એક છત નીચે સમાતા નથી (6) ‘નીરુનો નિર્ણય’ -પંકજ હર્ષદભાઈ નાડિયા

“ નીરુ, મેં તને કહ્યું જ હતું કે પ્રેમ અને લગ્નમાં ખૂબ મોટો તફાવત છે. પ્રેમ કરવો સહેલું છે પરંતુ લગ્ન એટલી સરળ બાબત નથી. પણ ત્યારે તો તે મારી વાત પર વિચાર કરવાનોય ઈન્કાર કર્યો હતો. ને આજે તું…”

“ ગૌરવ, આ તું બોલે છે? તું પ્રેમની કેવી મોટી-મોટી વાતો કરતો હતો અને હવે તને સંસારનાં ડહાપણ આવી ગયાં? ”

“ કેવા ડહાપણ નીરુ? આપણે હવે મેરીડ છીએ. આપણાં લગ્નને ચાર વર્ષ થયા ને તું કેવી પાગલ જેવી વાત કરે છે? ”

“ બસ ચાર વર્ષમાં જ તારા પ્રેમની હેલી માવઠું બની ગઈ? ગૌરવ, પહેલાં દૂર હોવાં છતાં તું અઠવાડિયામાં એકવાર તો ફરજિયાત મળતો અને આજે સાથે છીએ તો પણ જ્યારે તને મળે વર્ષો થયા હોય એવું લાગે છે.”

“ નીરુ, સમજતી કેમ નથી? હું આજેય તને એટલો જ પ્રેમ કરું છું. તને શી તકલીફ છે અહીં? તારી તમામ જરૂરિયાત પુરી થાય છે. પણ બકા, તું એકલી જ નથી પરિવારમાં. મમ્મી-પપ્પાને પણ મારી જરૂર હોય ને?”

“ મેં ક્યારે તને મમ્મી-પપ્પાને હેલ્પ કરવાની, એમને સમય આપવાની ના પાડી? પણ મારા પતિ તરીકે તારે થોડું તો એમનેય કહેવું જોઈએ.”

“ અરે! આવી ફાલતુ વાત ના કર, પ્લીઝ. મમ્મી-પપ્પા તને હેરાન નથી કરતાં. તું જ એમની વાત નથી માનતી, ઓ.કે.”

“ સારું. હું જ સારી નથી. ઝઘડાખોર છું. હું જ એમને હેરાન કરું છું, બરાબર ને?”

“ નીરુ, શું છે આ બધું? તું રોજ આવા નાટક લઈને બેસી જાય છે. મગજ ખરાબ કરી દીધું છે. મેં તો તને સમજાવી જ હતી કે લગ્ન નથી કરવા. પણ તું મારી વાત સમજવા તો દૂર સાંભળવા પણ તૈયાર નહોતી.”

“ તું બદલાઈ ગયો છે. તું મારી સાથે વાતો કરવા રાતનાં ઉજાગરા કરતો હતો. ને હવે મારી વાતોથી તારું મગજ ખરાબ થાય છે. ગૌરવ તે મારી સાથે લવમેરેજ કર્યા છે. યાદ છે કે ભૂલી ગયો?”

“ નીરુ-નીરુ તને કેવી રીતે સમજાવું? બકા, લગ્ન પહેલાંના પ્રેમ અને લગ્ન પછીના પ્રેમની પરિભાષા અલગ-અલગ હોય. થોડાંક સમાધાન કરવા જ પડે.”

“ એવું કંઈ ના હોય.”

“ નીરુ, લગ્ન પહેલાં આપણો સંબંધ તારા અને મારા પૂરતો જ સીમીત હતો. ત્યારે હું અને તું જ હતાં. જે પણ હતું આપણી વચ્ચે હતું. પરંતુ હવે એવું નથી. આપણું જીવન મા-બાપ અને સમાજ સાથે જોડાઈ ગયું છે. તું અને હું આપમેળે જ કેટલાંક બંધનોમાં બંધાઈ ગયા છીએ. તારે એ વાત સમજવી અને સ્વીકારવી જોઈએ.”

