સહિયારા સર્જનનો એક નવતર પ્રયોગ “ખાલીપણાનો અહેસાસ”

khalipana no ahesa

 

 

 

 

 

 

 

 

સર્જકો
પ્રવીણા કડકિયા
વિજય શાહ
રાજુલ શાહ
રેખા પટેલ “વિનોદીની”
Copyright © 2014 all Authors
All rights reserved.
ISBN-13:
978-1497410503

ISBN-10:
1497410509
Your book has been assigned a CreateSpace ISBNKhalipano ahesas

 

 

 

 

 

 

 

 

 

 

 

અર્પણ
સહિયારા સર્જન નાં સૌ સાથી કલમકાર મિત્રોને…

 

અનુક્રમણિકા

પ્રસ્તાવના

ખાલીપણા નો અહેસાસ

‘ભરેલાથી ખાલીપણાનો અહેસાસ’.

સોના  –  પ્રવીણા કડકિયા

શિશિર-  વિજય શાહ

સ્નેહ –   રેખા પટેલ

રોમા-  રાજુલ શાહ

પ્રસ્તાવના
પરદેશમાં પણ થઇ રહ્યું છે માતૃભાષા સંવર્ધન-રાજુલ શાહ

photo7UI0RMTX

ગામથી શહેર તરફ અને શહેરથી પરદેશ તરફ ઉજ્જ્વળ ભવિષ્યની દોટ હવે વિશ્વ વ્યાપી વાયરો  બની ચુક્યો છે. પરદેશમાં સ્થાયી થયા પછી પણ  અંતરથી માતૃભૂમિનો મોહ સાવ  વિસારે પાડી નથી શકાતો! બોલતા શિખ્યા એ બોલી સાંભળવાનો મોહ વિસરી નથી જવાતો! બાળકો મોટા થશે અને મુળ સંસ્કારો ભુલી અમેરિકન ન બની જાય એની જાગૃકતા કહો કે સતર્કતા ઘેર ઘેર જોવા મળે છે. ત્યારે એ ભારતિય સંસ્કારોની ધરોહર જળવાઇ રહે એ માટે સૌ પ્રથમ તો ઘરમાં ય ગુજરાતી બોલવાનો આગ્રહ ધીમે ધીમે સૌના ઘરમાં ઘર થતો ગયો છે.
વર્ષોથી પરદેશ સ્થાયી થયેલાં ભારતિયો મુળ તો વતન સાથે જોડાયેલા હોય છે . એમના માટે સ્વદેશ આવવું એ વ્યહવાર જ નહી, પણ તહેવારનું રૂપ બની રહે છે. તેમ છતાં પણ આ  પરિવારના બાળકો જે પાશ્ચાત્ય ભૂમિમાં જનમ્યા અને ઉછર્યા છે એમના માટે ભારત અને ભારતિય સંસ્કૃતિ કોઇ સાવ જ અજાણ –વણખેડેલી ભોમકા ન બની જાય એ માટે હવે સૌ પ્રયત્નશીલ પણ બન્યા છે. એક સમય હતો જ્યારે બાળકો પરદેશમાં રહીને સ્વદેશી ભાષા બોલે એનો સંકોચ થતો. જ્યારે આજે બાળકોને સ્વાધ્યાય કે પાઠશાળા મોકલતાં માતા-પિતાની સંખ્યા વધતી ગઈ છે. પંચતંત્ર, રામાયણ યા મહાભારતથી બાળકોને પરિચિત કરાવવામાં હવે નાનપ નથી લાગતી. બાલ  ગણેશ, છોટા ભીમ કે  કૃષ્ણથી  હવેના બાળકો પરિચિત થવા લાગ્યા છે.  જેમ ભારતમાં રહેનાર માતા અને પિતા એમના સંતાનો શુધ્ધ અંગ્રેજી બોલે એનુ ગૌરવ અનુભવતા હોય ત્યારે પરદેશમાં રહેનાર માતા તેમજ પિતા એમના સંતાનો સરસ ગુજરાતી બોલે એનું ગૌરવ લેતા હોય છે.
વર્ષોથી અમેરિકામાં વસતા ગુજરાતીઓ, ગુજરાતી ભાષાને ઘરના વાડા સુધી બંધાયેલી ન રહે અને આવનાર પેઢી પણ ગુજરાતી ભાષાથી સમૃધ્ધ બને એ માટે સક્રિય બન્યા છે. સાહિત્ય પરિષદો, સ્વરચિત નાટ્ય, કાવ્ય સંમેલનો, શબ્દ સ્પર્ધા વધતા ગયા. વેબ પર સર્જકોના સર્જન મુકાતા ગયા. અનવવા પ્રયોગો અસ્તિત્વમાં આવતા ગયા . એમાં  બહુલેખી સર્જકો દ્વારા “સહિયારા સર્જનનો” એક સાવ  નવતર પ્રયોગ અસ્તિત્વમાં આવ્યો. કોઇ એક સર્જકના મનમાં કથા બીજ ઉગે એ કથા બીજને લઈ બીજા લેખકો પોતાની કલ્પનાના રંગો ઉમેરી કથા વિસ્તરણ કરતા જાય. દેખીતી રીતે એક વાક્યમાં કહેવામાં આવેલી આ વાત જ્યારે અમલમાં મુકવાની આવે ત્યારે સમજાય કે આ વાત લાગે છે તેટલી સરળ નથી.  પોતાના મનની કલ્પના, પરિકલ્પનાને પોતાની રીતે વ્યક્ત કરવામાં કે વિસ્તારવામાં લેખક માટે મોકળો અવકાશ હોય એ જ અવકાશ બહુ લેખી લેખકના સહિયારા સર્જન માટે પણ રહેતો જ હોય. શરત એ કે આગળ લખાયેલી કથા એ મુળ લેખકના હાથમાંથી બીજા લેખકના હાથમાં સરે ત્યારે ચાલુ વાર્તાનો પ્રવાહ તુટવો ન જોઇએ. ક્યાંય નબળો ન પડવો જોઇએ. આગળની કથાના લેખકની અભિવ્યક્તિને અનુસરીને એ કથા એને અનુરૂપ આગળ વધવી જોઇએ તેમાં રહેલો રસ અને સાતત્ય જળવાયેલું હોવું જોઈએ..
કુંડામાં રોપાયેલાં બીજને એક ક્યારામાં વાવી, એનો ફણગો ફુટે એટલે બીજો માળી એને ત્યાંથી ઉચકીને બીજા ક્યારામાં રોપે અને પોતાની રીતે માવજત કરે. જરાતરા ઉંચા આવેલા રોપાને વળી ત્રીજો માળી પોતાના ક્યારામાં ઉછેરે . એમ  ઉગીને ઉભા થતા રોપાને મુળ ધરતીના બદલે બીજી ત્રીજી ધરતીમાં ઉની આંચ પણ ન આવે એમ તંદુરસ્ત રીતે ઉછેરવાનો અને એના ફુલની સુવાસ ચોતરફ રેલાય એની  કાળજી રાખવાની .
એવી જ વાત આ સહિયારા સર્જનની છે. આ સહિયારા સર્જનની શ્રુંખલા તુટવાના બદલે લંબાતી ગઈ. આજે આવા બહુ લેખી સર્જકોના એક નહી અનેક સર્જનો ઉપલબ્ધ છે. નયનોના કોરની ભિનાશ, જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફુંક, એક કદમ પાછા ફરાય ખરુ? ,સંસ્કાર, ઉગી પ્રિત આથમણે કોર, શૈલજા આચાર્ય , અનોખી પ્રિતની રીત જેવી અનેક નવલકથાઓ આકાર પામી.
એથી એક કદમ આગળ વધીને ” પૃથ્વી એજ વતન” અને “પુષ્પ ગુચ્છ” જેવા સહિયારા કાવ્ય સંગ્રહો પણ રચાયા.અને સાન ફ્રાન્સીસ્કોમાં અને “તો સારું” જેવો ગદ્ય પ્રયોગ થયો
આ સાહિત્ય સર્જનમાં સિંહ ફાળો નેટ જગતનો રહ્યો. પરદેશમાં રહીને વાંચન ભૂખ તૃપ્ત કરવા ‘પુસ્તકાલય’ ક્યાંથી લાવવા ?  વેબ જગતે આ દ્વિધાનો પ્રશ્ન સુંદર રીતે હલ કર્યો. વાંચન પિપાસુઓ માટે તો કુબેરના ખજાના જેવો ચરૂ  હાથ લાગ્યો. વાચકો માટે તો આ એક અફાટ દરિયો છે. દેશ-વિદેશ રહેતા માતૃભાષાના પ્રેમીઓ માટે તો આ આનંદની વાત છે.  આજે માતૃભાષાના સંવર્ધન માટે પરદેશમાં રહીને પણ ‘સાહિત્ય સરિતા’ સતત અને અવિરત વહેતી  રહી છે અને રહેશે.
http://epaper.navgujaratsamay.com/paper/13-9@9-21@02@2014-1001.html
સહિયારા સર્જનના ઘણાં પ્રયોગોની જેમ  આ એક નવતર પ્રયોગ છે. જેમાં કથાનો વિકાસ લેખક એક પાત્ર બનીને કરે છે. આની શરુઆત થાય છે પ્રવીણા બહેને આપેલ એક લઘુ કથા જેમાં ચાર પાત્રો છે અને તેમના જીવનમાં  ઘટેલી ઘટના છે.
ચાર લેખકો  કથા અને પાત્રાનુભૂતી લખે છે. જે અનુક્રમે, પ્રવીણા કડકિયા ‘સોના’ વિશે હ્યુસ્ટનથી લખે છે ‘સ્નેહ’ નું પાત્રાંકન રેખા પટેલ (વિનોદીની)  ડેલાવર થી કરે છે.  બોસ્ટનથી રાજુલ શાહ ‘રોમા’નું પાત્રાંકન કરે છે. હ્યુસ્ટનથી વિજય શાહ’ શિશિર’નું પાત્રાંકન કરે છે.
માતૃભાષા સંવર્ધન માટેનો આ પ્રયોગ કથાની દ્રષ્ટિએ કેટલીક વખત પૂનરાવર્તન થતો લાગે. અત્યારે કથા કરતા જુદા જુદા લેખકોની લેખનીની કલા માણવાની છે. કથાની સાથે તે પાત્રનું દ્રષ્ટિકોણ ઉપસાવવા સૌ લેખકોએ ભગિરથ પ્રયત્ન આદર્યો છે. આ કટીબધ્ધતા એક મેઘધનુષ્યનાં સાત રંગો વેરી તેની આભા નિખારે છે. “ખાલીપણાનો અહેસાસ” તમારી સમક્ષ રજૂ કરતાં અત્યંત હર્ષ અનુભવું છું. એકદમ નવો પ્રયોગ છે. આશા છે આપ સહુ તેને આવકારશો? શું નવું છે? વાંચો અને માણો!
આખી વાર્તા ચાર મુખ્ય પાત્રોની આસપાસ ઘુમે છે.  જે સહુ પ્રથમ ૧૦૦૦થી થોડા વધુ શબ્દોમાં રજૂ કરીશ. નવિનતા ત્યાં જણાશે કે ચારે પાત્રની રજૂઆત ( પાત્રાલેખન) અમે લેખક મિત્રો પાત્રનાં દૃષ્ટિકોણ પ્રમાણે કરીએ છીએ.
તમારે સહુએ અમારી કલમનો કસબ જોવાનો છે. વાંચ્યા પછી આ પ્રયોગને બિરદાવવો યા તેની આલોચના કરવી એ મિત્રો તમારા પર છોડી દઈશ. હા, દિલમાં આશાનો દીપ જલે છે. આપને નિરાશા ન સાંપડે તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવી છે.
પ્રવીણા કડકિયા

*******************************************************************************
‘ભરેલાથી ખાલીપણાનો અહેસાસ’.
‘નજદિક હોવા છતાં દૂર’ ચિત્તની દશા.
‘છે, છે ને નથી, નથી’ નો અવિરામ અતૂટ ખ્યાલ.
આપણા સહુના જીવનમા ડર તેમજ દ્વિધા ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. જો તેમાં શંકાનું આરોપણ થાય તો હર્યાભર્યા સંસારને વિરાન થતાં સમય લાગતો નથી. શકાનું બીજ રોપાય અને તેને અંકુર ફૂટે તે પહેલાં તેનો નાશ થાય તે હિતાવહ છે. શંકાનું બીજારોપણ કરનાર જ્યારે નિઃસ્વાર્થ પ્રેમનો દાવો કરે ત્યારે તે ખૂબ અજૂગતું લાગે તેમાં નવાઈ ન પામશો.
સહુ પ્રથમ આખી વાર્તા તમારી સમક્ષ રજૂ કરી તમને તેનો ચિતાર આપીશ.ખરી કસોટી આ ચારે પાત્રોના મનોવિશ્લેષણ દ્વારા રજૂ થશે. નિત્ય નવું રજુ કરવાની પ્રણાલિકા જાળવવાનો ભગિરથ પ્રયોગ આદર્યો છે. આપ આવકારશો, ગમાડશો કહેવું અતિશયોક્તિ ભરેલું છે. કિંતુ તમને ગમશે એવું મારું માનવું છે!
સોના, સ્નેહ, શિશિર અને રોમાના પાત્રોને ખિલવવા અમે મિત્રોએ કલમની કારીગરી અજમાવી છે.
સહુ પ્રથમ ‘રોમા’ જે ‘ખાલીપણા’થી વિપરિત દિશામાં યાત્રા શરૂ કરે છે. જીવનના મધ્યાહ્ન પછી સુખ અને સંતોષને પારણે ઝુલે છે. કુટુંબમાં મોટી હોવાને કારણે પ્રેમ પૂર્વક પોતાની જીંદગીનો રાહ પસંદ કરી પોતાની ફરજ બજાવે છે. કૉલેજકાળના મિત્ર શિશિરની મુલાકાતો પાર્ટીમાં થતી હતી. તેની સાથે જીવન જીવવાના સ્વપ્ના પૂરા કરે છે. સંજોગો બંનેને પ્રણયના બંધનમાં સાંકળી લેવા સદભાગી બને છે.
શિશિર અને સ્નેહનો કિલકિલાટ કરતો સંસાર હોડમાં મૂકાયો. સ્નેહ ‘ખાલીપણા’ના ગોખલે બેસી પેટ ભરી પસ્તાવો કરે છે. સ્નેહથી ભરપૂર સ્નેહ, સહેલીની વાતોમાં ભરમાઈ પોતાનો હર્યોભર્યો સંસાર ઉજાડી ખાલીપણાના અહેસાસની ખાઈમાં ધકેલાય છે.
શિશિર, પાનખરમાં પણ વસંત લાવે તેવો હોવા છતાં, સંજોગોનો માર્યો અટવાય છે.નિરાશાને તેની નજીક ઢુકવા દેતો નથી. હસી મજાકિયો જીંદગીની ગાડી સરળતાથી પાટા પર લાવી તેને વેગમાં રાખે  છે.
સોના મૈત્રીના ઓઠા હેઠળ શતરંજની બાજી ખેલે છે. તેને હમેશા પૈસામાં રસ અને મોજ મઝા માણવાની ટેવ. ટુંકમાં કહું તો સ્વાર્થી . જે દિશામાં પવન ફુંકાય તે દિશામાં ચાલ બદલે. તેથી તો બધું હોવા છતાં પતિથી છુટાછેડા અને જ્યારે જરૂર જણાઈ ત્યારે ફરી લગ્ન. સ્નેહના હર્યાભર્યા સંસારને ખાલીપાની ભેટ!
હવે આ ચારેય પાત્રની કથા અને મનોદશાનો ચિતાર.

****************************************************************************************

પાર્ટીમાંથી પાછાં ઘર તરફ જઈ રહ્યા હતાં. શિશિર અને સ્નેહ બંને ખુશ મિજાજમાં હતાં.આજની પાર્ટીમા ખાવા પીવાથી માંડી બધી વ્યવસ્થા ખૂબ સુંદર હતી. સ્નેહે એક પેગ ચડાવ્યો હતો તેથી શિશિરને બડબડાટ કરી હેરાન કરી રહી હતી. શિશિર સ્વસ્થતાથી ગાડી. ઘર તરફ પૂર ઝડપે ચલાવી રહ્યો હતો. તેને પણ આજે ખૂબ આનંદ સાથે મન મોકળું કરવા મળ્યું હતું.બંને જણા ઘરે પહોંચ્યા ત્યારે ઘડિયાળ બે વાગ્યાની સૂચના આપી રહી હતી.
બીજે દિવસે રવીવાર હતો. આરામથી ઉઠવાનું સવારે બે કપ ચહા ચડાવવાની અને છાપાની મોજ માણવાની.પાર્ટીમાંથી આવી ત્યારે સ્નેહ ખુશમિજાજમાં હતી. સોમવારે સવારે સોના સાથે બી.સી.એ.માં લંચ લેવા મળ્યા.
‘શું સ્નેહ તું તો કમાલ છે’?
‘કેમ શું થયું.મેં શું કર્યું’?
‘ અરે તેં નહી તારા મિસ્ટર શિશિરે?’પાર્ટીમાં શિશિર પેલી રોમા સાથે કેટલી છૂટ લઈ રહ્યો હતો. તે જોયું નહી’?
‘અરે, સોના શિશિર અને રોમા તો કૉલેજના સમયના મિત્ર છે’.
‘ હે, પાગલ ભૂલી ન જતી રોમા પરણેલી નથી?’
‘હું ઓળખું ને મારા શિશિરને’!
‘અરે, મારી ભોળી સ્નેહ, તું શું ઓળખવાની આજના ભ્રમર જેવા પુરૂષોને?’
સોના બે વર્ષથી સમીર સાથે છૂટાછેડા લઈ એકલી રહેતી હતી. સંસારનો રથ આવા શંકા કુશંકાના પૈડાં પર સુરક્ષિત ન ચાલી શકે. છતાંય સમીરે સહન કરી પાંચ વર્ષ ખેંચ્યા. અંતે બને જણાએ છૂટાછેડા લીધા.
આજના જમાનામાં ભણેલી યુવાન છોકરીઓને મોટા પે ચેક આવતા હોય છે, તેથી ખુમારીમા રાચે. સમીર પાસેથી સોનાને સારો દલ્લો પણ મળ્યો હતો.સ્નેહ અને સોના્ વચ્ચે શાળાના સમયથી બહેનપણાં હતાં. લંચ ખાઈને બંને છૂટા પડ્યા.સ્નેહ વિચાર કરતી થઈ ગઈ.આમ તો તે જલ્દી કોઈની વાત કાને ન ધરતી.
સોના, તેની બાળપણની સખીએ આવું કહ્યું એ તેને ગમ્યું તો નહી પણ શંકાનું બીજ રોપાઈ ગયું. મિત્ર મંડળમાં હમેશા સાથે હોવાથી સોના દર વખતે કાંઈકને કાંઈક વાત સ્નેહને કરતી.શિશિરનો હસમુખો સ્વભાવ મિત્રોમાં જાણિતો હતો. તેની વાત અને રમૂજી ટુચકાંઓ રજૂ કરવાની આગવી શૈલી માટે પ્રખ્યાત હતો. સ્નેહને તે ગમતું પણ ખરું.
બે સુંદર બા્ળકોની માતા બનેલી સ્નેહ કોઈકવાર પાર્ટીમાં જવાનું ટાળતી. મિત્રો આગ્રહ કરીને શિશિરને એકાદ કલાક માટે ઘસડી જતાં. સોના શિશિરના વર્તનમાં દર વખતે નવી ખોટ સ્નેહને બતાવતી.
સ્નેહ માનવાનો ઇન્કાર કરતી પણ શંકાનો કીડો કોઈકવાર સળવળી ઉઠતો! ત્યાં સોનાનો ફોન રણક્યો. ‘હલો, સ્નેહ કાલની પાર્ટીમાં શિશિરે હદ વાળી”;
“કેમ શું થયું” .
રોમા અને શિશિર ડાન્સ કરતાં હતાં. રીના અને લીના બંનેને ઉશ્કેરી રહ્યા હતાં.તું બાળકો સાથે ઘરે અને શિશિર, કહી સોના એ વાક્ય અધુરું છોડ્યું; ફોન મૂકાઈ ગયો.
સ્નેહ જાણતી હતી. શિશિરે ઘરે આવી બધી વાત કરતી હતી. શિશિર બોલ્યો પણ ખરો,
‘ સ્નેહ તારા વગર પાર્ટીમાં જવું મને નથી ગમતું.’
સ્નેહ દ્વિધામાં હતી. કોણ સાચું? સોના કે શિશિર? ખબર નહી કેમ તેને શિશિરની વાતોમાં શંકાની બદબુ આવવા લાગી.સોનાની વાતોમાં તથ્ય જણાયું. શંકાનો સળવળાટ ને વહેમનો વલવલાટ કોઈ પણ વ્યક્તિનું ચેન લુંટવા શક્તિમાન છે. શિશિરને ખૂબ પ્યાર કરતી. સોના તેની સખી ખોટું કહે તેવું તેના માનવામાં કદી ન આવે.સોના પોતે છૂટાછેડા લીધાં હતાં તેથી દરેક પુરૂષને ખોટા અર્થમાં જોતી થઈ ગઈ હતી. સ્નેહને તેના પર આંધળો વિશ્વાસ હતો. ઘણી વખત શિશિર ઉપર વગર કારણે નારાજ થતી.પાર્ટીમાંથી ઘરે આવી,પાર્ટીની તેની વર્તણુક ને શંકાસ્પદ બનાવી વાક યુદ્ધ કરતી. શિશિરે પહેલાં તો હસી કાઢતો પણ વારંવાર થતું હોવાથી કોઈક વાર ગુસ્સે થતો.
શિશિર વિચારતો બાળકો આવ્યા પછી સ્નેહ કેમ આમ વિચિત્ર વર્તન કરે છે? હસી મજાકનો તેનો સ્વભાવ સ્નેહથી ક્યાં અજાણ્યો હતો. બા્ળકોના માનસ પર કેવી વિપરિત અસર થાય. બાળકોમાં ગુલતાન સ્નેહ ઝાઝું વિચારતી નહી અને પાણીમાંથી પોરા કાઢી શિશિર સાથે સદા આખડી પડતી.
શિશિર ધીરે ધીરે સ્નેહથી દૂર થવા લાગ્યો. ઘરનું કલુષિત વાતાવરણ તેને તંગ કરી દેતું. જેમ સ્નેહને સમજાવી સફાઈ પેશ કરે તેમ સ્નેહ એનો ઉંધો અર્થ કાઢી ઘરમાં યુદ્ધનું મેદાન ખડું કરી દે.એકાદ વખત શિશિરે ચીમકી આપી ‘સ્નેહ, જો હું બદલાયેલો હોંઉ, તારા મતે બદચલન હોંઉ તો મને ખુશીથી છૂટો કરી દે.પણ આવા રોજના ઝ્ઘડા મને પસંદ નથી.’
‘સ્નેહે વળતો ઘા જોરદાર કર્યો,’તું મારાથી ઉબાઈ ગયો છે. બે બાળકો થયા પછી તને
મારામાં કોઈ રસ રહ્યો નથી.’
‘સ્નેહ, આ શબ્દો તારા મુખમાંથી નિકળે છે. મને મારા કાન ઉપર વિશ્વાસ નથી આવતો.’
‘સારુ છે તને મારામાં તો વિશ્વાસ છે?’
‘કોણે કહ્યું?’
ખલાસ આ બે શબ્દો તીરની જેમ સ્નેહને વાગ્યા. આજે આગનો ભડકો જોરદાર હતો. કો’કને ભરખી જશે એ ચોક્કસ હતું. ક્રોધ ઉપર કાબૂ પામવો એ અશક્ય વાત છે.તેનું પરિણામ વિનાશકારી હોય એમાં શંકા નથી. આજે સ્નેહ અને શિશિર બંને જણા પોતાની જાતને સંભાળી ન શક્યા.એક જણ શાંત રહ્યું હોત તો આવું પરિણામ ન આવત.
સ્નેહ, સોનાની ચડામણીમાં સાચા ખોટાંનો ભેદ પારખી ન શકી. શિશિર, સ્નેહના વારંવાર થતા આ્ક્ષેપો સાંખી શકતો નહી. અંત આવ્યો જે સુખદ ન હતો. સ્નેહ અને શિશિર છૂટાં પડ્યાં. બાળકો આમ તો માને મળવા જોઈએ પણ સ્નેહનું વર્તન યોગ્ય ન હતું તે બાલકોને પણ લાગ્યું. દીર્ઘ અને દૃષ્ટિએ પિતા સાથે રહેવાનું સ્વિકાર્યું.
બંને જણા મોટા હતાં. ૧૦ વર્ષનો દીર્ઘ અને ૧૨ વર્ષની દૃષ્ટિ. સ્નેહને રહેવા ઘર અને પૈસા મળ્યા જેથી તે શાંતિથી જીવી શકે. નોકરી પણ મળી ગઈ.તેને થયું બાળકો પણ નહી, કોઈ જાતની જવાબદારી કે બંધન નહી. આઝાદી ખૂબ ગમી. શિશિર બાળકોને ખૂબ વહાલ કરતો. રોમાને જાણ થઈ તે અવારનવાર શિશિરના બાળકોનું ધ્યાન રાખતી.શિશિર કામ માટે બહારગામ જાય ત્યારે બંને બાળકો તેના ભરોસે છોડતો.
સ્નેહ કોર્ટે ઠરાવેલ સમય અનુસાર બાળકોને મળતી.
શરૂ શરૂમાં સ્નેહને સ્વતંત્રતા ખૂબ વહાલી લાગી. છેલ્લે છેલ્લી શિશિર સાથે પ્રેમ કરતાં
ઝઘડાં વિશેષ થતાં હતાં એટલે તે બહુ યાદ ન આવતો પણ બાળકોની યાદ સતાવતી. સોના સાથે તો હવે ૨૪માંથી ૨૦ કલાક ગાળવા મળતાં. એકબીજાને ત્યાં રાત ગાળતાં.
શિશિરને રોમા ધીરે ધીરે નજીક સર્યા. રોમા પોતાના કુટુંબની પરિસ્થિતીને કારણે પરણી શકી ન હતી. પિતાની આવક થોડી અને બિમાર માતા કઈ રીતે તેમને છોડી પોતાનો ઘરસંસાર માંડે. તેથી ૪૦ વર્ષે પણ તે એકલી હતી. ત્યાં શિશિર જેની સાથે કૉલેજકાળ દરમ્યાન મૈત્રી હતી તેણે જીવનમાં પ્રવેશ કર્યો.
સંજોગોની અનુકૂળતા જોઈ બંને જણા શિશિરના છૂટાછેડા પછી એક વર્ષમાં પરણી ગયા.
દીઘ અને દૃષ્ટીને રોમા આંટી ખૂબ પ્યાર આપતી. નિખાલસ ભાવે તેની સાથે બધી વાતો પણ કરી શકતાં. બંને જણા કૉલેજમાં આવ્યા, દીર્ઘ ડૉક્ટર થયો અને દૃષ્ટિએ એમ.બી.એ. કર્યું. શિશિર અને રોમા ખૂબ શાંતિ પૂર્વક જીવન જીવી રહ્યા. શિશિર આજે પણ એવો મસ્તરામ છે. રોમાને તેનો હસ્મુખો સ્વભાવ ખૂબ ગમતો.
આજે અચાનક ‘કૉપર ચિમની’માં બધા ડિનર લઈ રહ્યા હતાં ત્યાં સ્નેહ અને સોના બે પુરૂષ મિત્રો સાથે આવ્યા. તેમની સાથે નોકરી કરતાં હતાં. સ્નેહ, શિશિરને બાળકો તથા રોમા સાથે જોઈ ખચકાઈ. આંખ આડા કાન કર્યા. બાળકો ઉભા થઈને મમ્મીને પ્યારથી મળી પાછાં આવ્યા.
શિશિરતો હવે રોમાના પ્યારમાં ગળાડૂબ રહેતો.
સ્નેહને આજે ખાલીપણાનો ભરપૂર અહેસાસ થયો. તેના અંતરના ગોખલે દીર્ઘ અને દૃષ્ટિ જેવા બે દીવા પ્રગ્ટ્યાં હતાં.સહેલીની વાતોમાં આવી પોતે જ પોતાનું ખાલીપણું આવકાર્યું હતું! રહી
રહીને તેને આજે વિચાર આવ્યો શું આ સ્થિતિ તેણે જાતે નોતરી હતી ————?

