નિવૃત થયા પછી (૧૩) હેમા પટેલ

પશ્વિમના દેશો ભોગ ભુમિથી જાણીતા છે, જ્યારે આપણો ભારત દેશ એ તપો ભુમિથી જાણીતો છે.જ્યાં હિન્દુ ધર્મના શાસ્ત્રોએ સરળ અને ઉજ્વળ જીવન માટે નિતી-નિયમો બનાવીને દર્શાવ્યા છે.તેનુ પાલન પણ થઈ રહ્યુ છે, સદીઓથી પરંપરા નિભાવાય છે.ભગવાન જ ધર્મ વ્યવસ્થા કરી શકે,તેથી ધર્મના સિધ્ધાંતો એ ભગવાનની સીધી આજ્ઞાઓ છે. ભગવાનની આજ્ઞા અનુસાર આ સિધ્ધાંતોનુ સ્થાપન કરવાનો વેદનો ઉદ્દેશ અને શ્રી કૃષ્ણનો સીધો આદેશ છે,વૈદિક સિધ્ધાંતો ભગવાનના કાયદા છે, જે સમગ્ર માનવ જાત માટે સ્વિકાર્ય છે.

જીવનના ચાર સ્તંભ છે, ધર્મ-અર્થ-કામ-મોક્ષ. આ ચાર મુલ્યોને સમજીને જીવન જીવવાનુ હોય છે.મનુષ્ય જીવનના મુખ્ય ચાર ઉદ્દેશ બતાવ્યા તો તેની સાથે જીવનના ચાર તબક્કા બતાવ્યા છે.ચાર તબ્બકામાં કેવી રીતે જીવન જીવવાનુ છે તે બતાવ્યુ છે.

બ્રહ્મચર્ય-ગૃહસ્થ-વાનપ્રસ્થ-સંન્યાસ.

નિવૃતિ એ હજારો વર્ષ પહેલાં જાણીતો વાનપ્રસ્થ આશ્રમ, જીવનનો એક તબ્બકો હતો. વાનપ્રસ્થ એ અતિશય પ્રવૃતિમાંથી નિવૃતિ લેવાનો સમય . નિવૃતિનો એવો સમય, જ્યાં બધી જ કામનાઓ-ઈચ્છાઓનો ત્યાગ કરીને સ્વની ખોજ,આત્માને ઓળખીને મોક્ષ માટેની તૈયારી.જીવન ઈશ્વર ભજન અને સ્મરણમાં વ્યતિત કરવાનો સમય, બીજા જનમનુ ભાથુ તૈયાર કરવાનો સમય.આ પ્રથા સદીયો પુરાની હતી.બાળકો ઉંમર લાયક થાય એટલે તેને ઘરની જવાબદારી તેમને સોંપીને વન તરફ પ્રયાણ. અત્યારે દેશ કાળ અને યુગ બદલાય તેમ તેની વ્યાખ્યા બદલાઈ ગઈ, કોઈ વનમાં નથી જતું. પરંતુ ઘરની અંદર રહીને નિવૃતિનો સમય શાંતિથી પસાર કરી શકાય. નિવૃતિનો સમય કેવી રીતે પસાર કરવો તેનુ જો પ્લાનિંગ કરેલુ હોય તો સહેલુ પડે.ખરેખર તો આ સમય જીવનનો ગોલ્ડન પિરીયડ કહીએ તો ખોટું નથી.અહિયાં આપણે આપણી ઈચ્છાઓ પ્રમાણે જીવી શકીએ, કારણ મોટી જવાબદારીઓમાંથી મુક્ત થયા છીએ.

