સરપ્રાઈઝ પાર્ટી-નિરંજન મહેતા

‘અશોક અંકલ, હું મનોજ બોલું છું, રાકેશભાઈનો સન.’

‘ઓ હો, આજે બાપાને બદલે દીકરાએ ફોન કર્યો. ખાસ કારણ હશે.’

‘હા અંકલ, એક ખાસ વાત કરવાની છે. પણ તે તમારે પપ્પાને નથી કરવાની.’

‘એવી તે કેવી વાત છે જે મારે મારા મિત્રથી છૂપાવવાની હોય?’

‘તમે જાણશો એટલે સમજી જશો. આ શનિવારે પપ્પા ૭૫ વર્ષ પૂરા કરે છે એટલે તેમને એક સરપ્રાઈઝ પાર્ટી આપવા વિચાર છે જેમાં તમારા જેવા તેમના ખાસ મિત્રોને બોલાવવા છે. મેં કહ્યું તેમ આ એક સરપ્રાઈઝ પાર્ટી છે એટલે તમે પપ્પાને કશું નહિ કહો. સમય અને સ્થળ હું તમને SMS કરીને મોકલાવીશ. તમે અને કાકી સમયસર આવી જજો.’

‘સરપ્રાઈઝ પાર્ટીનો અર્થ સમજુ છું એટલે હું સાચવી લઈશ.’

‘થેંક્યું અંકલ.’ કહી મનોજે ફોન બંધ કર્યો.

અશોક આ પછી થોડા વિચારમાં પડી ગયો અને પોતાના દોસ્ત સાથેની સ્મૃતિઓને મમળાવતો હતો ત્યાં જ તેનો ફોન રણક્યો. જોયું તો રાકેશનો નંબર દેખાયો. થોડીક નવાઈ સાથે ફોન ઉપાડી કહ્યું, ‘કેટલા સમય બાદ મિત્રની યાદ આવી?’

‘આ વાત તો તને પણ લાગુ પડે છે.’

‘હા યાર, અરસપરસ કઈક એવું જ છે. સંસારચક્રમાં ફસાયેલ અને વ્યસ્તતાને કારને અમસ્તું અમસ્તું ફોન કરવાનું મન નથી થતું. બોલ શા માટે ફોન કર્યો? બધું ઠીક છે ને? તબિયત કેમ છે? ધંધો કેમ ચાલે છે?’

‘તું સવાલનો મારો બંધ કરે તો જવાબ આપુંને? છેલ્લા ત્રણ સવાલનો જવાબ ‘ઠીક’ છે. પણ હું તને આવા સવાલ નહિ કરું કારણ જે કારણે મેં તને ફોન કર્યો છે તે જુદું જ છે. તને મારા મનોજનો ફોન આવ્યો હતો?’

અશોક ચમક્યો. શું જવાબ આપવો તે વિચારવા લાગ્યો ત્યાં સામેથી અવાજ આવ્યો, ‘અરે, સાંભળ્યું કે નહિ?’

‘હા, સાંભળ્યું. પણ હું વિચારતો હતો કે જે બાપા ભાગ્યે જ ફોન કરે તેનાં દીકરાને મને ફોન કરવાનું શું પ્રયોજન હોય?’

‘અરે પ્રયોજન છે. સાંભળ, તને ખબર છે કે આ શનિવારે મારો જન્મદિવસ છે અને ૭૫ વર્ષ પૂરા થાય છે. તે માટે મને લાગે છે કે કઈક રંધાઈ રહ્યું છે.’

‘શું રંધાઈ રહ્યું છે?’ અજાણ્યા બની અશોકે પૂછ્યું.

‘લાગે છે કે તે મારા માટે એક સરપ્રાઈઝ પાર્ટી રાખવાનો છે અને તેમ હોય તો તને જરૂર બોલાવે. એટલે તે જાણવા તને ફોન કર્યો.’

‘ફોન આવ્યો કે નહિ એ અલગ વાત છે કારણ જો સરપ્રાઈઝ પાર્ટી હોય તો હું તને કહું ખરો?’

‘મને એમ કે તને એવો કોઈ ફોન આવ્યો હશે અને તું મિત્રભાવે મને જણાવશે એટલે જાણવા છતાં અજાણ બની તે દિવસે હું આનંદ લઉ અને તેઓને કહી શકું કે મારા માટે કોઈ સરપ્રાઈઝ છે જ નહિ. ચાલ કદાચ અન્યને ખબર હોય તો પૂછી લઉં. બાકી બધું ઠીક છે ને? અલકાભાભીને યાદ આપજે.’

‘હા, બધું નોર્મલ છે. તું પણ  કામિનીભાભીને મારી યાદ આપજે. બાય.’

તરત જ અશોકે મનોજને ફોન કરી આખી વાત જણાવી. સામેથી ચિંતા ન કરતા હું સંભાળી લઈશ એમ જણાવાયું.

——xxxx—–

‘અંકલ, હું સૌરભ બોલું છું, અશોકભાઈનો સન.’

