એક છત નીચે સમાતા નથી ! (૧૨) પ્રવીણા કડકીઆ

વર્ષોથી પ્યારમાં ડુબેલા  પ્રેમી પારેવડાં જો એકબીજાના દિલમાં સમાય, તો છત નીચે જરૂર સમાવાના.  અરે છત્રીતો છત કરતાં નાની પણ બેથી ત્રણ  ફૂટના વ્યાસ વાળી હો તો તેમાં બે જણા આરામથી સમાઈ શકે. જો કે દિલ કરતાં તે મોટી દેખાય. અત્રે યાદ રાખવું જરૂરી છે કે દિલનું માપ લેવા કોઈ પણ ફૂટપટ્ટી નાની પડશે. તે ઈંચ, ફુટ, વાર કે માઈલમાં માપી નહી શકાય. માટે દિલ નાનું છે એ કહેવું સદંતર ખોટું છે. સાથે સાથે તે એક મિલિમિટરથી પણ નાનું થઈ શકે છે. સામે વાળી વ્યક્તિ પર આધાર રાખે છે. એના કરતા એ કહેવું ઉચિત છે અરસ્પર બન્ને વ્યક્તિ પર આધાર રાખે છે.   છત ભલેને મોટી હોય પણ દિલ નાના, તો એ બધા ખાલી ઉધામા છે. જે દિલમાં સમાય તેને ત્યાં “છૂટાછેડા”ની નોબત ક્યારેય ન આવે. ૨૧ મી સદીની સોગાદ ખૂબ મોંઘી છે. જાણ થાય ત્યારે મોડું થઈ ગયું હોય છે. છત, નાની યા મોટી હોય, બંગલામાં હો કે ચાલીમાં હો, દિલ કરતાં તો આ બધી જગ્યા હમેશા મોટી રહેવાની.  દિલ કેવું કલામય અને દિલદાર છે. આ ‘દિલ’ ઘણી વાર છત નીચે રહેનારની સાથે નોકર, કૂતરા અને બિલાડી સમાય પણ ઘરની વ્યક્તિ અને તેમાંય જો પતિ યા પત્ની સાથે ન સમાય તો એ પરિસ્થિતિ કેટલી વિષમ હશે તેની કલ્પના જ કરવી રહી.

એક વર્ગમાં ભણતા પવન અને લહેર આ વાત ખૂબ સુંદર રીતે સમઝતાં. વિલ્સનમાં સાથે ભણતા. એ વર્ષે વિલ્સન કોલેજના ૧૦૦ વર્ષ થયા હતાં. “મેરેજ સેમિનાર’ માટે બન્ને એ પ્રવેશ પત્ર ભર્યું હતું. એક અઠવાડિયુ રોજ વર્ગ ભરતા. ઘણું જાણવા મળ્યું હતું, ખુશ હતા. લગ્ન પછી સંસારમાં કેવી રીતે સમાધાન કરવું. ક્યારે વાદ વિવાદ બંધ કરવા, શક ન કરવો. કુટુંબમાં એક બીજા પ્રત્યે આદર અને પ્રેમ રાખવો. ગમે તેટલો ઝઘડો થયો હોય, સૂતા પહેલાં સંધિ અવશ્ય કરવી. એવું તો કાંઈ કેટલું જાણવા મળ્યું.

‘પવન, આપણો સંસાર ખૂબ સુખી હશે”.

‘એમ’!

‘કેમ તને ભરોસો નથી’?

‘અરે યાર, ગળા સુધી વિશ્વાસ છે. આ અઠવાડિયા દરમ્યાન આખી જીંદગી ચાલે એટલું ભાથુ એકઠું કર્યું છે”. બન્ને જણાએ સેમિનાર સાથે માણ્યો. તેના પર ખૂબ ચર્ચા વિચારણા પણ કરી. જેનું પરિણામ ખૂબ સુંદર આવ્યું. સમજીને પ્રભુતામાં પગલાં પાડ્યા.

શરણાઈ વાગી, ઢોલ ઢબુક્યા, મહેંદી લગાવી રૂમઝુમ કરતી લહેરે પવનનો હાથ ઝાલી નવી દુનિયામાં પ્રવેશ કર્યો. પવનના મમ્મીએ સમજીને જ બન્નેને જુદા રહેવાનો આગ્રહ કર્યો. કુટુંબમાં શાંતિ અને પ્રેમ રાખવાનો રામબાણ ઈલાજ ! અવારનવાર ભેગા થઈ આનંદ કરતાં. નજીકમાં જ ફ્લેટ હતો એટલે આવવા જવાની પણ બહુ તકલિફ નહી.

