જે ધીમી ધારે પડે છે એ જ ઉગાડે છે. (3) રોહિત કાપડિયા

        ઝાપટું અને ઝરમર

    દીપક અને પ્રકાશ બંને નાનપણથી જ સાથે રમ્યા, સાથે ભણ્યા અને સાથે જ તોફાન-મસ્તી કરતાં મોટા થયાં.બંનેના ઘર બાજુ-બાજુમાં એટલે આખો દિવસ સાથે ને સાથે જ હોય.બંને નીચલા મધ્યમ વર્ગના પરિવારના છોકરા હતાં.બંને ભણવામાં પણ ખૂબ જ હોંશિયાર હતાં.ખેર !બંનેની વિચારસરણીમાં આસમાન જમીનનો ફર્ક હતો.એકને માટે તોફાન-મસ્તી એ જ જીવન હતું,જ્યારે બીજા માટે જીવંતતાથી જીવાતી પળો એ જ સાચું જીવન હતું.કોલેજના અંતિમ વર્ષે યોજાયેલી વકતૃત્વ હરીફાઈમાં બંનેએ ભાગ લીધો હતો.હરીફાઈનો વિષય હતો ‘પૈસો ચઢે કે પ્રેમ’.દીપકે એનાં વિચારો મુજબ પૈસો ચઢે એ વાતને પૂરવાર કરતું વક્તવ્ય આપ્યું.–પૈસો જ પરમેશ્વર છે.પૈસો હોય તો હર મુશ્કેલી આસાનીથી દૂર થઈ શકે છે. પૈસામાં એ શક્તિ છે કે મોટા મહારથીને પણ એની સામે ઝૂકવું પડે છે.પૈસો અશક્યને પણ શક્ય બનાવી શકે છે.પૈસો જીવનની હર ખુશી આપી શકે છે.પૈસા વગરનું જીવન ખુશ્બુ વગરનાં ફૂલ જેવું છે.શુષ્ક છે.નીરસ છે.આવી તો કંઇક કેટલીયે વાતો એણે કહી.લોકોએ એનાં વક્તવ્યને તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધું.પ્રકાશે પ્રેમની તરફેણ કરતાં એનાં વક્તવ્યમાં કહ્યું કે –પ્રેમ એ જ જીવન છે.પ્રેમ એ જ પૂજા છે.પ્રેમ જ સર્વસ્વ છે.પ્રેમમાં એ તાકાત છે કે તે ગમે તેવા આકરા બંધનોને તોડી શકે છે.પ્રેમ સમર્પણ છે.પ્રેમ ત્યાગ છે.પ્રેમ પરમ તત્વનો અહેસાસ છે.પ્રેમ સ્વીકાર છે.પ્રેમ અહંનું વિસર્જન છે.પ્રેમ પ્રાણવાયુ છે.પ્રેમ સંજીવની છે.લોકોએ એનાં વક્તવ્યને પણ તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધું.વીસ સ્પર્ધકોમાંથી બંનેને પોત પોતાના વિષયમાં અસરકારક વક્તવ્ય આપવા બદલ ઇનામ મળ્યું હતું.જો કે પ્રેમ ચઢે કે પૈસો એ પ્રશ્ન તો એની જગ્યાએ જ રહ્યો હતો.બંને સારી રીતે સ્નાતકની પદવી મેળવી કોલેજમાંથી બહાર આવ્યાં.બંનેને અલગ અલગ કંપનીમાં સારી નોકરી પણ મળી ગઈ. બે વર્ષમાં તો બંનેના લગ્ન પણ થઈ ગયાં.અલબત,એમની દોસ્તી અતૂટ રહી.

