નિવૃત્ત થયા પછી (૧૪)પી કે દાવડા, વિજય શાહ

હરિકૃષ્ણ અને પ્રેમલતા મજમુંદાર

સાન્ફ્રાન્સીસ્કોનાં એક વકીલ કે જેમની બીજી કારકિર્દીમાં ગણિતજ્ઞ થયા અને આગળ વધીને પ્રેરણાત્મક નિવૃતિની પ્રવૃતિનું જીવંત પ્રતિક બન્યા. તેમની સાથે નો પરિચય આક્સ્મિક હતો પણ એ “હેરી” દાદા મારી લેખન પ્રવૃત્તિને એક ઉંચા સ્તરે લાવવા નિમિત્ત બન્યા હતા.ફાંકડું અંગ્રેજી બોલે કે જેમાં હજી ભારતિય અંગ્રેજીની છાંટ હોય અને નાગરી ઉચ્ચાર અને શબ્દોની મીઠાશ ભારો ભાર ભરી હોય પણ કહેવાનું સ્પષ્ટ અને તે પણ મોઢા મોઢ..આવા સ્પષ્ટ વક્તાઓની ધાર પ્રેમલતા બા ઢાંકે…પ્રેમલતા બા પણ એમના સમયનાં બહું જ પ્રગતિશીલ અને વિધ્વાન શિક્ષીકા હતા.

ભણતર ચાલુ હતું ને તે સમયે મન મળી ગયા હતા..પણ લગ્ન ભણતર પુરુ થયા પછી સંપૂર્ણ પુખ્તતા પામયા પછી જ કર્યા અને એ જમાના ની વાત જ્યારે દાદા કરે ત્યારે તેમનામોં પરની ચમક અજીબ હોય..મેં તો પ્રેમ લગ્ન એવા સમયે કર્યા હતા જ્યારે દીકરીઓને ભણવાની પણ છૂટ નહોંતી. અમે બે મળતા પણ ચર્ચાનો દોર ભણી લઉ પછી પર જ અટકતો.

મૂ પી કે દાવડાએ તેમની શ્રેણી “મળવા જેવાં માણસોમાં” મુ દાદાનો પરિચય આ રીતે આપ્યો હતો

હરિકૃષ્ણભાઇનો જન્મ વડોદરામાં ૧૯૧૯મા થયો હતો. શાળાનો અભ્યાસા વડોદરામાં જ કર્યો. ત્યારબાદ વડોદરાની કોલેજમાંથી બી.એ. કરી, કાયદાનો અભ્યાસ કરવા અમદાવાદ ગયા અને ૧૯૪૧ માં એલ.એલ.બી. ની ડીગ્રી મેળવી.

૧૯૪૧ માં એક ટેક્ષટાઈલ મિલમાં નોકરી શરૂ કરી. ૧૯૪૩ માં એમને મુંબઈમાં એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાં નોકરી મળી. નોકરી કરતાં કરતાં જ, ૧૯૪૮ માં એમણે બી. કોમ. ની ડીગ્રી પણ મેળવી લીધી. એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાં કામ કરતા હતા ત્યારે ૧૯૬૦ માં તેમને ભાભા એટોમિક સેંટરમાં મોકલવામાં આવ્યા, અને ત્યાં કાયમ થયા. ૧૯૭૭ સુધી ત્યાં કામ કરીને નિવૃત્ત થયા.

નિવૃતિબાદ આઠ વર્ષ સુધી વિદ્યાર્થીઓને ટ્યુશન આપવાના અને બીજા નાના મોટા કામ કર્યા. ૧૯૮૫ માં દિકરીએ એમને અમેરિકા તેડાવ્યા. તેમના કહેવા પ્રમાણે અમેરિકા આવવા પાછળ એમના મનમાં કોઈ યોજના ન હતી, એ માત્ર એમના સંજોગોનો તકાદો હતો. એમના શબ્દોમાં કહું તો, “ભારતમાં મારા નિવૃતિબાદના વર્ષો ઉપર મારૂં કોઈ નિયંત્રણ ન હતું, સંજોગોને આધિન સમય વ્યતિત થતો હતો.”

