જેલમનાં ભૂરાપાણીનો રંગ રાતો -(૨) નિરંજન મહેતા

 

પ્રકરણ ૨: નિરંજન મહેતા

લોહારવાડી પાસે બસ બગડતાં બધા ઉતારુઓ ગભરાયા. એક તો અજાણ્યું ગામ. વળી ભારત-પાકિસ્તાનની સરહદ પાસે આ ગામ આવેલું. હાલમાં થતા આતંકી હુમલાને કારણે ઉતારુઓની ચિંતા વ્યાજબી હતી.

જેલમ નદી ઉપર બંધાયેલ પુલની એક બાજુ લોહારવાડી ગામ જે એક સાવ નાનું ગામ. પુલની બીજી તરફ હશનગંજ નામનું ગામ તપાસ કરતા ખબર પડી કે લોહારવાડી ગામ એટલે હકીકતમાં એક ગામડું જ. લગભગ ૨૦૦ માણસની વસતી ધરાવે જેમાં ન કેવળ હિંદુ, પણ મુસ્લિમ અને શીખ લોકો રહેતા. અન્ય ગામડાની જેમ આ ગામ પણ સામાન્ય ગામ. કોઈ તેની વિશિષ્ઠતા નહી. અહી જે દરિદ્રતા જોવા મળે તેવી અન્ય ઠેકાણે કદાચ ન પણ જોવા મળે. અહિના લોકો ખાસ ભણેલા પણ નહી. પણ વિવિધ ધર્મના હોવા છતાં ગામલોકોમાં સંપ અનન્ય. એકબીજાનો ખયાલ રાખે. કહેવાય છે ને કે ભગવાન ભૂખ્યા ઊઠાડે પણ ભૂખ્યા ન સુવાડે. બસ, જાણે અહી એ વાત હાજરાહજૂર હોય તેમ તેની સાબિતીરૂપ ગામમાં વસતા લોકોએ આ નિયમને બરોબર પચાવ્યો હતો અને તે અચૂક પળાતો. ક્યારેક કોઈ મહેમાન આવી ચઢે તો જાણે ભગવાન પધાર્યા.

જો કે બસના યાત્રીઓને આ વાતની ખબર ન હોવાથી ગામમાં કેવો આવકાર મળશે તેની અનિશ્ચિતતા હતી. વળી આ નાના ગામમાં બસ રીપેર કરવા યોગ્ય માણસ હશે કે કેમ એ પણ એક સવાલ હતો. એટલે અંદર અંદર મસલત કરી થોડાક લોકો બસ ડ્રાઈવર પાસે પહોંચ્યા અને પૂછ્યું:

‘અરે ડ્રાઈવર સા’બ, બસ કબ ચાલુ હોગી?’

‘કુછ બોલ નહી શકતા. શાયદ રાત યહી ગુજારની પડે.’

આ જવાબ સાંભળી યાત્રીઓની ચિંતામાં ઓર વધારો થયો.

‘લેકિન યહ ગાંવ તો છોટા દિખતા હૈ. યહાં રાત ગુજારને કી સવલત ભી નહી હોગી ઓર બસ ઠીક કરનેવાલા ભી ઇસ ગાવમેં કોઈ હોગા કી નહી વહ ભી માલુમ નહી હૈ.’

‘જી, યહાં તો યહ મુમકીન નહી હૈ ઈસ લિયે મૈને ક્લીનર કો મુશ્કાનપુર ભેજા હૈ. આતે આતે દેર હો જાએગી ઇસ લિયે મૈને કહા કી શાયદ રાત યહાં ગુજારની પડે. પર આપ લોગ ચિંતા મત કરે. હમારી બસ શિવમંદિર કે પાસ બિગડી હૈ ઉસમેં ભી કોઈ સંકેત હોગા, ઇસ મંદિર કે સિવા ઇસ ગાંવ મેં એક ગુરુદ્વારા ઔર એક મસ્જીદ ભી હૈ. હર શામ હરેક જગહ કુછ ન કુછ ખાના પકતા હૈ જિસ કી વજહ સે કોઈ ગાવવાલા ભૂખા નહી સોતા. બાહરસે આનેવાલે મહેમાનો કા તો યહ સબ પ્રેમ સે સ્વાગત કરતે હૈ તો આપ બિના સંકોચ કહી ભી ખાના ખા લીજીયે. મૈ તો યહાં કે ગુરુદ્વારેમેં અપના ઇન્તજામ કર લુંગા.’

