જેલમના ભૂરા પાણીનો રંગ રાતો (૭) રાજુલ કૌશિક

Jelamna

ફાતિમા, કરણ અને બલવીરની દોસ્તી પણ જેલમના ખળખળ વહી જતા પાણીની જેમ જ વહે જતી હતી. આજ સુધી એમાં તારુ-મારું કે ધર્મવાદના વાડા નડ્યા નહોતા. ડૉક્ટર કૉલ અને ડાયેનાના સંપર્ક અને સંસ્કારે એમની કાચી બુધ્ધિના પીંડને જાણે યોગ્ય ઘાટ આપ્યો હતો.

ઘરમાં કે મા-બાપના સહવાસમાં રહીને પણ એવા કોઇ અલગતાવાદને હવા લાગી નહોતી. હા! જે ઘરમાં ઇશ્વરનું કે અલ્લાહનું નામ જે રીતે લેવાતું એ રીત બાળકો જાણતા, સમજતા અને અનુસરતા. રફિક અને જનક શાસ્ત્રી પણ જે દોસ્તીના રંગે રંગાયા હતા એમાં ડૉક્ટર કૉલની હાજરીમાં થતી તર્કશુધ્ધ વાતોના લીધે એ રંગ વધુ ને વધુ ગાઢો થતો ગયો હતો. નાનપણથી જ સાથે ઉછરેલા ફાતિમા ,કરણ કે બલવીરની દોસ્તીમાં પણ એમને કશું જ વાંધાજનક આજ સુધી લાગ્યું જ નહોતું અને લાગે પણ કેવી રીતે ? નાનપણથી જ ફાતિમાને નજર સામે ઉછરતી જોઇ હતી. અરે ! ફાતિમાનો જન્મ પણ રેખા શાસ્ત્રીની હાજરીમાં જ થયો હતો.

કરણના જન્મના છ મહિના પછી એક દિવસ રઝીયાએ આવીને રેખાને ખુશ ખબરી આપી ત્યારે રેખા હેતથી એને ભેટી પડી હતી. હવે તો મારા કરણને એની જોડે રમનાર મળશે. જેમ જેમ પારણામાં કરણ અને રઝીયાના ગર્ભમાં બાળક ઉછરતું ગયું તેમ તેમ રેખા અને રઝીયા વધુ નજીક આવતા ગયા. રઝીયાની જેમ રેખા પણ આતુરતાથી આવનાર બાળકની રાહ જોતી.  ક્યારેક રઝીયાની તબીયત નરમ-ગરમ થઈ જતી ત્યારે રેખા જ એને સંભાળી લેતી. કશું ખારુ ખાટું ખાવાની ઇચ્છા પણ રેખાએ જ તો પુરી કરી હતી ને! રઝીયાને વેણ ઉપડી ત્યારે ય રેખા એની સાથે હતી અને ફાતિમાને સૌથી પહેલા ગોદમાં લેનાર પણ રેખા જ હતી.

આજે પણ ફાતિમાને ગોદમાં લઈ હેત કરતી રેખા મુંજાવર બાબાની નજર સામે દેખાઇ રહી હતી. બાબા અતિતમાં જાણે ખોવાઇ રહ્યા હતા. અનુજ, આશિત અને મહાદેવન મુંજાવર બાબાની સાથે એમના ભૂતકાળની સફર ખેડવા નિકળ્યા હતા.

પછી શું થયું બાબા? અતિતમાં ખોવાયેલા બાબાને વર્તમાનમાં ખેંચી લાવવા અનુજે સવાલ કર્યો.

મુંજાવર બાબા વર્તમાનમાં પાછા ફર્યા. એમના ચહેરા પર વિલસી રહેલા અકળ ભાવો ઉકેલવામાં ત્રણે ભાઇબંધો નિષ્ફળ રહ્યા. મુંજાવર બાબાએ એમની વાત આગળ વધારી.