     લગ્ન પછી પત્નીને શક્ય એટલી વધુ ખુશી આપવા દીપકે બધી જ રીતે કમાવવાનું ચાલુ કરી દીધું.ખોટાં બિલો,ખોટી ચાંપલૂસી અને ખોટી સિફારસ દ્વારા એ ઝડપભેર આગળ વધવા માંડ્યો.પૈસો આવવો જોઈએ અને સુખ-સાહ્યબી વધવી જોઈએ,બસ એ જ એનો સિદ્ધાંત હતો.નીતિ અને નિયમો એ ભૂલી ગયો હતો.ટૂંક સમયમાં એણે ગાડી પણ લઈ લીધી.જો કે આ બધું મેળવવામાં એણે પ્રેમને ગૌણ બનાવી દીધો હતો.અણમોલ દાગીનાઓ ને ઉતમ વસ્ત્રોથી એની પત્ની સંધ્યાને સજાવીને એ સુખનો અહેસાસ કરવા લાગ્યો.ખોટાં કામ કરવાં માટે એણે બેધડક ખોટાં રસ્તે ચાલવા માંડ્યું.શરૂઆતમા કામ કઢાવવા માટે અપાતી શરાબની પાર્ટી સમય જતાં લત બની ગઈ.સતત શરાબ અને સિગારેટ તેનાં સાથી બની ગયાં.સંધ્યા માટે હવે પાર્ટીમાં શણગારેલી ઢીંગલીનું પાત્ર નિભાવવાનું હતું.સંધ્યા ખૂબ જ કરગરતી અને કહેતી’ શું કરવું છે આવાં પૈસા કમાઈને ?શા માટે શરાબ અને સિગારેટને જ જીવન બનાવી દીધું છે ?શા માટે તમારા શરીરનું દયાન નથી રાખતાં ?શા માટે પ્રેમ કરતાં તમને પૈસો વધુ પ્યારો લાગે છે ?મને તમારી જરૂરત છે.મારે બીજું કંઈ નથી જોઈતું’.ત્યારે દીપક ખડખડાટ હસીને કહેતો ‘અરે,ગાંડી !પૈસો છે તો લોક આપણને પૂછે છે.આપણને માન  આપે છે.પૈસો છે તો જ આ મોજ-મજા કરી શકાય છે.’પ્રકાશ પણ જ્યારે જ્યારે દીપકને મળતો ત્યારે કહેતો ‘દીપક,પૈસા બનાવવાની આંધળી દોટમાં તું તારા જ અંગત સ્વજનોથી દૂર જઈ રહ્યો છે.આપણો જ દાખલો જ લે,આપણે પહેલાં તો લગભગ રોજ જ મળતાં હતાં.હવે તો પંદરેક દિવસે માંડ એકાદ વાર મળવાનું થાય છે.તારી શરાબ અને સિગારેટની આદતને કારણે હું તને બધે સાથ નથી આપી શકતો.દીપક,આપણી આ થોડી મુલાકાતોમાં પણ તારો મોબાઈલ હંમેશા વિલનનું પાત્ર ભજવે છે.દીપક એક સગા ભાઈ કરતાં પણ વધુ હું તને ગણું છું.તારી આ શરાબ અને સિગારેટની લતથી મને તારી તબિયતની ચિંતા થાય છે.’દીપક,પ્રકાશની વાતને પણ હંસી મજાકમાં ટાળી દેતાં કહેતો’ પકલા,તું હજી એવો ને એવો જ રહ્યો.ગાંડા,જિંદગી મળી છે તો માણી લેવાની.ખાઈ-પી ને જલસા કરવાનાં.કાલની કોને ખબર છે ?ને પક્યા,જો ખાધા-પીધા વગર મરીને ઉપર જઈએ તો ભગવાન પણ આપણને પાછાં નીચે પૃથ્વી પર મોકલી દે.જો આપણે બંનેએ સાથે સ્નાતકની પદવી મેળવી.સાથે જ નોકરી ચાલુ કરી.તું જ જોઇલે કે આજે તું ક્યાં છે અને હું ક્યાં છું ?પૈસા વગર કોઈ કોઈને પૂછતું નથી ‘

        લગભગ એકાદ વર્ષ પસાર થઇ ગયું.બંને દોસ્તીને જાળવતાં આગળ વધી રહ્યા હતાં.દીપકે એનાં દાવપેચ ચાલુ રાખતાં,ખૂબ પૈસો મેળવ્યો.એક આલીશાન ફ્લેટ ખરીદ્યો.ઉચ્ચ કક્ષાનું  ડેકોરેશન કરી એ ફ્લેટને શણગાર્યો.આજે એ ફ્લેટમાં પ્રવેશ કરતાં એણે અનેકને આમંત્રણ આપ્યું હતું.પ્રકાશ અને એની પત્ની ઉષા બંને આવ્યા હતાં.ફ્લેટની ઝાકઝમાળ જોઇને ઉષાએ પૂંછ્યું કે’ હેં,પ્રકાશ !શું દીપકભાઈ,તમારાથી વધુ ભણ્યાં છે ?તમે તો કહેતા હતાં કે તમે બંને સાથે જ ભણ્યા છો,તો પછી એ આટલી જાહોજલાલી કઈ રીતે મેળવી શક્યા ?’પ્રકાશે પ્રેમથી કહ્યું કે

