નિવૃત્ત થયા પછી (૭) રાજુલ શાહ

નિવૃત્તિનો સમય પાસે આવી રહ્યો હતો. જે માન મરતબો આજ સુધી જોયા અનુભવ્યા હતા એ ભૂતકાળ બનીને યાદોની પોટલીમાં બંધાઇને મનના એક ખૂણે જ રહી જવાના હતા. આજ સુધી ઓફિસમાં મહત્વનું પદ હતું એ અત્યંત કુશળતાપૂર્વ સંભાળ્યુ હતું. સાચે જ પુરેપુરા મનથી આ કાર્યવાહી સંભાળી હતી. કેટલો સમય આપ્યો હતો આ કારકિર્દી પાછળ ? સમયનો સરવાળો મુકો તો ઘર કરતાં ઓફિસના નામનું  પલ્લુ નમતું હતું.

અખબારી આલમમાં ગુંજતું નામ હતું. દૈનિક પૂર્તિમાં પત્રકાર તરીકેની નામના તો હતી જ. તેની સાથે એક આખી પૂર્તિનું સંપાદન કુશળતાથી સંભાળ્યુ હતું.   નિયમિત રીતે વંચાતી અને બહોળો પ્રચાર ધરાવતી રવિવારની પૂર્તિમાં  સમીક્ષક તરીકેની કટાર સફળતા અને સંનિષ્ઠાથી સંભાળી હતી. કોઇના દબાણ કે પ્રભાવમાં આવ્યા વગર, કોઇના ય શેહ શરમમાં આવ્યા વગર લખાતી સમીક્ષાનું કલા રસિકોમાં અદકેરું મૂલ્ય હતું.

ગુજરાતની યુવા પેઢીને આગળ આવવા- યુવા પેઢી પોતાની કલાને લોકભોગ્ય બનાવી શકે એવું પ્લેટફોર્મ આપ્યું હતું. ઓફિસમાં સૌથી વધુ માન જળવાતું હતું. અને હવે સમય હતો ઓફિસની જવાબદારીમાંથી મુકત થઈને પ્રસન્ન્તાપૂર્વક પ્રસ્થાનનો…

જે ક્ષણની રાહ જોવાતી હતી એ ક્ષણ પણ આવીને ઉભી રહી. આજે ઓફિસમાં તો આખો દિવસ સૌની વચ્ચે ભારે દબદબાથી પસાર થઈ ગયો. હમ-ઉમ્ર કાર્યકરની ઉષ્મા,નાનેરાનું સન્માન, સુગંધિત બુકેથી મન પ્રસન્ન થઈ ગયું. આ સમય ક્યારેક તો આવવાનો જ હતો એની ય ખબર તો હતી જ ને?

હવે? ૨૫ વર્ષની વયથી શરૂ કરેલી આ યાત્રા ૬૫ સુધી તો એક એવા દબદબાભર્યા મુકામે પહોંચી હતી જ્યાં અઢળક સન્માન હતું. આમ પણ પોતે એવું જ માનતા હતા ને કે જ્યાં સુધી તાલીઓના ગડગડાટ હોય ત્યાં સુધી જ સ્ટેજ . આ તાલીઓના ગડગડાટ વચ્ચે જ એક્ઝિટ લઈ લીધી હોય તો પ્રેક્ષકોના મન પરની આભા એમ જ અકબંધ જળવાયેલી રહે. આજે એવી આભા અને એવા જ પ્રભાવની સાથે ઓફિસના પગથિયા ઉતર્યા ત્યાં ડ્રાઇવર કાર લઈને ઉભો હતો. કારમાં ગોઠવાતા પહેલા મન ભરીને એકવાર ઓફિસ જોઇ લીધી અને નિવૃત્તિ તરફ પ્રયાણ કર્યું. કાર ઘરની પોર્ચમાં દાખલ થઈ. પગથિયા ચઢતા જ આશ્ચર્ય અને ખુશીથી હ્રદય ભરાઇ ગયું. પગથિયા ચઢતા લાલ જાજમ પાથરેલી હતી અને લાલ જાજમની એક બાજુ ગુલાબના ફુલોથી વેલ-કમ હોમ લખેલું હતું.

પરિવારની સાથે અંગત મિત્રોએ જે આવકાર આપ્યો એનાથી ઓફિસથી ઘર સુધી પહોંચવાના રસ્તે મનમાં ઉઠેલા વિચારો વિખરાઇ ગયા. સરસ મઝાના ડીનર પછી સૌ દિવાનખાનામાં આરામથી બેઠા… આ દિવાનખાનું નામ પણ પોતે જ આપ્યું હતું .

સૌ વિખરાયા અને ફરી એકવાર પેલા વિચારોએ મન પર કબજો જમાવવા માંડ્યો. આજ સુધી જે શાનથી જીવનની સફર તય કરી હતી એનાથી જરા અલગ સફર હવે શરૂ થતી હતી અને એ સફરની તૈયારી મનોમન કરીને નિંરાતવા જીવે નિંદરના ખોળે માથું મુકી દીધું.

