જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક(૧)-વિજય શાહ 

બહુલેખકો દ્વારા લખાતી નવલકથાનો પ્રયોગ હવે તો વર્ષ જુનો છે. છતા લોક્ભોગ્ય છે. આવો ૨૦ હપ્તા અને બહુલેખ્કો દ્વારા રચાતી રચનાને અહી તથા ગદ્યસર્જન ઉપર માણીયે..જેમણે પ્રવૃત્તિમાં ભાગ લીધો છે અને પ્રકરણ લખવાના છે તે સૌનો આભાર.. જેમને ભાગ લેવો છે તે સૌને આમંત્રણ

 

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક
ફુગ્ગો ફુટતા વાયરે ભળીજાય થૈ મૂક.

સાવ સીધી સાદી ઘટના ફુગ્ગો ફુલ્યો અને ફુટી ગયો.
આ વાત ને જીવન સાથે સાંકળી શકે તેવો ઉર્મિશીલ કવિ અનીલ જોશીની આ પંક્તિ બહું ઉંચી રીતે વ્યક્ત કરી છે. જિંદગી બસ એક ફુગ્ગો જેમાં જ્યાં સુધી હવા છે ત્યાં સુધી તેનુ ઉર્ધ્વગમન અને તરલતા. જેવી મૃત્યુની ઠેસ વાગી અને હવા થૈ ગઇ મૂક.આ એવી પંક્તિ છે જે વાંચતાજ મનને ચૉટ વાગે અને તત્વજ્ઞાન જાગે. જિંદગીની ક્ષુલ્લકતા, ક્ષણ ભંગૂરતા સમજાઇ જાય.

ત્રિભુવન પટેલ આ વાંચતા હતા અને તેમનાથી એક નિઃસાસો નંખાઈ ગયો. અંબીકા સાથે છૂટા છેડાનો આજે ચુકાદો આવવાનો હતો.જ્યારે લગ્ન ની સ્વર્ણ જયંતિ ઉજવવાની હોય ત્યારે કોર્ટ રાહે છુટા પડવાની નોબત આવી હતી. સાનહોઝેના ધનાઢ્ય વિસ્તારમાં ૧૨૦૦૦ વારના પ્લોટમાં ચાર બેડરૂમ, ગેમ રૂમ, સ્ટ્ડી, લિવિંગરૂમ અને પૂલ સાથેના મકાનમાં શાંતિથી જીવતા ત્રિભુવન અને અંબીકાનાં જીવનમાં ધરતીકંપ લાવનારા બે પાત્રો હતા..રાધીકા તેમની ૩૯ વર્ષની પૂત્રી અને જમાઈ ક્રીશ.

ક્રીશ આમ તો વકીલ છે અને ત્રિભુવન પટેલ પાસે મોટો દલ્લો તેમના ઇન્વેસ્ટ્મેંટ એકાઉંટ્માં છે તેવો તેને ખયાલ હતો.  રાધીકા સાથે જ્યારે ડેટીંગ શરુ કર્યુ ત્યારે તે પરણીત હતો..પણ ત્રિભુવન પટેલના દલ્લાની વાતે તેને આકર્ષ્યો..જુની પત્ની સાથે ખટરાગ તો હતો અને તેને છૂટા છેડા આપે તોજ રાધીકા સાથેના છાનગપતીયા લગ્ન કરે તો કાયદાકીય હક્કમાં પરિણમે.

ત્રિભુવને રાધીકાને સારુ ઘર શોધીને લગ્ન કરવા કહેતા..પણ આ ક્રીશનું લગ્ન ભાંગીને બીજવરને પરણે તે ગમતુ તો નહીં જ. તેથી અંબીકાને કહેતા રહેતા..આ છોકરીને સમજાવ આ ક્રીશ તો ગોરિયો છે અને તે લોકો લગ્નને જીવન મરણ નો સંગાથ નથી માનતા.. આજે તેની જુલીયેટને છોડે છે તો કાલે તને છોડી દેતા વાર નહીં લાગે. અંબીકા કહે તમે સમજાવોને રાધાને તે તમારી પણ છોડી છે ને…

અને એક દિવસ લાગણીનાં આવેશમાં તેમણે રાધીકાને કહ્યું..” બેટા તુ સાંભળતી નથી પણ કોઇક્નુ ઘર ભાંગીને આપણું ઘર ના બંધાય.”

રાધીકા કહે ” બાપા! તમને ખબર ના પડે અને ટક ટક ના કરોને..ક્રીશ ને સેરા સાથે ફાવતુ નથી તેથી તો તે છુટો થાય છે.”

ત્રિભોવન કહે ” કાલે ઉઠીને તારી સાથે નહીં ફાવે એટલે તને પણ છુટાછેડા આપશે ત્યારે?”

રાધીકા કહે ” અરે મને એવુ લાગશે તો હું તેને છુટાછેડા આપીશ તે તો મને શું આપે? પપ્પા આ અમેરિકા છે..”

ત્રિભોવન કહે ” સંસ્કાર તો એમ કહે છે કૂળ, યોગ્યતા અને ભણતર સરખુ હોય તો જીવન નભે…તારા ક્રીશ સાથેના લગ્ન ને જોઇએ તો બધુ જ ઉતરતુ છે. તને સરસ મુરતીયો મળી શકે તેમ છે..પણ શું જોઇ ગઇ છે એ ક્રીશમાં કે તેની રાહ જોવામાં ૩૫ની થઈ ગઈ.”

અંબીકા તે ચર્ચા દરમ્યાન સોફા ઉપર બેઠી બેઠી ભીંડા સમારતી હતી. તેને રાધીકાની વાતોમા તેનો ભૂતકાળ દેખાતો..ત્રિભુવન સાથેના લગ્ન એ એક સમયની તેની જીદ હતી. જો કે વાંધો હોવાના કોઇ મોટા કારણો તો નહોતા પણ તેને ત્રિભુવન સાથે લગ્ન એટલા માટે કરવુ હતુ કે તેને મુંબઈથી દુર જવુ હતુ..અને અમેરિકા તો ખાસ્સુ દુર હતુ…વિમાનમાં બેસીને આવતી હતી ત્યારે બાપા અંબીકાને કહેતા બેટા પારકા દેશમાં ખ્યાલ રાખજે…કોણ જાણે કેમ તેનાથી ડુસકુ નંખાઇ ગયુ અને રાધીકા અંબીકાને રડતા જોઇ રાધિકાએ કડપભેર કહ્યુ… “મમ્મી! પાછા પોચકા મુકવા માંડ્યા?”

“રાધીકા તે તારી મા છે જરા વિનય અને વિવેક રાખ.. આ શું બધાને એક જ લાક્ડીએ હાંકે છે?”

“તમે તો વચ્ચે બોલશો જ નહીં…”

” શું કરી લઈશ ? હું પણ તારો બાપ છુ..તને કહ્યુને તેને ધમકાવવાની નહી…”

” શું કરી લઈશ? મમ્મી ચાલ તો ઉભી થા… મારી સાથે તારે આવવાનુ છે.”

ત્રિભુવન પટેલ સમજે તે પહેલા અંબીકા અને રાધીકા ઘર બહાર નીકળી ગયા.

સાંજ પડી ગઈ

રાત પડી તોય અંબીકા ના આવી ઍટલે ત્રિભુવને ફોન કર્યો ત્યારે ટુંકો ને ટચ રાધીકાનો જવાબ હતો..” મમ્મી મારી સાથે રહેવાની છે. ફોન કરી કરી તેને હેરાન ના કરશો.”

” અંબીકાને આપ!”

” કહ્યુને? તે તમારે ત્યા નથી આવવાની”

ત્રીજે દિવસે મેલમાં ક્રીશની નોટીસ હતી અમેરિકન છૂટાછેડાની…સંપતિના ભાગલાની.

ત્રિભુવન્ને તો પહેલા આ મજાક લાગી…પણ તેમના વકીલ મિત્ર શાંતિ શાહે કહ્યુ..આ કોર્ટ રાહે સંપતિના ભાગલાની નોટિસ છે ત્યારે  ત્રિભુવન ખીજવાઈને કહે છે- 

“એણે તો કામ જ ક્યા કર્યુછે? જે છે તે બધી મારી આપ કમાઈ છે.”

શાંતિ શાહ કહે “છતા પણ તે કોમ્મ્યુનીટી પ્રોપર્ટી છે…ભાગલા તો પડશે અને વકીલોના ઘર ભરાશે. ”

“તો તમે કહો શું કરીયે?”

“અહીના કાયદા પ્રમાણે અડધો ભાગ આપીને છુટા થાવ…”

શાંતિ શાહે નૉટિસ નો જવાબ આપી સુચીત ભાગલા સુલેહથી કરી છુટા થૈ જવાની વાત દોહરાવી ત્યારે અંબીકાને થયુ કે હવે આ વાત કાબુ બહાર જાય છે ત્યારે રાધીકાએ ફરીથી એ ઝેરિલો ફુંફાડો મારીને કહ્યુ..”તુ શું કામ ગભરાય છે. બાપાને એક જ ઝાટકે સીધા કરી દીધાને?”

ક્રીશ તે રાત્રે આવીને બોલ્યો- “તારા બાપા તો મીલીયોનર છે તેવુ તુ કહેતી હતીને? આ શાંતી શાહ તો ત્રણ લાખની મૂડી બતાવે છે.”

રાધીકા કહે “મારો બાપ ગણતરીમાં પાક્કો ગીલીંડર છે…” 

ક્રીશ કહે “ જો પૈસા છુપાવ્યા હશે તો કોર્ટમાં હું ઓકાવીશ… પણ બેબી હી ઇઝ બિગ ફ્રોડ..”

રાધીકા કહે” સારાએ તારી માંગણી કબુલી લીધી એટલે આ ટ્રાયલ ડેટે તને છુટા છેડા મલી જશેને?”

ક્રીશ “ યપ બેબી..”

અંબીકા આ ખેલ જોઈ રહી..તેને થયુ રાધીકા લગ્ન માટે ઉતાવળી થૈ રહી છે.. જોકે છેલ્લા પાંચ વર્ષ થી  સાથે જ રહેતી તેથી લગ્ન એતો ખાલી સર્ટીફીકેટ જેટલુ જ મહત્વ ધરાવતુ હતુ. ખૈર ૭૨ વર્ષે નવુ નાટક ભજ્વાતુ હતુ અને જેની સાથે આખી જિંદગી કોઇ જાતના ખચકાટ વિના કાઢી તેની સાથે હવે કોર્ટે ચઢવાનુ હતુ…તેનુ હૈયુ ફફડતુ હતુ પણ રાધીકાની સાથે રહેવાનુ હતુ તેથી તે ગાડી જે દિશામાં જાય તે દિશાને જોઇ રહી હતી,

ત્રિભુવને મકાન આપી દઈ દેશ પાછા ફરી જવાની વાત લખી હતી.અને જે મૂડી હતી તે મકાનમાં જમા થયેલી કેશ વેલ્યુના સ્વરુપે જ હતી.મીલીયન ડોલરના હાઉસની સામે ૮ લાખનું બેંક દેવુ હતુ…શાંતિ શાહે લગ્ભગ રક્મો સંતાડી દીધી હતી…ક્રીશનું શેતાની મગજ આ બધુ શોધવા સમય માંગતુ હતુ અને શાંતિ શાહે વિના વિરોધ છૂટા છેડા સ્વિકારીને લગભગ તેને નિઃશસ્ત્ર કરી નાખ્યો હતો.

*****

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક-(2)-વિજય શાહ 

શાંતિ શાહની કોર્ટમાં રજુઆતો એવી હતીકે જજ રોબર્ટ વ્લાદીમીરને સમજતા વાર ન લાગી કે ત્રિભોવન અત્રે ફસાયેલ છે અને ક્રીસ અંબીકાના કેસમાં  કશુ કરી શકે તેમ નથી. તેથી તારીખો માંગતા ક્રીસને ઉડાવી દઈને તેજ દિવસે ચુકાદો આપી દીધો-જો તેમને ૫૦ વર્ષ પછી જુદા રહેવુ હોય તો રહી શકે છે. અંબીકા જવાબદારી સાથે મકાન રાખી શકે છે અને બાકી બધી મૂડી સાથે ત્રિભોવન ભારત જઇ શકે છે. 

ત્રિભોવને એક વાર અંબિકાને સમજાવવા પ્રયત્ન કર્યો કે “છોકર મત ના કર..ઘરેથી હું તો બહાર નીકળી જઇશ પણ તુ રાધીકાની રસોયણ અને કામવાળી બની ના જતી…”

રાધીકાના કડપ સાથે બંને છુટા પડ્યા ત્યારે ત્રિભોવન બોલ્યો ” ભગવાન તને સહાય કરે..મારે તો ભલુ થયું ભાંગી ઝંઝાળ”

અંબીકા કોચવાતી તો હતી પણ કુદરત ભાન ભુલાવેની જેમ રાધિકા સાથે ચાલી નીકળી. તેના મનમાં જજ રોબર્ટનાં શબ્દો ઘુમતા હતા..” I have never seen Indian couple taking a divorce at the time of  death..I am sure there is no diffrances to consile..”

કારમાં ક્રીસ શાંતુ શાહની દલીલો કેટલી વાહિયાત હતી.. અને જજ દ્વારા લેવાયેલા ત્વરિત નિર્ણય સામે બહુ જ વાંધો હતો. રાધીકાએ ક્રીસને ચુપ તો કરી દીધો પણ તે પણ અંદરથી છંછેડાયેલી હતી. ત્રિભોવન પટેલ ઉંમરનો અને સંસ્કારને નામે તરી ગયો..અને એણે ધારેલી એવી કોઇ જ વાત ના બની.

અંબિકા બોલી કે ક્રીસ બીલ્કુલ સારી રજુઆત ના કરી શક્યો..શાંતુ શાહે સંસ્કાર અને ઉમરને હાથો બનાવી બાજી ફેરવી કાઢી.

ક્રીસ કહે ઇન્વેસ્ટીગેશન ની તક આપ્યા વિના જજ વ્લાદીમીર પ્રાઇમા ફેસી ચુકાદો આપી ગયા. મારે આગળ જૈ એમની સંતાડેલી દોલત શોધવી છે. રાધીકા કહે મારો બાપ ખુબ જ ગણતરીબાજ અને ચાલાક છે.  હવે ઘર વાપરજે ને હપ્તો ભરજે..અંબીકાને ભાગે આવેલા ઘરેણાથી હું તો રાજી..નહી નહીને ૨૦૦ તોલા તો હશેજ….

અંબીકા કહે આ તો અમેરિકન ડાયમંડ છે ..બહુ બહુ તો સાચુ તો કેટલું હશે તે તો સોની ને ત્યાં જઈને કસર કઢાવશુ તો ખબર પડશે હું માnatI નથી બધુ સાચુ હોય… સાચુ તો મુંબાઇમાં હશે લોકરોમાં…

તે ભાયખલાનો એપાર્ટ્મેંટ કેટલાનો હશે? ક્રીસે અંબીકા પાસે વાત કઢાવવા પ્રયત્ન કર્યો. અરે તેમા તો તેના ભાઇની બે દિકરીઓ રહે છે.. જે કાકાને રાખવાના છે. નાનો એપાર્ટ્મેંટ છે હશે ૫૦ લાખનો..

ડોલર વેલ્યુ એક લાખ ઉપર થોડુ કહેવાય…

ક્રીસનો અંદરનો ઉત્સાહ શમતો જતો હાતો કેમકે  તેણે ધારેલુ તેમા કશુ દેખાતુ નહોંતુ. તેને હતું કે ત્રિભોવન પાસે બે એક મીલીયન તો સરળતા થી હશે… તેને બદલે હાથમાં હજી તો અઢી લાખ જ આવ્યા છે.

******

શાંતુ શાહ સાથે પાછા જતા ત્રિભોવનની આંખમાં આંસુ હતા.. અંબીકા ભોળી છે.. જ્યારે પૈસા ખોતરનારા સૌને ખબર પડશે કે ડોસી તો જવાબદારી છે ખજાનો નહીં ત્યારે તેના માઠા હાલ થશે.

શાંતુ શાહ કહેતા કે ભારત છ મહીના જઈ આવો ગમે તો ઠીક..નહીતર સાન હોઝે જીંદાબાદ.

નાળીયેરીઓથી ઢંગાયેલ બીચ અને તેના પવન સાથે વહેતી પાણીની ધારોને..ત્રિભોવન સરતી જતી ગાડીમાં જોઈ રહ્યા. આમ તો આખી જિંદગીમાં ઘર થી દુકાન અને દુકાન થી ઘર કર્યુ..બહુ પેદા કર્યુ અને છેલ્લા પાંચ વર્ષથી નિવૃત્તિ લીધી. રાધીકાએ જબરો ઉધામો શરુ કર્યો અને ક્રીસને પરણવા અંબીકાને સમજાવ કરતી.

જ્યારે ત્રિભુવને તેને ચોખ્ખુ કહ્યું કે કોઇનું ઘર ભાંગીને ના પરણાય ત્યારે તો તેને મરચા લાગી ગયા અને કહે..તમે ના માનો તો તમને તમારા ઘરમાં થી બહાર ના કાઢુ તો મને કહેજો.

ત્રિભુવન ને તે વખતે પહેલી વાર થયું કે રાધા દિકરી નથી પર ભવની વેરી છે જે આ ભવે વેર લેવા આવી છે. તે વખતે તો કહી દીધું કે જા થાય તે કરી લે પણ હું બાપ છું કડવુ ઓસડ તો માબાપ જ પાય. કોઇના નિઃસાસા ઉપર આપણું કદી સારુ ના થાય તેથી તને ના પાડુ છું વળી શું પટેલની નાતમાં છોકરા મરી ગયાછે તે તુ આક્રીસનું ઘર ભાંગી તેનેજ પરણવા માંગે છે?

બોલા ચાલી તો બહુ થઈ..અંબીકા વાળે તોય ત્રિભોવન ના વળ્યો કે ના વળી રાધીકા.

ગાડીએ જ્યારે મનોહરની મોટેલ પર ટર્ન લીધો ત્યારે ત્રિભોવને નિઃસાશો નાખ્યો..હા બેટા તેં મને ઘરમાંથી યે કાઢ્યો અને છુટા છેડા પણ અપાવ્યા.. તારી માને લઇ તો ગઈ છે પણ હવે સાચવજે…

મનહર મોટેલ પર નહોતો. કલ્પના હતી…”બાપુજી આવો.. “કહેતા તે પગે લાગી.

શાંતુ શાહની હાજરીમાંજ ત્રિભુવન બોલ્યો…”હું મારી ઇંડીયાની ટીકીટ થાય ત્યાં સુધી રહીશ અને એક રુમ વાપરીશ અને મારી સોસીયલ સેક્યોરીટીના ૮૦૦ ડોલર આપીશ.”

કલ્પના કહે ” અરે બાપુજી ! આ શું બોલ્યા.. આ ઘર તો તમારું છે..તમારે કશું આપવાનુ જ ના હોય!”

ત્રિભુવન કહે ” હા પણ મનહર રાધાથી દબાયેલોને તેથી આ શાંતુ શાહની હાજરીમાં ફોડ કરી લીધો…હું જમીશ અને મારા પૌત્ર સાથે રહીશ એટલે એના બેબી સીટીંગ થી બધુ સરભર થઈ જશે”

કલ્પના સસરાનું દર્દ અને ચોકસાઇને જોઇ રહી અને ધીમે થી બોલી “એ તમારા દિકરાને કહેજો. મને તો આ બધુ થયુ તેની બહુ શરમ આવે છે.”

” ભાઇ હવે કબરમાં પગ છે ત્યાં મારે પૈસા લૈ જવાના નથી તેથી હયાતીમાં જ બધુ ચોખ્ખુ હોય તો શ્રેષ્ઠ!”

” ત્રિભુવન હું હવે જઉં!” શાંતુભાઇ એ વિદાય લીધી…ત્રિભુવને તેની જતી ગાડીને જોઇ એક હાશ્કારો મુક્યો.. આ શંતુ એ મને બચાવ્યો.. આ પાછલી ઉંમરે કોર્ટ કચેરી મને રાધા અને તેના ક્રીશે બતાવી દીધી..અને એક આંતરડી કકળ્યાનાં પ્રતિક જેવો ફડફડતો નિઃસાશો નાખ્યો.

 

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક-()-વિજય શાહ 

અંબીકાને ઘરે મુકીને રાધા અને ક્રીસ ગયા.

અંબીકાને ખુબ ખુબ રડવુ હતુ..પણ આંસુ અને ડુમો રણમાં જેમ પાણી બાષ્પીભવન થઇ જાય તેમ ક્યાંક ખોવાઇ ગયા હતા. ઘર તો એજ હતુ પણ ઘરમાં ત્રિભુવન નહોતો. આંતરીક મન તો બળવો કારતુ હતુ…રાધીકા કહે તેમ કરવાનુ? કેમ? હ્રદય કહેતું અંબીકા તુ શાન અને ભાન બંને ગુમાવી બેઠી છે. સાઠે બુધ્ધી નાઠીનો જીવતું ઉદાહરણ બની બેઠી છે. સમુદ્રે સમાયેલી ગંગા પાછી ગંગોત્રી તરફ વળી….

ત્યાં ટેલીફોન ની ઘંટડી વાગી..ડલાસથી જગદીશ હતો. હલો કહેતાજ અંબીકા શોક્માં છે તે સમજતા જગદીશને વાર ન લાગી..શું થયુ કોર્ટમાં પુછવાની જરુર ન લાગી અને બીજી સાઈડ શાંત થઈ ગઈ હું કલાકેક પછી ફોન કરું છું તેમ કહેતા કહેતા….

ત્રિભુવન સાથેનો લાંબો સહવાસ એને યાદ આવતો હતો…છેલ્લ કેટલાક સમયથી તેની ટક્ટક્થી થાકી ગઈ હતી..પણ તે કંઈ આ ચૂટા છેડાનું કારણ નહોંતુ. રાધીકા અને ક્રીસનો અફસોસ આજે જોયા પછી આજે તેને લાગ્યુ કે હું તો ફક્ત શતરંજનુ એક પ્યાદુ માત્ર છું..ખરેખર બાજી તો રાધાદ્વારા ક્રીસ અને ત્રિભુવન દ્વારા શાંતુ શાહ રમે છે અને મઝે થી ફી નાં નામે બંને વકીલો અમારા પૈસાનું ભાણુ જમે છે.

થોડોક સમય અસંજમસમાં કાઢી નહાવાનું પાણી કાઢી બાથ ટબમાં એણે તેના દેહને લંબાવ્યો. ઝકુચી બાથનાં વાંકા ચુંકા થતા પ્રવાહો તેના શરીરને થોડો સમય તો સુખ આપતા અને માથા ઉપરથી પડતો વરસાદ જેવો ફુવારો હલકાઇ થી તેના મસ્તિષ્કને આરામ આપતુ. તેને રાધાના શબ્દો યાદ આવ્યા મને ૨૦૦ તોલા સોનામાં ચાલશે…તે પહેલાતો સ્તબ્ધ થઇ ગઈ..હવે તેને ધીમે ધીમે સમજાય છે રાધાએ મને સુખ અપાવા નહીં પણ મારો દલ્લો મારી હયાતીમાં મેળવવા ક્રીસ સાથે મળીને આ રમત કરી છે. તેના શરીરમાં થી એક ભયનું લખ્લખુ પસાર થઈ ગયું.

આ રાધા જ્યાં સુધી મનોહરને કે ત્રિભુવન ને દબડાવતી ત્યારે તેને કદી અજુગતુ ન લાગતુ પણ હવે તે ગમે ત્યારે તેનું ધાર્યું નહીં થાય અને મને દબડાવશે તો? એ બચ્પણ થી જિદ્દી અને મેં વળી તેના અહ્મને પોષેલો..કે મારે માટે તો તુ જ મારી સર્વે સર્વા..તો લો હવે આવી ગઈને તું તેના વશમાં? ભય હવે લખ લખાને બદલે એક ધારે તેના મનને ભરખવા માંડ્યો…

ત્યાં ટેલીફોન ની ઘંટડી વાગી..ડલાસથી જગદીશ હતો. અંબીકાએ હલો કહ્યું અને અરવીંદ બોલ્યો..મોટિબેન ચિંતા ના કર હું આજે જ ટીકીટ કઢાવું છું અને મારી સાથે પેલો મંદીરનો પૂજારી અને જ્યોતીશ સોલંકી જે સાન હોઝેમાં રહે છે તેને પણ વાત કરી છે તે મને લેવા આવશે.

“હા તુ આવ અને ટીકીટ કઢાવતી વખતે મારા ટ્રાવેલ માઈલ્સ વાપરજે.. હુંતો મોટી તેથી તારાથી લેવાય અને પાછો તુ મારા જ કામે આવે છે..મારું માને તો તારુ એપાર્ટ્મેંટ કાઢીને જ અહી આવજે..હવે ત્રિભુવન તો નથી એટલે મને તારી જરુરતો પડવાની જ છે.”

” ના બેન હું હમણાતો ત્યાં આવીને તારી છોડીનાં ખેલ જોઇશ..તે હા કહેશે તો વિચારીશ. હા, સોલંકી કહેતો હત કે તારા ઘરમાં આસુરી શક્તિઓનો વાસ છે તેથી તે માતાનું અનુષ્ઠાન કરવાનું કહેતો હતો.”

“ભલે તુ આવતો ખરો પછી જોઇશું”

*****

મનહર ખાવાના ટેબલ ઉપર બાપા સાથે બેઠો હતો. બાપા તેને હારેલા યોધ્ધા કરતા નવા યુધ્ધના સેના પતિ લાગતા. બાપાને દુધીના મુઠિયા બહુ ભાવે તેથી કલ્પનાએ મુઠિયા અને રસ રોટલી અને શાક બનાવ્યુ હતુ. ખાવાની બહુ ઇચ્છા નહોંતી છતાય બેઠા.
“બાપા! કંઇ વિચારશો નહીં ..મને ભણાવીને તમે તૈયાર કર્યો છે.. હવે તમને સાચવવાનો વારો અમારો.”
ત્રિભુવનને સારું તો લાગ્યુ પણ તેને ખબર કે આ ચાવી રાધા આવીને એક ઝાટકે ઉતારી નાખશે તેથી બહુ ઝાઝુ બોલ્યા વિના ફક્ત એક ટહુકો કર્યો..અંબીકાને જાળવજે..આ ધોળિયાની લતે રાધા ડમરું વગાડે છે પણ એને જાળવવાની નથી..
નાનકો બહુ ધમાલ કરતો હતો એટલે તેનું લેશન પતાવીને કલ્પના પુછવા આવી દાદા નમન ને તમારી સાથે સુઇ જવું છે આપી જઉ?

આજે રહેવા દે કલ્પના. મને ઉંઘ આવે છે હું શાંતિ થી સુઇ જૈશ..આ કોર્ટ અને કચેરીઓનો ભારે ત્રાસ..્શન્તુ હોય નહી અને આ ચુકાદો આવે નહીં. મારે હજી હજાર પગથીયા ચાલવાનું છે તે ચાલીને દુધ પીને હું સુઇ જૈશ.
કલ્પનાએ વિવેક કર્યો..”ભલે બાપુજી હું બાને ફોન કરીને તેમ્ની ખબર પુછી લઉ?”

“તારી મરજી..મારેતો પેલા નર્સિંહ મેતા જેવું છે ભલુ થયુ ભાંગી ઝંઝાળ.”

“છતાય મનહરે તો ખબર કાઢી..બા કહેતા હતા ડલાસ થી જગદીશમામા આવવાના છે.

” આ પારકાની વાતે જીવતર ના ચાલે..કેટલી સમજાવી તો ય રાધાની આંગળી પકડીને ચાલી ગઈ”

“બાપા! રાધાબેન ક્યાં પારકા છે? તેમની તો પેટની જણેલી દિકરી છે ને?”

” હા પણ તે હવે ક્રીસનું કહ્યુ વધુ માને છે ને હજી તો લગ્ન પણ નથી થયા.. આ ચાલીસ વર્ષ સુધી બેસી રહ્યા અને બધા પટેલીયા વીણાઇ ગયા પછી આ બીજવર લેવાનો મારા તો મગજ્માં જ નથી ઉતરતુ..”

કલ્પના બાપાનો વલોપાત સાંભળતી હતી ત્યાં કોઇક મુસાફર આવેલો જોઇને તે કાઊંટર ઉપર પાછી પહોંચી. આમ તો ૪૪ રુમની મોટેલ શરુ કરવા પૈસાની જોગવાઇઓ રાધીકાએ કરેલી તેથી મન્હર તેમને સાંભળે પણ તેમના પૈસા તો પહેલે વર્ષે જ પરત કરી દીધેલા..આ કટરીના વખતે
મોટેલ ભરાયેલી રહેતી તે વખત બે પાંદડે થૈ ગયેલા સદભાગી હવે તો નકરો તેટલો વકરો માં હતા.

મોટેલ્માં ત્રિભુવનતો બહુ રાજી નહી પણ રાધીકાના સાથને લીધે લેવાઇ ગઇ અને આજે સારી એવી ચાલે છે. મૂળતો એર પોર્ટ પાસે તેથી ચાલે.તેનો નમન પાંચ વર્ષનો અને મનન ૮ વર્ષનો..બંને સાથે ત્રિભુવન્ને ફાવે ઘણું પણ ભણવાનું અને પીયાનો ક્લાસ અને સોકર ક્લાસ ને કરાટે ક્લાસમાં લેવા અને મુકવા જવામાં કલ્પના નો દિવસ નીકળી જતો.

*****

બીજે દિવસે જગદીશને લઈને પ્રતાપ સોલંકી અંબીકાને ત્યાં પહોંચ્યો.

અંબીકાબેને પ્રતાપને જોઇને વંદન કર્યા..અને એક લાંબો શ્લોક બોલીને દીર્ઘાયુ ભવઃનાં આશિષ આપ્યા.

અંબીકાએ જગદીશને કહ્યુ.. હાથ પગ ધોઇને તમે કીચનમાં  આવો ખાવાનું તૈયાર છે. સાથે જમી લઈએ.

માથા પરની ચોટલી ફરકાવતો પ્રતાપ બોલ્યો… જગદીશ મેં કહ્યુ હતુંને કે “મીસ્ટી યોગ છે…તે આ.”

જગદીશે હસ્તા હસ્તા કહ્યું  “આજે તો પહેલો દિવસ છે અને મોટીબેનને ત્યાં કોઇ પણ જાય ત્યારે ખાવાનું તો હોય જને…” 

મોટા ઓવલ ડાઈનીંગ ટેબલ ઉપર અંબીકાએ જમવાનું ગોઠવ્યું.  કેરીનો રસ અને રોટલી સાથે શાક દાળ અને કચુંબર હતા. પ્રતાપે અંબીકાનો ભક્તિભાવ જોવા મંદિર ઉપર નજર નાખી. નાનુ મંદીર અને શિવ પાર્વતી, રાધા ક્રિષ્ન અને રામ સીતાનાં ચિત્રો હતા.

“સોલંકી એટલે તમે બ્રાહ્મણ તો નહીં?” અંબીકાએ પુછ્યું

“ના. ખોડીયાર માના અમે ભક્તો..અને ગામમાં માતાજીનું સ્થાનક જે વર્ષોથી અમે સાચવીયે.”

“જગદીશે કહ્યુ હતુ ફોન ઉપર.. અમે માતાજીને પણ માનીયે”

“જગદીશના મોટા બેન એટલે તમે મારા પણ મોટાબેન. એક વાત મને કહેવાનું મ્ન થાય છે કે તમે શનીની વક્ર દશા થી પીડાઓ છો અને તેનો શ્રેષ્ઠ ઉપાય માતાનું હું અનુષ્ઠાન તમારા ઘરમાં એક લાખ જપ કરીને કરી આપીશ.”

“ભલે ભાઈ જે કરવું પડે તે કરજે.. ત્રિભુવન તો બહુ માને નહીં તેથી અમે મંદીરે જઇએ અને તેજ બસ.”

“તમારી પાસે જન્માક્ષર છે? જો હોય તો મને આપો હું પાકુ નિવારણ તે જોઈને કહી શકીશ.” પ્રતાપે અંબીકાને ધર્મનાં અને જ્યોતીશનાં ફીતૂર બતાવવાનો પોટલો ખોલ્યો.

તમે શાંતિથી જમોતો ખરા એ બધું કરીશું. હવે જગદીશ અહીં છે તેથી મને થોડી શાંતિ છે.

જમણ વાર પત્યો મુખવાસ્ની સાથે અંબીકા પટારામાં પડેલા તેના જન્માક્ષર લઇને આવી. તે જોતા જોતા પ્રતાપની કપાળે ચિંતાઓની કરચલી પડતી જોઇ અંબીકા બોલી કેમ જ્યોતીશ મહારાજ આટલો બધો ભાર કેમ પડ્યો?

થોડીવાર મૌન ધારીને પ્રતાપે બોલવાનું શરુ કર્યુ…તમારું આયુષ્ય તો સારુ છે ૮૮થી ૯૦ તો ખરાજ..પણ વૈધવ્ય્નો યોગ ૮૨ પછી શરુ થશે.. બાકી તો તમને સુખ દુઃખની ધારાઓ સાથે સાથે શની મહારાજ આપે છે. અત્યારે એકાદ સારો પ્રસંગ જોવા મળશે પણ અન્ય કોઇ પ્રકારે અસ્વસ્થતા નથી…

અંબીકાએ માથુ ધુણાવ્યુ.. “હવે ત્રિભુવન નથી એટલે એવુ લાગ્યા કરે છે બધુ મારે માથે છે.જોકે રાધા છે મનહર છે પણ …”

“બસ આજ શનીની વક્ર દશા..શની મહારાજ આપને અજંપ રખાવે. અને આ પરિસ્થિતિ ગ્રહોના આધારે જોઉં તો તમારો ભારે સમય હજી બે વરસ છે. જો કે વીધી વિધાન કરી તેની અસર ઘટાડીશું.”

જગદીશ કહે” પ્રતાપ મોટીબેનને ડરાવ નહીં જે કરવાનુ હોય તે કરવા માંડ.”

“ભલે ચાલો મોટીબેન રજા લઉં. રવિવારે સવારથી ૩ દિવસનું અનુષ્ઠાન કરીશું”

” આ રાધીકાને નહીં ગમે અને બોલશે..બા તુ પણ નવા તુક્ક કર્યા કરે છે..પણ હવે એક ક્રીયા કાંડિ ત્રણ દિવસ આપણા વતી ક્રિયાઓ કરે તેથી મને સારુ લાગે છે..બાકીતો બધુ ઠીક. “

જગદીશે માથુ હલાવ્યુ…પછી બોલ્યો..”બેન! પૈસાનો ફોડ પહેલા પાડી લેજો..હું તો તે ગામમાં હતો ત્યારે જાણતો.. હવે અમેરિકાનાં વેશ જુદા હોય અને શરમમાં પડવું ના હોય તો ચેતતા રહેવુ સારું.”

જીવનતો ફુગ્ગા માંહી સ્થિર થયેલી ફુંક () પ્રવિણાબેન કડકીયા

     ઘર એનું એ આસપાસની વસ્તુઓ હેમખેમ!  કશું જ અજાણ્યું ન હતું. દિવાલ પરની તસ્વીરો અંબિકાની સામું જોઈ મલકી રહી હતી કે રડી રહી હતી?  અરે ત્રિભુવનના જોડા પણ ત્યાંથી ખસ્યા ન હતા. જાણે હમણા આવશે અને એક મનપસંદ સ્મિત અંબિકા તરફ પ્રેમથી રેલાવશે. જો સારા મુડમા હોયતો હાથના ઈશારા વડે ચુંબન પણ તેના તરફ પાઠવે. ધીર ગંભિર જીવનની આ તો મઝા છે. બોલવું ઓછું. આંખના ઈશારા અને હાથની હલનચલન બધું જ સમજાવી જાય. ભલે એમ લાગે કે પતિ પત્ની પ્યાર વક્ત નથી કરતા, કિંતુ તેમની વાણી નહી વર્તન જ સઘળું વિદિત કરે. 

      અંબિકા સોફા પર લાંબી થઈને વિચારી રહી હતી. આ ઉંમરે મારી શું હાલત થઈ. ત્રિભુવન સાથે ગુજારેલા દિવસોની યાદમા ખોવાઈ ગઈ. પંદર વર્ષ પહેલા આ ઘર જાતે ઉભા રહીને બંધાવ્યું હતું. ઘરની બધીજ વસ્તુઓ અંબિકાની પસંદગીની હતી. ઘરથી તો તે સંપૂર્ણ પણે પરિચિત હતી. પણ તેમા ક્યાંય ત્રિભુવનનો જાણીતો ચહેરો ન જણાયો.

                જગદીશ, વહાલો ભાઈ વહારે ધાયો હતો તેથી તે નચિંત હતી.  રાધિકાના કહ્યામા આવીને આવું અણધાર્યું પગલું ભર્યું તો ખરું. અંબિકા પાછી થોડી આમ ભોળી ખરી ત્રિભુવન ઢાલની જેમ તેનું રક્ષણ કરતો. પુત્રીના પાગલ પ્રેમમા ફસાઈ અંબિકા “ન ઘરની ન ઘાટની” એવી હાલતમા ફસાઈ ગઈ.

             સોલંકીએ આવીને ‘રાહુ અને કેતુ’ સાતમા ઘરમા છે કહી શાંતિ પાઠ કરવાની સલાહ આપી. આજકાલ બ્રાહ્મણ તેમાંય વળી અમેરિકામા ખૂબ તેજીમા છે. ડોલર પડાવવામા પાવરધા. ભલેને કાંઇ શાસ્ત્રનું ભાન ન હોય. અરે શું વાત કરું સંસ્કૃતનું  ઉચ્ચારણ પણ શરમજનક કરતા હોય છે.

                 અંબિકા વિચારી રહી,  ખરેખર ત્રિભુવનથી છૂટાછેડા મેળવી તે જ ઘરના સોફા પર લેટીને આ વિચારોમા મસ્ત છે. જે ત્રિભુવન સાથે જીંદગી ગુજારી હતી તે હવે તેના વગર કેમ જશે. રાધિકાના મોહમા તે આ શું કરી બેઠી? વહાલો ભાઈ જગદિશ આવ્યો. સોલંકીએ શાતિપાઠ કરાવી ‘રાહુ કેતુ’ ને ઠેકાણે કર્યા. પણ આ મનનું શું ? હવે ખૂબ મોડું થઈ ગયું હતું.

અંબીકા ગાડીમાં થતી વાતોથી હેબતાઇ તો ગઇ જ હતી. મને ત્રિભુવનથી છુટા પાડવામાં ક્રીસ અને રાધીકા મારામાં નહીં પણ મને મળતી મિલ્કતમાં રાજી હતા.    રાધિકાનો જીવ અંબિકાના ૨૦૦ તોલા સોનાને પચાવી પાડવામા હતો. ક્રિસતો એટલો ધુંઆપુંઆ હતો કે જરાપણ સમતોલ બુધ્ધિથી વિચારી શકતો નહી. પણ હવે શું ઈલાજ હતો.’ જબ ચિડિયા ચુગ ગઈ ખેત’. હા મોટું મસ રાજમહેલ જેવું મકાન મળ્યું પણ તેનો હપ્તો ભરવો અને તેની દેખેરેખ પાછળ જે ખર્ચ આવતો હતો તે તેના ગજાબહારનો હતો.

      અને ઉપરથી અંબિકાનું ધ્યાન રાખવાનું. રાધિકાના તેવર મહિનામાં જ બદલાઈ ગયા હતા. મમ્મી ,મમ્મી કરતી હતી. કાનભંભેરી ઉશ્કેરતી હતી અને હવે બટકા ભરતી.

. અંબિકા વિચારે આ ઉમરે આવી હાલત ? જવાબદાર પણ કોને ઠેરવે ?

                અંબિકા જેમ જેમ વિચાર કરતી ગઈ તેમ તેમ તેને ત્રિભુવનની યાદ વધુ આવતી. જાતને કહે હેં ત્રિભુવન હું તો પાગલ હતી તમે મને કેમ જવા દીધી?  શું તમે મને નથી ઓળખતા?   ત્રિભુવન મેં તમને ‘ મનહર અને રાધિકા બે બાળક આપ્યા હતા,’  

 ત્રિભુવને જવાબ આપ્યો ‘ તને મારામા વિશ્વાસ હતો?’

 અંબિકા”હા, મેં વિશ્વાસ ગુમાવ્યો હતો. કારણ દિકરીના પ્રેમમા હું અંધ બની ગઈ હતી.