Pravina kadakia 5

સોના-પ્રવીણા કડકિયા

**********************

સોના જ્યાં પણ પાર્ટીમાં જવાનું આમંત્રણ મેળવે એ પાર્ટી ખૂબ સુંદર જ હોય. આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી સોના સહુનું ધ્યાન આસાનીથી મેળવતી. સોના જેવા તેના સોનેરી વાળ અને ગાલ પર ચુંટી ખણીએ તો લોહી ધસી આવે એવા ગુલાબી ગાલ.વિલ્સન કૉલેજમાં ભણતી ત્યારે છેલ્લા વર્ષમાં ‘મિસ વિલ્સન’ બનવાને ભાગ્યશાળી બની હતી. સોના એકલી હોવાથી શિશિર અને સ્નેહ હંમેશા ગાડીમાં તેને ઘરે ઉતારતાં.
સ્નેહ અને સોના પહેલા ધોરણથી સાથે હતાં. ફેલોશિપમાં ભણી વિલ્સન કૉલેજમાં સાથે ચાર વર્ષ ગાળ્યા. સોના ‘લેબ ટેકનિશ્યન’ થઈ અને સ્નેહ ‘માસ્ટર્સ’. બંનેની મિત્રતા એક મિશાલ બની ગઈ.લેબ ટેક્નિશ્યન થયા પછી સમિરે ખોલેલી લેબમાં તેને નોકરી મળી ત્યારે સોના ખુશીથી ઉછળી રહી હતી.
‘એય, સોના આવી સરસ નોકરી મળી પાર્ટી ક્યારે આપે છે?’
‘સ્નેહ, તું કહે ત્યારે, યાર’.
બંને જણા સાથે લિબર્ટીમાં રિલિઝ થયેલું નવું પિક્ચર જોઈ મરિન ડ્રાઈવ પરની ‘નટરાજ’માં ડિનર લેવા ગયાં.
સમીર હતો રેડિયોલોજીસ્ટ, તેના પપ્પા પણ ડૉક્ટર હતાં. તેથી પોતાની ‘લેબ’ ખોલી હતી. સમીર વિશે એક વાત ગર્વથી કહીશ તેણે ડૉક્ટરોના સર્કલમાં જે ‘કટ’નો ધંધો ચાલે છે, તેમાં કદી ફસાયો ન હતો. તેને ઈજ્જત પૂર્વક કામ કરવું હતું. દાક્તરીના પેશામાં પૈસા મળવાના તો પછી શામાટે ખોટા રસ્તા અપનાવવા. માત્ર પૈસા ખાતર તે ડૉક્ટર નહોતો થયો? તેની પાછળ સેવાની ભાવના પણ હતી. જે તેને પોતાના પિતા તથા માતા પાસેથી વારસામાં મળી હતી. સોના રૂપરૂપના અંબાર જેવી અને સમીર ડૉક્ટર, એની જ લેબમાં કામ કરતી તેથી અવારનવાર મળવાનો મોકો મળતો. જ્યારે તેને લેબ ટેક્નિશ્યન તરીકે નોકરી આપી ત્યારેથી તે સમીરનીઆંખોમાં વસી ગઈ હતી. સમીર જાણતો હતો ઉતાવળે આંબા ન પાકે! આવા કામમાં ધીરજ ધરવી તે યોગ્ય પગલું ગણાય.
સોનાને અત્યારે પૈસાની જરૂર હતી. પ્યાર તેના શબ્દકોશમાં હજુ પ્રવેશ્યો ન હતો. સમીર જ્યારે કામના બહાના હેઠળ તેની સાથે વાત કરતો હોય ત્યારે તેનું ધ્યાન ઝાઝું જતું નહી! સમીરની ધીરજ ખૂટી ગઈ. એક વાર લેબમાં છેલ્લું કામ મોડું આવ્યું. સોના નિકળવાની તૈયારી કરતી હતી. સમીરે કહ્યું મિસ સોના, બધા ટેક્નિશ્યન જતા રહ્યા છે. જો તમને વાંધો ન હોય તો આટલું કામ કરીને જશો?
સોના ના ન પાડી શકી. સમીર પણ રોકાઈ ગયો. અંતે બંને છેલ્લે લેબ અને ક્લિનિક બંધ કરીને નિકળ્યા. સમીરે આગ્રહ સેવ્યો કે સોના ને ગાડીમાં ઘરે ઉતારી જાય. ડૉક્ટર અને બૉસ બંને સમીર હતો. સોનાએ વિચાર્યું શામાટે તેને નારાજ કરવો. મળેલી સોનેરી તક સમીરે ઝડપી લીધી. ત્યાર પછી મિત્રતા થઈ અને અંતે સમીર પોતાનું ધાર્યું પરિણામ લાવી શક્યો. બંને જણા નજીક સર્યા. બેમાંથી કોઈનામાં કશું જોવાપણું હતું નહી. સમીરના મમ્મી અને પપ્પાને પણ સોના ગમી ગઈ.સોના સાધારણ કુટુંબની હતી. તેના માતા પિતા અને નાની બહેન ખૂબ રાજી થઈ ગયા.તેમને મન તો ‘લક્ષ્મી ચાંદલો કરવાં આવે તો મોઢું ધોવા શામાટે જવું?’ સોનાને આખી જીંદગી પૈસાનો અભાવ મહેસૂસ થયો હતો. નોકરી કરતી ત્યારે પણ પૈસા ઘરમાં આપવા પડતાં તેથી મનની મુરાદ બર ન આવતી. સમીર, સોહામણો, ડૉક્ટર અને પૈસાપાત્ર શું ખૂટતું હતું તેનામાં? સોનાનો મનનો મોરલો થનગની રહ્યો. સ્વપના સાકાર કરવાનો મોકો હાથવેંતમાં જણાયો. ઉપરથી દહેજ કે એવી કોઈ વસ્તુનું દબાણ પણ તેના કુટુંબ પર લદાવાનું ન હતું!
‘વગડાવો વગડાવો વાજાં શરણાઈઓ અને ઢોલ’. ઢોલ ઢબુકી ઉઠ્યાં અને શરણાઈઓનો ગુંજારવ હવામાં પ્રસરી ગયો. ખૂબ ધામધુમથી સોના અને સમીર એકબીજાનાં થયાં. પેરિસ હનીમુન કરીને પાછાં આવ્યા. સ્નેહ રાજીના રેડ થઈ. તેમના મિત્ર મંડળમાં સોના સહુથી પહેલી લગ્નાના બંધનમાં બંધાઈ. સખીનો સહવાસ પતિ આવવાથી થોડો ઓછો થયો. પણ જ્યારે મળતાં ત્યારે અલક મલકની વાતોમાં ગુંથાતા. સોના હમેશા સ્નેહને આગ્રહ, કરતી ,’યાર જલ્દીથી યોગ્ય પાત્ર મળે એટલે તું પણ મારી જેમ પરણીને ગોઠવાઈ જા. પછી જોજે આપણા ચાર જણાની જોડી બરાબર જામશે.
હવે સોના લેબ પર જતી પણ તે લેબ ટેકનિશ્યનના લિબાસમાં નહી પણ ‘હેડ ઓફ ધ લેબ’.આ નવો રોલ તેને ખૂબ પસંદ આવ્યો. આખો વખત સમીર સાથે હોય અને પોતાને મનગમતું કામ પણ કરવા મળે. સોનાના માનવામાં ન આવતું કે જીંદગી આવી સરસ કયા પુણ્યના પ્રતાપે પામી? તેનું રૂપ અને ભણતર બંને એ સુંદર ભાગ ભજવ્યો. ઘણી વખત જ્યારે તકદીર બધું સારું મેળવી આપે ત્યારે માનવી અહંકારમાં ગળાડૂબ થાય છે. સોના વાતવાતમાં સ્નેહને કહેતી,
‘યાર, હવે કોઈ સમીર જેવો શોધી લે, શાને મોડું કરે છે?’
સ્નેહ એ આરસામાં શિશિરને મળી ચૂકી હતી. પણ સોનાને કહેવા તૈયાર ન હતી. શિશિર ખૂબ પ્રેમાળ અને લાગણી ભર્યો હતો. તેને સાવકી મા હતી એટલે સ્નેહના પપ્પા અને મમ્મી જરાંક વિચાર કરતાં. શિશિર, સ્નેહને પ્રેમથી સમજાવતો’ મારી મા તો મને જન્મ આપીને પ્રભુના ધામમા ગઈ હતી. આજ દિવસ સુધી મને ખબર પણ ન હતી! આતો એક વખત અમારે ત્યાં ‘સગા મામા’, નાના અને નાની ગુજરી જવાથી મારી મમ્મીને મળેલી મિલકતનો ભાગ મને આપવા આવ્યા ત્યારે ખબર પડી. ‘
શિશિર તેની માને ખૂબ પ્રેમ આપતો. ન કેમ આપે તેણે માત્ર જન્મ નહોતો આપ્યો બાકી તેના ચારિત્રના ઘડતરમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. એક નાનો ભાઈ તથા લાડલી બહેની પણ હતાં. શિશિરના માતાપિતાએ સ્નેહ પર પસંદગીનો કળશ ઉંડેલ્યો ત્યારે બંને જણા ખુબ ખુશ થયા.
હવે સ્નેહે, સોનાને બધી વાત કરી.
‘સ્નેહ, તું તો છૂપી રૂસ્તમ નિકળી. ક્યારે મિલન યોજવાનો પ્લાન છે? સમીર અને હું આપણે ચારેય ‘ગેલૉર્ડમાં ડિનર પર જઈએ. જો જે હવે આપણી દોસ્તી કેવા ગુલ ખિલાવે છે. સમીર અને શિશિર પણ સારા ભાઈબંધ બની જશે,’
સ્નેહે, શિશિરને સમાચાર આપ્યા. પ્રેમ પંખિડાં આવા આમંત્રણને શામાટે ઠુકરાવે? ચારેય જણા ડિનરની મઝા માણી નરિમાન પોંઈન્ટની પાળ પર ગપ્પાં મારતાં બેઠાં. સમીર પાસે ગાડી હતી તેથી કોઈને ઘરે જવાની ઉતાવળ ન હતી.
‘સ્નેહ, અરે ભાઈ ઘડિયાળ તો જુઓ. મારી મમ્મી મને વઢી નાખશે! સોના હજુ મારા લગ્ન નથી થયા’!
અંતે બધા ઉઠ્યા સમીર અને સોના બંનેને ઉતારી ગાડી ઘર તરફ હંકારી ગયા. લગ્નના શરૂઆતના દિવસોની મઝા કંઈ ઔર છે. એ જુવાન હૈયાનું આકર્ષણ! પ્રેમથી ઉભરાતી મદભરી રાતો. એકમેકનો સુહાનો સંગાથ એ સદા કેમ નહી રહેતાં હોય? એમાં જે કસક આખી જીંદગી વરતાવી જૉઈએ તે થોડાં સમય પછી કે્મ અદૃશ્ય થઈ જતી હશે?
પ્રેમ ઝરણાં જેવો ખળખળ વહેતો, કલરવ કરતો નિર્મલ હોય છે. સંસારની આંટીઘુંટી તેને મલિન બનાવે છે. સમજુ અને ધીરજવાળાં પ્રેમને મલિનતાનો સ્પર્શ કરવા દેતાં નથી. એકબીજાના સાથ અને સહકારને પ્રેમથી માણે છે. સમઝણ અને પ્યારથી સંસારની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં ડહાપણ સમજે છે. કિંતુ આ વર્તનમાં ઉતારવું અતિ કઠિન છે. તેનું મુખ્ય કારણ ‘સ્વાર્થ’ છે. ‘હું, મને અને મારું’ની આસપાસ ઘુમતું વર્તન ક્યારે પ્રેમને તિલાંજલી આપે છે તેનો ખ્યાલ પણ આવતો નથી !
સોના અને સ્નેહની પ્રકૃતિમાં આસમાન અને જમીનનો ફરક. મૈત્રી ક્યાં સ્વભાવ કે ગમા અણગમા પર આધાર રાખે છે. દિલના તાર મળ્યા પછી મિત્રની ખૂબીઓ જણાય છે. તેની નબળાઈઓ દેખાતી પણ નથી જો કોઈ વાર સપાટી પર આવે તો તે ગૌણ જણાય છે.સંજોગો સાથે તાલ મિલાવે છે. સાચા અને ખોટાનું માર્ગ દર્શન પણ કરાવે છે. કદી કોઈની અંગત બાબતમાં માથું મારતા નથી. એક બીજાના દિલની વાત હમદર્દીથી સાંભળી જરૂર પડે બિન શરતી સહાય કરે છે. મૈત્રી બાંધવી આસાન છે. નિભાવવી એ કુશળતા,પ્રેમ અને સદભાવના પર નિર્ભરિત છે.
સોનાની પ્રકૃતિ તેજ હતી. સ્નેહ ખૂબ ઠરેલ અને ધીરજથી ભરપૂર હતી. વર્ષોનો મીઠો મધુરો સંબંધ એ તો તેમની મૈત્રીની સૌરભ હતી. સોના કાંઈ પણ કહે સ્નેહ સાંભળે અને પછી પોતાનું મંતવ્ય કોઈ પણ જાતના રોકટોક વગર રજૂ કરે. સોના ગમે તેટલી.ચંચળ પણ સ્નેહની વાત ધ્યાન દઈને સાંભળે. સોનાને હંમેશા સ્નેહની વાત કરવાની ઢબ ખૂબ આકર્ષક લાગે. લગ્ન જીવન સુખમય ગુજરી રહ્યું હતું. ચારેય જણ અવારનવાર મળતાં. સમીર કોઈ વાર બાળક વિશે વાત કાઢતો ત્યારે સોના છંછેડાતી. કોને ખબર કેમ તેને બાળકમાં બહુ રસ ન હતો! તેને થતું બાળક નવ મહિના પેટમાં રાખવાનું ! દેખાવ કેટલો કઢંગો થાય! પછી તેનું ‘છી, પી, પી સાફ કરવાના. બાપ રે બાપ આ બધું કેવી રીતે થાય? સમીર આગળ આવું ખુલ્લં ખુલ્લા ન બોલતી પણ આ વાત નિકળે કે તરત,’ શામાટે તને બાળકની ઉતાવળ છે?’ આપણે બંને મઝા કરીએ છીએ. પાર્ટીઓમાં તો કેટલો અનેરો આનંદ આવે છે. બાળકની ઝંઝાળ થશે પછી આ બધું બંધ થઈ જશે!
જ્યારે પણ સમીર બાળક વિશે ઉલ્લેખ કરે એટલે સોના છંછેડાય લગ્નને પાંચ વર્ષ થયાં. બંને જણા નૈનિતાલ ફરવા ગયા હતાં. નૈનીતાલ ખૂબ રમણિય સ્થળ છે.’આ વર્ષે તો નૈનિતાલની મીઠી યાદો લઈને મુંબઈ પાછા ફરીશું. ‘બોલ ડિયર નૈની કે તલ્લી?’
‘મને તો એ બંને લેકમાં ડૂબી મરવાનું મન થાય છે.’
‘કેમ આવું અમંગળ બોલે છે?’
બાળકની વાત કરે છે ને મને ગભરામણ થાય છે. નવ મહિના સતત તેને પેટમાં રાખવાનું, હાથીના મદનિયાની માફક ચાલવાનું અને અંતે ચીસા ચીસ,એ વેદના બાપરે બાપ!’ સોના ખબર નહી કેમ પણ બાળકનું નામ આવે ને વિફરી ઉઠે. તેને જરા પણ સમીરની ભાવનાની કદર ન હતી!કદાચ તેનું પોતાનું બાળપણ કારણભૂત હોઈ શકે? સમીર ખાધેપીધે સુખી કુટુંબનું સંતાન, જ્યારે સોના સાધારણ કુટુંબમાંથી આવેલી. હા, પ્રભુએ રૂપ ટોપલો ભરીને આપ્યું હતું. રૂપ નિખારવાના અને તેને સજાવવાનાં સાધનો ગણ્યા ગાંઠ્યા. જેને કારણે તે હંમેશા અસંતોષથી ઘેરાયેલી રહેતી.
અરે, સમીરની લેબમાં પેથોલોજીસ્ટ થયા પછી જ્યારે ઘર ખર્ચમાં પૈસા આપતી ત્યારે પણ ખિસા ખર્ચી બાપા પાસે માગવા પડતાં!
કિંતુ પોતાના ભૂતકાળના અનુભવોને ભૂલવાને બદલે સમીરને અન્યાય કરી રહી હતી. સ્નેહ તેની મિત્ર ખરી પણ સોનાની આ બાજુથી સંપૂર્ણ અનજાણ. સમીરની કોઈ સમજાવટ કામ ન લાગતી. આખરે હારી થાકીને સમીરે હવે બાળકનો ઉલ્લેખ કરવાનું છોડી દીધું. છતાં પણ તેની અંતરની ઈચ્છા કોઈ વાર પ્રગટ થઈ જતી.
‘તો પછી આપણે અનાથ આશ્રમમાંથી બાળક લઈ આવીએ, તને જરાય તકલિફ નહી થાય!’ આમ અંતે ઝઘડો થતો અને સમીર વાત બંધ કરતો. સોના સમજવા તૈયાર નહતી! સમીરની ભાવના અવગણતી. સોના જાતે કરીને પોતાના પગ પર કુહાડો મારતી. સમીરે મનમાં નક્કી કર્યું ‘આ તલમાં તેલ નથી’.
એક દિવસ રહેવાયું નહી. સોના, હા,થોડા વખત એ બધું ઓછું થાય પણ આપણા પ્યારનું અણમોલ રતન આપણને સ્વર્ગિય આનંદ આપે તેનું શું’? તને નથી થતું આપણા આંગણમાં નાનું બાળક રમતું હોય? તને મમ્મી અને મને પપ્પા કહેનાર કોઈ આવે’?
‘મને મમ્મી થવાની કોઈ જલ્દી નથી’!
‘મને પપ્પા થવામાં રસ છે’!
સમીરે નિર્ણય કર્યો , હવે આ વાત ઉખેળવી નહી. તેને ખબર ન હતી કે સોના દેખાવ અને ‘ફિગર’ને આટલું બધું પ્રાધાન્ય આપશે! સોનાના ભૂતકાળ વીશે તે અનજાણ હતો. ધીરે ધીરે સમીર થોડું અંતર રાખતો થયો. કેવી રીતે સોનાને સમજાવવી તેની ઉલ્ઝનમાં રહેતો! પાર્ટીઓમાં જ્યારે બીજા કોઈ સાથે વાત કરતો હોય તો સોનાએ શંકા કરવાનું શરૂ કર્યું. સંસારનો રથ આવા શંકા કુશંકાના પૈડાં પર સુરક્ષિત ન ચાલી શકે. મોટે ભાગે પતિ, પત્ની ઉપર શંકા કરતાં હોય છે.અંહી ગંગા ઉંધી વહી. સોનાને બાળક જોઈતા ન હતાં તેથી તેને થતું. શું ‘સમીર’ને બીજાની પત્નીઓમાં રસ છે? કોઈક વાર અતિ સુંદરતાં કંકાસનું કારણ બને છે.
સામાન્ય રીતે ખૂબ સુંદર અને વૈભવ સંપન્ન પતિ અને પત્ની એકબીજાને કાયમ શંકાશીલ દૃષ્ટિથી જોતાં હોય છે.
સ્નેહ વારંવાર સોનાને ટોકતી. તેની જીગરજાન સહેલી હતી. સમીરે એક વાર દિલ ખોલીને શિશિરને વાત કરી. શિશિર સ્તબ્ધ થઈ ગયો. શું બોલે? સમીરની હાલત સમજી શક્યો. તેનામાં હિમત ન રહી કે સમીરને ખુશખબર આપે ,પોતે બાપ બનવાનો હતો! ઘરે જઈને સ્નેહને બાથમાં લઈ બોલ્યો, ‘સ્નેહ, હું ખૂબ નસિબદાર છું. તું મને મળી.’ આગળ એક પણ શબ્દ બોલ્યા વગર પોતાના બંને હોઠ તેના હોઠ પર ચાંપી દીધાં. સ્નેહને શિશિરનો આવો ઉમળકાભર્યો વ્યવહાર ખૂબ ગમ્યો. ‘ માતા અને પિતા’ કેવો સુંદર વિચાર, આ માત્ર વિચાર ન હતો. સ્નેહ તેના જીવનની ક્ષણે ક્ષણ માણવા તૈયાર થઈ હતી. ઉમંગ છલકાતો હતો. પ્યારના પરિણામ રૂપ મહેમાનનું આગમન કરવા બંને જણા ઉત્સુક હતાં.
સ્નેહને ખબર ન હતી કે સોનાને બાળકની ચાહ નથી. દોસ્તીમાં કોઈના જાતિય જીવન વિશે ચર્ચા કરવી યથા સ્થાને નથી. સોના તે વિશે કશી વાતનો ઉલ્લેખ કરતી નહી.એકવાર બંને સહેલી શૉપિંગ કરવા નિકળી હતી. ‘મારે થોડી નાના બાળક માટેની વસ્તુ જોવી છે. સોના તું પર્સના વિભાગમાં જા હું તને ત્યાં મળીશ.’
‘કેમ તને વળી નાના બાળકના વિભાગમાંથી શું લેવું છે?’
‘અરે, હું તને કહેવાનું વિસરી ગઈ, ત્રણ મહિના થયા છે. ધીરે ધીરે તૈયારી કરશું ત્યારે આવનારના આગમનની ખુશી વ્યક્ત થશે ને?’
સોના ચમકી,’ઓ માય ગૉડ, તું પ્રેગનન્ટ છે સ્નેહ?’
શરમથી નયનો ઢળી ગયાં. હા!’હું અને શિશિર ખૂબ ખુશ છીએ’.
‘અરે, તું તો મને ઓવરટેક કરી ગઈ? મારા પછી પરણી છતાં પણ!”
“તને કોણ ના પાડે છે? તું પણ મારી લાઈનમાં આવી જા!’
‘એય, મને તો ફિગર બગડે તેનિ ચિંતા છે. પછી આ પાર્ટીઓ અને જલસા બધું બંધ થઈ જાય’.
‘તો શું થઈ ગયું? પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ ગાઢ થાય. પોતાનું કુટુંબ થાય મૂરખ!’
‘મને તો આ પળોજણ નથી જોઈતી’.
‘જેવી તારી મરજી. હું અને શિશિર તો ખુબ ખુશ છીએ’.
પાર્ટીમાંથી પાછાં ઘર તરફ જઈ રહ્યા હતાં. શિશિર અને સ્નેહ બંને ખુશ મિજાજમાં હતાં. આજની પાર્ટીમા ખાવા પીવાથી માંડી બધી વ્યવસ્થા ખૂબ સુંદર હતી. સ્નેહે એક પેગ ચડાવ્યો હતો તેથી શિશિરને બડબડાટ કરી હેરાન કરી રહી હતી. શિશિર સ્વસ્થતાથી ગાડી. ઘર તરફ પૂર ઝડપે ચલાવી રહ્યો હતો. તેને પણ આજે ખૂબ આનંદ સાથે મન મોકળું કરવા મળ્યું હતું. બંને જણા ઘરે પહોંચ્યા ત્યારે ઘડિયાળ બેવાગ્યાની સૂચના આપી રહી હતી.
બીજે દિવસે રવીવાર હતો. આરામથી ઉઠવાનું સવારે બે કપ ચહા ચડાવવાની અને છાપાની મોજ માણવાની.પાર્ટીમાંથી આવી ત્યારે સ્નેહ ખુશમિજાજમાં હતી. એજ રાતના સમિરના પડખામાં ભરાતાં સોના બોલી’ હું બાળક માટે તૈયાર છું’. સમિર તો એરૂ આભડ્યો હોય તેમ ચમક્યો. તેણે તો આશા મૂકી દીધી હતી. જાતને સંભાળી અને ફરી પૂછ્યું,’મારું ધ્યાન ન હતું તું શું બોલી?’
સોના તેના નજીક સરી અને કાન કરડી કહ્યું’.
“ઓ.કે. મારી મહારાણી હવે તમે બદલાયા. કારણ જાણી શકું?’
‘અમારી મરજી’.
‘એમ તું બદલાય તેવી નથી. હું તને ઓળખું છું.’
‘કેમ મારા વિચારોમાં પરિવર્તન ન આવી શકે’?
‘સમીર હરખાઈ ઉઠ્યો. આખરે તેની મનની મુરાદ બર આવશે.
