એક છત નીચે સમાતા નથીં ( ૧૦)”તલાક..તલાક..તલાક” રાજુલ કૌશિક

તલાક.. તલાક.. તલાક… આ ત્રણ શબ્દોએ મૌલીનું વિશ્વ વેર-વિખેર , વેરણ-છેરણ કરી નાખ્યુ. મૌલી પણ ભિતરથી વેર-વિખેર થઈ ગઈ. તુટી ગઈ પણ એના તુટવાનો અવાજ સુધ્ધા આબિદને સ્પર્શ્યો જ નહીં .

ક્રોધથી કાંપતા આબિદ અને ભયથી કાંપતી મૌલીને જોઇને નાનકડી ચાહત પણ સામે મંદિરમાં પ્રગટાવેલા દિવાની જ્યોતની જેમ થરથર કાંપતી હતી.

આ શું બની ગયું? આ આબિદ કે જેના માટે મૌલીએ માવતરનો પ્રેમ વિસારે પાડ્યો એ આ આબિદ ?

“જો તુમકો હો પસંદ વોહી બાત કરેંગે, તુમ દિન કો અગર રાત કહો રાત કહેંગે’

ગાતા રહેતા આ આબિદે આજે મૌલીના ભરપૂર દિવસોને ત્રણ શબ્દોની ફૂંકથી અંધારી રાતમાં બદલી નાખ્યા? શા માટે? શું વાંક હતો એનો?

***

એક જ સોસાયટીમાં રહેતા આબિદ અને મૌલીની કોલેજ જુદી પણ નિકળવાનો સમય એક. મોટાભાગે સવારે નવરંગપુરાથી ૧૦-૧૦ની જે બસ પકડીને મૌલી એમ.જી સાયન્સ કોલેજ જવા નિકળતી એ જ ૧૦-૧૦ની બસ પકડીને આબિદ એચ.એલ. કોલેજ પહોંચતો. સામ સામે નજર મળતી બસ એનાથી વિશેષ કશું જ નહીં.

એક દિવસ મૌલીને ઘેરથી નિકળતા થોડું મોડું થયું અને એ જે બસ પકડતી એ તો ઉપડવાની તૈયારીમાં હતી. મૌલીએ દોડીને બસ પકડવા પ્રયત્ન કર્યો પણ બસના દાંડા પરથી હાથે લપસ્યો, એ પડવાની અણી પર હતી અને એનો હાથ ઝાલીને કોઇએ એને બસમાં ખેંચી લીધી. પરસેવે રેબઝેબ મૌલીએ જરા શ્વાસ હેઠો બેઠો અને એનો હાથ પકડીને ઉભેલી વ્યક્તિ તરફ નજર કરી.

ઓ આ તો આબિદ ! સોસાયટીના હિસાબે નામ માત્રથી જ ઓળખતી મૌલીએ આબિદનો ખરા હ્રદયથી આભાર માન્યો. એ દિવસથી મૌલી અને આબિદ બસના હમસફર બની ગયા . ઉત્તરો ઉત્તર મૈત્રી ગાઢ બનતી ગઈ. અત્યાર સુધી કોલેજથી પાછા આવવાનો સમય મોટાભાગે બંનેનો અલગ રહેતો પરંતુ ધીમે ધીમે એ સમય પણ સચવાતો ગયો. મોટાભાગે આબિદના લેક્ચર વહેલા પતતા પણ એ મૌલીની રાહ જોઇને બસ સ્ટેન્ડ પર બેસી રહેતો. કોલેજના ચાર વર્ષ તો સડસડાટ પતી ગયા. હવેથી બંનેની રાહ જુદી હતી. આબિદ એમ.કોમ. કરવા માંગતો હતો અને મૌલીએ પેથોલોજી પસંદ કર્યુ.

 

બંનેની દિશા અલગ થઈ એની સાથે મનની દશા માઠી થઈ. રોજ મળતા હતા ત્યારે જે નહોતું અનુભવ્યું એ હવે અનુભવ્યું. આજ સુધી સવાર-સાંજ સાથે બસમાં જતા એ એક સ્વાભાવિક ઘટના લાગતી અને હવે જ્યાં રસ્તા ફંટાયા ત્યારે બંનેને કશુંક અસ્વાભાવિક લાગવા માંડ્યુ. દિવસ ખાલી અને રાત લાંબી લાગવા માંડી ત્યારે બંનેને સમજાયુ કે આ કેવળ મૈત્રી નહોતી રહી. એ કોઇ વિશેષ લાગણી બનીને બંનેના મનમાં મહોરી હતી.

“હવે શું ?”