આ નાના ગામમાં ગુરૂદ્વારા છે તેની જાણ સરદાર અને સરદારનીને તો હતી જ કારણ સરદાર પોતાના સાસરે બસમાં મુઝફરપુર જાય અને લોહારવાડી પાસેથી તેમની બસ પસાર થાય ત્યારે તેમને ગુરુદ્વારા દેખાતું. પણ અન્ય બે-ત્રણ શીખધર્મી મુસાફરો તો આ જાણીને આંનંદમાં આવી ગયા કે અહી ગુરુદ્વારા છે અને અનાયાસ બોલી ઊઠ્યા, ‘જો બોલે સો નિહાલ સતશ્રી અકાલ.’ આનો સરદાર અને અન્ય મુસાફરોએ પણ યોગ્ય પ્રતિસાદ આપ્યો અને તે એટલો બુલંદ બન્યો કે શિવમંદિરથી થોડે દૂર સ્થિત ગુરૂદ્વારાના સંચાલકને કાને તે પડ્યો. આ અવાજ સાંભળી તે નવાઈ પામ્યો કે ગામમાં વસતા શીખભાઈઓ તો આટલું બુલંદ બોલતા નથી તો આવી બુલંદી કોની અને ક્યાંથી?

તરત જ તેણે શિવ મંદિર તરફ પ્રયાણ કર્યું અને પોતાના સહધર્મીઓને જોઈ તેણે ઝડપ વધારી. નજીક આવતા તે પ્રેમથી દરેકને ભેટ્યો અને પૂછતાછ કરીને પરિસ્થિતિની જાણકારી મેળવી.

‘આપ સબ કો યાની કિ બસ કે સારે યાત્રીઓ કો ગુરૂદ્વારેમાં આને કા નિમંત્રણ દેતા હું. આપ સબ કે લિયે ખાને કા બંદોબસ્ત હો જાયેગા.’

પરંતુ અન્ય મુસાફરો જે હિંદુ હતા તેમ જ એક બે મુસ્લિમ હતા તેઓએ પોતપોતાના સ્થાનકે જઈ રાત ગુજારવાની ઈચ્છા પ્રગટ કરી. ગુરુદ્વારાના સંચાલકે બહુ આગ્રહ કર્યો પણ તેમની ઈચ્છા આગળ કાઈ ચાલ્યું નહિ અને તેથી કમને તેમને તેમના સ્થાનકે જવા મંજૂરી આપી.

શીખબંધુઓ તો હર્ષોલ્લાસ સાથે ગુરૂદ્વારા તરફ જવા રવાના થયા અને મુસ્લિમ ભાઈઓ પૂજારીને પૂછી મસ્જીદ તરફ જવા રવાના થયા. બસ તો સવાર પહેલા ચાલુ થવાની નથી તેની જાણ હોવા છતાં કહેતા ગયા કે જો વહેલી ચાલુ થાય તો તરત તેમને ખબર કરવામાં આવે જેથી વિના વિલંબે તેઓ આવી જશે અને આગળની મુસાફરી પણ જલ્દીથી પૂરી કરી શકાશે.

શિવમંદિરમાં હમણાં જ આરતી સમાપ્ત થઇ હતી એટલે બાકીના મુસાફરો દર્શન કરવા અને પૂજારીને મળી રાતવાસાની વ્યવસ્થા માટે વાત કરવા અંદર ગયા. શિવ મંદિરના પૂજારી શિવાનંદે તો આ બધા મુસાફરોને આવેલા જોઇ પ્રથમ તો શું થયું અને શું મુશ્કેલી છે તેની વિગતવાર માહિતી મેળવી. બધું જાણ્યા પછી પોતે તેઓને સહાયરૂપ થઇ શકશે તેનો આનંદ વ્યક્ત કર્યો અને કહ્યું કે મારા અહોભાગ્ય કે ભગવાનને ઘરે આટલા બધા મહેમાન એક સાથે !

પ્રથમ તો હાલમાં થયેલી આરતી સાથે ધરાવેલ શીરાનો પ્રસાદ તેમણે સૌને આપ્યો અને થોડા સમયમાં જમવાનું તૈયાર થઇ જશે એમ કહ્યું. એક બે મુસાફરોએ વિવેક દર્શાવ્યો અને જણાવ્યું કે આમે ય તે અમે અમારી સાથે થોડું ઘણું ભાથું રાખ્યું જ છે કારણ રસ્તામાં ન કરે નારાયણ અને આવી કોઈ પરિસ્થિતિ આવે તો તે મુશ્કેલીને પહોંચી વળવા આવી તૈયારી તો રાખવી પડે. તેથી એવી કોઈ તકલીફ ન લેવા કહ્યું..

પણ પૂજારી પોતાની યજમાનગીરીની તક એમ થોડા ગુમાવે?

