નિરાલી ભગત (૯)નિરંજન મહેતા

courtsey http://www.google.com

પ્રતાપને કહ્યું તો ખરૂં કે અમેરિકા જઈને સર્જરી કરાવવા માટે ખર્ચો બહુ થાય એટલે તેની ઈચ્છા મુંબઈ જઈ તેમ કરવાની છે પણ તેને એ પણ ખબર હતી કે તેના મામા આ વાત માનવાના નથી અને તેને અમેરિકા લઇ જઈ સર્જરી જરૂર કરાવશે. તો પણ એકવાર તે વિષે વિસ્તૃત ચર્ચા કરવી જરૂરી છે તેમ નિરાલીને લાગ્યું. પણ તે માટે યોગ્ય સમયની રાહ જોવી રહી.

આ બાજુ નિરાલીના મામા ચંદ્રેશભાઈએ નિરાલીની સર્જરી માટે અમેરિકા જવા શું શું કરવું તે માટે પહેલા તો ડો. શાહને મળીને વિગતવાર વાત કરી. ડો. શાહનો પણ અભિપ્રાય હતો કે ભલે નિરાલીની ઈચ્છા મુંબઈ જઈ સર્જરી કરાવવાની છે તો પણ તેના સ્તનોનું કેન્સર એટલું પ્રસરી ગયું છે કે કદાચ મુંબઈમાં તેની યોગ્ય સારવાર ન પણ મળે. જ્યારે અમેરિકામાં તો હવે ન કેવળ કેન્સરનો ઈલાજ આગળ વધી ગયો છે, સર્જરી પણ સહેલી થઇ ગઈ છે પણ સાથે સાથે સર્જરી બાદની પ્રક્રિયા પણ સારી રીતે પાર પડે છે. વળી સ્તન પ્રત્યારોપણની પ્રક્રિયા પણ સારી વિકસી છે.

વધુ ચર્ચા બાદ ડો. શાહે કહ્યું કે અમેરિકાની એમ.ડી.એન્ડરસન હોસ્પિટલ કેન્સરના ઉપચાર માટે બહુ જાણીતી છે. ત્યાંના ડો. ભુવન ભક્તા બહુ જ કાબેલ ડોક્ટર છે અને સ્તન પ્રત્યારોપણ નિષ્ણાત છે. તેઓ ન કેવળ સર્જરી દરમિયાન પણ ત્યારબાદ પણ તેમના દર્દીઓની ખાસ સંભાળ લે છે. તેમાંય કોઈ પોતાના દેશ ભારતમાંથી આવ્યું હોય તો તેની પ્રત્યે જરા વધુ લગાવ રહે છે કારણ તેઓ ભારતીય તો છે ઉપરાંત ભારતથી આવતા લોકો માટે અમેરિકા અને અમેરિકન હોસ્પિટલ માટે કેવી મૂંઝવણભરી સ્થિતિમાં હોય છે તે સમજે છે એટલે તેવા દર્દીઓને તેઓ પોતાના કુટુંબીજન ગણી થોડીક વધુ દરકાર કરે છે. યુવાન વયે જ તેમણે અમેરિકામાં સારી નામના મેળવી છે. તેમના મામા જે ભાવનગરમાં રહે છે તેઓ મારા મિત્ર છે કારણ અમે એક શાળામાં એસ.એસ.સી સુધી ભણ્યા હતાં અને ત્યારબાદ પણ અમારો સંપર્ક ચાલુ રહ્યો છે. તેમને કારણે જ ડો. ભક્તા મને ઓળખે છે, તેમની સાથે અગાઉ કેન્સર બાબતની સલાહ માટે ફોન ઉપર વાતચીત થઇ હતી ત્યારે મારી સાથે જે રીતે વિનયથી વાત કરી હતી તે પરથી મને તેની ભારતીયતા અને તેનામાં રહેલી ભારતની સંસ્કૃતિ ખયાલ આવી ગયો હતો.