“હવે કશું નહી. મિયાં બીબી રાજી તો ફિર ક્યા કરેગા કાજી.” આબિદ સાવ હળવો હતો જ્યારે મૌલી અત્યંત ચિંતામાં . એની ચિંતા ય ખોટી તો નહોતી જ ને? એ રહી શુદ્ધ હિંદુ અને આબિદ મુસ્લિમ. મૌલીને ખાતરી હતી કે કોઇ કાળે એના માતા-પિતા આ સંબંધને સ્વીકારશે જ નહીં . અરે! સ્વીકારવાની વાત ક્યાં, સાંભળશે તો પણ એમના પર આભ તુટી પડવાનું એ ય નક્કી. એમ તો આબિદ માટે પણ અબ્બુ-અમ્મીને સમજાવવા થોડા તો કઠીન હતા જ ને?

આબિદને ન મળવાનું કેટલીય વાર મૌલીએ નક્કી કર્યું હશે કેટલીય વાર આબિદ તરફથી મનને વારવા પ્રયત્ન કર્યો હશે પરંતુ આબિદને જોતા એના મન પરનો કાબૂ એ ખોઇ બેસતી. આબિદ હતો ય એવો. સાવ નફિકરો અને રમતિયાળ. “ મૈં મૌલીકા સાથ નિભાતા ચલા ગયા, હર ફિક્ર કો ધુંએમેં ઉડાતા ચલા ગયા”

એ ગાતો ખુબ સરસ. હલકદાર અવાજ હતો એનો. એ મનમોજી હતો. કોઇના માટે કશું કરવું એના સ્વભાવમાં જ નહોતું પણ કોણ જાણે કેમ મૌલી માટે એ બધું જ કરવા તૈયાર હતો. મૌલી કહે તો એનો હાથ માંગવા મૌલીના મમ્મી-પપ્પાના પગે પણ પડવા તૈયાર હતો

એની વાત સાંભળીને જ ભડકી ઉઠતી મૌલી..

“ ના હોં ભઈસાબ ! એવી તો કોઇ વાત વિચારતો પણ નહીં . તને ખબર નથી જે દિવસે મમ્મી-પપ્પાને ખબર પડશે એ દિવસે તો ઘરમાં કયામત …..” મૌલી આબિદ જોડે રહીને આબિદની ભાષા બોલતી થઈ ગઈ હતી.

આબિદ એના મોંઢા પર આડો હાથ દઈ દેતો. “ તું તારા ઘરમાં કયામતની વાત કરે છે પણ ખરા અર્થમાં કયામત આવીને ઉભી રહેને મતલબ મરણ બાદ ખુદા આગળ ઊભા થઇને જવાબ આપવાનો દિવસ આવશેને તો પણ આબિદના હોઠે તારું જ નામ હશે મૌલી. મૌલી એટલે શું ખબર છે તને? તમે જેને વિદ્વાન કહો છો એને અમારામાં મૌલી કહીએ છીએ અને આબિદ એટલે શું ખબર છે?”

મૌલી આબિદની સામે તાકી રહેતી. એના માટે બેફિકરા આબિદનું આ જુદુ પાસુ હતું.

“ આબિદ એટલે ઇબાદત કરનાર. તારી રીતે કહું તો ઉપાસક..હવે મૌલીની ઇબાદત કરનારને કયો મૌલી નામંજૂર કરે?”

અંતે મૌલીને જેની ધાસ્તી હતી એ જ બનીને ઉભુ રહ્યું. મૌલી કશું જણાવે તે પહેલા જ બહારથી ઘરમાં આ વાત પહોંચી ગઈ અને ઘર આખું જાણે ત્સુનામી..

“ તને આજ સુધી છુટ આપી એનો અર્થ એવો નથી કે તને તારો આવો અક્કલ વગરનો નિર્ણય લેવામાં પણ છુટ મળશે. ક્યારેય વિચાર્યું છે કે એક છોકરી જ્યારે પરણે છે ત્યારે એ માત્ર વરને જ નહીં એના આખા ઘરને પરણતી હોય છે. એને આખું જીવન ત્યાં પસાર કરવાનું છે. વરની સાથે ઘર જોતા મા-બાપને મુર્ખા માને છે તું? અને તને બીજુ કોઇ ના મળ્યું તો સાવ આમ છેવાડે જઈને ઉભી રહી? આજ સુધી ક્યારેય મિંયા-મહાદેવનો મેળ જોયો છે?”