  • તેમના પ્રેરણા દાય્ક કાર્યો ૧૯૮૫ માં તેઓ અમેરિકા આવ્યા પછીનાં છે. અમેરિકામાં આવીને એમણે કોમ્યુનીટી કોલેજમાં કેલ્ક્યુલસ અને શેક્સપિયરનો ઊંડો અભ્યાસ કર્યો. કેલક્યુલસ વિષયમાં તો તેમણે “ફેકટરાઈકઝેસન” નામનું પુસ્તક પણ લખ્યું. ત્રણ વર્ષ સુધી ઈન્ડિયા પોસ્ટ નામના છાપા માટે કોલમ લખી.
  • અમેરિકામાં મોટી ઉંમરના ભારતીયોની વિટંબણાઓથી જેમ જેમ પરિચિત થતા ગયા તેમ તેમ તેનો ઉકેલ લાવવા સિનિયરોને લગતા કાયદાઓ અને સિનિયરોની અપાતી છૂટછાટનો અભ્યાસ કરતા ગયા. ભારતથી આવતા લોકોની સોશ્યલ સીક્યુરીટી, ઇમિગ્રેશન અને અન્ય વિષયની ગુંચો ઉકેલવાની મદદમાં લાગી ગયા. વડિલોની મુંઝવણો સમજી લઈને એનો સમાધાન પૂર્વક ઉકેલ લાવવામાં મદદરૂપ થવા લાગ્યા.
  • ૨૦૦૨માં અમેરિકાની વેલ્ફેર યોજનાની માર્ગદર્શિકા “ભુલભુલામણીનો ભોમિયો” (Mapping of the Maze) પુસ્તક લખીને સિનિયરોને માર્ગદર્શન આપ્યું. અનેક સ્થળૉએ સિનિયરોને માર્ગદર્શન આપવા વ્યાખ્યાનો આપવાનું શરૂ કર્યું. અમેરિકાના સેનેટરોને, અદાલતોને, પત્રકારોને અને નેતાઓને પત્રો અને પીટિશન્સ લખી લોકોને ન્યાય અપાવવા લાગ્યા. બસ લોકો તેમને દાદાના હુલામણા નામથી ઓળખતા થયા.
  • એમણે સિનિયરોને સલાહ આપી કે સ્વાલંબી બનો, પરિવારમાં મદદરૂપ બનો, જીવન માત્ર જીવો જ નહિં પણ એને માણો. પોતે પોતાની પુત્રીના બેકયાર્ડમાં પોતાનો ઓરડો બાંધી સ્વાલંબી જીવન જીવીને ઉદાહરણ પૂરૂં પાડે છે.
  • તેમની સેવા ની પ્રવુતિ માટે તેમનેઘણા એવોર્ડ મળ્યા છે ,Santa Clara County ના Human Resources Commission તરફથી “Toni Sykes Memorial Award ” દાદાને મળ્યો છે. દાદા પોતે કાયમી વસવાટ માટે પરદેશથી આવેલ વસાહતી છે. 2011માં તેમણે”સાઉથ એશિયન સિનયર સર્વિસ એસોસીએશન” રચ્યું છે.
  • આજની તારીખે દાદા છેલ્લાં માં છેલ્લાં કાયદા અને નિયમો વિષે પોતાને માહિતગાર રાખે છે અને ઝીણવટ, સમજ અને અનુભવી કોઠાસુજથી લોકોના વણઉકેલ્યા કોયડાને ઉકેલે છે.
  • દાદાજીની વાત સીનિયરોને અને ભવિષ્યની પેઢીને વિચારતા કરી મૂકે તેવી મૌલિક છે. દાદા કહે છે”અમેરિકામાં રહેનાર ભારતીય સીનિયરો પોતાના સાંકડા વર્તુળમાં પોતાનું જીવન જીવી નાખે, તેના કરતાં બહાર આવી અહીંનાં સમાજની વિશેષતા માણે તો આનંદપુર્ણ જીવન જીવી શકે.
  • “સ્વ” પરથી નજર હટાવી “અમારા” પર નજર કરવાની જરૂર છે. હકારાત્મક જીવનમાં સુખી થવાનો આ ગુરૂમંત્ર છે.
  • દાદાની વડિલોને સલાહ છે કે બાળકો ઉપર તમારા સિધ્ધાન્તો અને તમારા અનુભવો ન થોપતા. શક્ય છે કે બદલાયલા સંજોગ અને બદલાયલા સમયમાં એ એમને ઉપયોગી ન પણ થાય.

