એક છત નીચે સમાતા નથી ! (૧૫) કામીની મહેતા

  કરચ

ટેબલ પર કોફીનો કપ ઠંડો થતો હતો, અને વૈદેહી દૂર ક્ષિતિજમાં તાકતી ખોવાયેલી બેઠી હતી. આવું જ બદામડીનું ઝાડ હતુ. વરસાદી માહોલમાં પવન ફૂંકાય, ને હવા સાથે જાણે નૃત્ય કરતુ. એની પાછળ હતી નારીયેળી. એ બંનેની ટ્યુનિંગ ગજબની હતી .. બંને આગળ પાછળ હિલોળા લેતા. વૈદેહીને તે જોવું બહુ ગમતુ. કલ્લાકો સુધી બાલકનીમાં ઉભી, કોફીની સિપ લેતા લેતા તે દ્રષ્ય માણ્યાં કરતી. અહીં તો હજુ ગર્મી પડે છે. આકાશમાં વાદળ ઘેરાય ન ઘેરાય કે જાણે એક બીજા સાથે કિટ્ટા કરી હોય તેમ છુટ્ટા પડી જાય. કોઇ વાર એકાદ જોરદાર ઝાપટુ પડે, પણ પાછી તો અકળાવી નાખે તેવી ગર્મી. આમેય મુમ્બઇ જેવો વરસાદ અહીં દીલ્હીમાં ક્યાં. ત્યાં તો જાણે વરસાદની મૌસમમાં બધુ ઝરમર થઇ જતુ. વરલીનો તોફાની દરિયો, ઊછળતા મોજા ને તેમાં ભિંજાતી, તરબતર થતી વૈદેહી..  તે પોતાની જાતને જોઇ રહી ક્યાંય સુધી..

“કેમ, આજે ઓફિસે જવાનો વિચાર નથી.?”  ને વૈદેહી ઝબકી ને જાગી. બીજી ઘણી વસ્તુઓની જેમ ઠંડી કોફી એ ગટગટાવી ગઇ. ખરેખર મોડુ થઇ ગયુ. તે ઝડપથી કામ આટોપવામાં પડી. પણ આજે હાથ પાછા પડતા હતા.

“નાસ્તામાં શું છે.?”  વૈદેહીએ શેકેલી સેંડવીચ ટેબલ પર મૂકી. “રોજ આ ઘાસફૂંસ જ ખાવાના.?. અચ્છા ભલા શેરને તે બકરો બનાવી દીધો છે.”  મેં તને નહોતું કહ્યુ બકરો બનવાનું.  તું તારી મરજી થી હોંશે હોંશે બન્યો છે. વૈદેહીને કહેવું હતુ, પણ શબ્દો ગળી ગઇ.

“પછી તે શો વિચાર કર્યો.?” ફારૂખ પૂછતો હતો. વૈદેહી ટિફિન ટેબલ પર મૂકી મૂંગી મૂંગી બાથરૂમમાં જતી રહી. તેને લાગ્યુ, ફારૂખ જોરથી દરવાજો પછાડીને ગયો. શાવરના પાણી સાથે એના આંસુ પણ વહેતા રહ્યા. આમે મનને બાથરૂમ સિવાય મોકળાશ ક્યાં મળે છે.!

એક તો લેટ હતી તેમાં દીલ્લીનો ટ્રાફિક ..ટેક્સીમાંથી દીલ્હીની ઊંચી ઇમારતો જોઇ રહી. દીલ્હી ભલે દેશની રાજધાની, પણ મુમ્બઇ વાલી બાત કહાં. આજે રહી રહી ને મન કેમ પાછળની ગલીયોમાં ભટક્યા કરે છે.એક અવિચારી, ઉતાવળીયુ પગલુ માણસની આખી જિંદગી બદલી નાખે છે.   એફ એમ પર ગીત વાગતુ હતુ..

“ છોડ આયે હમ વો ગલીયા..જહાં તેરે કદમો પે કમલ ખીલા કરતે થે..  હ્સે તો દો ગાલો પે ભંવર પડા કરતે થે.”