“ મારે જ બધું સમજવાનું? તું કશું જ ના સમજે? કેમ? કારણ કે હું છોકરી છું!” બોલતાં-બોલતાં નીરુની આંખોની પાંપણનાં બંધ ટૂટી ગયા અને આંસું પૂર બનીને વહેવાં લાગ્યા.

###

લગ્ન પહેલાંનાં પ્રેમમાં પ્રેમી અને પ્રેમીકા જ હોય છે. પ્રેમ, વ્યવહારું સમજ ઉપરનું આવરણ બની જાય છે. દિલની હૂંફાળી ઊર્મિઓ ચાદર બનીને સંસારની ટાઢને પ્રેમીઓ સુધી પહોંચવા જ નથી દેતી. ત્યાં મા-બાપ, સાસું-સસરા, જેઠ-જેઠાણી, પડોશીઓ, સમાજ, રિવાજો, નિયમો, જવાબદારી, લજ્જા વગેરે કંઈ જ નથી હોતું. આવા પ્રેમનાં સાગરમાં ડૂબકીઓ લગાવનાર યુવક-યુવતિઓ સંસારરૂપી મહાસાગરના ઊંડાણને સમજવામાં થાપ ખાય છે. પરિણામે ઉમળકાભેર કરેલ પ્રેમલગ્નમાંથી પ્રેમ નામનું તત્વ થોડાં જ દિવસોમાં અર્દશ્ય થઈ જાય છે અને જો હોય તો પણ સમાજ અને પરિવારનાં પડછાયા તળે સરળતાથી જોઈ શકાતું નથી. આવું જ કંઈક નીરુ અને ગૌરવના જીવનમાં પણ થઈ રહ્યું હતું.

ગૌરવ અને નીરુએ ચાર વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતાં. બંને એકબીજાને ખૂબજ ચાહતા હતાં. જો કે ગૌરવ લગ્ન કરવા નહોતો ઈચ્છતો. કારણકે તે જાણતો હતો કે નીરુનું મુક્ત વિચારોવાળું વ્યક્તિત્વ તેના પરિવારની વહુ તરીકે સેટ નહીં જ થાય. પરંતુ નીરુ લગ્ન કરવાની હઠ લઈ બેઠી હતી.

ગૌરવે નીરુને લગ્ન કર્યાં પહેલ્લં જ પોતાના પરિવાર વિશે બધું જ જણાવી દીધું હતું. સાથે એ પણ સમજાવ્યું હતું કે છોકરી લગ્ન પછી પ્રેમિકામાંથી પત્ની બની જાય છે. અને પ્રેમિકા કરતાં પત્નીની ભૂમિકા ભજવવી ખૂબ જ કઠિન હોય છે. પ્રેમિકામાંથી પત્ની બનવું એટલે અનેક સમાધાન કરવાં. પણ નીરુએ લગ્ન કરવાની જીદ છોડી જ નહીં.

લગ્નનાં માત્ર ચાર વર્ષમાં જ સાસું-વહુ વચ્ચે અનેકવાર નાની-મોટી તકરાર થઈ ગઈ હતી. મુક્ત વિચાર ધરાવતી નીરુ કુટુંબ અને સમાજના નિયમો સ્વીકારી ન શકતી. પરિણામે નાની-નાની વાતમાંય ઝઘડા જેવી પરિસ્થિતિ સર્જાતી. આ બધામાં ગૌરવની દશા સૂડી વચ્ચે સોપારી જેવી થઈ જતી. પત્ની અને પરિવારને એક માળાના મણકાની જેમ બાંધી રાખવાના પ્રયત્નોમાં તેની સ્થિતિ, સતત ઘસારાના કારણે પાતળા થઈ રહેલા દોરા જેવી થઈ ગઈ હતી.

###

“ ગૌરવ, મમ્મીને સમજાવી દે જે. વાતવાતમાં મને ટોક્યા કરે છે.”

“ શું થયું પાછું? તને કહ્યું તો છે કે મન પર નહી લેવાનું.”