બે બાળકો થયા ત્યાં સુધી  પવન અને લહેર ખૂબ ખુશ હતા. પ્રેમ લગ્ન કર્યા હતાં.  બન્નેના માતા અને પિતાએ ખુલ્લા દિલે બન્ને ને આવકાર્યા.  આશિર્વાદ આપ્યા. પવન એંજીનિયર અને લહેર એમ.બીએ. કોઈ વાતની કમી ન હતી. લગ્ન જીવનનો પાયો સુંદર રીતે પ્રેમથી પૂર્યો હતો. સ્નેહના સિંચન કર્યા હતાં.

પૈસાની કોઈ કમી હતી નહી. બન્નેના માતા અને પિતા નજિકમાં રહેતાં. બાળકો નાના હતા ત્યારે સુંદર વ્યવસ્થા થઈ ગઈ હતી. પવનની મમ્મીના એક સખી પતિ ગુમાવ્યા પછી એકલા હતાં. તેમને પૈસાની જરૂરિયાત હતી. મમ્મીએ કહ્યુ એ બન્ને ને ગમ્યું.  મનોરમા માસી ઘરે રહેવા આવી ગયા હતાં. ઝરણા અને સાગર ખૂબ સુંદર રીતે બાળપણ પસાર કરી રહ્યા હતાં.

માસી રસોઈ બનાવે અને બાળકોને સાચવે. તેમણે ૨૪ કલાક પવન અને લહેરને ત્યાંજ રહેવાનું.  માસીને બીજું કોઈ કુટુંબમાં હતું નહિ. બાળકો પણ હતા નહી. બીજી કોઈ પળોજણ  હતી નહી. માલતી માસીને તો આવું સરસ ઠેકાણું મળી ગયું. પવનના મમ્મીનો ખૂબ આભાર માનતા. ઝરણા અને સાગરની ખૂબ પ્રેમથી પરવરિશ કરતાં.

જ્યારે જીવન સરળ ચાલતું હોય ત્યારે વિધાતાને કંઇ ચેન ન પડે.  લહેરને પોતાની હોંશિયારીને કારણે નોકરી પર  ઝડપથી આગળ વધવાની તક મળવા લાગી. તેને ઘરની ચિંતા જરા પણ ન હતી. પવન સમયસર ઘરે આવતો. બાળકોની ચિંતા હતી નહિ. બાળકોને શની અને રવિવારે એક પળ પર દૂર ન કરતી. તેમની સાથે સરસ રીતે સમય પસાર કરતી. આમ પણ તેને બાળકો ખૂબ વહાલા હતાં.

પવનને લાગ્યું ધીરે ધીરે લહેર તેનાથી દૂર થતી જાય છે. જેમ દરિયામાં આવતી પાણીની લહેર કિનારા પર રેતી અને નાના છીપલાં મૂકી જાય તેમ લહેર તેનો સંગ દૂર કરતી રહી. વ્યવસાયમાં ખુંપેલી લહેરને તો આવો વિચાર કરવાનો સમય ન હતો. પવન મનઘડન વિચારો કરતો અને લહેરથી જેમ કિનારો દૂર થાય તેમ થતો ગયો. તેને ઘણીવાર થતું શામાટે લહેર આટલું બધું કામ કરે છે? લહેરની વ્યસ્તતા પવનને અકળાવતી. પવન મુંઝાયેલો રહેતો. જો લહેરને કાંઇ કહેવા જાય તો કહેશે, ‘કેમ હું પ્રગતિ કરું છું એમાં તું રાજી નથી. ‘ લહેરની કાબેલિયત વખણાઈ. એવો સમય આવી ગયો કે લહેર પવન કરતાં વધારે કમાતી થઈ ગઈ.

જ્યારે જમવાના ટેબલ પર પવન કામ વિષે ની વાત કાઢે તો લહેર કહેશે,,’ યાર, નોકરીની અને કામની વાત છોડ ને’. કહી વાતને બીજા પાટા પર ચડાવી દે.

રાતના સમયે, ‘હું આજે ખૂબ થાકેલી છું’. યા તો ‘મારે પ્રોજેક્ટ પૂરો કરવાનો છે’. આવા કંઇક કારણ બતાવી પવનને નકારે.  અસંતોષી પવન બાળકોને પણ ન્યાય ન આપી શકે.

‘જો ને પવન, ઝરણા કેમ રડે છે?’

