નિરાલી ભગત (૭) આવેલી તકનો લાભ ન લીધો-નિરંજન મહેતા

નિરાલીએ વાત આગળ ચલાવી.

‘મને એમ કે કેડબરી લઇ લીધા પછી તે થેંક્યું કહેવા મારી તરફ ફરશે અને કદાચ અંધારાનો લાભ લઇ કિસ પણ કરશે. પણ એવી કોઈ હરકત પ્રતાપે ન કરી. આશ્ચર્ય પણ થયું અને એક રીતે હળવાશ પણ અનુભવી. કેમ કે આવેલી તકનો સાધારણ રીતે અન્ય લોકો ઉપયોગ કરે છે તેવું પ્રતાપે ન કર્યું. ‘

અજય બોલ્યો, ‘આવેલી તકનો લાભ ન લીધો એટલે કાં તો તે બુદ્ધુ છે અને કાં તો તે ડરી ગયો હશે.’

‘પણ આવે સમયે એવું કાંઈક કરવું જ જોઈએ એમ લખી આપ્યું છે?’

‘આપણા સમાજમાં એક માન્યતા છે કે સિનેમાની ખૂણાની સીટો કોલેજ જતાં છોકરા છોકરી એટલા માટે લેવાણું પસંદ કરે છે કે સિનેમા જોવા જવાનું તો બહાનું છે હકીકત તો કોઈ ઓર જ હોય છે. એટલે જ્યારે તું પણ બધા સાથે ‘સંગમ’ જોવાનું નક્કી કર્યા પછી પણ બહાનું બતાવી ત્યાથી છટકીને ‘વો. કોન થી’ જોવા જતી રહી તે શું દર્શાવે છે? તારા મનમાં પણ અન્યની જેમ કોઈક અભરખો હશે.’

‘હા, અજય, તારી રીતે તું સાચો છે પણ મારૂં રૂપમ ટોકીઝમાં જવાનું કારણ તે ન હતું. કોણ જાણે કેમ મને અન્યો કરતાં પ્રતાપની સંગત વધુ પસંદ હતી પણ તે હું જાહેરમાં કહી શકતી નહીં. કહું પણ કઈ રીતે? એક તો નાદાન ઉંમર અને વળી તે એક તરફી હોય તો? મારા હિસાબે પ્રતાપે તે દિવસે જે કર્યું તે તેના ઉચ્ચ ચારિત્ર્યની નિશાની છે. એકવાર ક્યા સંદર્ભમાં તે યાદ નથી પણ તેણે જ મને કહ્યું હતું કે એકાંત હોય, છોકરો છોકરી એકલા હોય અને આવી તક મળે ત્યારે સભ્ય છોકરો છોકરીને અડતાં પહેલાં અચકાય અને પછી હાથ પકડે. જો છોકરી વિરોધ ન કરે તો છોકરો માને કે છોકરી પણ રાજી છે અને તે કદાચ થોડો આગળ પણ વધે. પણ જો છોકરી પ્રથમ પગલે જ વિરોધ કરે તો છોકરો આગળ ન વધે. આને કોઈ ડર કહેશે પણ હું તેને પરિપક્વતા કહીશ.’

‘એટલે તે જયારે તેનો હાથ પકડ્યો ત્યારે તે આગળ ન વધ્યો કે કશું ના પૂછ્યું?’

‘ના, મને લાગે છે કે મેં તેને માટે જે લાગણી અનુભવી તે લાગણી તેના મનમાં મારા પ્રત્યે નહીં પણ હોય. અને હોય તો પણ ન દર્શાવી એક ભદ્ર પુરુષ જેવું વર્તન કર્યું છે જે મારા અંતરમાં ઘર કરી ગયું છે.’

‘જો એમ જ હોય તો હવે અત્યારે તે શું કામ દુ:ખી થાય છે?’

‘અત્યારે તે કેમ દુ:ખી છે તેની મને જાણ નથી પણ તે જયારે મારી સાચી પરિસ્થિતિ જાણશે ત્યારે મને લાગે છે કે તે દુ:ખી થવાને બદલે કદાચ મારા પ્રત્યે લાગણીશીલ પણ બની જાય.’