તેને પોતાના ગાલ પંપાળ્યા. પપ્પા કાયમ તેના ગાલ ખેંચ્યા કરતા. પપ્પાની યાદ તીવ્રતાથી તેને ઘેરી વળી.અબોટિયું પહેરી જ્યારે પપ્પા માતાજીની આરતી કરતા હોય ત્યારે રાજા જનક જેવા તેજસ્વી લાગતા. “તુ તો મારી વૈદેહી છે, મારૂ અભિમાન છે.”  લાડમાં કહેતા અને પોતે  ..પોતે એક વરસના પ્રેમ ખાતર પચ્ચીસ વરસનો વિશ્વાસ તોડી નાખ્યો હતો. એક બળબળતો નિસાસો એના મોઢામાંથી સરી પડયો.

ઓફિસે પહોંચી કે કામના ઢગલા. આજે ફોરેનથી ડેલીગેશન આવ્યુ હતુ.. એક પછી એક મિટિંગ. સમય ક્યાં નિકળી ગયો ખબર જ ન પડી. રિપોર્ટ સબમિટ કરતા કરતા આઠ વાગી જ ગયા. ઘરે પહોંચી ત્યારે નવ વાગવા આવ્યા હતા. ફારૂખ આવી ગયો હતો.

“કેમ, બહુ લેટ થઇ ગયુ.?”

“હા, આજ જરા વધારે કામ હતુ.”.

કપડા બદલવા તે અંદર ગઇ ફારૂખએ બદલેલા કપડા એમનેમ ફર્શ પર પડ્યા હતા. એક તીવ્ર વાસ એના નાકમાં પ્રવેશી ગઇ..ક્યારેક આમાંથી તેને ખૂશબૂ આવતી હતી.. કપડા એમજ રહેવા દઇ તે ઝટપટ કિચનમાં પહોંચી. એને એમ હતુ કદાચ ફારૂખએ કંઇ તૈયાર કરી રાખ્યુ હશે. પણ ના.. ફારૂખ તેના અસલ મિજાજમાં આવી ગયો હતો. કૂકરમાં શાક વઘારી તે કણક મસળવા લાગી.

“પછી તે શો વિચાર કર્યો વૈદેહી.?”. ફારૂખ બહારથી જ પૂછતો હતો. પૂછતો હતો કે આજ્ઞા કરતો હતો.? એનો આવો ટોન ક્યારે કેમ બદલાઇ ગયો . પહેલા તો પોતે ઓફિસેથી લેટ આવી હોય તો ફારૂખ અડધી રસોઇ કરી રાખતો.

‘અરે તે કેમ કર્યુ. હું બનાવત ને આવીને’..

‘વૈદેહી તું પણ મારી જેમ થાકીને આવી છે ને. હું તારી થોડી મદદ તો કરી જ શકુ’ .. ને વૈદેહીનો બધો થાક ઉતરી જતો. આજ કિચન કેટલાક પ્રેમાળ દ્રષ્યોનો સાક્ષી છે. .એના પ્રેમના સહારે તો એવો કઠીન નિર્ણય પોતે લઇ શકી હતી. આ પ્રેમ, સમજણ, લેટ ગો કરવાની ભાવના જાણે ક્યાં કપૂરની જેમ ઉડી ગઇ. આ એજ ફારૂખ હતો. જે એના મોઢા પર એક ઉદાસીની રેખા જોઇ નહોતો શકતો. જેના એક બોલ પર તે પીઘળી જતો . તે એનીં રૂવેં રૂવેં વસતો હતો. એ એની આંખોમાં જોતો ને વૈદેહીને કંઇ નું કંઇ થઇ જતુ.. એ શું હતુ.?.અને હવે ક્યાં જતુ રહ્યુ..!  હવે કેમ તે આંખો સુક્કીભટ્ટ જેવી થઇ ગઇ છે.

ઓહ, એની વાતોમાં ત્યારે કેવું ઉંડાણ, કેવી સમજણ હતી..’વૈદેહી.. હિંદુ અને મુસલમાન બંને અલ્લાહના બંદા છે. બંને ધર્મો પ્રભુ પાસે પંહોચવાના બે રસ્તા છે. આપણી મંઝિલ તો એક છે. રસ્તા જુદા હોય તેનાથી શું ફરક પડે છે. તારા અને મારા શરીરમાં વહેતુ લોહી એક જ રંગનું છે. આપણી વચ્ચે ભેદ કેવા.’