‘અરે, ન કરે નારાયણ અને તમને ફરી આગળ જતા આવી મુશ્કેલી આવે ત્યારે તમે લાવેલ આ ભાથું તે વખતે કામ લાગશે. એટલે તે ન આરોગતા અત્યારે તો તમારે મારી મહેમાનગતિ માણાવી જ રહી. ગરમ ગરમ ભોજન લેશો તો થાક પણ ઊતરી જશે અને ઊંઘ પણ સારી આવશે. એ બહાને આજે મને અતિથિઓની સેવાનો લાભ મળશે તે હું ગુમાવવા નથી માંગતો.’ હસતાં હસતાં પૂજારી બોલ્યા.

યાત્રીઓને લાગ્યું કે હવે આમની આગળ આપણું કશું નહિ ચાલે એટલે કહ્યું – ‘પણ બહુ તકલીફ ન લેતા. પૂરી અને સુકી ભાજી કરાવશો તો અમને આનંદ થશે. આપને વાંધો ન હોય તો અમારી સાથે બે-ત્રણ મહિલાઓ છે તે આપના ઘરવાળાને રસોઈના કામમાં મદદરૂપ થઇ શકશે.’

‘અરે, હોતું હશે? મહેમાન તો ભગવાન ગણાય. તેમની સેવા થોડી લેવાય? આમેય મારા ઘરવાળા દસ-બાર લોકો માટે તો આરામથી રસોઈ બનાવી લે છે એટલે તમે તેની ચિંતા ન કરો. મંદિરની પાછળ હાથપગ ધોવાની સગવડ છે. તમે સૌ ત્યાં જઈ તાજા થઇ જાઓ અને કલાકેક આરામ કરો ત્યાં સુધીમાં તમારો થાક ઊતરી જશે અને ગરમ ગરમ ભોજન પણ તૈયાર થઇ જશે.’

અનુજ, આશિત અને મહાદેવને આરામ કરવા કરતા નવું નવું જોવાની અને જાણવાની ઇંતેજારી એટલે પૂજારીને ગામ વિષેની માહિતી પૂછી કે ખાસ કોઈ જગ્યા કે વાત હોય તો જણાવો.

‘બેટા, આ તો એક નાનું ગામ છે. અહી એવું શું હોય જેનાથી તે જાણીતું હોય? હા, જેલમ નદી તો તમે જોઈ જ રહ્યા છો. ત્યાના પુલ ઉપરથી તમને સુંદર દ્રશ્ય જોવા મળે પણ હાલમાં અંધારું છે એટલે તે પણ માણી નહી શકો. પણ જો પગ છૂટા કરવાની ઈચ્છા હોય અને તેના પૂલ ઉપર જશો તો આગળ એક મસ્જીદ આવશે. ત્યાના મુંજાવર પણ એક મળવા જેવી વ્યક્તિ છે. ભલે તમે હિંદુ હો પણ દરગાહમાં સૌને પ્રવેશ છે કારણ એક ખાસ વાત તેની સાથે સંકળાયેલી છે.’

અંકલેશ્વરમાં નબી ચાચાએ આ મુંજાવર અને તેની મસ્જીદ સાથે સંકળાયેલ વાત તો કરી હતી તેમ છતાં પૂજારીની વાત સાંભળી ત્રણે યુવાનો ઉત્સુક થઇ ગયા અને કહ્યું. ‘શું વાત છે તે જણાવો ને.’

‘હું તે વિષે કશું નહિ કહું કારણ મુંજાવરને મુખેથી સાંભળવાની જે મજા છે તે મારી પાસેથી સાંભળતા નહી મળે. તમારી ઉત્સુકતા સમજી શકું છું પણ જ્યારે તમે તે પૂરેપૂરી વાત મુંજાવર પાસેથી સાંભળશો ત્યારે તમે જ મને કહેશો કે મારું કહેવું યોગ્ય છે.’

કલાકેક પછી સાદું પણ સ્વાદિષ્ટ ભોજન તૈયાર થઇ ગયું એટલે શિવાનંદ પૂજારીએ બધાને બોલાવ્યા. પૂરી, બટાકાનું શાક અને સાથે વિવિધ પ્રકારના ભજીયા જોઇને યાત્રીઓના મોમાં પાણી આવી ગયું. આમેય તે રસ્તામાં ધાબે ખાધું હતું તેને ઘણો સમય થઇ ગયો હતો એટલે ભૂખ તો લાગી જ હતી. સામે ગરમ ગરમ શાક અને ભજીયા પીરસાયા હતા તેમાય પૂજારીના પત્ની તે જ વખતે પૂરીઓ ઉતારતા જતાં હતાં અને પૂજારી શિવાનંદ દરેકને આગ્રહ કરી કરીને પીરસતા હતા એટલે તેને જલ્દીથી ન્યાય આપવાનો બધાને વિચાર આવે તેમાં નવાઈ ક્યાંથી હોય?

