મહેંકતા પત્રો (વિદેશ વસી સહિયર મોરી – 21 રોહિત કાપડિયા

સ્મિતા,        

ગઈ કાલે ‘ચલ, મન જીતવા જઈએ’ ફિલ્મ જોઈ. ફિલ્મ બહુ જ સુંદર હતી. એક જ ઘરમાં ઓછામાં ઓછા ખર્ચે બનેલી આ ફિલ્મ જિંદગીમાં ઘણા બધા પાઠ ભણાવી ગઈ. ફિલ્મ તો તે પણ જોઈ જ હશે. ઘરે આવીને સુતા પહેલાં એ ફિલ્મના વિચાર જ મનમાં રમતા હતાં. અચાનક જ એક કવિતા મનમાં  સ્ફૂરી. એ કવિતા અહીં લખું છું.                            

જઈએ

– – – – – – – 

 દુનિયા જીતવી સહેલી નથી, ચાલ મનને જીતી લઈએ,

ખુદ સાથેની આ લડત છે, ચાલ નિઃશસ્ત્ર લડતા જઈએ. 


 અડચણો ને અવરોધો તો, આવ્યા જ કરશે જીવનમાં,        

સત્યને શ્રદ્ધાના સથવારે, ચાલ એને ઓળંગતા જઈએ. 


  સુવાસ મધુરી પુષ્પોની પણ, ખીલ્યા સુધી જ રહેવાની,        

સુવાસ નીતિની છોડી જઈ, ચાલ સદા મહેકતા જઈએ. 

પ્રલોભનો ની આ દુનિયામાં, અટવાઇ જવાનું સહેલું છે,        

ભીતરનો સાદ સુણીને, ચાલ માર્ગ કંડારતા જઈએ. 


 સુખસાહ્યબીના મૃગજળથી, પ્યાસ ક્યારે  નહીં છીપે,             

મહિમા  ત્યાગનો જાણીને, અમૃતના ઘૂંટ ભરતાં જઈએ.


         આજે વિશ્વાસના ઓફિસ ગયા પછી એ કવિતા વિશે થોડું લખવાનું મન થયું પણ પછી થયું તેને આ કવિતા લખું અને લખતાં લખતા જે વિચારો આવે તે સીધા જ ઇ મેઇલ દ્વારા તને પાઠવું.          

દુનિયાને જીતવી, આ જગને જીતવું એ સહેલું નથી. ઈતિહાસમાં ડોકિયું કરીશું તો પણ જણાશે કે શસ્ત્રોની લડાઈ દ્વારા કોઈ જ વિશ્વવિજેતા બન્યું નથી. હાં, પણ જેણે મન જીત્યું છે તેણે જગ જીત્યું છે. આમ તો મનને જીતવાની વાત કેટલી બધી આસાન લાગે. પણ જ્યારે એ ચંચળ મનને જીતવા માટે, કાબૂમાં રાખવા માટે, વશમાં કરવા માટે પ્રયત્નો કરીએ ત્યારે જ સમજાય કે આ જીત જરા પણ સહેલી નથી. આ મનને જીતવા માટે આપણે શસ્ત્ર વગર આપણી સાથે જ લડવાનું છે. ભીતરના શત્રુઓને નિઃશસ્ત્ર રીતે હણવાના છે. અહીં હારીને જીતવાનું છે આપણે ક્રોધને ભૂલવાનો છે. માનને છોડવાનું છે. મોહથી દૂર રહેવાનું છે. લોભને ભૂલી જવાનો છે અને બદલામાં પરમ શાંતિને મેળવવાની છે. ટૂંકમાં અહીં ગુમાવીને મેળવવાનું છે પણ એ માટે મનનું રિમોટ કન્ટ્રોલ આપણા હાથમાં જ જોઈએ.                

જીત માટેનો આ રસ્તો કંઈ સહેલો નથી. ડગલેને પગલે મુસીબતોનો સામનો કરવો પડે. માર્ગમાં આવતા કંટકોને હળવેથી દબાવીને આગળ ધપવું પડે. અડચણ અને અવરોધોને સત્ય અને શ્રદ્ધાના સથવારે ઓળંગવા પડે. નિતી, નિયમ, આદર્શો અને સિધ્ધાંતોથી જીવન જીવવું પડે. આ બધું કર્યા પછી જે આત્મસંતોષ મળે તે અનન્ય હોય છે. નીતિ અને પ્રામાણિકતાથી પ્રગટેલો પમરાટ ખુદના તેમજ અન્યના જીવનને મહેકથી ભરી દેતો હોય છે. આ પમરાટ મૃત્યુ પછી પણ યાદ સ્વરૂપે સદૈવ પ્રસરતો રહે છે. અલબત્ત એ પહેલાં ઘણાં બધા પ્રલોભનો આપણને આ માર્ગ પરથી પાછા ખેંચવા માટે તૈયાર હોય છે. એક માયાવી દુનિયા એના આકર્ષણથી આપણને અટવાવવા ચાહે છે ને એમાં અટવાઈ જવું બહુ સહેલું છે. લપસવા માટે તો ઢાળ જ કાફી છે પણ ચઢવા માટે તો મજબૂત મનોબળ જોઈએ. આવા સમયે ભીતરનો સાદ અને અંતરાત્માનો અવાજ સાંભળીને આપણે કેડી કંડારવાની હોય છે .આ ભીતરનો સાદ બહુ અનોખો હોય છે. આસપાસના કોલાહલ, કલબલાટ અને શોરબકોર ને ભેદીને સાચી રાહ, સાચી મંજિલેથી આવતા પરમનાં અત્યંત મૃદુ અવાજને તે પારખી શકે છે. જો આપણે તે અવાજને ને અનુસરીએ તો સાચી મંજિલે પહોંચી શકીએ છીએ.            