‘તમે ઉભા થઈને જુઓને મહારાણી’ કહી સોફા પરથી ઉભો ન થાય. લહેર તેને મઝાક સમજી ઉભી થઈને ઝરણાને શાંત કરી આવે.

આજે તબિયત નરમ હોવાને કારણે લહેર નોકરી પર ગઈ ન હતી. બપોરે પવનને ફોન કર્યો. “આજે લંચ પર ઘરે આવ, મેં રજા લીધી છે’.

પવને તોછડાઈથી કહ્યું,’કેમ આજે તારે કામ નથી. મારા માટે સમય છે’? કહી ફોન મૂકી દીધો

લહેર એકદમ ભોંઠી પડી ગઈ.  તેને પવનનું આવું વર્તન સમજાયું નહી. આજે કામની કોઈ ચિંતા હતી નહી એટલે લહેરને પવન સાથે સમય પસાર કરવાનું મન થયું હતું.  તેની ભૂખ ઉડી ગઈ. બાળકો બપોરે સૂતા હોય. એકદમ વિચારવા લાગી. ‘ આજે પવને આવું કેમ કહ્યું. હમણાથી એ થોડો અતડો લાગે છે. હું બહુ કામ કરું છું તે તેને ગમતું નથી ? એની નારાજગી આમ દર્શાવાય? ભાઈસાહેબ કાંઈ બોલે તો ખબર પડે ને’ ?

લહેરે દવા લીધે તેથી સ્ફૂર્તિમાં હતી. પવનને સરપ્રાઈઝ આપવા તેની ગમતી સાડી પહેરીને રાતના સાથે ડીનર લેવા જવા માટે તૈયાર થઈ ગઈ. ‘મનોરમા માસી અમે આજે બહાર જમવા જઈશું. તમારા અને બાળકો માટે ભાવતું બનાવજો’. કાગડોળે પવનની રાહ જોઈ રહી.

પવન રોજ કરતાં જરા મોડો આવ્યો. નિકળવાના સમયે એક ક્લાયન્ટનો ફોન આવ્યો એટલે મોડું થઈ ગયું. ક્લાયન્ટ જરા અજ્જડ હતો.  પવનને તેને સમજાવતાં  માથુ દુખી ગયું.

લહેરને આવી સુંદર તૈયાર જોઈ બાથમાં લીધી. ગાલ પર મહોર પણ મારી. માથું દુખતું હોવાને કારણે સીધો બેડ રૂમમાં ગયો.

‘નાહીને તૈયાર થઈને આવ  આજે ગેલોર્ડમાં ડીનર લેવા જઈએ”.

પવનનું માથું ફાટફાટ હતું. પેલો ક્લાયન્ટે એક કલાક બગાડી ગુસ્સે થઈને ફોન પછાડ્યો હતો.  ” મને ભૂખ નથી, ખાલી ચા પીવી છે. ”

લહેરનો બધો આનંદ ઓસરી ગયો. તેને કોઈ વાતની ખબર ન હતી. આજે માંડ બાળકોથી દૂર થઈ ડીનરનો સુંદર વિચાર નિષ્ફળ ગયો એટલે ભડકી, ‘મનોરમા માસી બાળકો સાથે બહાર ગયા છે. આવશે એટલે બનાવી આપશે”.

‘કેમ તારાથી એટલું નહી થાય”?

પછી તો એવી ચડભડ ચાલી કે લહેર મહેમાનોના રૂમમાં બારણું બંધ કરી રડી રહી. મનોમન બબડી રહી,’મારો શું વાંક છે’ ?

‘શામાટે પવનનું વર્તન આવું છે’.

‘શું , પવનને હું નથી ગમતી’?

મનોરમા માસીએ વાતાવરણ તંગ જોયું. બાળકોને રમકડાં આપી વ્યસ્ત રાખ્યા. પવન માટે સરસ ચા બનાવી સાથે બિસ્કિટ પણ આપ્યા. માથુ ઉતર્યું એટલે પવન લહેરને મનાવવા ગયો.  પોતાના અસભ્ય વર્તન માટે દિલગીરી વ્યક્ત કરી. લહેરને બધી વાત કહી પ્રેમથી મનાવી. લહેર ખૂબ શરમિંદા હતી.

લગ્નને દસેક વર્ષ થવા આવ્યા હતા. ‘બે બસ’. એ નિયમ અનુસાર બન્ને ખુબ ખુશ હતાં.  એક દિવસ ઓફિસેથી આવ્યો કે દરવાજામાં,ઓચિંતા લહેરે ધડકો કર્યો, ” તને કહ્યું હતુ. સાવચેતી રાખજે. પણ તું સાંભળે છે ક્યાં’? લહેરનો આવો અંદાઝ અને બોલવાના રણકાથી પવન હેબતાઈ ગયો.