‘આજે વળી દીકરાએ મને યાદ કર્યો શું? હજી અડધા કલાક પહેલા તારા પપ્પા સાથે વાત થઇ. હવે દીકરાને શું કામ પડ્યું?’

‘એવું જ કઈક છે. પણ તમારે તે એકદમ ખાનગી રાખવાનું છે.’

‘કેમ બાપાથી છૂપાવીને કોઈ આડુંઅવળું કરી બેઠો છે?’

‘અરે હોતું હશે? પપ્પાના સંસ્કારો બરાબર પચાવ્યા છે એટલે તે બાબત નચિંત રહેજો.’

‘તો ઠીક. બાકી એવું કાઈ હોય તો હું મારા મિત્રથી તે છુપાવી ન શકું.’

‘અંકલ, તમે જાણો છો કે મારા પપ્પા આ શનિવારે ૭૫ વર્ષ પૂરા કરે છે અને એમને માટે હું એક સરપ્રાઈઝ પાર્ટી રાખવા માંગુ છું જેમાં મારું ફેમીલી અને તમારા બંનેના કોમન ખાસ મિત્રો જ હોય. હું તમને સમય અને સ્થળનો SMS કરીશ એ મુજબ તમે કાકી સાથે ત્યાં પહોંચી જજો. મને ખાતરી છે કે તમે આ વાત પપ્પાને નહિ કરો છતાં ફરી એકવાર યાદ કરાવું છું.’

‘સાલાને યાદ રહેશે કે તેને પણ એક દીકરો મળ્યો હતો જે સીધો નથી. બેટા, તું ચિંતા ન કર. હું સમયસર તારી કાકી સાથે પહોંચી જઈશ.’

‘થેંક્યું અંકલ’ કહી સૌરભે ફોન મૂકી દીધો.

——-xxxxx——-

નિર્ધારિત દિવસે અશોક અલકાને લઈને હોટેલ ‘આંગણ’માં પહોંચ્યો. હજી રાકેશ આવ્યો ન હતો. પણ અન્ય મિત્રો દેખાયા. તેમને મળતા પહેલા અશોક મનોજ પાસે ગયો અને ઓલ વેલ?ની નિશાની કરી. જવાબમાં મનોજે હકારમાં ડોકું ધુણાવ્યું. ત્યારબાદ મિત્રોને મળ્યો ત્યારે તેમણે અશોકને જન્મદિવસની વધાઈ આપી. બધા મિત્રોને અગાઉથી ચેતવ્યા હતા કે આ એક સંયુક્ત સરપ્રાઈઝ પાર્ટી છે, અશોક અને રાકેશ માટે. એટલે કોઈ પણ રીતે પાર્ટીમાં તેમને તેની જાણ ન થાય તેની તકેદારી રાખવા કહ્યું હતું. તેથી સૌએ અશોકને કહ્યું કે તેઓ તેની જેમ રાકેશની પાર્ટીમાં આવ્યા છે.

દસેક મિનિટમાં રાકેશ પણ કામિનીને લઈને આવી ગયો. અશોક અને અન્ય મિત્રોએ તેને પણ મુબારકબાદી આપી. તે જ રીતે રાકેશે પણ અશોકને મુબારકબાદી આપી અને કહ્યું કે તારો દીકરો તો ચાલાક નીકળ્યો. તને આ પાર્ટી આપી તેથી તું જરૂર આશ્ચર્ય પામ્યો હશે નહિ?

હવે ચમકવાનો વારો હતો અશોકનો. તે બોલ્યો, ‘તારી કાઈ ભૂલ થાય છે. આ પાર્ટી મારા જન્મદિવસની ઉજવણીની નથી પણ તારા જન્મદિવસની ઉજવણીની છે. તું કહે છે કે મારો દીકરો ચાલાક છે પણ હકીકતમાં તો તારો દિકરો જ ચાલક છે જેણે તારા માટે આ પાર્ટી ગોઠવી છે.’

‘હોય કાઈ? પૂછ તારા દીકરા સૌરભને. તેણે જ મને ફોન કરી તારા માટે આ સરપ્રાઈઝ પાર્ટી ગોઠવી છે એમ કહ્યું અને અમને બંનેને અહી બોલાવ્યા છે.’

‘તો પૂછ તારા મનોજને. તેણે મને ફોન કરીને તારા માટે આ સરપ્રાઈઝ પાર્ટી ગોઠવી છે એમ કહ્યું અને અમને બંનેને અહી બોલાવ્યા છે.’

‘અરે, અરે, આમ લડો નહિ.’ અલકા બોલી.

‘લડીએ નહિ તો શું કરીએ? પાર્ટી એને માટે યોજી છે અને કહે છે મારા માટે યોજી છે.’ બંને લગભગ સાથે બોલી ઊઠ્યા.

‘ચાલો, શાંત થઇ જાઓ. પાર્ટી બંને માટે છે..’

‘બંને માટે?’ નવાઈ પામતા અશોકે પૂછ્યું.

‘હા, અને તે પણ બે કારણસર.’ મનોજે કહ્યું.

‘બે કારણસર? જન્મદિવસની પાર્ટી તો હવે સમજ્યા પણ બીજું કારણ શું? તે શું છે તેની અમને કોઈ જાણ નથી કે કોઈ ખયાલ નથી.’ રાકેશે કહ્યું.