“ કેટલું સહન કરું? રોજ કોઈને કોઈ બહાને ટોક્યા જ કરે છે તારા મમ્મી.”

“ નીરુ, મારા મમ્મી તારા કંઈ નથી?”

“ અરે! એ રોજ બોલે છે મને. આજે કહ્યું કે ટી.વી. નહીં જોવાનું.”

“ કેમ?”

“ મને કહ્યું કે ટી.વી. જોવાનું રહેવા દે અને વાસણ અને ઘરકામ પતાવી દે. મેં કહ્યું કે સાંજે પતાવી દઈશ તો બોલવા લાગ્યા.”

“ તો તારે કામ પતાવીને ટી.વી. જોવું જોઈએને?”

“ ગઈ કાલે હું મોબાઈલમાં ફેસબુક નોટિફિકેશન જોતી હતી એમાંય બોલ્યાં હતાં. તું જ કહે ઘરમાં ગેસ્ટ આવ્યા હોય પણ હું એમને ઓળખતી જ ના હોઉં તો પણ એમની પાસે બેસી રહું?”

“ ઓળખાણ તો સાહચર્યથી જ થાય. એમાં મમ્મીએ કંઈ જ ખોટુ નથી કહ્યું.”

“ તું પણ એમની જ બાજુ બોલ. શું મારે ટી.વી. નહી જોવાનું? મોબાઈલનો પણ યુઝ નહીં કરવાનો?”

“ નીરુ, મેં તને લગ્ન પહેલાં જ આવા ભવિષ્યથી વાકેફ કરી હતી. ત્યારે તો તું બધું સ્વીકારવા, સહન કરવા અને સમાધાન કરવા તૈયાર હતી. પારિવારિક જીવનમાં આવું તો ચાલ્યા જ કરે. એડજસ્ટ થતાં શીખ યાર. મમ્મીની વાત ખોટી હોત તો હું એમને પણ સમજાવતો.”

“ હું મારું કામ જ્યારે કરુ ત્યારે; પણ કરું તો છું જ ને? એમાં શું એડજસ્ટ થવાનું હોય?”

“ ઘરમાં જેમ ચાલતુ હોય તેમ કરવું પડે.”

“ મારાથી તો નહીં થાય. વારંવાર તારા મમ્મી મને ઠપકો આપે, ટોકે એ મારાથી સહન નથી થતું.”

“ લગ્ન પહેલાં તું ‘તારા મમ્મી’ આવું ક્યારેય નહોતી બોલી. હવે આવું જુદું કેમ પાડે છે?”

“ ગૌરવ, હું મુક્ત વિચાર ધરાવું છું. અહીં બધું બંધન જેવું છે. આ ઘરમાં મને ગભરામણ થાય છે. તારા ઘરના નિયમો અને તારો પરિવાર જાણે મારું ગળુ દબાવે છે.”

“ આ ઘર, આ પરિવાર તારો નથી? તું આવું કેવી રીતે બોલી શકે?”

“ હશે, પણ આજે હું તને સ્પષ્ટ કહીં દઉં છું કે મને હવે અહીં સહેજેય નથી ગમતું. મારો શ્વાસ રૂંધાય છે આ છત નીચે.”

“ આ કારણે જ હું તને લગ્ન કરવાની ના પાડતો હતો. હું જાણતો હતો કે તું વહુ તરીકે સેટ નહીં થાય. છતાંય તે જીદ કરીને લગ્ન કર્યા અને હવે તને નથી ગમતું? અરે! કુટુંબને અનુકુળ થા યાર.”

“ હું જ શા માટે? તારું કુટુંબ મારી સાથે અનુકુળ કેમ ન થાય?

“ કુટુંબ તો અનુકુળ થઈને ચાલે જ છે. એટલે તો તને વહુ તરીકે પ્રેમથી સ્વીકારી છે. તારે પણ કુટુંબમાં દૂધમાં સાકરની જેમ ભળી જવાનું હોય અને સંબંધોની મીઠાશમાં વધારો કરવાનો હોય.”

