ફાધર્સ ડે –     રોહિત કાપડિયા 

           

   સમજણો  થયો ત્યારે જ ખબર પડી કે મને રાજકુમારની જેમ ઉછેરવા મારાં પપ્પા ખુદ કંગાળ અને તકલીફોથી ભરેલું જીવન જીવ્યાં હતાં.મેં પૂંછયું “પપ્પા,તમે આવું કેમ કર્યું ?મારા માટે તો તમારો પ્રેમ જ બસ હતો.” પપ્પાએ હસીને કહ્યું “બેટા,શૈશવનાં સંસ્મરણો જીવનભરનો અમૂલ્ય ખજાનો હોય છે.હું તારાં એ ખજાનાને ફૂટી કોડીઓથી નહીં પણ સોનામહોરોથી છલકાવવા માંગતો હતો.તું ખુશ છે ને ? ને,હાં !તારી ખુશીથી મને મળેલાં આત્મસંતોષની કિંમત પણ જરા એ ઓછી નથી.” આ છે પિતાનો ત્યાગ, પિતાનો પ્રેમ.

   માતાનાં પ્રેમ વિષે જે લખાયું છે તેની સરખામણીએ પિતાનાં વિષે ઘણું ઓછું લખાયું છે.માતા નવ મહિના પ્રસવનો ભાર વહન કરે છે,અને સંતાનને જન્મ આપ્યા પછી પિતાનું નામ આપી દે છે.તેનાં આ ત્યાગને કારણે જ પિતાએ હમેંશા પરદા પાછળ રહેવાનું પસંદ કર્યું છે. બાકી તો પિતાનો પ્રેમ,પિતાની લાગણી,પિતાની સંવેદના માતા જેટલી જ હોય છે.માતા માત્ર પ્રેમ, પ્રેમ અને પ્રેમ જ આપે છે તો પિતા પ્રેમની સાથે થોડી સખતાઈ પણ રાખે છે.સંતાનની જિંદગીને સક્ષમ બનાવવા પ્રેમની સાથે કરડાકીનો  તકલાદી બુરખો પહેરીને પિતા જીવે છે.માતા સતત સંતાનનું દયાન રાખે છે ને એને પંપાળે છે .તો પિતા એનું દયાન રાખતાં ક્યારેક થપ્પડ મારે છે ને પછી પંપાળે છે.માતા સતત એનું સંતાન પડી ન જાય,એને વાગી ન જાય તેનું દયાન રાખે છે તો પિતા ક્યારેક એને પડવા પણ દે છે અને પછી પાછાં ઉભાં થતાં પણ શીખવે છે .માતા હાથમાં તેડે છે, પિતા આંગળી પકડીને ચલાવે છે.માતા હાલરડાં ગાઈને સૂવાડે છે,પિતા આંખોમાં સપનાઓ જગાવે છે..માતા સંસ્કાર આપે છે તો પિતા સાચી સમજ આપે છે.પોતાના સંતાનોની ખુશીને માટે કાળી મજૂરી કરતા અને રાતોનાં ઉજાગરા કરતાં પિતા ક્યારે પણ એ વાતની ચર્ચા નથી કરતાં.સંતાનોની ઈચ્છા પૂરી કરવા પિતા પોતાની ઈચ્છાઓનું ગળું દબાવી દે છે.સંતાનની પ્રગતિમાં પોતાનું સુખ મેળવી લે છે. દુનિયામાં પિતા જ એક એવું પાત્ર છે કે જે ઇચ્છે છે કે એનો પુત્ર એનાથી પણ વધુ આગળ વધે.

   એ એક વિશ્વ વિખ્યાત શિલ્પી હતાં.પાષાણને એમનાં ટાંકણાનો સ્પર્શ થતાં જ એમાં પ્રાણ પૂરાઈ જતો.મોરનાં ઈંડાને ચિતરવા ન પડે,એ મુજબ એમનો પુત્ર પણ નાનપણથી જ આ કળામાં પારંગત થતો ગયો.પુત્રનાં હાથમાં પણ ગજબનો જાદુ હતો.એની આંખોને ખરબચડા અને ચિત્ર-વિચિત્ર આકારવાળા પત્થરોમાં પ્રતિમાનાં દર્શન થતાં.અને એ પાષાણને બેનમૂન શિલ્પમાં પરિવર્તિત કરી નાખતો.આખી દુનિયામાં એનાં શિલ્પના વખાણ થતાં .જો કે એને એક વાતનો ખૂબ જ અફસોસ હતો કે એનાં પિતા એની હરેક શિલ્પકૃતિમાંથી કોઈક ને કોઈક ભૂલ કાઢતાં. એક આતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં મૂકવા એણે એક અદભૂત શિલ્પ ઘડ્યું.જરા જેટલી પણ કસર ન રહી જાય તેનો ખ્યાલ રાખીને તેણે શિલ્પ પૂર્ણ કરીને પિતાજીને બતાવ્યું.પિતાજીએ ઘણી વાર સુધી એ શિલ્પ નિહાળ્યું.પુત્ર મનોમન ખુશ થઇ રહ્યો હતો કે હાશ આખરે મારી મહેનત સફળ થઇ.ત્યાં જ પિતાજીએ એક અત્યંત નાનકડી ભૂલ બતાવી.પુત્ર નારાજ થઇ ગયો.બે દિવસ સુધી એણે પિતા સાથે વાત જ ન કરી.ત્રીજે દિવસે એનાં પિતા બહાર ગયા હતાં અને એ કંઇક કામ માટે એનાં પિતાની રૂમમાં ગયો.ત્યાં જ એની નજર પિતાની ડાયરી પર પડી.અયોગ્ય  હોવાં છતાં પણ પિતાએ લખેલી ડાયરી ખોલી.ગઈકાલની તારીખમાં  લખ્યું હતું -મારો દીકરો શિલ્પકળાનાં સર્વોચ્ચ સ્થાને છે અને તો પણ એની કળામાં હું હમેંશા ભૂલો કાઢું છું, કારણકે જે દિવસે હું તેની પ્રશંષા કરીશ,તે દિવસથી એની પ્રગતિ અટકી જશે.એ મારાથી તો ખૂબ આગળ નીકળી ગયો છે, પણ હું એની વધુ ને વધુ પ્રગતિ ચાહું છું અને એટલે જ એની નારાજગી પણ મને મંજૂર છે.પુત્રની આંખ આંસુંથી  છલકાઈ ગઈ.આ છે પિતાની ભૂમિકા.આજે’ ફાધર્સ ડે ‘ છે,તો ચાલો,આપણે સહુ આપણા પિતાને દિલથી સમજવાનો પ્રયત્ન કરીએ.

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s