મહેંકતા પત્રો (વિદેશ વસી સહિયર મોરી – 10) રોહિત કાપડિયા

આશા,    

બરફની શ્વેત ચાદર પર સરકાવી મોકલેલો તારો ઇ-મેઈલ મળ્યો. વાંચીને એક શીત લહેર આખા શરીરમાં ફરી વળી. એ શીત લહેર જ્યારે દિલની ઉષ્મા સાથે ટકરાઇ ત્યારે આંખોની સમક્ષ તારો આશાથી છલકતો ચહેરો નજર આવ્યો .એ ચહેરા પરની સ્વસ્થતા જોઈને આનંદ થયો.બરફ કદાચ હવે પીગળી ગયો હશે.હવેના ત્રણ મહિના તને આવી હિમવર્ષા જોવાની અનેક તક મળશે.મને વિશ્વાસ છે કે તું એ હિમવર્ષાથી ક્યારેય નહી ધરાય .તારી એ વાત’ શું અંધારું ખૂબસૂરત ન હોઈ શકે ?’ ગમી તો ખરી પણ હજુ એ વાક્યનો અર્થ પૂરેપૂરો મનમાં નથી ગોઠવાતો. હવે પછીના ઈ મેઇલમાં જરૂરથી જણાવજે. થોડા સમય પહેલાં મેં તને અહીં યોજાતા વૃદ્ધાશ્રમોની સંખ્યા વિશે લખ્યું હતું .ભણેલા ગણેલા સંતાનો જ્યારે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે ત્યારે પ્રશ્ન થાય છે કે સાચું ભણતર શું ? મન કંઈક મૂંઝાતું હતું. પણ ગઈકાલે જ એક સમાચાર વાંચ્યા અને હૈયે ટાઢક વળી ગઈ. સાચું ભણતર ક્યું એ સમજાય ગયું.

     ‘ આવકાર’ વૃદ્ધાશ્રમના મુખ્ય સંચાલકે કરેલી વાત તને લખું છું. એ સંચાલકે જણાવ્યું કે વર્ષમાં પંદરથી વીસ જેટલા વૃદ્ધ મા-બાપને અહીં ખમતીધર છોકરાઓ રહેવા માટે મૂકી જાય છે. તે સંતાનો પાસે પૈસા છે પણ પ્રેમ નથી અને સમય નથી. જો કે અમે તો એમ જ ઇચ્છીએ છીએ કે માનવતા મહોરી ઉઠે અને વૃદ્ધોને અહીં મૂકવાની સંખ્યામાં ઘટાડો થાય. અમે રાત દિવસ પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર સૌ સંતાનોને સાચી સમજણ આપે .અમારી સંસ્થાના ખાટલાઓ જ્યારે ખાલી રહેશે ત્યારે અમારું દિલ ભરાઈ જશે. અમને સંતોષ થશે. તેવી જ એક ઘટના એક વર્ષ પૂર્વે બની. એક યુવાન દંપતી અમારા વૃદ્ધાશ્રમમાં એમના ત્રણેક વર્ષના નાના બાળક સાથે આવ્યું.આવીને હાથ જોડીને વંદન કરી હસતા ચહેરે કહ્યું “આ અમારો રાજુ છે. એ અમારી આંખનો તારો છે. અમારા દિલની ધડકન છે. અમારા જીવનનું કેન્દ્ર છે. અમે તેને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. મા બાપ પાસેથી મળતા અઢળક પ્રેમથી રાજુ પણ એટલો જ ખુશ છે. અફસોસ, એક જ વાતનો છે કે મને તેમજ મારી પત્નીને મા બાપનો આ પ્રેમ નસીબ નથી થયો. આજે અમારી પાસે લખલૂટ દોલત છે