 ત્રિભુવન, રાધિકાનું દિલ મારા પર નહી મારા ૨૦૦ તોલા સોના પર છે. સોનાના ભાવ તો આજે આસમાનને આંબી ગયા છે. હાય રે, મા નો આંધળો પ્રેમ બાળકની સ્વાર્થી મનોવૃત્તિને ન ઓળખી શક્યો. રાધિકાએ હવે પોતાનું અસલી સ્વરૂપ દેખાડ્યું. હા. માને તે પ્રેમ કરતી હતી પણ પૈસા અને તેના પ્રેમી કરતા ઓછો. પિતા વિરુધ્ધ ભંભેરવામા તે કામયાબ નિવડી.     

             હવે વારે વારે તેને દાંતિયા કરતી અને વઢતી. દાંતિયા કરવા તે અમેરીકામા રહેલી પ્રજામા ઓછા હોય પણ જ્યારે પોતાનો સ્વાર્થ ન સધાય ત્યારે તમે ભલેને ચાંદ પર રહ્યા હો. મનુષ્યનો અસલી સ્વભાવ પરખાઈ જાય.

                       અંબિકા ના હાલ ભારે બૂરા થયા હતા. ફરિયાદ પણ કોને કરે ? અંબિકાનો પક્ષ લઈ લઈને ત્રિભુવનને પણ દુશ્મન બનાવવામા સફળતા વરી હતી. આમેય ત્રિભુવન પ્યાર બહુ ઓછો વ્યક્ત કરતો. પણ જ્યારે વરસતો ત્યારે અંબિકા તેમા ભિંજાતી.  આજે તો તેની હાલત વાઢો તોય લોહી ન નિકળે એવી હતી. ત્રિભુવન સાથેના વિતાવેલા વર્ષો સારા યા નરસા એકેય સાંત્વના દેવા સફળ ન થયા.

                છેલ્લે છેલ્લે તો બેયને એકબીજાના ચહેરા પણ જોવા પસંદ ન હતા. છતાંય ત્રિભુવન મનમા ઈચ્છતો કે “મારી બાયડી દિકરીના આંધળા પ્રેમમા શું કરી રહી છે તેને તેનું ભાન નથી”. ત્રિભુવન મોઢું ખોલે ને પેલી તેના પર વરસી પડે. જીવનના ૫૦ વર્ષ સાથે ગાળ્યા હતા. સુખમા અને દુખમા સરખી હિસ્સેદાર હતી. લાગણી કાંઇ ભૂલી ભૂલાતી નથી? અંબિકા કેમ એ દરવાજો બંધ કરીને બેઠી હતી તે તેની સમજમા આવતું નહી.

         ઘડપણના દરવાજા ખટખટાવી અંદર પ્રવેશ્યા પછી આ શું કર્યું તે વિચાર કમકમાટી ભર્યો હતો. પણ હવે રાંડ્યા છી નું ડહાપણ શું કામનું? ભાઈ નેપણ કાંઈ મુછનો દોરો નહોતો ફૂટતો તબિયત પણ  નરમ ગરમ રહેતી હતી. શું કરું મુંઝાયેલી અંબિકા ત્રિભુવન સાથેની રોજની ચડભડાટથી થાકી હતી.

                  એક કારણ એ પણ ખરું કે ઉમર  થતા ત્રિભુવન થોડો ચિડિયો થયો હતો. તેથી અંબિકા દિકરીમા સાંત્વના પામતી. દિકરીએ છૂટાછેડા મળ્યા પછી તરત જ પોત પ્રકાશ્યું. ચિંતામા ને ચિંતામા તબિયત લથડવા માંડી . મનહર આવતો પણ અંબિકા તેની સાથે પેટછૂટી વાત કરી ન શકતી.  

               ત્રિભુવનથી છૂટા પડ્યે મહિનો એક થયો હશે અને તેને ખાવામાં તકલીફો શરુ થવા માંડી પ્રવાહી લેવાય પણ થૉડો સમય થાય અને ઉબકો આવે અને ખાધેલુ નીકળી જાય. ઘણું માથુ ખાધા પછી રાધિકા તૈયાર થઈ અંબિકાના ચેકઅપ  માટે. અંબિકા હવે તો ગાડી ચલાવવાથી ખૂબ ગભરાતી. ડોકટર ઘણા વર્ષોથી હતા એટલે અંબિકાને બરાબર તપાસી અને  સલાહ આપી. કે અન્નનળી રુંધાય છે તેથી ઇ એનટી ના ડોક્ટર પીટર કાર્લોને બતાવો.ચાલુ નિશાળે રાધિકાને ના છૂટકે બીજા અઠવાડિયે ત્યાં પણ લઈ જવી પડી. જાણે મા પર ઉપકાર કરતી હોય તેમ વર્તન કરતી.

              ગઈકાલે નિદાન આવ્યુ અન્નનળીમાં ગાંઠ છે . વાત  ચિંતાજનક હતી. સ્વાભાવિક તેનો અર્થ કે અંબિકાને ‘અન્ન નળીનું કેન્સર’ હતું.  મેડિકેર બધો ખર્ચ ઉપાડવા તૈયાર ન હ્તું. બીજા લગભગ ૫૦૦૦.૦૦ ડોલર ચૂકવવા પડ્યા-. નબળી અંબિકા હવે તો રાધિકાને માથે પડી. દાગિનામા કાંઈ દમ ન હતો. અડધું સોનુ ભારત ખાતે બેન્કમા હતું. અડધા દાગિના ખોટા હતા. ટૂંકાણમા કહીએ તો હવે આ તલમા તેલ ન હતું.

                      દુનિયાનો ધારો છે, માતા પિતાની મિલકત પર ડોળો રાખીને બેઠેલા બાળકો જો સંતોષાય નહી તો દુખ સિવાય નસિબમા કાંઈ જ ન સાંપડે. રાધિકા ક્રિસ પાછળ ગાંડી થઈ હતી. ક્રિસને એમ કે માલ મળશે તેને બદલે અંબિકાનો ભાર અને મોટા મસ મેન્શનનું પેમેન્ટ મળ્યું.

                     અંબિકાને અન્નનળી નું કેન્સર અને તેનું ઓપરશન , દવાદારૂનો અને હોસ્પિટલ નો ખર્ચો! રાધિકા કરે તો શું કરે. માને ચડાવી બાપથી આ ઉમરે છૂટાછેડા અપાવ્યા હતા.

 ત્રિભુવન અંહિ રહી ધીરે  ધીરે બધા કામ આટોપી રહ્યો હતો. તેને હવે નિરાંતે ભારત જવું હતું. અંહીનું સઘળુ એટલું બધુ વિસ્તાર્યું હતું કે બંધ કરી ચાલી ન નિકળાય.બીઝનેસ ભાડે આપી દિધો હતો તેથી રોજની દોડ ધામ ઘટી ગઈ હતી.

   અંબિકાને અન્નનળીનું કેન્સર સાંભળી બધા વેરભાવ ભૂલી તેની પડખે રહ્યો. દુનિયાદારીની શરમે કહો કે લાગણીથી ! તને પોતાને પણ ખબર ન હતી. પણ તેના હ્રદયમા ટીસ ઉઠી.   હા સાઠે બુધ્ધિ નાઠી પ્રમાણે તેનો સ્વભાવ વકરેલો હતો કિંતુ અંબિકા જીવનમા ઘણા વર્ષો સુધી વણાયેલી હતી.

રાધિકા બાપ સામે માને ખોટો પ્યાર જતાવાતી પરંતુ અંબિકાના વર્તનથી ત્રિભુવન પામી ગયો હતો કે મા-દિકરી વચ્ચે સંબંધો સુંવાળા નથી. તન મન અને ધન ત્રણેય બાજુથી અંબિકા ખુવાર થતી જતી હતી.અંબિકા આવી બિમાર હાલત મા શું કરી શકશે? બધું જ હવામા અધ્ધર, ક્યાંય ઠરવાની શીળી છાયા જણાતી ન હતી-

બીજા હજાર હજાર ડોલરનાં ૫ ઇંજેક્શન અને તે પણ ખુબ જ ભારે એક એક દિવસનાં આંતરે લેવાના હતા.. પહેલા ઇન્જેક્શન પછી અન્નનળી ખુલી.. પ્રવાહી જવું શરુ થયુ. પણ આખા શરીરે ગજબની લાય ઉઠતી હતી..

જગદીશ બહારના ધક્કા ફેરા ખાતો અને બહેન ને સમતા રાખવા સમજાવતો. પણ દેહનાં દંડ તો દેહે જ ભોગવવા પડેને? કલ્પના સાંજે આવતી અને અંબીકાને બહારથી લોશન લગાવતી..પણ અંદરની જલન કંઈ બહારના લોશન થી ઓછી મટે?

રાધિકા રોજ સાંજે આવતી. અંબિકા સાથે બેસવાને બદલે રસોડે કંઇક અવનવુ કરી ક્રીસની રાહ જોતી..ત્રિભુવને આવીને અંબિકા સાથે વાત કરવાને બદલે ફોન નો આશરો લીધો હતો… તે અંબિકાને એટલું જ કહેતો કે સૌ સારુ થઇ જશે તારા ઇંજેક્શનો અસર બતાવે છે તે સારી વાત છે.અંબિકા વિચારતી કે ત્રિભુવન એમા તેં નવુ શું કહ્યું?

દિવસો જતા હતા

ક્રીસ ના છુટા છેડા થયા અને રાધિકા લગ્ન માટે ઉતાવળી થતી હતી.ત્યારે અંબિકા બોલી હવે ૪૦ની થઇ..વિના લગ્ને પણ પરણિત જેવું જ તો તુ જીવે છે..તો કોર્ટમાં લગ્ન કરી લે ને?

બસ આટલી જ વાત અને રાધિકાનો પિત્તો ગયો…

“ક્રીસના જેવું તું ના બોલ મમ્મી! મારું તો પહેલું લગ્ન છે..અત્યાર સુધી આખી દુનિયાને કરેલા વહેવારો પાછા લેવાના કે નહીં?”“પણ તે વહેવારો તો તારા બાપના કરેલા છે તેને નથી પડી અને તું આ શું કરવાનુ કહે છે!”

મમ્મી મારા લગ્ન તો તુ કરાવીશ અને વહેવારો મારે લેવાના તેથી તુ ના પાડે છે ને?

અંબિકાએ નિઃશાસો નાખ્યો…મને આ કસમયે મરવાનું આવ્યું છે અને આ બહેન બાને પરણ અને પૈસા બંને નું ઝનુન ચઢ્યુ છે.

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક ()-પ્રભુલાલ ટાટારીઆ ‘ધુફારી

“શતરંજની ચાલ”                                  

              જગદીશ સાથે આવેલા  ઢોંગી પ્રતાપ સોલંકીને જોઇને જ પહેલે જ દિવસે રાધિકાની ભૃકુટી ખેંચાઇ હતી. પહેલી નજરે જ તેણીને અણગમો ઉપજ્યો હતો તેમાં અંબિકાએ તેને નમન કર્યા ત્યારે જ તેણીએ સોલંકીને ખખડાવ્યો

“મોટી ઉંમરની મારી બાને પ્રણામ કરાવતાં તમને શરમ નથી આવતી?

“અરે રાધા……”

“તમે તો મામા વચ્ચે બોલશો જ નહી……”રાધિકાએ જગદીશને વડચકું ભર્યું.

“શિવ,,,,શિવ….શિવ તમારા માજી મને વંદન નથી કરતાં પણ મારામાં રહેલા પુરોહિત પણાને વંદન કરે છે આ સોલંકી તો પામર જીવ છે”

‘હં….પામર..જીવ ને તમે? માય ફૂટ” કહી મ્હોં મચકોડી પગ પછાડતી રાધિકા જતી રહી.

               સોલંકીએ અંબિકાના જન્માક્ષર જોઇ ૮૮-૯૦ વરસનું આયુષ્ય ભાંખેલું. ભવિષ્ય જૂઠુ સાબિત થયું શનિની વક્ર્દ્રષ્ટિની અને સાતમા ઘરમાં રહેલા રાહુ-કેતુની અસર ઓછી કરવા માટે શાંતિ-પાઠની વિધિ અને ત્રણ દિવસના અનુષ્ઠાન કર્યા બાદ પરિસ્થિતીમાં કશો ફર્ક ન પડ્યો. તેમાં ડૉકટર કાર્લોના નિદાનથી અન઼્નનળીના કેન્સર સાબિત જાહેર થતાં કેન્સર એટલે કેન્સલ જાણતાં અંદરથી હચમચી અવશ્ય ગયો હતો. બીક હતી તો હવે વધુ દાન દક્ષિણા મળવાના દ્વાર બંધ થઇ ગયા.

                   રાધિકાએ ગોલ્ડ એન્ડ ડાયમંડ સ્ટોરમાં અંબિકાના દાગિના ચેક કરાવ્યા બાદ હચમચી તો ગઇ હતી.તેમાં ક્રિશના મહેણાં ટોંણા

“મારી મા પાસે ૨૦૦ તોલા સોનું છે.”

“તે છે…જ ને…?

“આ…આ..૨૦૦ તોલા સોનું હુ….,અર્ધુ નકલી અને બાકીનું ૧૮ કેરેટનુ?

“મને શી ખબર કે આ બધું ડીંડવાણું નિકળશે…..”રાધિકાએ કહ્યું

“બન્‍નેને છુટા કરવાના પ્લાન કરતાં પહેલાં ચેક કરાવવાનું તને જરૂરી ન લાગ્યું?”

“પણ……”

“તેમાં તારી મા ને કેન્સર……”

“મને શું ખબર કે તેણીને કેન્સર છે…..”

“બહુ મોટા ઉપાડે લઇ આવી હતી ને? હવે મેડીકલના અને ટ્રીટમેન્ટ્ના ખર્ચા ભોગવ”

           આવી ચડભડ હવે રોજની થઇ ગઇ હતી.તેમાં જગદીશ આવ્યો એટલે વધુ વિફરી હતી તેના ખર્ચા પણ ભોગવવાના માથે આવ્યા.

              આ બાજુ સોલંકીના હાથમાં કોઇ બકરો ફસાયો ન હોવાથી તેનું સેતાની મગજ અંબિકા એક જ શિકાર હતો.તેના પહેલાં નાખેલા પાસા તો ઉલટા પડ્યા હવે  અન્ય શ્રોત શોધવા તે પાછો જગદીશને મળ્યો.જગદીશ પણ નારાજ હતો પણ તેણે તેને અષ્ટમ પષ્ટમ સમજાવી ને અંબિકાને ઘેર આવ્યો.

            ચ્હા-પાણીની આગતા સ્વાગતા થયા બાદ તેણે અંબિકાના જન્માક્ષર ફરીથી જોયા માંગ્યા.પોતાના થેલામાંથી પંચાંગ કાઢી ઉલટા સીધા પાના ઉથલાવ્યા બાદ કેટલી વાર સુધી કપાળ પર હાથ ફેરવ્યો,માથું ખંજવાળ્યું અને શિખાની ગાંઠ છોડી ફરી બાંધી, ગળામાં પહેરેલી રૂદ્રાક્ષની માળા ના મણકા ફેરવી સમય પસાર કરતા પ્રતાપ સોલંકી આંખ બંધ કરી ને ખોટે ખોટા આંગળાના વેઢા ગણતાં હવે શું કરવું એ વિચારતો હતો. આગળ શું કરવું તેની વેતરણમાં પડી ગયો.

             જન્માક્ષર ફરી ફરી જોતાં આંખો બંધ કરી અષ્ટમ પષ્ટમ શ્લોકો બોલી આંગળાના વેઢા ચાર પાંચ વખત ગણી સારો એવો સમય પસાર કર્યા બાદ નવો તુક્કો મળી જતાં જન્માક્ષરની ચોપડી પર ઉંધી હથેળી પછાળી ઘટસ્ફોટ કર્યો.

“ મોટીબેન તમારી કુંડળીમાં નક્ષત્ર દોષ છે.અરે! આ વસ્તુ તો સૌથી પહેલાં મારા ધ્યાનમાં આવવી જોઇતી હતી”

“એટલે ?”અંબિકાએ પુછ્યું

“તમારો જન્મ મઘા નક્ષત્રમાં થયો છે એટલે નામકરણ વિધિ પછી મઘા નક્ષત્ર શાંતિ કરાવવી જોઇતી હતી,મને નથી લાગતું કે, એ થઇ હોય એટલે હવે  તેના માટે શિવ તાંડવ સ્તોત્રના ૧૦૦૮ પઠન અને મહામૃત્યુંજયના સવા લાખ જપ કરી દશાંશ હોમ કરાવવા પડશે સાથો સાથ ૨૧ સોમવાર માત્ર અને માત્ર ફળાહાર પર  કરવાની જરૂર છે,”

“અરે! પ્રતાપ મોટીબેનની હાલત તો જુએ છે એ ક્યાં ૨૧ સોમવાર કરવાની હતી?”જગદીશે કહ્યું

“તું સમજ્યો નહી….હું તો શું કરવાનું છે તેનું વિધાન કરૂં છું”

“તો?”

“આ સોલંકી કયાં પાછળ પડે એમ છે? મોટીબેનની હાલત મારાથી ક્યાં અજાણી છે એટલે તેમના વતી હું કરીશ અને તેનું પુણ્ય તુલસીના પાંદડે મોટાબેનને અર્પણ કરીશ”

“હા તેના માટે જોઇતી સામગ્રીનું લિસ્ટ તને આપું તે લાવી આપજે”

“જો ભઇ તને જે જોઇતું હોય તે તું લઇ આવ વિધિ પુરી થયા બાદ તું દાન દક્ષિણા તો લેવાનો જ છો ત્યારે સાથોસાથ બીલના પૈસા લઇ લેજે”     

“ભલે જેવી તારી ઇચ્છા. તો આજે છે ૫ તારીખ એટલે અઠવાડિયા પછી ૧૨ દિવસ પછી મઘા નક્ષત્ર શાંતિ અનુષ્ઠાન શરૂ કરીએ” કહી પોતાની તરકીબ કામયાબ રહ્યા પર ખુશ થઇ પ્રતાપ ગયો. 

         જે દલ્લો મેળવવા ક્રિશ અને રાધિકાએ પેંતરા રચીને ત્રિભુવન અને અંબિકાને લાંબા લગ્નજીવનમાં ભંગાણ પડાવી છુટા કર્યા એ બધી ગણત્રી ખોટી પડતાં રાધિકા ધુધવાયેલી તો હતી તેમાં સોલંકીના આ ધતિંગ જોઇને અંબિકા પર વધુ ગુસ્સે થવા લાગી.

“મમ્મી આ શા ધતિંગ માંડ્યા છે??”

“તું તો પૂજા પાઠમાં માનતી નથી તને નહીં સમજાય”જગદીશે ડરતાં બચાવ કર્યો.

“મામા તમારા ધતિન્ગ તમને મુબારક મને સમજાવવાની જરૂર નથી”

           ક્રિશ સારા સાથે છુટા છેડા લીધા બાદ પણ રાધિકાને પરણવા તૈયાર ન્હોતો. એટલે જ્યારે રાધિકા લગ્નની વાત કરતી ત્યારે ક્રીશ ગલ્લા તલ્લા કરી ગમે તેમ વાત ઉડાવી દેતો હતો.ખરેખર તો લગન વગર પાંચ વરસથી સાથે રહેતી રાધિકાને તેણે શતરંજનો સેહ આપનાર વજીર સમજયો હતો એતો મામુલી પ્યાદાથી વિશેષ કંઇ સાબિત ન્હોતી થઇ.

        તેણે લેટ મી થિન્ક બેબી કરીને આડા અવડા ઊંઠા ભણાવીને અને પોતે ક્યારે તેણીનો વિશ્વાસ તોડ્યો છે? તને તારા ક્રિશ ઉપર ભરોસો નથી? એવા સવાલોના જાળામાં ફસાવીને રાધિકાને  મનહરની મોટેલમાં રહેવા જવાની સલાહ આપી.

રાધિકા મનહરની મોટેલમાં રહેવા જાય તો ત્યાં રહેતા ત્રિભુવનનો સામનો કરવો પડે અને ત્રિભુવન પાસે તો તેણીનો પુછાનારા પહેલાં સવાલ કેમ? ક્રીશે કરી દીધીને રખડતી એટલે તેણીને અંબિકા સાથે રહેવામાં શાણપણ લાગ્યું.

             આ પહેલી વખત પોતાનો પ્લાન ફેઇલ જતાં ક્રિશ અંદરથી હચમચી ગયો હતો.વારે વારે તે એક જ વાત વિચારતો હતો કે,ક્યાં ગણત્રી ખોટી પડી હતી.વારંવાર બનેલી ઘટના રિવાઇન્ડ કરીને સ્લો મોશનમાં જોતાં તેને કોઇ ખામી હાથ લાગતી ન્હોતી આમ કેમ થયું ક્રિશ??એ સવાલ વારંવાર પોતાને પુછી રહ્યો હતો.

                   પોતાના બેન્ક એકાઉન્ટમાંથી તેણે અર્ધી રકમ પણ ગુમાવી હતી અને એપાર્ટમેન્ટ પર તો કોર્ટના હુકમ અનુસાર સારાનો કબજો હતો એટલે તેણે હાલ ઘડી એલિઝબેથ સાથે રહેતા પોતાના જુના મિત્ર ઇવાન વિલબર ફોર્સનું બંધ પડેલું મળ્યું હતું.

આ મકાન ઇવાન ક્યારે ખાલી કરાવે તેનો ભરોસો ન્હોતો.રાધિકા પણ તેના કશા કામની ન્હોતી રહી.તેણીમાં હવે પહેલાં જેવી ઉષ્મા તેને ન્હોતી લાગતી.હવે સમય આવી ગયો હતો કે,તે બીજી કોઇ શોધી લે.

           પોતાની ત્યક્તા પત્નિ અંબિકાને ઇન્સાનિયતના નાતે મળવા આવેલ ત્રિભુવને રાધિકાને ત્યાં જોઇ વિચારમાં પડી ગયો.પોતાના બાપ સાથે હંમેશા બાખડતી અને આંખો દેખાડનારી રાધિકામાં તેના બાપ સામે આવવાની હિંમત ન્હોતી એટલે

“હું હમણાં આવી હો બા…….”કહી પોતાના બેડરૂમમાં જતી રહી.

            અંબિકા પાસે થોડીવાર બેસી શબ્દોથી સાંત્વના આપી ત્રિભુવન સીધો શાંતી શાહની ઓફિસે ગયો.તેના પાસેથી જાણવા મળ્યું કે,ક્રીશના સારા સાથે છુટા-છેડા થઇ ગયા હતા એટલે સારાએ કોર્ટના હુકમ મુજબ ક્રિશના એકાઉન્ટની અર્ધી રકમ, કિમતી ચીજ વસ્તુઓ અને એપાર્ટ્મેન્ટ પર કબજો કરી ક્રીશની હકાલપટ્ટી કરી દીધી હતી. મને લાગે છે ક્યાંનો પણ ન રહેલો ક્રીશ ક્યાંક ગાયબ થઇ ગયો છે એટલે ના છુટકે રાધિકા મા પાસે પાછી ફરી હશે.

             મોટેલ પર આવીને ત્રિભુવને જમવાની ટેબલ પર મનહર અને કલ્પનાને  આ બાબતની જાણ કરી.ખાસ મનહરને તાકીદ કરી

“તારે હવે રાધિકાથી દબાવાની જરૂર નથી અને તને જો કશું પણ કહે તો કહેજે મારી સાથે વાત કરે”

“પણ પપ્પા મોટાબેન આમ મુશીબતમાં હોય તો……”કલ્પના કશું આગળ બોલે તે પહેલાં જ વાત કાપતા ત્રિભુવને કહ્યું

“મુશીબતમાં…..??? આ મુશીબતનો અણસાર મને પહેલાથી જ હતો અને જેટલી વખત લાલબત્તી ધરી તેણીને સમજાવવાની કોશિશ કરી તે હંમેશા દાંતિયા જ કરતી હતી.”

“પણ…..”મનહર કશું કહે તે પહેલાં જ હાથ ઊંચો કરી ત્રિભુવને કહ્યું

“મનહર બેટા….કલ્પના વહુ.  હવે આ વાતનો અહીં પૂર્ણવિરામ કરો.”

જીવનતો ફુગ્ગા માંહી સ્થિર થયેલી ફુંક ()પ્રભુલાલ ટાટારીઆધુફારી

 “અતીતમાં લટાર”

ચેપ્ટર-૬                                                   

         અંબિકા પહેલા માળની બારી પાસે બેસીને બહાર નજર કરતી હતી. અચાનક ઉપરથી પસાર થતા એરોપ્લેનની ઘરઘરાટી સાંભળી તેણી અતીતમાં ઉતરી ગઇ. અમદાવાદના ઘરની આગાસી ઉપરથી પસાર થતાં એરોપ્લેનને જોઇને તેણીને કેમ પણ એમ લાગતું હતું કે એક દિવસ તેણી પણ પ્લેનમાં બેસી આકાશમાં સફર કરશે.

                    અમેરિકા ભણવા ગયેલ ચંદુભાઇનો ત્રિભોવન અમેરિકાની સ્ટાફોર્ડ યુનિવર્સિટીમાં ભણ્યા બાદ મે.લોઇડ એન્ડ કુપર ઇન્ટરનેશનલમાં સિનિયર ઇન્જીનિયર તરિકે નોકરીએ લાગી ગયો અને તેણીના અને ત્રિભુવનની સગાઇના ગોળ-ધાણા તો ક્યારના ખવાઇ ગયા હતાં હવે તો ત્રિભુવન અમદાવાદ આવે એટલે ફેરા ફરવાના જ બાકી હતા.

        નોકરી પાકી થયા બાદ ત્રિભુવન આવ્યો અને લગ્ન થયા બે માસ ફરીને પાછો ગયો.નોકરીમાં પાંચ વરસ બાદ તેણીને અમેરિકા લઇ ગયો.ત્રિભુવન ભણતો હતો એ બે બેડરૂમનો ભાડાનો એપાર્ટ્મેન્ટ હતો. બે વરસ પછી રાધિકાનો જન્મ થયો.તેણીના જન્મ બાદ ત્રિભુવન સિનિયરમાંથી પ્રોમોટ થઇને ચીફ થઇ ગયો.અંબિકાના મગજમાં વાત પાકી થઇ ગઇ કે, દીકરી શુકનવંતી છે.ત્રિભુવને સમજાવવાનો પ્રયત્ન બે-ચાર વાર કરી જોયો પણ એ વાદવિવાદનો ક્યારે અંત ન આવ્યો.

            આ ઉપરાંત કોણ જાણે કોણે તેણીના મગજમાં ઠસાવી દીધું હતું કે, દીકરી વ્હાલનો દરિયો એટલે તેણી રાધિકાને બહુજ લાડ લડાવતી અને તેણીના આ વધુ પડતા પ્રેમ અને લાડને લીધે રાધિકા જીદ્દી અને મનસ્વિ થતી જતી હતી.ક્યારેક ત્રિભુવન જો કશું અંબિકાને કહેવાની કોશિશ કરતો તો તેણી વચ્ચે પડી કહેતી

“પપ્પા મારી માને હેરાન કરશો નહી…….”

          પોતાના પક્ષમાં કાલુ કાલુ બોલતી રાધિકા તેણીને વધુ મીઠડી લાગતી.આમ ને આમ સાત વરસ બાદ મનહરનો જન્મ થયો.નાના મનહરને લઇને પ્રેમમાં ફેરવતી રાધિકા જોઇ અંબિકા ખુશ થતી. સમજણો થયેલો મનહર રાધિકાથી ડરતો તે કહે બેસ તો બેસી જવાનું ને ઊભોથા તો ઊભો થઇ જવાનું સમજો ને કે રિમોટ રાધિકાના હાથમાં હતું.  શરૂઆતમાં અંબિકાને એવું લાગતું કે રાધિકાને પોતાના ભાઇની કેટલી ફિકર છે પણ તેણી આમ શા માટે કરતી હતી એવું જ્યારે અંબિકાને સમજાયું ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું કારણ કે ત્યાં યુ-ટર્ન જ ન્હોતો.

               ત્રિભુવન રાધિકાની આ જો-હુકમી માટે કશું કહેતો તો મા દીકરી એક થઇ જતાં અને ત્રિભુવનની સામે મનહર લાડ કરતી માટે લટુડા-પટુડા કરતી.મુગ્ધા પ્રવેશેલી  અવસ્થામાં પ્રવેશેલી રાધિકા હંમેશા ગોરિયા છોકરાઓમાં ઘેરાયેલી ટોમબોય હતી.

      થોડી બચત થતાં એક દિવસ ત્રિભુવને પોતાનું મકાન બનાવવાના મનસુબાની વાત અંબિકાને કરી.પોતાનું મકાન બનાવવા માટે યોગ્ય લોકેશન ગોતવા તેઓ કેટલા રખડ્યા હતાં. દર રવિવારે સવારથી મકાન માટે લોકેશન શોધવા નીકળી પડતા અને આખરે આ જગા થોડા ઉંચાણવાળી અને કોલાહલથી દુર મળી.

         ૧૯૭૦માં બેંકો તો મકાન માટે લોન આપવા ભાઇ બાપા કરતી અને ત્રિભુવન તો પાછે એન્જીનીયર..તેણે તેના જ્ઞાન અને વાસ્તુશાસ્ત્રના હિસાબે આખરે આ મકાનની ડીઝાઇન બનાવી હતી.

                     મકાન માટેનો પ્લોટ પસંદ થઇ ગયા બાદ પ્રાથમિક બધી વિધિઓ પતાવવાની  ત્રિભોવને પોતાના ઓળખીતા કોન્ટ્રાક્ટર માર્ક મોન્ટેકાર્લોને ડિઝાઇન બનાવી બાકીની વિધિ પતાવવાની જવાબદારી પોતાના સલાહ્કાર શાંતુ શાહ ને સોંપી મકાન બાંધકામ શરૂ કરતી વખતે ત્રિભોવન તો ઓફિસે જતો પણ અંબિકા સામે બીચ અમ્બ્રેલા નીચે ખુરશી નાખીને આરામથી મુંબઇ સમાચાર અને ગુજરાત સમાચારના પાના ઉથલાવતી નજર રાખતી હતી.

          સાંજે ઓફિસથી ત્રિભુવન આવ્યા બાદ બન્‍ને સાથે બંધાઇ રહેલા મકાનના માળખામાં લટાર મારતા.આમ તો બધું ધારેલું જ ચાલતું હતું પણ ક્યારેક પોતાને કશો ફેરફાર કરવવાનું મન થતું તો ત્રિભુવન સાથે મસલત કરીને નક્કી કર્યા મુજબ કરવા પોતે ત્રિભુવનને કહેતી

“ઓલા ગોરિયાને સવારના ઓફિસે જાવ તે પહેલાં સમજાવતાં જજો”

“હા….જેવો મહારાણીનો હુકમ”

          આવું બે ત્રણ અઠવાડિયે એક વખત થતું અને આખર મકાન તૈયાર થઇ ગયું.

વાહ! આ જ મારા સ્વપ્નાનો મહેલ એવું અંબિકાને પોતાનું સ્વપ્ન સાકાર થયેલું જોઇ થયું.મહેલ તો તૈયાર થઇ ગયો હવે વાત આવી સજાવટની .ત્રિભુવને ત્યાંની રહેણી કરણીના આધારે વિકટોરિયન સ્ટાઇલનું ફર્નિચર પસંદ કરેલું તો અંબિકાએ અસલ સાગના લાક્ડામાં કોતરણી વાળું કાઠિયાવાડી સ્ટાઇલનું ફર્નિચર પસંદ કર્યું.ત્રિભુવને તો મજાક પણ કરેલી

“અંબા ડાર્લિન્ગ આ અમેરિકા છે.તું અહીં કાઠિયાવાડ ઊભું કરવા માગે છે?”

“તમે જેમ સમજો તેમ….મારે રાણી વિક્ટોરિયા નથી થવું”

                બહુજ ધામધુમથી પાર્ટિ રાખીને ગૃહપ્રવેશ કર્યો.મકાનનું ફર્નિચર અને સજાવટ જોઇને જ્યોર્જ સ્ટીફને પણ મ્હોંફાટ વખાણ કર્યા ત્યારે ત્રિભુવનના અંતરંગ મિત્ર ભગવાનજીભાઇના વાઇફ ભાગેરથી સાથે અંબિકાએ ગુસપુસ કરી.

“શું કહે છે ઓલ્યો મારા એ નો સાહેબ?”

“એ કહે છે ફર્નિચરની પસંદગી લાજવાબ છે….”

              પાર્ટિ મોડી રાત સુધી ચાલી અને બધાને વિદાય કરી બાળકોને સુવડાવીને અંબિકાએ નાઇટ-ગાઉનમાં બેડરૂમમાં પ્રવેશ કર્યો ત્યારે થાકી ગયેલો ત્રિભુવન ક્યારનો ઉંઘી ગયો હતો.સવારના પા્છું ઓફિસે પણ જવું હતું એટલે તેને ડિસ્ટર્બ ન કર્યો અને પોતે તેના પડખે ભરાઇને સુઇ ગઇ.સવારની કોફીનો કપ હોઠે લગાડતાં ત્રિભુવનને પુછ્યું

“શું કહેતો હતો તમારો સાહેબ…….”ભવાં ઉપર-નીચે કરી અંબિકાએ પુછેલું

“માન ગયે ઉસ્તાદ…….”કહી ત્રિભુવન હસ્યો

                રોજ સવારના આ અફાટ મેદાનમાં ચારે તરફ વાવેલા ફૂલના ક્યારાની સંભાળમાં સારો એવો સમય પસાર થઇ જતો.ફૂલના છોડોને પાણી પાવાનું કામ રાધિકા કરતી અને વધારાના ઘાસની કાપણી મનહરના ભાગે હતી ચોક્કસ રાધિકાના રિમોટ મુજબ જ.રોજ સવારની કોફી ઉપલા માળની બારી પાસે ગોઠવેલી ટેબલ સામેની બે ખુરશી પર બેસીને બન્‍ને પીતા.

       છેલ્લી તારીખે કેટલા પૈસા બાજુમાં મુકી શકાશે તેનો હિસાબ ત્રિભુવન મેળવીને એ બાજુમાં મુકેલા પૈસામાંથી એ અંબિકાને સોનાના દાગિના અપાવતો,ખપ પુરતા રાખીને જ્યારે રજા પર અમદાવાદ જતાં ત્યારે ત્યાંના લોકરમાં એ મુકાઇ જતાં.આમ જોવા જાવ તો ત્યાં અમદાવાદના બેન્ક ઓફ બરોડાના લોકરમાં શું અને કેટલું છે તેની જાણ અને ચિંતા અંબિકાએ કદી કરી જ ન્હોતી અને જો કરે તો કયારે અને કેટલું સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના લોકરમાં ત્યાંથી ટ્રાન્સફર થઇ ગયું હોય એ કયાંથી ખબર હોય?

                   ત્રિભુવને તેની ઓફિસની બાજુમાં જ આવેલી સ્ટન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કના લોકરમાં પોતાના શે’ર્સ સર્ટિફીકેટ્સ ફીક્સ ડીપોઝીટ્સની રસીદો તથા અંગત ડોક્યુમેન્ટસ રાખ્યા હતા એટલે તેના પાસે કેટલું અને શું છે તેનો અંદાઝ કોઇને ન આવે.આમતો તેવું કરવાની જરૂર ન હતી પણ ક્રિશ સાથે લફડામાં પડેલી પોતાની દિકરીને તેના અંગત ડોક્યુમેન્ટસ ફંફોસતાં જોઇને તેણે આ પગલું ભર્યું હતું.          

     એક દિવસ અંબિકા ભાગેરથીને મળવા ગયેલી ત્યારે તેણી ડ્રેસિન્ગ ટેબલ પાસે બેસી ને હીરાની બુટી પહેરતી હતી.

“અલી!!!સાચા છે? કેટલા ડોલરના છે???”

“છેતરાઇ ગઇને તું પણ? અરે!!!! આ તો અમેરિકન ડાયમન્ડ છે ફકત ૨૫ ડોલરના”કહી ભાગેરથી હસી         

‘ઓય મા હુંતો સમજેલી કે પચીસેક હજારના તો હશે જ…..”હોઠ પર હાથ મુકતાં અંબિકાએ કહ્યું

“અહીં સાચા બહુ ઓછા પહેરાય અમેરીકન ડાયમન્ડના જ વધારે પડતા પહેરાય સસ્તી સુખડીને સિધ્ધપુરની જાત્રા.હા ગોલ્ડ પણ મોસ્ટલી ૧૮ કેરેટ્નું જ હોય દેશની જેમ ૨૨ કેરેટ્નું નહી……હા…હા….હા….”કહી ભાગેરથી ફરી હસી.

         પછી પોતાનું ઘરેણાં નું કલેક્શન અંબિકાને બતાવ્યું.અંબિકા જોતી ગઇ ને નવાઇ પામતી ગઇ.સમેટીને બધું લોકરમાં મુકતાં ભાગેરથીએ કહ્યું

“આ ગોરિયાઓનો કશો ભરોસો નહીં ક્યારે કાયદા બદલે ને જવાનો વખત આવે તો વાંધો ન આવે.મારૂં તો બધું મારી સાસુએ વડોદરાની બેન્કમાં સાચવીને મુકેલું છે.”

        અમદાવાદના નવરંગ પુરામાં રહેતા એલ.આઇ,સી.એજન્ટ કાંતિલાલની સલાહથી ત્રિભુવને મોટી જીવન વીમા પોલીસીઓ લીધેલી હતી અને ફિકસ ડીપોઝીટમાં સારી એવી રકમો ત્રિભુવને રોકી રાખી હતી જે વાત ખુદ ત્રિભુવન સિવાય કોઇને જાણ ક્યાં હતી કારણ કે આ બધા ડોક્યુમેન્ટ્સ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના લોકરમાં હતા.

          મુગ્ધા થયેલી રાતના મોડે સુધી ગોરિયાઓ સાથે રખડતી રાધિકાને વાળવા ત્રિભુવને અંબિકાને સમજાવવાની કોશિશ કરી પણ મમ્મી મમ્મી કરી તેણીની આસપાસ ફરતી અને ગળામાં હાથ ભેરવી લાડ કરતી અંબિકાએ કોલેજ પાસ કરીને એક સ્કૂલમાં પ્રિન્સીપલની નોકરીએ લાગી ગઇ.અંબિકા અને ત્રિભુવન તેણીને પરણી જવા બહુ સમજાવી પણ આ સ્વછંદી છોકરીને કોઇ મુરતિયો પસંદ જ ન્હોતો આવતો. એક દિવસ આ બાબત મોટો ઝગડો થયો અને ત્યારે ત્રિભુવને કહ્યું

“તું લગનની હા પાડતી નથી અને તારી પાછળ મારે મનિયાને ક્યાં સુધી વાંઢો રાખવો?” ત્રિભુવને ગર્જના કરી.

“મારા લગનની પંચાતમાં પડયા વગર સારી છોકરી મળતી હોય તો મનહરને પરણાવોને એમાં હું ક્યાં આડી આવું છું?”રાધિકાએ છણકો કર્યો.

            આ ઘટના પછી ત્રિભુવનને લાગ્યું કે, આ તલમાંથી તેલ નીકળે એમ નથી એટલે અમરેલીના એક ઓળખિતાની કલ્પના સાથે મનહરના લગ્ન કરાવ્યા. અત્યાર સુધી વાંઢા ફરતા અને એક હોટેલમાં આસિસ્ટંટ્નું કામ કરતાં મનહરને પોતાના પગારની જમા રકમ અને અમુક બેન્ક લોન લઇને એક બંધ પડવાના આરે ઊભેલી મોટેલ રાધિકાએ અપાવી.ત્રિભુવને શરૂઆતમાં આનો વિરોધ્ધ કર્યો પણ પછી ઘીના ઠામમાં ઘી પડી રહ્યું.મનહરની કુનેહથી મોટેલ ચાલી પડી.બે વરસમાં બેન્કના અને રાધિકાના પૈસા તેણે ચુકવી આપ્યા હતા.

               પોતાની એક સાહેલીને સહાય કરવા અને તેણીને ઇન્સાફ અપાવવા માટે કોર્ટના દરવાજા ખખડાવવા એક વકિલની જરૂર હતી અને રાધિકાની આસિસ્ટંટ મારિયા બ્રોસનન ની સલાહથી તેણી પહેલી વખત ક્રિશને મળી.પહેલી મુલાકાતમાં રાધિકા તેના જેમ્સ-બોન્ડના ઓલ્યા રોજર મુર જેવા ઠસ્સાથી અંજાઇને તેના પ્રેમમાં પડી ગઇ.ત્યાર બાદ મુલાકાતો વધતી ગઇ.ત્રિભુવનના કાને વાત આવી ત્યારે તેણે રાધિકાને સમજાવવા નો નિષ્ફળ પ્રયાસ કર્યો અંબિકાએ રાધિકાનો પક્ષ લઇને ત્રિભુવનને કહ્યું

“તમે ખોટી ટક ટક ન કરો પોતાનું ભલું બુરૂં સમજવાની શક્તિ મારી દીકરીમાં છે”

આ વાદ-વિવાદમાં એક દિવસ વાત વધી ગઇ અને રાધિકા ક્રિસ સાથે રહેવા જતી રહી.