આ બધી વાતો યાદ આવતા અજયની આંખો ભીની થઇ ગઈ. શું ખરેખર મારી બહેન નિરાલી પ્રતાપને ચાહે છે? શું તે  પોતાની પરિસ્થિતિને કારણે પોતાની લાગણી વ્યક્ત નથી કરતી? શું પ્રતાપ પણ પહેલા ન અનુભવેલી લાગણી હવે અનુભવે છે અને તેમ હોય તો તે શું નિરાલીને આવી પરિસ્થિતિમાં પણ સ્વીકારવા તૈયાર થશે? પણ આ બધાનો જવાબ તો તેમને સાથે ભેગા કરી પૂછાય ત્યારે જ મળે. અને હાલમાં તે શક્ય નથી. વળી નિરાલીના કેન્સરને લગતા રિપોર્ટ હજી હવે આવવાના છે તે આવ્યા પછી જ જાણી શકાય કે કેન્સર ક્યા તબક્કે છે. આ રિપોર્ટ આવતા હજી એક બે દિવસ નીકળી જશે ત્યાં સુધી જૈસે થેની જેમ જ વર્તવું પડશે.

તેની આ વિચારધારામાં પ્રતાપના અવાજે ભંગ પાડ્યો.

‘શા વિચારમાં ખોવાઈ ગયો છે, અજય? તું મને કહેતો હતો કે હું ખોવાયેલો ખોવાયેલો રહું છું અને આજે તારી હાલત મારા જેવી કેમ થઇ?’

‘ના, એમ જ. અતિતમાં સરી ગયો હતો.”

‘એટલે તારે પણ કોઈ છે જે તને અતિતમાં ખેંચીને લઇ જઈ શકે છે એમ ને?’

‘ના, દોસ્ત. તું ધારે છે તેવું કશું નથી. હું તો તારો વિચાર કરતાં કરતાં નિરાલીનો  વિચાર કરતો થઇ ગયો.’

‘એમ, એટલે તારી બહેનની યાદ તારી આંખમાં પાણી લાવી શકે છે. પણ ત્યાં પણ એવી હાલત હશે કે કેમ?’

‘અહી બેઠા તે કેમ ખબર પડે? પણ છોડ એ બધી વાતો. મને કહે નિરાલીને કેન્સર છે તેમ જાણ્યા પછી તારી મનોદશા કેવી રહી?’

‘મેં પહેલા પણ કહ્યું હતું કે કેન્સર હવે કોઈ અસાધ્ય રોગ નથી અને તે ક્યા તબક્કે છે તે પર તેની સારવાર નિર્ભર રહે છે. હવે તો આપણા ભારતમાં પણ કેન્સર માટે ઘણી સારી હોસ્પિટલો છે અને દિવસે દિવસે નવી દવાઓ શોધાતી રહી છે. હવે પહેલા જેવું નથી કે કેન્સર એટલે ‘કેન્સલ’. એટલે નિરાલીના હવે પછીના રિપોર્ટ કેવા છે અને તે જોયા પછી ડોક્ટરનું શું કહેવું છે તેની આપણે રાહ જોવી જોઈએ. ક્યારે આવવાના છે નવા રિપોર્ટ?’

‘નિરાલી કહેતી હતી કે એક બે દિવસમાં આવી જશે પછી આગળ શું કરવું તે નક્કી કરાશે. તેના પપ્પા એટલે કે મારા મામા તો ખમતીધર છે એટલે તેમણે તો નિરાલીને અમેરિકા મોકલવાનું નક્કી જ કર્યું છે અને તેમના ફેમિલી ડોકટર દ્વારા ત્યાના ડોકટર સાથે વાત કરી લીધી છે. હવે નવા રિપોર્ટ આવે ત્યારબાદ ત્યાના ડોક્ટરની સલાહ લઇ ત્યાં જવાનો કાર્યક્રમ બને.’

 ‘તારા મામાને કહે જો કેન્સર અહીં જ ઠીક થઇ શકતું હોય તો નિરાલીને ત્યાં મોકલવાની શું જરૂર છે?’

‘ના, મારાથી તેમને આમ કહી ન શકાય.’

 ‘ભલે. ચાલ હવે ક્લાસનો સમય થઇ ગયો છે એટલે રૂમ પર મળશું.’

પ્રતાપ કરતાં થોડો વહેલો અજય રૂમ પર પહોંચી ગયો હતો. જાણે તેમના આવવાની રાહ જ જોતા હોય તેમ મીના ને રેણુકા તેના આવ્યાના દસ મિનિટ બાદ નાસ્તો અને ચા લઇ આવી ગયા

‘તમે લોકો આમ રોજ રોજ ચા અને નાસ્તો લાવશો તો મને ખોટી આદત પડી જશે. મારૂં તો ઠીક પણ પ્રતાપનું શું થશે તેની મને જાણ નથી.’

‘તને શું લાગે છે, આ બધું તારા માટે થઇ રહ્યું છે? તું તો બહાનું છે. મુખ્ય કારણ તો મીનાની પ્રતાપ પ્રત્યેની લાગણી છે.’ રેણુકાએ કહ્યું.