નાનકડા ગામના ગણ્યા-ગાંઠ્યા ઘરની આછી વસ્તીમાં સૌ એકબીજા સાથે ભાઇચારાની ભાવનાથી રહેતા. આ મારો ધરમ કે આ તારો ધરમ એવી ભાવના દ્રઢ થઈ નહોતી. તહેવારોની ઉજવણી પણ સંપીને થતી. ડૉક્ટર કૉલે આપેલી સંપની શિખામણ માત્ર ઝાંપા સુધી આવીને નહોતી અટકી. જે સમયે મંદિરમાં ઘંટારવ થતો એ સમયે મસ્જીદમાં આઝાન સંભળાતી ત્યારે આઝાનનો અવાજ પણ મંદિરની આરતી સાથે જાણે ભળીને ગામ આખામાં ગુંજારવ ઉભો કરતો. રેખાનું જોઇને રઝીયા દિવાળીના દિવા પોતાના ટોડલે મુકતી અને રમઝાની ઇદ મુબારક પણ જનક શાસ્ત્રી રફીક બીલાલને પ્રેમથી ભેટીને પાઠવતા. રામ અને રહિમ વચ્ચે કોઇ સરખામણીનો સવાલ કોઇના મનમાં ક્યારેય ઉઠ્યો નહોતો. ખરા અર્થમાં હિન્દુ-મુસ્લીમ ભાઇભાઇનો વ્યહવાર હતો.

એટલે જ તો નાનપણથી સાથે રમતા કરણ અને ફાતિમાને જોવાની કોઇને ય નવાઇ નહોતી. કરણ- ફાતિમા અને બલવીરની ત્રિપુટી જો સાથે ન હોય તો જ નવાઇ. રેખાને જાણે તો ફાતિમાએ આવીને એની દિકરીની ખોટ પુરી કરી હતી.  ફાતિમાને એ અછોવાના કરતી . રઝીયાએ પણ કરણને લાડ લડાવવામાં કોઇ કસર છોડી નહોતી. ક્યારેક રેખાની વઢ ખાઇને રોતા કરણને એ પોતાની સોડમાં ખેંચીને શાંત કરતી ત્યારે રેખા જ એને ટોકતી.

“ રઝીયા બેગમ , આટલા લાડ સારા નહીં. મોટો થઈને માથાભારે થશે તો આપણને જ ભારે પડશે.

“ઔર  રેખાબહનજી, આપ જો ફાતિમાકો ઇતના દુલાર દે રહે હો ઉસકા ક્યા? મેરી તો કોઇ બાત સુનને સે રહી.”

બંને એકબીજાને ફરિયાદ કરતાં પણ મનથી તો રાજી જ રહેતા. બનતું પણ એવું જ કે ફાતિમા રઝીયાની કોઇ વાત ના માને તો વાત વાજતી-ગાજતી રેખા પાસે આવતી અને રેખાએ સમજાવેલી વાત ફાતિમાના ગળે શીરાની જેમ ઉતરી જતી. માત્ર ભાઇ-બહેનનું લેબલ જ નહોતું લાગ્યું પણ રઝીયા અને રેખાને મન તો એ બંને ભાઇ-બહેન જેવા જ હતા. રઝીયાનો કરણ માટેનો પ્રેમ અને રેખાનો ફાતિમા માટેનો નેહ ગામમાં સૌ જાણતા. બસ આમ રમતા રમતા કરણ- ફાતિમા અને બલવીરના દિવસો, વર્ષો જેલમના પાણીની જેમ પસાર થઈ ગયા.

