કે શનિ દોષ, કાલસ્રર્પયોગ, પિતૃદોષ,ચાંડાલ યોગ,કેમદ્રુમ યોગ, દારિદ્ર યોગ, દ્વિભાર્યા યોગ વગેરે વગેરે.

 આજના આપણા જ્યોતિષીઓ, જ્યોતિષને વિજ્ઞાન ગણાવવા લાગ્યા છે. તે એક મોટી ભૂલ, મૂર્ખામી છે.

જ્યોતિષનો થોડો અભ્યાસ કર્યો, તે અગેના થોડા પુસ્તકો વાંચી તે ઉપર મનન અને ચિંતન કર્યા બાદ તે વિષયના નિષ્ણાત અને વિદ્વાન મિત્રો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આ પ્રશ્ન મારા મનમાં ઉદ્દભવ્યો .જ્યોતિષ અંગે ઘણા વાદવિવાદ ચાલે છે. દરેક જ્યોતિષી અલગ અલગ મંતવ્યો ધરાવે છે. પરિષદોમાં શાસ્ત્રાર્થ ટાંકી ચર્ચાઓ થાય છે, પરન્તુ હજુ સુધી કોઈ એકમતી સિધ્ધ થઈ શકી નથી.

વિશ્વમાં જન્મેલા કોઈ પણ માણસની જન્મ કુંડળી એક સરખી નથી હોતી, અરે એક જ સમયે અને એક જ સ્થળે એક જ મા-બાપના જોડિયા સંતાનો પણ ભિન્ન પ્રકૃતિ ધરાવતા હોય છે. એક સંતાન ઘણું જ હોશિયાર બુધ્ધિશાળી અને ચાલાક હોય છે જ્યારે બીજું સામાન્ય કે મંદબુદ્ધિનું હોય છે. આ અંગે કોઈ જ્યોતિષવિદ્ સ્પષ્ટ ખુલાસો કરી શકતા નથી.

સૌ પ્રથમ આપણે જ્યોતિષ એ શાસ્ત્ર છે કે વિજ્ઞાન તે સમજી લેવું જરૂરી છે. જ્ઞાન પુસ્તક, ધાર્મિક ગ્રંથ અથવા પવિત્ર પુસ્તક એક શાસ્ત્ર એક તકનીકી માર્ગદર્શિકા હોઈ શકે છે જે કલાત્મક અથવા સાંસ્કૃતિક શિસ્તના નિયમો અને ધોરણો સમજાવે છે, અથવા તે   તે વિષય પર શિક્ષણ નો ઉલ્લેખ  શાસ્ત્ર કરી શકે છે. ઉદાહરણ તરીકે “નીતિશાસ્ત્ર,”એ નીતિશાસ્ત્રનું સંક્ષેપ છે, જ્યારે યોગ શાસ્ત્ર યોગ શિસ્ત અંગેની અધિકૃત શિક્ષણ છે.ધર્મના  સંદર્ભમાં, ધર્મ હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથોનો ઉલ્લેખ કરે છે, જે પરંપરા પ્રમાણે તેના આધારે નંબર અને પ્રકારમાં બદલાય છે. યોગપિડિયા શાસ્ત્રને બૌદ્ધવાદમાં સમજાવે છે, શબ્દનો અર્થ વારંવાર સૂત્ર અથવા ગ્રંથ જેવા અગાઉના ધાર્મિક લખાણને સમજાવવા જે હિન્દૂ દંતકથાઓ, દંતકથાઓ અને તે પણ દિવ્ય વંશાવળી આવરી લે છે.સંબંધિત શરતો શ્રુતિ તંત્ર સ્મૃતિ પુરાણ યોગ-શાસ્ત્ર અજ્ઞાન શાસ્ત્રવસ્તુ  શાસ્ત્ર.

વિજ્ઞાનઃ-

વિજ્ઞાન એટલે પદ્ધતિસર ગોઠવેલું કે રચેલું જ્ઞાન, વિજ્ઞાન, તેની ઉપાસના, વિજ્ઞાનની કોઈ  વિશિષ્ટ શાખા, નિરીક્ષણ અને પ્રયોગ દ્વારા પ્રાપ્ત થયેલો વ્યવસ્થિત જ્ઞાનનો સંચય,  મહાવરા અને તાલીમથી મેળવેલે કુશળતા કે નિપુણતા. ટુંકમાં શાસ્ત્ર એટલે  સ્મૃતિ  શ્રુતિ આપણા પૂર્વ ઋષી મુનિઓએ  શ્રુતિ આપણા પૂર્વ ઋષી મુનિયોએ કહેલી વાતો, જ્ઞાન, જે કર્ણોપકર્ણ આપણા 