‘ઉષા,અમે બંને સાથે જ ભણ્યા છીએ ને સાથે જ નોકરી ચાલુ કરી છે.જો કે પ્રકાશ મારાંથી વધુ ગણ્યો છે.મારા ગણિતમાં બે અને બે ચાર જ થાય છે પણ પ્રકાશનાં ગણિતમાં બે અને બે પાંચ પણ થઈ શકે અને પચાસ પણ થઇ શકે છે.નીતિ,નિયમ અને આદર્શ વગરનો એ પૈસો મને મંજૂર નથી.પણ એય,તું ખુશ તો છો ને ?તારું દયાન રાખવામાં અને તને પ્રેમ કરવામાં કોઈ કમી તો નથી લાગતી ને ?મેં તને આકાશમાંથી ચાંદ-તારાં તોડીને નહીં લાવી આપ્યા હોય,પણ જે કંઈ પણ આપ્યું છે તે સાચા દિલથી આપ્યું છે.પરસેવાની સુગંધથી મહેંકતું આપ્યું છે.તને સંતોષ તો છે ને ?

ઉષાએ પ્રેમથી પ્રકાશનો હાથ દબાવતાં કહ્યું કે ‘મને તો તમે મળ્યાં એટલે સ્વર્ગનું સુખ મળી ગયું.ઝાપટાંભેર વરસીને વ્યર્થ વહી જતાં વરસાદ કરતાં મને તો આ ઝરમર વરસતો ને મારાં હૃદયમાં સ્પંદનો જગાવતો વરસાદ બહુ  ગમે છે.ત્યાં જ એક હાથમાં દારૂની પ્યાલી અને બીજા હાથે સંધ્યાનો હાથ પકડી કંઇક લથડતા પગલે દીપક ત્યાં આવ્યો.આવતાં જ એણે કહ્યું કે ‘એય,પકલા આજે તો તારે પીવું જ પડશે.ભાભી,તમારા આ બુદ્ધુને થોડો તો બહાર કાઢો.આમ કેમ એને બાંધીને રાખ્યો છે ?મોજ-મજા ને મસ્તી વગરનું જીવન એ કંઈ જીવન છે ?’ત્યારે પ્રકાશે હસતાં હસતાં કહ્યું કે ‘દીપક,તારી ભાભી તો મને રોજ એની મદભરી આંખોના જામથી પીવડાવે છે.પણ હાં !એ આંખોનો નશો નુકસાન નથી કરતો પણ જીવનને જીવંતતાથી ભરી દે છે.જ્યારે તારો આ શરાબ તો….’અને એ કંઈ વધુ ખે તે પહેલા તો દીપક આગળ નીકળી ગયો.દીપકની પત્ની સંધ્યાએ પ્રકાશનો હાથ છોડી થોડીવાર ઉભા રહેતાં કહ્યું ‘ના,ના ઉષા આ ચમકતી ને ઝળકતી દુનિયામાં ક્યારે ય રોશની નથી મળતી.એમાં તો માત્ર અંજાઈ જવાનું હોય છે.પ્રેમનાં નામે માત્ર દેખાડો હોય છે.દંભ હોય છે.તમે બહુ સુખી છો.પૈસાની ઘેલછામાં પ્રેમ ભૂlaai જાય છે.પ્રેમ વગર માત્ર દિવસો પસાર થાય છે,જિંદગી નહીં.’ભીતરની વેદના આંસુ થઈને બહાર આવે તે પહેલાં સંધ્યા ત્યાંથી આગળ નીકળી ગઈ.પ્રસંગ પૂરો થયો.સમય વીતતો ગયો.