પણ ફાતિમાનું મદરેસામાં ભણવાનું શરૂ થયું અને કરણ-બલવીર નજીકના શહેરમાં ભણવા જતા થયા ત્યારથી ફાતિમાના મનમાં એક અજબની હલચલ જન્મી હતી. કરણ વગર એના દિવસો લાંબા લાગતા. કરણની એ કાગના ડોળે રાહ જોતી થઈ ગઈ હતી. આમ તો કરણ અને બલવીર બંને સાથે આજ સુધી એક સરખી દોસ્તી હતી પણ હવે કરણ અને બલવીર વચ્ચેની ભાવનામાં એક અજાણી લકિર ખેંચાઇ હતી. કરણની હાજરીમાં બલવીર સાથે હજુય આજે પણ એ પહેલાની જેમ જ બોલી શકતી, મસ્તી કરી શકતી પણ કરણ સાથેની મુલાકાતમાં હવે બલવીર ન હોય એવું ઇચ્છતી. કરણને એકાંતમાં મળવાની લિપ્સા વધતી જતી હતી. કરણને જુવે એટલે જાણે જેલમના શાંત પાણી તોફાને ચઢ્યા હોય એવી એની લાગણીઓ તોફાને ચઢતી.

એકવારની મંદિરની મુલાકાતે જઈને આવ્યા પછી ફાતિમાના મનમાં એક નવી જ કુંપળ ઉગી હતી. મંદિરમાં જોયેલી રાધા-કૃષ્ણની છબી એના આંખ સામે સતત તર્યા કરતી.  શરદપૂનમની રાતના પૂર્ણ ચંદ્રની ચાંદનીમાં ચમકતા યમુનાના તટે પીળુ પિતાંબર, માથે મોરપિચ્છ, ગળામાં વૈજયંતીની માળા અને હાથમાં બાંસુરી સાથે ઝાડના ટેકે ઉભેલા કૃષ્ણ પર અર્ધ મિંચેલી આંખે ઢળેલી રાધા અને અત્યંત મોહભરી દ્રષ્ટીએ રાધાને નિહાળતા કાનાની છબીમાં એ પોતાની જાતને અને કરણને કલ્પીને મલકાતી. રાધાના ચહેરા પર છલકાતી મુગ્ધાવસ્થા જેવા ભાવ પોતાના ચહેરા પર આવે તો એ પોતે કેવી લાગે એ જોવા તડપી ઉઠતી અને જેલમના સ્વચ્છ પાણી પર ઝળુંબીને પોતાનું પ્રતિબિંબ નિરખ્યા કરતી. કૃષ્ણના નીલરંગી વાન જેવા રંગના ઘેરવાળો ઘુઘરીયાળો ઘાઘરો,  રતાશ પડતી કંચુકી પર રાતા-નીલા રંગના મિશ્રણ જેવી ધૂપછાંવ ઓઢણી , હાથમાં ફુલોના બાજુબંધ, એવા જ ફુલોના કર્ણફૂલ અને ગળામાં ફૂલોની માળાથી સોહતી રાધાની  છબીમાં ફાતિમા પોતાની જાતને ગોઠવતી અને ઘેલી ઘેલી બની જતી.

આજ સુધી ઘરની રસમ મુજબ મસ્જીદથી વધીને અન્ય કોઇ તીર્થસ્થાનમાં જઈ શકાય એવું ક્યારેય વિચાર્યું જ નહોતુ પણ હવે એને વારંવાર મંદિર જવાની ઉત્કંઠા થતી. ક્યારે કરણ આવે અને કરણની સાથે ફરી મંદિરમાં રાધા-કૃષ્ણ સમક્ષ જઈને ઉભા રહેવાની પ્રબળ ઇચ્છા થતી.

નાનપણથી જ કરણના ઘેર રેખાકાકી પાસે ક્યારેક અમ્મી સાથે તો ક્યારેક એકલી પણ એ અમસ્તી ય જતી તો હતી પણ કરણની ગેરહાજરીમાં પણ હવે એના આંટાફેરા વધી ગયા . આમ પણ  રેખાને તો એ નાની હતી ત્યારથી વહાલી હતી એટલે હવે કરણની ગેરહાજરીમાં આવતી ફાતિમા વધુ વહાલી લાગવા માંડી. કરણ વગરનું સૂનુ ઘર ફાતિમાની હાજરીથી ભર્યું બની જતું.

