એક છત નીચે સમાતા નથી (૫) સરખામણી -મરિયમ ધુપલી

સરખામણી

‘ મન ની આગ ટાઢી શેને થઇ ગઈ?

પ્રેમ ની ઉષ્મા આછી શેને થઇ ગઈ?

વીંટળાઈ હતી વાયદાઓના સાત જન્મો માં ,

વાત એકજ જન્મ માં તે છાની શેને થઇ ગઈ?’

” કેટલીવાર કહ્યું છે મારી અલમારી ને ના અડવું ”

ચીસ પાડતો વિવેક રસોડા માં ધસી આવ્યો.

” પણ તારા કપડાં ઈસ્ત્રી કરીને મુકવા…..”

ઇશિકા નું વાક્ય પૂરું થાઈ એ પહેલાજ કપાય ગયું.

” કપડાં ને બહાને મારી અલમારી માં ઝાંખવા ,નહિ?”

રસોડા માં હાજર કામવાળી ની સામે પોતાના સમ્માન ના ચીથરા ઉડાવતા વિવેક ની આંખો માં આંખો પરોવી એ જવાબ આપી રહી :

” સાચી વાત તો એજ કે અલમારી ના બહાના હેઠળ તને મારી જોડે ઝગડવું છે.”

કામવાળી ની સામે મળેલ આ જવાબ ના જવાબ માં વિવેક ઇશિકા ને એક જોરદાર લાફો મારી પોતાના પુરુષ હોવા નો પુરાવો આપી નીકળી ગયો. કામવાળી ઝંખના પોતે સાક્ષી બનેલ એ દ્રશ્ય ને જોયુંજ ના હોઈ એમ ડોળ રચી પોતાની શેઠાણી નું માન જાળવતી પૂછી રહી:

” જમવા માં શું બનાવ?”

ચ્હેરા પર પડેલ એ થપ્પડ આત્મા સુધી પહોંચ્યો હતો. તેથી એની વેદના અંતર ને કોતરી રહી હતી. બધીજ ઇન્દ્રિયો જાણે સૂની થઇ રહી હતી.

” જે તને ઠીક લાગે . પણ… ”

” જાણું છું સાહેબ તો રોજ ની જેમ બહાર જમશે. એટલે ફક્ત તમારુંજ…” ઝંખના ની આંખો માં પણ પોતાના માટે દયા ભાવ અનુભવતી એ રસોડા માંથી ડરોઇંગ રૂમ માં પહોંચી. વિવેક તો આખો દિવસ ઓફિસ માં વ્યસ્ત રહેશે.સાંજે થોડા સમય માટે ઘર આવશે ને ફરી કોઈ બિઝનેસ કમ ડીનર મિટિંગ માટે નીકળી જશે. પોતે આખો દિવસ ફક્ત ઘર ના અન્ય ફર્નિચર ની જેમજ એક શો પીશ બની બેસી રહેશે . ના કોઈ પ્રવૃત્તિ. ના કોઈ ધ્યેય. ટીવી નું રિમોટ લઇ એ ચેનલો ફેરવવા માંડી . ન્યુઝ ચેનલ પર એજ એક ના એક સમાચારો, મ્યુઝિક ચેનલો પર એજ એક ના એક ગીતો, એજ પુનરાવર્તિત ફિલ્મો…ના આ ફિલ્મ હજી નથી જોયું….પીકુ….એક પિતા અને દીકરી ની વાર્તા…. બિગ બી ને દીપિકા પાદુકોણ વચ્ચે ચાલી રહેલ એ સંવાદો સાંભળી એ ભૂતકાળ માં પોતાના ઘરે પોતાના પિતા આગળ ઉભી થઇ :

“કઈ પણ થઇ જાય આ લગ્ન માટે મારી મંજૂરી નાજ મળશે ”

” પણ ડેડ હું વિવેક વિના ના રહી શકું ”