આજ સુધી ક્યારેય અમથા ય ગુસ્સે ના થનારા પપ્પા આજે દુર્વાસા બની ગયા હતા. એમના ચહેરા પર ક્રોધની જ્વાળા ભભૂકતી હતી. મૌલી પાસે કોઇ જવાબ નહોતો અને હોત તો પણ ક્યાં આપી શકવાની હતી? એણે પોતે પણ પોતાની જાતને કેટલી વાર ટપારી હશે, કેટલી વાર રોકી હશે પણ આબિદનો ચહેરો યાદ આવતા કે આબિદને જોતા જ એ મીણની જેમ પીગળી જતી.

***

સળંગ ચાર દિવસ સુધી મૌલીને ના જોતા આબિદ પણ રઘવાયો થઈ ગયો હતો. કેટલા ફોન કર્યા પણ એ એક વાર પણ ફોન ઉપાડતી નહોતી. “ડેમ ઇટ” કહીને એણે ફોનનો છુટ્ટો ઘા કર્યો. ક્યાંથી ઉપાડે મૌલી ફોન?એ તો એના પપ્પાની કસ્ટડીમાં હતો અને મૌલી મમ્મીની કસ્ટડીમાં. એક ક્ષણ પણ એને રેઢી મુકતા નહોતા.

પરંતુ આબિદ કહેતો હતોને કે જો “ કિસ્મતે આપણને મેળવ્યા છે તો હવે કયામત પણ આપણને છુટા નહી પાડી શકે.”

મૌલીની કિસ્મતમાં આબિદ લખાયેલો જ હશે તો એના નસીબે એ દિવસે પપ્પા નહાવા ગયા અને મમ્મી પૂજા કરતી હતી અને મૌલીએ તક ઝડપી લીધી. લેન્ડ લાઇન પરથી આબિદને ફોન કર્યો. એ જે બે મિનિટ વાત થઈ એમાં મૌલીનું ભાવિ નિશ્ચિત થઈ ગયું અને એ દિવસે મધરાતે જ મૌલીએ પહેરેલા કપડે ઘર છોડી દીધું.

****

એ રાતની વાત યાદ આવતા આજે પણ મૌલી નખશિખ ખળભળી ઉઠી. પપ્પાએ સાચું જ કહ્યું હતું દિકરી માત્ર વરને જ નહીં ઘરને પણ વરે છે. આબિદના અમ્મીએ તો મૌલીને આવકારી પરંતુ અબ્બા દિલથી એને આવકારી ના શક્યા. પોતાની જ બહેનની દિકરીના નિકાહ આબિદ સાથે કરાવવાના એમના અરમાન અધૂરા રહ્યા એનો રંજ દિલમાં ફાંસની જેમ ચુભન દઈ રહ્યો હતો. આબિદ અને મૌલીએ એ સોસાયટી જ છોડી દીધી અને દૂર નવા બંધાતા ફ્લેટમાં શિફ્ટ થઈ ગયા. જેવી મળી એવી નોકરી લઈ લીધી.

બીજા બે વર્ષ અને ચાહતનો જન્મ. સંસાર સુખેથી વહે જતો હતો..

એક વાતની આબિદે મૌલીને ખાતરી આપી હતી કે એ ક્યારેય મૌલીને કોઇ બાબતે ફરજ નહીં પાડે. આબિદ નમાજ પઢે ત્યારે પણ મૌલી પોતાના ભગવાનની મૂર્તિ સમક્ષ દિવો કરીને પ્રાર્થના કરી શકતી. ખાવા અંગે પણ એ મૌલીને કોઇ વાતનો આગ્રહ નહોતો કરતો એટલું જ નહીં એ પોતે પણ ઘર પુરતો સંપૂર્ણ શાકાહારી બની ગયો. ક્યારેક અમ્મીને મળવા જવાનું થાય ત્યારે અમ્મીએ જે પકાવ્યું હોય એ ખાઇ લેતો પણ મૌલી તો ઘેરથી જ ખાઇને જતી પણ ક્યારેક એવું બનતું કે આબિદના સંબંધીના ત્યાં પ્રસંગોપાત જવાનું થતું ત્યારે મૌલી જુદી પડી જતી. એમના તહેવારોને પણ મૌલી કેમે કરીને સ્વીકારી શકતી નહીં અને એવી રીતે એ પોતાના તહેવારોને પણ માણી શકતી નહી. સ્વજન વગર વળી તહેવાર કેવા? હા ! ઓફિસમાં સહકાર્યકર સાથે ક્યારેક હોળી-દિવાળીની ઉજવણીમાં જતી ખરી પણ સૌ પોતાના પરિવાર સાથે હોય ત્યાં એ એકલી પડી જતી. મન વગર માળવે જવાની પણ ક્યાં મઝા હોય?

