નિવૃત્ત થયા પછી (૧૧) તરુલતા મહેતા

નિયત સમયના બન્ધનમા કામ કરવું તેને નોકરી કહીએ તો તેમાંથી મુક્તિ મળી  ત્યારે તો સૌ પ્રથમ  અમે પતિ-પત્નીએ સેલિબ્રેશન કરતાં વાઈનના ગ્લાસને ટકરાવી
‘ચીઅર્સ’  કર્યું .
દૂર આકાશે સાંજની લાલાશ અમારા રેડ વાઈનના ગ્લાસને વધુ લાલ કરતી હતી.
હીંચકો ઝુલાવતા પતિશ્રીએ કહ્યું :

‘જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ ,

                                             એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે. ‘

  જીવનના ઘણાં બધાં ક્ષેત્રોમાં અમે  અમારા સમયને ફાળવ્યો છે,એટલે એક કામમાંથી નિવૃત્તિ પછી બીજું શરૂ કરીએ ત્યારે વચ્ચેનો સમય અમારા માટે સેલિબ્રેશનનો.

ક્યાંક ટૂર પર ઊપડી જઈએ –કોઈ સગાવ્હાલાને ત્યાં જવાની વાત નહિ .બન્ને મોજીલા ધૂની અને સર્જનાત્મક મૂડવાળા.કેવડા મોટા કલાકાર તે તો અમારું મન જાણે પણ ઘરમાં પુસ્તકોના ઢગલા અને પેઇન્ટિગના રંગો ઠેર ઠેર.મને  લખવાનું ધેલું અને એમને ચિત્રો દોરવાનું.અમારે મન કામમાંથી નિવૃત્તિ એટલે નિરાંતે મનગમતું કરવાનું .

નિવૃત્તિ એટલે એવું વેકેશન કે શરીર અને મનને રૂટિનના થાકમાંથી છુટકારો આપી તરોતાજા કરવાનું. શોખની  ,મનપસંદ પ્રવૃત્તિ દ્રારા ઊર્જાને જગાવવાની.વય અને થાક ત્યારે જ જણાય જયારે એકધારાપણું હોય બાકી ગમતા કાર્યનો ક્યારેય થાક લાગતો નથી.
કબીર કહે છે તેવું મને પણ લાગે છે કે    બાળપણ ખેલમાં ,જવાની પ્રેમમાં અને બુઢાપા રોગમાં વીતી જાય તો પુથ્વી પરના સૌંદર્યને મનભરીને ક્યારે માણીશું?

સમયના અભાવે ધરબાઈ ગયેલા શોખને પૂરા કરવાનો સમય નિવૃત્તિનો ,સમાન રૂચિ અને શોખવાળા મિત્રોની મંડળી જામે તો રસના ઝ ર ણાં વહૈવા લાગે .અમારી મંડળીમાં એક યુગલે  નિવૃત્તિ પછી નવી દિશામાં ઉડાન શરૂ કર્યું.પતિને સિતાર શીખવાની તમન્ના. ખૂબ ખન્તથી તેમણે સિતાર શીખવાનું શરૂ કર્યું ,પાંચેક વર્ષ પછી તેમણે સિતારવાદનનો જાહેરમાં પ્રોગ્રામ આપી મિત્રોને આનન્દ સાથે વિસ્મય આપ્યું. પછી તેમણે ફ્રી પ્રોગ્રામ આપી આનન્દની લ્હાણી કરી સમાજસેવા કરી.શિખામણ કે બોધ આપવા ધર્મગુરુઓ છે,આનન્દમય ,કલાત્મક જીવન પોતે વૃક્ષો સહજ રીતે છાયા આપે તેમ સમાજને હકારત્મક બળો આપે છે.
અમારા સિતારવાદક મિત્રની અર્ધાગનીને ભાત ભાતની વાનગી બનાવવાનો શોખ ,તેમણે ગુજરાતી વાનગીની અંગ્રેજીમા ચિત્ર સાથે બુક તૈયાર કરી, જે નવી પેઢી માટે અતિ ઉપયોગી નીવડી.મારી દષ્ટિએ એમણે એક શોખથી  બે  હેતુ સર કર્યા (એક કાંકરે બે પંખી ) નિવૃત્તિનો સદુપયોગ અને નવી પેઢીને ગુજરાતી વાનગીની ભેટ.

તમારું નાનું મોટું કોઈ પણ સર્જનાત્મક કામ કે પ્રવુતિ સ્વને અને સમાજને આંનદની લ્હાણી કરે છે.આપણા ગ્રાડ કિડ્સને સર્જનાત્મક દિશાએ વાળવા માટે તમે પોતે જ એના રોલમોડેલ બનશો.આઇન્સ્ટન સાયન્ટિસ્ટ હતો પણ અત:સ્ફુરણામાં માનતો હતો.ક્રિએટિવિટી જીવનના બધાજ ક્ષેત્રોમાં નવી શોધો અને નવું સર્જન કરે છે.