” તું પ્રેમ માં આંધળી થઈ રહી છે. સારું ભણતર, સારી કારકિર્દી છોડી તું આમ તારા જીવન લક્ષ્ય થી કઈ રીતે પીઠ ફેરવી શકે? ”

” ડેડ વિવેક મને પ્રેમ કરે છે . હવે એનું જીવન લક્ષ્ય જ મારુ જીવન લક્ષ્ય ”

” એ પ્રેમ તારી દ્રષ્ટિ ની ભ્રમણા છે. એ પ્રેમ નહિ યુવાની નું વિજાતીય આકર્ષણ છે. સાચો પ્રેમ શરતો ના મૂળ પર ના વિકસે ”

” વિવેક મને છેતરી શક્યો હોત ,લગ્ન પછી પણ શરત મૂકી શક્યો હોત    ”

” લગ્ન પહેલા કે પછી …આ શરત જ અયોગ્ય. તારી ચાર્ટડ એકોઉંનટંટ ની ડિગ્રી ને આમ નકામી વેડફી ફક્ત એક હાઉસ વાઈફ બની એના ઘર ની ચાકરી કરીશ એમજ ને ?”

” ચાકરી કેવી? એને પોતાના માટે એક હાઉસ વાઈફ જોઈએ ,એમાં ખોટું શું? એ મારો ખ્યાલ રાખવા સક્ષમ છે . ને હું એનો ”

” આમ ભાવનાઓ માં વહી જીવન ના નિર્ણય ના લેવાય. બી પ્રેક્ટિકલ. તારો અભ્યાસ, તારી કારકિર્દી, તારી ઓળખ છે.  જે પોતાના સ્વાર્થ માટે અન્ય ની પ્રગતિ અવરોધે એ પ્રેમ નહિ. શરતો ના દાયરા રચાવા માંડે ત્યાંજ પ્રેમ દમ તોડે. એવી ભ્રમણાઓ વાળી લાગણીઓ માં પ્રેમ ગૂંગળાઈ મરે ”

” પ્રેમ એટલે સમર્પણ,ત્યાગ.. ”

” પણ ફક્ત બંને પક્ષે એ ભાવના સમાન હોય ત્યારે… નહીંતર એકતરફી જીત ને એક તરફી હાર ”

“ઇનફ ડેડ ,હું નિર્ણય લઇ ચુકી છું . હું વિવેક જોડેજ લગ્ન કરીશ. આપના આશીર્વાદ સાથે નહીંતર ..   ”

” નહીંતર લિવ માય હાઉસ રાઈટ નાઉ ”

ચાર વર્ષ નો એ પ્રેમ સંબંધ ૨૫ વર્ષ ના વાત્સલ્ય સામે એવો જીત્યો કે પિતા ની લાગણી ની પરવાહ કર્યા વિનાજ ઇશિકા ના પગલાંઓ પૂર જોશ માં વિવેક ના જીવન માં પ્રવેશવા પિતા ના ઘર માંથી હંમેશ માટે બહાર નીકળી ગયા!

” મેડમ જમવાનું તૈયાર છે ”

ઝંખના ના શબ્દો એને પાંચ વર્ષ પહેલા ના દ્રશ્ય માંથી વર્તમાન માં ખેંચી લાવ્યા. પિતા નું ઘર અને દરેક સંબંધો ખુબજ પાછળ છૂટી ગયા. હવે તો ફક્ત એ અને એની એકલતા.