             મનહરનો મોટેલનો બિઝનેસ સારો ચાલતો હતો.મનહર દર વરસે અમુક ટકા રકમ રિઝર્વ રાખતો.મોટેલમાં શું ખામી છે અથવા કઇ વસ્તુ જરૂરી છે તે જાણવા કસ્ટ્મર ઓપિનિયન એન્ડ સજેશન બોક્ષ રાખેલ તેમાંથી પ્રેરણા લઇને દર નાતાલના દિવસોમાં મોટેલમાં જરૂરી ફેરફાર કરતો.

      વખત જતાં મનહર બે બાળકોનો પિતા થયો પણ રાધિકા હજુ પણ ક્રિસની રખાત જેવી વાંઢી ફરતી હતી.ક્રિસને સારા મુકતી ન હતી અને ક્રિશ પણ સારા માંથી હું મુક્ત થાઉ તો તારા સાથે લગન કરૂં ને બેબી એવી મધલાળ રાધિકાને દેખાડીને મજા લૂટતો હતો.અસલમાં તો સારા સાથે છુટાછેડાની અરજી ક્રિશે દાખલ કરી જ ન્હોતી.ઘણા લાંબા સમય પછી રાધિકાને સારા પાસેથી જ ખબર પડી.આખર રાધિકાએ ક્રિશને છોડી જવાની ધમકી આપી એટલે હારીને સારા સાથે છુટાછેડાની અરજી દાખલ કરાઇ.

      વેલેન્ટાઇન-ડેના દિવસે ક્રિશે રાધિકાને કોકા-કોલામાં સારૂં એવું પિવડાવીને કહ્યું “સારા સાથે મારા છુટા-છેડા થશે તો આ એપાર્ટમેન્ટ તો સારાને મળશે પછી આપણે રહીશું ક્યાં ડાર્લિન્ગ?”કહી પોતાની શેતરંજની બાઝી પાથરી.પછી પહેલી ચાલ ચાલી              

“તારા પપ્પા પાસે કેટલીક મિલ્કત હશે??”

“મે બી ટુ મિલિયન ડોલર પણ એ ઓલ્ડ-મેન બહુજ ચાલાક છે સંભાળવું પડશે એક દિવસ હું તેના ડોક્યુમેન્ટ હજી જોતી હતી અને તે જોઇ ગયો ખબર છે તેણે એ ક્યાંક ગાયબ કરી નાખ્યા મળ્યા જ નહી”

‘હં…….અને તારી મોમ પાસે ગોલ્ડના દાગિના કેટલાક ગ્રામના હશે?”

“અંદાઝે ૨૦૦ તોલા તો હશે જ વધુ હશે ઓછા નહી હોય”

“એ બધા તો ૨૨ કેરેટ્સના જ હશે ને??”

“હા ઇન્ડિયનનું મન ૧૮ કેરેટમાં ન માને”

“હં……..”

“કેમ ક્યારે નહી અને આજે આટલો બધો ઇન્ટ્રેસ મારી ફેમિલિમાં પડ્યો? ઇન્ડિયન લો મુજબ આ બધાનો હક્દાર મનહર છે”

“યા….આઇ નો…..ગુડ-નાઇટ બેબી” કહી લાઇટ ઓફ કરી રાધિકા તો સુઇ ગઇ પણ ક્રિશ પોતાના પ્યાદા ગોઠવવા લાગ્યો.

         ત્રિભુવન રિટાયર તો થઇ ગયો છે અને ગમે ત્યારે ઇન્ડિયા જતો રહેવાનો હોય તો અહીંની પ્રોપર્ટી વેંચીને જ જાય.ત્રિભુવન અને રાધિકાને બનતું નથી એટલે જ તેણી મારી સાથે રહે છે.દીકરીની મોહાંધ અંબિકાને રાધિકા જેટલા પગલા ભરાવે એટલા જ તેણી ભરે.જો કોઇ પણ હિસાબે ત્રિભુવન અને અંબિકાના છુટા-છેડા થઇ જાય તો બંગલાની હકદાર અંબિકા થાય અને પછી રાધિકા અને ત્રિભુવનની મિલ્કત બે મિલિયન ડોલર હોય તો અર્ધી એટલે મિલિયન ડોલર અંબિકાને મળે.આ બધું જો સાંગો-પાંગ પાર પડે તો અંબિકાને શીશામાં ઉતારતા અને રાધિકાને રખડતી કરવામાં કેટલી વાર લાગે???બ્રાવો….બ્રાવો…ક્રિશ યુ આર જીનિયસ.

પણ આ દાવ તો સાવ જ ઉંધો પડ્યો…ક્રિશ…ઉંડા વિચારમા હતો..ત્યાં રાધીકા એ આવીને તેને તંદ્રામાં થી જગાડ્યો.. “હવે બહુ વિચાર કરવાનું રહેવા દે અને સાંજે શું ખાવું છે તે કહે એટલે તે બનાવવાની શરુઆત કરુ.”

“હની ચાલ આજે બહાર જઈને જમીયે અને થોડાંક હળવા થઇએ..”

ભલે કહી રાધીકા એ કીરમજી રંગનું જીન્સ અને તેને મેચ થતુ ગુલાબી રંગનું કુરતુ પહેર્યુ..અને તેની વાન બહાર કાઢી.

તેમની મનપસંદ રેસ્ટોરા ઓલીવ ગાર્ડનમાં જૈને એક ખુણે બેઠા. અહી બધા તેમને સારી રીતે જાણે કારણ કે ક્રીસ ટીપ સારી આપતો..અને તેથી તેમનુ ખાવાનું પણ તેઓના મુડ પ્રમાણે વહેલુ મોડું આવતુ. જતાની સાથે તેમનો મનપસંદ રેડ વાઈન અને બાઈટીંગ આવ્યુ. બાજુના ડીસ્કો થેક્માં રાધા જવા માંગતી હતી પણ ક્રીસ આજે શાંતી થી વિચારતો હતો…ઉંધા પડેલા દાવને સીધો કેવી રીતે કરવો.

તેણે મદારી જેમ પોતાના ટોપલામાં થી નાગ કાઢે  અને પછી ફેણ કાઢવા સહેજ ટકોરો મારે તેમ રાધીકાને કહ્યુ…” યાર તારો બાપ તો પેલા ખડ્ડુશ શાન્તુ શાહને લાવી તને પછાડી ગયો..”

” હવે તુ કાચો પડ્યો છે તેમ કહેને..”

” ના સાવ એવુ તો નથી પણ રોકડને બદલે સ્થાવર વળગાડીને જજે  અંબિકાને તો અન્યાય જ કર્યો છે. હા કંઈક એવું વિચાર કે જે મિલકતો સંતાડી છે તે શોધી કાઢીએ.”

” તારા ડેડને અને તારે તો ઉભા રહે બનતુ નથી તેથી સીધી વાત કરવાનો તો અર્થ જ નથી”

” મોમ! પણ ઇન્ડીયન છે ..હવે મારા પર ભડક્યા કરે છે..તે સમજતી જ નથી કે ડેડ તેને પતિપણુ કરીને રંજાડતા હતા..”

” હવેનો દાવ જો તુ સમજે તો “લીવીંગ રીલેશન્શીપ” નો છે”

“એટલે?”

” બંનેને સાથે રહેવા દે અને તુ ઘરમાં રહે કે જેથી મોમને જ્યારે ડેડ કૈ સમજાવતા હોય તો..તને ખબર પડે.”

” એ કેવી રીતે બને? ” નાગે ફેણ કાઢીને જાણે ફુંફાડો માર્યો હોય તેમ રાધીકાએ ભવા ચઢાવીને ક્રીસને પુછ્યુ…

ચાલાક મદારીની જેમ ક્રીસે વાતને ફેરવી તોળીને કહ્યુ..”ભલે ત્યારે પડી રહેજે બાપે આપેલા દેવા સાથે…ખબર છે કેન્સરની સારવાર અને મકાનની જવાબદારીમાં અંબિકા બધુ પુરુ કરશે અને તુ રહેજે હાથ ઘસતી…”

રાધીકા બે ક્ષણ જોતી રહી અને પછી બોલી..”બાપા અને બા ભેગા રહે અને તેમની સાથે હું રહું તે વાતને જરા શાંતિ થી સમજ. એ ઘી અને આગ સાથે રહેવા વાળી વાત છે.”

ક્રીસને પોતાનો આ દાવ ઢીલો પડતો લાગ્યો એટલે ફરી પાછે પાંચ વર્ષ થી જે રાધીકાની નબળી કડી સાથે ખેલતો હતો તે મમરો મુક્યો…” તે પછી મોમ ને મેરેજ માટે પુછ્યુ”

રેડ વાઇન નો છેલ્લો ઘુંટ પીતા પીતા રાધીકા બોલી..” હા મોમને કહ્યુ છે…”

ક્રીસે કહ્યુ..”હા તે જરા સાચો રસ્તો છે. લગ્ન થઇ જાય અને તુ મારે ત્યા આવે પછી તેઓને ભેગા કરી દઈશું”     

“પણ તે પહેલા ઓલ્ડ મેન ભારત જતો રહેશે તો?”-રાધીકાએ પોતાનો ભય રજુ કર્યો…

ક્રીસે કહ્યું- “કેન્સર થયાની વાત થી હવે તે ક્યાંય નહી જાય…”

” પણ હની! મારે તો મોટુ વેડીંગ કરવુ છે..ઓલ્ડમેન નો વહેવાર બધો લેવો છે.”

” જો તારે મોટુ વેડીંગ કરવુ છે..મારે નહી. તો બધો ખર્ચો મોમ પાસે કરાવજે..”

” હા હની એ જ કરશે..”

મદારી નાગને પાછો સંભાળીને ટોપલામાં મુકતો હોય તેમ હેત થી રાધીકાને પંપાળતો રહ્યો.. તેને ખબર પડી ગઇ હતીકે મહીના સુધીમાં “લિવિંગ રીલેશન શીપ”માં બુઢીયાઓ હશે…અને છુટી પાડેલી અને સંતાડેલી બધી જ મિલકતો પાછી ભેગી થશે..

જીવનતો ફુગ્ગા માંહી સ્થિર થયેલી ફુંક (૭)-મનોજ મહેતા

જગદીશ દાદરેથી ઉતરતા પડ્યો. વાગ્યું તો જાણે કાંઈ નહીં પણ ડોક્ટરની ઓફિસ, ત્યાંથી ઇમરજન્સી ડીપાર્ટમેન્ટ, ફોટા પાડ્યા, ટેસ્ટ થયા, અને દવા દારૂ ન ખર્ચા વધ્યા. જગદીશ વળી ઘેર બેઠો, અને એણે તો જેઠાલાલ સેટેલાઇટ્વાળા જોડે સોદો કરીને ડીશ નેટવર્કનું મેગા પેક જ ખરીદી લીધું.  જગદીશની પાછળ અણવરીયા જેવા સોલંકીકાકા ઘરમાં પેંધા પડ્યા. સોલંકી કાકાના છાસવારના માતાજીના પાઠ, ચન્ડી પાઠ, વળી મા ના નોરતા માતાજીના સ્થાપન અને વળી માતાજીના ઉથાપન…વિગેરેના પણ ખર્ચાઓ વધ્યા,માતાજીને આ તો જોઈએ જ અન્દર આવું તો કરવું જ પડે, નહી તો મા ને વાંકું પડશે. વળી જગદીશે સોલંકી કાકાને સેટેલાઈટ્નો ચટકો પાડી દીધો, તે એમાં તો ધાર્મિક ચેનલો પર આવતા શોઝ કે ધાર્મિક પ્રવચકોનાં પ્રવચનોનું તો વિશ્લેષણ થવા માંડ્યું. કોણ સારો કે કોણ ખરાબની તો ગરમાગરમ ચર્ચાઓ ચાલવા લાગી.

                        જગદીશના આવ્યા બાદ ખર્ચાઓ વધ્યા હતા તે અંબિકા જોઇ રહી હતી.વ્ળી, સોલંકી કાકાના આવ્યા બાદ તો આ ખર્ચાઓએ માઝા મુકી હતી. કો’કે સાચું જ કહ્યું હતું ટીપે ટીપે સરોવર ભરાય. પણ, હવે તો તેને લાગવા માંડ્યું હતું કે આમ તો ટીપે ટીપે સરોવર પણ ખાલી થઈ જાય. રાધિકાનાં કહેવાથી ત્રિભુવન જ્યારે અંબીકાને હોસ્પીટલ લઇ જવાની હોય ત્યારે ઘરે આવતો. રાધિકાને સ્કુલમાં રજા લેવી ન પડે તે માટે.અને જગદીશનાં ફ્રેક્ચર પછી તો અંબીકા જ સામેથી ફોન કરીને બોલાવતી.         

               અંબિકા ડાઈનીંગ ટેબલ પર નાસ્તાની પ્લેટ લઈને બેઠી હતી. દવા લેવાનો સમય થઈ ગયો છે એવું હમણાં જ જગદીશ કહી ગયો હતો. હાથમાં ચાનો કપ અધ્ધર જ રહી ગયો છે, ને પાછી અંબિકા વિચારોના ચકરાવે ચઢીગઈ. જગદીશે આયાત કરેલી વધારાની ચેનલોમાંની એક પરથી પ્રસારિત થઈ રહેલા એક ગીત પર એની નજર પડી. ” જીંદગી કૈસી હૈ પહેલી હાયે…. કભી તો હસાયે, કભી યે રુલાયે..જીંદગી….” અને અંતે રાજેશ ખન્નાએ આકાશમાં ઉડવા માટે છુટ્ટા મુકેલા ફૂગ્ગાઓ પર એની નજર પડી. એનાથી એક નિસાસો નંખાઈ ગયો. એને થયું આ એના વૈભવના ફૂલેલા ફૂગ્ગાઓ જાણે હવામાં ના ઉડી ગયા હોય એવી એને અનુભૂતિ થઇ. એને થયું કે આ જ બધા ફૂગ્ગાઓને ફૂલાવવામાં કેટલી બધી ફૂંકોની જરૂર પડી હતી.. ફૂંક…. આ ફૂંકને માટે તો મજબૂત ફેફસાં જોઈએ. હવાના પરિબળો જોઈએ. એને થયું … આ મારી ફૂંક જ કેમ નબળી પડી ગઇ છે? શ્વાસ લેવામાં હવે આટલી તકલીફ કેમ પડે છે? થોડુંક પણ ચાલતાં હવે એને ઉભા કેમ રહેવું પડે છે? એને યાદ આવ્યું …હા, બસ શ્વાસનળીની પાડોશમાં જ અન્નનળી આવેલી છે, અને એમાં નીકળેલી ગાંઠ…આ એના પાડોશીને હેરાન કરે છે.

               અન્નનળીની ગાંઠની યાદ સાથે જ એની આંખમાં આંસુ ધસી આવ્યાં. હજુ, ચાવાળો હાથ તો હવામાં અધ્ધર જ છે, ને ટેબલ પર ઝુકેલા એના ચહેરા પરથી ગાલ પરથી લસરતા આંસુઓ ટેબલ પર એક પછી એક જમા થવા માંડ્યા. એને થયું , ત્રિભુવનને એણે અન્યાય કર્યો છે.. થઇ ગયો છે એ હકીકત છે. હા, એટલું સારું છે કે એ પણ અહીં પાછો આવી ગયો છે. સારુ તો એ પણ છે કે કો’ક સાથે પણ છે કે જેના ખભા પર માથું ઢાળવું હશે તો તે પણ કરી શકાશે. એને, અચાનક આ ટેબલ પર પડેલા આંસુઓમાં મનહરની છબી દેખાઈ. કુદરતી રીતે એની આંગળીઓ આંસુઓના ઢગલા પર ફરવા લાગી. અને, એણે ત્રિભુવનનું નામ ટેબલ પર લખી નાંખ્યું.

               ત્રિભુવન પણ હજુ બારણામાંથી પ્રવેશી જ રહ્યો હતો, ને એની નજર ડાઇનીંગ ટેબલ પર બેઠેલી અંબિકા પર પડી. એ વિચારોમાં ગ્રસ્ત હોય તો એને ધ્યાનભંગ નહીં કરવાની એને લાગણી થઇ આવી. એના પોતના આશ્ચર્ય વચ્ચે આંસુઓ દ્વારા ટેબલ પર  પોતાનું લખાયેલું  નામ એ જોઈ શક્યો હતો.  એનું હ્ર્દય પણ ભારે થઈ ગયું. વિચારી રહ્યો… એને બોલાવું …બે શબ્દો કહું અને એનું હ્રદય હળવું કરું. પણ પછી યાદ આવ્યું કે.. એવી નબળાઇ બતાવવાની જરૂર નથી. કરણકે એ જો એની પોતાની મનસ્થીતિ એને બતાવશે તો એનો જુદો અર્થ એ અથવા રાધા કાઢી શકે. અને પછી અર્થનો અનર્થ થઈ જશે. આમ, એક પગલું જે ઉમળકાથી એને સાંત્વના આપવા આગળ વધારેલું એટલી જ સિફતથી એ બે પગલાં પાછળ ખસી ગયો. વળી યાદ આવ્યું, એ આવ્યો હતો એને યાદ દેવડાવવા કે આજે એનો કીમોથેરાપી માટે જવાનો દિવસ છે. એટલે પછી, એ એની પાસે ગયો.

              “અંબિકા, આપણે સાડા દસે કીમો માટે જવાનું છે, તૈયાર રહેજે.”  એકદમ એની સાડી સંકોરી, સાડીના છેડાથી એણે પોતાનાં આંસું લૂછી નાંખ્યાં. અને, ટેબલ પરનું એણે લખેલું ત્રિભુવનનું નામ પણ તરત જ ભુંસી નાંખ્યું, જેથી એની નજર એની પોતની નાદાનિયત પર ના પડે! અને, પછી એ તરત જ બોલી, ” સારું, મને તૈયાર થતાં વાર નહીં લાગે.” અંબીકાને લઈને ત્રિભુવન ડો સ્મીથની હોસ્પીટલ પહોંચ્યો. પેશંટ ની માહીતિ ભરી પણ જ્યારે પેશંટ સાથે સબંધ બતાવતા તે દ્રવી ગયો.. હવે અંબીકા એની કોણ હતી? જો કે વહેવારુ મને તે પેપરમાં “મિત્ર” લખી કામ ચલાઉ રસ્તો કાઢી લીધો. તેનું મન તો કહી રહ્યુ હતુ અંબીકા તેની સર્વસ્વ હતી…પણ આજે તે મિત્ર બનીને રહી ગઈ.

*****

               ડૉ. સ્મીથ -ઓન્કોલોજિસ્ટ અને ડૉ. એન્ડરસન -રેડીઓલોજીસ્ટ્ના નિદાન મુજબ અંબિકાને ઇસોફેગસનું એડીનોકર્સીનોમાનું કેન્સર હતું. એમના કહેવા પ્રમાણે નવી મેડીકલ ટ્રીટમેન્ટ ટ્રેન્ડ ના હિસાબે સર્જરીની પહેલા, કીમોથેરાપી + રેડીઓથેરાપીની જરૂરિયાતની અગત્યતા એમણે સમજાવી હતી. પાંચ વીકની, પ્રત્યેક અઠવાડિયા દરમિયાન combination of Carboplatin અને paclitaxel as Chemotherapy with concurrent Radiation therapyની જરૂર હતી. આ થેરાપિની પછી તો શરૂઆત પણ થઈ ગઈ હતી. એના રીએક્ષનની પણ વાતો થઈ ગઈ હતી. સાઈડ ઈફેક્ટમાં alopecia (શરીર પરનાં વાળ ઉતરવાં), Neuropathy( જ્ઞાનતંતુઓની અસરને લીધે સ્નાયુઓની નબળાઇ વરતાય, પગે હાથે ઝંઝણી ચઢે-ખાલી ચઢી જાય), hematologic toxicity(રક્તકણોને લગતી વિષદ અસરો પડે). અંબિકાને થતું કે આ બે અઠવાડિયામાં જ નબળાઇ અંગે એની આ હાલત છે તો પછી પાંચ અઠવાડિયા પછી તો એની શું હાલત હશે? 

              ડૉ. સ્મીથના Hospital- out patient clinicની Launge Chairમાં અંબિકા બેઠી હતી-સૂતી હતી. છાતીપરનાં portacath દ્વારા tumorનો નાશ કરવાની દવા intravenously પ્રવેશી રહી હતી. એને લઈને આવેલો ત્રિભુવન બહાર waiting roomની loungeમાં બેઠો બેઠો અંબિકાના જ વિચારોમાં ખોવાયેલો હતો. નર્સ કેરન પાછી આજે પણ એની જ in charge હતી. આ ચબરાક પણ બોલકણી દેશી છૉકરી એટલી જ ભાવુક હતી. આમ તો નામ કીરણ હ્તું. જમાનાને અનુરૂપ નામ અપનાવી લેવામાં આવ્યું હતું. હજુ હમણાં જ તો એ કીમો શરૂ કરી ગઈ હતી જે એના શરીરમાં પથરાઈ રહી હતી એવું અંબિકા અનુભવી રહી હતી. અને હવે કીમોની આગે જાણે એના શરીરમાં ઘોર તાંડવ માંડ્યું હતું.

             ફરી કેરન આવી, પૂછ્યું ” All is well ?” અને એણે પછી એના પોતના વિચારો જણાવ્યા. એને કહ્યું પણ ખરું, ” કીમોના લીધે તો આ શરીરની આગે તો મારા શરીરમાં તાંડવ માંડ્યું છે.”

             કેરને પણ જવાબ આપ્યો,” ખરી વાત છે. કીમોને લીધે જ આવું થાય છે.” પછી હસાવવાના ઇરાદે એણે કહ્યું,” અરે આ તો ભગવાન શંકરનું નૃત્ય છે.” મજાકમાં ઉમેર્યું,” જો આપણે જાત્રા-બાત્રા કરીએને તો આ બધું શમી જતું હોય છે.” અને પછી એ એના પોતાના જ જોક પર પોતે જ હસવા લાગી. અને પછી ઠાવકાઈથી professional manner સાથે કહેવા લાગી,” જુઓ અંબિકાબેન આપને આ કીમૉ જે આપવામાં આવે છે એની આ આડ અસર છે. “

             “ડૉક્ટરે મને આની બધી જ આડ અસરોની વાત કરી છે. અરે હવે તો વાળ પણ ઉતરવા માંડશે, નબળાઈ વરતાશે, પગે હાથે ઝંઝણી ચઢશે, વિગેરે… પન આ તો જરા હાથ પગમાં વધારે બળવાની અસરવર્તાઈ એટલે જરા કહેવાઈ ગયું.” સલુકાઈથી કેરને અંબિકાનો હાથ પોતાન હાથમ લઈને પસવારતાં કહ્યુ,” કંઈ વાંધો નહીં.” પછી ઉમેર્યું, ” આમ પણ, આપણી તકલીફ …કે મુંઝવણ સાચા ઠેકાણે જણાવી દેવાથી, હળવી થઈ જાય છે. (Expression is an outlet for frustration!”)

               અંબિકા બોલી ,” ખરી વાત છે.” ફરી એક વાર આગની ઝાળ શરીરમાં ફરી વળતાં કેરને પાસે પડેલા મેગેઝિનને ઉઠાવી, એનો પંખો બનાવી અબિકાને પવન નાંખવા માંડ્યો. અંબિકા બોલી,” કેરન, જો તારી આ શીવજીની જાત્રાની વાતની મજાક પર મને હસવું ન્હોતુ આવ્યું તેનું પણ કારણ છે.” અને પછી ઉમેર્યું,” જો મને હમણાં કેટલાક વખતથી એવા જ વિચારો આવે છે…કે આટલી મોટી મારી ઉંમર થઈ પણ મેં ક્યારે ય ચાર ધામની જાત્રા ના કરી. મને એ પણ ખબર નથી કે મારી આ ઇચ્છા કદી પૂરી થશે … કે નહીં.”

              ત્રિભુવન બરણાંઆંથી અંદર આવવા પ્રવેશી જ રહ્યો હતો. એણે પણ આ વાત સાંભળી, એની ઈચ્છા પણ સાંભળી. પગ ચાલતા રોકાઈ ગયા. એને થયું કે એની બીજી પણ કેટલી યે ઈચ્છાઓ હશે. કદાચ અંબિકા મને એની ઇચ્છાઓ ન પણ જણાવે. અને પછી એ વધુ વાતો જાણવા મળે એ ઇરાદાથી એ બન્નેની દ્રષ્ટિથી ઓઝલ પણ શ્રવણની પરિસિમામાં પ્રવેશીને ઉભો રહ્યો. અંબિકાનું બોલવાનું ચાલુ જ હતુ. કેરને અંબિકાનો હાથ સરાહવાનું પણ ચાલુ રાખ્યું હતું.

              “ચાર ધામની જાત્રાની મારી ઘણા વખતથી ખ્વાહીશ હતી. અને હવે તો એ પણ શક્ય નહીં બને.” અંબિકાના શબ્દોમાં ભારોભાર નિરાશા નિતરતી હતી. 

               કેરને કહ્યું,” ના એમ નથી, તમારા નિદાન અને ટ્રીટ્મેન્ટની પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ તો એ બિલકુલ અશક્ય નથી. Believe me! આપની જો આ કમ્બાઇન્ડ કીમો-રેડીઑ થેરાપી પુરી થશે, પછી સર્જરીની કાર્યવાહી શરુ થશે. અને એ પત્યા બાદ રિકવરી પિરીયડ શરુ થશે. એટલે જો આપે આ ઇચ્છાને પુરી કરવાનું નિરધાર્યું જ હોય તો … આપ એનો અવશ્ય અમલ કરશો. કો’કે સાચું જ કહ્યું છે. where there is a wish, there is a way. અને હું તો એટલે સુધી કહું છું કે If there is a way, you walk and you pray.” 

              અંબિકાની આંખોને ઘેરાતી જોઈને કેરન બોલી,” મને લાગે છે કે થોડી ઉંઘ લેશો તો સારું રહેશે. થોડું પ્રભુ સ્મરણ પણ કરી લો. થોડો આરામ પણ મળી જશે તો સારું રહેશે.” અને એ cubicleની બહાર નિકળી.

              બહાર નિકળતામાં જ કેરનની અને ત્રિભુવનની નજરો મળી…અને અલગ થઈ. પરંતુ, એ જ નિમિષમાત્રના સમય ગાળા દરમિયાન મળેલી એ નજરોએ આકસ્મિક વાતોની આપલે કરી લીધી. કેરને આશા રાખી કે અંબિકાની ઇચ્છાની ત્રિભુવનને જાણ થઈ હોય અને એ એની ઇચ્છાને પૂરી  કરાવે તો સારુ. અને આ બાજુ ત્રિભુવન વિચારી રહ્યો કે કેરનને હું અંબિકાની ઇચ્છા પૂરી કરાવીશ જ એવો અહેસાસ થયો હોય તો સારુ.

              અને, ત્રિભુવન આંબિકાને આરામ મળે એ હેતુથી એ clinicની  loungeમાં પાછો આવી ગયો.

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (૮) રાજુલ શાહ

Quantcast

ત્રિભુવન  અંબિકાને આરામ મળે એ હેતુથી બહાર ક્લીનિકની લોંજમાં આવી પાછો આવી તો ગયો પણ બારણાની આડશેથી અંબિકાની કેરન સાથેની વાતથી એનુ ચિત્ત થોડુ અસ્વસ્થ તો થઈ જ ગયું. અંબિકા જેટલી શારીરિક વેદના ભોગવતી હતી કદાચ એટલીજ  માનસિક વ્યથામાંથી એ પણ પસાર તો થઈ રહ્યો હતોને ? ત્રિભુવન બહારથી જેટલી સમજણ અને સ્વસ્થતા બતાવવા પ્રયત્ન કરતો હતો એટલો જ અંદરથી તૂટતો તો જતો જ હતો ,પણ કહે કોને? પત્નિની આ હાલત જોવાતી નહોતી.

અંબિકાની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ત્યારથી આજ સુધી એની શારીરિક હાલત કથળતી જતી હતી. અન્નનળીની ગાંઠે તો અંબિકાનુ જીવવુ જાણે દુષ્કર કરી નાખ્યુ હતુ અને આ તો હજી શરૂઆત હતી. આ કીમોથેરેપી પછી તો હજુ એને સર્જરીમાંથી પસાર થવાનુ હતું. કીમોથી શરીરમાં થતા દાહના તાંડવને એ કેમ કરીને સહી શકતી હશે એની કલ્પના માત્ર ત્રિભુવનને ધ્રુજાવી મુકતી. અંબિકાની સહન શક્તિથી એ ક્યાં અજાણ હતો? નાની અમસ્તી પીડા પણ એનાથી સહન થઈ શકતી નહોતી ત્યાં આટ આટલી વેદના એ કેમ કરીને સહી શકશે?

અંબિકાને એવા દર્દે ભરડામાં લીધી હતી કે જેમાં અબિકાને એના  જીવનની સૌથી વધુ પ્રિય ,સૌથી મહત્વની બાબતથી દૂર મન મારીને જીવવાના દિવસોમાંથી પસાર થવાનુ આવ્યુ હતું.  અંબિકા હતી  ખાવાની શોખીન. સીધુ સાદુ કે સહેજ પણ ફિક્કુ ખાવાનુ તો એના ગળે કેમેય કરીને ઉતરતુ નહોતુ .  જમવાની પ્લેટમાં અથાણા -મરચા કે પાપડના વૈભવ વગર તો એનો દરબાર અધુરો કહેવાતો. તો એના બદલે  અત્યારે સાવ મોળુ, તેલ મરચા વગરનુ લગભગ પ્રવાહી જેવુ ખાવાનુ તો એ કેમ કરીને ખાઇ શકતી હશે? અંબિકાને ખાવાનો જે રીતનો શોખ હતો એમાંથી એને જુદુ જુદુ બનાવવાનો પણ શોખ ઉત્પન થયો હતો. જ્યાં જ્યારે તક મળે એ અવનવી વાનગી બનાવતી અને ત્રિભુવનને પણ ચખાડતી.જો કે  ત્રિભુવન તો સાદો સીધો માણસ દેશી ઇન્ડીયન શાક- ભાખરી કે ખિચડી મળે તો પણ ભયો ભયો પણ રાધિકા અને મનહરને હવે એ દેશી શાક- ભાખરી કે ખિચડીમાં રસ રહ્યો નહોતો . બાળકોના નામે અંબિકાને પણ જીભના સ્વાદ પુરા થતા એટલે એ પણ બાળકોને રાજી રાખવા હંમેશા કઈક નવું વ્યંજન બનાવ્યા કરતી. ત્રિભુવન ક્યારેક હસતો પણ ખરો કે આજે અંબામાની લેબોરેટરીમાં શેનો પ્રયોગ ચાલી રહ્યો છે અને એમની ફાર્મસીમાંથી શું બહાર પડવાનુ છે? મનહર તો હજુ થોડો નાનો હતો પણ રાધિકા તરતજ   મમ્મીનો પક્ષ લઈને બોલતી મમ્મા ડૉન્ટ વરી, ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે?

અને આ જ રાધિકાએ એના જીવનનો સ્વાદ જ કડવો કરી મુક્યો હતો. રાધિકાની યાદ આવતા જ ત્રિભુવનનુ મન ખાટું થઈ ગયું.  કહે છે ને કે દિકરી વ્હાલનો દરિયો પણ આ તો ખારા પાણીનો સાગર હતો. જેમ ઉલેચો તેમ વધુ ને વધુ ખારાશ મનની આળી કરી મુકતી હતી.  એ જેમ જેમ રાધિકાને ભુલવા પ્રયત્ન કરતો એમ બમણા વેગે એ એના મન પર કબજો જમાવતી જતી હતી. પૈસાથી માંડીને લાગણીઓને પણ જે રમત એણે અને ક્રિશે માંડી હતી અને એને લઈને ત્રિભુવન પર અવાર-નવાર કરવામાં આવતા આક્ષેપો , અંબિકાને ત્રિભુવન સામે ઉશ્કેરવા મુકાતા અર્થહિન આળ એ કેમે કરીને વિસારે પાડી શકતો નહોતો.

સૌથી વધારે દુઃખ આજે પણ એને અંબિકા માટે થતું. જે પત્નિએ આજ સુધી એને મને કમને સાથ આપ્યો.  જેની સાથે જીવનની ગઈ ગુજરી ભુલી લાગણીઓનુ સરવૈયુ સરભર કરી આથમતી જીવન સંધ્યાની પળોએ શાંતિથી જીવન ગુજારવાના દિવસો આવ્યા હતા એ આજે એક  ન ભુલાયેલા , ન જીવાયેલા  અધુરા સ્વપ્ન  જેવા લાગતા અને જે પળોમાંથી અત્યારે એ  અંબિકાઅને પસાર થઈ   રહ્યા હતા એ એક  ક્યારેય ઇચ્છ્યુ ના હોય એવા દુઃસ્વપ્ન જેવા ભાસતા હતા.

અરેરે! આટલી ઉંમરે અંબિકાને આ શું સુજ્યુ? જરાક સ્વસ્થતાથી જરાક સુજબુજથી પણ એણે વિચાર્યું નહીં? આખી જીંદગી  ગાંધારીની જેમ  રાધિકાના મોહમાં આંખે પાટા બાંધીને જ એ જીવી? અને અંતે શું પામી?  પારાવાર વેદના? હવે તો રાધિકા પણ એને સાથ આપતી નહોતી. કદાચ ક્રિશની આંખે એ જોતી થઈ હતી , ક્રિશની અક્કલે ચાલતી થઈ હતી અને એ આંખોએ -એ અક્કલે અંબિકાનુ પાણી માપી લીધુ હતું. એટલે હવે મા તરફ્નો લાગણીનો સ્વાર્થી પ્રવાહ પણ સરસ્વતીના લુપ્ત થતા ઝરાની જેમ સુકાવા લાગ્યો હતો.

પ્રશ્ન એ નહોતો કે હવે રાધિકા શું કરશે ? પ્રશ્ન એ હતો કે હવે અંબિકા આ કેવી રીતે જીરવી શકશે?

અમેરિકા આવવાના મોહમાં અંબિકા ત્રિભુવનને પરણી  અને અમેરિકા આવી પણ ગઈ પણ શરૂઆતમાં એનો માંહ્યલો એમ સાવ બદલાઇ નહોતો ગયો. નાનપણથી ગળથૂથીમાં મળેલા સંસ્કાર, આસ્થાળુ સ્વભાવ તો શરૂમાં અકબંધ રહેલા. વાર-તહેવારોએ વ્રત- ઉપવાસ ,ઘરમાં રહીને પણ શક્ય હોય તેટલા ધાર્મિક આચાર -વિચાર અને સેવા-પૂજા અને પ્રભુ નામ સ્મરણ એના જીવવાનુ બળ હતા એ તો ત્રિભુવનથી ક્યાં અજાણ્યુ હતું? ક્યારેક ઇન્ડિયા જવાનુ થાય તો કુળ દેવી એ દર્શન કરવાનુ કે જો શક્ય હોય તો ક્યાંક નાની મોટી જાત્રા કરવાનુ એને મન થતું.અને એટલે જ આજે કેરન સાથે એને ચાર ધામની જાત્રાની વાત કરતી સાંભળીને ત્રિભુવનને સહેજે નવાઇ નહોતી લાગી. આ બધુ કંઇ ઉપર છલ્લુ તો નહોતું જ. ભગવાન તરફની એની શ્રધ્ધા અપાર હતી. ખરા દિલથી એ ભગવાનને ભજતી. આમ જોવા જાવ તો અંબિકા મનની ખોટી પણ નહોતી. સરળ સ્વભાવ, ભુલથી પણ કોઇનુ બુરૂ એણે ઇચ્છ્યુ નહોતુ તો પછી ભગવાને એને જ શા માટે આ સજા કરી?

 હે ઇશ્વર ! એને આ બધુ સહન કરવાની શક્તિ આપજો. એની તમારા તરફની શ્રધ્ધાનુ અખુટ  બળ હોજો .ત્રિભુવનથી મનોમન પ્રભુને પ્રાર્થના થઈ ગઈ .અને સાથે સાથે એક વચન મનથી માંગી લીધુ. એની અંતિમ ઇચ્છા પુરી કરવાની મને તક આપજો અને એને એટલો સમય અને શક્તિ આપજો.

કરેનને ત્રિભુવન માટે સહાનુભુતી થતી હતી..પણ તે સંસ્કાર હતા. વળી દેશી કુટુંબોમાં આવો જીવલેણ વ્યાધી જુએ ત્યારે તે દ્રવી જતી. તેને ત્રિભુવન માટે ત્યારે માન થઈ ગયુ જ્યારે તેણે જાણ્યું કે તેઓ તો કાયદાકીય રીતે છુટા થયેલા છે અને આ વેદના વેઠવાની ત્રિભુવન ને તો જરાય જરુર નથી. તે બધી રીતે આઝાદ હતો. અંબીકાની સાથે જ્યારે હોય ત્યારે હસતુ મોઢુ અને જ્યારે તેને મળીને બહાર લોંજ પર આવે ત્યારે ચુમતી આંખો જોઈ તે મનોમન વિચારતી…Love is strange but it has to be…

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (૯) ડો. ઇન્દિરાબેન શાહ

જગદીશને પગે ફ્રેક્ચર થયા પછી ત્રિભોવન દર અઠવાડિયે અંબિકા પાસે આવતો હવે છેલ્લા બે સેશન બાકી હતા ત્યાર બાદ ફરી ગાંઠનું પરીક્ષણ અને નિરીક્ષણ કર્યા બાદ સર્જરીની તારીખ નક્કી કરવાની હતી. ત્રિભોવન સવારથી આવી જતો લગભગ આખો દિવસ અંબિકા સાથે પસાર કરતો, ત્રિભોવનની અવર જવર વધવાથી જગદીશ, સોલંકીનુ નામ નહોતો લઇ શકતો.

એક બે વખત સોલંકીના ફોન આવ્યા અગિયાર સોમવાર પુરા થયા, જન્મ નક્ષત્ર શાંતિ જાપ પુરા થયા મહા મૃત્યુંજય જાપ પુરા થયા વગેરે વગેરે. હવે એક વખત આવી મોટાબેનને મહાદેવજીના ચરણામૃતનું પાન કરાવી જાઉ. પણ ત્યારે ત્રિભોવનની હાજરી હોવાથી બેન આરામમાં છે, અસ્ટ્મ પસ્ટ્મ સમજાવી ફોન મુકી દીધો. જગદીશ જાણતો હતો. તેના બનેવીને આ બધા ધતીંગ બિલકુલ પસંદ ન હતા.

એને કયાં ખબર હતી કે ત્રિભોવને તેઓનો બધો વાર્તાલાપ સાંભળી લીધેલ છે, જ્યારથી રાધિકા અને ક્રિસની દ્રષ્ટિ ત્રિભોવનની સંપત્તિ પર પડેલ તે પડાવવાની ચાલની જાણ થયેલ ત્યારથી ત્રિભોવને હાઇટેક્નો ઉપયોગ કરી ઘરના બધા ફોનનો વાર્તાલાપ પોતાના બેડરુમના ફોનમા રેકોર્ડ થાય તે વ્યવસ્થા કરેલ જેની જાણ તેના સિવાય બીજા કોઇને ન હતી, તે કોડવર્ડથી જ રિટ્રાવ્ય કરી શકાય, ત્રિભોવન તેના સ્વભાવ પ્રમાણે ગણત્રીબાજ એટલે પાણી પહેલા પાળ બાંધે જ.

આજે છેલ્લુ સેશન હતુ, ગયા અઠવાડિયાના સેશન બાદ અંબિકાને જે પીડા થયેલ , તે દ્રશ્ય તેના માનસપટ પર આવ્યુ દુઃખી થયો, થાય જ ને ? જેનો સહવાસ ૫૦ વર્ષ સુધી સેવેલ કેમ ભુલાય!?

 હજુ તેના માન્યામા નો’તુ  આવતું કે અંબિકા રાધિકાની વાતમા કેમ આવી ગઇ, ભોળી જે પોતાના પતિને પરમેશ્વર માનવાવાળી ,પતિ માટે જયા પાર્વતી વ્રત, કેવડાત્રીજ ,દિવાસાના જાગરણ આવા કેટકેટલા વ્રત કરવા વાળી આટલી કાચાકાનની કે દિકરીની ચઢામણીથી છુટાછેડા માગવાની હિંમત કરી શકે!! જે દિકરીને વહાલનો દરિયો માન્યો તે આજે સમુદ્ર મંથનનુ હળહળતુ ઝેર બની, ઢળતી ઉંમરે અમારુ જીવતર ઝેર બનાવ્યુ.