ચન્દ્રેશભાઇએ ડો. શાહને વિનંતી કરી કે તેઓ ડો. ભક્તા સાથે વાત કરી બધા રિપોર્ટ મોકલાવે અને તેમનો અભિપ્રાય માંગે કે શું સર્જરી કરવામાં જોખમ છે? સફળતાની તક કેટલી? સર્જરી કરવાની હોય તો ક્યારે? વળી કેટલો ખર્ચો થાય તે પણ અગત્યનું છે તો તે માટે પણ જો જાણકારી મળે તો સારૂં.

ચાર-પાંચ દિવસ સુધી ડો. શાહ તરફથી કોઈ માહિતી ન મળી એટલે ચંદ્રેશભાઈથી ન રહેવાયું અને ડો. શાહને ફોન કર્યો.

‘ડો. સાહેબ, શું અમેરિકા વાત થઇ? કોઈ પ્રતિભાવ?’

‘ચંદ્રેશભાઈ, ડો. ભક્તા થોડા વ્યસ્ત હતાં એટલે રિપોર્ટસ જોયા ન હતાં પણ આજ સાંજ સુધીમાં તેઓ જોઇને પોતાનો અભિપ્રાય આપશે. મેં જે માહિતી ફોન ઉપર આપી તે પરથી ડો. ભકતાને લાગ્યું કે પૂરા રિપોર્ટ્સ જોયા બાદ જ તેઓ કશું કહી શકશે. એટલે હજી બે દિવસ રાહ જોઈએ. પરમ દિવસે હું તેમની સાથે વાત કરીશ.’

બે દિવસ પછી ડો. શાહે ચંદ્રેશભાઈને કહ્યું કે ડો. ભક્તાના મતે કેસ બહુ સરળ નથી પણ ન ઉકલે તેવો પણ નથી. તેમની પાસે આવા એક બે કેસ આવેલા હતાં અને ઈશ્વરકૃપાએ તે બધા સફળ રહ્યાં છે એટલે ડો. ભક્તાને વિશ્વાસ છે કે નિરાલીના કેસમાં પણ તેઓ સર્જરી કરી શકશે. તમે અન્યો સાથે ચર્ચાવિચારણા કરીને તમારો નિર્ણય જણાવો એટલે હું ડો. ભક્તા સાથે ફરી વાત કરી શકું.

ચર્ચાની શી જરૂર છે તેમ માનવા છતાં વાત તો કરવી પડે કારણ કે દીકરીને તો ખરૂ પણ તેની મા સરલાને પણ સમજાવીને હા કરાવવી પડે.

‘પપ્પા, શા માટે તમે અમેરિકા જઈ મારી સારવાર કરાવવા માંગો છો? એક તો અજાણ્યો દેશ અને ત્યાં જવાઆવવાનો અને સર્જરીનો કેટલો ખર્ચો થશે તે વિચાર્યું? વળી મુંબઈમાં પણ જો આ સારવાર થતી હોય તો પછી આટલે દૂર જવાની શી જરૂર છે?’

‘જો નિરાલી, તારી લાગણી હું સમજી શકું છું. પણ ડો. શાહે જ સલાહ આપી છે કે મુંબઈ માટે તારો કેસ વધુ મુશ્કેલ છે જ્યારે અમેરિકાના ડો. ભક્તા એક તો એક હોશિયાર યુવા ડોક્ટર છે અને વળી ડો. શાહ તેને ઓળખે પણ છે. તેણે તારા બધા રિપોર્ટસ જોયા બાદ જ ડો. શાહને ફોન ઉપર જણાવ્યું કે તેમના મુજબ આ એક થોડો મુશ્કેલ કેસ છે પણ તે અસંભવ નથી. સર્જરી થાય એમ છે.’

‘પણ ત્યાનો ખર્ચો?’

‘તેની તું ચિંતા ન કર. આ તારા બાપે તે માટે યોગ્ય વ્યવસ્થા કરી છે. મારે તો બસ મારી દીકરી સાજી થાય અને ઘરમાં હળવું વાતાવરણ બની રહે એ જ જોવાની ઈચ્છા છે. તારૂં શું કહેવું છે સરલા?’