” તબિયત ઠીક નથી . જમીશ નહિ. ફક્ત મારી દવા લઇ આવજે. હું બેડરૂમ માં જાવ છું ”

ટીવી સ્વીચ ઓફ કરી એ પોતાના શયન ખંડ માં પહોંચી. આરામ કરવા પલંગ ઉપર ગોઠવાય. સામે ની દીવાલ પર એની અને વિવેક ની લવ મેરેજ ની યાદ રૂપી એ વિશાલ ફોટો ફ્રેમ ઉપર એની નજર તકાય . વિવેક ના ચ્હેરા ઉપર કેવી ખુશી ઉભરાઈ રહી હતી. એની આંખો માં કેટલો આનંદ છવાયો હતો. વિવેક એને કેટલો પ્રેમ કરતો હતો..  પણ હવે….પણ હવે વિવેક બદલાય ગયો . એની લાગણીઓ બદલાય ગઈ. એની ખુશી ની વ્યાખ્યા પૂર્ણ ના થઇ શકી એટલેજ ? વિવેક ની અપેક્ષા પર એ ખરી ના ઉતરી શકી એટલે ? વિવેક ને એક બાળક ના આપી શકી એટલે ?  ફોટો ફ્રેમ પર મઢાયેલી આંખો ની સામે આખો સંવાદ જીવંત થયો .

” વિવેક ડોક્ટર નો અભિપ્રાય લઈએ તો?”

” તું કહેવા શું માંગે છે?”

” એટલુંજ કે ડોક્ટર પાસે એકવાર ચેક અપ્પ કરાવી લઈએ તો….”

” કેટલીવાર તને ડોક્ટર પાસે લઇ ગયો….હવે થાકી ગયો..કોઈ આશ નથી..મારા બધાજ સપનાઓ…. ”

” વિવેક મારા બધાજ ટેસ્ટ નોર્મલ આવ્યા છે ..  એક વાર તારું ચેક અપ્પ કરાવી લઈએ તો?”

એ દિવસે વિવેકે પહેલીવાર એની પર હાથ ઉઠાવ્યો હતો. એનો પુરુષ હોવાનો પુરાવો આપવા. ને પછી એ પુરાવો આપવા નો નિયમિત ક્રમ બનતો ચાલ્યો . પહેલા તો ફક્ત એકાંત માં ને પછી અન્યો ની હાજરી માં પણ. એ પિતા ના બની શકે એની કરતા વધારે ક્રોધ એ વાત થી ઉદ્દભવતો કે ઇશિકા તો માં બની શકે છે. એની અકળામણ , એની ચીઢ, વાતે વાતે લડાઈ, ઇશિકા થી અળગાપણું  ..એકજ છત ની નીચે જાણે બે અજાણ્યા. સાથે રહેતા તો ફક્ત એટલેજ કે સાથે રહેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ જ નહિ!

” મેડમ જમી લો ”

ઝંખના જમવાની થાળી લઇ સામે આવી. ને ફોટોફ્રેમ માં ભૂતકાળ નિહાળી રહેલ દ્રષ્ટિ વર્તમાન માં પરત થઇ.

” મેં કહ્યું ને …..”

” ના મેડમ આમ જમ્યા વિનાજ ભુખા પેટે દવા ના લેવાય.”

“પણ..”

” પણ.બણ….કાંઈ નહિ..ચલો જમી લો તો ”

આખરે ઝંખના ની ઝિદ થી એને થાળી લેવીજ પડી .

” અરે આ ફરી તારોં ચ્હેરો કેમ સૂઝી ગયો?”

” કાંઈ નહિ મેડમ એ તો એમજ… “કહેતા ઝંખના રસોડા માં જતી રહી.

દર વખત ની જેમજ જવાબ ટાળી ને. અવારનવાર ઝંખના નો સૂઝી ગયેલો ચ્હેરો એણે જોયો હતો. ઝંખના કેટલો પણ જવાબ ટાળે પણ એક સ્ત્રી ના ચ્હેરા પર પુરુષ તરફ થી અપાતા પુરુષ હોવાના પુરાવા તો એના અને ઝંખના ના, બંને ના ગાલ ઉપર એક સમાનજ ને! બંને સ્ત્રીજ ને! એક શેઠાણી ને એક કામવાળી ભલે હોય બંને ની ગોદ સુનીજ! જયારે પણ પોતાના જીવન ને એ ઝંખના ના જીવન સાથે સરખાવતી ત્યારે એ સરખામણી એની ઔષધિ, એના દર્દ નું મલ્હમ, એનું પેઈન કિલર બની જતી . બાળપણ માં શીખ્યું હતું કે સરખામણી આપણા થી ઓછા સુખી લોકો સાથેજ કરવી . એજ ખુશ રહેવાનો એકમાત્ર ઉપાય . પગ માં પહેરવાને જોડા ના હોય ત્યારે જેમને પગજ   નાં હોય એમને યાદ કરવા .ઘર નાનું ભાસે તો રસ્તા માં ઊંઘતા બેઘરો   ને , જમવાનું ના ગમે તો ભૂખે પેટ ગુજરાન ચલાવનારાઓ ને!