દાદા કહે છે, “ અહીં અમેરિકામાં હું મારા જીવનનું નિયંત્રણ કરી શકું છું, કારણ કે અહીં લોકો નૈસર્ગિક જીવન જીવે છે. લોકો અહીં માન અને પ્રેમના ભૂખ્યા છે, અને અન્યોને પણ તેઓ માન અને પ્રેમ આપે છે. મને મારા કાર્યના બદલામાં પૈસાની ભૂખ નથી, લોકો મને જાણે, મારા કાર્યની નોંધ લે, મારા માટે એ જ પુરતું છે. અહીં તમે કંઈપણ ન કરો તો જ તમારૂં કાર્ય વણનોંધ્યું રહે.”

-પી. કે. દાવડા

આ પરિચય મુદ્દા સરનો છે.

આ ઉપરાંત તેમના કાર્યનાં વધતા વ્યાપ્તમાં તેમણે એક સારું નેટ વર્ક ઉભુ કર્યુ છે જે તેમને વધુ કાર્ય દક્ષ અને સમાજ ઉપયોગી બનાવે છે. જેમ બાદશાહ અક્બર પાસે નવ રત્નો હતા તેવાંજ તેમના કહ્યાગરા શિષ્ય રત્નો છે

એક વખત કોઇક મિત્રનાં બનેવી ડલાસથી રીસાઇને ઘર છોડીને ચાલ્યા ગયા.. બહું શોધ્ખોળને અંતે એ મિત્રે દાદાને ફોન કર્યો અને વિગતો આપી નવસારી પાસે જલાલપોર ગામનાં  છે.જેટલી માહીતિ તે ભાઇ એ આપી તે બધી નોંધી લીધા પછી પોતાની ફોન ડાયરી ફંફોસીને જલાલપોર ગામનાં કેટલા માણસો તેમનાં સંપર્કમાં છે  તે જોઇને ફોન ગુમાવવાના શરુ કર્યા. સામાન્ય રીતે અમેરિકામાં આટલી પળોજણ કોઇ કરતું નથી.. પણ સમાજ્ને કંઇક પાછુ આપવું છે ની ધગશને કારણે ત્રીજા ફોન પરથી ખબર પડી ગઈ કે તે ભાઇ ફીનીક્ષમાં છે અને તેમના ટેલીફોન નંબર સહીત સરનામા સાથે તે મિત્રને ફોન પાછો કર્યો તો તે ભાઇ તો ઉભા જ થઈ ગયા.. દાદા હવે પતિ પત્ની નો મામલો છે સમજાવટથી પતાવી આપોને? દાદા કહે ભાઈ તું શીકાગોમાં આ ભાઇ ફીનીક્ષમાં અને હું પાલો આલ્ટોમાં..ફોન ઉપર પ્રયત્ન કરું પણ જો હું મધ્યસ્થી બનીશ તો મારું કહ્યું માનવું પડશે

“દાદા પ્લીઝ પહેલા મને કહો તમારી ફી કેટલી?”