“ પ્લીઝ! આવી મોટા-મોટા મોરલ્સની વાતો ન કર. મને અહીં ગમતું જ નથી.લગ્નની શરૂઆતમાં બધું સારુ હતું. પણ હવે બધું બદલાઈ ગયું છે, એટલે સુધી કે તું પણ.”

“ કશું જ બદલાયુ નથી. ના કુટુંબ, ના પરિસ્થિતિ, ના હું કે ના મારો પ્રેમ. બદલાઈ ગઈ છે તો તારી ર્દષ્ટિ, તારી વિચારધારા અને તારો ર્દષ્ટિકોણ.”

“ તું જે સમજે તે. પણ હવે હું અહીં રહી નહીં શકું. ગૌરવ પ્લીઝ! આપણે ક્યાંક બીજે રહેવા જઈએ.”

“ આવો પ્રસ્તાવ તું પહેલાં પણ મુકી ચૂકી છે. અને તને મારો જવાબ પણ ખબર છે. એવું ક્યારેય નહીં બને.”

“ હું તારી પત્ની છું. તે મારી સાથે લવમેરેજ કર્યા છે. તું મને લવ નથી કરતો? સમજને પ્લીઝ, હું જીવી નથી શકતી. આપણે અલગ રહેવા જવાનું જ છે. બસ, તું નિર્ણય કરી લે.”

“ નિર્ણય તો તે કરી લીધો, મને પૂછ્યા વગર જ. પણ મારી વાત સાંભળી લે; હું મમ્મી-પપ્પાને અને આ ઘરને છોડીને ક્યાંય નહીં જાઉં.”

“ તું સાવ બદલાઈ ગયો છે. મેરેજ પહેલાં તું મને પાંપણ પર રાખતો હતો. મારા માટે બધું જ કરવા તૈયાર હતો. અને આજે તું મારી સાથે રહેવા પણ તૈયાર નથી?”

“ કોણ સાથે રહેવા નથી ઈચ્છતું એ તો સ્પષ્ટ છે. હું તારા માટે બધું કરી શકું પરંતુ એક હદ સુધી. તારી મમ્મી-પપ્પાથી અલગ રહેવા જવાની જીદ હું પુરી ના કરી શકું.”

“ તો હવે તું મા-બાપનો જ વિચાર કરીશ, મારો નહીં. મેરેજ પહેલાં તો બહુ મોટા-મોટા સપના બતાવતો હતો. હવે એક નાનકડી વાત માનવામાં પણ તને વાંધો છે? ક્યાં ગયો તારો પ્રેમ?”

“ નીરુ, સપના તે એકલીયે નહીં; આપણે જોયાં હતાં. પણ એ સપનામાં ક્યારેય મમ્મી-પપ્પાથી અલગ જવાની વાત નહોતી.”

“ મારે કશું જ સાંભળવું નથી. મને ખબર છે કે હું તારી સામે દલીલ કરવામાં જીતી નહીં શકું.”

“ તારે સાંભળવું જ પડશે. તું કહે છે કે હું તને પ્રેમ નથી કરતો. તારી વાત સ્વીકારતો નથી. મમ્મી-પપ્પા અને પરિવારનું જ વિચારું છું. હા, હું મમ્મી-પપ્પાની વિશેષ કાળજી લઉં છું. પણ તને પણ પ્રેમ કરું કરું છું, તારી પણ સંભાળ લઉ છું. એકવાર મારા સ્થાને પોતાને મૂકીને વિચાર કર. નીરુ, દુનિયામાં જ્યારે લવમેરેજ કરેલ કપલનાં જીવનમાં અણબનાવ બને છે ત્યારે સૌ કોઈ છોકરીનો જ પક્ષ લે છે. સૌને એવું જ લાગે છે કે છોકરો બદલાઈ ગયો છે. છોકરીની સંભાળ નથી રાખતો, તેને સાચવતો નથી. સૌને છોકરો જ ગૂનેગાર લાગે છે. પરંતુ કોઈએ ક્યારેય વિચાર કર્યો છે કે છોકરાની હાલત શું થાય છે? સૂડી વચ્ચે સોપારી જેમ નાના-નાના ટૂકડામાં કપાય તેમ તેણે ટૂકડા-ટૂકડા થઈને જીવવુ પડે છે.”