ઘરે ઘરે કામ કરવું, વાસણ,કપડાં,રસોઈ, આખો દિવસ ની હાડમારી એને વેઠવી પડતી નથી. ફર્નિશ ફ્લેટ, કામવાળી, બે સમય નું ભોજન ને આરામ ઝંખના ના ભાગ્ય માં ક્યાં થી હોઈ? ઝંખના એની જેટલી ભાગ્યશાળી થોડી? ભાગ્ય માં કંઈક સરખું તો પ્રેમ ની અધૂરપ!

“મેડમ હું જાઉં..  આ તમારી દવા ……”

ઝંખના સાથે ની સરખામણી ને દવા ની ટીકડીઓ એના જીવન ની વેદના મટાડવા બંને અનિવાર્ય! ઝંખના ના જતાજ ટીકડી લઇ એ ઊંઘ માં સરી .

 

સાંજે મોબાઈલ ની રિંગ થી એની આંખો ખુલી. વિવેક આવી ચુક્યો

હતો. ઓફિસ ના કપડાં સોફા પર પડ્યા હતા .એ કપડાઓ ની અંદર થી સંભળાય રહેલ રિંગટોન શાવર ના ઊંચા અવાજ માં વિવેક ને સંભળાય રહી ના હતી .

” વિવેક તારો મોબાઈલ…….”

એક સાથે લગાતાર રણકી રહેલ ફોન કોઈ મહત્વતા નો સંકેત કરી રહ્યો હતો.પથારી છોડી એ ફોન શોધવા સોફા પાસે પહોંચી. મિટિંગ નો સમય થઈ રહ્યો હતો. કોઈ મહત્વ નો સંદેશ મિસ ના થઇ જાય એ ઉતાવળ માં ઇશિકા ના હાથો ઝડપ થી વિવેક ના કોટ માં ફરી વળ્યાં.મોબાઈલ હાથ માં આવતાજ રિંગટોન બંધ થઇ. ફરીથી મોબાઈલ નીચે મુકવાનો પ્રયાસ કર્યો કે ઇનબૉક્સ માં મેસેજ આવ્યો . મેસેજ ખોલી શબ્દો વાંચતાજ આંખો થીજી ગઈ.

” વેઇટિંગ ફોર યુ માઇ લવ. ફીલિંગ હંગરી એન્ડ અલોન. લવ એન્ડ કીસીસ . કમ સૂન ..   ”

બાથરૂમ માં થી વિવેક નો બહાર નીકળવાનો અવાજ સાંભળતાજ એણે શીઘ્ર મોબાઈલ કોટ માં મૂકી ઊંઘવાનો ડોળ કર્યો. વિવેક એક પણ ક્ષણ વેડફ્યા વિનાજ કપડાં પહેરી, પરફયુમ લગાવી, કોટ ઊંચકી નીકળી ગયો.