વહેલી સવારે અંબિકાએ ત્રિભોવનના પગે પડી માફી માગેલ ‘ હવે ઓપરેશનનું નક્કી થશે મેં તમારુ કહ્યુ માન્યુ નહિ તેનુ ફળ હું ભોગવી રહી છું. દિકરી તો ધોળિયાની માયાજાળંમા ફસાઇ પણ જોડે મને પણ ફસાવી ઓપરેશન પછી હું કદાચ ન બચું તમે મને માફ નહિ કરો તો ભગવાન પણ માફ નહિ કરે” આટલુ બોલતા તે ધ્રુસ્કે ચઢેલ. ત્રિભોવને બેઉ હાથે ઉભી કરેલ.

પાણી પીવડાવી બોલેલ તેં જ ઘોડાને છુટો મુકેલ. હુ લગામ ખેંચવા કહેતો તે ન્હોતું ગમતું. કશો વાંધો નહિ મારામા વિશ્વાસ રાખ હૂં આનો રસ્તો જરુર કાઢીશ પણ તારે હું કહુ તેમ કરવાનુ પછી તેના ખભે માથે હાથ ફેરવી તેના સ્વભાવ પ્રમાણે હસતા હસતા પુછ્યુ બોલ કરીશને? અને અંબિકા પણ માથુ હકારે ધુણાવતા બોલેલ હવે તો હું તમારા સિવાય કોઇનુ ન માનું. આજે ત્રિભોવનને આ વાર્તાલાપથી સિધ્ધી મળી હોય તેમ લાગ્યું…

આમ વિચારતા ઘર આવી ગયુ પોતાના જ ઘરમા બેલ મારી દાખલ થવાનુ! વિધીના લેખ! મનુષ્યની કેટલી ક્રુર મજાક કરે છે! ખેર આનો અંત નજીક જ હતો. અંબિકા તૈયાર જ બેઠેલ આજે માથા પર વિગ પહેરેલ, ત્રિભોવને જ ડીપાર્ટમેન્ટ્મા જઇ બનાવડાવેલ, અંબિકાએ તો ના જ પાડેલ તેનો તો જીવનમાંથી રસ જ ઉડી ગયેલ છે, પણ ત્રિભોવન અને નર્સ કેરન, સારવાર અને ડોક્ટરોમાં શ્રધ્ધા રાખવાનુ ઇંધણ દર વખતે પુર્યા કરે જેથી જીવન જીવવાની હિંમત ટકી રહે, ધર્મગ્રંથો પણ એ જ ઉપદેશ આપે છે શ્રધ્ધાનું, વિશ્વાસનું બીજ કોઇ પણ વિપરીત પરિસ્થિતિનો સામનો કરવાનુ આત્મબળ આપે.

આજે ચહેરા પર લાલાશ વરતાતી હતી, ગયા વખતે કિમો બાદ રક્તો કણો ઓછા થતા મનહરના રક્તો કણો ટ્રાન્સફ્યુસ કરેલ ત્યાર બાદ count ચાર ટ્કા ઉપર આવી ગયેલ, મોટેલથી કલ્પના પણ આવી ગયેલ કે જેથી ફ્રેશ શાકભાજી ફળોનાં જ્યુસ દિવસમા ત્રણ વખત આપતી, આ બધાની હાજરી હોવાથી રાધિકાની કચકચ પણ ઓછી થયેલ એટલે,માનસિક શાંતિ પણ મળતી.

બેઉ ડો. સ્મિથની ઓફિસમા દાખલ થયા, ડો સ્મિથ અંબિકા ‘you look good પછી ત્રિભોવન તરફ ફરી ‘બોલ્યા are you doing magic or what? ‘I never saw her smiling like this before,ત્રિભોવન મૌન રહ્યો અંબિકા તરફ જોઇ સ્મિત ફરકાવ્યુ ડો. પતિ પત્નીની મૌન ભાષા સમજી ગયા મલકાતા બોલ્યા

‘ I reviewed your M.R.I & blood work ,tumor is 60 to 50 % smaller I think you do not need any more chemo or radiation,’ are you happy ?

બન્ને એક સાથે બોલ્યા’ થેક્યુ ડો. વી આર વેરી હેપી’.

ડો. સ્મિથે સર્જરી માટે ગુડ લક શુભેચ્છા દર્શાવી બેઉએ આભાર વ્યક્ત કર્યો અને ઓફિસ બહાર આવ્યા,
સર્જન ડો મેથ્યુ જે અન્નનળીના નિષ્ણાત સર્જન ગણાતા હતા, તેઓની એપોઇન્ટ્મેન્ટ ડો. સ્મિથની સેક્રેટરીએ લઇ રાખેલ ફાઇલ પણ ત્યાં મોકલી આપેલ.

સામેના બિલ્ડીંગમા જ ઓફિસ હતી, ત્રિભોવને ટેકા માટે હાથ ધર્યો અંબિકાએ વિના સંકોચ સહજતાથી પકડ્યો. બન્ને એ સામસામે સ્મિત ફરકાવ્યુ, ચાલતા જ પહોંચી ગયા,ફ્રંટ ડેસ્ક પર નામ નોંધાવ્યુ. વેઇટીંગ રુમમા બેઠા, અંબિકાએ ત્રિભોવનનો હાથ પકડી રાખેલ, ત્રિભોવન પણ ક્યાં છોડવા માંગતો હતો?! આ તો વિધાતાના લેખ કે પુર્વ જન્મોના કર્મનુ ફળ કે આવી દિકરી મળી.જે સાપનો ભારો થઇ મા બાપના જીવનમા વિષ ફેલાવી રહી છે.

અત્યારે બન્નેની મનોદશા સરખી હતી , ભવિષ્યની ચિંતા વહી ગયેલ જીંદગીનુ સરવૈયુ, અંબિકા પટેલ સાંભળતા બન્ને જાગૃત થયા, હાથ પકડીને ડો. ની ઓફિસમા પ્રવેશ્યા,ડો.એ હાથ લંબાવી શેકહેન્ડ કર્યા સામસામા ગુડ્મોર્નિંગ વીશ કરી પોતપોતાની ખુરશી પર ગોઠવાયા.

ડો બોલ્યા’ ત્રિભોવન I reviewed her file I am with Dr. smith , પછી થોડી વાર અટકી અંબિકા તરફ જોઇ બોલ્યા અંબિકા are you ready for surgery ,will last about two to tree hours we will remove toumor, remove part of small bowel and join with food pipe and સ્ટમક યુ હેવ ટૂ બી રેડી ફોર ફિડિંગ ટ્યુબ for few days ,till healing takes place after that you will be able to eat as before,any ? “અંબિકાએ પુછ્યુ how many days I have to be in hospital?”Dr:’ may be two wks’,ત્રિભોવનને કોઇ સવાલ હતા નહિ એણે તો ઇન્ટર નેટ વેબ એમ ડી પરથી બધુ જાણી લીધેલ. સર્જરીની તારીખ નક્કી થઇ બન્ને આભાર દર્શાવી ઓફિસની બહાર આવ્યા,પાર્કીંગ લોટ્મા પહોંચ્યા

ગાડીમા બેઠા ત્યાં સુધી અંબિકાએ ત્રિભોવનનો હાથ પકડી રાખેલ, તેના ચેહરા સામે જોતા ત્રિભોવનને લાગ્યુ અંબિકા તેનો આધાર માગી રહી છે,અને ત્રિભોવને ગાડી સ્ટાર્ટ કરતા પહેલા તેણીનો હાથ ચુમીને ફક્ત ડોક હલાવી એહસાસ આપ્યો હું તારી સાથે જ છું.

બન્ને ઘેર આવ્યા, કલ્પનાએ ત્રિભોવનનુ લંચ તૈયાર રાખેલ અંબિકાને માટે તુરત તાજો જ્યુસ બનાવ્યો વેજી સુપ અને બાજરીનુ એકદમ પાતળુ ભઇડકુ બનાવેલ, ત્રિભોવને અંબિકાએ ત્રણ મહિને સાથે લંચ લીધુ,અંબિકા જમીને આરામ કરવા ગઇ, ત્રિભોવન તેના વકિલ મિત્રને ત્યા પહોંચ્યો.

આજના મનોમંથન અને અંબિકાની લાચારી વ્યક્ત કરતા હાવ ભાવ જોઇ ત્રિભોવન હચમચી ગયેલ નક્કી કરી નાખ્યુ આજે જ વકિલ પાસે જઈ પુનઃ લગ્ન કરાર કરી લેવો, વકિલ શાહ રાહ જોઇ રહ્યા હતા તુરત જ આવકાર્યા “આવો મોડુ થ્યુ? ફોન પર તો ૧૨ ૩૦ કહેલ ૧ ૩૦ થયો, હા ડો.ને ત્યાં જરા વાર થઇ ,કલ્પનાએ લંચ તૈયાર રાખેલ એટલે ખાઇને જ આવ્યો’

વકિલ મજાક કરતા સારુ થયુ મારા પૈસા બચ્યા હા દોસ્ત તારા લંચ ઘણા ખાધા’ હવે અંત આવશે ‘ અરે દોસ્ત હું તો મજાક કરુ છુ, લે પુનઃ લગ્ન કરારના પેપર્સ તૈયાર છે, ડો.નુ સર્ટી પણ એટ્ચ છે, તુ અને ભાભી સહી કરો એટલે આવતી કાલે જજ સાહેબના સહી સિક્કા સાથે કરાર તૈયાર.’ એમ બોલી પેપર્સનુ ફોલ્ડર ત્રિભોવનના હાથમા મુક્યુ,” બાય મારે ત્રણ વાગે કોર્ટ્મા પહોંચવાનુ છે” બોલ્યા ને બન્ને સાથે બહાર નિકળ્યા. ત્રિભોવન ઘેર ગયો તેને રાધિકા ઘેર આવે તે પહેલા અંબિકાની સહી લઇ લેવી હતી. અંબિકા નો નેપ પુરો થયેલ સાસુ વહુ સોફા પર બેસી અહેસાસ સિરિયલ માણી રહ્યા હતા.

ત્રિભોવન અંદર દાખલ થયો , હાથમા વકિલનુ ફોલ્ડર જોઇ, અંબિકા બોલી” પાછા રાધિકા અને ક્રિસે નવા તુક્કા કર્યા કે શું!!”

ત્રિભોવને જવાબ આપ્યો “આ તો મારો તુક્કો છે વાંચ અને સહિ કર તને ગમે તેવો છે કે નહિ?” અંબિકા બોલી “તમે કરો તે મારા હિતમા જ હોય મારે વાંચવાની પણ જરુર નથી,” તુરત જ ફોલ્ડર લીધુ જ્યા જ્યા માર્ક કરેલ ત્યા પોતાના નામ નીચે સહી કરી.

કલ્પનાને પણ ત્રિભોવનને જાણ કરી ,કલ્પના તો ખુશ થઇ ગઇ. બોલી “પપ્પાજી તમે એક દમ સારુ કામ કર્યુ “ ત્યા તો મનહર પણ આવી ગયો, બોલ્યો “પપ્પા શું સારુ કામ કર્યુ? “

અત્યારે ચાલ મારી સાથે રસ્તામા વાત કરુ છુ’ ,બોલી ત્રિભોવન મનહરની સાથે ફોલ્ડર લઇ બહાર નીક્ળ્યો. રસ્તામા વાત કરી ,પહોંચ્યા વકિલની ઓફિસે સેક્રેટરીએ અર્જંટ સ્ટીકર ચોટાંડી ફોલ્ડર વકિલના ડેસ્ક પર મુક્યુ,

બન્ને ઘેર પહોંચ્યા, આજે બધા રાત અહીં જ રોકાવાના હતા. સવારે ૬ વાગે હોસ્પિટલ પહોંચવાનુ હતુ, સાંજે સહુએ સાથે ડીનર લીધુ રાધિકા પણ આજે સહુની સાથે બેઠી. મમ્મીને ગુડ લક કહી પોતાની રુમમા ગઇ . ક્રિસ તો રાધિકાના ડૅડીને સામે મળવા ન હોતો માગતો બાપડામા હિમત હોઇ તો ને!! એટ્લે ફોન પર જ ઔપચારિક ગુડ લક બપોરે કહી દીધેલ. અંબિકાએ દર બે કલાકે ફ્ક્ત પ્રવાહી જ લેવાનુ હતુ, કલ્પનાએ તાજા ફળોનો રસ અને દૂધીનો રસ તૈયાર કરી રખેલ, અંબિકાની આંખ ઘેરાવા લાગી કલ્પનાએ તુરતજ મીક્સ બેરી એપલ ઓરેન્જનો જ્યુસ આપ્યો.

અંબિકા બેડરુમમા સુવા ગઇ ત્યાર બાદ કલ્પના અને મનહર પણ પોતાની રુમમા ગયા,ત્રિભોવન એકલો પડ્યો , કાલે ક્રિસ જેવો કોર્ટ્મા પહોંચસે અને જાણશે ત્યારે ચહેરો વગર તમાચે લાલ થશે.અરે ક્રિસ તુ શુ મને કરાર કરાવવાનો તુ શું જાણે અમારા હિન્દુ સંસ્કાર.

તેણે તેની ડાયરી લખી અને છેલ્લે લખ્યું “એમ પચાસ વર્ષનું સહજીવન ના ફીટે આતો છે પડી પટોળે ભાત એમ કંઇ  ના ફીટે.” તેણે તેની ડાયરી બંધ કરી. ફોન રીટ્રાઇવ કર્યા સોલંકી પૈસા માંગતો હતો અને જગદીશ તેને ટાળતો હતો. માણસો કેટલા ધુતારા હોય છે અંબીકા સારી થઇ તે તેના જાપ નો પ્રતાપ હતો અને ઓપરેશન પહેલા તેને ૧૦ હજાર ડોલર જોઇતા હતા. રાત્રી ગાઢી થતી જતી હતી. ત્રિભુવનની આંખ મળતી નહોંતી..તેને અંબિકાનાં રૂમ માં જઇને જોવું હતું કે તે સુતી કે નહીં? તેણે તેની જાતને વારી..અને નિંદ્રા દેવીને આધિન થયો

વહેલી સવારે અંબિકા તૈયાર થઇ ગઇ. પુજાગૃહમા જઇ સર્વ દેવોને નમન કર્યા, ત્રિભોવન પણ આવી તેની બાજુમા હાથ જોડી ઉભો રહ્યો. બન્ને જણાએ ઇષ્ટ દેવતાને મૌન પ્રાર્થના કરી. અંબિકા નીચે નમી ત્રિભોવનના પગમા પડી, ત્રિભોવને તુરત જ બાથમા લીધી બન્નેના ચક્ષુની અશ્રુ ધારા બન્નેને ભીંજવી રહી.

દાદર પરથી પગરવ સંભળાતા બહાર આવ્યા હાથ પકડી સોફા પર બેઠા. મનહર કલ્પના અંબિકા ત્રિભોવન સાથે એક ગાડીમા ગયા, રાધિકા મમ્મીને ચુમી કરી બોલી, હુ ૧૫ મિનીટ્મા નીકળુ છુ . અને ગાડી ઉપડી હોસ્પિટલ જવા. ચારે જણ પ્રિ ઓપ એરિયામા ગયા બધી વિધી પતી. ડો. મેથ્યુ એનેસ્થેસ્યોલોજીસ્ટ ડોક્ટર આવ્યા બે ઇન્જેક્શન આઇ વિ ટ્યુબ્મા નાખતા બોલ્યા અંબિકાબેન તમે હવે તંદ્રામા જશો વાક્ય પુરુ થતાજ અંબિકાએ બગાસુ ખાધુ આંખ બંધ કરી બન્ને ડો. બધાને મળ્યા, ઓ આર નર્સ સાથે અંબિકા ને લઇ ઓ આર તરફ પ્રયાણ કર્યુ ત્રિભોવન થોડુ સાથે ચાલ્યો નર્સ બોલી ‘Mr Tribhovan you cannot come any more kiss your wife ‘, ત્રિભોવને અંબિકાને કપાળ પર ચુમી કરી

અંબિકાએ સહેજ આંખ ખોલી ત્રિભોવન સામે જોયુ ત્રિભોવને આછુ સ્મિત કર્યુ , પાછો વળ્યો,ચશ્મા કાઢી રુમાલથી આંખના ખુણાં લુછ્યા. પતિ પત્નિનો પ્રેમ વેટીંગ રુમમા પ્રદર્શીત ન થાય.. અંતર તો રડ્તુ રહ્યુ…

કેરન આવી તે ઓપરેશનનો અહેવાલ આપતી..ભારતિય હોવાના નાતે ત્રિભુવનને કહ્યું આ ઓપેરેશન હંગામી રીતે પેશંટને એક વરસનું જીવન દાન આપે છે તેથી એમની જે પણ મનોકામના હોય તે પુરી કરી દેજો…આ રોગ કદી મટતો નથી..હા એક લાખે ૫ જણ ઓપરેશન પછી પાંચેક વર્ષ જીવે છે…ત્રિભુવનની આંખોમાં આંસુઓનું પુર ઉમટ્યુ..
રાધીકાને બાપાની આંખમાં આંસુ નરી બનાવટ લાગતી હતી. મનહર અને કલ્પના પણ બાપાની સાથે આંસુ સારતા હતા.

ક્રીસે ફોન ઉપર બાપાના પુનઃલગ્નની મંજુરીનો ફોન કર્યો ત્યારે તો તેનો ગુસ્સો સાતમા આસમાને હતો…તેના લગ્ન નો ખર્ચો હવે અંબિકા આપે તે વાતમાં કોઇ માલ નથી.. તેને હવે ક્રીસની વાત સમજાતી હતી..તે કહેતો હતોને..કે ઓલ્ડમેન મોમને ફેરવી જશે

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (10) શૈલાબહેન મુન્શા

અંબિકાને એકબાજુ ઓપરેશન થીયેટરમા લઈ જવામા આવી અને બીજી બાજુ ક્રીશ નો ફોન રાધિકા પર આવ્યો. ક્રીશ તો ક્રોધથી તમતમી ગયો હતો. એને તો જાણે સમજ જ ન પડી કે રાતોરાત આ બધું શું થઈ ગયું? ક્રીશને ખરેખર તો ક્યારેય રાધિકા પર સાચો પ્રેમ ન હતો પણ એને ખબર હતીકે રાધિકાની મા એના પ્રેમમા આંધળી છે અને દિકરી જે કહે તે વાત સો ટકા સાચી એમ જ હમેશ માનતી હતી માટે રાધિકા ની પોતાને ચાહવાની નબળાઈને હથિયાર બનાવી ક્રીશ ત્રિભુવનની બધી સંપત્તિ હડપવા માંગતો હતો અને પછી રાધિકાને પણ લટકતી મુકી કોઈ નવી છેલછબીલી શોધવા માંગતો હતો.

ક્રીશની ધારણા કરતાં કંઈ કેટલીય વધારે સંપત્તિ ત્રિભુવન પાસે હતી પણ હોશિયાર અને જમાના ના પારખુ ત્રિભુવને એ બધી સંપત્તિ નુ રોકાણ ભારતમા સારા શેરોમા કર્યું હતું અને ખુદ અંબિકાને પણ ખબર ન હતી કે કુલ કેટલી સંપત્તિ ત્રિભુવન પાસે છે. ત્રિભુવન જાણતો હતો કે અમેરિકા મા તમે ઘર ખરીદો એ ભલે દેખાવમા ભપકાદાર હોય પણ બેંક પાસે લોન લઈને લીધું હોય એટલે પંદર થી ત્રીસ વર્ષ જે તમે નક્કી કરો તે પ્રમાણે દર મહિને વ્યાજ સહિત હપ્તા ભરવાના હોય, જ્યારે ભારતમા હજી લોકો પોતાના પૈસે ઘર બંધાવતા હોય છે. ત્રિભુવને પણ ખાસું મોટું મકાન ગામમા બંધાવેલું હતું અને આજની તારીખમા એના લાખો રૂપિયા ઉપજે એમ હતા એની કોઈને ખબર ન હતી.

મનહર સારો દિકરો હતો અને એની પત્નિ પણ સારી હતી. જ્યારે ત્રિભુવન અને અંબિકા છૂટા પડ્યા ત્યારે ઘર તો અંબિકા ના ભાગે ગયું અને ત્રિભુવન મનહર સાથે એની મોટેલમા રહેવા આવ્યૉ. કલ્પના ત્રિભુવનનુ બરાબર ધ્યાન રાખતી અને ત્રિભુવનને ભાવે એવી રસોઈ બનાવતી પણ મનહર થોડો એની બહેનથી દબાયેલો હતો. રાધિકા મોટી અને પહેલેથી ભણવામા હોશિયાર અને વળી સ્કુલમા પ્રીન્સિપાલ એટલે એનો કડપ મનહર પર પહેલેથી જ હતો. મનહર સ્વભાવે ભોળો ને મોટેલ લેવામા રાધિકાની આર્થિક મદદ ને લીધે એ જલ્દી રાધિકા ની કોઈ વાત ટાળી ના શકતો. ભલે એણે મોટેલના પૈસા થોડાક જ વખત મા પાછા વાળી દીધા હતા પણ રાધિકા નો ઉપકાર એને હમેશ યાદ રહેતો.

એટલે જ જ્યારથી અંબિકાની તબિયત બગડી અને કેન્સરની ખબર પડી ત્યારથી ત્રિભુવન આટલા વર્ષો નો સહવાસ ભુલી ના શક્યો અને અંબિકાની વધુ ને વધુ કાળજી લેવા માંડ્યો. ડોક્ટરોને ત્યાં આંટાફેરા જુદા જુદા સ્પેશિયાલિસ્ટને બતાવવા જવાનુ અને મનહર કે રાધિકાને એમના કામધંધાને લીધે ખાસ સમય ન મળે માટે ત્રિભુવને ખરા દિલથી એ જવાબદારી ઉપાડી લીધી અને ધીરે ધીરે અંબિકાને પણ પોતાની ભુલ ને મુર્ખામી સમજાવા માંડી.

એમા પણ એક દિવસ એણે ક્રીશને પોતાના અંગત રૂમના કબાટમાં ખાંખાંખોળા કરતો જોઈ લીધો, ત્યારથી એને મનમા શંકા રહેવા માંડી કે ક્રીશ દેખાય છે એટલો સીધો નથી. એણે રાધિકા ને ચેતવવાનો પ્રયત્ન કર્યો પણ રાધિકાની આંખે પ્રેમના પાટા બંધાયેલા હતા. એને હજી પણ ક્રીશમા વિશ્વાસ હતો. ખબર નહિ એ ક્રીશમા શું જોઈ ગઈ હતી. ક્રીશે પોતાની અમેરિકન પત્નિથી પણ છૂટાછેડા લીધા હતા તોય રાધિકાની આંખ નહોતી ખુલતી. અંબિકાને હવે પારાવાર પસ્તાવો થતો હતો કે “હે ભગવાન શા માટે મે મારા પતિની વાતમાં વિશ્વાસ ન મૂક્યો”? એ હમેશ મને ચેતવતા તોય મે રાધિકાનો પક્ષ લઈ કાયમ એમની સાથે કજીયા કર્યા અને છેવટે આટલી ઊંમરે કોઈ હિંદુ સ્ત્રી ન ભરે એવું પગલું ભર્યું અને પતિથી છૂટાછેડા લીધા. આજે મારી આ બિમારીમા બીજું કોઈ નહિ ને ત્રિભુવન જ મારી પડખે ઊભો રહ્યો.

અંબિકા નો ધર્મભીરૂ સ્વભાવ એની વહારે ધાયો. એને લાગવા માંડ્યું કે ત્રિભુવનથી છૂટા પડવાની જ સજા એ માંદગીરૂપે ભોગવી રહી છે. મનથી એને એમ પણ થવા માંડ્યું કે જો આ બિમારી મા મોત આવે તો શા માટે હું એક અભાગણ તરીકે મરૂં? ચુડી-ચાંદલાનો શણગાર સજી સૌભાગ્યવતી રૂપે કેમ નહિ? ત્રિભુવનના વર્તનમા પણ એને એ જ પ્રેમ પાછો દેખાવા માંડ્યો હતો માટે ત્રિભુવન જે કહે તે કરવા એ તૈયાર હતી.

ત્રિભુવને ઘણા શાણપણથી પગલું ભર્યું હતું. અંબિકાની શારિરીક અને માનસિક પીડા એનાથી જોવાતી નહોતી, ભલે અંબિકાથી એક પગલું ખોટું ભરાઇ ગયું પણ ત્રિભુવન એના ધર્મભીરૂ સ્વભાવને સારી રીતે જાણતો હતો, જે સ્ત્રી એ જિવનભર સાથ આપ્યો હતો અને પોતાની બધી તકલીફો મા ઝઝુમવાનુ બળ આપ્યું હતું એને આજે આવી ગંભીર બિમારીમા એકલી કેમ છોડી દેવાય. અંબિકા પણ જ્યારે પોતાની ભુલ સમજી ગઈ છે તો હું એને ફરી જીવનના બધા સુખ આપવાનો પ્રયત્ન શા માટે ન કરૂં? માટે જ એણે પોતાના મિત્ર અને વકીલ શાહ પાસે ફરી લગ્નનો દસ્તાવેજ કરાવી અંબિકાની સહી કરાવી તરત જ કોર્ટમા મંજુરી માટે મોકલી આપ્યો.

ત્રિભુવને એટલી ચિવટથી કાગળિયા તૈયાર કરાવ્યા કે મનહર કે કલ્પના કોઈને એની જાણ ના થવા દીધી. રખેને કોઈનાથી બોલાઇ જાય અને રાધિકા ને ખાસ કરીને ક્રીશ કાંઇ વિઘ્ન નાખે.

કોર્ટમા પણ દસ્તાવેજ બરાબર કોર્ટ બંધ થાય એની પાંચ મીનિટ પહેલાજ જજના હાથમા પહોંચે એની કાળજી લીધી જેથી ક્રીશને એની જાણ બીજે દિવસે કોર્ટ ખુલે ત્યારે થાય અને ત્યાં સુધીમા તો ફરી ત્રિભુવન અને અંબિકા ફરી પાછા કાયદેસર પતિ-પત્નિ બની ગયા હોય.

ત્રિભુવન ઓપરેશન પહેલા અંબિકાને હૈયાધારણ આપવા માંગતો હતો કે તુ નચિંત થઈને સર્જરી માટે જા હું તારી પડખે જ ઊભો છું, અને અંબિકા પણ એ જ હિંમતના સથવારે આશાભેર સર્જરી માટે ગઈ. આ બાજુ ક્રીશ સવારે જ્યારે કોર્ટમાં પહોંચ્યો ત્યારે એને જાણ થઈ કે બાજી હાથમાથી સાવ જતી રહી છે, અંબિકા ફરી કાયદેસર ત્રિભુવનની પત્નિ બની ગઈ છે, અને માલ-મિલ્કતમા કોઈ ભાગ મળવાની શક્યતા નથી, માટે જ આગબબુલા થઈને એણે રાધિકાને ફોન કર્યો. ત્રિભુવનથી આવી રમતની એણે સ્વપ્નમા એ આશા રાખી નહોતી, જાણે એ ઊંઘતો જ ઝડપાઈ ગયો. રાધિકાને ગુસ્સાના આવેશમા એણે કંઈ કેટલીય ખરીખોટી સંભળાવી દીધી. રાધિકા પળવાર તો જાણે સમજી જ ના શકી કે શું થઈ ગયું, પણ જ્યારે દિમાગમા બત્તી થઈ અને હકીકત સમજમા આવી ત્યારે જાણે કાપો તો લોહી ના નીકળે એવી એની દશા થઈ ગઈ, અરે! હવે તો રાધિકાની ધામધૂમથી પરણવાની ઈચ્છા પર પણ પાણી ફરી વળ્યું કારણ ત્રિભુવન તો પહેલેથી જ આ લગ્નની વિરૂધ્ધ હતો.

ક્ષણભર તો રાધિકા પણ અવાક બની ગઈ. એને ખબર હતી કે એના બાપા ઘણા હોશિયાર અને અગમચેતીવાળા છે પણ ક્યારે એમણે માને વાતકરી ને ક્યારે આ બધું એની પીઠ પાછળ બની ગયું, ક્યારે બાપાએ વકીલની સલાહ લીધી ને ક્યારે બધા કાગળિયા તૈયાર કરાવ્યા એની ગંધ પણ ના આવી. રાધિકા નીદશા તો નહિ ઘરના નહિ ઘાટના એવી થઈ ગઈ.

ક્રીશને તો જ્યારથી ખબર પડી હતી કે રાધિકા ના બાપા પાસે એ ધારતો હતો એટલી સંપત્તિ નથી અને અંબિકા ના ૨૦૦ તોલા સોનાના દાગીના મા કાંઈ દમ નથી ત્યારથી એ રાધિકા સાથે પરણવાના ગલ્લાતલ્લાં કરતો હતો અને હવે જ્યારે ખરે જ કાઈ હાથમા નથી આવવાનુ ત્યારે રાધિકાને પડતી મુકી બીજી કોઈ માલેતુજાર મુરઘી ફસાવવાના વિચાર કરવા માંડ્યો, કારણ એ તો ફક્ત પૈસા ખાતર જ રાધિકને પ્રેમ કરવાનો દેખાવ કરતો હતો.

ત્રણેક કલાકે ઓપરેશન થીયેટરની બહારની લાલ બત્તી બુઝાઈ અને કેરને બહાર આવી ને ખુશખબરી આપી કે ઓપરેશન સફળ થયું છે અને અંબિકાને રીકવરિ રૂમમા લઈ ગયા છે. ડો. મેથ્યુ પણ તરત જ બહાર આવ્યા અને ઘરના સહુને સારા સમાચાર આપ્યા. ત્રિભુવનની ખુશીનો પાર ના રહ્યો. એ તો જાણે જગ જીતી ગયો હોય એમ એને લાગ્યું. હવે એ અંબિકાની આખરી ઈચ્છા પુરી કરી શકશે એનો એને પુરો વિશ્વાસ બેસી ગયો.

અંબિકાને લગભગ બે અઠવાડિયા હોસ્પિટલમાં રહેવું પડ્યું, પણ ત્રિભુવનની સતત હાજરી અને કલ્પનાની માવજતથી ધાર્યાં કરતાં વધુ ઝડપથી અંબિકા ની તબિયત સુધરવા માંડી. કલ્પના ને મનહર સવાર સાંજ આવતા અને કલ્પના ઘરે થી પ્રવાહી ખોરાક લઈ આવતી. દવા કરતા પણ ત્રિભુવનના સાથે અંબિકા ને જલ્દી હરતી ફરતી કરી દીધી, અને એમા પણ જ્યારે ત્રિભુવને વાત કરી કે “અંબિકા તું જલ્દી બરાબર સાજી થઈ જા તો આપણે ભારત જઈને ચારધામની જાત્રા કરી આવીએ”

અંબિકાને તો જાણે ખુદ શિવજી ત્રિભુવનના રૂપમા આવી એના મનની મુરાદ પુરી કરવા માંગતા હોય એમ લાગ્યું. એને તો સ્વપ્ને પણ ખ્યાલ ન્હોતો કે ત્રિભુવન એની અને કેરનની વાત સાંભળી ગયો છે અને અંબિકાની હર ઈચ્છા પુરી કરવી એજ હવે એનુ લક્ષ છે. કેરને બીજી જે વાત ત્રિભુવનને કરી હતી એની અંબિકાને ખબર નહોતી કે આ કેન્સર ના ઓપરેશન પછી પણ દર્દીની આવરદા લગભગ વરસ જેટલી જ લંબાય છે અને ત્રિભુવન આ ૩૬૫ દિવસમા અંબિકાને જેટલું સુખ અપાય એટલું આપવા માંગતો હતો.

અંબિકાએ પચાસ વરસમાં કોઈવાર કોઈ માગણી નહોતી કરી ફક્ત દિકરીના પ્રેમમાં આંધળી બની એ ત્રિભુવનની વિરૂધ્ધ કોઈવાર જતી પણ આજે એની ભુલનો અહેસાસ એને થઈ ગયો. રાધિકાને જ્યારથી ખબર પડી કે માબાપ પાછા એક થઈ ગયા છે ત્યારથી એ ખુબ ધુંધવાયેલી રહેતી હતી. એક બાજુ ક્રીશ પરણવા માટે બહાના કાઢ્યા કરતો હતો અને બીજી બાજુ અંબિકા એની વાત માનતી નહોતી.

બે મહિના પછી અંબિકા બરાબર ખાતી થઈ ગઈ એટલે ત્રિભુવને ભારત જવાની ટીકિટ બુક કરાવી. ત્રિભુવનને ખબર હતી કે જ્યારે બન્ને છુટા પડ્યા હતા ત્યારે અંબિકાના નાનાભાઈ જગદીશે બેનનો સારો ખ્યાલ રાખ્યો હતો. રાધિકાને પોતાની ભાણી તરીકે જગદીશ નાનપણથી જાણતો હતો. એના રૂવાબથી પણ પરિચીત હતો માટે આ કપરા કાળમા પોતાની મોટીબેનનુ ધ્યાન રાખવા એ અંબિકાની સાથે જ રહેવા માંડ્યો. જ્યારે ત્રિભુવને ચારધામ જાત્રા કરવા જવાનો વિચાર કર્યો ત્યારે જગદીશને પણ સાથે લઈ જવાનુ નક્કી કર્યું. ત્રિભુવનને ખબર હતી કે જ્યારે એ ને અંબિકા છૂટા પડ્યા ત્યારે જગદીશ અંબિકાનો ખ્યાલ રાખતો હતો અને અંબિકાની આવી નાજુક તબિયતમા એક કરતાં બે ભલા, જગદીશ હોય તો બધે દોડાદોડીમા કામ લાગે. હવે પોતે પણ કાંઈ દિવસે દિવસે જુવાન થોડા થવાના છે અને હિમાલયના પહાડો ચઢવાના રાતવરત ધર્મશાળામા રહેવું પડે ત્યારે કોઈ ઘરની વ્યક્તિ સાથે હોય તો સારું પડે. ત્રિભુવનને મનહર અને કલ્પનાનો પણ ખ્યાલ આવ્યો પણ મોટેલની જવાબદારી કોને સોંપવી એટલે વિચાર માંડી વાળ્યો. રાધિક તો એવી છંછેડાયેલી હતી કે અંબિકા રાધિકાને ભારત જવા વિશે કહેવા માંગતી હતી પણ રાધિકાની વર્તણુક સાવ બદલાઈ ગઈ હતી.અંબિકાને વાત કરતાં પણ ડર લાગતો હતો છતાં હિંમત કરીને એણે રાધિકાને વાત કરી ને રાધિકાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. “મારા લગ્ન ધામધૂમથી કરાવી આપવા તારી પાસે પૈસા નથી ને આવી તબિયતે તારે છેક ભારત ચારધામની જાત્રા કરવા જવું છે? પપ્પા એ બે મીઠી મીઠી વાતો શું કરી ને તું ભોળવાઈ ગઈ? યાદ રાખજે ફરી હું તારી મદદે નહિ આવું” અંબિકાને હવે રાધિકાની મદદ ની જરૂર પણ ન હતી,ઍનો પતિ બરાબર એની પડખે ઊભો હતો.

અંબિકા હવે પુરી જાગૃત થઈ ગઈ હતી. એણે રાધિકાના બધા રૂપ જોઈ લીધા હતા, એનુ સ્વાભિમાન જાગી ઉઠ્યું, દિકરીની લાચારી સહન કરવી એના કરતાં પતિ નો સાથ સાચવવો એ જ પત્નિનુ અંતિમ લક્ષ હોવું જોઈએ અને હું એ જ નિભાવીશ.

સોલંકીને જ્યારે ખબર પડી કે જગદીશ અંબિકા ને ત્રિભુવન સાથે ભારત જાય છે તો એને પણ મફતમા લહાવો લેવાનુ મન થઈ ગયું પણ ત્રિભુવન પાસે એની કોઇ રમત ચાલે એમ નહોતી. ખોટું ભવિષ્ય ભાખીને પૈસા પડાવવાની એની ચાલ ને વાતો ફોન પર ત્રિભુવને સાંભળી હતી માટે એને અંબિકાને કહી રાખ્યું હતું કે આવા ધુતારા ની વાતો મા આવી જવાની જરૂર નથી, કોઈનુ કર્યું કોઈ તપ બીજાને પહોંચતું નથી જો એમ થતું હોત તો દુનિયામા દુઃખ જેવી કોઇ વસ્તુ ન હોત માટે એવા ઠગભગતની વાતોમા આવી જવાની જરૂર નથી. માટે એને જો આવવું હોય તો ગાંઠના ખર્ચે આવે.અપણે કોઈ સદાવ્રત નથી ખોલી.

અંબિકા બસ થોડા મહિનાની માનસિક અને શારિરીક વેદના ભુલીને મનને સંયત કરીને જાત્રાએ જવાની તૈયારી મા લાગી ગઈ.
જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (11) જયંતીભાઇ પટેલ

પ્રકરણ ૧૧. શ્રધ્ધાનું જોમ

અંબિકાને પણ મનમાં થઈ ગયું હતું કે એની આથમતી જિંદગીમાં નવો પ્રાણ પુરાયો હતો. ઘરનાં બધાંય એના આ ભાવને સમર્થન આપતાં રહેતાં હતાં. એ આનંદમાં રહેવા લાગી હતી. અલબત્ત અંબિકા પોતાની તબિયતથી સાવ અજાણી ન જ હતી.

અહીં અમેરિકામાં દાક્તરો આવી સારવાર કરતા પહેલાં પાંચ વરસના બાળકનેય એ સારવાર અંગેની બધી વાત અને તેની અસરો અને આડઅસરો ઓપરેશન પહેલાં સમજાવીને પછી જ આ સારવાર શરૂ કરતા હોય છે એટલે અંબિકાને પોતાની સાચી સ્થિતિ અંગે પૂરી ખબર હતી જ. પણ ઓપરેશન સફળ થયું હતું એમ દાક્તરે જણાવ્યું હતું એને મનમાં એટલે લાગવા માંડ્યું હતું કે પોતે ભગવાનની દયાથી બચી ગઈ હતી.

ત્રિભુવન અને જે બેચાર જણાંને ડોક્ટરે વાત કરી હતી એનાથી અંબિકા સાવ અજાણ હતી. ત્રિભુવન ડોક્ટરના કહ્યા પ્રમાણે એને આનંદમાં રાખવાના બધા પ્રયત્નો કરતો હતો. કેટલાક દિવસો પહેલાં અંબિકાએ ચાર ધામની જાત્રા કરવાની વાત કરી હતી પણ એની નાદુરસ્ત તબિયતને કારણે ત્રિભુવને એને બહાનાં બતાવી પાછી ઠેલી હતી તેય હવે આ જાત્રા વિશે ગંભીરતાથી વિચારવા માંડ્યો હતો.

એ વાત સાંભળતાં અંબિકા આનંદમાં આવી ગઈ પણ રાધિકા બોલી ઊઠી: ‘મમ્મીને આ ઉંમરે અને આવી તબિયતમાં એવી જાતરા બાતરા કરાવવી એટલે એમની જિંદગીને જોખમમાં મૂકી દેવાની વાત છે.’

‘તને તારાં મમ્મીની ચિંતા ક્યારથી થવા માંડી? ને હવે એની જવાબદારી મારે માથે છે એટલે એમાં તારે ચિંતા કરવાની જરૂર નથી.’

‘તમે તો એમ જ કહો ને, પણ એ મારી મમ્મી છે એ વાત પણ એટલી જ સાચી છે.’

‘અત્યાર સુધીમાં તેં તારી મમ્મીનું જે હિત કર્યું છે એ જોતાં હવે તારી સલાહ મને સ્વીકારવા જેવી લાગતી નથી. હું ડોક્ટરની સલાહ લઈને જ આ ટ્રીપ ગોઠવી રહ્યો છું એટલે હવે પછી મને સલાહ આપવાનો પ્રયત્ન ન કરતી.’ ત્રિભુવને એને ચોખ્ખી સંભળાવી દીધી ને મોંઢું મચકોડતી રાધિકા બહાર નીકળી ગઈ.

છેલ્લા બે મહિનામાં અંબિકાની સ્થિતિમાં ઘણો સુધારો થઈ ગયો હતો એટલે ડોક્ટરે એને જાત્રા માટે લઈ જવાની વાતની મંજૂરી આપી. ને ત્રિભુવને દેશમાં એક બે ફોન કરીને આ ટ્રીપ અંગે જરૂરી માહિતી મેળવી લીધી. પછી ટિકીટો માટે તપાસ કરી. વીઝા તો એમના અને અંબિકાના હજુ પહોંચતા હતા એટલે એનો વાંધો ન હતો.