અને દાદા બહું જ હસ્યા.. પછી કહે “ભાઇ હું કોઇ જ કામની કોઇ ફી લેતો નથી.”

બીજે છેડે બહેન નો અવાજ ગદ ગદ હતો તેથી દાદા બોલ્યા “બેન ગુંચ પડી હોય ને તો બધા દોરા ખેંચા ખેંચ ના કરાય પણ એક દોર પકડીને ગુંચ ઉકેલતા જશો તો બધું ઉકલી જશે.”

એક કલાક્માં તે મિત્રનો ફોન આવી ગયો “દાદા મેળ થઇ ગયો છે..આભાર.”

દાદા આમ તો વકીલ પણ અહીંનાં લાઇસંસ લીધેલા નહીં તેથી કેસ શાંતિ થી સમજે અને ઉપાય પણ સુચવે પણ સાચા ખોટાની પરખ તરત પડે તેથી ખોટા ને મહદ અંશે કહી જ દે કે ભાઇ આ મારા વશનું કામ નથી.

દાદા એમ માને છે કે નિવૃત્તિ એ સમય છે સમાજ ને કંઇક પાછુ આપવાનો. આ પાછુ આપવાનું એટલે પૈસા એકલાં જ નહીં પણ તમારી પાસે જે ઉદ્યમ હોય કે જે જ્ઞાન હોય તો તે પણ આપી શકાય. અને આ હેતૂથી જ સીનીયરોને દરેક બુધવારે “છજ્જુ કા ચૌબારા” નામની જગ્યાએ ભેગા કરે અને અલક મલકની વાતો થાય. તેમની વાતો કરવાની પધ્ધતિ એટલી રમૂજી કે દરેક વાતમાં જ્ઞાન સાથે ગમ્મત થાય.ભાલ્ચંદ્ર રાવ કરીને એક સીનીયર છાપુ ચલાવતો, તે એક દિવસ આવ્યો અને કહે તમારા બધા પ્રસંગોની મેં મારી રીતે નોંધ બનાવી છે મને તે પ્રગટ કરવાની અનુમતિ આપો.પ્રેમ લતાબા બોલ્યા એટલે આમ કરીને તમે કમાવાનાને? તો પછી દાદાને કેટલી રોયલ્ટી આપશો?

ભાલચંદ્રભાઇને તો આવા પ્રશ્ન ની કલ્પના નહોંતી એટલે થોડાંક આઘા પાછા થયા અને બોલ્યા દાદા આતો હું મને થોડાંક નાણા મળે તે માટે કરતો હતો.

અને બંને ( દાદા અને બા) બહું હસ્યાં.

ભાલચંદ્રભાઇ ખસિયાણા પડી ગયા પણ હસવું પુરુ થયું ને તે બોલ્યા.. ” ભાઇ મારી વાતો અને જ્ઞાન વહેંચવા માટે જ છે ઉલટાનો હું તો આભાર માનીશ કે તું મને અને મારા જ્ઞાન ને વેગ આપે છે. જા ભાઇ કર તારે જે કરવું હોય તે..”આમ કહી તેમણે એક નવોદિત લેખક્ને ખીલવાની તક આપી

સ્મિતા ચૌધરી ભારતથી ભણવા આવેલી અને દાદાની પૌત્રીની ક્લાસ મેટ. અંગ્રેજી સારુ જાણે. દાદાને ખબર પડીકે તેને પૈસાની અગવડ પડે છે તેથી પ્રેમલતાબા એ દાદાને કહ્યું નૂરા અને નીજાની સ્મિતા બહેનપણી છે તમે અંગ્રેજીમાં તેની પાસે તમારી ઓટો બાયોગ્રાફી લખાવોને?

આ થયું બીજાંકુરણ બીજા લેખક્નું. દાદા વાતો તેમની રીતે હીન્દી અને અંગ્રેજીમાં બોલે અને સ્મીતાતેની નોંધ તેની રીતે લે..પ્રકરણ ઉપર પ્રકરણો લખાયા અને Nobody Envies Me તૈયાર થયું જેમાં નવરત્નોની ઓળખાણ અને ઘણું બધું સંગ્રહાયું.