એના જતાજ ઇશિકા ની આંખો ઉઘડી.પણ ફક્ત શારીરિક જ નહિ અંતર ની પણ. એનું સ્વાભિમાન જે પહેલે થી શુન્યજ હતું હવે તો માઇનસ માં ઉતરી પડ્યું. પિતા એ કહેલા વાક્યો તિર ની જેમ એની આત્મા ને વેધી રહ્યા. શરતો ના પાયા પર ઉભેલી પ્રેમ ની ઇમારત જમીનદોષ થઇ રહી. એ કાટમાળ ના નીચે એને તડપતી છોડી વિવેક ખુબજ આગળ નીકળી ગયો. એક તરફી હાર ને એક તરફી જીત. પ્રેમ ની ભ્રમણાઓ માંથી બહાર નીકળતાંજ શ્વાસ રૂંધાવા લાગ્યો. આત્મા વીંધાઈ ને જીવ નીકળી રહ્યો. જેને લીધે આખું વિશ્વ છોડી દીધું આજે એણે જ પોતાના જીવનમાંથી કચરા ની જેમ બહાર ઠલવી દીધી. ના કઈ લક્ષ્ય રહ્યું ના જીવન. આવું અપમાન વેઠવા કરતા તો પ્રાણો જ ત્યજી દેવા!

જેટલા જોશ માં પિતા નું ઘર છોડવા માટે ઉઠ્યા હતા એનાથી બમણા જોશ માં ઇશિકા ના પગલાં વિવેક ના ઘર માંથી બહાર નીકળી પડ્યા. સૂર્યાસ્ત સાથે છવાય રહેલ અંધકાર માં એ અંધારિયું જીવન લક્ષ્ય વિહીન ભટકી રહ્યું. એક એક ડગલું મૃત્યુ તરફ આકર્ષી રહ્યું. જે વિશ્વ માં પ્રેમ નહિ એ વિશ્વ માં ક્યાંથી જીવાય ? અચાનકજ એના પગ થંભી ગયા. આ ફક્ત એક સંયોગ કે વિધિ નો કોઈ સંકેત? એનું શરીર ઝંખના ના રહેઠાણ નજીક કઈ રીતે પહોંચ્યું? એને એક છેલ્લી વાર મળી લેવા? ઝંખના ને નોકરી આપવા પહેલા એના રહેઠાણ ને સરનામાં ની પ્રમાણભૂતતા ચકાસવા એ અહીં આવી ચુકી હતી. એના પગ અચાનકજ અજાણ્યે ઝંખના ની ખોલી સુધી પહોંચવા ઉપડ્યા . ચારે તરફ હવા માં ગરીબી ની દુર્ગંધ અનુભવાતી હતી. નાક ઉપર રૂમાલ ગોઠવતી નગ્ન બાળકો ની વચ્ચે થી રસ્તો બનાવતી એ ઝુપડપટ્ટી વિસ્તાર માં એ એકજ સ્વચ્છ માનવી ભાસી રહી હતી .

ઝંખના ની ખોલી પર પહોંચ્તાજ બારણે ટકોરા પાડ્યા . બારણું ખુલતાંજ સામે ઊંચું કદાવર શરીર એની સામે ઉભું હતું. એ લાલ લાલ આંખો જોતાજ ઇશિકા ને ઝંખના ના ચ્હેરા ઉપર નો સોજો યાદ આવ્યો. આજ કદાવર હાથો હતા એ. વિવેક જેવાજ! આંખો માં ઉભરાય આવેલ ધુત્કાર સાથે એ ઝંખના ને શોધી રહી.

” ઝંખના ને મળવું છે. ”

શેઠાણી નો અવાજ સાંભળતાજ ઝંખના બારણે ધસી આવી.

” અરે મેડમ તમે અહીં? આમ રાત્રે?”

” બસ અહીંથી પસાર થતી હતી તો મળવા ચાલી આવી ”

” આવો આવો અંદર આવો ”

આજ ગરીબ રહેઠાણ ની સરખામણી એ પોતાના ફર્નીશ ફ્લેટ જોડે કરતી. એક ઓરડો જે એકજ દ્રષ્ટિ માં નિહાળી શકાય એટલો નાનો . એક જૂનો પલંગ. એક સ્ટીલ ની અલમારી. થોડી પ્લાસ્ટીક ની ખુરશીઓ. એક ચૂલો ને આંગળી એ ગણી શકાય એટલા જ વાસણો.