તો આબિદને પણ ક્યારેક એવું લાગતું કે સૌની વચ્ચે એ એકલો છે. અબ્બા તો ક્યારેક ટોણો ય મારી લેતા કે જોયું ને પરધર્મી બીવી લાવીને શું સાર કાઢ્યો? આવો એકલો એકલો આવે છે એના કરતાં તાકાત હોય તો એને પણ સાથે લઈ આવ. શાદી કરી છે એણે તારી સાથે તો નિભાવતા પણ શીખવાડ. તારી અમ્મી કંઇ બોલતી નથી પણ આ બધાની વચ્ચે તને એકલો જોઇને એને ય દુઃખ તો થાય છે જ.

ધીમે ધીમે આબિદને પણ લાગવા માંડ્યું કે મૌલીએ એના સગામાં ભળવું જોઇએ. વાર-તહેવારે પરિવારના પ્રસંગોમાં મૌલીએ એની સાથે રહેવું જોઇએ. મૌલી સમજતી પણ આ વાત ક્યારેય સ્વીકારી શકી નહોતી.

“આબિદ, તારી સાથે તો તારો પરિવાર છે હું તો કાયમ એકલી તો ય તને ક્યારેય ફરીયાદ કરું છું ? આપણે લગ્ન કર્યા ત્યારે ક્યારેય આ વાત આપણી વચ્ચે આવી નથી તો હવે કેમ?”

“ જો મૌલી, આટલો સમય હું તારા તાલે નાચ્યો પણ હવે તો મને પણ લાગે છે કે આમ અતડી રહીને તું યોગ્ય નથી કરતી. હું તને મારો ધર્મ અંગીકાર કરવાનું નથી કહેતો પણ મારા સગામાં ભળીને રીત-રિવાજોનું પાલન તો કરી શકે ને?”

“ આબિદ, મને તારા સગા કે તારા રીત- રિવાજો સામે ય વાંધો નથી પણ એ માહોલમાં ગોઠવાવું મારા માટે અઘરું છે. તને હું મારી સાથે મંદિરમાં દર્શન કરવા આવવા માટે કહીશ તો તું આવીશ? ના નહી આવે. અરે મંદિરની વાત જવા દે આપણા ઘરના ગોખમાં દિવો પ્રગટાવું છું ત્યાંય તે ક્યારેય નજર કરી ? દિવાળીના પાંચ દિવસની ઉજવણીમાં તું ક્યારેય મારી સાથે જોડાયો? ના , અને તેમ છતાં હું ક્યારેય આગ્રહ નથી રાખતી. આજ સુધી આપણી વચ્ચે આવી કોઇ બાબત આવી જ નથી તો હવે શા માટે?”

બસ, આવી નાની મોટી ચણભણ ઘરમાં શરૂ થઈ ગઈ. હવે તો આબિદના સગા પણ બળતામાં ઘી ઉમેરવાનું કામ કરવા માંડ્યા.

હદ તો ત્યારે થઈ ગઈ કે ચાહત સ્કૂલે જતી થઈ ત્યારે આબિદનો આગ્રહ હતો કે એને રવિવારની રજામાં મદરેસા મોકલવી. મૌલી કહેતી કે મોક્લવી હોય તો સ્વાધ્યાયમાં પણ મોક્લી જ શકાય ને. મેં ક્યારેય એ માટે તને કહ્યું ? એને મોટી થવા દે.એ એની સમજ પ્રમાણે જે નિર્ણય લે આપણે માન્ય રાખીશુ પણ અત્યારથી આ વાડા શા માટે ઉભા કરવા છે?”

બસ આમ આવી નાની નાની બાબતો ગંભીર સ્વરૂપ પકડવા માંડી. આબિદ અને મૌલીના આજ સુધી ખળખળ વહેતા રહેતા પ્રેમને ધર્મના વાડાએ બંધિયાર બનાવ્યું .બંધિયાર પાણીની જેમ એમનો સંબંધ પણ ગંધાવા માંડ્યો.

આબિદ મનમોજી તો પહેલેથી જ હતો હવે જાણે મનસ્વી થવા માંડ્યો. કોઇના ય માટે કશું કરવું એના સ્વભાવમાં જ નહોતું પણ મૌલી માટે એ બધું જ કરવા તૈયાર હતો પરંતુ આજની પરિસ્થિતિ સાવ અલગ જ હતી. એ મૌલી માટે પણ કશું કરવાની વાત તો દૂર રહી મૌલી માટે કશું વિચારવા માટે પણ તૈયાર નહોતો.