અંબિકાની તબિયતની ચિંતા કરતાં મનહર અને કલ્પના પણ સાથે જવા તૈયાર થઈ ગયાં. મનહરે તો પોતાની મોટેલ સંભાળવા માટે એક યુગલને શોધી પણ કાઢ્યું. ત્રિભુવનને એમની લાગણી સમજાતી હતી. એણે વિચાર્યું કે આવી મુશ્કેલ સફળમાં મનહર અને કલ્પના જેવાં જુવાનિયાં ઘણાં મદદરૂપ થાય પણ સામે ઉંમરે પહોંચેલાં પોતે બે ને જગદીશ જેવાંને માટે તો આ સફળ મુશ્કેલ જ છે. એટલે એમણે બેયને સાથે આવવા મંજૂરી આપી. પણ કલ્પના ને મનહરના વીઝા લેવાના હતા એટલે એક મહિનો એ વીઝા મેળવવામાં ગયો.

ત્રિભુવને તો બધાંની ટિકીટો લઈ લેવાની પણ તૈયારી બતાવી પણ એમણે ત્રણેયે પોતાની ટિકીટો જાતે લેવાનો આગ્રહ રાખ્યો. ત્રિભુવને અંબિકાની તબિયતને કારણે એમની બેયની ફર્સ્ટ ક્લાસની ટિકીટો લીધી હતી. રાધિકાએ કહેવા પૂરતું કહ્યું: ‘હુંય સાથે આવત પણ મને જોબ પરથી રજા મળે તેમ નથી એટલે…’ ને કોઈને એને સાથે લઈ જવામાં રસ પણ ક્યાં હતો!

ને એક દિવસ બધાં દેશમાં જવા રવાના થયાં. એમની ફ્લાઈટ સાનફ્રાન્સીસ્કોથી લોસએન્જલ્સ અને ત્યાંથી લંડન થઈને દિલ્હીની હતી. દિલ્હીમાં ત્રિભુવને હોટેલ અશોકામાં અગાઉથી બુકીંગ કરાવી લીધું હતું. એને ખબર હતી કે એપ્રિલ મહિનો છે એટલે દિલ્હીમાં તો બરાબરનો ધોમ ધખતો હશે પણ ચાર ધામની યાત્રા માટે તો આ સમય ઘણો અનુકૂળ સીબિત થાય તેમ હતો. ત્યાં તો આ ઉનાળામાંય ઠંડીનો ચમકારો વર્તાવાનો હતો.

એમણે હોટેલમાં પહોંચી આખો દિવસ મુસાફરીનો થાક ઉતાર્યો. જેની તબિયતની એ સૌને ચિંતા હતી એ અંબિકાને તો જાણે થાક વર્તાતો જ ન હતો. પતિએ એની ચાર ધામની યાત્રા માટે તૈયારી બતાવી ત્યારથી જ એનામાં અજાયબ સ્ફુર્તિ આવી ગઈ હતી. ત્રીસ કલાકની આ મુસાફરીનો એને જરા પણ થાક લાગ્યો હોય એમ લાગતું ન હતું. ઊલટું એ તો આગળની મુસાફરીની જાણે તૈયારી કરી રહી હોય એમ ગરમ કપડાં, દવાઓ અને રસ્તામાં ખાવાની તૈયારીની વાતો કરવા માંડી હતી.

ત્રિભુવને મેનેજરને આ ટ્રીપ અંગે પૂછ્યું તો એણે આ ત્રણ વયસ્ક માણસોને જોઈને કહ્યું: ‘તમે અમેરિકાથી આવો છો એટલે તમને પ્લેનની મુસાફરી વધુ અનુકૂળ પડશે એમ તમને લાગતું હશે પણ મારું માનો તો તમને અહીંની આ નાનાં નાનાં સેન્ટરોની પ્લેન સર્વિસ અનુકૂળ નહીં આવે. વળી તમે હજુ આજે જ દેશમાં આવો છો એટલે બહારનું ખાવાનું તમને કદાચ બિમાર પણ પાડી દે. એના કરતાં અહીંથી એક સારી જીપ ભાડે લઈને નીકળો અને સાથે એક રસોઈ કરનાર પણ હોય તો તબિયત પણ સચવાશે અને તમારી અનુકૂળતા પ્રમાણે યાત્રા પણ થઈ શકશે.’

‘પણ અમે પાંચ જણ, એક ડ્રાયવર અને એક રસોયો! વળી મારાં વાઈફની તબિયત એવી છે કે એમને થાકે તો સૂવા માટે પણ આખી સીટ આપવી પડે.’

‘તમે એ મારા પર છોડી દો. હું હમણાં જ તપાસ કરી લઈને તમને સાંજે જણાવું.’ કહેતાં એણે એક ફોન જોડ્યો ને સૂચના આપી કે ગીરીધરનને શોધી સાંજે અહીં બોલાવી લાવો. પછી ત્રિભુવનને કહે: ‘જો એ મળી જાય તો તમારે કોઈ વાતની ચિંતા જ નહીં. એ ડ્રાયવર છે ને ગાઈડ પણ છે ને રસોઈ પણ બનાવી આપે છે. વળી સ્વભાવનો તો એવો સારો છે કે અમે જ્યારે એને કોઈની સાથે મોકલ્યો છે ત્યારે એનાં વખાણ સાંભળ્યાં છે.’

‘એ મળી જાય પછી એક નવી જ જીપ.’

‘એની પોતાની નવી જ જીપ એસ્ટેટ છે. હજુ એક વર્ષ પહેલાં જ કઢાવી છે. જો એ વરધીમાં નહીં નીકળી ગયો હોય તો માનો કે તમારું કામ થઈ જ ગયું. તમને એની સાથે કોઈ અગવડ નહીં પડે એની મારી ગેરંટી. એમાં પાછળ બેંચ સીટ છે એટલે માજીની સગવડ પણ સચવાશે.’

□ □

એ સાંજે ગીરીધરન આવ્યો એટલે મેનેજરે એને ત્રિભુવનની રૂમમાં મોકલી આપ્યો. મનહરે બારણું ખોલ્યું. બધાં એક જ રૂમમાં બેસી વાતો કરી રહ્યાં હતાં. ગીરીધરન બહાર બુટ કાઢીને રૂમમાં આવ્યો ને ત્રણેય વડીલોને પાયે લાગીને બોલ્યો: ‘મેરા નામ ગીરીધરન. મૈં ડ્રાયવર હું.’

‘મેનેજરને તુમારે બારેમેં બતાયા હૈ. હમે ચાર ધામ કી યાત્રા કરની હૈ. તુમ હમારી સાથ ચલોંગે?’

‘ક્યું નહીં ચલુંગા! અવશ્ય ચલુંગા આપ જૈસે માની લોગ કી સેવા કા મુજે લાભ મીલેગા ઔર સાથમેં મૈયા ગંગા યમુનાજી કી યાત્રા કા પૂણ્ય ભી મીલેગા.’

‘અચ્છા, તુમારા રોજ કા ક્યા રેઈટ હૈ?’

‘હિલ્હી સે વાપીસ દિલ્હી તક કા રોજ કા ગ્યારાહ સો રૂપિયા મેં લુંગા. ઓર ડીઝલ ઓર ટોલ ટેક્સ ઓર જો ખર્ચા હોગા વો આપ કે સર હોગા.’

‘ખાના પકાને કા ઓર ગાઈડ કે તુમારે કામ કા ક્યા દામ લગેગા?’

‘અરે સાહબ, ઉસ કા ક્યોં અલગ સે લગેગા? મેં આદમી તો એક હી હું ફીર અલગ સે દામ કૈસે લગેં ગે?’

‘ઠીક હૈ. તો પ્લાન બતાઓ. કલ હી શુરૂ કરના હૈ.’

‘આપ લોગ વૈષ્ણવ લગતે હો તો એક બાત કરને કા દિલ ચાહતા હૈ. ગોકુલ, મથુરા પાસ મેં હી પડતા હૈ તો પહલે દો દિન કી વ્રજ ભૂમિ કી યાત્રા કર કે હરદ્વાર ચલે તો?’

‘ઐસા હી કરો. કલ વ્રજ ભૂમિ જાયેંગે. બાદમેં ચાર ધામ કી યાત્રા શુરૂ કરેંગે.’ કોઈ બોલે તે પહેલાં અંબિકાએ પોતાની ઈચ્છા જણાવી દીધી. પછી રોજનું ખાવા બનાવવાની સામગ્રી લેવા માટે મનહર અને કલ્પના એની સાથે બજારમાં ઊપડ્યાં. કલ્પનાને દિલ્હીનું બજાર જોવાનું મન હતું.

એ લોકો આવ્યાં પછી બીજે દિવસે કેટલા વાગ્યે નીકળવું એ નક્કી કરીને ગીરીધરન ગયો. ત્રિભુવનને એક વખત તો આ વધારાની જાત્રા કરવાની ના કહેવાનું મન થયું પણ અંબિકાએ જે ઉત્સાહથી ગીરીધરનની વાત સ્વીકારી લીધી એ જોતાં એણે એમાં વિરોધ કરવાનું ઉચિત ન માન્યું.

□ □

બીજે દિવસે સવારમાં ગીરીધરન આવ્યો. એણે બધાંને જરૂરી દવાઓ અને ગરમ કપડાંની યાદ દેવડાવી દીધી તથા અંબિકા માટે બે ઓશિકાં અને ઓઢવા માટે એક રજાઈ હોટેલમાંથી માગી લીધાં. એણે રસોઈ બનાવવા માટે ગેસની બોટલ અને ગેસનો ચુલો તો આવી યાત્રા માટે વસાવી લીધેલાં હતાં જ. સાથે રસોઈ કરવા માટેનાં તથા જમવા માટેનાં વાસણો પણ લેતો આવ્યો હતો.

એણે બધાની બેગો રૂમમાંથી લઈ જઈને ડેકીમાં બરાબર ગોઠવી. પાણીની બોટલો તો ગઈકાલે રેશનની સાથે એ લોકો લઈ જ આવ્યાં હતાં. બધાંને આરામથી ગાડીમાં બેસાડીને એણે ગાડી સ્ટાર્ટ કરી એ સાથે એણે આજની સફરની વિગત આપવા માંડી: ‘હમ પહલે મથુરાં જયેંગે. વહાં યમુનાજીમેં સ્નાન કરેંગે. મૈયા કો ઝારીજી ભરની હો તો એ ભી હો જાયેગા. ઉધર ચુંદડી મહોત્સવ કા ભી ભારી મહત્તવ હૈ. મૈયા કો ચુંદડી મહોત્સવ કરના હો તો એ ભી કરેંગે.’

‘મુજે સબ દર્શન ભી કરને હૈ.’

‘મૈયા, આપ કો રાજભોગ કે દર્શન હોંગે રાજભોગ પ્રસાદ ભી લોગે બાદ મે થોડા આરામ કર કે શામ કો ઉત્થાન કે ઔર બાદમેં આરતી કે દર્શન હોંગે. રાત હોટલમેં આરામ કર લીજીએગા ઔર સુબહ મંગલા કે દર્શન કર કે ચલેંગે વૃંદાવન ઐર ગોકુલ ધામ કરકે પરસોં ચલેંગે હરિદ્વાર કી ઔર. ઠીક હૈ મૈયા, કી કોઈ ઔર બાત હૈ આપ કે મનમેં?’

‘અભી તો ઠીક હૈ. ઔર કોઈ બાત હોગી તો તુમ્હે બોલું ગી.’ અંબિકાએ સંતોષથી કહ્યું ને અંબિકાના સંતોષથી ત્રિભુવન પણ મુસ્કુરાઈ રહ્યો. એને થયું કે ગીરીધરન એક સારો સેલ્સમેન હતો ને એને મૈયામાં એક શ્રધ્ધાળુનાં દર્શન થયાં હતાં. તો બીજી બાજુ અંબિકા વિચારતી હતી કે ગીરી સાથે છે તો એની જાત્રા પોતાની શ્રધ્ધા મુજબ પૂરી થશે. એને ખબર હતી જ કે બાકીનાં બધાં તો પોતાને સાથ આપવા માટે જ આ જાત્રામાં આવ્યાં છે. એમને કોઈને આ જાત્રામાં કશો રસ નથી.

સાડા નવ વાગે તો બધાં મથુરાં પહોંચી ગયાં હતાં. ગીરીની સુચના મુજબ અંબિકા ને જગદીશે એકબીજાને ટેકે યમુનાજીમાં ત્રણ વખત ડુબકીઓ મારી. મનહર તથા કલ્પનાને અંબિકાને ટેકો આપવા જતાં ગીરીએ રોક્યાં: ‘યમુનાજી કા યે વિશ્રામઘાટ પર યમુના સ્નાન ભૈયા કે સાથ કરને કા મહત્વ હૈ. યે સ્નાન સે દોનો મુક્તિ કે અધિકારી બનતે હૈ.’

પછી નજીકની એક ધર્મશાળામાં કલ્પનાની સાથે એમને કપડાં બદલવાની વ્યવસ્થા કરી આપી. પછી એમને બ્લેંકેટ ઓઢાડીને બાંકડા પર બેસાડતાં એણે બધાંને યમુનાજીમાં સ્નાન કરવા મોકલ્યાં.

બપોરે લક્ષ્નારાયણ મંદિરમાં ગર્ભદ્વારમાં લઈ જઈ બધાંને વિધિ પૂર્વક દર્શન કરાવ્યાં. અંબિકાએ ભેટમાં એક હજાર રૂપિયા મૂક્યા. પૂજારીએ ગીરીને એક કલાક પછી રાજભોગની સખડી લઈ જવા કહ્યું એટલે ગીરીએ બધાંને ગમે તેવી એક સારી હોટેલમાં રૂમો અપાવી ને કહ્યું: ‘આપ સબ આરામ કીજીએ. મેં રાજભોગ કી પ્રસાદી લે કર આતા હું.’

બધાં હાથમોં ધોઈને કપડાં બદલીને તૈયાર થયાં ત્યાં સુધીમાં એ બે માણસોની સાથે મોટામોટા બે થાળમાં પ્રસાદી લઈને આવ્યો ને રૂમમાં ટેબલ અને ટીપોઈને આઘાં પાછાં કરીને એણે બધાંને જમવા બોસવાની વ્વસ્થા કરી લીધી ને પિરસવા માંડ્યું. અંબિકાએ એની પાસે બધી વાનગી અને બધાં શાકભાજીમાંથી થોડું થોડું પિરસાવ્યું. પ્રસાદીની દરેક ચીજ એણે ભાવથી આરોગવા માંડી. ગીરીએ પણ બધાંને આગ્રહ કરીને પ્રસાદી લેવરાવવા માંડી.

‘એ સબ આપ કે લીએ હે. મેરે લીએ તો મંદિરમેં વ્યવસ્થા હૈ.’ પણ સામગ્રી એટલી બધી હતી કે એમાંથી અડધીય એ લોકો ખાઈ શક્યાં નહીં. પછી એ વાસણ પાછાં આપવા જતાં કહેતો ગયો: ‘અબ આપ લોગ આરામ કીજીએ. મેં એક ઘંટેમેં આ જાઉંગા. તીન બજે ઉત્થાન કે દર્શન હોંગે.’

‘ગીરી, મુજે ઝારીજી ભરની થી મગર મેરે પાસ કંતાન(ઝારી ભરતી વખતે પહેરવાની ખાસ સાડી) નહીં હૈ.’

‘મૈયા, ઉસમે ચિંતા કી કોનું બાત નહીં. હમ બજાર સે કંતાન લે લેંગે. ઉત્થાન કે દર્શનકે બાદ મેં આપ કો ઝારીજી ભરને લે જાઉંગા. સબ કો આને કી જરૂરત નહીં હૈ. મૈયા ઔર કલ્પનાબહન આયેં ગે તો ચલેગા. કલ્પનાબહન કો ઝારીજી ભરની હો તો હમે દો કંતાન લેને પડેંગે.’

કલ્પનામાં પણ નારી સ્વભાવ મુજબ આસ્તિકતા જાગૃત થઈ ગઈ ને એણે કહ્યું: ‘મેં ભી ઝારીજી ભરુંગી.’

‘તો ઠીક હૈ, હમ દો કંતાન લે લેંગે.’ ગીરીએ કહ્યું. સાંજનાં ઉત્થાનનાં દર્શન કરી બીજા બધાને હોટેલ પર મૂકી ગીરી અંબિકાને અને કલ્પનાને ઝારીજી ભરાવવા લઈ ગયો. આવતાં યમુનાજી પર ચૂંદડી મનોરથ પણ કરાવ્યો. બધાં હોટેલ પર પાછાં આવ્યાં ત્યારે અંબિકા ખુશખુશાલ હતી.

રાતે બધાએ આરામ કર્યો. પછી પછી નક્કી કર્યા પ્રમાણે વહેલી સવારે મંગળાનાં દર્શન કરીને ગીરીએ બધાંને ગોકુળ અને વૃંદાવનની જાત્રા કરાવી. ત્યાં દર્શન કરીને બે દિવસ રોકાઈને પછીને દિવસે બપોરનું જમવાનું પતાવી બધાં હરદ્વાર ઊપડ્યાં.

ચાર વાગ્યે હરદ્વાર પહોંચ્યાં એટલે ગીરી કહે: ‘પહલે હોટેલમેં રૂમ લે લેતે હૈ. મૈયા થકી હોગી. ઉન કો હોટેલ મેં આરામ કરને દેંગે ઔર આપમેં સે જીન કો ઈધર ઉધર ઘુમના હો તો મેં ઘુમા લાઉંગા. ઐસે તો હમારા હેડ ક્વાર્ટર હરિદ્વાર હી હૈ. હમ ચાર ધામ કરતે હર દુસરે તીસરે દિન યહાં આતે રહેંગે. ઈધર હર કી પીઢી ઔર યોગ વશિષ્ઠાશ્રમ તો હમ કલ હી ઘુમ આયેંગે. બાકી રહે ૠષિકેશ ઔર લખમન ઝૂલા, યે કોઈ દુસરે દિન હો આયેંગે.’

‘કલ યહાં હો આને કી જલદી ક્યા હૈ? ઐસે તો દો તીન બાર ઈધર આના હૈ તો જબ થકે હુએ હોંગે તબ વહાં હો આયેંગે.’ મનહરે કહ્યું.

‘અરે સાહબ, યે યાત્રા ભી આસાન નહીં હૈ. આપ થક જાયેંગે. યે તીનો કે લિયે તો ડોલી કી વ્યવસ્થા કરની પડેગી. ચાર ધામ કી પૂરે કી પૂરી યાત્રા કઠીન હૈ. ઈસમેં તો મૈયા કે જૈસા શ્રધ્ધા કા જોમ હી કામ આતા હૈ.’ ને ત્રિભુવન ગીરીની આ મૈયાસ્તુતિની વાતથી મનમાં જ મલકાઈ રહ્યો. 

ચાર ધામની યાત્રા વિકટ અને થકવી નાખે એવી હતી એ સાંભળી સૌ અંબિકાને હિંમત બંધાવતાં હતાં પણ એમને ક્યાં ખબર હતી કે અંબિકામાં યાત્રાની શ્રધ્ધાથી જ જે હિંમતનો સંચાર થયો હતો એ એવો તો અદભૂત હતો કે એને આખી યાત્રા સહજ લાગવા માંડી હતી. વળી એને ગીરી પ્રત્યે એવો વિશ્વાસ બેસી ગયો હતો ને એને લાગવા માંડ્યું હતું કે એ જ યાત્રા સુખરૂપ પૂરી કરાવશે.

બીજે દિવસે પેલાં ત્રણ જણાંની ડોલી અને બેજણાંની પદયાત્રા શરૂ થઈ. જ્યાં ડોલીમાં બેઠેલાંનેય થાક વર્તાતો હતો ત્યાં ચાલવાવાળાંની તો વાત જ શી કરવી! સાંજે બધાં થાકીને લોથપોથ થઈ ગયાં હતાં. ગીરીએ બીજે દિવસે યમુનોત્રી જવાની વાત શરૂ કરી કે બધાં બોલી ઊઠ્યાં: ‘ના કાલે નહીં. એક દિવસ આરામ કરીને નીકળીશું.’

‘ઐસા કરોગે તો ચાર ધામ પૂરી કરનેમેં પંદ્રા સે ભી જ્યાદા દિન લગ જાયેંગે.’

‘પંદ્રા દિન લગે યા બીસ. હમે કોઈ જલ્દી નહીં હે. હમેં તો આરામ સે જાત્રા કરની હૈ.’

‘જૈસે આપ કહે. તો કલ ૠષિકેશ ઔર લખમન ઝુલા હો આયે? યે ઈતના મુશ્કીલ નહીં હૈ.’

‘નહીં કલ પૂરા આરામ કરેંગે.’ બધાંએ એકી અવાજમાં કહી દીધું.

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (૧૨) -જયંતીભાઈ પટેલ

Quantcast

પ્રકરણ ૧૨. ચાર ધામની યાત્રા

બીજે દિવસે બધાં મોડે સુધી ઘોરતાં રહ્યાં. ગીરી એમના જાગવાની વાટ જોતો બહાર આંટા મારતો હતો. બધાં ચાપાણી કરીને પરવાર્યાં એટલે ત્રણેય મોટાંને આરામ કરતાં રહેવા દઈ ગીરી કલ્પનાને મનહરને હરદ્વારનું બજાર બતાવવા લઈ ગયો. કલ્પનાએ ગૃહસુશોભનની કેટલીક ખરીદી કરી તો મનહરે નેપાળી ટોપી અને કેટલાંક ગરમ કપડાં ખરીદ્યાં. એમને હરદ્વારની આ ખુલ્લા વાતાવરણની ઠંડીનો ચમકારો વર્તાયો હતો અને ગીરીએ એમને આગળની જાત્રામાં એનાથી થોડી વધારે ઠંડી હોવાની વાત કરી જ હતી.

બીજે દિવસે યમુનોત્રીની જાત્રામાં નીકળતા પહેલાં ગીરીએ બધાંની પાસે ગરમ કપડાં અને દવાઓની ચકાસણી કરી લેવડાવી. પોતે પણ રસોઈ માટેની ચીજોની ચકાસણી કરી લીધી. પછી બધાં ઊપડ્યાં.

ગાડી ચાલુ થઈ એની સાથે ગીરીએ યમુનોત્રી વિષે માહિતી આપવા માંડી: ‘ઐસે તો કયી લોગ કો લેકર મૈં દુસરે હી દિન પરત આ જાતા હું મગર હમ મૈયા કી તબિયત કા ખ્યાલ કર કે દો રાત બહાર રહકે પરસોં શામ કો હરિદ્વાર આયેંગે.’

‘તું કહતા હૈ ઐસી કઠીન મુસાફરી હોગી તો એક દિન જ્યાદા ભી લગ સકતા હૈ. હમેં આરામ સે યાત્રા કરની હૈ.’ બધાંના મનની વાત ત્રિભુવને કહી દીધી.

‘જૈસે આપ ઠીક સમજે.’

બધાં બપોરના એક વાગ્યાની આસપાસ દેરાદુન પહોંચ્યાં. કોઈ હોટેલમાં રૂમો લેવાને બદલે પાણીની સગવડવાળી એક જાહેર જગ્યાએ ગાડી થોભાવી ગીરીએ મૈયાને પૂછીને એમની પસંદનું લંચ બનાવ્યું. જમીને કલાકેક આરામ કરીને એણે મસુરી તરફ હંકારી મૂક્યું. ત્યાંથી યમુના નદીની હરિયાળીની મઝા લેતાં બધાં હનુમાન ચટ્ટી પહોંચ્યાં.

હનુમાન ચટ્ટીમાં ચાપાણી પતાવી  સાંજના ગીરીએ બધાંની સાથે જાનકી ચટ્ટીની સફર શરૂ કરી. એ જગ્યા આમ તો હનુમાન ચટ્ટીથી ફક્ત સોળસો ફીટ જ ઉપર હતી પણ એટલા ચઢાવમાંય આઠ કીલો મીટર અંતર કાપવાનું હતું. રસ્તાની આસપાસની હરિયાળીની મઝા માણતાં ત્રિભુવન વિચારતો હતો કે કારને બદલે જો હાઈકીંગ કરીને જાનકી ચટ્ટી સુધી જવાનું હોત તો શી વલે થઈ હોત બધાંની!

એમના એ મનમાંનો પ્રશ્નનો સાંભળી ગયો હોય એમ એનો જવાબ આપતો હોય તેમ ગીરીએ કહ્યું: ‘ભગવાન કી દયા સે આજ કોઈ લેન્ડસ્લાઈડ નહીં હૈ વરના આપ કો થોડી તકલીફ હોતી યહાં તક આનેમેં. ઐસે તો યહાં હર સ્થાન પર ડોલી કી વ્યવસ્થા હૈ સો ડોલી કી વ્યવસ્થા તો હો જાતી.’

‘યહાં સે આગે તો કાર નહીં ચલેગી ને!’

‘હા, યહાં સે તીનો વડીલો કે લીયે ડોલી કર લેંગે. ઓર મનહરભાઈ ઓર કલ્પનાબહન કો ચલને મેં મઝા આયેગા. ક્યા ખ્યાલ હૈ? અગર આપ ચાહેં તો અશ્વ કી સવારી ભી કર સકતે હૈ.’ પણ એ બેયે ચાલવાનું પસંદ કર્યું.

ત્યાં એક એક હોટેલમાં રૂમો લીધી અને બધાંને આરામ કરવાનું કહીને ગીરીએ જમવાનું બનાવવા માંડ્યું.

જમ્યા પછી મોટેરાંને આરામ કરતાં મૂકીને ગીરી કલ્પના ને મનહર જાનકી ચટ્ટીનો નઝારો જોવા ઊપડ્યાં. એ બધાં છેક નવ વાગ્યે પાછાં આવ્યાં. આજે કારમાં બેસીને જ દિવસ પસાર કર્યા છતાં વાંકાચૂકા અને ચડતા ઊતરતા રસ્તાને કારણે થાકેલાં બધાંને રાતે હોટેલ બહુ સારી ન હોવા છતાં બરાબર ઊંઘ આવી ગઈ. એ હોટેલ સામાન્ય હતી પણ બધાંને ખબર હતી જ કે આવા પહાડી ઉતારા પર સારી હોટેલની આશા રાખવી નકામી હતી.

બીજે દિવસે સવારના ત્રણ જણ ડોલીમાં ને બાકીનાં ત્રણ જણ હાઈકીંગ કરતાં યમુનોત્રીનાં દર્શને ઊપડ્યાં. લગભગ અગિયાર વાગ્યે બધાં યનુનોત્રી પહોંચ્યાં. ઠંડી ધાર્યા કરતાં ઓછી હતી પણ સાનહોઝેનાં આ રહેવાસીઓને તો તોય વધારે લાગતી હતી. યમુનોત્રીમાં ગરમ પાણીના ઝરા અને કુંડ જોઈ બધાંને નાહીને થાક ઉતારવાની મઝા આવી ગઈ.

ત્યાં ઉકળતા પાણીનો એક કુંડ બતાવતાં ગીરીએ કહ્યું: ‘યે પાની ૧૦૦ ડીગ્રી સે ભી જ્યાદા ગરમ હૈ. ઉસમેં ચાવલ, બટાટા ઓર સબ્જી પકા કે યમુનામૈયા કો પ્રસાદ ધરાના હૈ ઓર યેહી હમ આરોંગે ગે. ઈધર છોટી છોટી ધર્મશાળા જૈસી કુછ હોટેલ હૈ. મેં ઉનમેં સે એક મેં આપ કો ઠહરને કા ઈંતઝામ કર દેતા હું. શામ કો તો હમ વાપીસ જાનકી ચટ્ટી જા કર રાત ગુજારેં ગે.’

ગીરીએ એવી એક હોટેલમાં બધાને આરામ કરવાની વ્યવસ્થા કરી આપી અને એ પ્રસાદરૂપી લંચ તૈયાર કરવા ગયો. બધાંએ હોટેલ જોઈ એમાં એમને ગમવા જેવું કાંઈ ન હતું પણ ડોલીમાં ટુંટિયું વાળીને બેસવાથી થાકેલાં વડીલો અને હાઈકીંગ કરીને થાકેલાં મનહર અને કલ્પનાને એ એવી પસંદ આવી ગઈ કે એમણે રાત રોકાઈને બીજે દિવસે સવારે જ જાનકી ચટ્ટી જવાનું નક્કી કરી લીધું.

ગીરી પ્રસાદ તૈયાર કરીને લઈ આવ્યો એટલે બધાં યમુના મૈયાના મંદિરમાં દર્શન કરવા માટે ઊપડ્યાં. મંદિરનાં પગથિયાં ચડતાં ત્રિભુવને અંબિકાને પાતાના ખભાને ટેકો આપ્યો. ગીરી તથા મનહર ટેકો આપવા આગળ આવ્યા તો ત્રિભુવન કહે: ‘આખી જિંદગી એણે મને સહારો આપ્યો છે તો મને આ યાત્રામાં એનું થોડું વળતર કરવા દો.’ અંબિકા આ સાંભળી મનમાં મલકાઈ રહી. એને થયું: દીકરીની વાદે ચડીને પોતે પતિને આ પાછલી ઉંમરે આટલું દુ:ખ આપ્યું છે છતાં એ મને કેટલો પ્રેમ કરે છે!

અંબિકાએ વિધિપૂર્વક યમુનાજીની પૂજા કરી ને ભેટ મૂકી. બધાએ દર્શન કરીને મંદિરના ચોકમાં બાંકડા પર બેસીને પ્રસાદ લીધો. ગીરી કહે: ‘યમુના મૈયા સૂર્ય ભગવાન કી બેટી હૈ. ઐ સે તો યમરાજ ભી સૂર્ય ભગવાન કે હી બેટે હૈ મગર દોનોમેં બહોત ફર્ક હૈ. એક જીવન દેતી હૈ ઐર દુસરા જીવન લેતા હૈ.’

મંદિરનાં પગથિયાં ઉતરતાં અંબિકાએ જાતે જ ત્રિભુવનના ખભાનો ટેકો લઈ લીધો એ જોઈને પેલાં ત્રણ મલકાઈ રહ્યાં પણ ગીરી ઉતાવળથી આગળ આવતાં બોલી ઊઠ્યો: ‘અરે, બાબુજી, મૈં મૈયા કો સહારા દેતા હું. આપ રહને દીજીએ.’

‘તું રહને દે ઉન કી યાત્રા કે પૂણયમેં મેરા ભાગ હૈ તો ઉન કી તકલીફમેં ભી મેરા ભાગ હોના ચાહીએ ને!’

‘મેં તમને દુભવ્યા ને તમારી આબરૂય ધૂળધાણી કરી નાખી. માફીય કયે મોંએ માગું!’ કહેતાં અંબિકાની આંખોમાં પાણી આવી ગયાં.

‘તારે એવું બધું યાદ કરવાની જરૂર નથી. તારા પેટમાં પાપ ન હતું પણ તું રાધિકાની વાતમાં આવી ગઈ હતી. ભગવાનેય એમાં તારો વાંક નથી જોયો એટલે તો તને ગંભીર બિમારીમાંથીય જીવતદાન દીધું ને!’ ત્રિભુવને કહ્યું.

‘ભગવાનની દયા કે મને મોંધી માંદગીમાં સપડાવી ને પાપ ધોવા આ જાતરાય કરાવી. ને તમે કદી મંદિરમાંય મારી સાથે ન આવનારાનેય મારી સાથે જાતરામાં જોડ્યા ને!’

મંદિરમાંથી નીચે આવી ગીરી એમને પાછો યમુના તીરે લઈ ગયો ને શિલાપૂજન કરાવ્યું ને એ પૂજાનું મહત્મ્ય સમજાવ્યું. બીજે દિવસે બધાં પાછાં જાનકી ચટ્ટી રહ્યાં ને પછીને દિવસે હરિદ્વાર પહોંચ્યાં. ‘મુજે લગતા હૈ કી ચાર ધામ કરને મેં આપ કો બીસ દિન લગ જાયેં ગે.’ ગીરીએ કહ્યું.

‘કોઈ ગમ નહીં. હમે આરામ સે યાત્રા કરની હે.’ અંબિકાએ બધાના વતી જાણે જવાબ આપ્યો.

‘ઠીક હૈ. કલ પૂરા દિન આપ આરામ કર લો. પરસોં હમ ગંગોત્રી યાત્રા કો ચલેંગે. ગંગોત્રીમેં થોડી પહાડી ચડાઈ હૈ પર ખાસ મુશ્કીલ નહીં હૈ. આપ થક જાય એસી કોઈ બાત નહીં હૈ. હમ સુબહ સાત બજે સફર શરૂ કરેંગે ઔર રાસ્તેમેં ખાને કે લીએ રુકેં ગે ઔર થોડા આરામ કર કે ઉત્તરકાશીમેં રાત રુકેં ગે. દુસરે દિન સુબહ કે દસ બજે તો હમ ગંગોત્રીમેં હોંગે. ઉધર સ્નાન, પૂજા ઔર દર્શન કરકે શામ કો પરત ઉત્તરકાશી આ જાયેં ગે.’

‘અગર વહાં રાત રુકના હો તો સગવડ હૈ?’

‘રુકને કે લીએ તો વહાં બહોત હોટલ હૈ.’

□ □ 

બીજે દિવસે સવારના સાત વાગ્યે બધાં ગંગોત્રીની યાત્રાએ ઊપડ્યાં. રસ્તામાં તેહરી થોભી ગીરીએ બધાંને લંચ બવાવી આપ્યું. પછી ઓકાદ કલાક આરામ કરી બધાં ઉત્તરકાશી જવા નીક્યાં. સાંજના પાંચ વાગ્યે એ ઉત્તરકાશી પહોંચ્યાં. ત્યાં રાત રોકાવાનું આયોજન હતું એટલે ગીરીએ એક સારી હોટેલમાં એમને રહેવાની વ્યવસ્થા કરી આપી અને સાંજનું ખાવાનું બનાવ્યું.

બધાં આ પહાડી વાતાવરણથી ટેવાતાં જતાં હતાં અને આજે તો મુસાફરી પણ આસાન હતી એટલે બધાં એવાં થાકેલાં પણ ન હતાં. ‘કલ હમલોગ સુબહ સાત બજે ગંગોત્રી કે લીએ રવાના હોંગે. દસ બજે પહલે હમ હર્શિલ પહુંચ જાયેંગે. યહી માનો ગંગોત્રી હૈ. જહાં હમ ગંગાસ્નાન કરેંગે. અગર આપ કો ગૌમુખ દર્શન કો જાના હૈ તો યે રાસ્તા મુશ્કિલ હૈ. બહોત કમ લોગ વહાં જાતે હૈ. આપ કે લીએ તો વહાં જાના જ્યાદા મુશ્કિલ હોગા.’

‘નહીં હમેં ગૌમુખ તક નહીં જાના હૈ.’ કોઈ બોલે એ પહેલાં ત્રિભુવને કહ્યું. એને બીક હતી કે ક્યાંક અંબિકા ગોમુખ જવા તૈયાર ન થઈ જાય! પણ અંબિકાએ પતિની વાત સાંભળતાં પોતાની એમાં સંમતિ દર્શાવી.

બીજે દિવસે દસ વાગ્યા પહેલાં બધાં ગંગોત્રી પહોંચી ગયાં હતાં. ત્યાં ગીરીએ એમને સ્નાન કરાવ્યું તથા ગંગોત્રી માતાના મંદિરમાં દર્ન કરાવ્યાં.

કાઈએ ત્યાં રાત રોકાવાની ઈચ્છા વ્યક્ત ન કરી એટલે સાંજના સાતેક વાગ્યે તો બધાં પાછાં ઉત્તરકાશી આવી ગયાં હતાં. રાતે આરામ કરી બીજે દિવસે બધાં હરદ્વાર આવી ગયાં.

‘આજ આપ આરામ કીજીયે. કલ હમ કેદારનાથ ઔર બદ્રીનાથ કી યાત્રા કો ચલેંગે. સબ મીલા કે તીન રાત બહાર રહના પડેગા. હમ રુદ્રપ્રયાગમેં રાત કો ઠહરેંગે. વહાં સે સુબહ કેદારનાથ જાયેંગે. જો બારહ જ્યોતિર્લીંગ પુરાણોમેં માને ગયે હૈ ઉસમેં કા એક કેદારનાથજી કા લીંગ હૈ. હમ ઉન કે દર્શન કર કે વાપસ રુદ્રપ્રયાગમેં આકર રાત બસેરા કરંગે.

બીજે દિવસે નક્કી કર્યા પ્રમાણે એ લોકો કેદારનાથ યાત્રા પર ઊપડ્યાં. અંબિકાને તબિયત સાથ દેતી ન હતી પણ એ બહાર જણાવા દેતી ન હતી. શરીર કઠતું હોય તોય એ મોં પર સદાય આનંદ પ્રદર્શિત કર્યા કરતી હતી. બીજાં બધાંને આ જોઈ આનંદ થતો હતો પણ ત્રિભુવનથી અંબિકાની આ સ્થિતિ અજણી ન હતી.

સાંજના પાંચેક વાગ્યે એ લોકો રુદ્રપ્રયાગ પહોંચ્યાં. ત્યાં સ્નાન દર્શન વગેરે પતાવીને એક શેડ નીચે સૌ બેઠાં તો ત્રિભુવને અંબિકાને બધાંથી દૂર એક બાંકડા પર દોરી. એણે અંબિકાને ફરતે ગરમ શાલ વીંટાળતાં કહ્યું: ‘તને આમ ખુશ જોઈ મને કેટલો આનંદ થાય છે! તને થાક તો નથી લાગ્યો ને! એવું હોય તો આપણે આજે અહીં કેદારનાથમાં રોકાઈ જઈએ.’

‘આજની સફરમાં થાકવા જેવું શું હતું? તમને મારી તબિયતની આવી ચિંતા કરતા જોતાં મને તો થાય છે કે ક્યાંક તમે બિમાર ન પડી જાવ.’

‘બિમારીમાંથી તો તું તાજી ઊઠી છે. મને શું થવાનું હતું?’

‘મને તો ભગવાને જાણે આ જાત્રા કરાવવા માટે જ જીનતદાન દીધું છે એટલે એ મારી જાત્રા તો પૂરી કરાવશે જ એની મને શ્રધ્ધા છે. પણ આ જાત્રામાં મને તમારા પ્રેમની ને લાગણીની જે હુંફ મળી છે તેનાથી તો હું ધન્ય થઈ ગઈ છું. હવે તો મોત આવે તોય એને ગળે લગાવી લેતાં મને જરાય વસવસો ન થાય.’

‘તું આમ મરવાની ક્યાં વાત કરવા માંડી! જાતરાથી તો પૂણ્ય મળે ને મોત આવતું હોય એય પાછું ઠેલાય. પચાસ કરતાંય વધારે વરસથી તું મને સાથ આપી રહી છો તે આ ઉંમરે સાથ છોડવાની વાત કરીને મને એકલો છોડી જવાની વાત કેમ કરે છે!’

‘મોત આગળ કોઈનુંય ચાલે છે! પણ તમારાં પૂણ્ય આગળ આવ્યાં તે મને ભગવાને કેન્સરમાંથી બચાવી ને તમારે સથવાળે આ જાત્રાય કરાવી. આખો જન્મારો તમે નોકરી ધંધામાં ને હું ઘર અને છોકરાંમાં પરોવાયેલાં રહ્યાં પણ આ જાત્રામાં મને તમારો આખા ભવનો પ્રેમ સામટો મળી ગયો.’

‘એ તો સામે મનેય એટલો જ મળ્યો ને! હજુ બેચાર વરસ એ પ્રેમ આપ્યા કર પછી કોણ વહેલું જાય કે કોણ મોડું એની ચિંતા નહીં. આપણે બેય જવાની ઉંમરે પહોંચ્યાં છીએ.’

‘એવું તે શું બોલતા હશો! બુકીંગ તો મારું કન્ફર્મ થઈ ગયેલું છે.’ કહેતાં અંબિકાની આંખમાં આંસુ તગી રહ્યાં. પણ એ આંસુ મોતના ડરનાં નહીં પણ પતિપ્રેમનાં હતાં.

બીજે દિવસે સવારમાં એ બદ્રીનાથ જવા નીકળ્યાં. રસ્તામાં એક જગ્યાએ થોભી લંચ પતાવી થોડો આરામ કરી સાંજના પાંચ વાગ્યે બદ્રીનાથ પહોંચ્યાં. ત્યાં રહેવાની સારી સગવડ હતી. સાંજનાં આરતીનાં અને બીજે દિવસે સવારે સ્નાન અને દર્શન કરીને દસ વાગ્યે જોષીમઠ જવા રવાના થયાં.

જોષીમઠમાં રાતવાસો કરીને બીજે દિવસે હરદ્વાર જતાં રસ્તામાં ૠષિકેશ થોભી ત્યાં સ્નાન-દર્શન કરીને લક્ષમણ ઝૂલા જઈ આવ્યાં. ત્યાંથી ત્રિવેણી ઘાટ પર ગંગા સ્નાન કરી કોયલ ઘાટ પર આચમન કરીને સાંજનાં હરદ્વાર પહોંચ્યાં.