       લગભગ એકાદ વર્ષ પછી દીપકની પત્ની સંધ્યાનો મધરાતે પ્રકાશ પર ફોન ગયો અને એણે રડતાં રડતાં કહ્યું “પ્રકાશભાઈ,દીપક બાથરૂમમાં પડી ગયાં છે.માથામાં ખૂબ જ વાગ્યું છે લોહી બંધ થવાનું નામ જ નથી લેતું.અમે બિરલા હોસ્પિટલ એમને લઇ જઈએ છીએ તમે ત્યાં આવી જાવ.’પ્રકાશ તાબડતોબ હોસ્પિટલ પહોંચી ગયો.બીજા બધાં રીપોર્ટ નીકળી રહ્યા હતાં,પણ લોહી ચઢાવવું બહુ જરૂરી હતું.પ્રકાશને ખબર હતી કે એનું અને દીપકનું બ્લડ ગ્રુપ એક જ હતું અને એટલે તરત જ એ લોહી આપવા રાજી થઇ ગયો.એક બોટલ લોહી આપ્યા પછી પણ દીપકની હાલતમાં ફર્ક પડ્યો નહીં.બીજી બોટલ લોહી આપવું જરૂરી હતું.એક વાર લોહી આપ્યા પછી તરત જ બીજી વાર લોહી ન અપાય તેની પ્રકાશને ખબર હતી.તો પણ ડોક્ટરને આજીજી કરી,પોતાના કસાયેલ શરીરને દયાનમાં  રાખી બીજી બોટલ લોહી લેવાનું કહ્યું.ડોકટરે પણ દર્દીની તબિયતને ધ્યાનમાં લઇ નિયમોની વિરુદ્ધ જઈ લોહી લીધું પ્રકાશનાં દેહમાંથી ટીપે ટીપે સરીને દીપકના ઘસમસતા લોહીમાં ભળતાં રક્તથી ધીરે ધીરે દીપકની હાલત સ્થિર થતી ગઈ.સંધ્યાની રાત-દિવસની સેવા અને કાળજીથી તેમ જ પ્રકાશ અને ઉષાના સહકારથી દીપક સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયો.હોસ્પીટલમાંથી ઘરે આવતાં ડોકટરે કહ્યું ‘મિ.દીપક તમે ખૂબ જ નસીબદાર છો.આ વખતે તો તમે પ્રકાશનાં તેજથી ફરી ઝળહળી ગયા છો,પણ હવે કાયમ માટે તમારે શરાબને તિલાંજલી આપવી પડશે.શરાબ હવે તમારાં માટે ઝેર કરતાં પણ વધુ પ્રાણઘાતક છે.તમારે તમારી દૈનિક જીવનશૈલી પણ બદલવી પડશે.અલબત,તમારી પત્ની તમને ખૂબ જ ચાહે છે એટલે એ તમારું દયાન રાખશે જ,પણ તમારે એને પૂરો સાથ આપવો પડશે.’ડોક્ટરની વાતને ગંભીરતાથી સાંભળ્યા પછી પ્રકાશનો હાથ પોતાનાં હાથમાં લઈ કહ્યું’ ડોક્ટર સાહેબ,તમારો ખૂબ ખૂબ આભાર.મોતને બહુ નજદીકથી જોઈ લીધું છે અને એટલે જ જિંદગીની સાચી કિંમત સમજાઈ છે. શરાબ પીવાની ક્યારે ય ઈચ્છા નહીં થાય કારણકે મારાં લોહીમાં હવે પ્રકાશનું લોહી ભળેલું છે.હાં હું એનો આભાર કે ઉપકાર માની દોસ્તીના મોલ નહીં આંકુ,પણ એનાં નિસ્વાર્થ પ્રેમની કદર રૂપે હવે મારું જીવન સચ્ચાઈ અને સાદગીના માર્ગે જીવીશ.અત્યાર સુધી મારી પત્નીને મેં અલંકારોથી જ મઢી હતી,હવે નિર્મળ પ્રેમથી એનું દામન ભરી દઈશ.જે જિંદગીને હું વેડફી રહ્યો હતો તેને હવે સાચા અર્થમાં જીવીશ.’સહુનાં ચેહરાં અવર્ણનીય આનંદથી ખીલી ઉઠ્યા.દૂર દૂરથી કોઈનો મીઠો ગણગણાટ સંભળાઈ રહ્યો —–

                                       ઝાપટું તો જોર બસ અમથું બતાડે છે,

                                       જે ધીમી ધારે પડે છે એ જ ઉગાડે છે.

                                                                                                                                   રોહિત કાપડિયા

 

Advertisements
This entry was posted in જે ધીમી ધારે પડે છે. Bookmark the permalink.

One Response to જે ધીમી ધારે પડે છે એ જ ઉગાડે છે. (3) રોહિત કાપડિયા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s