આજ સુધી ઓફિસ જવાના સમય સાચવવા હતા. સમયના કેટલા પાબંદ હતા એ તો ઘરમાં અને ઓફિસમાં સૌને ખબર હતી. ઘડીયાળના ટકોરે કામ ચાલતું. એક ક્ષણ મોડુ પણ પરવડતું નહોતું. ક્યાંય પણ જવાનું હોય ત્યાં પાંચ મિનિટ અગાઉ પહોંચી જવાની ચોકસાઇ જાળવી રાખી હતી એવી જ ચોકસાઇનો આગ્રહ મળવા આવનાર માટે પણ રહેતો. કદાચ કાલથી આ સમયના ઢાંચામાં જ દિવસ પસાર કરવો પડશે એવું ય નહોતું પરંતુ સમયને જાળવીએ સમય આપણને જાળવી લે છે એ હકિકત તો કેમે ય વિસારી શકાય એવી નહોતી એટલે બીજા દિવસે ઉઠીને પણ રોજીંદા કામો પણ એવી જ રીતે આટોપ્યા. કારણકે એમ કરવાથી પુરતો સમય મળી રહેતો અને એ સમયમાં ફુરસદની પળોનું નિશ્ચિત આયોજન થઈ શકતું.

દુનિયા અને ટેકનોલૉજી ઘણી બદલાઇ ચુકી હતી. એની સાથે તાલમેલ મેળવવાનો હતો. આજ સુધી અનેકને એમના જ્ઞાનનો લાભ આપ્યો હતો અને હજુ પણ જ્ઞાનની ગંગા વહેતી જ રહેવાની હતી પરંતુ હવે અદ્યતન ટેકનોલૉજીને અપનાવીને શ્રીગણેશ કરવાના હતા. આજ સુધી ગુરુ બનીને રહ્યા હતા આજથી શિષ્ય બની રહયા. સંતાનો પાસે કમ્પ્યૂટરની કક્કો-બારાખડી શીખવાની શરૂ કરી. ઇ-મેલથી માંડીને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન પણ એટલા જ રસથી શીખી લીધું. ગુજરાતી ટાઇપ કરવાની આવડત પણ કેળવી લીધી અને લો હવે શરૂ થઈ નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ.

ફુરસદની પળોમાં પરિવાર સાથે બેઠા હોય ત્યારે એવી કેટલીય રસપ્રદ વાતો હતી જે વાગોળતા ત્યારે સંતાનો પણ કહેતા કે આજ જીવનભર જે અનુભવો થયા એના સંસ્મરણો લખો. પણ ત્યારે કામ આડે ક્યાં સમય હતો ? અદ્યતન ટેકનોલૉજીથી હવે એ શક્ય બન્યું. ફેસબુક પર આવા કેટલાય સ્મરણો મુકવા માંડ્યા. અમદાવાદથી માંડીને અમેરિકા સુધી આ રસપ્રદ વાતોના વાચક વધતા ગયા. ઘણીવાર ફેસબુક પણ આશીર્વાદ બની રહે છે. વર્ષો સુધી મળ્યા ના હોય એવા મિત્રોથી માંડીને એમણે આપેલા પ્લેટફોર્મની પગથી પરથી સફળતા સુધી પહોંચ્યા હોય એવા અનેકનો ભેટો થતો ગયો.

મઝાની દુનિયા વિકસતી ગઈ. પી.એચ.ડી. કરવા માંગતા વિદ્યાર્થીઓ ઘેર માર્ગદર્શન લેવા આવતા ત્યારે આજ સુધીનો અનુભવ લેખે લાગ્યો એવી પ્રતિતિથી નિવૃત્તિનો આનંદ બેવડાતો ગયો. ઓફિસમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી પરંતુ અહીંથી શરૂ કરેલી સાંસ્કૃતિક સ્પર્ધાની પ્રવૃત્તિ તો ચાલુ જ હતી એટલે એમાં જ્યારે જ્યારે માર્ગદર્શનની જરૂર હોય ત્યારે એમની સલાહ લેવા આવનારને પુરેપુરો સહકાર આપતા. સ્પર્ધાની શરૂઆતથી એના અંતિમ ચરણ સુધી એમની હાજરી પણ રહેતી.

અને હા! આ બધી મનગમતી પ્રવૃત્તિઓ કરવાની સાથે પરિવારની સાથે પણ પુરતો સમય મળી રહેતો. પરિવારથી દૂર તો ક્યારેય હતા જ નહીં પણ હવે જાણે એ નજદીકી વધુ સ્નેહમય બની. પત્નિ-પુત્ર-પુત્રીઓ અને હવે એમનો પણ બહોળો થતો પરિવાર…..મઝાના દિવસો હતા તો આનંદથી થતી પ્રવૃત્તિના લીધે તાજગી પણ એટલી જ જળવાઇ રહેતી.

 

દુનિયા જાણે મુઠ્ઠીમાં સમાઇ ગઈ હતી અને આ મુઠ્ઠીમાં સમાયેલી દુનિયા મીઠી ય એટલી જ હતી. કોણ કહે છે નિવૃત્તિ એટલે નવરાશ…

અરે એ તો એક નવો મંત્ર લઈને ઉગેલી નવી આશ…

“જીવન ચલને કા નામ,

ચલતે રહો સુબહ-ઓ-શામ..”

 

 

Rajul Kaushik http://www.rajul54.wordpress.com

Advertisements
This entry was posted in નિવૃત્ત થયા પછી. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.