આ એ જ આબિદ હતો જેણે મૌલીનો હાથ હાથમાં લઈને કહેતો કે મારી તારી વચ્ચે બીજું કોઇ નહી હોય. તું હોઇશ તો આ દુનિયા મારા માટે જન્નત છે પણ તું મારા જીવનમાં નહીં હોય તો આ દુનિયા જ મારા માટે જહન્નુમ બની જશે. મૌલી તારા વગર તો હવે એક પળ એકલા નહી રહી શકાય.

એક થતા પહેલા ઘર-પરિવારથી માંડીને ધર્મ- મજહબના અનુસંધાનમાં ઘણી બધી ચર્ચાઓ મૌલીએ આબિદ સાથે કરી હતી પણ દરેક ચર્ચાનો અંત એક સરખો જ આવતો અને આબિદ મૌલીને મનાવી લેતો. એ હંમેશા એમ જ કહેતો કે મારી- તારી વચ્ચે અન્ય કોઇ નહીં હોય, મારો કે તારો પરિવાર કે ધર્મ પણ નહીં. હું અને તું એકબીજા સાથે ભળીને એક એવી મિસાલ કાયમ કરીશું કે આજે ધર્મના નામે રમખાણ ઉભા કરનારાને પણ એક શીખ મળે. મજહબ સે બઢકર ઇન્સાનિયત નામ કી ભી કોઇ ચીજ હૈ… એક એવો સબક શીખવાડીશું અને મૌલી માની પણ જતી.

ક્યાં ગઈ આ બધી સુફિયાણી વાતો? આજે એ જ આબિદનો રંગ કંઇ અલગ જ હતો. હમણાં જ તો રક્ષા બંધન ગઈ. જન્માષ્ટમી તો ક્યારે આવે છે એ પણ પોતાના સહ કાર્યકર થકી જાણવા મળે તો ગનીમત એવું મૌલીએ સ્વીકારી લીધું હતું અને ઘરમાં વળી બે જણમાં પણ એક જણ સાવ અલુપ્ત હોય ત્યાં તહેવાર ઉજવવાનો આનંદ કેવો? મૌલી દરેક રીતે મનને કેળવતા શીખી ગઈ હતી પણ ખબર નહીં કેમ પણ હવે આબિદ દૂધમાં પોરા કાઢતો થઈ ગયો હતો. ભલે મૌલી પોતાના વાર-તહેવારે ઉપવાસ કે ઉજવણી કરે કે ન કરે પણ આબિદના રોજા તો સચવાતા જ.

આજે બકરી ઇદ હતી. આ પહેલા આબિદ પોતાના પરિવાર સાથે આખો દિવસ ઇદ મનાવીને ખુશ રહેતો એણે મૌલીને પોતાની સાથે જોડાવાનું ઇજન ક્યારેય આપ્યું નહોતું પરંતુ આ વખતે જીદે ચઢેલા આબિદે મૌલીને અબ્બા-અમ્મી સાથે ઇદ મનાવવાનો આગ્રહ રાખ્યો. મૌલી કેમે કરીને આ વાત સ્વીકારી શકે એમ હતી જ નહીં. ઘણી બધી દલીલો થઈ . દલીલોએ ઉગ્ર ચર્ચાનું સ્વરૂપ પકડ્યું અને ઉગ્ર ચર્ચાએ ઝગડાનું સ્વરૂપ પકડ્યું.

છેલ્લા કેટલાક વખતથી આબિદના અબ્બાએ એના મિજાજને છંછેડ્યો હતો. અવાર-નવાર એ આબિદના અહમ પર ઘા કરે જતા હતા. આ ઇદ મનાવવા તો મૌલીએ આબિદ સાથે આવવું જ જોઇએ એવું કહેવામાં કોઇ કસર છોડી નહોતી. છેલ્લો ઘા રાણાનો એમ સવારે ફરી એકવાર આબિદને મૌલીને લઈને આવવા માટે ઇજન આપ્યું અને આ કારી ઘા એ મૌલી –આબિદના સંસારને ક્ષણવારમાં વેર-વિખેર કરી નાખ્યો. મૌલીને સમજાવવામાં નિષ્ફળ આબિદનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો તલાક નામના એ શબ્દે મૌલીનું વિશ્વ વેરણ-છેરણ કરીને ઘરની બહાર નિકળી ગયો.

 

“દિલ કે અરમાં આસું ઓ મેં બેહ ગયે,

હમ વફા કરકે ભી તન્હા રેહ ગયે….”

ટી.વી પર આવતા છાયા ગીતમાં મૌલી પોતાની છાયા જોઇ રહી.

Advertisements
This entry was posted in એક છત નીચે સમાતા નથી. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.