 આપણે સુખની સાચી પરિભાષા જ ભૂલી ગયા છીએ. બહુ સાચું કહીએ તો આપણે દુઃખને જ સુખ માની બેઠા છીએ. સુખ એટલે શાંતિની ઊંઘ. તે શાંતિની ઊંઘ ડનલોપની ગાદીમાં અને એસીની ઠંડકમાં પણ આપણને આવતી નથી. જ્યારે દિવસભર પરિશ્રમ કરીને હાથનો તકિયો બનાવીને  ખરબચડી ભૂમિ પર સૂઈ જનાર મજૂરને આવી જતી હોય છે. આપણી જરૂરિયાતો વધારે છે એટલે આપણે દુખી છીએ. આપણી જરૂરિયાતોનો કોઈ અંત જ નથી. એ તોમૃગજળની જેમ આપણી પ્યાસ બુઝાવવાને બદલે વધારે છે.જો છોડીને આપણે ખુશ થઈ શકીએ. ત્યાગીને ભોગવી શકીએ. તો જ જીવનનાં સાચા આનંદને પ્રાપ્ત કરી શકીએ. તો જ મનને જીતી શકીએ. એક નાનકડી વાર્તા યાદ આવે છે.                

લાખોની દોલત છોડીને, સત્યની શોધમાં નીકળેલા એ સંન્યાસી હતાં. પાસે કોઈ જ સામાન ન હતો. વૃક્ષ પરનાં ફળોથી ઉદર નિર્વાહ કરતાં. વૃક્ષની છાયામાં જ આરામ પણકરતાં અને નિંદર પણ કાઢી લેતાં. જળપાન માટે એક કમંડળસાથે રાખ્યું હતું. સરિતાના જળમાં કમંડળ ડુબાડીને પાણીભરીને પી લેતાં. તે દિવસે પાણી ભરવા એમણે કમંડળ પાણીમાં ડૂબાડ્યું. ત્યાં જ તેમની નજર જીભના લપકારાથીસરિતાનું પાણી પીતી એક બકરી પર ગઈ. બીજી જ સેકંડે તેમણે કમંડળને પાણીમાં વહાવી દીધું અને ખોબામાં પાણી ભરીને પી લીધું. હવે એ સાવ જ હળવા થઈ ગયાં હતાં. જેને ઉંચે ઊડવું છે તેને હળવા તો બનવું જ પડે.                    

આ લખતાં લખતાં જ વિચાર આવ્યો કે શું આબધી સૂફિયાણી વાતો માત્ર લખવા માટે જ છે. આચરવા માટે નથી? શા માટે ઘણાં બધાં પૈસા કમાઈને પછી જ ભારત પાછાં ફરવું? ધણાં એટલે કેટલાં? એ નક્કી જ નથી અને શું એટલાં કમાઈ લઈશું એટલે સંતોષ થઈ જશે? એ કમાયેલાં અને ભેગાકરેલા પૈસા સદા યે આપણાં જ રહેશે? આજે જ હું વિશ્વાસ સાથે આ અંગે વાત કરીશ. અલબત, નિર્ણય વિશ્વાસ પર જછોડીશ. બાકી એક વાત તો સમજાય છે કે સામાન્યતાનાંવહેણમાં તણાઈને જીંદગી પૂરી કરવી એટલે માત્ર વર્ષોમાં જીવવું. આજથી જ મળતાં ફાજલ સમયમાં કંઈક મનને શાંતિ મળે અને જીવન જીવ્યાનો અહેસાસ થાય એવી પ્રવૃત્તિ કરીશ. તારી વૃક્ષોનાં માવજતની અને ગરીબ બાળકોને ભણાવવાનીપ્રવૃત્તિ સારી રીતે ચાલતી હશે.                  

 ચાલ ત્યારે, જિંદગીમાં વર્ષો નહીં પણ વર્ષોમાં જિંદગી ઉમેરાય એવી ચાહ સાથે અહીં જ અટકું છું.

          આશા.             

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.