યુવા પેઢી સાથે કામ કરતા કરતા માલતી પટેલ સાથે દાદાનો પરિચય થયો. દાદાની સાથે વાતો દરમ્યાન દાદાને લાગ્યું કે ડલાસમાં મારો જ્ઞાન વારસો સાચવે તેવી દમદાર લેખીકા છે જેની પાસે પ્રશ્ન સમજવાની ક્ષમતા અને નિરાકરણ શોધીને ટેક્ષાસમાં તેમનું કામ આગળ વધારશે…જે થઈ પાયાની શરુઆત Lifting The Mists માર્ગદર્શીકાની.. દાદા આમ જ્યોત થી જ્યોત જગાવી રહ્યા હતા અને ઘરની લેખીકા પ્રેમલતાબા ને અનુવાદ માટે ચાનક ચઢાવતા હતા.

પ્રેમલતાબા જોડણીનાં આગ્રહી હતા તેથી તેમનું પહેલો વાર્તા સંગ્રહ “ઈટીયો” ઉપડ્યો..ત્યાર પછી “રણમાં અટ્ટ હાસ્ય અને સાઇબેરીયન કથા સંગ્રહ લેડિ મેક્બેથ“ લખાઇ. આ સમય દરમ્યાન તેઓ પણ છજ્જુકા ચોબારામાં ભાષા શીખવતા અને વયસ્ક લેખીકાઓને દાદાની જેમ જ પ્રોત્સાહન આપતા.

આમ તો હું ઘણા સમય થી લખતો તો હતોજ અને દાદાનાં પરિચય પહેલા એક નવલીકા “ અમે પથ્થરનાં મોર કેમ બોલીયે” અને નવલક્થા “ ટહુકા એકાંતનાં ઓરડેથી” અને કાવ્ય સંગ્રહ “હું એટલે તમે “ અને “તમે એટલે મારું વિશ્વ” પ્રસિધ્ધ થઇ ગયેલી હતી અને બ્લોગ ટેકનોલોજી આવી જવાને લીધે સર્જન કાર્ય ચાલુ હતું પણ પ્રકાશન ક્ષેત્રે ઉદાસીનતા હતી. ત્યારે દાદાનો પારસમણી મને સ્પર્શ્યો.

હું નાણાકીય જગતમાં મહદ અંશે નિવૃત થયેલા અને થતા સીનીયર સીટીજનો સાથે કામ કરતો હતો અમેરિકન નાણાકીય વિષયો વિશે પુરતું જ્ઞાન. અને ૨૦૦૮નાં ગાળામાં “ ચાલો ગુજરાત” કાર્યક્રમમાં એક જ મંચ ઉપર.એમના વક્તવ્ય બાદ મને મંચ મળ્યુ તે પહેલા તેમણે મારું પાવર પોઈંટ પ્રેઝંટેશન જોયેલું તેથી એમને લાગ્યું કે તેમનાં જ્ઞાન નો સાચો અનુગામી આ છે. મારા પ્રેઝંટેશન ની દરેક સ્ક્રીન એક પ્રકરણ છે તેથી કહ્યું તમારું નાણાકીય જ્ઞાન અને મારા અનુભવો ભેગા કરી ગુજરાતીમાં પુસ્તક લખો હું છપાવીશ અને વેચીશ કે વહેંચીશ…અને છ મહીનાની “લખું- ભુંસુ- ફરીથી લખુ જેવી કસરતોને અંતે પ્રેમલતાબાએ પ્રૂફ રીડીંગ કરીને પ્રસિધ્ધ કર્યુ જે મોરારી બાપુએ વિમોચન કર્યુ. હું મનમાં દાદાની જ વાત વિચારતો હતો જે હોય તે આપવું આ પુસ્તકમાં મારું અને દાદાનું જ્ઞાન વહેંચાયુ હતુ.

