નિવૃત્ત થયા પછી (૬) કેદારસિંહ જાડેજા

 

કેદારસિંહ જાડેજા

સેવા નિવૃત હો ગયા, ક્યું ? ફીઝુલ વક્ત ગંવાય

કર પરમાર્થ, જન સેવા, નેકી જીવન હો સુહાય..

 માનવ જીવન ઈશ્વરની એક અમૂલ્ય દેન છે. આ માનવ જીવનના ત્રણ પડાવ છે, જે ઈશ્વરે બનાવ્યા છે,  બાળા વય, યુવાની અને પછી બુઢાપો. જ્ઞાની જનોએ આ ત્રણે અવસ્થામાં કેમ વર્તવું, શું કરવું શું ન કરવું તે બધું ખૂબ વિચાર કરીને નક્કી કર્યું છે. પણ મારે આજે ત્રીજી અવસ્થા નિર્વૃતિ બાદ પ્રવૃત્તિ વિષે વાત કરવી છે. કારણકે આ અવસ્થા પછીજ માણસે અનેક જાતના ફેરફાર પોતાના જીવનમાં કરવાના હોય છે.

ઈશ્વરના ક્રમને સ્વીકારવાનો હોય છે, એ હસીને સ્વીકારો કે વ્યથિત થઈને તે તમારી ઉપર છે  જો સમજી વિચારીને આ માનવ જીવનના ત્રીજા પડાવને પસાર કરવામાં આવે તો જીવન સફળ અને અન્યો માટે નમૂના રૂપ ઉદાહરણ રૂપ બની જાય છે. આ ત્રીજા પડાવમાં ગમે તેવી નોકરી, ધંધો, કે અન્ય  સ્થળે  કામગીરી બજાવીને કુટુંબ માટે અર્થોપાર્જન કર્યું હોય તે જગ્યાએ થી, તેમાંથી ફરજિયાત કે સ્વેચ્છાએ  નિવૃત્તિ લેવી પડે છે, અથવા તો શરીર પ્રવૃત્તિનો ત્યાગ લેવડાવે છે. હવે શું?

વરસો સુધી બનેલી ઘરેડ બાદ નવરાશ કેવી રીતે પસાર કરવી તે પ્રશ્ન બધા જ લોકોને ઊઠતો હોય છે. સતત મૂંઝવતો હોય છે. જેઓને માનવ સંપર્ક ની આદત ન હોય કે કોઈ શોખ ન હોય તેઓની હાલત દયનીય બની જાય છે, પરંતુ  સમજદાર માણસે આ પરિસ્થિતિની તૈયારી અગાઉથી ત્રીજો તબક્કો આવે તે પહેલાંજ વિચારી રાખવી જોઈએં, આ એક એવો સમય છે કે આપણે આખી જિંદગી કરેલા કાર્યોનો નિચોડ અહીં મળે છે. શાસ્ત્રો પ્રમાણે આ સમય શરીર સાચવીને મળેલા એકાંત અને એકલતામાં જન કલ્યાણના કામો -પ્રભુ ભક્તિમાં વિતાવવો જોઇએં, પણ બધા લોકો આવું કરી શકતા નથી. મન અને સ્વભાવ એક સરખા નથી હોતા, સંસ્કારો સાથે ઘડાયેલું મન ક્યારેક તેને નિંદા, ટીકા, નાહક ઝગડા કે જગત ની ખોટી પંચાતમાં  વેડફી નાખે છે, પણ તે ખોટું છે, બધું ભૂલી ને માનવી એ આવા સમયે ફાજલ સમય વિતાવવા માટે  મનગમતો માર્ગ શોધી લેવામાં ડહાપણ છે, કોઈ એવી રોજિંદી પ્રવૃત્તિ અપનાવવી જોઇએ જેથી આપનું જીવન દિવ્ય બની રહે અને સાથો સાથ બીજાને પણ માર્ગદર્શન મળે.

આવું કાર્ય કરવા માટે દરેક જગ્યાએ ધન દોલતની જરૂર નથી પડતી, સંકલ્પ અને મજબૂત મનોબળ કાફી છે, માત્ર દ્રઢ સેવાભાવે કે જીવન ભરના અનુભવોને વાગોળીને એમાંથી કોઈ કાર્ય શોધી શકાય છે. અનેક સંસ્થાઓ સેવાભાવી કામ કરનારાઓ માટે આતુર હોય છે. અનુભવ અને સમજથી બીજાને ઉપયોગી બનવા, હૂંફ અને વહાલ આપવા  તમને આમંત્રણ આપતી ઊભી હોય છે, તમારે તમારા સ્વભાવ મુજબ કામ શોધવાનું છે, ઘરના કામોમાં હાથ અને સાથ આપીને ગૃહ કામોમાં નાના બાળકો સાથે ગમ્મત ભરી વાતો સાથે તેને સંસ્કારી બનવા શીખવવાનું છે, અને જો તમારા સંતાન બહારગામ કે પરદેશ હોય તો પત્ની સાથે વીતાવેલી સુખદ યાદો ને યાદ કરવાનો આ સમય છે,