‘તમે જે નિર્ણય લેશો તે સમજી વિચારીને જ લેશો એટલે મારે કશું કહેવા જેવું નથી. હા, નિરાલીએ સંમત થવું જરૂરી છે.’

તે દિવસે તો વાત ત્યાં જ અટકી ગઈ પણ બે દિવસ પછી ફરી એકવાર ચંદ્રેશભાઈએ આ બાબત ચર્ચા કરી અને વધુ ભાર દઈને પોતાની વાત મૂકી. નિરાલીને લાગ્યું કે હવે મારે તેમની સાથે સંમત થવું જ પડશે એટલે કમને અમેરિકા જઈ સર્જરી કરાવવાની હા પાડી .પણ આ વાત પ્રતાપને તો જણાવવી જ રહી એટલે ફોન કરી બધી વિગતો આપી અને કહ્યું કે આશા રાખું છું કે બધું ઠીક થાય.

‘અરે તને કશું નહીં થાય. તું હેમખેમ સાજી થઇ પાછી આવશે તેની મને ખાત્રી છે.’

‘બસ, મને તારી પાસેથી આ શબ્દોની જ આશા હતી. મારા સ્વાસ્થ્ય માટે પ્રભુને પ્રાર્થના કરજે. ત્યાં ગયા પછી હું તારી સાથે વાત ન પણ કરી શકું તો તું ચિંતા ન કરતો. અનુકુળતાએ સમાચાર મોકલાવીશ.’

અમેરિકાની એમ.ડી.એન્ડરસન હોસ્પિટલની ભવ્યતા જોઇને નિરાલી એક્દમ અવાચક થઇ ગઈ. વિશાળ વિસ્તારમાં ફેલાયેલી આ હોસ્પિટલ એક ભૂલભૂલામણી સમાન હતી અને અજાણી વ્યક્તિને સમજ ન પડે કે ક્યા જવાનું અને કેવી રીતે જવાનું. એ તો ડો. શાહે ડો. ભક્તા સાથે વાત કરીને ચંદ્રેશભાઈ અને નિરાલીના આગમનની બધી વિગતો આપી હતી એટલે જ્યારે ચંદ્રેશભાઇએ તેમને પહોંચ્યાના બીજે દિવસે ફોન કર્યો ત્યારે તેમણે કોઈ ચિંતા ન કરવા કહ્યું. ચંદ્રેશભાઈના સારા નસીબે તેમના સાળાના ભાઈ મયુરભાઈ તે જ શહેરમાં રહેતા હતાં એટલે રહેવાની વ્યવસ્થા અને અન્ય સગવડની ચિંતા ન હતી. મયુરભાઇએ તો કહી દીધું કે મારા ભાઈની ભાણી એટલે મારી ભાણી. હવે તમારે કોઈ ચિંતા નહીં કરવાની. આ તમારૂં જ ઘર છે એટલે નિ:સંકોચ રહેશો. પરદેશમાં આપણું કોઈ મળી જાય ત્યારે તેનો આનંદ અવર્ણનીય હોય છે તેમાંય આ તો સાળાનો ભાઈ જેની ઓળખાણ તો હતી જ એટલે ચંદ્રેશભાઈ પણ નચિંત હતાં.

ત્યાર પછી તો ડો. ભક્તાની મુલાકાત, તેમનો સૌમ્ય સ્વભાવ અને શાંત ચિત્તે તેમની સાથે કરેલી વાતોથી નિરાલીએ એક નવો જ અનુભવ કર્યો. યુવાન ડોક્ટરનું વ્યક્તિત્વ જ તેને માટે કોઈ અનન્ય અનુભૂતિ હતી. તેમની વાતો વચ્ચે તેનું ધ્યાન તેમના મુખ પર જ સ્થિર થઇ જતું અને કેટલીક વાતો તેની ધ્યાન બહાર જતી. પણ તેની તેને ચિંતા ન હતી કારણ પપ્પાએ આ બધું સાંભળીને સમજવાનું હતુંને. ડો. ભક્તાએ આગળ શું કરવાનું છે તે સમજાવ્યું. એ પ્રમાણે બીજે દિવસે નિરાલી હોસ્પિટલમાં દાખલ થઇ અને ત્યાર પછી જે બધી પ્રક્રિયાઓ કરવાની હતી તે સમયસર થઇ અને આ બધામાં લગભગ ચાર-પાંચ દિવસ વીતી ગયા.