જે વ્યક્તિ રોજી-રોટી માટે નોકરી કરીને મહેનત કરતું હોય પછી કોઈ પણ ક્ષેત્ર હોય,તેને માટે રીટાયર થાય એટલે નિવૃતિનો સમય એ વાત બરાબર છે. પરંતું ગૃહિણી જે ઘર સંભાળે છે તેને નિવૃતિ ક્યારે ? તેને કોઈ નિવૃતિ હોતી નથી. મરતા સુધી કામ કરવું પડે છે.બાળકી નાની હોય ત્યારે ઢીંગલા ઢીંગલી સાથે ઘર ઘર રમતી હોય,ખરેખર તો ત્યારથી જ તેની પ્રવૃતિ ચાલુ થઈ જાય, તે જીવે ત્યાં સુધી નિભાવવી પડે છે.અઠવાડિયામાં સાત દિવસ કામ ! ઉઠે ત્યાંથી સુઈ જાય ત્યાં સુધી બસ કામ કામ અને કામ ! કોઈ હોલીડે નહી. વાર તહેવાર,ઘરમાં સારો ખોટો પ્રસંગ હોય ત્યારે કામ ડબલ થઈ જાય.તન-મન બંનેથી પ્રવૃત. ઘર-પરિવારની સૌથી વધારે ચિંતા ગૃહિણીને થતી હોય છે.ઓફિસમાં કામ કરવું તેના કરતાં પણ ઘર સંભાળવું તે બહુજ મોટું અને મુશ્કેલ કામ છે, જે એક ગૃહિણી કુશળતાથી નિભાવે છે.ગૃહિણીની કુશળતા જોવો તેને કોઈ પણ ક્ષેત્રમાં હોય ખુબજ સુંદર રીતે તેનુ કામ કરી જાણે છે.

આપણા દેશમાં મોટે ભાગે લોકો નિવૃતિ પછીથી જાત્રાએ જવાનુ વિચારે, આખી જીંદગી પૈસા કમાવવા પાછળ કોઈ ટાઈમ મળ્યો ના હોય, દિકરા-દિકરી પરણાવીને પરવારી ગયા હોય એટળે નિવૃતિ પછી જાત્રા કરવાનો મોકો મળે.અહિયાં પશ્વિમના દેશોમાં લોકોનુ વિચારવાનુ જુદુ છે, નિવૃત થયા પછી લોકો લાઈફ એન્જોય કરે છે. ક્રુઝમાં સફર કરે, કસીનોમાં રમવા જાય, આર વી લઈ ફરવા માટે નીકળી પડે તો કોઈ બીન્ગો રમવામાં સમય પસાર કરે. હરેક ક્ષણ ખુશી આનંદમાં વીતાવે છે, કારણ આપણી જેમ ભવિષ્યની જરાય ચિંતા ના હોય આપણે તો આપણા બાળકોના ભવિષ્યનો વિચાર કરીએ એટલે પૈસાનો ખર્ચ કરતા પહેલાં દશ વખત વિચાર કરીએ છીએ.મહેનતથી ભેગી કરેલી પુંજીને કાળજીથી સાચવી રાખીએ છીએ. મનોરંજન માટે જે પ્રવૃતિ કરીએ તે, જાત્રાએ જઈએ તે બધું તો પોતાના માટે જીવ્યા છીએ પરંતું જ્યારે બીજા માટે જીવીએ ત્યારે જીવન સાર્થક થાય.

માનવી જન્મથી મૃત્યુ પર્યંત દોડ દોડ કરતો રહે છે, જીવન પ્રવૃતમય રહે છે. સાચી નિવૃતિ ક્યારે મળે, જ્યારે તે મૃત્યુસૈયા પર સુવે છે ત્યારે જ નિવૃતિ કહેવાય.અને તે પણ શરીરથી નિવૃતિ, જીવાત્માને તો કોઈ નિવૃતિ નહી, તેને જન્મો જન્મની સફર કરવાની હોય છે. એટલે અત્યારે વર્તમાનમાં જે જીવન જીવી રહ્યો તેમાં જીવનના જુદા જુદા પડાવ પર તે કેવી રીતે જીવે છે તે મહત્વનુ છે, તેમાં પણ જ્યારે નોકરી-ધંધામાં મુક્ત થયા પછીનો સમય કેવી રીતે અને ક્યાં પસાર કરીને જીવન જીવવું એ ખાસ અગત્યનુ કહેવાય. અમારી તો ઉંમર થઈ હવે આ ઉંમરે અમારાથી કંઈ ના થાય એમ રડીને બેસી રહે તો એ કામ કરવાના બહાના જ છે.ઈશ્વરે માનવ જનમ દીધો છે, માનવી એક બીજાના કામમાં મદદરૂપ ના થાય તો જીવતર એળે જાય. જે તન અને ધનથી નબળા હોય તેમને માટે આપણે જાણીએ છીએ ઈન્ડિયામાં મોટા મોટા શહેરોમાં ઠેર ઠેર પાર્ક બનાવેલા છે, જ્યાં ચાલવાનુ મળે, એક બીજાને મળીને ગપસપ કરી શકાય અને લાફ્ટર ક્લબને લીધે મન પણ હળવું થાય છે.જ્યાં જોવો ત્યાં બધેજ સિનિયર સિટીજન ક્લબો ચાલે છે ત્યાં કેટલી સરસ પ્રવૃતિઓ ચાલે છે. ગામના ઓટલા ગસવા અને ગામ ગપાટા મારવા એના કરતાં સારુ છે આવી ક્લબોમાં કંઈ જાણવાનુ તો મળે છે.