‘બીજું કારણ તમારી ૬૦ વર્ષની મિત્રતાને માટે.’ કામિની બોલી.

‘હવે અમારી મિત્રતાને ૬૦ વર્ષ પૂરા થયા એવું ક્યાંથી યાદ આવે.’ અશોકે કહ્યું.

‘એટલે જ આ સંયુક્ત પાર્ટી. મિત્રતાનું ઝરણું જે સૂકાઈને પાણીની ધાર બની ગયું છે તેને ફરી ખળખળતું કરવા અને સાથે સાથે બંનેના એક જ દિવસે આવતા જન્મદિવસને ઊજવવા માટે અમારે આમ કરવું પડ્યું.’ સૌરભ બોલ્યો.

આ સાંભળી બંનેને પોતાનું અતીત યાદ આવી ગયું. કોલજમાં સાથે ભણ્યા ત્યારના દિવસો અને મસ્તી તો યાદ આવ્યા પણ ત્યારબાદ થોડો વખત સાથે એક જ કંપનીમાં કામ પણ કર્યું હતું તે યાદ આવી ગયું. પરંતુ સંજોગો અને જવાબદારીઓને કારણે અને સ્થાન બદલને કારણે બંને વચ્ચે જે અંતર પડી ગયું હતું તેને લઈને હવે તો જન્મદિવસની વધાઈઓ આપવાનો શિરસ્તો બની રહ્યો હતો.

‘પણ આ સંયુક્ત પાર્ટીનો વિચાર કોને આવ્યો?’ રાકેશે પૂછ્યું.

‘તમારા દીકરાને. તમારા જન્મદિવસે તમારા માટે સરપ્રાઈઝ પાર્ટી રાખવાનો વિચાર તેને આવ્યો એટલે મને વિશ્વાસમાં લીધી. તે માટે તેણે મને અલકાભાભીને વાત કરવા કહ્યું. જ્યારે મેં અલકાભાભીને ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું કે તે દિવસે અશોકનો પણ જન્મદિવસ છે જે હું ભૂલી ગઈ હતી. ન કેવળ આ વાત તેમણે મને કરી પણ સાથે સાથે એ પણ કહ્યું કે બંને મરદોની મિત્રતાને પણ ૬૦ વર્ષ પૂરા થાય છે જે બંનેમાંથી કોઈને યાદ નહિ હોય. શા માટે આપણે આ પ્રસંગ આ બે કારણે સાથે ન ઊજવીએ? મને પણ આ જાણી એક પ્રકારનો રોમાંચ થયો કે બે બે કારણસર સરપ્રાઈઝ પાર્ટીની મજા ઓર જ બની રહેશે. એટલે મેં મનોજને આ વાત કરી તો તે પણ ઉત્સાહિત થઇ ગયો.’ કામિનીએ કહ્યું.’

આગળ મનોજ બોલ્યો, ‘પછી અલકાકાકીએ જ રસ્તો બતાવ્યો કે હું અશોક અંકલને ફોન કરું અને સૌરભ પપ્પાને. અને અમે એક બીજાના પપ્પા સાથે વાત કરી તે જાણતા નથી એમ જ વર્ત્યા. જો કે બાકીનું બધું પ્લાનિંગ અમે સાથે મળીને કર્યું અને તેનું પરિણામ તમારી સમક્ષ છે.’

‘ઓહ, તમે તો અમને બંનેને ભાવવિભોર કરી દીધા.’ રાકેશ અને અશોક બંનેએ એકસાથે કહ્યું.

‘જોયું, કેવી મિત્રતા. એક સાથે જ બોલ્યાને? અને આ મિત્રતા તમે ભૂલી કેમ ગયા? ચાલો હવે કેક કાપશું કે નહિ?’ અલકા બોલી.

ચાલો કહી બંને મિત્રો હાથમાં હાથ નાખી જ્યાં કેક રાખી હતી ત્યાં પહોંચ્યા. જોયું તો એક નહિ પણ બે કેક હતી. બંને મિત્રો સમજ્યા કે બંને માટે અલગ અલગ કેક રાખી હશે. તેમના વિચાર જાણે વાંચ્યા હોય તેમ અલકા બોલી બે કેક છે પણ અલગ અલગ પ્રકારની છે. એક કેક જન્મદિવસની સંયુક્ત ઊજવણી માટે અને બીજી કેક મિત્રતાની સંયુક્ત ઊજવણી માટે. હવે તમે બંને તેને સંયુક્ત રીતે કટ કરો, એક પછી એક.

જ્યારે બંને પહેલી કેક આગળ પહોંચ્યા તો તેના ઉપર બંનેનાં નામ સાથે સામાન્ય રીતે લખાય છે તેમ જન્મદિનની વધાઈનો સંદેશ હતો. પણ બીજી કેક પર જરા અલગથી લખાણ હતું. Celebrating revival of 60 year old stream of friendship.

નિરંજન મહેતા

 

Advertisements
This entry was posted in લઘુ કથા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.