પછી પણ એજ પ્રકારની હેતૂલક્ષી વાતોનું પરામર્શન થયું અને તે પ્રકારનું બીજું     “ નિવૃતિનું વિજ્ઞાન” લખાયુ

દાદાનાં જમણા હાથ અને ફીલ્મ પ્રોડ્યુસર જયંત મહેતા દાદા નાં જીવન ઉપર ફીલ્મ બનાવવાનાં હતા ત્યારે “આપવું એટલે પામવું”ફીલ્મ સ્ક્રીપ્ટ તરીકે લખાવી ચાલુ થઇ જે અંતે “આપવું એટલે પામવું” નામની નવલકથા સ્વરુપે જન્મી. ત્યાર પછી બ્લોગ ઉપરનું ઘણું સાહિત્ય પુસ્તક્માં ફેરવાયું જે ચાર વર્ષનાં ટુંકા ગાળામાં વિવિધ કોલમનાં સ્વરૂપે પ્રસિધ્ધ થયું. કહે છે બે નિષ્ક્રીય કેમીકલ વચ્ચે ઉત્સેચક આવે અને નવતર સંયોજન થાય બસ તેમજ “ વિજયભાઇ તમે બહુ સરસ લખ્યુ છે” નાં શબ્દો ઉત્સેચક બનતા તેઓ પણ લઘુ વાર્તાઓ લખતા અને ન્યુ યોર્કનાં “ગુજરાત ટાઇમ્સ”માં છપાતી.

પારસમણી દાદાને ગમતા પુસ્તકને ગુજરાતીમાં રુપાંતર કરવા એક વધુ દીપ પગટાવ્યો અને તે બોસ્ટન નાં રાજુલ કૌશિક. ગેરી રૂથનું પુસ્તક કે જેનો દાદા પોતાના જીવનમાં શતાયુ બનવા અને તેમના જેવા ઘણા શતાયુ નાં જન્મ માટે પુસ્તક અનુવાદીત કરાવ્યુ

હરિકૄષ્ણ મજમુંદાર દાદા આજે ૯૬ વર્ષની ઉંમરે પણ તેમના ૮૬ વર્ષીય સારથી જવાહર શેઠ સાથે પાછલી ઉંમરે પણ વેલ્ફેરને લગતા દરેક પ્રશ્નોનું જાતે જઈને કે અંગત માર્ગદર્શન આપે છે. અજાયબીની જે વાત છે તે દાદા અને તેમનો સારથી કાને થી ઓછુ સાંભળે છે છતા સૌનાં પ્રશ્નોનૂ નિરાકરણ આજે પણ વિના મુલ્યેજ કરે છે. અને વેલ્ફેરની ઓફિસમાં પણ અધિકારિઓ તેમની દલીલ સમજે છે અને શક્ય ઉચિત કાર્ય કરે છે.

પ્રેમલતા બા ગત વર્ષે અદેહી થયા પણ હરિકૃષ્ણ દાદા અજે પણ એટલા જ સક્રિય છે જેટલા અમેરિકા આવ્યા ત્યારે હતા. આજે પણ તેમની વાતોમાં જજ વ્યાસ સાહેબ અને તેમની સલાહો સાબૂત છે.

નિવૃત્તિની વાતોમાં એમની એક જ વાત પડઘાતી હોય છે.. નિવૃત એટલે ફક્ત અર્થ ઉપાર્જનમાં સબૂરી પણ જિંદગી તો જીવવાની એવી રીતે કે જ્યારે તમે જાવ ત્યારે આખુ જગત રડે અને આપણે હસતા હસતા જઈએ.