“ છોકરી પોતાના મા-બાપનું ઘર છોડીને પારકા ઘરે આવે છે. તેનું દુ:ખ તું શું જાણે?”

“ સાચું. છોકરી પોતાના મા-બાપનું ઘર છોડીને આવે છે તેનું દુ:ખ ઘણું હોય. પરંતુ છોકરાને તો દરરોજ પોતાના મા-બાપ અને પત્નીના સંઘર્ષમાં સતત પીસાવું પડે છે. રોજ બંને પક્ષની નવી-નવી ફરિયાદો સાંભળવામાં અને તેનું નિરાકરણ લાવવામાં છોકરાની મનોદશા શું થાય છે તેની કોઈને કલ્પના પણ નથી હોતી. સૌને છોકરીની પીડા દેખાય છે. સમાજ પણ તેને જ સહાનુભૂતિ આપે છે. પરંતુ છોકરાની વાત સાંભળવા કે સમજવા કોઈ જ તૈયાર નથી હોતું. છોકરો કોઈ પણ પક્ષમાં નિર્ણય લે; બદનામી તો તેના હિસ્સામાં જ આવે છે.”

“ મારે તારા આવા ભાષણ નથી સાંભળવા. હું હવે કંટાળી ગઈ છું. તું કંઈપણ કહે હું અહીં રહેવાની નથી. આપણે એક જ અઠવાડિયામાં અલગ રહેવાં જતાં રહીએ. બસ, બીજું કશું જ નહીં.”

“ નીરુ, તને ઘણીવાર સમજાવી ચૂક્યો છું કે એ વાત ક્યારેય શક્ય નથી. હું મમ્મીને સમજાવીશ કે હવેથી તને પ્રેમથી સૂચન કરે. પણ તું અલગ રહેવા જવાની જીદ છોડી દે, પ્લીઝ.”

“ ગૌરવ, મારો નિર્ણય અફર છે. તારે મારી સાથે આવવું જ પડશે,પ્લીઝ. તને મારા સોગંધ, આપણાં પ્રેમનાં સોગંધ. હું હવે આ ઘરની છત નીચે રહેવા નથી માંગતી.”

“ નીરુ, તને યાદ છે? લગ્ન પહેલાં હું તને મજાકમાં કહેતો કે મારે ઘર નથી. હું તને ક્યાં રાખીશ? ને ત્યારે તું મારા ગળે વીંટળાઈને પ્રેમથી કહેતી કે તારી સાથે રહેવા મારે કોઈ પાક્કી છતની જરૂર નથી. આપણે એક છત્રી નીચે પણ પ્રેમથી રહી લઈશું. આજે લાગે છે કે એ માત્ર ફિલ્મી ડાયલૉગ જ હતો.”

“ હશે.”

“ નીરુ, જીવનસંસાર સમાધાન કરીને ચલાવવો પડે. ને એમ કરીએ તો જ લગ્નજીવન સફળ બને. તને સમજાવવી એ મારી ફરજ છે. પછી તું તારો સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. મેં તને ક્યારેય કોઈ બાબતનું દબાણ નથી કર્યું. પરંતુ તારા આ નિર્ણયમાં હું સહભાગી નહીં થઈ શકું. તને તારી મરજી મુજબ બીજે રહેવાની છૂટ છે.

થોડાં દિવસ પહેલાં તે ફેસબુક પર સૌમ્યા જોશીની એક પોસ્ટ શેર કરી હતી તે મેં પણ વાંચી હતી. જે આજે તદ્દન સાચી લાગે છે કે;

“ એક જ થાળીમાં ભેગાં જમનારાં,

 એક પાટલેય બેસી ખાતાં નથી.”  – પંકજ નાડિયા

“ એક છત્રી નીચે સમાઈ જનારા

એક છત નીચે સમાતા નથી.”      – સૌમ્યા જોશી.

 

Advertisements
This entry was posted in એક છત નીચે સમાતા નથી. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.