પૂર્વજોથી ચાલી આવતિ મૌખિક પધ્ધતી, તેની કોઈ વૈજ્ઞાનિક સાબીતી (પ્રુફ) ના હોય, આપણા બાપ દાદાઓએ કહ્યું હોય તે 

સાચું જ હોય “बाबा वाक्यंम् प्रमाणम” જ્યારે વિજ્ઞાન  એ તેની સાબીતી માંગે, સાબીતી વગર તે જ્ઞાન ન ગણાય. તે સત્ય ના ગણાય.જ્યોતીષમાં તેના વિધાનની કોઈ જ સાબીતી નથી, અને તેથી જ્યોતિષ એ વિજ્ઞાન નથી  અને તે એક શાસ્ત્ર છે. શાસ્ત્ર એ માનવું કે ના માનવું તે દરેક વ્યક્તીની અંગત બાબત છે,  જ્યારે વૈજ્ઞાનિક રીતે સિધ્ધ થયેલી હકીકત ન માનવી તે એક મૂર્ખામી જ છે.

જ્યોતિષના અમુક સમયે જન્મેલા જાતકને વિશેષ લાભ / હાની કરે છે એવી જ્યોતિષ શાસ્ત્રની કે એસ્ટ્રોલોજીની માન્યતાને વૈજ્ઞાનિક રીતે સિધ્ધ કરી શકાઈ નથી. આમ છતાં આજનો ભણેલો કે અભણ,શહેરી કે ગ્રામજન, લગભગ બધાજ લોકો જ્યોતિષમાં વત્તે ઓછે અંશે જ્યોતિષમાં માને છે. નભોમંડળના સૂરજ દાદા, ચાંદા મામા, મંગળદાસ, બુધાકાકા, ગુરૂદાસ, શકરચંદ કે શનાભાઈએતેમની કોઈ સત્તાવાર એજન્સી પૃથ્વી પર કોઈને આપી છે કે નહિ તે્ની મને તો ખબર નથી, છતાં ઠેર ઠેર જ્યોતિષની હાટડીઓ નજરે ચઢે છે. કોઈપણ અખબાર કે સામાયિક ઉઘાડતાં જ મોટા અનેધ્યાન ખેંચતા અક્ષરોમાં જ્યોતિષની જાહેરાતો નજર સમક્ષ આવે છે. આકાશી ગ્રહોએ આવી કોઈ એજન્સી આપી છે કે કેમ તે એક તપાસનો વિષય છે,માટે તપાસ પંચની નીમણુંક કરવી જરૂરી છે.

ભગવાન વિષ્ણુના (મિનિસ્ટર ઓફ ફોરેન અફેર્સ) શ્રી નારદજી પાસે સ્વર્ગ અને પથ્વીનો પરમેનન્ટવીઝા ભગવાને આપેલો તેથી તેઓશ્રી સ્વર્ગ અને પૃથ્વી ઉપર ભ્રમણ કરી પૃથ્વી પરના સમાચાર ભગવાનને પહોંચાડતા. આપણા સુનિતા બહેન પણ વિશ્વમાનવ તરીકે આવી સેવા બજાવે છે, તેઓ પણ અવકાશમાં અને પૃથ્વી પર આંટા ફેરા કરે છે. આપણા નીલ આર્મસ્ટ્રોંગ ભાઈ પણ મોસાળમાં ચાંદા મામાને ઘર જઈને મોજ માણી આવ્યા છે. તેઓ તો આપણી પૃથ્વીના માનવો હતા અને છે.તેઓની પણ જન્મકુંડળી તો હશે જ ને ? એમની જન્મકુંડળીમાં ચન્દ્ર ઉચ્ચનો, નીચનો, સ્વગ્રહિ કે ચંદ્રની દશા મહાદશા ચાલતી જ હશે, તેમને આની શી અસર થઈ ? હજુ સુધી કોઈ જ્યોતિષવિદે કે વૈજ્ઞાનિકે આ અંગ કેમ કોઈ પ્રકાશ ફેંક્યો નથી?

આ બધું વાંચ્યા જાણ્યા છતાં રોજ ને રોજ બીલાડીના ટોપની જેમ જ્યોતિષની નવી હાટડીઓ ખુલતી જ જાય છે. શું આ હાટડીઓના માલિકોએ સુનિતા બહેન દ્વારા આ ગ્રહોના માલિકો સાથેકોન્ટ્રેક્ટ કર્યો છે ?