રાષ્ટ્રપિતા ગાંધીજીને કોઈએ નિવૃત્તિ લેવાનું કહ્યું ,ગાંધીજીનો જવાબ હતો સતત  હદયમાંથી ઉગતું કાર્ય કરવું એ જ સાચી નિવૃત્તિ.સત્યના પ્રયોગ કરનાર મહાત્મા એટલે  જીવનના મહાન કલાકાર .
 તમને માટીનાં વાસણો બનાવવાનો કે એની પર ચિત્રકામ કરવાનો શોખ હોય તો બિન્દાસ કરો ,કલાનો  ઉપયોગ શું પૂછનાર જીવનના અને જગતના સૌંદર્યને પામી શકતો નથી . કોઈ ઉનાળાની બપોરે ટહુકતી કોયલને જઈ પૂછે કે ફૂલને જઈ પૂછે કેમ સુગન્ધ ફેલાવે છે?કલા પ્રત્યેની ભાવના કે પ્રેમ આપણને ‘સત્યમ,શિવમ સુંદરમના પંથે લઈ જાય છે.
હોસ્પિટલમાં કોઈ બાળકને વાર્તા કે બાળગીત સંભળાવો ,નર્સીંગહોમમાં કોઈ વડીલને ભજન કે ગીત સંભળાવો કે સિનયર સેન્ટરમાં યોગા શીખો કે શીખવાડો —-એવી અસંખ્ય નિદોષ પ્રવુતિ આપણા જીવનને મ્હેકથી ભરી દે છે,તમારી પ્રસન્ન ,મ્હેક્તી હાજરી આ દુનિયાના બગીચામાં બેનમૂન છે.
સહેજ જુદી રીતે ચા બનાવી ,બટાકાપૌઆ બનાવી કુટુંબીજનોને તમારી કળાનો પરિચય આપવો તેનું નામ જ નિવૃત્તિની મઝા.પછી રીટાયરમેન્ટને મળે મીઠો આવકારો.’દાદા યુ આર બેસ્ટ ‘,પપ્પા તમે નિવૃત થયા તો અમને મઝા પડી ‘ ને બેટરહાફ તો પતિનું નવું રૂપ જોઈ ફરી પ્રેમમાં પડી જાય !

નારી હોવાના દાવે હું જરૂર કહી શકું કે નિવૃત્તિ નારી માટે પુનઃજવાની છે.પત્નીના ,માતાના રોલ ઉપરાંત ઓફિસરના , પ્રોફેસરના કે બહારના કાર્યોમાં બીઝી રહેલી મારા જેવી સ્ત્રી માટે નિવૃત્તિ મનપસંદ પ્રવૃત્તિનો લ્હાવો છે.અરે,ગાવાનો શોખ છે,હાર્મોનિયમ લઈને સ-રે-ગ-મના સૂરથી ઘરને ગજવી દો ,કે મસ્ત ગાયનોની ટેપ મૂકી શાક સમારો ,ડાયરીના પાના ભરી દો.બી બોલ્ડ ,બી હેપી .

ઘણા વર્ષો પછી મને ફેસ બુક પરથી જૂની સખી મળી.તેના પતિના અવસાનથી ખૂબ એકલતામાં ડૂબી ગઈ હતી.એના જ શબ્દોમાં કહું તો ‘મારું જીવન ડુંગળી જેવું ‘ એટલેકે એક પછી એક અનેક પડોમાં બન્ધ , ના  કોઈને મળવાનું કે ના કોઈ ફન્કશનમાં જવાનું .છેવટે સ્માર્ટફોનથી ફેસ બુકના કનેકશનમાં આવી ,પોસ્ટીગ શરૂ કર્યું ,જાતે મૌલિક લખવાની હિંમત આવી.એને ગમતી ધાર્મિક ,સાહિત્યિક કમ્પની મળી અને શોકના સાગરને તરી પ્રફુલ્લિત જીવન તરફ વળી.નવું શીખવા માટે ક્યારે ય વિલંબ કરવો નહિ ,ગમે તે ઉંમરે ,ગમે તે સ્થળે ,ગમે તેની પાસેથી આધુનિક ટેક્નોલોજી શીખવાથી પ્રભુ રાજી થશે.કારણ કે તે આપણામાં વસેલો છે.

ગુજરાતીના જાણીતા કવિ નિરંજન ભગત નેવું વર્ષની ઉંમરે કહે છે:’આમ તો મનુષ્યના ભાગ્યમાં જીવનમાં ક્ષણેક આનન્દ મળે,ક્ષણેક યૌવન મળે ,ક્ષણેક પ્રેમ મળે પછી તો વૃદ્ધાવસ્થમાં પીડાવાનું ને ઝૂરવાનું પણ જે મનુષ્યને કલા,કવિતામાં રસ છે તેનું સદભાગ્ય કેટલું બધું છે:

‘સૌંદર્ય જ્યાં નિતનવીન જોવું ,
જ્યાં કાવ્યમાં પ્રેમ ન મુત્યુયુક્ત ,

ને  શિલ્પમાં યૌવન કાલમુક્ત ,

ધરા હો ધન્ય ,ન સ્વર્ગ જવું ,

સદ્દભાગ્ય શું ન હોય મનુષ્ય હોવું ?

નિવૃત્તિ પછી ધર્મધ્યાનની સાથે કુદરતમાં ‘હું તો બસ ફરવા આવ્યો છું ‘કહી શરીરની કસરત કરવી અને મનને બહેલાવવા લાફીંગ ક્લ્બ જોડાવું કે પછી બેઠકમાં જઈ સાહિત્ય ,સંગીતને માણવું ને ગુજરાતી ભાષામાં વાત કરવી કે બટુકોને કકો શીખવાડી માતુભાષનું ઋણ અદા કરવું.વૃત્તિ એટલે હકારત્મક ઈચ્છા ,અભિલાષા જે જીવનના અંત સુધી પ્રાણીમાત્રની જિજીવિષાનું આધારભૂત બળ છે.આપણે નિસ્વાર્થ ,નિર્દોષ,પ્રવુતિના માર્ગે વણથાક્યા પ્રયાણ કરીએ તેવી પ્રાર્થના અને શુભેચ્છા સાથે અલ્પવિરામ કરું.

તરુલતા મહેતા 6મે 2017

Advertisements
This entry was posted in નિવૃત્ત થયા પછી. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.