જ્યારે જ્ઞાન યજ્ઞની અગ્ની પ્રજ્વલીત થઈ રહી હતી ત્યારે સાન ફ્રાંસીસ્કોમાં ત્રણ સંસ્થાઓ ગુજરાતી માતૃભાષાનાં સંવર્ધન માટે કટીબધ્ધ થઈ હતી. મહેન્દ્રભાઇ મહેતા દ્વારા “ગ્રંથ ગોષ્ઠી”, સુર અને સંગીત માટે જયશ્રી ભક્તા દ્વારા “ટહૂકો” અને પ્રતાપભાઇ પંડ્યા દ્વારા પુસ્તક પરબ -જેની એક શાખા “બેઠક” ( પ્રજ્ઞાબેન દાદભાવાળા) સર્જન અને સંવર્ધન માટે લેખન કાર્ય કરી રહ્યા હતા.. ત્યારે ત્રણે સંસ્થા માટે તેમનો સંદેશો હતો..”ખુબ વાંચો, વિચારો અને પછી સર્જન કરો.”

ટહુકો” સમયોચીત સંગીતનાં કાર્યક્રમોથી તરબતર છે. “ગ્રંથ ગોષ્ઠી” પુસ્તકોનાં વાંચન અને મોટા ગજાના લેખકોને આમંત્રણ આપે છે. “પુસ્તક પરબ અને બેઠક” ૫ સભ્યોથી શરુ થઇ આજે બે વર્ષે તે ૨૫થી વધુ સર્જકો નાં સર્જનો માતૃભાષાને આપે છે.જેમાં લીમ્કા બુક ઍવૉર્ડ અને દુનિયાનું સૌથી જાડુ પુસ્તક સર્જીને ગીનીઝ બુક ઓફ રેકૉર્ડને બારણે ટકોરા દઈ રહ્યુ છે.

આ ત્રણેય સંસ્થાનાં પગરણ માં પ્રેમલતાબા અને દાદાનો સીધો કે આડકતરો સહયોગ રહ્યો છે.૬૫ વર્ષની ઉંમરે નવી કારકિર્દી શરુ કરનાર આ દાદા આજે ૯૬ વર્ષે પણ કડે ધડે છે. આ નવેમ્બર મહીનાની પાંચમી તારીખે મુ હરિકૃષ્ણ દાદાનું અને પ્રેમલતાબાનું ( મરણોપરાંત) બહુમાન્ થયુ. ગાર્ડી રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડાયાસ્પોરા સ્ટડીઝ –રાજકોટનાં ડૉ બળવંત જાનીએ તેમને લાઇફટાઇમ એચીવમેંટથી નવાજ્યા. અન્ય રહી ગયેલ માહીતી નીચે મુજબ છે

મારે માટે પ્રેરણા મૂર્તિ ઉપરાંત તેમના કાર્યભારનો થોડોક પણ બોજ હું ઉપાડી શકીશ તો તે મારે માટે ગર્વની વાત થશે…મોટી ઉંમર, કાચા કાન (બહેરાશ) અને ભુલી જવાની વાતોથી સર્જાતા મનદુઃખોને અવગણીએ તો તેમણે જાતે નિવૃતિ કેવી રીતે જીવાય તે વાતને જીવી બતાવી છે. અને વારં વાર કહ્યું છે “સમાજને આપતા રહો..તમારી પાસે જે છે તે સઘળું જ્ઞાન વહેંચતા રહો કાન આપતા રહો અને માંગે અને યોગ્ય લાગે તો જ સલાહ આપો અને સલાહનો અમલ થયો કે નહીં તે વિશે જાણવાનું મમત છોડી દો”

 

 

This entry was posted in નિવૃત્ત થયા પછી. Bookmark the permalink.

2 Responses to નિવૃત્ત થયા પછી (૧૪)પી કે દાવડા, વિજય શાહ

  1. Rajul Kaushik કહે છે:

    દાદા માટે પારસમણી શબ્દ પ્રયોજન ગમ્યુ.

    Like

  2. tarulata કહે છે:

    srs,aadrniy vdilo dada ane premltabhenni sevan sda yad rheshe.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.