રેખા કહેતી પણ ખરી “ ફાતિમા, કરણ શહેરમાં ભણવા ગયો ત્યારથી મને આ ઘર ખાવા ધાય છે પણ તું આવે છે એટલી વાર આ ઘરમાં જાણે જીવ આવે છે.”

“ કાકી, તમને શું ખબર કરણ વગર તમારું ઘર સૂનું પડી ગયું છે પણ મને તો ઘર જ નહીં આ ગામ, આ ગલીઓ પણ કરણ વગર ઉજ્જડ લાગે છે.” પણ હૈયે ઉઠેલી વાત એના હોઠો સુધી આવતા આવતા ગળામાં જ અટકી જતી.

કાનાની અટખેલીઓ, ગોપીઓની છેડતી, રાધાના રૂસણા અને એવી કેટલીય વાતો એ રેખા પાસે સાંભળ્યા કરતી. રેખા એને કહેતી પણ ખરી કે “ આ શું માંડ્યું છે તેં જ્યારે જુવો ત્યારે એકની એક વાત ચગળ્યા કરે છે ક્યાંક રાધાની જેમ બાવરી ના બની જતી.”

અને આવું સાંભળીને તો ફાતિમાને હૈયુ હરખાઇ ઉઠતું. કાનો અને કરણ એકમેકમાં ભળી જતા એમ હવે એ રેખામાં યશોદાને ભાળતી થઈ ગઈ હતી. ક્યારેક ગોપીઓની મટકી ફોડીને માખણ ચોરતા કાનાની ફરિયાદ કરતી ગોપીઓની જેમ એ પણ મનોમન રેખાને ફરિયાદના કરતી, “ જુવોને કાકી આ તમારો લાડલો, મારું ચિત્ત ચોરીને શહેરમાં ગયો તે હવે પાછુ વાળીને જોવા ય આવતો નથી.”

જાગતા કે ઉંઘતા ફાતિમા મનોમન કેટલીય વાર કરણ સાથે સંવાદ રચતી. કરણ સાથે લડતી, ઝગડતી રૂસણા લેતી અને કરણ એને મનાવે પછી જ એ પાણી પણ પીશે એવી જીદ પકડતી. જેલમના કાંઠે બેસીને કાનાની જેમ કરણ પણ વાંસળીના સૂરથી એનું મન મોહી લેશે એવી કલ્પનામાં જીવતી.

ફાતિમા જાણે ફાતિમા રહી જ નહોતી. એ વધુને વધુ કાનામય—ના કરણમય બનતી ગઈ. રેખાકાકીને અઢળક સવાલો કર્યા પછી એ એટલું સમજી શકી હતી કે રાધાએ તો પોતાની જાતને –પોતાના અસ્તિત્વને જ કાનામય બનાવી લીધું હતું ત્યારથી એને પણ પોતાની જાત- પોતાના અસ્તિત્વથી અલગ જીવતા આવડી ગયું હતું. મદરેસામાં ભણવા જતી ફાતિમાનું મન તો મંદિરમાં જ અટવાયેલું રહેતું.

હમણાંથી તો ફાતિમા અત્યંત ખુશ રહેતી હતી. દિવાળીના દિવસો નજીક આવતા હતા અને રેખાકાકીએ એને જે દિવસથી કહ્યું કે દિવાળીની રજાઓમાં કરણ અહીં દિવાળી ઉજવવા આવવાનો છે તે દિવસથી જ એને મન દિવાળી શરૂ થઈ ગઈ હતી. મનમાં અસંખ્ય દિવાઓ પ્રગટતા અને અનેક રંગોની રંગોળી પૂરાતી.