એ રાતે અંબિકાને મોડી રીત સુધી પાસાં ઘસતી જોઈ ત્રિભુવન પોતાની પથારીમાંથી ઊતરી એની પાસે ગયો: ‘કેમ તમને આજે ઊંઘ નથી આવતી? કાંઈ થાય છે?’ એણે પૂછ્યું.

‘કાંઈ નહીં પણ આખી યાત્રી પૂરી થઈ એનો થાક જાણે એકસામટો લાગતો હોય એમ ઊંઘ નથી આવતી.’

‘દુખાવાની કે ઊંઘની ગોળી આપું? એનાથી ઊંઘ આવી જશે ને સવારમાં ફ્રેશ થઈ જવાશે.’

‘તમે ચિંતા ન કરતા, ઊંઘ તો એમ જ આવી જશે. સવારમાં થોડાં મોડાં ઊઠાશે એટલું જ. તમે આરામ કરો.’

અંબિકાએ કહ્યું એ માની લેતો હોય એમ ત્રિભુવન પોતાની પથારીમાં જઈ સૂઈ ગયો પણ મનમાં એને ખાતરી થઈ ગઈ કે અંબિકાનો એ થાક ન હતો. એની સ્વસ્થતાની અવધિ પૂરી થયાની એ નિશાની હતી. એ બહરથી ભલે એને થાક કહે પણ અંદરથી તો એ કેન્સર ને એની દવાઓની અસરની વેદનાથી પીડાઈ રહી હતી. એટલે ત્રિભુવને નક્કી કરી લીધું કે હવે વહેલી તકે એને અમેરિકા લઈ જવી જોઈએ.    

‘કાલે આખો દિવસ આરામ કરીને પરમ દિવસે દિલ્હી જઈશું ને ત્યાંથી પછીને દિવસે જ અમેરિકા જવા રવાના થઈ જઈશું. હું હમણાં ફોન કરીને બુકીંગ કન્ફર્મ કરાવી દઉં છું.’ બીજે દિવસે સવારમાં ઊઠતાં જ ત્રિભુવને કહ્યું. ને દિલ્હી ફોન કરીને એણે બુકીંગ કન્ફર્મ કરાવી લીધું.

દિલ્હીમાં જઈ હોટેલ તથા ગીરીનાં બીલ ચૂકવી દીધાં. ગીરીને એણે અંબિકાની ઇચ્છા મુજબ એના થતા પૈસા ઉપરાંત હજાર રૂપિયા બક્ષીસના પણ આપ્યા ને બીજે દિવસે એમને એરપોર્ટ પર મૂકી જવાનું કામ પણ સોંપી દીધું.

□ □ 

સાન હોઝે પહોંચી તરત એણે હોસ્પિટલમાં ફોન કરી બીજા દિવસની સવારની એપોઈન્ટમેન્ટ પણ લઈ લીધી.

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક—(૧૩) દેવિકા ધ્રુવ

બીજા દિવસની ડોક્ટરની એપોઇન્ટમેન્ટ તરત જ મળતાં  ત્રિભોવનને રાહત થઇ.દિવસ આખો એણે અંબિકા સાથે સતત વાતોમાં ગાળ્યો.સાંજે બંને જણ બેઠા હતાં ત્યારે અંબિકા બોલી,”આ ચાર ધામની યાત્રાથી મનને એટલું સારું લાગે છે કે વાત ન પૂછો.એમાંયે તમે મારી સાથે આવ્યાં અને પ્રેમથી યાત્રા પણ કરી એ તો મેં સ્વપ્ને પણ વિચાર્યું ન હતું.સાચે જ મારું તો જીવન ધન્ય ધન્ય થઇ ગયું”

“ સાચી વાત છે તારી શ્રધ્ધા ઘણું મોટું કામ કરી ગઇ.મને પણ તારી સાથે સરસ પ્રભુદર્શનનો લ્હાવો મળ્યો તેથી સારું લાગ્યું બસ,હવે આપણે બંને બાકીની જીંદગી આમ જ સાથે સુખેથી વીતાવીશુ.”ત્રિભોવને વ્હાલથી હાથ પસવાર્યો.

“સાચું કહું, હવે તો જીંદગી લાંબી કે ટૂંકી, મને કોઇ ચિંતા નથી.એમ લાગે છે કે બસ,સર્વસ્વ મળી ચૂક્યું છે.”કહી અંબિકા પતિની વધુ નજીક સરકી.ભાવાવેશની આ ક્ષણોમાં અંબિકા વધારે ને વધારે બોલે જતી હતી પણ તેની  આવી વાતોથી,થોડા ડર સાથે ત્રિભોવને એને અટકાવી અને આરામ કરવા જણાવ્યું.સૂતા પહેલાં ત્રિભોવને અંબિકાને ગરમ દૂધ બનાવી પીવડાવ્યું અને પોતે પણ સાથે જ પીધુ. રાત પડી. અંબિકાને આજે જલ્દી ઉંઘ આવી ગઇ પણ ત્રિભોવનની આંખમાં ઉંઘ ન હતી.આખી રાત એણે પડખાં ફેરવ્યાં કર્યાં.થોડી થોડી વારે અંબિકાને તક્લીફ તો નથી ને એમ ચેક કર્યા કરતો હતો.એમને એમ કદાચ વ્હેલી સવારે ત્રિભોવન સૂઇ ગયો.પણ થોડીવારમાં તો એ ઝબકીને જાગી ગયો.આ શું ?અંબિકાનો બરફ જેવો ઠંડો હાથ એના તરફ લંબાયેલ પડ્યો હતો.ક્યારે શું બની ગયું એને કશી જ ખબર ના પડી ! એ હેબતાઇ ગયો.અંબિકા ,અંબિકા કહેતો એ એને હલાવતો રહ્યો.પણ અંબિકા તો ઉંઘમાં જ ઉંઘી ગઇ હતી..ડોક્ટરને જોવાની કે સારવાર કરાવવાની એને કોઇ જરૂર જણાઇ નહતી.એના શ્રધ્ધાળુ દિલને પરમ  શાતા હતી.કોઇપણ જાતની પીડા વગર એ મુક્તિ પામી હતી. આટલો બધો ધર્મ કર્યો હતો તેથી તો સરળતાથી દેહ છોડ્યો.ફુગ્ગામાં વહેતી ફૂંક જેવી છૂટી અને આતમરાજા મુકત ગગનમાં વહી ગયા.

અંબિકા આ ફાની દૂનિયાને છોડી ચાલી ગઈ અને ત્રિભોવન ભાંગી પડ્યો.એ ફરી એકવાર એકલો પડી ગયો..ભર્યા ઘરમાં અંબિકા વગરની એકલતાએ એને બેચેન કરી મૂક્યો..ક્યારેક એ ભૂતકાળમાં સરી પડતો તો ક્યારેક વર્તમાન એને ડરાવી જતો..આટઆટલાં વર્ષોના દાંમ્પત્ય જીવનના  કંઇ કેટલાંયે પ્રસંગો હવે રહી રહીને એના મનઃચક્ષુ સમક્ષ ચલચિત્રની જેમ પસાર થવા માંડ્યા..

અંબિકા  ભોળી અને ભાવુક હતી ! એની સાથે જીંદગીની શરુઆત કેવી રમણીય હતી. યાદ છે એણે પોતાનું મકાન  જાતે બંધાવ્યું હતુ અને પસંદગી મુજબ વસાવ્યું હતું.એટલું જ નહિ એ ચાર દિવાલોના મકાનને એણે લાગણીઓથી સજાવીને  “ઘર” બનાવ્યું હતુ.જ્યારે જ્યારે કંઇ નવી વસ્તુ લઇ આવીને સજાવતી ત્યારે સારું સારું સાંભળવા તલપાપડ થઇ જતી..પણ ત્રિભોવને ઉમળકાથી ક્યારેય પ્રેમ પ્રગટ કર્યો ન હતો. એને લાગણી હોવા છતાં  વ્યકત કરવાનું ફાવતુ ન હતુ ! પણ ક્યારેક જો જરા અમથો ભાવ દેખાતો તો અંબિકા કેવી તરબતર ભીંજાઇ જતી. આજે એકલતાના ઓરડામાં, ત્રિભોવનના માનસપટ પર યાદોના ઘનઘોર મેઘ ઉમટ્યાં હતાં. એ વિચારતો હતો કે અંબિકાના દિલની  એ ભાવુક્તા,કોમળતા  એક ક્ષણે એવી નિર્બળતા બની ગઇ કે જે હ્ર્દયની કઠોરતા કરતાં પણ વધારે ખરાબ બની બેઠી. અંબિકાની આંખે દિકરીના પ્રેમનો પટ્ટો બંધાઇ ગયો અને એણે જાણે કે સ્વેચ્છાએ ત્રિભોવન તરફની  લાગણીનો દરવાજો બંધ કરી દીધો..કાશ ! પોતે એને રોકી શક્યો હોત ! પણ હવે આ બધા વિચારોનો કોઇ જ અર્થ ન હતો..ખેર! ત્રિભોવને અતીતના આગળા  જોરથી ભીડી દીધા અને વિચારોને વળાંક આપ્યો.
પોતે કેવી કુનેહથી અંબિકાને પાછી મેળવી શક્યો હતો અને ઘણું બધું અનિષ્ટ થતું રોકી શક્યો હતો એમ વિચારી મનોમન  જાતે  સાંત્વન પણ લેવા માંડ્યું…એ બરાબર જાણતો હતો કે અંબિકા માત્ર રાધિકાની ચડવણી અને છેતરામણીમાં ફસાઇ ગઇ હતી.. બાકી એ પતિને છોડે જ નહિ એ વાત ચોક્કસ હતી.એટલે જ તો ઓપરેશન પછી ઘેર આવ્યા પછી બંને એકમેકના મનને કેટલું સાચવતા હતાં ! ચારધામની યાત્રા દરમ્યાનની ધન્યતાની પળો એને પરમ સંતોષ આપતી હતી.અંબિકાની ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધાએ જ એને પીડા વગરની મુક્તિ આપી એ વાત હવે એના મનને સાચી લાગવા માંડી હતી.તો બીજી બાજુ આજનો અંબિકા વગરનો ખાલીપો એને રડાવતો અને ડરાવતો પણ હતો.મનહર, કલ્પના અને જગદીશ ત્રણે જુદીજુદી રીતે ત્રિભોવનને સાચવતા, ક્યાંય કશું ઓછું ન આવે તેની સભાન તકેદારી રાખતા.પણ ત્રિભોવનના હૈયે ઊંડો અજંપો હતો. ઘણી યે વાર એ એકલો એકલો  છાના આંસુ સારતો..પત્ની વગરનું જીવન આવું અને આટલું બધું કારમુ ? એ અંદર ને અંદર ગૂંગળાતો હતો.. સ્ત્રી વગરનું પુરુષ-હ્રદય પોકારતુ હતું.

આશા ઉપર જીવન હતું, એ પણ મરી ગઇ,
દિલને ફરી મળી હતી એ બાંહેધરી ગઇ;
મારા વિના ના ગમ્યું તને ક્યાંય વેદના !
ઘર દિલનું જોઇ લીધું અને ઘર કરી ગઇ !!…

એકલો પડેલ ત્રિભોવન વિચારોમાં ખોવાતો રહ્યો. કહેવાય છે કે” દીકરો વારસ છે;તો દીકરી પારસ છે અને દીકરો  દવા છે તો દીકરી દુઆ છે” પણ પોતાને નસીબે તો સાવ ઉલટું જ બની રહ્યું હતું.

પુત્રી રાધિકાને બાપની મિલકત ન મળ્યાનો ધૂંધવાટ હતો.ક્રીસ હવે શું કરશે ?પોતાની જીંદગીનું શું ? અનેક પ્રશ્નો આવીને ઉભા રહ્યા.. માના જવાનું દુઃખ કે પિતાની એકલતાની તો એને પડી જ ન હતી. જીવનની લપસણી ભૂમિકા પર પૈસાના પ્રલોભનની મેનકા પ્રવેશ પામે ત્યારે વિવેકનું પદ્માસન હાલી ઊઠે છે.રાધિકા એનો બરાબર શિકાર બની બેઠી હતી.ન ઘરની ન ઘાટની એવી એની દશા થઇ ગઇ હતી.ક્રીસને હવે રાધિકામાં કોઇ રસ ન હતો.પૈસો જ એને મન સર્વસ્વ હતો.એ તો વિચારતો હતો કે હવે ગમે તેમ કરીને બીજો રસ્તો શોધવો ! કોઇને કોઇ બહાને એ હવે રાધિકા સાથે ઝઘડતો.

“તારા માબાપે  તારી જ સાથે છેતરર્પીંડી કરી. જોઇ ને ? ફરી લગ્ન કર્યા એટલે  એક ફૂટી કોડી તને નહિ મળે હવે..”
એટલે  કે તું માત્ર પૈસા માટે જ મને પ્રેમ કરતો હતો એમ ને ? મને પહેલેથી ખબર હોત તો તને ક્યારનો છોડી દીધો હોત..મેં એ લોકોનું કહ્યું માન્યું નહિ ને તારી પાસે ખેંચાતી રહી..”
રાધિકાની અંદર રહેલ ભારતિય સંસ્કાર બોલતા હતા.પણ લુખ્ખો ક્રિસ તો સામે જડબાતોડ  ગરજતો.

“ હજી યે શું મોડું થયું છે ? બારણા ખુલ્લાં જ છે.”
 તો તું હવે છેલ્લે પાટલે બેસી ગયો ને? પણ યાદ રાખજે હવે હું તને તારી  તરકીબોમાં સફળ નહિ થવા દઉં..”

તો તું તરકીબ કર.કોઇ દિવસ વિચાર્યું છે ખરું કે અહીંના કાયદા પ્રમાણે બાપના વારસામાં દીકરા અને દીકરી બંનેનો સરખો હિસ્સો હોય છે ? કહી ધમપછાડા કરતો.

જેમ જેમ ક્રિસ સાથેનું અંતર વધતુ ગયું તેમ તેમ મજબૂર રાધિકાની આંખો ખુલતી જતી હતી. દંભના આવરણો હટતાં ધીરે ધીરે સત્ય સમજવાની કોશીશ અનાયાસે ક્યારેક થતી..પણ ક્રિસ તો પોતાના રસ્તે ઘણે દૂર નીકળી ચૂક્યો હતો.;અને એમાં જ રાધિકાને ખેંચવાનો જબરદસ્ત પ્રયત્ન કરતો રહ્યો.કોઇક વાર ગુસ્સો કરતો તો કોઇક વાર દરિયા જેટલો અઢળક પણ બનાવટી પ્રેમ  વરસાવતો..હજી એને મનમાં હતું કે અમેરિકી કાયદા પ્રમાણે ત્રિભોવનના ગયા પછી દિકરા અને દીકરી બંનેને ભાગ મળે અને એ રીતે રાધિકાને મળતા ભાગમાં છેવટે તો પોતાને જ ફાયદો છે ને ? તો શા માટે રાધિકાને જવા દેવી ? અને સાથે સાથે બીજી માલપાત્રને ફસાવવાની એની જૂની યોજનાઓ વિષે પણ છાનાછપના કૈંક કૈંક મનસુબાઓ ઘડ્યે જતો હતો…કોઇપણ ભોગે પૈસો એ જ એનું લક્ષ્ય હતું.

દ્વિધા અનુભવતી રાધિકા ક્યારેક મક્કમ બનતી તો ક્યારેક ક્રિસની મીઠી મીઠી વાતો અને પૈસાના પ્રલોભનોમાં અવશપણે ખેંચાતી રહી..એનું ભવિષ્ય હવે  ડગમગતી નૈયા જેવું બની ગયું હતુ.એના સ્વપ્નાઓની ઇમારત કડડભૂસ થતી જણાતી હતી.જરા સરખો વિવેક દાખવે તો હજી પરિસ્થિતિ તે સુધારી શકે તેમ હતી. ખંડેરોમાંથી જીવનનું સોહામણું પુનર્નિમાણ કરવું એ તો દરેક પંથ ભૂલેલા માનવીનો પ્રથમ હક્ક છે.પરંતુ ક્રિસના સંગની અસરમાંથી અને એના પાથરેલાં જાળામાંથી  મુક્ત થવાનું રાધિકાને માટે સહેલું ન હતું.વળીવળીને એના પગ એ ભણી જ ખેંચાતા હતાં. હવે બંને બાજુથી ઘવાયેલી હરણીની જેમ તે કોઇપણ માર્ગ લેવા કટિબધ્ધ હતી…

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક-(૧૪) રાજુલ શાહ

એક ઘન ઘાઢો જાણે ક્યારેય ભેદી ન શકાય એવો સુનકાર ત્રિભોવન ના જીવનમાં વ્યાપી ગયો હોય એવુ એને લાગ્યા કરતુ. ક્યારેક એવુ બને કે વ્યક્તિની સતત હાજરીની નોંધ ન લેવાઇ હોય પણ જ્યારે વ્યક્તિ પાસે ન હોય ત્યારે એના વિના જીવનમાં એક ક્યારેય ન ભરાય એવો ખાલિપો સર્જાય. ત્રિભોવનને હવે રહી રહીને અંબિકાની ખોટ સાલવા લાગી.

લગભગ તો એવુ જ બનતુ કે અંબિકા કેટલાય ઉત્સાહથી ઘરને સજાવવામાં લાગી હોય અને ત્રિભોવનને એની કોઇ કદર જ નહોતી. કોણ જાણે કેમ પણ અંદરથી એને અંબિકા માટે ક્યારેક અભાવ જાગી જતો. અંબિકાને હંમેશા ત્રિભોવન તરફથી બે પ્રેમ ભર્યા બોલ કે બે પ્રશંશાભર્યા શબ્દોની અપેક્ષા રહેતી એની સામે પોતે તો એને  ટાઢોબોળ પ્રતિભાવ જ આપ્યો હોય એવુ બનતુ. અને આમ જ અંબિકા ધીરે ધીરે એનાથી દૂર થતી ગઈ. એક છત નીચે રહેવા છતાં બે અજનબીની જેમ દિવસોના દિવસો પસાર થયા હોય એવુ પણ બનતુ.અને એમાંય રાધિકાના જન્મ બાદ તો એ વધુ ને વધુ દૂર હડસેલાતી ગઈ. કદાચ રાધિકા પ્રત્યેની એની મમતા ત્રિભોવનની છાની ઉપેક્ષામાંથી ય જન્મી હોય .

પણ જે દિકરીને મા એ  મમતાના અમ્રુતથી સીંચીને ઉછેરી એ આવી કેવડાના ડંખ સમી કેમ? ઓળઘોળ થયેલી મા ની મમતાના દૂધ પી ને ઉછરેલી રાધિકા ઝેરીલી નાગણ જેવી કેમ? ચાલો એક સમય બાપ તરફ તિરસ્કાર હોઇ શકે પણ મા માટે પક્ષપાતી વલણ હોવુ જોઇએને ? હંમેશા અંબિકાનો રાધિકા તરફ્નો ઝોક ત્રિભોવનને કઠતો.અને સમજણી થયેલી રાધિકા પણ એ અણગમો પારખતી થઈ હતી.અને એટલે તો એ બાપથી દૂર થતી ગઈ.પણ મા તરફ તો એનો પ્રેમ નિર્મળ હોવો જોઇએને? દુનિયામાં જો સર્વ શ્રેષ્ઠ સંબંધ હોય તો એ મા અને સંતાનાનો જ હોઇ શકે અને એમાંય દિકરીમાંતો  એ એની પોતાની છાયા જ નથી હોતી? પણ  આ છાયા તો અંબિકાના જીવન પર જાણે ગ્રહણ બનીને એને ગ્રસી ગઈ.

ક્રીસના ધમપછાડાથી ત્રાસેલી રાધિકા ક્યારેક એનાથી મુક્ત થવા માંગતી તો ક્યારેક છંછેડાયેલી નાગણની જેમ વળ ખાઇને પણ એને પોતાની નાગચૂડમાં જકડી રાખવા કટીબધ્ધ થતી. એનો અહંમ- એનુ સ્ત્રીત્વ ઘવાયુ હતુ . ક્રીસ એને નહીં પણ એના પૈસામાં વધુ રસ ધરાવે છે એની પ્રતિતિએ એને વધુને વધુ જીદ્દી બનાવી હતી.પ્રેમના નામે ક્રીસે જે રમત એની સાથે માંડી હતી એનાથી ક્યારેક એને પોતાની જાત તરફ ધ્રુણા થતી તો ક્યારેક ત્રિભોવનના લીધે એ ક્રીસને ગુમાવી રહી છે એવી લાગણીના લીધે એ ત્રિભોવન તરફ વધુને વધુ ધિક્કારની લાગણીને મનોમન ઘૂંટ્યા કરતી. અને હવે તો ક્રીસની આપેલી અક્કલ પ્રમાણે એ વિચારતી થઈ હતી એટલે ક્રીસ ન મળે તો પણ પિતાનો વારસો પોતાને મળવો જ જોઇએ એમ માનતી થઈ હતી.

ત્રિભોવન રાધિકાના આ ઉધમપછાડાથી ત્રાહીમામ થતો. એને લાગતુ કે આ કેવો કળયુગ છે જેમાં વારસને પિતા કરતા પણ પિતાની હયાતીમાં જ પિતાના વારસા પર પોતાનો હક જમાવવો છે? દિકરી માટે આજ સુધી સાંભળેલી તમામ ઉક્તિઓ રાધિકા જાણે ખોટી જ સાબિત કરવા માંગતી હોય એવુ એનુ વર્તન નહોતુ? શું જોઇને  અંબિકાએ એને લકી માની લીધી હતી? મા-બાપ માટે બીજુ એનાથી વધુ દુર્ભાગ્ય શું હોઇ શકે કે પેટના જણ્યાએ એમને જુદા પાડ્યા હતા? દિકરો એક કુળને તારે તો  દિકરી દસ પરિવારને તારે .જ્યારે અહીં  તારવાની વાત તો દૂર આ દિકરી એના સાત જન્મની વેરી થઈને  જન્મો જન્મની પેઢી ડુબાડવા બેઠી હતી.

મનહર આ બધુ જોયા કરતો પણ નાનપણથી રાધિકાથી ઓઝપાયેલો એ ક્યારેય રાધિકાની આ ખોટી માંગણી સામે એનો અવાજ સુધ્ધા કાઢી શકતો નહોતો. શક્ય હોય ત્યાં સુધી એ પિતાને સાચવવા પ્રયત્ન કરતો. છેલ્લા કેટલાય સમયથી એણે મા ને સાચવવાના -મા ને સાજી કરવાના સંનિષ્ઠ પ્રયાસો એને પિતાને કરતા જોયા હતા. મા  પાછ્ળ ખરા હ્રદયથી પિતાને ઝૂરતા જોયા હતા. હવે જે સમય પિતા પાસે છે એટ્લો સમય એ શાંતિથી , રાજી ખુશીથી વિતાવે એવી એની ભાવના વધુને વધુ પ્રબળ બની હતી.અને કલ્પના તો મનહર અને ત્રિભોવનની હર ઇચ્છા સંતોષાય એ જ એનો ધર્મ સમજતી હતી. શ્વસુર માટેનો સાચુકલો સમભાવ એને આ બધી વાતોથી વ્યથીત કરતો અને રાધિકા પ્રત્યે અણગમો ઘેરો બનતો. અને તેથી તો એ બને ત્યાં સુધી રાધિકાના સીધા સંપર્કમાં ન જ અવાય એટલી તકેદારી રાખતી.

જગદીશે અને મનહરે અંબિકાના છેલ્લા સમયમાં ત્રિભોવનના એના તરફના સ્નેહભર્યા -મમતાભર્યા વલણને જોયુ જાણ્યુ હતુ .જગદીશ  ત્રિભોવન તરફ અત્યંત માન અહોભાવની નજરથી જોતો થયો હતો.

મનહર તો રાધિકા તરફના મા ના અનુરાગને લીધે પિતા તરફના  ખટરાગથી પણ ક્યાં અજાણ હતો? છેલ્લે તો અંબિકા જે રીતે ત્રિભોવન  છોડીને અને  વર્ષોના દાંપત્ય જીવનને તરછોડીને  રાધિકાના પલ્લામાં બેસી ગઈ હતી તેનાથી તો એને પણ મા તરફ જરા અણગમો ઉત્પન્ન્ન થયો હતો. અને તેમ છતાં ત્રિભોવને અંબિકાને માફ કરીને જે પ્રેમથી એની સારવાર કરી , જે રીતે અંબિકાની અંતિમ ઇચ્છાની પરિપૂર્તી કરી એનાથી તો  એ પિતા તરફ સવિશેષ આદરભાવ ધરાવતો થયો હતો. એને પળે પળ થયા કરતુ કે હવે તો પિતાનો આ મા વગરનો સૂનકાર એણે જ નહીં પણ રાધિકાએ પણ અત્યંત વ્હાલ-કેવળ લાગણીથી ભરી દેવો જોઇએ જેથી એ બાકીના જીવનમાં જીવવા પ્રત્યેનો રસ ગુમાવી ના દે.

અને આમે ય જે મુડી-મિલકત હતી એ ત્રિભોવનની પોતાની આપમેળે ઉભી કરેલી હતી એટલે એની પર તો સંપૂર્ણ અધિકાર એનો હતો .એ મૂડી ,એ એસેટનો સર્વાંગ ઉપયોગ પોતાની મરજી મુજબ  જે રીતે કરવો હોય તો તો એ એની મુનસફી પર હતુ. મનહર  ખરા દિલથી ઇચ્છતો કે રાધિકા પિતાના શાંત જીવનમાં પથરા નાખીને વમળો ના પેદા કરે.

આટલા સમયથી થાળે પડેલા મનને થોડી સુખ શાતામાં રહેવા દે. મા સાથે વિતાવેલા છેલ્લા સમયના સંતોષને અકબંધ રહેવા દે.

પણ રાધિકા જેનુ નામ , એ વળી કોઇ જુદી જ ફિતરતમાં ફરતી હતી. એને અંદરથી હવે ભય હતો કે જે રીતે બાપાએ સિફતથી મા ને પોતાના તરફ વાળી હતી એ જોતા પોતાનો કાંકરો તો નિકળી જ જશે. એટલે બને ત્યાં સુધી જેટલુ શક્ય હોય એટલુ સામ દામથી પણ પોતાના હકે કરી લેવાય તો સારુ એમ વિચારતી. ક્રીશના પગલે ચાલતી રાધિકાને એટલી તો સમજ આવી હતી કે જો બાપા બગડ્યા તો બધુ જ ધર્માદા કરી દેશે પણ એને તો નહીં આપે. એને મન તો મનહર -કલ્પનાને ફાળે મિલકત જાય તો એ ય ધર્માદો જ હતો. મનહરની તો એણે ક્યાં કોઇ ગણતરી જ આજ  સુધી લીધી હતી કે હવે લેવાની હતી? બાપ-દિકરો એક થઈ ગયાની લાગણી અંદરથી એને કોરી ખાતી. અજાણ્યો ભય મન પર હાવી થઈ જતો. રખેને કદાચ પૈસો હાથમાં નહી આવે તો ક્રીશ પણ હાથમાં નહી રહે એવી ઉંડી ભીતીથી ચારેબાજુ અસલામતીની પિડાતી. ક્યારેક થતુ કે  જે ખાડો એણે જ ખોદ્યો હતો જે ઓળંગીને હવે એ આગળ જતા પોતે જ ખાડામાં  ધકેલાઇ જશે.એટલે બાપા પાસે કેમ કરીને જેટલુ શક્ય હોય એટલુ કઢાવી લેવાની પેરવીમાં જ એ રચી પચી રહેતી. અને મનહર ઉચક જીવે રાધિકાના કયા નવા પાસા ફેંકે એના ઉચાટમાં દિવસો કાઢતો. ક્યારેક એ પિતા જોડે આ અંગે વાત કરીને એમને સાવધ કરવા ઇચ્છતો તો વળી દૂધના દાઝેલા પિતા એના માટે કંઇ ઉંધુ વિચારતા ન થાય એ ભયે એ ચૂપ રહેતો.

ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (૧૫)-વિજય શાહ

ત્રિભુવન જ્યારે ડાયરી લખતો ત્યારે ધ્યાન રાખતો કે તેના રુમનું બારણું બંધ હોય. અને ઘરના બધા જાણતા કે જો પપ્પાનાં રુમનું બારણું બંધ હોય તો તેઓ કાં તો ધ્યાનમાં હોય કે અગત્યનું કોઇ કામ કરતા હોય..એટલે વગર લખ્યે સૌ સમજતા કે “તેમને ખલેલ ન પહોંચાડો”નું પાટીયુ લટકે છે.

આજ કાલ તે પાટીયુ વધારે દેખાતુ તેથી જગદીશ ચિંતીત હતો..ખાસ તો સવારે ચાલવા જવાનો કાર્યક્રમ લગભગ અટકી ગયો હતો. રાધિકા ઘરમાં જ રહેતી હતી પણ સવારે તે જ્યારે સ્કુલ જવા નીકળી જાય તે જ સમયે ત્રિભોવન ડાયરી લખતો…

આજે અંબિકાની મહીનાની તીથી હતી.

તેને ડુમો ભરાતો હતો..અંબિકા પ્રત્યે તેની વર્તણુંક સહિષ્ણુ હતી પણ ક્યારેય તેણે લાગણીઓને શબ્દ દેહ આપ્યો નહોંતો. આજે અશ્રુઓ તેની આંખોમાં રોકાતા નહોતા..પ્રભુ પ્રત્યેની શ્રધ્ધાને કારણે અંબીકા તો કેન્સર સહી ગઈ. તેણે લખવાનું શરુ કર્યુ…

અંબીકા…તારા ગયા પછી આજે એક મહીનો પુરો થયો.દેશમાં જેમ કહેછેને કે હજી ચેહ ઠંડી માંડ પડી છે અને ત્યાં તો આ તારી રાધા વીલ અને અધિકારોનાં બ્યુગલ વગાડે છે. મને એની એકે એક વાત તેની ન લાગતા ક્રીસની વાત વધુ લાગે છે.. જ્યારે..મનહર મને જરા પણ ગ્લાન દેખે અને તેની આંખોમાં પણ ઝળઝળીયા આવી જાય. મા ખોયાની વાત કલ્પનાનાં ઉદાસ ચહેરા ઉપર દેખાય.. જ્યારે રાધીકા..ઘણી વખત મને કહેવાનુ મન થઇ જાય કે

“રાધીકા તુ પણ અમારું સંતાન છે અને તને ઉછેરતા મને અને અંબીકાને પુરતુ જોર પડ્યુ છે. મનહર પણ અમારુ સંતાન છે પણ તારા ઉછેર કરતા જુદો ઉછેર પામ્યો છે અને તેનું કારણ ભારતીય સંસ્કારો છે. તુ લાડે કોડે મોટી થઇ અને અંબીકાની રહેમ નજરને તે તારો અધિકાર માની લીધો..જે અંબીકાનું વહાલ હતું. તને પુરે પુરુ સ્વાતંત્ર્ય મળ્યુ.. તુ ખીલી પણ.. પર પ્રકાશીત ચંદ્રની જેમ ખીલી..ક્રીશ જેમ ચાહે તેમ તને ફેરવી શકે..મૂળ મુદ્દાની વાત એ છે કે તને ક્રીશ રમાડે છે અને એ રમત અમને દઝાડે છે તે તને સમજાતુ નથી.અને મને એજ વસ્તુ વ્યથીત કરેછે કે એવો કેવો પ્રેમ કે જે મા અને બાપને દુશ્મન દેખે?”

ડાયરી બંધ કરી.પાણી પીધુ.. થોડાક યોગાસનો કર્યા અને જ્યારે બહાર નીકળ્યો ત્યારે ઘડીયાળ દસ બતાવતી હતી…બેઠક રુમમાં છાપુ અને ઠંડી ચા રાહ જોતા હતા.

જગદીશ તેના રુમમાં થી આવીને કહે ..” મોટા તબિયત તો સારીને? આજે કલાક મોડા છો….”

ત્રિભુવન બોલ્યો…”જાત સાથે તારી બેન સિવાયની જીંદગી જીવવાની ટેવ પાડું છું” અવાજની નરમાશ કહેતી હતી કે તેઓ આજે રડ્યા છે.

“ભલે કંઇ કામ હોય તો કહેજો..આજે મહીનાગાંઠ છે તેથી મંદીર હું જઉં છું. તમે આવશો?”

“ હા પણ મને તો તને ખબર છે તેમ પ્રભુને મસ્કો મારતા નથી આવડતુ.”

“ મોટા એને તો કશું જ કહેવાનું નથી.. તે તો બધુ જ જાણે છે પણ મોટીબેન ને ધર્માલંબન ગમે છે તેથી હું તો ત્યાં જઇને મોટી બેન ને યાદ કરીશ અને તેના આત્માને શાંતિ મળે તે હેતુ થી થોડોક સમય પ્રાર્થના કરીશ.”

ત્રિભુવન કહે “ તારી મોટીબેન તો બધુ પામી.ચારધામ દર્શન કર્યા તેથી તેના જીવને તો શાંતિ છે જ..ખાલી આ રાધીકાનો ઉચાટ મારા માટે બાકી રહ્યોછે…એટલે હું તો ભગવાન સાથે વાત કરીશ તો મારી વાતો તો એટલી જ હશે કે અંબીકા જેવું ઉચાટ હીન મૃત્યુ મને પણ મળે”

જગદીશ થોડોક સમય ચુપ રહ્યો પછી બોલ્યો.. “મોટા તમે ય ચારધામ ફર્યા છો. જિંદગીમાં કરવા યોગ્ય બધું જ કર્યુ છે.અને હજુ કરો છો…ભલેને રાધીકા ગમે તેટલા ધમપછાડા કરે મનહર અને કલ્પના તો ઘણાં જ સંસ્કારી છે.”

ત્યાં નમન અને મનન ને લઇને કલ્પના આવી. સાથે ટીફીન હતું

“પપ્પાજી આજે તમને ભાવતુ ખાવાનું લાવી છુ.. જો ગરમા ગરમ ખાવુ હોય તો બેસી જાવ…પાપડીનો લોટ અને સુકી ભાજીનું શાક છે.”

“ ચાલ બેટા તો અમે જમીને પછી મંદિરે જઈશું..” જગદીશે ત્રિભુવન સામે જોતા કહ્યુ.. અને ત્રિભુવનની આંખો ફરી છલકાણી…પાપડીના લોટમાં બહુ બધુ જીરુ નાખીને અંબીકા જ્યારે લોટ ને થાળીમાં પીરસતી ત્યારે ત્રિભુવન ની ભુખ અવશ્ય ખુલતી સાથે સુકી ભાજી જો કે અંબીકાને નહોંતી ભાવતી પણ ત્રિભુવન માટે તે સદા બનાવતી.

નમન દાદાજીની સાથે બેઠો અને બીજી બાજુ મનન હતો..દાદાજીની આંખ ભીની જોઇને મનન બોલ્યો..”દાદાજી..શું થયુ?”

અને તરત જ નમન બોલ્યો..”દાદાજી..બા યાદ આવે છે ને?”

“હા બેટા મારે તો હવે તેના વિના જીવવાનુ…”

“ કેમ અમે બધા છીયેને?..પપ્પા, મમ્મી જગદીશ મામા અને રાધા ફોઇ”

“હા બેટા તમે બધા તો છો.. તમારી દાદીમાની ખોટ પુરવા”

જગદીશ મામા બોલ્યા “ચાલો હવે વાતો કમ અને ખાના ખતમ કરો.. પછી મંદીરે જતા તમને પાર્કમાં પણ લઇ જવાના છે..ખરુને..કલ્પના..”

કલ્પના કહે આજે તો દાદા જ્યાં કહે ત્યાં જવાનું છે…

હોંડા ઓડીસી બહાર કાઢી બધા મંદીર તરફ રવાના થયા…પાછળ મોટા પેકેટમાં ત્રીસેક માણસનું જમવાનું કલ્પનાએ લીધુ હતુ..મંદીરમાં ભોગ ચઢાવવાની રીતે. ત્રિભુવને તે જોયુ..પણ શાંતિ થી કશુ બોલ્યા નહી તેથી કલ્પના બોલી બાની મહીના ગાંઠ છે તેથી થોડુક તેમને ગમતુ કરવા મંદિર માટે ખાવાનું છે….

સાન હોઝે નાં તે સર્વ ધર્મ મંદિરમાં દાખલ થયા અને સોલંકી દેખાયો.. જગદીશે તેને સંકેત થી કહી દીધુ કે કલ્પના પાસેથી ટીફીનો કઢાવી બ્રાહ્મણો ને જમાડી દે. ત્રિભુવન ને અણગમો તો થયો પણ અંબિકા આ બધુ કરવામાં માનતી હતી અને કલ્પના તે પ્રમાણે જ કરતી હતી તેથી અણગમો વ્યક્ત કર્યા સિવાય મંદિર તરફ પ્રયાણ કર્યુ.

રાધિકા હોંડા ની પાછળ પોતાની લેક્ષસ લઇ ને આવી હતી.. તે પણ ત્રિભુવનની જેમ આ બધા ખર્ચાને ખોટા ગણતી હતી.. પણ મમ્મી આગળ આ વાતનો બહુ વાંધો નહોંતી લેતી..અને હવે તો તેના વાંધાને કોઇ ગણકારતુ પણ નહોંતુ.

મંદિરમાં પંદરેક મીનીટ પછી આરતી થવાની હતી તેથી સૌ બેઠા.. રાધિકાને જોઇ ત્રિભુવન ને ફરી અંબીકા યાદ આવી..દેખાવે અને રંગે તો તે અંબીકાની પ્રતિકૃતિ હતી.

કલ્પના જઇને રાધીકા બેન સાથે બેઠી

ક્રીશે ભેરવેલુ ભુંસું તેને સુખેથી બેસવા નહોંતુ દેતુ તેથી તેણે કલ્પનાને પુછ્યુ..”મનહર આજે નથી આવ્યો?”

“આજે મોટેલનું કાઉંટર એમને સંભાળવાનું છે તેથી હું જઇ ને છોડાવીશ ત્યારે આવશે”

“ હમણા એની સાથે વાત થઇ નથી એટલે પુછ્યુ…” થોડીક વાર શાંત રહી તે બોલી “તેને પપ્પાએ કંઇ કહ્યુ?”

“ ના મારે કોઇ વાત થઇ નથી”

“ એને મારો એક સંદેશો આપીશ?”

“તમે તેમના સેલફોન ઉપર જણાવી દેજોને..હું પાછી ભુલી જઇશ તો તમે અકળાશો.”

“ખાસ અગત્યનું છે તેથી કહું છું”

કલ્પના એ સેલ ફોન ઉપર એક નંબર દાબીને રાધીકાનાં હાથમાં ફોન પકડાવી દીધો..જો કે રાધીકાને અજુગતુ લાગ્યુ પણ પુછ્યુ…” મનહર પપ્પા સાથે કોઇ વાત થૈ?”

મનહરઃ” કઇ વાત મોટીબેન?”

કલ્પના બાજુમાં હતી તે ઉભી થઈ મંદિરના બીજે ખુણે જઇને બેઠી કે જેથી બેન ભાઇ વાત કરી શકે.

રાધીકાઃ “ પપ્પા વીલ બનાવવાના હતાને?”

મનહરઃ “ ના મને કશું કહ્યું નથી…અને તુ ક્યાં નથી જાણતી એમને…એમણે ધાર્યુ હોય તો જ જણાવે.”

રાધીકાઃ હા પણ કંઈ વાત ચીત થઇ હોય તો…”

મનહરઃ” કમાલ છે મોટીબેન.. તમે તેમની સાથે ઘરમાં રહો છો..હુંતો ૫૯ માઇલ દુર છું…”

રાધીકાઃ “ હા મને ખબર છે…પણ..”

મનહરઃ “ મોટીબેન નાના મોઢે મોટી વાત લાગશે પણ.હમણા આ બધી વાતો કરીને પપ્પાને ટેન્સ ના કરશો.. કારણ કે તેઓ્ને ઉપરાછાપરી ઘણા ઘા પડ્યા છે.”

રાધીકાઃ “એટલે તો ચોક્સાઇ કરવાની ને તેમની હયાતીમાં કે શાંતુ શાહ કે જગદીશ મામા મિલ્કત ગોળવે નહીં કે દાન ધર્માદા ના કરી દે.”

મનહરઃ “મોટી બેન તમે જે રીતે વિચારો છો તે અમેરિકન રીત છે અને પપ્પા ભારતિય વિચારોથી રંગાયેલા છે.”

રાધીકાઃ “તે બીજો ભય છે…કારણ કે ભારતીય પધ્ધતિ પ્રમાણે પણ તેઓ મને રખડાવી શકે છે.”