‘અરે, મીના ગાંડી થઇ ગઈ છે? આ શું તેની ઉંમર છે પ્રેમ કરવાની? પ્રતાપ પ્રત્યે તે જુદી લાગણી ધરાવે છે પણ પ્રતાપની તેના તરફ શું લાગણી છે તેનો વિચાર કર્યો?’

‘મેં પણ તેને એમ જ કહ્યું હતું. પણ આ ઉંમર જ એવી છે કે લાગણીના પૂરમાં તણાય અને પછી પસ્તાય. આવા કિસ્સા તો અગણિત છે, પણ ના, અમારા મીનાબેનને તો ખાત્રી છે કે પ્રતાપ પણ તેની તરફ ખેચાયો છે.’

‘મોટીબેન, તમે ભલે કાંઈ પણ કહો પણ મને પ્રતાપની આંખોમાં હવે મારા પ્રત્યે જુદો જ ભાવ દેખાય છે. પહેલે દિવસે જોયેલો પ્રતાપ અને આજનો પ્રતાપ એ એક બદલાયેલી વ્યક્તિ છે.’

‘પણ તને પ્રતાપે ક્યાં કશું એવું કહ્યું છે કે એવું વર્તન કર્યું છે કે તું આમ માની બેઠી? તેની નિરાલી પ્રત્યેની લાગણી હજી પ્રવાહિત છે એમ મને જણાયું છે, ભલે તેને કેન્સર હોય.’

‘એ તો એકવાર મારો અને પ્રતાપનો સંપર્ક વધતો જશે પછી જો જો ચિત્ર આખું ફેરવાઈ જશે. તેમાંય નિરાલી અમેરિકા જશે એટલે પરોક્ષ પરિચય કેટલો વખત? થોડો વખત તેની યાદ રહેશે પછી ધીરે ધીરે બધું ભુલાઈ જશે અને ત્યારે પ્રતાપ માટે મીના હાજર હશે. હું તે દિવસની રાહ જોવા તૈયાર છું.’

ત્યાં જ પ્રતાપ દાખલ થયો.

‘મારી પીઠ પાછળ મારી શું વાત થઇ રહી છે?’

‘અમે એવા કાયર નથી કે પીઠ પાછળ વાત કરીએ અને વ્યક્તિ આવે ત્યારે મૂંગા થઇ જઈએ.’ મો મચકોડી મીના બોલી. તેના આવા હાવભાવ જોઈ બાકીના બધા હસી પડ્યા.

‘ચાલ પ્રતાપ, ચા ગરમ જ છે. પી લે અને નાસ્તો પણ તૈયાર છે, તારા પ્રિય ખમણ. તારી અને મીનાની વચ્ચે એવું કેવું સંધાણ થઇ ગયું છે કે તેને તારી પ્રિય વાનગીની વગર કહે જાણ થઇ જાય છે?’

‘મને શું ખબર કે અમારી વચ્ચે કોઈ સંધાણ છે અને હોય તો કેવી રીતે આ સંધાણ થયું તેની મને જાણ નથી.’

‘પ્રતાપ, એક સ્ત્રી પાસે છઠ્ઠી ઇન્દ્રિય હોય છે અને તેનો તે સારી રીતે ઉપયોગ કરી શકે છે.’

‘વાહ, છોટી પુડિયા ઓર બડી બાત.’ પ્રતાપે કહ્યું.

‘અરે પ્રતાપ, આ તો એક નમૂનો છે. ઘરે તો આનાથી પણ વધુ પોત પ્રકાશે છે.’ રેણુકાએ કહ્યું.

‘તો તો મારે તેનાથી સાવધ રહેવું પડશે.’

‘રહે, જેટલું સાવધ રહેવાય એટલું રહે પણ અંતે તો ધાર્યું ધણીનું જ થાય છે.’

પ્રાતાપને લાગ્યું કે ગાડી આડે પાટે ચઢી ગઈ છે એટલે વાતને બદલવા તે ન જાણતો હોય તેમ બોલ્યો. ‘અજય, નિરાલીના નવા રિપોર્ટ ક્યારે આવવાના છે?’

અજય પણ સમજી ગયો એટલે કહ્યું કે એક બે દિવસમાં આવશે અને ત્યાર બાદ મારા મામા આગળનો નિર્ણય લેશે.

નિરાલીની પરિસ્થિતિ વિષે વધુ ચર્ચા થતી જોઈ મીના બોલી મોટીબેન હું ઘરે જાઉં છું.

આ સાંભળી અજય અને પ્રતાપ એકબીજા સામે મલક્યા.

નિરંજન મહેતા

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

1 Response to નિરાલી ભગત (૭) આવેલી તકનો લાભ ન લીધો-નિરંજન મહેતા

  1. પિંગબેક: સહિયારું સર્જન – ગદ્ય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.