બધા પરિક્ષણો બાદ ડો. ભક્તાને સંતોષ થયો એટલે અંતે સર્જરીનો દિવસ પણ નક્કી થઇ ગયો.

પણ આ બધી પ્રક્રિયા દરમિયાન નિરાલીને ડો. ભક્તાને રોજ મળવાનું બનતું અને ન જાણે કેમ પણ તેમને રૂબરૂ જોતા જ તેનું મન વિચલિત થઇ જતું. જ્યારે તે તપાસવા સ્પર્શ કરતા ત્યારે તેને એક કોઈ જુદી જ લાગણી થઇ આવતી. આ કેવી લાગણી છે? આવું ક્યારેય નથી અનુભવ્યું, પ્રતાપ સાથે પણ નહીં. તો શું આ કેવું આકર્ષણ છે? શું ડો. ભક્તા પણ આવી કોઈ લાગણી તેને માટે અનુભવતા હશે? તે એકલી પડતી ત્યારે પોતાની જાતને કોસતી કે તું અહી તારા ઈલાજ માટે આવી છે અને તેનો વિચાર કરવાને બદલે મનમાં કેવા વિચારો કરે છે? તો તેનું બીજું મન કહેતું કે તારી આ ઉંમર જ તને આમ કરાવે છે અને તેમાં કશું ખોટું નથી.

આ બધા વિચારોને કારણે તે અવારનવાર શૂન્યમનસ્ક થઇ જતી. ચંદ્રેશભાઇ સમજતા કે તે સર્જરીના વિચારે શૂન્યમનસ્ક થાય છે એટલે તે નિરાલીને આશ્વાસન આપતા કે તું ચિંતા ન કર બધું ઠીક થઇ જશે. નિરાલી પણ તે સાંભળી શુષ્ક સ્મિત કરી લેતી.

નિર્ધારિત સમયે સર્જરી થઇ અને સ્તન પ્રત્યારોપણનું કાર્ય પણ સારી રીતે પાર પડ્યું. થોડા દિવસ પછી બધી રીતે ચેકઅપ કર્યા બાદ ડો. ભક્તાએ ALL WELL કહી રજા આપી. ત્યારબાદ સર્જરી પછીની બે-ત્રણ ચકાસણી બાદ ડો. ભક્તાએ ભારત પાછા જવાની રજા આપી. સાથે સાથે ડો. શાહને વિગતવાર સૂચનાઓ આપતો કાગળ પણ આપ્યો જેથી યોગ્ય દવાઓ અપાતી રહે અને નિયમિત ચેકઅપ થતું રહે.

એક બાજુ વતનપરસ્તીનો આનંદ હતો તો બીજી બાજુ ડો.ભક્તાની યાદો વારંવાર નિરાલીના મનને વિચલિત કરી દેતું હતું. પણ ક્યા આવી મહાન વ્યક્તિ અને ક્યાં એક નાદાન ભારતીય યુવતી. એટલે પરાણે તે તેમના વિચારોને હટાવતી પણ તે પણ થોડોક સમય. વળી પાછું તેનું પુનરાવર્તન.

આવ્યા બાદ ડો. શાહને બધી વિગતો જણાવી અને ડો. ભક્તાની સૂચનાવાળો કાગળ પણ આપ્યો.

થોડા દિવસ બાદ ડો. શાહે ચંદ્રેશભાઈને કહ્યું કે ડો. ભક્તાએ નિરાલીની તબિયત માટે તમને ફોન કરવા કહ્યું છે. ચંદ્રેશભાઈને થોડી નવાઈ તો લાગી પણ આ ડો. ભક્તાની પ્રણાલી છે એમ જાણ્યું એટલે ઘરે જઈ ફોન કર્યો. ઔપચારિક પૃચ્છા પછી તેમણે નિરાલી સાથે વાત કરવાની ઈચ્છા દર્શાવી એટલે ચંદ્રેશભાઈએ ફોન નિરાલીને આપ્યો.