મનહરઃ “જુઓ મોટી બેન હું આવુ નથી વિચારતો કારણ કે તે આપણાં પપ્પા છે અને તેમણે મમ્મીને ખોયા છે.અત્યારે તેમને રાહત આપવી જોઇએ અને તેથી હું આ બધી વાતોમાં મૌન રહીશ…”

રાધીકાઃ “ મનીયા! હવે બહુ વાયડો ના થા.અને મને શીખવાડવા ના બેસ.”

મનહરઃ “મોટી બેન મારે ઘરાક છે.. હું પછી વાત કરીશ” અને ફોન કપાઇ ગયો.

પગ પછાડતી રાધીકા કલ્પના પાસે આવી ફોન આપતા બોલી.. “મનીયાને પણ હવે પાંખો આવી છે…”

કલ્પના કહે “મોટી બેન મનન અને નમન સામે તેમને મનીયો ના કહો.. હવે તે પણ મોટા થયા…”

રાધીકાનો ગુસ્સો સાતમા માળે હતો અને કલ્પના ની આ ટકોરે ફરી વિફરી…”એટલે?”

“એટલે તમારો મનીયો હવે ૩૮ નો થયો…અને તે જે કરતા હશે તે પણ હું તમને તેમનુ અપમાન નહી કરવા દઉં.”

“બેસ બેસ હવે ચાંપલી..”

“ મોટીબેન એ અને હું તમે મોટા છો તેથી માન રાખીયે છે નહીં કે તમારી દરેક વાતોને માનીયે છે”

આંખો પહોળી કરીને તે બોલી..” એમ કે? મનીયાને પાંખો ક્યાંથી આવી તે હવે સમજાય છે?”

કલ્પનાઃ “ મોટી બેન..આપણા ઘરની વાતોમાં હું તો એમનુ કહ્યું માનું છું અને તેઓ કહેશે તેમ હુ કરીશ…”

રાધીકાને ક્રીશ ફરી સાચો પડતો જણાયો.. કારણ કે ભારતીય પધ્ધતિ પ્રમાણે સઘળી મૂડી નો હક્કદાર મનહર બને અને દિકરી ને તો કન્યા દાન દેવાઇ ગયુ એટલે હક્ક જતો રહ્યો…..

ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (૧૬)-વિજય શાહ

Quantcast“ક્રીશ! તુ સાચો છે.ઓલ્ડમેન મને હવે ફદીયું પણ નહીં પકડાવે..”

“ભલે તને લાગતું કે તે તારો હક્ક રોળવી નાખશે..પણ જો તુ મારી રીતે ચાલીશ તો હજી પણ કશું બગડ્યું નથી”

“મોમ હોત તો બધુ હું તારું કહ્યું કરી શકી હોત…તું ત્રિભોવન પટેલને હજી ઓળખતો નથી..”

“ કેમ કહે છે ઓળખતો નથી? અરે બરોબર ઓળખું છું. અને હવે મોમ ના ગયા પછી તને કોઇ પણ પ્રકારે એનો દલ્લો મળે તેમ હું માનતો નથી.”

“ તારી વાત સાચી છે અને હું હાજર હઉ ત્યારે તેમનો રૂમ અને તેઓ બંને શાંત જ હોય.. જાણે મૃત્યુનો ઇંતજાર ન હોય?

“પણ તેં કેવી રીતે જાણ્યું કે એ તને કશું નહી આપે?”

“ મેં ઓલ્ડ મેન ને હેરાન બહુ કર્યો છે ને તેથી.. અને હું એની જગ્યાએ હોઉં  તો હું તો ધર્માદા કરી દઉ પણ મારી મૂડી ના આપુ.”

જો શાંતિ થી બે વાત સમજ…પહેલા શોધ કે ઓલ્ડ મેન પાસે ખરેખર પૈસો છે કે નહીં અને છે તો તે કેટલો છે.અને બીજી વાત તેણે વીલ બનાવ્યું છે કે નહીં

રાધીકા ક્રિશની વાત સાંભળતી હતી..જો કે તેમાં રહેલો ત્રિભોવન નો અંશ હવે જાગી ગયો હતો અને સમજી રહી હતી કે ક્રીશનો  આ ચહેરો ચોક્કસાઇ ભરેલોછે. તે કોઇ પણ કામ પુરુ કરતા તેની અંદર છુપાયેલ નફા નુકસાનનો અંદાજો આવે.

ક્રીશ! “મને ખબર છે મારા બાપની પાસે મિલિયન્સ છે. પણ તેની પાસેથી આ વાત જાણવી તે બહુ જ કાબેલીયતનું કામ છે.” તને તો તે કાયદાકીય વાતોમાં હંફાવી ગયો”

“ ના હની..તે મને હંફાવી નથી ગયો..તેણે તો મોમને ભોળવી દીધી..જે આ રમતનું મુખ્ય પાત્ર હતું. અને તું સાથે રહેતી હતી છતા તારું કશુ ના ચાલ્યુ.ખૈર.. હવે જરા પરિસ્થિતિ સમજ! તારા બાપા પાસે મીલીયન છે તેવું તુ માને છે.”

“ કેમ તને શંકા છે?”

“હા સો ટકા માનુ છું કે  મીલીયન નહીં ઘણા મીલીયન છે પણ તને તેમાં થી કશુ મળવાનું નથી તેવું તું માને છે..કારણ કે તને ક્રીશ ની આવડતનો અનુભવ હજી અધુરો છે.”

“ હવે જવા દેને મેં તને કોર્ટમાં શાંતુ શાહ સામે હારતો જોયો છે. અને તેણે જે કારીગરી કરી તે તું નથી કરી શક્યો.’

“ જજ વ્લાદોવિસ્કીએ આ સ્ટીમ રોલર ફેરવ્યું. પણ હવે એ વાત વધારે આગળ જશે. હું તેઓનું લગ્ન કાયદાકીય નથી તેવું પૂરવાર કરીને તારા ભાગમાં આવવા પાત્ર રકમો લઈ લૈશ”

“જોજે એવું ગાંડપણ ના કરીશ. પહેલા સમજ તેની મિલકત ભારત.. આફ્રીકા અને અમેરિકામાં ફેલાયેલી છે.તેથી તેના “વીલ”ની રાહ જોવી રહી.”

“ આફ્રીકાની વાત તો હમણા બોલી.”

“યા ઓલ્ડમેનની સોનાની ખાણોમાં વારસાઇ હક્કો છે.. “ રાધીકા ક્રીશ ની ભૂખ ભડકાવતી હતી…તે જાણતી હતી કે સારા સાથે તે છૂટો થઇ ગયો હતો અને ફરીથી બીજા કોઇ સાથે ભાગી ન જાય તે માટે આવા દાણા જરૂરી છે.

પેલી નાગણ તેની નાગચૂડમાંથી શિકાર છટકી ના જાય તે માટે વધારે જોરથી તેને લપેટાતી હતી.

ક્રીશનાં ચહેરા પર બદલાતા રંગો તે જોતી હતી અને તે સમજી ગઈ હવે હનીનાં ભાવો વધશે..

અને બરોબર તેમ જ થયું.

ક્રીશે થોડુ નીચે નમી રાધીકાને વહાલ કર્યુ અને મગજ્ને તીવ્ર કરવા કે વિચારોને યોગ્ય રસ્તે વાળવા લીકર કેબીનેટમાંથી રાધીકાને પ્રિય શેમ્પેન લઇને આવ્યો.

*****

બીજે દિવસે જગદીશ અને ત્રિભોવન ચા પીતા હતા ત્યારે રાધીકા આવી અને ત્રિભોવન પાસે બેઠી ત્યારે જગદીશને લાગ્યુ કે આજની સવાર તોફાની છે.

પોતાનો ચાનો કપ ગાળતા ગાળતા રાધીકા બોલી “ ગુડ મોર્નીંગ પપ્પા”

શક્ય તેટલી રુક્ષતા અવાજ્માં લાવીને ત્રિભોવન બોલ્યો_”બોલ ક્રીશ હવે શું નવું તોફાન કરવાનો છે?”

રાધીકા કહે “ પપ્પા મેં ગુડ મોર્નીંગ કહ્યું છે”

ત્રિભુવન કહે “ મને ખબર છે તેં જ્યારે ગુડ મોર્નિંગ કહ્યું ત્યારે જ હું સમજી ગયો હતો કે તારું મગજ અને ક્રીશ દ્વારા દુષીત થયેલ તારા મગજમાં ખાસો ફેર છે.”

“ પપ્પા તમને ખબર છે કે મને ક્રીશ ગમે છે અને તમને તે ગમતો નથી એ સત્ય હોવા છતા તમે મારા પપ્પા પણ છો તે હકીકત તો બદલાતી નથીને?”

રાધીકા બોલી  “હા” થોડા મૌન બાદ તેણે પુછ્યું

“ તમે તો હવે શું વિચાર્યુ?”

“કઇ બાબતનું?”

“ મમ્મીનાં અધુરા કામોનું?”

“ મમ્મીએ મને કહેલા બધા જ અધુરા કામો મેં પુરા કરી નાખ્યા છે.”

“ બધા જ?”

“હા”

“ અને તુ ક્રીશ સાથે રહીશ તો મારી મૂડી તને કે ક્રીશને આપવાનો મારો કોઇ જ ઇરાદો નથી તે પણ તુ જાણી લે કારણ કે આ બધી મારી આપ કમાઈ છે…આમા ન તો કશું તારી માએ પેદા કર્યુ હતું કે ના તો તે પીયરમાં થી કશું લાવી હતી.”

“ મોટા! રાધીકાએ તમને ક્યાં કશું પુછ્યું જ છે કે તમે આટલા બધા ખુલાસા આપો છો.” જગદીશે વાતને હળવી કરવા ટાપસી પુરાવી.

“જગદીશ! જે પારકી આંખે દેખે તેને તો મા અને બા્પની લાગણી ક્યારેય ન દેખાય…વળી આતો શિક્ષક.. આખી દુનિયાને જે શિખવે તેને તો પોતે કર્યો ન્યાય તે જ સાચો દેખાય…”

“ પપ્પા તમે મને જે કહેશો તે હું અત્યારે તો સાંભળી લૈશ અને તમે જ્યારે શાંત હશો ત્યારે વાત કરીશ.”

“ બેટા” એકદમ લાગણી ભરેલો અવાજ સાંભળી જગદીશ અને રાધીકા બંને ચોંક્યા..”તુ સંસ્કારીતા કદી શીખી નથી તેથી તને સંસ્કારની વાતો કરવી નકામી છે પણ વહેવારની રીત તો સમજીશને? કે કંઇક મેળવવું હોય તો હાથની હથેલી ચત્તી અને આપનારનાં હાથ નીચે જોઇએ?”

“ પપ્પા ક્રીશ મારા મનનો માનેલો છે અને તેની સાથે રહીને મેં કંઇ ખોટું કર્યુ છે તેમ મને તમે સમજાવશો અને હું માની લઇશ તે વાત તમે વિચારતા પણ નહીં.”

“ હા બેટા તુ તો ક્રીશના નશામાં આંધળી થઇ ગઈ છું.. અને વળી તુ એમ પણ માને કે આ બાપને પણ માની જેમ પટાવી જઇશ તો તે તારી પણ ભુલ છે.”

“પપ્પા તમારી સાથે વાત કરવાની કેમ આટલી મુશ્કેલ છે?”

“ કારણ કે તારું દ્રષ્ટી બિંદુ તારું નહીં પણ ક્રીશનું છે અને તેથી હું શું તને સમજાવવા માંગુ છું તે તુ કદી સમજી નહીં શકે.”

“પપ્પા મમ્મી પણ તમને જ્યારે કશું સમજાવવા માંગતી હતી ત્યારે તે નિરાશ થતી હતી કારણ કે તમે તમારું જ ધાર્યુ કરાવવા માંગો છો..યુ આર હીટલર..”

“ ના હું હીતકર છું. હીટલર નહીં  અને હું જે જોઇ શકું છું તે કદાચ તું જોઇ જ નથી શકતી.”

“વ્હોટ ઇઝ હીતકર?”

“ જે હીત કરે તે હીતકર. ચાલ મને એ સમજાવ કે સારા પાસેથી તે છૂટો થઇને તને કેમ પરણવા માંગે છે? કારણ તેં કહ્યું છે મારા બાપા પાસે મિલિયન્સ ડોલર છે. ખરું?”

“…”

“હવે જો બીજી કોઇ બીલીયન્સ વાળી આવશે તો જેમ સારાને છોડી છે તેમ તે તને પણ છોડી દેશે તેવું કંઇ તું વિચારી શકે છે?”

“ ના પપ્પા એવું કંઇ નથી થવાનું…”

“આપણે તો ધારીયે છે. અને લગ્ન થયા પછી તેં વારસામાં મેળવેલી રકમો લઇને તને ગુંગળાવી ને નહીં મારી નાંખે તેની શું બાહેંધરી? હવે તુ મને કહીશ પપ્પા તમે તો બધુ બહુ જ લાંબુ વિચારો છો એવું તો કંઇ થતુ હશે?”

“…”

“ બેટા તુ એને ચાહે છે માટે તો આવું તુ નથી વિચારી શકતી..તેના ભૂતકાળ ને તો જો.. સારા સાથે લગ્ન વિચ્છેદ..કારણ શું? પૈસા..? મારા અને તારી બાનાં લગ્ન વિચ્છેદ. કારણ શું? પૈસા?”

“…”

“પૈસાના આધારે લગ્નજીવન કદી ના જીવાય…લગ્ન નો તો આધાર એક મેક્નો પ્રેમ અને વિશ્વાસ છે.મને તે વિશ્વાસ ક્રીશની તરફે કદી નથી દેખાયો. હા વકીલ અને મીઠી વાતોનો તે કારીગર જરૂર દેખાયો છે અને તેથી તો તું દિવાની થઇ ને ફરે છે.”

“ પપ્પા! તમે તો ફરી પાછી એની એજ વાતો પર આવી જાવ છો.”

“ જો રાધીકા તું પણ મારું સંતાન છું અને આ મિલકત જ્યારે હું પેદા કરતો હતો તે મારા એકલા માટે તો નહોંતો જ કરતોને? હા હું એ જાણતો નહોંતો કે આ લક્ષ્મી..મારા ઘરમાં આટલો ઉધમાત મચાવશે.”

અમેરિકન ની જેમ મેં કદી વિચાર્યુ નથી અને તેથી તો આજે ૪૯ વર્ષે પણ તું મારા ઘરમાં છે. કેમ કે આ ભારતીય લક્ષણો છે.”

“ પપ્પા. મને મમ્મી ન હોવાનો આજ કારણે બહુ જ અફસોસ છે..તમે જે મને સમજાવવા માંગો છો તે મમ્મી મને સરસ રીતે સમજાવતી અને મારી વાત તે પણ તમને બરોબર રીતે સમજાવતી.”

“હા. એના એજ પ્રેમાળ સ્વભાવનો તેં અને તારા ક્રીસે પેટભરીને દુરુપયોગ કર્યો તે જાણી ગયા પછી તે પેટ ભરીને પસ્તાઇ અને તેથી તો કાયદાકીય ગુંચોમાંથી નીકળી ગઇ. એની ભુલ એણે સુધારી લીધી.”

જગદીશની આંખમાંથી વહેતા આંસુ જોઇ ત્રિભુવને પાણી નો ગ્લાસ તેના તરફ ધર્યો.

ચાનો કપ પુરો કરતા રાધા એ કહ્યું.. “પપ્પા જે કંઇ કરો તે કરતા પહેલા મારો હક્ક ના ડુબાડશો.”

અને ત્રિભોવન નું ફટક્યુ.. “હક્ક? કેવો હક્ક? જેણે ફરજ નિભાવી હોય તે હક્ક ની વાત કરે તેં તો ફરજો ડુબાડી છે..એટલો આભાર માન તારી મમ્મીનો કે તેણે મને તારા ઉપર અને ક્રીસ ઉપર માન હાનીનો અને સતામણી નો કેસ કરવા ના દીધો. મને લાગે છે મારે હવે તે કરીને ક્રીશને અને તને જેલ કરાવવી જોઇએ.આપ મતલબી નફ્ફટ સંતાન!..

રાધીકા ક્ષણ માટે તો મુંઝાઇ ગઇ અને પોતાની જાતને કોશવા માંડી.. ક્રીશ ને પુછ્યા વિના આવું જાતે ડહાપણ શું કામ ડહોળ્યુ?

જગદીશ “ મોટા! શાંત થાવ” કરતો ઉભો થઇ ગયો…

રાધીકા નત મસ્તકે સ્કુલ જવા નીકળી ગઇ.

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક- અનીલ શાહ

સાંજે જ્યારે રાધીકા પાછી આવી ત્યારે સાંજનાં ઘરમાં આવેલા..ટીફીન ઉપર થોડી નજર કરી..દુધી નાં કોફ્તા અને રૂમાની રોટલી હતી ચાઇનીઝ ભાત અને મંચુરીયન જેવુ શાક હતુ.

જગદીશ મામા અને પપ્પાએ ખાધુ હોય તેવું ના લાગ્યુ..તેથી તેના રૂમમાં જતી રહી. ઝડપથી કપડા બદલી તૈયાર થઈને તે નીકળી ત્યારે પપ્પાનો રૂમ બંધ હતો. જગદીશ મામા બોલ્યા “રાધીકા ટીફીનમાં ખાવાનું ઘણું બધુ છે ખાઇને બહાર જજે”

“મામા હવે ખાવા જેવું કંઈ રહ્યું જ ક્યાં છે?”

“ કેમ એવું બોલે છે?”

“સવારે પપ્પાએ કહી ના દીધું કે ૪૯ વર્ષથી અહીં રહે છે..હું તો મમ્મીની જરુરીયાત હતી તેથી….” તેની આંખ ભરાઈ આવી..જો કે જગદીશ માટે આ દ્રશ્ય નવું હતું. અંબીકાને અને ત્રિભોવનને ખખડાવતી અને વાઘણ જેમ જેને અને તેને ખખડાવતી રાધીકા આજે ભીગી બીલ્લિ બની ને આંસુ સારતી જોઇ

ત્રિભુવન એના રૂમમાંથી બહાર આવ્યો ત્યારે રાધિકા ઝડપથી ઉઠીને બાથરૂમ તરફ જતી રહી. જમવાનાં ટેબલ પર જ્યારે તેઓ બેઠા ત્યારે રાધીકા તેની લેક્ષસ ગાડીમાં ક્રીશને મળવા જતી રહી.

ત્રિભોવને પુછ્યું “કેમ રાધીકા રડતી હતી?”

જગદીશ કહે “તેને મોટીબેન ની યાદ આવતી હતી”

ત્રિભુવન ક્ષણ માટે તો ચૂપ થઇ ગયો પછી બોલ્યો..”મારે મારો ગુસ્સો બતાવવો છે પણ હું

કંઇ તેને રખડાવવાનો નથી..ગમે તેમ તોય તે મારું અને અંબિકાનું સંતાન છે.”

જગદીશઃ” મોટા તમને પીગળતા જોવા માટે મોટી બેન તો તરસી ગઇ’તી… અને હવે એ નથી ત્યારે…”

“હા. એ નથી ત્યારે તો તેનો તેની દિકરી માટેનો શુધ્ધ પ્રેમ દેખાય છે. અને આ પણ તેની ઇચ્છાઓનો એક ભાગ છે. તેનું લગ્ન એને જોવું હતુ. પણ તે માટે આ ક્રીશે કરેલ કાયદા યુધ્ધ જ એનું વેરી બન્યું.”

જગદીશઃ “હવે મોટા મને રજા આપો…મારાથી થઈ તેટલી મોટીબેન ની અને તમારી સેવા કરી.”

ત્રિભુવનઃ “હજી તારી સેવા પુરી નથી થઈ..આ ગાંડી ભાણેજ ને પરણાવ્યા પછી તારે જવાનું છે અને ડલાસમાં હવે તારી કોણ રાહ જુએ છે?”

જગદીશઃ “ભલે! પણ મોટી બેન વિના અહીં પણ ગમતુ નથી…”

ત્રિભુવનઃ “ જો તારી આ હાલત હોય તો મારી હાલત કેવી હશે?” બંને વયસ્કો એક મેકની સામે જોઇ રહ્યા.

ત્યાં મનહર આવ્યો..ચુપકીદી સાંધીને તે બેસી રહ્યો. તે જાણતો હતો કે ત્રિભુવન તેના દરેક વિચારો અને વર્તનોમાં બહુ જ સ્પષ્ટ હોય છે જેથી જ્યારે તેમને કહેવુ હશે ત્યારેજ કહેશે.

વકીલ શાંતુ શાહને બોલાવવા મનહરને જણાવી તે અંદરનાં રૂમમાં ગયા.અને ત્રણ ફાઇલ સાથે લઇને આવ્યા ત્યારે શાંતુ શાહ આવી પહોંચ્યા હતા.

મનહર અને જગદીશની હાજરીમાં શાંતુ શાહ પાસે વીલ તૈયાર કરાવ્યું તેની ચર્ચા કરતા કહ્યું કે આ વીલમાં બે અઘરી શરતો છે..જો રાધીકા ક્રીશ સાથે લગ્ન કરે તો તેના લગ્ન નો ખર્ચો ત્રિભુવન ઉપાડશે..અંબીકાની મરજી હતી તેથી બધો વહેવાર રાધીકાને આપવો.તેના સંતાનો ને જરુરી મામેરું અને બીજી જોગવાઈ કરી હતી.( મહત્તમ અમેરિકન સંપતિનો દસમો ભાગ)

બાકી બધી સ્થાવર અને જંગમ મીલકતનો ઉત્તરાધીકારી મનહર બને અને મનહર ના હોય તો  કલ્પનાને મળે અને કલ્પના પણ હયાત ન હોય ત્યારે ટ્રસ્ટ કરવું જે મન્હર અને કલ્પનાનાં બાળકો ૨૫ના ના થાય ત્યાં સુધી જાળવે અને ત્યાર પછી તેઓ જો પટેલ ગુજરાતી કન્યા લાવે તો સરખે ભાગે વહેંચી લે અને જો તેમ ન થાય તો ટ્ર્સ્ટ સમગ્ર ધન રાશી સાન હોઝેનાં સર્વધર્મ મંદીરને દાન કરી દે.

જો ક્રીશ સાથે લગ્ન ના કરે અને ભારતીય પટેલ સાથે લગ્ન કરે  તો મનહર અને રાધીકા સરખા ભાગે મિલકતનાં હક્કદાર બને અને કોઇક કારણ સર રાધિકા મનહર પહેલા હયાત ન રહે તો આ વારસાઇનો ઉત્તરાધી કારી મનહર બને.

શાંતુ વકીલે કાગળો વાંચ્યા અને પહેલોજ પ્રશ્ન કર્યો કે આ ડ્રાફ્ટીંગ બદ્લું તો ચાલે?

મનહરને તો આ વીલ સામે વાંધો હતો…ખાસ તો તેને મળતા લાભો રાધીકાનાં ભોગે મળતા હતા. પણ તેની મરજી ક્યાં ચાલવાની હતી?

પહેલી વાત ક્રીશનૂં નામ ન મુકાય કારણ કે લગ્ન એ વૈયક્તિક પસંદગી નો વિષય છે. અને ભારતીય પટેલ સાથે લગ્ન કરી મૂડી મેળવી છૂટા છેડા ક્યાં નથી અપાતા? તેથી તે પોલો ઉપાય છે.હું જે સમજુ છુ. તે મુજબ રાધીકાને સજા કરવાની આ ક્રુર પધ્ધતી છે અને આ વીલ બાયસ છે કરીને કોર્ટે ચઢાવશે અને તેની ફી સ્વરુપે પૈસા તો કઢાવશે.

મનહરે શાંતુ વકીલની વાતમાં સંમતિ સુચવતા ડોકુ હલાવ્યુ એટલે ત્રિભુવન બોલ્યો..મનહર તુ અહી તારો અભિપ્રાય ના આપ. હું તો કહીશ આ મારી મિલક્તો છે અને હું મારી હયાતીમાં વીલ બનાવું છુ તેમાં મને મારો પૈસો કોને આપવો છે તે બાબતે મારો વિચાર મુખ્ય છે. મનહર ટકોર સમજી ગયો અને મીટીંગમાંથી ઉભો થઇને ચાલવા માંડ્યો તેથી જગદીશ પણ તે બંને ને મોકળુ મેદાન આપવા ઉભો થયો.

બંને નાં ગયા પછી શાંતુ વકીલ બોલ્યા ત્રિભુવન તારી વાત સાચી છે મનહર રાધીકા થી ડરે છે. એથી એવું કંઇક કરવુ પડશે કે જેથી આ મિલકતો માટે ગાંડી થયેલ રાધા નિયંત્રણમાં રહે અને વારસો લાંબા સમય સુધી ત્રિભુવન પટેલની એસ્ટેટ્માં જ રહે.

શાંતુ પટેલે તેનો ફાઇનલ ડ્રાફ્ટ કાઢ્યો અને તે ડ્રાફ્ટ પ્રમાણે જો ત્રિભુવનની હયાતી ન રહે તો સમગ્ર એસ્ટેટ ટ્રસ્ટ્માં જતી રહે અને ટ્રસ્ટીને ફક્ત વ્યાજ જ ઉપાડવાની સત્તા અપાઇ આમ કરવાથી વારસાઈ મેળવતા વારસદારો પર મોટા ટેક્ષનો કોરડો ન વિંઝાય. અને તે રીતે ક્રીશનો ઉલ્લેખ કર્યા વગર તેની લાલચની બાદબાકી કરી નાખી.

 ત્રણ ફાઇલ સંપતિની વિગતો થી ભરેલી હતી કુલ સંપતિ એક્વીસ મીલિયન થતી હતી. પણ તે વિગતો વીલમાં દર્શાવવાની જરુર નહોંતી.પણ ટ્રસ્ટી જ્યારે તેનો હવાલો લે ત્યારે આપવાની હતી.

વીલ સહિં કરી રજીસ્ટ્રેશન માટે લીધું અને વિટનેસ તરીકે શાંતુ પટેલે સહિં કરી અને તે ઓફીસે જતા રહ્યા.તેમને જતા જગદીશે જોયા. મનહર તો તેની મોટેલ ઉપર જતો રહ્યો હતો

“મોટા! જાણે મોટુ કામ પતી ગયાપછી ની હાશ નો અનુભવ તમારા ચહેરા ઉપર દેખાય છે.

“હા હવે આ દેહ છુટે તો તેને માટે પણ તૈયાર છું.” ત્રિભુવને તેના દેહને આરામખુરશી પર લંબાવતા કહ્યું.

(૦)

આ બાજુ રાધીકા અને ક્રીસ ડીનર લેતા હતા ત્યારે રાધાથી રહેવાયુ નહી અને બોલી-“ક્રીસ તું ગમે તે કહેતો હોય..પણ લગ્ન હવે આપણે કરી લેવા જોઇએ…મને હવે ઘરે પડી નથી રહેવું.”

“ હની હું તો ક્યારેય ના નથી કહેતો પણ તેં હોમ વર્ક કર્યુ?”

“કયુ હોમવર્ક?

                        “ભુલી ગઈ? ખરેખર તારા બાપાની મિલકત કેટલી છે?અને વીલ બનાવ્યું કે નહીં વાળી વાત”

રાધાને ઝાટકો લાગ્યો..અને મનમાં તો તે સમ સમી ગઈ પણ લાડ કરતા બોલી” એય! તુ મને પરણે છે કે મારા બાપાની મિલકતને?”

ક્રીશ પેલા ચપળ ક્રીકેટનાં ખેલાડીની જેમ આવતા દડાની તીવ્રતા જાણી સંભાળીને ખેલવું કે ફટકારવું નક્કી કરતો રાધીકા જોઇ શક્યો..”હની પરણૂં તો હું તને જ  છું પણ તારી સાથે આવતી લાયાબીલીટી અને એસેટ તો જાણવી પડેને?

રાધીકા “ તો વાત એમ છે બેલેન્સ શીટ જાણવી છે ખરુંને?”

ક્રીશઃ “તારે લીધે સારા સાથે લઢ્યો અને તેને પૈસા ચુકવીશ આખી જિંદગી તે તો તને ખબર છે ને?”

રાધીકાઃ” તે અલ્યા તું મને ગમતો હતો તે એક વાત પણ તને હું ગમતી નહોંતી?”

ક્રીશ  આ ગુગલી બોલ છે તે સમજીને બોલ્યો..” લે એ તો કંઈ બાર વર્ષે પૂછવાની વાત છે?”

રાધીકા આજે કંઈ એને છોડવાનાં મતે નહોંતી તેથી પુછ્યુ..”હની જેમ સારા સાથે તુ પરણેલો હતો અને મને પણ ફેરવતો હતો તેવું તો તું નહીં કરેને? એવું હોય તો અત્યારથી કહેજે”

“ જરા લાજ! આવુ પુછતા. મેં કદી તને પુછ્યુ છે કે હું તારી જિંદગીમાં કેટલામો છું?

“ જો બાપો મારો મીલીયોનર હોય કે બીલીયોનર..જ્યાં સુધી છે ત્યાં સુધી એ પૈસા મારા કેવી રીતે કહેવાય? અને પાછુ તે આ કાંડ કર્યુ તેથી તે કામ બગાડી નાખ્યુ..દુધનું તે દહીં થઇ ગયુ..”

“ તું ચિંતા ના કર એ દહીંનું હુ રુપાંતર કરી શિખંડ કરીશ પણ મને ખબર તો પડવી જોઇએને કે કેટલી ખાંડ જોઇશે?”

રાધિકા ક્રીશની આ અદા ઉપર તો મરતી હતી…ક્યારેય હાર નહી માનવી “ક્રીશ જો હું ઓલ્ડમેન ની જગ્યાએ હોઉ ને તો મને તદ્દન કાઢી મુકુ..પણ ખેર મૂળ વાત પર આવીયે…લગ્ન ક્યારે કરવા છે?”

“ હની મમ્મીને ગયે ને હજી એક જ મહીનો થયો છે… આટલી ઉતાવળ સારી નહીં.”

ક્રીશ સમય માંગી રહ્યોછે અને તે પણ કેટલી સીફતથી તે રાધીકા જાણી ગઈ…છતા ફરીથી એને ભીડવા બોલી..

”જો હું માનતી નથી કે હવે બીગ વેડીંગ થાય તેથી રજીસ્ટર મેરેજ તો ક્યારેય કરી શકશું. અને હા હું હવે તે ઓલ્ડ્મેન સાથે નથી રહેવાની..લગ્ન થાય અને આપણે સાથે રહેતા થઇ જઇએ”

“રાધા! હોલ્ડ ઓન…કેવી બહેકી બહેકી વાતો કરે છે? ઉતાવળા સો બહાવરા ધીરા સો ગંભીર”

રાધા હવે ઝેરીલી નાગણ ની જેમ ફેણ ઉંચો કરીને બોલી “ ક્રીશ! તને મારા કરતા  મારા બાપાની મિલકતમાં રસ છે તો માની લે મમ્મીના ગયા પછી ઓલ્ડ મેન પાસેથી પૈસા કઢાવવાકે વાત કઢાવવી સહેલ વાત નથી.”

“ ભલે તે તો સમજાયું પણ એટલું તો જાણી શકેને કે ઓલ્ડમેને વીલ બનાવ્યું કે નહીં?”

“હની! માન કે તેણે બનાવ્યુ અને મને કશું જ ન આપ્યુ તે તબક્કામાં તુ મારી સાથે લગ્ન નહીં કરે?”

ક્રીશ માટે આ પ્રશ્ન બહુ અનપેક્ષીત હતો તેથી તે જરા ઝંખવાઇ ગયો..અને કહે “ હની…આ કેવો સવાલ છે? તને મારા ઉપર ભરોંસો નથી?

રાધીકા મોટે અવાજે બોલી “હા. ક્રીશ” … અને ક્રીશ સહિત આજુબાજુ વાળા સૌ સ્તબ્ધતા થી રાધિકાને  જોવા માંડ્યા

રાધીકાનાં ચહેરા પર દેખાતો છેતરામણ નો ભાવ જોઇ ક્રીશ ને પહેલી વખત ડર લાગ્યો. એ કંઈ બોલ્યો તો નહીં પણ એને ઉભા થઇને ભાગી જવું હતું વાઘણનાં જડબામાં ફસાઈને જાણે તે તરફડતો ના હોય.

પેલો જન્મજાત ખલનાયક પોતાના ચહેરાનાં ભાવો પોલીસને જોયા પછી જેમ બદલે તેમ પોતાનો ભય ઢાંકતા તે બોલ્યો-“ રાધીકા તું ગમે તે રીતે ઘાંટા પાડે કે મને ડરાવવા મથે પણ જો વાસ્તવિકતાને સ્વિકાર્યા વિના હવે હું ભમભુસકા મારી ના શકુ…સારાની એક જવાબદારી તો તારી જીદને કારણે પહેરી લીધી..૫૧ વર્ષે હવે તું એમ કહે કે હું ખાલી હાથે આવું છું તો તે સ્વિકાર્ય નથી અને એવો હું મુરખ પણ નથી.”

અચાનક લાધેલા આ કડવા સત્ય થી રાધીકા તડપી ઉઠી “ તો શું તુ મારી સાથે લગ્ન નહીં કરે?”

ક્રીશ કહે “ રાધીકા શીસ્ત તો એ છે કે આપણે સમજુતી કરી હતી. જો તુ તારો દાવ ખોટો ખેલે તો સજા તો મળેને?”

રાધીકા કહે “ ક્રીશ ખોટો તો તુ હતો “

ક્રીશ “ હા. હું હતો પણ હજી હું આ ખેલમાંથી ઉઠ્યો નથી..અને તુ પણ કેવા માથે પડવાના દાવો કરે છે તને શરમ નથી આવતી? તારે લીધે મેં મકાન ખોયુ- અર્ધી મૂડી ખોઇ અને હવે તુ કહે કે હું ખાલી હાથે આવીશ તે કંઇ ચાલતુ હશે?”

રાધીકા ક્રીશનાં આ ચહેરા થી વાકેફ થતી હતી. તેને પહેલી વખત લાગ્યું ત્રિભુવન સાચો છે..આવા લોકોની સાથે આખી જીંદગી કેવી રીતે નીકળે? હવે તો આ ખેલમાંથી સહી સલામત નીકળવા દાણા બહુ સમજીને નાખવા પડશે.

ક્રીશ પણ ડીનર પુરુ કરતા કરતા આજ વિચારતો હતો..કે રાધીકા હવે વીફરી છે..આ સત્ય કેવું સ્વરૂપ પકડશે તે હવે એની આગલી ચાલ થી સમજાશે.

બંને ડીનર પતાવી છુટા પડ્યા જાણે બે અજનબી ન હોય ન બાય..ન ગુડ નાઈટ કીસ

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (૧૮)- વિજય શાહ

બે દિવસનાં મૌન પછી ક્રિશે રાધીકાને ફોન કર્યો..ત્રિભુવનનું વીલ તેને કોર્ટમાંથી મળ્યુ. ઓલ્ડ્મેન તો મીલીયોનર નહી મલ્ટી મીલીયોનર છે.

રાધીકાએ ફોન મુકી દીધો.

બે એક વખત મિસ્ડ કોલ ગયા.. રાધીકાનો ગુસ્સો ઉતરી તો ગયો હતો..પણ એ મલ્ટી મીલીયન તેને કામ લાગવાનાં નહોંતા તેથી તેની ટુંકી દ્રષ્ટીથી હવે તે પસ્તાતી હતી.

સ્કુલમાં પરિક્ષાઓ માથે આવતી હતી તેથી તેણે ક્રીશ સાથે પણ વાત ન કરી. છેલ્લે ક્રીશ સ્કુલમા આવીને ઉભો રહો ત્યારે તે સાંજે ડીનર પર મળવા તૈયાર થઇ.

રાતા ગુલાબનાં બૂકે સાથે ક્રીશ તેની રાહ જોતો હતો..તે મનથી તો આનંદીત થતી પણ બાહ્ય દેખાવ રીસાયાનો ચાલુ રાખતી હતી.

મલ્ટી મીલીયન તેના તો હતા જ નહી…પણ હાડકુ જોઈને જે રીતે કુતરો લાળ પાડે તેવું ક્રીશ નાં પ્રયાસો થી તેને લાગતુ હતુ.

સરસ કીંડલ લાઈટ ડીનર તેણે રાધીકા માટે ગોઠવ્યું હતુ. જ્યારે તે હોટેલ માં દાખલ થઇ ત્યારે ક્રીશે હાથ પકડીને ટેબલ પર બેસાડી..

ક્રીશનાં શેતાની મગજ્માં શું ચાલતુ હતુ તે જાણવા જ આજે આવી હતી.

ડીનર ઓર્ડર કરીને પહેલુ જ વાક્ય ક્રીશ બોલ્યો “હની મને માફ કર. હું છેલ્લી મીટીંગમાં બહુ રુડ હતો.”

“ હા અને તે રુડનેસ પચાવીને આજે હું પુખ્ત ભાગીદાર બની..તારી પાછળ ઘેલી થયેલ પ્રેમિકાને મારી નાખીને મારા બાપાને લૂંટવા અને આપણો પ્લાન પુરો કરવા આજે હું આવી છું.

બે ગઠીયાઓએ હાથ મીલાવ્યો..રાધીકા એ કહ્યુ.. બોલ મલ્ટી મીલીયન એટલે કેટલા મીલીયન…

વીલમાં અંદાજો નથી આપ્યો પણ અમેરીકાની પ્રોપર્ટી નો અંદાજો ૭ મીલીયન જેટલો બેસે છે.

“મને શું આપ્યુ છે.?”

“કોઇને કશું આપ્યુ નથી..તે ના હોય ત્યારે બધુ ત્રિભુવન એસ્ટેટ માં જશે તેનો ટ્રસ્ટી ફક્ત વ્યાજ નો વહીવટ કરશે… “ટ્રસ્ટીને બધુ લેખીત આપીને જશે જે તેના મૃત્યુ બાદ વકીલ ટ્રસ્ટીને આપશે.”

“આ કેવું વીલ?”

આ વીલ ટેક્ષમેનને દુર રાખવા સર્જાતા ભૂતિયુ વીલ છે આને “કંટ્રોલ ફ્રોમ ગ્રેવ” કહેવાય.

ડીનર આવી ગયુ હતુ અને બંને ના મગજ તીવ્રતાથી ચાલતા હતા. ત્રિભુવન બધી જ રીતે ક્રિશની પહોંચ બહાર છે છતા નિરર્થક આશાઓનાં તણખા જમીનમાંથી ખેંચતા દેખાતા હતા.

“ક્રીસ મને તો બાપાનો આચક્રવ્યુહ સમજાતો નથી. પણ આખા પ્રકરણ ની નબળી કડી મનહર છે અને સબળામાં સબળી કડી બાપા કોને ટ્રસ્ટ્નો ટ્રસ્ટી નીમશે તે છે. અને વ્યાજ ની આવક જો ૨,૫૦,૦૦૦.૦૦ હોય તો આ તો ૪% નાં દરથી દસ મીલીયન થાય સાત નહીં”

“હું તો લઘુત્તમ ની વાત કરુ છુ આ વીલ તારી આંખની નીચે તારા ઘરમાં બન્યું અને તને ખબર ના પડી.”

“ હવે એતો પપ્પા છે એટલા મજબુત કે એ ના ચાહે તો મારી હાજરી હોય છતા મને ખબર ના પડવાદે.”

“…”

“કાયદાકીય રીતે શું થાય તે કહેને?”

“કાયદાકીય રીતે તુ એમની દીકરી હોવાનાં દાવે શો કોઝ નોટીસ મોકલી શકે.”

“તે નબળો દાવો છે. મારા બાપા કહી શકે કે તે છોકરીને મેં ઘણું બધુ આપ્યુ છે મારે હવે તેને કશું આપવું નથી “

“…”

થોડી ક્ષણની શાંતિ પછી ક્રિસ બોલ્યો “ મારી પાસે એક જોરદાર આઇડીયા છે જો તુ તેમા સાથ આપે તો?’

રાધીકા આ ક્ષણ ની તો રાહ જોતી હતી..”મારા વર તરીકે કે મારા વકીલ તરીકે આ સંમતી તુ માંગે છે.ઓ રંગ બદલતા કાચીંડા!”

“મને તો બંને હાથમાં લાડુ છે તેથી તુ જે રીતે કહીશ તે રીતે સંમતિ માંગીશ.”

રાધીકાનાં  ખુબ જ આક્રમક સ્વરુપને રમાડવામાં તો તે પાવરધો હતો અને આ જવાબ થી રાધિકા ફરી થી તેની જાળમાં પૂરાવાની હતી તેની તેને ખબર હતી.

