મહેંકતા પત્રો (વિદેશ વસી સહિયર મોરી – ૨૨ રોહિત કાપડિયા

Inboxx

     
આશા ,   

મનને જીતવાની તારી વાત અને એ દિશામાં પ્રયાણ કરવાની તારી તૈયારી ગમી.  સામાન્યતાની જિંદગી તો હર કોઈ જીવે છે. કોઇ કે જિંદગીની કેટલીક સુંદર પરિભાષા આપી છે. અસામાન્યતાની ક્ષણોમાં ગૂંથાયેલી જિંદગી એ જ જિંદગી. જિંદગીની આવી જ થોડી ક્ષણોનો અનુભવ ગયા રવિવારે થયો.    

વડોદરાથી ઓફિસના કામે અહીં આવેલા છોકરા સાથે મારી મુલાકાત ગોઠવાઇ હતી. લગ્ન કરીને વડોદરા જવાની વાત હતી તેથી મારે તો ના જ પાડી દેવી છે એ નક્કી હતું. ખેર! પણ જ્યારે એ છોકરો ઘરે આવ્યો ત્યારે એને જોતાં જ કોને ખબર કેમ દિલમાં એક અજબ પ્રકારની લહેરો ઉઠી. પ્રથમવાર જાણે ભીતરમાં  કંઈક સળવળાટ થયો. એક આછી નજર એના પર પડી હતી પણ એની સાદગી, એની શ્યામ પણ સુંદર મુખાકૃતિ અને ચહેરા પરની સૌમ્યતા મનને સ્પર્શી ગઈ. ઔપચારિક વાતો માટે અમને બન્ને ને એક રૂમમાં મોકલાયાં. આવી મુલાકાત પૂર્વે પણ અન્ય છોકરાઓ સાથે થઈ હતી પણ આજે થોડો ડરનો અહેસાસ થતો હતો. જો કે આ ડર એણે એક જ પળમાં દૂર કરી નાખ્યો. બેસતાંની સાથે એણે કહ્યું

“જુઓ આ રીતની આ મારી પ્રથમ મુલાકાત છે એટલે આપણે ઔપચારિકતાને બાજુએ મૂકીને મિત્રની જેમ વાત કરીશું. તમને મારા નામ અને કામની તેમજ મારા પરિવારની વિગત ખબર છે. ને મને તમારી વિગત ખબર છે એટલે આપણે બીજી જ વાતો કરીશું. તો શરૂઆત તમારાથી જ કરીએ. તમારે જે પૂછવું હોય તે પૂછો. બીજું કંઈ સમજ ન પડતાં મેં પૂછી લીધું

“તમને શાનો શોખ છે? “

થોડી પળો શાંત રહ્યા પછી એણે કહ્યું” મને જીવવાનો શોખ છે. હા, હું જિંદગીની હરેક પળને જીવવા માંગું છું. મોત આવે ત્યારે મને કોઈ જ અફસોસ ન રહે એવું જીવન જીવવું છે.”

વચ્ચેથી જ મેં અટકાવીને કહ્યું “આ ઉંમરે મૃત્યુનો ડર સારો ન કહેવાય”.

હસીને એણે કહ્યું” મને મૃત્યુનો ડર નથી મારે તો ખૂબ લાંબી જિંદગી જીવવી છે. તમને ખબર છે સમજણા થયાં પછી મારા જન્મ દિવસે મને આશીર્વાદ આપતાં જ્યારે મારી બાએ કહ્યું કે બેટા,સો વર્ષનો થજે ને ખૂબ મોટો માણસ બનજે ત્યારે મેં કહ્યું કે બા, તું બહુ કંજૂસ છે. સો વર્ષની જિંદગી ઓછી નથી. ને પછી તો હર જન્મદિને મારી બા કહેતી કે ખૂબ ખૂબ જીવ ને જીવનમાં ખૂબ આગળ વધ. આ તો મૃત્યુ ગમે ત્યારે આવી શકે અને આવનાર મહેમાનને તો ખુશી ખુશીથી જ વધાવાય એટલે જ હું હર પળ ખુશ રહેવા ચાહું છું. હર પળને માણવા ચાહું છું.”

પછી બીજી જ ક્ષણે એણે મને કહ્યું” તમને મૃત્યુનો ડર નથી એ બહુ સારી વાત છે પણ જિંદગી પ્રત્યેનો તમારો અભિગમ શું છે. “એકદમ તો મને સમજાયું નહીં કે શું જવાબ આપું પણ ત્યાં જ તારી કવિતાની બે પંક્તિ યાદ આવી ગઈ અને મેં કહ્યું –  

     હર પડાવે,  હર વળાંકે નવા સાજ સજે એ જિંદગી        

સુખની જેમ દુઃખને પણ હસીને વધાવે એ જિંદગી. “.