” પાણી ”

ખુરશી પર ગોઠવાતાંજ એ કદાવર હાથો પાણી આપવા લંબાયા . એક પણ શબ્દ કહ્યા વિનાજ માથું ધુણાવી એણે પાણી પીવાની ના પાડી .

સામે બેઠી ઝંખના ને પાણી નો ગ્લાસ પકડાવી ,પાસે રાખેલ લોશન ના ડબ્બા માંથી ઝંખના ના ગાલ ઉપર મસાજ કરતા પેહલીવાર એ કદાવર શરીર બોલ્યું.

” મેડમ એને સમજાઓ આ હાલત માં કામ ના કરાય . મારી તો એ સાંભળતીજ નથી.”

પોતેજ આપેલા ઘા ની ઉપર દવા લગાવતા એ દંભ ને અવગણી ઇશિકા એ ઝંખના ને જ સીધું પૂછ્યું .

” ઝંખના શું થયું?”

” કાંઈ નહિ મેડમ એ તો એમજ … ”

” એમજ શું? આખો ચ્હેરો ખજવાય ને એની સંભાળ લેવાની જગ્યા એ… ” પતિ ના શબ્દો થી છોભીલી ઝંખના નીચું જોઈ રહી.

” આમ આવી ઇલરજી સાથે…. ”

” એલર્જી?” એ અશિક્ષિત ઉચ્ચારણ ને સુધારતી એ ઝંખના ને પૂછી રહી :

” મને કહ્યું કેમ નહિ?”

” મેડમ ચામડી નો રોગ છે .. આખો ચ્હેરો સૂઝી જાય છે .. ડરતી હતી મારુ કામ છૂટી ના જાય ”

ઝંખના ના ગાલ ઉપર લોશન લગાડી રહેલ એ હાથો ને જોઈ ઇશિકા નો સૂઝેલો ગાલ વધુ બળી રહ્યો.

” મેડમ એના માં બાપ લગ્ન માટે તૈયાર ના હતા. ભાગી ને લગ્ન કર્યા . મારા પ્રેમ ખાતર જે બધું પાછળ મૂકી આવી જો એને ખુશ ના રાખી શકું તો ઈશ્વર પણ મને માફ ના કરે ”

પુરુષ ના પ્રેમ નું આ પાસું નિહાળી ઇશિકા સ્તબધજ થઈ ગઈ .

” પ્રેમ માં તો સંઘર્ષ બે હૃદય વહેંચી નાખે. તારા સંઘર્ષ ને હળવો કરવાની ફરજ મારી પણ હોય.આખો દિવસ રીક્ષા ચલાવે ને રાત્રે પણ પેસેન્જર શોધવા નીકળે. ઉજાઘરો કરી આંખો કેવી લાલ કરી મૂકી છે. ” પતિ ની આંખો માં ઝાંખતી ચિંતા ના સ્વર માં ઝંખના બોલી.

” અરે તને કામ કરવાની થોડી મનાઈ કરું છું .એકવાર સાજી થઇ જા. પછી તારું જીવન ને તારા નિર્ણયો.”

વિવેક જેવા શિક્ષિત પુરુષો જે નથી સમજી શકતા એ એક અશિક્ષિત રિક્ષાવાળો કઈ રીતે સમજી શકે? ઇશિકા ના સામે નિયતિ જાણે શિક્ષક બની ઉદાહરણ આપી રહી હતી . સાચા પ્રેમ નું ઉદાહરણ. અને આ ઉદાહરણ પિતા એ સમજાવેલ પ્રેમ ની વ્યાખ્યા જોડે તદ્દન મેળ ખાતું હતું. બંને તરફ એક સમાન ત્યાગ ને સમર્પણ ભાવ. બન્ને ને જીવવાની ને નિર્ણયો લેવાની સમાન સ્વતંત્રતા. પ્રેમ ને વિકસવા માટે સુખસગવડ ની નહિ એકમેક ને સમજવાની ને પરિસ્થતિ અનુરૂપ એકમેક ના વિકાસ માં સહર્ષ ફાળો નોંધાવવાનીજ જરૂર માત્ર !