સમીર અણજાણ હતો કે બે વખત સોના તેને કહ્યા વગર ‘એબોર્શન’ કરાવી આવી હતી. સમીરની અંતરની ઈચ્છા હતી કે તે ‘બાપ બને’! જો સમીરે પોતાની ઈચ્છા પ્રગટ કરી હોત તો સોના હા ન પાડત! હવે જ્યારે તેની ખાસ બહેનપણી ‘મા’ બની રહી છે તેથી મરજી ન હોવા છતાં તૈયાર થઈ.
કુદરતનો ન્યાય કમાલ છે? સમીર અને સોનાના પ્રયત્નો સફળ ન થયા. સમીર ઉદાસ રહેવા લાગ્યો. સોના પ્રત્યે થોડો બેદરકાર પણ બન્યો. સોના સમીરના વર્તનને સમજતી.કારણ ખુદ હતી તેથી ધુંધવાઈને બેસી રહેતી.
સ્નેહ ડગલેને પગલે નિત નવા અનુભવ અને લાગણીઓથી સોનાને નવડાવતી. સોના તેના સમક્ષ આનંદ પ્રગટ કરતી. મનની કડવાશ મનમાં છુપાવતી અને ઉભરો ઘરે આવી સમીર પર ઠાલવતી. સમીરે બોલવાનું ખૂબ ઓછું કરી નાખ્યું હતું. તેથી સોના વધુ છંછેડાતી. સમીર ઉપર હવે ખોટા આક્ષેપો કરવા માંડી. હોસ્પિટલની નર્સ કે પાર્ટીમાં મળેલી બીજી સ્ત્રીઓ સાથે તારો ગેર સંબંધ છે કહી ઘરમાં ત્રીજું વિશ્વયુદ્ધ ખડું કરી દેતી.
એકવાર સમીર અને સોના ગાયનેકોલોજિસ્ટ પાસે સાથે ગયા. સોનાને નર્સ ચેક અપમાટે માર્ગદર્શન આપી રહી હતી.સમીર ડૉક્ટર સાથે વાતે વળગ્યો.વાતવાતમાં ડોક્ટરથી કહેવાઈ ગયું કે ‘તમારી વાઈફ બે વખત એબોર્શન કરાવી ગઈ હતી તેથી હાલમાં તકલીફ થાય છે’.
સમીર એકપણ અક્ષર બોલ્યા વગર ચૂપ રહ્યો. તેને તો કશી ખબર ન હતી. સોના સાથે ઘરે આવતાં ગાડીમા, તેં બે વખત એબોર્શન કરાવ્યું અને મને કહ્યું ન હતું.’
“એમાં તને શું કહેવાનું કે પૂછવાનું?’
સમીર બેકાબૂ થઈ ગયો. ઉપાડેલો હાથ હવામાં અદ્ધર રહી ગયો. સોનાએ કદી સમીરનું આવું સ્વરૂપ જોયું ન હતું. તે ધ્રુજી ગઈ. સમીર હવે બેફામ પણે વર્તવા લાગ્યો. જીદ્દી સોના પોતાનો કક્કો ખરો કરવા માગતી હતી. પોતે ભૂલ કરી છે તેનો તેને અહેસાસ પણ ન થયો.
સમીર અને સોના એક છત નીચે રહેતાં, એક પલંગમાં સૂતા પણ જાણે એક બીજાથી જોજન દૂર થઈ ગયા. પરિણામ એજ આવ્યું જે આવવાના એંધાણ જણાતા હતા. સોનાને મન બધા પુરૂષો અવિશ્વાસુ થઈ ગયા. સમીર તો જીવનમાં જે બન્યું તે તેના કલ્પના બહારની વાત હતી.
સ્નેહ અને શિશિરની બધી સમજાવટ મિથ્યા થઈ ગઈ. શિશિર, સમીરની લાગણી સમજી શક્તો સાથે સોનાનું બેહુદુ વર્તન પણ! કાંઈ ન બોલવામાં જ તેને ભલાઈ લાગી આખરે,સોના અને સ્નેહ ખાસ જીગરજાન મિત્ર હતાં! સમીર હતપ્રભ થઈ ગયો. તેના માનવામાં ન આવ્યું કે સોના સાવ છેલ્લે પાટલે બેસી જશે.
હવે હકિકત સ્વિકાર્યા વગર છૂટકો ન હતો. સોનાથી છૂટા પડ્યાનાં ગમ કરતાં રોજના લોહી-ઉકાળાથી મુક્તિ થઈ તે અગત્યનું હતું. કોઈ પણ સ્ત્રી માતા બનવાને આવું વિકૃત સ્વરૂપ આપે તે તેના મગજમાં બેસતું નહી. સ્ત્રીના જીવનની આ બાજુ તેને મન નવી હતી. સ્ત્રી પ્રત્યેની તેની ભાવનાને ભયંકર ઠેસ પહોંચી હતી.ચાવી દીધેલ પૂતળાંની માફક ક્લિનિક પર જતો અને કામકાજ પતાવી ઘરે આવતો. તેના મમ્મી અને પપ્પા જુવાનજોધ દિકરાના આવા હાલ જોઈ દુઃખી થતાં. તેના જીવનમાં માથુ મારતાં નહી. સોનાને તો સારો એવો દલ્લો મળ્યો હતો. પરણિત જીવનમાં જાતે ઝેર ઘોળ્યું હતું. અફસોસ કરવો તો બાજુએ રહ્યો. આરામથી જીવન ગુજારતી. હવે સ્નેહની વધુ નજીક સરતી ગઈ.શિશિર તેની હાજરીમાં બહુ બોલતો નહી. બે સખીઓની વચ્ચે આવવાનો તેનો ઈરાદો ન હતો. સ્નેહને હંમેશા વારતો. હવે બંને જણા બે બાળકોના માતા પિતા બન્યા હતાં. સ્નેહ સંસારમાં ગળાડૂબ હતી.
સોના અવાર નવાર આવતી. એકલી હતી રાતના જમીને જ ઘરે જતી. શિશિર કોઈ વાર કામેથી મોડો આવે તો સ્નેહને ચેતવતો, ‘સંભાળજે તું ઘરમાં અને બાળકોમાં ગુંથાયેલી રહે છે. તારો પતિ રંગરેલિયા મનાવવા બહાર તો નથી જતો ને!’
સ્નેહ, ચમકી’યાર તું શું બોલે છે તને તેનું ભાન છે’?
હં,’ એટલે તો કહું છું પુ્રૂષ એટલે ભ્રમર.આજના જમાનામાં તેમને ઘરમાં સીતા જોઈએ છે. ખુદ રામ બનવા તૈયાર નથી!’
‘સોના, તું મારા શિશિર વિષે આવું બોલશે તેની મને ખબર ન હતી?’
‘કેમ, તારો શિશિર પુરૂષ નથી?’
‘હા, એ મને અને બાળકોને દિલોજાનથી ચાહે છે!’
‘કેમ ભૂલી ગઈ પેલી રોમા પાર્ટીમાં હતી ત્યારે કેવો ખીલ્યો હતો, તારો શિશિર?’
‘શું સ્નેહ, તું તો કમાલ છે’?
‘કેમ શું થયું. મેં શું કર્યું’?
‘ અરે તેં નહી તારા મિસ્ટર શિશિરે?’ પાર્ટીમાં શિશિર પેલી રોમા સાથે કેટલી છૂટ લઈ રહ્યો હતો. તે જોયું નહી’?
‘અરે સોના, શિશિર અને રોમા તો કૉલેજના સમયના મિત્ર છે’.
‘ હે, પાગલ ભૂલી ન જતી રોમા પરણેલી નથી?’
‘હું ઓળખું ને મારા શિશિરને’!
‘તો?’
‘બધાનાં દેખતાં એકબીજાને અડપલાં કરી શકે એમ?’
‘મહેરબાની કરીને ફરીથી આવું ન બોલતી. શિશિરને નહી ગમે.’
‘સારું મને શું? આ તો તું મારી સહેલી એટલે તને ચેતવી! સમજી.’
સ્નેહ આજે ખૂબ નારાજ થઈ હતી.શિશિર ઘરે આવ્યો ત્યારે સ્નેહને જોઈ ચમક્યો.
‘શું આજે બાળકોએ ખૂબ હેરાન કરી છે? તારા દિદાર તો જો.’
‘કેમ શું થયું છે?’
‘જાણે તેં કોઈ ડરામણી વસ્તુ ન જોઈ હોય? તારા હાવભાવ આજે હું કળી નથી શકતો’.
એવું જ કાંઈક’.સ્નેહ કદી કોઈ વાત શિશિરથી છુપાવી શકતી નહી. તેણે રજેરજ વાત
કહી દીધી.
શિશિર માત્ર એટલું જ બોલ્યો,’સોનાથી સભાળજે!’
થોડામાં ઘણું કહેવાની તેની ખાસિયતથી સ્નેહ બરાબર જાણકાર હતી. હવે પાર્ટીમાં જાય ત્યારે માત્ર સોનાને મૂકવા જતાં. શિશિર વિષે તે કોઈ પણ અભિપ્રાય બાંધે તે તેને મંઝૂર ન હતું. ઘણીવાર નાની દિકરીને કારણે સ્નેહ પાર્ટીમાં જવાનો ઈન્કાર કરતી.શિશિરને પરાણે મોકલતી. સોના બધી વાતોમાં મીઠું મરચું ઉમેરી સ્નેહને કરતી. શિશિર બધી વાત સ્નેહને ઘરે આવી કરતો.
બાળકો મોટાં થતાં ગયા. બંનેને હવે આખા દિવસની સ્કૂલ થઈ ગઈ. સ્નેહ અને સોના બંને જણા વારંવાર બી.સી.એ.માં કે રેડિયો ક્લબમાં લંચ લેવા જતાં. કાગનું બેસવું ને ડાળનું પડવું. શિશિર ક્લાયન્ટ સાથે રેડિયો ક્લબમાં લંચ પર આવ્યો હતો. બસ બહાર નિકળતો હતો ત્યાં સામેથી રોમા આવતી દેખાઈ. તેની ફ્રેંડ આવવાની હતી.તેથી શિશિર સાથે વાતે વળગી. બંને કોઈ પ્રોજેક્ટની વાતો કરતા હતાં. ત્યાં સોના અને સ્નેહ પણ નિકળ્યા.એમનું ધ્યાન હતું નહી.
અરે તમે બંને અંહી ક્યાંથી? સ્નેહ બોલી.
‘હું નિકળતો હતો ત્યાં રોમાને જોઈ. મારા ક્લાયન્ટ હમણાં જ છૂટા પડ્યા. રોમા તેની ફ્રેંડની રાહ જુએ છે.’
શિશિર બોલ્યો,’તું અને સોના આજે અંહી લંચ પર આવ્યા હતા?
‘હા, કેમ’?
‘ના, રે બસ અમસ્તા જ પુછ્યું’.
‘ચાલ સાંજે ઘરે મળીએ. બાળકોને આવવાનો સમય થઈ ગયો છે.’
સ્નેહ અને સોના નિકળ્યા, ટેક્સીમાં સોના બોલી તેં જોયું. તારો વર અને રોમા રેડિયો ક્લબમાં!’
સ્નેહ, થાકી ગઈ હતી. સોના વારંવાર તેને શિશિર વિરૂદ્ધ ઉશ્કેરવાનો પ્રયત્ન કરતી. પથ્થર ઉપર પણ સતત પાણી પડે તો લાંબે ગાળે તેમાં ખાડો થઈ જાય.સ્નેહના મનમાં શંકાના બીજ રોપવામાં સોના સફળ થઈ. ‘
શિશિર વિચારતો બાળકો આવ્યા પછી સ્નેહ કેમ આમ વિચિત્ર વર્તન કરે છે? હસી મજાકનો તેનો સ્વભાવ સ્નેહથી ક્યાં અજાણ્યો હતો. બા્ળકોના માનસ પર કેવી વિપરિત અસર થાય.
બાળકોમાં ગુલતાન સ્નેહ ઝાઝું વિચારતી નહી અને પાણીમાંથી પોરા કાઢી શિશિર સાથે સદા આખડી પડતી.
સ્નેહ માનવાનો ઇન્કાર કરતી પણ શંકાનો કીડો કોઈકવાર સળવળી ઉઠતો! અરે ગયા રવિવારની વાત હતી દૃષ્ટિને સાધારણ તાવ હતો. સ્નેહે શિશિરને જવાનો આગ્રહ કર્યો.
‘સારું હું કલાકમાં પાછો આવીશ. કલાકને બદલે બે કલાક થઈ ગયા.’
સવારના પહોરમાં સોનાનો ફોન રણક્યો.
‘હલો, સ્નેહ કાલની પાર્ટીમાં શિશિરે હદ વાળી;
કેમ શું થયું?’
રોમા અને શિશિર ડાન્સ કરતાં હતાં. રીના અને લીના બંનેને ઉશ્કેરી રહ્યા હતાં. તું બાળકો સાથે ઘરે અને શિશિર, કહી સોના એ વાક્ય અધુરું છોડ્યું; ફોન મૂકાઈ ગયો.
સ્નેહ જાણતી હતી. શિશિરે ઘરે આવી બધી વાત કરતી હતી. શિશિર બોલ્યો પણ ખરો,
‘ સ્નેહ તારા વગર પાર્ટીમાં જવું મને નથી ગમતું.’ સ્નેહ શિશિરના રમુજી સ્વભાવથી પરિચિત હતી. શિશિરની પાર્ટીમાં બોલબાલા રહેતી. એટલે તો મિત્રો હંમેશા આગ્રહ કરતાં યાર, તું કલાક બે કલાક આવ સહુને આનંદ કરાવી જમીને નિકળી જજે. સ્નેહ માટે ઘરે લઈ જા, જેથી તેને રસોડામાં છુટ્ટી મળે!
સ્નેહ દ્વિધામાં હતી. દિલ માનવા તૈયાર નહતું, સોના કાંઈક જુદું જ કહેતી! કોણ સાચું? સોના કે શિશિર? ખબર નહી કેમ તેને શિશિરની વાતોમાં હવે કશી ગંધ આવી!’
શિશિરને ખૂબ પ્યાર કરતી. આ સોના તેની સખી ખોટું કહે તેવું તેના માનવામાં કદી ન આવે! સોના પોતે છૂટાછેડા લીધાં હતાં તેથી દરેક પુરૂષને ખોટા અર્થમાં જોતી થઈ ગઈ હતી. સ્નેહને તેના પર આંધળો વિશ્વાસ હતો. ઘણી વખત શિશિર ઉપર વગર કારણે નારાજ થતી.પાર્ટીમાંથી ઘરે આવી,પાર્ટીની તેની વર્તણુક ને શંકાસ્પદ બનાવી વાક યુદ્ધ કરતી.
શિશિરે પહેલાં તો હસી કાઢતો પણ વારંવાર થતું હોવાથી કોઈક વાર ગુસ્સે થતો. શિશિર વિચારતો બાળકો આવ્યા પછી સ્નેહ કેમ આમ વિચિત્ર વર્તન કરે છે? હસી મજાકનો તેનો સ્વભાવ સ્નેહથી ક્યાં અજાણ્યો હતો. બા્ળકોના માનસ પર કેવી વિપરિત અસર થાય.બાળકોમાં ગુલતાન સ્નેહ ઝાઝું વિચારતી નહી અને પાણીમાંથી પોરા કાઢી શિશિર સાથે સદા આખડી પડતી.
શિશિરને શંકા હતી કે સોના દર વખતે પાર્ટીમાં હોય છે! સમીરથી છૂટી પડ્યાં પછી માત્ર નોકરી અને શની, રવી પાર્ટીઓમાં રખડતી. સ્નેહની બહેનપણી હતી તેથી તેની સાથે ખૂબ સાવચેતી રાખતો. તેની શંકા પાયા વગરની ન હતી. જે પાર્ટીમાં સ્નેહ સાથે ન હોય એવા સમયે જ ઘરમાં ઉગ્ર ચર્ચા થતી. સ્નેહને તે પ્યારથી બધી વાત કરતો પણ જ્યારે બીજે દિવસે ઓફિસથી પાછો આવે ત્યારે સ્નેહ વાત ઉખેળી કોઈ ને કોઈ બહાને ઝઘડો કરે. શિશિરને સમઝતાં વાર ન લાગી સવારે સોના સાથે વાત થઈ હશે. એકાદ બે વાર પૂછ્યું ત્યારે સ્નેહે હા પાડી હતી. શિશિર ધીરે ધીરે સ્નેહથી દૂર થવા લાગ્યો. ઘરનું કલુષિત વાતાવરણ તેને તંગ કરી દેતું.જેમ સ્નેહને સમજાવી સફાઈ પેશ કરે તેમ સ્નેહ એનો ઉંધો અર્થ કાઢી ઘરમાં યુદ્ધનું મેદાન ખડું કરી દે.
એકાદ વખત શિશિરે ચીમકી આપી ‘સ્નેહ, જો હું બદલાયેલો હોંઉ, તારા મતે બદચલન હોંઉ તો મને ખુશીથી છૂટો કરી દે.પણ આવા રોજના ઝઘડા મને પસંદ નથી.’
‘સ્નેહે વળતો ઘા જોરદાર કર્યો,’તું મારાથી ઉબાઈ ગયો છે.’ બોલતાં તો આવા શબ્દો બોલી ગઈ. પણ પછી પોતાના અંતરાત્મામાંથી જવાબ આવ્યો, ‘આ હું શું બોલી?’ છતાંય રેકર્ડ ચાલુ રાખી બે બાળકો થયા પછી તને મારામાં કોઈ રસ રહ્યો નથી.’
‘સ્નેહ, આ શબ્દો તારા મુખમાંથી નિકળે છે. મને મારા કાન ઉપર વિશ્વાસ નથી આવતો.’
‘સારુ છે તને મારામાં તો વિશ્વાસ છે?’
‘કોણે કહ્યું?’
ખલાસ આ બે શબ્દો તીરની જેમ સ્નેહને વાગ્યા. આજે આગનો ભડકો જોરદાર હતો.કો’કને ભરખી જશે એ ચોક્કસ હતું. ક્રોધ ઉપર કાબૂ પામવો એ અશક્ય વાત છે. તેનું પરિણામ વિનાશકારી હોય એમાં શંકા નથી. આજે સ્નેહ અને શિશિર બંને જણા પોતાની જાતને સંભાળી ન શક્યા. એક જણ શાંત રહ્યું હોત તો આવું પરિણામ ન આવત!
સ્નેહ, સોનાની ચડામણીમાં સાચા ખોટાંનો ભેદ પારખી ન શકી. શિશિર, સ્નેહના વારંવાર થતા આ્ક્ષેપો સાંખી શકતો નહી.
અંત આવ્યો જે સુખદ ન હતો. સ્નેહ અને શિશિર છૂટાં પડ્યાં. સોનાએ આ કાર્ય સફળતા પૂર્વક પાર પાડ્યું. બાળકો આમ તો માને મળવા જોઈએ પણ સ્નેહનું વર્તન યોગ્ય ન હતું. તે બા્ળકોને પણ લાગ્યું. બંને એ પિતા સાથે રહેવાનું કબૂલ કર્યું. દીર્ઘ અને દૃષ્ટિએ પિતા સાથે રહેવાનું સ્વિકાર્યા પછી હંમેશા વિચારતાં. શામાટે મમ્મી, પપ્પા પર શંકા કરતી હતી. શું મમ્મીને ખબર ન હતી કે પપ્પા તેને કેટલો પ્રેમ કરે છે?
પેલી ‘સોના’ આંટી મમ્મીના કાન ભંભેરી તેને ઉશ્કેરતી. જેને કારણે મમ્મી અને પપ્પા છૂટાં પડ્યા. બાળકોને તો માતા અને પિતા બંને જોઈતા હોય! તેમને માટે ખૂબ કઠીન હતું. સ્વિકાર્યા વગર બીજો કોઈ રસ્તો પણ ન હતો. બંને જણા મોટા હતાં. ૧૦ વર્ષનો દીર્ઘ અને ૧૨ વર્ષની દૃષ્ટિ. શિશિરે આ ઘા હિમત પૂર્વક ઝિલ્યો. તેના બધા પ્રયત્નો સ્નેહે નિષ્ફ્ળ બનાવ્યા.
સોના’ સ્હેલીનું ઘર વિખેરવામાં સફળતાને વરી. સમીરને દુખી કર્યો. શિશિરને રઝળાવ્યો.
સ્નેહને રહેવા ઘર અને પૈસા મળ્યા જેથી તે શાંતિથી જીવી શકે. નોકરી પણ મળી ગઈ. તેને થયું બાળકો પણ નહી, કોઈ જાતની જવાબદારી કે બંધન નહી. આઝાદી ખૂબ ગમી.શિશિર બાળકોને ખૂબ વહાલ કરતો. રોમાને જાણ થઈ તે અવારનવાર શિશિરના બાળકોનું ધ્યાન રાખતી. શિશિર કામ માટે બહારગામ જાય ત્યારે બંને બાળકો તેના ભરોસે છોડતો.
સ્નેહ કોર્ટે ઠરાવેલ સમય અનુસાર બાળકોને મળતી.
શરૂ શરૂમાં સ્નેહને સ્વતંત્રતા ખૂબ વહાલી લાગી. છેલ્લે છેલ્લે શિશિર સાથે પ્રેમ કરતાંઝઘડાં વિશેષ થતાં હતાં એટલે તે બહુ યાદ ન આવતો પણ બાળકોની યાદ સતાવતી.
સોના સાથે તો હવે ૨૪માંથી ૨૦ કલાક ગાળવા મળતાં. એકબીજાને ત્યાં રાત ગાળતાં. બંને સહેલીઓ છૂટાછેડાથી મળેલા પૈસા ઉડાવતા.
શિશિરને રોમા ધીરે ધીરે નજીક સર્યા. રોમા પોતાના કુટુંબની પરિસ્થિતીને કારણે પરણી શકી ન હતી. પિતાની આવક થોડી અને બિમાર માતા કઈ રીતે તેમને છોડી પોતાનો ઘરસંસાર માંડે. તેથી ૪૦ વર્ષે પણ તે એકલી હતી. ત્યાં શિશિર જેની સાથે કૉલેજકાળ દરમ્યાન મૈત્રી હતી તેના જીવનમાં પ્રવેશ કર્યો.
સંજોગોની અનુકૂળતા જોઈ બંને જણા શિશિરના છૂટાછેડા પછી એક વર્ષમાં પરણી ગયા.દીર્ઘ અને દૃષ્ટીને રોમા આંટી ખૂબ પ્યાર આપતી. નિખાલસ ભાવે તેની સાથે બધી વાતો પણ કરી શકતાં.
બંને જણા કૉલેજમાં આવ્યા, દીર્ઘ ડૉક્ટર થયો અને દૃષ્ટિએ એમ.બી.એ. કર્યું. શિશિર અને રોમા ખૂબ શાંતિ પૂર્વક જીવન જીવી રહ્યા. શિશિર આજે પણ એવો મસ્તરામ છે. રોમાને તેનો હસમુખો સ્વભાવ ખૂબ ગમતો.
આજે અચાનક ‘કૉપર ચિમની’માં બધા ડિનર લઈ રહ્યા હતાં ત્યાં સ્નેહ અને સોના બે પુરૂષ મિત્રોસાથે આવ્યા. તેમની સાથે નોકરી કરતાં હતાં. સ્નેહ, શિશિરને બાળકો તથા રોમા સાથે જોઈ ખચકાઈ. આંખ આડા કાન કર્યા. બાળકો ઉભા થઈને મમ્મીને પ્યારથી મળી પાછાં આવ્યા.
શિશિર તો હવે રોમાના પ્યારમાં ગળાડૂબ રહેતો.
સોના જેવી મિત્ર હોય પછી દુશ્મનની શું જરૂર! જેણે સમીરને રઝળાવ્યો, સ્નેહ અને શિશિરનો કિલકિલાટ કરતો ઘરસંસાર ઉજાડ્યો. અધુરામાં પુરૂં પુરૂષ મિત્રની ભૂખ લાગી ત્યારે સનતને પરણી એક બાળકીની મા બની. સ્નેહ બધું જોઈ રહી હતી. પોતાની જાતને શિશિરનો ગુન્હેગાર માનતી. સમજી ન શકી ,શામાટે સોનાની વાત પર વિશ્વાસ મૂકી પ્રેમાળ પતિ અને બાળકોને ગુમાવ્યા? સહુને પ્યાર કરતી પણ વર્તન વિરૂદ્ધ આચરતી. બસ એકલાં ઝેર પીધું . કર્યાની સજા ભોગવી.
સ્નેહને આજે ખાલીપણાનો ભરપૂર અહેસાસ થયો. તેના અંતરના ગોખલે દીર્ઘ અને દૃષ્ટિ જેવા બે દીવા પ્રગ્ટ્યાં હતાં.સહેલીની વાતોમાં આવી પોતે જ પોતાનું ખાલીપણું આવકાર્યું હતું! રહી રહીને તેને આજે વિચાર આવ્યો શું આ સ્થિતિ તેણે જાતે નોતરી હતી ?
કદી કોઈના પર આવો આંધળો ભરોસો ન મૂકવો! અંતે પરિણામ વિપરિત હોઈ શકે ! ખાલીપણાનો અહેસાસ કરતાં કરતાં ન કહી શકાય ન સહી શકાય એવા હાલ થાય-!