દુઃખ બધાને હોય છે તેના બળાપા કાઢવાથી કંઈ નહિ વળે, દરેકના જીવન નિવૃત્તિ પસાર કરવાના રસ્તાઓ જુદા જુદા હોય છે. વિકાસ પામેલા સ્થળોમાં નવરાશ માટે ઘણી બધી વ્યવસ્થાઓ હોય છે, પણ નાનકડા ગામ માં કામ કાજ અને અવકાશ ઓછા રહેવાના, તેથી ત્યાં મંદિરે દેવ દર્શન, ચોરો, પાદર, ખેતર, શાળા, ગૌશાળા કે પોતાના રસ મુજબ ભજન,કીર્તન અને ગામના સમાચારો નું સ્વભાવગત અર્થ વગરનું વિશ્લેષણ, -જેને સારી ભાષામાં ચોવટ કહેવાય- તે કરવા સીવાય બીજો રસ્તો નથી હોતો.

નવી પેઢી અને જૂની પેઢી વચ્ચેનો સંઘર્ષ સનાતન કાળથી ચાલી આવતો સંગ્રામ કહેવાય, તેથી માનવે વધુ ચિંતા કરવા કરતાં તેને અપનાવી સમાધાન કારક પગલાં લેવા જોઈએ અને ઘરમાં સન્માન મળે ન મળે છતાં પોતાનું કામ મૌનધારી બની કરવાનો માર્ગ તમારી નિવૃત્તિનો ઉદેશ બીજાઓ ને પણ શાંતિ આપશે. જેઓ પાસે વારસાગત ધન્ધા છે, તેઓ ની વાત અલગ છે, પણ સર્વિસ પછી નવરાશ, રિટાયરમૅન્ટ કેવી રીતે ગુજારવી તે એક મહા પ્રશ્ન ગણાય છે. બધું જ હોવા છતાં માનવી કદી સંતોષી હોતા નથી તેથી તેને નવા નવા અભરખાઓ આવા ફાજલ સમય માં જાગે અને તેથી દુઃખો ને સામે ચાલી ને તે બોલાવે છે, આ સમયમાં માનવે પોતાની શક્તિઓ રચનાત્મક કામોમાં પોરવવાની જરૂર છે, તેનાથી મન ખુશ રહેશે અને શરીર કામઢું રહેતા તબિયત સાચવશે, આ તબક્કો બહુજ સાચવીને પસાર કરવાનો હોય છે, આજે વિજ્ઞાનની શોધોએ જગતને નાનું બનવી દીધું છે, અને તેથી સમય પસાર કરવાના સાધનો વધ્યા છે તેનો ભરપૂર ઉપયોગ જેઓ કરવાનું શીખે તે કદી નવરો ન પડે.

સેવા નિવૃત્તિ એ તો નોકરિયાત વર્ગ માટે વપરાતો શબ્દ હોય, જેમાં દરેક કંપનીના નિયમ મુજબ અમુક ઉમર વટાવ્યા પછી ફરજિયાત નિવૃત થવું પડતું હોય છે, બાકી બધા વ્યવસાય વાળા નિવૃત્તિ નથી લેતા, જ્યાં સુધી શરીર સાથ આપે ત્યાં સુધી કાર્ય કરતા જ રહે છે, હમણાંનો જ દાખલો આપું તો સ્વ. શ્રી તારક મહેતા હાસ્યના અવ્વલ નંબરના બેતાજ બાદશાહ, જેમને આપણને અનેક પ્રકારના લેખો લખીને હાસ્ય સાથે અનેક રીતે મનોરંજન અને સમજણ આપી, મોરબી શહેરમાં એક આંખના ડૉક્ટર છે શ્રી કાતરિયા, આમતો તેઓ ક્યારના નિવૃત થઈ ચૂક્યા છે, છતાં આજે પણ તેઓ સરકારી દવાખાનામાં માનદ સેવા આપીને અનેક લોકોની આંખોને રોશની આપે છે, અને એવો વિશ્વાસ લોકોમાં જગાડી ચૂક્યા છે કે આંખોનો ગમે તેવો રોગ હોય કાતરિયા સાહેબ નો હાથ અડતાં જ ઠીક થઈ જાય છે, આ એક ભરોસો છે. અન્ના હજારે, આ ઉમરે પણ સેવા કાર્યમાં સતત જોડાયેલા છે, આવાતો અનેક દાખલા છે. હા, વિશ્વના મહાન જાદુગર કે. લાલને કોઈ ભૂલી શકે? આપણા મહાત્મા ગાંધી જી ક્યાં નિવૃત થયા હતા, જગતમાં મોટી શોધો પણ મોટી ઉંમરના માણસોએ કરેલી છે એ વાત જગ જાહેર છે, નવરાશના સમયને વાપરવો એ પણ એક ખૂબી ગણાય, ઈશ્વર દરેક માનવીને યથા યોગ્ય કાર્ય કરવાની અને બીજાને ઉપયોગી બની શકે તેવા કર્મો કરવાની શક્તિ આપે એજ અપેક્ષા.

કેદારસિંહજી મે. જાડેજા

ગાંધીધામ  -કચ્છ

kedarsinhjim@gmail.com

Courtsey : Jitemdra Padh
Advertisements
This entry was posted in નિવૃત્ત થયા પછી. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.