. અમારા બંનેની ઈચ્છા મા-બાપનો પ્રેમ મેળવવાની છે.તો આપ આપના વૃદ્ધાશ્રમમાંથી બે વૃદ્ધ માતા અને બે વૃદ્ધ પિતા અમને દત્તક આપો. હાં! એવા માતા પિતાને દતક આપવા પસંદ કરજો કે જેમને દીકરાનો પ્રેમ જ ન મળ્યો હોય ને નરી ઉપેક્ષા જ મળી હોય.અમે તેમને અનહદ પ્રેમ આપશું અને બદલામાં તેમના તરફથી એટલો જ પ્રેમ મેળવશું.અમારે ત્યાં એમને કોઈ તકલીફ નહીં પડે અમે બંને ડોક્ટર છીએ એટલે એમના સ્વાસ્થ્યનું પણ પૂરું ધ્યાન રહેશે. અને એ સાચા માનવ ધર્મ નિભાવનારા ડોક્ટર યુગલ ચાર વૃદ્ધોને ઘરે લઈ ગયું

.      ગઇકાલે એક વર્ષ પછી એ ડોક્ટર યુગલ પાછું આશ્રમે આવ્યું. બહુ જ ખુશખુશાલ હતાં એ ચારેય વૃદ્ધ મા બાપના સુધરેલા સ્વાસ્થ્યના અને એમના પ્રસન્ન રીતે પસાર થતાં દિવસનાં  ફોટાઓ બતાવ્યા. પછી ધીરેથી હાથ જોડીને કહ્યું “અમે થોડાં વધુ લાલચુ થઇ ગયા છીએ. હજુ વધુ મા બાપનો પ્રેમ અમને જોઈએ છીએ અમારી ઝોળીમાં બીજા ચાર ઉપેક્ષિત વૃદ્ધ મા બાપને આપો.” મારી પાસે બોલવા માટે કોઈ જ શબ્દો ન હતા. મારી આંખો અનાયાસે ભીની થઈ ગઈ. વૃદ્ધો પ્રત્યેનો એમનો આદરભાવ અને અપાર લાગણી જોઈને મારી ઈશ્ચર પ્રત્યેની શ્રદ્ધા વધુ ગાઢ બની. બીજા ચાર ઉપેક્ષિત વૃદ્ધ મા-બાપને એમને દત્તક તરીકે સોંપતા મેં કહ્યું ” ઈશ્વર તમારી લાલચને હજુ ઓર વધારે અને તમારા પર દુનિયાભરની ખુશીનો વરસાદ વરસાવે.” જો કે મનમાં તો થયું કે જેઓ ખુદ જ ઈશ્ચર સ્વરૂપ છે તેમને માટે પ્રાર્થના કરનાર હું કોણ?          આશા, આ પ્રસંગ વાંચ્યા પછી જિંદગી વધુ ખૂબસુરત લાગે છે. મનમાં એક હાશ થઈ ગઈ કે જ્યાં સુધી આવાં પ્રેમાળ માનવીઓ આ પૃથ્વી પર છે ત્યાં સુધી તો નફરતની જીત ક્યારે ય નહીં થાય. મને તો આવી ઘટનાઓ પરાકાષ્ટાએપહોંચેલા કળિયુગના અંત સમી અને સોનેરી સતયુગના આગમનની એંધાણી સ્વરૂપ લાગે છે.

તું ત્યાંના વૃદ્ધો વિષે કંઈ જણાવવાની હતી તે જરૂરથી જણાવજે. મારી ભણાવવાનીપ્રવૃત્તિ બરાબર ચાલે છે. રોપેલા છોડ પર ફૂટતાં દરેક નવાંકુમળા પર્ણને જોઈને અનેરી તાજગી અનુભવું છું અને પ્રકૃતિના નિખારને સલામ ભરૂં છું. ચાલ, સલામ નહીં પણ વ્હાલ ભરીને આ ઇ-મેઇલ અહીં જ પૂરો કરૂં છું. 

   સ્મિતા. 

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.