 

 

205176_10150212667787922_4282047_n1શિશિર- વિજય શાહ
પાર્ટીમાંથી પાછાં ઘર તરફ જઈ રહ્યા હતાં. શિશિર અને સ્નેહ બંને ખુશ મિજાજમાં હતાં. આજની પાર્ટીમા ખાવા પીવાથી માંડી બધી વ્યવસ્થા ખૂબ સુંદર હતી. સ્નેહે એક પેગ ચડાવ્યો હતો તેથી શિશિરને બડબડાટ કરી હેરાન કરી રહી હતી. આમતો સ્નેહ કદી છાંટો પાણી કરતી નહીં પણ આજે પાર્ટી રંગત ભરી હતી અને એકાદ પેગ પીધા પછી નશો ધીમે ધીમે તેને ગુલાબી મસ્તી તરફ લઇ જતો હતો.
શિશિર સ્વસ્થતાથી ગાડી. ઘર તરફ પૂર ઝડપે ચલાવી રહ્યો હતો.રોમા સહિત સૌ કોલેજના મિત્રો હતા અને આમ વર્ષે એક વખત સૌ મળતા અને ખુબ ધમાલ કરતા. મજાકીયો તો તે પહેલે થી જ હતો તેથી તેની હડફટે જે ચઢે તેનું આવી બને અને બાકીનાં સૌ મિત્રોનાં હસી હસીને પેટ દુઃખી જાય. પણ દર વખતની જેમ આજે તે પીણું પીતો નહોતો. તેથી તેના મિત્રો પણ આજે તેને ઉડાવતા અને કહેતા સ્નેહની બહુ બીક ના રાખ. તે પણ મઝા કરે છે. તેને ખબર ના પડે તેમ તેની કોકમાં રમ છે. તેને પણ આજે ખૂબ આનંદ સાથે મન મોકળું કરવા મળ્યું હતું. સ્નેહ ને રમવાળી કોક મળી હતી તેથી તે પણ શિશિરની વાતોને ચગાવતી હતી. “ દુબારા! દુબારા સાલા કુછ સમજમે નહીં આયા દુબારા” કરતી હતી. એક તબક્કે તેને ઉલટી થઇ ત્યારે સોના તેને બાથરુમમાં લઇ ગઇ અને કોફી પીવડાવવા લાગી. ત્યારે માથુ પકડીને સ્નેહ ખુરશી પર બેસી ગઇ.
કલાક પછી પાર્ટી પતી ગઇ ત્યારે શિશિર તેને લેવા આવ્યો. સોના ને હસતા હસતા કહે, આ ભીની પાર્ટીમાં સૌ પહેલા જે પીતા ના હોય તેની દયા ખાય અને પછી જેમણે ના પીધું હોય તેઓ પીધેલાની લવારી ઉલટી અને કચકચની મઝા માણે શું કહે છે સોના? સોના ખાલી હસી અને સ્નેહને લઇ ઘરે જવા નીકળ્યા. શિશિર એક્દમ થાક્યો હતો પણ ડેઝીગ્નેટેડ ડ્રાઇવર હતો તેથી સ્નેહને વહાલથી ગાડી સુધી લઇ ગયો અને બોલ્યો, “આમ તો એક પેગથી તને કંઇ થવું ના જોઇએ”! ત્યારે સ્નેહ બોલી ‘ મેંતો ખાલી કો’ક પીધી છે. ત્યારે વહાલથી પંપાળતા તે બોલ્યો હા, તારી કો’ક માં એડલ્ટ્રેશન હતું. કોક ૧૦ ટકા અને રમ ૯૦ ટકા તેથી તો તારી આ દશા છે, ડાર્લિંગ!
બંને જણા ઘરે પહોંચ્યા ત્યારે ઘડિયાળ બે વાગ્યાની સૂચના આપી રહી હતી. પથારીમાં પડતા વેંત સ્નેહ તો સુઇ ગઇ.
લગ્ન જીવન નાં ૧૫ વર્ષ હસી ખુશી અને મસ્તીમાં પસાર થઈ રહ્યા હતા. સ્નેહનાં ભાલે હળવો વહાલ ભર્યો હાથ ફેરવી શિશિર કપડા બદલવા બાથરુમમાં ગયો. આજે પહેલી વાર રોમાનું વર્તન તેને અજીબ લાગ્યું હતું. ખાસ તો સ્નેહ અને સોના બાથરૂમમાં ગયા ત્યારે!
રોમા ઉદાસ હતી. તેને હસાવવા બે જોક કર્યા પણ ઉદાસીની મૂર્તિ જેવી રોમા મનનો અફસોસ એક વાક્યનાં ઘુંટડામાં બોલી ગઇ. કાશ ! કોલેજના સમયમાં કુટુંબનો ભાર વેંઢારવાને બદલે તારા જેવા મિત્ર સાથે થોડુંક હસી લીધુ હોત તો તે મૂડી ઉપર આખુ જીવન નીકળી જાત. ” શિશિર તેને જોતો જ રહ્યો. તેને રોમાનું હાસ્ય જોવું ગમતું. માત્ર મિત્ર તરીકે. માહોલ હતો અને એણે રોમાને ઇજન આપતા કહ્યુ. હજી પણ જિંદગી ક્યાં પુરી થઇ ગઇ છે. ચાલ દસ જ મિનિટમાં તને હસતી ના કરી દઉં તો મારુ નામ શિશિર નહીં .
જિંદગી એક સફર હૈ સુહાના ની ધૂન ઉપર રોમાનો હાથ પકડી તે બરોબર ઝુમ્યો અને નાચ્યો. ગંભીર રોમા ગીત પુરુ થતા સુધીમાં તો હસતી થઇ ગઇ. શિશિર મિત્ર હતો મઝાકીયો અને દિલદાર. તેના હાસ્ય ને જોતો રહ્યો. મૈત્રીના મોગરાને ફરી મહેંકતા જોઇ પ્રસન્ન થયો.
બીજે દિવસે રવીવાર હતો. આરામથી ઉઠવાનું સવારે બે કપ ચહા ચડાવવાની અને છાપાની મોજ માણવાની.પાર્ટીમાંથી આવી ત્યારે સ્નેહ ખુશમિજાજમાં હતી. સોમવારે સવારે સોના સાથે બી.સી.એ.માં લંચ લેવા મળ્યા.
‘શું સ્નેહ તું તો કમાલ છે’?
‘કેમ શું થયું.મેં શું કર્યું’?
‘ અરે તેં નહી તારા મિસ્ટર શિશિરે?’પાર્ટીમાં શિશિર પેલી રોમા સાથે કેટલી છૂટ લઈ રહ્યો હતો. તે જોયું નહી’?
‘અરે, સોના શિશિર અને રોમા તો કૉલેજના સમયના મિત્ર છે’.
‘ હે, પાગલ ભૂલી ન જતી રોમા તો ‘રહી ગયેલી’ છે. ભુખી ડાંસ જેવી, આવી છોકરીઓ વરને પડાવી લેતા ક્ષણ ભર ના લગાડે”’
સોનાની સામે વિચિત્ર રીતે જોતા સ્નેહ બોલી, ‘હું ઓળખું ને મારા શિશિરને’!” તેના મનમાં તો’ હું માત્ર એકલી હું જ છું’.”
‘અરે, મારી ભોળી સ્નેહ, તું શું ઓળખવાની આજના ભ્રમર જેવા પુરૂષોને?’
“ તું પ્રીજ્યુડાઇઝ છે. તારા સમીર અને મારા શિશિરની વાત તદ્દન જુદી છે. મને તો રોમા તો શું શિશિર ખુદ આવીને કહે તો પણ હું ના માનું. એટલો મને વિશ્વાસ છે, મારા હબી પર”
સોના તેને જોતી રહી. સ્નેહે માથુ ઝંઝોટી નાખી ને કહ્યુ.”સોના, મારો શિશિર મને ખબર છે ક્યાંય છલકાઇ જાય તેવો છીછરો નથી હં કે!
સોના મનમાં બોલી,” ખેર મેં તો, મને લાગ્યુ તે કહ્યુ . હવે માનવું કે નહી એ તારે જોવાનું..’
સોના બે વર્ષથી સમીર સાથે છૂટાછેડા લઈ એકલી રહેતી હતી. સંસારનો રથ આવા શંકા કુશંકાના પૈડાં પર સુરક્ષિત ન ચાલી શકે. છતાંય સમીરે સહન કરી પાંચ વર્ષ ખેંચ્યા. અંતે બને જણાએ છૂટાછેડા લીધા.
આજના જમાનામાં ભણેલી યુવાન છોકરીઓને મોટા પે ચેક આવતા હોય છે, તેથી ખુમારીમા રાચે. સમીર પાસેથી સોનાને સારો દલ્લો પણ મળ્યો હતો. સ્નેહ અને સોના્ વચ્ચે શાળાના સમયથી બહેનપણાં હતાં. લંચ ખાઈને બંને છૂટા પડ્યા.સ્નેહ વિચાર કરતી થઈ ગઈ. આમ તો તે જલ્દી કોઈની વાત કાને ન ધરતી.
સોના, તેની બાળપણની સખીએ આવું કહ્યું એ તેને ગમ્યું તો નહી પણ શંકાનું બીજ રોપાઈ ગયું. મિત્ર મંડળમાં હમેશા સાથે હોવાથી સોના દર વખતે કાંઈકને કાંઈક વાત સ્નેહને કરતી. શિશિરનો હસમુખો સ્વભાવ મિત્રોમાં જાણીતો હતો. તેની વાત અને રમૂજી ટુચકાંઓ રજૂ કરવાની આગવી શૈલી માટે પ્રખ્યાત હતો. સ્નેહને તે ગમતું પણ ખરું.
બે સુંદર બા્ળકોની માતા બનેલી સ્નેહ કોઈકવાર પાર્ટીમાં જવાનું ટાળતી. મિત્રો આગ્રહ કરીને શિશિરને એકાદ કલાક માટે ઘસડી જતાં. સોના શિશિરના વર્તનમાં દર વખતે નવી ખોટ સ્નેહને બતાવતી. સ્નેહ માનવાનો ઇન્કાર કરતી પણ શંકાનો કીડો કોઈકવાર સળવળી ઉઠતો!
ત્યાં સોનાનો ફોન રણક્યો. ‘હલો, સ્નેહ કાલની પાર્ટીમાં શિશિરે હદ વાળી, “કેમ શું થયું?.”
રોમા અને શિશિર ડાન્સ કરતાં હતાં. રીના અને લીના બંનેને ઉશ્કેરી રહ્યા હતાં. તું બાળકો સાથે ઘરે અને શિશિર, કહી સોના એ વાક્ય અધુરું છોડ્યું. ફોન મૂકી દીધો !
સ્નેહ જાણતી હતી. શિશિરે ઘરે આવી બધી વાત કરી હતી. શિશિર બોલ્યો પણ ખરો, ‘ સ્નેહ તારા વગર પાર્ટીમાં જવું મને નથી ગમતું. ‘
સ્નેહ દ્વિધામાં હતી. કોણ સાચું? સોના કે શિશિર?
ખબર નહી કેમ તેને શિશિરની વાતોમાં શંકાની બદબુ આવવા લાગી. સોનાની વાતોમાં તથ્ય જણાયું. શંકાનો સળવળાટ ને વહેમનો વલવલાટ કોઈ પણ વ્યક્તિનું ચેન લુંટવા શક્તિમાન છે.
શિશિરને ખૂબ પ્યાર કરતી. સોના તેની સખી ખોટું કહે તેવું તેના માનવા કદી તૈયાર ન થાય. સોના પોતે છૂટાછેડા લીધાં હતાં તેથી દરેક પુરૂષને ખોટા અર્થમાં જોતી થઈ ગઈ હતી. સ્નેહને તેના પર આંધળો વિશ્વાસ હતો. ઘણી વખત શિશિર ઉપર વગર કારણે નારાજ થતી.પાર્ટીમાંથી ઘરે આવી,પાર્ટીની તેની વર્તણુક ને શંકાસ્પદ બનાવી વાક યુદ્ધ કરતી. શિશિર પહેલાં તો હસી કાઢતો પણ વારંવાર થતું હોવાથી કોઈક વાર ગુસ્સે થતો.
શિશિર વિચારતો બાળકો આવ્યા પછી સ્નેહ કેમ આમ વિચિત્ર વર્તન કરે છે? હસી મજાકનો તેનો સ્વભાવ સ્નેહથી ક્યાં અજાણ્યો હતો. બા્ળકોના માનસ પર કેવી વિપરિત અસર થાય. જિંદગી એક ઢાળ પર જીવવાને બદલે જ્યારે સમય આવે ત્યારે મોજ અને મસ્તીમાં કેમ ન જીવાય? એને કંઇક થયું છે? પહેલા આટલી હદે મને અળગો ન રાખતી. એટલે તેણે સ્નેહને રોકી અને પુછ્યુ..”સ્નેહ તબિયત તો સારી છે ને તારી?”
“ કેમ મને શું થવાનું હતુ?”
“ ખાસ કંઇ નહીં પણ તને કોઇક વાત ડંખતી હોય તેમ લાગે છે?”
“ મને કોઇક વાત ડંખતી હોય તો તારે મોઢે કહી શકુ હજી એવી સાબૂત છું. હા, એક વાત છે સ્કુલમાં બાળકો નું ઘર કામ વધવા માંડ્યુ છે અને હું પહોંચી નથી વળતી.”
“તો એમ ફોડ પાડને. ચાલ તેમને છેલ્લો એક કલાક હોમવર્ક કરવા ક્લાસ રખાવી દઇએ.”
“પછી તેમને સ્કુલેથી તુ લઇ આવીશ? અત્યારે તો બસ આવે છે .પણ એક કલાક વધશે તો તેઓ ભુખ્યા થશે અને પાછી બીજી ઉપાધી તુ રહેવા દે.”
“ હું તો તારું તણાવયુક્ત વલણોને હળવુ કરવા મથું છુ.”
“ જો શિશિર મને તો મિત્રોમાં વહેંચાયેલો શિશિર નથી જોઇતો. ફક્ત મારો અને મારો જ બની રહેલો શિશિર જોઇએ છે.
“જો સ્નેહ તુ સમજ કે ના સમજે પણ હું તન, મન અને ધન થી ફક્ત તારો જ છુ”
“ તો મને એમ કેમ લાગે છે કે તું મારાથી દુર જતો જાય છે.”
‘સ્નેહે વળતો ઘા જોરદાર કર્યો,’તું મારાથી ઉબાઈ ગયો છે. બે બાળકો થયા પછી તને મારામાં કોઈ રસ રહ્યો નથી.’
‘સ્નેહ, આ શબ્દો તારા મુખમાંથી નિકળે છે. મને મારા કાન ઉપર વિશ્વાસ નથી આવતો.’
‘સારુ છે તને મારામાં તો વિશ્વાસ છે?’
‘કોણે કહ્યું?’
ખલાસ આ બે શબ્દો તીરની જેમ સ્નેહને વાગ્યા.
“ જો આટલા વર્ષોનાં દાંપત્ય જીવન પછી તુ મારા દરેક પ્રેમયુક્ત વ્યવહાર ને જોવાને બદલે ખામીઓ જ શોધતી રહે તો તને લાગે છે કે હું પથ્થર છું ? મને તારા મેણા ટોણાની કોઇ અસર જ નહીં થતી હોય?”
“ જો અસર થતી હોત તો રોમાડી ને દુર રાખને?”
“એટલે તુ મારા ઉપર વહેમાય છે, ખરું ને?”
“વહેમાતી નથી. હું જાણું છુ ,એ રોમા કુંવારી રહી ગયેલી છે ને તેથી તેનો ડોળો તારા ઉપર છે”
“સ્નેહ! પણ મારો ડોળો તેના ઉપર નથી. મારા બાળકોની તુ માતા છે. હું જવાબદાર પતિ છુ. અને સમજુ છું કે દાંપત્ય જીવન પરસ્પર ભરોંસા ઉપર નભે છે.”
“હું જાણું છુ અને એ વાત માનતી પણ હતી. પણ હવે જ્યારે છતી આંખે તારો તેના પ્રત્યેનો લગાવ જોયો ત્યારથી તો મારી આ દશા છે.”
જેમ સ્નેહને સમજાવી સફાઈ પેશ કરે તેમ સ્નેહ એનો ઉંધો અર્થ કાઢી ઘરમાં યુદ્ધનું મેદાન ખડું કરી દે.એકાદ વખત શિશિરે ચીમકી આપી ‘સ્નેહ, જો હું બદલાયેલો હોંઉ, તારા મતે બદચલન હોંઉ તો મને ખુશીથી છૂટો કરી દે.પણ આવા રોજના ઝઘડા મને પસંદ નથી.’
આજે આગનો ભડકો જોરદાર હતો. કો’કને ભરખી જશે એ ચોક્કસ હતું. ક્રોધ ઉપર કાબૂ પામવો એ અશક્ય વાત છે. તેનું પરિણામ વિનાશકારી હોય એમાં શંકા નથી. આજે સ્નેહ અને શિશિર બંને જણા પોતાની જાતને સંભાળી ન શક્યા. એક જણ શાંત રહ્યું હોત તો આવું પરિણામ ન આવત.
સ્નેહ, સોનાની ચડામણીમાં સાચા ખોટાંનો ભેદ પારખી ન શકી. શિશિર, સ્નેહના વારંવાર થતા આ્ક્ષેપો સાંખી શકતો નહી.
અંત આવ્યો જે સુખદ ન હતો. સ્નેહ અને શિશિર છૂટાં પડ્યાં. બાળકો આમ તો માને મળવા જોઈએ પણ સ્નેહનું વર્તન યોગ્ય ન હતું તે બાળકોને પણ લાગ્યું. દીર્ઘ અને દૃષ્ટિએ પિતા સાથે રહેવાનું સ્વિકાર્યું.
બંને જણા મોટા હતાં. ૧૦ વર્ષનો દીર્ઘ અને ૧૨ વર્ષની દૃષ્ટિ.
શિશિર બાળકોને ખૂબ વહાલ કરતો. રોમાને જાણ થઈ તે અવારનવાર શિશિરના બાળકોનું ધ્યાન રાખતી. શિશિર કામ માટે બહારગામ જાય ત્યારે બંને બાળકો તેના ભરોસે છોડતો.
સ્નેહ કોર્ટે ઠરાવેલ સમય અનુસાર બાળકોને મળતી. શરૂ શરૂમાં સ્નેહને સ્વતંત્રતા ખૂબ વહાલી લાગી. છેલ્લે છેલ્લી શિશિર સાથે પ્રેમ કરતાં ઝઘડાં વિશેષ થતાં હતાં એટલે તે બહુ યાદ ન આવતો પણ બાળકોની યાદ સતાવતી.સોના સાથે તો હવે ૨૪માંથી ૨૦ કલાક ગાળવા મળતાં. એકબીજાને ત્યાં રાત ગાળતાં.
સ્નેહને રહેવા ઘર અને પૈસા મળ્યા જેથી તે શાંતિથી જીવી શકે. નોકરી પણ મળી ગઈ . તેને થયું બાળકો પણ નહી, કોઈ જાતની જવાબદારી કે બંધન નહી. આઝાદી ખૂબ ગમી.
શિશિરને રોમા ધીરે ધીરે નજીક સર્યા. રોમા પોતાના કુટુંબની પરિસ્થિતીને કારણે પરણી શકી ન હતી. પિતાની આવક થોડી અને બિમાર માતા કઈ રીતે તેમને છોડી પોતાનો ઘરસંસાર માંડે. તેથી ૪૦ વર્ષે પણ તે એકલી હતી. ત્યાં શિશિર જેની સાથે કૉલેજકાળ દરમ્યાન મૈત્રી હતી તેણે જીવનમાં પ્રવેશ કર્યો.
“ રોમા. મારે આમસ્ટર્ડામ ૧૫ દિવસ્ની ટ્રૈનિંગમાં જવાનું છે. તને એક વિનંતી કરુ?”
“ બોલને?”
“દીર્ઘ અને દ્રષ્ટી બંનેને સાચવવા મારા ઘરે આવીને રહીશ?”
“ ભલે મને પણ દ્રષ્ટી સાથે વાતો કરવાનું ગમશે.”
“મા ને ઝંખતા બાળકો છે. તેમની સંવેદના સચવાય તેટલુ ધ્યાન રાખજે. ખાસ તો દ્રષ્ટીનું. કારણ કે તે મને આ છૂટા છેડામાં બીલકુલ દોષી માનતી નથી.”
શિશિર આમસ્ટર્ડામ થી પાછો આવ્યો ત્યારે રોમા એ દીર્ઘ અને દ્રષ્ટીનાં ઘુમરાતા પ્રશ્નો ને શાંત કરી દીધા હતા. બાળકો ભલે નાના હતા પણ તેમના દ્રષ્ટી બિંદુઓ સ્પષ્ટ અને ચોખ્ખા હતા. જે રોમા આંટી ને મમ્મી ગુનેગાર માનતી હતી તે રોમા આંટી અત્યાર સુધી પપ્પાની મિત્ર છે. જે મૈત્રી જાળવી રહી હતી તે વાત સ્પષ્ટ થઇ ગઇ હતી.
સંજોગોની અનુકૂળતા જોઈ, શિશિર અને સ્નેહના છૂટાછેડા પછી એક વર્ષમાં રોમા સાથે પરણી નવો સંસાર શરૂ કર્યો. દીર્ઘ અને દૃષ્ટીને રોમા આંટી ખૂબ વહાલ આપતી. નિખાલસ ભાવે તેની સાથે બધી વાતો પણ કરી શકતાં.
શિશિર નિર્દોષ હતો પણ તેને રોમાનું નામ વારંવાર લઈ સ્નેહે જ તેના તરફ વાળ્યો હતો. સમાજમાં રોમાને એટલી વગોવી નાખી હતી કે શિશિર રોમા તરફ અપરાધની ભાવના અનુભવતો. તેને એમ લાગતું કે એ રોમાનો ગુન્હેગાર છે! આ લગ્ને તેને આત્મ સંતોષ આપ્યો. તેનો સ્નેહ પ્રત્યેનો લગાવ ઘૃણામાં ના પલટ્યો. તેને થતું કે સ્નેહને ખબર નથી કે તે શું કરે છે? ક્યારેક ઉદાસીનતા બહુ ઘેરી લેતી ત્યારે રોમા “ તકદીર “નાં નામે તેને વાળી લેતી.
રોમા સમજાવતી કે સોના દ્વારા થયેલી ચઢવણી અને તેના કાચા કાન તારે માટે ઘાતક હતા . હવે સ્નેહ માટે વિચારવા ને બદલે મોટા બાળકો અને તેમની જરૂરિયાતો તરફ જોવાનું અને આજમાં રહેવું તે વ્યવહારીક ઉપાય છે.
શિશિર ગંભિરતા પકડી રહ્યો હતો જે કોઇને ગમતુ ન હતું. હવે પોતાની જાત ઉપર હસવા મથતો શિશિર કોઇને હસવવા માંગતો ન હતો. રોમા તેને ગંભિરતામાંથી પાછો વાળતી. અમેય તેણે તો હસતા અને હસાવતા શિશિરને ચાહ્યો હતો? જે બન્યું તે હવે ખેલદીલી પૂર્વક સ્વિકારવાનું હતું.
સમય લાગ્યો પણ હસતો શિશિર પાછો આવ્યો. ત્યારે દીર્ઘ બોલ્યો.. “પપ્પા અમારો શું વાંક? મમ્મી એ તમને ખોટી સજા કરી તે અમારો ગુનો નથી?”