રઝીયાબેગમ પણ હમણાંના ફાતિમાના બદલાયેલા રંગ-ઢંગ જોતા હતા. ભણવાની ચોપડી હાથમાં પકડીને ક્યાંય સુધી વિચારોમાં ગરક થયેલી ફાતિમાને એમણે જોઇ હતી. ક્યારેક ચોરી પકડાઇ જતી ત્યારે ફાતિમા અમ્મીને ગળે વળગીને વધુ વહાલ કરી દેતી અને વાતને જુદા પાટે ચઢાવી દેતી.

કરણના આવવાના દિવસે તો એ સવારથી વહેલી ઉઠીને તૈયાર થઈ ગઇ. કરણ આવે એ પહેલા તો એ રેખાકાકીના ઘેર પહોંચી ગઈ. કરણના આવવાના ભણકારાથી ધડકારા વધુ તેજ બનતા જતા હતી. કઈ પળે એ આવીને ઉભો રહેશે એ વિચારે હાથની કંપન વધી ગઈ હતી અને ખરેખર કરણ આવ્યો ત્યારે એને જોઇને કાનની બૂટથી માંડીને ચહેરો લાલઘૂમ બની ગયો અને કરણને અલપ-ઝલપ જોઇને ઘર ભણી ભાગી. સવારથી કરણને જોવાની તડપ રેખાકાકીની હાજરીમાં ઓસરી ગઇ.

સાંજ પડે હંમેશની જેમ જેલમના તટે મળવાનો નિયમ આજે પણ કોઇ ચૂક્યુ નહોતું. ફરક એટલો હતો કે જાણે-અજાણે મનના કોઇ આવેગના દોરવાયા કરણ અને ફાતિમા બલવીર પહોંચે એ પહેલા જ પહોંચી ગયા હતા.

“ કેમ આજે મને જોઇને ઘેરથી ભાગી ગઈ હતી?” ફાતિમાને જોતા વેંત કરણથી પૂછાઇ ગયું.

“તો શું રેખાકાકીની સામે મારા કાનાને, મારા મનના માણીગરને મળતા મને લાજ ન આવે?”

“ફાતિમા, આ કાનો- મનનો માણીગર આવું બધું તું ક્યાંથી બોલતા શીખી ?”

“ જે દિવસે તું મને મંદિર લઈ ગયો , ત્યાં રાધા-કાનાની છબી જોઇ ત્યારથી મને તારું અને કાનાનું સ્વરૂપ અળગું લાગ્યું જ નથી. તું મારો કાનો અને હું તારી રાધા.”

“ તને એ ખબર છે ક્યારેય રાધા કિશન એક થઈ જ નથી શક્યા? રાધાએ તો હંમેશા કાનાના વિરહમાં જ જીવન કાઢ્યું હતું અને કાનાને સોળ હજાર રાણીઓ હતી પણ તેમ છતાં એમાંની ક્યાંય રાધા નહોતી. ”

“પણ જોજે ને આપણે તો એક થઈને રહીશું.”

“ રાધાએ નાનપણથી કાનાને ચાહ્યા હતા ફાતિમા..”

હજુ તો કરણ એની વાત પુરી કરે એ પહેલા જ ફાતિમા બોલી ઉઠી “ મારી જેમ જ… હું ય ક્યાં મોટી થઈ ગઈ છું અને તને ખબર છે કરણ ગોધૂલીની વેળાએ કાનો ગાયો ચરાવીને આવતો એ ધૂળની ડમરીમાં રાધા એના કાનાને શોધતી એમ હું પણ સાંજ પડે આ જેલમમાં ઉઠતી લહેરો વચ્ચે તને શોધતી રહું છું ?”

“ફાતિમા, નાનપણથી કાનાના નામનું રટણ કરતી રાધાની જેમ દૂર રહીને પ્રેમ કરવો સહેલો નથી.”