તરત જ એણે મને કહ્યું ” બહુ જ સુંદર વિચાર છે. શું આ તમારી રચના છે? “. મેં મારા મનની વાત સમજનાર, મારીબહેનપણી કહો કે બેન કહો એ રીતે તારી ઓળખાણ આપી તારા વિષે થોડીક વાત કરી. મેં એમને પૂછ્યું” તમારો ખાસ મિત્ર કોણ છે? “.

બહુ જ શાંત અને ધીમા સ્વરે તેણે કહ્યું” મિત્રો તોઘણાં છે. કદાચ કોઈ જ દુશ્મન નથી. તો યે મારો ખાસ મિત્ર તોમારી એકલતા છે. હું એકલતાને મન ભરીને માણું છું. ક્યારેક મૌન રહીને મારી સાથે જ ખૂબ વાતો કરૂં છું. તો ક્યારેક નિ:શબ્દ બનીને સર્જનહારની આ સૃષ્ટિને નિહાળ્યા કરૂં છું. તોક્યારેક મારા મનગમતાં ગીતોને ગણગણી લઉં છું. “

એ કંઈ આગળ બોલે તે પહેલાં જ મેં પૂછ્યું ” તમારૂં સહુથી પ્રિય ગીત ક્યું? એક વાર એ ગીત સંભળાવોને? “. જરા પણ સંકોચ વગર એણે કહ્યું” મારો અવાજ કંઈ બહુ સારો નથી. હાં, એટલો બધો ખરાબ પણ નથી. ને તેણે ધીમા અવાજે ગાવા માંડયું–           

 કુછ પા કર ખોના હે, કુછ ખો કર પાના હે           

 જીવનકા મતલબ તો આના ઓર જાના હે             

દો પલકે જીવનસે એક ઉમ્ર ચુરાની હે           

 જિંદગી ઓર કુછ ભી નહીં   તેરી મેરી કહાની હે. 

એનો અવાજ સામાન્ય હતો પણ એણે જે ભાવથી ગાયું તે ભાવ અનન્ય હતો. એણે મને સહુથી વધુ પ્રિય ફિલ્મ વિશે પૂછ્યું ને મેં એક પળના વિલંબ વગર કહી દીધું “આનંદ”. એ ફિલ્મ અંગે મેં ઘણી બધી વાત કરી. શાંતિથી સાંભળ્યા પછીએણે કહ્યું “ખુદ ખુશ રહેવું અને અન્યને ખુશ રાખવા એ પણએક પ્રકારની ઈશ્ચરની પૂજા જ છે.”

લગભગ કલાક સુધી અમારી મુલાકાત ચાલી. છૂટા પડતાં એણે કહ્યું “ભાવિનાગર્ભમાં શું છે એ તો ખબર નથી પણ વર્તમાનમાં એક વધુ મિત્ર ઉમેરાયો છે એટલું તો જરૂરથી કહી શકું. આપની ઈચ્છા હશે તો આવતા રવિવારે વડોદરાથી આવવાનો છું ત્યારે ફરી એકવાર મળવાનું ગમશે. મળવું કે ન મળવું એ નિર્ણય તમારોરહેશે. કંઈ વિચારવાને બદલે, મમ્મી – પપ્પાની સાથે વાત કરવાને બદલે મેં ત્યાં જ કહી દીધું “આવતા રવિવારે હું તમારી રાહ જોઈશ.” મુલાકાતનો સમય નક્કી કરી અમે છૂટા પડ્યાં

 એ મુલાકાત પછી, એનાથી છૂટા થયાં પછી ત્રણ દિવસ પસાર થઈ ગયાં છે પણ હજુ મનથી એનાથી છુટી થઈ જ નથી. મનમાં એનાં વિચારો જ રમ્યા કરે છે. કાનમાં સતત એનાં સ્વરનો રણકાર સંભળાય છે. એનો જ ચહેરો આંખો સમક્ષ આવ્યા કરે છે. ખેર! મેં જે વિગત લખી એના પરથી તારા મંતવ્ય દ્વારા તું શું ઉજાસ પાથરે છે એની રાહ જોતાં અહીં જ અટકું છું. હાં, એનું નામ ઉજાસ છે.                                          

 આશા. 

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

1 Response to મહેંકતા પત્રો (વિદેશ વસી સહિયર મોરી – ૨૨ રોહિત કાપડિયા

  1. Rajul Kaushik કહે છે:

    “ખુદ ખુશ રહેવું અને અન્યને ખુશ રાખવા એ પણએક પ્રકારની ઈશ્ચરની પૂજા જ છે.”
    ઇશ્વરની આ પૂજામાં જ આપણું જીવન પસાર કરીએ એનાથી વધુ ધન્યતા કઈ હોઈ શકે?
    ખુબસુરતીથી લખાયેલો પત્ર…..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.