તેનો વલોવાતો જીવ ભૂતકાળમાંથી નીકળી વર્તમાન કાળમાં આવ્યો. રોમા કંઇ સ્નેહ જેટલી રૂપાળી નહોતી પણ સારી મિત્ર જરૂર હતી. તેણે સ્નેહ પ્રતિ શિશિરનાં પ્રેમને મારવા કે દાબવા કોઇ જ પ્રયત્ન ન કર્યા કારણ કે તે જાણતી હતી પ્રેમભગ્ન પ્રેમીને વહાલથી જ વશ કરાય. મોટી ઉંમરે ઠાવકાપણું એક મોટી મુડી હોય છે. સમજણથી જીવનને સાચા રસ્તે વાળી દેવાથી દીર્ધ અને દ્રષ્ટિ સાથે સાવકાપણા નો કોઇ જ અહેસાસ આવતો નહીં.
ચારેક વર્ષ પછી દ્રષ્ટિ ની ‘સ્વીટ સિક્સટીન’ વર્ષગાંઠ ઉજવવાની હતી ત્યારે તેની લાગણીઓને છેલ્લો કટુ પ્રહાર થયો.
ફોન ઉપર દ્રષ્ટી એ કહ્યું “ મોમ મારી પાર્ટીમાં આવીને તને શું કામ છે? મારી રોમા આંટી અમારી સારી રીતે સંભાળ લે છે. મામા સોરી..યુ આર નોટ ઇનવાઈટેડ.”
સ્નેહ ફોન ઉપર સાંભળી રહી હતી. શિશિર દ્રષ્ટીને સમજાવી રહ્યો હતો. બેટા સ્નેહ ઇઝ યોર ટ્રુ મામા. તેનો હક્ક ના ડુબાડ બેટા!
“પણ ડેડી, તમે જે નહતા તેવું તે કેવી રીતે કહી શકે? તે તમારી નહીં અમારી પણ ગુનેગાર છે.”
“બેટા માણસ ભૂલ કરે તેને ભૂલ સુધારવાની તક પણ આપણે આપવી જોઇએને?”
“ તમે તેમની ભૂલ માફ કરી? નહીને? તો હવે મને તેવું ના સમજાવો.”!
ફોન ઉપર સ્નેહ બોલી.”તારા પપ્પાએ તો બહુ પ્રયત્નો કર્યા હતાં. પણ-”
ફોન ઉપર જવાબ આપતા દ્રષ્ટી બોલી, ” મોમ! તમારી જીદને લીધે અમારે સૌને સહેવું પડ્યુ. મને હવે તમારી જેમ દ્વીધાપૂર્ણ જીવન નથી જીવવું. સોળે શાન આવી ગઇ છે. હું મારી જિંદગી મારી રીતે જીવવા સ્વતંત્ર છુ.”
ફોન મુકતા પહેલા શિશિરે ગળગળા અવાજે કહ્યું, ‘સ્નેહ આપણી ભૂલો ને આપણા સંતાનો માફ કરે તેવી અપેક્ષા અર્થહીન છે એકલા જીવવાની તારી જીદને પોષણ દેનારી તારી સખી સોના અને તારે માટે મારા હ્રદયમાં અનુકંપા સિવાય કશું જ નથી’. સ્નેહનાં ડુસકા સાંભળતો બીજો છેડો પણ દ્રવિત હતો !
કોલેજમાં બેંગ્લોર ખાતે જ્યારે દ્રષ્ટી જવા તૈયાર થઇ ત્યારે તેને ગમતી બધી વસ્તુઓ ગણી ગણીને રોમાએ દ્રષ્ટીને અપાવી. ત્યારે તે ગળ ગળી થઈ ને કંઇ કહેવા જતી હતી ત્યારે રોમા બોલી. હવે કોલેજમાં સમયસર તાસ ભરજે. સહુ પ્રથમ ભણવાનાને મહત્વ આપજે. ‘નો મોર બોય ફ્રેંડ જ્યાં સુધી ગ્રેજ્યુએટ ના થાવ’. દિકરીને માએ રૂડા આશિર્વાદ આપ્યા ત્યારે તો શિશિર પણ જોઇ રહ્યો હતો. સ્નેહની દીકરી છે. સ્નેહ જેવીજ રુપાળી, રોમા આંટી સમયસર ચેતવણી અને વહાલ આપતી હતી. શિશિર બોલ્યો જિંદગી આનંદથી જીવવી હોય તો આ ચાર વર્ષ કડક મજુરી કરી ઉજળી કારકિર્દી બનાવો નહીતો કદી જીંદગીમાં કશું બની શકવા સમર્થ નહી રહો ! મજુરી કરીને બેવડ થઇ જશો.
પપ્પા, આંટી તમે બંને જે કહો છો તે હું સમજુ છું મને જો કાંઈક બનવાની તમન્ના ન હોત તો હું બેંગ્લોર દૂર સુધી ભણવા શામાટે જાત? હું તો ભણીને એમ.બી.એ થવા માટે જાંઊ છું.
દર વખતે રજાઓમાં ઘરે આવતી દ્રષ્ટી આ વખતે બહું ગંભીર હતી. શિશિરની નજરે તે તરત નોંધ્યું . બાપની પ્યાર ભરી નજર બાળકો દ્વિધામાં હોય તે વગર કહે સમજી શકે! શિશિરે પુછ્યુ ,“બેટા કેમ ઉદાસ છો?”
“મારી રુમ પાર્ટનર ઇલાક્ષીની મમ્મી જ્યારે પણ મળવા આવે છે ત્યારે મને મારી સ્નેહ મમ્મી બહુ યાદ આવે છે.”
“તેમાં નવું શું છે,બેટા ? લોહી તો ઉછાળા મારે ને?” સહેજ હળવા અવાજે ટહુકો કરતા રોમા બોલી.
“ રોમાઆંટી મમ્મીને હું મળવા જઇશ તો તમને અજુગતું નહીં લાગેને?”
“ના રે ના જરાય નહી. પણ જ્યારે મળવા જાવ ત્યારે ભુલવાનું નહીં કે તે ‘મા’ છે.” રોમા સહજ રીતે બોલી. શિશિર તેને જોઇ રહ્યો” દ્રષ્ટી પુખ્ત થઇ ગયેલી હતી. તે સમજી રહ્યો હતો કે દિકરીને પાંખ આવી ગઈ છે. મનની વાત કરવા સહિયર કરતા માવતર વધુ શ્રધ્ધેય હોય.
“ જે વાત તુ મમ્મીને કરવા જાય છે તે કરીને રોમાને દુઃખી ના કરીશ. તે પણ શ્રધ્ધેય છે. એમ કરીને તુ રોમાને માન આપીશ. આમેય ભૂતકાળમાંથી શીખ જ લેવાની હોય. ભૂતકાળ જીવાય નહી!”
“ પપ્પા તમે સાચા છો . કોણ જાને કેમ મારું દિલ કહે છે, કે મમ્મીને પુરતી સજા થઇ ગઇ છે.”
દીર્ઘ ત્યારે બોલ્યો, ” મમ્મી આપણ ને સૌને ધીક્કારે છે તે ખબર છે ને દીદી?”
“ હા પણ મમ્મી ,પપ્પાની ગુનેગાર પહેલી છે. આપણી પછી છે. પપ્પા હવે કંઇ રોમા આંટીને છોડીને જવાના નથી. તો જે જળ વહી ગયુ તેની પાછળ હવે અફસોસ કરવા કરતા આજથી નવી શરુઆત કરીયે તો?” આખરે તે આપણી ‘મા’ છે. જેને આપણને નવ મહિના ઉદરે પાળ્યા હતા!
રોમાનાં ટેન્સ થતા ચહેરાને જોતા શિશિર બોલ્યો. ” મારું માનવું છે કે ઝેરનાં પારખા ના હોય. ખબર છે કે ત્યાં જઇને દુઃખ જ મળવાનુ છે તો શીદને પેટ ચોળી ને શૂળ ઉભુ કરવું?
રોમા કહે આપણે વચલો રસ્તો કાઢીએ. મમ્મીને મળવા જવાને બદલે સારી હોટેલમાં જમવા માટે મળીયે. હું પણ સાથે આવીશ તે મમ્મીને પહેલા જણાવી દઇશું.
“ભલે તેમ. દીર્ઘ તુ પણ આવીશને?”
“હા. પણ મને હોટલમાં ખાવામાં રસ છે. મમ્મીને મળવામાં નહીં .”
શિશિર ગંભિરતાથી બોલ્યો અત્યારથી લખી રાખજો કે છુટા પડતી વખતે બધાય રડતા આવવાનં છો. મને કોણ જાણે કેમ સ્નેહ રડે, રોમાઆંટી રડે, કે દ્રષ્ટી રડે તે ગમતું નથી. ફોન ઉપર વાત કરી લો ને. દીર્ઘ થોડો વંકાયો પણ સાંજે પપ્પાની સાથે બહાર જમશે તે નક્કી રહ્યું.
દ્રષ્ટી એ પપ્પાની વાત માની અને ફોન કર્યો. સામેનો છેડો બીઝી હતો. સંદેશો મુકાયો “ મોમ! દ્રષ્ટી બોલુ છું. તને ફક્ત લવ યુ કહેવા ફોન કર્યો હતો. બેંગ્લોરથી ઘરે આવી છું. કાલે પાછી જઇશ. અનુકુળતા હોય તો ફોન કરજે.”
બે કલાક પછી ફોન ઉપર સંદેશો હતો “ બટ આઇ ડોન્ટ વોન્ટ ટુ બીલીવ ઇટ , ઇઝ ઈટ ટ્રુ. હશે રોમાની કોઇ નવી ચાલ! આઇ હેટ યુ ઓલ.”
શિશિર અને દીર્ઘને આ સંદેશાથી બીલકુલ નવાઇ ના લાગી. દ્રષ્ટી ખુબ રડી. રોમા રડતી દ્રષ્ટીને સંભાળવા મથતી રહી. કદાચ હજી સોના સ્નેહને ભંભેરતી હશે ! રોમા તો સંપૂર્ણ નિર્દોષ હતી. તે દ્રષ્ટી જાણતી હતી. નિયંતા એ જે ર્ધાર્યુ હશે તેમ થશે માની ને ખુબ જ ભગ્ન હૈયે તે બેંગ્લોર પાછી જતી હતી ત્યારે શિશિર બોલ્યો “ બેટા સ્નેહ મા છે. તેણે તને જન્મ આપ્યો છે. તેના માટે તારા હૈયાને એટલું ન દુભવીશ કે માતા તરીકે તેનો જન્મ જાત ઉપકાર તું ભુલી જાય. જિંદગીમાં દશી વિશી તો આવ્યા જ કરે ભૂતકાળને સ્નેહની જેમ તારા વર્તમાન કાળમાં ના લાવીશ.”
દ્રષ્ટી પપ્પાને જોઇ રહી. કેટલું સત્ય કહ્યું તેમણે. મમ્મી હજી ભૂતકાળમાં જીવે છે. બાકી બધા તેને છોડીને આજમાં આવી ગયા છે.
જિંદગી ચાલતી રહી એની નિર્ધારીત ગતિએ. ઘણા પ્રસંગો બન્યા જ્યાં સહજ રીતે આ ખાઇ પુરાઇ જતે.
બંને જણા કૉલેજમાં આવ્યા, દીર્ઘ ડૉક્ટર થયો અને દૃષ્ટિએ એમ.બી.એ. કર્યું. શિશિર અને રોમા ખૂબ શાંતિ પૂર્વક જીવન જીવી રહ્યા. શિશિર આજે પણ એવો મસ્તરામ છે. રોમાને તેનો હસમુખો સ્વભાવ ખૂબ ગમતો.
સ્નેહને ખરેખરો ઝાટકો ત્યારે લાગ્યો કે તેની સખી સોના સનત સાથે વધુ સમય ગાળવા માંડી.
તેના પુરુષ જાત માટે અભિપ્રાયો બદલાતા ગયા.
સોના હવે સ્નેહ સાથે રહેતી નહતી. તેને લગ્ન કરીને સંતાન જોઇતા હતા. આગળ સમીરથી તેને કોઈ બાળક ન હતું, સનત પાસેથી નાનકડી ઢીંગલી જોઇતી હતી.
એકલતાનાં મુંગા રુદનો રડી રડીને થાકી ગઇ હતી. સોના સદા એકલા રહેવું અને વર નામનું બંધન ના જોઇએ વાળી વાતો ભુલી ચુકી હતી.
તેનું હૈયું વારંવાર તેને ફટકારતું હતું “ મુરખ જાતે ઉઠીને સુંદર સંસારમાં આગ લગાડી રોમા ખરાબ, શિશિર ખરાબ છોકરા નાદાન. જાણે તે જ એકલી શાહુકાર. તેનો કોઇ ગુનો જ નહીં? પેલા ‘અન્યનું તો એક વાંકુ આપના અઢાર છે’ ની જેમ હવે એકાંતનાં પડઘાઓમાં બીજી બાજુ પડઘાવા લાગી. તેણે ધાર્યુ હોત તો તે બચાવી શકી હોત, તેનું લગ્ન જીવન? તેના સંતાનોનું માન અને તેના વહાલની ગંગા વહી શકી હોત! તેના વિચારો તેને ઝંપી ને બેસવા દેતા નહતા .
દરેક સગુવહાલુ તેને જ દોષ દેતું અને નત મસ્તકે તે સ્વિકારીને ચાલી આવતી. સહેજ એકાંત મળે અને ભૂતકાળ ઉભરાયા કરે. શરીર લથડ્યુ. બી.પી. અને ડાયબીટીસ વકર્યો. તેના મનને શાંતિ નહોતી મળતી. વળી સોનાએ કરેલો વિશ્વાસઘાતનો સામનો હવે સુખી શિશિર અને રોમાનાં લગ્ન જીવનને જોતા તે ડરી જતી. તેનું મન તેને માફ નહોતુ કરી શકતું કે તેણે જાતે જ કાચા કાનને કારણે સુખી લગ્ન જીવન વેડફી નાખ્યું. નોકરીમાંથી લે ઓફ મળ્યા પછી તો તે એક્દંડીયા મહેલ જેવા તેના મકાનમાં પેલી કાયમ રડતી રાજકુમારી ની જેમ મુરઝાતી જતી હતી. બધા છે છતાં કોઇ નથી! જે પણ જિંદગીમાં થોડા સમય માટે આવે તેના ઉપર શંકાઓ કરી કરી ભગાડી મુકતી. છૂટાછેડા લીધેલી વ્યક્તિઓ સાથે જ્યારે પણ તે વાત કરતી ત્યારે તેને થોડીક રાહત થતી. પણ સુખી દાંપત્ય જીવન કોઇક્નું જોયું અને તરત જ તેનું મન આર્દ્રતાથી ભરાઇ જતું.
આજે અચાનક ‘કૉપર ચિમની’માં બધા ડિનર લઈ રહ્યા હતાં. ત્યાં સ્નેહ અને સોના બે પુરૂષો સાથે આવ્યા. તેમની સાથે નોકરી કરતાં હતાં. સ્નેહ, શિશિરને બાળકો તથા રોમા સાથે જોઈ ખચકાઈ. આંખ આડા કાન કર્યા. બાળકો ઉભા થઈને મમ્મીને પ્યારથી મળી પાછાં આવ્યા.
શિશિરતો હવે રોમાના પ્યારમાં ગળાડૂબ રહેતો.
સ્નેહને આજે ખાલીપાનો ભરપૂર અહેસાસ થયો. તેના અંતરના ગોખલે દીર્ઘ અને દૃષ્ટિ જેવા બે દીવા પ્રગટ્યાં હતાં.સહેલીની વાતોમાં આવી પોતે જ પોતાનું ખાલીપણું આવકાર્યું હતું! રહી રહીને તેને આજે વિચાર આવ્યો શું આ સ્થિતિ તેણે જાતે નોતરી હતી -?
ખાલીપો મહદ અંશે માણસ ને મુરઝાવી નાખતો હોય છે. દરેક જગ્યાએ અવિશ્વાસ અને શંકાથી જોવાની પડેલી આદતને કારણે, વિતેલ ભૂત જેવી પરિસ્થિતિ તેને હમેશા ડરાવતી!
સોના, સનત સાથે જ્યારે નાની ઢીંગલીને લઇને મળવા આવી ત્યારે સ્નેહે તેને ખુબ ખરાબ રીતે ગાળો દીધી . બોલી પણ ખરી કે તુ સહેલી નથી દુશ્મન છે. હું તો હવે ખુબ જ ઉબાઇ ગઇ છું. આ અર્થહીન જિંદગી જીવતા જીવતા. સોના નો વર સનત વારંવાર કહેતો ભૂતકાળ ને દુર કરવા કંઇક સકારાત્મક કામ કરો.
ફરીથી તે આંસુનાં વનમાં સરી પડી. નાનુ કુરકુરિયું, જ્હોની ભસતુ રહ્યું. જો કે જ્હોની વફાદાર હતુ તે સ્નેહનાં આંસુ અને તેનો સારો મૂડ સમજતો. આવીને ગોદમાં લપાતો ત્યારે સ્નેહને ગમતું! પણ જ્હોની ઓછું દીર્ઘ કે દ્રષ્ટી છે ? જે માને છાની રાખે અને વહાલ કરે?
શિશિરનાં હૈયે કદીક સ્નેહ માટે ભાવ જાગતો. સંતાનોને સમજાવે, ધ્રુસકે ધ્રુસકે રડતી સ્નેહ વીશે વિચારે ત્યારે સંતાનો પણ દ્રવી જતા. પણ જેવા તેની નજીક જાય ત્યારે સ્નેહ ભૂતકાળનું બચકું ભરતી. તેને તાણ આવી જતી.
એ દિવસ પણ આવી ગયો જ્યારે દ્રષ્ટીનાં સંતાન ને દુરથી જોતા તેણે દેહ છોડ્યો . ભગવાન ને જાણે પોતાના પ્રાયશ્ચિતની કથા કહેવા જતી હોય તેમ.
બદલાતા બદલાવની સાથે જે નથી બદલાતુ તે એક દિવસ મટી જાય છે.
એક ડાયરી શિશિરને ઘરમાંથી મળી.
જેમાં લખાણ હતું,
રોમા
તારો આભાર, મારા શિશિર સાથે સુખી જીવન જીવવાનો. હું તો અંદરથી ખુબ ગંધાતી હતી. શિશિરને ગાળો દીધા પછી મને ખૂબ પસ્તાવો થયો. મારા બંને બાળકોને સારી રીતે સંસ્કૃત કરવા માટે તારો આભાર . શિશિર તો સમજી જ ગયો હશે કે ભૂતકાળનાં બચકા હું સૌને એટલા માટે ભરતી હતી કે મારુ મન ઉબાતુ જતું હતું. મારી આ ગંધ બાળકોને કે શિશરને ના અડી જાય તેથી બેવડું જીવન જીવતી હતી. નાટકો કરતી હતી.
બધી મિલકત બંને છોકરાઓને નામે કરી છે. શિશિરને કહેજે કે,’ એની સ્નેહ તેને કદી ભુલી નથી , નથી કોઇ તેને માટે ફરિયાદ’. ફક્ત અફસોસ એટલો છે, કે નાદાની ને કારણે આ ભવ એળે ગયો. મને માફ કરી દે. તારી સાથે તે સુખી રહી શકે છે તે તેનું પૂણ્ય છે. મેં અભાગણીએ તો હીરાને કાચ સમજી ને ખોયો છે. પ્રભુને પ્રાર્થના કે ભવો ભવ હું તેનાથી દુર રહું.
સ્નેહ.
શિશિર પહેલી વખત સ્નેહ માટે રડ્યો ત્યારે રોમા સહિત ઘરનાં બધાંની આંખમાં આંસુ હતા. તેણે આખી જિંદગી સૌને હસાવ્યા આજે તે રડતો હતો કારણ કે ‘તે સાચા મનથી ઇચ્છતો હતો કે તેની સ્નેહ હસે’. આનંદમય જીવન જીવે. તેનો તે પહેલો પ્રેમ હતો. સ્નેહે તેને ધુતકાર્યો કોઈ વાંક ગુન્હા વગર. સ્નેહ ઉપર તેનો ગુસ્સો અકબંધ હતો. છતાં પણ થોડાક અંશે તેને થતું હતું કે તે સ્નેહ માટે હજી વધુ કંઇક કરી શક્યો હોત.
રોમાની હુંફે તે આઘાત સહી ગયો. પણ સ્નેહ તેની ભૂલની બહુ મોટી સજા ભોગવીને ગઇ. તે હ્રદય થી ઇચ્છતો હતો કે સ્નેહ બીજો સાથી શોધી કાઢે. પણ ના, તે જાણતો હતો સ્નેહ એવું નહી કરી શકે. તેણે એવુ ન કર્યુ. એકલતાનું વિષ પીધું અને જાણી જોઇને તેની નજીક કોઇને આવવા ન દીધા. તે જોઇ શકતી હતી કે તેની ભૂલ તેના સિવાય કોઇને ના સ્પર્શે અને તેથી જ્યારે પણ કોઇ નજીક જાય ત્યારે સહુને ભૂતકાળનું બચકુ ભરતી. પછી એકાંતની પળોમાં ખુબ રડતી વારંવાર પ્રભુને કહેતી તેનો શિશિર અને બંને સંતાનો ખુબ જ સુખી રહે . મા હતી ને!
1452109_672654892769278_1110309171_n Rekha patelસ્નેહ- રેખા પટેલ
પાર્ટીમાંથી પાછાં ઘર તરફ જઈ રહ્યા હતાં. શિશિર સ્વસ્થતાથી ગાડી કાર ડ્રાઈવ કરતા હતાં. હું તેની પાસેની સીટમાં બેઠી હતી.
મારી મસ્તીમાં અને રહી રહીને હું શિશિરને છેડતી હતી. મસ્તીમાં કદાચ આજે મારાથી એકાદ પેગ વધારે પીવાઈ ગયો હતો !આમતો હું ડ્રીંક ની શોખીન નહોતી, પરંતુ જ્યારે પણ કોલેજના મિત્રો આમ એકઠા થતા ત્યારે બધાજ પોતપોતાનું દુખ ભૂલી જાણે કોલેજની દુનીયામાં એક્મેક્ના સાથી બની જીવી લેતાં. સહુ પોતપોતાના જુના શોખ જીવંત કરી મસ્તીથી કેટલીક ક્ષણો તાજી કરી લેતાં .
આજે તો વેલેન્ટાઇનની સાંજ હતી. આજની પાર્ટીમા ખાવા પીવાથી માંડી બધી વ્યવસ્થા ખૂબ સુંદર હતી. પાર્ટી એક ફાઈવસ્ટાર રેસ્ટોરન્ટના બેકયાર્ડમાં, ઝીણી ઝરમરતી ઝબુકતી લાઈટોના માંડવા નીચે ગોઠવાઈ હતી. વચમાં અનેક રંગીનીયા વેરતો ફુવારો હતો. તેમાં છંટાતા પાણી સાથે સેન્ડલ વુડની સુગંઘ પ્રસરી રહી હતી. ચારે બાજે જાણે પ્રેમની વર્ષા વરસતી હોય તેવું લાગતું. માદક, મધુર અને મહેકતું વાતાવરણ હતું, આવો રંગીન માહોલ અને શિશિરનો સાથ મને વગર પીધે નશો ચડાવતા હતા.
આજે મસ્તીમાં કોલેજ મિત્રે મારા વાઈનમાં કઈક બીજું મિક્સ કરી કોકટેલ કરી દીધું જેને કારણે મને નશો જરા વઘારે થઇ ગયો. મસ્તીમાં ને મસ્તીમાં હું રોમેન્ટિક થઈ ગઈ હતી.
“શિશિર કોઈ મસ્ત ગીતની સીડી પ્લે કરો,
હમ તેરે બિન કહી રહ નહિ સકતે તેરે બીના ક્યા વજૂદ મેરા”
તુજસે જુદા અગર હો જાએંગે તો ખુદસે ભી હો જાએંગે જુદા ”
પ્લેયર માંથી શબ્દો સરી રહ્યા હતા. હું, શિશિરના લાખ ટોકવા છતાં તેની સાથે અડપલાં કરી લેતી., તેમને પણ અંદરખાને આ બધું ગમતું હતું.