‘મગનું નામ મરી પાડીશ કે પછી તારું હાંકે રાખીશ’.

‘તને ખબર છે ,સાત અઠવાડિયા થઈ ગયા’.

‘તેનું શું’ ?

‘અરે, મૂરખના સરદાર મને લાગે છે ,ત્રીજી વાર’.

‘ના હોય’.

‘તો શું હું જુઠું બોલું છું ‘?

પવનને ખૂબ નવાઈ લાગી . કેવી રીતે અકસ્માત થઈ ગયો. લહેર રોજ જમવાના ટેબલ પર ઉપાસણ લઈને બેસે. પવન શાંત બનીને સાંભળી રહે.  સારું હતું સમજુ લહેર, બાળકો ન હોય ત્યારે ઝઘડતી. માસી તો હવે ઘરના કહેવાય. તેમને ચેતવણી પહેલા દિવસથી આપી હતી કે ઘરની વાત બેમાંથી એક પણ મમ્મીને ઘરે નહી કરવાની. આ શરત મંજૂર હોય તો તમે બાળકોને રાખશો આ ઘરમાં.

હવે શું? એ ખૂબ ગહન કોયડો હતો. બન્ને જણા એક છત નીચે રહેતા હતાં પણ જાણે અનજાણ હોય એમ લાગતું. સવારે કામ પર જવાનું . સાંજે બાળકોની સાથે. હવે તેઓ શાળાએ જવાની તૈયારીમાં હતાં. મોટો તો અઠવાડિયામાં ત્રણ દિવસ જતો. નાની ને ઉનાળો પૂરો થાય એટલે મૂકવાની હતી. માસીએ તેમની શાળાનું બધું સંભાળવાનું રહેતું. તૈયાર કરવાના. નાસ્તાના ડબ્બામાં તેમનું મનગમતું ખાવાનું આપવાનું.

આજે નાની ચાર વર્ષની થઈ . તેની વર્ષગાંઠ ઉજવી. મહેમાનો વિદાય થયા. હજુ બેમાંથી એક પણ મમ્મીને વાત કરી ન હતી. અરે પવન અને લહેરે પણ વિચાર્યું ન હતું કે આ કોયડો કેવી રીતે હલ કરવો. મુશ્કેલ હતું. બન્ને જણા ખુશખુશાલ હતાં.

રાતના સમયે લહેર ઘણા વખત પછી આનંદમાં ગુનગુનાતી હતી , તે જોઈ પવન બોલ્યો, ‘બોલ તારો ઈરાદો શું છે’?

અચાનક સવાલ આવ્યો એટલે લહેર બોલી, ‘શેનો’?

પવને તેના પેટ પર નજર ઠેરવી.

‘ઓહ’.

‘તારે મિસ—-

હજુ આગળ બોલે તે પહેલાં લહેર તડૂકી,’તું ગાંડો થયો છે’.

‘કેમ’?

‘આપણે કાંઈ ચોરી કે છિનાળુ નથી કર્યું’. ગમે તેમ તે આપણા પ્રેમની નિશાની છે. આવો બેહુદો ખ્યાલ તને આવ્યો કેવી રીતે? પવન તું સાવ કેમ આમ વિચારે છે? ‘ આંભળ હું ઘણા દિવસ્થી વિચારતી હતી. તને આજે સ્પષ્ટ શબ્દોમાં જણાવું છું.

‘પ્રસાદ માની તેને પણ પ્રેમથી જન્મ આપીશ. મેં ખૂબ વિચાર કર્યો છે. ત્રણ મહિના મને રજા મળશે. છ મહિના હું ઘરેથી કામ કરીશ. પછી તો માસી છે. ‘

પવનનો જીવ હેઠો બેઠો. તેને પણ મરજી હતી કે બાળક આવે. હવે તેણે પોતાના ઓપરેશનનો ઈરાદો મજબૂત કર્યો. બે બાળકો, ઘર અને જવાબદારી વાળી નોકરી. લહેર ખૂબ થાકી જતી. તબિયત પણ કોઈ વાર નરમ ગરમ રહેતી. આજે બારીમાંથી પેલો ચાંદ ડોકિયા કરી બન્નેના દિલને તપાસી રહ્યો હતો.

Advertisements
This entry was posted in એક છત નીચે સમાતા નથી. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.