“નથી જ તો મને ય ખબર છે, તું જ્યારથી મારાથી દૂર શહેરમાં ચાલ્યો ગયો ત્યારથી મને બધી બરાબર ખબર પડી છે કે તારા વગર કેટલા વીસે સો થાય છે. બોલ્યા દૂરથી પ્રેમ કરવો સહેલો નથી. તુ તો  આજે આવ્યો અને કાલે પાછો જઈશ ફરી કોને ખબર ક્યારે મળીશ તો પણ હું તો તને એટલો જ પ્રેમ કરીશ જેટલો રાધા એના કાનને કરતી હતી.” ફાતિમા એની જ મસ્તીમાં મસ્ત હતી. હજુ ય એ કરણના કહેવાનો મર્મ પકડી શકતી નહોતી.

એટલામાં બલવીર આવ્યો અને બંને વચ્ચે વાત અધૂરી જ રહી. વાત ત્યાં અધૂરી રહી પણ ફાતિમાના મનમાં તો એ પેલા ગોફમાં ગૂંથાતા દોરડાની જેમ જ વાત ગૂંથાતી જ રહેતી. ફાતિમા જેમ જેમ રાધા વિશે જાણતા ગઈ એમ એમ એ પોતાની જાતને રાધાના રૂપમાં જોતી થઈ હતી. લોહારવાડી એને ગોકુળીયુ ગામ લાગતું અને પોતે પિયા બાવરીની જેમ કરણ બાવરી.

એવું નહોતું પ્રેમરંગ માત્ર ફાતિમા પર ચઢ્યો હતો કરણ પણ ફાતિમાને જોવા મળવા અત્યંત આતુર રહેતો. હંમેશા બલવીરની જોડે જ ફરતો કરણ ફાતિમાને મળવા બલવીરને ટાળતો. શહેરમાં પણ એનું મન ફાતિમાની યાદમાં ખોવાયેલું રહેતું.

બલવીરે મનોમન કરણમાં આવેલા આ ફેરફારની નોંધ લીધી હતી પણ ખાતરી નહોતી કે ખરેખર એ જે વિચારી રહ્યો છે એ સત્ય હોઇ શકે. નાનપણથી એક સાથે ઉછર્યા હતા પણબલવીરના મનમાં એટલી સમજ તો હતી જ કે દોસ્તી અલગ વાત છે પણ દિલદારીની વાત આવશે ત્યારે આપોઆપ જે જાતિમાં જન્મ લીધો હતો એની લક્ષ્મણરેખા કરણ કે ફાતિમા નહીં ઓળંગી શકે ત્યારે શું થશે ?

ગામ નાનું હતું. ગામમાં બનતી નાની ઘટના પણ કોઇથી ભાગ્યેજ અજાણી રહેતી. ફાતિમા અને કરણ ચાહે ગમે એટલું છુપાવે પણ અગ્નિનો ધુમાડો ક્યાં છાનો રહ્યો છે તો આ પ્રેમાગ્નિની જ્વાળા છાની રહી શકે. એ તો વા વાયા ને વાદળ ઉમટ્યાને, ગોકુળીયે ટહુક્યા મોરની જેમ કરણ –ફાતિમાના હ્રદયમાં ઉમટેલા પ્રેમના ટહુકાને લઈને વાત વંટોળીયે ચઢીને ગામમાં છતી થઈ ગઈ.