પતિ ના પ્રેમ અને લાગણી થી ભીંજાયેલ ઝંખના ક્ષણ ભર માટે ભૂલીજ   ગઈ કે એની શેઠાણી ત્યાંજ હાજર છે. લાગણી ના આવેશ માં શબ્દો અશ્રુ થી ભીંજાતા બહાર સરી નીકળ્યા.

” તું મને આટલો પ્રેમ કરે ને હું તને એક બાળક પણ….. ”

પત્ની ની આંખો ના પૂર જોતાજ એને બાળક જેમ વહાલ કરતુ એ કદાવર શરીર આશ્વાસન આપવા લાગ્યું.

” બાળક આપવું કે ના આપવું એ તો ઉપરવાળા ના હાથમાં . અને બાળક નો જન્મ શું ફક્ત સ્ત્રી નિજ ક્ષમતા ઉપર આધાર રાખે? એમાં પુરુષ ની ક્ષમતા ના માપદંડ પણ એટલાજ મહત્વના નહિ? ”

એક અશિક્ષિત મોઢે નીકળેલા એ અતિ શિક્ષિત શબ્દો કાને પડતાજ ઇશિકા ચોંકી ઉઠી. થોડાજ સમય પહેલા પ્રેમ ઉપર થી ઉઠી ગયેલ વિશ્વાસ જાણે પરત થઇ રહ્યો . સાચો પ્રેમ તો અમર. એનાથી જ તો વિશ્વ ટકી રહ્યું છે. ફક્ત એને ખોટી જગ્યા એ શોધતા માણસો એ સમજી જાય તો કેવું સારું કે પ્રેમ એ ફિલ્મી સંવાદો કે ફિલ્મી ગીતો નહિ, થોડા ક્ષણ નું આકર્ષણ કે કેન્ડલ લાઈટ ડિનરો નહિ, એક ની પ્રગતિ કાજે અન્ય નું એકતરફી બલિદાન નહીંજ.પ્રેમ એટલે તો દરેક પરિસ્થિતિ નો એકસાથે થતો સામનો માત્ર.

બંને પ્રેમી પંખીડાઓ ને પ્રેમ ના પ્રવાહ માં એકલા છોડી ઇશિકા તવારાથી બહાર નીકળી આવી. પણ હવે એના પગલાંઓ દિશાવિહીન ના હતા.પોતે ક્યાં જશે શું કરશે બધુજ મન માં સ્પષ્ટ હતું .

શરીર માં ઉત્સાહ ને હૃદય માં આત્મવિશ્વાસ સાથે એણે ડોરબેલ વગાડી. બારણું ખુલ્યું.ગુસ્સા સાથે ફરી બારણું એના મોઢા પર બંધ થયું.એણે ફરી ડોરબેલ વગાડી. બારણું ફરી ખુલ્યું. અને વર્ષો પછી દીકરી ને નિહાળી રહેલ પિતા ના વાત્સલ્ય ને પ્રેમ થી ભીની એ આંખો એને અંદર પ્રવેશવાનું આમંત્રણ આપી રહી.

જીવન ની એક નવી શરૂઆત કરવા, જીવન ને ધ્યેયપૂર્ણ અને લક્ષ્યપૂર્ણ બનાવવાં ને એ અર્થસભર પ્રક્રિયા દરમ્યાન સાચા પ્રેમ ને પામવાની હકારાત્મક લાગણી સાથે એના પગલાં ઘર માં પ્રવેશ્યા ને બારણું બંધ થયું…

 

Advertisements
This entry was posted in એક છત નીચે સમાતા નથી. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.