જ્યોતિષમાં માનનારા લોકોને મારો પ્રશ્ન છે કે તેમના દાંપત્યજીવનની સફળતા કે નિષ્ફળતાનો આધાર જ્યોતિષ આધારીત કેટલો ? તેનો કોઈ અંદાજ કાઢ્યો છે કે તેઓ સુખી છે કે દુઃખી ?

આજના જ્યોતિષીઓને અને વૈજ્ઞાનીકોને મારી નમ્ર વિનંતી છે કે આજે વિજ્ઞાન ઘણું જ આગળ વધી રહ્યું છે, “નાસા”ના વૈજ્ઞાનિકો ગ્રહો ઉપર જઈ રહ્યા છે, ત્યારે આ બાબત ઉપર પ્રકાશ પાડે તેવી અપેક્ષા.                                             

  સમાપ્ત

 

          

                                                  

લેખકઃ-  (ન્યુ જર્સી)

 ૨૦, ટૉટૉવા

ન્યુ જર્સી એન જે (૦૭૫૧૨)

ફોન (1) 973 942 1152

     (2) 973 341 9979

W/A 973 652 0987

E mail >mehtaumakant@yahoo.com<

 

 

 

 

| 1 ટીકા

એક અવલોકન–પુષ્પગુચ્છ ( કાવ્યસંગ્રહ)