‘પણ ફારૂખ, મારા પપ્પા કટ્ટર હિંદુ બ્રાહ્મણ . અમારે ત્યાં પૂરખોંના સમયથી સ્થાપેલુ માતાજીનું ઘરમંદિર છે. અમે માની આરતી કર્યા વગર પાણી પણ લેતા નથી. અને તું મુસલમાન. પરધર્મી. આપણું રહનસહન અલગ, ખાનપાન અલગ. તમે માંસાહારી જ્યારે અમે ચુસ્ત શાકાહારી. અમારા ઘરમાં કાંદા, લસણ પણ અગ્રાહ્ય છે. આપણો મેળ કેમ જામશે.. મારા પપ્પા તને કદી નહીં સ્વીકારે.’

‘જો તુ જો મને પ્રેમ કરતી હોય, તો આ બધુ નગણ્ય છે. પ્રેમથી ઊંચી કોઇ વસ્તુ નથી આ દુનિયામાં. ખાન પાનનું શું છે. આજથી હું તારી માટે માંસાહાર છોડુ છું. તું જે બનાવીશ જેવું બનાવીશ હું ખાઇશ બસ. તુમ જેમ કહીશ તેમ રહીશ..’

‘પણ મારા માતા પિતાને છોડી, હું આમ તારી સાથે ન નિકળી શકુ.  તેમને કેટલો શોક લાગશે.’.

‘ ડોંટ ફીલ ગીલ્ટી. તુ તારી રીતે જિંદગી જીવવા સ્વતંત્ર છે. એક ખાલી ધર્મ માટે તું મને છોડી દઇશ.? આપણો પ્રેમ ધર્મ નાતજાતથી પરે છે. તે એમ વિચાર્યુ કે હું તારા વગર કેવી રીતે જીવીશ.?’ ફારૂખે તેનો હાથ પકડી લીધો. અને તે હાથની ભીનાશમાં તે ભિંજાઇ ગઇ. સઘળુ છોડીને.. ઘરબાર, માબાપ, શહેર, એ ફારૂખના શબ્દો પર વિશ્વાસ મૂકીને જ અહીં આવીને.. અને હવે આજે એ પૂછે છે કે તે શો વિચાર કર્યો.! વિચાર તો બંને એ સાથે મળીને કર્યો જ હતો ને. તો પછી આજે ..આજે કેમ આવો પ્રશ્ન..?  ના, ના હવે બહુ થયુ. આને અહીં જ અટકાવવુ પડશે. ફારૂખ આવું ન કરી શકે. અન્યાય કરવાવાળા કરતા અન્યાય સહન કરવાવાલો વધારે દોષી છે ..બસ હવે બહુ થયુ..

તેને ટેબલ પર જમવાનું ગોઠવ્યુ. ડીશો મૂકી કે ફારૂખે એક પેકેટ તેના તરફ લંબાવ્યુ.

“શું છે આ.?”.

“કેમ આપણે વાત થઇ હતી ને”..

“અચ્છા ..તો તું લઇ પણ આવ્યો.!”.

“જો વૈદેહી.”.ફારૂખે જરા સમજાવટના સૂરમાં કહ્યુ.. “અબ્બૂ ફક્ત ચાર દિવસ માટે જ આવવાના છે. તેમના માન ખાતર તું આટલુ ન કરી શકે. પછી તો તારે જેમ રહેવુ હોય તેમ રહે જ છે ને.. ફક્ત ચાર દિવસ જ બુરખો નાખવાનો છે.”

“ જો ફારૂખ ..આ બાબત આપણે ઘણી ચર્ચા કરી ચુક્યા છીયે.” શાંત સંયત સ્વરમાં વૈદેહી બોલી. “ને છતાય..છતાય તું કહેતો હોય તો પહેલા ચાલ.. મારા પપ્પાના ઘરમંદિરમાં ગંગાજળથી સ્નાન કરી કંઠી પહેરી તું આરતી કરવા માટે તૈયાર છે. ?”

“ગંગાજળ.!. માયફૂટ “..આક્રોશથી ફારૂખે પ્લેટ ફગાવી. વૈદેહી આજે મક્કમ હતી. ના.. આજે તો નીચે પડેલી પ્લેટની કરચ તે નહીં જ સમેટે..

 

 

કામિની મહેતા

 

Advertisements
This entry was posted in એક છત નીચે સમાતા નથી. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.