હું, શિશિરને સંગિતના જલસામાં ભટકાઈ. એ જલસામાં મને પ્રથ્મ ઈનામ પ્રાપ્ત થયું હતું. સંગિતનો રસિયો શિશિર ત્યાર પછી મારો દીવાનો થયો. સોનાને સમીરની લેબમાં ‘લેબ ટેકનિશિયનની નોકરી મળી. સમીરને સોના પહેલા દિવસથી પસંદ પડી હતી. પણ તે જાણતો હતો, પ્યારમાં ઉતાવળે આંબા ન પાકે. ધિરજ અને સાવચેતી પૂર્વકનું તેનું વર્તન સોનાને પામવા સફળ બન્યું. રોમા તો શિશિર સાથે કૉલેજમાં હતી.

શિશિર દેખાવમાં સુંદર અને મસ્તીખોર તેટલોજ લાગણીશીલ યુવાન હતો. તેમાય પૈસાદાર પિતાનો પુત્ર હતો. તેને નાનો ભાઈ અને બહેન હતા. તેની માતા તેને બચપનમાં જન્મ આપી પ્રભુ દ્વારે ગઈ હતી. માતા સાવકી હતી તેની શિશિરને ગંધ સુદ્ધાં ન હતી. અપરમાએ તેને ખૂબ પ્યાર અને સુંદર સંસ્કાર આપ્યા હતાં.
હું એટલે કે સ્નેહ,પણ મારા માતાપિતાની લાડલી એકની એક પુત્રી હતી. થોડી જીદ્દી પણ લાગણીથી છલોછલ હતી. રૂપાળી પણ હતી ખરું પૂછો તો દુનિયાની દૃષ્ટિએ. શિશિર મને બહુ પસંદ પડ્યો. તેનો રમુજી સ્વભાવ અને વાત કરવાની છટા પર હું મુગ્ધ થઈ ગઈ.
મેં અમારી બહેનપણીઓની વચમાં જાહેર કરી દીધું હતું કે “શિશિર મારો છે કોઈ નજર ન રાખશો તેની ઉપર. સોનાડી, તું તો તેનાથી દુર રહેજે તને કહી દઉ છું ! મને રોમાની બીક નથી તે તો આમ પણ તેના ઘર અને જવાબદારીઓની વાતોમાંથી નવરી નથી થતી. પણ હું તને બરાબર જાણું છું .” કહી સોનાને હસતા હસતા ચીમકી આપતી.
બધા હસી પડતા છેવટે શિશિર સાથે મારા લગ્ન ઘરના બધાની સંમતિથી નક્કી થઈ ગયા
સમીર કોલેજ પતાવ્યા પછી રેડીયોલોજીસ્ટ થયો હતો. તેના પપ્પા ડોક્ટર હતા. તેમની પોતાની હોસ્પિટલ હતી તેથી તે તેમાં ખૂબ સહેલાઇથી ગોઠવાઈ ગયો હતો. સમીરે પોતાની એક અલગ લેબ ખોલી હતી.
સોના આગળ ભણી લેબ ટેક્નિશ્યન બની ગઈ. સોના, સમીરે ખોલેલી લેબમાં નોકરી મળી ત્યારે ખુશીથી ઉછળી રહી.
સોના પહેલેથી મહત્વકાંક્ષી હતી. તેને સમીર અને પોતાની પ્રગતિ જોતા થઇ આવ્યું કે જે જિંદગીની ખેવના કરી હતી તે અંહી જીવી શકાશે. અનુકૂળતા અને સંજોગો બંનેએ સુંદર ભાગ ભજવ્યો. સમીર સાથે પ્રેમ થયો અને વડીલોના આશિર્વાદ મેળવી તેની સાથે પરણી ગઈ.
અમારા મિત્ર વર્તુળમાં બાકી રહી રોમા ,સ્વભાવે શાંત પણ સુંદર હતી. તેની આગવી સ્ટાઈલથી સામે વાળાને આકર્ષી લેતી . પિતાજીની બાંધી આવક અને ઘરની સૌથી મોટી દીકરી હતી જેથી તેને બસ આગળ ભણીને સારી ફર્મમાં નોકરી કરવી હતી. તેના નાના ભાઈ બહેનોને ભણાવી તેમનું ભવિષ્ય બનાવવું હતું . તે માટે તેને તેની યુવાનીનું બલીદાન આપ્યું. આથી અમારા બધા માટે તે એક મિશાલ બની ગઈ. સૌથી લાડલી પણ હવે અમે જ્યારે ભેગા થતા બધા તેનું ખાસ ઘ્યાન રાખતા જેથી તે એકલી છે એવું એને મહેસુસ ન થાય. શિશિર તેના સ્વભાવ મુજબ રોમાને ખાસ મહત્વ આપતો.
શિશિર માસ્ટર કરી એમ.કોમ. પતાવી તેના પિતાના બીઝનેસમાં જોડાઈ ગયો હતો. અમારા લગ્ન પછી શિશિર મને પલકો ઉપર રાખતા હતા. જાણે કોઈ ફૂલ પરી હોઉં તેમ અછોવાના કરતો.

આવા સ્વપ્ન સમાન દિવસો પાંખો ઉપર આવતા હોય છે. જોતજોતામાં લગ્નના ૧૨ વર્ષ ક્યાં પસાર થઈ ગયા ખબર પણ ન પડી.આ દરમિયાન મારે બે બાળકો દીકરો દીર્ધ ૧૦ વર્ષનો ૧૨ વર્ષની દીકરી દૃષ્ટિ. દૃષ્ટિ અમારી ‘હનીમૂન’ બેબી હતી.
અમારા ચાર જણાનું સુખી કુટુંબ હતું . આ તરફ રોમાં હજુ પણ એકલી હતી. કુટુંબની જવાવાદારીઓ પૂરી કરતા તેની ઉંમર વહી જતી હતી.
સોના અને સમીરના જીવનમાં એક ઝંઝાવાત આવી ગયો હતો. જેમા બંને એકબીજાથી અલગ થઈ ગયા.
અમારા મિત્ર વર્તુળમાં વાત હતી કે સોના પૈસાની લાલચુ હતી. હમેશા સમીર પાસે તેના સિધ્ધાંત વિરુદ્ધ કામ કરવા ઉશ્કેરતી હતી કારણ સોના ને પૈસો અને એશોઆરામ નો ટેવ પડી ગઈ હતી.
એક અંગત મિત્ર તરીકે મેં સોનાને સમજાવી હતી કે,
“જિંદગીની ગાડી હાલક ડોલક થાય નહી માટે આ બંને પૈડા વચ્ચે સમતોલન જાળવવુ અંત્યત જરૂરી છે. જો સ્વસ્થતા અને સમજદારીના સમતોલ ભારથી તેને જાળવી જાણો તો જીદગી સરળતાથી પસાર થાય છે. જો તેનું યોગ્ય પ્રમાણ ના જાળવો તો ચાલુ સફરમાં તમને દગો આપી બેસે છે, ”
હું જાણતી હતી કે તે આમ પણ સ્વભાવે બીન્દાસ હતી. પરંતુ મારી અંગત ફ્રેન્ડ હોવાના કારણે હું આ બધી વાતોને અફવા ગણાતી હતી. સમીર એવી સુંદર વ્યક્તિ હતો તેથી તેની સારપ ઉપર મને વિશ્વાસ હતો .
છતાંય સમીરે સહન કરી પાંચ વર્ષ ખેંચ્યા. અંતે બને જણાએ છૂટાછેડા લીધા.
આજના જમાનામાં ભણેલી યુવાન છોકરીઓને મોટા પે ચેક આવતા હોય છે. ડિવોર્સ નાં બદલામાં મોટી રકમ મળી હતી આથી સોના તેની લાઈફમાં ખુશ હતી
વર્ષમાં બે વખત બધાજ મિત્રો ભેગા થતા જેમાં આ બંને પણ શામિલ હતા. ત્યારે તો સોના પણ સમીર સાથે બેચાર વાત કરી લેતી હતી. કદાચ એ માહોલ જ એવો હતો મસ્ત અને રંગીનતાથી ભરપૂર .પાર્ટીમાંથી પાછાં ઘર તરફ જઈ રહ્યા હતાં. શિશિર સ્વસ્થતાથી ગાડી કાર ડ્રાઈવ કરતા હતા અને હું તેની પાસેની સીટમાં બેઠી હતી મારી મસ્તીમાં અને રહી રહીને હું શિશિરને છેડતી હતી મારી મસ્તીમાં કદાચ આજે મારાથી એકાદ પેગ વધારે પીવાઈ ગયો હતો ,આમતો હું ડ્રીંક ની શોખીન નહોતી પરંતુ જ્યારે પણ આમે કોલેજના મિત્રો આમ એકઠા થતા ત્યારે બધાજ પોતપોતાનું દુખ ભૂલી જાણે કોલેજની દુનીયામાં મેક્મેક્ના સાથી બની જીવી લેતા , સહુ પોતપોતાના જુના શોખ જીવંત કરી મસ્તીથી કેટલીક ક્ષણો તાજી કરી લેતાં.
પાર્ટી એ તો જીવનમાં રંગત આણી દીધી. આજની એનિવર્સરીની પાર્ટી જોરદાર હતી. શિશિરને પણ આજની પાર્ટીમાં બહુ મઝા આવી હતી. તે આમ પણ ડાન્સના શોખીન હતા ખૂબ આનંદ સાથે મન મોકળા મને ડાન્સ કર્યો હતો. અમે બંને જણા ઘરે પહોંચ્યા ત્યારે ઘડિયાળ બે વાગ્યાની સૂચના આપી રહી હતી.
ઘરે પહોચ્યા પછી શું થયું તેના વિષે મને કઈ ખાસ ઘ્યાન નાં હતું. શિશિરે મારા કપડા ચેન્જ કરી સુવાડી દીધી. મને જરા રાતના ડ્રીંકની અસર જોરદાર થઈ હતી.
બીજે દિવસે રવીવાર હતો. આરામથી ઉઠવાનું હતું બરાબર દસ વાગે મારી આંખો ખુલી નોકર નયન સવારે બે કપ ચહા અને હળવો નાસ્તો બાલ્કનીના ટેબલ ઉપર મૂકી ગયો. હું બ્રશ કરી માથું પકડીને બહાર આવી ત્યારે શિશિર ત્યાં મારી રાહ જોતા હતા. મને જોઈ હસવા લાગ્યા અને ગઈ કાલની બીના વિગતવાર સમજાવી, હું થોડી શરમાઈ ગઈ અને મસ્તીમાં આવી બબડી ઉઠી,
તમે આવ્યા ને મારી જિંદગી જાણે ચમકતું ઘર થયું
વિતાવી પળ તમારી સાથ ને મનડુ મસ્તીમાં તર થયું
હું ખુશ હતી કે કેટલો સમજદાર જીવનસાથી મળ્યો છે. બે સુંદર બાળકો હતા સાસુ ,સસરા નાના દિયર સાથે તેના અલગ ઘરમાં રહેતા હતા કારણ તેના બાળકો હજુ નાના હતા તેથી મારે બીજી કોઈ ઝંઝટ ના હતી।
પરંતુ મને જાણ ન હતી કે મારી આ ખુશી ને પાંખો આવી છે. થોડા સમયમાં ઉડી જવાની છે. રવિવારે અમે બાળકોને લઇ સાજે બહાર જતા. આ અમારો નિયમ હતો આખો દિવસ આમ પસાર થઇ ગયો.
સોમવાર સવાર દોડાદોડીમાં પૂરી થતી. નયન મારા બંગલાની પાછળજ રહેતો હતો. તેથી સવારથી મારી મદદમાં હાજર રહેતો. પરતું બાળકોને નાસ્તો હું મારા હાથે બનાવી આપતી અને શિશિરને ઓફીસ જવા માટે તેમના કપડાંથી લઇ બ્રિફકેસ સુધીનું કામ મારે માથે। બસ બધાને પ્રેમથી બાય કહી હું હાશ અનુભવતી. પછી મારા કાળા લાંબા વાળાને અંબોડામાં બાધી હું થોડી વાર મ્યુઝીક લગાવી સોફામાં આરામથી આડી પડી ન્યુઝપેપર વાંચતી. આ મારો સોમવારથી શુક્રવાર સુધીનો સવારનો સમય હતો.
હું વાંચતી હતી ત્યાજ સોનાનો ફોન આવ્યો ” હાય, ડાર્લિગ શું કરે છે ”
“બસ જો બાળકો અને શિશિરને વિદાય કરી, હવે હું અને મારી મસ્તી ” કહી ખડખડાટ હસી પડી.
“હા, તું આમ મસ્તીમાં રહે અને રોમા તને એક દિવસ સસ્તી બનાવી દેશે ” તે કટાક્ષમાં બોલી!
હું ચિલ્લાઈ પડી ” શું બોલે છે ભાન છે તને ? રોમા મને શું કામ સસ્તી કરે ?
ડાર્લિંંગ, તું બહુ ભોળી છે તને આ દુનિયાનો અનુભવ નથી. તું મને પૂછ, હું તો જમાનાની ઠોકરો ખાઈ બધું જ સમજી અને જાણી ગઈ છું. તે ફોનમાં બોલાતી હતી અને મને કઈ સમજાતું ન હતું.
તે્ણે આગળ વધાર્યું ” જો સ્નેહ તું , હું અને રોમાં સાથે કૉલેજમાં હતાં. પણ હું તારી તે પહેલાની ફ્રેન્ડ છું. તને દુખ થાય તેવું નથી ઈચ્છતી. હું તને કેટલાય વખતથી કહેવાની હતી કે જ્યારે પણ રોમા, શિશિરને જુવે છે તેની આંખો બદલાઈ જાય છે. અત્યાર સુધીની તેની એકલતા હવે તેને કઠવા લાગી છે. આમેય તેની નજર કોલેજના વખતથી તારા વર ઉપર હતી અને હવે જૂની યાદો ફરીથી તેની ઉપર સવાર થઈ ગઈ હોય એવું જણાય છે.
હું માથું હલાવતા બોલી ઉઠી “નાં સોના એવું કઈ નાં હોય. તું નકામું વિચારે છે અને શિશિર તો મારા સિવાય બીજા કોઈને જુએ પણ નહી. ”
ના, જો સંભાળ હું હવામાં તીર નથી છોડતી સાચું કહું છું. કાલે તું તો નશામાં ઝૂમતી હતી અને રોમાં શિશિર સાથે સાવ નજીક આવીને ડાન્સ કરતી હતી. એક વખત તો તેને જાણી ને પડવાનો ડોળ કર્યો અને શિશિરે તેને બંને હાથમાં ઝીલી લીધી. આ મેં મારી સગી આંખે જોયું હતું.,
આ પહેલા એક દિવસ હું મારી મિટીંગ રેડિયો ક્લબમાં હતી, ત્યાં મેં રોમા અને શિશિરને સાથે કોફી અને સે્ન્ડવીચ ખાતા જોયા હતા. મને જોઈ બોલ્યા અમે અલગ અલગ મિટીંગમાં આવ્યા હતા કામ પતી ગયું તો કોફી પીવા ભેગા થયા તું પણ જોડાઈજા અમારી સાથે .
પણ હું બીઝી હતી મેં નાં પાડી.
મારા મનની ઘણી ના છતાંય સોના મારા ઉપર હાવી થતી જતી હતી. હવે મારું મન પણ ચકરાવે ચડી ગયું. જેમ તેમ વાતો ટુંકાવી મેં ફોન મુક્યો. પણ શંકાનો કીડો જન્મી ચુક્યો હતો અને સમયાંતરે સોના તેને પોષણ પૂરું પાડતી હતી.
કેટલાક દિવસોથી શિશિર કામને કારણે મોડા આવતા અને મને તેનું કારણ રોમાં ની દોસ્તી લાગતું હતું. પરતું કોઈ સબુત વગર હું કોઈ વાત ઉખેડવા માગતી ન હતી.
મારે એક પાર્ટીમાં જવાનું હોવાથી હું જુહુ પાસે મારી ફેવરેટ બુટીકમાં ડ્રેસ ખરીદવા જતી હતી. કામ પતાવી બહાર નીકળતી હતી ત્યાં બહાર એક ગાડીમાં શશિર સાથે રોમાને જતા જોઈ મારું મગજ ફાટી પડ્યું.
સાજે શિશિર ઘરે આવ્યા અને લાંબી કોઈ વાર્તા લાપ વગર મેં સીધે સીધું પૂછ્યું
” શિશિર આ શું ચાલી રહ્યું છે ? હું તમને શું નથી આપતી કે તમારે બહાર શોધવા જવું પડે છે ? મારી પાસે શું નથી જે રોમા પાસે છે ‘?
” અરે તું શું બોલે છે ? શિશિર દિલથી હચમચી ગયા હોય એવું મને લાગ્યું !
હા, હું બરાબર કહું છું . હું જાણું છું બે બાળકો પછી પહેલા જેવી નથી છતાય સુંદરતા હજુ અકબંધ રાખી છે. તમારી રોમાડી કુંવારી છે પણ ઉમંરમાં મારા જેવડી જ છે ” કહી હું ગુસ્સામાં તમતમી ગઈ.
ઘણી તું તું મેં મેં થઇ ગઈ . હું ગુસ્સાથી હાથમાં પર્સ લઈ ગહાર નીકળી ગઈ . જતાં જતાં રસ્તામાંથી સોનાને ફોન જોડ્યો સાંજનો સમય હતો સોના પણ ફ્રી હતી મને નજીકની રેસ્ટોરાંમાં મળવા કહ્યું . તેને જોતાની સાથે મારો દબાવેલો ગુસ્સો આસુઓના ઘોધમાં વહાવી દીધો.
બદલામાં સોના મારી સાથે આગમાં ધી હોમવાનું કામ કરતી રહી!
વારંવાર મને સમજાવવાની કોશીશ કરી રહી હતી કે, મારે સહી સમય ઉપર બધું સંભાળી લેવું જોઈએ.
છેવટે મોડી સાજે હું ઘરે પહોંચી શિશિર બંને બાળકોને જમાડી સુવાડીને મારી રાહ જોતા બેઠા હતા. મને જોતા તરત ચિંતામાં બોલ્યા સ્નેહ તારો ફોન ઓફ છે ? જો મેં કેટલા ફોન કર્યા ! આટલો ગુસ્સો કેમ કરે છે ?
તું મને જાણે છે મને તારા સિવાય બીજા કોઈનામાં રસ નથી. તું સમજવાનો પ્રયત્ન કર. યાદ રાખજે સોના તને અવળે રસ્તે ચડાવે છે.
પણ શિશિરની વાતોની કોઈ અસર મારી ઉપર થતી ન હતી કારણ શંકાનું મજબુત પડ મારી આજુબાજુ રચાઈ ગયું હતું.
જે હવે દિવસો જતા વધુ ઘેરુ બનતું હતું. હવે જો શિશિર થોડા મોડા આવે તો એકજ વાત ધુમરાતી કે ક્યાંક રોમાની સાથે તો નહિ હોય ને ! સોના વારેવારે મને ચેતવતી કે ‘સંભાળજે તું તો ઘરમાં અને બાળકોમાં ગુંથાયેલી રહે છે. તારો પતિ રંગરેલિયા મનાવવા બહાર તો નથી જતો ને!’
હું સોનાની ચડામણીમાં સાચા ખોટાંનો ભેદ પારખી ન શકી. શિશિર, વારંવાર થતા આક્ષેપો સાંખી શકતો નહી અને અમારી વચ્ચે ઉગ્ર ચર્ચા થતી.
શિશિર ધીરે ધીરે મારાથી દૂર થવા લાગ્યો. રોજના ઝઘડાથી તે ત્રાસી ગયો હતો. એક દિવસ મને શિશિરના પેન્ટના ખીસામાંથી હોટલનું બીલ મળ્યું આ વાતને મેં મોટું સ્વરૂપ આપી દીધું અને શિશિર સાથે ઝઘડો કરી બેઠી. થાકીને શિશિરે ચીમકી આપી ‘સ્નેહ, જો હું બદલાયેલો હોંઉ, તારા મતે બદચલન હોંઉ તો મારાથી છૂટી થઇ જા. અલગ થઈ જા. મને પણ આવા રોજના ઝઘડા પસંદ નથી.’
મેં પણ ગુસ્સામાં વળતો ઘા જોરદાર કર્યો,’તું મારાથી ઉબાઈ ગયો છે.’
હવે તને રોમા પસંદ છે તારે મારાથી પીછો છોડાવવો છે . બસ બે બાળકો થયા પછી તને મારામાં કોઈ રસ રહ્યો નથી.’
હું આજે જ ઘર છોડીને મારા પિતાના ઘરે જાઉં છું. આજે પણ તે ઘર મારું છે.
આટલું બોલી હું મારી બેગ ભરવા લાગી. હું બાળકો ને શિશિર સાથે મુકીને જવા માગતી હતી, કારણ છોકરા અને ઘર કેવી રીતે સંભાળવું તે બરાબર સમજી શકે ! જો બાળકો ને સાથે લઇ જાઉં તો રોમા અને શિશિર ને ખુલ્લો રસ્તો મળી જાય જે હું ઈચ્છતી નહોતી .
‘સ્નેહ, આ શબ્દો તારા મુખમાંથી નિકળે છે. મને મારા કાન ઉપર વિશ્વાસ નથી આવતો.’ સ્નેહ તું હાથે કરી પગ ઉપર કુહાડી મારે છે’, શિશિર બોલ્યા.
હું કશુ જ સમજ્યા, જાણ્યા વગર ઘર છોડી નીકળી ગઈ.
સ્નેહને રહેવા પિતાનું ઘર અને પૈસા મળ્યા તેને ડિવોર્સ માટે ફાઈલ કરી દીધી ,
શિશિરે તેને બે વાર મળીને સમજાવવાનો ટ્રાય કર્યો. તેના માતા પિતાએ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ પરિણામ શુન્ય આવ્યું.
છેવટે બંનેની સંમતિ અને સમઝણથી છૂટાછેડા આસાનીથી મળી ગયા. તેમાં પણ શિશિર પાસેથી થોડી રકમ મળી અને નોકરી પણ મળી ગઈ.
બાળકો પણ સાથે હતા નહી, તેથી કોઈ જાતની જવાબદારી કે બંધન નહી. આ નવી નવી આઝાદી ખૂબ ગમી. સ્નેહ કોર્ટે ઠરાવેલ સમય અનુસાર બાળકોને મળતી.
ફ્રી સમયમાં સોના સાથે ફર્યા કરતી મુવી અને શોપીંગ વગેરેમાં બીઝી રહેતી. મસ્ત રહેતી ઘરમાં તો મમ્મી હતી માટે તે પણ ચિંતા ન હતી.

શિશિર બાળકોને ખૂબ વહાલ કરતો તેમાય હવે સ્નેહની ગેર હાજરીમાં વધારે ઘ્યાન રાખતો નયન પણ બાળકોને સાચવતો અને તેના મમ્મી પણ અવારનવાર અહી રહેવા આવતા। છતાય બાળકો તેમની મમ્મીને યાદ કરી ને ક્યારેક રડતા ત્યારે શિશિરને બહુ દુઃખ થતું.
રોમાને આખી વાતની મોડેથી જાણ થઈ. તેને બહુ દુખ થયું. આ આખી વાતમાં પોતે ગેરસમજથી વચ્ચે આવી ગઈ હતી .
શિશિરને કહે છે એક વાર તો મને જણાવવું હતું કે હું સ્નેહને સમજાવી લેત। પણ હવે બહુ મોડું થઈ ગયું હતું.
હવે રોમા અવારનવાર શિશિરના બાળકોનું ઘ્યાન રાખતી સમય મળે અહી આવી બાળકોને અને ક્યારેક હોમવર્ક ક્યારેક શોપિંગમાં લઇ જતી તેને આ મા વગરના બાળકો માટે બહુ હમદર્દી થતી. આમ પણ તેની અંદરની મા દિલના એક ખૂણામાં જીવંત હતી. તે બાળકોને મા વગરના જોતી અને લાગણીના પૂરમાં ખેંચાઈ જતી. શિશિર કામ માટે બહારગામ જાય ત્યારે બંને બાળકો તેના ભરોસે છોડતો.