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના ૨૫ જેટલા કવિઓ-ગઝલકારોની રચનાઓનું સંપાદન કરીને શ્રી. સુરેશ બક્ષીએ એક સુંદર પુષ્પગુચ્છ બનાવ્યું છે.એક સહ્રદય વાંચક તરીકે મેં, એ કવિતાઓ વાંચી છે,સરવે કાને સાંભળી છે અને મારી દ્રષ્ટીએ ઝીણા આંકની ચાળણીએ ચાળી પણ છે. આમાં અછાંદસ કાવ્યો પણ છે, ગઝલ પણ છે અને વાંચતાં વાંચતાં સંભળાય એવા સુંદર કાવ્યો પણ છે.કવિશ્રી. સુમન અજમેરી,દેવિકાબેન ધ્રુવ, પ્રવિણાબેન કડકિઆ, સરયુબેન પરીખ જેવાના કાવ્યોનો સમાવેશ કરીને સુરેશ બક્ષીએ સરવા કાન અને ઝીણી નજરનો પુરાવો આપ્યો છે.કવિતાની કસોટીએ જ ખરી ઉતરેલી રચનાઓને જ પસંદ કરવાની નેમ બક્ષીએ દાખવી છે એ અભિનંદનને પાત્ર છે.
હવે, કેટલાક કાવ્યો અંગે વાત કરીએ-
પ્રવિણા કડકીઆની રચનાઓમાં સદગત પતિના સંસ્મરણોનું સ્પર્શક્ષમ શૈલીમાં આલેખન, તેમાં રહેલો વિષાદ અને આનંદનો અંગત અનુભવ વાંચકના ભાવવિશ્વને ભર્યું ભર્યું કરે છે. સ્મ્રુતિઓથી ઘેરાતો વિષાદ તેમાં સૂપેરે પ્રતિબિંબિત થયો છે.ક્યાંક એકલતાની ભીંસ પણ અનુભવાય છે. એ લાગણીઓને અપાયેલ શબ્દદેહ વાંચકના હૈયાના તારોને રણઝણતા કરી શકે છે. આ પુષ્પગુચ્છના સર્જકોની રચનાઓમાં પ્રતિબિંબિત થતી એમની જીવનદ્રષ્ટી,એમની વૃત્તિ,એમનું ચિંતન,એમની અભિવ્યક્તિ સૌના હ્રદયભાવોને વાચા આપવા માટે જ જાણે પ્રગટ્યા હોય એવા જણાય છે. કેટલીક રચનાઓ તો એવી છે કે એનો નાદ,લય,શબ્દો એ એક અલગ જ અનુભૂતિનું વિશ્વ રચી આપે છે.
ગઝલમાં વર્ણનને ખાસ અવકાશ નથી હોતો. બહુ ઓછ શબ્દોથી કામ લેવાનું હોય છે. ગઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર ભાવવિશ્વ ધરાવતો હોય છે. પ્રત્યેક શેર પોતે જ પોતાનામાં સ્વતંત્ર કાવ્ય હોય છે. રસિક મેઘાણીની ગઝલો અંગે તો કશું કહેવાપણું છે જ નહીં.’તમારી યાદનો ટહૂકો’ યોગ્ય સમયે જ ‘પુષ્પગુચ્છ’માં મુકાઇ છે.સ્ટ્રોકના હુમલા પછી, બે વર્ષ માટે બધું સમેટી લઈને પાકિસ્તાન ગયેલા આ ગઝલકારની ખોટ હ્યુસ્ટનના સહિત્ય-રસિકોને વધુ સાલશે.
‘તારી યાદ’માં હેમાબેન પટેલ પણ સુંવાળા દિવસોની યાદોને વાગોળે છે અને અટવાઇ ગયેલી જિન્દગીની વાતને વહી ગયેલા લાગણીના પ્રવાહો દ્વારા આપણને ય આપણાં ભુતકાળમાં ખેંચી જાય છે.
દેવિકા રાહુલ ધ્રુવ એમના પ્રથમ કાવ્યસંગ્રહ’ શબ્દોને પાલવડે’ પ્રકાશિત થયા પછી તો ઉપરાછાપરી કાવ્યોની હેલી જ વરસાવી રહ્યા છે. એમના કાવ્યો / ગઝલો છંદબધ્ધ હોય છે.એ માત્ર વાંચવાના જ નથી હોતા. સાંભળવાના પણ હોય છે.એમના કાવ્યો વાંચીએ કે એમને કંઠે સાંભળીએ ત્યારે જાણે આપણે કોઇ હોડીમાં બેસીને ખળખળ વહેતા જળમાં શ્બ્દચિત્રોને જોઇ અને સાંભળી શકીએ એવી અનુભૂતિ થાય છે.છેલ્લી પંક્તિઓમાં ચિંતનાત્મકતા, અધ્યાત્મકતા, અને જીવનની ફિલસૂફી પણ આવી જાય એ, દેવિકાબેનની વિશેષતા છે. કવિતામાંથી સંગીત પણ સર્જાઇ શકે અને શબ્દચિત્રનો આખો માહોલ વાંચકની દ્રષ્ટી સમક્ષ કેવી રીતે ઉભો થઇ શકે એ સમજવા માટે તમારે દેવિકા ધ્રુવના ‘શતદલ’ જેવા કાવ્યો વાંચવા જોઇએ.
ચીમન પટેલ હ્યુસ્ટનના હાસ્યલેખક છે. હમણાં થોડાક સમયથી તેમણે કવિતા, ગઝલ, હાઇકુ પર પણ સફળતાપુર્વક હાથ અજમાવવા માંડ્યો છે.પ્રસ્તુત કાવ્યસંગ્રહમાં, બાળકને સ્તનપાન કરાવતી પત્નીનું શબ્દચિત્ર ‘અલી, શીદને થઈ ઘેલી’ કાવ્ય દ્વારા તાદૃશ કરે છે. સાસુ-વહુના પ્રેમની વાત કરતું , વર્ષાબેન શાહનું કાવ્ય પણ ભાવવિભોર બનાવી દે છે. સુમન અજમેરિની ‘અંતાક્ષરી’ એક આવકારદાયક નવીન પ્રયોગ છે.’મનુજ હ્યુસ્તોનવી’ ના નામે લખતા શ્રી. મનોજ મહેતા હ્યુસ્ટનના જાણીતા નાટ્યકાર, અભિનેતા, અને કવિ છે. ચિંતનાત્મક ફિલોસોફીવાળી તેમની ગઝલો નોંધનીય છે. હેમંત ગજરાવાળા પણ ‘મારી નજરઃતારી નજર’ દ્વારા સ્વપ્ના દર્શાવી જાય છે.અંગ્રેજી કવિતાઓના વાંચન દ્વારા અને તેના ભાવાનુવાદ દ્વારા પોતાની વિદ્વતાનો પરિચય કરાવી જતા આ સર્જક બહુશ્રુત અને વિદ્યાવ્યાસંગી છે. જિન્દગીના નવ દાયકા વટાવી ગયેલા અને હ્યુસ્ટનની ઇન્ડીયા કલ્ચર સેન્ટર દ્વારા ‘સ્પિરીટ ઓફ ટાગોર એવોર્ડ’થી સન્માનિત થયેલા શ્રી. ધીરુભાઇ શાહ પોતાની ઉંમરને અનુરુપ, સંબંધોની ફિલસુફી સમજાવે છે. વિજ્ય શાહનું ‘રિક્તતા’ કાવ્ય પણ હ્રદયસ્પર્શી છે.બધું ભર્યુભાદર્યુ હોય અને છતાં કોઇ પ્રિય આપ્તજનની ગેરહાજરીને કારણે વતનમાં જવાનું મન ન થવાની લાગણી આપણા બધાનો અનુભવ છે.
રમજાન વીરાણીની બન્ને રચનાઓ પર ‘ આ મુંબઇ છે’ ની અસર વર્તાય છે. વિશાલ મોણપરાના કાવ્યોમાં યૌવનની તાઝગી ને પ્રેમનો તલસાટ /ઉત્કટતા છે. સુરેશ બક્ષીના ‘ચડતી પડતીના સરવૈયાની વાત દિલને સ્પર્શી જાય તેવી છે. વિશ્વદીપ બારડની કૃતિ પણ સુંદર છે.
‘વૈશ્નવજન’ ના ઢાળ પર રચેલું ‘ સારા માનવ’ એ અંબુભાઇ દેસાઇનું કાવ્ય સમાનતા, ઉદારતા, કરુણા, મૈત્રિભાવ જેવા ભાવોની વાત કરતું ચિંતનાત્મક કાવ્ય છે તો સ્વ.મહમદ પરમાર ‘સૂફી’ ની ગઝલ આતંકવાદની વેદના તાદૃશ કરે છે. વર્ષા શાહ ‘ઘરેણાનો ડબ્બો’ દ્વારા કેવું સુરેખ ચિત્ર ઉપસાવી શક્યા છે ! બોખા મ્હોંએ સીતાફળની પેશી ખાતા પપ્પાનું ચિત્ર એ કાવ્ય દ્વારા ચિત્રિત કરી શક્યા છે. ‘પિયુના પગરખાનો અવાજ’ અને ‘નીતરતી સાંજ’ ના આલેખન દ્વારા સરયુબેન પરીખ કેવી સુંદર વાત કરે છે !