અનુજ, આશિત અને મહાદેવન તો આવું સાદું છતાં સ્વાદિષ્ટ ખાવાનું આવા અંતરિયાળમાં મળી શકે તેનો વિચાર પણ કરી શકતા ન હતા. પણ ઘર જેવા ભોજનનો આનંદ મળ્યો એટલે તેમણે શિવાનંદ પૂજારીને વિનંતી કરી કે અમારે તમારા પત્નીને મળવું છે.

ગામડાગામમાં તો સ્ત્રીઓ મલાજો જાળવે અને અન્યોને ન પણ મળે એટલે શિવાનંદે પહેલા તો પૂછ્યું કે મળવાનું કારણ શું છે. ત્રણેયે કહ્યું કે અમારે આવા સરસ ભોજન માટે તેમનો રૂબરૂ આભાર માનવો છે. વળી ઉમેર્યું કે અમે સ્ત્રી મર્યાદાને જાણીએ છીએ પણ તેઓ તો અમારા મા અન્નપૂર્ણા સમાન છે અને અમે તો તેમની આગળ તેમના સંતાન કહેવાઈએ એટલે આપ અમને રજા આપશો માની આ વિનંતી કરી છે.

આ સાંભળી શિવાનંદનું મન વિચલિત થઇ ગયું. આવા લબરમૂછિયા જવાનોમાં વડીલો પ્રત્યે આટલો આદર જાણી તે ત્રણેયને અંદરના ઓરડામાં લઇ ગયા. તેમના પત્ની કમલાદેવી હજી બધું સમુસૂતરું કરવામાં હતા એટલે તે આ બધાને આવેલા જોઈ જરા ચમક્યા અને શિવાનંદ સામે પ્રશ્નાર્થ નજરે જોયું. શિવાનંદે તેમને સમજાવ્યું કે આ જવાનો તમને મા અન્નપૂર્ણા માની બેઠા છે અને તમને મળવાની જીદ કરતાં હતાં એટલે મારે તેમને નાછૂટકે અહી લાવવા પડ્યા..

શિવાનંદે બોલવાનું પૂરૂં કર્યું એટલે ત્રણેય જણા કમલાદેવીને પગે પડ્યા અને કહ્યું કે આપ કે હાથ કા ખાના ખા કર હંમે જો તૃપ્તિ હુઈ હૈ ઉસે હમ જિંદગીભર નહી ભૂલેંગે. પછી તેમણે કમલાદેવીના અગ આગળ થોડાક રૂપિયા મૂક્યા. નારાજ થઇ કમલાદેવી બોલ્યા કે આપ હંમે શરમિંદા કર રહે હૈ. અતિથિ કી સેવા તો હમારા ધર્મ હૈ ઔર હંમે ઉસસે જો આંનદ મિલતા હૈ ઔર આપ ઇસ તરહ ધનરાશી દે કે હંમે અપમાનિત કર રહે હો.

ત્રણેય એક મિનિટ તો અવાચક થઇ ગયા અને પછી બોલ્યા કે તેમનો ઈરાદો અપમાન કરવાનો ન હતો. અજાણતા તેમ થયું હોય તો અમને માફ કરો.

શિવાનંદે કહ્યું તમારી ભાવના સમજી શકાય એમ છે એટલે તમને નારાજ નહી થવા દઈએ. આ પૈસા સવારે મંદિરમાં રાખેલ ભેટપેટીમાં આપ નાખી દેજો. હાલ તો તમારા માટે સુવાની સગવડ કરી છે તે જોઈ લો.

ત્રણેય જણે કહ્યું કે અમે તો બહાર ચોગાનમાં સુઈ જશું જેથી કુદરતનો નજારો નિહાળી શકીએ. વળી અમારે મસ્જીદ જઈ મુંજાવરને મળવા જવું છે એટલે મોડું થાય તો તમને તકલીફ પડે એટલે આમ વિચાર્યું છે. ઠંડી માટે અમે પૂરતા સાધન લઈને નીકળ્યા છીએ એટલે તે માટે પણ તમે ચિંતા ન કરતાં.

આટલું કહી તેઓ જેલમ નદી તરફ ચાલી નિકળ્યા અને તેના ખખડધજ પૂલ પરથી જેલમનો પ્રવાહ અને રાતનો નજારો જોતાં જોતાં આગળ વધ્યા.

નિરંજન મહેતા.

 

 

 

Advertisements
This entry was posted in જેલમનાં ભુરા પાણીનો રાતો રંગ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.