હવે બાળકો ધીરે ધીરે રોમાના હેવાયા થતા જતા હતાં.
હું તો બે અઠવાડિયે, એક શનિવારે તેમને ૩ થી ૪ કલાક બહાર લઇ જતી. તેથી ખુશ થતી કે બાળકો મારા છે. પરંતુ જાણ નહોતી કે બધું મુઠ્ઠીમાની રેતીની જેમ ધીરે ધીરે સરકી રહ્યું હતું. મને લાગતું મારો ભાર ઓછો થાય છે. હું સમજી ન શકી કે, ‘હું, મારામાંથી ખાલી થતી જાઉં છું’! જ્યારે સમજાયું ત્યારે બહુ મોડું થઈ ગયું હતું.
હવે હું સાંભાળતી રહેતી કે રોમા અને શિશિર બાળકો સાથે બહાર જાય છે. રોમાં ઘણી વખત મારા એક વખતના કહેવાતા ઘરે આવે છે.
મારો ના કહેવાનો હક તો હું ક્યારનો ગુમાવી બેઠી હતી. બસ આવી વાતો સાંભળી સમસમીને બેસી રહેતી.
રોમા ચાલીસ વર્ષે પણ કુંવારી હતી. હવે તેની પારિવારિક જવાબદારીઓ પૂરી થઈ ગઈ હતી. આથી કોઈની રોક ટોક હવે હતી નહી. આથી તે શિશિર સાથે પુરતો સમય ફાળવી શકતી. આ અનુકૂળ સમય મિત્રતાની લાગણી અને મારી શંકા બંનેને એક કરવામાં ફળીભૂત થઇ. રોમાને બદનામ કરવામાં મારો ફાળો ખૂબ રહ્યો. પરિણામે બંને મંદિરમાં સમાજની સામે લગ્ન કરી એક થઇ ગયા। હવે તો બાળકો પણ રોમાને મમ્મી કહેતા હતા.
ક્યારેક તો એવું લાગતું કે હું બાળકોને મળવા જાઉં તો તેમની ઈચ્છા રોમા સાથે બહાર જવાની વધું લાગતી, પણ મારી બીકે મારી સાથે આવતા ક્યારેક બહાનું પણ બતાવી દેવા લાગ્યા.
હવે બંને યુવાન થઇ ગયા હતા.
બસ હવે બહુ થયું, મને મનમાં થતું કે આ એક ઉતાવળું પગલું હતું ! હવે મને મારો સંસાર પાછો જોઈએ છે!
આ માટે મારે જ પહેલ કરવી પડશે અને આ માટે હું ગમે તે પગલું ભરવા તૈયાર છું. હવે તો સોના નો સાથ પણ છૂટી રહ્યો હતો જ્યારે હું એકલતા અનુભવતી ત્યારે તે મને પહેલાની જેમ સાથ આપવા જોડે નહોતી . લાગતું હતું તે મને એવોઈડ કરે છે બહાનું બતાવી મારાથી દૂર રહે છે!
એક વખત હું કોઈ કારણોસર માર્કેટમાં ફરતી હતી ,મારી નજર એક યુગલ ઉપર જઈને અટકી જેઓ હાથમાં હાથ નાખીને પ્રેમ થી ચાલતા હતાં.
હું તેમને જોઈ ચમકી ગઈ. તે રોમા અને શિશિર હતા. હું આ દ્રશ્ય સહન નાં કરી શકી અને ઝડપથી ત્યાં પહોચી ગઈ . ગુસ્સામાં બંનેના હાથને વચમાંથી છોડાવીને વચમાં ઉભી રહી!
રોમા તરફ નજર કરી બોલી ” તને કઈ શરમ જેવું છે કે નહિ તારીજ ફ્રેન્ડના પરિવારને છેતરીને પોતાનું કરી લીધું ? ફ્રેન્ડના પતિને પહેલા પ્રેમી અને પછી પતિ બનાવી હવે છડેચોક બેશરમ બની રખડે છે! ”
ક્યારેય કારણ વગર ગુસ્સે ન થતો શિશિર, અચાનક કરડી નજર કરી બોલી ઉઠ્યો.
“બસ કર, તારા મગજની બીમારી બહાર ના ફેલાવીશ!
તું જે વિચારે છે તે બધું મનમાં રાખ હવે કોઈને તે સાંભળવામાં જરા પણ રસ નથી! ”
” અને તારી જાણ માટે કહું છું તે જાતે વહેમમાં આવી ને તારા પગ ઉપર પથરો માર્યો છે. તે વહેમમાં ભરમાઈ, તારી નકામી બહેનપણીના કહેવામાં આવીને ઘર છોડ્યું નાના છોકરાઓને એકલા કરી ચાલી નીકળી. ત્યારે આજ રોમા છે, જેણે તારા બાળકોને પોતાના સમજી સાચવ્યા. તારું પોતાનું ઘર વેરવિખર થતું અટકાવ્યુંં અને પ્રેમ પૂર્વક સાચવી લીધું. બસ રોમાને માટે હું એક પણ શબ્દ સાભળવા તૈયાર નથી !”
હું આગળ કઈ કહું તે પહેલા બંને આગળ ચાલવા લાગ્યા.
હું અવાચક બની આંખમાં આંસુ ભરી જોતી રહી ગઈ.
તે દિવસે હું સીધી સોનાના ઘરે જવા નીકળી. આખા રસ્તે વિચારતી કે હા મારીજ ભૂલ હતી. પણ હવે સુધારવા શું કરું?
કોઈ રસ્તો સૂઝતો નહોતો આથી મન હલકું કરવા હું સોનાને ઘરે પહોંચી.
મેં ટેક્સીમાંથી જોયું હતું કે તે બારીમાં કોઈના ગળે હાથ વિંટાળીને ઉભી હતી. મેં ડોરબેલ દબાવ્યો સોનાના બોય ફ્રેન્ડ આવીને દરવાજો ખોલ્યો.
મને જોતાં કહે, “આવો સ્નેહ પણ સોના બહાર ગઈ છે કલાક પછી આવશે. ”
હું સમજી ગઈ તે અંદર છે પણ મને બહારથી ભગાવવા માગે છે. હું કઈ પણ બોલ્યા વિના બહાર નીકળી ગઈ.
આજે હું મારી ભૂલ સમજુ છું. તેમ તે લોકો પણ મારી જ ભૂલ માનતા હતા. બાળકો સમજતા હતાં, હું તેમને મારા ગુસ્સા અને જીદના કારણે એકલા મુકીને ચાલી ગઈ હતી.
જે સોનાની વાતોમાં આવીને આ પગલું ભર્યું તે તો તેના જીવનમાં બીજા એક પુરુષના આગમને કારણે સંસાર વસાવી લેવા થનગનતી હતી . હવે લાંબો સમય તેની સાથે વિતાવતી. સાંભળ્યું કે તે મા બનવાની !
એક જ શહેરમાં અને એ કજ મિત્ર વર્તુળ હોવાના કારણે જ્યારે પણ શિશિર અને રોમનો સામનો થતો ત્યારે મનમાં એક ઊંડી ટસર ફૂટી। નીકળતી। …
પણ હવે વહી ગયેલા પાણીને પાછા વાળવા હું અસમર્થ હતી.ખાલીપણું સમગ્ર અસ્તિત્વમાં વ્યાપી ગયું હતું. સુંદર, સોહામણો પતિ, વહાલાં બે બાળકોનો સાથ તરછોડ્યો અંતે શું પામી ?-

હવે આજે જ્યારે પણ બધાને પોતપોતાની કુટુંબમાં ખુશ અને મગ્ન જોંઉ છું ત્યારે મને એકલતા કોરી ખાય છે
પાણી વહી ગયા હવે પાળ બાંધવાનો શું અર્થ ?
હવે હું તો ખુશ નથી રહી પણ મને કોઈ હક નથી કે હું શિશિર અને રોમાને તકલીફ આપું ! મારા બાળકો હવે જિંદગીમાં ગોઠવાઈ રહ્યા છે તો મારે તેમને મારા અને રોમાના પ્રેમ ને દોરાહા બનાવી તેમને દુઃખી નથી કરવા
બસ હવે હું આ બધાથી દુર રહીશ.
આજે આ વાત હું જાતે જ સ્વીકારું છું .બસ અંતરના આશિષ છે કે મારા બાળકો અને તેમને પ્રેમ આપનારા હમેશા સુખી રહે. સ્નેહ. સાચા દિલનો એકરાર અને ખાલીપણાનો અહેસાસ એ મારી કથા!-

rajul Shahરોમા- રાજુલ શાહ
વિધાતાની જેની પર અસિમ કૃપા હોય એને તો દસે આંગળીએ ઘી જ ઘી જ હોય. જ્યારે કોઈકના નસિબમાં આંગળી કેટલીય ટેઢી કરે ત્યારે માંડ આંગળી ઘી સુધી પહોંચે. સ્નેહના નસીબમાં શિશિર નામના ઘી કેળાં હતાં જેની એને મન કોઇ કિંમત ન હતી. કદાચ વગર વિચારેલું યા વણ માગે મળલું સુખ હતું. જીવનના ચાર દાયકા પછી પોતાના નસીબમાં શિશિર નામના સુખની લકિર નજરે પડી હતી. જેને રોમા કોઇ હિસાબે ગુમાવવા માંગતી નહોતી. ‘શિશિર’, એક સીધું સાદુ પ્રેમાળ વ્યક્તિત્વ . આજ સુધી તો એની સાફ આંખોમાં સ્નેહા માટે અપાર સ્નેહ જ જોયો હતો ને? ક્યારેય શિશિરે કોઇની સામે અમસ્તીય નજર ઉઠાવીને જોયુ જ ક્યાં હતુ? સદાય હસતો હસાવતો શિશિર મિત્ર વર્તુળમાં હંમેશા આવકાર્ય હતો. મૈત્રી પૂર્ણ અને સાલસ સ્વભાવનો શિશિર આજે પોતાના જીવનમાં હતો એ રોમાની ખુશ કિસ્મતી હતી. એ વાતે રોમા ખુબ ખુશ હતી. જો કે ક્યારેય આ સંજોગો કે પરિસ્થિતિ માટે જાણે અજાણે કદાપી ક્યાં કોઇ કલ્પના કરી હતી?અરે શિશિર તો શું જીવનમાં કોઇપણ પુરૂષ કે પતિ હોઇ શકે એ જ શક્યતાના સીમાડા બહાર નહોતુ? પરી કથામાં આવતું બાળપણ તો રોમા માટે માત્ર બાળવાર્તા કે કલ્પના પુરતું જ સીમિત હતુ. અનેક અભાવા વચ્ચે બાળપણ વિત્યુ હતુ. સ્કુલમાં પણ સાહેલીની બાળ સહજ ઇર્ષા આવે એટલી હદે અભાવા જોયા હતા. સ્કુલમાં સવારથી સાંજની પિકનીક પૂરતી જાહોજહાલી રોમાએ જોઇ હતી. પણ દસ પંદર દિવસ માટે સાઉથ કે નોર્થ તરફ જતી ટુર એ તો રોમા માટે દિવા સ્વપ્ન સમાન હતું. પિતાની આછી પાતળી આવકમાં રોમાથી વધીને બીજા બાળકને પણ પોષવાની માતા -પિતાની શક્તિ નહોતી એટલે અભાવા સાથે રોમાનુ બાળપણ એકલતામાં વિત્યું હતું. ક્યારેક કોઇ સખી તેના ભાગની વસ્તુ પોતાના ભાઇ કે બહેન માટે સાચવી રાખે ત્યારે રોમાને પણ મનમાં થઈ આવતુ કે કાશ મારા ભાગે બે વસ્તુ ઓછી આવે પણ ભાઇ કે બહેન સાથે વહેંચીને ખાવાનુ સુખ શું હોઇ શકે એ ય જાણવા માણવા તો મળે ને? આ અભાવાના અનુભવોએ રોમામાં એક સાચી સમજણ રોપી દીધી. કદાચ મા ને જોઇ જોઇને એ સમજ આપો આપ ઉગી નિકળી હતી. ગમે એટલી અગવડો હોવા છતાં મા ને એના માટે કોઇ ફરિયાદ કરતા જોઇ નહોતી. મા હંમેશા કહેતી ” નસીબમાં હોય તો એ ગમે ત્યાંથી આવીને ઉભુ રહેશે પણ જો નસીબમાં નહી હોય તો દમયંતિના હાથમાંથી સજીવ થઈને સરી જતી માછલીઓની જેમ સુખ સરી જશે.”
નાનકડી રોમાએ આ વાત સ્વીકારી લીધી હતી. અને મા કહેતી એમ આજે એના નસીબમાં શિશિર લખાયેલો હતો તો આવી મળ્યોને ?અભાવો હતા પણ અનાવડત તો નહોતી ને? રોમા પહેલેથી ભણવામાં અવ્વલ હતી. એટલે બીજી બધી સુખ સગવડ આપી શકવા અસમર્થ પિતાએ એના ભણવા પાછળ ક્યારેય કોઈ કસર છોડી નહોતી. સ્કુલમાં અગ્રીમ રહેતી રોમા કોલેજમાં પણ એટલી જ આગળ તરી આવી. પાર્ટ ટાઇમ જોબની સાથે રોમાએ પોસ્ટ ગ્રેજ્યુશન પુરૂ કર્યુ ત્યાં સુધીમાં તો સાથે ભણતી સખીઓ ઘર વસાવીને સંસારમાં સ્થાયી થવા માંડી હતી. પણ રોમા માટે તો આ એક સ્વપ્ન હતુ. આટ આટલી અગવડો ભોગવીને ઉછેરી હોય એ માતા-પિતાને સાવ આમ જ એકલા છોડીને જવાની વાત જ રોમા માટે વિચારવી અઘરી હતી. એ વાત જુદી હતી કે ક્યારેક હ્રદયની વણ ખેડાયેલી ભોમકામાં કોઇ અજાણ્યા કુણા સ્પંદનો જાગી ઉઠતાં પણ બતક પીછાં પરથી પાણી ખંખેરી નાખે એમ રોમા એ કુણા શબનમી સ્પંદનોને સજાગ પણે દિલો દિમાગમાંથી આઘા ધકેલી દેતી. માસ્ટર્સ ઓફ બીઝનેસ એજ્યુકેશન પત્યા પછી રોમાને પ્રખ્યાત કંપનીમાં સરસ જોબ પણ મળી ગઈ. બસ હવે તો સુખ નું સામ્રાજ્ય વ્યાપ્યું. એશો આરામની જીંદગી માતા -પિતાને આપી શકશે એ વાતે રોમાને જાત માટે ગૌરવ થતું. પણ આ સુખ ઝાઝુ ન ટક્યુ. લાંબા સમયની માંદગી ભોગવી રહેલી મા ની પાછળ પિતા પણ ટુંક સમયમાં વિદાય થયા. રોમા માટે આ કઠુરાઘાત હતો,પણ એ જીરવી ગઈ. અને એ આઘાત જીરવવામાં મોટો ફાળો આપવામાં સમર્થ રહી એની સમજણ અને કંપની તરફથી ઉભા થયેલા સંજોગો. રોમાને કંપની તરફથી યુ. એસ. માં ટ્રાન્સફર મળી ગઈ અને રોમા પાછલા તમામ આઘાતો વિસરીને ફરી એક વાર નવેસરથી ગોઠવાતી ગઈ.
શિશિર નામનું સુખ રોમાનુ સરનામુ શોધતુ આવીને ઉભુ રહેશે એવી તો કલ્પના પણ કરી નહોતી. પણ મા કહેતી ને કે જો નસીબમાં હોય તો સુખ ગમે ત્યાંથી આવીને ઉભુ રહેશે. બસ એમજ શિશિર નામનું સુખ એની જીવનમાં વસંત બનીને લહેરાઇ ગયુ. દર વર્ષે થતા કોલેજના રીયુનિયનમાં આમ શિશિરને મળવાનું થશે અને મળતા રહેવાનો લહાવો તેના નસીબમાં લખાયો હતો. દરેક સમયે મળતી રોમાને ખબર નહોતી કે આમ મુક્ત પંખી બનીને ઉડતા શિશિરના માળામાં સ્નેહના સ્નેહનો સરવાળો થવાના બદલે બાદબાકી થવા માંડી હતી. સોનાની વાતોમાં આવી ગયેલી સ્નેહ શિશિરની દરેક બાબતમાં શંકા કરતી થઈ ગઈ હતી. શિશિરના જીવનમાં વસંતના વાયરાના બદલે ખરેખર શિશિર આવીને બેસી ગઈ હતી. કોલેજ ગ્રુપના રી-યુનિયનમાં પહેલી વાર મળ્યા ત્યારે રોમાના શિશિર સિવાય પણ બીજા અનેક મિત્રો હતા જેમાંથી કોઇ એક બીજા સાથે અત્યંત ગાઢ સંબંધ ધરાવતા હતા તો કોઇક કોલેજ છોડ્યા પછી સાવ જ પહેલી વાર મળતા હતા. રોમા અને શિશિર પણ આ પહેલી વાર જ મળનારા કો-સ્ટુડન્ટ હતા. પહેલી વાર તો સૌ પ્રાથમિક કહો કે ઔપચારિક રીતે મળી રહ્યા હતા. પણ જેમ જેમ પાર્ટી મોડી રાત સુધી લંબાતી ગઈ તેમ તેમ વધુ ને વધુ ખુલતા ગયા. રોમા માટે તો સાવ જ નવો અનુભવ હતો. સ્કુલ કે એથી આગળ વધીને કોલેજ કાળ દરમ્યાન સીધા નાકની દાંડીએ ઘર ભેગા જ થતી રોમા ભાગ્યેજ કોઇની સાથે નજીકનો સેતુ બાંધી શકી હતી.

રોમાની સાદગી અને સિધ્ધાંતોના લીધે કહો કે ઘરની સામાન્ય પરિસ્થિતિના લીધે કોલેજ કાળ બાદ પણ ભાગ્યેજ કોઇએ એના વિશે જાણવામાં રસ દાખવ્યો હતો. આમ રોમા ધીમે ધીમે એકલી અટુલી રહી ગઈ હતી. આજે પણ એ એક ખુણામાં સોફ્ટ ડ્રીંક અને એપીટાઇઝર લઈને શાંતિથી પાર્ટીનો નઝારો માણી રહી હતી. ડીનરની થોડી વાર હતી. અચાનક મૃદુ સંગીતમાંથી જાઝ મ્યુઝીક ઓન થયુ . એનાઉન્સમેન્ટ થઈ અને સૌ પોત પોતાના લાઇફ પાર્ટનર સાથે ડાન્સ ફ્લોર પર આવી ગયા. મ્યુઝીક અને મસ્તી વધુને વધુ લાઉડ થતા ગયા .

આજે પણ સ્નેહ દ્રષ્ટી અને દીર્ઘ ના લીધે પાર્ટીમાં શિશિર સાથે જોડાઇ નહોતી. શિશિર બીજા ખુણામાં સ્કોચની ધીમી સીપ લેતો બેઠો હતો ત્યાં એનુ ધ્યાન એકલી બેઠેલી રોમા પર ગયુ. એ ઉભો થઈને રોમા પાસે આવ્યો.

“શેલ વી ડાન્સ?” એણે સાવ જ સાહજીકતાથી રોમા તરફ હાથ લંબાવ્યો. ક્ષણેક ખચકાઈને રોમાએ શિશિરનો હાથ થામી લીધો. હવે એ બંને ડાન્સ ફ્લોરપર હતા. રોમા આવા વાતાવરતણથી ઝાઝી પરિચિત તો નહોતી પણ આજે એને આ માહોલ ગમ્યો. શિશિરની કંપની ગમી. શિશિરની વાતોમાં ઢળતી ગઈ. મોડી રાત સુધી પાર્ટી ચાલતી રહી . શિશિર અને રોમાની વાતો લંબાતી ગઈ. ફરી વાર મળવાના અને મળતા રહેવાના વાયદા સાથે સૌ છુટા પડ્યા.

રોમા માટે આ સોનેરી સ્વપના લઈને આવનારી રાત હતી જ્યારે શિશિર માટે આ મેઘલી કાળી રાત એના જીવનમાં અંધકાર ભરી દેનારી રાત હતી. છેલ્લા કેટલાય સમયથી સોના ,સ્નેહને શિશિરની વિરૂધ્ધ કરવામાં સફળ થતી જતી હતી એમાં આજની આ રાતે તો બરાબર ઇંધણ પુરવાનુ કામ કર્યુ. શિશિર ઘેર પહોંચે એ પહેલા તો શિશિર અને રોમા એ સાથે પસાર કરેલા સમયની વાતો પહોંચી ગઈ હતી.

ઘરમાં પગ મુકે એ પહેલા જ સ્નેહની પ્રશ્નાવલી શરૂ થઈ ગઈ. “કોણ હતી આજે તારી સાથે શિશિર ?”
“રોમા “ શિશિરે સહજતાથી સવાલનો જવાબ આપ્યો પણ આ જવાબ સ્નેહ માટે પુરતો નહોતો એ શિશિર અંદરથી સમજતો હતો.

“કોણ રોમા?” આ વળી કયુ નવુ પંખી પાંજરામાં પકડાયુ? “

“ઓહ! જસ્ટ શટ અપ સ્નેહ. કેવી ભાષા અને કેવા શબ્દો ? બોલવામાં કોઇ હદ હોય કે નહી? “

“ઓહ , તુ હવે મને મારી હદ બતાવવા માંડ્યો? મને તો એમ હતુ કે તારા દિવસ- રાતથી વિસ્તરીને આખાય જીવન પર મારુ જ એક ચક્રી રાજ્ય છે .

“ તે હતુ જ ને? તેં સીમાઓ પાર કરી છે. તને ય ખબર છે કે ,મારા જીવનમાં આજ સુધી કોઇ હતુ નહી અને હજુ ય નથી”

“ હજુ ય નથી ? એનો અર્થ એ કે કાલ ઉઠીને કોઇ આવશે ખરુ.”

“ બસ કર સ્નેહ , કોઇ વાત સીધી રીતે લેતા શીખ નહીં તો તારા અને મારા જીવનમાં જે ભુલભુલામણીઓ ઉભી થશે એમાંથી હું કે તુ ક્યારેય બહાર નહી નિકળી શકીએ. મારો નહી તો દીર્ઘ અને દ્રષ્ટીનો તો વિચાર કર. “

“ ઓ કે દીર્ઘ અને દ્રષ્ટીનો વિચાર મારે જ કરવાનો ? તુ બહાર જ્યારે રંગરેલીયા મનાવા જાય છે ત્યારે પણ મારે જ એ બંને નો વિચાર કરવાનો?

“ ઓ ભગવાન સ્નેહ, મારાથી તને નહીં પહોંચી વળાય.’

આમ જ આખી રાત શિશિર અને સ્નેહ વચ્ચે ઉદ્વેગભરી ચર્ચાઓમાં જ પસાર થઈ ગઈ. આ વાત આજની રાત પુરતી ખતમ થવાની નહોતી એ શિશિર પણ સમજતો હતો કારણકે સોનાની ચઢવણીના લીધે સ્નેહ આમ વાતે વાતે વિફરેલી રહેતી જ હતી. એની અસર શિશિરની સાથે દિર્ઘ અને દ્રષ્ટી ઉપર વર્તાતી. ઘરનુ વાતાવરણ સતત ખેંચાયેલુ અને તંગ રહેતુ.
કોલેજ રી-યુનિયનની પ્રથમ પાર્ટી પછી અવારનવાર પાર્ટીઓ અને ગેટ-ટુ ગેધર યોજાતા રહ્યા. ક્યારેક સ્નેહ આવતી તો ક્યારેક ઘેર હાજરીના બહાને પાર્ટીમાં ગેરહાજર રહેતી. પરંતુ એ દરેક રાતો શિશિરના માથે જાણે આફત બનીને ત્રાટકતી. ક્યારેક શિશિરને થતુ કે નથી જવુ પાર્ટીમાં કે કોઇ ગેટ-ટુ ગેધરમાં પણ જ્યારે જ્યારે એ ઘેર રહેતો ત્યારે પણ સ્નેહનુ શંકાનુ વાવાઝોડુ ફુંકાયા વગર રહેતુ નહી.

“કેમ આજે પાર્ટીમાં નથી જવુ? કોઇ વ્હાલસોયુ તમારી રાહ નહી જુવે કે પછી કોઇ ખાસ વ્યક્તિ આવવાની જ નથી? “

આમ શિશિર માટે તો એક બાજુ દરિયો તો બીજી બાજુ ઉંડી ખાઇ જ રહેતી. ધીમે ધીમે શિશિર સ્નેહના શંકાશીલ સ્વભાવના લીધે થાકતો -તુટતો જતો હતો. અંતે જે સમય શાંતિ મળે એ હેતુથી એ વધુ બહાર રહેતો થયો.

ક્યારેક સીમા તો ક્યારેક રોમાનુ નામ લઈને શંકાની સોયથી સ્નેહે શિશિરને ક્ષત-વિક્ષત કરી નાખ્યો હતો. અર્થ વગરના અને અણીયાળા આક્ષેપો એ સ્નેહ અને શિશિરના દાંપત્યમાં ક્યારેય ન પુરાય એવી તિરાડ ઉભી કરી હતી જેના બે છેડા પર ઉભેલા ઉભય ક્યારેય ફરી એક થઈ શકવાના નહોતા.
રોમાના સરળ વ્યક્તિત્વના લીધે તે શિશિરને સમજી શકતી. એને સાંત્વન આપી બની શકે એમ ટાઢો પાડવાના પ્રયત્નોના લીધે રોમા અને શિશિર નજીક આવતા ગયા. ના ! આમાં કોઇ વિજાતિય આકર્ષણ પણ નહોતુ કે નહોતી એકમેકની જરૂરિયાતો પોષવાની વૃત્તિ . બસ હતી તો એક માત્ર એકમેકને મળીને રાજી રહેવાની અંતરની ઇચ્છા. એ પછી તો ક્યારેક રોમા અને શિશિર લાંબો સમય ન મળાયું હોય તો ફોન પર પણ ખબર અંતર પુછી લેતા. ક્યારેક ફોન ક્યારેક મેઇલ , એસ.એમ.એસ. ને એવું જ . ધીમે ધીમે હાય -બાય કે ટેક કેરથી વધીને નવા પ્રોજેક્ટ કે ઓફિસની સારી નરસી વાતોનુ શેરીંગ વધવા માંડ્યુ. બંને પક્ષે એક જાતની સમજુતી હતી ,બુધ્ધિ અને લાગણીઓનુ સમતુલન હતુ.