મારી સાથે શું વાત કરવાની હશે તે નિરાલીને ન સમજાયું. જેવો તેમનો અવાજ સંભળાયો કે તેણે ફરી અમેરિકામાં અનુભવ્યો હતાં તેવા સ્પંદનો અનુભવ્યા અને એકાદ મિનિટ બોલી ન શકી. સામેથી અવાજ આવ્યો કે નિરાલી ખોવાઈ ગઈ કે શું? એટલે તે સાબદી થઇ ગઈ અને બોલી કે ના પણ તમે મારી સાથે વાત કરવા કહ્યું એટલે જરાક વિચારમાં પડી ગઈ હતી.

સામેથી જવાબ આવ્યો કે તબિયતની વાત કરવાનું તો બહાનું હતું. હવે હું જે કાંઈ કહીશ તે કદાચ તને અજુગતું લાગે તો માફ કરજે પણ તારા ગયા પછી મને તારા એક દર્દી તરીકે નહીં પણ એક સમજદાર યુવતી તરીકેના વિચાર આવતા. કેટલીયે વાર હું જ્યારે એકલો હોઉં ત્યારે તું મારી નજર સમક્ષ આવીને ઊભી રહેતી. મારી કારકિર્દીમાં હું કેટલીયે યુવતીના સંપર્કમાં આવ્યો છું પણ તારા તરફ જે ખેંચાણ અનુભવ્યું છે તે અન્ય કોઈ માટે નથી અનુભવ્યું. પણ શું આવી લાગણી તને મારા માટે હશે? બસ, આવા વિચારોમાં આટલો સમય કાઢ્યા બાદ આજે લાગ્યું કે મારે વાત તો કરવી જ રહી. જો તું પણ આમ અનુભવતી હોય તો ઠીક બાકી હું તને મળ્યો હતો એક ડોક્ટર તરીકે એટલું જ યાદ રહેશે.

આ બધું સાંભળ્યા બાદ નિરાલીની મન:સ્થિતિ બદલાઈ ગઈ. શું જવાબ આપવો તે તેને ન સમજાયું એટલે પછી ફોન કરીશ એમ કહી વાત ટાળી. હવે નિરાલીની બેચેની વધી ગઈ જે ચંદ્રેશભાઇના ધ્યાનમાં આવ્યું એટલે પૂછ્યું કે ડો. ભક્તાએ શું વાત કરી? તબિયત વિષે પૂછતાં હતાં એમ તો કહ્યું પણ એક પિતાની નજરમાંથી દીકરીની બેચેની છૂપી નાં રહી. બહુ પૂછ્યા બાદ ધીમે ધીમે નિરાલીએ પોતાનું મન ખુલ્લું કર્યું અને ડો. ભક્તા પણ તેમ જ અનુભવે છે એમ કહ્યું. બધી વાત સાંભળ્યા બાદ ચંદ્રેશભાઈએ નિરાલીને પૂછ્યું કે તારા મનમાં શું છે?

‘પપ્પા, આ માટે તમારે વિચાર કરવાનો. એક દીકરીને પરદેશ મોકલવા મન માનશે?’

‘જો બેટા, ગમે ત્યારે તને વિદાય કરવાની છે. હવે તો અમેરિકા ક્યા દૂર છે? હા, આપણા શહેરમાં તું હોત તો જુદી વાત હતી પણ જો કોઈ સાથે તારી જિંદગી સારી રીતે વીતે તો અમને તેનો સંતોષ અને આનંદ થાય. તું બસ હા પાડ એટલે વાત આગળ ચલાવું.’

કશું બોલ્યા વગર નિરાલી સ્મિત સાથે ચંદ્રેશભાઈને વળગી.

તરત જ ચંદ્રેશભાઇએ ફોન ઉપાડી ડો. ભક્તાને પૂછ્યું, ‘જમાઈરાજ, ભારત ક્યારે આવો છો નિરાલીનું અપહરણ કરવા?’

નિરંજન મહેતા .

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.