ટૂંકમા, ‘પુષ્પગુચ્છ’ની કેટલીક કૃતિઓ ચિંતનાત્મક છે. સુમન અજમેરિ, હેમાબેન પટેલ, શૈલાબેન મુન્શા, વિજય શાહ, દેવિકાબેન ધ્રુવની રચનાઓ એના ઉદાહરણ છે. કેટલીક કૃતિઓમાં અધ્યાત્મ અને ફિલોસોફી છે. પ્રદીપ બ્રહમભટ્ટ, ગિરીશ દેસાઇ,, ઇન્દીરાબેન શાહ, સુરેશ બક્ષીના કાવ્યો એના ઉદાહરણ તરીકે ગણાવી શકાય.

હ્યુસ્ટનના આ કવિઓ / ગઝલકારો આધુનિક સંવેદનાના સર્જકો છે.તેઓ ગીત અને ગઝલની રચનામાં રત રહીને આધુનિક સંવેદનાઓને વાચા આપી શકે છે.વિભિન્ન રંગ,મિજાજ, ભાવ, વિષય અને શૈલી ધરાવતી રચનાઓને એકબીજાની સાથે વાંચતાં, કવિતાઓનો કેલિડોસ્કોપ જોયાનો અનુભવ કરાવે છે.
દિલીપ પરીખના ચિત્રો, જયંત પટેલના ફોટોગ્રાફ્સ, અને નિખિલ મહેતાના આર્ટવર્કથી ઓપતું આ ‘પુષ્પગુચ્છ’ આકર્ષક બની શક્યું છે.
સુરેશ બક્ષી, આપે, આમુખમાં આપના પ્રિય કવિ ગની દહીંવાલાનો જે શેર ટાંક્યો છે એને જ દોહરાવીએ, તો જરુર કહી શકાય કે આ સંપાદનથી, ગુજરાતી સાહિત્ય સરિતામાં, આપનું નામ પણ આદરપુર્વક લેવાતું રહેશે. હ્યુસ્ટનના કવિઓ / ગઝલકારોના આ ક્લોઝ અપ માટે, સંકલનકાર બક્ષીસાહેબ, આપને સાદર સલામ.

નવીન બેન્કર ૭૧૩-૮૧૮-૪૨૩૯
૨૧ નવેમ્બર ૨૦૧૨

https://www.amazon.com/s/ref=nb_sb_noss?url=search-alias%3Daps&field-keywords=suresh+baxi

| 1 ટીકા