રોમા, શિશિર તરફ થોડી ખેંચાતી જતી હતી. એ જાણતી હતી કે જે કંઇ થઈ રહ્યુ છે એમાં તો એના પક્ષે ગુમાવાનુ જ છે. આજે નહી તો કાલે ય શિશિર, સ્નેહ અને પરિવારનો છે અને એમનો જ થઈને રહેવાનો છે. એ જેટલી આગળ વધશે એટલુ એને જ પાછા વળવાનુ અઘરુ પડવાનુ છે. દરિયાના મોજા સાથે ખેંચાઇને એ જેટલી ઉંડી ઉતરશે એટલી ઝડપે પાછી ફરી શકવાની નથી. તો પછી શા માટે આગળ વધવુ? ક્યારેક તો મન મક્કમ રાખીને એ શિશિરને ફોન કરવાનુ ટાળતી. શિશિરનો નંબર ડાયલ કરીને શુન્યમનસ્ક બનીને ફોનને તાકતી રહેતી અને છેવટે ઉભી થઈને ફોન જ દુર મુકી દેતી જેથી ફરી ડાયલ કરવાનુ મન ન થાય . પરંતુ જેવો શિશિરનો ફોન કે એસ.એમ.એસ. આવતો કે એની બધી જ મક્કમતા તુટી જતી અને અધીરી થઈ ફોન ઉપાડી લેતી. એનો બધો જ સંયમ તુટી જતો.

મિત્ર વર્તુળમાં શિશિર અને સ્નેહના વણસેલા સંબંધોની ઉઠતી હવાથી એ હબકી જતી. પોતે તો એનુ નિમિત્ત બની નથી ને એ વિચારે વ્યાકુળ થઈ જતી. અને ફરી એક વાર શિશિરને ન મળવાની મનમાં દ્રઢતા કેળવી લેતી. ક્યારેક એને થતુ શા માટે એ આમ ખેંચાતી જાય છે? આજ સુધી ક્યારેય કોઇના માટે મનમાં એવા ભાવો જાગ્યા નહોતા તો આજે જ આમ શા માટે પરણેલા અને બે સંતાનોના પિતા માટે આવુ ખેંચાણ?

શિશિર માટે કશું જ કરવુ નહી એવા નિર્ણય પછી પણ એ શિશિર માટે બધુ જ કરવા તૈયાર થઈ જતી. અંતે એક દિવસ મિત્ર વર્તુળની સાથે રોમાને પણ સમાચાર મળ્યા કે શિશિર અને સ્નેહ હંમેશ માટે જુદા પડી રહ્યા છે. રોમા માટે આ કઠુરાઘાત હતો. મનથી એ પોતાને સ્નેહની ગુનેગાર માનતી હતી . એને સતત લાગ્યા કરતુ કે એના જ લીધે સ્નેહ અને શિશિર છુટ્યા પડ્યા છે. ઘણા બદા દિવસ તો એ પોતાના જ કોચલામાં પુરાઇ રહી. ન તો એણે શિશિરને મળવા કે આશ્વાસન આપવાની કોશિશ સુધ્ધા કરી. શિશિર આ બધા જ દિવસો રોમાને સતત ફોન કરવાનો પ્રયત્ન કરતો રહ્યો પણ સામેથી નો રિપ્લાય. શિશિરના મિસ કોલ જોઇને પણ રોમા શાંત જ રહી.

શનિવારની સવાર હતી. દિવસ જરા અળસાઇને મંથર ગતિએ આગળ વધતો હતો. જોબ પર જવાની કે બીજા કોઇ કામની ઉતાવળ પણ નહોતી. રોમા હાથમાં કોફીનો મગ લઈને ટી.વી પર કોઇ ખાસ હેતુ કે ખાસ રસ વગર આમ તેમ ચેનલો ફેરવ્યા કરતી હતી.

ડીંગ-ડોંગ, ડીંગ ડોંગ બેલ સાંભળીને એને નવાઇ લાગી . આજ સુધી એના ઘેર આમંત્રણ વગર કોઇ આવ્યુ નહોતુ ,તો આજે આ કોણ? ઝડપથી ઉભા થઈ એણે બારણુ ખોલ્યુ. સામે શિશિર . રોમાના રોમ રોમ ઝંકૃત થઈ ઉઠ્યા. પણ એણે જાતને સંભાળી લીધી.

“અંદર આવવાનુ નહી કહે, રોમા?”

સહેજ ખસિયાણી પડેલી રોમાએ ખસીને જગ્યા કરી.

એ પછીના બે કલાક શિશિર અને રોમા વચ્ચે ઘણી વાતો થઈ. આજ સુધી શિશિરે જે કોઇને કહ્યુ નહોતુ એ એણે રોમાને કહ્યુ. સ્નેહ માટે સાચે જ શિશિરને સ્નેહ હતો એટલે એણે સ્નેહની વગોવણી ન થાય એનું પુરતું ધ્યાન રાખ્યુ હતુ. પણ કોણ જાણે કેમ આજે રોમા પાસે એ કશું જ છુપાવી ન શક્યો. એની અને સ્નેહ વચ્ચેની ચણભણથી માંડીને ઉગ્ર ચર્ચાઓ વિશે, રોમા સાથે વાત કરી. એ ય જાણતો હતો કે રોમા સ્નેહ અને શિશિરના વણસેલા સંબંધો માટે પોતાને નિમિત્ત માને છે. એટલે બસ રોમાને એણે નિશ્ચિંત કરવી હતી. એના માથે કોઇ ભાર ન રહે એ માટે ખુલાસીને વાત કરવી હતી. રોમા નહોતી તો સીમા અને સીમા નહી તો રીમા , રીમા નહી તો વ્યોમા કોઇને કોઇના ઓઠા હેઠળ સ્નેહ, શિશિર સાથે જે માથાઝીંક કરતી એની બધી જ વાત કરી. કારણ માત્ર એટલુ જ કે રોમા પોતાની જાતને એની અને સ્નેહની ગુનેગાર સમજીને મન પર ભાર લઈને ફરે એ ઓછો થાય. શિશિર એટલુ તો એક સારી મિત્ર માટે કરી જ શકે ને?

ઘણા બધા દિવસો પછીનો એ દિવસ રોમા માટે કોઇ પણ ભાર વગરનો પસાર થયો. હવે એ શાંત હતી , સંયત હતી અને શિશિર સાથે સમય ગાળવા આતુર હતી.

” રોમા, મારે આમસ્ટર્ડામ ૧૫ દિવસની ટ્રેઇનિંગમાં જવાનું છે. તને એક વિનંતી કરુ?” બોલને?”દીર્ઘ અને દ્રષ્ટી બંનેને સાચવવા મારા ઘરે આવીને રહીશ? ”સ્નેહથી છુટા પડેલા શિશિર માટે રોમા એક સધિયારો હતી, સાંત્વન હતી, એક સારી મિત્ર હતી જે પરિસ્થિતિને સમજીને , સ્વિકારીને સમય-સંજોગ અને સંબંધોની સાચવી શકતી હતી. આજેપણ રોમાએ દિર્ઘ અને દ્રષ્ટીને સાચવી લીધા . સ્નેહથી છેદાયેલા- દુભાયેલા શિશિર માટે રોમા શિતળતાનો એક એવો વાયરો હતી જેની હળવી લહેર પણ શિશિરના જીવનની બગિયાને સુકી ભઠ બનતા રોકી શકી હતી. સ્નેહથી છુટા પડ્યાના એક વર્ષ સુધી શિશિર માટે દીર્ઘ અને દ્રષ્ટીને મા ને ખોટ ન લાગે તેવી રીતે સાચવવા થોડા અઘરા તો હતા જ . ડીવોર્સ માટેના સ્ટેમ્પ પેપર પર કોર્ટનું મત્તુ વાગી ચુક્યું હતું. પણ શિશિર મનથી સ્નેહથી દુર જઈ શક્યો નહોતો. એટલુ જ નહી મમ્મી માટે બાળકોના મનમાં કોઇ ગેરસમજ ન થાય અથવા કોઇ નકારાત્મકભાવ ઉત્પન્ન ન થાય એ માટે પણ એ એટલો જ સજાગ હતો.રોમા આ જોઇ સમજી શકતી હતી અને એટલે તો એના મનમાં શિશિર માટે અનહદ માન હતું. જ્યારે સ્નેહ થકી વગોવાયેલી રોમા માટે શિશિરના મનમાં એક અપરાધની ભાવના ઘર કરી ગઈ હતી. રોમા હવે તો શિશિરના આમંત્રણની રાહ પણ ન જોતી અને મન થાય ત્યારે દીર્ઘ અને દ્રષ્ટીને મળવા પહોંચી જતી. દીર્ઘ અને દ્રષ્ટીને પણ સ્નેહની ખોટ પુરાતી લાગતી. રોમા આંટી ને કંઇ પણ કહેવુ હોય તો કહેવામાં હવે કોઇ સંકોચ નહોતો લાગતો. માની મમતાની જગ્યાએ હવે સ્નેહનો તાંતણો રોમા આંટી સાથે જોડાવા લાગ્યો હતો.
” રોમા , વીલ યુ મેરી મી? કોઇ ગેરસમજ ના કરતી , જવાબ આપવામાં કોઇ ઉતાવળ ના કરતી. સ્નેહની ખોટ પુરવા કે બાળકોની સંભાળ રાખવા તારી જરૂર છે એમ પણ જરાય ના માની લેતી. સ્નેહ તો એની જગ્યાએ છે પણ તારા માટે મારા મનમાં એક એવો ખુણો બનીચુક્યો છે જેમાં મારી અને તારે વચ્ચે બીજુ કોઇ આવી શકે એમ નથી. પ્રેમ તો સ્નેહ માટે પણ હતો. તારા માટે અમાપ માનની લાગણી સાથે ક્યારે પ્રેમ વણાઇ ચુક્યો છે એની મને ખબર નથી. પણ હા, આજે એટલી ખબર છે કે જો તુ મારી વાત સ્વીકારીશ તો મને સાચે જ ખુબ ગમશે. તુ અસ્વીકાર કરીશ તો પણ મારા મનમાં તારું જે સ્થાન છે એ હંમેશ માટે અકબંધ જ રહેશે. સાવ સરળ ભાષામાં મુકાયેલા આ પ્રસ્તાવનો જવાબ કેવી રીતે અપાય? સાવ જ સરળ કહી શકાય એવા સંબંધો આમ વળાંક લેશે એવી તો રોમાની કલ્પના બહાર હતુ ને? નહોતુ ગમતુ એવુ ય નહોતુ , જો શિશિરે આમ પ્રસ્તાવ ન મુક્યો હોત તો શિશિર માટે મનમાં જે ભાવો ઉમટતા એ કદાચ ક્યારેય એ શિશિરને કહી શકી જ નહોત .મા યાદ આવી ગઈ . મા કહેતી હતી ને કે ‘જો તમારા નસીબમાં સુખ લખાયેલુ હશે તો એ ગમે ત્યાંથી આવીને ઉભુ રહેશે.’ પણ આમ આવી ગમતી જગ્યાએથી આવશે એવુ તો ક્યારેય વિચાર્યું નહોતુ ને? રોમા એ શિશિરનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. દીર્ઘ અને દ્રષ્ટીની સંમતી આનંદ સહ પામી. દીર્ઘ અને દ્રષ્ટીને પણ રોમા આંટી સ્વીકાર્ય હતા. શિશિરની સાથે સાથે દીર્ઘ અને દ્રષ્ટી રોમાના જીવનનુ મહત્વનુ અંગ બની ગયા અને રોમા એ સૌના જીવનને એક સુત્રે બાંધનારી સ્નેહ ગાંઠ બની. દીર્ઘ અને દ્રષ્ટીના વધતી જતી ઉમરના દરેક પડાવને રોમાએ અત્યંત સલુકાઇથી સંભાળી લીધા. ક્યારે એમની સુની આંખોના સવાલો ના જવાબ એ બની ગઈ એનો કોઇને અછડતો અહેસાસ ના રહ્યો. સ્નેહ અને શિશિરના તુટેલા સંબંધોની ફાંટ રોમાની હાજરીથી એવી પુરાઇ કે ક્યાંય કોઇ તડ ન રહી કે ન રહ્યો કોઇ ખાલીપો. કાલે દ્રષ્ટી સોળ વર્ષ પુરા કરશે. દ્રષ્ટીની સ્વીટ સીક્સીટીનની શાનદાર પાર્ટીમાં સ્નેહ આવશે ? દિકરી છે , મા ને મળવાનુ મન થાય એ સ્વભાવિક છે. દ્રષ્ટીની બર્થડૅ ની આગલી રાતે રોમા જરા વિચલીત થઈ ગઈ. પણ એણે જાતને સમજાવી લીધી. ગમે એટલુ કરીશ તો ય લોહીનો સંબંધ છે એ કંઇ ટાળી શકાય એવી વાત છે? શિશિર સાથે ચર્ચા કરી લીધી. શિશિર અને રોમાને લાગતુ કે સ્નેહને અવશ્ય આવકારવી જોઇએ. પણ દ્રષ્ટી સાવ જ અટલ રહી! એણે સ્નેહને આમંત્રણ આપવાની વાત તો દુર રહી સ્નેહે એને જન્મ દિવસની મુબારકબાદી આપવા ફોન કર્યો તો પણ સ્નેહની સદંતર ઉપેક્ષા કરી. રોમા સ્વાર્થી નહોતી , એ પઝેસિવ પણ નહોતી . શિશિર કે બાળકો પર ક્યારેય એણેપોતાની માન્યતા કે વિચારો થોપવા પ્રયત્ન સુધ્ધા નહોતો કર્યો પણ કોણ જાણે કેમ આજે દ્રષ્ટીના સ્નેહ તરફના ઉપેક્ષાભર્યા વલણથી મનને થોડી શાતા તો ચોક્કસ પહોંચી. આટલા વર્ષો એણે એળે નહોતા જ કાઢ્યા. લાગણીના સંબંધો આજે લોહીના સંબંધ કરતા વધુ દ્રઢ બન્યા હતા. આજે દ્રષ્ટી રોમાને રોજ કરતા વધુ વહાલી લાગી. દ્રષ્ટીને નવું કમપ્યુટર અને આઈ પેડ ભેટ આપવાનો નિર્ણય પણ એનો જ હતો ને? વહાલસોયો હાથ માથે ફેરવતાં સમજણ આપી કે કેવી રીતે મોંઘી વસ્તુઓ સાચવવી ! શિશિર તો અવાચક. રોમા દ્રષ્ટી સાથે આટલી આત્મિય બની ગઈ હશે એની તો એને કલ્પના સુધ્ધા નહોતી. એક માને દિકરી સાથે હોય એટલી સહજતા અને સ્વભાવિકતાથી રોમા દ્રષ્ટી સાથે વાત કરી રહી હતી દ્રષ્ટી પણ એ આત્મિયતા સ્વીકારી રહી હતી. શિશિરના મનમાં સ્નેહનો વિચાર ઝબકી ગયો. સ્નેહ હોત તો એણે પણ દિકરીને આમ જ કહ્યુ હોત. શિશિરના ચહેરા પર તરી રહેલાં ભાવો રોમાની નજર બહાર ગયા વગર રહે ? “શિશિર , દ્રષ્ટીને મેં જન્મ નથી આપ્યો એટલુ જ પણ આજે દ્રષ્ટી અને દીર્ઘ થકી મને મારામાં રહેલા માતૃત્વાની ઓળખ મળી છે . હું દીર્ઘ કે દ્રષ્ટી માટે કઈ પણ કરુ એનાથી મારામાં રહેલી ‘મા’ સંતોષાય છે.’ ” રોમા , સાચુ કહુ તો કયા શબ્દોમાં તારો આભાર માનુ? ખરેખર તો આભાર શબ્દ પણ નાનો પડે”. “બસ કરો હવે શિશિર , ખરેખર તો મારે આભાર માનવો જોઇએ તમારો, દીર્ઘ અને દ્રષ્ટીનો! નહી તો મારામાં રહેલી લાગણીઓ તો હું પણ ના ઓળખી શકી હોત.”દ્રષ્ટિને બેંગ્નલોર વિદાય કર્યા બાદ રોમાને ઘરમાં એક જાતનો સુનકાર વ્યાપી ગયો હોય એવુ લાગ્યા કરતુ. શિશિર સાથેના લગ્ને એને આટલી હદે સમૃધ્ધ બનાવી દીધી ?રોજે રોજ ફોન પર વાત કરતી દ્રષ્ટી રજાઓમાં આવે ત્યારે રોમા માટે એ દિવસો તહેવાર બની જતા. દ્રષ્ટીને ભાવતી વાનગીઓ બનાવવી , એ પાછી જાય ત્યારે બને એટલુ ભરી આપવામાં એના એ બે દિવસો સડસડાટ પસાર થઈ જતા અને ફરી પાછો ઘરમાં વ્યાપી જતો સુનકાર. રોમાને સમજાતુ કે હંમેશા દિકરી જ કેમ વ્હાલનો દરિયો લાગતી હશે. દીર્ઘ માટે પણ રોમાને એટલીજ મમતા હતી પણ દ્રષ્ટીની તો વાત જ જુદી હતી. એ ઘરમાં વસતુ ચહેકતુ પંખી હતુ જેના ચહેકતા અવાજથી રોમાનુ ઘર જ નહી મન પણ ભરાઇ જતુ.પણ કોણ જાણે કેમ હમણાથી આ ચહેકતુ પંખી થોડુ શાંત બની ગયુ હતુ. ઉષ્માનો અભાવ નહોતો પણ અવાજમાં કલરવ સંભળાતો નહી. રોમાએ શિશિર જોડે વાત કરી જોઇ . શિશિર આ ભાવનાથી તદ્દન અજાણ્યો હતો. કોલેજ જતી દિકરીની મા ને સતત મનમાં ઉચાટ રહ્યા કરે કે દિકરી સહી સલામત રહે. જાણે અજાણે ગર્લ ફ્રેન્ડ્સ કે બોય ફ્રેન્ડ્સ કોઇની પણ જોડે આડા રસ્તે ફંટાઇ નજાય. રોમા પણ આમાંથી બાકત નહોતી.એણે આ રજામાં આવેલી દ્રષ્ટિનું મન ફંફોસી જોવા પ્રયત્ન કરી જોયો. અને દ્રષ્ટિએ જે વાત કરી એ તો રોમા અને શિશિરની સમજ બહારની હતી. દ્રષ્ટી સ્નેહને મળવા માંગતી હતી. એની રૂમ પાર્ટનર ઇલાક્ષીની મોમ ઇલાક્ષીને મળવા આવતી હતી. એ જોઇને દ્રષ્ટીને પણ સ્નેહને મળવાનુ મન થયુ હતુ. ઓહ! બસ આટલી જ વાત છે ? રોમાના મનમાં ઉઠેલા જાત જાતના ડરાવણા વિચારોથી આ તો સાવ જ અલગ વાત હતી.” મન તો થાય જ ને ! મા છે. અંતે લોહી અને લાગણી ઉછાળા તો મારે જ ને? “શિશિર ને રોમાની ચિંતા થઈ આવી. આટલા વખતે દ્રષ્ટિને, સ્નેહ કેમ યાદ આવી? રોમાએ તો દીર્ઘ અને દ્રષ્ટીને સાચવવામાં જાળવવામાં કોઇ કસર રાખી નહોતી ? રોમાની લાગણીઓ ઘવાય નહી એની શિશિરને ચિંતા થઈ. પણ રોમા તો સાવ શાંત અને સ્વસ્થ હતી. શિશિર, મળી લેવા દો દ્રષ્ટીને અને સ્નેહને મળી લેવા દો. “રોમાની સ્થિરતાથી શિશિરને આશ્ચર્ય થયુ . કઈ માટીની બની છે,’ આ સ્ત્રી? ‘ લાગણી સીંચીને ઉછેરેલી વેલને આજે એની જુની ભુમિ તરફ ઢળતી જોઇને રોમાનુ રૂંવાડુ ફરકતું નથી?” ના શિશિર, મને કોઇ આશ્ચર્ય નથી થતુ કે નથી કોઇ જાતનો થડકારો થતો. જે મારુ છે એ મારુ જ રહેવાનુ છે બાકી જે મારુ નથી એને લાખ પ્રયત્નો કરવા છતાં પણ હુ બાંધી શકવાની નથી ! આ તો દિકરી છે. જેની કોખે જન્મ લીધો છે , જેના પંડમાંથી એનુ અંગ બન્યુ છે. એ મા ને મળવા એને કોઇ વાર મન થાય તો એમાં હુ કશું જ ખોટુ જોતી નથી. પણ આપણે એક કામ કરીએ. .સ્નેહને હોટલ પર જમવા બોલાવીએ . હુ પણ સાથે આવીશ”
” રોમા આંટી મમ્મીને હું મળવા જઇશ તો તમને અજુગતું નહીં લાગેને?”
“નારે ના જરાય નહી. પણ જ્યારે મળવા જાવ ત્યારે ભુલવાનું નહીં કે તેારી જન્મદાત્રી ત મા છે.”
સહજ રીતે બોલતી રોમાના ચહેરા પર શિશિરને થોડુ ટેન્શન વર્તાયુ. રોમાની લાગણી દુભાય એ શિશિરને થવા દેવુ નહોતુ . એને મન તો આ ઝેરના પારખા જ હતા. અને સાચે જ આ ઝેરના પારખા પુરવાર થયા. સ્નેહને મન આ રોમાની કોઇ ચાલ હતી . દ્રષ્ટિની લાગણીનો વિચાર કર્યા વગર સ્નેહે મળવાની સદંતર ના પાડી દીધી .અને ત્યારે ય રોમાએ દ્રષ્ટિને સરસ રીતે જાળવી લીધી હતી.
એ પછીના સમયમાં રોમાના જીવનમાં અનેક ઘટનાઓ ઘટતી ગઈ. દીર્ઘ ડોક્ટર બન્યો અને દ્રષ્ટિએ ખૂબ સફળતા પૂર્વક એમ. બી. એ. પુરૂ કર્યુ. શિશિર સાથે શાંતિથી જીવન જીવાતુ ગયું. શિશિર, દીર્ઘ અને દ્રષ્ટિના જીવનમાંથી વિદાય પામેલી સ્નેહ આ દુનિયામાંથી વિદાય લઈ ચુકી હતી. જીવનથી, જાતથી હારી થાકી ગયેલી સ્નેહ સમય જતા માત્ર ખોળીયું બની ગઈ હતી. એનો આત્મા પસ્તાવાની વેદી પર પાવન બની ગયો હતો. બધેથી પાછી પડેલી જીવતી લાશ જેવી સ્નેહ જતા પહેલાં રોમાનો આભાર માનવાનુ ચુકી નહોતી. સ્નેહે આભાર માન્યો હતો. શિશિરને એક સુખી જીવન આપવા માટે. બંને બાળકોને સુસંકૃત કરવા માટે, પોતાની નાદાની ને કારણે જે સંસારમાં આગ ચાંપી હતી એ સંસારને સંભાળી લેવા માટે રોમાનો અંતઃકરણ પૂર્વક આભાર માન્યો હતો. શિશિરની સાચા દિલથી માફી માગી હતી.
ખાલીપણા તરફથી સંતોષ અને ઉમંગ ભર્યા રસ્તે રોમા પોતાની જીંદગીની સફર કરી રહી હતી. ‘શિશિર તો બસ શિશિર’ ખાલીપણાને નજીક ફરકવા ન દે. મોજીલો , રંગીલો અને લાગણી સભર જીવન દ્વારા સહુના જીવનને મહેકાવે. સોહામણા, નિખાલસ અને પ્રેમાળ વર્તને લોકોની ચાહના પ્રાપ્ત કરે.
સ્નેહની ડાયરી વાંચીને શિશિરની સાથે રોમાની આંખોમાં પણ આંસુ આવી ગયા હતાં. કારણ રોમા સંસ્કારી  હતી, વહાલા પ્રેમાળ પતિની, પત્નિ હતી , વ્હાલસોયી મા હતી અને એથી વધીને એક ‘ સ્ત્રી’ હતી !

 

 

6 Responses to સહિયારા સર્જનનો એક નવતર પ્રયોગ “ખાલીપણાનો અહેસાસ”

 1. rekha patel (Vinodini) કહે છે:

  Nice story plot.
  Congrats to pravinaben and everyone

  Like

 2. Triku C . Makwana કહે છે:

  If u don’t know how to write , than don’t write, and vest of valuable time of people, please stop this.

  Like

 3. RAJ SHAH કહે છે:

  Trikubhai,
  First of all, you need to learn how to write English. It is waste and not vest and then don;t write and not than don’t write.
  Second, no body is telling you to read these blogs,
  And last but not least and most importantly,. we like to see your writing in Gujarati. We already have seen your English writing
  Grow up

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.