જેમ કરોડો અજબોની સંખ્યામાં જન મેદની આ ધરતી પર ફેલાએલી છે તો આજના સમયમાં સમય પસાર કરવા માટે હજારો જગ્યાઓ અને એટલાજ કારણો પણ છે. વિજ્ઞાનયુગમાં સાધન સંપતીની ખોટ નથી, કોઈ પણ કાર્ય કરવા માટે મોકળો માર્ગ મળી રહે છે. પૈસાનુ બળ હોય અને શરીરનુ બળ હોય તો બીજાને મદદ કરી શકીએ. બસ આપણું મન અને તન સ્વસ્થ હોવા જોઈએ.આ ઘડપણનો સમય હોવાથી મનને શાંતિ મળે અને દિલને આનંદ થાય એવા કાર્યોમાં સક્રિય રહીએ તો કાર્ય કરવાનો સંતોષ મળે છે. આખી જીંદગી સમાજ પાસેથી જે મેળવ્યું હોય તે પરત કરવાનો સમય છે માટે નિવૃતિના સમયમાં જો માનવ સેવા, જન કલ્યાણ, શિક્ષણ ક્ષેત્રે અથવા તો વૃધ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં જઈને તેમની સાથે થોડો સમય આપીને તેઓની સાથે પ્રેમથી થોડી વાતો કરીને, ધર્મ ગ્રંથ વાંચી સંભળાવીને, જન્મદિન નિમિત્તે ભેટ સોગાદ અર્પણ કરીને, થોડી સેવા કરીએ તો કોઈના દિલને શાંતિ મળે, તો આપણું જીવવું પણ સાર્થક થાય. લોકો સદાવ્રત ખોલીને માનવ સેવા કરતા હોય છે.સેવા કરવાના અનેક રસ્તા છે. ‘ખાલી મન એ શેતાનનુ ઘર ‘ માટે કોઈ પણ ઉંમર હોય હમેશાં તન અને મન બંનેવથી પ્રવૃત રહીઓ તો શરીર પણ સ્વસ્થ રહે. એક ખુબજ સુંદર ગીત છે તેમાં કવી કરસન્દાસ લુહારે બહુજ સરસ વાત કરી છે.

જીવન અંજલી થાજો !
મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો !
મારું જીવન અંજલિ થાજો !

જીવનનો કોઈ પણ તબ્બકો હોય, તન-મન-ધનની હેસીયત હોય એ પ્રમાણે આપણે બસ ફળની આશા રાખ્યા વીના કર્મ કરતે જવાનુ છે. સારા ખોટા કર્મનુ ફળ ભગવાન આપે છે. આપણે સારા કર્મ કરવાનો જ પ્રયત્ન કરીએ છીએ. બધું જ છોડીને એક દિવસ જવાનુ છે, સાથે આવશે આપણા કર્મ, તો નિવૃતિ પછી પણ બસ સારા કર્મ કરીને શાંતિ અને નીજાનંદમાં જીવીએ.આખરે જીવનનુ સત્ય છે સત્ત-ચિત્ત-આનંદ.

 

 

Advertisements
This entry was posted in નિવૃત્ત થયા પછી. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.