“જો તારી વકીલ તરીકેની પછડાટો મેં જોઇ છે તેથી તરો પ્લાન સમજ્યા પહેલા હું કોઇ જવાબ નહી આપુ અને મેં તને કહ્યુને મારા બાપાને લૂંટવા તારો ભાગીદાર બની ને આવી છું.”

“ તો પહેલા ભાગ નક્કી કર..”

“ મને મળે તેના ૫ % તારા.”

“ જારે ગાંડી થઈ છું? અડધા અડધાની વાત હોય તો બોલ!”

“તારો પ્લાન સાંભળ્યા પછી વાત”

“જારે હું કંઇ બાઘો નથી…

“તો હું પણ બાઘી નથી જો કંઇક રસ્તો હશે તો હું બીજા વકીલ પાસેથી કામ નહીં કરાવુ તે તને અડ્ધો અડધ આપુ? પૈસા તો મારા બાપાના છે ને?”

ખાવાનું આવી ગયુ હતુ અને બે દિવસ પહેલા જેમ સુનમુન બંને ખાતા હતા તેવા સન્નાટા સાથે ડીનર પુરુ થયુ.

“ રાધા તારા વિના આ કાવત્રુ પાર નહી પડે તેથી તુ મને ૫ ટકા લઘુત્તમ આપીશ પહેલા મીલીયન ના અને ત્યાર પછી દરેક મીલીયને ચઢતી રાશ ૫%ની મહત્તમ ૫૦% સુધી..”

“ ચાલ જવાદે હું કોઇ બીજો વકીલ કરી લૈશ..તુ તો ભાઇ ખુબ મોંઘો છે અને પાછો હારેલો વકીલ…”

મહત્તમ ૫% મને મલતી રકમના અને તે ફાઇનલ..તેમા કોર્ટ અને લીગલ ફી આવી ગઈ  

રાધા ટાઈટ થઇ તેથી ક્રીશે વાત બદલી.. “હની ફરી મને એક વખત તુ તારી જિંદગીમાં લૈ લે ને અને બધુ જ તારા માટે ફ્રી”

અને હસવુ નહોંતુ છતા રાધા હસી પડી..ક્રીસ પાછો ત્યાંજ આવી ગયો હતો ૫૦% પર…

“ક્રીશ આ બ્લાઇંડ ગેમ છે તુ કેમ માની લે છે કે હવે જે કાવતરુ તુ કરવા માંગે છે તેના વિશે ઓલ્ડ્મેને વિચાર્યુ નહી હોય… “

“ જો મારો પ્લાન આ વખતે ફુલ પ્રુફ છે.”

“જોવા દે શું છે તારો પ્લાન..સહેજ પણ ભરોંસો ના હોય તેમ રાધાએ તેનું પત્તુ ફેંક્યુ….”

“ હની મારી પાસે અંબીકાએ સહીં કરેલો સ્ટેમ્પ  પેપર છે.”

“ હત તેરી…તને સમજાય છે કે ડેથ ડેટ પછી બધા અગાઉના પેપરો નકામા થૈ જાય. આટલું તો હું લો નથી ભણી તો પણ મને ખબર છે.”

“ તુ સમજતી નથી તે પેપર કોર્ટ્માં નથી મુકવાનુ..અપણી વીક લિંક મનહર ને બતાવવાનું છે.

“ ક્રીશ તે લીન્ક હવે તુ ધારે છે તેટલી વીક નથી.”  કલ્પનાના અને મનહરનાં બદલાયેલા સ્વરૂપની ગંધ રાધીકાને આવી ગઇ હતી.

“ જો હની આપણા સબંધો મા એક નાનકડો બંપ આવ્યો અને જતો રહ્યો..આપણે આ મિલકત માટે ઘણું કર્યુછે તેથી હવે જે કરવાનું હશે તે બધુ હું કરીશ..પણ તારે મારા કહ્યા પ્રમાણે ચાલવાનું છે..તો જ કંઇક અપણને મળશે.”

“ગઠીયો.. વાતો વાતોમાં તારા ૫૦ % પાકા કરેછે?”

“હજી તુ ત્યાં જ અટકી છે?

“જો આ વીલ તુ માને છે એકલી અમેરિકન પ્રોપર્ટીનું છે..પણ તેના પૈસા ભારત અને આફ્રીકામાં છે તેથી આ મિલકતો જે તુ જુએછે તેના કરતા ઘણી વધારે છે. અને શાંતુ શાહને અને મારા બાપાને તુ સમજ્યો જ નથી તેથી મને તારો ભરોંસો નથી બેસતો સમજ્યો?”

“હની ભરોંસો તો બેસાડવો જ પડશે..હવે આટલી મોટી ઉંમરે ઘાટઘાટનાં પાણી પીધા પછી હવે તો મને તારી આદત પડી ગઈ છે.

“ચાલ ચાલ હવે બહુ વેવલો થયા વિના પ્લાન સમજાવ…”

શેમ્પૈન નો ટોસ કરીને ક્રીશે પોતાનો પ્લાન સમજાવવા માંડ્યો.થોડોક અંબીકાનો અંશ હતોને તેથી તે ક્રિશની ચાલમાં આવી ગઇ. જો કે તે વિના તેનો છુટકો પણ ક્યાં હતો?

(૦)

કોર્ટનાં મેસેંજર દ્વારા જ્યારે ક્રીશનું ફરફરીયું જોયુ ત્યારે ત્રિભુવન શાંત હતો. શાંતુ શાહે આ અપેક્ષા કરેલી.

કોર્ટમાં તેમને સાંભળ્યા વિના વીલ અમલમાં ન લાવવુ તે વાત કરી હતી .

પોતાના રૂમમાં જઇ તેણે બારણુ બંધ કર્યુ.. અને ડાયરી લખવી શરુ કરી.

રાધીકા તુ મારું સંતાન છે તેથી બે વાત ફરી કહીશ.. ક્રીશ તારો હિતૈશી નથી.અને હું તારો બાપ છું દુશ્મન નથી.

એક વાર્તા હમણા વાંચી હતી તે લખુ છુ.. ક્યારેક તો તને ખપ લાગશેજ..

એક ઝાડ ઉપર એક ફળને બહુ તરસ લાગી.. તળાવની નજીકમાં હતુ તેથી માર્યો ભમ ભુસકો…પાણીમાં પડવા છતા તેની પ્યાસ ના મટી..કારણ કે તે ફળ પાસે પાણી પીવાનું કોઇ જ સાધન જ નહોંતુ. તે ઝાડપર હતુ ત્યાં સુધી તો મૂળ ની રસીઓ તેના પાણી ને તેના સુધી પહોંચાડતું હતું.

હવે ઝાડ પરથી છૂટુ પડ્યા પછી તળાવનું પાણી તેની તરસ બુઝાવતું નહોંતુ અને મૂળ સાથેથી સબંધ છૂટી ગયો હતો..

દરેક વસ્તુને યોગ્યતા પ્રાપ્ત થાય તો જ તે તેને પામે. તારી જલદી જલ્દી પૈસા પામી જવાની ઘેલછાને ક્રીશ ઉછાળે છે અને તુ પેલા જાતે કુદી પડેલા ફળ ની જેમ તરસ બુઝાવવાનો પ્રયત્ન કરે છે. તે તરસ યોગ્ય રીતે જઈએ તો જ બુઝાય. અને તે રસ્તો છે કુદરતી જ્યાં સુધી ડાળી થી ફળ પાકીને છુટે નહી ત્યાં સુધી ફળે છોડ સાથેનો સબંધ જાળવવો પડે.

બારણે શાંતુ શાહ આવીને ઉભા રહ્યા ત્યારે જગદીશને ખબર પડી કે ક્રીયા આગળ વધી રહી છે.પ્રતિક્રિયા થૈ રહી છે.

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (૧૯)- વિજય શાહ

મનહરને રાધીકા મળવા ગઈ ત્યારે ક્રીસનાં પ્લાન મુજબ અંબીકાનું વીલ ક્રીસે ગોઠવીને આપ્યુ હતુ જે મુજબ ત્રિભુવન પટેલની મિલકત નો અર્ધો ભાગ રાધીકાનો અને અરધો ભાગ મનહરનો હતો. જ્યારે તે સ્ટેમ્પ પેપર મનહરે જોયુ ત્યારે તેનાથી બોલાઇ ગયુ કે બાપાના નવા વસિયતનામા મુજબ જો તે ક્રીસને લગ્ન કરશે તો રાધીકાને કશું જ નહી મળે.જે મને ગમ્યુ નહીં. મારા મો પર અણગમો આવી ગયો, પણ મારા આ અણગમાને જોઇને મને તો મીટીંગમાંથી કાઢી મુક્યો હતો અને જગદીશમામા પણ નીકળી ગયા હતા.
રાધીકાએ નવું વીલ કાઢીને આપ્યુ અને મનહરને પણ ઉશ્કેર્યો કે કોઇને કશુ મલવાનુ નથી બધુ ટ્રસ્ટ્માં જવાનું છે.
મનહર કહે “ પપ્પાએ આ બધુ બહુ વિચારીને જ કર્યુ હશેને…અને એસ્ટેટ ટેક્ષમાં સંપતી ના જતી રહે તેમ માની ને આપણા નામો ના આપ્યા હોય તેવુ બની શકે છે.
રાધીકા એ ક્રીશે કહેલ ઝેરી દાવ ફેંક્યો…”તને ખબર છે પપ્પા મલ્ટી મીલીયોનર છે? ૨૫૦૦૦0 તો ખાલી વ્યાજ્ની આવક ગણાવતા હોય તો અહી જ એ ૭ થી ૧૦ મીલીયન ની વાત કરે છે…ભાર્ત અને આફ્રીકાની સંપતિ તો હજી ગણી જ નથી…આટલા બધા પૈસા હું તો ટ્રસ્ટમાં ના જવા દઉ.”
“ મોટીબેન માફ કરજો મને પપ્પા પર પુરો વિશ્વાસ છે જે યોગ્ય હશે તે કરશે. અને આ બધી ચિંતા અત્યારે કરવાને બદલે એ હયાત છે ત્યાં સુધી હું તો તેમના મન ને શાંતિ થાય તેવી રીતે જીવવાનું વધુ યોગ્ય માનું છું.”
“ મનીયા.. હવે તને ડહાપણ ની દાઢ ફુટી લાગે છે …પહેલા તો મોટી બેન તમે જે કહો તેમ કરીશનું ગાણું તુ ગાતો હતો ખબર છે ને?”
“ પપ્પા અને મમ્મી જ્યારે સાથે હતા ત્યારે મારે ભાગે કામ નહોંતુ પણ હવે જ્યારે તેમને મારી જરૂરછે ત્યારે તેમની સાથે હું ન રહું તો નગુણો કહેવાઉ. અને તમે મને પપ્પા સામે ઉશ્કેરવાનો પ્રયત્ન કરો ત્યારે હું ઉશ્કેરાઇશ તેવું તમે માનો તે તમારી ભૂલ છે. મારે મન તો તેઓ ભગવાન છે અને તેઓ સર્વ ગુણ સંપન્ન છે તેથી જે કંઈ તેમનો નિર્ણય હશે તેની વિરૂધ્ધ હું જઉ તેવુ કદી બનવાનું નથી.’ મનહર જ્યારે આ બોલતો હતો ત્યારે તેને ખબર હતી કે આવી વાતો મોટી બેન ને ગમવાની નથી.પણ જો અત્યારે તે ન બોલે તો મોટી બેન અને તેનો ક્રીશ કયા ખાડામાં ઉતારી દે તેની ખબર ના પડે તેથી સ્પષ્ટ ભાષામાં કહીં દીધું એક નન્નો સો દુઃખ ટાળે ના ન્યાયે.
“ મનીયા…”એનો ગુસ્સો સાતમા માળે જવાની તૈયારી કરતો હતો..મીલીયન્સ દાવ પર છે તે સમજતી હતી તેથી પોતાનો ગુસ્સો દબાવતા બોલી..”તને સમજણ પડે છે આ ટ્રસ્ટ અને ટેક્ષ બધી ખાલી વાતો છે.. પેલો શાંતુ શાહ એનું ઘર ભરે છે”
“ના મોટી બેન પપ્પા તો એની પાસે ખાલી કાયદાકીય પેપર જ કરાવે છે બુધ્ધિ તો બધી તેમની જ છે.”
નમન ત્યારે બુમો પાડતો આવ્યો..” દાદા આવ્યા..દાદા આવ્યા…”
ત્રિભુવને રાધીકાની લેક્ષસ પડેલી જોઇ.ઘરમાં દાખલ થયા ત્યારે નમ અને મનન ખુશ ખુશાલ હતા કારણ કે આજે દાદા સાથે બહાર જવાનુ હતુ.
રાધા તરફ નજર નાખ્યા વિના તેઓ બંને છોકરા અને કલ્પના ને લઇ ને નીકળી જતા હતા ત્યારે રાધીકાએ તેની આદત વશ પુછ્યુ “ પપ્પા આ શું નવું તોફાન કર્યુ છે?”
“ તોફાન તો તુ અને તારો ક્રીસ કરે છે”
કોઇક અજ્ઞાત બળથી પ્રેરાઇને રાધીકા એ દોઢ ડહાપણ કર્યુ અને અંબીકાનું વીલ આપ્યુ.
એ કાગળ હાથમાં લીધા વીના ત્રિભુવન બોલ્યો..”મને અંબીકાએ આ કોરા કાગળ ઉપર સહી કરવાની વાત કહી હતી. અને હવે તે નથી તેથી તે માત્ર કાગળ છે. મારી મિલકત મારે કોને આપવી કે કોને ના આપવી તે બાબતે મારે તમારા બે સાથે ચર્ચા કરવી જરૂરી નથી.
“પપ્પા તમે મારો હક્ક ડુબાડી ના શકો…”
“ કાળા કામો કરતી વખતે યાદ નહોંતુ આવતુ કે હક્કો તો તેને મળે જેણે ફરજો બજાવી હોય.”
“હા મેં મમ્મીનું ધ્યાન રાખ્યુ હતુ..” ”૨૦૦ તોલા સોનુ મળી ગયા પછી તારો બદલાયેલો ચહેરો મને અંબીકાએ રડતા રડતા કહેલો.”
“ પપ્પા!”
“ગુસ્સાથી લાલઘુમ ચહેરો ફક્ત એટલું જ કહે છે તુ અને તારો ક્રીસ મારો વાળ પણ વાંકો નથી કરી શકવાના. અને કશુ જોઇતુ હોય ને તો હાથ નીચે કરવો પડે હાથ ઉંચો રાખીને તો ખાલી હવામાં બાથોડીયા જ મરાય..”
અને એક વાત સમજ ક્રીશ તારે યોગ્ય નથી તે કહેવાની હવે ભાગ્યેજ મારે જરુર રહેશે..તેની સાથે રહીને તુ જ તારા પગ પર કુહાડો મારે છે.”
“ પપ્પા આ તમે સારુ નથી કરતા હં કે!”
“મોટા અવાજે તુ ઘાંટા પાડ કે તુ ઉપર આકાશથી નીચે પડ તારી બેવકુફીઓની સજા ઉપરવાળો કરે છે.”
“એટલે?”
“એટલે તારા ક્રીશ અને તને બંને ને જેલમાં મોકલવાનો નિર્ણય અત્યારે કોર્ટે લઇ લીધો હશે.”
“કયા ગુના માટે?”
“સીનીયર સીટીઝન ને હેરાન કરવા અને બળ જબરીથી કોરા કાગળ ઉપર મિલકત લખાવી લેવાના ગુના હેઠળ”
પગ પછાડતી રાધીકા તેની લેક્ષસ તરફ ગઇ
ગાડીમાં બેસી ધમ કરતો દરવાજો પછાડી ગાડી રીવર્સ કરતી તે ત્રિભુવન ઉપર ચઢાવવા ગઈ..અને મનહર પપ્પા પપ્પા કરતો ત્રિભુવન ને બચાવવા દોડ્યો અને લેક્ષસની અડફટે ચઢી ગયો..પાર્કીંગ ડ્રાઇવમાં સાહીઠ માઇલ્ની સ્પીડે ગાડી રીવર્સમાં હાંકતી રાધીકા ત્રિભુવન ને ઇજા પહોંચાડવા માંગતી હતી અને મનહર વચમાં આવી ગયો અને તેને ગબડાવી ગાડી તેના માથાને કચડી અટકી.
ત્રિભુવન રાધીકાની પાછળ દોડ્યો ગાડીમાં થી તેને બહાર કાઢે તે પહેલા તો વિફરેલી વાઘણની જેમ ગાડી પાર્કીંગ લોટ્માંથી કાઢી હાઇવે ઉપર તેણે ભગાડી મુકી.
મીનીટ્ના છઠ્ઠા ભાગમાં રાધીકાએ મન્હરને હતો નહતો કરી નાખ્યો.
૯૧૧ ઉપર ફોન કરી ત્રિભુવને એમ્બ્યુલન્સ બોલાવી અને રાધીકાની ગાડીનો નંબર આપ્યો.શાંતુ શાહને ફોન કરી મનહરની મોટેલ ઉપર આવવા તાકીદ કરી.
એમ્બ્યુલન્સ આવી સાથે ત્રણ પોલીસ ટ્રુપ આવી..મનહરને હોસ્પીટલ લઇ ગયા અને પ્રાઇમરી કેર ટેકરે નિરાશામાં માથુ હલાવ્યુ ત્યારે ત્રિભુવન છુટે મોઢે રડી પડ્યો…નમન મનન અને કલ્પના પણ રડતા હતા.. એમ્બ્યુલન્સ સાયરન વગાડતી હોસ્પીટલ તરફ જતી હતી ત્યારે ક્રીસ્પોલીસ સ્ટેશન તરફ જૈ રહ્યો હતો અને પોતાની લાલચ ઉપર પોતાની જાતને કોસતો હતો..કદાચ એ પણ ૧૫ વર્ષની જેલ તો મેળવશેજ…રાધીકાને તો ચેર મળવાની છે તે નક્કી
(૦)
ગાડી હાઇવે ઉપર ચલાવતા ચલાવતા તેણે ક્રીશને ફોન કર્યો અને કહ્યું “હું ત્રિભુવનને મારવા ગઇ હતી પણ અકસ્માતે મનહર આવી ગયો.”
ક્રીશ બોલ્યો..”આતો તે ક્રીમીનલ ગુનો કર્યો.”
“પણ હવે શું કરું?”
“પોલીસ સ્ટેશન જઇને સરંડર થા..અને હા હું હવે તને વકીલ તરીકે રીપ્રેઝણ્ટ કરીશ”
રાધીકા ગુસ્સાથી રડી પડે છે..”ક્રીશ આ સમયે આવી વાતો કરેછે?”
“અરે ગાંડી અત્યારે તારો બોયફ્રેંડ બનીશ તો તારી સાથે હું પણ જેલમાં હોઇશ..કમસે કમ બહાર રહીશ તો તારો કેસ તો લઢી શકીશ”
ફોન મુક્યા પછી ક્રીસને થયુ કે રાધીકાને બચાવવા જવાનું કામ તેના બીજા વકીલને કર.. હમણા તુ અહીં થી ચલતી પકડ..જાન સલામત તો સબ સલામત..
તેણે તેનો સેલ ફોન ચાલુ ગાડીએ રોડ પર ફેંક્યો અને સામેથી આવતી ટ્રકે તેના ચુરે ચુરા કરી નાખ્યા અને તેણે સાન્ડીયેગોનો હાઇવે પકડ્યો..
રાધીકા ગ્રીનબ્રીજના પોલીસ સ્ટેશને જાતે જઇને અકસ્માત થયો હોવાની વાત જણાવી હાજર થઇ. મા જણ્યા નાના ભાઇને મારવાનો કોઇ જ વિચાર નહોંતો કે આ વાતને આટલે સુધી ખેંચવાની કોઇ ગણતરી નહોંતી..અને ગુસ્સાની નાનકડી ચિનગારીએ મોટી હોળી પ્રગટાવી દીધી..આંસુથી આંખો ભરાયેલી ડરેલી અને હીબકતી રાધીકાને જોઇ પોલીસ ઇન્પેક્ટરે પાણી આપ્યુ અને બયાન લખવાની શરુઆત કરી.
ક્રીશ ફોન ઉપાડતો નહોંતો
(૦)
હોસ્પીટલ જતા પ્રાઇમરી કેર ટેકર લોહી બંધ કરી મનહરને ભાનમાં લાવવા મથતા હતા.
મનહર ના ધીમા પડતા શ્વાસમાં નિયમીતતા લાવવા મથતા પ્રાઇમરી કેર ટેકરનાં પ્રયત્નો હોસ્પીટલમાં જતા સુધીમાં સફળ થઇ ગયા હતા. ભાન આવ્યું નહોંતુ અને તેને તાબડ તોબ આઇ સી યુ માં દાખલ કર્યો.
જગદીશ મામા, ત્રિભુવન અને કલ્પના હોસ્પીટલમાં આવ્યા ત્યારે મનહર બેહોશ છે તે ભાનમા આવે તેની રાહ જોવાય છે તે જાણી બધાનો શ્વાસ હેઠો બેઠો.
ત્રિભુવન એકી ટસે મનહરને જોતો હતો. નાનક્ડો મનન દાદા માટે અને મમ્મી માટે પાણી લૈને આવ્યો. જગદીશે તેને મોકલ્યો હતો
ત્રિભુવન જોતો હતો મનોહર તર્ફ પણ તેનું મન તો અંબિકા સાથે વાતો કરતુ હતુ..”તુ કેટલુ સાચુ કહેતી હતી…આ છોકરાને સંસ્કાર આપવાના સમયે હું પૈસાનાં ગંજ ખડકતો હતો..પૈસા તો મળ્યા અને છોકરા ખોયા.. હવે આ પૈસાને લૈને હું શું કરું? એકને ચેર મળશે અને બીજો આ છેલ્લા શ્વાસો ગણે છે..
આંસુઓની ધાર અટકવાનું નામ લેતી નહોંતી.. કલ્પનાની સામે તો જોવાતુ પણ નહોંતુ..વલોપાતું મન કહેતુ હતુ અંબીકા હવે આ બધુ નથી જોવાતુ કે નથી સહેવાતુ
ત્રણ કલાકે મનહર હોંશમાં આવ્યો..પોલીસ નિવેદનમાં તે ઘટના અકસ્માત ગણાવી ફરી બેહોશ થઇ ગયો. તેનું મશીન એમ સુચવતુ હતુ કે તેનો શ્વાસ ઘટી રહ્યોછે…વેંટીલેટર દ્વારા શ્વાસ જતો હતો….કલાકેક રહી તેના શરીરે શ્વસન કરવાનો પ્રયત્ન છોડી દીધો.
કલ્પના મનન અને નમન ને રડતા છોડી આતમ રાજા અગમ પ્રદેશે નીકળી ચુક્યા હતા

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (૨૦) કાંતીભાઇ શાહ

ઘણા સમય થી ચાલતી રાધીકા અને ક્રીસની પનોતી આવુ વરવુ રૂપ પકડશે તેવુ તો ત્રિભુવનની કલ્પના મા પણ નહોંતુ. પણ હવે તો પ્રસંગોની ઘટમાળ ચાલુ થઇ ગઇ હતી શાંતુ વકીલની સલાહથી ત્રિભુવને એકદમ ચુપકીદી સાંધી લીધી હતી.

ક્રીસ નાસી ગયો હતો અને તેને પોલીસ શોધતી હતી.

 રાધીકાને માટે વકીલ કરવો એવુ ભારતિય બાપ ઝંખતો હતો.જગદીશ કહેતો કે છોરુ કછોરુ થાય પણ માવતર? રહી રહી ને એજ સવાલ તેને નડતો હતો..તેનું ખુદનું સંતાન આટલી હદ સુધી ઉતરી શકે? હા કારણ કે તે તેના બાપની મિલ્કત ઝંખે છે અને બાપ તેને જગદીશને તેને માટે વકીલ રોકવાનું કહી ત્રિભુવન તો તેના ઘરની તેની કોટડીમાં નજરકેદ થઇ ગયો.

રાધિકાને ત્રણ દિવસે બેલ મળી. ક્રીસનું મૌન તો તેને સમજાઇ ગયુ હતુ..હવે બીન પૈસા વાળી રાધીકા તેની ડીયર નહોંતી..
અજંપ મન સાથે જ્યારે જગદીશ મામા તેને હોટેલ વેસ્ટર્ન ઇનમાં મુકી ગયા ત્યારે તે બધીજ રીતે શોષવાઈ ગઈ હતી. આવું ઝનૂન! તેને પોતાની જાત પર શરમ આવતી હતી. લેડી પોલીસ નો ક્રીસ માટે માનસિક ત્રાસ ને તે વેઠી વેઠી ને થાકી ગઇ હતી.

ત્રિભુવન ને મારવાનો પ્રયત્ન એ એક શક્યતા એણે વિચારી હતી.. પણ તે આટલુ ત્વરીત બનશે તે કલ્પના નહોંતી. ક્રીસ પૈસા વિના તેને પરણવાનો નહોંતો અને પપ્પા કોઇપણ રીતે ગાંઠવાનાં નહોંતા..મનહર નવાણીયો કુટાઇ ગયો..રાધીકાના હ્રદયે બળવો પોકાર્યો..” ખોટી વાતો ના કર! તુ તારા બાપને મારીને પણ આ પૈસા પામવાની નહોંતી”તેનું મન વાત તો સ્વિકારતુ હતુ પણ છતાય એક શક્યતા તે જોતી હતી અને તે પૈસા ખર્ચીને પણ મૃત્યુને અકસ્માત મા ઠેરવીને બચી જાય. પણ હવે તો પપ્પા જ જીવતા છે તેથી..તેને મમ્મી ની ખોટ બહુ જ પડતી…પણ છેલ્લે તો મમ્મી પણ ક્યાં ગાંઠતી હતી?

તેનું હ્રદય હવે બરોબર એને ઠપકારવાની તૈયારી કરતું હતું “મામા કહેતા હતા કે મને છોડાવવા પૈસા અને વકીલ તેમણે કર્યો કે જેથી લાંબો સમય જેલની હવા ન ખાવી પડે. ગમે તેમ તો ય તે તારો બાપ છે મુરખ! કેવું તને પરણ ઉપડ્યુ છે કે નથી જોતી નાત કે જાત..બસ ક્રીસ જ જોઇએ? અને જો તો ખરી જેટલી વખત તુ તારા બાપની સામે પડી અને ઉંધે માથે પછડાઈ અને હજૂ તે જીવતો બેઠોછે અને તુ મિલકતમાં ભાગ માંગે છે..થોડીક સબૂરી કરી હોત તો બધુ તને મળત જ ને?”

મન હ્ર્દયનો ઠપકો સાંભળતું જતું હતું અને આંખ આંસુડા વરસાવતી જતી હતી…હ્રદય હજી તેને ઠપકારતું હતું ફટ રે ભૂંડી જેણે તને જન્મ આપ્યો તેને મારવા નીકળી હતી? કેટલા લાડ અને જતન થી તને જેણે મોટી કરી, કાબેલ બનાવી તેને મારીને તે મિલકત હડપી જવા બેઠી હતી? અરે ગાંડી તેમ કર્યા પછી ય તને મિલ્કત મળશે તેવું વિચારવું તે પણ મુર્ખતા છે.

રડતા રડતા તેની આંખો સાવ સુકી ભઠ્ઠ થૈ પણ અંદરનાં અવાજો હજી ઝંપતા નહોંતા
મમ્મી જ્યારથી ફરી ગઈને ત્યારથી તારે ફરી જવાની જરૂર હતી..મનહર…તેનો નાનો ભાઇલો દીદી દીદી કરતા તેની જીભ નહોંતી સુકાતી..તેણે પણ કહ્યુ હતુ ને કે પપ્પા જે કરે તેમા વિચારવાનું હોય જ નહીં..ચઢાવી દીધોને તેને ઠેબે…પેલા નાના નમન અને મનન બાપા વિના ના થઇ ગયા…તને અને તારા પરણની કિંમત આખી જિંદગી નાના ભુલકાઓ ભરશે..ખબર છે? આ બધાની કુરબાની કરી દીધા પછી પણ ક્રીસ તેને ક્યાં મળ્યો? તે રડતી હતી, ડૂમા સાથે નિઃસાસા અને આહો નીકળતા હતી..મન રડતુ હતુ અને અંબીકાને ઝંખતુ હતુ.

છાપામાં ઉછળતો કાદવ અને ટીવી ન્યુઝમાં ક્રીસને ભાગેડુ બતાવ્યો હતો,

ઢળતી સાંજે તેના રૂમનું બારણું ખુલ્યુ –કલ્પના ટીફીન લૈને આવી હતી. સફેદ વસ્ત્રોમાં માથે સિંદુર વીનાની કલ્પના તરફ એ જોઇ ના શકી…સાથે નાનકડા નમન અને મનન પણ હતા.જગદીશ મામા તેમને લઇ ને આવ્યા હતા. આંસુઓ ફરીથી મોટો બંધ તોડી ધસી આવ્યા.

“ મામા! મામા!” કહીને પોક મુકીને તે રડી પડી!

“રાધીકા સાંભળ! હવે રડવાનું તો આખી જિંદગી છે ..કલ્પના અને છોકરાઓને લઇ ને હું અહીં એટલા માટે આવ્યો છું કે ઘરે પપ્પા સવારથી બારણું બંધ કરીને બેઠા છે. તેમને બહાર કાઢવા આખા કુટુંબે પ્રયત્ન કરવાનો છે.”

“ પણ મામા મારા આવવાથી તો વાત બગડશે..”

“જો બાપ છે થોડુ બોલે તો સાંભળી લેજે કારણ કે માબાપની ગાળોમાં પણ વહાલ હોયછે અને તેમના ગુસ્સામાં તમારી ચિંતા”
વીલા મોં એ રાધીકા કલ્પના સાથે ગાડીમાં બેઠી. અને ગાડી ઘરે પહોંચી.જગદીશ પહેલા આગળ જઈને પરિસ્થિતિ ચકાસી ને આવ્યો. ત્રિભુવન હજી તેમના રૂમ માં થી બહાર નીકળ્યા નહોંતા.

ટેબલ ઉપર ખાવાનું કાઢી જગદીશે નમન ને કહ્યું જાવ દાદાજીને બોલાવો

બન્ને ભુલકાઓ દાદા કરતા હતા. થોડા સમય પછી ત્રિભુવને બારણું ખોલ્યુ.તેઓની અકાળે ઉંમર ૧૫ વર્ષ વધી ગયેલી લાગતી હતી.
કલ્પનાને સફેદ કપડામાં જોઇ તેઓ ફરી થી આકુળ વ્યાકુળ થઇ ગયા. જગદીશની સાથે રાધીકાને જોઇને તેમની આંખો ક્ષણ ભર ક્રુધ્ધ રહી પણ પછી “અંબીકા” કહી ને તેમનાથી ડુસકું નંખાઇ ગયુ…

ખાવાનું પીરસાયેલું હતુ પણ કોઇનાં પેટમાં ભૂખ નહોંતી.

થોડીક ક્ષણો એમ વીત્યા પછી થોડું પાણી પી ત્રિભુવને વાત શરુ કરી.
“દિકરાને ખાંધે મુકીને વળાવીને આવ્યા પછી કયો બાપ તેની દિકરી સાથે લઢવાના કે આથડવાનાં મૂડમાં હોય…મે કેટલાંક મારા વિચારો આ ડાયરીમાં મુક્યા છે જે કલ્પના જગદીશ અને રાધીકા માટે ના છે. જે ચોક્કસ સ્વરુપ પકડશે પછી તમને આપતો જઇશ. મેં અને અંબીકાએ ચારધામ યાત્રા દરમ્યાન એવું નક્કી કર્યુ હતું કે જીવન નો છેલ્લો સમય બદ્રી કેદારનાથમાં કાઢવો..તેની તૈયારી હું કરતો જઇશ.”

રાધીકાથી ના રહેવાયુ અને જોરથી તેણે ઠુઠવો મુક્યો. “ના પપ્પા મને માફ કરો અને આવુ કોઇ જ કદમ ના લેશો.”

કલ્પના “ મોટી બેન! તમે પપ્પાને બોલવાદો અને આમ રડશો ના.” રાધીકાનું રૂદન તો ના થંભ્યુ અને તે વધુ ને વધુ રડતી રહી” નાનો નમન પાણી લાવીને બોલ્યો “ મોટી ફોઇ બા તમે કેમ રડો છો? પપ્પા નથી તો હું છુંને હું તમારું કામ કરીશને?”

રડતી રાધા સામે જોઇને ત્રિભુવન બોલ્યો” જો બેટા આ સંસ્કાર અંબીકા અને કલ્પનાના છે. એ છોકરાઓ સમજણા થશે છતા તને સાચવશે જો તુ એમને હમણા સાચવી લઇશ તો.”

રાધીકાને ફરી પાણી પાઈ જગદીશે તેને શાંત કરી. કલ્પનાની આંખો પણ રડતી હતી.

ત્રિભુવને તેનું મન ઠાલવવાનું ચાલુ રાખ્યુ “મનહર નથી તેથી કલ્પનાને નાણાકીય અને તેના બંને છોકરા ભણી ગણીને પરવારે ત્યાર પછી ત્રિભુવન ટ્રસ્ટ ની રકમો ૩ સરખા ભાગે વહેંચાશે જો રાધીકા ક્રિસને પરણશે તો તેનું લગ્ન ખર્ચ અંબિકાએ કહ્યા મુજબ હું ભોગવીશ.

ભારતિય પ્રણાલીની વાત કરવા કે સમજાવવા અહીં વાત નથી કરતો પણ એ એટલું સત્ય છે કે ભલે અંદર અંદર ગમે તેટલા મતભેદો હોય સંકટના સમયે બધા એક જ હોય છે તેથી મને ભલે તેં કચડવા પ્રયત્ન કર્યો પણ તું મારુ જ સંતાન છે તને જેલની હવા કેમ ખવડાવાય? તેથી વકીલ રાખ્યો અને તને બેલ અપાવ્યો..અને તને સજાના થાય તે માટે મનહર પણ “અકસ્માત” બોલ્યો..આ બાંધી મુઠ્ઠી લાખની એક લાખેણી વાત તુ સમજ.પહેલા કુટુંબ પછી સમાજ અને તેજ રીતે સંપથી રહેવાય ..અને તે સંપ જ્યારે બહારનું પરિબળ પોતાના નાકડા સ્વાર્થ થકી તોડવા માંગે ત્યારે સમગ્ર કુટુંબ એક થઇ ને તેનો સામનો કરે જેમ આજે તારી સાથે બધા છે.

મારા ગયા પછી મળનારી મિલકત માટે તેં ક્રીસ ની વાદે ચઢી ધમાલ કરી..પણ હું નહી હોઉ પછી ડેથ ટેક્ષમાં તે પૈસો જતો ના રહે તેથી ત્રિભુવન ટ્રસ્ટ્નું નિર્માણ થયું.. અને ટ્રસ્ટી ફક્ત તે રકમોની આવક વાપરી શકે તેટલી છૂટ અપાઇ ૨૫ લાખ જેટલા ડોલરની વાર્ષિક આવકોને કારણે કલ્પના ધારે તો મોટેલ વેચી દઇ શકે છે. આ ટ્રસ્ટ તેને જીવન જરૂરી આવકો આપશે.

રાધીકા જો કોઇ યોગ્ય માણસ સાથે લગ્ન કરે તો અને તેના થકી જો તેને સંતાન થાય તો તેને ૨૫ વર્ષ સુધી મામેરા મળશે પણ હા યોગ્યતા નો આધાર નક્કી કરવાનું કામ ટ્રસ્ટી નું રહેશે. મારા અને જગદીશના મૃત્યુ પછી અહીનું આ મકાન વેચી દઈ તે મૂડી ટ્રસ્ટમાં મુકાશે. રાધિકા તેના લગ્ન સુધી અહી રહી શકશે.

નમન, મનન અને કલ્પના સાથે રાધીકા ભાઇચારાથી રહેશે તેવી અપેક્ષા છે પણ કદાચ બનવા કાળ તે શક્ય ન બને તો સમગ્ર ટ્રસ્ટ અને તેનો વહીવટ કલ્પના હસ્તક રહેશે. રાધીકાએ જે અંબીકાની આડશે મનહર અને ક્લ્પના ને કરેલા અન્યાયોની આ આર્થિક સજા હું કરું છું જો કે મને શ્રધ્ધા છે કે કલ્પના તેના સંસ્કારો વડે જે તે સમયે ઉચિત નીર્ણય લેશે જ.

હું છું ત્યાં સુધી આ મિલ્કતનો ટ્રસ્ટી હું છું મારા ગયા બાદ તે જગદીશ અને કલ્પના રહેશે..કલ્પના નાં ગયા બાદ તેમના બાળકો રહેશે.”

રાધીકા સાંભળતી હતી પણ તેનું મન હવે આ ડોલરની માયા જાળમાં નહોંતુ.

બાપા દ્વારા થતી સજા કરતા ક્રીસની વાતો હવે તેને સ્પષ્ટ રીતે સમજાઇ ગઈ હતી. ક્રીસ ની પાછળ તે પડી હતી..જ્યારે ક્રીસને મન તો તે એક સાધન હતી મફત પૈસા પડાવવાનું તે જાણકારી તો હતી છતાય મન મરકટ એને ઝંખતુ હતુ તેથી પેલુ નાનું છોકરું જેમ રમકડા માટે જીદ પકડે તેમ જીદ પકડી રાખેલ હતી.

તેણે સ્વસ્થ મનથી પોતાનો નિર્ણય જાહેર કર્યો “ પપ્પા તમે જ્યાં જશો ત્યાં તમારી પાછલી ઉંમરે તમારી સાથે મનહર બની ને હું રહીશ.એજ મારું પ્રાય્શ્ચીત છે. કોર્ટ જે સજા કર્શે તે તો ભોગવાઇ જશે પણ આ નબાપા છોકરાઓને બાપની ખોટ નહીં પડવા દઉ.”

ત્રિભુવનની અનુભવી આંખ જોઇ રહી હતી કે રાધીકાને પસ્તાવો છે અને તે ભારતિય પ્રણાલીનું જ્ઞાન પામ્યા પછી તેને થયું છે.

પછીની વાત તો સાવ ટુંકી છે..રાધીકા અને કલ્પના બંને બાળકોને ઉછેરે છે અને ટ્રસ્ટ્ની મૂડી જેમ બાળકોની ઉંમર વધે તેમ વધે છે
છ મહીનાનાં ટુંકા સમયની જેલની સજા ભોગવીને પાછી ફરેલ રાધીકા હવે ત્રિભોવન અને જગદીશ મામા સાથે તિર્થાટન ફરે છે. ડોલરમાંથી તેનું મન હવે સ્પષ્ટ પણે નીકળી ગયું હતું…

ત્રિભુવનની ચાકરી અને નમન અને મનનની સુચારુ માવજત એજ જાણે જીંદગી બની ગઇ હતી. અંબીકાની ધર્મ પ્રવૃતિ પણ હવે તેને જચવા માંડી હતી.વ્રત જપ અને સંયમથી સુશીલ જીવન સંપન્ન કરી પાછલા કડવા ક્રોધનાં ઘૂંટડા પીતા તે શીખી ગઇ…

રેડિયો પાછળ તેની જ વાત પુનરાવર્તીત કરતો ગાતો હતો

 जिंदगी के सफरमें गुजर जाते है जो मुकाम

वो फिर नहीं आते वो फिर नहीं आते..

સંપૂર્ણ

5 Responses to જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક

 1. Satish Parikh કહે છે:

  A great story. jem jem vadhu vanchto gayo tem tem badhi link besva madi. jane koi suspense movie ni story vanchi raho hou avo bhas thayo.
  Keep writing.
  Khub khub abhinandan badha lekhako ne.

  Like

 2. bhavna કહે છે:

  Bharatiya sanskriti thi vishesh koi j sanskriti nathi,je hamesha sukh dukh ma ek thaine rahevanu kahe chhe.Proud to be an Indian.

  Like

 3. hmevots કહે છે:

  fuggo-logy (human-life: punarjanm ane mauksh ni theory)

  vaat saachi…
  jivanbhar fuggama havaa(saara kaaryo) ni foonk maarta raho, fuggo foolto raheshe..aa rite fuggo futyo, loko nu dhyaan khenchashe ane anant maa vilin thasho..(moksh??) 🙂

  pan…
  jo vachche atki gaya to hava leak thai jashe ane ante havaai gayela fuggani jem zindago puri thashe.. 😥
  (paacchi koi funk maarshe to fuggo fulashe..punarjanm??)

  Like

 4. આજની મેલમાં આ વાર્તા મળી અને એટલી સરસ વાર્તા લાગી કે, બધું મુકીને એકી બેઠકે વાંચી ગયો.
  કરૂણ તો છે પણ, બહુ સરસ વાર્તા છે.

  Like

vijayshah ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.