જનક શાસ્ત્રી કર્મકાંડી શાસ્ત્રી જરૂર હતા. એમનો દિવસ સૂર્યપૂજાને લઈને ઉગતો અને સાંધ્યપૂજા સાથે આથમતો પણ ડૉક્ટર કૉલની સાથે રહીને ધર્મ કરતા કર્મને વધુ મહત્વ આપતા થયા હતા. સંકુચિતાની સીમની બહાર વિચારતા થયા હતા. હા! રેખામાં કદાચ જનક શાસ્ત્રી જેટલી વિચારોની વ્યાપકતા નહોતી. પણ રઝીયા અને ફાતિમા સાથેના લાગણીના સંબંધોએ એ જોડાઇ ગઈ હતી એટલે એમની સાથેનો એનો વ્યહવાર સદાય ઉષ્માભર્યો જ રહ્યો હતો અને તેમ છતાં કરણ અને ફાતિમા સાથે રમી શકે પણ સાથે જમી ન શકે એવું એ દ્રઢપણે માનતી. કરણ અને બલવીરની જેમ જ ફાતિમા પણ એમની દોસ્ત છે એવું તો સ્વીકારાઇ ગયેલું સત્ય હતું પણ કરણ અને ફાતિમા વચ્ચે પ્રેમ હોઇ શકે એ વાત બંનેની કલ્પના બહારની હતી. આજ સુધી સાથે રમતા કરણ, બલવીર અને ફાતિમા વચ્ચે નિર્દોષ દોસ્તીથી આગળ વધીને અન્ય કોઇ ભાવ ઉમેરાઇ શકે એ વાત ક્યારેય મનમાં ઉગી જ નહોતી.

આભ ફાટવાનું જ બાકી હતું જનક શાસ્ત્રી અને રેખાના જીવન પર. જીવ પર વાત આવી ગઈ હતી. આજ સુધી ન કલ્પેલી ઘટના બની હતી. દરેક ધર્મ તરફ સદભાવ અને સમાનતા રાખવાની વાત સાચી પણ એથી શું? આજ સુધી સાત પેઢીમાં આ બન્યું નહોતું અને કદાચ આવતી સાત પેઢી સુધી પણ શક્યતા વિચારી નહોતી એ હકિકત ઘરમાં બનીને ઉભી હતી. આઘાત શબ્દ પણ ઓછો પડે એવા ભાવથી પીડાતા જનક શાસ્ત્રી કે રેખા એકબીજાને આશ્વાસનના બે બોલ કહેવાને અસમર્થ હતા.

“ હે ભગવાન, આ મારા કયા કર્મોનું ફળ તું મને આપી રહ્યો છું ? પાપ-પુણ્ય આપણા કર્મના ફળને આધીન છે એવું માનતી રેખા પોતાની જાતને કોસતી હતી. જનક શાસ્ત્રી પાસે કે એમના શાસ્ત્રો પાસે આ બળાપાનો કોઇ જવાબ નહોતો. આટલા સમયથી ઉન્નત મસ્તકે જીવતા જનક શાસ્ત્રી આજે કોઇની સામે આંખ મેળવી શકતા નહોતા. ઘરની બહાર મેળવેલી શાખને ધૂળધાણી થઈ જતી જોઇને એ ઘરની બહાર પગ મુકવાની હામ ગુમાવી બેઠા હતા. શાસ્ત્રીનો પડ્યો બોલ ઉપાડતા ગામ લોકો આગળ કરણ-ફાતિમાને લઈને ઉઠતા સવાલોની સામે એ અબોલ થઈ ગયા હતા. ગામ લોકો આગળ બોલવાની હિંમત તુટી ગઈ હતી.

અરે , જે હાથોએ ફાતિમાને પહેલી વાર ગોદમાં લીધી હતી એ હાથ ઘરની દિવાલો પર પછાડી પછાડીને આક્રંદ કરતી રેખાના હાથમાં લોહીના ટશિયા ફુટ્યા હતા એ હાથ રોકવામાં પણ જનક શાસ્ત્રી અસમર્થ બની ગયા હતા. લાચારી અને હતાશાથી બંને ઘેરાઇ ગયા હતા.

એમના મતે કરણની આ હીણપતભરી કરણીએ એમનું જ નહીં ઇકોત્તેર પેઢીની શાખ માટીમાં મેળવી હતી.

 

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

 

 

 

Advertisements
This entry was posted in જેલમનાં ભુરા પાણીનો રાતો રંગ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.